Pravachan Ratnakar (Gujarati). Gatha: 143.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 70 of 210

 

PDF/HTML Page 1381 of 4199
single page version

આત્મામાં અકારણકાર્યત્વ શક્તિ-સ્વભાવ એવો છે કે તે વડે તે રાગનું કારણ પણ નથી, કાર્ય પણ નથી. અહાહા...! વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તેનું ભગવાન આત્મા કારણ નથી. તેમ વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તેનું આત્મા કાર્ય પણ નથી. (પછી વ્યવહારથી નિશ્ચય પ્રગટે એ કયાં રહ્યું?) આત્મા તો પોતાના શુદ્ધ સ્વરૂપનું કારણ અને શુદ્ધ સ્વરૂપનું કાર્ય છે. સૂક્ષ્મ વાત છે, ભાઈ!

પણ આ બધું તારે નક્કી કરવું પડશે. ભાઈ! ૮૪ના અવતારમાં જીવ દુઃખી જ દુઃખી થયો છે. જુઓને! ક્ષણવારમાં હાર્ટફેલ થઈ જાય છે! પણ દેહ તારી ચીજ કયાં છે? એ તો પર ચીજ છે. એક ક્ષેત્રે હોવા છતાં આત્માથી હમણાં પણ ભિન્ન જ છે. શરીર, કર્મ અને રાગથી ચૈતન્યસત્ત્વ ભિન્ન છે.

જેમ નાળિયેરમાં ગોળો કાચલીથી ભિન્ન ચીજ છે તેમ ચૈતન્યગોળો શરીરથી અને રાગથી ભિન્ન તત્ત્વ છે. ચૈતન્યદ્રવ્યનું સામર્થ્ય જ એવું છે કે તે રાગનું કારણ ન થાય અને રાગનું કાર્ય પણ ન થાય.

ચૈતન્યપ્રકાશરૂપ વસ્તુ આત્મા પદાર્થ છે કે નહિ? હા, પદાર્થ છે; તો તેને અન્ય પદાર્થ સાથે કાંઈ સંબંધ નથી. વળી પર પદાર્થના લક્ષે જે શુભ વિકલ્પ થાય છે તે પુણ્ય તત્ત્વ છે અને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છે. બંને ભિન્ન ભિન્ન છે. માટે પુણ્ય તત્ત્વથી જ્ઞાયક તત્ત્વની પ્રાપ્તિ ન થાય. વ્યવહારથી નિશ્ચય ન થાય. ભાઈ! અનાદિ અનંત સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો અકારણકાર્યસ્વભાવ જ એવો છે કે સંસારના કોઈ પણ પદાર્થનું આત્મા કારણ ન થાય અને જગતના કોઈ પણ અન્ય પદાર્થથી (નિમિત્તથી કે રાગથી) આત્માને સમ્યગ્દર્શન આદિ ચૈતન્યપરિણમન ન થાય. અહાહા...! રાગના અભાવસ્વભાવસ્વરૂપ શુદ્ધ ચૈતન્યતત્ત્વ આત્મા છે તે નિજ ચૈતન્યસ્વરૂપ સિવાય કોઈનું કારણ-કાર્ય નથી. આવું જ સ્વરૂપ છે; પણ તે નયોના પક્ષપાતરૂપ વિકલ્પોથી પ્રાપ્ત થતું નથી. તેથી કહે છે-

‘જે પુરુષ નયોના કથન અનુસાર યથાયોગ્ય વિવક્ષાપૂર્વક તત્ત્વનો વસ્તુસ્વરૂપનો નિર્ણય કરીને નયોના પક્ષપાતને છોડે છે તે પુરુષને ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે.’

જુઓ, પ્રથમ વસ્તુસ્વરૂપનો નિર્ણય કરતી વેળા નય વિકલ્પ આવે છે ખરા, પણ જે પુરુષ તેને ઓળંગી જઈ સ્વભાવસન્મુખ થાય છે તેને ચિત્સ્વરૂપ જીવનો ચિત્સ્વરૂપે અનુભવ થાય છે. વિકલ્પથી ભિન્ન પડી, ચૈતન્યની પર્યાય જે સ્વભાવમાં તન્મય થાય છે તેનું નામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે. પહેલાં પર્યાય વિકલ્પમાં એકમેક હતી તે જ્ઞાયકમાં એકમેક થાય છે એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્ઞાનીને નિરંતર ચિત્સ્વરૂપ જીવ ચિત્સ્વરૂપે અનુભવાય છે. હવે કહે છે-


PDF/HTML Page 1382 of 4199
single page version

‘જીવમાં અનેક સાધારણ ધર્મો છે પરંતુ ચિત્સ્વભાવ તેનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે તેથી તેને મુખ્ય કરીને અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે.’

ભગવાન આત્મામાં બીજાં દ્રવ્યોમાં છે એવા પોતાના અનેક સાધારણ ધર્મો છે. પોતામાં હોય અને બીજાં દ્રવ્યોમાં પણ હોય તેવા ધર્મોને સાધારણ ધર્મો કહે છે. એ રીતે આત્મામાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ આદિ પોતાના સાધારણ ધર્મો અનંત છે; અને અસાધારણ ધર્મ પણ અનેક છે.

ચિત્સ્વભાવ, જાણગસ્વભાવ ભગવાન આત્માનો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. પોતાનો ચૈતન્યસ્વભાવ બીજાં દ્રવ્યોમાં નથી. પોતમાં અસ્તિત્વ ગુણ છે તેવો ગુણ બીજા દ્રવ્યોમાં છે, પણ ચૈતન્યધર્મ પોતામાં છે અને બીજામાં નથી. તે ચૈતન્ય-ધર્મ અનુભવમાં આવી શકે તેવો પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ છે. જે વિકલ્પ ઉઠે છે તે તો અંધકાર છે, કેમકે તેમાં ચૈતન્યનો અભાવ છે. તે ચૈતન્યસ્વભાવને-પ્રકાશ-સ્વભાવને પ્રાપ્ત કરાવી શકે નહિ. અંધકાર પ્રકાશનું કારણ કેમ થાય? ન થાય. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, શાસ્ત્રનું બાહ્ય જ્ઞાન, અને પંચમહાવ્રતના પરિણામ-એ બધા વિકલ્પરૂપ છે તેથી તેનાથી ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થઈ શકે નહિ.

ચૈતન્ય આત્માનો અસાધારણ ધર્મ છે. આત્મા ઉપરાંત ધર્માદિ દ્રવ્યો પણ અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ અરૂપી છે અને એક પુદ્ગલરૂપી છે. તેમાં આત્માનું સ્વરૂપ જ્ઞાન છે. જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન નહિ, પણ જેમ સાકરનો ગળપણ સ્વભાવ છે તેમ આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ચિત્સ્વભાવ છે. તે પ્રગટ અનુભવગોચર અસાધારણ ધર્મ હોવાથી અહીં જીવને ચિત્સ્વરૂપ કહ્યો છે.

* * *

ઉપરના ૨૦ કળશના કથનને હવે સમેટે છેઃ-

* કળશ ૯૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘एवं’ એ પ્રમાણે ‘स्वेच्छा–समुच्छलद्–अनल्प–विकल्प–जालाम्’ જેમાં બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે-અહો! દિગંબર સંતોએ તત્ત્વને શું સહેલું કરીને બતાવ્યું છે? કહે છે- એ પ્રમાણે બહુ વિકલ્પોની જાળો આપોઆપ ઊઠે છે એટલે કે વિકલ્પોની જાળ વસ્તુના- આત્માના સ્વભાવમાં નથી. હું અબદ્ધ છું, શુદ્ધ છું, એક છું, પૂર્ણ છું-એવી અનેક પ્રકારની રાગની વૃત્તિઓ જે ઊઠે છે તે આપોઆપ ઊઠે છે, એટલે કે તે સ્વભાવમાં નથી. વિકલ્પની જાળ ઊઠે એવો આત્મામાં ગુણ નથી.

જુઓ, અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો છે. તેમાં અસંખ્ય સમકિતી તિર્યંચો છે. હજાર જોજનના મચ્છ, વાંદરા, હાથી, વાઘ, સિંહ, નોળ, કોળ-એવા અસંખ્ય જીવો


PDF/HTML Page 1383 of 4199
single page version

ત્યાં સમ્યગ્દર્શન પામેલા છે. શરીર તિર્યંચનું છે પણ અંદર તો આત્મા છે ને! અહા! વિકલ્પથી ભિન્ન પડીને અંદર ચૈતન્યમાં ઊંડે ઉતરી ગયા છે. તેમાં પંચમ ગુણસ્થાનવાળા તિર્યંચો પણ અસંખ્ય છે. કોઈને જાતિસ્મરણ થયું છે તો કોઈને આત્માનું અંદર સ્મરણ થયું છે. અહીં સંતો પાસે સાંભળેલું હોય, અનુભવ ન થયો હોય અને પશુમાં જન્મ થયો હોય તો ત્યાં પણ ચેતન્યનો અનુભવ કરી સમ્યગ્દર્શન પામે છે. પૂર્વે જ્ઞાની પાસે જે સાંભળેલું તેનું અંદર લક્ષ જાય છે કે -અહો! હું તો ચૈતન્યજ્યોતિસ્વરૂપ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છું. વિકલ્પના અભાવરૂપ નિર્વિકલ્પ મારું ચૈતન્યરૂપ છે. લોકાલોકથી માંડીને જેટલા વિકલ્પ થાય છે તેને હું અડયોય નથી. આ પ્રમાણે અંતરમાં લક્ષ કરીને સમ્યગ્દર્શન પામે છે.

તિર્યંચોને સમકિત થયા પછી ખોરાક સાદો ફળફૂલનો હોય છે. તેને માંસનો આહાર ન હોય. હજાર-હજાર યોજનના સરોવરમાં કમળ થાય છે. પરમાત્માની વાણીમાં આવ્યું છે કે તે લાખો વર્ષ રહે છે અને તેમને ફળફૂલ, કમળ વગેરેનો આહાર હોય છે. સમકિતી સિંહ હોય તેને માંસનો આહાર ન હોય, વનસ્પતિ વગેરે નિર્દોષ આહાર હોય છે.

પ્રશ્નઃ– તો શું કાળ નડતો નહિ હોય?

ઉત્તરઃ– ના, કાળ તો બાહ્ય ચીજ છે. ચોથો કાળ, પંચમ કાળ એ તો બાહ્ય વસ્તુ છે. ભગવાન આત્મા ત્રિકાળસ્વરૂપ છે. અરે, એની એક સમયની પર્યાયને પણ પરકાળ કહેવામાં આવેલ છે. કળશટીકાનો ૨પ૨ મો શ્લોક છે ત્યાં આમ કહ્યું છેઃ-

૧. સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પમાત્ર વસ્તુ, ૨. સ્વક્ષેત્ર એટલે આધારમાત્ર વસ્તુનો પ્રદેશ, ૩. સ્વકાળ એટલે વસ્તુમાત્રની મૂળ અવસ્થા, ૪. સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ; ૧. પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદકલ્પના, ૨. પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુમાત્રરૂપે કહ્યો હતો તે જ પ્રદેશ સવિકલ્પ ભેદકલ્પનાથી પરપ્રદેશ બુદ્ધિગોચરરૂપે કહેવાય છે.

૩. પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા તે જ અવસ્થાંતર-ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે.

૪. પરભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાયરૂપ અનેક અંશ દ્વારા ભેદકલ્પના, તેને પરભાવ કહેવાય છે.

પંડિત રાજમલજીએ બહુ સરસ કળશટીકા બનાવી છે. તેના આધારે પં. શ્રી


PDF/HTML Page 1384 of 4199
single page version

બનારસીદાસજીએ સમયસાર નાટક બનાવ્યું છે. ભાઈ! આત્મહિત વિચારી શાસ્ત્રોનાં વાંચન, સ્વાધ્યાય, મનન કરવાં જોઈએ. જીવોને ઘણાં શલ્ય પડયાં હોય છે. માટે બરાબર સ્વાધ્યાય કરવો જોઈએ. અહીં તો એમ કહે છે કે આગમના અભ્યાસના વિકલ્પમાં રોકાય તેને પણ આત્માનુભવ નહિ થાય.

ભગવાન આત્મા નિર્વિકલ્પ અભેદ વસ્તુ છે, તેમાં ગુણ અને ગુણીનો ભેદ પાડીને વિકલ્પ ઉઠાવવો તે પરદ્રવ્ય છે. વસ્તુનો આધારમાત્ર પ્રદેશ-તેમાં અસંખ્ય પ્રદેશી વસ્તુ એમ ભેદ-વિકલ્પ ઉઠાવવો તે પરક્ષેત્ર છે. બાપુ! આ વીતરાગનો માર્ગ બહુ અલૌકિક છે અને એનું ફળ પરમ અલૌકિક છે. દ્રવ્યની મૂળની અવસ્થા ત્રિકાળી તે સ્વકાળ છે. એક સમયની પર્યાય વિનાની ત્રિકાળી નિર્વિકલ્પ વસ્તુ તે સ્વકાળ છે અને તેના અવસ્થાંતરરૂપ ભેદકલ્પના તે પરકાળ છે. એક સમયની પર્યાયનો ભેદ પાડવો તે પરકાળ છે. અહો! જે ભાગ્યશાળી હોય તેના કાને પડે એવી આ વાત છે. વસ્તુ ત્રિકાળી આનંદકંદ પ્રભુ તે સ્વકાળ અને એક સમયની પર્યાયનો ભેદ લક્ષમાં લેવો તે પરકાળ છે. તે પરકાળની સ્વકાળમાં નાસ્તિ છે. ચોથો કાળ અને પંચમ કાળ એ તો કયાંય બહાર રહી ગયા!

અહીં કહે છે-એ પ્રમાણે બહુ વિકલ્પની જાળો આપોઆપ ઊઠે છે. આ શું કહ્યું? કે આત્મા જ્ઞાન અને આનંદસ્વરૂપ પ્રભુ છે, તેમાં (પર્યાયમાં) અબદ્ધ છું, શુદ્ધ છું એવી વૃત્તિ આપોઆપ ઊઠે છે અર્થાત્ એ વૃત્તિ નિજ ચૈતન્યસ્વરૂપમાં નથી. અરે! આવા વિકલ્પોની જાળમાં આત્મા ગૂંચવાઈ ગયો છે! પ્રભુ! તું નિર્વિકલ્પ છો ને! આ જે વિકલ્પ ઊઠે છે એ નયપક્ષની બાહ્ય ભૂમિકા છે. વિકલ્પ અદ્ધરથી ઊઠે છે. તેને જે તત્ત્વવેદી છે તે ઓળંગી જાય છે. આઠ વર્ષનો બાળક પણ આ રીતે અનુભવ કરીને કેવળજ્ઞાન પામે છે. તેમાં પરકાળ નડતો નથી, કર્મ પણ નડતાં નથી.

સમ્યગ્જ્ઞાન દીપિકામાં દાખલો આપ્યો છે. એક શેઠનો દીકરો પોતાની પત્નીને ઘરે મૂકીને પરદેશમાં રળવા ગયો. ઘણાં વર્ષ થઈ ગયાં પણ તે દેશમાં પાછો ન આવ્યો. તેની પત્ની બિચારી જાણે વિધવા જેવું જીવન ગુજારે. એટલે એના પિતાએ દીકરાને ચિઠ્ઠી લખી કે-ભાઈને માલૂમ થાય કે તારી પત્ની વિધવા થઈ છે તો તરત ઘેર આવો. ચિઠ્ઠી વાંચીને આ તો પોક મૂકીને ખૂબ જોરથી રોવા લાગ્યો. આજુબાજુનાં સૌ ભેગાં થઈ ગયાં. ભાઈ, છાના રહો એમ ધીરજ આપવા લાગ્યાં. પછી પૂછયું-ભાઈ, કોણ ગુજરી ગયું એ તો કહો, ત્યારે તે કહેવા લાગ્યો-મારી પત્ની વિધવા થઈ ગઈ. પડોશીઓએ કહ્યું-કેવી વાત! તમે તો હયાત છો ને પત્ની કેવી રીતે વિધવા થઈ? ત્યારે તેણે કહ્યું-હા, એ તો બરાબર છે, પણ પિતાજીની ચિઠ્ઠી આવી છે કે તારી પત્ની વિધવા થઈ ગઈ, તો એ પણ ખોટી કેમ માનું? એમ અજ્ઞાની કહે છે કે- દાદાજીના શાસ્ત્રમાં-ગોમ્મટસાર આદિમાં કથન છે કે જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાય ઇત્યાદિ-એ ખોટાં કેમ


PDF/HTML Page 1385 of 4199
single page version

માનું? પણ ભાઈ, એ તો વ્યવહારનયનાં કથન છે. કર્મ તો જડ છે, તે કઈ રીતે જ્ઞાનનો ઘાત કરે? એનો અર્થ તો એવો છે કે પોતે પોતાને ભૂલીને પર્યાયમાં હીણી દશારૂપે પરિણમે છે ત્યારે ઘાતી કર્મને તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. કર્મ નડે છે એમ વાત જ નથી.

અહીં એ બધી વાત ઉડાડી દીધી છે. ભગવાન આત્મદ્રવ્ય પૂર્ણાનંદ પ્રભુ અનંતગુણે વિરાજમાન પરિપૂર્ણ દ્રવ્ય છે. તેનો હીણી પર્યાયથી ઘાત થતો નથી એવી પરિપૂર્ણ વસ્તુ એ છે. અજ્ઞાની કહે છે કે હું કર્મથી હણાઈ ગયો છું. ભગવાન કહે છે-ભાઈ! તું હણાઈ ગયો નથી. વસ્તુમાં હીણાપણું છે જ નહિ; વસ્તુ તો સદાય પરિપૂર્ણ સ્વરૂપે છે. પર્યાયમાં પોતે હીણી દશારૂપે પરિણમે છે ત્યારે કર્મને નિમિત્ત કહે છે. નિમિત્ત પરદ્રવ્ય છે, તે તને અડતુંય નથી. તો પરદ્રવ્ય તને શું કરે? આત્મા ચૈતન્યવસ્તુ પરિપૂર્ણ છે. તેમાં ઘાત કેવો? ઓછપ કેવી? હીણપ કેવી?

અહીં કહે છે કે નયપક્ષની કક્ષા એના સ્વરૂપમાં કેવી? બદ્ધ છું, અશુદ્ધ છું, -એ તો પહેલેથી કાઢી નાખ્યું છે પણ અબદ્ધ છું, શુદ્ધ છું એવો જે નયપક્ષનો વિકલ્પ ઊઠે છે તે પણ વસ્તુના સ્વરૂપમાં નથી. ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનું દળ છે. તેમાં એકલી શાંતિ- શાંતિ-શાંતિ અનંત વીતરાગતા પડી છે; તેમાં આ નયપક્ષની કક્ષાનો અભાવ છે. સ્થૂળ વ્યવહારનો તો અભાવ છે પણ નિશ્ચયના પક્ષરૂપ વિકલ્પનો પણ તેનામાં અભાવ છે. આવા શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ દેવી તે દ્રવ્યદ્રષ્ટિ એટલે કે સમ્યક્ દ્રષ્ટિ છે. હવે કહે છે-

આવી ‘महती’ મોટી ‘नयपक्षकक्षाम्’ નયપક્ષકક્ષાને (નયપક્ષની ભૂમિને) ‘व्यतीत्य’ ઓળંગી જઈને (તત્ત્વવેદી) ‘अन्तः बहिः’ અંદર અને બહાર ‘समरसैकरसस्वभावं’ સમતારસરૂપી એક રસ જ જેનો સ્વભાવ છે એવા ‘अनुभूतिमात्रम् एकम् स्वं भावं’ અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને (-સ્વરૂપને) ‘उपयाति’ પામે છે.

હું એક છું, શુદ્ધ છું એવો જે વિકલ્પ છે તે રાગની આગ છે. છહઢાલામાં આવે છે ને કે-

‘‘યહ રાગ-આગ દહૈ સદા, તાતૈં સમામૃત સેઈયે’’

શું કહ્યું? હું આવો છું એવો જે વિકલ્પ છે તે રાગરૂપી આગ છે. તેને ઓળંગી જઈને જે તત્ત્વવેદી છે તે અંદર અને બહાર સમતારસરૂપી એકરસ જ જેનો સ્વભાવ છે એવા અનુભૂતિમાત્ર એક પોતાના ભાવને પામે છે.

અંદર અને બહાર સમતારસરૂપી એક જ આત્માનો સ્વભાવ છે. અંતર સ્વભાવ તો વીતરાગસ્વરૂપ છે અને બહાર પર્યાયમાં પણ એક સમરસભાવ પ્રગટ થાય એવો જ તેનો સ્વભાવ છે. ત્યાં હું આવો છું એવા વિકલ્પને છોડી જેણે દ્રષ્ટિને દ્રવ્ય ઉપર જોડી


PDF/HTML Page 1386 of 4199
single page version

છે તેને દ્રવ્યમાં જે સમતારસ પડયો છે તે સમતારસ પર્યાયમાં પ્રગટ થાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. પહેલાં વિકલ્પ અનેક પ્રકારના હતા, તેને છોડી જેણે પર્યાયનું સમરસસ્વભાવ-વીતરાગસ્વભાવ સાથે એકપણું કર્યું તેને સમરસભાવ બહાર પ્રગટ થાય છે. અહો! અદ્ભુત કળશ છે! દિગંબર સંતોએ સત્ને યથાવત્ જાહેર કર્યું છે. આવી વાત બીજે કયાંય નથી. કળશમાં ખૂબ ઊંડો ભાવ ભરેલો છે.

ભગવાન આત્મા સમરસસ્વભાવથી ભરેલો સમુદ્ર છે. તેમાં પર્યાય જ્યાં ભળી (એકાગ્ર થઈ) ત્યાં સમરસભાવ ઉછળીને પર્યાયમાં પ્રગટ થાય છે અને તે જ અનુભૂતિ છે, ધર્મ છે.

આત્મા અનુભૂતિસ્વરૂપ ત્રિકાળ છે એ વાત ૭૩ મી ગાથામાં આવી ગઈ છે. પર્યાયમાં ષટ્કારકનું જે પરિણમન છે એનાથી ભિન્ન અનુભૂતિમાત્ર આત્માનો ત્રિકાળી સ્વભાવ છે. ત્યાં અનુભૂતિમાત્ર ત્રિકાળીની વાત કરેલી છે. અહીં પર્યાયમાં અનુભૂતિરૂપ થાય છે એની વાત છે.

નિયમસારમાં પ્રાયશ્ચિત્ત અધિકારમાં કહ્યું છે કે વસ્તુ પ્રાયશ્ચિત્ત સ્વરૂપ છે. તેના આશ્રયથી પર્યાયમાં વીતરાગી નિર્મળ પ્રાયશ્ચિત્ત પ્રગટ થાય છે. પ્રાયઃ એટલે પ્રકૃષ્ટપણે, ચિત્ત એટલે જ્ઞાન. પ્રકૃષ્ટપણે જ્ઞાન પ્રગટ થાય છે તે રાગરહિત નિર્મળ દશા છે. પરમ સંયમી આવા પ્રકૃષ્ટ ચિત્તને નિરંતર ધારણ કરે છે. તેને ખરેખર નિશ્ચય પ્રાયશ્ચિત્ત છે. વસ્તુ ત્રિકાળ પ્રાયશ્ચિત્તસ્વરૂપ છે. તેમ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છે. તેના આશ્રયે પર્યાયમાં પોતાના સમરસભાવરૂપ અનુભૂતિ પ્રગટ થાય છે એ વાત અહીં કરી છે. બીજી રીતે કહીએ તો અનુભૂતિસ્વરૂપ આત્મા છે તે અનુભૂતિ પામે છે.

આત્મા આબાલગોપાળ સૌને અંદર પરમાત્મસ્વરૂપે બિરાજે છે. દેહની અવસ્થા તો જડની છે. બાળ કે ગોપાળ-એ દેહની અવસ્થા અંદર એમાં કયાં છે? સામ્યરસનો સ્વભાવ અંદર ત્રિકાળ છે. જે વિકલ્પની વિષમતા છોડીને અંદર એકાગ્ર થાય છે તેને પર્યાયમાં સમરસભાવની અનુભૂતિ પ્રગટ થાય છે. વિકલ્પની વિષમતા છોડી એમ કહેવાય, બાકી છોડવાનું છે જ કયાં? અંદર સમરસસ્વરૂપમાં-નિજ ચૈતન્યસ્વરૂપમાં લક્ષ જાય છે ત્યારે વિકલ્પોની વિષમતા ઉત્પન્ન થતી નથી એટલે તેને છોડી એમ કહેવામાં આવે છે.

લોકો બિચારા અનંતકાળથી મહાદુઃખી છે. તેમને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ આગમપદ્ધતિનો વ્યવહાર સુગમ છે, પણ અધ્યાત્મપદ્ધતિના વ્યવહારને-આત્માનુભૂતિસ્વરૂપ ચારિત્રને જાણતા નથી. અહીં કહે છે કે આગમપદ્ધતિના વ્યવહારનો તો નિષેધ કરતા આવ્યા છીએ અને શુદ્ધ અધ્યાત્મનો જે પક્ષ છે તેનો પણ નિષેધ છે કેમકે તે પક્ષ વસ્તુના સ્વભાવમાં નથી. અહાહા...! ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છે તે એકરૂપ સમરસપણે પરિણમે તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે અને તેમાં સ્થિરતાનું આચરણ થાય તે ચારિત્ર છે. આવી વાત છે.


PDF/HTML Page 1387 of 4199
single page version

હવે નયપક્ષના ત્યાગની ભાવનાનું છેલ્લું કાવ્ય કહે છેઃ-

* કળશઃ ૯૧ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘पुष्कल–उत्–चल–विकल्प–वीचिभिः उच्छलत्’ પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો વડે ઊઠતી ‘इदम् एवम् कृत्स्नम् इन्द्रजालम्’ આ સમસ્ત ઇન્દ્રજાળને ‘यस्य विस्फुरणम् एव’ જેનું સ્ફુરણમાત્ર જ ‘तत्क्षणं’ તત્ક્ષણ ‘अस्यति’ ભગાડી મૂકે છે ‘तद् चिन्महः अस्मि’ તે ચિન્માત્ર તેજઃપુંજ હું છું.

જુઓ, નયપક્ષના વિકલ્પોને અહીં ઇન્દ્રજાળ કહેલ છે. વ્યવહારના શુભરાગને ઝેર કહેલ છે. પુષ્કળ, મોટા, ચંચળ વિકલ્પરૂપ તરંગો ઊઠે તે તે સમસ્ત ઇન્દ્રજાળ છે. જ્ઞાયકસ્વરૂપમાં નથી ને! તેથી વિકલ્પો બધા ઇન્દ્રજાળની જેમ જૂઠા છે એમ કહે છે. વસ્તુ તરીકે વિકલ્પ છે પણ તે સ્વભાવ નથી માટે વિકલ્પ બધા જૂઠા છે. વિકલ્પની આડમાં-હું શુદ્ધ છું, એક છું-એવા વિકલ્પની આડમાં ઊભો રહે એમાં જ્ઞાયક વસ્તુનું સ્વરૂપ નથી. વિકલ્પની આડમાં રોકાવું એ તો મોહભાવ છે, મૂર્છા છે.

હવે કહે છે-ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં જ્યાં એકાગ્રતારૂપ ટંકાર થયો કે તરત જ બધા વિકલ્પો નાશ પામી જાય છે. ચૈતન્યજ્યોતિ જાગ્રત થતાં જ્યાં શ્રદ્ધા અને જ્ઞાનમાં જાણ્યું કે હું તો ચિત્સ્વરૂપ પરમાત્મા છું ત્યાં સમસ્ત વિકલ્પો દૂર ભાગી જાય છે, નાશ પામી જાય છે. જ્ઞાનની ધારાના ટંકારમાત્રથી રાગનો નાશ થઈ જાય છે. બાપુ! આત્માનું સામર્થ્ય કેટલું છે તેની તેને ખબર નથી. અનંત પુરુષાર્થનો પિંડ પ્રભુ આત્મા છે. જ્ઞાન કહો તો જ્ઞાનનો પિંડ, શ્રદ્ધા કહો તો શ્રદ્ધાનો પિંડ, આનંદ કહો તો આનંદનો પિંડ, વીર્ય કહો તો વીર્યનો પિંડ, -અહાહા...! અનંત સામર્થ્યથી ભરેલા એક એક એમ અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. આવો પૂર્ણ પુરુષાર્થ ભરેલો ભગવાન જ્યાં અંતર-સ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યાં સર્વ વિકલ્પો તત્ક્ષણ ભાગી જાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે કે તેનું સ્ફુરણમાત્ર વિકલ્પોને ભગાડી દે છે.

આવો ચિન્માત્ર તેજઃપુંજ હું છું. ભગવાન આત્મા અનુભવમાં આવતાં સમસ્ત નયોના વિકલ્પની ઇન્દ્રજાળ ક્ષણમાં વિલય પામે છે, અદ્રશ્ય થઈ જાય છે. આ રીતે આત્મા પ્રાપ્ત થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે આત્મા પ્રાપ્ત થાય તેમ નથી. નિમિત્તથી કે વ્યવહારથી આત્મા પ્રાપ્ત થાય એવું એનું સ્વરૂપ નથી. નિમિત્ત છે ખરું, વ્યવહાર છે ખરો; પણ એનાથી આત્મા પ્રાપ્ત થાય નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે.

ત્યારે કોઈ કહે કે-થોડું તમે ઢીલું મૂકો, થોડું અમે ઢીલું મૂકીએ; તો બંનેનો મેળ ખાઈ જાય અર્થાત્ સમન્વય થઈ જાય.

અરે ભાઈ! એવી આ ચીજ નથી. દિગંબર સંતો-કુંદકુંદાચાર્યદેવ, અમૃતચંદ્રાચાર્યદેવ શું કહે છે તે સાંભળ. તેઓ પોકારીને કહે છે કે આત્મા ચૈતન્ય મહાપ્રભુ છે.


PDF/HTML Page 1388 of 4199
single page version

તેની મોટપની તને ખબર નથી, ભાઈ! આ વિકલ્પ છે એ તો કલંક છે, હીણપ છે. હીણપથી મોટપ કેમ પમાય? ભગવાન! વીતરાગમૂર્તિ આત્મા છે તે રાગની હીણપથી કેમ પમાય? તું સહેલું કરવા માગે અને બીજી રીતે માને પણ એનાથી વસ્તુ પ્રાપ્ત નહિ થાય. વ્યવહારનું લક્ષ છૂટીને જ આત્માનુભવ પ્રગટ થાય છે. આ જ રીત છે.

પ્રશ્નઃ– તો પ્રવચનસારમાં આવે છે કે ક્રિયાકાંડથી જ્ઞાનકાંડ થાય છે, તે કેવી રીતે છે?

ઉત્તરઃ– ભાઈ! એ તો વ્યવહારનયનું કથન છે. એનો અર્થ એમ છે કે કર્મકાંડનો જે રાગ છે તેનાથી છૂટી જાય છે ત્યારે જ્ઞાનકાંડ થાય છે. જિનવચન પૂર્વાપર વિરોધરહિત સત્ય હોય છે. તેને યથાર્થ સમજવું જોઈએ.

ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માનો આશ્રય લે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. તેમાં વ્યવહારની કોઈ અપેક્ષા નથી અર્થાત્ એટલી અપેક્ષા છે કે વ્યવહારની ત્યાં ઉપેક્ષા કરવામાં આવી છે. સ્વભાવની અપેક્ષા કરતાં વ્યવહારની ઉપેક્ષા થઈ જાય છે.

* * *
* કળશ ૯૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘ચૈતન્યનો અનુભવ થતાં સમસ્ત નયોના વિકલ્પરૂપી ઇન્દ્રજાળ તે ક્ષણે જ વિલય પામે છે; એવો ચિત્પ્રકાશ હું છું.’

આવો છું, આવો છું-એમ કહે પણ એ તો વિકલ્પ છે. સ્વરૂપમાં વિકલ્પ કયાં છે? નિર્વિકલ્પ ચૈતન્યમાં દ્રષ્ટિ દેતાં સર્વ વિકલ્પ મટી જાય છે અને એ જ સ્વાનુભવરૂપ ધર્મ છે.

[પ્રવચન નં. ૧૯૦ શેષ થી ૧૯૭ ચાલુ * દિનાંક ૩-૧૦-૭૬ થી ૧૦-૧૦-૭૬]

PDF/HTML Page 1389 of 4199
single page version

पक्षातिक्रान्तस्य किं स्वरूपमिति चेत्–

दोण्ह वि णयाण भणिदं जाणदि णवरं तु समयपडिबद्धो।
ण दु णयपक्खं गिण्हदि किंचि वि णयपक्खपरिहीणो।। १४३ ।।

द्वयोरपि नययोर्भणितं जानाति केवलं तु समयप्रतिबद्धः।
न तु नयपक्षं गृह्णाति किञ्चिदपि नयपक्षपरिहीनः।। १४३ ।।

‘પક્ષાતિક્રાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?’-એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા હવે કહે છેઃ-

નયદ્ધયકથન જાણે જ કેવળ સમયમાં પ્રતિબદ્ધ જે,
નયપક્ષ કંઈ પણ નવ ગ્રહે, નયપક્ષથી પરિહીન તે. ૧૪૩.

ગાથાર્થઃ– [नयपक्षपरिहीनः] નયપક્ષથી રહિત જીવ, [समयप्रतिबद्धः] સમયથી પ્રતિબદ્ધ થયો થકો (અર્થાત્ ચિત્સ્વરૂપ આત્માને અનુભવતો થકો), [द्वयोः अपि] બન્ને [नययोः] નયોના [भणितं] કથનને [केवलं तु] કેવળ [जानाति] જાણે જ છે [तु] પરંતુ [नयपक्षं] નયપક્ષને [किञ्चित् अपि] જરા પણ [न गृह्णाति] ગ્રહણ કરતો નથી.

ટીકાઃ– જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતેજ વિજ્ઞાનઘન થયા હોઇને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઇ પણ નયપક્ષને ગ્રહતા નથી, તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, અતિ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત; ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વડે) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઇને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, કોઇ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા)


PDF/HTML Page 1390 of 4199
single page version

(स्वागता)
चित्स्वभावभरभावितभावा–
भावभावपरमार्थतयैकम्।
बन्धपद्धतिमपास्य समस्तां
चेतये समयसारमपारम्।। ९२ ।।

ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યગ્જ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર સમયસાર છે. ભાવાર્થઃ– જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઇ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય; પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે; અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.

તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છેઃ-

શ્લોકાર્થઃ– [चित्स्वभाव–भर–भावित–भाव–अभाव–भाव–परमार्थतया एकम्] ચિત્સ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે (-કરાય છે) -એવું જેનું પરમાર્થ સ્વરૂપ હોવાથી જે એક છે એવા [अपारम् समयसारम्] અપાર સમયસારને હું, [समस्तां बन्धपद्धतिम्] સમસ્ત બંધપદ્ધતિને [अपास्य] દૂર કરીને અર્થાત્ કર્મના ઉદયથી થતા સર્વ ભાવોને છોડીને, [चेतये] અનુભવું છું.

ભાવાર્થઃ– નિર્વિકલ્પ અનુભવ થતાં, જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવા સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. ‘હું અનુભવ છું’ એવો પણ વિકલ્પ હોતો નથી-એમ જાણવું. ૯૨.

* * *
સમયસાર ગાથા ૧૪૩ઃ મથાળું

‘પક્ષાતિક્રાન્તનું (પક્ષને ઓળંગી ગયેલાનું) શું સ્વરૂપ છે?’ એ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

જુઓ, શિષ્યનો પ્રશ્ન છે કે જેને નયપક્ષના વિકલ્પ છૂટી ગયા છે તેનું શું સ્વરૂપ છે? નિશ્ચયના પક્ષને ઓળંગી ગયો છે માટે વસ્તુ અંદર નિશ્ચયથી કાંઈ જુદી


PDF/HTML Page 1391 of 4199
single page version

છે એમ કોઈ માને તો એમ નથી. વસ્તુ તો અબદ્ધસ્પષ્ટ, એક, ચૈતન્યઘનસ્વરૂપ જ છે. અહાહા...! ભગવાન આત્મા ત્રિકાળ જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ છે. આત્મા (અન્યરૂપ) કષાયવાળો કેમ હોય? આત્મા સદાય નિર્વિકાર, અકષાયસ્વરૂપ છે. અકષાયસ્વરૂપ કહો કે ચારિત્રસ્વરૂપ કહો-બંને એક જ વાત છે. તેના આશ્રયથી પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. કહ્યું છે ને કે (ગાથા ૨૭૨માં)-

‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’

આ વસ્તુ શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયની વાત છે. આ વીતરાગ માર્ગ છે, જૈનદર્શન છે. જૈનદર્શન એટલે વસ્તુદર્શન. અહીં વસ્તુ નહિ, વસ્તુનો વિકલ્પ છોડવાની વાત છે.

અહીં નિશ્ચય વસ્તુ નહિ, પણ નિશ્ચયનો પક્ષ-વિકલ્પ જેને છૂટી ગયો છે તે પક્ષાતિક્રાન્તનું શું સ્વરૂપ છે એવા પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

* ગાથા ૧૪૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

ટીકાકાર આચાર્ય અમૃતચંદ્રદેવ ભગવાન કેવળીનું દ્રષ્ટાંત આપી સમજાવે છે-

‘જેવી રીતે કેવળી ભગવાન, વિશ્વના સાક્ષીપણાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહારનિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ, નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા હોઈ ને, શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે (અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે) સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી.’

અહીં છ બોલથી વર્ણન કર્યું છે.

૧. કેવળી ભગવાન વિશ્વના સાક્ષી છે,

૨. શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. કેવળી ભગવાનને વ્યવહાર-નિશ્ચયનય છે નહિ, ફક્ત જ્ઞાતાપણે તેમના સ્વરૂપને જ જાણે છે. શ્રુતજ્ઞાન પ્રમાણ અવયવી છે અને નિશ્ચય અને વ્યવહાર નય તેના બે અવયવ છે. કેવળી ભગવાનને કેવળજ્ઞાન પૂર્ણપ્રમાણ છે, શ્રુતજ્ઞાન નથી. માટે કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત નિશ્ચય વ્યવહારનયના સ્વરૂપને જ કેવળ જાણે છે,

૩. કેવળી ભગવાન નિરંતર પ્રકાશમાન સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાનઘન થયા છે; તેથી-

૪. શ્રુતજ્ઞાનની ભૂમિકાને અતિક્રમ્યા છે, અર્થાત્ શ્રુતજ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા છે; શ્રુતજ્ઞાનની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે-

પ. સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે; માટે


PDF/HTML Page 1392 of 4199
single page version

૬. કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી.

આ દ્રષ્ટાંત થયું. અહો! સમ્યગ્દ્રષ્ટિને અનુભવના કાળમાં કેવળી ભગવાન સાથે મેળવે છે. એ જ હવે સિદ્ધાંત કહે છે-

‘તેવી રીતે જે (શ્રુતજ્ઞાની આત્મા), ક્ષયોપશમથી જેમનું ઊપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે પરંતુ. અતિ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત, ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે (અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વડે) તે વખતે (અનુભવ વખતે) પોતે જ વિજ્ઞાનઘન થયો હોઈને, શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાન્તપણા વડે સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી, કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે (આત્મા) ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યગ્જ્યોતિ, આત્મખ્યાતિરૂપ અનુભૂતિમાત્ર સમયસાર છે.’

૧. શ્રુતજ્ઞાની આત્મા, ક્ષયોપશમથી જેનું નીપજવું થાય છે એવા શ્રુતજ્ઞાનના વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહથી નિવૃત્ત થયો છે; તેથી

૨. શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહારનિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે;

૩. પરંતુ, અતિ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ, નિત્ય-ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે અર્થાત્ ચૈતન્યમય આત્માના અનુભવન વડે તે અનુભવના કાળે પોતે જ વિજ્ઞાનઘન થયો છે; તેથી

૪. શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાને અતિક્રમ્યો છે, ઓળંગી ગયો છે; તે વડે

પ. સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો છે; માટે

૬. કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી.

આ છ બોલમાં સમકિતીને ભગવાન કેવળી સાથે મેળવે છે. તે આ પ્રમાણે-

૧. જેવી રીતે કેવળી ભગવાન વિશ્વના એટલે લોકાલોકના સાક્ષી છે, જ્ઞાતા-દ્રષ્ટા છે તેવી રીતે શ્રુતજ્ઞાની પણ શ્રુતજ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહથી નિવૃત્ત થયો હોવાને લીધે પરનો જ્ઞાતા છે, સાક્ષી છે.

૨. કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયનયપક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. તેવી રીતે શ્રુતજ્ઞાની આત્મા, શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનયપક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે.


PDF/HTML Page 1393 of 4199
single page version

આ બીજા બોલમાં બંનેને સરખા કહ્યા છે ત્યાં કેવળી ભગવાનને શ્રુતજ્ઞાન નથી અને તેથી નય પણ નથી; માત્ર તેના સ્વરૂપને જ જાણે છે. તેમ શ્રુતજ્ઞાની પણ સમ્યગ્દર્શનના અનુભવકાળે વ્યવહાર નિશ્ચયનયનો પક્ષ છૂટી ગયો હોવાથી નયપક્ષના સ્વરૂપને જ કેવળ જાણે છે, વિકલ્પ નથી.

કેટલાક માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય, પણ એ વાત તદ્ન ખોટી છે. અહીં તો એમ કહે છે કે સમકિતી જીવ પણ કેવળીની જેમ શ્રુતજ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયનય પક્ષોના સ્વરૂપને કેવળ જાણે છે.

૩. નિરંતર પ્રકાશમાન, સહજ, વિમળ, સકળ કેવળજ્ઞાન વડે કેવળી ભગવાન પોતે જ સદા વિજ્ઞાનઘન થયા છે; તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ અતિ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા, નિર્મળ, નિત્ય-ઉદિત, ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે એટલે કે ચૈતન્યમય આત્માના અનુભવન વડે, તે અનુભવના કાળે પોતે જ વિજ્ઞાનઘન થયો છે. નયપક્ષના ગ્રહણના ઉત્સાહથી નિવૃત્ત થવાને લીધે ધર્મી જીવ તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિ વડે સ્વરૂપમાં એકાગ્ર થઈને પોતે જ તે કાળે વિજ્ઞાનઘન થયો છે.

અહીં આટલો ફેર છે કે કેવળી ભગવાન સદા વિજ્ઞાનઘન થયા છે, જ્યારે સમ્યગ્દ્રષ્ટિ જીવ અનુભવના કાળે વિજ્ઞાનઘન થયો છે. કેમકે સમ્યગ્દ્રષ્ટિને પછી વિકલ્પ ઉઠે છે માટે અનુભવના કાળે તે વિજ્ઞાનઘન થયો છે એમ કહ્યું છે.

ધર્મની પ્રથમ ભૂમિકા શરૂ થવાના કાળની આ વાત ચાલે છે. નિશ્ચય-વ્યવહારના વિકલ્પના પક્ષથી જ્ઞાની રહિત થયો છે, તો વ્યવહારથી નિશ્ચય થાય એ વાત કયાં રહી? હું બદ્ધ છું, અબદ્ધ છું-એ બંને પક્ષથી જ્ઞાની રહિત થયો છે. કેવળી ભગવાન સદા વિજ્ઞાનઘન થયા છે, આ ધર્મી જીવ અનુભવના કાળમાં વિજ્ઞાનઘન થયો છે, આટલો ફેર છે.

ભાઈ! આ તારા ઘરની-સ્વરૂપની વાત ચાલે છે. પ્રથમ સમ્યગ્દર્શન શુદ્ધોપયોગના કાળમાં થાય છે. અત્યારે આ વાત ચાલતી નથી એટલે કોઈને દુઃખ લાગે કે અમારી માન્યતાને જૂઠી પાડે છે, પણ પ્રભુ! માર્ગ તો આ છે. તારા હિતની આ વાત છે. બાપુ! આમાં વિરોધ કરવા જેવું નથી. અરે કોઇને ન બેસે ને વિરોધ કરે તો તેના પ્રત્યે દ્વેષ ન હોય. અંદર ભગવાન વિરાજે છે ને! એક સમયની પર્યાયમાં ભૂલ છે તે પોતે જ સુધારશે. અહા! ગાથા ઘણી અલૌકિક છે.

ભાઈ! નયોના વિકલ્પ થાય તે જીવનું કર્તવ્ય નથી. હું શુદ્ધ છું, અબદ્ધ છું- એવો નિશ્ચયનયના પક્ષરૂપ વિકલ્પ જીવનું કર્તવ્ય નથી; કેમકે ભગવાન આત્મા જે ચૈતન્યઘનસ્વરૂપ છે, પવિત્રસ્વરૂપ છે તે રાગરૂપ અપવિત્રતાનો કર્તા કેમ થાય? ત્રિકાળ શુદ્ધ વિજ્ઞાનઘનસ્વરૂપ પરમાત્મા ક્ષણિક રાગની મલિનતાનો કર્તા કેમ થાય? ન જ થાય. ભાઈ! વસ્તુનું સ્વરૂપ આવું છે. એમાં વાદવિવાદને અવકાશ નથી.


PDF/HTML Page 1394 of 4199
single page version

અરે! આ કાળમાં ભગવાનના વિરહ પડયા! અને તે સાથે ભગવાનની વાત કહેનારા સાચા સંતોના પણ વર્તમાનમાં વિરહ પડયા! આ સ્થિતિમાં સત્ય વાત બહાર આવતાં કોઈ વિરોધ કરે પણ શું થાય? ભાઈ વસ્તુનું સ્વરૂપ જ આવું છે; તેમાં બીજું શું થઈ શકે?

અહીં અનુભવના કાળમાં સમ્યગ્દ્રષ્ટિને કેવળી સાથે મેળવે છે. તેના ત્રણ બોલ થયા. હવે ચોથો બોલ-

૪. કેવળજ્ઞાન વડે સદા વિજ્ઞાનઘન થયા હોઈને કેવળી ભગવાન શ્રુતજ્ઞાનની ભૂમિકાને અતિક્રમ્યા છે અર્થાત્ ઓળંગી ગયા છે. તેવી રીતે ચૈતન્યમય આત્માના અનુભવન વડે વિજ્ઞાનઘન થયો હોઈને, અનુભવના કાળે શ્રુતજ્ઞાની જીવ શ્રુતજ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ અને બહિર્જલ્પરૂપ વિકલ્પોને અતિક્રમ્યો છે, ઓળંગી ગયો છે. હું શુદ્ધ છું એવો જે અંદર વિકલ્પ ઉઠે તે અંતર્જલ્પ છે અને બહાર વાણી નીકળે તે બહિર્જલ્પ છે. શ્રુતજ્ઞાની અનુભવના કાળમાં સમસ્ત અંતર્જલ્પરૂપ અને બહિર્જલ્પરૂપ વિકલ્પોને ઓળંગી ગયો છે. અહો! કેવળી સાથે જ્ઞાનીને મેળવીને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ગજબ કામ કર્યું છે! હવે કહે છે નયપક્ષની ભૂમિકાને ઓળંગી જવાને લીધે-

પ. કેવળી ભગવાન જેમ સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ પણ સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો છે. અને તેથી-

૬. જેમ કેવળી ભગવાન કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી તેમ શ્રુતજ્ઞાની ધર્મી જીવ પણ કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી.

ભાઈ! તું કોણ છો અને તેને કેમ પમાય તેની આ વાત છ બોલ દ્વારા કહી છે. વસ્તુસ્વરૂપ જેમ છે તેમ કહ્યું છે; પણ કયાંય પક્ષમાં બંધાઈ જઈશ તો ભગવાન આત્મા હાથ નહિ આવે; અને તું સુખી નહિ થઈ શકે.

બાપુ! તેં દુઃખમાં જ દહાડા ગાળ્‌યા છે. જેનું વર્ણન થઈ ન શકે એવા અકથ્ય દુઃખમાં અનંતકાળ તારો વ્યતીત થયો છે. જેમ કોઈ રાજકુમારને જીવતો જમશેદપુરની તાતાની ભટ્ઠીમાં નાખે અને એને જે વેદના થાય એનાથી અનંતગુણી વેદના પહેલી નરકમાં છે. ભાઈ! તને શાના અભિમાન અને શાનો અહંકાર થાય છે? ઓછીમાં ઓછી દસ હજાર વર્ષની આયુની સ્થિતિ ત્યાં હોય છે. અને સાતમી નરકની ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની સ્થિતિ હોય છે. એમાં તું અનંતવાર જન્મ-મરણ કરી ચૂકયો છે. પ્રભુ! તું ભૂલી ગયો! (યાદ કર)

શ્રેણીક મહારાજા ક્ષાયિક સમકિતી હતા. આવતી ચોવીસીના પ્રથમ તીર્થંકર થશે. હાલ પ્રથમ નરકમાં છે. અંદરથી મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો નાશ થયો છે એટલે એટલાં ત્યાં સુખ અને શાંતિ છે. સ્વભાવનો આશ્રય છે એટલું ત્યાં સુખ છે, પણ


PDF/HTML Page 1395 of 4199
single page version

ત્રણ કષાય જે વિદ્યમાન છે એટલું ત્યાં દુઃખ અનુભવે છે. સંયોગનું વેદન નથી પણ જે ત્રણ કષાય છે તેનું ગૌણપણે વેદન છે. અઢી હજાર વર્ષ વીતી ગયાં છે. હજુ ૮૧પ૦૦ વર્ષની આયુની સ્થિતિ બાકી છે. બાપુ! વિચાર તો કર કે જેને આગામી કાળમાં તીર્થંકર થવાનું છે એવો સમકિતી જીવ વર્તમાનમાં નરકગતિમાં આવાં દુઃખ વેદે છે તો મિથ્યાત્વપૂર્વકના પરિણામની વિષમ વિચિત્રતાનું તો શું કહેવું?

એ જ જીવ જ્યારે માતાના ગર્ભમાં પધારશે ત્યારે ઉપરથી ઇન્દ્રો માતાની સેવા કરવા આવશે અને કહેશે-ધન્ય માતા! આપની કૂખે ત્રણલોકના નાથ ભગવાન પધાર્યા છે. જુઓ, આ ત્રણલોકના નાથ તીર્થંકરદેવનો જ્યારે અંતિમ જન્મ થશે ત્યારે ઇન્દ્રો અને દેવો મોટો ઉત્સવ ઉજવશે. આવો જીવ પણ વર્તમાનમાં નરકગતિમાં પોતાના પૂર્વ દોષનું ફળ ભોગવે છે તો પછી મિથ્યાદ્રષ્ટિ જીવના પરિણામ અને એના ફળની શી વાત કરવી? ભાઈ! જેની દ્રષ્ટિ વિપરીત છે તેના દુઃખથી પરાકાષ્ટાની શું વાત કહેવી? વિપરીત દ્રષ્ટિના ફળમાં જીવ અનંતકાળ અનંત દુઃખ ભોગવે છે. એમાંથી ઉગરવાના ઉપાયની આ વાત છે.

ભાઈ! પ્રથમ નિર્ધાર તો કર કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસ્વભાવી પૂર્ણાનંદનો નાથ છે, અને તેની સન્મુખ થતાં નિર્વિકલ્પ દશા થાય છે. આવી નિર્વિકલ્પ દશા થયા વિના કોઈને રાગની મંદતા થાય પણ તેથી શું? અંદર આત્માનો આશ્રય નથી તેથી તેને અનંતાનુબંધીનો કષાય વિદ્યમાન છે. બહારથી ભલે તે ક્રોધ ન કરે, તોપણ તેને ઉત્તમક્ષમા નથી. અહાહા...! ક્ષમાનો દરિયો પ્રભુ પોતે છે; તેનો આશ્રય લીધા વિના ઉત્તમક્ષમા હોઈ શકે નહિ.

અહીં કહે છે કેવળી ભગવાન જેમ નયપક્ષના ગ્રહણથી દૂર થયા છે, કોઈ પણ નયપક્ષને ગ્રહતા નથી તેમ સમકિતી જીવ પણ સ્વાનુભવના કાળમાં કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી. જ્ઞાનની પર્યાય જ્યાં સ્વદ્રવ્ય ભણી ઝુકી છે ત્યાં પછી (અન્ય) કોને ગ્રહે? ભગવાન ચૈતન્યમૂર્તિને જેણે ગ્રહણ કર્યો છે તે નિશ્ચય-વ્યવહારના કોઈ પક્ષને ગ્રહતો નથી.

આત્મા શાશ્વત, અમૃતનો સાગર છે. તેનો ગમે તેટલો વિસ્તાર કરીને વાત કરો તોપણ પાર આવે તેમ નથી. આત્મા વસ્તુ વિકલ્પાતીત છે. એના અનુભવ વિના જેટલા નિશ્ચય- વ્યવહારનયના વિકલ્પો આવે તે બધા સંસાર ખાતે છે. ચોથા ગુણસ્થાને ક્ષાયિક સમકિતીને જે શાંતિ પ્રગટી છે તેના કરતાં પંચમ ગુણસ્થાનવર્તી શ્રાવકને અધિક શાંતિ હોય છે અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી ભાવલિંગી મુનિરાજને તો શાંતિ અને વીતરાગતા ઔર વધી ગયાં હોય છે. મુનિરાજને પંચમહાવ્રતનો જે વિકલ્પ આવે તેને સમયસાર નાટકમાં પં. બનારસીદાસે જગપંથ કહ્યો છે. ત્યાં મોક્ષદ્વારના ૪૦ માં છંદમાં કહ્યું છે-


PDF/HTML Page 1396 of 4199
single page version

‘‘તા કારન જગપંથ ઇત, ઊત શિવમારગ જોર;
પરમાદી જગકૌં ધુકૈ, અપરમાદિ સિવ ઓર.’’

અર્થઃ- તેથી પ્રમાદ સંસારનું કારણ છે અને અનુભવ મોક્ષનું કારણ છે. પ્રમાદી જીવ સંસાર તરફ ઝુકે છે અને અપ્રમાદી જીવ મોક્ષ તરફ ઝુકે છે.

ભાવલિંગી મુનિને દ્રવ્યનો આશ્રય સવિશેષ છે, શ્રાવક કરતાં ઘણો અધિક છે, છતાં પૂર્ણ નથી; જો પૂર્ણ હોય તો કેવળજ્ઞાન થઈ જાય. તેવા મુનિરાજને જેટલો પ્રમાદનો અંશ છે તે જગપંથ છે. છઠ્ઠે ગુણસ્થાને જે મહાવ્રતાદિના વિકલ્પ આવે તે પ્રમાદભાવ છે અને તે જગપંથ છે. પ્રમાદ છોડી જેટલો સ્વરૂપમાં ઠરે તે શિવપંથ છે, મોક્ષપંથ છે.

અહીં છ બોલથી કેવળી અને અનુભવ કાળમાં રહેલા સમકિતીને-બંનેને સરખા ગણેલા છે. આ તો હજુ જેને કર્તાકર્મપણું છૂટયું છે એવા ચોથા ગુણસ્થાનવર્તી જીવની વાત છે. હવે કહે છે-

તે આત્મા ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યગ્જ્યોતિ, આત્મખ્યાતિરૂપ, અનુભૂતિમાત્ર સમયસાર છે.

જ્ઞાની જીવ સમસ્ત વિકલ્પોથી અતિ પર પરમાત્મા છે. અહાહા...! પોતાના પરમ સ્વરૂપનો જેને અનુભવ થયો તેને અહીં અનુભવ કાળમાં પરમાત્મા કહ્યો છે. દ્રષ્ટિમાં સદા મુક્તસ્વરૂપ નિર્વિકલ્પ ભગવાન આવ્યો છે તેથી તેને પરમાત્મા કહ્યો છે. વળી તે જ્ઞાનાત્મા છે. પોતે એકલો જ્ઞાનનો ગોળો ત્રિકાળી ધ્રુવ પ્રભુ છે. તેના ઉપર દ્રષ્ટિ પડતાં તે જ્ઞાનાત્મા છે. જેવો જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ભગવાન છે તેવો અનુભવમાં આવ્યો તેથી જ્ઞાનાત્મા છે. આ તો નિર્વિકલ્પ અનુભવમાં તે વખતે જ્ઞાનાત્મા થયો તેની વાત છે. જ્યાં વિકલ્પ રહ્યો નથી તે જ્ઞાનઘન થયો થકો જ્ઞાનાત્મા છે. તે પ્રત્યગ્જ્યોતિ છે. વિકલ્પરહિત થતાં વિકલ્પથી પૃથક્ જ્યોતિસ્વરૂપ છે. અહાહા...! બાપુ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી.

સમ્યક્દર્શન એટલે સત્ય દર્શન. અંદર પોતાની વિકલ્પ વિનાની ત્રિકાળી ધ્રુવ ચીજનો અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. સમકિતીને પોતાના પૂર્ણ આત્માની પ્રતીતિ થઈ છે તેથી તે જ્ઞાનાત્મા થયો છે, પ્રત્યગ્જ્યોતિસ્વરૂપ થયો છે, આત્મખ્યાતિરૂપ થયો છે. આ ટીકાનું નામ પણ આત્મખ્યાતિ છે ને! આત્મખ્યાતિ કહેતાં આત્માની પ્રસિદ્ધિ. પહેલાં રાગ અને વિકલ્પની પ્રસિદ્ધિ થતી હતી તે હવે ધર્મીને નિર્વિકલ્પ અનુભવની દશામાં આત્માની પ્રસિદ્ધિ થઈ તેથી તે આત્મખ્યાતિરૂપ થયો. અંદર આત્મા તો પરિપૂર્ણ પડયો છે તે પર્યાયમાં પ્રસિદ્ધિ થતાં આત્મખ્યાતિરૂપ થયો.

ભાઈ! વ્યવહારના વિકલ્પ તે સાધન નથી. નય વિકલ્પને (પ્રથમ) જે સાધન માન્યું છે તે તો બાધક છે. રાગ કે વિકલ્પ તે વસ્તુના સ્વરૂપમાં નથી અને પર્યાયમાં જે રાગ કે વિકલ્પ ઉઠે તે બધો સંસાર છે. અહાહા...! જગતથી જગતેશ્વર ભગવાન


PDF/HTML Page 1397 of 4199
single page version

ભિન્ન વસ્તુ છે. આવા પોતાના શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માની અનુભૂતિ થતાં તે અનુભૂતિમાત્ર સમયસાર થયો. ભાઈ! સમયસાર રાગમાં આવતો નથી અને રાગથી તે જણાતો નથી. દેવ- ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના વિકલ્પમાં કે નયપક્ષના વિકલ્પમાં ભગવાન આત્મા આવતો નથી અને તે વિકલ્પ વડે તે જણાતો નથી. આવો આત્મા પૃથક્ જ્યોતિસ્વરૂપ અનુભવમાં આવ્યો એનું નામ સામાયિક છે. સામાયિકનો અર્થ છે સમતા. વિકલ્પની વિષમતા ટળતાં જે વીતરાગતાનો- સમતાનો સમકિતીને લાભ થાય તેનું નામ સામાયિક છે. અજ્ઞાનીએ બહારની ક્રિયામાં સામાયિક માની છે, પણ એ સાચી સામાયિક નથી. અહો! આ ગાથામાં ગજબની વાત કરી છે.

ભગવાન જિનેશ્વરદેવ એમ કહે છે કે દેહમાં રહેલો આત્મા સ્વરૂપથી જિનચંદ્ર છે. વીતરાગી શાંતિનો પિંડ પ્રભુ શીતળ ચંદ્ર છે. આવા નિજ સ્વરૂપમાં વિકલ્પનો અવકાશ કયાં છે? અહાહા...! જેમાં રાગનો અંશ નથી એવા શુદ્ધ ચૈતન્યમય આત્માનો અનુભવ કરનારને અહીં પ્રથમ પરમાત્મા કહ્યો, પછી એનો જ્ઞાનગુણ લક્ષમાં લઈને જ્ઞાનાત્મા કહ્યો, વળી રાગથી ભિન્ન પાડીને તેને જ પ્રત્યગ્જ્યોતિ કહ્યો, પછી તેને આત્મખ્યાતિ કહ્યો અને છેલ્લે તેને જ અનુભૂતિમાત્ર સમયસાર કહ્યો.

કેટલાકે તો જિંદગીમાં સાંભળ્‌યું પણ ન હોય એવી આ વાત છે. શ્રી કુંદકુંદાચાર્યદેવ વિદેહક્ષેત્રમાંથી ભગવાનનો આ સંદેશ લાવ્યા છે. ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શનનું સ્વરૂપ કેવું છે તેની આ વાત છે. શ્રાવકનું પંચમ ગુણસ્થાન તો કોઈ અલૌકિક ચીજ છે, બાપા! એને તો અંદર સ્વાનુભવના આનંદની રેલમછેલ હોય છે. અને પ્રચુર આનંદના વેદનમાં ઝૂલતા મુનિની દશાની તો શી વાત? ભાઈ! ‘ણમો લોએ સવ્વસાહૂણં’ -એવા ણમોકાર મંત્રના પાંચમા પદમાં જેમનું સ્થાન છે તે વીતરાગી નિર્ગ્રંથ મુનિનો તો અત્યારે નમૂનો દેખવા મળવો મુશ્કેલ છે. અહાહા...! જેમને ત્રણ કષાયના અભાવથી અંતરમાં આત્મા પ્રસિદ્ધ થઈ ગયો છે તે મુનિ અંતર્બાહ્ય નિર્ગ્રંથ હોય છે. જરા પંચમહાવ્રતનો વિકલ્પ ઊઠે છે તે અપરાધ છે પણ તે ટળવા ખાતે છે. ભાઈ! જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. જે ભાવથી પ્રકૃતિનો બંધ થાય તે ભાવ ધર્મ કેમ હોય! તે ભાવ શુભ છે અને તે અપરાધ છે. મુનિને તે હોય છે પણ તે ટળવા ખાતે છે. ભાઈ! આવું જ વસ્તુનું સ્વરૂપ છે.

* ગાથા ૧૪૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જેમ કેવળી ભગવાન સદા નયપક્ષના સ્વરૂપના સાક્ષી (જ્ઞાતા-દ્રષ્ટા) છે તેમ શ્રુતજ્ઞાની પણ જ્યારે સમસ્ત નયપક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવનું અનુભવન કરે છે ત્યારે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે.’

જુઓ, કેવળી ભગવાન આખા વિશ્વના સાક્ષી એટલે જ્ઞાતા-દ્રષ્ટા છે. હું કેવળી


PDF/HTML Page 1398 of 4199
single page version

છું, હિતોપદેશી છું-એવો કેવળી ભગવાનને વિકલ્પ નથી. કેવળજ્ઞાન વડે ભગવાન વિશ્વના અનંત પદાર્થોને, પ્રત્યેકને, દ્રવ્ય-ગુણ-પર્યાયસહિત ભિન્ન ભિન્ન સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે છે; પણ ત્યાં વિકલ્પ નથી. તે કેવળી ભગવાન શ્રુતજ્ઞાનના અંશરૂપ નયપક્ષના સ્વરૂપના પણ સાક્ષી એટલે જ્ઞાતા-દ્રષ્ટા છે. હું દ્રવ્યે શુદ્ધ અને પર્યાયે પણ શુદ્ધ-એવા નયપક્ષના વિકલ્પ ભગવાનને નથી. ભગવાનને તો કેવળજ્ઞાન છે અને તે વડે નયપક્ષના સ્વરૂપના તે જ્ઞાતામાત્ર જ છે. તેમ પ્રથમ નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ભાવશ્રુતજ્ઞાની સમસ્ત નયપક્ષના વિકલ્પથી રહિત થઈ શુદ્ધ ચૈતન્યમાત્રભાવનું અનુભવન કરે છે તે વખતે તે નયપક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે.

હવે કહે છે-‘એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય.’

પર્યાયમાં બદ્ધ છે, દ્રવ્યે અબદ્ધ છે-એ જેમ છે તેમ માને નહિ અને એકાંતે એક પક્ષને ગ્રહણ કરે તે મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયમાં અશુદ્ધતા છે એમ વ્યવહારનયનો પક્ષ છે અને દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે એમ નિશ્ચયનયનો પક્ષ છે. હવે જો એક નયને માને અને બીજા નયને ન માને તો મિથ્યાદ્રષ્ટિ છે. વસ્તુ દ્રવ્ય પર્યાયસ્વરૂપ છે તેમાં એકને જ માને તે મિથ્યાદ્રષ્ટિ છે. ભલે જૈનનો સાધુ કે શ્રાવક નામ ધરાવતો હોય, પણ હું ત્રિકાળ, શુદ્ધ ચૈતન્યમય આનંદકંદ પ્રભુ છું એમ જાણે નહિ અને વ્રતાદિના શુભરાગને માત્ર ગ્રહણ કરે તો તે (વ્યવહારાભાસી) મિથ્યાદ્રષ્ટિ છે. વળી આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે એમ કહે પણ પર્યાયમાં રાગાદિ છે એને સ્વીકારે નહિ તો તે પણ (નિશ્ચયાભાસી) મિથ્યાદ્રષ્ટિ છે. વળી બન્ને પક્ષને ગ્રહે પણ આત્માને ગ્રહે નહિ તો તે પણ વિકલ્પના ફંદમાં ફસાયેલો મિથ્યાદ્રષ્ટિ છે. જૈન થવામાં તો આ શરત છે કે કોઈ પણ નયપક્ષને ન ગ્રહતાં આત્માને જ ગ્રહવો.

હવે કહે છે-‘પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય માત્ર ચારિત્રમોહનો રાગ રહે.’

શુદ્ધ, અખંડ, એકરૂપ આનંદસ્વરૂપ હું જ્ઞાયક છું એવું પ્રયોજન સિદ્ધ કરવા વ્યવહારનયના પક્ષને ગૌણ કરી, નિશ્ચયનયને મુખ્ય કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વરહિત માત્ર ચારિત્રમોહનો રાગ રહે. અનુભવ થયા પછી પણ હું શુદ્ધ છું એવો જે પ્રધાનપણે પક્ષ રહે તે રાગરૂપ ચારિત્રનો દોષ છે. (તેને જ્ઞાની યથાવત્ જાણે છે અને સ્વભાવનો ઉગ્ર આશ્રય કરી દૂર કરે છે).

હવે કહે છે-‘અને જ્યારે નયપક્ષને છોડી વસ્તુસ્વરૂપને કેવળ જાણે જ ત્યારે તે વખતે શ્રુતજ્ઞાની પણ કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું’

ત્યારે કોઈ કહે કે સમ્યગ્દર્શન સરાગ અને વીતરાગ એમ બે પ્રકારનું છે તો તે


PDF/HTML Page 1399 of 4199
single page version

વાત યથાર્થ નથી. અહીં તો સ્પષ્ટ વાત છે કે સમ્યગ્દર્શન એક જ પ્રકારનું વીતરાગભાવસ્વરૂપ જ છે. વિકલ્પ વિનાની નિર્વિકલ્પ સ્વાનુભૂતિ તે વીતરાગી દશા છે. આવો અનુભવ કરે ત્યારે ભાવશ્રુતજ્ઞાની કેવળીની માફક વીતરાગ જેવો જ હોય છે એમ જાણવું.

* * *
તે આત્મા આવો અનુભવ કરે છે એમ કળશમાં કહે છેઃ-
* કળશ ૯૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘चित्स्वभाव–भर–भावित–भाव–अभाव–भाव–परमार्थतया एकम्’ ચિત્સ્વભાવના પુંજ વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે (-કરાય છે)-એવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા-

શું કહ્યું? આત્મા ચિત્સ્વભાવનો પુંજ છે. એમાં સંસારના વિકલ્પો નથી. ઉદયભાવના વિકલ્પોથી માંડીને જગતની બીજી બધી ચીજોથી રહિત આત્મા ચિત્સ્વભાવનો પુંજ છે. તે ચૈતન્યપુંજ વડે એટલે ત્રિકાળી જે ચીજ છે એના વડે પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે, કરાય છે એમ કહે છે. અહાહા...! ત્રિકાળી જ્ઞાયક ચૈતન્યસ્વભાવભાવરૂપ જે પરમાત્મા તેના વડે નવી અવસ્થા જે ઉત્પન્ન થાય તે ઉત્પાદ, જૂનીનો અભાવ થાય તે વ્યય અને ટકીને રહે તે ધ્રુવસ્વભાવ અનુભવાય છે, કરાય છે.

એકલો જ્ઞાનસ્વભાવ કે જેમાં રાગ નથી, પર્યાય પણ નથી એવા જ્ઞાનપુંજ વડે પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય ભવાય છે. કોઈ રાગના વિકલ્પથી કે અન્ય નિમિત્તથી ઉત્પાદ, વ્યય કરાય કે ધ્રુવ જણાય એવું એનું સ્વરૂપ નથી. ‘ચિત્સ્વભાવ-ભર’ એમ કહ્યું છે ને! ગાડામાં જે ઘાસ ભરે તેને ‘ભર’ કહે છે. એમ ભગવાન આત્મા ચિત્સ્વભાવનો ભર એટલે ચિત્સ્વભાવનો પુંજ છે. તે ચિત્સ્વભાવના પુંજ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. વિકલ્પને કરવો પણ નથી, ટાળવો પણ નથી. અહીં તો પોતાની નિર્મળ પર્યાયથી ઉત્પન્ન થાય, પૂર્વની પર્યાયથી વ્યય થાય અને વસ્તુ ધ્રુવપણે રહે -એમ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને એ કરે છે. ગજબ વાત છે!

કર્તા-કર્મ અધિકાર છે ને? આત્મા ચૈતન્યપુંજ પ્રભુ ન કરે રાગને, ન કરે જગતની કોઈ અન્ય ચીજના કાર્યને; તે કરે એક માત્ર પોતાના સ્વરૂપને. અહાહા...! ચિત્સ્વભાવનો પુંજ આત્મા છે. તે વડે ‘ભાવ’ એટલે ઉત્પાદ, ‘અભાવ’ એટલે વ્યય અને ‘ભાવ’ એટલે ધ્રૌવ્ય- એમ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે, સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધ સ્વભાવનો અનુભવ કરે ત્યારે આમ થાય છે એમ કહે છે. જુઓ, વ્યવહારના વિકલ્પથી કરાય એ વાત તો કાઢી નાખી, પણ હું શુદ્ધ છું, પૂર્ણ છું-એવા નિશ્ચયના વિકલ્પથી પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય એ વાત પણ કાઢી નાખી.


PDF/HTML Page 1400 of 4199
single page version

ભાઈ! ધર્મની પહેલી દશા, પ્રથમ સોપાન જે સમ્યગ્દર્શન તે આ રીતે થાય છે એમ કહે છે. વીતરાગનો માર્ગ આવો છે, બાપુ! રાગ વડે કે નિમિત્ત વડે ભવાય એવી વસ્તુ નથી. અહીં તો પર્યાય વડે ભવાય એમ પણ નથી કહ્યું. અહીં તો કહે છે કે ત્રિકાળી ચીજ જે જ્ઞાનસ્વભાવનો ભર પડયો છે તેના વડે કરીને પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય ભવાય છે એટલે હોય છે, કરાય છે. આ ચોથા ગુણસ્થાને સમ્યગ્દર્શન થાય એની વાત છે. કોઈ કહે કે આ ચારિત્રની વાત છે તો એમ નથી. આત્મામાં જે ચૈતન્યનો ભર ભર્યો છે એના વડે જ પોતાનાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કરાય છે, હોય છે-એમ એકાન્ત કહ્યું છે. વ્યવહારથી થાય એ વાત છે જ નહિ, એને તો અહીં ઉડાડી દીધી છે.

આત્મા એવું નબળું તત્ત્વ નથી કે રાગને લઈને એનું કાર્ય થાય. આત્મા પૂર્ણ શક્તિમાન બળવાન ચીજ છે. એના પોતાના સ્વભાવના બળ વડે કરીને એનાં ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્ય હોય છે, કરાય છે, ભવાય છે. આત્મા એવી નબળી ચીજ નથી કે તે પરના આશ્રયે પ્રગટ થાય (અર્થાત્ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થવામાં એને પરની અપેક્ષા નથી). ત્રણલોકના નાથ જિનેશ્વરદેવનું આ ફરમાન છે. અહા! આવી વાત હજુ સાંભળવાય ન મળે તે બિચારા કે દિ ધર્મ કરે અને કે દિ એમનાં જન્મ-મરણ મટે? ચોરાસીના અવતારમાં જન્મ-મરણ કરી કરીને મરી ગયો છે. બાપા! અનંત કાળ અનંત ભવ કરવામાં ગાળ્‌યો છે. ભાઈ! એ બધો કાળ તેં દુઃખમાં ગાળ્‌યો છે. પ્રભુ! સ્વર્ગમાં પણ તું દુઃખી જ હતો. ભવ છે તે સ્વભાવથી વિરુદ્ધ પરાધીન દશા છે.

આ વિકલ્પ છે તે દુઃખરૂપ ભાવ છે અને ભગવાન આત્મા ચિત્સ્વભાવ છે. અહીં જ્ઞાનપ્રધાન કથન છે તેથી કહે છે ચિત્સ્વભાવનો પુંજ એવા આત્મા વડે પોતાનાં ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્ય કરાય છે. મતલબ કે વ્યવહારના વિકલ્પ વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય થાય એમ છે નહિ.

પ્રભુ! તારી મોટપની તને ખબર નથી. વસ્તુના સ્વભાવના મહિમાની તને ખબર નથી. બહારમાં દયા, દાન, ભક્તિ ઇત્યાદિના શુભભાવમાં તને મહિમા ભાસે છે પણ એ ભાવ તો દુઃખરૂપ છે, પુણ્યનો જેને મહિમા છે તે આ બધા શેઠિયા પરાધીન દુઃખી છે. અહીં કહે છે કે ભગવાન આત્મા જે જ્ઞાનસ્વભાવનો પુંજ છે એના વડે પોતાનાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કરાય છે. ધ્રુવ ધ્રુવપણે રહે છે અને તેના આશ્રયે નિર્મળ વીતરાગી પર્યાયનો ઉત્પાદ કરાય છે. ઓહોહોહો...! એક લીટીમાં કેટકેટલું સમાવ્યું છે! અહો! દિગંબર સંતોની કરુણા! જે વસ્તુ શબ્દમાં નથી જણાય એવી નથી તેને શબ્દ દ્વારા કહી છે, બતાવી છે! વાહ! સંતો વાહ!!

પ્રશ્નઃ– શબ્દોથી જણાય નહિ તો શબ્દો શું કામ કહ્યા?

ઉત્તરઃ– શબ્દો તો શબ્દોના કાળે પોતાના કારણે થયા છે. શબ્દોમાં વસ્તુનું