Atmadharma magazine - Ank 336
(Year 28 - Vir Nirvana Samvat 2497, A.D. 1971).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૧૯ :
સંપત્તિને સંભાળો. ચૈતન્યની સંપદાનો અનુભવ કરીને સાધકભાવ પ્રગટ કરો.
આત્મહિતમાં મસ્ત થાઓ; રાગથી અલગ તમે તો ચૈતન્ય છો. માટે પરનો સંબંધ છોડી,
રાગ–દ્વેષના બંધન તોડીને, જ્ઞાનસ્વરૂપ તમારા આત્માને આનંદથી સાધો. આત્મબળ
જાગૃત કરીને મોહને તોડો ને સમ્યક્ત્વકિરણ પ્રગટ કરીને સુખી થાઓ.
વાહ, જુઓ તો ખરા, આત્મહિત માટે શ્રીગુરુનો વીતરાગી ઉપદેશ! તારે જ્ઞાન–
આનંદથી ભરેલા ચૈતન્યભંડારનો અનુભવ કરવો હોય તો ધનદોલત, દેહ અને રાગ
બધાયની રુચિ તોડીને અંતરમાં આત્મા પાસે આવ. આખા જગતનો રસ છોડીને
ચૈતન્યનો રસ એવો પ્રગટાવ કે તેમાં ઉપયોગની એકાગ્રતા થાય. આવો આત્મપ્રેમ
પ્રગટાવીશ ત્યારે સાધકદશા શરૂ થશે, ત્યારે ચૈતન્યસંપત્તિનું સાચું સુખ પ્રગટશે.
એકકોર ભગવાન આતમરામ, બીજી કોર સંકલ્પવિકલ્પથી માંડીને આખુંય
જગત; તેમાંથી એક ચીજ પસંદ કરી લે. તારે આતમરામ જોઈતો હોય તો એના સિવાય
જગતની બીજી કોઈ ચીજનો પ્રેમ નહીં પાલવે; ને જો જગતની કોઈ ચીજમાં સુખ
માનીને તેની પ્રીતિ કરીશ તો તારો આતમરામ તને અનુભવમાં નહીં આવે. લક્ષ્મી અને
રાગાદિભાવોની જાત જ તારાથી જુદી છે, તેમાંથી તને સુખ કદી મળવાનું નથી. આ
લોકના કુટુંબી સંસારી જીવો તો પોતાના સ્વાર્થના સગાં છે, તેનો નેહ તોડીને તું તારા
અધ્યાત્મિક પરમાર્થરસમાં મસ્ત થા ને તારા આત્મહિતને સાધ. તારે સાધક થવું હોય તો
આત્માનું બળ પ્રગટ કરીને જગતનો સંબંધ છોડ ને તારા ચૈતન્યસ્વરૂપમાં ઉપયોગને જોડ.
આ રીતે શ્રીગુરુનો પરમ વૈરાગ્યરસભીનો ઉપદેશ ઝીલીને, મુમુક્ષુ ભવ્યજીવ
આત્મસન્મુખ થઈ અપૂર્વ સમ્યક્ત્વકળા પ્રગટ કરીને સાધક થાય છે.
ધન્ય શ્રીગુરુ! ધન્ય સાધક!
અહા, હું મુમુક્ષુ થઈને મારા ચૈતન્યના પરમાર્થરસમાં મસ્ત થયો, ત્યાં જગતના
લોકો સાથે મારે કાંઈ જ નાતો નથી. મારી રુચિ મારા આત્મામાં વળી ગઈ છે ત્યાં હવે
કોઈ પરચીજનો પ્રેમ મને રહ્યો નથી. જગતથી અલિપ્ત મારા ચૈતન્યરસમાં જ મારો
આત્મા સાવધાન છે. જગતના લોકને રીઝવવાની, કે જગતના લોકથી રીઝવાની બુદ્ધિ
છોડીને, નિર્ભયપણે મારા ચૈતન્યસ્વરૂપને હું ઉગ્ર પ્રયત્નથી સાધું છું. મારો આત્મા પોતે
રીઝીને આનંદરૂપ કેમ થાય? તે જ મારું પ્રયોજન છે.

PDF/HTML Page 22 of 44
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
અહા, ચૈતન્યવસ્તુ અનંતઅનંત જ્ઞાન–આનંદના નિધાનથી ભરપૂર છે; તે પોતે
પોતાને દેખતાં જ પર્યાયમાં મુક્તિનું સુખ અનુભવાય છે. ચૈતન્યના કોઈ અલૌકિક
ચમત્કારને જ્ઞાની અનુભવે છે. આવો આત્મઅનુભવ ભવભવના પરિતાપથી રહિત છે.
આવા ચૈતન્યઅનુભવવડે સંતોએ અંતરમાં સિદ્ધની સાથે દોસ્તી કરી છે.
અહો, અંતરમાં જોતાં જ મારા આત્મામાં નિજઆત્મગુણોની અચિંત્ય સંપદા
સ્ફૂરાયમાન થઈ છે. આવી ચૈતન્યસંપદા જ્યાં સ્ફૂરી ત્યાં સંસારસંબંધી કલ્પિતસુખોની
તૂચ્છવૃત્તિ છૂટી જાય છે. ચૈતન્યનું જે સુખ છે તે જ પરમ સત્ય સુખ છે, એની પાસે
સ્વર્ગાદિનાં કલ્પિત સુખો તો સાવ તૂચ્છ છે; ખરેખર તે સુખ નથી; ચૈતન્યસુખનો સ્વાદ
આવતાં જ સમસ્ત સંસારના ઈન્દ્રિયવિષયોમાં કે શુભાશુભરાગમાં સુખની મિથ્યાકલ્પના
છૂટી જાય છે. આત્માની કોઈ અગાધ શક્તિ છે કે જેના વેદનમાં સંસારના કોઈ પરભાવ
રહી શકતા નથી, એકલી સ્વાભાવિક આનંદસંપદાને જ ધર્મીજીવ પોતાના અંતરમાં
અનુભવે છે.
સ્વાનુભવી ધર્માત્મા નિઃશંક જાણે છે કે મારી ચૈતન્યસંપદા મારા હૃદયમાં
સ્ફૂરાયમાન થઈ છે,–મને પ્રગટ અનુભવમાં આવી છે. અરે, પૂર્વે મારી આવી
ચૈતન્યસંપદાને મેં ક્ષણમાત્ર જાણી ન હતી.–પણ હવે મારા હૃદયમાં મેં મારી
ચૈતન્યસંપદાને જાણી લીધી, એટલે પૂર્વે ન જાણી તેનું પ્રાયશ્ચિત થઈ ગયું. હવે તો
ચૈતન્યની અનુભૂતિમાં પરમસમાધિ થઈ છે, વિષ જેવા દુઃખમય વિભાવોથી પાર એવા
ચૈતન્યસ્વરૂપ આત્માના વિશુદ્ધ સુખને હું અનુભવું છું. આવા અનુભવનું નામ મોક્ષમાર્ગ
છે. આવું સુખ સ્વાનુભવવડે ધર્મીને પોતામાંથી જ સ્ફૂરે છે. એ કોઈ રાગનો વિકલ્પનો
વિષય નથી; પોતાની જ ચેતનાપર્યાય નિર્વિકલ્પ સમાધિરૂપ થઈને પોતાના આવા
આત્માને ધ્યેય બનાવે છે ને ત્યાં ચૈતન્યના આનંદરસના પરમ અમૃતની ધારા વરસે છે.
–તૈયાર થા
રે જીવ! ભવની મૂર્તિ એવા શરીરને
આત્મભાવનાપૂર્વક છોડ તો ભવનો અભાવ થવાનું તને નક્કી
થઈ જશે. અનંતા જીવો શરીર છોડીને સિદ્ધપદને પામ્યા છે....
એવા સિદ્ધપદને સાધવા માટે હવે તું તૈયાર થા...તૈયાર થા.

PDF/HTML Page 23 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૨૧ :
ભગવાનને ભેટવાની રીત
સ્વદ્રવ્યાશ્રિત ભાવમાં બધા ધર્મો સમાય છે
[નિયમસાર ગા. ૧૧૯ ભાદ્ર. વદ ૧૦]
પોતાના આત્મસ્વરૂપને અવલંબનારા અંતર્મુખ ભાવવડે સર્વે પરભાવનો ત્યાગ
થઈ જાય છે તેથી ધ્યાન તે સર્વસ્વ છે, શુદ્ધઆત્માના અંર્તધ્યાનમાં બધા નિશ્ચયધર્મો
સમાઈ જાય છે. આવા ધ્યાન માટે પહેલાં આત્માનું સ્વરૂપ કેવું છે તે બરાબર નિર્ણયમાં
લેવું જોઈએ.
જે પર્યાય અંતરમાં પરમસ્વભાવની સન્મુખ થઈ તે પર્યાય પણ સર્વે વિભાવથી
છૂટી પડી ગઈ, આવી પર્યાય તે પણ આત્માનો જ સ્વભાવ છે, તે ધર્મ છે. તે
ધર્મપર્યાયમાં કોઈ બીજાનું આલંબન નથી, તે પોતાના પરમ શુદ્ધસ્વરૂપને જ અવલંબે
છે. માટે તું બીજા બધાયને ઓળંગીને તારા જ્ઞાનસ્વરૂપ આત્મામાં દ્રષ્ટિ કર, તેને
અનુભવમાં લે, તેને ધ્યેય બનાવીને ધ્યાવ. આવું શુદ્ધાત્મધ્યાન તેમાં મોક્ષમાર્ગ સમાય
છે, તેથી તે ધ્યાન સર્વસ્વ છે. સામયિક કહો, ચારિત્ર કહો, સમ્યગ્દર્શન–જ્ઞાન કહો,
વીતરાગતા કહો, પરમ આનંદ કહો, પ્રાયશ્ચિત કહો–એ બધુંય તે ધ્યાનમાં સમાય છે.
સમસ્ત ૫રભાવોથી પાર, પર્યાયના ભેદોથી પાર, પોતાના પરમપ્રસિદ્ધ આત્મ–
સ્વરૂપને એક સેકંડમાં પકડીને અનુભવ કરવા આત્મા સમર્થ છે. પોતાનો આત્મા અંદર
વિદ્યમાન છે, તેની સન્મુખ થઈને નિકટભવ્યજીવો તેને ધ્યાવે છે. આવી ધ્યાનદશાવડે
પોતાના શુદ્ધસ્વદ્રવ્યને અવલંબનારો જીવ સમસ્ત શુભાશુભરાગાદિ પરભાવોને તે ક્ષણે
જ છોડે છે. અંતરના સ્વભાવમાં જે પર્યાય ગઈ તે પર્યાયમાં રાગદિ બાહ્યભાવો રહેતા
જ નથી, તેથી તે પર્યાયમાં બધા ધર્મો આવી જાય છે, રાગાદિ કોઈ ઉદયભાવો તેમાં નથી
આવતા.
અહો, આ ધર્મની રીત તો જુઓ! આત્મામાં જ એવી તાકાત છે કે પોતે પોતામાં
એકાગ્ર થઈને આનંદભાવરૂપ પરિણમે; ને પરભાવોને પોતામાં આવવા ન દ્યે. જેણે
પોતાના

PDF/HTML Page 24 of 44
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
આત્માનો જ આશ્રય લીધો છે, એટલે કે પોતાના પરમ શુદ્ધસ્વરૂપને જ જે અનુભવે છે
તે જીવને બીજા કોઈ ભાવનું આલંબન નથી. બસ, પર્યાયે આલંબન લીધું પોતાના જ
દ્રવ્યનું; દ્રવ્ય–પર્યાય વચ્ચે જ આનંદની રમત રહી, તેમાં ત્રીજું કોઈ વચ્ચે નથી. ભગવાન
આત્મા જ પોતાની અંતરપરિણતિના બળે પરભાવોને ભિન્ન કરવા સમર્થ છે. એનામાં
એવી અચિંત્ય તાકાત છે કે સ્વાનુભૂતિના એક ટંકારે મિથ્યાત્વાદિ ભાવોને નષ્ટ કરી
નાંખે છે. આવા નિજસ્વરૂપને પહેલાં ધીરજથી બરાબર સમજી લેવું ને પછી ગાયની જેમ
શાંતિથી અંદર વાગોળવું...ને અનુભવમાં લેવું.
વાહ રે વાહ! કેવો મજાનો સર્વજ્ઞનો માર્ગ! સર્વજ્ઞનો માર્ગ કહો કે ભગવાન
બનવાનો માર્ગ કહો. આવો સરલ માર્ગ આત્મામાં પોતામાંથી જ પ્રગટે છે. પોતાનો
માર્ગ પોતામાં જ સમાય છે; તેમાં કોઈ બીજાનો આશરો લેવો પડે તેવું નથી. આત્મા
પોતે જ સ્વાધીન બેહદ તાકાતવાળો છે. તે જ્યાં પોતે પોતાના સ્વરૂપની સન્મુખ થયો
ત્યાં અજ્ઞાન વગેરે બધા પરભાવો વ્યય પામી જાય છે–છૂટી જાય છે. પરભાવોને
છોડવાની રીત એક જ–કે પોતાના શુદ્ધસ્વદ્રવ્યનું અવલંબન કરવું. જે પરિણતિ અંતર્મુખ
થઈને સ્વદ્રવ્યમાં જ તલ્લીન રહે તેમાં પરભાવ હોતા જ નથી; તે પરિણતિમાં તો
પોતાના ભગવાનનો ભેટો થયો છે, તેથી તેને આત્માનું સર્વસ્વ કહ્યું છે. “આત્મસ્વરૂપનું
ધ્યાન તે સર્વસ્વ છે.” પરમ પારિણામિકસ્વભાવનાં રત્નો તે ધ્યાનમાં પ્રગટે છે.
આત્મસ્વરૂપને અવલંબનારા જેટલા ભાવો છે તે ધર્મધ્યાન છે. તે ભાવથી સમ્યગ્દર્શન
પ્રગટે છે, પરમઆનંદ, વીતરાગતા, કેવળજ્ઞાન વગેરે બધુંય તે સ્વદ્રવ્યાશ્રિત ભાવથી જ
પ્રગટે છે; ને તે ભાવમાં સર્વે પરભાવોનો ક્ષય કરવાની તાકાત છે. ધર્મીને
અભેદઅનુભૂતિમાં ક્ષાયિકાદિ નિર્મળભાવો પ્રગટે છે, પણ તે પર્યાયના ભેદો ઉપર તેનું
લક્ષ નથી.
બાપુ, તારો આત્મા જ તારા આનંદનો આધાર છે; તારા જ્ઞાનનો, તારી શ્રદ્ધાનો,
તારા ચારિત્રનો, તારા સમસ્ત શુદ્ધભાવોનો આધાર તારો અખંડ આત્મા જ છે, તેનું
અવલંબન કર; બીજા કોઈના અવલંબનની બુદ્ધિ છોડ અહો, પોતાના આવા
પરમસ્વભાવના અચિંત્ય મહિમાને અંદરમાં વાગોળતાં પરિણામ તેમાં એકાગ્ર થાય છે,
ત્યાં પરભાવો છ્રૂટીને, સહજ સ્વરૂપમાં ઉપયોગની એકાગ્રતારૂપ ધ્યાન થાય છે, તે
ધ્યાનમાં પરમ આનંદરસની ધારા વરસે છે. તેથી આચાર્યભગવાન કહે છે કે અહો!
આવું ધ્યાન તે સર્વસ્વ છે. આવા ધ્યાનવડે પોતામાં જ ભગવાન આત્માના ભેટા થાય
છે. આ ભગવાનને ભેટવાની (ને પરભાવોને મેટવાની) રીત છે.

PDF/HTML Page 25 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૨૩ :
સમ્યગ્દર્શનના આઠ અંગની કથા
સમકિતસહિત આચાર હી સંસારમેં ઈક સાર હૈ.
જિનને કિયા આચરણ ઉનકો નમન સોસો વાર હૈ;
ઉનકે ગુણોંકે કથનસે ગુણગ્રહણ કરના ચાહિએ,
અરૂ પાપિયોંકા હાલ સુનકે પાપ તજના ચાહિએ.
[પ્રથમ નિઃશંકઅંગમાં પ્રસિદ્ધ અંજનચોરની
કથા, બીજી નિઃકાંક્ષઅંગમાં પ્રસિદ્ધ સતી અનંતમતિની
કથા, ત્રીજી નિર્વિચિકિત્સા–અંગમાં પ્રસિદ્ધ ઉદાયન
રાજાની કથા, ચોથી અમૂઢદ્રષ્ટિ–અંગમાં પ્રસિદ્ધ
રેવતીરાણીની કથા, પાંચમી ઉપગૂહન અંગમાં પ્રસિદ્ધ
જિનભક્ત શેઠની કથા, છઠ્ઠી સ્થિતિકરણ અંગમાં પ્રસિદ્ધ
વારિષેણમુનિની કથા, તથા સાતમી વાત્સલ્યઅંગમાં
પ્રસિદ્ધ વિષ્ણુમુનિની કથા આપે વાંચી; હવે આઠમી
છેલ્લી કથા આપ અહીં વાંચશો.]
(૮) પ્રભાવના–અંગમાં પ્રસિદ્ધ વજ્રકુમારમુનિની કથા
અહિછત્રપુરમાં સોમદ્રત્તમંત્રી હતા; તેની સગર્ભા સ્ત્રીને કેરી ખાવાની ઈચ્છા થઈ.
હજી કેરી પાકવાની ઋતુ ન હતી, છતાં મંત્રીએ વનમાં જઈને તપાસ કરી તો આખા
વનમાં એક ઝાડ ઉપર સુન્દર કેરી ઝૂલતી હતી. તેને આશ્ચર્ય થયું! તે ઝાડ નીચે એક
જૈનમુનિ બેઠા હતા, તેના પ્રભાવથી તે ઝાડમાં કેરી પાકી ગઈ હતી. મંત્રીએ ભક્તિપૂર્વક
નમસ્કાર કરીને મુનિરાજ પાસેથી ધર્મનું સ્વરૂપ સાંભળ્‌યું, અને અત્યંત વૈરાગ્યવશ તે જ
વખતે દીક્ષા લઈને મુનિ થયા ને પર્વતમાં જઈને આત્મધ્યાન કરવા લાગ્યા.
તે સોમદ્રત્તમંત્રીની સ્ત્રી યજ્ઞદ્રત્તાએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રને લઈને
મુનિરાજ પાસે ગઈ. પણ સંસારથી વિરક્ત મુનિએ તેની સામે જોયું નહીં. તેથી
ક્રોધપૂર્વક તે સ્ત્રી બોલી કે–જો સાધુ થવું હતું તો મને શા માટે પરણ્યા? મારી જીન્દગી

PDF/HTML Page 26 of 44
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
કેમ બગાડી? હવે આ પુત્રનું પાલનપોષણ કોણ કરશે? એમ કહીને તેમના પગ પાસે જ
બાળકને મૂકીને તે તો ચાલી ગઈ. એ બાળકનું નામ વજ્રકુમાર. તેના હાથમાં વજ્રચિહ્ન
હતું.
અરે! વન–જંગલમાં બાળકની રક્ષા કોણ કરશે!
બરાબર તે જ વખતે દિવાકર નામનો વિદ્યાધર રાજા તીર્થયાત્રા કરવા નીકળેલો,
તે મુનિને વંદન કરવા આવ્યો; અને અત્યંત તેજસ્વી એવા તે વજ્રકુમાર–બાળકને
દેખીને તેડી લીધો. આવા પુત્રરત્નની પ્રાપ્તિ થવાથી રાણી પણ ખુશી થઈ. તેઓ તેને
પોતાની સાથે જ લઈ ગયા, અને પુત્રની જેમ પાલન કરવા લાગ્યા. ભાગ્યવાન જીવોને
કોઈને કોઈ યોગ મળી જાય છે.
વજ્રકુમાર યુવાન થતાં પવનવેગા નામની વિદ્યાધરી સાથે લગ્ન કર્યા ને તેણે
અનેક રાજાઓને જીતી લીધા.
થોડા વખતે દિવાકર રાજાની સ્ત્રીને એક પુત્ર થયો. પોતાના આ પુત્રને જ
રાજ્ય મળે એવી ઈચ્છાથી તે સ્ત્રીને વજ્રકુમાર પ્રત્યે દ્વેષ થવા લાગ્યો. એકવાર તે એમ
બોલી ગઈ કે અરે! આ કોનો પુત્ર છે! ને અહીં આવીને હેરાન કરે છે!
એ સાંભળતાં જ વજ્ર્રકુમારનું મન ઉદાસ થઈ ગયું. તેને ખાતરી થઈ કે મારા
સાચા માતા–પિતા તો બીજા છે. વિદ્યાધર પાસેથી તેણે બધી હકીકત જાણી લીધી. તેને
ખબર પડી કે મારા પિતા તો દીક્ષા લઈને મુનિ થયા છે. તરત જ વિમાનમાં બેસીને તે
મુનિરાજ પાસે ગયો.
ધ્યાનમાં બિરાજમાન સોમદ્રત્ત મુનિરાજને દેખીને તે ઘણો પ્રસન્ન થયો, તેનું
ચિત્ત શાંત થયું, વિચિત્ર સંસાર પ્રત્યે તેને વૈરાગ્ય જાગ્યો, અને જાણે કે પિતા પાસેથી
ધર્મનો વારસો માંગતો હોય! તેમ પરમ ભક્તિથી વંદન કરીને કહ્યું: હે પૂજ્ય દેવ! મને
પણ સાધુદીક્ષા આપો! આ સંસારમાં આત્મા સિવાય બીજે ક્યાંય મને ચેન પડતું નથી.
દિવાકરદેવે તેને દીક્ષા ન લેવા ઘણું સમજાવ્યો, પણ તે વજ્રકુમારે તો દીક્ષા જ
લીધી; સાધુ થઈને આત્માનું જ્ઞાન–ધ્યાન કરવા લાગ્યા, ને દેશોદેશ વિચરીને
ધર્મપ્રભાવના કરવા લાગ્યા. એકવાર તેમના પ્રતાપે મથુરાનગરીમાં ધર્મપ્રભાવનાનો
મોટો પ્રસંગ બન્યો. શું બન્યું? તે જોવા આપણી કથાને મથુરા નગરીમાં લઈ જઈએ.

PDF/HTML Page 27 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૨૫ :
મથુરાનગરીમાં એક ગરીબ અનાથ બાળકી એઠું જુઠું ખાઈને પેટ ભરતી હતી,
તેને દેખીને એક અવધિજ્ઞાની મુનિ બોલ્યા કે દેખો કર્મની વિચિત્રતા! આ જ છોકરી
થોડા વખતમાં રાજાની પટરાણી થશે.
મુનિની એ વાત સાંભળીને બૌદ્ધભિક્ષુક તેને પોતાના મઠમાં લઈ ગયા ને તેનું
લાલનપાલન કરવા લાગ્યા. તેનું નામ બુદ્ધદાસી પાડ્યું ને તેને બૌદ્ધધર્મના સંસ્કાર
આપ્યા.
હવે તે જ્યારે યુવાન થઈ ત્યારે તેનું અત્યંત સુંદર રૂપ દેખીને રાજા મોહિત થઈ
ગયો, અને તેની સાથે લગ્નની માંગણી કરી. પણ આ રાજાને ઉર્વિલા નામની એક રાણી
હતી ને તે જૈનધર્મ પાળતી હતી, તેથી મઠના લોકોએ કહ્યું કે રાજા પોતે બૌદ્ધધર્મ
સ્વીકારે અને બૌદ્ધદાસીને પટરાણી બનાવે તે શરતે લગ્ન કરીએ. કામાંધ રાજાએ તો
વગર વિચાર્યે એ વાત સ્વીકારી લીધી. રે ધિક્કાર વિષયોને! વિષયાંધ જીવો સાચા
ધર્મથી પણ ભ્રષ્ટ થઈ જાય છે.
હવે બુદ્ધદાસી રાજાની પટરાણી થઈ, તેથી તે બૌદ્ધધર્મનો ખૂબ પ્રચાર કરવા
લાગી. એકવાર ઉર્વિલારાણી–કે જે જૈનધર્મની પરમ ભક્ત હતી, તેણે દર વર્ષની માફક
અષ્ટાહ્નિકામાં જિનેન્દ્રભગવાનની મોટી અદ્ભુત રથયાત્રા કાઢવાની તૈયારી કરી. પણ
બુદ્ધદાસીથી તે સહન ન થયું. તેણે રાજાને કહીને તે રથયાત્રા અટકાવી અને બૌદ્ધની
રથયાત્રા પહેલાં કાઢવાનું કહ્યુ. અરેરે! જૈનધર્મના પરમ મહિમાની એને ક્યાંથી ખબર
હોય! ગાયનું દૂધ અને આકડાનું દૂધ–તેના તફાવતને બેભાન માણસ ક્યાંથી જાણે?
ભગવાનની રથયાત્રામાં વિઘ્ન થવાથી ઉર્વિલારાણીને બહું દુઃખ થયું અને
રથયાત્રા ન નીકળે ત્યાં સુધી અનશનવ્રત ધારણ કરીને તે વનમાં સોમદ્રત્તમુનિ તથા
વજ્રકુમારમુનિના શરણમાં પહોંચી ગઈ; અને પ્રાર્થના કરી કે હે પ્રભો! જૈનધર્મ ઉપરનું
સંકટ આપ દૂર કરો.
રાણીની વાત સાંભળીને વજ્રમુનિરાજના અંતરમાં ધર્મપ્રભાવનાનો ભાવ
ઉલ્લસી આવ્યો. બરાબર એ જ વખતે દિવાકર રાજા વગેરે વિદ્યાધરો ત્યાં મુનિવંદન
કરવા આવ્યા; વજ્રકુમારમુનિએ તેમને કહ્યું: રાજન્! તમે જૈનધર્મના પરમ ભક્ત છો, ને
ધર્મ ઉપર મથુરાનગરીમાં સંકટ આવ્યું છે તે દૂર કરવા તમે સમર્થ છો. ધર્માત્માઓને
ધર્મની પ્રભાવનાનો ઉત્સાહ હોય છે; તનથી, મનથી, ધનથી, શાસ્ત્રથી, જ્ઞાનથી, વિદ્યાથી
સર્વપ્રકારે તે જૈનધર્મની વૃદ્ધિ કરે છે ને ધર્માક્ષઓ ઉપરનાં કષ્ટને દૂર કરે છે.

PDF/HTML Page 28 of 44
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
દિવાકર રાજાને ધર્મનો પ્રેમ હતો જ, તેમાં વળી મુનિરાજના ઉપદેશથી તેને
પ્રેરણા મળી; તરત જ મુનિરાજને નમસ્કાર કરીને ઉર્વિલારાણી સાથે બધા વિદ્યાધરો
મથુરા આવી પહોંચ્યા અને ધામધૂમપૂર્વક જિનેન્દ્રદેવની રથયાત્રા કાઢી. હજારો
વિદ્યાધરોના પ્રભાવને દેખીને રાજા અને બુદ્ધદાસી પણ આશ્ચર્ય પામી ગયા, અને
જૈનધર્મથી પ્રભાવિત થઈને આનંદપૂર્વક તેમણે જૈનધર્મ અંગીકાર કરીને પોતાનું કલ્યાણ
કર્યું; તથા સત્યધર્મ પમાડવા માટે ઉર્વિલારાણીનો ઉપકાર માન્યો. ઉર્વિલા રાણીએ તેમને
જૈનધર્મના વીતરાગી દેવગુરુનો અપાર મહિમા સમજાવ્યો. મથુરાનગરીના હજારો જીવો
પણ આવી મહાન પ્રભાવના દેખીને આનંદિત થયા ને બહુમાનપૂર્વક જૈનધર્મની
ઉપાસના કરવા લાગ્યા. આ રીતે વજ્રકુમારમુનિ દ્વારા અને ઉર્વિલારાણી દ્વારા જૈન–
ધર્મની મહાન પ્રભાવના થઈ.
[વજ્રકુમારમુનિરાજની કથા આપણને જૈનધર્મની સેવા કરવાનું અને અત્યંત
મહિમાપૂર્વક તેની પ્રભાવના કરવાનું શીખડાવે છે. તન–મન–ધનથી, જ્ઞાનથી, શ્રદ્ધાથી
સર્વપ્રકારે ધર્મ ઉપરનું સંકટ દૂર કરી, ધર્મનો મહિમા પ્રસિદ્ધ કરવો અને ધર્મની વૃદ્ધિ કરવી.
તેમાં પણ આ જમાનામાં ખાસ કરીને જ્ઞાનસાહિત્ય દ્વારા ધર્મપ્રભાવના કરવા યોગ્ય છે.]
* ઉપસંહાર *
સમન્તભદ્રસ્વામીએ રત્નકરં શ્રાવકાચારમાં સમ્યક્ત્વના આઠ અંગનું વર્ણન
કરીને, તે અંગમાં પ્રસિદ્ધ મહાત્માઓનાં નામ આપ્યાં છે; તે અનુસાર આઠ અંગની આઠ
કથાઓ આપે આત્મધર્મમાં વાંચી.–
અંજન નિરંજન હુએ જિનને નહીં શંકા ચિત્ત ધરી (૧)
બાઈ અનંતમતી સતીને વિષય–આશા પરિહરી (૨)
સજ્જન ઉદાયન નૃપતિવરને ગ્લાનિ જીતી ભાવસે (૩)
સત્ અસતકા કિયા નિર્ણય રેવતીને ચાવસે (૪)
જિનભક્તજીને ચોરકા વહ મહા દૂષણ ઢક દિયા (૫)
જય વારિષેણમુનિશ મુનિકે ચપલ ચિત્તકો સ્થિર કિયા (૬)
સુ વિષ્ણુકુમાર કૃપાલુને મુનિસંધકી રક્ષા કરી (૭)
જય વજ્રમુનિ જયવંત તુમસે ધર્મમહિમા વિસ્તરી (૮)

PDF/HTML Page 29 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૨૭ :
સમ્યક્ત્વનો મહિમા જગાડનારી અને આઠ અંગના પાલનમાં ઉત્સાહ પ્રેરનારી
આ આઠ કથાઓ વાંચીને ઘણા જિજ્ઞાસુઓએ પ્રસન્નતા બતાવી છે. અહીં ઉપસંહારરૂપે
આઠ અંગની કથાઓમાંથી જે ઉત્તમ પ્રેરણા મળે છે તેનું પુનરાવર્તન કરી લઈએ–
(૧) નિઃશંક અંગમાં પ્રસિદ્ધ અંજનકુમારની કથા જૈનધર્મની નિઃશંક શ્રદ્ધા કરીને
તેની આરાધના કરવાનું આપણને શીખવે છે.
(૨) નિઃકાંક્ષ અંગમાં પ્રસિદ્ધ અનંગમતીની કથા, સંસારસુખની વાંછા છોડીને
આત્મિક સુખને જ સાધવામાં તત્પર થવાનું આપણને શીખવે છે.
(૩) નિર્વિચિકિત્સા–અંગમાં પ્રસિદ્ધ ઉદાયન રાજાની કથા આપણને એવો બોધ
આપે છે કે–ધર્માત્માના શરીરાદિને અશુચિ દેખીને પણ તેના ધર્મપ્રત્યે ગ્લાનિ ન કરો,
તેના સમ્યક્ત્વાદિ પવિત્રગુણોનું બહુમાન કરો.
(૪) અમૂઢદ્રષ્ટિ અંગમાં પ્રસિદ્ધ રેવતીરાણીની કથા આપણને એમ કહે છે કે
વીતરાગપરમાત્મા અરિહંતદેવનું સાચું સ્વરૂપ ઓળખો અને તેમના સિવાયના બીજા
કોઈ પણ દેવ–ભલે સાક્ષાત્ બ્રહ્મા–વિષ્ણુ–શંકર જેવા દેખાતા હોય તોપણ તેને નમો નહીં.
જિનવચનથી વિરુદ્ધ કોઈ વાતને માનો નહીં. ભલે આખું જગત બીજું માને ને તમે
એકલા પડી જાઓ–તોપણ જિનમાર્ગની શ્રદ્ધાને છોડો નહીં.
(૫) ઉપગૂહન અંગમાં પ્રસિદ્ધ જિનભક્ત શેઠની કથા આપણને એમ શીખવે છે
કે સાધર્મીના કોઈ દોષને મુખ્ય કરીને ધર્મની નિંદા થાય તેમ ન કરવું; પણ પ્રેમપૂર્વક
સમજાવી તેને તે દોષથી છોડાવવો; અને ધર્માત્માના ગુણોને મુખ્ય કરીને તેની પ્રશંસા–
દ્વારા ધર્મની વૃદ્ધિ થાય તેમ કરવું.
(૬) સ્થિતિકરણમાં પ્રસિદ્ધ વારિષેણ મુનિરાજની કથા આપણને એમ શીખડાવે
છે કે, કોઈ પણ સાધર્મી–ધર્માત્મા કદાચિત શિથિલ થઈને ધર્મમાર્ગથી ડગતો હોય તો
તેના પ્રત્યે તિરસ્કાર ન કરવો પણ પ્રેમપૂર્વક તેને ધર્મમાર્ગમાં સ્થિર કરવો. તેને
સર્વપ્રકારે સહાય કરીને, ધર્મનો ઉલ્લાસ જગાડીને, જૈનધર્મનો પરમ મહિમા સમજાવીને
કે વૈરાગ્યભર્યા સંબોધન વડે, હરકોઈ પ્રકારે ધર્મમાં સ્થિર કરવો. તેમ જ પોતે પોતાના
આત્માને પણ ધર્મમાં વધુ ને વધુ સ્થિર કરવો; ગમે તેવી પ્રતિકૂળતામાં પણ ધર્મથી
જરાપણ ડગવું નહીં.

PDF/HTML Page 30 of 44
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
(૭) વાત્સલ્ય અંગમાં પ્રસિદ્ધ શ્રી વિષ્ણુમુનિરાજની કથા આપણને એમ શીખવે
છે કે ધર્માત્મા સાધર્મી જનોને પોતાના સમજીને તેમના પ્રત્યે અત્યંત પ્રીતિરૂપ વાત્સલ્ય
રાખવું; તેમના પ્રત્યે આદર–સન્માનપૂર્વક દરેક પ્રકારે મદદ કરવી; તેમના ઉપર કંઈ સંકટ
આવી પડે તો પોતાની શક્તિથી તેનું નિવારણ કરવું. આ રીતે ધર્માત્મા પ્રત્યે અત્યંત
પ્રીતિસહિત વર્તવું. જેને ધર્મની પ્રીતિ હોય તેને ધર્માત્મા પ્રત્યે પ્રીતિ હોય જ. ધર્માત્મા
ઉપરનું સંકટ તે દેખી શકે નહીં.
(૮) પ્રભાવના અંગમાં પ્રસિદ્ધ વજ્રકુમારમુનિરાજની કથા આપણને જૈનધર્મની
સેવા કરવાનું અને અત્યંત મહિમાપૂર્વક તેની પ્રભાવના કરવાનું શીખડાવે છે. તન–મન–
ધનથી, જ્ઞાનથી, શ્રદ્ધાથી સર્વપ્રકારે ધર્મ ઉપરનું સંકટ દૂર કરી, ધર્મનો મહિમા પ્રસિદ્ધ
કરવો અને ધર્મની વૃદ્ધિ કરવી. તેમાં પણ આ જમાનામાં જ્ઞાનસાહિત્યદ્વારા ધર્મપ્રભાવના
કરવા યોગ્ય છે.
આઠ–અંગસહિત શુદ્ધ સમ્યક્ત્વની આરાધના જયવંત વર્તો
[આવતા અંકથી સમ્યક્ત્વના આઠ અંગનું વિગતવાર વર્ણન શરૂ કરીશું.
ગુરુદેવના પ્રવચનોમાંથી લીધેલું આ વર્ણન મુમુક્ષુને સમ્યક્ત્વ પ્રત્યે અતિ ઉત્સાહ
જગાડનારું છે. આપને તે ખૂબ ગમશે. તે વાંચવાનું ચૂકશો નહીં. લવાજમ ભરવાની
આળસે આપને તેના વાંચનથી વંચિત ન રહેવું પડે તે જોજો!]
* આત્મ–શાંતિ *
ભાઈ, તારો આત્મસ્વભાવ એવો છે કે એની સન્મુખ
પરિણમતાં આનન્દ સહિત નિર્મળ સમ્યક્ત્વાદિનો ઉત્પાદ થાય છે.
જગતના કોલાહલથી શાંત થઈ, તારા સ્વભાવને લક્ષમાં લે. જગત
શું કરે છે ને જગત શું બોલે છે–તેની સાથે તારા તત્ત્વને સંબંધ નથી,
કેમકે તારો ઉત્પાદ તારામાંથી આવે છે, બીજામાંથી નથી આવતો.
સ્વભાવનું ભાન થયા છતાં કાંઈક રાગ–દ્વેષ થાય તો તે
કાંઈ જ્ઞાન–ભાવનું કાર્ય નથી–એમ ધર્મીને ભિન્નતાનું ભાન છે,
એટલે તે વખતે પોતાનો જ્ઞાનભાવ ચુકાતો નથી.
– “આત્મવૈભવ” માંથી

PDF/HTML Page 31 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૨૯ :
આરાધનાના પંથ અંદરમાં ઊંડાં છે.
મુક્તિના મારગડા દુનિયાથી આઘા છે.
અહો! આત્માની આરાધનાના પંથ રાગથી ન્યારા
છે...વીતરાગી સંતોના મારગડા દુનિયાથી બહુ આઘા છે.
સુખમય આરાધના ભાવશુદ્ધિવડે પમાય છે, રાગવડે તે નથી
પમાતી. દુનિયાથી દૂર, જગતથી જુદા અંદરના સ્વભાવમાં ઊંડે
ઘૂસી જાય ત્યારે વીતરાગી સંતોના માર્ગ હાથ આવે છે.
* * * * *
જેને આત્માના આનંદનો અનુભવ હોય તે તો વારંવાર અંદર તે આનંદનું
ચિંતન કરે; પણ જેને આત્માના આનંદની ખબર નથી, વિષયોમાં જેણે સુખ માન્યું છે તે
તો તે વિષયોને જ ચિંતવે છે, વિષયોના ચિંતનમાં એકક્ષણ પણ તેને શાંતિ નથી. અરે
ભાઈ! આ શરીર તે તો જડ–માટી–હાંડકાં–ચામડાનું ઢીંગલું છે, તેમાં ક્યાં તારું સુખ છે?
આત્મા તો આનંદનો પર્વત છે, તેનો અનુભવ કર.
આચાર્યદેવ કહે છે કે અહો! આત્માના શુદ્ધભાવ સહિત મુનિવરો ચાર
આરાધના પામીને મોક્ષના પરમસુખને અનુભવે છે. –
શુદ્ધભાવયુત મુનિ પામતા આરાધના–ચઉવિધને,
પણ ભાવરહિત જે મુનિ તે તો દીર્ધસંસારે ભમે. ૯૯
ચૈતન્યતત્ત્વમાં ઊંડા ઊતરીને, નિર્વિકલ્પ અનુભૂતિ સહિત આત્માનું ભાન કરીને
તેની આરાધના કરનારા મુનિઓ તો મોક્ષસુખને પામે છે; પણ જેને આત્માનું ભાન
નથી તેને એક્કેય આરાધના હોતી નથી, તે તો સંસારમાં ભમે છે. સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થ
હોય તોપણ તે મોક્ષમાર્ગનો આધારક છે; અને મિથ્યાદ્રષ્ટિજીવ મુનિ થયો હોય તોપણ તે
સંસારી જ છે, તે મોક્ષમાર્ગી નથી.
પ્રશ્ન:– તેને શુભભાવ તો હોય છે?

PDF/HTML Page 32 of 44
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
ઉત્તર:– શુભભાવ હોય છે પણ ભાવશુદ્ધિ તેને નથી; શુભભાવને ભાવશુદ્ધિ
કહેતા નથી, અને શુભભાવ કાંઈ મોક્ષનું સાધન નથી, રાગથી પાર શુદ્ધઆત્માની
અનુભૂતિરૂપ નિશ્ચય સમ્યક્ત્વાદિભાવ, તે જ ભાવશુદ્ધિ છે, ને એવી ભાવશુદ્ધિ હોય ત્યાં
જ દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપ એવી ચતુર્વિધ–આરાધના હોય છે; તેના ફળમાં અનંત–
ચતુષ્ટ સહિત અરિહંતપદ તથા સિદ્ધપદ પ્રગટે છે. સમ્યગ્દર્શન વગર તો જ્ઞાન–ચારિત્ર કે
તપ એકકેય આરાધના હોતી નથી. મિથ્યાત્વનું ફળ સંસાર, ને સમ્યકત્વનું ફળ મોક્ષ છે.
અજ્ઞાનીઓ માત્ર શુભરાગને ભાવશુદ્ધિ માની લ્યે છે ને તેનાથી આરાધના થવાનું માને
છે; પણ ભાઈ! અનંતવાર શુભરાગ કરવા છતાં આત્માની આરાધના તો તેને જરાય ન
થઈ, સંસારભ્રમણ જ રહ્યું. કેમકે અશુભ અને શુભ બંને ભાવો અશુદ્ધ છે, પરભાવ છે,
સંસારનું કારણ છે. સમ્યકત્વાદિ શુદ્ધભાવ તો સ્વભાવના આશ્રયે છે, રાગ વગરના છે,
તે મોક્ષનું કારણ છે. હજી તો આત્માનો શુદ્ધભાવ કોને કહેવાય તેની પણ જેને ખબર ન
હોય તેને આરાધના કેવી? તેને તો એકલું દુઃખ છે. સમ્યગ્દર્શન વગર આત્માની
આરાધના નથી, ને આત્માની આરાધના વગર સુખ નથી. તો સુખ કઈ રીતે થાય? કે
આત્મા પોતે સુખથી ભરેલો મોટો પહાડ છે, આખો સુખનો જ પહાડ છે; તે
સુખસ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–અનુભવ કરતાં આત્મા પોતે સુખરૂપ પરિણમી જાય છે,–
આવી સુખમય આરાધના ભાવશુદ્ધિવડે પમાય છે, રાગવડે તે નથી પમાતી.
અહો! આત્માની આરાધનાના પંથ રાગથી ન્યારા છે. વીતરાગી સંતોના
મારગડા દુનિયાથી બધુ આઘા છે. દુનિયાથી દૂર એટલે કે જગતથી જુદા અંદરના
સ્વભાવમાં ઊંડે ઊંડે ઘૂસી જાય ત્યારે વીતરાગી સંતોના માર્ગની આરાધના પમાય છે.
જેને આનંદસ્વરૂપ આત્માને સાધવો હોય તેને બહારનાં પુણ્ય–પાપના ભાવનો રસ ઊડી
જાય છે. રાગનો પણ રસ રહે ને આત્માનો આનંદ પણ સધાય–એમ એક સાથે બે વાત
નહીં રહે, કેમકે આત્માના આનંદની જાત રાગથી તદ્ન જુદી છે. શુભરાગ તે કાંઈ
આરાધના નથી. જ્યાં રાગનો પ્રેમ છે ત્યાં ચૈતન્યની આરાધના નથી, એનું ફળ તો
સંસાર છે. આમ જાણીને હે જીવ! તું રાગ અને આત્માની ભિન્નતાના અનુભવવડે
ભાવશુદ્ધિ પ્રગટ કર. ભાવશુદ્ધિ તે જ આરાધના છે, તે જ મોક્ષનું કારણ છે; તેના વડે
કલ્યાણની પરંપરા પમાય છે, મોક્ષસુખ પમાય છે.
જ્યાં આત્માનું જ્ઞાન નથી, આત્માનો શુદ્ધસ્વભાવ શું, ને તેનાથી વિરુદ્ધ પરભાવ
શું? તેનું પૃથ્થકરણ નથી, ત્યાં જીવને ભાવશુદ્ધિ ક્યાંથી થાય? જ્ઞાનમાં રાગને

PDF/HTML Page 33 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૩૧ :
ભેળવીને અશુદ્ધભાવને જ અજ્ઞાની અનુભવે છે ને તે જ દુઃખ છે; પછી ભલે દેવ હો, કે
મનુષ્ય હો, અશુદ્ધભાવથી તે દુઃખી જ છે. અને નરકમાં પણ જીવ જો આત્માને
ઓળખીને શુદ્ધભાવ કરે તો તેને અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર કહો કે ભાવશુદ્ધિ કહો, તે મોક્ષસુખનું કારણ છે. ચારે આરાધના
ભાવશુદ્ધિમાં સમાય છે. માટે હે જીવ! પ્રથમ તું ભાવને જાણ...પ્રયત્નવડે આત્માને
જાણીને ભાવશુદ્ધિ પ્રગટ કર, આત્માની આવી આરાધનાવડે મોક્ષસુખ પમાશે.
(ભાવપ્રાભૃત ગાથા ૯૯–૧૦૦)
* * * * *
હે જીવ! તું મોક્ષપંથે આવ.
અહા! સાવધાન થઈને આત્માના વિચારનો ઉદ્યમ કરે તેમાં તો ઊંંઘ ઊડી જાય
તેવું છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તે તો આત્મા અને બંધની ભિન્નતાના વિચારમાં
જાગૃત છે, ઉત્સાહી છે, તેમાં પ્રમાદી થતા નથી. મારે મારું હિત સાધવું છે. મારે મારા
આત્માને ભવબંધનથી છોડાવવો છે–એમ અત્યંત સાવધાન થઈને, મહાન ઉદ્યમપૂર્વક હે
જીવ! તારા આત્માને બંધનથી જુદો અનુભવમાં લે...અનાદિની ઊંઘ ઉડાડીને જાગૃત થા.
આત્માના અનુભવ માટે સાવધાન થાજે...શૂરવીર થાજે...જગતની પ્રતિકૂળતા
દેખીને કાયર થઈશ નહિ...પ્રતિકૂળતા સામે ન જોઈશ, શુદ્ધઆત્માના આનંદ સામે
જોજે. શૂરવીર થઈને–ઉદ્યમી થઈને આનંદનો અનુભવ કરજે. ‘હરિનો મારગ છે
શૂરાનો’....તે પ્રતિકૂળતામાં કે પુણ્યની મીઠાસમાં ક્યાંય અટક્તા નથી; એને એક
પોતાના આત્માર્થનું જ કામ છે. તે ભેદજ્ઞાનવડે આત્માને બંધનથી સર્વથા પ્રકારે જુદો
અનુભવે છે. આવો અનુભવ કરવાનો આ અવસર છે–ભાઈ! તેમાં તારી ચેતનાને
અંતરમાં એકાગ્ર કરીને ત્રિકાળી ચૈતન્યપ્રવાહરૂપ આત્મામાં મગ્ન કર...ને રાગાદિ
સમસ્ત બંધભાવોને ચૈતન્યથી જુદા અજ્ઞાનરૂપ જાણ. આમ સર્વ પ્રકારે ભેદજ્ઞાન કરીને
તારા એકરૂપ શુદ્ધઆત્માને સાધ. મોક્ષને સાધવાનો આ અવસર છે.
અહો, વીતરાગના મારગ....જગતથી જુદા છે. જગતનાં ભાગ્ય છે કે સંતોએ
આવો મારગ પ્રસિદ્ધ કર્યો છે. આવો મારગ પામીને હે જીવ! ભેદજ્ઞાન વડે
શુદ્ધઆત્માને અનુભવમાં લઈને તું મોક્ષપંથે આવ.

PDF/HTML Page 34 of 44
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
વૈરાગ્ય સમાચાર –
* રાણપુરના શેઠશ્રી નારણદાસ કરશનજી (ઉ. વ. ૬૮) ભાદરવા વદ ૧૨ની રાત્રે
હૃદયરોગના એકાએક હુમલાથી સોનગઢ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. અનેક
વર્ષોથી તેઓ પુ. ગુરુદેવના પરિચયમાં હતા ને વિહાર વગેરે પ્રસંગોમાં પણ
ઘણીવાર સાથે જ રહેતા. સોનગઢમાં સમવસર–મંદિર બંધાવવામાં તેઓ એમ
ભાગીદાર હતા; તે ઉપરાંત રાણપુર મુમુક્ષુમંડળમાં પણ તેઓ એક આગેવાન
હતા. હાલમાં તેઓ સુરેન્દ્રનગર રહેતા હતા; પણ છેલ્લા અઠવાડીયાથી
ગુરુદેવના સત્સંગનો લાભ લેવા તેઓ સોનગઢ આવ્યા હતા. સ્વર્ગવાસના
છેલ્લા દિવસ સુધી તેમણે વૈરાગ્યરસઝરતા પ્રવચનો સાંભળ્‌યા હતા; પ્રવચનો
સાંભળીને તેમજ ગુરુદેવના શ્રીમુખે કેટલીક અવનવી વાતો સાંભળીને તેઓ
ઘણા પ્રમુદિત થયા હતા, ને ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* બોટાદના રહીશ ભાઈશ્રી રતિલાલ ધારશીભાઈ વોરા મુંબઈ મુકામે તા. ૨૪–૯–
૭૧ ના રોજ બેત્રણ દિવસની ધનુરની બિમારીમાં ૩૩ વર્ષની યુવાનવયે
સ્વર્ગવાસ પામ્યા છે. ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો. વીતરાગી દેવગુરુના
શરણે તેઓ આત્મહિત પામો.
* વાંકાનેરના શ્રી મોતીબેન (–તે ન્યાલચંદ ફૂલચંદ મહેતાના ધર્મપત્ની) તા. ૧૮–
૯–૭૧ ના રોજ હૃદયરોગના હૂમલાથી વાંકાનેર મુકામે સ્વર્ગવાસ પામ્યા છે.
તેઓ ભદ્રિક અને ભક્તિવંત હતા. સં. ૧૯૮૯ માં ભાઈશ્રી વજુભાઈ ઈજનેર
તેમના મકાનમાં (વાણીયા શેરીમાં) રહેતા ત્યારે પૂ. બેનશ્રી ચંપાબેને અપૂર્વ
આત્મસાધના તે મકાનમાં જ કરી હતી; તેમને પૂ. બેનશ્રી–બેન પ્રત્યે ઘણો
ભક્તિપ્રેમ હતો. કોઈ મુમુક્ષુ તેમના ઘરે જઈને સમ્યક્ત્વનો મહિમા અને
જ્ઞાનીનાં ગુણગાન કરે તે દેખીને તેઓ આનંદિત થતા ને પોતે પણ ભક્તિથી
તેમાં સાથ પૂરાવતા, તથા સમ્યક્ત્વ ભાવના ભાવતા. વીતરાગી દેવ–ગુરુના
શરણમાં સમ્યક્ત્વાદિ પામીને તેઓ આત્મહિત સાધે–એ જ ભાવના.
* * * * *

PDF/HTML Page 35 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૩૩ :
અચિંત્ય અદ્ભુત મહિમાથી ભરેલું શુદ્ધ સ્વતત્ત્વ
[નિયમસાર ગા. ૭૭–૭૮–૭૯–૮૦–૮૧ અષાડ વદ ૧૦–૧૧]
નિયમસારની ૭૭ થી ૮૧ સુધીની પાંચ ગાથાને પાંચ રત્નો કહ્યાં છે. આ પાંચ
રત્નો આત્માનું પરમસ્વરૂપ પ્રકાશિત કરે છે. સકલ વિભાવપર્યાયો અને ભેદભાવોથી
રહિત એક પરમભાવ જ હું છું એમ ધર્મી અનુભવે છે. આવી અનુભૂતિમાં સકલ
વિભાવના કર્તૃત્વનો અભાવ છે.
આ અધિકાર છે ચારિત્રનો; શુદ્ધ પરમ ચારિત્ર કહો કે પરમાર્થ પ્રતિક્રમણાદિ–ધર્મ
કહો; તે કોને હોય? કે જે ધર્માત્મા સમસ્ત પરભાવોની ચિંતા છોડીને, પોતાના
શુદ્ધસ્વરૂપને જાણે છે, ને તેમાં ચિત્તને એકાગ્ર કરે છે, તેને શુદ્ધ ચારિત્રરૂપ પરમાર્થ
પ્રતિક્રમણાદિ ધર્મ હોય છે, અને તે અલ્પકાળમાં મોક્ષ પામે છે.
તે ધર્માત્મા પોતાના આત્માને કેવો ચિંતવે છે? એ વાત આ પાંચ સૂત્ર રત્નોમાં
બતાવે છે. તે બતાવીને પછી કહેશે કે ભેદજ્ઞાનવડે આવા પરમ તત્ત્વના અભ્યાસવડે
એટલે કે વારંવાર તેના અનુભવવડે મધ્યસ્થભાવરૂપ ચારિત્રદશા પ્રગટે છે. પાંચ
રત્નોવડે સુશોભિત પરમ તત્ત્વને જાણનારો મુમુક્ષુ પંચમગતિને પામે છે.
પાંચરત્નો જે પરમતત્ત્વને પ્રકાશિત કરે છે કેવુ છે? પરમચૈતન્ય અને સુખમય
એવી પોતાની સત્તામાં લીન આ આત્મતત્ત્વમાં નરકાદિ ચારગતિને યોગ્ય કોઈ વિભાવો
નથી; ૧૪ માર્ગણાસ્થાનો, ગુણસ્થાનો કે જીવસ્થાનોના ભેદ–વિકલ્પો પણ તે
પરમતત્ત્વના અનુભવમાં નથી; એ બધાથી પાર એકલી ચૈતન્યભૂતિવડે અનુભવાતું
પરમ તત્ત્વ હું છું. આવા શાંતરસમય મારું આત્મતત્ત્વ, તેમાં સંસારનો કોલાહલ ક્્યાં
છે? સંસારના કલેશમય કોલાહલથી મારું તત્ત્વ અત્યંત દૂર છે. આમ ધર્મી પોતાના
અંર્તતત્ત્વરૂપ ચૈતન્યરત્નને અનુભવે છે. આ પાંચ રત્નો આવા ચૈતન્યરત્નને પ્રકાશે છે.

PDF/HTML Page 36 of 44
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
આવા વસ્તુસ્વભાવમાં દ્રષ્ટિ પડતાં તેમાં કોઈ પરભાવો નથી. આવા
પરમતત્ત્વને એકકોર મુકીને બીજું ગમે તેટલું જીવ કરે તેમાં કાંઈ હાથ આવે તેમ નથી.
અહા! ખરેખર આવું સ્વરૂપ છે–એમ સ્વીકારીને વારંવાર સ્વની ભાવના કરવા જેવી છે;
ભાવના એટલે એકાગ્રતા.
ચૈતન્યવિલાસથી ભરપૂર મારા સ્વભાવની સન્મુખ થઈને તેને ભાવતો હું, ચાર
ગતિના ભાવોને ભાવતો નથી, તેનાથી હું વિમુખ છું– જુદો જુદો છું એટલે તે મનુષ્યાદિ
કોઈ ગતિનો હું કર્તા નથી, મારામાં તે ગતિ નથી, ને તે ગતિમાં હું નથી. હું મારા
ચૈતન્ય–વિલાસમાં વળેલો છું. – આવો પોતાનો અનુભવ અને વારંવાર તેનો અભ્યાસ
તે મોક્ષનો માર્ગ છે.
મારામાં તો હું ચૈતન્યથી ભિન્ન એવા ચારગતિના ભાવોને કરતો નથી ને
બીજામાં પણ તેવા ભાવોને હું અનુમોદતો નથી–પ્રશંસતો નથી. અરે, પોતાની
ચૈતન્યવસ્તુ શું છે તેની ખબર વિના જીવો ચોરાશીના અવતારમાં કષાયની ઘાણીમાં
પીલાઈ રહ્યા છે. એ દુઃખની પીડાનું શું કહેવું? પણ ધર્મી તે દુઃખને ઓળંગી ગયા છે. તે
જાણે છે કે મારું તત્ત્વ ચારેગતિના ભાવોને ઓળંગી ગયું છે, મારા ચૈતન્યના
નિજભાવોથી જ હું ભરેલો છું. ગતિવગેરેના જેટલા ઉદયભાવો છે તે કોઈ મારા
સ્વભાવને અવલંબનારા નથી, એટલે તે હું નથી, તેને હું કરતો નથી; મારી શુદ્ધચૈતન્ય
સત્તાનો જ મને સ્વીકાર છે; મારી ચૈતન્યસત્તામાં બીજા કોઈ ગતિવગેરે પરભાવોનો
સ્વીકાર નથી.
જુઓ, આ ભેદજ્ઞાન! આવા ભેદજ્ઞાનપૂર્વક ચારિત્ર થાય છે. તેમાં પોતાના
જ્ઞાયક ભાવનું જ ભજન છે. મારા શુદ્ધતત્ત્વના સેવનથી જ મને લાભ થયો છે. બાકી
રાગાદિ પરભાવો હો–તેનું સેવન મને નથી. વિકલ્પો તે મારી જાત નથી. મારી જાત
સહજ ચૈતન્યભાવથી વિલસતી છે; મારા પરિણામ આવા મારા સ્વતત્ત્વમાં ઢળીને મારું
જ સેવન કરે છે.–આમ સ્વસન્મુખપણે ચૈતન્યસત્તાના સ્વીકારથી મને જે ધર્મદશા થઈ,
તેમાં ચારગતિ વગેરેની સહાયતા નથી. મનુષ્યપર્યાય હતી તો મને સમ્યગ્દર્શન થયું–એમ
નથી, મારી ચૈતન્યસત્તા શુદ્ધ હતી–તો તેના સ્વીકારથી મને સમ્યગ્દર્શન થયું. આવી શુદ્ધ–
સત્તાના સ્વીકારથી જ જન્મમરણના આરા આવે છે. આ તો અંતરની વાત છે....
અંતરનો માર્ગ છે. સંતોએ માર્ગ સુગમ કરી દીધો છે. આત્માને પ્રસિદ્ધ કરવાની કળા
સમજાવી છે. ‘અહો ઉપકાર જિનવરનો! અહો! ઉપકાર ગુરુવરનો! ’

PDF/HTML Page 37 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૩૫ :
હું ત્રિકાળી આનંદસ્વરૂપ આત્મા છું; તેમાં અવતાર ને ભવ કેવા? સચ્ચિદાનંદ
પ્રભુ આનંદનો નાથ, તેનો જેને ભેટો થયો તેને ભવના અંત આવી ગયા.
શુદ્ધસ્વભાવમાં તો ભવ હતા જ નહીં, તેનો ભેટો થતાં, એટલે તેની સન્મુખતા થતાં,
પર્યાયમાં પણ ભવનો ભાવ નથી. આત્મા પોતે આવી સાધકદશારૂપે થયો ત્યાં પોતાને
પોતામાં જ કૃત–કૃત્યતા અનુભવાય છે, અપૂર્વ વેદનથી મોક્ષની નિસંદેહતા થાય છે.
વાહ! આ સાધકદશા પણ પરમ અદ્ભુત છે! પૂર્ણ સાધ્યદશાની તો શી વાત!
ચૈતન્યભાવપણે જ્યાં પોતામાં પોતાનો અનુભવ થયો ત્યાં ધર્માત્મા જાણે છે કે
૧૪ માર્ગણાના ભેદોમાં હું નથી; ભેદના વિકલ્પોમાં હું નથી. ભેદને ધર્મી નથી ભાવતો,
ધર્મી અભેદને ભાવે છે. અભેદની ભાવનાથી તે આનંદનો સ્વાદ લ્યે છે. અરે જીવો!
પૂર્ણતાનો નાથ પરમઆત્મા અંદર જ બિરાજે છે; તે તું પોતે જ છો. તારામાંથી
પરમાત્માપણું પ્રગટ થાય છે. પરિણામને અંતરમાં જોડીને આવા પરમતત્ત્વની ભાવના
ભાવો. અંદર આવા સ્વભાવને લીધો (એટલે કે અનુભવ્યો) ત્યાં પરભાવો સર્વે છૂટી
જ ગયેલા છે. ક્ષયોપશમજ્ઞાન હોવા છતાં, આવા અનુભવમાં સાધકને આત્માના
આનંદની લહેર ઊઠી છે... આખા દરિયા ડોલ્યા છે... આવી અદ્ભુત અલૌકિક વસ્તુ છે.
વીતરાગનો આવો માર્ગ છે. તેમાં વીતરાગતા થાય ત્યારે ધર્મ થાય. તે વીતરાગતા
શુદ્ધાત્માના અનુભવથી જ થાય છે. અરે, એકવાર અંતરમાં નજર કરીને તારા પૂર્ણાનંદી
ભગવાનનું ભજન કર કે તરત તારા ભવના આરા આવી જશે.
જેમ ચારેકોર સિંહના ટોળા વચ્ચે ઘેરાયેલા માણસ તેનાથી છૂટવાનો ઉપાય
શોધે.... ને ઝાડ ઉપર ચડી જાય... તેમ ચારેકોર ચારગતિનાં દુઃખો અને કષાયોરૂપી
સિંહથી ઘેરાયેલો આત્મા, તેનાથી છૂટવા કોનું આલંબન લ્યે? બહારમાં તો કોઈનું
આલંબન નથી, અંદર કષાયોથી અલિપ્ત પોતાનો સહજ ચૈતન્યભાવ તેનું અવલંબન
લઈને તે ચૈતન્ય–કલ્પવૃક્ષમાં આરૂઢ થા, તો કષાયોથી તારી રક્ષા થશે, ને નિર્ભયપણે
તને તારી શાંતિનું વેદન થશે.
અરે, આવા દુઃખો અને કષાયો વચ્ચે ઘેરાયેલો તું, અને તને બહારમાં શેનાં
હરખ આવે છે? હરખ કરવા યોગ્ય સ્થાન તો પોતાનો ભગવાન આત્મા છે; તેમાં હરખ
કરીને રહેવા જેવું છે, તેમાં તને પરમ શાંતિ થશે. શાંતરસનું સરોવર તો તું છો. તારા
ચૈતન્યસરોવરના અમૃતનું પાન કર!

PDF/HTML Page 38 of 44
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
સરોવરમાં પાણી પીવા તો બધાય આવે–તિર્યંચો પણ આવે ને મનુષ્યો પણ
આવે, મોટા આવે ને નાના પણ આવે; તેમ શરીર તિર્યંચનું હો કે મનુષ્યનું, ઉમર નાની
હો કે મોટી, બધા જીવો પોતાના અંતરમાં ચૈતન્યસરોવરના શાંતરસનો અનુભવ કરી
શકે છે. આવા શાંતરસના સમુદ્રમાં હે જીવો! તમે મગ્ન થાઓ.
જે પોતાના શુદ્ધચૈતન્ય દ્રવ્યસન્મુખ પરિણમ્યો છે તે ધર્મી જીવ એમ કહે છે
(એમ અનુભવે છે) કે હું સહજ ચૈતન્યભાવ છું; સકલ ભેદો અને વિભાવોનો મારામાં
અભાવ છે. ગતિ કે માર્ગણાના ભેદો, રાગાદિ ભાવો, કષાય ભાવો–એ બધાય ભાવો
મને નથી, ‘મને’ એટલે જે પોતાના શુદ્ધ દ્રવ્યસન્મુખ થયેલો છે એવા મને કોઈ
વિભાવો નથી. શુદ્ધદ્રવ્યમાં તો નથી, ને તેમાં એકાગ્ર થયેલી પર્યાયમાં પણ નથી. આવી
અપૂર્વ અનુભૂતિ આ પંચરત્ન (ગાથા ૭૭ થી ૮૧) માં બતાવી છે.
“આ પ્રમાણે પંચરત્નોદ્વારા જેણે સમસ્ત વિષયોના ગ્રહણની ચિંતાને છોડી છે,
અને નિજ દ્રવ્યગુણપર્યાયના સ્વરૂપમાં ચિત્તને એકાગ્ર કર્યું છે, તે ભવ્યજીવ નિજભાવથી
ભિન્ન એવા સકળ વિભાવને છોડીને અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત કરે છે.”
જુઓ, શુદ્ધદ્રવ્ય–ગુણ તો ત્રિકાળી નિજભાવ છે, અને તેમાં એકાગ્ર થયેલી પર્યાય
તે પણ નિજભાવ છે; શુદ્ધદ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ આવા નિજભાવપણે ધર્મી પોતાને
અનુભવે છે. નિજભાવના આવા અનુભવવડે ધર્મીજીવ મુક્તિના પંથે ચડ્યા છે, તેને
અલ્પકાળમાં જ પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષભાવ પ્રગટ થશે. સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રરૂપે
પરિણમેલા શુદ્ધો–પયોગી મુનિને જ પ્રવચનસારમાં મોક્ષતત્ત્વ કહી દીધું છે.
પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથાને પણ પાંચરત્ન (શાસ્ત્રની કલગી જેવાં પાંચ
રત્ન) કહ્યાં છે. તેમાં ૨૭૧ મી ગાથામાં દ્રવ્યલિંગી મિથ્યાદ્રષ્ટિને સંસારતત્ત્વ જ કહ્યું છે,
ને ૨૭૨મી ગાથામાં શુદ્ધોપયોગીમુનિને મોક્ષતત્ત્વ કહ્યું છે, હજી તો શુદ્ધોપપયોગવડે
મોક્ષને સાધી રહ્યા છે, છતાં તેને મોક્ષતત્ત્વ જ કહી દીધા છે. શુદ્ધોપયોગવડે
શુદ્ધસ્વભાવમાં સ્થિર થયેલા તે ‘ઉપશાંતઆત્મા’ ને મોક્ષતત્ત્વ જાણવું.
બતાવીને કહે છે કે અહો! આવા તત્ત્વમાં ઉપયોગને એકાગ્ર કરતાં સમસ્ત પરવિષયોનું
ચિંતન છૂટી જાય છે ને ચિત્ત નિજસ્વરૂપમાં જ એકાગ્ર થાય છે. નિજ દ્રવ્યગુણપર્યાયના
સ્વરૂપમાં એકાગ્રચિત્તવાળો તે જીવ, અન્ય સમસ્ત વિભાવોથી રહિત થઈને પરમ–

PDF/HTML Page 39 of 44
single page version

background image
: આસો : ૨૪૯૭ આત્મધર્મ : ૩૭ :
આનંદમય મોક્ષભાવરૂપ પરિણમે છે.
અનંતા જીવો ભેદજ્ઞાનના અભ્યાસવડે શુદ્ધઆત્માને અનુભવીને મુક્તિ પામ્યા છે,
જેઓ મુક્તિ પામ્યા તેઓ બધાય રાગથી જુદા પડીને જ મુક્તિ પામ્યા છે; રાગને રાખીને
કોઈ મુક્તિ પામ્યું નથી. રાગથી ભિન્ન પોતાને અનુભવનારા જીવો જ મુક્તિ પામે છે, ને
રાગ સાથે એકતા અનુભવનારા જીવો જ બંધાય છે. માટે મુમુક્ષુએ ભેદજ્ઞાનના નિરંતર
પ્રયોગવડે પોતાના આત્માને સમસ્ત પરભાવોથી ભિન્ન અનુભવમાં લેવાયોગ્ય છે.
અહા, જેમણે આવું ભેદજ્ઞાન કર્યું તેમનો અવતાર ઊજળો છે...
તેમનો આત્મા ઊજળો છે. ।।
जय हो भेदज्ञाननो...... जय हो उज्वल आत्मानो
વિવિધ સમાચાર
* સોનગઢમાં, તેમજ અન્યત્ર દશલક્ષણધર્મ આનંદોલ્લાસપૂર્વક ઉજવાયા હતા.
વિદ્વાનો દ્વારા અધ્યાત્મપ્રવચનો સાંભળીને ગામેગામથી મુમુક્ષુઓએ પ્રસન્નતા વ્યક્ત કરી છે,
ને આભારપત્ર આવેલ છે. સૌરાષ્ટ્ર–ગુજરાત ઉપરાંત મુંબઈ, મલાડ, ઘાટકોપર, મદ્રાસ,
કલકત્તા બેંગલોર, હૈદરાબાદ, લલિતપુર, મહરોની, ટીકમગઢ, બીના, વિદિશા, ભોપાલ, લશ્કર–
ગ્વાલિયર, જયપુર, ખનિયાધાના, મલકાપુર, સહારનપુર, ખંડવા;લોહારદા, રાઘૌગઢ, કોટા,
અરોન–ગુના, ઈટાવા, મહીદપુર, બીના–બજરીયા, દેવલગાંવ–રાજા (મહારાષ્ટ્ર) વગેરે કેટલાય
સ્થળે સોનગઢ–સંસ્થા દ્વારા વાંચનકારનો બંદોબસ્ત થયો હતો, ને દરેક સ્થળે હજારો
જિજ્ઞાસુઓએ પ્રવચન સાંભળીને, પૂ. ગુરુદેવ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
જૈનસમાજમાં વીતરાગી તત્ત્વજ્ઞાનનો પ્રચાર દિવસે–દિવસે વૃદ્ધિગત થઈ રહ્યો છે; હજારો જીવો
જાગૃત બનીને આત્મહિત માટે જૈનધર્મના સાચા તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યા છે.
આ ઉપરાંત રખિયાલ, જલગાંવ વગેરે ગામોમાં જૈન–શિક્ષણશિબિરનું પણ
આયોજન થયું હતું, તેમાં મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો.
* સમ્યગ્દર્શન પુસ્તક ચોથું જે વૈશાખ સુદ બીજે પોરબંદરમાં પ્રકાશિત થયું હતું,
તેની થોડીક પ્રતો વેચાણવિભાગમાં પણ રૂ. ૧–૫૦ ની ઓછી કિંમતે મળી શકે છે.
પોસ્ટથી મંગાવનારે બે રૂપિયા મોકલવા. સમ્યગ્દર્શન સંબંધી દરેક આત્માર્થીને ગમે
એવા સુંદર લેખોનું આમાં સંકલન છે. આત્માર્થની પુષ્ટિ કરીને સમ્યગ્દર્શનની અદ્ભુત
પ્રેરણા આપે છે. દરેક જિજ્ઞાસુએ ખાસ વાંચવા લાયક છે.

PDF/HTML Page 40 of 44
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : આસો : ૨૪૯૭
પુસ્તક વેચાણ વિભાગ તરફથી નીચે મુજબ સૂચના પ્રગટ કરવામાં આવે છે–
બહારગામ પુસ્તકો મંગાવીને વેચનારા મંડળ કે બુકસેલર્સને પોસ્ટ–પેકિંગ કે
રેલ્વેખર્ચની રાહત મળે ને પુસ્તકોનો પ્રચાર વધે તે હેતુથી હિંદી–ગુજરાતી સમસ્ત
પુસ્તકોમાં પચાસ રૂપિયા કે તેથી વધુ કિંમતના પુસ્તકો મંગાવનારને દશટકા કમિશન
આપવામાં આવશે.
બહારગામથી પુસ્તક મંગાવનારાઓને રેલ્વે કે પોસ્ટ સંબંધી ખર્ચમાં રાહત મળે
તે હેતુથી જ આ યોજના કરેલ છે; એટલે રૂબરૂમાં પુસ્તક લેનારાઓનો સમાવેશ આ
કમિશન–યોજનામાં થતો નથી તેની નોંધ લેશોજી.
* ‘દીપાવલી પર્વ’ એટલે વીરનાથ ભગવાનની મોક્ષપ્રાપ્તિનો મંગલ ઉત્સવ! એ
ઉત્સવ આપણે એવી રીતે ઉંજવવો જોઈએ કે જેમાંથી આપણને મોક્ષને સાધવાની
પ્રેરણા મળે. બંધુઓ, આપણા વીરભગવાને જે મુક્તિમાર્ગ સાધ્યો છે. ને આપણને
બતાવ્યો છે તે મુક્તિમાર્ગ કોઈ અદ્ભુત–અચિંત્ય–આનંદકારી છે. તે માર્ગમાં
રત્નત્રયનાં દિવ્ય દીવડા પ્રગટે છે. એવા દીવડા પ્રગટાવીને દીવાળી ઉજવીએ.
દીપાવલી સંબંધી વિશેષ માહિતી માટે, તથા મહાવીર પ્રભુનું જીવનચરિત્ર વાંચવા
માટે, દીપાવલી અભિનંદનની ખાસ પુસ્તિકા “ભગવાન મહાવીર” મંગાવો. દીવાળી
નિમિત્તે ખાસ પ્રભાવના કરવા માટે દશપુસ્તક માત્ર એક રૂપિયામાં મોકલાશે.
* બેંગલોરમાં ઉત્સાહપૂર્વક જૈનપાઠશાળા ચાલી રહી છે, તે આનંદની વાત છે.
મોરબીમાં પણ પાઠશાળા ચાલુ થવાના સમાચાર છે. બાળકોને જૈનધર્મના સંસ્કારનો
સાચો વારસો આપવા માટે ઠેરઠેર જૈનપાઠશાળા ચાલુ કરવી અત્યંત જરૂરી છે.
વૈરાગ્ય સમાચાર
* વાંકાનેર નિવાસી હેમતલાલ પોપટલાલના સુપુત્રી સૌ. મધુબાળા ૨૨ વર્ષની વયે
સિકંદ્રાબાદ મુકામે તા. ૯–૯–૭૧ ના રોજ સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ વીતરાગી
દેવગુરુના શરણે આત્મહિત પામો.
* વીંછીયાના કોઠારી જગજીવન કાળીદાસના ધર્મપત્ની મણીબેન (ઉ. વ. ૮૨) તા.
૩૧–૮–૭૧ના રોજ મુંબઈ મુકામે સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લે તેમણે વીંછીયા મુકામે
ગુરુદેવના દર્શન કરેલા. વીતરાગી દેવગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
* જામનગરના લાભકુંવરબેન (તે ચુનીલાલ દેવકરણ વોરાના ધર્મપત્ની) ઉ. વ. ૬૨
ભાદરવા સુદ ચોથના રોજ જામનગર મુકામે હૃદયરોગના હુમલાથી સ્વર્ગવાસ પામ્યા
છે. ગંભીર બિમારી વખતેય તેઓ દેવ–ગુરુનું સ્મરણ તથા તત્ત્વ ચર્ચા કરતા હતા.
વીતરાગી દેવગુરુના શરણે તેઓ આત્મહિત પામો.