PDF/HTML Page 3741 of 4199
single page version
સમ્યગ્દ્રષ્ટિને આત્મા ઉપર દ્રષ્ટિ હોય છે. વર્તમાન પર્યાયમાં અલ્પતા છે તેનું તે જ્ઞાન કરે છે અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે હજુ ઘણું કરવાનું બાકી છે એમ તે માને છે, જ્યારે અજ્ઞાની બાહ્ય ત્યાગથી સંતુષ્ટ થઈ મેં ઘણું કર્યું એમ માને છે. તેને સ્વસ્વરૂપની ખબર નથી, તેથી સ્વસ્વરૂપનો ત્યાગી તે મિથ્યાત્વનો જ સેવનારો છે.
‘નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધદ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે.’ જોયું? વ્યવહારનયનો વિષય ભેદરૂપ અશુદ્ધ દ્રવ્ય છે, તેથી તે પરમાર્થ નથી, જ્યારે નિશ્ચયનયનો વિષય અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, તેથી તે જ પરમાર્થ છે. આમ બે લીટીમાં બે નયના બે વિષય સમાવી પરમાર્થ કહ્યો કે નિશ્ચયનયનો વિષય અભેદ એકરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે માટે તેનો અનુભવ પરમાર્થ છે. અહાહા......! જેને ગાથા ૧૧ માં ભૂતાર્થ કહ્યો તે એક જ સત્યાર્થ પ્રભુ છે અને તે સમ્યગ્દર્શનનો વિષય છે, માટે તે જ પરમાર્થ છે. નિશ્ચયનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો વિષય કહો -તે એક જ છે અને તે જ પરમાર્થ છે.
નિમિત્ત, વ્યવહાર અને પર્યાય તે વ્યવહારનયનો વિષય છે, તે પરમાર્થ નથી. પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ શુદ્ધ ચિદાનંદઘનપ્રભુ અંદર છે તે અભેદરૂપ શુદ્ધ દ્રવ્ય છે, તે જ પરમાર્થ છે; કેમકે તેના આશ્રયે ધર્મ પ્રગટ થાય છે. અરે ભાઈ! આ વ્યવહારના ક્રિયાકાંડ છે એ તો બધી કર્મધારા છે, એ ધર્મધારા નથી. ભૂતાર્થ અભેદ એક જે શુદ્ધદ્રવ્ય તેના આશ્રયે પ્રગટ જે નિર્મળ રત્નત્રય તે જ ધર્મ છે અને તેથી તે જ પરમાર્થ છે. તેથી કહે છે-
‘માટે, જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ સમયસારને અનુભવતા નથી; જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે. (તેથી તેઓ જ મોક્ષને પામે છે).’
અહાહા....! ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ કર-એમ ભગવાનની આજ્ઞા છે. અહા! ભગવાન સર્વજ્ઞદેવની આજ્ઞા છે કે-અમારી પણ દ્રષ્ટિ છોડ, અમારી દ્રષ્ટિ કર મા. અંદર તારો પૂર્ણ ભગવાન છે તેને દ્રષ્ટિમાં લે. અમારા પ્રતિ લક્ષ કરીશ તો તને રાગ થશે. જેઓ વ્યવહારને જ નિશ્ચય માનીને પ્રવર્તે છે તેઓ નિજ ભગવાન સમયસારને અનુભવતા નથી. મોક્ષપાહુડની ગાથા ૧૬ માં કહ્યું છે કે- ‘परदव्वादो दुग्गइ सद्व्वादो हु सग्गइ होई’ પર તરફની દ્રષ્ટિ કરે તે દુર્ગતિ છે, અને સ્વદ્રવ્યની દ્રષ્ટિથી સુગતિ નામ મોક્ષગતિ છે. અહા! દિગંબર સંતોને કોઈની શું પડી છે? સમાજને ગમે કે ન ગમે, એ તો માર્ગ જેમ છે તેમ કહે છે. અહાહા....! કહે છે-જેઓ પરમાર્થને પરમાર્થ માનીને પ્રવર્તે છે તેઓ જ સમયસારને અનુભવે છે; અર્થાત્ તેઓ જ મોક્ષને પામે છે આવી વાત છે.
PDF/HTML Page 3742 of 4199
single page version
‘બહુ કથનથી બસ થાઓ, એક પરમાર્થનો જ અનુભવ કરો’ -એવા અર્થનું કાવ્ય હવે કહે છેઃ-
‘अतिजल्पैः अनल्पैः दुर्विकल्पैः अलम् अलम्’ બહુ કહેવાથી અને બહુ દુર્વિકલ્પોથી બસ થાઓ, બસ થાઓ; ‘इह’ અહીં એટલું જ કહેવાનું છે કે- ‘अयम् परमार्थः एकः नित्यम् चेत्यताम्’ આ પરમાર્થને એકને જ નિરંતર અનુભવો;.......
અહાહા...! કહે છે- ‘अलम् अलम्’ બસ થાઓ, બસ થાઓ; ઘણું કહેવાથી ને ઘણા બધા વિકલ્પોથી બસ થાઓ. એમ કે બાર અંગનો સાર તો આ જ છે કે -પરમાર્થને એકને જ નિરંતર અનુભવો. લ્યો, ચારે અનુયોગનો આ સાર છે. અહાહા....! પૂર્ણાનંદનો નાથ અભેદ એકરૂપ અંદર ધ્રુવ ત્રિકાળ છે તે એકને જ આલંબો. ભેદની વાત તો ઘણી સાંભળી, હવે એનાથી શું કામ છે? પરમાર્થ એક અભેદને જ ગ્રહણ કરો. અહીં આટલું જ કહેવાનું છે કે-વ્યવહારના દુર્વિકલ્પોથી બસ કરી -થંભી જઈ અભેદ એક શુદ્ધદ્રવ્યને જ નિરંતર અનુભવો.
વચ્ચે ભેદના વિકલ્પ આવે ખરા, પણ એ તો અભેદને જાણવા માટે છે. માટે કહે છે-ભેદના વિકલ્પ મટાડી અભેદ એક નિશ્ચય શુદ્ધ વસ્તુની દ્રષ્ટિ કર, તેને પકડ અને તેનો જ નિરંતર અનુભવ કર. જુઓ, આ કેવળી પરમાત્માને અનંતી શક્તિની વ્યક્તિ પર્યાયમાં પ્રગટ થઈ છે તે અંદર જે છે તે પ્રગટ થઈ છે. તેમ બધી અનંતી શક્તિ ભગવાન! તારામાં ત્રિકાળ પડી છે. તેની દ્રષ્ટિ કર અને તેના આલંબને તેનો જ નિરંતર અનુભવ કર. તેના જ ફળમાં સાદિ-અનંત સમાધિસુખ પ્રગટે છે. અહાહા....! ભગવાન! તું અંદર અનાદિ-અનંત શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છો; તે એકનો જ અનુભવ કર. તેનું ફળ સાદિ- અનંતકાળ આનંદ છે. તેથી કહે છે-સર્વ વિકલ્પ મટાડીને અખંડાનંદ પ્રભુ એકનો જ નિરંતર અનુભવ કરો. હવે તેનું કારણ સમજાવે છે-
‘स्व–रस–विसर–पूर्ण–ज्ञान–विस्फुर्ति–मात्रात समयसारात खलु किञ्चत् न अस्ति’ કારણ કે નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર (-પરમાત્મા) તેનાથી ઊંચું ખરેખર બીજું કાંઈ પણ નથી (-સમયસાર સિવાય બીજું કાંઈપણ સારભૂત નથી).
અહો! ચૈતન્ય ચમત્કારથી ભરેલી પરમ અદ્ભુત વસ્તુ અંદર આત્મા છે. અંદર વસ્તુ અજબ-ગજબ છે હોં. જેનો ક્યાંય અંત નથી એવું અનંત અનંત વિસ્તરેલું આકાશ છે. તેના અનંતા ક્ષેત્રનું જેમાં જ્ઞાન થઈ જાય એવો અચિંત્ય આત્માનો જ્ઞાનસ્વભાવ છે. અહીં કહે છે- આવા ભગવાન આત્માને એકને જ અનુભવો.
PDF/HTML Page 3743 of 4199
single page version
હા, પણ તેનું સાધન તો કાંઈ હશે ને? તેનું સાધન તો બીજું કાંઈ નથી. તેના (-આત્માના) અનુભવ માટે વ્યવહાર રત્નત્રયની પણ અપેક્ષા નથી. અરે! અનુભવકાળમાં અનંતગુણની પર્યાય પ્રગટ થઈ ત્યાં એક ગુણની પર્યાયને બીજા ગુણની પર્યાયની જ્યાં અપેક્ષા નથી તો વ્યવહાર રત્નત્રય તો બહારની ચીજ છે, તેની અપેક્ષા કેમ હોય? આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાય-તે શરીર કે કર્મ કે રાગના આધારે નથી. વ્યવહારરત્નત્રય છે તે નિશ્ચયનું સાધન છે એમ નથી.
આત્મામાં કરણ નામનો ગુણ છે તે સાધન છે, અને આધાર નામનો ગુણ છે તે આધાર છે. બીજું સાધન ને બીજો આધાર છે એમ છે જ નહિ. અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે; ત્યાં એક ગુણને બીજા ગુણનો આધાર નથી તો સ્વાનુભવની દશાને બીજો આધાર છે એ કેમ સંભવે? એ પર્યાયને પણ પર્યાયનો જ આધાર છે, ને પર્યાય જ પોતે પર્યાયનું સાધન છે. પર્યાય આવી સ્વતંત્ર છે. અરે! જૈનમાં જન્મેલાને પણ જૈનતત્ત્વ શું છે એની ખબર નથી! આ લાકડી છે ને? તેનો એક રજકણ બીજા રજકણના આધારે રહ્યો નથી. આવું પ્રત્યેક રજકણનું સ્વતંત્ર અધિકરણ છે. અધિકરણ ગુણ છે કે નહિ અંદર? અહો! પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર પોતપોતાના આધારે છે એવું અલૌકિક વસ્તુસ્વરૂપ છે.
કર્મનો ઉદય છે તે જડ છે, તે રાગને અડતો નથી, રાગભાવ છે તે કર્મને અડતો નથી. વળી રાગભાવ છે તે શુદ્ધ સ્વાનુભવની પર્યાયને અડતો નથી. આવી જ વસ્તુ છે. ભાઈ! વસ્તુનું હોવાપણું જ આ રીતે ચમત્કારિક છે. લોકો બહાર ચમત્કાર માને છે પણ તેમને અંદર ચૈતન્યના ચમત્કારની ખબર નથી. વસ્તુનાં દ્રવ્ય-ગુણ-પર્યાય-બધાં સ્વતંત્ર છે એવી વસ્તુની ચમત્કારિક શક્તિનો જાણનાર ભગવાન આત્મા ચૈતન્યચમત્કારી વસ્તુ છે. ભાઈ! જેમાં સર્વ પ્રત્યક્ષ જણાય એવો જ્ઞાનની પૂર્ણતાનો કોઈ અદ્ભુત અલૌકિક મહિમા છે, અને આવું જેનું સામર્થ્ય છે તે ભગવાન આત્મા પરમ અદ્ભુત ચૈતન્યચમત્કારમય વસ્તુ છે. અહીં કહે છે-એ પરમાર્થવસ્તુને એકને જ અનુભવો.
અહાહા.... નિજરસના ફેલાવથી પૂર્ણ જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર તેનાથી ઊંચું બીજું કાંઈ નથી. અહાહા....! જે નિર્મળ પર્યાય પ્રગટ થવામાં કોઈ અન્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનો આશ્રય-સહાય નથી એવી જે નિજરસથી ભરપુર છે એવી અદ્ભુત.... અદ્ભુત પર્યાય શક્તિની વિસ્ફુરણામાત્ર સમયસાર વિશ્વમાં પરમ સારભૂત છે. આ પર્યાયની વાત છે હોં. સવારે આવ્યું હતું ને! કે એ (-આત્મા) સુખદેવ સંન્યાસી છે; મતલબ કે સુખનો દેવ અને રાગનો ત્યાગી છે. આવી વાત!
આ સિવાય સંસારમાં તો રળવું-કમાવું ને ખાવું-પીવું ને પંચેન્દ્રિયના વિષય
PDF/HTML Page 3744 of 4199
single page version
ભોગવવા-એમ બધી રાગની હોળી છે. પરની ક્રિયાનો તો તે કર્તા નથી, પણ સંકલ્પ- વિકલ્પનો કર્તા અજ્ઞાની થાય છે. એને સ્વભાવની અપાર અનંત નિજ વૈભવની ખબર નથી તેથી તે પુણ્ય-પાપના સંકલ્પ-વિકલ્પ કરે છે; બાકી પરનાં કામ તે કરી શકે છે એમ ત્રણકાળમાં નથી.
અહો! નિજરસના વૈભવથી ભરેલો ભગવાન આત્મા પરમ અદ્ભુત વસ્તુ છે. કળશ ૨૭૩ માં આવે છે કે- આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે. બહાર ક્રોડોના મહેલ હોય ને માંહિ લાખોનાં ફર્નીચર હોય તે આ વૈભવ નહિ. એ તો બધી ધૂળ છે બાપુ! એની તો ધૂળ ને રાખ જ થશે. એ તો ભગવાન આત્માને અડતુંય નથી આ તો આત્માનો એવો સહજ અદ્ભુત વૈભવ છે કે અંતર્મુખ જુએ તો મુક્તસ્વરૂપ ભાસે છે, ને બહારમાં નજર કરે તો રાગ ભાસે છે; અંદર જુએ તો અભેદ એકરૂપ ભાસે છે, ને ભેદથી જુએ તો અનેકરૂપ ભાસે છે; અંતર્મુખ જુએ કષાયરહિત શાંતિનો પિંડ ભાસે છે, ને બહારમાં જુએ તો કષાયનો કલેશ ભાસે છે. અહા! આવો આત્માનો અદ્ભુતથી અદ્ભુત મહિમાવંત સ્વભાવ વર્તે છે.
એક જાદુગર એકવાર આવીને કહે-મહારાજ! આ મારી જાદુની વિદ્યા તો માત્ર ચાલાકી છે, ધતીંગ છે. ત્યારે તેને કહ્યું’ તું કે -અરે! આમને આમ જીવન પુરું થઈ જશે ભાઈ! પછી ક્યાં ઉતારા કરશો? આ જાદુ ત્યાં કામ નહિ આવે બાપુ! આવા જાદુમાં શું સાર છે ભાઈ! અહા! આત્માના જાદુ-ચમત્કારની લોકોને ખબર નથી. એની એક સમયની જ્ઞાનની દશા ત્રણકાળ-ત્રણલોકને, તેને અડયા વિના જ જાણે એવો આત્માનો ચમત્કારી સ્વભાવ છે. આત્માના સ્વરૂપનો અનુભવ થાય તે બહારમાં રાગને પણ અડયા વિના થાય છે એવો અદ્ભુત એનો સ્વભાવ છે. અહો! આત્માનું દ્રવ્ય ચમત્કારી, તેના ગુણ ચમત્કારી ને તેની પર્યાય ચમત્કારી છે. સ્વાનુભવની પર્યાયને પણ કોઈનો આધાર નથી. વર્તમાન પર્યાય પૂર્વ પર્યાયના કારણે થઈ નથી, પરના કારણે તે થઈ નથી. ખરેખર તો પર્યાયનું કારણ પોતાના દ્રવ્ય-ગુણ પણ નથી.
વ્યવહારથી નિશ્ચય નથી-એ વાત ઉપરથી આ સ્પષ્ટીકરણ આવ્યું છે. નગ્નદશા અને ૨૮ મૂલગુણનું પાલન -તે વડે સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન થાય એમ કદી છે નહિ. બાહ્ય વ્યવહારને તો નિર્મળ પર્યાય સ્પર્શતી નથી, ને વ્યવહારનો જે રાગ છે તે નિર્મળ પર્યાયને સ્પર્શતો નથી. આવો ચિત્ચમત્કાર પ્રભુ આત્માનો મહિમા જયવંત વર્તે છે. અહો! સમયસારમાં દરિયાના દરિયા ભર્યાં છે! એકેક કળશ ને એકેક શબ્દે ગજબનાં રહસ્ય ભર્યાં છે.
અરે! પોતાની ચીજને જાણવાની એણે કોઈદિ’ દરકાર કરી નહિ! બધાં મારાં- શરીર મારું, છોકરાં મારાં, બંગલો મારો-એમ ‘મારાં -મારાં’ ની માથાકૂટ કરીને મરી
PDF/HTML Page 3745 of 4199
single page version
આવી બહુ ઝીણી વાત બાપુ! હવે બધા બહારના ઉકરડા ઉથામે પણ પોતાનું અમલ અવિનાશી સ્વરૂપ શું છે તે જાણવાની દરકાર ન કરે! સ્વાનુભવની નિર્મળ પર્યાય રાગથી થાય એ વાત તો દૂર રહો, નિર્મળ પર્યાયનું કર્તા સ્વદ્રવ્ય છે એમ પણ ઉપચારથી કહીએ છીએ. આવી વાત! સમજાણું કાંઈ....?
અરે ભાઈ! સાધુપણું કોને કહીએ? એ તો પાંચમી ગાથામાં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું કે-“નિર્મળ વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અંતર્નિમગ્ન પરમગુરુ-સર્વજ્ઞદેવ અને અપરગુરુ- ગણધરાદિકથી માંડીને અમારા ગુરુ પર્યંત, તેમનાથી પ્રસાદરૂપે અપાયેલ જે શુદ્ધાત્મતત્ત્વનો અનુગ્રહપૂર્વક ઉપદેશ તેનાથી જેનો જન્મ છે” લ્યો, વિજ્ઞાનઘન જે આત્મા તેમાં અમારા ગુરુ નિમગ્ન હતા એમ કહ્યું, પણ માત્ર નગ્ન હતા ને વ્યવહારમાં મગ્ન હતા એમ ન કહ્યું. ભાઈ! અંતર્નિમગ્ન દશા એ જ વાસ્તવિક સાધુપણું છે. વ્યવહાર હો ભલે, પણ તે મોક્ષમાર્ગ નથી.
અહાહા...! નિજરસથી ભરપુર જે જ્ઞાન તેના સ્ફુરાયમાન થવામાત્ર જે સમયસાર તે જ એક સારભૂત છે, એના સિવાય બીજું કાંઈ સારભૂત નથી. અહાહા.....! અનંત અનંત શક્તિના વિસ્તારથી પૂર્ણ પ્રભુ આત્મા છે, તેમાં નજર કરી અંતર્નિમગ્ન થતાં અંદર પર્યાયમાં આનંદનાં નિધાન પ્રગટ થાય છે. જેમ પાતાળમાંથી ઝરા ફૂટે તેમ સ્વસ્વરૂપમાં નિમગ્ન થતાં અંદર ચૈતન્યના પાતાળમાંથી અતીન્દ્રિય આનંદના ઝરા ફૂટે છે; આનું નામ સ્વાનુભવ દશા ને આ મોક્ષમાર્ગ ને પૂર્ણ થયે આ જ મોક્ષ છે. આવે છે ને નાટકમાં (સમયસાર નાટકમાં) કે-
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખસરૂપ.
અહાહા...! પર્યાયમાં સ્વસ્વરૂપનું ભાન થયું ત્યારે સમયસાર થયો. આ એ સમયસાર -જે વિજ્ઞાનઘન દશામાં વિજ્ઞાનઘન પ્રભુ જણાયો -એનાથી ઊંચુ કાંઈ નથી, અર્થાત્ એનાથી બીજું કાંઈ હિતકારી નથી.
અરે ભાઈ! આવો મનુષ્ય અવતાર મળ્યો ને રળવું-કમાવું ને ખાવું-પીવું-બસ એમાં જ ઢોરની જેમ અવતાર હાલ્યો જાય! આવે છે ને કે- ‘मनुष्यरूपेण मृगाश्चरन्ति’ - અરે! મનુષ્યના લેબાસમાં જાણે રખડતાં ઢોર! અહીં તો વિશેષ આ કહે છે કે- આ વ્યવહારથી ધર્મ થાય એમ વાત રહેવા દે ભાઈ! અને શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપનો જ અનુભવ કર. વ્યવહાર છે એ તો બાહ્ય નિમિત્તને આધીન રાગની સ્ફુરણા છે, એ કાંઈ જ્ઞાનની-ચૈતન્યની સ્ફુરણા નથી. આકરી વાત! લોકોમાં
PDF/HTML Page 3746 of 4199
single page version
ખળભળાટ થઈ જાય; એમ કે અમે વ્રત પાળીએ, ઉપવાસાદિ તપ કરીએ, બ્રહ્મચર્ય પાળીએ-ઈત્યાદિ બધું કાંઈ નહિ. એ બધું કાંઈ નહિ બાપુ! આવું તો બધું અનંત વાર કરી ચૂક્યો છે. અરે! નવમી ગ્રૈવેયકના સ્વર્ગમાં જાય એવા શુક્લ લેશ્યાના પરિણામ પણ અનંત વાર કરી ચૂક્યો છે બાપુ! પણ અંતરમાં જ્ઞાનની સ્ફુરણામાત્ર સ્વાનુભવ વિના બધું જ ફોગટ. જુઓને કહે તો છે કે- न खलु समयसारात् उत्तरं किञ्चत् अस्ति’ - જ્ઞાનની પ્રસ્ફુરણા થવામાત્ર જે સમયસાર તેનાથી ઊંચું લોકમાં કાંઈ નથી. સમજાણું કાંઈ....?
‘પૂર્ણજ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરવો; આ ઉપરાંત ખરેખર બીજું કાંઈ પણ સારભૂત નથી.’
‘પૂર્ણજ્ઞાનસ્વરૂપ’ -એમ કહીને ભગવાન આત્મા અનંતગુણનું વાસ્તુ પૂર્ણ-પરિપૂર્ણ છે-એમ બતાવવું છે. અહા! આવી નિજ ચૈતન્યસત્તાનો, કહે છે, નિજ પર્યાયમાં અનુભવ કરવો પૂર્ણ ચિદાનંદઘન પ્રભુ પોતે છે તેનો અનુભવ કરવો તે સાર છે, આ સિવાય બીજું કાંઈ સારભૂત નથી. આ બાગ-બંગલા ને જર-ઝવેરાત એ તો બધી ધૂળ જ છે, પણ આ વ્યવહાર રત્નત્રય, પંચમહાવ્રતના પરિણામ ને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા ને શાસ્ત્રજ્ઞાન ઈત્યાદિ કાંઈ સારભૂત નથી-એમ કહે છે. સમજાણું કાંઈ...? લ્યો, આ એક લીટીમાં આખું સમયસાર આવી ગયું.
હવે છેલ્લી ગાથામાં આ સમયસાર ગ્રંથના અભ્યાસ વગેરેનું ફળ કહીને આચાર્ય ભગવાન આ ગ્રંથ પૂર્ણ કરશે; તેની સૂચનાનો શ્લોક પ્રથમ કહે છેઃ-
‘आनन्दमयम् विज्ञानघनम् अध्यक्षतां नयत्’ આનંદમય વિજ્ઞાનઘનને (-શુદ્ધ પરમાત્માને, સમયસારને) પ્રત્યક્ષ કરતું ‘इदम् एकम् अक्षयं जगत्–चक्षुः’ આ એક (- અદ્વિતીય) અક્ષય જગત-ચક્ષુ (-સમય પ્રાભૃત) ‘पूर्णताम् याति’ પૂર્ણતાને પામે છે.
આ દેહ-દેવળમાં સ્થિત, દેહથી ભિન્ન ભગવાન આત્મા અંદર શુદ્ધ ચૈતન્યસ્વરૂપે વિરાજે છે. અહાહા...! જેની સત્તામાં સ્વપર અનંતા પદાર્થો જણાય છે તે કેવડો ને કેવો છે? તો કહે છે-જાણગ... જાણગસ્વભાવી પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આનંદમય છે, સચ્ચિદાનંદમય છે. અહાહા....! સત્ નામ શાશ્વત ચિત્ અર્થાત્ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદમય છે. વર્તમાન દશામાં જે વિપરીત વિકારના ભાવ છે એ તો કૃત્રિમ ઉભા થયેલા છે, જ્યારે ભગવાન આત્મા તો અંદર અકૃત્રિમ ત્રિકાળ જ્ઞાન ને આનંદની મૂર્તિ સદાય વિરાજમાન છે.
PDF/HTML Page 3747 of 4199
single page version
અહાહા....! ‘आनन्दमयम्’ આનંદવાળો એમ પણ નહિ; કેમકે એ તો ભેદ થઈ જાય. પુણ્ય-પાપના ભાવની વાસના ઉઠે એ તો સ્વભાવથી વિપરીત ભાવ છે ને દુઃખરૂપ છે. આ તો જેમ સક્કરકંદ, ઉપરની લાલ છાલ ન જુઓ તો, એકલો મીઠાશનો પિંડ છે, તેમ ભગવાન આત્મા, પુણ્ય-પાપથી રહિત, શુદ્ધ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ છે. ઓહો! વિકારથી ભિન્ન અંદર આનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ શાશ્વતપણે વિરાજમાન છે.
ભાઈ! આ પુણ્ય-પાપના ભાવ તે તું-આત્મા નહિ. આ નાનાં બાળકો શેરણું નથી કરતા? બાળકની મા હોય તે ખૂબ ધરાઈને દૂધ પીવડાવે, એટલે બાળકને શેરણું થઈ જાય. બિચારો શેરે ને શરીર ઉઘાડું હોય એટલે ઠંડું લાગે ને પછી એમાં હાથ નાખીને હાથ ચાટે. સ્વાદ આવે ને મીઠો! એમ ભાઈ! પુણ્ય-પાપના ભાવ તને ઠીક પડે છે પણ એ તો શેરણા જેવા છે. અરે! બાળ-અજ્ઞાની જીવો તેને ભલા જાણે છે! આકરી વાત બાપા! અહીં કહે છે-ભગવાન આત્મા પુણ્ય-પાપની વૃત્તિથી ભિન્ન અતીન્દ્રિય અનાકુળ આનંદનો પિંડ છે.
આ દેહ છે એ તો જડ માટી-ધૂળ છે, સ્ત્રીનો દેહ છે તે પણ જડ માટી-ધૂળ જ છે. તેને હું ભોગવું છું એમ તું માને પણ તેને તું ભોગવી શકતો જ નથી, કેમકે તે રૂપી અને તું અરૂપી છો. ઝીણી વાત ભાઈ! એ તો આ સ્ત્રીનો દેહ સુંદર છે એમ તેમાં ઠીકપણું માની તું તે પ્રતિ રાગ કરે છે એ રાગને ભોગવે છે, શરીરને નહિ. પણ બાપુ! એ રાગનો અનુભવ તો દુઃખનો અનુભવ છે. વિષયભોગના ભાવ એ દુઃખનો અનુભવ છે ને શુભભાવ-પુણ્યભાવ પણ દુઃખરૂપ જ છે. અંદર આત્મા એકલું અતીન્દ્રિય આનંદનું દળ છે. બાકી આ પૈસા-બૈસામાં સુખ છે એમ તું માન, પણ ધૂળેય સુખ નથી ત્યાં. આ પૈસાવાળા બધા માને કે અમે ધનપતિ-અબજપતિ, પણ એ તો ધૂળેય ધનપતિ નથી સાંભળને. એ તો જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ જડના પતિ જડપતિ છે. અરે! પોતે અંદર કોણ છે એની એને ખબર નથી.
અહાહા.....! ભગવાન! તું તો ચૈતન્યલક્ષ્મીનો ભંડાર છો ને પ્રભુ! અતીન્દ્રિય આનંદરસનો કંદ પ્રભુ તું છો. આનંદ માટે બહાર જોવું પડે એવું તારું સ્વરૂપ નથી. અંદર સ્વરૂપ આનંદમય છે તેમાં દ્રષ્ટિ-રમણતા કરતાં જ અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. અહા! આમ આનંદનું વેદન કરવું એનું નામ ધર્મ છે. બાકી બધું તો થોથાં છે; કોઈની દયા પાળે, ને ગરીબોની સેવા કરે ને ધર્મ થઈ જાય એવું ધર્મનું સ્વરૂપ નથી.
અહીં ‘આનંદમય’ અને ‘વિજ્ઞાનઘન’ - એમ બે શબ્દ કહ્યા છે. અહાહા....! જ્ઞાન ને આનંદનું ધોકળું પ્રભુ આત્મા છે. વિજ્ઞાનઘન કહ્યો ને? ચૈતન્યપ્રકાશનો-જ્ઞાન- પ્રકાશનો પુંજ પ્રભુ આત્મા છે. તે સમયસાર છે. સમ્ + अय + સાર = સમયસાર. સમ્
PDF/HTML Page 3748 of 4199
single page version
એટલે સમ્યક્ પ્રકારે, અય્ નામ જાણવાપણે પરિણમે તે અને સાર નામ શરીર, કર્મ ને વિકારથી ભિન્ન એવો આત્મા તે સમયસાર છે. સમજાણું કાંઈ....?
આ તો ભગવાન સમયસારની ભાગવત કથા બાપા! કહે છે-સમયસારને પ્રત્યક્ષ કરતું આ એક અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ પૂર્ણતાને પામે છે. આ શાસ્ત્ર તો શબ્દો છે. એ શબ્દો કોને પ્રત્યક્ષ કરે છે-બતાવે છે? તો કહે છે-ભગવાન સમયસારને શુદ્ધ ચૈતન્યમય આત્માને બતાવે છે. જેમ સાકર શબ્દ છે તે સાકર પદાર્થને બતાવે છે તેમ શાસ્ત્ર છે તે વિજ્ઞાનઘન આનંદમય પ્રભુ આત્માને બતાવે છે.
અમારે તો સત્તર વર્ષની ઉંમરથી જ શાસ્ત્રનો અભ્યાસ છે. પાલેજમાં પેઢી ઉપર બેસીને પણ શાસ્ત્રાભ્યાસ જ કરતા. પૂર્વના સંસ્કાર હતા, ને આ સમયસાર મળ્યું. પછી શું કહેવું? સમયસાર વાંચ્યું ને લાગ્યું કે આ કોઈ જુદી અલૌકિક ચીજ છે. આનંદના નાથને બતાવનારું આ અલૌકિક શાસ્ત્ર છે. આમાં (બતાવેલા) મારગડા કોઈ જુદા છે પ્રભુ!
અહાહા....! આનંદઘન વિજ્ઞાનઘન પ્રભુ આત્મા છે. તેનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન- સ્વસંવેદન કરવું એનું નામ ધર્મ છે. અહા! આવો અલૌકિક માર્ગ આ શાસ્ત્ર બતાવે છે. અહા! અજ્ઞાનીને આત્મા માપતાં (-જાણતાં) આવડતું નથી. જેમ કાપડનો તાકો બાળકના હાથથી ન મપાય તેમ બાળ-અજ્ઞાનીના માપથી આત્મા ન મપાય (-જણાય). ભાઈ! રાગથી (-વ્યવહારના રાગથી) જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્માનું માપ ન થઈ શકે; એક જ્ઞાનની નિર્મળ સ્વસંવેદનની દશામાં જ તેનું માપ થઈ શકે. અહા! આવો અલૌકિક માર્ગ આ શાસ્ત્ર બતાવે છે. અહો! વીતરાગ જૈન પરમેશ્વરે કહેલાં શાસ્ત્રો અદ્ભુત અદ્વિતીય છે, તેઓ એક પરમ શુદ્ધ ચૈતન્યતત્ત્વને દેખાડે છે.
કેવું છે આ સમય પ્રાભૃત? તો કહે છે- અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. ‘इदम् एकम् अक्षयं जगत–चक्षुः’ અહાહા....! આ સમયસાર પરમ અતિશયયુક્ત એક-અદ્વિતીય અક્ષય જગત-ચક્ષુ છે. જગતના-વિશ્વના સ્વરૂપને યથાસ્થિત દેખાડે છે ને. અહા! જેમ આત્મા લોકાલોકને જાણનાર-દેખનાર અદ્વિતીય જગતચક્ષુ છે, તેમ લોકાલોકને દેખાડનાર આ શાસ્ત્ર અદ્વિતીય જગતચક્ષુ છે. અહા! ભગવાન ત્રિકાળી ધ્રુવને જાણનારું જ્ઞાન જગતચક્ષુ છે, તેમ ભગવાન ત્રિકાળી ધ્રુવને બતાવનારું આ શાસ્ત્ર જગતચક્ષુ છે. આત્મા જગતચક્ષુ છે, તેને આ શાસ્ત્ર બતાવે છે માટે આ શાસ્ત્ર જગતચક્ષુ છે; અદ્વિતીય જગતચક્ષુ છે, મતલબ કે બીજાં કલ્પિત શાસ્ત્ર ભગવાન આત્માને બતાવતાં નથી તેથી આ અજોડ છે. આ તો સકલશાસ્ત્ર બાપા! સત્શાસ્ત્રોમાં પણ મહા અતિશયવાન! વળી જેમ ભગવાન આત્મા અક્ષય છે તેમ તેને બતાવનારું આ પરમાગમ અક્ષય છે. ભગવાન જૈન પરમેશ્વરની વાણી (પ્રવાહરૂપથી) અક્ષય છે. આવી વાત!
PDF/HTML Page 3749 of 4199
single page version
આવું આ સમયપ્રાભૃત પૂર્ણતાને પામે છે. એટલે શું? કે આમાં ૪૧પ ગાથા છે. ૪૧૪ ગાથા પછી હવે આ શાસ્ત્રનું ફળ દર્શાવીને શાસ્ત્ર પૂરું થાય છે. અહાહા....! જ્ઞાનાનંદસ્વરૂપ અંદર આત્મા શુદ્ધ ચૈતન્યવસ્તુ છે તેનું ભાન પ્રગટ કરીને તેમાં જ સ્થિર થાય તેને પૂર્ણ પરમાત્મપદની-પરમપદની પ્રાપ્તિ થાય છે. લ્યો, શાસ્ત્ર પૂરું થઈ ગયું, અને અંદર સ્વાનુભવ પ્રગટ કર્યો તેને પણ પૂર્ણની પ્રાપ્તિ થઈ ગઈ! આ તો અસાધારણ અતિશયવાન શાસ્ત્ર ભાઈ! તેનો શ્રોતા મુમુક્ષુ પણ અંદર પૂર્ણાનંદનો નાથ છે તેમાં ધ્યેય કરીને મગ્ન થયો, અને તેને પૂર્ણસ્વરૂપની ઉપલબ્ધિ થઈ ગઈ. શાસ્ત્ર કહે છે- તારો નાથ અંદર બધી વાતે પૂરો છે, કોઈ વાતે અધુરો નથી. જિજ્ઞાસુ સ્વરૂપમાં ગયો ને તે પર્યાયમાં પણ પૂર્ણ થઈ ગયો. લ્યો, આ વાત અહીં કહેવા માગે છે. સમજાય છે કાંઈ....?
‘આ સમયપ્રાભૃત ગ્રંથ વચનરૂપે તેમ જ જ્ઞાનરૂપે-બન્ને પ્રકારે જગતને અક્ષય (અર્થાત્ જેનો વિનાશ ન થાય એવું) અદ્વિતીય નેત્ર સમાન છે. કારણ કે જેમ નેત્ર ઘટપટાદિકને પ્રત્યક્ષ દેખાડે છે તેમ સમયપ્રાભૃત આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે.’
અંદર પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે છે તેનો સ્વાનુભવ ને પ્રતીતિ થયાં તેને પૂરણ સર્વજ્ઞપદની પ્રાપ્તિ થાય જ છે. અહા! આવું પૂર્ણ આત્મપદ જેમ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે તેમ એવા આત્માને બતાવનારું આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ જગતનું અક્ષય અદ્વિતીય નેત્ર છે.
આ નેત્ર ઘટ-પટ પદાર્થોને પ્રત્યક્ષ દેખાડે છે ને? નેત્ર દેખાડે છે એ તો એમ કહેવાય; બાકી આ બે નેત્ર છે એ તો જડ માટી-ધૂળ છે, અંદર દેખનાર જાણનાર તો ભિન્ન ચૈતન્ય પ્રભુ છે. જેની સત્તામાં ઘટ-પટાદિ જણાય છે એ તો ચૈતન્ય પ્રભુ છે, ને નેત્ર તો નિમિત્તમાત્ર છે. નિમિત્તથી કહેવાય કે નેત્ર ઘટપટાદિને દેખાડે છે. અહીં કહે છે- તેમ આ સમયપ્રાભૃત શાસ્ત્ર પણ આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રત્યક્ષ અનુભવગોચર દેખાડે છે. જોયું? આત્મા સ્વાનુભવપ્રત્યક્ષ જણાય છે અર્થાત્ સ્વસંવેદ્ય છે, વિકલ્પગમ્ય નથી એમ શાસ્ત્ર બતાવે છે. શાસ્ત્ર આત્માનું સ્વરૂપ દેખાડે છે, પણ શાસ્ત્રના શબ્દમાં આત્મા નથી, શબ્દજ્ઞાનથી આત્મા જણાશે એમ નહિ, આત્મા તો સ્વાનુભવ-ગમ્ય જ છે. આ ન્યાય- લોજીક છે. ભાઈ! લૌકિક ભણતરમાં વર્ષો કાઢે છે તો આમાં તો થોડો વખત કાઢ, તારું હિત થશે.
PDF/HTML Page 3750 of 4199
single page version
अत्थे ठाही चेदा सो होही उत्तमं सोक्खं।। ४१५।।
अर्थे स्थास्यति चेतयिता स भविष्यत्युत्तमं सौख्यम्।। ४१५।।
હવે ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છેઃ-
ઠરશે અરથમાં આતમા જે, સૌખ્ય ઉત્તમ તે થશે. ૪૧પ.
ગાથાર્થઃ– [यः चेतयिता] જે આત્મા (-ભવ્ય જીવ) [इदं समयप्राभृतम् पठित्वा] આ સમયપ્રાભૃતને ભણીને, [अर्थतत्त्वतः ज्ञात्वा] અર્થ અને તત્ત્વથી જાણીને, [अर्थे स्थास्यति] તેના અર્થમાં સ્થિત થશે, [सः] તે [उत्तमं सौख्यम् भविष्यति] ઉત્તમ સૌખ્યસ્વરૂપ થશે.
ટીકાઃ– સમયસારભૂત ભગવાન પરમાત્માનું-કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે તેનું-પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્ય-પ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ (-આકુળતા વિનાનું) હોવાને લીધે જે (સૌખ્ય) ‘પરમાનંદસ’ શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા-લક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે.
ભાવાર્થઃ– આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે
PDF/HTML Page 3751 of 4199
single page version
अखण्डमेकमचलं स्वसंवेद्यमबाधितम्।। २४६।।
છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને આ સમયપ્રાભૃતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ (અર્થાત્ સમયપ્રાભૃતશાસ્ત્ર) પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત્ દેખાડે છે. જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે; અને તેથી, જેને ‘પરમાનંદ’ કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે. માટે હે ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણને અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इति इदम् आत्मनः तत्त्वं ज्ञानमात्रम् अवस्थितम्] આ રીતે આ આત્માનું તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું- [अखण्डम्] કે જે (આત્માનું) જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત્ અનેક જ્ઞેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જોકે ખંડ ખંડ દેખાય છે તોપણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), [एकम्] એક છે (અર્થાત્ અખંડ હોવાથી એકરૂપ છે), [अचलं] અચળ છે (અર્થાત્ જ્ઞાનરૂપથી ચળતું નથી-જ્ઞેયરૂપ થતું નથી), [स्वसंवेद्यम्] સ્વસંવેદ્ય છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), [अबाधितम्] અને અબાધિત છે (અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી).
ભાવાર્થઃ– અહીં આત્માનું નિજ સ્વરૂપ જ્ઞાન જ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ- આત્મામાં અનંત ધર્મો છે; પરંતુ તેમાં કેટલાક તો સાધારણ છે, તેથી તેઓ અતિવ્યાપ્તિવાળા છે, તેમનાથી આત્માને ઓળખી શકાય નહિ; વળી કેટલાક (ધર્મો) પર્યાયાશ્રિત છે-કોઈ અવસ્થામાં હોય છે અને કોઈ અવસ્થામાં નથી હોતા, તેથી તેઓ અવ્યાપ્તિવાળા છે, તેમનાથી પણ આત્મા ઓળખી શકાય નહિ. ચેતનતા જોકે આત્માનું (અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિથી રહિત) લક્ષણ છે, તોપણ તે શક્તિમાત્ર છે, અદ્રષ્ટ છે; તેની વ્યક્તિ દર્શન અને જ્ઞાન છે. તે દર્શન અને જ્ઞાનમાં પણ જ્ઞાન સાકાર છે, પ્રગટ અનુભવગોચર છે; તેથી તેના દ્વારા જ આત્મા ઓળખી શકાય છે. માટે અહીં આ જ્ઞાનને જ પ્રધાન કરીને આત્માનું તત્ત્વ કહ્યું છે.
અહીં એમ ન સમજવું કે ‘આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો
PDF/HTML Page 3752 of 4199
single page version
જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી’; આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદ્રષ્ટિપણું થાય છે, વિજ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધાસહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું-જ્ઞાનમાત્રનું-ધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું. ૨૪૬.
મૂરત અમૂરત જે આનદ્રવ્ય લોકમાંહિ તે ભી જ્ઞાનરૂપ નાહીં ન્યારે ન અભાવકો;
યહૈ જાનિ જ્ઞાની જીવ આપકું ભજૈ સદીવ જ્ઞાનરૂપ સુખતૂપ આન ન લગાવકો,
કર્મ-કર્મફલરૂપ ચેતનાકૂં દૂરિ ટારિ જ્ઞાનચેતના અભ્યાસ કરે શુદ્ધ ભાવકો.
પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં સર્વવિશુદ્ધજ્ઞાનનો પ્રરૂપક નવમો અંક સમાપ્ત થયો.
હવે ભગવાન કુંદકુંદાચાર્ય આ ગ્રંથને પૂર્ણ કરે છે તેથી તેના મહિમારૂપે તેના અભ્યાસ વગેરેનું ફળ ગાથામાં કહે છેઃ-
‘સમયસારભૂત ભગવાન પરમાત્માનું -કે જે વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે તેનું -પ્રતિપાદન કરતું હોવાથી જે પોતે શબ્દબ્રહ્મ સમાન છે એવા આ શાસ્ત્રને જે આત્મા ખરેખર ભણીને, વિશ્વને પ્રકાશવામાં સમર્થ એવા પરમાર્થભૂત, ચૈતન્યપ્રકાશરૂપ આત્માનો નિશ્ચય કરતો થકો (આ શાસ્ત્રને) અર્થથી અને તત્ત્વથી જાણીને,.........’
જુઓ, આ છેલ્લી ગાથામાં માખણ ભર્યું છે. અહા! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ લગભગ બે હજાર વર્ષ ઉપર સં. ૪૯ માં ભરતક્ષેત્રના મહાન મુનિવર થઈ ગયા. આત્મધ્યાનમાં લવલીન અને નિજ આનંદસ્વરૂપમાં નિરંતર રમનારા તેઓ નગ્ન દિગંબર સંત-મહામુનિવર હતા. અહીંથી તેઓ મહાવિદેહમાં ભગવાન સીમંધર સ્વામી પાસે ગયા હતા. ભગવાન ત્યાં હાલ સમોસરણમાં બિરાજમાન છે ત્યાં કુંદકુંદાચાર્ય આઠ દિ’ રહ્યા હતા. સાક્ષાત્ ૐધ્વનિ સાંભળીને ભરતમાં પધાર્યા હતા. ત્યાર પછી આ સમયસાર આદિ શાસ્ત્રો તેમણે રચ્યાં છે. આ ગ્રંથ તેઓ પૂર્ણ કરવાની સાથે તેના મહિમારૂપે શાસ્ત્રના અભ્યાસ વગેરેનું ફળ આ ગાથામાં બતાવે છે.
PDF/HTML Page 3753 of 4199
single page version
શું કહે છે - કે ‘સમયસારભૂત’ અર્થાત્ છતી સર્વોત્કૃષ્ટ ચીજ અંદર ભગવાન પરમાત્મા છે તે પરમસ્વરૂપ છે. અહાહા....! જિનસ્વરૂપ ભગવાન અંદર ત્રિકાળ મોજુદપણે વિરાજે છે. અહા! જેમ ઘડામાં જળ ભર્યું હોય તેમ જ્ઞાન ને આનંદથી ભરેલો આત્મા નિરંતર જિનસ્વરૂપે વિરાજમાન છે. હવે પોતાને રાંકો થઈ ગયેલો માને તે વિષયના ભિખારીને આ કેમ બેસે? સરખાઈની બીડી પીવે કે ચાનો કપ પીવે ત્યારે તો ભાઈ સાહેબને ચૈન પડે- હવે એવા જીવોને કહીએ કે-ભાઈ! તું આત્મા શાંતિનો સાગર નિત્ય ચિદાનંદસ્વરૂપી ભગવાન છો-એ એને કેમ બેસે? પણ બાપુ! આત્મા શુદ્ધ ચૈતન્યમય સદા પરમસ્વરૂપ પ્રભુ છે. તેની દ્રષ્ટિ કરે તે સમ્યગ્દ્રષ્ટિ જૈન છે. બાકી દયા, દાન આદિના રાગથી-પુણ્યથી ધર્મ માને તે જૈન નથી, અજૈન છે. જૈન કોઈ સંપ્રદાય નથી ભાઈ! શરીર અને રાગના ક્રિયાકાંડ એ જૈનપણું નથી બાપુ! એની એકતા તૂટી જાય અને સ્વસ્વરૂપની -પરમસ્વરૂપની એકતા થઈ જાય ત્યાંથી જૈનપણું શરું થાય છે.
અહીં કહે છે- સમયસારભૂત પરમસ્વરૂપ -પરમાત્મસ્વરૂપ એવો આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. અહાહા....! ચૈતન્યના નૂરનું પૂર એવો ભગવાન આત્મા સ્વપરસહિત સંપૂર્ણ ત્રિકાળવર્તી લોકાલોકનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. અહાહા...! જાણવું.... જાણવું.... જાણવું.... એમ જાણવાના પ્રવાહનું પૂર પ્રભુ આત્મા છે; તે સંપૂર્ણ વિશ્વનો પ્રકાશક છે. પ્રકાશક એટલે જાણનારો હોં, જગતની કોઈ ચીજનો કરનારો-કર્તા નહિ. ભાઈ! કોઈ પર પદાર્થની ક્રિયા કરી શકે એવો આત્માનો સ્વભાવ નથી, એવું એનું સામર્થ્ય નથી. રાગ આવે એનો પણ એ જ્ઞાતા છે. આ પ્રમાણે ભગવાન આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે.
આત્મા વિશ્વસમય છે. વિશ્વમાં અનંતા પદાર્થો છે. તે અનંત અનંતપણે પોતાના કારણે રહ્યા છે; જો પરના કારણે હોય તો અનંતપણું ન રહે. વિશ્વ એટલે અનંતા દ્રવ્યો- તેના પ્રત્યેકના અનંત-અનંત ગુણ અને તેની અનંત-અનંત પર્યાયો -આ બધું પોતપોતાના કારણે છે. બધું સ્વ-તંત્ર છે, અને ભગવાન આત્મા એ બધાનો પ્રકાશક છે, જાણનારમાત્ર છે, કરનારો -કર્તા નહિ. આવો જ્ઞાનાનંદરૂપ લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. સમજાણું કાંઈ...? ‘કાંઈ’ એટલે કઈ પદ્ધતિએ કહેવાય છે તેની ગંધ આવે છે? પૂરું સમજાઈ જાય તો ન્યાલ થઈ જાય એવું છે.
આત્મા વિશ્વને પ્રકાશતો હોવાથી વિશ્વસમય છે, અને તેનું પ્રતિપાદન કરતું હોવાથી આ શાસ્ત્ર શબ્દબ્રહ્મ સમાન છે. પરબ્રહ્મસ્વરૂપ પરમાત્માનું પ્રતિપાદન કરનારા આ શબ્દો શબ્દબ્રહ્મ સમાન છે. ભગવાનની વાણી પૂર્ણ શબ્દબ્રહ્મ છે. તેમ આ શાસ્ત્ર શબ્દબ્રહ્મનો અંશ હોવાથી શબ્દબ્રહ્મ સમાન છે.
PDF/HTML Page 3754 of 4199
single page version
આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ પુરા વિશ્વનો જાણનાર છે, અને આ શાસ્ત્ર પુરા તત્ત્વનું પ્રતિપાદન કરનાર છે તેથી શબ્દબ્રહ્મ સમાન છે. આવા આ શાસ્ત્રને પોતાના હિતના લક્ષે ભણવું જોઈએ એમ વાત છે. અરે! એ લૌકિક ભણતર- આ ડાકટરનું ને ઈજનેરનું, ને વકીલનું ને વેપારનું ભણી ભણીને એ મરી ગયો! ભાઈ! લૌકિક ભણતર આડે તું નવરો ન થાય પણ એમાં તારું અહિત છે; એનાથી તને અનંત જન્મ-મરણ થશે ભાઈ! એટલે કહે છે -હિતના લક્ષે આ પરમાર્થ શાસ્ત્રને ભણવું જોઈએ. બીજાને દેખાડવા કે પંડિતાઈ પ્રગટ કરવા માટે નહિ હોં; એક સ્વહિતના લક્ષે જ ભણવું જોઈએ. ભણીને શું કરવું? તો કહે છે- આ શાસ્ત્ર ભણીને હું -આત્મા ચૈતન્યપ્રકાશમય છું એવો નિર્ણય કરવો જોઈએ. અહાહા....! લોકાલોકને જાણવાના સામર્થ્યરૂપ પરમાર્થભૂત ચૈતન્યપ્રકાશનો પુંજ હું આત્મા છું એમ અંતરમાં નિર્ણય કરવો જોઈએ. ભાઈ! આ તો ભવનો અભાવ કરવાની પરમ હિતની વાત છે. આ ભવનું મૂળ એક મિથ્યાત્વ છે. શાસ્ત્ર ભણીને નિજ સ્વરૂપનો નિર્ણય કરવો તે મિથ્યાત્વને ટાળવાનો ઉપાય છે. સ્વસ્વરૂપનો નિર્ણય કરવો એ જ એનો સાર છે.
‘અર્થ અને તત્ત્વથી જાણીને’ -એમ કહ્યું ને? એટલે શું? કે આત્મા ત્રિકાળી વસ્તુ તે અર્થ છે, અને તેનો જ્ઞાનસ્વભાવ તે તત્ત્વ છે. જેમ સોનું છે તે અર્થ કહેવાય, અને તેનાં પીળાશ, ચીકાશ, વજન ઈત્યાદિ તે તત્ત્વ કહેવાય. આત્મા ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે અર્થ છે, અને જ્ઞાન, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા ઈત્યાદિ ગુણ-સ્વભાવ તે તત્ત્વ છે. અર્થનું તત્ત્વ એટલે વસ્તુ-દ્રવ્ય તેનો ભાવ. ભાવવાન વસ્તુ તે અર્થ અને તેનો ભાવ તે અર્થનું તત્ત્વ છે. અહા! હિત કરવું હોય તેણે આ ભાવ સહિત જે ભાવવાન એવું નિજ દ્રવ્ય તેનો નિર્ણય કરવો પડશે. ભાઈ! આ કોઈ કથા નથી બાપુ! આ તો પૂર્ણાનંદના નાથના સ્વરૂપની જે વાત ભગવાનની દિવ્યધ્વનિમાં આવી ને શ્રી ગણધરદેવે જે દ્વાદશાંગમાં કહી તે આ વાત છે. આવે છે ને બનારસી વિલાસમાં-
રચી આગમ ઉપદેશ, ભવિક જન સંસય નિવારૈ;
લ્યો, આ તો ઉપદેશ સૂણી ભવ્ય જીવો સંશય નિવારે છે, મિથ્યાત્વનો નાશ કરે છે એની આ વાત છે. ગાથામાં કહે છે ને કે- જે ભવ્ય જીવ આ સમયપ્રાભૃત ભણીને, અર્થ અને તત્ત્વથી જાણીને તેના અર્થમાં સ્થિત થશે તે ઉત્તમ સૌખ્યરૂપ થશે. અહો! આવું અલૌકિક આ શાસ્ત્ર-પરમાગમ છે.
આત્મા વસ્તુ અર્થ છે, ને જ્ઞાન તેનું તત્ત્વ છે. અહીં કહે છે- તેને જાણીને, તત્ત્વ સહિત અર્થને જાણીને, અર્થમાં ઠર; તારી દશા ઉત્તમ આનંદમય થઈ જશે. અરે! લોકો - અજ્ઞાનીઓ ઈન્દ્રિયના વિષયમાં સુખ માને છે પણ તે સુખ નથી. ઈન્દ્રિયના
PDF/HTML Page 3755 of 4199
single page version
અહા! ‘ભાઈ તો મારો ડાહ્યો, પાટલે બેસી નાહ્યો-ભાઈ! હાલ’ -એમ કહીને બાળકને એની મા મીઠા હાલરડાં ગાઈને ઘોડિયામાં સુવાડે છે, તેમ અહીં સંત-મુનિવરો ‘ભગવાન આત્મા’ કહીને એને જગાડે છે. ‘જાગ રે જાગ નાથ! હવે ન સૂવું પાલવે’ અહાહા....! જાગવાનો આ અવસર આવ્યો છે ભગવાન! હમણાં નહીં જાગે તો ક્યારે જાગીશ? સમયસારભૂત તું ભગવાન આત્મા છો, તારામાં પૂર્ણ પરમાત્મશક્તિ ભરી પડી છે. ઓહો! તું જ્ઞાન, ને આનંદ ને વીર્ય ઈત્યાદિ અનંત ગુણમણિરત્નોનો અંદર ડુંગર ભરેલો છો. અંદર જુએ તો ખબર પડે ને? તેનો નિર્ણય કર ભાઈ! હમણાં જ નિર્ણય કર.
હા, પણ તેમાં નવતત્ત્વ તો ન આવ્યાં? અરે! ભાઈ! આત્માનો નિર્ણય કરે છે તેમાં નવે તત્ત્વનો નિર્ણય આવી જાય છે. પુણ્ય-પાપના આચરણ અને બંધના ભાવ તે ભગવાન આત્માના અસ્તિત્વમાં નથી. આત્માના અસ્તિ સ્વરૂપનો નિર્ણય કરતાં તેમાં જે નથી તેનો નિર્ણય પણ ભેગો આવી જાય છે. આત્મા દ્રવ્ય અને તેનું તત્ત્વ નામ ભાવ-એને જાણીને નિર્ણય કરતાં અન્ય નાસ્તિરૂપ પદાર્થોનો તેમાં નિર્ણય આવી જાય છે.
‘तत्त्वार्थ श्रद्धानम् सम्यग्दर्शनम्’ એમ સૂત્ર છે ને! એનો અર્થ શું? એનો અર્થ એ કે -તત્ત્વ નામ ભાવસહિત અર્થ નામ ભાવવાન પદાર્થનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાય તે અર્થ છે. તત્ત્વ નામ તેનો સ્વભાવ શું છે તે જાણીને (પદાર્થનું) શ્રદ્ધાન કરવું તેનું નામ સમ્યગ્દર્શન છે. દ્રવ્ય-ગુણ-પર્યાયનું તત્ત્વ જાણી, તત્ત્વ સહિત અર્થનું શ્રદ્ધાન-જ્ઞાન કરવું તે સમ્યગ્દર્શન-જ્ઞાન છે. પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા સ્વપરને જાણવાના સ્વભાવવાળું જ્ઞાનમાત્રભાવસ્વરૂપ તત્ત્વ છે. પર અને રાગ એના સ્વરૂપમાં નથી. પર અને રાગને પોતાના માનવા એય એનું સ્વરૂપ નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ! મિથ્યાભાવ એ આત્મપદાર્થમાં નથી. એ તો પર્યાયમાં નવો જ ઊભો થયેલો વિભાવ નામ વિપરીત ભાવ છે. આમ દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેય તેના તત્ત્વસહિત યથાર્થ જાણવા. અર્થ એટલે પદાર્થને તેના તત્ત્વ નામ ભાવ-સ્વભાવ સહિત જાણવો તે યથાર્થ જ્ઞાન છે. આમ પદાર્થને જાણીને ઠરવું શેમાં! તે હવે કહે છે-
PDF/HTML Page 3756 of 4199
single page version
............ અર્થથી અને તત્ત્વથી જાણીને, ‘તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સર્વ ઉદ્યમથી સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા એક ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ (-આકુળતા વિનાનું) હોવાને લીધે જે (સૌખ્ય) “પરમાનંદ” શબ્દથી વાચ્ય છે, ઉત્તમ છે અને અનાકુળતા- લક્ષણવાળું છે એવા સૌખ્યસ્વરૂપ પોતે જ થઈ જશે.’
લ્યો, તેના જ અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મ પ્રભુ છે તેમાં સર્વ ઉદ્યમથી સ્થિત થવું એમ કહે છે. અહાહા....! આત્મા પૂર્ણ વિજ્ઞાનઘન પ્રભુ અનંત અનંત ચૈતન્યરત્નોથી ભરેલો છે. તેને જાણીને અભેદ એક દ્રવ્યમાં લીન થવું તે મોક્ષનો માર્ગ છે. જાણવાં ત્રણેય-દ્રવ્ય-ગુણ-પર્યાય, પણ દ્રષ્ટિ ક્યાં મૂકવી? ક્યાં ઠરવું? તો કહે છે- અર્થભૂત ભગવાન એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મમાં. આ દ્રવ્ય અને આ તેનો ભાવ-એમ જેમાં ભેદ નથી એવા અભેદ એક પૂર્ણવિજ્ઞાનઘન પરબ્રહ્મમાં સ્થિત થવું. આવો મારગ છે ભાઈ! બાકી બહારનાં ભણતર અને બહારની ક્રિયા તો બધું થોથાં છે. આત્મા વિજ્ઞાનઘન પરબ્રહ્મ છે તેમાં જ સર્વ ઉદ્યમ નામ પુરુષાર્થ કરીને સ્થિત થવું.
હા, પણ જે સમયે જે થવાનું છે તે જ થાય છે એમ નિયત છે ને? (એમ કે ઉદ્યમ-પુરુષાર્થ કરવાનું કેમ કહો છો?)
જે સમયે જે થવાનું છે તે જ થાય છે એ તો સત્ય છે; પણ તે તે કાર્ય પુરુષાર્થથી થાય છે, પુરુષાર્થ વિના નહિ. ભાઈ! તને પુરુષાર્થના સ્વરૂપની ખબર નથી. ત્રણકાળ- ત્રણલોકને એક સમયમાં જાણે એવા કેવળજ્ઞાનની પર્યાયના સામર્થ્યનો સ્વીકાર કરનારની દ્રષ્ટિ ત્રિકાળી ધ્રુવ પરબ્રહ્મસ્વરૂપ નિજ દ્રવ્ય ઉપર જાય છે અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ સ્થાપિત થાય તે અનંતો પુરુષાર્થ છે. સ્વસ્વરૂપનાં દ્રષ્ટિ ને રમણતા જે વડે થાય તેનું જ નામ તો પુરુષાર્થ છે. પુરુષાર્થ બીજી શું ચીજ છે? આમ કરું ને તેમ કરું એમ ક્રિયાના વિકલ્પો કરે એ તો વાંઝિયો પુરુષાર્થ છે, એને શાસ્ત્રમાં નપુંસકતા કહે છે. જ્ઞાનની પર્યાય ત્રિકાળી ધ્રુવનો સ્વસન્મુખતાના પુરુષાર્થ વડે નિર્ણય કરે છે, અને ત્યારે (ક્રમબદ્ધ) પર્યાયનો પણ યથાર્થ નિર્ણય થાય છે.
ભાઈ! તું ક્રિયાકાંડમાં રોકાઈને તેમાં પુરુષાર્થ હોવાનું માને છે પણ એ તો મિથ્યા પુરુષાર્થ છે બાપા! રાગને રચે ને રાગને કરે તે આત્માનું વીર્ય નહિ, તે અનંતવીર્યનું કાર્ય નહિ. અહીં કહે છે-પૂર્ણવિજ્ઞાનઘન પરમબ્રહ્મ-પરમાનંદસ્વરૂપ નિજ આત્મામાં સર્વ ઉદ્યમથી જે સ્થિત થશે, તે આત્મા, સાક્ષાત્ તત્ક્ષણ પ્રગટ થતા ચૈતન્યરસથી ભરેલા સ્વભાવમાં સુસ્થિત અને નિરાકુળ એવા પરમઆનંદમય-પરમ સૌખ્યમય પોતે જ થઈ જશે. અહો! આ તે કંઈ ટીકા છે? અહા! ‘પરમાનંદ’ તો
PDF/HTML Page 3757 of 4199
single page version
‘આ શાસ્ત્રનું નામ સમયપ્રાભૃત છે. સમય એટલે પદાર્થ, અથવા સમય એટલે આત્મા. તેનું કહેનારું આ શાસ્ત્ર છે. વળી આત્મા તો સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. આવા વિશ્વપ્રકાશક આત્માને કહેતું હોવાથી આ સમયપ્રાભૃત શબ્દબ્રહ્મ સમાન છે; કારણ કે જે સમસ્ત પદાર્થોનું કહેનાર હોય તેને શબ્દબ્રહ્મ કહેવામાં આવે છે. દ્વાદશાંગશાસ્ત્ર શબ્દબ્રહ્મ છે અને આ સમયપ્રાભૃતશાસ્ત્રને પણ શબ્દબ્રહ્મની ઉપમા છે. આ શબ્દબ્રહ્મ (અર્થાત્ સમયપ્રાભૃતશાસ્ત્ર) પરબ્રહ્મને (અર્થાત્ શુદ્ધ પરમાત્માને) સાક્ષાત્ દેખાડે છે.....’
જુઓ, ‘સમય’ શબ્દના બે અર્થ થાય છે. સમય એટલે પદાર્થ અથવા સમય એટલે આત્મા. શુદ્ધ ચૈતન્યઘન ચિદાનંદકંદ પ્રભુ આત્મા સમય છે, અને તેને કહેનારું- બતાવનારું આ સમયપ્રાભૃત શાસ્ત્ર છે. ભગવાન આત્મા સ્વ અને પર એમ સમસ્ત પદાર્થોનો પ્રકાશક છે. એટલે શું? કે લોકના સ્વ-પર સમસ્ત પદાર્થોને જાણવાનો આત્માનો સ્વભાવ છે. અહાહા.....! લોકમાં અનંત સિદ્ધો, એનાથી અનંત ગુણા નિગોદરાશિ સહિત સંસારીઓ, એનાથી અનંતગુણા પુદ્ગલો ઈત્યાદિ- એ બધાને પ્રકાશવાનો-જાણવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. પરંતુ કોઈ પર પદાર્થોનો કર્તા આત્મા નથી. આ ભાષા-શબ્દો બોલાય છે ને? એ ભાષા-શબ્દોનો કર્તા આત્મા નથી. અરે ભાઈ! શબ્દોમાં આત્મા નહિ, ને આત્મામાં શબ્દો નહિ; આત્માને શબ્દોનું કર્તૃત્વ ત્રણકાળમાં નથી. શબ્દોનો જાણનહાર પ્રભુ આત્મા છે, પણ શબ્દોનો કર્તા નથી. ભાઈ! પરની ક્રિયા કરી શકે એવું આત્માનું સ્વરૂપ નથી. પર માટે એ પંગુ-પાંગળો જ છે; અર્થાત્ જાણવા સિવાય પરમાં આત્મા કાંઈ જ કરી શકતો નથી. આનું નામ આત્માનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. સમજાણું કાંઈ.....?
અરે! પરની દયા પાળું ને દાન કરું- એમ પરની ક્રિયા કરવાનાં મિથ્યા અભિમાન કરીને ચારગતિમાં રખડી-રખડીને એ મરી ગયો, પણ અનંતકાળથી પોતે -આત્મા શું ચીજ છે ને વીતરાગ પરમેશ્વર કોને આત્મા કહે છે તે જાણવાની એણે દરકાર કરી નહિ! ભગવાને આત્મા જોયો, જાણ્યો ને કહ્યો તે, અહીં કહે છે, પૂરા વિશ્વનો પ્રકાશક છે. અહાહા.....! ચૈતન્યના નૂરનું પૂર એવો આત્મા સર્વપ્રકાશક -સર્વજ્ઞસ્વભાવી છે. સ્વ-પર- સર્વને જાણે એવો તેનો ત્રિકાળી સ્વભાવ જ છે. આવા વિશ્વપ્રકાશક પરબ્રહ્મસ્વરૂપ
PDF/HTML Page 3758 of 4199
single page version
પ્રભુ આત્માને કહેનારું હોવાથી, કહે છે, આ શાસ્ત્ર શબ્દબ્રહ્મ સમાન છે. સર્વપ્રકાશક આત્મા પરબ્રહ્મ, ને તેને કહેનારું આ શાસ્ત્ર શબ્દબ્રહ્મ.
અહા! પ્રભુ! તું કોણ છો? તો કહે છે- સ્વપરપ્રકાશક એવો વિશ્વપ્રકાશક ભગવાન આત્મા છો. પૂરા વિશ્વને જાણી શકે, પણ વિશ્વની કોઈ ચીજને આત્મા કરી શકે એમ નહિ. ભાઈ! આ ત્રિલોકીનાથ ભગવાન જિનેન્દ્રનો આ હુકમ છે કે ખાય, પીવે ને પરને લઈ-દઈ શકે કે પરમાં-પરમાણુમાં કોઈ ક્રિયા કરે એ આત્માનું સ્વરૂપ નથી, સામર્થ્ય નથી. એને સર્વજ્ઞસ્વભાવ કહ્યો એમાં તો ઉપાદાન અને નિમિત્ત સૌ સ્વતંત્ર સિદ્ધ થઈ ગયા, પ્રત્યેક દ્રવ્ય સ્વાધીન સિદ્ધ થઈ ગયું. પરમાણુ-પરમાણુ પરિણમે તેને આત્મા પ્રકાશે છે બસ.
પણ પરની દયા તો પાળે કે નહિ? કોણ દયા પાળે? એ તો શરીરમાં આત્મા રહ્યો છે તે પોતાની યોગ્યતાથી રહ્યો છે ને આયુકર્મ તેમાં નિમિત્ત છે બસ. બાકી પરને કોણ જિવાડે? બીજો એના શરીરને રાખે તો રહે એમ વસ્તુ જ નથી. દયાનો વિકલ્પ આવે તેનોય એ તો જાણનારમાત્ર છે. અહા! આ છેલ્લી ગાથામાં સાર સાર વાત કહી દીધી છે.
અહા! સર્વજ્ઞ પરમેશ્વરે સર્વજ્ઞપર્યાયમાં ત્રણકાળ-ત્રણલોક જાણ્યા અને દિવ્યધ્વનિ દ્વારા કહ્યા. એમાં આ આવ્યું કે - આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે. સર્વને જાણવું તે આત્માનું સ્વરૂપ છે, પણ કોઈને કરવું તે આત્માનું સ્વરૂપ નહિ. રાગ આવે તેને જાણે, પણ રાગ કરવો એ આત્માનું સ્વરૂપ નહિ. એ તો બારમી ગાથામાં આવ્યું ને કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. ચારે બાજુથી જોતાં ભાઈ! એક જ વાત સિદ્ધ થાય છે કે આત્માનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે, અર્થાત્ અકર્તાસ્વભાવ છે. અહા! આવા આત્માનો અનુભવ થવો તે નિશ્ચય અને તેની દશામાં જે હજુ રાગ છે તે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. સ્વપરને, શુદ્ધતાને ને રાગને જાણવાં બસ એટલી વાત છે.
વિશ્વપ્રકાશક પરબ્રહ્મ પ્રભુ આત્મા છે તેને કહેનારી વાણીને શબ્દબ્રહ્મ કહીએ. દ્વાદશાંગ વાણી શબ્દબ્રહ્મ છે. ભગવાનની ૐધ્વનિ છૂટી, તેને સાંભળી ભગવાન ગણધરદેવ અર્થ વિચારૈ ને દ્વાદશાંગની રચના કરે. તે દ્વાદશાંગ વાણી શબ્દબ્રહ્મ છે. તેને અનુસરીને આત્મજ્ઞાની-ધ્યાની મુનિવરો આગમની રચના કરે છે. એવું આ એક પરમાગમ છે તે, કહે છે, શબ્દબ્રહ્મ છે.
બાર અંગમાં એક (પ્રથમ) આચારાંગ છે. તેના ૧૮૦૦૦ પદ હોય છે. એકેક પદમાં પ૧ ક્રોડથી ઝાઝેરા શ્લોક હોય છે. પછી ઠાણાંગ આદિ-એમાં બમણા-બમણા પદો હોય છે. એમ બાર અંગની રચના હોય છે. ઓહોહોહો.....! અબજો શ્લોક! બાર
PDF/HTML Page 3759 of 4199
single page version
હવે કહે છે- ‘જે આ શાસ્ત્રને ભણીને તેના યથાર્થ અર્થમાં ઠરશે, તે પરબ્રહ્મને પામશે; અને તેથી, જેને “પરમાનંદ” કહેવામાં આવે છે એવા ઉત્તમ, સ્વાત્મિક, સ્વાધીન, બાધારહિત, અવિનાશી સુખને પામશે.’
અહા! પ્રત્યેક પદાર્થમાં જે ક્રિયા થાય તે તેની વ્યવસ્થા નામ વિશેષ અવસ્થા છે. પરમાણુની પ્રતિસમય જે અવસ્થા થાય તે પરમાણુની વ્યવસ્થા છે, આત્મા તેને કરે નહિ, કરી શકે નહિ; કેમકે આત્મા તો જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. આ શાસ્ત્ર આવા શુદ્ધ આત્માને સાક્ષાત્ દેખાડે છે. અહો! આત્મા વસ્તુ છે ને સ્વયં અસ્તિ છે. તેને શાસ્ત્રથી જાણીને જે તેમાં જ ઠરશે તે, કહે છે, પરબ્રહ્મને પામશે. તેને અતિશય, ઉત્તમ, સ્વાધીન, અવિનાશી, અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થશે. સ્વપરપ્રકાશક ચૈતન્યબિંબ પ્રભુ આત્મા છે, તેમાં જ દ્રષ્ટિ કરી, લીન-સ્થિર થવું એમ શાસ્ત્રનો ઉપદેશ અને આદેશ છે. આવે છે ને કે-
તોરિ સકલ જગદંદ-ફંદ, નિત આતમ ધ્યાવો.’
અહા! સ્વસ્વરૂપ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં દ્રષ્ટિ કરીને ઠરશે તે ઉત્તમ અનાકુળ સુખને પામશે; પરમબ્રહ્મ જેવો પૂર્ણાનંદ પ્રભુ છે તેવો પર્યાયમાં પોતે જ પ્રગટ થશે. લ્યો, આવી વાત!
હવે ઓલા મૂઢ લોકો પૈસામાં ને બાયડીમાં સુખ માને, ને રૂપાળા બંગલામાં સોનાના હિંડોળે હિંચવાથી સુખ માને, પણ એ તો બધી સુખની મિથ્યા કલ્પના બાપુ! ઝાંઝવાના જળ જેવી. એ તો બધી પર ચીજ છે, એમાં ક્યાં તારું સુખ છે? એમાં તું છો જ ક્યાં? અહીં તો એમ કહે છે કે- સર્વજ્ઞસ્વભાવી પ્રભુ તું પોતે જ સુખ-સ્વરૂપ છો, તેમાં દ્રષ્ટિ કરીને ઠરે તો તું ઉત્તમ અવિનાશી સુખને પ્રાપ્ત થઈશ. આ જ માર્ગ છે ભાઈ! હવે પ્રેરણા કરે છે કે-
‘માટે હે ભવ્ય જીવો! તમે પોતાના કલ્યાણના અર્થે આનો અભ્યાસ કરો, આનું શ્રવણ કરો, નિરંતર આનું જ સ્મરણ અને ધ્યાન રાખો, કે જેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થાય. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.’
હવે, આ દાકતરી ને વકીલાતના અભ્યાસમાં તો કાંઈ (હિત) છે નહિ, એ તો પાપનો અભ્યાસ છે. માટે હે ભાઈ! નિજ કલ્યાણના અર્થે આ પરબ્રહ્મને પ્રકાશનારું - બતાવનારું એવું જે શાસ્ત્ર તેનો અભ્યાસ કરો, તેનું જ શ્રવણ-ચિંતન-મનન કરો ને
PDF/HTML Page 3760 of 4199
single page version
તેનું જ સ્મરણ અને ધ્યાન રાખો. તેથી અવિનાશી સુખની પ્રાપ્તિ થશે. આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
હવે આ સર્વવિશુદ્ધજ્ઞાનના અધિકારની પૂર્ણતાનો કળશરૂપ શ્લોક કહે છેઃ-
‘इति इदम् आत्मनः तत्त्वम् ज्ञानमात्रम् अवस्थितम्’ આ રીતે આ આત્માનું તત્ત્વ (અર્થાત્ પરમાર્થભૂત સ્વરૂપ) જ્ઞાનમાત્ર નક્કી થયું- ‘अखण्डम्’ કે જે (આત્માનું) જ્ઞાનમાત્ર તત્ત્વ અખંડ છે (અર્થાત્ અનેક જ્ઞેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડ ખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી), ‘एकम्’ એક છે (અર્થાત્ અખંડ હોવાથી એકરૂપ છે), ‘अचलं’ અચળ છે (અર્થાત્ જ્ઞાનરૂપથી ચળતું નથી-જ્ઞેયરૂપ થતું નથી), ‘स्वसंवेद्यम्’ સ્વસંવેદ્ય છે (અર્થાત્ પોતાથી જ પોતે જણાય છે), ‘अबाधितम्’ અને અબાધિત છે (અર્થાત્ કોઈ ખોટી યુક્તિથી બાધા પામતું નથી).
આ સમયસારનો છેલ્લો કળશ છે. શું કહે છે? કે આ રીતે આ આત્માનું તત્ત્વ એટલે કે પરમાર્થભૂત સ્વરૂપ જ્ઞાનમાત્ર નક્કી થયું. અહાહા.....! પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાનમાત્ર વાસ્તવિક સ્વરૂપ છે એમ નક્કી થયું. આ જે નવતત્ત્વ-જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, પુણ્યને પાપ છે તેમાં જીવ તત્ત્વ છે તે જ્ઞાનમાત્ર સ્વરૂપ છે એમ કહે છે. આ આત્મા જગતનું નેત્ર અર્થાત્ જગત્નો જાણનાર-દેખનાર માત્ર છે. પોતા સિવાય પરમાં એ કાંઈ કરતો નથી એવો તે અકર્તા પ્રભુ છે. પરનો તો શું, નિશ્ચયે તો એ પોતાની પર્યાયનોય કર્તા નથી. ઝીણી વાત છે પ્રભુ! હું પર્યાયને કરું એમ ક્યાં છે એમાં? પ્રત્યેક સમય પર્યાય તો થાય જ છે. તેથી ખરેખર તો પર્યાય જ પર્યાયની કર્તા છે. (દ્રવ્યને કર્તા કહીએ તે વ્યવહાર છે).
અરે! આ કરું ને તે કરું-એમ મિથ્યા ભાવ વડે અનંતકાળથી એ ચોરાસીના અવતારમાં રઝળે છે. પંચમહાવ્રતની ક્રિયા એણે અનંતવાર કરી, ને બહારમાં મુનિપણું એણે અનંતવાર લીધું. પણ ભાઈ! એ કોઈ એની ચીજ (સ્વરૂપ, વસ્તુ) નથી, ભગવાન આત્મા તો જ્ઞાનમાત્ર સ્વરૂપ જ છે. અહાહા...! જ્ઞાનચક્ષુ-જગતચક્ષુ ભગવાન આત્મા જગતનો જાણનાર-દેખનાર માત્ર છે, કરનારો નહિ. આ એનાં દ્રષ્ટિ, અનુભવ ને રમણતા કરવાં એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
હવે કહે છે- આ જ્ઞાનમાત્ર નક્કી થયું એ આત્માનું તત્ત્વ અખંડ છે. અનેક જ્ઞેયાકારોથી અને પ્રતિપક્ષી કર્મોથી જો કે ખંડખંડ દેખાય છે તો પણ જ્ઞાનમાત્રમાં ખંડ નથી. જરી ઝીણી વાત છે. પ્રભુ! તું સાંભળ. આ જ્ઞાન જ્ઞેયોને જાણે છે તો જ્ઞાન અનેક જ્ઞેયાકારરૂપ થઈ ગયું છે એમ નથી. આત્માને જ્ઞાનમાત્ર કહ્યો; તો જ્ઞાન જ્ઞેયોને જાણે છે, પણ જ્ઞેયોને જાણતાં કાંઈ જ્ઞાન જ્ઞેયાકારરૂપ થઈ જાય છે એમ નથી.