PDF/HTML Page 1281 of 4199
single page version
જીવ અનાદિથી ધ્રુવપણે રહીને પરિણમે છે. તેનો પરિણમનસ્વભાવ અનાદિનો છે. પર્યાયમાં પલટવું-બદલવું એ પોતાનો સ્વભાવ છે. જ્યારે પોતાનો ઉપયોગ ક્રોધ-માન-માયા- લોભમાં જાય છે ત્યારે તે-રૂપે પોતે પરિણમે છે. કોઈ કર્મ કે બીજી ચીજ તેને ક્રોધાદિરૂપે પરિણમાવે છે એમ છે નહિ. પોતાનો જાણન-દેખન જે ઉપયોગ તે ક્રોધાદિરૂપ પરિણમે છે ત્યારે પોતે જ ક્રોધાદિરૂપ થાય છે.
જીવનો પરિણમનસ્વભાવ હોવાથી તે વિકારરૂપે પરિણમે છે. તે પરિણામ તેનું કાર્ય છે અને જીવ તેનો કર્તા છે. પરનું કાર્ય તો જીવ કિંચિત્ કરી શક્તો નથી. શરીરનું હાલવું-ચાલવું, ખાવું-પીવું, બોલવું ઇત્યાદિ ક્રિયા આત્મા કરી શક્તો નથી. હું શરીરનાં કામ કરું, દેશની- સમાજની સેવા કરું, પરની દયા પાળું, પરને મદદ કરું ઇત્યાદિ અજ્ઞાની જીવ માને છે પણ તે તેનું મિથ્યા અભિમાન છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાના પરિણામમાં જે ક્રોધ-માન-માયા-લોભ અને મિથ્યાત્વના ભાવ કરે છે તે ભાવનો તે પોતે કર્તા છે. તે ભાવોનો કર્તા જડકર્મ નથી. પોતાના પરિણામ સિવાય શરીર, મન, વાણી, કુટુંબ-કબીલા, ધંધો-વેપાર-ઉદ્યોગ ઇત્યાદિ એ બધાની પર્યાય આત્મા ત્રણકાળમાં કરી શક્તો નથી. તથાપિ એ બધાં પરનાં કાર્ય હું કરું છું એમ મિથ્યા અભિમાન કરીને પોતે મિથ્યાત્વાદિ ભાવે પરિણમે છે. કોઈ દર્શન-મોહનીય આદિ કર્મ તેને મિથ્યાત્વાદિરૂપે પરિણમાવે છે એમ છે નહિ; ક્રોધાદિરૂપે પરિણમતાં પોતે ક્રોધાદિરૂપ જ થાય છે એમ જાણવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘इति’ આ રીતે ‘जीवस्य’ જીવની ‘स्वभावभूता परिणामशक्तिः’ સ્વભાવભૂત પરિણામશક્તિ ‘निरन्तराया स्थिता’ નિર્વિઘ્ન સિદ્ધ થઈ.
જીવમાં પરિણમન થાય એવી સ્વભાવભૂત શક્તિ છે. કોઈ પર પરિણમાવે તો પરિણમે એવી જગતમાં કોઈ ચીજ નથી. અહાહા...! સ્વભાવભૂત પરિણમનશક્તિ ‘નિરન્તરાયા સ્થિતા’-નિર્વિઘ્ન સિદ્ધ થઈ. મતલબ કે જીવની પરિણમનશક્તિ કોઈ અન્યથી બાધિત નથી તથા તે કોઈ અન્યની સહાયની અપેક્ષા રાખતી નથી. કોઇ વિધ્ન કરે તો પરિણમન રોકાઇ જાય વા કોઇ સહાય કરે તો પરિણમન થાય એમ છે નહિ. એકલો આત્મા સ્વયં નિરંતરાય પરિણમે છે. હવે કહે છે-
એમ સિદ્ધ થતાં, ‘सः स्वस्य यं भावं करोति’ જીવ પોતાના જે ભાવને કરે છે ‘तस्य एव सः कर्ता भवेत्’ તેનો તે કર્તા થાય છે.
સ્વયં પરિણમતો જીવ પોતે જે પરિણામને કરે છે તે પરિણામનો તે કર્તા થાય
PDF/HTML Page 1282 of 4199
single page version
છે. ચાહે તો મિથ્યાત્વ અને રાગ-દ્વેષના પરિણામ કરે, ચાહે તો સમ્યગ્દર્શન-જ્ઞાનના પરિણામ કરે; તે તે પરિણામ જીવ પોતે કરે છે અને પોતે પોતાના પરિણામનો કર્તા છે. પોતાના પરિણમનમાં કોઈ અન્યનો હસ્તક્ષેપ નથી અને કોઈ અન્યના પરિણામ પોતે કરતો નથી. અજ્ઞાની અજ્ઞાનભાવે રાગ-દ્વેષનો કર્તા થાય છે અને જ્ઞાની જ્ઞાનભાવે જ્ઞાનનો કર્તા થાય છે. જડ પરમાણુઓનો-કર્મનો કર્તા જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. જડ કર્મ પોતે પોતાના સામર્થ્યથી પરિણમે છે અને જીવ પણ પોતે પોતાના સામર્થ્યથી પરિણમે છે.
કોઈ પણ પળે કોઈ સંયોગી ચીજથી જીવમાં પરિણમન થાય છે એમ નથી. મિથ્યાત્વના જે પરિણામ થાય છે તે પોતાના કારણે થાય છે, કોઈ કુગુરુના કારણે એ પરિણામ થાય છે એમ નથી. તેવી રીતે સમ્યક્ત્વના પરિણામ જે થયા છે તે સહજ પોતાથી થયા છે, કોઈ સુગુરુના કારણે એ પરિણામ થયા છે એમ નથી. અન્ય નિમિત્તથી જીવમાં કાર્ય થાય એમ ત્રણકાળમાં નથી. પોતાની પરિણમનશક્તિથી પોતામાં પોતાનું કાર્ય થાય છે. અહાહા...! આનું જ નામ અનેકાન્ત છે કે પોતે પોતાથી પરિણમન કરે છે, પરથી કદીય નહિ. ભાઈ! એક પણ સિદ્ધાંત યથાર્થ બેસી જાય તો સર્વ ખુલાસો-સમાધાન થઈ જાય એવી આ વાત છે. પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે, કોઈ દ્રવ્યની પર્યાય કોઈ અન્ય દ્રવ્ય કરી શકે એ વાત ત્રણકાળમાં શકય નથી.
જીવમાં નિર્વિઘ્ન પરિણમનશક્તિ છે. મતલબ કે જીવની પરિણમનશક્તિ કોઈ અન્યના આશ્રયે નથી. જીવ નિર્મળ કે મલિન ભાવે પરિણમે ત્યાં તેની નિર્મળ કે મલિન પર્યાય પોતાથી થાય છે, પરથી-કર્મથી નહિ. તેમ પરમાણુ જે પલટે તે પોતાની પરિણમનશક્તિથી પલટે છે, આત્માથી તે પલટતા નથી. પ્રત્યેક પદાર્થમાં અનાદિ-અનંત પરિણામસ્વભાવ છે, તેથી પ્રતિસમય તે પોતાથી પરિણમે છે, પરથી નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે.
આ વેપારધંધાનાં કામ આત્મા કરી શક્તો નથી એમ કહે છે. કોઈ પણ જીવ કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ કાળે પોતાની પર્યાયની પરિણતિનો કર્તા છે, પણ પરની પરિણતિનો કોઈ પણ ક્ષેત્રે, કોઈ પણ કાળે કોઈ જીવ કર્તા નથી.
આ પગ ચાલે છે તે તેની પરિણમનશક્તિથી ચાલે છે, જીવને લઈને નહિ. જીવ તો જીવના પોતાના પરિણમનને કરે છે. જીવ જીવના પરિણમનમાં સ્વતંત્ર છે અને પર પરના પરિણમનમાં સ્વતંત્ર છે. કોઈનું પરિણમન કોઈ પરના આશ્રયથી થાય છે એવી વસ્તુસ્થિતિ જ નથી. અહો! વીતરાગનું તત્ત્વ આવું અત્યંત સૂક્ષ્મ અને હિતકારી છે!
‘જીવ પણ પરિણામી છે; તેથી પોતે જે ભાવરૂપે પરિણમે છે તેનો કર્તા થાય છે.’
પરમાણુ પરિણામસ્વભાવી છે એ વાત આગળ આવી ગઈ. હવે કહે છે કે જીવ
PDF/HTML Page 1283 of 4199
single page version
પણ પરિણામસ્વભાવી છે. ચાહે તો જ્ઞાનાનંદભાવે પરિણમે, ચાહે તો રાગાદિભાવે પરિણમે; પોતે જે ભાવરૂપે પરિણમે તે ભાવનો તે કર્તા થાય છે. જીવ રાગભાવે પરિણમે ત્યારે જે કર્મબંધન થાય તે કર્મબંધનની પર્યાયનો કર્તા જીવ નથી, તે કર્મબંધનની પર્યાયનો કર્તા તે કર્મના પરમાણુ છે. તે કર્મ પોતાના પરિણમનથી બંધાય છે. આત્મા રાગ-દ્વેષના ભાવ જે પોતામાં કરે છે તેનો તે પોતે કર્તા છે, પણ જડ કર્મની પર્યાયનો આત્મા કર્તા નથી.
જ્ઞાની જ્ઞાનભાવનો કર્તા છે, રાગ-દ્વેષનો નહિ; અજ્ઞાની રાગ-દ્વેષનો કર્તા છે, અને પરમાણુ જડકર્મનો કર્તા છે; જ્ઞાની કે અજ્ઞાની કોઈ જડકર્મનો કર્તા નથી. આ પ્રમાણે જીવ જે ભાવરૂપે પોતે પરિણમે છે તે ભાવનો તે કર્તા થાય છે.
PDF/HTML Page 1284 of 4199
single page version
तथाहि–
णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स।। १२६ ।।
ज्ञानिनः स ज्ञानमयोऽज्ञानमयोऽज्ञानिनः।। १२६ ।।
જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છેઃ-
તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય અજ્ઞાનીનો. ૧૨૬.
ગાથાર્થઃ– [आत्मा] આત્મા [यं भावम्] જે ભાવને [करोति] કરે છે [तस्य कर्मणः] તે ભાવરૂપ કર્મનો [सः] તે [कर्ता] કર્તા [भवति] થાય છે; [ज्ञानिनः] જ્ઞાનીને તો [सः] તે ભાવ [ज्ञानमयः] જ્ઞાનમય છે અને [अज्ञानिनः] અજ્ઞાનીને [अज्ञानमयः] અજ્ઞાનમય છે.
ટીકાઃ– આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે (અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે). તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.
ભાવાર્થઃ– જ્ઞાનીને તો સ્વપરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.
જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કર્તા છે એમ હવે કહે છેઃ-
PDF/HTML Page 1285 of 4199
single page version
‘આ રીતે આ આત્મા સ્વયમેવ પરિણામસ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ-કર્મપણાને પામેલાનો-કર્તા તે થાય છે (અર્થાત્ તે ભાવ આત્માનું કર્મ છે અને આત્મા તેનો કર્તા છે.)’
પ્રત્યેક આત્મા સ્વયમેવ એટલે નિશ્ચયથી પરિણામસ્વભાવી છે. સ્વયં બદલવાના સ્વભાવવાળો છે તોપણ પોતાના જે ભાવને કરે છે તે ભાવનો જ તે કર્તા થાય છે. જે ભાવરૂપે પોતે પરિણમે છે તે ભાવનો તે કર્તા થાય છે અને તે ભાવ તેનું કર્મ નામ કાર્ય છે. અહીં કર્મ એટલે જડકર્મની વાત નથી.
આત્મા જે પરિણામ કરે છે તે એનું કર્મ નામ કાર્ય છે, અને પોતે તેનો કર્તા છે. અહા! ભાષા તો ખૂબ સાદી છે પણ ભાવ ખૂબ ગંભીર છે. આ માથે ટોપી પહેરેલી છે તે અવસ્થારૂપે ટોપીના પરમાણુઓ પરિણમન કરવાથી ટોપી માથા ઉપર રહી છે; આત્માથી ટોપી માથા ઉપર રહી નથી. આત્મા તો આત્માના પરિણામનો કર્તા છે, ટોપીની અવસ્થાનો નહિ. ખૂબ ગંભીર વાત!
જુઓ, વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો આ હુકમ છે. ગણધરો અને ઇન્દ્રોની વચ્ચે પરમાત્મા દિવ્યધ્વનિ દ્વારા જે ફરમાવતા હતા તે વાત અહીં આવી છે. ભગવાન કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં ગયા હતા અને સીમંધર પરમાત્માની વાણી તેમણે સાક્ષાત્ સાંભળી હતી. ત્યાંથી ભરતક્ષેત્રમાં આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તેઓ કહે છે-ભગવાનનો હુકમ છે કે પ્રત્યેક આત્મા પોતાના જે ભાવને કરે છે તે ભાવનો પોતે કર્તા છે અને તે ભાવ તેનું કર્મ કહેતાં કાર્ય છે. હવે કહે છે-
‘તે ભાવ જ્ઞાનીને જ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે (સર્વ પરદ્રવ્યભાવોથી) ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.’
શું કહ્યું? ધર્મી સમ્યક્દ્રષ્ટિ જીવ જેને એક જ્ઞાયકભાવ હું છું એવો અંતરમાં અનુભવ થયો છે એવા જ્ઞાનીને જે પરિણામ થાય તે જ્ઞાનમય જ છે. અહાહા...! ધર્મીને સમ્યગ્દર્શન- જ્ઞાન-ચારિત્રના જે પરિણામ થાય છે તે જ્ઞાનમય જ છે. જ્ઞાનીના તે પરિણામ આત્મામય- ચૈતન્યમય જ હોય છે અને તે પરિણામનો જ્ઞાની કર્તા છે. પરંતુ દયા, દાન, વ્રત આદિ રાગના પરિણામનો જ્ઞાની કર્તા નથી.
ભાઈ! આ બધા કરોડપતિ છે તે ધૂળના પતિ છે. આ પૈસા (ધન) આવે-જાય તે પરમાણુની પર્યાય છે. આત્મા તેનો કર્તા નથી. તારા પ્રયત્નથી તે આવે-જાય છે એમ નથી. કોઈ એમ માને કે હું પૈસા કમાઉં છું અને યથેચ્છ (દાનાદિમાં) વાપરું છું
PDF/HTML Page 1286 of 4199
single page version
તો એવું માનનાર જીવ મૂઢ અજ્ઞાની છે, કેમકે પૈસાના પરિણામનો કર્તા તે પૈસા (પૈસાના પરમાણુ) છે. અરે! આ હાથને હું હલાવું છું એમ જે માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. પરમાણુમાં પરિણમનશક્તિ છે તો તેના પરિણમનથી હાથ હાલે છે; તે જડના પરિણામનો કર્તા આત્મા કદીય નથી.
પોતાને પરનો કર્તા માને તે બધા મૂર્ખ-પાગલ છે. કુંદકુંદાચાર્યદેવ અને અમૃતચંદ્રાચાર્યદેવ કેવળી ભગવાનના આડતિયા થઈને માલ બતાવે છે કે ભાઈ! જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ છે. ધર્મી જીવના શ્રદ્ધા-જ્ઞાન અને શાન્તિના બધા વીતરાગી પરિણામ હોય છે અને તે બધા જ્ઞાનમય જ છે. શરીરના જે પરિણામ થાય તે જ્ઞાનીના પરિણામ નથી. તથા દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે શુભભાવના પરિણામ થાય તે પણ જ્ઞાનીના પરિણામ નથી. સ્વ અને પરને (રાગાદિને) જાણવારૂપ જે ચૈતન્યના જાણવા-દેખવાના પરિણામ થાય છે તે જ્ઞાનીનું કાર્ય છે અને તે જ્ઞાનમય પરિણામનો જ્ઞાની કર્તા છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્મા જેની દ્રષ્ટિમાં આવ્યો તેવા જ્ઞાનીના સમ્યક્ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પરિણામમાં રાગાદિ અજ્ઞાનમય પરિણામ નથી.
આ માસિક (આત્મધર્મ) બહાર પડે છે તેના અક્ષરો હું લખું છું એમ જો કોઈ માને તો તે મૂઢ જીવ છે. અક્ષરના પરમાણુથી તે પર્યાય થાય છે, તેને બીજો કરે છે અર્થાત્ બીજો અક્ષર લખે છે તે તદ્ન ખોટી વાત છે. અજ્ઞાની પોતાને પરનો કર્તા માને છે તે તેનું મિથ્યા અભિમાન છે. બીજાની હું રક્ષા કરું છું, બીજાને સુખી કરું છું, બીજાને હું મદદ કરું છું એમ માનનાર મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. પરનું કાર્ય હું કરું છું એવા મિથ્યા પરિણામ જ્ઞાનીને હોતા નથી. તથા પોતાની પર્યાયમાં જે રાગાદિ ભાવ થાય તે મારું કર્તવ્ય (કાર્ય) છે એમ પણ જ્ઞાની માનતા નથી. ચક્રવર્તી સમકિતીને છ ખંડનું રાજ્ય હોય, ૯૬૦૦૦ રાણીઓના વૃંદમાં અને તત્સંબંધી રાગમાં તે ઊભો હોય તોપણ તે પરિણામોનો કર્તા હું છું એમ તેઓ માનતા નથી. ઝીણી વાત છે, ભાઈ! હું તો જ્ઞાનાનંદસ્વભાવી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છું એમ જ્ઞાની માને છે. અહા! શુદ્ધ ચૈતન્યના લક્ષે ઉત્પન્ન થયેલા શ્રદ્ધા-જ્ઞાન-શાંતિ-સ્વચ્છતા-વીતરાગતારૂપ ધર્મીના પરિણામ જ્ઞાનમય જ હોય છે એમ કહે છે.
અરે! ચોરાસી લાખ યોનિમાંથી એક-એક યોનિમાં જીવ અનંત-અનંતવાર જન્મ-મરણ કરી ચૂકયો છે! પોતાના શુદ્ધ ચિદાનંદમય ભગવાનને ભૂલી જઈને પરને પોતાના માનવારૂપ મિથ્યાત્વના કારણે અનાદિ કાળથી જીવ મહા દુઃખકારી ભવભ્રમણ કરી રહ્યો છે. અરે ભાઈ! જે પોતાનું નથી તેને પોતાનું માનવું તે મિથ્યાત્વ છે અને તે મિથ્યાત્વના ફળરૂપે તું અનાદિથી જન્મ-મરણરૂપ સંસારમાં રખડે છે.
PDF/HTML Page 1287 of 4199
single page version
અહીં કહે છે કે જ્ઞાનીને તો જ્ઞાનમય પરિણામ છે. ભગવાનની ભક્તિના જે પરિણામ થાય કે શાસ્ત્ર-સ્વાધ્યાયના-શાસ્ત્ર વાંચવા-સાંભળવાના જે વિકલ્પ ઊઠે તે જ્ઞાનીના પરિણામ નથી. ઝીંણી વાત છે પ્રભુ! ધર્મીના તો ધર્મ-પરિણામ જ હોય છે. વીતરાગી શાંતિ અને (અતીન્દ્રિય) જ્ઞાન અને આનંદના પરિણામ જે થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તે પરિણામનો જ્ઞાની કર્તા છે.
આ પુસ્તક બનાવવાં, વેચવાં ઇત્યાદિ બધી જડની-પરની પર્યાય છે. એ પરની પર્યાય તો જે થવાની હોય તે તેનાથી પોતાથી થાય છે. એ પરનું કાર્ય તો આત્મા કરતો નથી, પરંતુ જ્ઞાનીને જે તત્ત્વપ્રચારનો, બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ આવે છે તે વિકલ્પનો પણ જ્ઞાની કર્તા નથી. (કેમકે વિકલ્પ-રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે અને જ્ઞાનીને તો જ્ઞાનમય જ ભાવ હોય છે).
સંપ્રદાયમાં તો આખી લાઈન અવળે પાટે છે. મૂળ સત્ય શું છે તેને શોધવાની કોને દરકાર છે? બસ જેમાં (જે સંપ્રદાયમાં) પડયા તે વાત જ સાચી છે એમ માનીને બેસી જાય છે. પણ એનું ફળ બહુ દુઃખરૂપ આવશે ભાઈ! અહીં કહે છે કે ધર્મી જીવ પરની પર્યાયનો તો કર્તા નથી પણ તત્સંબંધી જે રાગ થાય છે તે રાગનો પણ કર્તા નથી. ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવી વસ્તુ છે, તેથી તે સર્વને જાણે એવું તેનું સ્વરૂપ છે, પણ સર્વને કરે એવું તેનું સ્વરૂપ નથી. પોતાના સર્વજ્ઞસ્વભાવી શુદ્ધ આત્માની જેને દ્રષ્ટિ થઈ છે એવો ધર્મી જીવ સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયનો કર્તા છે પણ પરનો અને રાગનો કર્તા નથી કેમકે પરને અને રાગને કરે એવો આત્માનો સ્વભાવ નથી.
પરમાણુ અને આત્મા જેમ અનાદિના ધ્રુવ છે તેમ તેમાં પરિણમન પણ અનાદિનું છે. વસ્તુનો પરિણમનસ્વભાવ છે ને તેથી તેમાં પરિણમન અનાદિનું છે. અહીં કહે છે કે જ્ઞાનીનું વર્તમાન પરિણમન (સમ્યક્) જ્ઞાન અને શ્રદ્ધાનરૂપ છે અને તે જ્ઞાનમય પરિણમન છે. સમ્યગ્દર્શન થતાં ધર્મીને એવો નિશ્ચય થયો છે કે હું અખંડ એકરૂપ ચિદાનંદઘનસ્વરૂપ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છું. અહાહા...! ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વરૂપના લક્ષે ધર્મીને જ્ઞાનમય, શ્રદ્ધામય, શાંતિમય, સ્વચ્છતામય, પ્રભુતામય, વીતરાગતામય પરિણમન થાય છે. જેવો આત્મા પોતે વીતરાગસ્વરૂપ છે તેવું તેની પર્યાયમાં વીતરાગતાનું પરિણમન થાય છે અને એ જ ધર્મીનું સાચું પરિણમન છે.
પ્રશ્નઃ– નિશ્ચય સમ્યગ્દર્શન છે તે સરાગ સમ્યગ્દર્શન છે કે કેમ?
ઉત્તરઃ– ના, એમ નથી. જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ આત્મા છે, તેથી સ્વરૂપના લક્ષે ચોથા ગુણસ્થાને જે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે તે પણ વીતરાગરૂપ જ છે. કહ્યું છે ને કે-
PDF/HTML Page 1288 of 4199
single page version
ભગવાન આત્મા જિનસ્વરૂપ છે. તેથી તેના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્ધાનની પર્યાય પ્રગટ થાય તે જિનસ્વરૂપ એટલે વીતરાગરૂપ જ હોય છે. સ્વરૂપના શ્રદ્ધાનરૂપ ચોથે ગુણસ્થાને જે સમ્યગ્દર્શન હોય છે તે વીતરાગી જ પર્યાય છે. સરાગ સમકિત-એવું જ્યાં કહ્યું છે ત્યાં તો સમકિતીને જે ચારિત્રના દોષરૂપ સરાગ પરિણામ છે તે બતાવવા માટે કહ્યું છે, બાકી સમકિત તો વીતરાગી જ પર્યાય છે.
અરે ભાઈ! અનંતકાળે આવું (દુર્લભ) મનુષ્યપણું મળે છે. ઉપરાઉપરી વધારેમાં વધારે આઠ વખત મનુષ્યપણું મળે, પછી નવમા ભવે કાં તો મોક્ષ થાય, કાં તો નિગોદમાં જાય. અરેરે! એને પોતાની દરકાર નથી! એને પોતાની દયા નથી! પરની દયા તો કોણ પાળી શકે છે?
સર્વજ્ઞ ભગવાને સર્વ જીવોનો જેવો સર્વજ્ઞસ્વભાવ જ્ઞાનમાં દેખ્યો છે એવો પોતાનો સર્વજ્ઞસ્વભાવ સમ્યગ્દ્રષ્ટિને દેખવામાં-પ્રતીતિમાં આવે છે, તેથી જિન સર્વજ્ઞ વીતરાગ સ્વભાવને દેખનારી દ્રષ્ટિ વીતરાગી પર્યાય છે. જ્ઞાનીના જ્ઞાનમય પરિણામ છે એનો અર્થ એમ છે કે જ્ઞાનીના વીતરાગતામય પરિણામ છે. જ્ઞાનીને વીતરાગી દ્રષ્ટિ, વીતરાગી જ્ઞાન અને વીતરાગી આચરણ થયું હોય છે. જ્ઞાનીના સર્વ ભાવ વીતરાગી છે, તેથી જ્ઞાની વીતરાગ ભાવના કર્તા છે અને વીતરાગી ભાવ એનું કર્મ છે.
અત્યારે તો ચારે બાજુ ધર્મના નામે મોટા ગડબડ-ગોટા ચાલે છે. વાણિયાને કમાવા આડે નવરાશ નથી એટલે સત્ય-અસત્યની કસોટી કયારે કરે? બિચારાઓને ખબર નથી કે કમાઈને ક્રોડપતિ થાય તોય તે ધૂળપતિ છે. અને આત્મા? આત્મા તો જેની સંખ્યાનો પાર નથી એવા અનંત-અનંત ગુણોનો ભંડાર એવો ભગવાન છે. એ બધા ગુણો નિર્મળ વીતરાગી સ્વભાવે છે. આવા વીતરાગસ્વભાવી આત્માનું ભાન થતાં તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. અહો! જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ છે એટલા શબ્દોમાં તો ખૂબ ગંભીર ભાવ ભર્યા છે. જ્ઞાની વીતરાગ ભાવનો કર્તા છે પણ વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય તેનો જ્ઞાની કર્તા નથી. જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ છે. વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય તેને જ્ઞાની જાણે પણ એ રાગ કાંઈ જ્ઞાનીનું કાર્ય નથી.
ભાઈ! આ કોઈ લૌકિક વાર્તા નથી. આ તો ચૈતન્યનો નાથ એવા ભગવાન આત્માની કથા છે. વીતરાગ સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્માની અકષાય કરુણાથી જે દિવ્ય વાણી નીકળી તેમાં જે વાત આવી તેને સંતો જગત પાસે જાહેર કરે છે. કહે છે-પ્રભુ! તું વીતરાગસ્વભાવે રહેલા અનંત-અનંત નિર્મળ ગુણોનો એકરૂપ પિંડ છો. રાગ કરે એવો કોઈ ગુણ તારામાં નથી. દયા પાળવી, ભક્તિ કરવી, પૂજા કરવી ઇત્યાદિ રાગને
PDF/HTML Page 1289 of 4199
single page version
રચે એવો કોઈ ગુણ તારામાં નથી. અહાહા...! તું આત્મા જિનસ્વરૂપ વીતરાગરૂપ છે. એની દ્રષ્ટિ કરતાં જે વીતરાગી પર્યાય પ્રગટે તે તારું કાર્ય છે અને તેનો તું કર્તા છો. વીતરાગસ્વભાવી આત્મા કર્તા અને વીતરાગી પર્યાય એનું કાર્ય એમ કહેવું એ વ્યવહારનય છે. ખરેખર તો વીતરાગી પર્યાયનો કર્તા તે વીતરાગી પર્યાય પોતે છે. આવો વીતરાગનો માર્ગ ખૂબ ગહન છે, ભાઈ! જે વાણીને એકાવતારી ઇન્દ્રો અને ગણધરો કાન દઈને સાંભળે તે વાણીની ગંભીરતાની શી વાત! ધન્ય એ વાણી અને ધન્ય એ શ્રોતા!
પહેલો સૌધર્મ સ્વર્ગ નામનો દેવલોક છે. તેમાં ૩૨ લાખ વિમાન છે. એકેક વિમાનમાં ક્રોડો અપ્સરા અને અસંખ્ય દેવ છે. તે બધાનો સ્વામી સૌધર્મ ઇન્દ્ર એક ભવ કરીને મોક્ષ જવાનો છે. ઇન્દ્ર અને ઇન્દ્રાણી બન્ને ક્ષાયિક સમકિતી છે. તે એમ જાણે છે કે-આ સ્વર્ગના વૈભવ તે મારી ચીજ નથી. હું છું ત્યાં એ વૈભવ નથી અને એ વૈભવ છે ત્યાં હું નથી. આ બત્રીસ લાખ વિમાન મારાં નહિ. અરે, દેવ અને ગુરુ એ પણ મારી ચીજ નહિ કેમકે એ સર્વ પરદ્રવ્ય છે. અહાહા...! હું તો ચૈતન્યસ્વભાવમય પ્રભુ છું અને ચૈતન્યની પ્રભુતારૂપે પરિણમું એ મારું કાર્ય છે. જુઓ, જ્ઞાની તો જ્ઞાનમય ભાવનો કર્તા છે-એની આ વ્યાખ્યા ચાલે છે. ધર્મી એને કહેવાય કે જેના પરિણામ ધર્મમય, વીતરાગતામય હોય. વીતરાગી પરિણામ એ ધર્મીનું કાર્ય અને વીતરાગભાવનો તે કર્તા છે. ભાઈ! મહાપુણ્ય હોય તો આવી વાત સાંભળવા મળે અને અંતરમાં જાગ્રત થાય એ તો કોઈ અલૌકિક ચીજ છે.
કર્તાનું જે કાર્ય છે તે ભાવ જ્ઞાનીના જ્ઞાનમય જ છે. અહાહા...! જ્ઞાનમય અને આનંદમય જે ભાવ પ્રગટ થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તેના જ્ઞાની કર્તા છે. ગજબ વાત છે! અહીં એમ કહેવા માગે છે કે જ્ઞાનમય ભાવમાં રાગમય ભાવ નથી. એટલે જ્ઞાનીને સરાગ સમકિત હોય છે એમ કોઈ માને તો તે યથાર્થ નથી. આત્મા વીતરાગ-સ્વરૂપ છે અને એની વ્યક્તતા પણ વીતરાગસ્વરૂપ હોય છે; તેમાં રાગની વ્યક્તતા હોતી નથી.
જ્ઞાનીને જે કમજોરીનો રાગ આવે છે તેના તે જ્ઞાતાદ્રષ્ટા રહીને પોતે વીતરાગભાવમાં રહે છે; રાગમાં જ્ઞાની રહેતા નથી. આવો જ વીતરાગનો માર્ગ છે. આ સિવાય બધા ઉન્માર્ગ છે. અહા! જગતને રાગની-સંસારની હોંશ છે, જ્ઞાનીને રાગની હોંશ હોતી નથી. અજ્ઞાનીનો ઉત્સાહ રાગમાં-વિકારમાં અને પરમાં હોય છે, જ્યારે જ્ઞાનીનો ઉત્સાહ આત્મામાં હોય છે. જ્ઞાનીનો ઉત્સાહ સ્વરૂપસન્મુખતાનો હોય છે. સ્વરૂપ તો વીતરાગરૂપ છે; માટે સ્વરૂપસન્મુખ થતાં જે શ્રદ્ધા-જ્ઞાન પ્રગટ થયાં તે વીતરાગી જ હોય છે. ધર્મીને સ્વરૂપના લક્ષે જે આચરણ પ્રગટ થાય તે પણ વીતરાગી પર્યાય છે. આ પ્રમાણે જ્ઞાનીના જે ભાવ છે તે જ્ઞાનમય જ હોય છે, કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે.
PDF/HTML Page 1290 of 4199
single page version
જ્ઞાનીને સમ્યક્ પ્રકારે-એટલે ધારણાથી નહિ પણ સ્વરૂપના લક્ષે-સાચો વિવેક પ્રગટ થયો છે. હું સર્વ પરદ્રવ્યભાવોથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આનંદમૂર્તિ ભગવાન આત્મા છું- એમ સ્વપરની ભિન્નતાનો સમ્યક્ પ્રકારે જ્ઞાનીને વિવેક પ્રગટ થયો છે. અહાહા...! શરીર, મન, વાણી, કુટુંબ એ બધાં પરદ્રવ્ય છે એ વાત તો ઠીક; આ દયા, દાન, ભક્તિ આદિનો જે શુભરાગ થાય છે તે પણ પરદ્રવ્ય છે, એ સર્વથી ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ છે-એમ ભિન્ન આત્માની ખ્યાતિ જ્ઞાનીને અત્યંત ઉદય પામી છે. આ ટીકાનું નામ આત્મખ્યાતિ છે. ધર્મીને આત્મખ્યાતિ- આત્મપ્રસિદ્ધિ પ્રગટ થઈ છે તેથી તેના જે ભાવ છે તે જ્ઞાનમય જ હોય છે.
અજ્ઞાનીને સમયે-સમયે વિકારની પ્રસિદ્ધિ થયા કરે છે. સમ્યગ્દર્શન એટલે આત્મ- ખ્યાતિ પોતાથી પ્રસિદ્ધ થાય છે, કોઈ પાસેથી મળતી નથી. પોતાથી પ્રગટ થાય ત્યારે ગુરુગમથી પ્રગટ થઈ એમ નિમિત્તની મુખ્યતાથી કહેવામાં આવે છે. ભગવાન ત્રણલોકના નાથ સમોસરણમાં બિરાજે છે. તેમની જે દિવ્યધ્વનિ છૂટે છે તે ઇન્દ્રિય છે. ભગવાનની વાણી ઇન્દ્રિયનો વિષય હોવાથી ઇન્દ્રિય છે એ વાત ગાથા ૩૧ માં આવી ગઈ છે. ભાઈ! એ ઇન્દ્રિય પ્રત્યે તારું લક્ષ જશે તો રાગ ઉત્પન્ન થશે. અહાહા...! ભગવાન એમ કહે છે કે અમારા પ્રતિ અને દિવ્યધ્વનિ પ્રતિ તારું લક્ષ જશે તો તને ચૈતન્યની ગતિ ન થતાં દુર્ગતિ એટલે રાગ થશે. નિમિત્તનું લક્ષ છોડી અંતરસ્વભાવમાં એકાગ્ર થતાં જે નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રના પરિણામ થાય તે જ્ઞાનીનું કાર્ય છે અને તેના જ્ઞાની કર્તા છે. જ્ઞાનીને દેવ-ગુરુ-શાસ્ત્ર સંબંધી રાગ આવે છે પણ તે રાગ જ્ઞાનીનું કાર્ય નથી, જ્ઞાની તો તે રાગના જ્ઞાતામાત્ર છે, કર્તા નથી.
ધર્મીને સમ્યક્ પ્રકારે ભિન્ન આત્માનું ભાન પ્રગટ થયું છે. હું તો એક શુદ્ધ ચૈતન્ય છું, આનંદ છું, શાંત છું, વીતરાગ છું, સ્વચ્છ છું-આવી આત્મખ્યાતિ અત્યંત ઉદય પામી છે તેથી જ્ઞાનીના સર્વ ભાવ જ્ઞાનમય જ છે. અને તે ભાવ અજ્ઞાનીને તો અજ્ઞાનમય જ છે કારણ કે તેને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે.
ભગવાન આત્મા રાગથી ભિન્ન છે એવો વિવેક અજ્ઞાનીને નથી. તેથી ભિન્ન આત્માની ખ્યાતિ તેને અત્યંત અસ્ત થઈ ગઈ છે. એ કારણે અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય જ છે. અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય એટલે રાગમય, પુણ્ય-પાપમય હોય છે. પરનું કાર્ય તો અજ્ઞાની કાંઈ કરતો નથી. પરંતુ કર્તા થઈને અજ્ઞાની અજ્ઞાનભાવ એટલે કે પુણ્ય-પાપરૂપ શુભાશુભ રાગ-દ્વેષના ભાવને કરતો હોય છે અને તે ભાવ અજ્ઞાનીનું કાર્ય છે. પરનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. જ્ઞાની જ્ઞાનમય ભાવનો કર્તા છે અને અજ્ઞાની અજ્ઞાનનો એટલે રાગદ્વેષાદિ ભાવનો જ કર્તા છે. આ પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીના ભાવની અત્યંત ભિન્નતા છે.
PDF/HTML Page 1291 of 4199
single page version
‘જ્ઞાનીને તો સ્વ-પરનું ભેદજ્ઞાન થયું છે તેથી તેને પોતાના જ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે; અને અજ્ઞાનીને સ્વ-પરનું ભેદજ્ઞાન નથી તેથી તેને અજ્ઞાનમય ભાવનું જ કર્તાપણું છે.’
જેને રાગ અને વિકલ્પથી પોતાનો ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવ ભિન્ન છે એવું ભેદજ્ઞાન થયું છે તેને જ્ઞાની કહે છે. આવો જ્ઞાની પોતાના જ્ઞાનમય ભાવનો જ કર્તા છે.
જ્ઞાન અને આનંદ એ આત્માનો સ્વભાવ છે. અને પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ છે તે રાગ છે, વિભાવ છે. આ સ્વભાવ-વિભાવની ભિન્નતાનું સમ્યક્ પ્રકારે જેને જ્ઞાન થાય તે જ્ઞાની છે. તે જ્ઞાની પોતાના જ્ઞાન, શ્રદ્ધાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા-એવા નિર્મળ પરિણામનો કર્તા છે. તેના તે પરિણામ જ્ઞાનમય એટલે વીતરાગતા- મય છે. તેમાં રાગ નથી. ચોથે ગુણસ્થાને સમકિતી રાગથી ભિન્ન એવા પોતાના શુદ્ધ પરિણામનો કર્તા છે.
પ્રશ્નઃ– જ્ઞાનીને યથાપદવી રાગ આવે છે ને?
ઉત્તરઃ– હા, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ, પૂજા, વ્રત, દાન ઇત્યાદિનો જ્ઞાનીને યથા-પદવી રાગ આવે છે પણ જ્ઞાનભાવે પરિણમતા જ્ઞાનીના જ્ઞાનપરિણમનથી તે રાગ ભિન્ન રહી જાય છે. રાગથી પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે એવું ભેદજ્ઞાન પ્રગટ થયું હોવાથી જ્ઞાની જે શુભાશુભ રાગ આવે છે તેનો જ્ઞાતા રહે છે, જાણનાર રહે છે પણ તેનો કર્તા થતો નથી. જે રાગ આવે તેનાં જ્ઞાનીને રુચિ અને સ્વામિત્વ નથી. રાગના સ્વામિત્વપણે નહિ પરિણમતો એવો જ્ઞાની પોતાના શુદ્ધ પરિણામનો જ કર્તા છે. જ્ઞાનીના જ્ઞાનમય જ ભાવ છે, જે રાગ આવે તે કાંઈ જ્ઞાનીનું કર્તવ્ય નથી.
ધર્મી તેને કહીએ કે જેને પોતાના નિર્મળ જ્ઞાન અને આનંદનું ધ્રુવધામ એવા ચિદાનંદસ્વરૂપ પરમાત્માનું ધ્યાન પ્રગટ થયું છે. અહાહા...! પોતાનું શુદ્ધ ચૈતન્ય ધ્રુવધામ જેને દ્રષ્ટિમાં આવ્યું, અનુભૂતિમાં આવ્યું તે જ્ઞાની છે. આવા જ્ઞાનીનું જ્ઞાન દયા, દાન, વ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડી ગયું છે તેથી જ્ઞાનીના પરિણામ જ્ઞાનમય જ છે અને તે જ્ઞાનમય પરિણામનો જ્ઞાની કર્તા છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન અનંતગુણમય પવિત્રધામ પ્રભુ પોતે સ્વ છે અને દયા, દાન, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે તે પર છે-એવું સ્વપરનું નિર્મળ ભેદજ્ઞાન અજ્ઞાનીને હોતું નથી. સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે અજ્ઞાનમયભાવનો કર્તા થાય છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે વિકલ્પ ઊઠે તેનો અજ્ઞાની કર્તા થાય છે. લ્યો, ૧૨૬ પૂરી થઈ.
PDF/HTML Page 1292 of 4199
single page version
किं ज्ञानमयभावात्किमज्ञानमयाद्भवतीत्याह–
अण्णाणमओ भावो अणाणिणो कुणदि तेण कम्माणि। णाणमओ णाणिस्स दु ण कुणदि तम्हा दु कम्माणि।। १२७ ।।
ज्ञानमयो ज्ञानिनस्तु न करोति तस्मात्तु कर्माणि।। १२७ ।।
જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છેઃ-
પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો, તેથી કરે નહિ કર્મને. ૧૨૭.
ગાથાર્થઃ– [अज्ञानिनः] અજ્ઞાનીને [अज्ञानमयः] અજ્ઞાનમય [भावः] ભાવ છે [तेन] તેથી અજ્ઞાની [कर्माणि] કર્મોને [करोति] કરે છે, [ज्ञानिनः तु] અને જ્ઞાનીને તો [ज्ञानमयः] જ્ઞાનમય (ભાવ) છે [तस्मात् तु] તેથી જ્ઞાની [कर्माणि] કર્મોને [न करोति] કરતો નથી.
ટીકાઃ– અજ્ઞાનીને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં (હોવાથી), સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મસ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે એવા પોતે ‘આ હું ખરેખર રાગી છું, દ્વેષી છું (અર્થાત્ આ હું રાગ કરું છું, દ્વેષ કરું છું)’ એમ (માનતો થકો) રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.
જ્ઞાનીને તો, સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક્ પ્રકારે સ્થિત) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથગ્ભૂતપણાને (ભિન્નપણાને) લીધે નિજરસથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી.
PDF/HTML Page 1293 of 4199
single page version
अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः।। ६६ ।।
ભાવાર્થઃ– આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે “આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તેજ મારું સ્વરૂપ છે-તેજ હું છું.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગીદ્વેષી કરે છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.
જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે “જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.” આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ કહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [ज्ञानिनः कुतः ज्ञानमयः एव भावः भवेत्] અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય [पुनः] અને [अन्यः न] અન્ય (અર્થાત્ અજ્ઞાનમય) ન હોય? [अज्ञानिनः कुतः सर्वः अयम् अज्ञानमयः] વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને [अन्यः न] અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય? ૬૬.
જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છેઃ-
‘અજ્ઞાનીને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નહિ હોવાને લીધે ભિન્ન આત્માની ખ્યાતિ અસ્ત થઈ ગઈ હોવાથી, અજ્ઞાનમય ભાવ જ હોય છે, અને તે હોતાં સ્વપરના એકત્વના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાંથી (આત્મ-સ્વરૂપમાંથી) ભ્રષ્ટ થયેલો, પર એવા રાગદ્વેષ સાથે એક થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે એવો પોતે ‘‘આ હું ખરેખર રાગી છું, દ્વેષી છું (અર્થાત્ હું રાગ કરું છું, દ્વેષ કરું છું)’’ એમ (માનતો થકો) રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.’
સૂક્ષ્મ વાત છે પ્રભુ! અનંતકાળમાં એણે (જીવે) નિર્મળ ભેદજ્ઞાન કર્યું નથી.
PDF/HTML Page 1294 of 4199
single page version
કળશ (૧૩૧) માં કહ્યું છે ને કે-
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
જે કોઈ આજ સુધીમાં મુક્તિ પામ્યા તે ભેદવિજ્ઞાનથી મુક્તિ પામ્યા છે. રાગથી પોતાનું ચૈતન્યસ્વરૂપ ભિન્ન છે એવા ભેદજ્ઞાનથી મુક્તિ પામ્યા છે. અને જે બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે. પોતે શુદ્ધ જ્ઞાયકભાવરૂપ ચિદાનંદમય આત્મા અને રાગ પરરૂપ મલિન દુઃખરૂપ વિભાવ-એ બેની એકતાબુદ્ધિથી બંધાયા છે અર્થાત્ ચારગતિરૂપ સંસારમાં રખડયા કરે છે.
અજ્ઞાનીને સમ્યક્ પ્રકારે સ્વપરનો વિવેક નથી. નવ તત્ત્વ કહ્યાં છે ને? એમાં આત્મ- તત્ત્વ ભિન્ન છે અને પુણ્ય-પાપ, આસ્રવ-બંધ તત્ત્વ ભિન્ન છે. દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ આસ્રવ અને બંધ તત્ત્વ છે અને ભગવાન આત્મા શુદ્ધજ્ઞાયક તત્ત્વ અબંધ તત્ત્વ છે. બન્ને ભિન્ન-ભિન્ન છે, પણ અજ્ઞાનીને સ્વપરનો-સ્વભાવ-વિભાવનો સમ્યક્ પ્રકારે વિવેક નથી. ‘સમ્યક્ પ્રકારે’-એમ કેમ કહ્યું? કે ધારણામાં તો એણે લીધું હતું કે રાગથી આત્મા ભિન્ન છે. અગિયાર અંગનો પાઠી થયો ત્યારે શાસ્ત્રની વાત ધારણામાં તો લીધી હતી કે રાગ છે તે પુણ્ય-પાપ તત્ત્વ છે, આસ્રવ-બંધ તત્ત્વ છે અને આત્મા એનાથી ભિન્ન જ્ઞાયક અબંધ તત્ત્વ છે. પણ સમ્યક્ પ્રકારે એટલે સ્વરૂપના લક્ષે એણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું નહિ. ગંભીર વાત છે ભાઈ! ભગવાન જિનેશ્વરદેવનો માર્ગ ખૂબ સૂક્ષ્મ છે.
દુનિયામાં બીજે કયાંય માર્ગની આવી વાત છે નહિ. અજ્ઞાનીને સમ્યક્ પ્રકારે તત્ત્વોની ભિન્નતાનો ઉપદેશ મળ્યો નથી. કદાચિત્ મળ્યો તો તેણે સમ્યક્ પ્રકારે સ્વપરની જુદાઈનું જ્ઞાન કર્યું નથી. રાગની ક્રિયા અને સ્વભાવની ક્રિયા બે ભિન્ન છે એવું શુદ્ધ ચૈતન્યના લક્ષે રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન કર્યું નથી. આ પ્રમાણે સ્વભાવ-વિભાવની ભિન્નતાનું ભાન નહિ હોવાથી સ્વપરના વિવેકના અભાવને કારણે મિથ્યાદ્રષ્ટિને અનાદિકાળથી આત્માની ખ્યાતિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. અહાહા...! અજ્ઞાની જીવને ભિન્ન આત્માની-શુદ્ધ ચૈતન્યની પ્રસિદ્ધિ અત્યંત આથમી ગઈ છે અર્થાત્ તે (મોહભાવ વડે) અંધ થઈ ગયો છે.
જુઓ, આ માલ-માલ વાત છે. દેવાધિદેવ ભગવાન જિનેશ્વરદેવની આ વાણી છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ સીમંધર ભગવાન પાસે ગયા હતા અને ત્યાંથી આવીને આ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ કહે છે-ભગવાન આત્મા અનંતગુણનો પિંડ આનંદમૂર્તિ પ્રભુ સાક્ષાત્ પરમાત્મસ્વરૂપ છે. તેને ભૂલીને રાગમાં અહંબુદ્ધિ-એકતાબુદ્ધિ કરવાથી અજ્ઞાની જીવને આત્માની પ્રસિદ્ધિ અત્યંત અસ્ત થઈ ગઈ છે. રાગ, પુણ્ય અને પાપની પ્રસિદ્ધિ આડે
PDF/HTML Page 1295 of 4199
single page version
તેને આત્માની પ્રસિદ્ધિ અસ્ત થઈ ગઈ છે અર્થાત્ તે અંધ થઈ ગયો છે. તે રાગ અને પુણ્યને દેખે છે, પણ પોતાના શુદ્ધ ચૈતન્યસૂર્યને દેખતો નથી. પુણ્યના ફળમાં પાંચ-પચીસ ક્રોડની ધૂળ મળે એને અજ્ઞાની જીવ દેખે છે પણ પોતાના શુદ્ધ જ્ઞાયક તત્ત્વને દેખતો નથી. પુણ્ય-પાપના ભાવ મારા, એમ માનનારો તે એવો મોહાંધ બન્યો છે કે તે ચૈતન્ય મહાપ્રભુ શુદ્ધ આત્મદ્રવ્યને દેખતો નથી. તેથી તેને રાગાદિમય-અજ્ઞાનમય ભાવ જ હોય છે. રાગાદિ ભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં આત્માનાં જ્ઞાન અને આનંદ નથી. ચાહે ભગવાનની ભક્તિનો રાગ હો કે શાસ્ત્રના શ્રવણનો રાગ હો, રાગભાવ છે તે અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં જ્ઞાનનું કિરણ નથી, જ્ઞાનનો અંશ નથી. અહો! આચાર્યદેવે અદ્ભુત અલૌકિક વાત કરી છે!
ભાઈ! ભાગ્યવાન હોય તેને આ વાત રુચે એમ છે. સંસારનો જેને અંત કરવો છે તેના માટે આ વાત છે. ભગવાન આત્મા પુણ્ય-પાપના ભાવથી ભિન્ન છે. અજ્ઞાનીને ભિન્નનો ભાસ નથી, અનુભવ નથી. તેથી અંતરંગમાં આત્મા પ્રગટ પ્રસિદ્ધ હોવા છતાં, તેની પ્રસિદ્ધિનો તેને અભાવ થઈ ગયો છે. પરિણામે તેને રાગ જ પ્રસિદ્ધ છે. અજ્ઞાનીને પુણ્ય-પાપના ભાવ જ પ્રસિદ્ધ છે, માટે તેને અજ્ઞાનમય ભાવ જ હોય છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહામુનિ ભાવલિંગી દિગંબર સંત સ્વાનુભવની અતીન્દ્રિય આનંદની મસ્તીમાં ઝૂલી રહ્યા હતા. તેઓ કહે છે-જ્ઞાનીને જે રાગ આવે છે તેને, તે પોતાના જ્ઞાનસ્વરૂપમાં રહીને, પર તરીકે જાણે છે; રાગ મારો છે એમ તે જાણતા નથી. પોતાની ચીજમાં અને પોતાની નિર્મળ પરિણતિમાં જ્ઞાની રાગને ભેળવતા નથી તેથી તેને જ્ઞાનમય જ ભાવ છે. પરંતુ અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ મારા છે એમ માને છે, તેથી ભેદજ્ઞાનના અભાવે તેને આત્મ-પ્રસિદ્ધિ થતી નથી, પરંતુ રાગાદિ ભાવની જ પ્રસિદ્ધિ રહે છે. માટે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જ હોય છે. અજ્ઞાનમય એટલે (એકલું) મિથ્યાત્વ એમ અર્થ નથી. રાગાદિ ભાવમાં ચૈતન્યનો-જ્ઞાનનો અંશ નથી તેથી પુણ્ય-પાપમય રાગાદિ ભાવને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા છે. હવે કહે છે-
અજ્ઞાનમય ભાવ હોવાથી, સ્વપરની એકતાના અધ્યાસને લીધે જ્ઞાનમાત્ર એવા પોતાના આત્મસ્વરૂપમાંથી અજ્ઞાની ભ્રષ્ટ થયેલો છે. પોતે આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ છે અને રાગ અજ્ઞાન અને આકુળતારૂપ દુઃખસ્વરૂપ છે; આ બંનેની એકતાનો અજ્ઞાનીને અધ્યાસ છે. બેની એકતાની તેને ટેવ પડી ગઈ છે. અનાદિથી સ્વપરની એકતાની વાત તેણે સાંભળી છે, તેનો જ એને પરિચય છે અને તેનો જ એને અનુભવ છે તેથી તે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ભ્રષ્ટ થઈ ગયો છે. જુઓ, આ કોઈના ઘરની વાત નથી, કે સોનગઢની આ વાત નથી. આ તો ભગવાનની કહેલી વાત ભગવાન કુંદકુંદાચાર્યદેવે અને અમૃતચંદ્રાચાર્યદેવે જગત પાસે જાહેર કરી છે.
ભગવાન આત્મા જાણન-દેખનસ્વભાવરૂપ જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ છે. અહાહા...! આત્મા
PDF/HTML Page 1296 of 4199
single page version
અનાદિ સામાન્ય જ્ઞાનસ્વભાવ, અનાદિ સામાન્ય દર્શનસ્વભાવ, અનાદિ સામાન્ય આનંદ- સ્વભાવ, અનાદિ સામાન્ય પુરુષાર્થસ્વભાવ-એમ અનાદિ સામાન્ય અનંતગુણસ્વભાવમય વસ્તુ છે. અને રાગાદિ ભાવ એનાથી ભિન્ન ચીજ છે. પરંતુ સ્વપરના એકત્વના અધ્યાસને કારણે અજ્ઞાની પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થઈ ગયો છે.
દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા કરો તો એનાથી આત્માનું કલ્યાણ થઈ જશે એવી અજ્ઞાનીને મિથ્યા શ્રદ્ધા છે; અને જગતમાં એવી મિથ્યા પ્રરૂપણા ચાલે છે. અરે ભાઈ! રાગથી લાભ (ધર્મ) થાય એ વીતરાગનો, જૈન પરમેશ્વરનો માર્ગ નથી. એ તો રાગી અજ્ઞાનીઓનો માર્ગ છે. આત્મા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ છે; તે રાગથી ભિન્ન છે. અજ્ઞાનીને પોતાનો વીતરાગ સ્વભાવ અને રાગ-એ બેની એકતાનો અધ્યાસ થઈ ગયો છે. આમ ભિન્ન પદાર્થમાં એકત્વના અધ્યાસના કારણે જ્ઞાનમાત્ર એવા નિજસ્વરૂપથી તે ભ્રષ્ટ થઈ ગયો છે. આત્માનાં અતીન્દ્રિય આનંદ અને શાંતિથી અજ્ઞાની ભ્રષ્ટ થઈ ગયો છે. હવે કહે છે-
અજ્ઞાની જીવ, પર એવા રાગ સાથે એકત્વ થઈને જેને અહંકાર પ્રવર્ત્યો છે એવો પોતે આ હું ખરેખર રાગી છું, દ્વેષી છું એમ માનતો થકો રાગી અને દ્વેષી થાય છે; તેથી અજ્ઞાનમય ભાવને લીધે અજ્ઞાની પોતાને પર એવા રાગ-દ્વેષરૂપ કરતો થકો કર્મોને કરે છે.
અહા! હું રાગી છું, હું રાગનો કરનારો છું-એમ એને રાગમાં અહમ્ આવી ગયું છે. હું રાગથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ છું એવું ભેદજ્ઞાન તેને આથમી ગયું છે. સૂક્ષ્મ વાત છે, પ્રભુ! બીજું બધું કર્યું પણ અનંતકાળમાં એણે ભેદજ્ઞાન કર્યું નહિ તેથી દુઃખી થઈ રહ્યો છે. દોલતરામજીએ કહ્યું છે ને કે-
મુનિવ્રત ધારણ કરી મહાવ્રતનું પાલન કર્યું, અઠ્ઠાવીસ મૂળગુણ પાળ્યા, નગ્ન દિગંબર થયો; પણ એ બધી તો રાગની-જડની ક્રિયા હતી. પૃથક્ આત્માની ઓળખાણ કરીને અંતરનો સમ્યક્ પુરુષાર્થ કર્યો નહિ તો કાળલબ્ધિ શું કરે? કાળલબ્ધિ પણ પુરુષાર્થ થતાં પાકે છે. ભાઈ! ક્રમબદ્ધમાં તો અકર્તાપણાનો અનંત પુરુષાર્થ રહેલો છે. કાળલબ્ધિ એટલે જે સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય, પણ આવો નિર્ણય કરનારને જ્ઞાતાદ્રષ્ટાનો સમ્યક્ પુરુષાર્થ હોય છે (અને તેનું ક્રમબદ્ધ પરિણમન પણ નિર્મળ જ હોય છે).
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે સમય-સમયમાં જે પર્યાય થાય તે પ્રત્યેક ક્રમબદ્ધ થાય છે. પરંતુ ક્રમબદ્ધનો સાચો નિર્ણય કોને હોય છે? જેને પોતાના જ્ઞાતા-
PDF/HTML Page 1297 of 4199
single page version
દ્રષ્ટા સ્વભાવનું ભાન થયું છે તેને ક્રમબદ્ધનો સાચો નિર્ણય છે. (અને તેની પરિણમન-ધારા પણ ક્રમબદ્ધ સમ્યક્ છે).
અજ્ઞાનીને ક્રમબદ્ધનો નિર્ણય કયાં છે? એને તો રાગ-દ્વેષ સાથે એકત્વ થઈને રાગમાં અહમ્પણું પ્રવર્તે છે. અજ્ઞાની પોતાને હું રાગી છું, દ્વેષી છું એમ માને છે; દયા, દાન, પૂજા આદિ રાગનો કર્તા છું એમ તે માને છે. પોતાની ચીજ અંદર ત્રિકાળી નિર્મળાનંદ પ્રભુ છે તેને ન જાણતાં હું રાગી છું, દ્વેષી છું એમ માનતો થકો તે રાગી અને દ્વેષી એટલે રાગ-દ્વેષનો કર્તા થાય છે. જાણે કે હું આત્મા છું જ નહિ એમ અજ્ઞાની રાગમાં અહંપણે પ્રવર્તી રહ્યો છે.
આ અજ્ઞાનમય ભાવના કારણે પોતાને પર એવા રાગદ્વેષરૂપ કરતો થકો અજ્ઞાની કર્મોને કરે છે. કર્મોને કરે છે એટલે રાગદ્વેષના ભાવનો કર્તા થાય છે. અહીં કર્મ એટલે જડકર્મની વાત નથી. કર્મ એટલે શુભાશુભભાવ રૂપ જે રાગ-દ્વેષના પરિણામ તે રાગ-દ્વેષના પરિણામનો અજ્ઞાની કર્તા થાય છે. આ તો થોડામાં ઘણા ગંભીર ભાવો ભરી દીધા છે.
હવે જ્ઞાની એટલે ધર્મી જીવ કેવા હોય છે તે વાત કરે છેઃ-
‘જ્ઞાનીને તો, સમ્યક્ પ્રકારે સ્વપરના વિવેક વડે ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી હોવાથી, જ્ઞાનમય ભાવ જ હોય છે.’
ધર્મીને સ્વપરના વિવેક દ્વારા આનંદમૂર્તિ ભગવાન આત્મા અને દુઃખસ્વરૂપ એવો રાગ- એ બેની ભિન્નતાનું સમ્યક્ પ્રકારે જ્ઞાન થયું છે. સમ્યક્ પ્રકારે એટલે કે સ્વરૂપના લક્ષે યથાર્થપણે. અહાહા...! જ્ઞાનીને સમ્યક્ પ્રકારે સ્વપરનું ભેદજ્ઞાન પ્રગટ થતાં ભિન્ન આત્માની ખ્યાતિ અત્યંત ઉદય પામી છે. હું તો આનંદ છું, શાંત છું, વીતરાગસ્વભાવ છું, અકષાયસ્વરૂપ છું-એમ રાગથી ભિન્ન આત્માની જ્ઞાનીને પ્રસિદ્ધિ થઈ છે. ભાષા બહુ ટુંકી પણ ભાવ ખૂબ ગહન ભરી દીધા છે.
ભિન્ન આત્માની ખ્યાતિ ઉદય પામી હોવાથી જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. ધર્મીને જ્ઞાનમય એટલે આત્મામય, વીતરાગમય ભાવ જ હોય છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વીતરાગસ્વભાવી આત્માની જેને દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. હવે કહે છે-
‘અને તે હોતાં, સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને લીધે જ્ઞાનમાત્ર એવા પોતામાં સુનિવિષ્ટ (સમ્યક્ પ્રકારે સ્થિત) થયેલો, પર એવા રાગદ્વેષથી પૃથગ્ભૂતપણાને (ભિન્નપણાને) લીધે નિજરસથી જ જેને અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે ખરેખર કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી (અર્થાત્ રાગ અને દ્વેષ કરતો નથી); તેથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતો થકો કર્મોને કરતો નથી.’
PDF/HTML Page 1298 of 4199
single page version
સ્વપરના ભેદવિજ્ઞાનને લીધે જ્ઞાની પોતાના ચૈતન્યસ્વભાવમાં સ્થિત છે. ધર્મી રાગમાં સ્થિત નથી. પુણ્ય-પાપના જે ભાવ આવે છે તે પર છે, ભિન્ન છે એમ જ્ઞાની જાણે છે. ધર્મી પોતાના ચિદાનંદરસમાં, શાંતરસમાં સ્થિત હોવાથી રાગ મારો છે એવો અહંકાર એમને નિવૃત્ત થયો છે, છૂટી ગયો છે. લક્ષ્મી મારી, મકાન મારાં, બૈરાં-છોકરાં મારાં-એ તો કયાંય રહી ગયું. અહીં તો કહે છે કે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે શુભરાગ આવે છે તે મારો છે એવો અહંકાર જ્ઞાનીને નિવૃત્ત થઈ ગયો છે. પોતાના શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્મામાં અહં સ્થાપિત થતાં રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયો છે.
ભલે રાગની પ્રવૃત્તિ ન છૂટે પણ શ્રદ્ધામાં રાગનો અહંકાર છૂટી જવો જોઈએ. વ્યવહારના રાગની પ્રવૃત્તિના પરિણામ જ્ઞાનીને પણ હોય છે; પણ એ વ્યવહારનો રાગ મારો છે એવો અહંકાર જ્ઞાનીને છૂટી ગયેલો હોય છે. આવી વાત! લોકોને એકાન્ત છે, વ્યવહારનો લોપ કરે છે એમ લાગે છે, પણ વાત તો આ જ પરમ સત્ય છે. ભાઈ! વ્યવહારની જેટલી રાગની ક્રિયા થાય તે મારી છે એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની જીવ છે. શરીર મારું, શરીરની ક્રિયા મારી, કર્મ મારાં એમ માને એ સ્થૂળ મિથ્યાત્વ છે. તથા દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગની ક્રિયા મારી એમ માને તે પણ મિથ્યાત્વ છે.
પ્રશ્નઃ– અનાસક્તિભાવે કર્મ કરીએ એમાં કોઈ દોષ નથી ને?
ઉત્તરઃ– અરે ભાઈ! કર્મ કરીએ એવો જે અભિપ્રાય છે તે જ આસક્તિ અને મિથ્યાત્વભાવ છે. કર્મ કરવું અને અનાસક્તિભાવે કરવું એ વાત જ ખોટી છે. કર્મ કરવું-એવા અભિપ્રાયમાં અનાસક્તિ હોઈ શકે જ નહિ.
જ્ઞાનીને અસ્થિરતાનો રાગ છે પણ રાગ મારો છે એવો અહંકાર એમને નિવૃત્ત થઈ ગયો છે. રાગ મારું કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ-ધણીપણું છૂટી ગયું છે. અહા! હું તો શુદ્ધ ચૈતન્યમય આનંદકંદ પ્રભુ છું; એના લક્ષે જે વીતરાગી પર્યાય પાકે તે મારું કર્તવ્ય છે એમ જ્ઞાની જાણે છે. જ્ઞાની રાગથી લંગડો (ભિન્ન) થઈ ગયો હોય છે.
પર એવા રાગ-દ્વેષથી ભિન્નપણાના કારણે નિજરસથી જ અહંકાર નિવૃત્ત થયો છે એવો પોતે કેવળ જાણે જ છે, રાગી અને દ્વેષી થતો નથી અર્થાત્ રાગ અને દ્વેષનો કર્તા થતો નથી. સમકિતી ચક્રવર્તી બહારથી છ ખંડના રાજ્યને સાધતા દેખાય પણ ખરેખર તે અંતરમાં અખંડને સાધતા હોય છે. અભિપ્રાયમાં તેમને રાગનું એકત્વ છૂટી ગયું છે. જે રાગાદિ થાય તેને કેવળ જાણે જ છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ!
આવી વાત સાંભળવાય ન મળે તે કે દિ સમજણ કરશે? બાપુ! આ મનુષ્યપણાનો
PDF/HTML Page 1299 of 4199
single page version
એકેક સમય કૌસ્તુભ-મણિ કરતાં પણ વધારે કિંમતી છે. અને આ ભેદજ્ઞાન અતિ દુર્લભ વસ્તુ છે. આ અવસરમાં જો ભેદજ્ઞાન પ્રગટ ન કર્યું તો જન્મ-મરણ કરતાં કરતાં મિથ્યા શ્રદ્ધાનના ફળમાં નિગોદમાં ચાલ્યો જઈશ. ફરી અનંતકાળે ત્રસ નહિ થાય. ભાઈ! શુભરાગથી ધર્મ થાય એ મિથ્યા શ્રદ્ધાન છે, અને મિથ્યા શ્રદ્ધાનનું ફળ નિગોદ છે.
અહીં કહે છે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે જેને ભેદજ્ઞાન પ્રગટ થયું છે એવા જ્ઞાની રાગ-દ્વેષના કર્તા નથી. જ્ઞાની ચૈતન્યમય, આનંદમય, વીતરાગતામય ભાવના કારણે પોતાને પર એવા રાગદ્વેષરૂપ નહિ કરતા થકા કર્મોને કરતા નથી. જ્ઞાની રાગદ્વેષરૂપ કાર્યના કર્તા નથી. અહીં કર્મ એટલે જડકર્મની વાત નથી. જડકર્મનો તો અજ્ઞાની પણ કર્તા નથી. જડકર્મની પર્યાય તો જડથી સ્વતંત્ર થાય છે. અહીં તો એમ કહેવું છે કે રાગ-દ્વેષરૂપ ભાવકર્મના જ્ઞાની કર્તા નથી, માત્ર જ્ઞાતા-દ્રષ્ટા છે. અભિપ્રાયમાં જ્ઞાની રાગના કર્તા નથી; અજ્ઞાની અભિપ્રાયમાં રાગનો કર્તા થઈને મિથ્યાત્વભાવે પરિણમે છે.
રાગનો કર્તા ન થતાં જ્ઞાતાદ્રષ્ટા રહીને જે રાગને કેવળ જાણે છે તેને ધર્મી અને જ્ઞાની કહેવામાં આવે છે.
‘આ આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો (અર્થાત્ રાગદ્વેષનો) ઉદય આવતાં, પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે.’
ક્રોધ અને માન તે દ્વેષના બે ભેદ છે; માયા અને લોભ તે રાગના બે ભેદ છે. આ બધા સામાન્ય શબ્દથી મોહ કહેવાય છે. મોહકર્મની પ્રકૃતિનો ઉદય આવતાં પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષરૂપ મલિન સ્વાદ આવે છે. જેવો ઉદય આવે તેવો જ રાગ થાય એમ નહિ. ઉદયના પ્રસંગે રાગદ્વેષ થાય છે એમ અહીં સિદ્ધ કરવું છે. જે પ્રકારે ઉદય આવે તે જ પ્રકારે રાગદ્વેષ થાય એમ છે નહિ. પોતાની યોગ્યતા પ્રમાણે રાગદ્વેષ થાય છે. આ રાગદ્વેષનો સ્વાદ મલિન છે.
‘અજ્ઞાનીને સ્વપરનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ માને છે કે ‘‘આ રાગદ્વેષરૂપ મલિન ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું.’’ આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરે છે; તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.’
અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી. તેને રાગદ્વેષ અને પોતાના ઉપયોગની ભિન્નતાનું જ્ઞાન નથી, તેથી તે રાગદ્વેષ અને ઉપયોગને એક કરીને એમ માને છે કે આ રાગ-દ્વેષરૂપ જે મલિન ઉપયોગ છે તે જ હું છું. આ પ્રમાણે રાગ-દ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરે છે, તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ થાય છે.
PDF/HTML Page 1300 of 4199
single page version
જે રાગદ્વેષ થાય છે તે તેની પોતાની યોગ્યતાથી થાય છે. તે રાગદ્વેષ મારા ભાવ નથી એમ જ્ઞાની જાણે છે.
‘જ્ઞાનીને ભેદજ્ઞાન હોવાથી તે એમ જાણે છે કે ‘‘જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે-તે જ હું છું; રાગદ્વેષ છે તે કર્મનો રસ છે-મારું સ્વરૂપ નથી.’’ આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ નહિ કરતો જ્ઞાની પોતાને રાગીદ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે; તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.’
સમકિતીને સ્વપરનું ભેદજ્ઞાન વર્તે છે. તેને યથાપદવી રાગ આવે છે; પણ તેની દ્રષ્ટિ એક શુદ્ધ જ્ઞાયક ઉપર છે. તે જાણે છે કે હું તો શુદ્ધ ચૈતન્યઉપયોગમય છું. તેથી તે જે રાગ આવે છે તેનો જ્ઞાતા રહે છે પણ કર્તા થતો નથી. ધર્મી જાણે છે કે જ્ઞાનમાત્ર શુદ્ધ ઉપયોગ એ જ મારું સ્વરૂપ છે. રાગ-દ્વેષના ભાવ તો કર્મનો રસ છે, કર્મપુદ્ગલનો વિપાક છે. રાગદ્વેષ તે મારું સ્વરૂપ નથી. આ રીતે રાગદ્વેષમાં એકત્વ નહિ કરતો જ્ઞાની પોતાને રાગી-દ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે. તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મબંધ થતો નથી.
હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ-
‘ज्ञानिनः कुतः ज्ञानमयः एव भावः भवेत्’ અહીં પ્રશ્ન છે કે જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય ‘पुनः’ અને ‘अन्यः न’ અન્ય (અર્થાત્ અજ્ઞાનમય) ન હોય? ‘अज्ञानिनः कुतः सर्वः अयम् अज्ञानमयः’ વળી અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય અને ‘अन्यः न’ અન્ય (અર્થાત્ જ્ઞાનમય) ન હોય?
જ્ઞાનીને કેમ જ્ઞાનમય જ ભાવ હોય છે અને અજ્ઞાનીને કેમ સર્વ ભાવ અજ્ઞાનમય જ હોય છે? આવો શિષ્યનો પ્રશ્ન છે. તેના ઉત્તરરૂપ હવે ગાથાઓ કહેશે.