Pravachan Ratnakar (Gujarati). Gatha: 154-155.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 79 of 210

 

PDF/HTML Page 1561 of 4199
single page version

જ જ્ઞાનરૂપ થયેલા એટલે કે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ છે તો જ્ઞાનરૂપ થાય છે એમ નહિ પણ સ્વયં સ્વરૂપમાં એકાકાર થઈને જ્ઞાનરૂપ થયેલા જ્ઞાનીઓને શુભકર્મોનો અભાવ હોવા છતાં ચિદાનંદસ્વરૂપના અંતર પરિણમનથી પ્રાપ્ત ચિદાનંદરસના અનુભવમાં મોક્ષનો સદ્ભાવ છે.

અજ્ઞાની જીવોએ રાગને પોતાનો માની, શુભરાગથી લાભ થશે એમ માનીને મિથ્યાત્વભાવ કર્યો છે. એ મિથ્યાત્વભાવ સંસારના પરિભ્રમણનું જ કારણ છે. વ્રતાદિના શુભપરિણામથી મને ધર્મ થઈ રહ્યો છે એવી મિથ્યા માન્યતા અનંત સંસારના દુઃખના કારણરૂપ છે, કેમકે મિથ્યાત્વભાવ પોતે અજ્ઞાનભાવરૂપ જ છે, અર્થાત્ મિથ્યાત્વભાવમાં જ્ઞાનનો-ચૈતન્યનો અભાવ છે.

વ્રતાદિના વિકલ્પ મટતાં જે નિર્વિકલ્પ અનુભવ થયો, જે નિર્વિકલ્પ આનંદના રસનો સ્વાદ આવ્યો, સ્વરૂપમાં મગ્ન થઈ તેને અહીં મોક્ષનું કારણ કહ્યું છે. રાગ તો આકુળતા અને દુઃખનું કારણ છે. જે આકુળતાનું કારણ હોય તે નિરાકુળ સુખનું કારણ કેમ થાય? (ન જ થાય). હવે આ મોટો વાંધો પડયો છે પંડિતોને અને પદધારીઓને તેઓ કહે છે-સોનગઢનું એકાન્ત છે, કેમકે વ્યવહાર આચરણ (વ્રતાદિનું) જે કરીએ છીએ તે મોક્ષનું કારણ છે એમ માનતા નથી. પણ ભાઈ! એ માર્ગ નથી; એ હિતનો પંથ નથી. અહીં તો અતિ સ્પષ્ટ કહ્યું છે કે-અજ્ઞાનીને વ્રતાદિ હોવા છતાં આત્માના આનંદસ્વભાવનું જ્ઞાન નહિ હોવાથી મોક્ષનો અભાવ છે અને ચૈતન્યસ્વરૂપમાં ઠરેલા જ્ઞાનીને વ્રતાદિના વિકલ્પનો અભાવ હોવા છતાં શુદ્ધ ચૈતન્યની પરિણતિ થઈ હોવાથી મોક્ષનો સદ્ભાવ છે. ભાઈ! આવી તો ચોકખી વાત છે. આમાં સોનગઢનું શું છે? આ સોનગઢનું છે કે ભગવાનનું છે? પણ સોનગઢથી ચોખવટ બહાર પડી એટલે લોકોને એમ કે આ સોનગઢનું છે. ભાઈ! આ તો અનંતા તીર્થંકરોની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે.

* ગાથા ૧પ૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનરૂપ પરિણમન જ મોક્ષનું કારણ છે.’ એટલે શું? કે ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાનસ્વરૂપ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ છે. એનું જે નિર્મળ સ્વભાવપરિણમન તે મોક્ષનું કારણ છે. સ્વભાવ મોક્ષસ્વરૂપ જ છે ને? તેથી સ્વભાવનું જ્ઞાનભાવરૂપ જે પરિણમન તે મોક્ષનું કારણ છે.

‘અને અજ્ઞાનરૂપ પરિણમન જ બંધનું કારણ છે; વ્રત, નિયમ, શીલ, તપ આદિ શુભભાવરૂપ શુભકર્મો કાંઈ મોક્ષનું કારણ નથી.’

વ્રત, નિયમ, શીલ, તપ આદિ બધુંય રાગ હોવાથી અજ્ઞાનરૂપ પરિણમન છે અને તે બંધનું કારણ છે. ટીકામાં ‘કર્મ’ શબ્દ વાપર્યો હતો એનો અહીં ખુલાસો


PDF/HTML Page 1562 of 4199
single page version

કરી નાખ્યો કે ‘કર્મ’ એટલે આ જડકર્મની વાત નથી પણ શુભભાવરૂપ શુભકર્મ - શુભપરિણામની વાત છે. એ શુભભાવરૂપ કર્મ મોક્ષનાં કારણ નથી પણ બંધનાં કારણ છે.

કેટલાક કહે છે કે દેવ-ગુરુની ભક્તિ છે તે ધર્માનુરાગ છે અને તે મોક્ષનો ઉપાય છે. માટે આપણે દેવ-ગુરુને પકડવા જેથી તેઓ આપણને તારી દેશે.

અહીં કહે છે કે સાક્ષાત્ ત્રિલોકના નાથને પકડો તોપણ એ રાગ છે અને રાગ અજ્ઞાનમય ભાવ છે, બંધનું કારણ છે. સ્વદ્રવ્યના આશ્રય વિના ત્રણ કાળમાં સંવર, નિર્જરા અને મોક્ષ થતાં નથી. પરદ્રવ્યનો આશ્રય નિયમથી બંધનું કારણ છે, કદીય પરાશ્રયભાવ મોક્ષનું કારણ થઈ શકે નહિ.

અરે! રાગથી લાભ થાય એવી ભ્રમણા સેવીને જીવે અનાદિથી ભવભ્રમણ કર્યું છે. આવી ભ્રમણા કરીકરીને એણે પોતાના ચૈતન્યસ્વરૂપને જાણ્યું નહિ. રાગ ચાહે તો ગુણ-ગુણીના ભેદનો સૂક્ષ્મ વિકલ્પ હો તોપણ તે આસ્રવ છે, બંધનું કારણ છે.

પરમાત્મપ્રકાશમાં આવે છે કે-નિશ્ચયના બે ભેદ છેઃ એક સવિકલ્પ અને બીજો નિર્વિકલ્પ-પોતાના આશ્રયે જે વિકલ્પ ઉઠે કે-હું શુદ્ધ છું, વિજ્ઞાનઘન છું, ઇત્યાદિ તે સવિકલ્પ નિશ્ચય છે અને તે આસ્રવ છે; બંધનું કારણ છે. અને પોતે જે વિકલ્પરહિત નિર્વિકલ્પ ચીજ છે એનું નિર્વિકલ્પ તદ્રૂપ અંતરમગ્ન પરિણમન થાય તે નિર્વિકલ્પ નિશ્ચય છે અને તે જ મોક્ષનું કારણ છે.

ભાઈ! અનંતા તીર્થંકરો, કેવળીઓ, ગણધરો, સંતો અને મુનિવરો પોકાર કરીને કહી ગયા છે કે અનાદિકાલીન આ જ મોક્ષનો માર્ગ છે. આ જ સનાતન સત્ય દિગંબરદર્શન અર્થાત્ જૈનદર્શન છે. ભાઈ! દિગંબર એ કોઈ વેશ કે વાડો નથી; એ તો વસ્તુનું સ્વરૂપ છે. અહાહા...! બહારથી શરીર પર વસ્ત્રનો ધાગો પણ રાખે અને અંતરમાં સૂક્ષ્મ વિકલ્પની લાગણી પણ પોતાની છે, ભલી છે એમ માને તે દિગંબર સાધુ નથી. આવી વાત છે. અહો! દિગંબરત્વ એ કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે! વીતરાગતા કહો કે દિગંબરત્વ કહો, બન્ને એક જ છે.

આનંદઘનજી કહે છે કે-

‘‘ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર ન રહે દેવા;
ધાર તલવારની સોહ્યલી દોહ્યલી ચૌદમા જિનતણી ચરણસેવા.’’

મંત્ર, તંત્ર આદિ વડે તલવારની ધાર પર નાચવું સહેલું છે; બાજીગરો ઈજા પામ્યા વિના નાચે પણ છે, પરંતુ ચૌદમા ભગવાન અનંતનાથની ચરણસેવા દુર્લભ છે. એટલે શું? એટલે કે અનંત જ્ઞાન, દર્શન અને આનંદનો નાથ જે ભગવાન આત્મા છે તેની સેવા-ઉપાસના- પ્રાપ્તિ અનાદિકાલીન અણઅભ્યાસને લીધે દોહ્યલી છે. દેવો પણ


PDF/HTML Page 1563 of 4199
single page version

સિવાય સમ્યગ્દર્શન અંતરસ્થિરતા કરી શકતા નથી. જોકે પોતે સદાય સત્સ્વરૂપે અંતરમાં વિરાજમાન છે અને અંતર્મુખ થઈ એકાકારરૂપે-ચિદાકારપણે પરિણમતાં એની પ્રાપ્તિ સુલભ છે તોપણ સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી પર્યાયમાં એની પ્રાપ્તિ થવી દોહ્યલી-દુર્લભ કહી છે. આત્માનો અનુભવ કર્યા વિના રાગ વડે આત્મપ્રાપ્તિ થવી દુર્લભ છે.

અહીં કહે છે-જ્ઞાનરૂપે પરિણમેલા જ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભકર્મો નહિ હોવા છતાં મોક્ષનો સદ્ભાવ છે અર્થાત્ તે (જ્ઞાની) મોક્ષને પામે છે; અને અજ્ઞાનરૂપે પરિણમેલા અજ્ઞાનીને વ્રત, તપ, શીલ, સંયમ આદિ શુભકર્મો હોવા છતાં, તે સઘળાં બંધનાં કારણ હોવાથી મોક્ષનો અસદ્ભાવ છે અર્થાત્ અજ્ઞાની મોક્ષને પામતો નથી, બંધને જ પામે છે.

* * *

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૦પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

અહાહા...! કળશે કળશે અને ગાથાએ ગાથાએ કેટલા ખુલાસા કરેલા છે. કહે છે-‘यद् एतद्’ જે આ જ્ઞાનસ્વરૂપ આત્મા ધ્રુવપણે અને અચળપણે જ્ઞાનસ્વરૂપે થતો-પરિણમતો ભાસે છે ‘अयं शिवस्य हेतुः’ તે જ મોક્ષનો હેતુ છે. શું કહ્યું? ધ્રુવપણે એટલે નિશ્ચયપણે-નક્કીપણે અને અચળપણે એટલે ન ફરે એ રીતે જ્ઞાનસ્વરૂપે થતો એટલે અતીન્દ્રિય આનંદના સ્વાદે પરિણમતો જે આ ભગવાન આત્મા છે તે જ મોક્ષનો હેતુ છે.

રાગનો જે સ્વાદ છે તે દુઃખ છે. અશુભરાગ-કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષયવાસના ઇત્યાદિ તીવ્ર દુઃખ છે તો શુભરાગ-દયા, દાન, વ્રત, તપ, શીલ ઇત્યાદિ પણ દુઃખરૂપ જ છે, આકુળતા જ છે. અને એ બન્નેથી રહિત ભગવાન આત્મા છે જેનો જ્ઞાન અને આનંદ સ્વભાવ છે. આવા જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનું અતીન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપે પરિણમવું એ જ મોક્ષનું કારણ છે. હવે કારણ દર્શાવે છે-

‘यतः’ કારણ કે ‘तत् स्वयम् अपि शिवः इति’ તે પોતે પણ મોક્ષસ્વરૂપ છે. જુઓ, આત્મા પોતે મોક્ષસ્વરૂપ જ છે અને તેનું પરિણમન પણ મોક્ષસ્વરૂપ જ છે. અહાહા...! વસ્તુસ્વભાવ રાગથી ભિન્ન મોક્ષસ્વરૂપ છે. તેથી તેનું પરિણમન જે મોક્ષસ્વરૂપ છે તે જ મોક્ષનું કારણ થાય છે. હવે આવી વાત બહુ આકરી લાગે માણસને. શુભથી થાય એમ માને છે ને? તેથી આકરી લાગે છે પણ શું થાય? હવે કહે છે-

‘अतः अन्यत्’ તેના સિવાય જે અન્ય કાંઈ છે ‘बन्धस्य’ તે બંધનો હેતુ છે. જ્ઞાન અને આનંદના પરિણામ સિવાય બીજું જે કાંઈ એટલે શુભાશુભરાગના પરિણામ


PDF/HTML Page 1564 of 4199
single page version

છે તે બંધનો હેતુ છે. જ્ઞાનીને પણ જે બાર વ્રતના કે પાંચમહાવ્રત આદિના શુભભાવના પરિણામ હોય છે તે બંધનું કારણ થાય છે. ‘यतः’ કારણ કે ‘तत् स्वयम् अपि बन्धः इति’ તે પોતે પણ બંધસ્વરૂપ છે. જે રાગ છે, વ્યવહારની ક્રિયા છે તે બંધસ્વરૂપ છે માટે બંધનું કારણ છે.

ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માની જે શુદ્ધ પરિણતિ-વીતરાગી દશા એ જ મોક્ષનું કારણ છે કેમકે ભગવાન આત્મા પોતે મુક્તસ્વરૂપ જ છે. વસ્તુ રાગથી મુક્ત-મૂકાયેલી છે અને એનું નિર્મળ પરિણમન પણ રાગથી મુક્ત હોવાથી મોક્ષનું કારણ છે. પણ આ સિવાય જે કાંઈ રાગનું પરિણમન છે તે બંધનું જ કારણ છે કેમકે રાગ પોતે બંધસ્વરૂપ છે. અરે! રાગની રમતમાં તેં અનંતકાળ કાઢયો બાપુ! પણ પોતાના ચૈતન્યની રમતમાં તને નવરાશ ન મળી! હવે તો ચેત.

જો, આ કેવળીના વિરહ ભૂલાવે એવો વારસો આચાર્ય-ભગવંતો મૂકતા ગયા છે. એ ભવ્યોને નવજીવન આપનારો છે. રાગનું જીવન છોડીને શુદ્ધનું જીવન કરે એ ખરું જ્ઞાનનું જીવન છે. રાગનું જીવન તો બંધનું અજ્ઞાનમય જીવન છે. વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિનો જે શુભભાવ છે એ બંધનું કારણ છે કેમકે તે પોતે બંધસ્વરૂપ છે. અને જ્ઞાન અને આનંદના સ્વભાવે જે પરિણમન થાય તે જ્ઞાનનું પરિણમન મોક્ષનું કારણ છે કેમકે પોતે મોક્ષસ્વરૂપ છે. ભાઈ! આ કાંઈ સંસ્કૃત અને વ્યાકરણ ભણે તો સમજાય એવું છે એમ નથી. આમાં તો શુદ્ધના સંસ્કાર જોઈએ. આત્માનું જ્ઞાનસ્વરૂપે, આનંદસ્વરૂપે પરિણમન થવું એ સંસ્કાર છે અને એ જ મોક્ષનું કારણ છે હવે કહે છે-

‘ततः’ માટે ‘ज्ञानात्मत्वं भवनम्’ જ્ઞાનસ્વરૂપ થવાનું (પરિણમવાનું) એટલે કે ‘अनुभूतिः हि’ અનુભૂતિ કરવાનું જ ‘विहितम्’ આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે.

લ્યો, આગમમાં એટલે ભગવાનની વાણીમાં-બાર અંગમાં-સિદ્ધાંતમાં જ્ઞાનનું પરિણમન અર્થાત્ અનુભૂતિ કરવાનું જ વિધાન છે પણ રાગ કરવાનું વિધાન નથી. વ્યવહારનયથી વ્રત, તપ, શીલ, સંયમ પાળવાં એમ કથન આવે પણ નિશ્ચયથી એ રાગ કાંઈ વસ્તુ નથીઃ ‘अनुभूतिः हि’ એક માત્ર આત્માનુભૂતિ જ નિશ્ચયથી કરવા યોગ્ય કહી છે. સમયસાર નાટકમાં પણ કહ્યું છે કે-

‘‘અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ;
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખસરૂપ.’’

અહીં પણ એ જ કહ્યું કે-‘અનુભૂતિઃ હિ’ અનુભૂતિ જ-આત્માનો અનુભવ જ કરવો અર્થાત્ આનંદના વેદનમાં જ રહેવું-ઠરવું. ભગવાન આત્મા પોતે જ્ઞાન અને આનંદની મોટી ગાંઠડી છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન દ્વારા ખોલીને અનુભૂતિ જ કરવી.


PDF/HTML Page 1565 of 4199
single page version

જુઓ, આ સમ્યક્ એકાન્ત કર્યું કે-અનુભૂતિનું જ ફરમાન છે. મતલબ કે શુભનું ય ફરમાન છે એમ નથી. અનુભૂતિ કરવાનું ફરમાન છે અને રાગ કરવાનું ફરમાન નથી એમ સમ્યક્ અનેકાન્ત છે. કેટલાક કહે છે-વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ વિધાન વિધિપૂર્વક કરવાં તેને કહે છે કે એ વિધિ-વિધાન નહિ પણ અનુભૂતિ જ કરવી એ ‘વિહિતમ્’ ભગવાને કહેલું વિધિ-વિધાન છે.

‘ज्ञानात्मत्वं भवनम्’ એમ આવ્યું ને! એનો અર્થ એમ છે કે આત્મા જે જ્ઞાનસ્વરૂપી વસ્તુ છે તેનું તે-રૂપે થવું એ એનું ભવન કહેતાં ઘર-રહેઠાણ છે અને એમાં જ વાસ્તુ કરવું. લોકો બિચારા આખો દિવસ બાયડી-છોકરાં સાચવવામાં અને ધંધા-વેપારમાં-એકલી પાપની મજૂરીમાં બળદની જેમ વખત ગાળે તેમને આ સાંભળવાની ફુરસદ કયાંથી મળે? અરે! મોક્ષનો માર્ગ તો છે નહિ અને સત્સમાગમ અને શાસ્ત્ર-સ્વાધ્યાયની ફુરસદેય ન મળે, તો તેઓ કયાં જશે? રોજનું શાસ્ત્ર-શ્રવણ-વાંચન બે ચાર કલાક જોઈએ એ પણ જો નથી તો ભલે મોટા શેઠીઆ હોય તોપણ મરીને તિર્યંચે-કૂતરે-બિલાડે જ જશે. શું થાય? એવા પરિણામનું એવું જ ફળ છે. અહીં તો કહે છે-પરમાત્માના આગમમાં અનુભૂતિનું જ વિધાન છે, શાસ્ત્ર-સ્વાધ્યાય આદિ શુભરાગનું ય નહિ. કળશટીકામાં (કળશ ૧૩ માં) આવે છે કે-‘‘કોઈ જાણશે કે દ્વાદશાંગજ્ઞાન કોઈ અપૂર્વ લબ્ધિ છે. તેનું સમાધાન આમ છે કે દ્વાદશાંગજ્ઞાન પણ વિકલ્પ છે. તેમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે’’ અહાહા...! અંતર્મુખ થઈને એક આત્માનો અનુભવ કરવો એ જ વિધાન આગમમાં કહ્યું છે અને એ જ વીતરાગનો માર્ગ છે.

[પ્રવચન નં. ૨૧૬ * દિનાંક ૩૦-૧૦-૭૬]

PDF/HTML Page 1566 of 4199
single page version

अथ पुनरपि पुण्यकर्मपक्षपातिनः प्रतिबोधनायोपक्षिपति–

परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति।
संसारगणहेदुं पि मोक्खहेदुं अजाणंता।। १५४ ।।
परमार्थबाह्या ये ते अज्ञानेन पुण्यमिच्छन्ति।
संसारगमनहेतुमपि मोक्षहेतुमजानन्तः।। १५४ ।।

હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છેઃ-

પરમાર્થબાહ્ય જીવો અરે! જાણે ન હેતુ મોક્ષનો,
અજ્ઞાનથી તે પુણ્ય ઇચ્છે હેતુ જે સંસારનો. ૧પ૪.

ગાથાર્થઃ– [ये] જેઓ [परमार्थबाह्यः] પરમાર્થથી બાહ્ય છે [ते] તેઓ [मोक्षहेतुम्] મોક્ષના હેતુને [अजानन्तः] નહિ જાણતા થકા- [संसारगमनहेतुम् अपि] જોકે પુણ્ય સંસારગમનનો હેતુ છે તોપણ- [अज्ञानेन] અજ્ઞાનથી [पुण्यम्] પુણ્યને (મોક્ષનો હેતુ જાણીને) [इच्छन्ति] ઇચ્છે છે.

ટીકાઃ– સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજ સ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં, મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના * ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસારસ્વરૂપ છે તેની- પ્રતિજ્ઞા લઇને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઇને લીધે (અસમર્થતાને લીધે) પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્થૂળ સંકલેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થૂલ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા-લધુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂળ લક્ષ્યવાળા હોઇને (સંકલેશપરિણામોને છોડતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. આ રીતે તેઓ, પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભ *ભવન = થવું તે; પણિમન


PDF/HTML Page 1567 of 4199
single page version

કર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે-મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.

ભાવાર્થઃ– કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો સ્થૂલ સંકલેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધપરિણામોમાં (શુભ પરિણામોમાં) રાચે છે, (સંકલેશપરિણામો તેમ જ વિશુદ્ધ- પરિણામો બન્ને અત્યંત સ્થૂલ છે; આત્મસ્વભાવ જ સુક્ષ્મ છે.) આ રીતે તેઓ જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણ-કર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભ કર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે.

* * *

સમયસાર ગાથા ૧પ૪ઃ મથાળું

હવે ફરીને પણ, પુણ્યકર્મના પક્ષપાતીને સમજાવવા માટે તેનો દોષ બતાવે છેઃ- સામાયિકસ્વરૂપ પોતાનો ભગવાન આત્મા છે એની તો ખબર નથી અને બહારથી સામાયિક (ચારિત્ર) ગ્રહણ કરીને દયા, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ શુભરાગનું આચરણ કરીને ધર્મ થયો માને છે તેને સમજાવે છે કે-ભાઈ! એ ધર્મ નથી; તારું શુભાચરણ છે એ તો બંધનું, સંસારનું કારણ છે અને એને તું ધર્મ માને છે એ માન્યતા મિથ્યાત્વ છે.

* ગાથા ૧પ૪ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી ઊપજતો જે આત્મલાભ (-નિજસ્વરૂપની પ્રાપ્તિ) તે આત્મલાભસ્વરૂપ મોક્ષને આ જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં...’

શું કહે છે? કે સમસ્ત કર્મના પક્ષનો નાશ કરવાથી-એટલે એકલા પાપકર્મનો નાશ કરવાથી એમ નહિ, પણ પાપ અને પુણ્ય એ બેય ભાવોનો નાશ કરવાથી આત્મલાભની પ્રાપ્તિ થાય છે. આ આત્મોપલબ્ધિ એ મોક્ષ છે અને મોક્ષને જગતમાં કેટલાક જીવો ઇચ્છતા હોવા છતાં-

કહે છે-‘મોક્ષના કારણભૂત સામાયિકની-કે જે સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે, એકાગ્રતાલક્ષણવાળું છે અને સમયસાર સ્વરૂપ છે...’


PDF/HTML Page 1568 of 4199
single page version

અહાહા...! આ મોક્ષના કારણભૂત જે સામાયિક તે સામાયિક કોને કહેવાય તે અહીં બતાવે છે. એ સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે. પરમ પદાર્થ, પૂર્ણાનંદનો નાથ પ્રભુ જે આત્મા તેનું જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતારૂપ જે ભવન-પરિણમન તેને સામાયિક કહીએ. આવું સામાયિક શુભરાગના સૂક્ષ્મ વિકલ્પના પણ અભાવરૂપ છે. શુભરાગરૂપ વિકલ્પ એ કાંઈ સામાયિક નથી, વિકલ્પમાત્રમાં સામાયિકની નાસ્તિ છે-અને સામાયિકમાં વિકલ્પની-રાગની નાસ્તિ છે.

સામાયિક પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર એટલે આત્માના ભવનમાત્ર છે. ભવનનો એક અર્થ ઘર (-રહેઠાણ) પણ થાય છે. ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ છે. એનું આનંદરૂપ ભવન થવું એ એનું ઘર છે. શુભાશુભભાવનો નાશ એટલે અભાવ કરવાથી આનંદરૂપ જે નિર્મળ વીતરાગ પરિણતિ થાય તે એનું ભવન-ઘર છે. દયા, દાન આદિ જે શુભભાવ થાય તે કાંઈ ચૈતન્યનું ભવન-ઘર નથી. એવા ભવનમાં (દયા, દાન આદિરૂપ ભવનમાં) આત્મા રહેતો નથી. બહુ સૂક્ષ્મ-ઝીણી વાત ભાઈ! કાલે (શ્લોક ૧૦પ માં) આવ્યું હતું ને કે સર્વકલ્યાણરૂપ મોક્ષનો હેતુ જ્ઞાનનું ભવન છે. ભગવાન આત્મા પુણ્ય-પાપથી રહિત એવો સ્વરૂપથી જ વીતરાગસ્વભાવી છે. આવા વીતરાગમૂર્તિ ભગવાન આત્માનું દર્શન એટલે જેવું એનું પૂર્ણ સ્વરૂપ છે તેવી એની નિર્વિકલ્પ પ્રતીતિ, જ્ઞાન એટલે જેવું પૂર્ણ સ્વરૂપ છે તેવું એનું નિર્વિકલ્પ (રાગ વિનાનું) જ્ઞાન અને ચારિત્ર એટલે એ સ્વરૂપમાં જ રમણતા-તે-રૂપ જે ભવન તે એનું નિજઘર છે અને તે સામાયિક છે.

સામાયિક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસ્વભાવવાળા પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર છે એ એક વાત. વળી બીજું-તે એકાગ્રતાલક્ષણવાળું છે. સામાયિક સ્વરૂપમાં એકાગ્રતા રૂપ છે. ‘સામ્’ એટલે સામ્ય-સમતા-વીતરાગતા અને ‘આય’ એટલે લાભ. જેમાં સમતાનો, વીતરાગતાનો, આનંદનો લાભ મળે તે પરિણામ સામાયિક છે અને તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતાલક્ષણવાળું છે. પોતાના ધ્રુવ એક ચૈતન્યસ્વરૂપને અગ્ર બનાવીને જે પરિણતિ-વીતરાગી આનંદનું પરિણમન-થાય તે એકાગ્રતાલક્ષણવાળું સામાયિક છે. હવે આવી ખબરેય ન હોય અને પાથરણું પાથરીને બે ઘડી બેસી જાય અને જાણે કે સામાયિક થઈ ગઈ અને બીજા શેઠીઆઓ રૂપિયાની લહાણી કરે; બસ, જાણે બન્નેને ધર્મ થઈ ગયો! પણ ભાઈ! એમાં ધૂળેય ધર્મ નથી. એમાં તો મિથ્યાત્વ પુષ્ટ થાય છે કેમકે એણે રાગની ક્રિયાને સામાયિક માનીને ધર્મ માન્યો. આવી સાંપ્રદાયિક દ્રષ્ટિ ગૃહીત મિથ્યાત્વ છે, બાકી અગૃહીત તો અનાદિનું છે જ.

વળી એ સામાયિક સમયસાર સ્વરૂપ છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મથી રહિત જે આત્મા-સમયસાર તેનો અનુભવ તે સામાયિક-સમયસારસ્વરૂપ છે. ભગવાન આત્માનું ભવન થવું તે સામાયિક સમયસારસ્વરૂપ છે. પણ એનું ભવન કેમ થાય?


PDF/HTML Page 1569 of 4199
single page version

એનો આશ્રય લે તો એનું ભવન થાય. પણ એની (-આત્માની) ખબરેય ન હોય તો ભવન કયાંથી થાય? ન થાય. શુભાશુભભાવના આશ્રયે એનું ભવન ન થાય. એક સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે ચૈતન્ય અને આનંદનું ભવન થાય છે અને તે સામાયિક છે. એ સમયસારસ્વરૂપ છે.

હવે કહે છે-‘તેની (-સામાયિકની) પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે (અસમર્થતાને લીધે)...’

શું કહ્યું? સામાયિકની તેઓ પ્રતિજ્ઞા લઈને બેસી જાય છે પણ દુરંત કર્મચક્રને તેઓ પાર ઊતરવા નામર્દ એટલે અસમર્થ રહે છે. જુઓ, પુણ્ય-પાપના જે ભાવ છે તે દ્રુરંત કર્મચક્ર છે. એટલે શું? એટલે કે અંતરના મહા પુરુષાર્થ વડે તેઓ ઓળંગી શકાય તેમ છે, બીજી કોઈ રીતે નહિ. પુણ્ય-પાપના ચક્રને ઓળંગી જવું એ (સ્વસન્મુખતાનો) પ્રચંડ પુરુષાર્થ માગે છે. પરંતુ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના જે શુભભાવ છે તેને તેઓ ઓળંગી શકતા નથી તેથી તેઓ નપુંસક છે. સામાયિકમાં ણમોકારમંત્ર ગણે, અનુપૂર્વી ગણે, સજ્ઝાય કરે, સ્તુતિ કરે; પણ એ તો બધો બહિર્લક્ષી શુભરાગ છે. તે શુભરાગને તેઓ નહિ છોડતા હોવાથી તેઓ નપુંસક છે, હીજડા છે, પાવૈયા છે; કેમકે જેમ પાવૈયાને પ્રજા પાકે નહિ તેમ આમને પણ માત્ર પુણ્યભાવના આચરણથી ધર્મની પ્રજા પાકતી નથી. અહો! જગતને સાંભળવા મળવી પણ મુશ્કેલ એવી આ અલૌકિક વાત છે.

જુઓ, પાઠમાં-સંસ્કૃત ટીકામાં ‘क्लीबतया’ એમ શબ્દ છે. અહા! અશુભ ભાવને તો તેઓ છોડી દે છે પણ દયા, દાન આદિના શુભભાવને કે જે કર્મવૈરી છે તેને છોડવાને તેઓ અસમર્થ રહે છે. તેમનું વીર્ય શુભભાવને છોડવા સમર્થ નથી તેથી તેઓ કલીબ એટલે નપુંસક છે. જે સર્વ રાગને છોડી પર્યાયમાં સ્વરૂપની શુદ્ધતાની રચના કરે તેને વીર્ય કહીએ અને તે સાચું સામાયિક છે. એનું જ નામ સંવર અને મોક્ષનો માર્ગ છે.

હવે કહે છે-‘દ્રુરંત કર્મચક્રને પાર ઊતરવાની નામર્દાઈને લીધે પરમાર્થભૂત જ્ઞાનના ભવનમાત્ર જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને નહિ પામતા થકા, જેમને અત્યંત સ્થૂળ સંકલેશપરિણામરૂપ કર્મો નિવૃત્ત થયાં છે અને અત્યંત સ્થૂળ વિશુદ્ધપરિણામરૂપ કર્મો પ્રવર્તે છે એવા તેઓ,.. .’

શું કહ્યું આ? કે ભગવાન આત્મા જે જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ ચૈતન્યધાતુમય છે તેને અનુસરીને ભવન થવું એને સામાયિક કહે છે. રાગને અનુસરીને જે ભવન છે એ તો નપુંસકતા છે, પુરુષાર્થ નથી. જેમ પાપને છોડે છે તેમ પુણ્યને પણ છોડીને ચૈતન્યસ્વરૂપનો અનુભવ કરે તે પુરુષાર્થ છે અને તે સામાયિક છે.


PDF/HTML Page 1570 of 4199
single page version

પુણ્ય-પાપનો જે ભાવ છે તે એક સમયનો વિકૃત ભાવ છે. તે સિવાય અંદર આખી ચીજ નિર્મળાનંદ ચિદાનંદ પ્રભુ છે. વસ્તુપણે પોતે અંદર પરમેશ્વર પરમાત્મસ્વરૂપ ભગવાન છે. પણ એની ખબર કયાં છે એને? અને એને એ વાત કયાં બેસે છે? તેથી પુણ્યના પરિણામમાં રોકાઈ રહીને, અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના પરિણમનરૂપ-થવારૂપ જે સામાયિક તે સામાયિકસ્વરૂપ આત્મસ્વભાવને તેઓ પામતા નથી. અહાહા...! આત્મા તો અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સુખસ્વરૂપ છે; આ ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિય-સુખ તે આત્મા નહિ. પરંતુ શુભભાવને છોડવા અસમર્થ હોવાથી તેઓ શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનાનંદસ્વભાવી આત્માને પામતા નથી.

આથી તેઓ અત્યંત સ્થૂળ સંકલેશ પરિણામરૂપ કર્મો એટલે હિંસાદિના અશુભ ભાવરૂપ કર્મોથી નિવૃત્ત થયા છે પણ અત્યંત સ્થૂલ વિશુદ્ધ પરિણામરૂપ કર્મો તેમને વર્તે છે. મતલબ કે પાપના ભાવો તો તેમણે તજી દીધા છે પણ વ્રત, તપ, ભક્તિ, ભગવાનની સ્તુતિ, વંદના ઇત્યાદિ શુભભાવરૂપ કાર્યોમાં તેઓ વર્તે છે. અહીં કર્મો એટલે જડકર્મની વાત નથી પણ શુભાશુભભાવરૂપ કર્મોની વાત છે. અહાહા...! આત્મા સૂક્ષ્મ અરૂપી ચૈતન્યઘનસ્વરૂપ મહાપ્રભુ છે એની એને ખબર નથી તેથી સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ તે સ્થૂળ એવા અચેતન શુભરાગમાં પ્રવર્તે છે. પરંતુ ભાઈ! શુભભાવ એ સામાયિક કહેતાં આત્માનો સમભાવરૂપ પરિણામ નથી; એ તો વિષમ ભાવ છે.

જુઓ, અહીં વ્રત, તપ, પૂજા ભક્તિ ઇત્યાદિ શુભભાવને અત્યંત સ્થૂલ એટલે જાડો કહ્યો છે. ગાથા ૭૨ માં એને અશુચિ, અચેતન, અને દુઃખનું કારણ કહ્યું છે. ભાઈ! એ (-શુભરાગ) મોક્ષનું કારણ તો નહિ પણ દુઃખનું કારણ છે એમ કહ્યું છે. હવે કહે છે-જેમને

‘અત્યંત સ્થૂળ વિશુદ્ધપરિણામરૂપ પ્રવર્તે છે એવા તેઓ, કર્મના અનુભવના ગુરુપણા- લઘુપણાની પ્રાપ્તિમાત્રથી જ સંતુષ્ટ ચિત્તવાળા થયા થકા, (પોતે) સ્થૂલ લક્ષ્યવાળા હોઈને (સંકલેશ પરિણામોને છોડાતા હોવા છતાં) સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.’

શું કીધું? કે શુભભાવ છે એ લઘુ કર્મ છે અને અશુભ છે એ ગુરુભારે કર્મ છે. ત્યાં અશુભ જે ભારે છે એને તો છોડયું છે પણ જે લઘુ-હળવો સ્થૂળ શુભભાવ છે એને રાખ્યો છે, સંચિત કર્યો છે. પણ બેય કર્મ છે, બેય વિકાર છે, બેય દોષ-અપરાધ છે. પરંતુ શુભભાવરૂપ કર્મમાં હળવાપણું અનુભવીને તેમાં સંતુષ્ટ ચિત્તવાળા થાય છે. મતલબ કે શુભભાવની હળવાશમાં મીઠાશ અનુભવીને અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, અંતર- પુરુષાર્થ કરતા નથી. આ પ્રમાણે સ્થૂળ લક્ષ્યવાળા હોઈને તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી. અહાહા...! અત્યંત સૂક્ષ્મસ્વરૂપ


PDF/HTML Page 1571 of 4199
single page version

જે ચિદાનંદમય ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તેના લક્ષ્યથી રહિત હોવાથી તેઓ સમસ્ત કર્મકાંડને મૂળથી ઉખેડતા નથી.

પ્રશ્નઃ– પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયોની વાત કીધી છે ત્યાં પ્રચંડ કર્મકાંડ વડે જ્ઞાનકાંડ પ્રચંડ કરવાની વાત આવે છે ને?

ઉત્તરઃ– હા, પણ એનો અર્થ શું? શું રાગ છે માટે સૂક્ષ્મ ચૈતન્ય હાથ આવે છે એમ છે? શુદ્ધ ચૈતન્યની વીતરાગી પરિણતિ શું રાગને લઈને છે? ના; એમ નથી. એ તો જ્ઞાનકાંડના સહચરપણે વર્તતા કર્મકાંડને બતાવવા એવું વ્યવહારનયનું કથન છે. બાકી શુદ્ધ પરિણતિ સ્વયં પોતાના સ્વકાળે સ્વતઃ ઉત્પાદરૂપ થાય છે; એને રાગની કે નિમિત્તની-દેવ-ગુરુ-શાસ્ત્રની કોઈ અપેક્ષા નથી. અરે એને (-શુદ્ધ પરિણતિને) નિજ દ્રવ્યની પણ કયાં અપેક્ષા છે? તે પર્યાય માત્ર શુદ્ધ ચૈતન્યમય દ્રવ્યનું લક્ષ કરે છે બસ એટલું જ; બાકી જે શુદ્ધ રત્નત્રયની જે વીતરાગી પર્યાય થાય તે સ્વતંત્ર પોતાના ષટ્કારકરૂપ પરિણમનથી થાય છે અને એ જ એની જન્મક્ષણ (સ્વકાળ) છે.

અહીં કહે છે કે તેઓ શુભભાવમાં વર્તે છે તેથી સ્થૂળ લક્ષ્યવાળા છે કેમકે સૂક્ષ્મ ચૈતન્યના લક્ષ્યનો તેમને અભાવ છે. તેથી તેમને સામાયિક કયાંથી હોય? તેઓ બે ઘડી માટે સામાયિક લઈને બેસી જાય અને ‘ણમો અરિહંતાણં’ ઇત્યાદિ પંચપરમેષ્ઠીનું સ્મરણ-સ્તુતિ કરે પણ તેથી શું? ભગવાન પંચપરમેષ્ઠી નિજ આત્મદ્રવ્યથી ભિન્ન પરદ્રવ્ય છે અને એ પરદ્રવ્યનું સ્મરણ સ્થૂળ શુભરાગ છે. ત્યાં (શુભરાગમાં) જ્ઞાનના ભવનમાત્ર સામાયિક કયાં આવી?

અહીં ‘સ્થૂળ લક્ષ્યવાળા હોઈને’ એમ કહીને એ પણ સિદ્ધ કર્યું કે તેઓ જે શુભમાં વર્તે છે તે કોઈ જડ પુદ્ગલકર્મને લઈને વર્તે છે એમ નથી, પણ પોતાના ઊંધા પુરુષાર્થથી શુભમાં વર્તે છે. હવે જ્યાં પુરુષાર્થ જ ઊંધો છે ત્યાં સામાયિક કેમ હોય? (ન જ હોય).

ત્યારે કેટલાક કહે છે-શુભભાવ હોય તો પછી એ કાળે શુભ છૂટીને શુદ્ધતા થાય પણ અશુભના કાળે અશુભ છૂટીને કાંઈ શુદ્ધતા થોડી પ્રગટ થાય? સ્વરૂપની દ્રષ્ટિ થાય ત્યારે તેની પહેલાં છેલ્લો ભાવ શુભ હોય છે અને એ શુભના અભાવપૂર્વક નિશ્ચયની દ્રષ્ટિ થાય છે, પણ અશુભને છોડીને નિશ્ચયદ્રષ્ટિ પ્રગટ થાય એમ બનતું નથી. માટે એટલો તો શુભ સારો છે એમ કહો; એમ કે-શુભભાવ એટલી તો મદદ કરે છે ને?

તો કહે છે-ના; એમ નથી. બેય (શુભાશુભ બંને) નિરર્થક, જૂઠા છે. એ અશુભમાં વર્તે તોય કર્મકાંડમાં વર્તે છે અને શુભમાં વર્તે તોય કર્મકાંડમાં વર્તે છે. આત્મકાંડમાં (જ્ઞાનકાંડમાં) એટલે નિર્મળ વીતરાગ પરિણતિમાં તે વર્ત્યો જ નથી.


PDF/HTML Page 1572 of 4199
single page version

તેથી તેને સામાયિક હોતી નથી.

કર્મકાંડ એટલે શુભ અને અશુભભાવ એ બેય કર્મ કહેતાં વિકારની ધારા છે. બેય કર્મધારા છે. આવે છે ને કે જ્ઞાનીને જ્ઞાનધારા અને કર્મધારા એમ બેય ધારા હોય છે. ત્યાં જે રાગ છે તેને જ્ઞાની હેય જાણે છે અને એક શુદ્ધ ચૈતન્યમય આત્માને જ ઉપાદેય જાણે છે. જ્ઞાનીને જેટલી પરિણતિ શુદ્ધ નિર્મળ છે એટલું મોક્ષનું કારણ બને છે અને સાથે જેટલો રાગ- અશુદ્ધતા છે તે બંધનું કારણ છે. જ્ઞાની પણ એમ જ યથાર્થ જાણે છે. પૂર્ણ વીતરાગ થયા પહેલાં તેને (-સાધકને) આ બેય ધારા હોય છે. પણ અજ્ઞાનીને એક કર્મધારા જ હોય છે. તથા કેવળીને એક જ્ઞાનધારા જ હોય છે. આવી વાત છે.

હવે કહે છે-‘આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી કેવળ અશુભકર્મને જ બંધનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મો પણ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ નહિ જાણતા થકા, મોક્ષના કારણ તરીકે તેમને અંગીકાર કરે છે-મોક્ષના કારણ તરીકે તેમનો આશ્રય કરે છે.’

‘‘આ રીતે તેઓ પોતે પોતાના અજ્ઞાનથી...’’-જોયું? ભાષા કેટલી સ્પષ્ટ છે? એમ કે કર્મનું જોર છે માટે તે શુભથી છૂટતા નથી એમ નથી; પણ આનંદનો નાથ ચિદાનંદ ભગવાન પોતે અંદર જે બિરાજે છે તેની ચૈતન્યજ્યોતમાં આ બધું જણાય છે-જાણનારો પોતે જણાય છે તોપણ રાગકાળે રાગને જાણનારો પોતે જુદો છે એવું જ્ઞાન નહિ હોવાથી રાગથી-શુભભાવથી છૂટતા નથી. અહાહા...! ટીકા તે કાંઈ ટીકા છે! ખૂબ ગંભીર, ભાઈ! કહે છે-જેની સત્તામાં જાણવું વર્તે છે અને જેની સત્તા પરની સત્તાને જાણે છે એ સત્તા પોતાની છે એવી નિજ ચૈતન્યસત્તા પર દ્રષ્ટિ નહિ હોવાથી અજ્ઞાની થઈને શુભભાવમાં અટકે છે. સમજાણું કાંઈ...?

આ પ્રમાણે અજ્ઞાની જીવ અજ્ઞાનવશ હિંસા, જૂઠ, ચોરી ઇત્યાદિ અશુભ કર્મને જ બંધનું કારણ માને છે પણ વ્રત, નિયમ, શીલ, તપ ઇત્યાદિ શુભભાવ બંધનાં કારણ હોવા છતાં તેમને બંધનાં કારણ જાણતો નથી. ઉલટું તેમને મોક્ષના કારણપણે અંગીકાર કરીને શુભભાવોનો આશ્રય કરે છે. વ્યવહાર છે તે મોક્ષનું કારણ છે, એમાંથી મોક્ષનો માર્ગ પ્રગટશે એમ અજ્ઞાની માને છે ને? તેથી તે શુભભાવનો જ એકાંતે આશ્રય કરે છે.

પરંતુ ભાઈ! શુભ અને અશુભ બેય એક જ જાત છે; બેય કર્મ રાગની-વિકારની જ જાત છે. આગળ આવી ગયું ને કે બેય વિભાવરૂપ ચંડાલણીના જ પુત્રો છે. જેમ ચંડાલણીનો પુત્ર બ્રાહ્મણને ત્યાં ઊછર્યો એટલે કહે કે-મારે મદિરા આદિ ખપે નહિ, પણ એ છે તો ચંડાલણીનો જ દીકરો; તેમ શુભાચરણમાં તલ્લીન કોઈ કહે કે-


PDF/HTML Page 1573 of 4199
single page version

અમને હિંસાદિ અશુભ ખપે નહિ, પણ તે શુભાચરણરૂપ કર્મ છે તો વિભાવચંડાલણીનો જ દીકરો. ભાઈ! આ વીતરાગ પરમેશ્વર જિનેશ્વરદેવનું ફરમાન છે. પરંતુ અરે! અજ્ઞાની જીવો સ્થૂળ લક્ષ્યવાળા હોઈને શુભભાવને બંધનું કારણ નહિ જાણતા થકા, તેને મોક્ષનું કારણ જાણીને તેનું જ સેવન કરે છે.

ભાઈ! જેઓ વ્રત, તપ, ઇત્યાદિ શુભાચરણને મોક્ષનું કારણ જાણી અંગીકાર કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ છે. તેમને જૈન ધર્મની ખબર નથી. જૈન ધર્મ તો એક વીતરાગભાવ છે. રાગ કદીય જૈન ધર્મ નથી.

પ્રશ્નઃ– હા, પણ શુભરાગ, દુકાને બેસવાના અશુભરાગ કરતાં તો સારો ખરો કે નહિ?

ઉત્તરઃ– ભાઈ! એક અશુભરાગની દુકાન છે તો બીજી શુભરાગની દુકાન છે. (રાગરહિતપણું તો એકેય નથી). બન્નેમાં પરલક્ષી ભાવ છે. બેય એકની એક કર્મની જાત છે, ધર્મ તો એકેય નથી. બેડી લોઢાની હો કે સોનાની, બંધન અપેક્ષાએ તો બેઉ સમાન છે, સારી તો એકેય નથી. પાપ લોઢાની બેડી છે તો પુણ્ય સોનાની બેડી છે, પણ બેય બેડી જ છે.

* ગાથા ૧પ૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કેટલાક અજ્ઞાની લોકો દીક્ષા લેતી વખતે સામાયિકની પ્રતિજ્ઞા લે છે પરંતુ સૂક્ષ્મ એવા આત્મસ્વભાવની શ્રદ્ધા, લક્ષ તથા અનુભવ નહિ કરી શકવાથી, સ્થૂલ લક્ષ્યવાળા તે જીવો સ્થૂલ સંકલેશપરિણામોને છોડીને એવા જ સ્થૂલ વિશુદ્ધ પરિણામોમાં (-શુભ પરિણામોમાં) રાચે છે.’

જુઓ, શુભ અને અશુભ બન્ને પરિણામોને સ્થૂલ કીધા અને એનાથી ભિન્ન આત્મસ્વભાવ-એક જ્ઞાયકભાવને સૂક્ષ્મ કીધો. અશુભભાવ જેવો સ્થૂલ છે તેવો જ સ્થૂલ શુભભાવ છે. બંધના કારણ તરીકે બેઉ એક જ છે.

કેટલાક રાડો પાડે છે કે આ તો નિશ્ચયની વાત છે; એમ કે એનું સાધન તો કાંઈ (- શુભાચરણ) હશે કે નહિ?

ભાઈ! રાગથી ભિન્ન પડી શુદ્ધ ચૈતન્યસ્વભાવનો આશ્રય કરવો, બસ એ એક જ સાધન છે. રાગ એ સાધન છે જ નહિ. એ તો કોઈ ઠેકાણે નિશ્ચયની-શુદ્ધની ભૂમિકામાં રાગની મંદતા કઈ જાતની સહચરણપણે છે તેનું જ્ઞાન કરાવવા આરોપથી તેને સાધન કહ્યું હોય છે. પણ એનો અર્થ જ એ છે કે તે (-મંદ રાગ) સાધન છે નહિ.

અજ્ઞાની અશુભને તો બંધનું કારણ જાણીને છોડે છે પણ શુભને બંધનું કારણ નહિ જાણતો થકો, એને મોક્ષનું કારણ જાણીને તેનો આશ્રય કરે છે. ભગવાનની સેવા


PDF/HTML Page 1574 of 4199
single page version

કરો, દેશની સેવા કરો, માનવસેવા કરો, ‘માનવસેવા તે પ્રભુ-સેવા’ -આવો આવો ઉપદેશ સાંભળી અજ્ઞાની રાજી રાજી થઈ જાય છે, અને શુભભાવમાં રાચે છે. ભગવાન વીતરાગદેવે તો વીતરાગતાને ધર્મ ફરમાવ્યો છે, પણ એની એને કયાં ખબર છે? આનો (જિનાગમનો) સ્વાધ્યાય કરે તો ખબર પડે ને? પણ એને કયાં ફુરસદ છે? ભાઈ! અહીં તો કહે છે કે સંકલેશ પરિણામોની જેમ જ વિશુદ્ધ પરિણામો અત્યંત સ્થૂલ છે અને બંધનાં કારણ છે. એક આત્મસ્વભાવ જ સૂક્ષ્મ છે અને મોક્ષનું કારણ છે.

હવે કહે છે-‘આ રીતે તેઓ-જોકે વાસ્તવિક રીતે સર્વકર્મરહિત આત્મસ્વભાવનું અનુભવન જ મોક્ષનું કારણ છે તોપણ-કર્માનુભવના બહુપણા-થોડાપણાને જ બંધ-મોક્ષનું કારણ માનીને, વ્રત, નિયમ, શીલ, તપ વગેરે શુભકર્મોનો મોક્ષના હેતુ તરીકે આશ્રય કરે છે.’

અજ્ઞાની અશુભકર્મને બંધનું કારણ માને છે પણ જેમાં કર્મનો ભેદ અનુભવ છે એવા શુભને મોક્ષનું કારણ માને છે; એમ કે શુભ કરતાં કરતાં મોક્ષમાર્ગ થઈ જશે. તે એમ કહે છે- આપણે કયાં દુકાને બેઠા છીએ, આપણે તો અપાસરે બેઠા છીએ; આપણે કયાં ઘરમાં (ગૃહવાસી) છીએ, આપણે તો દેરાસરમાં ભગવાન પાસે બેઠા છીએ; ઇત્યાદિ. પણ ભાઈ! જ્યાં તું બેઠો છે એ બધો શુભરાગ છે. કાંઈ અંદર આત્મામાં બેઠો નથી, સામાયિકસ્વરૂપ પોતાના ભગવાનમાં બેઠો નથી.

પ્રશ્નઃ– શાસ્ત્રમાં શુભને મોક્ષનું પરંપરા કારણ કહ્યું છે ને?

ઉત્તરઃ– હા, પણ એનો અર્થ શું? કે સાધક ધર્મીજીવ એનો (-શુભનો) અભાવ કરીને- એટલે કે વર્તમાનમાં એનો પૂરો અભાવ નથી તો અંદર સ્વભાવનો અતિ ઉગ્ર આશ્રય કરીને એનો અભાવ કરશે તે અપેક્ષાએ તેને પરંપરા કારણ કહ્યું છે. બધાની આ તકરાર છે કે શુભને પરંપરા કારણ કહ્યું છે. પણ એનો અર્થ શું થાય એની ખબર નથી. ભાઈ! ચૈતન્યના અવલંબને જે વીતરાગ પરિણતિ વૃદ્ધિગત થતી જાય છે. તે પૂર્ણ વીતરાગતાને પ્રાપ્ત થાય છે અને તે પરંપરા મોક્ષનું કારણ છે. પણ તે વેળા ક્રમશઃ અભાવરૂપ થતો જે શુભરાગ સહચરપણે છે તેમાં આરોપ આપીને તેને પરંપરા કારણ કહ્યું છે. શુભરાગ ખરેખર પરંપરા કારણ છે એમ છે નહિ; સમજાણું કાંઈ...! લ્યો, આવી ખબર નથી એટલે અજ્ઞાની જીવો શુભને જ મોક્ષનું કારણ જાણી તેનો આશ્રય કરે છે.

[પ્રવચન નં. ૨૧૭ * દિનાંક ૩૧-૧૦-૭૬]

PDF/HTML Page 1575 of 4199
single page version

अथ परमार्थमोक्षहेतुं तेषां दर्शयति–

जीवादीसद्दहणं सम्मत्तं तेसिमधिगमो णाणं।
रागादीपरिहरणं चरणं एसो दु मोक्खपहो।। १५५ ।।
जीवादिश्रद्धानं सम्यक्त्वं तेषामधिगमो ज्ञानम्।
रागादिपरिहरणं चरणं एषस्तु मोक्षपथः।। १५५ ।।

હવે એવા જીવોને પરમાર્થ મોક્ષકારણ (ખરું મોક્ષનું કારણ) બતાવે છેઃ-

જીવાદિનું શ્રદ્ધાન સમકિત, જ્ઞાન તેમનું જ્ઞાન છે,
રાગાદિ–વર્જન ચરણ છે, ને આ જ મુક્તિપંથ છે. ૧પપ.

ગાથાર્થઃ– [जीवादिश्रद्धानं] જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન [सम्यक्त्वं] સમ્યક્ત્વ છે, [तेषाम् अधिगमः] તે જીવાદિ પદાર્થોનો અધિગમ [ज्ञानम्] જ્ઞાન છે અને [रागादिपरिहरणं] રાગાદિનો ત્યાગ [चरणं] ચારિત્ર છે;- [एषः तु] આ જ [मोक्षपथः] મોક્ષનો માર્ગ છે.

ટીકાઃ– મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. તેમાં, સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે; જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે; રાગાદિના ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે. તેથી એ રીતે એમ ફલિત થયું કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન (-પરિણમન) જ છે. માટે જ્ઞાન જ પરમાર્થ મોક્ષકારણ છે.

ભાવાર્થઃ– આત્માનું અસાધારણ સ્વરૂપ જ્ઞાન જ છે. વળી આ પ્રકરણમાં જ્ઞાનને જ પ્રધાન કરીને વ્યાખ્યાન છે. તેથી ‘સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણેય સ્વરૂપે જ્ઞાન જ પરિણમે છે’ એમ કહીને જ્ઞાનને જ મોક્ષનું કારણ કહ્યું છે. જ્ઞાન છે તે અભેદ વિવક્ષામાં આત્મા જ છે-એમ કહેવામાં કાંઇ પણ વિરોધ નથી. માટે ટીકામાં કેટલેક સ્થળે આચાર્યદેવે જ્ઞાનસ્વરૂપ આત્માને ‘જ્ઞાન’ શબ્દથી કહ્યો છે.

* * *

સમયસાર ગાથા ૧પપઃ મથાળું

હવે એવા જીવોને પરમાર્થ મોક્ષનું કારણ (ખરું મોક્ષનું કારણ) બતાવે છેઃ-


PDF/HTML Page 1576 of 4199
single page version

* ગાથા ૧પપઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘મોક્ષનું કારણ ખરેખર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.’ તત્ત્વાર્થસૂત્રમાં પહેલું સૂત્ર છે ને કે–सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः–મોક્ષનો માર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; અને સંસારમાં રખડવાનો માર્ગ મિથ્યાદર્શન-જ્ઞાન અને અવ્રત છે. (મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન, મિથ્યાચારિત્ર છે.)

પ્રશ્નઃ– અવ્રતના પાપભાવ કરતાં વ્રતના શુભભાવ તો સારા ને?

ઉત્તરઃ– બે ય સમાન છે. ચોરાસીના અવતાર-જે નરક-નિગોદના ભવ, કીડા, કાગડા અને કંથવાના ભવ-એ સર્વનું કારણ મિથ્યાશ્રદ્ધા, મિથ્યાજ્ઞાન અને મિથ્યાઆચરણ છે. મિથ્યાત્વ સહિત સર્વ આચરણ મિથ્યાચારિત્ર છે. એથી વિરુદ્ધ મોક્ષનું કારણ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્ર છે. આવી વાત છે. હવે કહે છે-

‘તેમાં, સમ્યગ્દર્શન તો જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે છે.’

દિલ્હીમાં આ ગાથાની ચર્ચા નીકળી હતી. તેઓ કહે-ગાથામાં ‘जीवादीसद्दहणं सम्मत्तं’–જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન સમકિત છે એમ કહ્યું છે. ત્યારે કહ્યું કે અહીં એટલો માત્ર અર્થ નથી. ટીકા જુઓ; ટીકામાં જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું સમકિત કહ્યું છે. ઝીણી વાત છે. પ્રભુ!

આત્માવલોકનમાં આવે છે કે-વીતરાગદેવની જે પ્રતિમા છે તે પ્રતિમા સ્થિર બિંબ છે, હાલતી-ચાલતી નથી અને આંખની પાંપણેય ફરકતી નથી. આવી સ્થિર-સ્થિર જિનપ્રતિમા દેખીને એમ વિચાર આવે છે કે-વીતરાગને પહેલાં જે રાગ હતો તે રાગ ટળીને વસ્તુ જે વીતરાગસ્વભાવે હતી તે, તેવી વીતરાગ રહી ગઈ. એટલે કે વીતરાગની મૂર્તિ હોય કે સાક્ષાત્ વીતરાગ પરમેશ્વર હોય, બેયને દેખીને આવો વિચાર થવો જોઈએ કે ભગવાનને પહેલાં જે દયા, દાન, વ્રત, પૂજા, ઉપવાસ ઇત્યાદિના શુભરાગના જે વિકલ્પ હતા કે જેને લોકો અત્યારે ધર્મ માને છે-તે નીકળી ગયા અને વીતરાગ સ્થિર બિંબ જે પોતાનું હતું તે રહી ગયું. ભગવાનમાં જે વીતરાગપણું છે તે પોતાની વસ્તુ છે. રાગ જે પોતાનો નહોતો તે નીકળી ગયો. અરે! આમ છે છતાં લોકો અત્યારે રાગને ધર્મ માને છે! (ખેદની વાત છે).

અત્યારે લોકો આ સામાયિક, પોસા ને પ્રતિક્રમણ કરે છે ને? ભાઈ! એ ધર્મ નથી, એ તો બધો રાગ છે. ભાઈ! આત્માનુભવ વિના જેટલા કોઈ પરિણામ થાય છે તે બધા રાગાદિ જ છે, ધર્મ નથી.

ભગવાન સર્વજ્ઞ વીતરાગદેવ છે તેમને હિંસાદિના જેમ પરિણામ નથી તેમ અહિંસાદિ વ્રતના શુભરાગના પરિણામેય નથી. એ બધા રાગના પરિણામ તો કૃત્રિમ


PDF/HTML Page 1577 of 4199
single page version

હતા, એની વસ્તુમાં ન હતા. પોતાની વસ્તુમાં જે ન હતા તે વસ્તુનો આશ્રય થતાં નીકળી ગયા અને વસ્તુ જેવી વીતરાગ હતી તેવી રહી ગઈ. સમજાણું કાંઈ...? વીતરાગ એટલે વીત+રાગ- વીતી ગયો છે રાગ જેને તે વીતરાગ છે. એથી એ સિદ્ધ થયું કે-રાગ વસ્તુનો-આત્માનો સ્વભાવ ન હતો તે નીકળી ગયો અને વીતરાગતા રહી ગઈ.

હવે ગુરુનો વિચાર કરીએ-કે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધ રત્નત્રયનું નિર્મળ વીતરાગ પરિણામ થયું છે અને જે વીતરાગસ્વભાવી શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું જ કથન કરે છે તે ગુરુ છે. જે બહારના દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના શુભભાવમાં ધર્મ થવાનું માને અને મનાવે તે સાચા ગુરુ નથી, તે દિગંબર સાધુ નથી. ગુરુ સ્વયં શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આશ્રયે વીતરાગભાવને પ્રાપ્ત થયેલા છે અને વીતરાગી પરિણમનની જ પ્રરૂપણા કરે છે. વીતરાગપણું પ્રગટ કરો એમ એમના ઉપદેશમાં આવે છે અને તે વીતરાગતા ચૈતન્યસ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે, ક્રિયાકાંડના આશ્રયે નહિ એવો સ્પષ્ટ તેમનો ઉપદેશ હોય છે. ક્રિયાકાંડ વડે વીતરાગતા પ્રગટ થાય એવી પ્રરૂપણા કરે તે સાચા જૈન ગુરુ નથી.

એવી જ રીતે જે વીતરાગસ્વભાવે આત્માનું ભવન-પરિણમન થાય તે ધર્મ છે. અહીં કહ્યું ને કે-જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે આત્માનું થવું-પરિણમવું તે સમકિત છે. ભગવાન આત્મા અનંત જ્ઞાન અને આનંદનો સાગર છે. તેના શ્રદ્ધાનપણે જે અંતરમાં તદ્રૂપ પરિણમન થાય તે સમકિત છે. અહાહા...! હું સદાય વીતરાગસ્વરૂપ જ છું, આ જે પર્યાયમાં રાગ છે એ તો આગંતુક છે; મહેમાનની જેમ તે આવે ને જાય, એ કાંઈ મારી ચીજ નથી; આવો જે પ્રતીતિભાવ તે સમકિત છે. આવું જે નિર્મળ જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે અને શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે રાગનો અભાવ થવો તે વીતરાગી ચારિત્ર છે અને આત્માનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તે ધર્મ છે.

આ પ્રમાણે દેવ, ગુરુ અને ધર્મ ત્રણેય વીતરાગસ્વરૂપ જ હોય છે. લ્યો, આ ભગવાનની વાણી જે બાર અંગ અને ચૌદપૂર્વના વિસ્તારરૂપ છે તેનું તાત્પર્ય એક વીતરાગતા જ છે. એ બધું વિસ્તારપૂર્વક જે વર્ણન છે તે એક સમભાવને-વીતરાગભાવને જ પ્રસિદ્ધ કરે છે. અહાહા...! ભગવાન સર્વજ્ઞદેવ પરમ વીતરાગ સમભાવી, નિર્ગ્રંથ દિગંબર ગુરુ સમભાવી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગ-સમભાવરૂપ જ છે. વીતરાગ કહો કે સમભાવ કહો, બન્ને એક જ છે. આ પુણ્ય-પાપના જે ભાવ છે તે વિષમભાવ છે અને એનાથી રહિત જે ચૈતન્યના નિર્મળ પરિણામ છે તે સમભાવ છે, વીતરાગભાવ છે અને તે ધર્મ છે. અહા! વીતરાગનો ધર્મ બહુ ઝીણો છે બાપુ! અરે! અત્યારે લોકોએ તેમાં ફેરફાર કરી નાખ્યો છે!

ધર્મના યથાર્થ સ્વરૂપને સમજ્યા વિના મંદ કષાયના પરિણામ કરી કરીને જીવ

PDF/HTML Page 1578 of 4199
single page version

અનંતકાળથી દુઃખનો ભાર ભરી-ભરીને મરી રહ્યો છે. ઉપવાસ કરે, પ્રોષધ કરે, પ્રતિક્રમણ વગેરે કરે અને માને કે અમે ધર્મ કરીએ છીએ, પણ ભાઈ! એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને. એ તો બધો રાગ છે અને જે તું એમ માને છે કે-આ રાગ કરું છું તે ધર્મ છે અને કર્તવ્ય છે એ માન્યતા મિથ્યાદર્શન છે. બહુ ગંભીર વાત છે પ્રભુ! ભગવાન જૈન પરમેશ્વર તો વ્યવહારથી પણ જૈન એને કહે છે જેને, દેવ વીતરાગી, ગુરુ નિર્ગ્રંથ વીતરાગી અને એમનો પ્રરૂપેલો ધર્મ પણ વીતરાગી જ હોય એવું વાસ્તવિક શ્રદ્ધાન છે. અંતરંગ જૈનપણું તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! એ વાડાની ચીજ નથી. સમજાણું કાંઈ...?

શુભાશુભરાગથી રહિત ભગવાન આત્મા એકલો શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ છે. એનું પોતાના શ્રદ્ધાનસ્વભાવે જે નિર્મળ વીતરાગી પરિણમન થાય તે સમ્યગ્દર્શન છે. જીવાદિ પદાર્થોનું જે ભેદરૂપ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન નહિ. એ તો રાગ છે. સમ્યગ્દર્શન તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના અંતરંગ શ્રદ્ધાનના રાગરહિત પરિણમનરૂપ છે. હવે આવી ખબર ન મળે અને અનેક પ્રકારે ક્રિયાકાંડની ધમાલ કરે અને માને કે પાપ ધોવાઈ ગયાં તો કહીએ છીએ કે ધૂળેય પાપ ધોવાયાં નથી. એ ક્રિયાકાંડમાં આત્મા કયાં છે, ધર્મ કયાં છે કે પાપ ધોવાય?

ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ અને અલૌકિક ચીજ છે. ધર્મી જીવ એમ વિચારે છે કે- આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ અજીવ છે અને આ પુણ્ય-પાપના જે ભાવ છે તે આસ્રવ છે, બંધ છે. અને એ સર્વથી જુદો પોતે જીવ જ્ઞાયકતત્ત્વ છે. એ પુણ્ય-પાપ આદિ સર્વથી લક્ષ છોડીને ભગવાન જ્ઞાયકના શ્રદ્ધાનપણે થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા...! જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, અને આત્મા આનંદનું ધામ પ્રભુ આવો જ છે એવો પ્રતીતિનો ભાવ ઊપજે તે સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પહેલું પગથિયું છે. આવા સમ્યગ્દર્શન વિના જ્ઞાન પણ સાચું નહિ અને ચારિત્ર પણ સાચું નહિ. અરે! આ વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિ તો એકડા વિનાનાં મીડાં છે.

પ્રશ્નઃ– હા; પણ એ (-વ્રતાદિ) વડે પરંપરા તો ધર્મ થશે ને?

ઉત્તરઃ– અરે ભાઈ! સમ્યગ્દર્શનનું જે બાહ્ય નિમિત્ત દેવ અને ગુરુ તે વીતરાગી જ હોય એવી ય હજુ જેને ખબર નથી તે મિથ્યાદ્રષ્ટિના ક્રિયાકાંડમાં પરંપરા ધર્મ કેવો? ભાઈ! શુભરાગની ક્રિયાને જે પરંપરાએ ધર્મ કહ્યો છે એ તો આરોપ આપીને કહ્યો છે અને એ આરોપ તો સમકિતીની બાહ્ય ક્રિયામાં લાગુ પડે છે. (મિથ્યાદ્રષ્ટિને જ્યાં ધર્મપરિણતિ જ નથી ત્યાં કોનો આરોપ કરવો?). માર્ગ બહુ આકરો છે ભાઈ! પણ શું થાય?


PDF/HTML Page 1579 of 4199
single page version

જન્મ-મરણ રહિત થવાનો ભગવાન જિનવરદેવનો માર્ગ એકલો વીતરાગતારૂપ છે. સમ્યગ્દર્શન એ આત્માની પ્રતીતિરૂપ વીતરાગી પર્યાય છે.

પ્રશ્નઃ– તો ‘સરાગ સમકિત’-એમ આવે છે ને?

ઉત્તરઃ– સમકિત તો સરાગ નથી; જે પ્રતીતિરૂપ પરિણમન છે એ તો શુદ્ધ વીતરાગ જ છે. પરંતુ ધર્મીને સહકારી ચારિત્રના દોષરૂપ જે સરાગતા હોય છે તેનો આરોપ આપીને સરાગ સમકિત એમ ઉપચારથી કહેવામાં આવે છે.

આત્મા શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગસ્વભાવી છે. તેના શ્રદ્ધાનરૂપ જે ભવન- પરિણમન તે સમકિત છે. તે વીતરાગી પર્યાય છે. આ ચોથા ગુણસ્થાને જે સમકિત પ્રગટ થાય છે એની વાત છે. અત્યારે તો ચીજ આખી જાણે દુર્લભ થઈ પડી છે! શ્રાવકના પાંચમા અને મુનિના છટ્ઠા ગુણસ્થાનની વીતરાગતાની (-ચારિત્રની) તો કોઈ ઓર વાત છે. આ વાડાના જે શ્રાવક તે શ્રાવક નહિ, એ તો શ્રાવક છે જ નહિ. આ તો સાચા સમકિતી શ્રાવકની વાત છે. હજી સમકિતના સ્વરૂપનીય ખબર ન હોય તે વળી શ્રાવક કેવો? વળી પાંચ મહાવ્રત પાળે, સમિતિ, ગુપ્તિ પાળે, ૨૮ મૂલગુણ પાળે માટે સાધુ-એમ જૈનદર્શનમાં એને સાધુ કહ્યા નથી, કેમકે એ બધો રાગ-વિકલ્પ છે. આ તો રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે ત્રણ કષાયના અભાવપૂર્વક જે વીતરાગતા પ્રગટ થાય તે સાધુપણું છે, ધર્મ છે.

‘જીવાદિનું શ્રદ્ધાન સમકિત’-એમ જે કહ્યું ત્યાં આ (એકેન્દ્રિયાદિ) જીવ છે અને આ (ઘટપટાદિ) અજીવ છે એવી શ્રદ્ધાની વાત નથી. પરંતુ જીવ જ્ઞાયકભાવે- વીતરાગસ્વભાવે છે અને રાગસ્વભાવે-કર્મસ્વભાવે નથી એવી સ્વભાવ-વિભાવની ભિન્નતાના શ્રદ્ધાનરૂપ જે વીતરાગી પરિણતિ થવી તે સમકિત છે. ‘શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું’-એમ છે ને ટીકામાં? ત્યાં જ્ઞાન એટલે આત્મા; જ્ઞાન કેમ લીધું? કે ઓલો રાગ નહિ; રાગનો અભાવ સૂચવવો છે. વ્રતાદિનો રાગ જે વિભાવ છે, વિકાર છે તેનાથી રહિત જ્ઞાનનું થવું એટલે કે આત્માનું પરિણમવું એમ વાત છે. અહાહા...! વીતરાગસ્વરૂપી આત્મા સ્વરૂપના શ્રદ્ધાનરૂપ વીતરાગ પરિણતિએ પરિણમે તેને સમ્યગ્દર્શન કહ્યું છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ!

પ્રશ્નઃ– તો કાંઈક સહેલું બતાવો ને?

ઉત્તરઃ– સહેલું કહો તો સહેલું અને અઘરૂં કહો તો અઘરૂં કાર્ય કરવાનું આ છે. ભાઈ! વેપાર-ધંધા આદિ પાપની મજૂરીમાં ડટયા રહેવું અને પૂછો છો કે ઝટ સમજાઈ જાય એવું સહેલું બતાવો તો કહીએ છીએ કે-એ બેય સાથે બને એમ નથી. સમજાણું કાંઈ...? આ તો ફુરસદ લઈને સમજવા જેવી ચીજ છે.


PDF/HTML Page 1580 of 4199
single page version

અહીં કહે છે કે-જીવાદિ પદાર્થોના (નવ પદાર્થોના) શ્રદ્ધાનસ્વભાવે એટલે કે જેવો અંદર પોતાનો શ્રદ્ધાસ્વભાવ છે તેવા શ્રદ્ધાનસ્વભાવે પર્યાયમાં આત્માનું થવું તે સમ્યગ્દર્શન છે. અહાહા...! આત્મા પોતે સદાય વીતરાગસ્વરૂપ જ છે અને એના શ્રદ્ધાનરૂપ જે દશા થાય તે પણ વીતરાગી પર્યાય છે.

હવે કહે છે-‘જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે જ્ઞાન છે.’

જુઓ, આ શાસ્ત્રનું જે જ્ઞાન છે તે જ્ઞાન-એમ નહિ. એ તો પરલક્ષી જ્ઞાન છે. અહીં તો આત્માના જ્ઞાનનું અંતરમાં સ્વસંવેદનરૂપે, સ્વના પ્રત્યક્ષ જ્ઞાનપણે થવું તેને જ્ઞાન કહે છે. કોઈને શાસ્ત્રોનું ઝાઝું ભણતર હોય એટલે એને જ્ઞાન છે એમ વાત નથી. આ તો સદા જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા પોતાના સ્વરૂપના જ્ઞાનરૂપે થઈ પરિણમે એને જ્ઞાન કહે છે અને એ વીતરાગી પર્યાય છે. ભાઈ! ત્રિલોકીનાથ વીતરાગ સર્વજ્ઞદેવે ઇન્દ્રો અને ગણધરોની વચ્ચે ધર્મસભામાં જે પ્રરૂપ્યો છે તે આ માર્ગ છે. બાકી બીજા બધા કલ્પિત માર્ગ છે.

જીવાદિ પદાર્થોના જ્ઞાનસ્વભાવે જ્ઞાનનું એટલે આત્માનું થવું-પરિણમવું અર્થાત્ જ્ઞાનની પર્યાયનું એક જ્ઞાયકના લક્ષે જ્ઞાનરૂપે પરિણમવું એને સમ્યગ્જ્ઞાન કહે છે. એમાં પુણ્ય-પાપની ભગવાન જ્ઞાયકમાં નાસ્તિ છે એવું જ્ઞાન ભેગું આવી જાય છે. અહાહા...! જેમાં પુણ્ય-પાપની નાસ્તિ છે એવા જ્ઞાયકને જાણનારું જ્ઞાયકના લક્ષે પરિણમનારું જ્ઞાન પણ પુણ્ય-પાપના ભાવથી રહિત છે. ભાઈ! આ સમ્યગ્જ્ઞાનની જે પર્યાય છે તે વીતરાગી પર્યાય છે. ગાથા ૧૭-૧૮ માં આવી ગયું ને કે-જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક આત્મા જ જણાય છે, પણ અજ્ઞાનીનું જ્ઞાયક ઉપર લક્ષ-દ્રષ્ટિ નથી તેથી તેનું જ્ઞાન મિથ્યા છે અને જ્ઞાનીનું લક્ષ-દ્રષ્ટિ જ્ઞાયક ઉપર છે તેથી તેનું જ્ઞાન સમ્યગ્જ્ઞાન છે. જ્ઞાનસ્વભાવના લક્ષે પરિણમતું જ્ઞાન તે જ્ઞાન છે.

હવે આવી વાત; નવા નવા સાંભળવા આવ્યા હોય તેને તો એમ લાગે કે આ શું કહે છે? શું જૈનમાર્ગ આવો હશે? એમ કે ચોવિયાર કરવો, કંદમૂળ ન ખાવાં, પર્વ-તિથિએ લીલોતરી ન ખાવી, બ્રહ્મચર્ય પાળવું અને પોસા-પ્રતિક્રમણ કરવાં એ તો બધું જૈનમાં સાંભળ્‌યું છે પણ આ શું? ભગવાન! જરા ધીરો થઈને સાંભળ. તું જે કહે છે એ તો બધી રાગની ક્રિયાની વાતો છે. એમાં ભગવાન આત્મા કયાં છે? (નથી). અને જો એમાં આત્મા નથી તો એ ધર્મ કેમ હોય? (ન હોય).

‘અનુભવપ્રકાશ’ માં આવે છે કે-સાંજની સંધ્યા (લાલી) સૂર્યને અસ્ત થવાની નિશાની છે અને સવારની સંધ્યા (લાલી) સૂર્યનો ઉદય થવાની નિશાની છે. તેમ આ શરીર, બાયડી-છોકરાં, કુટુંબ, ધનસંપત્તિ પ્રત્યેનો જે રાગ છે તે આત્માનો અસ્ત થવાની નિશાની છે, અર્થાત્ એ રાગ વડે કરીને આત્મા અંધ બની ચાર ગતિમાં