Pravachan Ratnakar (Gujarati). Gatha: 20-25.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 18 of 210

 

PDF/HTML Page 341 of 4199
single page version

લક્ષે-સ્વભાવ તરફના પુરુષાર્થથી રાગથી ભેદ કરી ભેદજ્ઞાનવડે અવિચળ અનુભૂતિને પામે છે-ते एव તે જ પુરુષો मुकुरवत દર્પણની જેમ प्रतिफलननिमग्नानंतभावस्वभावैः પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી संततं નિરંતર अविकाराः स्युः વિકાર રહિત હોય છે.

શું કહે છે એ? કે અનુભૂતિની-જ્ઞાનની જે પર્યાય થઈ એ પર્યાયમાં પોતામાં પ્રતિબિંબિત થયેલા એ (અનંત ભાવોના-જ્ઞેયોના સ્વભાવ) જાણવામાં આવ્યા; શરીરની પર્યાય, વાણીની પર્યાય રાગની પર્યાય-એમ બધા અનંત ભાવો જ્ઞાનની પર્યાયમાં પોતપોતાના કારણે જાણવામાં આવ્યા, એ જ્ઞેયોનું જ્ઞાન થયું પણ જ્ઞેયો સંબંધી વિકાર થયો એમ નથી. એ જ્ઞેયોનું જ્ઞાન નિર્વિકારી છે. જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી (ભેદવિજ્ઞાની પુરુષો) રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. એ જ્ઞાનની પર્યાયનું પોતાનું સહજ સામર્થ્ય છે. તેથી સ્વને અને પરને પોતાના અસ્તિત્વમાં જાણે છે. તેથી એમાં રાગને જાણે, શરીરને જાણે માટે એ પરજ્ઞેયના કારણે અહીં (જ્ઞાનમાં) વિકાર થાય-એમ નથી. અનંત જ્ઞેયોના સ્વભાવને જાણે છતાં નિરંતર તેઓ વિકાર રહિત છે.

[પ્રવચન નં.ઃ ૬૧-૬૨ * દિનાંકઃ ૩૦-૧-૭૬ અને ૩૧-૧-૭૬]






PDF/HTML Page 342 of 4199
single page version

હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખી શકાય એનું ચિહ્ન બતાવો; તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

अहमेदं एदमहं अदमेदस्स म्हि अत्थि मम एदं।
अण्णं जं परदव्वं सच्चित्ताचित्तमिस्सं वा।। २० ।।
आसि मम पुव्वमेदं एदस्स अहं पि आसि पुव्वं हि।
होहिदि पुणो ममेदं एदस्स अहं पि होस्सामि।। २१ ।।
एयं तु असब्भूदं आदवियप्पं करेदि संमूढो।
भूदत्थं जाणंतो ण करेदि दु तं असंमूढो।। २२ ।।

अहमेतदेतदहं अहमेतस्यास्मि अस्ति ममैतत्।
अन्यद्यत्परद्रव्यं सचित्ताचित्तमिश्रं वा।। २० ।।

आसीन्मम पूंर्वमेतदेतस्याहमप्यासं पूर्वम्।
भविष्यति पुनममैतदेतस्याहमपि भविष्यामि।। २१ ।।

एतत्त्वसद्भूतमात्मविकल्पं करोति सम्मूढः।
भूतार्थ जानन्न करोति तु तमसम्मूढः।। २२ ।।

હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ,
જે અન્ય કો પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; ૨૦.

હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં,
વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યામાં; ૨૧.

અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે;
ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨.

ગાથાર્થઃ– [अन्यत् यत् परद्रव्यं] જે પુરુષ પોતાથી અન્ય જે પરદ્રવ્ય-


PDF/HTML Page 343 of 4199
single page version

[सचित्ताचित्तमिश्रं वा] સચિત્ત સ્ત્રીપુત્રાદિક, અચિત્ત ધનધાન્યાદિક અથવા મિશ્ર ગ્રામનગરાદિક-તેને એમ સમજે કે [अहं एतत्] હું આ છું, [एतत् अहम्] આ દ્રવ્ય મુજ-સ્વરૂપ છે, [अहम् एतस्य अस्मि] હું આનો છું, [एतत् मम अस्ति] આ મારું છે, [एतत् मम पूर्वेम् आसीत्] આ મારું પૂર્વે હતું, [एतस्य अहम् अपि पूर्वम् आसम्] આનો હું પણ પૂર્વે હતો, [एतत् मम पुनः भविष्यति] આ મારું ભવિષ્યમાં થશે, [अहम् अपि एतस्य भविष्यामि] હું પણ આનો ભવિષ્યમાં થઈશ, - [एतत् तु असद्भूतम्] આવો જૂઠો [आत्मविकल्पं] આત્મવિકલ્પ [करोति] કરે છે તે [सम्मूढः] મૂઢ છે, મોહી છે, અજ્ઞાની છે; [तु] અને જે પુરુષ [भूतार्थ] પરમાર્થ વસ્તુસ્વરૂપને [जानन्] જાણતો થકો [तम्] એવો જૂઠો વિકલ્પ [न करोति] નથી કરતો તે [असम्मूढः] મૂઢ નથી, જ્ઞાની છે.

ટીકાઃ– (દ્રષ્ટાંતથી સમજાવે છેઃ) જેમ કોઈ પુરુષ ઈધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે “અગ્નિ છે તે ઈંધન છે, ઈંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઈંધન છે, ઈંધનનો અગ્નિ છે; અગ્નિનું ઈંધન પહેલાં હતું, ઈંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઈંધન ભવિષ્યમાં થશે, ઈંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે”;-આવો ઈંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ કોઈ ઓળખાય છે, તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે કે “હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે; મારું આ પરદ્રવ્ય છે, આ પરદ્રવ્યનો હું છું; મારું આ પહેલાં હતું, હું આનો પહેલાં હતો; મારું આ ભવિષ્યમાં થશે, હું આનો ભવિષ્યમાં થઈશ”;-આવા જૂઠા વિકલ્પથી અપ્રતિબુદ્ધ ઓળખાય છે.

વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી, -અગ્નિ છે તે અગ્નિ જ છે, ઇંધન છે તે ઇંધન જ છે; અગ્નિનું ઇંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, -અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું ઇંધન છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, -અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, -અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું ઇંધન જ ભવિષ્યમાં થશે;”-આ પ્રમાણે જેમ કોઇને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેવી જ રીતે “હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, -હું તો હું જ છું, પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્યનો હું નથી, -મારો જ હું છું, પરદ્રવ્યનું પરદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ, -મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પરદ્રવ્ય પહેલાં હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, -હું મારો જ ભવિષ્યમાં થઈશ, આ (પરદ્રવ્ય) નું આ (પરદ્રવ્ય) ભવિષ્યમાં થશે.”-આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે.


PDF/HTML Page 344 of 4199
single page version

(मालिनी)
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्।
इह कथमपि नात्मानात्मना साकमेकः
किल कलयति काले कापि तादात्म्यवृत्तिम्।। २२ ।।

__________________________________________________

ભાવાર્થઃ– જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઇન્ધનના દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કર્યું છે.

હવે આ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [जगत्] જગત અર્થાત્ જગતના જીવો [आजन्मलीढं मोहम्] અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [इदानीं त्यजतु] હવે તો છોડો અને [रसिकानां रोचनं] રસિક જનોને રુચિકર, [उद्यत् ज्ञानम्] ઉદ્રય થઈ રહેલું જે જ્ઞાન તેને [रसयतु] આસ્વાદો; કારણ કે [इह] આ લોકમાં [आत्मा] આત્મા છે તે [किल] ખરેખર [कथम् अपि] કોઈ પ્રકારે [अनात्मना साकम्] અનાત્મા (પરદ્રવ્ય) સાથે [क्व अपि काले] કોઈ કાળે પણ [तादात्म्यवृत्तिम् कलयति न] તાદ્રાત્મ્યવૃત્તિ (એકપણું) પામતો નથી, કેમ કે [एकः] આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એક્તારૂપ થતો નથી.

ભાવાર્થઃ– આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્યે, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું છે અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો; મોહ છે તે વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. ૨૨. ઉપોદ્ઘાતઃ–

હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખાય એનું ચિહ્ન બતાવો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

ટીકાઃ– (દ્રષ્ટાંતથી સમજાવે છે) જેમ કોઈ પુરુષ ઇંધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે-“અગ્નિ છે તે ઇંધન છે, ઇંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઇંધન છે, ઇંધનનો અગ્નિ છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું, ઇંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે;”-આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ-‘લૌકિક મૂર્ખ’ કોઈ ઓળખાય છે.


PDF/HTML Page 345 of 4199
single page version

તેવી રીતે કોઈ આત્મા પરદ્રવ્યમાં જ આત્મવિકલ્પ (આત્માનો વિકલ્પ) કરે-હું આ પરદ્રવ્ય છું, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ છે. હું આ રાગ, શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્ય છું અને એ મારા સ્વરૂપે છે; આ સામાન્ય કહ્યું. હવે ત્રણ કાળ જોઈએ. (વર્તમાન) મારું આ રાજ્ય, મારું શરીર, મારી વાણી, મારો રાગ ઇત્યાદિ મારાં આ પરદ્રવ્ય છે અને એનો હું છું-એ વર્તમાન. (ભૂતકાળ) મારું આ પહેલાં હતું. હું પહેલાં આનો હતો. એ રાગ પૂર્વે મારો હતો જે વડે આ મનુષ્યપણું મળ્‌યું. લોકો કહે છે ને કે પૂર્વે રાગ (પુણ્ય) હતો તો આ મનુષ્યપણું મળ્‌યું અને ભગવાનની વાણી સાંભળવા મળી. એમ પૂર્વના રાગને પોતાના માન્યા-એ ભૂતકાળ. (ભવિષ્ય) મારું આ ભવિષ્યમાં થશે અને હું આનો ભવિષ્યમાં થઈશ. આ જે હું પુણ્ય બાંધું છું એનાથી ભવિષ્યમાં મનુષ્યપણું મળશે, જિનવાણી સાંભળવા મળશે, એ બધું મને મળશે. અરે પ્રભુ! તું તો જ્ઞાયકભાવ છે ને! તને શું મળ્‌યું અને શું મળશે? ભાઈ, એ તારી ચીજમાં કયાં છે? આ મારું ભવિષ્યમાં થશે, હું એનો થઈશ, ઇત્યાદિ આવા જૂઠા વિકલ્પથી તે અપ્રતિબુદ્ધ-મૂઢ- અજ્ઞાની-મિથ્યાદ્રષ્ટિ છે એમ ઓળખાય છે.

જુઓ, પહેલાં દ્રષ્ટાંત આપે છે કે લાકડાને અને અગ્નિને મળેલાં દેખીને લાકડું- ઇંધન અને અગ્નિનો સ્વભાવ ભિન્ન હોવા છતાં બેને જે એક માને છે-એટલે કે ઇંધન તે અગ્નિ છે અને અગ્નિ છે તે ઇંધન છે એમ જે માને છે તે લૌકિકમાં મૂર્ખ કહેવાય છે, કેમ કે અગ્નિનો સ્વભાવ જે પ્રકાશ અને ઉષ્ણતા તે લાકડાના સ્વભાવથી ભિન્ન છે. તેમ જે કોઈ આત્મા આ રાગ, શરીર, મન, વાણી, ઘર, દીકરા, દીકરી, ઇત્યાદિ હું છું અને એ મારાં છે-એવો પરદ્રવ્યમાં જ અસત્યાર્થ આત્મવિકલ્પ કરે છે તે અપ્રતિબુદ્ધ-અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે.

પરદ્રવ્યમાં સચેત, અચેત અને મિશ્ર એમ ત્રણ પ્રકાર લીધા છે. સંસારી ગૃહસ્થને સ્ત્રી, કુટુંબ-પરિવાર, દીકરા, દીકરી ઇત્યાદિ સચેત, શરીર તથા લક્ષ્મી આદિ અચેત અને દીકરો અને એનાં ઉપકરણો તથા સ્ત્રી અને તેનાં કપડાં, દાગીના આદિ બન્ને સાથે ભેગાં તે મિશ્ર. એ ત્રણે જે મારાં કહે-માને તે મૂઢ છે. તેમ સાધુને જે શિષ્ય તે સચેત, ઉપકરણ તે અચેત અને ઉપકરણ સહિત શિષ્ય તે મિશ્ર. બીજી રીતે કહીએ તો પુણ્ય-પાપના વિકલ્પો તે સચેત, પુદ્ગલાદિ પરદ્રવ્ય તે અચેત, અને ગુણસ્થાન-માર્ગણાસ્થાને પરિણમેલો માને તે મિશ્ર. આ સચેત, અચેત અને મિશ્ર-એમ ત્રણ પ્રકારના પરદ્રવ્યમાં આ હું છું અને એ મારા સ્વરૂપે છે એમ માને એ મૂઢ-મિથ્યાદ્રષ્ટિ છે. એના જ્ઞાનમાં સાચાપણું આવ્યું જ નથી.

પ્રશ્નઃ–ચૌદ માર્ગણામાંથી પોતાને શોધવો જોઈએ ને?

ઉત્તરઃ–કયાં શોધવો? એ તો પર્યાયદ્રષ્ટિએ પર્યાયપણે કેવો છે એની વાત છે.


PDF/HTML Page 346 of 4199
single page version

વસ્તુપણે તો જ્ઞાયક ચૌદ માર્ગણામાં છે જ નહિ, ભેદમાં આત્મા છે જ નહિ. અને એ માર્ગણાસ્થાનો વસ્તુપણે આત્મામાં છે જ નહિ. અરે! ગુણસ્થાનપણે એને ગોતીએ તો ગુણસ્થાન પણ જ્ઞાયકમાં નથી, અને જ્ઞાયક આત્મા ગુણસ્થાનમાં નથી. આવી વાત છે, ભાઈ! ઝીણી. આ તો ટૂંકામાં સમજાવ્યું છે. ભાઈ, તું કોણ છો એની આ વાત છે.

હું આ પરદ્રવ્ય છું અને આ પરદ્રવ્ય મારા સ્વરૂપે છે એ માન્યતા અજ્ઞાન છે. આ રાગ-વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ મારા સ્વરૂપે છે, આ શરીર મારા સ્વરૂપે છે, સ્ત્રી મારા સ્વરૂપે છેઃ અર્ધાંગના નથી કહેતા? સ્ત્રીને અડધું અંગ-અડધું હું અને અડધું એ-એમ કહે છે. આ તો મૂર્ખાઈ છે, ધૂળેય અર્ધાંગના નથી. એ આત્મા જુદો, એના શરીરનાં રજકણ જુદાં; એને અને આત્માને સંબંધ કેવો? આ મારો દેશ, આ મારો પુત્ર, આ મારા પિતા એમ નિમિત્તથી, વ્યવહારથી, બોલાય છે. કોના પિતા? કોનો પુત્ર? આત્માને બાપ કેવો અને દીકરો કેવો? જીવ એક નિજ જ્ઞાયકભાવ સિવાય જેટલી ચીજ-પુણ્ય-પાપ, ગુણસ્થાન ભેદ ઇત્યાદિ બધાં મારાં-પોતાનાં માને એ પરદ્રવ્યને જ પોતાનું માને છે. આ તો પાંચમું ગુણસ્થાન (શ્રાવક દશા) કોને કહેવું એ કયાં એને ખબર છે? પર્યાયમાં એ વસ્તુનું વ્યવહારનયથી જ્ઞાન કરે, પણ એ ચીજ મારી છે અને એ હું છું એમ માને તો મિથ્યાદ્રષ્ટિ છે.

‘હું આ’ એમ બે અસ્તિ તો સિદ્ધ કરી. ‘હું’ એટલે એક અસ્તિ અને ‘આ’ એ બીજી અસ્તિ થઈ. રાગાદિ, પુણ્ય, પાપ, દયા, દાન, વ્રત, શરીર, મન, વાણી, ઇંદ્રિય ઇત્યાદિ અસ્તિ તો છે. વેદાન્તીની પેઠે એમ તો નથી “બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા.” આત્મા સત્ય અને બીજું ભ્રમ એમ નથી. હું અને આ એમ બે શબ્દ વાપર્યા છે. આ ટીકા તો બહુ ટૂંકી ભાષામાં છે પણ અંદર ઘણું રહસ્ય ભરેલું છે.

પ્રાર્થનાઃ- (અહીં શ્રોતા વિશેષ ખુલાસો કરવા માટે વિનંતી કરે છે?) તે આપ ખોલો. (કૃપાળુદેવ!)

હા, હળવે હળવે ખોલીએ.

સવારમાં જુઓને કેવું આવ્યું હતું? કે જૈનધર્મ કોને કહેવો? (તો કહે છે) કે ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવે પરિપૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલો અથવા વીતરાગસ્વભાવે ભરેલો પ્રભુ છે. એની પરિણતિમાં-પર્યાયમાં વીતરાગતાની દ્રષ્ટિ, જ્ઞાન અને શાન્તિ પ્રગટે એ જૈનધર્મ. મુનિઓએ ત્યાં સુધી કહ્યું કે એ જૈનધર્મ જયવંત વર્તે છે-એટલે કે આ જ્ઞાયક પ્રભુ મારો નાથ મને હાથ આવ્યો છે, મને વીતરાગી સમકિત, વીતરાગી જ્ઞાન અને વીતરાગી રમણતારૂપ જૈનધર્મ જયવંત વર્તે છે. મને એ જૈનધર્મ પ્રગટ છે, કોઈકને હશે


PDF/HTML Page 347 of 4199
single page version

એમ નહિ. ઓહો! દિગંબર સંતોની ગજબ શૈલી! ધર્મએ વીતરાગી દશા છે, એમાં વ્યવહારરત્નત્રયના રાગનું મિશ્રપણું નથી.

લોકો કહે છે કે આ બધા છોકરાઓ ભણીગણીને હોશિયાર એન્જિનિયર થાય છે, પછી કારખાનાં કરે છે. કહે છે ને કે જુઓ, આનો દીકરો કારખાનાં કેવાં કરે છે? શું એ સાચું હશે? ગપ છે, કારખાનાં કેવાં? ભાઈ, તું તો જ્ઞાયકસ્વરૂપ છે ને. પ્રભુ! તું એક સમયની પર્યાય જેટલો નથી તો પછી રાગનો, દીકરા-દીકરીનો, દેશનો વગેરેનો કેમ હોય? આ લક્ષ્મીવાળો, આબરૂવાળો, પૈસાવાળો, બાયડીવાળો, કુટુંબવાળો, કારખાનાવાળો અહાહા! કેટલા વાળા વળગ્યા એને? એક વાળો હોય તો રાડ નાખે છે. વાળો (એક જાતનું જંતુ) વાવ-કૂવાના પાણીમાં હોય છે તે પીવાથી પગમાં લાંબો તાંતણો નીકળે છે. એક વાળાથી તો રાડ નાખી જાય છે તો આ તો કેટલા વાળા?

પ્રશ્નઃ–એ વાળો જે પગમાં નીકળે એ તો દુઃખે છે પણ આ તો દુખતા નથી ને?

ઉત્તરઃ–ભાઈ, વાત તો ખરેખર એમ છે કે શરીરાદિ પર ચીજ મારી છે એ માન્યતા દુઃખરૂપ છે. અને પર ચીજ-શરીર, પૈસા વગેરે ઉપર લક્ષ જાય છે ત્યારે પોતાના આકુળતાના દુઃખમાં એ (પર ચીજ) નિમિત્ત છે. આનંદનું-અતીન્દ્રિય આનંદનું (સુખનું) કારણ તો એકમાત્ર ચૈતન્યમૂર્તિ ભગવાન છે.

વ્યવહારરત્નત્રય આદિ પરદ્રવ્યો મારા છે એમ માને તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. નિયમસાર ગાથા પ૦ માં તો શુદ્ધરત્નત્રયની મોક્ષમાર્ગની વીતરાગી નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે. ત્રિકાળી એક શુદ્ધ જ્ઞાયક સ્વદ્રવ્ય જે નહિ તે બધું પરદ્રવ્ય છે. આત્મા પર્યાય જેટલો છે એમ માને તે પોતાને પરદ્રવ્યરૂપ માને છે. એટલે ચૈતન્યસૂર્ય, આનંદનો નાથ, ભગવાન આત્મા સિવાય એક સમયની પર્યાયને, રાગને કે શરીરાદિ પરદ્રવ્યને પોતાનું માને તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. ત્યાં (નિયમસાર ગાથા પ૦ માં) સમ્યગ્દર્શન અને વીતરાગી ચારિત્રને પરદ્રવ્ય કહ્યું છે કારણ કે જેમ સ્વદ્રવ્ય (લક્ષ) સિવાય બીજા દ્રવ્યમાંથી પોતાની નવી (નિર્મળ) પર્યાય આવતી નથી તેમ નવી (નિર્મળ) પર્યાય નિર્મળ પર્યાયમાંથી પણ આવતી નથી. ત્યાં એને (નિર્મળ પર્યાયને) પરદ્રવ્ય કહીને સ્વદ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે. નવી (નિર્મળ) પર્યાયની ઉત્પત્તિ સ્વદ્રવ્યના આશ્રયે થાય છે. (પણ પર્યાયના આશ્રયે થતી નથી) પર્યાયમાંથી પર્યાય ન આવે. ભાઈ! વીતરાગ પરમેશ્વરનો માર્ગ ગહન છે.

અહાહા! જૈનધર્મના પરિણમનને પામેલા, વીતરાગતાની પરિણતિમાં ઊભેલા આ દિગંબર મુનિઓ-સંતો તો જુઓ. તેમને વિકલ્પ આવ્યો અને ટીકા ટીકાના કારણે થઈ. આચાર્ય ભગવાન ટીકાના છેલ્લા શ્લોકમાં કહે છે કે આ ટીકાનો હું ર્ક્તા નથી. મારા માથે આળ નાખશો મા. (હું તો સ્વરૂપગુપ્ત છું) અરે પ્રભુ! આવી સરસ ટીકા કરીને આપ


PDF/HTML Page 348 of 4199
single page version

ના કેમ પાડો છો? ભાઈ, એ તો શબ્દોની શક્તિથી ટીકા થઈ છે; મારા વિકલ્પ અને મારી શક્તિથી નહિ. પંચાસ્તિકાય, પ્રવચનસારમાં બધે છેલ્લા કળશ છે એમાં આ કહે છે કે આ ટીકા મેં કરી અને ટીકા દ્વારા તને જ્ઞાન થાય એવા ભ્રમ ન કરીશ.

પહેલાં સામાન્ય લીધું કે હું આ છું અને આ મારાં છે. પછી ત્રણકાળનું લીધું. વર્તમાનમાં આ મારાં છે અને હું એનો છું; ભૂતકાળમાં આ મારાં હતાં અને હું એનો હતો; ભવિષ્યમાં આ મારાં થશે અને હું એનો થઈશ, છોકરાઓને અમે પાળી પોષી મોટા કર્યા, હવે અમે ઘડપણમાં નિરાંતે રહીશું. આપણને છોકરાઓ પોષશે. કોને પોષશે? તને કે એને? ભારે વાત, ભાઈ! આ તો સંસારનું નાટક છે. અરે ભાઈ! તને ભ્રમણા છે. નાથ! તું તો સર્વજ્ઞસ્વભાવી છે. દરેક આત્મા સર્વજ્ઞસ્વભાવરૂપ જ છે. એનો અર્થ એ થયો કે એ સ્વને અને પરને જાણવાના પરિણમનવાળો છે. એ સ્વ અને પર બે એક છે એમ નહિ. સ્વના જ્ઞાનરૂપે અને પરના જ્ઞાનરૂપે પરિણમવું એવો સ્વપરપ્રકાશક એનો સ્વભાવ છે. સર્વજ્ઞની પરિણતિ પર્યાયમાં જે પ્રગટે તે પહેલાં શ્રદ્ધામાં એમ આવ્યું હતું કે હું તો સર્વજ્ઞસ્વભાવી છું. તેથી શ્રદ્ધાના બળે સર્વજ્ઞદશા પ્રગટ કરી. એ શ્રદ્ધા સર્વજ્ઞ- સ્વભાવી આત્માની છે, અલ્પજ્ઞ કે રાગવાળા આત્માની નહિ. આવો ઉપદેશ છે, ભાઈ! માર્ગ તો આ છે.

કેટલાક એમ માને કે અમે તો એવી ઉપદેશ શૈલી કરીએ કે ધીમેથી બોલવું હોય તો ધીમેથી બોલીએ, તાણીને બોલવું હોય તો તાણીને બોલીએ. બીજાને ખંખેરીએ, વળી કોઈ એક જણ એમ કહેતું હતું કે અમારી પાસે પૈસા નથી પણ એવો ઉપદેશ આપીએ કે લોકોના પૈસા ખંખેરી નાખીએ. અરે ભગવાન! શું કરે છે તું આ? ભાઈ, તારું સ્વરૂપ એ (ઉપદેશ) નહિ. ઉપદેશ હું કરું છું એ તો પરને પોતાનું માન્યું છે. ગજબ વાત, બાપુ! મેં પૂર્વે ઉપદેશ કર્યો હતો એનાથી બધા સમજ્યા, મારા ઉપદેશનું એ ફળ આવ્યું એમ માનનાર પરદ્રવ્યને પોતાનું માને છે અને પોતાને પરદ્રવ્યરૂપ માને છે.

પ્રશ્નઃ–એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે?

ઉત્તરઃ–એ તો જાણવા માટે છે, પણ (નિમિત્તથી કાર્ય થાય એમ) માનવા માટે નથી. સ્વયંભૂસ્તોત્રમાં ગાથા ૭૩ માં ધર્મનાથ ભગવાનની સ્તુતિમાં આવે છે કે-પ્રભુ! આપની વાણીમાં ઉપદેશ નીકળ્‌યો પણ ધર્મ કોઈ પામ્યા કે નહિ તેનું ફળ આપે ન જોયું. આપે ઉપદેશ આપ્યો પણ આમાંથી ધર્મ કોણ પામ્યા એ આપે ન જોયું. એનો અર્થ એ કે પામનારા પામે એ તો કેવળજ્ઞાનમાં પહેલેથી જણાઈ ગયું છે. એમ સમક્તિી પણ, મારા ઉપદેશથી આટલા પામ્યા એ ફળ જોતા નથી. ઉપદેશ જ મારો નથી ને ભાઈ, પરચીજથી ભિન્નતાની વાતો ઝીણી છે.


PDF/HTML Page 349 of 4199
single page version

પહેલાં કહ્યું ને કે-મેં ઉપદેશ કર્યો હતો એનાથી બધા સમજ્યા અને મારા ઉપદેશનું આ ફળ આવ્યું-આવા જૂઠા વિકલ્પથી અજ્ઞાની અપ્રતિબુદ્ધ ઓળખાય છે, પહેલાં દલપતરામની કવિતામાં આવતું કે “મૂરખ માથે શીંગડાં નહિ, ” તો જેમ આ મૂરખને એવી કોઈ નિશાની હોતી નથી એમ અજ્ઞાનીને બહારમાં એવાં કોઈ ચિહ્ન હોતા નથી પણ પરદ્રવ્યને પોતાનું માનવું અને પોતાને પરદ્રવ્યરૂપ માનવું એ અજ્ઞાનીનું ચિહ્ન અંદરમાં છે.

અહીં તો ભગવાન આત્મા ખરેખર સર્વજ્ઞસ્વભાવી છે એમ સિદ્ધ કરવું છે. તે ભૂતકાળની ચીજ જાણે, વર્તમાન છે એને જાણે, ભવિષ્યમાં થશે એને જાણે. જાણે, જાણે અને જાણે-એ સિવાય બીજું એનામાં છે નહિ. બીજી રીતે કહીએ તો જ્ઞાતા-દ્રષ્ટા એનો સ્વભાવ છે, દેખનાર-જાણનાર બસ. એ વસ્તુના ભૂત, વર્તમાન અને ભવિષ્યને જાણે એ જુદી વાત. પણ તે વસ્તુ હતી માટે જાણે એમ નથી. એ સમયની સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટી એને જાણે છે.

બંધ અધિકારમાં ત્યાં સુધી લીધું છે કે-આને મેં મોક્ષ પમાડયો, હું આને મોક્ષ પમાડું, હું આને બંધ કરાવું એવી માન્યતા મિથ્યાબુદ્ધિ છે. ભાઈ, એના અજ્ઞાન અને રાગ વિના એને બંધ નહિ થાય. અને વીતરાગતા વિના એને મુક્તિ નહિ થાય. (તારા વિના નહિ થાય એમ નહીં.) હું આને આજીવિકા દઈને જીવાડું, હું આને મારું, હું આને સુખના સંયોગો દઉં, હું આને દુઃખના સંયોગો દઉં-એ બધી માન્યતા મિથ્યાદ્રષ્ટિ મૂઢ અપ્રતિબુદ્ધની છે. ત્યાં દલીલ આપી છે કે જીવની વીતરાગ દશા વિના એ મુક્તિ નહિ પામે, તો તું પમાડીશ એ કયાં આવ્યું? અને અજ્ઞાન અને રાગભાવ વિના જીવને બંધ નહિ થાય એટલે આને હું બંધ કરાવું એ વાત કયાં રહી?

શ્વેતાંબરમાં એક કથા આવે છે. દેવદ્રવ્ય ખાય તો ખાનારને નુકશાન થાય-પાપ થાય, એના ઉપર એક એવી કથા છે. બે જણ હતા. એક બીજાનો વૈરી હતો. હવે જેના પર વેર હતું એનું મકાન થતું હતું. તેમાં પેલા વૈરીએ દેરાસરની ઇંટ લઈને મકાન થતું હતું એમાં મૂકી દીધી. એણે વેર વાળવા આમ કર્યું. એને મન એમ કે હવે પેલા વૈરીને દેવદ્રવ્ય ખાધાનું પાપ લાગશે અને એનું નખ્ખોદ જશે. પણ ભાઈ, જેનું મકાન થતું હતું એને પોતાને તો ઇંટની ખબરેય નથી તો પછી એને પાપ લાગે અને એનું નખ્ખોદ જાય એમ શી રીતે બને? ન બને. પણ અજ્ઞાની આવું અનાદિથી માની રહ્યો છે. વળી કોઈ એમ માને છે કે આપણે લાખ બે લાખનું જે મંદિર બંધાવીએ તેમાં જે લોકો ભક્તિ, પૂજા, ધર્મ કરે એનો (પુણ્ય) લાભ આપણને મળશે. આ તદ્ન ખોટી વાત છે. (અજ્ઞાનીઓ આવું ને આવું કેટલુંય માનતાં હોય છે.) અહીં તો કહે છે કે હું આનો અને આ મારાં એમ ત્રણેકાળ સંબંધી રાગ, શરીર, વાણી, પૈસા, લક્ષ્મી, ઘર, દીકરા, દીકરી, દેશ ઇત્યાદિ એ બધા બોલ લાગુ પાડતાં જે આ પ્રકારે જૂઠા વિકલ્પો કરે છે તે અજ્ઞાની- અપ્રતિબુદ્ધ છે.


PDF/HTML Page 350 of 4199
single page version

હવે સવળું લ્યો. અવળાની વાત પહેલાં કરી. વળી અગ્નિ છે તે ઇંધન નથી એ દ્રષ્ટાંતથી પ્રતિબુદ્ધની વાત કરે છે.

વળી અગ્નિ છે તે લાકડું (ઇંધન) નથી, અને ઇંધન છે તે અગ્નિ નથી. અગ્નિ - પ્રકાશમાન જ્યોતિ તે લાકડું નથી. લાકડું છે તે પ્રકાશ નથી. સમયસાર, જયસેનાચાર્યની ટીકામાં અગ્નિના ત્રણ મુખ્ય ગુણો વર્ણવ્યા છે. પાચક, પ્રકાશક અને દાહક. અગ્નિ અનાજને પકવે એ પાચક, અગ્નિ પોતાને અને પરને પ્રકાશે તે પ્રકાશક અને લાકડાં આદિને બાળે તે દાહક. તેમ ભગવાન આત્મામાં ત્રણ મુખ્ય ગુણો છે. પાચક-સમ્યગ્દર્શન પૂર્ણાનંદને પચાવે છે તે પાચક. એક સમયની સમ્યગ્દર્શનની પર્યાય પૂર્ણાનંદસ્વરૂપને પચાવે છે. પ્રકાશકઃ જ્ઞાન સ્વ અને પરને જાણવાનો પ્રકાશ કરે છે તે પ્રકાશક અને દાહકઃ વીતરાગી ચારિત્ર રાગાદિને બાળી મૂકે છે તે દાહક. જ્યાં આત્મામાં સ્થિરતા થઈ ત્યાં રાગ રહેતો નથી એ દાહક. આમ અગ્નિના દ્રષ્ટાંતે આત્મામાં ત્રણ ગુણ કહ્યા.

વળી અગ્નિ છે તે ઇંધન નથી, ઇંધન છે તે અગ્નિ નથી. અગ્નિ છે તે અગ્નિ જ છે, ઇંધન છે તે ઇંધન જ છે. આ સામાન્ય વાત કરી. (હવે ત્રણ કાળથી વાત કરે છે.) (વર્તમાન) અગ્નિનું ઇંધન નથી, ઇંધનનો અગ્નિ નથી, -અગ્નિનો જ અગ્નિ છે, ઇંધનનું ઇંધન છે-એ વર્તમાન થયું. (ભૂતકાળ) અગ્નિનું ઇંધન પહેલાં હતું નહિ, ઇંધનનો અગ્નિ પહેલાં હતો નહિ, -અગ્નિનો અગ્નિ પહેલાં હતો, ઇંધનનું ઇંધન પહેલાં હતું-એ ભૂતકાળ થયો. (ભવિષ્યકાળ) અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે નહિ, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે નહિ, -અગ્નિનો અગ્નિ જ ભવિષ્યમાં થશે, ઇંધનનું ઇંધન ભવિષ્યમાં થશે. આ પ્રમાણે જેમ કોઈને અગ્નિમાં જ સત્યાર્થ અગ્નિનો વિકલ્પ થાય તે પ્રતિબુદ્ધનું લક્ષણ છે.

તેવી જ રીતે હું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્ય મુજસ્વરૂપ નથી, -હું તો હું જ છું, પરદ્રવ્ય છે તે પરદ્રવ્ય જ છે. આ સામાન્ય વાત કરી, જુઓ, આ હું તો સર્વજ્ઞ- સ્વરૂપી પ્રભુ આત્મા છું. હું સર્વને જાણું ખરો, પણ એ સર્વ મારું નહિ. અહાહા! પર્યાયમાં સ્વપરને પૂર્ણ જાણું એ મારો સ્વભાવ છે, પણ પર મારા છે એમ વસ્તુસ્વરૂપ નથી. તથા પર હતાં તો મારામાં જ્ઞાન થયું એમ પણ નથી. અહીં શું કહે છે? કે હું આ પરદ્રવ્ય નથી. રાગ એ હું નહિ, શરીર એ હું નહિ, દેશ, કુટુંબ, દીકરા-દીકરી એ હું નહિ. કેટલાક માને છે ને કે-મારી (પોતાની) હાજરી હોય અને મારી (પોતાની) હૂંફ મળે તો કામ સારાં થાય. ધૂળેય નથી. હું (પોતે) તો જાણનાર જ્ઞાયક છું. એમાં વળી બીજાને હૂંફ મળે એ કયાંથી આવ્યું? વળી આ પરદ્રવ્ય મારા સ્વરૂપે નથી. આ શરીર, મન, વાણી, રાગ તે મારું સ્વરૂપ નહિ. હું તો એક અસ્તિ સર્વજ્ઞસ્વરૂપ જ છું. લોકમાં માણસ હોશિયાર હોય તો વધારે રળે અને દુકાને ડફોળ બેઠો હોય તો શું રળે? એમ નથી કહેતા! જુઓ, ગામની ઘણી દુકાનો ભાંગી પડી અને હું હોશિયાર-જાણકાર છું


PDF/HTML Page 351 of 4199
single page version

એટલે મારી દુકાન બરાબર ચાલે છે-એમ કહે છે, પણ એ વાત તદ્ન ખોટી છે. પોતાની ચીજ શું છે એ જાણ્યા વગર મિથ્યા અભિમાન સેવે પણ એથી શું? પ્રભુ! તું તો સર્વજ્ઞનેત્ર છે; સૌને જાણે ખરો; પણ એ સર્વમાંથી કોઈ પણ ચીજ પોતાપણે છે એમ નથી.

‘હું આ પરદ્રવ્ય નથી’ એમાં હું છું અને બીજાં દ્રવ્યો, રાગાદિ વગેરે છે એમ (બન્નેનું અસ્તિત્વ) સિદ્ધ કર્યું. પણ એ પરદ્રવ્યો, રાગ, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ અને એનું ફળ જે સ્વર્ગાદિ એ મારું સ્વરૂપ નથી. અહાહા! છ ખંડનો સ્વામી ચક્રવર્તી સમક્તિ પામે ત્યારે કહે કે આ (છ ખંડનો વૈભવ) હું નથી. આ તો બધું એની મેળે થાય છે. હું છ ખંડ સાધતો નથી, હું તો અખંડને (નિજ સ્વરૂપને) સાધું છું. છ ખંડનો હું સ્વામી નહિ, હું તો અખંડસ્વરૂપનો સ્વામી છું. ન્યાલભાઈએ દ્રવ્યદ્રષ્ટિપ્રકાશમાં લીધું છે કે-કોઈએ કહ્યું કે ચક્રવર્તી છ ખંડને સાધતા હતા તો કહ્યું કે ભાઈ, એમ નહોતું. એ તો સમક્તિી હતા એટલે અખંડને સાધતા હતા. છ ખંડને નહિ પણ જે જ્ઞાયકસ્વરૂપી અખંડ એક આનંદનો નાથ ભગવાન આત્મા તેને સાધતા હતા. ભાઈ, આ તો વસ્તુ અંદર કોઈ અલૌકિક છે. આ સામાન્ય વાત થઈ.

હવે વર્તમાનઃ-મારું આ પરદ્રવ્ય નથી, આ પરદ્રવ્યનો હું નથી. આ અત્યારે જે રાગાદિ છે તે મારાં નથી, શરીર, મન, વાણી, કુટુંબ, દેશ ઇત્યાદિ મારાં નથી. એ પરદ્રવ્યોનો હું નથી. મારો જ હું છું. સર્વજ્ઞ-સ્વભાવી જે અખંડ ચીજ એ જ હું છું. પરદ્રવ્ય પરદ્રવ્યરૂપ જ છે. વ્યવહાર રત્નત્રયનો જે રાગ આવે તેનાથી એકરૂપ હું નથી, અને એ મારો નથી. ફક્ત તે સંબંધીનું જ્ઞાન તે મારું છે. અહાહા! સંતોએ કરુણા કરી કેવી ટીકા કરી છે! સામાને ગળે ઉતરી જાય એવો ગરભલો (તૈયાર કોળિયો) કરીને મોઢાંમાં આપ્યો છે. ભાઈ, તું વર્તમાનમાં પણ સર્વજ્ઞસ્વભાવી આત્મા જ છે ને, નાથ! એ પરવસ્તુનો તું નથી અને પરવસ્તુ તારી નથી.

હવે ભૂતકાળઃ-આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ. અરે, પહેલાં મારું શરીર સારું હતું પણ હમણાં હમણાં બગડી ગયું છે. કોઈ વળી એમ કહેતો હતો કે આ સ્ત્રી એવી છપ્પરપગી (ખરાબ પગલાંની) મળી કે આવી ત્યારથી બધી લક્ષ્મી ચાલી ગઈ. તો એક જણ વળી એમ કહેતો હતો કે આ બાઈ મારે ઘેર કંકુપગલાંની આવી કે આવી ત્યારથી અઢળક પૈસો થઈ ગયો. આવા ગાંડા છે બધા. આ શરીર, પગલાં, અને પૈસો આત્માનાં કયારે હતાં? આ તો બધું (અજ્ઞાનનું) તોફાન છે. ખબર છે ને બધી, નાટક તો બધું જોયું છે, નાચ્યા નથી પણ નાચનારને જોયા છે. વળી કોઈ કહે-આ નોકર પહેલાં તો વફાદાર હતો, હવે ફરી ગયો છે; આ છોકરાં પહેલાં પહેલાં કહ્યાગરા હતા, પણ હવે કોણ જાણે શું થયું છે કે માનતા જ નથી,


PDF/HTML Page 352 of 4199
single page version

પરણ્યા પછી બાયડીના થઈ ગયા; ઇત્યાદિ કેટલાક વાતો કરે છે. અરે! સાંભળને બાપુ! અહીં કહે છે કે પહેલાં મારું કોઈ હતું જ નહિ, મારું હતું એક સર્વજ્ઞસ્વરૂપ. તે તો હું છું જ. અને પરદ્રવ્ય પરદ્રવ્ય જ હતું.

હવે ભવિષ્યકાળઃ આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ અને એનો હું ભવિષ્યમાં થઈશ નહિ. એ રાગનો, શરીરનો કે દેશનો હું થઈશ નહિ. કોઈનો દીકરો અને કોઈકનો બાપ હું ભવિષ્યમાં થઈશ નહિ. હું મારો જ ભવિષ્યમાં થઈશ. અસ્તિ- નાસ્તિ કહે છે ને? અને આ પરદ્રવ્યનું પરદ્રવ્ય જ ભવિષ્યમાં થશે.

આવો જે ત્રણેકાળ સંબંધીનો સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે. જુઓ ભાષા. એક જ્ઞાયકભાવ સર્વજ્ઞસ્વભાવી આત્મા એ જ હું છું એવો સત્યાર્થ-ભૂતાર્થ આત્મવિકલ્પ એ જ જ્ઞાની સમક્તિીનું લક્ષણ છે. આ રીતે જ્ઞાની ઓળખાય છે. બાકી આ મારાં ને એ તારાં, મેં આમ કર્યું હતું. અને તેં આમ કર્યું, તમે ઉપકાર ભૂલી ગયા આદિ બધું ગાંડપણ છે, અજ્ઞાન છે.

જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે તે તો અજ્ઞાની છે, અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઇંધનના દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કર્યું છે. (આ ભાવાર્થ થયો.)

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૨ઃ શ્લોકાર્થ *

જગતના જીવોને ઉદ્દેશીને કહ્યું છે કે जगत् જગતના જીવો आजन्मलीढं मोहम् અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને इदानीम् त्यजतु હવે તો છોડો. એટલે કે અનાદિકાળથી ભગવાન આત્માનો આનંદ અને શાંત સ્વભાવ હોવા છતાં તેણે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપના ભાવને જ વેદ્યા છે. અનાદિથી દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધાદિ ભાવોમાં જે મોહપરમાં મારાપણાના ભાવ, પરમાં સાવધાનીના ભાવ જે અધર્મરૂપ છે તે જ એણે વેદ્યા છે. પરંતુ પોતે જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેને વેદ્યો નથી.

આ ખાવું, પીવું અને વેપાર કરવો ઇત્યાદિમાં જે બાહ્ય ક્રિયા થાય છે એ તો એણે કરી નથી. એ કાળે જે રાગ-દ્વેષના ભાવ થાય તે એણે કર્યા અને અનુભવ્યા-વેદ્યા છે. ચોવીસે કલાક આ ધંધાપાણી ઇત્યાદિ બધી પ્રવૃત્તિ દેખાય છે ને-એમાં એ પરનું કાંઈ કરતો નથી, કરી શક્તો નથી. અનાદિકાળથી સ્વરૂપના સ્વાદથી જે વિરુદ્ધભાવ એવા રાગ અને દ્વેષ, શુભ અને અશુભ એમ વિકૃતભાવ એણે કર્યા અને વેદ્યા છે. પરને તો એ વેદી શક્તો નથી અને આત્માને એણે અનુભવ્યો નથી.


PDF/HTML Page 353 of 4199
single page version

પોતાના આત્માનું વાસ્તવિક સ્વરૂપ તો જ્ઞાતા-દ્રષ્ટા છે. એ સ્વરૂપને ભૂલીને આ પુણ્ય-પાપ મારાં, આ શરીર મારું, આ લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ આદિ મારાં એવી માન્યતામાં કરેલો મિથ્યાત્વભાવ અને અનુકૂળ-પ્રતિકૂળમાં કરેલા રાગ-દ્વેષ-એનો જ અનાદિથી અનંતકાળ અનુભવ કર્યો છે. મોટો દિગંબર સાધુ થઈને અનંતવાર નવમી ગ્રૈવેયકે ગયો તોપણ ભગવાન! તેં મોહ અને રાગ-દ્વેષને જ વેદ્યા છે. આટલી વાત કરીને કહે છે इदानीम् હવે તો આ મોહને છોડો. સ્વપદાર્થના ધ્યેયને ભૂલીને, પરપદાર્થને ધ્યેય બનાવી જે રાગ-દ્વેષનું અનાદિથી વેદન છે તેને હવે છોડીને ભગવાન આનંદના નાથ પ્રભુ આત્માને વિષય-ધ્યેય બનાવો.

ભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ અંદર વિરાજે છે. તેને ભૂલીને અનાદિ સંસારથી એટલે નિગોદથી માંડીને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયના, નારકી, તિર્યંચ, દેવ તેમજ મનુષ્યના જે અનંત ભવ કર્યા તેમાં આ પરદ્રવ્ય મારા એમ પરને પોતાનાં માન્યાં છે. પોતાની ચીજની સંભાળ કરવાને બદલે પરદ્રવ્યની સંભાળ કરવામાં રોકાઈ ગયો છે. એથી હે ભાઈ! તું દુઃખી છે. તો હવે એ પરદ્રવ્ય પ્રત્યેના મોહને છોડ. જે રાગ-દ્વેષ મારા માનીને ગ્રહ્યા હતા, વેદ્યા હતા તેનું લક્ષ છોડીને ભગવાન આનંદનો નાથ પ્રભુ આત્મા છે એનું લક્ષ કર. જુઓ, આ ધર્મની રીત. દયા, દાન, વ્રત કરવાં એ કોઈ ધર્મની રીત નથી. એ તો વિકલ્પ છે. એ તો રાગનું વેદન છે. (અનાદિથી કરી રહ્યો છે) તો હવે વર્તમાનમાં ગુલાંટ ખા એમ કહે છે. તેં જે રાગ-દ્વેષ અને પુણ્ય-પાપને ધ્યેય બનાવીને એનું વેદન કર્યું છે એમાં ‘તે હું છું’ એમ માનીને વેદન કર્યું છે તો હવે ‘તે હું નહિ, પણ હું તો જ્ઞાતાદ્રષ્ટા ચેતન છું’ એમ અંતરની પર્યાયમાં-ધ્યાનમાં ત્રિકાળીને ધ્યેય બનાવ. આ ધર્મ છે, ભાઈ! આવો કેવો ધર્મ? આટલાં દેરાસર (મંદિર) બંધાવવાં કે આટલા ઉપવાસ કરવા એમ કહો તો ઝટ સમજાઈ જાય. દેરાસર કોણ બંધાવે, ભાઈ? એ વખતે એવો તે સંબંધી રાગ થાય. ઉપવાસ કરવાનો વિકલ્પ પણ રાગ જ છે. અરે! અનાદિથી પોતાને ભૂલીને આવા રાગ કર્યા વિનાનો એક પણ સમય ગયો નથી. તો હવે એ મોહને છોડ. એ છોડીને શું કરવું? તેથી શું થાય? એ વાત હવે કહે છેઃ-

रसिकानाम् रोचनम् રસિક જનોને રુચિકર उद्यत् ज्ञानम् ઉદ્રય થઈ રહેલું જે જ્ઞાન रसयतु તેને આસ્વાદો. આત્માના અતીન્દ્રિય આનંદના જે રસિકજનો છે. એ સમ્યગ્દ્રષ્ટિ ધર્મી રસિકજનોને આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદની રુચિ છે. સમ્યગ્દ્રષ્ટિ નિજ શુદ્ધ દ્રવ્યની રુચિ કરીને શક્તિમાં જે આનંદ રસ છે તે પર્યાયમાં પ્રગટ કરીને આત્માના આનંદનો સ્વાદ લે છે. એને પુણ્ય-પાપ ભાવની રુચિ નથી. એને પુણ્ય-પાપ બંધની કે તેના ફળની પણ રુચિ નથી. એને રુચિકર છે એકમાત્ર આત્માના આનંદનો સ્વાદ. અહીં કહે છે કે એવા અતીન્દ્રિય આનંદના સ્વાદને આસ્વાદો.


PDF/HTML Page 354 of 4199
single page version

અહીં એમ નથી કહ્યું કે પહેલો વ્યવહાર કરજે અને આમ કરજે તેમ કરજે, કેમ કે વ્યવહાર તો રાગ છે, એ તો અનંતવાર કર્યો છે. એની રુચિ તો અનાદિની છે. અહીં તો સીધી વાત કરી છે કે त्यजतु इदानीम् હવે તો છોડો. એટલે રાગાદિ વ્યવહારના લક્ષને છોડો અને ત્રિકાળી ભગવાન જે અંદર બિરાજે છે એનું લક્ષ કરો. રસિકજનોને રુચિકર એવો જે ભગવાન આત્મા-એને જ્ઞાન કહો, આનંદ કહો, જ્ઞાયક કહો-એના સ્વાદની રુચિ કરો. પહેલાં જે રાગના વેદનની રુચિ હતી એ તો મિથ્યાદર્શન હતું. તેથી હવે આત્માના આનંદની રુચિ કરો, કેમ કે ભગવાન આનંદઘનસ્વભાવના સ્વાદની રુચિ કરે તે સમ્યગ્દ્રષ્ટિ છે. रसिकानाम् रोचनं उद्यत् ज्ञानम् સમ્યગ્દ્રષ્ટિ-ધર્મી જ્ઞાનનો જે ઉદ્રય-પ્રગટ દ્રશા એનો સ્વાદ લે છે. એ એને રુચિકર છે. પહેલાં એ રાગ-દ્વેષનો સ્વાદ લેતો હતો તે તો પરને લક્ષ-ધ્યેય બનાવી લેતો હતો. રસિકજનોને ધ્યેય તો ચૈતન્યતત્ત્વ છે. તેથી કહે છે કે એ ચૈતન્યતત્ત્વના લક્ષે પ્રગટ થતું જ્ઞાન જે સ્વભાવરૂપ છે (આનંદ સહિત છે) એનો સ્વાદ લો અને રાગની રુચિ છોડો. ભાઈ! આટલા શબ્દોમાં તો ઘણું ભર્યું છે.

અહાહા! શુભભાવ પણ ધર્મીને જ્ઞાતાના જ્ઞાનનું પર જ્ઞેય છે. એ વડે પુણ્યબંધ થાય એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે અને એનું ફળ જે સ્વર્ગાદિ મળે એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે. એ સ્વજ્ઞેય નહિ, હો. એવી રીતે ધર્મીને પાપના પરિણામ હોય એ જ્ઞાતાનું જ્ઞેય છે, એનાથી પાપબંધ થાય એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે અને એના ફળમાં જે (નરકાદિના) પ્રતિકૂળ સંયોગો મળે એ પણ જ્ઞાતાનું જ્ઞેય છે. એ બધું શુભ અને અશુભ જ્ઞાતાનું પરજ્ઞેય છે. સવારમાં કહ્યું હતું ને કે વ્રતના પરિણામથી જીવને સ્વર્ગમાં સ્ત્રીઓ મળે, સુખ (વૈભવ) મળે. શુભભાવથી સંયોગ મળે પણ સ્વભાવ ન મળે. એનો અર્થ એ કે ધર્મીને આત્મા રુચ્યો છે, એને શુભભાવથી-વ્રતાદિની રુચિ નથી. જ્ઞાનીને એ શુભભાવ, એનાથી થતું બંધન અને એનું ફળ જે આવે તે બધુંય પરજ્ઞેય તરીકે છે. એ સંયોગી ભાવ અને એ સંયોગો મારા એમ જ્ઞાની માનતો નથી.

શુદ્ધ આત્માના અનુભવી સમ્યગ્દ્રષ્ટિને તો અતીન્દ્રિય આનંદના સ્વાદની રુચિ છે. અહાહા! ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય મળે તોપણ તે સમક્તિી હોવાથી તેને જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે જાણે છે, પોતાના તરીકે જાણતો નથી. સમયસાર નાટકમાં બનારસીદાસ કહે છેઃ-

“સ્વપરપ્રકાસક સકતિ હમારી
તાતૈં વચન-ભેદ ભ્રમ ભારી
જ્ઞેયદશા દુવિધા પરગાસી
નિજરૂપા પરરૂપા ભાસી.”

PDF/HTML Page 355 of 4199
single page version

આ પાંચ અણુવ્રત, પાંચ મહાવ્રત વગેરેના શુભભાવ એ મારા છે એમ જ્ઞાનીએ માન્યું નથી, પણ એ પરજ્ઞેય તરીકે છે, સ્વજ્ઞેયમાં નહિ. તેથી તેના ફળ તરીકે જે કર્મનું બંધન પડયું એ પણ પરજ્ઞેય તરીકે છે. મને બંધન છે, હું બંધાણો એમ જ્ઞાની માનતો નથી. તથા એના ફળમાં જે સંયોગ મળે તે પણ એને પરજ્ઞેય છે. સંયોગ મારા છે એમ જ્ઞાની માનતો નથી.

સમ્યગ્દ્રષ્ટિ ધર્મીને આત્માનો સ્વાદ રુચિકર છે. રુચિકર એટલે આનંદ આપનારો. રુચિ-શ્રદ્ધા-પ્રતીતિની વ્યાખ્યા આ છે કે-એને પ્રત્યક્ષ (આત્માના) આનંદનો સ્વાદ આવ્યો તે રુચિ-શ્રદ્ધા-પ્રતીતિ છે. આ જૈનધર્મ છે જુઓ, જૈનદર્શન એ વસ્તુદર્શન છે. બધાને ભેગા કરીને વિશ્વધર્મ વિશ્વધર્મ કહે પણ એ વિશ્વધર્મ છે જ નહિ. ભગવાન સર્વજ્ઞદેવે કહેલો એક જ માર્ગ વિશ્વધર્મ-જૈનધર્મ છે. એને બીજા કોઈ ધર્મ સાથે મેળ છે નહિ. ભાઈ, બીજાને ઠીક લાગે કે ન લાગે, પણ વસ્તુ તો આ છે. વસ્તુ જ્ઞાનાનંદ- સ્વભાવી જે જ્ઞાયક આત્મા તેની રુચિ કરતાં જે જ્ઞાન અને આનંદની શક્તિ છે તે પર્યાયમાં પ્રગટ થાય છે, તેને આસ્વાદો એમ કહે છે. આ માર્ગ છે, આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. કુંદકુંદાચાર્યની એક ગાથા છે કે સમક્તિ જેવી કલ્યાણકારી જગતમાં કોઈ ચીજ નથી અને મિથ્યાત્વ જેવી અકલ્યાણકારી જગતમાં કોઈ ચીજ નથી.

તેથી અહીં કહે છે કે રસિકજનોને રુચિકર ઉદય થઈ રહેલું જે જ્ઞાન તે આસ્વાદો, કારણ કે इह આ લોકમાં आत्मा किल આત્મા છે તે ખરેખર कथम् अपि કોઈ પ્રકારે अनात्मना साकम् અનાત્મા (પરદ્રવ્ય) સાથે क्वापि કોઈ કાળે तादात्म्यवृत्तिम् न कलयति તાદાત્મ્યવૃત્તિ (એકપણું) પામતો નથી. અનાત્મા એટલે રાગથી માંડીને બધી ચીજો અનાત્મા છે. આ આત્માની અપેક્ષાએ સિદ્ધ ભગવાન પણ અનાત્મા છે. અહાહા! અહીં કહે છે કે કોઈ પણ પ્રકારે કોઈ કાળે ભગવાન આત્મા પરદ્રવ્ય સાથે એકરૂપ થતો નથી. ભગવાન જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ગુણ-ગુણીના ભેદના વિકલ્પથી માંડીને બધાય જે અનાત્મા-પરદ્રવ્ય તેની સાથે એકપણાને પામતો નથી. આવો ધર્મ અને આવો માર્ગ! અહાહા!

પ્રશ્નઃ–દયા પાળવી, વ્રત કરવાં એ તો તમે કહેતા નથી?

ઉત્તરઃ–સાંભળને બાપા! એ દયા અને વ્રતનો જે વિકલ્પ છે એમાં તારી દયા નથી. પરની દયા પાળવાનો વિકલ્પ એ શુભભાવ છે. (સ્વરૂપની હિંસા છે.) બાપુ! સ્વના આશ્રયનો માર્ગ કોઈ અલૌકિક છે. તેથી પરનો આશ્રય છોડીને સ્વનો આશ્રય કર એમ કહે છે. આત્મા રાગ અને પર સાથે કદી પણ એક્તા પામતો નથી. કારણ કે एकः આત્મા એક છે. તે અન્ય દ્રવ્ય સાથે એકરૂપ થયો નથી. જુઓ એક કળશમાં કેટલું ભર્યું છે? અમારી આંખ સારી હતી, હમણાં જરા બગડી છે, અમારું શરીર અત્યાર સુધી નીરોગી રહ્યું છે, કોઈ દિવસ સૂંઠ પણ ચોપડી નથી ઇત્યાદિ. આમ ‘અમારું’ અમારું એવી પર સાથે


PDF/HTML Page 356 of 4199
single page version

એકત્વબુદ્ધિ કરીને મરી ગયો (સંસારમાં રખડયો). પણ ભાઈ! પહેલાંય શરીર તારું કયારે હતું અને અત્યારે પણ તારું કયાં છે? કોઈ કાળે પણ (પરમાં) પ્રવૃત્તિ તું માને એમ થતી નથી.

મોક્ષ અધિકારમાં એમ લીધું છે કે રાગ અને ભગવાન આત્મા વચ્ચે સંધિ છે, તડ છે, નિઃસંધિ-એક કદીય થયા નથી. આવો પાઠ છે. ફક્ત તેં એમ માન્યું છે કે આ રાગ, પુણ્ય, વિકલ્પ ઇત્યાદિ મારાં. એ તારી માન્યતામાં નિઃસંધિ-એકપણું છે. બાકી ખરેખર બે વચ્ચે સંધિ-તડ છે. આ લોકમાં આત્મા છે એ અનાત્મા સાથે કોઈ પ્રકારે ખરેખર એકપણું પામતો નથી, કારણ કે તે એક છે. તે બગડે બે થતો નથી. એકડે એક અને બગડે બે. આત્મા એકપણે છે અને રાગ બીજી ચીજ છે. આત્મા રાગ સાથે એકપણું પામતો નથી, જો એકપણું પામે તો તે આત્મા બગડી જાય, બગડે બે થઈ જાય. પરંતુ આત્મા બધાય અન્ય દ્રવ્ય-રાગાદિ વિકલ્પો સાથે એકરૂપ થતો નથી કેમકે તે એક एकः છે. આ ધર્મની રીત છે.

* કળશઃ ૨૨ ભાવાર્થ *

આત્મા કોઈ કાળે અને કોઈ પ્રકારે પરદ્રવ્ય સાથે એટલે રાગ, શરીર, મન, વાણી, કર્મ, દેશ, જડ ઇન્દ્રિયો સાથે, અરે ખંડ ખંડ ભાવેન્દ્રિયો સાથે એક્તાભાવને પામતો નથી. આ રીતે આચાર્યે અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો મોહ એટલે પરમાં થયેલી સાવધાનીથી આત્માનું ભેદજ્ઞાન બતાવ્યું છે, અને પ્રેરણા કરી છે કે એ એકપણાના મોહને હવે છોડો. રાગાદિ સાથેના એકપણાને હવે છોડી આત્મા એક છે એની સાથે એક્તા પ્રાપ્ત કરો, જ્ઞાનસ્વભાવ સાથે એકપણું પ્રગટ કરો, નિજ જ્ઞાનસ્વરૂપ આત્માના આનંદને આસ્વાદો-જ્ઞાનને આસ્વાદો. અહો! અમૃતચંદ્રાચાર્યના કળશો ઘણા ગંભીર છે. એમની ટીકા પણ ઘણી ગંભીર છે. શાસ્ત્રોમાં કાંઈ ભાવ ભર્યા છે એમણે! જેમ આંચળમાંથી દૂધ સંભાળપૂર્વક દોહીને કાઢે તેમ શાસ્ત્રોમાં ભરેલા ભાવો તર્કની ભીંસ દઈને કાઢયા છે, ટીકામાં ભર્યા છે.

ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ (ચૈતન્યસ્વરૂપ) છે. રાગભાવ એ અચેતનસ્વરૂપ છે. ચાહે તો દયા, દાન, કે વ્રતનો વિકલ્પ હો કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો, એ (સઘળા) વિકલ્પ અચેતન છે. તેમાં જ્ઞાનસ્વભાવનું કિરણ નથી. રાગમાં જ્ઞાનસ્વભાવનું કિરણ નથી. માટે તે રાગનું આસ્વાદવું છોડી આ જ્ઞાનસ્વરૂપ આત્માને આસ્વાદો. ભગવાન આત્મામાં આનંદ, સુખનો આસ્વાદ છે. અનાદિકાળથી રાગનો આસ્વાદ કર્યો તે દુઃખનો-આકુળતાનો સ્વાદ હતો, એમાં કાંઈ નવીન નથી. તેથી નવું કરવું હોય તો જ્ઞાનને આસ્વાદો એમ કહે છે.

‘મોહ છે તે વૃથા છે.’ ભાષા જુઓ. મોહ છે તે વૃથા અને અમોહ તે સફળ. મોહ કહેતાં પરમાં સાવધાની તે વૃથા-અફળ (મોક્ષ માટે છે.) અને અમોહ કહેતાં


PDF/HTML Page 357 of 4199
single page version

સ્વરૂપમાં સાવધાની તે સફળ (મોક્ષ માટે) છે. પ્રવચનસાર ગાથા ૧૧૬ માં સફળ અને અફળ જુદી રીતે સંસારની અપેક્ષાથી આવે છે. ત્યાં પુણ્ય-પાપના ભાવનું (મોહ સહિત ક્રિયાનું) સફળપણું કહ્યું છે. એટલે તે વડે મનુષ્યાદિ જે ગતિ મળે છે તે અવશ્ય મળશે. અને મોહરહિત આત્માની ધાર્મિક ક્રિયાનું અફળપણું કહ્યું છે. એટલે એના ફળમાં સંસાર પ્રાપ્તિ નહિ મળે. આ પ્રમાણે મોહ વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. તથા અમોહ સફળ છે, સાચો છે અને સુખનું કારણ છે. એમ બાવીસમો કળશ પૂરો થયો.

[પ્રવચન નં. ૬૨-૬૩-૬૪ * દિનાંક ૩૧-૧-૭૬ થી ૨-૨-૭૬]




PDF/HTML Page 358 of 4199
single page version

अथाप्रतिबुद्धबोधनाय व्यवसायः क्रियते–

अण्णाणमोहिदमदी मज्झमिणं भणदि पोग्गलं दव्वं।
बद्धमबद्धं च तहा जीवो बहुभावसंजुत्तो।। २३ ।।
सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं।
कह सो पोग्गलदव्वीभूदो जं भणसि मज्झमिणं।। २४ ।।
जदि सो पोग्गलदव्वीभूदो जीवत्तमागदं इदरं।
तो सक्को वत्तुं जे मज्झमिणं पोग्गलं दव्वं।। २५ ।।
अज्ञानमोहितमतिर्ममेदं भणति पुद्गलं द्रव्यम्।
बद्धमबद्धं च तथा जीवो बहुभावसंयुक्तः।। २३ ।।
सर्वज्ञज्ञानद्रष्टो जीव उपयोगलक्षणो नित्यम्।
कथं स पुद्गलद्रव्यीभूतो यद्भणसि ममेदम्।। २४ ।।
यदि स पुद्गलद्रव्यीभूतो जीवत्वमागतमितरत्।
तच्छक्तो वक्तुं यन्ममेदं पुद्गलं द्रव्यम्।। २५ ।।

હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છેઃ-

અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે,
“આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું” તે કહે. ૨૩.
સર્વજ્ઞજ્ઞાનવિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે,
તે કેમ પુદ્ગલ થઇ શકે કે ‘મારું આ’ તું કહે અરે! ૨૪.
જો જીવ પુદ્ગલ થાય, પામે પુદ્ગલો જીવત્વને,
તું તો જ એમ કહી શકે ‘આ મારું પુદ્ગલદ્રવ્ય છે’. ૨પ.

ગાથાર્થઃ– [अज्ञानमोहितमतिः] જેની મતિ અજ્ઞાનથી મોહિત છે [बहुभाव– संयुक्तः] અને જે મોહ, રાગ, દ્વેષ આદિ ઘણા ભાવોથી સહિત છે એવો [जीवः] જીવ [भणति] એમ કહે છે કે [इदं] [बद्धम् तथा च अबद्धं] શરીરાદિ બદ્ધ તેમ જ ધનધાન્યાદિ


PDF/HTML Page 359 of 4199
single page version

અબદ્ધ [पुद्गलं द्रव्यम्] પુદ્ગલદ્રવ્ય [मम] મારું છે. આચાર્ય કહે છેઃ [सर्वज्ञज्ञानद्रष्टः] સર્વજ્ઞના જ્ઞાન વડે દેખવામાં આવેલો જે [नित्यम्] સદા [उपयोगलक्षणः] ઉપયોગલક્ષણવાળો [जीवः] જીવ છે [सः] તે [पुद्गलद्रव्योभूतः] પુદ્ગલદ્રવ્યરૂપ [कथं] કેમ થઈ શકે [यत्] કે [भणसि] તું કહે છે કે [इदं मम] આ પુદ્ગલદ્રવ્ય મારું છે? [यदि] જો [सः] જીવદ્રવ્ય [पुद्गलद्रव्यीभूतः] પુદ્ગલદ્રવ્યરૂપ થઈ જાય અને [इतरत्] પુદ્ગલદ્રવ્ય [जीवत्वम्] જીવપણાને [आगतम्] પામે [तत्] તો [वक्तुं शक्तः] તું કહી શકે [यत्] કે [इदं पुद्गलं द्रव्यम्] આ પુદ્ગલદ્રવ્ય [मम] મારું છે. (પણ એવું તો થતું નથી.)

ટીકાઃ– એકીસાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા *આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિકપાષાણ જેવો છે, અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જે જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપ જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે, અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે-એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહિ કરીને, પેલા અસ્વભાવભાવોને જ (પોતાના સ્વભાવ નથી એવા વિભાવોને જ) પોતાના કરતો, પુદ્ગલદ્રવ્યને ‘આ મારું છે’ એમ અનુભવે છે. (જેમ સ્ફટિકપાષાણમાં અનેક પ્રકારના વર્ણની નિકટતાથી અનેકવર્ણરૂપપણું દેખાય છે, સ્ફટિકનો નિજ શ્વેત-નિર્મળભાવ દેખાતો નથી તેવી રીતે અપ્રતિબુદ્ધને કર્મની ઉપાધીથી આત્માનો શુદ્ધ સ્વભાવ આચ્છાદિત થઈ રહૃાો છે-દેખાતો નથી તેથી પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે.) એવા અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે કેઃ-રે દુરાત્મન્! આત્માનો ઘાત કરનાર! જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. જેણે સમસ્ત સંદેહ, વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધા છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ-જ્ઞાનથી સ્ફુટ (પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું ‘આ પુદ્ગલદ્રવ્ય મારું છે’ એમ અનુભવે છે? કારણ કે જો કોઈ પણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ ‘મીઠાનું પાણી’ એવા અનુભવની જેમ ‘મારું આ પુદ્ગલદ્રવ્ય’ એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી. એ, દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છેઃ જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું અને દ્રવપણાને સાથે રહેવામાં __________________________________________________ * આશ્રય = જેમાં સ્ફટિકમણિ મૂકેલો હોય તે વસ્તુ


PDF/HTML Page 360 of 4199
single page version

(मालिनी)
अयि कथमपि मृत्वा तत्त्वकौतूहली सन्
अनुभव भव मूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्।
पृथगथ विलसन्तं स्वं समालोक्य येन
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।। २३ ।।

__________________________________________________ અવિરોધ છે અર્થાત્ તેમાં કોઈ બાધા નથી, તેવી રીતે નિત્ય ઉપયોગ-લક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ-ચેતન કદી પણ એક થઈ શકે નહિ. તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ ‘આ મારું છે’ એમ અનુભવ. (એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.)

ભાવાર્થઃ– આ અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ બન્ને સર્વથા જુદાં જુદાં છે, કદાચિત્ કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વજ્ઞે દીઠું છે; માટે હે અજ્ઞાની! તું પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે; વૃથા માન્યતાથી બસ થાઓ.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [अयि] अयि’ એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! તું [कथम् अपि] કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા [मृत्वा] મરીને પણ [तत्त्वकौतूहली सन्] તત્ત્વોનો કૌતૂહલી થઈ [मूर्तेः मुहूर्तम् पार्श्ववर्ती भव] આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ [अनुभव] આત્માનો અનુભવ કર [अथ येन] કે જેથી [स्वं विलसन्तं] પોતાના આત્માને વિલાસરૂપ, [पृथक्] સર્વ પરદ્રવ્યોથી જુદો [समालोक्य] દેખી [मूर्त्या साकम्] આ શરીરાદિક મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે [एकत्वमोहम्] એકપણાના મોહને [झगिति त्यजसि] તું તુરત જ છોડશે.

ભાવાર્થઃ– જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી, મોક્ષને પ્રાપ્ત થાય. આત્માનુભવનું એવું માહાત્મ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે; માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. ૨૩.