Pravachan Ratnakar (Gujarati). Parishisht; Kalash: 247.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 189 of 210

 

PDF/HTML Page 3761 of 4199
single page version

જ્ઞેય શબ્દે શું આવ્યું? તો કહે છે -આત્મા જ્ઞાન છે, ને આખું વિશ્વ જ્ઞેય છે. આ દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ, ને દેવ-ગુરુ આદિ પંચપરમેષ્ઠીથી માંડીને આખી દુનિયા જ્ઞેય છે. એને જ્ઞાન જાણે છે એમ કહીએ એ વ્યવહાર છે. અરે! લોકોએ પોતાનું મૂળ તત્ત્વ શું છે એને સાંભળવાની-સમજવાની દરકાર સુદ્ધાં કરી નથી; એમ ને એમ અનંતકાળ એનો રખડવામાં જ ગયો છે.

અહીં કહે છે- આત્માનું જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે. અખંડ કેમ કહ્યું? કે આત્માના જ્ઞાનમાં જ્ઞેયો જાણવામાં તો આવે છે પણ જ્ઞેયોને જાણતાં જ્ઞાન ખંડખંડ જ્ઞેયાકારપણે થઈ જાય છે એમ નથી; જ્ઞેયો વડે જ્ઞાન ખંડિત થઈ જતું નથી. જ્ઞેયોને જાણનારું જ્ઞાન જ્ઞાનાકાર જ રહે છે. જેમ આંખ દ્વારા અગ્નિ દેખવામાં આવે છે તો અગ્નિ કાંઈ આંખમાં પેસી ગઈ છે એમ નથી, અથવા આંખ અગ્નિ થઈ ગઈ છે એમ નથી. તેમ જ્ઞાનમાં અગ્નિ દેખવામાં આવે છે ત્યાં અગ્નિ કાંઈ જ્ઞાનમાં-આત્મામાં પેસી ગઈ નથી, વા જ્ઞાન અગ્નિ થઈ ગયું છે એમ નથી. અગ્નિથી જ્ઞાન ખંડિત થઈ અગ્નિરૂપ થઈ ગયું નથી, જ્ઞાન જ્ઞાન જ રહ્યું છે. આવી વાત!

પણ આ પ્રત્યક્ષ દેખાય છે ને? શું દેખાય છે? શું જ્ઞાન પરજ્ઞેયરૂપ થઈ જાય છે? કદીય નહિ. એ તો જ્ઞાન જ્ઞાનસ્વરૂપે જ રહીને પરજ્ઞેયોને જાણે છે. અરે, શું કહીએ? આત્મા પરદ્રવ્યને તો કદીય સ્પર્શ્યો જ નથી. અહાહા....! આ ચૈતન્ય મહાપ્રભુ પરદ્રવ્ય-કર્મ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, દેવ-ગુરુ-શાસ્ત્ર-ઈત્યાદિને કદી અડતો જ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કદી ચુંબતું -અડતું નથી આ સિદ્ધાંત છે. (જુઓ ગાથા ૩, ટીકા). ભાઈ! મારગ તો આવો સૂક્ષ્મ છે ભગવાન!

આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે તો જ્ઞાન જ્ઞેયને જાણે છે કે નહિ? ભાઈ! નિશ્ચયે તો જ્ઞાન જ્ઞાન જ છે, જ્ઞાન પરજ્ઞેયને જાણે છે એમ કહીએ તે વ્યવહાર છે. જ્ઞાનનો જાણન... જાણન સ્વભાવ છે તો સ્વતઃ પોતાના સ્વભાવથી જ જ્ઞાન સ્વપરને જાણે છે. પણ ત્યાં જ્ઞેયને જાણવાથી અહીં જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞેયને જાણવાપણે પરિણમે એ જ્ઞાનનું સહજ સામર્થ્ય છે, જ્ઞેયને લઈને જ્ઞાન થયું નથી. જ્ઞેયને જાણનારું જ્ઞાન પોતાના સહજ સામર્થ્યથી જ જ્ઞાનરૂપે પ્રગટ થયું છે, જ્ઞેયની એને પરાધીનતા નથી. હવે આવી તત્ત્વજ્ઞાનની વાત ભાઈ! ખાસ ફુરસદ લઈને સમજવી જોઈએ. આ જિંદગી તો ચાલી જાય છે બાપુ! ક્ષણમાં દેહ ફુ થઈને ઉડી જશે. અરે, આ સમજ્યા વિના એ ક્યાં ક્યાં રખડશે? ક્યાંય ચારગતિરૂપ ભવસમુદ્રમાં ડૂબી જશે.

કહે છે-પ્રભુ! તું જ્ઞાનમાત્ર છો, ને તારું તત્ત્વ અખંડ છે. અહાહા....! એક એક શબ્દે કેટલી ઊંડપ ભરી છે! અહા! જ્ઞાન તો જ્ઞાનરૂપે પરિણમ્યું છે, કાંઈ જ્ઞેયાકારરૂપ


PDF/HTML Page 3762 of 4199
single page version

થઈ ગયું નથી, અનંતા જ્ઞેયાકારોને જ્ઞાન જાણે છે તો અનંતા જ્ઞેયાકારપણે જ્ઞાન ખંડ ખંડ થઈ જતું નથી. આ તો મૂળ મુદની વાત છે. અરે, એણે સ્વરૂપસન્મુખ થઈ નિજ અંતર- તત્ત્વને જાણ્યું નથી!

અહા! બહારના ક્રિયાકાંડ તો એ અનંતવાર કરી ચૂક્યો છે. મહાવિદેહક્ષેત્રમાં સદાય તિર્થંકર પરમાત્મા સમોસરણમાં બિરાજમાન છે. ત્યાં સમોસરણમાં જઈ એણે અનેક પ્રકારે ભગવાનની ભક્તિ-સ્તુતિ કરી છે, અને ભગવાનની વાણી અનંતવાર સાંભળી છે. પરંતુ એ તો બધી પરસન્મુખ પ્રવૃત્તિ બાપુ! અહા! એ પરસન્મુખતાથી ખસ્યો નહિ અને સ્વસન્મુખ થઈ નિજ ચૈતન્યતત્ત્વ જ્ઞાનમાત્ર વસ્તુને જાણીને અનુભવી નહિ. નિજ જ્ઞાનતત્ત્વને સ્વાભિમુખ થઈ અનુભવવી એ એક જ સાર છે-ભાઈ!

અહીં બે વાત કરીઃ ૧. આત્મા જ્ઞાનમાત્રસ્વરૂપ વસ્તુ છે. અર્થાત્ શરીર, મન, વાણી, ઈન્દ્રિય તે આત્મા નહિ, રાગાદિ વિકાર આત્મા નહિ ને અન્ય જીવ-પંચ પરમેષ્ઠી આદિય આત્મા નહિ. હા, એના સ્વરૂપમાં પંચપરમેષ્ઠી પદ શક્તિરૂપે પડેલાં છે એ બીજી વાત છે, પણ અન્ય જીવરૂપ પંચપરમેષ્ઠી તે આ આત્મા નહિ.

વળી જ્ઞાનમાત્ર વસ્તુ હોતાં સૌને-જગત આખાને જાણવાના સામર્થ્યરૂપ હોવાથી જાણે છે પણ તે કોઈ પરનો કર્તા નથી.

૨. વળી તે જ્ઞાનમાત્ર વસ્તુ અખંડ છે. એટલે શું? કે જાણવું... જાણવું.... જાણવું એ જ્ઞાનમાત્ર વસ્તુ આત્માનો સ્વભાવ છે, તો તે સ્વ-પર સૌને જાણે છે. અનંતા પર પદાર્થોને જ્ઞાન જાણે છે. તો અનંતને જાણતાં જ્ઞાન ખંડખંડ થાય છે કે નહિ? તો કહે છે- ના, જ્ઞાનમાત્ર વસ્તુનું જે તત્ત્વ-જ્ઞાનસ્વભાવ છે તે અખંડ છે. અનંત જ્ઞેયાકારોને જ્ઞાન જાણે પણ તે જ્ઞેયાકારરૂપ થઈ જતું નથી. જ્ઞાનાકારરૂપે જ રહે છે. સર્વને જાણનારું જ્ઞાન પોતે પોતાના કારણે જ જ્ઞાનાકારપણે થાય છે, જ્ઞેયાકારોને કારણે અહીં જ્ઞાન થાય છે એમ નથી. અનંતા પરને જાણવાથી જ્ઞાન કાંઈ અનંત-ખંડખંડ થતું નથી, જ્ઞાન અખંડ, અભેદ સ્વભાવે જ રહે છે.

અહા! આખી દુનિયાનો વ્યવસાય કરવાની ચિંતા આડે એને પોતાનું તત્ત્વ શું છે ને કેવું છે તે જાણવા-સમજવાની કોઈ દિ’ દરકાર કરી નથી. દરેક વસ્તુની વ્યવસ્થા રાખનારો હું વ્યવસ્થાપક છું એમ તું માને પણ ભાઈ! એ તારો મિથ્યા ભ્રમ છે; કેમકે તારા કારણથી બીજી ચીજમાં વ્યવસ્થા થાય તે ત્રણકાળમાં બનવું સંભવિત નથી. જગત આખુંય વાસ્તવમાં સ્વયં વ્યવસ્થિત જ પરિણમી રહ્યું છે; અને તેને જાણનારું તારું જ્ઞાન પણ વ્યવસ્થિત જ સ્વયં પરિણમી રહ્યું છે. તારે તો ભાઈ! જાણવું જ છે,


PDF/HTML Page 3763 of 4199
single page version

અહા! એક શબ્દે કેટલું ભર્યું છે! એક ‘જગત’ શબ્દ કહો તો છે તો ત્રણ અક્ષર, પણ એમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય; તેમ અહીં ‘જ્ઞાન’ કહેવાથી પૂરા બ્રહ્માંડને જાણનારો અખંડાનંદ પ્રભુ આત્મા આવી ગયો. અહા! પૂરા લોકને જાણવાનો તેનો સ્વભાવ છે, પણ તેને જાણતાં તેની એકરૂપતા ખંડખંડ થઈ ખંડિત થતી નથી એમ કહે છે. સમજાણું કાંઈ...?

વળી પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ થતા નથી, વસ્તુ અખંડ જ છે. જુઓ, પ્રતિપક્ષી કર્મો નિમિત્ત છે. એ નિમિત્તના વશે (પોતે નિમિત્તના વશે પરિણમે છે તેથી) જ્ઞાનમાં મતિ, શ્રુત, અવધિ ઈત્યાદિ અવસ્થાઓના ભેદ પડે છે અને તેથી ખંડખંડ દેખાય છે, પણ એ તો અવસ્થાભેદ બાપુ! જ્ઞાનમાત્રવસ્તુમાં ક્યાં ભેદ છે? એ તો અખંડ અભેદ એકરૂપ છે. મતિ-શ્રુત આદિ પર્યાયથી જોતાં ખંડખંડ દેખાય છે પણ વસ્તુ-જ્ઞાનમાત્ર વસ્તુ તો સ્વભાવે પૂર્ણ અખંડ જ છે, જ્ઞાનમાત્રમાં ખંડ નથી. અલ્પજ્ઞતા અને રાગ આદિ કાંઈ વસ્તુનું સ્વરૂપ નથી, વસ્તુ તો પૂરણ અભેદ અખંડસ્વરૂપે જ છે.

વળી આ જ્ઞાનમાત્ર તત્ત્વ એક છે. શું કીધું? એમ કે જ્ઞાન પરને-અનેકને જાણે છે તો તેમાં અનેકતા આવી જાય છે કે નહિ! તો કહે છે -એક છે, એકરૂપ જ છે, તેમાં અનેકપણું આવી જતું નથી. આ છેલ્લા કળશમાં સાર-સાર ભરી દીધો છે. કહે છે- પર જ્ઞેયાકારોના નિમિત્તે કે કર્મોના નિમિત્તે જ્ઞાનમાત્રવસ્તુનું તત્ત્વ અનેકરૂપ થઈ જતું નથી, જ્ઞાનસ્વભાવ અનેકપણે થઈ જતો નથી, તે તો અભેદ એક જ છે. બાપુ! આ તો દિગંબર સંતોની વાણી!

અહા! ભગવાન કુંદકુંદાચાર્યદેવ ભગવાન સીમંધરનાથ પાસે વિદેહક્ષેત્રમાં ગયા હતા. ત્યાં આઠ દિવસ રહી ભગવાનની ૐધ્વનિ સાંભળી હતી. વળી ત્યાં બીજા દિગંબર સંતો-ભાવલિંગી મુનિવરો ને શ્રુતકેવળી ભગવંતોનો તેમણે પરિચય કર્યો હતો. ત્યાંથી ભરતમાં પાછા પધારીને પછી આ શાસ્ત્રની રચના કરી છે. અહા! તેમાં કહે છે-જ્ઞાન- માત્રવસ્તુનું તત્ત્વ અખંડ, એક છે. અહાહા...! જ્ઞાન અખંડ હોવાથી એક છે. અનેકને જાણવા છતાં અનેકરૂપ થતું નથી. એવું એક છે. અહાહા....! જેમાં ખંડ પણ નથી, અનેકપણું પણ નથી એવો ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર સદાય એકસ્વરૂપ છે. તેની દ્રષ્ટિ કરવી અને તેમાં એકાગ્ર થઈ રમવું એનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન-


PDF/HTML Page 3764 of 4199
single page version

ચારિત્રરૂપ ધર્મ છે. લ્યો, આનું નામ ધર્મ! બાકી તો એણે અનંતવાર મુનિવ્રત ધારણ કીધાં, ૨૮ મૂલગુણ પાળ્‌યા અને અગિયાર અંગનાં ભણતર પણ કીધાં, પણ એ કોઈ ચીજ નથી, પોતે શું મહાન ચીજ છે તે જાણ્યા-અનુભવ્યા વિના બહારની ક્રિયા બધી થોથાં જ છે. છહઢાલામાં આવે છે ને કે-

મુનિવ્રત ધાર અનંતબાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.

હવે કહે છે- વળી જ્ઞાનમાત્ર આત્માનું તત્ત્વ અચળ છે. એટલે શું? કે જ્ઞાનરૂપથી આત્માનું સ્વતત્ત્વ ચળતું નથી, અર્થાત્ જ્ઞાનરૂપ મટીને પરજ્ઞેયરૂપ વા જડરૂપ થઈ જતું નથી, સદાય જ્ઞાનરૂપ જ રહે છે. ઓહો! રાગાદિ અનંતા પર પદાર્થોને ભગવાન આત્મા જાણે છે છતાં તે જ્ઞાનસ્વરૂપથી ચલિત થઈ રાગાદિ પરપદાર્થરૂપ થઈ જતું નથી. આત્મા સદાય પોતાના જ્ઞાનસ્વરૂપે જ રહે છે. આવી વાત છે. અહા! ધર્મના નામે લોકો બહારમાં કંઈક ને કંઈક (ક્રિયાકાંડ) ચલાવ્યે રાખે છે અને તેની જ અનુમોદના કરી પુષ્ટિ કર્યા કરે છે, પણ એ તો બધું અજ્ઞાન છે ભાઈ!

આ તો વીતરાગનો માર્ગ છે બાપુ! ભગવાન કહે છે- આત્મા અચળ છે; પોતાના જ્ઞાનસ્વરૂપથી ચલિત થતો નથી. અહાહા...! પરપદાર્થોને તે જાણે પણ કદી પરરૂપ થઈ જતો નથી. જેમ અરિસામાં સામે અગ્નિ હોય તે અરિસામાં દેખાય, પણ કાંઈ અરિસો અગ્નિમય થયો નથી. જે દેખાય છે તે તો અરિસાની જ અવસ્થા છે, તે અવસ્થા અગ્નિની નથી, ને અગ્નિના કારણે થઈ છે એમ પણ નથી. અગ્નિ નિમિત્ત હો ભલે, પણ અગ્નિએ કાંઈ અરિસાની અવસ્થા કરી નથી તેમ ભગવાન આત્મા જ્ઞાનઅરિસો છે. લોકાલોકને જાણે એવું તેની પર્યાયનું સ્વરૂપ છે. જ્ઞાનમાં રાગ જણાય તે જ્ઞાનની અવસ્થા છે, તે રાગની અવસ્થા નથી, ને રાગને કારણે તે અવસ્થા થઈ છે એમ પણ નથી; કેમકે જ્ઞાન અચળ છે, રાગમય થતું નથી, પરજ્ઞેયમય થતું નથી. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ! હવે લોકો રાગથી થાય, રાગથી (જ્ઞાન) થાય એમ કહે છે પણ શું થાય? રાગનો જ્ઞાનમાં પ્રવેશ જ નથી તો રાગથી શું થાય? કાંઈ જ ન થાય. આત્મા સ્વયં જ્ઞાનમાત્ર વસ્તુ છે, અને જ્ઞાનરૂપથી કદીય ચલિત ન થાય તેવો અચળ છે. આ તો બાપુ! એકલું માખણ છે; જેનાં મહાપુણ્ય હોય તેને આ વાત પણ સાંભળવા મળે. સમજાણું કાંઈ...?

હવે કહે છે- વળી તે સ્વસંવેદ્ય છે. પોતે પોતાથી જ સ્વસંવેદનમાં જણાય એવો છે. પરથી, રાગથી કે ભગવાનની વાણીથી જણાય એમ નહિ, પણ પોતે પોતાથી જ જણાય એવો છે. વળી જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા પરજ્ઞેયને જાણે છે તેથી તે કાંઈ પરવેદનમય થઈ ગયો છે એમ નથી, એ તો સ્વસંવેદનમય જ છે. પોતાનું અને પરનું જ્ઞાન કરે


PDF/HTML Page 3765 of 4199
single page version

અહાહા....! ભગવાન તું જ્ઞાનસ્વરૂપ છો. જ્ઞાનમાં પરજ્ઞેય જણાય છે ત્યાં ખરેખર પરનું વેદન-નથી, પણ પરસંબંધી જે પોતાનું જ્ઞાન થયું છે તેનું વેદન છે. પોતાનું જ આ રીતે સંવેદન છે. પોતામાં જ પોતે રહીને પોતાને જાણે છે, પર તો એમાં જણાઈ જાય છે બસ. વાસ્તવમાં પરનું વેદન છે નહિ. લ્યો, આનું નામ સ્વસંવેદ્ય છે. શું? કે પોતે પરથી જણાય નહિ. પણ પોતાથી સ્વસંવેદનમાં જ જણાય છે; અને પોતાને પરનું વેદન-સંવેદન નથીં, પણ સ્વસંવેદન જ છે. આવી ઝીણી વાત છે.

હવે આવું સમજવાની બિચારાને ફુરસદ નહિ ને લાખો રૂપિયા રળવા-કમાવામાં વખત વિતાવે પણ એમાં શું છે? એ લાખો શું અબજો હોય તોય ધૂળની ધૂળ છે. એને તું પોતાની ચીજ માને એ મોટો ભ્રમ છે અને એનું ફળ ચારગતિનું પરિભ્રમણ છે. અહીં કહે છે-પર ચીજ તારી છે એ વાત તો દૂર રહો, પર ચીજથી તારું જ્ઞાન થયું છે એમ તું માને એય મોટો ભ્રમ છે. જ્ઞાનમાં પોતાથી જ સ્વપરને જાણવાની તાકાત છે. પરની હયાતી છે માટે આત્મા પરપ્રકાશક છે એમ નથી. પોતાથી જ જ્ઞાન થવા યોગ્ય એવો પોતે સ્વસંવેદ્ય છે. પોતાથી પોતે વેદન કરવાયોગ્ય છે; પરથી વેદન નહિ, ને પરનું વેદન નહિ એવો ભગવાન આત્મા સ્વસંવેદ્ય છે. પરજ્ઞેયને જાણવા કાળે પણ જ્ઞેયાકારે પરિણમેલા પોતાના જ્ઞાનનું જ વેદન છે, પરજ્ઞેયનું નહિ. આવું પોતાનું તત્ત્વ છે ભાઈ!

ઓહો! ભગવાન કુંદકુંદાચાર્યદેવે બનાવેલું આ કોઈ અલૌકિક શાસ્ત્ર છે. કહે છે- આત્માનું તત્ત્વ સ્વસંવેદ્ય છે. અહા! સ્વપરને પૂર્ણ જાણે છતાં પરને વેદતું નથી. પોતે પોતાથી જ વેદનમાં આવે એવું નિજ તત્ત્વ સ્વસંવેદ્ય છે. પોતે પોતામાં રહીને પોતાને જાણે છે એમાં પરનું જ્ઞાન આવી જાય છે, એને વાસ્તવમાં પરનું વેદન-સંવેદન નથી. આવી વાત! સમજાણું કાંઈ...?

હવે કહે છે-આત્માનું તત્ત્વ અબાધિત છે, અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી. કોઈ મિથ્યાયુક્તિ વડે ગમે તે કહે, પણ અંતઃતત્ત્વને એનાથી કોઈ બાધા પહોંચતી નથી. જુઓ. આફ્રિકામાં ગયા હતા. ત્યાં નૈરોબીમાં સાડા ચારસો ક્રોડપતિ છે, ને પંદરેક અબજોપતિ છે. એ બધા ક્રોડ ને અબજ શું છે? એ તો ધૂળ છે બાપુ! એ ક્રોડપતિ ને અબજોપતિ બધા ધૂળપતિ છે. ત્યાં એક શ્વેતાંબર ભાઈએ પ્રશ્ન કર્યો કે-મહારાજ! આ દિગંબરો છે તે અમારા (-શ્વેતાંબરના) મંદિરે આવતા નથી, ભગવાનના દર્શન કરતા નથી. શું એ ઠીક છે? હવે ત્યાં એ મિથ્યા અભિનિવેશ સહિત હોય તેને સીધું તો કેમ કહીએ કે તમારું બધું ખોટું છે? એટલે કહ્યું કે ભાઈ!


PDF/HTML Page 3766 of 4199
single page version

પહેલું તત્ત્વજ્ઞાન થાય પછી વ્યવહાર કેવો હોય તેની ખબર પડે છે. હવે આ શ્વેતાંબર મત નવો નીકળેલો અન્યમત છે. પં. શ્રી ટોડરમલજીએ તેને અન્યમત કહ્યો છે એમ એને શું કહીએ? (એમ કે એ વાત સાંપ્રદાયિક બુદ્ધિવાળાને ગળે ઉતરે નહિ) એટલે કહ્યું કે - તત્ત્વદ્રષ્ટિ-આત્મદ્રષ્ટિ થયા પછી જ સત્યાર્થ વ્યવહાર કેવો હોય છે તેની સમજ આવે છે. વિના તત્ત્વજ્ઞાન સાચો વ્યવહાર નહિ સમજાય. હવે જૈન સંપ્રદાયમાં પડેલા હોય તેને આવી સાચી વાત સાંભળવાય મળે નહિ એ બિચારા ક્યારે વિચારે ને ક્યારે અંદરમાં વસ્તુનો પ્રયોગ કરે? અરેરે! તેઓ બિચારા જીવન હારી જાય છે.

અહીં કહે છે-આત્મા-જ્ઞાનમાત્રવસ્તુનું તત્ત્વ અબાધિત છે. ત્યારે કોઈ વળી યુક્તિ વડે કહે છે- તમે જ્ઞાનમાત્ર કહો છો એ એકાન્ત છે. (એમ કે આત્મામાં તો અનંત ગુણ છે ને તમે જ્ઞાનમાત્ર કહો છો તેથી તે એકાન્ત છે).

અરે પ્રભુ! તું સાંભળ તો ખરો. આ એકાન્ત વચન નથી. આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો એમાં આ જ્ઞાન છે -એમ અસ્તિત્વ ગુણ આવી ગયો, આ જ્ઞાન જ છે એમ એમાં શ્રદ્ધાગુણ આવી ગયો, જ્ઞાનમાં જ સ્થિરતા કરવી-એમ એમાં ચારિત્રગુણ પણ આવ્યો. જ્ઞાન જ મહિમાવંત છે એમ એમાં પ્રભુતાગુણ આવી ગયો. આ પ્રમાણે જ્ઞાનમાત્ર કહ્યો તેમાં કાંઈ એકલું જ્ઞાન છે એમ ક્યાં છે? એમાં તો અભેદપણે અનંતગુણ સમાઈ જાય છે. જ્ઞાનમાત્રવસ્તુમાં તેના અનંત ગુણનો નિષેધ નથી, પણ શરીરાદિ અને રાગાદિ પર પદાર્થોનો નિષેધ છે. આ પ્રમાણે જ્ઞાનમાત્રવસ્તુ કહેવાથી અનેકાન્ત છે, એકાન્ત નથી. સમજાણું કાંઈ...?

અરે! દુનિયા ક્રોડો ને અબજોની સંપત્તિમાં સુખ માનીને બેઠી છે. પણ શાસ્ત્રકારો એવા બધાને ‘वराकाः’ એટલે બિચારા-રાંકા-ભિખારી કહે છે. તૃષ્ણાવંત છે ને! બહારથી લાવ.. લાવ-બાગ લાવને બંગલા લાવ, આ લાવ ને તે લાવ-એમ માગણવેડા કરે છે તે બધા વિષયોના માગણ ભિખારી છે. ભાઈ! આ ક્રોડપતિ ને અબજોપતિ બધા ભિખારી છે; કેમકે અંદર અનંત જ્ઞાનલક્ષ્મીથી ભરપુર પોતાનો ચૈતન્યમહાપ્રભુ વિરાજે છે તેની એને ખબર નથી. અરે ભાઈ! જે ચીજ તારા સ્વરૂપમાં નથી તેને તું તારી પોતાની કેવી રીતે માને છે! એ બધા વિષયો તારી નજીક (સંયોગમાં) આવે છે તે તેના કારણથી આવે છે ને ખસી જાય છે તે તેના કારણથી જાય છે. તેમાં મમત્વ કરીને પ્રભુ! તું નાહક દુઃખી શા માટે થાય છે? અંદર જો તો ખરો! મિથ્યા યુક્તિ વડે બાધિત ન થાય એવું તારું ચૈતન્યતત્ત્વ અનંત-જ્ઞાન-આનંદ-શાન્તિ-વીતરાગતા આદિ અનંત ગુણમહિમાથી ભરેલું છે. તેને અંતર્દ્રષ્ટિ વડે જોતાં જ તું ન્યાલ થઈ જઈશ. અહા! તેને કોઈ બાધા ન પહોંચાડી શકે તેવું તારું અબાધિત તત્ત્વ છે. સમજાણું કાંઈ....?


PDF/HTML Page 3767 of 4199
single page version

* કળશ ૨૪૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘અહીં આત્માનું નિજસ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ- આત્મામાં અનંત ધર્મો છે; પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ અતિવ્યાપ્તિવાળા છે, તેમનાથી આત્માને ઓળખી શકાય નહિ; વળી કેટલાક (ધર્મો) પર્યાયાશ્રિત છે- કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાપ્તિવાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ....’

જુઓ, આજ પર્યુષણનો પહેલો દિવસ-ભાદરવા સુ. પ ને રવિવાર. રવિ એટલે સૂર્ય. ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે. હવે એવા આત્માને અહીં જ્ઞાનમાત્ર કેમ કહ્યો તેનો ખુલાસો કરે છે. એમ તો આત્મામાં અનંત ધર્મો છે. અહાહા....! અનંત ધર્મસ્વરૂપ ભગવાન આત્મા છે, એક જ્ઞાન જ છે એમ નથી. શું કીધું? આ પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ આત્મામાં એક જ્ઞાન જ છે એમ નહિ, પણ અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, જીવત્વ, ચેતનત્વ, આનંદ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અધિકરણ-ઈત્યાદિ અનંત અનંત ગુણો-ધર્મો ભગવાન આત્મામાં છે.

હવે કહે છે- એ અનંત ધર્મો છે તેમાં કેટલાક તો સાધારણ છે. સાધારણ એટલે શું? કે જેમ આત્મામાં અસ્તિત્વ ગુણ છે તેમ પુદ્ગલાદિ બીજા દ્રવ્યોમાં પણ અસ્તિત્વ નામનો ગુણ છે. આમ પોતામાંય હોય ને અન્ય દ્રવ્યમાં પણ હોય તે સાધારણ ધર્મો છે. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ આદિ સાધારણ ધર્મો છે. પરમાણુમાં પણ આ ધર્મો છે. છ દ્રવ્ય ભગવાને કહ્યાં છે તે છએ દ્રવ્યમાં સર્વ સાધારણ ગુણો હોય છે એવા સાધારણ ગુણો-ધર્મો દ્વારા ભગવાન આત્મા ભિન્ન જાણી શકાતો નથી.

આત્મામાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશત્વ ઈત્યાદિ ગુણો સાધારણ છે. આ ગુણો જેમ આત્મામાં છે તેમ પુદ્ગલાદિ અન્ય દ્રવ્યોમાં પણ છે અને તેથી તેઓ અતિવ્યાપ્તિવાળા છે. તેથી આ ગુણો વડે અન્ય દ્રવ્યોથી ભિન્ન આત્મા ઓળખી શકાતો નથી. જેમ પોતામાં અસ્તિત્વ ગુણ છે તેમ શરીરના પરમાણુઓમાં પણ છે; તેથી અસ્તિત્વ વડે પોતાને ઓળખવા જતાં શરીર સાથે ભેળસેળ થઈ જાય છે, અર્થાત્ શરીરથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા ઓળખી શકાતો નથી. આ તો એકલું માખણ છે ભાઈ! અતિવ્યાપ્તિયુક્ત હોવાથી સાધારણ ગુણ દ્વારા આત્માની ભિન્નતા ભાસતી નથી. સમજાય છે કાંઈ...?

વળી કહે છે -કેટલાક ધર્મો પર્યાયશ્રિત છે, કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા. આ દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ રાગાદિ સર્વ ભાવ પર્યાયશ્રિત ધર્મ છે. રાગાદિ વિભાવભાવ પર્યાયનો ધર્મ-સ્વભાવ છે. તે સંસાર અવસ્થામાં હોય છે પણ સિદ્ધ અવસ્થામાં નથી હોતા. તેથી તેઓ અવ્યાપ્તિવાળા છે. શું કીધું?


PDF/HTML Page 3768 of 4199
single page version

આ દયા, દાન, વ્રત આદિ ભાવ સંસારદશામાં છે, પણ મોક્ષમાં નથી; તેઓ ત્રિકાળ નથી તેથી અવ્યાપ્તિવાળા છે. તેથી આ ધર્મો દ્વારા પણ શુદ્ધ ચૈતન્યમય આત્મા જાણી-ઓળખી શકાતો નથી. આ પ્રમાણે જે ધર્મો પર્યાયાશ્રિત છે તેનો અહીં નિષેધ કર્યો.

હવે કહે છે- ‘ચેતનતા જો કે આત્માનું (અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિથી રહિત) લક્ષણ છે તોપણ તે શક્તિમાત્ર છે, અદ્રષ્ટ છે; તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.’

જુઓ, આત્મામાં જાણવા-દેખવાના સ્વભાવરૂપ ચેતનતા-ચૈતન્ય શક્તિ ત્રિકાળ છે. તેથી ચેતનતા આત્માનું અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ રહિત લક્ષણ છે. પરંતુ આ ચેતનતા લક્ષણ શક્તિરૂપ છે, પ્રગટરૂપ નથી, અદ્રષ્ટ છે. આત્માના ખાસ સ્વરૂપભૂત હોવા છતાં ચેતનતા લક્ષણ ધ્રુવ શક્તિરૂપ અદ્રષ્ટ હોવાથી તેના વડે પણ આત્મા જાણવામાં આવતો નથી.

પરંતુ ચૈતન્યશક્તિની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. જુઓ, આ ચૈતન્યશક્તિની પ્રગટતા! બાપુ! ચૈતન્યસ્વરૂપ એવો ભગવાન આત્મા કોઈનું કાંઈ કરે, કોઈની રચના બનાવે, કોઈને કાંઈ લે કે દે-તે તેનું પ્રગટ સ્વરૂપ નથી. દેખવું અને જાણવું જેમાં થાય છે એવાં દર્શન અને જ્ઞાન તે ચૈતન્યશક્તિની પ્રગટતા છે. હવે આવી વાત ક્યાં મળે? વાણિયાના ચોપડામાં કે વકીલની કાયદાપોથીમાં ક્યાંય આ શબ્દો મળે એમ નથી. જુઓ, આ આત્માને જ્ઞાનમાત્ર કેમ કહ્યો તેની સિદ્ધિ કરે છે. જ્ઞાનમાત્ર જ આત્મા છે એમ સિદ્ધ કરે છે.

અહાહા....! આત્મા કઈ રીતે-શા વડે જાણવામાં આવે? તો કહે છે- આત્મામાં અસ્તિત્વ ગુણ છે, પણ તે વડે તે જાણવામાં આવે નહિ, કેમકે અસ્તિત્વ ગુણ તો પુદ્ગલાદિ અન્યદ્રવ્યોમાં પણ છે. વળી રાગદ્વેષાદિ વડે પણ આત્મા જણાય-ઓળખાય નહિ, કેમકે તેઓ ત્રિકાળ નથી, આત્માની સંસારઅવસ્થામાં જ હોય છે, મોક્ષમાં હોતા નથી. હવે રહી ચૈતન્યશક્તિ, ચૈતન્યશક્તિ ત્રિકાળ આત્માના ખાસ સ્વરૂપભૂત છે, પણ તે ધ્રુવ શક્તિમાત્ર છે, અદ્રષ્ટ છે, પ્રગટરૂપ નથી, તેથી તેનાથી પણ આત્મા જાણી શકાય નહિ. તો આત્મા કેવી રીતે જાણી શકાય છે? તો કહે છે- ચૈતન્યશક્તિની પ્રગટતા જ્ઞાન અને દર્શન છે. તેમાં જ્ઞાન સાકાર છે, પ્રગટ છે, અનુભવગોચર છે; તેથી તેના દ્વારા આત્મા જાણી શકાય છે.

જ્ઞાન સાકાર છે એટલે શું? જ્ઞાન સાકાર છે એટલે જ્ઞાનમાં સ્વ-પરને ભિન્નભિન્ન સ્પષ્ટ જાણવાનું સામર્થ્ય છે. દર્શનમાં સ્વ-પરનો ભેદ પાડીને દેખવાની શક્તિ નથી.


PDF/HTML Page 3769 of 4199
single page version

અહાહા....! આત્મા સચ્ચિદાનંદ પ્રભુ વસ્તુ ત્રિકાળ છે. તેના લક્ષણભૂત ચૈતન્યશક્તિ ત્રિકાળ છે. તેની પ્રગટ-વ્યક્ત દશા દર્શન અને જ્ઞાન છે. તેમાં દર્શન છે તે વસ્તુને અસ્તિમાત્ર દેખે છે, જ્યારે જ્ઞાન છે તે વસ્તુને સ્વ-પરનો ભેદ પાડી પ્રગટ જાણે છે. આ રાગ હું નહિ, દેહ હું નહિ, હું તો જ્ઞાન છું, અનંત-ગુણમય પરિપૂર્ણ છું એમ ભેદ પાડી વસ્તુને જાણવાની જ્ઞાનમાં તાકાત છે. તેથી, કહે છે, જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન જાણવામાં આવે છે. અહાહા....! આ રીતે વ્યવહારના રાગથી નહિ, અસ્તિ આદિ સાધારણ ધર્મોથી નહિ, ત્રિકાળ ચૈતન્યશક્તિથી નહિ, સામાન્ય દેખવામાત્ર દર્શનથી નહિ પણ ચૈતન્યશક્તિની વિશેષ સાકાર અવસ્થા જે જ્ઞાન તે જ્ઞાન વડે જ આત્મા જણાય છે. હવે આ તો નિશ્ચય છે નિશ્ચય છે- એમ કહીને આ વાતને લોકો ઉડાડી દે છે, પણ બાપુ! આ જ યથાર્થ છે, સત્યાર્થ છે. વ્યવહારના રાગથી આત્મપ્રાપ્તિ થાય, ધર્મ થાય એમ તું માને પણ એ તારો ભ્રમ છે, કેમકે રાગથી આત્મા જણાય એવું આત્માનું સ્વરૂપ નથી ને રાગનું પણ એવું સામર્થ્ય નથી. આવી વાત! સમજાણું કાંઈ....?

ભાઈ! મારગડા જુદા છે નાથ! લોકોને હાથ આવ્યો નથી એટલે સમજવો કઠણ લાગે છે, પણ ભાઈ! આ તને સમજવાનો અવસર છે; તેને ખાસ નિવૃત્તિ લઈ સમજવો જોઈએ. અહીં કહે છે- આત્મા દયા, દાન આદિ વિકલ્પથી જણાય નહિ, અસ્તિ આદિ ગુણથી જણાય નહિ, સામાન્ય ચિત્શક્તિ ત્રિકાળ ધ્રુવ છે તેનાથી જણાય નહિ અને ચૈતન્યની પ્રગટ વ્યક્ત દશા દર્શન અને જ્ઞાન છે તેનાથી દર્શનથી પણ જણાય નહિ; પણ સાકાર પ્રગટ-વ્યક્ત જે અનુભવગોચર જ્ઞાન તે જ્ઞાનથી જ આત્મા જણાય છે. અહાહા....! જ્ઞાનની પ્રગટ વ્યક્ત દશામાં દેહાદિ પરથી ભિન્ન આત્મા જાણવામાં આવે છે માટે જ્ઞાન દ્વારા જ આત્મા ભિન્ન ઓળખી શકાય છે. ભાઈ! આ તો સમજાય એવું છે પ્રભુ! ન્યાયથી-લોજીકથી વાત છે ને! પણ એણે એનો (નિજ તત્ત્વનો) અભ્યાસ કરવો જોઈએ.

અરે! એણે નિજ તત્ત્વને જાણવાની કદી દરકાર કરી નથી! ભાઈ! એમ ને એમ (-વિષય-કષાયમાં, અજ્ઞાનપૂર્વક) જિંદગી વીત્યે જાય છે. અરે! જરા વિચાર તો કર- એણે કેવા અનંતા ભવ કર્યા! કાગડા, કુતરા ને કંથવાના, ભેંસ, ભૂંડ ને બળદના, નરક અને નિગોદના,....... અહાહા.....! આવા આવા અનંત અનંત ભવ એણે કર્યા. ‘આ જીવ છે-’ એમ બીજા સ્વીકાર પણ ન કરે, અહા! એવા અનંતા ભવ એણે કર્યા.


PDF/HTML Page 3770 of 4199
single page version

આવા મનુષ્યના પણ અનંત ભવ કર્યા, પણ એ બધા ફોગટ ગયા; કેમકે એણે નિજ ચૈતન્ય તત્ત્વનો અનાદર કર્યે જ રાખ્યો. હું દેહ છું, હું રાગ છું, હું પુણ્ય છું, હું પરનો કર્તા છું, સ્વામી છું-એમ અનેક પ્રકારે પોતાના શુદ્ધ ચૈતન્ય તત્ત્વનો ઈન્કાર કરીને તેનો અનાદર કર્યે જ રાખ્યો. તેથી એવા એવા સ્થાનમાં એ જઈ પડયો જ્યાં બીજા જીવો એની અસ્તિ પણ ન સ્વીકારે કે આ જીવ છે. ભાઈ! આ સાવધાન થવાનો અવસર છે હોં.

આ તો ધીરાની વાત બાપા! કહે છે- જ્ઞાન જે પ્રગટ-વ્યક્ત અનુભવગોચર છે તે જ્ઞાન વડે જ આત્મા ઓળખી શકાય છે, બીજા કોઈથી નહિ; દેહસ્થિત હોવા છતાં દેહથીય નહિ અને વ્રત, તપ, દાન, ભક્તિ-પૂજા ઈત્યાદિના વિકલ્પથીય નહિ. દર્શન જો કે ચૈતન્યનો પ્રગટ અંશ છે તોપણ તેમાં વસ્તુ સામાન્ય અસ્તિમાત્ર દેખાય છે, પણ પરથી ભિન્ન પાડી આત્માને દેખવાની દર્શનની તાકાત નથી. જાણવાની જે પ્રગટ દશા છે તે જ અંતર ભિન્ન સ્વરૂપને જાણવાની તાકાત રાખે છે. જ્ઞાન પરને જાણે છે, સ્વને પણ જાણે છે. પરથી ખસી સ્વને જાણે એવી શક્તિ જ્ઞાનમાં છે. એટલા માટે જ જ્ઞાનને પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.

આત્મામાં અનંત ધર્મો છે, અનંત અનંત ગુણ છે. પણ જ્ઞાનને જ એકને આત્માનું તત્ત્વ કેમ કહ્યું? કારણ કે જ્ઞાનમાં જ સ્વ-પરને ભિન્ન-ભિન્ન જાણવાની શક્તિ છે. આત્માનું જ્ઞાન જ યથાર્થ લક્ષણ છે, જ્ઞાન વડે જ આત્મા જાણવામાં આવે છે. જો કે દર્શન ચૈતન્યશક્તિનો અંશ છે, તો પણ તે સામાન્ય અસ્તિપણે દેખવામાત્ર છે, નિર્વિકલ્પ છે. આ દર્શન તે સમ્યગ્દર્શનની વાત નથી, આ તો દર્શન ઉપયોગની અહીં વાત છે. દર્શન છે તે નિર્વિકલ્પ છે, અર્થાત્ તે સ્વપરનો ભેદ પાડી વસ્તુને દેખતું નથી. જ્યારે જ્ઞાન સાકાર છે, સવિકલ્પ છે. જ્ઞાન સ્વ-પરને ભેદ પાડી જાણે છે. આમ આત્માને ભિન્ન જાણવાની શક્તિ જ્ઞાનમાં જ છે. તેથી આ ૪૧પ ગાથામાં જ્ઞાનને જ આત્મા કહેવામાં આવ્યો છે. સમજાણું કાંઈ...?

ભગવાન! તું જ્ઞાનસ્વરૂપ છો; તારી ચીજ બીજામાં નથી, અને બીજી ચીજ તારામાં નથી. પર્યાયમાં રાગાદિ છે તેય તારા અંતર સ્વરૂપમાં નથી. તારી લક્ષણભૂત ચૈતન્યશક્તિ છે તે ધ્રુવરૂપ છે, ને તેની પ્રગટ વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તેમાં દર્શન સાકાર નથી અર્થાત્ દર્શનમાં સ્વપરને ભેદ પાડી જાણવાની શક્તિ નથી; ‘છે’ બસ એટલું માત્ર દર્શન દેખે છે. જ્યારે આ દેહ છે, આ રાગ છે ને આ હું શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનાનંદમય આત્મા છું-એમ સ્વ-પરને ભિન્ન પાડી જાણવાની જ્ઞાનમાં શક્તિ છે. તેથી જ્ઞાન દ્વારા જ આત્મા જાણી શકાય છે. માટે એક જ્ઞાન જ આત્માનું તત્ત્વ કહ્યું છે. આવી વાત!

હા, પણ શું આ એકાન્ત નથી થઈ જતું?


PDF/HTML Page 3771 of 4199
single page version

ના, નથી થઈ જતું; કેમકે જ્ઞાન સાથે આત્મામાં બીજી અનંત શક્તિ અભેદ છે તે તેમાં સમાઈ જ જાય છે. આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અભેદ રહેલી અનંત શક્તિઓનો સમાવેશ થઈ જ જાય છે અને સાથે તેમાં દેહાદિ ને રાગાદિ અન્ય પદાર્થોનો નિષેધ થઈ જાય છે. આ પ્રમાણે આ અનેકાન્ત છે. બાકી તું સમોસરણમાં બિરાજમાન ભગવાનના લાખ ભક્તિ-પૂજા કરે વા ક્રોડો મંદિર બંધાવી ભગવાનની ભક્તિ પૂજા કરે વા વ્રતાદિ પાળે પણ એ બધો રાગ જ છે અને એનાથી ભગવાન આત્મા કદીય જાણવામાં આવે એમ બનવું સંભવિત નથી. સમજાણું કાંઈ...?

હવે આવી વાત સાંભળવા-સમજવાની ફુરસદ કોને છે? આ તો વ્રત કરો ને તપસ્યા કરો ને ઉપવાસ કરો ને મંદિરો બનાવો ને મોટા ગજરથ કાઢો બસ આ છે, ને તેમાં આ મોટા શેઠિયા અગ્રેસર બને; પણ અહીં કહે છે -પ્રભુ! તારું જ્ઞાન છે તે અગ્રેસર અર્થાત્ પ્રધાન છે. અહાહા....! જ્ઞાન છે તે આત્માનું પ્રધાન તત્ત્વ છે; કેમકે જ્ઞાન વડે જ ભિન્ન આત્મા ઓળખાય છે.

હા, પણ એમાં બાહ્ય નિમિત્ત હોય છે કે નહિ? નિમિત્ત બહારમાં હોય છે ને; નિમિત્ત નથી હોતું એમ કોણ કહે? પણ નિમિત્ત અંતરંગ ઉપાદાનનું કાંઈ કરે છે એમ નથી, નિમિત્ત કાર્યનું કર્તા નથી એમ વાત છે. આત્મા જ્ઞાનથી પોતાને જાણે ત્યારે બાહ્ય નિમિત્તપણે બીજી ચીજ ભલે હો, -ગુરુ હો, દેવ હો, શાસ્ત્ર હો, વિકલ્પ હો- પણ એ બધા વડે આત્મા જાણવામાં આવે છે એમ નથી; જ્ઞાનથી જ આત્મા જાણવામાં આવે છે. તે પણ ક્યારે? જ્ઞાનને સ્વસન્મુખ કરે ત્યારે. સ્વસન્મુખ થયેલા જ્ઞાનથી જ ભિન્ન આત્મા જાણવામાં આવે છે. ઓહો...! આ તો થોડી લીટીમાં ગજબ વાત કરી છે.

પ્રભુ! તું કઈ રીતે જાણવામાં આવે? અહીં કહે છે -જ્ઞાનની જે પ્રગટ અવસ્થા છે તેને સ્વસન્મુખ વાળવાથી તે જ્ઞાનની દશામાં ભગવાન આત્મા જાણવામાં આવે છે. ભાઈ! તારી જ્ઞાનની પર્યાય અનાદિથી પર તરફ બહાર ઝુકેલી છે તેને અંદર સ્વસન્મુખ ઝુકાવ, તને તારો ભગવાન અનંત મહિમાવંત પ્રભુ જણાશે. ભાઈ! ભાષા તો સાદી છે, કામ તો જે છે તે અનંતો અંતઃપુરુષાર્થ માગે છે.

અહીં જ્ઞાનને મુખ્ય કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે. જોયું? આત્મામાં છે તો અનંત ધર્મો, અનંત ગુણો, જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, ચિતિ, દશિ, સર્વદર્શિતા, સર્વજ્ઞતા, પ્રભુત્વ, વિભુત્વ, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, જીવત્વ, સ્વચ્છત્વ, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, કર્તૃત્વ, અકર્તૃત્વ ઈત્યાદિ અનંત શક્તિઓ આત્મામાં છે. શક્તિ કહો, ગુણ કહો કે સ્વભાવ કહો-બધું એક જ છે. પણ અહીં જ્ઞાન તે જ આત્મા એમ કેમ કહ્યું? કારણ કે જ્ઞાન વડે જ આત્મા જાણવામાં આવે છે.


PDF/HTML Page 3772 of 4199
single page version

અહાહા....! પ્રત્યેક આત્મા અંદર શક્તિરૂપે ભગવાન છે. તેને જાણવાનો ઉપાય શું? -તે હવે પરિશિષ્ટમાં આવશે. ત્યાં ઉપાય-ઉપેયભાવ સમજાવશે. આત્મામાં જ્ઞાનશક્તિ તો ત્રિકાળ છે. તેની એક સમયની જ્ઞાનની જે દશા તેની સ્થિરતા તે ઉપાય અર્થાત્ મોક્ષનો માર્ગ છે અને તે એમાં (આત્મામાં) જ છે, તથા એનું ફળ જે પૂર્ણ જ્ઞાનની દશા તે ઉપેય છે તે પણ એમાં (આત્મામાં) જ છે આમ પ્રધાનપણે જ્ઞાન જ આત્માનું તત્ત્વ છે. આવી અલૌકિક વાત! સમજાણું કાંઈ....?

હવે કહે છે- ‘અહીં એમ ન સમજવું કે “ આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી;” આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદ્રષ્ટિપણું થાય છે. વિજ્ઞાન-અદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધા-સહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું-જ્ઞાનમાત્રનું-ધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું.’

અહાહા....! જ્ઞાનમાત્રવસ્તુ આત્મા સ્વરૂપથી જ અનંતગુણસ્વરૂપ છે. આત્મામાં જ્ઞાન ઉપરાંત આનંદ, શાન્તિ, ચિતિ, દ્રશિ, સ્વચ્છતા, પ્રભુતા, ઈશ્વરતા, અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તૃત્વ આદિ બીજા અનંત ગુણ અભેદપણે રહેલા છે. માટે આત્મા એકાંતે માત્ર જ્ઞાન જ છે એમ ન સમજવું. આત્મામાં રાગ-દ્વેષ-મોહ આદિ વિભાવ નથી, પરવસ્તુ આત્મામાં નથી- એ તો બરાબર જ છે, પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વચ્છતા, પ્રભુતા આદિ અનંતગુણ જે આત્મામાં તત્રૂપ રહેલા છે તે નથી એમ, ન સમજવું. આત્માને જ્ઞાનમાત્ર કહ્યો એ તો અપેક્ષાથી કહ્યો છે, પણ તેથી એટલો જ પરમાર્થ આત્મા છે ને બીજા ધર્મો-ગુણો આત્મામાં નથી એમ ન માનવું; કેમકે આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદ્રષ્ટિપણું થાય છે.

લ્યો, હવે આવું પોતાનું તત્ત્વ સમજવાની દરકાર ન કરે ને બાયડી ને છોકરાંમાં ને બાગ, બંગલા ને હજીરામાં સુખ માની ત્યાં ચિત્ત લગાવે પણ એમાં સુખ નથી ભાઈ! એ તો બધી ધૂળ છે બાપુ! આફ્રિકામાં ગયા હતા તો એક મુમુક્ષુ કરોડપતિને ત્યાં ઊતર્યા હતા. પંદર લાખનું તો એનું મકાન! સાંભળ્‌યું કે ૯૦ લાખની તો એની વરસની કમાણી. પણ ભાઈ! એમાં સુખ ક્યાં છે? એ તો ધૂળ બીજી ચીજ બાપા! એ સંયોગી ચીજ તો આવે ને જાય; ત્યાં શું હરખ કરવો? સુખનો ભંડાર તો તારો આત્મા છે ત્યાં ચિત્તને જોડ ને. અહીં કહે છે- જ્ઞાનમાત્ર આત્મા કહ્યો એ અનંતધર્મસ્વરૂપ છે. એકાંતે આત્મા જ્ઞાન જ છે એમ ન સમજવું, અન્યથા સર્વથા એકાંત સમજવાથી મિથ્યાદ્રષ્ટિપણું આવી જશે, જૈનપણું રહેશે જ નહિ. સમજાણું કાંઈ.....?

અહા! જ્ઞાનમાં સ્વ-પરનો ભેદ પાડી જાણવાની શક્તિ છે. જ્ઞાન વડે જ ભગવાન


PDF/HTML Page 3773 of 4199
single page version

કહે છે- સર્વથા એકાંત કરવાથી મિથ્યાદ્રષ્ટિપણું થાય છે, વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધા સહિત છે. વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ છે તે એક જ આત્મા માને છે. આ ચીન, બર્મા, જાપાન છે ને! ત્યાં બૌદ્ધમત ચાલે છે. એ બૌદ્ધ બધે વિશ્વમાં એકલું વિજ્ઞાન જ છે, બીજું કાંઈ નહિ- એમ માને છે. જ્યારે વેદાંત સર્વવ્યાપક એક આત્મા માને છે. અહીં, કહે છે, એ વાત નથી. જ્ઞાનમાત્ર આત્મા કહ્યો તેમાં અનંત ધર્મો આવી જાય છે. માટે એકાંતે જ્ઞાન જ આત્મા માનવો બૌદ્ધાદિની જેમ બાધા સહિત છે અર્થાત્ મિથ્યાદ્રષ્ટિપણું છે.

એવા એકાંત મતથી કોઈ દિગંબર મુનિ થઈ જાય અને આત્માનું-જ્ઞાનમાત્રનું ધ્યાન કરે, તો પણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. અરે ભાઈ! પોતાના અનેકાન્તસ્વરૂપ આત્માને જાણ્યા વિના એણે અનંત વાર મુનિવ્રત ધારણ કીધાં. જંગલમાં રહ્યો, ૧૧ અંગ ભણ્યો, પણ એથી શું? સંસારનું કારણ જે મિથ્યાત્વભાવ તે ટળ્‌યો નહિ. અરે! મિથ્યાત્વ શું ચીજ છે ને પોતે શું ચીજ છે એના ભાન વિના મિથ્યાત્વ ટળે ક્યાંથી? મંદ કષાયના કારણે કદાચ તે સ્વર્ગ પામે, પણ ચારગતિનું પરિભ્રમણ એને મટતું નથી. ત્યાંથી નીકળી વળી પાછો તે મનુષ્ય થઈ તિર્યંચ, નરકાદિમાં ચાલ્યો જાય છે. તેને મોક્ષનું સાધન થતું નથી. એકાંતે જ્ઞાન જ આત્મા છે એમ માને, આત્માને અનેકાન્તમય ન માને તે કદાચિત્ સાધુ થઈ બહારમાં મહાવ્રતાદિ પાળે તોય તેને મોક્ષનું સાધન થતું નથી, તેને સંસારનો અભાવ થતો નથી. માટે, કહે છે, સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. જે અપેક્ષાએ કથન હોય તેને અપેક્ષાપૂર્વક યથાર્થ સમજવું.

હવે શાસ્ત્રના સારભૂત એવો પં. જયચંદજી છંદ કહે છેઃ-

સરવવિશુદ્ધજ્ઞાનરૂપ સદા ચિદાનંદ કરતા ન ભોગતા ન પરદ્રવ્યભાવકો,
મૂરત અમૂરત જે આન દ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ન્યારે ન અભાવકો;
યહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભજૈ સદીવ જ્ઞાનરૂપ સુખતૂપ આન ન લગાવકો;
કર્મ-કર્મફલરૂપ ચેતનાકૂં દૂરિ ટારિ જ્ઞાનચેતના અભ્યાસ કરૈ શુદ્ધ ભાવકો.

જુઓ, આખા સમયસારની ૪૧પ ગાથાઓનો સાર આ એક છંદમાં ભર્યો છે.


PDF/HTML Page 3774 of 4199
single page version

સભામાં આ શાસ્ત્ર અક્ષરે અક્ષરના અર્થ કરીને ૧૮ વખત પૂરું વંચાઈ ગયું છે, ને આ ૧૯ મી વાર હમણાં ચાલે છે. ૪પ વર્ષથી આ ચાલે છે ને! ૯૧મું વર્ષ આ દેહને ચાલે છે એમાં ૪પ વર્ષ સંપ્રદાયમાં ગયાં, ને ૪પ વર્ષથી આ ચાલે છે. આ ઉંમર તો દેહની-ધૂળ- માટીની છે ભાઈ! બાકી આત્મા તો અનાદિ-અનંત છે, એની શું ઉંમર? અહા! જેને કોઈ આદિ નહિ, અંત નહિ એવો ભગવાન આત્મા અંદર ત્રિકાળ છતી-વિદ્યમાન વસ્તુ છે.

અહાહા....! કેવો છે આત્મા? સચ્ચિદાનંદસ્વરૂપ સર્વવિશુદ્ધજ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. અહાહા....! સત્ નામ શાશ્વત ત્રિકાળ ચિદાનંદમય પ્રભુ આત્મા છે, એકલું જ્ઞાન અને આનંદનું ઢીમ પ્રભુ આત્મા છે. તે (-આત્મા), કહે છે, પરદ્રવ્યનો ન કર્તા છે, ન ભોક્તા છે. આ આટલું ધન રળ્‌યો ને આટલું લીધું-દીધું એમ લોકમાં કહે છે ને? અહીં કહે છે- ધન-પૈસા રળે ને પૈસા ભોગવે કે રાખે એવું આત્માનું સ્વરૂપ નથી. અહાહા...! ચિદાનંદસ્વરૂપ પ્રભુ પરને અડતોય નથી તો પરને કરે ને ભોગવે એ કેમ બને? પરનો આત્મા કર્તાય નથી ને ભોક્તાય નથી. આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય ઈત્યાદિની અનેક ક્રિયાઓ થાય તેનો કર્તા આત્મા નથી, તેનો ભોક્તાય નથી. આ ભાષા બોલાય છે ને! તેનો કર્તા આત્મા નથી. એ તો ઠીક, પરદ્રવ્યના લક્ષે એને જે દયા, દાન, ભક્તિ ઈત્યાદિનો રાગ પર્યાયમાં થાય તેનોય એ વાસ્તવમાં કર્તા-ભોક્તા નથી. બહુ આકરી વાત, પચાવવી કઠણ પડે, પણ એને માટે ધીરજ કેળવવી જોઈએ.

અહાહા...! આત્મા શુદ્ધ વિજ્ઞાનઘન ચિદાનંદઘન પ્રભુ ત્રિકાળ જ્ઞાતાદ્રષ્ટા છે. આ શરીર, મન, વાણી, બાગ-બંગલા ને સ્ત્રી-પરિવાર એ આત્માની ચીજ નથી એ તો ઠીક. આત્મા એનો કર્તા-ભોક્તાય નથી. આ સ્ત્રીના દેહને કે મકાનને આત્મા કરે કે ભોગવે એવું આત્માનું સ્વરૂપ નથી. ગજબ વાત છે ભાઈ! પરવસ્તુનું કરવું ને ભોગવવું ભગવાન આત્માને નથી. અનાદિનો ઊંધો અધ્યાસ છે એટલે લોકોને આ કઠણ પડે છે, પણ ભાઈ! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી સાર-સાર વાત છે. છે ને! ‘કરતા ન ભોગતા ન પરદ્રવ્ય ભાવકો’ અહાહા....! શાશ્વત છતી ચીજ પ્રભુ આત્મા પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવનો કર્તા-ભોક્તા નથી. પરદ્રવ્યનો કર્તા-ભોક્તા નથી, ને પરદ્રવ્યના નિમિત્તે દયા, દાન આદિ જે ભાવ થાય તેનોય કર્તા-ભોક્તા નથી. સમજાણું કાંઈ.....?

અરે, પોતે શું કરી શકે ને શું ભોગવી શકે એની એને ખબર નથી. પણ ભાઈ! આ દેહ તો જોતજોતામાં ક્ષણમાં છૂટી જશે; પછી ક્યાં જઈશ બાપુ! ક્યાંક અવતાર તો ધારણ કરીશ જ ને? કેમકે તારી સત્તા અનાદિ-અનંત છે. ભાઈ! તું અનાદિ-અનંત છો, જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપે છો. જો એનું ભાન ન કર્યું તો ક્યાંય સંસારવનમાં ખોવાઈ જઈશ, અટવાઈ જઈશ. માટે સત્વરે નિર્ણય કર કે આત્મા ચિદાનંદઘન પ્રભુ


PDF/HTML Page 3775 of 4199
single page version

‘મૂરત અમૂરત જે આન દ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ન્યારે ન અભાવ કો.’ શું કહે છે? મૂર્ત એટલે પરમાણુ આદિ આ શરીર, મન, વાણી, કર્મ; અને અમૂર્ત એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળાદિ અનેરાં દ્રવ્યો. અહીં કહે છે -એ મૂર્ત-અમૂર્ત જે લોકમાં અન્ય દ્રવ્યો છે તે જ્ઞાનરૂપ નથી, જડ છે. તેઓ આત્મા નથી, પણ ભગવાન આત્માથી ન્યારાં-ભિન્ન છે. તેઓ ન્યારાં છે, પણ તેઓ છે જ નહિ એમ અભાવરૂપ નથી. ભાઈ! જગતમાં અનંતા પરદ્રવ્યોનો અભાવ છે એમ નથી, તેઓ તારા આત્મસ્વરૂપ નથી તેથી તારામાં તેનો અભાવ છે, પણ જગતમાં તેમનો અભાવ નથી. સમજાણું કાંઈ...? હવે જિંદગી આખી મજૂરીમાં-ઢસરડામાં જાય, આખો દિ’ રળવા- કમાવામાં રચ્યો-પચ્યો રહે; એની જિંદગી આખી ધૂળ-ધાણી થઈ જાય-વેડફાઈ જાય. બાપુ! પોતાનું ચૈતન્યતત્ત્વ કેવી રીતે છે તે હમણાં નહિ સમજે તો ક્યારે સમજીશ?

અહીં શું કહે છે ભાઈ! જરા સાંભળ. કહે છે- આ લોકમાં મૂર્ત-અમૂર્ત જે અન્ય દ્રવ્યો છે તે જ્ઞાનરૂપ નથી, અર્થાત્ તેઓ આત્મા નથી. તે ચીજ જ નથી એમ નહિ, તે ચીજ તારામાં નથી, તે ચીજ તારાથી (આત્માથી) ભિન્ન છે. જેમ આત્મા છે, તેમ ભિન્ન બીજાં દ્રવ્યો છે, રાગાદિ વિભાવ પણ છે. પણ પરમાર્થે તેઓ આત્મા નથી, વા આત્મા તેનો કર્તા-ભોક્તા નથી. ભાઈ! આવું આત્માનું અંતરંગ પરમાર્થ સ્વરૂપ જાણ્યા વિના આત્મજ્ઞાન ઉદય પામતું નથી. અને વિના આત્મજ્ઞાન જન્મ-મરણની ગાંઠ કેવી રીતે તૂટે? ભાઈ! મિથ્યાત્વ છે તે જન્મ-મરણની ગાંઠ છે. જીવ જ્યાં સુધી પરનો અને પુણ્ય-પાપ આદિ ભાવનો પોતાને કર્તા માને ત્યાં સુધી મિથ્યાત્વ ઉભું જ છે.

અહા! આમ જાણીને જ્ઞાની ધર્માત્મા પુરુષ સદૈવ પોતાને ભજે છે. ‘યહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભજૈ સદીવ...’ અહાહા...! અંદર જ્ઞાનાનંદ નિત્યાનંદસ્વરૂપ પોતે છે તેનું ધર્મી જીવ નિરંતર ભજન કરે છે. ભજન કરે છે એટલે શું? કે સ્વસ્વરૂપનાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા કરે છે. રાગાદિનું ને પરપદાર્થનું કર્તૃત્વ છોડી સ્વસ્વરૂપમાં એકાગ્ર-લીન થઈ પ્રવર્તે તે આત્માને ભજે છે. ધર્મી પુરુષ પોતાને સદૈવ આ રીતે ભજે છે. ભાઈ! જેને જન્મ-મરણ રહિત થવું હોય તે પોતાને ભજે; ભગવાનને પણ નહિ. ભગવાનને ભજે એ તો રાગ છે બાપુ! ધર્મીને તે હોય છે, પણ તે કાંઈ ધર્મ નથી, પરમાર્થ ભક્તિ નથી.

જુઓ, ધર્માત્માને અર્હંતાદિ ભગવાનની ભક્તિ હોય છે તે અનાદિ પરંપરાની ચીજ છે. એ ચીજ છે જ નહિ એમ નથી, તથા એ ધર્મ છે એમ પણ નથી. સ્વર્ગમાં


PDF/HTML Page 3776 of 4199
single page version

પણ અસંખ્ય જિનમંદિરો છે. આઠમો નંદીશ્વર દ્વીપ છે તેમાં શાશ્વત અકૃત્રિમ ચારે દિશામાં તેર તેર એમ મળી કુલ બાવન જિનમંદિરો છે. તે દરેકમાં રત્નમય ૧૦૮ જિનપ્રતિમાઓ છે. ઇન્દ્રો અને દેવો ત્યાં જાય છે અને ભક્તિ કરે છે. પણ તેની મર્યાદા શું? તો તે શુભભાવ છે બસ, તે ધર્મ નથી. અશુભથી બચવા- ‘અશુભ વંચનાર્થે’ ધર્મીને એવો શુભ ભાવ આવે છે, નિયમથી આવે છે, પણ તે ધર્મ નથી. ધર્મી પુરુષ તેને ધર્મ જાણતા નથી. અસ્થાનમાં-અસ્થાનના રાગમાં તે ન જાય તેથી તેને વ્રત-ભક્તિ આદિ શુભરાગ આવે છે, પણ એનાથી પુણ્યબંધ જ છે, અબંધપણું નથી. સમજાણું કાંઈ....?

સોનાની બેડી હો કે લોઢાની બેડી હો-બન્ને બેડી તો બંધન જ છે. પુણ્ય છે તે સોનાની બેડી સમાન છે. સોનાની બેડી ચીકણી અને વજનમાં ભારે હોવાથી ગાઢ બાંધે છે. તેમ શુભરાગની મીઠાશના ફંદમાં રહીને જગત આખું નિજ પવિત્ર સ્વરૂપને ભૂલી ગયું છે. શુભરાગની મીઠાશમાં જીવ, અંદર નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ પોતે વિરાજે છે તેનો અનાદર કરે છે અને તેથી ગાઢ સંસારને બાંધે છે.

તો શું ધર્માત્માને શુભભાવ નથી હોતો? ભાઈ! સમકિતીને-મુનિને પણ શુભભાવ અવશ્ય આવે છે. ભગવાનનાં દર્શન, વંદના, સ્તુતિ, ભક્તિ ઈત્યાદિ શુભભાવ તેને આવે છે પણ તે વડે પુણ્યબંધ થાય છે, ધર્મ નહિ. ધર્મીની ધર્મપરિણતિ તો એનાથી ભિન્ન જ વર્તે છે. લ્યો, એનું નામ છે આ કે- ‘આપકૂ ભજૈ સદૈવ.’ કેવો છે આપ પોતે? જ્ઞાનરૂપ, સુખરૂપ. અહાહા....! અતીન્દ્રિય આનંદરૂપ પોતે છે; તેમાં અનેરી-બીજી ચીજનો લગાવ નથી, સંબંધ નથી. અહાહા.....! વસ્તુ આનંદરૂપ છે તેમાં બીજી ચીજ નથી, ને તેની નિર્મળ ધર્મપરિણતિમાં પણ બીજી ચીજ (-રાગાદિ) તો સંબંધ નથી. હવે એને શુભનો અનાદિથી અધ્યાસ છે ને! એટલે શુભને ધર્મ સાથે ભેળવી દે છે એકમેક કરી દે છે, પણ અહીં કહે છે- ‘આન ન લગાવ કો’ પોતાનાં ભજનરૂપ ધર્મપરિણતિને બીજી ચીજનો સંબંધ નથી.

અરે! શુભની મીઠાશમાં એને પોતાનું (સ્વસ્વરૂપનું) ભજન કરવું રહી ગયું છે! વિકારનું ભજન કર્યા કરે છે. અહીં કહે છે-જેનું ભજન કરવું છે તે પોતાનું સ્વરૂપ જ્ઞાનરૂપ, સુખરૂપ છે ને તેને બીજી ચીજનો લગાવ છે નહિ. આવી વાત! સમજાણું કાંઈ....?

માટે, કહે છે, કર્મચેતના અને કર્મફળચેતના ટાળીને જ્ઞાનચેતનાનો અભ્યાસ કર. પુણ્ય ને પાપના ભાવ તે કર્મચેતના છે. આ જડ કર્મ તે કર્મચેતના નહિ, પણ કર્મ નામ પુણ્ય-પાપરૂપ કાર્ય તે કર્મચેતના છે. અને તેમાં સુખદુઃખની કલ્પના કરવી તેને કર્મફળચેતના કહે છે. શુભભાવ સુખરૂપ અને અશુભભાવ દુઃખરૂપ એમ અનુભવ કરવો


PDF/HTML Page 3777 of 4199
single page version

*

આમ શ્રી સમયસારની (શ્રીમદ ભગવત્ કુંદકુંદાચાર્યદેવ પ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વ- વિશુદ્ધજ્ઞાનના પ્રરૂપક નવમા અંક પરનાં શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો સમાપ્ત થયાં.

[પ્રવચન નં. પ૧૧ થી પ૧પ * દિનાંક ૪-૧૨-૭૭ થી ૧૮-૧૨-૭૭]

PDF/HTML Page 3778 of 4199
single page version

(अनुष्टुभ्)
अत्र स्याद्वादशुद्धयर्थ वस्तुतत्त्वव्यवस्थितिः।
उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते।।२४७।।
[પરિશિષ્ટ]

(અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની ૪૧પ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ર૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદેવે વિચાર્યું કે-આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે ‘જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતો નથી? અર્થાત્ સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપેયતત્ત્વ-એ બન્ને કઈ રીતે ઘટે છે?’ આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છેઃ-)

શ્લોકાર્થઃ– [अत्र] અહીં [स्याद्वाद–शुद्धि–अर्थ] સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે [वस्तु–तत्त्व–व्यवस्थितिः] વસ્તુતત્ત્વની વ્યવસ્થા [च] અને [उपाय–उपेय–भावः] (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપેયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપેય ભાવ [मनाक् भूयः अपि] જરા ફરીને પણ [चिन्त्यते] વિચારવામાં આવે છે.

ભાવાર્થઃ– વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક અનેક-ધર્મસ્વરૂપ હોવાથી તે સ્યાદ્વાદથી જ સાધી શકાય છે. એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (-પ્રમાણિક્તા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. (તેમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) વળી બીજું, એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય- ઉપેયભાવ અર્થાત્ સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. ૨૪૭.

(હવે પ્રથમ આચાર્યદેવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છેઃ-) સ્યાદ્વાદ સમસ્ત વસ્તુઓના સ્વરૂપને સાધનારું, અર્હત્ સર્વજ્ઞનું એક અસ્ખલિત (-નિર્બાધ) શાસન છે. તે (સ્યાદ્વાદ) ‘બધું અનેકાંતાત્મક છે’ એમ ઉપદેશે છે,


PDF/HTML Page 3779 of 4199
single page version

અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાંતપણું છે. ત્યાં (અનેકાંતનું એવું સ્વરૂપ છે કે), જે (વસ્તુ) તત્ છે તે જ અતત્ છે, જે (વસ્તુ) એક છે તે જ અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે-એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, તત્-અતત્પણું, એક- અનેકપણું, સત્-અસત્પણું અને નિત્ય-અનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કે-તેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને) અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે, અને બહાર પ્રગટ થતા, અનંત, જ્ઞેયપણાને પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપ વડે (- જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે-) અતત્પણું છે (અર્થાત્ તે-રૂપે જ્ઞાન નથી); સહભૂત (-સાથે) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે, અને અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ (-ચૈતન્યના અનંત અંશોરૂપ) પર્યાયો વડે અનેકપણું છે; પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે (અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી) સત્પણું છે, અને પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસત્પણું છે; અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે, અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, તત્-અતત્પણું વગેરે બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાંત સ્વયમેવ પ્રકાશે જ છે.)

(પ્રશ્ન-) જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાંત પ્રકાશે છે, તો પછી અર્હંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને (-સ્યાદ્વાદને) શા માટે ઉપદેશે છે? (ઉત્તર-) અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. ખરેખર અનેકાંત (-સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શક્તી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છેઃ-

સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે (અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો


રહેલા છે). ત્યાં, જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ (-આત્મા), શેષ (બાકીના) ભાવો સાથે નિજ રસના ભારથી પ્રવર્તેલા જ્ઞાતા-જ્ઞેયના સંબંધને લીધે અને અનાદિ કાળથી જ્ઞેયોના પરિણમનને લીધે જ્ઞાનતત્ત્વને પર રૂપે માનીને (અર્થાત્ જ્ઞેયરૂપે અંગીકાર કરીને) અજ્ઞાની થયો થકો નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-રૂપથી (-જ્ઞાનરૂપથી) તત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન જ્ઞાનપણે જ છે એમ પ્રગટ કરીને), જ્ઞાતાપણે પરિણમનને લીધે જ્ઞાની કરતો થકો અનેકાંત જ (સ્યાદ્વાદ જ) તેને ઉદ્ધારે છે-નાશ થવા દેતો નથી. ૧. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘ખરેખર આ બધું આત્મા છે’ એમ અજ્ઞાનતત્ત્વને સ્વ-રૂપે (જ્ઞાનરૂપે) માનીને-અંગીકાર કરીને વિશ્વના ગ્રહણ વડે પોતાનો નાશ કરે છે (-સર્વ જગતને પોતારૂપ માનીને તેનું ગ્રહણ કરીને જગતથી ભિન્ન એવા પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરરૂપથી અતત્પણું પ્રકાશીને (અર્થાત્ જ્ઞાન પરપણે નથી એમ પ્રગટ કરીને) વિશ્વથી ભિન્ન જ્ઞાનને દેખાડતો થકો અનેકાંત જ તેને પોતાનો (-જ્ઞાનમાત્ર ભાવનો) નાશ કરવા દેતો નથી. ૨. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ અનેક જ્ઞેયાકારો વડે (-જ્ઞેયોના આકારો વડે) પોતાનો સકળ (-આખો, અખંડ) એક જ્ઞાન-આકાર ખંડિત (-ખંડખંડરૂપ) થયો માનીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) દ્રવ્યથી એકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે- નાશ પામવા દેતો નથી. ૩. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ એક જ્ઞાન-આકારનું ગ્રહણ કરવા માટે અનેક જ્ઞેયાકારોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે (અર્થાત્ જ્ઞાનમાં જે અનેક જ્ઞેયોના આકાર આવે છે તેમનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે), ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પર્યાયોથી અનેકપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૪. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતાં એવાં પરદ્રવ્યોના પરિણમનને લીધે જ્ઞાતૃદ્રવ્યને પરદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વદ્રવ્યથી સત્પણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. પ. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ ‘સર્વ દ્રવ્યો હું જ છું (અર્થાત્ સર્વ દ્રવ્યો આત્મા જ છે)’ એમ પરદ્રવ્યને જ્ઞાતૃદ્રવ્યપણે માનીને-અંગીકાર કરીને પોતાનો નાશ કરે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) પરદ્રવ્યથી અસત્પણું પ્રકાશતો થકો (અર્થાત્ પરદ્રવ્યરૂપે આત્મા નથી એમ પ્રગટ કરતો થકો) અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. ૬. જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ પરક્ષેત્રગત (-પરક્ષેત્રે રહેલા) જ્ઞેય પદાર્થોના પરિણમનને લીધે પરક્ષેત્રથી જ્ઞાનને સત્ માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વ-ક્ષેત્રથી અસ્તિત્વ પ્રકાશતો થકો અનેકાંત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી. ૭. વળી જ્યારે તે જ્ઞાનમાત્ર ભાવ સ્વક્ષેત્રે હોવાને (-રહેવાને, પરિણમવાને) માટે, પરક્ષેત્રગત જ્ઞેયોના આકારોના ત્યાગ વડે (અર્થાત્ જ્ઞાનમાં જે પરક્ષેત્રે રહેલ જ્ઞેયોના