Pravachan Ratnakar (Gujarati). Gatha: 328-331 ; Kalash: 203-204.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 162 of 210

 

PDF/HTML Page 3221 of 4199
single page version

इमम् स्वभावनियमं न कलयन्ति] જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી [ते वराकाः] તેઓ બિચારા, [अज्ञानमग्नमहसः] જેમનું (પુરુષાર્થરૂપ-પરાક્રમરૂપ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, [कर्म कुर्वन्ति] કર્મને કરે છે; [ततः एव हि] તેથી [भावकर्मकर्ता चेतनः एव स्वयं भवति] ભાવકર્મનો કર્તા ચેતન જ પોતે થાય છે, [अन्यः न] અન્ય કોઈ નહિ.

ભાવાર્થઃ– વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી પરદ્રવ્યનો કર્તા થતો

અજ્ઞાની (-મિથ્યાદ્રષ્ટિ) જીવ પોતે જ અજ્ઞાનભાવે પરિણમે છે; એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની પોતે જ છે, અન્ય નથી. ૨૦૨.

*
સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ઃ મથાળું

હવે, “જેઓ વ્યવહારનયના કથનને ગ્રહીને ‘પરદ્રવ્ય મારું છે’ એમ કહે છે, એ રીતે વ્યવહારને જ નિશ્ચય માની આત્માને પરદ્રવ્યનો કર્તા માને છે, તેઓ મિથ્યાદ્રષ્ટિ છે”-ઇત્યાદિ અર્થની ગાથાઓ દ્રષ્ટાંત સહિત કહે છેઃ-

* ગાથા ૩૨૪ થી ૩૨૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘અજ્ઞાનીઓ જ વ્યવહારવિમૂઢ (વ્યવહારમાં જ વિમૂઢ) હોવાથી પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ દેખે છે-માને છે; જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ (નિશ્ચયના જાણનારા) હોવાથી પરદ્રવ્યની કણિકામાત્રને પણ ‘આ મારું છે’ એમ દેખતા નથી.’

જુઓ, પોતાની શુદ્ધ ચૈતન્યવસ્તુથી અજાણ એવા અજ્ઞાનીઓ વ્યવહાર વિમૂઢ હોય છે. તેઓ સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-દોલત, શરીર આદિ પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ માને છે, વ્યવહારથી કહેવાય છે ને? તો અજ્ઞાની એને નિશ્ચય માની ‘પરદ્રવ્ય મારું છે’ એમ માને છે. એને સ્વદ્રવ્ય-પરદ્રવ્ય, સ્વસત્તા-પરસત્તા સંબંધી કોઈ સુધ-બુધ નથી.

પરંતુ જ્ઞાનીઓ તો નિશ્ચયપ્રતિબુદ્ધ છે. શું કહ્યું? નિશ્ચય જે પોતાનું એક શુદ્ધ ચૈતન્યતત્ત્વ ચિદાનંદમય વસ્તુ તેના જાણનારા એવા જ્ઞાનીઓ છે. અહાહા....! હું તો એક ઉપયોગરૂપ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા છું એમ જ્ઞાની જાણે છે. તે પરદ્રવ્યના એક કણમાત્રને- રજકણને કે રાગના કણને - ‘આ મારું છે’ એમ દેખતા નથી માનતા નથી.


PDF/HTML Page 3222 of 4199
single page version

ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા. તેઓ છ ખંડના સ્વામી હતા. અહા! આવો રાજવૈભવ-છન્નુ હજાર રાણી, છન્નુ કરોડનું પાયદળ, છન્નુ કરોડ ગામ-આ બધું સંયોગમાં હોવા છતાં એ કોઈપણ ચીજ મારી નથી એમ માનતા હતા. હું જ્યાં (ઉપયોગસ્વરૂપમાં) છું ત્યાં તે (પરદ્રવ્યો) નથી, અને તે (-પરદ્રવ્યો) જ્યાં છે ત્યાં હું નથી-આવું જાણનારા તે પરદ્રવ્યના કણમાત્રને મારાપણે માનતા ન હતા, અનુભવતા ન હતા. ગાથા ૩૮ માં આવે છે ને કે-“એમ પ્રતાપવંત વર્તતા એવા મને, જોકે બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે તોપણ કોઈપણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતુ નથી...” આ રીતે જ્ઞાનીને પરદ્રવ્યમાં સુખબુદ્ધિ કે સ્વામિત્વનો ભાવ હોતા નથી. હવે કહે છે-

‘તેથી, જેમ આ જગતમાં કોઈ વ્યવહારવિમૂઢ એવો પારકા ગામમાં રહેનારો માણસ “આ ગામ મારું છે” એમ દેખતો-માનતો થકો મિથ્યાદ્રષ્ટિ (-ખોટી દ્રષ્ટિવાળો) છે, તેમ જો જ્ઞાની પણ કોઈપણ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને “આ મારું છે” એમ દેખે તો તે વખતે તે પણ નિઃસંશયપણે અર્થાત્ ચોક્કસ, પરદ્રવ્યને પોતારૂપ કરતો થકો, મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.’

પારકા ગામમાં રહેનારો કોઈ પુરુષ એમ માને કે ‘આ ગામ મારું છે’ તો તેની દ્રષ્ટિ જૂઠી છે, વિપરીત છે. તેમ જ્ઞાની પણ કોઈપણ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ માને તો તે કાળે પણ તે પણ નિઃસંશય મિથ્યાદ્રષ્ટિ જ થાય છે. આ પરમાત્મા સર્વજ્ઞદેવ મારા છે, ગુરુ મારા છે, શાસ્ત્ર મારું છે અને એના લક્ષે થતા શુભ વિકલ્પ મારા છે- એમ પરદ્રવ્યને પોતાનું માને તો જ્ઞાની પણ તે કાળે અવશ્ય મિથ્યાદ્રષ્ટિ જ થાય છે. મારા દેવ, મારા ગુરુ એમ કહે ભલે, એમ કહે એ વ્યવહાર છે; પણ એમ માને એ તો મિથ્યાદર્શન જ છે. સમજાણું કાંઈ...? જ્ઞાની કોઈ પરદ્રવ્યને પોતાનું માનતા નથી.

પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે-જે શુભરાગને ઉપાદેય માને છે તેને ભગવાન આત્મા હેય છે; અને જે આત્માને ઉપાદેય માને છે તેને શુભરાગ હેય છે. અહા! રાગ મારો નથી, હેય છે એવી દ્રષ્ટિ ચોથે ગુણસ્થાનેથી ધર્મી જીવને હોય છે. રાગનો સર્વથા ક્ષય તો શુદ્ધોપયોગની પૂર્ણતા થતાં થાય છે, પણ રાગ ક્ષય કરવાયોગ્ય છે એવું શ્રદ્ધાન તો સમકિતીને પ્રથમથી જ હોય છે. રાગ કરવા લાયક છે એમ કદીય તે માનતા નથી. તેને તો એક શુદ્ધોપયોગની જ ભાવના હોય છે. નિર્મળ રત્નત્રય જ કરવા લાયક હોવાથી તેને તે પ્રગટ કરવાયોગ્ય ઉપાદેય સમજે છે.

નિયમસારમાં તો સંવર-નિર્જરાની પર્યાયને હેય કહી છે? હા, ત્યાં અપેક્ષા બીજી છે. ત્યાં તો ધર્માત્માનું આલંબન ત્રિકાળી એક શુદ્ધ-


PDF/HTML Page 3223 of 4199
single page version

ભાવ જ છે, પર્યાય નહિ. તેથી એક શુદ્ધભાવને જ ઉપાદેય કહી સંવર-નિર્જરા આદિ પરિણામને હેય કહ્યા છે. ભાઈ! પર્યાયને જે ઉપાદેય (આશ્રય કરવાયોગ્ય) માને તે નિયમથી મિથ્યાદ્રષ્ટિ જ થાય છે. હવે કહે છે-

‘માટે તત્ત્વને જાણનારો પુરુષ “સઘળુંય પરદ્રવ્ય મારું નથી” એમ જાણીને, “ લોક અને શ્રમણ-બન્નેને જે આ પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય છે તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે.” એમ સુનિશ્ચિતપણે જાણે છે.’

લોક એમ માને છે કે જગતના કર્તા ઈશ્વર છે. હવે શ્રમણ પણ જો એમ માને કે પરદ્રવ્યનો કર્તા હું છું તો એ રીતે પરદ્રવ્યમાં કર્તૃત્વનો વ્યવસાય બન્નેને સમાન છે. તે તેમના સમ્યગ્દર્શનરહિતપણાને લીધે જ છે એમ તત્ત્વજ્ઞ પુરુષ નિશ્ચિતપણે જાણે છે. ભાઈ! ત્રિલોકીનાથ સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે ‘પરદ્રવ્ય મારું છે, હું પરદ્રવ્યને કરું છું’ એમ જે કોઈ-લોક કે શ્રમણ-માને છે તે અવશ્ય મિથ્યાદ્રષ્ટિ છે. હું પરને લાભ-નુકશાન કરી શકું છું એવી માન્યતા જેની છે તે સમ્યગ્દર્શનથી રહિત મિથ્યાદ્રષ્ટિ જ છે.

ભાઈ! બહારના ચમત્કાર તો બધા બહાર રહ્યા; આ તો નિજ ચૈતન્યચમત્કાર પ્રભુ આત્મામાં જે એકાગ્ર થઈ સ્થિર થયો તે સમકિતી ધર્માત્મા છે. તે પરદ્રવ્યને ‘આ મારું છે’ એમ કદીય માનતા નથી.

* ગાથા ૩૨૪ થી ૩૨૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જે વ્યવહારથી મોહી થઈને પરદ્રવ્યનું કર્તાપણું માને છે તે-લૌકિક જન હો કે મુનિજન હો-મિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો વ્યવહારમૂઢ થઈને પરદ્રવ્યને “મારું” માને તો મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.’

જુઓ, સમયસાર ગાથા ૮ માં કહ્યું છે કે- પરમાર્થનો પ્રતિપાદક હોવાથી વ્યવહાર સ્થાપન કરવાયોગ્ય છે, પણ તે અનુસરવા યોગ્ય નથી. ‘દર્શન-જ્ઞાન-ચારિત્રને જે હંમેશાં પ્રાપ્ત હોય તે આત્મા છે’ એમ કહ્યું તે વ્યવહાર છે. ભેદ પાડીને કહ્યું ને? તેથી વ્યવહાર છે. પણ તે અભેદને સમજવા માટે છે, નહિ કે ભેદને અનુસરવા માટે. વ્યવહાર છે, તે જાણવાયોગ્ય છે, પણ અનુસરવા યોગ્ય નથી.

પરંતુ વસ્તુસ્વરૂપથી અજાણ એવો અજ્ઞાની જીવ વ્યવહારથી વિમોહિત હોય છે, વ્યવહારવિમૂઢ હોય છે. તે વ્યવહારના શબ્દોને પકડીને ‘આ પરદ્રવ્ય, શુભવિકલ્પને ભેદ મારાં છે’ એમ માને છે. પરદ્રવ્યને, પરભાવને હું કરું છું એમ તે માને છે. અહીં કહે છે- આવું માનનાર ચાહે લૌકિક જન હો કે મુનિજન હો, તે મિથ્યાદ્રષ્ટિ જ છે.


PDF/HTML Page 3224 of 4199
single page version

ભગવાનની ભક્તિથી સંસારવેલનો નાશ થાય છે, જિનબિંબના દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે, જીવ પંગુ છે, કર્મ તેને ચાર ગતિમાં લઈ જાય છે- ઇત્યાદિ વચન શાસ્ત્રમાં આવે છે. આ વ્યવહારનાં વચન છે. અજ્ઞાની તેનો આશય સમજવા રોકાતો નથી અને શબ્દાર્થને પકડીને નિશ્ચયરૂપ એમ જ માનવા લાગે છે. અહીં કહે છે-આમ જે પરદ્રવ્યને અન્યદ્રવ્યનું કર્તાપણું માને છે તે મિથ્યાદ્રષ્ટિ જ છે.

સમકિતી ધર્મી પુરુષને અંતરમાં નિશ્ચયભક્તિ-આત્મઆરાધના પ્રગટ થઈ હોય છે અને તે સંસારના નાશનું કારણ છે. હવે તેને બહારમાં ભગવાન જિનેન્દ્રની ભક્તિનો રાગ પણ આવે છે તો એમાં નિશ્ચયભક્તિનો ઉપચાર કરીને કહ્યું કે ભગવાનની ભક્તિથી સંસારવેલનો નાશ થાય છે. હવે આ વ્યવહારના વચનને યથાર્થ સમજ્યા વિના કોઈ ભગવાનની ભક્તિના રાગમાં જ લીન થઈ રહે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે, તેનો સંસાર મટતો નથી. આમ એકાંતે ભગવાનની ભક્તિના રાગથી જ મુક્તિ થવાનું માને તે મિથ્યાદ્રષ્ટિ છે.

અહાહા...! પોતાનો સ્વભાવ તો જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે. હવે કોઈ જિનબિંબનું દર્શન કરતાં જિનસ્વરૂપ નિજ જ્ઞાયકસ્વભાવ પ્રતિ ઢળીને-ઝુકીને તેમાં જ એકાગ્ર થાય તો તેને નિજસ્વરૂપનું-જિનસ્વરૂપનું અંદર દર્શન-શ્રદ્ધાન પ્રગટ થાય છે અને ત્યારે તેને નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે, અકર્મરૂપ થઈ જાય છે. ત્યાં કર્મ તો કર્મના કારણે અકર્મપણે થઈ જાય છે, કાંઈ જિનબિંબ તેને અકર્મપણે કરી દે છે એમ નથી. પણ આવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જાણી વ્યવહારથી કહ્યું કે જિનબિંબના દર્શનથી નિદ્ધત અને નિકાચિત કર્મ ટળી જાય છે. પણ એને ઉપચારમાત્ર ન સમજતાં એમ જ કોઈ માને તો લાખ જિનબિંબનાં દર્શન કરે તોય કર્મ ટળે નહિ અને તે મિથ્યાદ્રષ્ટિ જ રહે.

ભગવાન આત્મા એક જ્ઞાનાનંદસ્વરૂપ છે. તેમાં વિકાર થાય એવી કોઈ શક્તિ નથી. તેથી પર્યાયમાં જે વિકાર થાય છે તે જ્ઞાનનું-આત્માનું કાર્ય નથી. જે વિકાર થાય છે તે પ્રકૃતિના નિમિત્તે પ્રકૃતિને વશ થઈ પરિણમતાં થાય છે અને એનું ફળ ચારગતિરૂપ પરિભ્રમણ છે. તેથી નિમિત્તની મુખ્યતાથી કહ્યું કે-આત્મા પંગુ છે, કર્મ તેને ચારગતિમાં લઈ જાય છે. હવે ત્યાં કર્મને લઈને વિકાર થાય છે વા કર્મ વિકાર કરી દે છે, કરાવી દે છે એમ તો છે નહિ. તોપણ કોઈ એમ જ માને કે મને કર્મના કારણે વિકાર થાય છે અને કર્મના કારણે ચારગતિમાં રખડવું છે તો તે માન્યતા બરાબર નહિ હોવાથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે; કેમકે કર્મ તો પરદ્રવ્ય છે, તે એનું શું કરે?

આ પ્રમાણે વ્યવહારથી વિમોહિત જીવો વ્યવહારના વચનને પકડીને પરદ્રવ્યનું


PDF/HTML Page 3225 of 4199
single page version

કર્તાપણું માને છે તે, લૌકિકજન હો કે મુનિજન હો, મિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાની પણ જો કોઈ પ્રકારે વ્યવહારવિમૂઢ થઈને પરદ્રવ્યને ‘મારું’ માને તો મિથ્યાદ્રષ્ટિ જ થાય છે.

*

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૦૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘यतः’ કારણકે ‘इह’ આ લોકમાં ‘एकस्य वस्तुनः अन्यतरेण सार्धं सकलः अपि सम्बन्धः एव निषिद्धः’ એક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે, ‘तत्’ તેથી ‘वस्तुभेदे’ જ્યાં વસ્તુભેદ છે અર્થાત્ ભિન્ન વસ્તુઓ છે ત્યાં ‘कर्तृकर्मघटना अस्ति न’ કર્તાકર્મઘટના હોતી નથી-

જુઓ, આ લોકમાં અનંત જીવ, અનંતાઅનંત પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એકેક અને અસંખ્યાત કાલાણુઓ-એમ છ દ્રવ્યો છે. અહીં કહે છે-તે પ્રત્યેક વસ્તુનો અન્ય વસ્તુની સાથે સઘળોય સંબંધ જ નિષેધવામાં આવ્યો છે. એક વસ્તુ છે તે અન્યવસ્તુના અભાવસ્વભાવ જ છે. વાસ્તવમાં ભાઈ! પ્રત્યેક વસ્તુ બીજી વસ્તુના અભાવથી જ સ્વતંત્ર ટકી રહેલી છે.

આ મારે આના વિના ન ચાલે એમ લોકો કહે છે ને? પૈસા વિના તો ચાલે જ નહિ એમ કહે છે ને? અહીં કહે છે-ભાઈ! તારે એના વિના જ અનંતકાળથી ચાલે છે; એક વસ્તુને બીજી અનંત વસ્તુઓના વિના જ ચાલે છે. જો એમ ન હોય તો અનંત વસ્તુઓ અનંતપણે રહે જ નહિ, બધી મળીને એક થઈ જાય. જો તારે પૈસા વિના ન ચાલે તો તું જડ પૈસામય થઈ જાય; પણ એમ છે નહિ.

તેથી, કહે છે, જ્યાં ભિન્ન વસ્તુઓ છે ત્યાં કર્તાકર્મઘટના હોતી નથી. શું કીધું એ? કે આત્મા કર્તા અને પરવસ્તુ એનું કાર્ય-એમ ભિન્ન વસ્તુઓમાં કર્તા-કર્મઘટના હોતી નથી. આ દેવ-ગુરુ આદિ કર્તા અને તારી (નિર્મળ) પર્યાય એનું કાર્ય એમ કર્તાકર્મઘટના હોતી નથી. ભાઈ! આ તો જૈન પરમેશ્વર સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં આવેલો મૂળ સિદ્ધાંત છે.

જગતમાં અનંતા દ્રવ્યો છે. તેમાં કોઈ દ્રવ્ય કોઈ સમયે કાર્ય વિનાનું ખાલી હોતું જ નથી. કાર્ય કહો કે પર્યાય કહો-એક જ વાત છે. તેથી એના કાર્યને કોઈ બીજો કરે એમ ત્રણકાળમાં હોવું અસંભવ છે, આ ન્યાય છે, ન્યાય સમજાય છે કે નહિ?

ભગવાન તારી ચીજને બીજી ચીજ સ્પર્શતી નથી. એ તો ત્રીજી ગાથામાં આવી ગયું કે- ‘પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને


PDF/HTML Page 3226 of 4199
single page version

ચુંબે છે-સ્પર્શે છે તોપણ જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી.....’ મતલબ કે એક દ્રવ્ય બીજા કોઈ દ્રવ્યને સ્પર્શતું નથી-આ મૂળ વાત છે. અહાહા....! સર્વજ્ઞ પરમેશ્વર ફરમાવે છે કે-અમે તારા કાંઈ નથી, તું અમારો કાંઈ નથી. અમે પરમેશ્વર અને તું અમારો ભક્ત-એમ છે નહિ; અમે તારા તારણહાર અને તું તરનારો એમ છે નહિ, કેમકે ભિન્ન દ્રવ્યોમાં કર્તૃકર્મઘટના હોતી નથી. હવે કહે છે-

ભિન્ન વસ્તુઓમાં કર્તાકર્મઘટના હોતી નથી- ‘मुनयः च जनाः च’ એમ મુનિજનો અને લૌકિક જનો ‘तत्त्वम् अकतृ पश्यन्तु’ તત્ત્વને અકર્તા દેખો (-કોઈ કોઈનું કર્તા નથી, પરદ્રવ્ય પરનું અકર્તા જ છે-એમ શ્રદ્ધામાં લાવો).

આત્મા પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ એક જ્ઞાનમાત્રવસ્તુ છે. તેને તું રાગનો અને પરનો અકર્તા દેખ-એમ અહીં કહે છે; કેમકે પરદ્રવ્ય પરનું અકર્તા જ છે. લ્યો, આ વાસ્તવિક શ્રદ્ધાન છે અને સમકિતીને આવું શ્રદ્ધાન હોય છે.

*

“જે પુરુષો આવો વસ્તુસ્વભાવનો નિયમ જાણતા નથી તેઓ અજ્ઞાની થયા થકા કર્મને કરે છે; એ રીતે ભાવકર્મનો કર્તા અજ્ઞાનથી ચેતન જ થાય છે”- આવા અર્થનું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય હવે કહે છેઃ-

* કળશ ૨૦૨ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

(આચાર્યદેવ ખેદપૂર્વક કહે છે કેઃ) ‘बत’ અરેરે! ‘ये तु इमम् स्वभावनियमं न कलयन्ति’ જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી ‘ते वराकाः’ બિચારા, ‘अज्ञानमग्नमहसः’ જેમનું (પુરુષાર્થરૂપ-પરાક્રમરૂપ) તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે એવા, ‘कर्म कुर्वन्ति’ કર્મને કરે છે;......

જુઓ, આચાર્યદેવને પરમાત્મદશા પ્રગટ નથી; પ્રચુર આનંદની દશા પ્રગટી છે, પણ પરમ આનંદદશાની પ્રાપ્તિ થઈ નથી, તેથી જરી વચ્ચે કરુણાનો વિકલ્પ ઉઠયો છે તો ખેદપૂર્વક કહે છે કે- અરેરે! જેઓ આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા કર્મને કરે છે.

અહાહા....! પોતે અંદર પૂરણ ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન છે. પરંતુ પોતાની સ્વરૂપસંપદાના સ્વભાવને જેઓ જાણતા નથી તેઓ ‘वराकाः’ એટલે બિચારા છે, રાંકા છે. અહા! લોકો જેમને શ્રીમંત-લક્ષ્મીવંત માને છે તેમને અહીં બિચારા-રાંકા કહ્યા છે. કેમ? કેમકે તેઓ પોતાની ચૈતન્યસંપદા ચૈતન્યલક્ષ્મીને જાણતા નથી, અનુભવતા નથી.


PDF/HTML Page 3227 of 4199
single page version

અહાહા...! વસ્તુ-ભગવાન આત્મા-પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયક તત્ત્વ છે. તેની સન્મુખ થઈને નિરાકુળ આનંદનો જે અનુભવ ન કરે તે મોટો અબજોપતિ શેઠ હોય કે મોટો દેવ હોય-તે હમણાંય ભિખારી જ છે, બિચારો જ છે. પોતાની ચૈતન્યસંપદાને જાણે નહિ અને પર સંપદાને પોતાની કરવા ઝંખે તે ‘વરાકાઃ’ એટલે બિચારા જ છે, કેમકે એ બહારની સંપદા પોતાની ચીજ અનંતકાળેય થાય એમ નથી. એને પોતાની માને એ તો બધી આપદા જ છે. સમજાણું કાંઈ....?

ભાઈ! આત્મા વસ્તુ છે કે નહિ? વસ્તુ છે તો એનો કોઈ સ્વભાવ હોય કે નહિ? જેમ સાકર વસ્તુનો ગળપણ અને સફેદાઈ સ્વભાવ છે તેમ જ્ઞાન અને આનંદ આત્માનો સ્વભાવ છે અને તે એની સ્વરૂપસંપદા છે. હવે આવી સ્વરૂપસંપદાને જાણે નહિ અને પરસંપદાને ઈચ્છે તે જીવો ‘વરાકાઃ’ એટલે બિચારા છે, રાંકા છે.

એક મોટા દરબાર (રાજવી) એક વાર પ્રવચન સાંભળવા આવેલા, ત્યારે તેમને કહેલું કે-દરબારઃ- મહિને એક લાખ જોઈએ એમ માને એ નાનો માગણ અને મહિને એક કરોડ જોઈએ એમ માને એ મોટો માગણ; બન્ને માગણ-ભિખારી છે; કેમકે સ્વરૂપસંપદાના ભાન રહિત બન્નેને પરસંપદાની આશા છે.

અહીં કહે છે-અરેરે! જે આ વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી તેઓ બિચારા જેમનું પુરુષાર્થરૂપી તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે તેવા કર્મને કરે છે. અહાહા...! આ સંયોગો અને સંયોગીભાવ જે અધ્રુવ અને નાશવંત છે તેને પોતાના માને તે વસ્તુસ્વભાવના નિયમને જાણતા નથી; તેમનું પુરુષાર્થરૂપી તેજ અજ્ઞાનમાં ડૂબી ગયું છે. એટલે શું? કે પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં તેમને અનંત પરાક્રમ ઢંકાઈ ગયું છે. અહાહા...! અનંત વીર્યનો સ્વામી ભગવાન આત્મા છે. આત્માનો વીર્યગુણ અનંતા પરાક્રમથી ભરેલો છે. રે! આવા પોતાના સ્વરૂપને જાણતા નથી તેમને તે અનંત પરાક્રમ ઢંકાઈ ગયું છે. અહા! આવા બિચારા જીવો રાગને-શુભાશુભકર્મને (કર્તા થઈને) કરે છે. અજ્ઞાની જીવો દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના રાગને કરે છે.

તો જ્ઞાનીને પણ એવા શુભ પરિણામ તો હોય છે.

હા, હોય છે; પણ જ્ઞાની એને કરતો નથી, કેમકે જ્ઞાની એનો સ્વામી થતો નથી. (જ્ઞાની જ્ઞાનભાવનો સ્વામી છે). જ્યારે અજ્ઞાની રાગ મારું કર્તવ્ય છે એમ એનો કર્તા થઈને કરે છે. હવે કહે છે-

‘तत्ः एव हि’ તેથી ‘भावकर्मकर्ता चेतनः एव स्वयं भवति’ ભાવકર્મનો કર્તા


PDF/HTML Page 3228 of 4199
single page version

ચેતન જ પોતે થાય છે, ‘अन्यः न’ અન્ય કોઈ નહિ.

લ્યો, આ પ્રમાણે ભાવકર્મનો-શુભાશુભ રાગનો કર્તા અજ્ઞાનદશામાં ચેતન જ પોતે થાય છે, કોઈ જડકર્મ વા અન્ય કોઈ નિમિત્ત એનું કર્તા છે એમ છે જ નહિ.

* કળશ ૨૦૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી પરદ્રવ્યનો કર્તા થતો અજ્ઞાની (-મિથ્યાદ્રષ્ટિ) જીવ પોતે જ અજ્ઞાનભાવે પરિણમે છે; એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની પોતે જ છે; અન્ય નથી.’

અજ્ઞાની વસ્તુના સ્વરૂપના નિયમને જાણતો નથી. એટલે શું? એટલે કે- ૧. હું ચિન્માત્ર વસ્તુ અકર્તાસ્વભાવી આત્મા છું, રાગનું કર્તાપણું મને નથી, એક વાત; અને

૨. પર્યાયમાં જે વિકારના પરિણામ થાય છે તે પોતાથી થાય છે, પરદ્રવ્યથી થતા નથી. વિકારનું કર્તાપણું પરદ્રવ્યને નથી. આમ અજ્ઞાની જીવ વસ્તુના સ્વરૂપના નિયમને જાણતો નથી. તેથી તે પોતાના શુદ્ધચૈતન્યસ્વભાવને ભૂલીને રાગ-દ્વેષ-મોહાદિભાવે પરિણમે છે, રાગ-દ્વેષ-મોહને જ કરે છે.

સંવત’૭૧ ની સાલમાં એકવાર લાઠીમાં આ વાત જાહેરસભામાં મૂકી હતી કે વિકારના ભાવ જે થાય છે તે પોતાથી થાય છે અને પોતાના અંર્ત-પુરુષાર્થથી તે ટળે છે; એમાં કોઈ પરકારકોની-પરદ્રવ્યની અપેક્ષા છે જ નહિ. હવે આવી વાત સાંભળીને લોકોમાં ખળભળાટ મચી ગયો. કર્મથી વિકાર થાય એમ માનનારા બધા ખળભળી ગયા. પણ બાપુ! જીવને રાગ-દ્વેષ-મોહાદિ જે વિકારી ભાવ થાય છે તે, તે સમયે એની જન્મક્ષણ છે, તે (-વિકારી) પર્યાય થવાનો તે સ્વકાળ છે અને તેથી પર કારકોની અપેક્ષા વિના જ તે પોતાથી સ્વતંત્રપણે પ્રગટ થાય છે.

અહાહા...! અનંત ગુણ-શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. પણ તેમાં રાગને- વિકારને કરે એવી કોઈ શક્તિ નથી. ભાઈ! વસ્તુનો સહજ સ્વભાવ જ આવો છે કે તે રાગને કરે નહિ. તથાપિ પર્યાયમાં વિકાર થાય છે તે પોતાના ષટ્કારકના પરિણમનથી ઉત્પન્ન થયેલી દશા છે, તેને કોઈ પરકારકોની અપેક્ષા નથી. આવો વસ્તુના સ્વભાવનો નિયમ છે.

શું કીધું? નિર્મળ નિર્વિકારી દશા હો કે મલિન વિકારી દશા હો, તે પોતાના ષટ્કારકના પરિણમનથી ઉત્પન્ન થયેલી દશા છે; નિર્મળ નિજ દ્રવ્ય-ગુણની પણ તેને અપેક્ષા નથી અને પરકારકોની પણ તેને અપેક્ષા નથી.


PDF/HTML Page 3229 of 4199
single page version

વિકારી પરિણામ થાય તેમાં શુદ્ધ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી એ તો બરાબર, પણ તેને પરની-નિમિત્તની અપેક્ષા તો છે કે નહિ?

તો કહે છે- ના, બીલકુલ નથી; વિકાર થાય તે પોતાથી જ થાય છે, તેને નિમિત્તાદિ પરકારકોની કોઈ અપેક્ષા નથી. ભાઈ! આ શુભાશુભ વિકલ્પ જે ઉઠે તે શુદ્ધ ચૈતન્યનું કાર્ય નથી, તેમ પરદ્રવ્યનું પણ એ કાર્ય નથી. તો એ કોનું કાર્ય છે? તો કહે છે-

વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી પરદ્રવ્યનો એટલે રાગાદિ વિકારનો કર્તા થતો મિથ્યાદ્રષ્ટિ જીવ પોતે જ અજ્ઞાનભાવે-મિથ્યાત્વાદિભાવે પરિણમે છે, તેને બીજો કોઈ પરિણમાવે છે એમ છે નહિ. લ્યો, આવી વાત!

વિકારપણે થવાની પોતાની (તત્કાલીન) યોગ્યતા ન હોય તો બીજો તેને પરિણમાવી શકે નહિ, અને વિકારપણે થવાની પોતાની યોગ્યતા હોય તો તેમાં બીજાની શું અપેક્ષા? સમ્યગ્દર્શન એટલે ધર્મની પ્રથમ દશા થવામાં પણ કોઈ પરદ્રવ્યની અપેક્ષા નથી. કર્મ ખરે તો ધર્મ થાય વા રાગની મંદતા હોય તો સમકિત થાય. એવી તેને અપેક્ષા નથી. અહા! પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાની જીવ પોતે જ રાગાદિભાવે પરિણમે છે. આ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની જીવ પોતે જ છે, અન્ય નથી.

ત્યારે કોઈ કહે છે-શાસ્ત્રમાં બે કારણો કહ્યાં છે; આચાર્ય જયસેનની ટીકામાં પણ બે કારણની વાત છે.

સમાધાનઃ– ભાઈ! એ તો ત્યાં પ્રમાણજ્ઞાન કરાવતાં સાથે નિમિત્તને ભેળવ્યું છે. ત્યાં નિશ્ચય નામ યથાર્થ રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, પણ નિશ્ચયને ઉડાડી નિમિત્તથી થાય એમ ક્યાં વાત છે? વિકાર પોતાથી જ થાય છે એમ નિશ્ચય રાખીને સાથે નિમિત્ત બીજી ચીજ છે એમ જાણે તે પ્રમાણજ્ઞાન છે; પણ નિશ્ચયનો નિષેધ કરીને નિમિત્તથી કાર્ય થાય એમ જાણે ત્યાં પ્રમાણજ્ઞાન ક્યાં રહ્યું? બાપુ! નિમિત્ત તો ઉપચારથી કારણ કહ્યું છે; વાસ્તવમાં નિમિત્તથી કાર્ય થાય છે વા નિમિત્ત કાર્યનો કર્તા છે એવો નિમિત્તનો અર્થ છે જ નહિ. સમજાણું કાંઈ...? આ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની જીવ પોતે જ છે, અન્ય નથી.

[પ્રવચન નં. ૩૮૭-૩૮૪]
×

PDF/HTML Page 3230 of 4199
single page version

ગાથા ૩૨૮ થી ૩૩૧
मिच्छत्तं जदि पयडी मिच्छादिट्ठी करेदि अप्पाणं।
तम्हा अचेदणा ते पयडी णणु कारगो पत्तो।। ३२८।।
अहवा एसो जीवो पोग्गलदव्वस्स कुणदि मिच्छत्तं।
तम्हा पोग्गलदव्वं मिच्छादिट्ठी ण पुण जीवो।। ३२९।।
अह जीवो पयडी तह पोग्गलदव्वं कुणंति मिच्छत्तं।
तम्हा दोहिं कदं तं दोण्णि वि भुंजंति तस्स फलं।। ३३०।।
अह ण पयडी ण जीवो पोग्गलदव्वं करेदि मिच्छत्तं।
तम्हा पोग्गलदव्वं मिच्छत्तं तं तु ण हु मिच्छा।। ३३१।।
मिथ्यात्वं यद प्रकृतिर्मिथ्याद्रष्टिं करोत्यात्मानम्।
तस्मादचेतना ते प्रकृतिर्ननु कारका प्राप्ता।। ३२८।।

હવે, ‘(જીવને) જે મિથ્યાત્વભાવ થાય છે તેના કર્તા કોણ છે?’ -એ વાતને બરાબર ચર્ચીને, ‘ભાવકર્મનો કર્તા (અજ્ઞાની) જીવ જ છે’ એમ યુક્તિથી સિદ્ધ કરે છેઃ-

જો પ્રકૃતિ મિથ્યાત્વની મિથ્યાત્વી કરતી આત્મને,
તો તો અચેતન પ્રકૃતિ કારક બને તુજ મત વિષે! ૩૨૮.
અથવા કરે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વને,
તો તો ઠરે મિથ્યાત્વી પુદ્ગલદ્રવ્ય, આત્મા નવ ઠરે! ૩૨૯.
જો જીવ અને પ્રકૃતિ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
તો ઉભયકૃત જે હોય તેનું ફળ ઉભય પણ ભોગવે! ૩૩૦.
જો નહિ પ્રકૃતિ, નહિ જીવ કરે મિથ્યાત્વ પુદ્ગલદ્રવ્યને,
પુદ્ગલદરવ મિથ્યાત્વ વણકૃત! –એ શું નહિ મિથ્યા ખરે? ૩૩૧.

PDF/HTML Page 3231 of 4199
single page version

अथवैष जीवः पुद्गलद्रव्यस्य करोति मिथ्यात्वम्।
तस्मात्पुद्गलद्रव्यं मिथ्याद्रष्टिर्न
पुनर्जीवः।। ३२९।।
अथ जीवः प्रकृतिस्तथा पुद्गलद्रव्यं कुरुतः मिथ्यात्वम्।
तस्मात् द्वाभ्यां कुतं तत् द्वावपि मुञ्जाते तस्य फलम्।। ३३०।।
अथ न प्रकृतिर्न जीवः पुद्गलद्रव्यं करोति मिथ्यात्वम्।
तस्मात्पुद्गलद्रव्यं मिथ्यात्वं तत्तु न खलु मिथ्या।। ३३१।।

ગાથાર્થઃ– [यदि] જો [मिथ्यात्वं प्रकृतिः] મિથ્યાત્વ નામની (મોહનીય કર્મની) પ્રકૃતિ [आत्मानम्] આત્માને [मिथ्याद्रष्टिं] મિથ્યાદ્રષ્ટિ [करोति] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [ते] તારા મતમાં [अचेतना प्रकृतिः] અચેતન પ્રકૃતિ [ननु कारका प्राप्ता] (મિથ્યાત્વભાવની) કર્તા બની! (તેથી મિથ્યાત્વભાવ અચેતન ઠર્યો!)

[अथवा] અથવા, [एषः जीवः] આ જીવ [पुद्गलद्रव्यस्य] પુદ્ગલદ્રવ્યના [मिथ्यात्वम्] મિથ્યાત્વને [करोति] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [पुद्गलद्रव्यं मिथ्याद्रष्टिः] પુદ્ગલદ્રવ્ય મિથ્યાદ્રષ્ટિ ઠરે! - [न पुनः जीवः] જીવ નહિ!

[अथ] અથવા જો [जीवः तथा प्रकृतिः] જીવ તેમ જ પ્રકૃતિ બન્ને [पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્યને [मिथ्यात्वम्] મિથ્યાત્વભાવરૂપ [कुरुतः] કરે છે એમ માનવામાં આવે, [तस्मात्] તો [द्वाभ्यां कृतं तत्] જે બન્ને વડે કરવામાં આવ્યું [तस्य फलम्] તેનું ફળ [द्वौ अपि मुञ्जाते] બન્ને ભોગવે!

[अथ] અથવા જો [पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્યને [मिथ्यात्वम्] મિથ્યાત્વભાવરૂપ [न प्रकृतिः करोति] નથી પ્રકૃતિ કરતી [न जीवः] કે નથી જીવ કરતો (-બેમાંથી કોઈ કરતું નથી) એમ માનવામાં આવે, [तस्मात्] તો [पुद्गलद्रव्यं मिथ्यात्वम्] પુદ્ગલદ્રવ્ય સ્વભાવે જ મિથ્યાત્વભાવરૂપ ઠરે! [तत् तु न खलु मिथ्या] તે શું ખરેખર મિથ્યા નથી?

(આથી એમ સિદ્ધ થાય છે કે પોતાના મિથ્યાત્વભાવનો-ભાવકર્મનો-કર્તા જીવ જ છે.)

ટીકાઃ– જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો તે (ભાવકર્મ) અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને (-ભાવકર્મને) અચેતનપણાનો પ્રસંગ આવે. જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો જીવ


PDF/HTML Page 3232 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
कार्यत्वादकृतं न कर्म न च तज्जीवप्रकृत्योर्द्वयो–
रज्ञायाः प्रकृतेः स्वकार्यफलभुग्भावानुषङ्गात्कृतिः।
नैकस्याः प्रकृतेरचित्त्वलसनाज्जीवोऽस्य कर्ता ततो
जीवस्यैव च कर्म तच्चिदनुगं ज्ञाता न यत्पुद्गलः।। २०३।।

પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વાદિ ભાવકર્મને કરે તો પુદ્ગલદ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના કર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને કર્તા હોય તો જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તેનું (-ભાવકર્મનું) ફળ ભોગવવાનો પ્રસંગ આવે. વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના અકર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને અકર્તા હોય તો સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવે. માટે એમ સિદ્ધ થયું કે-જીવ કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે (અર્થાત્ જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે).

ભાવાર્થઃ– ભાવકર્મનો કર્તા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં એમ જાણવું કે-પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનાં ભાવનું કર્તા હોય નહિ તેથી જે ચેતનના ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય. આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે એ રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય-એ પરમાર્થ છે. અભેદદ્રષ્ટિમાં તો જીવ શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે. અભેદદ્રષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [कर्म कार्यत्वात् अकृतं न] કર્મ (અર્થાત્ ભાવકર્મ) છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહિ અર્થાત્ કોઈએ કર્યા વિના થાય નહિ. [च] વળી [तत् जीव– प्रकृत्योः द्वयोः कृतिः न] તે (ભાવકર્મ) જીવ અને પ્રકૃતિ બન્નેની કૃતિ હોય એમ નથી, [अज्ञायाः प्रकृतेः स्व–कार्य–फल–भुग्–अनुषङ्गात्] કારણ કે જો તે બન્નેનું કાર્ય હોય તો જ્ઞાનરહિત (જડ) એવી પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે. [एकस्याः प्रकृतेः न] વળી તે (ભાવકર્મ) એક પ્રકૃતિની


PDF/HTML Page 3233 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
कर्मैव प्रवितर्क्य कर्तृ हतकैः क्षिप्त्वात्मनः कर्तृतां
कर्तात्मैष कथञ्चिदित्यचलिता कैश्चिच्छ्रुतिः कोपिता।
तेषामुद्धतमोहमुद्रितधियां बोधस्य संशुद्धये
स्याद्वादप्रतिबन्धलब्धविजया वस्तुस्थितिः स्तूयते।। २०४।।

કૃતિ (-એકલી પ્રકૃતિનું કાર્ય-) પણ નથી, [अचित्त्वलसनात्] કારણ કે પ્રકૃતિને તો અચેતનપણું પ્રકાશે છે (અર્થાત્ પ્રકૃતિ તો અચેતન છે અને ભાવકર્મ ચેતન છે). [ततः] માટે [अस्य कर्ता जीवः] તે ભાવકર્મનો કર્તા જીવ જ છે [च] અને [चिद्–अनुगं] ચેતનને અનુસરનારું અર્થાત્ ચેતન સાથે અન્વયરૂપ (-ચેતનના પરિણામરૂપ-) એવું [तत्] તે ભાવકર્મ [जीवस्य एव कर्म] જીવનું જ કર્મ છે, [यत्] કારણ કે [पुद्गलः ज्ञाता न] પુદ્ગલ તો જ્ઞાતા નથી (તેથી તે ભાવકર્મ પુદ્ગલનું કર્મ હોઈ શકે નહિ).

ભાવાર્થઃ– ચેતનકર્મ ચેતનને જ હોય; પુદ્ગલ જડ છે, તેને ચેતનકર્મ કેમ હોય? ૨૦૩.

હવેની ગાથાઓમાં જેઓ ભાવકર્મનો કર્તા પણ કર્મને જ માને છે તેમને સમજાવવાને સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિ કહેશે; તેની સૂચનારૂપ કાવ્ય પ્રથમ કહે છેઃ-

શ્લોકાર્થઃ– [कैश्चित् हतकैः] કોઈ આત્માના ઘાતક (સર્વથા એકાંતવાદીઓ) [कर्म एव कर्तृ प्रवितर्क्य] કર્મને જ કર્તા વિચારીને [आत्मनः कर्तृतां क्षिप्त्वा] આત્માના કર્તાપણાને ઉડાડીને, ‘[एषः आत्मा कथञ्चित् कर्ता] આ આત્મા કથંચિત્ કર્તા છે’ [इति अचलिता श्रुतिः कोपिता] એમ કહેનારી અચલિત શ્રુતિને કોપિત કરે છે (-નિર્બાધ જિનવાણીની વિરાધના કરે છે); [उद्धत–मोह–मुद्रित–धियां तेषाम् बोधस्य संशुद्धये] તીવ્ર મોહથી જેમની બુદ્ધિ બિડાઈ ગઈ છે એવા તે આત્મઘાતકોના જ્ઞાનની સંશુદ્ધિ અર્થે [वस्तुस्थितिः स्तूयते] (નીચેની ગાથાઓમાં) વસ્તુસ્થિતિ કહેવામાં આવે છે- [स्याद्वाद–प्रतिबन्ध–लब्ध–विजया] કે જે વસ્તુસ્થિતિએ સ્યાદ્વાદના પ્રતિબંધ વડે વિજય મેળવ્યો છે (અર્થાત્ જે વસ્તુસ્થિતિ સ્યાદ્વાદરૂપ નિયમથી નિર્બાધપણે સિદ્ધ થાય છે).

ભાવાર્થઃ– કોઈ એકાંતવાદીઓ સર્વથા એકાંતથી કર્મનો કર્તા કર્મને જ કહે છે અને આત્માને અકર્તા જ કહે છે; તેઓ આત્માના ઘાતક છે. તેમના પર જિનવાણીનો કોપ છે, કારણ કે સ્યાદ્વાદથી વસ્તુસ્થિતિને નિર્બાધ રીતે સિદ્ધ કરનારી જિનવાણી તો આત્માને કથંચિત્ કર્તા કહે છે. આત્માને અકર્તા જ કહેનારા એકાન્ત-


PDF/HTML Page 3234 of 4199
single page version

વાદીઓની બુદ્ધિ ઉત્કટ મિથ્યાત્વથી બિડાઈ ગયેલી છે; તેમના મિથ્યાત્વને દૂર કરવાને આચાર્ય-ભગવાન સ્યાદ્વાદ અનુસાર જેવી વસ્તુસ્થિતિ છે તેવી, નીચેની ગાથાઓમાં કહે છે. ૨૦૪.

*
સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ઃ મથાળું

હવે, ‘(જીવને) જે મિથ્યાત્વભાવ થાય છે તેનો કર્તા કોણ છે? ’-એ વાતને બરાબર ચર્ચીને, ‘ભાવકર્મનો કર્તા જીવ જ છે’ એમ યુક્તિથી સિદ્ધ કરે છેઃ-

* સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જીવ જ મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો તે (ભાવકર્મ) અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તેને (-ભાવકર્મને) અચેતનપણાનો પ્રસંગ આવે.’

‘જીવ જ, जीव एव’ -એમ શબ્દ છે. મતલબ કે મિથ્યાત્વ આદિ ભાવકર્મનો કર્તા જીવ છે, બીજો કોઈ નથી. ભાઈ! વિકાર થાય છે તે પોતાની ભૂલથી થાય છે. પોતે પોતાને ભૂલી ગયો તે ભૂલ છે. આવે છે ને કે-“અપનેકો આપ ભૂલકે હૈરાન હો ગયા”- અહાહા-! પોતે અંદર ચિદાનંદમય ભગવાન જ્ઞાયકસ્વરૂપ છે, તેને ભૂલીને પોતે જ પોતાના ષટ્કારકથી પર્યાયમાં મિથ્યાત્વાદિ વિકારી ભાવને કરે છે.

પુણ્યભાવ કરતાં કરતાં ધર્મ થશે, અને પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં સુખ-મઝા છે એવો જે અભિપ્રાય છે તે મિથ્યાત્વભાવ છે. તેને, કહે છે, જીવ એકલો પોતે કરે છે. ‘જીવ જ’ એમ શબ્દ છે ને? મતલબ કે બીજો કોઈ તેનો કર્તા નથી. જુઓ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભભાવ છે, અને હિંસા, જૂઠ, ચોરી, વિષયભોગની વાસના ઇત્યાદિ અશુભભાવ છે. બન્ને વિકારભાવ છે; તેમાં ઠીકપણાની કલ્પના કરવી તે મિથ્યાત્વભાવ છે, અને તેનો કર્તા જીવ જ છે. ‘આદિ’ શબ્દથી રાગ-દ્વેષાદિ પુણ્ય-પાપના ભાવોનો જીવ પોતે જ કર્તા છે, બીજો કોઈ (કર્મપ્રકૃતિ) તેનો કર્તા નથી. હવે તેને કારણ આપી સમજાવે છેઃ-

વિકારી ભાવકર્મનો કર્તા જીવ જ છે કારણ કે જો તે ભાવકર્મ અચેતન પ્રકૃતિનું કાર્ય હોય તો તે ભાવકર્મને અચેતનપણાનો પ્રસંગ આવે. જુઓ, શું કહે છે? કે જો ભાવકર્મ-વિકારના ભાવ અચેતન પ્રકૃતિ કરે તો તે ભાવકર્મ અચેતન-જડ થઈ જાય. પણ વિકારી પરિણામ કાંઈ અચેતન નથી, એ તો ચૈતન્યની જ વિકૃત દશા છે.

તો વિકારના પરિણામને બીજે અચેતન-જડ કહ્યા છે ને? સમાધાનઃ– હા કહ્યા છે, પરંતુ ત્યાં બીજી અપેક્ષાથી વાત છે, વિકારી ભાવ


PDF/HTML Page 3235 of 4199
single page version

અચેતન પ્રકૃતિના લક્ષે થાય છે અને તે જીવનો સ્વભાવ નથી માટે તેને અચેતન-અજીવ કહીને તેનું લક્ષ ત્યાંથી છોડાવ્યું છે. અજ્ઞાની જીવ વિકારને પોતાનો સ્વભાવ માને છે ને? તેને કહ્યું કે વિકારના પરિણામ જડ-અચેતન છે, તે તારો સ્વભાવ કેમ હોય?

અહીં બીજી વાત છે. અહીં તો પોતાની પર્યાયમાં વિકાર છે તેનો કર્તા અન્ય દ્રવ્યકર્મ છે એમ માને છે તેને કહે છે-ભાઈ! પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા પોતે જીવ જ છે, અન્ય કોઈ નથી. શુદ્ધ ચૈતન્યસ્વભાવની અપેક્ષાએ તેને જડ-અચેતન કહ્યો છે તોપણ એ કાંઈ જડ પરમાણુરૂપ નથી, પણ જીવની જ અરૂપી વિકૃતદશા છે. ભાવકર્મને જો અચેતન કર્મપ્રકૃતિ કરે તો તે જડ-અચેતન થઈ જાય. પણ એમ છે નહિ. માટે મિથ્યાશ્રદ્ધાન અને રાગદ્વેષના વિકારી ભાવોનો કર્તા જીવ જ છે એમ સિદ્ધ થયું.

હવે વિશેષ કહે છે- ‘જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે; કારણ કે જો જીવ પુદ્ગલદ્રવ્યના મિથ્યાત્વાદિ ભાવકર્મને કરે તો પુદ્ગલદ્રવ્યને ચેતનપણાનો પ્રસંગ આવે.’

શું કહ્યું? પુદ્ગલદ્રવ્યમાં-પ્રકૃતિમાં જે મિથ્યાત્વાદિ વિકારી પરિણામ થાય છે તેનો કર્તા જો જીવ હોય તો પુદ્ગલદ્રવ્યને-પ્રકૃતિને ચેતનપણું આવી જશે; જડ પ્રકૃતિના પરિણામ ચેતનમય થઈ જશે. પણ એમ છે નહિ. માટે જીવ પોતાના જ મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે, પણ પુદ્ગલદ્રવ્યના પરિણામનો કર્તા નથી-એમ સિદ્ધ થયું.

બે વાત થઈઃ-

૧. પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા જીવ જ છે, જડ પ્રકૃતિ નહિ.

૨. જીવ પોતાના ભાવકર્મનો કર્તા છે, પણ જડ પ્રકૃતિના પરિણામનો કર્તા નથી.

હવે કહે છે- ‘વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના કર્તા છે એમ પણ નથી; કારણ કે જો તે બન્ને કર્તા હોય તો જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તેનું (-ભાવકર્મનું) ફળ ભોગવવાનો પ્રસંગ આવે.’

શું કીધું? જેમ હળદર અને ચુનો બે ભેગાં મળવાથી લાલ રંગ થાય છે તેમ જીવ અને પ્રકૃતિ બે ભેગાં મળીને જીવના વિકારી ભાવને કરે તો જીવની માફક અચેતન પ્રકૃતિને પણ તે ભાવકર્મનું ફળ ભોગવવું પડે. પણ ભાવકર્મનું ફળ તો


PDF/HTML Page 3236 of 4199
single page version

એક જીવને જ આવે છે, જડ પ્રકૃતિ કાંઈ વિકારનું ફળ ભોગવતી નથી. માટે જીવ અને પ્રકૃતિ બન્ને મળીને વિકાર કરે છે એ વાત બરાબર નથી. બન્ને ભાવકર્મના કર્તા હોય એમ હોઈ શકે નહિ; એમ છે નહિ.

‘વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના અકર્તા છે એમ પણ નથી; કારણ કે જો એ બન્ને અકર્તા હોય તો સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવે.’

જીવ પણ મિથ્યાત્વાદિ ભાવકર્મને કરતો નથી અને પ્રકૃતિ પણ તે વિકારી ભાવને કરતી નથી-એમ જો બન્ને અકર્તા હોય તો સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવી પડે; અર્થાત્ મિથ્યાત્વાદિરૂપે પરિણમવું તે પુદ્ગલનો સ્વભાવ થઈ જાય. પણ એમ તો છે નહિ. માટે જીવ અને પ્રકૃતિ બન્ને વિકારી પરિણામના અકર્તા છે- એમ છે નહિ. તો કેમ છે? લ્યો, આ બધાનો નિષ્કર્ષ-સરવાળે હવે કહે છે કે-

‘માટે એમ સિદ્ધ થયું કે- જીવ કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે.’ અર્થાત્ જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે.

હા, પણ પ્રકૃતિ નિમિત્ત તો છે ને?

એ તો સમયસાર ગાથા ૮૦, ૮૧, ૮૨ માં આવી ગયું કે- ‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે-એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવના પરિણામો સાથે કર્તાકર્મની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્ત-નૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે.’

આમ પરસ્પર નિમિત્ત તો છે પણ એનો અર્થ શું? બન્નેના પરિણામ તો સમકાળે છે, બન્નેનો કાળ તો એક જ છે. માટે આંહી નિમિત્ત આવ્યું તો કાર્ય થયું એમ છે નહિ. અહીં જીવના વિકારી પરિણામ થાય તે કાળે ત્યાં પ્રકૃતિનું પરિણમન તેના પોતાના કારણે થાય છે અને તેમાં જીવપરિણામને નિમિત્ત કહેવામાં આવે છે. તેવી રીતે પુદ્ગલકર્મનો ઉદય છે તે કાળે જીવ સ્વયં પોતાના કારણે વિકારના ભાવે સ્વતંત્ર પરિણમે છે અને તેમાં કર્મનો ઉદય તેનું નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત કાંઈ નૈમિત્તિક કાર્ય કરી દે છે, વા તેમાં કાંઈ વિલક્ષણતા ઉત્પન્ન કરી દે છે એમ છે નહિ.


PDF/HTML Page 3237 of 4199
single page version

ઘણાં વર્ષો પહેલાં કહેલું કે-જીવને વિકારી પરિણામ થાય છે તે પોતાથી થાય છે, કર્મને લઈને નહિ. ત્યારે એક શેઠ બોલી ઉઠેલા-મહારાજશ્રી તો દોરા વગરની પડાઈ ઉડાડે છે. અરે ભાઈ! એમ વાત નથી બાપુ! જીવ પોતાના પરિણામનો પોતે સ્વતંત્રપણે કર્તા છે અને વિકારીભાવ તે જીવનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે.

ત્યારે કોઈ વળી કહે છે- જીવને વિકાર થાય એમાં જીવના પ૧ ટકા ને જડ પ્રકૃતિના ૪૯ ટકા રાખો-તો આ વાત પણ બરાબર નથી. જીવને વિકાર થવામાં જીવના ૧૦૦ ટકા સ્વતંત્ર અને પ્રકૃતિમાં કાર્ય થાય એમાં પ્રકૃતિ ૧૦૦ ટકા સ્વતંત્ર છે; કોઈ કોઈને આધીન નથી.

તો જૈનતત્ત્વમીમાંસામાં આવે છે કે જીવને જ્યારે ક્રોધ થાય ત્યારે સામે ક્રોધ- કર્મપ્રકૃતિનો ઉદય હોય છે, અને માન થાય ત્યારે સામે માન-કર્મપ્રકૃતિનો ઉદય હોય છે.

એ તો બરાબર જ છે. ભાઈ! એમાં એવો અર્થ ક્યાં છે કે સામે ક્રોધકર્મનો ઉદય છે માટે અહીં જીવને ક્રોધ પરિણામ થાય છે? ક્રોધ કર્મનો ઉદય અને જીવના ક્રોધ પરિણામનો-બન્નેનો સમકાળ છે બસ એટલું જ. ભાઈ! ક્રોધ કર્મના ઉદયના કાળે જીવને ક્રોધદશા થવાનો સ્વકાળ છે તેથી સ્વયં તે પોતાના ષટ્કારકના પરિણમનથી ક્રોધદશારૂપે પરિણમી જાય છે. ક્રોધકર્મનો ઉદય નિમિત્ત હો ભલે, પણ એના કારણે જીવને ક્રોધપરિણામ થયા છે એમ છે નહિ. આવું વસ્તુનું સ્વરૂપ છે. શું? કે અજ્ઞાનદશામાં જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવોનો કર્તા છે અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે; પરદ્રવ્યનું- નિમિત્તનું એમાં કાંઈ કર્તવ્ય નથી.

* ગાથા ૩૨૮ થી ૩૩૧ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘ભાવકર્મનો કર્તા જીવ જ છે એમ આ ગાથાઓમાં સિદ્ધ કર્યું છે. અહીં એમ જાણવું કે-પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ તેથી જે ચેતનના ભાવો છે તેમનો કર્તા ચેતન જ હોય.’

જુઓ, શું કીધું? કે મિથ્યાત્વ અને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવોનો કર્તા જીવ જ છે; મોહનીયકર્મનો ઉદય તેમાં નિમિત્તમાત્ર છે. ગોમ્મટસાર આદિ શાસ્ત્રમાં આવે છે કે દર્શનમોહનીય કર્મના ઉદયથી જીવને મિથ્યાત્વના ભાવ થાય છે, જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એને જ્ઞાન રોકાય છે ઇત્યાદિ. હવે કર્મનો ઉદય તો જડમાં આવે છે, તે જડના કાર્યરૂપ છે, અને મિથ્યાત્વાદિ ભાવ તો જીવને થાય છે. બન્ને ભિન્ન દ્રવ્યમાં થતી ક્રિયા છે. અહીં કહે છે-પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ. તેથી કર્મના ઉદયના કારણે મિથ્યાત્વાદિ ભાવ જીવને થાય


PDF/HTML Page 3238 of 4199
single page version

છે એમ છે નહિ. જડ કર્મ કર્તા ને જીવને વિકાર થાય તે એનું કાર્ય એમ છે નહિ. તો નિમિત્તની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે એમ યથાર્થ જાણવું.

ત્યારે કોઈ વળી કહે છે-નિમિત્ત-કર્મનો ઉદય-કાંઈ ન કરે તો જીવ ઠેઠ દસમે ગુણસ્થાને ચઢીને પછી હેઠે પડે છે તે કેમ પડે? એમ કે કર્મના ઉદયથી જીવ હેઠે પડી જાય છે.

અરે ભાઈ! દસમાં ગુણસ્થાનમાં જીવ ગયો છે તે પોતાના પુરુષાર્થથી ગયો છે, કાંઈ કર્મના (કર્મના અભાવના) કારણે ગયો છે એમ નથી; તથા ત્યાંથી નીચે પડે છે તે પણ પોતાના પુરુષાર્થની નબળાઈથી પડે છે, કર્મના ઉદયના કારણે નીચે પડે છે એમ નહિ, કેમકે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવોનું પરમાર્થે કર્તા છે જ નહિ. કર્મનો ઉદય નિમિત્ત હો ભલે, પણ અસ્થિરતારૂપ પરિણમન તો પોતાનું સ્વતંત્ર પોતાથી જ છે.

પ્રવચનસાર ગાથા ૧૬ માં આત્માને ‘સ્વયંભૂ’ કહ્યો છે. તેની વ્યાખ્યા કરતાં ત્યાં કહ્યું છે કે-“આ રીતે સ્વયં (પોતે જ) છ કારકરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. અથવા, અનાદિકાળથી અતિ દ્રઢ બંધાયેલાં દ્રવ્ય તેમ જ ભાવ ઘાતિકર્મોને નષ્ટ કરીને સ્વયમેવ આવિર્ભૂત થયો તેથી તે ‘સ્વયંભૂ’ કહેવાય છે.” દ્રવ્ય ઘાતિકર્મ છે તે જડ છે, અને પોતાની હીણી દશારૂપે જીવ પરિણમે તે ભાવઘાતિકર્મ છે. ભાવઘાતિકર્મનો કર્તા, અહીં કહે છે, જીવ જ છે. જડ ઘાતિકર્મને લઈને ભાવઘાતિકર્મ જીવમાં થયું છે એમ નથી.

તો કોઈ વળી કહે છે-કર્મ એક ચીજ છે, કર્મનો ઉદય પણ એક ચીજ છે; કર્મનો ઉદય આવે એટલે આને (-જીવને) વિકાર કરવો જ પડે.

લ્યો, હવે આવી ઊંધી માન્યતા! જૈનમાં (જૈનાભાસોમાં) વળી કર્મના લાકડાં ગરી ગયાં છે! કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો જ પડે એ તારી માન્યતા ભાઈ! યથાર્થ નથી, જો ને, અહીં શું કહે છે? કે પરમાર્થે અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યના ભાવનું કર્તા હોય નહિ.

તેથી જે ચેતનના ભાવો છે તેનો કર્તા ચેતન જ હોય. અહીં મિથ્યાત્વ અને પુણ્ય- પાપ આદિ વિકારી ભાવોને ચેતનના ભાવો કહ્યા છે, અને તેના કર્તા ચેતન જ છે એમ કહે છે. અહા! વ્યાપક એવો આત્મા અજ્ઞાનપણે પ્રસરીને વિકારી પરિણામનો કર્તા થાય છે અને વિકારી પરિણામ એનું વ્યાપ્ય કર્મ છે.

એકકોર વિકારી ભાવોને અહીં ચેતનના ભાવો કહ્યા, ત્યારે બીજે ગાથા પ૦ થી પપ માં તે ભાવોને પુદ્ગલના પરિણામ કહ્યા છે; તો આ કેવી રીતે છે?

જુઓ, જે આ વિકારી ભાવો છે તે ચેતનની પર્યાયના અસ્તિત્વમાં થાય છે


PDF/HTML Page 3239 of 4199
single page version

તેથી તેઓ ચેતનના ભાવો છે એમ અહીં કહ્યું. પરંતુ તેઓ ચૈતન્યના સ્વભાવભાવ નથી પણ વિભાવો છે અને પુદ્ગલના-કર્મના ઉદયના સંગમાં થાય છે અને સ્વભાવની દ્રષ્ટિ થતાં નાશ પામી જાય છે તેથી તેઓ જીવના નથી પણ પુદ્ગલના છે એમ બીજે (ગાથા પ૦ થી પપમાં) કહ્યું છે; સ્વભાવની દ્રષ્ટિ થતાં વિકારના ભાવ પોતાની સ્વાનુભૂતિથી ભિન્ન જ રહી જાય છે. આવી વાત છે. સમજાણું કાંઈ....?

આ પ્રમાણે પોતાને ભૂલીને અજ્ઞાનવશ જે મિથ્યાત્વાદિભાવરૂપ પરિણામો થાય છે તે ચેતનના ભાવ છે અને તેનો કર્તા ચેતન જ હોય, અન્ય પુદ્ગલદ્રવ્ય નહિ. એ જ કહે છે-

‘આ જીવને અજ્ઞાનથી જે મિથ્યાત્વાદિ ભાવરૂપ પરિણામો છે તે ચેતન છે, જડ નથી; અશુદ્ધનિશ્ચયનયથી તેમને ચિદાભાસ પણ કહેવામાં આવે છે એ રીતે તે પરિણામો ચેતન હોવાથી, તેમનો કર્તા પણ ચેતન જ છે; કારણ કે ચેતનકર્મનો કર્તા ચેતન જ હોય -એ પરમાર્થ છે.’

જુઓ, જીવનો જ્ઞાન-દર્શનનો જે ઉપયોગ છે તેને ચેતન કહે છે; જ્ઞાન-દર્શન સિવાય એના બીજા જે અનંતગુણ છે તેને અચેતન કહેલ છે કેમકે તે (-બીજા ગુણો) પોતાને જાણતા નથી, બીજાને પણ જાણતા નથી. આમ ભિન્ન ભિન્ન અપેક્ષાએ શાસ્ત્રમાં કથન આવે છે તેને યથાર્થ સમજવું જોઈએ. અચેતનના જુદા જુદા પ્રકાર છેઃ-

-શરીર, મન, વાણી ઇત્યાદિ અચેતન છે; -પુણ્ય-પાપ અને મિથ્યાત્વના જે ભાવ જીવને થાય તેને પણ (શુદ્ધ ચૈતન્યની) અપેક્ષાથી અચેતન કહેલ છે.

-જીવના જ્ઞાન-દર્શનના ઉપયોગની અપેક્ષા બીજા ગુણોને અચેતન કહીએ કારણ કે બીજા ગુણોમાં જાણવા-દેખવાના ઉપયોગની શક્તિ નથી.

પરંતુ અહીં બીજી વાત છે. અહીં તો મિથ્યાત્વ અને પુણ્ય-પાપ આદિ વિકારી ભાવો જીવની પર્યાયના અસ્તિત્વમાં થાય છે તેથી તેમને ચેતન કહ્યા છે; અને તેઓ ચેતન હોવાથી તેમનો કર્તા ચેતન જ છે એમ સિદ્ધ કર્યું છે. કહ્યું ને કે-ચેતન કર્મનો કર્તા ચેતન જ હોય-એ પુરુષાર્થ છે, સત્યાર્થ છે. પોતાના શુદ્ધ ચૈતન્યને ભૂલીને જીવ પોતે જ વિકારના ભાવોનો કર્તા થાય છે એ સત્યાર્થ છે, યથાર્થ છે. હવે કહે છે-

‘અભેદદ્રષ્ટિમાં તો જીવ શુદ્ધચેતના માત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે તે પરિણામોથી યુક્ત તે થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ જ છે.’


PDF/HTML Page 3240 of 4199
single page version

અહાહા...! અંદર વસ્તુ ત્રિકાળ એકરૂપ ચિદ્રૂપ છે તેને અભેદદ્રષ્ટિ વડે જોઈએ તો તે શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે વિકારી વિભાવરૂપ પરિણામોથી યુક્ત થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ પોતે જ થાય છે. આ પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ થયા તે પરિણામ અને જીવ પરિણામી-એમ ભેદદ્રષ્ટિમાં પોતાના વિકારી ભાવોનો કર્તા જીવ જ છે.

‘અભેદદ્રષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે.’ અહાહા...! ભગવાન ચિદાનંદ ચૈતન્યસ્વરૂપની જ્યાં અભેદદ્રષ્ટિ થઈ ત્યાં તે નિજ ચૈતન્યસ્વરૂપમાં એકાકાર થયો, રાગથી ભિન્ન પડી ગયો અને તેથી ત્યાં કર્તાકર્મભાવ રહ્યો જ નહિ. સમજાય છે કાંઈ...? ભાઈ! અભેદદ્રષ્ટિમાં રાગાદિ વિકાર છે જ નહિ, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. અહાહા...! સમ્યગ્દર્શનનો વિષય શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે, ભેદ કે પર્યાય સમ્યગ્દર્શનનો વિષય નથી.

હવે સરવાળો કરી કહે છે કે- ‘આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.’ લ્યો, વિકારી પરિણામોનો કર્તા જીવ જ છે, કર્મને લઈને વિકાર થાય છે એમ કદીય નથી. અહા! આવી સ્વતંત્રતાને સ્વીકારી બીજેથી દ્રષ્ટિ હઠાવી, દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કરવી એ આનું તાત્પર્ય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૦૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘कर्म कार्यत्वात् अकृतं न’ कर्म (અર્થાત્ ભાવકર્મ) છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહિ અર્થાત્ કોઈએ કર્યા વિના થાય નહિ..... .... .

શું કીધું? આ પુણ્ય-પાપ આદિ ભાવકર્મ છે તે કાર્ય છે, અને કાર્ય છે માટે તે અકૃત (અકૃત્રિમ) હોય નહિ. કોઈએ કર્યા વિના હોય નહિ. હવે આમાં અન્યમતવાળા કહે કે ઈશ્વર હોય તો કાર્ય થાય અને જૈનમતવાળા કોઈ કહે કે જડકર્મને લઈને કાર્ય થાય, આમ બન્નેમાં વિપરીત-ઊંધું ચાલ્યું છે. પણ અહીં શું કહે છે? જુઓ-

‘च’ વળી ‘तत् जीव–प्रकृत्योः द्वयो कृतिः न’ તે (ભાવકર્મ) જીવ અને પ્રકૃતિ બન્નેની કૃતિ હોય એમ નથી, ‘अज्ञायाः प्रकृतेः स्व–कार्य–फल–भुगू–भाव–अनुषङ्गात्’ કારણ કે જો તે બન્નેનું કાર્ય હોય તો જ્ઞાનરહિત (જડ) એવી પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે.

શું કીધું આ? કે પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ જે થાય તે જીવ અને જડ-