Moksha Shastra (Gujarati). Sutra: 9-18 (Chapter 9).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 31 of 36

 

Page 546 of 655
PDF/HTML Page 601 of 710
single page version

અ. ૯ સૂત્ર ૮ ] [ પ૪૭

ર. દસમા સૂત્રમાં કહ્યું છે કે, દસ-અગીઆર અને બારમા ગુણસ્થાને બાવીસ પરિષહોમાંથી આઠ તો હોતા જ નથી એટલે તેને જીતવાપણું નથી, અને બાકીના ચૌદ પરિષહ હોય છે તેને તે જીતી લે છે એટલે કે ક્ષુધા, તૃષા વગેરે પરિષહોથી તે ગુણસ્થાનવર્તી જીવો હણાતા નથી પણ તેના ઉપર જય મેળવે છે અર્થાત્ તે ગુણસ્થાનોએ ક્ષુધા, તૃષા વગેરે ઉત્પન્ન થવાના નિમિત્તકારણરૂપ કર્મનો ઉદય હોવા છતાં તે નિર્મોહી જીવો તેમાં જોડાતા નથી, તેથી તેમને ક્ષુધા, તૃષા વગેરે સંબંધી વિકલ્પ પણ ઊઠતો નથી; એ રીતે તે પરિષહો ઉપર તે જીવો સંપૂર્ણ વિજય પ્રાપ્ત કરે છે. આથી તે ગુણસ્થાને વર્તતા જીવોને રોટલા વગેરેનો આહાર, પાણી વગેરે લેવાનું હોતું જ નથી એવો નિયમ છે.

૩. પરિષહ સંબંધે એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે, સંકલેશ રહિત ભાવોથી પરિષહોને જીતી લેવાથી જ સંવર થાય છે. જો દસ-અગીઆર તથા બારમા ગુણસ્થાને ખાવાપીવા વગેરેનો વિકલ્પ આવે તો સંવર કેમ થાય? અને પરિષહજય થયો કેમ કહેવાય? ચૌદે પરિષહો ઉપર જય મેળવવાથી સંવર થાય છે એમ દસમા સૂત્રમાં કહ્યું છે. સાતમા ગુણસ્થાને જ જીવને ખાવાપીવાનો વિકલ્પ ઊઠતો નથી કેમ કે ત્યાં નિર્વિકલ્પ દશા છે; ત્યાં અબુદ્ધિપૂર્વક વિકલ્પો હોય છે પણ ખાવાપીવાના વિકલ્પો ત્યાં હોતા નથી, તેમ જ તે વિકલ્પો સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ રાખનારી આહાર-પાનની ક્રિયા પણ હોતી નથી. તો પછી દસમા ગુણસ્થાને તો કષાય તદ્દન સૂક્ષ્મ થઈ ગયો છે અને અગીઆરમા તથા બારમા ગુણસ્થાને તો કષાયનો અભાવ થવાથી નિર્વિકલ્પદશા જામી જાય છે; ત્યાં ખાવાપીવાનો વિકલ્પ હોય જ ક્યાંથી? ખાવાપીવાનો વિકલ્પ અને તેની સાથે નિમિત્તપણે સંબંધ રાખનાર ખાવાપીવાની ક્રિયા તો બુદ્ધિપૂર્વક વિકલ્પદશામાં જ હોય છે; તેથી તે વિકલ્પ અને ક્રિયા તો છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોઈ શકે, પણ તેનાથી ઉપર તે હોતા નથી. આથી દસ-અગીઆર તથા બારમા ગુણસ્થાને તો તે પ્રકારનો વિકલ્પ તથા બાહ્યક્રિયા અશક્ય છે.

૪. દસ-અગીઆર અને બારમા ગુણસ્થાને અજ્ઞાન પરિષહનો જય હોય છે એમ દસમા સૂત્રમાં કહ્યું છે તેનું તાત્પર્ય હવે વિચારીએ.

અજ્ઞાન પરિષહનો જય એમ સૂચવે છે કે ત્યાં હજી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું નથી, પણ અપૂર્ણજ્ઞાન છે અને તેના નિમિત્તરૂપ જ્ઞાનાવરણીયનો ઉદય છે. ઉપર કહેલા ગુણસ્થાનોએ જ્ઞાનાવરણીયનો ઉદય હોવા છતાં જીવને તે સંબંધી લેશમાત્ર આકુળતા નથી. દસમા ગુણસ્થાને સૂક્ષ્મ કષાય છે પણ ત્યાં ‘મારું જ્ઞાન ઓછું છે’ એવો વિકલ્પ ઊઠતો નથી, અને અગીઆર તથા બારમા ગુણસ્થાને તો અકષાયભાવ વર્તે છે તેથી


Page 547 of 655
PDF/HTML Page 602 of 710
single page version

પ૪૮ ] [ મોક્ષશાસ્ત્ર ત્યાં પણ જ્ઞાનની અપૂર્ણતાનો વિકલ્પ હોઈ શકે નહિ. આ રીતે તેમને અજ્ઞાન (જ્ઞાનની અપૂર્ણતા) હોવા છતાં તેનો પરિષહજય વર્તે છે. એ જ પ્રમાણે તે ગુણસ્થાનોએ અશન-પાનના પરિષહજય સંબંધી સિદ્ધાંત પણ સમજવો.

પ. આ અધ્યાયના ૧૬ મા સૂત્રમાં વેદનીયના ઉદયથી ૧૧ પરિષહ કહ્યા છે. તેનાં નામ-૧. ક્ષુધા, ર. તૃષા, ૩. શીત, ૪. ઉષ્ણ, પ. દંશમશક, ૬. ચર્યા, ૭. શય્યા, ૮. વધ, ૯. રોગ, ૧૦. તૃણસ્પર્શ અને ૧૧. મળ.

દસ-અગીયાર અને બારમા ગુણસ્થાને જીવને પોતાના સ્વભાવથી જ આ અગીઆર પરિષહોનો જય વર્તે છે.

૬. કર્મનો ઉદય બે પ્રકારે હોય છેઃ પ્રદેશઉદય અને વિપાકઉદય, જ્યારે જીવ વિકાર કરે ત્યારે તે ઉદયને વિપાકઉદય કહેવાય છે અને જીવ વિકાર ન કરે તો તેને પ્રદેશઉદય કહેવાય છે. આ અધ્યાયમાં સંવર-નિર્જરાનું વર્ણન છે. જીવ જો વિકાર કરે તો તેને પરિષહ જય થાય નહિ અને સંવર-નિર્જરા થાય નહિ. પરિષહજયથી સંવરનિર્જરા થાય છે. દસ-અગીઆર અને બારમા ગુણસ્થાનોએ અશન-પાનનો પરિષહજય કહ્યો છે, તેથી ત્યાં તે સંબંધી વિકલ્પ કે બાહ્ય ક્રિયા હોતા નથી.

૭. પરિષહજયનું આ સ્વરૂપ તેરમા ગુણસ્થાને બિરાજતાં તીર્થંકર ભગવાન અને સામાન્ય કેવળીઓને પણ લાગુ પડે છે. તેથી તેમને પણ ક્ષુધા, તૃષા વગેરેના ભાવ ઉત્પન્ન થાય જ નહિ અને અશન-પાનની બાહ્યક્રિયા પણ હોય નહિ. જો તે હોય તો પરિષહજય કહેવાય નહિ; પરિષહજય તો સંવર-નિર્જરાનું કારણ છે. જો ક્ષુધા તૃષા વગેરેના વિકલ્પ હોવા છતાં ક્ષુધાપરિષહજય તૃષાપરિષહજય વગેરે માનવામાં આવે તો પરિષહજય સંવર-નિર્જરાનું કારણ ઠરશે નહિ.

૮. શ્રી નિયમસારની છઠ્ઠી ગાથામાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યે કહ્યું છે કે-૧. ક્ષુધા, ર. તૃષા, ૩. ભય, ૪. રોષ, પ. રાગ, ૬. મોહ, ૭. ચિંતા, ૮. જરા, ૯. રોગ, ૧૦. મરણ, ૧૧. સ્વેદ, ૧ર. ખેદ, ૧૩. મદ, ૧૪. રતિ, ૧પ. વિસ્મય, ૧૬. નિદ્રા, ૧૭. જન્મ અને ૧૮. ઉદ્વેગ-એ અઢાર મહાદોષ આપ્ત અર્હંત વીતરાગ ભગવાનને હોતા નથી.

૯. ભગવાને ઉપદેશેલા માર્ગથી નહિ ડગતાં તે માર્ગમાં લગાતાર પ્રવર્તન કરવાથી કર્મના દ્વાર બંધ થાય છે અને તેથી સંવર થાય છે, તથા પુરુષાર્થના કારણે નિર્જરા થવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે; માટે પરિષહ સહવા યોગ્ય છે.

૧૦ પરિષહનું સ્વરૂપ અને તે સંબંધી થતી ભૂલ

પરિષહજયનું સ્વરૂપ ઉપર કહેવાઈ ગયું છે કે ક્ષુધાદિ લાગતાં તે સંબંધી વિકલ્પ પણ ન


Page 548 of 655
PDF/HTML Page 603 of 710
single page version

અ. ૯ સૂત્ર ૯ ] [ પ૪૯ ઉઠવો તેનું નામ પરિષહજય છે. ક્ષુધાદિ લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો તેને કેટલાક જીવો પરિષહસહનતા માને છે, પણ તે મિથ્યા છે. ક્ષુધાદિ દૂર કરવાનો ઉપાય ન કર્યો પરંતુ અંતરંગમાં તો ક્ષુધાદિ અનિષ્ટ સામગ્રી મળતાં દુઃખી થયો તથા રતિ આદિનું કારણ (-ઇષ્ટ સામગ્રી) મળતાં સુખી થયો એવા દુઃખ-સુખરૂપ પરિણામ છે તે જ આર્ત્ત-રૌદ્રધ્યાન છે; એ ભાવોથી સંવર કેવી રીતે થાય? અને તેને પરિષહજય કેમ કહેવાય? જો દુઃખના કારણો મળતાં દુઃખી ન થાય તથા સુખના કારણો મળતાં સુખી ન થાય, પણ જ્ઞેયરૂપથી તેનો જાણનાર જ રહે તો જ તે પરિષહજય છે. ।। ।।

પરિષહના બાવીસ પ્રકાર

क्षुत्पिपासाशीतोष्णदंशमशकनाग्न्यारतिस्त्रीचर्यानिषद्याशय्याक्रोशवध– याचनाऽलाभरोगतृणस्पर्शमलसत्कारपुरस्कारप्रज्ञाऽज्ञानाऽदर्शनानि।। ९।।

અર્થઃ– [क्षुत् पिपासा शीत उष्ण दंशमशक] ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, [नाग्न्य अरति स्त्री चर्या निषद्या शय्या] નાગ્ન્ય, અરતિ, સ્ત્રી, ચર્યા, નિષદ્યા, શય્યા, [आक्रोश वध याचना अलाभ रोग तृणस्पर्श] આક્રોશ, વધ, યાચના અલાભ, રોગ, તૃણસ્પર્શ, [मल सत्कारपुरस्कार प्रज्ञा अज्ञान अदर्शनानि] મલ, સત્કારપુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને અદર્શન-એ બાવીશ પ્રકારના પરિષહ છે.

ટીકા

૧. આઠમા સૂત્રમાં આપેલા ‘परिसोढव्याः’ શબ્દનું અવતરણ આ સૂત્રમાં સમજવું; તેથી દરેક બોલની સાથે ‘परिसोढव्याः’ શબ્દ લાગુ પાડીને અર્થ કરવો એટલે કે આ સૂત્રમાં કહેલા બાવીશ પરિષહો સહન કરવા યોગ્ય છે. જ્યાં સમ્યગ્દર્શન-જ્ઞાનપૂર્વક ચારિત્રદશા હોય ત્યાં પરિષહનું સહન હોય છે. મુખ્યપણે મુનિદશામાં પરિષહજય હોય છે. અજ્ઞાનીને પરિષહજય હોય જ નહિ, કેમ કે પરિષહજય તે તો સમ્યગ્દર્શનપૂર્વકનો વીતરાગભાવ છે.

ર. અજ્ઞાનીઓ એમ માને છે કે પરિષહ સહન કરવા તે દુઃખ છે પણ તેમ નથી; ‘પરિષહ સહન કરવા’ તેનો અર્થ દુઃખ ભોગવવું એમ થતો નથી. કેમ કે જે ભાવથી જીવને દુઃખ થાય તે તો આર્ત્તધ્યાન છે અને તે પાપ છે, તેનાથી અશુભબંધન છે અને અહીં તો સંવરના કારણોનું વર્ણન ચાલે છે. લોકોની દ્રષ્ટિએ બાહ્ય સંયોગ ગમે તેવા પ્રતિકૂળ હોય કે અનુકૂળ હોય તોપણ દ્વેષ કે રાગ થવા ન દેવો એટલે કે વીતરાગભાવ પ્રગટ કરવો તેનું જ નામ પરિષહજય છે-અર્થાત્ તેને જ પરિષહજય સહન કર્યા કહેવાય


Page 549 of 655
PDF/HTML Page 604 of 710
single page version

પપ૦ ] [ મોક્ષશાસ્ત્ર છે. જો ઠીક-અઠીકનો વિકલ્પ ઊઠે તો પરિષહ સહન કર્યા કહેવાય નહિ, પણ રાગ - દ્વેષ કર્યો કહેવાય; રાગદ્વેષથી કદી સંવર થાય જ નહિ પણ બંધ જ થાય. માટે જેટલે અંશે વીતરાગતા છે તેટલે અંશે પરિષહજય છે એમ સમજવું અને આ પરિષહજય સુખશાંતિ રૂપ છે. લોકો પરિષહજયને દુઃખ કહે છે તે મિથ્યા છે. વળી પાર્શ્વનાથ ભગવાને અને મહાવીર ભગવાને પરિષહના ઘણા દુઃખ ભોગવ્યાં-એમ અજ્ઞાનીઓ માને છે; પરંતુ ભગવાન તો પોતાના શુદ્ધોપયોગ વડે આત્માનુભવમાં સ્થિર હતા અને પોતાના આત્માનુભવના શાંતરસમાં ઝૂલતા હતા-લીન હતા, તેનું જ નામ પરિષહજય છે. જો તે પ્રસંગે ભગવાનને દુઃખ થયું હોત તો તે દ્વેષ છે અને દ્વેષથી બંધ થાત, પણ સંવર-નિર્જરા થાત નહિ. લોકો જેને પ્રતિકૂળ ગણે છે એવા સંયોગોમાં પણ ભગવાન પોતાના સ્વરૂપમાંથી ચ્યુત થયા ન હતા તેથી તેમને દુઃખ ન હતું પણ સુખ હતું અને તેનાથી તેમને સંવર-નિર્જરા થયા હતા. એ ધ્યાન રાખવું કે ખરેખર કોઈ પણ સંયોગો અનુકૂળ કે પ્રતિકૂળરૂપ નથી, પણ જીવ પોતે જે પ્રકારના ભાવ કરે છે તેવો તેમાં આરોપ કરવામાં આવે છે અને તેથી લોકો તેને અનુકૂળ સંયોગ કે પ્રતિકૂળસંયોગ કહે છે.

૩. બાવીસ પરિષહજયનું સ્વરૂપ

(૧) ક્ષુધા– ક્ષુધાપરિષહ સહન કરવા યોગ્ય છે; સાધુનું ભોજન તો ગૃહસ્થો ઉપર જ નિર્ભર છે, ભોજન માટે કોઈ વસ્તુ તેમની પાસે હોતી નથી, તેઓ કોઈ પાત્રમાં ભોજન કરતા નથી પણ પોતાના હાથમાં જ ભોજન કરે છે; તેમને શરીર ઉપર વસ્ત્રાદિક પણ હોતાં નથી, એક શરીર માત્ર ઉપકરણ છે. વળી અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન વગેરે તપ કરતાં બે દિવસ, ચાર દિવસ, આઠ દિવસ, પક્ષ, માસ વગેરે વ્યતીત થઈ જાય છે; અને શુદ્ધ નિર્દોષ આહાર અંતરાય રહિત, યોગ્ય કાળમાં, યોગ્ય ક્ષેત્રમાં ન મળે તો તેઓ ભિક્ષા ગ્રહણ કરતા નથી અને ચિત્તમાં કાંઈ પણ વિષાદ કે ખેદ કરતા નથી પણ ધૈર્ય ધારણ કરે છે. આ રીતે ક્ષુધારૂપી અગ્નિ પ્રજ્વલિત થવા છતાં પણ ધૈર્યરૂપી જળથી તેને શાંત કરી દે છે અને રાગ-દ્વેષ કરતા નથી એવા મુનિઓને ક્ષુધાપરિષહનું સહન કરવું હોય છે.

અસાતાવેદનીયકર્મની ઉદીરણા હોય ત્યારે જ ક્ષુધા ઉપજે છે અને તે વેદનીયકર્મની ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે, તેના ઉપરના ગુણસ્થાનોએ હોતી નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં વર્તતા મુનિને ક્ષુધા ઉપજવા છતાં તેઓ આકુળતા કરતા નથી અને આહાર લેતા નથી પણ ધૈર્યરૂપી જળથી તે ક્ષુધાને શાંત કરે છે ત્યારે તેમણે પરિષહજય કર્યો કહેવાય છે. છઠ્ઠા ગુણસ્થાને વર્તતા મુનિને પણ એટલો પુરુષાર્થ હોય છે કે જો


Page 550 of 655
PDF/HTML Page 605 of 710
single page version

અ. ૯ સૂત્ર ૯ ] [ પપ૧ યોગ્ય વખતે નિર્દોષ ભોજનનો યોગ ન બને તો આહારનો વિકલ્પ તોડીને નિર્વિકલ્પ દશામાં લીન થાય છે, ત્યારે તેમને પરિષહજય કહેવાય છે. (ર) તૃષાઃ– પિપાસા (તૃષા) ને ધૈર્યરૂપી જળથી શાંત કરવી તે તૃષાપરિષહજય છે. (૩) શીતઃ– શીત (ઠંડી) ને શાંતભાવે અર્થાત્ વીતરાગભાવે સહન કરવી તે શીત

પરિષહજય છે.
(૪) ઉષ્ણઃ– ગરમીને શાંતભાવે સહન કરવી અર્થાત્ જ્ઞાનમાં જ્ઞેયરૂપ કરવી તે
ઉષ્ણપરિષહજય છે.
(પ) દંશમશકઃ– ડાંસ, મચ્છર, કીડી, વીંછી વગેરે કરડે ત્યારે શાંતભાવ રાખવો તે
દંશમશકપરિષહજય છે.
(૬) નાગ્ન્યઃ– નગ્ન રહેવા છતાં પોતામાં કોઈ પ્રકારનો વિકાર ન થવા દેવો તે
નાગ્ન્યપરિષહજય છે. પ્રતિકૂળ પ્રસંગ આવતાં વસ્ત્રાદિ પહેરી લેવાં તે
નાગ્ન્યપરિષહ નથી પણ એ તો માર્ગથી જ ચ્યુતપણું છે, અને પરિષહ
તો માર્ગથી ચ્યુત ન થવું તે છે.
(૭) અરતિઃ– અરતિનું કારણ ઉપસ્થિત થવા છતાં પણ સંયમમાં અરતિ ન કરવી
તે અરતિપરિષહજય છે.
(૮) સ્ત્રીઃ– સ્ત્રીઓના હાવભાવ પ્રદર્શન વગેરે ચેષ્ટાને શાંતભાવે સહન કરવી
અર્થાત્ તે દેખીને મોહિત ન થવું તે સ્ત્રી પરિષહજય છે.
(૯) ચર્યાઃ– ગમન કરતાં ખેદખિન્ન ન થવું તે ચર્યાપરિષહજય છે.
(૧૦) નિષદ્યાઃ– ધ્યાનને માટે નિયમિત કાળ સુધી આસનથી ચ્યુત ન થવું તે
નિષદ્યાપરિષહજય છે.
(૧૧) શય્યાઃ– વિષમ, કઠોર, કાંકરીવાળા સ્થાનોમાં એક પડખે નિદ્રા લેવી અને
અનેક ઉપસર્ગ આવવા છતાં પણ શરીરને ચલાયમાન ન કરવું તે
શય્યાપરિષહજય છે.
(૧ર) આક્રોશઃ– દુષ્ટ જીવો દ્વારા કહેવાયેલા કઠોર શબ્દોને શાંત ભાવે સહી લેવા તે
આક્રોશ પરિષહજય છે.
(૧૩) વધઃ– તલવાર વગેરેથી શરીર પર પ્રહાર કરવાવાળા પ્રત્યે પણ ક્રોધ ન કરવો
તે વધ પરિષહજય છે.
(૧૪) યાચનાઃ– પોતાના પ્રાણોનો વિયોગ થવાનો સંભવ હોય તોપણ આહારાદિની
યાચના ન કરવી તે યાચના પરિષહજય છે.

Page 551 of 655
PDF/HTML Page 606 of 710
single page version

પપ૨ ] [ મોક્ષશાસ્ત્ર

નોંધઃ– યાચના કરવી તેનું નામ યાચના પરિષહજય નથી પણ યાચના ન કરવી તેનું નામ યાચનાપરિષહજય છે. જેમ અરતિ કરવાનું નામ અરતિપરિષહ નથી, પણ અરતિ ન કરવી તે અરતિપરિષહજય છે, તેમ યાચનામાં પણ સમજવું. જો યાચના કરવી તે પરિષહજય હોય તો, રંક વગેરે ઘણી યાચના કરે છે તેથી તેમને ઘણો ધર્મ થાય માટે તેમ નથી. કોઈ કહે છે કે ‘યાચના કરી તેમાં માન ઘટાડવાથી પરિષહજય કહીએ છીએ.’ તે પણ યથાર્થ નથી, કેમ કે કોઈ પ્રકારના તીવ્ર કષાયી કાર્યને અર્થે કોઈ પ્રકારનો કષાય છોડે તોપણ તે પાપી જ છે; જેમ કોઈ લોભ અર્થે પોતાના અપમાનને ન ગણે તો તેને લોભની અતિ તીવ્રતા જ છે, તેથી એ અપમાન કરાવવાથી પણ મહાપાપ થાય છે; તથા પોતાને કાંઈ પણ ઇચ્છા નથી અને કોઈ સ્વયં અપમાન કરે તો તે સહન કરનારને મહા ધર્મ થાય છે. ભોજનના લોભથી યાચના કરીને અપમાન કરાવવું તે તો પાપ જ છે, ધર્મ નથી. વળી વસ્ત્રાદિ માટે યાચના કરવી તે પાપ છે, ધર્મ નથી, (મુનિને તો વસ્ત્ર હોતાં જ નથી) કેમ કે વસ્ત્રાદિ કાંઇ ધર્મનું અંગ નથી, તે તો શરીરસુખનું કારણ છે, તેથી તેની યાચના કરવી તે યાચનાપરિષહજય નથી પણ યાચનાદોષ છે. માટે યાચનાનો નિષેધ છે એમ જાણવું.

યાચના તો ધર્મરૂપ ઉચ્ચ પદને નીચું કરે છે અને યાચના કરવાથી ધર્મની હીનતા થાય છે.

(૧પ) અલાભઃ– આહારાદિ પ્રાપ્ત ન થવા છતાં સંતોષ ધારણ કરવો તે

અલાભ પરિષહજય છે.

(૧૬) રોગઃ– શરીરમાં અનેક રોગ થવા છતાં શાંતભાવથી તે સહન કરી

લેવા તે રોગપરિષહજય છે.

(૧૭) તૃણસ્પર્શઃ– ચાલતી વખતે પગમાં તૃણ, કાંટો, કાંકરી વગેરે લાગતાં કે

સ્પર્શ થતાં આકુળતા ન કરવી તે તૃણસ્પર્શપરિષહજય છે.

(૧૮) મલઃ– મલિન શરીર દેખીને ગ્લાનિ ન કરવી તે મલપરિષહજય છે. (૧૯) સત્કારપુરસ્કારઃ– પોતામાં ગુણોની અધિકતા હોવા છતાં પણ જો

કોઈ સત્કારપુરસ્કાર ન કરે તો ચિત્તમાં કલુષતા ન કરવી તે
સત્કારપુરસ્કાર પરિષહજય છે.) પ્રશંસા તે સત્કાર છે અને કોઈ
સારા કાર્યમાં મુખી બનાવવા તે પુરસ્કાર છે.)

(ર૦) પ્રજ્ઞાઃ– જ્ઞાનની અધિકતા હોવા છતાં પણ માન ન કરવું તે પ્રજ્ઞા

પરિષહજય છે.

Page 552 of 655
PDF/HTML Page 607 of 710
single page version

અ. ૯ સૂત્ર ૯ ] [ પપ૩

(ર૧) અજ્ઞાનઃ– જ્ઞાનાદિકની હીનતા હોય ત્યારે લોકો દ્વારા કરવામાં આવતો

તિરસ્કાર શાંતભાવથી સહન કરી લેવો અને પોતે પણ પોતાના
જ્ઞાનની હીનતાનો ખેદ ન કરવો તે અજ્ઞાનપરિષહજય છે.

(રર) અદર્શનઃ– ઘણા વખત સુધી કઠોર તપશ્ચર્યા કરવા છતાં પણ મને

અવધિજ્ઞાન તથા ચારણઋદ્ધિ વગેરેની પ્રાપ્તિ ન થઈ માટે તપશ્ચર્યા
વગેરે ધારણ કરવાં વ્યર્થ છે-એવો અશ્રદ્ધાનો ભાવ ન થવા દેવો તે
અદર્શન પરિષહજય છે.

આ બાવીસ પરિષહોને આકુળતારહિત જીતી લેવાથી સંવર નિર્જરા થાય છે.

૪. આ સૂત્રનો સિદ્ધાંત

પરદ્રવ્ય અર્થાત્ જડ કર્મનો ઉદય કે શરીરાદિ નોકર્મનો સંયોગ-વિયોગ જીવને કાંઇ વિક્રિયા (વિકાર) કરી શકતા નથી, એ સિદ્ધાંત આ સૂત્રમાં પ્રતિપાદન કર્યો છે. તે કઈ રીતે પ્રતિપાદન થાય છે તે કહેવામાં આવે છે-

(૧) ક્ષુધા અને તૃષા એ નોકર્મરૂપ શરીરની અવસ્થા છે; તે અવસ્થા ગમે તેવી થાય તોપણ જીવને કાંઈ કરી શકે નહિ. જીવ જો શરીરની તે અવસ્થાને જ્ઞેય તરીકે જાણે-તેમાં રાગાદિ ન કરે તો તેને શુદ્ધતા પ્રગટે છે અને જો તે વખતે રાગ- દ્વેષ કરે તો અશુદ્ધતા પ્રગટે છે. જો જીવ શુદ્ધ અવસ્થા પ્રગટ કરે તો પરિષહજય કહેવાય તથા સંવર નિર્જરા થાય અને જો તે અશુદ્ધ અવસ્થા પ્રગટ કરે તો બંધ થાય. શુદ્ધ અવસ્થા સમ્યગ્દ્રષ્ટિ જીવો જ પ્રગટ કરી શકે, મિથ્યાદ્રષ્ટિને શુદ્ધ અવસ્થા હોય નહિ, તેથી તેને પરિષહજય પણ હોય નહિ.

(ર) સમ્યગ્દ્રષ્ટિઓને નીચલી અવસ્થામાં ચારિત્ર મિશ્રભાવે હોય છે અર્થાત્ અંશે શુદ્ધતા અને અંશે અશુદ્ધતા હોય છે. જેટલે અંશે શુદ્ધતા થાય છે તેટલે અંશે સંવર-નિર્જરા છે અને તે ખરું ચારિત્ર છે. અને જેટલે અંશે અશુદ્ધતા છે તેટલે અંશે બંધ છે. અસાતાવેદનીયનો ઉદય જીવને કાંઇ વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. કર્મનો ઉદય કે નોકર્મનો પ્રતિકૂળ સંયોગ જીવને વિક્રિયા કરાવતા નથી.

(જુઓ, સમયસાર ગાથા ૩૭ર થી ૩૮ર પા. ૪૩પ થી ૪૪૪)

(૩) શીત અને ઉષ્ણ એ બન્ને શરીર સાથે સંબંધ રાખનાર બાહ્ય જડ દ્રવ્યોની અવસ્થા છે અને દંશમશક તે શરીરની સાથે સંબંધ રાખનાર જીવ-પુદ્ગલના પિંડરૂપ તિર્યંચાદિ જીવોના નિમિત્તે થતી શરીરની અવસ્થા છે; તે સંયોગ કે શરીરની અવસ્થા જીવને દોષનું કારણ નથી પણ શરીર પ્રત્યે પોતાનો મમત્વ ભાવ તે જ દોષનું કારણ


Page 553 of 655
PDF/HTML Page 608 of 710
single page version

પપ૪ ] [ મોક્ષશાસ્ત્ર

છે. શરીર વગેરે તો પરદ્રવ્યો છે અને તેઓ જીવને વિક્રિયા ઉપજાવી શકતાં નથી એટલે કે તે પરદ્રવ્યો જીવને લાભ કે નુકશાન [-ગુણ કે દોષ] ઉપજાવી શકતાં નથી. જો તે પરદ્રવ્યો જીવને કાંઈ કરતાં હોય તો જીવ કદી મુક્ત થઈ શકે જ નહિ.

(૪) નાગ્ન્ય એટલે નગ્નપણું, તે શરીરની અવસ્થા છે. શરીર તે અનંત જડ પરદ્રવ્યનો સ્કંધ છે. એક રજકણ બીજા રજકણને કાંઈ કરી શકે નહિ, તેમ જ રજકણો જીવને કાંઈ કરી શકે નહિ, છતાં જીવ વિકાર કરે તો તે તેની પોતાની અસાવધાની છે. તે અસાવધાની ન થવા દેવી તે પરિષહજય છે. ચારિત્રમોહનો ઉદય જીવને વિક્રિયા કરાવી શકે નહિ, કેમ કે તે પણ પરદ્રવ્ય છે.

(પ) અરતિ એટલે દ્વેષ; અરતિના નિમિત્તરૂપ ગણાતાં કાર્યો ઉપસ્થિત હોય તો તે જીવને અરતિ ઉપજાવી શકતાં નથી, કેમ કે તે તો નોકર્મરૂપ પરદ્રવ્ય છે. જીવ પોતે વિકારી લાગણી કરે ત્યારે ચારિત્રમોહનીયકર્મનો જે ઉદય હોય છે, તે પણ જડદ્રવ્યોનો સ્કંધ છે, તે જીવને કાંઈ વિક્રિયા કરાવતો નથી.

(૬) આ જ નિયમ સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર-પુરસ્કાર એ પાંચ પરિષહોમાં પણ લાગુ પડે છે.

(૭) પ્રજ્ઞાપરિષહ કહ્યો છે, ત્યાં એમ સમજવું કે પ્રજ્ઞા તો જ્ઞાનની દશા છે; તે કાંઈ દોષનું કારણ નથી પણ જીવને જ્ઞાનનો અપૂર્ણ ઉઘાડ હોય ત્યારે જ્ઞાનાવરણીયનો ઉદય પણ હોય છે અને તે વખતે જીવ જો મોહમાં જોડાય તો જીવમાં પોતાના કારણે વિકાર થાય છે; માટે અહીં ‘પ્રજ્ઞા’ નો અર્થ માત્ર ‘જ્ઞાન’ નહિ કરતાં ‘જ્ઞાનમાં થતો મદ’ એમ કરવો. પ્રજ્ઞા શબ્દ તો અહીં ઉપચારથી વાપર્યો છે પણ તેના નિશ્ચય અર્થમાં તે વાપર્યો નથી એમ સમજવું. બીજા પરિષહો સંબંધમાં કહેલી બધી બાબતો પણ અહીં લાગુ પડે છે.

(૮) અજ્ઞાન તે જ્ઞાનની ગેરહાજરી છે, તે જ્ઞાનની ગેરહાજરી કાંઈ બંધનું કારણ નથી, પણ તે ગેરહાજરીને નિમિત્ત બનાવીને જીવ મોહ કરે તો જીવમાં વિકાર થાય છે. અજ્ઞાન તો જ્ઞાનાવરણીય કર્મના ઉદયની હાજરી બતાવે છે. પરદ્રવ્ય બંધનું કારણ નથી પણ પોતાનો દોષ બંધનું કારણ છે. જીવ જેટલો મોહ-રાગ-દ્વેષ કરે તેટલો બંધ થાય છે. સમ્યગદ્રષ્ટિને મિથ્યાત્વમોહ હોતો નથી પણ ચારિત્રની અસ્થિરતાથી રાગ-દ્વેષ હોય છે. જેટલે અંશે તે રાગ-દ્વેષને તોડે તેટલા અંશે પરિષહજય કહેવાય છે.

(૯) અલાભ અને અદર્શન એ બે પરિષહોમાં પણ ઉપર પ્રમાણે સમજવું. ફેર માત્ર એટલો છે કે અદર્શન તે દર્શનમોહના ઉદયની હાજરી બતાવે છે અને અલાભ


Page 554 of 655
PDF/HTML Page 609 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧૦ ] [ પપપ તે અંતરાયકર્મના ઉદયની હાજરી બતાવે છે. કર્મનો ઉદય, અદર્શન કે અલાભ તે કોઈ બંધના કારણો નથી, અલાભ એ તે પરદ્રવ્યનો વિયોગ (અભાવ) સૂચવે છે, તે કાંઈ જીવને વિક્રિયા કરી શકે નહિ, માટે તે બંધનું કારણ નથી.

(૧૦) ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મલ-એ છએ શરીર અને તેની સાથે સંબંધ રાખનારા પરદ્રવ્યોની અવસ્થા છે. તે માત્ર વેદનીયનો ઉદય સૂચવે છે, પણ તે કોઈ પણ જીવને વિક્રિયા ઉત્પન્ન કરી શકતાં નથી. ।। ।।

બાવીસ પરિષહોનું વર્ણન કર્યું તેમાંથી કયા ગુણસ્થાને કેટલા પરિષહો હોય છે તેનું વર્ણન હવે કરે છે.

દસમાથી બારમા ગુણસ્થાન સુધીના પરિષહો

सूक्ष्मसांपरायछद्मस्थवीतरागयोश्चतृर्दश।। १०।।

અર્થઃ– [सूक्ष्मसांपराय] સૂક્ષ્મ સાંપરાયવાળા જીવો [च] અને

[छद्मस्थवीतरागयोः चतुर्दश] છદ્મસ્થ વીતરાગોને ચૌદ પરિષહ હોય છે.

ટીકા

મોહ અને યોગના નિમિત્તે થતા આત્મપરિણામોની તારતમ્યતાને ગુણસ્થાન કહે છે; તે ચૌદ છે, સૂક્ષ્મસાંપરાય તે દસમું ગુણસ્થાન છે અને છદ્મસ્થ વીતરાગપણું અગીઆર તથા બારમા ગુણસ્થાને હોય છે; આ ત્રણ ગુણસ્થાને ચૌદ પરિષહ હોય છે. તે આ પ્રમાણે-૧. ક્ષુધા; ૨. તૃષા; ૩. શીત; ૪. ઉષ્ણ; પ. દંશમશક; ૬. ચર્યા; ૭. શય્યા; ૮. વધ; ૯. અલાભ; ૧૦. રોગ; ૧૧. તૃણસ્પર્શ; ૧૨. મલ; ૧૩. પ્રજ્ઞા અને ૧૪. અજ્ઞાન. આ સિવાયના ૧. નગ્નતા; ર. સંયમમાં અપ્રીતિ (-અરતિ); ૩. સ્ત્રી- અવલોકન-સ્પર્શ; ૪. આસન (નિષદ્યા); પ. દુર્વચન (-આક્રોશ); ૬. યાચના; ૭. સત્કારપુરસ્કાર અને ૮. અદર્શન એ આઠ મોહકર્મજનિત પરિષહો ત્યાં હોતા નથી.

ર. પ્રશ્નઃ– દશમા સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાને તો લોભકષાયનો ઉદય છે તો પછી ત્યાં આ આઠ પરિષહો કેમ નથી?

ઉત્તરઃ– સૂક્ષ્મસાંપરાય ગુણસ્થાને મોહનો ઉદય અત્યંત અલ્પ છે અર્થાત્ નામમાત્ર છે તેથી ત્યાં ઉપર કહેલા ચૌદ પરિષહનો સદ્ભાવ અને બાકીના આઠ પરિષહનો અભાવ કહ્યો તે યુક્ત છે; કેમ કે તે ગુણસ્થાને એકલા સંજ્વલન લોભ કષાયનો ઉદય છે અને તે પણ ઘણો અલ્પ છે-કહેવા માત્ર છે; તેથી સૂક્ષ્મસાંપરાય અને વીતરાગ છદ્મસ્થની તુલ્યતા ગણીને ચૌદ પરિષહ કહ્યા છે; તે નિયમ બરાબર છે.


Page 555 of 655
PDF/HTML Page 610 of 710
single page version

પપ૬] [ મોક્ષશાસ્ત્ર

૩. પ્રશ્નઃ– અગીઆરમા અને બારમા ગુણસ્થાને મોહકર્મના ઉદયનો અભાવ છે તથા દસમા ગુણસ્થાને તે અતિ સૂક્ષ્મ છે તેથી તે જીવોને ક્ષુધા, તૃષાદિ ચૌદે પ્રકારની વેદના હોતી નથી, તો પછી એ ગુણસ્થાનોમાં પરિષહ વિદ્યમાન છે એમ કેમ કહ્યું?

ઉત્તરઃ– ત્યાં વેદના નથી એ તો ખરું છે, પણ સામર્થ્ય (શક્તિ) અપેક્ષાએ ત્યાં ચૌદ પરિષહોનું વિદ્યમાનપણું કહેવું તે યુક્ત છે. જેમ સર્વાર્થસિદ્ધિ વિમાનના દેવોને સાતમી નરકમાં જવાનું સામર્થ્ય છે, પણ તે દેવોને ત્યાં જવાનું પંયોજન નથી તેમ જ તેવો રાગભાવ નથી તેથી ગમન નથી; તેમ દસ, અગિયાર અને બારમા ગુણસ્થાનોમાં ચૌદે પરિષહનું કથન ઉપચારથી કહ્યું છે.

પ્રશ્નઃ– આ સૂત્રમાં નય વિભાગ કઈ રીતે લાગુ પડે છે? ઉત્તરઃ– નિશ્ચયનયે કોઈ પણ પરિષહ દસ, અગીયાર કે બારમા ગુણસ્થાને નથી, પણ વ્યવહારનયે ત્યાં ચૌદ પરિષહ છે; વ્યવહારનયે છે એટલે કે ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ તે ઉપચાર કર્યો છે- એમ સમજવું. એ પ્રમાણે જાણવાથી જ બન્ને નયોનું ગ્રહણ થાય છે પણ બન્ને નયોના જ્ઞાનને સમાન સત્યાર્થ જાણી ‘આ પ્રમાણે પણ છે અને આ પ્રમાણે પણ છે’ અર્થાત્ ત્યાં પરિષહો છે એ પણ ખરું અને નથી એ પણ ખરું એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બન્ને નયોનું ગ્રહણ થતું નથી (જુઓ, મોક્ષમાર્ગ-પ્રકાશક પા. રપ૬). સારાંશ એ છે કે, તે ગુણસ્થાનોએ ખરેખર કોઈ પણ પરિષહ હોતા નથી, માત્ર તે ચૌદ પ્રકારના વેદનીય કર્મના મંદ ઉદય છે એટલું બતાવવા માટે ઉપચારથી ત્યાં પરિષહ કહ્યા છે. પણ જીવ ત્યાં તે ઉદયથી જોડાઈ દુઃખી થાય છે અથવા તેને વેદના થાય છે એમ માનવું તે અસત્ય છે. ।। ૧૦।।

તેરમા ગુણસ્થાનના પરિષહો
एकादशजिने।। ११।।

અર્થઃ– [जिने] તેરમા ગુણસ્થાને જિનેન્દ્રદેવને [एकादश] ઉપર લખેલી ચૌદમાંથી અલાભ, પ્રજ્ઞા અને અજ્ઞાન એ ત્રણ છોડીને બાકીના અગીયાર પરિષહો હોય છે.

ટીકા

જો કે મોહનીયકર્મનો ઉદય નહિ હોવાથી ભગવાનને ક્ષુધાદિકની વેદના હોતી નથી, તેથી તેમને પરિષહો પણ હોતા નથી; તોપણ તે પરિષહોના નિમિત્તકારણરૂપ વેદનીયકર્મનો ઉદય વર્તતો હોવાથી ત્યાં પણ ઉપચારથી અગીઆર પરિષહો કહ્યા છે. ખરેખર તેમને એક પણ પરિષહ નથી.


Page 556 of 655
PDF/HTML Page 611 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧૧ ] [ પપ૭

૨. પ્રશ્નઃ– મોહકર્મના ઉદયની સહાયતાના અભાવે ભગવાનને ક્ષુધા વગેરેની વેદના નથી, છતાં અહીં તે પરિષહ કેમ કહ્યા છે?

ઉત્તરઃ– ભગવાનને ક્ષુધાદિ વેદના નથી એ તો ખરું છે, પણ મોહકર્મજનિત વેદના ન હોવા છતાં દ્રવ્યકર્મનું વિદ્યમાનપણું બતાવવા માટે ત્યાં ઉપચારથી પરિષહ કહેવામાં આવ્યા છે. જેમ સમસ્ત જ્ઞાનાવરણ નષ્ટ થવાથી યુગપત્ સમસ્ત વસ્તુઓને જાણવાવાળા કેવળજ્ઞાનના પ્રભાવથી તેમને ચિંતા નિરોધરૂપ ધ્યાનનો અસંભવ હોવા છતાં, ધ્યાનનું ફળ જે શેષ કર્મોની નિર્જરા તેનું વિદ્યમાનપણું બતાવવા માટે ત્યાં ઉપચારથી ધ્યાન જણાવ્યું છે, તેમ ત્યાં આ પરિષહો પણ ઉપચારથી જણાવ્યા છે.

૨. પ્રશ્નઃ– આ સૂત્રમાં નયવિભાગ કઈ રીતે લાગુ પડે છે? ઉત્તરઃ– તેરમા ગુણસ્થાને અગીયાર પરિષહ કહેવા તે વ્યવહારનય છે. વ્યવહારનયનો અર્થ કરવાની રીત એ છે કે-‘ખરેખર તેમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ તે ઉપચાર કર્યો છે.’ નિશ્ચય નયે કેવળી ભગવાનને તેરમા ગુણસ્થાને પરિષહ હોતા નથી.

પ્રશ્નઃ– વ્યવહારનયનું દ્રષ્ટાંત શું છે અને તે અહીં કઈ રીતે લાગુ પડે છે? ઉત્તરઃ– ‘ઘીનો ઘડો’ એ વ્યવહારનયનું કથન છે, તેનો અર્થ એવો છે કે ઘડો છે તે માટીમય છે, ઘીમય નથી’ (જુઓ, શ્રી સમયસાર, ગાથા ૬૭ તથા કળશ ૪૦. પા. ૯૬-૯૭); તેમ ‘જિનને અગીયાર પરિષહો છે’ એ વ્યવહારનયનું કથન છે, તેનો અર્થ એવો છે કે ‘જિન અનંત પુરુષાર્થમય છે, પરિષહના દુઃખમય નથી;’ નિમિત્તરૂપ પરદ્રવ્યની હાજરીનું જ્ઞાન કરાવવા માટે ‘પરિષહ છે’ એમ કથન કર્યું છે પરંતુ વીતરાગને દુઃખ કે વેદના છે એમ તે કથનથી સમજવું નહિ. જો વીતરાગને દુઃખ કે વેદના છે એવો તે કથનનો અર્થ માનવામાં આવે તો, વ્યવહારનયના કથનનો અર્થ નિશ્ચયનયના કથન મુજબ જ કર્યો, અને તેવો અર્થ કરવો તે મહાન ભ્રમણા છે- અજ્ઞાન છે. (જુઓ, શ્રી સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ પા. ૩૯૨ થી ૩૯પ)

પ્રશ્નઃ– આ શાસ્ત્રમાં, આ સૂત્રમાં ‘જિનને અગીઆર પરિષહ છે’ એવું કથન કર્યું તે વ્યવહારનયનું કથન નિમિત્ત બતાવવા માટે છે-એમ કહ્યું, તો આ સંબંધી નિશ્ચયનયનું કથન કયા શાસ્ત્રમાં છે?

ઉત્તરઃ– શ્રી નિયમસાર ગાથા ૬. પા. ૯ માં કહ્યું છે કે વીતરાગ ભગવાન તેરમા ગુણસ્થાને હોય ત્યારે તેમને અઢાર મહાદોષો હોતા નથી. તે દોષો આ પ્રમાણે છે- ૧. ક્ષુધા, ૨. તૃષા, ૩. ભય, ૪. ક્રોધ, પ. રાગ, ૬. મોહ, ૭. ચિંતા, ૮. જરા, ૯. રોગ,


Page 557 of 655
PDF/HTML Page 612 of 710
single page version

પપ૮] [ મોક્ષશાસ્ત્ર ૧૦. મૃત્યુ, ૧૧. પરસેવો, ૧૨. ખેદ, ૧૩. મદ, ૧૪. રતિ, ૧પ. આશ્ચર્ય, ૧૬. નિદ્રા, ૧૭. જન્મ, ૧૮. આકુળતા.

આ કથન નિશ્ચયનયનું છે અર્થાત્ તે યથાર્થ સ્વરૂપ છે.

૪. કેવળી ભગવાનને આહાર ન હોય તે સંબંધી કેટલાક ખુલાસા

(૧) આ સૂત્રમાં કહેલા પરિષહોની વેદના ભગવાનને ખરેખર થાય છે એમ માનવામાં આવે તો ઘણા દોષો આવે છે. જો ક્ષુધાદિક દોષ હોય તો આકુળતા થાય, અને આકુળતા હોય તો પછી ભગવાનને અનંત સુખ કેમ બને? અહીં જો કોઈ એમ કહે કે, શરીરમાં ભૂખ લાગે છે, તેથી આહાર લે છે પણ આત્મા તદ્રૂપ થતો નથી. તો તેનો ખુલાસો એમ છે કે, જો આત્મા તદ્રૂપ થતો નથી તો ક્ષુધાદિક મટવાના ઉપાયરૂપ આહારાદિનું ગ્રહણ કર્યું એમ શા માટે કહો છો? જો ક્ષુધાકિ વડે પીડિત થાય તો જ આહાર ગ્રહણ કરે. વળી જો એમ માનવામાં આવે કે-જેમ કર્મોદયથી વિહાર થાય છે તેમ આહાર ગ્રહણ પણ થાય છે, તો તે પણ બરાબર નથી, કેમ કે વિહાર તો વિહાયોગતિ નામના નામકર્મના ઉદયથી થાય છે, તથા તે પીડાનું કારણ નથી અને ઇચ્છા વિના પણ કોઈ જીવને થતો જોવામાં આવે છે; પરંતુ આહાર ગ્રહણ તો પ્રકૃતિના ઉદયથી નથી પણ ક્ષુધા વડે પીડિત થાય ત્યારે જ જીવ તે ગ્રહણ કરે છે. વળી આત્મા પવનાદિકને પે્રરવાનો ભાવ કરે ત્યારે જ આહારનું ગળી જવું થાય છે, માટે વિહારવત આહાર સંભવતો નથી. અર્થાત્ કેવળી ભગવાનને વિહાર તો સંભવે છે પણ આહાર સંભવતો નથી.

(ર) જો એમ કહેવામાં આવે કે-કેવળી ભગવાનને સાતાવેદનીય કર્મના ઉદયથી આહારનું ગ્રહણ થાય છે તો એમ પણ બનતું નથી, કારણ કે જીવ ક્ષુધાદિ વડે પીડિત હોય અને આહારાદિક ગ્રહણથી સુખ માને તેને આહારાદિ સાતાના ઉદયથી થયા કહી શકાય, સાતાવેદનીયના ઉદયથી આહારાદિનું ગ્રહણ સ્વયં તો થતું નથી, કેમ કે જો તેમ હોય તો દેવોને તો સાતાવેદનીયનો મુખ્ય ઉદય વર્તે છે છતાં તેઓ નિરંતર આહાર કેમ કરતા નથી? વળી મહામુનિ ઉપવાસાદિ કરે છે, તેમને સાતાનો ઉદય પણ હોય છે છતાં આહારનું ગ્રહણ નથી અને નિરંતર ભોજન કરવાવાળાને પણ અસાતાનો ઉદય સંભવે છે. માટે કેવળી ભગવાનને ઇચ્છા વગર પણ જેમ વિહાયોગતિના ઉદયથી વિહાર સંભવે છે તેમ ઇચ્છા વગર કેવળ સાતાવેદનીયકર્મના ઉદયથી જ આહારગ્રહણ સંભવતું નથી.

(૩) વળી કોઈ એમ કહે કે-સિદ્ધાંતમાં કેવળીને ક્ષુધાદિક અગીયાર પરિષહ કહ્યા


Page 558 of 655
PDF/HTML Page 613 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧૧ ] [ પપ૯ છે તેથી તેમને ક્ષુધાનો સદ્ભાવ સંભવે છે, અને આહાર વિના તે ક્ષુધા ઉપશાંત કેવી રીતે થાય? માટે તેમને આહારાદિક પણ માનવા જોઈએ. તેનું સમાધાન- કર્મપ્રકૃતિઓનો ઉદય મંદ-તીવ્ર ભેદસહિત હોય છે. તે અતિ મંદ થતાં તેના ઉદયજનિત કાર્યની વ્યક્તતા ભાસતી નથી; તેથી મુખ્યપણે તેનો અભાવ કહેવામાં આવે છે, પણ તારતમ્યપણે તેનો સદ્ભાવ કહેવામાં આવે છે. જેમ નવમા ગુણસ્થાનમાં વેદાદિકનો મંદ ઉદય છે; ત્યાં મૈથુનાદિક ક્રિયા વ્યક્ત નથી, તેથી ત્યાં બ્રદ્મચર્ય જ કહ્યું છે છતાં પણ તારતમ્યતાથી ત્યાં મૈથુનાદિકનો સદ્ભાવ કહેવાય છે. તેમ કેવળીભગવાને અસાતાનો ઉદય અતિ મંદ છે, તેના ઉદયમાં એવી ક્ષુધા નથી કે જે શરીરને ક્ષીણ કરે; વળી મોહના અભાવથી ક્ષુધાજનિત દુઃખ પણ નથી અને તેથી આહાર લેવાપણું નથી. માટે કેવળીભગવાનને ક્ષુધાદિકનો અભાવ છે પણ ઉદય અપેક્ષાએ તારતમ્યતાથી તેનો સદ્ભાવ કહેવામાં આવે છે.

(૪) ‘આહારાદિક વિના ક્ષુધાની ઉપશાંતતા કેવળી ભગવાનને કેવી રીતે થાય?’ એ શંકાનું સમાધાન એમ છે કે-કેવળીને અસાતાનો ઉદય અત્યંત મંદ છે; જો આહારાદિક વડે જ ઉપશાંત થાય એવી ક્ષુધા લાગે તો મંદ ઉદય ક્યાં રહ્યો? દેવો, ભોગભૂમિયા વગેરેને અસાતાનો કિચિંત્ મંદ ઉદય થતાં પણ તેમને ઘણા કાળ પછી કિંચિત્ જ આહાર ગ્રહણ હોય છે, તો પછી કેવળીને તો અસાતાનો ઉદય ઘણો જ મંદ છે તેથી તેમને આહારનો અભાવ જ છે. અસાતાનો તીવ્ર ઉદય હોય અને મોહ વડે તેમાં જોડાણ હોય તો જ આહાર હોઈ શકે.

(પ) શંકાઃ– દેવો તથા ભોગભૂમિયાનું તો શરીર જ એવું છે કે તેને ઘણાકાળ પછી થોડી ભૂખ લાગે, પણ કેવળી ભગવાનનું શરીર તો કર્મભૂમિનું ઔદારિક છે, તેથી તેમનું શરીર આહાર વિના ઉત્કૃષ્ટપણે દેશેન્યૂન ક્રોડપૂર્વ સુધી કેવી રીતે રહી શકે?

સમાધાનઃ– દેવાદિકનું શરીર પણ કર્મના જ નિમિત્તથી છે. અહીં કેવળીભગવાનને શરીરમાં પહેલા કેશ-નખ વધતા હતા, છાયા થતી હતી અને નિગોદ જીવો થતા હતા, પણ કેવળજ્ઞાન થતાં હવે કેશ-નખ વધતા નથી, છાયા થતી નથી અને નિગોદ જીવો થતા નથી. આ રીતે ઘણા પ્રકારથી શરીરની અવસ્થા અન્યથા થઈ, તેમ આહાર વગર પણ શરીર જેવું ને તેવું ટકી રહે-એવી અવસ્થા પણ થઈ.

પ્રત્યક્ષ જુઓ! અન્ય જીવોને ઘડપણ વ્યાપતાં શરીર શિથિલ થઈ જાય છે પરંતુ કેવળીભગવાનને તો આયુના અંત સુધી પણ શરીર શિથિલ થતું નથી. તેથી અન્ય મનુષ્યોના શરીરને કેવળી ભગવાનના શરીરને સમાનતા સંભવતી નથી.


Page 559 of 655
PDF/HTML Page 614 of 710
single page version

પ૬૦] [ મોક્ષશાસ્ત્ર

(૬) શંકાઃ– દેવ વગેરેને તો આહાર જ એવો છે કે ઘણા કાળની ભૂખ મટી જાય, પણ કેવળી ભગવાનને આહાર વિના શરીર કેવી રીતે પુષ્ટ રહે?

સમાધાનઃ– ભગવાનને અસાતાનો ઉદય મંદ હોય છે તથા સમયે સમયે પરમ ઔદારિક શરીરવર્ગણાઓનું ગ્રહણ થાય છે. તેથી એવી નોકર્મવર્ગણાઓનું ગ્રહણ થાય છે કે જેથી તેમને ક્ષુધાદિક વ્યાપતા જ નથી, શરીર શિથિલ થતું જ નથી.

(૭) વળી અન્ન વગેરેનો આહાર જ શરીરની પુષ્ટતાનું મુખ્ય કારણ નથી. પ્રત્યક્ષ જુઓ કે, કોઈ થોડો આહાર કરે છે છતાં શરીર ઘણું પુષ્ટ હોય છે અને કોઈ ઘણો આહાર કરે છે છતાં શરીર ક્ષીણ રહે છે.

પવનાદિક સાધવાવાળા ઘણા કાળ સુધી આહાર લેતા નથી છતાં તેમનું શરીર પુષ્ટ રહે છે અને ઋદ્ધિધારી મુનિઓ ઘણા ઉપવાસ કરે છતાં તેમનું શરીર પુષ્ટ રહે છે. તો પછી કેવળી ભગવાનને તો સર્વોત્કૃષ્ટપણું છે એટલે તેમને અન્નાદિક વિના પણ શરીર પુષ્ટ બન્યું રહે તેમાં શું આશ્ચર્ય છે?

(૮) વળી કેવળીભગવાન કેવી રીતે આહાર માટે જાય તથા કેવી રીતે યાચના કરે? તેઓ આહાર અર્થે જાય ત્યારે સમવસરણ ખાલી કેમ રહે? અથવા તો કોઈ અન્ય તેમને આહાર લાવી આપે એમ માનીએ તો તેમના મનની વાત કોણ જાણે? અને પૂર્વે ઉપવાસાદિકની પ્રતિજ્ઞા કરી હતી તેનો નિર્વાહ કેવી રીતે થાય? વળી જીવ-અંતરાય સર્વત્ર ભાસે ત્યાં કેવી રીતે આહાર કરે? માટે કેવળીને આહાર માનવો તે વિરુદ્ધતા છે.

(૯) વળી કોઈ એમ કહે કે ‘તેઓ આહાર ગ્રહે છે, પરંતુ કોઈને દેખાતો નથી એવો અતિશય છે. ‘તો તે પણ મિથ્યા છે; કેમ કે આહાર ગ્રહણ નો નિંદ્ય ઠર્યું; તેને ન દેખે એવો અતિશય ગણીએ તોપણ તે આહારગ્રહણનું નિંદ્યપણું રહે. વળી ભગવાનના પુણ્યના કારણે બીજાના જ્ઞાનનો ક્ષયોપશમ શી રીતે અવરાઈ જાય? માટે ભગવાનને આહાર માનવો અને બીજા તે ન દેખે એવો અતિશય માનવો એ બન્ને ન્યાયવિરુદ્ધ છે.

પ. કર્મસિદ્ધાંત પ્રમાણે કેવળીને અન્નાહાર હોય જ નહિ.

(૧) અસાતાવેદનીયની ઉદીરણા હોય ત્યારે ક્ષુધા ઉપજે છે, તે વેદનીયની ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાન પર્યંત જ છે, તેથી ઉપર નથી. તેથી વેદનીયની ઉદીરણા વગર કેવળીને ક્ષુધાદિ બાધા ક્યાંથી હોય?

(૨) જેમ નિદ્રા, પ્રચલા એ બે દર્શનાવરણ પ્રકૃતિનો ઉદય બારમા ગુણસ્થાન પર્યંત છે પરંતુ ઉદીરણા વગર નિદ્રા વ્યાપે નહિ. વળી જો નિદ્રાકર્મના ઉદયથી જ


Page 560 of 655
PDF/HTML Page 615 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧૧ ] [ પ૬૧ ઉપરના ગુણસ્થાનોમાં નિદ્રા આવી જાય તો ત્યાં પ્રમાદ થાય અને ધ્યાનનો અભાવ થઈ જાય. નિદ્રા, પ્રચલાનો ઉદય બારમા ગુણસ્થાન સુધી હોવા છતાં અપ્રમત્તદશામાં મંદ ઉદય હોવાથી નિદ્રા વ્યાપતી નથી. વળી સંજ્વલનનો મંદ ઉદય હોવાથી અપ્રમત્ત ગુણસ્થાનોમાં પ્રમાદનો અભાવ છે, કેમ કે પ્રમાદ તો સંજ્વલનના તીવ્ર ઉદયમાં જ હોય છે. વેદના તીવ્ર ઉદયથી સંસારી જીવને મૈથુન સંજ્ઞા થાય છે અને વેદનો ઉદય નવમા ગુણસ્થાન સુધી છે; પરંતુ શ્રેણીના ચડેલા સંયમી મુનિને વેદના મંદ ઉદયથી મેથુનસંજ્ઞાનો અભાવ છે; મંદ ઉદયથી તેમને મેથુનની વાંછા ઉપજતી નથી.

(૩) કેવળી ભગવાનને વેદનીયનો અતિ મંદ ઉદય છે; તેનાથી ક્ષુધાદિક ઉપજતા નથી; શક્તિરહિત અસાતાવેદનીય કેળવીને ક્ષુધાદિક ઉપજાવવા સમર્થ નથી. જેમ સ્વયંભૂરમણસમુદ્રના સમસ્ત જળમાં અનંતમા ભાગે ઝેરની કટકી તે પાણીને વિષરૂપ કરવા સમર્થ નથી, તેમ અનંતગુણ અનુભાગવાળા સાતાવેદનીયના ઉદય સહિત કેવળી ભગવાનને અનંતમા ભાગે અસંખ્યાત વાર જેનો ખંડ થઈ ગયો છે એવું અસાતાવેદનીયકર્મ ક્ષુધાદિક વેદના. ઉપજાવી શક્તું નથી.

(૪) અધઃપ્રવૃત્તકરણમાં અશુભકર્મપ્રકૃતિઓની વિષ, હળાહળરૂપ જે શક્તિ છે તેનો અભાવ થાય છે અને નિમ્બ (લીંબડા), કાંજીરૂપ રસ રહી જાય છે. અપૂર્વકરણ ગુણસ્થાનમાં ગુણશ્રેણીનિર્જરા, ગુણસંક્રમણ, સ્થિતિકાંડોત્કીર્ણ અને અનુભાગકાંડોત્કીર્ણ એ ચાર આવશ્યક થાય છે; તેથી કેવળીભગવાનને અસાતાવેદનીયાદિ અપ્રશસ્ત પ્રકૃતિઓનો રસ અસંખ્યાત વાર ઘટીને અનંતાનંતમો ભાગ રહી ગયો છે, તેથી અસાતામાં સામર્થ્ય ક્યાં રહ્યું છે કે જેથી કેવળી ભગવાનને ક્ષુધાદિક ઉપજાવવામાં તે નિમિત્ત થાય? (અર્થપ્રકાશિકા પા. ૪૪૬ આવૃત્તિ બીજી)

૬. સૂત્ર ૧૦–૧૧ નો સિદ્ધાંત અને સૂત્ર ૮ સાથેનો સંબંધ

વેદનીયકર્મનો ઉદય હોય પણ જો મોહનીયકર્મનો ઉદય ન હોય તો જીવને વિકાર થાય નહિ (સૂ. ૧૧); કેમ કે જીવને અનંતવીર્ય પ્રગટયું છે.

વેદનીયકર્મનો ઉદય હોય અને જો મોહનીયકર્મનો મંદ ઉદય હોય તો તે પણ વિકારનું નિમિત્ત થાય નહિ (સૂ. ૧૦) કેમ કે જીવને ત્યાં ઘણો પુરુષાર્થ પ્રગટયો છે.

દસથી તેરમા ગુણસ્થાન સુધીના જીવોને સંપૂર્ણ પરિષહજય વર્તે છે અને તેથી તેમને વિકાર થતો નથી. જો ઉત્તમ ગુણસ્થાનકવાળા જીવો પરિષહજય ન કરી શકે તો પછી, ‘સંવરના માર્ગથી ચ્યૂત ન થવા માટે અને નિર્જરાને અર્થે પરિષહ સહન કરવા


Page 561 of 655
PDF/HTML Page 616 of 710
single page version

પ૬૨] [ મોક્ષશાસ્ત્ર યોગ્ય છે’ એવો આઠમા સૂત્રનો ઉપદેશ વ્યર્થ જાય. દશમા તથા અગીઆરમા સૂત્રમાં ઉત્તમ ગુણસ્થાનોએ જે પરિષહ કહ્યા છે તે ઉપચારથી છે, પણ નિશ્ચયથી નથી એમ સમજવું.।। ૧૧।।

છઠ્ઠાથી નવમા ગુણસ્થાન સુધીના પરિષહો
बादरसाम्पराये सर्वे।। १२।।

અર્થઃ– [बादरसाम्पराये] બાદરસાંપરાય અર્થાત્ સ્થૂળકષાયવાળા જીવોને [सर्वे] સર્વે પરિષહો હોય છે.

ટીકા

૧. છઠ્ઠાથી નવમા ગુણસ્થાનને બાદરસાંપરાય કહેવાય છે. આ ગુણસ્થાનોમાં પરિષહના કારણભૂત બધા કર્મોનો ઉદય છે, પણ જીવ જેટલે અંશે તેમાં જોડાતો નથી તેટલે અંશે (આઠમા સૂત્રની માફક પરિષહજય કરે છે.)

૨. સામાયિક, છેદોપસ્થાન અને પરિહારવિશુદ્ધિ, એ ત્રણ સંયમોમાંથી કોઈ એકમાં બધા પરિષહોનો સંભવ છે. ।। ૧૨।।

આ રીતે કયા ગુણસ્થાને કેટલા પરિષહજય હોય છે તેનું વર્ણન કર્યુ. હવે કયા કર્મના. ઉદયથી કયા કયા પરિષહો હોય છે તે જણાવે છે.

જ્ઞાનાવરણકર્મના ઉદયથી થતા પરિષહો
ज्ञानवरणे प्रज्ञाऽज्ञाने।। १३।।

અર્થઃ– [ज्ञानावरण] જ્ઞાનાવરણીયના ઉદયથી [प्रज्ञा अज्ञाने] પ્રજ્ઞા અને અજ્ઞાન એ બે પરિષહો હોય છે.

ટીકા

પ્રજ્ઞા આત્માનો ગુણ છે, તે પરિષહનું કારણ થાય નહિ; પણ જ્ઞાનનો ઉઘાડ હોય અને તેના મદજનિત પરિષહ હોય તો તે વખતે જ્ઞાનાવરણકર્મનો ઉદય હોય છે. જ્ઞાની જીવ જો મોહનીયકર્મના ઉદયમાં જોડાય તો તેમને અનિત્ય મદ આવી જાય છે. પણ પુરુષાર્થ પૂર્વક જ્ઞાની જીવ જેટલે અંશે તેમાં ન જોડાય તેટલે અંશે તેમને પરિષહજય છે. (જુઓ, સૂત્ર ૮.) ।। ૧૩।।

દર્શનમોહનીય તથા અંતરાયકર્મના ઉદયથી થતા પરિષહો
दर्शनमोहांतराययोरदर्शनाऽलाभौ।। १४।।

Page 562 of 655
PDF/HTML Page 617 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧પ-૧૬-૧૭ ] [ પ૬૩

અર્થઃ– [दर्शनमोह] દર્શનમોહનીયના ઉદયથી [अदर्शन] અદર્શનપરિષહ અને [अंतराययोः अलाभौ] અંતરાયકર્મના ઉદયથી અલાભપરિષહ હોય છે.

તેરમા સૂત્રની ટીકા મુજબ અહીં સમજવું।। ૧૪।।

ચારિત્રમોહનીયકર્મના ઉદયથી થતા પરિષહો
चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याक्रोशयाचनासत्कारपुरस्काराः।। १५।।

અર્થઃ– [चारित्रमोहे] ચારિત્રમોહનીયના ઉદયથી [नाग्न्य अरति स्त्री] નાગ્ન્ય, અરતિ, સ્ત્રી, [निषद्या आक्रोश याचना सत्कार–पुरस्कारः] નિષદ્યા, આક્રોશ, યાચના, અને સત્કારપુરસ્કાર એ સાત પરિષહો હોય છે.

તેરમા સૂત્રની ટીકા મુજબ અહીં સમજવું।। ૧પ।।

વેદનીયકર્મના ઉદયથી થતા પરિષહો
वेदनीये शेषाः।। १६।।

અર્થઃ– [वेदनीये] વેદનીયકર્મના ઉદયથી [शेषाः] બાકીના અગીઆર અર્થાત્ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, દંશમશક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ અને મળ, એ પરિષહો હોય છે.

તેરમા સૂત્રની ટીકા મુજબ અહીં સમજવું.

એક જીવને એક સાથે થતા પરિષહોની સંખ્યા एकादयो भाज्या युगपदेकस्मिन्नैकोनविंशतेः।। १७।।

અર્થઃ– [एकस्मिन् युगपत्] એક જીવને એક સાથે [एकादयो आ

एकोनविंशतेः] એકથી શરૂ કરીને ઓગણીસ પરિષહો સુધી [भाज्याः] જાણવા જોઈએ.

૧. એક જીવને એક વખતે વધારેમાં વધારે ઓગણીસ પરિષહ હોઈ શકે છે, કેમકે શીત અને ઉષ્ણ એ બેમાંથી એક વખતે એક જ હોય છે અને શય્યા, ચર્યા તથા નિષદ્યા (-સૂવું, ચાલવું તથા આસનમાં રહેવું) એ ત્રણમાંથી એક કાળે એક જ હોય છે; આ રીતે એ ત્રણ પરિષહો બાદ કરવાથી બાકીના ઓગણીસ પરિષહો હોઈ શકે છે.

૨. પ્રશ્નઃ– પ્રજ્ઞા અને અજ્ઞાન એ બન્ને પણ એકી સાથે હોઈ શકે નહિ માટે એક પરિષહ વધારે બાદ કરવો જોઈએ.


Page 563 of 655
PDF/HTML Page 618 of 710
single page version

પ૬૪] [ મોક્ષશાસ્ત્ર

ઉત્તરઃ– પ્રજ્ઞા અને અજ્ઞાન એ બન્નેને સાથે રહેવામાં કાંઈ બાધ નથી. એક જ કાળમાં એક જીવને શ્રુતજ્ઞાનાદિની અપેક્ષાએ પ્રજ્ઞા અને અવધિજ્ઞાનાદિની અપેક્ષાએ અજ્ઞાન એ બન્ને સાથે રહી શકે છે.

૩. પ્રશ્નઃ– ઔદારિક શરીરની સ્થિતિ કવળાહાર (અન્નપાણી) વિના દેશોનક્રોડપુર્વ (કરોડ પૂર્વમાં થોડું ઓછું) કેમ રહે?

ઉત્તરઃ– આહારના છ ભેદ છે-૧. નોકર્મ આહાર, ૨. કર્માહાર, ૩. કવળાહાર, ૪. લેપાહાર, પ. ઓજાહાર અને ૬. મનસાહાર. એ છ પ્રકાર યથાસંભવ દેહની સ્થિતિનું કારણ છે. જેમ કે - (૧) કેવળીને નોકર્મ આહાર બતાવ્યો છે. તેમને લાભાંતરાયકર્મના ક્ષયથી અનંત લાભ પ્રગટ થયો હોવાથી તેમના શરીર સાથે અપૂર્વ અસાધારણ પુદ્ગલોનો પ્રતિસમય સંબંધ થાય છે, તે નોકર્મ કેવળીને દેહની સ્થિતિનું કારણ છે, બીજું નથી; એ હેતુથી કેવળીને નોકર્મનો આહાર કહ્યો છે. (૨) નારકીઓને નરકાયુનામકર્મનો ઉદય છે તે તેને દેહની સ્થિતિનું કારણ છે તેથી તેને કર્મઆહાર કહેવાય છે. (૩) મનુષ્યો અને તિર્યંચને કવળાહાર પ્રસિદ્ધ છે. (૪) વૃક્ષ જાતિને લેપાહાર છે. (પ) પંખીના ઇંડાને ઓજાહાર છે. શુક્ર નામની ધાતુની ઉપધાતુ ઓજ છે. ઇંડાને પંખી સેવે સવે તેને ઓજ આહાર ન સમજવો. (૬) દેવો મનથી તૃપ્ત થાય છે, તેમને મનસાહાર કહેવાય છે.

આ છ પ્રકારના આહાર દેહની સ્થિતિનું કારણ છે તેની ગાથા નીચે મુજબ છે-

णोकमकम्महारोकवलाहारो य लेप्पहारो य।
उज्ज मणो विय कमसो आहारो छव्विहो भणिओ।।
णोकमतित्थयरे कम्मं च णयरे मानसो अमरे।
णरपसु कवलाहारो पंखी उज्जो इगि लेऊ।।

અર્થઃ– ૧. નોકર્મ આહાર, ૨. કર્માહાર, ૩. કવળાહાર, ૪. લેપાહાર, પ. ઓજાહાર અને ૬. મનોઆહાર એમ ક્રમથી છ પ્રકારના આહાર છે; તેમાં નોકર્મ આહાર તીર્થંકરને, કર્માહાર નારકીને, મનોઆહાર દેવને, કવળાહાર મનુષ્યો તથા પશુને, ઓજાહાર પક્ષીના ઇંડાને અને લેપાહાર વૃક્ષને હોય છે.

આથી સિદ્ધ થાય છે કે કેવળીભગવાનને કવળાહાર હોતો નથી. ૪. પ્રશ્નઃ– મુનિ અપેક્ષાએ છઠ્ઠા ગુણસ્થાનથી શરૂ કરીને તેરમા ગુણસ્થાન સુધીના પરિષહોનું કથન આ અધ્યાયના ૧૩ થી ૧૬ સુધીના સૂત્રોમાં કર્યું છે તે વ્યવહારનય અપેક્ષાએ છે કે નિશ્ચયનય અપેક્ષાએ?


Page 564 of 655
PDF/HTML Page 619 of 710
single page version

અ. ૯ સૂત્ર ૧૭-૧૮ ] [ પ૬પ

ઉત્તરઃ– તે કથન વ્યવહારનય અપેક્ષાએ છે, કેમકે તે જીવનો પરવસ્તુ સાથેનો સંબંધ બતાવે છે; તે કથન નિશ્ચય અપેક્ષાએ નથી.

પ્રશ્નઃ– વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન હોય તેને ‘એમ નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’ એ પ્રમાણે જાણવાનું મોક્ષમાર્ગ-પ્રકાશક પા. ૨પ૬ માં કહ્યું છે, તો ઉપર્યુક્ત સૂત્ર ૧૩ થી ૧૬ના કથનમાં તે કઈ રીતે લાગુ પડે છે?

ઉત્તરઃ– તે સૂત્રોમાં જીવને જે પરિષહોનું વર્ણન કર્યું છે તે વ્યવહારથી છે, તેનો ખરો અર્થ એવો છે કે-જીવ જીવમય છે, પરિષહમય નથી. જેટલે દરજ્જે જીવમાં પરિષહવેદન થાય તેટલે દરજ્જે સૂત્ર ૧૩ થી ૧૬ માં કહેલ કર્મનો ઉદય નિમિત્તરૂપ કહેવાય, પણ નિમિત્તે જીવને કાંઈ કર્યું નથી.

પ. પ્રશ્નઃ– સૂત્ર ૧૩ થી ૧૬ સુધીમાં પરિષહો સંબંધમાં જે કર્મનો ઉદય કહ્યો છે તેને અને સૂત્ર ૧૭માં પરિષહોની એકી સાથે જે સંખ્યા કહી તેને આ અધ્યાયના ૮મા સૂત્રમાં કહેલો નિર્જરાનો વ્યવહાર ક્યારે લાગુ પડે?

ઉત્તરઃ– જીવ પોતાના પુરુષાર્થ વડે જેટલે અંશે પરિષહવેદન ન કરે તેટલે અંશે તેણે પરિષહજ્ય કર્યો અને તેથી તેટલે અંશે સૂત્ર ૧૩ થી ૧૬ માં કહેલા કર્મોની નિર્જરા કરી એમ આઠમા સૂત્ર અનુસાર કહી શકાય; તેને વ્યવહારકથન કહેવામાં આવે છે કેમ કે પરવસ્તુ (-કર્મ) સાથેના સંબંધનો કેટલો અભાવ થયો, તે તેમાં બતાવવામાં આવ્યું છે.

આ રીતે પરિષહજયનો વિષય પૂરો થયો.।। ૧૭।।

બીજા સૂત્રમાં કહેલા સંવરના છ કારણોમાં પાંચ કારણોનું વર્ણન અહીં પૂરું થયું; હવે છેલ્લું કારણ ચારિત્ર છે તેનું વર્ણન કરે છે.

ચારિત્રના પાંચ પ્રકાર
सामायिकछेदोपस्थापनापरिहारविशुद्धिसूक्ष्मसांपराय–
यथाख्यातमिति चारित्रम्।। १८।।

અર્થઃ– [सामायिक छेदोपस्थापना परिहारविशुद्धि] સામાયિક છેદોપસ્થાપના, પરિહારવિશુદ્ધ, [सूक्ष्मसांपराय यथाखयातम्] સૂક્ષ્મસાંપરાય અને યથાખ્યાત [इतिचारित्रम्] -એ પાંચ ભેદો ચારિત્રના છે.


Page 565 of 655
PDF/HTML Page 620 of 710
single page version

પ૬૬] [ મોક્ષશાસ્ત્ર

ટીકા
૧. સૂત્રમાં કહેલા શબ્દોની વ્યાખ્યા

(૧) સામાયિક– સમસ્ત સાવદ્યયોગનો ત્યાગ કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં અભેદ

થતાં શુભાશુભ ભાવોનો ત્યાગ થવો તે સામાયિક ચારિત્ર છે. આ
ચારિત્ર છઠ્ઠાથી નવમાં ગુણસ્થાન સુધી હોય છે.

(૨) છેદોપસ્થાપના– કોઈ જીવ સામાયિક ચારિત્રરૂપ થયો હોય અને તેમાંથી

ખસીને સાવદ્ય વ્યાપારરૂપ થઈ જાય, પછી પ્રાયશ્ચિત્તદ્વારા તે સાવદ્ય
વ્યાપારથી ઉપજેલા દોષોને છેદીને આત્માને સંયમમાં સ્થિર કરે તે
છેદોપસ્થાપના ચારિત્ર છે. વ્રત, સમિતિ, ગુપ્તિ આદિ ભેદરૂપ
ચારિત્ર તે પણ છેદોપસ્થાપના ચારિત્ર છે. આ ચારિત્ર છઠ્ઠાથી
નવમા ગુણસ્થાન સુધી હોય છે.

(૩) પરિહારવિશુદ્ધિ– જે જીવ જન્મથી ત્રીસ વર્ષ સુધી સુખી રહીને પછી

દીક્ષા ગ્રહણ કરે અને શ્રી તીર્થંકરભગવાનના પાદમૂળમાં આઠ વર્ષ
સુધી પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વનું અધ્યયન કરે, તેને આ સંયમ
હોય છે. જીવોની ઉત્પત્તિ-મરણનાં સ્થાન, કાળની મર્યાદા, જન્મ
યોનિના ભેદ દ્રવ્ય-ક્ષેત્રના સ્વભાવ, વિધાન તથા વિધિ-એ બધાનાં
જાણનારો હોય અને પ્રમાદરહિત મહાવીર્યવાન હોય, તેમને શુદ્ધતાના
બળથી કર્મની પ્રચૂર નિર્જરા થાય છે. અતિ કઠિન આચરણ
કરવાવાળા મુનિઓને આ સંયમ હોય છે. જેમને આ સંયમ હોય છે
તેમના શરીરથી જીવોની વિરાધના થતી નથી. આ ચારિત્ર ઉપર
કહ્યા તેવા સાઘુને છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને હોય છે.

(૪) સૂક્ષ્મસાંપરાય–જ્યારે અતિ સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય હોય ત્યારે જે

ચારિત્ર હોય છે તે સૂક્ષ્મસાંપરાય છે. આ ચારિત્ર દસમા ગુણસ્થાને
હોય છે.

(પ) યથાખ્યાત– તમામ મોહનીય કર્મના ક્ષય અથવા ઉપશમથી આત્માના

શુદ્ધસ્વરૂપમાં સ્થિત થવું તે યથાખ્યાત્ ચારિત્ર છે આ ચારિત્ર ૧૧
થી ૧૪ મા ગુણસ્થાન સુધી હોય છે.

૨. સંવર શુદ્ધભાવથી થાય પણ શુભભાવથી ન થાય, માટે આ પાંચે પ્રકારમાં જેટલો શુદ્ધભાવ છે તેટલું ચારિત્ર છે એમ સમજવું.