Pravachan Ratnakar (Gujarati). Moksh Adhikar Samapt; Part 9; Introduction; Content; Samaysaar Stuti; Gurudev Stuti; Pravachan Ratnakar Part-9 ; Sarvavishuddhgnaan Adhikar 1; Kalash: 193.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 151 of 210

 

PDF/HTML Page 3001 of 4199
single page version

ઉત્તરઃ– જ્ઞાનીને શુભના કાળે અશુભ (-મિથ્યાત્વાદિ) નથી એ અપેક્ષાએ દોષ ઘટે એમ કહ્યું છે, પણ છે એ (-શુભભાવ) ઝેર. તીવ્રરાગમાં (અશુભમાં) જે દોષ થતો હતો તે મંદરાગમાં ઓછો થાય છે બસ એટલું. સર્વથા દોષના અભાવનું કારણ કાંઈ શુભરાગ નથી. શુભાશુભથી રહિત જે ત્રીજી ભૂમિ છે તે જ સર્વથા દોષના અભાવનું કારણ છે અને તે જ વાસ્તવિક અમૃતકુંભ છે, તે જ અપ્રતિક્રમણરૂપ નિશ્ચય પ્રતિક્રમણ છે. સમજાણું કાઈ...?

અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગ-એમ ત્રણ પ્રકારના વેપાર (પરિણામ) છે. તેમાં અશુભોપયોગ પાપબંધનું કારણ છે, શુભ ઉપયોગ પુણ્યબંધનું કારણ છે અને શુદ્ધ ઉપયોગ ધર્મનું કારણ છે, અબંધનું કારણ છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આચાર્યદેવે આ ઉપદેશ કર્યો છે; નીચે ઉતરવા કર્યો નથી. શુભને છોડીને અશુભમાં તું જા એમ કહ્યું નથી, પણ એ શુભને છોડીને અંતર દ્રવ્યસ્વભાવનું અવલંબન લે એમ કહ્યું છે. અહાહા...! અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખના બેહદ સ્વભાવથી ભરેલો ભગવાન બિરાજે છે તેના આશ્રયમાં જા, તેમાં લીન- સ્થિર થા-એમ કહે છે; કેમકે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે, ત્યારે જ તું અબંધ પરિણમશે.

હવે કહે છે-‘પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યાં સાંભળીને જેઓ ઉલટા પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદેવ કહે છે કે-આ માણસો નીચા નીચા કેમ પડે છે? ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી?’

પ્રતિક્રમણાદિ વિષકુંભ છે એમ સાંભળીને કોઈ સ્વચ્છંદે પરિણમે તો તે અવિવેકી છે. બાકી શુભને છોડીને અશુભમાં રખડવાનું કોણે કહ્યું છે? શુભને છોડીને અશુભમાં જઈશ તો તારા ભવના આરા નહિ આવે. અહીં તો શુભને છોડીને અંદર ભગવાન શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ બિરાજે છે એમાં જા, એના આશ્રયમાં જ રહે એમ ઉપદેશ છે; કેમકે ત્યારે જ શુદ્ધતા પ્રગટ થશે, ધર્મ થશે. લ્યો, અહીં તો શુભને છોડી ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા ચડવાની વાત છે, શુદ્ધોપયોગમાં રહેવાની વાત છે.

‘જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય જાણવાં.’

શું કહે છે? કે જ્યાં વ્યવહાર પ્રતિક્રમણને ઝેર કહ્યું ત્યાં એના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ છે. એમ સમજવું. એક વ્યવહારને છોડીને બીજા વ્યવહારમાં જવું એ કાંઈ અમૃતકુંભ નથી. શું કહ્યું એ? કે દ્રવ્યપ્રતિક્રમણાદિ છોડી અજ્ઞાનીના અશુભમાં જવું એ અમૃતકુંભ નથી; એ તો અવિવેક છે.


PDF/HTML Page 3002 of 4199
single page version

‘અજ્ઞાનીનું નહિ’ -એમ કહ્યું ને? એનો અર્થ એ કે અપ્રતિક્રમણાદિ જે અમૃતકુંભ કહ્યાં તે અજ્ઞાનીના અપ્રતિક્રમણાદિ ન જાણવાં, પણ એ તો શુદ્ધ આત્મસ્વરૂપ જ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિની વાત છે. જેને સમ્યગ્દર્શન નથી એવા અજ્ઞાનીના અશુભભાવ (તીવ્રરાગ) રહિત જે તેને શુભભાવ છે તે અપ્રતિક્રમણ છે; આ તે નહિ એમ કહે છે. આ તો જ્ઞાનીને જે શુભભાવ હોય છે તેને છોડીને અંદર અંતર-અવલંબનની સ્થિરતામાં જામી જાય છે તે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે એમ વાત છે. અહા! આ તો જ્ઞાનીને શુદ્ધ આત્મામય ત્રીજી ભૂમિ છે તેને અહીં અમૃતકુંભ કહી છે. સમજાણું કાંઈ.....?

નિશ્ચયદ્રષ્ટિમાં શુભ-અશુભ બેય બંધનાં કારણ છે. બેય હેય છે. એવા ભાનપૂર્વક જે શુભ આવે તેને છોડી શુદ્ધ નિશ્ચયસ્વરૂપમાં લીન-સ્થિર થવું તેને અહીં અપ્રતિક્રમણાદિ કહ્યાં છે અને તે શુદ્ધ આત્મામય હોવાથી અમૃતકુંભ છે એમ વાત છે. આવી ગંભીર વાત છે.

*

હવે આ અર્થને દ્રઢ કરતું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૯૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘कषाय–भर–गौरवात् अलसता प्रमादः’ કષાયના ભાર વડે ભારે હોવાથી આળસુપણું તે પ્રમાદ છે;... ...

શું કીધું આ? કે પંચમહાવ્રતના પરિણામ અને બાર વ્રતના વિકલ્પ એ પ્રમાદ છે. અંતઃસ્થિરતા નથી એ અપેક્ષાએ તે પ્રમાદ છે.

જોયું? ‘કષાયના ભાર વડે ભારે’ - એમ કહ્યું ને! મતલબ કે પંચમહાવ્રતાદિના પરિણામ એ કષાયનો ભાર છે. જેમ ગાડું ઘાસથી ભર્યું હોય તે ભાર છે તેમ પંચમહાવ્રતાદિના પરિણામ કષાયનો ભાર છે. બહુ આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. અહીં કહે છે-કષાયનો ભાર પોતે આળસ છે, પ્રમાદ છે. સ્વરૂપમાં સાવધાની સ્થિરતા નથી એ બધો પ્રમાદ છે. અહા! બહારમાં કોઈ જિનમંદિર બંધાવે ને પ્રતિમા પધરાવે ને મોટું દાન કરે ને પ્રભાવના કરે-અહીં કહે છે-એ બધું કષાયના ભારથી ભારેપણું હોવાથી પ્રમાદ છે. ગજબ વાત છે ભાઈ! આ ધંધા-પાણીમાં બહું હોશથી રોકાવું એ તો પ્રમાદ છે જ, પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિમાં હોંશ કરે એ પણ પ્રમાદ છે. એ રાગ છે ને? સ્વરૂપમાં લીનતા નથી તેથી પ્રમાદ છે. આવી વાત છે!

‘यतः प्रमादकलितः अलसः शुद्धभावः कथं भवति’ તેથી એ પ્રમાદયુક્ત આળસભાવ શુદ્ધભાવ કેમ હોઈ શકે?

અહા! શુદ્ધ ચૈતન્યરસથી ભરેલો પોતે ભગવાન છે એના આશ્રયમાં ન જતાં અશુભની પ્રવૃત્તિમાં હોશથી બહુ હોંશથી હરખ કરીને કાળ ગાળે એ તો પાપી છે. તે પ્રમાદથી


PDF/HTML Page 3003 of 4199
single page version

ભરપૂર છે, તેને શુદ્ધભાવ કેમ હોય? ન જ હોય. પણ અહીં તો વિશેષ આ વાત છે કે શુભભાવમાં પણ જે હોંશથી રોકાયેલો છે તે પણ પ્રમાદયુક્ત આળસુ છે. પંચમહાવ્રતના રાગને અને ર૮ મૂલગુણના રાગને પ્રમાદ કહ્યો છે. છઠ્ઠે ગુણસ્થાને તે પ્રમાદી કહેવાય છે. અંદર સ્વરૂપમાં લીન-સ્થિર થાય તે અપ્રમાદ છે, શુદ્ધભાવ છે. પ્રમાદયુક્ત આળસના ભાવ તે શુદ્ધભાવ નથી. આવી આકરી વાત છે.

‘अतः स्वरसनिर्भरे स्वभावे नियमितः भवन मुनिः’ માટે નિજરસથી ભરેલા સ્વભાવમાં નિશ્વળ થતો મુનિ ‘परमशुद्धताम् व्रजति’ પરમ શુદ્ધતાને પામે છે ‘वा’ અથવા ‘अचिरात् मुच्यते’ શીઘ્ર-અલ્પકાળમાં (કર્મબંધથી) છૂટે છે.

‘માટે નિજરસથી ભરેલા સ્વભાવમાં...’ , જોયું? આત્માનો સ્વભાવ નિજરસથી એટલે શુદ્ધ ચૈતન્યરસથી-શાંતરસથી-આનંદરસથી ભરેલો છે. અહાહા.....! શુભાશુભભાવના રાગરસથી રહિત ભગવાન આત્મા એક ચૈતન્યરસથી-વીતરાગરસથી ભરેલો છે. અહા! આવા સ્વરસથી ભરેલા સ્વભાવમાં નિશ્વલ થતો મુનિ પરમ શુદ્ધતાને પામે છે; અથવા તે શીઘ્ર-અલ્પકાળમાં કર્મથી મુક્ત થાય છે.

પ્રશ્નઃ– જો શીઘ્ર મુક્ત થાય છે તો ક્રમબદ્ધ ક્યાં ગયું? સમાધાનઃ– શીઘ્ર મુક્ત થાય છે ત્યાં બધું એ ક્રમબદ્ધ જ છે. કાંઈ વચ્ચે કાળ તોડી આડું-અવળું થઈ જાય છે એમ અર્થ નથી. ભાઈ! અપ્રમાદમાં રહેનાર મુનિવરની અંદર- દશા જ એવી હોય છે કે તે ક્રમબદ્ધપણે શીઘ્ર જ મુક્તિ પામે. શીઘ્રનો એવો અર્થ નથી ક્રમ તૂટીને પર્યાય આગળ-પાછળ આડી-અવળી થઈ જાય. સમજાણું કાંઈ...? અપ્રમાદીને શીઘ્ર-અલ્પકાળે મુક્તિ થવાનો ક્રમ જ છે.

ત્યારે કોઈ વળી કહે છે-ક્રમબદ્ધ માનવાથી આળસુ નિરુદ્યમી થઈ જવાશે. સમાધાનઃ– ભાઈ એમ નથી; જે ક્રમબદ્ધ યથાર્થ માને તે સ્વતંત્ર પુરુષાર્થી થાય છે. કેવી રીતે? જેને અંતરમાં યથાર્થ નિર્ણય થાય કે-જે સમયે જે પર્યાય જે રીતે થવાની હોય તે સમયે તે પર્યાય તે રીતે થાય જ, તેમાં ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ ફેરફાર કરી શકે નહિ તે પરદ્રવ્યના કર્તાપણાના ભાવથી છૂટી સ્વદ્રવ્યના આશ્રયમાં જાય છે; અને સ્વદ્રવ્યના આશ્રયમાં જવું એનું નામ જ પુરુષાર્થ છે. પુરુષાર્થ બીજી શું ચીજ છે? અહા! શુદ્ધ ચૈતન્યસ્વભાવી સ્વદ્રવ્યના આશ્રયે પરિણમવું એ જ ઉદ્યમ અને એ જ પુરુષાર્થ છે. ભાઈ! ક્રમબદ્ધના નિર્ણયમાં જ પુરુષાર્થ રહેલો છે; કેમકે એમાં નિજ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું અવલંબન છે.

“જે જે દેખી વીતરાગને, તે તે હોંસી વીરા રે;
અનહોની કબહું નહિ હોસી, કાહે હોત અધીરા રે.”

ક્રમબદ્ધનો નિર્ણય કરનાર કેવો ધીર ને વીર હોય છે એની વાત આ છંદમાં


PDF/HTML Page 3004 of 4199
single page version

ભૈયા ભગવતીદાસે પ્રગટ કરી છે. બાપુ! ક્રમબદ્ધનો નિર્ણય કરનાર જાણનાર-દેખનારપણે રહેતો થકો ભારે અંતઃપુરુષાર્થી હોય છે. શું થાય? લોકોને પુરુષાર્થના સ્વરૂપની ખબર નથી. લોકોને તો એમ છે કે ‘આ કરું ને તે કરું’ એમ ઝાઝા વિકલ્પના ધાંધલ કરે તે પુરુષાર્થ, પણ ભાઈ! વિકલ્પમાં ગુંચાયેલા રહેવું એ તો પુરુષાર્થ નહિ, કાયરપણું છે. સમજાણું કાંઈ...?

અહા! શુભનેય છોડી અંદર શુદ્ધતાને પામે તે આળસ વિનાનો અપ્રમાદી છે. આ સિવાય સ્વભાવમાંથી જે પરિણામનું ખસી જવું છે તે આળસ, પ્રમાદ ને નિરુદ્યમીપણું છે. અહીં કહે છે-ચૈતન્યરસથી ભરેલા પોતાના સ્વભાવમાં જ જે મુનિ નિશ્વલપણે સ્થિત થયા છે તે શીઘ્ર-અલ્પકાળે મુક્તિ પામે છે.

* કળશ ૧૯૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પ્રમાદ તો કષાયના ગૌરવથી થાય છે માટે પ્રમાદીને શુદ્ધભાવ હોય નહિ. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે શુદ્ધ થઈને મોક્ષને પામે છે.’

જુઓ, અહીં ઉદ્યમની વાત કરી. આગળ કળશમાં કહ્યું કે- ‘નિજરસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચલ થતો થકો’ -આ પણ ત્યાં પુરુષાર્થની જ વાત છે. ભલે પર્યાયો બધી ક્રમબદ્ધ છે, પણ ક્રમબદ્ધમાં પુરુષાર્થ ભેગો જ છે. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને શીઘ્ર મોક્ષને પામે છે.

ત્યારે કોઈ કહે છે-ઉદ્યમ-પુરુષાર્થ ક્યારે થશે તેની કેવળી પરમાત્માને ખબર છે, તો તે ઉદ્યમ કરવાનું કેમ કહે?

અરે ભાઈ! વીતરાગ કેવળી પરમાત્મા પુરુષાર્થપૂર્વક સ્વસ્વભાવમાં ગયા છે ને વીતરાગ થયા છે. તેમની જે સાતિશય વાણી નીકળી તેમાં પણ એ જ એટલે કે પુરુષાર્થની જ વાત આવે, બીજી (-પ્રમાદની) વાત કેમ આવે? ભગવાનની તો આજ્ઞા જ આ છે કે-સમયમાત્ર પણ પ્રમાદ ન કરીશ; એમ કે નિરંતર સ્વભાવમાં જ રત રહે.

જગતમાં જ્યારે જે બનવાનું હશે ત્યારે તે બનશે એમ ક્રમબદ્ધ માનનારની દ્રષ્ટિ ક્યાં જાય? એની દ્રષ્ટિ સ્વદ્રવ્ય ઉપર જશે; અને ત્યારે તે થવા કાળે જે થાય તેનો જ્ઞાતામાત્ર રહેશે. જ્યાં પર્યાયબુદ્ધિ હોય ત્યાં તેને ફેરવવાની ને ટાળવાની બુદ્ધિ હોય છે, પણ દ્રવ્યદ્રષ્ટિવંત તો સર્વના જાણનારસ્વરૂપે જ રહે છે.

અહા! અહીં કહે છે-નિજરસથી-ચૈતન્યરસથી ભરેલા સ્વસ્વભાવમાં જ જે મુનિ ઉદ્યમથી પ્રવર્તે છે તે શીઘ્ર શુદ્ધ થઈને નિર્વાણ પામે છે. આમાં પુરુષાર્થની સાથે ક્રમબદ્ધ પણ આવી ગયું. સ્વસન્મુખતાનો પુરુષાર્થ જેને છે તેના ક્રમમાં પણ શુદ્ધતાપૂર્વક પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષ હોય છે. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 3005 of 4199
single page version

હવે, મુક્ત થવાનો અનુક્રમ દર્શાવતું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૯૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘यः किल अशुद्धविधायि परद्रव्यं तत् समग्रं त्यक्तवा’ જે પુરુષ ખરેખર અશુદ્ધતા કરનારું જે પરદ્રવ્ય તે સર્વને છોડીને ‘स्वयं स्वद्रव्ये रतिं एति’ પોતે પોતાના સ્વદ્રવ્યમાં લીન થાય છે,... ... ...

શું કહે છે? કે આ પુણ્ય-પાપના જે ભાવો-વિકલ્પો થાય છે તે અશુદ્ધતા છે. તે અશુદ્ધતાને કરનારું એટલે અશુદ્ધતાનું નિમિત્ત પરદ્રવ્ય છે. તે સર્વને છોડીને એટલે કે તે સર્વનું લક્ષ છોડીને... , અહાહા...! કહે છે-અશુદ્ધતાનું નિમિત્ત એવા સર્વ પરદ્રવ્યોનું લક્ષ છોડીને જે સ્વદ્રવ્યમાં લીન થાય છે તેને ધર્મ-શુદ્ધતા પ્રગટ થાય છે.

પુણ્ય-પાપના પરિણામ છે તે મેલ છે, અશુદ્ધતા છે, ઝેર છે, અપરાધ છે. પુણ્યપરિણામ પણ અપરાધ છે. જેને ધર્મ કરવો હશે તેણે આ વિકલ્પો છોડવા પડશે અને શુદ્ધતા પ્રાપ્ત કરવી પડશે. ત્યાં પરદ્રવ્યનું લક્ષ છોડી સ્વદ્રવ્યમાં લીન થાય છે ત્યારે શુદ્ધતા પ્રગટે છે. તેમાં ખરેખર કોઈ રાગની-પુણ્યના વિકલ્પની અપેક્ષા નથી. આવો શુભરાગ હોય તો અંતરમાં લીન થવાય એમ નથી. આત્મા સ્વયં શુદ્ધ જ્ઞાનાનંદની મૂર્તિ છે; તે પોતાના દ્રવ્યમાં સ્વયં રતિ પામે ત્યારે તેને ધર્મ-શુદ્ધતા પ્રાપ્ત થાય છે.

અહા! જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્ય સિવાય જેટલાં કોઈ પરદ્રવ્યો છે, ચાહે તે તીર્થંકર હો, તેની વાણી હો, સમોસરણ હો, જિનમંદિર હો કે જિનપ્રતિમા હો, -એ બધાં પરદ્રવ્યો અશુદ્ધતાનાં-શુભરાગનાં નિમિત્તો-કારણો છે. ભાઈ! આ છવીસ લાખનું પરમાગમમંદિર ને આ જિનપ્રતિમા અશુદ્ધતાનું નિમિત્ત છે. બહુ આકરી વાત!

પ્રશ્નઃ– તો પછી બનાવ્યું શું કરવા? ઉત્તરઃ– કોણ બનાવે? એ તો જડ પરમાણુઓની નિજ જન્મક્ષણ હતી તો તે-રૂપે બન્યાં છે, તેને બીજો કોઈ બનાવે એ વાત ત્રણકાળમાં સત્ય નથી. હા, તે કાળમાં એને એવો શુભભાવ હોય, પણ એ અશુદ્ધભાવ છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી અશુભને ટાળવા તેના ક્રમમાં શુભભાવ આવે છે, પણ તે પરદ્રવ્યના વલણવાળો અશુદ્ધ ભાવ છે, મલિન ભાવ છે, દોષ છે, અપરાધ છે.

અહાહા...! આત્મા આનંદરૂપી અમૃતનું સરોવર પરમાત્મા છે. જેમ સરોવરમાં ચાંચ બોળીને પંખીઓ પાણી પીએ છે તેમ ચૈતન્યરૂપી અમૃત-સરોવરમાં આત્મા નિજપરિણતિને અંદર બોળી-બોળીને ધર્મામૃતને પીએ છે. આ સિવાય બીજી બધી વાત તો થોથાં છે.


PDF/HTML Page 3006 of 4199
single page version

‘ખરેખર એટલે નિશ્ચયથી અશુદ્ધતા કરનારું જે પરદ્રવ્ય...’ , અહા! શૈલી તો જુઓ! સ્ત્રી-પુત્ર-પરિવાર હો કે દેવ-ગુરુ-શાસ્ત્ર હો-એ બધાં પરદ્રવ્ય અશુદ્ધતાનાં નિમિત્ત-કારણો છે. અહા! એ પરદ્રવ્ય તરફના વલણને છોડીને, સ્વદ્રવ્યમાં સ્વયં રતિ પામે, અશુદ્ધતાની-વ્યવહારની અપેક્ષા છોડી સ્વયં સ્વદ્રવ્યમાં લીનતા પામે ત્યારે તેને ધર્મ ને મુક્તિ થાય છે.

બીજે તો દયા પાળો, ને દાન કરો ને તપ કરો-એમ પ્રરૂપણા ચાલે છે; પણ બાપુ! એ તો બધો પરભાવ છે ભાઈ! એ કાંઈ અમૃત નથી. આવે છે ને કે-

“ગગનમંડળમાં ગૌઆ વિહાણી, વસુધા દૂધ જમાયા;
માખણ થા સો વિરલા રે પાયા, છાશે જગત ભરમાયા.”

અહા! ગગનમંડળમાં ભગવાનની ૐ ધ્વનિ થઈ, ભગવાન ગણધરદેવે તેને બાર અંગમાં સંઘરી. તેમાં માખણ જે સાર સાર વસ્તુ શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્મા તેનો અનુભવ ને પ્રતીતિ કોઈક વિરલ જીવો પામ્યા, ને જગત તો આખું છાશમાં એટલે દયા, દાન, આદિ પુણ્યમાં ભરમાઈ પડયું. ભાઈ! એ દયા, દાન, આદિ પુણ્યના ભાવ અમૃત નથી. અહાહાહા...!

“ગગનમંડલમેં અધબીચ કુઆ, વહાં હૈ અમીકા વાસા;
સુગુરા હોય સો ભરભર પીએ, નગુરા જાવૈ પ્યાસા.”

અહા! આકાશની મધ્યમાં લોકમાં અમૃતનું સ્થાન ભગવાન આત્મા છે. અહાહા...! આત્મા ચિદાનંદરસના અમૃતથી પૂરણ ભરેલું ભિન્ન તત્ત્વ છે. જેઓ સદ્ગુરુના ઉપદેશને પામી, અંર્તદ્રષ્ટિ કરી, અંતર્લીન થયા તેઓ અમૃતને ધરાઈ ને પીએ છે, પણ જેઓ નગુરા છે તેઓ બિચારા અતીન્દ્રિય અમૃતને પામતા નથી, તરસ્યા જ રહે છે.

જુઓ, અશુદ્ધતાનું નિમિત્ત પરદ્રવ્ય છે. તેથી સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડીને જે પુરુષ સ્વદ્રવ્યમાં લીન થાય છે ‘सः’ તે પુરુષ ‘नियतम्’ નિયમથી ‘सर्व–अपराध–च्युतः’ સર્વ અપરાધથી રહિત થયો થકો, ‘बन्ध–ध्वसं उपेत्य नित्यम् उदितः’ બંધના નાશને પામીને નિત્ય-ઉદિત થયો થકો, ‘स्वज्योतिः–अच्छ–उच्छलत्–चैतन्य–अमृत–पूर–पूर्ण–महिमा’ સ્વજ્યોતિથી નિર્મળપણે ઉછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો ‘शुद्धः भवन्’ શુદ્ધ થતો થકો, ‘मुच्यते’ કર્મોથી છૂટે છે, મુક્ત થાય છે.

ભાઈ! પરદ્રવ્યના વલણવાળી વૃત્તિ અશુદ્ધ છે, અપરાધ છે, બંધરૂપછે. તેને છોડીને જે સ્વસ્વરૂપમાં લીન થાય છે તે સર્વ અપરાધથી રહિત થાય છે અને તે બંધને પામતો નથી. લ્યો, આવું! પણ એને હવે આ બેસે કેવી રીતે? પોતાના સ્વતત્ત્વની ખબર નથી ને એમ ને એમ ભ્રમણાના કુવામાં ભમી રહ્યો છે. એને એમ કે ગિરનાર


PDF/HTML Page 3007 of 4199
single page version

જાઉં તો મોક્ષ મલે કે સમ્મેદશિખર જાઉં તો મોક્ષ મલે. પણ ભાઈ! એમ તો તું અનંતવાર ભગવાનની ધર્મસભામાં જઈ આવ્યો. પણ એથી શું? અંર્તદ્રષ્ટિ ને અંતર્લીનતા કર્યા વિના પરદ્રવ્યના લક્ષે તો અશુદ્ધતા જ થાય, બંધન જ થાય.

તો જ્ઞાનીને પણ એવા ભાવ હોય છે ને?

હા, હોય છે, અસ્થિરતાને લીધે હોય છે પણ એનો એને આદર નથી, એને તે હેય જ જાણે છે, આદરવાલાયક નહિ. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– ત્યારે કોઈ વળી કહે છે-ભગવાનનો મારગ અનેકાન્ત છે. માટે નિશ્ચયથી પણ ધર્મ થાય ને વ્યવહારથી પણ ધર્મ થાય એમ કહો તો?

ઉત્તરઃ– ભાઈ! નિશ્ચયથી પણ ધર્મ થાય ને વ્યવહારથી પણ ધર્મ થાય-એ અનેકાન્ત નથી, એ તો ફુદડીવાદ છે. નિશ્ચયથી ધર્મ થાય ને બીજી રીતે એટલે વ્યવહારથી ન થાય એ અનેકાન્ત છે. અહીં તો આ સ્પષ્ટ કહ્યું કે પરદ્રવ્યના વલણવાળો ભાવ અશુદ્ધતા છે, અપરાધ છે. ભાઈ! વ્યવહાર ક્રિયાકાંડ એ ધર્મ નથી, એ તો રખડવાનો માર્ગ છે. જે પરદ્રવ્યના વલણને છોડીને સ્વદ્રવ્યમાં રમે છે તે અપરાધરહિત અબંધદશાને પ્રાપ્ત થાય છે અને તે સદા શુદ્ધ ચૈતન્યના પ્રકાશથી શોભાયમાન થાય છે. આવી વાત છે.

અહાહા...! આત્મા સ્વયંજ્યોતિ સુખધામ પ્રભુ સ્વસ્વરૂપના પ્રકાશથી શોભાયમાન ચૈતન્યપ્રકાશનું પૂર છે. ‘ચૈતન્ય-અમૃત-પૂર-પૂર્ણ-મહિમા’ એમ કહ્યું છે ને? અહા! આવો મહિમાવંત પદાર્થ પ્રભુ આત્મા છે. અહા! આવો પોતે છે એમ અજ્ઞાનીને કેમ બેસે? પરંતુ ભાઈ! પરમાત્માને પરમ અમૃતદશા-કેવળજ્ઞાનની દશા જે પ્રગટ થઈ એ ક્યાંથી આવી? શું બહારથી આવી? ના; અંદર પોતાની ચીજ જ એવી છે તેમાં એકાગ્ર થતાં દશાવાનની દશા આવી છે. અહા! સંતો કહે છે-ભગવાન! તું એવો છો; સદા અંદર ભગવાનસ્વરૂપ જ છો. અહા! આવા પોતાના સ્વરૂપમાં લીન થતાં, દરિયામાં ભરતી આવે તેમ, એની પર્યાયમાં નિર્મળ ચૈતન્ય ઉછળે છે, આનંદની ભરતી આવે છે. લ્યો, આને ભગવાન ધર્મ કહે છે. સમજાણું કાંઈ...?

અહા! લોકો બિચારા રળવા-કમાવામાંથી ને વિષયભોગમાંથી જ નવરા થતા નથી. નોકરીમાં હોય એ તો પંચાવન, સાઈઠ વર્ષે નિવૃત થાય; પણ આ તો વેપારમાં રસિયા પંચોતેર-પંચોતેર વર્ષે પણ એમાં જ ગળાડૂબ રહે છે. ભાઈ! એ એકલો પાપનો વેપાર છે હોં. પૈસા તો પૈસામાં રહેશે ને તારે પલ્લે તો પાપ જ આવશે ને ફળશે. અરે! આવી સત્ય વાત સમજવા નવરાશ ન લે એ સત્યની રુચિ કરે ક્યારે? ને ક્યારે એ પાપથી ને સંસારના દુઃખોથી છૂટે?


PDF/HTML Page 3008 of 4199
single page version

અહીં કહે છે-પરદ્રવ્ય તરફનો ઝુકાવ છોડી સ્વદ્રવ્યમાં ઝુકતાં અંદર નિર્મળપણે આનંદ ઉછળે છે. પાઠમાં ‘ચૈતન્યામૃતપૂર’ એમ શબ્દો છે ને? એનો અર્થ કર્યો કે ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ પ્રભુ આત્મા છે. અહાહા...! કેવો છે ભગવાન આત્મા? તો કહે છે-ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ છે. એમાં વ્યવહારના વિકલ્પો નથી. હું આત્મા આવો છું એવા વિચારનો વિકલ્પ પણ એમાં સમાતો નથી. અહા! દ્રવ્ય, ગુણ ને પર્યાયના વિચાર એ પણ પરવશપણું છે. નિયમસારમાં (પરમ આવશ્યક અધિકારમાં) આવે છે કે- ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ નિત્ય એકરૂપ વસ્તુ છે. એને ત્રણ પ્રકારથી વિચારવો કે-આ ત્રિકાળી દ્રવ્ય, આ ત્રિકાળી ગુણ ને આ વર્તમાન પર્યાય-એ પરવશપણું છે; એ સ્વવશપણું નથી. અહીં કહે છે-પરવશપણું ત્યાગીને સ્વવશપણે જે સ્વ-સ્વરૂપમાં રમે છે તેને અંદર નિર્મળપણે આનંદ ઉછળે છે.

‘પરખ્યાં માણેક મોતીડાં, પરખ્યાં હેમ કપૂર;
એક ન પરખ્યો આતમા, ત્યાં રહ્યો દિગ્મૂઢ.’

હવે આ બાજરો આવો ને જુવાર આવી એમ પરની પરખ કરી, પણ પોતે અહાહા...! ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ-એને પરખ્યો નહિ! પરની પરખમાં દેવના દીકરા જેવું ડહાપણ બતાવે, અમેરિકામાં આમ ને લંડનમાં આમ-એમ મોટી વાતો કરે; પણ અહીં કહે છે-સાંભળ, ભાઈ! એ બધી વિકલ્પની જાળ અપરાધ છે. ગુન્હો છે. અરે! એકને ત્રણપણે (દ્રવ્ય, ગુણ ને પર્યાયપણે) વિચારવો એ પણ અશુદ્ધતા છે, અપરાધ છે, પરવશપણું છે એમાં મનનો સંગ આવ્યો ને? મનનો સંગ થાય ત્યારે ત્રણનો ભેદ પડે છે, માટે એ પરવશપણું છે.

ભાઈ! સમ્યગ્દર્શનનો વિષય અભેદ એક ચિન્માત્ર વસ્તુ છે. અહાહા...! જેના અનુભવમાં ભેદ પડતો નથી એ વસ્તુ એક અસંગ છે. અહા! આવા અસંગના સંગમાં જતાં અંદર નિર્મળપણે ચૈતન્ય ઉછળે છે એમ કહે છે. ભાઈ! આ તો પરમેશ્વર જિનેશ્વરદેવ મહાવિદેહમાં ઇન્દ્રો ને ગણધરોની સમક્ષ જે કહેતા હતા ને કહી રહ્યા છે તે આ વાણી છે. અહો! આ સમયસાર ને પ્રવચનસાર તો ભગવાનની ઓમધ્વનિનો સાર છે.

અહા! પરમાત્મા કહે છે-જેટલું સ્વદ્રવ્ય છોડીને પરદ્રવ્યનું આલંબન લઈશ તેટલો રાગ થશે અને તે રાગ અપરાધ-ગુન્હો છે. અહા! જૈન પરમેશ્વર વીતરાગદેવ એમ ન કહે કે તું મારી ભક્તિ કર ને તારું કલ્યાણ થઈ જશે. ભગવાન તો અતિ જોરથી ઘોષણા કરે છે કે-અમારી ભક્તિ, સ્તુતિ, વંદના ઈત્યાદિનો તને જે ભાવ થાય છે તે બધો અપરાધ છે, અશુદ્ધતા છે. એ કાંઈ મહિમાવાળી ચીજ નથી.

પરમ મહિમાને ધરનારો તો ચૈતન્યરૂપી અમૃતનું પૂર પ્રભુ આત્મા છે. અહા! પાણીના પૂરનો જેમ પ્રવાહ ચાલે તેમ આત્મા ચૈતન્યરૂપી અમૃતનો પ્રવાહ છે. અહાહા!


PDF/HTML Page 3009 of 4199
single page version

ચૈતન્ય...ચૈતન્ય...ચૈતન્ય, અમૃત...અમૃત...અમૃત, આનંદ...આનંદ...આનંદ-એમ આત્મા ચૈતન્યરૂપી અમુતનો ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવો અનાદિ અનંત છે. અહા! આવા પોતાના સ્વદ્રવ્યમાં લીન થતાં નિરપરાધપણું પ્રગટે છે, બંધ થતો નથી અને અંદર અતિ નિર્મળપણે આનંદ ઉછળે છે. આચાર્ય કહે છે-ભાઈ! અંદર જા ને કે જ્યાં આ ચૈતન્યરૂપી અમૃતનો ત્રિકાળ ધોધ વહે છે. આ પુણ્ય-પાપના ભાવ તો ભગવાન! ઝેરનો ધોધ-પ્રવાહ છે. ત્યાંથી નીકળી જા, ને અહિં ચૈતન્યના ત્રિકાળી અમૃતમય પ્રવાહમાં મગ્ન થઈ જા. તારું અવિનાશી કલ્યાણ થશે.

અરે ભાઈ! તારી ચીજ શું છે તેની તને ખબર નથી. પરની દયા પાળે, કાંઈક દાન કરે ને વ્રત પાળે પાળે એટલે માને કે સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે, ધર્મ થઈ જશે. પણ બાપુ એ તો બધા રાગના પરિણામ કર્યા વિના એ બધાં કોઈ કામ નહિ આવે. એનાથી લેશ પણ ધર્મ ને સુખ નહિ થાય. છહઢાલામાં આવે છે ને કે-

“મુનિવ્રત ધાર અનંત બાર, ગ્રીવક ઉપજાયૌ;
પૈ જિન આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયૌ.”

માટે હે ભાઈ! તું ચિદાનંદઘન પ્રભે ચૈતન્યરૂપી અમૃતનું પૂર છો, તેને સ્વસંવેદનમાં જાણી તેમાં મગ્ન-સ્થિર થઈ જા; કેમકે શુદ્ધ ચૈતન્યના ધુૈવ પ્રવાહમાં મગ્ન થતાં આત્મા શેદ્ધ થતો થકો કર્મોથી મૂકાય છે. પહેલાં પરદ્રવ્યમાં લીન થતાં અશુદ્ધતા ને બંધનને પામે છે એમ કહ્યુેં હવે કહે છે-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવા સ્વદ્રવ્યમાં લીન-સ્થિર થતાં આત્મા શુદ્ધ થતો થકો બંધનથી મૂકાય છે અર્થાત્ શાશ્વત અવિચન સુખને પામે છે.

કળશ ૧૯૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન

‘જે પુરુષ પહેલાં સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં (આત્મસ્વરૂપમા્ર) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી, મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે.’

શું કીધું? કે સમસ્ત પરદ્રવ્ય પ્રત્યેનું લક્ષ છોડી દઈને જે પુરુષ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં લીન-સ્થિર થાય છે તે સર્વ રાગાદિક અપરાધથી રહિત થાય છે. અર્થાત્ તેને રાગાદિક અપરાધ થતો નથી અને તેથી નવીન કર્મબંધ પણ થતો નથી. તે નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામે છે. એટલે શું? કેવળજ્ઞાન પ્રગટયા પછી તે નિત્ય અક્ષયપણે કાયમ રહે છે. જેમ વસ્તુ આત્મા અનાદિ-અનંત


PDF/HTML Page 3010 of 4199
single page version

નિત્ય પ્રવાહરૂપ છે, તેમ કેવળજ્ઞાન પ્રગટ થયા પછી પ્રવાહપણે કાયમ રહે છે (તેનાપ્રવાહમાં ભંગ પડતો નથી). અહાહા...! સ્વમાં લીન થયેલો તે પુરુષ નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાન પામી, પૂર્ણ શુદ્ધ થઈ, સર્વ કર્મનો ક્ષય કરી મોક્ષદશાને પામે છે.

પ્રથમ મિથ્યાત્વથી, પછી અવ્રતથી અને ત્યારબાદ અસ્થિરતાથી મૂકાય છે ને એ પ્રમાણે પૂરણ મોક્ષદશાને પામે છે. આ ભગવાન કેવળીનો માર્ગ છે. લોકો રાગથી ધર્મ થવાનું માને છે પણ એ (માન્યતા) અન્યમત છે, જૈનમત નહિ, વીતરાગદર્શન નહિ.

ભાઈ! તારું જેવું ર્સ્વસ્વરૂપ છે તેવું (સ્વઆશ્રયે) તેનું જ્ઞાન ને શ્રદ્ધામન કર. તેનું જ્ઞાન-શ્રદ્ધમ-શ્રદ્ધાન થતાં તેમાં અંતઃસ્તિરતા થશે, અને અંતઃસ્થિરતા પૂર્ણ થતાં મોક્ષ થશે. અહા! આ અંતઃસ્થિરતા એ ચારિત્ર છે, પંચમહાવ્રતના ભાવ એ ચારિત્ર નથી. સ્વરૂપસ્થિરતા થતાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધ ઉપયોગની નમાવટ થાય છે અને તે મુનિદશા છે. તેનું અંતિમ ફળ પૂર્ણદશારૂપ મોક્ષ છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે.

હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે પૂર્ણ જ્ઞાનના મહિનામું (સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું) કળશરૂપ કાવ્ય કહે છેઃ-

*
કળશ ૧૯૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન

આ મોક્ષ અધિકારનો છેલ્લો કળશ છે. શું કહે છે? ‘बन्धछेदात् अतुलम अक्षय्यम् मोक्षम् कलयत्’ કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું,...

જુઓ, ‘કર્મબંધના છેદથી...’ એટલે શુદ્ધ ચિદાનંદઘન આત્મા છે તેનાં જ્ઞાનશ્રદ્ધાન ને અંતર-રમણતા-લીનતા કરવાથી રાગાદિનો રર્વથા નાક થઈ જાય છે અને સર્વ કર્મનો છેદ થઈ જાય છે; અને ત્યારે અતુલ, અક્ષય, કેવળજ્ઞાનમય મોક્ષદશા પ્રગટ થાય છે. ભાઈ! સિોધન.ે જે વડે મોક્ષદશા પ્રગટ થઈ છે એવું સામર્થ્ય પ્રત્યેક આત્મામાં રહેલું છે.

કેવી છે મોક્ષદશા? તો કહે છે-અતુલ અર્થાત્ અનેપમ છે. અહા! જેની તુલના- ઉપમા કોઈની સાથે ન કરી શકાય એવી મોક્ષદશા અતુલ-અનુપમ છે.

વળી તે અક્ષય અર્થાત્ અવિનાશી છે. અહાહા...! આત્મામાં અજ્ઞાન અને રાગદ્વેષનો સર્વથા નાશ થઈને જે પૂર્ણ કેવળજ્ઞાન અને વીતરાગતાની દશા પ્રગટ થઈ તે અક્ષય-અવિનાશી છે. કેટલાક માને છે ને? કે ભગવાન, ભક્તોને ભીડ પડે ત્યારે, અવતાર ધારણ કરે છે. પણ એ માન્યતા બરાબર નથી. અનંત આનંદની અક્ષય દશા જેને પ્રાપ્ત થઈ તે પછી ભવ ધારણ કરતા નથી. એને ભવનું બીજ જ સમૂળગું નાશ


PDF/HTML Page 3011 of 4199
single page version

પામી ગયું છે ને? અહાહા...! ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં’-અર્થાત્ મોક્ષદશા પ્રગટી તે અનંત સુખની દશા એવા જ અનંતકાળ રહેવાની છે.અહા! આવી અક્ષય મોક્ષદશા છે.

અહા! આવી મોક્ષદશાને અનુભવતું’ ‘नित्य–उद्योत–स्फुटित–समज–अवस्थम्’ નિત્ય ઉદ્યોતવાળી સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું,...

જોયું? મોક્ષને એટલે કે અનંત આનંદને અનુભવતું, જેમ ફૂલની કળી સર્વ પાંખડીએ ખીલી નીકળે તેમ, આત્માનું જ્ઞાન ને દર્શન પૂર્ણ ખીલી નીકળ્‌યું. અહા! તે પૂરણ જ્ઞાન-દર્શનની દશા સહજ એટલે સ્વાભાવિક અને નિત્ય ઉદ્યોતરૂપ છે; અર્થાત્ જેનો પ્રકાશ નિત્ય છે એવી છે. અહાહા...! કેવળદર્શન ને કેવળજ્ઞાન જે અંતરમાં સ્વભાવમાં ત્રિકાળ શક્તિપણે હતાં તે વર્તમાન વ્યક્ત થયાં-ખીલી નીકળ્‌યાં; હવે તે, કહે છે, નિત્ય ઉદ્યોતરૂપ સમજાય છે કાંઈ...?

અજ્ઞાનીઓ આત્મા, આત્મા-એમ કહે છે, પરંતુ આત્માના સામા સ્વરૂપની તેમને ખબર નથી. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જેવો આત્મા જોયો ને કહ્યો છે તે પૂરણ જ્ઞાન ને આનંદથી ભરેલો પદાર્થ છે. તેનો અનુભવ કરી તેમાં એકાગ્ર થતાં પર્યાયમાં પૂરણ જ્ઞાન ને આનંદ ખીલી નીકળે છે. અહા! જેને કેવલજ્ઞાન, કેવળદર્શન પ્રગટ થયું તેને તે નિત્ય ઉદ્યોતરૂપ છે.

વળી તે ‘एकान्त–शुद्धिम्’ એકાન્ત શુદ્ધ છે. શુદ્ધ, શુદ્ધ, શુદ્ધ એવું કર્મના મેલથી રહિત અત્યંત શુદ્ધ છે.

અને’ एकाकार–स्व–भरतः अत्यन्त–गम्भीर–धीरम्’ એકાકાર નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું...

જુઓ, સંસારદશામાં-અલ્પજ્ઞદશામાં જ્ઞાનની દશા એકાકાર-એકરૂપ ન હતી, અનેકરૂપ થતી હતી તે પરમાત્મદશામાં સર્વજ્ઞતા પ્રગટતાં એકાકાર પ્રગટ થઈ; એકાકાર એટલે એક જ્ઞાનમાત્ર આકારે-સ્વરૂપે પરિણમી ગઈ. રાગાદિનો સર્વથા નાશ થતાં જ્ઞાનની દશા એકાકાર-એકરૂપે પ્રગટ થઈ.

અહાહા...! કહે છે-એકાકાર નિજરસ અતિશયતથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું, ‘एतत् पूर्ण ज्ञान’ આ પૂર્ણ જ્ઞાન ज्वलितम्’ જળહળી ઉઠયું.

શું કહે છે? કે આત્માનો જે નિજરસ ચૈતન્યરસ-આનંદરસ -વીતરાગરસ છે તેની અતિશયતા-વિશેષતા કેવલજ્ઞાન ને મોક્ષદશા થતાં પ્રગટ થઈ ગઈ. અહાહા...! સિદ્ધ દશા આવી નિજરસની-ચૈતન્યરસની અતિશયતાથી અત્યંત ગંભીર છે. છદ્મસ્થને તેની ગંભીરતાનો પાર પામવો મુશ્કેલ છે. અહા! સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્માની જ્ઞાનના દશાના


PDF/HTML Page 3012 of 4199
single page version

ઉંડપ પાર ન પમાય તેવી અમાપ છે. જેમ સમુદ્ર અતિ ઉંડો ગંભીર છે તેમ ભગવાનનું પવિત્ર જ્ઞાન અતિ ઊંડું અમાપ ગંભીર છે.

વળી તે ધીર એટલે કે શાશ્વત છે. કેવળજ્ઞાન પ્રગટ થયું તે હવે શાશ્વત રહેવાનું છે, અચળ રહેવાનું છે, પડવાનું નથી. ચાર ગતિમાં, સંસારમાં જેમ પલટના થાય, હીનાધિકતા થાય તેમ હવે થશે નહિ એવું તે ધીરું-અચળ-શાશ્વત છે. અહાહા...! આવું નિજરસની અતિશયતાથી અત્યંત ગંભીર અને ધીર-એવું જ્ઞાન ‘ ज्वलितम्’ જળહળી ઉઠયું, પ્રગટ પ્રકાશમાન થયું.

જેમ દિવાસળીમાં શક્તિરૂપે અગ્નિ છે તે ઘસતાં ભડકારૂપે પ્રગટ થાય છે. તેમ આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ત્રિકાળ શક્તિરૂપે વિદ્યમાન છે. એને અંતર-એકાગ્રતા વડે ઘસતાં અર્થાત્ અંતર-અનુભવ કરતાં જળહળ જ્યોતિરૂપે પર્યાયમાં પ્રગટ થયાં. શું કીધું? સ્વરૂપમાં એકાગ્ર થઈ લીન રહેતાં આત્મદ્રવ્ય કેવળજ્ઞાન આદિ વડે જળહળી ઉઠયું. જેવું અંદર ચૈતન્યનું સામર્થ્ય હતું તેવું પર્યાયમાં પ્રગટ થયું.

ભાઈ! આ કેવળજ્ઞાન ને કેવળદર્શન કાંઈ બહારથી આવે છે એમ નથી. પણ અંદર ભગવાન આત્મામાં શક્તિપણે વિદ્યમાન છે તે અંતર એકાગ્રતાના અભ્યાસથી સ્વરૂપ લીનતા કરતાં પર્યાયમાં જળહળી ઉઠે છે, જાજ્વલ્યમાન પ્રગટ થાય છે.

હવે કહે છે-આ જે જ્ઞાન (કેવળજ્ઞાન) જાજ્વલ્યમાન પ્રગટ થયું તે ‘स्वस्य अचले महिम्नि लीनं’ પોતાના અચળ મહિમામાં લીન થયું.

જોયું? અનાદિથી જ્ઞાન પુણ્ય ને પાપમાં, શુભ ને અશુભમાં, જ્ઞેયમાં લીન હતું. પરંતુ અંતર-એકાગ્રતાના અભ્યાસ વડે ને કેવળજ્ઞાન જાજ્વલ્યમાન પ્રગટ થયું તે સ્વરૂપમાં જ લીન-ડૂબેલું છે; નિજાનંદરસલીન છે, જ્ઞાન અવિચળ જ્ઞાનમાં લીન છે, જ્ઞેય પ્રતિ લીન નથી. અહાહા...! આવી કેવળજ્ઞાન દશા! એની પ્રાપ્તિનો ઉપાય નિજ આત્મદ્રવ્યમાં એકાગ્રતા ને લીનતા કરવી તે જ છે. સમજાણું કાંઈ...?

અત્યારે કેટલાક કહે છે કે-સર્વજ્ઞે જે પ્રમાણે જ્ઞાનમાં જોયું છે તે પ્રમાણે થશે, માટે આપણે કાંઈ કરવાનું રહેતું નથી. તેને કહીએ છીએ-ભાઈ! સાંભળ. કેવળજ્ઞાનની સત્તાનો-હોવાપણાનો જેણે સ્વીકાર કર્યો છે એની દ્રષ્ટિ કેવળજ્ઞાનસ્વભાવી જે સ્વદ્રવ્ય તેના ઉપર ગઈ છે. અને તે જ કરવાયોગ્ય (પુરુષાર્થ) એણે કર્યું છે. પ્રવચનસારમાં (ગાથા ૮૦માં) આવે છે કે-અરિહંતના દ્રવ્ય, ગુણ, પર્યાયને જે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનોે મોહ નાશ પામી જાય છે.

* કળશ ૧૯૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વભાવિક અવસ્થારૂપ, અત્યંત


PDF/HTML Page 3013 of 4199
single page version

શુદ્ધ, સમસ્ત જ્ઞેયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર અને ધીર-એવું પૂર્ણ જ્ઞાન પ્રગટ દેદીપ્યમાન થયું, પોતાના મહિમામાં લીન થયું.’

જોયું? કર્મનો નાશ કરી એટલે અજ્ઞાન અને રાગદ્વેષમોહરૂપી ભાવકર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું જ્ઞાન પોતાની સહજ સ્વભાવિક અવસ્થારૂપ છે અને તે અત્યંત નિર્વિકાર શુદ્ધ છે. અહાહા...! પરમાત્માને અશુદ્ધતાનો અંશ પણ રહ્યો નથી.

જ્ઞેયાકારોને ગૌણ કરતું એટલે શું? કે લોકાલોકને જાણે છે પણ લોકાલોકમાં તે તન્મય નથી. નિશ્ચયથી કેવલજ્ઞાન પોતાની પર્યાયને જાણે છે કે જેમાં લોકાલોક જણાય છે. લોકાલોકને જાણે છે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહારનય છે.

વળી લોકાલોક છે માટે લોકાલોકને જાણે છે એમેય નથી. એ તો જ્ઞાનની પર્યાયની એ સહજ શક્તિ છે કે પોતે પોતાથી જ ષટ્કારકરૂપ થઈને લોકાલોકને જાણતી થકી પ્રગટ થાય છે. અહા! કેવલજ્ઞાનની પર્યાયનાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ-એમ ષટ્કારક પર્યાય પોતે જ છે; પરજ્ઞેય તો નહિ, પણ દ્રવ્ય-ગુણેય નહિ. અંદર શક્તિ છે; પણ પ્રગટ થવાનું સામર્થ્ય પર્યાયનું સ્વતંત્ર છે. કેવલજ્ઞાન ખરેખર લોકાલોકને અડયા વિના, પોતાની સત્તામાં જ રહીને પોતેે પોતાથી જ પોતાને (-પર્યાયને) જાણે છે કે જેમાં લોકાલોક પ્રકાશિત થાય છે. અહા! પોતાની પર્યાયને જાણતાં લોકાલોક જણાઈ જાય છે.

વળી તે અત્યંત ગંભીર છે. અહા! જેનો પાર ન પમાય એવું કેવલજ્ઞાન અપાર ગંભીર છે અનંત લોકાલોક હોય તોય જણાઈ જાય એવું અપાર સામર્થ્ય સહિત તે ગંભીર છે; અને આકુળતા રહિત ધીર છે.

ભાઈ! તારા સ્વભાવનું સામર્થ્ય અંદર જ્ઞાન-દર્શનથી પૂરણ ભર્યું છે જેમાંથી કેવળજ્ઞાન ને કેવળદર્શન પાકે, પણ પુણ્યની અને બહારના મહિમા આડે તેની પ્રતીતિ આવતી નથી.

અહીં કહે છે-આ પૂર્ણ જ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થયું તે અતિ ગંભીર અને આકુળતા રહિત ધીર છે અને તે પોતાના મહિમામાં અચળ લીન છે, નિજાનંદરસમાં જ લીન છે. હવે કહે છે-

ટીકાઃ- આરીતે મોક્ષ (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગયો. ભાવાર્થઃ- રંગભૂમિમાં મોક્ષતત્ત્વનો સ્વાંગ આવ્યો હતો જ્યાં જ્ઞાન પ્રગટ થયું ત્યાં તે મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી બહાર નીકળી ગયો.

જેમ સંસારદશા એક સ્વાંગ-ભેખ છે તેમ મોક્ષદશા પણ એક સ્વાંગ-ભેખ છે. સિદ્ધપદ-મોક્ષદશા સાદિ-અનંત સમયે સમયે નવી નવી પ્રગટ થાય છે. દ્રવ્ય-ગુણ નિત્ય


PDF/HTML Page 3014 of 4199
single page version

છે, પણ મોક્ષદશા એક સમયનો સ્વાંગ છે. અહીં કહે છે-જ્યાં કેવલજ્ઞાન પ્રગટ થઈ ગયું ત્યાં મોક્ષનો સ્વાંગ રંગભૂમિમાંથી નીકળી ગયો. હવે કહે છે-

“જ્યોં નર કોઈ પર્યો દ્રઢબંધન બંધસ્વરૂપ લખૈ દુઃખકારી,
ચિંત કરૈ નિતિ કેમ કટૈ યહ તૌઊ છિદૈ નહિ નૈક ટિકારી;
છેદનકૂં ગહિ આયુધ ધાય ચલાય નિશંક કરૈ દુય ધારી,
યોં બુધ બુદ્ધિ ધસાય દુધા કરિ કર્મ રુ આતમ આપ ગહારી.”

કોઈ પુરુષ લોખંડની સાંકળના દ્રઢ બંધનમાં પડયો હોય અને વિચારે કે બંધન મહા દુઃખકારી છે. તો એટલા વિચારમાત્રથી બંધન છૂટે નહિ. વળી બંધનની ચિંતા જ કર્યા કરવાથી બંધન છૂટે નહિ. પણ આયુધ વડે તે બંધનને - બેડીને તોડે તો તૂટે.

તેમ આત્મામાં રાગ-દ્વેષ-મોહનું બંધન છે, અને તે દુઃખદાયક છે. પણ એટલા વિચારમાત્રથી કાંઈ બંધન છૂટે નહિ. વળી બંધનની ચિંતા કર્યા કરવાથી પણ બંધન છૂટે નહિ. પરંતુ ભેદવિજ્ઞાનરૂપી સુબુદ્ધિ પ્રગટ કરી રાગ અને જ્ઞાનને જુદા કરે તો બંધન છૂટે. સમ્યગ્જ્ઞાનરૂપી તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી વડે પુણ્ય-પાપના ભાવ અને ભગવાન આત્મા ભિન્ન પડે છે. તો આવું ભેદ-વિજ્ઞાન પ્રગટ કરે તો તે બંધનથી છૂટે છે.

કેટલાક લોકો જીવોની દયા પાળો, વ્રત પાળો, તપ કરો, ભક્તિ કરો;-તે વડે ધર્મ થઈ જશે એમ કહે છે પણ એમની તે વાત ખોટી છે. તેઓ બંધનના કારણને ધર્મનું કારણ માને છે.

જેમ લોખંડની બેડી તીક્ષ્ણ આયુધ વડે છેદતાં બંધન તૂટે છે તેમ પ્રજ્ઞાછીણીને રાગ ને જ્ઞાનની સાંધમાં પટકતાં બન્ને છૂટા પડી જાય છે અને બંધન તૂટે છે. પુણ્ય-પાપથી મારી ચૈતન્યસ્વરૂપ ચીજ ભિન્ન છે એમ જાણી પોતાની ચીજમાં જ્ઞાનને એકાગ્ર કરવું એ પ્રજ્ઞાછીણી છે અને એ જ મોક્ષનો ઉપાય છે. અહા! પ્રજ્ઞાછીણી-ભેદવિજ્ઞાન એક જ મોક્ષનો ઉપાય છે. સમજાણું કાંઈ...? લ્યો, મોક્ષ અધિકાર પુરો થયો.

આ પ્રમાણે આ સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં પ્રવચનનો આઠમો મોક્ષ અધિકાર સમાપ્ત થયો.

[પ્રવચન નં. ૩૬૪ થી ૩૭૦ * દિનાંક ૧૨-૬-૭૭ થી ૧૮-૬-૭૭]

PDF/HTML Page 3015 of 4199
single page version

background image
પ્રવચન રત્નાકર
[ભાગ–૯]
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો
ઃ પ્રકાશકઃ
શ્રી કુંદકુંદ–કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ
૧૭૩-૧૭પ મુંબાદેવી રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૨
ઃ પ્રરકઃ

PDF/HTML Page 3016 of 4199
single page version

background image
ક્રમગાથા/કળશપ્રવચન નંબરપૃષ્ઠાંક
કળશ-૧૯૩૩૭૧ થી ૩૭૭
કળશ-૧૯૩
ગાથા ૩૦૮ થી ૩૧૧
કળશ-૧૯પ
ગાથા ૩૧૨-૩૧૩૩૭૮૪૪
ગાથા ૩૧૪-૩૧પ૩૭૮ થી ૩૮૦પ૧
કળશ-૧૯૬પ૨
ગાથા-૩૧૬૩૮૦-૩૮૧૬૨
કળશ-૧૯૭૬૩
૧૦ગાથા-૩૧૭૩૮૧૭૨
૧૧ગાથા-૩૧૮૩૮૨-૩૮૩૭૭
૧૨કળશ-૧૯૮૭૮
૧૩ગાથા-૩૧૯૮૪
૧૪ગાથા-૩૨૦ - ૮૬
(શ્રી જયસેનાચાર્યકૃત)
૧પગાથા-૩૨૦૩૮પ૧૭૭
(શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યકૃત)
૧૬કળશ-૧૯૯૧૯૨
૧૭ગાથા ૩૨૧-૩૨૩૩૮૬૧૯૩
૧૮કળશ-૨૦૦૧૯૪
૧૯ગાથા ૩૨૪ થી ૩૨૭૩૮૭-૩૮૮૧૯૯
૨૦કળશ ૨૦૧-૨૦૨૨૦૧
૨૧ગાથા ૩૨૮ થી ૩૩૧૩૮૯ થી ૩૯૧૨૧૧
૨૨કળશ-૨૦૩૨૧૩
૨૩કળશ-૨૦૪૨૧૪
૨૪ગાથા ૩૩૨ થી ૩૪૪૩૯૧ થી ૩૯૩૨૩૩

PDF/HTML Page 3017 of 4199
single page version

background image
ક્રમગાથા/કળશપ્રવચન નંબરપૃષ્ઠાંક
૨પકળશ-૨૦પ૩૯૧ થી ૩૯૩ર૩૯
૨૬કળશ-૨૦૬૨૪૦
૨૭કળશ-૨૦૭૨૪૨
૨૮ગાથા ૩૪પ થી ૩૪૮૩૮૯ થી ૪૦૧૨૮૩
૨૯કળશ-૨૦૮૨૮પ
૩૦કળશ-૨૦૯૨૮૬
૩૧કળશ-૨૧૦૨૮૭
૩૨ગાથા ૩૪૯ થી ૩પપ૪૦૨ થી ૪૦૭૩૦૮
૩૩કળશ-૨૧૧૩૧૧
૩૪કળશ ૨૧૨-૨૧૩૩૧૨
૩પકળશ-૨૧૪૩૧૩
૩૬ગાથા ૩પ૬ થી ૩૬પ૪૦૮ થી ૪પ૯
૩૭કળશ-૨૧પ૩પ૧
૩૮કળશ ૨૧૬-૨૧૭૩પ૨
૩૯ગાથા ૩૬૬ થી ૩૭૧૪પ૯ થી ૪૬૧૪૦૬
૪૦કળશ-૨૧૮૪૦૯
૪૧કળશ-૨૧૯૪૧૦
×

PDF/HTML Page 3018 of 4199
single page version

background image
(હરિગીત)
સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી,
સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર! તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી,
મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટુપ)
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા,
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
(શિખરિણી)
અહો! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી,
મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી;
અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી,
વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત)
તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા,
તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા;
સાથી સાધકનો, તું ભાનુ જગનો, સંદેશ મહાવીરનો,
વિસામો ભવક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા)
સુણ્યે તને રસનિબંધ શિથિલ થાય,
જાણ્યે તને હૃદય જ્ઞાની તણાં જણાય;
તું રુચતાં જગતની રુચિ આળસે સૌ,
તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટુપ)
બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં
અંકાયે મૂલ્ય ના કદી.

PDF/HTML Page 3019 of 4199
single page version

background image
(હરિગીત)
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી,
જ્ઞાની સુકાની મળ્‌યા વિના એ નાવ પણ તારે નહીં;
આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો,
મુજ પુણ્યરાશિ ફળ્‌યો અહો! ગુરુ ક્હાન તું નાવિક મળ્‌યો.
(અનુષ્ટુપ)
અહો! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના!
બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી)
સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે,
અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે;
નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે,
નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત)
હૈયું ‘સત સત, જ્ઞાન જ્ઞાન’ ધબકે ને વજ્રવાણી છૂટે,
જે વજ્રે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે;
-રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં,
ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા)
નિત્યે સુધાઝરણ ચંદ્ર! તને નમું હું,
કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું;
હે જ્ઞાનપોષક સુમેઘ! તને નમું હું,
આ દાસના જીવનશિલ્પી! તને નમું હું.
(સ્રગ્ધરા)
ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું, -મનરથ મનનો; પૂરજો શક્તિશાળી!

PDF/HTML Page 3020 of 4199
single page version

परमात्मने नमः।
શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः

સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર

अथ प्रविशतिः सर्वविशुद्धज्ञानम्।

(मंदाक्रान्ता)
नीत्वा सम्यक् प्रलयमखिलान् कर्तृभोक्त्रादिभावान्
दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्ऌप्तेः।
शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपुण्याचलार्चि–
ष्टङ्कोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः।। १९३।।
સર્વવિશુદ્ધ સુજ્ઞાનમય, સદા આતમારામ;
પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ.

પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે ‘હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે’. મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં