Atmadharma magazine - Ank 106
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ ૯ અંક દસમો, સં. ૨૦૦૮ શ્રાવણ (વાર્ષિક લવાજમ ૩–૦૦)
૧૦૬
ત્રણકાળ ત્રણલોકમાં જીવને સમ્યગ્દર્શન સમાન કલ્યાણરૂપ અન્ય
કોઈ પદાર્થ નથી; સમ્યગ્દર્શન વિના ગમે તેટલું કરે તો પણ કિંચિત્ કલ્યાણ
થતું નથી. સમ્યગ્દર્શન પછી જ સમ્યક્ચારિત્ર હોય છે. મિથ્યાશ્રદ્ધા સમાન
અન્ય કોઈ શત્રુ નથી ને સમ્યગ્દર્શન સમાન અન્ય કોઈ હિતરૂપ નથી.
બાહ્યદ્રષ્ટિ લોકોને સમ્યગ્દર્શનનો મહિમા ખ્યાલમાં આવતો નથી. અહો!
આત્માના પૂર્ણ પ્રયત્નથી શુદ્ધ ચિદાનંદ સ્વભાવની ઓળખાણ કરીને
સમ્યક્દર્શન કરવું તે જ ભગવાન સર્વજ્ઞનો અને સંતોનો મહાન ઉપદેશ છે.
પોતાના સર્વસ્વ ઉપાય અને ઉદ્યમથી મિથ્યાત્વનો નાશ કરીને સમ્યક્ત્વ
પ્રગટ કરવું–એવો શ્રી ગુરુનો ઉપદેશ છે. –પ્રવચનમાંથી.

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૧૯૦ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
સુ... વ.... ર્ણ.... પુ..... રી....
સ.... મા.... ચા..... ર
[અષાઢ વદ પાંચમ]
* પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી સુખશાંતિમાં બિરાજે છે.
* સવારના પ્રવચનમાં કાર્તિકેયાનુપ્રેક્ષા વંચાય છે, તેમાં અત્યારે લોક
અનુપ્રેક્ષા વંચાય છે. બપોરના પ્રવચનમાં પંચાસ્તિકાય વંચાતું હતું તે અષાઢ
સુદ પાંચમના રોજ પૂર્ણ થયું છે; અઅષાઢ વદ ૪ થી બૃહદ્ દ્રવ્યસંગ્રહનું વાંચન
શરૂ થયું છે. વચમાં થોડા દિવસ સમયસારનો કર્તાકર્મઅધિકાર વંચાયો હતો.
* શ્રી સમયસાર–ગુજરાતીની બીજી આવૃત્તિ અમૃતચંદ્રાચાર્યદેવની
સંસ્કૃતટીકા સહિત છપાય છે. લગભગ અડધું છપાઈ ગયું છે. સમયસાર–
બંધઅધિકાર ઉપરનાં પ્રવચનો છપાઈ ગયા છે તે થોડા વખતમાં પ્રસિદ્ધ થશે.
આ પ્રવચનો પૂ. બેનશ્રી બેનના સુહસ્તે લખાયેલાં છે. શ્રી પંચાસ્તિકાયનું
ગુજરાતી ભાષાંતર તૈયાર થાય છે.
* શ્રી માનસ્તંભજીની નીચેની પીઠિકાઓનું ચણતરકામ ચાલે છે. આ
માનસ્તંભ શ્રી સીમંધર ભગવાનના સમવસરણની સામેના ભાગમાં થાય છે.
* પ્રૌઢ વયના ગૃહસ્થ માટેનો જૈન શિક્ષણવર્ગ શ્રાવણ સુદ ૨ થી શરૂ
થવાનો છે.
* અષાઢ સુદ ૮ થી ૧૫ સુધી અષ્ટાહ્નિકા ઉત્સવ ઊજવાયો હતો; તેમ જ
જ અષાઢ વદ એકમે શ્રી વીરશાસન જયંતિ મહોત્સવ ઊજવાયો હતો.

PDF/HTML Page 4 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૧૯૧ :
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
[૧૦]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે
તેના ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર,
(અંક ૧૦૪ થી ચાલુ)
શ્રી પ્રવચનસારા પરિશિષ્ટમાં જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે –પ્રભો! ‘આ આત્મા કોણ છે
અને કઈ રીતે પ્રાપ્ત કરાય છે?’ તેના ઉત્તરમાં શ્રી આચાર્યદેવ કહે છે કે
‘આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે, અને અનંતનયાત્મક શ્રુતજ્ઞાન–
પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે તે જણાય છે.’ અથવા આત્મદ્રવ્યનું ૪૭ નયોથી વર્ણન
કર્યું છે, તેમાંથી ૧૭ નયો ઉપરના પ્રવચનો અત્યાર સુધીમાં આવી ગયા છે,
ત્યાર પછી આગળ અહીં આપવામાં આવે છે.

ચૈતન્યમૂર્તિ આત્મા અનંત ધર્મોથી મહિમાવંત છે. જેણે પોતાનું અપૂર્વ આત્મહિત પ્રગટ કરવું હોય તેણે
આત્માના સ્વભાવને જેમ છે તેમ જાણવો જોઈએ. આત્મસ્વભાવને બરાબર જાણ્યા વિના તેનો મહિમા આવે
નહિ અને પરનો મહિમા ટળે નહિ. આત્માનો મહિમા આવ્યા વગર જ્ઞાન તેમાં ઠરે નહિ એટલે કે આત્મહિત
પ્રગટે નહિ. આત્માને ઓળખતાં તેનો મહિમા આવે અને જ્ઞાન તેમાં ઠરે એટલે આત્મહિત પ્રગટે. માટે જે જીવ
આત્મહિતનો કામી હોય તેણે સતસમાગમે આત્માના સ્વભાવને ઓળખવો જોઈએ.
એકેક આત્મા સ્વતંત્ર, અને દરેક આત્મામાં અનંત ધર્મ, –આવી વસ્તુસ્વરૂપની વાત જૈનદર્શન સિવાય
બીજે તો ક્યાંય સાંભળવા પણ મળે તેમ નથી. સર્વજ્ઞ સિવાય અન્યવાદીઓએ વસ્તુસ્વરૂપને યથાર્થ જાણ્યું નથી
પણ પોત પોતાની કલ્પના પ્રમાણે કલ્પી લીધું છે. જગતમાં અનંત આત્માઓ અને અનંત પરમાણુઓ સ્વતંત્ર–
સ્વયંસિદ્ધ તત્ત્વો છે, તે દરેક પદાર્થ એક જ સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતા સહિત છે; એકેક આત્મા અસંખ્યપ્રદેશી
અને અનંત ધર્મોથી પરિપૂર્ણ છે–આવી વાત સર્વજ્ઞશાસન સિવાય બીજે ક્યાં છે? શ્રી સમંતભદ્ર આચાર્યદેવ
સ્વયંભૂસ્તોત્રમાં કહે છે કે ‘હે જિનેન્દ્ર! આખું જગત પ્રત્યેક સમયે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યલક્ષણવાળું છે–આવું જે
તારું વચન છે તે તારી સર્વજ્ઞતાને જાહેર કરે છે.’ ધ્રુવતા અપેક્ષાએ વસ્તુ નિત્ય છે ને ઉત્પાદ–વ્યય અપેક્ષાએ
વસ્તુ અનિત્ય છે; એ રીતે એક જ વસ્તુમાં નિત્ય–અનિત્યપણું એક સાથે જ રહેલું છે. અજ્ઞાનીઓને આ વાત
વિરોધાભાસ જેવી લાગી છે કે અરે! જે નિત્ય હોય તે જ અનિત્ય કઈ રીતે હોય? અને જે અનિત્ય હોય તે જ
નિત્ય કઈ રીતે હોય? એકેક વસ્તુમાં અનંત ધર્મો છે–એ વાત અજ્ઞાનીઓને સમજાતી નથી. પણ, દ્રવ્યપણે જે
વસ્તુ નિત્ય છે તે જ વસ્તુ પર્યાયપણે અનિત્ય છે–આમ યથાર્થ વસ્તુસ્વરૂપ સમજતાં જ્ઞાનીને તો પ્રમોદ આવે છે
કે અહો! આવી અપૂર્વ વાત મેં પૂર્વે કદી સાંભળી ન હતી.
મિથ્યાજ્ઞાનનો વિષય જગતમાં નથી એટલે કે
મિથ્યાજ્ઞાન નિરર્થક છે
વસ્તુ એક સાથે અનંત ધર્મોવાળી છે, તેને ન માનતાં વસ્તુને એકાન્ત ક્ષણિક કે એકાન્ત નિત્ય જ માને તો
તે જ્ઞાન મિથ્યા છે, અને તે મિથ્યાજ્ઞાનના વિષયભૂત કોઈ વસ્તુ આ જગતમાં નથી. જે જ્ઞાનના અભિપ્રાય પ્રમાણેની

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૯૨ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
વસ્તુ જગતમાં ન હોય તેને મિથ્યાજ્ઞાન કહેવાય છે; જગતમાં પદાર્થો જે સ્વરૂપે સત્ છે તે પ્રમાણે તેમને જ જાણતાં
અસત્ કલ્પના કરે છે તેથી તે જ્ઞાન અસત્ છે. તે મિથ્યાજ્ઞાનનો વિષય એટલે કે તેની કલ્પના પ્રમાણેનો પદાર્થ આ
જગતમાં છે જ નહિ. જગતમાં મિથ્યાજ્ઞાન છે પણ તેનું જ્ઞેય નથી. અહો! આખું જગત સમ્યગ્જ્ઞાનનો જ વિષય છે. જો
જ્ઞાન પ્રમાણે વસ્તુનું સ્વરૂપ હોય તો તો તે જ્ઞાન મિથ્યા ન કહેવાય. પણ જે જ્ઞાનપ્રમાણે વસ્તુનું સ્વરૂપ ન હોય તે
જ્ઞાનને મિથ્યા કહેવાય છે એટલે કે મિથ્યાજ્ઞાનનો વિષય જ જગતમાં નથી. આ સંબંધમાં કેટલાક ઉદાહરણ–
જેમ કોઈ કહે કે હું આકાશના ફૂલને ચૂંટુ છું, તો તેની વાત મિથ્યા છે, કેમકે આકાશનું ફૂલ જગતમાં છે જ
નહિ; તેમ કોઈ એમ માને કે હું પર દ્રવ્યની ક્રિયા કરું છું, તો તેની માન્યતા પણ મિથ્યા છે, કેમકે જગતમાં કોઈ
આત્મા એવો નથી કે જે પર દ્રવ્યની ક્રિયા કરી શકે. જેમ આકાશનું ફૂલ જગતમાં વસ્તુ જ નથી, તેમ પરની ક્રિયા
કરી શકે એવી વસ્તુ જ જગતમાં નથી. તેથી ‘હું પરનું કાંઈ કરી શકું’ એવી મિથ્યા માન્યતાનો વિષય આ
જગતમાં નથી. તે મિથ્યા માન્યતા પરમાં નિરર્થક છે અને આત્મામાં અનર્થકારી છે.
જગતમાં અજ્ઞાનીનો મિથ્યા અભિપ્રાય છે પણ તેના મિથ્યા અભિપ્રાય પ્રમાણે જગતમાં જ્ઞેય પદાર્થ નથી.
કોઈ એમ માને કે ‘જગતમાં એક સર્વવ્યાપક આત્મા જ છે ને બીજું બધું સર્વથા ભ્રમ છે,’ તો તેનું જ્ઞાન
મિથ્યા છે, તેના મિથ્યાજ્ઞાન પ્રમાણે જગતમાં વસ્તુસ્વરૂપ નથી.
કોઈ એમ માને કે ‘આત્મા સર્વથા કૂટસ્થ નિત્ય જ છે,’ તો તેનું જ્ઞાન પણ મિથ્યા છે, કેમકે તેની માન્યતા
પ્રમાણે સર્વથા કૂટસ્થ આત્મા જગતમાં છે જ નહિ.
કોઈ કહે છે :– તેણે આત્માને તો માન્યો ને? એટલું તો તેનું સાચું છે ને?
ઉત્તર :– તેણે ખરેખર આત્માને માન્યો જ નથી. તેણે જેવા સ્વરૂપે આત્માને માન્યો છે તેવો આત્મા
જગતમાં છે જ નહિ, અને જેવો આત્મા છે તેવો માન્યો નથી, તેથી તેણે આત્માને માન્યો નથી.
વળી એ જ પ્રમાણે કોઈ એમ માને કે ‘આત્મા સર્વથા ક્ષણિક જ છે,’ તો તેનું જ્ઞાન પણ મિથ્યા છે, કેમકે
તેની માન્યતા પ્રમાણે સર્વથા ક્ષણિક આત્મા જગતમાં છે જ નહિ. આ રીતે મિથ્યાજ્ઞાનનો વિષય જ જગતમાં નથી.
કોઈ એમ માને કે ‘પુણ્યથી ધર્મ થાય,’ તો તેની માન્યતા પ્રમાણેનું જ્ઞેય જગતમાં નથી એટલે તેનું જ્ઞાન
મિથ્યા છે.
ઉપાદાન–નિમિત્ત સંબંધમાં કોઈ એમ માને કે નિમિત્તને લીધે ઉપાદાનનું કાર્ય થાય, તો તેના જ્ઞાનનો
વિષય જગતમાં નથી કેમકે નિમિત્તને લીધે ઉપાદાનનું કાર્ય થાય એવી કોઈ વસ્તુ જ નથી, તેથી તેનું જ્ઞાન મિથ્યા
છે. જેમ વાંઝણીનો પુત્ર એ કોઈ વસ્તુ જ નથી તેમ જગતમાં મિથ્યાજ્ઞાનનો કોઈ વિષય જ નથી, એટલે કે
મિથ્યાજ્ઞાન નિરર્થક છે.
આત્મા અનંતધર્મના પિંડસ્વરૂપ છે, તે સમ્યગ્જ્ઞાનનો વિષય છે. અનંત ધર્મના પિંડસ્વરૂપ આત્માને
જાણ્યા વિના સમ્યગ્જ્ઞાન થાય નહિ. અનંતધર્મસ્વરૂપ આત્માને ઓળખાવવા માટે અહીં આચાર્યદેવે ૪૭ નયોથી
તેનું વર્ણન કર્યું છે; તેમાં ૧૭ નયો ઉપરનું વિવેચન આવી ગયું છે, હવે નિત્યનય અને અનિત્યનયથી આત્માનું
વર્ણન કરે છે.
[૧૮] નિત્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય નિત્યનયે, નટની માફક, અવસ્થાયી છે; જેમ રામ–રાવણરૂપ અનેક અનિત્ય સ્વાંગ ધરતો
હોવા છતાં પણ નટ તો તે જ છે, તેમ પર્યાયો ક્ષણે ક્ષણે પલટતી હોવા છતાં દ્રવ્યપણે આત્મા નિત્ય ટકનારો છે,
આવો આત્માનો ધર્મ છે તેને નિત્યનય જાણે છે.
અહીં આત્માને અવસ્થાયી કહ્યો તેથી એમ ન સમજવું કે તેની પર્યાય બદલતી જ નથી! અહીં તો
નિત્યનયથી આત્માનો સ્વભાવ કેવો છે તે બતાવવા તેને અવસ્થિતિ કહ્યો છે; મનુષ્ય, સ્વર્ગ, નરક વગેરેના
અનંત અવતાર થયા છતાં આત્મા તેનો તે જ અવસ્થિત છે, અવતાર બદલતાં આત્મા બદલી જતો નથી, આવો
તેનો નિત્યધર્મ છે, અને તે જ વખતે તેનામાં અનિત્યધર્મ પણ સાથે જ રહેલો છે. જો આત્માના અનિત્યધર્મને ન
માને એટલે કે ક્ષણે ક્ષણે તેની પર્યાય પલટે છે એમ ન માને ને સર્વથા અવસ્થિત જ માને તો તેનું શ્રુતજ્ઞાન
પ્રમાણ થતું નથી એટલે તેનો નિત્યનય પણ સાચો રહેતો નથી. વસ્તુના અનિત્ય ધર્મને માન્યા વિના બંધ–મોક્ષ
વગેરે કોઈ કાર્ય સાબિત નહિ થાય.

PDF/HTML Page 6 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૧૯૩ :
જેમ નાટકમાં વેષ ભજવનાર કોઈ વાર રામ થાય ને કોઈ વાર રાવણ થાય, કોઈ વાર ભરથરીનો વેષ
ધરીને આવે ને કોઈ વાર પિંગલા થઈને આવે, –એમ અનેક વેષ ધારણ કરતો હોવા છતાં નટ તો તેનો તે જ છે.
તેમ આ સંસારરૂપી નાટકમાં જીવ કોઈ વાર રાજા, કોઈ વાર રંક, કોઈ વાર મુનષ્ય ને કોઈ વાર દેવ, કોઈ વાર
પુરુષ ને કોઈ વાર સ્ત્રી એમ જુદી જુદી ક્ષણિક પર્યાયોને ધારણ કરે છે છતાં પોતે જીવપણે નિત્ય અવસ્થિત છે;
આવો તેનો એક ધર્મ છે.
નાટકમાં રામ–રાવણાદિ જુદા જુદા ક્ષણિક સ્વાંગો ધરવા છતાં નટ પોતે નટ તરીકે કાયમ રહે છે, નટપણું
છોડીને તે કાંઈ પાડો કે સિંહ થઈ જતો નથી. તેમ આત્મા સ્વર્ગ નરક, રાજા અને મુનિપણું વગેરે નવી નવી
ક્ષણિક પર્યાયો ધારણ કરતો હોવા છતાં આત્મા મટીને અન્યરૂપ થઈ જતો નથી, પણ આત્મપણે નિત્ય ટકનારો
છે. આત્મામાં એક સાથે અનંત ધર્મો છે તેમાંથી, નિત્યનયે જોતાં આત્મા નિત્યધર્મસ્વરૂપે પ્રતિભાસે છે.
–ઉત્પાદ–વ્યય–ધ્રુવ સહિત જ દરેક વસ્તુ છે, આત્મા પણ એક સમયમાં ઉત્પાદ–વ્યય ને ધ્રુવતા એવા ત્રણ
અંશોને ધારણ કરે છે. તેમાં ઉત્પાદ–વ્યય અપેક્ષાએ ક્ષણિકતા છે ને ધ્રુવ અપેક્ષાએ નિત્યતા છે. ધ્રુવ અપેક્ષાએ
જોતાં આત્મા નિત્યપણે દેખાય છે; અને ઉત્પાદ–વ્યય અપેક્ષાએ જોતાં તે જ આત્મા ક્ષણિકપણે દેખાય છે. અહો!
આવો વસ્તુસ્વભાવ સર્વજ્ઞભગવાનના શાસન સિવાય બીજે ક્યાંય સાંભળવા મળતો નથી. સર્વજ્ઞના માર્ગ
સિવાય આવું અનેકાન્તસ્વરૂપ જાણવામાં આવી શકે નહિ અને જે આવું અનેકાન્તસ્વરૂપ જાણે તે સર્વજ્ઞ થયા
વિના રહે નહિ.
સર્વજ્ઞ પરમાત્મા સિવાય બીજાઓએ પૂરું વસ્તુસ્વરૂપ જાણ્યા વિના તેના એકેક અંશને પકડીને તેને જ
વસ્તુસ્વરૂપ માની લીધું. જેમ આંધળાના હાથમાં હાથીનું જે અંગ આવ્યું તેવો જ હાથી તેણે કલ્પી લીધો તેમ
અજ્ઞાનીઓએ વસ્તુના એક ધર્મને પકડીને તેને જ આખી વસ્તુ માની લીધી છે. વેદાંત વગેરે વસ્તુના એક
નિત્યધર્મને પકડીને આત્માને એકાંત નિત્ય જ માને છે, ને બૌદ્ધ એકલા અનિત્યધર્મને પકડીને આત્માને એકાંત
ક્ષણિક જ માને છે, તેઓએ યથાર્થ વસ્તુને જાણી નથી અને તેમનો અંશ પણ સાચો નથી. જૈનમાં સર્વજ્ઞભગવાન
કહે છે કે આત્મામાં નિત્યપણું અને અનિત્યપણું બંને ધર્મો એક સાથે જ રહેલા છે, ને એ પ્રમાણે દરેક વસ્તુમાં
અનંતધર્મો એક સાથે રહેલા છે. –આમ આખી વસ્તુના સ્વીકારપૂર્વક કોઈ અપેક્ષાએ તેને નિત્ય કહે અને કોઈ
અપેક્ષાએ અનિત્ય કહે, –તો તેનો નિત્યઅંશ અને અનિત્યઅંશ બંને સાચા છે. વેદાંતમતમાં વસ્તુને એકાંત નિત્ય
માને છે પણ તેની સાથે રહેલા અનિત્યઅંશને કબૂલતા નથી એટલે તેનો નિત્યઅંશ પણ સાચો નથી. અને
બૌદ્ધમતમાં વસ્તુને એકાંત ક્ષણિક માને છે પણ તેની સાથે રહેલા બીજા નિત્યઅંશને નથી માનતા, તેથી તેનો
ક્ષણિકઅંશ પણ સાચો નથી. જેનો અંશી સાચો નથી તેનો અંશ પણ સાચો નથી, વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણ્યા
વિના તેના એક ધર્મનું પણ યથાર્થ જ્ઞાન થતું નથી. એક ધર્મથી વસ્તુને કહેતાં તે જ વખતે બીજા અનંત ધર્મો
પણ વસ્તુમાં રહેલા છે તેના સ્વીકાર વગર એક ધર્મનો સ્વીકાર પણ સાચો નથી. માટે બધા પડખેથી
વસ્તુસ્વરૂપને નક્કી કરવું જોઈએ.
નિત્યનયથી વસ્તુને ધ્રુવ–અવસ્થિત વર્ણવી, પણ તે જ વખતે વસ્તુમાં અનિત્યધર્મ પણ રહેલો છે, તેથી
હવે અનિત્યનયથી તેનું વર્ણન કરે છે.
[૧૯] અનિત્યનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અનિત્યનયે, રામ–રાવણની માફક, અનવસ્થાયી છે; જેમ નટે ધારણ કરેલા રામ–રાવણ વગેરે
સ્વાંગો ક્ષણિક છે તેમ અનિત્યધર્મની અપેક્ષાએ જોતાં આત્મા ક્ષણિક છે. અનિત્યનયથી આત્માને
અનિત્યધર્મપણે જોતી વખતે પણ ધર્મીને આત્માની નિત્યતાનું ભાન સાથે જ વર્તે છે.
આત્માની નિત્યતા વગર દુઃખ–સુખાદિ પર્યાયો દ્રવ્યની છે એમ સિદ્ધ થાય નહિ; દુઃખ ટાળીને સુખ પ્રગટ
કર્યું તે બંને દશાઓમાં સળંગપણે રહીને જીવ તે દુઃખ–સુખને વેદે છે–એમ નિત્યતા વિના સાબિત થાય નહિ. તેમ
જ અનિત્યતા વગર દુઃખ ટાળીને સુખ કરવાનું, શ્રવણ–મનન કરવાનું વગેરે –કાંઈ કાર્ય બની શકે નહિ. નિત્યતા
અને અનિત્યતા એવા બંને ધર્મો વગર આત્માનું અસ્તિત્વ જ સિદ્ધ ન થાય. આત્મામાં નિત્યપણું અને
અનિત્યપણું એ બંને ધર્મો ત્રિકાળ છે.
કોઈ એમ કહે કે ‘સંસારદશા વખતે તો આત્મામાં અનિત્યધર્મ છે, પણ સિદ્ધ થયા પછી તે રહેતો નથી’
–તો એમ નથી. સિદ્ધના આત્મામાંય અનિત્યધર્મ પણ રહેલો છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૯૪ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
કેવળજ્ઞાન અને સિદ્ધદશા પ્રગટ્યા પછી એવા ને એવા અનંતકાળ રહેતા હોવા છતાં તેમાંય ક્ષણે ક્ષણે પરિણમન
તો થયા જ કરે છે.
દુઃખ અને સુખ બંને દશામાં જો આત્માની સળંગતા ન હોય તો દુઃખ ટાળીને સુખ પ્રગટ્યું તેને ભોગવશે
કોણ? અને જો આત્મામાં ક્ષણિકતા ન હોય તો દુઃખનો નાશ થઈને સુખ પ્રગટે કઈ રીતે? માટે આત્મા ધ્રુવપણે
નિત્ય ટકનારો હોવા છતાં ઉત્પાદ–વ્યયપણે ક્ષણિક પણ છે, દ્રવ્યરૂપે સળંગ ટકીને ક્ષણે ક્ષણે નવી નવી પર્યાયપણે
ઊપજે છે, ને જૂની પર્યાયથી નાશ પામે છે. જેમ રામના સ્વાંગ વખતે રાવણનો સ્વાંગ ન હોય ને રાવણના
સ્વાંગ વખતે રામનો સ્વાંગ ન હોય એટલે સ્વાંગ અપેક્ષાએ ક્ષણિકતા છે, પણ નટ તો બધાય સ્વાંગોમાં
સળંગપણે રહેલો છે; તેમ આત્મામાં સંસાર વખતે સિદ્ધદશા ન હોય ને સિદ્ધદશા વખતે સંસાર ન હોય, એટલે
પર્યાય અપેક્ષાએ આત્મા અનિત્ય છે. અને સંસાર કે સિદ્ધ બધી પર્યાયોમાં સળંગપણે આત્મા રહેલો છે તે
અપેક્ષાએ આત્મા નિત્ય છે.
શાસ્ત્રમાં કોઈવાર કેવળજ્ઞાન અને સિદ્ધદશાને ‘કૂટસ્થ’ પણ કહેવાય; કૂટસ્થ કહીને ત્યાં પરિણમનનો
અભાવ નથી બતાવવો, પરંતુ સમયે સમયે પરિણમન થતું હોવા છતાં સદ્રશરૂપ કેવળજ્ઞાન અને સિદ્ધદશાપણે જ
પરિણમન થાય છે, અન્યથા પરિણમન નથી થતું. તે અપેક્ષાએ તેને કૂટસ્થ કહેલ છે એમ સમજવું.
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् એટલે જે સત્ હોય તે હંમેશા ઉત્પાદ–વ્યય–ધ્રુવતા સહિત જ હોય છે. ઉત્પાદ–વ્યય–
ધ્રુવ કહો કે નિત્ય–અનિત્યધર્મ કહો, તેના વગર કોઈ વસ્તુ હોઈ શકે જ નહિ.
એક વખત એક વેદાંતી ચર્ચા સાંભળવા આવ્યો. થોડી વાર બેસીને ચર્ચા સાંભળી, પણ અનિત્યપર્યાયની
વાત સાંભળી ત્યાં તો ભડકી ઊઠ્યો અને ‘અનિત્યતાની વાત મારે સાંભળવી નથી’ એમ કહીને ભાગ્યો. પણ
અરે ભાઈ! તું એટલું વિચાર તો ખરો કે પહેલાંં કરતાં તું કાંઈક નવું જાણવા આવ્યો તે જ તારા જ્ઞાનની
અનિત્યતા સિદ્ધ કરે છે. પહેલાંં સાંભળવાની જિજ્ઞાસાથી આવ્યો ને પછી એમ થયું કે મારે આ વાત નથી
સાંભળવી, –ત્યાં તારા વિચારો બદલ્યા કે નહિ? જો આત્માની સર્વથા નિત્યતા હોય તો આવો વિચારનો પલટો
થઈ શકે નહિ.
વળી જો આત્મામાં અનિત્યતા ન જ હોય તો ‘આત્મા નિત્ય છે’ એવો ઉપદેશ પણ હોઈ શકે નહિ; કેમકે
સામો જીવ આત્માને નિત્ય નથી માનતો અને હવે તેને નિત્ય માનવાનું કહે છે, ત્યાં જ તેની માન્યતાનું
ક્ષણિકપણું સાબિત થઈ ગયું.
આ રીતે આત્મામાં નિત્યધર્મ અને અનિત્યધર્મ બંને એક સાથે જ રહેલા છે. ‘નય’ તેને મુખ્ય–ગૌણ
કરીને જાણે છે, પણ વસ્તુમાં તો બધા ધર્મો એક સાથે રહેલા છે.
અહીં ૧૯માં અનિત્યનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
દસ લક્ષણી ધર્મ અથવા પર્યુષણ પર્વ : ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને
ભાદરવા સુદ ચૌદસ સુધીના દસ દિવસો સોનગઢમાં દસ લક્ષણી ધર્મ અથવા પર્યુષણ પર્વ તરીકે
ઊજવાશે. આ દિવસો દરમિયાન ઉત્તમક્ષમા વગેરે દસ ધર્મો ઉપર પૂ. ગુરુદેવશ્રીના આધ્યાત્મિક
પ્રવચનો થશે.
જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક : ભાદરવા સુદ બીજ ને શુક્રવાર તા.
૨૨–૮–૫૨ના રોજ સાંજે પાંચ વાગે શ્રી જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક મળશે. તેમાં
સર્વે મેમ્બરોને હાજર રહેવા વિનંતિ છે.
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો : સોનગઢમાં દર વર્ષની માફક શ્રાવણ વદ ૧૩ ને
સોમવાર તા. ૧૮–૮–૫૨ થી ભાદરવા સુદ ૫ ને સોમવાર તા. ૨૫–૮–૫૨ સુધીના આઠ દિવસો
ધાર્મિક દિવસો તરીકે ઊજવાશે ને આ દિવસોમાં પૂ. ગુરુદેવશ્રીનાં ખાસ પ્રવચનો થશે. આ દિવસો
દરમિયાન ઘણાખરા મુમુક્ષુઓને કામધંધાથી નિવૃત્તિનો વિશેષ અવકાશ મળતો હોવાથી તેઓ
લાભ લઈ શકે તે હેતુએ આ આઠ દિવસો રાખવામાં આવે છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૧૯૫ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
[૯]
* સર્વદર્શિત્વશક્તિ *
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનામાં અનંત ધર્મો છે તેથી તે અનેકાન્તની મૂર્તિ છે; તેના ધર્મોનું આ વર્ણન
ચાલે છે.
સમસ્ત વિશ્વના સામાન્ય ભાવને દેખવારૂપે પરિણમેલા એવા આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ છે.
પહેલાંં ત્રીજી શક્તિમાં ‘દ્રશિ’ શક્તિનું વર્ણન હતું ત્યાં તો ‘અનાકાર ઉપયોગમયી દ્રશિશક્તિ છે’ એમ સામાન્ય
વર્ણન હતું, ને આ સર્વદર્શિત્વશક્તિ કહીને દર્શનના પરિપૂર્ણ સામર્થ્યનું વિશેષ વર્ણન કર્યું છે. સર્વ પદાર્થના
સમુહરૂપ લોકાલોકને સત્તામાત્ર દેખે એવી સર્વદર્શિત્વશક્તિ છે. આત્મામાં લોકાલોકને દેખવાની શક્તિ છે પણ
તેને પોતાનાં કરવાની કે તેમાં કાંઈ ઊથલ પાથલ કરવાની આત્માની તાકાત નથી. જેમ આંખનો સ્વભાવ
પદાર્થોને ફક્ત દેખવાનો છે પણ તેમાં આઘુંપાછું કરવાનો આંખનો સ્વભાવ નથી; તેમ આત્માને દર્શન અને
જ્ઞાનરૂપી આંખો છે, તેનો સ્વભાવ સમસ્ત પદાર્થોને દેખવા–જાણવાનો છે, પણ ક્યાંય ઘાલમેલ કરવાનો તેનો
સ્વભાવ નથી.
આંખથી દેખવાનો આત્માનો સ્વભાવ નથી; હું આંખથી દેખું છું એમ જે માને તેણે ખરેખર આત્માની
સર્વદર્શિત્વરૂપે પરિણમવાની શક્તિને માની નથી. જો પોતાની સર્વદર્શિત્વશક્તિને જાણે તો ઈન્દ્રિયોથી દેખવાનું
માને નહિ તેમ જ રાગને કે અલ્પદર્શિતાને પણ પોતાનું સ્વરૂપ ન માને; ત્રિકાળી સર્વદર્શિત્વશક્તિની સન્મુખ
થતાં તે બધાનો મહિમા છૂટી જાય છે. સાધકની પર્યાયમાં હજી સર્વદર્શીપણું પ્રગટ્યું ન હોવા છતાં તેને સર્વદર્શિત્વ
પરિણમનની પ્રતીત છે કે સર્વદર્શિત્વપણે પરિણમવાની તાકાત મારામાં અત્યારે પણ ભરી છે. સર્વદર્શીપણું એટલે
કેવળદર્શન; તે કેવળદર્શનરૂપે પરિણમવાની તાકાત જો મારામાં ન હોય તો કેવળદર્શનનું વ્યક્ત પરિણમન ક્યાંથી
થશે? ત્રિકાળી શક્તિની પ્રતીતમાં તેની વ્યક્તિની પ્રતીત પણ આવી જ જાય છે.
અજ્ઞાની લોકો બહારની અમુક સંપદા મેળવવાની ભાવના કરે છે, પણ અહીં તો આખી દુનિયાની સમસ્ત
સંપદા એક સાથે જ્ઞેયપણે પ્રાપ્ત થાય તેવો ઉપાય આચાર્યદેવ બતાવે છે. જેને લોકાલોકની સંપદા જોઈતી હોય
તેણે આત્માના કેવળજ્ઞાન–કેવળદર્શનની પ્રતીત કરવી. લોકાલોકની સંપદા કાંઈ આત્મામાં ઘૂસી જતી નથી, પણ
જ્ઞાનદર્શનમાં લોકાલોક જણાય–દેખાય તે જ લોકાલોકની પ્રાપ્તિ છે. ખરેખર તો જ્ઞાન જ્ઞાનમાં છે ને લોકાલોક
લોકાલોકમાં છે, પણ લોકાલોકનું જ્ઞાન થઈ ગયું તે અપેક્ષાએ તેની પ્રાપ્તિ કહેવાય છે. જે થોડું થોડું માંગશે–એટલે
કે અલ્પતાની ભાવના કરશે તેને કાંઈ નહિ મળે અને જે પૂર્ણતાની ભાવના ભાવશે તેને પૂરું મળશે–બધુંય
જણાશે. માટે લક્ષ્મી વગેરે પરને મેળવવાની ભાવના છોડીને એવી ભાવના ભાવો કે જેમાં બધુંય એક સાથે
જણાય એવું કેવળજ્ઞાન હજો! અત્યારે કેવળદર્શનની વાત ચાલે છે, પછી દસમી શક્તિમાં કેવળજ્ઞાનની વાત
કરશે; વસ્તુમાં તો બંને એક સાથે જ છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ પરિણમન થાય તેવી

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૯૬ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
શક્તિ આત્મામાં ભરી છે; તે આત્મશક્તિની–આત્મસ્વભાવની ભાવના ભાવતાં એટલે કે તેની શ્રદ્ધા–જ્ઞાન કરીને
તેમાં લીન થતાં કેવળજ્ઞાન અને કેવળદર્શનનું વ્યક્ત પરિણમન થઈ જાય છે.
અહીં તો કહ્યું છે કે સર્વદર્શિત્વશક્તિ આત્મદર્શનમયી છે, એટલે કે આત્માને દેખતાં તેમાં ત્રણકાળ
ત્રણલોક દેખાઈ જાય તેવી સર્વદર્શિત્વશક્તિ છે. આત્મ ઈન્દ્રિયોવડે તો નથી દેખતો, તેમ જ લોકાલોકને દેખવા
માટે તેને લોકાલોકની સન્મુખ થવું નથી પડતું, પણ આત્મસન્મુખ રહીને જ લોકાલોકને દેખી લ્યે એવી
આત્માની તાકાત છે. અને આત્માના આવા સામર્થ્યની પ્રતીત પણ કોઈ પર વડે કે પરની સન્મુખતાથી થતી
નથી, સ્વરૂપસન્મુખતાથી જ તેની પ્રતીત થાય છે.
કોઈ એમ કહે કે ‘ભગવાન અનંતશક્તિ સંપન્ન છે પણ સર્વશક્તિસંપન્ન નથી, એટલે ભગવાન અનંતને
દેખે પણ સર્વને ન દેખે’ –તો એમ કહેનારને આત્માના સર્વદર્શિત્વસ્વભાવની પ્રતીત નથી એટલે તેણે આત્માને
જ માન્યો નથી. અંર્તદ્રષ્ટિ વગર પોતાને પંડિત માનીને લોકો અનેક પ્રકારના કુતર્ક કરે છે, પણ ચૈતન્યવસ્તુ
એકલા તર્કનો વિષય નથી, આ માર્ગ તો અંર્તદ્રષ્ટિ અને અનુભવનો છે. આચાર્યદેવે અહીં સ્પષ્ટ કહ્યું છે કે
આત્માના દર્શનસ્વભાવમાં સર્વદર્શીપણે પરિણમવાની તાકાત છે. સર્વજ્ઞતા અને સર્વદર્શિતારૂપે આત્માનું
પરિણમન થઈ શકે છે–એવી પણ જેને પ્રતીત નથી તેણે તો ખરેખર સર્વજ્ઞદેવને જ માન્યા નથી એટલે તેને તો
જૈનધર્મની વ્યવહારશ્રદ્ધા પણ નથી.
આ શક્તિઓનું વર્ણન કરીને આચાર્યદેવે થોડા શબ્દોમાં ઘણું રહસ્ય ભરી દીધું છે.
ભગવાનની સ્તુતિમાં આવે છે કે
‘सव्वण्णुणं सव्वदरिसीण’ –હે ભગવાન! આપ સર્વજ્ઞ અને સર્વદર્શી
છો. –સ્તુતિમાં આમ બોલે પણ ભગવાન જેવી જ સર્વજ્ઞ અને સર્વદર્શિત્વશક્તિ પોતાના આત્મામાં ભરી છે તેનો
વિશ્વાસ ન કરે તો ધર્મનો લાભ થાય નહિ, અને તેણે ભગવાનની પરમાર્થસ્તુતિ કરી ન કહેવાય. ભગવાનમાં
જેવી સર્વજ્ઞતા અને સર્વદ્રર્શિતા છે તેવી જ સર્વજ્ઞતા અને સર્વદર્શિતા પ્રગટવાનું સામર્થ્ય પોતામાં પણ ભર્યુ છે
તેનો વિશ્વાસ કરે તેણે જ ભગવાનની ખરી સ્તુતિ કરી છે.
દર્શન બધા પદાર્થોને સામાન્ય સત્તામાત્ર દેખે છે; સિદ્ધ અને સંસારી, ચેતન અને જડ–એવા ભાગ પાડ્યા
વિના ‘બધુંય છે’ એમ દર્શન દેખે છે. ત્રીજી દ્રશિશક્તિના વર્ણનમાં દર્શનઉપયોગનું કથન વિસ્તારથી આવી ગયું
છે. દ્રશિશક્તિ પરિણમીને સર્વદર્શીપણું થાય એવો તેનો પરિણમન સ્વભાવ છે. અધૂરાપણે પરિણમે એવો તેનો
સ્વભાવ નથી. લોકાલોકને દેખતાં આત્મા લોકાલોકમય થઈ જતો નથી માટે આ સર્વદર્શિત્વશક્તિ
આત્મદર્શનમય છે. સામે લોકાલોક છે માટે અહીં સર્વદર્શીપણું છે એમ નથી. લોકાલોકને લીધે આત્માનું
સર્વદર્શીપણું ખીલતું નથી; જો લોકાલોકથી તે ખીલતું હોય તો, લોકાલોક તો અનાદિથી છે તેથી સર્વદર્શીપણું પણ
અનાદિથી ખીલવું જોઈએ. માટે કહ્યું કે સર્વદર્શિત્વશક્તિ આત્મદર્શનમય છે, આત્માના અવલંબને સર્વદર્શીપણું
ખીલી જાય છે. જેણે સર્વદર્શી એવા નિજ આત્માને દેખ્યો તેણે બધું દેખ્યું. યથાર્થપણે એક પણ શક્તિને દેખતાં
અનંતગુણમય આખું દ્રવ્ય જ દેખવામાં આવી જાય છે, એક ગુણની પ્રતીત કરતાં અભેદપણે આખું દ્રવ્ય જ
પ્રતીતમાં આવી જાય છે, કેમકે જ્યાં એક ગુણ છે ત્યાં જ અભેદપદે અનંતગુણો છે.
આત્માનું સર્વદર્શીપણું કોઈ નિમિત્તની સામે જોવાથી વિકાસ પામતું નથી, તેમ જ પુણ્યના લક્ષે કે વર્તમાન
પર્યાયના આશ્રયે પણ તેનો વિકાસ થતો નથી, સર્વદર્શિત્વ સામર્થ્ય જેનામાં ત્રિકાળ પડ્યું છે એવા અભેદ
પરિપૂર્ણ દ્રવ્યના લક્ષે જ સર્વદર્શીપણાનો પરિપૂર્ણ વિકાસ થાય છે; એટલે દ્રવ્યદ્રષ્ટિ કરવી તે જ તાત્પર્ય છે એમ
સિદ્ધ થાય છે. કોઈ નિમિત્તમાં કે રાગમાં એવી તાકાત નથી કે સર્વદર્શિતા આપે. અધૂરી પર્યાયમાં પણ
સર્વદર્શિતા આપવાની તાકાત નથી; સર્વદર્શિતા આપવાની તાકાત તો ત્રિકાળી દ્રવ્યમાં જ છે, માટે દ્રવ્યનો
આશ્રય કરીને પરિણમવું તે જ સર્વદર્શી થવાનો ઉપાય છે.
જે સર્વદર્શિત્વ પ્રગટ્યું તે બધા પદાર્થોને સ્પષ્ટ દેખે છે, દૂરની વસ્તુને ઝાંખી દેખે ને નજીકની વસ્તુને
સ્પષ્ટ દેખે–એવો ભેદ તેનામાં નથી. વળી, દૂરની વસ્તુથી લાભ ન માને પણ શરીર કે દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે
નજીકની વસ્તુથી લાભ માને–એવું પણ સર્વદર્શિત્વશક્તિમાં નથી. જેણે સર્વદર્શિત્વસામર્થ્યની પ્રતીત કરી છે તે
જીવ કોઈ પણ પરવસ્તુથી લાભ–નુકસાન માનતો નથી. સર્વદર્શિત્વ તો આત્મદર્શનમય છે, તેનો સંબંધ પર સાથે
નથી; તો પછી મહાવિદેહ વગેરે દૂરની વાણીથી લાભ ન થાય ને આ નજીકની સાક્ષાત્ વાણીથી
(અનુસંધાન પાના નં. ૨૦૭)

PDF/HTML Page 10 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૧૯૭ :
શ્રી સનાતન જૈન શિક્ષણ–વર્ગ
વિદ્યાર્થીઓને ઉનાળાની રજાઓ દરમિયાન તા. ૧૨–૫–૫૨ વૈશાખ વદ ત્રીજથી તા. ૫–૬–૫૨ જેઠ
સુદ બારસ સુધી સોનગઢમાં શ્રી જૈન સ્વાધ્યાય મંદિર તરફથી જૈનદર્શન શિક્ષણવર્ગ ખોલવામાં આવ્યો
હતો. આ વર્ષે વર્ગમાં લગભગ ૧૪૦ વિદ્યાર્થીઓ આવ્યા હતા, અને ત્રણ શ્રેણીઓ રાખવામાં આવી હતી.
ઉત્તમ શ્રેણીમાં દ્રવ્યસંગ્રહ તથા જૈનસિદ્ધાંતપ્રવેશિકા, મધ્યમ શ્રેણીમાં છહઢાળા તથા જૈનસિદ્ધાંતપ્રવેશિકા
અને બાલ શ્રેણીમાં જૈનબાળપોથી તથા જૈનસિદ્ધાંતપ્રવેશિકા ચાલતા હતા. તા. ૨–૬–૫૨ ના રોજ વર્ગની
પરીક્ષા લેવામાં આવી હતી અને બધા વિદ્યાર્થીઓ વચ્ચે લગભગ ૪૦૦ રૂા. ની કિંમતનાં પુસ્તકો તથા
ફોટાઓ ઈનામ તરીકે વહેંચાયા હતા, તેમ જ ‘પ્રમાણ–પત્ર’ પણ આપવામાં આવ્યા હતા. પરીક્ષામાં ઉત્તમ
શ્રેણીના વિદ્યાર્થીઓને પૂછાયેલા પ્રશ્નો તથા તેના જવાબો અહીં આપવામાં આવે છે.
ઉત્તમશ્રેણીના પ્રશ્નો અને તેના ઉત્તર
[દ્રવ્યસંગ્રહ તથા જૈનસિદ્ધાંતપ્રવેશિકા]
પ્રશ્ન : ૧ સિદ્ધત્વ શું છે? તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? તે પ્રાપ્ત થતાં શું શું પ્રગટે છે? અને તેમને કાંઈ
બાહ્યસામગ્રીનું સુખ છે કે નહિ? –એ વિષય ઉપર એક નિબંધ લખો.
[આ પ્રશ્નના ઉત્તરરૂપ નિબંધ ગયા અંકમાં છપાયેલ છે, ત્યાંથી વાંચી લેવો.]
પ્રશ્ન : ૨ () જીવના નવ અધિકારના નામ લખો.
() જીવત્વ, કર્તૃત્વ અને સંસારિત્વ અધિકારમાં જે જે નયથી કથન કરવામાં આવ્યું હોય તે લખી તે
દરેક નય શું બતાવે છે તે સમજાવો.
ઉત્તર : ૨ () જીવત્વ, ઉપયોગમયત્વ, અમૂર્તિત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ, સ્વદેહપરિમાણત્વ, સંસારિત્વ,
સિદ્ધત્વ અને વિસ્ત્રસા ઊર્ધ્વગમનત્વ–આ પ્રમાણે જીવના નવ અધિકારો છે.
() જીવઅધિકારમાં વ્યવહારનય અને નિશ્ચયનયથી કથન કરવામાં આવ્યું છે.
આ જીવ ઈન્દ્રિય, બળ, શ્વાસોચ્છ્વાસ અને આયુ પ્રાણથી જીવે છે–એમ કહેવું તે વ્યવહારનયનું કથન છે;
અહીં વ્યયહારનય જડ પ્રાણોનો સંયોગ બતાવે છે.
આ જીવ ચેતના પ્રાણથી જીવે છે–એમ કહેવું તે નિશ્ચયનયનું કથન છે; અહીં નિશ્ચયનય વસ્તુનું અસલી
સ્વરૂપ બતાવે છે.
કર્તૃત્વઅધિકારમાં વ્યવહારનય, અશુદ્ધ નિશ્ચયનય અને શુદ્ધ નિશ્ચયનયથી કથન કરવામાં આવ્યું છે.
વ્યવહારનયથી જીવ દ્રવ્યકર્મ અને નોકર્મનો કર્તા છે; અહીં વ્યવહારનય જડના કર્તાપણામાં જીવના
રાગાદિનું નિમિત્તપણું બતાવે છે.
અશુદ્ધ નિશ્ચયનયથી જીવ રાગાદિ વિકારભાવોનો કર્તા છે; અહીં અશુદ્ધનિશ્ચયનય જીવની પોતાની
અશુદ્ધતાને બતાવે છે.
શુદ્ધ નિશ્ચયનયથી જીવ શુદ્ધ જ્ઞાનદર્શનમય ભાવોનો કર્તા છે; અહીં શુદ્ધ નિશ્ચયનય જીવના શુદ્ધ
પરિણામોને બતાવે છે.
સંસારિત્વ અધિકારમાં વ્યવહારનય અને નિશ્ચયનયથી કથન કરવામાં આવ્યું છે.
વ્યવહારનયથી આ જીવ ચૌદ જીવસમાસ, ચૌદ ગુણસ્થાન અને ચૌદ માર્ગણાસ્થાનવાળો છે; અહીં
વ્યવહારનય જીવની ભેદરૂપ અશુદ્ધતા બતાવે છે.
નિશ્ચયનયથી સર્વે જીવો શુદ્ધ છે; અહીં નિશ્ચયનય જીવની અભેદરૂપ શુદ્ધતા બતાવે છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૯૮ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
પ્રશ્ન : ૩ (ક) ઉપયોગની વ્યાખ્યા લખો તથા તેના ભેદ અને પેટાભેદ લખો.
(ખ) અપૂર્ણજ્ઞાન ક્યા ક્યા છે ને તે દરેકની પહેલાંં ક્યો ક્યો દર્શનઉપયોગ હોય છે?
(ગ) જીવ પૈસાનો ઉપયોગ કરી શકે કે નહિ? તે કારણ આપી સમજાવો.
(ઘ) એક વિદ્યાર્થી જિનમંદિરમાં બેસી ‘દ્રવ્યસંગ્રહ’ વાંચતો હતો. પછી તેણે સીમંધર ભગવાનની
પ્રતિમાજીનાં દર્શન કર્યાં ને ત્યાર પછી એક ભક્તિકાવ્ય સાંભળ્‌યું; –આમાં વાંચન, દર્શન અને શ્રવણ કરવામાં
ક્યા ક્યા ઉપયોગ થયા તે અનુક્રમે લખો.
ઉત્તર : ૩ (ક) ચૈતન્યને અનુસરીને થતા આત્માના પરિણામને ઉપયોગ કહે છે; તેના બે ભેદ છે– (૧)
દર્શનઉપયોગ અને (૨) જ્ઞાનઉપયોગ. તેના વિશેષ ભેદો ૧૨ છે તે આ પ્રમાણે: (૧) ચક્ષુદર્શન (૨)
અચક્ષુદર્શન (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન; (૫) કુમતિજ્ઞાન (૬) કુશ્રુતજ્ઞાન (૭) કુઅવધિજ્ઞાન
(૮) મતિજ્ઞાન (૯) શ્રુતજ્ઞાન (૧૦) અવધિજ્ઞાન (૧૧) મનઃપર્યયજ્ઞાન અને (૧૨) કેવળજ્ઞાન.
આ રીતે દર્શનઉપયોગના ૪ અને જ્ઞાનઉપયોગના ૮ એમ કુલ ૧૨ ભેદો છે.
(ખ) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃપર્યયજ્ઞાન–એ ચાર જ્ઞાનો અપૂર્ણ છે.
મતિજ્ઞાન પહેલાંં ચક્ષુદર્શન કે અચક્ષુદર્શનનો ઉપયોગ હોય છે.
શ્રુતજ્ઞાન મતિપૂર્વક જ હોય છે, એટલે શ્રુતજ્ઞાન પહેલાંં દર્શનનો ઉપયોગ હોતો નથી.
અવધિજ્ઞાન પહેલાંં અવધિદર્શનનો ઉપયોગ હોય છે. મનઃપર્યયજ્ઞાન પહેલાંં મતિજ્ઞાનનો ‘ઈહા’ નામનો
ભેદ હોય છે, એટલે મનઃપર્યયજ્ઞાનની પહેલાંં પણ દર્શન–ઉપયોગ હોતો નથી.
(ગ) જીવ પૈસાનો ઉપયોગ કરી શકે નહિ; કારણ કે જીવ ચેતન છે ને પૈસા અચેતન છે. જીવ પોતાની
ચૈતન્યમય પર્યાયને ભોગવી શકે પણ જડની પર્યાયને ભોગવી શકે નહિ. જીવ અને પૈસા વચ્ચે અત્યંત અભાવ
છે. જો જીવ પૈસાનો ઉપયોગ કરી શકે તો તે પોતે જડ થઈ જાય, અથવા તો પૈસા ચેતન થઈ જાય. –પણ એમ
કદી બનતું નથી.
(ધ) વિદ્યાર્થીને વાંચન વખતે મતિજ્ઞાનરૂપ ઉપયોગ હતો; ત્યાર પછી સીમંધર ભગવાનના દર્શન
કર્યા પહેલાંં ચક્ષુદર્શનનો ઉપયોગ થયો; પ્રતિમાજીનાં દર્શન કર્યા ત્યારે નેત્રજન્ય મતિજ્ઞાનનો ઉપયોગ
થયો; ભક્તિના શ્રવણ પહેલાંં અચક્ષુદર્શનનો ઉપયોગ થયો, અને શ્રવણ વખતે કર્ણેન્દ્રિયસંબંધી
મતિજ્ઞાનનો ઉપયોગ થયો.
પ્રશ્ન : ૪ નીચેના પ્રશ્નોના જવાબ કારણ સહિત આપો.
(૧) સિદ્ધભગવાન પરિપૂર્ણ થઈ ગયા છે તો તેઓ અલોકાકાશને જાણી શકે? તેમ જ ત્યાં જઈ શકે કે નહિ?
(૨) ઘડિયાળના જે બે કાંટા દેખાય છે તે નિશ્ચયકાળ છે કે વ્યવહારકાળ?
(૩) એક વૃક્ષનાં પાંદડા ચાલે છે તે ક્યા ગુણને કારણે? ને તે પાંદડાનો પડછાયો નીચે ચાલતો દેખાય
છે તે ક્યા ગુણને કારણે?
(૪) આકાશને ધર્મદ્રવ્ય નિમિત્ત છે કે અધર્મદ્રવ્ય?
(૫) અરિહંત ભગવાન તથા સિદ્ધ ભગવાનના પર્યાયમાં શો ફેર છે?
(૬) જીવનો આકાર મોટો હોય તો તેને સુખ થાય કે જડ ઈન્દ્રિયો વધારે હોય તો સુખ થાય?
ઉત્તર : ૪ (૧) સિદ્ધ ભગવાન પરિપૂર્ણ થઈ ગયા છે તેથી તેમને પરિપૂર્ણ એવું કેવળજ્ઞાન પ્રગટી ગયું
છે; તે કેવળજ્ઞાન સર્વ પદાર્થોને જાણે છે તેથી તેના દ્વારા સિદ્ધ ભગવાન અલોકાકાશને પણ જાણે છે. અને
અલોકાકાશમાં ‘પ્રમેયત્વ’ નામનો ગુણ છે તેથી તે કેવળજ્ઞાનમાં જણાય છે.
સિદ્ધભગવાન અલોકાકાશને જાણતા હોવા છતાં તેઓ અલોકાકાશમાં જઈ શકતા નથી પણ લોકના
અગ્રભાગે બિરાજમાન થાય છે. નિશ્ચયથી તેમની ગતિની યોગ્યતા ત્યાં સુધી જ જવાની છે, અને નિમિત્ત તરીકે
કહીએ તો અલોકાકાશમાં ગતિના નિમિત્તભૂત એવા ધર્મદ્રવ્યનો અભાવ

PDF/HTML Page 12 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૧૯૯ :
છે. વળી સિદ્ધ ભગવાન તે લોકનું દ્રવ્ય છે; લોકનું દ્રવ્ય લોકની બહાર કેમ જાય?
(૨) ઘડિયાળના જે બે કાંટા દેખાય છે તે નિશ્ચયકાળ નથી તેમ જ વ્યવહારકાળ પણ નથી, તે તો
પુદ્ગલદ્રવ્યની પર્યાય છે; કેમકે તે તો ઈન્દ્રિયનો વિષય હોવાથી પ્રગટપણે રૂપી છે, અને રૂપી તો પુદ્ગલ જ હોય.
કાળદ્રવ્ય ઈન્દ્રિયનો વિષય થાય નહિ, કેમકે તે અરૂપી છે.
(૩) વૃક્ષનાં પાંદડાં પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે; પુદ્ગલમાં ક્રિયાવર્તી નામની એક શક્તિ છે, તે શક્તિના
કારણે તેનું ક્ષેત્રાંતર થાય છે, અને તેથી જ પાંદડા ચાલે છે.
નીચે જે પડછાયો ચાલતો દેખાય છે તેમાં ખરેખર તે પડછાયો નથી ચાલતો, પણ તે તે જગ્યાના
પરમાણુઓ પોતે જ દ્રવ્યત્વગુણને કારણે ઊજળી અને કાળી અવસ્થારૂપે થાય છે.
(૪) આકાશને ધર્મદ્રવ્ય કે અધર્મદ્રવ્ય બેમાંથી એકેય નિમિત્ત નથી; કેમકે ધર્મદ્રવ્ય તો ગતિરૂપ પરિણત દ્રવ્યોને
ગતિમાં નિમિત્ત છે, આકાશદ્રવ્ય કાંઈ ગતિ કરતું નથી. તેથી તેને ધર્મદ્રવ્ય નિમિત્ત નથી. અને અધર્મદ્રવ્ય ગતિપૂર્વક
સ્થિતિ પામનારા દ્રવ્યોને નિમિત્ત છે, આકાશદ્રવ્ય તો સદાય સ્થિર જ છે, તે ગતિપૂર્વક સ્થિતિને પામેલું નથી, માટે તેને
અધર્મદ્રવ્ય પણ નિમિત્ત નથી. ગતિ–સ્થિતિમાં ધર્મ–અર્ધમદ્રવ્યનું નિમિત્તપણું જીવ અને પુદ્ગલને જ છે.
(૫) અરિહંત ભગવાનને જ્ઞાનાદિગુણોની સ્વભાવઅર્થપર્યાય છે, યોગ વગેરે ગુણોની
વિભાવઅર્થપર્યાયો છે તથા પ્રદેશત્વગુણની વિભાવવ્યંજનપર્યાય છે. અને સિદ્ધભગવાનને સ્વભાવઅર્થપર્યાય
તથા સ્વભાવવ્યંજનપર્યાય છે, તેમને વિભાવઅર્થપર્યાય કે વિભાવવ્યંજનપર્યાય નથી.
અરિહંત ભગવાનને બધી અર્થપર્યાયો સ્વભાવરૂપ થઈ નથી પણ કેટલીક થઈ છે, અને સિદ્ધ ભગવાનને
તો બધી અર્થપર્યાયો સ્વભાવરૂપ થઈ ગઈ છે. વળી અરહંત ભગવાનને વ્યંજનપર્યાય પણ વિભાવરૂપ છે ને સિદ્ધ
ભગવાનને તે સ્વભાવરૂપ છે.
(૬) જીવનો આકાર મોટો હોય તો તેને સુખ થાય એમ નથી; કેમકે સુખ તો અર્થપર્યાય છે અને આકાર
તે વ્યંજનપર્યાય છે, તેથી નાનો–મોટો આકાર તે સુખ–દુઃખનું કારણ નથી, પણ સુખ ગુણની સ્વભાવઅર્થપર્યાય
તે સુખ છે, ને વિભાવઅર્થપર્યાય તે દુઃખ છે.
વળી જડ ઈન્દ્રિયો વધારે હોય તો જીવને સુખ થાય – એમ પણ નથી; કેમકે જડ ઈન્દ્રિયોમાં સુખ નથી
તેથી તે જીવને સુખનું કારણ નથી, સુખ તો આત્મામાં જ છે.
પ્રશ્ન : ૫ () અભાવના પ્રકાર અને તેની વ્યાખ્યા લખો.
() નીચેના વાક્યોમાં જે શબ્દોની નીચે લીટી કરી છે તેની વચ્ચે ક્યો અભાવ છે તે કારણસહિત લખો :
(૧) જીવની મરજીથી મુખમાંથી વાણી નીકળી.
(૨) સોનીએ હથોડીવડે કુંડળ બનાવ્યું.
(૩) આહારવર્ગણામાંથી આહારકશરીર થયું.
(૪) કર્મ આત્માને સંસારમાં રખડાવે.
(૫) વર્તમાનમાં બિરાજમાન સીમંધર પરમાત્મા ભવિષ્યમાં સિદ્ધ થવાના છે.
(૬) ‘દ્રવ્યસંગ્રહ’ વાંચીને મને જ્ઞાન થયું.
(૭) એક ગૃહસ્થે ધન ખર્ચ્યું તેથી તેને ધર્મ થયો.
[નોટ :– અહીં લખેલા વાક્યો માત્ર ‘અભાવ’ના પ્રકારોને શોધી કાઢવા માટે લખવામાં આવ્યા છે, તે
વાક્યો પ્રમાણે સિદ્ધાંત છે એમ ન સમજવું.]
ઉત્તર : ૫ () ‘અભાવ’ના ચાર પ્રકાર છે– (૧) પ્રાક્અભાવ (૨) પ્રધ્વંસઅભાવ (૩)
અન્યોન્યઅભાવ અને (૪) અત્યંતઅભાવ.
(૧) પ્રાક્અભાવ= એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તેની પૂર્વપર્યાયમાં અભાવ.
(૨) પ્રધ્વંસઅભાવ= એક દ્રવ્યની વર્તમાન પર્યાયનો તેની ભવિષ્યની પર્યાયમાં અભાવ.
(૩) અન્યોન્યઅભાવ= એક પદ્ગલદ્રવ્યની વર્તમાન પર્યાયનો બીજા પુદ્ગલદ્રવ્યની વર્તમાન પર્યાયમાં અભાવ.
(૪) અત્યંતઅભાવ= એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ.
(
) (૧) ‘મરજી’ અને ‘મુખ’ વચ્ચે અત્યંતઅભાવ છે; કારણ કે મરજી તે જીવની પર્યાય છે અને મુખ
તે પુદ્ગલની પર્યાય છે.
‘મુખ’ અને ‘વાણી’ વચ્ચે અન્યોન્યઅભાવ છે; કારણ કે તે બંને પુદ્ગલદ્રવ્યની વર્તમાન પર્યાયો છે.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૦૦ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
‘વાણી’ અને ‘મરજી’ વચ્ચે અત્યંતઅભાવ છે; કેમકે વાણી તે પુદ્ગલદ્રવ્યની પર્યાય છે અને મરજી તે જીવની પર્યાય છે.
(૨) ‘હથોડી’ અને ‘કુંડળ’ વચ્ચે અન્યોન્યઅભાવ છે; કારણ કે તે બંને પુદ્ગલ દ્રવ્યની વર્તમાન પર્યાયો છે.
(૩) ‘આહારકશરીર’ નો ‘આહારવર્ગણા’માં પ્રાક્અભાવ છે; કારણ કે તે બંને એક જ પુદ્ગલદ્રવ્યની
અવસ્થાઓ છે, અને તેમાં આહારક શરીર તે વર્તમાન અવસ્થા છે અને આહારવર્ગણા તે ભૂતકાળની અવસ્થા છે.
(૪) ‘ર્ક્મ’ અને ‘આત્મા’ વચ્ચે અત્યંતઅભાવ છે; કેમકે કર્મ પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે. જીવ અને
પુદ્ગલ એ બંને ભિન્ન ભિન્ન દ્રવ્યો છે.
(૫) ‘સીમંધર પરમાત્મા’ અને તેમની ભાવિ ‘સિદ્ધદશા’ વચ્ચે પ્રધ્વંસઅભાવ છે; કારણ કે સીમંધર
પરમાત્મા તે વર્તમાન અરિહંત અવસ્થા છે અને સિદ્ધપણું તે તેમની ભવિષ્યની પર્યાય છે.
(૬) ‘દ્રવ્યસંગ્રહ’ પુસ્તક અને ‘જ્ઞાન’ વચ્ચે અત્યંતઅભાવ છે; કારણ કે દ્રવ્યસંગ્રહ તે પુદ્ગલ દ્રવ્યની
પર્યાય છે, ને જ્ઞાન તે જીવદ્રવ્યની પર્યાય છે.
(૭) ‘ધન’ અને ‘ધર્મ’ વચ્ચે અત્યંતઅભાવ છે; કારણ કે ધન તો પુદ્ગલ દ્રવ્યની અવસ્થા છે ને ધર્મ
જીવદ્રવ્યની અવસ્થા છે.
પ્રશ્ન : ૬ () નીચેના પદાર્થોમાંથી દ્રવ્ય, ગુણ, પર્યાય ઓળખી કાઢો–
(૧) કેવળદર્શન (૨) પરમાર્થકાળ (૩) સ્થિતિહેતુત્વ (૪) આપણી નજર સામે દેખાય છે તે આકાશ
(૫) ઉષ્ણતા (૬) નય (૭) અંતર્મુહૂર્ત.
ઉપરના પદાર્થોમાંથી જે ‘દ્રવ્ય’ હોય તેનો વિશેષ ગુણ લખો; જે ‘ગુણ’ હોય તે ક્યા દ્રવ્યનો અને કેવી
જાતનો (સામાન્ય કે વિશેષ) ગુણ છે તે લખો; અને જે પર્યાય હોય તે ક્યા દ્રવ્યના, ક્યા ગુણનો, કેવો (વિકારી
કે અવિકારી) પર્યાય છે તે બતાવો.
() નીચેના ગુણે અનુજીવી છે કે પ્રતિજીવી? અને તે ક્યા દ્રવ્યના છે તે લખો.
(૧) અરૂપીપણું (૨) અવગાહનહેતુત્વ (૩) સૂક્ષ્મત્વ (૪) અભવ્યત્વ (૫) અચેતનત્વ (૬) પ્રદેશત્વ.
ઉત્તર : ૬
[अ] (૧) કેવળદર્શન તે જીવદ્રવ્યના, દર્શનગુણની, અવિકારી પૂર્ણ પર્યાય છે.
(૨) પરમાર્થકાળ તે દ્રવ્ય છે અને પરિણમનહેતુત્વ તે તેનો વિશેષગુણ છે.
(૩) સ્થિતિહેતુત્વ તે અધર્મદ્રવ્યનો વિશેષ ગુણ છે.
(૪) નજર સામે દેખાતું આકાશ તે પુદ્ગલદ્રવ્યના વર્ણગુણની વિકારી પર્યાય છે.
(૫) ઉષ્ણતા તે પુદ્ગલદ્રવ્યના, સ્પર્શગુણની, વિકારી પર્યાય છે.
(૬) નય તે જીવદ્રવ્યના જ્ઞાનગુણની (શ્રુતજ્ઞાનના અંશ રૂપ) અવિકારી પર્યાય છે.
(૭) અંતર્મુહૂર્ત તે કાળદ્રવ્યની અવિકારી પર્યાય છે.
[ब] (૧) અરૂપીપણું તે પુદ્ગલ સિવાયના પાંચેય દ્રવ્યોનો (જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળનો)
પ્રતિજીવી ગુણ છે.
(૨) અવગાહનહેતુત્વ તે આકાશદ્રવ્યનો અનુજીવી ગુણ છે.
(૩) સૂક્ષ્મત્વ તે જીવદ્રવ્યનો પ્રતિજીવી ગુણ છે.
(૪) અભવ્યત્વ તે જીવદ્રવ્યનો અનુજીવી ગુણ છે.
(આ ગુણ અભવ્ય જીવોમાં જ હોય છે; ભવ્ય જીવોમાં ‘ભવ્યત્વ’ નામનો ગુણ હોય છે.)
(૫) અચેતનત્વ તે જીવ સિવાયનાં પાંચેય દ્રવ્યોનો (–પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળનો)
પ્રતિજીવી ગુણ છે.
(૬) પ્રદેશત્વ તે છએ દ્રવ્યોનો અનુજીવી ગુણ છે.

ઉત્તમ શ્રેણી અને મધ્યમ શ્રેણીમાં વિશેષ માકર્સ મેળવનાર વિદ્યાર્થીઓનાં નામ–
ઉત્તમ શ્રેણી (૧) નરેશચંદ્ર મગનલાલ મહેતા, સુરત : માર્ક ૯૫
(૨) રમેશચંદ્ર મગનલાલ મહેતા, સુરત : માર્ક ૯૧

PDF/HTML Page 14 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૨૦૧ :
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ
સમ્યગ્દર્શન નિમિત્તનૈમિત્તિક સંબંધને સ્વીકારતું નથી; સમ્યગ્દર્શન તો નિમિત્તોથી નિરપેક્ષ શુદ્ધ ચૈતન્યદ્રવ્યને જ
સ્વીકારે છે. નિમિત્તનૈમિત્તિક સંબંધ તો પર્યાયમાં છે, પણ પર્યાય તે સમ્યગદ્રર્શનનો વિષય નથી, સમ્યગ્દર્શનનો વિષય શુદ્ધ
દ્રવ્ય છે, તેમાં નિમિત્તનૈમિત્તિક સંબંધ હોતો નથી. હું પરનો કર્તા છું–એવી બુદ્ધિ તે તો મહા મિથ્યાત્વ છે, અને હું પરને
નિમિત્ત છું–એવી દ્રષ્ટિ રહે ત્યાંસુધી પણ મિથ્યાત્વ ટળતું નથી. જ્યાંસુધી પરને નિમિત્ત થવા ઉપર દ્રષ્ટિ છે ત્યાંસુધી પર
ઉપર દ્રષ્ટિ છે અને શુદ્ધ દ્રવ્ય તેની પ્રતીતમાં આવતું નથી તેથી સમ્યગ્દર્શન થતું નથી.
આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવ છે, તેમાં તો કોઈ નિમિત્ત નથી. તે સ્વભાવનું અવલંબન છોડીને પોતે વિકારભાવ
કરે છે ત્યારે તેમાં પર નિમિત્ત હોય છે. જો પરનિમિત્તના લક્ષ વગર એકલા સ્વભાવના લક્ષે જ વિકાર થતો હોય તો તો તે
સહજસ્વભાવ થઈ જાય! તેમ જ નિમિત્ત જો વિકાર કરાવતું હોય તો જીવ તેને કદી ટાળી શકે નહિ; માટે જીવ પોતાના
દોષથી વિકાર કરે ત્યારે તેને કર્મ સાથે નિમિત્ત–નૈમિત્તિક સંબંધ હોય છે, પણ કર્મ જીવને વિકાર કરાવે છે–એમ નથી.
કર્મ જીવને વિકાર કરાવે એમ માને તેણે તો પર સાથે કર્તાકર્મની બુદ્ધિનું સ્થૂળ મિથ્યાત્વ છે. અને કર્મ જીવને વિકાર
ન કરાવે, પણ જીવ પોતાની યોગ્યતાથી વિકાર કરે ત્યારે કર્મ તેમાં નિમિત્ત હોય છે–એ પ્રમાણે નિમિત્તનૈમિત્તિક સંબંધ
જાણીને, તેના ઉપર જ દ્રષ્ટિ રાખ્યા કરે, પણ પર્યાય અને નિમિત્તનું લક્ષ છોડીને સ્વભાવ તરફ દ્રષ્ટિ ન કરે, તો તેને પણ
મિથ્યાત્વ ટળતું નથી, તે જીવ પર્યાયબુદ્ધિમાં અટકી ગયો છે. જ્યાંસુધી નિમિત્તનૈમિત્તિક સંબંધ ઉપર લક્ષ રહે છે ત્યાંસુધી
રાગની ઉત્પત્તિ થાય છે, અને નિરપેક્ષ જ્ઞાનાનંદસ્વભાવના લક્ષે અકાગ્ર થતાં રાગની ઉત્પત્તિ થતી નથી, ને
નિમિત્તનૈમિત્તિકભાવનો પણ અભાવ થતો જાય છે. જ્યાં નિમિત્ત, રાગ અને પર્યાયની રુચિ છોડીને શુદ્ધ અખંડ સ્વભાવની
રુચિ પ્રગટ કરી અને સમ્યગ્દર્શન થયું ત્યાં મિથ્યાત્વકર્મ સાથેના નિમિત્તનૈમિત્તિક ભાવનો અભાવ થઈ ગયો તેમ જ કુદેવ–
કુગુરુ–કુશાસ્ત્ર તેમજ મધ–માંસ–દારૂ વગેરે સાથેનો નિમિત્તનૈમિત્તિક સંબંધ પણ છૂટી ગયો. આ પ્રમાણે સ્વભાવના આશ્રયે
જેમ જેમ શુદ્ધતા વધતી જાય છે તેમ તેમ રાગ છૂટતો જાય છે ને રાગના નિમિત્તો સાથેનો સંબંધ પણ છૂટતો જાય છે. જ્યાં
મુનિદશા પ્રગટે ત્યાં વસ્ત્રાદિ પરિગ્રહ સાથેનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છૂટી જાય છે, સંપૂર્ણ શુદ્ધ દશા થતાં બધા પદાર્થો
સાથેનો વિકાર તરીકેનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છૂટી જાય છે ને ફકત શુદ્ધ જ્ઞેયજ્ઞાયક સંબંધ જ રહે છે.
પોતાના ભાવમાં જેણે જે જાતનું નિમિત્ત સ્વીકાર્યું તેને પોતામાં તે જાતનો નૈમિત્તિકભાવ ઊભો જ છે. જેણે
મિથ્યાત્વકર્મને પોતાના નિમિત્ત તરીકે સ્વીકાર્યું તેને પોતામાં નૈમિત્તિક તરીકે મિથ્યાત્વભાવ ઊભો જ છે, એ પ્રમાણે બધામાં
સમજી લેવું. પહેલાંં સર્વ નિમિત્તનૈમિત્તિક સંબંધની દ્રષ્ટિ છોડીને જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન થાય છે, ત્યાં
મિથ્યાત્વના નિમિત્તો સાથેનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છૂટે છે, ને પછી સ્વભાવમાં એકાગ્રતાથી જેમ જેમ શુદ્ધતા પ્રગટતી જાય છે
તેમ તેમ અશુદ્ધતા છૂટતી જાય છે તથા પરદ્રવ્ય સાથેનો નિમિત્તનૈમિત્તિક સંબંધ પણ છૂટતો જાય છે. આ પ્રમાણે જાણે તો
નિમિત્તનૈમિત્તિક સંબંધને જાણ્યો કહેવાય, પણ નિમિત્તને લીધે વિકાર થાય અથવા તે કર્મના ઉદય પ્રમાણે જ જીવને રાગદ્વેષ થાય
–એમ જે માને તેને તો નિમિત્તનૈમિત્તિક સંબંધનું પણ જ્ઞાન નથી; તેમજ જે ભૂમિકામાં જે પદાર્થો સાથે નિમિત્તનૈમિત્તિક સંબંધ ન
હોય તે ભૂમિકામાં તેવો નિમિત્તનૈમિત્તિક સંબંધ મનાવે તો તેને પણ નિમિત્તનૈમિત્તિક સંબંધનું જ્ઞાન નથી. જેમકે મુનિદશામાં વસ્ત્ર
સાથેનો નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય જ નહિ, છતાં ત્યાં વસ્ત્ર મનાવે તો તે જીવને મુનિદશાનું કે નિમિત્તનૈમિત્તિક સંબંધનું ભાન
નથી, કેવળજ્ઞાનદશા પ્રગટી ગઈ હોય અને આહાર કરવાનું માને તો તે જીવને કેવળજ્ઞાનદશામાં કેવો નિમિત્તનૈમિત્તિક સંબંધ હોય
તેનું ભાન નથી ને કેવળજ્ઞાનની પણ તેને ઓળખાણ નથી. શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ નિમિત્તને નથી સ્વીકારતી, પણ જેને એવી
અપૂર્વ દ્રષ્ટિ પ્રગટી હોય તે જીવને સ્વપરપ્રકાશક જ્ઞાનની ખીલવટમાં નિમિત્તનૈમિતિક સંબંધનું યથાર્થજ્ઞાન હોય છે. કઈ ભૂમિકામાં
કેવા નિમિત્ત હોય ને કેવા નિમિત્તોનો સંબંધ છૂટી ગયો હોય તેનો તેને બરાબર વિવેક હોય છે. –પ્રવચનમાંથી.
(૩) જગદીશચંદ્ર નવલચંદ શાહ, મુંબઈ : માર્ક ૮૯ (૨) દુર્લભરાય ચુનીલાલ કલોલ : માર્ક ૭૭
(૪) રસિકલાલ ધરમશી મણિયાર, વઢવાણ : માર્ક ૮૬ (૩) રજનીકાન્ત જસરાજ અમદાવાદ : માર્ક ૭૬
મધ્યમ શ્રેણી : (૪) વાડીલાલ મનસુખલાલ ગોરડકા : માર્ક ૭૩
(૧) હરીન્દ્ર જસરાજ અમદાવાદ : માર્ક ૭૮ (૫) કિશોરચંદ્ર જગજીવન ગઢડા : માર્ક ૭૨

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૦૨ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
સ્વાધ્યાયશાળાની
‘શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમ’ની
દિવાલો ઉપરથી
‘કર્તવ્ય’
જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય
એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ મારે કરવું છે તે
આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે.
–શ્રીમદ્ રાજચંદ્ર
‘નમસ્કાર’
અમારા જીવનને ઉજાળનાર અને અમ પામરને
સત્પંથે ચડાવનાર હે પરમોપકારી શ્રી સદ્ગુરુદેવ!
આપના ચરણ કમળમાં પરમ ભક્તિથી નમસ્કાર!
‘પવિત્ર આશ્રમ’
અર્હંતને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે,
ગણધર અને અધ્યાપકોને સર્વ સાધુ સમૂહને.
તસુ શુદ્ધ દર્શનજ્ઞાન મુખ્ય ‘પવિત્ર આશ્રમ’ પામીને,
પ્રાપ્તિ કરું હું સામ્યની જેનાથી શિવપ્રાપ્તિ બને.
–શ્રી પ્રવચનસાર
‘સિદ્ધ ભગવંતોનું પરમ સુખ’
आत्मोपादानसिद्धं स्वयमतिशयवत् वीतबाधं विशालं।
वृद्धिह्रासव्यपेतं विषयविरहितं निःप्रतिद्वन्द्व भावम्।।
अन्यद्रव्यानपेक्षं निरूपमममितं शाश्वतं सर्वकालं।
उत्कृष्टानंतसारं परमसुखमतस्तस्य सिद्धस्य जातम्।। ७।।
–શ્રી સિદ્ધભક્તિ.
‘મનોરથ’
ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહંતી,
વાણી ચિન્મૂર્તિ! તારી ઉર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી;
ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી,
ખોયેલું રત્ન પામું–મનરથ મનનો, પૂરજો શક્તિશાળી!
–શ્રી સદ્ગુરુદેવની સ્તુતિ.
‘ચારિત્ર–ધર્મ –સામ્ય’
સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે.
સ્વસમયમાં પ્રવૃત્તિ એવો તેનો અર્થ છે.
તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે.
શુદ્ધ ચૈતન્યનું પ્રકાશવું એવો તેનો અર્થ છે.
તે જ યથાસ્થિત આત્મગુણ હોવાથી સામ્ય છે.
– શ્રી પ્રવચનસાર ટીકા.
* સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન *
પ્રથમ જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને
પછી મતિજ્ઞાનતત્ત્વને તથા શ્રુતજ્ઞાનતત્ત્વને પણ
આત્મસન્મુખ કરતો અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ
નિજરસથી જ પ્રગટ થતા આદિ–મધ્ય–અંતરહિત,
અનાકુળ, કેવળ એક, આખાય વિશ્વના ઉપર જાણે કે
તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત,
વિજ્ઞાનઘન, પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા
અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્ પણે દેખાય છે.
અને જણાય છે તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન છે. –શ્રી સમયસાર–આત્મખ્યાતિ.
* ભાવના *
મિથ્યાત્વ–આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ–આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦.
ભવાવર્તમાં પૂર્વે નહિ ભાવેલી ભાવનાઓ હવે
હું ભાવું છું. તે ભાવનાઓ પૂર્વે નહિ ભાવી હોવાથી હું
ભવના અભાવ માટે તેમને ભાવું છું.
–શ્રી નિયમસાર.
* મુમુક્ષુનું કર્તવ્ય *
પ્રત્યક્ષ સત્સમાગમમાં ભક્તિ વૈરાગ્યાદિ દ્રઢ

PDF/HTML Page 16 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૨૦૩ :
* વસ્તુ સ્વભાવ *
જે દ્રવ્ય છે પર તેહને ન ગ્રહી, ન છોડી શકાય છે,
એવો જ તેનો ગુણ કો પ્રાયોગી ને વૈસ્ત્રસિક છે. ૪૦૬.
–શ્રી સમયસાર.
* સાચી શરૂઆત *
‘પૂર્ણતાના લક્ષે શરૂઆત
તે જ વાસ્તવિક શરૂઆત છે.’
પૂ. શ્રી ગુરુદેવ.
* ધર્મનું મૂળ *
‘दसंण मूलो धम्मो’
–ધર્મનું મૂળ દર્શન છે. –શ્રી અષ્ટપ્રાભૂત.
* ઓછામાં ઓછું કર્તવ્ય *
કરી જો શકે, પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો!
કર્તવ્ય છે શ્રદ્ધા જ, શક્તિવિહીન જો તું હોય તો. ૧૫૪.
–શ્રી નિયમસાર
* કાં કર્તા, કાં જ્ઞાતા *
જે કરે છે તે કેવળ કરે જ છે
અને જે જાણે છે તે કેવળ જાણે જ છે;
જે કરે છે તે કદી જાણતો નથી
અને જે જાણે છે તે કદી કરતો નથી.
શ્રી સમયસાર–કલશ. ૯૬
* પાત્રતા *
પાત્ર વિના વસ્તુ ન રહે,
પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા
બ્રહ્મચર્ય મતિમાન.
* શ્રાવકોનાં છ આવશ્યક *
देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः।
दानं चेतिगृहस्थानां षट्कर्माणि दिने दिने।। ७।।
–શ્રી પદ્મનંદિ પંચવિંશતિ.
જેમ કમળની અંદર ભ્રમર સમાઈ જાય છે તેમ
જેમના જ્ઞાનકમળમાં આ જગત તેમ જ અજગત સદા
સ્પષ્ટપણે સમાઈ જાય છે, તે નેમિનાથ તીર્થંકર
ભગવાનને હું ખરેખર પૂજું છું કે જેથી ઊંચા
તરંગોવાળા સમુદ્રને પણ બે ભુજાઓથી તરી જાઉં.
–શ્રી નિયમસાર ટીકા.
જેમણે ઉપાદાન–નિમિત્ત, નિશ્ચય–વ્યવહાર,
દ્રવ્યસ્વાતંત્ર્ય, ક્રમબદ્ધપર્યાય, સ્વાનુભૂતિ, ચારિત્રદશા
વગેરેનું સર્વજ્ઞપ્રણીત યથાર્થ સ્વરૂપ સમજાવ્યું તથા
પરદ્રવ્યોનું, શુભાશુભભાવોનું તેમ જ શુદ્ધભાવનું પણ
ધર્મની રીત
ધર્મ ક્યાં છે અને ધર્મ કેમ થાય?
પરમાં ધર્મ નથી, પર વડે ધર્મ થતો નથી.
શરીરમાં ધર્મ નથી, શરીર વડે ધર્મ થતો નથી.
પાપમાં ધર્મ નથી, પાપ વડે ધર્મ થતો નથી.
પુણ્યમાં ધર્મ નથી, પુણ્ય વડે ધર્મ થતો નથી.
પર્યાયમાં ધર્મ છે પણ પર્યાયના આશ્રયે ધર્મ થતો નથી.
આત્માના એકરૂપ જ્ઞાયકસ્વભાવના આધારે પર્યાયમાં ધર્મ થાય છે;
પણ અભેદ વસ્તુમાં ભેદ પાડીને તે ભેદના આશ્રયે ધર્મ થતો નથી.
માટે
જો તમારે ધર્મ કરવો હોય તો તેની રીત એ છે કે
પરથી, શરીરથી, પાપથી ને પુણ્યથી જુદા અભેદ જ્ઞાયક–
સ્વભાવી તમારા આત્માને ઓળખીને તેનો આશ્રય કરો!

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૦૪ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
* અતીન્દ્રિય જ્ઞાન *



આત્મા જ્ઞાનસ્વભાવી છે; તે જ્ઞાનની પૂર્ણદશા થાય તે જ આદરણીય છે. જ્ઞાનનો સ્વભાવ પરના
અવલંબને જાણવાનો નથી પણ સ્વત: પોતાથી જ જાણવાનો તેનો સ્વભાવ છે. જ્ઞાનની જે અવસ્થા સ્વભાવનું
અવલંબન છોડીને જડ ઈન્દ્રિયોના અવલંબને કાર્ય કરે તેને ‘ઈન્દ્રિયજ્ઞાન’ કહેવાય છે, તેની સાથે રાગની ઉત્પત્તિ
થાય છે. જે જ્ઞાન આત્મસ્વભાવના અવલંબને કાર્ય કરે તે જ્ઞાન અતીન્દ્રિય છે. અતીન્દ્રિયજ્ઞાનમાં રાગની ઉત્પત્તિ
થતી નથી કેમકે તેમાં કોઈ પર દ્રવ્યનું અવલંબન નથી. આવું અતીન્દ્રિય જ્ઞાન તે મારું સ્વરૂપ છે ને તે જ ઉપાદેય
છે–એવી પ્રતીત કરવી તે ધર્મની શરૂઆત છે.
જ્ઞાનસ્વભાવ તે સ્વ છે ને ઈન્દ્રિયો તે પર છે; માટે હે જીવ! ઈન્દ્રિયજન્ય જ્ઞાનને તારું સ્વરૂપ ન માન,
તારા જ્ઞાનને આત્મસ્વભાવસન્મુખ કરીને આત્મજન્ય–અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ કર. ઈન્દ્રિયજનિત જ્ઞાનથી યથાર્થ
વસ્તુસ્વરૂપ દેખી શકાતું નથી, અતીન્દ્રિયજ્ઞાનથી જ યથાર્થ વસ્તુસ્વરૂપ દેખી શકાય છે; અને યથાર્થ વસ્તુસ્વરૂપ
દેખ્યા વગર જ્ઞાન સમ્યક્ થતું નથી; માટે જો તારે તારા જ્ઞાનને સમ્યક્ બનાવવું હોય તો તું જડ ઈન્દ્રિયોનું
અવલંબન છોડીને આત્મસ્વભાવના જ અવલંબને અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ કર.
ઈન્દ્રિયો આત્માથી પરદ્રવ્ય છે, તે ઈન્દ્રિયો તરફ વળેલા જ્ઞાનના આશ્રયે ધર્મ થતો નથી. ઈન્દ્રિયો મૂર્ત છે
અને તેને અવલંબીને થતું ઈન્દ્રિયજ્ઞાન મૂર્ત પદાર્થોને જ દેખે છે, તેથી તે જ્ઞાનને પણ મૂર્ત કહેવાય છે, અતીન્દ્રિય
ચૈતન્યસ્વભાવને તે જ્ઞાન દેખતું નથી. તે જ્ઞાન પરાશ્રિત અને રાગવાળું છે તેથી તે આદરણીય નથી, તેનાથી ધર્મ
થતો નથી. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને અવલંબીને જે જ્ઞાન થાય તે અતીન્દ્રિયજ્ઞાન રાગરહિત છે, તે
આદરણીય છે, તેનાથી ધર્મ થાય છે.
‘અહો! મારો અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવ જ મારે ઉપાદેય છે’ –એમ પોતાના અતીન્દ્રિયજ્ઞાનને જ ઉપાદેય
માનનાર ધર્મી જીવનું વલણ પર તરફથી ને રાગ તરફથી ખસીને સ્વભાવ તરફ વળી જાય છે, તે જીવ પરના
કર્તૃત્વનો અહંકાર તો કરતો નથી ને રાગનો પણ કર્તા થતો નથી; કેમકે અતીન્દ્રિયજ્ઞાનનું વલણ પર તરફ
હોતું નથી. સાધક દશામાં સ્વભાવના આશ્રયે અંશે અતીન્દ્રિયજ્ઞાન થયું છે, ત્યાં અસ્થિરતાના કારણે ઈન્દ્રિયો
તરફ વલણ જાય ને રાગ થાય તેને સાધક જીવ આદરણીય માનતા નથી. ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરીને તેના
આશ્રયે જે અતીન્દ્રિયજ્ઞાન ખીલે તે જ આદરણીય છે. – પર્યાયના આશ્રયે ને પરના આશ્રયે જે જ્ઞાન થાય
તેટલું જ પોતાનું સ્વરૂપ માને તો તે પર્યાયમૂઢ છે, તે જીવ પોતાના જ્ઞાનને અંર્તસ્વભાવ તરફ વાળીને તેની
પ્રતીત કરતો નથી. જ્ઞાન તો આત્માનું છે, આત્માના ત્રિકાળી ચૈતન્યસ્વભાવને આશ્રયે જ્ઞાનપર્યાય પ્રગટે છે,
તે સ્વભાવની શ્રદ્ધા કરીને તેનો આશ્રય કરવો તે ધર્મ છે. આવા સ્વભાવની શ્રદ્ધા અને જ્ઞાન કરવા તે ધર્મની
પહેલી ભૂમિકા છે.
અજ્ઞાનીને એમ લાગે છે કે મારું જ્ઞાન ઈન્દ્રિયોથી થાય છે. પણ જ્ઞાની કહે છે કે અરે ભાઈ! તું ચૈતન્ય ને
ઈન્દ્રિયો જડ, તું અમૂર્તિક અને ઈન્દ્રિયો મૂર્ત, –તો તારું જ્ઞાન ઈન્દ્રિયોમાંથી કેમ આવે? વળી આત્મા ઈન્દ્રિયો દ્વારા
પણ જાણતો નથી; કેમકે ઈન્દ્રિયોમાં વચ્ચે કાંઈ એવા કાણાં નથી કે તેમાંથી આત્મા દેખે! ઈન્દ્રિયોથી મારું જ્ઞાન
થાય એમ જે માને છે તેને આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી, પણ જડ ઈન્દ્રિયો સાથે તેને એકત્વબુદ્ધિ છે. તે
એકત્વબુદ્ધિનું અજ્ઞાન છોડાવવા આચાર્યદેવ કહે છે કે હે જીવ! આત્મા પોતે જ્ઞાનસ્વભાવી છે, તેના જ્ઞાનને કોઈ
પણ પર દ્રવ્યનું અવલંબન નથી, ઈન્દ્રિયોનું પણ અવલંબન નથી; પરના અવલંબન વગર પોતાના સ્વભાવથી જ
જાણવાનો તેનો સ્વભાવ છે. –આવા જ્ઞાનસ્વભાવનો વિશ્વાસ કરીને તેનો જ આદર કર! એમ કરવાથી તે
સ્વભાવના આશ્રયે અતીન્દ્રિય કેવળજ્ઞાનદશા પ્રગટી જશે.
–પ્રવચનમાંથી

PDF/HTML Page 18 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૨૦૫ :
‘આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે’
[જિજ્ઞાસુ શિષ્યની પાત્રતા]


જે જીવ અજ્ઞાની છે, જેણે કદી આત્માના પરમાર્થસ્વરૂપને અનુભવ્યું નથી, પણ હવે જેને શુદ્ધ
આત્મસ્વરૂપ સમજવાની ઝંખના જાગી છે એવા પાત્ર શિષ્યને શ્રીગુરુ આત્માનું પરમાર્થસ્વરૂપ સમજાવે છે. તે
શિષ્યને ‘આત્મા’ એવો શબ્દ કહેવામાં આવતાં, જેવો ‘આત્મા’ શબ્દનો અર્થ છે તે અર્થના જ્ઞાનથી રહિત
હોવાથી કાંઈ પણ ન સમજતાં મેંઢાની જેમ આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે....... જુઓ, અહીં આચાર્યદેવ
જિજ્ઞાસુ શિષ્યની પાત્રતા બતાવે છે. શિષ્ય હજી આત્માને સમજ્યો નથી પણ સમજવાનો કામી છે, તેથી
સમજાવનાર જ્ઞાની પ્રત્યે મેંઢાની જેમ ટગટગ જોઈ જ રહે છે. અહીં મેંઢાનું દ્રષ્ટાંત શિષ્યની જિજ્ઞાસા બતાવવા
માટે આપ્યું છે. મેંઢાનું દ્રષ્ટાંત દોષ બતાવવા માટે નથી પણ ગુણ બતાવવા છે; જેમ મેંઢામાં અનુસરવાની ટેવ છે
તેમ શિષ્ય પણ સામે સમજાવનાર જ્ઞાનીના ભાવને અનુસરવા માંગે છે. પોતે નથી સમજતો તેથી સામા ઉપર
કંટાળો નથી લાવતો પણ સમજવાની જિજ્ઞાસાથી તેની સામે ટગટગ જોઈ જ રહે છે.
‘આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે’ એમ કહેવામાં આચાર્યદેવે ઘણા ભાવો મૂકી દીધા છે. પ્રથમ તો
સમજવાની જિજ્ઞાસા છે એટલે ચિત્તને ક્યાંય આડું અવળું ભમાવતો નથી પણ સમજવા માટે ચિત્તને એકાગ્ર કરે
છે. પોતાને નથી સમજાતું તેમાં સામા કહેનારનો વાંક નથી કાઢતો, પણ સમજવા માટે પોતે જ્ઞાનની વિશેષ
એકાગ્રતા કરે છે. વળી પોતે કાંઈ સમજતો નથી તોપણ ટગટગ જોઈ જ રહે છે–તેમાં તેને એટલો તો વિશ્વાસ છે
કે આ મારું હિત થાય એવું કાંઈક કહેવા માંગે છે, એટલે જ્ઞાની કહે છે તે વાત મારે સમજવા જેવી છે; આથી
સમજવા માટે પોતાના બધાય જ્ઞાનને આત્મા તરફ એકાગ્ર કરે છે. ‘આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે’ એમ
કહ્યું, તેમાં બહારની આંખો તો વ્યવહારથી છે, ખરેખર જોવાનું કાર્ય તો અંતરના જ્ઞાનચક્ષુ કરે છે, એટલે કે
જ્ઞાનનો જે ક્ષયોપશમ ઊઘડયો છે તેને હવે પાછો વાળતો નથી પણ તે ક્ષયોપશમજ્ઞાનને આત્મા તરફ એકાગ્ર કરે
છે. અને નિમિત્ત તરીકે કહીએ તો આત્માનું સ્વરૂપ સંભળાવનાર જ્ઞાનીની સામે ટગટગ જોઈ જ રહે છે–એટલે
એનાથી વિરુદ્ધ કહેનારા કુગુરુઓની વાત સાંભળવા માંગતો નથી, તેમ જ બહારનાં વિષય–કષાયમાં પણ
ચિત્તને ભમાવતો નથી; બસ, માત્ર આત્મા જ સમજવા માંગે છે. – ‘કામ એક આત્માર્થનું, બીજો નહિ મન
રોગ’ –આટલી પાત્રતા તો શ્રોતામાં થઈ ગઈ છે–એમ સ્વીકારીને શ્રી કુંદકુંદાચાર્યદેવે સમયસારમાં શુદ્ધઆત્માનું
સ્વરૂપ સમજાવ્યું છે. આવો શિષ્ય પોતાના જ્ઞાનને શુદ્ધઆત્મા તરફ એકાગ્ર કરીને સ્વરૂપના સહજ આનંદનો
અનુભવ કરે જ.
પ્રથમ આચાર્યદેવે આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું કે ‘હું સિદ્ધ અને તું પણ સિદ્ધ!’ આત્માના સિદ્ધપણાની તે
વાત સાંભળતાં જ જેને અંતરથી હોંશ અને ઉત્સાહ આવ્યો તેવા જીવની આત્મા સમજવા માટેની ચેષ્ટા જોઈને
શ્રી આચાર્યભગવાને નક્કી કર્યું કે આ જીવને આત્મા સમજવાની ધગશ અને પાત્રતા છે, તેથી તેને ‘આત્મા’
સમજાવે છે. અને તે જીવ જ્ઞાનના ક્ષયોપશમરૂપી જે આંખ ઊઘડી છે તેને બંધ કરતો નથી, પણ તે બધા જ્ઞાનને
આત્મા તરફ એકાગ્ર કરે છે. –આવા લાયક આત્મામાં ધર્મનું બીજ રોપાય છે, ને તે જીવમાં તરત દેશનાલબ્ધિનું
પરિણમન થઈને તે આત્માના આનંદનો અનુભવ કરે છે.
આત્માનું યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના જ હું અત્યાર સુધી દુઃખમાં રખડ્યો, આત્મસ્વરૂપ સમજવામાં જ
મારું હિત છે–એમ જેને અંતરમાં ભાસે તેનું જ્ઞાન આત્મા તરફ વળ્‌યા વગર રહે નહિ. જિજ્ઞાસુ જીવને શ્રવણમાં
બેદરકારી કે નિરુત્સાહભાવ ન હોય, પણ સમજવાની દરકાર અને ઉત્સાહભાવ હોય. અહો! આ જ્ઞાની મને
મારા હિતની વાત સંભળાવે છે–મારા અપૂર્વ કલ્યાણની વાત કહે છે – એમ અંતરમાં અપૂર્વ ઉલ્લાસભાવ
લાવીને પાત્ર જીવ આત્મસ્વરૂપને સમજી જાય છે.
પહેલાંં ન સમજાય તેથી કંટાળીને ભાગતો નથી, પણ સમજવા માટે ધીરજપૂર્વક ઊભો રહે છે અને
આંખો ફાડીને ટગટગ જોઈ જ રહે છે. એવા શિષ્યને આચાર્યદેવ સમજાવે છે કે ‘હે ભાઈ! અંતરમાં જે સદાય
દર્શન–જ્ઞાન–ચારિત્રને પ્રાપ્ત છે તે આત્મા છે.’ જુઓ, રાગ તે આત્મા નથી, દેહની ક્રિયા કરે તે આત્મા નથી, પણ
સદાય દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ આત્મા છે. ‘આત્મા’ શબ્દનો આવો

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૦૬ : આત્મધર્મ–૧૦૬ : શ્રાવણ : ૨૦૦૮ :
અર્થ સમજાવે છે ત્યારે તુરત જ ઉત્પન્ન થતા અત્યંત આનંદથી તે શિષ્યના હૃદયમાં સુંદર જ્ઞાનતરંગો ઊછળે છે.
આ ગાથામાં આચાર્યદેવે સમ્યગ્દ્રર્શનની પાંચે લબ્ધિ સમાવી દીધી છે : (૧) ‘આંખો ફાડીને’ જોઈ જ
રહે છે–એમાં ક્ષયોપશમલબ્ધિ આવી જાય છે, સમજવા જેટલો જ્ઞાનનો ઉઘાડ થયો છે. (૨) સંસારના વિષય
કષાય તરફના ભાવ છોડીને, આત્મસ્વરૂપ સમજવા માટે ટગટગ જોઈ રહ્યા છે ને સ્વ–તરફના વિચાર લંબાવે
છે–તેમાં કષાયની ઘણી મંદતા છે એટલે વિશુદ્ધિલબ્ધિ આવી જાય છે. (૩) ‘આત્મા’ શું છે તેનું સ્વરૂપ હોંશ
પૂર્વક જ્ઞાની પુરુષ પાસેથી સાંભળ્‌યું તે દેશનાલબ્ધિ છે. (૪) સમજવા માટે ટગટગ જોઈ જ રહે છે એટલે કે
જ્ઞાનને અંતરમાં એકાગ્ર કરતો જાય છે ત્યાં પ્રાયોગ્યલબ્ધિ થઈ જાય છે. (૫) સમ્યગ્દર્શન થવા ટાણે
અંર્તપરિણામમાં સ્વતરફ ઢળતો વિશુદ્ધભાવ થાય છે તે વખતે કરણલબ્ધિ થઈ જાય છે. ને પછી તરત જ શુદ્ધ
આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરે છે, ત્યાં જ્ઞાન–આનંદના અપૂર્વ તરંગ ઉલ્લસે છે, અનાદિકાળથી કદી પણ
નહોતો અનુભવ્યો એવા અપૂર્વ આનંદનો અનુભવ થાય છે. પૂર્વે અનંતવાર ચાર લબ્ધિ સુધી આવીને જીવ
પાછો ફર્યો–એવી વાત અહીં નથી; અહીં તો એવી અપૂર્વ વાત છે કે જેને દેશના વગેરે લબ્ધિ મળે તે આગળ
વધીને નિર્વિકલ્પ અનુભવ કરે જ છે. ‘આત્મા’ એવા શબ્દ સામે જોઈને શિષ્ય નથી અટકતો, પણ તેના
વાચ્યભૂત વસ્તુને પકડીને તેનો અનુભવ કરે છે. ‘જે દર્શન–જ્ઞાન–ચારિત્રને હમેશાંં પ્રાપ્ત હોય તે આત્મા છે’ –
એમ ભેદ પાડીને સમજાવ્યું. પણ શિષ્ય તે ભેદ ઉપર લક્ષ કરીને નથી અટકતો, પણ તે ભેદરૂપ વ્યવહારનું લક્ષ
છોડીને અભેદસ્વરૂપ આત્માને લક્ષમાં લઈને તેનો અનુભવ કરે છે. વચ્ચે ભેદરૂપ વ્યવહાર આવે છે ખરો પણ
તેના અવલંબનમાં રોકાય તો આત્માનું પરમાર્થસ્વરૂપ સમજાતું નથી, માટે તે વ્યવહારનય આશ્રય કરવા જેવો
નથી; ભેદરૂપ વ્યવહારનો આશ્રય છોડીને અભેદસ્વભાવના આશ્રયે અનુભવ કરતાં શુદ્ધ આત્માનો અનુભવ
થાય છે.
શ્રીગુરુના કથનમાં ભેદ આવ્યો પણ તેમનો આશય તો અભેદ આત્મા સમજાવવાનો હતો, અને શિષ્યે
પણ ભેદનું લક્ષ છોડીને અભેદ આત્માને પકડી લીધો, એટલે ગુરુ–શિષ્ય બંનેના અભિપ્રાય સરખા થયા. અહો!
અત્યારે તો સ્વરૂપ સમજીને અનંતા જન્મ–મરણ ટાળવાનો આ અવસર છે. અનંત જન્મ–મરણ ટાળવા માટે
પરમાર્થસ્વરૂપ આત્માની સાચી સમજણ સિવાય બીજો કોઈ ઉપાય નથી. જેને અનંત જન્મ–મરણનો ડર લાગતો
હોય તેને સ્વરૂપની સમજણ કરવામાં કંટાળો ન હોય પણ અપૂર્વ ઉત્સાહ હોય, ભગવાનઆત્માની વાર્તા જ્ઞાની
પાસેથી વારંવાર સાંભળે, ને અંતરથી ઊછળી ઊછળીને તેનું જ માહાત્મ્ય ગાયા કરે.
‘ભાઈ! તારો આત્મા સદા પરિપૂર્ણ દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપે જ છે’ એમ જ્ઞાની પાસેથી પોતાના
આત્માનો અચિંત્ય મહિમા સાંભળતાં ઉલ્લાસથી ઊછળી જાય કે અહો! મારી અનંત જ્ઞાન–આનંદની રિદ્ધિ મારી
પાસે જ છે, મારા સ્વભાવની પૂર્ણતામાંથી એક અંશ પણ ઓછો થયો નથી. આમ અંતરમાં સ્વભાવનો બોધ
થતાં જ અત્યંત આનંદથી હૃદય ખીલી ઊઠે છે. આચાર્યભગવાન તુરત મોક્ષ થાય એવી અજબ વાત કરે છે, તે
સાંભળતા સુપાત્ર જીવોને તુરત જ સમ્યગ્દર્શન થઈ જાય છે. અપૂર્વ ભાવે દેશનાલબ્ધિ ઝીલ્યા પછી તુરત
નિર્વિકલ્પ અનુભવ થાય છે–એવી જ શૈલી અહીં લીધી છે, દેશનાલબ્ધિ ઝીલ્યા પછી અનુભવ વચ્ચે અંતર રાખ્યું
નથી. જે જીવ તૈયાર થઈને, અંતરની ધગશથી સમજવા માટે આવ્યો તે જીવ ન સમજે એમ બને જ નહિ; અને
જે સમજે તેને પોતાના આત્મામાં અત્યંત આનંદમય મનોહર જ્ઞાનતરંગ ઊછળે છે, તેને પોતાને તેનો અનુભવ
થાય છે.
શ્રદ્ધાનો વિષય આખો જ્ઞાયકમૂર્તિ આત્મા છે; તેને લક્ષમાં લેવો તે પરમાર્થ છે; અને દર્શન–જ્ઞાન–
ચારિત્રના ભેદ પાડીને આત્માને લક્ષમાં લેવો તે વ્યવહાર છે. શરીર મારું છે ને શરીરની ક્રિયા હું કરી શકું છું–
એવા પ્રકારની માન્યતા તે તો વ્યવહાર પણ નથી, તે તો માત્ર અજ્ઞાન છે. અહીં તો કહે છે કે ગુણ–ગુણીના
ભેદરૂપ વ્યવહારનું લક્ષ પણ છોડવા જેવું છે; ભેદરહિત પરમાર્થસ્વરૂપ આત્મા તે જ સમ્યગ્દર્શનનો વિષય છે.
જુઓ ભાઈ! આ વિષય અનાદિકાળથી જીવોએ યથાર્થપણે સાંભળ્‌યો નથી ને સમજ્યા નથી. જો આ સમજે તો
અંતરની દશા ફરી જાય, ને અલ્પકાળમાં મુક્તિ થઈ જાય.
[શ્રી સમયસાર ગા. ૮ ઉપરના પ્રવચનમાંથી:
વીર સં. ૨૪૭૬ અષાઢ વદ ૪]

PDF/HTML Page 20 of 21
single page version

background image
: શ્રાવણ : ૨૦૦૮ : આત્મધર્મ–૧૦૬ : ૨૦૭ :
(અનુસંધાન પૃષ્ઠ ૧૯૬ થી ચાલુ)
લાભ થાય–એ વાત ક્યાં રહી? આમાં ક્યાંય પરનું આલંબન કે પરમાં રાગ–દ્વેષ કરવાનું રહેતું નથી, એકલા
સ્વદ્રવ્યના આલંબને વીતરાગતા થયા એવી જ આ વાત છે.
પ્રશ્ન :– વાણી દૂર હો કે નજીક હો, તેનાથી તો કાંઈ સમજાતું નથી, પોતાથી જ સમજાય છે, તો પછી
સતસમાગમનું શું કામ છે?
ઉત્તર :– ‘અહો! ગમે ત્યાં મને મારા આત્માથી પોતાથી જ જ્ઞાન થાય છે’ –એ વાત જેને અંતરમાં રુચી
તેને તેવું સંભળાવનારા જ્ઞાનીઓ પ્રત્યે બહુમાન આવ્યા વિના રહે નહિ એટલે તેને સતસમાગમની ભાવના થયા
વિના રહે જ નહિ; પણ શ્રવણ વખતેય તેના લક્ષમાં તો એમ છે કે હું જેટલી મારા સ્વભાવની રુચિ અને
ભાવનાનું પોષણ કરું છું તેટલો જ મને લાભ છે, નિમિત્તથી કે નિમિત્ત તરફના રાગથી મને લાભ નથી.
મહાવિદેહક્ષેત્ર ઠીક અને ભરતક્ષેત્ર ઠીક નહિ–એમ ઠીક–અઠીકનો ભાવ કરવાનું આત્માની કોઈ શક્તિમાં
નથી; નબળાઈને લીધે કોઈ વાર એવો વિકલ્પ ઊઠે તો ત્યાં ધર્મીને નિઃશંકતા છે કે આ વિકલ્પ મારા સ્વરૂપમાંથી
આવેલો નથી, મારા સ્વરૂપમાં એવી કોઈ શક્તિ નથી કે જે વિકલ્પને પરિણમાવે. મારી સર્વદર્શિશક્તિ બધાને
દેખનારી છે પણ કોઈને ઠીક–અઠીક માનનારી નથી. આત્માની અનંત શક્તિઓને પણ સર્વદર્શિશક્તિ દેખે છે.
જેણે આત્માને દેખ્યો તેણે બધું દેખી લીધું. સર્વદર્શિશક્તિ આત્મદર્શનમય છે એટલે લોકાલોકને દેખવા માટે
આત્માને બહાર ડોકિયું કરવું પડતું નથી પણ આત્મસ્વરૂપને દેખતાં લોકાલોક દેખાઈ જાય છે. એક ગુણની
પ્રતીત કરવા જતાં પણ આખો આત્મા જ પ્રતીતમાં આવી જાય છે. આખા આત્માને જાણે તો જ એક ગુણને
યથાર્થ જાણે, એક પણ ગુણને યથાર્થ સમજતાં અનંતગુણનો પિંડ સમજાય છે. એક ગુણને પણ ખરેખર ક્યારે
સમજ્યો કહેવાય? એક ગુણનો ભેદ પાડીને જો તેનો આશ્રય કરવા જાય તો તેણે ગુણને જ આખી વસ્તુ માની
લીધી છે, તેણે એક ગુણને પણ જાણ્યો નથી; એક ગુણને જાણતાં, તેની સાથે અભેદરૂપ આખા દ્રવ્યને પકડી લ્યે
તો જ ગુણને જાણ્યો કહેવાય, કેમકે ગુણીથી જુદો ગુણ રહેતો નથી. ઘણી શક્તિઓ છે તેથી કાંઈ આત્મામાં ભેદ
પડી જતો નથી, આત્મામાં તો અનંતશક્તિથી અભેદતા છે. તે અભેદતાના આશ્રયપૂર્વક જ જુદી જુદી
શક્તિઓનું યથાર્થ જ્ઞાન થાય છે.
આત્માની સર્વદર્શિત્વશક્તિ લોકાલોકને દેખતી હોવા છતાં તે નિરાકાર છે; લોકાલોકને દેખવાથી તે
સાકાર થઈ જતી નથી કેમકે તે ભેદ વિના સર્વેને સત્તામાત્ર જ દેખે છે; પોતે નિરાકાર આત્મદર્શનપણે પરિણમીને
બધાને ભેદ રહિત દેખે છે. જડ કે ચેતન, સિદ્ધ કે સંસારી, ભવ્ય કે અભવ્ય–એવા વિશેષ ભેદો તે જ્ઞાનનો વિષય
છે. દર્શન તેવા ભેદ વગર સામાન્યસત્તાનો પ્રતિભાસ કરે છે, અનંત ગુણના પિંડ અખંડ આત્માને પણ
દર્શનશક્તિ દેખે છે, તેથી સર્વદર્શિશક્તિની પ્રતીતમાં અખંડ આત્માની પ્રતીત પણ ભેગી જ છે.
લોકાલોકને દેખવાનું સર્વદર્શિત્વશક્તિનું સામર્થ્ય છે તે ઉપચારથી નથી પણ સ્વભાવથી જ છે. આવી
સર્વદર્શિત્વશક્તિ આત્માના જ્ઞાનમાત્ર ભાવની સાથે જ પરિણમી રહી છે. આત્મામાં જ્ઞાન–દર્શન વગેરે અનંત
ગુણોનું પરિણમન એક સાથે જ છે. કેવળી ભગવાનને પહેલાંં જ્ઞાન પરિણમે અને પછી દર્શન પરિણમે એમ જે
જ્ઞાન–દર્શનનો ક્રમ માને તેણે એક સાથે અનંત શક્તિવાળા આત્માને જાણ્યો નથી, તેને ખરેખર કેવળી પ્રભુની
પ્રતીત નથી ને આત્માની પણ પ્રતીત નથી. જ્ઞાન જ્યાં સ્વભાવનો આશ્રય કરીને પરિણમ્યું ત્યાં અનંતગુણોનું
પરિણમન તેની સાથે ઊછળી રહ્યું છે. આવા અનંતધર્મોથી પરિણમતા એક આત્માને જાણવો તેનું નામ
અનેકાન્તધર્મ છે અને તે જ મોક્ષમાર્ગ છે.
અહીં નવમી સર્વદર્શિત્વશક્તિનું વર્ણન પૂરું થયું.
–સર્વજ્ઞપ્રભુએ કહેલી વાત–
શ્રી આચાર્યદેવ કહે છે કે–
તું સિદ્ધસમાન પ્રભુ છે–એવો વિશ્વાસ તને તારાથી ન આવે ત્યાંસુધી સર્વજ્ઞપરમાત્માએ કહેલી વાતો
તારા અંતરમાં બેસે નહિ.
–શ્રી સમયસાર–પ્રવચનો ભા. ૧, પૃ. ૩૩