Pravachan Ratnakar (Gujarati). Gatha: 128-136.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 66 of 210

 

PDF/HTML Page 1301 of 4199
single page version

णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो।
जम्हा तम्हा णाणिस्स सव्वे भावा हु णाणमया।। १२८ ।।

अण्णाणमया भावा अण्णाणो चेव जायदे भावो।
जम्हा तम्हा भावा अण्णाणमया अणाणिस्स।। १२९ ।।
ज्ञानमयाद्भावात् ज्ञानमयश्चैव जायते भावः।
यस्मात्तस्माज्ज्ञानिनः सर्वे भावाः खलु ज्ञानमयाः।। १२८ ।।

अज्ञानमयाद्भावादज्ञानश्चैव जायते भावः।
यस्मात्तस्माद्भावा अज्ञानमया अज्ञानिनः।। १२९ ।।

આ જ પશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે; ૧૨૮.

અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાનભાવ જ ઊપજે,
તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. ૧૨૯.

ગાથાર્થઃ– [यस्मात्] કારણ કે [ज्ञानमयात् भावात् च] જ્ઞાનમય ભાવમાંથી [ज्ञानमयः एव] જ્ઞાનમય જ [भावः] ભાવ [जायते] ઉત્પન્ન થાય છે [तस्मात्] તેથી [ज्ञानिनः] જ્ઞાનીના [सर्वे भावाः] સર્વ ભાવો [खलु] ખરેખર [ज्ञानमयाः] જ્ઞાનમય જ હોય છે. [च] અને, [यस्मात्] કારણ કે [अज्ञानमयात् भावात्] અજ્ઞાનમય ભાવમાંથી [अज्ञानः एव] અજ્ઞાનમય જ [भावः] ભાવ [जायते] ઉત્પન્ન થાય છે [तस्मात्] તેથી [अज्ञानिनः] અજ્ઞાનીના [भावाः] ભાવો [अज्ञानमयाः] અજ્ઞાનમય જ હોય છે.

ટીકાઃ– ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે, તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે.


PDF/HTML Page 1302 of 4199
single page version

(अनुष्टुभ्)
ज्ञानिनो ज्ञाननिर्वृत्ताः सर्वे भावा भवन्ति हि।
सर्वेऽप्यज्ञाननिर्वृत्ता भवन्त्यज्ञानिनस्तु ते।। ६७ ।।

ભાવાર્થઃ– જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [ज्ञानिनः] જ્ઞાનીના [सर्वे भावाः] સર્વ ભાવો [ज्ञाननिर्वृत्ताः हि] જ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [भवन्ति] હોય છે [तु] અને [अज्ञानिनः] અજ્ઞાનીના [सर्वे अपि ते] સર્વ ભાવો [अज्ञाननिर्वृत्ताः] અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) [भवन्ति] હોય છે. ૬૭.

* * *
સમયસાર ગાથા ૧૨૮–૧૨૯ઃ મથાળું

આ જ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

* ગાથા ૧૨૮–૧૨૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય અજ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો અજ્ઞાનમય જ હોય છે. તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય હોય છે.’

દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિના જે ભાવ થાય તે મારા છે અને હું તેનો કર્તા છું એમ અજ્ઞાની માને છે. એ રાગની એકતાબુદ્ધિરૂપ જે પરિણામ છે તે અજ્ઞાનમય ભાવ છે. તેથી અજ્ઞાનીને જે કોઈ ભાવ થાય છે તે અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નહિ હોવાથી બધાય અજ્ઞાનમય હોય છે.

શાસ્ત્રનું જ્ઞાન ન હોય તે અજ્ઞાન એમ અજ્ઞાનનો અર્થ નથી. શાસ્ત્રનું જ્ઞાન તો હોય છે. કરોડો શ્લોકોનું જ્ઞાન હોય, પણ તે પરલક્ષી જ્ઞાન મારું સ્વરૂપ છે એમ જે માને છે તેનો તે અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાની શાસ્ત્રના સ્વાધ્યાયમાં પ્રવૃત્ત હોય તોપણ તેને રાગમાં તન્મયપણું હોવાથી તેનો તે ભાવ અજ્ઞાનમય જ છે. અજ્ઞાનમય ભાવમાંથી જે કોઈ ભાવ નીપજે છે તે અજ્ઞાનમય જ હોય છે. ઝીણી વાત છે, ભાઈ! બહુ ધ્યાન દઈને ધીરજથી સાંભળવી જોઈએ.

કોઈ દસ-વીસ લાખનો ખર્ચ કરીને મંદિર બંધાવે, તેમાં જિનેન્દ્ર ભગવાનની પ્રતિષ્ઠા કરે, ભગવાનનાં દર્શન, સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ કરે; પણ તે બધો શુભરાગ


PDF/HTML Page 1303 of 4199
single page version

છે, ધર્મ નથી. તથાપિ એ શુભરાગથી લાભ (ધર્મ) થાય અને શુભરાગ મારું કર્તવ્ય છે એમ માનીને શુભરાગમાં તન્મય થઈને જો તે પ્રવર્તે તો તેના તે સઘળા ભાવ અજ્ઞાનમય છે. ગજબ વાત છે, પ્રભુ! માથું ફરી જાય એવી વાત છે પણ આ સત્ય વાત છે. રાગની ક્રિયા મારી અને રાગ મારું કર્તવ્ય એ માન્યતા અજ્ઞાન છે અને તે અજ્ઞાનથી નીપજેલા અજ્ઞાનીના સઘળા ભાવો અજ્ઞાનમય જ છે.

ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ પરમાત્મસ્વરૂપ છે. તેની જેને દ્રષ્ટિ થઈ નથી તે અજ્ઞાનીને ક્ષણેક્ષણે રાગની એકતાબુદ્ધિવાળા ભાવ ઉત્પન્ન થાય છે. રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તેથી અજ્ઞાનીને બધા રાગમય-અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થાય છે. અજ્ઞાની ચાહે તો શાસ્ત્રના સ્વાધ્યાયમાં હો, ભગવાનની ભક્તિ-પૂજામાં હો કે મહાવ્રતાદિના પાલનમાં હો; તેના સઘળા ભાવો રાગની એકતાબુદ્ધિ-પૂર્વક હોવાથી અજ્ઞાનમયપણાને નહિ ઓળંગતા થકા અજ્ઞાનમય જ હોય છે.

હવે કહે છે-‘અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે તે સઘળોય જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતો થકો જ્ઞાનમય જ હોય છે, તેથી જ્ઞાનીના ભાવો બધાય જ્ઞાનમય હોય છે.’

હું તો રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છું, આનંદસ્વરૂપ છું-એમ પોતાના શુદ્ધ ચૈતન્યની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ, નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું એવા જ્ઞાનીને જે કોઈ ભાવ થાય છે તે બધાય જ્ઞાનમય જ હોય છે. જ્ઞાનીને કમજોરીના કારણે કદાચિત્ વિષયકષાયના ભાવ પણ આવી જાય તો તે સમયે પણ તેને જ્ઞાનમય ભાવ જ છે, રાગમય નહિ; કેમકે જે સમયે રાગ થાય તે સમયે તે તેનો સાક્ષીભાવે જ્ઞાતા છે પણ કર્તા નથી. બહુ સૂક્ષ્મ વાત ભાઈ! રાગથી પોતાને ભિન્ન જાણ્યો તેને ક્ષણેક્ષણે જે કોઈ ભાવ થાય તે બધા જ્ઞાનમય છે.

જે ભાવે સર્વાર્થસિદ્ધિનું પદ મળે તે ભાવની પણ જ્ઞાનીને ભાવના નથી, હોંશ નથી. આવો શુભભાવ જ્ઞાનીને આવે ખરો પણ તે પોતાનું કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. જ્ઞાનીને જે શુભાશુભ ભાવ આવે તેને પોતે નિજ સ્વભાવમાં સ્થિત રહીને માત્ર જાણે જ છે. કોઈવાર જ્ઞાની બહારથી લડાઈના (રૌદ્ર) ભાવમાં પણ ઊભેલા જણાય પણ ખરેખર તે લડાઈના ભાવમાં સ્થિત નથી પણ અંતરમાં તે નિજ સ્વભાવમાં સ્થિત છે. લડાઈનો જે ભાવ આવે તેના તે સમયે તે જ્ઞાતા જ છે, કર્તા નથી; કેમકે તેની દ્રષ્ટિ સ્વભાવ ઉપર ચોંટેલી છે. પોતાને અને પરને-રાગને જાણનારું જે જ્ઞાન તે જ્ઞાનના જ્ઞાની કર્તા છે, રાગના નહિ અને તેથી જ્ઞાનમયપણાને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનીના ભાવ બધાય જ્ઞાનમય જ છે, વીતરાગતામય જ છે.

કોઈવાર જ્ઞાનીને આર્ત્ત-રૌદ્રધ્યાન પણ થતું હોય છે. પણ તેના તે જ્ઞાતા રહે છે, કર્તા થતા નથી. તે તે સમયે તે સંબંધીનું જ્ઞાની જ્ઞાન કરે છે અને સ્વભાવના લક્ષે તેનો નાશ કરી સ્વભાવભાવમાં વૃદ્ધિ કરે છે, તેથી જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ હોય છે.


PDF/HTML Page 1304 of 4199
single page version

* ગાથા ૧૨૮–૧૨૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતાં જુદી જ જાતનું હોય છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું જ્ઞાનમય છે; તેથી અજ્ઞાનીના ક્રોધ, માન, વ્રત, તપ ઇત્યાદિ સર્વ ભાવો અજ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી અજ્ઞાનમય જ છે અને જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે.’

અજ્ઞાનીને શુભ-અશુભ ભાવમાં એકત્વબુદ્ધિ પડી છે, તેથી તેના વ્રત, તપના ભાવ પણ અજ્ઞાનમય છે. જ્યારે જ્ઞાનીને રાગથી ભિન્ન નિર્મળાનંદસ્વરૂપ પોતાના ચૈતન્ય-ભગવાનનું ભાન થયું છે. તેને જે રાગાદિ ભાવ થાય તેને તે માત્ર જાણે જ છે. જ્ઞાની તે રાગ સંબંધી જ્ઞાનના કર્તા છે, પણ રાગના કર્તા નથી. તેથી જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનજાતિને ઉલ્લંઘતા નહિ હોવાથી જ્ઞાનમય જ છે. પરંતુ અજ્ઞાની વ્રત, તપનો જે ભાવ કરે છે તે ભાવનો તે કર્તા થાય છે, તેથી અજ્ઞાનમય જાતિને નહિ ઓળંગતા તેના ભાવ બધાય અજ્ઞાનમય છે.

કહ્યું છે ને કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. અજ્ઞાનીની રાગ ઉપર દ્રષ્ટિ છે તો તેને રાગમય પરિણામની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે. ધર્મી જીવને રાગથી ભિન્ન પોતાના ચૈતન્ય-સ્વભાવની દ્રષ્ટિ છે તો તેને જ્ઞાનમય પરિણામની સૃષ્ટિ ઉત્પન્ન થાય છે.

અજ્ઞાનીને વ્રત, તપ, સંયમ, ઉપવાસ, બ્રહ્મચર્ય આદિના જે કોઈ ભાવ થાય છે તે રાગમય છે કેમકે તેને એમાં એકત્વબુદ્ધિ છે. તેથી અજ્ઞાનીના ભાવો બધાય અજ્ઞાનમય છે. આ પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં બહુ મોટો (આભ-જમીનનો) ફરક છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૬૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘ज्ञानिनः’ જ્ઞાનીના ‘सर्वे भावाः’ સર્વ ભાવો ‘ज्ञाननिर्वृत्ताः हि’ જ્ઞાનથી નીપજેલા (રચાયેલા) ‘भवन्ति’ હોય છે.

જુઓ, ધર્મી એને કહીએ કે જેને વિકલ્પથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનાં જ્ઞાન અને અનુભવ થયાં છે. અહાહા...! હું રાગથી ભિન્ન શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મદ્રવ્ય છું એવું જેને નિર્મળ ભેદજ્ઞાન પ્રગટ થયું છે તે જ્ઞાની છે. આવા જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનથી રચાયેલા છે. જાણવું, દેખવું, ઠરવું, શાંતિરૂપ થવું એ જ્ઞાનીના પરિણામ છે. દયા, દાન, વ્રત આદિના રાગ કે પુણ્ય-પાપના શુભાશુભ વિકલ્પ જ્ઞાનીને (કર્તવ્યપણે) હોતા નથી; અને જે વિકારી ભાવ થાય છે તેનો જ્ઞાની જાણનાર છે, કર્તા નથી. જ્ઞાનીને વિકારનું સ્વામિત્વ નથી, તેથી જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય હોય છે.


PDF/HTML Page 1305 of 4199
single page version

કોઈવાર અસ્થિરતાની નબળાઈને લીધે હિંસાદિરૂપ અલ્પ રાગ-દ્વેષના પરિણામ થઈ જાય તોપણ જ્ઞાની તેના જ્ઞાતા રહે છે, કેમકે દ્રષ્ટિ નિજ સ્વભાવ ઉપર છે. અહાહા...! દ્રષ્ટિ ત્રિકાળી સ્વભાવ ઉપર હોવાથી જ્ઞાનીનો પ્રત્યેક પરિણામ જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, ધર્મમય જ હોય છે. જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનથી નીપજેલા જ્ઞાનમય જ હોય છે.

‘तु’ અને ‘अज्ञानिनः’ અજ્ઞાનીના ‘सर्वे अपि ते’ સર્વ ભાવો ‘अज्ञाननिर्वृत्ताः’ અજ્ઞાનથી નીપજેલા (-રચાયેલા) ‘भवन्ति’ હોય છે.

અહાહા...! અજ્ઞાની કે જેને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માનું ભાન નથી અને જેણે રાગ સાથે એકત્વ માન્યું છે તેના સર્વ ભાવ અજ્ઞાનથી નીપજેલા-રચાયેલા છે. અજ્ઞાનીને વ્યવહારરત્નત્રયના જે વિકલ્પ છે તે અજ્ઞાનથી રચાયેલા અજ્ઞાનમય છે. અજ્ઞાની જીવ હજારો રાણીઓને છોડી નગ્ન દિગંબર મુનિદશા ધારે, જંગલમાં રહે, મહાવ્રતાદિનું પાલન કરે તોપણ રાગ સાથે એકત્વપણે પરિણમતો હોવાથી તેના તે ભાવ અજ્ઞાનમય છે એમ કહે છે. પંચમહાવ્રતના પરિણામ, શાસ્ત્રનું પરલક્ષી જ્ઞાન, અને નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા-એ બધો રાગભાવ છે અને તે રાગભાવનો અજ્ઞાની કર્તા થાય છે તેથી તેના એ બધા ભાવ અજ્ઞાનમય છે. કોઈ બાળ-બ્રહ્મચારી હોય અને મહિના-મહિનાના ઉપવાસ કરે અને તે બ્રહ્મચર્ય અને ઉપવાસના વિકલ્પથી લાભ (ધર્મ) થાય એમ માને તો એના તે ભાવ અજ્ઞાનમય છે. અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનથી નીપજેલા હોય છે અને તે અજ્ઞાનમય છે. આ સિદ્ધાંત કહ્યો, હવે દ્રષ્ટાંત કહેશે.

[પ્રવચન નં. ૧૮૬-૧૮૭ (ચાલુ) * દિનાંક ૧પ-૯-૭૬ થી ૧૬-૯-૭૬]

PDF/HTML Page 1306 of 4199
single page version

अथैतदेव द्रष्टान्तेन समर्थयते–

कणयमया भावादो जायंते कुंडलादओ भावा।
अयमयया भावादो जह जायंते दु कडयादी।। १३० ।।

अण्णाणमया भावा अणाणिणो बहुविहा वि जायंते।
णाणिस्स दु णाणमया सव्वे भावा तहा होंति।। १३१ ।।

कनकमयाद्भावाज्जायन्ते कुण्डलादयो भावाः।
अयोमयकाद्भावाद्यथा जायन्ते तु कटकादयः।। १३० ।।

अज्ञानमया भावा अज्ञानिनो बहुविधा अपि जायन्ते।
ज्ञानिनस्तु ज्ञानमयाः सर्वे भावास्तथा भवन्ति।। १३१ ।।

હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ-

જ્યમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઊપજે,
પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે; ૧૩૦.

ત્યમ ભાવ બહુવિધ ઊપજે અજ્ઞાનમય અજ્ઞાનીને,
પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ૧૩૧.

ગાથાર્થઃ– [यथा] જેમ [कनकमयात् भावात्] સુવણમય ભાવમાંથી [कुण्डलादयः भावाः] સુવર્ણમય કુંડળ વગેરે ભાવો [जायन्ते] થાય છે [तु] અને [अयोमयकात् भावात्] લોહમય ભાવમાંથી [कटकादयः] લોહમય કડાં વગેરે ભાવો [जायन्ते] થાય છે, [तथा] તેમ [अज्ञानिनः] અજ્ઞાનીને (અજ્ઞાનમય ભાવમાંથી) [बहुविधाः अपि] અનેક પ્રકારના [अज्ञानमयाः भावाः] અજ્ઞાનમય ભાવો [जायन्ते] થાય છે [तु] અને [ज्ञानिनः] જ્ઞાનીને (જ્ઞાનમય ભાવમાંથી) [सर्वे] સર્વ [ज्ञानमयाः भावाः] જ્ઞાનમય ભાવો [भवन्ति] થાય છે.

ટીકાઃ– જેવી રીતે પુદ્ગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં


PDF/HTML Page 1307 of 4199
single page version

(अनुष्टुभ्)
अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाम्।
द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम्।। ६८ ।।

આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય; તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને-કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને-જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય.

ભાવાર્થઃ– ‘જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે’ એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભુષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે.

અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે.

અવિરત સમ્યગ્દ્રષ્ટિ (-જ્ઞાની) ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે તોપણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે. તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે-આગામી એવો બંધ કરતા નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે; કારણ કે (જ્ઞાની) પોતે ઉધમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી; જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે તેથી તે ક્રોધાદિભાવોનો અન્ય જ્ઞેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે.

હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છેઃ-

શ્લોકાર્થઃ– [अज्ञानी] અજ્ઞાની [अज्ञानमयभावानाम् भूमिकाम्] (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં [व्याप्य] વ્યાપીને [द्रव्यकर्मनिमित्तानां भावानाम्] (આગામી) દ્રવ્યકર્મનાં નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના [हेतुताम् एति] હેતુપણાને પામે છે (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે). ૬૮.

* * *

PDF/HTML Page 1308 of 4199
single page version

સમયસારઃ ગાથા ૧૩૦–૧૩૧ મથાળું

હવે આ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છેઃ-

* ગાથા ૧૩૦–૧૩૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેવી રીતે પુદ્ગલ સ્વયં પરિણામસ્વભાવવાળું હોવા છતાં, કારણ જેવાં કાર્યો થતાં હોવાથી, સુવર્ણમય ભાવમાંથી, સુવર્ણજાતિને નહિ ઉલ્લંઘતા એવા સુવર્ણમય કુંડળ આદિ ભાવો જ થાય પરંતુ લોખંડમય કડાં આદિ ભાવો ન થાય, અને લોખંડમય ભાવમાંથી, લોખંડજાતિને નહિ ઉલ્લંઘતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય.’

પુદ્ગલદ્રવ્ય સ્વયં એટલે પોતાની મેળે પરિણામસ્વભાવવાળું છે. જુઓ, આ દ્રષ્ટાંત આપે છે. આ શરીર, મન, વાણી, આહાર, પાણી ઇત્યાદિ બધામાં સ્વયં પરિણામસ્વભાવ છે. અહાહા...! બદલવાનો તેનો સહજ સ્વભાવ છે તોપણ કારણ જેવું કાર્ય થાય છે. કારણ અને કાર્યની જાતિ એક હોય છે એમ કહે છે. સુવર્ણના પુદ્ગલોમાં સ્વયં બદલવાનો સ્વભાવ છે તોપણ સુવર્ણમાંથી સુવર્ણજાતિને નહિ ઓળંગતા એવા સુવર્ણમય કુંડળાદિ ભાવો જ થાય, સુવર્ણમાંથી લોઢાનાં કડાં આદિ ભાવો ન થાય. અને લોખંડમાંથી, તે ગમે તે ભાવે બદલે તોપણ, લોખંડજાતિને નહિ ઓળંગતા એવા લોખંડમય કડાં આદિ ભાવો જ થાય, પરંતુ સુવર્ણમય કુંડળ આદિ ભાવો ન થાય. જુઓ, આ ન્યાય! કે સોનામાંથી લોઢું ન થાય અને લોઢામાંથી સોનું ન થાય. આ દ્રષ્ટાંત આપ્યું હવે સિદ્ધાંત કહે છે-

‘તેવી રીતે જીવ સ્વયં પરિણામસ્વભાવવાળો હોવા છતાં, કારણ જેવાં જ કાર્યો થતાં હોવાથી, અજ્ઞાનીને-કે જે પોતે અજ્ઞાનમય ભાવ છે તેને-અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય પરંતુ જ્ઞાનમય ભાવો ન થાય, અને જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને-જ્ઞાનમય ભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય.’

જીવનો સ્વયં-પોતાની મેળે જ પરિણમવાનો એટલે બદલવાનો સ્વભાવ છે. છતાં કારણ જેવાં જ કાર્યો થાય છે. ગાથા ૬૮ની ટીકામાં દાખલો આપ્યો છે કે જવપૂર્વક જે જવ થાય તે જવ જ હોય છે. અર્થાત્ જવમાંથી જવ જ થાય, ઘઉં વગેરે ન થાય અને ઘઉંમાંથી ઘઉં જ થાય, જવ વગેરે ન થાય. કારણ અને કાર્ય હમેશાં એક જાતિમય જ હોય છે એમ કહે છે.

અજ્ઞાનીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માની દ્રષ્ટિ નથી. એની દ્રષ્ટિ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, રાગ ઇત્યાદિ પર ઉપર હોય છે. તેથી અજ્ઞાનીને સ્વયં અજ્ઞાનમય


PDF/HTML Page 1309 of 4199
single page version

ભાવ હોય છે. તેને પર અને રાગની જે એકતાબુદ્ધિ છે તે સ્વયં અજ્ઞાનમય ભાવ છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના જે ભાવ થાય તે મારા છે, એનાથી મને લાભ (ધર્મ) થાય છે, એ મારું કર્તવ્ય છે અને હું એ ભાવોનો કર્તા છું એવી જે એની દ્રષ્ટિ છે તે સ્વયં અજ્ઞાનમય છે. અને એ અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને નહિ ઉલ્લંઘતા એવા અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો જ થાય છે. જેમ લોખંડમાંથી લોખંડમય કડાં આદિ ભાવો થાય છે તેમ રાગની એકતાબુદ્ધિના અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનીને અજ્ઞાનમય એટલે કે રાગમય, વિકારમય ભાવો જ ઉત્પન્ન થાય છે.

ભગવાન કુંદકુંદાચાર્યદેવ જંગલમાં વસનારા નિર્ગ્રંથ મહા મુનિરાજ હતા. નિર્ગ્રંથ એને કહીએ કે જેને રાગ સાથેની એકતાબુદ્ધિની-મિથ્યાત્વની ગાંઠ છૂટી ગઈ છે, ટળી ગઈ છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પરિણામ શુભરાગરૂપ આસ્રવ છે. તેનાથી ભિન્ન પડીને અંદર આત્મા જે ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ છે તેનો જેને અનુભવ થયો છે તે નિર્ગ્રંથ છે. આવા પરમ નિર્ગ્રંથ અતીન્દ્રિય આનંદના સ્વામી આચાર્ય કુંદકુંદ-સ્વામીનાં આ વચનો છે કે-

બધા આત્મા ભગવાન-સ્વરૂપ છે. પર્યાયમાં જે ભૂલ હતી તેનો અમે સ્વરૂપના લક્ષે અભાવ કર્યો છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે-

‘‘સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય.’’

એમ અહીં કહે છે કે ‘સર્વ જીવ છે જ્ઞાનમય, જે સમજે તે થાય.’ અહાહા...! ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ આત્મા છે. તેમાં દયા, દાન, ભક્તિનાં, કે વ્યવહાર-રત્નત્રયના કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાના રાગનો સદાકાળ અભાવ છે. પરંતુ અરે! અજ્ઞાની શુભરાગને પોતાનું સ્વરૂપ માને છે. તેથી તે પોતે રાગમય થયો છે, અજ્ઞાનમય થયો છે. આથી અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી રાગાદિમય અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે, સુક્ષ્મ વાત છે, પ્રભુ! અજ્ઞાનીને પોતાના જ્ઞાનમય સચ્ચિદાનંદસ્વરૂપ આત્માનું ભાન નથી અને જે રાગ થાય તેને જ તે પોતાનું સ્વરૂપ માને છે. રાગથી લાભ થાય, વ્યવહારથી નિશ્ચય પ્રગટ થાય-આવા મિથ્યાદર્શનના ભાવથી મિથ્યાત્વના ભાવ જ ઉત્પન્ન થાય છે. અજ્ઞાનમય ભાવમાંથી, બદલીને ગમે તે ભાવ થાય તોપણ અજ્ઞાનમય ભાવ જ થાય, જ્ઞાનમય ભાવ ન થાય. ખૂબ ગંભીર વાત છે, ભાઈ!

અજ્ઞાનીને સ્વયં અજ્ઞાનમય ભાવ હોય છે. જડકર્મના કારણે તે ભાવ ઉત્પન્ન થયા છે એમ નથી. કર્મ તો જડ છે, કર્મ શું કરે? પોતે સ્વયં અજ્ઞાનમય ભાવરૂપે પરિણમે છે. કોઈ કર્મનો ઉદય તેને અજ્ઞાનભાવે પરિણમાવે છે એમ નથી. કર્મનો ઉદય આવ્યો માટે મિથ્યાત્વપણે પરિણમવું પડયું એમ પણ નથી. જેની દ્રષ્ટિ નિમિત્તાધીન છે તે ગમે તે માને, પરંતુ અજ્ઞાનીને જે રાગમય-અજ્ઞાનમય ભાવ થાય છે તે સ્વયં પોતાના


PDF/HTML Page 1310 of 4199
single page version

કારણે થાય છે એમ અહીં કહે છે. પંડિત બનારસીદાસજીએ નિમિત્ત-ઉપાદાનના દોહામાં ખૂબ સરસ વાત કરી છે-

‘‘ઉપાદાન નિજ ગુણ જહાં તહાં નિમિત્ત પર હોય.’’
વળી
‘‘ઉપાદાન બલ જહાં તહાં નહિ નિમિત્તકો દાવ.’’

અહાહા...! આ દોહાઓમાં તો ગજબ વાત કરી છે.

ત્યારે વળી કોઈ પંડિત એમ કહે છે કે-પરના કર્તા ન માને એ જૈન નથી. પરનો કર્તા માને એ જૈન છે.

અરે ભાઈ! આ તું શું કહે છે? તને શું થયું છે પ્રભુ? જેને જૈનધર્મ એટલે મોક્ષમાર્ગ પ્રગટ થયો છે એવો જ્ઞાની પરનો કર્તા તો શું રાગનો પણ કર્તા થતો નથી. જ્ઞાની અને અજ્ઞાની કોઈ પરદ્રવ્યનું કાર્ય કરી શકતો નથી. કેમકે પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર છે અને સ્વતંત્રપણે પરિણમે છે. એમાં બીજો શું કરે? શું પર્યાય વિનાનું, કાર્ય વિનાનું કયારેય કોઈ દ્રવ્ય છે? પ્રતિસમય દ્રવ્ય સ્વયં પોતાનું કાર્ય કરે છે ત્યાં બીજો શું કરે? અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાર્ય કરે એમ માને એ તો સ્થૂળ ભૂલ છે, મિથ્યાદર્શન છે. એનું ફળ ખૂબ આકરું આવશે ભાઈ!

પરમાત્મા કહે છે કે પરનો કર્તા તો કોઈ થઈ શકતો નથી અને રાગભાવનો જે કર્તા થાય તે અજ્ઞાની છે. અહીં કહે છે-અજ્ઞાનીને અજ્ઞાનમયભાવમાંથી નીપજેલા સર્વ ભાવ અજ્ઞાનમય હોય છે કેમકે તે અજ્ઞાનમયપણાને ઉલ્લંઘતા નથી. અજ્ઞાની બે ને બે ચાર કહે તોપણ તેનું ખોટું છે કેમકે કારણકાર્યના સ્વરૂપમાં તેને ફેર છે, ભૂલ છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં (ચોથા અધિકારમાં) આવે છે કે અજ્ઞાનીને કારણવિપરીતતા, સ્વરૂપવિપરીતતા અને ભેદાભેદવિપરીતતા હોય છે. અહો! ગૃહસ્થાશ્રમમાં રહીને પણ પંડિતપ્રવર ટોડરમલજીએ શું અજબ કામ કર્યું છે!

અરે! કોઈને આવી વાત ન બેસે અને તે ગમે તેમ કહે તો તેથી શું થાય? ભાઈ! કોઈ પ્રત્યે દ્વેષ કરવો કે વિરોધ કરવો એ તો માર્ગ નથી. ‘સત્વેષુ મૈત્રી’ સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ જ્ઞાનીને હોય છે. કોઈને આ વાત બેસે તોય તે સ્વતંત્ર છે અને કોઈને ન બેસે તોય તે સ્વતંત્ર છે.

યોગસારમાં આવે છે કે પાપને તો જગતમાં સૌ પાપ કહે છે; પણ પુણ્ય પણ ખરેખર પાપ છે એમ કોઈ વિરલા અનુભવી બુધપુરુષ જ કહે છે-

‘‘પાપતત્ત્વને પાપ તો કહે જગમાં સૌ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ.’’ ૭૧. (યોગસાર)

PDF/HTML Page 1311 of 4199
single page version

શુભરાગ મારો છે એમ અજ્ઞાની માને છે. પણ જ્ઞાની તો કહે છે કે પુણ્યભાવ પણ પાપ છે. દયા, દાન, વ્રતાદિના શુભરાગના ભાવ તે પાપ છે. પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપથી ખસી જાય, પતિત થાય ત્યારે એ ભાવ થાય છે માટે તે પાપ તત્ત્વ છે. લોકોને પુણ્યબંધનું ફળ જે ભોગસામગ્રી અને અનુકૂળ સંજોગો-તેની મીઠાશ છે અને તેથી પુણ્યબંધના કારણરૂપ પુણ્યભાવ જે શુભરાગ તેની પણ મીઠાશ છે. તેથી આ વાત તેમને કડક લાગે છે. પરંતુ ભાઈ! તને જે શુભરાગની મીઠાશ છે તે અજ્ઞાનમય ભાવ છે અને તે અજ્ઞાનમય ભાવમાંથી, અજ્ઞાનજાતિને અતિક્રમતા નહિ હોવાથી અજ્ઞાનભાવ જ ઉત્પન્ન થાય છે, જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થતા નથી એમ અહીં કહે છે. ભાઈ! આ શુભરાગની મીઠાશ તને કયાં લઈ જશે? જન્મ-મરણરૂપ સંસારમાં અને અંતે તે નિગોદ લઈ જશે, કેમકે મિથ્યાત્વનું ફળ (અંતે) નિગોદ છે.

હવે કહે છે-‘જ્ઞાનીને-કે જે પોતે જ્ઞાનમય ભાવ છે તેને-જ્ઞાનમયભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઉલ્લંઘતા એવા સર્વ જ્ઞાનમય ભાવો જ થાય પરંતુ અજ્ઞાનમય ભાવો ન થાય.’

પરદ્રવ્યના ભાવોથી રહિત, નિર્મળાનંદનો નાથ ચિત્ચમત્કારમાત્ર ભગવાન આત્મા છે. આવા પોતાના આત્માનાં દ્રષ્ટિ અને અનુભવ જેને થયાં છે તે જ્ઞાની છે. એ જ્ઞાની એમ જાણે છે કે જાણવું અને દેખવું બસ એ જ મારું કાર્ય છે. જ્ઞાનીને જ્ઞાનાનંદસ્વભાવ મારી ચીજ છે એમ સત્યનો આગ્રહ નામ દ્રઢ નિશ્ચય અને શ્રદ્ધાન છે. તેની દ્રષ્ટિ પોતાના ચૈતન્યસ્વભાવથી ખસતી નથી અને તેથી તેને જ્ઞાનમય ભાવ છે. જ્ઞાનમયભાવમાંથી, જ્ઞાનની જાતિને નહિ ઓળંગતા હોવાથી સર્વ જ્ઞાનમય ભાવો જ જ્ઞાનીને ઉત્પન્ન થાય છે પરંતુ અજ્ઞાનમય ભાવો ઉત્પન્ન થતા નથી.

પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને રાગ આવતો જ નથી?

ઉત્તરઃ– જ્ઞાનીને યથાપદવી રાગ આવે છે પણ તે તેના જ્ઞાતા છે, કર્તા નથી. જે અલ્પ રાગ આવે છે તેને તે પરજ્ઞેયરૂપે જાણે છે. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ હોતું નથી. તેથી જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ હોય છે, અજ્ઞાનમય હોતા નથી.

ભગવાન ઋષભદેવ પરમાત્મા અષ્ટાપદ પર્વત પરથી નિર્વાણ પામ્યા ત્યારે ભગવાનનો વિરહ પડતાં ભરત મહારાજાને હૃદયમાં ખૂબ દુઃખ થયું, આંખમાં આંસુ આવ્યાં. ‘અરે! ભારતવર્ષનો દેદીપ્યમાન સૂર્ય અસ્ત થઈ ગયો!’ એવા વિરહના વિચારથી ઘણું દુઃખ અનુભવવા લાગ્યા. ત્યારે ઇન્દ્રે કહ્યું-ભરતજી! તમારે તો આ છેલ્લો દેહ છે. અમે તો હજુ એક ભવ કરીને મોક્ષે જવાના છીએ. વિરહના દુઃખથી તમારી આંખોમાં આંસુ! શું આ તમને શોભે? મહારાજા ભરતે કહ્યું-આ તો કમજોરીનો-અસ્થિરતાનો રાગ


PDF/HTML Page 1312 of 4199
single page version

આવ્યો છે; હું તો તેનો જાણનારમાત્ર જ્ઞાતા-દ્રષ્ટા છું, હું તેનો કર્તા નથી. જુઓ, આ જ્ઞાનીની સ્વભાવદ્રષ્ટિ!

જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ ઉપર છે. તેથી અજ્ઞાનીને મિથ્યાત્વાદિ રાગમય-અજ્ઞાનમય ભાવો જ ઉત્પન્ન થાય છે. જ્યારે જ્ઞાનીની જ્ઞાનસ્વભાવ ઉપર દ્રષ્ટિ છે, તેથી તેમને જ્ઞાનમય ભાવની જ સૃષ્ટિ-ઉત્પત્તિ થાય છે. અલ્પ અસ્થિરતાનો જે રાગ થાય છે તેને જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે જાણે છે. રાગ મારી ચીજ છે એમ રાગનું સ્વામિત્વ જ્ઞાની સ્વીકારતા નથી. તે રાગના જ્ઞાતા જ છે, કર્તા નથી.

લોકોને વ્યવહારની ક્રિયાનો પ્રેમ છે, પરંતુ ક્રિયાનો વિકલ્પ છે એ રાગ છે. દયા, દાન, વ્રત આદિ ક્રિયાના શુભ વિકલ્પ રાગ છે. રાગ છે તે ખરેખર હિંસા છે. પુરુષાર્થસિદ્ધયુપાયના ૪૪ મા છંદમાં અમૃતચંદ્રસ્વામીએ કહ્યું છે કે-નિશ્ચયથી રાગાદિ ભાવોનું પ્રગટ ન થવું એ અહિંસા છે અને રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું તે હિંસા છે. આ જૈન સિદ્ધાંતનો સાર છે.

ભાઈ! ષોડશકારણભાવનાનો રાગ તે ધર્મ નથી. તેના નિમિત્તે તીર્થંકરનામકર્મની પ્રકૃતિ બંધાય છે અને સમ્યગ્દ્રષ્ટિને જ એવો શુભરાગ આવે છે તોપણ તે ધર્મ નથી. રાગ છે ને? તે રાગના જ્ઞાની કર્તા નથી, જ્ઞાતા છે. તથા રાગનો જેને પ્રેમ છે એવા અજ્ઞાનીની ભૂમિકામાં આવી જાતનો રાગ આવતો જ નથી અને તેને તીર્થંકરપ્રકૃતિ બંધાતી નથી.

શ્રેણિક મહારાજ આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. માતાના ગર્ભમાં પધારશે ત્યારે ઇન્દ્રો અને દેવો મહોત્સવ ઉજવશે. માતાના ગર્ભમાં સવાનવ માસ રહે ત્યાં પણ સમ્યગ્દ્રષ્ટિ રાગનો જ્ઞાતા-દ્રષ્ટા છે, કર્તા નથી. અહાહા...! જેના વડે જન્મ-મરણનો અંત આવે તે સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે, ભાઈ! જેને આનંદનો નાથ અંદર જાગી ગયો છે તે ધર્મી જીવ નિરંતર જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવે જ્ઞાનભાવે પરિણમે છે, રાગભાવે નહિ. આવું જ સ્વરૂપ છે.

કળશ-ટીકામાં શ્લોક ૬૭ માં કહ્યું છે કે-‘‘સમ્યગ્દ્રષ્ટિ જીવની અને મિથ્યાદ્રષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયાસંબંધી વિષય-કષાય પણ એકસરખા છે, પરંતુ દ્રવ્યનો પરિણમનભેદ છે. સમ્યગ્દ્રષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રતક્રિયારૂપ છે અથવા ભોગઅભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ-માન-માયા-લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમકે જે કોઈ પરિણામ છે તે સંવર-નિર્જરાનું કારણ છે;-એવો જ કોઈ દ્રવ્ય-પરિણમનનો વિશેષ છે.

મિથ્યાદ્રષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઈ મિથ્યાદ્રષ્ટિના પરિણામ છે તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્ર-સિદ્ધાંતના પાઠરૂપ છે અથવા વ્રત


PDF/HTML Page 1313 of 4199
single page version

તપશ્ચરણરૂપ છે અથવા દાન-પૂજા-દયા-શીલરૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ક્રોધ- માન-માયા-લોભરૂપ છે, -આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમકે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી;-દ્રવ્યનો એવો જ પરિણમન વિશેષ છે.’’

આ પ્રમાણે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે, અજ્ઞાનમય નથી અને અજ્ઞાનીના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે, જ્ઞાનમય નથી.

* ગાથા ૧૩૦–૧૩૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જેવું કારણ હોય તેવું જ કાર્ય થાય છે’ એ ન્યાયે જેમ લોખંડમાંથી લોખંડમય કડાં વગેરે વસ્તુઓ થાય છે અને સુવર્ણમાંથી સુવર્ણમય આભૂષણો થાય છે, તેમ અજ્ઞાની પોતે અજ્ઞાનમય ભાવ હોવાથી તેને (અજ્ઞાનમય ભાવમાંથી) અજ્ઞાનમય ભાવો જ થાય છે અને જ્ઞાની પોતે જ્ઞાનમય ભાવ હોવાથી તેને (જ્ઞાનમય ભાવમાંથી) જ્ઞાનમય ભાવો જ થાય છે.

અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી તેના સર્વ ભાવો અજ્ઞાનમય જ છે. અજ્ઞાનીને શુભાશુભ ભાવ મારા છે એમ તેમાં આત્મબુદ્ધિ છે. તે શુભભાવથી પોતાને લાભ થાય અને તે પોતાનું કર્તવ્ય છે એમ માને છે. તેથી અજ્ઞાનીના સર્વ ભાવ અજ્ઞાનમય જ છે. તથા જેટલા શુભાશુભ ભાવ છે તે બંધનું કારણ છે.

‘અવિરત સમ્યગ્દ્રષ્ટિ (-જ્ઞાની) ને જોકે ચારિત્રમોહના ઉદયે ક્રોધાદિક ભાવો પ્રવર્તે છે તોપણ તેને તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, તે તેમને પરના નિમિત્તથી થયેલી ઉપાધિ માને છે.’

જ્ઞાનીને ક્રોધ, માન આદિ ભાવ આવે છે, તેની રુચિ નથી છતાં નબળાઈથી તે ભાવ આવે છે; પરંતુ તે ભાવ મારી ચીજ છે અને તેનાથી મને લાભ છે એવી જ્ઞાનીની બુદ્ધિ હોતી નથી. કર્મના ઉદયના નિમિત્તે થયેલા તે ભાવને જ્ઞાની ઉપાધિ માને છે.

તેને ક્રોધાદિક કર્મો ઉદયમાં આવીને ખરી જાય છે-આગામી એવો બંધ કરતાં નથી કે જેથી સંસારનું ભ્રમણ વધે. જ્ઞાની જે કર્મ ઉદયમાં આવે છે તેમાં થોડા જોડાય પણ છે, છતાં તે રાગ ખરી જાય છે કેમકે તેને તેનું સ્વામીપણું નથી. તે એવો બંધ કરતો નથી કે જેથી સંસારનું પરિભ્રમણ વધે, કારણ કે જ્ઞાની પોતે ઉદ્યમી થઈને ક્રોધાદિભાવરૂપે પરિણમતો નથી અને જોકે ઉદયની બળજોરીથી પરિણમે છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને પરિણમતો નથી.

વિકાર કરવા લાયક છે એવા ઊંધા પુરુષાર્થપણે જ્ઞાની પરિણમતા નથી. કર્મના ઉદયમાં તે પોતાની કમજોરીથી જોડાય છે તોપણ જ્ઞાતાપણું ચૂકીને રાગમયપણે પરિણમતા નથી. હું જ્ઞાતા-દ્રષ્ટા છું એ ભૂલીને તે રાગસ્વભાવે પરિણમતા નથી. ધર્મીને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિના શુભભાવ આવે છે પણ તેમાં આત્મબુદ્ધિ નથી. જ્ઞાનીનું


PDF/HTML Page 1314 of 4199
single page version

સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. એની દ્રષ્ટિ જ્ઞાનસ્વભાવ ઉપર જ સતત મંડાયેલી રહે છે. તેથી તે ક્રોધાદિ ભાવોનો અન્ય જ્ઞેયોની માફક જ્ઞાતા જ છે, કર્તા નથી. આ રીતે જ્ઞાનીના સર્વ ભાવો જ્ઞાનમય જ છે.

આત્મા જ્ઞાનસ્વરૂપ પ્રભુ સર્વજ્ઞસ્વભાવમય છે; એની જેને દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની જ્ઞાનસ્વરૂપે પરિણમે છે. જ્ઞાનનું ઉલ્લંઘન કરીને જ્ઞાની પરિણમતા નથી. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. જ્ઞાનીને રાગાદિમાં સ્વામીપણું નથી. અશુભરાગ પણ કદાચિત્ જ્ઞાનીને થાય છે પણ તેનું તેને સ્વામીપણું નથી.

જ્ઞાની અન્ય જ્ઞેયોની માફક ક્રોધાદિ વિકારી ભાવોનો જ્ઞાતા જ છે, કર્તા નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પર પદાર્થ જેમ જ્ઞેય છે, જાણવા લાયક છે તેમ નબળાઈથી થતા રાગાદિ વિકારી ભાવ જ્ઞાનીને જ્ઞાનના જ્ઞેય છે, જાણવા લાયક છે, જ્ઞાની તેના કર્તા થતા નથી. રાગાદિ ભાવ કરવા લાયક છે એમ માનતા નથી માટે કર્તા નથી; પરિણમન છે એ અપેક્ષાથી કર્તા કહેવામાં આવે છે એ જુદી વાત છે.

સમકિતીના અંતરની લોકોને ખબર નથી. લોકો તો બસ આ કરો ને તે કરો-વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, જાત્રા કરો, ભક્તિ કરો, દાન કરો, મંદિરો બંધાવો, પ્રતિષ્ઠા કરાવો, એમ પાંચ-પચીસ લાખ ખર્ચ કરો ઇત્યાદિ વડે ધર્મ થવો માને છે, પણ એમાં તો ધૂળેય ધર્મ નથી. એ તો શુભભાવ છે, પુણ્યબંધનું કારણ છે. અજ્ઞાની એને ધર્મ માને છે તે મિથ્યાત્વ છે અને જ્ઞાની તેને પરજ્ઞેય તરીકે પોતાના જ્ઞાનમાં જાણે છે. જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં મોટું અંતર છે, ઉગમણો-આથમણો ફેર છે. જેમ ધાવમાતા બાળકને ધવરાવે પણ એ મારો દીકરો છે એમ માનતી નથી, તેમ ધર્મી જીવને રાગ આવે છે પણ રાગ મારો છે એવું એને સ્વામિત્વ નથી. જે રાગ આવે છે તેને માત્ર પરજ્ઞેય તરીકે જાણે છે. પોતાનું જ્ઞાન અને આનંદસ્વરૂપ છે તે સ્વજ્ઞેય છે. જ્ઞાનીની દ્રષ્ટિ સ્વજ્ઞેય જે શુદ્ધ આત્મા ત્યાંથી ખસતી નથી અને તેથી તેના સર્વ ભાવો જ્ઞાનમય જ હોય છે.

સમ્યગ્દ્રષ્ટિની રુચિ શુદ્ધ આત્મદ્રવ્યમાં છે. અંદર પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય એકલો ઉજ્જ્વળ પવિત્ર અનંતગુણોનો પિંડ પ્રભુ આત્મા વિરાજી રહ્યો છે તેની જ્ઞાનીને નિરંતર રુચિ છે, તેને રાગાદિ ભાવની રુચિ નથી. જેમ કોઈ નોકર શેઠનું કામ કરતો હોય તે બોલે એમ કે-અમારે માલ લેવો છે, અમારે માલ વેચવો છે ઇત્યાદિ. પરંતુ અંદર જાણે છે કે ‘અમારે’ એટલે પોતાને નહિ પણ શેઠને માલ લેવાનો-વેચવાનો છે. તેમ રાગાદિ ભાવ જે જ્ઞાનીને આવે છે તેને અંદરથી એમ જાણે છે કે-આ રાગાદિ ભાવ છે તે મારો નથી, એ તો કર્મની ઉપાધિ છે; મારો તો એક ચિદાનંદમય શુદ્ધ જ્ઞાયકભાવ છે. રાગ મારું કર્તવ્ય નહિ, જ્ઞાન મારું કર્તવ્ય છે અને રાગનો હું તો જ્ઞાતામાત્ર છું.

એક શેઠને હંમેશાં ચૂરમુ ખાવાની આદત હતી. તેમને ચૂરમુ જ માફક આવે.

PDF/HTML Page 1315 of 4199
single page version

હવે એક દિ બન્યું એમ કે એમનો જુવાનજોધ દીકરો એકાએક ગુજરી ગયો. સ્મશાનેથી બાળીને સૌ ઘેર આવ્યા. ઘરમાં સૌ રો-કકળ કરે અને બધે શોકનું ગમગીન વાતાવરણ બની ગયું. દીકરાનો બાપ શેઠ કહે-રોટલા-રોટલી બનાવો, આજે ચૂરમુ ન ખવાય. સૌ સગાંવહાલાં કહે- તમને ચૂરમાની ટેવ છે માટે તમે ચૂરમુ જ ખાઓ, તમને બીજું માફક નહિ આવે. તે વખતે સૌએ સાદું ભોજન કર્યું. શેઠે ચૂરમુ ખાધું, પણ ચૂરમાની એમને હોંશ ન હતી. તેમ જ્ઞાનીને રાગ આવે છે પણ તેને રાગની હોંશ નથી. ધર્મીને રાગની રુચિ ખલાસ થઈ ગઈ હોય છે.

પ્રશ્નઃ– જ્ઞાનીને ઉદયની બળજોરીથી રાગ આવે છે એટલે શું?

ઉત્તરઃ– ઉદયની બળજોરીથી રાગ આવે છે એ તો નિમિત્તની મુખ્યતાથી કહ્યું છે. એનો અર્થ એમ છે કે જ્ઞાનીને પુરુષાર્થની કમજોરી છે. જે રાગ આવે છે તે પોતાના અપરાધથી આવે છે અને તે પોતાના કારણે આવે છે. જડકર્મને લઈને રાગ થાય છે વા જડકર્મનો ઉદય રાગ કરાવે છે એમ છે જ નહિ, કર્મ તો જડ છે. કહ્યું છે ને કે-

‘કર્મ બિચારે કૌન, ભૂલ મેરી અધિકાઈ.’

જ્યાં જ્યાં એમ કથન આવે કે કર્મના ઉદયની બળજોરીથી રાગ થાય છે ત્યાં ત્યાં એમ સમજવું કે રાગ પોતાની કમજોરીથી પોતાના કારણે થાય છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્ત- માત્ર છે. (પુરુષાર્થ કમજોર છે તો કર્મ બળવાન છે એમ નિમિત્તથી કહેવામાં આવે છે).

હવે આગળની ગાથાની સૂચનાના અર્થરૂપ શ્લોક કહે છેઃ-

કળશ ૬૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન

‘अज्ञानी’ અજ્ઞાની ‘अज्ञानमयभावानाम् भूमिकाम्’ (પોતાના) અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં ‘व्याप्य’ વ્યાપીને ‘द्रव्यकर्मनिमित्तानां भावानाम्’ (આગામી) દ્રવ્યકર્મનાં નિમિત્ત જે (અજ્ઞાનાદિક) ભાવો તેમના ‘हेतुताम् एति’ હેતુપણાને પામે છે. (અર્થાત્ દ્રવ્યકર્મનાં નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે.)

અજ્ઞાની પોતાના અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં એટલે રાગની રુચિમાં પડયો છે. પોતાનો જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ, વીતરાગસ્વભાવ તેને છોડીને અજ્ઞાની રાગની રુચિમાં જોડાયો છે. અજ્ઞાનમય ભાવોની ભૂમિકામાં વ્યાપીને દ્રવ્યકર્મનાં નિમિત્ત જે અજ્ઞાનાદિક ભાવો છે તેમના હેતુપણાને પામે છે. અર્થાત્ દ્રવ્યકર્મના નિમિત્તરૂપ ભાવોનો હેતુ બને છે.

જૂના કર્મના ઉદયનું લક્ષ કરીને, નવા કર્મબંધના કારણરૂપ જે અજ્ઞાનભાવ તેના હેતુપણાને પ્રાપ્ત થાય છે. આ અજ્ઞાનીની વાત કરી છે.

[પ્રવચન નં. ૧૮૭ * દિનાંક ૧૬-૯-૭૬]

PDF/HTML Page 1316 of 4199
single page version

अण्णाणस्स स उदओ जा जीवाणं अतच्चउवलद्धी।
मिच्छत्तस्स दु उदओ जीवस्स असद्दहाणत्तं।। १३२ ।।
उदओ असंजमस्स दु जं जीवाणं हवेइ अविरमणं।
जो दु कलुसोवओगो जीवाणं सो कसाउदओ।। १३३ ।।
तं जाण जोगउदयं जो जीवाणं तु चिट्ठउच्छाहो।
सोहणमसोहणं वा कायव्वो विरदिभावो वा।। १३४ ।।
एदेसु हेदुभूदेसु कम्मइयवग्गणागदं जं तु।
परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं।। १३५ ।।
तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागदं जइया।
तइया दु होदि हेदू जीवो परिणामभावाणं।। १३६ ।।

આ જ અર્થપાંચ ગાથાઓથી કહે છેઃ-

અજ્ઞાન તત્ત્વ તણું જીવોને, ઉદય તે અજ્ઞાનનો,
અપ્રતીત તત્ત્વની જીવને જે, ઉદય તે મિથ્યાત્વનો; ૧૩૨,
જીવને અવિરતભાવ જે, તે ઉદય અણસંયમ તણો,
જીવને કલુષ ઉપયોગ જે, તે ઉદય જાણ કષાયનો; ૧૩૩.
શુભ કે અશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિની ચેષ્ટા તણો
ઉત્સાહ વર્તે જીવને, તે ઉદય જાણ તું યોગનો. ૧૩૪.
આ હેતુભૂત જ્યાં થાય, ત્યાં કાર્મણવરગણારૂપ જે,
તે અષ્ટવિધ જ્ઞાનાવરણઇત્યાદિભાવે પરિણમે; ૧૩પ.
કાર્મણવરગણારૂપ તે જ્યાં જીવનિબદ્ધ બને ખરે,
આત્માય જીવપરિણામભાવોનો તદા હેતુ બને. ૧૩૬.

PDF/HTML Page 1317 of 4199
single page version

अज्ञानस्य स उदयो या जीवानामतत्त्वोपलब्धिः।
मिथ्यात्वस्य तूदयो जीवस्याश्रद्दधानत्वम्।। १३२ ।।
उदयोऽसंयमस्य तु यज्जीवानां भवेदविरमणम्।
यस्तु कलुषोपयोगो जीवानां स कषायोदयः।। १३३ ।।
तं जानीहि योगोदयं यो जीवानां तु चेष्टोत्साहः।
शोभनोऽशोभनो वा कर्तव्यो विरतिभावो वा।। १३४ ।।
एतेषु हेतुभूतेषु कार्मणवर्गणागतं यत्तुः।
परिणमतेऽष्टविधं ज्ञानावरणादिभावैः।। १३५ ।।
तत्खलु जीवनिबद्धं कार्मणवर्गणागतं यदा।
तदा तु भवति हेतुर्जीवः परिणामभावानाम्।। १३६ ।।

ગાથાર્થઃ– [जीवानाम्] જીવોને [या] જે [अतत्त्वोपलब्धिः] તત્ત્વનું અજ્ઞાન (અર્થાત્ વસ્તુસ્વરૂપનું અયથાર્થ-વિપરીત જ્ઞાન) છે [सः] તે [अज्ञानस्य] અજ્ઞાનનો [उदयः] ઉદય છે [तु] અને [जीवस्य] જીવને [अश्रद्दधानत्वम्] જે (તત્ત્વનું) અશ્રદ્ધાન છે તે [मिथ्यात्वस्य] મિથ્યાત્વનો [उदयः] ઉદય છે; [तु] વળી [जीवानां] જીવોને [यद्] જે [अविरमणम्] અવિરમણ અર્થાત્ અત્યાગભાવ છે તે [असंयमस्य] અસંયમનો [उदयः] ઉદય [भवेत्] છે [तु] અને [जीवानां] જીવોને [यः] જે [कलुषोपयोगः] મલિન (અર્થાત્ જાણપણાની સ્વચ્છતા રહિત) ઉપયોગ છે [सः] તે [कषायोदयः] કષાયનો ઉદય છે; [तु] વળી [जीवानां] જીવોને [यः] જે [शोभनः अशोभनः वा] શુભ કે અશુભ [कर्तव्यः विरतिभावाः वा] પ્રવૃત્તિ કે નિવૃત્તિરૂપ [चेष्टोत्साहः] (મનવચનકાયા-આશ્રિત) ચેષ્ટાનો ઉત્સાહ છે [तं] તે [योगोदयं] યોગનો ઉદય [जानीहि] જાણ.

[एतेषु] આ (ઉદયો) [हेतुभूतेषु] હેતુભૂત થતાં [यत् तु] જે [कार्मणवर्गणागतं] કાર્મણવર્ગણાગત (કાર્મણવર્ગણારૂપ) પુદ્ગલદ્રવ્ય [ज्ञानावरणादिभावैः अष्टविधं] જ્ઞાનાવરણાદિભાવોરૂપે આઠ પ્રકારે [परिणमते] પરિણમે છે, [तत् कार्मणवर्गणागतं] તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય [यदा] જ્યારે [खलु] ખરેખર [जीवनिबद्धं] જીવમાં બંધાય છે [तदा तु] ત્યારે [जीवः] જીવ [परिणामभावानाम्] (પોતાના અજ્ઞાનમય) પરિણામભાવોનો [हेतुः] હેતુ [भवति] થાય છે.

ટીકાઃ– તત્ત્વના અજ્ઞાનરૂપે (અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો (-સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ (નવાં) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય


PDF/HTML Page 1318 of 4199
single page version

ચાર ભાવો છે. તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે. આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ-અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે.

ભાવાર્થઃ– અજ્ઞાનભાવના ભેદરૂપ જે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના ઉદયો તે પુદ્ગલના પરિણામ છે અને તેમનો સ્વાદ અતત્ત્વશ્રદ્ધાનાદિરૂપે જ્ઞાનમાં આવે છે. તે ઉદયો નિમિત્તભૂત થતાં, કાર્મણવર્ગણારૂપ નવાં પુદ્ગલો સ્વયમેવ જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે અને જીવ સાથે બંધાય છે; અને તે સમયે જીવ પણ સ્વયમેવ પોતાના અજ્ઞાનભાવથી અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમે છે અને એ રીતે પોતાના અજ્ઞાનમય ભાવોનું કારણ પોતે જ થાય છે.

મિથ્યાત્વાદિનો ઉદય થવો, નવાં પુદ્ગલોનું કર્મરૂપે પરિણમવું તથા બંધાવું, અને જીવનું પોતાના અતત્ત્વશ્રદ્ધાનાદિ ભાવોરૂપે પરિણમવું-એ ત્રણેય એક સમયે જ થાય છે; સૌ સ્વતંત્રપણે પોતાની મેળે જ પરિણમે છે, કોઈ કોઈને પરિણમાવતું નથી.

* * *
સમયસારઃ ગાથા ૧૩૨ થી ૧૩૬ મથાળું

આ જ અર્થ પાંચ ગાથાઓથી કહે છેઃ-

* ગાથા ૧૩૨ થી ૧૩૬ઃ ટીકા ઉપરનું પ્રવચન *

તત્ત્વના અજ્ઞાનરૂપે (અર્થાત્ વસ્તુસ્વરૂપની અન્યથા ઉપલબ્ધિરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો (સ્વાદમાં આવતો) અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય, અને યોગના ઉદયો-કે જેઓ (નવાં) કર્મના હેતુઓ છે તેઓ-તે-મય અર્થાત્ અજ્ઞાનમય ચાર ભાવો છે.’

જુઓ, આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વભાવી પરમ પવિત્ર પ્રભુ છે. તેનું ભાન નહિ હોવાથી પર્યાયમાં અજ્ઞાનભાવે પરિણમે છે. જડ પુદ્ગલ ઉદયમાં આવતાં જ્ઞાનમાં જે અજ્ઞાનરૂપ, વિપરીતજ્ઞાનરૂપ સ્વાદ આવે છે તે ખરેખર જડ પુદ્ગલનો સ્વાદ છે, તે આત્માનો-શુદ્ધ ચૈતન્યનો પવિત્રતાનો સ્વાદ નથી. અહીં અજ્ઞાનમય ભાવના ચાર ભેદ કહ્યા છે-મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ. અજ્ઞાનભાવમાં આ ચારેય ઊભા છે અને જેને આત્મદ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને (દ્રષ્ટિ અપેક્ષાએ) ચારેય ભાવ ટળી ગયા છે.


PDF/HTML Page 1319 of 4199
single page version

શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં અહંબુદ્ધિ ન કરતાં પરમાં અહંબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. શુદ્ધ ચૈતન્યમાં ટકવાને બદલે પરમાં આસક્તિભાવે ટકવું તે અવિરતિ છે. નિર્મળ સ્વભાવમાં ન રોકાતાં મલિન ઉપયોગમાં રોકાવું તે કષાય છે. નિશ્ચલ નિષ્કંપ સ્વભાવમાં ન રોકાતાં કંપનમાં રોકાવું તે યોગ છે. આ ચારેય અજ્ઞાનમય ભાવો છે. હવે જેને આત્માનું સમ્યક્ ભાન થયું તેને મિથ્યાત્વ ગયું. અંશે સ્થિરતા થઈ, મિથ્યાત્વસંબંધી કષાય ગયો અને મિથ્યાત્વસંબંધી યોગ પણ ગયો. અહાહા...! સમ્યગ્દર્શન થયું ત્યાં ચારેય ટળી ગયા. સમકિતીને સ્વભાવ પર દ્રષ્ટિ છે અને સ્વભાવદ્રષ્ટિમાં તેને ચારેય ટળી ગયા છે.

વસ્તુમાં-દ્રવ્યસ્વભાવમાં અજ્ઞાન નથી, મિથ્યાત્વ નથી, અવિરતિ નથી, કષાય નથી, યોગ નથી. તેથી જેને દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થઈ છે એવા સમકિતીની દ્રષ્ટિમાં પણ ચારેય નથી. સમકિતીને સદા જ્ઞાનભાવ છે અને જ્ઞાનભાવમાં અજ્ઞાનમય ભાવોનું કર્તાકર્મપણું નથી. જ્ઞાનભાવ થતાં અજ્ઞાનમય ભાવોનું કર્તાકર્મપણું હોતું નથી. સમકિતીને અલ્પ વિકારના પરિણામો થાય છે ખરા, પણ તેનો તે સ્વામી નથી, કર્તા નથી. સમકિતી તો અવસ્થામાં જે વિકાર થાય તેનો માત્ર જ્ઞાતા જ છે. પરંતુ આત્માના ભાન વિના અજ્ઞાનીને એ ચારેય અજ્ઞાનમય ભાવ છે. એ વાત અહીં કહે છે-

તત્ત્વના અજ્ઞાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અજ્ઞાનનો ઉદય છે. મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગના ઉદયો-કે જેઓ (નવાં) કર્મના હેતુઓ છે તેઓ-તેમય અજ્ઞાનમય ચાર ભાવો છે.

તત્ત્વના અશ્રદ્ધાનરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો મિથ્યાત્વનો ઉદય છે; અવિરમણરૂપે (અત્યાગભાવરૂપે) જ્ઞાનમાં સ્વાદરૂપ થતો અસંયમનો ઉદય છે; કલુષ (મલિન) ઉપયોગરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો કષાયનો ઉદય છે; શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપે જ્ઞાનમાં સ્વાદરૂપ થતો યોગનો ઉદય છે.’

આત્મા શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ છે. તેની પ્રતીતિ વિના જ્ઞાનમાં તત્ત્વની ભ્રાન્તિરૂપ જે સ્વાદ આવે છે તે કલુષિત છે, આકુળતામય છે અને તેમાં મિથ્યાત્વના ઉદયનું નિમિત્ત છે. તેવી રીતે વિષયોમાં આસક્તિરૂપ અસંયમનો, મલિન ઉપયોગરૂપ કષાયનો અને શુભાશુભ પ્રવૃત્તિ કે નિવૃત્તિના વ્યાપારરૂપ યોગનો જે જ્ઞાનમાં સ્વાદ આવે છે તે પણ કલુષિત છે, આકુળતામય દુઃખરૂપ છે, અને તેમાં અવિરતિ આદિ પૂર્વકર્મના ઉદયનું નિમિત્ત છે.

હવે અહીં એમ સિદ્ધ કરવું છે કે જૂનાં પુદ્ગલકર્મનો ઉદય નવાં કર્મના બંધનું કારણ થાય છે. મિથ્યાત્વ, અવિરતિ આદિ જે પૂર્વનાં કર્મ છે તેનો ઉદય નવા બંધનું કારણ છે. પણ કોને? કે જે મિથ્યાત્વ, અવિરતિ આદિ અજ્ઞાનભાવરૂપે પરિણમે છે તેને. સૂક્ષ્મ વાત છે, પ્રભુ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો માર્ગ લોકોને સાંભળવા મળ્‌યો નથી.


PDF/HTML Page 1320 of 4199
single page version

કહે છે કે જૂનાં કર્મનો ઉદય-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ છે. પરંતુ કોને? જે અજ્ઞાનભાવે, મિથ્યાત્વ અને રાગદ્વેષરૂપે પરિણમે તેને. જ્ઞાનીને પૂર્વકર્મનો ઉદય છે તે નવાં કર્મબંધનું કારણ થતો નથી કેમકે તે સ્વામીપણે ઉદયમાં જોડાતા નથી અને તેથી તેને જૂનાં કર્મ છે તે ખરી જાય છે, નવો બંધ થતો નથી. કળશ ટીકામાં પણ કહ્યું છે કે ઉદયમાત્ર બંધનું કારણ નથી. ઉદયમાત્રથી જો બંધ થાય તો કદી મોક્ષ થઈ શકે નહિ.

અહીં એક સમયમાં ત્રણ વાત છે-

૧. દર્શનમોહ આદિ કર્મનો ઉદય, ૨. તે જ સમયે નવાં કર્મનો બંધ, ૩. અને તે જ સમયે અજ્ઞાની જીવ સ્વયં મિથ્યાત્વાદિ ભાવરૂપે પરિણમે છે તે.

અજ્ઞાનીને જુનાં કર્મનો ઉદય છે તે નવા બંધમાં નિમિત્ત કહેવામાં આવે છે અને જે મિથ્યાત્વના ભાવ ન કરે તેને તે સમયે જૂનાં કર્મનો ઉદય (બંધ કર્યા વિના) ખરી જાય છે. આવી વાત છે અટપટી. હવે કહે છે-

‘આ પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયો હેતુભૂત થતાં જે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિભાવે આઠ પ્રકારે સ્વયમેવ પરિણમે છે, તે કાર્મણવર્ગણાગત પુદ્ગલદ્રવ્ય જ્યારે જીવમાં નિબદ્ધ થાય ત્યારે જીવ સ્વયમેવ અજ્ઞાનથી સ્વપરના એકત્વના અધ્યાસને લીધે તત્ત્વ - અશ્રદ્ધાન આદિ પોતાના અજ્ઞાનમય પરિણામભાવોનો હેતુ થાય છે.’

જુઓ, પૌદ્ગલિક મિથ્યાત્વાદિના ઉદયકાળે જે નવાં કર્મ બંધાય છે તે સ્વયમેવ પરિણમે છે. નવાં કર્મ પરિણમે તે સ્વતંત્રપણે પરિણમે છે. જૂનાં કર્મનો ઉદય તેને પરિણમાવે છે એમ નથી. બધું જ સ્વતંત્ર છે એમ સિદ્ધ કરે છે.

૧. પૂર્વ કર્મનો ઉદય આવે છે તે સ્વતંત્ર, ૨. ઉદયકાળે નવાં કર્મ બંધાય તે પણ સ્વતંત્ર, અને ૩. જીવ મિથ્યાશ્રદ્ધારૂપ મિથ્યાત્વના ભાવ પોતામાં કરે છે તે પણ સ્વતંત્ર.

રાગ મારી ચીજ છે, મારું કર્તવ્ય-કાર્ય છે, એવા મિથ્યાદ્રષ્ટિના (મિથ્યાશ્રદ્ધાનરૂપ) ભાવ નવા કર્મબંધમાં નિમિત્ત થાય ત્યારે જૂનાં કર્મને નવા કર્મબંધનું નિમિત્ત કહેવામાં આવે છે.

ઝીણી વાત છે ભાઈ! જૂનાં કર્મ પણ સ્વતંત્ર, નવો બંધ થાય તે પણ સ્વતંત્ર અને વચ્ચે જીવ રાગ-દ્વેષ અને અજ્ઞાનપણે પરિણમે તે પણ સ્વતંત્ર. અહો! સમયસાર ખૂબ ગંભીર ચીજ છે ભાઈ! પંચમઆરામાં આચાર્ય કુંદકુંદદેવે તીર્થંકરતુલ્ય કામ કર્યું છે અને આચાર્ય અમૃતચંદ્રદેવે ગણધરતુલ્ય કામ કર્યું છે. શ્રી કુંદકુંદદેવને નમસ્કાર