Pravachan Ratnakar (Gujarati). Gatha: 116-125.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 64 of 210

 

PDF/HTML Page 1261 of 4199
single page version

પ્રત્યયોથી ભગવાન આત્મા ભિન્ન છે. આવી દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સિવાય રાગનો અને પરનો પોતાને કર્તા માનવાથી મિથ્યાત્વનો ભાવ ઉત્પન્ન થાય છે.

* ગાથા ૧૧૩ થી ૧૧પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘મિથ્યાત્વાદિ આસ્રવ તો જડસ્વભાવ છે અને જીવ ચેતનસ્વભાવ છે. જો જડ અને ચેતન એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યોનો લોપ થઈ જાય એ મોટો દોષ આવે. માટે આસ્રવને અને આત્માને એકપણું નથી એ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.’

મિથ્યાત્વાદિ ચાર આસ્રવો જડસ્વભાવ છે. જે મિથ્યા માન્યતાઓ છે તે જડસ્વભાવ છે કેમકે તે ચૈતન્યસ્વભાવથી વિપરીત છે. મિથ્યાશ્રદ્ધાન આદિ ને અહીં જડ કહેલ છે. વળી પરમાણુ તો જડ છે જ. અને જીવ જાણગસ્વભાવની મૂર્તિ પ્રભુ ચૈતન્યસ્વભાવ છે. અહીં કહે છે કે જડ અને ચૈતન્ય જો એક થઈ જાય તો ભિન્ન દ્રવ્યોનો લોપ થવાનો પ્રસંગ આવે. પણ એમ તો કદીય બનતું નથી. માટે આત્મા અન્ય છે અને જડસ્વભાવી આસ્રવો, શરીર, મન, વાણી, કર્મ, નોકર્મ ઇત્યાદિ સર્વ અન્ય છે. તેમ છતાં શુભાશુભ રાગ, શરીર, મન, વાણી, પૈસા, મકાન ઇત્યાદિ જે છે તે મારાં છે અને હું તેનો કર્તા છું એમ જે માને તે જડ થઈ જાય છે. જડ થઈ જાય છે એટલે તેની વિપરીત માન્યતાને કારણે તેને મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે. માટે નિશ્ચયનયનો આ જે સિદ્ધાંત છે કે આસ્રવ અને આત્મા એક નથી, અન્ય છે, તે યથાર્થ જાણી આત્મદ્રષ્ટિવંત થવું.

[પ્રવચન નં. ૧૭૯ * દિનાંક ૮-૯-૭૬]

= * = * =

PDF/HTML Page 1262 of 4199
single page version

अथ पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वं साधयति सांख्यमतानुयायिशिष्यं प्रति–

जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण।
जदि पोग्गलदव्वमिणं अप्परिणामी तदा होदि।। ११६ ।।

कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण।
संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।। ११७ ।।

जीवो परिणामयदे पोग्गलदव्वाणि कम्मभावेण।
ते समयपरिणमंते कहं णु परिणामयदि चेदा।। ११८ ।।

अह सयमेव हि परिणमदि कम्मभावेण पोग्गलं दव्वं।
जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा।। ११९ ।।

णियमा कम्मपरिणदं कम्मं चिय होदि पोग्गलं दव्वं।
तह तं णाणावरणाइपरिणदं मुणसु तच्चेव।। १२० ।।

હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે (અર્થાત્ સાંખ્યમતી પ્રકૃતિ-પુરુષને અપરિણામી માને છે તેને સમજાવે છે)ઃ-

જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે,
તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે! ૧૧૬.

જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે,
સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૧૭.

જો કર્મભાવે પરિણમાવે જીવ પુદ્ગલદ્રવ્યને,
કયમ જીવ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૧૮.

સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે,
જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં–મિથ્યા બને. ૧૧૯.

પુદ્ગલદરવ જે કર્મપરિણત, નિશ્ચયે કર્મ જ બને;
જ્ઞાનાવરણઇત્યાદિપરિણત, તે જ જાણો તેહને. ૧૨૦.

PDF/HTML Page 1263 of 4199
single page version

जीवे न स्वयं बद्धं न स्वयं परिणमते कर्मभावेन।
यदि पुद्गलद्रव्यमिदमपरिणामि तदा भवति।। ११६ ।।

कार्मणवर्गणासु चापरिणममानासु कर्मभावेन।
संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा।। ११७ ।।

जीवः परिणामयति पुद्गलद्रव्याणि कर्मभावेन।
तानि स्वयमपरिणाममानानि कथं नु परिणामयति चेतयिता।। ११८ ।।

अथ स्वयमेव हि परिणमते कर्मभावेन पुद्गलं द्रव्यम्।
जीवः परिणामयति कर्म कर्मत्वमिति मिथ्या।। ११९ ।।

नयमात्कर्मपरिणतं कर्म चैव भवति पुद्गलं द्रव्यम्।
तथा तद्ज्ञानावरणादिपरिणतं जानीत तच्चैव।। १२० ।।

ગાથાર્થઃ– [इदम् पुद्गलद्रव्यम्] આ પુદ્ગલદ્રવ્ય [जीवे] જીવમાં [स्वयं] સ્વયં [बद्धं न] બંધાયું નથી અને [कर्मभावेन] કર્મભાવે [स्वयं] સ્વયં [न परिणमते] પરિણમતું નથી [यदि] એમ જો માનવામાં આવે [तदा] તો તે [अपरिणामि] અપરિણામી [भवति] ઠરે છે; [च] અને [कार्मणवर्गणासु] કાર્મણવર્ગણાઓ [कर्मभावेन] કર્મભાવે [अपरिणममानासु] નહિ પરિણમતાં, [संसारस्य] સંસારનો [अभावः] અભાવ [प्रसजति] ઠરે છે [वा] અથવા [सांख्यसमयः] સાંખ્યમતનો પ્રસંગ આવે છે.

વળી [जीवः] જીવ [पुद्गलद्रव्याणि] પુદ્ગલદ્રવ્યોને [कर्मभावेन] કર્મભાવે [परिणामयति] પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે [स्वयम् अपरिणममानानि] સ્વયં નહિ પરિણમતી એવી [तानि] તે વર્ગણાઓને [चेतयिता] ચેતન આત્મા [कथं नु] કેમ [परिणामयति] પરિણમાવી શકે? [अथ] અથવા જો [पुद्गलम् द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [स्वयमेव हि] પોતાની મેળે જ [कर्मभावेन] કર્મભાવે [परिणमते] પરિણમે છે એમ માનવામાં આવે, તો [जीवः] જીવ [कर्म] કર્મને અર્થાત્ પુદ્ગલદ્રવ્યને [कर्मत्वम्] કર્મપણે [परिणामयति] પરિણમાવે છે [इति] એમ કહેવું [मिथ्या] મિથ્યા ઠરે છે.

[नियमात्] માટે જેમ નિયમથી [कर्मपरिणतं] *કર્મરૂપે પરિણમેલું [पुद्गलम् द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [कर्म चैव] કર્મ જ [भवति] છે [तथा] તેવી રીતે [ज्ञानावरणादिपरिणतं] જ્ઞાનાવરણાદિરૂપે પરિણમેલું [तत्] પુદ્ગલદ્રવ્ય [तत् च एव] જ્ઞાનાવરણાદિ જ [जानीत] જાણો. _________________________________________________________________ * કર્મ = કર્તાનું કાર્ય, જેમ કે-માટીનું કર્મ ઘડો. સમયસાર ગાથા-૧૧૬ થી ૧૨૦ ] [ ૨૦૩


PDF/HTML Page 1264 of 4199
single page version

(उपजाति)
स्थितेत्यविध्ना खलु पुद्गलस्य
स्वभावभूता परिणामशक्तिः।
तस्यां स्थितायां स करोति भावं
यमात्मनस्तस्य स एव कर्ता।। ६४ ।।

ટીકાઃ– જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થકું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?) અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ-શું જીવ સ્વયં અપરિણમતા પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જ) ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિકર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इति] આ રીતે [पुद्गलस्य] પુદ્ગલદ્રવ્યની [स्वभावभूता परिणामशक्तिः] સ્વભાવભૂત પરિણમનશક્તિ [खलु अविध्ना स्थिता] નિર્વિધ્ન સિદ્ધ થઈ. [तस्यां स्थितायां] એ સિદ્ધ થતાં, [सः आत्मनः यम् भावं करोति] પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે [तस्य सः एव कर्ता] તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે.

ભાવાર્થઃ– સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે. ૬૪.

* * *
સમયસાર ગાથા ૧૧૬ થી ૧૨૦ મથાળું

હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે (અર્થાત્ સાંખ્યમતી પ્રકૃતિ-પુરુષને અપરિણામી માને છે તેને સમજાવે છે)ઃ-


PDF/HTML Page 1265 of 4199
single page version

* ગાથા ૧૧૬ થી ૧૨૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જો પુદ્ગલદ્રવ્ય જીવમાં સ્વયં નહિ બંધાયું થકું કર્મભાવે સ્વયમેવ ન પરિણમે, તો તે અપરિણામી જ ઠરે. એમ થતાં, સંસારનો અભાવ થાય. (કારણ કે પુદ્ગલદ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મરહિત ઠરે; તો પછી સંસાર કોનો?)’

જુઓ, અજ્ઞાની જેવો વિકારભાવ કરે છે તે અનુસાર ત્યાં કર્મબંધન થાય છે. તે કર્મબંધન પુદ્ગલના પરિણમનની યોગ્યતાથી થાય છે. આત્માએ વિકાર કર્યો માટે એનાથી કર્મબંધન થયું એમ છે નહિ.

વળી, જીવ પોતામાં પુણ્ય-પાપના ભાવ રચે તે સ્વતંત્રપણે રચે છે; તેમાં કર્મની અપેક્ષા નથી. જીવ શુભાશુભ વિકારભાવે પરિણમે છે તે પોતાના ષટ્કારકની ક્રિયાથી પરિણમે છે. વિકાર પરિણામનો કર્તા વિકાર પોતે, કર્મ પોતે, વિકારનું સાધન પોતે, વિકાર કરીને પોતાને આપે તે સંપ્રદાન પોતે, વિકાર પોતામાંથી થયો તે અપાદાન પોતે અને વિકારનું અધિકરણ પણ પોતે-એમ પોતાના ષટ્કારકની ક્રિયાથી વિકાર ઉત્પન્ન થાય છે. તેવી રીતે જે જડ કર્મની પ્રકૃતિ બંધાય તે પણ તેના પોતાના ષટ્કારકની ક્રિયારૂપ પરિણમનથી બંધાય છે. અહીં સાંખ્યમતવાળાને પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સમજાવે છે.

કહે છે-જો પુદ્ગલદ્રવ્ય કર્મભાવે સ્વયમેવ ન પરિણમે તો તે અપરિણામી જ ઠરે. પરિણમીને (પર્યાયપણે) બદલવાનો જો તેનો સ્વભાવ ન હોય તો તે અપરિણામી એટલે કૂટસ્થ સિદ્ધ થાય. એમ થવાથી સંસારનો અભાવ થાય, કેમકે સંસારનું નિમિત્ત જે કર્મરૂપ પર્યાય તે નહિ હોતાં જીવને સંસારનો અભાવ સિદ્ધ થશે. જડ કર્મના પુદ્ગલો સ્વયમેવ કર્મરૂપે ન પરિણમે તો વિકારના નિમિત્તનો અભાવ થઈ જશે, નિમિત્તના અભાવમાં વિકાર પણ રહેશે નહિ, અને વિકાર ન રહે તો સંસારનો અભાવ થઈ જશે. પુદ્ગલદ્રવ્ય જો સ્વયમેવ કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મરહિત થઈ જશે. કર્મરહિત જીવને સિદ્ધ કહેવામાં આવે છે. તો સંસાર તો રહેશે નહિ; તો પછી સંસાર કોનો?

‘અહીં જો એમ તર્ક કરવામાં આવે કે-‘‘જીવ પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી,’’ તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ-શું જીવ સ્વયં અપરિણમતા પુદ્ગલદ્રવ્યને કર્મભાવે પરિણમાવે છે કે સ્વયં પરિણમતાને?

પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ (પોતાથી જ) ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. (માટે પ્રથમ પક્ષ અસત્ય છે.) અને સ્વયં પરિણમતાને પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન


PDF/HTML Page 1266 of 4199
single page version

હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (માટે બીજો પક્ષ પણ અસત્ય છે.) તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો.’

જુઓ, આ અજ્ઞાનીના તર્કનું નિરાકરણ છે.

વિકલ્પ થયો કે આંગળીથી રોટલીના ટુકડા કરું; ત્યાં આંગળી પોતાથી સ્વયં પરિણમે છે કે જીવના વિકલ્પથી? જો આંગળી સ્વયં પોતાથી ન પરિણમે તો જીવ તેને કેમ પરિણમાવી શકે? અને જો આંગળી સ્વયં પોતાથી જ પરિણમે છે તો જીવે શું કર્યું? કાંઈ જ નહિ. માટે આંગળીનું પરિણમન સ્વયં આંગળીથી પોતાથી થયું છે, જીવની ઇચ્છાથી નહિ-આ ન્યાય છે.

જુઓ, માટીમય ઘડાની પર્યાય થઈ તે માટીથી થઈ કે કુંભારથી થઈ? જો માટી સ્વયં ઘડારૂપે પરિણમી ન હોય તો કુંભાર તેને પરિણમાવી શકે નહિ; અને જો સ્વયં માટી ઘડારૂપે પરિણમી છે તો તેમાં કુંભારે શું કર્યું? તેમાં કુંભારની કોઈ અપેક્ષા રહી જ નહિ. ભાઈ! આ આંખ ઊંચી-નીચી થાય તે પરિણમન આંખનું પોતાનું છે, જીવનું તેમાં કાંઈ કર્તવ્ય નથી; કેમકે જો આંખ સ્વયં પરિણમે નહિ તો તેને બીજો પરિણમાવી શકે નહિ અને જો આંખ સ્વયં પોતાથી પરિણમે છે તો અન્યની-જીવની તેમાં અપેક્ષા ન હોય. આ તો ન્યાયથી-લોજિકથી વાત છે. જો વસ્તુમાં પરિણમનશક્તિ સ્વતઃ ન હોય તો તેને બીજો પરિણમાવી શકે નહિ અને જો સ્વતઃ પરિણમન શક્તિ છે તો તેને પરિણમવામાં બીજા પરિણમાવનારની અપેક્ષા ન હોય કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી.

પ્રશ્નઃ– પર્યાયમાં જે વિકાર થાય છે તેને કર્મની અપેક્ષા છે કે નહિ?

ઉત્તરઃ– (જીવમાં) વિકારની જે કોઈ પર્યાય થાય છે તે પોતાના ષટ્કારકથી સ્વતંત્ર થાય છે; તેમાં કર્મના કારકોની અપેક્ષા ત્રણકાળમાં નથી. કર્મ છે તો જીવને પર્યાયમાં વિકાર થાય છે એ વાત તદ્ન જૂઠી છે. વિકારભાવ થવામાં નિશ્ચયથી કર્મની અપેક્ષા છે જ નહિ. વસ્તુમાં પરિણમનની પોતાની શક્તિથી પરિણમન થાય છે ત્યાં પરની અપેક્ષા શું? જો પોતાની પરિણમનશક્તિ ન હોય તો બીજો કેવી રીતે પરિણમાવી શકે? અન્ય અન્યને પરિણમાવે એ વસ્તુસ્થિતિ જ નથી.

અહાહા...! પ્રત્યેક દ્રવ્યની સમયસમયની પ્રત્યેક પર્યાય તે તે કાળે (સ્વકાળે) પોતાથી થાય છે, પરથી નહિ, એ વાત અહીં સિદ્ધ કરવી છે. કર્મરૂપ જે પરિણમન થાય છે તે અજીવની-પુદ્ગલની પર્યાય છે. પુદ્ગલ કર્મરૂપ પરિણમે તે પોતાની શક્તિથી પરિણમે છે, પરથી નહિ. પુદ્ગલની પોતાની પરિણમનની શક્તિ ન હોય તો બીજો તેને પરિણમાવી શકે નહિ; અને સ્વયં પોતાની શક્તિથી પરિણમે છે તો તેમાં બીજાની-જીવની


PDF/HTML Page 1267 of 4199
single page version

અપેક્ષા ન હોય. જીવે રાગદ્વેષ કર્યા માટે પુદ્ગલ કર્મરૂપે બંધાયું એમ છે નહિ. જડ કર્મની જે પર્યાય પરિણમે છે તે પોતાના ષટ્કારકથી સ્વયં પરિણમે છે. આવી જ વસ્તુસ્થિતિ છે.

બંધ અધિકારમાં આવે છે કે બીજા જીવને તું જીવાડી શક્તો નથી. તેના આયુષ્યથી તે જીવે છે અને આયુષ્ય પૂરું થતાં તેનું મરણ નીપજે છે. ભાઈ! કોઈનાં જીવન-મરણ કોઈ બીજો કરી શકે એ વસ્તુના સ્વરૂપમાં જ નથી.

વિકારી ભાવરૂપે અજ્ઞાની સ્વયં-પોતે પરિણમે છે, અને તે કાળે સામે જે કર્મ-બંધન થાય તે તેની પરિણમનશક્તિથી થાય છે. અજ્ઞાની વિકારના પરિણામ કરે છે માટે ત્યાં કર્મને બંધાવું પડે છે એમ નથી. (બન્નેનાં પરિણમન પોતપોતામાં સ્વતંત્ર છે).

જ્ઞાનીને રાગ થાય છે એમ કહેવું તે વ્યવહાર છે. ખરેખર તો જ્ઞાનીને રાગ સંબંધીનું જ્ઞાન પોતામાં પોતાથી થાય છે. પોતાનું (સ્વદ્રવ્યનું) અને રાગ સંબંધીનું જ્ઞાન જે જ્ઞાનીને થાય છે તે જ્ઞાન પોતાની પરિણમનશક્તિથી થાય છે; રાગ છે તો તે જ્ઞાન થાય છે એમ નથી. પોતાના પરિણમનની શક્તિથી સ્વ-પરપ્રકાશક જ્ઞાન જ્ઞાનીને પ્રગટ થાય છે અને એમાં રાગની- પરની કોઈ અપેક્ષા નથી. જો જ્ઞાન સ્વશક્તિથી પોતાથી પરિણમે નહિ તો રાગ તેને પરિણમાવી શકે નહિ; રાગમાં એવી તાકાત નથી કે તે જ્ઞાનને પરિણમાવી દે.

જડની પરિણમનશક્તિથી જડ પરિણમે છે, જીવના કારણે તે પરિણમે છે એમ છે નહિ. જીવ રાગ, દ્વેષ, મોહ, વિષયવાસનાના પરિણામ કરે તે કાળે ચારિત્રમોહનીય કર્મની પ્રકૃતિ પોતાથી પરિણમે છે. એ તેનો પરિણમનનો કાળ છે માટે સ્વયં પોતાથી પરિણમે છે. જીવના રાગાદિ વિકારભાવ તેનું પરિણમન કરી દે છે એમ નથી. જો જડ કર્મ સ્વયં પરિણમે નહિ તો તેને રાગ પરિણમાવી શકે નહિ, અને તે કર્મપ્રકૃતિ જો પોતાથી સ્વયં પરિણમે છે તો તેને રાગની અપેક્ષા છે નહિ. ભાઈ! પ્રત્યેક તત્ત્વ ભિન્ન-ભિન્ન છે. અજીવ તે જીવ નહિ અને જીવ તે અજીવ નહિ એમ સામાન્યપણે કહે, પણ અજીવનું પરિણમન હું કરી શકું અને મારું પરિણમન અજીવથી છે એવું માને તેને માન્યતામાં જીવ-અજીવની એકતા હોવાથી મિથ્યાત્વ છે.

આ અક્ષરો લખાય છે તે પરમાણુઓનું પરિણમન છે. પરમાણુઓ (પ્રત્યેક) સ્વયં સ્વતઃ પરિણમીને અક્ષરરૂપ થયા છે. એ અક્ષરરૂપ પરિણમન તારી કલમથી કે તારાથી (જીવથી) થયું છે એમ નથી. મોતીના દાણા જેવા અક્ષરો લખાય ત્યાં તું અભિમાન કરે કે- વાહ! કેવા સરસ અક્ષર મેં લખ્યા છે? ધૂળેય તેં લખ્યા નથી, સાંભળને! પરમાણુઓ ત્યાં સ્વયં પોતાની શક્તિથી અક્ષરરૂપે પરિણમ્યા છે. આ આગમ-મંદિરમાં આરસમાં જે આગમ કોતરાયાં છે તેનો પ્રત્યેક અક્ષર અનંત પરમાણુનો પિંડ છે. તે


PDF/HTML Page 1268 of 4199
single page version

પરમાણુઓ સ્વયં પોતાની સહજ પરિણમનની શક્તિથી આગમના અક્ષરરૂપે કોતરાઈ ગયા છે. આગમના અક્ષરરૂપ પરિણમનની ક્રિયા મશીનથી કે કારીગરથી થઈ છે એમ છે નહિ. અહીં કહે છે કે પરમાણુમાં જો અક્ષરરૂપે પરિણમવાની નિજ શક્તિ ન હોય તો બીજો તેને પરિણમાવી શકે નહિ, અને જો પોતાની સહજ પરિણમનશક્તિથી પરમાણુ અક્ષરરૂપે પરિણમ્યા છે તો તેમાં કોઈ અન્યની અપેક્ષા રહેતી નથી. જૈન પરમેશ્વરનો વીતરાગ-માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ!

અજ્ઞાની જ્યાં-ત્યાં કર્તાપણાનું મિથ્યા અભિમાન કરે છે. હું કેવો હોશિયાર છું! જગતના પદાર્થોની સરસ વ્યવસ્થા હું કરી શકું છું. આવું બધું ભ્રમથી અજ્ઞાની માને છે. અરે ભાઈ! જડની અવસ્થા અને વ્યવસ્થા સ્વયં જડથી પોતાથી થાય એવી સહજ પરિણમનશક્તિ જડમાં રહેલી છે. તેનો તું કર્તા નથી. જડની વ્યવસ્થાની અવસ્થા જે થવા યોગ્ય હોય તે સ્વયં તેનાથી થાય ત્યાં તું શું કરી શકે? તારા વિકલ્પની એમાં કયાં અપેક્ષા છે? તારી ઇચ્છાને લઈને જડમાં પરિણમન થાય એમ છે જ નહિ. આ આગમમંદિરને જોઈને કોઈ એમ કહે કે આ કોઈ ભારે નિષ્ણાત ઇજનેરનું કામ છે તો તે યથાર્થ નથી. અરે ભાઈ! આ આગમમંદિરની જે રચના થઈ તે પરમાણુની સહજ પરિણમનશક્તિથી સ્વતંત્ર તેનાથી થઈ છે, ઇજનેરથી, કડિયાથી કે અન્ય કોઈથી થઈ છે એમ છે નહિ. ગજબ વાત છે!

ઉજ્જૈનમાં અઢી કરોડનો સંચો (મશીન) વિનોદ મિલમાં છે. તેમાં રૂ નાખે તો કપડું બનીને બહાર આવે છે. તે રૂમાંથી જે કાપડ બને છે તે તેની પરિણમનશક્તિથી તેનાથી પોતાથી બને છે, મશીનને લઈને કે કોઈ અન્યથી તે કાર્ય થાય છે એમ છે નહિ. અરે! જૈનમાં રહીને આવા તત્ત્વની ખબર ન હોય એ તો બિચારા ભ્રમમાં પડેલા છે! જૈન તો એને કહીએ કે જે એમ માને કે-જડની અનંત પરમાણુની (પ્રત્યેકની) જે પર્યાય જે કાળે જે થવાની હોય તે એનાથી થાય, મારાથી નહિ; અને જે રાગાદિ વિકારી ભાવ થાય તે પણ મારી ચીજ નહિ; હું તો એકમાત્ર જ્ઞાતાદ્રષ્ટા છું. અહાહા...! આવું જે અંતરંગમાં માને તે જૈન છે બાકી બધા અજૈન છે.

અહીં કહે છે-પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (પરની અપેક્ષા રાખે તો વસ્તુ પરાધીન થઈ જાય). આ રીતે બન્ને પક્ષ અસત્ય છે. તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો એમ સિદ્ધાંત છે.

વસ્તુમાં સમય-સમયની જે પર્યાય થાય તે પોતાથી થાય છે; તેને પરની અપેક્ષા


PDF/HTML Page 1269 of 4199
single page version

નથી. આ મોટર જે ચાલે છે તે સ્વયં પોતાથી ચાલે છે, તેને પેટ્રોલની કે પર ચાલકની (ચલાવનારની) અપેક્ષા નથી. અહા! ગજબ વાત છે! આ ભેદજ્ઞાનની વાત લોકોને કઠણ પડે છે પણ આ સત્ય વાત છે. ભાઈ! પરની પર્યાય તારાથી ન થાય, અને તારી પર્યાય પરથી ન થાય કેમકે વસ્તુ સ્વયમેવ પરિણમનસ્વભાવવાળી છે. જ્ઞાનાવરણીય આદિ કર્મ જે બંધાય તે જીવ રાગાદિ ભાવ કરે છે માટે બંધાય છે એમ નથી. અહાહા...! જડ અને ચૈતન્ય બન્નેનો પ્રગટ સ્વભાવ ભિન્ન છે અને બંને સ્વયમેવ પરિણમન સ્વભાવવાળા છે.

શાસ્ત્રની વાણી કાને પડતાં જે જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ તે શાસ્ત્રના શબ્દોથી થઈ છે એમ નથી. જ્ઞાનની પર્યાય જ્ઞાનથી સ્વતઃ ઉત્પન્ન થઈ છે, એને શબ્દોની અપેક્ષા નથી. શાસ્ત્રના શબ્દોને લઈને અહીં જ્ઞાન થયું છે એમ છે નહિ. અહો! આ ગાથાઓ બહુ ઊંચી છે! કહે છે- સ્વયં અપરિણમતાને બીજો કેમ પરિણમાવી શકે? અને સ્વયં જો પરિણમે છે તો તેને બીજાની અપેક્ષા શી?

પ્રશ્નઃ– બીજી ચીજ નિમિત્ત તો છે ને?

ઉત્તરઃ– હા, બીજી ચીજ નિમિત્ત છે. પણ એનો અર્થ શું? બીજી ચીજ નિમિત્ત હો, પણ નિમિત્તથી કાર્ય થાય છે એ વાત ત્રણકાળમાં નથી. નિમિત્તનું કાર્ય નિમિત્તમાં અને ઉપાદાનનું કાર્ય ઉપાદાનમાં પોતાથી થાય છે. નિમિત્ત કોઈ પરવસ્તુને બદલાવી કે પરિણમાવી દેતું નથી, કેમકે સ્વયં પરિણમનારને કોઈ પરની અપેક્ષા નથી.

વસ્તુતઃ કુંભાર ઘડાનો કર્તા નથી. કુંભાર ઘડો કરે તો કુંભારનો ઘડામાં પ્રવેશ થઈ જાય. આ વાત અગાઉ ગાથા ૧૦૪ માં આવી ગઈ છે. માટીમય ઘટકર્મ માટીથી થયું છે. કુંભાર તેમાં પોતાનાં દ્રવ્ય કે પર્યાયને ભેળવતો નથી; પોતાનાં દ્રવ્ય-પર્યાયને નહિ ભેળવતો કુંભાર ઘટકર્મ કેમ કરે? પરમાર્થે કુંભાર ઘડાનો કર્તા છે જ નહિ. તેમ આ જીવને જે વિકાર થાય છે તે પોતાથી થાય છે, તેમાં કર્મની અપેક્ષા નથી. કર્મ નિમિત્ત હો ભલે, પણ કર્મને લઈને જીવમાં વિકારના પરિણામ થાય છે એમ છે નહિ. નિમિત્તથી કાર્ય થાય એવું માનનારનો અહીં સ્પષ્ટ નિષેધ કર્યો છે.

પૂજા કરતી વખતે ‘સ્વાહા’ ઇત્યાદિ પાઠ જે બોલે છે તે ભાષાની પર્યાય છે અને તે પરમાણુની પરિણમનશક્તિથી સ્વતઃ થાય છે. ભાષાની પર્યાયનો જીવ કર્તા નથી. જીવને વિકલ્પ થયો માટે ભાષાનું પરિણમન થયું છે એમ નથી. અહા! નવે તત્ત્વ ભિન્ન ભિન્ન છે. ત્યાં એક તત્ત્વ બીજાનું શું કરે? ભગવાને તત્ત્વોની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે. ભાઈ! આ વાત તને પરિચય નહિ એટલે સાધારણ લાગે પણ આ ભેદજ્ઞાનની અસાધારણ વાત છે.


PDF/HTML Page 1270 of 4199
single page version

આ પુસ્તક જે અહીં (ઘોડી ઉપર) રહ્યું છે તે ઘોડીના આધારે રહ્યું છે એમ નથી. અધિકરણ નામની દ્રવ્યમાં શક્તિ છે; તે પોતાની શક્તિના આધારે પુસ્તક રહ્યું છે, ઘોડીના આધારે નહિ. (પુસ્તક પુસ્તકમાં અને ઘોડી ઘોડીમાં છે). આ મકાનનું છાપરું છે તે કેંચીના આધારે નથી અને કેંચી છે તે ભીંતના આધારે રહી નથી. અહાહા...! પરમાણુ-પરમાણુની પ્રતિસમય થતી પર્યાય સ્વતંત્ર પોતાથી થાય છે, પરને લઈને તે પર્યાય થતી નથી. જડ અને ચેતનમાં સમયે સમયે જે પર્યાય પ્રગટ થાય તે પોતાથી થાય છે, કોઈ અન્યની તેમાં અપેક્ષા નથી, કોઈ અન્ય તેને પરિણમાવતો નથી.

પ્રવચનસાર ગાથા ૧૦૨ માં આવે છે કે દરેક પર્યાયની જન્મક્ષણ હોય છે અને તે કાળે તે પર્યાય સ્વયં પોતાથી ઉત્પન્ન થાય છે, તેમાં બીજાની અપેક્ષા નથી. તેથી પુદ્ગલદ્રવ્ય પરિણમનસ્વભાવવાળું સ્વયમેવ હો. હવે કહે છે-

‘એમ હોતાં (હોવાથી), જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે તેમ, જડ સ્વભાવવાળા જ્ઞાનાવરણાદિકર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિ કર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.’

જુઓ, આ દાખલો આપ્યો કે ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે, ઘડારૂપે માટી પરિણમી છે. ઘડો માટીનું કાર્ય છે, કુંભારનું નહિ.

પ્રશ્નઃ– માટી લાખ વર્ષ પડી રહે તોપણ શું કુંભાર વિના ઘડો થાય છે?

ઉત્તરઃ– હા, અહીં કહે છે કે માટીનો ઘડો થવાનું કારણ માટીમાં પોતામાં રહેલું છે. વસ્તુનો સહજ પરિણમનસ્વભાવ છે ને! માટી સ્વયં ઘડો થવાના કાળે ઘડારૂપે પરિણમે છે. એમાં કુંભારનું કાંઈ કર્તવ્ય નથી. કુંભાર તો બાહ્ય નિમિત્તમાત્ર છે. અહાહા...! ભાષા તો જુઓ! કહે છે-ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે. ગજબ વાત છે! માટીમાં ઘડારૂપ પર્યાય થવાનો કાળ-જન્મક્ષણ છે તો માટીથી સ્વતઃ ઘડારૂપ પરિણામનો ઉત્પાદ થયો છે. કુંભારથી ઘડો ઉત્પન્ન થાય છે એમ ત્રણકાળમાં બનતું નથી.

કોઈ સ્ત્રીના હાથથી રસોઈ સારી થતી હોય તો લોકો કહે છે કે આ બાઈ બહુ હોશિયાર છે અને એનો હાથ બહુ હળવો છે એટલે રસોઈ-ભજીયા, પુડલા વગેરે-સારી થાય છે. અરે, બાઈથી અને એના હાથથી ધૂળેય થતું નથી, સાંભળને! એ રસોઈરૂપ પરિણામ તો તે કાળે તે તે પુદ્ગલપરમાણુ સ્વતઃ પરિણમીને થયા છે, સ્ત્રી કે તેનો હાથ તે પરિણામનો કર્તા નથી.

આ મેં કર્યું, આ મેં કર્યું-એમ કરી-કરીને અજ્ઞાની જીવ અનંતકાળથી મરી રહ્યો છે, ચાર ગતિમાં દુઃખી-દુઃખી થઈને રખડી રહ્યો છે. આટલાં પુસ્તક બનાવ્યાં, ને


PDF/HTML Page 1271 of 4199
single page version

આટલા શિષ્ય બનાવ્યા, આટલો ફાળો એકઠો કર્યો ઇત્યાદિ તું મિથ્યા કર્તૃત્વનું અભિમાન કરે છે, પણ ભાઈ! એ બહારનાં જડનાં કાર્ય કોણ કરે? એ તો થવા કાળે સ્વયં થાય છે. એ કાર્યો થવામાં તારી (પરની) અપેક્ષા કયાં છે? પ્રભો! આ મિથ્યા અહંકારથી તને દુઃખ થશે.

પ્રશ્નઃ– આ મોરપીંછી નીચે પડી છે તે શું એની મેળે ઊંચી થશે?

ઉત્તરઃ– અરે ભાઈ! સાંભળ. પુદ્ગલમાં જેમ પરિણમનશક્તિ છે તેમ ક્રિયાવતી-શક્તિ પણ છે. તેથી જે સમયે પીંછીનો ઊંચી થવાનો કાળ છે તે સમયે સ્વકાળને પ્રાપ્ત થયેલી પીંછી પોતાની શક્તિથી જ ઊંચી થવાની પર્યાયને પ્રાપ્ત થાય છે, કોઈ અન્ય તેનો કર્તા નથી. જે સમયે ઊંચી થવાની પર્યાયરૂપ પરિણમન નથી તે સમયે બીજો તેને કેમ ઊંચી કરી શકે? અને જે સમયે ઊંચી થવાની પર્યાયરૂપ પરિણમન સ્વતઃ છે તો બીજો ત્યાં શું કરે? કાંઈ નહિ. આ આકાશ છે તેનો ટુકડો લઈને કોઈ તેને ઊંચો કરી શકે છે? ના. કેમ? એવો જ તેનો સ્વભાવ છે. તેમ આનો-પુદ્ગલનો ક્રિયાવતીશક્તિરૂપ સ્વભાવ છે જે વડે સ્વકાળને પ્રાપ્ત પીંછી સ્વયં ઊંચી થવાના પરિણામરૂપ પરિણમી જાય છે. (સંયોગદ્રષ્ટિ છોડીને વસ્તુના સ્વભાવથી જોતાં એમ ભાસે છે.)

જેની દ્રષ્ટિ વિપરીત છે તેને બધું ઊંધું દેખાય છે. તેને આ તત્ત્વની વાત બેસતી નથી. અરે ભગવાન! મિથ્યા શ્રદ્ધાને લઈને તને અનંત-અનંત ભવ થયા છે. હવે દ્રષ્ટિ પલટી દે. અહીં કહે છે કે ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે. ઘડો માટીનું કાર્ય છે, કુંભારનું કદાપિ નહિ. અહાહા...! જે રૂપે પદાર્થ પરિણમે તે-રૂપે જ તે પદાર્થ છે, પરરૂપે કદીય નહિ. તેથી જડસ્વભાવવાળા જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમેલું પુદ્ગલદ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણાદિ કર્મ છે. આ રીતે પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે;-

* કળશ ૬૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इति’ આ રીતે ‘पुद्गलस्य’ પુદ્ગલદ્રવ્યની ‘स्वभावभुता परिणामशक्तिः’ સ્વભાવભૂત પરિણમનશક્તિ ‘खलु अविघ्ना स्थिता’ નિવિઘ્ન સિદ્ધ થઈ. ‘तस्यां स्थितायां’ એ સિદ્ધ થતાં, ‘सः आत्मनः यम् भावं करोति’ પુદ્ગલદ્રવ્ય પોતાના જે ભાવને કરે છે ‘तस्य सः एव कर्ता’ તેનો તે પુદ્ગલદ્રવ્ય જ કર્તા છે.

જુઓ, જીવ જ્યારે રાગાદિ ભાવે પરિણમે છે ત્યારે તે સમયે પુદ્ગલપરમાણુ પોતાની પર્યાયથી કર્મરૂપે પરિણમે છે, કેમકે તેમાં સહજ પરિણમનશક્તિ છે. પોતાની પરિણમનશક્તિથી પરિણમન થયું ત્યાં તે કર્મરૂપ પરિણમન થવામાં બાહ્ય કારણ શું છે? તો કહે છે કે જીવના વિકારના પરિણામ તેમાં નિમિત્ત છે. નિમિત્તનો અર્થ અનુકૂળ


PDF/HTML Page 1272 of 4199
single page version

થાય છે. જેમ નદીમાં પ્રાણીનો પ્રવાહ ચાલે તેમાં કાંઠો તેને નિમિત્ત છે. કાંઠાને લઈને પ્રાણીનો પ્રવાહ ચાલે છે એમ નથી; પ્રવાહ તો પોતાથી ચાલે છે એમાં બન્ને કાંઠા તેને અનુકૂળ છે, અર્થાત્ નિમિત્ત છે.

તેમ નવાં કર્મ જે બંધાય તે પોતાથી બંધાય છે ત્યારે જીવના વિકારી ભાવ તેમાં નિમિત્ત છે. વિકારી ભાવ છે માટે ત્યાં કર્મબંધનની પર્યાય થાય છે એમ નથી. જીવને અનુકંપાના ભાવ થાય તે વખતે શાતાવેદનીય કર્મ બંધાય છે. તે કર્મ સ્વયં પોતાની યોગ્યતાથી બંધાય છે ત્યારે તેમાં જીવના અનુકંપાના ભાવને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત નામ અનુકૂળ અને જે પ્રકૃતિ બંધાય તેને અનુરૂપ કહેવાય છે. આ વાત ગાથા ૮૬માં આવી ગઈ છે. માટીમાંથી ઘડો બને તેમાં કુંભાર અનુકૂળ છે અને માટી તેને અનુરૂપ છે. ઘડો થવામાં કુંભાર અનુકૂળ છે એટલે કે નિમિત્ત છે, પણ ઘડો કુંભારથી બને છે એવું ત્રણકાળમાં નથી. નિમિત્તને અનુકૂળ અને નૈમિત્તિક પર્યાયને અનુરૂપ કહેવાય છે.

આ લાકડી આમ ઊંચી થાય તેને આંગળી અનુકૂળ છે, પણ લાકડીની ઊંચી થવાની પર્યાયને આંગળીએ કરી નથી. પોતાના પરિણમનસ્વભાવથી લાકડી ઊંચી થાય છે, તેમાં આંગળી અનુકૂળ છે અને લાકડીની જે નૈમિત્તિક પર્યાય થઈ તે તેને અનુરૂપ છે. અનુરૂપની પર્યાયને અનુકૂળ નિમિત્તે બનાવી નથી. બન્ને પોતપોતામાં પોતાથી સ્વતંત્રપણે પરિણમે છે.

જીવમાં જે વિકાર થાય તે પોતાથી સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. તેમાં જડકર્મ નિમિત્ત છે પણ કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. જીવમાં જે વિકાર થાય તે અનુરૂપ છે અને જડકર્મ તેને અનુકૂળ છે. જીવને જે મિથ્યાત્વના પરિણામ થાય છે તે પોતાના ઊંધા પુરુષાર્થથી, પોતાની વીર્યશક્તિના ઊંધા પરિણમનથી સ્વતંત્રપણે થાય છે. તેમાં કર્મની અપેક્ષા બિલકુલ નથી. કર્મ નિમિત્ત હો, પણ નિમિત્તથી જીવને વિકાર થાય છે એમ ત્રણકાળમાં નથી.

આવી સ્વતંત્રતાની વાત સાંભળી લોકો ખળભળી ઊઠે છે. પણ ભાઈ! આ વાત પરમ સત્ય છે. લોકોને અનાદિથી નિમિત્તાધીન દ્રષ્ટિ છે અને અભ્યાસ પણ તેવો જ છે. એટલે આ સ્વતંત્રતાની વાત સમજવી કઠણ પડે છે. પણ શું થાય? સ્વભાવની દ્રષ્ટિ કરે તો સહેજે સમજાય તેમ છે.

અહીં કહે છે કે પુદ્ગલદ્રવ્યમાં નિરાબાધ પરિણમનશક્તિ છે. પોતાના ભાવે પરિણમતા પુદ્ગલદ્રવ્યને કોઈ પરદ્રવ્ય અન્યથા કરી દે એ ત્રણકાળમાં સંભવિત નથી. જીવમાં જ્યારે વિકાર થાય ત્યારે પુદ્ગલદ્રવ્ય સ્વતઃ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમી જાય છે. તે કર્મબંધનની પર્યાયને વિકાર નિમિત્ત છે, અનુકૂળ છે પણ વિકારને કારણે કર્મબંધન થાય


PDF/HTML Page 1273 of 4199
single page version

છે એમ નથી. તે કર્મબંધનની પર્યાયનો કર્તા પુદ્ગલ પરમાણુ છે, રાગાદિ ભાવ તેનો કર્તા નથી. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્રપણે પોતાના પરિણમનનો કર્તા છે.

ભાવાર્થઃ– ‘સર્વ દ્રવ્યો પરિણમનસ્વભાવવાળાં છે તેથી પોતપોતાના ભાવના પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના જે ભાવને કરે છે તેનો પોતે જ કર્તા છે.’

દરેક દ્રવ્યમાં પરિણમનસ્વભાવ છે, એક અવસ્થાથી અવસ્થાંતરપણે બદલવાનો સ્વભાવ છે, એટલે પોતાના ભાવનો પોતે જ કર્તા છે. પુદ્ગલદ્રવ્ય પણ સ્વતંત્રપણે પોતાના ભાવને કરે છે અને તેનો પુદ્ગલદ્રવ્ય પોતે જ કર્તા છે.


PDF/HTML Page 1274 of 4199
single page version

जीवस्य परिणामित्वं साधयति–

ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं।
जदि एस तुज्झ जीवो अप्परिणामी तदा होदि।। १२१ ।।

अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं।
संसारस्स अभावो पसज्जदे संखसमओ वा।। १२२ ।।

पोग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं।
तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो।। १२३ ।।

अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी।
कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा।। १२४ ।।

कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा।
माउवजुत्तो माया लोहुवजुत्तो हवदि लोहो।। १२५ ।।

હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છેઃ-

કર્મે સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં ક્રોધભાવે પરિણમે,
તો જીવ આ તુજ મત વિષે પરિણમનહીન બને અરે! ૧૨૧.

ક્રોધાદિભાવે જો સ્વયં નહિ જીવ પોતે પરિણમે,
સંસારનો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે! ૧૨૨.

જો ક્રોધ–પુદ્ગલકર્મ–જીવને પરિણમાવે ક્રોધમાં,
કયમ ક્રોધ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે? ૧૨૩.

અથવા સ્વયં જીવ ક્રોધભાવે પરિણમે–તુજ બુદ્ધિ છે,
તો ક્રોધ જીવને પરિણમાવે ક્રોધમાં–મિથ્યા બને. ૧૨૪.

ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે,
માયોપયુત માયા અને લોભોપયુત લોભ જ બને. ૧૨પ.

PDF/HTML Page 1275 of 4199
single page version

न स्वयं बद्धः कर्मणि न स्वयं परिणमते क्रोधादिभिः।
यद्येषः तव जीवोऽपरिणामी तदा भवति।। १२१ ।।

अपरिणममाने स्वयं जीवे क्रोधादिभिः भावैः।
संसारस्याभावः प्रसजति सांख्यसमयो वा।। १२२ ।।

पुद्गलकर्म क्रोधो जीवं परिणामयति क्रोधत्वम्।
तं स्वयमपरिणममानं कथं नु परिणामयति क्रोधः।। १२३ ।।

अथ स्वयमात्मा परिणमते क्रोधभावेन एषा ते बुद्धिः।
क्रोधः परिणामयति जीवं क्रोधत्वमिति मिथ्या।। १२४ ।।

क्रोधोपयुक्तः क्रोधो मानोपयुक्तश्च मान एवात्मा।
मायोपयुक्तो माया लोभोपयुक्तो भवति लोभः।। १२५ ।।

ગાથાર્થઃ– સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ! [एषः] [जीवः] જીવ [कर्मणि] કર્મમાં [स्वयं] સ્વયં [बद्धः न] બંધાયો નથી અને [क्रोधादिभिः] ક્રોધાદિભાવે [स्वयं] સ્વયં [न परिणमते] પરિણમતો નથી [यदि तव] એમ જો તારો મત હોય [तदा] તો તે (જીવ) [अपरिणामी] અપરિણામી [भवति] ઠરે છે; અને [जीवे] જીવ [स्वयं] પોતે [क्रोधादिभिः भावैः] ક્રોધાદિભાવે [अपरिणममाने] નહિ પરિણમતાં, [संसारस्य] સંસારનો [अभावः] અભાવ [प्रसजति] ઠરે છે [वा] અથવા [सांख्यसमयः] સાંખ્યમતનો પ્રસંગ આવે છે.

[पुद्गलकर्म क्रोधः] વળી પુદ્ગલકર્મ જે ક્રોધ તે [जीवं] જીવને [क्रोधत्वम्] ક્રોધપણે [परिणामयति] પરિણમાવે છે એમ તું માને તો એ પ્રશ્ન થાય છે કે [स्वयम् अपरिणममानं] સ્વયં નહિ પરિણમતા એવા [तं] જીવને [क्रोधः] ક્રોધ [कथं नु] કેમ [परिणामयति] પરિણમાવી શકે? [अथ] અથવા જો [आत्मा] આત્મા [स्वयम्] પોતાની મેળે [क्रोधभावेन] ક્રોધભાવે [परिणमते] પરિણમે છે [एषा ते बुद्धिः] એમ તારી બુદ્ધિ હોય, તો [क्रोधः] ક્રોધ [जीवं] જીવને [क्रोधत्वम्] ક્રોધપણે [परिणामयति] પરિણમાવે છે [इति] એમ કહેવું [मिथ्या] મિથ્યા ઠરે છે.

માટે એ સિદ્ધાંત છે કે [क्रोधोपयुक्तः] ક્રોધમાં ઉપયુક્ત (અર્થાત્ જેનો ઉપયોગ ક્રોધાકારે પરિણમ્યો છે એવો) [आत्मा] આત્મા [क्रोधः] ક્રોધ જ છે, [मानोपयुक्तः] માનમાં ઉપયુક્ત આત્મા [मानः एव] માન જ છે, [मायोपयुक्तः] માયામાં ઉપયુક્ત આત્મા [माया] માયા છે [च] અને [लोभोपयुक्तः] લોભમાં ઉપયુક્ત આત્મા [लोभः] લોભ [भवति] છે.


PDF/HTML Page 1276 of 4199
single page version

(उपजाति)
स्थितेति जीवस्य निरन्तराया
स्वभावभूता परिणामशक्तिः।
तस्यां स्थितायां स करोति भावं
यं स्वस्य तस्यैव भवेत्स कर्ता।। ६५ ।।

ટીકાઃ– જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય. અહીં જો એમ તર્ક કરવામાં આવે કે “પુદ્ગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી ”, તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ-પુદ્ગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો. એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્રસાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.

ભાવાર્થઃ– જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [इति] આ રીતે [जीवस्य] જીવની [स्वभावभूता परिणामशक्तिः] સ્વભાવભૂત પરિણમનશક્તિ [निरन्तराया स्थिता] નિર્વિધ્ન સિદ્ધ થઈ. [तस्यां स्थितायां] સિદ્ધ થતાં, [सः स्वस्य यं भावं करोति] જીવ પોતાના જે ભાવને કરે છે [तस्य एव सः कर्ता भवेत्] તેનો તે કર્તા થાય છે.

ભાવાર્થઃ– જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે. ૬પ.

* * *

PDF/HTML Page 1277 of 4199
single page version

સમયસાર ગાથા ૧૨૧ થી ૧૨પઃ મથાળું

હવે જીવનું પરિણામીપણું સિદ્ધ કરે છેઃ-

* ગાથા ૧૨૧ થી ૧૨પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જો જીવ કર્મમાં સ્વયં નહિ બંધાયો થકો ક્રોધાદિભાવે સ્વયમેવ ન પરિણમે તો તે ખરેખર અપરિણામી જ ઠરે. એમ થતાં સંસારનો અભાવ થાય.’

જુઓ, આ ગાથાઓ બહુ ઊંચી છે. અહીં ક્રોધ શબ્દથી વિકારી ભાવ સમજવું. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના વિકલ્પ એ જીવનું કર્મ-કાર્ય છે. તે વિકારના ભાવે જીવ સ્વયમેવ જો ન પરિણમે તો તે ખરેખર અપરિણામી-નહિ બદલનારો કૂટસ્થ જ ઠરે.

જીવમાં વિકાર થાય છે તે પોતાથી થાય છે; કર્મને લઈને વિકાર થાય છે એમ નથી. પોતાના (ઊંધા) પુરુષાર્થથી વિકાર થાય છે અને પોતાના (સમ્યક્) પુરુષાર્થથી વિકાર ટળે છે. વિકાર નિશ્ચયથી પોતાના ષટ્કારકથી થાય છે, તેમાં પર કારકોની અપેક્ષા નથી. પંચાસ્તિકાયની ગાથા ૬૨ માં આવે છે કે વિકાર પોતાના ષટ્કારકથી થાય છે, કર્મથી નહિ. કર્મ નિમિત્ત હો, અનુકૂળ હો; પરંતુ કર્મથી વિકાર થતો નથી.

અહીં કહે છે કે જીવ સ્વયં વિકારરૂપે ન પરિણમતો હોય તો તે અપરિણામી સિદ્ધ થશે અને અપરિણામી સિદ્ધ થતાં સંસારનો અભાવ થશે. સંસાર એટલે આ બૈરાં-છોકરાં નહિ. પણ મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામને સંસાર કહેવામાં આવે છે. જીવ પોતે સ્વયં મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામરૂપે ન પરિણમે તો સંસારનો અભાવ થઈ જશે.

‘અહીં જો એમ તર્ક કરવામાં આવે કે ‘‘પુદ્ગલકર્મ જે ક્રોધાદિક તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી,’’ તો તેનું નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છેઃ-

પુદ્ગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિભાવે પરિણમાવે કે સ્વયં પરિણમતાને? પ્રથમ, સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહિ; કારણ કે (વસ્તુમાં) જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. અને સ્વયં પરિણમતાને તો પર (અન્ય) પરિણમાવનારની અપેક્ષા ન હોય; કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. (આ રીતે બન્ને પક્ષ અસત્ય છે.) તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો.’

આ બધું તારે સમજવું પડશે, ભાઈ! આ મકાન, બાગ-બંગલા, ધન, કુટુંબ ઇત્યાદિ તારાં નહિ રહે ભાઈ! બધું ક્ષણવારમાં જ છૂટી જશે. તું આ પરને પોતાનાં


PDF/HTML Page 1278 of 4199
single page version

માને છે એ તારું પાગલપણું છે, મૂઢતા છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં દ્રષ્ટાંત આવે છે કે-એક પાગલ (બહાવરો) બેઠો હતો. ત્યાં રાજાએ સૈન્ય સહિત આવીને પડાવ નાખ્યો. હાથી, ઘોડા, રાજકુમાર, દાસ, દાસી એ બધાને જોઈને તે પાગલ આ બધાં મારાં છે એમ સમજવા લાગ્યો. ભોજન કરીને સૈન્ય સહિત જ્યારે રાજાએ પ્રયાણ કર્યું તો તે પાગલ વિચારવા લાગ્યો-અરે! આ બધાં કયાં ચાલ્યાં? એવા વિચારથી તે અત્યંત ખેદખિન્ન થયો. તેમ અજ્ઞાની જીવ, કય ાંયથી પુત્ર, ધન આદિનો વર્તમાનમાં સંયોગ થતાં એ બધાં મારાં છે એમ માને છે તે મૂર્ખ પાગલ જેવો છે. ભાઈ! એ બધાં તારાં નથી, તારા કારણે આવ્યાં નથી, તારાં કારણે રહ્યાં નથી. પોતપોતાના કારણે સૌ આવ્યાં છે, પોતપોતાની યોગ્યતાથી રહ્યાં છે અને પોતપોતાના કારણે સૌ ચાલ્યાં જશે. કોઈના કારણે કોઈ છે એમ છે નહિ. અહીં કહે છે કે જીવમાં જે વિકાર થાય છે તે પોતાથી થાય છે, કર્મના કારણે નહિ.

જીવ જો સ્વયં પોતે વિકારરૂપે ન પરિણમે તો તે કૂટસ્થ સિદ્ધ થશે અને એમ થતાં સંસારનો અભાવ થઈ જશે.

ત્યારે આ તર્ક કરવામાં આવે છે કે-જીવ પોતે વિકારરૂપે પરિણમતો નથી પણ જડ કર્મ તેને વિકારરૂપે પરિણમાવે છે, તેથી સંસારનો અભાવ થતો નથી. આ તર્કનું અહીં નિરાકરણ કરવામાં આવે છે.

કહે છે કે સ્વયં અપરિણમતા જીવને ક્રોધરૂપે-વિકારરૂપે પરિણમાવી શકાય નહિ કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને કોઈ અન્ય કરી શકે નહિ. પોતે જ સ્વયં પરિણમતો નથી તેને અન્ય કેમ પરિણમાવી શકે? ત્રણકાળમાં ન પરિણમાવી શકે. વસ્તુમાં પરિણમવાની શક્તિ ન હોય તો બીજો તેને પરિણમાવી શકે એ ત્રણકાળમાં સંભવિત નથી. અહો! દિગંબર સંતોએ ગજબ વાત કરી છે! અહાહા...! દિગંબર મુનિવરો જાણે ચાલતા સિદ્ધ! ધન્ય એ અવતાર! ધન્ય એ મુનિદશા! અહાહા...! અમૃતચંદ્રસ્વામીએ શું અદ્ભુત ટીકા રચી છે!

સ્ફટિકમાં ફૂલના નિમિત્તે જે લાલ-લીલી ઝાંય પડે છે તે ઝાંયરૂપે સ્ફટિક પોતાની યોગ્યતાથી સ્વયં પરિણમે છે; ફૂલના કારણે તે લાલ-લીલી ઝાંય પડે છે એમ નથી. લાકડાની નજીક જો લાલ-લીલી ફૂલ રાખે તો ત્યાં ઝાંય પડતી નથી કેમકે લાકડામાં તે જાતનું પરિણમન થવાની યોગ્યતા નથી.

નિશ્ચય, વ્યવહાર, નિમિત્ત, ઉપાદાન અને ક્રમબદ્ધપર્યાય આ પાંચ મહત્ત્વની વાત પર અત્યારે મુખ્યપણે ચર્ચા છે. જેને સમજાય નહિ તે વાંધા ઉઠાવે છે, પરંતુ દિગંબર સંતોએ સત્યને ખુલ્લું મૂકયું છે. તે સમજ્યે જ જીવનું કલ્યાણ છે.


PDF/HTML Page 1279 of 4199
single page version

સમયસારના સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં ગાથા ૩૦૮ થી ૩૧૨ ની ટીકામાં ‘ક્રમનિયમિત’ શબ્દ પડયો છે. ત્યાં કહ્યું છે કે-‘પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઊપજતો થકો જીવ જ છે, અજીવ નથી; એવી રીતે અજીવ પણ ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઊપજતું થકું અજીવ જ છે, જીવ નથી.’ જુઓ, એકલો ક્રમ-એમ નહિ પણ ક્રમનિયમિત છે એમ સ્પષ્ટ કહ્યું છે. તેનો અર્થ એ થાય છે કે જીવ અને અજીવની જે કાળે જે પર્યાય થવાની હોય તે ક્રમબદ્ધ પોતાથી થાય છે. કોઈ પણ પર્યાય આઘી-પાછી કે આડી-અવળી ન થાય. ભાઈ! ક્રમબદ્ધની આ વાત આમ શાસ્ત્રના આધારથી છે, કાંઈ અદ્ધરથી કલ્પનાની વાત નથી. જેમ મોતીના હારમાં જે મોતી જ્યાં છે ત્યાં જ તે છે, આગળ-પાછળ નથી. તેમ પ્રત્યેક દ્રવ્યમાં દરેક પર્યાય જે સમયે થવાની છે તે જ સમયે તે પર્યાય નિયતપણે થાય છે, આઘી-પાછી કે આડી-અવળી થતી નથી.

જીવ પોતામાં વિકારના પરિણામ સ્વતંત્રપણે કરે છે અને ત્યારે કર્મને તેમાં અનુકૂળ નિમિત્ત કહેવામાં આવે છે. જીવમાં વિકાર થાય ત્યારે કર્મનો ઉદય અનુકૂળ છે પણ ત્યાં કર્મ નિમિત્ત છે તો અહીં જીવમાં વિકાર થાય છે એમ નથી. અહાહા...! સ્વયં અપરિણમતાને અન્ય કોઈ પરિણમાવી શકે નહિ. જીવ સ્વયં વિકારરૂપે ન પરિણમે તો કર્મનો ઉદય જીવને વિકારરૂપે પરિણમાવે એ ત્રણકાળમાં બની શકે નહિ, કેમકે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહિ. આ એક વાત.

હવે બીજી વાતઃ-સ્વયં પરિણમતાને પર પરિણમાવનારની અપેક્ષા ન હોય, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. જીવમાં સ્વયં વિકાર પોતાની યોગ્યતાથી થાય છે તો નિમિત્તથી-પરથી વિકાર થાય એ વાત કયાં રહી? સ્વયં પરિણમનારને પરની શું અપેક્ષા? જીવ વિકારરૂપે પરિણમે છે તે કાળે કર્મ નિમિત્ત છે, કર્મ તેમાં અનુકૂળ છે પણ કર્મ છે તો જીવ વિકારરૂપે પરિણમે છે વા કર્મને લઈને જીવ વિકારરૂપે પરિણમે છે એમ બિલકુલ નથી.

જીવને સમ્યગ્દર્શન થાય ત્યાં વ્યવહાર હોય છે; તે વ્યવહાર જાણવા લાયક છે. પણ વ્યવહારથી નિશ્ચય પ્રગટે એમ છે નહિ. વ્યવહાર છે ખરો પણ એનાથી નિશ્ચય-સમ્યગ્દર્શન થતું નથી. જેમ નિમિત્તથી પરનું કાર્ય થતું નથી તેમ વ્યવહારથી નિશ્ચય થતો નથી.

સર્વજ્ઞ ભગવાને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોક દેખ્યા છે. તો જે પર્યાય જે સમયે થવાની હોય તે જ સમયે તે પર્યાય થાય. તેને આઘી-પાછી કરવા કોઈ સમર્થ નથી. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે કે સર્વજ્ઞ ભગવાને જે પ્રમાણે જોયું તે પ્રમાણે તે તે કાળે તે તે પર્યાય ત્યાં થશે. તેને ફેરવવા કોઈ ઇન્દ્ર, નરેન્દ્ર કે જિનેન્દ્ર સમર્થ


PDF/HTML Page 1280 of 4199
single page version

નથી. જેને પર્યાયની સ્વતંત્રતાનો સાચો નિર્ણય નથી તેને દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થતી નથી. અહાહા...! સમયે સમયે થતી પ્રત્યેક દ્રવ્યની પ્રત્યેક પર્યાય સ્વતંત્રપણે થાય છે એવી જેને શ્રદ્ધા નથી તેને પર્યાયરહિત ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ દ્રષ્ટિ જતી નથી.

અહીં કહે છે-સ્વયં પરિણમનારને બીજાની અપેક્ષા નથી. વસ્તુની જે શક્તિઓ છે તેને પરની અપેક્ષા ન હોય. ગજબ વાત છે! આ મહાસિદ્ધાંત કહ્યો છે કે પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય જે જે પર્યાય થાય તે સ્વયં પોતાથી થાય છે; તેમાં સામે બીજી ચીજ નિમિત્ત હો, અનુકૂળ હો; અને તે કાળે જે પોતામાં પર્યાય થઈ તે નિમિત્તને અનુરૂપ હો; પણ નિમિત્તથી નૈમિત્તિક પર્યાય થાય છે એમ કદીય નથી. નિમિત્તથી (ઉપાદાનની) પર્યાય થાય તો નિમિત્ત ઉપાદાન થઈ જાય. (પણ એમ છે નહિ).

અન્યમતવાળા ઈશ્વરને કર્તા માને છે. તેમ જૈનમાં રહીને જો કોઈ કર્મને કર્તા માને તો તે અન્યમતી જેવો છે. કર્મ હેરાન કરે છે એમ માને એની દ્રષ્ટિ વિપરીત છે; તે મિથ્યાદ્રષ્ટિ છે. કર્મ તો જડ છે, તે શું કરે? પૂજામાં જયમાલામાં આવે છે કે-

કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ,
અગ્નિ સહૈ ઘનઘાત, લોહકી સંગતિ પાઈ.

જુઓ! અગ્નિ લોઢાનો સંગ કરે તો તેને ઘણના ઘા ખાવા પડે છે. તેમ જીવ સ્વયં વિકારનો સંગ કરે તો દુઃખી થવું પડે છે. કર્મ કે નોકર્મ તેને રાગ કરાવે છે એમ નથી. કર્મથી રાગ થાય છે એમ નથી. જીવ સ્વયં રાગરૂપે પરિણમે છે ત્યાં તેને પરની અપેક્ષા નથી, કેમકે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. આ રીતે બન્ને પક્ષથી અજ્ઞાનીની વાત જૂઠી સિદ્ધ થાય છે.

તેથી જીવ પરિણમનસ્વભાવવાળો સ્વયમેવ હો.

હવે કહે છે-‘એમ હોતાં (હોવાથી), જેમ ગરુડના ધ્યાનરૂપે પરિણમેલો મંત્ર-સાધક પોતે ગરુડ છે તેમ, અજ્ઞાનસ્વભાવવાળા ક્રોધાદિરૂપે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.

ક્રોધ-માન-માયા-લોભરૂપ ભાવ છે તે અજ્ઞાનસ્વભાવવાળા છે. તે ક્રોધાદિ ભાવ જડકર્મથી થયા છે એમ નથી. વળી તે ક્રોધાદિ ભાવ જ્ઞાનીના છે એમ પણ નથી. એ બધા ભાવો અજ્ઞાનસ્વભાવવાળા છે. એવા સ્વભાવે જેનો ઉપયોગ પરિણમ્યો છે એવો (અજ્ઞાની) જીવ જ પોતે ક્રોધાદિ છે. આ રીતે જીવનું પરિણામસ્વભાવપણું સિદ્ધ થયું.

* ગાથા ૧૨૧ થી ૧૨પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જીવ પરિણામસ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધાદિરૂપે પરિણમે છે ત્યારે પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.’