PDF/HTML Page 1481 of 4199
single page version
અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ એકલો અમૃતનો પિંડ છે. એની દ્રષ્ટિ થયા વિના અર્થાત્ સ્વાનુભૂતિના આનંદને પ્રાપ્ત થયા વિના અરેરે! એ જગતમાં ઝેરનાં ફળ પામીને રખડશે! ભાઈ! કેવળ શુભરાગમય એવાં વ્રત અને તપ તો તેં અનંતવાર કર્યાં. પણ એમાં કયાં ચૈતન્યનો-અમૃતનો અંશ હતો? એ તો બધા અચેતન ઝેરરૂપ પરિણામ હતા. બાપુ! તારા ઘરમાં (-સ્વરૂપમાં) એ ચીજ (-શુભાશુભ પરિણામ) કયાં છે? પ્રભુ! તારું ઘર (-સ્વરૂપ) તો એકલા પવિત્ર અમૃતથી ભરેલું છે. જ્યારે આ શુભાશુભ પરિણામ બધા અશુચિ છે, ઝેર છે, અચેતન છે. ભાઈ! તારે જો આત્મા પ્રાપ્ત કરવો હોય અને સુખી જ થવું હોય તો બેય પરિણામને છોડી શુદ્ધાત્માની દ્રષ્ટિ કર. ત્યાં તને અવશ્ય સુખ મળશે.
આ રીતે શુભ અને અશુભ પરિણામ કેવળ અજ્ઞાનમય હોવાથી બન્ને એક જ છે; બેમાં કોઈ ફેર નથી. તેઓ એક હોવાથી કર્મના કારણમાં કોઈ ભેદ નથી; કર્મનું કારણ અજ્ઞાન એક જ છે; માટે કર્મ એક જ છે.
૨. ‘શુભ કે અશુભ પુદ્ગલપરિણામ કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.’ જુઓ, જડ કર્મની પ્રકૃતિ ચાહે તો શાતાવેદનીય બંધાય કે અશાતાવેદનીય બંધાય, યશકીર્તિ બંધાય કે અપયશકીર્તિ બંધાય ઇત્યાદિ એ બધાય પુદ્ગલપરિણામ હોવાથી કેવળ પુદ્ગલમય હોવાથી એક છે. તે એક હોવાથી કર્મના સ્વભાવમાં પણ ફેર નથી. પુણ્ય ને પાપ, શાતા ને અશાતા-એ બધાય પુદ્ગલના પરિણામ હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ નથી. માટે કર્મ એક જ છે.
૩. ‘શુભ કે અશુભ ફળરૂપે થતો વિપાક કેવળ પુદ્ગલમય હોવાથી એક છે; તે એક હોવાથી કર્મના અનુભવમાં (-સ્વાદમાં) ભેદ નથી; માટે કર્મ એક જ છે.’ શું કહ્યું આ? શુભનું ફળ અને અશુભનું ફળ કેવળ પુદ્ગલમય છે. શુભના ફળથી આ લક્ષ્મી આદિ કે સ્વર્ગાદિ મળે અને અશુભના ફળમાં નરકાદિ મળે એ બધુંય પુદ્ગલમય છે. (એમાં એકેમાંય આત્મા નથી.) પાપના ફળમાં પુદ્ગલ મળે અને પુણ્યના ફળમાંય પુદ્ગલ મળે, માટે તે એક હોવાથી કર્મના અનુભવમાં-ફળમાં ભેદ નથી. બેનોય સ્વાદ-વેદન દુઃખરૂપ છે. માટે કર્મ એક જ છે.
૪. ‘‘શુભ (-સારો) એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય હોવાથી અને અશુભ (ખરાબ) એવો બંધમાર્ગ તો કેવળ પુદ્ગલમય હોવાથી તેઓ અનેક (-જુદાં જુદાં, બે) છે; તેઓ અનેક હોવા છતાં કર્મ તો કેવળ પુદ્ગલમય એવા બંધમાર્ગને જ આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.’’
PDF/HTML Page 1482 of 4199
single page version
જ્ઞાન અને ચારિત્ર-એવો જે નિશ્ચય મોક્ષમાર્ગ તેને અહીં શુભ એટલે સારો કહ્યો છે. પુણ્ય તે શુભ અને પાપ તે અશુભ (કર્મ) એ વાત આમાં નથી. અહીં તો મોક્ષમાર્ગને શુભ કહ્યો અને શુભાશુભભાવરૂપ બંધમાર્ગને અશુભ કહ્યો છે. સમજાણું કાંઈ...? શુભાશુભભાવરૂપ જે બંધમાર્ગ છે તે કેવળ પુદ્ગલમય છે. અહા! જે અજ્ઞાનમય છે તે જીવમય કેમ હોય? (ન જ હોય). શુભ-સારો એવો મોક્ષમાર્ગ કેવળ જીવમય છે. શું કહ્યું? શુદ્ધ રત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગની વીતરાગી પર્યાય તે કેવળ જીવમય છે અને તેથી તે શુભ છે. અને શુભાશુભકર્મરૂપ જે બંધમાર્ગ તે કેવળ અજ્ઞાનમય-પુદ્ગલમય છે તેથી તે અશુભ છે.
હવે કહે છે-તેથી તેઓ (-શુભાશુભ કર્મ) અનેક (-બે) હોવા છતાં કર્મ તો કેવળ બંધમાર્ગને જ આશ્રિત છે. ભાઈ! જે તું એમ કહે છે કે શુભકર્મ મોક્ષમાર્ગને આશ્રિત થાય છે પણ એમ છે નહિ. (એ તો તારી મિથ્યા કલ્પના છે). શુભકર્મ પણ બંધમાર્ગને આશ્રિત થાય છે. સમજાણું કાંઈ...? આવો જે શુભભાવ એ કેવળ બંધમાર્ગને આશ્રિત હોવાથી શુભભાવ કરતાં કરતાં નિશ્ચય સમ્યગ્દર્શન થાય એ વાત કયાં રહે છે? (એ માન્યતા યથાર્થ નથી).
તો વ્યવહારને કારણ કહ્યું છે ને?
ભાઈ! એ તો આરોપ કરીને કહ્યું છે. વ્યવહાર કારણ તો આરોપિત કારણ-આરોપિત સાધન છે અને તે પણ નિશ્ચયની હયાતીમાં તેને વ્યવહાર કારણ કહેવામાં આવે છે.
આ પ્રમાણે શુભાશુભ કર્મ કેવળ બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના આશ્રયમાં ભેદ નથી; માટે કર્મ એક જ છે.
આમ કેવળ વ્યવહારના પક્ષને લીધે અજ્ઞાનીને શુભાશુભકર્મમાં જે ઠીક-અઠીકરૂપ ભેદ જણાતો હતો તેનું અહીં નિરાકરણ કરવામાં આવ્યું.
‘કોઈ કર્મ તો અરહંતાદિમાં ભક્તિ-અનુરાગ, જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ, મંદ કષાયથી ચિત્તની ઉજ્જ્વળતા ઇત્યાદિ શુભ પરિણામોના નિમિત્તે થાય છે...’
જુઓ, કોઈ કર્મ તો અરહંતાદિમાં એટલે પંચપરમેષ્ઠીમાં ભક્તિ-અનુરાગના નિમિત્તે થાય છે. ભાઈ! પંચપરમેષ્ઠીમાં અનુરાગ એ રાગ છે, આકુળતા છે. પોતાના આત્માના આનંદની દશા પ્રગટ કરવામાં એ રાગ સહાયક એટલે નિમિત્ત હો પણ સહાયક એટલે મદદગાર નથી. ‘સહાયક’ એટલે ‘સાથે છે.’ બસ એટલું જ. ‘સહાયક’ એટલે મદદ કરે છે એમ અર્થ નથી; કેમકે અરહંતાદિ પંચ-પરમેષ્ઠી ભગવાન અને
PDF/HTML Page 1483 of 4199
single page version
તેમના પ્રત્યેનો અનુરાગ એ બન્નેય પરદ્રવ્ય છે. સમજાણું કાંઈ...? બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ!
પ્રશ્નઃ– (એ રાગની) પર્યાય તો એની (જીવની પોતાની) છે ને?
ઉત્તરઃ– એ પર્યાય ખરેખર એની (આત્મદ્રવ્યની) છે જ નહિ. એ તો પહેલાં કીધું ને કે પુણ્ય અને પાપ એ બન્ને વિભાવપરિણતિરૂપ ચંડાલણીના જ પુત્રો છે. જેમ એક ચંડાલણી પુત્ર બ્રાહ્મણીને ત્યાં રહી મોટો થયો એટલે કહે કે-મને મદિરા આદિ ખપે નહિ તેમ એક શુભભાવની વ્યવહારક્રિયામાં આવ્યો એટલે કહે કે-મને હિંસા, વિષયભોગ આદિ ખપે નહિ; પણ એ વાસ્તવમાં છે વિભાવપરિણતિરૂપ ચંડાલણીનો જ પુત્ર. અશુભની જેમ શુભ પરિણામ પણ વિભાવપરિણતિજન્ય પરિણામ છે; એ કાંઈ શુદ્ધ ચૈતન્યસ્વભાવજન્ય પરિણામ નથી. માટે એ રાગ આત્મપરિણતિરૂપ નથી.
અહીં કહે છે કે અરહંતાદિ પંચપરમેષ્ઠીમાં ભક્તિનો અનુરાગ એ શુભરાગ છે પણ એ આત્મસ્વભાવ નથી અને આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન થવામાં સહાયક એટલે મદદકર્તા પણ નથી.
પ્રશ્નઃ– તો વ્યવહાર (સાધન)થી નિશ્ચય થાય એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તરઃ– હા, આવે છે. આચાર્ય જયસેનની ટીકામાં ઘણે ઠેકાણે એ પ્રમાણે આવે છે. પણ એ વ્યવહારનયનું કથન છે. જેને નિશ્ચય (ધર્મ) પ્રગટ થયો હોય એને એની ભૂમિકાયોગ્ય વ્યવહાર હોય છે એ સિદ્ધ કરવું હોય ત્યારે એ રીતે વ્યવહારનયનું કથન શાસ્ત્રમાં આવે છે. પરંતુ અરહંતાદિમાં ભક્તિનો અનુરાગ ઇત્યાદિ શુભરાગ પુણ્યબંધનું જ કારણ છે; એ કાંઈ અબંધ પરિણામ એવા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું સહાયક-મદદગાર નથી.
સમ્યગ્દર્શન આદિ અબંધ વીતરાગી પરિણામ છે. અબંધ સ્વભાવ અબંધ પરિણામનું કારણ થાય. (કાંઈ રાગના બંધરૂપ પરિણામ અબંધ પરિણામનું કારણ ન થાય). ભગવાન આત્મા ત્રિકાળ અબંધસ્વભાવી છે. ગાથા ૧૪-૧પ માં આવે છે ને-‘जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं......’ ત્યાં ‘અબદ્ધ’ એ તો નાસ્તિથી કથન છે. અસ્તિથી કહીએ તો ભગવાન આત્મા ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. અહાહા...! સદાય મુક્તસ્વરૂપ એવા ભગવાન આત્મામાં અંતર્દ્રષ્ટિ કરી એનો અનુભવ કરવો એનું નામ જૈનશાસન છે. રાગનો અનુભવ એ કાંઈ જૈનશાસન નથી. અહીં તો વીતરાગ શાસન લેવું છે ને? માટે અરહંતાદિ પ્રત્યે અનુરાગ અને જીવો પ્રત્યે અનુકંપાના પરિણામ એ શુભરાગ છે, પણ વીતરાગશાસન નથી.
શ્વેતાંબરમાં કથા આવે છે કે-મેઘકુમારે હાથીના ભવમાં સસલાની અનુકંપા
PDF/HTML Page 1484 of 4199
single page version
કરી (દયા પાળી); એથી એનો સંસાર પરિત થઈ ગયો-અર્થાત્ દીર્ઘ સંસાર નષ્ટ થઈ ગયો. આવી વાત બીલકુલ અયથાર્થ છે. પર જીવની અનુકંપાનો ભાવ તો શુભરાગ છે અને શુભરાગ છે તે બંધનું જ કારણ છે, અબંધ પરિણામનું કારણ નથી, સમકિતનું કારણ નથી. (બંધના પરિણામથી અબંધ કેમ થાય? સંસાર કેમ મટે? ન જ મટે).
પ્રશ્નઃ– તો પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિકયને સમ્યગ્દર્શનનાં લક્ષણ કહ્યાં છે ને?
ઉત્તરઃ– એ અનુકંપા અરાગી-વીતરાગી અનુકંપા છે, જ્યારે આ અનુકંપા તો શુભરાગરૂપ છે. (શુભરાગને સમકિતનું લક્ષણ કહેવું એ તો ઉપચાર છે.) ચૈતન્યસ્વરૂપના વીતરાગશાસનની બહુ ઝીણી વાત ભાઈ!
અનુભવપ્રકાશમાં એક દાખલો આપ્યો છે કે-એક ચાંપો ભરવાડ હતો. તે ધતૂરો પીને ઉન્મત્ત થયો. તેથી તે ભૂલી ગયો કે-‘હું ચાંપો છું.’ થોડી વારે તે ઘેર ગયો. ત્યાં તેની પત્ની સૂતી હતી એટલે બારણું ખખડાવ્યું અને પૂછવા લાગ્યો કે-ચાંપો છે ઘરમાં? ત્યારે અંદરથી પત્ની બોલી-તમે કોણ છો? ત્યારે તે સાવધાન થયો અને કહેવા લાગ્યો-‘હા, હું ચાંપો છું.’ એમ અનાદિથી જીવ આત્માને (-પોતાને) ભૂલી ગયો છે. તે પૂછે છે કે આત્મા (પોતે) કોણ છે? તેને પૂછીએ છીએ કે આ બધું છે, છે, છે-એમ કોણ જાણે છે? જાણનારો પોતે તો જાણે છે. એ જાણનારો જે છે તે જ પોતે આત્મા છે. અનુભવપ્રકાશમાં જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન-એવો દ્રઢ પ્રતીતિભાવ તે સમ્યક્ત્વ છે એમ લીધું છે, કેમકે આત્મા જ્ઞાનમય છે અને તે જ્ઞાનની સમ્યક્ પરિણતિ દ્વારા જણાય છે.
અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ત્રિકાળ પરમાનંદસ્વભાવી છે. પણ એ જણાય કયારે? આનંદના સ્વાદરૂપ સ્વસંવેદન પરિણતિ દ્વારા તે જણાય છે. પરમાનંદસ્વભાવી પ્રભુ આત્મા ત્રિકાળ અસ્તિરૂપ છે; પણ પર્યાયમાં પરમાનંદના પરિણામન વિના, આનંદનો સ્વાદ (-સંવેદન) આવ્યા વિના આ અસ્તિ છે એમ પ્રતીતિમાં કેમ આવે? અહાહા...! જેનો નમૂનો (-સ્વસંવેદન) આવે નહિ તો ‘એ આખી ચીજ આવી છે’ એમ પ્રતીતિમાં કયાંથી આવે?
ભાઈ! આ (આત્માના) સ્વરૂપની વાત ચાલે છે. એટલે અહીં કહે છે કે- અનુકંપા એ શુભરાગ છે, એ આત્માનો સ્વભાવ નથી. એ શુભરાગ દ્વારા નિશ્ચય સ્વરૂપ પમાય નહિ. લ્યો, આના હવે વાંધા છે બધાને; એમ કે આવો વ્યવહાર હોય તો નિશ્ચય પમાય. પણ બાપુ! એવો વ્યવહાર તો અનંતવાર કર્યો અને એના ફળમાં
PDF/HTML Page 1485 of 4199
single page version
નવગ્રૈવેયક પણ અનંતવાર ગયો. પણ ભાઈ! સંસાર અને દુઃખ તો માથે ઊભાં જ રહ્યાં. છહઢાલામાં કહ્યું છે ને કે-
એ છ કાયના જીવોની અનુકંપા અને મહાવ્રતાદિના પરિણામ પણ દુઃખરૂપ છે ભાઈ! એ દુઃખના-આકુળતાના પરિણામથી સુખસ્વરૂપની પ્રાપ્તિ કદીય ન થાય. પોતાની અંતર્મુખાકાર આનંદની પરિણતિ વડે સુખસ્વરૂપની પ્રાપ્તિ થાય. હવે આવી વાત આકરી પડે, પણ શું થાય? માર્ગ જ આવો છે, ભાઈ!
અનુકંપા, મંદ કષાય, ચિત્તની ઉજ્જ્વળતા ઇત્યાદિ બધો શુભરાગ છે. શ્રવણ કરવું, ઉપદેશ દેવો એ બધો શુભરાગ છે. એ બધો છદ્મસ્થદશામાં હો, પણ એ શુભ પરિણામોના નિમિત્તે (શુભ) કર્મ થાય છે. ‘કોઈ કર્મ........નિમિત્તે થાય છે’ એમ શબ્દ છે ને? એટલે કે શુભરાગના નિમિત્તે શુભ કર્મબંધન થાય છે. તેથી શુભ-ભલું છે એવો અજ્ઞાનીનો પક્ષ છે. હવે કહે છે-
‘અને કોઈ કર્મ તીવ્ર ક્રોધાદિક અશુભ લેશ્યા, નિર્દ્રયપણું, વિષયાસક્તિ, દેવ-ગુરુ આદિ પૂજ્ય પુરુષો પ્રત્યે વિનયભાવે ન પ્રવર્તવું ઇત્યાદિ અશુભ પરિણામોના નિમિત્તથી થાય છે. આમ હેતુનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.’ જુઓ, શુભ પરિણામના નિમિત્તે પુણ્યકર્મ અને અશુભ પરિણામના નિમિત્તે પાપકર્મ બંધાય છે માટે હેતુભેદ હોવાથી કર્મના પણ શુભ અને અશુભ એમ બે ભેદ છે એમ અજ્ઞાનીની દલીલ છે.
વળી તે કહે છે-કર્મની પ્રકૃતિ-સ્વભાવમાં શુભ અને અશુભ એવા બે ભેદ છે. જેમકે ‘શાતાવેદનીય, શુભ-આયુ, શુભનામ અને શુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે-)માં તથા ચાર ઘાતિકર્મો, અશાતાવેદનીય, અશુભઆયુ, અશુભનામ, અશુભગોત્ર-એ કર્મોના પરિણામ (-પ્રકૃતિ વગેરે-)માં ભેદ છે.’ આ અજ્ઞાનીનો ભેદનો પક્ષ છે. એકમાં શાતા બંધાય તો એકમાં અશાતા બંધાય, એકમાં ઉચ્ચ (સ્વર્ગાદિ) આયુષ્ય બંધાય તો એકમાં નીચ (નરકાદિ) આયુષ્ય બંધાય, એકમાં યશકીર્તિ બંધાય તો એકમાં અપયશકીર્તિ બંધાય-ઇત્યાદિ કર્મની પ્રકૃતિના સ્વભાવમાં ભેદ હોવાથી કર્મમાં શુભ અને અશુભ એમ બે ભેદ છે. વળી તે દલીલ કરે છે કે-
‘કોઈ કર્મના ફળનો અનુભવ સુખરૂપ છે અને કોઈ કર્મના ફળનો અનુભવ દુઃખરૂપ છે; આમ અનુભવનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.’
જુઓ, પુણ્યકર્મના ફળમાં સ્વર્ગ મળે, કરોડપતિ-ધૂળપતિ મોટો શેઠિયો થાય અને પાપકર્મના ફળમાં સાતમી નરકે અત્યંત દુઃખ અને વેદનાના સંયોગમાં પડે;
PDF/HTML Page 1486 of 4199
single page version
૩૩-૩૩ સાગર સુધી બિચારો નરકના દુઃખમાં સડે; વા નિગોદમાં ચાલ્યો જાય. શું કર્મના ફળમાં ફેર નથી? અવશ્ય છે-એમ ભેદવાળા અજ્ઞાનીનો પક્ષ છે. આ પ્રમાણે અનુભવનો ભેદ હોવાથી કર્મ શુભ અને અશુભ એવા બે ભેદવાળું છે. વળી કહે છે-
‘કોઈ કર્મ મોક્ષમાર્ગને આશ્રિત છે (અર્થાત્ મોક્ષમાર્ગમાં બંધાય છે) અને કોઈ કર્મ બંધમાર્ગના આશ્રયે છે; આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મના શુભ અને અશુભ એવા બે ભેદ છે.’
જુઓ, મોક્ષમાર્ગના પ્રસંગમાં (સાધકદશામાં) ધર્મી જીવને શુભભાવ હોય છે. માટે તે શુભભાવ મોક્ષમાર્ગના આશ્રયે છે અર્થાત્ શુભભાવ જેનું નિમિત્ત છે એવું શુભકર્મ મોક્ષમાર્ગના આશ્રયે બંધાય છે એમ અજ્ઞાનીનો મત છે. તથા અશુભકર્મ બંધમાર્ગના આશ્રયે છે. આમ આશ્રયનો ભેદ હોવાથી કર્મ શુભ અને અશુભ એમ બે ભેદવાળું છે.
‘આ પ્રમાણે હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય-એ ચાર પ્રકારે કર્મમાં ભેદ હોવાથી કોઈ કર્મ શુભ છે અને કોઈ કર્મ અશુભ છે એમ કેટલાકનો પક્ષ છે.’ કેટલાકનો એટલે અજ્ઞાનીઓનો આવો ભેદ-પક્ષ છે.
હવે એ ભેદપક્ષનો નિષેધ કરવામાં આવે છેઃ-
‘જીવના શુભ અને અશુભ પરિણામ બન્ને અજ્ઞાનમય છે તેથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે; માટે કર્મ એક જ છે.’
શું કહ્યું આ? ભાઈ! તું નવા કર્મબંધનમાં (નિમિત્ત એવા) જીવના પરિણામના એક શુભ પરિણામ અને એક અશુભ પરિણામ એમ બે ભેદ પાડે છે પણ અમે તને કહીએ છીએ કે એ બન્નેય પરિણામ અજ્ઞાનમય છે અને તેથી એક જ જાતના છે. અરે ભાઈ! એ શુભાશુભ પરિણામમાં ચૈતન્યનું-જ્ઞાનનું કિરણ કયાં છે! એ તો બન્નેય આંધળા અજ્ઞાનમય છે. શુભમાં કાંઈ ઓછું અજ્ઞાન અને અશુભ પરિણામમાં વિશેષ અજ્ઞાન એમ પણ નથી. બન્ને સમાનપણે અજ્ઞાન છે, અંધ છે; માટે બેમાંથી એકેય ધર્મરૂપ નથી. શુભાશુભ ભાવથી રહિત જે જ્ઞાન (ચૈતન્યમય પરિણામ) છે તે ધર્મ છે અને શુભાશુભભાવ અજ્ઞાનમય હોવાથી અધર્મ છે. આવી સ્પષ્ટ વાત છે; સમજાણું કાંઈ...?
આ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, સામાયિક, પ્રતિક્રમણ, પ્રૌષધ ઇત્યાદિ જે બધા કરે છે તે રાગની મંદતાનો શુભભાવ છે, પણ તે કાંઈ ધર્મ-બર્મ નથી. હા, એ પુણ્યભાવ છે અને એને અહીં ત્રિલોકીનાથ ભગવાન અજ્ઞાન કહે છે. ભગવાન! તારું સ્વરૂપ તો ચિદાનંદરૂપ સદાય જાગૃત ચૈતન્યજ્યોતિમય જ્ઞાનસ્વભાવમય છે. અને આ શુભાશુભભાવ તારા ચૈતન્યસ્વભાવથી વિપરીત ભાવ છે. માટે અમે એ બન્નેને અજ્ઞાન કહીએ છીએ.
PDF/HTML Page 1487 of 4199
single page version
જુઓ, શુભભાવ છે તે પોતે અજ્ઞાન છે; પણ અજ્ઞાન છે એટલે શુભભાવ મિથ્યાત્વ છે એમ અર્થ નથી. જો શુભભાવને ધર્મ (શુદ્ધ રત્નત્રયરૂપ) માને તો તે માન્યતા મિથ્યાત્વ છે. કેટલાક લોકો કહે છે કે અહીં (સોનગઢમાં) દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરે એને મિથ્યાત્વ કહે છે તો તે વાત ખોટી છે. ભાઈ! દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા છે તે શુભરાગ છે, એ કાંઈ મિથ્યાત્વ નથી અને એ ધર્મ પણ નથી. તથાપિ એને ધર્મ માન વો એનાથી (રાગથી) ધર્મ થાય એમ માને તો તે માન્યતા વિપરીત હોવાથી મિથ્યાત્વ છે. સમજાણું કાંઈ...? ભાઈ! આ તો ન્યાય છે! ન્યાયમાં કિંચિત્ ફરક પડે તો બધું ફરી જાય, મોટો ફેર પડી જાય. શું કરીએ? આ વસ્તુસ્થિતિનો હમણાં બહુ વિરોધ આવે છે તેથી વધુ સ્પષ્ટીકરણ થતું જાય છે. બાપુ! માર્ગ તો જેવો છે તેવો આ છે. અનંત સંતો અને તીર્થંકરોએ આ જ કહ્યું છે અને વસ્તુનું સ્વરૂપ પણ આ જ છે.
અહાહા...! ભગવાન! તારું દ્રવ્ય ત્રણકાળમાં કદીય શુભાશુભભાવના વિકલ્પથી તન્મય નથી. હું શુભ છું, અશુભ છું-એમ તેં અજ્ઞાનવશ માન્યું છે પણ કદીય તું શુભાશુભભાવના સ્વભાવે થયો નથી. છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે-આ ત્રિકાળી એક જ્ઞાયકભાવ કદીય શુભાશુભભાવના સ્વભાવે થયો નથી, કેમકે જો તે-પણે થાય તો આત્મા જડ થઈ જાય; મતલબ કે શુભાશુભ ભાવમાં જાણપણાનો અંશ નહિ હોવાથી તેઓ જડ અચેતન છે, અજ્ઞાન છે, અજીવ છે. જ્યારે આત્મા અરૂપી ભગવાન શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ નિત્ય જ્ઞાયકપણે વિરાજમાન ચૈતન્યમહાપ્રભુ છે. અહાહા...! આવો પૂર્ણ સ્વભાવથી ભરેલો એક જ્ઞાયકસ્વભાવી આત્મા શુભાશુભભાવના સ્વભાવે કેમ થાય? (ન જ થાય).
પ્રભુ! તું ત્રિકાળ ભગવત્-સ્વરૂપ ચૈતન્યસ્વરૂપ દેવ છો. તને એની ખબર નથી પણ સ્વરૂપથી જ જો ભગવત્-સ્વરૂપ ન હોય તો ભગવત્-સ્વરૂપ થશે કયાંથી? આ તો પ્રાપ્તિની પ્રાપ્તિ છે ભાઈ! માટે જેને અહીં અને ગાથા છ માં પણ અજ્ઞાનમય ભાવ કહ્યા છે તે શુભાશુભભાવનું લક્ષ છોડી અંતર્દ્રષ્ટિ કર, તેથી તને નિરાકુળ આનંદ પ્રાપ્ત થશે, ધર્મ થશે.
બાપુ! તું શુભ અને અશુભ બેય ભાવ કરી કરીને મરી ગયો છે. (દુઃખી થયો છે). આ દુનિયાની બહારની ચમકમાં અંજાઈને તું ભ્રમમાં પડયો છે. અનાદિથી પુણ્યનાં ફળ-સુંદર રૂપાળું શરીર, કરોડોની સાયબી, અને મનગમતાં બાયડી અને છોકરાં-એ બધાંમાં તું મુંઝાઈ ગયો છે, મૂર્છાઈ ગયો છે, ઘેરાઈ ગયો છે. એ બધાં તને ઠીક લાગે પણ ભાઈ! એ બધાં હાડકાંની ફોસ્ફરસની ચમક જેવાં છે. આ બધાં અનુકૂળ જોઈને તું રાજીપો બતાવે અને કોઈ વાર પ્રતિકૂળ જાણીને તું નારાજ થાય, ખીજાય પણ ભાઈ! એ બધાં કયાં તારા સ્વરૂપમાં છે? ભગવાન! તને આ શું થયું? જો શુભાશુભભાવ તારા સ્વરૂપમાં નથી તો એનાં ફળ જે અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ
PDF/HTML Page 1488 of 4199
single page version
એ તારા કયાંથી થયા? બાપુ! એ તો તારા જ્ઞાનનાં જ્ઞેયમાત્ર છે. ભાઈ! વસ્તુ તો વસ્તુ છે; તેમાં અનુકૂળ-પ્રતિકૂળ કાંઈ નથી. આમ જે (શુભાશુભભાવ, શુભાશુભ કર્મ) એક છે તેમાં બે ભાગ પાડવા એ જ મિથ્યાત્વ છે.
બહારની અનુકૂળતા હોય, રૂપાળું શરીર હોય, ઇન્દ્રિયો સશક્ત હોય, આયુષ્ય ૮૦-૯૦ નું લાંબુ હોય, કદીય સૂંઠ ચોપડવી ન પડે એવું શરીર નીરોગી તંદુરસ્ત હોય અને સ્ત્રી-પુત્ર પરિવાર ઠીક હોય, સંપત્તિ પણ હોય પણ તેથી શું? એ તો બધી જડની ક્રિયા છે. એમાં આ ઠીક છે એવું કયાં આવ્યું? કેમકે એ તો અજ્ઞાન અને અજ્ઞાનનું ફળ છે. આ અનુકૂળતા અને પ્રતિકૂળતા એ બધાં શુભાશુભભાવ જે અજ્ઞાન એનાં જ ફળ છે. ભાઈ! એમાં તને ભેદ લાગે પણ એ તારો ભ્રમ છે.
પ્રશ્નઃ– શરીર નીરોગી હોય તો ધર્મ-સાધન થાય ને? શાસ્ત્રમાં પણ એમ ઉપદેશ આવે છે કે-જ્યાં સુધી શરીરમાં જીર્ણતા થઈ નથી, રોગ આવ્યો નથી, ઇન્દ્રિયો હીણી પડી નથી ત્યાં સુધીમાં ધર્મ કરી લે.
ઉત્તરઃ– ભાઈ! શરીર તો જડ અચેતન છે, અને ધર્મ તો આત્મસ્વરૂપ છે. માટે શરીર નીરોગી હોય તો ધર્મસાધન કરી શકાય એ વાત બીલકુલ બરાબર નથી. શાસ્ત્રમાં જે ઉપદેશ છે એ તો પ્રમાદ ટાળીને ઉગ્ર પુરુષાર્થ દ્વારા તત્કાલ ધર્મસાધનમાં પ્રવૃત્ત થવાનો છે. એમાં તો જીવને પ્રમાદ ટાળવાની વાત છે; પણ રોગ-ગ્રસ્ત અવસ્થામાં ધર્મ ન જ થાય એમ એનો અભિપ્રાય નથી.
જુઓ, સાતમી નરકનો નારકી-એના પીડાકારક સંજોગોની શી વાત! એને જન્મથી સોળ રોગ-જન્મથી શ્વાસ, દમ, કેન્સર, શીત-ઠંડી, ભૂખ, તરસ ઇત્યાદિની ભારે પીડા-વેદના હોય છે. ત્યાંની શીતનો એક કણિયો પણ મનુષ્યલોકમાં આવી જાય તો દશ જોજનમાં માણસો એનાથી મરી જાય. તેત્રીસ સાગર સુધી અનાજનો કણ ન મળે, પાણીનું બૂંદ ન મળે, ઊંધ ન મળે. આવી અતિશય પીડાના સંજોગમાં રહીને પણ કોઈ કોઈ નારકી જીવ આત્માનું ભાન પ્રગટ કરીને સમકિત પ્રાપ્ત કરી લે છે. ભાઈ! શરીર નીરોગી અને બહારના સંયોગ અનુકૂળ હોય તો જ ધર્મસાધન થઈ શકે અને તેના વડે ધર્મસાધન કરી શકાય એવી માન્યતા તદ્ન જૂઠી છે.
અહા! આવા નરકના પીડાકારી સંયોગમાં તેં અનેકવાર તેત્રીસ સાગર ગાળ્યા; વળી અનંતવાર તું દેવ પણ થયો. આ શું છે બધું? બાપુ! એ બધાં અજ્ઞાનનાં ફળ છે, જ્ઞાનનાં નહિ. જ્ઞાનનું ફળ તો વીતરાગી શાંતિ અને આનંદ છે. આ અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગ એ બધાં શુભાશુભભાવરૂપ અજ્ઞાનનાં ફળ છે. તેથી આચાર્ય કહે છે કે કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે. શુભ કે અશુભ જે કર્મબંધન થાય એનું કારણ એક અજ્ઞાન જ છે.
PDF/HTML Page 1489 of 4199
single page version
આચાર્ય અમૃતચંદ્રદેવે પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહ્યું છે કે સમકિતી સંતને જે શુભભાવથી તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ અપરાધ છે. અહીં એને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે જેમાં જ્ઞાનનો અંશ નથી તો અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વ નહિ; પણ ચૈતન્યપ્રકાશનો પરિપૂર્ણ પુંજ એવા ભગવાન આત્માના ચૈતન્યપ્રકાશનું એક કિરણ પણ શુભરાગમાં નથી માટે તેને અજ્ઞાન કહેવામાં આવે છે. ભાઈ! અજ્ઞાનમય એવો શુભરાગ પોતે મિથ્યાત્વ નથી, પણ એનાથી ધર્મ થાય એવી માન્યતા મિથ્યાત્વ છે. આ પ્રમાણે અજ્ઞાન અને મિથ્યાત્વમાં ફેર છે.
પ્રશ્નઃ– તો ભાવપાહુડમાં સમકિતીને જે ભાવથી તીર્થંકર ગોત્ર બંધાય એવી સોળ ભાવના ભાવવાનું કથન આવે છે ને?
ઉત્તરઃ– હા, આવે છે; પણ એ તો બધો ત્યાં વ્યવહારનય દર્શાવ્યો છે; અર્થાત્ સમકિતીને તે તે સમયે જે (સોલહકારણનો) ભાવ હોય છે તેને ત્યાં જણાવ્યો છે. પણ એ બધો વ્યવહાર-રાગ અજ્ઞાનભાવ છે, બંધનું કારણ છે; અધર્મ છે. હવે આવી વાત આકરી પડે, પણ શું થાય! ભાઈ! જે ભાવે બંધ થાય તે ભાવ ધર્મ નથી એટલે કે તે અધર્મ છે.
ભગવાન આત્મા સદા અબંધસ્વરૂપ-મુક્તસ્વરૂપ જ છે. શ્રીમદ્ રાજચંદ્રમાં આવે છે કે દિગંબર આચાર્યોએ આત્માનો મોક્ષ થાય એમ માન્યું નથી પણ મોક્ષ જણાય છે. અર્થાત્ સમજાય છે કે આત્મા મોક્ષસ્વરૂપ જ છે. જ્યારે રાગથી મુક્ત થઈને મુક્તસ્વરૂપની પ્રતીતિ કરી ત્યાં એ પ્રતીતિમાં જણાયો કે આ (આત્મા) તો મોક્ષસ્વરૂપ જ છે. મોક્ષ થાય એ તો પર્યાયની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી વસ્તુમાં (આત્મદ્રવ્યમાં) બંધ-મોક્ષ છે જ નહિ. પર્યાયમાં હો, વસ્તુ તો સદા મુક્ત જ છે. આવો મુક્તસ્વભાવ શુભભાવમાં આવતો નથી, જણાતો નથી. માટે તેને-બંધભાવને અજ્ઞાનભાવ કહેવામાં આવ્યો છે. આ પ્રમાણે અશુભની જેમ શુભભાવ પણ અજ્ઞાનમય હોવાથી કર્મનો હેતુ એક અજ્ઞાન જ છે. હવે કહે છે-
૨. ‘શુભ અને અશુભ પુદ્ગલપરિણામો બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મનો સ્વભાવ એક પુદ્ગલપરિણામરૂપ જ છે; માટે કર્મ એક જ છે.’
લ્યો, શાતા હોય કે અશાતા હોય, બેય પુદ્ગલ જ છે એમ કહે છે. બેય કર્મ પુદ્ગલસ્વભાવમય જ છે કેમકે બન્ને પુદ્ગલ પરમાણુની પર્યાય છે. ભાઈ! કર્મની ૧૪૮ પ્રકૃતિ સઘળીને ઝેરનાં ઝાડ કહ્યાં છે કેમકે એનાં ફળ ઝેર છે. એક ભગવાન આત્મા જ અમૃતસ્વરૂપ છે. પુણ્યબંધરૂપ જે પુદ્ગલરજકણો છે તે ઝેરરૂપ છે. શુભભાવ ઝેરસ્વરૂપ છે તો એનાથી જે બંધન થાય એ પણ ઝેરસ્વરૂપ છે. ગજબ વાત છે ભાઈ! વ્યવહારના પક્ષવાળાને આકરી લાગે; એને એમ કે અમે આટલો વ્યવહાર (ક્રિયાકાંડ)
PDF/HTML Page 1490 of 4199
single page version
કરીએ છીએ તે કરતાં કરતાં મોક્ષ થશે અને તમે એનો નિષેધ કરો છો! અરે ભગવાન! તું શું કરે છે? એ તો ધૂળેય નથી, સાંભળને. તું અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો ત્યારે જે શુકલ લેશ્યાના શુભપરિણામ થયા હતા તે તો અત્યારે છે જ નહિ. હવે એ શુકલ લેશ્યાના પરિણામથી પણ તને ધર્મ થયો નહિ એ તો વિચાર. છહઢાલામાં કહ્યું છે ને કે-
સુખ ન પાયો તો શું પાયો? દુઃખ જ પાયો. ભાઈ! ૨૮ મૂલગુણ અને પંચમહાવ્રતના શુભરાગના પરિણામ દુઃખ છે, સુખ નથી. વીતરાગ માર્ગની આવી વાત બેસવી કઠણ-મહાકઠણ પડે કેમકે શુભભાવની એને પકડ છે ને?
પેલું વાંદરાનું દ્રષ્ટાંત નથી આવતું? કે એક વાંદરો હતો. તેણે એક સાંકડા મોંવાળો ઘડો દીઠો. પાસે આવીને જોયું તો અંદર બોર હતાં. બોર લેવા વાંદરાએ ઘડામાં હાથ નાખ્યો અને બોરનો મૂઠો ભર્યો. પણ ઘડાનું મોં સાંકડું એટલે ભરેલી મુટ્ઠી સાથે હાથ બહાર નીકળ્યો નહિ. તેથી એ માનવા લાગ્યો કોઈ ભૂત કે જંતરવાળાએ મને પકડયો છે. જો મુટ્ઠી છોડી દે તો હાથ નીકળી જાય. પણ મુટ્ઠી છોડે નહિ અને હાથ નીકળે નહિ. તેમ અજ્ઞાની જીવ પોતે રાગને પકડીને બેઠો છે તેથી તે છૂટી શક્તો નથી અને માને છે કે રાગે મને પકડયો છે, બાંધ્યો છે. જો રાગ છોડી દે તો મુક્ત થઈ જાય. પણ રાગને છોડે નહિ અને તે મુક્ત થાય પણ નહિ. આવી સખ્ત એને રાગની-શુભભાવની પકડ છે.
અહીં કહે છે કે શુભાશુભ રાગના નિમિત્તે જે શુભાશુભ કર્મ બંધાય તે કર્મ સઘળું પુદ્ગલસ્વભાવમય જ છે તેથી કર્મ એક જ છે. હવે કહે છે-
૩. ‘સુખરૂપ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદ્ગલમય જ છે; માટે કર્મ એક જ છે.’
જુઓ, આ સ્વર્ગનાં સુખ અને પૈસાવાળા મોટા શેઠિયાનાં સુખ એ બધાં પુદ્ગલમય છે એમ કહે છે. તથા તિર્યંચ અને નરકનાં દુઃખ એ પણ પુદ્ગલમય છે. સુખ-દુઃખનો અનુભવ સઘળો રાગાદિમય છે તે પુદ્ગલમય જ છે, જીવમય નથી. આ પ્રમાણે કર્મનો સુખરૂપ અનુભવ અને દુઃખરૂપ અનુભવ બન્ને પુદ્ગલમય જ છે તેથી કર્મ એક જ છે. ત્રણ બોલ થયા, હવે ચોથો-
૪. ‘મોક્ષમાર્ગ અને બંધમાર્ગમાં, મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે. (અર્થાત્ કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ થાય છે-મોક્ષમાર્ગમાં થતાં નથી); માટે કર્મ એક જ છે.’
PDF/HTML Page 1491 of 4199
single page version
અજ્ઞાનીએ એમ કહ્યું હતું કે શુભભાવ મોક્ષમાર્ગના આશ્રયે એટલે કે મોક્ષમાર્ગમાં થાય છે માટે તે શુભ-સારો છે. પરંતુ પાઠમાં ‘શુભ એવો મોક્ષમાર્ગ તો કેવળ જીવમય છે’ એમ કહ્યું છે. ત્રિકાળી શુદ્ધદ્રવ્યના આશ્રયે જે નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગના પરિણામ પ્રગટ થાય તે જીવમય અને શુભ છે અને શુભાશુભ ભાવ અને તેનાથી થતો બંધ પુદ્ગલમય અને અશુભ છે.
‘મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે.’ શું કીધું આ? કે જે ભાવે બંધન થાય એ જીવના પરિણામ નહિ, અર્થાત્ શુભાશુભ ભાવ તે અજીવ, અજ્ઞાનમય, પુદ્ગલમય છે. કેવળ એક શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માના આશ્રયે પ્રગટ થયેલાં નિર્મળ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા જ જીવના પરિણામ છે, અને તે જ શુભ એટલે કે ભલા છે. બાકી શુભાશુભ પરિણામ બધા અશુભ એટલે બુરા છે.
અરે! નરક અને નિગોદના ભવમાં જીવ કેટલો દુઃખી થતો હોય છે? અને હમણાં પણ તે કેટલો દુઃખી છે? આ બધા રાજાઓ, અને કરોડપતિ કે અબજોપતિ શેઠિયાઓ બધા ભિખારી વિચારા દુઃખી છે; કેમકે તેમને અંતરની નિજનિધિ-સ્વરૂપ-લક્ષ્મીની ખબર નથી. અરેરે! સુખ માટે બિચારા તૃષ્ણાવંત થઈ બહાર ઝાવાં નાખે છે!
મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. પવનના ઝકોરે તેની ગંધ પ્રસરતાં તેને ગંધ આવે છે. પોતાની નાભિમાં કસ્તૂરી હોવા છતાં જાણે કસ્તૂરીની ગંધ કયાંય બહારથી આવે છે એમ જાણી તે બહાર ગોતવા દોડાદોડ કરી મૂકે છે અને થાકીને ખેદખિન્ન થાય છે. તેમ ભગવાન આત્મા અંદર આનંદનું પરમ નિધાન આનંદધામ છે. પણ ખબર નથી બિચારાને એટલે પૈસામાંથી, બાયડીમાંથી, રાજ્યમાંથી, વિષયભોગમાંથી જાણે આનંદ આવે છે એમ માની અહીંતહીં બહાર ગોતે છે અને ખેદખિન્ન થાય છે. આમ પોતાનું પરમનિધાન છોડી જેઓ બહારમાં સુખ માટે ઝાવાં નાખે છે તેઓ મૃગલા જેવા મૂઢ છે. શ્લોકમાં આવે છે ને કે-मनुष्यरूपेण मृगाश्चरन्ति’ તેઓ મનુષ્યના વેશમાં ખરેખર મૃગ જેવા મૂઢ છે.
અહીં કહે છે કે મોક્ષનો માર્ગ કેવળ જીવના પરિણામમય જ છે. મતલબ કે શુભાશુભ ભાવ જીવના પરિણામ નથી એટલે કે પુદ્ગલના પરિણામ છે; તેથી કર્મનો આશ્રય કેવળ બંધમાર્ગ જ છે. ગંભીર વાત છે ભાઈ!
જે નિર્મળ રત્નત્રયને અહીં જીવના પરિણામ કહ્યા તેને નિયમસારમાં પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં એ બીજી અપેક્ષાથી વાત છે. જેમ પરદ્રવ્યમાંથી જીવની નવી પર્યાય આવતી નથી તેમ મોક્ષમાર્ગની પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી. નવી પર્યાય આવવાનો ભંડાર તો ત્રિકાળી દ્રવ્ય છે. ત્યાં દ્રવ્યનો આશ્રય કરાવવાના પ્રયોજનથી ત્રિકાળ દ્રવ્યને સ્વદ્રવ્ય કહ્યું અને નિશ્ચય મોક્ષમાર્ગના પરિણામને પરદ્રવ્ય કહ્યું.
PDF/HTML Page 1492 of 4199
single page version
અહીં આ (મોક્ષમાર્ગના) પરિણામને જીવના કહ્યા અને શુભાશુભ ભાવને પુદ્ગલમાં નાખ્યા.
વળી તત્ત્વાર્થસૂત્રમાં અધ્યાય બેના પ્રથમ સૂત્રમાં શુભાશુભ ભાવને જીવતત્ત્વ કહ્યું છે. પાંચેય ભાવને જીવતત્ત્વ કહ્યું છે. ત્યાં અપેક્ષા એમ છે કે શુભાશુભ ભાવ જીવની પર્યાયમાં થાય છે માટે એને જીવતત્ત્વ કહ્યું છે. એ પર્યાયનયનો-વ્યવહારનયનો ગ્રંથ છે ને! તેમાં વ્યવહારનયનથી શુભાશુભ ભાવને જીવના કહ્યા છે. જ્યારે અહીં રાગદ્વેષના જે શુભાશુભ પરિણામ તે અજ્ઞાનમય હોવાથી જીવના પરિણામ નથી અને તેથી નિશ્ચયથી પુદ્ગલના પરિણામમય છે એમ કહ્યું છે.
જુઓ, આચાર્યશ્રી કુંદકુંદદેવ આચાર્યશ્રી ઉમાસ્વામીના ગુરુ હતા. ગુરુ (કુંદકુંદાચાર્ય) શુભાશુભ ભાવને પુદ્ગલના કહે અને શિષ્ય (ઉમાસ્વામી) તેને જીવતત્ત્વ કહે! આવડો મોટો ફેર! ભાઈ! એમાં વિરોધ તો કાંઈ નથી. ગુરુનું કથન નિશ્ચયનયના આશ્રયે છે અને શિષ્યનું કથન વ્યવહારનયથી છે. જિનવાણીમાં જ્યાં જે નયવિવક્ષાથી કથન કર્યું હોય તેને તે પ્રમાણે યથાર્થ સમજવું જોઈએ.
‘सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः’ એવું જે સૂત્ર છે તે પર્યાયાર્થિકનયનું કથન છે, નિશ્ચયનયનું નહિ. નિશ્ચયથી તો ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો જે આશ્રય એક જ મોક્ષમાર્ગ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જેને અહીં જીવના પરિણામ કહ્યા તે ભેદરૂપ પર્યાયાર્થિકનયનું કથન છે. પ્રવચનસાર ગાથા ૨૪૨ માં આવે છે કે-‘‘તે ભેદાત્મક હોવાથી ‘સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે’ એમ પર્યાયપ્રધાન વ્યવહારનયથી તેનું પ્રજ્ઞાપન છે; તે (મોક્ષમાર્ગ) અભેદાત્મક હોવાથી ‘એકાગ્રતા મોક્ષમાર્ગ છે’ એમ દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી તેનું પ્રજ્ઞાપન છે.’’
સમયસાર કળશટીકા, કળશ ૧૬ માં કહ્યું છે કે-નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના જે નિર્મળ પરિણામ છે એ ભેદ છે, પર્યાય છે માટે મેચક છે, મલિન છે અને તેથી વ્યવહાર છે; અને અભેદથી જે આત્મા એકસ્વરૂપ છે તે અમેચક છે, નિર્મળ છે. ભાઈ! શૈલી તો જુઓ! કયાં કેમ કહ્યું છે એની ખબર વિના એકાન્ત ખેંચી જાય એ ચાલે નહિ. કળશ-ટીકાકારે મોક્ષમાર્ગના પરિણામને ભેદ પડતો હોવાથી મેચક કહ્યા અને સમ્યગ્જ્ઞાન દીપિકામાં શ્રી ધર્મદાસ ક્ષુલ્લકજીએ એને અશુદ્ધ કહ્યા છે. મોક્ષના પરિણામ એ ભેદ છે, મેચક છે, માટે અશુદ્ધ છે.
અહીં કહે છે-મોક્ષમાર્ગ તો કેવળ જીવના પરિણામમય જ છે. આ અભેદથી વાત કરી છે. અને બંધમાર્ગ કેવળ પુદ્ગલના પરિણામમય જ છે. મતલબ કે કર્મ એક બંધમાર્ગના આશ્રયે જ છે, મોક્ષમાર્ગમાં થતું નથી; માટે કર્મ એક જ છે.
‘આ પ્રમાણે કર્મના શુભાશુભ ભેદના પક્ષને ગૌણ કરી તેનો નિષેધ કર્યો.’
PDF/HTML Page 1493 of 4199
single page version
ગજબની ભાષા છે ને! ‘‘ગૌણ કરીને’’ એમ કહ્યું, મતલબ કે ભેદ છે ખરો, પણ એકલા અભેદની દ્રષ્ટિ કરાવવા ભેદને ગૌણ કરીને કહ્યું છે. ભેદનું જ્ઞાન કરવા માટે તો ભેદ છે, પરંતુ તેનો નિષેધ કર્યો, કારણ કે અહીં અભેદપક્ષ પ્રધાન છે. દ્રષ્ટિના વિષયમાં પુણ્ય-પાપનો પક્ષ છે જ નહિ. માટે અભેદ પક્ષથી જોવામાં આવે તો કર્મ એક જ છે-બે નથી. આ પ્રમાણે ભેદનો નિષેધ કરીને સ્વભાવનો આશ્રય કરાવ્યો છે એમ યથાર્થ સમજવું.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
જુઓ, અત્યારે કેટલાક પંડિતોને મોટો વાંધો છે, અને તેઓ કહે છે કે-આ વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિ વ્યવહારરૂપ શુભ આચરણ છે તેનાથી શુદ્ધતા પ્રગટ થશે. અશુભભાવથી શુદ્ધતા ન થાય પણ શુભભાવના કાળે શુભભાવથી શુદ્ધતા થાય છે.
આનો આ કળશમાં અતિ સ્પષ્ટ ખુલાસો છે. અશુભભાવથી શુદ્ધતા ન થાય એ તો યથાર્થ જ છે, પણ શુભભાવના કાળમાં શુભભાવથી શુદ્ધતા થાય એવો તારો મત યથાર્થ નથી ભાઈ! કેમકે શુભભાવ પણ અશુભની જેમ અશુદ્ધ જ છે.
ત્યારે તે કહે છે-સમ્યગ્દર્શનનો નિર્વિકલ્પ અનુભવ થવા પહેલાં છેલ્લે શુભભાવ જ હોય છે ને!
ભાઈ! એ શુભભાવનો અભાવ થઈને નિર્વિકલ્પ અનુભવ થાય છે, કાંઈ શુભરાગથી નિર્વિકલ્પ અનુભવ થાય છે એમ નથી. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વભાવનો આશ્રય કરવાથી નિર્વિકલ્પ અનુભવ થાય છે. શુભભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી. સમજાણું કાંઈ...!
અહીં કહે છે-‘हेतु–स्वभाव–अनुभव–आश्रयाणां’ હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય- એ ચારનો અર્થાત્ એ ચાર પ્રકારે ‘सदा अपि’ સદાય ‘अभेदात्’ અભેદ હોવાથી ‘न हि कर्मभेदः’ કર્મમાં નિશ્ચયથી ભેદ નથી.
શું કહે છે! પુણ્ય-પાપના પરિણામ જેઓ બંધનના હેતુ છે તે એક જ પ્રકારના છે. બંધનમાં શુભપરિણામ નિમિત્ત હો કે અશુભપરિણામ નિમિત્ત હો-બેય એક જ પ્રકારના અજ્ઞાનમય અને અશુદ્ધ છે. તારો (-અજ્ઞાનીનો) જે એમ મત છે કે શુભપરિણામ પુણ્યબંધમાં નિમિત્ત છે અને અશુભપરિણામ પાપબંધમાં નિમિત્ત છે તેથી બે પરિણામમાં ફેર છે એ યથાર્થ નથી. અહીં કહે છે કે બેમાં કોઈ ફરક નથી કેમકે બન્નેય અજ્ઞાનમય છે, અશુદ્ધરૂપ છે અને બંધના કારણ છે.
અરે ભાઈ! શુભભાવ જો વસ્તુનો (-આત્માનો) સ્વભાવ હોય તો તે સમ્યગ્દર્શન પામવામાં મદદરૂપ થાય, પણ શુભ કે અશુભ બેમાંથી એકેય ચૈતન્યના સ્વભાવરૂપ નથી
PDF/HTML Page 1494 of 4199
single page version
પણ વિભાવ જ છે. તેથી તે સમ્યગ્દનરૂપ નિર્મળ સ્વભાવપરિણતિનું સાધન કેમ થાય? (ન જ થાય). સ્વભાવનું સાધન સ્વભાવ થાય પણ વિભાવ એનું સાધન કદી ન થાય.
પ્રશ્નઃ– તો પંચાસ્તિકાયમાં ભિન્ન સાધ્યસાધનભાવ કહ્યાં છે ને?
સમાધાનઃ– હા, ત્યાં (-પંચાસ્તિકાયમાં) વ્યવહારનયથી એમ કહ્યું છે. ભિન્ન સાધનનું ત્યાં આરોપથી કથન કરેલું છે; એટલે કે નિશ્ચય નિજ શુદ્ધ આત્મતત્ત્વની જેને દ્રષ્ટિ અને અનુભવ થયેલાં છે તેને (સહકારી) શુભભાવ કઈ જાતનો હોય છે તેનું જ્ઞાન કરાવવા રાગ ઉપર આરોપ આપીને કથન કર્યું છે. અહા! શાસ્ત્રોના અર્થ સમજવા ભારે કઠણ છે ભાઈ!
જેમકે-નિશ્ચય સમ્યગ્દર્શનના કાળમાં જે દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ છે તેને સમકિત કહ્યું છે; છે તો એ રાગ પણ વ્યવહારથી એને સમકિત કહ્યું છે. ખરેખર શું એ (-શુભરાગ) સમકિતની પર્યાય છે? ના; એ તો ચારિત્રગુણની દોષરૂપ પર્યાય છે, ઉલટી પર્યાય છે, પણ સહચર દેખીને ઉપચારથી તેને સમકિત કહ્યું છે. એ પ્રમાણે પંચમહાવ્રતના પરિણામ છે તો રાગ, તોપણ તેને ચારિત્ર-મોક્ષમાર્ગ કહ્યો. હવે એ ચારિત્ર તો નથી, પરંતુ શુદ્ધોપયોગરૂપ વીતરાગ નિર્વિકાર ચારિત્રનો સહચર-નિમિત્ત દેખીને તેમાં ઉપચારથી મોક્ષમાર્ગનો આરોપ કર્યો છે. હવે આ રીતે ભાવ યથાસ્થિતિ ન પકડે અને એકલા શબ્દોને પકડે તો તેને બધેય (સમગ્ર જિનવાણીમાં) વાંધા ઊઠે. પણ શું થાય? જે વિવક્ષાથી વાત હોય તે યથાર્થપણે સમજવી જોઈએ.
અહીં કહે છે-બાપુ! શુભ અને અશુભ ભાવ બન્નેય બંધનના હેતુ-કારણરૂપ અશુદ્ધભાવ છે. બન્ને સ્વભાવથી વિમુખતાના ભાવ છે. ભાઈ! સ્વભાવસન્મુખતાના ભાવ તો શુદ્ધ ચૈતન્યમય હોય છે. અને આ બન્ને ભાવ ચૈતન્યથી રહિત અજ્ઞાનમય ભાવ છે માટે બન્ને ભેદરહિત એક જ જાતના છે.
પ્રશ્નઃ– વ્યવહાર હોય છે તો ખરો?
ઉત્તરઃ– ભૂમિકા અનુસાર વ્યવહાર હોય છે એની કોણ ના કહે છે? પરંતુ એ વ્યવહારથી-શુભરાગથી સમકિત કે નિશ્ચયધર્મ પ્રગટ થાય છે એ વાત યથાર્થ નથી એમ વાત છે. નિમિત્ત હો ભલે; પણ નિમિત્તથી (અન્ય ચીજથી) કાર્ય નીપજે છે એ વાત તદ્ન ખોટી છે.
જુઓ, નિમિત્તને સિદ્ધ કરવા શાસ્ત્રમાં એમ પણ આવે છે કે-કાળદ્રવ્ય ન હોય તો જીવાદિ સર્વદ્રવ્યોમાં પરિણમન નહિ થાય અને તો કોઈ દ્રવ્ય રહેશે નહિ. આ કાળદ્રવ્યની (-નિમિત્તની) સિદ્ધિ કરવા માટેનું કથન છે. આમાં જીવાદિ દ્રવ્યો પોતાના
PDF/HTML Page 1495 of 4199
single page version
પરિણમન માટે કાળદ્રવ્યની અપેક્ષા રાખે છે એમ સિદ્ધ નથી કરવું, પણ કાળદ્રવ્યની અસ્તિ છે એમ સિદ્ધ કરવું છે. ભાઈ! પરિણમન તો પ્રત્યેક દ્રવ્યનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. શું કોઈ દ્રવ્ય કદીય પરિણમનથી ખાલી હોય છે? પરિણમનની ધારા તો પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિસમય પ્રવર્તતી અનાદિથી સ્વતઃ ચાલે છે અને અનંતકાળ સુધી ચાલશે. કાળદ્રવ્ય છે તો સર્વદ્રવ્યમાં પરિણમન થાય છે એમ છે જ નહિ. બીજી ચીજ (-કાળદ્રવ્ય) નિમિત્ત છે બસ એટલું જ; નિમિત્તથી અન્યદ્રવ્યમાં કાર્ય (-પરિણમન) થાય છે એમ છે નહિ. આમ જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ યથાર્થ જાણવું જોઈએ.
પ્રશ્નઃ– કોઈ કોઈ કાર્ય નિમિત્તથી થાય એમ માનીએ તો શું વાંધો?
ઉત્તરઃ– ભાઈ! નિમિત્તથી કોઈ પણ કાર્ય ત્રણકાળમાં ન થાય. પંચાસ્તિકાય ગાથા ૬૨ માં પાઠ છે કે-એક સમયના વિકારના પરિણામમાં પર્યાય પોતે જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ એમ ષટ્કારકરૂપે પરિણમે છે. એને અન્ય કારકોની અપેક્ષા નથી. ત્યાં પર્યાયનું સ્વતંત્ર પરનિરપેક્ષ અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. અહાહા...! પર્યાયનું અસ્તિત્વ એનામાં એનાથી સ્વતંત્ર છે, કોઈ પરને લઈને તેનું અસ્તિત્વ નથી. હવે પરના લક્ષે થતું જે વિકારી પરિણમન તેને જ્યાં પરની (અન્ય કારકોની) અપેક્ષા નથી તો સ્વના લક્ષે થતા સમ્યગ્દર્શન આદિ નિર્વિકાર પરિણમનને પરની (-રાગની, નિમિત્તની) અપેક્ષા કેમ હોય? (ન જ હોય). ભાઈ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાય પોતાના ષટ્કારકના પરિણમનથી સ્વતઃસિદ્ધ પોતાની જન્મક્ષણે, પોતાના ઉત્પત્તિકાળમાં ઉત્પન્ન થાય છે. આવું જ સહજ વસ્તુ સ્વરૂપ છે.
વળી કર્તા-કર્મ અધિકારમાં સમ્યગ્દર્શનની વાત લે ત્યારે એમ આવે કે આત્મા કર્તા અને સમ્યગ્દર્શનના નિર્વિકાર પરિણામ તેનું કર્મ છે. સમ્યગ્દર્શનના વિષય પરિપૂર્ણ અખંડ એક શુદ્ધ આત્મદ્રવ્ય છે ને! શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્માના આશ્રયે જે સમ્યગ્દર્શન આદિ ધર્મના પરિણામ પ્રગટ થાય તેનો કર્તા આત્મા છે અને તે ધર્મરૂપ નિર્મળ કાર્ય આત્માનું કર્મ છે. તથા જે અશુદ્ધતા છે તે કર્મકૃત પુદ્ગલના પરિણામ છે. ગાથા ૭પ-૭૬ માં અશુદ્ધતાનું નિમિત્ત જે કર્મ (-પુદ્ગલ) તે અશુદ્ધતાનો કર્તા અને અશુદ્ધતા તેનું કાર્ય છે એમ લીધું છે. વિકાર આત્માની અને આત્માના આશ્રયે થતી ચીજ નથી ને; તેથી કર્મ વ્યાપક અને વિકારી પર્યાય કર્મનું વ્યાપ્ય છે એમ ત્યાં લીધું છે. સમજાણું કાંઈ...?
જુઓ, પંચાસ્તિકાય, ગાથા ૬૨માં વિકારના ષટ્કારક સ્વતઃ પોતાના પોતામાં છે એમ કહ્યું ત્યાં અસ્તિકાય સિદ્ધ કર્યું છે.
તથા સમયસાર ગાથા ૭પ-૭૬ માં એમ કહ્યું કે જેની દ્રષ્ટિ ત્રિકાળી દ્રવ્ય ઉપર પડી છે એવા જ્ઞાનીને દ્રવ્યસ્વભાવ વ્યાપક થઈને સ્વભાવપર્યાયને વ્યાપ્યપણે કરે છે.
PDF/HTML Page 1496 of 4199
single page version
અહાહા...! વસ્તુ જે સદા ચિદાનંદનસ્વરૂપ છે તે પોતે વ્યાપક થઈને-પ્રસરીને-ફેલાઈને શુદ્ધતાની અવસ્થાને વ્યાપ્યપણે પ્રાપ્ત કરે છે.
તથા વિકારના જે પરિણામ છે તે શુદ્ધ આત્મદ્રવ્યનું વ્યાપ્યકર્મ નથી તેથી પુદ્ગલકર્મ જેનું નિમિત્ત છે એવા તે વિકારના પરિણામ પુદ્ગલકર્મનું વ્યાપ્ય કર્મ છે અને પુદ્ગલકર્મ તેનો કર્તા છે એમ ત્યાં કહ્યું છે. અહો! વીતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! જ્યાં જે વિવક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
આવી વાત-હવે એમાં માણસ આટલે ઊંડે પહોંચે નહિ એટલે પછી શું કરે? તેઓ બિચારા દુઃખી છે; દુઃખ ટાળીને સુખ ઇચ્છે છે, સુખને માટે મંથન પણ કરે છે, પણ એમને બિચારાને અંદર ઘેડ બેસતી નથી. પરિચય નથી ને! તેથી સમ્યક્ પદ્ધતિ-રીત ખ્યાલમાં આવતી નથી. તેથી વિપરીત માન્યતાવશ વિરોધ કરે છે. પણ શું થાય? તે પણ આત્મા છે ને? તેમનો અનાદર કે તિરસ્કાર ન હોય. તેઓ કરુણાને જ યોગ્ય છે. શ્રીમદે આત્મસિદ્ધિમાં કહ્યું છે ને કે-
અરે! આ તું શું કરે છે, ભગવાન! ભાઈ! તને વર્તમાનમાં ઠીક લાગે છે પણ ‘શુભભાવથી સમકિત થાય’-એવી વિપરીત શ્રદ્ધા વર્તમાન દુઃખરૂપ છે અને એના ફળ તરીકે દુઃખની પંરપરા ભવિષ્યમાં ધારાવાહી ચાલશે ભાઈ! એમાં તું પીડાઈ જઈશ બાપા! ત્યારે તને કોઈ શરણ નહિ હોય ભાઈ!
અહીં આચાર્ય મહારાજ ફરમાવે છે કે-શુભ અને અશુભ બેય પરિણામ અશુદ્ધ છે અને બેય બંધનના હેતુ-કારણ છે તેથી બન્ને એક જ જાતના છે; બન્નેમાં કોઈ ભેદ નથી.
વળી પુદ્ગલકર્મમાં કોઈ શાતાપણે અને કોઈ અશાતાપણે બંધાય પણ એ છે તો પુદ્ગલનો સ્વભાવ. એમાં ભેદ કયાંથી આવ્યો?
ત્યારે કોઈ કહે છે-પણ જે તીર્થંકર પ્રકૃતિ બંધાય છે એને શ્રી જયસેન આચાર્યની ટીકામાં પરંપરા મોક્ષનું કારણ કહ્યું છે.
હા, પણ ભાઈ! એનો અર્થ શું? એનો અર્થ તો એમ છે કે જે શુભભાવથી તીર્થંકર પ્રકૃતિ બંધાઈ એ શુભભાવનો નાશ કરશે ત્યારે તે પ્રકૃતિનો ઉદય આવશે. તેરમે ગુણસ્થાને કેવળજ્ઞાન થશે ત્યારે તીર્થંકર પ્રકૃતિનો ઉદય આવશે. હવે એ પ્રકૃતિના ઉદયે આત્માનું શું કર્યું? કાંઈ જ નહિ. આવી ઝીણી વાત છે, ભાઈ!
આ બધી બહારની અનુકૂળતામાં-રૂપાળું શરીર, બાગ-બંગલા, ધન-સંપત્તિ, ઈજ્જત- આબરૂ ઇત્યાદિમાં મને ઠીક છે એમ તું અંદરમા માને છે પણ ભાઈ! એ તો
PDF/HTML Page 1497 of 4199
single page version
બધા ભૂતાવળના ભડકા છે. તને ખબર નથી પણ બાપુ! એ સર્વ પરચીજ છે. અનુભવપ્રકાશમાં કહ્યું છે કે-શ્રદ્ધા-ગુણ કેમ વિપરીત થયો? તો કહે છે કે જેટલી પરચીજ છે તે સર્વને પોતાની માની-માનીને, જોકે શ્રદ્ધા-ગુણ તો નિર્મળ છે તોપણ, એની પરિણતિ વિપરીત કરી નાખી છે. અહા! શુભથી મને લાભ થાય, શુભનાં ફળ મને ઠીક પડે, પરવસ્તુ મને મદદ કરે અને પરને હું મદદ કરું ઇત્યાદિ અનેક પ્રકારે પોતાને પરરૂપે અને પરને પોતારૂપે માન્યું છે. વિશ્વમાં અનંત ચીજો છે. એક-એક અનુકૂળ ચીજમાં સુખબુદ્ધિ અને પ્રતિકૂળ ચીજમાં દુઃખબુદ્ધિ કરીને પરચીજમાં એણે પોતાપણું માન્યું છે, અને આ પ્રમાણે પરચીજમાં જ પોતાનું શ્રદ્ધાન રોકી રાખ્યું છે.
પરંતુ ભાઈ! એ સર્વ પરચીજ છે એ તો માત્ર જ્ઞેય છે. પરચીજમાં અનુકૂળ-પ્રતિકૂળ એવો ભેદ કયાં છે? ચાહે તો સમોસરણ હોય કે સાતમું નરક હોય-એ બધું જ્ઞાનનું જ્ઞેય છે, એક જ પ્રકાર છે.
જેમ પાણીનો પ્રવાહ એકરૂપે ચાલતો હોય અને વચમાં નાળાં આવે તો ખંડ પડી જાય, પણ પાણી તો એકરૂપે જ છે-તેમ ભગવાન આત્માનું જ્ઞાન અનંત જ્ઞેયોને જાણતું થકું એકરૂપ જ છે. પણ નાળારૂપ ભેદની માફક અનુકૂળતામાં ઠીક અને પ્રતિકૂળતામાં અઠીક એમ જાણેલા જ્ઞેયમાં ભેદ પાડે છે તે મિથ્યાત્વભાવ છે. પર ચીજો તો એક જ પ્રકારે જ્ઞેય છે. તેમાં અનુકૂળ- પ્રતિકૂળ એમ ભેદ પાડવા એ મિથ્યા કલ્પના છે, અજ્ઞાન છે.
તેમ કર્મપ્રકૃતિ શાતા બંધાઈ કે અશાતા, યશકીર્તિ બંધાઈ કે અપયશકીર્તિ, ઉંચ આયુષ્યની બંધાઈ કે નીચ આયુષ્યની-એ બધીય કર્મપ્રકૃતિ પુદ્ગલના જ પરિણામ હોવાથી પુદ્ગલમય જ છે. જેમ શુભ-અશુભભાવમાં ભેદ નથી તેમ એક પુદ્ગલસ્વભાવમય કર્મપ્રકૃતિમાં ભેદ નથી, એક જ પ્રકાર છે.
વળી અજ્ઞાની જીવ એમ કહે છે કે બે પુદ્ગલકર્મના ફળના અનુભવમાં એક શુભકર્મના ફળમાં સ્વર્ગનું સુખ મળે છે અને બીજા અશુભકર્મના ફળમાં નરકનું દુઃખ મળે છે; માટે બેના અનુભવમાં ફેર છે. તેને અહીં કહે છે-બાપુ! બેય ગતિમાં દુઃખનો જ અનુભવ છે તેથી એના ફળના અનુભવમાં કોઈ ફેર નથી.
ભાઈ! ચારેય ગતિ પરાધીન અને દુઃખમય છે. સ્વર્ગની ગતિ પણ પરાધીન અને દુઃખની દશારૂપ જ છે. ભાઈ! તેં બહારના વિષયોને સુખ-દુઃખરૂપ માન્યા છે પણ એ વિષયો તો (સુખદુઃખ દેવામાં અકિંચિત્કર છે. પ્રવચનસારમાં (ગાથા ૬૭ માં) વિષયોને અકિંચિત્કર કહ્યા છે. આ શરીરની રૂપાળી સુંવાળી ચામડી ભોગના કાળમાં આમ જરી ઠીક લાગે પણ બાપુ! એ તને સુખ ઉપજાવવા અકિંચિત્કર છે, અસમર્થ છે. તારી ખોટી માન્યતાએ ઘર ઘાલ્યું છે પણ ભાઈ! એ માન્યતા બહુ આકરી પડશે.
PDF/HTML Page 1498 of 4199
single page version
પાંચે ઇન્દ્રિયના વિષયો નિમિત્ત છે, પણ તેઓ સુખ-દુઃખ ઉપજાવવામાં અકિંચિત્કર છે. આ નિંદા-પ્રશંસાના શબ્દો, સુગંધ-દુર્ગંધ, રૂપ-કુરૂપ, માઠો અને સુંવાળો સ્પર્શ ઇત્યાદિ વિષયો બધાય આત્માને રાગ ઉપજાવવા માટે અકિંચિત્કર છે. જુઓ, આ નિમિત્તને ઉડાવી દીધું. એટલે નિમિત્ત હો ભલે, પણ એ તને અનુકૂળતા વખતે રાગ ઉપજાવે છે અને પ્રતિકૂળતા વખતે દ્વેષ ઉપજાવે છે એમ નથી. જે તે વખતે વિકારનું પરિણમન પોતાના ષટ્કારકથી થાય છે. હવે એમાં કર્મના કારકોની અપેક્ષા નથી તો પછી આ બહારની સામગ્રી જે નિમિત્તરૂપ છે તેની અપેક્ષા કેમ હોય? (ન જ હોય).
તેથી અહીં કહે છે કે કર્મના ફળમાં ફેર નથી. તને સ્વર્ગ અને નરકના સંજોગમાં ફેર લાગે છે પણ એ બન્નેય સંસારરૂપ દુઃખની જ દશા છે.
પ્રશ્નઃ– તો નરકનો ભય તો લાગે છે?
ઉત્તરઃ– હા, નરકનો ભય શાથી લાગે છે? કે નરક પ્રતિકૂળ અને દુઃખમય છે અને સ્વર્ગ અનુકૂળ અને સુખમય છે એવી તારી માન્યતાને લીધે નરકનો ભય લાગે છે. પણ ભાઈ! એ માન્યતા ખોટી છે. યોગસાગર દોહા પ માં તો એમ કહ્યું છે કે-
એટલે ચારેય ગતિ દુઃખરૂપ છે એમ ત્યાં કહ્યું છે. એકલો નરકનો ભવ ભયકારી- દુઃખકારી છે એમ નથી કહ્યું. તને એકલા નરકનો ભય છે કેમકે તને નરકથી દ્વેષ છે; તથા તું સ્વર્ગ ચાહે છે કેમકે તને સ્વર્ગથી રાગ છે. આવા રાગ-દ્વેષ થવા એનું જ નામ સંસાર છે. વળી ત્યાં દોહા ૩ માં આચાર્ય યોગીન્દ્રદેવ કહે છે કે-જેઓ ભવથી ભયભીત છે અને મોક્ષના ઇચ્છુક છે તેમના ચિત્તની શુદ્ધિ માટે હું આ માર્ગ કહું છું. ભાઈ! ભવમાત્ર (ચાહે સ્વર્ગનો હો તોપણ) ઇચ્છવા યોગ્ય નથી. સમજાણું કાંઈ...! માટે અહીં કહે છે કે કર્મના ફળના અનુભવમાં ફેર નથી.
હવે ચોથો આશ્રયનો બોલઃ-અજ્ઞાનીનો આ પક્ષ છે કે મોક્ષમાર્ગમાં શુભ આવે છે, બંધમાર્ગમાં નહિ. જુઓ, મોક્ષમાર્ગના આશ્રયે તીર્થંકર પ્રકૃતિ બંધાય, આહારક શરીર બંધાય, સર્વાર્થસિદ્ધિનું આયુષ્ય બંધાય ઇત્યાદિ. આ બધું સમકિતીને મોક્ષમાર્ગમાં સંભવે છે પણ મિથ્યાદ્રષ્ટિને હોતું નથી. જુઓ, આ અજ્ઞાનીનો પક્ષ છે કે મોક્ષમાર્ગને લઈને શુભભાવ છે, અજ્ઞાનીને તે હોતો નથી. માટે શુભાશુભકર્મમાં ભેદ છે.
તેને કહે છે-ભાઈ! શુભ અને અશુભ કર્મ બન્ને બંધમાર્ગના જ આશ્રયે છે, બન્ને બંધપદ્ધતિરૂપ છે. એકેય મોક્ષમાર્ગરૂપ નથી માટે શુભ મોક્ષમાર્ગના આશ્રયે નથી. ગંભીર વાત છે પ્રભુ! પણ શું થાય? માણસને જે વાત કોઠે પડી ગઈ હોય અને તે-રૂપે જાણે આત્મા થઈ ગયો હોય એવી માન્યતા દ્રઢ થઈ ગઈ હોઈ એટલે એને એમાંથી ખસવું કેમ ગોઠે? શુભભાવથી મોક્ષમાર્ગ છે એવી દ્રઢ માન્યતાવાળાને ‘હું આત્મા છું’ અને નિજ સ્વભાવના આશ્રયે મોક્ષમાર્ગ છે એમ ફેરવવું કેમ ગોઠે?
PDF/HTML Page 1499 of 4199
single page version
અહીં કહે છે-હેતુ, સ્વભાવ, અનુભવ અને આશ્રય એ ચારનો અર્થાત્ ચારે પ્રકારે સદાય અભેદ હોવાથી કર્મમાં નિશ્ચયથી ભેદ નથી.
અરે! અજ્ઞાની જીવ પોતાનું જે શુદ્ધ અંતઃતત્ત્વ છે તેને જોવાની નવરાશ લેતો નથી. અનાદિથી એણે સ્વને જોવામાં પ્રમાદી થઈને પરને જ જોવાનો મિથ્યા પુરુષાર્થ કર્યો છે. પણ ભાઈ! એ પરને જાણનાર તું પોતે આત્મા છો કે નહિ? પરને જાણું એમ તું કહે છે પણ એ જાણનારો કોણ છે? એ જ તું છો. પરને જાણ્યું. જાણ્યું એમ જે કહેવું છે એ તો બીજી અપેક્ષા થઈ ગઈ. (વ્યવહાર થઈ ગયો). આ સ્ત્રી જોઈ, પુત્ર જોયો, દુકાન જોઈ, આ જોયું, તે જોયું- એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહારનય છે અને જોવામાં જે ભેદ પાડયો એ મિથ્યાત્વ છે.
જુઓ, પ૦ સ્ત્રીઓ ઊભી હોય એમાંથી કહે કે આ મારી સ્ત્રી, ભાઈ! એ કયાંથી આવ્યું? પ૦ છોકરા હારબંધ ઊભા હોય એ તો બધા માત્ર જ્ઞેય છે, પણ એમાંથી આ દસમા નંબરે છે તે મારો એમ કયાંથી આવ્યું? ભાઈ! એ જ તો ભ્રમણા છે. એક હારમાં પ૦ દુકાન હોય. એ પચાસને ય જાણવાનો આત્માનો સ્વભાવ છે તેથી જાણે છે; પણ આ દુકાન આની અને આ મારી એમ ભેદ કયાંથી પાડયો? ભાઈ! એ એકત્વબુદ્ધિએ ભેદ પાડયો છે. આ પ્રમાણે અજ્ઞાની જીવ પરમાં મારાપણાનું પરિણમન કરીને મિથ્યાત્વને સેવે છે. જ્ઞાનીને તો આખુંય જગત માત્ર જ્ઞેય છે, પોતાના ચૈતન્યઘનસ્વરૂપ આત્મા સિવાય કયાંય એને મારાપણાની એકત્વબુદ્ધિ નથી.
અહાહા...! અશુભભાવ જેમ બંધના આશ્રયે છે તેમ શુભભાવ પણ બંધના જ આશ્રયે છે. અશુભ છે માટે બંધના આશ્રયે છે અને શુભ છે માટે મોક્ષમાર્ગના આશ્રયે છે એમ છે નહિ. એ જ કહે છે-
‘तद् समस्तं स्वयं’ માટે સમસ્ત કર્મ પોતે ‘खलु’ નિશ્ચયથી ‘बन्धमार्ग–आश्रितम्’ બન્ધમાર્ગને આશ્રિત હોવાથી અને ‘बन्ध हेतुः’ બંધનું કારણ હોવાથી, ‘एकम् इष्टम्’ કર્મ એક જ માનવામાં આવ્યું છે-એક જ માનવું યોગ્ય છે.
અહીં ‘બંધમાર્ગને આશ્રિત’નો અર્થ એ છે કે એ શુભાશુભભાવો પોતે બંધરૂપ છે. સમજાણું કાંઈ...? આગળ કહેશે કે જે મુક્તસ્વરૂપ હોય એ જ મુક્તનું કારણ થાય. જે બંધરૂપ હોય તે મોક્ષનું કારણ કેમ થાય? (ન થાય). અહાહા...! સદાય મુક્તસ્વભાવ તો એક ભગવાન આત્મા છે અને તે જ મુક્તિનું કારણ છે. આવી વાત છે.
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને કે-દિગંબરના આચાર્યોએ એમ માન્યું છે કે જીવનો મોક્ષ થતો નથી પણ મોક્ષ જણાય છે અર્થાત્ સમજાય છે કે આત્મા મોક્ષસ્વરૂપ જ છે. એણે અજ્ઞાનવશ એમ માન્યું છે કે હું રાગના બંધનમાં છું પણ પોતે જે
PDF/HTML Page 1500 of 4199
single page version
સદાય જ્ઞાયક છે તે રાગરૂપે કયાં થયો છે? ભલે એ રાગની સાથે એકત્વ માને પણ ભગવાન જ્ઞાયક છે તે રાગથી એકત્વપણે થયો નથી. પ્રવચનસાર, ગાથા ૨૦૦ની ટીકામાં આવે છે કે- ‘‘જે (શુદ્ધ આત્મા) સહજ અનંતશક્તિવાળા જ્ઞાનસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી, જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે, તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.’’
જુઓ, જ્ઞાયક તો જ્ઞાયક જ રહ્યો છે; પણ એની માન્યતાએ ફેર પાડયો છે કે-આ રાગ મારો ને આ રાગ તારો, આ ચીજ મારી અને આ તારી, આ કર્મ ભલું અને આ બુરું. આ માન્યતા જ ભ્રાન્તિ છે.
અરે ભાઈ! જ્ઞાયક તો સદા જ્ઞાયક જ છે. એ બંધનમાં કેમ આવે? અને એને વળી મુક્તિ કેવી? વસ્તુમાં-દ્રવ્યમાં બંધન અને મુક્તિ કયાં છે? દ્રવ્યસંગ્રહમાં આવે છે કે-બંધાયેલાને છૂટવું કહેવું એ તો ઠીક છે પણ જે બંધાયેલો નથી એને છૂટવું કહેવું એ તો જૂઠ છે. જે સદા મુક્તસ્વરૂપ જ છે તેમાં નજર સ્થિર કરતાં તે મુક્ત જણાય છે; બસ આ જ મોક્ષ છે-સમજાણું કાંઈ...?
અહીં કહે છે-કર્મ એક જ માનવામાં આવ્યું છે અર્થાત્ એક જ માનવું યોગ્ય છે. લ્યો, કળશ પૂરો થયો.