Pravachan Ratnakar (Gujarati). Gatha: 61-64.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 34 of 210

 

PDF/HTML Page 661 of 4199
single page version

વસ્તુને પર્યાયોથી ભિન્ન અભેદરૂપ જુદી સિદ્ધ કરવી હોય ત્યારે તેના અસાધારણ ગુણમાત્રને મુખ્ય કરીને કહેવામાં આવે છે. જીવને સિદ્ધ કરવો હોય ત્યારે તેનો અસાધારણ ઉપયોગસ્વરૂપ-જ્ઞાનસ્વરૂપ-ત્રિકાળ ટક્તો જે ગુણ-તેને મુખ્ય કરીને કહેવામાં આવે છે. અને ત્યારે પરસ્પર દ્રવ્યોનો નિમિત્ત-નૈમિત્તિકભાવ અથવા નિમિત્તથી થતી સર્વ પર્યાયો ગૌણ થઈ જાય છે. અભાવ થઈ જાય છે એમ નહિ, પણ ગૌણ થઈ જાય છે. અભેદ વસ્તુની દ્રષ્ટિમાં એક સમયની પર્યાય કે ભેદ દેખાતાં નથી. પહેલાં સાતમી ગાથામાં ખુલાસો આવી ગયો છે કે અભેદમાં ભેદ દેખાતો નથી. તથા જો ભેદ દેખવા જાય તો અભેદની દ્રષ્ટિ રહેતી નથી. તેથી અભેદ વસ્તુની દ્રષ્ટિએ વસ્તુમાં ભેદ કે પર્યાય છે જ નહિ એમ કહ્યું છે.

સંસારપર્યાયની દ્રષ્ટિથી જોતાં સંસાર છે, ઉદયભાવ છે. ‘સંસાર નથી’ એમ જે કહ્યું છે એ તો ત્રિકાળી શુદ્ધદ્રવ્યની અપેક્ષાએ કહ્યું છે. ત્રિકાળ સ્વભાવને અભેદદ્રષ્ટિથી જોતાં અર્થાત્ વર્તમાન પર્યાયને અભેદ તરફ વાળતાં, અભેદમાં ભેદ દેખાતા નથી. તેથી ભેદો ત્રિકાળી દ્રવ્યમાં- જીવમાં નથી એમ કહ્યું છે. પરંતુ પર્યાયમાં છે તેથી કથંચિત્ (વ્યવહારથી) સત્ છે. તત્ત્વાર્થસૂત્રમાં પણ ઉદયભાવને, જીવતત્ત્વ કહ્યું છે. પર્યાયનયથી રાગ-પુણ્ય આદિને જીવતત્ત્વ કહેવાય છે. પરંતુ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિમાં તે પર્યાયો ગૌણ થઈ જાય છે.

સંસાર બીલકુલ છે જ નહિ, પર્યાયમાં અશુદ્ધતા છે જ નહિ એમ કોઈ કહે તો તે ભ્રાન્તિ છે. વર્તમાનમાં અશુદ્ધતા છે તેને કોઈ ‘માયા’ એટલે ‘કાંઈ નહિ’ એમ કહે છે. તેને અહીં કહે છે કે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં એ માયા કાંઈ નથી, પણ વર્તમાન પર્યાયમાં તો છે. ‘બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા’ એમ કહે છે; પણ તે કઈ અપેક્ષાએ છે? પર્યાયને ગૌણ કરીને, અભેદમાં દ્રષ્ટિ કરતાં તે ભેદ અભેદમાં નથી એ અપેક્ષાએ ‘બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા’ છે. જો પર્યાય, પર્યાયની અપેક્ષાએ પણ નથી તો સંસાર જ નથી અને તેથી સંસારના અભાવપૂર્વક મોક્ષ પણ નથી. તો કોઈ પર્યાય સિદ્ધ નહિ થાય.

પરમાત્મપ્રકાશના ૪૩ અને ૬૮ મા દોહામાં આવે છે કે-જીવને બંધ નથી અને જીવને મોક્ષ નથી, તથા જીવને ઉત્પાદ-વ્યય નથી. દોહા ૪૩ ની ટીકામાં લખ્યું છે કે-“યદ્યપિ પર્યાયાર્થિકનયકર ઉત્પાદ-વ્યયકર સહિત હૈ, તો ભી દ્રવ્યાયાર્થિકનયકર ઉત્પાદ-વ્યયરહિત હૈ, સદા ધ્રુવ હી હૈ, વહી પરમાત્મા નિર્વિકલ્પ સમાધિકે બલસે તીર્થંકરદેવોંને દેહમેં ભી દેખ લિયા હૈ.” જુઓ, વ્યવહારનયથી જીવ ઉત્પાદ-વ્યય સહિત છે. વર્તમાન પર્યાયની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્પાદ-વ્યય છે, સંસાર છે, ઉદયભાવ છે. પરંતુ દ્રવ્યાર્થિકનયથી જોઈએ તો, વસ્તુમાં ઉત્પાદ-વ્યય નથી. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવમાં ઉત્પાદ-વ્યય નથી. પરંતુ તેથી કરીને વર્તમાન પર્યાયમાં પણ તે નથી એમ નથી.

દોહા ૬૮ ની ટીકામાં લખ્યું છે કે-“યદ્યપિ યહ આત્મા શુદ્ધાત્માનુભૂતિકે અભાવ હોને


PDF/HTML Page 662 of 4199
single page version

પર શુભ-અશુભ ઉપયોગોંસે પરિણમન કરકે જીવન, મરણ, શુભ, અશુભ, કર્મબંધકો કરતા હૈ, ઔર શુદ્ધાત્માનુભૂતિકે પ્રગટ હોનેપર શુદ્ધોપયોગસે પરિણત હોકર મોક્ષકો કરતા હૈ, તો ભી શુદ્ધ પારિણામિક પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયકર ન બંધકા ર્ક્તા હૈ, ઔર ન મોક્ષકા ર્ક્તા હૈ. ઐસા કથન સુનકર શિષ્યને પ્રશ્ન કિયા કિ-હે પ્રભો, શુદ્ધ દ્રવ્યાર્થિકસ્વરૂપ શુદ્ધનિશ્ચયનયકર મોક્ષકા ભી ર્ક્તા નહિ, તો ઐસા સમઝના ચાહિયે કિ-શુદ્ધનયકર મોક્ષ હી નહીં હૈ; જબ મોક્ષ નહિ, તબ મોક્ષકે લિયે યત્ન કરના વૃથા હૈ.” આત્મામાં બંધમોક્ષ નથી તો પછી મોક્ષ કરવાનો પુરુષાર્થ વૃથા છે. એનો ઉત્તર કહે છે-

“મોક્ષ હૈ વહ બંધપૂર્વક હૈ, ઔર બંધ હૈ વહ શુદ્ધનિશ્ચયનયકર હોતા હી નહીં; ઇસ કારણ બંધકે અભાવરૂપ મોક્ષ હૈ વહ ભી શુદ્ધનિશ્ચયનયકર નહીં હૈ. જો શુદ્ધનિશ્ચયનયસે બંધ હોતા, તો હમેશા બંધા હી રહતા, કભી બંધકા અભાવ ન હોતા.” જુઓ, વ્યવહારનયથી- અશુદ્ધનયથી પર્યાયમાં બંધ છે અને બંધના અભાવપૂર્વક મોક્ષનો માર્ગ તથા મોક્ષ પણ છે. પરંતુ તે બધું વ્યવહારનયથી છે. નિશ્ચયનયથી તો બંધ કે મોક્ષ નથી તથા બંધ કે મોક્ષના કારણો પણ નથી. અહા! જૈનદર્શન ખૂબ ઝીણું છે. પર્યાયમાં બંધ છે અને બંધના નાશનો ઉપાય પણ છે. પણ તે બધું વ્યવહાર છે. મોક્ષમાર્ગની પર્યાય પણ વ્યવહાર છે. વ્યવહારરત્નત્રયનો શુભભાવ કે જેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે એની આ વાત નથી. પણ વસ્તુ જે નિર્મળ આનંદસ્વરૂપ ભગવાન છે તેની પરિણતિમાં શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગની દશા થવી તે પર્યાય હોવાથી વ્યવહાર છે એમ વાત છે. વ્યવહારે બંધ છે અને વ્યવહારે મોક્ષ તથા મોક્ષનો માર્ગ છે. આ જ વાત દોહા ૬૮ ની ટીકામાં આગળ દ્રષ્ટાંતથી કહી છેઃ-

“કોઈ એક પુરુષ સાંકલસે બંધ રહા હૈ, ઔર કોઈ એક પુરુષ બંધરહિત હૈ; ઉનમેંસે જો પહલે બંધા થા, ઉસકો તો ‘મુક્ત’ ઐસા કહના ઠીક માલૂમ પડતા હૈ, ઔર દૂસરા જો બંધા હી નહીં, ઉસકો જો ‘આપ છૂટ ગયે’ ઐસા કહા જાય તો વહ ક્રોધ કરે-કિ મૈં કબ બંધા થા સો યહ મુઝે ‘છૂટા’ કહતા હૈ; બંધા હોવે વહ છૂટે, ઇસલિયે બંધેકો તો મોક્ષ કહના ઠીક હૈ, ઔર બંધા હી ન હો ઉસે છૂટે કૈસે કહ સક્તે હૈ? ઉસી પ્રકાર યહ જીવ શુદ્ધનિશ્ચયનયકર બંધા હુઆ નહીં હૈ. ઇસ કારણ મુક્ત કહના ઠીક નહિ હૈ. બંધ ભી વ્યવહારનયકર ઔર મુક્તિ ભી વ્યવહારનયકર હૈ; શુદ્ધનિશ્ચયનયકર ન બંધ હૈ, ન મોક્ષ હૈ ઔર અશુદ્ધનયકર બંધ હૈ, ઇસલિયે બંધકે નાશકા યત્ન ભી અવશ્ય કરના ચાહિયે.” માટે પર્યાયમાં બંધ, બંધના નાશનો ઉપાય મોક્ષમાર્ગ અને મોક્ષ એ સઘળું વ્યવહારનયથી છે પરંતુ ત્રિકાળી દ્રવ્યસ્વભાવમાં એ નથી. આ પ્રમાણે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.

આ કથનથી એમ ન સમજવું કે વ્યવહાર છે માટે તે વ્યવહાર, નિશ્ચયનું કારણ છે.


PDF/HTML Page 663 of 4199
single page version

અર્થાત્ બંધમાર્ગની પર્યાય મોક્ષના માર્ગને પ્રગટ કરે છે એમ ન માનવું. વ્યવહાર, નિશ્ચયનું કારણ છે એમ અહીં સિદ્ધ નથી કરવું. અહીં તો વ્યવહાર છે એટલે કે પર્યાય છે, બંધની પર્યાય છે તેમ જ મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાય છે એમ સિદ્ધ કરવું છે. અહીં વ્યવહાર એટલે રાગની નહીં પણ પર્યાયની (સમુચ્ચય) વાત છે.

અહીં કહે છે કે પહેલાં જે વ્યવહારનયને જૂઠો કહ્યો છે તેનો અર્થ એ છે કે પર્યાય- સંસાર કે મોક્ષ-દ્રવ્યમાં નથી. દ્રવ્યની અપેક્ષાએ વ્યવહારનયને જૂઠો કહ્યો છે. તેથી કરીને તે સર્વથા નથી એમ ન સમજવું. વર્તમાન પર્યાયની અપેક્ષાએ તો એ વ્યવહારનય છે. તેથી એ કથંચિત્ સત્યાર્થ છે. સંસાર છે, ઉદયભાવ છે, એમ જે ભાવો ૨૯ બોલ દ્વારા કહ્યા છે તે સઘળાય પર્યાયપણે છે. એક સમયના સંબંધવાળી પર્યાય અસ્તિપણે છે. પરંતુ આનંદકંદ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ જે અનાદિ-અનંત ચૈતન્યપ્રવાહ છે તેની દ્રષ્ટિમાં તે ભેદો પ્રતિભાસતા નથી તેથી તેઓ દ્રવ્યમાં નથી એમ કથંચિત્ નિષેધ કરવામાં આવ્યો છે. જો તે ભેદ-ભાવોને, કે જે પર્યાયમાં છે તેમને, દ્રવ્યના છે એમ કહેવું હોય તો વ્યવહારનયથી કહી શકાય છે; નિશ્ચયથી તેઓ દ્રવ્યમાં નથી. આમ નિશ્ચય-વ્યવહાર યથાર્થ સમજવા જોઈએ. બીજી રીતે સમજે તો ભ્રમ જ ઉત્પન્ન થાય.

પ્રશ્નઃ– વ્યવહાર સત્ય છે કે નહીં? જો વ્યવહાર સત્ય છે તો વ્યવહાર મોક્ષમાર્ગ સત્ય છે કે નહીં? અને તેથી તે નિશ્ચય મોક્ષમાર્ગનું કારણ છે કે નહીં?

ઉત્તરઃ– ભાઈ! એમ નથી. અહીં તો એમ કહે છે કે-પર્યાયમાં એક સમય પૂરતો બંધ વગેરે છે તે સત્ય છે. આખી ચીજ પ્રભુ ધ્રુવ ચૈતન્યનું દળ જે પરમસ્વભાવભાવ છે તેની એક સમયની દશામાં આ બધા ભેદો છે માટે ‘છે’ એમ કહ્યું છે. પરંતુ એ ત્રિકાળી ધ્રુવની દ્રષ્ટિમાં આવતા નથી તેથી દ્રવ્યદ્રષ્ટિ કરાવવા ‘તેઓ નથી’ એમ નિષેધ કર્યો છે. તેઓ ત્રિકાળી સત્ય નથી. છતાં વ્યવહારથી કહીએ તો તેઓ સત્ય છે કેમકે તેઓ વર્તમાન પર્યાયમાં અસ્તિ છે. ભાઇ! જો વ્યવહારનય છે તો તેનો વિષય પણ છે. તેથી તો કહ્યું છે કે વ્યવહારને પણ છોડીશ નહિ. એટલે કે વ્યવહારનય નથી એમ ન માનીશ. વ્યવહારને જો નહિ માને તો ચોથું પાંચમું આદિ ગુણસ્થાનો રહેશે નહિ, તીર્થ-ભેદો અને તીર્થફળ રહેશે નહિ. પણ તેથી કરીને એવો અર્થ નથી કે વ્યવહારથી નિશ્ચય પમાય છે. એ વ્યવહારને લઈને (વ્યવહારના આશ્રયે) તીર્થ એટલે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય છે એમ નથી. અહીં કહે છે કે-આ ભેદ-ભાવો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી એ નિશ્ચય છે. પરંતુ તેઓ એક સમયની પર્યાયમાં છે તેથી, દ્રવ્યમાં છે એમ કહેવામાં આવે તો, વ્યવહારનયથી કહી શકાય છે. આવો નયવિભાગ છે.


PDF/HTML Page 664 of 4199
single page version

ત્રિકાળી ભગવાન આત્મા નિર્વિકલ્પ સમ્યગ્દર્શન અને સમાધિથી જણાય એવો છે. સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન છે. તેનું અલ્પ નિર્મળ પરિણમન તે ઉપાય છે અને તેનું પૂર્ણ નિર્મળ પરિણમન તે ઉપેય છે, ફળ છે. ત્યાં એમ નથી કહ્યું કે મંદરાગનો ભાવ તે ઉપાય છે. તથા જ્યાં બીજે ઠેકાણે તેને (મંદરાગને) ઉપાય કહ્યો છે ત્યાં રાગ છે એટલું જણાવવા માટે કહ્યું છે. અહાહા! વસ્તુ જ્ઞાનાનંદસ્વભાવી ત્રિકાળી જ્ઞાયક ભગવાન છે. તેની દશામાં દ્રવ્યસ્વભાવનું અપૂર્ણ વીતરાગી પરિણમન તે ઉપાય છે અને પૂર્ણ વીતરાગી પરિણમન તે ઉપેય એટલે ફળ છે. સ્વભાવ-પરિણમનની જ અપૂર્ણતા અને પૂર્ણતામાં ઉપાય અને ઉપેય સમાય છે. રાગ-વ્યવહાર તે ઉપાય છે એમ નથી. આવી વાત ઝીણી પડે, પણ માર્ગ તો આ જ છે, બાપુ! આ શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ જે આત્મા તેનું અધૂરું શુદ્ધ પરિણમન તે ઉપાય-કારણ-માર્ગ છે અને તેનું પરિપૂર્ણ શુદ્ધ પરિણમન તે ઉપેય-ફળ છે. પરંતુ વ્યવહારરત્નત્રય ઉપાય-કારણ છે એમ નથી. અહીં તો વ્યવહાર (ભેદ, પર્યાય, આદિ) છે એમ સિદ્ધ કરવું છે. પરંતુ મંદરાગ જે વ્યવહારથી, વ્યવહાર મોક્ષમાર્ગ કહેવાય છે તે નિશ્ચયનું કારણ છે એમ સિદ્ધ નથી કરવું. (અને એમ છે પણ નહિ).

આત્મા જે ત્રિકાળી ભગવાન ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ એવું ધ્રુવપદ-નિજપદ છે તે અનાદિ અનંત શુદ્ધ જ્ઞાયકભાવપણે છે. તેને અને કર્મને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નથી. અર્થાત્ વસ્તુ જે શુદ્ધ દ્રવ્ય છે તે નૈમિત્તિક અને કર્મ નિમિત્ત એમ નથી. પરંતુ વસ્તુની વિકારી પર્યાય તે નૈમિત્તિક અને કર્મ નિમિત્ત-એવો વ્યવહાર સંબંધ પર્યાયમાં છે. અહીં શુદ્ધનયની દ્રષ્ટિથી કથન છે તેથી આ સર્વ ભાવોને સિદ્ધાંતમાં જીવના કહ્યા છે તે વ્યવહારનયથી કહ્યા છે. તે ભાવો વ્યવહારથી અસ્તિ છે અને તે વ્યવહારનયનો વિષય છે. કર્મ તે નિમિત્ત અને રાગાદિનું થવું તે નૈમિત્તિક એમ નિમિત્ત-નૈમિત્તિકભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ છે એમ કહી શકાય છે. રાગ, વિકાર, અશુદ્ધતા, મલિનભાવ, ઉદયભાવ આદિ જીવમાં છે એમ વ્યવહારથી કહી શકાય છે. પરંતુ ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં તે નથી તે અપેક્ષાએ તે જૂઠા-અસત્યાર્થ છે. આ પ્રમાણે વ્યવહાર કથંચિત્ સત્યાર્થ અને કથંચિત્ અસત્યાર્થ છે. જો વ્યવહારને સર્વથા અસત્યાર્થ જ કહેવામાં આવે તો વ્યવહારનો લોપ થઈ જાય અને તેથી પરમાર્થનો પણ લોપ થઈ જાય. કારણ કે પર્યાયમાં જો રાગાદિ નથી, પુણ્ય-પાપનું બંધન નથી તો રાગનો જેમાં અભાવ કરવાનો છે તેવો મોક્ષમાર્ગ અને મોક્ષ પણ નથી. અહીં તો વ્યવહાર છે એટલું જ સિદ્ધ કરવું છે. પણ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ સિદ્ધ નથી કરવું. વ્યવહાર મોક્ષમાર્ગ તો રાગ છે અને તે ત્રિકાળી દ્રવ્યની અપેક્ષાએ તો છે જ નહીં. પર્યાયમાં રાગ છે એટલું સત્યાર્થ છે, પરંતુ તે વ્યવહાર છે-એટલો રાગ છે-માટે નિશ્ચય પમાય છે એમ નથી.

પ્રશ્નઃ– શાસ્ત્રમાં આવે છે કે સમક્તિીને દુઃખ છે જ નહિ, અશુદ્ધતા છે જ નહિ. તો એ કેવી રીતે છે?


PDF/HTML Page 665 of 4199
single page version

સમાધાનઃ– ભાઈ! સમ્યગ્દર્શનનો વિષય ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. અહાહા! ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જેણે દ્રષ્ટિમાં લીધું છે એવા સમ્યગ્દ્રષ્ટિને અશુદ્ધતા કે દુઃખ છે જ નહિ. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયમાં અશુદ્ધતા થાય એવી કોઈ શક્તિ જ નથી. દ્રષ્ટિ પણ અશુદ્ધ થાય એમ નથી તથા તેનો વિષય જે ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે તે પણ અશુદ્ધ થાય એવો તેનામાં કોઈ ગુણ નથી. તેથી દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને અશુદ્ધતા અને દુઃખ નથી. પરંતુ જ્ઞાન વડે જુએ ત્યારે પર્યાયમાં જ્ઞાનીને તથા મુનિને પણ કિંચિત્ અશુદ્ધતા છે, દુઃખ છે. જ્ઞાનીને રાગ છે અને તેનું પરિણમન પણ છે. તે પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તેનો ર્ક્તા પણ છે. ૪૭ નયોમાં પણ આવે છે કે-ધર્મી જીવને પણ રાગનું પરિણમન છે અને તેટલું દુઃખ પણ છે. તથા તે રાગનો ર્ક્તા અને ભોક્તા પણ તે જ્ઞાની છે. ભાઈ! અહીં તો અંશે અંશને જોવાનો છે. કોઈ એકાંતે માની લે કે ધર્મીને રાગ-દ્વેષ-દુઃખ હોય જ નહિ તો એમ નથી. ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અને તેની દ્રષ્ટિની અપેક્ષાએ તે વાત યથાર્થ છે. પણ પર્યાયમાં? અહા! છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મુનિ પણ (સમયસાર કળશ ૩ માં) એમ કહે છે કે અમને હજુ કલુષિતતા છે. અહા! એક બાજુ એમ કહે કે સમક્તિીને અશુદ્ધતા ન હોય, તેનું પરિણમન અશુદ્ધ ન હોય અને બીજી બાજુ છઠ્ઠા ગુણસ્થાનવર્તી આચાર્ય એમ કહે કે અમને હજુ અશુદ્ધતાનું પરિણમન છે અને તેથી તેટલું દુઃખનું વેદન પણ છે!! ભાઈ! સમક્તિીને દ્રષ્ટિની સાથે જે જ્ઞાન થયું છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને જાણે છે અને વર્તમાન પર્યાયમાં રાગનું પરિણમન જેટલું છે તેને પણ જાણે છે. અશુદ્ધતાનું- રાગનું જે પરિણમન છે તેનો હું ર્ક્તા છું, કર્મને લઈને તે થાય છે એમ નથી; તથા પરિણમનમાં મને બીલકુલ રાગ જ નથી એમ પણ નથી-આવું જ્ઞાની યથાર્થ જાણે છે.

અહીં કહે છે કે-જો પર્યાયમાં રાગાદિ નથી એમ કોઈ માને તો રાગના અભાવ કરવાના પુરુષાર્થનો પણ લોપ થાય છે. કારણ કે જો પર્યાયમાં રાગ નથી તો તેના નાશનો ઉપાય પણ પર્યાયમાં સિદ્ધ થતો નથી.

પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં કહ્યું છે કે-વિકારનું પરિણમન જીવના અસ્તિત્વમાં છે અને તે પોતાને કારણે છે. વિકારનું ષટ્કારકરૂપ પરિણમન પોતાથી છે, તેને પરકારકની અપેક્ષા નથી. રાગ-વિકાર છે તે અસ્તિ છે અને તે વિકાર, વિકારને કારણે છે, દ્રવ્ય-ગુણના કારણે નહિ તેમ જ પર નિમિત્તને કારણ પણ નહિ. એ પંચાસ્તિકાય શાસ્ત્ર છે. તેથી ત્યાં જીવાસ્તિકાયનું- દ્રવ્ય-ગુણ-પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. જીવની પર્યાયમાં જે વિકાર થાય છે તે પરથી નિરપેક્ષ સ્વતઃસિદ્ધ, અહેતુકપણે થાય છે અને તે જીવના અસ્તિત્વમાં થાય છે.

પ્રશ્નઃ– વિકાર સ્વપર-હેતુક છે એમ શાસ્ત્રોમાં આવે છે ને?

ઉત્તરઃ– એ તો એકલા સ્વથી જ (શુદ્ધ દ્રવ્યથી) વિકાર થાય નહિ એમ બતાવવા વિકારની ઉત્પત્તિમાં ઉપાદાન અને નિમિત્ત એમ બે હેતુ ત્યાં સિદ્ધ કર્યા છે. વિકારને જ્યારે


PDF/HTML Page 666 of 4199
single page version

વિભાવ તરીકે અથવા પર નિમિત્તના આશ્રયે થયેલી દશા છે એમ બતાવવું હોય ત્યારે, ઉપાદાન તે સ્વ અને નિમિત્ત તે પર-એમ સ્વપરથી ઉત્પન્ન થયેલી છે એમ કહેવાય છે. વિકાર એકલા સ્વથી (સ્વભાવથી) ઉત્પન્ન થાય એમ બને નહિ. પર ઉપર લક્ષ જતાં પર્યાયમાં વિકાર થાય છે. માટે વિકારને સ્વપરહેતુક કહ્યો છે.

જ્યારે અહીં એમ કહ્યું કે એ રાગાદિ બધાય કર્મજન્ય છે. એ તો એ ભાવો બધાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી અને પર્યાયમાંથી કાઢી નાખવા યોગ્ય છે માટે દ્રવ્યદ્રષ્ટિ કરાવવા એમ કહ્યું છે. પરમાત્મપ્રકાશમાં પણ રાગ-દ્વેષાદિને કર્મજન્ય કહ્યા છે, કારણ કે તેઓ શુદ્ધ આત્મદ્રવ્યથી નીપજતા નથી. ભાઈ, અશુદ્ધતા દ્રવ્યમાં કયાં છે કે જેથી તે ઉત્પન્ન થાય? પર્યાયમાં જે અશુદ્ધતા થઈ છે એ તો પર્યાયનું લક્ષ પર ઉપર ગયું છે તેથી થઈ છે. તેથી તો તેને સ્વપર-હેતુથી થયેલો ભાવ કહે છે.

ભાઈ! એક સમયની પર્યાયમાં રાગ-અશુદ્ધતા જે થઈ છે તે સત્ છે અને તેથી અહેતુક છે એમ પંચાસ્તિકાયમાં સિદ્ધ કર્યું છે.

એ રાગ-અશુદ્ધતા (સ્વભાવના લક્ષે નહિ પણ) પરના લક્ષે થઈ છે એમ બતાવવા તેને સ્વપરહેતુક કહી છે.

અને પછી ત્રિકાળ વસ્તુમાં એ રાગ-અશુદ્ધતા નથી તથા પર્યાયમાં એક સમયના સંબંધે છે તે કાઢી નાખવા જેવી છે તે અપેક્ષાએ તેને કર્મજન્ય ઉપાધિ કહી છે.

અહા! એકવાર કહે કે અશુદ્ધતા સ્વયં પોતાથી છે, પછી કહે કે તે સ્વપર હેતુથી છે અને વળી કહે કે તે એકલી કર્મજન્ય છે!!! ભાઈ, જે અપેક્ષાએ જયાં જે કહ્યું હોય તે અપેક્ષાએ ત્યાં તે સમજવું જોઈએ. શ્રીમદે પણ કહ્યું છે કે-

જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ;
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ.

ભાઈ! જે અપેક્ષા હોય તે અપેક્ષાથી જ્ઞાન કરવાને બદલે બીજી અપેક્ષા ખોળવા-ગોતવા જઈશ તો સત્ય નહીં મળે.

उत्पादव्ययध्रौव्ययुक्तम् सत् એમ સિદ્ધ કરવું હોય ત્યાં રાગનો-મિથ્યાત્વાદિનો ઉત્પાદ દ્રવ્યની પર્યાયમાં છે અને તે પોતાથી સત્ છે એમ કહે છે. સત્ છે માટે તેને પર કારકની અપેક્ષા નથી. એ જ વાત પંચાસ્તિકાયની ગાથા ૬૨માં કહી છે કે-જે સંસારની પર્યાય છે તે પરકારકની અપેક્ષા વિના સ્વતઃ જીવની પર્યાય છે. તે કાંઈ પરથી થઈ છે એમ નથી.

હવે તે મિથ્યાત્વાદિનો સંસારભાવ છે તે વિભાવ છે. અને વિભાવ છે તે સ્વરૂપના લક્ષે ન

થાય, પરન્તુ પરના લક્ષે જ થાય. તેથી તેને સ્વપરહેતુક કહેવામાં આવે છે. તથા આ ગાથામાં અને પરમાત્મપ્રકાશમાં તે બધાય ભાવોને પુદ્ગલના કહ્યા છે. કળશ ૪૪માં આવે છે કે-‘આ


PDF/HTML Page 667 of 4199
single page version

અનાદિકાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં વર્ણાદિમાન પુદ્ગલ જ નાચે છે.’ જીવદ્રવ્યને એકલા ધ્રુવ ચૈતન્યમાત્ર સ્વભાવથી જોઈએ તો તે એક-એકલું જ છે. એ જીવદ્રવ્ય એકલું છે તે કેમ નાચે? ભગવાન આત્માનો તો કાંઈ નાચ નથી. એ બધી પર્યાયોમાં એક પુદ્ગલનો જ નાચ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યની અપેક્ષાએ એ સઘળા અન્ય ભાવોમાં એક પુદ્ગલ જ નાચે છે-એમ કહ્યું છે. આ પ્રમાણે આવો ભગવાન જિનદેવનો ઉપદેશ સ્યાદ્વાદરૂપ છે, અને તે પ્રમાણે સમજ્યે જ સમ્યગ્જ્ઞાન છે. જે અપેક્ષાએ રાગાદિ દ્રવ્યમાં નથી અને જે અપેક્ષાએ તેઓ પર્યાયમાં છે-એમ જે ઉપદેશ કર્યો છે તે રીતે યથાર્થ જાણવું જોઈએ. જિનદેવના ઉપદેશમાં તો અપેક્ષાથી કથન છે. માટે તે રીતે સમજે તો જ સમ્યગ્જ્ઞાન છે.

વળી કહે છે કે-સર્વથા એકાંત તે મિથ્યાત્વ છે. રાગ એકાંતે પર ચીજ છે અને આત્મામાં (પર્યાયમાં) નથી એમ માને તો તે મિથ્યા એકાંત છે. તથા રાગ દ્રવ્યમાં (ધ્રુવમાં) પણ છે એમ માને તો તે પણ મિથ્યાત્વ છે.

પ્રશ્નઃ– રાગ જેટલો થાય છે તે નાશ પામીને અંદર જાય છે ને? પર્યાયનો વ્યય તો થાય છે. તો તે વ્યય થઈને કયાં જાય છે? જો અંદર જાય છે, તો વિકાર અંદર ગયો કે નહીં?

ઉત્તરઃ– ભાઈ, વિકાર અંદર દ્રવ્યસ્વભાવમાં નથી. પર્યાયનો જે વ્યય થયો છે તે પારિણામિકભાવમાં યોગ્યતારૂપ થઈ ગયો છે. વર્તમાનમાં વિકાર જે પ્રગટ છે તે ઉદયભાવરૂપ છે. પરંતુ જ્યારે તેનો વ્યય થાય છે ત્યારે તે પારિણામિકભાવે થઈને અંદર જાય છે. તેવી જ રીતે ક્ષયોપશમભાવની પર્યાય પણ વ્યય પામે છે અને બીજે સમયે બીજી પર્યાય ઉત્પન્ન થાય છે. પરંતુ પહેલાંનો ભાવ વ્યય પામીને ગયો કયાં? શું તે અંદરમાં ક્ષયોપશમભાવે છે? ના, તે પારિણામિકભાવે અંદર વસ્તુમાં છે.

અહીં કહે છે કે સર્વથા એકાંત સમજે તો મિથ્યાત્વ છે. આથી કોઈ એમ કહે કે-બંધના માર્ગથી (વ્યવહારરત્નત્રયથી) પણ મોક્ષ થાય છે એમ કહો; અન્યથા સર્વથા એકાન્ત થઈ જશે. તો એ વાત યથાર્થ નથી. ભાઈ! મોક્ષનો માર્ગ સર્વથા નિર્મળ પરિણતિથી જ થાય છે અને એમાં સર્વથા રાગની પરિણતિ છે જ નહિ એવો આ સમ્યક્ અનેકાન્ત છે. નિશ્ચયથી જે શુદ્ધરત્નત્રયની નિર્મળ પર્યાય છે તે જ મોક્ષનો માર્ગ છે. પરંતુ સાથે રાગને નિમિત્ત-સહચર દેખીને તેને વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો છે. પરંતુ તેથી તે રાગ, જે બંધનું કારણ છે તે, મોક્ષનું કારણ થઈ જાય એમ નથી. આ પ્રમાણે જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.

[પ્રવચન નં. ૧૦પ (શેષ) ૧૦૬ * દિનાંક ૨૪-૬-૭૬ થી ૨પ-૬-૭૬]

PDF/HTML Page 668 of 4199
single page version

कुतो जीवस्य वर्णादिभिः सह तादात्म्यलक्षणः सम्बन्धो नास्तीति चेत्

तत्थ भवे जीवाणं संसारत्थाण होंति वण्णादी।
संसारपमुक्काणं णत्थि हु वण्णादओ केई।। ६१ ।।
तत्र भवे जीवानां संसारस्थानां भवन्ति वर्णादयः।
संसारप्रमुक्तानां न सन्ति खलु वर्णादयः केचित्।। ६१ ।।

_________________________________________________________________

હવે પૂછે છે કે વર્ણાદિક સાથે જીવનો તાદાત્મ્યલક્ષણ સંબંધ કેમ નથી? તેનો ઉત્તર કહે છેઃ-

સંસારી જીવને વર્ણ આદિ ભાવ છે સંસારમાં,
સંસારથી પરિમુક્તને નહિ ભાવ કો વર્ણાદિના. ૬૧.

ગાથાર્થઃ– [वर्णादयः] વર્ણાદિક છે તે [संसारस्थानां] સંસારમાં સ્થિત [जीवानां] જીવોને [तत्र भवे] તે સંસારમાં [भवन्ति] હોય છે અને [संसारप्रमुक्तानां] સંસારથી મુક્ત થયેલા જીવોને [खलु] નિશ્ચયથી [वर्णादयः केचित्] વર્ણાદિક કોઈ પણ (ભાવો) [न सन्ति] નથી; (માટે તાદાત્મ્યસંબંધ નથી).

ટીકાઃ– જે નિશ્ચયથી બધીયે અવસ્થાઓમાં યદ્-આત્મકપણાથી અર્થાત્ જે- સ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તદ્-આત્મકપણાની અર્થાત્ તે-સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ હોય છે. (જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ, તે વસ્તુનો તે ભાવોની સાથે તાદાત્મ્યસંબંધ હોય છે.) માટે બધીયે અવસ્થાઓમાં જે વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતું નથી એવા પુદ્ગલનો વર્ણાદિભાવોની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ છે; અને જોકે સંસાર-અવસ્થામાં કથંચિત્ વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોતો નથી તોપણ મોક્ષ-અવસ્થામાં જે સર્વથા વર્ણાદિસ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત હોય છે અને વર્ણાદિસ્વરૂપપણાથી વ્યાપ્ત હોતો નથી એવા જીવનો વર્ણાદિભાવોની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ કોઈ પણ પ્રકારે નથી.


PDF/HTML Page 669 of 4199
single page version

ભાવાર્થઃ– દ્રવ્યની સર્વ અવસ્થાઓને વિષે દ્રવ્યમાં જે ભાવો વ્યાપે તે ભાવો સાથે દ્રવ્યનો તાદાત્મ્યસંબંધ કહેવાય છે. પુદ્ગલની સર્વ અવસ્થાઓને વિષે પુદ્ગલમાં વર્ણાદિભાવો વ્યાપે છે તેથી વર્ણાદિભાવો સાથે પુદ્ગલનો તાદાત્મ્યસંબંધ છે. સંસાર-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો કોઈ પ્રકારે કહી શકાય છે પણ મોક્ષ-અવસ્થાને વિષે જીવમાં વર્ણાદિભાવો સર્વથા નથી તેથી વર્ણાદિભાવો સાથે જીવનો તાદાત્મ્યસંબંધી નથી એ ન્યાય છે.

* શ્રી સમયસાર ગાથા–૬૧ મથાળું *

હવે પૂછે છે કે-વર્ણાદિને આત્મા સાથે ત્રિકાળ સંબંધ કેમ નથી? આપે આત્માની સાથે તેમનો એક સમયની પર્યાય પૂરતો ક્ષણિક-અનિત્ય સંબંધ કહ્યો. પરંતુ તે રંગ, રાગ, ગુણસ્થાન આદિ સાથે જીવને તાદાત્મ્યસંબંધ કેમ નથી? તેનો ઉત્તર આપે છેઃ-

* ગાથા ૬૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

જે નિશ્ચયથી બધીય અવસ્થાઓમાં જે-સ્વરૂપપણાથી વ્યાપ્ત હોય અને તે સ્વરૂપપણાની વ્યાપ્તિથી રહિત ન હોય, તેનો તેમની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ હોય છે. જેમકે જ્ઞાન સાથે આત્માને જે સંબંધ છે તે તાદાત્મ્યલક્ષણ સંબંધ છે, કેમકે આત્માની સર્વ અવસ્થાઓમાં તે જ્ઞાનસ્વરૂપપણાથી વ્યાપ્ત છે અને જ્ઞાનસ્વરૂપપણાની વ્યાપ્તિથી કયારેય રહિત નથી. પરંતુ રાગ-ઉદયભાવ સાથે આત્માને તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી, કેમકે આત્માની સર્વ અવસ્થાઓમાં ઉદયભાવ વ્યાપ્ત હોય અને કયારેય એની વ્યાપ્તિથી રહિત ન હોય એમ બનતું નથી. સંસાર અવસ્થામાં રાગ-ઉદયભાવ હોય છે પરંતુ મોક્ષ અવસ્થામાં તે સર્વથા નથી.

ખરેખર, જે બધી દશાઓમાં જે સ્વરૂપથી વ્યાપ્ત એટલે પ્રસરેલ હોય અને તે સ્વરૂપથી કયારેય રહિત ન હોય તેનો, તેમની સાથે તાદાત્મ્યસંબંધ હોય છે. અર્થાત્ જે વસ્તુ સર્વ અવસ્થાઓમાં જે ભાવોસ્વરૂપ હોય અને કોઈ અવસ્થામાં તે ભાવોસ્વરૂપપણું છોડે નહિ તે વસ્તુનો, તે ભાવો સાથે તાદાત્મ્યસંબંધ છે. માટે જેની બધીય અવસ્થાઓમાં વર્ણાદિ વ્યાપ્ત હોય છે તે પુદ્ગલની સાથે વર્ણાદિને તાદાત્મ્યસંબંધ છે. કાળો, રાતો આદિ જે વર્ણ છે તેનું પુદ્ગલની સાથે તાદાત્મ્ય છે, કેમકે તે વિના પુદ્ગલની કોઈ અવસ્થા હોતી નથી. તેવી રીતે જે ગુણસ્થાન આદિ ભેદ પડયા છે તેને પણ પુદ્ગલની સાથે તાદાત્મ્યસંબંધ છે કેમકે પુદ્ગલના નિમિત્ત વિના તે ભેદો હોતા નથી. અહો! આ સમયસાર તો કેવું અદ્ભુત શાસ્ત્ર છે! એમાં આખાય બ્રહ્માંડના ભાવો ભર્યા છે!

પુદ્ગલની બધીય અવસ્થાઓમાં તે વર્ણાદિ વ્યાપ્ત હોય છે અને તેની વ્યાપ્તિથી રહિત પુદ્ગલ હોતું નથી. માટે વર્ણાદિભાવોનો પુદ્ગલ સાથે તાદાત્મ્યસંબંધ છે પણ


PDF/HTML Page 670 of 4199
single page version

આત્માની સાથે નથી. તેઓ સંસાર અવસ્થામાં કથંચિત્ વ્યાપ્ત-પ્રસરેલા છે તોપણ મોક્ષ અવસ્થામાં સર્વથા હોતા નથી. માટે તેઓને જીવની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી. સંસાર અવસ્થામાં રાગ-ભેદથી વ્યાપ્તિ હોય છે અને ત્યારે વર્ણાદિરૂપપણાની વ્યાપ્તિથી રહિત જીવ હોતો નથી, તોપણ મોક્ષ અવસ્થામાં સર્વથા વ્યાપ્તિ હોતી નથી. માટે જીવને તે વર્ણાદિભાવો સાથે તાદાત્મ્યસંબંધ નથી. અહાહા! વર્ણાદિમાં એક પુદ્ગલ જ નાચે છે. ભગવાન આત્મા તો જ્ઞાયકસ્વરૂપે શુદ્ધ ચિદ્રૂપ એકરૂપ છે. તે એમાં કેમ નાચે? ન જ નાચે એમ કહે છે.

જોકે સંસાર અવસ્થામાં કથંચિત્ વર્ણાદિની વ્યાપ્તિ હોય છે તોપણ મોક્ષ અવસ્થામાં તેઓની વ્યાપ્તિ હોતી નથી, વ્યાપ્તિથી સર્વથા રહિત હોય છે. માટે વર્ણાદિભાવો સાથે જીવને કોઈપણ પ્રકારે તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી. આત્માને જ્ઞાન, આનંદ સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ છે કારણ કે કોઈપણ અવસ્થામાં જ્ઞાનાનંદરૂપપણું આત્મામાં ન હોય એમ બનતું નથી. પરંતુ આ વર્ણાદિ ભાવો સંસાર અવસ્થામાં કથંચિત્ હોય છે તોપણ મોક્ષ અવસ્થામાં તેઓનો સર્વથા અભાવ છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંતના સર્વ ભાવો સાથે જીવને તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી.

* ગાથા ૬૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

દ્રવ્ય જે વસ્તુ છે તેની બધી અવસ્થાઓમાં જે વ્યાપે તેને, તે દ્રવ્ય સાથે એકરૂપ સંબંધ કહેવાય છે. તેથી પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં જે વર્ણાદિભાવો વ્યાપે છે તેને, પુદ્ગલની સાથે એકરૂપતાનો સંબંધ છે. ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલના (કર્મના) નિમિત્તે પડે છે. અહાહા! આત્મા વસ્તુ ત્રિકાળી ધ્રુવ અભેદ એકરૂપ ચૈતન્યમાત્ર છે. તેને કારણે ભેદ કેમ પડે? માટે પુદ્ગલના નિમિત્તથી જે આ વર્ણથી ગુણસ્થાન પર્યંત ભેદ પડે છે તે, આત્માની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી પણ પુદ્ગલની સર્વ અવસ્થાઓમાં વ્યાપે છે. તે કારણે તે બધા પુદ્ગલની સાથે તાદાત્મ્યલક્ષણ સંબંધ રાખે છે. અખંડ, અભેદ એક ચિન્માત્રસ્વરૂપ વસ્તુની દ્રષ્ટિએ રંગ-રાગ-જીવસ્થાન-માર્ગણાસ્થાન આદિ ભેદો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં આ બધા ભાવો હોય છે. માટે તેઓને પુદ્ગલની સાથે તાદાત્મ્ય સંબંધ છે.

સંસાર અવસ્થામાં જીવમાં રંગ-રાગ આદિ ભાવો કોઈ અપેક્ષાએ કહી શકાય છે. પરંતુ મોક્ષ અવસ્થામાં તેઓ જીવમાં સર્વથા નથી. તેથી વર્ણાદિ સાથે જીવને એકરૂપતાનો સંબંધ નથી. ર્ક્તા-કર્મ અધિકારમાં પણ એ જ કહ્યું છે કે જે દયા, દાન, વ્રત, ભક્તિ, આદિનો ભાવ થાય છે તે સંયોગલક્ષણ છે. તેઓ સંયોગીભાવ છે, સ્વભાવભાવ નથી. માટે એ દયા, દાન, આદિ ભાવો સાથે આત્માને તાદાત્મ્યસંબંધ નથી. જેમ બીજી સંયોગી ચીજ છે તેમ તે પણ સંયોગી ચીજ છે. માટે વર્ણાદિ ભાવો સાથે ભગવાન આત્માને એકરૂપપણાનો તાદાત્મ્યલક્ષણ સંબંધ નથી એ ન્યાય છે.


PDF/HTML Page 671 of 4199
single page version

અહાહા! આત્મા જે શુદ્ધ ચિદ્રૂપ વસ્તુ છે તેના તરફ ઢળવાના ભાવમાં તો આત્મા અભેદપણે દ્રષ્ટિમાં લેવા યોગ્ય છે. જ્યારે આ બધા ભેદ-ભાવો, કે જે પુદ્ગલના સંબંધે થાય છે તેની દ્રષ્ટિ છોડી દેવા યોગ્ય છે. માટે તો તેઓ આત્માના નથી એમ કહ્યું છે. આ વર્ણથી શરૂ કરીને માર્ગણાસ્થાન-ગુણસ્થાન આદિ જે ભેદો કહ્યા છે તે બધાય પુદ્ગલની સાથે સંબંધવાળા છે. જ્યાં જ્યાં તેઓ છે ત્યાં ત્યાં તેઓને પુદ્ગલની સાથે સંબંધ છે. પરંતુ જ્યાં જ્યાં ભગવાન આત્મા છે ત્યાં ત્યાં તેઓની સાથે સંબંધ છે નહીં, કારણ કે સંસાર અવસ્થામાં એક સમય પૂરતો પર્યાયમાં સંબંધ છે તોપણ મોક્ષ અવસ્થામાં સર્વથા સંબંધ નથી. તેથી ધર્મીએ એક અભેદસ્વભાવની જ દ્રષ્ટિ કરવી એમ અભિપ્રાય છે. આ જીવ-અજીવ અધિકાર છે. તેથી રંગ, રાગ, પુણ્ય, પાપ, ગુણસ્થાન આદિ સર્વ ભાવોને અહીં અજીવમાં નાખ્યા છે. આશય એ છે કે અભેદ એક ચિન્માત્ર અખંડ વસ્તુનો આશ્રય કરવો અર્થાત્ સમ્યગ્દર્શન અને નિર્વિકલ્પ શાંતિની પર્યાય દ્વારા તે એકને જ ગ્રહણ કરવો, અનુભવવો.

[પ્રવચન નં. ૧૦૬ (શેષ)-૧૦૭ * દિનાંક ૨પ-૬-૭૬ થી ૨૬-૬-૭૬]

PDF/HTML Page 672 of 4199
single page version

जीवस्य वर्णादितादात्म्यदुरभिनिवेशे दोषश्चायम्–

जीवो चेव हि एदे सव्वे भाव त्ति मण्णसे जदि हि।
जीवस्साजीवस्स य णत्थि विसेसो दु दे कोई।। ६२ ।।
जीवश्चैव ह्येते सर्वे भावा इति मन्यसे यदि हि।
जीवस्याजीवस्य च नास्ति विशेषस्तु ते कश्चित्।। ६२ ।।

_________________________________________________________________

હવે, જીવનું વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ કરે તો તેમાં આ દોષ આવે છે એમ ગાથામાં બતાવે છેઃ-

આ ભાવ સર્વે જીવ છે જો એમ તું માને કદી,
તો જીવ તેમ અજીવમાં કંઈ ભેદ તુજ રહેતો નથી! ૬૨.

ગાથાર્થઃ– વર્ણાદિકની સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહે છે કેઃ હે મિથ્યા અભિપ્રાયવાળા! [यदि हि च] જો તું [इति मन्यसे] એમ માને કે [एते सर्वे भावाः] વર્ણાદિક સર્વ ભાવો [जीवः एव हि] જીવ જ છે, [तु] તો [ते] તારા મતમાં [जीवस्य च अजीवस्य] જીવ અને અજીવનો [कश्चित्] કાંઈ [विशेषः] ભેદ [नास्ति] રહેતો નથી.

ટીકાઃ– જેમ વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ (પ્રગટ થવું, ઊપજવું) અને તિરોભાવ (ઢંકાવું, નાશ થવું) પામતી એવી તે તે વ્યક્તિઓ વડે (અર્થાત્ પર્યાયો વડે) પુદ્ગલદ્રવ્યની સાથે સાથે રહેતા થકા, પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે-વિસ્તારે છે, તેવી રીતે વર્ણાદિક ભાવો, અનુક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થકા, જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે, વિસ્તારે છે- એમ જેનો અભિપ્રાય છે તેના મતમાં, અન્ય બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપપણું-કે જે પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છે-તેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી, જીવ-પુદ્ગલના અવિશેષનો પ્રસંગ આવે છે, અને એમ થતાં, પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.

ભાવાર્થઃ– જેમ વર્ણાદિક ભાવો પુદ્ગલદ્રવ્ય સાથે તાદાત્મ્યસ્વરૂપે છે તેમ જીવ સાથે પણ તાદાત્મ્યસ્વરૂપે હોય તો જીવ-પુદ્ગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે.


PDF/HTML Page 673 of 4199
single page version

* શ્રી સમયસાર ગાથા ૬૨ઃ મથાળું *

હવે, જીવનું વર્ણાદિ સાથે એટલે રંગ-રાગ-ગુણસ્થાનાદિ સાથે તાદાત્મ્ય-એકરૂપપણું છે એવો મિથ્યા અભિપ્રાય કોઈ પ્રગટ કરે તો તેમાં દોષ આવે છે એમ ગાથા દ્વારા કહે છેઃ-

* ગાથા ૬૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

રાગાદિ, જે પુદ્ગલના પરિણામ છે તે, જો તું તારા-જીવના છે એમ માનીશ તો જીવ અને અજીવમાં કાંઈ ભેદ રહેતો નથી એમ કહે છે. આ ગાથા અને ટીકા સૂક્ષ્મ છે. અરે, આખુંય સમયસાર જ સૂક્ષ્મ છે અને એથીય સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભગવાન આત્મા છે. ચૈતન્ય ભગવાન અનંત ગુણથી તાદાત્મ્યસ્વરૂપ મહાપ્રભુ છે. તેના ઉપર દ્રષ્ટિ કરવાથી ધર્મની-સમ્યગ્દર્શનની શરૂઆત થાય છે. અને તે સિવાય લાખ, ક્રોડ કે અનંત દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ કરે તોપણ એથી સમ્યગ્દર્શન થતું નથી. કારણ કે એ તો બધો રાગ છે અને તે રાગને પુદ્ગલની સાથે તાદાત્મ્ય છે. જ્યાં જ્યાં પુદ્ગલ ત્યાં ત્યાં રંગ-રાગ-ભેદાદિ હોય છે, પણ જ્યાં જ્યાં ભગવાન આત્મા ત્યાં ત્યાં રંગ-રાગ-ભેદાદિ હોતા નથી-એમ અહીં કહે છે. અહો! શું અલૌકિક વાત છે! તેને ધ્યાન દઈને શાંતિથી સાંભળવી.

ગુણસ્થાન આદિ ભેદો પર્યાયમાં ઉત્પન્ન થયા છે તે તેમની ઉત્પત્તિની ‘જન્મક્ષણ’ છે તેથી ઉત્પન્ન થયા છે, નિમિત્ત વડે ઉત્પન્ન થયા છે એમ નથી. એ ભેદો જીવની પર્યાયમાં પોતાથી થયા છે, પરંતુ આત્મામાં-ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં તેઓ વ્યાપતા નથી. એ રંગ, રાગ, દયા, દાન, આદિ ભાવોને પુદ્ગલની સાથે વ્યાપ્તિ છે. જ્યાં પુદ્ગલ વ્યક્ત થાય છે ત્યાં તેઓ હોય છે અને તેમાં વ્યાપે છે. જ્યાં એમ કહ્યું કે પુણ્ય-પાપના ભાવ પોતાની પર્યાયમાં થાય છે અને એનો ર્ક્તા-ભોક્તા જીવ છે ત્યાં તો એનું જ્ઞાન કરાવવા જ્ઞાનપ્રધાન કથન કર્યું છે. જ્યારે અહીં દ્રષ્ટિપ્રધાન વાત છે. અહીં દ્રષ્ટિની પ્રધાનતામાં, ચાહે દયા-દાનના ભાવ હો કે પંચમહાવ્રતના પાલનના ભાવ હો, તે બધાય પુદ્ગલની સાથે વ્યાપે છે એમ કહે છે. દિગમ્બર સંતો સિવાય આવી વાત કોઈએ કયાંય કરી નથી. અહો! દિગમ્બર સંતો કેવળીના કેડાયતો છે. ભગવાન કેવળીએ જે દિવ્યધ્વનિમાં કહ્યું છે તે વાત તેઓ જગત સમક્ષ જાહેર કરે છે. ભગવાન! એક વાર જરા ધીરજથી સાંભળ. કહે છે કે જે પુણ્ય-પાપના ભાવની પ્રગટતા-ઉત્પાદ અને નાશ- વ્યય થાય છે તે બંધુય પુદ્ગલની સાથે વ્યાપે છે. તે ઉત્પાદ-વ્યય તારી-જીવની સાથે વ્યાપતા નથી. અહા! શું સૂક્ષ્મ તત્ત્વ!

દયા, દાન, વ્રત, સ્વાધ્યાય, આદિનો રાગ; અરે, આ જે શ્રવણનો રાગ આવે છે તે રાગ પણ પુદ્ગલની સાથે ઉત્પન્ન થાય છે અને પુદ્ગલમાં વ્યય પામે છે. એ


PDF/HTML Page 674 of 4199
single page version

ઉત્પાદ-વ્યય આત્માના નથી. દ્રવ્યસ્વભાવનું અહીં વર્ણન છે ને! જીવદ્રવ્યમાં તો ભેદ છે જ નહીં. તેથી ભેદને તથા રાગાદિને અજીવ કહ્યા છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, નવતત્ત્વની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્રજ્ઞાનનો વિકલ્પ કે છ કાયના જીવોની રક્ષાનો રાગ એ બધાય, અહીં કહે છે કે પુદ્ગલની સાથે ઉત્પન્ન થાય છે અને પુદ્ગલમાં નાશ પામે છે; પોતાની-જીવની સાથે નહીં. અહાહા! કેટલું સ્પષ્ટ કર્યું છે! આવી વાત બીજે કયાં છે? ઉત્પાદ-વ્યય, દ્રવ્યસ્વભાવમાં- ચિન્માત્રવસ્તુમાં તો છે નહીં. તે કારણે આ વર્ણાદિ ભાવોનો આવિર્ભાવ એટલે કે ઉત્પત્તિ અને તિરોભાવ એટલે કે નાશ-વ્યય જે થાય છે તેનું પુદ્ગલની સાથે વ્યાપ્તપણું છે. અને તેથી પુદ્ગલનો વર્ણાદિકની સાથે તાદાત્મ્ય સંબંધ પ્રસિદ્ધ થાય છે. અહાહા! તે વર્ણાદિક ભાવો પુદ્ગલનો વિસ્તાર છે, પણ ભગવાન ચિદાનંદ પ્રભુનો-આત્માનો તે વિસ્તાર નથી. ભગવાન આત્મા તો ચિદાનંદમય અખંડ એકરૂપ જિનસ્વરૂપી પરમાત્મા છે. આ વર્ણાદિ અને રાગાદિ ભાવો તે એનો વિસ્તાર નથી. રાગાદિની પ્રસિદ્ધિ તે ભગવાન જિનસ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ નથી. અહાહા! શું સંતોએ જાહેર કર્યું છે! સર્વજ્ઞદેવે જે કહ્યું છે તે આ પંચમ આરાના શ્રોતાને સંતો કહે છે.

કોઈ એમ કહે કે આ વાત તો ચોથા આરાની છે અને તે ચોથા આરાના જીવને સમજવા માટે છે. તેને કહે છે કે-ભાઈ! આ તો પંચમ આરાના સંતો પંચમ આરાના શ્રોતાને સમજાવી રહ્યા છે. પ્રભુ! તું સાંભળ તો ખરો. પંચમ આરામાં પણ તું આત્મા છે કે નહિ? પ્રભુ! તું અનંત ગુણોથી ભરેલો અભેદ શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મા છો ને! અત્યારે પણ એવો જ છો ને! એટલે તો કહે છે કે જેને અભેદ શુદ્ધ ચિદાનંદ ભગવાનની દ્રષ્ટિ કરવી હોય તેણે આ રાગાદિ ભાવોને અજીવના પરિણામ માનવા જોઈશે. કોઈ એમ કહે છે અત્યારે તો શુભજોગ જ હોય અને તે શુભજોગ જ ધર્મનું કારણ છે. તેને કહે છે-અરે પ્રભુ! શું કહે છે તું? અત્યારે શુભજોગ જ હોય એનો અર્થ એ થયો કે અત્યારે ધર્મ જ ન હોય. ભાઈ! તારી વાત બરાબર નથી કેમકે શુભજોગ તો પુદ્ગલમાં વ્યાપનારા ભાવો છે. તે પોતાના છે અને લાભકારક છે એમ માનવું એ તો મહામિથ્યાત્વ અને અજ્ઞાન છે.

ત્રણલોકના નાથ ભગવાન સીમંધરદેવ અત્યારે પરમાત્મપણે મહાવિદેહમાં બિરાજે છે. ભગવાન કુંદકુંદાચાર્ય તેમની પાસે ગયા હતા અને ત્યાં આઠ દિવસ રહ્યા હતા. ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેમના પછી એક હજાર વર્ષે શ્રી અમૃતચંદ્રાચાર્ય થયા હતા. તેમણે આ ટીકા બનાવી છે. તેઓ અહીં કહે છે કે શુભાશુભ રાગનાં ઉત્પત્તિ અને વ્યય પુદ્ગલ સાથે સંબંધ રાખે છે, ભગવાન આત્મા સાથે નહિ. જો તેનો સંબંધ આત્મા સાથે હોય તો રાગાદિનાં ઉત્પાદ-વ્યય ત્રણેકાળ આત્મામાં થવાં જોઈએ. પણ એમ તો બનતું નથી. માટે તે રાગાદિ આત્માની ચીજ નથી. આ શરીર, મકાન, પૈસા, લક્ષ્મી


PDF/HTML Page 675 of 4199
single page version

આદિ તો કયાંય દૂર રહી ગયાં. એ તો પ્રત્યક્ષ પુદ્ગલ-પરવસ્તુ છે. અહીં તો કહે છે કે-જે વડે તીર્થંકર ગોત્ર બંધાય એ સોલહકારણ ભાવનાનો ભાવ પણ રાગ છે અને તે પુદ્ગલની સાથે સંબંધ રાખે છે, અજીવરૂપ છે, અને તેના ફળમાં પણ અજીવ મળે છે.

અરેરે! આવું સાંભળવાય મળે નહિ તેને એની પ્રતીતિ તો કયાંથી થાય? એનાં તો મનુષ્યપણાં ચાલ્યાં જાય છે. એ કયાં જશે? આ સંસ્કાર અંદર ન પડયા તો ૮૪ના અવતારમાં એના કયાં ઉતારા થશે? ભાઈ! ભગવાન આત્મા તો અનાદિ-અનંત નિત્ય રહેવાનો છે. આ રાગ મારો અને રાગથી મને લાભ થશે એવી મિથ્યાશ્રદ્ધાનો ત્યાગ ન કર્યો તો એ કયાં જશે? કયાંક જશે તો ખરો જ. અને મિથ્યાત્વનું ફળ તો નરક, નિગોદાદિ જ કહેલું છે. ભાઈ! આવો અવસર પ્રાપ્ત થવો મહા કઠણ છે.

અહીં કહે છે કે રાગ ચાહે તો દયા, દાન, ભક્તિનો હો કે પંચમહાવ્રતનો હો, એનું ઊપજવું અને વ્યય થવું પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. પ્રભુ! તારું ચૈતન્યઘર તપાસવા માટે આ વાત કરે છે. તારું ઘર તું જો, એમાં તને રાગાદિનાં ઉત્પત્તિ-વ્યય નહીં જણાય. તને તારો નાથ ચૈતન્યદેવ અતીન્દ્રિય આનંદનાં ઉત્પત્તિ-વ્યય સાથે જણાશે. અહા! કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતો અપાર કરુણા કરી માર્ગ બતાવે છે. તેઓ ઊંચેથી પોકારીને કહે છે કે-પ્રભુ! તારી પ્રસિદ્ધિ તો અતીન્દ્રિય જ્ઞાન અને આનંદની પર્યાયથી થાય છે. તારી પ્રસિદ્ધિ રાગથી કેમ હોય? કેમકે રાગની પ્રસિદ્ધિ છે એ તો પુદ્ગલની પ્રસિદ્ધિ છે. ગજબ વાત! આ સમયસાર એ તો જગતચક્ષુ-અજોડચક્ષુ છે. અને આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે ને! અભેદ એક શુદ્ધ દ્રવ્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ કરતાં જે અતીન્દ્રિય આનંદ-શાંતિની પર્યાય પ્રગટ થાય તે તારી પ્રસિદ્ધિ એટલે આત્મખ્યાતિ છે. અહો! પંચમ આરાના સંતોએ જગતની દરકાર છોડીને, સત્ય આ જ છે-એમ સત્યના ડંકા વગાડયા છે.

એક કવિએ કહ્યું છે કે-

પ્રભુતા પ્રભુ! તારી તો ખરી, મુજરો, મુજ રોગ લે હરી.

પ્રભુ! તારી પ્રભુતા તો ત્યારે કહીએ કે જ્યારે નિર્મળ પર્યાયનાં ઉત્પત્તિ-વ્યય થાય. રાગની ઉત્પત્તિ અને રાગનો વ્યય એ તારી પ્રભુતા નથી. રાગ છે એ તો રોગ છે. તેને હરી લે એ તારી ખરી પ્રભુતા છે. અહાહા! શુભાશુભ રાગ એ તો પુદ્ગલનો વિસ્તાર છે, પુદ્ગલની પ્રસિદ્ધિ છે. એમાં આત્માની પ્રસિદ્ધિ નથી. અહો! અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં એકલાં અમૃત રેડયાં છે. શું ટીકાની ગંભીરતા અને શું તેનો મર્મ!

જેની પર્યાયમાં અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્ય ખીલી નીકળ્‌યાં છે તે પરમાત્મા છે. જેમ ગુલાબ હજાર પાંખડીએ ખીલી ઊઠે છે તેમ આ


PDF/HTML Page 676 of 4199
single page version

પરમાત્મા અનંત પાંખડીએ ખીલીગયા છે. એ પ્રભુની પ્રસિદ્ધિ છે. ભગવાન! તારાં વખાણ કઈ રીતે કરીએ? અહા! અનંત આનંદ-જ્ઞાન આદિ અનંત ગુણની નિર્મળ પર્યાયનો ઉત્પાદ-વ્યય થવો અથવા ગુણના આશ્રયે ઉત્પાદ-વ્યય થવો એ આત્માની પ્રસિદ્ધિ છે. પરંતુ પરના આશ્રયે જે રાગાદિ થાય છે તે આત્માની પ્રસિદ્ધિ નથી. આવું આકરું પડે પણ શું થાય? ભાઈ! મારગ તો જે જિનેશ્વરદેવે ગણધરો અને ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સભામાં કહ્યો છે તે આ જ છે. ભગવાન સીમંધરનાથ મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. ત્યાં જે વાત દિવ્યધ્વનિમાં આવી રહી છે એ જ વાત શ્રી કુંદકુંદાચાર્ય અને અમૃતચન્દ્રાચાર્ય અહીં કહે છે. શ્રી કુંદકુંદાચાર્ય તો ત્યાં ગયા હતા. પણ શ્રી અમૃતચંદ્રાચાર્ય તો નહોતા ગયા. પરંતુ અંદરના ભગવાન પાસે ગયા હતા ને! તેથી આત્માની વાત પ્રસિદ્ધ કરે છે. કહે છે કે-હું આનંદનો નાથ અનંત અનંત જ્ઞાન, દર્શન, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા એવા એક એક ગુણની પૂર્ણતા સહિત અનંતગુણની પૂર્ણતાનો પિંડ પ્રભુ આત્મા છું. તથા નિર્મળ પર્યાયની ઉત્પત્તિ અને નિર્મળ પર્યાયનો વ્યય થવો તે આત્માની પ્રસિદ્ધિ છે, આત્મખ્યાતિ છે.

પ્રશ્નઃ– એકલો શુભભાવ જીવની સાથે સંબંધ રાખે છે એમ કહો તો?

ઉત્તરઃ– કેટલાક વ્રત-તપ વડે ધર્મ માને છે તથા કેટલાક દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિમાં ધર્મ માને છે. શુભભાવમાં ધર્મ માનનારા એ બધા એક સરખી રીતે મિથ્યાદ્રષ્ટિ છે. પ્રવચનસારની ગાથા ૭૭ માં કહ્યું છે કે-શુભાશુભ ભાવો પૈકી શુભભાવ-પુણ્યભાવ ઠીક છે અને અશુભભાવ-પાપભાવ અઠીક છે એમ જે માને છે તે મિથ્યાત્વથી ઢંકાયેલો ઘોર સંસારમાં રખડે છે. પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે માનતો નથી તે-‘હિંડદિ ઘોરમપારં સંસારં મોહસંછણ્ણો’-મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં રખડે છે. ભાઈ! દિગમ્બર માર્ગ બહુ સૂક્ષ્મ, બાપા! સંપ્રદાય મળી ગયો માટે દિગમ્બર ધર્મ સમજાઈ જાય એમ નથી. દિગમ્બર ધર્મ એ કોઈ સંપ્રદાય, પંથ કે પક્ષ નથી. એ તો વસ્તુનું સ્વરૂપ છે.

હવે કહે છે કે-આ રાગાદિ ભાવો જેમ પુદ્ગલની સાથે આવિર્ભાવ-તિરોભાવ પામે છે અર્થાત્ ઉત્પન્ન-વ્યયરૂપ થાય છે તેમ જો તેઓ આત્માની સાથે ઉત્પન્ન-વ્યયરૂપ થાય તો જે પુદ્ગલનું સ્વરૂપ છે તે જીવ દ્વારા અંગીકાર કરવામાં આવતું હોવાથી જીવ અને પુદ્ગલના એકપણાનો પ્રસંગ આવે. અહાહા! શું અદ્ભુત ટીકા! આવી વીતરાગમાર્ગની વાત એક ક્ષણ પણ સમજમાં બેસી જાય તો ભવનો અંત આવી જાય એવી આ વાત છે. શું કહે છે? કે-જેમ જડકર્મ-પુદ્ગલ સાથે રાગાદિ અજીવ ઉત્પન્ન થાય છે અને વ્યય પામે છે માટે પુદ્ગલ સાથે રાગાદિને તાદાત્મ્ય સંબંધ છે તેમ, જો કોઈ એવો અભિપ્રાય રાખે કે જીવની સાથે રાગાદિ ઉત્પન્ન-વ્યયરૂપ થાય છે માટે જીવને રાગાદિ સાથે સંબંધ


PDF/HTML Page 677 of 4199
single page version

છે તો તેણે પુદ્ગલને જ જીવ માન્યો છે. તેની માન્યતા પ્રમાણે જીવદ્રવ્ય ભિન્ન રહ્યું નહિ પણ તે પુદ્ગલરૂપ થઈ ગયું એમ કહે છે. સૂક્ષ્મ વાત, ભાઈ! જે આત્માએ એવો અભિપ્રાય રાખ્યો છે કે મારી (આત્માની) સાથે રાગની ઉત્પત્તિ અને રાગનો વ્યય થાય છે તેણે પુદ્ગલને જ આત્મા માન્યો છે, પુદ્ગલથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપને એણે માન્યું જ નથી.

પ્રશ્નઃ– પરંતુ આવો ધર્મ પામવાનું સાધન શું? ભક્તિ આદિ કરીએ તે સાધન ખરું કે નહિ?

ઉત્તરઃ– અરે ભગવાન! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ તો રાગ છે. અને રાગની ઉત્પત્તિ અને તેના વ્યયનો સંબંધ તો નિશ્ચયથી પુદ્ગલ સાથે છે. તેથી જો ભક્તિ આદિના રાગને જ તું સાધન માનીશ તો પુદ્ગલને જ તું જીવ માને છે એમ નિશ્ચિત થતાં મિથ્યાત્વ જ થશે.

વ્યવહારથી એક સમયની પર્યાયમાં-સંસાર અવસ્થામાં તે હો ભલે, પણ જીવને તેની સાથે તાદાત્મ્ય સંબંધ નથી. એ જ વાત હવે પછીની ગાથામાં કહેશે કે-ભાઈ! જો તું સંસાર અવસ્થામાં પણ રાગાદિ મારાં છે એમ માનીશ તો જીવ પુદ્ગલસ્વરૂપ થઈ જશે અને પુદ્ગલની જ મુક્તિ થશે. ગજબ વાત છે. અન્યમતનાં કરોડો પુસ્તકો વાંચે તોપણ આ વાત નીકળે નહીં. કયાંથી નીકળે? આ તો જેઓ ત્રિલોકનાથ જિનેશ્વરદેવ પાસે ગયેલા અને અંતરમાં બિરાજમાન નિજ જિનેશ્વરદેવ ચૈતન્ય ભગવાન પાસે ગયેલા તેવા સંતોની વાણી છે. એ સંતો કહે છે કે જ્યાં અમે ગયા હતા ત્યાં તો રાગાદિ છે જ નહિ ને. અહાહા! શુદ્ધ ચિદાનંદમય ચૈતન્યમૂર્તિ ભગવાન અમારો જિનદેવ છે. ત્યાં અમે ગયા હતા. ત્યાં રાગ-દ્વેષ-સંસાર છે જ નહિ. રાગાદિનો સંબંધ આત્મા સાથે છે જ નહિ. આવી સંતોની વાણી સાંભળવા મળવી પણ દુર્લભ છે.

એક બાજુ એમ કહે કે પુણ્ય-પાપ આદિ ભાવ જીવની પર્યાયમાં થાય છે અને જીવ તેનો ર્ક્તા-ભોક્તા છે. એ તો પર્યાયનું જ્ઞાન કરાવવા જ્ઞાનની અપેક્ષાએ કથન છે. જ્યારે અહીં દ્રષ્ટિની અપેક્ષાથી એમ કહે છે કે રાગ-દ્વેષાદિની ઉત્પત્તિ અને વ્યય પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. સ્વભાવની દ્રષ્ટિએ જોતાં તે રાગ-દ્વેષાદિ પરનાં છે. જો તે રાગ-દ્વેષાદિ ભાવો જેમ પુદ્ગલની સાથે ઉત્પાદ-વ્યયપણે વ્યાપ્ત થતાં દેખાય છે તેમ આત્માની સાથે પણ એકપણે દેખાય તો આત્મા પુદ્ગલમય થઈ જાય, જીવપણે રહે નહિ, અર્થાત્ રાગ વિનાનો અખંડ આનંદકંદસ્વરૂપ જે આત્મા તેનો નાશ થઈ જાય. તેથી પુદ્ગલની જ પ્રસિદ્ધિ થાય. અહાહા! અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સાગર ભગવાન આત્મા અંદર શાશ્વત બિરાજે છે ને નાથ! તેને જો તું રાગવાળો માને તો તું પુદ્ગલમય થઈ જાય, જીવપણે ન રહે. જો તું શુભભાવના રાગથી ધર્મ માને તો ત્યાં આત્મા ન રહે, પ્રભુ! એકલા પુદ્ગલની જ પ્રસિદ્ધિ થાય. ભાઈ! આ તો ખૂબ ધીરજ અને ન્યાયથી પ્રાપ્ત થાય એવો માર્ગ છે.


PDF/HTML Page 678 of 4199
single page version

પ્રશ્નઃ– આ પંચમકાળમાં શુભભાવ જ હોય છે. તેથી વ્રત, તપ, ભક્તિ આદિ કરવાં એ ધર્મ છે.

ઉત્તરઃ– ભાઈ! એ વ્રત, તપ, ભક્તિ આદિના શુભભાવ તો પુદ્ગલની સાથે સંબંધ રાખે છે. એ આત્માની સાથે તાદાત્મ્ય સંબંધે વ્યાપતા જ નથી.

પ્રશ્નઃ– આપ આમ કહો છો તેથી એકલા પડી જશો.

ઉત્તરઃ– ભગવાન! કોણ એકલો અને કોણ બેકલો? અહીં તો જે સત્ય છે તે કહેવાય છે. અહા! શું દિગંબર સંતોએ કામ કર્યાં છે! કેવળજ્ઞાનીના વિરહ ભૂલાવ્યા છે! ભાઈ, તું એમ માને કે શુભરાગથી ધર્મ થાય તો એ તો પુદ્ગલની પ્રસિદ્ધિ થઈ, નાથ! તારી પ્રસિદ્ધિ એમાં ન આવી. ભાઈ! રાગનો તાદાત્મ્ય સંબંધ તો પુદ્ગલની સાથે છે, કેમકે જ્યાં જ્યાં કર્મ ત્યાં ત્યાં રાગ છે. આત્માવલોકનમાં પણ એ જ કહ્યું છે કે-જ્યાં સુધી નિમિત્ત-કર્મ છે ત્યાં સુધી રાગ છે; અને કર્મ નથી તો રાગ નથી. રાગ, પુદ્ગલના સંબંધમાં ઉત્પન્ન થાય છે માટે તે આત્માનું સ્વરૂપ નથી એમ અહીં કહેવું છે.

અહાહા! ભગવાન આત્મા તો અનંત અનંત જ્ઞાન, આનંદ અને શાન્તિનો ભંડાર છે. એ ભંડારમાંથી નીકળે તો શું રાગ નીકળે? એમાં રાગ છે કયાં કે નીકળે? રાગની ઉત્પત્તિ થાય એવો કોઈ ગુણ આત્મામાં નથી. અનંત ગુણરત્નોના ભંડાર ભગવાન આત્મામાં દ્રષ્ટિ સ્થાપતાં પર્યાયમાં અનંત આનંદ-શાંતિ આદિની પર્યાય પ્રગટ થાય છે અને એના ઉત્પાદ-વ્યયનો સંબંધ નિજ દ્રવ્ય સાથે છે અને એ ઉત્પાદ-વ્યય સિદ્ધમાં પણ અનંતકાળ રહેશે. આવી વસ્તુસ્થિતિ છે.

અહીં કહે છે કે-આ રાગાદિ ભાવો આત્માની સાથે સંબંધ રાખે છે એમ જો કોઈ જાણે- માને તો આત્મા પુદ્ગલમય થઈ જાય, કેમકે રાગાદિને તો પુદ્ગલ-અજીવની સાથે તાદાત્મ્ય સંબંધ છે. તેથી પુદ્ગલથી ભિન્ન જીવ તો કોઈ રહે નહિ. તેથી જીવનો જ અવશ્ય અભાવ થઈ જાય. ગજબ વાત, ભાઈ! જ્યારે ત્રિલોકીનાથ દિવ્યધ્વનિ દ્વારા આ અર્થો પ્રગટ કરે છે ત્યારે એ જ ભવે મોક્ષ જનારા ગણધરો અને એકાવતારી ઇન્દ્રો પણ વિસ્મય પામે છે. એ દિવ્યધ્વનિની શી વાત! એ દિવ્યધ્વનિનો આ સાર છે કે જો તું શુભરાગથી ધર્મ થવો માને છે, શુભરાગને પોતાનો માને છે તો તું પુદ્ગલને જ પોતાનો માને છે અર્થાત્ તું પોતાનો જ (જીવનો જ) અભાવ કરે છે.

* ગાથા ૬૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

દયા, દાન, વ્રત, તપ, આદિનો વિકલ્પ-રાગ જે પર્યાયમાં પ્રગટ થાય છે તે પુદ્ગલદ્રવ્યની સાથે તાદાત્મ્યરૂપ છે, પરંતુ આત્માની સાથે તાદાત્મ્યરૂપ નથી. આકરી વાત, ભાઈ. જીવ-અજીવ અધિકાર છે ને! જીવ તો અખંડ અભેદ પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ એકરૂપ છે. તેની પર્યાયમાં આ જે રાગ, ભેદ, આદિ થાય છે તે પુદ્ગલની સાથે સંબંધ રાખે છે


PDF/HTML Page 679 of 4199
single page version

એમ કહે છે. અહીં તો ત્રિકાળી સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિ બતાવવી છે ને? તેથી કહે છે કે-આ રાગ અને ભેદ આદિના ભાવ જેમ પુદ્ગલની સાથે સંબંધ રાખે છે તેમ જીવની સાથે પણ સંબંધ રાખે છે એમ માનો તો જીવ અને પુદ્ગલમાં કોઈ ભેદ ન રહે. ચૈતન્યમય ભગવાન આત્માના શુદ્ધ સ્વભાવમાં રાગાદિ છે જ નહીં. તેથી રાગાદિનો સંબંધ પુદ્ગલ સાથે ગણીને, પોતાનો અભેદસ્વભાવ ભિન્ન બતાવ્યો છે.

વર્ણથી માંડીને ગુણસ્થાન સુધીના બધાય ભાવોને જેમ પુદ્ગલની સાથે તાદાત્મ્ય સંબંધ છે તેમ જીવની સાથે પણ તાદાત્મ્યપણું હોય તો જીવ અને પુદ્ગલમાં કોઈ ભેદ રહેતો નથી. આમ થવાથી જીવનો જ અભાવ થાય. ચૈતન્યપ્રકાશની મૂર્તિ ઝળહળજ્યોતિ-સ્વરૂપ ભગવાન આત્મા અંદર શાશ્વત બિરાજે છે. તે જ્ઞાયક ચૈતન્યજ્યોતિને રાગાદિ સાથે તાદાત્મ્ય હોય તો આત્મા અચેતન થઈ જાય એમ કહે છે. જેમ શરીર, કર્મ, આદિ પુદ્ગલ અચેતન છે તેમ શુભરાગ પણ અચેતન છે. વ્યવહાર રત્નત્રયનો રાગ પણ અચેતન છે અને પુદ્ગલની સાથે તાદાત્મ્યરૂપે છે, કેમકે રાગમાં ચૈતન્યસ્વભાવનો અભાવ છે. છઠ્ઠી ગાથાની ટીકામાં પણ આવે છે કે જ્ઞાયકસ્વભાવી ચૈતન્યજ્યોત કદીય શુભાશુભભાવોના સ્વભાવે જડપણે થતી નથી. ગાથા ૭૨માં પણ એ શુભાશુભભાવરૂપ આસ્રવોને વિપરીત સ્વભાવવાળા એટલે જડ કહ્યા છે. આવી ચિન્માત્ર વસ્તુ એકરૂપ આત્મા છે તે રાગરૂપે કેમ થાય? રાગ છે તો જીવની પર્યાયમાં, અને તે ચારિત્રગુણની દોષરૂપ વિપરીત પર્યાય છે, પરંતુ સ્વભાવની દ્રષ્ટિથી ત્રિકાળી ઝળહળ ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન આત્માને જોતાં તે ભિન્ન અચેતનપણે જણાય છે. માટે રાગ જેમ પુદ્ગલથી તદ્રૂપ છે તેમ જો આત્માથી તદ્રૂપ છે એમ માનો તો આત્મા અચેતન થઈ જાય. ભાઈ, જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે.

અહાહા! ચૈતન્યપ્રકાશનું પૂર પ્રભુ આત્મા છે. તેમાં વ્યવહારરત્નત્રયનો રાગ પણ સમાતો નથી, વ્યાપતો નથી, કેમકે રાગ છે તે પુદ્ગલની સાથે તાદાત્મ્યપણે છે. તેથી જીવને રાગથી સંબંધ છે એમ જો કહો તો જીવ પુદ્ગલમય થઈ જાય, અચેતન થઈ જાય. સ્વપરપ્રકાશક ચેતન્યજ્યોતિસ્વરૂપ આત્મા રાગને પ્રકાશે છે, જાણે છે, પણ તે રાગરૂપ થતો નથી. ભાઈ! આ સમજવા માટે પરથી ઘણા ઉદાસીન થવું જોઈએ. અહીં કહે છે કે અચેતન રાગ પુદ્ગલથી એકરૂપ છે માટે એનાથી તું ઉદાસ થઈ જા. પ્રભુ! એ તારી ચીજ નથી તેથી અંતર્મુખ થઈ તારું આસન જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યમૂર્તિ ભગવાનમાં જમાવી દે. જો તું રાગથી તાદાત્મ્ય સંબંધ કરવા જઈશ તો તું અચેતન થઈ જઈશ અને તેથી તારો-જીવનો જ અભાવ થઈ જશે એવો મહાદોષ આવશે. આકરી વાત, ભગવાન! પણ વાત તો આ જ છે.

[પ્રવચન નં. ૧૩પ-૧૩૬ (ચાલુ ૧૯મી વારનાં) * દિનાંક ૧૩-૧૧-૭૮ થી ૧પ-૧૧-૭૮]

PDF/HTML Page 680 of 4199
single page version

संसारावस्थायामेव जीवस्य वर्णादितादात्म्यमित्यभिनिवेशेऽप्ययमेव दोषः–

अह संसारत्थाणं जीवाणं तुज्झ होंति वण्णादी।
तम्हा संसारत्था जीवा रूवित्तमावण्णा।। ६३ ।।
एवं पोग्गलदव्वं जीवो तहलक्खणेण मूढमदी।
णिव्वाणमुवगदो वि य जीवत्तं णोग्गलो पत्तो।। ६४ ।।

अथ संसारस्थानां जीवानां तव भवन्ति वर्णादयः।
तस्मात्संसारस्था जीवा रूपित्वमापन्नाः।। ६३ ।।

एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते।
निर्वाणमुपगतोऽपि च जीवत्वं पुद्गलः प्राप्तः।। ६४ ।।

_________________________________________________________________

હવે, ‘માત્ર સંસાર-અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે’ એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે એમ કહે છેઃ-

વર્ણાદિ છે સંસારી જીવના એમ જો તુજ મત બને,
સંસારમાં સ્થિત સૌ જીવો પામ્યા તદ્રા રૂપિત્વને; ૬૩.
એ રીત પુદ્ગલ તે જ જીવ, હે મૂઢમતિ! સમલક્ષણે,
ને મોક્ષપ્રાપ્ત થતાંય પુદ્ગલદ્રવ્ય પામ્યું જીવત્વને! ૬૪.

ગાથાર્થઃ– [अथ] અથવા જો [तव] તારો મત એમ હોય કે [संसारस्थानां जीवानां] સંસારમાં સ્થિત જીવોને જ [वर्णादयः] વર્ણાદિક (તાદાત્મ્યસ્વરૂપે) [भवन्ति] છે, [तस्मात्] તો તે કારણે [संसारस्थाः जीवाः] સંસારમાં સ્થિત જીવો [रूपित्वम् आपन्नाः] રૂપીપણાને પામ્યા; [एवं] એમ થતાં, [तथालक्षणेन] તેવું લક્ષણ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો) પુદ્ગલદ્રવ્યનું હોવાથી, [मूढमते] હે મૂઢબુદ્ધિ! [पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય તે જ [जीवः] જીવ ઠર્યું [च] અને (માત્ર સંસારઅવસ્થામાં જ નહિ પણ) [निर्वाणम् उपगतः अपि] નિર્વાણ પામ્યે પણ [पुद्गलः] પુદ્ગલ જ [जीवत्वं] જીવપણાને [प्राप्तः] પામ્યું!