PDF/HTML Page 581 of 4199
single page version
(ઊંધો) પડયો છે. શરીર, વાણી, મન, ઇન્દ્રિયો ઇત્યાદિ હું છું એમ વિપરીત માની બેઠો છે. તેને આત્મા જે ત્રિકાળ ચિદાનંદરસમય વસ્તુ છે તેમાં પુદ્ગલનો રસગુણ વિદ્યમાન નથી તેથી તે અરસ છે એમ કહી શરીરાદિથી ભેદજ્ઞાન કરાવ્યું છે.
હવે બીજા બોલમાં કહે છે કે-પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. પહેલા બોલમાં પુદ્ગલદ્રવ્યથી ભિન્નપણાની વાત લીધી હતી. આ બોલમાં પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્નપણાની વાત લીધી છે. આત્મા ચૈતન્ય-રસસ્વરૂપ વસ્તુ છે. તે પુદ્ગલદ્રવ્યના ગુણોથી ભિન્ન છે. તેથી પોતે રસગુણ નથી માટે અરસ છે.
ત્રીજો બોલઃ– પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. વસ્તુપણે જીવને પુદ્ગલ-દ્રવ્યનું સ્વામીપણું નથી. આ જડ ઇન્દ્રિયોનો સ્વામી આત્મા નથી. તેથી દ્રવ્ય-ઇન્દ્રિયોના આલંબન વડે તે રસ ચાખતો નથી. આ જીભ છે તેનો સ્વામી આત્મા નથી. (એ તો પૌદ્ગલિક છે). તેથી આત્મા જીભને હલાવે અને તે વડે રસને ચાખે એ વાત વાસ્તવિક નથી. આમ દ્રવ્ય ઇન્દ્રિયોના આલંબન વડે આત્મા રસ ચાખતો નથી માટે તે અરસ છે.
ચોથો બોલઃ– પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી એટલે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવની દ્રષ્ટિથી જોઈએ તો ક્ષયોપશમભાવનો પણ જીવને અભાવ છે. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યયજ્ઞાન એ ચારને શાસ્ત્રમાં વિભાવગુણ કહ્યા છે. એ ચારેય સમ્યગ્જ્ઞાન છે હોં. અશુદ્ધનિશ્ચયનયથી એ ચારનો જીવને સંબંધ છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી કાંઈ સંબંધ નથી. અહીં કહે છે કે જે ભાવેન્દ્રિય દ્વારા જણાય છે, તે ભાવેન્દ્રિયનો જ પરમાર્થે આત્મામાં અભાવ છે. શ્રી સમયસાર ગાથા ૩૧માં આવે છે કે ભાવેન્દ્રિય છે તે પોતાના વિષયોને ખંડખંડ જાણે છે અર્થાત્ તે જ્ઞાનને ખંડખંડરૂપ જણાવે છે. જ્યારે આત્મા એક અખંડ જ્ઞાયક-ભાવરૂપ છે, માટે ભાવેન્દ્રિય નિશ્ચયથી આત્માનું સ્વરૂપ નથી. (ખંડવસ્તુ અખંડસ્વરૂપ કેમ હોય?)
ત્યાં ગાથા ૩૧માં કહ્યું છે કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય, અને તેમના વિષયોને જે જીતે તે જિતેન્દ્રિય છે. તેને જીતવું એટલે કે તે સર્વ પોતાથી ભિન્ન છે અર્થાત્ તે પરજ્ઞેય છે એમ જાણવું. જ્ઞેય-જ્ઞાયકની એક્તા તે સંકરદોષ છે. ભાવેન્દ્રિય, તેનો વિષય દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ તથા દ્રવ્યેન્દ્રિય એ સર્વ પરજ્ઞેય છે. આવા પરજ્ઞેયનું યથાર્થ જ્ઞાન પોતાથી થાય છે; પણ કોને? જેને જ્ઞાયકનું સ્વરૂપગ્રાહી જ્ઞાન થાય તેને. અહીં કહે છે કે ભાવેન્દ્રિય પરજ્ઞેય હોવાથી આત્માના સ્વભાવભૂત નથી અને તેથી આત્મા ભાવેન્દ્રિયના આલંબનથી
PDF/HTML Page 582 of 4199
single page version
પણ રસ ચાખતો નથી માટે અરસ છે. કેવી અદ્ભુત ભેદજ્ઞાનની વાત! આવી વાતને અભ્યાસ કરીને સમજે નહિ અને અનેક પ્રકારના ક્રિયાકાંડ કરે પણ તેથી શું?
પાંચમો બોલઃ– સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન-પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદનાપરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. આત્મા અખંડ જ્ઞાયકભાવરૂપ વસ્તુ છે. તે પાંચેય ઇન્દ્રિયોના વિષયને અખંડપણે જાણનારો છે. એક જ ઇન્દ્રિયવિષયનું વેદન અર્થાત્ જાણવું એવો આત્માનો સ્વભાવ નથી. પાંચેય ઇન્દ્રિયના જ્ઞાનનું સંવેદન એકસાથે થાય એવો આત્માનો સ્વભાવ છે. તેથી તે કેવળ એક રસવેદનાપરિણામને પામીને અર્થાત્ એક રસના જ જ્ઞાનને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે.
પાંચ બોલ ચાલી ગયા. હવે છઠ્ઠો બોલઃ– સકળ જ્ઞેય-જ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. જુઓ વિશ્વ આખું જ્ઞેય છે અને ભગવાન આત્મા જ્ઞાયક છે. સર્વ જ્ઞેયોને જાણવાનું જ્ઞાયક આત્માનું પોતાનું સામર્થ્ય છે તેથી જ્ઞેય-જ્ઞાયક સંબંધનો વ્યવહાર હોવા છતાં જ્ઞેય-જ્ઞાયકના તાદાત્મ્યનો એટલે એકરૂપપણાનો નિષેધ છે. એટલે જ્ઞેયને જાણવા છતાં જ્ઞાયક જ્ઞેયરૂપે થતો નથી. આ જે રસ છે તે જ્ઞેય છે અને આત્મા તેને જાણનારો જ્ઞાયક છે. રસરૂપ જ્ઞેયને જાણવા છતાં આત્માનું જ્ઞાન જ્ઞેયપણે એટલે રસરૂપે થતું નથી. [તેમ જ રસને જાણતાં જ્ઞાન રસ- જ્ઞાનરૂપ (રસના જ્ઞાનરૂપ) થઈ જતું નથી.] તેમ જ રસ (જ્ઞેય) જ્ઞાનમાં જણાતાં રસ (જ્ઞેય) જ્ઞાનરૂપ થતું નથી, જ્ઞાન જ્ઞાનરૂપે જ રહે છે, રસ રસરૂપે જ રહે છે. (જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે.) રસનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનનું પરિણમન છે અને તે રસને લઈને નથી. તથા રસ જે જ્ઞેય છે તે જ્ઞાનની પર્યાયમાં આવતો નથી. આમ રસના જ્ઞાનરૂપે પોતે પરિણમતાં છતાં પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. આમ છ પ્રકારે રસના નિષેધથી આત્મા અરસ છે. એમ તું જાણ એમ શિષ્યને પ્રતિબોધ કર્યો છે.
આ જ પ્રમાણે આત્મા અરૂપ, અગંધ, અસ્પર્શ છે એમ છ બોલથી સમજી લેવું. રસ, રૂપ, ગંધ અને સ્પર્શ એ ચારેય પુદ્ગલના ગુણો છે અને તે સર્વથી ભિન્ન જ્ઞાયક-વસ્તુ આત્મા છે. માટે આત્મા અરસ, અરૂપ, અગંધ, અસ્પર્શ છે એમ નિશ્ચયથી જાણવું.
હવે શબ્દની વાત કરે છે. જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં શબ્દપર્યાય વિદ્યમાન નથી માટે અશબ્દ છે. જુઓ, પહેલાં જે રસ, રૂપ, ગંધ અને સ્પર્શ કહ્યા એ તો પુદ્ગલના ગુણો છે. પણ આ શબ્દ છે એ ગુણ નથી પણ પુદ્ગલના સ્કંધની પર્યાય છે. જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય એટલે ભિન્ન છે. તેથી શબ્દપર્યાય જીવમાં વિદ્યમાન નથી. આ શબ્દ જે બોલાય છે તે આત્મામાં નથી, આત્માથી નથી. હેં! તો
PDF/HTML Page 583 of 4199
single page version
બોલે છે કોણ? ભાઈ! બોલે એ બીજો, બોલે એ આત્મા નહિ. આત્મા બોલવાનો ભાવ-રાગ કરે એ બીજી વાત છે, પણ આત્મા બોલે નહિ. શબ્દ છે એ તો ભાષાવર્ગણાનું પર્યાયરૂપ પરિણમન છે. એમાં જીવ નિમિત્ત છે.
આ ધ્વનિ જે ઊઠે છે એ તો જડની (પૌદ્ગલિક) પર્યાય છે. આત્માથી તે ધ્વનિ ઊઠતી નથી. ‘ભગવાનની દિવ્યધ્વનિ’ એમ વ્યવહારથી કહેવાય છે. ખરેખર ભગવાનનો આત્મા દિવ્યધ્વનિનો કરનારો (ર્ક્તા) નથી. દિવ્યધ્વનિ છે તે તેના કારણે ભાષાવર્ગણામાં ભાષારૂપ (શબ્દરૂપ) પર્યાય થવાની જન્મક્ષણ છે તેને લઈને થાય છે. આ આત્માને ધર્મ કેમ થાય એની વાત ચાલે છે હોં. શબ્દ મારાથી (જીવથી) થાય એમ માનવું એ મિથ્યાત્વ છે અધર્મ છે. શબ્દ જે થાય તેને સ્વના જ્ઞાનપૂર્વક હું જાણું એવી યથાર્થ માન્યતા (નિર્વિકલ્પ પ્રતીતિ) એનું નામ ધર્મ છે.
પ્રશ્નઃ– જ્ઞાન છે તે શબ્દનો ર્ક્તા છે એમ ધવલમાં આવે છે ને?
ઉત્તરઃ– હા, આવો પ્રશ્ન ‘ખાનિયા ચર્ચા’માં પણ આવ્યો છે. ભાઈ! એ તો ત્યાં નિમિત્તપણું બતાવ્યું છે. જ્ઞાન કાંઈ શબ્દની પર્યાયનો ર્ક્તા નથી. શબ્દની પર્યાયકાળે જ્ઞાન તેમાં નિમિત્ત છે તેથી ઉપચારથી જ્ઞાન શબ્દનો ર્ક્તા છે એમ કહ્યું છે, ખરેખર ર્ક્તા છે નહિ. લોકાલોક છે તે કેવળજ્ઞાનમાં નિમિત્ત છે (લોકાલોકમાં શબ્દો પણ આવી ગયા), એનો અર્થ શું? કે લોકાલોક લોકાલોકથી છે અને કેવળજ્ઞાન કેવળજ્ઞાનથી છે. લોકાલોકને કારણે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. કેવળજ્ઞાનની પર્યાય પોતે પોતાથી થાય છે. લોકાલોક છે માટે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ છે જ નહિ. કેવળજ્ઞાનની પર્યાયનું પરિણમન (લોકાલોકથી નિરપેક્ષ) સ્વયં સ્વતંત્ર છે અને લોકાલોકની હયાતી (કેવળજ્ઞાનથી નિરપેક્ષ) સ્વયં સ્વતંત્ર છે.
કેવળજ્ઞાન લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસદ્ભૂત-વ્યવહારનયનો વિષય છે. ખરેખર તો પોતાની પર્યાયને જ જાણે છે. શ્રી સમયસાર કળશટીકામાં કળશ ૨૭૧માં આવે છે કે-‘હું જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યો મારાં જ્ઞેય-એમ તો નથી. તો કેમ છે?’ કે જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે અને જ્ઞેય પોતે જ છે. અહીં કહે છે કે શબ્દનું જ્ઞાન શબ્દને લઈને થતું નથી. શબ્દની પર્યાયનું જ્ઞાન આત્મામાં પોતાને કારણે થાય છે. વળી જે શબ્દપર્યાય છે તે આત્માથી થાય છે એમ નથી કેમકે આત્મા પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે. આમ શબ્દપર્યાય છે તે જ્ઞાયકસ્વભાવી આત્મામાં વિદ્યમાન નથી માટે આત્મા અશબ્દ છે. અહો! શું ગજબ ભેદજ્ઞાનની વાત છે!!
બીજો બોલઃ– પુદ્ગલદ્રવ્યના પર્યાયોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે. પહેલા બોલમાં જીવ પુદ્ગલદ્રવ્યથી ભિન્ન કહ્યો હતો અને આ
PDF/HTML Page 584 of 4199
single page version
બોલમાં જીવને પુદ્ગલદ્રવ્યની શબ્દ અવસ્થાથી ભિન્ન કહ્યો છે. એ રીતે જીવ પોતે શબ્દપર્યાય નથી માટે અશબ્દ છે.
ત્રીજો બોલઃ– પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. શું કહે છે? આ જે કાન છે ને તેનો સ્વામી ભગવાન આત્મા નથી. કાન તો જડ પરમાણુમય છે. તેનો સ્વામી આત્મા કેમ હોય? અને તે જડના અવલંબને આત્મા શબ્દને કેમ સાંભળે? કાનના આલંબનથી આત્મા શબ્દને જાણે છે એમ છે જ નહિ. આ ભગવાનની વાણી છે ને દિવ્યધ્વનિ? અરે! વાણી તો જડ છે. ભગવાનને વળી વાણી કેવી? ‘ભગવાનની વાણી’ એ તો નિમિત્તથી કહેવાય છે. એ ભગવાનની વાણીને જીવ કાનના આલંબન દ્વારા જાણે છે એમ છે નહિ, કારણ કે કાન તો પુદ્ગલની પર્યાય છે અને જ્ઞાનસ્વરૂપી પ્રભુ પોતે, તેનાથી તદ્ન ભિન્ન છે. જો કાનના આલંબનથી તે સાંભળે તો તે જડનો સ્વામી ઠરે, પણ જડનો સ્વામી તો આત્મા છે જ નહિ, તેથી પોતે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે સાંભળતો નથી માટે અશબ્દ છે.
ચોથો બોલઃ– પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. શુદ્ધ જ્ઞાયકમાત્રવસ્તુની દ્રષ્ટિથી જોઈએ તો ક્ષાયોપશમિકભાવ અખંડ આત્મસ્વરૂપમાં નથી. સ્વભાવની દ્રષ્ટિથી જોતાં આત્માને ભાવેન્દ્રિય છે જ નહિ. શુદ્ધ આત્મવસ્તુમાં ભાવેન્દ્રિયનો અભાવ છે તેથી ભાવેન્દ્રિયના આલંબન વડે આત્મા સાંભળતો નથી માટે તે અશબ્દ છે. આવું સ્વરૂપ છે તેને એ રીતે યથાર્થ નક્કી કરીને જાણવું જોઈએ. ‘जाण’ શબ્દથી આત્માને આવો જાણ એમ આચાર્યદેવે કહ્યું છે.
પાંચમો બોલઃ– સકળ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદન-પરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક શબ્દવેદનાપરિણામને પામીને શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે. જુઓ, જ્ઞાન એકલા શબ્દને જ જાણે એવું તેનું સ્વરૂપ નથી. પરંતુ બધા જ વિષયોને અખંડપણે ગ્રહણ કરે એવું તેનું સ્વરૂપ છે. માટે કેવળ શબ્દવેદના પરિણામને પામીને એટલે કેવળ શબ્દનું જ જ્ઞાન પામીને આત્મા શબ્દ સાંભળતો નથી માટે અશબ્દ છે.
છઠ્ઠો બોલઃ– સકળ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો નિષેધ હોવાથી શબ્દના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે શબ્દરૂપે પરિણમતો નથી માટે અશબ્દ છે. ‘શબ્દનું જ્ઞાન’ એ તો નિમિત્તથી કહ્યું છે. ખરેખર તો એ જ્ઞાનનું જ્ઞાન છે; પણ એ જ્ઞાન શબ્દ સંબંધીનું છે એટલું બતાવવા ‘શબ્દનું જ્ઞાન’ એમ કહ્યું છે. શબ્દ છે તે જ્ઞેય છે અને શુદ્ધ આત્મા જ્ઞાયક છે. જ્ઞેય-જ્ઞાયકના એકરૂપપણાનો નિષેધ છે તેથી શબ્દને જાણવા છતાં જાણનારો પોતે
PDF/HTML Page 585 of 4199
single page version
શબ્દરૂપે થતો નથી. માટે આત્મા અશબ્દ છે. આમ છ પ્રકારે શબ્દના નિષેધથી આત્મા અશબ્દ છે એમ જાણવું.
હવે ‘અનિર્દિષ્ટસંસ્થાન’ના ચાર બોલ કહે છેઃ-
પહેલો બોલઃ– પુદ્ગલદ્રવ્ય વડે રચાયેલું જે શરીર તેના આકારથી જીવને સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે જીવ અનિર્દિષ્ટસંસ્થાન છે. આ શરીરનો જે આકાર છે એ તો જડનો આકાર છે, એ આત્માનો આકાર નથી. આત્મામાં પુદ્ગલથી રચાયેલા જડ દેહના આકારનો અભાવ છે. આત્મા જડના આકારવાળો નહિ હોવાથી જીવ પોતે અનિર્દિષ્ટસંસ્થાન છે.
બીજો બોલઃ– પોતાના નિયત સ્વભાવથી અનિયત સંસ્થાનવાળા અનંત શરીરોમાં રહે છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. ભગવાન આત્મા જે અસંખ્યાતપ્રદેશી છે એ તેનો નિયત સ્વભાવ છે. આ ભિન્ન ભિન્ન શરીરના આકારો-એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઇન્દ્રિય અને પંચેન્દ્રિયના શરીરના જે આકારો છે તે અનિયત છે. આવા અનિયત આકારોવાળા અનંત શરીરોમાં તે રહે છે તેથી તે નિયત સંસ્થાનવાળો કહી શકાતો નથી માટે તે અનિર્દિષ્ટસંસ્થાન છે.
ત્રીજો બોલઃ– સંસ્થાન નામકર્મનો વિપાક પુદ્ગલોમાં જ કહેવામાં આવે છે (તેથી તેના નિમિત્તથી પણ આકાર નથી) માટે અનિર્દિષ્ટસંસ્થાન છે. સંસ્થાન નામકર્મનું ફળ પુદ્ગલ- શરીરમાં આવે છે, આત્મામાં નહિ. તેથી તેના નિમિત્તે થતો આકાર આત્માને નથી. આત્માને પોતાનો અસંખ્યાતપ્રદેશસ્વરૂપ આકાર તો છે પણ જડનો આકાર આત્માને નથી. પ્રદેશત્વગુણના કારણે આત્માને પોતાનો આકાર છે. આકાશદ્રવ્યમાં પણ પ્રદેશત્વગુણ છે. પ્રદેશત્વગુણના કારણે આકાશને, ક્ષેત્રથી અમર્યાદિત હોવા છતાં, પોતાનો આકાર છે. આમ આત્માને પોતાનો આકાર હોવા છતાં સંસ્થાન નામકર્મના નિમિત્તે રચાતો જે જડ દેહનો આકાર તે તેને નથી માટે તે અનિર્દિષ્ટસંસ્થાન છે.
ચોથો બોલઃ– જુદાં જુદાં સંસ્થાનરૂપે પરિણમેલી સમસ્ત વસ્તુઓનાં સ્વરૂપ સાથે જેની સ્વાભાવિક સંવેદનશક્તિ સંબંધિત છે એવો હોવા છતાં પણ જેને સમસ્ત લોકના મિલાપથી રહિત નિર્મળ અનુભૂતિ થઈ રહી છે એવો હોવાથી પોતે અત્યંતપણે સંસ્થાન વિનાનો છે માટે અનિર્દિષ્ટસંસ્થાન છે.
જુઓ, ભાઈ, આત્મામાં ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ નામની એક શક્તિ છે. એ શક્તિના કારણે પરને ગ્રહણ કરવું કે પરનો ત્યાગ કરવો-એનાથી આત્મા શૂન્ય છે. પરદ્રવ્યના ગ્રહણ- ત્યાગથી તો આત્મા ત્રણે કાળ શૂન્ય છે એ વાત તો છે પણ અહીં કહે છે કે જગતની ચીજો- શરીર, મકાન, બંગલા, દાળ, ભાત, રોટલા ઇત્યાદિ-જે અનેક આકારે રહેલી છે તેનું જ્ઞાન આત્મામાં થવા છતાં એ અનેક આકારપણે જ્ઞાન થતું નથી. અહો!
PDF/HTML Page 586 of 4199
single page version
સ્વનું જ્ઞાન અને અનેક આકારરૂપે પરિણમેલી અનેક ચીજોનું જ્ઞાન-એની નિર્મળ અનુભૂતિ આત્મામાં થઈ રહી છે. ભાઈ! આ તો સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં જે વાત આવી તે દિગંબર સંતોએ કહી છે. આવી વાત બીજે કયાંય છે નહિ. અહીં કહે છે કે આત્મા પરના આકારપણે નહિ થતો હોવાથી અત્યંતપણે સંસ્થાન વિનાનો છે; માટે તે અનિર્દિષ્ટસંસ્થાન છે. આમ ચાર હેતુથી સંસ્થાનનો નિષેધ કહ્યો.
હવે ‘અવ્યક્ત’ના છ બોલ કહે છેઃ-
છ દ્રવ્યસ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. જગતમાં છ દ્રવ્ય છે તે જ્ઞેય છે. અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય અને એક આકાશ-એમ છ દ્રવ્યો અનાદિઅનંત ભગવાને જોયાં છે. આ છ દ્રવ્યોમાં દેવ-ગુરુ-શાસ્ત્ર, શેત્રુંજ્ય, સમ્મેદશિખર ઇત્યાદિ સર્વ આવી ગયું. આ છ દ્રવ્યોથી તો આત્મા અન્ય એટલે ભિન્ન છે જ, પણ એ છ દ્રવ્યોને જાણનારી એક સમયની પર્યાયથી પણ ત્રિકાળી આત્મા ભિન્ન છે. અહાહા! છ દ્રવ્યોને જાણનારી પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યથી મારી ચીજ ભિન્ન છે. છ દ્રવ્યો વ્યક્ત અને જ્ઞેય છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક અને અવ્યક્ત છે.
ભાઈ! પંચેન્દ્રિય સંજ્ઞીપણું મળવું અને તેમાં પણ આર્યકુળ મળવું એ અતિ દુર્લભ છે. ત્યાં પણ સદ્ગુરુનો યોગ થવો, સત્યનું શ્રવણ મળવું તથા તેનાં ગ્રહણ અને ધારણા થવાં એ એથીય વિશેષ દુર્લભ છે. તોપણ અહીં સુધી જીવ અનંતવાર આવ્યો છે. પરંતુ તેણે સમ્યક્ શ્રદ્ધાન અનંતકાળમાં એક સમય પણ કર્યું નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા છ દ્રવ્યોનો જાણનાર હોવા છતાં એનાથી તે અત્યંત ભિન્ન છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે ગાથામાં જે ‘અવ્યક્ત’ શબ્દ કહ્યો તેનો ભાવ શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ભગવતી ટીકામાં આ પ્રમાણે સ્પષ્ટ કર્યો છે.
ભાઈ! આત્માનું હોવાપણું છ દ્રવ્યને લઈને નથી. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થયું તે પોતાથી થયું છે, છ દ્રવ્યને લઈને થયું નથી. તથા છ દ્રવ્યનું જ્ઞાન છે માટે છ દ્રવ્યનું હોવાપણું છે એમ પણ નથી. છ દ્રવ્ય જે જ્ઞેય અને બાહ્ય છે તે વ્યક્ત છે. તેને જાણનારી પર્યાય પણ વ્યક્ત છે. એ વ્યક્ત પર્યાયમાં એનાથી ભિન્ન આત્મા અવ્યક્ત છે તેને તું જાણ એમ કહે છે.
શ્રી ધર્મદાસ ક્ષુલ્લકે સ્વાત્માનુભવ મનનમાં આત્માને, છ દ્રવ્યથી અને એને જાણનારી પર્યાયથી ભિન્ન હોવાથી સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. આત્મા છે તો છ દ્રવ્યની અંદર, પણ દ્રષ્ટિના વિષયભૂત ત્રિકાળી અવ્યક્ત દ્રવ્યને એકકોર ‘રામ’ કહીને એનાથી જે કોઈ ભિન્ન છે એને એકકોર ‘ગામ’ એમ કહ્યું છે. એકકોર છ દ્રવ્ય અને તેને જાણનારી જ્ઞાનની
PDF/HTML Page 587 of 4199
single page version
પર્યાય એ બધું વ્યક્ત છે, તો બીજી કોર અવ્યક્ત ભગવાન ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકમૂર્તિ એનાથી ભિન્ન છે-એમ તું જાણ.
દ્રષ્ટિનો વિષય ત્રિકાળી શુદ્ધ આત્મા દ્રવ્ય તરીકે તો પ્રગટ છે. પણ પર્યાય જે વ્યક્ત- પ્રગટ છે તે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી તે અપેક્ષાએ તેને અહીં અવ્યક્ત કહ્યું છે. અનંત અનંત ગુણનો પિંડ સચ્ચિદાનંદ પ્રભુ અસ્તિપણે મોજુદ છે, પ્રગટ છે, વ્યક્ત છે. પણ પ્રગટ પર્યાયની અપેક્ષાએ તેને અવ્યક્ત કહ્યો છે. ભાઈ! આવા આત્માને જાણે નહિ, અર્થાત્ આત્મા પોતે કોણ છે, કયાં છે, કેવડો છે એ જાણે નહિ અને ધર્મ થઈ જાય? ધૂળમાંય ન થાય. (એટલે કે આવા આત્માને જાણ્યા વિના કદી ધર્મ ન થાય.) ભલે ને સામાયિક, પોસા, પડિકમણ, વ્રત, ઉપવાસ ઇત્યાદિ ક્રિયાકાંડ કરે. એમાં ધર્મ કયાં છે? એ તો રાગ છે. તેથી પુણ્ય થાય અને એમાં ધર્મ માને તો મિથ્યાત્વ થાય.
ભગવાન! તું અખંડ એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છો ને! છ દ્રવ્યમાં તો તું નથી પણ છ દ્રવ્યનું જ્ઞાન કરનારી એક સમયની વ્યક્ત પર્યાય જેટલો પણ તું નથી. એક સમયની પર્યાય જેટલો આત્માને માનનાર મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. શ્રી સમયસારના પરિશિષ્ટમાં નિત્ય-અનિત્ય, એક-અનેક, ઇત્યાદિ ચૌદ કળશો આવે છે એમાં આ વાત લીધી છે. વળી એક સમયની પર્યાયને જે માનતા નથી તે પણ છ દ્રવ્યને જ નહિ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે, કેમકે છ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થાય છે. તેથી પર્યાયને નહિ માનનારા છ દ્રવ્યને માનતા નથી અને તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ જ છે. અહીં કહે છે કે આ છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે જ્ઞેય છે અને વ્યક્ત છે અને તેથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયક અવ્યક્ત છે. પાઠમાં જીવ શબ્દ છે. પણ જીવ કહો કે આત્મા, બન્ને એક જ વાત છે. વેદાંતવાળા જીવ અને આત્મા જુદા છે એમ કહે છે; પણ એ બરાબર નથી.
એક સમયની જ્ઞાનપર્યાયનું અસ્તિત્વ માને ત્યારે છ દ્રવ્યનું અસ્તિત્વ માન્યું કહેવાય. અને છ દ્રવ્યનું જ્ઞાન જે વ્યક્ત પર્યાયમાં થાય છે એની દ્રષ્ટિ છોડી ત્રિકાળી અવ્યક્તની દ્રષ્ટિ કરે ત્યારે એણે સ્વદ્રવ્યને માન્યું કહેવાય. ધર્મ કેમ થાય એની આ વાત છે. ભાઈ! તારી પર્યાયમાં છ દ્રવ્ય જણાય છતાં છ દ્રવ્યને લઈને એ પર્યાય છે એમ નથી. આવી એક સમયની જે જ્ઞાનની પર્યાય, જેમાં ત્રિકાળી આત્મા વ્યાપતો નથી એ પર્યાયમાં તું છ દ્રવ્ય રહિત શુદ્ધ અવ્યક્ત આત્માને જાણ. એને જાણતાં તને સમ્યગ્દર્શન-જ્ઞાન અને ધર્મ થશે. આવી વાત સાંભળવાની પણ જેને ફુરસદ મળે નહિ તે સમજે કયારે અને તેનો પ્રયોગ કરે કયારે?
શ્રી નિયમસાર શાસ્ત્રમાં નિર્મળ પર્યાયને પણ પરદ્રવ્ય કહી છે. સ્વવસ્તુ અખંડ, અભેદ, એક છે. તેનું જ્ઞાન જેને થાય તેને સાચું જ્ઞાન થાય છે. એ સમ્યગ્જ્ઞાન થાય પર્યાયમાં પણ એ જ્ઞાનનું જ્ઞેય ત્રિકાળી શુદ્ધ જ્ઞાયક ભગવાન છે, પર્યાય નહિ. પર્યાયને લક્ષ
PDF/HTML Page 588 of 4199
single page version
કરી થતું જ્ઞાન યથાર્થ જ્ઞાન નથી. આવી શુદ્ધ તત્ત્વની વાત સમજે નહિ અને અનેક પ્રકારના ક્રિયાકાંડ કરે પણ એ તો બધું રણમાં પોક મૂકવા જેવું છે. રણમાં પોક મૂકવી એટલે? એટલે એમ કે રણમાં એની પોક કોઈ સાંભળે નહિ અને એની પોક કદી બંધ થાય નહિ. ભાઈ! માત્ર ક્રિયાકાંડથી ભવનાં દુઃખ ન મટે.
છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે બાહ્ય છે, વ્યક્ત છે, અને ભગવાન આત્મા અભ્યંતર, અવ્યક્ત છે. તેથી શુદ્ધ જ્ઞાયકવસ્તુ છ દ્રવ્યસ્વરૂપ લોકથી ભિન્ન છે. આ અનંતા સિદ્ધો, વીસ વિદ્યમાન તીર્થંકરો, લાખો કેવળીઓ, પરમેષ્ઠી ભગવંતો અને દિવ્યધ્વનિ ઇત્યાદિ સર્વથી (આખા લોકથી) ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકવસ્તુ ભિન્ન છે. અવ્યક્ત એવો આત્મા છ દ્રવ્યથી તો ભિન્ન છે જ, પણ તે સંબંધીનો ભેદજ્ઞાનના વિચારનો જે સૂક્ષ્મ વિકલ્પ તે પણ છ દ્રવ્યમાં આવી જાય છે તેથી એનાથી પણ જ્ઞાયક ભિન્ન છે.
પૂર્ણાનંદનો નાથ આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તેને અવ્યક્ત વિશેષણથી અહીં સમજાવ્યો છે. સમ્યગ્જ્ઞાનની પર્યાય એમ જાણે છે કે છ દ્રવ્યના સ્વરૂપથી મારું સ્વરૂપ ભિન્ન છે. એકકોર ભગવાન આત્મા જ્ઞાનગોળો અને એકકોર આખું લોકાલોક-બન્ને ભિન્ન ભિન્ન. આ લોકાલોકને એક સમયની પર્યાય જાણે તે પર્યાયનું પોતાનું સામર્થ્ય છે. તે પર્યાય એમ વિચારે છે કે હું જ્ઞાયક છ દ્રવ્યથી ભિન્ન છું. જાણે સાતમું દ્રવ્ય! ક્ષુલ્લક ધર્મદાસજીએ શુદ્ધ દ્રવ્યવસ્તુને સપ્તમ્ દ્રવ્ય કહ્યું છે. છ દ્રવ્યથી હું ભિન્ન છું એમ વિચારનારી પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળે છે. વિકલ્પમાં એમ વિચારે છે ત્યાંસુધી સૂક્ષ્મ ભેદનો અંશ છે પણ જ્યાં પર્યાય સ્વદ્રવ્યમાં ઢળે છે એટલે એ ભેદ પણ છૂટી જાય છે. ભાઈ! આ તો ગૂઢ ભાવો સાદી ભાષામાં કહેવાય છે.
ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં ઢળીને જે પર્યાય પ્રગટ થઈ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે. એ નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાયથી પણ ત્રિકાળી વસ્તુ ભિન્ન છે. જ્ઞાનની પર્યાયમાં છ દ્રવ્યને જાણવાની તાકાત છે તેથી એ તેને જાણે, પણ એ પર્યાય એમ જાણે છે કે એ છ દ્રવ્યોથી ભિન્ન ‘આ’ હું છું. ‘આ’ હું એટલે જે દ્રવ્ય ત્રિકાળી તે હું છું. પર્યાય એમ જાણે છે કે હું એક, અખંડ, ધ્રુવ ચૈતન્યસ્વભાવી અવ્યક્ત ચીજ છું. આ વ્યક્ત પર્યાય અવ્યક્તને આવો જાણે છે. અવ્યક્ત, અવ્યક્તને કેમ જાણે? બાપુ! જૈનદર્શન તો વિશ્વદર્શન છે. વિશ્વદર્શન એટલે? એટલે છ દ્રવ્યસ્વરૂપ જે વિશ્વ છે તેને યથાર્થ જણાવનારું અને તે જણાવીને પરથી જીવની ભિન્નતા દેખાડનારું એ સાચું દર્શન છે.
શાસ્ત્રોનું જે જ્ઞાન છે તે પણ છ દ્રવ્યોમાં સમાય છે, કેમકે તે જ્ઞાનના લક્ષે સ્વદ્રવ્યનું લક્ષ થતું નથી. તેનું લક્ષ છોડીને દ્રષ્ટિનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તેનું લક્ષ કરે ત્યારે જ્ઞાન સમ્યક્ થાય છે. ભાઈ! ધર્મ કરવો છે પણ ધર્મ કેમ થાય તેની ખબર વિના તું ધર્મ કેવી રીતે કરીશ? શાસ્ત્રને જાણે, તેની વ્યવહાર શ્રદ્ધા કરે પણ શુદ્ધ જ્ઞાયકસ્વભાવી ભગવાન
PDF/HTML Page 589 of 4199
single page version
આત્માના આશ્રયે પ્રગટ થતા વીતરાગી આનંદામૃતનો સ્વાદ ન લે તો આત્મજ્ઞાન કેમ થાય? વસ્તુ એકલી અતીન્દ્રિય આનંદમય છે. એ આનંદનો નમૂનો પર્યાયમાં ન આવે ત્યાં સુધી આખી ચીજ આવી છે એવી પ્રતીતિ કેમ થાય? પરમાત્મપ્રકાશમાં આવે છે કે શિષ્ય પ્રભાકર ભટ્ટ આચાર્ય શ્રી યોગીન્દ્રદેવ પ્રતિ બહુ ભક્તિથી વિનમ્ર થઈ પૂછે છે કે-હે સ્વામી! એવો શુદ્ધાત્મા કોણ છે જે જાણવો જોઈએ અને જેને જાણ્યા વિના અનંતકાળમાં આ આત્માને વીતરાગી સુખામૃતનો સ્વાદ ન આવ્યો, કેવળ દુઃખ જ થયું? ભાઈ! નિજ શુદ્ધાત્માને સ્વસંવેદનપ્રત્યક્ષ કર્યા વિના માત્ર શાસ્ત્રજ્ઞાન ધર્મ કરવામાં કાંઈ કાર્યકારી નથી.
અને આ વ્યવહારવાળા તો બિચારા કયાંય (દૂર) પડયા છે. વ્રત, તપ, આદિનો રાગ જે વ્યવહાર છે એ પણ છ દ્રવ્યમાં આવી જાય છે. એનાથી તો ભિન્ન પડવાનું છે. જેનાથી ભિન્ન પડવું છે એ મદદ કેમ કરે? ‘હું આવો છું’ એમ જે વ્યવહારનો વિકલ્પ ઊઠે તે વિકલ્પનો પણ વિષય આત્મા નથી. શ્રી જયસેન આચાર્યદેવે આ બોલની ટીકામાં એમ લીધું છે કે વિકલ્પના વિષયરહિત વસ્તુ સૂક્ષ્મ અવ્યક્ત છે. જ્ઞાયક આત્મા એ તો નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે. નિર્વિકલ્પતા એ ધ્યાન છે તેનો વિષય અખંડ આત્મવસ્તુ છે. ધ્યાનનું ધ્યેય ધ્યાન નથી પણ ધ્યાનનું ધ્યેય અખંડ શુદ્ધ આત્મવસ્તુ છે. એક અખંડ શુદ્ધ ચિન્માત્ર સિવાય બધુંય પરમાં-છ દ્રવ્યમાં સમાઈ જાય છે. આવી વાત છે.
બીજો બોલઃ– કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ અન્ય છે માટે અવ્યક્ત છે. ભાવકભાવ એટલે શું? કર્મ જે વિકાર થવામાં નિમિત્ત છે તેને ભાવક કહે છે અને વિકારને ભાવકનો ભાવ કહે છે. વિકાર એ ભગવાન આત્માનો ભાવ નથી. અજ્ઞાનદ્રષ્ટિમાં જીવ ભાવક અને વિકાર એનો ભાવ બને છે અને સ્વભાવદ્રષ્ટિ થતાં કર્મ જે નિમિત્ત તે ભાવક છે અને વિકાર એ તેનો ભાવ છે. આવો ભાવકભાવ તે વ્યક્ત છે, બાહ્ય છે, જ્ઞેય છે અને તેનાથી ભગવાન આત્મા અન્ય છે માટે અવ્યક્ત છે.
કષાયોનો સમૂહ લીધો છે ને? એટલે વિકલ્પો શુભ હો કે અશુભ, એ સર્વ વિકલ્પોનો સમૂહ જે ભાવકભાવ તે વ્યક્ત છે અને તેનાથી ભિન્ન ભગવાન આત્મા અવ્યક્ત છે. ર્ક્તા-કર્મ અધિકારમાં લીધું છે ને કે-હું અબદ્ધ છું, શુદ્ધ છું, નિર્મળ છું, એક છું, નિત્ય છું, ઇત્યાદિ બધા વિકલ્પો છે. અહીં કહે છે આવા વિકલ્પો કે બીજા કોઈ વિકલ્પો એ સર્વ વિકલ્પોથી ભગવાન આત્મા ભિન્ન છે, અન્ય છે. કષાયભાવો જે વ્યક્ત છે તેનાથી જ્ઞાયકવસ્તુ અન્ય છે એ અપેક્ષાએ તેને અવ્યક્ત કહે છે. વસ્તુદ્રષ્ટિથી તો ધ્રુવ જ્ઞાયકવસ્તુ સદા પ્રગટ જ છે.
જે વ્યવહારના વિકલ્પો છે તેનાથી ભગવાન આત્મા ભિન્ન છે. જે ભિન્ન છે એવા વિકલ્પોથી એ કેમ પ્રાપ્ત થાય? જો વિકલ્પોથી પ્રાપ્ત થાય તો આત્મા વિકલ્પથી અભિન્ન ઠરે, અને તે વિકલ્પો જીવનો સ્વભાવ થઈ જાય. પરંતુ ભગવાન આત્મા તો પોતાની
PDF/HTML Page 590 of 4199
single page version
સ્વભાવપરિણતિથી જ પ્રાપ્ત થાય તેવો છે, રાગ પરિણતિથી નહિ. રાગ તો પરદ્રવ્યની પરિણતિ છે. તે દ્રવ્યાંતર છે એમ આ શાસ્ત્રના પુણ્ય-પાપ અધિકારમાં કહ્યું છે. રાગ એ અનેરા દ્રવ્યનો ભાવ છે, સ્વદ્રવ્યનો ભાવ નથી.
હું શુદ્ધ છું, એક છું, અખંડ છું, અભેદ છું એવા જે વિકલ્પો છે તે કષાયમાં સમાય છે, આકુળતામાં એનો સમાવેશ થાય છે. એ આકુળતામય ભાવકભાવ બાહ્ય છે, વ્યક્ત છે, પરજ્ઞેય છે અને અખંડ શુદ્ધ જીવવસ્તુ અંતરંગ, અવ્યક્ત, જ્ઞાયકપણે છે તેનાથી ભિન્ન છે. ભાઈ! આત્માનું જેણે હિત કરવું છે તેને વસ્તુનું પ્રયોજનભૂત જ્ઞાન તો હોવું જોઈએ; વ્યાકરણ આદિનું જ્ઞાન ભલે ન હોય. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં શ્રી ટોડરમલજી સાહેબે લીધું છે કે-‘પોતાની બુદ્ધિ ઘણી હોય તો તેનો (વ્યાકરણાદિનો) થોડોઘણો અભ્યાસ કરી પછી આત્મહિતસાધક શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને જો થોડી બુદ્ધિ હોય તો આત્મહિતસાધક સુગમ શાસ્ત્રોનો જ અભ્યાસ કરવો? મૂળમાં આત્મવસ્તુ શું છે તેને યથાર્થ સમજી તેના તરફ ઢળવું, વળવું એ મુખ્ય પ્રયોજન છે. આવી અધ્યાત્મની વાત મૂળ દ્રવ્યાનુયોગમાં છે તે બરાબર જાણવી જોઈએ.
ભાઈ! આ તો સમ્યગ્દર્શનનો વિષય શું છે અને તે કેમ પ્રાપ્ત થાય એની વાત ચાલે છે. વ્યક્ત એવા કષાયોના સમૂહથી જે અન્ય છે એવો અવ્યક્ત જ્ઞાયકમૂર્તિ ભગવાન સમ્યગ્દર્શનનો વિષય છે. શ્રી સમયસાર ગાથા ૧૪૨ માં લીધું છે કે-વ્યવહારના વિકલ્પોનો તો અમે પ્રથમથી જ નિષેધ કરતા આવ્યા છીએ પણ હવે ‘હું શુદ્ધ છું, જ્ઞાયક છું,’ ઇત્યાદિ જે નિશ્ચયનો વિકલ્પ છે તેનો પણ નિષેધ કરવામાં આવે છે. એ વિકલ્પને પણ જ્યાં સુધી અતિક્રમતો નથી ત્યાં સુધી અજ્ઞાનરૂપ ર્ક્તા-કર્મપણું ટળતું નથી. હું ર્ક્તા અને વિકલ્પ મારું કાર્ય-એમ માને છે ત્યાં સુધી અજ્ઞાનદશા છે. ખરેખર તો રાગ પોતે જ ર્ક્તા અને રાગ પોતે જ કર્મ છે; આત્મા તેનો ર્ક્તા નથી. પણ પોતાનું આવું શુદ્ધ સ્વરૂપ જીવે કદી સાંભળ્યું નથી.
જે લોકો વ્યવહારથી પરંપરાએ નિશ્ચય પ્રાપ્ત થાય અર્થાત્ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રાપ્ત થાય એમ માને છે તેનો અહીં નિષેધ કરે છે.
પુણ્ય-પાપ અધિકારની છેલ્લી ગાથાની શ્રી જયસેન આચાર્યદેવની ટીકામાં એક પ્રશ્ન મૂકયો છે. શિષ્ય પૂછે છે કે-પ્રભુ! આ પાપનો અધિકાર ચાલે છે. તેમાં આપ વ્યવહાર રત્નત્રયની વાત કેમ કરો છો? વ્યવહારરત્નત્રય તો પુણ્ય છે. તેનો ઉત્તર આપ્યો છે કે-એક તો વ્યવહારરત્નત્રયમાં આવતાં જીવ પરાધીન થાય છે અને બીજું સ્વરૂપમાંથી પતિત થાય ત્યારે જ વ્યવહારરત્નત્રયમાં આવે છે. તેથી નિશ્ચયનયની અપેક્ષાએ તે પાપ જ છે. અહીં એમ કહે છે કે કષાયનો નાનામાં નાનો કણ પણ-હું આત્મા છું અર્થાત્ હું છ
PDF/HTML Page 591 of 4199
single page version
દ્રવ્યોથી ભિન્ન શુદ્ધ છું એવો જે સૂક્ષ્મ વિકલ્પ તે ભાવકભાવ છે, વ્યક્ત છે અને તેનાથી જીવ અન્ય છે, અવ્યક્ત છે. બે બોલ થયા.
ત્રીજો બોલઃ– ચિત્સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે માટે આત્મા અવ્યક્ત છે. જે પર્યાય ભવિષ્યે વ્યક્ત થવાની છે અને જે વ્યક્ત થઈ ગઈ તે બધી પર્યાયો ચૈતન્યસામાન્યમાં અંતર્લીન છે. વર્તમાન પર્યાય ચૈતન્યમાં નિમગ્ન નથી. જો વર્તમાન પર્યાય પણ તેમાં નિમગ્ન હોય તો જાણવાનું કાર્ય કોણ કરે? વર્તમાન પર્યાય સિવાયની ભૂત- ભવિષ્યની સઘળી પર્યાયો ચૈતન્યમાં અંતર્લીન છે. માટે તું આત્માને અવ્યક્ત જાણ. ગાથામાં ‘जाण’ એમ કીધું છે ને? એટલે જાણનારી વર્તમાન પર્યાય તો ચિત્સામાન્યની બહાર રહી. એ વ્યક્ત પર્યાયમાં આ જ્ઞાયકવસ્તુ જે અવ્યક્ત છે એને જાણ-એમ અહીં કહેવું છે.
પાણીનું તરંગ જેમ પાણીમાં સમાઈ જાય છે તેમ વ્યય થયેલી પર્યાય દ્રવ્યરૂપ થઈ જાય છે. નિર્મળ પર્યાય પ્રગટ હોય ત્યારે તે ક્ષયોપશમ, ક્ષાયિક કે ઉપશમભાવરૂપ હોય છે પણ અંદર દ્રવ્યમાં સમાઈ જાય ત્યારે પારિણામિકભાવરૂપ થઈ જાય છે. (ઉદ્રય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકરૂપ રહેતી નથી.)
ભૂતકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાયો દ્રવ્યસામાન્યમાં પારિણામિકભાવે છે. વ્યક્ત જ્ઞાનની પર્યાયમાં જે અવ્યક્ત સામાન્યનું જ્ઞાન થયું તે નિશ્ચયનું જ્ઞાન છે. નિશ્ચયના જ્ઞાન સાથે વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. (નિશ્ચયના જ્ઞાનપૂર્વક) પર્યાય પોતે એકલું પર્યાયનું જ્ઞાન કરે તે વ્યવહારનું જ્ઞાન છે. પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાન બન્ને પર્યાય છે.
અરે! જગતના જીવોને પોતે મરીને કયાં જશે એની પડી નથી. પણ ભાઈ, આત્મા તો અવિનાશી તત્ત્વ છે. એ કયાંક તો રહેશે જ. ચાર ગતિ અને ચોરાસીના ચક્કરમાં આત્માને કોઈ શરણ નથી, ભાઈ. પોતે મરીને કયાં જશે એવી જેને સંસારની ભીતિ લાગી છે તે ભવ્ય જીવ આત્માનું જ, -શુદ્ધ ચૈતન્યનું જ શરણ શોધે છે. નિશ્ચયનયનો વિષયભૂત જે ધ્રુવ એક અખંડ ચૈતન્યસામાન્યવસ્તુ છે તે એક જ જીવને શરણરૂપ છે. પર્યાયને એક દ્રવ્ય જ શરણભૂત છે. તેથી કહે છે કે વ્યક્ત પર્યાયમાં તું એક શુદ્ધ અવ્યક્તને જાણ.
દ્રવ્યને પ્રસિદ્ધ કરનારી પ્રગટ પર્યાય તે દ્રવ્યમાં ઘૂસી જતી નથી. જો દ્રવ્યમાં ઘૂસી જાય તો આ દ્રવ્ય છે એમ કોણ જાણે? અવ્યક્તને જાણનાર પર્યાય તો અવ્યક્તથી ભિન્ન રહીને તેને જાણે છે. દ્રવ્યની પ્રતીતિ કરનારી પર્યાય દ્રવ્યમાં ઘૂસી જાય તો પ્રતીતિ કરનાર કોઈ રહેતું નથી. તેથી પ્રગટ વર્તમાન પર્યાય દ્રવ્યથી ભિન્ન રહીને પ્રતીતિ કરે છે. આવી વાત છે.
ભાઈ! આ તો ભગવાનના દરબારની (સમોસરણમાં સાંભળેલી) વાતો છે. ત્રિલોકીનાથ
PDF/HTML Page 592 of 4199
single page version
સર્વજ્ઞ પરમેશ્વરની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અનુસાર આ શાસ્ત્રો રચાયાં છે, તે શાસ્ત્રોમાંનું આ ‘સમયસાર’ એક શાસ્ત્ર છે. આચાર્યદેવે ભવ્યજીવોને આ ‘સમયસાર’ રૂપ ભેટણું આપ્યું છે. ભગવાનને ભેટવું હોય તો આ ‘સમયસાર’ને સમજ. અહો! દિગંબર સંતોએ તો જગતને હથેળીમાં આત્મા બતાવ્યો છે. જેની યોગ્યતા હશે તે પ્રાપ્ત કરશે.
ચોથો બોલઃ– ક્ષણિક વ્યક્તિમાત્ર નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાય જે વ્યક્ત પ્રગટ છે તે ક્ષણિક છે; જ્યારે આત્મા શુદ્ધ ચૈતન્યસામાન્ય ત્રિકાળ છે. તેથી ક્ષણિક વ્યક્તિમાત્ર એટલે પ્રગટ પર્યાય જેટલો આત્મા નથી માટે અવ્યક્ત છે. આત્મા એનાથી અન્ય અવ્યક્ત છે. તાત્પર્ય એમ છે કે પર્યાય એક સમયમાત્ર સત્ હોવાથી તે દ્રષ્ટિ કરવા યોગ્ય અને આશ્રય કરવા યોગ્ય નથી. માટે અનંતકાળમાં જેનું લક્ષ કર્યું નથી એવા એક શુદ્ધ ત્રિકાળી અવ્યક્ત આત્મસ્વભાવનું લક્ષ કર. (અનાદિના) અલક્ષ્યને લક્ષમાં લે.
ભાઈ! ઇન્દ્રિયો મોળી ન પડે અને રોગ ઘેરો ન ઘાલે તે પહેલાં ચિન્માત્ર શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરી લેવા જેવી છે. આ તો જેનો પુરુષાર્થ નબળો છે તેને આવી શિખામણ આપી છે. અન્યથા સાતમા નરકની અસહ્ય પીડા ભોગવતો નારકી પણ ઉગ્ર પુરુષાર્થ કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. વૃદ્ધાવસ્થા આદિ ગમે તેવા પ્રસંગમાં પણ આત્મા પોતાનો પુરુષાર્થ ઉપાડી શકે છે, કારણ કે પરદ્રવ્ય અને પરદ્રવ્યની પર્યાયને ભગવાન આત્મા અડતો પણ નથી. શરીરની ગમે તેવી વેદના હોય તે વેદનાને આત્મા સ્પર્શતો નથી. તેથી તો કહે છે કે ક્ષણિક વ્યક્તિને (પર્યાયને) તું અવ્યક્ત (આત્મા) તરફ લઈ જા; તને આત્મા મળશે, આત્માનો ભેટો થશે અને આનંદ આવશે, સુખ થશે.
પાંચમો બોલઃ– વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાયમાં પર્યાય અને દ્રવ્ય બન્ને સાથે પ્રતિભાસે છે છતાં ભગવાન દ્રવ્યસ્વભાવ પર્યાયને અડતો, સ્પર્શતો નથી. શ્રી પ્રવચનસાર ગાથા ૧૭૨ના અલિંગગ્રહણના ૨૦માં બોલમાં એમ લીધું છે કે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. (ત્યાં વિવક્ષા જુદી છે). એ વાત અહીં નથી બતાવવી. અહીં તો દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી એમ બતાવવું છે.
વ્યક્ત એટલે પ્રગટ જ્ઞાનની પર્યાય અને અવ્યક્ત એટલે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક એ બન્નેનું ભેગું મિશ્રપણે એકસાથે પર્યાયમાં જ્ઞાન થાય છે પણ જ્ઞાયક દ્રવ્ય જ્ઞાનની પર્યાયને સ્પર્શતું નથી એટલે દ્રવ્ય પર્યાયમાં વ્યાપતું નથી એમ કહે છે. અહાહા! આ વ્યક્ત પર્યાયમાં અવ્યક્તનાં જ્ઞાન-શ્રદ્ધાન આવ્યાં છતાં તે અવ્યક્ત, અવ્યક્તનાં જેમાં જ્ઞાન-શ્રદ્ધાન આવ્યાં તે પર્યાયને સ્પર્શતો નથી. અવ્યક્ત વ્યક્તમાં આવતો નથી, વ્યાપતો નથી. એટલે કે પર્યાય પર્યાયરૂપે રહે છે અને દ્રવ્ય દ્રવ્યરૂપે રહે છે, આવો ઝીણો માર્ગ! (ઉપયોગને સૂક્ષ્મ કરીને સમજવો જોઈએ).
PDF/HTML Page 593 of 4199
single page version
આ દ્રવ્ય છે, આ જ્ઞાનગુણ છે અને આ જાણનારી પર્યાય છે-એમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેનું પર્યાયમાં જ્ઞાન થાય છે. આમ દ્રવ્ય-પર્યાયનું મિશ્રિતપણે જ્ઞાન હોવા છતાં અવ્યક્ત એવો ભગવાન આત્મા સ્વ-પરપ્રકાશક એવી જ્ઞાનની વ્યક્ત પર્યાયને સ્પર્શતો નથી; અર્થાત્ તે પર્યાય દ્રવ્યમાં આવતી નથી. અહા! પોતા સહિત છ દ્રવ્યનું એક સમયની પર્યાયમાં જ્ઞાન થાય છતાં તે જ્ઞાન કરનારી પર્યાયમાં જ્ઞાયક ભગવાન વ્યાપતો નથી, ભિન્ન જ રહે છે.
અહાહા! અનંત કેવળજ્ઞાનની પર્યાયો એક જ્ઞાનગુણમાં (શક્તિરૂપે) પડી છે, શ્રદ્ધાની અનંત પર્યાયો એક શ્રદ્ધાગુણમાં પડી છે, નિર્મળ ચારિત્રની અનંત પર્યાયો એક ચારિત્રગુણમાં પડી છે, તથા અતીન્દ્રિય આનંદની અનંત પર્યાયો એક આનંદગુણમાં પડી છે. આમ પ્રત્યેક ગુણની અનંત પર્યાયો તે તે ગુણમાં શક્તિરૂપે પડી છે. એવા જે ગુણ અને ગુણોને ધરનાર ત્રિકાળી દ્રવ્ય તેને અહી અવ્યક્ત કહ્યું છે. અને એ દ્રવ્યને જાણનારી જે વર્તમાન પ્રગટ પર્યાય તેને વ્યક્ત કહી છે. વસ્તુ ધ્રુવ દ્રવ્ય પોતે પોતાથી વ્યક્ત પ્રગટ જ છે પણ અહીં પર્યાય જે વ્યક્ત છે તેનાથી તે અન્ય છે એ અપેક્ષાએ તેને અવ્યક્ત કહ્યું છે. એવા અવ્યક્ત ત્રિકાળી દ્રવ્યનું અને વ્યક્ત પર્યાયનું એકસાથે જ્ઞાન જે પર્યાયમાં થાય તે પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. અવ્યક્ત વ્યક્તને સ્પર્શતો નથી. અહા! વસ્તુ સૂક્ષ્મ અને ગંભીર છે. અહીં દ્રવ્ય અને પર્યાયને જુદા સિદ્ધ કરે છે. જ્ઞાયક એવો આત્મા પર દ્રવ્યથી તો ભિન્ન છે જ, પરંતુ પોતાને જાણનારી-દેખનારી પર્યાયથી પણ ભિન્ન છે એમ સિદ્ધ કરે છે.
અહો! સમ્યગ્દર્શનનો વિષય કોઈ અદ્ભુત અચિંત્ય છે. ભાઈ! અગિયાર અંગનાં જાણપણાં અનંતવાર કર્યાં. એક આચારાંગના અઢાર હજાર પદ છે. એક એક પદમાં પ૧ કરોડ ઝાઝેરા શ્લોક છે. એમ આચારાંગ કરતાં સૂયડાંગમાં બમણા. એમ ઉત્તરોત્તર દરેક અંગમાં બમણા છે. આવા અગિયાર અંગનું જ્ઞાન તેણે કંઠસ્થ કર્યું તથા નવ પૂર્વની લબ્ધિ પણ અનંતવાર પ્રગટી. પણ અરેરે! શુદ્ધાત્માની દ્રષ્ટિના થઈ અને તેથી મિથ્યાત્વ ના ટળ્યું.
ભાઈ! ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અનુસાર કુંદકુંદાદિ આચાર્ય ભગવંતોએ આ શાસ્ત્ર અને આગમ રચ્યાં છે. શ્રી બનારસીદાસે કહ્યું છે ને કે-
અહાહા! તે વાણી કેવીછે? નિયમસાર ગાથા ૧૦૮ માં દિવ્યધ્વનિના સ્વરૂપનું કથન કરતાં કહ્યું છે કે-‘ભગવાન અર્હંતના મુખારવિંદથી નીકળેલો, સકળ જનતાને
PDF/HTML Page 594 of 4199
single page version
શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર-આનંદસ્યંદી’ ભગવાનનો ઉપદેશ હોય છે; તે અનક્ષરાત્મક હોય છે અને ભવ્ય જીવોને અમૃત જેવો લાગે છે. શ્રીમદ રાજચંદ્રે પણ કહ્યું છેઃ-
આ દિવ્યધ્વનિ અનુસાર ભગવાન કુંદકુંદાચાર્ય અહીં એમ કહે છે કે-એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થાય છે. એ છ દ્રવ્યમાં અનંત સિદ્ધો પણ આવી ગયા. તે એક એક સિદ્ધને કેવળજ્ઞાન વર્તે છે. એવા અનંત સિદ્ધો અને સ્વદ્રવ્ય પર્યાયમાં જણાય છે. એટલે કે પર્યાયમાં પર્યાયનો પ્રતિભાસ થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. જેમ દર્પણમાં બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ એક સમયની પર્યાયમાં આખા દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. એવું દ્રવ્ય-પર્યાયનું એકસાથે મિશ્રપણે એક સમયમાં જ્ઞાન હોવા છતાં પર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. ગજબ વાત છે! જેને અંતરમાં બેસે તેનું ભવ-ભ્રમણ મટયા વગર રહે નહિ એવી વાત છે.
છઠ્ઠો બોલઃ– પોતે પોતાથી જ બાહ્ય-અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે માટે અવ્યક્ત છે. શું કહે છે? પોતે પોતાથી જ બાહ્ય એટલે પર્યાય અને અભ્યંતર એટલે દ્રવ્ય-એમ દ્રવ્ય અને પર્યાય બન્નેને પ્રત્યક્ષપણે અનુભવે છે. (વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ કહ્યું છે.) અહીં અનુભવે છે એનો અર્થ જાણે છે અથવા જાણવાપણે અનુભવે છે એમ થાય છે. આમ દ્રવ્ય-પર્યાયપણે પોતે પોતાથી જ પ્રત્યક્ષ જણાઈ રહ્યો હોવા છતાં વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. અર્થાત્ પર્યાયના વેદન પ્રત્યે ઉદાસીન છે. ત્યાં પર્યાયના વેદનમાં ન અટક્તાં જ્યાં ધ્રુવ વસ્તુ છે ત્યાં ગુલાંટ ખાઈ જાય છે. એ વેદનની પર્યાય દ્રવ્ય ભણી નજર કરે છે, દ્રવ્ય તરફ જ વળે છે પણ પર્યાયમાં અટક્તી નથી. બહુ સૂક્ષ્મ બોલ છે!
પોતે પોતાથી જ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. એટલે કે રાગ કે નિમિત્તને લઈને અનુભવાતો નથી. વળી સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે એટલે કે જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું અને દ્રવ્યનું પ્રત્યક્ષપણું છે; બન્ને એકસાથે જણાઈ રહ્યા છે. અરે! લોકોને આવું આકરું લાગે એટલે કહે કે એકલી નિશ્ચયની વાત કરે છે અને વ્યવહારનો લોપ કરે છે. પણ ભાઈ! વ્યવહાર છે એ જાણવા માટે છે, આદરવા માટે નથી. તથા વ્યવહારથી નિશ્ચય પ્રગટે એવું પણ વ્યવહારનું સ્વરૂપ નથી.
પોતે પોતાથી જ પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે છતાં વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. અર્થાત્ વ્યક્ત પર્યાયમાં ટક્તો નથી. આનંદનું વેદન પર્યાયમાં છે પણ તે પર્યાયમાં અટક્તો નથી. બસ, ઉદાસ, ઉદાસ, ઉદાસ. પર્યાયથી લક્ષ છોડીને દ્રવ્ય ભણી લક્ષ કરે છે, દ્રવ્યમાં જ ઢળે છે. દ્રવ્ય ભણી લક્ષ કરનાર પર્યાય પ્રગટ આનંદના વેદનમાં પણ
PDF/HTML Page 595 of 4199
single page version
લક્ષ કરતી નથી. બીજી રીતે કહીએ તો એક સમયનું જે આનંદનું વેદન તેમાં પોતે ઊભો રહેતો નથી.
હવે ઉપસંહાર કરતાં કહે છે કે-આ પ્રમાણે ભગવાન આત્મામાં રસ, ગંધ, રૂપ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે જીવને અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
અહાહા! શું કહે છે? ભગવાન આત્મામાં જેમ રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને સંસ્થાનનો અભાવ છે તેમ વ્યક્ત પર્યાયનો પણ અભાવ છે. આવો હોવા છતાં વર્તમાન પર્યાયમાં સ્વ નામ પોતાના પ્રત્યક્ષ વેદનના બળથી-સ્વસંવેદનના બળથી આત્મા સદા પ્રત્યક્ષ છે. પોતે તો સદા પ્રગટ અને પ્રત્યક્ષ જ છે. પ્રવચનસાર ગાથા ૧૭૨માં અલિંગ-ગ્રહણના છઠ્ઠા બોલમાં લીધું છે કે ભગવાન આત્મા સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. આત્માનો સ્વભાવ જ પ્રત્યક્ષ થવાનો છે. પરોક્ષ રહેવાનો એનો સ્વભાવ જ નથી. ઇન્દ્રિય, મન કે અનુમાનજ્ઞાનથી જણાય એવો આત્માનો સ્વભાવ જ નથી. (આ વાત અલિંગગ્રહણના પહેલા પાંચ બોલમાં લીધી છે).
જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા, જ્યાં જ્યાં જ્ઞાન નહીં ત્યાં ત્યાં આત્મા નહિ-એવું જે અનુમાનજ્ઞાન છે એ ભેદરૂપ છે અને ભેદરૂપ છે માટે વ્યવહાર છે. રાગ કે વ્યવહારજ્ઞાનની જેમાં અપેક્ષા નથી એવા સ્વસંવેદનના બળથી ભગવાન આત્મા સદા પ્રત્યક્ષ થતો હોવાથી અનુમાનગોચરમાત્રપણાનો આત્મામાં અભાવ છે. તેથી અનુમાનજ્ઞાનરૂપ વ્યવહારનો પણ આત્મામાં અભાવ છે. પ્રત્યક્ષપૂર્વકનું અનુમાન હોય તો તે પણ વ્યવહાર છે. એવા અનુમાનથી પણ આત્મા જણાતો નથી એમ કહે છે.
સમયસાર કળશટીકાના કળશ ૮માં ‘उन्नीयमानम्’ એટલે કે ચેતનાલક્ષણથી લક્ષિત થાય છે એટલે કે અનુમાનગોચર પણ છે એમ લીધું છે. પણ અહીં તો એટલો વિકલ્પ (ભેદ) પણ કાઢી નાખ્યો છે. (અનુભવ પૂર્વે એવો કોઈ ભેદ હોય તે જુદી વાત છે). સીધો સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ થાય છે એવો જ આત્માનો સ્વભાવ છે. અહીં પ્રત્યક્ષ જ્ઞાન લેવું છે. એ જ કળશ આઠમાં બીજો પક્ષ રજુ કરતાં કહ્યું છે કે-‘उद्योत–मानम्’-પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. આ વાત અહીં લેવી છે. વસ્તુ વિચારતાં ‘આ જ્ઞાન તે આત્મા’ એવો અનુમાનનો વિકલ્પ ઊઠે તે પણ જૂઠો છે. શુદ્ધ વસ્તુમાત્ર છે, આવો અનુભવ સમ્યક્ત્વ છે.
સમયસારમાં છેલ્લે પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન છે. ત્યાં આત્મામાં એક ‘પ્રકાશ’ નામની શક્તિ કહી છે. આ શક્તિના કારણે પોતે (આત્મા) પોતાથી સીધો
PDF/HTML Page 596 of 4199
single page version
જણાય એવો જ એનો સ્વભાવ છે. ‘સ્વયં પ્રકાશમાન વિશદ (સ્પષ્ટ) એવા સ્વસંવેદનમયી (સ્વાનુભવમયી) પ્રકાશ શક્તિ.’ અહીં જે સ્વસંવેદનપ્રત્યક્ષ લીધું છે એ પ્રકાશશક્તિની અપેક્ષાએ લીધું છે. આત્માને જાણવામાં રાગ કે નિમિત્તની અપેક્ષા તો નથી પણ અનુમાનજ્ઞાનની પણ અપેક્ષા નથી. આત્મા સીધો પર્યાયમાં સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ થવાના જ સ્વભાવવાળો છે.
આનંદના વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષ કહ્યો છે. અતીન્દ્રિય આનંદને આત્મા સીધો વેદે છે. આનંદનું વેદન પ્રત્યક્ષ છે એનું જોર આપીને પ્રત્યક્ષ કહ્યું છે. આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાનીને અને કેવળજ્ઞાનીને કોઈ ફેર નથી; આત્માના ગુણો અને આકાર જોવામાં કેવળીને જેમ પ્રત્યક્ષ જણાય તેમ શ્રુતજ્ઞાનીને ન જણાય પણ સ્વાનુભૂતિમાં આનંદનું વેદન તો શ્રુતજ્ઞાનીને પણ પ્રત્યક્ષ જ છે. શ્રુતજ્ઞાનીને જે આનંદનું વેદન છે તે પ્રત્યક્ષ છે. એ કોઈ બીજો થોડો વેદે છે? તેથી શ્રુતજ્ઞાનની અપેક્ષાએ આત્મા પરોક્ષ ભલે હોય, પણ વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે. સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે.
આંધળો સાકર ખાય અને દેખતો મનુષ્ય ખાય. ત્યાં બન્નેને મીઠાશના વેદનમાં કાંઈ ફરક નથી. આંધળો સાકરને પ્રત્યક્ષ દેખતો નથી, પણ સાકરની મીઠાશના સ્વાદમાં કાંઈ ફેર નથી. તેમ આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાની અને કેવળજ્ઞાનીને કાંઈ ફરક નથી. કેવળજ્ઞાનીને અસંખ્યાતપ્રદેશી અનંતગુણનો પિંડ આત્મા અને તેના આકારાદિ સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાય છે તેમ શ્રુતજ્ઞાનીને પ્રત્યક્ષ જણાતું નથી પણ વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષનું જોર આપ્યું છે. વળી તેમાં પ્રત્યક્ષ થવાનો પ્રકાશ નામનો ગુણ છે. પોતે પોતાથી સીધો જણાય એવો આત્મામાં પ્રકાશ નામનો ગુણ છે. પોતે સીધો આનંદને વેદે છે. તેથી વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે એમ કહ્યું છે.
સમયસાર કળશટીકા, કળશ ૧૯માં આવે છે કે-‘શ્રુતજ્ઞાનથી આત્મસ્વરૂપ વિચારતાં ઘણા વિકલ્પો ઊપજે છે; એક પક્ષથી વિચારતાં આત્મા અનેકરૂપ છે, બીજા પક્ષથી વિચારતાં આત્મા અભેદરૂપ છે-આમ વિચારતાં થકાં તો અનુભવ નથી, તો અનુભવ કયાં છે? ઉત્તર આમ છે કે પ્રત્યક્ષપણે વસ્તુને આસ્વાદતાં થકાં અનુભવ છે.’
કળશ ૯૩માં પણ લીધું છે કે-‘જેટલા નય છે તેટલા શ્રુતજ્ઞાનરૂપ છે; શ્રુતજ્ઞાન પરોક્ષ છે, કેમકે સવિકલ્પ છે, અનુભવ પ્રત્યક્ષ છે; કેમકે નિર્વિકલ્પ છે તેથી (સવિકલ્પ) શ્રુતજ્ઞાન વિના જે નિર્વિકલ્પ જ્ઞાન છે તે પ્રત્યક્ષ અનુભવે છે. તેથી પ્રત્યક્ષપણે અનુભવાતો થકો જે કોઈ શુદ્ધસ્વરૂપ આત્મા તે જ જ્ઞાનપુંજ વસ્તુ છે એમ કહેવાય છે.’ આમ ભગવાન આત્મા જ્ઞાનની પર્યાયમાં સીધો પ્રત્યક્ષ જણાય છે. એમાં રાગ કે નિમિત્તની તો અપેક્ષા નથી પણ અનુમાનજ્ઞાનથી પણ તે જણાય નહિ એવો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. આવા અર્થમાં અહીં પ્રત્યક્ષ કહ્યો છે.
PDF/HTML Page 597 of 4199
single page version
આમાં (કળશ ૯૩માં) શ્રુતજ્ઞાન પરોક્ષ કીધું. ખરેખર તો શ્રુતજ્ઞાનનો અનુભવ પ્રત્યક્ષ છે. ગાથા ૧૪૪ ની ટીકામાં લીધું છે કે-ઇન્દ્રિયો અને મનદ્વારા પ્રવર્તતી બુદ્ધિઓને મર્યાદામાં લાવીને મતિજ્ઞાનતત્ત્વને આત્મસન્મુખ કરીને, તથા અનેક વિકલ્પો મટાડીને શ્રુતજ્ઞાનતત્ત્વને પણ આત્મસન્મુખ કરીને, અત્યંત વિકલ્પરહિત થઈને નિજ પરમાત્મસ્વરૂપ સમયસારને અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્પણે દેખાય છે. આમાં શ્રુતજ્ઞાન વડે અનુભવ થવો કહ્યો છે. જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. શ્રુતજ્ઞાનના વિકલ્પોમાં આત્મા પરોક્ષ છે પણ અનુભવમાં, વેદનમાં પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન અપેક્ષા ચારેય જ્ઞાનને પરોક્ષ પણ કહ્યાં છે.
વળી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ‘આગમ-અનુમાનાદિક પરોક્ષજ્ઞાન વડે આત્માનો અનુભવ હોય છે’ એમ લીધું છે. ત્યાં નિર્વિકલ્પ અનુભવ પૂર્વે જૈનાગમમાં જેવું આત્માનું સ્વરૂપ કહ્યું છે તેવું જાણી અનુમાન વડે વસ્તુનો નિશ્ચય કરે છે-અર્થાત્ એવો નિર્ણય હોય છે એમ બતાવવું છે; પરંતુ તેનાથી અનુભવ થાય છે એમ કહેવું નથી. ભાઈ આત્માનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ છે. જ્યાં જે વિવક્ષા હોય તે બરાબર જાણવી જોઈએ. અહીં તો એમ કહે છે કે વસ્તુ તો સ્વસંવેદનના બળથી સદા પ્રત્યક્ષ છે અને એમાં અનુમાનગોચર-માત્રપણાનો અભાવ હોવાથી જીવને અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
હવે આગળ કહે છે કે-પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે તેથી જીવ ચેતનાગુણવાળો છે. અત્યાર સુધી આત્મામાં આ નથી, આ નથી એમ કહ્યું હતું. પણ હવે તેમાં ‘છે’ શું એની વાત કરે છે. એકલું દેખવું-જાણવું જેનો સ્વભાવ છે એવા ચેતનાગુણવાળો ભગવાન આત્મા છે. આત્મા ચેતના વડે અનુભવાય છે એટલે રાગ વડે અનુભવાતો નથી એ વાત છે, પરંતુ એવા ભેદ વડે અનુભવાય છે એમ કહેવું નથી. અંતર્મુખ થયેલી પર્યાય એમ જાણે છે કે આ ચૈતન્યમય ભગવાન આત્મા હું, બસ. ભગવાન આત્મા સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, વ્યક્તપણું આદિરૂપે નથી પણ ચૈતન્યમય, ચેતનાગુણવાળો છે.
હવે કહે છે-કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત વિપ્રતિપ્રત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે. જીવ રાગવાળો છે, પુણ્યવાળો છે, વ્યવહારવાળો છે, કર્મવાળો છે, શરીરવાળો છે ઇત્યાદિ અનેક પ્રકારે અન્ય માનવારૂપ ઝઘડાઓનો નાશ કરનાર છે. કષાયની મંદતા હોય તો જણાય, છેલ્લો શુભભાવ તો હોય છે ને? પહેલાં વિકલ્પ તો આવે ને? ઇત્યાદિ અનેક પ્રકારની વિપરીત માન્યતાઓનો નિષેધ કરનાર છે. વળી જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે એવો છે. એટલે કે પરથી ભિન્ન પડી સ્વનો અનુભવ જેણે કર્યો તેને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો છે કે મારો આત્મા સીધો મારા જ્ઞાનથી જણાય એવો છે, પણ દેવ-ગુરુ-શાસ્ત્રથી કે દિવ્યધ્વનિથી જણાય એમ નથી.
PDF/HTML Page 598 of 4199
single page version
સમ્યક્ત્વીને જ એ ખબર છે કે પોતાની રાગરહિત વસ્તુ પોતાના જ્ઞાનભાવથી જણાય છે, રાગથી નહિ.
આત્મા જ્ઞાન’ લક્ષણ દ્વારા જણાય છે. જ્ઞાન લક્ષણ કહો કે ઉપયોગ કહો, તે દ્વારા આત્મા જણાય છે. ઉપયોગના બે પ્રકાર છે. (૧) ઉપયોગ એટલે જાણવું-દેખવું એવો ત્રિકાળી ગુણ અને (૨) ઉપયોગ એટલે આ જાણવું-દેખવું ત્રિકાળ છે એમ નિર્ણય કરનારી પર્યાય. જાણનાર પર્યાય વ્યક્ત છે અને પ્રસિદ્ધ છે. જાણવું, જાણવું, જાણવું એ લક્ષણ પ્રસિદ્ધ છે. તેનાથી પ્રસાધ્યમાન આત્માને સાધી શકાય છે, જાણી શકાય છે.
વર્તમાન જ્ઞાનની દશાને અંતરમાં વાળતાં આત્મા જણાય એ ટૂંકી અને ટચ વાત છે. ‘પરથી ખસ, સ્વમાં વસ, ટૂંકું ટચ, એટલું બસ.’ એને વિસ્તારથી સમજાવે છે કે પરથી ખસવું એટલે શું? સ્વમાં વસવું એટલે શું? અને સ્વવસ્તુ શું? જ્ઞાનસ્વભાવી વસ્તુ આત્માનું જ્ઞાન અને અનુભવ કેમ થાય એ માત્ર ભેદજ્ઞાનીઓ જ યથાર્થ જાણે છે.
ભાઈ! પરિભ્રમણ કરીને ૮૪ લાખ યોનિમાં અનંતવાર અવતાર કર્યા. અહીં કોઈ આકરો રોગ શરીરમાં આવે અને થોડો કાળ એમાં જાય તો રાડ નાખે છે. એ રોગની પીડા, નરકની પ્રતિકૂળતાથી તો અનંતમાં ભાગે છે. પરમાધામી (એક જાતના દેવો) નરકમાં શરીરના ઝીણા ઝીણા કટકા કરી નાખે છે અને જેમ વિખરાયેલો પારો ભેગો થઈ જાય તેમ તે કટકા પાછા ભેગા થઈ જાય છે. આવી નરકની પીડામાં તું અનંતવાર ગયો છે, ભાઈ! તારી સ્વવસ્તુના ભાન વિના અર્થાત્ સમ્યગ્દર્શન વિના આવાં અનંત દુઃખો તેં ભોગવ્યાં છે. માટે હવે તો જેવી વસ્તુની સ્થિતિ છે તેવો એકવાર અનુભવ કર. અહા! જન્મ-મરણના દુઃખનો અંત લાવવાનો એક આ જ ઉપાય છે.
વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું સંતો જાહેર કરે છે. કોઈને ગમે કે ન ગમે તેની સાથે શું સંબંધ? કોઈ નિશ્ચયાભાસી કહે કે એકાન્તી કહે. આ તો વસ્તુના ઘરની, નિજ ઘરની વાત છે. નિયમસારમાં આવે છે કે કોઈ આવા સુંદર માર્ગની નિંદા કરે તેથી હે ભાઈ! તું આવા ઉત્તમ લોકોત્તર માર્ગ પ્રત્યે અભક્તિ ન કરીશ, ભક્તિ જ કરજે.
વળી, કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી લે છે. અહા! કેવળજ્ઞાનની પર્યાયનું એટલું સામર્થ્ય છે કે તે લોકાલોકની પર્યાયને કોળિયો કરી જાય છે. અરે! એથી અનંતગણું હોય તોપણ જાણે એવું એનું અચિંત્ય સામર્થ્ય છે. શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ આટલી તાકાત છે; ફક્ત પ્રત્યક્ષ, પરોક્ષનો ભેદ છે. એક સમયની વ્યક્ત પર્યાયમાં પર્યાયનું અને દ્રવ્યનું બન્નેનું જ્ઞાન થાય છે. એક સમયની પર્યાયના જ્ઞાનમાં છ દ્રવ્યનું જ્ઞાન આવી જાય છે. આ વાત છેલ્લે ૧૪ કળશો લીધા છે તેમાં આવે છે.
એવા લોકાલોકને ગ્રાસીભૂત કરીને અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો છે. અહાહા! અનંત
PDF/HTML Page 599 of 4199
single page version
આનંદનો નાથ અંદરથી જાગ્યો તે આનંદનો અનુભવ કરે છે. જેમાં પ્રતિસમય આનંદ પ્રગટે છે તે આનંદનો ભોગવનાર આત્મા અત્યંત તૃપ્ત થઈ ગયો છે.
દ્રષ્ટિમાં સ્વભાવની અપેક્ષાએ રાગનો ભોગવનાર જ્ઞાની નથી. પરંતુ જ્ઞાનની અપેક્ષાએ જુઓ તો ધર્મી સાધક આનંદનો ભોક્તા છે અને રાગનો પણ ભોક્તા છે. રાગ ભોગવવા યોગ્ય છે એમ એને બુદ્ધિ નથી, પણ વેદનમાં છે એ અપેક્ષાએ ભોક્તા કહ્યો છે.
ભાઈ! આ અવસરમાં પણ તું આ તત્ત્વને નહિ સમજે તો કયારે સમજીશ?
જેમ બ્રાહ્મણ લચપચ લાડુ ખાઈને (તૃપ્ત થયો હોય તેમ) મલપતો ચાલે તેમ ધર્મી આનંદમાં મલપતો ચાલે છે. ધર્મી અત્યંત સ્વરૂપસૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે એવો ઠરી ગયો છે કે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય તેમ સર્વકાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી. પૂર્ણ દશા થવાથી સર્વકાળે કિંચિત્માત્ર પણ ચલિત થતો નથી. આવી દશાને પૂર્ણ દશા અર્થાત્ અનુભવનું ફળ કહે છે. એ રીતે સદાય જરાપણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી ચેતનાગુણ સ્વભાવભૂત છે.
ધર્મી જીવ અંદરમાં એવો તૃપ્ત-તૃપ્ત ઠરી ગયો છે કે હવે પછીનો કાળ આત્મ-તત્ત્વના આનંદના ભોગવટામાં જ વહેશે. અહો! સમયસારમાં તો ચૌદ બ્રહ્માંડના ભાવો ભર્યા છે. એવા કાળે અને એવી શૈલીએ એ લખાઈ ગયું છે કે એમાં કાંઈ અધૂરાશ રહી નથી.
-આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. પરમાર્થ એટલે પરા કહેતાં ઉત્તમ અને મા એટલે લક્ષ્મી અર્થ એટલે પદાર્થ-ઉત્તમ લક્ષ્મીવાળો પદાર્થ. ચૈતન્યની ઉત્તમ લક્ષ્મીવાળો જીવ પદાર્થ છે-એ પરમાર્થ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિરૂપ બિરાજમાન છે. જાણે ઘડતર કરીને અંદરથી કાઢયું હોય એવો એકરૂપ શાશ્વત તથા ભિન્ન ચૈતન્યજ્યોતિરૂપ ભગવાન બિરાજમાન છે તેને આત્મા કહેવામાં આવે છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છેઃ-
‘चित्शक्तिरिक्तम् सकलम् अपि अह्नाय विहाय’-શું કહે છે? ચિત્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીનેઃ-જુઓ, આત્મા જ્ઞાનસામર્થ્યરૂપ છે. અને આ શુભાશુભ ભાવો ચિત્શક્તિથી રિક્ત કહેતાં ખાલી છે, ભિન્ન છે. ચાહે તો તીર્થંકર નામકર્મ બાંધનારો ભાવ હો. પંચમહાવ્રતનો વિકલ્પ હો કે ગુણગુણીના ભેદનો વિકલ્પ હો-એ બધા ચૈતન્યશક્તિથી ખાલી અનેરા ભાવો છે. એ સર્વ ભાવોને મૂળમાંથી તું છોડ એમ કહે છે.
‘च स्फुटतरम् स्वं चित्शक्तिमात्रम् अवगाह्य’-અને પ્રગટપણે પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું અવગાહન કરીનેઃ-પોતે પ્રગટ જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે. એમાં ડૂબકી માર,
PDF/HTML Page 600 of 4199
single page version
એમાં પ્રવેશ કર, અવગાહન કર. જેમ સમુદ્રમાં અવગાહન કરે છે એમ આ ચૈતન્યમાત્ર સમુદ્રમાં અવગાહન કર. વર્તમાન પર્યાય દ્વારા ત્રિકાળી જ્ઞાનસ્વભાવી શુદ્ધ ચૈતન્યસિંધુમાં પ્રવેશ કર. પુણ્ય-પાપના ભાવનું અવગાહન તો અનાદિનું છે, પણ એ તો મિથ્યાભાવ છે, ચૈતન્યથી ખાલી છે.
અહા! કેવી ટૂંકી અને સારભૂત વાત! જે ભાવથી બંધન થાય તે સર્વ વિકલ્પો અચેતન છે. તેથી ચૈતન્યશક્તિનો જેમાં અભાવ છે એવા અનેક પ્રકારના અચેતન શુભાશુભ ભાવોનું લક્ષ છોડી દે અને સદા એકરૂપ શુદ્ધ ચિત્શક્તિમાત્ર ભાવને ગ્રહણ કર.
કેવા છે આત્મા? ‘विश्वस्य उपरि चारु चरन्तम् इमम् परम् आत्मानम्’-સમસ્ત પદાર્થસમૂહરૂપ લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો એવો આ એક, કેવળ, અવિનાશી આત્મા છે તેનેઃ-આત્મા લોકના ઉપર સુંદર રીતે પ્રવર્તતો પદાર્થ છે. વિકલ્પથી માંડીને આખા જગતથી એ જુદો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. સુંદર રીતે પ્રવર્તતો એટલે કે અતીન્દ્રિય આનંદસ્વરૂપે પ્રવર્તતો પદાર્થ છે. પુણ્ય-પાપમાં પ્રવર્તન એ તો દુઃખરૂપ પ્રવર્તન છે. આત્મા તો અતીન્દ્રિય આનંદસ્વરૂપે પ્રવર્તતો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે.
ભગવાન આત્મા ચારિત્રની અપેક્ષાએ વીતરાગસ્વભાવી છે, જ્ઞાનની અપેક્ષાએ જ્ઞાન- સ્વભાવી છે અને આનંદની અપેક્ષાએ આનંદસ્વરૂપ છે. એવા જ્ઞાન, આનંદ અને વીતરાગતા ઇત્યાદિ અનેક ગુણ-સ્વભાવોથી ભરેલો અખંડ એકરૂપ ચૈતન્ય ભગવાન છે. અહીં કહે છે કે પુણ્ય-પાપ આદિ સઘળા અચેતન ભાવોનું લક્ષ છોડી પ્રગટ ચિન્માત્ર એક આત્મામાં અવગાહન કર. અનુભવ થવાની આ જ પદ્ધતિ અને રીત છે. આકરી લાગે કે ન લાગે, માર્ગ તો આ છે, ભાઈ! બીજો કોઈ માર્ગ નથી.
‘आत्मा (आत्मानम्) आत्मनि साक्षात् कलयतु’ ભવ્યાત્મા એવા એક કેવળ અવિનાશી આત્માનો આત્મામાં જ અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો. અહાહા! એકલું માખણ છે. અનાદિથી આ ચૈતન્યપ્રકાશનો પુંજ શાશ્વતસ્વરૂપ ભગવાન આત્મા પુણ્ય-પાપના વ્યવહાર ભાવોમાં મુંઝાઈ ગયો છે, ઝકડાઈ ગયો છે. તેને અહીં કહે છે કે એ સર્વ વ્યવહાર ભાવોનું લક્ષ છોડી ચિત્શક્તિસ્વરૂપ ભગવાન આત્માનો આત્મામાં જ સાક્ષાત્ અનુભવ કર.
અહીં ચિત્શક્તિસ્વરૂપ આત્મા એમ ભેદથી કથન કર્યું ત્યાં વસ્તુમાં કોઈ ભેદ ન સમજવો. પણ શું થાય? બીજા તો કોઈ ઉપાય નથી. બહુ બુદ્ધિવાળો હોય તોપણ સમજાવવાના કાળે ભેદ પાડીને જ સમજાવવું પડે. ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને પ્રાપ્ત હોય તે આત્મા’, અથવા બહુ ટૂકું કહે તો ‘જ્ઞાન તે આત્મા’-એમ ભેદ પાડીને જ કથન કરે. ભેદ પાડયા વિના સમજાવે શી રીતે? શ્રી સમયસાર કળશટીકા, કળશ પમાં આ વાત લીધી છે, ‘જીવવસ્તુ નિર્વિકલ્પ છે. તે તો જ્ઞાનગોચર છે. તે જ જીવવસ્તુને કહેવા માગે