Pravachan Ratnakar (Gujarati). Gatha: 95-96.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 56 of 210

 

PDF/HTML Page 1101 of 4199
single page version

સમયસાર ગાથા ૯૪ઃ મથાળું

હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય છે? તેનો ઉત્તર કહે છેઃ-

* ગાથા ૯૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરે ખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી સમસ્ત ભેદને છુપાવીને, ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી (જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે) અનુભવન કરવાથી, ‘‘હું ક્રોધ છું’’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે.’

જુઓ, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારનું સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું સવિકાર ચૈતન્યપરિણામ છે. ગાથા ૯૩માં રાગાદિ ભાવને પુદ્ગલના પરિણામ કહ્યા છે અને અહીં તેને જ સવિકાર ચૈતન્યપરિણામ કહ્યા છે.

પરને પોતાના માનવારૂપ, સ્વરૂપના અજ્ઞાનરૂપ અને રાગદ્વેષની પ્રવૃત્તિરૂપ એવા મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારના સવિકાર ચૈતન્યપરિણામ છે. એ ચૈતન્ય સવિકાર પરિણામ પરને અને પોતાને અવિશેષ દર્શનથી એક માને છે. અજ્ઞાનથી કર્મ એટલે વિકારી પરિણામ ઉત્પન્ન થાય છે. તે પરિણામ સ્વ અને પરને અવિશેષ એટલે સામાન્ય-એક માને છે. બે વચ્ચે વિશેષ માનતો નથી. વિકારી પરિણામ અને મારી ચીજ ભિન્ન છે એવું અજ્ઞાની માનતો નથી. વિકાર પરિણામ અને હું-બે ભિન્ન છીએ એમ વિશેષ ન માનતાં બે એક છીએ એવું અવિશેષપણે એટલે સામાન્ય માને છે.

રાગ અને સુખદુઃખની કલ્પના અને નિજ આત્મા-બન્ને એક છે એમ સવિકાર ચૈતન્યપરિણામ માને છે બે વચ્ચે ભેદ-વિશેષ છે. એવું અજ્ઞાન વડે જીવ માનતો નથી. વળી અવિશેષ જ્ઞાન એટલે બન્નેનું એકપણાનું જ્ઞાન કરે છે રાગ અને હું એક છીએ એમ બન્નેને એક જાણે છે. જીવના સવિકાર પરિણામ આવું બન્નેનું એકપણું માને છે, બન્નેનું એકપણું જાણે છે, બન્નેનું એકપણું આચરે છે. જડકર્મને કારણે આવું બન્નેનું એકપણું જાણે છે, વા માને છે કે આચરે છે એમ નથી. સ્વ-પરના અજ્ઞાનને લીધે સવિકાર ચૈતન્યપરિણામ આવું માને છે. આવી વાત છે.

લોકો ભગવાન સમક્ષ કહે છે ને કે-હે ભગવાન! દયા કરો. અરે ભાઈ! તું પોતે જ ભગવાન છો. માટે તારા ઉપર તું દયા કર. રાગ અને વિકારને પોતાના માને છે એ માન્યતા છોડી પ્રભુ! તું તારી દયા કર. રાગ અને આત્મા બે એક છે એ માન્યતા તારી હિંસા છે. માટે રાગ અને આત્મા એક છે એ માન્યતા છોડી સ્વભાવમાં લીન થા. તે તારી સ્વદયા છે. ભાઈ! તું પરની હિંસા કરી શકતો નથી અને પરની દયા પાળી શકતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે.


PDF/HTML Page 1102 of 4199
single page version

પુણ્યપાપના ભાવ, દયા, દાન આદિ ભાવ, કે સુખદુઃખના ભાવ અને પોતાનો ત્રિકાળી ચૈતન્યસ્વભાવમય આત્મા-એ બેને અજ્ઞાનપણે જીવ એક માને છે. કઠણ પડે છે. પણ ભાઈ! સર્વજ્ઞ વીતરાગદેવે પોકારીને કહેલો માર્ગ તો આવો જ છે. પ્રવચનસારમાં છેલ્લે રરમા કળશમાં કહ્યું છે કે-‘‘આ રીતે (પરમાગમમાં) અમંદપણે (જોરથી, બળવાનપણે, મોટા અવાજે) જે થોડુંઘણું તત્ત્વ કહેવામાં આવ્યું તે બધું ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું.’’ કેટલું કહીએ, પ્રભુ! સ્વપરના અજ્ઞાનને કારણ મિથ્યાદર્શન-અજ્ઞાન- અવિરતિરૂપ જે સવિકાર ચૈતન્યપરિણામ છે તે સ્વપરને એક માને છે. દર્શનમોહનો ઉદય છે તે આવું મનાવે છે એમ નથી. અરે! અજ્ઞાનીઓ તો જ્યાં હોય ત્યાં બધે કર્મથી થાય એમ લગાવે છે, પણ એમ નથી. કર્મ તો બિચારાં જડ છે. પૂજાની જયમાલામાં આવે છે ને કે-

‘‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ;
અગ્નિ સહૈ ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.’’

ચૈતન્યના વિકારી પરિણામ, અજ્ઞાનથી એમ માને છે કે વિકારી ભાવ અને ત્રિકાળી આત્મા બે એક છે. અહાહા...! દયા, દાન, વ્રતાદિ ભાવ અને શુદ્ધ નિર્મળ આત્મા બે એક છે એમ અજ્ઞાનથી માને છે. જ્ઞાની તો બન્નેનો વિશેષ એટલે ભેદ જાણે છે. જ્ઞાનીને રાગ તો આવે છે. પાંચમા ગુણસ્થાન પર્યંત રૌદ્રધ્યાન હોય છે, ક્ષાયિક સમકિતી મુનિ હોય તેને છઠ્ઠા ગુણસ્થાને આર્ત્તધ્યાન હોય છે. છઠ્ઠા ગુણસ્થાને ત્રણ શુભ લેશ્યા હોય છે. એ લેશ્યા પણ રાગ છે. છતાં તે રાગ અને આત્મા બે ભિન્ન છે એમ જ્ઞાની માને છે.

પરંતુ અજ્ઞાની અજ્ઞાનને કારણ રાગ અને વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ અને તેમાં ખુશીપણાનો જે ભોક્તાભાવ તે હું છું, તે ભાવ મારા છે એમ બેને એકપણે માને છે, બેનું એકપણું જાણે છે અને રાગમાં એકપણે લીનતા કરે છે. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની લીનતા છોડી અજ્ઞાની રાગમાં લીનતા કરે છે. આ રીતે સમસ્ત ભેદને છુપાવીને બેને એકપણે માને છે. વિકારી પરિણામ અને અવિકારી શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ આત્મા-એ બેનો સમસ્ત ભેદ છુપાવી દઈ, ઢાંકી દઈ અજ્ઞાની બેને એકપણે માને છે. અહાહા...! વ્યવહારરત્નત્રયનો રાગ અને હું એક છીએ એમ માને તે સમસ્ત ભેદને છુપાવી દે છે, ઢાંકી દે છે અને બેના (મિથ્યા) અભેદને-એકપણાને પ્રગટ કરે છે. આકરું લાગે પણ માર્ગ તો આ છે ભાઈ! પ્રથમ જ શ્રદ્ધામાં આ નક્કી કરવું પડશે. જ્ઞાનમાં આવો નિર્ણય તો કરે; પછી સ્વભાવસન્મુખતાના પ્રયોગની વાત. પ્રથમ યથાર્થ નિર્ણય કરે નહિ તે પ્રયોગ કેવી રીતે કરે?

આ પ્રમાણે ભાવ્યભાવકભાવને પામેલાં એવાં ચેતન અને અચેતનનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી ‘હું ક્રોધ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે.


PDF/HTML Page 1103 of 4199
single page version

હું ભોગવનાર ભાવક અને ભોગવવા યોગ્ય વિકાર તે મારું ભાવ્ય અથવા વિકારી ભાવ ભાવક અને હું ભોગવવા યોગ્ય ભાવ્ય એમ ભાવ્યભાવકપણાને પામેલાં એવાં ચેતન અને અચેતનનું- બેનું જાણે સામાન્ય અધિકરણ-આધાર હોય તેમ અજ્ઞાનથી માને છે. ભગવાન આત્મા જ્ઞાયક પ્રભુ શુદ્ધ ચૈતન્યમય છે અને રાગમાં ચૈતન્યનો અભાવ હોવાથી તે અચેતન છે. આ ચેતન અચેતન બન્નેનો અજ્ઞાની એક આધાર માને છે. વિકારનો ઉત્પન્ન કરનાર પણ હું અને જ્ઞાનમાં જાણવું થાય તેનો ઉત્પન્ન કરનાર પણ હું-એમ અજ્ઞાની બન્નેનું સામાન્ય અધિકરણ માને છે. બહુ સૂક્ષ્મ વાત ભાઈ! જૈનદર્શન ખૂબ ઝીણું છે. ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક વસ્તુ છે! લોકોએ જેવું કલ્પ્યું છે એવું સાધારણ એનું સ્વરૂપ નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા કરો તો સમકિત થઈ ગયું એમ માને તે અજ્ઞાની છે. એવી શ્રદ્ધા તો પ્રભુ! અનંતવાર કરી છે. અહીં કહે છે એવા રાગના-વિકારના પરિણામ અને આત્માના જ્ઞાનનો આધાર સામાન્ય-એક છે એમ અજ્ઞાની માને છે. જ્ઞાતાદ્રષ્ટાનો ચૈતન્યભાવ અને રાગના પરિણામ બેનું એક અધિકરણ છે એમ અનુભવન કરવાથી ‘હું ક્રોધ છું’ એમ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનો અનાદર કરી રાગ મારી ચીજ છે, પુણ્ય-પાપના ભાવ મારી ચીજ છે એવું માને તેને પોતાના સ્વભાવ પ્રત્યે અણગમો છે, દ્વેષ છે, ક્રોધ છે. હું રાગથી ભિન્ન જ્ઞાતાસ્વરૂપે છું એવું જ્ઞાન ન કરતાં અજ્ઞાનથી જે રાગાદિ ઉત્પન્ન થયાં તે રાગાદિ અને આત્મા બેનો એક આધાર છે એમ માની હું રાગ છું, હું દ્વેષ છું, હું પુણ્ય છું, હું પાપ છું એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. આ દયા, દાન, વ્રતાદિના વિકલ્પનો હું કર્તા છું એમ માની અજ્ઞાની પોતાનો વિકલ્પ નામ વૃત્તિ ઉત્પન્ન કરે છે. કેટલી વાત કરી, દેખો! મિથ્યાદર્શનાદિ સવિકાર ચૈતન્યપરિણામ છે એક વાત. અને તે સવિકાર ચૈતન્યપરિણામ એમ માને છે કે રાગ અને આત્મા-હું એક છીએ તે દર્શન (અવિશેષ), રાગ અને આત્મા-હું એક છીએ એમ જાણપણું તે જ્ઞાન (અવિશેષ) અને રાગમાં તન્મયપણે લીનતા કરે તે વૃત્તિ (અવિશેષ). આ પ્રમાણે રાગ અને આત્માને એક માને છે, એક જાણે છે અને એક અનુભવે છે. અહો! શ્રી અમૃતચંદ્રસ્વામીએ રચેલી આ ટીકા ખૂબ ગંભીર છે. ઘણા ગંભીર ન્યાયો પ્રકાશ્યા છે. ટૂંકા શબ્દોમાં કેટલું ભરી દીધું છે! જાણે ગાગરમાં સાગર! કહે છે-પ્રભુ! તું જ્ઞાયકસ્વરૂપ ચૈતન્યમાત્ર વસ્તુ છો. અને પુણ્યપાપ, દયા, દાન અને વ્યવહારરત્નત્રયના જે વિકલ્પ ઊઠે તે પુદ્ગલની અવસ્થા છે, કેમકે તે અચેતન છે. અજ્ઞાનપણે જીવ તેને કરે છે માટે તેને અહીં સવિકાર ચૈતન્યપરિણામ કહ્યા છે. તે સવિકાર ચૈતન્યપરિણામ અજ્ઞાનપણે રાગ અને આત્માને એકપણે માને છે. બે વચ્ચે ભેદ નથી


PDF/HTML Page 1104 of 4199
single page version

એમ અવિશેષ દર્શનથી બન્નેને એક માને છે. ૯૨મી ગાથામાં અજ્ઞાનીની વાત કરી હતી. ત્યાં કર્તાકર્મની વાત હતી. અહીં આ ગાથામાં ભાવ્યભાવકભાવ કહીને ભોક્તાપણાની વાત કરી છે. અજ્ઞાની રાગ અને આત્માને એકપણે અનુભવે છે. રાગનો વિકલ્પ અને આત્મા બેનો એક આધાર માની બેનો એકપણે અજ્ઞાની અનુભવ કરે છે. એટલે કે વિકારી પરિણામનું અજ્ઞાની વેદન કરે છે. અજ્ઞાની વિકારી પરિણામનો ભોક્તા થાય છે. ભગવાન આત્મા જે જ્ઞાતાદ્રષ્ટા છે તેનો અજ્ઞાની ભોક્તા થતો નથી. જ્યારે જ્ઞાની પોતાના જ્ઞાનનો ભોક્તા થાય છે. ભાઈ! પોતાનો આગ્રહ છોડી ખૂબ શાન્તિ અને ધીરજથી ભગવાને જેમ કહ્યું છે તેમ સમજવું જોઈએ. અજ્ઞાની હું જ્ઞાતાદ્રષ્ટા છું એમ અનુભવવાને બદલે રાગ અને આત્માનો એક આધાર માની હું રાગ છું, હું ક્રોધ છું ઇત્યાદિરૂપ પોતાને અનુભવે છે. ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધ ભાવના અનુભવને ક્રોધ કહેવામાં આવે છે. અજ્ઞાની ‘હું ક્રોધ છું એમ પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે. ‘તેથી હું ક્રોધ છું એવી ભ્રાન્તિને લીધે જે સવિકાર (વિકાર સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા તે સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.’ જુઓ, હું ક્રોધ છું એમ માને તે ભ્રાન્તિ છે. વ્યવહારના રાગનો પોતાને કર્તા અને ભોક્તા માને તે મિથ્યાદ્રષ્ટિ છે. પોતાના આનંદનું વેદન જેને નથી તે એકલું રાગનું વેદન કરે છે. તેને આત્મા પ્રતિ ક્રોધ છે. ભાઈ! જિનેશ્વર પરમાત્માનો માર્ગ સમજવા માટે ઘણી તત્પરતા જોઈએ. કહે છે-‘હું ક્રોધ છું’ એવી ભ્રાન્તિને લીધે સવિકાર ચૈતન્યપરિણામે અજ્ઞાની પરિણમે છે. અને તે આત્મા સવિકાર ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. જડ કર્મની સાથે કાંઈ સંબંધ નથી. અજ્ઞાનપણે પોતાના સવિકારી પરિણામનો અજ્ઞાની પોતાથી કર્તા થાય છે. જે વિકારી ભાવ થાય તે મારા છે, મારું કર્તવ્ય છે એમ અજ્ઞાની માને છે તેથી તેનો તે કર્તા થાય છે. શરીર તો કયાંય બહાર રહી ગયું. એ તો રજકણ ધૂળ છે. એનું અસ્તિત્વ મારામાં નથી. જડકર્મ પણ મારી ચીજ નથી. અહીં તો કહે છે કે વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ આવે તેનું અસ્તિત્વ પણ મારી ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં નથી. આવું ભેદજ્ઞાન જેને નથી એવો અજ્ઞાની જીવ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. વિકારના પરિણામ તે ચૈતન્યના પરિણામ છે. ભેદજ્ઞાન કરવાના પ્રયોજનથી તેને પુદ્ગલના કહ્યા છે. પરંતુ અજ્ઞાનપણે તે ભાવ પોતાની પર્યાયમાં થાય છે. રાગદ્વેષના ભાવ કાંઈ જડમાં થતા નથી; પ્રયોજનવશ તેને જડના કહેલા છે.

હવે કહે છે-‘એવી જ રીતે ‘ક્રોધ’ પદ પલટાવીને માન, માયા, લોભ, મોહ, રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ઘ્રાણ, રસના અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.


PDF/HTML Page 1105 of 4199
single page version

ક્રોધની માફક અજ્ઞાની હું માન છું, હું માયા છું, હું લોભ છું ઇત્યાદિ ભ્રાંતિને લીધે પોતાના સવિકાર પરિણામનો કર્તા થાય છે. અહા! બે ભિન્ન વસ્તુની ભિન્નતા નહિ જાણવાથી બેને એક માની વિકારી પરિણામ અને શરીર, મન, વાણી, ઇન્દ્રિયો વગેરે હું છું એમ માની અજ્ઞાની જીવ કર્તા થાય છે. ભ્રાન્તિને લઈને અજ્ઞાની પરને પોતાના માને છે. શરીર, મન, વાણી, ઇન્દ્રિયો ઇત્યાદિ હું છું એમ જાણવું અને માનવું તે અજ્ઞાન છે. શરીર સારું હોય તો ધર્મ થાય, શરીરમાં રોગ થતાં મને રોગ થયો, શરીર પુષ્ટ રહેતાં હું પુષ્ટ છું ઇત્યાદિ અનેક પ્રકારે શરીર અને આત્માને એક જાણવા, માનવા અને એમાં લીન થવું તે સંસારભાવ છે. અજ્ઞાની અજ્ઞાનપણે તેનો કર્તા થાય છે. મારો કંઠ બહુ મધુર છે અને હું સરસ બોલી શકું છું, આ બોલે છે તે હું જીવ છું-એમ વાણીને અને આત્માને એક માની તેમાં લીન થવું તે સંસાર છે. મન અને સ્પર્શાદિ ઇન્દ્રિયો જ્ઞાનમાં નિમિત્ત છે ત્યાં અજ્ઞાની માને છે કે મન અને ઇન્દ્રિયો તે હું છું. તે વડે મને જ્ઞાન થાય છે, મન વડે હું વિચારું છું, સ્પર્શ વડે હું શીત- ઉષ્ણ આદિ સ્પર્શને જાણું છું, જીભ વડે હું મીઠો, ખાટો ઇત્યાદિ રસને જાણું છું, નાક વડે હું સૂંઘુ છું, આંખ વડે હું વર્ણ-રંગને જાણું છું અને કાન વડે સાંભળું છું. આ મન અને ઇન્દ્રિયો ન હોય તો હું કેમ કરીને જાણું? આ પ્રમાણે મન અને ઇન્દ્રિયોને અને આત્માને એક માની તેમાં લીનતા કરે તે સંસાર છે. અજ્ઞાની તે સંસારભાવનો કર્તા થાય છે. આ પ્રમાણે જે ચીજ આત્માથી ભિન્ન છે તેને વિચારી ભેદજ્ઞાન કરવું. રાગ અને વિકલ્પ પણ પરવસ્તુ છે. પરવસ્તુથી સ્વવસ્તુને એટલે આત્માને લાભ થાય એમ બની શકે નહિ. આત્મા પોતાના જાણગસ્વભાવથી જાણવામાં આવે છે-માટે તે પ્રત્યક્ષ જ્ઞાતા છે. પ્રવચનસાર ગાથા ૧૭૨માં અલિંગગ્રહણના વીસ બોલ છે. તેમાં છઠ્ઠા બોલમાં કહ્યું છે કે-‘‘લિંગ દ્વારા નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.’ આત્મા ઇન્દ્રિય પ્રત્યક્ષ નથી. ઇન્દ્રિયો વડે જણાય એવી ચીજ આત્મા નથી. અને ઇન્દ્રિયો વડે આત્મા જાણે છે એમ પણ નથી. આ બહારનાં ધન, સંપત્તિ, સ્ત્રી, પુત્ર, પરિવાર, દાસ, દાસી ઇત્યાદિ જે નોકર્મ તે મારાં છે એમ એકત્વબુદ્ધિએ જાણવાં-માનવાં અને તેમાં એકત્વબુદ્ધિએ લીન થવું એ બધું અજ્ઞાન છે. સ્ત્રી અર્ધાંગના છે અને પુત્ર છે તે હું છું એમ માને પણ એ તો ધૂળેય તારું નથી. માત્ર અજ્ઞાનભાવ-સંસારભાવ છે અને અજ્ઞાની તે સંસારભાવનોસવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.

જડ કર્મને હું બાંધું, જડ કર્મનો ઉદય આવે તો રાગાદિ થાય અને કર્મનો અભાવ

PDF/HTML Page 1106 of 4199
single page version

થાય, કર્મ કાંઈક માર્ગ આપે તો અમે ધર્મ કરીએ, ગુણ પ્રગટ કરીએ એમ માને તે જડકર્મને અને આત્માને એક માને છે. કર્મ તે જ હું છું અને કર્મથી મને લાભાલાભ છે એમ માનવું, જાણવું અને એમાં લીનતા કરવી તે અજ્ઞાન છે, અને તે અજ્ઞાનભાવનો અજ્ઞાની જીવ કર્તા થાય છે.

* ગાથા ૯૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

અજ્ઞાનરૂપ એટલે કે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું જે સવિકાર ચૈતન્યપરિણામ તે પોતાને અને પરનો ભેદ નહિ જાણીને ‘‘હું ક્રોધ છું, હું માન છું’’ ઇત્યાદિ માને છે; તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.’ દયા, દાન અને પુણ્યપાપના ભાવ અને પોતાનો ભેદ નહિ જાણીને હું ક્રોધ છું, હું રાગ છું, હું માન છું, આ રાગાદિ હું કરું છું, હું દયા પાળું છું-એવું અજ્ઞાની માને છે. તેથી સવિકાર ચૈતન્યપરિણામરૂપે પરિણમતો તે પોતાના સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ એનું કર્મ થાય છે. આ પ્રમાણે ભોક્તાપણાની આ ગાથામાં પણ કર્તાકર્મનું કથન કર્યું. ગાથા ૯૪ પૂરી થઈ. આ વાતને ૯પમાં વધુ સ્પષ્ટ કરશે.

[પ્રવચન નં. ૧૬૧ ચાલુ * દિનાંક ૨૦-૮-૭૬]

PDF/HTML Page 1107 of 4199
single page version

तिविहो एसुवओगो अप्पवियप्पं करेदि धम्मादी।
कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स।। ९५।।

त्रिविध एष उपयोग आत्मविकल्पं करोति धर्मादिकम्।
कर्ता तस्योपयोगस्य भवति स आत्मभावस्य।। ९५।।

હવે એ જ વાતને વિશેષ કહે છેઃ-

‘હું ધર્મ આદિ’ વિકલ્પ એ ઉપયોગ ત્રણવિધ આચરે,
ત્યાં જીવ એ ઉપયોગરૂપ જીવભાવનો કર્તા બને. ૯પ.

ગાથાર્થઃ– [त्रिविधः] ત્રણ પ્રકારનો [एषः] [उपयोगः] ઉપયોગ [धर्मादिकम्] ‘હું ધર્માસ્તિકાય આદિ છું’ એવો [आत्मविकल्पं] પોતાનો વિકલ્પ [करोति] કરે છે; તેથી [सः] આત્મા [तस्य उपयोगस्य] તે ઉપયોગરૂપ [आत्मभावस्य] પોતાના ભાવનો [कर्ता] કર્તા [भवति] થાય છે. ટીકાઃ– ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેયજ્ઞાયકભાવને પામેલાં એવા સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે; તેથી, ‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું’ એવી ભ્રાંતિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આત્મા તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. ભાવાર્થઃ– ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે. આ પ્રમાણે, અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.


PDF/HTML Page 1108 of 4199
single page version

સમયસાર ગાથા ૯પઃ મથાળું

હવે એ જ વાતને વિશેષ કહે છેઃ-

* ગાથા ૯પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શન-અજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્યપરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છુપાવીને જ્ઞેયજ્ઞાયકભાવને પામેલાં એવા સ્વ-પરનું સામાન્ય અધિકરણથી અનુભવન કરવાથી, ‘‘હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું’’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે.’ ૯૪મી ગાથામાં ભાવ્યભાવકભાવને પામેલાં સ્વપરને અજ્ઞાની એકપણે અનુભવે છે એમ લીધું હતું. અહીં આ ગાથામાં જ્ઞેયજ્ઞાયકભાવને પામેલાં સ્વપરનું એકપણે અનુભવન કરવાથી ‘હું ધર્મ છું’ એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે એમ કહ્યું છે. આત્મા જ્ઞાયક છે અને રાગાદિ, ધર્માદિ છ દ્રવ્યો પરજ્ઞેય છે. તે જ્ઞેય અને જ્ઞાયક બન્નેનું અધિકરણ એક છે એમ અજ્ઞાની અનુભવે છે. તેથી તે ત્રણ પ્રકારના સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. ધર્માસ્તિકાયનો વિકલ્પ આવે છે તો હું ધર્માસ્તિકાય છું એમ અજ્ઞાની માને છે. પોતાના શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકસ્વરૂપનું જ્ઞાન છોડી ધર્માસ્તિકાય આદિ છ પ્રકારનાં જે દ્રવ્યો છે તેનો વિચાર કરતાં તે સંબંધીના વિકલ્પમાં તલ્લીન થઈ જાય છે. તે ધર્માસ્તિકાય આદિને પોતાનાં માને છે. ધર્માસ્તિકાય જીવ-પુદ્ગલોને ગતિમાં નિમિત્ત થાય એવો એક પદાર્થ છે. તેનો વિચાર કરતાં જે વિકલ્પ આવ્યો તેમાં અજ્ઞાની તન્મય થઈ જાય છે. પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનું ભાન ભૂલીને ધર્માસ્તિકાય હું છું’ એમ તે માને છે. તેવી રીતે અધર્માસ્તિકાય જીવ-પુદ્ગલોને ગતિપૂર્વક સ્થિતિનું નિમિત્ત છે. અધર્માસ્તિ- કાયનો વિચાર કરતાં તેનો જે વિકલ્પ આવે છે તેમાં અજ્ઞાની તદ્રૂપ-એકાકાર થઈ જાય છે. તે અધર્માસ્તિકાયને પોતાનું માને છે. પોતે સદા જ્ઞાયકસ્વભાવી જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ ચૈતન્ય-તત્ત્વ છે એ વાતને ભૂલીને ‘હું અધર્માસ્તિકાય છું’ એમ વિકલ્પમાં એકાકાર થઈ અધર્માસ્તિકાયને અને પોતાને એક માને છે. હું શુદ્ધ ચૈતન્યકંદ આનંદકંદ પ્રભુ સ્વરૂપથી જ જ્ઞાતાદ્રષ્ટા છું એમ જેને ભાન થયું નથી એવો અજ્ઞાની જીવ પર પદાર્થનો વિચાર કરતાં તે કાળે આ પર પદાર્થ હું છું એવો વિકલ્પ સાથે તદાકાર થઈને તે પર પદાર્થને પોતાનો માને છે. આકાશ નામનો એક પદાર્થ સર્વત્ર વ્યાપી ભગવાને જોયો છે. તે સર્વ દ્રવ્યોને અવગાહનમાં નિમિત્ત છે. તે આકાશનો વિચાર કરતાં જે વિકલ્પ થાય છે તેમાં અજ્ઞાની


PDF/HTML Page 1109 of 4199
single page version

એકાકાર થઈ જાય છે. હું આકાશ છું એવા વિકલ્પ સાથે એકાકાર થઈને તે આકાશને અને પોતાને એક માને છે. આ પ્રમાણે વિકલ્પનો કર્તા થાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે. લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક સ્થિત એમ લોકપ્રમાણ અસંખ્યાત કાલ દ્રવ્યો છે, તે જીવાદિ સર્વ દ્રવ્યોના પ્રતિસમય થતા પરિણમનમાં નિમિત્ત છે. તે કાળદ્રવ્યના વિચારના કાળે જે વિકલ્પ થાય છે તે વિકલ્પમાં અજ્ઞાની તલ્લીન થઈ જાય છે. તેથી હું કાળ છું એવા વિકલ્પમાં લીન થયેલો તે કાળ દ્રવ્યને અને પોતાને એક માને છે અને એ વિકલ્પનો તે કર્તા થાય છે. એ જ પ્રમાણે શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધનસંપત્તિ ઇત્યાદિ પુદ્ગલો સંબંધી વિચારમાં થતા વિકલ્પો સાથે એકાકાર થઈને આ પુદ્ગલ હું છું એમ અજ્ઞાનપણે માને છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. વળી અન્ય જીવ તે હું છું એમ અજ્ઞાની માને છે. દેવ અને ગુરુ જે અન્ય જીવ છે તે દેવ-ગુરુના વિચારના કાળમાં જે વિકલ્પ ઊઠે છે તે વિકલ્પમાં અજ્ઞાની તન્મયપણે લીન થઈ જાય છે. તેથી આ મારા દેવ છે, આ મારા ગુરુ છે અને તે મને ધર્મ કરી દેનારા છે ઇત્યાદિ અનેક વિકલ્પમાં લીન થયેલો મિથ્યાદ્રષ્ટિ જીવ તે તે વિકલ્પનો કર્તા થાય છે. અરે! લોકોને જૈનદર્શનની આવી સૂક્ષ્મ વાત કદી સાંભળવા મળી નથી. પોતાની યોગ્યતા નહિ તેથી કોઈ સંભળાવનાર મળ્‌યા નહિ. ભગવાન મહાવિદેહમાં બિરાજે છે ત્યાં જન્મે અને સાંભળવાની યોગ્યતા હોય તો ત્યાં જાય. છતાં ભગવાનની વાણી સાંભળે માટે પોતાનું કલ્યાણ થઈ જાય એમ વાત નથી. ભગવાનની વાણી સાંભળવામાં રાગ આવે છે. તે રાગમાં તન્મય-એકાકાર થઈ જાય તે મિથ્યાદ્રષ્ટિ છે. સમોસરણમાં જીવ અનંતવાર ગયો છે પણ તેથી શું થયું? મિથ્યાદ્રષ્ટિ જૈન સાધુ પણ સમોસરણમાં હોય છે, પણ નિમિત્ત શું કરે? અહાહા...! ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવમય વસ્તુ ત્રિકાળ અબદ્ધસ્પૃષ્ટ છે એમ જે ભગવાને કહ્યું તેનો પોતે અંતરમાં દ્રષ્ટિ કરી સ્વીકાર કરે, દેવ-ગુરુનું લક્ષ છોડી અંતર્મુખ દ્રષ્ટિ કરીને સ્વરૂપનું લક્ષ કરે તો ધર્મ પ્રગટ થાય છે. દેવ-ગુરુની શ્રદ્ધાનો વિકલ્પ પણ છૂટી જાય અને આત્માનો સાક્ષાત્ અનુભવ થાય, સ્વરૂપ-લીનતા થાય એનું નામ ધર્મ છે. ગુરુની ભક્તિ કરો તો ધર્મ થઈ જશે એવી એકાન્ત માન્યતા મિથ્યાદર્શન છે. પોતાના સ્વરૂપના લક્ષે ધર્મ પ્રગટ થાય છે તે યથાર્થ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે દેવ-ગુરુનું વાસ્તવિક સ્વરૂપ જાણે એને અવશ્ય સમ્યગ્દર્શન થાય છે. તથા શાસ્ત્રમાં કહેલા અનેકાન્ત-સ્વરૂપને યથાર્થ સમજે તો ધર્મ પ્રગટ થાય છે. એનો અર્થ શું? એનો અર્થ એ છે કે દેવ-ગુરુ-શાસ્ત્રને જાણી તેનું લક્ષ છોડી અંદર સ્વરૂપમાં-શુદ્ધ ચૈતન્યમાં એકાકાર થાય તેને ધર્મ થાય છે. બાકી દેવ-ગુરુ-શાસ્ત્ર મને ધર્મ પ્રગટ કરી દેશે એમ માને એ તો મિથ્યાદર્શન છે. અહાહા...!


PDF/HTML Page 1110 of 4199
single page version

ભગવાન આત્મા નિર્મળાનંદ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ વસ્તુ છે. તેનો આશ્રય લેવાથી અંતરંગમાં જે નિર્વિકલ્પ દ્રષ્ટિ અને નિર્વિકલ્પ જ્ઞાન પ્રગટ થાય છે તે જ્ઞાનથી આત્મા જાણવામાં આવે છે. પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે દિવ્યધ્વનિથી ભગવાન આત્મા જાણવામાં આવતો નથી. ગણધરાદિ મહાસંતોએ રચેલાં શાસ્ત્રોથી આત્મા જાણવામાં આવતો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો ભાવ તો રાગ છે. તો રાગથી શું ધર્મ થાય? ના, બીલકુલ નહિ. ધર્મની પર્યાય તો પોતાના ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ અબદ્ધસ્પૃષ્ટસ્વભાવી ભગવાન આત્માના આશ્રયથી પ્રગટ થાય છે. આવું જ વસ્તુસ્વરૂપ છે. અન્ય જીવ-સ્ત્રી, પુત્રાદિક હું છું એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. અરે ભાઈ! સ્ત્રીનો આત્મા જુદો ને તારો આત્મા જુદો, સ્ત્રીનું શરીર જુદું અને તારું શરીર જુદું; બન્ને દ્રવ્યો સાવ જુદેજુદાં છે. સ્ત્રી કયાંયથી આવી અને કયાંય જશે, તું કયાંયથી આવ્યો અને કયાંય જઈશ; બન્નેનો કયાંય મેળ નથી. હું અને પરનો આત્મા એક વાડના વેલા છીએ એવી તારી એકપણાની માન્યતા તદ્ન અજ્ઞાન છે. તું ભ્રાન્તિવશ એકપણું માની અજ્ઞાનતા સેવી રહ્યો છે. અરે ભાઈ! બધાં દ્રવ્યો ભિન્ન ભિન્ન છે, અને ત્રણકાળમાં તેમનું એકપણું થવું સંભવિત નથી. તને જે આ એકપણાની ભ્રાન્તિ છે તે સંસારમાં રખડવાનું કારણ છે. પરવસ્તુ તો જાણવા યોગ્ય જ્ઞેય-પરજ્ઞેય છે અને તું ભગવાન જ્ઞાયક છે. ભ્રમવશ બન્નેનો આધાર એક છે એમ તેં માન્યું છે. અન્ય જીવ-પરદ્રવ્યનો વિચાર કરતાં જે વિકલ્પ ઉઠે છે તે વિકલ્પમાં તન્મયપણે એકાકાર થયેલો તું અજ્ઞાનપણે તે વિકલ્પનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શન છે. હવે કહે છે-‘તેથી હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું-એવી ભ્રાન્તિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્યપરિણામે પરિણમતો થકો આ આત્મા સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે.’ જુઓ, વિકલ્પને-વિકારને અહીં સોપાધિક-ઉપાધિ સહિત ચૈતન્યપરિણામ કહ્યા છે. બીજે તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે ત્યાં ભેદજ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. પરંતુ અહીં તો અજ્ઞાનીની વાત ચાલે છે ને! જેને ભેદજ્ઞાન નથી એવો અજ્ઞાની જીવ અજ્ઞાનપણે વિકલ્પને- વિકારને ઉત્પન્ન કરે છે તેથી તેને અહીં સોપાધિક ચૈતન્યપરિણામ કહ્યા છે. આત્મા જ્ઞાતાદ્રષ્ટા સહજાનંદસ્વરૂપ જ્ઞાયક ભગવાન છે. તેને જ્ઞાનમાં નહિ જાણવાથી અજ્ઞાનીને પરદ્રવ્યસંબંધી જે વિકલ્પ થાય છે તે વિકલ્પમાં તે પર્યાયબુદ્ધિ વડે સ્વાર્પણતા કરી દે છે અને તેથી તે વિકલ્પનો કર્તા થાય છે. ત્રિકાળી સ્વરૂપની દ્રષ્ટિ વિના અજ્ઞાની વિકલ્પનો કર્તા થાય છે, અને સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે તેવો જ્ઞાની તેનો જ્ઞાતા રહે છે. આ કર્તાકર્મનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે ભાઈ! નાટક સમયસારમાં આવે છે ને કે-


PDF/HTML Page 1111 of 4199
single page version

‘‘કરૈ કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનનહારા;
જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.’’

છ દ્રવ્ય જે પરદ્રવ્ય છે તેનો વિચાર કરતાં જે વિકલ્પ ઉત્પન્ન થાય છે તે વિકલ્પનો જે કર્તા થાય છે તે જ્ઞાતાદ્રષ્ટારૂપે પરિણમતો નથી; અને જે વિકલ્પનો જાણનાર રહે છે તે વિકલ્પનો કર્તા થતો નથી. ચિદાનંદ ચૈતન્યસ્વરૂપ આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેનું અંતરમાં લક્ષ કરી તેને જાણીને નિર્વિકલ્પ આનંદ પ્રગટ ન કરે ત્યાં સુધી તેણે કાંઈ જાણ્યું નથી.

પરદ્રવ્ય મારું છે એમ માનતાં જે વિકલ્પ થાય તે વિકલ્પ દુઃખ છે. વિકલ્પનો જે કર્તા થાય તે દુઃખનો કર્તા થાય છે. ભગવાન આત્મા તો આનંદનો સાગર છે. એની દ્રષ્ટિ કરતાં અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય તેવો છે. તેમાં રાગ નથી અને તે રાગનો કર્તા નથી. પણ છ દ્રવ્ય તે હું છું એવી ભ્રાન્તિને લીધે અજ્ઞાની સોપાધિક ચૈતન્યપરિણામરૂપે પરિણમે છે અને તેથી તે સોપાધિક ચૈતન્યપરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. પરદ્રવ્યને પોતાનું માને તે એવા વિકલ્પનો અજ્ઞાનપણે કર્તા થાય છે અને તે ચારગતિમાં પ્રાપ્ત દુઃખનું કારણ થાય છે.

* ગાથા ૯પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘ધર્માદિના વિકલ્પ વખતે જે, પોતે શુદ્ધ ચૈતન્યમાત્ર હોવાનું ભાન નહિ રાખતાં, ધર્માદિના વિકલ્પમાં એકાકાર થઈ જાય છે તે પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે.’

છ દ્રવ્યના વિચાર વખતે અજ્ઞાની તે વિકલ્પમાં એકાકાર થઈ જાય છે. તે ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યરૂપ પોતાને માને છે. હું સ્વભાવે જ્ઞાતાદ્રષ્ટા છું એવી દ્રષ્ટિથી ભ્રષ્ટ થઈ મિથ્યાદ્રષ્ટિ વિકલ્પનો કર્તા થાય છે.

‘આ પ્રમાણે અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને ધર્માદિદ્રવ્યરૂપ માને છે તેથી અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ થાય છે.’

છ દ્રવ્યના વિચારના કાળે જે રાગ છે તે અજ્ઞાનરૂપ ભાવ છે. જે રાગ છે તે જ્ઞાતાના પરિણામ નથી. ભાઈ! જે એમ માને કે મારા દેવ-ગુરુ મને તારી દેશે તે વિકલ્પનો કર્તા થઈને મિથ્યાદ્રષ્ટિ થાય છે. એકદમ સાર સાર વાત છે.

અજ્ઞાનરૂપ ચૈતન્યપરિણામ પોતાને છ દ્રવ્યરૂપ માને છે. માટે અજ્ઞાની જીવ તે અજ્ઞાનરૂપ સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે; અને તે અજ્ઞાનરૂપ ભાવ તેનું કર્મ કહેતાં કાર્ય થાય છે. રાગ તે અજ્ઞાનીનું કાર્ય છે. લ્યો, ૯પ પૂરી થઈ.

[પ્રવચન નં. ૧૬૧ શેષ, ૧૬૨ ચાલુ * દિનાંક ૨૧-૮-૭૬]

ગાથા–૯૬

PDF/HTML Page 1112 of 4199
single page version

ततः स्थितं कर्तृत्वमूलमज्ञानम्।

एवं पराणि दव्वाणि अप्पयं कुणदि मंदबुद्धीओ।
अप्पाणं अवि य परं करेदि अण्णाणभावेण।। ९६ ।।

एवं पराणि द्रव्याणि आत्मानं करोति मन्दबुद्धिस्तु।
आत्मानमपि च परं करोति अज्ञानभावेन।। ९६ ।।

‘તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું’ એમ હવે કહે છેઃ-

જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે,
નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાનભાવે પર કરે. ૯૬.

ગાથાર્થઃ– [एवं तु] આ રીતે [मन्दबुद्धिः] મંદબુદ્ધિ અર્થાત્ અજ્ઞાની [अज्ञानभावेन] અજ્ઞાનભાવથી [पराणि द्रव्याणि] પર દ્રવ્યોને [आत्मानं] પોતારૂપ [करोति] કરે છે [अपि च] અને [आत्मानम्] પોતાને [परं] પર [करोति] કરે છે.

ટીકાઃ– ખરેખર એ રીતે, ‘હું ક્રોધ છું’ ઇત્યાદિની જેમ અને ‘હું ધર્મદ્રવ્ય છું’ ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે; તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા) પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ, આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું. તે પ્રગટ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છેઃ-

જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર *આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે * આરંભ = કાર્ય; વ્યાપાર; હિંસાયુક્ત વ્યાપાર.


PDF/HTML Page 1113 of 4199
single page version

છે. વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો, ‘હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું’ એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે; તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેયજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, ‘હું પરદ્રવ્ય છું’ એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડે (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃત કલેવર (-શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.

ભાવાર્થઃ– આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને ચેતન ભાવક સાથે એકરૂપ માને છે; વળી તે, પર જ્ઞેયરૂપ ધર્માદિદ્રવ્યોને પણ જ્ઞાયક સાથે એકરૂપ માને છે. તેથી તે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા થાય છે.

અહીં, ક્રોધાદિક સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું અને ધર્માદિક અન્યદ્રવ્યો સાથે એકપણાની માન્યતાથી ઉત્પન્ન થતું કર્તૃત્વ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહ્યું.

* * *
સમયસાર ગાથા ૯૬ઃ મથાળું

કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું એમ હવે કહે છેઃ-

* ગાથા ૯૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર એ રીતે, ‘‘હું ક્રોધ છું’’ ઇત્યાદિની જેમ અને ‘‘હું ધર્મદ્રવ્ય છું’’ ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે.’

જુઓ, આ અજ્ઞાનીની વાત ચાલે છે. ‘હું ક્રોધ છું’ એમ માનતો થકો પોતાના સવિકાર ચૈતન્યપરિણામનો આત્મા કર્તા થાય છે એ વાત ગાથા ૯૪માં લીધી. અને હું ધર્માદિ છ દ્રવ્ય છું એમ માનતો થકો પોતાના સોપાધિક ચૈતન્યપરિણામનો આત્મા કર્તા થાય છે-એમ ગાથા ૯પમાં લીધું છે. એકમાં સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા અને બીજામાં સોપાધિક ચૈતન્યપરિણામનો કર્તા-એમ બેમાં ફરક પાડયો છે. હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું, રાગ છું, દ્વેષ છું ઇત્યાદિ ગાથા ૯૪માં સોળ બોલ લીધા છે.


PDF/HTML Page 1114 of 4199
single page version

અને હું અન્ય જીવ છું, પુદ્ગલ છું, ઇત્યાદિ છ દ્રવ્ય છું એમ ગાથા ૯પમાં લીધું છે. આ દીકરો મારો છે, પત્ની મારી છે, કન્યા મારી છે, મકાન મારું છે, ધન-સંપત્તિ મારાં છે એમ અજ્ઞાની માને છે અને એ પ્રમાણે તે પરદ્રવ્યોને પોતારૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે.

ભાઈ! આ વીતરાગમાર્ગની વાત ખૂબ ધીરજ અને શાંતિથી સાંભળવી જોઈએ. એટલું જ નહિ તેનો ઘરે સ્વાધ્યાય અને મનન કરવાં જોઈએ. ઘરે ચોપડા (નામાના) ફેરવે પણ એ તો એકલો પાપનો વેપાર છે. આ બૈરાં છોકરાં સારુ રળીએ અને કમાઈએ અને એમનું પાલનપોષણ કરીએ એમ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. અરે ભાઈ! કુટુંબ સારુ પૈસા કમાઈએ એમ તું સમજે છે પણ કોનું કુટુંબ? કોણ કમાય? અને કોના પૈસા? કુટુંબ તો બધા અન્ય જીવ છે અને પૈસા તો જડના છે. બધું ભિન્ન ભિન્ન છે. અહા! સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા જાણવી એ અલૌકિક ચીજ છે અને જેને ભેદજ્ઞાન થઈ જાય તેને તો માનો મુક્તિ હાથ આવી ગઈ. પરંતુ અજ્ઞાની પરદ્રવ્યોને પોતારૂપ અને પોતાને પણ પરદ્રવ્યરૂપ કરે છે!

અજ્ઞાની જીવ સ્વદ્રવ્ય-પરદ્રવ્યને એક માને છે. ‘તેથી આ આત્મા, જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે.’

અહાહા...! ભગવાન આત્મા સમસ્ત વસ્તુના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય-ધાતુમય છે. આત્મા રાગ, પુણ્ય, પાપ, શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ સર્વ વસ્તુઓના સંબંધથી રહિત શુદ્ધ ચૈતન્યમય પ્રભુ છે. અહાહા...! જેણે શુદ્ધ ચૈતન્યને ધારી રાખ્યું છે એવો પોતે ચૈતન્યધાતુમય છે. આત્મા આવો હોવા છતાં અજ્ઞાનના કારણે હું ક્રોધ, માન, માયા, લોભ છું અને હું ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યસ્વરૂપ છું એમ માને છે. તે જીવ સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ અજ્ઞાનીની વાત છે એટલે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામને પોતાના ભાવ કહ્યા છે અને તે પ્રકારના પોતાના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે એમ કહ્યું છે. જ્ઞાયક તો જ્ઞાયક છે પણ અજ્ઞાનમાં આવો પ્રતિભાસ થાય છે કે વિકારી ભાવનો હું કર્તા છું અને તે ભાવ મારું કર્તવ્ય છે. (શુદ્ધ નિશ્ચયથી વિકારી પરિણામ આત્માના નથી).

‘આ રીતે, ભૂતાવિષ્ટ (જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું હોય એવા) પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ (ધ્યાન કરતા) પુરુષની જેમ આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું’ અહીં સવિકાર ચૈતન્યપરિણામને સમજાવવા ભૂતાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત આપ્યું છે અને


PDF/HTML Page 1115 of 4199
single page version

સોપાધિક ચૈતન્યપરિણામનું સ્વરૂપ સમજાવવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત આપ્યું છે. રાગાદિ પરિણામ મારાં છે અને છ દ્રવ્ય મારાં છે એવું જે અજ્ઞાન તે રાગના કર્તાપણાનું મૂળ છે એમ સિદ્ધ થયું. આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય જ્ઞાતાદ્રષ્ટાસ્વરૂપ છે. તેનું ભાન નહિ હોવાથી હું રાગ છું, હું પરદ્રવ્યસ્વરૂપ છું એવી માન્યતા વડે ઉત્પન્ન થયેલું અજ્ઞાન તે રાગના કર્તાપણાનું મૂળ છે, પરદ્રવ્ય નહિ-એ વાત દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે.

‘જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે...’

ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનના કારણે ભૂતને અને પોતાને એક માને છે. ભૂત શરીરમાં પ્રવેશ કરીને જે અનેક પ્રકારે ચેષ્ટા કરે તે હું છું એમ તે માને છે. તેમ પર્યાયમાં જે પુણ્ય- પાપના ભાવ થાય તે હું છું એમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં ભૂતની જેમ તે પુણ્ય-પાપના ભાવ આત્મા નથી. પુણ્ય-પાપના ભાવ હું છું એમ માનવાવાળો અજ્ઞાની જીવ ભૂતાવિષ્ટ પુરુષ સમાન છે.

જુઓ, રામચંદ્રજી ક્ષાયિક સમકિતી હતા. બાર બાર વર્ષથી જંગલમાં સીતાજી અને લક્ષ્મણની સાથે રહેતા હતા. લક્ષ્મણ મોટાભાઈ રામની અને સીતાજીની અનેક પ્રકારે સેવા કરતા. એકવાર જ્યારે સીતાજીને રાવણ અપહરણ કરીને લઈ ગયો ત્યારે ખૂબ વ્યગ્ર થયેલા રામચંદ્રજી જંગલના વૃક્ષ અને વેલને, પહાડ અને પત્થરને પણ પૂછવા લાગ્યા કે-સીતાને કયાંય જોઈ? જુઓ, આ ચારિત્રમોહના રાગની વિચિત્ર ચેષ્ટા! હાથમાં નૂપુર બતાવીને લક્ષ્મણને પૂછવા લાગ્યા-આ નૂપુર કોનું છે? શું આ નૂપુર સીતાજીનું છે? ત્યારે લક્ષ્મણે કહ્યું-બંધુવર! સીતાજીનાં દર્શન કરવા એકવાર હું ગયેલ તો પગ ઉપર મારી નજર ગયેલી ત્યારે સીતાજીના પગે પહેરેલું નૂપુર મેં જોયેલું. માટે આ નૂપુર સીતાજીનું લાગે છે. અહાહા...! કેવું નૈતિક પવિત્ર જીવન!

યુદ્ધમાં રાવણે વિદ્યામય બાણ માર્યું તો લક્ષ્મણ મૂર્છિત થઈ પડી ગયા. ખબર હતી કે લક્ષ્મણ વાસુદેવ છે તોપણ રામ ખેદ કરવા લાગ્યા-હે ભાઈ! હે લક્ષ્મણ! એકવાર તો બોલ. મને એકલાને જોઈ માતા કૌશલ્યા પૂછશે કે સીતા અને લક્ષ્મણ કયાં છે? તો હું માતાને શું જવાબ દઈશ? બંધુ મારા-ભાઈ લક્ષ્મણ! એકવાર તું બોલ. ત્યારપછી જે બ્રહ્મચારિણી હતી અને જેને લબ્ધિ પ્રગટ થઈ હતી એવી ત્રિશલ્યાના સ્નાનનું જળ છાંટવાથી લક્ષ્મણની મૂર્છા ઉતરી ગઈ અને લક્ષ્મણ જાગૃત થયા ત્યારે રામ આનંદિત થયા. જુઓ! ચારિત્રમોહના રાગની આ કેવી વિચિત્ર લીલા છે! ચારિત્રની કમજોરીના કારણે આવા અનેક પ્રકારે સમકિતીને રાગ આવે છે પણ કોઈ પણ રાગને ધર્મી પોતાના માનતા નથી. રામ તો પુરુષોત્તમ હતા, તદ્ભવમોક્ષગામી હતા. આવા


PDF/HTML Page 1116 of 4199
single page version

વિચિત્ર રાગને પ્રાપ્ત થયા તેમ છતાં તે રાગને અને પરદ્રવ્યને પોતાના સમજતા ન હતા. ભેદજ્ઞાનનો કોઈ એવો અચિંત્ય મહિમા છે. અહો ભેદજ્ઞાન!

અહીં કહે છે-ભાઈ! તારી ત્રિકાળી ચૈતન્યમય ચીજને ભૂલીને તું રાગ અને પરદ્રવ્યમાં એકાકાર થયો છે અને પુણ્યપાપના ભાવોને પોતાનાં માને છે તે તારી ચેષ્ટા ભૂતાવિષ્ટ પુરુષના જેવી છે. પુણ્યપાપના ભાવ અને પરદ્રવ્ય મારાં છે એમ તું માને તે ભૂતાવિષ્ટ પુરુષની જેમ તારું પાગલપણું, ગાંડપણ અને બેભાનપણું છે.

ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનના કારણે અમાનુષ અનુચિત ચેષ્ટા કરે છે. જેને ભૂતનો પ્રવેશ થયો હોય તેને હું મનુષ્ય છું અને આ ભૂત છે એવું (વિવેકયુક્ત) ભાન રહેતું નથી. મનુષ્યને ન શોભે એવી તે ચેષ્ટાઓ કરે છે અને તે બધી પોતાની માને છે. ઘડીકમાં દાંત કાઢે, ઘડીકમાં હાથ પગ પછાડે, વળી ધૂણવા લાગી જાય, દોડે, ભાગે, બૂમ બરાડા પાડે એમ અનેક પ્રકારે ધમાચકડી કરી મૂકે છે. આ પ્રમાણે ભૂતાવિષ્ટ પુરુષ મનુષ્યને ન શોભે તેવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ દ્રષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છેઃ-

‘તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.’

આ આત્મા અજ્ઞાનના કારણે ભાવ્ય-ભાવકરૂપ પરને અને પોતાને એક કરે છે. મોહકર્મ તે ભાવક અને પુણ્યપાપના વિકારી ભાવ તે એનું ભાવ્ય-એ બેને અજ્ઞાની પોતાનાથી એકરૂપ માને છે. નિશ્ચયથી કર્મ ભાવક અને શુભાશુભ રાગ તેનું ભાવ્ય છે. પરંતુ હું ભાવક અને શુભાશુભ રાગ મારું ભાવ્ય છે એમ અજ્ઞાની માને છે. રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકમાત્ર હું છું એવી જેને દ્રષ્ટિ થઈ નથી તે અજ્ઞાની દયા, દાન, વ્રતાદિના અને હિંસાદિના જે અનેક વિકલ્પો થાય તે વિકલ્પરૂપ ચેષ્ટા મારી છે એમ માને છે.

પુણ્યપાપના ભાવ તે મોહકર્મનું ભાવ્ય છે. છતાં આ વિકારી ભાવ પોતાનું (આત્માનું) ભાવ્ય છે એવી માન્યતાના વળગાડથી ભૂતાવિષ્ટ પુરુષની જેમ અજ્ઞાની જીવ પાગલ-ગાંડો થઈ ગયો છે. જેને ભૂત વળગ્યું હોય તેને તો મર્યાદિત કાળનું અને વધારેમાં વધારે એક ભવનું ગાંડપણ રહે છે. પણ આ શરીરાદિ મારાં અને પુણ્યપાપના ભાવ મારા એમ જેણે માન્યું છે એનું ગાંડપણ તો અનાદિનું છે, અનંતકાળથી છે. હે ભાઈ! આ મનુષ્યભવમાં જો આ ગાંડપણ ન ગયું તો ભુંડા હાલ થશે. આ ગાંડપણનું


PDF/HTML Page 1117 of 4199
single page version

ફળ તો ચાર ગતિની રખડપટ્ટી છે. આવું ગાંડપણ ભેદજ્ઞાન વડે જ દૂર થાય છે. પરમાં સુખબુદ્ધિ છે તેથી પરને પોતાનું માનવારૂપ ભાવ છે. પરંતુ શુદ્ધ ચૈતન્યમય સુખધામ એવા સ્વરૂપમાં સુખબુદ્ધિ થતાં પરને પોતાનું માનવારૂપ ગાંડપણ દૂર થઈ જાય છે. મનુષ્યભવની સાર્થકતા વિચારી હે ભાઈ! ભેદજ્ઞાન પ્રગટ કર.

અજ્ઞાની રાગને અને પોતાને એક કરતો થકો અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્યપરિણામવિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. જુઓ, પુણ્ય અને પાપના ભાવ પોતાના અવિકાર અનુભૂતિમાત્ર ભાવકને અનુચિત ભાવ્ય છે. ભગવાન આત્મા નિર્મળ જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. તેને તો સમ્યગ્દર્શન-જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની નિર્મળ અવસ્થારૂપે થવું શોભે. નિર્મળ વીતરાગી શાન્તિનું વેદન કરવું એ જ તેનું ઉચિત ભાવ્ય છે. જેમ ભૂતની ચેષ્ટા તે મનુષ્યને યોગ્ય ચેષ્ટા નથી તેમ પુણ્ય-પાપના ભાવની જે ચેષ્ટા થાય તે ભગવાન આત્માને યોગ્ય ચેષ્ટા નથી. તે અનુભૂતિસ્વરૂપ ભાવકનું અનુચિત ભાવ્ય છે. પુણ્યપાપના ભાવની ચેષ્ટા પ્રગટ થતાં જેવું નિર્વિકાર ચૈતન્યસ્વરૂપ છે તેવી નિર્વિકારી અવસ્થા ન રહેતાં ચૈતન્યની પર્યાયમાં વિકારનું મિશ્રિતપણું થઈ જાય છે.

અજ્ઞાનીને ક્રોધાદિ ભાવો, પુણ્યપાપના ભાવો પોતાના ભાસે છે, પણ તે ભાવોથી ભિન્ન હું ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયક છું એમ તેને ભાસતું નથી. હું તો મારા નિર્મળ જ્ઞાન-સુખાદિ સ્વરૂપનો અનુભવ કરનાર છું એમ અજ્ઞાનીને પોતાનું સ્વરૂપ ભાસતું નથી. તેથી તે પોતાથી એકરૂપ કહેલા પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનો, સવિકાર ચૈતન્યપરિણામનો કર્તા થાય છે. આવો માર્ગ લોકોને સાંભળવો પણ કઠણ પડે તો તે પોતામાં પ્રગટ કેમ કરીને કરે? અહો! જેના જન્મ-મરણનો અંત નજીક આવી ગયો છે તેને જ આ વાત બેસે એમ છે.

આ પ્રમાણે ૯૪મી ગાથામાં સોળ બોલ દ્વારા જે કહ્યા તે સઘળા સવિકાર ચૈતન્યપરિણામનો અજ્ઞાની કર્તા પ્રતિભાસે છે, કેમકે તેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભાસતું નથી. તેના કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે એમ અહીં સિદ્ધ કર્યું.

હવે છ દ્રવ્યને મારાં માને છે એ સોપાધિક ચૈતન્યપરિણામનું સ્વરૂપ સમજવા ધ્યાનાવિષ્ટ પુરુષનું દ્રષ્ટાંત કહે છે-

‘વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો ‘‘હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું’’ એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી ચ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે....’


PDF/HTML Page 1118 of 4199
single page version

જુઓ, કોઈ અપરીક્ષક એટલે અણઘડ ગુરુએ કોઈ ભોળા પુરુષને પોતાને ઇષ્ટ હોય તેનું ધ્યાન કરવા કહ્યું. ત્યાં તે ભોળો પુરુષ પોતાને ઇષ્ટ એવા પાડાનું ધ્યાન કરવા લાગ્યો. પાડો આવો પુષ્ટ શરીરવાળો, ભારે માથાવાળો અને ખૂબ મોટાં શિંગડાંવાળો છે એમ ધ્યાન કરતાં કરતાં અજ્ઞાનને લીધે તે પાડાને અને પોતાને એક માનવા લાગ્યો. પાડો આવો, પાડો તેવો એમ વિચાર કરતાં કરતાં હું જ આવો ગગનચુંબી શિંગડાંવાળો મોટો મહિષ છું એમ એને થઈ ગયું. અરે! આ બારણું નાનું અને શિંગડાં મોટાં છે. હવે હું બારણામાંથી બહાર કેમ કરીને નીકળું? પોતે મનુષ્ય છે અને મનુષ્યને યોગ્ય બહાર નીકળી શકાય એવું બારણું છે એ ભૂલી ગયો. પોતે બારણામાં થઈ ઓરડામાં પેઠો તે મનુષ્ય જ હતો, પણ હું મોટા શિંગડાંવાળો પાડો જ છું એમ અધ્યાસ થઈ જવાથી મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી તે ચ્યુત થઈ ગયો હોવાથી હું પાડો છું તે પ્રકારના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે.

એમ અજ્ઞાનીને પરદ્રવ્ય મારાં છે એવી ચિરકાળની માન્યતાના કારણે પરદ્રવ્યમાંથી નીકળવું મુશ્કેલ થઈ પડયું છે. આ સ્ત્રી, પુત્ર, પરિવાર, મકાન, ધનસંપત્તિ, દેવ, ગુરુ ઇત્યાદિ બધાં પરદ્રવ્ય મારાં છે એવું એણે ધ્યાન કર્યું છે અને જાણે કે પોતે તે-રૂપ થઈ છે ગયો એમ માનવા લાગ્યો છે. એટલે હવે એમાંથી છૂટવું એને ભારે મુશ્કેલ થઈ ગયું છે. પરદ્રવ્યના વિચારમાં તે એવો તો એકાકાર થઈ ગયો છે કે હું શુદ્ધ ચૈતન્યમય આત્મા છું એ ભૂલી ગયો છે અને હું પરદ્રવ્યસ્વરૂપ છું એમ માનવા લાગ્યો છે. પોતાને ભૂલીને પરદ્રવ્યના ધ્યાનમાં મશ્ગુલ થયેલા તેને હવે પરદ્રવ્યથી ખસવું અત્યંત મુશ્કેલ થઈ પડયું છે. અહો! આચાર્યદેવે અપાર કરુણા કરીને આવી વાત કરી છે. કહે છે-પરદ્રવ્યને પોતાના માને તેને તેમાંથી બહાર નીકળવું ભારે કઠણ પડે છે. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ તે રાગ છે. અને તે રાગ ભલો છે એમ માને તેને એનાથી ભિન્ન થવું મુશ્કેલ છે.

હવે કહે છે-ધ્યાનાવિષ્ટ પુરુષ જેમ તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે ‘તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ્ઞેયજ્ઞાયકરૂપ પરને અને પોતાને એક કરતો થકો ‘‘હું પરદ્રવ્ય છું’’ એવા અધ્યાસને લીધે મનના વિષયરૂપ કરવામાં આવેલાં ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ વડે (પોતાની) શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી હોવાથી તથા ઇંદ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે (પોતાનો) કેવળ બોધ (-જ્ઞાન) ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાન-ઘન (પોતે) મૂર્છિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.’

ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને અન્ય જીવ દેવ-ગુરુ ઇત્યાદિ ખરેખર જ્ઞાનના જ્ઞેય છે. તે પરદ્રવ્યો આત્મામાં નથી. પોતે જ્ઞાયક છે અને તે


PDF/HTML Page 1119 of 4199
single page version

બધાં પરજ્ઞેય છે. અજ્ઞાની જ્ઞાયક અને જ્ઞેયને એક કરે છે. દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ જ્ઞેયનો વિચાર-ધ્યાન કરતાં હું જ્ઞેયરૂપ છું એમ તેને ભ્રમ ઊપજે છે. જ્ઞાનમાં દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પરદ્રવ્ય જણાયાં ત્યાં તે પરદ્રવ્યોથી મારું જ્ઞાન છે, તે પરદ્રવ્ય વિના મારું જ્ઞાન ઉઘડે નહિ એમ તે પરજ્ઞેયને અને પોતાને એક કરે છે. સ્ત્રી, કુટુંબ, મિત્ર, દેવ-ગુરુ-શાસ્ત્ર ઇત્યાદિ હું છું અને એ મારાં છે એવી માન્યતા મિથ્યાદર્શન છે અને એવી માન્યતા વડે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાના અજ્ઞાનભાવનો કર્તા થાય છે.

મનના વિષયરૂપ છ દ્રવ્યો છે. ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યો મનના વિષય છે. સ્ત્રી, પુત્ર, પરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર, ભગવાન તીર્થંકરદેવ સુદ્ધાં સઘળા પરપદાર્થ મનના વિષય છે. સહજ ચૈતન્યસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય છે. આત્માના નિર્મળ સ્વસંવેદનના પુરુષાર્થના સમયે મન ઉપસ્થિત છે પણ તે મુખ્ય નથી; આત્મા જ મુખ્ય છે. આત્માનું ભાન આત્મા વડે જ થાય છે. ત્યાં મન તો ઉપસ્થિતિમાત્ર છે. ખરેખર તો મનનો વિષય પરવસ્તુ છે. છ દ્રવ્યરૂપ પરનો વિચાર કરતાં મનના નિમિત્તે શુભાશુભ વિકલ્પ ઉત્પન્ન થાય છે અને એ વિકલ્પમાં પોતાની શુદ્ધ ચૈતન્યધાતુ રોકાઈ જાય છે. જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્માને છોડી પરદ્રવ્યના વિકલ્પમાં રોકાય છે તેને પર વડે શુદ્ધ ચૈતન્યધાતુ રોકાયેલી છે એમ કહેવામાં આવે છે. પરદ્રવ્યના વિચારમાં રોકાયેલો અજ્ઞાની જાણે હું પરરૂપ થઈ ગયો એમ ભ્રમથી માને છે.

પોતાના જ્ઞાયકસ્વભાવને જ્ઞાનવડે ધારી રાખવો જોઈએ તેને બદલે અજ્ઞાનીને મનના વિષયમાં શુદ્ધ ચૈતન્યધાતુ રોકાઈ જાય છે. સિદ્ધ ભગવાન, અરહંત ભગવાન, આચાર્ય ભગવાન આદિ પંચપરમેષ્ઠી અરૂપી છે. તથા ધર્મ, અધર્મ, આકાશ અને કાળ પણ અરૂપી દ્રવ્યો છે. તે સઘળા મનના વિષય છે. પરંતુ એ સૌથી ભિન્ન ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા હું છું એમ અંતર્દ્રષ્ટિ નહિ થવાથી અજ્ઞાની મનને અને મનના વિષયને એક કરતો ત્યાં જ રોકાયેલો હોવાથી જ્ઞેય-જ્ઞાયકને એક કરે છે. જ્યારે હું શુદ્ધ જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્મા છું એમ જેને ભાન થયું છે એવો જ્ઞાની-ધર્મી જીવ જીવાદિ પરદ્રવ્યના વિચાર સમયે પણ હું પરદ્રવ્યથી ભિન્ન છું એવું ભાન વર્તતું હોવાથી જ્ઞેયજ્ઞાયકને એક કરતો નથી. ઝીણી વાત છે ભાઈ!

મનના વિષયની વાત કરી. હવે ઇન્દ્રિયોના વિષયની વાત કરે છે. ઇન્દ્રિયના વિષયરૂપ સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ વડે કેવળબોધસ્વરૂપ નિજ આત્મા ઢંકાઈ ગયો છે. ઇન્દ્રિય વિષયના લક્ષે ભગવાન આત્મા ઢંકાઈ ગયો છે. રૂપી પદાર્થના લક્ષે રાગ થાય છે. અને તે રાગને અને વિષયને પોતાનાં માનવાથી કેવળજ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા ઢંકાઈ જાય છે. ઢંકાઈ જાય છે એટલે અનુભવમાં આવતો નથી. જુઓ, અહીં કેવળજ્ઞાન પર્યાયની વાત નથી. ઇન્દ્રિયના વિષયો મારા છે એવા વિકલ્પો વડે શુદ્ધ જ્ઞાનસ્વરૂપ પરમાત્મા પોતે છે તે અનુભવમાં આવતો નથી એટલે ઢંકાઈ જાય છે એમ અહીં વાત છે.


PDF/HTML Page 1120 of 4199
single page version

હવે ત્રીજી વાત કહે છે કે મૃતક કલેવર વડે પરમ અમૃતસ્વરૂપ વિજ્ઞાનઘન પોતે મૂર્છિત થઈ ગયો છે. જુઓ, આ શરીર મૃતક કલેવર એટલે મડદું છે એમ અહીં કહ્યું છે.

પ્રશ્નઃ– પણ કયારે?

ઉત્તરઃ– અત્યારે હમણાં જ. શરીર તો સ્વરૂપથી અચેતન મડદું જ છે પણ જીવના સંયોગની અપેક્ષાએ તેને ઉપચારથી સચેત-જીવિત કહેવામાં આવે છે. વાસ્તવમાં તો જીવ હોવા છતાં પણ શરીર તો મૃતક કલેવર જ છે, કેમકે શરીર કદીય જીવરૂપ-ચૈતન્યરૂપ થતું નથી અને જીવ કદીય શરીરરૂપ થતો નથી. જીવ સદા જીવ જ છે અને શરીર સદા શરીર જ છે. તેથી તેને મૃતક કલેવર અર્થાત્ મડદું અહીં કહ્યું છે.

અહીં કહે છે કે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન પ્રભુ આત્મા અજ્ઞાનને લઈને શરીરરૂપ મૃતક કલેવરમાં-મડદામાં મૂર્છાયો છે. અરે! રાતદિવસ એને એ મડદાની કેટલી ચિંતા! ખવડાવવું, પીવડાવવું, ઊંઘાડવું અને એને પુષ્ટ રાખવું-એમ એની જ સંભાળ કર્યા કરે છે. એ શરીરના લક્ષે મૂર્છાઈ ગયો છે, બેહોશ થઈ ગયો છે. આચાર્ય કહે છે-ભાઈ! તું આ મડદે કેમ મૂર્છાયો છે? તું તો અમૃતસ્વરૂપ આનંદનો નાથ વિજ્ઞાનઘન પ્રભુ છો ને! જાગૃત થા અને સ્વરૂપનું ભાન કરી એમાં ઠરી જા.

આત્મા એકલો જ્ઞાનસ્વરૂપ અમૃતરસનો સાગર છે. પ્રભુ! એની દ્રષ્ટિ છોડી આ દેહના- મડદાના રખોપામાં કયાં રોકાયો? ચા, દૂધ, ઉકાળા, રોટલી, દાળ, ભાત, લાડુ વગેરેના ખાનપાનમાં તું એકાકાર થઈ ગયો છે તે તારું અજ્ઞાન છે. ચા પીધી હોય તો મગજ તર રહે અને બીડી પીધી હોય તો બરાબર કેફ રહે. અરે ભાઈ! તું આ શું માને છે? આ તો મૂઢપણું છે. ભગવાન! તું તો સચ્ચિદાનંદ પ્રભુ અમૃતનો સાગર છું. તને આ શું થયું? શરીરની સર્વ ચિંતા છોડીને અમૃતસ્વરૂપ આત્માનું ભાન કર.

જુઓ, ત્રણ વાત કરી- મનના વિષયમાં-છ પદાર્થના વિચારમાં ચૈતન્યધાતુ રોકાઈ ગઈ એ એક વાત. પાંચ ઇન્દ્રિયના વિષયમાં કેવળ બોધ ઢંકાઈ ગયો એ બીજી વાત.

અને પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો એ ત્રીજી વાત. આ પ્રમાણે અજ્ઞાનને લીધે જીવ ઇન્દ્રિયના વિષયમાં, મનના વિષયમાં અને શરીરમાં મૂર્છાભાવને પામેલો હોવાથી તે પ્રકારના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે. એટલે જે જે પ્રકારનો શુભાશુભ રાગ આવે છે તેનો તે કર્તા થાય છે.

* ગાથા ૯૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘આ આત્મા અજ્ઞાનને લીધે, અચેતન કર્મરૂપ ભાવકનું જે ક્રોધાદિ ભાવ્ય તેને