PDF/HTML Page 701 of 4199
single page version
પુદ્ગલના કાર્યને-પુણ્ય-પાપના ભાવોને પુદ્ગલ જ કહેવાય છે, જીવ નહીં. લોકો તો વ્રત પાળવાં, દયા પાળવી, જૂઠું ન બોલવું, બ્રહ્મચર્ય પાળવું ઇત્યાદિને જ પોતાનું સર્વસ્વ માની બેઠા છે. તેમને અહીં કહે છે કે પ્રભુ! સાંભળ. આ બધી પંચમહાવ્રતની વૃત્તિઓ છે તે રાગ છે, આસ્રવ છે અને એ પુદ્ગલનું કાર્ય છે. ચિદાનંદઘન છે સ્વરૂપ જેનું એવા આત્માનું એ કાર્ય નથી. ભાઈ! તારે સુખના પંથે-ધર્મના પંથે જવું હોય તો ચૈતન્યમાત્ર પૂર્ણાનંદઘનસ્વરૂપ વસ્તુ અંદર છે તેમાં જા, તેનો સ્વીકાર કરીને તેમાં જ એકાગ્ર થઈ જા, અને ભેદ, રાગ અને નિમિત્તનું લક્ષ છોડી દે.
ભાઈ! દયા, દાન, વ્રત, તપ, ઇત્યાદિ રાગમાં ધર્મ માનીને તું સંતુષ્ટ થયો છે પણ એ તારો મિથ્યા અભિપ્રાય છે. ભગવાન! તું ભૂલમાં ભરમાઈ ગયો છે. એ વિકલ્પ-રાગની વૃત્તિનું જે ઉત્થાન છે તે ચૈતન્યના ઘરની ચીજ નથી. પ્રભુ! તારા ચૈતન્યઘરમાં રાગની વૃત્તિ ઊઠે એવી કોઈ શક્તિ નથી. આત્મા અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન-ગોદામ છે. એમાં એવી કોઈ શક્તિ- ગુણ નથી જે વિકારને-રાગને ઉત્પન્ન કરે. અહાહા! ચિદાનંદઘનસ્વરૂપ વસ્તુમાં તો ગુણોની એકરૂપ નિર્મળ ધારા વહે, પણ રાગની ધારા વહે એવો આત્મા નથી. આવું કદી સાંભળ્યુંય ન હોય અને એમ ને એમ જિંદગી આંધળે-બહેરી (ભાન વિના) ચાલી જાય. ભાઈ! એથી ભવભ્રમણ ન મટે. અહાહા! અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત આનંદ, અનંત વીતરાગતા, અનંત સ્વચ્છતા એવી અનંત પૂર્ણ શક્તિઓનું આત્મા સંગ્રહસ્થાન છે. એ રાગનું સ્થાન નથી. તો એમાંથી પુણ્ય-પાપનું ઉત્થાન કેમ થાય? પુણ્ય-પાપ ઉપજે એવું ચૈતન્યનું-આત્માનું સ્વરૂપ જ નથી ને.
તથાપિ કોઈ અજ્ઞાની એમ કહે કે અમને તો ભક્તિથી જ કલ્યાણ થશે. દેવ અને ગુરુની અર્પણતાથી ભક્તિ કરીએ એટલે તેઓ અમને તારી દેશે. પરંતુ ભાઈ! કોણ ગુરુ? તારો ગુરુ તો તું જ છો. તને તારી સમજણથી આત્મજ્ઞાન થાય છે માટે તું પોતે જ તારો ગુરુ છો. અહાહા! આત્મા પોતે જ પોતાનો ગુરુ અને પોતે જ પોતાનો દેવ છે. તે પોતે જ તીર્થ અને પોતે જ તીર્થધામ છે. બાકી બધી તો બહારની વ્યવહારની વાતો છે. આ બાહ્ય દેવ-ગુરુ-તીર્થ તો માત્ર પુણ્યનાં કારણ (નિમિત્ત) છે. અહાહા! ભગવાન ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવ, ઇંદ્રો અને ગણધરો તથા કરોડો દેવો અને રાજેન્દ્રોની સભામાં જે વાત કરતા હતા તે આ વાત છે. ભાઈ! સાંભળ તો ખરો કે આ શું ચીજ છે! એને સાંભળ્યા વિના સાચી સમજણ કયાંથી આવશે? તારું લક્ષ ત્યાં કેમ જશે? શ્રીમદે કહ્યું છે કે-
આ શાસ્ત્ર તો આત્માનું-પોતાનું લક્ષ કરાવવા માટે કહ્યાં છે. ગુરુ અને દેવ પણ તેનું- એક આત્માનું જ લક્ષ કરાવે છે.
PDF/HTML Page 702 of 4199
single page version
ભાઈ! અંદર તું અનંતગુણનો ભંડાર પૂર્ણાનંદનો નાથ પ્રભુ છો ને! પણ કેમ બેસે? કારણ કે અનાદિકાળથી એક સમયની પર્યાય ઉપર જ એની દ્રષ્ટિ પડી છે. એક સમયની દશાને જ એણે પોતાનું સ્વરૂપ માન્યું છે. પણ પર્યાય છે એ તારું તત્ત્વ નથી. પર્યાય આત્મા નથી. વ્યવહારનય ભલે એને આત્મા કહે, પણ નિશ્ચયથી ભગવાન પૂર્ણ-ચૈતન્યઘન, એકલા આનંદનું દળ, અનાકુળ શાંતિનો રસકંદ જે ત્રિકાળ ધ્રુવપણે છે તે આત્મા છે. અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યપણે ટક્તા તત્ત્વને ભગવાન આત્મા કહે છે. એની દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ભાઈ! એની દ્રષ્ટિ કરવા માટે તારે નિમિત્ત પરથી, રાગ ઉપરથી અને ભેદના ભાવ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લેવી પડશે. અંદરમાં એકમાત્ર અખંડ અભેદ એકરૂપ ચૈતન્યમૂર્તિ ચિદાકાર ભગવાન છે એની દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ધર્મની શરૂઆત જ અહીંથી (સમ્યગ્દર્શનથી) થાય છે. ભાઈ! ચારિત્ર તો બહુ દૂરની વાત છે. અહાહા! દ્રષ્ટિમાં જે અભેદ ચિદાનંદમય ચીજ પ્રતીતિમાં આવી એમાં જ રમવું, ઠરવું, સ્થિત થઈ જવું એનું નામ ચારિત્ર છે. દેહની ક્રિયા કે વ્રતાદિના ક્રિયાકાંડ એ કાંઈ ચારિત્ર નથી. એ તો સૌ પુદ્ગલનાં કાર્ય છે અને પુદ્ગલ એમનું કારણ છે એમ અહીં કહે છે.
ત્રણલોકના નાથ તીર્થંકરદેવ પરમાત્મા શ્રી સીમંધર ભગવાન હમણાં મહાવિદેહમાં બિરાજે છે. તેમનું એક કરોડ પૂર્વનું આયુષ્ય છે અને પ૦૦ ધનુષ્યનો દેહ છે. લાખો જીવોની સભામાં તેઓ આ જ વાત ફરમાવે છે. સંવત ૪૯ માં શ્રી કુંદકુંદાચાર્યદેવ ત્યાં ગયા હતા અને આઠ દિવસ રહીને દિવ્યધ્વનિ સાંભળી હતી. તેઓ તો જ્ઞાની, ધર્મી અને નિર્મળ ચારિત્રવંત હતા. પોતાની પાત્રતાને લઈને વિશેષ નિર્મળતા થઈ હતી, ત્યાંથી ભરતક્ષેત્રમાં પાછા આવીને તેમણે આ શાસ્ત્રો રચ્યાં છે. બાપુ! માર્ગ તો આ જ છે, ભાઈ! સનાતન વીતરાગનો પંથ આ જ છે. બાકી બધા તો વાડા બાંધીને બેઠા છે અને પોતપોતાની માન્યતામાં જે આવ્યો તેને ધર્મ માને છે. પણ એ કાંઈ ધર્મ નથી. આકરી વાત છે, પણ શું થાય!
અહીં કહે છે કે વર્ણાદિકથી માંડીને ગુણસ્થાન સુધીના બધાય ભાવો, અરે ચોથું, પાંચમું અને તેરમા ગુણસ્થાન સુધીના બધા ભેદો પણ, પુદ્ગલના કારણે છે. અહાહા! ભગવાન આત્મા અનંતગુણધામ અનાદિ-અનંત સ્વસંવેદ્ય અવિચળ પ્રભુ છે. તે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનના વેદનથી જણાય એવી ચીજ છે, પણ ભેદના કે રાગના આશ્રયે જણાય એવી ચીજ નથી. મૂળ ચીજ જે અભેદ ચૈતન્યમય નિત્યાનંદ પ્રભુ છે તેની દ્રષ્ટિ થયા વિના કોઈને પણ ત્રણકાળમાં સમ્યગ્દર્શન થતું નથી. તથા જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર હોતાં નથી. વિના સમ્યગ્દર્શન જેટલા પણ વ્રત, તપાદિના શુભરાગના ક્રિયાકાંડ છે તે બધા થોથેથોથાં છે, એકડા વિનાનાં મીંડાં જેવા છે, વા વર વિનાની જાન જેવા છે. જેમ વર વિનાની જાન તે જાન નથી, તેમ ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના
PDF/HTML Page 703 of 4199
single page version
આશ્રયે ઉત્પન્ન થતા સમ્યગ્દર્શન વિના વ્રત, તપ, દાન, ભક્તિના શુભભાવ એ ચારિત્ર નથી. ભાઈ! કરોડો રૂપિયા દાનમાં આપી મંદિર બંધાવે, ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને ભગવાનની પૂજા-ભક્તિ કરે, પણ એ બધો શુભભાવ રાગ છે, ચારિત્ર નથી. અહીં તો એને પુદ્ગલના કાર્યરૂપ કહ્યો છે.
ભગવાન! એકવાર સાંભળ. ભેદમાં અને રાગમાં તારો મહિમા નથી. ભગવાનની ભક્તિ-પૂજાના ભાવમાં તારો મહિમા નથી. હું ભગવાનનો મોટો ભક્ત, પૂજારી અને આરતી ઉતારનારો એમ તું તારો બહારથી મહિમા કરે, પણ ભાઈ! અંદર તારા આનંદના નાથનો મહિમા એથી મટી જાય છે એ તો જો. બહુ ઝીણી વાત, ભાઈ! અનંતકાળમાં ૮૪ના અવતાર કરતાં કરતાં હજી સુધી આ વાત સમજ્યો નથી. અનંતવાર કાગડા અને કૂતરાના ભવ કર્યા અને મનુષ્ય થઈ કદાચિત્ બહારથી સાધુ પણ થયો, પણ અંદર રાગની ક્રિયાથી જ ધર્મ માન્યો તેથી દ્રષ્ટિ મિથ્યા જ રહી અને તેના ફળમાં નરક-નિગોદના જ ભવ પ્રાપ્ત થયા. ભાઈ! એ રાગ અને ભેદના ભાવોથી ચિદાનંદ ભગવાન હાથ નહીં આવે. એ રંગથી માંડી ગુણસ્થાન પર્યંતના ર૯ બોલથી કહેલા સર્વ ભાવો ‘एकस्य हि पुद्गलस्य’ એક પુદ્ગલની જ રચના છે એમ કહ્યું છે.
પ્રશ્નઃ– આમાં એકાંત નથી થતું? પંચાસ્તિકાયની ૬૨મી ગાથામાં તો રાગ થાય છે તે પોતાથી જ થાય છે એમ આવે છે; તથા જયસેનાચાર્યની ટીકામાં તો એમ આવે છે કે જીવનું અશુદ્ધ ઉપાદાન અને કર્મ નિમિત્ત એમ બે કારણોથી રાગ થાય છે?
ઉત્તરઃ– પંચાસ્તિકાયની ૬૨મી ગાથામાં તો રાગની પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. રાગ જીવની પર્યાયમાં થાય છે એ પર્યાયનું ત્યાં અસ્તિત્વ જણાવ્યું છે. તથા શ્રી જયસેનાચાર્યે ઉપાદાન-નિમિત્ત એમ જે બે કારણ કહ્યાં તે પ્રમાણજ્ઞાન કરાવવા કહ્યાં છે. જ્યારે અહીં તો સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ એ બન્ને વાતને બાજુએ મૂકીને વર્ણાદિ ભાવોને પુદ્ગલના કહ્યા છે. દ્રવ્યસ્વભાવ બતાવવો છે ને!
વળી જ્ઞાની ર્ક્તાનયની અપેક્ષાએ એમ જાણે છે કે જે રાગનું પરિણમન છે તે મારામાં છે, મારા કારણે છે. એ તો જ્ઞાન એમ જાણે છે કે મારી પર્યાયનું એટલું અસ્તિત્વ છે. પરંતુ એ ત્રિકાળી દ્રવ્યનું કાર્ય છે કે એ દ્રવ્યનું સ્વરૂપ છે એમ નથી. અહા! એક બાજુ આત્મા રાગનો અર્ક્તા છે એમ કહે અને વળી પાછું રાગનું પરિણમન છે તે પોતાનું છે એમ જ્ઞાની-સમક્તિી જાણે! કેવી વાત! વળી અહીં કહે છે કે રાગના જે પરિણામ છે તે પુદ્ગલની સાથે સંબંધ રાખે છે તેથી એકલા પુદ્ગલથી રચાયા છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાથી કથન હોય ત્યાં તે અપેક્ષાથી સમજવું જોઈએ. જે અપેક્ષા હોય તેને ન સમજે અને એકાંત જ પકડીને બેસે તો સત્ય હાથ નહિ આવે, ભાઈ!
PDF/HTML Page 704 of 4199
single page version
અહીં તો એમ સિદ્ધ કર્યું છે કે પુદ્ગલ જે નિમિત્ત છે તેનું આ રાગાદિ કાર્ય છે. આ તો નિમિત્તથી કાર્ય થયું એમ આવ્યું. આમાં ઉપાદાનથી કાર્ય થાય છે એ કયાં ગયું? અરે, ભાઈ! કઈ અપેક્ષાએ કહ્યું છે એ તો સમજ. એ તો નિમિત્તના આશ્રયે રાગ થાય છે માટે તેનો છે, એમ કહી એક પુદ્ગલની જ રચના જાણો-એમ કહ્યું છે. એ પુદ્ગલનું કાર્ય છે પણ ચૈતન્યસ્વભાવનું કાર્ય નથી એમ અપેક્ષા બતાવવી છે. આત્મા વસ્તુ છે એ તો શુદ્ધ ચૈતન્યઘન આનંદઘન એકલી પવિત્રતાનો પિંડ પ્રભુ છે. તેથી એમાંથી અપવિત્ર રાગ કયાંથી રચાય? ભાઈ! આ મનુષ્યદેહ ચાલ્યો જાય છે હોં! તે પાછો કયારે મળશે? જો આ ન સમજ્યો તો રખડવાના રસ્તે જવું પડશે. ત્યાં પછી કોઈની સિફારસ કામ નહિ લાગે.
અહીં કહે છે કે એ વર્ણાદિ સર્વ ભાવો એક પુદ્ગલના જ છે. ‘एकस्य हि पुद्गलस्य’ ‘हि’ એમ શબ્દ છે. એક પુદ્ગલની જ રચના જાણો એમ કહે છે. આ કઈ અપેક્ષાએ કહ્યું છે? રાગની રચના તો પર્યાયમાં પોતાના ઊંધા પુરુષાર્થથી થાય છે માટે રાગનું પરિણમન જીવનું છે, જીવમાં છે અને તેમાં કર્મ નિમિત્ત છે. કર્મ નિમિત્ત છે, પણ એ નિમિત્ત છે માટે રાગ થાય છે એમ નથી. આ એક સિદ્ધાંત છે. જ્યારે અહીં બીજા સિદ્ધાંતથી કહે છે કે રાગનો આત્મા ર્ક્તા નથી. આત્મામાં અર્ક્તા નામનો ગુણ છે તેથી રાગને કરવાનો તેનો સ્વભાવ નથી. માટે રાગની રચના પુદ્ગલદ્રવ્યથી છે પણ જીવથી નહિ. પુદ્ગલ કરણ છે અને રાગ એનું કાર્ય છે, કેમકે તે બન્ને અભિન્ન છે. અહીં વસ્તુના સ્વભાવની-ચિદાનંદ-સ્વરૂપ ભગવાનની દ્રષ્ટિ કરાવવી છે. અને વસ્તુ છે એ તો એકલો ચૈતન્યઘનપિંડ અકષાયસ્વભાવનો રસકંદ છે. એ કષાયના ભાવને કરે એ કેમ બને? અકષાયસ્વરૂપમાં કષાયના ભાવનું કરવાપણું છે જ નહિ, માટે આ રાગાદિ છે એ પુદ્ગલની રચના છે માટે એની દ્રષ્ટિ છોડી દે. અહાહા! કહે છે કે પર્યાયબુદ્ધિનો ત્યાગ કર અને ત્રિકાળી વસ્તુસ્વભાવની દ્રષ્ટિ કર. ભાઈ! આ કાંઈ વાદવિવાદે પાર પડે એમ નથી. ખેંચતાણ છોડીને ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ’ એ ન્યાયે યથાર્થ સમજ કેળવવી જોઈએ.
આ જીવ-અજીવ અધિકાર ચાલે છે. ત્યાં જીવ એને કહીએ કે જે અખંડ અભેદ એકરૂપ ચૈતન્યઘનસ્વરૂપ હોય, એની દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન-ધર્મનું પ્રથમ સોપાન પ્રગટ થાય છે. આવા શુદ્ધ જીવની દ્રષ્ટિ કરાવવા અહીં રંગ-રાગ અને ભેદના ભાવો એક પુદ્ગલની જ રચના જાણો એમ કહ્યું છે. અહીં તો આત્મા-દ્રવ્યનો પૂર્ણ સ્વભાવ બતાવવો છે. પરંતુ જ્યારે પર્યાયની વાત હોય ત્યારે પર્યાયમાં જીવ પોતે એકલો રાગ કરે છે અને પુદ્ગલ તો એમાં નિમિત્તમાત્ર છે એમ કહેવામાં આવે છે. નિમિત્તથી રાગ થાય છે એમ નથી. વિકારના પરિણમનમાં પરકારકની અપેક્ષા નથી એમ પંચાસ્તિકાયમાં પર્યાયની અસ્તિ સિદ્ધ કરી છે. તથા જ્યારે રાગ થાય છે ત્યારે નિમિત્ત હોય છે એવું પ્રમાણજ્ઞાન
PDF/HTML Page 705 of 4199
single page version
કરાવવા, રાગ પોતાથી (રાગથી) થયો છે એવું નિશ્ચયનું જ્ઞાન રાખીને, રાગ નિમિત્તથી થયો છે એવું નિમિત્તનું જ્ઞાન ભેળવવામાં આવે છે. નિશ્ચયને ઉડાવીને નિમિત્તનું જ્ઞાન ભેળવ્યું છે એમ નથી. તથા અહીં તો એ બન્નેને (પ્રમાણ તથા વ્યવહારને) ઉડાડયા છે. ભગવાન આત્મા ચૈતન્યસૂર્ય છે, એ ચૈતન્યસૂર્યનો ઝબકારો ચૈતન્યમય જ હોય. એમાં શું રાગનો અંધકાર હોય? એ રાગનો અંધકાર તો અચેતન પુદ્ગલનું જ કાર્ય છે. આવો ભગવાનનો માર્ગ છે ભાઈ! ખૂબ ધીર અને શૂરવીરનું કામ છે. કહ્યું છે ને કે-
પ્રશ્નઃ– જો એક પુદ્ગલથી જ રાગાદિ થાય છે તો નિમિત્તથી પરમાં ન થાય એ કયાં ગયું?
ઉત્તરઃ– ભાઈ! તું અપેક્ષા સમજ્યો જ નથી. નિમિત્તથી પરમાં ન થાય એ તો પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કરવાની વાત છે. પરંતુ અહીં તો આખી પર્યાયદ્રષ્ટિ જ ઉઠાવી લેવાની વાત છે. અહીં તો ત્રિકાળી શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ કરાવવાની વાત છે.
અહો ધર્મી જીવો! વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંતના ભેદોને એક પુદ્ગલની જ રચના જાણો, પણ તે ચૈતન્યચમત્કાર ભગવાન આત્માની રચના નથી જ નથી. આત્મા રચે તો શું રચે? એ તો નિર્મળ અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની રચના કરે એવો જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન છે. દ્રવ્યસ્વભાવમાં જે હોય તેની રચના કરે ને? જે ન હોય તેની રચના કેમ કરે? દ્રવ્યસ્વભાવમાં રાગાદિ નથી, માટે રાગાદિની રચના આત્મા ન કરે. તેથી રાગાદિ તો એક પુદ્ગલની જ રચના છે એમ જાણો.
નિમિત્તવાદીઓ એમ કહે છે કે કાર્ય નિમિત્તથી થાય છે. ઉપાદાનવાદીઓ એમ કહે છે કે કાર્ય ઉપાદાનથી થાય છે, નિમિત્તનું ત્યાં કાંઈ કામ નથી. ‘ઉપાદાન બલ જહાઁ તહાઁ, નહિ નિમિત્તકો દાવ.’ નિમિત્તનો કયારેય દાવ આવતો નથી. પણ આ કળશમાં તો નિમિત્તનો દાવ આવ્યો ને! ભાઈ! કઈ અપેક્ષાએ કહ્યું છે તે યથાર્થ સમજવું જોઈએ. પર્યાયમાં તો નિમિત્તનો દાવ આવતો જ નથી. રાગની જે પર્યાય થાય છે તે તો પોતે પોતાથી જ થાય છે. નિમિત્ત હો ભલે, પણ નિમિત્તથી થાય છે એમ છે જ નહિ. પરંતુ અહીં તો વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ કરાવવી છે ને? ત્રિકાળી સ્વભાવ તો વિકાર અને ભેદની રચના કરે એવો નથી. તથા ભેદ અને રાગની ઉત્પત્તિ પુદ્ગલના સંગે (આશ્રયે) ઉત્પન્ન થાય છે. માટે રાગ અને ભેદનું કારણ પુદ્ગલદ્રવ્ય જ છે એમ જાણો-એમ કહ્યું છે. અરે! ભગવાન ત્રણલોકના નાથ પ્રભુ કેવળીના વિરહ પડયા! કેવળજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન કે અવધિજ્ઞાન રહ્યું નહિ! અને આ વાંધા-વિવાદ ઊભા થયા! જેમ લક્ષ્મી ઘટે, પિતા ગુજરી જાય એટલે પુત્રો અંદરોઅંદર તકરાર કરે, એમ તત્ત્વની વાતમાં તકરારો પડી!
PDF/HTML Page 706 of 4199
single page version
પંચમકાળ છે ને! ભાઈ! સમય બદલતાં વસ્તુનું સ્વરૂપ કાંઈ બદલતું નથી. વીતરાગનો પંથ તો સદાય એક જ છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું છે ને કે-
રાગ અને દ્વેષના પરિણામને પુદ્ગલના કેમ કહ્યા? એક તો તેઓ નીકળી જાય છે અને બીજું તેઓ જીવના સ્વભાવમય નથી માટે તેમને પુદ્ગલના કહ્યા છે. પરંતુ તે કર્મના જ છે અને નિમિત્તથી જ થાય છે એમ એકાંતે (પર્યાયને) સિદ્ધ કરવા જશો તો દ્રવ્ય જ ઉડી જશે. પરંતુ પર્યાય (સ્વતઃ) સિદ્ધ છે. પર્યાયમાં જે રાગની સિદ્ધિ છે તે એનું ઉપાદાન છે અને એમાં પર નિમિત્ત છે. પરકારકની અપેક્ષા વિનાનું એનું પરિણમન અનાદિથી સિદ્ધ છે. જ્યાં બે કારણથી કાર્ય થાય એમ કહ્યું હોય ત્યાં જોડે નિમિત્ત છે એનું જ્ઞાન કરાવવા કહ્યું છે. ખરેખર કાર્ય તો એકથી (ઉપાદાનથી) જ થયું છે. એકથી જ કાર્ય થયું છે એ દ્રષ્ટિમાં રાખીને, નિમિત્તથી થયું છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. જ્યારે અહીં તો એ બન્ને વાતને ઉડાડીને વસ્તુના સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે.
એક સમયની પર્યાયમાં જે રાગ-ભેદાદિ ભાવો થાય છે તે પુદ્ગલનું જ નિર્માણ છે કેમકે તે ચૈતન્યસ્વરૂપ વસ્તુમાં નથી. વસ્તુ તો ત્રિકાળી શુદ્ધ ચૈતન્યઘન સચ્ચિદાનંદ-સ્વરૂપ ભગવાન છે. એ વિકાર અને ભેદનું કારણ કેમ થાય? તેથી નિમિત્તને આધીન થયેલા રાગ અને ભેદના ભાવો પુદ્ગલની જ રચના છે એમ જાણો એટલે અનુભવો એમ કહ્યું છે. આત્મામાં અનંત ગુણ તો બધા નિર્મળ-પવિત્ર છે. એમાં કોઈ ગુણ કે શક્તિ એવાં નથી કે વિકાર કરે. તેથી જ ૪૭ શક્તિના વર્ણનમાં નિર્મળ ક્રમબદ્ધપર્યાયને જ જીવની લીધી છે. ત્યાં અશુદ્ધતા લીધી જ નથી, કેમકે શક્તિ શુદ્ધ છે તો એનું પરિણમન શુદ્ધ જ હોય છે. અશુદ્ધતા છે એનું તો બસ જ્ઞાન થઈ જાય એટલું જ. આવો વીતરાગનો માલ છે તે સંતો આડતિયા થઈને જાહેર કરે છે, આપે છે.
ત્રણલોકના નાથ પરમાત્મા જિનેશ્વરદેવ, ગણધરો અને ઇંદ્રોની સભામાં એમ કહેતા હતા કે વસ્તુમાં જે રાગ અને ભેદના ભાવો પર્યાયમાં થાય છે તે પુદ્ગલનું કાર્ય છે એમ જાણો. એ તારું-આત્માનું કાર્ય નથી. અહાહા! પ્રભુ! કારણપરમાત્મા તો જે નિર્મળ પરિણમન થાય એનું કારણ છે. ‘ततः’ માટે ‘इदं’ આ ભાવો ‘पुद्गलः एव अस्तु’ પુદ્ગલ જ હો, ‘न आत्मा’ આત્મા ન હો. જુઓ, પહેલાં ‘हि’ કહ્યું હતું અને અહીં પણ ‘एव’ પદ લગાડયું છે. વ્રત, તપ, ભક્તિ, આદિ રાગથી કલ્યાણ થશે એમ માનનારને બહુ આકરું પડે એવી વાત છે. પણ ભક્તિ આદિ તો વિકલ્પ છે, આત્મા નથી;
PDF/HTML Page 707 of 4199
single page version
‘यतः’ કારણ કે ‘सः विज्ञानघनः’ આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે. અહાહા! પ્રભુ! તું તો ચૈતન્યના તેજના નૂરનું પૂર છો ને! તું રાગનું કારણ કેમ હોઈ શકે? અષ્ટસહસ્રીમાં પણ આવે છે કે શુભાશુભ ભાવ અને ભેદ આત્મા ન હો, પણ પુદ્ગલ જ હો. આ અનેકાન્ત છે. આત્મા તો વિજ્ઞાનઘન પ્રભુ જ્ઞાનનો પુંજ છે. એ વિજ્ઞાનઘન વસ્તુમાં રાગ અને ભેદ કયાંથી આવે?
‘ततः’ તેથી ‘अन्यः’ આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. વિજ્ઞાનઘનસ્વરૂપ ભગવાન આત્મા વર્ણાદિ ભાવોથી અન્ય એટલે અનેરો-જુદો જ છે. આવું વસ્તુસ્વરૂપ છે.
PDF/HTML Page 708 of 4199
single page version
देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता।। ६७ ।।
देहस्य जीवसंज्ञाः सूत्रे व्यवहारतः उक्ताः।। ६७ ।।
_________________________________________________________________
હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર છે એમ કહે છેઃ-
કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭.
ગાથાર્થઃ– [ये] જે [पर्याप्तापर्याप्ताः] પર્યાપ્ત, અપર્યાપ્ત [सूक्ष्माः बादराः च] સૂક્ષ્મ અને બાદર આદિ [ये च एव] જેટલી [देहस्य] દેહને [जीवसंज्ञाः] જીવસંજ્ઞા કહી છે તે બધી [सूत्रे] સૂત્રમાં [व्यवहारतः] વ્યવહારથી [उक्ताः] કહી છે.
ટીકાઃ– બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિયપર્યાપ્ત, અપર્યાપ્ત-એ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે પરની પ્રસિદ્ધને લીધે, ‘ઘીના ઘડા’ની જેમ વ્યવહાર છે-કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત્ તેમાં પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છેઃ-
જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા “જે આ ‘ઘીનો ઘડો’ છે તે માટીમય છે, ઘીમય નથી” એમ (સમજાવનાર વડે) ઘડામાં ‘ઘીના ઘડા’ નો વ્યવહાર કરવામાં આવે છે, કારણ કે પેલા પુરુષને ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) છે; તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને ‘અશુદ્ધ જીવ’ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને સમજાવવા (-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) “જે આ ‘વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ’ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ (સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને ‘વર્ણાદિમાન જીવ’ જ પ્રસિદ્ધ છે.
PDF/HTML Page 709 of 4199
single page version
जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः।। ४० ।।
_________________________________________________________________
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [चेत्] જો [घृतकुम्भाभिधाने अपि] ‘ઘીનો ઘડો’ એમ કહેતાં પણ [कुम्भः घृतमयः न] ઘડો છે તે ઘીમય નથી (-માટીમય જ છે), [वर्णादिमत्–जीव–जल्पने अपि] તો તેવી રીતે ‘વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [जीवः न तन्मयः] જીવ છે તે વર્ણાદિમય નથી (-જ્ઞાનઘન જ છે).
ભાવાર્થઃ– ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ‘ઘીનો ઘડો’ કહેવામાં આવે છે છતાં નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી; ઘી ઘી-સ્વરૂપ છે, ઘડો માટી-સ્વરૂપ છે; તેવી રીતે વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી ‘પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ’ ઇત્યાદિ કહેવામાં આવ્યો છે છતાં નિશ્ચયથી જીવ તે-સ્વરૂપ નથી; વર્ણ, પર્યાપ્તિ, ઈન્દ્રિયો ઇત્યાદિ પુદ્ગલસ્વરૂપ છે, જીવ જ્ઞાનસ્વરૂપ છે. ૪૦.
આત્મા તો વિજ્ઞાનઘન-જ્ઞાનનો ઘન પિંડ છે. એ જ્ઞાનઘન સિવાય બીજું જે કાંઈ છે તે વર્ણ, ગંધ, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, દયા, દાન, આદિ ભાવો-તે બધાયને જીવ કહેવા એ સર્વ વ્યવહારમાત્ર છે-એમ હવે કહે છે.
જીવને બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિયાદિ કહ્યો છે એ વ્યવહારથી એટલે જૂઠી દ્રષ્ટિએ કહ્યો છે એમ અહીં કહે છે, કારણ કે બાદર, સૂક્ષ્મ આદિ તો દેહની સંજ્ઞા-દેહનું નામ છે. તેથી સૂત્રમાં જ્યાં એકેન્દ્રિયાદિને જીવની સંજ્ઞાપણે કહ્યા છે ત્યાં વ્યવહારથી-અસદ્ભૂત વ્યવહારનયથી કહ્યા છે.
અનાદિથી અજ્ઞાનીને પરની પ્રસિદ્ધિ છે. પુણ્ય-રાગ આત્મા છે એવું અનાદિથી અજ્ઞાનીને પ્રસિદ્ધ છે. તેથી એમ સમજાવ્યું કે રાગ તે આત્મા. પણ ખરેખર રાગ તે આત્મા નથી. અહા! પુણ્યનો ભાવ જે રાગમય છે તે આત્મા નથી. આત્મા તો જ્ઞાનમય છે. ઘીના ઘડાની જેમ વ્યવહારથી સમજાવ્યું છે, પરંતુ એ વ્યવહાર અપ્રયોજનાર્થ છે. વ્યવહાર પ્રયોજનને સિદ્ધ કરતો નથી માટે તે અપ્રયોજનાર્થ છે. શું કહ્યું? કે ‘રાગ તે આત્મા’ એમ કહેવું તે અપ્રયોજનભૂત છે કારણ કે એથી કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી.
PDF/HTML Page 710 of 4199
single page version
તેવી રીતે ગુણસ્થાન, જીવસ્થાન, માર્ગણાસ્થાન આદિમાં આત્મા તન્મય નથી. તેથી તેમને જીવના કહેવા તે અપ્રયોજનાર્થ છે, જૂઠું છે, કારણ કે એથી કાંઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. કળશટીકામાં કળશ ૩૯માં લીધું છે કે-“કોઈ આશંકા કરે છે કે કહેવામાં તો એમ જ કહેવાય છે કે ‘એકેન્દ્રિય જીવ, બે ઇન્દ્રિય જીવ’ ઇત્યાદિ; ‘દેવ જીવ, મનુષ્ય જીવ’ ઇત્યાદિ; ‘રાગી જીવ, દ્વેષી જીવ’ ઇત્યાદિ, ઉત્તર આમ છે કે કહેવામાં તો વ્યવહારથી એમ જ કહેવાય છે, નિશ્ચયથી એવું કહેવું જૂઠું છે.” વળી કળશટીકામાં કળશ ૪૦માં પણ એ જ દ્રઢ કર્યું છે કે-“આગમમાં ગુણસ્થાનોનું સ્વરૂપ કહ્યું છે ત્યાં ‘દેવ જીવ, મનુષ્ય જીવ, રાગી જીવ, દ્વેષી જીવ’ ઇત્યાદિ ઘણા પ્રકારે કહ્યું છે, પણ તે સઘળુંય કહેવું વ્યવહારમાત્રથી છે; દ્રવ્યસ્વરૂપ જોતાં એવું કહેવું જૂઠું છે.”
રાગ-દ્વેષાદિ ભાવો છે તો પોતામાં તેઓ પર્યાયમાં અસ્તિ છે તેથી સત્ય છે. પરંતુ તેઓ જીવદ્રવ્યમાં કયાં છે? તેઓ અજીવપણે ભલે હો, પણ તેઓ આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે છે તે આત્મા છે એમ વ્યવહારથી-જૂઠી દ્રષ્ટિથી કહ્યું છે. એનાથી ભગવાન! તું ભરમાઈ ગયો? વ્યવહાર દ્વારા નિશ્ચય ઓળખાવ્યો છે અર્થાત્ રાગદ્વારા આત્મા ઓળખાવ્યો છે; ત્યાં તું રાગને જ ચોંટી પડયો કે રાગ તે આત્મા! ભાઈ! આત્મા તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકમૂર્તિ ભગવાન વિજ્ઞાનઘન પ્રભુ છે. એ ભૂતાર્થ એટલે સત્યાર્થ છે. એ દ્રષ્ટિનો વિષય છે અને એમાં દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે. આ સિવાય દયા, દાન, આદિ અનેક વિકલ્પવાળો જીવને કહેવો એ વ્યવહાર છે અને વ્યવહાર છે એ અસત્યાર્થ છે કારણ કે તેમાં (વિકલ્પમાં) જીવ તન્મય નથી.
પ્રશ્નઃ– પ્રવચનસાર (ગાથા ૧૮૯)માં તો એમ આવે છે કે નિશ્ચયથી શુભાશુભ ભાવોનો-પુણ્ય-પાપના ભાવોનો આત્મા ર્ક્તા અને ભોક્તા છે? તથા પ્રવચનસાર ગાથા ૮માં એમ કહ્યું છે કે શુભ, અશુભ કે શુદ્ધપણે પરિણમતો જીવ એમાં તન્મય છે?
ઉત્તરઃ– ભાઈ! એ તો પર્યાયમાં શુભાશુભ ભાવોથી એકરૂપ છે એટલું બતાવવું છે. તેથી ત્રિકાળી દ્રવ્ય એમાં તન્મય છે એમ નથી. ત્યાં તો પર્યાય તે સમયમાં તે-રૂપે પરિણમી છે એમ વર્તમાન પર્યાય પૂરતી વસ્તુની સ્થિતિ સિદ્ધ કરવી છે. પરંતુ અહીં તો એકલા ત્રિકાળીને-દ્રવ્યને સિદ્ધ કરવું છે. ત્રિકાળી દ્રવ્ય જે આત્મા એ તો શુદ્ધ વિજ્ઞાનઘન ભગવાન છે. એ કદીય શુભાશુભભાવોપણે થયો જ નથી. તથાપિ શુભાશુભપણે થયો છે એમ કહેવું એ વ્યવહાર છે, જૂઠી દ્રષ્ટિ છે. સમયસારની છઠ્ઠી ગાથામાં આવે છે કે ભગવાન આત્મા શુભાશુભભાવના સ્વભાવે પરિણમ્યો જ નથી. એટલે શું? કે જ્ઞાયકસ્વભાવી આત્મા જો શુભાશુભના સ્વભાવે પરિણમે તો જડ અચેતન થઈ જાય. ભાઈ! આ ભક્તિ અને મહાવ્રતાદિના જે શુભભાવ છે તે જડ અચેતન છે, કેમકે એમાં ચૈતન્યનું કિરણ નથી. ત્યાં પ્રવચનસારમાં પર્યાયની અપેક્ષાએ તન્મય છે એમ કહ્યું તથા અહીં દ્રવ્યની અપેક્ષાએ તન્મય નથી એમ સિદ્ધ કર્યું છે.
PDF/HTML Page 711 of 4199
single page version
પ્રવચનસારની ૧૮૯મી ગાથામાં જે એમ કહ્યું છે કે નિશ્ચયથી આત્મા રાગનો ર્ક્તા અને ભોક્તા છે ત્યાં તો સ્વતઃ રાગ કરે છે અને સ્વતઃ ભોગવે છે એમ અભિપ્રાય છે. પરની પરિણતિને જીવની કહેવી તે વ્યવહારનય અને પોતાની પરિણતિને પોતાની-જીવની કહેવી તે નિશ્ચયનય એમ ત્યાં અર્થ છે.
પ્રશ્નઃ– તો પછી જીવ રાગને કરે છે અને નથી કરતો એ બન્નેમાંથી સાચું શું?
ઉત્તરઃ– ભાઈ! અપેક્ષાથી બન્ને વાત સાચી છે. પ્રવચનસારના જ્ઞેય અધિકારમાં વસ્તુની પર્યાય સિદ્ધ કરી છે ત્યારે અહીં દ્રવ્ય સિદ્ધ કર્યું છે. દ્રવ્યદ્રષ્ટિથી જોતાં વસ્તુ જે જ્ઞાયકમાત્ર ભાવ છે એમાં રાગ છે જ નહિ. તેથી તો છટ્ઠી ગાથામાં કહ્યું કે જ્ઞાયકભાવ શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી. પંડિત શ્રી જયચંદજીએ કૌંસમાં ‘જ્ઞાયકભાવથી જડભાવરૂપ થતો નથી’ એમ એનો ખુલાસો કર્યો છે. અહાહા! જ્ઞાયક, જ્ઞાયકપણે ફીટીને કદીય અચેતન થતો જ નથી. ભાઈ! શુભાશુભભાવ છે તે અચેતન છે. જો જ્ઞાયકભાવ તેમના સ્વભાવે પરિણમે તો તે અચેતન થઈ જાય. ભાઈ! આવો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ ઘણો ગંભીર-ઊંડો છે, ઘણો ફળદાયક છે.
વ્યવહારના રસિયાને તો આ વાત એવી લાગે કે જાણે એના સર્વ વ્યવહારનો લોપ થઈ ગયો. ભાઈ! એ જ વાત અહીં કહે છે કે આત્મામાં વ્યવહાર-રાગાદિ છે જ નહિ. જે આત્માને અંતરમાં સ્વીકારવો છે એ તો એકલો વિજ્ઞાનઘન સચ્ચિદાનંદમય જ્ઞાનનો પુંજ અસંખ્યપ્રદેશી પ્રભુ છે, એમાં શુભાશુભ ભાવો કયાં છે? (નથી જ). તો એ શુભાશુભપણે કેમ થાય? (ન જ થાય). ભાઈ! એને શુભાશુભભાવોવાળો કહેવો એ તો અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. ૧૧મી ગાથામાં આવ્યું છે ને કે જે રાગ જણાય છે તે અસદ્ભૂત ઉપચાર વ્યવહારનયનો વિષય છે અને જે રાગ (અબુદ્ધિપૂર્વકનો) નથી જણાતો એ અસદ્ભૂત અનુપચાર વ્યવહારનયનો વિષય છે. છે તો બન્ને અસદ્ભૂત વ્યવહાર, અને વ્યવહાર બધોય અભૂતાર્થ છે કેમકે તે અભૂત અર્થને પ્રગટ કરે છે. એ જ વાતને વિસ્તારથી સ્પષ્ટ કરે છેઃ-
જેમકે કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ છે અર્થાત્ ઘીથી જુદો ઘડો એણે કદીય જોયો નથી તેથી ‘ઘીનો ઘડો’ જ જેને જાણીતો છે એવા પુરુષને સમજાવવા “જે આ ‘ઘીનો ઘડો’ છે તે માટીમય છે, ઘીમય નથી.” એમ કહેવામાં આવે છે. અહાહા! ભાષા તો જુઓ! ‘આ ઘીનો ઘડો છે તે માટીમય છે’ એ તો સમજમાં આવે છે. હવે એ દ્રષ્ટાંત અહીં આત્મા ઉપર ઘટાવવું છે. શબ્દ તો એમ કહ્યો કે ‘ઘીનો ઘડો,’ જ્યારે બતાવવું એમ છે કે ઘડો માટીમય છે. કારણ કે ઘી વિનાનો ખાલી ઘડો એણે જોયો નથી તેથી સમજાવવા એમ કહ્યું કે ‘આ ઘીનો ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી.’ આમ ઘડામાં ‘ઘીનો ઘડો’ એમ વ્યવહાર કરવામાં આવે છે.
PDF/HTML Page 712 of 4199
single page version
તેવી રીતે આ અજ્ઞાની લોકને અનાદિ સંસારથી માંડીને રાગવાળો જીવ, પુણ્યવાળો જીવ, ભેદવાળો જીવ-એમ ‘અશુદ્ધ જીવ’ જ પ્રસિદ્ધ છે. દ્રષ્ટાંતમાં ‘ઘીનો ઘડો’ પ્રસિદ્ધ છે એમ લીધું હતું અને સિદ્ધાંતમાં અજ્ઞાનીને ‘અશુદ્ધ જીવ’ જ પ્રસિદ્ધ છે એમ કહે છે. દ્રષ્ટાંતમાં-પુરુષ ઘી વિનાના ખાલી ઘડાને જાણતો નથી એમ લીધું ત્યારે સિદ્ધાંતમાં-અજ્ઞાની શુદ્ધ જીવને જાણતો નથી એમ કહે છે. અહા! રાગ વિનાના ભગવાન આત્માને અજ્ઞાની જાણતો નથી. તેથી હવે તે અજ્ઞાનીને સમજાવવા-શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા-“જે આ ‘વર્ણાદિમાન જીવ’ છે તે જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી” એમ કહે છે. જે ‘આ રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે’ એમ કહીને નિષેધ કર્યો કે જીવ રાગમય નથી. ‘આ રાગાદિમય જીવ છે તે જ્ઞાનમય છે’ એમ શા માટે કહ્યું? કારણ કે અજ્ઞાનીને રાગ વિનાનો જીવ પ્રસિદ્ધ નથી. તેથી તેને રાગથી સમજાવ્યું કે-‘આ રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી.’ અજ્ઞાનીને અનાદિથી રાગાદિ અશુદ્ધતા જ પ્રસિદ્ધ છે. તેથી જેમ ‘ઘીનો ઘડો માટીમય છે, ઘીમય નથી,’ તેમ ‘આ રાગાદિવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગાદિમય નથી’ એમ અજ્ઞાનીને સમજાવ્યું છે. આમાં ‘રાગવાળો’ એમ કહીને વ્યવહાર દર્શાવ્યો અને ‘જ્ઞાનમય’ કહીને નિશ્ચય કહ્યો. એટલે કે જીવ નિશ્ચયથી જ્ઞાનમય જ છે અને વ્યવહારથી તેને રાગવાળો કહેવામાં આવે છે. શબ્દ તો એમ છે કે ‘રાગવાળો જીવ,’ પણ બતાવવું એમ છે કે જીવ જ્ઞાનમય જ છે. હવે જ્યાં જીવ જ્ઞાનમય જ છે ત્યાં રાગથી એને લાભ થાય એમ કયાંથી સિદ્ધ થાય? (ન જ થાય).
પ્રશ્નઃ– શુભભાવને નિશ્ચયનો સાધક કહ્યો છે ને?
ઉત્તરઃ– ભાઈ! શુભભાવને સાધક કહ્યો છે એ તો આરોપિત કથન છે. જો રાગ નિશ્ચયથી સાધક હોય તો આ ગાથાના કથન સાથે વિરોધ આવે. રાગવાળો આત્મા છે જ નહિ એમ અહીં કહ્યું છે. જો રાગવાળો આત્મા છે જ નહિ તો પછી રાગ આત્માને સ્વાનુભવમાં મદદ કરે એ વાત કયાંથી આવે?
પ્રશ્નઃ– પંચાસ્તિકાયમાં વ્યવહારનો શુભરાગ નિશ્ચયનો સાધક છે એમ કહ્યું છે. તમે એને માનો છો કે નહિ?
ઉત્તરઃ– ભાઈ! અહીં તો એમ કહે છે કે રાગ છે તે નિશ્ચયથી જીવ છે જ નહિ, અને જે જીવ નથી તે જીવને લાભ કેમ કરે? (ન જ કરે). આત્મા શુદ્ધ ચૈતન્યમય ચિદાનંદ ભગવાન પ્રભુ છે. સ્વભાવના લક્ષે ઉત્પન્ન થતી નિર્મળ પરિણતિથી એ સાધ્ય છે. સ્વભાવથી પ્રાપ્ત જે નિર્મળ પરિણતિ તે સાધક છે. ભાઈ! રાગને તો સહકારી જાણી નિર્મળ પરિણતિના સાધકપણાનો એમાં આરોપ આપ્યો છે. અહા! શાસ્ત્રોના અર્થ સમજવા ભારે કઠણ છે!
એક બાજુ કહે કે આત્માની સાથે રાગ તન્મય છે અને વળી અહીં કહે છે કે આત્મા એનાથી તન્મય નથી! આ કેવું! ભાઈ! પર્યાયની અપેક્ષાએ શુભરાગ સાથે આત્મા
PDF/HTML Page 713 of 4199
single page version
તન્મય છે એમ પ્રવચનસારમાં (ગાથા ૮માં) કહ્યું છે. જ્યારે અહીં ત્રિકાળી શુદ્ધ દ્રવ્યની અપેક્ષાએ શુભરાગ આત્મા સાથે તન્મય નથી એમ કહ્યું છે. પંચાસ્તિકાયમાં વ્યવહારને સાધક કહ્યો છે એ આરોપિત કથન છે. જ્યારે અહીં-રાગ છે તે નિશ્ચયથી જીવ નથી તો તે સાધન કેમ થાય?-એમ કહે છે. અહા! લોકોને આકરી લાગે તેવી વાત છે, પણ જે છે તે એમ જ છે.
શંકાઃ– અમે તો ગુરુને પકડયા છે. બસ, હવે તે અમને તારી દેશે. અમારે હવે કાંઈ કરવાનું નથી. આ સ્વમત છે કે પરમત છે એની પરીક્ષા પણ અમારે કરવી નથી.
સમાધાનઃ– ભાઈ! કોણ ગુરુ? પ્રથમ તો પોતે જ પોતાનો ગુરુ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ આત્માને પકડે, એનો આશ્રય કરે તો તરાય એમ છે, બાપુ! પર ગુરુ તારી દેશે એ તો બધી વ્યવહારની વાતો છે. ચારિત્રપાહુડની ૧૪મી ગાથામાં આવે છે કે વેદાંતાદિ અન્યમતમાં માનનારાઓ પ્રતિ ઉત્સાહ થવો, ભાવના થવી, એમની સેવા-પ્રશંસા કરવી અને એમનામાં શ્રદ્ધા થવી એ બધાં મિથ્યાત્વનાં લક્ષણ છે. આકરી વાત, પ્રભુ! પણ આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેમના ચરણોને ઇન્દ્રો અને ગણધરો ચૂમે છે એમનો આ માર્ગ છે. સાંભળવા મળવો પણ મુશ્કેલ. પરંતુ જેમને આત્મા જોવો-અનુભવવો હોય એ બધાયને આ માર્ગમાં આવવું પડશે. આવી વાત છે.
અહાહા! શૈલી તો જુઓ! કહે છે કે અજ્ઞાનીઓને અનાદિથી અશુદ્ધ જીવ જ પ્રસિદ્ધ છે. તેથી ‘અશુદ્ધ-રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી’ એમ તેને સમજાવ્યું છે. અહાહા! ‘જ્ઞાનમય છે, રાગમય નથી’ એમ કહીને અશુદ્ધતા ઉડાવી દીધી છે. અરે! હજી જેને શ્રદ્ધાનનાં પણ ઠેકાણાં નથી એને વળી આચરણ કેવાં? કદાચ તે વ્યવહાર કરે-પાળે તોપણ તે સર્વ આચરણ સંસાર ખાતે જ છે, કેમકે રાગ છે તે સંસારમાં જ પ્રવેશ કરાવનાર છે. અહીં સ્પષ્ટ કહે છે કે-વ્યવહારવાળો-રાગવાળો જીવ છે તે નિશ્ચયમય-જ્ઞાનમય જ છે, વ્યવહારમય- રાગમય નથી. અહાહા! પરમ અદ્ભુત વાત છે.
વસ્તુ અનાદિ-અનંત શુદ્ધ વિજ્ઞાનઘન ધ્રુવપ્રવાહરૂપ છે. જેમ પંથ ચાલ્યો જાય છે તેમ ભગવાન આત્મા ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એમ પ્રવાહરૂપે શુદ્ધ ચૈતન્યમય છે. તેમાં એક સમય પૂરતો રાગનો સંબંધ છે. હવે આ રાગના સંબંધ વિનાનો જીવ જેણે જોયો નથી એવા અજ્ઞાની જીવને સમજાવતી વખતે આ વ્યવહાર કહ્યો કે-‘રાગના સંબંધવાળો જીવ.’ પણ નિશ્ચયથી એક સમયનો રાગ એ વસ્તુના સ્વભાવમાં નથી. રાગનો-સંસારનો સંબંધ જ એક સમય પૂરતો છે. તેથી એટલો સંબંધ દેખીને, જેણે સંબંધરહિત શુદ્ધ જીવ જોયો નથી તેને બતાવ્યું કે-‘આ રાગના સંબંધવાળો જીવ જ્ઞાનમય છે, રાગમય નથી.’ અહા! વાતને કેવી સિદ્ધ કરી છે! આ ‘દયાના ભાવવાળો જીવ’ એમ વ્યવહારથી કહ્યું; પણ જીવ દયાના ભાવમય નથી પણ જ્ઞાનમય જ છે. અહા! શું શૈલી! વ્યવહાર સમજાવવા
PDF/HTML Page 714 of 4199
single page version
માટે આવે છે પણ તે નિશ્ચયની અપેક્ષાએ જૂઠો છે એમ કહે છે. બીજો કોઈ ઉપાય નથી તેથી વ્યવહારથી સમજાવવામાં આવે છે. આવો ઉપદેશ છે!
આ પ્રમાણે સૂત્ર વિશે જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં આવ્યો છે, કારણ કે અજ્ઞાની જીવને રંગ-રાગ-વાળો જ જીવ પ્રસિદ્ધ છે. પર્યાયબુદ્ધિવાળા જીવોને રાગવાળો જીવ જ પ્રસિદ્ધ છે. એક સમયની પર્યાયની પાછળ અંદર આખું પરિપૂર્ણ વસ્તુનું ચૈતન્યદળ પડેલું છે, પરંતુ પર્યાયની રમતમાં જીવને રાગ જ જણાય છે અને તેથી તે પર્યાયબુદ્ધિ છે. તેને સમજાવતાં કહે છે કે ‘પર્યાયમાં રાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે, રાગમય નથી.’ પર્યાયની પાછળ તો આખો ચૈતન્યઘન પડયો છે ને! શક્તિ અને સ્વભાવનો પિંડ પ્રભુ વિજ્ઞાનઘન છે. એમાં વર્તમાન પર્યાયનો પ્રવેશ નથી. અરે! નિર્મળ પર્યાયના પણ પ્રવેશનો અવકાશ નથી એવો એ ઘન પ્રભુ છે. અહા! નિર્મળ પર્યાય પણ વિજ્ઞાનઘન આત્માની ઉપર તરે છે.
અહીં અજ્ઞાનીને એમ કહે છે કે પ્રભુ! એક વાર સાંભળ. તને શુદ્ધ આત્મા જાણીતો નથી, માટે જાણીતી ચીજથી-રાગથી તને કહ્યું કે ‘આ રાગવાળો જીવ.’ આટલું કહીને ‘તે રાગમય’ છે એમ નથી કહ્યું, પણ ‘તે જ્ઞાનમય’ છે એમ કહ્યું છે. ‘આ રાગવાળો જીવ’ એમ તને જે ખ્યાલમાં છે તે જીવ જ્ઞાનમય છે. અહાહા! શું ઉપદેશ છે!
પ્રશ્નઃ– આમાં કરવાનું શું આવ્યું?
ઉત્તરઃ– ભાઈ! સત્ય સમજણ કરી સાચું શ્રદ્ધાન કરવું. અહાહા! વસ્તુ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મા છે તે તરફ ઢળવું, વળવું અને એમાં જ રમવું એ કરવાનું છે.
આઠમી ગાથામાં કહ્યું છે કે ગમે તેવો હોશિયાર જીવ હોય તોપણ આત્માને સમજાવવો હોય તો વ્યવહાર દ્વારા સમજાવાય છે. ત્યાં ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશા પ્રાપ્ત હોય તે આત્મા’ એમ વ્યવહાર કહ્યો છે. જ્યારે અહીં ‘રાગવાળો જીવ’ એમ કહીને ‘તે જ્ઞાનમય છે, રાગમય નથી’ એમ કહ્યું છે. પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રને અર્થાત્ નિર્મળ પર્યાયને પ્રાપ્ત કરે તે આત્મા એમ સમજાવવા માટે વ્યવહાર કહ્યો, પરંતુ એ વ્યવહાર કહેનારને (તથા સાંભળનારને) અનુસરવા લાયક નથી. ભાઈ! આ તો જેને આત્માનુભવ કરવો હોય એની વાત છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘चेत्’ જો ‘घृतकुंभाभिधाने अपि’ ‘ઘીનો ઘડો’ એમ કહેતાં પણ ‘कुंभः घृतमयः न’ ઘડો છે તે ઘીમય નથી, માટીમય જ છે. ઘી તો સંયોગી ચીજ છે. એ કાંઈ માટીના સ્વભાવમય ચીજ નથી. ઘીની સાથે તો માટીનો ઘડો સંયોગ સંબંધે છે. તેમ
PDF/HTML Page 715 of 4199
single page version
ભગવાન આત્મા શુદ્ધ વિજ્ઞાનઘનસ્વરૂપ છે અને એને પર્યાયમાં રાગ સાથે એક સમય પૂરતો સંયોગ સંબંધ છે. પરંતુ આ સંબંધ ત્રિકાળી દ્રવ્યમાં નથી. ‘ઘીનો ઘડો’ કહેતાં જેમ ઘડો ઘીમય નથી, માટીમય જ છે તેમ ‘वर्णादिमत् जीव–जल्पने अपि’ ‘વર્ણાદિવાળો જીવ-રંગ-રાગવાળો જીવ એમ કહેવા છતાં પણ ‘जीवः न तन्मयः’ જીવ છે તે વર્ણાદિમય નથી-રંગ-રાગમય નથી, પણ જ્ઞાનઘન જ છે. જેમ ઘડો અને ઘી બે એક નથી, તદ્ન ભિન્ન છે, તેમ રાગ અને ભગવાન આત્મા તદ્ન ભિન્ન છે. રંગ-ગંધ આદિ જે ર૯ બોલ લીધા છે તે બધાયમાં જીવ તન્મય નથી.
પ્રવચનસારમાં કહ્યું છે કે શુભભાવ સાથે જીવ તન્મય છે અને અહીં કહે છે કે ‘जीवः न तन्मयः’ જીવ તન્મય નથી તો એ કેવી રીતે છે?
ભાઈ! એ તો પર્યાયમાં તન્મય છે એની વાત પ્રવચનસારમાં છે. રાગ પર્યાયમાં થાય છે, તે બીજે થાય છે કે અદ્ધરથી છે એમ નથી. રાગ જે થાય છે તે પર્યાયમાં નથી એમ નથી. ત્યાં તો એનું પરિણમન સિદ્ધ કરવું છે તેથી એમ કહ્યું છે કે શુભથી પરિણમતાં શુભ, અશુભે પરિણમતાં અશુભ અને શુદ્ધે પરિણમતાં શુદ્ધ આત્મા છે. ત્યારે અહીં કહે છે કે-પર્યાયમાં રાગ હો તો હો, પરંતુ દ્રવ્યના સ્વભાવમાં રાગ તન્મય નથી. અહાહા! જીવ છે તે રંગ-રાગમય નથી પણ શુદ્ધજ્ઞાનઘન જ છે.
ઘડો જેમ માટીમય જ છે, ‘માટીવાળો’ એમ પણ નહિ. ‘માટીમય’ જ છે, તેમ ભગવાન આત્મા જ્ઞાનમય-જ્ઞાનઘન જ છે. આત્મા જ્ઞાતાદ્રષ્ટાના સ્વભાવથી તન્મય છે, એકમેક છે, પણ રાગથી તન્મય નથી. તેવી રીતે જીવ, જીવસ્થાન, માર્ગણાસ્થાન, સંયમ-લબ્ધિસ્થાન આદિ ભેદોથી તન્મય નથી. અહાહા! ગજબ વાત છે! છેલ્લે ૬૮મી ગાથામાં કહેશે કે ગુણસ્થાનથી પણ તન્મય નથી. અહાહા! રંગ-રાગથી આત્મા તન્મય નથી એ તો ઠીક, પણ સંયમલબ્ધિનાં સ્થાન જે વિકાસરૂપ નિર્મળ ચારિત્રના ભેદરૂપ છે એનાથી પણ આત્મા તન્મય નથી. અભેદ વસ્તુમાં ભેદનો અંશ તન્મય થતો જ નથી. કષાયની મંદતાનાં વિશુદ્ધિસ્થાનો અસંખ્ય પ્રકારનાં છે. ભગવાન આત્મા તે પ્રશસ્ત શુભ રાગનાં સ્થાનોથી તન્મય નથી. અજ્ઞાનીએ શુભ રાગ વિનાનો આત્મા કદી જાણ્યો નથી. તેને કહે છે કે-‘શુભરાગવાળો જીવ છે તે જ્ઞાનમય છે.’ એમ કહીને જીવને યથાર્થ ઓળખાવ્યો છે. જેમ ઘડો માટીમય જ છે તેમ જીવ શુદ્ધજ્ઞાનઘન જ છે. આવી વાત છે.
ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ‘ઘીનો ઘડો’ કહેવામાં આવે છે. છતાં નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી. વ્યવહારથી કહેવાય છે એ તો કથનમાત્ર છે. વ્યવહારથી કહ્યો માટે ઘડો કાંઈ ઘીમય થતો નથી, પણ ઘડો તો માટીમય જ રહે છે. અહા! ઘી ઘી-રૂપ છે
PDF/HTML Page 716 of 4199
single page version
અને ઘડો માટીમય જ છે. તેવી રીતે વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી ‘પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ ‘ઇત્યાદિરૂપે કહેવામાં આવ્યો છે, છતાં નિશ્ચયથી જીવ તે-સ્વરૂપ નથી. દેવસ્વરૂપે, મનુષ્યસ્વરૂપે ખરેખર જીવ નથી. જીવનું એ વાસ્તવિક સ્વરૂપ નથી.
દેવગતિ કે જે ઉદયભાવ છે તે જીવ છે એમ વ્યવહારથી કહ્યું છે કારણ કે અજ્ઞાનીને તેની પ્રસિદ્ધિ છે. પરંતુ ‘આ દેવ જે જીવ છે તે જ્ઞાનમય છે, દેવમય નથી’ એમ અહીં કહે છે. આ દેવ-મનુષ્ય આદિ ગતિની અર્થાત્ ઉદયભાવની વાત છે, શરીરની નહિ. દેવ-મનુષ્ય આદિના શરીર સાથે તો જીવને કાંઈ સંબંધ નથી, એ તો પ્રત્યક્ષ જડ છે. એની વાત નથી. અંદર જે ગતિની યોગ્યતા દેવ-મનુષ્યાદિની છે તેને વ્યવહારથી આ દેવ જીવ, મનુષ્ય જીવ, એકેન્દ્રિય જીવ, દ્વિઇન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, અપર્યાપ્ત જીવ ઇત્યાદિ જીવપણે કહેવામાં આવે છે. છતાં નિશ્ચયથી જીવ તે-સ્વરૂપ નથી. અરે, સંયમલબ્ધિસ્થાનના ભેદરૂપ પણ જ્ઞાયક નથી. જો તે લબ્ધિસ્થાનના ભેદથી તન્મય હોય તો કયારેય એનાથી ભિન્ન પડે નહિ. પરંતુ અનુભૂતિમાં તો એ ભેદ આવતા નથી, ભિન્ન રહે છે. માટે જીવ રાગ કે ભેદના સ્વરૂપે છે જ નહિ, એ તો એકમાત્ર શુદ્ધ વિજ્ઞાનઘન જ છે.
પ્રશ્નઃ– આ તો બહુ ઊંચી વાત છે.
ઉત્તરઃ– બાપુ! તારી મોટપ આગળ આ કાંઈ ઊંચી વાત નથી. ભાઈ! તારી મોટપની શી વાત કહેવી? સર્વજ્ઞદેવની વાણીમાં પણ તારું પૂરું સ્વરૂપ આવી શકયું નથી. આવો તું ભગવાન આત્મા અનંત જ્ઞાનમય, દર્શનમય, આનંદમય, વીતરાગતામય, સ્વચ્છતામય, પ્રભુતામય છે. એને વર્ણાદિના ભેદવાળો કહેવો એ વ્યવહાર છે, જૂઠી દ્રષ્ટિ છે. અહા! એક સમય માટે ભેદાદિપણે પર્યાય જણાય છે તોપણ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય ભેદાદિપણે થયું જ નથી. આત્મા ત્રિકાળી જ્ઞાનમય ભૂતાર્થ વસ્તુ છે. એ રાગથી કદીય તન્મય થયો જ નથી, રાગથી સદા ભિન્ન જ છે, માટે ‘રાગવાળો જીવ’ એમ કહીને તેને ‘જ્ઞાનમય’ જણાવ્યો છે. આ જે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ વિકલ્પ-રાગ છે એમાં ચૈતન્યપણું નથી અને એ પુદ્ગલના સંગે થયેલા ભાવો છે તેથી એને પુદ્ગલની જાતના ગણીને પુદ્ગલમય જ કહ્યા છે.
એક બાજુ પ્રવચનસારના જ્ઞેય અધિકારમાં રાગ નિશ્ચયથી જીવનો છે એમ કહ્યું છે અને અહીં એને પુદ્ગલમય કહ્યો છે. તો એ કેવી રીતે છે?
નિશ્ચયથી રાગ-મિથ્યાત્વ જીવના છે, કેમકે પર્યાયમાં સ્વ-આશ્રિત પોતાના ઊંધા પુરુષાર્થથી રાગ-મિથ્યાત્વ થયાં છે. તેથી સ્વાશ્રિત પરિણામને નિશ્ચય ગણીને તેને જીવના કહ્યા છે. ત્યાં પર્યાયની સ્વતંત્રતા-સ્વાયત્તતા સિદ્ધ કરવા એમ કહ્યું છે. જ્યારે અહીં દ્રવ્યસ્વભાવ સિદ્ધ કરવો છે. કારણ કે દ્રવ્યના સ્વભાવમાં રાગાદિ છે નહિ તેથી સ્વભાવની દ્રષ્ટિએ
PDF/HTML Page 717 of 4199
single page version
રાગાદિને પુદ્ગલના પરિણામ કહ્યા છે. જુઓ, ‘પુદ્ગલસ્વરૂપ’ છે, એમ સ્પષ્ટ લખ્યું છે. ભગવાન આત્મા વિજ્ઞાનઘનનો પિંડ પ્રભુ છે. એમાં રાગાદિ નથી અને રાગાદિ કરે એવી શક્તિ નથી. તેથી એ રાગાદિ સર્વ ભાવો અજીવ પુદ્ગલના જ છે એમ કહ્યું છે. ભાઈ આ કાંઈ વાદવિવાદે પાર પડે એમ નથી. જિનવાણીમાં તો વિવિધ અપેક્ષાથી કથન હોય છે તે યથાર્થ સમજવાં જોઈએ.
અહીં તો એમ કહ્યું છે કે-પુદ્ગલ જડ કર્મ છે તે કરણ-સાધન છે અને દયા, દાન, આદિ પુણ્યભાવ એ એનું કાર્ય છે. તેથી કોઈ એમ કહે કે જુઓ, નિમિત્તને લઈને રાગાદિ થયા કે નહિ? તો એમ નથી. ભગવાન! તું અપેક્ષા સમજ્યો નથી. ભાઈ! રાગાદિ થયા છે તો પોતાની પર્યાયના ઊંધા પુરુષાર્થથી, પણ તે સ્વભાવમાં નથી તથા નિમિત્તના લક્ષે થયા છે તેથી તેમને નિમિત્તમાં નાખ્યા છે. નિમિત્ત એક વ્યવહાર છે અને રાગાદિ અશુદ્ધતા પણ વ્યવહાર છે. તેથી બન્નેને એક ગણીને નિમિત્ત કરણ અને અશુદ્ધતા એ એનું કાર્ય એમ કહ્યું છે. આવી વાત યથાર્થ સમજે નહિ તો સત્ય કેમ મળે? ભાઈ! જીવ તો એને કહીએ જે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યઘનસ્વરૂપ જ્ઞાનસ્વરૂપ જ છે.
PDF/HTML Page 718 of 4199
single page version
एतदपि स्थितमेव यद्रागादयो भावा न जीवा इति–
ते कह हवंति जीवा जे णिच्चमचेदणा उत्ता।। ६८ ।।
तानि कथं भवन्ति जीवा यानि नित्यमचेतनान्युक्तानि।। ६८ ।।
_________________________________________________________________
હવે કહે છે કે (જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું તેમ) એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથીઃ-
તે જીવ કેમ બને, નિરંતર જે અચેતન ભાખિયાં? ૬૮.
ગાથાર્થઃ– [यानि इमानि] જે આ [गुणस्थानानि] ગુણસ્થાનો છે તે [मोहनकर्मणः उदयात् तु] મોહકર્મના ઉદયથી થાય છે [वर्णितानि] એમ (સર્વજ્ઞનાં આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; [तानि] તેઓ [जीवाः] જીવ [कथं] કેમ [भवन्ति] હોઈ શકે [यानि] કે જેઓ [नित्यं] સદા [सचेतनानि] અચેતન [उक्तानि] કહેવામાં આવ્યાં છે?
ટીકાઃ– આ મિથ્યાદ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, કારણના જેવાં જ કાર્યો હોય છે એમ કરીને (સમજીને, નિશ્ચય કરીને), જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાયે, પુદ્ગલ જ છે-જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે તેમ જ ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતન પણું સિદ્ધ થાય છે.
એવી રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન, અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંકલેશસ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન-તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, પુદ્ગલ જ છે-જીવ નથી એમ આપોઆપ આવ્યું (-ફલિત થયું, સિદ્ધ થયું).
PDF/HTML Page 719 of 4199
single page version
जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते।। ४१ ।।
_________________________________________________________________
માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું.
ભાવાર્થઃ– શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પરનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તોપણ, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે-જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે તેથી પણ તેઓ અચેતન છે, ચેનત નથી.
પ્રશ્નઃ– જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પુદ્ગલ છે? કે અન્ય કાંઈ છે?
ઉત્તરઃ– પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી તેઓ નિશ્ચયથી પુદ્ગલ જ છે કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે.
આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ જીવ નથી, પુદ્ગલ છે.
હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– [अनादि] જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [अनन्तम्] જે અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [अचलं] જે અચળ છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપ-ચળાચળ-થતું નથી, [स्वसंवेद्यम्] જે સ્વસંવેદ્ય છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે [तु] અને [स्फुटम्] જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથી-એવું જે [इदं चैतन्यम्] આ ચૈતન્ય [उच्चैः] અત્યંતપણે [चकचकायते] ચકચકાટ પ્રકાશી રહ્યું છે, [स्वयं जीवः] તે પોતે જ જીવ છે.
ભાવાર્થઃ– વર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી પણ ઉપર કહ્યો તેવો ચૈતન્યભાવ તે જ જીવ છે. ૪૧.
હવે, ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છેઃ-
PDF/HTML Page 720 of 4199
single page version
नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः।
इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा
व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्।। ४२ ।।
_________________________________________________________________
શ્લોકાર્થઃ– [यतः अजीवः अस्ति द्वेधा] અજીવ બે પ્રકારે છે- [वर्णाद्येः सहितः] વર્ણાદિસહિત [तथा विरहितः] અને વર્ણાદિરહિત; [ततः] માટે [अमूर्तत्वम् उपास्य] અમૂર્તપણાનો આશ્રય કરીને પણ (અર્થાત્ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ) [जीवस्य तत्त्वं] જીવના યથાર્થ સ્વરૂપને [जगत् न पश्यति] જગત દેખી શક્તું નથી;- [इति आलोच्य] આમ પરીક્ષા કરીને [विवेचकैः] ભેદજ્ઞાની પુરુષોએ [न अव्यापि अतिव्यापि वा] અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત [चैतन्यम्] ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે [समुचितं] તે યોગ્ય છે. [व्यक्तं] તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે, [व्यञ्जित–जीव–तत्त्वम्] તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને [अचलं] તે અચળ છે-ચળાચળતા રહિત, સદા મોજૂદ છે. [आलम्ब्यताम्] જગત તેનું જ અવલંબન કરો! (તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.)
ભાવાર્થઃ– નિશ્ચયથી વર્ણાદિભાવો-વર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયા-જીવમાં કદી વ્યાપતા નથી તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતાં પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. માટે વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી.
અમૂર્તપણું જોકે સર્વ જીવોમાં વ્યાપે છે તોપણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલદ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળ-એ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી, અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિદોષથી રહિત છે, અને જીવ સિવાય કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિદોષથી રહિત છે; વળી તે પ્રગટે છે; તેથી તેનો જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨.
હવે, ‘જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તોપણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે?’-એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છેઃ-