Pravachan Ratnakar (Gujarati). Gatha: 151-153.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 78 of 210

 

PDF/HTML Page 1541 of 4199
single page version

બે હજાર વર્ષ પહેલાં આ શબ્દરૂપ શાસ્ત્ર બન્યું છે; અને એક હજાર વર્ષ પહેલાં એની ટીકા થઈ છે. તેમાં ભગવાન કુંદકુંદાચાર્ય દિગંબર સંત મહા મુનિરાજ મુનિ કોને કહીએ, મુનિપણું શું ચીજ છે એની વાત કરે છે. કહે છે-પુણ્ય અને પાપના વિકલ્પને મટાડતાં-નિષેધતાં જેમાં પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપના અતીન્દ્રિય આનંદના રસનો જઘન્ય-થોડો સ્વાદ આવે એવો અનુભવ તે સમ્યગ્દર્શન છે. કહ્યું છે ને કે-

‘રસ સ્વાદત સુખ ઉપજૈ અનુભવ તાકો નામ.’

તથા પોતાના જ્ઞાનાનંદસ્વભાવી ભગવાનનું (-આત્માનું) આનંદરસના અનુભવથી યુક્ત જે પ્રચુર સ્વસંવેદન છે તે મુનિપણું છે. મુનિપણામાં પોતાની નિર્મળ પરિણતિને વસ્તુસ્વભાવનું શરણ (-આશ્રય) રહેલું છે. તથા એ નિર્મળ પર્યાય પણ શરણ છે.

પ્રશ્નઃ– એ બેય શરણ કેમ હોય?

ઉત્તરઃ– નિર્મળ પર્યાય ભગવાન આત્માનું શરણ ગ્રહણ કરે છે ને? તેથી આત્મા શરણ છે. તથા રાગ શરણ નથી એમ કહ્યું ત્યાં નિર્મળ પરિણતિનું શરણ છે એમ કહેવાય. વાસ્તવમાં તો પર્યાયને ધ્રુવ આત્મા જ શરણ છે. સમજાણું કાંઈ...?

ગાથા ૭૧ માં આવી ગયું છે કે વસ્તુનું સ્વભાવરૂપ પરિણમન એ વસ્તુ છે. ભગવાન આત્માનો જ્ઞાન અને આનંદનો સ્વભાવ છે. એના એ સ્વભાવરૂપ પરિણમન વસ્તુ કહેતાં આત્મા છે. ત્યાં કહ્યું છે કે-‘‘આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’ નું ભવન (-પરિણમન થવું) તે સ્વભાવ છે.’’ કેમકે સ્વના પરિણમનમાં સ્વભાવનું ભાન થયું કે વસ્તુ આવી છે. માટે સ્વનું પરિણમન તે સ્વભાવ છે. ‘‘માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે.’’ જુઓ શુદ્ધરૂપે પરિણમવું એ જ આત્મા છે એમ કહે છે. બાપુ! માર્ગ આવો બહુ ઝીણો છે. જન્મમરણ રહિત તો એક વીતરાગભાવથી જ થવાય છે. એ વીતરાગભાવ અપૂર્વ છે. અરે! જેમને આ સાંભળવાય મળતું નથી તે બિચારા શું કરે?

જેના જ્ઞાનમાં રાગ આદિ જડ ચીજોનું ભાન થાય છે તે જાણવાવાળો ચૈતન્ય-મહાપ્રભુ છે. તેનામાં જે પરનું જ્ઞાન થાય છે તે પોતાનું સ્વસ્વરૂપ છે; પરને જાણનારું જ્ઞાન કાંઈ પરસ્વરૂપે થઈ જતું નથી. હવે આવું જે જાણે-સમજે નહિ તે બિચારા શું કરે? સ્વભાવથી વિરુદ્ધ પુણ્ય-પાપના ભાવરૂપે પરિણમે, ક્રોધાદિરૂપે પરિણમે. રાગની રુચિ અને નિજ ચૈતન્યસ્વરૂપની અરુચિ તે ક્રોધ છે. અરેરે! ક્રોધાદિરૂપે પરિણમતા તેઓ ચારગતિરૂપ સંસારમાં અનંતકાળ રખડે છે. આત્માનું સ્વભાવપણે (-જ્ઞાનપણે) પરિણમવું-થવું એ આત્મા છે અને એ શરણ છે, ધર્મ છે.

અહીં કહે છે-‘જ્ઞાનમાં (-આત્મામાં) લીન થતાં સર્વ આકુળતાથી રહિત પરમાનંદ (-પરમામૃત)નો ભોગવટો હોય છે.’ આ સાચું મુનિપણું છે. ‘એનો સ્વાદ


PDF/HTML Page 1542 of 4199
single page version

જ્ઞાની જ જાણે છે.’ અર્થાત્ આવું અતીન્દ્રિય આનંદનું-પરમ અમૃતનું વેદન એક જ્ઞાનીને જ હોય છે. અજ્ઞાનીને એની ખબર નથી એટલે મંડી પડે બહારનાં વ્રત પાળવા, તપ કરવા, ઉપવાસ કરવા. પણ ભાઈ! એ બધું આચરણ આકુળતા અને દુઃખ છે અને સંસારના પરિભ્રમણનું કારણ છે.

ત્યારે કેટલાક કહે છે-સોનગઢવાળા નિશ્ચયની જ વાત કરે છે, વ્યવહાર તો કહેતા જ નથી; એમ કે વ્યવહારથી નિશ્ચય થાય એમ કહેતા નથી.

તેમને કહીએ છીએ કે આ ૨૦૦૦ વર્ષ પહેલાં ભગવાન કુંદકુંદાચાર્યે બનાવેલું શાસ્ત્ર છે. એમાં શું કહ્યું છે? કે ધર્મ એને કહીએ કે જેમાં પુણ્ય-પાપના આચરણની કે આકુળતાની ગંધેય નથી. આ તો નાસ્તિથી વાત છે. અસ્તિથી શું છે? કે અતીન્દ્રિય પરમ પદાર્થ જ્ઞાનાનંદ સ્વરૂપ જે પોતાનો ભગવાન આત્મા છે તેમાં લીન થયેલી પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો જે ભોગવટો થયો એ મુનિપણું છે, ધર્મ છે, ચારિત્ર છે, મોક્ષનો માર્ગ છે. અહાહા...! જેણે અનુભવમાં આત્મા લીધો છે તેને ખબર પડે કે આ પરમ આનંદનો-અમૃતનો સ્વાદ શું છે? બીજા રાગી-કષાયી જીવ શું જાણે? કહ્યું છે ને કે-‘ખાખરાની ખીસકોલી સાકરનો સ્વાદ શું જાણે?’ કષાયી જીવ કર્મને જ સર્વસ્વ જાણી, મુખ્યપણે વ્રત, તપ આદિ પુણ્યભાવને સર્વસ્વ જાણી એમાં જ તદ્રૂપ થઈ રહ્યો છે. પરંતુ તેથી એને કષાયનો-ઝેરનો જ સ્વાદ આવે છે, જ્ઞાનાનંદનો સ્વાદ આવતો નથી.

અહાહા...! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અતીન્દ્રિય આનંદના રસથી ભરપૂર છે. જેમ સક્કરકંદને લાલ છાલ વિના જુઓ તો તે એકલો સાકરનો (-મીઠાશનો) પિંડ છે તેમ ભગવાન આત્મા શુભાશુભકર્મથી રહિત, પુણ્ય-પાપના વિકલ્પથી રહિત પરમ અતીન્દ્રિય આનંદનો પિંડ છે. એ આનંદકંદસ્વરૂપમાં ચરવું અને રમવું અને પરમ આનંદમય પરિણતિનો ભોગ કરવો એનું નામ ધર્મ અને મુનિપણું છે. ભાઈ! સંસારથી મુક્ત થવાનો આ જ ઉપાય છે. લોકોને કઠણ પડે એટલે રાડો પાડે કે ‘આ નિશ્ચય છે, નિશ્ચય છે;’ પણ ભાઈ! નિશ્ચય છે એ જ સત્ય છે, યથાર્થ છે અને વ્યવહાર તો ઉપચાર છે. વ્યવહાર તો લૌકિક કથનમાત્ર છે. દ્રવ્યસંગ્રહમાં આવે છે કે- વ્યવહાર છે એ લૌકિક છે અને ભગવાન આત્મા પરમાર્થ નિશ્ચય વસ્તુ છે તે લોકોત્તર છે.

આત્મા ચૈતન્યમહાપ્રભુ ચિદાનંદની ગાંઠ છે. જેમ રત્નની ગઠડી હોય અને ખોલે તો રત્ન નીકળે તેમ જ્ઞાનાનંદરત્નની ગાંઠ પ્રભુ આત્માને ખોલે એટલે રાગનું એકત્વ છોડીને સ્વભાવમાં એકત્વ કરે તો તે ખુલી જતાં એમાંથી જ્ઞાન અને આનંદ પ્રગટ થાય છે. આ જ્ઞાનાનંદના સ્વાદને અજ્ઞાની જાણતો નથી. દયા, દાન, ભક્તિ આદિ કષાય-ભાવમાં લીન કષાયી જીવો અકષાયસ્વભાવી જ્ઞાનાનંદસ્વરૂપના સ્વાદને કેમ જાણે? જેમ


PDF/HTML Page 1543 of 4199
single page version

મરચાના જીવ મરચામાં ઘર બનાવીને મરચામાં રહે છે (મરચામાં જેમ બાચકાં થઈ જાય છે), તેમ અજ્ઞાની કષાયી જીવ કષાયમાં ઘર બનાવીને કષાયમાં રહે છે. એને આત્મા પોતાનું જ્ઞાનાનંદસ્વરૂપ ઘર છે એવી કયાં ખબર છે? એ તો પુણ્ય-ક્રિયાઓમાં (-ક્રિયાકાંડમાં) પોતાનું સર્વસ્વ માની એમાં જ લીન રહે છે તેથી તે જ્ઞાનાનંદનો સ્વાદ જાણતો નથી.

[પ્રવચન નં. ૨૧૨ શેષ થી ૨૧૪ ચાલુ * દિનાંક ૨પ-૧૦-૭૬ થી ૨૭-૧૦-૭૬]

PDF/HTML Page 1544 of 4199
single page version

अथ ज्ञानं मोक्षहेतुं साधयति–

परमट्ठो खलु समओ सुद्धो जो केवली मुणी णाणी।
तम्हि ट्ठिदा सहावे मुणिणो पावंति णिव्वाणं।। १५१ ।।

परमार्थः खलु समयः शुद्धो यः केवली मुनिर्ज्ञानी।
तस्मिन् स्थिताः स्वभावे मुनयः प्राप्नुवन्ति निर्वाणम्।। १५१ ।।

હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છેઃ-

પરમાર્થ છે નક્કી, સમય છે, શુદ્ધ, કેવળી, મુનિ, જ્ઞાની છે,
એવા સ્વભાવે સ્થિત મુનિઓ મોક્ષની પ્રાપ્તિ કરે. ૧પ૧.

ગાથાર્થઃ– [खलु] નિશ્ચયથી [यः] જે [परमार्थः] પરમાર્થ (પરમ પદાર્થ) છે, [समयः] સમય છે, [शुद्धः] શુદ્ધ છે, [केवली] કેવળી છે, [मुनिः] મુનિ છે, [ज्ञानी] જ્ઞાની છે, [तस्मिन् स्वभावे] તે સ્વભાવમાં [स्थिताः] સ્થિત [मुनयः] મુનિઓ [निर्वाणं] નિર્વાણને [प्राप्नुवन्ति] પામે છે.

ટીકાઃ– જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમ કે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે. તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિમાત્ર પરમાર્થ (-પરમ પદાર્થ) છે-આત્મા છે. તે (આત્મા) એકીસાથે (યુગપદ્) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તે- સ્વરૂપ હોવાથી સમય છે, સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે, કેવળ ચિન્માત્ર વસ્તુસ્વરૂપ હોવાથી કેવળી છે, ફકત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે, પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે, ‘સ્વ’ ના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે અથવા સ્વતઃ (પોતાથી જ) ચૈતન્યના *ભવનમાત્રસ્વરૂપ હોવાથી સદ્ભાવ છે (કારણ કે જે સ્વતઃ હોય તે સત્-સ્વરૂપ જ હોય). આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી (-નામ જુદાં જુદાં છે છતાં વસ્તુ એક જ છે).

ભાવાર્થઃ– મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે. વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે; જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે. માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે. * ભવન= હોવું તે.


PDF/HTML Page 1545 of 4199
single page version

સમયસાર ગાથા ૧પ૧ઃ મથાળું

હવે, જ્ઞાન મોક્ષનું કારણ છે એમ સિદ્ધ કરે છેઃ-

* ગાથા ૧પ૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જ્ઞાન મોક્ષનું કારણ છે, કેમકે જ્ઞાન શુભાશુભ કર્મોના બંધનું કારણ નહિ હોવાથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે.’

જ્ઞાન મોક્ષનું કારણ છે એટલે શું? એટલે અંદર જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા છે એનાં જ્ઞાન-શ્રદ્ધાન આદિરૂપ જે નિર્મળ પરિણતિ થાય તે મોક્ષનું કારણ છે. અહાહા...! અંદર ચિદાનંદમય પરમ પવિત્ર ભગવાન પડેલો છે તેમાં દ્રષ્ટિ અને લીનતા કરવાથી પર્યાયમાં જે નિર્વિકલ્પ જ્ઞાન અને આનંદનો સ્વાદ આવે તે મોક્ષનું કારણ છે.

જુઓ, સમ્યગ્દર્શન થયા પછી પણ ધર્મી જીવને ભક્તિ, પૂજા, જાત્રા આદિના શુભભાવ આવે છે, પણ એ સર્વ શુભભાવ જ્ઞાનીની દ્રષ્ટિમાં હેય છે. આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે એવા ધર્મી જીવને ઉપયોગ અંતરમાં લીન ન રહી શકે ત્યારે અશુભથી બચવા તેને શુભ આવે છે, પણ તે શુભાચરણને આદરણીય અને મોક્ષનું કારણ જાણતો નથી. (એ તો સ્વસન્મુખતાનો પુરુષાર્થ ઉગ્ર કરીને ક્રમશઃ શુભને પણ ટાળતો જ જાય છે). આવી વાત છે.

અરે ભાઈ! આવો મનુષ્યભવ મળ્‌યો અને વીતરાગમાર્ગના સંપ્રદાયમાં જન્મ થયો ત્યારે પણ આ માર્ગ નહિ સમજે તો ભવનો અભાવ કેમ થશે? (નહિ થાય). ભવપરંપરા તો તને અનાદિથી છે. ચાહે નરક હો કે સ્વર્ગ હો, બધાય ભવ દુઃખરૂપ છે. જ્ઞાન જ મોક્ષનું (પરમ સુખનું) કારણ છે; કેમકે જ્ઞાન શુભાશુભ કર્મોના (ભાવના) બંધનું કારણ થતું નથી. જે શુભાશુભભાવ બંધના કારણ છે તે જ્ઞાનમાં નથી. તેથી શુદ્ધ આત્માના અવલંબનથી જે પુણ્ય- પાપરહિત નિર્મળ શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે એ બંધનું કારણ નથી.

જુઓ, આ અસ્તિ-નાસ્તિ કર્યું. જ્ઞાન મોક્ષનું કારણ છે અને તે શુભાશુભ કર્મોના બંધનું કારણ નથી. જ્ઞાન બંધનું કારણ નથી તેથી તેને એ રીતે મોક્ષનું કારણપણું બને છે. આ ભગવાન આત્મા જાણવા-દેખવાના (જ્ઞાતા-દ્રષ્ટા) સ્વભાવવાળો છે. એના જ્ઞાન-શ્રદ્ધાનપણે પરિણમન થવું એ આત્માનું પરિણમન છે અને એ પરિણમન મોક્ષનું કારણ છે, કેમકે બંધના કારણથી રહિત છે. અર્થાત્ એમાં અંશ પણ બંધનનું કારણ નથી. ગંભીર વાત છે ભાઈ! બંધભાવમાં અંશે પણ મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગમાં બંધનો અંશમાત્ર પણ નહિ. શુદ્ધ ચૈતન્યસ્વભાવનાં જ્ઞાન, શ્રદ્ધાન અને રમણતા એ ચૈતન્યની જ્ઞાનસ્વભાવરૂપ પરિણતિ છે અને તે મોક્ષનું કારણ છે. કેમ? તો કહે છે કે


PDF/HTML Page 1546 of 4199
single page version

બંધનું કારણ જે શુભાશુભ કર્મ તેનો એમાં અભાવ છે અને તેથી એને (-જ્ઞાનને) મોક્ષનું કારણપણું બને છે. આમ ભગવાન જ્ઞાનાનંદ સ્વભાવનાં દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા એ એક જ મોક્ષનું કારણ છે.

તો વ્યવહાર મોક્ષમાર્ગ પણ છે એમ આવે છે ને?

એનો ખુલાસો કર્યો છે ને મોક્ષમાર્ગપ્રકાશકમાં; કે-‘‘મોક્ષમાર્ગ તો બે નથી પણ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા જ્યાં જે મોક્ષમાર્ગ તો નથી પણ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર મોક્ષમાર્ગ છે.’’ વળી ત્યાં કહ્યું છે કે-‘‘સાચું નિરૂપણ તે નિશ્ચય અને ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો, પણ એક નિશ્ચય મોક્ષમાર્ગ છે તથા એક વ્યવહાર મોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ જાણવા મિથ્યા છે.’’ લ્યો, આ વાત છે; નિશ્ચય મોક્ષમાર્ગ એક જ મોક્ષનું કારણ છે.

હવે કહે છે-‘તે જ્ઞાન, સમસ્ત કર્મ આદિ અન્ય જાતિઓથી ભિન્ન ચૈતન્ય-જાતિ-માત્ર પરમાર્થ (-પરમ પદાર્થ) છે-આત્મા છે.’

શું કહ્યું? કે પુણ્ય-પાપરૂપ જે સમસ્ત કર્મ તે અન્ય જાતિ છે અને એનાથી ભિન્ન એક ચૈતન્યજાતિમાત્ર પરમાર્થ-પરમ પદાર્થ ભગવાન આત્મા છે. ‘પરમટ્ઠો’ એમ પહેલું પદ છે ને! નિશ્ચયથી પરમાર્થ કહેતાં પરમ પદાર્થ પરમાત્મસ્વરૂપ પ્રભુ આત્મા છે તે ચૈતન્યજાતિમાત્ર છે; અને એનું ચૈતન્યરૂપ પરિણમન એ મોક્ષનું કારણ છે અને તે પરમાર્થ છે.

અહાહા...! આ નિશ્ચય એ એક જ સત્ય છે, વ્યવહાર અસત્ય છે. ૧૧ મી ગાથામાં આવ્યું ને કે-‘‘व्यवहारो अभूयत्थो भूयत्थो देसिदो दु सुद्धणओ’’ ત્રિકાળી વસ્તુ, નિત્યાનંદ, ચિદાનંદ, પ્રભુ, વિકારથી રહિત, એક સમયની પર્યાયથી રહિત, ભગવાન પરમાનંદનો નાથ પરમ પદાર્થ ભૂતાર્થ છે તે શુદ્ધનય છે અને તે એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે; વ્યવહાર- અભૂતાર્થના આશ્રયે નહિ. સમજાણું કાંઈ...?

‘વિદ્વદ્-જનબોધક’માં ખૂબ લીધું છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય; પણ એ તો વ્યવહારનયથી કથન છે. ત્યાં પૂર્વ પર્યાયને સાધક કહી છે, મોક્ષનું કારણ કહી છે પણ એ તો બધું વ્યવહારનયનું કથન છે. ખરેખર તો ત્રિકાળી શુદ્ધ જે દ્રવ્યસ્વભાવ તે એકને આશ્રયે જ મોક્ષ થાય છે. છતાં પૂર્વવર્તી પર્યાયને મોક્ષનું કારણ કહેવું એ વ્યવહાર છે. નિશ્ચય મોક્ષમાર્ગની પર્યાયને મોક્ષનું કારણ કહેવું એ પણ વ્યવહાર છે. મોક્ષનું-મોક્ષની પર્યાયનું વાસ્તવિક પરમાર્થ કારણ તો દ્રવ્યસ્વભાવ છે.

તો એમ શા માટે કહ્યું?


PDF/HTML Page 1547 of 4199
single page version

સમાધાન એમ છે કે મોક્ષ થવા પહેલાં પૂર્વવર્તી પર્યાય શું હતી તે બતાવવા સારુ પૂર્વની (મોક્ષમાર્ગની) પર્યાયને ઉત્તર પર્યાય (મોક્ષ) નું કારણ કહે છે. બાકી પૂર્વ પર્યાય જે વ્યયરૂપ - અભાવરૂપ છે એનાથી મોક્ષરૂપ ઉત્તરપર્યાયનો ઉત્પાદરૂપ ભાવ કેવી રીતે થાય? (ન જ થાય). એટલે પૂર્વ પર્યાય ઉત્તર પર્યાયનું ખરેખર કારણ નથી, પણ પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવવા એને વ્યવહારથી કારણ કહેવામાં આવે છે.

અહો! જૈનદર્શનની આ કોઈ અદ્ભુત સ્યાદ્વાદ શૈલી છે! ‘સ્યાત્’ એટલે કોઈ અપેક્ષાએ, ‘વાદ’ કહેતાં કથન-એમ કોઈને કોઈ અપેક્ષાએ કથન કરનારી આ સ્યાદ્વાદ શૈલી પરમ આશ્ચર્યકારી અને સમાધાનકારી છે. ભાઈ! જે નયથી કથન હોય એને યથાર્થ સમજવું જોઇએ. શાસ્ત્રના અર્થ કરવા માટે પાંચ બોલ આવે છે ને? શબ્દાર્થ, નયાર્થ, આગમાર્થ, મતાર્થ, અને ભાવાર્થ. શબ્દનો અર્થ કરવો તે શબ્દાર્થ, આ વ્યવહારનયનું કથન છે કે નિશ્ચયનયનું એ નક્કી કરી સમજવું તે નયાર્થ, આ આગમનું વાકય છે એમ જાણવું તે આગમાર્થ, આ અન્યમતનો કઈ રીતે નિષેધ કરે છે એ સમજવું તે મતાર્થ અને એનું તાત્પર્ય શું છે એ જાણવું તે ભાવાર્થ. આમ પાંચ રીતે વાકયનો અર્થ નક્કી કરવો તે સૂત્ર-તાત્પર્ય, અને શાસ્ત્ર-તાત્પર્ય વીતરાગતા બતાવ્યું છે. અનુભવ પ્રકાશમાં આવે છે કે-સૂત્ર તાત્પર્ય સાધક છે અને શાસ્ત્ર- તાત્પર્ય (-વીતરાગતા) સાધ્ય છે.

શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે; તે સાધ્ય છે અને સૂત્રતાત્પર્ય સાધક છે. મતલબ કે જે ગાથાસૂત્ર ચાલતું હોય તેના અર્થ ઉપરાંત તેમાંથી શાસ્ત્રના તાત્પર્યરૂપ વીતરાગતા કાઢવી જોઈએ. એ વીતરાગતા કેમ થાય? તો કહે છે-પરની-નિમિત્ત, રાગ અને પર્યાયની ઉપેક્ષા કરીને સ્વની-ત્રિકાળ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મદ્રવ્યની અપેક્ષા કરે ત્યારે વીતરાગતા ઉત્પન્ન થાય છે. નિમિત્ત, રાગ કે પર્યાયના લક્ષે વીતરાગતા થતી નથી. તેથી સ્વની અપેક્ષા અને પરની ઉપેક્ષા જેમાં થાય તે શાસ્ત્ર-તાત્પર્ય છે.

હવે આવી વાત સમજવાનો વખત કોને છે? એને એવી નિવૃત્તિ કયાં છે? આખો દિ વેપાર આદિ પાપના ધંધા કરે, બે ત્રણ કલાક બાયડી-છોકરાં સાથે રમતમાં જાય, બે કલાક ખાવામાં જાય અને છ-સાત કલાક ઊંઘમાં જાય. હવે આમાં એને કયાં નવરાશ મળે? પણ આ બધામાં આત્માનું શું છે ભાઈ? અરેરે! એનું શું થશે? આ કાળે જો નહિ સમજે તો કે દિ સમજશે પ્રભુ! આવો અવસર કયાં મળશે? શ્રી ટોડરમલજીએ તો કહ્યું છે કે-‘સબ અવસર આ ચુકા હૈ’-બધો અવસર આવી મળ્‌યો છે. અહા! સાચી જિનવાણી સાંભળવાનો યોગ મળ્‌યો ત્યાં સુધી તો તું આવી ગયો છો. માટે હે ભાઈ! તું અંતર્દ્રષ્ટિ કર અને જ્યાં આ આત્મા ભગવાન સ્વરૂપે પોતે વિરાજી રહ્યો છે ત્યાં જો. અહીં જે પરમ પદાર્થ કહ્યો તે નિશ્ચયથી સચ્ચિદાનંદસ્વરૂપ પોતે પરમાત્મા છે અને એના અવલંબનથી જે પરિણતિ થાય એ મોક્ષનું કારણ છે.


PDF/HTML Page 1548 of 4199
single page version

હવે કહે છે-‘તે (આત્મા) એકીસાથે (યુગપદ્) એકીભાવે (એકત્વપૂર્વક) પ્રવર્તતાં એવાં જે જ્ઞાન અને ગમન (પરિણમન) તે-સ્વરૂપ હોવાથી સમય છે.’

આત્મા એક સમયમાં એકીભાવે પ્રવર્તમાન છે. એકીભાવે પરિણમે છે એટલે એકત્વપણે-જ્ઞાનપણે પરિણમે છે. અર્થાત્ પુણ્ય-પાપના વિકલ્પપણે નહિ પણ શુદ્ધ ચૈતન્યની વીતરાગ પરિણતિએ પરિણમે તે આત્મા નામ સમય છે. આવી વાત; હવે બહારની વાતોમાં હોંશ આવે, હરખ આવે, લાખ-પાંચ લાખ ખર્ચે, ગજરથ ચલાવે અને ઘણી હા-હો (વિકલ્પની ધમાલ) કરે; તથા દુનિયા પણ ભારે કામ, ભારે ખર્ચ કર્યા એમ પ્રશંસા કરે; પણ ભાઈ એ બધી પ્રવૃત્તિમાં તો વિકલ્પની રાગની વાત છે. એ કાંઈ આત્માની ચીજ નથી. અહીં તો કહે છે કે જ્ઞાનના એકત્વપણે પરિણમે તે સમય છે અને તે જ્ઞાનનું જે નિર્મળ પરિણમન છે તે મોક્ષનું કારણ છે.

જ્ઞાનને સમય કહે છે. સમય એટલે સમ્+અય-સમ્યક્ પ્રકારે જ્ઞાનનું પરિણમન કરે, આનંદનું પરિણમન કરે અને એકીસાથે એકરૂપે પ્રવર્તમાન અનંતગુણોનું પરિણમન કરે તે સમય નામ આત્મા છે. એ આત્માના આશ્રયે પુણ્ય-પાપના વિકલ્પથી રહિત જે નિર્મળ વીતરાગી પરિણતિ ઉત્પન્ન થાય તે જ્ઞાન મોક્ષનું કારણ છે.

સમય એટલે સમ્+અય. જ્ઞાનનું ‘સમ્’-એકીસાથે ‘અય’ એટલે જાણવું અને પરિણમવું તે સ્વરૂપ હોવાથી જ્ઞાન સમય છે. આ મોક્ષમાર્ગની દશા (-પર્યાય)ની વાત છે. અહીં સમય એટલે દ્રવ્ય નહિ, પર્યાય સમજવી. શુદ્ધ ચૈતન્યવસ્તુ ત્રિકાળ છે તે સમય છે અને તેના આશ્રયે જ્ઞાનનું જ્ઞાનપણે જે નિર્મળ પરિણમન છે તે પણ સમય છે, અને તે મોક્ષનું કારણ છે. તેમાં બંધનું કારણ જે શુભાશુભ કર્મ તે નથી માટે તે મોક્ષનો ઉપાય છે. આને પરમ પદાર્થ કહેવાય છે. આત્મા પોતે પરમ પદાર્થ પરમાત્મા છે અને એનું જ્ઞાનરૂપ પરિણમન જે મોક્ષના ઉપાયભૂત છે તે પણ પરમ પદાર્થ છે. શુભાશુભ ભાવ પરમ પદાર્થ નથી. લ્યો ‘પરમટ્ઠો’ પહેલો બોલ, અને ‘સમઓ’ બીજો બોલ થયો. હવે ‘શુદ્ધો’ ત્રીજો બોલઃ-

‘સકળ નયપક્ષોથી અમિલિત (અમિશ્રિત) એવા એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે.’

અહીં સકળ નયપક્ષથી રહિત-એવી શુદ્ધની વ્યાખ્યા છે. ‘અહમિક્કો ખલુ સુદ્ધો’ એમ કહ્યું છે ને? (ગાથા ૩૮ અને ૭૩ માં). ત્યાં શુદ્ધની બીજી વ્યાખ્યા છે. ‘શુદ્ધ’ શબ્દના ઘણા અર્થ થાય છે. જે સ્થાને જે યોગ્ય હોય તે સમજવો. એકરૂપને શુદ્ધ કહેવાય અને શુદ્ધને એકરૂપ કહેવાય. અહીં સકલ નયપક્ષોથી અમિલિત એટલે કે હું અબંધ છું, મુક્ત છું, એક છું-ઇત્યાદિ નયપક્ષના વિકલ્પથી નહિ મળેલો એવો એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે એમ કહેવું છે. જેમાં શુભાશુભભાવનું વેદન નથી અને


PDF/HTML Page 1549 of 4199
single page version

એકલી ચૈતન્યજાતિનું નિર્મળ પરિણમન છે તેને અહીં શુદ્ધ કહ્યું છે. ૭૩ મી ગાથામાં જે શુદ્ધ કહ્યું ત્યાં એક સમયની ષટ્કારકની પરિણતિથી રહિત તે શુદ્ધ એમ વાત હતી. ૩૮ મી ગાથામાં શુદ્ધ કહ્યું ત્યાં નવતત્ત્વના વ્યવહારિક ભાવોથી જુદો અખંડ, એક જ્ઞાયકભાવપણે શુદ્ધ એમ કહ્યું હતું. અહીં નયપક્ષોથી રહિત એટલે જે સ્થૂળ દયા, દાન, વ્રતાદિના શુભભાવ એનાથી તો રહિત ખરો, પણ નયપક્ષના જે સૂક્ષ્મ વિકલ્પ એનાથી પણ રહિત એક જ્ઞાનસ્વરૂપ હોવાથી શુદ્ધ છે એમ વાત છે. આ ત્રીજો બોલ થયો.

હવે ચોથો ‘કેવળી’નો બોલઃ-‘કેવળ ચિન્માત્ર વસ્તુસ્વરૂપ હોવાથી કેવળી છે.’

જુઓ, આ રાગ વિનાની કેવળ વીતરાગ નિર્મળ પરિણતિ તે કેવળી એમ વાત છે. ચારિત્ર પાહુડમાં (ગાથા ૪ માં) અક્ષય-અમેય પર્યાયની વાત છે. પોતે ભગવાન આત્મા અક્ષય અને અમેય એટલે અપરિમિત બેહદ સ્વભાવયુક્ત ગંભીર છે. અહાહા...! ભગવાન આત્માનો એક એક ગુણનો બેહદ મર્યાદા વિનાનો અગાધ સ્વભાવ છે. આવો જે અનંતગુણ મંડિત આત્મસ્વભાવ છે તેનું એકત્વરૂપ પરિણમન તે કેવળી છે. કેવળી એટલે રાગ વિનાનો એકલો, કેવળ ભાવ. આ કેવળી ભગવાનની વાત નથી, પણ મોક્ષમાર્ગની વાત છે. મોક્ષમાર્ગ શુભાશુભભાવથી રહિત (એકલો) કેવળ શુદ્ધ પરિણમનનો ભાવ હોવાથી કેવળી છે એમ કહ્યું છે. જેને શુભાશુભ રાગનો જરીયે સંગ નથી, સંબંધ નથી એવો કેવળ શુદ્ધ માર્ગ તે કેવળી છે એમ અહીં વાત છે. ભગવાન આત્મા જે કેવળ શુદ્ધ સ્વભાવમય છે તેના આશ્રયે ઉત્પન્ન કેવળ શુદ્ધ પરિણામ તે કેવળી છે.

હવે પાંચમો બોલ કહે છેઃ-‘ફક્ત મનનમાત્ર (જ્ઞાનમાત્ર) ભાવસ્વરૂપ હોવાથી મુનિ છે.’

જ્ઞાનનું સ્વભાવમાં એકાગ્રપણું એ મનન છે. આ વિકલ્પરૂપ ચિંતનની વાત નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા-પરિણામની મગ્નતા જે છે એને મનનમાત્ર ભાવરૂપ મુનિ કહે છે. તેને અહીં મોક્ષમાર્ગ વા મોક્ષનું કારણ કહે છે. લ્યો, આવું મુનિપણું છે જેમાં વ્રત, તપ ને બાહ્યક્રિયા કયાંય છે નહિ. આત્મા જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ પરમ પદાર્થ છે એમાં એકાગ્રતારૂપ મનનમાત્ર ભાવ જે છે તે મુનિ છે; વ્રત, તપના વિકલ્પ તે મુનિ નહિ. અહીં અંતર એકાગ્રતારૂપ જે મોક્ષમાર્ગ છે તેને મુનિ કહ્યો છે. સમજાણું કાંઈ...? ફક્ત મનનમાત્ર કહ્યું એટલે ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતામાત્ર હોવાથી મુનિ છે એમ વાત છે.

વાડામાં પકડાઈ ગયા હોય (અને ક્રિયામાં સપડાઈ ગયા હોય) એટલે એમ લાગે કે આ શું કહે છે? ભાઈ! આ અંતરની અગમ્ય વાત છે. બાપુ! વ્રત, તપ, શીલ


PDF/HTML Page 1550 of 4199
single page version

વગેરે કરી શકાય અને સ્થૂળપણે ખ્યાલમાં આવે એટલે તે સુગમ લાગે, પણ ભાઈ! એ બંધનાં કારણ છે. અહીં ફક્ત મનનમાત્ર કહ્યું તે ભગવાન શુદ્ધ ચૈતન્યમય આત્મામાં મનન-એકાગ્રતાની વાત છે, કાંઈ વ્રત, તપ, શીલ, દયા, દાન આદિ શુભરાગમાં એકાગ્રતાની-મનનની વાત નથી. બહુ ઝીણો માર્ગ બાપુ! એની હા પાડવી એ પણ મહા પુરુષાર્થ છે. ભાઈ! માર્ગ તો આ છે. એને પહોંચી વળી શકાય નહિ એટલે એમાં ફેરફાર કરવો, બીજી રીતે માનવું-મનાવવું એ કાંઈ વીતરાગનો માર્ગ છે? (નથી).

ભગવાન આત્મા શુદ્ધ છે. એના અનંત ગુણો શુદ્ધ છે. આવા અનંત ગુણોનો ધરનારો એક ચૈતન્ય મહાપ્રભુ એકનું જ મનન વા તે એકની જ એકાગ્રતા તે મુનિ છે. જુઓ, આ મુનિ અને આ મોક્ષમાર્ગ કહ્યો. પણ પંચમહાવ્રત પાળે અને નગ્ન રહે માટે મુનિ એમ નથી કહ્યું. સૂક્ષ્મ વાત છે ભાઈ! એકલું ત્રિકાળ, નિત્ય, નિરાવરણ, અખંડ, એક, શુદ્ધ પારિણામિકભાવ લક્ષણ જે નિજ પરમાત્મદ્રવ્ય તેનું મનન અર્થાત્ તેમાં જ્ઞાનનું એકાગ્ર થવું તે મુનિ છે. આ મનનમાત્ર ભાવસ્વરૂપ મુનિની વ્યાખ્યા છે. તેને મુનિ કહીએ, શુદ્ધ કહીએ, પરમાર્થ કહીએ, કેવળી કહીએ વા સમય કહીએ એ બધું એક જ છે.

હવે છટ્ઠો બોલઃ-‘પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે.’

લ્યો, જ્ઞાનની પ્રગટતા માટે પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. પોતાનું ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ જે છે એમાંથી જ જ્ઞાનની પરિણતિ આવે છે; એને કોઈ અન્યની સહાય કે મદદની અપેક્ષા-જરૂર નથી. એની પર્યાય-પરિણતિ આત્મસન્મુખ-સ્વસન્મુખ હોતાં જ શુદ્ધ છે, જ્ઞાની છે.

પોતે જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. અહીં શાસ્ત્રોનું ઘણું જ્ઞાન-ભણતર હોય માટે જ્ઞાની છે એમ નહિ પણ એની પરિણતિ જ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાની છે. જેમ વસ્તુ ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ છે તેમ એની પરિણતિ, એની વ્યક્તતાનો અંશ પણ જ્ઞાનસ્વરૂપ છે અને તેથી જ્ઞાની છે. અહીં વ્યક્ત અંશ જે પર્યાય તે જ્ઞાનમય છે પણ રાગમય કે વિકલ્પમય નથી તેથી જ્ઞાની છે એમ કહ્યું છે. અહો! ગાથાએ ગાથાએ અને શબ્દે શબ્દે કેટકેટલા ભાવ ભર્યા છે. આ સમયસાર તો જગતનું અજોડ ચક્ષુ છે!

કહે છે-એક સમયમાં કેવળજ્ઞાન અને અનંત આનંદની લબ્ધિ પ્રગટ કરી શકે એવા અનંત સામર્થ્યવાળો તું ભગવાન છો. બાપુ! તું એને અલ્પ અને અધૂરો કેમ માને છે? એનું જે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદનું સ્વરૂપ છે તેની તદ્રૂપ પરિણતિ થતાં તે જ્ઞાની છે. જ્ઞાની એટલે બહારનું ખૂબ જાણે અને શાસ્ત્રો ઘણાં ભણ્યો હોય


PDF/HTML Page 1551 of 4199
single page version

એમ નહિ, પણ જ્ઞાનસ્વરૂપમાં મગ્ન-લીન જે મોક્ષમાર્ગરૂપ પરિણતિ છે તે જ્ઞાની છે. મોક્ષમાર્ગની પરિણતિ જ્ઞાનસ્વરૂપ-સ્વસ્વરૂપ હોવાથી તેને જ્ઞાની કહે છે.

હવે સાતમો બોલ કહે છે-‘સ્વના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સ્વભાવ છે. સ્વભાવ કેમ કહ્યો? તો કહે છે-શુદ્ધ પરિણતિ સ્વના ભવનમાત્ર છે; એટલે ચૈતન્યના ભવનરૂપ છે પણ રાગના ભવનરૂપ નથી. રાગ તો પર છે; રાગનું ભવન એમાં છે નહિ. ભાઈ! આ તારા હિતની વાત છે. એકાન્ત છે, એકાન્ત છે એમ કહીને એને કાઢી ન નાખ. ભાઈ! આ સમજવાનો અત્યારે અવસર છે.

જુઓને! જુવાન જોધ હોય તેને પણ જોતજોતામાં આયુષ્ય પુરું થયે સમયમાત્રમાં દેહ છૂટી જાય છે. દેહની સ્થિતિ કેટલી? હમણાં અમે નીરોગી છીએ, અમને કયાંય નખમાં પણ રોગ નથી એમ તું માને છે પણ ભાઈ! એને ફરવાને કેટલી વાર? માત્ર એક સમય. અને સમ્યગ્દર્શન થવામાં પણ એક સમય. દેહ છૂટવામાં જેમ એક સમય તેમ સમકિત થવામાં પણ એક સમય છે. આ દેહ છોડીને ભાઈ! બીજે સમયે કયાં જઈશ? તારા સ્વભાવમાત્ર જે (પરિણામ) છે તે પ્રગટ કર્યો હશે તો જ્યાં જઈશ ત્યાં તું સ્વભાવમાં જ છે. શ્રીમદ્ને કોઈએ એકવાર પૂછયું હતું કે શ્રીકૃષ્ણ હમણાં કયાં છે? તો શ્રીમદે કહ્યું-એ આત્માના સ્વભાવમાં છે. તે એમ જાણે કે કોઈ ગતિમાં છે એમ કહેશે; પણ ભાઈ! સમકિતી પુરુષ જ્યાં હોય ત્યાં સ્વભાવમાં જ છે, કોઈ ગતિમાં છે એમ પરમાર્થે છે જ નહિ. એ તો આનંદ અને જ્ઞાનના- સ્વરૂપના પરિણમનમાં છે, જે વિકલ્પ આવે એમાં એ નથી.

કોઈ સમકિતી નરકમાં હોય અને ત્યાં દુઃખ થાય, અણગમાનો ભાવ આવે, છતાં તે એમાં નથી. એ તો સ્વના ભવનમાત્ર જે સ્વભાવભાવ ચૈતન્યભાવ છે એમાં જ છે. સમયસાર કળશટીકા (કળશ ૩૧) માં આવે છે કે-‘‘મિથ્યાત્વપરિણતિનો ત્યાગ થતાં, શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતાં, સાક્ષાત્ રત્નત્રય ઘટે છે.’’ સમકિતીને થોડો પણ સ્વરૂપસ્થિરતાનો અંશ ચોથે ગુણસ્થાને આવે છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય મટતાં તે નિજ ઘરમાં થોડો સ્થિર થયો એ અપેક્ષાથી સમકિતી પણ સ્વભાવમાત્ર છે.

‘तम्हा ट्ठिदा सहावे’–એટલે સ્વના ભવનમાત્ર હોવાથી સ્વભાવ છે એમ એક અર્થ કર્યો. એનો બીજો અર્થ હવે કહે છે કે-‘સ્વતઃ (પોતાથી જ) ચૈતન્યના ભવનમાત્રસ્વરૂપ હોવાથી સદ્ભાવ છે.’ પર્યાયમાં રાગના હોવાનો અભાવ અને ચૈતન્યના હોવાનો સદ્ભાવ એ સદ્ભાવ છે. જેવો સ્વભાવ છે તેવું થવું એનું નામ સદ્ભાવ છે; કારણ કે જે સ્વતઃ હોય તે સત્સ્વરૂપ જ હોય. જેવું સ્વતઃ સ્વરૂપ ત્રિકાળી છે એવો જ એનો ચૈતન્યપરિણામ-મોક્ષનો માર્ગ પણ સ્વતઃ હોવાથી સદ્ભાવ છે. એને કોઈ વ્યવહારની કે નિમિત્તની અપેક્ષા નથી. આવી વાત છે. હવે કહે છે-


PDF/HTML Page 1552 of 4199
single page version

‘આ પ્રમાણે શબ્દભેદ હોવા છતાં વસ્તુભેદ નથી.’ નામ જુદાં જુદાં છે પણ વસ્તુ એક જ છે. શબ્દભેદ સાત બોલથી કહ્યા, અને એના આઠ અર્થ કર્યા પણ મોક્ષમાર્ગની પરિણતિ તો એક જ પ્રકારની છે; વસ્તુભેદ નથી, વસ્તુ એક જ છે, મોક્ષમાર્ગ એક જ છે.

* ગાથા ૧પ૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘મોક્ષનું ઉપાદાન તો આત્મા જ છે.’

મોક્ષનું મૂળ ઉપાદાન, શુદ્ધ ઉપાદાન આત્મા જ છે.

‘વળી પરમાર્થે આત્માનો જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે.’

આત્માના બધા ગુણોમાં જ્ઞાનગુણની આ વિશેષતા છે કે જ્ઞાન પોતે પોતાને જાણે અને પરને પણ જાણે છે. વિકલ્પ-રાગ વિના માત્ર જાણે એવો એનો સ્વભાવ છે. તથા વિકલ્પપૂર્વક (-ભેદ પાડીને) જાણે એવો પણ એનો સ્વભાવ છે. સ્વ-પરને ભેદ પાડીને જાણવું એવો આત્માનો સ્વભાવ છે. આમ જ્ઞાનસ્વભાવી આત્મા હોવાથી જ્ઞાન છે તે આત્મા છે અને આત્મા છે તે જ્ઞાન છે-(એમ અભેદથી વાત છે).

‘‘માટે જ્ઞાનને જ મોક્ષનું કારણ કહેવું યોગ્ય છે.’ અહાહા...! જ્ઞાન આત્માનો સ્વભાવ છે અને તેનું પરિણમન એ જ મોક્ષનું કારણ છે. મોક્ષનું કારણ છે તે જ્ઞાનનું જ પરિણમન છે, રાગનું નહિ; સમજાણું કાંઈ...?

[પ્રવચન નં. ૨૧૪ શેષ, ૨૧પ * દિનાંક ૨૭-૧૦-૭૬]

PDF/HTML Page 1553 of 4199
single page version

अथ ज्ञानं विधापयति–

परमट्ठम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारेदि।
तं सव्वं बालतवं बालवदं बेंति सव्वण्हू।। १५२ ।।
परमार्थे त्वस्थितः यः करोति तपो व्रतं च धारयति।
तत्सर्वं बालतपो बालव्रतं ब्रुवन्ति सर्वज्ञः।। १५२ ।।

હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છેઃ-

પરમાર્થમાં અણસ્થિત જે તપને કરે, વ્રતને ઘરે,
સઘળુંય તે તપ બાળ ને વ્રત બાળ સર્વજ્ઞો કહે. ૧પ૨.

ગાથાર્થઃ– [परमार्थे तु] પરમાર્થમાં [अस्थितः] અસ્થિત [यः] એવો જે જીવ [तपः करोति] તપ કરે છે [च] તથા [व्रतं धारयति] વ્રત ધારણ કરે છે, [तत्सर्व] તેનાં તે સર્વ તપ અને વ્રતને [सर्वज्ञाः] સર્વજ્ઞો [बालतपः] બાળતપ અને [बालव्रतं] બાળવ્રત [ब्रुवन्ति] કહે છે.

ટીકાઃ– આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે (એમ સિદ્ધ થાય છે); કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને ‘બાળ’ એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.

ભાવાર્થઃ– જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદેવે બાળતપ તથા બાળવ્રત (અર્થાત્ અજ્ઞાનતપ તથા અજ્ઞાનવ્રત) કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે.

* * *

સમયસાર ગાથા ૧પ૨ઃ મથાળું

હવે, આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે એમ બતાવે છેઃ-

* ગાથા ૧પ૨ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. (એમ સિદ્ધ થાય છે);...’

જુઓ, વીતરાગ અરિહંતદેવની દિવ્યધ્વનિમાં જે ઉપદેશ આવ્યો તે આગમ છે.


PDF/HTML Page 1554 of 4199
single page version

એ દિવ્યધ્વનિમાં-આગમમાં જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે એમ કહે છે. બનારસી વિલાસમાં (શારદાષ્ટકમાં) આવે છે ને કે-

‘‘મુખ ઓંકરધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ,
રચિ આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારૈ.’’

ભગવાનની ૐધ્વનિ સાંભળીને ગણધરદેવોએ આગમની રચના કરી છે. અહા! ભગવાનની વાણીમાં જે આવ્યું તેનું આગમમાં કથન છે. એ આગમમાં પણ જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે.

કોઈ એમ કહે કે-આ વ્રત, તપ ઇત્યાદિ શુભાચરણ પણ મોક્ષનું કારણ છે તો કહે છે- ના; આગમમાં એમ કહ્યું નથી. વીતરાગ પરમેશ્વર અનંતા તીર્થંકરોની દિવ્યધ્વનિ અનુસાર રચાયેલાં જે આગમ છે તેમાં તો જ્ઞાન એટલે આત્માને જ મોક્ષનું કારણ કહ્યું છે. વ્રત, તપ આદિના રાગને મોક્ષમાર્ગ કહે તે વીતરાગનાં આગમ નહિ.

એક પંડિતનો કોઈ સામયિકમાં મોટો લેખ આવ્યો છે કે-આ વ્યવહાર વ્રત અને તપ બધાં સંવર-નિર્જરનાં કારણ છે. અરે! એને બિચારાને એમ (ઊંધું) બેઠું છે એટલે શું થાય? અહીં તો કહે છે-સત્ય એવો આત્મા જેને હાથ આવે (દ્રષ્ટિમાં આવે) એને મોક્ષનો માર્ગ થાય. બાકી રાગના પરિણામ તો અનંતકાળ થયા પણ એ વડે હજુ મોક્ષમાર્ગ થયો નથી. (થાય પણ નહિ). આ સત્ય વાત છે. કોઈ માને તો માને; સત્ને સંખ્યાની કયાં જરૂર છે? ઘણાં માને તો સાચું અને થોડા માને તો સાચું નહિ એવી સત્ને સંખ્યાની અપેક્ષા છે નહિ. સત્ તો ત્રણે કાળ સ્વયં આપ મેળે સત્ જ છે.

ગાથામાં પણ આવ્યું ને કે-‘बेंति सव्वण्हू’ સર્વજ્ઞદેવો આમ કહે છે. અહાહા...! વીતરાગ સર્વજ્ઞદેવોની વાણીમાં-આગમમાં જ્ઞાનને જ એટલે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે. ભાઈ! કોઈ પોતાની મતિ-કલ્પનાથી ઊંધા અર્થ કાઢે અને વ્રત-તપ આદિના રાગને મોક્ષનું કારણ કહે તો તે કાંઈ આગમના અર્થ નથી. આગમમાં તો આ ભર્યું છે કે-અંદર વિકલ્પથી પાર શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મતત્ત્વ છે જેને અહીં જ્ઞાન શબ્દ વડે કીધું છે તેનું અંતઃપરિણમન જે જ્ઞાન તે જ્ઞાનને જ મોક્ષનો માર્ગ કહ્યો છે. આ સમ્યક્ એકાન્ત છે. મોક્ષનો માર્ગ કથંચિત્ જ્ઞાનથી થાય અને કથંચિત્ રાગથી થાય એ અનેકાન્ત નથી, એ તો મિથ્યા અનેકાન્ત છે.

અહીં તો ‘જ્ઞાનને જ’ મોક્ષનું કારણ કહીને સમ્યક્ એકાન્ત કર્યું છે. મતલબ કે જે મોક્ષનો માર્ગ છે તે એક જ છે અને તે સ્વભાવના આલંબન-એકાગ્રતારૂપ છે. જૈન પરમેશ્વરના આગમમાં આ આવ્યું છે.


PDF/HTML Page 1555 of 4199
single page version

હવે કહે છે-‘જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાવ્યું છે; કારણ કે જે જીવ પરમાર્થભૂત જ્ઞાનથી રહિત છે તેનાં, અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ હોવાને લીધે તે કર્મોને ‘‘બાળ’’ એવી સંજ્ઞા આપીને નિષેધ્યાં હોવાથી જ્ઞાન જ મોક્ષનું કારણ ઠરે છે.’

શું કહે છે આ? જે જીવ પરમ પદાર્થ પ્રભુ આત્માના જ્ઞાન-શ્રદ્ધાનથી રહિત છે તેનાં અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો બંધનાં કારણ છે. તો શું જ્ઞાનીનાં કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો મોક્ષનાં કારણ છે? ના; એમ નથી. આ તો મિથ્યાદ્રષ્ટિનાં વ્રત, તપ આદિ કર્મ અજ્ઞાનપૂર્વક હોય છે એમ વાત છે. જ્ઞાની તો વ્રત, તપ આદિ કર્મોનો કર્તા થતો જ નથી. તથાપિ અસ્થિરતાનો કિંચિત્ જે રાગ તેને હોય છે તે બંધનું કારણ બને છે, મોક્ષનું નહિ. કળશટીકા કળશ ૧૧૦ માં આવે છે કે-‘‘કોઈ ભ્રાન્તિ કરશે કે મિથ્યાદ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે તે બંધનું કારણ છે પણ સમ્યગ્દ્રષ્ટિનું જે શુભક્રિયારૂપ યતિપણું તે મોક્ષનું કારણ છે; કારણ કે અનુભવ-જ્ઞાન તથા દયા-વ્રત-તપ-સંયમરૂપ ક્રિયા બન્ને મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. ત્યાં સમાધાન આમ છે કે-જેટલી શુભ-અશુભ ક્રિયા, બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યોના વિચારરૂપ અથવા શુદ્ધસ્વરૂપનો વિચાર ઇત્યાદિ સમસ્ત, કર્મબંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે. સમ્યગ્દ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી; એવા કરતૂતથી (કૃત્યથી) એવો બંધ છે, શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે.’

અહાહા...! અંદર સચ્ચિદાનંદ પ્રભુ અનંત-અનંત ગુણનો ભંડાર સદા હાજરાહજૂર છે. પણ તારી નજરમાં તું એને લેતો નથી તો એ તને કેમ જણાય? એને જાણ્યા વિના, પરમાર્થભૂત જ્ઞાનથી રહિત થઈ અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો-જડકર્મો નહિ, પણ રાગરૂપ કાર્યો બંધનાં કારણ છે. અને તેથી તેને બાળવ્રત અને બાળતપ કહીને સર્વજ્ઞ પરમેશ્વરે નિષેધ્યાં છે. તેથી એમ જ ઠરે છે કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. આવી ચોકખેચોકખી વાત છે છતાં લોકો ગડબડ-ગોટા કરે છે એ મોટું આશ્ચર્ય છે.

ભાવાર્થઃ– જ્ઞાન વિના કરાયેલાં તપ તથા વ્રતને સર્વજ્ઞદેવે બાળતપ તથા બાળવ્રત કહ્યાં છે, માટે મોક્ષનું કારણ જ્ઞાન જ છે. જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને કારણપણે ગ્રહણ કરતાં પર્યાયમાં જે જ્ઞાન-શ્રદ્ધાન અને સ્થિરતા થાય તે એક જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ ભગવાને કહ્યું નથી.

[પ્રવચન નં. ૨૧પ (શેષ) * દિનાંક ૨૮-૧૦-૭૬]

PDF/HTML Page 1556 of 4199
single page version

अथ ज्ञानाज्ञाने मोक्षबन्धहेतू नियमयति–

वदणियमाणि धरंता सीलाणि तहा तवं च कुव्वंता।
परमट्ठबाहिरा जे णिव्वाणं ते ण विंदंति।। १५३ ।।

व्रतनियमात् धारयन्तः शीलानि तथा तपश्च कुर्वन्तः।
परमार्थबाह्या ये निर्वाणं ते न विन्दन्ति।। १५३ ।।

જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છેઃ-

વ્રતનિયમને ધારે ભલે, તપશીલને પણ આચરે,
પરમાર્થથી જે બાહ્ય તે નિર્વાણપ્રાપ્તિ નહીં કરે. ૧પ૩.

ગાથાર્થઃ– [व्रतनियमान्] વ્રત અને નિયમો [धारयन्तः] ધારણ કરતા હોવા છતાં [तथा] તેમ જ [शीलानि च तपः] શીલ અને તપ [कुर्वन्तः] કરતા હોવા છતાં [ये] જેઓ [परमार्थबाह्याः] પરમાર્થથી બાહ્ય છે (અર્થાત્ પરમ પદાર્થરૂપ જ્ઞાનનું એટલે કે જ્ઞાનસ્વરૂપ આત્માનું જેમને શ્રદ્ધાન નથી) [ते] તેઓ [निर्वाण] નિર્વાણને [न विन्दन्ति] પામતા નથી.

ટીકાઃ– જ્ઞાન જ મોક્ષનો હેતુ છે; કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે. અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.

ભાવાર્થઃ– જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભ ભાવરૂપ શુભ કર્મો કાંઇ મોક્ષનાં કારણ નથી, જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને તે શુભ કર્મો ન હોવા છતાં તે મોક્ષને પામે છે; અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને તે શુભકર્મો હોવા છતાં તે બંધને પામે છે.


PDF/HTML Page 1557 of 4199
single page version

(शिखरिणी)
यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं
शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति।
अतोऽन्यद्बन्धस्य स्वयमपि यतो बन्ध इति तत्
ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम्।। १०५ ।।

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यद् एतद् ध्रुवम् अचलम् ज्ञानात्मा भवनम् आभाति] જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે [अयं शिवस्य हेतुः] તે જ મોક્ષનો હેતુ છે [यतः] કારણ કે [तत् स्वयम् अपि शिवः इति] તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે; [अतः अन्यत्] તેના સિવાય જે અન્ય કાંઈ છે [बन्धस्य] તે બંધનો હેતુ છે [यतः] કારણ કે [तत् स्वयम् अपि बन्धः इति] તે પોતે પણ બંધસ્વરૂપ છે. [ततः] માટે [ज्ञानात्मत्वं भवनम्] જ્ઞાનસ્વરૂપ થવાનું (-જ્ઞાનસ્વરૂપ પરિણમવાનું) એટલે કે [अनुभूतिः हि] અનુભૂતિ કરવાનું જ [विहितम्] આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે. ૧૦પ.

* * *

સમયસાર ગાથા ૧પ૩ઃ મથાળું

જ્ઞાન જ મોક્ષનો હેતુ છે અને અજ્ઞાન જ બંધનો હેતુ છે એવો નિયમ છે એમ હવે કહે છેઃ-

* ગાથા ૧પ૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જ્ઞાન જ મોક્ષનો હેતુ છે.’ જ્ઞાન એટલે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મા જ મોક્ષનો હેતુ છે કેમકે એ પોતે મોક્ષસ્વરૂપ છે. આત્મા પોતે મોક્ષસ્વરૂપ છે માટે તે મોક્ષનો હેતુ છે.

‘કારણ કે તેના (-જ્ઞાનના) અભાવમાં, પોતે જ અજ્ઞાનરૂપ થયેલા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મોનો સદ્ભાવ (હયાતી) હોવા છતાં મોક્ષનો અભાવ છે.’

જોયું? ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ પોતે મોક્ષસ્વરૂપ છે અને મોક્ષનું કારણ છે એવું જ્ઞાન નહિ હોવાથી અજ્ઞાનીઓ પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. કોઈ કર્મે અજ્ઞાનરૂપ કર્યા છે વા કર્મને લઈને અજ્ઞાનરૂપ થયા છે એમ નહિ, પણ પોતાના પરમેશ્વર ચૈતન્યઘન પ્રભુ આત્માનું ભાન નહિ કરવાથી પોતે જ અજ્ઞાનરૂપ થયા છે. એવા અજ્ઞાનીઓને અંતરંગમાં વ્રતના પરિણામ, નિયમના અભિગ્રહાદિ ભાવ, શીલનો


PDF/HTML Page 1558 of 4199
single page version

ભાવ અને બાર પ્રકારના તપના ભાવ ઇત્યાદિ શુભકર્મોનો સદ્ભાવ હોવા છતાં મોક્ષનો અભાવ છે, કેમકે એ શુભકર્મો બધાં રાગ છે, બંધનાં કારણ છે; ભગવાન આત્મા એક જ અબંધસ્વરૂપ છે. ‘અંતરંગ’માં એમ જે શબ્દ કહ્યો છે તે વ્રતાદિમાં બહારની શરીરની જે ક્રિયા થાય છે તેના નિષેધાર્થે કહ્યો છે. મતલબ કે શરીરની ક્રિયાઓ તો દૂર રહો, પણ અંદર જે શુભરાગની-વ્રતાદિ ક્રિયાઓ થાય તેનો સદ્ભાવ હોવા છતાં અજ્ઞાનીઓને મોક્ષનો અભાવ છે.

અહા! અજ્ઞાનીઓ વ્રત પાળે, બ્રહ્મચર્ય પાળે, સત્ય બોલે, ચોરી ન કરે, વસ્ત્રનો એક ધાગોય ન રાખે અને મહિના મહિનાના ઉપવાસ કરે, ઉણોદર, રસપરિત્યાગ, કાયકલેશ, પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન ઇત્યાદિ અનેકવિધ તપના વિકલ્પ કરે તોપણ તેમને મોક્ષનો અભાવ છે-એમ કહે છે. હમણાં ધ્યાનનું ખૂબ ચાલ્યું છે ને? ધ્યાન કરો, ધ્યાન કરો એમ પ્રચાર થાય છે. પણ કોનું ધ્યાન? વસ્તુનું સ્વરૂપ નજરમાં આવ્યા વિના શાનું ધ્યાન કરવું? સ્વરૂપની દ્રષ્ટિ વિના બધું રાગનું ધ્યાન છે. રાગ છે એ કાંઈ ધ્યાન છે? એ તો આર્ત્ત- રૌદ્રધ્યાન છે. ભગવાન આત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન અને અનુભવ થયા વિના વ્રત, તપ, ધ્યાન ઇત્યાદિના વિકલ્પ કરે પણ એથી મોક્ષ છે નહિ, કેમકે શુભરાગ બધોય બંધનું જ કારણ છે.

હવે કહે છે-‘અજ્ઞાન જ બંધનો હેતુ છે.’ જુઓ, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો શુભરાગ- શુભકર્મ અજ્ઞાન છે કેમકે એમાં ભગવાન આત્માના જ્ઞાનસ્વભાવનો અભાવ છે. એ અજ્ઞાન જ બંધનું કારણ છે.

આ વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિના શુભભાવને અજ્ઞાનભાવ કહ્યો છે. બહુ આકરી વાત, ભાઈ! અત્યારે તો કેટલાક માને છે કે વ્રત, તપ ઇત્યાદિ મોક્ષનું કારણ છે કેમકે એ કરતાં કરતાં નિશ્ચય પ્રગટી જશે. પરંતુ ભાઈ! તારી એ માન્યતા વીતરાગમાર્ગથી વિરુદ્ધ છે. એ વ્રતાદિના વિકલ્પમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવનો-જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવનો અભાવ છે-તો એનાથી ચૈતન્યરૂપ જ્ઞાનભાવ-વીતરાગભાવ કેમ પ્રગટ થાય? (ન થાય). ચિદ્ઘનસ્વરૂપ પ્રભુ આત્માના સ્વસંવેદનરહિત જે કાંઈ વ્રતાદિનું વેદન છે તે બધુંય રાગનું વેદન છે અને એ બધો અજ્ઞાનભાવ છે. સમજાણું કાંઈ...?

તો બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ તો કહ્યો છે?

બારમા ગુણસ્થાન સુધી જે અજ્ઞાનભાવ કહ્યો છે એ વાત જુદી છે. ત્યાં તો જ્ઞાનની ઓછપ છે, અપૂર્ણ જ્ઞાન છે; જ્ઞાનની પરિપૂર્ણતા થઈ નથી એ અપેક્ષાએ અજ્ઞાનભાવ કહ્યો છે. જ્ઞાન સમ્યગ્જ્ઞાન નથી એ વાત ત્યાં નથી. અહીં તો અજ્ઞાની જીવની વાત છે. વ્રત, તપ આદિ શુભરાગમાં ચૈતન્યના જાણપણાના સ્વભાવનો અંશ નથી


PDF/HTML Page 1559 of 4199
single page version

માટે તેને અજ્ઞાનભાવ કહ્યો છે. જેની રુચિમાં એકલો રાગ જ ભાસ્યો છે અને ભગવાન પૂર્ણાનંદસ્વરૂપની જેને દ્રષ્ટિ જ નથી એ પહેલા ગુણસ્થાનવાળા અજ્ઞાનીની આ વાત છે. તે વ્રતાદિને મોક્ષનું કારણ માને છે ને? તેને કહે છે કે ભાઈ! એ વ્રતાદિનો શુભરાગ બધો અજ્ઞાનભાવ છે.

‘અજ્ઞાન જ બંધનો હેતુ છે; કારણ કે તેના અભાવમાં, પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો અસદ્ભાવ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે.’

‘પોતે જ જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને’ એમ કહ્યું એનો અર્થ એ છે કે જ્ઞાનીઓ પોતે જ સ્વરૂપની અંતર્દ્રષ્ટિ કરી જ્ઞાનરૂપ થાય છે, કોઈ રાગ કે નિમિત્તથી જ્ઞાનરૂપ થાય છે એમ નથી. જ્ઞાનીઓ પોતે જ જ્ઞાનાનંદસ્વરૂપમાં તદ્રૂપ થઈ જ્ઞાનરૂપ થાય (પરિણમે) છે. એવા જ્ઞાનીઓને બાહ્ય વ્રત, નિયમ, શીલ તપ વગેરે શુભ કર્મોના અભાવમાં પણ મોક્ષનો સદ્ભાવ હોય છે. અહીં જ્ઞાનીઓના પ્રસંગમાં ‘બાહ્ય’ વ્રતાદિ કહ્યાં, પહેલાં અજ્ઞાનીઓના પ્રસંગમાં ‘અંતરંગ’ વ્રતાદિ કહ્યાં. એમ કેમ? કારણ એમ છે કે અજ્ઞાની વ્રતાદિ શુભ કર્મોને જ પોતાનું (અંતરંગ) સ્વરૂપ માનીને તેનું (ક્રિયાકાંડનું) આચરણ કરે છે, જ્યારે જ્ઞાની તે સર્વ શુભકર્મો પોતાના સ્વરૂપથી બાહ્ય છે એમ માને છે. અનાકુળ આનંદ અને જ્ઞાનનો સાગર અંદર પરમેશ્વર સ્વરૂપે પોતે વિરાજી રહ્યો છે તેનું જ્ઞાન નહિ હોવાથી અજ્ઞાની વ્રત, નિયમ, શીલ, તપ વગેરેને મોક્ષનું કારણ જાણી સેવે છે પણ એ બધો અજ્ઞાનભાવ છે, બંધનું કારણ છે.

હવે આમાં અત્યારે લોકોને વાંધા પડયા છે. એમ કે અમે વ્રત, તપ, શીલ, સંયમાદિ કરીએ છીએ એને તમે અજ્ઞાનભાવ અને બંધનું કારણ કહો છો!

શું થાય બાપુ? આત્માના આનંદના અનુભવ વિના માર્ગ તો નથી. ભગવાનની વાણીમાં જે આવ્યો તે હિતનો માર્ગ તો આ જ છે. તને દુઃખ લાગે તો ક્ષમા કરજે ભાઈ! ભગવાન આત્માના આનંદના વેદન અને અનુભવ વિના જેટલાં વ્રત, નિયમ, શીલ, તપ કરે એ બધો શુભરાગ છે અને તે બધો અજ્ઞાનભાવ છે, બંધનું કારણ છે.

ત્યારે તેઓ કહે છે-આવું એકાન્ત કરો છો એને બદલે અનેકાન્ત કરો. એમ કે શુભ આચરણ કરતાં કરતાં પણ કોઈકને (મોક્ષમાર્ગ) થાય અને કોઈકને શુદ્ધથી (શુદ્ધોપયોગથી) થાય. આમ લોકો અનેકાન્ત કરાવવા માગે છે પણ ભાઈ એવો અનેકાન્ત છે જ નહિ, એ તો મિથ્યા અનેકાન્ત છે.

વસ્તુસ્થિતિ એ છે કે પોતે શિવસ્વરૂપ જ છે. હવે પછી કળશ (૧૦પ) માં કહેશે કે ભગવાન આત્મા શિવસ્વરૂપ કહેતાં મોક્ષસ્વરૂપ અર્થાત્ મુક્ત અબદ્ધસ્વરૂપ જ છે. ૧૪ મી તથા ૧પ મી ગાથામાં પણ આવી ગયું કે આત્મા અબદ્ધસ્પૃષ્ટ એટલે


PDF/HTML Page 1560 of 4199
single page version

રાગથી નહિ બંધાયેલો એવો મુક્તસ્વરૂપ જ છે. એના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્ધાન-આનંદ પ્રગટે તે એક જ મોક્ષનું કારણ છે. લોકોએ અત્યાર સુધી આ સાંભળેલું નહિ એટલે તેમને નવું લાગે છે, પણ ભાઈ! આ નવું નથી; આ તો અનંત તીર્થંકરો જે થઈ ગયા તેમનો કહેલો પુરાણો માર્ગ છે.

નિર્જરા અધિકાર, ગાથા ૨૧પ માં આવે છે કે જ્ઞાનીઓને શરીર વગેરેના ભોગનો ભાવ તથા સર્વ રાગાદિ વિયોગભાવે વર્તે છે, કેમકે તે વિયોગસ્વરૂપ જ છે. શરીરાદિ અને રાગાદિ તારી ચીજ કયાં છે, પ્રભુ! એ તો સંયોગી ચીજ છે. સંયોગી ચીજ હંમેશાં વિયોગસહિત જ હોય છે. ભાઈ! સત્ય તો આ છે. એને વાદવિવાદ કરીને વીંખી-પીંખી ન નખાય. તારો માર્ગ તો પ્રભુ! અસંયોગી એવા તારા પરમાત્મસ્વરૂપનાં અંતરંગમાં શ્રદ્ધાન-જ્ઞાન કરીને અંદર ઠરવું એ છે. ત્રણકાળ ત્રણલોકમાં સર્વજ્ઞદેવોએ પોકાર કરીને આ કહ્યું છે. ભગવાન! તું એનું શ્રદ્ધાન કરીને એનો પક્ષ તો કર.

ગાથા ૬૯-૭૦ માં પણ આવે છે કે શુભાશુભભાવ સંયોગી ભાવ છે, સ્વભાવભાવ નથી. જે સંયોગે છે તે છૂટી જશે. એ (-શુભાશુભભાવ) છૂટી જશે માટે એ તારા નથી. જે પોતાનું હોય તે છૂટે નહિ, અને જે છૂટી જાય તે પોતાનું નહિ. ભાઈ! આમાં પંડિતાઈની કયાં જરૂર છે? આમાં તો પોતાનો જે અસંયોગી સ્વભાવ છે એમાં રુચિની જરૂર છે. સ્વભાવની રુચિ મહત્ત્વની ચીજ છે, જ્ઞાન ઓછું-વત્તું હોય તેનું કાંઈ મહત્ત્વ નથી.

અહીં શું કહે છે? કે તેના (-અજ્ઞાનના) અભાવમાં અર્થાત્ વ્રતાદિ રાગની ક્રિયાના અભાવમાં જ્ઞાનીઓને ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની ક્રિયા બાહ્ય વ્રતાદિ શુભકર્મોનો અસદ્ભાવ હોવા છતાં વર્તે છે અને તે મોક્ષનું કારણ છે. જ્ઞાની વ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને અંદર જ્ઞાનાનંદસ્વરૂપમાં ઠર્યો છે. તેથી વ્રતાદિના શુભકર્મોથી રહિત હોવા છતાં તે મોક્ષમાર્ગમાં સ્થિત છે. જ્યારે અજ્ઞાની વ્રતાદિ શુભરાગના વિકલ્પથી ભિન્ન પડીને અંદર સ્વરૂપમાં ઠરતો નથી તેથી એને વ્રતાદિનો શુભરાગ હોવા છતાં એ રાગની ક્રિયાઓ બંધનું કારણ હોવાથી, મોક્ષમાર્ગનો અભાવ છે.

ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના અપરિમિત સ્વભાવથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. એનું નિર્મળ પરિણમન-અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના સ્વાદથી યુક્ત પરિણમન મોક્ષનું કારણ છે. ભગવાન જ્ઞાનસ્વભાવ તો ત્રિકાળ મુક્ત જ છે. પણ એ મુક્તસ્વભાવનું તદ્રૂપ જે પરિણમન થાય તે પણ અબંધ કહેતાં બંધના ભાવ વિનાનું છે. જ્ઞાનીને શુભભાવ હોય ખરો, પણ એને જે શુદ્ધનું પરિણમન છે તેમાં શુભનો અભાવ છે અને તે શુદ્ધનું પરિણમન જ એને મોક્ષનું કારણ છે. આ પ્રમાણે પોતે