PDF/HTML Page 2041 of 4199
single page version
પાળે તોય આત્માને જાણતો નથી. કેમકે રાગને જે ભલો જાણે તે રાગથી ખસે કેમ? અને રાગથી ખસ્યા વિના, એનાથી ભેદ કર્યા વિના રાગરહિત ચૈતન્યસ્વરૂપ જણાય કેમ? ભાઈ! વ્રતાદિ છે તે રાગ છે. અને એનોય જેને રાગ છે તે રાગથી ખસતો નથી અને તેથી તો પોતાના આત્માના પરમાર્થસ્વરૂપને જાણતો નથી. હવે વેપાર-ધંધો કરવામાં ને બાયડી-છોકરાં સાચવવામાં ને વિષય-ભોગમાં આખો દિ’ એકલા પાપમાં ચાલ્યો જાય એને નવરાશ મળે કે દિ’? અને તો એ આ સમજે કે દિ’? કદાચિત્ નવરાશ લઈ સાંભળવા જાય તો અંદર ઊંધાં લાકડાં ખોસીને આવે કે-વ્રત કરો, તપસ્યા કરો એટલે ધર્મ થઈ જશે. શ્રીમદે ઠીક જ કહ્યું છે કે બિચારાને કુગુરુ લૂંટી લે છે.
ભાઈ! વીતરાગનો માર્ગ-સમ્યગ્દર્શનનો માર્ગ કોઈ અચિંત્ય, અલૌકિક છે! એ માર્ગ બાપુ! માખણ ચોપડે મળે એમ નથી. દાન, તપ ઇત્યાદિના રાગથી ધર્મ મનાવતાં કદાચ લોકો રાજી થશે પણ તારો આત્મા રાજી નહિ થાય ભગવાન! કોઈ દાનમાં પાંચ- પચીસ લાખ ખર્ચે વા કોઈ મહિના-મહિનાના ઉપવાસ કરે તેથી ધર્મ થઈ જાય એવું ધર્મનું સ્વરૂપ નથી. ધર્મ તો વીતરાગસ્વરૂપ છે, અને એ (દાનાદિ) તો બધો રાગ છે. એમાંય રાગની મંદતા હોય તો પુણ્ય થાય, ધર્મ નહિ. વળી જો તે પુણ્યને ભલું જાણે તો મિથ્યાત્વ થાય. આવી આકરી વાત બાપા! જગતને પચાવવી મહા કઠણ! પણ ભગવાન ત્રણલોકના નાથની આ જ આજ્ઞા છે. રાગને ભલો માનવો તે ભગવાનની આજ્ઞા નથી. અહા! અંદર અકષાયરસનો પિંડ એવો પુણ્ય-પાપ રહિત સદા વીતરાગસ્વભાવી ભગવાન વિરાજી રહ્યો છે. તેને ભલો નહિ જાણતાં ભાઈ! જો તું પુણ્યને ભલું જાણે છે તો તું પોતાના આત્માને જાણતો જ નથી.
અજ્ઞાની જીવ કર્મોદયજનિત રાગને જ સારો માને છે અને તે વડે જ પોતાનો મોક્ષ થવો માને છે. જુઓ આ વિપરીતતા! બાપુ! રાગ છે એ તો કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થયેલો ઔપાધિક ભાવ છે; તે કાંઈ આત્માથી ઉત્પન્ન થયેલો સ્વભાવભાવ નથી. ધર્મ તો સ્વભાવભાવ છે. આવી વાત! અહીં તો આ (વાત) ૪૨ વર્ષથી ચાલે છે, આ કાંઈ નવી વાત નથી. આ સમયસાર તો ૧૮ મી વાર પ્રવચનમાં ચાલે છે. એની લીટીએ લીટી અને શબ્દેશબ્દનો અર્થ થઈ ગયો છે. અહા! પણ શું થાય? જગતને તો તે જ્યાં-જે સંપ્રદાયમાં-પડયું હોય ત્યાંથી ખસવું મુશ્કેલ-કઠણ પડે છે. કદાચિત્ ત્યાંથી ખસે તો રાગથી ખસવું વિશેષ કઠણ પડે છે. પણ ભાઈ! ધર્મ તો રાગરહિત વીતરાગતામય જ છે અને તે વીતરાગનો માર્ગ એક દિગંબર જૈનધર્મ સિવાય બીજે કયાંય નથી. રાગને ભલો જાણી રાગને આચરવો એ તો વીતરાગનો માર્ગ છે જ નહિ. સમજાણું કાંઈ...?
ભાઈ! આવો મનુષ્યભવ મળ્યો એમાં આ અવસરે આ ન સમજ્યો તો કયારે
PDF/HTML Page 2042 of 4199
single page version
સમજીશ? અને તો તારી શી ગતિ થશે? આ-ભવરૂપી પડદો બંધ થશે ત્યારે તું કયાં જઈશ પ્રભુ? આ દેહ કાંઈ તારી ચીજ નથી; એ તો જોતજોતામાં છૂટી જશે. અને તું તો અવિનાશી તત્ત્વ છો, તારો કાંઈ નાશ થાય એમ નથી. તો તું કયાં રહીશ પ્રભુ? અહા! જેની દ્રષ્ટિ રાગની રુચિથી ખસતી નથી તે મિથ્યાદ્રષ્ટિ જીવ નરક-નિગોદાદિમાં રઝળતો અનંતકાળ મિથ્યાત્વના પદમાં રહેશે. શું થાય? (રાગની રુચિનું ફળ જ એવું છે.)
પ્રશ્નઃ– શુભભાવને જ્ઞાની હેય માને છે એમ આપ કહો છો, પણ તે શુભભાવ કરે છે તો ખરો?
સમાધાનઃ– ભાઈ! પુરુષાર્થની નબળાઈને કારણે જ્ઞાનીને દયા, દાન, ભક્તિ આદિનો શુભભાવ આવે છે-હોય છે, પણ તેને હું કરું, તે મારું કર્તવ્ય છે-એવો અભિપ્રાય એને કયાં છે? શુભભાવ હોવો એ જુદી વાત છે અને શુભભાવ ભલો છે એમ જાણી કરવો-આચરવો એ જુદી વાત છે. જ્ઞાની શુભભાવ કરતો-આચરતો જ નથી. એ તો કહ્યું ને કે એને રાગનું નિશ્ચયે સ્વામિત્વ જ નથી, માટે એને લેશમાત્ર રાગ નથી.
અજ્ઞાનીએ રાગને જ ભલો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. ‘આ રીતે પોતાના અને પરના પરમાર્થસ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી.’
જુઓ, ભગવાન આત્માનું પરમાર્થસ્વરૂપ જ્ઞાનાનંદમય પરમ સુખધામ છે; જ્યારે રાગનું સ્વરૂપ વિકાર અને દુઃખ છે. હવે જો રાગને ભલો જાણ્યો તો તે રાગને-પરને જાણતો નથી અને રાગરહિત પોતાના આત્માને પણ જાણતો નથી. આ રીતે પોતાને અને પરને નહિ જાણતો તે જીવ-અજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી. ટીકામાં પણ આ લીધું છે. અહો! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. ભગવાને જે કહ્યું તે અહીં કુંદકુંદાચાર્યે જાહેર કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં ભગવાન (સીમંધરસ્વામી) પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ સમયસાર આદિ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ આ પોકારીને કહે છે કે-
અજ્ઞાની પોતાના અને પરના પરમાર્થસ્વરૂપને જાણતો નથી અને તેથી તે જીવ- અજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી. ‘અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દ્રષ્ટિ કેવો?’ અહા! હજી જ્યાં સ્વ-પરને ઓળખતો જ નથી ત્યાં સ્વ-પરનું શ્રદ્ધાન કેવું? અને શ્રદ્ધાનના અભાવે તે સમ્યગ્દ્રષ્ટિ કેવો? હજી ચોથા ગુણસ્થાનનાં જ ઠેકાણાં નથી ત્યાં સમ્યગ્દ્રષ્ટિ કેવો?
PDF/HTML Page 2043 of 4199
single page version
‘માટે રાગી જીવ સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ.’ અર્થાત્ રાગના રાગવાળો, રાગનો રાગી એવો જીવ સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ. જુઓ, રાગવાળો સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ- એમ નહિ, પરંતુ રાગનો જે રાગી છે તે સમ્યગ્દ્રષ્ટિ હોઈ શકે નહિ. ન્યાય સમજાય છે? આ તો ન્યાયનો-લોજીકનો માર્ગ છે. અહીં તો ન્યાયથી વાતને સિદ્ધ કરે છે, કંઈ કચડી- મચડીને નહિ. છતાં દુનિયાને ન રુચે એટલે આ શું પાગલ જેવી વાત કરે છે?-એમ કહે, પણ પાગલો ધર્મીને પાગલ કહે એમાં શું આશ્ચર્ય છે? પરમાત્મપ્રકાશમાં આવે છે કે દુનિયાના લોકો-પાગલો ધર્માત્માને પાગલ માને છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેે, જે કાવ્ય દ્વારા આચાર્યદેવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છેઃ-
શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ-
‘अन्धाः’ હે અંધ પ્રાણીઓ! અંધ કેમ કહ્યા? કે પોતાની ચીજ જે ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદમય નિર્મળાનંદનો નાથ પ્રભુ અંદર પડયો છે તેને દેખતા નથી તેથી અંધ કહ્યા. શરીર, ધન, લક્ષ્મી ઇત્યાદિ બહારની ચીજમાં ઉન્મત્ત થયેલા-મૂર્ચ્છાઈ ગયેલા પ્રાણીઓ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને દેખતા નથી, ભાળતા નથી તેથી તેઓ અંધ છે એમ કહેવું છે. તેથી કહે છે-
હે અંધ પ્રાણીઓ! ‘आसंसारात्’ અનાદિ સંસારથી માંડીને ‘प्रतिपदम्’ પર્યાયે પર્યાયે ‘अमी रागी जीवाः’ આ રાગી જીવો ‘नित्यमत्ताः’ સદાય મત્ત વર્તતા થકા ‘यस्मिन् सुप्ताः’ જે પદમાં સૂતા છે-ઊંઘે છે ‘तत्’ તે પદ અર્થાત્ સ્થાન ‘अपदम् अपदम्’ અપદ છે, અપદ છે.
શું કહ્યું? કે અનાદિ સંસારથી જીવ પર્યાયમાં ઘેલો બન્યો છે. જે પર્યાય મળી તે પર્યાય જ મારું સ્વરૂપ છે એમ ઉન્મત્ત-પાગલ થઈને વર્તે છે. અહા! હું દેવ છું, હું મનુષ્ય છું, હું નારકી છું, હું તિર્યંચ છું, હું શેઠ છું, હું દરિદ્રી છું, હું પંડિત છું, હું મૂર્ખ છું, ઇત્યાદિપણે પર્યાયે પર્યાયે પોતાને માને છે અને પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારે છે; પરંતુ પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમાત્ર આત્મસ્વરૂપમાં દ્રષ્ટિ કરતો નથી. સ્વરૂપમાં દ્રષ્ટિ કરે તો ન્યાલ થઈ જાય પણ દ્રષ્ટિ કરતો નથી તેથી તો અંધ કહીને આચાર્યદેવ સંબોધે છે.
વાહ! એકકોર ગાથા ૭૨ માં ‘ભગવાન આત્મા’ એમ ‘ભગવાન’ કહીને બોલાવે અને અહીં ‘અંધ’ કહીને સંબોધે! આ વળી કેવું?
PDF/HTML Page 2044 of 4199
single page version
ભાઈ! આત્મા સદા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. સ્વભાવથી તે સદા પરમાત્મસ્વરૂપે-ભગવાનસ્વરૂપે જ છે. આવા સ્વભાવની અપેક્ષાએ ત્યાં ગાથા ૭૨ માં એને ‘ભગવાન’ કહીને બોલાવ્યો છે. ત્યારે અહીં પોતે પર્યાયમાં-રાગદ્વેષ, પુણ્યપાપના ભાવ અને તેના ફળમાં-ઉન્મત્ત-પાગલ થઈને વર્તતો થકો તે નિત્યાનંદસ્વભાવને જોતો નથી તેથી ‘અંધ’ કહીને સંબોધ્યો છે. બન્ને વખતે સ્વરૂપમાં જ દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. સમજાણું કાંઈ...?
કહે છે-અનાદિ સંસારથી રાગી પ્રાણી પર્યાયમાં જ મત્ત વર્તતો થકો જે પદમાં સૂતો છે તે પદ અપદ છે, અપદ છે; મતલબ કે તે પદ તારું સ્વપદ નથી. બાપુ! આ શરીર, ઇન્દ્રિય, ધન-સંપત્તિ, મહેલ-મકાન, સ્ત્રી-પરિવાર ઇત્યાદિમાં મત્ત-મોહિત થઈ તું સૂતો છે પણ એ બધાં અપદ છે, અપદ છે. આ રૂપાળું શરીર દેખાય છે ને? ભાઈ! તે એકવાર અગ્નિમાં સળગશે, શરીરમાંથી હળહળ અગ્નિ નીકળશે અને તેની રાખ થઈ ફૂ થઈ જશે. પ્રભુ! એ તારી ચીજ કયાં છે? એ તો અપદ છે. આ પુણ્યના ભાવ અને તેના ફળમાં પ્રાપ્ત દેવપદ, રાજપદ, શેઠપદ ઇત્યાદિમાં તું મૂર્ચ્છિત થઈ પડયો છે પણ એ બધાં અપદ છે અર્થાત્ તે તારાં ચૈતન્યનાં અવિનાશી પદ નથી. અંદર ભગવાન ચૈતન્યદેવ પ્રભુ આત્મા એક જ તારું અવિનાશી પદ છે.
ભાઈ! તું દેહની, ઇન્દ્રિયોની, વાણીની અને બાહ્ય પદાર્થોની રાતદિવસ સંભાળ કર્યા કરે છે, સજાવટ કર્યા કરે છે; પણ એ તો અપદ છે ને પ્રભુ! તે અપદમાં કયાં શરણ છે? નાશવંત ચીજનું શરણ શું? ભગવાન! એ ક્ષણવિનાશી ચીજો તારાં રહેવાનાં અને બેસવાનાં સ્થાન નથી; તે અપદ છે અપદ છે એમ ‘विबुध्यध्वम्’ સમજો. અહીં ‘અપદ’ શબ્દ બે વાર કહેવાથી કરુણાભાવ સૂચિત થાય છે. અહા! સંતોની શું કરુણા છે! કહે છે- ભગવાન! પોતાના ભગવાનસ્વરૂપને ભૂલીને હું દેવ છું, હું રાજા છું, હું પુણ્યવંત છું, હું ધનવંત છું ઇત્યાદિ નાશવંત ચીજમાં કેમ અહંબુદ્ધિ ધારે છે? તને શું થયું છે પ્રભુ! કે આ અપદમાં તને પ્રીતિ અને પ્રેમ છે? ભાઈ! ત્યાં રહેવાનું અને બેસવાનું તારું સ્થાન નથી.
જેમ દારૂ પીને કોઈ રાજા ઉકરડે જઈને સૂતો હોય તેને બીજો સુજ્ઞ પુરુષ આવીને કહે કે-અરે રાજન્! શું કરો છો આ? કયાં છો તમે? તમારું સ્થાન તો સોનાનું સિંહાસન છે. તેમ મોહરૂપી દારૂ પીને ઉન્મત્ત થયેલો અજ્ઞાની જીવ પોતાના શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાનને ભૂલીને અસ્થાનમાં-સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ, શરીર આદિમાં જઈને સૂતો છે. તેને આચાર્યદેવ સાવધાન-જાગ્રત કરીને કહે છે-અરે ભાઈ! તું જ્યાં સૂતો છે એ તો અસ્થાન છે, અસ્થાન છે; ‘इत = एत एत’ આ તરફ આવો, આ તરફ આવો. છે? બે વાર કહ્યું છે કે-આ તરફ આવો, આ તરફ આવો. અહો! આચાર્યની અસીમ (વીતરાગી) કરુણા છે. અપદ છે, અપદ છે-એમ બે વાર
PDF/HTML Page 2045 of 4199
single page version
કહ્યું અને અહીંયાં આવો અહીંયાં આવો-એમ પણ બે વાર કહ્યું! મતલબ કે અહીંયાં અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે જે વિરાજી રહ્યો છે તે તારું અવિનાશી ધ્રુવધામ છે; માટે અન્ય સર્વનું લક્ષ છોડીને તેમાં આવી જા. અહા... હા... હા...! શું કરુણા છે! (પોતે જે નિરાકુલ આનંદનો સ્વાદ ચાખ્યો છે તે આખું જગત ચાખો-એમ આચાર્યદેવને અંતરમાં કરુણાનો ભાવ થયો છે).
કહે છે-આ તરફ આવો, આ તરફ આવો; અહીંયાં નિવાસ કરો. માત્ર વાસ કરો- એમ નહિ, પણ નિવાસ કરો-એમ કહે છે. વાસ-વસવું-એ તો સામાન્ય છે. પણ આ તો ‘નિવાસ’-વિશેષ કથન છે. મતલબ કે અહીં સ્વરૂપમાં એવા રહો કે ત્યાંથી ફરીથી નીકળવું ન પડે. અંદર ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે એમાં આવીને સ્થિર થઈ જાઓ એમ કહે છે. અહો! અદ્ભુત કળશ ને અદ્ભુત શૈલી! આચાર્ય અમૃતચંદ્ર-ચાલતા સિદ્ધ-સૌને સિદ્ધપદ માટે આહ્વાન આપે છે!
કહે છે-આ તરફ આવો, આ તરફ આવો, અહીં નિવાસ કરો. કેમ? તો કહે છે- ‘पदमिदमिदम्’-તમારું પદ આ છે-આ છે. ત્રણ વાત કહી-
૧. પુણ્ય-પાપ અને તેનાં ફળ સઘળાં અપદ છે, અપદ છે. ૨. આ તરફ આવો, આ તરફ આવો; અહીં નિવાસ કરો. ૩. તમારું પદ આ છે-આ છે. અહા... હા... હા...! શું કળશ મૂકયો છે! ભગવાનને અંદર ભાળ્યો છે ને બાપુ! આચાર્યદેવે ગજબ દ્રઢતાથી ઘોષણા કરી છે કે-શરીર, મન, વાણી, ધન-સંપત્તિ, શેઠપદ, રાજપદ કે દેવપદ ઇત્યાદિ બધુંય અપદ છે, અપદ છે. તારું પદ તો ભગવાન! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે; તેમાં નિવાસ કર. આ છે-આ છે-એમ કહીને કહે છે-અમે એમાં વસીએ છીએ ને તું એમાં વસ.
કહે છે-તમારું પદ આ છે-આ છે ‘यत्र’ જ્યાં ‘शुद्धः शुद्धः चैतन्यधातुः’ શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ ‘स्वरस–भरतः’ નિજ રસની અતિશયતાને લીધે ‘स्थायिभावत्वम् एति’ સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે.
જુઓ, જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ છે તે તારું સ્વપદ છે. અહીં શુદ્ધ-શુદ્ધ એમ બે વાર કહ્યું છે; મતલબ કે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ છે અથવા દ્રવ્યે ને ગુણે શુદ્ધ છે. જો પર્યાય લઈએ તો ત્રિકાળી કારણ શુદ્ધ-પર્યાયે શુદ્ધ છે એમ અર્થ છે. બાકી તો દ્રવ્ય શુદ્ધ છે અને ગુણેય શુદ્ધ છે-આવી ચૈતન્યધાતુ છે. અહાહા...! જેણે માત્ર ચૈતન્યપણું ધારી રાખ્યું છે અને જેણે રાગ ને પુણ્ય-પાપને ધારી રાખ્યા નથી તે ચૈતન્યધાતુ છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા અંદર ચૈતન્યધાતુ છે
PDF/HTML Page 2046 of 4199
single page version
કેમકે તેણે ચૈતન્યમાત્રપણું ધારી રાખ્યું છે. આચાર્ય કહે છે નિજરસની અતિશયતા વડે જે સ્થિર છે એવું શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ જ્યાં છે તે આત્મા તારું સ્વપદ છે; તેમાં તું નિવાસ કર.
અહાહા...! આત્મા નિજરસની અતિશયતાથી ભરેલો છે. એના ચૈતન્યરસમાં આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગતારસ, સ્વચ્છતારસ, પ્રભુતારસ ઇત્યાદિ આવા અનંતગુણના રસ એકપણે ભર્યા છે. અહો! આત્મામાં નિજરસનો અતિશય એટલે વિશેષતા છે. એટલે શું? એટલે કે આત્માને છોડીને આવો નિજરસ-ચૈતન્યરસ બીજે કય ાંય (પુણ્ય-પાપ આદિમાં) છે નહિ. ગજબ વાત છે પ્રભુ! આચાર્યદેવે શબ્દે શબ્દે ભેદજ્ઞાનનું અમૃત વહાવ્યું છે.
કોઈને વળી થાય કે વેપાર-ધંધામાંથી નીકળીને આવું જાણવું એના કરતાં વ્રત, તપ, ભક્તિ, દાન ઇત્યાદિ કરીએ તો?
અરે ભાઈ! એમાં (વ્રતાદિમાં) શું છે? એ તો શુભભાવ-પુણ્યભાવ છે અને તે અપદ છે, અસ્થાન છે. વળી એના ફળમાં પ્રાપ્ત શરીર, ધન-સંપત્તિ, રાજપદ, દેવપદ આદિ સર્વ અપદ છે, દુઃખનાં સ્થાન છે. સમજાણું કાંઈ...? દુઃખનાં નિમિત્ત છે તેથી દુઃખનાં સ્થાન છે એમ ઉપચારથી કહેવાય છે.
બાપુ! આ પાંચમહાવ્રતના વિકલ્પ પણ અપદ છે, અસ્થાન છે. તેમાં રહેવા યોગ્ય તે સ્થાન નથી. તારું રહેવાનું સ્થાન તો પ્રભુ! જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ છે તે આત્મા છે. ભાઈ! દયા, દાન, વ્રત આદિ પરિણામ તો રાગ છે; એનાથી તારી ચીજ તો ભિન્ન છે. ચૈતન્યરસથી ભરેલી તારી ચીજને તો એ (વ્રતાદિના વિકલ્પ) અડતાય નથી. એવી તારી ચીજ અંદર નિર્લેપ પડી છે. અહાહા...! એમાં એકલા આનંદનો સાગર ઉછળી રહ્યો છે; એમાં આવ ને પ્રભુ! અહો! સંતોની-મુનિવરોની કરુણા તો જુઓ!
આત્મા ‘स्वरस–भरतः’ નામ નિજ શક્તિના રસથી ભરેલો છે. અહાહા...! અનંત-ગુણરસના પિંડ પ્રભુ આત્મામાં ચૈતન્યરસ, આનંદરસ, ભર્યો પડયો છે. અનંત અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, શાંતિનો આનંદ-એમ અનંતગુણના આનંદના રસથી પ્રભુ આત્મા ભર્યો પડયો છે; અને તે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે. શું કહ્યું? કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી- પુત્ર-પરિવાર અને પુણ્ય-પાપના ભાવ એ સર્વ તો નાશવાન છે, પણ ભગવાન આત્મા નિજરસની અતિશયતા વડે સ્થિર-અવિનાશી છે, અંદર ત્રિકાળ સ્થાયી રહેવાવાળો છે, કાયમ રહેવાવાળો છે. અહો! બહુ સરસ શ્લોક આવી ગયો છે!
PDF/HTML Page 2047 of 4199
single page version
કહે છે-ભગવાન આત્મા અંદર સ્થાયીભાવ-સ્થિર નિત્ય છે. આવું ત્રિકાળી ધ્રુવધામ પ્રભુ આત્મા તારું નિજપદ છે. કહે છે-સર્વ અપદથી છૂટી અહીં નિજપદમાં આવી જા; તેથી તું જન્મ-મરણથી રહિત થઈ જઈશ. જેમ પૂરણપોળી ઘીના રસમાં તરબોળ હોય છે તેમ ભગવાન આત્મા ચિદાનંદરસથી તરબોળ ભર્યો પડયો છે. તેમાં દ્રષ્ટિ કરી અંદર નિવાસ કર; તેથી તારી પર્યાયમાં પણ આનંદરસ ટપકશે. ભાઈ! આ ચૈતન્યપદ છે તે તારું ધ્રુવપદ છે. તેને ભૂલીને તું અપદમાં કયાં સૂતો છે પ્રભુ? જાગ નાથ! જાગ; અને આવી જા આ ધ્રુવપદમાં; તને મોક્ષપદ થશે.
વિશેષ ખુલાસો કરે છે કે-‘શુદ્ધ-શુદ્ધ’-એમ શુદ્ધ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ-બન્નેની શુદ્ધતાને સૂચવે છે; અર્થાત્ દ્રવ્ય શુદ્ધ છે અને ભાવ પણ શુદ્ધ છે. જુઓ, ભાવવાન દ્રવ્ય તો શુદ્ધ છે, ભાવવાનનો ભાવ પણ શુદ્ધ છે. આ ભાવ એટલે પુણ્ય-પાપના ભાવ એમ નહિ, એ તો અશુદ્ધ, મલિન ને દુઃખરૂપ છે. ભાવવાન ભગવાન આત્માનો ભાવ તો શુદ્ધ જ્ઞાન, આનંદ આદિ છે અને તે તારી ચીજ છે, સ્થાયીભાવને પ્રાપ્ત છે અર્થાત્ અનાદિ-અનંત સ્થિરરૂપ છે; એમાં હલ-ચલ છે નહિ. અહા! પ્રભુ! આવું તારું ધ્રુવધામ છે ને! માટે પરધામને છોડી સ્વધામમાં-ધ્રુવધામમાં આવી જા.
હવે દ્રવ્ય-ભાવનો ખુલાસો કરે છે. સમસ્ત અન્યદ્રવ્યોથી ભિન્ન હોવાને કારણે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને પરના નિમિત્તથી થવાવાળા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે. જુઓ, પુણ્ય-પાપના ભાવ પર્યાયમાં થાય છે માટે ‘પોતાના ભાવો’ કહ્યા છે, પણ તે જ્ઞાનાદિની જેમ પોતાના ભાવો છે નહિ. આવું! હવે કોઈ દિ વાંચન- શ્રવણ-મનન મળે નહિ ને એમ ને એમ ધંધા-વેપારમાં અને સ્ત્રી-પુત્ર-પરિવારમાં મશ્ગુલ-મત્ત રહે છે પણ ભાઈ! એ તો તું પાગલ છો એમ અહીં કહે છે. પ્રભુ! તું કયાં છો? ને કયાં જા’ છો? તારી તને ખબર નથી! પણ ભાઈ! જેમ વેશ્યાને ઘરે જાય તે વ્યભિચારી છે તેમ રાગમાં અને પરમાં જાય તે વ્યભિચારી છે. ભાઈ! જે પોતાની ચીજ નથી તેને પોતાની માનવી તે વ્યભિચાર છે. સમજાણું કાંઈ...?
જુઓ, દેવે દ્વારિકા નગરી શ્રીકૃષ્ણ માટે રચી હતી. અહા! જેને સોનાના ગઢ અને રતનના કાંગરા-એવી તે મનોહર નગરી જ્યારે ભડકે બળવા લાગી ત્યારે લાખો-કરોડો પ્રજા તેમાં ભસ્મ થઈ ગઈ પણ કોઈ તેને બચાવવા ન આવ્યું. તે સમયે શ્રીકૃષ્ણ ને બળદેવ પોતાના માતા-પિતાને રથમાં બેસાડીને બહાર કાઢવા લાગ્યા ત્યારે ઉપરથી ગેબી અવાજ આવ્યો કે-માબાપને છોડી દો, તમારા બે સિવાય કોઈ નહિ બચે, મા-બાપ નહિ બચે. અહા! જેની હજારો દેવતા સેવા કરતા હોય તે શ્રીકૃષ્ણ અને બળદેવ મા-બાપને ભસ્મીભૂત થતા જોઈ રહ્યા પણ તેમને બચાવી શકયા નહિ; માત્ર વિલાપ કરતા જ રહી ગયા. અરે ભાઈ! નાશવાન ચીજને તેના નાશના કાળે
PDF/HTML Page 2048 of 4199
single page version
કોણ રાખી શકે? દેહને જે સમયે છૂટવાનો કાળ હોય તે સમયે તેને કોણ રાખી શકે? બાપુ! જગતમાં કોઈ શરણ નથી હોં. જુઓને! અંદર રાણીઓ ચિત્કાર કરી પોકારે કે-હે શ્રીકૃષ્ણ! અમને કાઢો, અમને કાઢો! પણ કોણ કાઢે? બાપુ! ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ એ બધું જોતા રહી ગયા.
શ્રીકૃષ્ણ બળદેવને-મોટાભાઈને પોકાર કરે છે કે-‘ભાઈ! હવે આપણે કયાં જઈશું? આ દ્વારિકા તો ખાખ થઈ ગઈ છે, ને પાંડવોને તો આપણે દેશનિકાલ કર્યા છે. હવે આપણે કયાં જઈશું? ત્યારે બળદેવ કહે છે-આપણે પાંડવો પાસે જઈશું; ભલે આપણે તેમને દેશનિકાલ કર્યા, પણ તેઓ સજ્જન છે. અહા! સમય તો જુઓ! જેની દેવતાઓ સેવા કરે તે વાસુદેવ પોકાર કરે છે કે-આપણે કયાં જઈશું? ગજબ વાત છે ને!
હવે તે બન્ને કૌસંબી વનમાં પહોંચ્યા. ત્યારે થાકેલા શ્રીકૃષ્ણે કહ્યું-‘ભાઈ હવે એક ડગલુંય આગળ નહિ ચાલી શકું.’ જુઓ આ શ્રીકૃષ્ણ પોકારે છે! ત્યારે બળભદ્રે કહ્યું- ‘તમે અહીં રહો, હું પાણી ભરી લાવું.’ પણ પાણી લાવે શામાં? બળભદ્રે પાંદડાંમાં સળી નાખીને લોટા જેવું બનાવ્યું-અને પાણી લેવા ગયા. હવે શું બન્યું? એ જ કે જે ભગવાનની દિવ્યધ્વનિમાં આવ્યું હતું. ભગવાનની વાણીમાં આવ્યું હતું કે જરત્કુમારના હાથે શ્રીકૃષ્ણનું મોત થશે. એટલે તો તે બિચારો બાર વરસથી જંગલમાં રહેતો હતો. શ્રીકૃષ્ણ ત્યાં પગ પર પગ ચઢાવીને સૂતા હતા. જરત્કુમારે દૂરથી જોયું કે-આ કોઈ હરણ છે. એટલે હરણ ધારીને તીર માર્યું. તીર શ્રીકૃષ્ણને વાગ્યું. નજીક આવીને જુએ છે તો તે ખેદખિન્ન થયો અને કહેવા લાગ્યો-‘અહા! ભાઈ! તમે અહીં અત્યારે? બાર વરસથી હું જંગલમાં રહ્યું છું છતાં મારે હાથે આ ગજબ! અરે! કાળો કેર થઈ ગયો! મારે હવે કયાં જવું?’ શ્રીકૃષ્ણે કહ્યું-‘ભાઈ! લે આ કૌસ્તુભમણિ, ને પાંડવો પાસે જજે. તેઓ તને રાખશે કારણ કે આ મારું ચિન્હ છે. (કૌસ્તુભમણિ બહુ કિંમતી હોય છે અને તે વાસુદેવની આંગળીએ જ હોય છે.)
જરત્કુમાર તો ત્યાંથી વિદાય થઈ ગયો અને અહા! શ્રીકૃષ્ણનો દેહ છૂટી ગયો! રે! કૌસુંબી વનમાં શ્રીકૃષ્ણ એકલા મરણાધીન! કોઈ ત્યાં શરણ નહિ. બાપુ! એ અપદમાં શરણ કયાં છે? પ્રભુ! વાસુદેવનું પદ પણ અપદ છે, અશરણ છે. તેથી તો આચાર્યદેવે ઊંચેથી પોકારીને કહ્યું કે-અહીં આવ, અહીં આવ જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ નિજરસની અતિશયતા વડે સ્થિરભાવને પ્રાપ્ત છે.
પહેલાં દ્રષ્ટાંત કહે છે-‘જેમ કોઈ મહાન પુરુષ મદ્ય પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે-સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ
PDF/HTML Page 2049 of 4199
single page version
નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા.”
જુઓ, જેણે દારૂ પીધો હોય તેને ભાન નથી હોતું કે હું કયાં સૂતો છું, એ તો વિષ્ટાના ઢગલા પર પણ જઈને સૂઈ જાય છે. તેને બીજો જગાડીને કહે કે-
૧. ભાઈ! તારું સિંહાસન તો સુવર્ણમય ધાતુનું બનેલું છે; વળી ૨. તે અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે; અને ૩. તે અતિ મજબૂત છે. માટે હું બતાવું ત્યાં આવ અને તારા સ્થાનમાં શયનાદિ કરી આનંદિત થા. જુઓ, આ દ્રષ્ટાંત છે. હવે કહે છે-
‘તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિંત સૂતાં છે-સ્થિત છે,...’
જુઓ, સંસારી પ્રાણીઓ અનાદિ નિગોદથી માંડીને રાગાદિકને એટલે શુભાશુભભાવને ભલા જાણી અને તેને જ પોતાનું સ્વરૂપ જાણીને તેમાં નિશ્ચિંતપણે સૂતાં છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ અશુભભાવ છે અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવ. એ બન્ને ભાવ વિકાર છે, વિભાવ છે. છતાં અજ્ઞાનીઓ તેને સ્વભાવ જાણી, ભલા માની તેમાં જ સૂતા છે. અહાહા...! પોતાનો સ્વભાવ તો શુદ્ધ જ્ઞાનાનંદમય છે, પણ તેની ખબર નથી એટલે શુભાશુભભાવને જ સ્વભાવ જાણે છે.
ભાઈ! આ શરીર, ધન, લક્ષ્મી, સ્ત્રી-પુત્ર-પરિવાર, મહેલ-મકાન ઇત્યાદિની અહીં વાત નથી કેમકે એ તો પ્રત્યક્ષ પરચીજ છે; તેમાં આત્મા નથી અને આત્મામાં તેઓ નથી. છતાં અજ્ઞાનીઓ તે બધાંને પોતાનાં માને છે તે તેમની વિપરીત માન્યતા છે. ભાઈ! આ શરીર મારું, ને પૈસા મારા ને બાયડી-છોકરાં મારાં-એ વિપરીત માન્યતા છે અને એ જ દુઃખ છે. અજ્ઞાની એમાં સુખ માને છે પણ ધૂળમાંય ત્યાં સુખ નથી. એ તો જેમ કોઈ સન્નિપાતિયો સન્નિપાતમાં ખડખડ દાંત કાઢે છે તેમ આને મિથ્યાત્વનો સન્નિપાત છે જેમાં દુઃખને સુખ માને છે.
હા, પણ દુનિયા તો આ બધા ધનવંતોને સુખી કહે છે? બાપુ! દુનિયા તો બધી ગાંડા-પાગલોથી ભરેલી છે; તેઓ એમને સુખી કહે તેથી શું? વાસ્તવમાં તેઓ મિથ્યાત્વભાવ વડે દુઃખી જ છે.
અહીં કહે છે-શુભાશુભભાવ-પુણ્ય-પાપના ભાવ વિભાવ છે, મલિન છે, દુઃખરૂપ
PDF/HTML Page 2050 of 4199
single page version
છે તોપણ અજ્ઞાની જીવો તેમને જ ભલા જાણી, પોતાનો સ્વભાવ માની અનાદિથી તેમાં નિશ્ચિંતપણે સૂતા છે. બિચારાઓને ખબર નથી ને, તેથી નિશ્ચિંત-બેફીકર-બેખબર થઈને તેમાં સૂતા છે. હવે કહે છે-
‘તેમને શ્રીગુરુ કરુણાપૂર્વક સંબોધે છે-જગાડે છે-સાવધાન કરે છે કે-હે અંધ પ્રાણીઓ! તમે જે પદમાં સૂતા છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્યદ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.’
જુઓ, પ્રચુર અતીન્દ્રિય આનંદની મસ્તીમાં રહેનારા શ્રીગુરુ છે. તેઓ અંતરમાં કરુણા લાવીને અજ્ઞાની જીવોને સાવધાન કરે છે કે-અરે! શું તમે જોતા નથી કે કયાં સૂતા છો? ‘હે અંધ પ્રાણીઓ!’-એમ કહ્યું ને? એ તો સાવધાન કરવાના કરુણાના ઉદ્ગાર છે; એ કરુણા છે હોં. એમ કે-ભાઈ! આ શું કરે છે તું? અંદર ચિદાનંદરસથી ભરેલો તું ભગવાન છો અને જોતો નથી ને પુણ્ય-પાપના ભાવમાં પોતાપણું માની સૂતો છે? આવું અંધપણું! આમ કરુણા લાવી સાવધાન કરે છે.
પ્રશ્નઃ– દ્રષ્ટાંતમાં ‘મહાન પુરુષ’-એમ કેમ લીધું? સમાધાનઃ– ‘મહાન પુરુષ’ એટલે મોટો ધનાઢય, રાજા, દિવાન આદિ. મહાન પુરુષ એટલે સંસારમાં મોટો; મોટો ધર્માત્મા પુરુષ એમ અહીં લેવું નથી. રાજા આદિ મોટા પુરુષ હોય ને, તે દારૂ પીને લથડિયાં ખાય અને વિષ્ટા ને પેશાબથી ભરેલા સ્થાનમાં જઈને સૂઈ જાય એમ અહીં કહેવું છે. તેમ સ્વભાવે મહાન હોવા છતાં અજ્ઞાની જીવ અનાદિથી મિથ્યાત્વરૂપ દારૂ પીને શુભાશુભભાવને પોતાના માની, ભલા જાણી, તેમાં સૂતો છે. તેને શ્રીગુરુ સાવધાન કરી જગાડે છે કે-જાગ રે જાગ નાથ! ભગવાન- સ્વરૂપી તું છો છતાં આ (વિષ્ટા સમાન) શુભાશુભભાવમાં કયાં સૂતો છો? શરીરાદિમાં અરે શુભરાગમાં પ્રેમ કરીને તેમાં રસબોળ થઈ જા’ છો તો મૂઢ છો કે શું? અહો! શ્રીગુરુ મહા ઉપકારી છે!
ભાઈ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભભાવ પણ બધા દુઃખ છે. હવે આવું સાંભળવાય મળ્યું ન હોય તે બિચારા શું કરે? શુભરાગને જ પોતાનો સ્વભાવ જાણી તેમાં પડયા રહે. પણ બાપુ! એમ તો તું અનંતવાર મુનિ થયો-દિગંબર હોં, અને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ને ગુપ્તિ બહારમાં બરાબર ચોખ્ખાં પાળ્યાં. પણ એથી શું? સંસાર તો ઊભો રહ્યો, દુઃખ તો ઊભું રહ્યું. ભાઈ! રાગ અશુભ હો કે શુભ- એ તો બધું દુઃખ જ છે. તેને તું ભલો જાણી તેમાં નિશ્ચિંત થઈ સૂતો
PDF/HTML Page 2051 of 4199
single page version
છે પણ એ તો નર્યું અંધપણું છે, મૂઢતા છે. આનંદના નાથ પ્રભુ આત્માને ભૂલીને શુભભાવના પ્રેમમાં પડવું એ તો વ્યભિચાર છે બાપુ! અને એનું ફળ ચારગતિની જેલ છે. સમજાણું કાંઈ...?
કહે છે-નાથ! તું જે પદમાં સૂતો છો અર્થાત્ જે શુભભાવમાં અંધ બનીને સ્વભાવના ભાન વિના સૂતો છો તે તારું પદ નથી. આપણે કંઈક ઠીક છીએ એમ માની ભગવાન! તું જેમાં સૂતો છે તે તારું સુવાનું સ્થાન નથી.
કોઈને વળી થાય કે આ તે કેવી વાત? આમાં ધનપ્રાપ્તિની વાત તો આવી નહિ? ભાઈ! ધનપ્રાપ્તિના ભાવ તો એકલું પાપ છે. તેની તો વાત એકકોર રાખ, કેમકે એ તો અપદ, અપદ, અપદ જ છે. અહીં તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિની વૃત્તિ જે ઊઠી છે તે વૃત્તિમાં તું નિશ્ચિંત થઈને સૂતો છે પણ તેય અપદ જ છે એમ કહે છે. અહા... હા... હા...! એ વૃત્તિથી રહિત અંદર આનંદનો નાથ પ્રભુ આત્મા વિરાજી રહ્યો છે તેનો નિરાકુલ સ્વાદ લેતો નથી અને શુભવૃત્તિના મોહમાં અંધ બન્યો છે? શું આંધળો છે તું? ભાઈ! આ તો પૈસાવાળા તો શું મોટા વ્રત ને તપસ્યાવાળાના પણ ગર્વ ઉતરી જાય એવું છે. વળી તું નવમી ગ્રૈવેયક ગયો ત્યારે જે વ્રત ને તપ પાળ્યાં હતાં તે અત્યારે છેય કયાં? શુક્લ લેશ્યાના પરિણામ બાપુ! ચામડાં ઉતારીને ખાર છાંટે તોપણ ક્રોધ ન કરે એવાં તો મહાવ્રતના પરિણામ તે વખતે હતા. પણ એ બધા રાગના-દુઃખના પરિણામ હતા ભાઈ! અહીં કહે છે-ભાઈ! તું એમાં (શુભવૃત્તિમાં) નચિંત થઈને સૂતો છે પણ તે તારું પદ નથી, એ અપદ છે પ્રભુ!
આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મા છે. ભગવાનની ભક્તિ આદિ શુભભાવ એનાથી વિરુદ્ધ ભાવ છે, વિભાવ છે માટે તે અપદ છે. ભાઈ! આવી વાત તો વીતરાગના શાસનમાં જ મળે. વીતરાગ જૈન પરમેશ્વર જ એમ કહે કે-અમારી સામું તું જોયા કરે અને સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગમાં જ તું સૂતો રહે તો તું મૂઢ છો. કેમ? કેમકે અમે (તારા માટે) પરદ્રવ્ય છીએ અને પરદ્રવ્ય તરફની વૃત્તિ જે થાય તે વડે જીવની દુર્ગતિ થાય છે. મોક્ષપાહુડમાં પાઠ છે-ગાથા ૧૬ માં-કે ‘परदव्वादो दुग्गइ’–પરદ્રવ્ય તરફના વલણથી દુર્ગતિ છે. તે ચૈતન્યની ગતિ નથી અને ‘सद्दव्वादो सग्गइ होइ’– સ્વદ્રવ્યના વલણથી સુગતિ-મુક્તિ થાય છે. બાપુ! સ્વદ્રવ્ય સિવાય જેટલાય દેવ-ગુરુ- શાસ્ત્ર, શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને સ્ત્રી-પરિવાર આદિ પરદ્રવ્ય છે તેના તરફનું જે તારું વલણ અને લક્ષ છે તે બધો શુભાશુભરાગ છે અને તે તારી દુર્ગતિ છે પ્રભુ! અહા! જગતને સત્ય મળ્યું નથી અને એમ ને એમ આંધળે-બહેરું કૂટે રાખે છે. ભાઈ! પુણ્ય વડે સ્વર્ગાદિ મળે પણ એ બધી દુર્ગતિ છે, એમાં કયાં સુખ છે? સ્વર્ગાદિમાં પણ રાગના ક્લેશનું જ ભોગવવાપણું છે. ભાઈ! રાગ સ્વયં પુણ્ય હો કે પાપ હો-દુઃખ જ છે.
PDF/HTML Page 2052 of 4199
single page version
તો અમારે કરવું શું? સમાધાનઃ– એ તો કહ્યું ને કે-‘सद्दव्वादो हु सग्गइ हाइ’–સ્વદ્રવ્ય પ્રત્યેના વલણ અને આશ્રયથી સુગતિ કહેતાં મુક્તિ થાય છે. ભાઈ! આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે નહિ. અંદર નિર્મળાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ રાગથી રહિત નિર્વિકારી પ્રભુ બિરાજે છે તેમાં રહેવું અને તેમાં ઠરી જવું; બસ આ એક જ કરવા યોગ્ય છે. સમજાણું કાંઈ...?
પ્રભુ! તું અંદર આત્મા છો કે નહિ? અહા... હા... હા! તું અતીન્દ્રિય આનંદસ્વરૂપ અમૃતથી ભરેલો એકલો અમૃતનો સાગર છો; જ્યારે પરદ્રવ્યના વલણથી ઉત્પન્ન આ ઇન્દ્રિયોનાં સુખ તો દુઃખના-ઝેરના પ્યાલા છે. ભગવાન આત્માથી વિરુદ્ધ જે શુભ વિકલ્પ ઊઠે છે તે ઝેર છે ભાઈ! અને એમાં આ ઠીક છે એવો હરખનો ભાવ પણ ઝેર છે પ્રભુ! અરે! તું એમાં નચિંત થઈને સૂતો છે? ભગવાન! એ તારું રહેવાનું સ્થાન નથી; એ તો અપદ છે. માટે જાગ નાથ! જાગ. તારું પદ તો અંદર શુદ્ધ ચૈતન્યધાતુમય છે; ત્યાં જા, તેમાં નિવાસ કર. અહો! સંતો નિસ્પૃહ કરુણા કરીને જગાડે છે.
કહે છે-રાગમાં એકાકાર થઈને સૂતો છો પણ તે તારું પદ નથી પ્રભુ! તારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે. અહા... હા... હા...! એક જ્ઞાયકસ્વભાવથી ભરેલો ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્યધાતુમય છે અને તે તારું પદ છે. આમ શુભાશુભરાગમાં-અપદમાં રખડવા જા’ છો એના કરતાં એમાં જા ને! ત્યાં વસ ને! ત્યાં જ ઠરી જા ને. લ્યો, આ કરવાનું છે.
હા, પણ જિનમંદિર બંધાવવાં, સ્વાધ્યાય મંદિર બનાવવાં, પ્રભાવના કરવી ઇત્યાદિ તો કરવું કે નહિ?
સમાધાનઃ– ભાઈ! શું તું મંદિરાદિ બંધાવી શકે છે? ધૂળેય બંધાવતો નથી સાંભળને. પર દ્રવ્યનું કાર્ય આત્મા કરી શકતો જ નથી. માત્ર ત્યાં રાગ કરે છે અને તે પુણ્યભાવ છે. આવો પુણ્યભાવ જ્ઞાનીને પણ આવે છે-હોય છે, પણ છે તે અપદ. જ્ઞાની પણ તેને અપદ એટલે અસ્થાનરૂપ દુઃખદાયક જ જાણે છે. સમજાણું કાંઈ...? દેવ-ગુરુ- શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પ્રભાવના આદિનો રાગ સમકિતીને સાધકદશામાં અવશ્ય હોય છે પણ તે અપદ છે; એકમાત્ર પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય પરમાત્મા પોતે જ સ્વપદ છે. આવી વાત છે.
અહા! કહે છે-ભગવાન! તારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે. ‘ચૈતન્યધાતુવાળું’ -એમેય નહિ, શુદ્ધ ચૈતન્યધાતુમય છે. એટલે શું? એટલે કે કર્મ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ બહારમાં અન્યદ્રવ્યની ભેળસેળ વિનાની તારી ચીજ શુદ્ધ છે;
PDF/HTML Page 2053 of 4199
single page version
કેમકે એ સર્વ પરદ્રવ્ય તારામાં છે જ નહિ. તેમ જ અંદરમાં રાગાદિ વિકાર રહિત તારી ચીજ નિર્વિકાર શુદ્ધ છે. ભાઈ! જે તારું સ્વપદ છે તે ચિદાનંદઘન પ્રભુ આત્મા બહારમાં અન્યદ્રવ્યની ભેળ વિનાનો ને અંદરમાં પુણ્ય-પાપભાવના વિકારથી રહિત સદાય શુદ્ધ છે. આવું એકલું ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્યમાત્ર જે છે તે તારું અવિનાશી પદ છે. માટે દ્રષ્ટિ ફેરવી નાખ અને સ્વપદમાં રુચિ કર, સ્વપદમાં નિવાસ કર.
અહા! અનાકુળ શાંતરસનો પિંડ પ્રભુ આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છે; જ્યારે અંતરંગમાં (પર્યાયમાં) ઉત્પન્ન થતા પુણ્ય-પાપના ભાવ-શુભાશુભભાવ આસ્રવ તત્ત્વ છે. તે આસ્રવો એક જ્ઞાયકભાવથી વિરુદ્ધ અને દુઃખરૂપ હોવાથી નાશ કરવાયોગ્ય છે; અને એક જ્ઞાયકભાવ જ આશ્રય કરવા યોગ્ય છે. કેમ? કેમકે જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરવાથી આસ્રવના અભાવરૂપ સંવર, નિર્જરા ને મોક્ષ પ્રગટ થાય છે. માટે કહ્યું કે પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવનો આશ્રય કર, એમાં જ ઠર, એને જ પ્રાપ્ત કર.
વળી તે શુદ્ધ ચૈતન્યધાતુ સ્થાયી છે. શું કહ્યું? આ શુભાશુભભાવ તો અસ્થાયી, નાશવંત, કૃત્રિમ અને દુઃખરૂપ છે જ્યારે જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા સદા સ્થાયી, અવિનાશી, અકૃત્રિમ અને સુખધામ છે. હવે આવો હું આત્મા છું એવું સાંભળવાય મળે નહિ તે બિચારો અજ્ઞાની શું કરે? ધર્મ માનીને દયા, દાન આદિ કરે પણ એમાં કયાં ધર્મ છે? બિચારો ક્રિયાકાંડ કરી કરીને મરે અને ચાર ગતિમાં રખડયા કરે! કેમ? કેમકે પુણ્ય- પાપના ભાવ અસ્થાયી છે, દુઃખરૂપ છે. એક માત્ર ચૈતન્યપદ જ ત્રિકાળ સ્થિર અને સુખરૂપ છે. માટે કહે છે-
‘તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.’ છે? અહા! ભાષા તો જુઓ! કહે છે-અનંતકાળમાં તેં એક રાગનો જ આશ્રય કર્યો છે અને તેથી તું દુઃખમાં પડયો છે. પણ હવે શુદ્ધ ચૈતન્યમૂર્તિ-જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્માનો આશ્રય કર કેમકે તે તારું નિજપદ છે, સુખપદ છે. ભાઈ! ભાષા તો સાદી છે, પણ ભાવ તો જે છે તે ગંભીર છે. ભાઈ! ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માનો અનાદિ-અનંત આ પોકાર છે. અનંત તીર્થંકરો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં તીર્થંકર બિરાજમાન છે અને ભવિષ્યમાં અનંત થશે; તે સર્વનો આ એક જ પોકાર છે. શું? કે ભાઈ! તને સુખ જો’ તું હોય તો અંતરમાં જા, અંદર સુખનું નિધાન જ્ઞાયકમૂર્તિ ચૈતન્યમહાપ્રભુ પરમાત્મસ્વરૂપે બિરાજે છે તેમાં જા, તેનો આશ્રય કર અને તને તારા નિજાનંદપદની પ્રાપ્તિ થઈ જશે; બાકી તું રાગમાં જા’ છો એ તો દુઃખ છે. આવી વાત છે પ્રભુ!
હા, પણ આપ શુભરાગમાંથી-પુણ્યભાવમાંથી ખેંચી કાઢીને કયાં લઈ જવા ઇચ્છો છો?
PDF/HTML Page 2054 of 4199
single page version
દેવાધિદેવ સિદ્ધ પરમાત્માનું જે પદ છે તે જ પદ નિશ્ચયે તારું છે ભાઈ! શુભરાગમાંથી-પુણ્યભાવમાંથી ખેંચી કાઢીને તને પ્રભુમાં લઈ જવો છે પ્રભુ! તેથી તો કહ્યું કે-અંદર ત્રણલોકનો નાથ પ્રભુસ્વરૂપે વિરાજી રહ્યો છે તેનો આશ્રય કર અને જોકે અનંતસુખ-પદ-સિદ્ધપદ તારું છે.
લૌકિકમાં આવે છે ને કે-
એ હરિ એટલે કોણ? આ શુદ્ધ ચૈતન્યધાતુમય ભગવાન આત્મા હોં; બીજા કોઈ કર્તા-ધર્તા-હર્તા હરિ નહિ. પંચાધ્યાયીમાં છે કે-જે અજ્ઞાન અને રાગ-દ્વેષને હણે-હરી લે તે હરિ. તો એવો આ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ આત્મા હરિ છે. અહીં કહે છે એવા હરિસ્વરૂપ ભગવાન આત્મામાં દ્રષ્ટિ લગાવ, તારાં નયનને (શ્રુતજ્ઞાનને) એમાં જોડી દે, અને તેનો જ આશ્રય કર, તેમાં જ રમણતા કર. [પ્રવચન નં. ૨૭૨ થી ૨૮૦ (૧૯ મી વાર) *દિનાંક ૨પ-૧૨-૭૬ અને ૨૬-૧૨-૭૬
PDF/HTML Page 2055 of 4199
single page version
किं नाम तत्पदमित्याह–
थिरमेगमिमं भावं उवलब्भंतं सहावेण।। २०३।।
स्थिरमेकमिमं भावमुपलभ्यमानं स्वभावेन।। २०३।।
હવે પૂછે છે કે (હે ગુરુદેવ!) તે પદ કયું છે? (તે તમે બતાવો). તે પ્રશ્નનો ઉત્તર કહે છેઃ-
સ્થિર, નિયત, એક જ ભાવ જેહ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩.
ગાથાર્થઃ– [आत्मनि] આત્મામાં [अपदानि] અપદભૂત [द्रव्यभावान्] દ્રવ્ય- ભાવોને [मुक्त्वा] છોડીને [नियतम्] નિશ્ચિત, [स्थिरम्] સ્થિર, [एकम्] એક [इमं] આ (પ્રત્યક્ષ અનુભવગોચર) [भावम्] ભાવને- [स्वभावेन उपलभ्यमानं] કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને- [तथा] (હે ભવ્ય!) જેવો છે તેવો [गृहाण] ગ્રહણ કર. (તે તારું પદ છે.)
ટીકાઃ– ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે (-દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મધ્યે), જે અતત્સ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા), અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે; અને જે તત્સ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે) અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ (ચૈતન્યમાત્ર જ્ઞાનભાવ) છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે.
ભાવાર્થઃ– પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યંત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં
PDF/HTML Page 2056 of 4199
single page version
अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।। १३९।।
स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्।
आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।। १४०।।
અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે (-સદા વિદ્યમાન છે) અને તે બધા ભાવો અસ્થાયી છે (-નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાન- રહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છેઃ- શ્લોકાર્થઃ– [तत् एकम् एव हि पदम् स्वाद्यं] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [विपदाम् अपदं] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શક્તી નથી) અને [यत्पुरः] જેની આગળ [अन्यानि पदानि] અન્ય (સર્વ) પદો [अपदानि एव भासन्ते] અપદ જ ભાસે છે.
ભાવાર્થઃ– એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે-આપત્તિરૂપ છે). ૧૩૯.
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છેઃ- શ્લોકાર્થઃ– [एक–ज्ञायकभाव–निर्भर–महास्वादं समासादयन्] એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, [એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [द्वन्द्वमयं स्वादं विधातुम् असहः] દ્વંદ્વમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપશમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ). [आत्म– अनुभव–अनुभाव–विवशः स्वां वस्तुवृत्तिं विदन्] આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને)
PDF/HTML Page 2057 of 4199
single page version
જાણતો-આસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો) [एषः आत्मा] આ આત્મા [विशेष–उदयं भ्रश्यत्] જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, [सामान्यं कलयन् किल] સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, [सकलं ज्ञानं] સકળ જ્ઞાનને [एकताम् नयति] એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે.
ભાવાર્થઃ– આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ જ્ઞેયરૂપ થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે છદ્મસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. ૧૪૦.
હવે પૂછે છે કે-હે ગુરુદેવ! તે પદ કયું છે? એમ કે અહીં આવો, અહીં આવો- એમ આપ કહો છો તો તે પદ કયું છે? અહા! તે અમને બતાવો. આમ શિષ્યના પ્રશ્ન પ્રતિ ઉત્તર કહે છેઃ-
‘ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે જે અતત્સ્વભાવે અનુભવાતા અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે;-’
શું કહે છે? ‘ખરેખર આ ભગવાન આત્મામાં’-છે ટીકામાં? સંસ્કૃતમાં પાઠ છે- ‘इह खलु भगवत्यात्मनि’–ત્યાં खलु એટલે ‘ખરેખર’ અર્થાત્ નિશ્ચયથી અને ‘इह’ એટલે ‘આ’ ‘આ’ એટલે આ પ્રત્યક્ષ ચૈતન્યમૂર્તિ આત્મા-તેમાં. જુઓ, અહીં આત્માને ભગવાન આત્મા કહ્યો છે; છે? ત્યારે કોઈ વળી કહે છે-
હા, પણ અત્યારે કયાં આત્મા ભગવાન છે? સમાધાનઃ– અરે ભાઈ! સાંભળને બાપા! તને ખબર નથી ભાઈ! પણ નિશ્ચયથી અત્યારે જ તું ભગવાન છો. જો તું-આત્મા નિશ્ચયે ભગવાન ન હોય તો પર્યાયમાં ભગવાન થઈશ કયાંથી? શું કીધું? વસ્તુસ્વરૂપે આત્મા સદા ભગવાનસ્વરૂપ
PDF/HTML Page 2058 of 4199
single page version
જ છે, હમણાં પણ તે ભગવાનસ્વરૂપ જ છે. હવે રાગના કણમાં રાજી રહેનાર અજ્ઞાનીને ‘હું ભગવાન છું’ એમ કેમ બેસે?
જુઓ, આ મૂળ ગાથા ભગવાન શ્રી કુંદકુંદાચાર્યની છે; અને આ ટીકા અમૃતચંદ્રાચાર્યની છે. અહા... હા... હા...! આચાર્ય અમૃતચંદ્ર જ્ઞાની, આત્મધ્યાની પરમ અતીન્દ્રિય આનંદ જેની છાપ છે એવા પ્રચુર સ્વસંવેદનને અનુભવતા સ્વરૂપમાં રમતા હતા. ત્યાં જરી વિકલ્પ આવ્યો અને આ ટીકા થવા કાળે થઈ ગઈ. અહા... હા... હા...! છેલ્લે તેઓ કહે છે કે-આ ટીકા અમૃતચંદ્રે કરી છે એવા મોહમાં હે જનો! મા નાચો. ગજબ વાત છે ને!
પણ પ્રભુ! આપે ટીકા લખી છે ને? પ્રભુ! ના કેમ કહો છો? તો કહે છે-ટીકા તો અક્ષરોથી રચાઈ છે; તેમાં વિકલ્પ નિમિત્તમાત્ર છે. અહા... હા... હા...! અનંત પરમાણુઓના પિંડ એવા અક્ષરોમાં હું કયાં આવ્યો છું? અને એ વિકલ્પમાં-વિભાવમાં પણ હું કયાં છું ? હું તો શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મામાં છું. તેથી ટીકાનો રચનારો હું-આત્મા છું જ નહિ. ટીકા લખવાની અક્ષરોની-પરદ્રવ્યની ક્રિયા આત્મા કરી શકે જ નહિ. આવી વાત છે. ત્યારે અજ્ઞાની બે-ચાર પુસ્તકો બનાવે ત્યાં તો-‘અમે રચ્યું છે, અમે કર્યું છે, અમારું આગળ નામ લખો, અમારો ફોટો મૂકો’-ઇત્યાદિ ફૂલાઈ ને માનમાં મરી જાય છે. અરે ભાઈ! કોના ફોટા? શું આ ધૂળના? ત્યાં (કાગળ ઉપર) તો આ શરીરનો-જડનો ફોટો છે. શું તે ફોટામાં-જડમાં તું આવી ગયો? બાપુ! એ જડનો ફોટો તો જડ જ છે, એમાં કયાંય તું (આત્મા) આવ્યો નથી. એ તો રજકણો ત્યાં એ રીતે પરિણમ્યા છે. આ શરીરના રજકણોય ત્યાં ગયા નથી. અહા! છતાંય પોતાનો ફોટો છે એમ માની અજ્ઞાની ફૂલાય છે-હરખાય છે. પણ બાપુ! જ્યાં રાગ પણ તારો નથી ત્યાં ફોટો તારો કયાંથી આવ્યો? અહા! પ્રભુ! તું કોણ છે તેની તને ખબર નથી.
અહીં કહે છે-‘ખરેખર આ ભગવાન આત્મામાં’-ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મી અને વાન એટલે વાળો-એવા જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળા આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે જે અતત્સ્વભાવે અનુભવાતા ભાવો છે તે અપદભૂત છે. બહુ દ્રવ્ય એટલે રજકણ આદિ પરદ્રવ્ય ને ભાવો એટલે રાગાદિ ભાવો. અહા! અંદરમાં જે પુણ્ય- પાપના ભાવો છે તે અતત્સ્વભાવે અનુભવાય છે. તે ભાવો આત્માના સ્વભાવરૂપ નથી, સ્વસ્વભાવરૂપ નથી તેથી કહે છે અતત્સ્વભાવે-પરસ્વભાવરૂપે અનુભવાય છે. ભાઈ! આ પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, ભક્તિ આદિના પરિણામ અતત્સ્વભાવે અનુભવાય છે અર્થાત્ તેઓ આત્મસ્વભાવે અનુભવાતા નથી. આવી વાત! લોકો જેને ધર્મ માનીને બેઠા છે તે ભાવ અહીં કહે છે, અતત્સ્વભાવે છે. અને અત્યારે એ
PDF/HTML Page 2059 of 4199
single page version
(ચોખ્ખાં) મહાવ્રત પણ કયાં છે? જે મહાવ્રતના પરિણામે નવમી ગ્રૈવેયક ગયો હતો એ મહાવ્રત અત્યારે છે કયાં? (નથી)
પ્રશ્નઃ– પંચમકાળના છેડા સુધી સાધુ રહેવાના છે એમ શાસ્ત્રમાં આવે છે ને? ઉત્તરઃ– શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં ખુલાસો આવે છે કે-આ કાળમાં હંસનો સદ્ભાવ કહ્યો છે, પણ હંસ ન દેખાય તેથી કાંઈ અન્યપક્ષીને (કાગડાને) હંસ ન મનાય. તેમ આ કાળમાં મુનિનો સદ્ભાવ કહ્યો છે અને તે (ભરતક્ષેત્રમાં) બીજે કયાંક હશે, પણ તમે રહો છો ત્યાં મુનિ દેખાતા નથી તેથી અન્યને કાંઈ મુનિ ન મનાય. ભાઈ! એક દિગંબર મત સિવાય અન્ય બધાય ગૃહીત મિથ્યાદ્રષ્ટિ છે. તેમને સમકિત તો નથી પણ અગૃહીત ઉપરાંત ગૃહીત મિથ્યાત્વ છે. ઝીણી વાત છે ભાઈ! સ્થાનકવાસી અને શ્વેતાંબરની જેને માન્યતા છે તેને સમકિત ન હોઈ શકે. આકરી વાત છે પ્રભુ! પણ આ સત્ય વાત છે. અને દિગંબરમાં પણ નગ્નપણું અને પાંચ મહાવ્રતના પરિણામ એ કાંઈ મુનિપણાનું લક્ષણ નથી. અને જો પોતાના માટે બનાવેલો આહાર લે છે તો તેને મહાવ્રત પણ સરખાં નથી, પછી સમકિત ને મુનિપણાની તો વાત જ કયાં રહી? શ્રી દીપચંદજીએ ભાવદીપિકામાં લખ્યું છે કે-હું જોઉં છું તો કોઈ સાધુ આગમની શ્રદ્ધાવાળા દેખાતા નથી અને કોઈ વક્તા પણ આગમ પ્રમાણે વાત કરે તેવો દેખ્યો નથી; અને જો મોઢેથી સત્ય વાત કહેવા જાઉં છું તો કોઈ માનતા નથી. માટે હું તો લખી જાઉં છું કે માર્ગ આ છે, બાકી બીજો માર્ગ જે કહે છે તે જૂઠા છે. અહા! ૨પ૦ વર્ષ પહેલાં આ સ્થિતિ છે તો અત્યારની વાત તો શું કરવી? અરે ભાઈ! હજુ સમકિતનાં ઠેકાણાં ન મળે ત્યાં મુનિપણું કેમ હોય? જ્યાં વ્યવહાર શ્રદ્ધા પણ સાચી નથી ત્યાં સમકિતની તો વાત જ શી કરવી? વળી જે કુદેવને દેવ માને છે, કુગુરુને ગુરુ માને છે તથા કુશાસ્ત્રને શાસ્ત્ર માને છે એ તો ગૃહીત મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્નઃ– આપ આમ કહેશો તો ધર્મ કેવી રીતે ચાલશે? સમાધાનઃ– ધર્મ તો અંદર આત્માના આશ્રયે ઉત્પન્ન થાય છે અને આત્માના આશ્રયે ચાલશે. તે કાંઈ બહારથી નહિ ચાલે.
પ્રશ્નઃ– હા, પણ બહારની પ્રભાવના વિના તો ન ચાલે ને? સમાધાનઃ– પ્રભાવના? શેની પ્રભાવના? બહારમાં કયાં પ્રભાવના છે? આત્માના આનંદનું ભાન થવું ને તેની વિશેષ દશા થવી તેનું નામ પ્રભાવના છે. બાકી તો બધી જૂઠી ધમાધમ છે. ભાઈ! અહીં વીતરાગના માર્ગમાં તો બધા અર્થમાં ફેર છે, દુનિયા સાથે કયાંય મેળ ખાય તેમ નથી.
અહીં કહે છે-ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મધ્યે જે અતત્સ્વભાવે અનુભવાતા અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પણ પરસ્વભાવરૂપે અનુભવાતા એવા જે
PDF/HTML Page 2060 of 4199
single page version
પુણ્ય-પાપના ભાવ છે તે અપદભૂત છે. ભાઈ! તે પુણ્ય-પાપના ભાવ અતત્સ્વભાવે છે કારણ કે એમાં આનંદના નાથ પ્રભુ આત્માનો ભાવ કયાં છે? એમાં ચૈતન્ય અને આનંદ કયાં છે? આ સમયસાર તો ૧૮ મી વખત ચાલે છે. અહીં તો ૪૨ વર્ષથી આ વાત કહેતા આવ્યા છીએ.
વળી કહે છે-તે ભાવો અનિયત અવસ્થાવાળા છે. શું કીધું? કે પુણ્ય-પાપના ભાવ અનિયત અવસ્થા છે, નિયત અવસ્થા નથી. તેની અનિયત એટલે પલટતી અવસ્થા છે. વળી તેઓ અનેક છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવ અનેક છે; ને તે ક્ષણિક તથા વ્યભિચારી ભાવો છે. આનંદના નાથ પ્રભુ આત્માની-અનાકુળ આનંદમય ભગવાનની-સેવા છોડીને જે પુણ્ય-પાપનું સેવન છે તે વ્યભિચાર છે. અહા! શુભાશુભ ભાવ છે તે વ્યભિચારી ભાવ છે. જેમ વ્યભિચારમાં સ્ત્રી ને પુરુષ બે હોય છે તેમ આત્માને કર્મના નિમિત્તે થયેલા આ ભાવ છે માટે વ્યભિચારી ભાવ છે. ‘અને તે બધાય અસ્થાયી હોવાને લીધે...’ છે અંદર? અહા! તે પુણ્ય-પાપના ભાવ બધાય અસ્થાયી છે. પાંચ બોલ કહ્યા. શું? કે પુણ્ય-પાપના ભાવ-શુભાશુભ ભાવ
૧. અતત્સ્વભાવે છે, આત્મસ્વભાવરૂપ નથી; ૨. અનિયત છે, નિયત રહેતા નથી; ૩. અનેક છે, અસંખ્ય પ્રકારના છે; ૪. ક્ષણિક છે, પ. વ્યભિચારી છે અને તેથી તે બધાય અસ્થાયી છે આ તો માર્ગ બાપા! વીતરાગનો મળવો બહુ કઠણ. આ સિવાયના બધા માર્ગ ગૃહીત મિથ્યાત્વના પોષક છે. હજુ તો જ્યાં વ્યવહાર શ્રદ્ધાનનાય ઠેકાણાં નથી ત્યાં ધર્મ કેવો?
કહે છે-તે બધાય ‘પોતે’-જોયું? તે બધાય વિકારી ભાવ ‘સ્વયં’ અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે. તે ભાવ જેને સ્થિર થવું છે તેને સ્થિર થવા લાયક નથી. જુઓ, છે અંદર? આ કયાં ટીકા અત્યારની છે? આ તો હજાર વર્ષ પહેલાંની છે, ને મૂળ પાઠ-ગાથા તો બે હજાર વર્ષનો છે અને તેનો ભાવ તો જૈનશાસનમાં અનાદિનો ચાલ્યો આવે છે.
ભાઈ! પુણ્ય-પાપના ભાવ આસ્રવ છે. પણ આસ્રવને આસ્રવ કયારે માન્યો કહેવાય? જ્યારે સ્વભાવની દ્રષ્ટિ થઈ હોય ત્યારે. અહો! સ્વભાવની દ્રષ્ટિ થાય ત્યારે આસ્રવને ભિન્ન અને દુઃખરૂપ માને. જ્ઞાનીને પણ આસ્રવ તો હોય છે પણ તેને તે પોતાના સ્વરૂપથી ભિન્ન માને છે. આસ્રવો દુઃખરૂપ છે, તે મારી ચીજ નથી અને હું