Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 170 of 210

 

PDF/HTML Page 3381 of 4199
single page version

આવ્યો છે. માટે, કહે છે, દર્શક એવો આત્મા-ચેતયિતા પ્રભુ પુદ્ગલાદિનો નથી, રાગાદિનો નથી. હવે કહે છે -

‘(આગળ વિચારીએઃ) જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે?

(આ) ચેતયિતાથી અન્ય કોઈ ચેતયિતા નથી. પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?

કાંઈ સાધ્ય નથી. તો પછી દર્શક કોઈનો નથી, દર્શક દર્શક જ છે, -એ નિશ્ચય છે.’

અહાહા...! પૂછે છે કે-ચેતયિતા પુદ્ગલાદિ અને રાગાદિનો નથી તો ચેતયિતા કોનો છે? તો કહે છે-ચેતયિતાનો જ ચેતયિતા છે, દેખનારનો જ દેખનાર છે. હા, પણ દેખનારનો દેખનાર છે-એમ કહ્યું ત્યાં તો એ બે થયા; તો એ બે કોણ છે? અર્થાત્ દેખનારથી જુદો એવો બીજો ક્યો દેખનાર છે જેનો (આ) દેખનાર છે? તો કહે છે-કોઈ નહિ; અર્થાત્ એ બે નથી; પરંતુ તે બે એક ચેતયિતાના-દેખનારના જ સ્વ-સ્વામીરૂપ અંશો છે. ચેતયિતા પોતે જ સ્વ અને ચેતયિતા પોતે જ તેનો સ્વામી-એમ તેઓ બે અંશો છે.

અહો! કેવળીના કેડાયતી દિગંબર સંતોએ ગજબની વાત કરી છે. કહે છે- ચેતયિતા તે સ્વ અને ચેતયિતા તેનો સ્વામી એવા બે અંશરૂપ ભેદ-વ્યવહારથી જીવને કાંઈ લાભ નથી; કેમકે અંશ-ભેદના લક્ષે તો રાગ જ થાય છે. માટે, દર્શક દર્શક જ છે એ નિશ્ચય છે. આવો દર્શક ત્રિકાળી ધ્રુવ એકરૂપ અભેદ વસ્તુ છે તે સમ્યગ્દર્શનનો વિષય છે; અર્થાત્ શુદ્ધ દર્શક પ્રભુ આત્મા એકના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે.

અહાહા....! દયા, દાન, વ્રત આદિના પરિણામથી તો સમ્યગ્દર્શન નહિ, પણ તેને દેખવા-શ્રદ્ધવાથી પણ સમ્યગ્દર્શન નહિ. દેખનારનો દેખનાર છે એવા ભેદના લક્ષે પણ સમ્યગ્દર્શન થતું નથી. તો સમ્યગ્દર્શન કેમ થાય? તો કહે છે -હું એક જ્ઞાયક જ છું એમ અભેદની દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે અને તે ધર્મનું પ્રથમ સોપાન છે. છહઢાલામાં આવે છે ને કે-

મોક્ષમહલકી પરથમ સીઢી, યા બિન જ્ઞાન ચરિત્રા;
સમ્યક્તા ન લહે સો દર્શન, ધારો ભવ્ય પવિત્રા.

PDF/HTML Page 3382 of 4199
single page version

ભાઈ! સમકિત વિના તારાં સઘળાં વ્રત, તપ જૂઠાં છે; ભગવાને એને બાળવ્રત ને બાળતપ કહ્યાં છે. ભાઈ! વ્રત, તપ આદિમાં અને ભેદ-વ્યવહારમાં તું રોકાઈ રહે એથી તને કાંઈ લાભ નથી.

આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ- ૧. આત્મા પરદ્રવ્યને દેખે છે અથવા શ્રદ્ધે છે -એ વ્યવહાર કથન છે; ૨. આત્મા પોતાને દેખે છે અથવા શ્રદ્ધે છે -એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ

વ્યવહાર છે;

૩. દર્શક દર્શક જ છે -એ નિશ્ચય છે. પોતે અભેદ એકરૂપી દ્રષ્ટાસ્વભાવી ભગવાન છે તેની દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આ સિવાય પર-નિમિત્તથી, રાગથી કે ભેદ-વ્યવહારથી કાંઈ સાધ્ય નથી. આવી વાત! હવે કહે છે-

‘વળી (જેવી રીતે જ્ઞાયક તથા દર્શક વિષે દ્રષ્ટાંત-દાર્ષ્ટાંતથી કહ્યું) એવી જ રીતે અપોહક (ત્યાજક, ત્યાગ કરનાર) વિષે કહેવામાં આવે છેઃ-

આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરાવાયોગ્ય પદાર્થ છે). હવે, શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી? -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ

જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; -આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત- આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીનાં સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત- આદિની નથી.’ હવે કહે છેઃ-

(આગળ વિચારીએઃ) ‘જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે-એ નિશ્ચય છે.’ હવે કહે છેઃ-


PDF/HTML Page 3383 of 4199
single page version

‘જેમ આ દ્રષ્ટાંત છે તેમ આ (નીચે પ્રમાણે) દાર્ષ્ટાંત છે.’ દાર્ષ્ટાંત એટલે કે સિદ્ધાંત આ નીચે પ્રમાણે છેઃ-

‘આ જગતમાં જે ચેતયિતા છે તે, જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોહનસ્વરૂપ (ત્યાગસ્વરૂપ) સ્વભાવ છે એવું દ્રવ્ય છે. પુદ્ગલાદિ પરદ્રવ્ય વ્યવહારે તે ચેતયિતાનું અપોહ્ય (ત્યાજ્ય, ત્યાગવાયોગ્ય પદાર્થ) છે.’

જુઓ, આ શું કહ્યું? કે જ્ઞાનદર્શનગુણનો પિંડ એવા ભગવાન આત્માનો પરના અને રાગના ત્યાગસ્વરૂપ સ્વભાવ છે. અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પરના-રાગના અભાવસ્વભાવરૂપ છે. અહા! રાગ કરવો એ તો નહિ, રાગનો ત્યાગ કરવો એય આત્મામાં નથી. ભાઈ! કોઈ પરનાં ગ્રહણ-ત્યાગ પોતાને માને એ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. અહીં કહે છે-પરનાં ગ્રહણ-ત્યાગ એ આત્માનો સ્વભાવ નથી; જડ રજકણોને ગ્રહવાં-છોડવાં એ આત્માના સ્વરૂપમાં છે જ નહિ. સમજાય છે કાંઈ....?

અહીં તો વિશેષ વાત આ છે કે રાગનો ત્યાગ કરવો એ આત્માનું સ્વરૂપ નથી. ભાઈ! અહીં ચારિત્રની વાત ચાલે છે. અરે! ચારિત્ર કોને કહેવું એ લોકોને ખબર નથી. કહે છે કે-આત્મા પરના અને રાગના ત્યાગરૂપ (અભાવરૂપ) સ્વભાવવાળું દ્રવ્ય છે. હવે આમ છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ વાત ક્યાં રહી? રાગના અભાવરૂપ આત્માનો સ્વભાવ છે જ્યાં, ત્યાં રાગનો ત્યાગ કરવો એ ક્યાં રહ્યું? બાપુ! આત્માને રાગનો ત્યાગ કહેવો એ તો નામમાત્ર છે. સમયસાર, ગાથા ૩૪ માં આ વાત આવી ગઈ છે કે આત્માને પરભાવના ત્યાગનું કર્તાપણું નામમાત્ર છે. પોતે તો જ્ઞાનસ્વભાવ છે. સ્વને સ્વ ને પરને પર જાણ્યું ત્યાં પરભાવ ઉત્પન્ન થયો નહિ તે જ ત્યાગ છે. આ રીતે (સ્વરૂપમાં) સ્થિર થયેલું જ્ઞાન તે જ પ્રત્યાખ્યાન નામ ત્યાગ છે, અને તે જ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ! જ્ઞાન જ્ઞાનમાં (જ્ઞાનસ્વભાવમાં) સ્થિર રહે એ સિવાય બીજો કોઈ ભાવ ચારિત્ર નથી.

કોઈ ઉઘાડા પગે ચાલે, બહારમાં શરીરથી અનેક પરીષહ સહન કરે પણ એ કાંઈ આત્મધર્મ નથી. કળશટીકામાં નિર્જરા અધિકાર, કળશ ૧૪૨ માં કહે છે કે- હિંસા, અનૃત, સ્તેય, અબ્રહ્મ, પરિગ્રહથી રહિતપણું, મહા પરીષહોનું સહવું-તેના ઘણા બોજા વડે ઘણા કાળ પર્યંત મરીને ચૂરો થતા થકા ઘણું કષ્ટ કરે છે તો કરો, તથાપિ એવું કરતાં કર્મક્ષય તો થતો નથી. આવી વાત!

અહીં કહે છે- ભાઈ! રાગના ત્યાગરૂપ જ તારો સ્વભાવ છે. અહાહા....! શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપ પ્રભુ તું સદા રાગરહિત વીતરાગસ્વરૂપ જ છો. પછી રાગનો


PDF/HTML Page 3384 of 4199
single page version

ત્યાગ કરો એ વાત ક્યાંથી આવી? અહા! ભગવાન જ્ઞાયકસ્વભાવે રાગનું ગ્રહણ જ કર્યું નથી, સદા તે રાગના અભાવસ્વભાવરૂપ જ રહ્યો છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ ક્યાં રહ્યું? રાગ ચેતયિતાનું ત્યાજ્ય છે એ તો વ્યવહારથી છે ભાઈ!

અહાહા...! આત્મા ચિદાનંદ પ્રભુ નિત્ય એક જ્ઞાયકસ્વભાવમય છે. સમયસારની ગાથા ૬ માં આવે છે કે જ્ઞાયક જ્ઞાયક જ છે, જ્ઞાયક કદી રાગસ્વભાવે થયો નથી. જો તે રાગસ્વભાવે થાય તો તે જડ થઈ જાય. પણ એમ કદીય બનતું નથી. છતાં બહારથી ત્યાગ કરીને કોઈ તે વડે માને કે હું ત્યાગી છું તો તે બહિર્દ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! રાગનો ને પરનો ત્યાગ કરવો એમ કહીએ એ તો વ્યવહારથી, ઉપચારથી છે.

અજ્ઞાની કહે છે-વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય; પણ એમ નથી બાપા! આત્મા પોતે જ સાધનસ્વરૂપ છે. કર્તા, કર્મ, સાધન ઇત્યાદિ આત્માની શક્તિઓ-ગુણ છે. માટે તેને પર સાધનની કોઈ અપેક્ષા નથી. જો રાગ સાધન હોય તો આત્માને રાગ સાથે સંબંધ થાય, પણ આત્માને રાગ સાથે સંબંધ છે જ નહિ; નિશ્ચયથી પર સાથે કે રાગ સાથે ચેતનને સંબંધ છે જ નહિ; સંબંધ કહેવો એ તો કથનમાત્ર છે. આ સોનગઢ અમારું ગામ, અમે સોનગઢમાં રહીએ છીએ-એમ બોલીએ ને? એ તો બોલવા પૂરતુ છે; બાકી આત્માનો તો અસંખ્યપ્રદેશરૂપ દેશ છે, ને તેનો તે રહેવાસી છે. પં. દીપચંદજીએ પંચસંગ્રહમાં કહ્યું છે કે આત્મા ચૈતન્યના દેશમાં રહ્યો છે અને જ્ઞાન, દર્શન આદિ ગુણ એની પ્રજા છે. આવી વાત છે બાપુ! પોતે નિત્યાનંદસ્વરૂપ છે એનું ભાન કરી, એમાં રમણતા કરી પર્યાયમાં આનંદરૂપ થાય છે એમાં પરને ને રાગને છોડવાનું ક્યાં આવ્યું? પરને-રાગને છોડવું એમ કહેવું એ વ્યવહારથી છે બસ. તેમ રાગને સાધન (પરંપરા સાધન) કહેવું એય વ્યવહારથી છે બસ. હવે કહે છે -

‘હવે, અપોહક (ત્યાજક) ચેતયિતા, અપોહ્ય (ત્યાજ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી? -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ-

જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ

જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; -આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી,


PDF/HTML Page 3385 of 4199
single page version

કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વે જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ચેતયિતા પુદ્ગલાદિનો નથી.’

અહાહા....! રાગના ત્યાગસ્વરૂપ અપોહક પ્રભુ આત્મા છે તે અપોહ્ય એવા પુદ્ગલાદિનો, રાગાદિનો છે કે નથી? લ્યો, આવો પ્રશ્ન! તો કહે છે-જો આત્મા- ચેતયિતા અપોહક પ્રભુ રાગાદિનો હોય તો તે રાગાદિરૂપ થઈ જાય, કેમકે જેનું જે હોય તે તે જ હોય-આ ન્યાય છે. જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન આત્મા જ છે તેમ ચેતયિતા રાગાદિનો હોય તો તે રાગાદિમય જ હોય, અને તો ચેતયિતાનો સ્વદ્રવ્યનો જ નાશ થઈ જાય. પણ દ્રવ્યનો નાશ તો કદીય થતો નથી એ સિદ્ધાંત છે, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપે સંક્રમણ થતું જ નથી.

ભાઈ! નિમિત્તથી કાર્ય થાય એ વાત તો ક્યાંય રહી, અહીં તો કહે છે- નિમિત્ત- પરવસ્તુ અને રાગાદિ ભાવના ત્યાગનો કર્તા આત્મા છે એમ છે નહિ. એ તો પહેલાં આવી ગયું કે જ્ઞાયક જ્ઞાયક જ છે, દર્શક દર્શક જ છે, તેમ ભગવાન આત્મા રાગના અભાવસ્વભાવ જ છે એ પરમાર્થ છે. એ જ હવે કહે છે-

(આગળ વિચારીએઃ) ‘જો ચેતયિતા પુદ્ગલાદિનો નથી તો ચેતયિતા કોનો છે? ચેતયિતાનો જ ચેતયિતા છે. (આ) ચેતયિતાથી જુદો એવો બીજો ક્યો ચેતયિતા છે કે જેનો (આ) ચેતયિતા છે?

(આ) ચેતયિતાથી જુદો અન્ય કોઈ ચેતયિતા નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે?

કાંઈ સાધ્ય નથી. તો પછી અપોહક (અર્થાત્ ત્યાગ કરનાર) કોઈનો નથી, અપોહક અપોહક જ છે- એ નિશ્ચય છે.’

અરે! સ્વસ્વરૂપને સમજ્યા વિના એ (-જીવ) ભવસિંધુમાં અનંત-અનંત ભવ કરીને રઝળી રહ્યો છે. અનંત વાર એણે દ્રવ્યલિંગ ધારણ કર્યા ને મુનિવ્રત પાળ્‌યાં; પણ અરે! એણે આત્મજ્ઞાન કર્યું નહિ અને તેથી તેના ચૌગતિ-પરિભ્રમણનો અંત આવ્યો નહિ. અરે ભાઈ! બાહ્ય ત્યાગ વડે મેં ત્યાગ કર્યો એવી મિથ્યા માન્યતાના સેવન વડે તું ચાર ગતિમાં રખડી મર્યો છે. જો તો ખરો અહીં શું કહે છે? કે અપોહક અપોહક જ છે.

અહાહા....! શિષ્યનો પ્રશ્ન છે કે ચેતયિતા રાગનો નહિ, શરીરાદિનો નહિ, પુદ્ગલનો નહિ તો ચેતયિતા કોનો છે? તો કહે છે-ચેતયિતાનો જ ચેતયિતા છે. તો કહે છે-એ તો ચેતયિતા બે થઈ ગયા; તો શું બે ચેતયિતા છે? ના; બે નથી. આ ચેતયિતાથી અન્ય કોઈ બીજો ચેતયિતા નથી; પણ તેઓ બે સ્વ-સ્વામીરૂપ બે


PDF/HTML Page 3386 of 4199
single page version

અંશો જ છે. ચેતયિતા પોતે પોતાનું સ્વ અને ચેતયિતા પોતે તેનો સ્વામી -એમ બે અંશો છે.

અહા! પણ ‘આત્મા આત્માનો છે’ -એવા સ્વસ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સિદ્ધિ છે? શું લાભ છે? કાંઈ જ નહિ; બલ્કે એવા વ્યવહારમાં રોકાઈ રહેનારને આત્મલાભ થતો નથી, સમ્યગ્દર્શન થતું નથી. બાપુ! અત્યારે આ સમજવા જેવું છે, બાકી બધું તો ધૂળધાણી ને વા-પાણી છે. આ શરીર તો ક્યાંય ફૂ થઈને ઉડી જશે, સંજોગ બધા પલટાઈ જશે, બધું ફરી જશે, અને આ ભેદ-વિકલ્પ પણ તને શરણ નહિ થાય ભગવાન? અહીં કહે છે-ભેદ-વિકલ્પથી કાંઈ સિદ્ધિ નથી. આત્મા આત્મામાં કેલિ-રમણ કરનારો છે એવા ભેદ-વિકલ્પથી પણ કાંઈ સાધ્ય નથી. અહાહા.....! વીતરાગભાવસ્વરૂપ આત્મા વીતરાગભાવમાં રમે એવો ભેદ-વિકલ્પ પણ વ્યવહાર છે અને એમાં તું અટકી રહે તે કાંઈ કાર્યકારી નથી. સમજાણું કાંઈ....!

અહાહા....! પરને-રાગને જાણવામાં રોકાઈ રહે ત્યાં તો સ્વનું જાણવું રોકાઈ જાય છે, સ્વને જાણવાથી ભ્રષ્ટ થઈ જાય છે. બાપુ! સ્વસ્વરૂપનું જ્ઞાન થયા વિના પરને જાણવું એ વ્યવહાર છે-એમ ક્યાં છે? એ તો આત્મજ્ઞાની ધર્મી પુરુષને પરનું જાણવું તે વ્યવહારથી છે. અહીં કહે છે-એ વ્યવહારથી કાંઈ સાધ્ય નથી.

સં. ૮૩ ની સાલમાં પ્રશ્ન ઉઠયો હતો-કે આ લોકાલોક છે માટે કેવળજ્ઞાનની પર્યાય છે ને? ત્યારે કહ્યું હતું -

અરે ભાઈ! કેવળજ્ઞાનની પર્યાય તો પોતાની પોતાથી છે. પોતે જ્ઞાનસ્વરૂપ છે કે નહિ? તો કેવળજ્ઞાન થયું એ તો પોતાનું-જ્ઞાનનું પરિણમન છે, લોકાલોક છે માટે કેવળજ્ઞાન થયું છે એમ નથી. જો લોકાલોકને કારણે કેવળજ્ઞાન હોય તો કેવળજ્ઞાન સદાય પ્રગટ હોવું જોઈએ, કેમકે લોકાલોક સદાય વિદ્યમાન છે; પણ એમ છે નહિ. લોકાલોકની અસ્તિ હો (છે), પરંતુ કેવળજ્ઞાનને તેની અપેક્ષા નથી. કેવળજ્ઞાન નિજ સત્તાવલંબી છે, પરને કારણે નથી. સમજાણું કાંઈ....?

આ તો મારગડા જુદા નાથ! રાગને જાણવો ને રાગનો ત્યાગ કરવો એ સ્વરૂપની સ્થિતિ નથી. રાગને જાણવો ને રાગનો ત્યાગ કરવો એ જવા દે બાપુ! અહીં તો કહે છે- જાણનારનો જાણનાર છે એવા સ્વ-સ્વામીરૂપ ભેદ-વ્યવહારથી કાંઈ સાધ્ય નથી. આવી વાત!

તો શું છે? તો કહે છે-અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે. બસ રાગના અભાવસ્વભાવરૂપ જ ભગવાન આત્મા છે. આવા નિજ સ્વરૂપમાં ઠરીઠામ રહેવું બસ એ જ ચારિત્ર છે. બાકી રાગનો ત્યાગ કરવો એમ કહીએ એ તો કથનમાત્ર


PDF/HTML Page 3387 of 4199
single page version

છે, પરમાર્થે રાગના ત્યાગનું કથન એને શોભતું નથી; કેમકે જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ પોતે પોતામાં ઠર્યો ત્યાં રાગ ઉપજ્યો જ નહિ તેને રાગનો ત્યાગ કર્યો એમ કથનમાત્ર કહેવાય છે.

અહાહા....! આવી વસ્તુ ચારિત્રની બાપા! ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે ભગવાન! ચારિત્રવંત મુનિરાજ તો પંચપરમેષ્ઠીમાં ભળેલા છે પ્રભુ! અહાહા....! ધન્ય અવતાર! એવા મુનિવરનાં અહીં આ કાળે દર્શન પણ દુર્લભ થઈ પડયાં છે! ભાઈ! ચારિત્ર એક આત્માનો ગુણ છે; પણ ચારિત્ર આત્માનું છે-એવા ભેદથી શું સિદ્ધિ છે? કાંઈ જ નહિ. માટે અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે. અહાહા...! પરના અને રાગના અભાવસ્વભાવસ્વરૂપ ભગવાન આત્મા-તેની દ્રષ્ટિ કરી તેમાં જ સ્થિર રહેવું તેનું નામ મોક્ષમાર્ગ છે; બીજી કોઈ રીતે મોક્ષમાર્ગ નથી.

આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ-

૧. આત્મા પરદ્રવ્યને અપોહે છે અર્થાત્ ત્યાગે છે-એ વ્યવહારકથન છે;

૨. આત્મા જ્ઞાનદર્શનમય એવા પોતાને ગ્રહે છે-એમ કહેવામાં પણ સ્વ-

સ્વામીઅંશરૂપ વ્યવહાર છે;

૩. અપોહક અપોહક જ છે-એ નિશ્ચય છે.

હવે વ્યવહારનું વ્યાખ્યાન કરવામાં આવે છેઃ-

‘જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (-ભીંત-આદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (-ખડીના) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે;.....’

જુઓ, શું કીધું? કે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી -જે પહેલાં કહેવામાં આવી તે જ ખડી-પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે પરિણમતી નથી. અહાહા....! ભીંત-આદિ પરદ્રવ્યને ખડી ધોળી કરે છે ત્યાં કાંઈ ખડી ભીંત-આદિરૂપે થઈ જતી નથી. વળી તે ખડી ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે પણ કરતી નથી. લ્યો, આવી વાત. ખડી ભીંતને ધોળી કરે છે ત્યાં ખડી ભીંતરૂપ ન થાય, ખડી ખડી જ રહે, તેમ જ ખડી ભીંતને પોતાના સ્વભાવે ધોળી અવસ્થાપણે પણ કરતી નથી.


PDF/HTML Page 3388 of 4199
single page version

ખડી પોતાની સફેદાઈપણે ઉપજે તેમાં ભીંત-આદિ પરદ્રવ્ય નિમિત્ત છે બસ. નિમિત્ત એટલે શું? કે સાથે એક બીજી ચીજ છે બસ એટલું જ; નિમિત્ત કાંઈ કરે છે એમ નહિ. હવે લોકોને આ મોટી તકરાર કે -નિમિત્ત તો છે ને? બાપુ! નિમિત્ત છે એનો અર્થ જ એ કે તે કાંઈ કરતું નથી. ખડીની સફેદાઈ ને શું ભીંત કરે છે? ના. ખડીમાં સફેદાઈ પોતાની પોતાથી થઈ છે તેમાં ભીંત-આદિ પરદ્રવ્ય નિમિત્ત છે બસ.

ખડી પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામથી ઉપજે છે, ભીંતપણે ઉપજતી નથી; તેમ જ ખડી ભીંતને પોતાના સફેદસ્વભાવપણે પરિણમાવતી નથી-કરતી નથી. ખડીની સફેદાઈને ભીંત નિમિત્ત છે, ને ભીતને ખડીની સફેદાઈ નિમિત્ત છે. બસ, આમ અરસપરસ નિમિત્ત છે એટલું, એકબીજાના કર્તા નથી. આ રીતે નિમિત્ત છે માટે (નિમિત્તની મુખ્યતાથી) ખડી ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવથી ધોળી કરે છે- એમ વ્યવહાર કરવામાં આવે છે. આ દ્રષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છે-

‘તેવી રીતે જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (- પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (- ચેતયિતાના) સ્વભાવથી જાણે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.’

અહાહા.....! જોયું? ચેતયિતા પ્રભુ આત્મા જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. અહા! આવો જ્ઞાનસ્વભાવી આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે થતો નથી; અને આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે જ્ઞાનપણે પરિણમાવતો-કરતો નથી. ઝીણી વાત છે ભાઈ!

અહીં કહે છે-જાણગ-જાણગ-જાણગ એવા જ્ઞાનસ્વભાવથી ભરેલો ભગવાન આત્મા દયા, દાન, વ્રત આદિ વ્યવહારરત્નત્રયના રાગપણે થતો નથી. વ્યવહારરત્નત્રયનો રાગ જ્ઞાનીને હોય છે, પણ જેને નિશ્ચય ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની રાગપણે થતો નથી. અહાહા....! જ્ઞાનસ્વભાવે પરિણમતો આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યને- વ્યવહારરત્નત્રયના રાગને જાણે છે ત્યાં આત્મા-જ્ઞાન વ્યવહારરત્નત્રયના રાગરૂપે થઈ જતો નથી, પુદ્ગલાદિરૂપ થઈ જતો નથી; તેમ આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યને, વ્યવહારરત્નત્રયના રાગને જ્ઞાનપણે કરતો-પરિણમાવતો નથી.


PDF/HTML Page 3389 of 4199
single page version

અહાહા....! આત્મા જ્ઞાનસ્વભાવની નિર્મળ પર્યાયપણે ઉપજે ત્યાં વ્યવહારરત્નત્રય એમાં નિમિત્ત છે, પણ નિમિત્તથી કાંઈ જ્ઞાનની નિર્મળ પર્યાય પ્રગટ થઈ છે એમ નથી. વ્યવહારરત્નત્રયના કારણે કાંઈ સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં છે એમ નથી. આત્મામાં જ્ઞાન પોતાનું પોતાથી થયું છે, તેમાં પુદ્ગલાદિ પરદ્રવ્ય કે વ્યવહારરત્નત્રય આદિ નિમિત્ત છે બસ. નિમિત્તનો અર્થ જ એ છે કે તે ઉપાદાનમાં કાંઈ કરતું નથી; અન્યથા નિમિત્ત જ ન રહે, નિમિત્ત-ઉપાદાન એક થઈ જાય. બાપુ! આ તો ભગવાન કેવળીની વાણીમાં પ્રસિદ્ધ થયેલો ન્યાય છે.

જેમ ખડી ભીંતને ધોળી કરે છે એમ કહીએ ત્યાં ખડીની સફેદાઈ ભીંતરૂપે થતી નથી અને ખડી, ભીંતને સફેદાઈરૂપે પરિણમાવતી નથી તેમ ભગવાન આત્મા, અહાહા....! જ્ઞાનસ્વભાવી પ્રભુ-જેના દ્રવ્યભાવમાં જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન વ્યાપ્યું છે, તે નિર્મળ જ્ઞાનપણે ઉપજે છે ત્યાં વ્યવહારરત્નત્રય આદિ નિમિત્ત હો, પણ ઉપજેલી તે જ્ઞાનની પર્યાય રત્નત્રયના એ રાગરૂપ થતી નથી અને તે જ્ઞાનની પર્યાય રાગને જ્ઞાનપણે પરિણમાવતી- કરતી નથી. જ્ઞાન જ્ઞાનપણે રહે છે, અને રાગ રાગરૂપ જ રહે છે. આવી વાત!

આ શરીરમાં કેન્સરનો રોગ થાય છે ને? શરીરમાં એક જાતનો સડો થાય તે કેન્સર છે. કોઈને આંતરડામાં, કોઈને છાતીમાં, કોઈને નાકમાં, કોઈને ગળામાં ને કોઈને પેશાબના સ્થાનમાં કેન્સર થતું હોય છે. અહા! એ કેન્સર થાય ત્યારે રાડે-રાડ પાડે છે માણસ. અહીં કહે છે-શરીરમાં કેન્સરની જે અવસ્થા થાય તેને આત્મા-જ્ઞાન જાણે છે, પણ જ્ઞાન પોતે તે-રૂપે પરિણમતું-થતું નથી, કે રોગની અવસ્થાને જ્ઞાનપણે કરતું નથી.

રોગ હો કે નીરોગ દશા હો, એ તો બધી પરવસ્તુ ભગવાન! એને જાણવું તે વ્યવહાર ત્યારે કહેવાય કે જ્યારે આને ત્રિકાળી ધ્રુવ ભગવાન જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ થઈને સમ્યગ્દર્શન-જ્ઞાન થયાં હોય. એ સિવાય તો બધો વ્યવહારાભાસ છે. શરીરની અને જ્ઞાનની પરિણતિને એક જાણે છે એને વ્યવહાર ક્યાં છે? નથી.

અહાહા...! જેને શુદ્ધ ચૈતન્યની-ભગવાન ધ્રુવસ્વરૂપની દ્રષ્ટિ થઈને સમ્યગ્દર્શન- જ્ઞાન થયાં છે એને ઓલો (વ્યવહારરત્નત્રયનો) રાગ છે તેને જાણેલો વ્યવહાર કહીએ, કેમકે રાગ ને જ્ઞાનની પરિણતિ બે એક નથી. જ્ઞાન રાગને જાણે એમ કહીએ તે વ્યવહાર કેમકે રાગ ને જ્ઞાન બે એક વસ્તુ નથી, ભિન્ન છે. સમજાણું કાંઈ....?

શરીર સુંદર હોય એની મીઠાશમાં અરે! એણે અંદર ત્રિકાળી પ્રભુની સુંદરતા ખોઈ નાખી છે; તેમ શુભરાગની મીઠાશમાં એણે શુદ્ધ ચૈતન્યના અનંતા સુખની


PDF/HTML Page 3390 of 4199
single page version

મીઠાશ મિટાવી દીધી છે. અરે ભગવાન! અહીં ત્રિલોકીનાથ ભગવાન કેવળીની વાણીમાં શું કીધું છે તે જરા સાંભળ!

અહાહા...! કહે છે-જ્ઞાનસ્વરૂપે પરિણમતો ભગવાન આત્મા વ્યવહારરત્નત્રયના અને દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગરૂપે થતો નથી. આત્માના દ્રવ્ય-ગુણ તો ત્રિકાળ શુદ્ધ ચેતનાગુણથી ભરેલા છે. તેની જ્ઞાનની પર્યાય જ્ઞાતાદ્રષ્ટાપણે પરિણમે ત્યાં તે પરિણમન રાગને પોતારૂપ કરતું નથી, તેમ તે જ્ઞાનનું પરિણમન રાગરૂપે થતું નથી.

રાગને અહીં પુદ્ગલસ્વભાવ કહ્યો છે કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી, રાગની ચૈતન્યની જાતિ નથી; વળી તે પુદ્ગલના સંગમાં પ્રગટ થાય છે. માટે રાગને અજીવ પુદ્ગલસ્વભાવ કહ્યો છે.

ત્યારે કેટલાકને વાંધા છે; એમ કે વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય છે.

હા, પણ કોને? જેને અંતરંગમાં નિશ્ચય સાધન પ્રગટ થયું છે તેને જે રાગાદિ વ્યવહાર છે તેને વ્યવહારથી સાધન કહેવામાં આવે છે. ધર્મી પુરુષના બાહ્ય વ્યવહારને સાધન કહીએ તે ઉપચારમાત્રથી છે, વાસ્તવિક નહિ. ભાઈ! વસ્તુસ્થિતિ શું છે તે બરાબર સમજવું જોઈએ. (અજ્ઞાનીની બાહ્ય ક્રિયામાં તો સાધનનો ઉપચાર પણ સંભવિત નથી) .

ભાઈ! આ તારા હિતની વાત છે કે જ્ઞાન રાગરૂપે પરિણમે નહિ અને રાગને પોતારૂપે-જ્ઞાનરૂપે પરિણમાવે નહિ.

ભાઈ! આ રૂપાળું શરીર, પૈસા, આબરૂ, મકાન-બંગલા ઇત્યાદિ બધા બહારના ઠાઠ છે. તું એમાં ગુંથાઈ-ગુંચાઈ રહ્યો છો પણ એ તો મસાણના હાડકાના ફોસ્ફરસની ચમક જેવા છે, દેખાય ને વિલય પામી જાય. અહા! એ બધી ચીજ તારામાં ક્યાં છે પ્રભુ? ત્યાંથી ખસી જા, અને અંતર્દ્રષ્ટિ કર. ઓહો! અતીન્દ્રિય આનંદરૂપ અમૃતનો સાગર પ્રભુ અંદર શાશ્વત ડોલી રહ્યો છે. તેના સ્વરૂપના લક્ષે અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનની પરિણતિ પ્રગટે છે. અહા! તે જ્ઞાનની પરિણતિ, અહીં કહે છે, રાગને પોતાપણે કરતી નથી, અને તે પરિણતિ રાગરૂપ થતી નથી. અહો! આચાર્યદેવે મહા અલૌકિક વાત કરી છે.

ભગવાન આત્મા જ્ઞાનસ્વભાવથી ભરેલો પ્રભુ છે. તે જ્ઞાનરૂપે થાય તે તો વસ્તુની સ્થિતિ છે, પણ તે રાગરૂપે થાય એ વસ્તુની સ્થિતિ નથી. તો શું છે? તેના જ્ઞાનના પરિણમનના કાળે જે રાગાદિ પરદ્રવ્ય છે તે જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત છે. શું કીધું? પરદ્રવ્યને જાણવાના કાળે જ્ઞાનની પરિણતિમાં પરદ્રવ્ય-શરીરાદિ, રાગાદિ,


PDF/HTML Page 3391 of 4199
single page version

કર્માદિ-નિમિત્ત છે. નિમિત્ત એટલે ઉપાદાનનું કાંઈ કરે એમ નહિ, નિમિત્ત એટલે ઉપાદાનના કાળે સાથે બીજી એક સાનુકૂળ ચીજ છે બસ; બાકી નિમિત્ત-પરદ્રવ્યને કારણે કાંઈ જ્ઞાનની પરિણતિ થઈ છે એમ નથી. નિમિત્ત અને ઉપાદાન-બન્નેનો સમકાળ છે એટલું. શાસ્ત્ર-ભાષામાં તેને કાળપ્રત્યાસત્તી કહે છે.

જેમકે -આત્મામાં અંદર જ્ઞાનની પરિણતિ થાય તે કાળે શરીર આમ હલ્યું; હવે બન્નેનો એક જ કાળ છે, સમકાળ છે, પણ તેથી જ્ઞાનથી શરીર હલ્યું એ વાત ક્યાં રહી? તથા શરીર હલ્યું માટે જ્ઞાન થયું એમ પણ ક્યાં રહ્યું? શરીરનું હલવું છે તે જડની પર્યાય છે, ને જ્ઞાન થયું તે જીવની-ચેતનની પર્યાય છે. શરીરની અવસ્થા જ્ઞાનમાં નિમિત્ત હો, પણ જ્ઞાનનું પરિણમન શરીરથી થયું છે એમ કદાપિ નથી. બન્નેમાં સમકાળે પ્રગટ થતાં પરિણમન પોતપોતામાં સ્વતંત્ર છે; આનાથી આ પરિણમન થયું એમ કદી છે જ નહિ, હોઈ શકે નહિ.

અહા! જીવ ચોરાસીના અવતારમાં દુઃખી દુઃખી થઈને રખડી મરે છે. કીડી, કાગડા, કંથવા, નરક-નિગોદાદિના અનંત અનંત ભવ કરીને એણે પારાવાર દુઃખ સહન કર્યું છે. અરે! સાંભળ્‌યાં જાય નહિ એવાં અપાર ઘોર દુઃખ એણે અજ્ઞાનભાવે સહન કર્યાં છે. એના દુઃખનું શું કથન કરીએ? અરે! એ મનુષ્ય તો અનંત વાર થયો, પણ રાગથી હું ભિન્ન ચિન્માત્ર આત્મા છું, પરનું હું કાંઈ ન કરું ને પર મારું કાંઈ ન કરે-એવું ભેદજ્ઞાન એણે કર્યું નહિ. ભાઈ! તારી જે ચીજ નથી તેને તેં પોતાની માની છે, સંયોગીભાવ વિભાવ છે તેને તેં સ્વભાવ માન્યો છે તો હે ભાઈ! તારા ભવભ્રમણનો અંત નહિ આવે. અરે! તને ભવનો ભય નથી!

યોગસારમાં આચાર્ય યોગીન્દ્રદેવ કહે છેઃ-

ઇચ્છે છે નિજ મુક્તતા, ભવભયથી ડરી ચિત્ત;
તે ભવિ જીવ સંબોધવા, દોહા રચ્યા એક ચિત્ત.

અહા! આચાર્ય કહે છે-ભવ-ભયથી ડરીને આ શાસ્ત્ર હું બનાવું છું. શું કામ? કે ભવ-ભયનો જેમને ડર છે એવા ભવ્ય જીવોને સંબોધવા આ દોહા રચું છું. ભાઈ! ભવ અને ભવના ભાવનો જેને પ્રેમ છે તેને ભવ-ભયનો ડર નથી. શું થાય? અરે! એ ક્યાંય ભવસમુદ્રમાં ખોવાઈ જશે.

જુઓને, આવી સત્ય વાત બહાર આવી ત્યાં જૈનમાં પણ કોઈ લોકોએ ગડબડ ઊભી કરી છે. પં. શ્રી ફૂલચંદજી સિદ્ધાંતશાસ્ત્રી ‘જૈન તત્ત્વમીમાંસા’ માં લખે છે કે- (પાન ૨૯૦)

“જ્યારથી બધા દ્રવ્યોની ક્રમબદ્ધ (ક્રમનિયમિત) પર્યાયો થાય છે એવું


PDF/HTML Page 3392 of 4199
single page version

તથ્ય પ્રમુખરૂપથી બધાની સામે બહાર આવ્યું છે ત્યારથી એક બે વિદ્વાનો તરફથી કેવળજ્ઞાનના વિષયમાં શંકા ઉપસ્થિત કરવામાં આવી છે. તેમના મનમાં એવું શલ્ય છે કે કેવળજ્ઞાનને સર્વ દ્રવ્યો અને તેની સર્વ પર્યાયોનું જ્ઞાતા માની લેવાથી સર્વ દ્રવ્યોની પર્યાયો ક્રમબદ્ધ સિદ્ધ થઈ જશે. પરંતુ તેઓ આમ થવા દેવા ચાહતા નથી, જેથી તેઓ કેવળજ્ઞાનના સામર્થ્ય ઉપર ઉક્ત પ્રકારની શંકાઓ કરવા લાગ્યા છે. પરંતુ તેઓ આવી શંકા કરતી વેળા એ ભૂલી જાય છે કે જૈનધર્મમાં તત્ત્વપ્રરૂપણાનો આધાર જ કેવળજ્ઞાન છે.”

ભાઈ! ‘સ્વામી કાર્તિકેય-અનુપ્રેક્ષા’ માં સ્પષ્ટ કહ્યું છે કે જે દ્રવ્યની જ્યાં જે ક્ષેત્રે, જે કાળે જે પર્યાય, જે રીતે, જે પ્રકારે થવાની હોય ત્યાં તે કાળે તે જ થાય છે; અને આવું જે માને તે સમ્યગ્દ્રષ્ટિ છે. આડી-અવળી થાય, વા આનાથી આ થાય-એવું માને તે કુદ્રષ્ટિ છે.

અહીં કહે છે-પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા જ્ઞાનગુણના સ્વભાવથી ભરેલો ચેતયિતા છે તે જ્ઞાનસ્વભાવે ઉપજે છે. અહાહા....! આત્મા કેવળજ્ઞાનની પર્યાયે ઉપજે છે ત્યાં પરદ્રવ્ય-લોકાલોક આખું-નિમિત્ત છે, પણ લોકાલોક છે માટે કેવળજ્ઞાનની પર્યાય થાય છે એમ નથી. તથા લોકાલોક પરિણમે છે તેને કેવળજ્ઞાન નિમિત્ત છે, પણ કેવળજ્ઞાનની પર્યાય છે માટે લોકાલોક પરિણમે છે એમ નથી. અરસપરસ બન્ને નિમિત્ત છે, પણ ત્યાં કર્તાકર્મભાવ નથી. બન્ને પરસ્પર અનુકૂળ સાથે રહેલ છે, બસ. આત્મસિદ્ધિમાં શ્રીમદે કહ્યું છે કે-

નય નિશ્ચય એકાન્તથી આમાં નથી કહેલ,
એકાન્તે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ.

બન્ને સાથે રહેલ છે. એનો અર્થ શું? કે આનાથી આ છે એમ નથી. દ્રવ્ય- સંગ્રહની ગાથા ૪૭ માં આવે છે કે-નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગ-બન્ને ધ્યાનમાં પ્રગટ થાય છે. હવે એમાં વ્યવહાર પહેલો ને નિશ્ચય પછી એમ છે જ ક્યાં? સ્વરૂપની દ્રષ્ટિ ને રમણતા થતાં નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે અને ત્યારે તે જ કાળે જે રાગ બાકી રહ્યો છે તેને આરોપ કરીને વ્યવહારથી વ્યવહારમોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ પ્રમાણે નિશ્ચય-વ્યવહાર બન્ને સાથે વિદ્યમાન છે. વ્યવહારનો રાગ જે તે કાળે છે તેને નિમિત્ત કહેવામાં આવે છે.

હમણાં હમણાં કોઈ પંડિતો સ્વીકારવા લાગ્યા છે-એમ કે સોનગઢવાળાઓ નિમિત્ત માનતા નથી એમ નથી, નિમિત્ત છે, પણ નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ કાર્ય થાય છે એમ માનતા નથી. હા, ભાઈ! એમ જ છે. જ્ઞાનની પરિણતિ થાય ત્યાં


PDF/HTML Page 3393 of 4199
single page version

રાગ નિમિત્ત છે અને રાગને જ્ઞાનની પરિણતિ નિમિત્ત છે; પણ જ્ઞાનથી રાગ થયો કે રાગથી જ્ઞાન થયું એમ છે નહિ. અહીં ચેતયિતા શબ્દ છે, ચેતયિતા શબ્દથી જ્ઞાનનું જે પરિણમન થયું એની અહીં વાત છે. ચેતયિતા જ્ઞાનરૂપે પરિણમ્યો તે રાગને નિમિત્ત છે, અને તેને રાગ નિમિત્ત છે; પણ કર્તાકર્મ નહિ. અહા! ભગવાન કેવળીના શ્રીમુખેથી જે ઇન્દ્રો, મહામુનિવરો અને ચાર જ્ઞાનના ધણી ગણધરોએ સાંભળી તે આ વાત છે, મહા સૂક્ષ્મ ને ગંભીર! અહા! ચાર જ્ઞાનના ધણી ભગવાન ગણધરદેવ અતિ નમ્ર થઈ જે વાણી સાંભળવા બેસે તેની શી વાત! અહા! તે અસાધારણ અલૌકિક આ વાત છે.

અહા! ધર્મી પુરુષની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે. તેને રાગની એકત્વબુદ્ધિનું પરિણમન નથી. અહા! તેને સમયસમયનું ક્રમબદ્ધ જે જ્ઞાનનું પરિણમન થાય છે તેમાં તે, તે તે કાળે જે રાગ છે તેને તે (પૃથક) જાણે છે. ત્યાં જે રાગ છે તે જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત છે બસ. તે તે રાગને જ્ઞાનના પરિણમનમાં નિમિત્ત કહેવામાં આવે છે. એનો અર્થ એ કે એ બન્ને સાથે છે. બાકી રાગ કર્તા ને જ્ઞાનનું જે પરિણમન થયું તે કાર્ય એમ નથી; તથા જ્ઞાન કર્તા ને જે રાગ થયો તે કાર્ય એમ પણ નથી. ખરેખર તો જ્ઞાનનું પરિણમન તે કાર્ય અને ભગવાન આત્મા તેનો કર્તા-એમ કહીએ એ પણ ભેદ-ઉપચાર છે. વાસ્તવમાં જ્ઞાનની પરિણતિનો કર્તા તે પરિણતિ પોતે છે; આત્માને તેનો કર્તા કહેવો તે ભેદોપચાર છે, વ્યવહાર છે. આવી ગજબ વાત છે પ્રભુ! સત્ જ આવું છે; ભગવાને જેવું ભાળ્‌યું તેવું ભાખ્યું છે, અને તે આ છે.

અહા! આમાં તો પર્યાય-પર્યાયની સ્વતંત્રતાનો ઢંઢેરો પીટયો છે. અહા! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા-તેની જ્ઞાનની પર્યાય ક્રમબદ્ધ થાય તે સ્વતંત્ર છે. રાગ છે માટે જ્ઞાન થાય છે એ તો ક્યાંય દૂર રહ્યું, દ્રવ્ય (ત્રિકાળી) છે માટે તેની જ્ઞાનની પર્યાય થાય છે એમ પણ નથી; કેમકે દ્રવ્ય તો સદાય છે, છતાં પરિણતિ એકરૂપ થતી નથી, ભિન્ન ભિન્ન થાય છે. પર્યાય ભિન્ન ભિન્ન થાય છે એ પર્યાયનું પોતાનું સ્વતંત્ર કાર્ય છે એમ સિદ્ધ કરે છે. આવી વાત બહુ ઝીણી!

હવે આવું, બહારમાં રસ હોય એટલે માણસને આકરું લાગે એટલે કહે કે- દયા કરો ને દાન કરો ને વ્રત કરો ને ઉપવાસ કરો ઇત્યાદિ. પણ બાપુ! એ ધર્મ નથી, એવું એવું તો અનંતવાર કર્યું પ્રભુ! પણ એ તો બધી રાગની ક્રિયા ભગવાન! અહીં કહે છે-એ તારા જ્ઞાનસ્વભાવના પરિણમનમાં નિમિત્તપણે જાણવાલાયક છે, બસ. વળી તે રાગની ક્રિયામાં જ્ઞાનનું પરિણમન પણ નિમિત્ત તરીકે છે, એણે રાગ ઉત્પન્ન કર્યો છે એમ નથી. અહાહા.....! આ સમયસાર તો અપાર ગંભીર, જાણે કેવળજ્ઞાનનો કક્કો!!


PDF/HTML Page 3394 of 4199
single page version

ભાઈ! આ તો મારગ જુદી જાતનો છે બાપા! અરેરે! માર્ગના ભાન વિના એ અનંતકાળથી આથડી મર્યો છે. શ્રીમદે કહ્યું છે ને કે-

અનંતકાળથી આથડયો, વિના ભાન ભગવાન;
સેવ્યા નહિ ગુરુ સંતને, મૂકયું નહિ અભિમાન.

અરેરે! સંતોએ -આચાર્ય ભગવંતોએ કહેલી વાત એણે માની નહિ? સાંભળીય નહિ! ! અહીં કહે છે-ભાઈ! એક વાર પ્રસન્નચિત્ત થઈ તારી પ્રભુતાની વાત અંતરમાં પ્રીતિ લાવીને સાંભળ. અહાહા...! પોતે ભગવાન અંદર જ્ઞાનાનંદની લક્ષ્મીનો ભંડાર શુદ્ધ એક જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે. તેને જેણે જોયો ને જાણ્યો તેને જાણવાની (નિર્મળ) પર્યાય પ્રગટ થઈ છે. હવે તેને જે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો જે વિકલ્પ ઉઠયો તે, અહીં કહે છે, જ્ઞાન પર્યાયમાં નિમિત્ત કહેવામાં આવે છે; અને તે વિકલ્પરૂપ રાગના પરિણામને જ્ઞાનની પર્યાય નિમિત્ત કહેવામાં આવે છે; અર્થાત્ જ્ઞાનની પર્યાય છે તે રાગને કરતી નથી, પૃથક્ છે; ને રાગની પર્યાય છે તે જ્ઞાનને કરતી નથી, પૃથક્ છે. જ્ઞાનથી રાગ ભિન્ન જ રહી જાય છે. આવી વાત! અત્યારે તો સાંભળવા મળવી પણ દુર્લભ છે.

ભાઈ! જેને અંતરંગમાં નિશ્ચય પરિણમ્યો છે તેને બાહ્ય વ્યવહાર નિમિત્ત છે, પણ જેને નિશ્ચય ધ્રુવ અંતરંગતત્ત્વનું જ્ઞાન જ નથી તેને નિમિત્ત કોનો કહેવો? તેને વ્યવહાર નિમિત્ત કેમ કહીએ? ઓહો! ભગવાનનો મારગ ખૂબ ઊંડો, ગંભીર ને સૂક્ષ્મ છે. વસ્તુ અનંત અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા અતિ સૂક્ષ્મ, ને તેના આશ્રય વડે ઉત્પન્ન માર્ગ પણ સૂક્ષ્મ ને ગંભીર છે. કહે છે-આત્માના આશ્રયે જે અબંધ પરિણામ પ્રગટ થયા તેમાં બંધના પરિણામ નિમિત્ત છે, ને બંધના પરિણામને જીવના અબંધ પરિણામ નિમિત્ત છે. ગજબ વાત છે. નિમિત્ત છે એટલે બંધના પરિણામ અબંધને કે અબંધના પરિણામ બંધને કરે એમ નહિ. એ તો બેય સાથે છે બસ. અહો! દિગંબર સંતોએ વીતરાગભાવની રેલમછેલ કરી છે.

ભગવાન આત્મા અનંતશક્તિની ખાણ છે. એવા શક્તિમાન પ્રભુનો જ્યાં સ્વ- સંવેદનપ્રત્યક્ષ અનુભવ થયો ત્યાં જે જ્ઞાન ને આનંદની પર્યાય પ્રગટી તે મોક્ષમાર્ગ; સ્વાનુભવની દશા તે મોક્ષમાર્ગ ને જે રાગની દશા રહી તે સંસાર છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે-છઠ્ઠા ગુણસ્થાને જેટલો મહાવ્રતાદિનો વિકલ્પ ઉઠે છે તે બધો જગપંથ છે. જ્યાંસુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાંસુધી કિંચિત્ રાગ હોય છે, ભક્તિ, વ્રત, તપ આદિનો વિકલ્પ હોય છે, પણ છે એ સંસાર. અને જેટલો સ્વ-આશ્રય થયો, જેટલી સ્વ- અનુભવની દશાની સ્થિરતા થઈ તેટલો મોક્ષનો મારગ થયો; તે મોક્ષનું કારણ હોવાથી મોક્ષસ્વરૂપ છે. કહ્યું છે ને કે-


PDF/HTML Page 3395 of 4199
single page version

અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસ-કૂપ;
અનુભવ મારગ મોખનો, અનુભવ મોખસ્વરૂપ.

પ્રવચનસારમાં પણ મોક્ષના માર્ગને મોક્ષતત્ત્વ કહ્યું છે. મોક્ષનું કારણ છે તે મોક્ષસ્વરૂપ છે, અને વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તે સંસાર છે, જગપંથ છે. ભાઈ! આ તારા સુખના પંથની રીત કહી છે. ભાઈ! તારા જ્ઞાનમાં નિશ્ચય તો કર કે વસ્તુ આવી છે, મારગ આવો છે. અહીં કહે છે -

ચેતયિતા, પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના જ્ઞાનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (-પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને, પોતાના (-ચેતયિતાના) સ્વભાવથી જાણે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.

અહાહા...! જેમ જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે તે જ્ઞાનસ્વભાવથી ભરેલો ભગવાન પોતે છે તેના આશ્રયે થઈ છે, વ્યવહારરત્નત્રયથી નહિ; તેમ ચેતયિતાના પરિણામ જેને નિમિત્ત છે એવો જે રાગ તે પોતાના (-રાગના, વિભાવના પૌદ્ગલિક) સ્વભાવથી ઉત્પન્ન થાય છે, આત્માથી નહિ. વ્યવહારરત્નત્રયનો રાગ પુદ્ગલથી (પુદ્ગલના આશ્રયે) ઉત્પન્ન થયો છે. રાગ કે જે પુદ્ગલસ્વભાવ છે તેને, અહીં કહે છે, પોતાના જ્ઞાનસ્વભાવથી ચેતયિતા જાણે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે. ચેતયિતા પોતાની જ્ઞાન-પર્યાયથી રાગાદિ પરદ્રવ્યને જાણે છે એમ કહીએ તે વ્યવહાર છે એમ કહે છે. અહાહા....! પુદ્ગલસ્વભાવ એવા રાગને કરે છે એ વાત તો છે નહિ, આત્મા પોતાના જ્ઞાનસ્વભાવના પરિણમનથી રાગને જાણે છે એમ કહીએ એય વ્યવહાર છે. બારમી ગાથામાં આવી ગયું ને કે તે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, એ વાત અહીં સિદ્ધ કરી છે. જાણવાના સ્વભાવથી પરિણમેલા ભગવાન આત્માના જ્ઞાનપરિણામને રાગ કરે નહિ, રાગને જ્ઞાન કરે નહિ; પરંતુ આત્મા રાગને-પુદ્ગલદ્રવ્યને જાણે છે એમ કહેવામાં આવે છે તે વ્યવહાર છે. લ્યો, આવી વાત છે. સમજાણું કાંઈ....?

‘વળી (જેવી રીતે જ્ઞાનગુણનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે દર્શનગુણનો વ્યવહાર કહેવામાં આવે છેઃ-

જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (- ભીંત-આદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના (- ખડીના) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે;’ .......


PDF/HTML Page 3396 of 4199
single page version

જુઓ, શ્વેતગુણથી ભરેલી ખડી છે તે પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે થતી નથી; તેમ જ તે ખડી ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવરૂપ કરતી નથી. તો શું છે? તો કહે છે-ખડી સ્વભાવથી જ પોતાની સફેદાઈપણે ઉપજે તેમાં ભીંત-આદિ પરદ્રવ્ય નિમિત્ત છે; ને પોતાના સ્વભાવે ઉપજતા ભીંત-આદિ પરદ્રવ્યને ખડીની સફેદાઈ નિમિત્ત છે. અરસપરસ નિમિત્ત છે એટલું; કોઈ કોઈનું કાંઈ કરે એમ નહિ. આ પ્રમાણે નિમિત્ત હોવાથી ખડી ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવથી સફેદ કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે. આ દ્રષ્ટાંત કહ્યું, હવે સિદ્ધાંત કહે છેઃ-

‘તેવી રીતે દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતો થકો, પુદ્ગલાદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના દર્શનગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતો થકો, ચેતયિતા જેને નિમિત્ત છે એવા પોતાના (- પુદ્ગલાદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા પુદ્ગલાદિ પરદ્રવ્યને પોતાના (- ચેતયિતાના) સ્વભાવથી દેખે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે.’

જુઓ, શું કહે છે? કે ચેતયિતા-ભગવાન આત્મા-અહાહા.....! આત્મા તો જ્ઞાનાનંદલક્ષ્મીનો નાથ પ્રભુ સ્વરૂપથી ભગવાન જ છે. અમે તો આત્માને ભગવાન જ દેખીએ ને કહીએ છીએ. સમયસાર, ગાથા ૭૨ ની ટીકામાં આચાર્યદેવે આત્માને ત્રણવાર ‘ભગવાન આત્મા’ કહીને બોલાવ્યો છે. ત્યાં ત્રણ બોલ લીધા છે. એમ કે - ૧. આસ્રવો- દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પો અશુચિ છે, ભગવાન આત્મા શુદ્ધ એક જ્ઞાયક પ્રભુ અત્યંત શુચિ છે.

૨. આસ્રવો જડસ્વભાવ હોઈ ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે, ભગવાન આત્મા સદાય શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે.

૩. આસ્રવો આકુળતાને ઉપજાવનારા એવા દુઃખના કારણો છે, ભગવાન આત્મા સદાય નિરાકુળસ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે. આ પ્રમાણે ત્રણ બોલ દ્વારા ત્યાં આત્માને ‘ભગવાન આત્મા’ કહ્યો છે.

અહાહા....! જેમ ઝૂલામાં બાળકને માતા ઝૂલાવે ત્યારે તેની પ્રશંસાનાં ગીત ગાઈને માતા તેને ઉંઘાડી દે છે; તેમ અહીં પરમાત્મા ‘ભગવાન આત્મા’ નાં ગીત ગાઈને ભવ્ય જીવોને ઉંઘમાંથી જગાડે છે. અહાહા....! જાગ રે જાગ નાથ! તું તો ભગવાનસ્વરૂપ છો. રાગમાં એકતાબુદ્ધિ કરે એ તને ન શોભે. પંચમહાવ્રતના


PDF/HTML Page 3397 of 4199
single page version

પરિણામ પણ અશુચિ છે, જડ છે, દુઃખનાં જ કારણ છે. અહાહા....! વ્યવહારના પક્ષવાળા રાડ નાખી જાય એવી વાત છે ને? પણ ભાઈ! વિકલ્પની જે વૃત્તિ ઉઠે છે તે જડ છે અને એનાથી ભિન્ન પડી સ્વાનુભવ કરવો ને સ્વમાં જ રહેવું એ જ આ મનુષ્યભવમાં કરવા જેવું કર્તવ્ય છે.

ધર્મી પુરુષને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના વિકલ્પ આવે છે ખરા, પણ તે વિકલ્પ તેના જ્ઞાનનું જ્ઞેય છે, શ્રદ્ધાનમાં હેય છે અને ચારિત્રની અપેક્ષાએ તે દોષ છે, ઝેર છે. ધર્માત્મા પુરુષ કણમાત્ર રાગને હેય જ જાણે છે, માને છે.

ત્યારે કોઈ પંડિત વળી શુભભાવને-પુણ્યભાવને ઉપાદેય માને છે.

અરે ભગવાન! તું શું કહે છે? અહીં તો સ્પષ્ટ વાત છે કે રાગમાત્ર હેય છે, કેમકે રાગ અશુચિ છે, જડસ્વભાવ છે ને દુઃખનું કારણ છે. અહાહા....! ધ્રુવના ધ્યાન વિના ત્રણકાળમાં સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી; નિમિત્તથી નહિ, શુભરાગથી નહિ ને પર્યાયના લક્ષથી પણ સમ્યગ્દર્શન થતું નથી; એકમાત્ર નિત્યાનંદ ધ્રુવધામ પ્રભુ આત્માની દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન થાય છે. આવી વાત છે. સમજાણું કાંઈ....?

અહાહા....! ભગવાન આત્મા સદા નિરાકુળસ્વભાવ છે તે રાગનું કારણેય નથી ને રાગનું કાર્ય પણ નથી. શું કીધું? નિરાકુળ આનંદનો નાથ પ્રભુ આત્મા રાગનું કારણ નથી. આત્મા કારણ અને રાગ તેનું કાર્ય એમ નથી. અહાહા....! શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ મલિન રાગનું કારણ કેમ થાય? વળી વ્યવહારરત્નત્રયનો રાગ કારણ ને નિશ્ચયરત્નત્રય એનું કાર્ય એમ પણ નથી. આ તો ભગવાનની વાણી બાપુ! વિદેહમાં જઈને શ્રી કુંદકુંદ પ્રભુ આ લઈ આવ્યા છે. તેમાં આ કહે છે કે ભગવાન આત્મા રાગનું કારણ પણ નથી, કાર્ય પણ નથી. માર્ગ તો આવો છે પ્રભુ! ભગવાનનું તત્ત્વજ્ઞાન અતિ સૂક્ષ્મ છે, પણ શું થાય? તત્ત્વદ્રષ્ટિ થયા વિના એના જન્મ-મરણના અંત આવે એમ નથી.

અહીં કહે છે-ભગવાન આત્મા દર્શનગુણથી ભરેલા સ્વભાવવાળું એક દ્રવ્ય છે. આમાં ‘દર્શન’ શબ્દ વડે દર્શનગુણ ને શ્રદ્ધાગુણ -એમ બન્નેની વાત છે. અહાહા....! દેખવાના સ્વભાવથી પરિપૂર્ણ ને શ્રદ્ધાના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો એવો ભગવાન આત્મા છે. તો શું કહે છે? કે આવો આત્મા ચેતયિતા પ્રભુ પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવરૂપે પરિણમતો નથી. અહાહા....! જેમ શ્વેતગુણથી ભરેલી ખડી ભીંતરૂપે થતી નથી તેમ ભગવાન આત્મા શરીરાદિ કે રાગાદિરૂપે થતો નથી. ભાઈ! આત્મા વ્યવહારરત્નત્રયના વિકલ્પપણે થતો નથી.


PDF/HTML Page 3398 of 4199
single page version

વળી પુદ્ગલાદિ પરદ્રવ્યને આત્મા પોતાના સ્વભાવરૂપે પરિણમાવતો-કરતો નથી. અહાહા...! આ શરીર તો હાડ-માંસ ને ચામડાં પ્રભુ! તે-રૂપે આત્મા થતો નથી એ તો ઠીક, શુભરાગના સ્વભાવે પણ આત્મા થતો નથી તથા રાગને, શરીરાદિને પોતારૂપ કરતો નથી. આવી સૂક્ષ્મ વાત! ભાઈ! રાગ જે ઉત્પન્ન થાય છે તેને પરમાત્મા પુદ્ગલ કહે છે. જડસ્વભાવ છે ને? તેથી પુદ્ગલના પરિણામ કહીને તેને પુદ્ગલ કહી દીધો છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ છે અને પર્યાયમાં રાગ જે ઉત્પન્ન થાય છે તે જડ હોવાથી પુદ્ગલસ્વભાવ છે. ભાઈ! આ શરીરાદિ ને પૈસા-ધૂળ વગેરે તો પુદ્ગલમય છે, પણ રાગ જે થાય છે તેય પુદ્ગલમય છે આવી વાત!

ત્યારે બોટાદમાં એક વાર કોઈએ પ્રશ્ન કર્યો હતો કે -મહારાજ! તમે પૈસાને ધૂળ, ધૂળ-એમ વારંવાર કહો છો, પણ પૈસા વિના કાંઈ ચાલે છે?

ત્યારે કીધું ‘તું કે-ભાઈ! ભગવાન આત્મા સદાય પોતાના શુદ્ધ એક ચૈતન્યસ્વભાવથી અસ્તિરૂપ છે અને લક્ષ્મી-ધૂળ આદિથી નાસ્તિપણે છે. આ બધા કરોડપતિઓ એમ માને કે અમે લક્ષ્મીપતિ છીએ, પણ ધૂળેય લક્ષ્મીપતિ નથી; કેમકે લક્ષ્મી-ધૂળનો આત્મામાં કદીય પ્રવેશ થઈ શકતો નથી, અરે! એ બન્નેને પરસ્પર અડવાનોય સંબંધ નથી. બાપુ! અનંતકાળમાં તું લક્ષ્મી વિના જ રહ્યો છે, જો લક્ષ્મી તારી થઈ જાય તો તું જડ જ થઈ જાય. લક્ષ્મી વિના ન ચાલે એમ તું માને એ તો તારું પાગલપણું છે; એમ માનનારા કરોડપતિઓય બધા પાગલ જ છે. શું થાય? આકરું લાગે પણ આ વસ્તુસ્વરૂપ છે.

ભાઈ! તારી સમૃદ્ધિ અને તારા વૈભવની વાત તું એક વાર સાંભળ. અહાહા....! જ્ઞાન અને આનંદની ત્રિકાળી સંપદાથી ભરેલો ચૈતન્યનિધિ પ્રભુ તું ભગવાન આત્મા છો. અહાહા.....! આવી નિજ ચૈતન્યસંપદાને છોડીને, અહીં કહે છે, આત્મા પુદ્ગલાદિરૂપ ને રાગાદિરૂપ કદી થતો નથી. કોઈ ગમે તે માનો, આત્મા સદા એક જ્ઞાયકસ્વરૂપે જ રહ્યો છે. પ્રવચનસાર, ગાથા ૨૦૦ ની ટીકામાં આચાર્ય ભગવાન કહે છે કેઃ- જે અનાદિ સંસારથી આ જ સ્થિતિએ (જ્ઞાયકભાવપણે જ) રહ્યો છે અને જે મોહ વડે અન્યથા અધ્યવસિત થાય છે, તે શુદ્ધ આત્માને, આ હું મોહને ઉખેડી નાખીને, અતિ નિષ્કંપ રહેતો થકો, યથાસ્થિત જ (જેવો છે તેવો જ) પ્રાપ્ત કરું છું.

અરે ભાઈ! ત્રિલોકીનાથ પરમાત્માનાં આ કહેણ આવ્યાં છે તેનો તું સ્વીકાર કર. મોટા ઘરનું કહેણ આવે તો જેમ લોકમાં સગપણ કરે જ, પાછું ન ઠેલે, તેમ આ ભગવાનનાં કહેણ આવ્યાં છે તેને તું પાછાં ન ઠેલ. અહાહા.....! કહે છે-પ્રભુ!


PDF/HTML Page 3399 of 4199
single page version

તું જ્ઞાન-આનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છો, રાગરૂપે તું કદીય થયો નથી, ને રાગને કદીય પોતારૂપ કરતો નથી. અહા! રાગનું વેદન છે તે પર્યાયમાં છે, પણ ભગવાન આત્મા તો સદાય નિરાકુળસ્વભાવ એક જ્ઞાયકપણે રહ્યો છે.

અહા! દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ દુઃખનું-રાગનું વેદન છે તે આત્માને નથી, પણ જ્ઞાનની અપેક્ષાથી જુઓ તો સમ્યગ્દ્રષ્ટિને જેટલો રાગ આવે છે એટલું ત્યાં એને દુઃખનું વેદન પણ છે. અહા! દિગંબર મુનિરાજ કે જેને ત્રણ કષાયના અભાવની વીતરાગી શાન્તિમાં નિવાસ છે તેને પંચમહાવ્રતાદિનો જેટલો વિકલ્પ ઉઠે છે એટલું દુઃખ છે અને તે જગપંથ છે. સમયસાર નાટકમાં કહ્યું છે કે-

‘તા કારન જગપંથ ઈત, ઉત સિવ મારગ જોર;
પરમાદી જગકૌ ધુકૈ, અપરમાદિ સિવ ઓર.’

અહા! જેટલો પ્રમાદનો વિકલ્પ છે તે જગપંથ છે. હવે આવી વાત ઓલા શુભની રુચિવાળાને આકરી પડે પણ બાપુ! એ તો તારી કાયરતા છે. શાસ્ત્રમાં શુભભાવની રુચિવાળાને કાયર-નપુંસક કહ્યા છે. સમયસારમાં (ગાથા ૩૯ થી ૪૩ની ટીકામાં) “આ જગતમાં આત્માનું અસાધારણ લક્ષણ નહિ જાણવાને લીધે નપુંસકપણે અત્યંત વિમૂઢ થયા થકા.....” ઇત્યાદિ વચન આવે છે તેમાં રાગને પોતારૂપ માનનાર મૂઢ જીવ નપુંસક છે એમ કહ્યું છે. છે કે નહિ અંદર? ભાઈ! તેને નપુંસક કહ્યો છે કેમકે જેમ નપુંસકને પ્રજા થતી નથી તેમ એને-પુણ્યની રુચિવાળાને-ધર્મની પ્રજા પાકતી નથી. અહા! તેનું વીર્ય સ્વરૂપની રચના કરવાનું કામ કરતું નથી.

જેની દ્રષ્ટિ અંદર શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા ઉપર છે તેને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય તે પુણ્યાનુબંધી પુણ્ય છે; જેની દ્રષ્ટિ રાગ ઉપર છે, જેને શુભની રુચિ છે, તેને રાગ આવે ત્યારે પુણ્ય બંધાય તે પાપાનુબંધી પુણ્ય છે. લ્યો, બેમાં આવડો મોટો ફેર છે. અરે! જૈનધર્મ શું ચીજ છે એની લોકોને ખબર નથી. અંદર આનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ આત્મા છે તેની દ્રષ્ટિ ને તેની જ રમણતા કરવાથી ધર્મ થાય છે, રાગની રુચિવાળા તો મિથ્યાત્વભાવમાં રહેલા છે. રાગથી પોતાનું ભલું થવાનું માનનારા તો મૂઢ નપુંસક છે, તેમને ધર્મની પ્રાપ્તિ થતી નથી. આવો મારગ! અહાહા....! આ સમયસારમાં તો તત્ત્વજ્ઞાનના દરિયા ભર્યા છે.

અહા! દર્શનગુણથી ભરેલા આત્માની જેને દ્રષ્ટિ થઈ તે રાગને પોતારૂપ કરતો નથી, અને પોતે રાગરૂપ થતો નથી. દર્શનગુણના સ્વભાવથી ભરેલા આત્માની દ્રષ્ટિ થતાં દર્શનગુણની દેખવાની-શ્રદ્ધવાની જે પર્યાય પ્રગટ થઈ તે પર્યાયમાં રાગાદિ ભાવ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે તે દ્રષ્ટિની નિર્મળ પર્યાય કાંઈ નિમિત્તથી થઈ છે એમ


PDF/HTML Page 3400 of 4199
single page version

અર્થ નથી. નિમિત્ત એક બીજી ચીજ છે બસ, પણ નિમિત્ત કાંઈ જીવની પર્યાયને કરતું નથી. તેવી રીતે રાગના પરિણામ છે તેમાં દર્શનગુણની પર્યાય નિમિત્ત છે, ત્યાં દર્શનગુણના કારણે રાગ થયો છે એમ નથી. અહા! અરસપરસ નિમિત્ત છે, પણ દર્શનગુણના કારણે રાગ નહિ ને રાગના કારણે દર્શનગુણની પર્યાય નહિ. બન્ને ભિન્ન ભિન્ન ચીજ છે. અહો! આ અલૌકિક વાત છે. કહે છે-

ચેતયિતા, પોતાના (-પુદ્ગલાદિના) સ્વભાવ વડે ઉપજતા પુદ્ગલાદિ દ્રવ્યને પોતાના (અર્થાત્ ચેતયિતાના) સ્વભાવથી દેખે છે અથવા શ્રદ્ધે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે. રાગની શ્રદ્ધા કરે છે એમ કહીએ તે વ્યવહાર છે. શ્રદ્ધા તો સ્વસ્વરૂપની પોતાની છે, પણ નિમિત્તની મુખ્યતામાં જે કહેવાય છે કે રાગની શ્રદ્ધા કરે છે’-તે વ્યવહાર છે. સ્વસ્વરૂપનું પોતાનું શ્રદ્ધાન-દર્શન તે નિશ્ચય છે. આવી વાત છે.

‘વળી (જેવી રીતે જ્ઞાન-દર્શનગુણનો વ્યવહાર કહ્યો) એવી જ રીતે ચારિત્રગુણનો વ્યવહાર કહેવામાં આવે છેઃ-

જેવી રીતે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળી તે જ ખડી, પોતે ભીંત-આદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતી થકી અને ભીંત-આદિ પરદ્રવ્યને પોતાના સ્વભાવે નહિ પરિણમાવતી થકી, ભીંત-આદિ પરદ્રવ્ય જેને નિમિત્ત છે એવા પોતાના શ્વેતગુણથી ભરેલા સ્વભાવના પરિણામ વડે ઉપજતી થકી, ખડી જેને નિમિત્ત છે એવા પોતાના (- ભીંત-આદિના) સ્વભાવના પરિણામ વડે ઉપજતા ભીંત-આદિ પરદ્રવ્યને, પોતાના (- ખડીના-) સ્વભાવથી શ્વેત કરે છે-એમ વ્યવહાર કરવામાં આવે છે;....’

અહાહા....! શ્વેતગુણના સ્વભાવથી ભરેલી ખડી ભીંત-આદિને શ્વેત કરે છે એમ કહેવામાં આવે છે તે, કહે છે, વ્યવહાર છે. વાસ્તવમાં તો પોતાના શ્વેત સ્વભાવે પરિણમતી ખડી પોતાની સફેદાઈને કરે છે, તે કાંઈ ભીંત-આદિરૂપે થતી નથી, ને ભીત- આદિને પોતારૂપ કરતી નથી. શું કીધું? ખડી કાંઈ ભીંતમાં પ્રવેશતી નથી, ને ભીંત- આદિને પોતાની સફેદાઈરૂપ કરતી નથી. હા, ખડી ને ભીંત-આદિ અરસપરસ નિમિત્ત છે. નિમિત્ત હો. પણ તેઓ એકબીજાનું કાંઈ કરતાં નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે, માટે ખડી ભીંત-આદિને શ્વેત કરે છે એમ માત્ર વ્યવહારથી-ઉપચારથી કહેવામાં આવે છે. સમજાણું કાંઈ...? આ દ્રષ્ટાંત કહ્યું. હવે સિદ્ધાંત કહે છેઃ-

‘તેવી રીતે જેનો જ્ઞાનદર્શનગુણથી ભરેલો, પરના અપોહનસ્વરૂપ સ્વભાવ છે એવો ચેતયિતા પણ, પોતે પુદ્ગલાદિ પરદ્રવ્યના સ્વભાવે નહિ પરિણમતો થકો અને