PDF/HTML Page 1081 of 4199
single page version
જો શુભાશુભભાવરૂપે પરિણમે તો પોતે જડ થઈ જાય; કેમકે શુભાશુભભાવ અચેતન જડ છે. જે રાગ છે તે પોતાને જાણે નહિ, પરને જાણે નહિ અને સમીપવર્તી આત્માને પણ જાણે નહિ. રાગ બીજા દ્વારા જણાય છે. તેથી રાગને અચેતન જડ કહ્યો છે. તેથી આત્મા જે જ્ઞાયકભાવરૂપ છે તે રાગદ્વેષના અચેતનભાવપણે કેમ થાય?
આત્મા પરનો કર્તા થાય અને તે પરનું કાર્ય કરે એ વાત તો કયાંય રહી ગઈ. શરીર, મન, વાણીની ક્રિયા અને જગતની વ્યવસ્થાનાં કામ આત્મા કરે એ વાત બાજુએ રહી. અહીં કહે છે કે ભગવાન આત્માનું દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે વિકલ્પ થાય તે વિકલ્પપણે પરિણમવું અશકય છે. પુણ્ય-પાપના જે ભાવ થાય છે તે અજ્ઞાનભાવ છે. એટલે કે પુણ્યપાપના ભાવમાં જ્ઞાનભાવનો અંશ નથી. તે ભાવ ચૈતન્યની વિરુદ્ધ જાતિના વિજાતીય, જડ અને અચેતન છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અને જ્ઞાનનું જ્ઞાનપણે જ પરિણમન થવું જોઈએ અને તે જ વાસ્તવિક છે. પરંતુ પોતાના જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નહિ હોવાથી મિથ્યાદ્રષ્ટિ જીવને હું રાગદ્વેષપણે, પુણ્ય-પાપના ભાવપણે પરિણમું છું એમ ભાસે છે. આ પ્રમાણે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો તે રાગાદિ કર્મોનો કર્તા થાય છે. ભગવાન જ્ઞાયકની દ્રષ્ટિનો અભાવ છે એવો મિથ્યાદ્રષ્ટિ જીવ હું સ્વયં રાગી છું, પુણ્ય-પાપનો હું કર્તા છું, આ શુભાશુભ પરિણામ હું કરું છું- એમ માનતો તે રાગાદિ કર્મોનો કર્તા પ્રતિભાસે છે.
આ સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિનો સાર ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ શાસ્ત્રમાં ભર્યો છે. તેની અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં વિશેષ સ્પષ્ટતા કરી છે. આચાર્યદેવ કહે છે-ભગવાન! તું પ્રજ્ઞા બ્રહ્મ પ્રભુ છો. જ્ઞાન અને આનંદ તારું સ્વરૂપ છે અને તે-રૂપે પરિણમવું એ તારું નિજકાર્ય છે. જેમ શીત-ઉષ્ણપણે પરિણમવું તારું કાર્ય નથી તેમ દયા દાનના રાગપણે પરિણમવું એ તારું કાર્ય નથી. પ્રભુ! તારી પ્રભુતાની તને ખબર નથી! જ્ઞાન અને આનંદરૂપે પરિણમવું એ તારી પ્રભુતા છે. રાગપણે પરિણમવું એ તારી પ્રભુતા નથી. રાગપણે પરિણમતાં તો જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ થાય છે.
જ્ઞાનરસથી ભરેલો ભગવાન જ્ઞાયક પોતે જ્ઞાનપણે પરિણમે એવી એની શક્તિ છે. વ્યવહારરત્નત્રયના રાગપણે પરિણમે એવી એની શક્તિ નથી. વ્યવહારરત્નત્રયના રાગપણે જ્ઞાયક આત્માનું પરિણમવું અશકય છે. પરંતુ અરે! આવા નિજ જ્ઞાયકભાવની રુચિ છોડીને અજ્ઞાની રાગરૂપે (અજ્ઞાનપણે) પરિણમે છે! જ્ઞાનસ્વરૂપે પરિણમવાને બદલે રાગરૂપે પરિણમે તે એનું અજ્ઞાનરૂપ પરિણમન છે.
જ્ઞાનસ્વરૂપે આત્મા પરિણમે તેને જ્ઞાનરૂપ પરિણમન કહે છે અને રાગરૂપે પરિણમે તેને અજ્ઞાનરૂપ પરિણમન કહે છે. અરે ભાઈ! વ્યવહારરત્નત્રયના રાગરૂપે તો તે અનંતવાર પરિણમ્યો છે. છહઢાલામાં આવે છે ને કે-
PDF/HTML Page 1082 of 4199
single page version
ભાઈ! પંચમહાવ્રતના પરિણામ, ર૮ મૂળગુણના પરિણામ તે રાગ છે, વિભાવ છે, ઝેર છે. ભગવાન આત્મા અમૃતનો સાગર છે. અમૃતસ્વરૂપ આનંદનો નાથ એવો તે રાગના ઝેરપણે કેમ થાય? પરંતુ અજ્ઞાની પોતાના અમૃતસ્વરૂપ ભગવાન જ્ઞાયકની દ્રષ્ટિ છોડીને પર્યાયબુદ્ધિ થઈને હું પુણ્યપાપ આદિ ભાવોનો કર્તા છું એમ અજ્ઞાનપણે માને છે.
ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિ થાય તો રાગપણે હું પરિણમું છું એવી દ્રષ્ટિ રહે નહિ. સમકિતીને જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની દ્રષ્ટિનું પરિણમન હોય છે. તેને એ જ્ઞાનરૂપ પરિણમન છે. જ્ઞાનભાવ છોડીને જ્ઞાની રાગસ્વભાવે પરિણમતો નથી કેમકે એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર સ્થિર થઈ છે. પરંતુ અજ્ઞાનીની નજર જ્ઞાયક ઉપર નથી તેથી પોતે સ્વભાવથી જ્ઞાનસ્વરૂપ હોવા છતાં જ્ઞાનપણે પરિણમવાને બદલે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો રાગનો કર્તા થઈને પરિણમે છે. હું પુણ્યપાપ આદિ કરું છું એમ માનતો પુણ્યપાપ આદિ ભાવપણે-અજ્ઞાનપણે પરિણમતો તે રાગાદિનો કર્તા થાય છે. અહો! અમૃતચંદ્રાચાર્યદેવે અલૌકિક ટીકા કરી છે. હું જ્ઞાતા છું એમ દ્રષ્ટિ કરી પરિણમે તે જ્ઞાનપરિણમન છે, કેમકે એમાં જ્ઞાનનુ જ્ઞાનત્વ પ્રસિદ્ધ થાય છે; પરંતુ હું રાગી છું એમ માની રાગપણે પરિણમે તે અજ્ઞાન-પરિણમન છે કેમકે એમાં જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રસિદ્ધ થાય છે. અહો! ગજબ વાત છે! આમાં તો જૈનદર્શનનો સાર ભરી દીધો છે.
આ પૈસા-બૈસા તો બધું થોથાં છે. એની પાછળ તો હેરાન થઈ જવાનું છે. એમ ને એમ પ્રભુ! તું ચોરાસીના અવતાર કરી હેરાન થઈ રહ્યો છું. અહીં કહે છે કે ભગવાન આત્મા એકલું ચૈતન્યબિંબ જ્ઞાયકભાવથી ભરપૂર અંદર પડયો છે. તે જ્ઞાનપણે પરિણમે, નિવિંકારપણે પરિણમે એવી એની શક્તિ અને સામર્થ્ય છે. પરંતુ આવા ચિદ્રૂપ-સ્વરૂપની દ્રષ્ટિનો અભાવ હોવાથી તે પર્યાયદ્રષ્ટિ થઈને જાણે શુભાશુભ રાગ જ પોતાનું સ્વરૂપ છે એમ માનતો થકો શુભાશુભભાવરૂપે પરિણમતો અજ્ઞાનને પ્રગટ કરે છે. અજ્ઞાની પોતાની પર્યાયમાં જે વિકાર થાય છે તેમાં તદ્રૂપ થઈ રચ્યોપચ્યો રહે છે અને માને છે કે હું રાગી છું. આ પ્રમાણે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. ‘જ્ઞાનનું અજ્ઞાનત્વ’ -એ શબ્દમાં ઘણી ગંભીરતા છે. અહા! પોતાના ચૈતન્યસ્વરૂપને છોડીને જે એકલા રાગપણે પરિણમે છે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો રાગનો કર્તા થાય છે. અહો! ગાથા અલૌકિક છે! રાગમાં જ્ઞાન નથી અને જ્ઞામાં રાગ નથી એવું સૂક્ષ્મ રહસ્ય ગાથામાં પ્રગટ કરેલું છે.
આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. આત્મખ્યાતિમાં શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે અમૃત ભર્યાં છે. આત્મખ્યાતિ એટલે આત્મપ્રસિદ્ધિ. શુદ્ધ ચૈતન્યના લક્ષે આત્મા પ્રસિદ્ધ થાય છે.
PDF/HTML Page 1083 of 4199
single page version
પરંતુ અજ્ઞાની પોતાના ચૈતન્યસ્વરૂપ ભગવાનને ભૂલીને પરલક્ષે રાગની-અજ્ઞાનની પ્રસિદ્ધિ કરે છે અને તેથી તે રાગનો કર્તા થાય છે.
આ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી પરમ સત્ય વાત છે. બે ચાર માસ શુદ્ધ ચૈતન્યની વાત પણ સાંભળે તોપણ જીવને ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે અને તે પુણ્યના ઉદયથી લક્ષ્મી આદિ સામગ્રી મળે છે. અહા! તો રાગનું લક્ષ છોડી શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરે એની તો શી વાત! એ તો ન્યાલ થઈ જાય છે. એને તો જે વડે જન્મ-મરણનો અંત આવે એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. ભાઈ! પુણ્યના યોગે બહારની લક્ષ્મી આદિ મળે એ તો ધૂળ છે. તથા પુણ્ય અને એના ફળને પોતાના માને એ મિથ્યાત્વ છે. જીવ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, પણ પુણ્યપાપ આદિ અજીવને પોતાના માને તે મિથ્યાદ્રષ્ટિ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ પોતે અજ્ઞાની થયો થકો ‘આ હું રાગી છું’ ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. હું રાગી છું એટલે રાગ મારું કર્તવ્ય છે અને હું રાગનો કર્તા છું એમ અજ્ઞાનીને પ્રતિભાસે છે. જ્યાં સુધી દ્રષ્ટિ રાગ ઉપર છે ત્યાં સુધી તે રાગનો કર્તા છે અને ત્યાંસુધી મિથ્યાદ્રષ્ટિ છે. આવો આ વીરનો માર્ગ છે! આવે છે ને કે-
ભાઈ! રાગથી ધર્મ માને તે કાયર નપુંસક છે. આત્મામાં વીર્ય નામનો ગુણ છે. એ વીર્ય ગુણ તો નિર્મળ પરિણતિ ઉત્પન્ન કરે તેવો છે. રાગની ઉત્પત્તિ થાય તે વીર્યગુણનું કામ નહિ. રાગને ઉત્પન્ન કરનારી પર્યાયને તો નપુંસક કહેવામાં આવે છે. સમયસાર ગાથા ૩૯માં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે અજ્ઞાનીને નપુંસક કહ્યો છે. તેમ જ શુભરાગની રુચિ કરે, શુભરાગની રચના કરે તેને પુણ્યપાપ અધિકારની ૧પ૪મી ગાથામાં નામર્દ એટલે નપુંસક કહ્યો છે. ત્યાં કહ્યું છે કે-‘‘દુરંત કર્મચક્રને પાર ઉતરવાની નામર્દાઈને લીધે...પોતે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.’’ આવા જીવોને નામર્દ, નપુંસક એટલે હીજડા કહ્યા છે. પાઠમાં (ટીકામાં) ‘क्लीब’ શબ્દ છે.
આ પ્રમાણે જ્ઞાનાનંદસ્વભાવની દ્રષ્ટિ છોડીને રાગપણે પરિણમતો અજ્ઞાની હું રાગી છું અને આ રાગને હું કરું છું એવી બુદ્ધિ વડે રાગનો કર્તા થાય છે.
‘રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીત- ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે. અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીત-ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ
PDF/HTML Page 1084 of 4199
single page version
માને છે કે ‘‘હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું,’’ ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ-દ્વેષાદિનો કર્તા થાય છે.’
રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ, સુખ-દુઃખ આદિ અવસથા-એ બધો પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે. એ આત્માના આનંદનો સ્વાદ નથી. શીતઉષ્ણપણાની માફક એ પરિણામો પુદ્ગલથી અભિન્ન છે. ભગવાન જ્ઞાયકથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. દયા, દાન, વ્રત આદિના પરિણામ આત્માથી અત્યંત ભિન્ન છે. પરંતુ અજ્ઞાનીને આવું ભેદજ્ઞાન નથી. તેથી તે એમ જ જાણે છે કે આ સ્વાદ મારો જ છે. અજ્ઞાની માને છે કે રાગ મારી ચીજ છે. અરે ભાઈ! તારી ચીજ તો જ્ઞાયક છે. જ્ઞાયક મારી ચીજ છે એમ માનવાને બદલે રાગ મારી ચીજ છે એમ માને છે તે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે.
જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ-દ્વેષાદિનો સ્વાદ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જેવો રાગ થાય એવું જ્ઞાનમાં જાણવામાં આવે છે. ત્યાં જાણે કે જ્ઞાન જ રાગદ્વેષરૂપ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને ભાસે છે. રાગ તો ખરેખર જ્ઞાનનું પરજ્ઞેય છે. પણ એમ ન માનતાં હું રાગદ્વેષપણે જ થઈ ગયો છું એમ અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિ કર્મોનો કર્તા થાય છે; પણ પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનું ભાન પ્રગટ કરતો નથી.
PDF/HTML Page 1085 of 4199
single page version
ज्ञानात्तु न कर्म प्रभवतीत्याह–
सो णाणमओ जीवो कम्माणमकारगो होदि।। ९३ ।।
स ज्ञानमयो जीवः कर्मणामकारको भवति।। ९३ ।।
જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છેઃ-
એ જ્ઞાનમય આત્મા અકારક કર્મનો એમ જ બને. ૯૩.
ગાથાર્થઃ– [परम्] જે પરને [आत्मानम्] પોતારૂપ [अकुर्वन्] કરતો નથી [च] અને [आत्मानम् अपि] પોતાને પણ [परम्] પર [अकुर्वन्] કરતો નથી [सः] તે [ज्ञानमयः जीवः] જ્ઞાનમય જીવ [कर्मणाम्] કર્મોનો [अकारकः भवति] અકર્તા થાય છે અર્થાત્ કર્તા થતો નથી.
ટીકાઃ– જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહિ કરતો અને પોતાને પર નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ-જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગદ્વેષસુખદુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે. જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગદ્વેષસુખદુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો,
PDF/HTML Page 1086 of 4199
single page version
પોતે જ્ઞાનમય થયો થકો, ‘આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે (અર્થાત્ રાગ તો પુદ્ગલ કરે છે)’ ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થઃ– જ્યારે આત્મા રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત્ ‘જેમ શીત-ઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુદ્ગલની અવસ્થા છે’ એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે.
જ્ઞાનથી કર્મ ઉત્પન્ન થતું નથી એમ હવે કહે છેઃ-
‘જ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે પરને પોતારૂપ નહિ કરતો અને પોતાને પર નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે.’
સમ્યગ્દર્શન થતાં હું જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન ચૈતન્યમૂર્તિ આત્મા છું અને અચેતન જડ રાગાદિ મારાથી ભિન્ન છે એવું ભાન થાય છે. દયા-દાનનો રાગ હો કે પંચમહાવ્રતનો રાગ હો- એ આસ્રવ છે, દુઃખદાયક છે; અને એનાથી ભિન્ન મારી ચીજ આનંદદાયક છે. આ પ્રમાણે આત્મા અને પરનું અંતર જાણે તે પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. ભેદજ્ઞાન થતાં જ્ઞાની રાગને પોતારૂપ કરતો નથી અને પોતાને રાગરૂપ કરતો નથી. અહાહા...! ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વભાવમય જાણનસ્વભાવમય વસ્તુ આત્મા છે. એની દ્રષ્ટિ થતાં ધર્મી એમ જાણે છે કે હું તો જ્ઞાનમય છું, રાગમય નથી. વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે હું નથી. જ્ઞાનીને વ્યવહાર હોય છે ખરો, પણ તે વ્યવહારને જ્ઞાની સ્વરૂપથી ભિન્ન જ માને છે. હું તો વ્યવહારનો-રાગનો જાણનાર છું એમ જ્ઞાની માને છે. તે તે સમયે થતો રાગ જ્ઞાનીને માત્ર જાણેલો પ્રયોજનવાન છે. આ વસ્તુસ્થિતિ છે. અહો! વસ્તુસ્થિતિને કહેનારી ભગવાન કુંદકુંદદેવની આ અલૌકિક વાણી છે!
પોતાના જ્ઞાનાનંદસ્વભાવને રાગથી ભિન્ન કરીને જે જ્ઞાનમય થયો તે એમ જાણે છે કે હું તો જ્ઞાયક-જાણનાર છું; વિષયવાસનાનો રાગ હો, પણ હું તો તેનો જાણનાર જ્ઞાનસ્વરૂપ છું. અહા! મારા જ્ઞાનમાં રાગ નથી અને રાગમાં મારું જ્ઞાન નથી. હું તો જ્ઞાનસ્વરૂપ છુ અને રાગ અચેતન છે; આ શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન અચેતન એવા રાગમાં
PDF/HTML Page 1087 of 4199
single page version
કેમ હોઈ શકે? અને અચેતન રાગ શુદ્ધ ચૈતન્યમાં કેમ હોઈ શકે? આ પ્રમાણે ભેદજ્ઞાન થતાં સ્વયં જ્ઞાનમય થયો થકો તે કર્મોનો અકર્તા થાય છે. અહીં ‘સ્વયં’ નો અર્થ-કર્મ ખસ્યાં માટે જ્ઞાનમય થયો એમ નહિ, પણ વસ્તુ અંદર ચિદાનંદઘનસ્વરૂપ પડી છે તેનો આશ્રય કરવાથી સ્વયં જ્ઞાનમય થયો છે.
અહો! જૈનદર્શન એ તો વિશ્વદર્શન છે અને એ જ વિશ્વને શરણ છે. ધર્મી એમ માને છે કે હું તો સ્વયં જ્ઞાનમય છું. રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન જ્ઞાનથી પોતાથી થયું છે, એને કોઈ પરની અપેક્ષા નથી. જ્ઞાની સ્વયં જ્ઞાની થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. અહીં જડ કર્મની વાત નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવનો જ્ઞાની અકર્તા પ્રતિભાસે છે એમ વાત છે. સમજાણું કાંઈ? તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ-
‘જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.’......
જુઓ, શીત-ઉષ્ણ અવસ્થા તે પુદ્ગલના પરિણામ છે. તે પુદ્ગલથી અભિન્ન એટલે એકમેક છે. તે કારણથી તે અવસથા આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. શીત-ઉષ્ણ અવસ્થા અનુભવ કરાવવામાં સમર્થ છે એટલે કે તે અવસ્થા જ્ઞાન કરવામાં નિમિત્ત છે. તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ એટલે તે પ્રકારનું જ્ઞાન આત્માથી અભિન્ન છે. શીત-ઉષ્ણનું જે જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે. મતલબ કે શીત-ઉષ્ણનું જ્ઞાન થયું તે પોતાથી થયું છે, શીત- ઉષ્ણ અવસ્થા છે માટે થયું છે એમ નથી. શીત-ઉષ્ણનું જે જ્ઞાન થયું તે શીત-ઉષ્ણ અવસ્થાથી સદાય ભિન્ન છે.
ભગવાન આત્મા ઠંડી અને ઉની અવસ્થાનો અનુભવ કરવામાં સમર્થ છે. અનુભવનો અર્થ તેનું જ્ઞાન કરવામાં સમર્થ છે. શીત-ઉષ્ણનો આત્મા અનુભવ કરે એ તો અશકય છે જડની અવસ્થાનો આત્મા કેમ અનુભવ કરે? ઠંડી-ગરમ અવસ્થાનો અનુભવ એટલે જ્ઞાન આત્મા કરે છે એમ અર્થ છે. આત્મા પોતે પોતાથી શીત-ઉષ્ણ અવસ્થાનું જ્ઞાન કરે છે તેમાં તે શીત-ઉષ્ણ અવસ્થા નિમિત્ત છે. શીત-ઉષ્ણ અવસ્થા છે માટે જ્ઞાન થયું એમ નથી, જ્ઞાન તો પોતાથી સ્વતંત્ર થયું છે.
શીત-ઉષ્ણનું અહીં જે જ્ઞાન થયું તે જ્ઞાન પણ સમ્યગ્જ્ઞાનીને યથાર્થ હોય છે. જેને સ્વરૂપગ્રાહી જ્ઞાન થાય તેને શીત-ઉષ્ણ અવસ્થાનું સાચું જ્ઞાન થાય છે. કળશટીકામાં (કળશ ૬૦માં) આ વાત કરી છે. જેને સ્વરૂપગ્રાહી જ્ઞાન થાય તેને પરસંબંધીનું પરપ્રકાશક જ્ઞાન યથાર્થ થાય છે.
PDF/HTML Page 1088 of 4199
single page version
ભાઈ! જન્મમરણનો અંત આવી જાય એવો આ અલૌકિક માર્ગ છે. જેમ શીત-ઉષ્ણનું જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે, ‘તેવી રીતે તે પ્રકારનો અનુભવ કરાવવામાં સમર્થ એવી રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.’
જુઓ, શુભાશુભ રાગ અને હરખશોકના પરિણામ બધા પુદ્ગલના પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થા અચેતન છે તેમ રાગદ્વેષ અને સુખ-દુઃખની અવસ્થા પણ અચેતન છે. એ રાગદ્વેષ આદિ અવસ્થા પુદ્ગલજન્ય છે. તે અનુભવ કરાવવામાં સમર્થ છે એટલે કે તે અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત છે. જેવા રાગ-દ્વેષ અને જેવી સુખદુઃખની કલ્પના છે એવું જ્ઞાન થાય છે. જ્ઞાનનો સ્વભાવ છે કે જેમ હોય તેમ જાણે. દયાદાનનો વિકલ્પ છે તે કર્મચેતના છે, અને હરખશોકના પરિણામ છે તે કર્મફળચેતના છે. અહીં કહે છે કે એ કર્મચેતના અને કર્મફળચેતના પુદ્ગલના પરિણામ છે, અચેતન છે, તે પુદ્ગલપરિણામ પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. બે વાત કરી છે; એક બાજુ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા અને બીજી બાજુ પુદ્ગલ. દયા, દાન અને પંચમહાવ્રતના પરિણામ તે પુદ્ગલપરિણામ છે, કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી. અહીં તો રાગથી ભેદજ્ઞાન કરાવ્યું છે.
જ્ઞાનમય આત્મા છે તે રાગમય નથી, કેમકે રાગ અચેતન છે. રાગ થાય છે ચેતનની પર્યાયમાં, પણ નિમિત્તની ઉપાધિપૂર્વક રાગ થાય છે તે અપેક્ષાથી રાગને પુદ્ગલ કહ્યો છે. ભગવાન આત્મામાં રાગ નથી અને આત્માના સ્વભાવના લક્ષે રાગ ઉત્પન્ન થતો નથી. આત્મામાંથી તો જ્ઞાન અને આનંદની ઉત્પત્તિ થાય તેવી એની શક્તિ છે. તેથી રાગને પુદ્ગલપરિણામ કહ્યા છે.
રાગદ્વેષ અને હરખશોકના પરિણામના નિમિત્તે તે પ્રકારનો જે અનુભવ એટલે તે પ્રકારનું જે જ્ઞાન થાય છે તે આત્માથી અભિન્ન છે. એટલે જેવા રાગદ્વેષ અને હરખ-શોકના પરિણામ થાય છે એવું અહીં આત્મામાં જ્ઞાન થાય છે. મતલબ કે જ્ઞાન જ્ઞાનથી પોતાથી થાય છે તેમાં તે તે રાગદ્વેષાદિ પરિણામ નિમિત્ત છે. જ્ઞાન જ્ઞાનમાં એકાગ્ર થાય તે જ્ઞાનચેતના છે. તે જ્ઞાનચેતનામાં આ રાગાદિ પરિણામ નિમિત્ત છે. તે રાગાદિ ભાવ પુદ્ગલથી અભિન્ન હોવાના કારણે જીવથી સદા અત્યંત ભિન્ન છે. રાગ આત્માની ચીજ હોય તો તે નીકળે કઈ રીતે? જે ચીજ જીવમાંથી નીકળી જાય તે ચીજ જીવની નથી. માટે રાગાદિ પુદ્ગલની ચીજ છે.
પંચાધ્યાયીમાં પુણ્યપાપના ભાવને આગંતુક કહ્યો છે. જેમ મહેમાન આવે છે અને ચાલ્યા જાય છે તેમ આત્મા જે ચીજ છે એમાં આ રાગદ્વેષના ભાવ થાય
PDF/HTML Page 1089 of 4199
single page version
તે આગંતુક ભાવ છે. તે રાગને અહીં અચેતન કહીને અનુભવ કરાવવામાં એટલે જ્ઞાન કરાવવામાં સમર્થ એટલે નિમિત્ત છે એમ કહ્યું છે. જ્ઞાન તો સ્વયં પોતાથી થાય છે તેમાં રાગાદિ ભાવ નિમિત્ત છે એમ કહ્યું છે. રાગ જ્ઞાનને કરે કે જ્ઞાન રાગને કરે એવી વસ્તુ નથી. ભગવાન આત્મા રાગથી ભિન્ન પડીને જ્યાં જ્ઞાનમય થયો ત્યાં તે કર્મચેતના અને કર્મફળચેતનાના પરિણામ જ્ઞાનમાં (જ્ઞેયપણે) નિમિત્ત છે.
પોતાનું જે સ્વપરપ્રકાશક જ્ઞાન પરિણમ્યું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પરથી- રાગાદિથી સદાય અત્યંત ભિન્ન છે. તથા પર્યાયમાં જે રાગાદિ પરિણામ થયા તે પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. અહા! જેમ કરવતથી બે કટકા કરે તેમ અહીં જ્ઞાન અને રાગ વચ્ચે ભેદજ્ઞાન કરીને બે કટકા કરવાની વાત છે. રાગાદિ પરિણામ જ્ઞાનમાં નિમિત્ત છે એનો અર્થ શું? એનો અર્થ એટલો કે જ્ઞાન પોતાથી સ્વપરપ્રકાશકપણે પરિણમે છે એમાં તે રાગાદિ ભાવો પરજ્ઞેયપણે નિમિત્ત છે. ત્યાં રાગ છે તો અહીં જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. આત્મા જ્ઞાન કરવામાં સ્વતંત્ર છે. રાગ થયો માટે રાગનું જ્ઞાન થયું એમ છે નહિ. રાગના નિમિત્તે થતું તે પ્રકારનું જ્ઞાન આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી (રાગથી) સદાય અત્યંત ભિન્ન છે.
જુઓ આ પરમાત્માની વાણી! સંતોની વાણી! સંતોની વાણી એ પરમેષ્ઠીની વાણી છે. આચાર્ય પણ પરમેષ્ઠી છે ને! ધવલમાં ‘‘ણમો લોએ ત્રિકાલવર્તી સવ્વ અરિહંતાણં’’ ઇત્યાદિ- એવો પાઠ છે. ત્રિકાળવર્તી પંચપરમેષ્ઠીના અસ્તિત્વનો સ્વીકાર કરીને તેમને નમસ્કાર કરવાનો જે રાગ થયો તે પુદ્ગલના પરિણામ છે એમ અહીં કહે છે. અને તે પુદ્ગલપરિણામ જ્ઞાન કરાવવામાં નિમિત્તરૂપે સમર્થ છે, પણ છે તો એ પુદ્ગલપરિણામ, અને તે પુદ્ગલથી અભિન્ન છે. તેનું જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને તે રાગના પરિણામથી અત્યંત ભિન્ન છે.
પરદ્રવ્યને નમસ્કારનો ભાવ એ રાગ છે, વિકલ્પ છે. સ્વના અનુભવમાં લીન થવું, સ્વમાં નમવું એ નિશ્ચય નમસ્કાર છે. સ્વાશ્રયે નિર્વિકલ્પદશા પ્રગટ કરવી તે ભાવનમસ્કાર છે. પંચપરમેષ્ઠીની વંદનાનો જે વિકલ્પ થયો તે કર્મચેતના છે. પંચપરમેષ્ઠીની વંદનાના ભાવમાં જે હરખ આવી ગયો તે કર્મફળચેતના છે. આ કર્મચેતના અને કર્મફળચેતનાના પરિણામ પુદ્ગલથી અભિન્ન છે. અને તે પ્રકારના જ્ઞાનથી તે પરિણામ અત્યંત ભિન્ન છે. અહા! ગજબ વાત છે!
પ્રભુ! તારી ઋદ્ધિ તો દેખ! રાગનું જ્ઞાન કરવા તું સમર્થ છો પણ રાગ કરે એવી તારી શક્તિ નથી, કેમકે રાગની તારામાં નાસ્તિ છે. આ લીમડાના એક પાંદડામાં અસંખ્ય શરીર છે અને એક શરીરમાં એકેક જીવ છે. એમ ઠસાઠસ જીવ ભર્યા છે. દરેકના કાર્માણ અને તૈજસ શરીર ભિન્ન છે. આવા જીવોના અસ્તિત્વનો જ્ઞાની જ સ્વીકાર કરી શકે. (અજ્ઞાનીને એનો સ્વીકાર હોતો નથી). અહા! આમ અસંખ્ય જીવો ભીડમાં
PDF/HTML Page 1090 of 4199
single page version
ભીંસાઈને પડયા છે! એક રાઈ જેટલી બટાટાની કટકીમાં નિગોદના જીવોનાં અસંખ્ય ઔદારિક શરીર છે. અને પ્રત્યેક શરીરમાં અનંત એકેન્દ્રિય જીવો છે. દરેકના પરિણામ ભિન્ન છે. કોઈ જીવના પરિણામ કોઈ અન્ય જીવને સ્પર્શતા નથી. અરે પ્રભુ! તારા જ્ઞાનની ગંભીરતા તો દેખ! જ્ઞાન તેને સ્વીકારે છે અને તે વસ્તુ જ્ઞાનમાં નિમિત્ત પણ છે. પણ તેને સ્વીકારતું જ્ઞાન પોતે પોતાથી થયું છે, પર નિમિત્તથી થયું છે એમ નથી.
અહાહા...! કહે છે કે રાગ-દ્વેષ સુખ-દુઃખાદિ અવસ્થા પુદ્ગલના પરિણામ છે. ગજબ વાત છે ને! જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય એ ભાવ પુદ્ગલની દશા છે, કેમકે તેના નિમિત્તે પુદ્ગલકર્મ બંધાય છે, તેનાથી પુદ્ગલનો સંયોગ થાય છે. તે ભાવ આત્મભાવ નથી તેથી પુદ્ગલપરિણામ છે. જ્ઞાનીને તીર્થંકરગોત્રબંધના કારણરૂપ જે શુભરાગ આવ્યો તે રાગ જ્ઞાનમાં નિમિત્ત થાય છે. તે શુભરાગ સંબંધી તેને જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુદ્ગલથી-તે શુભરાગથી અત્યંત ભિન્ન છે. અહો! જ્ઞાનની પર્યાયનો અનંતના અસ્તિત્વને (અનંતપણે) જાણે એટલો વિષય છે છતાં પરપદાર્થ અને રાગ છે તો જ્ઞાન જાણે છે એમ નથી.
પ્રશ્નઃ– શાસ્ત્રમાં આ બધી વાત છે તો જ્ઞાન થાય છે ને?
ઉત્તરઃ– ના; જ્ઞાન પોતાથી થાય છે. શાસ્ત્રથી થતું નથી. વળી પરને જાણતાં જે વિકલ્પ થાય છે તે વિકલ્પ જ્ઞાનથી ભિન્ન છે. માટે તે વિકલ્પથી જ્ઞાન થાય છે એમ નથી.
આવો વીતરાગનો માર્ગ છે. કેટલાક કહે છે સમન્વય કરો. પણ વીતરાગ ધર્મનો કોઈ સાથે સમન્વય થઈ શકે એમ નથી. કોઈની સાથે વિરોધ કે દ્વેષની આ વાત નથી. પણ કોઈ સાથે સમન્વય થાય એવો આ માર્ગ નથી. અહા! જે વડે તીર્થંકરગોત્ર બંધાય એવો જે રાગ તેની સાથે પણ જ્ઞાનને એકતા નથી. લોકોને એમ લાગે કે તીર્થંકરગોત્ર બાંધ્યું અને તે જીવ તીર્થંકર થશે. પરંતુ તીર્થંકર થશે એ તો પોતાના કારણે થશે. રાગનો ભાવ આવતાં તીર્થંકરગોત્ર બંધાઈ જાય છે. પરંતુ પછી સ્વનો આશ્રય લેતાં સમસ્ત રાગ તૂટશે ત્યારે કેવળજ્ઞાન થતાં તીર્થંકરગોત્રનો ઉદય આવશે. (એમાં રાગનું અને કર્મનું શું કર્તવ્ય છે?)
રાગ મારો અને હું એનો કર્તા એવી કર્તાબુદ્ધિથી અજ્ઞાની જીવ દુઃખીદુઃખી છે. ભગવાન આત્મા આનંદનો નાથ આનંદમૂર્તિ પ્રભુ છે. તેને ભૂલી રાગ મારો છે એમ માનનાર અજ્ઞાની જીવ ચારગતિમાં રખડતાં મહાદુઃખી છે, કેમકે રાગ દુઃખ છે. અહીં કહે છે જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં રાગના પરિણામ-દુઃખના પરિણામ પુદ્ગલ સાથે અભિન્ન છે; અને તે રાગપરિણામના નિમિત્તે તે પ્રકારનું જે જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે અને રાગથી ભિન્ન છે. તથા જે રાગના પરિણામ થયા તે પુદ્ગલથી અભિન્ન છે અને જ્ઞાનથી ભિન્ન છે. આવું ભેદજ્ઞાન જ્યાંસુધી કરશે નહિ ત્યાંસુધી ભૂલો પડેલો ભગવાન ચાર-ગતિમાં આથડશે.
PDF/HTML Page 1091 of 4199
single page version
લોકો બિચારા વેપારધંધામાં રળવા કમાવામાં ગરી ગયા હોય તેમને આ નક્કી કરવાની કયાં ફુરસદ છે? પણ દુઃખથી બચવું હોય તો આ સમજ્યા વિના છૂટકો નથી, ભાઈ! આ ખેતી નથી કરતા? ખેતીમાં બાજરી, જુવાર, કપાસ વગેરે મોલ પાકે તેને જોઈને ખૂબ હરખાઈ જાય, રાજી રાજી થઈ જાય. ગુજરાતમાં કપાસ ઢગલાબંધ પાકે તો કહે કે-કાચું સોનું પાકયું છે. અરે ભાઈ! ખેતીનો મોલ છે એ તારી ચીજ નથી, એ તો પરવસ્તુ છે. તે સંબંધીનો જે વિકલ્પ આવ્યો તે તીવ્ર રાગ-દુઃખરૂપ છે. તે રાગના-દુઃખના પરિણામ નિશ્ચયથી જીવથી ભિન્ન છે અને તેનું જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે. આ ભેદજ્ઞાનની વાત છે, અને તે જ દુઃખ દૂર કરવાનો ઉપાય છે.
શીત-ઉષ્ણની માફક પુણ્ય-પાપના ભાવને અહીં પુદ્ગલમાં નાખી દીધા છે. શીત-ઉષ્ણ છે એ પરમાણુની અવસ્થા છે અને આ રાગદ્વેષ તો જીવની પર્યાય છે. તેને અહીં અચેતન કહીને પુદ્ગલપરિણામ કહ્યા છે. અચેતન છે પણ તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. જડકર્મની અવસ્થામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ છે અને આ રાગાદિ અવસ્થામાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ નથી. પરંતુ રાગાદિની પર્યાયમાં જ્ઞાનનો અંશ નથી માટે તેને અચેતન કહીને પુદ્ગલપરિણામ કહ્યા છે. અહો! આ સમયસાર જગતનું અજોડ, અદ્વિતીય ચક્ષુ છે! ભરતક્ષેત્રનો ભગવાન છે! શીત- ઉષ્ણનું પોતામાં જ્ઞાન થાય છે તો એ શીત-ઉષ્ણ અવસ્થાને જ્ઞાન કરાવવામાં સમર્થ કહેલ છે. સમર્થનો અર્થ અહીં નિમિત્ત થાય છે. તેમ રાગદ્વેષની અવસ્થા જ્ઞાન કરાવવામાં સમર્થ છે એટલે નિમિત્ત છે. જ્ઞાન તો પોતાથી થાય છે, નિમિત્ત છે તો જ્ઞાન થાય છે એમ નથી.
મોટાં મકાન, બંગલા હોય અને એમાં મખમલના ગાલીચા અને લાખોનું ફર્નીચર હોય, પણ એમાં તારે શું ભાઈ! એ તો બધી બહારની ધૂળ છે અને તે અનંતવાર સંયોગમાં મળી છે. એની મમતાબુદ્ધિ હોય તો એમાંથી નીકળવું બહુ ભારે પડશે ભાઈ! તારે આત્માની ચૈતન્યલક્ષ્મી જોઈતી હોય તો અહીં કહે છે કે જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ અચેતન પુદ્ગલપરિણામ છે એમ નક્કી કર. જ્ઞાનસ્વભાવનો અભાવ છે માટે તે ભાવ પુદ્ગલપરિણામ છે. અરે ભાઈ! જે ભાવ અચેતન છે તે નિશ્ચયનું કારણ કેમ થાય? ચેતનની નિર્મળ પર્યાય થવામાં અચેતન રાગ કારણ થાય એમ કેમ બને? તે ભાવ જ્ઞાનમાં નિમિત્ત હો, પણ એનાથી નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે એમ કદીય બને નહિ. અચેતન રાગ કારણ અને ચૈતન્યની પર્યાય કાર્ય એમ કદી હોય નહિ.
દ્રષ્ટિની અપેક્ષાએ તો સ્વાનુભવની જે નિર્વિકલ્પ દશા એ પણ જીવ નથી. એ દશા તો જીવનો પર્યાયભાવ છે. પર્યાયનો ભાવ છે તે ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. સમ્યગ્દર્શનનો વિષય તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય છે. સમ્યગ્દર્શનની પર્યાય કે મોક્ષમાર્ગની પર્યાય તે સમ્યગ્દર્શનનો વિષય નથી. મોક્ષમાર્ગની પર્યાય તે મોક્ષમાર્ગનો વિષય નથી. અનુભૂતિની પર્યાય ત્રિકાળી ધ્રુવ સામાન્યને વિષય કરે છે. આવું વસ્તુસ્વરૂપ છે.
PDF/HTML Page 1092 of 4199
single page version
પ્રશ્નઃ– વ્યવહારરત્નત્રયને પરંપરા કારણ કહ્યું છે ને?
ઉત્તરઃ– હા, વ્યવહારરત્નત્રયનો શુભરાગ જ્ઞાનીને મોક્ષનું પરંપરા કારણ વ્યવહારથી કહેલ છે. એનો અર્થ જ એ થયો કે વ્યવહારરત્નત્રય મોક્ષમાર્ગનું વાસ્તવિક કારણ નથી. રાગથી ભિન્ન પડીને પોતાના જ્ઞાયકસ્વરૂપનો જેને અનુભવ થયો છે એવા સમકિતી ધર્મી જીવને શુભના કાળે અશુભ ટળે છે અને સ્વાશ્રયે તેને શુભ ટળીને શુદ્ધ દશા પ્રગટ થશે એ અપેક્ષાએ જ્ઞાનીના વ્યવહારરત્નત્રયને મોક્ષનું પરંપરા કારણ વ્યવહારથી કહેલ છે.
યથાર્થ સિદ્ધાંત આ એક જ છે કે વ્યવહારથી નિશ્ચય ન થાય, કેમકે વ્યવહારનો શુભરાગ અચેતન છે, પુદ્ગલના પીરણામરૂપ છે. તે ભગવાન ચૈતન્યસ્વરૂપ આત્માની નિર્મળ પરિણતિનું કારણ થાય એમ બની શકે નહિ. તે જ્ઞાનમાં નિમિત્ત છે અને જ્ઞાન તેનું જાણનાર છે; એવું જ્ઞાનનું સ્વપરપ્રકાશક સહજ સામર્થ્ય છે. હવે કહે છે-
‘જ્યારે જ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણતો હોય ત્યારે, તેઓ એક નથી પણ ભિન્ન છે એવા વિવેકને લીધે, શીત- ઉષ્ણની માફક, જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખ-દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો, જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, ‘‘આ હું (રાગને) જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે (અર્થાત્ રાગ તો પુદ્ગલ કરે છે)’’ ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.’
ભેદજ્ઞાન થવાથી ધર્મી જીવ રાગદ્વેષ, સુખદુઃખની કલ્પના અને જ્ઞાન એ બે વચ્ચેનું પરસ્પર અંતર જાણે છે. જુઓ, સુંદર યુવાન સ્ત્રીને દેખી અજ્ઞાની રાગ કરે છે અને તેમાં આનંદ માને છે. જ્યારે જ્ઞાનીને એવા પ્રસંગમાં રાગ થાય તેનો ખેદ થાય છે. ખરેખર જ્ઞાનીને તો એ રાગ જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાની તો જાણે છે કે આ રાગ દુઃખરૂપ છે. ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત ન હોય એવા જ્ઞાનીને ચારિત્રના દોષથી રાગ આવે છે. પાંચમા ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન પણ થાય છે. પરંતુ રૌદ્રધ્યાનના પરિણામ જ્ઞાન કરાવવામાં નિમિત્ત છે.
આવી વાત લોકોને સાંભળવા મળી નથી એટલે નવી લાગે છે. પણ આ કાંઈ નવી નથી. અનાદિથી માર્ગ ચાલ્યો આવે છે તે જ આ વાત છે. અરે પ્રભુ! તું ચૈતન્યનો નાથ છો; તેને તારી પર્યાયમાં પધરાવ ને! ભગવાન! એમાં તારી શોભા છે અને એમાં તને આનંદ થશે. ભગવાનને તું અંતરમાં બેસાડ. અજ્ઞાનીને અનાદિથી પર્યાય ઉપર દ્રષ્ટિ છે તેથી તેને શુદ્ધ ચૈતન્યતત્ત્વનો-ત્રિકાળી દ્રવ્યનો મહિમા આવતો નથી. પણ પ્રભુ! તું શુદ્ધ ચેતનાસિંધુ જ્ઞાનનો દરિયો છું. તેમાંથી તો જ્ઞાનની પર્યાય ઉછળે. નદીમાં તરંગ ઊઠે તો પાણીના તરંગ ઊઠે, કાંઈ રેતીના તરંગ ઊઠે? તેમ
PDF/HTML Page 1093 of 4199
single page version
જ્ઞાનનો દરિયો પ્રભુ આત્મા છે. તેમાં તો જ્ઞાનની પર્યાયના કલ્લોલો ઊછળે; તેમાંથી રાગની પર્યાય ન ઊછળે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે.
સૂક્ષ્મ તો છે પ્રભુ! પણ શું થાય? માર્ગ તો આ છે. અનંત તીર્થંકરોએ કહ્યો તે માર્ગ દિગંબર સંતોએ જગત સમક્ષ જાહેર કર્યો છે. સંતો ભગવાનના આડતિયા થઈને આ માલ તારા માટે લાવ્યા છે. પ્રભુ! તારી મહત્તા તો તું દેખ! જગતમાં અનંતા રજકણ અને અનંતા જીવ છે. પ્રત્યેક રજકણ અને પ્રત્યેક જીવ પ્રત્યેક સમયે અનંત ગુણ-પર્યાય સહિત છે. તેની સત્તાનો સ્વીકાર કરે તેવી જ્ઞાનની એક સમયની પર્યાયની અદ્ભુત તાકાત છે.
જેની એક સમયની જ્ઞાનની પર્યાયનું આવું અચિંત્ય સામર્થ્ય છે, તે આત્મા તો ત્રિકાળી જ્ઞાનનો પિંડ પ્રભુ છે. દ્રષ્ટિ અપેક્ષાએ તો એક સમયની પર્યાયે નથી તેવો એકલો પરમ- પારિણામિકભાવરૂપ તેનો સ્વભાવ છે. ઔદયિક આદિ જે ચાર ભાવો છે તેમાં કર્મના સદ્ભાવની વા અભાવની અપેક્ષા આવે છે. પાંચમો પારિણામિક ભાવ છે તે પરમ નિરપેક્ષ છે. તેમાં નિમિત્તની અપેક્ષા નથી. આવા સ્વભાવનું ભાન થઈને જેને ભેદજ્ઞાન થયું તે ધર્મીને, જ્ઞાન પર્યાયમાં સહજ સ્વપરપ્રકાશક સામર્થ્ય પ્રગટે છે. તેને તીર્થરક્ષાનો જે અનુરાગ થાય તે રાગ તેના જ્ઞાનમાં નિમિત્ત છે. તે રાગ પુદ્ગલ સાથે અભિન્ન છે અને તે સંબંધી જે જ્ઞાન થયું તે જ્ઞાન આત્માથી અભિન્ન છે. જ્ઞાનીને જે અનુરાગ થયો તે જાણેલો પ્રયોજનવાન છે બસ.
જ્ઞાનીને દયા, દાન, વ્રત આદિનો રાગ હો; એ રાગ આવે તે કાંઈ ધર્મ નથી. એ રાગ તો જ્ઞાનમાં જાણવાલાયક છે. એ રાગ જ્ઞાનથી ભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન છે. નિશ્ચયથી આત્માનો જ્ઞાયકસ્વભાવ છે. તેની અનંત શક્તિનો શુદ્ધ અને પવિત્ર છે. પવિત્રતાપણે પરિણમવું તે શકય છે પણ રાગ અને વિકાર કે જે પુદ્ગલપરિણામ છે તે-રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે.
મુનિદશામાં જે પંચમહાવ્રતાદિનો રાગ આવે છે તે દ્રવ્યલિંગ છે. જેમ નગ્નદશા એ જડની દશા છે અને તે દ્રવ્યલિંગ છે તેમ પંચમહાવ્રતાદિના પરિણામ પણ દ્રવ્યલિંગ છે. તે આત્માની પર્યાય નથી. તે દ્રવ્યલિંગપણે આત્મા વડે પરિણમવું અશકય છે. ગજબ વાત છે! ભાઈ! આ સમજવા માટે ખૂબ ધીરજ જોઈએ. અને સમજીને અંતર્મુખ થવામાં અનંતગુણો પુરુષાર્થ જોઈએ. અહો! આચાર્યદેવે કેવી અલૌકિક વાત કરી છે!
રાગથી ભિન્ન પડીને સ્વભાવસન્મુખ થવું અને સ્વભાવને (રાગથી) અધિક જાણવો તે સમ્યગ્જ્ઞાન છે. ચૈતન્યસ્વભાવથી વિભાવને અધિક-ભિન્ન જાણવો તે આત્માનો માર્ગ છે. ગાથા ૧૭-૧૮માં આવે છે કે આ બાળગોપાળ સૌને જ્ઞાનમાં પોતાનો આત્મા જણાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયનો સ્વપરપ્રકાશપણાનો સ્વભાવ છે. તેથી જ્ઞાનની પર્યાયમાં પોતાનો દ્રવ્યસ્વભાવ અનુભવવામાં-જાણવામાં આવે છે. પરંતુ અજ્ઞાનીની દ્રષ્ટિ
PDF/HTML Page 1094 of 4199
single page version
પોતાના ત્રિકાળી દ્રવ્યસ્વભાવ ઉપર જતી નથી. રાગ અને વ્યવહાર ઉપર એની દ્રષ્ટિ રહેલી છે. તેથી ‘આ રાગને હું જાણું છું’ એમ ભ્રાન્તિથી તે જાણે છે.
અહીં તો જ્ઞાનીની વાત છે. ધર્મી-સમકિતીની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર સ્થિર થઈ ગઈ છે. તેથી તે જ્ઞાનસ્વભાવરૂપે પરિણમે છે. તે રાગની પરિણતિથી ભિન્નપણે પરિણમે છે. આ શરીર તો જડ માટી છે, મસાણનાં હાડકાં છે. અને અંદર જે શુભરાગ અને પુણ્યના પરિણામ થાય તે પુદ્ગલપરિણામ છે એમ જ્ઞાની જાણે છે. કોઈને બેસે ન બેસે તે જુદી વાત છે, પરંતુ રાગ તે પુદ્ગલના પરિણામ છે કેમકે તે જ્ઞાન સાથે તન્મય નથી, પણ જ્ઞાનથી ભિન્ન છે.
તે જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય જણાય છે. પરંતુ અજ્ઞાનીની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ નથી. અજ્ઞાનીની દ્રષ્ટિ અનાદિથી રાગ અને પર્યાય ઉપર પડી છે. એટલે મેં દયા પાળી, મેં વ્રત કર્યાં, મેં ભક્તિ કરી, પૂજા કરી એમ જાણતો તે પોતાને એકલો પરપ્રકાશક માને છે. સ્વપરપ્રકાશક જ્ઞાનને એકલું પરપ્રકાશક માને તે મિથ્યાત્વ છે. રાગને માનવો અને સ્વભાવને ન માનવો તે એકાન્તમિથ્યાત્વ છે, મિથ્યા ભ્રાન્તિ છે.
અરે પ્રભુ! તું કોણ છો? અહાહા...! અનંતગુણોથી અવિનાભાવી જ્ઞાનસ્વરૂપ આત્મા છો. જ્ઞાનથી અવિનાભાવી અનંતગુણનો પિંડ પ્રભુ તું આત્મા છો. આવા શુદ્ધ ચૈતન્યમય આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય છે. તેને જે રાગ થાય છે તેને જ્ઞાન જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. ખરેખર પોતાનું જ્ઞાન થયું ત્યારે તે પર્યાયમાં સ્વપરપ્રકાશકપણાનું સામર્થ્ય પ્રગટ થયું તો રાગ જ્ઞાનમાં જણાઈ જાય છે. જ્ઞાન રાગને જાણે છે એ ઉપચાર કથન છે. વાસ્તવિક તો એ છે કે સ્વપરપ્રકાશક પર્યાયને પોતે જાણે છે.
જ્ઞાન અને રાગ એક સમયમાં એક સાથે ઉત્પન્ન થાય છે. ત્યાં હું રાગસ્વરૂપ છું એમ અજ્ઞાની માની લે છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં (ચોથા અધિકારમાં) કહ્યું છે કે-જે સમયે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે સમયે રાગ ઉત્પન્ન થાય છે. બન્નેનો એક કાળ છે. તો અજ્ઞાનીને એમ ભાસે છે કે રાગ મારી ચીજ છે. બેના ભાવ ભિન્ન છે એવું તેને ભાન નથી.
અહો! કુંદકુંદાચાર્યદેવે જગતને ન્યાલ કરી દીધું છે. તેઓશ્રી વિદેહમાં સાક્ષાત્ સદેહે પધાર્યા હતા. આ વાત પંચાસ્તિકાય, ષટ્પાહુડ અને દર્શનસાર-આ ત્રણે શાસ્ત્રોમાં છે. ભગવાન કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રમાં સીમંધરભગવાનના સમોસરણમાં ગયા હતા અને ત્યાંથી આવીને આ સમયસાર આદિ શાસ્ત્રોની રચના કરી છે. આ વાત પ્રમાણભૂત અને પરમ સત્ય છે.
PDF/HTML Page 1095 of 4199
single page version
અહીં કહે છે-રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની રાગ- દ્વેષસુખદુઃખાદિ અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણે છે, પરસ્પર બન્નેનું અંતર જાણે છે. પોતાનો સ્વભાવ જ્ઞાન છે અને રાગનો સ્વભાવ જડપણું છે; પોતે આત્મા ત્રિકાળ સત્તારૂપ છે અને રાગ એક સમયનું અસ્તિત્વ છે, પોતે નિત્યાનંદસ્વરૂપ પ્રભુ છે અને રાગ દુઃખરૂપ છે-આ પ્રમાણે જ્ઞાની પરસ્પર બન્નેનું અંતર જાણે છે. અહાહા...! રાગથી ભિન્ન ભગવાન આત્માને જ્યાં સ્વલક્ષે અનુભવ્યો ત્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી ગયું. આનું નામ ભેદજ્ઞાન અને આ સમ્યગ્દર્શન છે.
આમાં વાદવિવાદ કરે અને સત્યને અસત્ય કરીને સ્થાપે અને અસત્યને સત્ય કરીને સ્થાપે એના ફળમાં દુઃખ થશે. દુઃખના સંયોગો બહુ કઠણ પડશે ભાઈ! રાગ અને ભગવાન આત્મા એક નથી. જેમ અડદની દાળ અને ઉપરનું ફોતરું એક નથી એમ આત્મા અને રાગ એક નથી. ભગવાન આત્મા એકલા આનંદનું દળ છે અને રાગ ફોતરા સમાન છે. બન્ને ભિન્ન છે. આત્માની જ્ઞાનપર્યાય અને તે જ કાળે ઉત્પન્ન થયેલી જે રાગની પર્યાય તે બન્નેનું પરસ્પર અંતર જાણતો જ્ઞાની પરને પોતારૂપ જાણતો નથી અને પોતાને પરરૂપ જાણતો નથી. રાગથી દ્રષ્ટિ ઉઠાવી લીધી અને ભગવાન આત્મા ઉપર દ્રષ્ટિ સ્થાપી એનું નામ વિવેક એટલે ભેદજ્ઞાન છે, અને તે વડે ધર્મ છે કહ્યું છે ને કે-
સમયસાર કળશ ૧૩૧માં કહ્યું છે કે-
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
જે કોઈ આજ સુધી મુક્તિ પામ્યા તે ભેદવિજ્ઞાનથી પામ્યા છે અને જે કોઈ બંધાયા છે તે ભેદવિજ્ઞાનના અભાવથી બંધાયા છે. અહો! ભેદજ્ઞાનનો મહિમા અપરંપાર છે!
કહે છે કે-શીત-ઉષ્ણની માફક આત્મા વડે રાગદ્વેષસુખદુઃખાદિરૂપે પરિણમવું અશકય છે. શીત-ઉષ્ણ અવસ્થા છે તે પરમાણુની અવસ્થા છે. તે પરમાણુથી અભિન્ન છે. તે શીત-ઉષ્ણ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે. તેમ પુણ્યપાપના શુભાશુભભાવપણે આત્માનું પરિણમવું અશકય છે, કેમકે પુણ્યપાપ આદિ ભાવો અચેતન જડ છે અને ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકભાવમાત્ર છે. અહાહા...! આત્મા જે જ્ઞાયકભાવરૂપ ચૈતન્યસ્વરૂપ વસ્તુ છે તે રાગદ્વેષના અચેતનભાવપણે કેમ પરિણમે?
આત્મા શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પરની ક્રિયાનો કર્તા થાય અને તે પરનું કાર્ય કરે એ વાત તો કયાંય રહી ગઈ. અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે વિકલ્પ થાય તે વિકલ્પપણે આત્મા વડે પરિણમવું અશકય છે. પુણ્યપાપના જે ભાવ થાય છે તે જડ અચેતન છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી.
PDF/HTML Page 1096 of 4199
single page version
૭૩મી ગાથામાં કહ્યું છે કે રાગનું સ્વામી પુદ્ગલ છે. ત્યાં કહ્યું છે કે-‘‘પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું.’’ આમ રાગનો સ્વામી આત્મા નથી, પુદ્ગલ છે એમ પ્રથમ નિર્ણય કર એમ ત્યાં કહ્યું છે. અહીં કહે છે-જેમ શીત-ઉષ્ણપણે આત્મા વડે પરિણમવું અશકય છે. અહાહા...! ગજબ વાત છે! રાગપણે પરિણમવું તે આત્માનો સ્વભાવ નથી. જ્ઞાન અને આનંદસ્વરૂપે પરિણમવું તે આત્માનો સ્વભાવ છે.
પુરુષાર્થસિદ્ધઉપાય શાસ્ત્રમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય દેવ પોકારીને કહે છે કે-જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. રાગભાવ થાય તે આત્માની હિંસા છે. જુઓ, પાંચ પાંડવો ધ્યાનસ્થ હતા. ત્યાં ઉપસર્ગ થતાં નાના બે ભાઈઓ સહદેવ અને નિકુલને ત્રણ મોટાભાઈ (મુનિવરો) પ્રત્યે લક્ષ ગયું કે-અરે! મુનિવરોને આવો ઉપસર્ગ! સાધર્મી અને સહોદર પ્રત્યે આટલો રાગનો જ વિકલ્પ આવ્યો તે શુભ વિકલ્પથી સર્વાર્થસિદ્ધિ દેવલોકનું આયુષ્ય બંધાઈ ગયું અને કેવળજ્ઞાન દૂર થઈ ગયું. ત્રણ પાંડવો તો ધ્યાનમાં લીન થઈ ગયા તો કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષપદ પામ્યા જે વિકલ્પથી સ્વર્ગના ભવનો બંધ થયો અને કેવળજ્ઞાન ન થયું તે વિકલ્પથી લાભ થાય એમ કેમ બની શકે? અનંત તીર્થંકરો, અનંત કેવળીઓ અને અનંત ભાવલિંગી સંતોએ પ્રકાશેલો આવો આ વીતરાગ માર્ગ છે.
મંગલં કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલં.
જુઓ, પ્રથમ શ્રી મહાવીરસ્વામી અને બીજા ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી પછી તરત જ ત્રીજા સ્થાને ભગવાન કુંદકુંદાચાર્યદેવનું નામ આવે છે. જેમણે જૈનશાસનને જીવિત રાખ્યું છે એવા એ મહાસમર્થ આચાર્યની આ વાણી છે. તેઓ કહે છે કે જેમનારૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો આ હું રાગને જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે, રાગ તો પુદ્ગલ કરે છે ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.
૯૨મી ગાથામાં જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો-એમ કહ્યું હતું અને અહીં જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થઈને, રાગનો અકર્તા પ્રતિભાસે છે એમ કહ્યું છે. અજ્ઞાન શબ્દથી અહીં રાગ સમજવું. રાગમાં જ્ઞાન નથી તેથી તેને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ એમ નહિ પણ અજ્ઞાન એટલે રાગ એમ અર્થ સમજવો. રાગાદિ અજ્ઞાનપણે પરિણમવું તે અજ્ઞાનાત્મા છે અને રાગપણે ન પરિણમતાં જ્ઞાનરૂપે પરિણમવું તે જ્ઞાનાત્મા છે. અહો! ભગવાનનો વિરહ ભૂલાવે એવી આ વાણી છે.
PDF/HTML Page 1097 of 4199
single page version
કહે છે-ધર્મીજીવ કિંચિત્માત્ર રાગપણે પરિણમતો નથી. રાગમાં જ્ઞાનનો અંશ નથી. રાગ તો અજ્ઞાન છે. અને ભગવાન આત્મા જ્ઞાનની મૂર્તિ ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. તે જ્ઞાનપણે પરિણમે એવો તેનો સ્વભાવ અને સામર્થ્ય છે. ધર્મી જીવને દ્રવ્ય-સન્મુખનું પરિણમન થઈ ગયું છે એટલે તેને રાગસન્મુખનું પરિણમન છે નહિ. જે રાગ આવે છે તેનો ધર્મી જીવ જ્ઞાતાદ્રષ્ટા રહે છે. જ્ઞાનીને ખરેખર જ્ઞાતાદ્રષ્ટાનું જ પરિણમન છે. આ સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાનની વાત છે. અને ચારિત્ર! ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! અહાહા...! સમ્યગ્દર્શન સહિત અંતરમાં આનંદની રમણતા એનું નામ ચારિત્ર છે. એવા ચારિત્રવંત ભાવલિંગી મુનિવરોનાં દર્શન પણ આ કાળમાં મહાદુર્લભ થઈ પડયાં છે.
એક વાર જંગલમાં ગયા હતા ત્યાં એમ થઈ આવ્યું કે અહા! કોઈ ભાવલિંગી મુનિવર ઉતરી આવે તો! અહો! એ ધન્યદશાનાં સાક્ષાત્ દર્શન થાય તો! અહાહા...! મુનિપદ તો પરમેશ્વર પદ છે. નિયમસારમાં ટીકાકાર મુનિરાજ પદ્મપ્રભમલધારિદેવ એક કળશમાં (કળશ ૨પ૩માં) એમ કહે છે કે મુનિમાં અને કેવળીમાં કિંચિત્ ફેર માને તે જડ છે. અહાહા...! આવું મુનિપદ તે પરમેષ્ઠીપદ છે. પદ્મપ્રભમલધારિદેવ અહીંથી વૈમાનિક દેવલોકમાં ગયા છે અને ત્યાંથી મનુષ્યપણામાં આવી કેવળજ્ઞાન પામીને સિદ્ધપદ પામશે. આવું અલૌકિક છે મુનિપદ!
અહીં કહે છે-ધર્મીને દ્રવ્યસ્વભાવસન્મુખનું પરિણમન થઈ ગયું છે એટલે એનું જ્ઞાતાદ્રષ્ટાપણે જ પરિણમન છે. છેલ્લે પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન છે. તેમાં અશુદ્ધપરિણમનની વાત જ લીધી નથી. ભગવાન આત્મા ક્રમરૂપ શુદ્ધપણે પરિણમે છે. ત્યાં ક્રમ (પર્યાય) શુદ્ધ અને અક્રમ (ગુણ) શુદ્ધ-એમ કહ્યું છે. દ્રવ્યની શક્તિ શુદ્ધ છે ત્રિકાળી શુદ્ધ શક્તિવાન દ્રવ્યની સન્મુખ થતાં શક્તિની પ્રતીતિ આવી જાય છે અને તેની પર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલુ થઈ જાય છે. પછી પર્યાયના ક્રમમાં અશુદ્ધતા આવે જ નહિ. દ્રવ્યની શક્તિનું વર્ણન છે એટલે દ્રષ્ટિપ્રધાન કથનમાં ક્રમ નિર્મળ છે એમ કહ્યું છે. પ્રવચનસારમાં જ્ઞાનપ્રધાન કથન છે. ત્યાં કહ્યું છે કે મુનિરાજને જેટલો રાગ છે તે પરિણમનના તે કર્તા છે. પરિણમન છે એ અપેક્ષાએ ત્યાં કર્તા કહેલ છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે અપેક્ષાએ યથાર્થ સમજવું જોઈએ.
દ્રષ્ટિ અને દ્રષ્ટિનો વિષય પવિત્ર છે તો કહે છે કે જ્ઞાની કિંચિત્માત્ર રાગપણે પરિણમતા નથી; રાગના સ્વામીપણે પરિણમતા નથી, રાગથી ભિન્નપણે જ્ઞાતાદ્રષ્ટારૂપે પરિણમે છે. ભગવાન આત્મા જ્ઞાતાદ્રષ્ટા છે અને તે જ્ઞાનપણે પરિણમે તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે. અજ્ઞાની રાગપણે પરિણમે છે તે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. આત્મા જ્ઞાન અને આનંદપણે પરિણમે તે જ્ઞાનનું જ્ઞાનત્વ છે.
અહીં કહે છે-જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, આ હું
PDF/HTML Page 1098 of 4199
single page version
રાગને જાણું જ છું ઇત્યાદિ વિધિથી રાગનો અકર્તા પ્રતિભાસે છે. ‘પોતે જ્ઞાનમય થયો થકો’- એટલે રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી. સ્વયં અભેદ જ્ઞાનપણે પરિણમતો આ હું રાગને જાણું જ છું એમ ધર્મી માને છે. રાગથી લાભ (ધર્મ) થાય અથવા રાગ મારું કર્તવ્ય છે એમ ધર્મી જીવ માનતો નથી. વ્યવહારથી નિશ્ચય થાય એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત કરી છે. બાકી રાગથી વીતરાગતા થાય એમ કદી હોય શકે નહિ. જ્ઞાની તો માને છે કે હું રાગને જાણું જ છું. (કરું છું એમ નહિ).
પ્રશ્નઃ- રાગને જાણું પણ છું અને રાગને કરું પણ છું એમ અનેકાન્ત કરો તો?
ઉત્તરઃ- ભાઈ! એ અનેકાન્ત નથી; હું રાગને એકાંતે જાણું છું અને રાગપણે પરિણમતો નથી એનું નામ સમ્યક્ અનેકાન્ત છે.
રાગી તો પુદ્ગલ છે. વ્યવહારરત્નત્રયનો રાગ પુદ્ગલ છે. રાગી તો પુદ્ગલ છે એટલે કે જીવ સ્વરૂપથી રાગી નથી કેમકે જીવ તો ચૈતન્યસ્વરૂપ છે. રાગી તો પુદ્ગલ છે અર્થાત્ રાગનો કર્તા પુદ્ગલ છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ સમસ્ત રાગાદિ કર્મનો જ્ઞાની અકર્તા પ્રતિભાસે છે. જુઓ, આ ભેદજ્ઞાનની વિધિ! ધર્મી રાગનું જ્ઞાન કરે છે તે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. રાગ પ્રગટ કરવો તે આત્માનો સ્વભાવ નથી. આ પ્રમાણે જ્ઞાની રાગનો અકર્તા પ્રતિભાસિત થાય છે.
‘જ્યારે આત્મા રાગદ્વેષસુખદુઃખાદિ અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે અર્થાત્ ‘જેમ શીત- ઉષ્ણપણું પુદ્ગલની અવસ્થા છે તેમ રાગદ્વેષાદિ પણ પુદ્ગલની અવસ્થા છે’ એવું ભેદજ્ઞાન થાય, ત્યારે પોતાને જ્ઞાતા જાણે અને રાગાદિરૂપ પુદ્ગલને જાણે. એમ થતાં, રાગાદિનો કર્તા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે.’
અહો! શું અલૌકિક વાતો છે! ભાઈ! બહુ ધીરજથી આ સાંભળવું જોઈએ. કહે છે- જ્ઞાની રાગદ્વેષ અને સુખદુઃખી અવસ્થાને જ્ઞાનથી ભિન્ન જાણે છે. પોતાની પર્યાયમાં જે પુણ્યપાપના ભાવ અને સુખદુઃખની કલ્પના આદિ વિકારી ભાવ થાય છે તે પુદ્ગલની અવસ્થા છે અને ધર્મી તેને જ્ઞાનથી ભિન્ન જાણે છે. પરમાં સુખ છે એવો વિકલ્પ, પરમાં દુઃખ છે એવો વિકલ્પ અને પુણ્યપાપના વિકલ્પ-તે બધાને અહીં પુદ્ગલની અવસ્થા કહેવામાં આવી છે. હવે આવી વાત કોઈને ન બેસે તો શું થાય?
અરે ભાઈ! વ્યવહારથી નિશ્ચય થાય એમ છે જ નહિ. વ્યવહાર છે ખરો; જ્યાં સુધી પૂર્ણ વીતરાગ થઈ કેવળજ્ઞાન ન પામે ત્યાં સુધી પોતાના ચારિત્રમાં અધૂરાશ છે. સ્વના આશ્રયમાં કચાશ છે એટલે રાગ આવે છે, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ આવે છે પણ તે બધી પોતાની ચીજ નથી એમ વાત છે. જે ભાવથી તીર્થંકરગોત્ર બંધાય તે
PDF/HTML Page 1099 of 4199
single page version
ભાવ પુદ્ગલની અવસ્થા છે એમ અહીં કહે છે; કેમકે શુભરાગથી પુદ્ગલકર્મ બંધાય છે અને તેના ફળમાં પુદ્ગલના સંયોગો મળે છે.
વાત તો આ છે પણ લોકોને મળી ન હતી એટલે નવી લાગે છે; પણ આ વાત નવી નથી. ભાઈ! આ તો અનાદિની ચીજ છે અને અનંત તીર્થંકરોએ કહેલી છે. વિભાવથી વિમુખ થઈ સ્વભાવસન્મુખ થતાં રાગથી આત્મા ભિન્ન છે એવું ભેદજ્ઞાન થાય છે. ત્યારે તે પોતાને જ્ઞાતા જાણે છે. ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને રાગ આવે છે, સુખદુઃખની કલ્પના થાય છે, વ્યવહાર હોય છે પણ તે તેનો જાણનાર જ્ઞાતાદ્રષ્ટા કહે છે.
આત્મા સદા વીતરાગસ્વભાવી છે અને વીતરાગતા પ્રગટ કરવી તે મોક્ષમાર્ગ છે. રાગ કે જે પુદ્ગલની અવસ્થા છે તે વીતરાગતાનું કારણ કેમ થાય? અરે! જેને વ્યવહારની યથાર્થ સમજણ નથી તેને નિશ્ચયની પ્રાપ્તિ કેમ થઈ શકે? નિશ્ચય છે તેને વ્યવહાર હોય છે. જ્ઞાનીને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ વ્યવહાર હોય છે પણ એ તેનો જ્ઞાતા-જાણનારો છે. વ્યવહાર મારો છે એમ જ્ઞાની માનતા નથી. ભેદજ્ઞાન થાય ત્યારે જીવ પોતાને જ્ઞાતા જાણે છે અને રાગદ્વેષને પુદ્ગલ જાણે છે. રાગ પોતાની ચીજ નથી પણ પોતાથી ભિન્ન છે એમ તે જાણે છે.
અહાહા...! વસ્તુ ચૈતન્યસ્વભાવ જ્ઞાયકભાવ એકલા આનંદથી ભરેલો છે. આત્મા નિત્યાનંદ, સહજાનંદ, પરમાનંદસ્વરૂપ પ્રભુ છે. તેનું રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન કર્યું તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા રાગ અને સુખદુઃખની કલ્પનાને જ્ઞાતાપણે જાણે છે, તેને પોતાની ચીજ અને પોતાનું કર્તવ્ય માનતા નથી.
૯૨મી ગાથામાં અજ્ઞાનીની વાત કરી છે. અજ્ઞાની જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરે છે. અહીં ગાથા ૯૩માં જ્ઞાનીની વાત છે. ધર્મી જીવ જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. ધર્મી રાગનો કર્તા નથી પણ જ્ઞાતાદ્રષ્ટા છે. સમકિતી ચક્રવર્તી રાજા હોય, લડાઈમાં પણ જાય, તેને લડાઈનો વિકલ્પ આવે પણ તે વિકલ્પનો તે જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી. આવી વાત છે. લ્યો, ૯૩ પૂરી થઈ.
PDF/HTML Page 1100 of 4199
single page version
कथमज्ञानात्कर्म प्रभवतीति चेत्–
कत्ता तस्सुवओगस्सं होदि सो अत्तभावस्स।। ९४ ।।
कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।। ९४ ।।
હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-
ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯૪.
ગાથાર્થઃ– [त्रिविधः] ત્રણ પ્રકારનો [एषः] આ [उपयोगः] ઉપયોગ [अहम् क्रोधः] ‘હું ક્રોધ છું’ એવો [आत्मविकल्पं] પોતાનો વિકલ્પ [करोति] કરે છે; તેથી [सः] આત્મા [तस्य उपयोगस्य] તે ઉપયોગરૂપ [आत्मभावस्य] પોતાના ભાવનો [कर्ता] કર્તા [भवति] થાય છે.
ટીકાઃ– ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્ય-ભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (-જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, ‘હું ક્રોધ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી ‘હું ક્રોધ છું’ એવી ભ્રાંતિને લીધે જે સવિકાર (વિકારસહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. એવી જ રીતે ‘ક્રોધ’ પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
ભાવાર્થઃ– અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાનો અને પરનો ભેદ નહિ જાણીને ‘હું ક્રોધ છું, હું માન છું’ ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.