Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 114 of 210

 

PDF/HTML Page 2261 of 4199
single page version

દ્રવ્ય) તેમાં આવી જતી નથી. એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં આખી ચીજનું શ્રદ્ધાન આવી જાય છે, પણ આખું દ્રવ્ય તેમાં આવી જતું નથી. દ્રવ્ય તો ત્રિકાળ ભિન્ન જ રહે છે. આમ પોતાના નિર્મળ ઉપયોગમાં-શુદ્ધોપયોગમાં પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જે અનુભવે છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે, ધર્મ થાય છે. આવી વાત છે, સમજાણું કાંઈ...?

અહા! અનંતકાળમાં એણે પોતાની ચિદાનંદમય વસ્તુનો સ્પર્શ-અનુભવ કર્યો નથી. અરે! એણે રાગાદિના વિકલ્પનો સ્પર્શ-અનુભવ કરીને હું ધર્મ કરું છું એમ માની લીધું છે! પરંતુ ભાઈ! ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. અહાહા...? વસ્તુ આત્મા જે ધર્મી છે તેનો ધર્મ શું છે? અહાહા...! અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય સ્વચ્છતા, અતીન્દ્રિય પ્રભુતા, અતીન્દ્રિય પુરુષાર્થ એ તેનો ધર્મ છે. આવા ધર્મથી અભેદ ધર્મી એવા પ્રભુ આત્મા ઉપર જેની દ્રષ્ટિ પડી છે તે જ્ઞાની છે; અને તે જ્ઞાનીને, અહીં કહે છે, ‘આ બધાયમાં રાગ નથી.’ ‘બધાયમાં’-એમ એક શબ્દે તો અહા! કેટલું ભર્યું છે!! આ સંસારસંબંધી કર્તાપણાના રાગ પ્રતિ કે શરીરસંબંધી ભોક્તાપણાના રાગ પ્રતિ જ્ઞાનીને રાગ નથી; કેમકે પોતાના નિરાકુળ આનંદના સ્વાદ આગળ તેને કર્તા-ભોક્તાપણાના રાગમાંથી રસ ઊડી ગયો છે. જેને આત્મામાં સુખબુદ્ધિ થઈ છે તેને રાગમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. માટે જ્ઞાનીને નિર્જરા થાય છે. નિર્જરા ત્રણ પ્રકારે કહી ને? ૧. કર્મની નિર્જરા, ૨. અશુદ્ધતાની નિર્જરા અને ૩. શુદ્ધોપયોગની વૃદ્ધિ. આ પ્રમાણે જ્ઞાનીને નિર્જરા થતી હોય છે.

ત્યારે કોઈ કહે છે-અશુભરાગમાંથી તો જ્ઞાનીને સુખબુદ્ધિ ઉડી ગઈ છે, પણ શુભરાગ તો તે કરે છે ને?

અરે ભાઈ! શુભ ને અશુભ-બેયમાંથી જ્ઞાનીને સુખબુદ્ધિ ઉડી ગઈ છે. જ્ઞાની શુભરાગ કરે છે વા તેને શુભરાગનું કરવાપણું છે-એમ છે જ નહિ. ઝીણી વાત છે. પ્રભુ! ભગવાનનો મારગ-વીતરાગતાનો મારગ બહુ સૂક્ષ્મ છે. અહીં કહ્યું ને કે-‘આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી.’ ‘આ’ મતલબ કે સંસારસંબંધી ને શરીરસંબંધી જેટલા પરિણામ છે તે બધાયમાં જ્ઞાનીને રાગ નથી.

જુઓ, (ટીકામાં) પહેલાં કહ્યું કે-‘જેટલા (અધ્યવસાન) સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીર સંબંધી છે તેટલા ઉપભોગમાં નિમિત્ત છે.’ પછી કહ્યું કે-‘જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે.’ અહા! રાગ છે એ આસ્રવતત્ત્વ છે. તેને પોતાનો (જ્ઞાયકરૂપ) માનવો તે મિથ્યાત્વભાવ છે, મોહ છે. તથા પદાર્થોને ઇષ્ટ-અનિષ્ટ કલ્પવા તે રાગદ્વેષ છે. ભાઈ! પદાર્થ તો ઇષ્ટ-અનિષ્ટ છે નહિ, કેમકે પદાર્થો તો બધાય જ્ઞેય છે. તે જ્ઞેયમાં બે ભાગ પાડવા કે આ ઇષ્ટ ને આ અનિષ્ટ તે રાગદ્વેષ છે. તો આવા મોહ અને


PDF/HTML Page 2262 of 4199
single page version

રાગદ્વેષના પરિણામ જ્ઞાનીને હોતા નથી એમ કહે છે. ભારે વાત ભાઈ! કોઈને એમ થાય કે સમકિત બહુ મોંઘુ કરી નાખ્યું; પણ ભાઈ! સમકિત તો છે એમ છે; વીતરાગનો મારગ તો વીતરાગતાથી જ ઉત્પન્ન થાય છે, રાગથી નહીં, શુભરાગથીય નહીં. પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં આવે છે કે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ત્યાં કહ્યું છે-‘જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.’ આમ ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા કેમ થાય? તો કહે છે કે સ્વના આશ્રયે થાય છે અને પરના આશ્રયે તો રાગ જ થાય છે; કેમકે ‘स्वाश्रितो निश्चयः पराश्रितो व्यवहारः’ ભાઈ! આ ન્યાયથી તો વાત છે, કાંઈ કચડી-મચડીને કહેવાતું નથી. ભગવાનનો મારગ તો ન્યાયથી, યુક્તિથી કહેલો છે.

કહે છે-‘આ બધાયમાં...’ ‘આ’-એટલે? સંસારસંબંધી કર્તાપણાના રાગદ્વેષમોહના પરિણામ ને શરીરસંબંધી ભોક્તાપણાના સુખદુઃખાદિ પરિણામ -તે જેટલા અધ્યવસાયના પરિણામ છે તે બધાયમાં જ્ઞાનીને રાગ નથી. ગજબ વાત છે ભાઈ! ‘આ’ શબ્દે તો બધું ખૂબ ભર્યું છે. અહાહા...! ધર્મી એને કહીએ, સમકિતી એને કહીએ જેને રાગમાં ને રાગના ભોક્તાપણામાં-બેયમાંથી રસ ઊડી ગયો છે, રુચિ ઊડી ગઈ છે. ધર્મીને રાગમાં રસ નથી, સ્વામીપણું નથી; એ તો રાગથી ભિન્ન પડી ગયો છે અને સ્વભાવમાં એકત્વ પામ્યો છે. એને તો આનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતાનો છે. હવે આવું જગતને (રાગના પક્ષવાળાઓને) ભારે કઠણ પડે છે, પણ શું થાય?

અનાદિ સંસારથી પરિભ્રમણ કરતાં કરતાં અનંતકાળ વીતી ગયો પ્રભુ! તે પંચપરાવર્તનરૂપ પરિભ્રમણ કરતાં કરતાં નિગોદના અનંત ભવ કર્યા, એકેન્દ્રિયાદિના અનંત ભવ કર્યા ને મનુષ્યના પણ અનંત ભવ કર્યા. વળી તેમાંય અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યાં ને પંચમહાવ્રત ને ૨૮ મૂલગુણના વિકલ્પની ક્રિયા અનંતવાર કરી. પણ અરે! શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ ન કરી. આત્મજ્ઞાન ન કર્યું; ને તે વિના દુઃખ જ દુઃખ પામ્યો. છહઢાલામાં આવે છે ને કે-

“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ.”

લ્યો, ‘સુખ લેશ ન પાયૌ’ -એનો અર્થ શું થયો? કે મહાવ્રત પાળ્‌યાં એ તો આસ્રવભાવ હતો, દુઃખ હતું. આકરી વાત પ્રભુ! પણ આસ્રવભાવ દુઃખરૂપ જ છે, એમાં સુખ છે જ નહિ. સુખ ને આનંદનો ભંડાર તો ભગવાન આત્મા છે.

અહીં ‘આત્મજ્ઞાન’ કહ્યું ને! તો શાસ્ત્રજ્ઞાન તે આત્મજ્ઞાન એમ નહિ. નવપૂર્વની


PDF/HTML Page 2263 of 4199
single page version

લબ્ધિરૂપ શાસ્ત્રજ્ઞાન તો એને અનંતવાર થયું. અગિયાર અંગનો પાઠી પણ અનંતવાર થયો. જુઓ, એક આચારાંગમાં ૧૮ હજાર પદ છે અને એક પદમાં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક છે. એમ-એમ (એ પ્રમાણે) એનાથી બેગણું (ડબલ) બીજું અંગ છે. એમ અગિયાર અંગ છે. તે અગિયાર અંગનું જ્ઞાન પણ એને અનંતવાર થયું. પણ તે કાંઈ જ્ઞાન નથી. એક આત્મજ્ઞાન જ જ્ઞાન છે. ‘આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ’ એમ કહ્યું ને? ત્યાં આત્માની પર્યાયના જ્ઞાન વિના, કે રાગના જ્ઞાન વિના કે નિમિત્તના જ્ઞાન વિના-એમ અર્થ નથી. પણ शुद्धचिद्रूपोऽहम्, आनंदरूपोऽहम्–અહાહા...! શુદ્ધ ચિદ્રૂપ, નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મા હું છું-એવું સ્વાશ્રયે પ્રગટ થયેલું જ્ઞાન તે આત્મજ્ઞાન છે; આવું આત્મજ્ઞાન એણે કયારેય પ્રગટ કર્યું નહિ તેથી દુઃખી રહ્યો છે એમ અર્થ છે. તેથી શાસ્ત્રજ્ઞાન એ મુખ્ય નથી, આત્મજ્ઞાન મુખ્ય છે. સમકિતી તિર્યંચ હોય છે તેને નવ તત્ત્વનાં નામ પણ આવડતાં નથી પણ હું આનંદસ્વરૂપ આત્મા છું એવા ભાન સહિત તત્ત્વ-પ્રતીતિ તેને હોય છે, આત્મજ્ઞાન હોય છે. સમજાણું કાંઈ...?

‘આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી;’ તો કેમ નથી તેનું કારણ હવે કહે છે-‘કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.’

શું કહ્યું? કે શુભાશુભભાવના કર્તાપણાના પરિણામને શુભાશુભભાવના ભોક્તાપણાના પરિણામ-એ બધાય અનેકદ્રવ્યના સ્વભાવરૂપ છે, એક સ્વભાવ નથી, જીવસ્વભાવ નથી. એ તો બધા કર્મના સંગે-કર્મને વશ થઈને ઉત્પન્ન થયેલા ભાવ છે ને? તેથી તેઓ સંયોગી વિભાવભાવ છે, વ્યભિચારી ભાવ છે. અહાહા...! અનંતા પુદ્ગલદ્રવ્યના સંગે ઉત્પન્ન થયેલા તે (રાગાદિ) અનેક પ્રકારના વિકારી ભાવ છે તેથી ‘નાના દ્રવ્યોના સ્વભાવ’ છે એમ કહ્યું છે.

ભગવાન આત્મા એક જ્ઞાનાનંદસ્વભાવ છે; જ્યારે આ શુભાશુભભાવરૂપ કર્તા- ભોક્તાપણાના પરિણામ અનેકદ્રવ્યના સ્વભાવ છે. સંયોગના લક્ષે ઉત્પન્ન થાય છે ને? તેથી તે સંયોગીભાવ અનેકદ્રવ્યના સ્વભાવ છે, વ્યભિચારી ભાવ છે. શુભાશુભભાવ કાંઈ આત્મદ્રવ્યના લક્ષે ઉત્પન્ન થતા નથી, પણ કર્મના સંયોગના વશથી ઉત્પન્ન થાય છે, તેથી તેઓ અનેકદ્રવ્યના સ્વભાવ છે. શું કહ્યું? ન્યાય સમજાય છે ને? એમ કે-એક શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે વિભાવ-વિકારના ભાવ કયારેય ઉત્પન્ન થતા નથી, પણ તેઓ સંયોગી દ્રવ્યના-કર્મના વશે ઉત્પન્ન થાય છે માટે તેઓ અનેકદ્રવ્ય સ્વભાવ છે. આ ન્યાય છે. વસ્તુના સ્વરૂપ તરફ જ્ઞાનને લઈ જાય તેનું નામ ન્યાય છે. ‘नि’ ધાતુ છે ને? એટલે કે લઈ જવું, દોરી જવું-જેવું સ્વરૂપ છે તે તરફ જ્ઞાનને લઈ જવું તેનું નામ ન્યાય છે. આ તમારા સંસારના ન્યાયની અહીં


PDF/HTML Page 2264 of 4199
single page version

વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જેવું ભગવાન કેવળીએ કહ્યું છે તેને સમજવા પ્રતિ જ્ઞાનને દોરી જવું તે ન્યાય છે એમ વાત છે. આ તો ભગવાનના કાયદા છે ભાઈ!

અહા! પંચમ આરામાં અત્યારે અહીં ભરતમાં ભગવાનના વિરહ પડયા! કેવળજ્ઞાન રહ્યું નહિ, પણ કેવળીની આ વાણી રહી ગઈ. એ વાણીનો આ પોકાર છે કે- પ્રભુ! તું ભગવાન છો; પ્રત્યેક આત્મા નિશ્ચયથી ભગવાન-સ્વરૂપ જ છે. અહાહા...! નિશ્ચયથી આ શુદ્ધ (એક જ્ઞાયકભાવ) જે છે તે આત્મા છે, જ્યારે આ રાગાદિ છે એ તો આસ્રવ છે, અનેક દ્રવ્યસ્વભાવ છે, જીવસ્વભાવ નહિ. જ્યારે કર્મ આદિ છે તે અજીવ છે, આત્માથી ભિન્ન છે. આસ્રવભાવ પણ આત્માથી ભિન્ન છે. જો એમ ન હોય તો નવતત્ત્વ રહે નહિ. માટે આસ્રવથી ભિન્ન આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ પ્રભુ નિત્ય ભગવાનસ્વરૂપ જ છે. અહાહા...! ‘ભગ’ નામ જ્ઞાનાનંદની લક્ષ્મી અને ‘વાન’ નામ સ્વરૂપ જેનું છે તેવો આત્મા નિશ્ચયે ભગવાન છે. અને તે આદરણીય છે. પર અરે! આ સાંભળીને અજ્ઞાની રાડ પાડે છે કે-અમે તે ભગવાન! પણ બાપુ! તું સાંભળ તો ખરો નાથ! જો તું અંદર ભગવાન નથી તો તારી ભગવાનની અવસ્થા પ્રગટશે કયાંથી? અંદર ભગવાન સ્વભાવમાંથી તે ઉત્પન્ન થશે, કાંઈ બહારમાંથી (રાગમાંથી) ઉત્પન્ન નહિ થાય. સમજાણું કાંઈ...?

આત્મા સ્વરૂપથી ભગવાન છે; માટે અમને તો સર્વ જીવ સાધર્મી છે. દ્રવ્ય તરીકે તો બધા આત્મા સાધર્મી છે. આ ‘सत्त्वेषु मैत्री’ નથી આવતું? ‘सत्त्वेषु मैत्री गुणिषु प्रमोदं’–એમ આવે છે ને? અહાહા...! સર્વ આત્મા સદા અંદર તો ભગવાન સ્વરૂપ જ છે. આ નારકી, તિર્યંચ, મનુષ્ય ઇત્યાદિ તો કર્મના નિમિત્તની ઉપાધિના બોલ છે. અને આ શુભાશુભભાવ-કર્તા-ભોક્તાપણાના ભાવ એ પણ કર્મના નિમિત્તની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ઔપાધિક ભાવ છે, અનેક દ્રવ્યના સ્વભાવ છે; એ કાંઈ જીવનું સત્યાર્થ સ્વરૂપભૂત નથી; તેઓ કાંઈ જીવના સ્વરૂપભૂત નથી.

આત્મા એક જ્ઞાયકભાવ ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવ છે; જ્યારે રાગાદિ ભાવો - કર્તા-ભોક્તાપણાના ભાવો નાના દ્રવ્યોના સ્વભાવ છે. પર સંયોગે ઉત્પન્ન થયેલા તેઓ પરસ્વભાવો-અનેક દ્રવ્યના સ્વભાવો છે, જુઓ છે અંદર? કે ‘નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી’-અર્થાત્ આ કારણે-‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.’ લ્યો, જ્ઞાની કોને કહેવો એ પણ આમાં ખુલાસો કરી દીધો; કે ‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની’ છે.

‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ’ એટલે? છઠ્ઠી ગાથામાં આચાર્ય કુંદકુંદે ‘એક જ્ઞાયકભાવ’ ના કહ્યો? કે-

‘ण वि होदि अपमत्तो ण पमत्तो जाणगो दु जो भावो’

PDF/HTML Page 2265 of 4199
single page version

અહાહા...! એક જ્ઞાયકભાવ એને કહીએ કે જેમાં પ્રમત્ત કે અપ્રમત્ત પર્યાયના ભેદ નથી. અહાહા...! એકલા જ્ઞાયકરસ-ચૈતન્યરસનું દળ ચિન્માત્રસ્વરૂપ એવો એક જ્ઞાયકભાવ પ્રભુ આત્મા છે. આવો એક જ્ઞાયકભાવ જેને પોતાનો છે તે જ્ઞાની છે અને તે જ્ઞાનીને, જે નાના દ્રવ્યોના સ્વભાવો છે એવા રાગદ્વેષમોહનો કર્તા-ભોક્તાપણાના ભાવોનો નિષેધ છે. આવો મારગ છે; આકરો પડે તોય એમાં બીજું શું થાય? મારગ તો આ એક જ છે. શ્રીમદ્માં આવે છે ને કે-

‘એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.’ અહાહા...! શું ગાથા છે! એક ગાથામાંય કેટલું ભર્યું છે! ગાથાએ-ગાથાએ આખા સમયસારનો સાર ભરી દીધો છે; અને એવી ૪૧પ ગાથા!! અહો! સમયસાર તો જગતનું અજોડ ચક્ષુ છે.

કહે છે-સંસારસંબંધી કર્તાપણાનો ભાવ રાગદ્વેષાદિ અને શરીરસંબંધી ભોક્તાપણાનો ભાવ સુખદુઃખાદિ કલ્પના-એ બધાયમાં જ્ઞાનીને રાગ નથી, રુચિ નથી. જેને શુદ્ધ જ્ઞાયકની રુચિ જાગી તેને રાગની રુચિ રહેતી નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર રહે નહિ તેમ જેને રાગની રુચિ છે તેને ભગવાન આત્માની-જ્ઞાયકની રુચિ હોતી નથી અને જેને જ્ઞાયકની રુચિ થઈ જાય તેને રાગની રુચિ રહેતી નથી. બીજી રીતે કહીએ તો જ્ઞાયકભાવમાં રાગનો અભાવ છે અને રાગમાં શુદ્ધ જ્ઞાયકભાવનો અભાવ છે.

પ્રશ્નઃ– અત્યારે પણ? ઉત્તરઃ– હા, અત્યારે પણ અને ત્રણે કાળ; કેમકે રાગ છે એ તો આસ્રવ છે. શું આસ્રવભાવ જ્ઞાયકપણે છે? જો આસ્રવ જ્ઞાયકભાવપણે હોય તો નવ તત્ત્વ ભિન્ન ભિન્ન રહેશે કેવી રીતે? છઠ્ઠી ગાથામાં ટીકાકારે ને ભાવાર્થકારે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે- શુભાશુભભાવના સ્વભાવે જ્ઞાયક થઈ જાય તો તે જડ થઈ જાય; કારણ કે શુભાશુભભાવ છે તે જ્ઞાનસ્વભાવથી રિક્ત-ખાલી છે. ભાઈ! રાગ છે તે પોતાને જાણે નહિ, જોડે જ્ઞાયક છે તેને પણ જાણે નહિ; એ તો બીજા દ્વારા જાણવામાં આવે છે. માટે રાગ અચેતન જડ છે, અજીવ છે; જ્ઞાયકમાં એનો પ્રવેશ નથી. આવો એક જ્ઞાયકભાવ છે, જે જ્ઞાનીનું સ્વ છે. કહ્યું ને અહીં કે-‘એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને...’ છે કે નહિ પુસ્તકમાં? પુસ્તક તો સામે રાખ્યું છે બાપા! કયા શબ્દનો શું ભાવ છે તે તો જાણવો જોઈએ ને? આ સંસારના ચોપડા મેળવે છે કે નહિ? તો આ ભગવાન શું કહે છે તે મેળવને બાપુ!

પ્રશ્નઃ– પણ આ ઉકેલતાં (વાંચીને સમજતાં) ન આવડે તેનું શું કરવું? સમાધાનઃ– શું ઉકેલતાં ન આવડે? અરે! કેવળજ્ઞાન લેતાં આવડે એવી એનામાં શક્તિ છે. શક્તિ છે અને એને પ્રગટ કરે એવું સામર્થ્ય પણ છે. અંતઃ-


PDF/HTML Page 2266 of 4199
single page version

મુહૂર્તમાં કેટલાય જીવોએ કેવળજ્ઞાન લીધું છે. અહા! નિગોદમાંથી નીકળીને, એકાદ ભવ બીજે કરીને જ્યાં મનુષ્ય થયો તો (આઠ વર્ષ પછી) ભેદજ્ઞાન કરીને સમકિત પામ્યો અને દીક્ષા લઈને અંતઃમુહૂર્તમાં કેવળજ્ઞાન ઊપજાવી સિદ્ધ થયો.

હા, પણ એવા કેટલા જીવ? અરે ભાઈ! એવી એની તાકાત છે કે નહિ? મોક્ષ જાય એવી એની અંદર તાકાત છે, કેમકે પોતાનો સર્વજ્ઞસ્વભાવ છે, પોતે સદા એક જ્ઞાયકભાવ છે. આ તો છે એને એનલાર્જ કરવો છે; બસ, જે શક્તિરૂપે છે તેને વ્યક્તરૂપ કરવો છે.

પ્રશ્નઃ– તો એનો સંચો (સાધન) છે કે નહિ? ઉત્તરઃ– છે ને; અંદર એક જ્ઞાયકભાવમાં એકાગ્ર થવું તે એનો સંચો (સાધન) છે. જુઓ, એ જ અહીં કહ્યું કે-ટંકોત્કીર્ણ અર્થાત્ ટાંકીને ઘડી કાઢેલો એવો ધ્રુવ શાશ્વત એક જ્ઞાયકભાવ જ્ઞાનીની દ્રષ્ટિમાં નિરંતર છે અને એ જ ઉપાય છે. ભાઈ! આ ઝીણું પડે પણ શું થાય? અનંત જિનવરદેવો-તીર્થંકરોનો આ જ ઉપદેશ છે.

અહાહા...! જ્ઞાનીની દ્રષ્ટિમાં એક જ્ઞાયકભાવ જ તરવરે છે. તેને એક જ્ઞાયકમાત્રભાવનો જ નિરંતર આશ્રય છે. પર્યાય છે એ તો જાણવા માટે છે, આદરણીય તો એક જ્ઞાયકભાવ જ છે. આ શાસ્ત્રની અગિયારમી ગાથામાં ન આવ્યું કે-

‘व्यवहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ’

વ્યવહારનય અભૂતાર્થ નામ અસત્યાર્થ છે, અને શુદ્ધનય યાને એક જ્ઞાયકભાવ ત્રિકાળી શુદ્ધ શાશ્વત ચીજ ભૂતાર્થ છે. ભાઈ! આ અગિયારમી ગાથા તો જિનશાસનનો પ્રાણ છે.

પ્રશ્નઃ– વ્યવહાર અભૂતાર્થ-અસત્યાર્થ છે તેનો અર્થ શું? સમાધાનઃ– વ્યવહાર અસત્યાર્થ કહ્યો એનો અર્થ એમ નહિ કે વ્યવહારનો વિષય જે પર્યાય તે છે જ નહિ. જો પર્યાય જ નથી એમ કહો તો તો વેદાંત થઈ જાય, કેમકે વેદાંત પર્યાયને માનતું નથી, એકલા દ્રવ્યને (કૂટસ્થ) માને છે. પણ એમ છે નહિ. તો કેવી રીતે છે? ભાઈ! અહીં તો વ્યવહાર નામ પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે, અભાવ કરીને નહિ. ‘भूदत्थो देसिदो दु सुद्धणओ’–એમ કહ્યું ને? ત્યાં નય ને નયના વિષયનો ભેદ કાઢી નાખીને શુદ્ધનય અર્થાત્ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી આત્માને મુખ્ય કરીને ભૂતાર્થ કહ્યો, સત્યાર્થ કહ્યો અને વ્યવહારનયને અર્થાત્ પર્યાય અને રાગાદિને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો. ત્યાં પર્યાયનો અભાવ કરીને (વ્યવહારનય) અસત્યાર્થ કહ્યો છે એમ ન સમજવું; કેમકે જો અભાવ કરીને અસત્ય કહ્યો હોય તો પર્યાયનો નાશ થઈ જાય અને તો દ્રવ્ય પણ ન રહે. એ તો સમ્યગ્દર્શનનું


PDF/HTML Page 2267 of 4199
single page version

પ્રયોજન સિદ્ધ કરવા માટે શુદ્ધનયને મુખ્ય કરી ભૂતાર્થ કહ્યો ને વ્યવહારને-પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે. ભાઈ! આ કેવળીનો પોકાર છે અને તે કુંદકુંદાચાર્યે જાહેર કર્યો છે.

‘भूदत्थो देसिदो दु सुद्धणओ’ અહાહા...! શુદ્ધનય અર્થાત્ ત્રિકાળ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી છતી શાશ્વત ચીજ પ્રભુ આત્મા ભૂતાર્થ છે એમ બીજું પદ કહ્યું ને પછી કહ્યું કે-‘भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो’ ભૂતાર્થ મતલબ શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે જીવ સમ્યગ્દ્રષ્ટિ હોય છે-થાય છે. ભાઈ! આ તો અનંતા તીર્થંકરોએ-જિનવરોએ પ્રગટ કરેલા જિનદર્શનનો પ્રાણ છે. આ તો જીવના જીવનનું વાસ્તવિક જીવન છે. જુઓને, એ જ કહે છે ને અહીં કે-‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.’ એટલે કે ભૂતાર્થનો જેને આશ્રય વર્તે છે તેને રાગાદિના કર્તા અને ભોક્તાપણાનો નિષેધ છે. ભાઈ! ટીકામાં ભાષા તો આ છે. અહો! અમૃતચંદ્રદેવે પરમ અમૃત રેડયાં છે! ભગવાન! તારા હિતની આ વાત છે.

પ્રશ્નઃ– સાત તત્ત્વની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે ને? સમાધાનઃ– ભાઈ! સાત તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યગ્દર્શન નથી. સાત તત્ત્વની અભેદ શ્રદ્ધા (સાત તત્ત્વની પાછળ રહેલા એક જ્ઞાયકભાવની શ્રદ્ધા) તે સમ્યગ્દર્શન છે. ત્યાં તત્ત્વાર્થસૂત્રમાં ‘–तत्त्वम्’ એમ એકવચન છે. એટલે કે ભેદની ત્યાં વાત નથી. જ્યાં એકવચન હોય ત્યાં એકરૂપ સ્વભાવનો આશ્રય થયો અને તેમાં સાતે તત્ત્વનું શ્રદ્ધાન ગર્ભિત થઈ ગયું; કેમકે નિશ્ચયથી...’ જરી સૂક્ષ્મ વાત છે ભાઈ! કે જ્ઞાયકભાવ અભેદ એક છે તેનાં જ્યાં શ્રદ્ધાન-જ્ઞાન થતાં તો તેમાં (એક જ્ઞાયકભાવમાં) આ (આસ્રવાદિ) પર્યાય નથી એમ તેનું જ્ઞાન પણ આવી જાય છે. સ્યાત્ અસ્તિ અને સ્યાત્ નાસ્તિ એમ ભંગ છે ને? અહાહા...! સપ્તભંગી તો જૈનદર્શનનું મૂળ છે, અને જૈનદર્શન-દિગંબર જૈનદર્શન એ જ દર્શન છે. બીજું કોઈ દર્શન-શ્વેતાંબરાદિ-જૈનદર્શન છે જ નહિ. પંડિત શ્રી ટોડરમલજીએ તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં એ સર્વને અન્યમતમાં લીધા છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?

આ બધા શેઠિયા માને કે અમે મોટા કરોડપતિ શેઠિયા છીએ ને? અરે! ધૂળેય નથી શેઠિયા, સાંભળને. આત્મામાં કયાં પૈસા ગરી ગયા છે? ‘નથી’ (આત્મા પૈસા નથી) એ જ અનેકાન્ત થયું. ભગવાન આત્મા જ્ઞાયકભાવે છે ને રાગાદિ પરભાવે નથી એ અનેકાન્ત છે. ઓહો! ભાગ્ય હોય તો સાંભળવાય મળે. અહા! આમાં તો સત્ ને પામવાની રીત ને પદ્ધતિ બતાવી છે!

અહાહા...! જ્ઞાની કેવા હોય છે? તો કહે છે-એક જ્ઞાયકભાવસ્વભાવવાળા હોય


PDF/HTML Page 2268 of 4199
single page version

છે, પણ વ્યવહારરત્નત્રયના રાગવાળા જ્ઞાની હોય છે એમ નહિ. બહુ ઝીણી વાત છે. બાપુ! નિશ્ચય ને વ્યવહારના વિષય તો વિરુદ્ધ છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે નય છે ને? બેના વિષય તો વિરુદ્ધ છે. જો બેય નય એક સરખા હોય તો બે નય પડે જ નહિ. માટે બેમાં વિષયભેદે વિરુદ્ધતા છે. જેને નિશ્ચય સ્વીકારે છે તેને વ્યવહાર સ્વીકારતો નથી અને જેને વ્યવહાર સ્વીકારે છે તેને નિશ્ચય સ્વીકારતી નથી. જ્ઞાની નિશ્ચયનો આશ્રય કરી નિશ્ચયને સ્વીકારે છે અને વ્યવહાર છે એનો માત્ર જ્ઞાતા-જાણનાર રહે છે. વ્યવહારનો જ્ઞાની આશ્રય કરતો નથી, માત્ર એને જાણે છે બસ. તેથી તો કહ્યું કે- જ્ઞાની એક જ્ઞાયકસ્વભાવવાળો છે; અર્થાત્ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે તે જ્ઞાની છે; અને જ્ઞાનીને વ્યવહારના ભાવોનો-રાગાદિ ભાવોનો નિષેધ છે અર્થાત્ આશ્રય નથી. બાપુ! આ ન્યાયથી-લોજીકથી-યુક્તિથી તો કહે છે. પણ હવે બેસવું, ન બેસવું એમાં તો સૌ સ્વતંત્ર છે. બીજાને કોઈ બીજો બેસાડી દે (સમજાવી દે) એમ છે નહિ. ભગવાન તીર્થંકરદેવ પણ બીજામાં શું કરે?

આમાં બે વાત થઈ- ૧. ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે તે જ્ઞાની છે-આ અસ્તિ થઈ. ૨. અને એવા જ્ઞાનીને રાગનો નિષેધ છે, આશ્રય નથી-એમ નાસ્તિ થઈ. એ તો પહેલાં આવી ગયું ને? કે જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. હવે જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ રાગદ્વેષમોહાદિના કર્તાપણાના અને સુખદુઃખાદિના ભોક્તાપણાના જેટલા પરિણામ છે તે બધાયનો જ્ઞાનીને નિષેધ છે, જ્ઞાની તેનો આશ્રય કરતો નથી. આવી વાત છે.

અરે! અજ્ઞાનીએ કોઈ દિ’ શાસ્ત્ર વાંચ્યાંય નથી, સાંભળ્‌યાંય નથી. એને કયાં ફુરસદ છે બિચારાને? એ તો બાયડી-છોકરાંમાં ને ભોગમાં ને પૈસા રળવામાં ગરી ગયો છે. એને કહીએ છીએ કે ભાઈ! એમાં કાંઈ (માલ) નથી. આ ધૂળનો (પૈસાદિનો) તો કોઈને ત્રણકાળમાં ભોગ નથી. સ્ત્રીના શરીરનો ભોગ પણ જીવને-અજ્ઞાનીને પણ-હોતો નથી; કેમકે અરૂપી ભગવાન આત્મા રૂપીને અડેય નહિ તો કેમ ભોગવે? માટે જીવ મકાનને, સ્ત્રીના શરીરને કે ભોજનાદિને કદીય ભોગવે નહિ. ફક્ત તે તરફનો ‘આ ઠીક છે’-એમ રાગ કરીને અજ્ઞાની તે રાગનો ભોક્તા થાય છે, કર્તા પણ થાય છે, પરંતુ જ્ઞાની તેના કર્તા-ભોક્તા નથી એમ અહીં કહે છે.

અજ્ઞાની શેનો ભોક્તા છે? અજ્ઞાની રાગાદિનો ભોક્તા છે, પણ પરનો-શરીર, વાણી, મકાન, ધન, ભોજનાદિનો


PDF/HTML Page 2269 of 4199
single page version

કદીય ભોક્તા નથી. તે માને છે કે હું પરને કરું છું ને ભોગવું છું તેથી તે તેવા રાગનો કર્તા-ભોક્તા થાય છે, પણ પરનો નહિ કેમકે પરને તો આત્મા અડતોય નથી. અહીં કહે છે-જ્ઞાનીને રાગના કર્તા-ભોક્તાપણાનો નિષેધ છે, અર્થાત્ જ્ઞાની રાગનોય કર્તા-ભોક્તા છે નહિ.

પ્રશ્નઃ– આ બંગલાવાળાઓને જેમ પૈસા થાય એમ એનાથી મઝા-આનંદ આવે છે ને?

ઉત્તરઃ– ભાઈ! એ બંગલાવાળાઓને કાંઈ બંગલા કે પૈસાનો ભોગવટો છે એમ નથી કેમકે પૈસા ને બંગલા તો જડ ધૂળ છે. બંગલા બંગલાના (જડ પુદ્ગલના) છે ને પૈસા પણ પૈસાના (જડ પુદ્ગલના) છે. પૈસા થાય એમાં આત્માને શું આવ્યું? આ બંગલા ને પૈસા ઠીક છે એવા રાગનો-કષાયનો ભોગ તેને તો આવે છે અને તેમાં હરખ માને એ અજ્ઞાન તેના પલ્લે તો આવે છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– આપ આ લાકડી ફેરવો છો એટલે પૈસા વધે છે એમ લોકો કહે છે તે બરાબર છે?

ઉત્તરઃ– ધૂળેય બરાબર નથી સાંભળને. આ લાકડી તો હાથમાં પરસેવો થાય તો શાસ્ત્રને અડાય નહિ તે કારણથી રાખી છે. આ અત્યારે છે એ તો પ્લાસ્ટીકની છે, પણ પહેલાં સુખડની હતી. તે સુખડની હતી તેને કોઈ લઈ ગયું; એને એમ કે એમાં કંઈક (ચમત્કાર) છે. પણ બાપુ! આ તો ધૂળ છે. આ લાકડીમાં શું માલ છે? માલ તો બધો ચૈતન્યચમત્કાર પ્રભુ આત્મામાં છે. અહીં તો એની (ચૈતન્યની વાત કરીએ છીએ ને તેને કોઈ એકચિત્ત થઈ સાંભળે છે તો તેને ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે. બસ, આ વાત છે. બાકી લાકડી-બાકડીમાં કાંઈ (જાદુ) નથી. સમજાણું કાંઈ...?

અહાહા...! આત્મા ચૈતન્યચમત્કારસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ અનંતી શક્તિઓનો ભંડાર પ્રભુ ઇશ્વર છે. આત્મામાં એક પ્રભુત્વશક્તિ છે. પ્રભુત્વશક્તિ વડે આત્મા પોતાના અખંડિત પ્રતાપ વડે સદા સ્વતંત્ર શોભાયમાન છે. આ પ્રભુત્વશક્તિ-ઇશ્વર શક્તિનું એક એક ગુણમાં રૂપ છે. શું કહ્યું એ? જેમ આત્માનો એક જ્ઞાનગુણ છે તેમ કર્તાગુણ છે. તો, કર્તાગુણ છે તે જ્ઞાનગુણમાં નથી, પણ જ્ઞાનમાં કર્તાગુણનું રૂપ છે, કેમકે જ્ઞાનમાં જ્ઞાનનું કરવાપણું સ્વતંત્ર પોતાથી છે. ઝીણી વાત છે ભાઈ! આનો દીપચંદજી સાધર્મીએ ચિદ્દવિલાસમાં વિસ્તારથી ખુલાસો કર્યો છે.

જ્ઞાયકભાવસ્વરૂપ અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. આકાશના જેટલા પ્રદેશ છે એનાથી અનંતગુણા આત્મામાં ગુણ છે. અહાહા...! આકાશ કોને કહીએ? જેનો કયાંય અંત નહિ એવું સર્વવ્યાપક! શું કયાંય એનો અંત છે? અનંત-અનંત-અનંત


PDF/HTML Page 2270 of 4199
single page version

આકાશ છે. તેમાં એક પરમાણુ જેટલી જગા રોકે તે પ્રદેશ છે. આવા આકાશના અનંત- અનંત પ્રદેશ છે. અને એનાથી અનંતગુણા ભગવાન આત્માના ગુણ છે. તે એકેક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એકેક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. જ્ઞાનગુણમાં ઇશ્વરશક્તિનું રૂપ છે; અર્થાત્ જ્ઞાનગુણ સ્વયં પોતાથી અખંડ પ્રતાપવડે સ્વતંત્ર શોભાયમાન છે. તેવી રીતે દર્શનગુણમાં ઇશ્વરશક્તિનું રૂપ છે. દર્શનગુણમાં ઇશ્વરશક્તિ નથી, પણ ઇશ્વરશક્તિનું રૂપ છે. અહાહા...! આવો ભગવાન આત્મા અનંત મહિમાવંત ચિત્ચમત્કાર-સ્વરૂપ મહા પદાર્થ છે. ભાઈ! તને આ ધૂળની-પૈસાની ને બાયડીના દેહની ને બંગલાની મહિમા આડે તારી મોટપની ખબર નથી. એ બધી ધૂળમાં તો કાંઈ નથી પણ જેના એકેક ગુણમાં ઇશ્વરશક્તિનું રૂપ છે એવો અખંડ પ્રતાપ જેનો છે એવો ચૈતન્યમહાપ્રભુ તું ઇશ્વર છો, પરમેશ્વર છો.

જ્ઞાનીને તો આ ચૈતન્યમહાપ્રભુ એક જ્ઞાયકભાવ પોતાનો છે. ‘એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની’-એમ કહ્યું ને? પણ પુણ્યવાળો કે રાગવાળો કે પૈસાવાળો જ્ઞાની એમ ન કહ્યું? ભાઈ! પુણ્ય, રાગ કે પૈસા છે કયાં વસ્તુમાં? પૈસા તો ધૂળ અજીવ છે, તેની જીવમાં નાસ્તિ છે; તથા પુણ્ય ને રાગ આસ્રવ છે, તેની પણ શુદ્ધ ચૈતન્યમાં નાસ્તિ છે. અહાહા...! આત્મદ્રવ્ય એક જ્ઞાયકપણે અસ્તિ છે અને બીજા અનંતદ્રવ્યની અને બીજા અનંત પરભાવની તેમાં નાસ્તિ છે. આવા એક જ્ઞાયકભાવવાળા જ્ઞાનીને, કહે છે, રાગનો નિષેધ છે અર્થાત્ તેને રાગનું કરવાપણુંય નથી ને ભોગવવાપણુંય નથી. એને તો માત્ર જ્ઞાતાદ્રષ્ટાપણું છે. ધર્મી તો જાણવાવાળો-જ્ઞાતાદ્રષ્ટા છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-

“કરૈ કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનનહારા;
જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.”

જે રાગ કરે તે કર્તા અજ્ઞાની છે અને જે જાણે તે જ્ઞાની છે. જે કરે તે જ્ઞાતા નહિ અને જે જાણે તે કર્તા નહિ. ચાહે રાગ હો કે શરીર હો, જ્ઞાની તો એના જાણનાર જ છે; જ્ઞાની તેને વ્યવહારે જાણે છે, નિશ્ચયથી તો તે શુદ્ધ ચૈતન્યદ્રવ્યને જાણે છે, અનુભવે છે. આવું લોકોને આકરું લાગે પણ અનંત કેવળીઓએ, ગણધરોએ અને મુનિવરોએ કહેલો માર્ગ આ જ છે.

આ અર્હંતાદિ પંચ પરમેષ્ઠી નથી? ભગવાન! એ પંચ પરમેષ્ઠીપદ ભગવાન આત્માનાં-તારાં જ છે. તું જ અર્હંતાદિસ્વરૂપ છો. એ પંચપરમેષ્ઠીપદ આત્માની પેદાશ છે, એ કાંઈ રાગની કે શરીરની-પરની પેદાશ નથી; રાગમાં કે પરના સ્વરૂપમાં આ પાંચ પરમપદ છે જ નહિ.


PDF/HTML Page 2271 of 4199
single page version

* ગાથા ૨૧૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જે અધ્યવસાનના ઉદયો સંસારસંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહસંબંધી છે અને ઉપભોગનાં નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે.’

શું કીધું? રાગ-દ્વેષ-મોહનું કરવું તે કર્તાપણું છે અને તે બંધનું કારણ છે, સંસારનું કારણ છે. રાગ ચાહે પુણ્યનો હો કે પાપનો, પણ એમાં કરવાપણું છે તે મિથ્યાત્વભાવ છે અને તે બંધનનું કારણ છે. આ શું કીધું? સમજાણું કાંઈ...? ભગવાન આત્મામાં સંસારસંબંધીના કર્તાપણાના જે અધ્યવસાન ભાવ થાય છે તે બંધનાં કારણ છે અને તેઓ રાગ, દ્વેષ, મોહ છે. તથા જે દેહસંબંધી અધ્યવસાનના ભાવ છે, ભોક્તાપણાના ભાવ છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે. આમાં પહેલું કર્તાપણું ને બીજું ભોક્તાપણું નાખ્યું છે. હવે વિશેષ સિદ્ધાંત કહે છે કે-

‘તે બધાય (અધ્યવસાનના ઉદયો) નાના દ્રવ્યોના સ્વભાવ છે.’ શું કહે છે? કે સંસારસંબંધી મિથ્યાત્વ અને પુણ્ય-પાપના ભાવ બંધનું કારણ છે અને ભોગસંબંધી જે ભોક્તાપણાના ભાવ છે તે સુખ-દુઃખ છે. તે બધાય નાના દ્રવ્યોના સ્વભાવ છે અર્થાત્ તેઓ એક શુદ્ધ ચૈતન્યદ્રવ્યના સ્વભાવ નથી. રાગદ્વેષમોહના ભાવ તથા સુખદુઃખની કલ્પના-એ બધાય કર્મના સંયોગના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને તેથી તેઓ વ્યભિચારી ભાવ છે. જેમ મૈથુનમાં બેના સંયોગથી ભાવ ઉત્પન્ન થાય છે તેમ વિકારના-કર્તાપણાના ને ભોક્તાપણાના ભાવ એક જીવ અને બીજા કર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. બીજાના સંબંધથી ઉત્પન્ન થયેલા તે ભાવ વ્યભિચારી ભાવ છે. ગાથા ૨૦૩ માં તેમને વ્યભિચારી ભાવ કહ્યા છે. કર્મના નિમિત્તના વશે જે ભાવ ઉત્પન્ન થાય તે વ્યભિચારી ભાવ છે, જ્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના-એક જ્ઞાયકસ્વરૂપ પ્રભુ આત્માના વશે ઉત્પન્ન થયેલા નિર્મળ પરિણામ અવ્યભિચારી મોક્ષમાર્ગના પરિણામ છે.

ભાઈ! વ્યવહારરત્નત્રયના ભાવ પણ જો કર્તાબુદ્ધિથી છે તો તે બંધભાવ છે. વ્યવહારરત્નત્રયના પરિણામ શુભરાગ છે અને તેનું કર્તાપણું એ સંસારસંબંધી બંધનના ભાવ છે; જ્યારે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે ઉત્પન્ન થયેલા શુદ્ધ રત્નત્રયના પરિણામ એક દ્રવ્યસ્વભાવ હોવાથી અવ્યભિચારી ભાવ છે. એ તો પુણ્ય-પાપ અધિકારમાં કળશ ૧૦૬-૧૦૭માં આવી ગયું કે જ્ઞાનનું થવું એક દ્રવ્યસ્વભાવે હોવાથી શુદ્ધ છે, પવિત્ર છે, મોક્ષનું કારણ છે, જ્યારે કર્મ (રાગ)નું થવું અન્ય દ્રવ્યના સ્વભાવે હોવાથી મોક્ષનું કારણ નથી, બંધનું કારણ છે. ત્યાં (૧૦૬-૧૦૭ કળશમાં) वृत्तं....


PDF/HTML Page 2272 of 4199
single page version

ઇત્યાદિ શબ્દો છે તેનો આ ભાવ છે. આખા કળશો તો થોડા યાદ રહે છે? પણ આ ભાવ છે કે શુદ્ધ આનંદકંદ એક જ્ઞાયકભાવ-ચિન્માત્રભાવના વશથી-આશ્રયથી-અવલંબનથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવ પવિત્ર અવ્યભિચારી ભાવ છે અને તે મોક્ષનું કારણ છે; જ્યારે કર્મના નિમિત્તને અર્થાત્ અનેક દ્રવ્યને વશ થઈને -તાબે થઈને જે ભાવ ઉત્પન્ન થાય છે તે વ્યભિચારી ભાવ છે અને તે બંધનું કારણ છે.

ભાઈ! આ તો સિદ્ધાંત છે કે-‘સ્વાશ્રિતો નિશ્ચયઃ, પરાશ્રિતો વ્યવહારઃ’ અહીં કહે છે-જેટલા પરાશ્રિત ભાવ છે તે બંધનું કારણ છે. નિશ્ચય અને વ્યવહાર -એ બે નયના વિષયને વિરોધ છે. ‘उभयनयविरोधध्वंसिनि’... એમ કળશ આવે છે ને? નિશ્ચય અને વ્યવહાર એમ બે નયના વિષયો ભિન્ન ભિન્ન છે. નિશ્ચયનયનો વિષય પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્ઞાયકસ્વભાવથી મંડિત એક શુદ્ધ આત્મદ્રવ્ય છે અને તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એ તો ૧૧ મી ગાથામાં આવી ગયું કે-‘भूदत्थमस्सिदो खलु सम्मादिट्ठी हवदि जीवो’! ભાઈ! ચારે કોરથી જુઓ તો પૂર્વાપર વિરોધ રહિત સિદ્ધાંત સિદ્ધ થાય છે. પરાશ્રિત ભાવ, વ્યવહારના ભાવ -ચાહે કર્તાસંબંધી હો કે ભોગસંબંધી હો -બંધનું કારણ છે. ત્યાં ગાથામાં ન આવ્યું કે –‘सुदपरिचिदाणुभूदा सव्वस्स कामभोगबन्धकहा’–એમ કે કામ નામ રાગનું કરવું ને ભોગ નામ રાગનું ભોગવવું -એવી બંધની વાત તો અનંતવાર સાંભળી છે, પરિચયમાં આવી છે, અનુભવમાં આવી છે. ત્યાં ‘बंध कहा’નું વાચ્ય તો ‘બંધભાવ’ છે. અહા! એણે સ્વથી એકત્વ ને રાગથી ભિન્ન એવા ભાવને કદી સાંભળ્‌યો નથી!

પ્રશ્નઃ– સંભળાવવાવાળા મળ્‌યા નહિ ને? ઉત્તરઃ– ભાઈ! એ તો પાત્રતા જાગૃત થઈ નહિ, પોતે દરકાર કરી નહિ તો સંભળાવવાવાળા મળ્‌યા નહિ એમ કહે છે. ભગવાન તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર સાક્ષાત્ વિદેહમાં હમણાં પણ બિરાજે છે. પણ શું થાય? સાંભળવાની લાયકાત નથી તો ત્યાં ઉપજ્યો નહિ, જન્મ્યો નહિ.

પ્રશ્નઃ– તો શું કાળલબ્ધિ પાકી નહિ? સમાધાનઃ– ભાઈ! પુરુષાર્થ કરે તો કાળલબ્ધિ પાકે છે કે બીજી રીતે પાકે છે? એ તો એક ભાઈ સાથે’ ૮૩ ની સાલમાં એટલે પ૦ વર્ષ પહેલાં ચર્ચા થઈ હતી. તે કહે- કાળલબ્ધિ પાકે ત્યારે થશે. ત્યારે કહ્યું કે-કાળલબ્ધિ શું ચીજ છે? જુઓ, મોક્ષમાર્ગપ્રકાશકમાં તો શ્રી ટોડરમલજી આમ કહે છે કે-કાળલબ્ધિ ને ભવિતવ્ય કાંઈ વસ્તુ નથી. જે સમયે પુરુષાર્થ દ્વારા જે પર્યાય પ્રાપ્ત થઈ તે કાળલબ્ધિ છે; અને ત્યારે જે થવા યોગ્ય ભાવ હતો તે થયો તે ભવિતવ્ય છે. આ વાત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહી છે. આ મોક્ષમાર્ગપ્રકાશક પહેલાં’ ૮૨ માં એટલે પ૧ વર્ષ પહેલાં વાંચેલું. જુઓ, તેના નવમા અધિકારમાં આ છેઃ-


PDF/HTML Page 2273 of 4199
single page version

પ્રશ્નઃ– “મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિ થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉદ્યમ કરતાં બને છે? તે કહો.” લ્યો, આ પ્રશ્ન કે મોક્ષનું કારણ કાળલબ્ધિ છે, ભવિતવ્ય છે, કે કર્મના ઉપશમ-ક્ષયોપશમાદિ છે? કે પછી મોક્ષનું કારણ પોતાના પુરુષાર્થપૂર્વક બને છે? હવે વિશેષ પૂછે છે-

“જો પહેલાં બે કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ પુરુષાર્થ કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા તેનું શું કારણ?”

કહે છે-જો કાળલબ્ધિ અને ભવિતવ્યતા-એમ બે કારણોથી મોક્ષનો ઉપાય બને છે તો ઉપદેશ દેવાની કયાં જરૂર છે? અને જો પુરુષાર્થથી બને છે તો ઉપદેશ સર્વ સાંભળે છે છતાં સર્વને મોક્ષનો ઉપાય કેમ બનતો નથી? મોક્ષનો ઉપાય તો કોઈકને જ બને છે. સર્વને કેમ બનતો નથી?

એનું સમાધાન કરતાં કહે છે-પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ છે.

પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ

ઉત્તરઃ– “એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણે કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતાં; પૂર્વોક્ત ત્રણ કારણ કહ્યાં તેમાં કાળલબ્ધિ અને ભવિતવ્ય (હોનહાર) તો કોઈ વસ્તુ જ નથી.” બહુ આકરા શબ્દો ભાઈ! પણ વાત યથાર્થ છે.

અમારે તો પહેલેથી જ ચર્ચા ચાલી આવે છે ને? ૭૦ માં દીક્ષિત થયા પછી ‘૭૧ થી ચર્ચા ચાલે છે. તેઓ કહે-કર્મથી વિકાર થાય છે.’ ત્યારે કહ્યું કે કર્મથી વિકાર થાય એ માન્યતા સાવ જૂઠી છે. પરદ્રવ્યથી પોતામાં વિકાર થાય એમ હોઈ શકે નહિ, એ તો પોતાના વિકારના સમયે પોતાના ઊંધા-ઉલ્ટા પુરુષાર્થથી સ્વકાળે વિકાર ઉત્પન્ન થાય છે અને તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે, કર્તા નહિ. નિમિત્ત કાંઈ કર્તા નથી. જો કર્મ (નિમિત્ત) કર્તા હોય તો, તે નિમિત્ત જ રહે નહિ.

‘૭૧માં આ પ્રશ્ન (કર્મનો પ્રશ્ન) ચાલ્યો, ને’ ૭૨માં આ પ્રશ્ન ચાલ્યો-શું કે કેવળજ્ઞાનીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે-લ્યો, ‘૭૨માં આ પ્રશ્ન ચાલ્યો, કેટલાં વર્ષ થયાં? એકસઠ થયાં. બહુ ચર્ચા ચાલી. બીજા તો બિચારા જાડીબુદ્ધિવાળા તે કાંઈ સમજે નહિ, પણ અહીં તો અંદરના સંસ્કાર હતા ને? તો અંદરથી સહજ આવતું હતું; તો કહ્યું કે- કેવળીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે-એ બરાબર નથી. હા, સર્વજ્ઞે જેમ દીઠું છે તેમ થશે- એ તો યથાર્થ છે, પણ સર્વજ્ઞ ભગવાન કે જેમના એક


PDF/HTML Page 2274 of 4199
single page version

જ્ઞાનગુણની પરિપૂર્ણ દશામાં-કેવળજ્ઞાનમાં અનંતા કેવળી જણાય, ત્રણકાળ-ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય-આવા કેવળજ્ઞાનના સામર્થ્યનું જેને શ્રદ્ધાન થાય તેને ભવ હોઈ શકે નહિ, અહાહા...! પરિપૂર્ણ દશા જે કેવળજ્ઞાન તેનું અનંત સામર્થ્ય જેની દ્રષ્ટિમાં બેસી ગયું તેને ભવભ્રમણ રહે અને પુરુષાર્થહીનતા હોય તે હોઈ શકે નહિ. કહ્યું કે-સર્વજ્ઞ કેવળીએ જેમ દીઠું છે તેમ થશે-એમ સર્વજ્ઞની શ્રદ્ધાવાળાને ભવ હોતા જ નથી, એ તો પુરુષાર્થના પંથે જ છે. એ તો પછી પ્રવચનસારમાંથી નીકળ્‌યું, પણ તે દિ’ કયાં પ્રવચનસાર જોયું’તું? પ્રવચનસાર તો’ ૭૮ની સાલમાં જોયું; પણ એનો ભાવ તે દિ’ હતો.

ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારની ગાથા ૮૦ માં ફરમાવે છે કે-

जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं।।

અહાહા...! કહે છે-જે કોઈ અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે ‘जाणदि अप्पाणं’ આત્માને જાણે છે અને ‘माहो खलु जादि तस्य लयं’ તેનો મોહ નાશ પામી જાય છે અર્થાત્ તે ક્ષાયિક સમકિતને પ્રાપ્ત થાય છે. જુઓ, આચાર્યદેવે જોર તો એટલું દીધું છે કે-તે અપ્રતિહત ભાવને પામે છે-એમ કહેવું છે. ‘लयं’ શબ્દ છે ને? તે અપ્રતિહત ભાવને સૂચવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસારની ૯૨મી ગાથામાં કહે છે કે- અમે આગમકૌશલ્ય તથા સ્વાનુભવમંડિત આત્મજ્ઞાન વડે મિથ્યાત્વને હણી નાખ્યું છે; હવે તે ફરીને અમને આવશે નહિ.

પ્રશ્નઃ– પણ ભગવાન! આપ છદ્મસ્થ છો ને? અને પંચમ આરાના મુનિ છો ને? (છતાં આવી અપ્રતિહત ભાવની વાત કરો છો?)

સમાધાનઃ– ભાઈ! અમે આ કોલકરાર કરીએ છીએ ને? કે અમે પંચમ આરામાં સ્વાનુભવ વડે જે મિથ્યાત્વનો નાશ કર્યો છે તે તેનું વમન કરી નાખ્યું છે; જેથી હવે તે ફરીને આવશે નહિ. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં મોહના નાશની-વમનની વાત છે. અહાહા...! જેને અરિહંતનું-કેવળજ્ઞાનનું અંતરમાં ભાન થયું તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિનું બીજ એવું સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે.

પ્રશ્નઃ– શું આ પંચમ આરાની વાત છે? ઉત્તરઃ– હા; પંચમ આરાના મુનિરાજ તો કહે છે; તો એ કોની વાત છે? ભાઈ! આ પંચમ આરાના જીવો માટેની વાત છે.

મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે-‘કાળલબ્ધિ અને ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી.’ તો શું શ્રી ટોડરમલજી કેવળી થઈ ગયા છે? શું તેમને કેવળજ્ઞાન થઈ ગયું છે?


PDF/HTML Page 2275 of 4199
single page version

અરે ભાઈ! કેવળી તો હમણાં નથી, પણ સમકિતી તો છે ને? કેવળજ્ઞાનનું બીજ એવું સમ્યગ્દર્શન તો છે ને? કેવળજ્ઞાનનું યથાર્થ શ્રદ્ધાન તો છે કે નહિ? છે; તો તેઓ યથાર્થ જ કહે છે. સમકિતમાં શું ફરક છે? સમકિતમાં-તિર્યંચના સમકિતમાં ને સિદ્ધના સમકિતમાં-કોઈ ફેર નથી.

તો (મોક્ષમાર્ગ પ્રકાશકમાં) કહે છે-“કાળલબ્ધિ અને ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી, જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય. વળી કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉદ્યમ કરવામાં આવે છે તે આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થપૂર્વક ઉદ્યમ કરવાનો ઉપદેશ આપીએ છીએ.” અહાહા...! પં. શ્રી ટોડરમલજીએ કાંઈ કામ કર્યું છે! અજ્ઞાનીના વર્ષોના પ્રશ્નોના ખુલાસા કર્યા છે, તેથી તો તેઓ ‘આચાર્યકલ્પ’ કહેવાયા છે. અહો! શબ્દે શબ્દે આખા શાસ્ત્રનો સાર (-માખણ ભર્યો છે!

જે સમયે કાર્ય થયું તે કાળલબ્ધિ છે અને જે ભાવ થયો તે ભવિતવ્યતા છે. હવે વિશેષ કહે છે-

“હવે આ આત્મા જે કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ; તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉદ્યમ કરે તો ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો ન થાય, હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ.” લ્યો, આ સંપ્રદાયમાં મોટી ચર્ચા ચાલતી હતી તેનો ખુલાસો.

ભાઈ! ભગવાને દીઠું હશે તે દિ’ થાશે એમ વિચારી પુરુષાર્થહીન થવું, પ્રમાદી રહેવું એ તો અજ્ઞાન છે. ભગવાને દીઠું હશે તે દિ’ થાશે, માટે આપણે અત્યારે પુરુષાર્થ કરી શકીએ નહિ-એમ જો હોય તો આ દીક્ષાથી શું કામ છે? અરે ભાઈ! જ્યારે પુરુષાર્થ સ્વભાવસન્મુખનો થયો ત્યારે કાળલબ્ધિ થઈ ગઈ અને ભાવ પણ સમ્યગ્દર્શનનો થઈ ગયો. ભાઈ! આ તો મતાગ્રહ-હઠાગ્રહ છોડીને સમજવા માગે તો બેસી જાય એવી વાત છે; બાકી મતાગ્રહથી કે વાદવિવાદથી બેસે એવી વાત નથી. સમ્યગ્જ્ઞાનદીપિકામાં આવે છે કે ‘સદ્ગુરુ કહૈ સહજકા ધંધા વાદવિવાદ કરૈ સો અંધા.” લ્યો, આ તમારા બધા તો (મતાગ્રહના) પાપના ધંધા છે, જ્યારે આ તો સહજનો ધંધો છે. ભગવાન આત્મા સહજાનંદસ્વરૂપ પ્રભુ સહજ એક જ્ઞાયકસ્વરૂપ છે, કેમકે તે અકૃત્રિમ છે અર્થાત્ કોઈએ એને કર્યો છે એમ નથી. અહા! તેના તરફનો પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની રમણતા કરવી તે સહજનો ધંધો છે. તથા


PDF/HTML Page 2276 of 4199
single page version

જે વાદવિવાદ કરે, વિતંડાવાદ કરે તે અંધ છે કેમકે તેને ભગવાન આત્મા દેખાતો નથી, અનુભવમાં આવતો નથી. ‘ખોજી જીવૈ, વાદી મરૈ’ એમ આવે છે ને? ભાઈ! સત્ના શોધવાવાળાનું જીવન રહે છે અને જે વાદી-મતાગ્રહી છે તે મરે છે અર્થાત્ સંસારમાં ચારગતિમાં રઝળે છે, ડૂબી મરે છે.

અહીં કહે છે-‘તે બધાય (અધ્યવસાનો) નાના દ્રવ્યોના સ્વભાવ છે; જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે.’

જુઓ, વિકારના-વિભાવના પરિણામ જીવ ને કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલા છે, કર્મે ઉત્પન્ન કર્યા છે એમ નહિ, પણ કર્મના નિમિત્તના વશથી ઉત્પન્ન થયા છે. તેથી તેઓ નાના દ્રવ્યોના સ્વભાવ છે. જ્યારે જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે. સંયોગવશ ઉત્પન્ન થયેલા સંયોગીભાવ જ્ઞાનીના છે નહિ; જ્ઞાની તો તેનો માત્ર જાણવાવાળો છે. વ્યવહારરત્નત્રયનો રાગ પણ સંયોગીભાવ છે, જ્ઞાની તો તેનો પણ જાણવાવાળો છે, તેનો કર્તા નથી, વા તેનો સ્વામી નથી; કેમકે જ્ઞાની તો એક જ્ઞાયકસ્વભાવ છે. ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિ એક જ્ઞાયકસ્વભાવ છે. અહા! ભાષા તો સાદી છે, પણ ભાવ સૂક્ષ્મ છે. આ તો ત્રણલોકના નાથ જિનેશ્વર પરમેશ્વરનો માર્ગ બાપા! અહા! અલૌકિક ચીજ છે પ્રભુ!

અહાહા...! ‘જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો (વિભાવોનો) નિષેધ છે.’ આ વ્યવહારરત્નત્રયનો રાગ કે જે બે દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન થવાવાળો છે તેનો જ્ઞાનીને નિષેધ છે. ટીકામાં પણ એ આવ્યું હતું કે જ્ઞાનીને તેમનો નિષેધ છે. એટલે શું? કે પુરુષાર્થની કમજોરીના કારણે તે ઉત્પન્ન થાય છે પણ તે હું નથી, તે મારી ચીજ નથી-એમ જ્ઞાનીને તેનો નિષેધ છે. હું તો એક જ્ઞાયકસ્વભાવ જ છું, અને કર્મના સંબંધથી-વશથી ઉત્પન્ન થયેલો આ રાગ મારી ચીજ નથી એમ જ્ઞાનીને તેનો નિષેધ છે. ૨૭૨મી ગાથામાં આવે છે ને કે-

“વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી;
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.”

જુઓ, આમાં પણ વ્યવહારનયનો નિષેધ આવ્યો. નિશ્ચયનું ઉપાદેયપણું કહ્યું ને વ્યવહારનો નિષેધ કર્યો. એટલે શું? કે જેણે નિશ્ચય શુદ્ધ આત્મદ્રવ્યના લક્ષે નિશ્ચયરત્નત્રય પ્રગટ કર્યાં તેને વ્યવહારનો નિષેધ છે અર્થાત્ તેને વ્યવહારરત્નત્રયનો રાગ મારો છે વા તે મારું કર્તવ્ય છે એમ છે નહિ.

વ્યવહારનય જ્ઞાનીને છે નહિ એમ નહિ. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ વ્યવહારનય જ્ઞાનીને છે ખરો, પણ દ્રષ્ટિમાં જ્ઞાનીને તેનો નિષેધ છે કેમકે જ્ઞાનીને તો એક જ્ઞાયકસ્વભાવ જ પોતાનો છે, આવી વાત છે.


PDF/HTML Page 2277 of 4199
single page version

હવે કહે છે-‘તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ-પ્રીતિ નથી.’ આ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગમાં કે પંચમહાવ્રતના રાગમાં કે શાસ્ત્ર ભણવાના વિકલ્પમાં જ્ઞાનીને રાગ-પ્રીતિ નથી. શું કહ્યું? વ્યવહારરત્નત્રય નથી એમ નહિ, પણ વ્યવહારરત્નત્રય પ્રત્યે રાગ કે પ્રીતિ નથી. ભાઈ! જ્યાં પૂર્ણ વીતરાગતા ન હોય ત્યાં લગી જ્ઞાનીને વ્યવહારનય હોય છે, મુનિરાજને કે જેમને અંતરંગમાં પ્રચુર આનંદનું સ્વસંવેદન પ્રગટ છે તેમને પણ પ્રમત્તભાવ છે, અઠ્ઠાવીસ મૂલગુણ આદિના વિકલ્પ છે, પણ દ્રષ્ટિમાં તે સર્વનો નિષેધ છે, અર્થાત્ તેનાથી મને લાભ છે અને તે મારું કર્તવ્ય છે એમ તેમને નથી. પોતાના એક જ્ઞાયકસ્વભાવ સિવાય બીજા કોઈ પણ સંયોગીભાવમાં જ્ઞાનીને સ્વામીપણું હોતું નથી. આવી વાત લોકોને આકરી પડે છે! પણ શું થાય?

અજ્ઞાનીને તો એમ સિદ્ધ કરવું છે કે-વ્યવહારરત્નત્રયથી-નિશ્ચય થાય છે અને નિમિત્તથી ઉપાદાનમાં કાંઈક (વિલક્ષણતા) થાય છે. પરંતુ ભાઈ! નિમિત્ત છે તે પરચીજ છે, અને પરથી પરચીજમાં કાંઈક થાય એવું કયારેય બને ખરું? કયારેય ન બને. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં શું કરે? કાંઈ ન કરે; જો કરે તો બે દ્રવ્ય એક થઈ જાય, બે રહે નહિ. એવી રીતે વ્યવહાર પણ નિશ્ચયમાં નિમિત્ત છે. નિમિત્ત જેમ કર્તા નથી, ઉપસ્થિતિમાત્ર છે તેમ વ્યવહાર પણ નિશ્ચયનો કર્તા નથી, નિમિત્તમાત્ર છે, સહચરમાત્ર છે. આવું છે!

અહાહા...! જ્ઞાનીને રાગ પ્રત્યે રાગ-પ્રીતિ નથી. અહાહા...! એને તો નિજ નિર્મળાનંદના નાથની રુચિ-પ્રીતિ થઈ છે ને? તો સ્વભાવની રુચિ થતાં રાગની રુચિનો અભાવ થઈ જાય છે. રાગ નથી હોતો એમ નહિ, પણ રાગની રુચિનો જ્ઞાનીને અભાવ હોય છે. હવે વિશેષ કહે છે કે-

‘પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો?’

જોયું? પરદ્રવ્ય છે તે રાગનું -વિભાવનું નિમિત્ત છે અને પરભાવ છે તે રાગ- વિભાવ છે. અહીં તે બન્નેને સંસાર પરિભ્રમણનાં કારણ કહ્યાં છે કેમકે બન્ને પ્રત્યે જે પ્રીતિનો ભાવ છે તે મિથ્યાત્વભાવ છે. જ્ઞાનીને પરદ્રવ્ય ને પરભાવ બન્ને પ્રત્યે પ્રીતિ હોતી નથી. તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો? અર્થાત્ તેમના પ્રત્યે પ્રીતિ કરે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે.

શ્રી પંચાસ્તિકાયમાં (ગાથા ૧૩૬ માં) પ્રશસ્ત રાગના સ્વરૂપનું કથન કર્યું છે. ત્યાં અપ્રશસ્ત રાગનો નિષેધ કરનાર દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભક્તિનો જે અનુરાગ છે તેને પ્રશસ્ત રાગ કહ્યો છે. દેવ-ગુરુ-ધર્મ એ પ્રશસ્ત વિષયો છે ને? એટલે તેમના પ્રત્યે ભક્તિ ને અનુગમનના રાગને પ્રશસ્ત રાગ કહ્યો છે. પણ એ તો અસ્થિરતાની અપેક્ષાએ


PDF/HTML Page 2278 of 4199
single page version

વાત છે. જ્ઞાનીને એવો અસ્થિરતાનો રાગ આવે છે પણ તેને અસ્થિરતાની રુચિ કે પ્રીતિ હોતાં નથી, પ્રશસ્ત રાગની પણ જ્ઞાનીને રુચિ હોતી નથી. જ્ઞાનીને તો એક જ્ઞાયકસ્વભાવ જ આદરણીય છે. સમજાણું કાંઈ...?

અહાહા...! કહે છે-પરદ્રવ્ય ને પરભાવ સંસાર પરિભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો? ભાઈ! અરિહંતાદિ ભગવાન પ્રત્યે પણ પ્રીતિ કરે તો તે રાગ છે અને રાગ પ્રત્યે પ્રીતિ કરે તો તે મિથ્યાત્વ છે. એ જ અહીં આવ્યું ને કે-‘પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે.’ અહા! જુઓને, પંડિત શ્રી જયચંદજીએ કેવો સરસ ભાવાર્થ કર્યો છે!

તો જ્ઞાનીને પણ અરહંતાદિમાં ભક્તિ તો હોય છે? તે હોય છે ને; તેની કોણ ના પાડે છે? પણ તેને તે રાગનો રાગ નથી વા તે રાગ ભલો છે ને કરવા યોગ્ય કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. અહાહા...! સહજાત્મસ્વરૂપ સહજાનંદ પ્રભુ આત્માનો જેને પ્રેમ થયો તેને રાગ પ્રત્યે પ્રેમ નથી, રાગ મારો છે, પર (અરહંતાદિ) મારા છે એમ મમત્વ નથી. આવી વાત છે.

તો કહે છે ને કે-ધર્મીને સ્ત્રી-કુટુંબ-પરિવાર પ્રત્યે રાગ હોય છે તેથી અધિક રાગ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ને સાધર્મી પ્રત્યે હોય છે?

ભાઈ! સ્ત્રી-કુટુંબાદિ પ્રત્યેના રાગ કરતા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો રાગ જુદી જાતનો હોય છે. જેને અંતરમાં શુદ્ધ એક જ્ઞાયકભાવની રુચિ જાગ્રત થઈ છે તેના રાગની પણ દિશા બદલાઈ જાય છે, તેને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના પ્રશસ્ત રાગની જ અધિકતા હોય છે. જો વિશેષ રાગ દેવ-ગુરુ-ધર્મ પ્રતિ ન હોય અને કુટુંબ-પરિવાર આદિ અપ્રશસ્ત વિષયો પ્રત્યે અધિક રાગ હોય તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે. તો જ્ઞાનીને દેવ-ગુરુ-ધર્મ પ્રતિ વિશેષ રાગ તો હોય છે પણ તેને તે રાગનો રાગ હોતો નથી; આ દેવ-ગુરુ આદિ મારા છે એવી મૂર્ચ્છાનો ભાવ તેનો હોતો નથી. ભાઈ! જેવો કુટુંબાદિ પ્રત્યે રાગ છે તેથી વિશેષ દેવ-ગુરુ આદિ પૂજનીક પુરુષો પ્રતિ રાગ ન હોય તો તે મિથ્યાદ્રષ્ટિ છે અને દેવ-ગુરુ પ્રત્યે તેઓ મારા છે એવો મમત્વનો રાગ હોય તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. સમજાણું કાંઈ...? અહીં આ જ કહે છે કે-પરદ્રવ્ય ને પરભાવ એટલે કે વિકારી શુભાશુભભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે અને જો તેમના પ્રત્યે-ભ્રમણના કારણ પ્રત્યે -પ્રીતિ હોય તો જ્ઞાની કેવો?

તો અનુભવ પ્રકાશમાં આવે છે કે-“જેમ સંધ્યાનો લાલ સૂર્ય અસ્તતાનું કારણ છે તથા પ્રભાતની સંધ્યાની લાલાશ સૂર્યોદયને કરે છે, તેમ વિવિધ પરમગુરુ (પંચ પરમેષ્ઠી) વિના શરીરાદિ-રાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે (અને) પંચ પરમ-


PDF/HTML Page 2279 of 4199
single page version

ગુરુનો રાગ કેવળજ્ઞાનના ઉદયનું કારણ છે; એવો પંચ પરમગુરુ (પ્રત્યેનો) રાગ છે.” આ કેવી રીતે છે?

ભાઈ! ખરેખરે તો સવારની સંધ્યામાં રાત (લાલાશ) છે, પણ એ તો રાત પછી સૂર્ય ઊગે છે તે કારણે પ્રભાતની સંધ્યાની લાલશ સૂર્યોદયને કરે છે એમ કહ્યું છે; બાકી રાતને કારણે સૂર્યોદય થાય છે એમ નથી. તેમ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેનો રાગ જ્ઞાનીને હોય છે. તે છે તો રાગ જ; પણ તેનો વ્યય થઈ વીતરાગતા ને કેવળજ્ઞાન ઉપજે છે તો તે દેવ- ગુરુ-શાસ્ત્રનો રાગ કેવળજ્ઞાનનો ઉદય કરે છે એમ ઉપચારથી કહ્યું છે. પણ ત્યાં રાગને કારણે વીતરાગતા ને કેવળજ્ઞાન થાય છે એમ નથી. ભાઈ! વાસ્તવમાં જ્ઞાનીને તો રાગનો નિષેધ જ છે અને રાગનો પરિપૂર્ણ નિષેધ કરીને તે મુક્તિને પ્રાપ્ત થશે. આવો જ મારગ છે બાપુ! અહા! જે પરિભ્રમણનું કારણ છે તેના પ્રત્યે જ્ઞાનીને પ્રીતિ કેવી? અને જો પ્રીતિ હોય તો જ્ઞાની કેવો? આવી વાત છે.

*

હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છેઃ-

* કળશ ૧૪૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘इह अकषायितवस्त्रे’ જેમ લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં ‘रङगयुक्तिः’ રંગનો સંયોગ ‘अस्वीकृता’ વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો ‘बहिः एव हि लुठति’ બહાર જ લોટે છે-અંદર પ્રવેશ કરતો નથી...

શું કહે છે? કે વસ્ત્રની અંદર પ્રવેશ નથી કરતો. કોણ? કે રંગ. કેવા વસ્ત્રમાં? તો કહે છે અકષાય વસ્ત્રમાં. અકષાય વસ્ત્ર એટલે શું? કે જેને લોધર ને ફટકડીનો ઓપ ચઢાવ્યો નથી એવું વસ્ત્ર. શું કહ્યું? કે જે વસ્ત્ર પર લોધર ને ફટકડીનો ઓપ ચઢયો નથી તે વસ્ત્ર રંગને ગ્રહણ કરતું નથી; તેને રંગ ચઢતો નથી. આ તો દ્રષ્ટાંત છે.

હવે સિદ્ધાંત કહે છે-‘ज्ञानिनः रागरसरिक्ततया कर्म परिग्रहभावं न एति’ તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી.

જેમ અકષાયિત વસ્ત્ર રંગ ગ્રહણ કરતું નથી તેમ રાગરસથી રહિત જ્ઞાનીને કર્મ પરિગ્રહપણાને પામતું નથી, અર્થાત્ જ્ઞાની રાગને ગ્રહણ કરતો નથી, રાગને પોતાના સ્વરૂપભૂત માનતો નથી, અહાહા...! પોતે રાગી થતો નથી. તો રાગનું શું થાય છે? કે રાગ બહાર ભિન્ન જ રહે છે.

‘रागरसरिक्ततया’–એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાની રાગ-રસથી રિક્ત-ખાલી છે. અહાહા...! સહજાનંદ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના પ્રેમમાં રાગનો પ્રેમ જ્ઞાનીને


PDF/HTML Page 2280 of 4199
single page version

છૂટી ગયો છે. રાગ છૂટી ગયો છે એમ નહિ, પણ રાગનો રસ-પ્રેમ છૂટી ગયો છે. અહાહા...! અબંધસ્વભાવી ભગવાન આત્માના આનંદરસની રુચિમાં જ્ઞાનીને બંધભાવ જે રાગ તેનો રસ ઊડી ગયો છે. માટે તેને કર્મ નામ પુણ્ય-પાપ આદિ ક્રિયા પરિગ્રહપણાને પ્રાપ્ત થતી નથી; અર્થાત્ તે ક્રિયા પોતાની છે એમ જ્ઞાની સ્વીકારતો નથી, ગ્રહતો નથી, કર્મ શબ્દે અહીં બધી ક્રિયાઓની વાત છે.

જેમ લોધર ને ફટકડીનો ઓપ ચઢયા વિનાના વસ્ત્રમાં રંગ પેસતો નથી તેમ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી પુણ્ય-પાપની ક્રિયાનો રંગ જ્ઞાનીમાં પેસતો નથી કેમકે જ્ઞાની રાગરસથી રહિત છે. આ કારણે ક્રિયાનું પરિગ્રહપણું તેને છે નહિ; ક્રિયા મારી છે એમ પકડ એને છે નહિ. કળશટીકામાં પણ કર્મ એટલે-‘જેટલી વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા’-એમ ક્રિયા અર્થ લીધો છે. કર્મનો અર્થ શું? કળશટીકામાં કહ્યું છે કે-કર્મ એટલે વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા તે સમ્યગ્દ્રષ્ટિ જીવને મમતારૂપ સ્વીકારપણાનો નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. લ્યો, રાજમલજીએ કર્મનો અર્થ આ કર્યો કે-સામગ્રી અને રાગાદિ- ભોગરૂપ ક્રિયા.

શું કહ્યું? કે જેમ વસ્ત્ર લોધર ને ફટકડીથી ઓપિત થયું ન હોય તો તે રંગને ગ્રહણ કરતું નથી તેમ જ્ઞાની રાગરસથી રહિત છે તેથી તેને રાગની ક્રિયાનો રંગ લાગતો નથી અર્થાત્ રાગની ક્રિયા તેને પરિગ્રહભાવને પામતી નથી. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયા જ્ઞાનીને હોય છે પણ તેમાં પોતાપણું નથી તેથી તે પરિગ્રહપણાને ધારતી નથી. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાંસુધી જ્ઞાનીને યથાસંભવ રાગ આવે છે પણ તે હેયબુદ્ધિએ આવે છે, રસબુદ્ધિએ નહિ. અહાહા...! જ્ઞાનીને ક્રિયાથી એકત્વ નથી. લ્યો, આવી વાત હવે શુભરાગના રસિયાઓને કઠણ પડે છે, પણ શું થાય? સ્વરૂપ જ આવું છે.

જ્ઞાનીને રાગરૂપ રસ નથી. એટલે કે રાગ નથી એમ નહિ. રાગ ન હોય તો પૂરણ વીતરાગ થઈ જાય. (પરંતુ એમ નથી). એને રાગનો રસ નથી એટલે રાગની રુચિ નથી, રાગમાં પોતાપણું નથી. અહા! છટ્ઠે ગુણસ્થાને મુનિરાજને પ્રચુર આનંદનું વેદન હોય છે, તોપણ પંચમહાવ્રતાદિના વિકલ્પ તો હોય છે, તદ્ન રાગ નથી એમ નથી; પણ રાગનો રાગ નથી, રાગ ભલો-હિતકારી છે એમ નથી; અથવા રાગનો આશ્રય કે આલંબન નથી. અહા! જ્ઞાનીનો આશ્રય-આલંબન તો એક જ્ઞાયકસ્વભાવ છે. જ્ઞાનીને તો દ્રવ્યદ્રષ્ટિ મુખ્ય છે; તેને દ્રવ્યદ્રષ્ટિ મુખ્ય છે તે કોઈ કાળે ગૌણ થઈ જાય ને રાગદ્રષ્ટિ મુખ્ય થઈ જાય એમ કયારેય થતું નથી.

જ્ઞાનીને એક જ્ઞાયકભાવનો રસ છે, શુદ્ધ ચૈતન્યનો રસ છે; તેથી રાગનો રસ તેને છે નહિ. રાગ નથી એમ નહિ, રાગ તો છે; મંદિર બનાવવું, પ્રતિષ્ઠા કરાવવી,