PDF/HTML Page 941 of 4199
single page version
અહીં સ્પષ્ટ કહે છે કે પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશકય હોવાથી પુદ્ગલભાવોનો કર્તા તો જીવ કદી નથી એ નિશ્ચય છે. જીવ અજ્ઞાનભાવે પોતાના રાગભાવોને કરે પણ એનાથી પરભાવનું કરાવું અશકય છે. દેશની સેવા કરી શકે, દીનદુઃખિયાને આહાર, પાણી, ઓસડ દઇ શકે-એવી પરની ક્રિયા આત્મા કરી શકે એ વાત ત્રણ કાળમાં શકય નથી. શરીરની ક્રિયા આત્મા કરી શકતો નથી પછી કરવું કે નહિ એ પ્રશ્ન જ કયાં છે? આ પુસ્તકનું પાનું આમ ફરે તે ક્રિયા આંગળીથી થઇ શકે છે એમ નથી. એ પરમાણુ પોતે પોતાની ક્રિયાવતી શક્તિને લઇને આમ ગતિ કરે છે.
કળશટીકામાં પ્રશ્ન કર્યો છે કે-આત્મામાં અનંત શક્તિઓ છે તો એમાં કોઇ એવી શક્તિ છે કે પરનું કામ કરે? ત્યાં સમાધાન કર્યું છે કે-ભગવાન! આત્મા પરનું કાંઇ કરે એવી એનામાં શક્તિ નથી. હા, આત્મામાં એવી શક્તિ છે કે અજ્ઞાનભાવે પર્યાયમાં રાગને કરે પણ જીવ પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ નથી એ નિશ્ચય છે. જ્ઞાનાવરણીય કર્મ બંધાય, દર્શનાવરણીયકર્મ બંધાય ઇત્યાદિ કર્મની પર્યાયનો કર્તા જીવ ત્રણ કાળમાં નથી.
પ્રશ્નઃ– કર્મરૂપી વેરીને હણે તે અરિહંત-આવો અરિહંતનો અર્થ શાસ્ત્રમાં કર્યો છે ને?
ઉત્તરઃ– હા, શાસ્ત્રમાં એવા કથન આવે છે કે આત્મા કર્મ બાંધે, આત્મા કર્મ હણે-છોડે; પણ એ તો બધાં વ્યવહારનાં કથન છે. અહીં તો કહે છે કે આત્મા જડ કર્મને હણી શકતો નથી. આત્મા રાગદ્વેષ કરે ત્યાં જે કર્મ બંધાય તે એના કારણે અને વીતરાગતા પ્રગટ કરે ત્યાં જે કર્મ છૂટે તે પણ એના પોતાના કારણે. દરેક વખતેે કર્મની અવસ્થા જે થવા યોગ્ય હોય તે પોતાથી સ્વતંત્રપણે થાય છે. અહીં વીતરાગભાવ પ્રગટ કર્યો માટે કર્મની અકર્મરૂપ અવસ્થા થઇ એમ નથી. આવું જ વસ્તુ સ્વરૂપ છે.
‘જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે તો પણ પરસ્પર કર્તાકર્મભાવ નથી.’ અહીં મિથ્યાત્વ અને રાગદ્વેષને જીવના પરિણામ કહ્યા છે. અજ્ઞાનીની વાત છે ને? ભેદજ્ઞાન નથી એવો અજ્ઞાની જીવ સ્વતંત્રપણે પોતે જ રાગદ્વેષને કરે છે. અજ્ઞાની જીવના શુભાશુભ વિકારી પરિણામ અને પુદ્ગલના પરિણામ કહેતાં કર્મનો ઉદય-એ બન્નેને પરસ્પર માત્ર નિમિત્તનૈમિત્તિકપણું છે. જીવના વિકારી પરિણામ નૈમિત્તિક પોતાના ઉપાદાનથી થયા ત્યારે જડ કર્મનો ઉદય નિમિત્તમાત્ર છે. આવું બન્નેને નિમિત્તનૈમિત્તિકપણું હોવા છતાં પરસ્પર કર્તાકર્મપણું નથી. જીવના વિકારી પરિણામમાં કર્મનું નિમિત્ત અને કર્મ પરિણમે છે એમાં અજ્ઞાનીના રાગદ્વેષનું નું નિમિત્ત-આમ પરસ્પર નિમિત્તનૈમિત્તિકપણું હોવા છતાં કર્તાકર્મપણું નથી. કર્મ જીવના રાગને કરે અને રાગ છે તે કર્મબંધની પર્યાયને કરે એમ કદીય નથી.
PDF/HTML Page 942 of 4199
single page version
પ્રશ્નઃ– કર્મનો કાંઇક પ્રભાવ તો પડે છે કે નહિ?
ઉત્તરઃ– ના; પ્રભાવનો અર્થ શું? પ્રભાવ દ્રવ્ય છે, ગુણ છે કે પર્યાય છે? પ્રભાવ એટલે જડની પર્યાય; એનાથી જીવને વિકાર થાય એની અહીં ના પાડે છે. કર્મનો ઉદય જડના પરિણામ છે. એ જીવના વિકારી પરિણામને કરે એનો અહીં નિષેધ કરે છે. કહે છે કે જીવના પરિણામ અને પુદ્ગલના પરિણામને પરસ્પર કર્તાકર્મભાવ નથી. અજ્ઞાનદશામાં જીવ પોતાના વિકારી ભાવોનો કર્તા છે, પણ પરભાવોનો કર્તા કદી પણ નથી.
પ્રશ્નઃ– આપના પ્રભાવથી હજારો માણસો સમજે છે ને?
ઉત્તરઃ– જેની જેની તત્ત્વની વાત સાંભળવાની અને સમજવાની યોગ્યતા હોય છે તે પોતાના કારણે આવે છે, સાંભળે છે અને સ્વતંત્ર પોતાની તેવી યોગ્યતાથી સમજે છે. ભાઇ! આ નિમિત્ત-ઉપાદાનની સ્વતંત્રતાની વાત લોકોને સમજવી કઠણ પડે છે; પણ અહીં તો સ્પષ્ટ કહ્યું છે કે-જીવના વિકારી પરિણામ અને કર્મબંધનની પર્યાયને પરસ્પર નિમિત્તનૈમિત્તિક સંબંધ હોવા છતાં કર્તાકર્મભાવ નથી.
હવે કહે છે-‘પરના નિમિત્તથી જે પોતાના ભાવ થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્ કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો કર્તા તો કદી પણ નથી.’ જ્યાંસુધી રાગથી ભગવાન આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થયું નથી ત્યાં સુધી અજ્ઞાનદશામાં નિમિત્તના લક્ષે મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામ જીવે સ્વતંત્રપણે પોતે કર્યા છે-માટે તેનો કર્તા કહી શકાય. ત્યાં દર્શનમોહનો ઉદય આવ્યો માટે મિથ્યાત્વ થયું છે એમ નથી. નિમિત્ત છે ખરું, પણ એનાથી જીવને વિકારી પરિણામ થયા છે એમ નથી. તથા વિકારી પરિણામ થયા માટે કર્મબંધ થયો છે એમ નથી. કર્મબંધની પર્યાય પોતાથી જે થવા યોગ્ય હતી તે સ્વતંત્રપણે થઇ છે તેમાં રાગદ્વેષના પરિણામ નિમિત્તમાત્ર છે, કર્તા નહિ. રાગદ્વેષ કર્મબંધનના કર્તા છે અને કર્મબંધન એનું કાર્ય છે એમ નથી.
આત્મા કર્મને લઇને વિકાર કરે છે એમ જો કોઇ કહેતું હોય તો તે વાત તદ્ન ખોટી છે. કર્મ છે એ પરદ્રવ્યના પરિણામ છે અને વિકાર છે એ સ્વદ્રવ્યના ભૂલના પરિણામ છે. ચાહે તો મિથ્યાત્વ કરે કે રાગદ્વેષ કરે, એ દોષરૂપ પરિણામ પોતાથી સ્વતંત્ર કર્તા થઇને જીવ કરે છે. સ્વતંત્ર એટલે નિમિત્તની એને અપેક્ષા નથી, નિમિત્ત હો ભલે. પંચાસ્તિકાય ગાથા ૬૨માં આવ્યું છે ને કે વિકારની પર્યાય પોતે કર્તા, વિકારી પર્યાય તે કર્મ, વિકારી પર્યાય તે સાધન, વિકારી પર્યાય તે સંપ્રદાન, તે જ અપાદાન અને તે જ અધિકરણ-એમ વિકારી પરિણમનના ષટ્કારક પર્યાયનાં પોતાના સ્વતંત્ર છે. દ્રવ્ય-ગુણ પણ વિકારના કર્તા નથી અને પરદ્રવ્ય પણ વિકારનું કારક નથી. આવી દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાની વાતનો નિર્ણય યથાર્થપણે કરવો પડશે હોં. એમાં સંદિગ્ધપણું નહિ ચાલે.
PDF/HTML Page 943 of 4199
single page version
આમ વાત છે ત્યારે કોઇ એમ કહે છે કે કર્મના કારણ વિના વિકાર થાય તો વિકાર જીવનો સ્વભાવ થઇ જાય. ભાઇ! પર્યાયમાં જે વિકાર થાય છે તે વર્તમાન પર્યાયનો સ્વભાવ જ છે. પર્યાયના ષટ્કારક પર્યાયથી છે, દ્રવ્ય-ગુણથી નહિ. દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે અને આ પર્યાય જે વિકારી થઇ છે તે પોતાથી થઇ છે.દ્રવ્ય-ગુણ શુદ્ધ છે તો પર્યાયમાં વિકાર થયો કયાંથી? તો કહે છે કે વર્તમાન પર્યાયની યોગ્યતાથી સ્વતંત્રપણે વિકાર થયો છે, કર્મને કારણે વિકાર થયો છે એમ નથી. અજ્ઞાનદશામાં જીવ મિથ્યાત્વ અને રાગદ્વેષનો કર્તા છે પણ પરભાવનો કર્તા તો કદી પણ નથી. કર્મને બાંધે કર્મની પર્યાય અને છોડે પણ કર્મની પર્યાય; જીવ તેનો કર્તા નથી. જીવ દેહની અવસ્થાને કરે એમ પણ કદી બનતું નથી. શરીરને આમ ચલાવું એવા રાગને તે અજ્ઞાનવશ કરે છે તેથી તે રાગનો કર્તા છે, પણ દેહની અવસ્થાનો ત્રણ કાળમાં તે કર્તા નથી. ભાઇ! બહુ ધીરજ અને શાન્તિથી આ સમજવું. અનાદિથી તું જન્મ-મરણના સાગરમાં ગોથાં ખાતો દુઃખમાં ડૂબી રહ્યો છે. અરે ભાઇ! સુખનો સાગર એવો ભગવાન આત્મા છે, તેના ભાન વિના તું દુઃખી જ દુઃખી છે. પ્રશ્નઃ– મિથ્યાત્વ અને પુણ્ય પાપના ભાવને અજ્ઞાનપણે જીવ પરની અપેક્ષા વિના સ્વતંત્રપણે કરે છે એવી સ્વતંત્રતાનો નિર્ણય કરાવીને એને(આત્માને) કયાં લઇ જવો છે? ઉત્તરઃ– આવી સ્વતંત્રતા સિદ્ધ કરીને એને ત્રિકાળી આનંદનો નાથ જ્ઞાયકસ્વરૂપ ભગવાન પોતે છે ત્યાં એને લઇ જવો છે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે ને? પંચાસ્તિકાયમાં કહ્યું છે કે ચારે અનુયોગનાં શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા છે. અહીં પણ જે વાત ચાલે છે એનું પણ તાત્પર્ય વીતરાગતા છે. જીવમાં વિકાર સ્વતંત્ર થાય છે એવો નિર્ણય કરાવીને એને વિકારમાં રોકી રાખવો નથી, પણ વિકારરહિત શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા છે ત્યાં એને લઇ જવો છે. સ્વ-આશ્રયમાં એને લઇ જવો છે, કેમકે સ્વ-આશ્રયથી વીતરાગતા છે અને જ્યાં સુધી પરનો આશ્રય છે ત્યાં સુધી એને રાગ જ છે. અનંતકાળથી જીવ પોતાની સ્વચ્છંદતાથી સંસારમાં રખડે છે. વ્યવહારથી-રાગથી લાભ(ધર્મ) થાય એવી ઊંધી માન્યતાથી તે સંસારમાં રખડે છે. પણ બાપુ! રાગથી વીતરાગતા ન થાય. વ્યવહારનું લક્ષ છોડીને સ્વનું નિજ ચૈતન્યસ્વભાવમય ત્રિકાળી શુદ્ધ આત્માનું લક્ષ કરે ત્યારે વીતરાગી પર્યાય પ્રગટ થાય. વિકાર પોતે સ્વતંત્રપણે કરે છે પણ વિકારથી આત્મા હાથ આવે એવી ચીજ નથી. એ તો શુદ્ધ ચૈતન્યની નિર્વિકારી અનુભૂતિથી પ્રાપ્ત થાય છે અને તે અનુભૂતિ સ્વના આશ્રય વડે પ્રગટે છે. ખરેખર તો ત્રિકાળી જ્ઞાયકભાવ જે છે તે આત્મા છે.નિયમસાર ગાથા ૯૧માં આવે છે કે-‘મિથ્યારત્નત્રયને છોડીને, ત્રિકાળ નિરાવરણ, નિત્ય આનંદ જેનું એક લક્ષણ છે એવો, નિરંજન નિજ પરમપારિણામિકભાવસ્વરૂપ કારણપરમાત્મા તે આત્મા છે; તેના સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણનું રૂપ તે ખરેખર નિશ્ચયરત્નત્રય છે.’ આવા ત્રિકાળી
PDF/HTML Page 944 of 4199
single page version
શુદ્ધ કારણપરમાત્માની દ્રષ્ટિ કરી તેમાં જ સ્થિરતા કરવી તે સમ્યગ્દર્શન આદિ વીતરાગતારૂપ ધર્મ છે. બાકી બધાં થોથેથોથાં છે. આવી વીતરાગ નિર્મળ અનુભૂતિ કરાવવાનું અહીં પ્રયોજન છે. અહો! દિગંબર આચાર્યોએ કેવાં ગજબ કામ કર્યો છે! કઇ પણ પાનું (શાસ્ત્રનું) ફેરવો કે કોઇ પણ ગાથા લો, બધે એક આત્મા જ ઘૂંટયો છે, અમૃત જ ઘૂંટયું છે. કહે છે-પ્રભુ તું કોઇ છો? અહાહા...! એક સમયની પર્યાય વિનાની ચીજ ભગવાન! તું નિર્મળ આત્મા છો. એને પોતાની નિર્મળ અનુભૂતિથી જાણવો તે ધર્મ છે અને આ સિવાય તેને પામવાનો બીજો કોઇ ઉપાય નથી. વ્યવહારરત્નત્રયના રાગથી તે જાણવામાં આવતો નથી; રાગરહિત નિર્વિકલ્પ અનુભૂતિથી આત્મા આવો છે એવી એની પ્રતીતિ થાય છે. આ મુદની વાત છે. (આવા આત્માને પ્રાપ્ત કરવો હોય તો પ્રથમ પર્યાયની સ્વતંત્રતા નક્કી કરવી પડશે).
કોઇને હરખનો સન્નિપાત થયો હોય તો ખડખડ હસે, દાંત કાઢે. પણ શું તે સુખી છે? ના; તે દુઃખી જ છે. એમ વિકાર કરીને અમે સુખી છીએ એમ કોઇ માને તો તે પાગલ દુઃખી જ છે. ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે તું અમારી સામે જોઇશ તો તને રાગ જ થશે, કેમકે અમે(તારા માટે) પરદ્રવ્ય છીએ. માટે તું તારા સ્વદ્રવ્યમાં જો, તેથી તને વીતરાગતા અને ધર્મ થશે. અરિહંત પરમાત્મા કહે છે કે અમે જ્યારે મુનિદશામાં હતા ત્યારે અમને આહારદાન આપનારને તે દાનના ભાવ વડે પુણ્યબંધ થયો હતો, ધર્મ નહીં. (પરના આશ્રયે થતા કોઇ ભાવથી ધર્મ ન થાય).
કોઈ સાધુને આહારદાન આપવાથી સંસાર પરિત થાય એમ માને તો તે તદ્ન ખોટી વાત છે. શુભભાવથી સંસાર પરિત થાય એમ કદીય બને નહિ. હાથીના ભવમાં સસલાની દયા પાળી તેથી સંસાર પરિત થયો-આવાં બધા કથન સત્ય નથી.
અહીં તો કહે છે કે વિકારી પરિણામનો જીવ સ્વતંત્રપણેકર્તા છે, તેમાં પરની- કર્મોદયની અપેક્ષા નથી. આમ વિકારનું સ્વતંત્રપણું સિદ્ધ કર્યું છે. વિકાર પર્યાયમાં સમયે સમયે પોતાના ષટ્કારકથી નવો નવો થાય છે. અને નિર્મળાનંદનો નાથ ચૈતન્યસ્વભાવી વસ્તુ ત્રિકાળ એવી ને એવી ધ્રુવ પડી છે તેનો આશ્રય લેતાં સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થાય છે. ભગવાન આત્મા સ્વના આશ્રયે જે મોક્ષમાર્ગની પર્યાય પ્રગટ કરે તેનો પણ એ સ્વતંત્ર કર્તા છે. જડકર્મનો અભાવ થયો માટે મોક્ષમાર્ગ થયો છે એમ નથી. આવી વસ્તુસ્થિત છે તે યથાર્થ સમજવી જોઇએ.
PDF/HTML Page 945 of 4199
single page version
ततः स्थितमेतज्जीवस्य स्वपरिणामैरेव सह कर्तृकर्मभावो भोक्तृभोग्यभावश्च–
वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं।। ८३।।
તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ (ભોક્તાભોગ્યપણું) છે એમ હવે કહે છેઃ-
ગાથાર્થઃ– [निश्चयनयस्य] નિશ્ચયનયનો [एवम्] એમ મત છે કે [आत्मा] આત્મા [आत्मानम् एव हि] પોતાને જ [करोति] કરે છે [तु पुनः] અને વળી [आत्मा] આત્મા [तं च एव आत्मानम्] પોતાને જ [वेदयते] ભોગવે છે એમ હે શિષ્ય! તું [जानीहि] જાણ.
ટીકાઃ– જેમ ૧ઉત્તરંગ અને ૨નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્વ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી; અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના (ભાવ્યભાવકપણાના) અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, ઉત્તરંગ અથવા નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદ્ગલકર્મના વિપાકનો ૧સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને ________________________________________________________________________
૧. ઉત્તરંગ = જેમાં તરંગો ઊઠે છે એવું; તરંગવાળું. ૨. નિસ્તરંગ = જેમાં તરંગો વિલય પામ્યા છે એવું; તરંગ વિનાનું. ૩. સંભવ = થવું તે; ઉત્પતિ.
PDF/HTML Page 946 of 4199
single page version
અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્વ્યાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો; અને વળી તેવી રીતે આ જ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો. ભાવાર્થઃ– આત્માને પરદ્રવ્ય-પુદ્ગલકર્મ-ના નિમિત્તથી સસંસાર-નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે; પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી. * * *
તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને ભોક્તાભોગ્યભાવ છે. બંધમાર્ગ અને મોક્ષમાર્ગ બન્નેનો કર્તા આત્મા સ્વતંત્ર છે એમ હવે સિદ્ધ કરે છેઃ- * ગાથા ૮૩ઃ ટીકા ઉપરનું પ્રવચન * જુઓ, अप्पाणमेव हि करेदि–એમ (ગાથામાં) પાઠમાં છે ને? મતલબ કે વિકારી અને નિર્વિકારી પર્યાયને આત્મા કરે છે. સવારે એમ આવ્યું હતું કે આત્મા મોક્ષમાર્ગની પર્યાયને પણ કરતો નથી. એ તો ત્યાં વસ્તુનો-આત્માનો અકર્તાસ્વભાવ સિદ્ધ કર્યો છે. અહીં તો કર્તાપણાની વાત કરે છે. આત્મા પરનો કર્તા નથી અને પર કર્તા થઇને આત્મામાં કાંઇ કરતું નથી એ વાત અહીં સિદ્ધ કરવી છે. તેથી કહે છે કે મોક્ષમાર્ગની પર્યાય અને રાગની વિકારી પર્યાયનો કર્તા જીવ છે, કર્મ નહિ. ભાઇ! આ તારી સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે. માટે કર્મથી થાય અને રાગથી થાય એવી વિપરીતતા છોડી દે. વિપરીત પરિણામનું ફળ આકરું આવશે. બાપા! ‘જેમ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે.’ દરિયામાં તરંગ ઉઠે તેને ઉત્તરંગ કહે છે અને તરંગ વિલય પામે તેેને નિસ્તરંગ (તરંગ રહિત) કહે છે. દરિયામાં તરંગ ઉઠે ત્યારે પવનનું વાવું નિમિત્ત છે અને જ્યારે તરંગ વિલય પામે ત્યારે પવનનું નહિ વાવું નિમિત્ત છે. પવનનું વાવું નિમિત્ત છે એટલે એ (પવનનું વાવું) તરંગને ઉઠાવે છે એમ નથી. તથા પવનનું નહિ વાવું તરંગને શમાવી દે છે એમ નથી. પવન અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ છે. એટલે પવન
PDF/HTML Page 947 of 4199
single page version
વ્યાપક અને સમુદ્રનું તરંગ એનું વ્યાપ્ય-એમ નથી. માટે ત્યાં કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. સમુદ્રમાં તરંગ ઉઠયું તે વેળા પવનનું નિમિત્ત છે પણ પવનથી તરંગ ઉઠયું છે એમ નથી. અને તરંગ શમી ગયું ત્યારે પવનનો અભાવ નિમિત્ત છેે, પણ પવનના અભાવને કારણે તરંગ શમી ગયું છે એમ નથી. દરિયામાં મોજાં ઉઠે એમાં પવનનું નિમિત્તપણું હો. વળી મોજાં શમાય એમાં પવનના અભાવનું નિમિત્ત હો. (નિમિત્ત નથી એમ કોણ કહે છે?). એમ હોવા છતાં પવનને લઇને મોજું ઉત્પન્ન થયું અને પવન નથી માટે મોજું શમાય ગયું એમ નથી. સંયોગદ્રષ્ટિ વડે જોનારને એમ ભાસે કે આ પવન આયો(વાયો) માટે મોજાં ઉછળ્યાં અને પવન વાતો બંધ થયો માટે મોજાં શમી ગયાં. પરંતુ ભાઇ! વસ્તુ સ્વરૂપ એમ નથી. પોતાના કારણે મોજું થયું છે અને પોતાના કારણે શમી ગયું છે. કહે છે ને કે પવન અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકપણાનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. પવન મોજાને ઉત્પન્ન કરે અને પવનનો અભાવ મોજાને શમાવી દે એમ ત્રણકાળમાં નથી. લોકોને એવું લાગે છે કે નિમિત્તથી પરમાં કાંઇ ન થાય તો એને નિમિત્ત કેમ કહીએ? અરે ભાઇ! નિમિત્ત પરદ્રવ્યને અડતુંય નથી. પરદ્રવ્યની પર્યાયને નિમિત્તની પર્યાય અડતી નથી. માટે નિમિત્તને લઇને પરદ્રવ્યમાં કાંઇક થાય એવું છે જ નહિ. ‘સમુદ્ર જ પોતે અંતર્વ્યાપક થઇને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ- મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી.’
શું કહ્યું? સમુદ્ર જ પોતે અંતર્વ્યાપક થઇને ઉત્તરંગ અથવા નિસ્તરંગ અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે. તરંગ ઉઠવાની આદિમાં સમુદ્ર છે, મધ્યમાં સમુદ્ર છે અને એના અંતમાં સમુદ્ર છે. એની આદિમાં પવન છે એમ નથી. તરંગમાં પવન પ્રસરેલો છે એમ નથી. અહાહા...! તરંગની ઉત્પતિ સમુદ્ર કરે છે અને તેનો વિલય પણ સમુદ્ર પોતે કરે છે. તરંગના વિલયની આદિમાં સમુદ્ર છે, પવનનો અભાવ નથી. વળી સમુદ્રની ઉત્તરંગ વા નિસ્તરંગ પર્યાયની ઉત્પત્તિમાં સમુદ્ર પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે, નિમિત્તને કરતો પ્રતિભાસતો નથી. શીતળ હવાને કરતો હોય-એમ અન્યને કરતો પ્રતિભાસતો નથી. ‘અને વળી જેમ તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, ઉત્તરંગ અથવા નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી.’
પર ભાવ્ય નામ થવા યોગ્ય અને ભાવક નામ થનાર પોતે-એમ ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય છે માટે સમુદ્ર પવનને અનુભવતો
PDF/HTML Page 948 of 4199
single page version
નથી. સમુદ્ર પોતાની ઉત્તરંગ વા નિસ્તરંગ અવસ્થાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે, પણ પવનની અવસ્થાને અનુભવતો પ્રતિભાસતો નથી. આ પ્રમાણે સમુદ્ર પોતાના ભાવને કરે છે અને પોતાના ભાવને ભોગવે છે; પરંતુ પવનની પર્યાયને કરતો નથી અને ભોગવતો નથી.
ભાઈ! વીતરાગ માર્ગ બહુ સૂક્ષ્મ છે. પરમાત્માએ અનંત તત્ત્વ કહ્યાં છે. તે અનંત અનંતપણે કયારે સિદ્ધ થાય? કે પોતે પોતાની પર્યાયથી છે અને પરથી નથી એમ નિશ્ચત થાય તો. જો પોતાની પર્યાય પરથી હોય તો અનંત અનંતપણે સિદ્ધ કઇ રીતે થાય. બધો ખીચડો થઇ જશે. અહીં દ્રષ્ટાંતમાં પણ એ જ નિશ્ચિત કર્યું કે સમુદ્ર અન્યને કરતો કે અનુભવતો પ્રતિભાસતો નથી.
હવે આત્મામાં સિદ્ધાંત લાગુ કરે છે. કહે છે-‘તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદ્ગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ છે.’
સંસારદશા એટલે મિથ્યાત્વ, રાગ-દ્વેષ, કષાય, યોગ આદિ સહિત જીવની દશા તથા નિઃસંસાર અવસ્થા એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે ઉત્પન્ન થતી જીવની સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની અવસ્થા. તેમાં અનુક્રમે પુદ્ગલકર્મના વિપાકનો સંભવ અને અસંભવ નિમિત્ત હોય છે.
આત્માના મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ એ એની સંસારદશા છે; કર્મનો વિપાક એમાં નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કર્મનો વિપાક આત્માની વિકારી સંસાર દશાને કરે છે એમ અર્થ નથી. સંસાર યુક્ત જીવ નિગોદમાં હો કે સ્વર્ગમાં, એને જે મિથ્યાત્વ અને રાગ- દ્વેષ સહિત અવસ્થા છે તેમાં કર્મનો વિપાક નિમિત્ત હોવા છતાં જડકર્મ કર્તા અને વિકારી પરિણામ એનું કાર્ય એમ છે નહિ, કેમકે પુદ્ગલકર્મ અને જીવને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે. જીવ સ્વયં પોતાના અશુદ્ધ ઉપાદાનની યોગ્યતાથી પોતાની સંસારદશાને ઉત્પન્ન કરે છે. કર્મનો ઉદય આવે તો વિકાર કરવો પડે અને કર્મ ખસે તો સમ્યગ્દર્શન આદિ ધર્મ થાય એમ કેટલાક માને છે પણ તેમની આ માન્યતા જૂઠી છે, વિપરીત છે એમ અહીં કહે છે.
પ્રશ્નઃ– ઘનઘાતી કર્મનો અભાવ થાય તેથી કેવળજ્ઞાન થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– એ તો નિમિત્તની મુખ્યતાથી કહેલું વ્યવહારનયનું કથન છે. ઘનઘાતી કર્મનો નાશ થયો માટે અર્હંતને કેવળજ્ઞાન થયું છે એમ નથી. કેવળજ્ઞાનની પર્યાયને અર્હંતના જીવે સ્વતંત્રપણે કર્તા થઇને કરી છે. કેવળજ્ઞાન થવામાં ઘનઘાતી કર્મના
PDF/HTML Page 949 of 4199
single page version
અભાવની અપેક્ષા નથી. કેવળજ્ઞાનની અવસ્થામાં ઘનઘાતી કર્મના અભાવનું નિમિત્ત હોવા છતાં ઘાતીકર્મનો અભાવ થયો માટે કેવળજ્ઞાન થયું છે એમ નથી.
ગોમ્મટસારમાં (ગાથા ૧૯૭માં) આવે છે કે પોતાના ભાવ કલંકની પ્રચુરતાના કારણે નિગોદના જીવો નિગોદને છોડી નીકળતા નથી. કર્મનું જોર છે માટે બહાર આવતા નથી એમ ત્યાં નથી કહ્યું. સંસારયુક્ત અવસ્થા ચાહે ભવિ જીવની હો કે અભવિની, તે અવસ્થાનો જીવ પોતે કર્તા છે અને તે અવસ્થા જીવનું પોતાનું કર્મ છે એટલે કાર્ય છે. સંસાર અવસ્થામાં કર્મના વિપાકનું નિમિત્ત છે, પરંતુ કર્મનું નિમિત્ત જીવના મિથ્યાત્વાદિ પરિણામનું કર્તા અને મિથ્યાત્વાદિ પરિણામ એનું કાર્ય-એમ નથી. મિથ્યાત્વના ભાવ છે તે સંસારભાવ છે અને દર્શનમોહનો ઉદય તેમાં નિમિત્ત છે. પરંતુ દર્શનમોહનો ઉદય મિથ્યાત્વભાવનો કર્તા અને મિથ્યાત્વભાવ એનું વ્યાપ્ય કર્મ-એમ કદીય નથી. કેટલું સ્પષ્ટ કર્યું છે! નિમિત્ત હો ભલે, પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ ત્રણકાળમાં નથી. અહાહા..! ઘડો માટીથી થયો છે; કુંભારથી થયો છે એમ અમે દેખતા નથી એમ આચાર્ય ભગવાન કહે છે.
પ્રશ્નઃ– આ આપના ઉપદેશથી અમને સમજાય છે ને?
ઉત્તરઃ– એમ છે નહિ. પોતે પોતાની યોગ્યતાથી સમજે તો સમજાય છે, પરથી નહિ. જો પરથી સમજાય તો પૂર્વ ભગવાનના સમોસરણમાં અનંતવાર ગયો, છતાં પોતે કેમ ના સમજ્યો? કાળલબ્ધિ પાકી નહિ માટે-એમ જો કોઇ કહે તો એનો અર્થ જ એ થયો કે પોતે ઊંધો પુરુષાર્થ કર્યો માટે સમજ્યો નહિ; ઊંધો પરુષાર્થ એ એની કાળલબ્ધિ છે અને જીવ તેનો સ્વતંત્ર કર્તા છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષામાં આવે છે કે પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક સમયે જે પર્યાય થાય છે-વિકારી કે અવિકારી-તે તેની કાળલબ્ધિ છે, અને તે જ પર્યાય ત્યાં થાય છે. પર્યાયની ઉત્પત્તિના કાળે તે પર્યાય પોતાથી થાય છે, પરના કારણે નહિ.
પ્રશ્નઃ– કાર્ય થવામાં બે કારણ હોય છે એમ કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, કહ્યું છે. પરંતુ તેમાં વાસ્તવિક કારણ એક(ઉપાદાન) જ છે. બીજું (નિમિત્ત) તો ઉપચરિત્ત કારણ છે. જેમ અંદર મોક્ષમાર્ગ એક જ છે તેમ. પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકામાં અત્યંત સ્પષ્ટ કર્યું છે કે-મોક્ષમાર્ગ બે નથી, તેનું નિરૂપણ બે પ્રકારથી છે. પોતાના સ્વભાવના આશ્રયે જે મોક્ષમાર્ગ જે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તે નિશ્ચય, અને તેની સાથે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, પંચમહાવ્રતનો વિકલ્પ, શાસ્ત્ર ભણવાનો વિકલ્પ ઇત્યાદિ નિમિત્તપણે સહચર હોય છે તેને સાથે થતો દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહે છે, પણ તે મોક્ષમાર્ગ છે નહિ. તેમ કથનમાં આવે કે કાર્યનાં કારણ બે છે, પરંતુ ખરેખર કારણ એક(ઉપાદાન) જ છે.
PDF/HTML Page 950 of 4199
single page version
આમ છે છતાં કોઇને આવી તત્ત્વની વાત ન બેસે તો તેના પ્રતિ વિરોધ ન હોય. કોઇ પણ વ્યક્તિ હો! અંદર ભગવાન બિરાજે છે, ભાઇ! એક સમયની પર્યાયમાં તેની ભૂલ છે. એ ભૂલને કાઢી નાખે તો પોતે ભગવાન છે. એ ભૂલ કેમ નીકળે એની અહીં વાત ચાલે છે. અહીં કહે છે કે નિમિત્તથી કાર્ય થાય, વ્યવહારથી(નિશ્ચય) થાય એમ છે જ નહિ.
લોકોને આવી વાત કદી સાંભળી ન હોય એટલે આકરી લાગે છે. પણ માર્ગ તો આ જ છે બાપુ! પ્રભુ! તું તારી પર્યાયનો સ્વતંત્ર કર્તા છે. વિકારી કે અવિકારી પર્યાયને સ્વતંત્રપણે કરનારો તું પોતે કર્તા છે; એમાં પરની-નિમિત્તની રંચમાત્ર પણ અપેક્ષા નથી. મિથ્યાત્વાદિની વિકારી પર્યાય સ્વયં પોતાના ષટ્કારકરૂપે પરિણમીને ઉત્પન્ન થાય છે, નિમિત્તથી નહિ અને પોતાના દ્રવ્યગુણથી પણ નહિ. કેમકે દ્રવ્ય-ગુણ ત્રિકાળ શુદ્ધ છે અને મિથ્યાત્વાદિ ભાવ તો અશુદ્ધ છે. દ્રવ્યમાં જેમ ષટ્કારકો છે તેમ પર્યાયમાં પણ પોતાના ષટ્કારક સ્વતંત્ર છે.
અત્યારે તો ઘણી ગડબડ થઇ ગઇ છે. કેટલાક કહે છે કે-આ તો અભિન્ન કારકની વાત છે. પણ અભિન્નનો અર્થ શું? એ જ કે વિકાર થાય છે તે પરની અપેક્ષા વિના સ્વતંત્ર પોતાથી થાય છે. પરકારકથી નિરપેક્ષપણે વિકાર પોતાથી સ્વતંત્ર થાય છે એમ પંચાસ્તિકાયની ગાથા ૬૨માં પાઠ છે. એ વાત અહીં સિદ્ધ કરે છે. ભાઇ! દિગંબર સંતોની વાણી પૂર્વાપર વિરોધ રહિત હોય છે. પૂર્વાપર વિરોધ હોય તે વીતરાગની વાણી જ નથી. ભાઇ! જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઇએ. કહ્યું છે ને કે- ‘અપનેકો આપ ભૂલકે હેરાન હો ગયા,’ માટે કર્મને લઇને વિકાર થાય છે એમ છે જ નહિ. પૂજામાં આવે છે કે-
અગ્નિ લોહમાં પ્રવેશ કરે તો તેના ઉપર ઘણના ઘા પડે છે, ભિન્ન રહે તો ઘણના ઘા પડતા નથી. એમ ભગવાન આત્મા નિમિત્તનો સંગ કરીને વિકાર કરે તો દુઃખના ઘા ખાવા પડે છે.
જુઓ, પોતેે નિમિત્તનો સંગ કરીને સ્વતંત્રપણે પોતાની પર્યાયમાં મિથ્યાત્વ અને રાગદ્વેષના ભાવ કરે છે. વિષય વાસનાની જે પર્યાય થાય છે તેમાં વેદનો ઉદય નિમિત્ત ભલે હો, પણ વાસના જે ઉત્પન્ન થઇ તે પોતાનથી થઇ છે. દ્રવ્ય વેદનો ઉદય કર્તા અને વાસના એનું કાર્ય એમ નથી. પર કર્તા અને પર ભોક્તા નથી પણ આત્મા સ્વયં પોતાની પર્યાયને કરે છે એ વાત અહીં સિદ્ધ કરવી છે.
દ્રવ્ય અને પર્યાયની પરસ્પર વાત હોય ત્યાં તો મિથ્યાત્વ અને સમ્યક્ત્વ-એ
PDF/HTML Page 951 of 4199
single page version
બન્ને પર્યાયોનું કર્તા આત્મદ્રવ્ય નથી એમ વાત આવે. પણ અહીં તો પર્યાયનો કર્તા દ્રવ્ય પોતે છે. પર નથી એમ સિદ્ધ કરવું છે.
પ્રશ્નઃ– તો બે માંથી કઇ વાત અમારે માનવી?
ઉત્તરઃ– બન્ને વાત અપેક્ષાથી સત્ય છે. ભગવાન! એક વાર સાંભળ. વિકારનો કર્તા પરદ્રવ્યને માની સ્વચ્છંદી થાય તેને તે માન્યતા છોડાવવા વિકાર પોતે કરે છે એમ કહ્યું. હવે જ્યારે વિકાર અને દ્રવ્ય સ્વભાવ વચ્ચે ભેદજ્ઞાન કરાવવાની વાત હોય ત્યારે વિકારનું કર્તા દ્રવ્ય નથી, પણ પર્યાય પોતે પોતાથી વિકાર સ્વતંત્રપણે કરે છે એમ વાત આવે. બન્નેનું તાત્પર્ય એક વીતરાગતા જ છે.
કેવળી ભગવાન નિશ્ચયથી ત્રણકાળ ત્રણલોકને દેખતા નથી, પણ પર્યાયને દેખતાં તેમાં ત્રણકાળ ત્રણલોક દેખવામાં આવી જાય છે. જેમ રાત્રે નદીનું સ્વચ્છ જળ હોય તેમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્રનું પ્રતિબિંબ પડે છે. એક ચંદ્ર, અઠ્ઠાવીસ નક્ષત્ર,અઠ્ઠાસી ગ્રહ, ૬૬૯૭પ ક્રોડાક્રોડી તારા-એ બધું નદીના સ્વચ્છ જળને દેખતાં થઇ જાય છે. અંદર જે દેખાય છે તે ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર આદિ નથી, દેખાય છે એ તો જળની અવસ્થા છે. તેમ નિત્યાનંદ જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માને, પોતાની જ્ઞાન-અવસ્થા કે જેમાં લોકાલોક ઝળકયા છે તેને દેખે છે ત્યાં લોકાલોક સહજ દેખાય જાય છે. જેને તે દેખે છે એ તો જ્ઞાનની અવસ્થા છે, લોકાલોક નથી; પણ જ્ઞાનની અવસ્થામાં લોકાલોક ઝળકયા છે તેથી ભગવાન લોકાલોકને દેખે છે એમ અસદ્ભૂત વ્યવહારનયથી કહેવામાં આવે છે. કેમકે લોકાલોક પરજ્ઞેય છે. પોતાની પર્યાયને દેખતાં એમાં લોકાલોક સંબંધીનું જ્ઞાન આવી જાય છે. પરંતુ લોકાલોક છે તો કેવળજ્ઞાન થયું છે એમ નથી.
શાસ્ત્રમાં આવે છે કે લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત છે અને કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે. એનો અર્થ એ છે કે લોકાલોક સંબંધી જ્ઞાન થયું તે પોતાથી થયું છે, લોકાલોકથી થયું નથી. લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે અને કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે. એમ અરસપરસ નિમિત્ત છે પણ કર્તાકર્મપણું નથી.
પ્રભુ! તારી સ્વતંત્રતા દેખ! ભૂલમાં પણ સ્વતંત્ર અને મોક્ષમાર્ગમાં પણ તું સ્વતંત્ર છે. ભાઇ! આવું મનુષ્યપણું મળ્યું અને એમાં યથાર્થ તત્ત્વનું જ્ઞાન ન કર્યું તો કયાં જઇશ બાપુ?
પ્રશ્નઃ– કર્મ બળવાન છે ને?
ઉત્તરઃ– ના, બીલકુલ નહિ. ભાવકર્મને બળવાન કહ્યું છે. ઇષ્ટોપદેશમાં આવે છે કે ભાવકર્મ એેટલે વિકારનું જોર છે ત્યારે નિર્વિકાર દશાનું જોર નથી. (પરંતુ કર્મ છે માટે નિર્વિકારી દશા પ્રગટ નથી એમ નથી).
PDF/HTML Page 952 of 4199
single page version
પ્રશ્નઃ– બન્ને સામસામે બળિયા છે એમ કહો તો?
ઉત્તરઃ– ના, એમ નથી. કોઈ વખતે કર્મનું જોર અને કોઈ વખતે આત્માનું જોર એમ નથી. હા, કોઈવાર વિકારનું જોર અને કોઈવાર અવિકારનું જોર એમ હોય છે, પરંતુ આત્માની અવસ્થામાં કર્મનું જોર બીલકુલ નથી. અરે ભાઈ! તત્ત્વજ્ઞાનની યથાર્થ સમજણ વિના ધર્મ કેમ થાય?
હવે કહે છે- ‘જીવ જ પોતે અંતર્વ્યાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો.’ અહો! દિગંબર સંતોએ થોડામાં ઘણું ભરી દીધું છે. મિથ્યાત્વાદિ સંસારઅવસ્થામાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને તેની આદિ-મધ્ય-અંતમાં વ્યાપે છે, પ્રસરે છે. મિથ્યાત્વાદિ વિકાર થયો એની આદિમાં નિમિત્ત કર્મ પ્રસર્યું છે, વ્યાપ્યું છે એમ નથી. તે જ પ્રમાણે નિઃસંસાર અવસ્થા એટલે સમ્યક્ત્વાદિ મોક્ષમાર્ગની અવસ્થા જે સ્વાશ્રયે પ્રગટી તેની આદિ- મધ્ય-અંતમાં પણ આત્મા છે. સમ્યક્ત્વાદિ પ્રગટ થવાની આદિમાં કર્મનો અભાવ છે એમ નથી. કર્મનો અભાવ જે નિમિત્ત છે તે કર્તા અને સમ્યક્ત્વાદિ પ્રગટ થયાં તે એનું કર્મ એમ નથી. વળી સમ્યક્ત્વાદિ પર્યાય તે કર્તા અને કર્મનો અભાવ એનું કર્મ એમ પણ નથી. અરે પ્રભુ! તારી સ્વતંત્રતા તો જો! વિકાર થવાની આદિ-મધ્ય-અંતમાં તારી ચીજ છે અને મોક્ષમાર્ગ થવાની આદિ-મધ્ય-અંતમાં પણ તારી ચીજ છે. પર ચીજનો-કર્મનો અભાવ થયો તો સમ્યક્ત્વાદિ પ્રગટ થયાં છે એમ છે નહિ.
પ્રશ્નઃ– કર્મનો ઉદયમાં જીવ ભ્રષ્ટ થાય છે એમ પ્રવચનસારમાં આવે છે નહિ ને?
ઉત્તરઃ– હા, પણ એ તો કથનપદ્ધતિ છે. જીવ પોતાની યોગ્યતાથી સ્વતંત્રપણે ભ્રષ્ટ થાય છે ત્યારે કર્મનો ઉદય નિમિત્ત છે બસ. કર્મનો ઉદય આવ્યો માટે ભ્રષ્ટ થયો એમ છે જ નહિ.
ત્યાં પ્રવચનસારમાં ૪૭ નયનું વર્ણન છે ત્યાં એમ કહ્યુું છે કે કર્તાનયે રાગનો કર્તા જીવ છે. રાગ-કર્તવ્ય એટલે કરવા લાયક છે એમ માનીને કર્તા થાય એ તો મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિને રાગ કરવા લાયક કર્તવ્ય છે એવી કર્તાબદ્ધિનો અભાવ હોવા છતાં અસ્થિરતામાં રાગનું પરિણમન થાય છે. તેને જે રાગનું પરિણમન છે તેનો પોતે કર્તા છે એમ કહ્યું છે. સમ્યગ્દર્શન થયા પછી કર્મનો ઉદયનો ભાવ (વિકાર) આત્માનો (સ્વભાવનો) છે એમ સમકિતી માનતા નથી, પરંતુ પર્યાયમાં અસ્થિરતાનું જે રાગરૂપ પરિણમન છે તેને તેમ (તે પ્રકારે) જાણે છે અને પરિણમન છે એ અપેક્ષાએ તેને રાગનો કર્તા કહ્યો છે. તે રાગ કર્મના કારણે થયો છે એમ નથી. અધ્યાત્મ પંચસંગ્રહમાં લીધું છે કે છઠ્ઠા ગુણસ્થાનમાં ચારિત્રમોહકર્મનું જોર છે.
PDF/HTML Page 953 of 4199
single page version
માટે તીવ્ર કષાય થાય છે અને સાતમામાં સંજ્વલનો મંદ ઉદય છે માટે મંદ રાગ થાય છે. પણ એ તો કથનશૈલી છે. છઠ્ઠ-સાતમાં ગુણસ્થાનમાં જે વ્યક્ત-અવ્યક્ત વિકારી પરિણમન છે તે પોતાથી છે. નિમિત્તના લક્ષે વિકાર થાય છે માટે નિમિત્તથી થાય છે એમ કોઈ જગ્યાએ કહેવામાં આવે છે, પણ એ થાય છે પોતાથી, નિમિત્તથી કર્મથી નહિ.
૭૬મી ગાથામાં એમ કહ્યું કે- રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું, આત્માના આનંદનો અનુભવ કર્યો એ ભેદજ્ઞાનીને આત્મા વ્યાપક અને નિર્મળ અવસ્થા એનું વ્યાપ્ય છે. અને એને જે વિકાર થાય છે તેનું વ્યાપક કર્મ (દ્રવ્યકર્મ) છે. જુઓો, આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે જીવને વિકાર થાય. માટે સ્વભાવનો જેને અનુભવ થયો તેનું વ્યાપ્ય તો નિર્મળ અવસ્થા છે. મોક્ષમાર્ગની નિર્મળ અવસ્થા એનું વ્યાપ્ય કર્મ છે. વિકારથી ભિન્ન પડી વિકારનો જ્ઞાતા થવાને લીધે, નિમિત્ત કર્મ વ્યાપ્ક અને વિકારી દશા એનું વ્યાપ્ય એમ કહીને બેને (જીવ અને વિકારને) ભિન્ન કરી દીધા છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે યથાર્થ સમજવી જોઈએ.
પ્રશ્નઃ– આત્માનું પરનું કરે એવી કોઈ શક્તિ એનામાં છે કે નહિ?
ઉત્તરઃ– ના, પરનું કાર્ય કરે એવી આત્મામાં કોઈ શક્તિ નથી. કળશટીકા, કળશ પ૪માં શ્રી રાજમલજી કહે છે કે - “અહીં કોઈ મતાંતર નિરૂપશે કે દ્રવ્યની અનંત શક્તિઓ છે, તો એક શક્તિ એવી પણ હશે કે એક દ્રવ્ય બે દ્રવ્યોના પરિણામને કરે; જેવી રીતે જીવદ્રવ્ય પોતાના અશુદ્ધચેતનારૂપ રાગદ્વેષ મોહ પરિણામને વ્યાપ્યવ્યાપકપણે કરે તેવી જ રીતે જ્ઞાનાવરણાદિ પિંડને વ્યાપ્યવ્યાપકપણે કરે ઉત્તર આમ છે કે દ્રવ્યને અનંત શક્તિઓ તો છે પરંતુ એવી શક્તિ તો કોઈ નથી કે જેનાથી, જેવી રીતે પોતાના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે છે તેવી જ રીતે પરદ્રવ્યના ગુણ સાથે પણ વ્યાપ્યવ્યાપકપણે થાય.” પરનું કરે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. પર્યાયમાં વિકારી ભાવને કરે એવી પર્યાયમાં શક્તિ છે, દ્રવ્ય-ગુણમાં નહિ. નિર્મળ દશાને કરે એવી જ દ્રવ્ય-ગુણમાં શક્તિ છે.
ભાઈ! દરેક આત્મા ઈશ્વર છે. એમ જડ પણ જડેશ્વર છે. પરમાણુ જડેશ્વર છે. વિભાવ જીવ સ્વતંત્રપણે કરે છે માટે તેને વિભાવેશ્વર પણ કહે છે. ચૈતન્ય ભગવાન ચેતન ઈશ્વર છે. ભાઈ! ભગવાનનું કહેલું આ તત્ત્વનું સ્વરૂપ સમજવું પડશે. આમાં વિરોધ કરવા જેવું નથી. તેં સાંભળ્યું ન હોય એટલે સત્ય કોઈ અસત્ય થઈ જાય?
મિથ્યાત્વ અને રાગદ્વેષની પર્યાયની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે, અને સમ્યગ્દર્શન -જ્ઞાન-ચારિત્રની નિર્વિકારી દશાની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. કર્મનો ઉદય છે માટે વિકાર થયો છે એમ નથી અને કર્મનો ઉદયનો અભાવ છે માટે સમ્યગ્દર્શન આદિ થયાં એમ નથી. સંસારની અને મોક્ષમાર્ગની પર્યાય આત્મા સ્વયં સ્વતંત્રપણે કરે છે; એમાં કર્મનું કોઈ કાર્ય નથી.
PDF/HTML Page 954 of 4199
single page version
હવે કહે છે-‘અને વળી તેવી રીતે આજ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશકય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો.’
જીવ સંસારદશામાં પોતાના વિકારને ભોગવે છે પણ પરને ભોગવતો નથી. આ શરીરીની અવસ્થાને કે કર્મને આત્મા ભોગવતો નથી. તે પોતાના વિકારી પરિણામને ભોગવે કે પોતાના નિર્વિકારી પરિણમને ભોગવે પણ પરને તે ભોગવતો નથી. જીવ રાગદ્વેષનો જેમ સ્વતંત્ર કતાૃ છે તેમ સ્વતંત્ર ભોક્તા છે. જડ કર્મનો ઉદય એમાં નિમિત્ત ભલે હો, પણ તે પરને-કર્મને ભોગવે છે એમ નથી. અને જે કર્મનો ઉદય છે તે વિકારનો ભોક્તા છે એમ પણ નથી.
પ્રશ્નઃ– આ તો એકાંત થયું!
ઉત્તરઃ– હા, એકાંત છે, પણ સમ્યક્ એકાંત છે. સમ્યક્ એકાંતનું જ્ઞાન થાય તેને જ અનેકાંતનું યથાર્થ જ્ઞાન થાય છે. નિમિત્તનો સદ્ભાવ હો કે અભાવ હો, જીવ સ્વયંસિદ્ધ વિકાર કરે છે અને વિકારને ભોગવે છે. આમ સમ્યક્ એકાંતનું જ્ઞાન થયું તો જોડે નિમિત્ત છે એનું જ્ઞાન થયું તે એકાંત છે. બીજી ચીજથી ત્યાં વિકાર થાય છે એમ નથી. બીજી ચીજ વિકાર ભોગવે છે એમ પણ નથી. સંસારયુક્ત અને સંસારરહિત પોતાની દશાને એકને જ કરતો અને એકને જ ભોગવતો પ્રતિભાસો એમ અહીં કહ્યું છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની પર્યાયનો આત્મા કર્તા થાય છે, પણ ત્યાં કર્મનો ઉદયના અભાવનો જીવ કર્તા છે એમનથી. તેમ પોતાની નિઃસંસાર અવસ્થાને જીવ ભોગવે છે તે સમયે કર્મના અભાવને પણ ભોગવે છે એમ નથી. અરે ભાઈ! અનાદિ કાળથી જષીવે પોતાની સ્વતંત્ર ચીજ તરફ દ્રષ્ટિ કરી નથી. સૂક્ષ્મપણે વિચારીએ તો અસંસાર અવસ્થામાં એટલે સાધકની મોક્ષમાર્ગની દશામાં આ વ્યવહારનો વિકલ્પ જે નિમિત્તપણે સહચર છે તેનો કર્તા (કે ભોક્તા) જીવ નથી અને એ વ્યવહારનો વિકલ્પ આત્માની નિર્મળ પર્યાયનો કર્તા નથી.
વર્તમાનમાં મોટી ગરબડ ચાલે છે. મોટો ભાગ એમ માને છે કે નિમિત્તથી (કર્મથી) થાય અને નિમિત્તને ભોગવે પણ એમ છે નહિ. વિકારથી અવસ્થા પોતાના સ્વકાળે પોતાથી થાય છે. તેનો જીવ કર્તા અને ભોક્તા પોતે પોતાથી સ્વતંત્ર છે. એ જ પ્રમાણે મોક્ષમાર્ગની પર્યાયને સ્વાશ્રયપૂર્વક પોતે સ્વતંત્રપણે કરે છે તેથી એનો કર્તા અને ભોક્તા જીવ પોતે પોતાથી સ્વતંત્ર છે. આત્મા ચૈતન્યમૂર્તિ ત્રિકાળ આનંદસ્વરૂપ ભગવાન છે. એની દ્રષ્ટિ અને રમણતા કરતાં જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો તેનો
PDF/HTML Page 955 of 4199
single page version
ભોક્તા આત્મા છે, પણ તરનો ભોક્તા નથી. અજ્ઞાની પણ શરીર આદિ પરને ભોગવતો નથી. આ લાડુ, લાપસી, મૈસુબ ઈત્યાદિ ખાતી વખતે જીવ પોતાના રાગને ભોગવે છે પણ એ ચીજને (લાડુ વગેરેને) ભોગવતો નથી. આ ભેદજ્ઞાનની અંતરની વાત છે, ભાઈ! આવો અંતરમા નિર્ણય કદી કર્યો નહિ અને વિકાર કર્મથી થાય અને કર્મ માર્ગ આપે તો સમકિત આદિ નિર્વિકારી દશા થાય એમ તે માન્યું છે પણ એ બધી બધી જૂઠી માન્યતા છે.
કહે છે-ભાવ્યભાવકભાનો અભાવ હોવાથી પરનો આત્મા ભોક્તા નથી. ભાવ્ય એટલે ભોગવવા લાયક અને ભાવક એટલે ભોગવનાર. જડ કર્મ ભોગવવા લાયક અને આત્મા એનો ભોગવનાર-એવા ભાવનો અભાવ છે. આત્મ ભાવક અને કર્મનો ઉદય અને શરીરની અવસ્થા ભોગવવા યોગ્ય-એવા ભાવનો અભાવ છે. શરીરની બિમારી કે રોગની અવસ્થાને આત્માને ભોગવે છે એમ છે જ નહિ. તે સમયે જે રાગ છે તે રાગનો મિથ્યાદ્રષ્ટિ જીવ કર્તા અને ભોક્તા છે. જુઓ, નરકમાં ઉષ્ણતા એટલી છે કે એ ઉષ્ણતાનો એક કણ અહીં આવે તો દશ યોજનમાં રહેલાં મનુષ્યનાં મરણ થઈ જાય. આવી ઉષ્ણતાનો ભોક્તા આત્મા નથી કેમકે ઉષ્ણતા પરદ્રવ્યની પર્યાય છે. અહાહા...! એ ઉષ્ણતાના નિમિત્તે દશ જોજનમાં સ્થિત મનુષ્યના દેહ ભસ્મ થઈ જાય પણ એ દેહની ભસ્મ થવાની જે ક્રિયા થઈ તે દેહથી પોતાથી થઈ છે, અગ્નિ આવી માટે તે ક્રિયા થઈ છે એમ નથી. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ!
અરે! લોકોએ સ્થૂળ એવા વ્યવહાર અને નિમિત્તને પ્રધાન માનીને આત્માની સ્વતંત્રતા ખોઈ નાખી છે. અહીં કહે છે-ભાવ્યભાવકભાવના અભાવને કારણે પરભાવ વડે પરભાવનો અનુભવ થયો અશકય છે. જીવ પોતે કરેલા રાગભાવનો અનુભવ કરે છે પણ તે રાગદ્વારા નિમિત્તનો પણ અનુભવ કરે છે એમ નથી. પરભાવ એટલે શરીર કર્મ વગેરેનો આત્મા વડે અનુભવ થાય એ અશકય છે. કર્મનો અનુભાગ એમ જડની પર્યાય છે, તે આત્માને ભોગવવો પડે છે એ વાત યથાર્થ નથી.
પ્રશ્નઃ– કર્મનો વિપાક જીવ અનેભવને એમ ગોમ્મટસારમાં આવે છે ને?
ઉત્તરઃ–
જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકે. પણ એ તો નિમિત્તનું કથન છે. પરદ્રવ્ જીવના જ્ઞાનને રોકે એમ છે નહિ. પોતાની જ્ઞાનપર્યાયમાં પોતે હીણપણે પરિણમે છે. તેમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય નિમિત્ત છે, બસ. નિમિત્તે જ્ઞાન હીણ કર્યું છે એમ નથી. તથા નિમિત્તને આત્મા ભોગવે છે એમ નથી. આત્મા સમયસારની પર્યાયનો સ્વતંત્ર કર્તા થઈને પોતાની પર્યાયને ભોગવે છે.
જુઓ, ભોગના કાળમાં સ્ત્રીના શરીરને જીવ ભોગવે છે એમ કહો તો એ જૂઠી
PDF/HTML Page 956 of 4199
single page version
વાત છે. શરીર તો જડ માટી છે. એને આત્મા ભોગવી શકતો નથી. પરંતુ તે સમયે જે વિકારી ભાવ થાય તેને તે ભોગવે છે પોતાનો વિકારી ભાવઅને માને કે જડ સ્ત્રીનું શરીર, લક્ષ્મી આદિ પરને ભોગવું છું તો તે તદ્દન વિપરીત દ્રષ્ટિ છે. અહા! અજ્ઞાનીને પરપદાર્થમાં સુખની (મિથ્યા) કલ્પનાં છે; તે તે કલ્પનાને ભોગવે છે, પરપદાર્થને નહિ.
ખરેખર પરપદાર્થમાં સુખ છે જ નહિ. ધર્મી સમકિતી જીવને પૈસા, આબરૂ, સ્ત્રી ઈત્યાદિ પરમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. પરમાં-રાગમાં, લક્ષ્મીમાં, સ્ત્રીસંગમાં સુખ નથી એમ એને નિશ્ચય થયો છે. એ તો માને છે કે ત્રિકાળ આનંદસ્વરૂપ મારું સ્વરૂપ છે અને એના આશ્રયે પ્રગટ જે અતીન્દ્રિય આનંદ તેનો હું ભોક્તા છું. સમ્યગ્દર્શનમાં જ્ઞાનીને સત્નું દર્શન થયું છે. સત નામ પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વભાવમય વસ્તુ જે ત્રિકાળ સત્નું છે તેનાં પ્રતીતિ અને જ્ઞાન થયાં છે. અહાહા..! સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાનની એની એક સમયની પર્યાયમાં પરિપૂર્ણ વસ્તુની પ્રતીતિમાં અને એનું જ્ઞાન આવ્યાં છે. પરિપૂર્ણ વસ્તુ પર્યાયમાં આવી નથી પણ એનું સમાર્થ્ય પ્રતીતિમાં અને જ્ઞાનમાં આવ્યું છે. આવો સમકિતી જીવ ત્રિકાળ આનંદસ્વરૂપ સ્વયંજ્યોતિ સુખધામ એવા ભગવાન આત્માના આનંદને ભોગવે છે.
જ્ઞાનીને સાધકદશામાં રાગનું જે પરિણમન છે તે દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય તો અભેદ નિર્વિકલ્પ છે. અભેદ ચીજની દ્રષ્ટિ થતાં સાથે જે જ્ઞાન થયું તે જ્ઞાનની પર્યાયમાં તેને ક્ષણેક્ષણે જે વિકલ્પ ઉઠે છે તેને તે જાણે છે. આટલું રાગનું પરિણમન છે એમ તે જાણે છે. એટલે અંશે તે રાગને ભોગવે પણ છે. છતાં રાગ ભોગવવા લાયક છે એમ એને બુદ્ધિ નથી. એકાકોર કહો છો જ્ઞાની આનંદને ભોગવે છે અને વળી બીજી બાજુ કહો છો રાગને ભોગવે છે-એમ આ કેવી વાત! ભાઈ! વસ્તુદ્રષ્ટિની અપેક્ષાએ જ્ઞાની (આત્મા) રાગનો કર્તા નથી, ભોક્તા પણ નથી. પરંતુ દ્રષ્ટિી સાથે જે જ્ઞાન થયું છે તે જ્ઞાન ત્રિકાળને પણ જાણે છે અને પર્યાયમાં જેટલું રાગનું પરિણમન છે તેને પણ જાણે છે. જેટલું રાગનું પરિણમન છે તેટલા અંશે પોતે રાગનો કર્તા-ભોક્તા છે. રાગ કરવા લાયક અને ભોગવવાં લાયક છે એમ જ્ઞાનીને બુદ્ધિ નથી. પણ રાગનું પરિણમન છે એ અપેક્ષાએ તે રાગને ભોગવે છે. આમ જે અપેક્ષાએ જ્યાં જેમ વાત હોય ત્યાં તે યથાર્થ સમજવી જોઈએ.
દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાની આનંદનો ભોક્તા છે. આત્માના સ્વભાવમાં વિકાર કરે એવી કોઈ શક્તિ નથી. તેથી સ્વભાવની અપેક્ષાએ નિશ્ચયથી આત્મા રાગનો કર્તા નથી, ભોક્તા પણ નથી. પરંતુ પર્યાયનું જ્ઞાન કરે તો પર્યાયમાં જે રાગનું પરિણમન છે તે પોતાને એમ જ્ઞાન જાણે છે. તથા પોતાની પર્યાયમાં જે હરખ-શોક થાય છે તેને પોતે ભોગવે છે એમ પણ જ્ઞાની જાણે છે. પર્યાયમાં જે રાગ છે તેને કર્મ
PDF/HTML Page 957 of 4199
single page version
કરે છે અને કર્મ ભોગવે છે એમ (એકાંતે) નથી. જ્ઞાન અપેક્ષાએ જ્ઞાની રાગનો પણ ભોક્તા છે. પરંતુ પરનો ભોક્તા કદીય નથી. પ્રવચનસારમાં નયઅધિકારમાં દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ રંગરેજ રંગકામ કરે છે તેમ જો કે જ્ઞાની સ્વભાવની દ્રષ્ટિએ સ્વભાવનો ભોક્તા છે તોપણ કમજોરથી જે રાગનું પરિણમન છે તેનો કરનાર પોતે છે; કરવા યોગ્ય છે એમ નહિ પણ પરિણમન છે તે અપેક્ષાએ કર્તા-ભોક્તા છે. તેથી જો કોઈ એકાંતે એમ કહે કે જ્ઞાનીને રગનું- દુઃખનું વેદન છે જ નહિ તો તે યથાર્થ નથી.
સ્વભાવસન્મુખ થતાં સમ્યક્દર્શન-જ્ઞાનપૂર્વક જે અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો તે આનંદનો જ્ઞાની ભોક્તા છે. પણ સાથે જેટલું રાગનું દુઃખ છે તેને પણ તે કથંચિત્ ભોગવે છે. પરનો-શરીરીનો કે કર્મનો તે કદીય ભોક્તા નથી. આવો ભગવાનનો માર્ગ છે. બીજી રીતે કહીએ તો આત્મા નિશ્ચયથી મોક્ષમાર્ગમાંનો કર્તા અને ભોક્તા છે. પણ તે રાગનો કર્તા અને ભોક્તા (સર્વથા) છે જ નહિ એમકોઈ માને તો તે એમ નથી. નિશ્ચયની દ્રષ્ટિએ જીવ રાગનો કર્તા અને ભોક્તા નથી કેમકે વસ્તુસ્વભાવમાં વિકાર કરે એવી કોઈ શક્તિ નથી. વળી બધી શક્તિઓ નિર્વિકારી છે તેથી નિર્વિકારી પર્યાયપણે થવું એ જ એનું સ્વરૂપ છે તોપણ પર્યાયમાં જે વિકાર થાય છે તેનો પરિણમનની અપેક્ષાએ કર્તા અને ભોક્તા પોતે છે એમ જ્ઞાની યથાર્થપણે જાણે છે.
દ્રષ્ટિનો વિષય પર્યાય નથી. દ્રષ્ટિનો વિષય તો ત્રિકાળી અભેદ ચીજ છે. પણ તેથી જો કોઈ એમ કહે કે પર્યાય છે જ નહિ તો એમ વાત નથી. પર્યાય્ ન હોય તો સંસાર, મોક્ષમાર્ગ અને સિદ્ધપદ-કાંઈ સિદ્ધ નહિ થાય. આ બધી પર્યાય તો છે! હા, ભગવાન આત્મા પરિપૂર્ણ ચીજ છે તે પર્યાયમાં આવે નહિ ધ્રુવ છે તે પર્યાયમાં કયાંથી આવે? પણ પર્યાય પર્યાયપણે નથી એમ છે? ના, એમ નથી. ભગવાન પૂર્ણાનંદનો નાથ સામાન્ય-સામાન્ય એકરૂપ વસ્તુ તે વિશેષમાં-પર્યાયમાં કેમ આવે? વિશેષમાં આવે તો પર્યાયનો બીજે સમયે નાશ થતાં એનો (દ્રવ્યનો) પણ નાશ થઈ જાય, કેમકે પર્યાય પ્રતિસમય ઉત્પાદ-વ્યયરૂપ છે. સમયસાર ગાથા ૩૨૦ની આચાર્ય જયસેનની ટીકામાં આવે છે કે ધ્યાન જે મોક્ષમાર્ગની પર્યાય છે તેનાથી આત્મા કથંચિત્ ભિન્ન છે.
અહાહા...! દ્રવ્ય જે ત્રિકાળી ધ્રુવ છે તે પોતાની કે પરદ્રવ્યની પર્યાયનું કર્તા નથી, રાગ છે તે પણ પરદ્રવ્યની અવસ્થાનું કર્તા નથી, દ્રવ્યદ્રષ્ટિ થતાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે રાગની કર્તા નથી અને રાગ નિર્મળ પર્યાયનો કર્તા નથી, તથા દ્રવ્ય નિર્મળ પર્યાનું કર્તા નથી. આવો વીતરાગનો અલૌકિક માર્ગ છે! અહો! દિગંબરદર્શન એ જ જૈનદર્શન છે. સંપ્રદાયવાળાને દુઃખ લાગે પણ માર્ગ તો આ એક જ છે. ભાઈ! દિગંબર કોઈ પક્ષ કે વાડો નથી. વસ્તુનુ સ્વરૂપ તે દિગંબર ધર્મ છે.
અહાહા...! આ જૈનદર્શનમાં એમ કહે છે કે પ્રભુ! તું પરનો કર્તા અને ભોક્તા
PDF/HTML Page 958 of 4199
single page version
નથી. શરીરનો કર્તા અને શરીરનો ભોક્તા તું નથી. એવી જ રીતે કર્મનો કર્તા-ભોક્તા પણ તું નથી. તથા કર્મની પર્યાય તારા (આત્માનાા) વિકારી પરિણમની કર્તા અને ભોક્તા નથી. કર્મની પર્યાય ભાવક અને આત્માનો વિકાર ભાવ ભાવ્ય-એમ નથી. અહો! આવો વીતરાગનો માર્ગ ભગવાન સર્વજ્ઞદેવથી સિદ્ધ થયેલો છે. જેના મતમાં સર્વજ્ઞ નથી તેમાં ધર્મ નથી. ધર્મનું મૂળ સર્વજ્ઞ છે.
પ્રવચનસાર ગાથા ૮૦ માં કહ્યું છે કે- જે કોઈ આત્મા સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત પ્રભુના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે પોતાના આત્માને જાણે છે. અહાહા..! સર્વજ્ઞ ભગવાનને કેવળજ્ઞાન છે એવો નિર્ણય કરનારી પર્યાય પોતાના સર્વજ્ઞસ્વભાવ તરફ ઝૂકી જાય છે અને ત્યાં પોતાના દર્શનમોહનો ક્ષય થઈ જાય છે અને સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે. આવો સર્વજ્ઞનો માર્ગ છે. જેનામાં સર્વજ્ઞ નથી એમાં ધર્મ સંભવિત નથી.
અહીં કહે છે કે સંસારસહિત અથવા સંસારરહિત દશામાં પરનો ભોક્તા આત્મા નથી. સંસારદશામાં પોતાના રાગનો ભોક્તા છે અને નિઃસંસાર દશામાં પોતાની નિર્વિકલ્પ નિર્મળ અનુભૂતિનો ભોક્તા છે. પરંતુ કોઈ અવસ્થામાં પરનો ભોક્તા નથી. અજ્ઞાનભાવે પણ પરનો ભોક્તા નથી.
દ્રવ્યમાં સામાન્ય અને વિશેષ એમ બે ધર્મો સ્વતંત્ર સિદ્ધ કરવા હોય ત્યારે એમ આવે દ્રવ્ય અનુભૂતિની પર્યાયને પણ કરતું નથી. ધ્રુવ ત્રિકાળી છે તે ઉત્પાદ-વ્યય કરતું નથી. જ્યારે અહીં તો પરનો ભોક્તા નથી પરંતુ પોતાના રાગનો ભોક્તા અથવા અનુભૂતિની પર્યાય ભોક્તા આત્મા છે એમ સિદ્ધ કરવું છે. ભગવાન! તારી અનુભૂતિનો તું ભોક્તા છે પણ કર્મ અને શરીરનો તું ભોક્તા નથી.
દ્રષ્ટિ અપેક્ષાએ અનુભૂતિ જેને પ્રગટ થઈ છે એવો જ્ઞાની રાગનો ભોક્તા નથી. તથાપિ અલ્પકાળમાં જેમને કેવળજ્ઞાન થવાનું છે એવા ભાવલિંગી સંત છઠ્ઠ ગુણસ્થાને હોય ત્યારે જાણે છે કે જેટલું રાગનું પરિણમન થઈ રહ્યું છે તેનો કર્તા અને ભોક્તા હું પોતે છું; પણ પરનો હું કર્તા કે ભોક્તા નથી. સંસાર સહિત અથવા સંસાર રહિત અવસ્થામાં પોતાને એકને જ અનુભવનો પ્રતિભાસો, અન્યને એટલે કર્મ આદિને અનુભવતો ન પ્રતિભાસો એમ અહીં એમ અહીં કહે છે. આવો સૂક્ષ્મ ગંભીર માર્ગ છે. એની ગંભીરતા ભાસે નહિ તો ધર્મ કેમ થાય? ન થાય.
કર્મપ્રકૃતિના બંધના ચાર ભેદ આવે છે- પ્રકૃતિ બંધ, પ્રદેશ, બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ; પ્રકૃતિ એટલે સ્વભાવ, પ્રદેશ એટલે પરમાણુની સંખ્યા, સ્થિતિ નામ કાળની મુદત અને અનુભાવ એટલે ફળ દેવાન શક્તિ ભાઈ! અનંદ અને દુઃખ તે કર્મનું ફળ છે એમ નથી.
પ્રશ્નઃ– विपाको अनुभवः એમ તત્ત્વાર્થસૂત્રમાં આવે છે ને?
PDF/HTML Page 959 of 4199
single page version
ઉત્તરઃ– હા, પણ એ તો વ્યહારનયની વાત કરી છે. અહીં કહે છે કે કર્મના વિપાકને આત્માન અનુભવતો નથી. જીવ રાગનો અનુભવ કરે છે અથવા પોતાની અનુભૂતિનો અનુભવ કરે છે, પણ પરનો કદીય અનુભવ કરતો નથી.
અરે! વાણિયા આખો દિ’ વેપાર-ધંધામાં રચ્યા-પચ્યા રહે એટલે આવી વાત કઠણ પડે, પરંતુ ભાઈ! વેપાર-ધંધા કોઈ આતમા કરતો નથી. આત્મા વ્યાપક અને વેપારાદિ કામ એનું વ્યાપ્ય એમ ત્રણકાળમાં નથી. પરની પર્યાયને કોણ કરે? લક્ષ્મીની લેવદેવડના સમયે જે ભાવ થાય છે તે ભાવનો જીવ કર્તા છે પણ લેવડદેવડની જે ક્રિયા થાય એનો કર્તા આત્મા નથી. અજ્ઞાની વિકલ્પની જાળનો કર્તા-ભોક્તા થાય છે પણ પરનો કર્તા-ભોક્તા કદીય નથી. જ્યારે દ્રવ્ય અને પર્યાય એબે વચ્ચે ભેદ કરવો હોય ત્યારે તો દ્રવ્ય પર્યાયનું પણ કર્તા નથી, પર્યાયની કર્તા છે એમ આવે. ભાઈ! આ તો ભેદજ્ઞાનની વાત છે; સિદ્ધિ છે. સમયસાર- કળશમાં કહ્યું છે ને કે-
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। १३१।।
અનંતકાળમાં જેટલા સિદ્ધ થયા તે બધા ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે; રાગથી વ્યવહારથી સિદ્ધ થયા છે એમ નથી. વ્યવહારથી ભિન્નપણારૂપ જ્ઞાન કરીને સિદ્ધ થયા છે. અહીં તો પોતાન પરથી ભિન્ન કરવાની વાત છે. રાગથી ભિન્ન પડીને જેણે સ્વાશ્રયે નિર્મળ પર્યાય પ્રગટ કરી તે સાધક છે. પરંતુ રાગ-વ્યહાર મને લાભ કર્તા છે એમ રાગ સાથે જે એકતા કરેતેને ભેદજ્ઞાન નથી અને તે ચારગતિરૂપ સંસારમાં રખડશે.
પરથી ભિન્ન અને પોતાથી અભિન્ન એનું નામ ભેદજ્ઞાન છે. વ્યવહારથી-રાગથી ભિન્ન થવું તે ભેદજ્ઞાન છે, વ્યવહારના સહારે ભેદજ્ઞાન નથી. જેનાથી ભિન્ન પડવું છે તે વ્યવહાર ભેદજ્ઞાનનું સાધન કેમ થાય? ન જ થાય. જે સ્વભાવસન્મુખ થાય છે તે વ્યવહારથી ભિન્ન પડીને અંદર જાય છે. અરે ભાઈ! વ્યવહાર તો શુભરાગ છે, ઉદયભાવ છે, સંસાર છે, ઝેર છે, અમૃત-સ્વરૂપ ભગવાન આત્માથી વિપરીત સ્વભાવરૂપ છે. મોક્ષ અધિકારમાં પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહરણ આદિ શુભભાવને વિષકુંભ એટલે ઝેરનો ઘડો કહ્યો છે સમ્યગ્દ્રષ્ટિનો વ્યવહાર વિષકુંભ છે.
અજ્ઞાનીના શુભરાગને વ્યવહારને કહેવાતો નથી. રાગથી ભિન્ન પડી જેણે સ્વભાવનો અનુભવ કર્યો તેને જે રાગ બાકી છે એને વ્યવહાર કહે છે. જે શુભરાગમાં જ સાવધાન છે એવા અજ્ઞાનીને વ્યવહાર કેવો? એને તો વ્યવહારમૂઢ કહ્યો છે. સમયસાર ગાથા ૪૧૩માં કહ્યું છે કે-‘જેઓ ખરેખર હું શ્રમણ છું- એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે તેઓ અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચયનય પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય ભગવાન સમયસારને દેખતા નથી-અનુભવતા નથી.’
PDF/HTML Page 960 of 4199
single page version
ભાઈ! રાગની મંદતા તો અનાદિકાળથી કરે છે. નિગોદમાં પણ ક્ષણમાં શુભ અને ક્ષુણમાં અશુભ થાય છે. એમાં નવું શું છે? જેને શુભરાગની-વ્યવહારને રુચિ છે તેને પોતાના આત્માનો દ્વેષ છે. સ્તુતિકારે ભગવાન સંભવનાથની સ્તુતિમાં કહ્યું છે- ‘દ્વેષ અરોચક ભાવ’ અહાહા...! ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ભગવાન અંદર બિરાજે છે. તેનો જેને આદર અને સત્કાર નથી અને રાગનો આદર છે તેન પોતાના પ્રત્યે જ દ્વેષ છે. બાપુ! દુનિયા માને છે એનાથી આ તદ્દન જુદી વાત છે. જેને નિજ સ્વભાવની રુચિ થઈ તેને વ્યવહારની- શુભરાગની રુચિ હોઈ શકતી નથી. અહીં કહે છે. - સંસારરહિત અથવા સંસારરહિત દશામાં આત્મા પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો, અન્યને અનુભવતો ન પ્રતિભાસો. જીવ કાં તો રાગને અનુભવ કાં તો પોતાની અનુભૂતિને અનુભવે; પણ પરને તે અનુભવે છે એમ છે જ નહિ. શેરડીના રસને જીવ અનુભવે છે. એમ છે જ નહિ. તેના પ્રતિ એને જે રાગ છે તે રાગને તે અનુભવે છે. મીરની તીખાશનો જીવને અનુભવ નથી. તીખાશ તો જડ છે. પણ તે ઠીક છે એવો જે એના પ્રત્યે રાગ છે તેને જીવ અનુભવે છે. વીંછી કે સાપના કરડનો (ડંખનો) જીવને અનુભવ નથી, એ તો જડની પર્યાય છે. તે વખતે અઠીકપણાનો જે દ્વેષનો ભાવ થાય છે ત દ્વેષને જીવ અનુભવ છે. સાકરની મીઠાશ અને અફીણની કડવાશનો જીવ ભોક્તા નથી. જે તે સમયે જે રા-દ્વેષાદિ વિકારી થાય છે તે વિકારી ભાવનો જીવ ભોક્તાનો જીવ ભોક્તા થાય છે. આવી વાત છે. * ગાથા ૮૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *
‘આત્માને પરદ્રવ્ય-પુદ્ગલકર્મ-ના નિમિત્તથી સંસાર -નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે. પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી. પુદ્ગલકર્મના નિમિત્તથી સંસાર અવસ્થા છે. જુઓ, અહીં ‘નિમિત્તથી’ એમ કહ્યું છે. એના અર્થ શું? એટલો જ કે નિમિત્તથી છે, નિમિત્ત હોય છે-બસ એટલી વાત છે. નિમિત્ત વડે અહીં જીવમાં વિકાર કરાયો છે એમ અર્થ નથી. વિકારની-સંસારની આદિ-મધ્ય-અંતમાં નિમિત્ત-કર્મ પ્રસર્યું છે એમ નથી. જીવમાં મિથ્યાચ્વાદિ સંસાર અવસ્થા પોતાથી છે ત્યારે કર્મ નિમિત્ત છે બસ એટલું. તે જ પ્રમાણે આત્મામાં સંસારરહિત અવસ્થા થાય છે એમાં કર્મનો અભાવ નિમિત્ત છે. પણ કર્મનો અભાવ છે માટે મોક્ષમાર્ગની પર્યાય જીવને થઈ છે એમ નથી. સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની વીતરાગ અવસ્થાની આ-મધ્ય-અંતમાં આત્મા છે. આત્માએ પોતે સ્વતંત્રપણે કર્તા થઈને મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન કરી છે. વ્યવહારનયના પરિણામ છે તો મોક્ષમાર્ગની પર્યાય પ્રગટી છે એમ પણ નથી, કેમકે મોક્ષમાર્ગની પર્યાયની આદિમાં વ્યવહારરત્નત્રયનો રાગ નથી, પણ આત્મા છે.