Atmadharma magazine - Ank 077
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 17
single page version

background image
। ધ મ ન મ ળ સ મ્ય ક દ શ ન છ ।
ફાગણ સંપાદક વર્ષ સાતમું
રામજી માણેકચંદ દોશી
૨૦૦૬ વકીલ અંક પાંચમો
રાજકોટમાં પૂ. ગુરુદેવશ્રીનું
આગમન અને
શ્રી જિનબિંબ પ્રતિષ્ઠાનો
મહા મહોત્સવ
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામી હાલ
સૌરાષ્ટ્રમાં વિહાર કરી રહ્યા છે. તેઓશ્રી ફાગણ સુદ ૧
ને શુક્રવાર તા. ૧૭–૨–૫૦ ના રોજ રાજકોટ પધારશે;
રાજકોટમાં એક નવું જિનમંદિર બંધાયું છે, તેમાં શ્રી
જિનબિંબ પ્રતિષ્ઠાનું મુર્હૂત ફાગણ સુદ ૧૨ ને બુધવાર
તા. ૧–૩–૫૦ નું છે. શ્રી જિનબિંબ પ્રતિષ્ઠાના પંચ–
કલ્યાણક વગેરે વિધિની શરૂઆત ફાગણ સુદ ૧ થી
થશે. તે ઉપરાંત, સોનગઢમાં ભગવાનશ્રી
સીમંધરપ્રભુની પ્રતિષ્ઠાનો વાર્ષિકોત્સવ ફાગણ સુદ ૨
નો છે તે પણ રાજકોટમાં થશે.
છૂટક નકલ
શાશ્વત સુખનો માર્ગ ૭૭ દર્શાવતું માસિક વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય .
.
. મોટા આંકડિયા .
.
. કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
: ૮૨ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૬ :
શ્રી પરમાત્મ – પ્રકાશ – પ્રવચનો
(લેખાંક ૧૩ મો) ગાથા ૧૨ મી ચાલુ (અંક ૭૩ થી ચાલુ)
વીર સંવત ૨૪૭૩ ભાદરવા સુદ ૭ રવિવાર
(૧૦૯) ગુણસ્થાન પ્રમાણે સ્વસંવેદન શક્તિ વધે છે
સ્વસંવેદન જ્ઞાન એટલે સ્વરૂપનું વેદન કરવાની જ્ઞાનશક્તિ. જેમ ગુણસ્થાન વધતું જાય તેમ સ્વરૂપને
પકડવાની જ્ઞાનશક્તિ વધતી જાય છે, પણ પરના જ્ઞાનનો ઉઘાડ વધે એવો નિયમ નથી. કોઈને ચોથું ગુણસ્થાન
હોય અને મતિ–શ્રુત–અવધિ એ ત્રણ જ્ઞાનનો ઉઘાડ હોય અને કોઈને છઠ્ઠું ગુણસ્થાન હોય છતાં મતિ–શ્રુત એ બે
જ જ્ઞાન હોય, ત્યાં ઉઘાડની અપેક્ષાએ ચોથા ગુણસ્થાને વધારે જ્ઞાન છે પણ જ્ઞાનમાં સ્વરૂપની સંવેદન શક્તિ
ચોથા કરતાં છઠ્ઠા ગુણસ્થાને જ વધારે હોય છે.
(૧૧૦) અંતરાત્માની દશાના પ્રકારો
અંતરાત્માને ચોથા ગુણસ્થાન કરતાં પાંચમા ગુણસ્થાને સ્વસંવેદનજ્ઞાન વિશેષ પ્રબળ થાય છે અને ત્યાં
અપ્રત્યાખ્યાન કષાયનો પણ અભાવ હોય છે. (અનંતાનુબંધી કષાયનો અભાવ તો પહેલાંં હતો જ.) છતાં ત્યાં મુનિ
સમાન સ્વસંવેદનશક્તિ પ્રગટી નથી અને પ્રત્યાખ્યાન કષાય પણ વિદ્યમાન છે. મુનિદશામાં સ્વસંવેદનશક્તિ એટલી
બધી ઉગ્ર થઈ જાય છે કે ત્યાં વારંવાર નિર્વિકલ્પ આત્મઅનુભવ થાય છે. વિકલ્પદશા એક સાથે લાંબો કાળ રહે જ
નહિ એવું તે દશાનું સ્વરૂપ છે, અને તે દશામાં પ્રત્યાખ્યાન કષાયનો પણ અભાવ હોય છે, માત્ર સંજ્વલન કષાય હોય
છે, અને તે પણ અત્યંત મંદ હોય છે, ત્યાં આહારાદિ ક્રિયા હોતી નથી. ત્યારપછી વિશેષ સ્વરૂપ–લીનતાવડે શ્રેણી માંડે
છે. શ્રેણી બે પ્રકારની છે, ઉપશમ અને ક્ષપક; ઉપશમ શ્રેણી માંડનાર જીવનો પુરુષાર્થ એવા પ્રકારનો હોય છે કે
આઠમે–નવમે–દસમે અને અગિયારમે ગુણસ્થાને આવીને ત્યાંથી પાછો પડે છે, તે શ્રેણી વખતે તેને સંજ્વલનકષાયનો
ઉપશમ– હોય છે; અને જે જીવ ક્ષપક–શ્રેણી માંડે તે જીવ કેવળજ્ઞાન પામે છે. શ્રેણી આઠમા ગુણસ્થાનથી શરૂ થાય છે.
જ્યારે નવમું ગુણસ્થાન આવે ત્યારે સંજ્વલન ક્રોધ–માન–માયા–લોભ અત્યંત મંદ થાય છે, ને તેના અંત ભાગમાં
સંજ્વલન ક્રોધ–માન તથા માયાનો સર્વથા ક્ષય થાય છે. દસમા ગુણસ્થાને માત્ર સંજ્વલન લોભ અત્યંત મંદરૂપ હોય
છે, ને અંતભાગમાં તેનો પણ ક્ષય કરીને સીધા બારમા ગુણસ્થાને આવે છે, ત્યાં સંપૂર્ણ વીતરાગતા છે. ક્ષપક શ્રેણી
વાળાને વચ્ચે અગિયારમું ગુણસ્થાન આવતું જ નથી.
ચોથા ગુણસ્થાનથી શરૂ કરીને બારમા ગુણસ્થાન સુધી અંતરાત્મપણું કહેવાય છે. અને તે ગુણસ્થાનોમાં
ક્રમેક્રમે સ્વસંવેદન વધતું જાય છે. બારમા ગુણસ્થાને સંપૂર્ણ વીતરાગી સ્વસંવેદન વડે જ્ઞાનાવરણાદિનો ક્ષય કરીને
સંપૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરીને જીવ પોતે પરમાત્મા થાય છે, અને ત્યારે અંતરાત્મપણું પણ ટળી જાય છે. પૂર્ણ
શુદ્ધ પરમાત્મદશા તે જ આત્માનું સ્વરૂપ છે, ને તે જ ઉપાદેય છે.
।। ૧૨।।
ત્રણ પ્રકારના આત્મા કહ્યા તેમાંથી બહિરાત્મા જીવનું લક્ષણ બતાવે છે–
[ગાથા–૧૩]
मूढु वियक्खणु बंभु परु अप्पा तिविहु हवेइ।
देहु जि अप्पा जो मुणइ सो जणु मूढु हवेइ।।१३।।
ભાવાર્થ :– મૂઢ એટલે કે મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા, વિચક્ષણ એટલે સમ્યગ્દ્રષ્ટિ અંતરાત્મા અને પરમબ્રહ્મ
એટલે પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્મા છે. આ ત્રણે પર્યાય છે, નિશ્ચયથી બધા આત્માનો સ્વભાવ
પરમાત્મરૂપ છે. પણ જેને એવા પોતાના સ્વભાવનું ભાન નથી તે જીવ દેહાદિ તથા રાગાદિને જ આત્મા માને
છે, તેથી તે મૂઢ છે, બહિરાત્મા છે; તે છોડવા યોગ્ય છે.
(૧૧૧) બહિરાત્માનું લક્ષણ
કોઈ એમ કહે કે રાગથી આત્માને લાભ થાય; તો તે રાગ અને આત્માને એક માનનાર મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે; કેમકે
રાગ અને આત્માને એક માન્યા વગર રાગથી લાભ માને જ નહિ. તેવી રીતે દેવ, ગુરુ, શાસ્ત્ર વગેરે પરથી આત્માને લાભ
માને તે જીવ પર સાથે એકતા માને છે, કેમકે પરને અને સ્વને એક માન્યા વગર પરથી લાભ માની શકે જ નહિ.
શરીરની ક્રિયાથી લાભ માને તેને શરીર સાથે એકત્વ

PDF/HTML Page 4 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૬ : આત્મધર્મ : ૮૩ :
બુદ્ધિ હોય જ. કેમકે જેની સાથે એકતા ન માને તેનાથી લાભ માને નહિ. દેવ–ગુરુ–શાસ્ત્ર ઉપરના રાગથી આત્માને
લાભ થાય એમ માનનારને રાગ અને દેવ, ગુરુ, શાસ્ત્ર વગેરે સાથે એકત્વબુદ્ધી છે, તે બહિરાત્મા છે, બહારથી
આત્માને લાભ માન્યો માટે બહિરાત્મા છે, મિથ્યાદ્રષ્ટિ છે.
(૧૧૨) અંતરાત્માનું લક્ષણ
જેણે પોતાના સ્વભાવને જાણ્યો હોય તે જીવ કદી પર સાથે કે વિકાર સાથે એકતા માને જ નહિ અને તેથી
કોઈ પરથી કે વિકારથી આત્માને લાભ થાય એમ માને જ નહિ. પરની સંબંધ રહિત અને વિકાર રહિત એવા
પોતાના સ્વભાવની ઓળખાણ ને શ્રદ્ધા કરવાં તે ઉપાદેય છે, ને તે જ પરમાત્મદશા પ્રગટ કરવાનો ઉપાય છે.
શુદ્ધ પરમાત્મદશાની અપેક્ષાએ સાધકરૂપ અંતરાત્મદશા પણ હેય છે, કેમકે તે પણ અપૂર્ણદશા છે, તે
આત્માનું પૂરું સ્વરૂપ નથી. જેવો પરિપૂર્ણ શુદ્ધ ત્રિકાળી સ્વભાવ છે તેવી જ પરિપૂર્ણ શુદ્ધ પરમાત્મદશા પ્રગટ થાય તે
ઉપાદેય છે, ત્રિકાળીસ્વભાવ ને પરમાત્મદશા અભેદ થઈ જાય છે. અહીં પર્યાય અપેક્ષાએ કથન હોવાથી
પરમાત્મદશાને ઉપાદેય કહેવાય છે. દ્રવ્યદ્રષ્ટિથી તો ત્રિકાળ એકરૂપ પરિપૂર્ણ દ્રવ્ય જ ઉપાદેય છે; તે દ્રવ્યના આશ્રયે
પરમાત્મદશા પ્રગટ થઈ જાય છે.
વીર સં. ૨૪૭૩. ભાદરવા સુદ–૮ સોમવાર દસલક્ષણી પર્વનો ઉત્તમ શૌચદિન (૪)
(૧૧૩) બહિરાત્માનું સ્વરૂપ
આ શરીર જડ છે, તેનાથી આત્મા જુદો છે. આત્મા એટલે જાણનાર–જોનાર વસ્તુ છે. તે આત્માની અવસ્થા
ત્રણ પ્રકારની છે; તેમાંથી બહિરાત્મદશાનું વર્ણન ચાલે છે.
આ શરીર જડ છે, તેને પોતાનું માને તે બહિરાત્મા છે; મિથ્યાદ્રષ્ટિ છે, જ્ઞાયકસ્વભાવ છે તેને જાણતો નથી અને
રાગાદિને આત્મા માને છે અથવા કર્મ કે શરીરને પોતાનાં માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. કર્મ, શરીર, ને રાગદ્વેષ એ ત્રણે
આત્મા નથી; જેમ નાળીયેરમાં ઉપરનાં છોતાં અને કાચલી તો ટોપરાંનું સ્વરૂપ નથી, તેમજ તેમાં ગોટા ઉપર જે રાતી
છાલ હોય છે તે પણ ટોપરું નથી, પણ ચોખ્ખો સફેદ મીઠો ગોટો તે જ ટોપરું છે તેમ આત્મા જ્ઞાનમૂર્તિ છે, જે
જ્ઞાયકભાવનો પિંડ તે જ આત્મા છે; તેમાં આ સ્થૂળ છોતાં જેવું શરીર છે તે આત્મા નથી, કાચલી જેવાં કર્મો છે તે પણ
આત્મા નથી, રાગ–દ્વેષ થાય તે રાતી છાલ જેવા છે તે પણ ચૈતન્ય ગોળા તરફનો ભાગ નથી પણ જડ તરફનો ભાગ છે.
આમ જે નથી જાણતો અને રાગાદિને જ આત્મસ્વરૂપ માને છે તે મૂઢ છે, બહિરાત્મી છે, અજ્ઞાની છે.
‘એકવાર તો આ દેહ છોડીને મરી જવાનું છે.’ એમ અજ્ઞાની માને છે એટલે કે શરીર છૂટતાં આત્માનો નાશ
તે માને છે તેથી તે શરીરને જ આત્મા માનનાર મૂર્ખ છે. તે જીવ શરીરાદિનું લક્ષ છોડીને સુખસ્વરૂપ
આત્મસ્વભાવને પામી શકતો નથી. આત્માનો સ્વભાવ દેહાતીત, રાગાદિથી પાર છે તેને મૂર્ખ અજ્ઞાની જાણતો
નથી. અહીં અજ્ઞાનીને ‘મૂઢ–મૂર્ખ’ કહ્યો છે તેમાં દ્વેષબુદ્ધિ નથી પણ સંતોની કરુણા બુદ્ધિ છે.
ભાઈ, તું આત્મા છો, તારી તને ખબર નથી, તેથી જ્ઞાનીઓ તને ‘મૂર્ખ’ કહીને–ઠપકો આપીને સત્ય
સમજાવે છે. આ શરીર તો તારું નથી, ને વિકારમાં પણ તારી શાંતિ નથી. તારી શાંતિ તો તારા સહજ સ્વરૂપમાં જ
છે. આવા સ્વભાવનું ભાન કરવું તે અંતરાત્મ દશા છે. બહિરાત્મદશા છોડવા યોગ્ય છે, ને તે બહિરાત્મદશાની
અપેક્ષાએ અંતરાત્મદશા આદરણીય છે.
।। ૧૩।।
(૧૧૪) અંતરાત્માનું સ્વરૂપ
હવે, પરમસમાધિમાં સ્થિત થઈને જે જીવ દેહથી ભિન્ન જ્ઞાનમય પોતાના પરમાત્મસ્વરૂપને ધ્યાવે છે તે જીવ
અંતરાત્મા છે, –એમ કહે છે–
ગાથા–૧૪
देह विभिण्णउ णाणमउ जो परमप्पु णिएइ।
परम समाहि परिठ्ठियउ पंडिउ सो जि हवेइ।।१४।।
ભાવાર્થ :– જે જીવ પોતાના સ્વભાવને દેહથી ભિન્ન ને સંપૂર્ણ જ્ઞાનમય જાણે છે તે જીવ જ પરમ સમાધિમાં
સ્થિર છે, તે જ પંડિત છે અને તે જ અંતરાત્મા છે.
(૧૧૫) ધર્માત્મા જીવ કેવું આત્મસ્વરૂપ જાણે છે?
જે જ્ઞાનમય આત્માને માને તે સમ્યગ્દ્રષ્ટિ છે. સમયસારમાં
‘ज्ञान वपु’ કહ્યું છે એટલે જ્ઞાન શરીર જ
આત્માનું છે, જ્ઞાનથી ભિન્ન કોઈ શરીર આત્માનું નથી.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૮૪ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૬ :
અધૂરું જ્ઞાન પણ આત્મસ્વરૂપ નથી; આત્માની પર્યાય ઓછી દેખાય તે આત્માનું સ્વરૂપ નથી; પહેલાંં જેમ સોનું
લઈને પછી દાગીનો ઘડે છે; તેમ, કેવળજ્ઞાનાદિ પર્યાય પ્રગટ્યા પહેલાંં પરિપૂર્ણ આત્મસ્વભાવની પ્રતીત કરીને
પછી તેમાં જ એકાગ્રતાવડે કેવળજ્ઞાનાદિ પર્યાય પ્રગટ કરે છે. પણ પહેલાંં પૂર્ણસ્વભાવના ભાન વગર શેમાં
એકાગ્ર થઈને નિર્મળદશા પ્રગટ કરશે? જે જીવ કાયમનું પરિપૂર્ણ સ્વરૂપ જાણે તે જીવ અપૂર્ણતાને પોતાનું સ્વરૂપ
માને નહિ; આવું જેણે જ્ઞાન કર્યું તેને સમ્યગ્જ્ઞાનરૂપ કળા ખીલી, તે ધર્માત્મા અંર્તદ્રષ્ટિ છે.
(૧૧૬) મૂર્ખ અને પંડિત કોણ?
ધર્માત્મા ગૃહસ્થને રાગ થાય ખરો, પણ તેની રુચિનું જોર રાગ તરફ ન હોય. રાગથી ભિન્ન
અંતરસ્વભાવનું જેને ભાન છે, તે જ જીવ પંડિત છે. પૂર્વની ગાથામાં અજ્ઞાનીને મૂર્ખ કહ્યો હતો, ને અહીં જ્ઞાનીને
પંડિત કહ્યો છે; અહીં શાસ્ત્રજ્ઞાનથી પંડિતપણું નથી, પણ આત્મજ્ઞાનથી પંડિતપણું છે.
(૧૧૭) પોથી માંહેના રીંગણાં
જેમ શાસ્ત્રમાં લખ્યું હોય તેમ શબ્દો વાંચી જાય પણ જ્ઞાનસ્વરૂપ આત્માને સમજે નહિ તે પંડિત કહેવાય
નહિ; તેનું જાણપણું ‘પોથી માંહેના રીંગણાં’ જેવું છે.
એક વખત કોઈ શાસ્ત્ર ભણેલા પંડિત સભામાં વાંચતા હતા કે ‘રીંગણાંમાં ત્રસ જીવો હોય છે, રીંગણાં
ખાવાં ન જોઈએ.’ જ્યારે ઘરે ગયો ત્યારે કોઈ ઓળખીતા ખેડૂતે તેને તાજાં રીંગણાં આપ્યા; પંડિતજીએ તેની
સ્ત્રીને કહ્યું કે ‘આજે આ રીંગણાંનું શાક કરજો.’ સ્ત્રીએ આશ્ચર્યથી કહ્યું કે હજી હમણાં જ સભામાં તમે કહેતા
હતા કે રીંગણાં ન ખવાય. અને તમે જ કેમ અત્યારે તેનું શાક કરવાનું કહો છો! પંડિતે જવાબ આપ્યો, કે એ
વાત તો પોથીમાં લખેલાં ‘રીંગણાં’ની હતી. આ રીંગણાં તો ખવાય!– તેમ અજ્ઞાની જીવો શાસ્ત્રો વાંચી જાય કે
‘આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પરનો અકર્તા છે.’ પરંતુ પોતાનો અભિપ્રાય તો ફેરવે નહિ, ને પરાશ્રય છોડીને પોતે
સ્વાશ્રય કરે નહિ તો તેનું શાસ્ત્રજ્ઞાન માત્ર ‘પોથી માંહેના રીંગણાં’ જેવું છે. તેનાથી કાંઈ આત્મલાભ થાય નહિ.
(૧૧૮) આત્મા અને શરીરાદિનો સંબંધ મિથ્યા છે
આત્માને અનાદિથી અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી શરીર–કર્મ સાથેનો જે સંબંધ કહ્યો છે તે સંબંધ
સાચો નથી પણ મિથ્યા છે. અસદ્ભૂતનો અર્થ જ મિથ્યા થાય છે. સાચો સંબંધ તો તે કહેવાય કે જે કદી જુદો પડે નહિ.
શરીર સાથે આત્માનો સંબંધ ખરેખર નથી. ભગવાન આત્મા ચૈતન્ય છે, તેને શરીરાદિનો સંબંધ જુઠ્ઠો છે. દૂધ અને
પાણીને એક માનવા તે ખરેખર મિથ્યા છે કેમકે દૂધ ને પાણી ભેગાં નથી પણ જુદાં જ છે તેમ આત્માને અને શરીરને
એકપણું માનવું તે ખરેખર મિથ્યા છે, બંને ભિન્ન છે. જેમ દૂધ અને મીઠાશ એકમેક છે, તેમ આત્મા ચૈતન્યમય છે, તે
ચૈતન્યથી કદી જુદો નથી, ને શરીર સાથે કદી એકમેક થયો નથી. આવું યથાર્થ જાણવું તે અંર્તદ્રષ્ટિ છે; પરમાર્થે
સાક્ષાત્ પરમાત્મ દશા જ ઉપાદેય છે, આ અંતરાત્મદશા પણ હેય છે કેમ તે પણ અપૂર્ણદશા છે.
(૧૧૯) અંતરાત્મદશા અને તેનું ફળ
‘હું, જ્ઞાનમય ચૈતન્ય પરમાત્મા છું’–એમ નિજ શુદ્ધાત્માની વીતરાગનિર્વિકલ્પ સહજાનંદમય અનુભૂતિ તે
જ અંતરાત્માપણું છે. કોઈ શાસ્ત્રના જ્ઞાનથી કે દેવ–ગુરુની શ્રદ્ધાથી અંતરાત્માપણું થતું નથી પણ અંતર
ચૈતન્યસ્વભાવમાં જાગૃત થઈને જેણે સ્વભાવને અનુભવ્યો તે જ અંતરાત્મા છે; અહીંથી જ ધર્મની શરૂઆત છે.
આ જ સાધકભાવ છે, અને તેનું ફળ પરમાત્મદશા છે.
।। ૧૪।।
વીર. સં. ૨૪૭૩. ભાદરવા સુદ ૯ મંગળવાર
દસલક્ષણીપર્વનો ઉત્તમસત્યદિન (પ)
(૧૨૦) પરમાત્માનું સ્વરૂપ
અહીં ત્રણ પ્રકારના આત્માનું કથન ચાલે છે. આ પંદરમા દોહામાં પરમાત્માનું સ્વરૂપ કહે છે–
ગાથા–૧૫
अप्पा लद्धउ णाणमउ कम्म–विमुक्कें जेण।
मेल्लिवि सयलु वि दव्वु परु सो परु मुण हि मणेण।।१५।।
ભાવાર્થ :– જેમણે જ્ઞાનાવરણાદિ (ભાવ તેમજ દ્રવ્ય) કર્મોનો નાશ કરીને અને દેહાદિક સર્વે પરદ્રવ્યોને છોડીને
કેવળજ્ઞાનમય પરમાત્મ–પ્રકાશ પ્રાપ્ત કર્યો છે તેમને શુદ્ધ મનથી પરમાત્મા જાણો. (અનુસંધાન પાના નં. ૯૫)

PDF/HTML Page 6 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૬ : આત્મધર્મ : ૮૫ :
ધર્મ કેમ થાય ?
રાણપુરમાં પરમપૂજય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન : માગશર વદ ૯
આ જીવ જે સમયે ધર્મ કરે તે જ સમયે તેને સુખ–શાંતિ થાય છે.
ધર્મ અને સુખ કાંઈ જુદાં નથી. આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી છે તેનું જીવે એક સેકંડ પણ ભાન કર્યું નથી. ધર્મ
એટલે શું? આત્મા પદાર્થ છે. અને તેના સ્વભાવ જ્ઞાન એટલે જાણવું અને આનંદ છે. તેના સ્વભાવમાં વિકાર કે દુઃખ
નથી પરંતુ પોતે પોતાના સ્વભાવને ભૂલીને પરમાં મમત્વભાવ અને રાગ–દ્વેષ નવાં નવાં ઊભાં કરે છે તે દુઃખ છે.
પદાર્થ પોતે સ્વભાવથી વિકૃત કે દુઃખરૂપ નહોઈ શકે; પણ પોતાના વાસ્તવિક સ્વભાવનું અજ્ઞાન હોય છે ત્યારે વિકૃતિ
અને દુઃખ તેની અવસ્થામાં થાય છે. સોનામાં કથિર છે તે સોનાનો મૂળ સ્વભાવ નથી તેથી દૂર થઈ શકે છે તેમ
ચૈતન્યરૂપ આ આત્મ પદાર્થ શરીર–વાણી–કર્મથી તો ત્રિકાળ જુદો છે પરંતુ જે રાગ–દ્વેષ થાય છે તે તેનો સ્વભાવ નથી
પણ અવસ્થામાં થાય છે, અને તે વિકૃતિ છે. ડોકટર જે શરીરનો ભાગ ખરાબ હોય છે તેનું ઓપરેશન કરે છે કેમકે તે
ખરાબ ભાગ શરીરના મૂળ સ્વભાવમાં નથી; તેમ વિકારભાવ તે જીવના મૂળસ્વભાવમાં નથી તેથી પોતાના
ચૈતન્યરૂપ મૂળ નિર્વિકાર સ્વભાવનાં શ્રદ્ધા–જ્ઞાન–આચરણ વડે તે વિકારભાવ દૂર થાય છે. જેમ અરણીના લાકડામાં
અગ્નિ થવાનો સ્વભાવ છે તેથી તેમાંથી ભડકો થઈને લાકડાને બાળે છે તેમ આત્માનો ચૈતન્ય સ્વભાવ છે, તે પુણ્ય–
પાપને બાળી નાખનાર છે. પુણ્ય–પાપ તે મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ તો પુણ્ય–પાપ રહિત ચૈતન્યમય છે–એમ
પોતાના પરમબ્રહ્મ આત્માને જાણે, કર્મથી જુદો અને પુણ્ય–પાપ રહિત એકરૂપ પોતાનો સ્વભાવ છે–એવા આત્માને
જાણે તો ધર્મ થાય. એ સિવાય બીજી કોઈ રીતે ધર્મ થાય નહિ.
આત્મા પરનું તો કાંઈ કરી શકતો જ નથી, પરનું કરવાના ભાવ કરે પણ તેથી કાંઈ પરનું થતું નથી.
પરને માટે કોઈ કાંઈ કરતું જ નથી, માત્ર પોતાના રાગની ખાતર કરે છે. નિર્ધન મનુષ્ય ખરેખર ધનિકના ગાણાં
ગાતો નથી, પણ પોતાને ધનની રુચિ છે તે રુચિનાં ગાણાં ગાય છે; કેમકે જેને ધનની રુચિ નથી તે ધનિકના
ગાણાં ગાતા નથી. સંસારમાં જેને પરની ભાવના છે તે માગણ–ભિખારી છે. જે ઝાઝું માગે તે મોટો માગણ અને
થોડું માગે તે નાનો માગણ. જે પર પાસે કાંઈ ન માગે પરંતુ અનંત ગુણસંપન્ન એવા પોતાના ચૈતન્ય સ્વરૂપ
આત્માની રુચિ કરે અને તેમાં ઠરે તે મોટો બાદશાહ છે. આચાર્ય ભગવાન તો કહે છે કે આત્માનો સ્વભાવ જ્ઞાન
અને આનંદથી ભરપૂર છે તેની જેને ખબર નથી તે પરમાંથી સુખ લેવા માગે છે તેથી તે માગણ છે.
જેને જ્ઞાનાનંદ સ્વભાવી આત્માની રુચિ નથી તેને આત્મા સિવાય પરની રુચિ હોય છે. ધર્મીને આત્માનું
ભાન થયા પછી રાગ હોય, પુણ્ય –પાપ હોય પણ ધર્મીની દ્રષ્ટિમાં તેની રુચિ હોતી નથી. ‘તે વિકાર છે તથા હું
નિર્વિકાર જ્ઞાનાનંદ છું–’ એવું ભાન તેને નિરંતર વર્તે છે. ધર્મીને રુચિપૂર્વક વિકાર નથી પણ પુરુષાર્થની
નબળાઈને કારણે આસક્તિ હોય છે.
તાંબુ કે કથીર તે સોનાનો સ્વભાવ નથી તેમ ભગવાન આત્માના સ્ભભાવમાં પુણ્ય–પાપ તે કથીર
સમાન હોવાથી તે મૂળ સ્વભાવ નથી. અહીં બધા આત્માઓને ભગવાન કહેવાય છે.
સર્વજ્ઞ ભગવાને કેવળજ્ઞાનમાં આત્માનો જે મહિમા જોયો તે વાણીમાં પૂરો ન આવી શક્યો. શ્રીમદ્
રાજચંદ્ર પણ કહે છે કે–
‘જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.’
આવો દરેક આત્માનો સ્વભાવ છે. જેમ ઘીનો સ્વાદ ખ્યાલમાં હોય પણ વાણીથી પૂર્ણ રીતે તેને વર્ણવી ન
શકાય તેમ આત્માનો ચિદાનંદ સ્વભાવ છે. તેની અવસ્થામાં જે ક્રોધાદિ હોય તેના ઉપર ધર્મીની દ્રષ્ટિ નથી. હું
ચિદાનંદ છું–એવી દ્રષ્ટિ તેને નિરંતર વર્તે છે. એવું ભાન થયા પછી સ્વરૂપમાં ઠરતાં પરમાત્મદશા ને સર્વજ્ઞપદ
થાય છે. તેમના જ્ઞાનમાં આત્માનો પૂર્ણ મહિમા ભાસ્યો પરંતુ તેને વાણીનો યોગ પૂર્ણપણે કહી શકે નહિ. જેમ
તીખાં (મરી) અને મરચાંની તીખાશના

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૮૬ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૬ :
સ્વાદનું અંતર વાણીથી સંતોષકારક રીતે ન કહી શકાય તેમ ચૈતન્યસ્વરૂપ અલૌકિક આત્મભગવાનનું વર્ણન
વાણીથી કેમ થાય? આંગળી વડે ઈશારાથી બીજના ચંદ્રનું લક્ષ કરાવાય, તેમ વાણીથી તો માત્ર ઈશારા થાય.
પણ પોતે જ્ઞાનના લક્ષમાં લઈ લ્યે તો યથાર્થ સમજાય.
ભગવાન આત્મા પુણ્ય–પાપ વિનાનો છે તેનું ભાન થવું તે સમ્યગ્દર્શન અને તેમાં લીન થતાં સર્વજ્ઞપદ
પ્રગટે છે તે પરમાત્મદશા છે. એવા પરમાત્માની સહજ વાણીમાં પણ જેના સ્વભાવના મહિમાનો પાર ન પડે
એવો આ આત્મા છે. એવા આત્માના મહિમાને જેણે ન જાણ્યો તે જીવને પરવસ્તુની રુચિ હોવાથી પરને માગે
છે, તે જ મોટો માગણ છે. અને ભાન થયા પછી પણ જેટલા અંશે પરની આસક્તિ છે તેટલે અંશે તે પણ
માગણના વર્ગમાં આવે છે. તોપણ જ્ઞાની જાણે છે કે આ ઈચ્છા પરને મેળવવા માટે નિરર્થક છે. તેમજ
સ્વભાવની પ્રાપ્તિ માટે નિરર્થક છે. આ રીતે, ઈચ્છા હોવા છતાં જ્ઞાની તેને નિરર્થક જાણે છે. અને તેથી ઈચ્છાનું
જોર વર્તતું નથી.
ઈચ્છાથી શરીરનો રોગ મટતો નથી, ઈચ્છાથી લક્ષ્મી મળતી નથી, ઈચ્છા વડે અનુકૂળતાની પ્રાપ્તિ કે
પ્રતિકૂળતાનો અભાવ થતો નથી અને તે ઈચ્છા વડે જ્ઞાનાનંદ સ્વભાવની પ્રાપ્તિ થતી નથી –આવું ઈચ્છાનું
નિરર્થકપણું યથાર્થપણે જાણે તો ઈચ્છારહિત એવા આત્માનું ભાન થાય. પહેલાંં તો સત્સમાગમે આવા આત્માને
જાણવો જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે– પાવે નહીં ગુરુગમ વિના એહી અનાદિ સ્થિત.’
અનંત કાળમાં સત્સમાગમે આત્માનો વિશ્વાસ આવ્યો નથી. ભગવાન આત્મામાં જ્ઞાનાદિ અનંત ગુણો
છે. તેમાં જ્ઞાન–દર્શન–ચારિત્ર એ ત્રણ ગુણો છે. તેમાં ઈચ્છા તે ચારિત્ર ગુણની વિપરીત દશા છે. તે ઈચ્છા હોવા
છતાં તે મારું સ્વરૂપ નથી –એમ આત્માને જાણી ને શ્રદ્ધા કરે તો તે શ્રદ્ધાગુણે આત્માને કલ્યાણના પંથે જોડી
દીધો. ઈચ્છા હોવા છતાં ધર્મીએ દ્રષ્ટિમાં–શ્રદ્ધામાં આત્માને શુદ્ધ તરીકે ટકાવ્યો છે તેનું જ નામ ધર્મ છે. વિકાર
હોવા છતાં પણ જ્ઞાનીને વિકારની રુચિ નથી; તેમની દ્રષ્ટિમાં તો શુદ્ધ સ્વભાવનો જ આદર વર્તે છે.
જેમ પાણીમાં ઉષ્ણતા હોવા છતાં તેનો સ્વભાવ શીતળ છે–એવો વિશ્વાસ હોવાથી તેને શીતળ કરવાનો–
ઠારવાનો પ્રયત્ન થાય છે, તેમ આત્માની અવસ્થામાં પુણ્ય–પાપરૂપ વિકાર છે તોપણ તે રહિત સ્વભાવ તો શુદ્ધ
જ્ઞાનાનંદ છે એવા ભાનથી વિકાર ટળે છે. પહેલાંં તો એવા સ્વભાવનું ભાન થવું તે સમ્યગ્દર્શન છે, વિકાર હોવા
છતાં આત્માએ શુદ્ધ સ્વભાવને કબૂલ્યો ત્યારથી જ ધર્મની શરૂઆત થાય છે–દયા–ભક્તિ વગેરે શુભભાવ હોવા
છતાં તેના ઉપર ધર્મીની દ્રષ્ટિ નથી. તે તો પરમબ્રહ્મ જ્ઞાનાનંદ આત્માને જ જાણે છે. અનંતા સર્વજ્ઞ પરમાત્મા
થયા તેમની પંક્તિમાં હું બેસનારો છું, તેમની અને મારી એક જ નાત અને જાત છે–આવું ભાન ધર્માત્માને છે.
જડ પદાર્થોથી અને પુણ્ય–પાપના વિકારોથી આત્મા જુદો છે, જ્ઞાનાનંદ તેનો સ્વભાવ છે–એવો પહેલાંં
ભરોસો જાગે ત્યારથી ધર્મની શરૂઆત થાય છે. નીચલી દશામાં જ્ઞાની ભલે પુણ્ય–પાપ ટાળીને સ્વમાં ઠરી ન
શકે, પણ અંતરમાં તો તે પુણ્ય–પાપને પોતાનો સ્વભાવ માને નહિ. આવું ભાન જીવે પૂર્વે અનંતકાળમાં કર્યું
નથી.
પાણીનો સ્વભાવ ઠંડો છે. અગ્નિને ઠારી નાંખવાનો તેનો સ્વભાવ છે. પોતે જે અગ્નિના નિમિત્તે ઉષ્ણ થયું
તે જ અગ્નિનો નાશ કરવાની તાકાત રાખીને ઉષ્ણ થયું છે; તેમ આત્માનો સ્વભાવ શીતળભૂત ચૈતન્યરૂપ છે,
પુણ્યપાપરૂપે કષાયઅગ્નિનો નાશ કરવાનો તેનો સ્વભાવ છે. અનાદિથી આત્મા ભલે પુણ્ય–પાપના વિકારને
કરતો આવે, પરંતુ પુણ્ય–પાપના વિકારોનો નાશ કરવાનો તેનો સ્વભાવ કદી મટયો નથી. સત્સમાગમ વડે તેવા
સ્વભાવનો જીવોએ યથાર્થ ભરોસો કર્યો નથી. ‘વિશ્વાસે વહાણ તરે’ તેમ હું જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવરૂપ છું, પુણ્ય–
પાપ થાય તેનો નાશ કરનારો જ છું એવો વિશ્વાસ જીવ કરે તો મુક્તિ થયા વિના ન રહે. જેમ કોઈ ડુંગરામાં
વીજળી પડે અને તેના બે કટકા થઈ જાય, પછી તે રેણ દીધે સંધાય નહિ તેમ ચૈતન્ય સ્વભાવનું એકવાર ભાન
થાય, ગ્રંથીભેદ થાય તો તે પછી ફરીને ચાર ગતિમાં રખડે નહિ.
પાત્રતાથી સત્સમાગમે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખવાં જોઈએ. દિવ્ય શક્તિ ઊઘડી તે દેવ, તે
સ્વરૂપના સાધક તે ગુરુ અને દેવ–ગુરુની અનેકાંત સ્વભાવને બતાવનારી વાણી તે શાસ્ત્ર છે. તે દેવ–ગુરુ–શાસ્ત્ર
કેવાં હોય તેને ઓળખવાં જોઈએ. જેમ ઝવેરાત લેનારા

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૬ : આત્મધર્મ : ૮૭ :
ઘેર ઘેર ન હોય અને શેરીએ શેરીએ તેની દુકાન ન હોય; પણ શાકભાજીની જરૂર ઘેર ઘેર હંમેશાં હોય, તથા
શેરીએ શેરીએ તેની દુકાન હોય અને ટોપલા લઈને વેચાવા પણ આવે. તેમ આત્માનો પવિત્ર જ્ઞાનાનંદ સ્વભાવ
છે; તેને લેનારા પણ લાખો કરોડોમાં કોઈ થોડા જ હોય અને તે મળે પણ દુર્લભતાથી. સાચા તત્ત્વની વાત
કહેનારા થોડા અને તેને સમજનારા પણ થોડા જ હોય. અને પુણ્યથી ધર્મ માનવાની વાત તો કહેનારા પણ ઘણા
અને તેમ માનનારા લોકો પણ ત્રણે કાળ જગતમાં ઘણા છે.
જ્ઞાની કહે કે ‘આ આત્માની વાત તું સમજ.’ એમ કહેતાં જીવ પોતે ખોટું સમજ્યો છે, પોતાથી ભિન્ન
પરમાં ક્યાંક બીજે અસ્તિત્વ કબૂલ્યું છે, માટે જગતમાં પરવસ્તુ પણ છે. એટલે કે જડ છે ને આત્મા પણ છે.
તેનામાં અણસમજણ છે, તે ટાળવાની અને સત્ સમજવાની તાકાત છે. જીવ ટકીને પલટે છે. મિથ્યા શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર પલટીને સમ્યક્ થઈ શકે છે, ભૂલ છે અને તેનાં નિમિત્તો પણ જગતમાં છે. ભૂલ ટાળીને સાચું સમજાય
છે, સાચું સમજવામાં નિમિત્તો સત્ દેવ–ગુરુ–શાસ્ત્ર હોય છે. તે સત્ નિમિત્તો કોણ છે તે સમજવું પડશે. સત્
સમજે નહિ અને ઊંટવૈદની જેમ અજ્ઞાની જ્યાં ત્યાં ધર્મ મનાવે છે.
એકવાર એક ઊંટને ગળે કોઠું રહી ગયું તેને એક વૈદે પાટુ મારતાં તે પેટમાં ઊતરી ગયું. પછી એકવાર
એક માણસને ગળામાં રતવા થયો ત્યાં પણ પાટુ મારવાનો ઉપાય બતાવ્યો. તેમ અજ્ઞાનીઓ સત્ સમજ્યા
વિના પુણ્યમાં ધર્મ મનાવે છે. અનંત કાળથી નહિ પ્રગટેલો સ્વભાવ પણ જીવ પ્રગટ કરવા માગે ત્યારે પ્રગટી
શકે છે.
એકવાર એક રાજાએ પ્રસન્ન થઈને પોતાના વૈદ્યને કહ્યું કે ઈચ્છા પડે તે માગો. વૈદ્યે કહ્યું,– ‘ગામમાં
જેટલા વૈદ્યો હોય તેમના ઉપર એક રૂપિયાનો વાર્ષિક કર નાંખો અને તે રકમ મને મળે તેમ બંદોબસ્ત કરાવો.’
પછી તે વૈદ્ય ઢોંગ કરીને પોતાના રોગ માટે લોકોને દવા પૂછવા લાગ્યો. જેને પૂછે તે બધાય કોઈ ને કોઈ દવા
બતાવવા લાગ્યા. પછી તે બધાના નામની નોંધ કરીને રાજા પાસે તે વૈદ્ય આવ્યો. અને તે બધા ઉપર એક
રૂપિયાનો કર નાખવાનું કહ્યું. તેથી લોકો બધા ગભરાઈ ગયા અને વૈદ્ય તરીકેનું પોતાનું નામ કઢાવી નાખવા
લાગ્યા. તેમ જગતમાં આત્માને સમજ્યા વગર સૌ ધર્મની વાતો કરે, પરંતુ આત્માને સમજનારા તો લાખો–
કરોડોમાં કોઈ વીરલા જ હોય છે.
જે કોઈ સમજે છે તે પોતાની સ્વતંત્રતાથી સમજે છે. પરને લીધે સમજતા હોય તો વળી કોઈક બીજો તેને
ઊંધુંં પણ સમજાવી દે; પણ તેમ નથી.
આત્માના સ્વભાવને કર્મથી જુદો અને પોતાથી એકરૂપ જાણીને ક્રમેક્રમે તે વિકારને ટાળીને પોતાના
સ્વરૂપમાં તન્મય થાય છે તે વીતરાગ થઈને મુક્ત થાય છે. આ વિધિથી આત્માને જાણે તો જ ધર્મ થાય, બીજી
રીતે ધર્મ થતો નથી.
સુધારો : (૧) ‘આત્મધર્મ’ અંક ૭૬ પૃ. ૭૨ કોલમ ૨ લાઈન ૩૨ માં ‘તેનો સ્વભાવ છે’ એમ છપાયું
છે તેને બદલે ‘તેનો સ્વભાવ નથી’ એમ સુધારીને વાંચવું.
(૨) પૃ. ૭૩ કોલમ ૧ લાઈન ૩૨–૩૩ માં ચૈતન્ય પ્રકાશ ખીલતો નથી’ એમ છપાયું છે તેને બદલે
ચૈતન્ય પ્રકાશ ખીલે છે’ એમ સુધારીને વાંચવું.
* * * * *
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા : સૌરાષ્ટ્રમાં પૂ. ગુરુદેવશ્રીના વિહાર દરમિયાન વઢવાણ કેમ્પમાં પોષ વદ ૧૧ ને
શનિવારના રોજ ભાઈ શ્રી મગનલાલ લેરાભાઈ તથા તેમના ધર્મપત્ની ભૂરીબેન અને તેમજ પોષ વદ
૦)) ને બુધવારના રોજ ભાઈશ્રી લાલચંદ રૂગનાથ તથા તેમના ધર્મપત્ની સમજુબેન–એ ચારેયે પૂ.
ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી. તે બદલ તેમને અભિનંદન.
* * * * *
સૂચના : પરમ પૂજ્ય ગુરુદેવશ્રી હાલ સૌરાષ્ટ્રમાં વિહારમાં હોવાથી, તેમજ આ અંક વહેલો પ્રસિદ્ધ કરવાનું
હોવાથી, મેટરના અભાવે આ અંક ૧૬ પાનાંનો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. બાકી રહેતા ચારપાના હવે
પછીના અંકમાં વધારે આપવામાં આવશે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૮૮ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૬ :
આત્માની સમજણનો ઉપદેશ
[બોટાદમાં પરમપૂજ્ય ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન : માહ વદ ૭]
‘સદ્બોધ ચંદ્ર–ઉદય’ની આ સાતમી ગાથા છે. તેમાં આત્માની સમજણ કરાવે છે. અનંતકાળમાં
ચૈતન્ય જાતનો મહિમા એક સેંકડ પણ આવ્યો નથી. આત્મા શરીરાદિ પર પદાર્થોનું તો કાંઈ કરી શકતો
નથી કેમકે તે પદાર્થો સત્ છે, તેનું ફરવું તે તેને આધીન છે, બીજો તેમાં કાંઈ ફેરફાર કરી શકે નહિ, જડ
વસ્તુનો વેપાર આત્મા કરી શકે નહિ. અજ્ઞાની જીવ રાગ–દ્વેષનો વેપાર પોતામાં કરે છે, જ્ઞાની જ્ઞાનનો
વેપાર કરે છે. જગતના તત્ત્વો સ્વતંત્ર છે ને આત્મા તેનો દ્રષ્ટા છે. એના ભાનવિના અજ્ઞાની જીવ
સન્નેપાતીયાની જેમ બકે છે કે ‘હું આનું કરું.’ જેમ સન્નેપાતીઓ ઘડીકમાં કહે કે ‘આવો ભાઈ, આવો!’
પછી તરત જ કહે કે ‘કેમ આવ્યો? અહીં તારા બાપનું શું દાટયું છે?’ એમ આગળ પાછળના બોલવાની
તેને જરા ય સંધિ નથી, તેમ અજ્ઞાની વસ્તુ સ્વરૂપને જાણ્યા વગર જેમ તેમ બકે છે. જીવ જ્ઞાનભાવ કરે
અને કાં તો વિકારભાવ કરે, એ સિવાય પરનું કાંઈ કરી શકે નહિ. અનાદિથી મૂઢ અજ્ઞાની જીવને ‘પરનું હું
કરું’ એવો અહંકાર છે, વિષય–ભોગ–આબરૂના ભાવ તે અરૂપી પાપ વિકાર છે. અને દયા–દાન–પૂજા
ભક્તિના ભાવ તે અરૂપી પુણ્ય વિકાર છે, અજ્ઞાની તે પુણ્ય–પાપના વિકારના કર્તૃત્વમાં રોકાણો છે, પણ
વિકાર રહિત જ્ઞાનસ્વરૂપી આત્મા છે તેને તે જાણતો નથી. અનંતકાળમાં એક સેકંડ પણ શુદ્ધ આત્માનું
સાચું જ્ઞાન કર્યું નથી. જેમ બીજ ઊગી તે પૂર્ણિમા થાય જ, તેમ એક સેકંડ માત્ર જો શુદ્ધ આત્માનું સાચું
જ્ઞાન કરે તો સદ્બોધરૂપી ચંદ્રમા ઊગે અને પૂર્ણતા થાય જ.
આત્મા શરીરથી, વાણીથી, પુસ્તકથી કે મનથી ઓળખાય તેવો નથી. શરીરાદિ તો પર પદાર્થ છે, તે પર
વડે સ્વપદાર્થ જણાય નહિ; આત્મા તો અંદરના જ્ઞાનથી જણાય છે. તે સમજ્યા વગર કોઈ રીતે કલ્યાણ નથી.
ચૈતન્ય તો મનના સંકલ્પ–વિકલ્પથી પેલે પાર છે, તે બધાને જાણનાર છે. પરની અવસ્થા તેના સ્વતંત્ર કારણે
થાય છે, છતાં મારા કારણે થાય છે–એમ અજ્ઞાની માને છે તે તેનો ભ્રમ છે. આત્મામાં તો દ્રષ્ટાપણું છે; શરીર
અને આત્મા ભિન્ન પદાર્થ છે, બંનેના સ્વભાવ ભિન્ન છે, છતાં એક બીજાનું કાંઈ કરે એમ માન્યું તેણે બે તત્ત્વો
સ્વતંત્ર ન માન્યા. જે પદાર્થો બિલકુલ ન હોય તે નવા ઉત્પન્ન થાય નહિ, ને જે પદાર્થ હોય તે સર્વથા નષ્ટ થાય
નહિ, પણ જે પદાર્થ હોય તે પોતે સ્વભાવથી જ બદલ્યા કરે છે. શરીરની અવસ્થા બદલે તે આત્માનું કાર્ય નથી.
જગતના જડ ને ચૈતન્ય પદાર્થો ભિન્ન ભિન્ન છે, તેમાં રૂપાંતર થઈને જે જે અવસ્થા થાય તે તે તેનું કાર્ય છે, ને તે
પદાર્થ તેનો કર્તા છે. પરથી જુદો પોતાનો સ્વભાવ છે, તેને જીવ જાણે તો જુદાઈ (–મુક્તિ) થયા વિના રહે
નહિ.
શરીરથી તો આત્મા જુદો છે, ને અંદર જે પુણ્ય–પાપના વિકલ્પો ઊઠે તે ક્ષણિક છે. આત્મા મન અને
વચનથી અગોચર છે. ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તે નિત્ય ટકીને બદલનાર છે. એનું માહાત્મ્ય આવે તો તેમાં
રમણતારૂપ ચારિત્ર પ્રગટે. પણ તે ચૈતન્ય મૂર્તિ આત્મા કેમ જણાય? કોઈ દેવ–ગુરુ–શાસ્ત્રદ્વારા કે પુણ્ય–પાપ
દ્વારા તે જણાય તેવો નથી, જો તે પરથી જણાતો હોય તો તેની સ્વતંત્રતા રહેતી નથી, તે પોતે પોતાના જ્ઞાનથી
જણાય છે. અનંતકાળમાં એક સેકંડ પણ પરથી ભિન્ન ચૈતન્યનો વિવેક જીવે કર્યો નથી, જો એક ક્ષણ પણ એવું
ભેદજ્ઞાન એટલે કે સાચી સમજણ પ્રગટ કરે તો મુક્તિ થયા વિના રહે નહિ.
હું પુણ્ય–પાપનો કર્તા એમ જેણે માન્યું તેણે વિકારને ઈષ્ટ માન્યો છે. કર્તાનું ઈષ્ટ તે કર્મ. આત્માને જે ઈષ્ટ
લાગે તેનો તે કર્તા થાય. અજ્ઞાની પુણ્ય–પાપનો કર્તા થાય છે, એટલે તેને વિકાર ઈષ્ટ લાગે છે, ને વિકાર
વગરનો જે નિર્મળાનંદ ચૈતન્ય સ્વભાવ ત્રિકાળ છે તેની પ્રીતિ નથી. નિર્વિકાર ચૈતન્ય સ્વભાવ છે તે વિકાર
દ્વારા જણાતો નથી. નિર્વિકાર સ્વભાવના ભાનમાં જ્ઞાની વિકારના કર્તા થતા નથી, વિકાર થાય તેને તે ઈષ્ટ
માનતા નથી, તેથી તે તેના કર્તા નથી.
એક સમયના વિકારનું કર્તાપણું જેણે માન્યું તેણે

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૬ : આત્મધર્મ : ૮૯ :
વિકાર રહિત જે ત્રિકાળ સ્વભાવ છે તેનો અનાદર કર્યો, ને વિકારનો આદર કર્યો, તે મોટો અધર્મી છે. અજ્ઞાનીને
આત્માનું ભાન નથી તેથી તે વિકારનો કર્તા થાય છે, અને રાગ દ્વારા આત્માની સમજણ થશે એમ તે માને છે.
ખરેખર આત્માના સત્ સ્વભાવમાં રાગનો અભાવ છે. સત્ની શરૂઆત સત્થી થાય; અસત્થી સત્ની શરૂઆત
ન થાય. ધર્મની શરૂઆત સાચી સમજણથી થાય પણ રાગથી ધર્મની શરૂઆત થાય નહિ.
આત્માએ શું કરવું જોઈએ?
આત્મા શું કરી શકે છે?
અને આત્મામાં શું થઈ રહ્યું છે? તેનું અજ્ઞાનીને ભાન નથી. તાવડીની કિનારમાંથી પૂર્ણિમા ન થાય, પણ
બીજમાંથી થાય, તેમ શરીરની ક્રિયા, રાગ કે પુણ્યમાંથી કેવળજ્ઞાન ન થાય, પણ સમ્યગ્જ્ઞાન રૂપી ચંદ્રમાંથી
કેવળજ્ઞાન થાય છે. સાચું ભાન થયા પછી જ્ઞાનીને રાગ થાય પણ અંતરમાંથી આત્મભાન ખસતું નથી, ને
રાગને કર્તવ્ય માનતા નથી.
સર્વજ્ઞ ભગવાનની વાણીમાં પૂર્ણ ઉપદેશ આવે છે, છદ્મસ્થ જીવ તેવો પૂર્ણ ઉપદેશ કરી શકે નહિ, છતાં
સમ્યગ્જ્ઞાની હોય તે સમ્યક્ ઉપદેશ આપી શકે. કેવળી ભગવાનની સભામાં જઈને જીવે ઉપદેશ સાંભળ્‌યો પણ
અંતરમાં પાત્ર થઈને સમજ્યો નહિ. જેમ કંદોઈની દુકાને ઝેર ન મળે, તેમ જ્ઞાની પાસેથી જેના વડે સંસાર વધે
એવો ઉપદેશ હોય નહિ. પણ જીવની પોતાની પાત્રતા વગર કલ્યાણ થાય નહિ.
આત્મા પોતાની ભૂલે રખડયો છે, ને પોતે ભૂલ ભાંગીને ભગવાન થાય છે. એ સિવાય કોઈ ભગવાને
આત્માને રખડાવ્યો નથી ને ભગવાન તારતા પણ નથી. ‘હે ભગવાન! તું મને તાર!’ એમ માને તો તેના
પેટામાં એમ આવ્યું કે ‘હે ભગવાન! અત્યાર સુધી તેં મને રખડાવી માર્યો.’ કોઈક મને ડુબાડે ને કોઈક મને
તારે એવી પરાધીન દ્રષ્ટિ જ જીવને રખડાવે છે.
અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે પ્રભો!
આત્મા શરીરથી–વાણીથી કે રાગથી જણાતો નથી, શું આત્મા આકાશના ફૂલની જેમ અવસ્તુ છે? કે સત્
વસ્તુ છે? જેમ આકાશનું ફૂલ આંખથી–મનથી કોઈ રીતે જણાતું નથી, તેમ શું આત્મા કોઈ રીતે જણાતો નથી?
શ્રીગુરુ ઉત્તર કહે છે કે હે શિષ્ય! આત્મા પુણ્ય–પાપના વિકારથી કે જડથી જણાતો નથી, પણ તેથી તેનું
નાસ્તિપણું થઈ જતું નથી. કેમકે આત્મા સ્વાનુભૂતિથી જણાય તેવો છે. મનનું અવલંબન અને વિકાર ટળી જતાં
જે એકલું જ્ઞાન રહી ગયું તેનાથી આત્મા જણાય છે. ચૈતન્યતત્ત્વ સ્વાનુભવથી જણાય છે, એ સિવાય બીજી રીતે
જણાતું નથી. રાગરહિત ચૈતન્યસ્વભાવનું સત્સમાગમે માહાત્મ્ય કરતાં તે સ્વાનુભવથી જાણી શકાય છે, એ
સિવાય બીજા ઉપાય નિરર્થક છે. આકાશનું ફૂલ તો વસ્તુ જ નથી તેથી તે ક્યાંથી જણાય? આત્મા તો સત્ વસ્તુ
છે. આત્માને સ્વસંવેદન વડે જાણી શકાય છે, પણ તેને વાણીદ્વારા પૂરો વર્ણવી શકાય નહિ. છતાં જ્ઞાનીના
ઉપદેશના નિમિત્તથી પાત્ર જીવ અંતરમાં પોતાની લાયકાતથી સમજી જાય છે. જે ચૈતન્યસ્વભાવ ને જાણવા
તૈયાર થયો તેને ચૈતન્ય જણાય તેવો છે. જે ચૈતન્યસ્વભાવને જાણે તેને એમ થઈ જાય કે અહો! મેં મારા
સ્વભાવનું માહાત્મ્ય અનંતકાળમાં કદી જાણ્યું ન હતું. મારા સ્વભાવનું પરિપૂર્ણ માહાત્મ્ય મારામાં છે, તે મન–
વાણીથી પાર છે, રાગથી પાર છે. આવા આત્માને જાણવાનો પ્રયત્ન કરે તેને તે જણાય તેવો છે. અનંત
આત્માઓ આવા આત્માને જાણીને મુક્ત થયા છે, ને જેઓ મુક્ત થશે તે આત્મસ્વભાવને જાણીને જ થશે.
વર્તમાનમાં એવા આત્માને જાણીને જીવો મુક્ત થાય છે. અંતરમાં ચૈતન્યની બાદશાહી છે તેનો નકાર કરીને, જડ
પૈસાથી પોતાની મોટાઈ માને છે તે સંસારમાં રખડવાનું મૂળ છે. આત્મસ્વભાવને જેમ છે તેમ સ્વાનુભવથી
જાણવો તે જ મુક્તિનો ઉપાય છે. તેથી આચાર્યદેવ કહે છે કે તારી ચૈતન્ય જાતને તું સ્વાનુભવથી જાણ તો તે
જણાય તેમ છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
પૂ. ગુરુદેવશ્રી હાલ સૌરાષ્ટ્રમાં વિચરી રહ્યા છે. તેઓશ્રી મોરબી પધાર્યા તે દરમિયાન મહા સુદ ૧૫
ને ગુરુવાર તા. ૨–૨–૫૦ ના રોજ વૈદરાજ ભાઈશ્રી હીરાચંદ કૃપાશંકર તથા તેમના ધર્મપત્ની શારદાબેન–
એ બંનેએ સજોડે પૂ. ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે. તે બદલ તેમને ધન્યવાદ.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૯૦ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૬ :
અહ, ચતન્ય રત્ન!
[વઢવાણ કેમ્પમાં પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રીનું પ્રવચન પોષ વદ ૧૧]
જેને આત્માનો ધર્મ કરવો છે તેણે ધર્મ શું ચીજ કહેવાય? અને તે ક્યાંથી પ્રગટે? તે પ્રથમ જાણવું
જોઈએ. કારણ કે–
‘ધરમ ધરમ કરતો જગ સહુ ફીરે,
ધરમ ન જાણે હો મર્મ, જિનેશ્વર!’
આખું જગત ધરમ. ધરમની વાતો કરે છે, પરંતુ ધર્મનો મર્મ શું? ધર્મનું સાચું સ્વરૂપ શું? ધર્મ ક્યાં રહેતો
હશે? ધર્મ શેમાં થતો હશે? તેના સાચા સ્વરૂપની લોકોને ખબર નથી. ધર્મ શું શરીરની ક્રિયામાં થતો હશે?
શરીરની ક્રિયા તો જડની અવસ્થા છે, જડમાં આત્માનો ધર્મ થતો હશે? વળી, આત્મામાં દયા, દાન તથા
પૂજાદિના ભાવો થાય છે તે શુભરાગ છે,–આત્માની વિકારી દશા છે. તે વિકારી દશાથી આત્માની અવિકારી
નિર્મળ દશારૂપ ધર્મ થતો હશે? વિકારથી અવિકારી સ્વભાવ પ્રગટે નહિ. એ પ્રમાણે ધર્મના મર્મની ખબર નહિ
હોવાથી લોકોની રુચિ પરમાં જ છે; ‘દેહ, વાણી વગેરે પરથી ભિન્ન હું ચૈતન્ય, જ્ઞાનાનંદ તત્ત્વ છું’ એવું ભાન ન
કરે ત્યાંસુધી પરની રુચિ ખસે નહિ.
તે જ્ઞાનાનંદ સ્વરૂપ ચૈતન્ય તત્ત્વની રુચિ કરાવવાને માટે આચાર્ય ભગવાન ચૈતન્યસ્વરૂપ આત્માની
મહિમા નીચેના શ્લોક દ્વારા કહે છે.
तदेवैकं परं रत्नं सर्वशास्त्रमहोदधेः।
रमणीयेषु सर्वेषु तदेकं पुरतः स्थितम्।।
પદ્મનંદી–એકત્વ–અશિતિ. ગા. ૪૩.
તે જ એક (ચૈતન્યસ્વરૂપ આત્મા જ એક) સર્વ શાસ્ત્રરૂપી મહા સમુદ્રનું ઉત્કૃષ્ટ રત્ન છે, (લોકમાં) સર્વ
રમણીય પદાર્થોમાં તે જ એક (ચૈતન્યસ્વરૂપ આત્મા જ એક) (સર્વની) આગળ (–સર્વ પ્રથમ) રહેલો છે.
ચૈતન્યસ્વરૂપ આત્મા એક જ ઉત્કૃષ્ટ રત્ન છે. જ્ઞાનીઓને બધાં શાસ્ત્રોરૂપી સમુદ્રને ડોળતાં આ એક ચૈતન્ય
રત્ન જ પ્રાપ્ત થયું. ચૈતન્ય આત્મા જાણનાર અને દેખનાર સ્વભાવી પદાર્થ છે. તે જ્ઞાન, દર્શન, આનંદ વગેરે અનંત
ગુણોના સમુદાયરૂપ અખંડ એક પદાર્થ છે. શરીર વગેરે જડ પદાર્થોથી ભિન્ન છે, એવા ભિન્ન ચૈતન્યને જાણ્યા વિના,–
તેની સાચી ઓળખાણ કર્યા વિના, બહારના ક્રિયાકાંડમાં કષાય મંદ કરે તો પુણ્ય થાય, પરંતુ તે મંદ કષાય ધર્મ નથી;
અને ક્રિયાકાંડમાં જડની ક્રિયાનો કર્તા થાય તથા શુભરાગ–મંદ કષાયને ધર્મ માને તો સાથે મિથ્યાત્ત્વરૂપી મહા પાપ
થાય. માટે દેહાદિની ક્રિયાથી ભિન્ન તથા શુભાશુભ વિકાર રહિત ચૈતન્યસ્વરૂપ આત્માને સમજ્યે જ છૂટકો છે. જીવે
અનાદિકાળથી આત્માને જાણ્યો નથી. આત્મા અનાદિ અનંત છે. જીવોએ અનંતકાળથી આત્મા કોણ? તેની
ઓળખાણ એક સેકન્ડ પણ કરી નથી. આત્મા દેહથી જુદો પદાર્થ છે અને દેહ જડ, રૂપી પુદ્ગલોના ઢીંગલારૂપ જુદો
પદાર્થ છે. દેહના–વાણીના રજકણે રજકણની ક્રિયા સ્વતંત્ર છે. આત્માની ઈચ્છાથી શરીરની ક્રિયા થતી નથી. જો શરીર
ઉપર ઈચ્છા કામ કરતી હોય તો શરીરમાં રોગ હોય તેને મટાડી દે, પણ ઈચ્છાથી રોગ મટતો નથી; અને જો ઈચ્છાથી
વાણી નીકળતી હોય તો ઈચ્છા ઘણી હોવા છતાં પક્ષઘાતવાળા, લકવાવાળા બોલી શકતા નથી, તોતડી જીભવાળા
સ્પષ્ટ ભાષા બોલવાની ઘણી ઈચ્છા કરે છે, પરંતુ સ્પષ્ટ બોલી શકતા નથી, માટે આત્માનો જડ એવા દેહ, વાણી આદિ
પર પદાર્થ ઉપર અધિકાર નથી, તેઓ આત્માથી ભિન્ન સ્વતંત્ર એવાં પુદ્ગલોનાં રજકણોની અવસ્થાઓ છે, અને
આત્મા તેમનાથી ભિન્ન માત્ર જાણનાર–દેખનાર સ્વભાવરૂપ, જ્ઞાન, આનંદ આદિ પોતાના સ્વભાવોથી અભિન્ન વસ્તુ
છે, તે અનાદિ અનંત શાશ્વત પદાર્થ છે. તેને કોઈએ નવો બનાવ્યો નથી અને તેનો કદી સર્વથા નાશ થતો નથી, પણ
પોતાના સ્વભાવોથી કાયમ રહીને તેની અવસ્થામાં રૂપાંતર થાય છે, તે તેની હાલતો–પર્યાયો બદલીને શક્તિરૂપે–મૂળ
સ્વભાવરૂપે કાયમ રહે છે. મૂળ સ્વભાવરૂપ પદાર્થ–દરેક પદાર્થ, જીવ કે જડ–કદી નવો થતો નથી તેમ જ ભવિષ્યમાં
કદી તેનો નાશ થતો નથી, માત્ર ટકીને અવસ્થા–વર્તમાન હાલત–પર્યાય બદલે છે. જેમકે જીવ કાયમ ટકીને પોતામાં
જુદા જુદા ભાવો ક્ષણે ક્ષણે બદલે છે, ઘડીકમાં તીવ્ર

PDF/HTML Page 12 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૬ : આત્મધર્મ : ૯૧ :
ક્રોધ કરે અને પછી એકાદિ સેકન્ડ પછી તરત જ પશ્ચાત્તાપ કરે કે ‘વડીલોની સમક્ષ મેં આ ક્રોધ કર્યો તે બહુ ખોટું
કર્યું’ વગેરે અનેક પ્રકારના ભાવો જીવ કરે છે અને બદલે છે. જડમાં પણ શરીર પ્રથમ બાળ હોય પછી યુવાન,
વૃદ્ધત્વાદિ અવસ્થારૂપે કે નીરોગ અવસ્થાથી રોગાદિ અવસ્થારૂપે અને રોગ અવસ્થાથી નીરોગ અવસ્થારૂપે
બદલે છે. એ પ્રમાણે દરેક જીવ પદાર્થ તેમ જ દરેક જડ પદાર્થ ભિન્ન ભિન્ન, કાયમ ટકીને પોતાની અવસ્થામાં
બદલે છે, જીવ તેમ જ જડ બન્નેના સ્વભાવો ભિન્ન છે, બંનેની હયાતી જુદી છે. કોઈ એકબીજાનું કાંઈ કરતા
નથી. જડ જડના સ્વભાવે ટકીને બદલે છે અને ચેતન પોતાના સ્વભાવે ટકીને સ્વભાવરૂપ કે વિભાવરૂપ બદલે
છે. જ્યાંસુધી આત્માની સાચી ઓળખાણ ન હોય ત્યાંસુધી વિભાવરૂપ બદલે છે, અને સાચી સમજણ કરી તેટલે
અંશે સ્વભાવરૂપ અવસ્થા થઈ, પછી જે કાંઈ થોડો રાગાદિ વિકારનો ભાગ છે તેને સ્વભાવની દ્રષ્ટિવડે
પુરુષાર્થથી અનુક્રમે ટાળીને સ્વભાવરૂપ પૂર્ણ અવસ્થા પ્રગટ કરશે. આવું યથાર્થ ભાન જીવોએ અનાદિકાળથી
એક સેકન્ડ પણ કર્યું નથી, અને જો એક સેકન્ડ માત્ર પણ આવા આત્માનું ભાન યથાર્થપણે કર્યું હોય તો તેને
જન્મ–મરણમાં ભટકવાનું રહે નહિ. અલ્પકાળમાં તે મુક્તદશાને પામે.
માટે આત્માની સાચી સમજણરૂપ ધર્મ જેને કરવો છે તેણે સત્ સમાગમ વડે શાસ્ત્રરૂપી દરિયામાંથી શું
શોધવું? અનંત જ્ઞાનીઓ–મુનિઓ થઈ ગયા, તેમણે શાસ્ત્રરૂપી દરિયામાંથી આ એક ચૈતન્ય રત્નને જ શોધ્યું છે,
તે ચૈતન્ય તત્ત્વ કેવું છે? આત્મામાં દયા, દાન વગેરે લાગણીઓ થાય તે શુભ છે, પુણ્ય છે અને હિંસા, જૂઠું વગેરે
લાગણીઓ થાય તે અશુભ છે, પાપ છે. બન્ને પ્રકારની લાગણીઓ વિકાર છે, આત્માનો ખરો સ્વભાવ નથી,
જેમ સ્ફટિક મણિમાં રાતાં–કાળાં લૂગડાંના સંબંધે રાતી–કાળી ઝાંય દેખાય તે સ્ફટિકનો મૂળ સ્વભાવ નથી.
સ્ફટિકનો મૂળ સ્વભાવ તો ઊજળો, રાતી, કાળી ઝાંય વગરનો છે; તેમ આ ચૈતન્ય રત્નમાં પુણ્ય–પાપની
લાગણી થાય તે તેનો ખરો સ્વભાવ નથી, વિકાર છે અને તે વિકાર ટાળ્‌યો ટળી જાય છે, માટે ખરેખર પુણ્ય–
પાપ આત્માના નથી.
શરીર, મન તથા વાણી વગેરે પર પદાર્થનો તો આત્મામાં ત્રિકાળ અભાવ છે; કારણ કે દરેક તત્ત્વ સ્વપણે
છે અને તે જ તત્ત્વ પરપણે નથી, આત્મા–ચૈતન્ય રત્ન પોતાપણે છે અને તે જ ચૈતન્ય રત્ન શરીરાદિપણે નથી,
માટે ચૈતન્યનો શરીરાદિમાં અભાવ છે અને શરીરાદિનો ચૈતન્યમાં અભાવ છે. તેથી ચેતન તેમ જ જડ તત્ત્વો
ત્રણે કાળે ભિન્ન ભિન્ન વર્તી રહ્યા છે.
વળી, જીવનો સ્વભાવ કેવો છે કે :–
‘જિન નિરમલતા રે રતન સ્ફટિકતણી,
તિમ એ જીવ સ્વભાવ;
તે જિન વીરે રે ધર્મ પ્રકાશીયો,
પ્રબલ કષાય–અભાવ........... શ્રી
એ પ્રમાણે શરીર, મન તથા વાણીથી ભિન્ન તેમ જ રાગાદિ વિકારથી રહિત એવા પોતાના ચૈતન્ય
રત્નનો નિર્ણય કરવો કે ‘હું ત્રિકાળી શુદ્ધ સ્વાભાવિક એક ચૈતન્ય રત્ન છું, તેને ભગવાન ધર્મ કહે છે.
પ્રશ્ન :– આ તો સમજણની વાત કરી પણ અમારે કરવું શું?
ઉત્તર :– ભાઈ! શું કરવું? અને જીવ શું કરી શકે છે? તેનો આ ઉત્તર છે. આત્મામાં પરનો અભાવ છે
અને પરમાં આત્માનો અભાવ છે. તેથી તેઓ એક બીજાનું કાંઈ કરી શકતા નથી. અજ્ઞાનીને આ પ્રમાણે
પદાર્થના ભિન્નપણાનું, જુદાપણાનું જ્ઞાન નહિ હોવાથી પરથી ભિન્ન આત્માનું પૃથક્પણું તેને શ્રદ્ધા–જ્ઞાનમાં એક
સેકન્ડ પણ આવતું નથી, તેથી પરનું કરું એવી ભ્રમણા તેને થાય છે.
આત્મા પર પદાર્થનું તો કાંઈ કરતો નથી, પરંતુ પુણ્ય–પાપની લાગણી થાય તે પણ કૃત્રિમ છે, ક્ષણિક
ઔપાધિકભાવ છે. તેનાથી આત્માને ધર્મ થતો નથી. અજ્ઞાનીને ‘પુણ્ય–પાપ તે હું, પુણ્ય–પાપ મારાં, એનાથી મને
ધર્મ થાય’ એવી બુદ્ધિ ખસતી નથી. પુણ્ય–પાપ વિકાર છે; વિકારથી આત્માનો નિર્વિકારી ધર્મ થાય નહિ, અજ્ઞાનીને
વિકારથી ધર્મ થાય એ માન્યતા ફેરવ્યે છૂટકો છે; માન્યતા ફેરવ્યા સિવાય ધર્મનો બીજો કોઈ ઉપાય નથી.
શરીર, વાણી તથા મનનાં રજકણો ત્રિકાળી સ્વતંત્ર પદાર્થ છે. તે રજકણોમાં રૂપાંતર–જુદી જુદી
અવસ્થાઓ થાય છે. તે જુદી જુદી અવસ્થાઓમાં આત્માને કોઈ

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૯૨ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૬ :
અનુકૂળ કે પ્રતિકૂળ નથી. શરીરનાં રજકણોમાં નીરોગ અવસ્થા આત્માને અનુકૂળ નથી અને તેમાં રોગ અવસ્થા
આત્માને પ્રતિકૂળ પણ નથી, તે તો જ્ઞાતાનું–ચૈતન્ય તત્ત્વનું–જ્ઞેય છે. જ્ઞાતા ચૈતન્ય તત્ત્વને ભૂલીને પરથી મને
લાભ તેમ જ નુકસાન થાય એવી માન્યતા કરે તે તેનો ભ્રમ છે, અજ્ઞાન છે. તેને ટાળવાનો ઉપાય ચૈતન્ય તત્ત્વને
યથાર્થપણે ઓળખવો તે છે. ભગવાન સર્વજ્ઞોએ આ એક જ ઉપાય કહ્યો છે, તથા અનંત જ્ઞાનીઓએ–સંત
મુનિઓએ શાસ્ત્રરૂપી દરિયામાંથી આ સાર કાઢ્યો છે કે ચૈતન્ય તત્ત્વની રુચિ કરો ને પરની રુચિ છોડો.
આત્મા જ્ઞાન, દર્શન, આનંદ, વીર્ય આદિ અનંત ગુણોનો પિંડ પરમાત્મા છે. તેનામાં શક્તિરૂપે
પરમાત્મપણું ભર્યું પડ્યું છે, અને અવસ્થામાં સમ્યગ્જ્ઞાનના પુરુષાર્થ વડે તે વ્યક્ત થાય છે. જો તેનામાં
પરમાત્મપણું શક્તિરૂપે ન જ હોય તો તે અવસ્થામાં વ્યક્તિરૂપે પ્રગટતારૂપે–ક્યાંથી આવે? ન હોય તેમાંથી આવે
નહિ–અભાવમાંથી પરમાત્મપણું આવે નહિ. વળી, પરમાત્મપણું પ્રગટે છે તે બહારથી–શરીરની ક્રિયાથી કે દયા–
દાન, વ્રત–તપ વગેરે શુભ ભાવોથી પ્રગટતું નથી. શરીર અને તેની ક્રિયા જડ છે, રૂપી છે; તેમાંથી કે તેનાથી
ચૈતન્યનું પરમાત્મપણું–મોક્ષ–પૂર્ણ નિર્વિકારી શાંત દશા પ્રગટે નહિ. દયા–દાન આદિ શુભભાવ તો ચેતનનો
વિકાર છે. વિકારમાંથી નિર્વિકારીદશા પ્રગટે નહિ. પરંતુ અંદર ચૈતન્યસ્વભાવમાં જ્ઞાન આદિ ત્રિકાળી શક્તિઓ
ભરી પડી છે તેમાંથી ચૈતન્યની પૂર્ણદશા–મોક્ષ પ્રગટે છે. જેમકે મોરના ઇંડાંના રસમાં, સાડા ત્રણ હાથનો, મોટા
પીંછાવાળો, કેકારવ કરતો, મોર થવાની તાકાત છે. ઇંડાંમાં મોર થવાની શક્તિ, ઢેલની પાંખથી તેને સેવવામાં
આવ્યું માટે નથી આવી. જો ઢેલની પાંખને લઈને મોર થવાની તાકાત આવી હોય તો કુકડીના ઇંડાંને સેવે
તેમાંથી પણ મોર થવો જોઈએ, પણ તેમ થતું નથી. માટે ઢેલની પાંખના સેવનથી મોરના ઇંડાંમાં મોર થવાની
તાકાત નથી આવી, વળી, ઇંડાં ઉપરની જે ધોળી ફોતરી, તેને કારણે પણ મોર થવાની તાકાત નથી આવી, કેમકે
મોર તો તે ફોતરીને ફોડીને ને ફોતરીનો નાશ કરીને ઇંડાંમાંથી બહાર આવે છે; ધોળી ફોતરી ફૂટયા પછી મોર
બહાર આવે છે. માટે ફોતરી મોર થવાનું કારણ નથી, પણ ઇંડાંની અંદર જે રસકસ ભર્યો છે, તે રસમાં મોર
થવાની શક્તિ છે. તેમાંથી મોર થાય છે. તેવી રીતે શરીરની ક્રિયા ઢેલની પાંખ સમાન પર પદાર્થની ક્રિયા છે,
તેનાથી આત્માનો ધર્મ પ્રગટે નહિ, તેનાથી આત્માનો પરમાત્મ સ્વભાવ પ્રગટતો નથી. વળી ઇંડાંની ફોતરી
સમાન વ્રત, તપ, દયા, દાન આદિ શુભભાવમાંથી ધર્મ થતો નથી. શુભભાવ વિકાર છે; તે વિકારનો નાશ–વ્યય
કરવાથી ધર્મ પ્રગટે છે, માટે શુભભાવથી આત્માનો પરમાત્મ સ્વભાવ પ્રગટ થતો નથી. આત્માનો પરમાત્મ
સ્વભાવ તો અંદર સ્વભાવમાં જ્ઞાન આદિ શક્તિઓનો રસકસ ભર્યો છે તેમાંથી પ્રગટે છે.
જીવ ચૈતન્ય સ્વભાવને ચૂકીને પરની–પુણ્યની રુચિ કરે છે તે જ તેનું ભાવ મરણ છે.
શ્રીમદ્ રાજચંદ્ર સોળ વર્ષની ઉંમરે કહે છે કે :–
‘બહુ પુણ્યકેરા પુંજથી શુભદેહ માનવનો મળ્‌યો;
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્‌યો;
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો;
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો?
જ્ઞાનીઓ જગતના જીવોને કહે છે કે હે જીવો! ઘણા કાળે ઘણા પુણ્યના યોગે આ મનુષ્ય અવતાર મળે
છે. જીવોનો મોટો ભાગ અજ્ઞાન, મિથ્યાત્વ તથા રાગ–દ્વેષની તીવ્રતાને લીધે નિગોદ–બટાટા, સક્કરકંદ, અને
લીંમડા, પીપળાદિ એકેન્દ્રિયના ભવોમાં જન્મે–મરે છે. કેટલાય ઈયળાદિ બે–ઈન્દ્રિય, મકોડા આદિ ત્રણ–ઈન્દ્રિય
વગેરે યોનિમાં જન્મે છે અને મરે છે. તે બધામાં મનુષ્યભવની પ્રાપ્તિ ઘણી દુર્લભ છે. ઘણા પુણ્યના થોકે
મનુષ્યભવ, આર્યકુળ, સત્સમાગમનો યોગ મળે છે. મનુષ્ય દેહને શુભદેહ એટલા માટે કહેવામાં આવે છે કે,
મનુષ્ય ભવમાં, ‘શરીર આદિ પર પદાર્થથી ભિન્ન અને મિથ્યાત્વ–રાગ–દ્વેષના વિકારોથી રહિત આત્માનું સ્વરૂપ
શુદ્ધ જ્ઞાનાનંદ છે,’ એવા સત્–શ્રવણનો અને સત્ સમજવાનો અવકાશ, જો જીવ પોતે સત્સમાગમ કરીને સત્
સમજવાનો પુરુષાર્થ કરે તો, મુખ્ય છે. અનંતકાળે દુર્લભ મનુષ્યભવ મળે અને સાચું સમજવાની જીજ્ઞાસા કે
મહેનત ન કરે તો તે મનુષ્યભવમાં કે કાગડા–કૂતરાનાં ભવમાં કાંઈ તફાવત નથી; કારણ કે અન્ય પ્રાણીઓ પણ
આહાર–ભય આદિ ચાર સંજ્ઞામાં જીવન ગાળે છે, અને આણે મનુષ્યભવમાં પણ એ જ

PDF/HTML Page 14 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૬ : આત્મધર્મ : ૯૩ :
કામ કર્યું, તો મનુષ્યભવમાં અને અન્ય ક્ષુદ્ર ભવોમાં ફેર શું પડ્યો? મનુષ્યભવમાં, તો અન્ય ભવોમાં દુર્લભ
એવું, આત્માનું સાચું જ્ઞાન કરવાનું પ્રયોજન છે; અને એવું ભાન–સાચી ઓળખાણ કરે ત્યારે ઉપચારથી દેહને
પણ શુભ માનવ દેહ કહેવાય છે.
જ્ઞાની કહે છે કે, આવો માનવભવ મળ્‌યો, સાચું સમજવાનાં ટાણાં મળ્‌યાં તોયે અરે! ભવચક્રનો એકકે
આંટો ટળ્‌યો નહિ. અહીં એકની વાત લીધી છે, પણ સ્વભાવ દ્રષ્ટિ થતાં, એક આંટો ટળ્‌યો ત્યાં બધાં આંટા ટળી
ગયા. સ્વભાવનું ભાન થયા પછી જીવને ભવચક્રમાં રખડવાનું રહે નહિ, પુરુષાર્થની નબળાઈને લીધે અલ્પ
રાગાદિ રહે તો તેને એક–બે ભવમાં, સ્વભાવની દ્રષ્ટિના જોરે પુરુષાર્થ વધારીને ટાળી નાખશે. અને પૂર્ણ
પરમાત્મા થઈ જશે.
જગતના જીવોને, ‘આત્માનું સુખ આત્મામાં છે, પર પદાર્થમાં આત્માનું સુખ નથી, ઈન્દ્રિયના વિષયોમાં
સુખ નથી,’ આવું ભાન નથી, તેથી તેઓ બહારથી સુખ પ્રાપ્ત કરવા માગે છે–મથે છે. જ્ઞાનીઓ તેમને કહે છે કે
ભાઈ! તું ઈન્દ્રિય–સુખ, કે જે ખરેખર સુખ નથી. તેને પ્રાપ્ત કરવા માગે છે, પણ તે પ્રાપ્ત કરવા જતાં–પરમાં સુખ
છે, એવી મિથ્યા માન્યતામાં–અંદર અવિનાશી ચૈતન્યના વિષયાતીત, ઈન્દ્રિયાતીત અનાકુળ સુખનો ઘાત થાય
છે; અંદર અનાકુળ સુખ ટળી જાય છે; મિથ્યા માન્યતાને લીધે તથા રાગાદિ આકુળતાને લીધે અવસ્થામાં સહજ
સ્વાભાવિક સુખનો નાશ થાય છે. –એ જરી તો લક્ષમાં લો. ભાન કરીને સ્વભાવમાં વિશેષ રમણતા કરી ઠરી
જવાની વાત તો આગળ રહી, પણ પ્રથમ આટલું તો લક્ષમાં લો. અને આ જ્ઞાનાનંદ–સુખ સ્વભાવી આત્માનું
ભાન કર્યા વગર, ‘આ શરીર તે હું છું, પુણ્ય–પાપ મારો સ્વભાવ છે, પુણ્ય–પાપના વિકારી ભાવોથી મને સુખ
થાય છે, એવી મિથ્યા માન્યતારૂપ ભાવમરણમાં ક્ષણે ક્ષણે કાં રાચી રહો છો?
જુઓ ભાઈ! આત્માને ચોરાશીના અવતારમાં રઝળતાં અનંતકાળ થયો, કેમકે આત્મા છે ને અનાદિનું
તત્ત્વ છે. આત્મા અનાદિનું તત્ત્વ છે તો તેણે અત્યારસુધીનો અનંતકાળ ક્યાં કાઢ્યો? જો તે મુક્ત થયો હોય તો
ફરીને તેને અવતાર ન હોય, એટલે અત્યારસુધી જીવ સંસારમાં જ રખડયો છે. આત્મા અવસ્થામાં અનાદિનો
અશુદ્ધ છે, તે ન્યાયથી સમજાવવામાં આવે છે. જીવ વર્તમાનમાં પણ જે ક્રોધાદિ વિકાર ઘટાડવા માગે છે તે ફરીને
વિશેષ વિકાર થવા દેતો નથી. તો જેણે સ્વભાવનું સમ્યગ્જ્ઞાન કરી પૂર્ણ પુરુષાર્થ પ્રગટ કરી સર્વથા વિકાર ટળ્‌યો
ને પરમાત્મા થયો, તેને ફરીથી વિકાર થાય એમ બને જ નહિ. માટે જીવ પહેલાંં શુદ્ધ હતો ને પછી વિકાર થયો
એમ નથી. પણ તે અનાદિથી અવસ્થામાં ભૂલવાળો–વિકારવાળો છે.
અનાદિ સંસારમાં જીવ અનંતવાર પુણ્ય–પાપ કરીને ચાર ગતિમાં રખડયો છે, પણ પુણ્ય–પાપ રહિત
જ્ઞાનમૂર્તિ ચૈતન્ય તત્ત્વની એક સેકંડ પણ પ્રતીત કરી નથી. વિકાર અને પર વડે કલ્યાણ માનીને ચૈતન્યના
કલ્યાણને ચૂકી ગયો છે; ચૈતન્યના કલ્યાણને ચૂકવું તેને જ ભયંકર ભાવમરણ કહેવાય છે. તે ભાવમરણ તે જ
ચૈતન્ય ભગવાનના સ્વપદની હિંસા છે ને તે જ સ્વપદનો અનાદર છે.
બધાં શાસ્ત્રોના સારમાં જ્ઞાનીઓએ આ જ્ઞાનાનંદ, પરથી–વિકારથી ભિન્ન ચૈતન્ય રત્નને જ ઓળખવાનું
કહ્યું છે. બાકી પૂર્વના પ્રારબ્ધને લીધે જે સંયોગ–વિયોગ થાય તે ચૈતન્ય નથી, અને તે પ્રારબ્ધ પણ આત્માનું
નથી, અને જે ભાવે પ્રારબ્ધ બંધાયું તે ભાવ પણ આત્મા નથી, શરીરાદિ સંયોગોથી ભિન્ન, સંયોગોનું નિમિત્ત
પ્રારબ્ધ છે, તેનાથી પણ ભિન્ન, અને પ્રારબ્ધનું નિમિત્ત શુભાશુભ વિકાર તેનાથી પણ રહિત, એવા ચૈતન્ય
સ્વરૂપ આત્માનું ભાન કરે તે પરમાત્મા થાય. પરમાત્મા થયા પછી તેને અવતાર થાય નહિ.
સંસારમાં–લૌકિકમાં પણ જે જીવ પરસ્ત્રી આદિનો રાગ ઘટાડે છે, તે તેવો રાગ થવા દેતો નથી; તો જેણે
રાગરહિત ત્રિકાળી આત્મસ્વભાવને જાણીને વિકાર રહિત દશા પ્રગટ કરી તે જીવ ફરીને વિકાર કરીને અવતાર
ધારણ કરે–એમ બને નહિ.
મનુષ્ય તરીકે લૌકિક ભૂમિકામાં પણ પરસ્ત્રી–ત્યાગ આદિ તો હોય જ. તે તો સાધારણ વાત છે. એટલું
તો લૌકિકમાં પણ હોય જ એમ માનીને, આ તો આગળ આત્માની સાચી સમજણની અપૂર્વ વાત થાય છે.
ચૈતન્ય સ્વભાવની સાચી સમજણ કર્યા વિના જીવ અનાદિથી શુભ અને અશુભ વિકારો કરીને ચાર
ગતિમાં ભ્રમણ કરે છે. હિંસા શિકાર આદિ તીવ્ર પાપ પરિણામના ફળમાં તે નરકમાં ઊપજે છે;

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૯૪ : આત્મધર્મ : ફાગણ : ૨૦૦૬ :
તીવ્ર માયાના–કુટિલતાના ફળમાં તે ઢોરમાં ઊપજે છે. ભદ્રિક પરિણામના ફળમાં તે મનુષ્યમાં ઊપજે છે અને
કાંઈક દયા, દાન આદિ શુભભાવ કર્યા હોય તેના ફળરૂપે તે દેવમાં ઊપજે છે. એ પ્રમાણે નરક વગેરે ગતિઓ છે.
અને તે ન્યાયથી સિદ્ધ થાય છે. જેમકે, પ્રતિકૂળ જીવોને મારી નાખવાના ક્રૂર ભાવનું ફળ નરક છે. ખરેખર કોઈ
જીવ કોઈને પ્રતિકૂળ નથી, પરંતુ જીવે કલ્પના કરી છે કે આ મને પ્રતિકૂળ છે. સામા જીવોને મારી નાખવાના ક્રૂર
ભાવમાં જીવોને મારવાની સંખ્યાનું કે કાળનું માપ નથી, તેના પરિણામમાં ક્રૂરતાનું એટલું બધું જોર છે કે, સામે
ગમે તેટલા જીવો હોય, અને ગમે તેટલો કાળ મારવા પડે તોપણ બધાને મારી નાખું. આવા તીવ્ર ક્રૂર પરિણામનું
ફળ આ મનુષ્યભવમાં નથી; તેનું ફળ નરકમાં છે.
જે જીવે પુણ્ય–પાપને અધિક માન્યાં ને ચૈતન્યની અધિકતાને ભૂલ્યો, તેણે પુણ્યની લાગણીનો અહંકાર
કર્યો. પુણ્ય કરતાં ચૈતન્યની અધિકતા ન માની પણ પુણ્યની અધિકતાને માની. તેને તે પુણ્યના ફળથી અધિકાઈ
ભાસે છે. ને તેમાં અભિમાન કરે છે. શાસ્ત્રકાર આચાર્ય ભગવાન કહે છે કે આ એક ચૈતન્ય જ પરમ રત્ન છે.
શાસ્ત્રરૂપી સમુદ્રમાંથી તે એક ચૈતન્ય રત્ન જ જ્ઞાનીઓએ કાઢ્યું છે. એકત્વ ચૈતન્યસ્વભાવને ઓળખવો તે જ
શાસ્ત્રનો સાર છે. ‘શુભ અને અશુભ વિકાર હું નથી, ને વિકારરહિત ચૈતન્ય જ્ઞાનાનંદ હું છું’ એમ સ્વભાવનું
જોર થતાં વિકાર ટળ્‌યા વિના રહે નહિ. આ પ્રમાણે ચૈતન્યને ઓળખ્યા વગર જેટલું કરવામાં આવે તે બધું છાર
પર લીંપણ સમાન છે.
ચૈતન્ય સ્વભાવના ભાન વગર જે કંઈ પુણ્ય કરવામાં આવે તે છાર ઉપર લીંપણ સમાન છે. જેમ એક
હાથ રાખના દળ ઉપર લીંપણ કરવામાં આવે તો તે લીંપણ રાખ ઉપર ટકે નહિ. જેવું થોડુંક સુકાય ત્યાં પોપડા
ઊખડવા મંડે. લીંપણ તો કઠણ ભોં ઉપર ચાલે, રાખના દળ ઉપર ચાલે નહિ, તેમ ત્રિકાળી ચૈતન્યસ્વભાવના
ભાન વગર પર લક્ષે જે કાંઈ પુણ્ય કરવામાં આવે તે છાર પર લીંપણ સમાન છે. સ્વભાવનું ભાન નથી એટલે
થોડા કાળમાં તે પુણ્ય પલટીને પાપ થઈ જશે. તેનું પુણ્ય લાંબો કાળ ટકશે નહિ.
આ ચૈતન્ય એક પરમ રત્ન છે. જડ રત્નને જાણનાર પણ હું છું. તે જડ રત્નનો મહિમા નથી. પણ
‘અહો! હું ચૈતન્ય જ્ઞાતા રત્ન છું, ને પુણ્ય–પાપ તે અપરાધ છે,’ એમ અપરાધ વગરના ચૈતન્ય રત્નને જાણવો
તેનું નામ ધર્મ છે. આ ચૈતન્ય રત્નની પ્રતીતિ કર્યા વગર મિથ્યાદ્રષ્ટિએ ચોરાશી લાખ યોનિમાં અવતાર કર્યા છે.
ચૈતન્યસ્વભાવનો મહિમા ન આવતા, જેણે પુણ્ય–પાપને અધિકાઈ આપી, તેણે ચૈતન્યના જીવતરનું ખૂન કર્યું છે,
અને તે જ ભાવમરણ છે. ચૈતન્ય સ્વભાવને સમજ્યા વગર તે ભાવમરણ ટળે નહિ.
પ્રશ્ન :– અનંતકાળ ગયો પણ ન સમજ્યા, તો હવે શી રીતે સમજાય?
ઉત્તર :– અનંત કાળથી આત્માને સમજ્યો નથી એટલે શું અત્યારે ન સમજાય? શું સમજવાની તાકાત
ચાલી ગઈ છે? જેમ પાણી અગ્નિના નિમિત્તે સો વર્ષ સુધી ઊનું થવા છતાં, શું તેનો શીતળ સ્વભાવ ટળી ગયો
છે? ચૂલા ઉપર પડેલું ઊનું પાણી ઊલટું થતાં તે જ અગ્નિનો નાશ કરવાની તાકાતવાળું છે. તેમ અનંતકાળથી
ઊંધી રુચિના કારણે આત્માને સમજ્યો નથી. પણ હવે જો રુચિમાં ગુલાંટ મારે તો ક્ષણમાં સમજાય તેવું છે.
જ્ઞાનમાં આ ઊલટું કરવાની ક્રિયા થાય છે તે જ્ઞાનક્રિયા જગતને માનવામાં આવતી નથી. કંઈક બહારનું
કરવાનું જગત માગે છે. કાંઈક શરીરની ક્રિયા, પુણ્યના ભાવ કરવાનું કહો તો ઠીક, પણ ભાઈ! જે ઉપાય હોય તે
બતાવાય. જેમકે– કોઈ એક માણસના નામ સંબંધીનું અજ્ઞાન તેના નામના જ્ઞાનથી ટળે છે, બીજી ગમે તેટલી
ક્રિયા કરે, ખિસ્સામાંથી કોઈને રૂપિયા આપી દે, તડકે ઊભો ઊભો સુકાઈ જાય, કે મહિનાના ઉપવાસ કરીને
રોટલા છોડી દે, પણ તે બધું સામા માણસના નામનું અજ્ઞાન ટાળવાનો ઉપાય નથી; તેમ આત્મા સંબંધી અજ્ઞાન
આત્માના જ્ઞાનની ક્રિયાથી જ ટળે છે. સરવાળામાં ભૂલ હોય તે કોઈને રૂપિયા આપી દીધે ન ટળે, પણ જ્યાં
ભૂલ થઈ હોય તેને જાણીને ટાળે તો ટળે, તેમ ચૈતન્યમાં શુભાશુભ વિકારને મૂળ સ્વરૂપ માન્યું છે, તે
સરવાળામાં ભૂલ છે, તેને બદલ હું ચૈતન્ય છું, પુણ્ય–પાપ મારા સ્વભાવમાં નથી, એમ સાચી સમજણ કરતાં તે
ભૂલ ટળે છે. અંધારું ટાળવા માટે પ્રકાશ જ ઉપાય છે; પ્રકાશ થતાં અંધારું ટળી જાય

PDF/HTML Page 16 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૬ : આત્મધર્મ : ૯૫ :
છે, ટાળવું નથી પડતું. ચૈતન્યનો ભરોસો કરે તો અનંતકાળની મિથ્યા માન્યતા એક ક્ષણમાં ટળી જાય છે. શ્રીમદ્
રાજચંદ્ર આત્મસિદ્ધિમાં કહે છે કે–
‘કોટી વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય;
તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.’
સત્સમાગમ અને પાત્રતા વિના આત્મસ્વરૂપ સમજાય નહિ. જો સ્વરૂપનું ભાન કરે તો એક ક્ષણમાં
અનાદિનો વિભાવ દૂર થઈ જાય.
અહા! મારો આનંદ સ્વભાવ છે, સુખ મારો સ્વભાવ છે, પરમાં સુખ નથી. આચાર્યદેવ કહે છે કે ‘હે
અજ્ઞાની! જો તેં ક્યાંય પરમાં સુખ ભાળ્‌યું હોય તો બતાવ! અને અમે કહીએ છીએ તે ચૈતન્યની સમજણના
ઉપાયમાં ક્યાંય દુઃખ લાગ્યું હોય તો બતાવ! જો ભાઈ! અનંતકાળથી આ માર્ગ જાણ્યો નથી માટે તેને
સમજવાનો પ્રયત્ન કર! મુનિઓએ–જ્ઞાનીઓએ–આત્માર્થીઓએ શાસ્ત્રોમાંથી આ ચૈતન્ય રત્નને જ ગોત્યું છે.
એ જ અનંત કાળની મિથ્યાત્વરૂપી ભૂખ ભાંગવાનો ઉપાય છે. માટે બધા શાસ્ત્રોને તારવીને માખણ કાઢો તો
‘અહો! હું ચૈતન્ય શુદ્ધ ચિદાનંદ છું’ એવું એક આ ચૈતન્ય રત્ન જ નીકળે છે. આ સમજ્યો તે સર્વ શાસ્ત્રોનો
સાર સમજ્યો છે, ને જો આ ન સમજ્યો તો તેણે કાંઈ કર્યું નથી.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
સૌરાષ્ટ્રમાં પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના વિહાર દરમિયાન તેઓશ્રી વાંકાનેર પધાર્યા તે પ્રસંગે મહા વદ ૮ ને
શુક્રવારના રોજ ભાઈશ્રી છગનલાલ ભાઈચંદ શાહ તથા તેમના ધર્મપત્ની હેમકુંવરબેન એ બંનેએ સજોડે, તેમજ
ભાઈશ્રી અમૃતલાલ નરસિભાઈ શેઠ તથા તેમના ધર્મપત્ની જયાબેન એ બંનેએ સજોડે, પૂ
. ગુરુદેવશ્રી પાસે
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ માટે તે સર્વ ને ધન્યવાદ! આ બ્રહ્મચર્યના શુભપ્રસંગે તે દરેક
ભાઈઓએ રૂ
. ૧૦૦૧, શ્રી વાંકાનેર જૈન સ્વાધ્યાય મંદિરને અર્પણ કર્યા છે અને એ ઉપરાંત છગનભાઈ.
તરફથી રૂ. ૨૫૧, સોનગઢ જ્ઞાનખાતામાં તથા અમૃતલાલભાઈ તરફથી રૂ. ૧૦૨, બ્રહ્મચર્ય આશ્રમમાં
આપવામાં આવ્યા છે. આ બદલ તેમનો આભાર માનવામાં આવે છે.
અનુસંધાન પાના નં. ૮૪થી ચાલુ
(૧૨૧) જડ કર્મોને ટાળનાર આત્મા નથી
અહીં દ્રવ્યકર્મ અને શરીરાદિ સંયોગનો નાશ કરવાનું કહ્યું છે તે ઉપચારથી છે. ખરેખર આત્મા તેનો કર્તા
નથી. આત્માએ પોતાના સ્વરૂપમાં વીતરાગીસ્થિરતા કરી ત્યાં અશુદ્ધતાનો નાશ થયો અને અશુદ્ધતાનો નાશ થતાં
જ્ઞાનાવરણાદિ કર્મો સ્વયં ટળી ગયા. આત્મા એ તે કર્મો ટાળ્‌યાં એમ માત્ર ઉપચારથી કહેવાય છે.
(૧૨૨) શ્રીઅરિહંતદેવને શરીરાદિનો અભાવ કેમ?
વળી પરમાત્માને દેહાદિના સંયોગનો પણ નાશ કહ્યો છે. હવે, અરિહંતદેવ પરમાત્મા હોવા છતાં તેમને
શરીરનો સંયોગ તો હોય છે, છતાં ‘શરીરાદિ છોડીને પરમાત્મા થયા છે’ એમ કેમ કહ્યું? તેનું સમાધાન: શરીરાદિ
તો ત્રણે કાળે આત્માથી જુદાં જ છે, પરંતુ પહેલાંં તે પ્રત્યે મોહ તથા રાગ–દ્વેષ હતા, તે મોહ તથા રાગ–દ્વેષનો
અભાવ થયો તેથી શરીરાદિનો પણ અભાવ કહેવામાં આવ્યો છે એમ સમજવું.
(૧૨૩) અરિહંતદશામાં પ્રતિકૂળ સંયોગ હોતા નથી
સર્વજ્ઞ પરમાત્માને પૂર્ણદશા થઈ ગઈ છે પ્રતિકૂળતા સહન કરવાનું સાધકજીવને હોય, પણ જેઓ સહનશક્તિ
પૂરી કરીને વીતરાગતા કરીને પૂર્ણ થઈ ગયા તેમને બાહ્યમાં પણ પ્રતિકૂળ સંયોગો હોતા નથી, એટલે પરમાત્મદશા
ક્ષુધા–તૃષાદિ હોતા નથી.
(૧૨૪) સાધકજીવનો સ્વભાવ
સાધકજ્ઞાની જીવનું વલણ સ્વભાવ તરફ છે તેથી તેમને ગમે તેવા પ્રતિકૂળ સંયોગોમાં એકતાબુદ્ધિથી રાગાદિ
થતા નથી. છતાં હજી અધૂરી દશા છે–સાધકભાવ છે તેથી બાહ્યમાં પ્રતિકૂળ પ્રસંગ પણ હોય, પરંતુ સાધકજીવનું
વલણ સંયોગ તરફ હોતું નથી. ગમે તેવા સંયોગ વખતે પણ સાધકજીવો સ્વભાવની દ્રષ્ટિના જોરે શુદ્ધિમાં વૃદ્ધિ જ
કરે છે–એવો સાધકદશાનો સ્વભાવ છે; પૂર્ણદશા થઈ ગયા પછી તો બાહ્યમાં પણ પ્રતિકૂળ સંયોગો (–ક્ષુધા, તૃષા,
રોગ વગેરે) હોતા નથી.
(૧૨૫) આત્માર્થીઓએ ક્યા પરમાત્માનું ધ્યાન કરવું?
સર્વજ્ઞપરમાત્માએ પોતાના કેવળજ્ઞાનાદિનો પૂર્ણ લાભ પ્રાપ્ત કરી લીધો છે; એ પરમાત્મા જેવો જ તારો

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA Regd. No. B. 4787
સ્વભાવ છે; માટે હે પ્રભાકર ભટ્ટ! તું મિથ્યાત્વાદિ શલ્ય–રહિત થઈને તારા આત્માને પરમાત્મા જાણ! મુખ્યપણે
પ્રભાકરભટ્ટને સંબોધીને તે વખતે યોગીન્દ્રદેવે આ શાસ્ત્ર રચ્યું છે, પરંતુ સર્વ આત્માર્થી શ્રોતાઓને તે લાગુ પડે છે.
આ આત્માને તે પરમાત્માનું જ ધ્યાન કરવું યોગ્ય છે, એટલે કે ખરેખર પરમાત્મા જેવો પોતાનો જ
આત્મસ્વભાવ છે તેનું ધ્યાન કરવું યોગ્ય છે, ધ્યાન એટલે એકાગ્રતા. પુણ્ય–પાપમાં એકાગ્રતા કરવી તે
આર્ત્તધ્યાન છે, અને પરમાત્મા એટલે રાગાદિ રહિત જ્ઞાનસ્વભાવ; તે જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતા તે જ ધર્મધ્યાન
છે. આત્માનું સ્વરૂપ જ્ઞાન છે, તે જ્ઞાનની મર્યાદામાં પુણ્ય–પાપ નથી; એમ જ્ઞાનસ્વભાવને ઓળખીને તેમાં જ
એકાગ્રતા કરવા જેવી છે. સાધકને પુણ્ય–પાપ થાય ખરા પણ તેમાં એકાગ્રતા કરવા જેવી નથી.
એ રીતે, પ્રભાકરભટ્ટ શિષ્યે પરમાત્મસ્વરૂપ સમજાવવાની શ્રીગુરુ પ્રત્યે જે વિનંતિ કરી હતી તેના
ઉત્તરમાં શ્રીગુરુએ કૃપા કરીને અંતરાત્મા, બહિરાત્મા ને પરમાત્માનું સ્વરૂપ સમજાવ્યું. તથા તેમાં પરમાત્માપણું
આદરણીય છે તેમ બતાવ્યું, અને એ પરમાત્મા જેવો જ પોતાનો શુદ્ધ નિરંજન જ્ઞાનમય સ્વભાવ ત્રિકાળ છે તેની
ઓળખાણ કરાવી.
।।૧૫।।
(૧૨૬) પરમાત્માના ધ્યાનનો ઉપદેશ
હવે શ્રીયોગીન્દ્રદેવ પરમાત્માનું સ્વરૂપ વર્ણવીને શિષ્યને કહે છે કે એવા પરમાત્માનું તું ધ્યાન કર!
ગાથા –૧૬
तिहुयण वंदिउ सिद्धिगउ हरिहर ज्ञायहिं जो जि।
लक्खु आलक्खें धरिवि थिरु मुणि परमप्पउ सो जि।। १६।।
ભાવાર્થ :– ઈન્દ્ર, નારાયણ, શંકર વગેરે મોટા પુરુષો પણ જેનું ધ્યાન કરે છે અને જે ત્રણલોકથી વંદિત
છે તથા કેવળજ્ઞાનાદિ વ્યક્તિરૂપ સિદ્ધપણાને પ્રાપ્ત છે તેમને તું પરમાત્મા જાણ; અને તું તારા જ્ઞાનને વીતરાગ
નિર્વિકલ્પ નિત્યાનંદ સ્વભાવમાં સ્થિર કરીને તે પરમાત્માનું ચિંતવન કર.
આત્માની શક્તિ ત્રિકાળ શુદ્ધ પરિપૂર્ણ છે તે શક્તિમાં એકાગ્રતાવડે દર્શનશુદ્ધિ ને ચારિત્રની શુદ્ધિ કરીને પૂર્ણ
સિદ્ધદશા જેમણે પ્રગટ કરી, તેવા સિદ્ધ પરમાત્માને ઈન્દ્રો–ચક્રવર્તીઓ વગેરે ધ્યાવે છે. માટે હે પ્રભાકરભટ્ટ, તે
સિદ્ધપણાને પ્રાપ્ત પરમાત્મસ્વભાવ જ ધ્યાન કરવા યોગ્ય છે, તું તેનું ધ્યાન કર! કઈ રીતે ધ્યાન કરવું તે કહે છે.
(૧૨૭) સિદ્ધ ભગવાનનું જ્ઞાન અને ધ્યાન ક્યારે થઈ શકે?
વિકલ્પથી કે રાગથી પરમાત્માનો વિચાર કરવો તે તો પુણ્ય છે. પણ પોતાના સ્વભાવને સિદ્ધપરમાત્મા
સમાન જાણીને, પોતાના શુદ્ધાત્મરૂપને જ વીતરાગ નિર્વિકલ્પ ધ્યાનમાં ધ્યાવ. તને તારો સ્વભાવ ક્યારે
જણાય? અને સિદ્ધ ભગવાનનું ધ્યાન ક્યારે કર્યું કહેવાય? જેમ સિદ્ધને સંપૂર્ણ જ્ઞાન છે ને જરાય રાગાદિ નથી,
તેમ પોતાનો સ્વભાવ રાગાદિ રહિત પરિપૂર્ણ જ્ઞાન સ્વરૂપ છે;–એમ સ્વાશ્રયે શ્રદ્ધા કરીને પોતાને નિર્મળતાનો જે
અંશ પ્રગટ્યો તે રાગાદિ રહિત શુદ્ધ છે, અને તે અંશના નમૂનાવડે સિદ્ધ ભગવાનની પૂર્ણ શુદ્ધતાની ઓળખાણ
થાય છે. પણ જેણે પોતાના આત્માની શ્રદ્ધાદ્વારા રાગરહિત અંશને અનુભવ્યો નથી તેને સિદ્ધ પરમાત્માની
પ્રતીતિ થાય નહિ. શુદ્ધતાનો થોડોક નમૂનો પોતા પાસે હોય તો સિદ્ધ ભગવાનની પૂરી શુદ્ધતાનું માન કરે.
પોતાનો આત્મા રાગાદિ રહિત કેવળજ્ઞાનાદિસ્વરૂપ સિદ્ધ પરમાત્મા જેવાં જ છે, એવા સ્વભાવને ઓળખીને તેનું
જ ધ્યાન કરવું. એવા શુદ્ધાત્મનું ધ્યાન કરવું તે જ સાક્ષાત્ ઉપાદેય છે, એ સિવાય રાગાદિ કોઈ ઉપાદેય નથી.
(૧૨૮) પોતાથી ભિન્ન પરમાત્માનું ધ્યાન તે ધર્મધ્યાન નથી
પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે તે પોતાથી ભિન્ન પરમાત્માનું નહિ, પણ પરમાત્માની જેમ પોતાનો
સ્વભાવ પરિપૂર્ણ રાગાદિ રહિત છે તેને ઓળખીને તેનું જ ધ્યાન કરવું, તે જ પરમાર્થે પરમાત્માનું ધ્યાન છે. એ
સિવાય સિદ્ધ કે અર્હંતનું લક્ષ કરવું તે સાચું ધર્મધ્યાન નથી પણ રાગ છે. અને પરમાર્થે રાગ તે આર્ત્તધ્યાન વડે
કદી ધર્મધ્યાન થાય નહિ. ૧૬
મુદ્રક :– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય: મોટા આંકડિયા : સૌરાષ્ટ્ર તા. ૧૩–૨–૫૦
પ્રકાશક :– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા : સૌરાષ્ટ્ર