Atmadharma magazine - Ank 283
(Year 24 - Vir Nirvana Samvat 2493, A.D. 1967).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
ભગવાનનું નિરતિચાર ઉત્કૃષ્ટ ચારિત્ર
આહાર ગ્રહણ કર્યા બાદ ભગવાન વનમાં પધાર્યા ને નિજગુણચિન્તનમાં આરૂઢ
થયા. ભગવાનને હેય અને ઉપાદેય તત્ત્વોનું બરાબર જ્ઞાન હતું, ગુણ–દોષની ભિન્નતાને
તેઓ જાણતા હતા, એટલે દોષોને સર્વથા છોડીને માત્ર ગુણોમાં જ તેઓ આસક્ત રહેતા
હતા, પાપયોગોથી તેઓ પૂર્ણ વિરક્ત હતા; અહિંસાદિ વ્રતોનું નિરતિચાર પાલન કરતા
હતા; બ્રહ્મચર્યમાં તેઓ એકતાન હતા. તેમને ધૈર્ય, ક્ષમા, ધ્યાનમાં નિરંતર તત્પરતા
અને પરિષહ આવે તોપણ માર્ગથી અચ્યુતપણું હતું. ભગવાન જિનકલ્પી હતા. જે સાધુ
એકલા રહે અને આત્મચિન્તનમાં મશગુલ રહે, ઉપદેશાદિ પ્રવૃત્તિ ન કરે તેને જિનકલ્પી
કહેવાય છે; અને જે સાધુ સંઘની સાથે રહે, ઉપદેશ આપે, દીક્ષા આપે તેમને સ્થવિરકલ્પી
કહેવાય છે. તીર્થંકરભગવંતો જિનકલ્પી હોય છે. ભગવાન સામાયિક–ચારિત્રમાં વર્તતા
હતા, પરંતુ કોઈ દોષ લાગતા ન હોવાથી પ્રતિક્રમણની કે છેદોપસ્થાપનની જરૂર ન હતી.
જો કે ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારથી જ ત્રણ જ્ઞાનસહિત હતા, ચોથું જ્ઞાન દીક્ષા
વખતે પ્રગટ્યું હતું ને સિદ્ધપદ તેમને આ ભવમાં જરૂર પ્રગટવાનું હતું, તોપણ
જ્ઞાનલોચનવંત તે ભગવાને એક હજાર વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું હતું ને કર્મોની
અસંખ્યાત ગુણશ્રેણી નિર્જરા કરી હતી. સદા જાગૃત રહેનારા તે યોગીરાજ કદી સૂતા ન
હતા. ભગવાનનું નિરતિચાર ચારિત્ર સ્વયમેવ પ્રાયશ્ચિતરૂપ હતું, અર્થાત્ તેમાં કોઈ
અતિચાર લાગતા જ ન હોવાથી પ્રાયશ્ચિતની જરૂર જ રહી ન હતી–જેમ સૂર્ય પોતે
પ્રકાશસ્વરૂપ છે તેમાં અંધકાર છે જ નહિ, પછી તેને પોતામાંથી અંધકાર દૂર કરવાનું
ક્્યાં રહ્યું? તે પરમેષ્ઠી ભગવાને દીક્ષા વખતે સિદ્ધોને નમસ્કારરૂપ વિનય કર્યો હતો,
તથા જ્ઞાન–દર્શન–ચારિત્ર–તપ–વીર્ય એ ગુણોનો વિનય કર્યો હતો, એ સિવાય બહારમાં
તેમને વિનય કરવા યોગ્ય કોઈ ન હતું; જે પોતે જ પ્રધાનપુરૂષ હોવાથી બધાને નમ્રીભૂત
કરનારા હતા તેઓ ભલા કોનો વિનય કરે? વળી રત્નત્રયરૂપ માર્ગમાં વ્યાપાર એ જ
તેમનું ‘વૈયાવૃત્ય’ હતું, એ રત્નત્રય સિવાય બીજા કોની વૈયાવૃત્તિ કરે? (દીન–દુઃખી
જીવોની સેવારૂપ વ્યાવૃત્તિ તો શુભકષાયના તીવ્ર ઉદયમાં જ સંભવે છે; ભગવાનને તો
શુભકષાય પણ એવો અતિશય મંદ થઈ ગયો હતો કે તેમની પ્રવૃત્તિ બાહ્યવ્યાપારથી
હટીને રત્નત્રયમાર્ગમાં જ રહેતી હતી.)
આ જગતમાં જે કાંઈ ધર્મસૃષ્ટિ (ધર્મની રચના) છે તે બધી, સનાતન ભગવાન
ઋષભદેવે સ્વયં ધારણ કરીને યુગની આદિમાં પ્રસિદ્ધ કરી હતી, એ રીતે ભગવાન
ધર્મસૃષ્ટિના સર્જનહાર હતા. જો કે શાસ્ત્રો તેમને આધીન હતા અર્થાત્ બાર અંગના
તેઓ

PDF/HTML Page 22 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૧૯ :
સ્વામી હતા તોપણ જ્ઞાનની શુદ્ધિ અર્થે ભગવાન હંમેશા સ્વાધ્યાય કરતા, અને તેથી જ
આજે પણ સંયમીજનો સ્વાધ્યાય કરે છે. બાર તપમાં સ્વાધ્યાય સમાન તપ બીજો છે
નહિ ને થશે નહિ; વિનયપૂર્વક સ્વાધ્યાયમાં તલ્લીન થયેલા બુદ્ધિમાન મુનિને મનના
સંકલ્પ–વિકલ્પો દૂર થઈ જવાથી ચિત્તની એકાગ્રતા થાય છે, એટલે સ્વાધ્યાય વડે
મુનિને સુગમતાથી ધ્યાનની સિદ્ધિ થાય છે, ને ઈન્દ્રિયો વશીભૂત થઈ જાય છે. તે
ભગવાન આત્માને શરીરથી ભિન્ન દેખતા હતા, ત્રણ ગુપ્તિનું પાલન કરતા હતા ને
શરીરથી નિસ્પૃહ થઈ, તેનું મમત્વ છોડીને આત્માને ધ્યાવતા હતા. ધ્યાનરૂપી ઉત્તમ
સંપદાના સ્વામી ભગવાન ધ્યાનાભ્યાસરૂપ તપવડે જ કૃતકૃત્ય થઈ ગયા હતા; કેમકે
ધ્યાન જ ઉત્તમ તપ છે, બીજા બધા તપ તો તેના પરિકર છે. ધ્યાનની સિદ્ધિને માટે
અનુકુળ એવા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનું જ ભગવાન સેવન કરતા હતા. અધ્યાત્મતત્ત્વને
જાણનારા ભગવાન અધ્યાત્મની શુદ્ધિને માટે ગિરિગૂફા વગેરેમાં ધ્યાન કરતા હતા.
ક્ષપકશ્રેણી અને કેવળજ્ઞાન–ઉત્પત્તિ
મૌની ધ્યાની નિર્માન અને અતિશય બુદ્ધિમાન એવા તે ભગવાન અનેક દેશોમાં
વિહાર કરતા કરતા એક દિવસે પુરિમતાલ નગરના શકટ નામના ઉદ્યાનમાં પધાર્યા.
(જેને હાલ પ્રયાગ–તીર્થ કહેવાય છે.) શુદ્ધ બુદ્ધિવાળા ભગવાન ધ્યાનની સિદ્ધિને માટે
ત્યાં એક વડવૃક્ષ નીચે મોટી શિલા પર બિરાજ્યા; અને પૂર્વમુખે પદ્માસને બેસીને,
લેશ્યાની ઉત્કૃષ્ટ શુદ્ધિપૂર્વક ચિત્તને એકાગ્ર કરીને ધ્યાન લગાવ્યું.
ભગવાને સૌથી શ્રેષ્ઠ એવા પરમપદમાં પોતાનું ચિત્ત જોડયું, અને સિદ્ધના આઠ
ગુણોનું ચિન્તન કર્યું. સમ્યક્ત્વ, અનંતદર્શન, જ્ઞાન, અદ્ભુત વીર્ય, સૂક્ષ્મત્વ,
અવગાહનત્વ, અવ્યાબાધત્વ અને અગુરુલઘુત્વ;–સિદ્ધપદના અભિલાષીએ સિદ્ધપ્રભુના
આ આઠ ગુણોનું ધ્યાન કરવું જોઈએ, તથા દ્રવ્ય ક્ષેત્ર કાળ ને ભાવ એ ચારની
અપેક્ષાએ પણ તેમના સ્વરૂપનું ચિન્તન કરવું જોઈએ. એ રીતે બારગુણયુક્ત, મુક્ત,
સૂક્ષ્મ, નિરંજન રાગાદિથી રહિત, વ્યક્ત, નિત્ય અને શુદ્ધ એવું સિદ્ધસ્વરૂપ મુમુક્ષુ
યોગીઓએ ધ્યાન કરવાયોગ્ય છે. ધ્યાનના પરિવાર જેવી અનુપ્રેક્ષાઓ પણ ભગવાને
ચિન્તવી. ધર્મધ્યાનમાં તત્પર એવા એ વિરાગી ભગવાનને જ્ઞાનાદિની શક્તિને લીધે
જરાપણ પ્રમાદ રહ્યો ન હતો. તે અપ્રમત્ત ભગવાનને જ્ઞાનાદિ પરિણામોમાં પરમ
વિશુદ્ધિ પ્રગટી ને અશુભલેશ્યા રંચમાત્ર ન રહી, શુક્લલેશ્યા પ્રગટી. તે વખતે
દેદીપ્યમાન ભગવાનને મોહનો નાશ કરવા માટે ધ્યાનની એવી શક્તિ સ્ફૂરાયમાન થઈ–
જાણે કે મોટી વીજળી ઝબકી! ભયરહિત ભગવાને સંકલ્પ–વિકલ્પ દૂર કરીને,
મોહશત્રુની સેનાનો નાશ કરવા માટે પોતાના

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
વિશુદ્ધ પરિણામની સમસ્ત સેનાને સુસજ્જ કરી. મોહશત્રુને જીતવા માટે તત્પર થયેલા
ભગવાને સંયમરૂપી બખ્તર બનાવ્યું, ઉત્તમ ધ્યાનરૂપ વિજય–અસ્ત્ર ધારણ કર્યું, જ્ઞાનને
મંત્રી બનાવ્યું, અને વિશુદ્ધ પરિણામને સેનાપતિ પદ આપ્યું, દુર્ભેદ્ય અને ધ્રુવયોદ્ધા એવા
અનંત ગુણોને સૈનિક બનાવ્યા; અને રાગાદિ પ્રતિપક્ષીને હન્તવ્ય એવા શત્રુપક્ષમાં
રાખ્યા.
એ પ્રમાણે સૈન્ય તૈયાર કરીને જગત્ગુરુ ભગવાન જેવા વિજય માટે ઉદ્યમી થયા
કે તરત જ કર્મસૈન્ય ખળભળી ઊઠયું, તેની સ્થિતિ તૂટવા માંડી ને રસ–શક્તિ નાશ થવા
લાગી; પ્રકૃતિ એકબીજામાં સંક્રમણ થઈને વેરવિખેર થવા લાગી. કર્મસૈન્ય સમયે સમયે
અસંખ્યાતગણું નિર્જીર્ણ થવા લાગ્યું. જેમ વિજયાભિલાષી રાજા શત્રુસૈન્યમાં ખળભળાટ
મચાવીને પછી તેને મૂળથી ઉખેડી નાંખે, તેમ આ યોગીરાજે પોતાના યોગબળથી પહેલાં
તો કર્મપ્રકૃતિરૂપ મોહસૈન્યમાં ખળભળાટ મચાવી દીધો ને પછી તેને જડમૂળથી ઉખેડી
નાંખવાનો ઉદ્યમ શરૂ કર્યો.
ઉત્કૃષ્ટ વિશુદ્ધિને ભાવતા થકા અપ્રમત્ત થઈને ભગવાને મોક્ષમહેલની સીડી સમાન
ક્ષપકશ્રેણી પર આરોહણ કર્યું. સાતમા ગુણસ્થાને અધઃકરણ કરીને, અપૂર્વકરણ નામના
આઠમા ગુણસ્થાને આવ્યા ને પછી અનિવૃત્તિકરણ નામના નવમા ગુણસ્થાને ચડ્યા. ત્યાં
પૃથકત્વવિતર્ક નામના શુક્લધ્યાનરૂપી ચક્રને ધારણ કરીને તેના પ્રભાવથી અત્યંત શુદ્ધિ
પ્રાપ્ત કરીને, નિર્ભયપણે મોહરાજાના સમસ્ત બળને તોડી પાડયું ને તેની બધીય સેનાને
પછાડી દીધી. પહેલે જ ઘડાકે તેમણે મોહના અંગરક્ષક જેવા કષાયો તથા નવ નોકષાયોરૂપી
યોદ્ધાઓને હણી નાંખ્યા; પછી બાકી રહેલામાં મહાનાયક એવા સંજ્વલન ક્રોધને માર્યો,
પછી માનને માર્યું; પછી માયાને તેમજ બાદર લાભને પણ નષ્ટ કર્યા.
એ પ્રમાણે મોહશત્રુને જીતીને મહાધ્યાનરૂપી રંગભૂમિમાં, સત્ય ચરિત્રધ્વજ
ફરકાવતા ને તીક્ષ્ણજ્ઞાનશસ્ત્રને ધારણ કરતા, તથા દયાનું કવચ પહેરીને તે મહાન વીર
વિજેતા, જ્યાંથી પાછું ન હઠવું પડે એવી અનિવૃત્તિ નામની વિજયભૂમિમાં આવ્યા. અહીં
યોગીરાજ ભગવાન ઋષભદેવે નરક–તિર્યંચગતિ સંબંધી ૧૩ તથા દર્શનાવરણની ૩ એ
સોળ પ્રકૃત્તિને એક ઝાટકે ઉડાડી દીધી. પછી ૮ કષાય પ્રકૃતિઓને, નવ નોકષાયને તથા
સંજ્વલન ક્રોધ–માન–માયા–એમ કુલ ૨૦ પ્રકૃત્તિને પણ મૂળમાંથી ઉખેડી નાંખી; તથા
અશ્વકર્ણ, કૃષ્ટિકરણ વગેરે વિધિદ્વારા કર્મોનું જોર તોડીને ભગવાન દશમા ગુણસ્થાને
આવ્યા. આ સૂક્ષ્મ સાંપરાય ગુણસ્થાને રહેલા અતિસૂક્ષ્મ લોભને પણ જીતીને મોહ ઉપર
સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરી લીધો. એ નિર્મોહી વિજેતા ભગવાન ઋષભદેવ, રંગભૂમિમાંથી
મોહશત્રુનો નાશ

PDF/HTML Page 24 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૧ :
થવાથી તેજસ્વીપણે અતિશય શોભતા હતા. જેમ મલ્લકુસ્તીના મેદાનમાંથી પ્રતિસ્પર્ધી
મલ્લ ભાગી જવાથી વિજેતા મલ્લ એકલો શોભે, તેમ મોહરહિત ભગવાન શોભતા
હતા.
ત્યારપછી, અવિનાશી ગુણોનો સંગ્રહ કરનારા ભગવાન ક્ષીણકષાય નામના
બારમા ગુણસ્થાને આવ્યા ત્યાં મોહકર્મનો મૂળમાંથી નાશ કરીને ભગવાન ‘સ્નાતક’
થયા. પછી જ્ઞાન–દર્શન અને વીર્યમાં વિઘ્ન કરનારી ઉદ્ધત્તપ્રકૃત્તિઓને એકત્વવિતર્ક
નામના બીજા શુક્લધ્યાનવડે નષ્ટ કરી, આ અતિશય દુઃખકર એવા ચારે ઘાતીકર્મોને
ધ્યાનાગ્નિમાં ભસ્મ કરીને ભગવાન ઋષભમુનિરાજ કેવળજ્ઞાની અને વિશ્વદર્શી થયા.
અહો! ભગવાન સર્વજ્ઞ થયા! અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર શુદ્ધસમ્યક્ત્વ, દાન, લાભ,
ભોગ, ઉપભોગ ને વીર્ય–એવી નવલબ્ધિરૂપ કિરણોવડે પ્રકાશમાન, ઋષભજિનેન્દ્રરૂપી
સૂર્ય માહ વદ અગિયારસે જગતને પ્રકાશતો અને ભવ્યજીવોરૂપી કમળને વિકસાવતો
ઉદય પામ્યો. અહા! ત્રણલોકને આનંદકારી એવા સર્વજ્ઞતારૂપી સૂર્યના પ્રકાશથી
ભગવાનનો આત્મા શોભી ઊઠ્યો.
કેવળજ્ઞાનપ્રાપ્ત ભગવાન ઋષભજિનેન્દ્રને નમસ્કાર હો.
– * –
એક રાજાનો મોટો વૈભવ!
જુઓ ભાઈ, આ તો અંતરમાં બિરાજમાન
ચૈતન્યરાજાના વૈભવની વાત છે. એક સાધારણ
રાજાનો વૈભવ જોવા મળે તો કેવા રસથી જુએ છે!
પણ અરે ચેતનરાજા! તારો પોતાનો વૈભવ કેવો
અપાર છે તે તો જાણ! જગતમાં સૌથી મોટો
મહિમાવંત ચેતનરાજા તું છો. તારા અચિંત્ય
ચૈતન્યવૈભવની પાસે ચક્રવર્તીના રાજનીયે કાંઈ
કિંમત નથી. ચેતનરાજાનો વૈભવ ઘણો મોટો છે.–
એવા આત્મવૈભવને જાણવો તે સર્વ જૈનસિદ્ધાંતનો
સાર છે.
– * –

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
ભારતના પાટનગરમાં જિનવાણીની અમૃત વર્ષા
જૈનસમાજના નેતા અને ભારતના અજોડ
અધ્યાત્મ સંત પૂ. શ્રીકાનજીસ્વામી તા. ૧૭–૧૮–૧૯
એપ્રિલના ત્રણ દિવસ દિલ્હી શહેરમાં પધાર્યા ને
દિલ્હીની જનતાને જે અધ્યાત્મસન્દેશ સંભળાવ્યો તેનો
થોડોક સાર અહીં આપ્યો છે.
બ્ર. હરિલાલ જૈન
આત્માનો એકત્વ–વિભક્ત સ્વભાવ જીવે કદી જાણ્યો નથી. પરથી ભિન્ન,
દેહથી ભિન્ન ને રાગાદિ વિકારથી પણ વિભક્ત, અને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવ
સાથે એકમેક એવા આત્મસ્વભાવને જાણ્યા વગર જીવ સંસારની ચાર ગતિમાં
રખડી રહ્યો છે. પુણ્ય કરીને સ્વર્ગાદિમાં ને પાપ કરીને નરકાદિમાં–એમ ચાર
ગતિના ભવચક્રમાં ભ્રમણ કરી રહ્યો છે. એ ભવનો આંટો કેમ મટે? તેની આ વાત
છે. શ્રીમદ્ રાજચંદ્રજી ૧૬ વર્ષની નાની વયમાં ભવચક્રનો આંટો મટાડવાની વાત
કરતાં લખે છે કે–
બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્‌યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહી એકે ટળ્‌યો.
આત્માના ભાન વગર પુણ્ય કરે તેથી મનુષ્યાદિનો ભવ મળે પણ તેનાથી
ભવચક્ર મટે નહિ. ભવચક્રનો આંટો મટાડવાનો ઉપાય શુભ–અશુભ રાગથી પાર છે;
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ શાશ્વત વસ્તુ છે. આ દેહના રજકણ જુદી ચીજ છે, તેની ક્રિયા
આત્માની નથી. અરે, રાગની ક્રિયા પણ ખરેખર આત્માની નથી. જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માનો જેને અનુભવ નથી તે જ રાગની ક્રિયાનો કર્તા થાય છે. જ્ઞાનને ભૂલીને
ક્રોધાદિ પરભાવનો જે કર્તા થયો એટલે કે પરભાવ સાથે એકત્વબુદ્ધિરૂપ પ્રેમ કર્યો
તેને આત્માના સ્વભાવ ઉપર ક્રોધ છે, અરુચિ છે; તેને શાસ્ત્રો મિથ્યાત્વ કહે છે ને તે
જ સંસારનું મૂળ છે.
પ્રભો! તું તો જ્ઞાન છો; તારા જ્ઞાનની જે ચીજ નથી એવી પરચીજનું કર્તૃત્વ તું
તારામાં માને છે તે બડી ભૂલ છે. તે મિથ્યાત્વને શાસ્ત્રોએ મહાપાપ કહ્યું છે.

PDF/HTML Page 26 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૩ :
તેનો નાશ થઈને આત્મામાં સમ્યગ્દર્શનની ઉત્પત્તિ કેમ થાય? એટલે કે અપૂર્વ ધર્મની
શરૂઆત કેમ થાય–તે વાત અહીં સમજાવે છે. તારો આત્મા અનંત આનંદની ખાણ છે,
તેમાં એકવાર ખોજ તો કર.–જ્યાં આનંદ ભર્યો છે ત્યાં શોધવાથી નીકળશે. રાગમાં કે
દેહમાં કાંઈ તારો આનંદ ભર્યો નથી, તેમાં શોધવાથી તને આનંદ નહીં મળે; તેના
કર્તૃત્વમાં અટકતાં તને તારા આત્માની શાંતિ નહીં મળે. અંર્તદ્રષ્ટિથી જોતાં ધર્મીજીવ
પોતાના જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને વિકારથી જુદો દેખે છે, એટલે તે જ્ઞાનને આદરે છે ને
વિકારને આદરતો નથી. આવી અંર્તદ્રષ્ટિ કરતાં અનંતકાળનું અજ્ઞાન એક ક્ષણમાં ટળી
જાય છે–
કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાય,
તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય.
અનંતકાળનું અજ્ઞાન દૂર કરવા માટે અનંતકાળ નથી લાગતો પણ જ્ઞાન થતાંવેંત
જ તે ટળી જાય છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન થતાં વિકારનું કર્તૃત્વ રહેતું નથી. આવું
યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન કરવું તે મોક્ષમાર્ગનું અપૂર્વ રત્ન છે. જેમ રત્નની કિંમત ઝવેરી
જાણે છે તેમ ચૈતન્યરત્ન કેવું છે તેની કિંમત ધર્માત્મા–સમ્યગ્દ્રષ્ટિ ઝવેરી જ જાણે છે.
સમ્યગ્દર્શન થતાં જે જ્ઞાન પ્રગટ્યું તે શાંતરસમય છે, તે આકુળતા વગરનું છે. આવા
ભેદજ્ઞાનવડે જ ત્રણેકાળ જીવો મુક્તિ પામે છે. ભેદજ્ઞાન વગર કદી કોઈ જીવ મુક્તિ
પામતો નથી.
આત્મામાં સર્વજ્ઞત્વશક્તિ છે. તેનું ભાન કરીને તેમાં લીનતાવડે જેમણે
કેવળજ્ઞાનજ્યોતિ પ્રગટ કરી એવા સર્વજ્ઞ પરમાત્માની વાણી ઝીલીને કુંદકુંદાચાર્યદેવે આ
સમયસાર રચ્યું છે. પોતાના સ્વાનુભવથી જે શુદ્ધાત્મા જાણ્યો તે સમયસારમાં દર્શાવ્યો
છે.
આતમઅનુભવરસકથા પ્યાલા પિયા ન જાય;
મતવાલા તો ઢહી પડે, નિમતા રહે પચાય.
આત્માના અનુભવનો આનંદરસ કોઈ અલૌકિક છે; તે અનુભવરસને
મમતારહિત એવા જ્ઞાનીઓ જ પચાવે છે. પરની મમતામાં રોકાયેલા મતવાલા જીવો
ચૈતન્યના અનુભવરસને પચાવી શકતા નથી. પરની મમતા છોડીને પરથી ભિન્ન એવા
ચૈતન્યતત્ત્વને પ્રતીતમાં લઈને ધર્મીજીવ ચૈતન્યના આનંદરસને અનુભવે છે. સિદ્ધદશા
આત્માની રાજધાની છે, તેમાં બિરાજમાન સિદ્ધભગવંતો હમારા શિરછત્ર છે.

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
અરે જીવ! આ ચૈતન્યરસનું પાન કર તે ચૈતન્યરસની ખુમારી પાસે બીજા
કોઈની આશા રહેશે નહિ. માટે કહે છે કે:–
આતમ! અનુભવ રસ પીજે...આશા ઔરનકી કયા કીજે?
ચૈતન્યનો રંગ જેને ચડ્યો તેને પરપદની પ્રીતિ રહે નહીં. સ્વપદને ભૂલીને
અજ્ઞાની પરપદમાં રાચી રહ્યો છે. ભાઈ! તારા સ્વતત્ત્વમાં એકવાર તો દ્રષ્ટિ લગાવ...
તેમાં પરમ અતીન્દ્રિય આનંદનો એવો અનુભવ થશે, કે ઈન્દ્રના વૈભવ પણ તને સડેલા
તરણાં જેવા લાગશે. શુભ કે અશુભ રાગરૂપ આસ્રવો છે તે અધ્રુવ છે, દુઃખરૂપ છે;
એનાથી પણ ભિન્ન ચિદાનંદસ્વભાવી આત્મા ધ્રુવ છે, ને દુઃખનું તે અકારણ છે, તેનો
અનુભવ આનંદરૂપ છે. આમ આત્મા અને આસ્રવની ભિન્નતા જાણતાં જ્ઞાન આસ્રવોથી
જુદું પરિણમે છે, એટલે કે સંવર થાય છે. આ રીતે ભેદજ્ઞાન દ્વારા સંવર કરીને અનંતા
જીવો મોક્ષ પામ્યા છે. તેઓ જ્યાંથી મોક્ષ પામ્યા તેને સિદ્ધક્ષેત્રરૂપ તીર્થ કહેવાય છે.
હમણાં સમ્મેદશિખરજી તીર્થની યાત્રાએ ગયા હતા, ત્યાંથી અનંતા જીવો મુક્ત
થયા છે ને ઉપર સિદ્ધપણે બિરાજે છે. આત્માનો સંસાર આત્માના વિકારભાવમાં હતો,
ને આત્માની શુદ્ધતા થતાં મોક્ષ પણ આત્મામાં જ પ્રગટ્યો. એવી મોક્ષદશા કેમ પમાય
તેના સ્મરણ માટે તીર્થયાત્રા છે, તે અશરીરી પૂર્ણ આનંદમય પરમાત્માનું સ્વરૂપ શું છે–
તેના સ્મરણ માટે તીર્થયાત્રા છે, તેમને સાદિઅનંત આનંદ પ્રગટ્યો તે ક્્યાંથી પ્રગટ્યો?
આત્માની શક્તિમાં હતો તે આનંદ પ્રગટ્યો. આવી પ્રતીત અને ઓળખાણ વગર સિદ્ધનું
સાચું સ્મરણ કોણ કરશે?
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવ કહે છે કે આત્મા શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે; રાગાદિ
પરિણામ કે દેહાદિની ક્રિયા તે આત્માનું કાર્ય નથી, ને તેના આધારે આત્માની
સમ્યગ્દર્શનાદિ ક્રિયા થતી નથી. આત્મા પોતે જ સમ્યગ્દર્શનાદિનો આધાર છે.–આવા
આત્મસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો તે ધર્મનું પહેલું પગથિયું છે.
દ્રઢતા
તારું કાર્ય સાધવા માટે બહારની સાધન–
સમ્પત્તિની એવી જરૂર નથી કે જેટલી તારા દ્રઢ
સંકલ્પની જરૂર છે. તારો દ્રઢ સંકલ્પ એ જ તારા કાર્યને
સાધવાનું મુખ્ય સાધન છે.

PDF/HTML Page 28 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૨પ :
જન્મોત્સવના ૭૮ પુષ્પો
(પૃષ્ઠ ૮ થી ચાલુ)
(૩પ) રાગને જાણતી વખતે જ્ઞાનીનો આત્મા રાગરૂપે નથી પરિણમતો પણ
રાગના જ્ઞાનરૂપે જ પરિણમે છે.–આ રીતે જ્ઞાનરૂપે પરિણમતા આત્માને
જાણવો તે કલ્યાણનો માર્ગ છે.
(૩૬) ભાઈ, આત્માને જે દુઃખ અને પરિભ્રમણ છે તે કેમ ટળે? ને સુખ કેમ
પ્રગટે તેની આ વાત છે. શુભરાગ તે કાંઈ સુખરૂપ નથી; સુખ તો
નિરાકુળ, રાગ વગરનું છે.
(૩૭) રાગમાં જેને મીઠાસ લાગે છે તે દુઃખમાં પડેલા છે. જ્ઞાનસ્વરૂપ આત્મા જ
આનંદનો સાગર છે–એનું ભાન કરીને અનુભવ કરતાં સુખનું વેદન થાય
છે; તે ધર્મ છે.
(૩૮) જ્ઞાન અને રાગનું સ્વરૂપ ભિન્ન છે. જ્ઞાનમાં તો સ્વ–પરને જાણવાની
તાકાત છે, પણ રાગમાં સ્વ–પરને જાણવાની તાકાત નથી; તેથી જ્ઞાન તો
પ્રકાશરૂપ છે, ચેતનરૂપ છે, ને રાગ તો અંધકારરૂપ છે, અચેતન છે.–આમ
બંનેની ભિન્નતા ઓળખવી તે દુઃખથી છૂટવાનો ઉપાય છે.
(૩૯) જગતમાં મણિ–રત્નો મળવા મોંઘા નથી, પણ આત્માના ધર્મનું શ્રવણ
મળવું મહા મોંઘું છે. તે શ્રવણ કરીને પણ ચૈતન્યસ્વરૂપને લક્ષગત કરવું તે
તો અપૂર્વ છે.
(૪૦) રાગ દુઃખનું કારણ છે, આત્માનો જ્ઞાનસ્વભાવ દુઃખનું કારણ નથી, એ તો
આનંદનું ધામ છે.
(૪૧) આત્માનું સ્વરૂપ મારે સમજવું છે એમ જો અંતરમાં ગરજ કરીને સમજવા
માંગે તો જરૂર સમજાય તેવું છે.
(૪૨) જીવને પ્રતિકૂળ સંયોગોનું દુઃખ નથી; દુઃખનું કારણ સંયોગો નથી, તેમજ
આત્માનો સ્વભાવ પણ દુઃખનું કારણ નથી. દુઃખનું કારણ તો ચૈતન્યથી
વિરુદ્ધ એવા ક્રોધાદિભાવો જ છે.
(૪૩) રાગાદિ ભાવોને કારણ બનાવીને આત્મા પોતાના સમ્યગ્દર્શનાદિ કાર્યને
કરે–એવું નથી. તેમજ આત્મા કારણ થઈને રાગાદિ કાર્યને કરે–એમ પણ
નથી. આ રીતે રાગાદિ સાથે ખરેખર આત્માને કારણ–કાર્યપણું નથી.

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
(૪૪) રાગ અને જ્ઞાનની ભિન્નતાનું જ્યાં ભેદજ્ઞાન થયું એટલે કે અંતર્મુખ થઈને
જ્ઞાનનો અનુભવ થયો ત્યાં રાગ સાથે એકતાબુદ્ધિ રહેતી નથી, એટલે તેને
બંધન થતું નથી, તે આત્મા બંધનથી છૂટે છે.
(૪પ) ભાઈ, ચોરાશીના ભવભ્રમણમાંથી છૂટવાનો રાહ સન્તો તને બતાવે છે.
તારો આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, તેનો વિશ્વાસ કરવો તે દુઃખથી
છૂટવાનો ઉપાય છે.
(૪૬) દુઃખને ઉપજાવનાર કોણ છે? રાગ સાથેની એકત્વબુદ્ધિ જ દુઃખને
ઉપજાવનારી છે; ને જ્ઞાનસ્વભાવમાં એકત્વબુદ્ધિ તે આનંદને ઉપજાવનાર
છે.
(૪૭) ભાઈ, અંદરમાં આનંદથી ભરેલું ચૈતન્યતત્ત્વ છે, તેમાં ઊંડે ઊતરવા જેવું
છે. જ્યાં સુખ ભર્યું છે તેમાં ઊંડો ઊતરે તો સુખ મળે.
(૪૮) રાગાદિ ભાવો પોતે દુઃખરૂપ છે, તે સુખનું કારણ કેમ થાય? આત્માના
સ્વભાવને રાગ સાથે કારણકાર્યપણું નથી.
(૪૯) દેહની ક્રિયાઓ કારણ ને આત્માનું સમ્યગ્દર્શન કાર્ય એમ નથી; તેમજ
રાગની ક્રિયા તે કારણ ને આત્માનું સમ્યગ્દર્શનાદિ તે કાર્ય–એવું પણ નથી.
(પ૦) એ જ રીતે, આત્મા કારણ થઈને રાગાદિ કાર્યને કરે એમ નથી, તેમજ
આત્મા કારણ થઈને દેહાદિની ક્રિયાને કરે એમ પણ નથી.
(પ૧) આત્માના આવા અકારણ–કાર્ય સ્વભાવનું વિવેચન સમ્મેદશિખરજી
તીર્થની છાયામાં બે દિવસ ચાલ્યું હતું. એ તો ભગવાનના મોક્ષનું ધામ,
ત્યાં અનંતા સિદ્ધ ભગવંતો ઉપર બિરાજી રહ્યા છે. તેઓ કઈ રીતે મોક્ષ
પામ્યા–તેની આ વાત છે.
(પ૨) સર્વજ્ઞદેવે સંક્ષેપમાં મોક્ષનો માર્ગ એમ સમજાવ્યો છે કે તારા
જ્ઞાનસ્વભાવનું વેદન તે જ મોક્ષનું કારણ છે, ને રાગનું વેદન તે મોક્ષનું
કારણ નથી.
(પ૩) જેમ આત્માના સ્વભાવને રાગાદિ સાથે અકારણ–કાર્યપણું છે, તેમ
આત્માના શ્રદ્ધા–જ્ઞાન–સુખ વગેરે સમસ્ત ગુણોને પણ રાગાદિ સાથે
અકારણ–કાર્યપણું છે.
(પ૪) જેમકે–આત્માની શ્રદ્ધાપર્યાય;–રાગ છે માટે તે શ્રદ્ધા પ્રગટી–એમ નથી.
અને તે શ્રદ્ધાપર્યાય રાગની કર્તા પણ નથી. આમ આત્માના દરેક ગુણની

PDF/HTML Page 30 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૭ :
નિર્મળપર્યાયને રાગથી ભિન્નતા છે એટલે તેની સાથે કારણ–કાર્યપણાનો
સંબંધ આત્માને નથી.
(પપ) પરને કારણે તો શ્રદ્ધા વગેરે નહિ, ને શુભરાગને કારણે પણ શ્રદ્ધા વગેરે
નથી. માટે હે ભાઈ! સમ્યગ્દર્શનાદિ માટે તું તારા સ્વભાવમાં જો; અને
તારા ગુણ–પર્યાયોને રાગાદિથી ભિન્ન દેખ.
(પ૬) શ્રદ્ધાગુણમાં એવો સ્વભાવ નથી કે પોતાના કાર્યમાં રાગને કારણ બનાવે.
પોતે પોતાના સ્વભાવથી જ સમ્યગ્દર્શનાદિ કાર્યરૂપે પરિણમે છે.
(પ૭) પહેલાં જ્ઞાનના બળથી આવા સ્વભાવનો નિર્ણય કરવો જોઈએ. નિર્ણય
સાચો હોય તો અનુભવ સાચો થાય, ને સમ્યગ્દર્શનાદિ થાય.
(પ૮) આત્મા કેવો છે, ને કેમ પ્રગટે–તેના નિર્ણય વગર શેમાં લીન થશે? રાગને
આત્માનું સ્વરૂપ માને તો તે લીનતા પણ રાગમાં જ કરશે.–તેને વીતરાગી
ચારિત્ર કે મોક્ષમાર્ગ ક્્યાંથી થાશે?
(પ૯) જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનો જેણે નિર્ણય કર્યો ને રાગાદિ પરભાવો
સાથેનો સંબંધ તોડયો તેને જ્ઞાનસ્વરૂપમાં લીનતા વડે વીતરાગી
ચારિત્ર ને મોક્ષમાર્ગ પ્રગટ થાય છે.–આવો મોક્ષમાર્ગ ભગવાને કહ્યો
છે. આ મોક્ષમાર્ગમાં બીજું કોઈ કારણ નથી.
(૬૦) ભાઈ, આ દેહનો ને જીવનો ભરોસો શો? તારું તો જ્ઞાન છે. જ્ઞાનસ્વરૂપ
આત્માના સ્મરણથી પણ શાંતિ મળે છે, તો તેના સાક્ષાત્ અનુભવના
આનંદની શી વાત?
(૬૧) રાગથી જે જ્ઞાન જુદું નથી પરિણમતું રાગમાં તન્મય વર્તે છે, તેને ખરેખર
જ્ઞાન કહેતા નથી, તે તો અજ્ઞાન જ છે. જ્ઞાન તો તેને કહેવાય કે રાગનું
અકર્તા થઈને રાગથી જુદું પરિણમે.
(૬૨) રાગ તો પોતે ‘અજ્ઞાનમય ભાવ’ છે, તેની સાથે એકમેક વર્તે તેને
જ્ઞાન કોણ કહે? અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવ સાથે એકતા કરી ત્યારે
જ્ઞાન જ્ઞાનરૂપે પરિણમ્યું, ને આસ્રવોથી છૂટયું.–આવું ભેદજ્ઞાન તે
બંધથી છૂટવાનું ને મોક્ષની પ્રાપ્તિનું સાધન છે.

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
(૬૩) અહા, આવા ચૈતન્યસ્વરૂપની વાર્તા સાંભળતાં આત્માર્થીને ચિત્તની
પ્રસન્નતા થાય છે. ચૈતન્ય પ્રત્યે જેને પ્રીતિ જાગી તે તેને સાધીને
અલ્પકાળમાં જરૂર મોક્ષ પામે છે.
(૬૪) સ્વઘરમાં પહોંચવાની આ વાત છે. અનાદિથી નિજઘરને ભૂલીને
પરભાવમાં જીવ લીન થઈ રહ્યો છે. રાગ અને ચૈતન્ય બંનેના
લક્ષણદ્વારા તેમની ભિન્નતા જાણતાં જીવને પર ભાવમાં લીનતા રહેતી
નથી; ને ચૈતન્યમય સ્વભાવમાં લીનતારૂપ પ્રવૃત્તિ થાય છે.–એનું નામ
ધર્મ છે.
(૬પ) રાગને ખબર નથી કે ‘હું રાગ છું.’ જ્ઞાન જ તેને જાણે છે કે ‘આ રાગ છે,
ને હું જ્ઞાન છું.’ આવા સ્વ–પર પ્રકાશક જ્ઞાનપણે આત્માને જાણવો ને
અનુભવવો તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
(૬૬) રાગને જાણતાં ‘રાગ તે જ હું’ એવી બુદ્ધિ તે અજ્ઞાન છે; રાગ મને ધર્મનું
સાધન થશે એવી જેની બુદ્ધિ છે તે પણ રાગને જ જ્ઞાન માને છે. જ્ઞાનના
નિરાકુળ આનંદસ્વાદની તેને ખબર નથી.
(૬૭) રાગથી ભિન્ન જ્ઞાનને જે જાણે તે રાગને મોક્ષનું સાધન માને નહિ, તેમજ
રાગને મોક્ષનું સાધન મનાવનાર જીવોની વાત તે માને નહીં. રાગને
મોક્ષનું સાધન પણ માને અને ભેદજ્ઞાન પણ હોય એમ બને નહિ.
(૬૮) આત્માના અનુભવ માટે પહેલાં શું કરવું? કે જેવો શુદ્ધસ્વભાવ છે તેવો
યથાર્થપણે નિર્ણયમાં લઈને લક્ષગત કરવો જોઈએ, પછી વિકલ્પ તૂટીને
સાક્ષાત્ અનુભવ થાય છે.
(૬૯) શરૂમાં રાગ–વિકલ્પ હોવા છતાં જ્ઞાનના બળે અંદરમાં નિર્ણય કર કે મારો
આત્મા જ્ઞાનસ્વભાવરૂપ છે, ને સ્વસંવેદનથી મને પ્રત્યક્ષ થઈ શકે છે.–
આવા નિર્ણયના જોરે નિર્વિકલ્પ અનુભવ થશે. નિર્ણય વગર ધર્મનું
પગલુંય ભરાશે નહીં.
(૭૦) કોઈ કહે કે અમને નથી સમજાતું.–તો ભાઈ! ‘નથી સમજાતું’ એવો
તારો ઊંધો ભાવ તો અનાદિનો છે, હવે અંતર્મુખ સમજણના
પ્રયત્નવડે તે ભાવ પલટાવી નાંખ. સવળા ભાવ વડે આત્મા સમજી
શકાય તેવો છે.

PDF/HTML Page 32 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૨૯ :
(૭૧) ધર્મ એ આનંદની દશા છે, શાંતિની દશા છે; તે આનંદ કે શાંતિ રાગવડે
પ્રાપ્ત થઈ શકે નહિ; પણ રાગથી પાર આત્માનું સ્વરૂપ છે તેના વેદન વડે
આનંદ, શાંતિ ને ધર્મ થાય છે.
(૭૨) અરે, આત્માના નિર્ણયમાં પણ જે સુખ છે તે રાગથી જુદી જાતનું છે.
આત્માનો નિર્ણય પણ અનંતકાળમાં જીવે કર્યો નથી. નિર્ણય કરે તો તે
માર્ગે અનુભવ કર્યા વગર રહે નહિ.
(૭૩) વૈશાખ સુદ બીજના પ્રવચનમાં ગુરુદેવ પ્રસન્નતાથી કહે છે કે–જુઓ ભાઈ!
તત્ત્વ લક્ષમાં લેવું જોઈએ. સુખ તો આત્મતત્ત્વમાં છે, તેની ઓળખાણ
વગર બહારની બધી વૃત્તિઓ દુઃખરૂપ છે. આત્માને લક્ષગત કરીને
સ્વસંવેદન–પ્રત્યક્ષ કરવો તે સુખનો ઉપાય છે.
(૭૪) અંર્તસ્વભાવમાં જવા માટે પહેલાં તેનો સત્ય નિર્ણય કરવો જોઈએ; પછી
નિર્ણયના ઘોલનથી વિકલ્પ તૂટીને સાક્ષાત્ અનુભવ થાય.
(૭પ) જેમ પ્રકાશમાં અંધકાર નથી, ને અંધકારમાં પ્રકાશ નથી; તેમ મોક્ષના
કારણરૂપ જે ધર્મ, તેમાં રાગરૂપ અંધકાર નથી ને રાગાદિ અંધકારમાં
ધર્મનો પ્રકાશ નથી.–આમ બરાબર નિર્ણય કરવો જોઈએ.
(૭૬) ધર્મીજીવ જાણે છે કે હું ચૈતન્યસ્વરૂપે સદાય ઉદયરૂપ છું, જેમાં વિકાર
પ્રવેશી ન શકે એવો વિજ્ઞાનઘન હું છું; આવો હું મારા પોતાના સંવેદનથી
મને પ્રત્યક્ષ જાણું છું, એમાં વચ્ચે કોઈ વિકલ્પ નથી.
(૭૭) ધર્મની એટલે કે સમ્યગ્દર્શન થવાની આ રીત છે. આ રીતે આત્માનો
અનુભવ થાય છે.
(૭૮) આવા આત્માનો અનુભવ કરવો તે જીવનની સફળતા છે.
આવું અનુભવ–જીવન જીવનારા
ધર્માત્માઓને નમસ્કાર હો.
*

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
અપાર સુખથી
ભરેલો આત્મવૈભવ
(“આત્મવૈભવ” પુસ્તકનું એક પ્રકરણ)
– * –
સુખશક્તિની પ્રતીત કરતાં તેનું ફળ પર્યાયમાં આવે છે
સ્વાનુભૂતિમાં જે સુખનું વેદન થયું તે ઉપરથી ધર્મી જીવ જાણે છે કે
મારો આખો આત્મા આવા પૂર્ણ સુખસ્વભાવથી ભરેલો છે...અહો!
આવો સુખસ્વભાવ સાંભળે, તેના વિચાર–મનન કરે ને તેનો મહિમા
લાવી અંદર ઉતરે તો ત્યાં જગતની કોઈ ચિન્તા કે આકુળતા ક્્યાં
છે? સુખમાં બીજી ચિન્તા કેવી?–સર્વજ્ઞના મહા આનંદની તો શી
વાત? સાધકનો આનંદ પણ અપૂર્વ અતીન્દ્રિય છે.–આવો સુખવૈભવ
દરેક આત્મામાં ભર્યો છે; તે પ્રગટ કરવાનો ઉપાય સમ્યગ્દર્શન છે.
– * –
અનેકાન્તસ્વરૂપ આત્મામાં સુખ નામની એક શક્તિ છે; તેનું લક્ષણ શું?–કે
અનાકુળતા તેનું લક્ષણ છે. આકુળતા તે દુઃખ છે, તેના અભાવરૂપ નિરાકુળ શાન્તિ તે
સુખ છે. અનાકુળતાથી ભરેલો ભગવાન આત્મા તેના સર્વપ્રદેશોમાં સુખ ભરેલું છે.
આવા નિજસુખને પરમાં શોધે તો આકુળતા ને દુઃખ થાય એટલે સંસારભ્રમણ થાય. હે
જીવ! સુખ અંતરમાં છે, તે બહારમાં શોધ્યે મળે તેમ નથી. બહારમાં તો નથી ને
વિકલ્પમાંય સુખ નથી. વિકલ્પમાં સુખને શોધનારો અર્થાત્ રાગને સુખનું સાધન
માનનારો પરમાર્થે બાહ્યવિષયોમાં જ સુખ માને છે. પોતાના સુખસ્વભાવને તે જાણતો
નથી.
ભાઈ, સુખ તો તારો સ્વભાવ; તું પોતે જ સુખસ્વભાવથી ભરેલો, તો તારા
સુખને બાહ્યવિષયોની કે વિકલ્પોની અપેક્ષા કેમ હોય? પોતાના બેહદ સુખસ્વભાવને
ભૂલીને અજ્ઞાની જીવ ભ્રાન્તિથી અનંતા પરદ્રવ્યોમાં (–ખાવામાં, શરીરમાં, સ્ત્રીમાં,
હોદમાં, લક્ષ્મી વગેરેમાં) સુખ માને છે, પણ પોતામાં ખરેખર સુખનો સમુદ્ર ભર્યો છે તે
તેને ભાસતો નથી. ભાઈ, તારું સુખ તો તારામાં છે ને તે સુખનું સાધન પણ તારામાં
છે. તારી સુખશક્તિ

PDF/HTML Page 34 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૧ :
એ જ તારા સુખનું સાધન છે, બહારનું કોઈ સાધન નથી. પોતાના સુખને માટે
બાહ્યસામગ્રી શોધવી તે તો વ્યગ્રતા છે, પરાધીનતા છે, દુઃખ છે.
સુખ તે આત્માનો ગુણ છે, પણ દુઃખ કાંઈ આત્માનો ગુણ નથી. જો દુઃખ
મૂળસ્વભાવમાં હોય તો ટળી શકે નહિ. ને જો સુખ મૂળસ્વભાવમાં ન હોય તો મળી શકે
નહિ. આમ પોતાના સુખસ્વભાવને જાણીને તેની સન્મુખ પરિણમતાં જે સુખ પ્રગટ્યું
તેમાં દુઃખનો અભાવ છે. આવી દુઃખના અભાવરૂપ સુખદશા પ્રગટે ત્યારે આત્માના
સુખસ્વભાવને જાણ્યો કહેવાય. સ્વાનુભૂતિમાં જે સુખનું વેદન થયું તે ઉપરથી ધર્મી જીવ
જાણે છે કે મારો આખો આત્મા આવા પૂર્ણ સુખસ્વભાવથી ભરેલો છે.–આમ પર્યાયમાં
પ્રસિદ્ધિ સહિત શક્તિની પ્રતીત સાચી થાય છે. શક્તિની પ્રતીત કરે ત્યાં તેનું ફળ
પર્યાયમાં આવ્યા વિના રહે નહિ.
સાચું જ્ઞાન હોય ત્યાં સુખ પણ હોય જ; છતાં લક્ષણ બંનેના જુદા; જ્ઞાનનું લક્ષણ
સ્વપરને જાણવું તે; સુખનું લક્ષણ અનાકુળતાને વેદવું તે. આત્મામાં દ્રષ્ટિ કરતાં તેના
જ્ઞાન–સુખ વગેરે ગુણો વ્યક્તપણે પર્યાયમાં વ્યાપે, એટલે કે નિર્મળપણે પરિણમે, ત્યારે
અનંતશક્તિવાળા આત્માને જાણ્યો–માન્યો–અનુભવ્યો કહેવાય.
જે શક્તિ હોય તેનું કંઈક કાર્ય હોવું જોઈએ ને! જેમ કે જ્ઞાનનું કાર્ય શું? કે
જાણવું; તેમ સુખશક્તિનું કાર્ય શું? કે અનાકુળતાનું વેદન કરવું તે સુખશક્તિનું કાર્ય છે.
સુખ ગુણના કાર્યમાં દુઃખ ન હોય. સુખથી ભરેલા અંર્તસ્વભાવમાં દ્રષ્ટિ કરતાં સુખ
પ્રગટે છે, દુઃખ નથી પ્રગટતું. અહા, આવા સુખસ્વભાવની પ્રતીત કરતાં જ તેમાંથી
નિરાકુળ અચિંત્ય આનંદની કણિકા પ્રગટે છે, જેનો સ્વાદ સિદ્ધપ્રભુના સુખ જેવો જ છે.
–આવું સુખશક્તિનું કાર્ય છે.
આવું સુખ પ્રગટવા માટેના છએ કારકો પોતાના સુખગુણમાં જ સમાય છે.
ધ્રુવમાં આનંદ ભર્યો છે તેમાં લક્ષ કરતાં તે પર્યાયમાં પ્રગટે છે. ધ્રુવનું અવલંબન તે જ
સાધન છે, બહારમાં બીજું કોઈ સાધન નથી. ભાઈ, અંતરમાં નજર કરીને આનંદને
શોધ; બહારમાં ક્્યાંય ન શોધ.

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
પ્રશ્ન:– બહારમાં તો બંગલા–મોટર–રેડિયો–સીનેમા વગેરે ઘણા પ્રકારનાં સુખનાં
સાધન દેખાય છે ને?
ઉત્તર:– ભાઈ, સુખની ગંધ પણ એમાં નથી. એના તરફનું વલણ તે તો પાપ
અને દુઃખ છે. સુખનો સાગર આત્મામાં ભર્યો છે, તેને બહારના કોઈ સાધનની જરૂર
નથી; એટલે બાહ્ય વલણરૂપ આકુળતાનો તેમાં અભાવ છે. સુખ તેને કહેવાય કે જેમાં
અંશમાત્ર આકુળતા ન હોય.
આત્માનો સુખગુણ શ્રદ્ધા–જ્ઞાન વગેરે સર્વગુણોમાં વ્યાપક છે, એટલે શ્રદ્ધાન–
જ્ઞાન વગેરેના સમ્યક્ પરિણમનની સાથે સુખ પણ ભેગું જ છે. શ્રદ્ધા–જ્ઞાન સાચા થાય
ને સુખનો અનુભવ ન થાય એમ બને નહિ. સુખના વેદનમાં અનંત ગુણોનો રસ ભેગો
છે; અનંત ગુણનું અનંત સુખ છે.
અહો, આવો સુખસ્વભાવ સાંભળે, તેના વિચાર–મનન કરે ને તેનો મહિમા
લાવી અંદર ઊતરે, તો ત્યાં જગતની કોઈ ચિન્તા કે આકુળતા ક્્યાં છે? સુખમાં બીજી
ચિન્તા કેવી? પરદ્રવ્ય તો કાંઈ આત્મામાં આવતું નથી ને આત્મા પોતાના ગુણથી બહાર
પરમાં જતો નથી. આવા આત્માના ચિન્તનથી પરમ આનંદ પ્રગટે છે. છદ્મસ્થદશામાં
જ્ઞાનીને જે આનંદ છે તે પણ અનંત ગુણના રસથી ભરેલો અનંત આનંદ છે; તો
સર્વજ્ઞના મહા આનંદની શી વાત? પણ પોતાના આવા આનંદસ્વભાવને ભૂલીને પરની
ચિન્તામાં જીવ વળગ્યો છે તેથી દુઃખી છે. સ્વભાવમાં જુએ તો એકલું સુખ, સુખ ને સુખ
જ ભર્યું છે.
આત્મામાં જે સુખ ભર્યું છે તે પ્રગટ કરવાનો માર્ગ સમ્યગ્દર્શન છે. સુખનો માર્ગ
શુભરાગમાં નથી, સુખનો માર્ગ તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે. જે રાગમાં કે પુણ્યમાં
સુખનો માર્ગ માને છે તેણે આત્માના સુખસ્વભાવને જાણ્યો નથી. પુણ્યના ફળરૂપ જે
સુખ છે તે ઈન્દ્રિયજન્ય સુખ છે, તે કાંઈ સાચું સુખ નથી, પણ તે તો દુઃખ જ છે–એમ
પ્રવચનસારમાં સિદ્ધ કર્યું છે. રાગ તો પોતે આકુળતા છે એના વડે ત્રણકાળમાં સુખ થાય
નહિ. સુખગુણના પરિણમનમાં રાગનો કે આકુળતાનો અભાવ છે. એટલે કે
ઉદયભાવનો અભાવ છે. સુખશક્તિ પારિણામિકભાવે ત્રિકાળ છે; તેનું પરિણમન
ક્ષાયિકાદિ

PDF/HTML Page 36 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૩ :
ભાવરૂપ છે, આકુળતારૂપ ઉદયભાવનો તેમાં અભાવ છે, તે ખરેખર સુખગુણનું કાર્ય
નથી. સુખગુણનું કાર્ય તો સુખરૂપ હોય, દુઃખરૂપ ન હોય. ઉદયભાવમાં સુખ નથી ને
ઉદયભાવના ફળરૂપ બાહ્ય સંયોગ તેમાં પણ સુખ નથી. અરે, જડમાં તારું સુખ
હોય? કદી ન હોય. જેનામાં પોતામાં સુખગુણ જ નથી તે તને સુખ ક્્યાંથી
આપશે? આત્મામાં જ આત્માનો આનંદ છે. પણ, મારામાં મારો આનંદ છે એવો
તને તારો ભરોસો નથી એટલે બહારથી આનંદ લેવા માટે વ્યર્થ ઝાવાં નાંખે છે.
જેમ ઝાંઝવાના જળથી તરસ કદી છીપે નહિ કેમકે ત્યાં પાણી જ નથી; તેમ વિષયો
તરફના વલણથી કદી આકુળતા મટે નહિ કેમકે ત્યાં સુખ છે જ નહિ. ભાઈ, સુખનો
દરિયો તો તારામાં છલોછલ ભર્યો છે તેમાં ડુબકી લગાવ તો તને તૃપ્તિ અનુભવાય,
ને તારી આકુળતા મટી જાય. સુખ એટલે મોક્ષમાર્ગ, તે શુભરાગવડે થાય નહિ.
અરે, સુખ તો સ્વાશ્રિતભાવમાં હોય કે પરાશ્રિતભાવમાં? પરાધીનતા સ્વપ્નેય સુખ
નહિ. સ્વાધીનતા એટલે કે આત્મ– સ્વભાવનો આશ્રય તે જ સુખ છે.–એ સુખમાં
અન્ય કોઈની જરૂર પડતી નથી.
પ્રભુ! તને આવો અવસર મળ્‌યો છે તો અંદરથી દરકાર કરીને આત્માને
સમજ. નહિતર આ વખત ચાલ્યો જશે. મનુષ્યપણાનો વખત તો બહુ થોડો છે.
જુઓને, ચાર દિવસ પહેલાં તો એક ભાઈ અહીં સભામાં વ્યાખ્યાન સાંભળવા
આવેલા, ને આજે તો તે હૃદય બંધ પડી જવાથી મુંબઈમાં ગુજરી ગયા–એવા
સમાચાર સંભળાય છે.–આવું ક્ષણભંગુર જીવન છે. માટે તેમાં બીજું બધું ગૌણ
કરીને આત્માના હિતનું સાધન કરી લેવા જેવું છે. આત્માનું હિત કરવામાં બહારનું
કોઈ સાધન નથી. રોટલો, ઓટલો ને પોટલો હોય તો સુખી થઈએ–એમ લોકો
માને છે; પણ ભાઈ! તારા આત્મામાં જ અસંખ્યપ્રદેશી ઓટલો, આનંદના
અનુભવરૂપી રોટલો ને અનંતગુણનો પોટલો છે. આવા રોટલા, ઓટલા ને
પોટલામાં તારું સુખ છે. પરનું હોવાપણું કાંઈ તારામાં આવતું નથી. પરને જાણતાં
પોતાના ભિન્ન અસ્તિત્વને અજ્ઞાની ભૂલી જાય છે. સુખ વગેરે ગુણો આત્મામાં
ત્રિકાળ છે, તે કાંઈ નવા કરવાના નથી, પણ તે ગુણની ઓળખાણ વડે પર્યાયમાં
સુખ વગેરે પ્રગટે છે–ને તેનું નામ ‘આત્મપ્રસિદ્ધિ’ છે.

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
જ્ઞાનમાત્ર આત્મામાં સુખગુણ સ્વાધીન છે; તે સુખની સાથે બીજા અનંતગુણો
પણ ભેગા જ છે. અનંતગુણો એકસાથે આત્મામાં હોવા છતાં, તેમાં જે સુખગુણ છે તે
અન્યગુણ નથી, ને જે અન્યગુણો છે તે સુખગુણ નથી.–એમ બધા ગુણો પોતપોતાના
ભિન્ન ભિન્ન લક્ષણને રાખીને વસ્તુમાં રહ્યા છે. દરેક ગુણમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતા અન્ય
કારકોથી નિરપેક્ષ છે. સુખના ઉત્પાદ–વ્યય–ધ્રુવ ત્રણે સુખરૂપ છે, તે ત્રણેમાં દુઃખનો
અભાવ છે. બીજી રીતે કહીએ તો નિશ્ચયના શુદ્ધપરિણમનમાં વ્યવહારની અશુદ્ધતાનો
અભાવ છે. અહીં તો શુદ્ધતાને જ જીવ કહીએ છીએ, અશુદ્ધતાને ખરેખર જીવ કહેતા
નથી.
અહો, ૪૭ શક્તિનું વર્ણન કરીને તો આચાર્યદેવે આત્માના સ્વભાવને પ્રસિદ્ધ
કર્યો છે. આ ૪૭ શક્તિ તો ઘાતીકર્મની ૪૭ પ્રકૃતિનો ઘાત કરીને કેવળજ્ઞાન પ્રગટ
કરનારી છે. શક્તિના વર્ણનમાં શક્તિઓ ૪૭, ઘાતીકર્મોની પ્રકૃતિ ૪૭, પ્રવચનસારના
પરિશિષ્ટમાં નયો પણ ૪૭ અને ઉપાદાન–નિમિત્તના દોહા પણ ૪૭, એમ બધામાં ૪૭
નો મેળ આવી ગયો છે. જ્ઞાનાવરણની પાંચ, દર્શનાવરણની નવ, મોહનીયની અઠ્ઠાવીશ
અને અંતરાયની પાંચ, (પ+૯+૨૮+પ=૪૭) એમ ઘાતીકર્મોની કુલ ૪૭ પ્રકૃતિ છે;
તેની સામે અહીં જે ૪૭ શક્તિનું વર્ણન કર્યું છે તે શક્તિવાળા આત્માને ઓળખતાં ૪૭
ઘાતિપ્રકૃતિનો ઘાત થઈ જાય છે, ને ભગવાન આત્મા પોતાની અનંત શક્તિની
નિર્મળપર્યાયોસહિત પ્રસિદ્ધ થાય છે.
ભાઈ, સુખનું કારણ તો જ્ઞાન છે. સુખ આત્મામાં છે તેનું જ્ઞાન કર તો સુખ
પ્રગટે. ‘જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારન.’ સમ્યગ્જ્ઞાન વડે આત્માને જાણતાં
સુખ થાય છે. અહો, આ શક્તિના અલૌકિક વર્ણનમાં જ્ઞાનીનો અભિપ્રાય શું છે તે
ઓળખે તો આત્માનો અનુભવ થયા વગર રહે નહિ. પોતે અંદર ઓળખે તો જ્ઞાનીનો
ખરો આશય સમજાય; ને સમજણ ત્યાં સુખ હોય જ.
જેમ આત્મદ્રવ્ય પરની અપેક્ષા રાખતું નથી, તેમ તેની સુખશક્તિ પણ પરની
અપેક્ષા રાખતી નથી અને તેની સુખપર્યાય પણ પરની અપેક્ષા રાખતી નથી. આ રીતે
બધી શક્તિઓમાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેનું પરથી

PDF/HTML Page 38 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૩પ :
નિરપેક્ષપણું સમજવું. આવી અનંતશક્તિના વૈભવથી ભરેલો આત્મા પોતે, તેની
કાંઈ કિંમત અજ્ઞાનીને દેખાતી નથી, ને લાખો કે કરોડો રૂપિયા ભેગા થાય ત્યાં
તો જાણે હું દુનિયામાં કેવો મોટો થઈ ગયો–એમ તેની કિંમત ભાસે છે! ભાઈ,
એનાથી તારી કિંમત નથી. એનાથી તો અનેકગણા ઉત્તમ વૈભવ સ્વર્ગમાં તેં
અનંતવાર મેળવ્યા, પણ તને સુખ કિંચિત્માત્ર ન મળ્‌યું. અને નિગોદના એક
સૂક્ષ્મશરીરમાં અનંતા જીવો સમાઈ જાય–એવી દશામાં પણ અનંતકાળ તેં ગાળ્‌યો.
અત્યારે હવે આવું મનુષ્યપણું, આવો સત્સંગ પામ્યો છો તો તું આત્મતત્ત્વનું
સ્વરૂપ સમજ, તારી અનંતશક્તિના શાશ્વત વૈભવને સંભાળ...કે જેમાંથી તને સાચું
સુખ મળે.
ચૈતન્યના આનંદસાગરમાં ડોલતો આ ભગવાન આત્મા, તેના આનંદમાં
આકુળતાની છાયા પણ નથી. એનો ભરોસો કરનાર સમ્યગ્દ્રષ્ટિને પરમાં જરાપણ
સુખ ભાસતું નથી. ચક્રવર્તીના વૈભવ વચ્ચે પણ સમ્યગ્દ્રષ્ટિ જાણે છે કે આ
બાહ્યવૈભવમાં અમે નથી, ને અમારામાં તે નથી; તે વૈભવમાં અમારું સુખ નથી;
જેમાં અમારું અસ્તિત્વ જ નહિ તેમાં અમારું સુખ કેમ હોય? અમારું સુખ તો
અમારામાં, અમારા નિજવૈભવમાં જ છે. સ્વાનુભવથી અમારું અંતરનું સુખ અમે
દેખ્યું છે, અમારા નિજવૈભવને અમે જાણ્યો છે. અરે, આ બાહ્યવૈભવમાં અમારું
અસ્તિત્વ નથી, જ્યાં અમે છીએ ત્યાં અનંતું સુખ ભર્યું છે, અમારા અસ્તિત્વમાં
આનંદના સાગરની છોળો ઊછળે છે. આ રાજ્ય પ્રત્યે કે સ્ત્રીઆદિ પ્રત્યે જરાક
વલણ જાય છે એ તો બધા રાગનાં ચાળા છે; ઉદયભાવની ચેષ્ટારૂપ આ રાગ પણ
ખરેખર અમે નથી તો પછી બહારના પદાર્થો તો અમારા ક્્યાંથી હોય? તેમાં ક્્યાંય
અમને અમારું સુખ દેખાતું નથી.
‘પણ સંયોગમાં ઊભેલા દેખાય છે ને?’ તો કહે છે કે ભાઈ, તને એના અંતરની
ખબર નથી; એની અંતરની દશાને તું ઓળખતો નથી. એની દ્રષ્ટિ બધેયથી ઊઠી ગઈ છે
ને એક આત્મામાં જ દ્રષ્ટિ લાગી છે. દ્રષ્ટિ જ્યાં લાગી છે ત્યાંથી તે ખસતી નથી; ને દ્રષ્ટિ
જ્યાંથી ખસી ગઈ ત્યાં હવે લાગતી નથી. અને, જેની જ્યાં દ્રષ્ટિ છે ત્યાં જ ખરેખર તે
ઊભા છે. જ્ઞાની સંયોગમાં ઊભા છે કે સ્વભાવમાં? તેની ખબર અજ્ઞાનીને પડે નહિ.
જ્ઞાનીને સંયોગની રુચિ છૂટી થઈ છે ને નિજસ્વભાવની રુચિ થઈ છે, તેથી ખરેખર તે
સંયોગમાં

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : વૈશાખ : ૨૪૯૩
નથી ઊભા, રાગમાં પણ નથી ઊભા, પોતાના સ્વભાવમાં જ ઊભા છે. જે
રાગપરિણમન છે તે કાંઈ ‘જ્ઞાની’ નથી, તેના વડે ‘જ્ઞાની’ ઓળખાતા નથી; રાગ
વગરની નિર્મળ પરિણતિમાં પરિણમતો આત્મા તે જ ‘જ્ઞાની’ છે, તે પરિણતિવડે જ
‘જ્ઞાની’ ઓળખાય છે. આ પ્રકારની જ્ઞાનીની સાચી ઓળખાણ જીવને દુર્લભ છે.
જ્ઞાનીની દર્શનશુદ્ધિમાં આત્માના આનંદનો જ આદર છે, એટલે તેને આનંદનું વેદન જ
મુખ્ય છે; સંયોગનો આદર નથી, રાગનો આદર નથી એટલે દ્રષ્ટિમાં તેના વેદનનો
અભાવ છે.
અહો, સંયોગ અને રાગ વચ્ચે ઊભેલા દેખાય છતાં જ્ઞાનીની દ્રષ્ટિ કોઈ જુદું જ
કામ કરે છે. તેનું વર્ણન કરતાં કવિ દૌલતરામજી કહે છે કે–
चिन्मूरत–द्रग्धारीकी मोहे रीति लगत है अटापटी।
बाहर नारकीकृत दुःख भोगै अन्तर सुखरस गटागटी।
रमत अनेक सुरनि संग पै तिस परिणतितैं नित हटाहटी।
ज्ञान–विराग शक्तितैं विधिफल भोगत पै विधि घटाघटी।
सदननिवासी तदपि उदासी तातें आस्रव छटाछटी।
નરકના સંયોગને કે સ્વર્ગના સંયોગને, કે તે તરફના દુઃખ–સુખના ભાવને
સમ્યગ્દ્રષ્ટિ તન્મયપણે નથી વેદતા, તે તો પોતાના સુખગુણના નિર્મળપરિણમનરૂપ
આનંદને જ તન્મયપણે વેદે છે. પ્રતિકૂળ સંયોગનો કે દુઃખનો તેમાં અભાવ છે. એ
સંયોગ વખતે પણ અંતરમાં તો તે અતીન્દ્રિય સુખરસને ગટગટાવે છે. આવો
સુખસ્વભાવ દરેક આત્મામાં છે. જ્ઞાનપરિણતિ સાથે તે સુખ ભેગું જ પરિણમે છે.
અસંખ્યપ્રદેશી દ્રવ્ય, જ્ઞાનાદિ અનંતગુણો ને તેનું નિર્મળ પરિણમન, આ ત્રણે
થઈને અખંડ આત્મવસ્તુ છે. આવી આત્મવસ્તુને લક્ષમાં લેતાં સમયે સમયે નવો
નવો આનંદ પરિણમે છે. તે આનંદ પરિણમીને આત્માના સર્વગુણોમાં વ્યાપે છે,
એટલે સુખની અનુભૂતિમાં અનંતગુણનો રસ વેદાય છે. જેમ ‘સર્વ ગુણાંશ તે
સમ્યક્ત્વ’ કહ્યું છે તેમ આમાં પણ સમજવું. અનંતગુણમાં વ્યાપક સુખ
અનંતગુણના રસથી ભરેલું અનંતું છે.
(બાકી આવતા અંકમાં)

PDF/HTML Page 40 of 45
single page version

background image
: વૈશાખ : ૨૪૯૩ આત્મધર્મ : ૩૭ :
પ્રશ્નો
[જવાબ તા. પ જુન સુધીમાં લખી મોકલશો]
સરનામું: આત્મધર્મ–બાલવિભાગ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
પ્રશ્ન: ૧ તમારો મુખ્ય ગુણ ક્્યો?
પ્રશ્ન: ૨ જીવ–પુદ્ગલ–ધર્મ–અધર્મ–આકાશ ને કાળ એ છએ દ્રવ્યોમાંથી
અસ્તિત્વગુણ કેટલા દ્રવ્યોમાં છે?
પ્રશ્ન: ૩ ભારતનું સૌથી મહાન તીર્થધામ કયું? અને તે મહાન તીર્થમાંથી સૌથી
છેલ્લા કયા તીર્થંકર મોક્ષ પામ્યા?
પ્રશ્ન: ૪ આપણા બાલવિભાગના સભ્યોએ, તેમજ બધાય જૈનોએ કરવા જેવી
ત્રણ વાત કઈ? આત્મધર્મમાં ઘણીવાર તે આવી ગઈ છે, ભૂલી ગયા હો તો
બાલવિભાગમાંથી શોધીને લખો, અથવા તમારા મિત્રને પૂછી લ્યો.
પત્ર લખો (એક નવીન આયોજન)
ઉનાળાની રજાઓનો તમે શું સદુપયોગ કર્યો–તે સંબંધી એક પત્ર તમે તમારા
મિત્ર ઉપર લખો. આ પત્ર તમે બાલવિભાગના કોઈ સભ્યને તમારો ભાઈ ગણીને
લખતા હો તે રીતે લખવાનો છે અને ધાર્મિકભાવનાની દ્રષ્ટિએ લખવાનો છે. પત્ર સુંદર
અક્ષરે લખશો; બહુ લાંબો ન લખશો, અને સંપાદક આત્મધર્મ, સોનગઢ (સૌરાષ્ટ્ર) ને
સરનામે (તા. ૩૦ જુન સુધીમાં) મોકલી દેશો. આવેલા પત્રોમાંથી ઉત્તમ પત્રોને યોગ્ય
ઈનામ આપવામાં આવશે. પત્ર સાથે તમારો સભ્ય નંબર તથા પૂરું સરનામું લખશો.
બાલવિભાગનું ભેટપુસ્તક (ભગવાન ઋષભદેવ)
બાલવિભાગના નીચેના સભ્યોનાં પૂરા સરનામા અમારી પાસે નથી, તેથી તેમનું
ભેટપુસ્તક “ભગવાન ઋષભદેવ” મોકલી શકાયું નથી; જેઓ તુરત પોતાનું સરનામું
મોકલી આપશે તેમને ભેટપુસ્તક મોકલીશું–સભ્યનંબર–૮૭૪, ૧૦પ૬, ૧૦પ૪, ૧૧૮૭,
૧૦૪૮, ૧૦પ૧, ૮૦૧, ૮૦પ, ૭૪૦, ૬૮૯, ૧૨૦૭, ૧૭૧૬, ૪૬૯.