PDF/HTML Page 361 of 4199
single page version
હવે અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છેઃ-જુઓ, કેટલાક એમ કહે છે કે આ સમયસાર મુનિજનો માટે છે, પણ અહીં આચાર્ય ભગવાન કહે છે- ‘अथ अप्रतिबुद्ध–बोधनाय व्यवसायः क्रियते’ અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. જેને સમ્યગ્દર્શન નથી અને જે રાગને, પુણ્યને પોતાના માને છે એવા મિથ્યાદ્રષ્ટિને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ એમ આચાર્યદેવ કહે છે.
‘એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ) અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક-પાષાણ જેવો છે.’ જુઓ, સ્ફટિક-પાષાણની નજીકમાં કાળા, લાલ આદિ ફૂલ હોય તો જે એનું પ્રતિબિંબ સ્ફટિક પાષાણમાં પડે તે સ્ફટિકની યોગ્યતાથી પડે છે, પણ એ લાલ, કાળા આદિ ફૂલને લઈને પડે છે એમ નથી. જો એ લાલ આદિ ફૂલને લઈને પડે તો લાકડું મૂકીએ તો એમાં પણ પડવું જોઈએ. (પણ એમ નથી.) એ (ફૂલ) તો નિમિત્ત છે અને નૈમિત્તિકમાં જે લાલ આદિ ફૂલનું પ્રતિબિંબ દેખાય છે એ તો સ્ફટિકની તે પ્રકારની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને લીધે છે. તેવી જ રીતે કર્મના ઉદ્રયરૂપ રંગને લીધે આત્મામાં રાગ-દ્વેષરૂપ રંગ ઊઠે છે એમ નથી. એ (કર્મનો ઉદ્રય) તો નિમિત્ત છે અને નૈમિત્તિક રાગ-દ્વેષ જે આત્મામાં ઊઠે છે તે તે પ્રકારની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને લીધે છે.
વળી જેમ કોઈ વાસણમાં સ્ફટિક મૂકયો હોય તો વાસણ જેવા રંગનું હોય તેવા જ રંગનો સ્ફટિક દેખાય છે. એ સ્ફટિકની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને કારણે છે નહિ કે વાસણના રંગને કારણે; તેમ એક સમયની પર્યાય-વિકારી હોય કે અવિકારી- સ્વતંત્રપણે તે કાળે તે પ્રકારે ઉત્પન્ન થવાની યોગ્યતાથી થાય છે. પર્યાયનું વીર્ય પર્યાયને લઈને છે, ગુણના વીર્યને લઈને પર્યાયનું વીર્ય છે એમ પણ નથી. ચિદ્દવિલાસમાં આવે છે કે પર્યાયની સૂક્ષ્મતા પર્યાયને કારણે છે, દ્રવ્ય-ગુણના કારણે નહિ. ત્યાં પર્યાય એટલે માત્ર નિર્મળ પર્યાયની વાત નથી, પણ મલિન અને નિર્મળ પર્યાય સ્વતઃ પોતાના કારણે થાય છે એમ ત્યાં પર્યાયની સ્વતંત્રતા બતાવી છે.
સ્ફટિક અને ફૂલના સંયોગનું દ્રષ્ટાંત હવે જીવ અને કર્મમાં ઉતારે છે. જે જ્ઞાનાનંદ ઉપયોગસ્વરૂપ સ્વભાવભાવે છે તેને જીવ કહીએ. પરંતુ અનાદિથી અનેક પ્રકારના એટલે આઠ પ્રકારના કર્મના બંધનની ઉપાધિની અતિ નિકટપણાને લઈને વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવોના સંયોગવશે ચૈતન્યના ઉપયોગરૂપ જ્ઞાન, આનંદ આદિ સ્વભાવભાવો તિરોભૂત થઈ (ઢંકાઈ) ગયા છે. પોતે સંયોગ-નિમિત્તને (કર્મોદયને) વશ થતાં શુભાશુભ
PDF/HTML Page 362 of 4199
single page version
પુણ્ય-પાપના અનેક પ્રકારના જે અસ્વભાવભાવો થાય છે એને વશ અજ્ઞાનીની અનાદિની દ્રષ્ટિ છે. જુઓ, ભગવાન આત્મા ચૈતન્યતત્ત્વ જ્ઞાનઉપયોગનું દ્રળ છે, જ્ઞાનાનંદસ્વરૂપી દળ છે, એની નિકટમાં આઠ પ્રકારના કર્મરજકણોનો અનેક પ્રકારનો સંબંધ છે. એ સંબંધ ઉપર એની દ્રષ્ટિ હોવાથી એને રાગ-દ્વેષ અને વિકારી ભાવોનો વેગ વહે છે. એ વેગના ભાવમાં રમતો ‘એ વેગનો જે ભાવ છે તે મારો છે’ એમ માનવાથી એને ચૈતન્ય જ્ઞાયકભાવ ઢંકાઈ ગયો છે.
ભગવાન જ્ઞાયકભાવસ્વરૂપ આત્માનો ચૈતન્યઉપયોગ તો સ્ફટિકની જેમ નિર્મળ છે. એ ઉપયોગમાં અતિ નિકટના જે અસ્વભાવભાવો-રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, વ્રત, તપ, દાન, ભક્તિ તથા કામ, ક્રોધ આદિ તે જણાય છે. એ જણાતાં એ અસ્વભાવભાવો જ હું છું એમ અજ્ઞાની માને છે. ઝીણી વાત છે, ભાઈ! આ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ, દેવ- ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતનો રાગ, ઇત્યાદિ જે બધા વ્યભિચારી ભાવો તે ચૈતન્યના ઉપયોગથી ભિન્ન છે, અચેતનરૂપ છે છતાં અનાદિ અજ્ઞાનથી અજ્ઞાની કર્મની નિકટતાથી ઉત્પન્ન થયેલા એ અસ્વભાવભાવોને પોતાના માની તે હું છું એમ માને છે.
પ્રશ્નઃ– એને શું આ અણ-ઉપયોગરૂપ અસ્વભાવભાવો છે એની ખબર નથી?
ઉત્તરઃ– હા, ખબર નથી. એને ભાન નથી તેથી તો તે અપ્રતિબુદ્ધ છે.
જેમ સ્ફટિકમણિમાં લાલ, પીળા આદિ ફૂલની નિકટતાથી લાલ, પીળી આદિ ઝલક (ઝાંય) જે ઊઠે છે એને લઈને એની સફેદાઈ (નિર્મળતા) ઢંકાઈ ગઈ છે, તિરોભૂત થઈ ગઈ છે; તેમ ચૈતન્યસ્વરૂપ જ્ઞાન ઉપયોગમય વસ્તુ જે આત્મા તેનો સ્વભાવ એ પુણ્ય-પાપ આદિ અસ્વભાવભાવોને લઈને ઢંકાઈ ગયો છે. એણે અનંતકાળમાં વ્રત, તપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિ તો અનંતવાર કર્યાં છે. પરંતુ એ તો બધો રાગભાવ છે, કર્મની નિકટતાના વશે થયેલો અસ્વભાવભાવ છે. એ સર્વ રાગાદિ મલિનભાવમાં પોતાનું અસ્તિત્વ સ્વીકારવાથી એને ચૈતન્યરત્ન નિર્મળાનંદ ઉપયોગસ્વરૂપ આત્મા ઢંકાઈ ગયો છે.
હવે કહે છે- ‘અત્યંત તિરોભૂત (ઢંકાયેલા) પોતાના સ્વભાવભાવપણાથી જેની સમસ્ત ભેદજ્ઞાનરૂપી જ્યોતિ અસ્ત થઈ ગઈ છે એવો છે. અહાહા! એકલો જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયકભાવ જે નિર્મળ શુદ્ધ ઉપયોગમયસ્વભાવભાવ છે તે રાગાદિ પુણ્ય-પાપના પરિણામને વશ થયો થકો ઢંકાઈ ગયો છે અને તેથી એની સમસ્ત ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ છે. એટલે આ રાગાદિ તે હું નહિ, પણ આ ઉપયોગ છે તે હું છું એવા ભેદને પ્રકાશનારી ભેદજ્ઞાનજ્યોતિ એને અસ્ત થઈ ગઈ છે. અહાહા! ‘હું તો ચૈતન્યસ્વરૂપ છું’ એવો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ જે ઊઠે એ હું નહિ કેમ કે એ વિકલ્પ તો અજીવ છે, અચેતન છે, અણ-ઉપયોગરૂપ છે, પુદ્ગલ છે. આ ભેદજ્ઞાન છે. આવો માર્ગ માણસ સમજે નહિ
PDF/HTML Page 363 of 4199
single page version
અને દયા પાળવી અને વ્રત પાળવાં એમ લઈને બેસી જાય. પણ એથી શું લાભ? એ તો (ચાર ગતિમાં) રખડવાનું છે. (એ શુભભાવથી) પહેલાંય રખડતો હતો, અત્યારેય રખડે છે અને ભવિષ્યમાં પણ રખડનાર છે. અહાહા! ભગવાન ચૈતન્યચિંતામણિ નિર્મળ જ્ઞાનજ્યોતિ અનાદિઅનંત નિત્ય ધ્રુવ સ્વભાવભાવરૂપ જે આત્મા તેનાથી ભિન્ન કર્મની નિકટતાથી ઉત્પન્ન અસ્વભાવભાવો ઉપર એની દ્રષ્ટિ હોવાથી એ અનાદિ પર્યાયબુદ્ધિ છે. તેથી એને રાગ અને જ્ઞાયકની ભિન્નતા કરનારી ભેદજ્ઞાનજ્યોતિ અસ્ત થઈ ગઈ છે.
અહીં કહે છે કે નિર્મળ ઉપયોગસ્વરૂપ ભગવાન આત્માને કર્મનું નિકટપણું છે. નિકટપણું એટલે એકક્ષેત્રાવગાહ. નિયમસાર ગાથા ૧૮ ની ટીકામાં આવે છે કે-નિકટવર્તી અનુપચરિત અસદ્ભૂત વ્યવહારનયથી આત્મા દ્રવ્યકર્મનો ર્ક્તા છે-એમ અહીં પણ નિકટપણું કહ્યું છે. ભગવાન આત્માના એકક્ષેત્રાવગાહમાં જડ રજકણો (ધૂળ) અતિ નિકટ છે. એ અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા અસ્વભાવભાવો-એમ કહ્યું છે ને? પ્રવચનસારમાં પણ ‘દોડતા પુણ્ય અને પાપ’-એમ આવે છે. ‘વેગપૂર્વક વહેતા’ અને ‘દોડતા’ એનો એક જ અર્થ છે કે એક પછી એક ગતિ કરતા ચાલ્યા જતા. એટલે એક પછી એક વેગથી વહેતા એટલે પર્યાયમાં એક પછી એક થતા એ પુણ્ય-પાપના ભાવો તે અસ્વભાવભાવો છે. એ અસ્વભાવભાવ અને આત્માના ઉપયોગમય સ્વભાવને ભિન્ન પાડવાની શક્તિ એને અસ્ત થઈ ગઈ છે, આથમી ગઈ છે તેથી અજ્ઞાની-અપ્રતિબુદ્ધ છે. એની દ્રષ્ટિમાં સ્વભાવભાવનો અભાવ (તિરોભાવ) થયો છે તેથી અસ્વભાવભાવનો સત્કાર-સ્વીકાર થયો છે. તેથી તે અધર્મરૂપ દ્રષ્ટિ છે. અજ્ઞાનીને ભેદજ્ઞાનજ્યોતિ આથમી ગઈ હોવાથી તેને નિર્વિકાર પરિણામ ન થતાં રાગાદિ વિકાર જ ઉત્પન્ન થાય છે.
હવે કહે છે કે-‘અને મહા અજ્ઞાનથી જેનું હૃદય પોતે પોતાથી જ વિમોહિત છે.’ જુઓ વસ્તુનો સ્વભાવ જ્ઞાયકભાવ છે. એનું એને મહા અજ્ઞાન છે. તેથી પોતે પોતાથી જ વિમોહિત છે. કર્મના કારણે એને મોહ થયો છે એમ નથી. અજ્ઞાનીને પર્યાયમાં જે અસ્વભાવભાવોની ઉત્પત્તિ થઈ છે તે પોતાના અજ્ઞાનને લઈને થઈ છે, પણ કર્મના કારણે નહિ.
આમ અસ્વભાવભાવથી-રાગાદિથી સ્વભાવરૂપ જ્ઞાયકને ભિન્ન પાડનારી ભેદજ્ઞાનશક્તિ જેને બીડાઈ ગઈ છે તેથી પોતે પોતાથી જ વિમોહિત છે-‘એવો અપ્રતિબુદ્ધ જીવ સ્વપરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવભાવોને જ પોતાના કરતો, પુદ્ગલ દ્રવ્યને “આ મારું છે” એમ અનુભવે છે.’ ભગવાન જ્ઞાયક આત્મા જે નિર્મળ, ઉપયોગસ્વરૂપ પરમ પવિત્ર જીવસ્વભાવે છે તે સ્વ અને આ રાગાદિ ભાવ જે મલિન, અણઉપયોગરૂપ અપવિત્ર અજીવસ્વભાવે છે તે પર-એમ સ્વપરનો ભેદ નહીં કરીને પેલા અસ્વભાવભાવોને-દયા, દાન, વ્રત, ભક્તિ, પુણ્ય અને પાપ ઇત્યાદિ વિકારી વિભાવોને એ પોતાના છે એમ અજ્ઞાની
PDF/HTML Page 364 of 4199
single page version
અનુભવે છે. અજ્ઞાનીને જે પુણ્ય-પાપના વિકલ્પ ઊઠે તેને વશ એ થઈ ગયો છે. તેથી તે સ્વપરની જુદાઈ ન કરતાં બન્નેને એકરૂપ કરે છે. એકેન્દ્રિય અવસ્થાથી માંડીને પંચેન્દ્રિય દ્રવ્યલિંગી મુનિને જે શુભભાવ થાય તે સઘળા અસ્વભાવભાવ છે. તે સર્વ અસ્વભાવભાવને તે પોતાના છે એમ માને છે.
પ્રશ્નઃ– કેટલાક કહે છે ને કે- ‘એ શુભભાવ સાધન છે અને નિશ્ચય વસ્તુ સાધ્ય છે?
ઉત્તરઃ– ભાઈ, એમ નથી. જો એમ હોય તો એનો અર્થ તો એમ થયો કે અચેતન રાગ સાધન અને ચૈતન્યસ્વભાવ તેનું સાધ્ય. અથવા રાગ જે અજીવ છે તે સાધન અને એનાથી સાધ્ય જીવસ્વરૂપ (વીતરાગતા) પ્રગટે છે. અથવા રાગ જે દુઃખસ્વરૂપ છે તે સાધન અને તેનાથી આનંદ પ્રગટે તે સાધ્ય. ભાઈ, વસ્તુ બહુ ઝીણી છે એટલે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અહીં તો અંદરના ઉપયોગને અને રાગને ભિન્ન પાડવો જોઈએ, પણ અજ્ઞાની તેમ કરતો નથી એમ કહે છે.
અહાહા! એકલો જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયક સત્ય પ્રભુ-એને અજાણક એવા જે રાગાદિ અચેતન દુઃખરૂપ ભાવ એનાથી ભિન્ન પાડી અનુભવવો એ સૂક્ષ્મ છે, કઠણ છે. પંડિત રાજમલજીએ એ જ વાત કળશટીકામાં ૧૮૧ માં કળશમાં કહી છે. ત્યાં કહ્યું છે કે- “ભાવકર્મ જે મોહ-રાગ-દ્વેષરૂપ-અશુદ્ધ ચેતનારૂપ-પરિણામ, તે અશુદ્ધ પરિણામ વર્તમાનમાં જીવની સાથે એકપરિણમનરૂપ છે, તથા અશુદ્ધ પરિણામની સાથે વર્તમાનમાં જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે.”
અજ્ઞાની આનંદસ્વરૂપ ભગવાન આત્માથી વિરુદ્ધ રાગાદિ દુઃખરૂપ અસ્વભાવભાવોને, ભેદ કરવાની શક્તિ તેને આથમી ગઈ હોવાથી મારાપણે-એકપણે છે એમ કરતો થકો પુદ્ગલદ્રવ્યને તે મારું છે એમ અનુભવે છે. અહીં જડ પુદ્ગલને અનુભવવાની વાત નથી પણ રાગ જે પુદ્ગલરૂપ છે તેને અનુભવે છે એમ કહે છે. જીવને પોતાની વિકારી દશા અનુભવમાં આવે છે તેથી અહીં વિકારને પુદ્ગલ કહી દીધા છે. ભગવાન ચૈતન્યદેવના આનંદનો અનુભવ નહિ, પણ રાગનો અનુભવ છે તેને અહીં પુદ્ગલનો અનુભવ કહ્યો છે. આવી વાત છે, ભાઈ. એને કોઈ એમ કહે કે આ તો નિશ્ચયની એકલી વાત કરે છે. પણ આ નિશ્ચય એટલે સાચું જ આ છે. શુભ રાગ કરતાં કરતાં શુદ્ધ થાય, શુદ્ધનું સાધન શુભ એ તો બધાં આરોપિત કથન છે. ભાઈ, નિશ્ચયથી તો શુભરાગ અચેતન છે. ગાથા ૬ માં એ વાત આવી ગઈ છે કે એક જ્ઞાયકભાવ અનેકરૂપ શુભ-અશુભ ભાવોના જડ સ્વભાવે પરિણમતો નથી. જો એ પરિણમે તો જીવ જડ થઈ જાય. ચૈતન્ય ઉપયોગ-સ્વરૂપ ભગવાન આત્મા જો રાગના સ્વભાવે પરિણમે તો તે અચેતન જડ થઈ જાય.
PDF/HTML Page 365 of 4199
single page version
રાગાદિ ભાવ એ પુદ્ગલની જાત છે, અચેતન છે, દુઃખરૂપ છે. એને પોતે આનંદ-સ્વરૂપી ચૈતન્યભગવાન હોવા છતાં પોતાનો માને એનું નામ મિથ્યાત્વ છે. એવા મિથ્યાત્વી અપ્રતિબુદ્ધને હવે સમજાવવામાં આવે છે. જુઓ કોઈ એમ કહે કે આ સમયસાર તો મુનિને માટે છે તો અહીં આચાર્ય કહે છે કે એવા અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવે છે.
પ્રશ્નઃ– અપ્રતિબુદ્ધ મુનિને સમજાવવામાં આવ્યું છે એમ કહો તો?
ઉત્તરઃ– અપ્રતિબુદ્ધ મુનિ હોય જ નહિ. જેને આત્મજ્ઞાન નથી, આત્મનુભવ નથી તે મુનિ કેવા?
અહીં ‘એવા અપ્રતિબુદ્ધ’ એમ લીધું છે. એવો કોણ અપ્રતિબુદ્ધ છે? તો કહે છે કે જેને કર્મનિમિત્તના વશે જે અસ્વભાવભાવ ઉત્પન્ન થયો તેને પોતાના માને છે એવા અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવે છે કેઃ-
‘હે દુરાત્મન્! આત્માનો ઘાત કરનાર! જુઓ, ‘હે દુરાત્મન્’ એ કરુણાનો શબ્દ છે હોં. પરંતુ ‘હે આત્મન્’ એમ ન કહેતાં ‘દુરાત્મન્’ એમ કેમ કહ્યું? એમ કહી આચાર્ય એમ સમજાવે છે કે ભાઈ! આનંદનો નાથ ભગવાન તું જ્ઞાનસ્વરૂપે છે ને. તારું સત્ત્વ તો જ્ઞાનસત્ત્વ છે, તારું સત્ત્વ કાંઈ પુણ્ય અને રાગાદિ નથી. તું અનંતવાર જૈનનો સાધુ થયો અને નવમી ગ્રૈવેયક ગયો. ત્યાં પણ તું રાગથી લાભ માનનારો, રાગને પોતાનું સ્વરૂપ માનનારો હતો. રાગથી ભિન્ન માનવાની તારી સ્વરૂપદશા હતી જ નહિ. અરેરે! તારી જાત તો જ્ઞાનાનંદસ્વરૂપ ચેતન છે. તેને ભૂલીને તેં રાગાદિ કજાતને પોતાની માની! આમ જીવની અનાદિથી મિથ્યાદશા છે એ બતાવવા ‘દુરાત્મન્!’ એમ સંબોધન કર્યું છે. એમાં આચાર્યની કરુણા જ છે.
વળી ‘આત્માનો ઘાત કરનાર! એમ સંબોધન કર્યું છે ને? ત્યાં એમ કહ્યું કે-હે ભાઈ! તેં નિજ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને ભૂલીને દયા, દાન, વ્રતાદિના ક્રિયાકાંડને પોતાનું સ્વરૂપ માન્યું છે. પણ એ સર્વ ક્રિયાકાંડ રાગસ્વરૂપ હોવાથી આત્માનો ઘાત કરનારા છે. દુઃખદાયક છે. આત્માના સુખનો નાશ કરવાવાળા છે. ભાઈ! જીવતી જાગતી જ્યોતિ ઉપયોગસ્વભાવે વિરાજે છે તેનો અનાદર કરી હું રાગ છું એમ માનીને તેં તારા આત્મસ્વભાવનો ઘાત કર્યો છે, હિંસા કરી છે. ‘હું રાગ છું’ એવી રાગ સાથે એકપણાની માન્યતા જ મહા હિંસા છે એમ દર્શાવવા આચાર્યદેવે ‘આત્માનો ઘાત કરનાર! એમ સંબોધન કર્યું છે. અહાહા! આચાર્યદેવની શું શૈલી છે! વસ્તુની વસ્તુ છે. કાંઈ વસ્તુ અવસ્તુ થઈ નથી. પણ વસ્તુને ન સ્વીકારતાં વસ્તુમાં જે નથી એવા વિકલ્પને-રાગાદિને સ્વીકારવાથી વસ્તુનો અનાદર થયો. તે જ આત્માની હિંસા છે. ઘાત છે.
હવે આવી ખબર ન મળે અને કહે કે અમે જીવોની દયા પાળીએ, વ્રત પાળીએ અને ભક્તિ કરીને મંદિરો બંધાવીએ અને તેમાં મૂર્તિઓ સ્થાપીએ ઇત્યાદિ. પરંતુ આ
PDF/HTML Page 366 of 4199
single page version
શું કરે છે ભગવાન? એ પરને કોણ કરી શકે? એની વાત તો બહુ દૂર રહો, પણ એ પરના થવા કાળે તને જે રાગ થાય એ રાગ તે હું છું અને એ રાગ લાભદાયક છે એમ જો તું માને છે તો તું આત્મઘાતી છે. ચાહે લાખો મંદિર બંધાવી કરોડો રૂપિયા ખર્ચ્યા હોય તોપણ આ મિથ્યા માન્યતા વડે તું આત્મઘાતી-મહાપાપી છે.
હવે દ્રષ્ટાંત આપીને સમજાવે છેઃ-‘જેમ પરમ અવિવેકથી ખાનારા હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ, છોડ.’ જેમ હાથીને ચુરમું (લાડવો આપ્યો) આપ્યું હોય અને ઘાસના પૂળા આપ્યા હોય તો પૂળા અને ચૂરમું ભેગું કરીને ખાય પણ ભેદ પાડે નહિ કે આ ચુરમું છે અને આ ઘાસ છે. (આ મીઠાશવાળું ચુરમું છે અને મોળાસ્વાદવાળું આ ઘાસ છે એમ સ્વાદના ભેદથી બન્નેમાં ભેદ પાડતો નથી.) તેમ અજ્ઞાની જીવ જ્ઞાનાનંદસ્વભાવી આત્માની બાજુમાં (નિકટમાં) જે રાગ થાય છે એનાથી લાભ માને છે અને રાગ મારી ચીજ છે એમ એ રાગનો અનુભવ કરે છે. પરંતુ જ્ઞાનને (રાગથી) જુદો પાડીને આનંદનો અનુભવ કરતો નથી. રાગનો અનુભવ તો દુઃખનો-આકુળતાનો અનુભવ છે. તેથી અહીં કહે છે કે તું એવા રાગના અનુભવને છોડ. અંદર જે જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા વિરાજે છે તેનો અનુભવ કર તો તને આનંદનો-સુખનો અનુભવ થશે.
અહાહા! અમૃતનો સાગર ભગવાન અંદર જ્ઞાન અને આનંદથી છલોછલ ભરેલો છે. તેનો અનુભવ છોડીને પર સંયોગમાં-સ્ત્રીના વિષયમાં, આબરૂમાં, ધનદોલતમાં, બાગ-બંગલામાં મને ઠીક પડે છે, મઝા પડે છે, મીઠાશ આવે છે એમ જે માને છે એ તો આત્મઘાતી છે જ. અહીં તો અંદર જે શુભરાગનો વિકલ્પ ઊઠે છે તેને પોતાનો માની એકમેકપણે અનુભવે છે, એ વિકલ્પ જ હું છું અને એથી મને લાભ (ધર્મ) છે એમ જે માને છે તે પણ આત્મઘાતી છે, હિંસક છે, ભલે પછી એ જૈન દિગંબર સાધુ હોય, પંચમહાવ્રત પાળતો હોય, જંગલમાં રહેતો હોય અને હજારો રાણીઓ છોડી હોય. ભગવાન! ધર્મ કોઈ જુદી ચીજ છે.
પ્રશ્નઃ– સમકિતી તો ભોગવે ને?
ઉત્તરઃ– ભાઈ, તને ખબર નથી. સમક્તિીને છન્નુ હજાર રાણીઓ, છ ખંડનું રાજ્ય, ચક્રવર્તીપણું અને કોઈને તીર્થંકરણપણું પણ હોય પણ એને એ ભોગવતો નથી. સમક્તિીને જે વિકલ્પ આવે છે એને તે હળાહળ ઝેર માને છે. કાળો નાગ દેખીને જેમ થાય એમ એને એ ઉપસર્ગ માને છે, એમાં એને રસ કે આનંદ આવતો નથી. ચક્રવર્તી હોય એ મણિરત્નોજડિત હીરાના સિંહાસન પર બેઠો હોય અને હજારો ચમરબંધી રાજાઓ એને ચામર ઢોળતા હોય પણ એમાં કયાંય એને આત્માનો આનંદ ભાસતો નથી. હા, એને રાગ આવે છે, હજુ આસક્તિ (ચારિત્રમોહજનિત) પણ છે, પણ એમાં એને સુખ
PDF/HTML Page 367 of 4199
single page version
ભાસતું નથી. એ રાગને એકપણે પોતાપણે અનુભવતો નથી. એ (રાગાદિ) અનાત્મામાં આત્મા માનતો નથી.
જેમ હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણસહિત ખાય છે એમ ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માને તું રાગસહિત અનુભવ કરે છે તો તું ઢોર જેવો છે એમ કહે છે. સર્વથા એકાન્તવાદીઓના ૧૪ ભંગો-એકાન્ત નિત્ય-અનિત્યાદિના ૧૪ શ્લોકો (ર૪૮ થી ર૬૧) સમયસારમાં આવે છે. ત્યાં એ એકાન્તવાદીઓને વિવેકહીન પશુ કહીને સંબોધ્યા છે. અહા! જેને નિજસ્વભાવનું ભાન નથી અને એકાન્તદ્રષ્ટિથી માને કે આ રાગ તે હું છું તો તે પશુ જ છે. એનું ફળ પણ અંતે પશુ એટલે નિગોદ જ છે. માટે આચાર્ય કરુણા કરીને કહે છે કે પશુ જેમ સુંદર આહારમાં ઘાસને ભેળવીને ખાય તેમ આ સુંદર જ્ઞાયકસ્વભાવી આત્મા સાથે રાગને ભેળવીને ખાવાના સ્વભાવને તું છોડ, છોડ. રાગથી ભિન્ન એક સુંદર જ્ઞાયકભાવનો અનુભવ કર. એ અનુભવ આનંદરૂપ છે, સુખરૂપ છે.
હવે કહે છે કે-‘જેણે સમસ્ત સંદેહ, વિપર્યય, અનધ્યવસાય દૂર કરી દીધાં છે અને જે વિશ્વને (સમસ્ત વસ્તુઓને) પ્રકાશવાને એક અદ્વિતીય જ્યોતિ છે એવા સર્વજ્ઞ- જ્ઞાનથી સ્ફૂટ (પ્રગટ) કરવામાં આવેલ જે નિત્ય-ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું આ પુદ્ગલદ્રવ્ય મારું છે એમ અનુભવે છે?’
જુઓ, સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ અરિહંતદેવને સમસ્ત સંદેહરહિત નિઃસંદેહ, કોઈપણ પ્રકારની વિપરીતતા રહિત અવિપરીત અને કોઈપણ પ્રકારના અનધ્યવસાય એટલે અચોક્કસતા રહિત ચોક્કસ જ્ઞાન થયું છે. અહાહા! ચૈતન્યસૂર્ય સર્વજ્ઞદેવ ભગવાનને એક સમયમાં લોકાલોકને જાણનારી કેવળજ્ઞાનરૂપ અદ્વિતીય જ્યોતિ પ્રગટ થઈ છે. ભગવાન તીર્થંકરદેવે કેવળજ્ઞાનમાં આ જીવ કેવો છે તે જોયો છે અને દિવ્યધ્વનિમાં કહ્યો છે. અહીં કહે છે કે ભગવાન સર્વજ્ઞદેવના જ્ઞાનમાં તો એમ આવ્યું કે આ જીવદ્રવ્ય નિત્ય-ઉપયોગ-સ્વભાવરૂપ છે. અહાહા! નિત્ય જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એમ ઉપયોગસ્વભાવરૂપ જીવ છે. આ ત્રિકાળીની વાત છે હોં. જેને સર્વજ્ઞપણું ઉપયોગરૂપે પ્રગટ થયું એ અરિહંત પરમાત્માએ આત્માને નિત્ય-ઉપયોગસ્વરૂપ જ જોયો છે.
ભગવાન સર્વજ્ઞદેવે જોયું છે કે આ આત્મા વસ્તુ છે. તે નિત્ય- ઉપયોગસ્વભાવમય એટલે જાણવા-દેખવાના સ્વભાવરૂપ ચેતન છે. એવા આત્માને વર્તમાનપર્યાયમાં નજરમાં ન લેતાં તારી નજર રાગ ઉપર ગઈ અને માનવા લાગ્યો કે રાગ તે હું, રાગ તે મારી વસ્તુ. પરંતુ રાગ તો જડ અચેતનરૂપ પુદ્ગલમય છે. તો તે રાગ મારો એટલે પુદ્ગલદ્રવ્ય મારું-એમ પુદ્ગલદ્રવ્ય તારું કેવી રીતે થઈ ગયું? ભગવાન કેવળીએ તો તારા આત્માને જાણવા-દેખવાના સ્વભાવરૂપે જ જોયો છે, અને તું કહે છે કે રાગ તે હું; તો જે ચૈતન્ય ઉપયોગથી વિરુદ્ધભાવ-અચેતન રાગસ્વરૂપ તે તું કેમ થઈ શકે? (ન થઈ શકે)
PDF/HTML Page 368 of 4199
single page version
એવું અચેતનપણું ચૈતન્યને કેમ શોભે? (ન જ શોભે.) શું તું માને તેથી તું રાગરૂપે થઈ ગયો કે જેથી તું આ પુદ્ગલદ્રવ્ય મારું છે એમ અનુભવે છે?
પર્યાયમાં રાગનો અનુભવ એ તો પુદ્ગલનો અનુભવ છે. અહીં પુદ્ગલ એટલે પેલા જડ (સ્પર્શ, રસ, ગંધ, વર્ણવાળા) નહિ પણ અણઉપયોગસ્વરૂપ દયા, દાન, વ્રતાદિના પરિણામ જે પોતાને કે પરને જાણતા નથી તેથી જડ, અચેતન છે એની વાત છે. એ રાગાદિ પરિણામ ચૈતન્યઉપયોગસ્વરૂપથી ભિન્ન ચીજ છે. અહીં કહે છે કે ભગવાને તો તને ઉપયોગસ્વરૂપે જોયો છે તો હું આ રાગસ્વરૂપે છું એવી જૂઠી માન્યતા કયાંથી લાવ્યો? ઝીણી વાત છે, બાપુ! સંપ્રદાયમાં તો આ વ્રત પાળો અને દયા કરો એટલે ધર્મ થઈ ગયો એમ કહે, પણ ભાઈ, માર્ગ જુદો છે. વસ્તુ આત્મા દ્રવ્ય- પર્યાયસ્વરૂપ છે. ત્યાં પર્યાય ધ્રુવ ઉપયોગરૂપ નિત્યાનંદસ્વભાવને લક્ષ કરી ન ઉપજે તો ધર્મ કેવી રીતે થાય? વર્તમાન પર્યાયે ઉપયોગમાં દયા, દાન, વ્રતાદિના રાગને લક્ષમાં લઈ અને એ રાગ તે મારું અસ્તિત્વ એમ માન્યું તો એ તો પુદ્ગલનો અનુભવ થયો. ભગવાન આત્માનો અનુભવ તો રહી ગયો.
હવે કહે છેઃ-‘જે નિત્ય-ઉપયોગસ્વભાવરૂપ જીવદ્રવ્ય તે કેવી રીતે પુદ્ગલદ્રવ્યરૂપ થઈ ગયું કે જેથી તું આ પુદ્ગલદ્રવ્ય મારું છે એમ અનુભવે છે? કારણ કે જો કોઈપણ પ્રકારે જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્યરૂપ થાય અને પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્યરૂપ થાય તો જ “મીઠાનું પાણી” એવા અનુભવની જેમ “મારું આ પુદ્ગલદ્રવ્ય” એવી અનુભૂતિ ખરેખર વ્યાજબી છે; પણ એમ તો કોઈ રીતે બનતું નથી.’
શું કહે છે? મીઠું (લવણ) વરસાદમાં ઓગળી જાય અને બીજી મોસમમાં એ પાણીથી ભિન્ન થઈને મીઠું (લવણ) થઈ જાય. હવે મીઠું દ્રવતાં જેમ મીઠાનું પાણી અનુભવાય છે તેમ તું આનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ જ્ઞાનરસકંદ ભગવાન આત્મા દ્રવીને- ઓગળીને રાગરૂપે થઈ ગયો શું? (ના) જેમ મીઠું દ્રવીને પાણી થાય એમ ભગવાન ઉપયોગસ્વરૂપ આત્મા પોતાના ઉપયોગની સત્તા છોડીને અણ-ઉપયોગરૂપ એવા રાગરૂપે થાય તો ‘મારું આ પુદ્ગલદ્રવ્ય’ એવી તારી અનુભૂતિ વ્યાજબી ગણાય. દયા, દાન, વ્રતાદિનો કે ગુણ-ગુણીના ભેદરૂપ વિકલ્પનો ઇત્યાદિ જે રાગ એ હું છું એવો તારો અનુભવ ત્યારે જ વ્યાજબી ગણાય કે ભગવાન આત્મા પોતાનો ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવ છોડીને રાગરૂપે થઈ જાય. પણ એમ તો કોઈ રીતે બનતું નથી. ભગવાન આત્મા તો કાયમ અખંડ એકરૂપ જ્ઞાયકભાવસ્વરૂપે અનાદિઅનંત રહેલો છે; અને રાગ રાગપણે ભિન્ન જ રહે છે.
હવે ‘એમ તો કોઈ રીતે બનતું નથી’ એ વાત દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છેઃ-‘જેમ ખારાપણું જેનું લક્ષણ છે એવું લવણ પાણીરૂપ થતું દેખાય છે અને દ્રવત્વ (પ્રવાહીપણું) જેનું લક્ષણ છે એવું પાણી લવણરૂપ થતું દેખાય છે કારણ કે ખારાપણું
PDF/HTML Page 369 of 4199
single page version
અને દ્રવપણાને સાથે રહેવામાં અવિરોધ છે અર્થાત્ તેમાં કાંઈ બાધા નથી તેવી રીતે નિત્ય ઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી.’ અહાહા! શું કહે છે? કે જેમ ખારાપણું અને પ્રવાહીપણું એ બે વિરુદ્ધ નથી (એકસાથે રહી શકે છે) એમ આ નિત્ય ઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય રાગરૂપે થતું જોવામાં-દેખવામાં આવતું નથી. આવી વાત છે, ભાઈ. માણસને મૂળતત્ત્વની ખબર ન મળે અને પછી વ્રત, તપ અને ઉપવાસાદિ કરીને માને કે ધર્મ થઈ ગયો, પણ ભાઈ, એ બધું કરી કરીને મરી ગયો. એ રાગની ક્રિયાને-પુદ્ગલને કોઈ લોકો ધર્મ માને છે પણ એ ધર્મ નથી. કારણ કે એ શુભભાવથી પુદ્ગલ બંધાય અને એના ફળમાં પુદ્ગલ મળે, પણ આત્મા ન મળે.
ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવ સમજણનો પિંડ પ્રભુ નિત્ય-ઉપયોગસ્વભાવ છે. એને પર્યાયમાં દ્રષ્ટિમાં-લક્ષમાં લીધા વિના પર્યાયમાં રાગનું લક્ષ કર્યું અને રાગને અનુભવ્યો. તેથી શું આત્મા રાગસ્વભાવે થઈ ગયો? મીઠાનું પાણી થાય એમ શું જ્ઞાયક રાગપણે થઈ જાય છે? (નહિ) આ વ્યવહારરત્નત્રય કહે છે ને? એ (વ્યવહારરત્નત્રય) નિયમસારમાં (૧૨૧ મા) કળશમાં કહેવામાત્ર-કથનમાત્ર છે એમ કહ્યું છે. એવા વ્યવહારરત્નત્રયનો રાગ તો અનંતવાર કર્યો. અહીં કહે છે કે શું જ્ઞાયક નિર્વિકલ્પસ્વરૂપ આત્મા એ રાગના વિકલ્પપણે થયો છે કે જેથી તું એને ધર્મ માને છે?
ખારાપણું અને દ્રવત્વમાં વિરોધ નથી. પરંતુ નિત્ય-ઉપયોગલક્ષણ જીવદ્રવ્ય અને અનુપયોગસ્વરૂપ પુદ્ગલદ્રવ્ય-રાગ એ બેને વિરોધ છે. એ બે એકરૂપ થતા નથી. ચૈતન્ય ઉપયોગસ્વભાવ ભગવાન આત્મા રાગના વિપરીત સ્વભાવે કદીય થતો નથી. જેમ મીઠાનું પાણી થાય એ તો તેં જોયું છે તેમ ભગવાન જ્ઞાયક ચૈતન્ય ઉપયોગસ્વરૂપ વસ્તુને અચેતન પુદ્ગલસ્વભાવે-રાગસ્વભાવે થતી કદીય જોઈ છે તેં? ભાઈ! રાગ તે હું એમ તેં માન્યું છે, પણ વસ્તુસ્વરૂપ એમ નથી. રાગપણે જીવ કદીય થયો નથી.
જેમ સૂર્યના કિરણમાં પ્રકાશ હોય છે તેમ ચૈતન્યસૂર્ય ભગવાન આત્માના કિરણમાં (ચેતના) પ્રકાશ હોય છે, એમાં રાગ હોતો નથી; કેમકે રાગ તો અંધકારમય છે, અંધકાર એ કાંઈ સૂર્યનું કિરણ કહેવાય? (ન કહેવાય) તેમ રાગનો અંધકાર એ કાંઈ ચૈતન્યસૂર્યનો અંશ કહેવાય? (ન કહેવાય) આ વસ્તુ બધે ગોટે ચઢી ગઈ છે. આ વાત બીજે કયાંય નથી અને સંપ્રદાયમાં કહે છે કે આ બધું નિશ્ચયાભાસ છે. ભાઈ! એમ નથી. બાપુ! નિશ્ચય માર્ગ જ આ છે. ચૈતન્યસૂર્યનું કિરણ-પર્યાય તો નિર્મળ જ્ઞાનમય હોય પણ રાગમય-અંધકારમય ન હોય. રાગ તો મલિન, અચેતન જડ પુદ્ગલરૂપ છે. તેને અને ચૈતન્યને તેં એક માન્યા એ મિથ્યાત્વભાવ છે.
જે પર્યાયે, તે જેની છે એવા સ્વને (આત્માને) જ્ઞેય ન બનાવતાં જે એનામાં
PDF/HTML Page 370 of 4199
single page version
(આત્મામાં) નથી એવા રાગને જ્ઞેય બનાવીને માન્યું કે તે (રાગ) હું છું એ પર્યાય મિથ્યાત્વની પર્યાય છે. એને મિથ્યાદ્રષ્ટિ કહ્યો છે. જે પર્યાયે, તે જેની છે એવા પૂર્ણાનંદના નાથ ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવને દ્રષ્ટિમાં લઈને એ (આત્મા) હું છું એમ સ્વીકાર કર્યો એ પર્યાય સત્ય થઈ, કેમકે એમાં સત્યનો સ્વીકાર છે. એ પર્યાય સમ્યગ્દર્શન છે, ધર્મ છે.
અહાહા! આચાર્યોએ-દિગંબર સંતોએ અસીમ કરુણા કરી છે. તેઓ તો જંગલમાં વસતા હતા. એમને કોઈની શું પડી હતી? આ તાડપત્ર ઉપર અક્ષર લખાતા હતા એ જાણતા હતા. (એ લખતા હતા એમ નહિ) લખાઈ ગયા પછી કોઈ આવે તો સોંપી દઉં એમ કોઈની વાટ પણ જોવા રહેતા નહિ. અંકલેશ્વરની બાજુમાં સજોદ ગામ છે. ત્યાં આપણે ગયા હતા. બહુ જૂનું ગામ છે. ભગવાનની પ્રતિમા બહુ જૂની છે. આસપાસ નદીના કાંઠે હજારો તાડપાત્રોનાં ઝાડ છે. ત્યાં જોવા ગયા હતા. મુનિઓ ત્યાં રહેતા અને ઝાડ પરથી નીચે ખરી પડેલાં તાડપત્રમાં લખતા અને ત્યાં મૂકી દેતા. કોઈ ગૃહસ્થને ખબર હોય કે મુનિરાજ તાડપાત્ર ઉપર લખે છે તો તે લખેલાં તાડપત્રો પડયાં હોય તે ઉપાડી લેતા. ભાઈ! આ રીતે સંગ્રહ થઈને આ શાસ્ત્ર બન્યું છે. એમાં ભગવાન! કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યદેવે આ કહ્યું છે કે-ભગવાન! તારી પ્રભુતા શુદ્ધ ઉપયોગમય છે. તારી ઈશ્વરતા-સામર્થ્ય રાગથી અધિક-ભિન્ન અંદર આત્મામાં પડી છે. ૩૧ મી ગાથામાં કહ્યું છે ને કેઃ-
ભાઈ, રાગથી ભિન્ન-અધિક તારું જ્ઞાનતત્ત્વ અંદર ધ્રુવ પૂર્ણાનંદથી ભરેલું એક અખંડ પડેલું છે. એનો અનાદર કરી, એને વિષય ન બનાવતાં ‘રાગ તે હું છું’ એમ પર્યાયે રાગને વિષય બનાવ્યો એ દ્રષ્ટિ વિપરીત છે, મિથ્યા છે.
ભગવાન આત્મા ચૈતન્યજ્ઞાનઘન છે. જેમ પહેલાં શિયાળામાં ઘી જામીને એવાં ઘન થતાં કે એમાં આંગળી તો ન ખૂંપે પણ તાવેથોય ન પ્રવેશી શકે, વળી જાય. તેમ આ ભગવાન જ્ઞાનઘન એવો છે કે તેમાં શરીર, મન, વાણી અને કર્મ તો એમાં ન પ્રવેશી શકે પણ તેમાં વિકલ્પનોય પ્રવેશ નથી. જો આ નિત્ય-ઉપયોગસ્વરૂપ ભગવાનમાં વિકલ્પનો પ્રવેશ નથી તો ‘હું રાગ છું’ એમ તું કેવી રીતે કહે છે? જેમ ખારાપણાને અને દ્રવપણાને અવિરોધ છે એટલે મીઠું દ્રવીને પ્રવાહીરૂપે થાય છે તેમ શું ભગવાન જ્ઞાનઘન નિત્ય ઉપયોગમય આત્મા દ્રવીને રાગપણે થાય છે? (નથી થતો.)
(સંપ્રદાયમાં) એમ બોલે કે “મા હણો, મા હણો.” વ્યાખ્યાન શરૂ થાય એટલે આમ બોલે. અમે પણ બોલતા હતા કે કોઈ જીવને “મા હણો, મા હણો”-આ
PDF/HTML Page 371 of 4199
single page version
ભગવાનનો ઉપદેશ છે. પણ એમ નથી, ભાઈ. પર જીવને કોણ હણી શકે છે? (અર્થાત્ કોઈ કોઈને હણી શક્તું નથી.) પરંતુ તું એ રાગને પોતાનો માનીને સ્વભાવની હિંસા કરે છે એ તારો ઘાત છે, એ પુણ્ય-પાપના વિકલ્પ તો રાગ છે, અસ્વભાવભાવ છે. અણ-ઉપયોગ મય અચેતન જડ છે અને દુઃખદાયક છે. પણ એને કયાં દરકાર છે? આખો દિવસ રળવું, ખાવું-પીવું અને ભોગવવું, બસ. કદાચિત્ સમય મળતાં સાંભળવા જાય તો કુગુરુઓ એને લૂંટી લે. બસ એવું સાંભળે કે દયા પાળો, વ્રત કરો આદિ; એથી કલ્યાણ થઈ જશે, ધૂળેય કલ્યાણ નહિ થાય, ભાઈ! સાંભળને. ભગવાન સર્વજ્ઞદેવે જેવો જોયો છે એવા નિત્યઉપયોગ-સ્વભાવી ચૈતન્યસ્વરૂપ આત્માની તને ખબર નથી, ભાઈ. એ સદા જાણનાર-સ્વભાવે રહેલો જ્ઞાયક પ્રભુ કદીય રાગસ્વભાવે થતો નથી. મીઠું જેમ દ્રવીને પાણી થાય તેમ એ જ્ઞાનઘન દ્રવીને કદીય રાગપણે થતો નથી. અહો! અદ્ભુત શૈલી અને અદ્ભુત વાત છે!
આ શરીર આદિ જડ એ તો બધા માટીના આકાર છે. એ કાંઈ આત્માના નથી, આત્મામાં નથી. એમાં આત્મા પણ નથી. એવા શરીરની આકૃતિને સુંદર દેખીને તને હોંશ અને ઉત્સાહ કેમ આવે છે? એ ઉત્સાહ (રાગ) તો પુદ્ગલનો ઉત્સાહ છે. તારો આત્મા ત્યાં ઘાત પામે છે. અરે! પરમાંથી આનંદ આવે છે એવું તેં માન્યું છે પરંતુ તારા આનંદની ખાણ તો ત્રિકાળી ધ્રુવ પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે. તેમાંથી આનંદ આવે છે. જેમ ગોળના રવા હોય છે ને? તે રવા બહુ તડકો પડે એટલે પીગળીને રસ થાય? શું એ રસ ગોળનો હોય કે (કડવી) કાળી જીરીનો? તેમ ભગવાન આત્મા ધ્રુવ ઉપયોગમય જ્ઞાનાનંદસ્વભાવી છે. એમાં એકાગ્ર થતાં અંદરથી જ્ઞાન અને આનંદનો પ્રવાહ દ્રવે છે. જેમ ગોળ પીગળે તો ગળપણપણે પીગળે તેમ ભગવાન આત્મા પરિણામે તો જ્ઞાન અને આનંદની પર્યાયપણે પરિણમે. અને એને આત્મા કહેવાય.
અહો! ગાથાઓ કેવી અલૌકિક છે! એક-એક ગાથા ન્યાલ કરી નાખે એવી છે. એની દ્રષ્ટિને ગુલાંટ ખવરાવે છે. આમ (આત્મામાં) જાને, ભાઈ! એમ (રાગમાં) કયાં જાય છે? અરે! તને વિકલ્પનું અને વિકલ્પ નિમિત્તે થતી શરીરની ક્રિયા-ઉપવાસાદિ વડે શરીર જીર્ણ અને શિથિલ થાય-એનું માહાત્મ્ય કેમ આવે છે? અનંત મહિમાવંત અંદર અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો નાથ એકલા જ્ઞાન અને આનંદનો રવો પડેલો છે એમાં એકાગ્રતા અને ધ્યાન કર તો, જેમ ગોળનો રવો ગળપણે પીગળે તેમ એમાંથી આનંદ અને જ્ઞાન આવશે.
હવે કહે છે કેઃ-‘નિત્યઉપયોગલક્ષણવાળું જીવદ્રવ્ય પુદ્ગલદ્રવ્ય થતું જોવામાં આવતું નથી અને નિત્ય અનુપયોગ (જડ) લક્ષણવાળું પુદ્ગલદ્રવ્ય જીવદ્રવ્ય થતું જોવામાં આવતું નથી કારણ કે પ્રકાશ અને અંધકારની માફક ઉપયોગ અને અનુપયોગને સાથે રહેવામાં વિરોધ છે; જડ, ચેતન કદી પણ એક થઈ શકે નહિ.’ જુઓ, જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર ન હોય અને જ્યાં અંધકાર છે ત્યાં પ્રકાશ ન હોય. તેમ ભગવાન આત્મા જ્યારે
PDF/HTML Page 372 of 4199
single page version
ચૈતન્યપ્રકાશમાં હોય ત્યારે રાગ-અંધકારમાં ન હોય અને જ્યારે રાગ-અંધકારમાં હોય ત્યારે ચૈતન્યપ્રકાશમાં ન હોય. જુઓ, કેવી શૈલી લીધી છે? રાગને પહેલાં અસ્વભાવભાવ કહ્યો હતો, અહીં એને અંધકાર કહ્યો છે. ર્ક્તાકર્મ અધિકાર, ગાથા ૭૨માં રાગને અશુચિ, જડ અને દુઃખરૂપ કહ્યો છે. રાગ જડ અને અંધકારરૂપ છે કેમ કે તે નથી પોતાને જાણતો કે નથી પરને જાણતો. તે જ્ઞાન વડે જણાવા યોગ્ય છે, પણ તે જાણતો નથી તેથી જડ છે.
અહાહા! પ્રકાશને અંધકારની જેમ ઉપયોગ અને અણ-ઉપયોગને એટલે સ્વભાવભાવ અને અસ્વભાવભાવને, ચેતનભાવ અને અચેતનભાવને, આનંદભાવ અને જડભાવ (દુઃખમયભાવ)ને-બન્નેને એકરૂપે રહેવાનો વિરોધ છે. મોક્ષ અધિકારમાં આવે છે કે (સાધકને) જે રાગ આવે છે એ વિષકુંભ છે. અને જે વીતરાગભાવ છે તે અમૃતકુંભ છે. બન્નેને એકપણે રહેવામાં વિરોધ છે. એટલે સાધકને પર્યાયમાં બન્ને સાથે હોવા છતાં ભિન્ન વસ્તુપણે છે, એકપણે નથી. અહીં સાથે રહેવાનો વિરોધ છે એનો અર્થ એમ લઈએ કે જ્યાં આનંદ છે ત્યાં રાગ નથી તો એનો અર્થ એમ નથી, કેમકે મુનિઓને આનંદ છે અને રાગ પણ છે. પરંતુ આનંદ રાગથી ભિન્નપણે રહ્યો છે, બે એકપણે રહ્યા નથી. (એટલે કે મુનિઓને જે અંશમાં વીતરાગતા છે-આનંદ છે એ તો આત્મા સાથે એકપણે અનુભવમાં આવે છે અને જેટલો રાગ રહ્યો છે તે આત્માથી ભિન્નપણે છે.) માટે અહીં એમ લેવું કે ઉપયોગને અને અણ-ઉપયોગને સાથે એટલે એકપણે રહેવામાં વિરોધ છે. રાગ રાગરૂપે છે, જ્ઞાતા પોતે પોતામાં રહીને રાગને જાણે. રાગ છે માટે જાણે એમ નહિ, પણ જ્ઞાતાની જ્ઞાનશક્તિનું એવું સામર્થ્ય છે તે વડે જાણે છે.
અહાહા! આ ઉપયોગસ્વભાવ એ પ્રકાશસ્વરૂપ છે. અને દયા, દાન, વ્રત, ભક્તિ, ઉપવાસ આદિ શુભભાવ અંધકારસ્વરૂપ છે. ભારે આકરી વાત. અત્યારે તો લોકો આઠ ઉપવાસ કરે, અને એના ઉપર એક અઠ્ઠમ કરે તો પચીસ ઉપવાસનું ફળ મળે એમ કહે છે. પણ ભાઈ! એ તો અપવાસ એટલે મીઠો વાસ છે. ત્યાં ઉપવાસ કયાં છે? ઉપ એટલે સમીપ, વાસ એટલે વસવું. આનંદના નાથ ભગવાન આત્માની સમીપ વસવું તે ઉપવાસ છે. પણ એ તો વસ્યો જ નથી ને.
આત્મા ચૈતન્યપ્રકાશસ્વરૂપ છે અને રાગ અંધકારરૂપ છે. બન્નેને એકપણે રહેવામાં વિરોધ છે. એટલે કે બન્ને કદાપિ એકપણે થાય નહિ. મોક્ષ અધિકારમાં કળશટીકામાં લખ્યું છે કે બે વચ્ચે સંધિ છે, નિઃસંધિ-એક થયા નથી. ચૈતન્યજ્યોતિ જ્ઞાનપ્રકાશની મૂર્તિ અને રાગ-અંધકાર એ બે વચ્ચે કદીય એક્તા થઈ નથી. બે વચ્ચે સંધિ છે, તડ છે બન્ને જુદા છે. આવો વીતરાગનો માર્ગ છે, ભાઈ. જગત્ આખું અંધકારમાં ચાલે છે. (પરદ્રવ્યમાં) આ કરું અને તે કરું, આ છોડું અને આ ગ્રહણ કરું એવા વિકલ્પો શું તારી જાત છે? (ના.) આ વિકલ્પો તો આત્માનો તિરસ્કાર કરનારા છે. આત્મા સાથે
PDF/HTML Page 373 of 4199
single page version
એમને વિરોધ છે. એ ભાવો કદીય આત્મા સાથે એકપણે નથી. તેથી એ શરીર, મન, વાણી અને સર્વ વિકલ્પોનું લક્ષ છોડી ભગવાન જ્ઞાયક પ્રકાશસ્વરૂપ જે ઉપયોગસ્વભાવે વિરાજે છે તેમાં અંદરમાં જો ને. (તેથી તારું ભલું થશે.)
પ્રવચનસાર, ગાથા ર૦૦ માં આવે છે કે જ્ઞાયક તો જ્ઞાયકપણે જ રહ્યો છે. પણ તેં મોહ વડે અન્યથા અધ્યવસિત કર્યો છે. એટલે કે તેં એને બીજી રીતે માન્યો છે કે-હું (જ્ઞાયક) રાગપણે છું. વસ્તુ તો જ્ઞાયકપણે અનાદિઅનંત રહી છે, પણ તેં માન્યતામાં ગોટાળો કર્યો છે. પણ તું માને એટલે શું વસ્તુ જ્ઞાયક જ્ઞેય (રાગ, પરવસ્તુ) સાથે એકરૂપ થઈ છે? (નથી થઈ) વસ્તુ જ્ઞાયક ચૈતન્યસૂર્ય તો શાંતરસવાળો ઉપશમરસથી ભરેલો શાંત-શાંત સમુદ્ર-દરિયો છે. (જગતનો) સૂર્ય તો ઉષ્ણ છે, પણ આ ચૈતન્યસૂર્ય તો ઉપશમરસનો દરિયો છે. ભક્તિમાં આવે છે ને કે-“ઉપશમરસ વરસે રે પ્રભુ! તારા નયનમાં.” આત્મા ઉપશમરસનો કંદ અકષાયસ્વભાવી-વીતરાગસ્વરૂપી છે. એ વીતરાગસ્વભાવી વસ્તુ શું કદીય રાગપણે થાય? (કદી ન થાય.)
હવે કહે છેઃ-‘તેથી તું સર્વ પ્રકારે પ્રસન્ન થા, તારું ચિત્ત ઉજ્જ્વળ કરી સાવધાન થા અને સ્વદ્રવ્યને જ “આ મારું છે” એમ અનુભવ (એમ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.)’ શું કહે છે? આનંદમૂર્તિ ભગવાન ચૈતન્યપ્રકાશની ઝળહળ જ્યોતિ ત્રિકાળ એવી ને એવી રહી છે, રાગપણે-દુઃખપણે થઈ જ નથી. તેથી તું સર્વ પ્રકારે (ગ્લાનિ અને નિરાશા છોડીને) પ્રસન્ન થા. અહાહા! એક વાર હા પાડ, એક વાર આ ચૈતન્યસ્વરૂપ ભગવાનનો આદર કર. એક વાર તેમાં દ્રષ્ટિ કર તો અંદરમાં એકલી વીતરાગમૂર્તિ જિનસ્વરૂપે ભગવાન વિરાજે છે તેનાં તને દર્શન થશે. કહ્યું છે ને કેઃ-
અહો! અમૃતચંદ્રાચાર્યદેવે ટીકામાં અદ્ભુત અમૃત રેડયાં છે. કહે છે સર્વ પ્રકારે પ્રસન્ન થા. વીર્યને ઉછાળી એવી ને એવી જે જ્ઞાનાનંદસ્વરૂપ ચીજ પડી છે એની અંદર જા. તેથી તને આનંદ-અમૃતનો સ્વાદ આવશે. કરવાનું તો આ છે, ભાઈ. આ કર્યું નહિ તો કાંઈ કર્યું નહિ. દુનિયા આવી સરસ વાતોને છોડી તકરાર, વાદવિવાદ અને ઝઘડામાં પડે, પણ એમાં આત્મા કયાં મળે?
અનંતવાર નરકમાં ગયો, નિગોદમાં ગયો, આર્ત્તધ્યાન અને રૌદ્રધ્યાન કર્યાં, મિથ્યાત્વભાવ સેવ્યા, પરંતુ વસ્તુ જ્ઞાયક ભગવાન તો એવો ને એવો જ રહ્યો છે. તેથી કહે છે કે તું પ્રમુદિત થઈ, પ્રસન્ન થઈ ચિત્તને ઉજ્જ્વળ કર. પરના લક્ષે જે તારું ચિત્ત મલિન છે તે સ્વનું લક્ષ કરી નિર્મળ કર અને અંદર એકરૂપ જ્ઞાયકભાવમાં જ સાવધાન થઈ એ સ્વદ્રવ્યને જ ‘આ મારું છે’ એમ અનુભવ. અહાહા! સ્વદ્રવ્ય જે નિજ ત્રિકાળી
PDF/HTML Page 374 of 4199
single page version
જ્ઞાયકભાવ ચિદાનંદસ્વરૂપ એ જ હું છું એમ વર્તમાન પર્યાયને ત્યાં જડી દે, એમાં સ્થિર કરી દે. અહો! કેવી શૈલી! તદ્ન સાદી ભાષામાં ઊંચામાં ઊંચું તત્ત્વ ભર્યું છે. કહે છે કે- પ્રસન્ન થઈ અંતરંગમાં સાવધાન થઈ પરિણતિને એક જ્ઞાયકમાં જ લીન કરી દે, ડૂબાવી દે. લ્યો, આ શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
‘આ અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે તેને ઉપદેશ કરી સાવધાન કર્યો છે કે જડ અને ચેતનદ્રવ્ય-એ બન્ને સર્વથા જુદાં જુદાં છે.’ઃ-અજ્ઞાની જીવ કોને કહીએ? આ દેહમાં ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપે વિરાજમાન છે. પરંતુ પોતે કોણ અને કેવો છે એનું જેને ભાન નથી તે અજ્ઞાની છે. આવો અજ્ઞાની જીવ પુદ્ગલદ્રવ્યને પોતાનું માને છે. જેને પોતાની વસ્તુ જે અનાદિથી જ્ઞાનાનંદસ્વરૂપ છે તે ખ્યાલમાં આવી નથી તેથી તે અન્યત્ર પરમાં પોતાનું અસ્તિત્વ માને છે. તે પુણ્ય-પાપના ભાવ, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવ કે હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ-જે નિશ્ચયથી પુદ્ગલ છે, સ્વભાવ નથી-તેને પોતાના માને છે.
પોતાના સત્ત્વની અનાદિથી ખબર નહીં હોવાથી પોતાની ચીજથી વિપરીત એવા પુણ્ય-પાપના વિકલ્પોને-રાગને પોતાનું સત્ત્વ જે માને છે તેને અહીં સંતોએ ઉપદેશ કરી સાવધાન કર્યો છે. ભાઈ! તું તો ત્રિકાળી જ્ઞાયક પ્રભુ ચેતનદ્રવ્ય છે. અને જેને તું પોતાના માને છે એવા આ પુણ્ય-પાપના વિકલ્પો-રાગ તો અચેતન જડ છે, પુદ્ગલરૂપ છે. માટે આ તારી માન્યતા અજ્ઞાન છે કેમ કે જડ અને ચેતનદ્રવ્ય સર્વથા જુદા જુદા છે, કોઈ પણ પ્રકારે તે બે એક નથી.
જૈનપત્રોમાં (સામયિકોમાં) બધું ઘણું આવે છે કે-આ વ્યવહાર, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના જે ભાવ છે એને પુણ્ય કહી હેય કહો છો. પણ એનાથી તો તીર્થંકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ પદવી મળે છે અને પછી મોક્ષ થાય છે. તો એને (પુણ્યને) હેય કેમ કહેવાય? તમે એને હેય કહો છો એ અજ્ઞાન છે. ઘણું લખ્યું છે કે-ભગવાને એને ધર્મ કહ્યો છે અને એનાથી ઊંચાં પદ મળે અને પછી મોક્ષે જાય ઇત્યાદિ. અરે ભાઈ! તને ખબર નથી, બાપુ. એ પદવીનાં પુણ્યો કોને હોય છે? જેને આત્મા સચ્ચિદાનંદ ભગવાન અનંત-આનંદનો કંદ પ્રભુ અંદર વિરાજે છે તે અનુભવમાં આવ્યો છે, જેને આત્માના જ્ઞાનાનંદ સ્વભાવનો (સ્વસંવેદન પ્રત્યક્ષ) સાક્ષાત્કાર થયો છે અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે એવા સમક્તિીને કંઈક મંદરાગ (પુણ્યભાવ) હોય છે. એને આ રાગના ફળમાં તીર્થકર, ચક્રવર્તી, બળદેવ, ઇન્દ્ર આદિ સાત સ્થાનો જે કહ્યાં છે તે હોય છે. જેને રાગ હેયબુદ્ધિએ છે અને રાગની ઇચ્છા નથી એવા સમ્યગ્દ્રષ્ટિને રાગના (વ્રતાદિના) ફળમાં આ પદો હોય છે. પરંતુ અજ્ઞાનીને તો આ પદો
PDF/HTML Page 375 of 4199
single page version
હોય જ નહિ, કેમકે તેને આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શનના અભાવમાં જે પુણ્ય આદિ ભાવ થાય તેમાં આત્મબુદ્ધિ છે અને એ જ મિથ્યાદર્શન અને અજ્ઞાન છે.
અહાહા! આ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત વસ્તુ છે. આ કાંઈ નવી નથી, કોઈએ કરી નથી. અનાદિથી છે અને અનંતકાળ રહેનાર છે. એવો એ અવિનાશી છે. એ અવિનાશી વસ્તુમાં અવિનાશી અનંત અનંત શક્તિઓ પડી છે. દર્શન, જ્ઞાન, આનંદ, વીર્ય, પ્રભુત્વ, વિભુત્વ, સ્વચ્છત્વ, ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ આદિ અનેક છે.
પ્રશ્નઃ– ગુણને ઉત્પાદ-વ્યય હોય નહિ. તો ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ ગુણ કેમ કહ્યો?
ઉત્તરઃ– ગુણોને તો ઉત્પાદ-વ્યય હોય નહિ એ બરાબર છે. ગુણો તો ધ્રુવ જ છે. પણ અહીં તો ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ શક્તિ છે એ ગુણ છે. તે ધ્રુવ છે. એ આત્મદ્રવ્યનો ગુણ છે. જેના કારણે દ્રવ્ય નવી પર્યાયપણે ઉપજે અને પૂર્વપર્યાયપણે નાશ પામે અને દ્રવ્યપણે ધ્રુવ-કાયમ રહે. આવી શક્તિ (ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ) આત્મામાં નિત્ય રહેલી છે. ભગવાન નિત્યાનંદસ્વરૂપ આત્મામાં જે અનંત શક્તિઓ છે તે બધી નિત્ય છે, ધ્રુવ છે.
આવા પોતાના ઘરની વાત મૂકી દઈને જે પરની પંચાત કરે તે અજ્ઞાની છે. એ પુણ્ય-પાપના વિકલ્પોને-રાગને પોતાના માને છે. એ પરદ્રવ્યને પોતાનું માને છે. એને અહીં સાવધાન કર્યો કે ભાઈ! સાવધાન થા. ‘જડ અને ચેતનદ્રવ્ય બન્ને સર્વથા જુદાં છે, કદાચિત્ કોઈ પણ રીતે એકરૂપ નથી થતાં એમ સર્વજ્ઞે દીઠું છે.’ ભગવાન આનંદમૂર્તિ પ્રભુ ચૈતન્યસ્વરૂપ આત્મા જુદો છે અને જે પુણ્ય-પાપના વિકલ્પો ઊઠે છે એ અચેતન જડ વિકલ્પો પણ જુદા છે.એક ચેતન અને બીજી અચેતન હોવાથી બન્ને ભિન્ન ચીજ છે. હવે આ શરીર, બાયડી, છોકરાં, ગામ અને દેશ એ તો કયાંય દૂર છે. એને મારા માને તો શું મૂર્ખાઈનો પાર છે કાંઈ? પ્રભુ! તું મૂળમાંથી ભૂલ્યો. અહીં સૂક્ષ્મ વાત કરી છે. આ જીવ અધિકાર છે ને? એટલે કહે છે કે આ વ્રત, તપ આદિ વિકલ્પો અજીવ છે, જીવ નહિ. કેમકે જીવ હોય તો જુદા પડે નહિ. પણ એ તો જુદા પડી જાય છે. એ બન્ને સર્વથા જુદા જુદા છે, કોઈ રીતે એક છે એમ નથી. જૈનશાસનમાં સર્વથા હોય નહિ એમ કેટલાક કહે છે. આ શું કહે છે? કે આત્મા અને રાગ સર્વથા જુદા છે. અને આ શરીરાદિ અને આત્મા તો સર્વથા ભિન્ન જ છે.
આ આત્મા ચૈતન્યબિંબ છે. અને શરીર તો માટી-ધૂળ જડ છે. પણ આવું નક્કી કરવાની ફુરસદ કયાં છે? એના ભાન વિના દયા, દાન, વ્રતાદિ કરે અને એ પુણ્યના ફળમાં સ્વર્ગાદિ કે આ ધૂળની કરોડ-બે કરોડની શેઠાઇ મળે. એ ધૂળના શેઠીઆ વૈભવના મદમાં પાછા મરીને હેઠે (નર્ક, નિગોદમાં) ચાલ્યા જાય. (આમ ચક્કર ચાલ્યા કરે છે.) અહીં કહે છે કે ભગવાન સચ્ચિદાનંદ આત્મા અને રાગ તથા શરીર તદ્ન ભિન્ન ચીજ છે. એ કોઈ પણ રીતે એક થતા નથી એમ સર્વજ્ઞે દીઠું છે; માટે હે અજ્ઞાની! તું
PDF/HTML Page 376 of 4199
single page version
પરદ્રવ્યને એકપણે માનવું છોડી દે. આ પહેલી વાત કે આત્મા શરીર અને રાગાદિથી ભિન્ન છે એ એને આકરી પડે છે. એટલે શુભભાવ કરતાં કરતાં સારી પદવી મળશે અને પછી મોક્ષ થશે એમ વિચારે છે. પણ ધૂળેય નહિ મળે (ઊંચાં પુણ્ય નહિ બંધાય), સાંભળને અજ્ઞાનીને પદવી કેવી?
પ્રશ્નઃ– પહેલાં ભૂમિકા તૈયાર કરવી પડે ને?
ઉત્તરઃ– પહેલાં રાગથી ભિન્ન પડે એ ભૂમિકા છે. આ આત્મા જ્ઞાનપ્રકાશના નૂરનું પૂર છે એવી એને ખબર જ કયાં છે? એ જોવાની એને દરકારેય કયાં છે? પછી ભૂમિકા શામાં તૈયાર કરશે? અરેરે! હા હો અને હરિફાઈ-રળવું, ખાવું-પીવું, કુટુંબ આદિ ભોગવવું, મરવું અને ચાર ગતિમાં રખડવું ઇત્યાદિ સિવાય એને બીજું વિચારવાની નવરાશ જ કયાં છે?
ભાઈ! તારું સ્વરૂપ તો ત્રિકાળી જ્ઞાતા-દ્રષ્ટા છે. એ સ્વરૂપના ભાન વિના પુણ્યભાવના વિકલ્પોથી ધર્મ થાય એમ તું માને છે પણ એ મિથ્યાદર્શન છે. એમ કે પુણ્ય તો કરીએ ને? પણ ભાઈ! એને એના ક્રમમાં શુભભાવ આવ્યા વિના રહેશે નહિ. ક્રમમાં એને શુદ્ધતા નહિ થાય, અને જ્ઞાનીને પૂર્ણ શુદ્ધતા નહિ હોય ત્યાંસુધી શુભભાવ આવશે, વ્યવહાર આવશે. પણ એ હેય છે. આવું વસ્તુસ્વરૂપ છે, ભાઈ. શું થાય? તેથી કહે છે કે ‘વૃથા માન્યતાથી બસ થાઓ.’ રાગ એ હું એવી રાગ સાથે એકપણાની વૃથા માન્યતા છોડી દે. અને આ ચૈતન્યસ્વરૂપ આત્મા તે હું એમ સ્વરૂપનો અનુભવ કર.
હવે આ જ અર્થના કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘अयि’ એ કોમળ સંબોધનના અર્થવાળું અવ્યય છે. આચાર્ય કોમળ સંબોધનથી કહે છે કે હે ભાઈ! ‘कथम् अपि मृत्वा’ તું કોઈ પણ રીતે મહા કષ્ટે અથવા મરીને પણ ‘तत्त्वकौतुहली मन्’ તત્ત્વનો કૌતુહલી થઈ ‘भवमूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्’ આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ ‘अनुभव’ આત્માનો અનુભવ કર. જુઓ, કહે છે કે ભગવાન! તું આનંદનો નાથ છે તેને રાગ અને શરીરથી ભિન્ન પાડીને જો. તારું ચિદાનંદ સ્વરૂપ અનાદિઅનંત એવું ને એવું વિરાજે છે તેને મહાકષ્ટે એટલે કષ્ટ કરીને એમ નહિ પણ મહાન પુરુષાર્થ કરીને, મરીને પણ એટલે મરણની ચિંતા (પરવા) કર્યા વિના તું તત્ત્વનો કૌતુહલી થા.
અહાહા! આ ‘આત્મા, આત્મા’ એમ કર્યા કરે છે એ ચીજ છે શું? કોઈ દિવસ જોઈ નથી એ ચીજ શું છે? એક વાર કૌતુહલ તો કર. નવી ચીજ જોવાનું કૌતુહલ કરે છે ને? એમ એને જોવાનું એક વાર તો કૌતુહલ કર. ઘણા વર્ષની વાત છે. એક રાણી હતી. એ ઓઝલમાં (પડદામાં) રહેતી. જ્યારે બહાર નીકળે ત્યારે લોકો કુતૂહલથી
PDF/HTML Page 377 of 4199
single page version
જોવા નીકળે કે રાણીસાહેબા કેવાં હશે? પછી હોય ભલે મડદા જેવાં પણ ઓઝલમાં રહે એટલે જોવાનું કૌતુહલ થાય. અહીં એમ નથી. અહીં તો ચૈતન્યહીરલો અંદર પડયો છે. તેથી કહે છે કે ભગવાન જ્ઞાનની મૂર્તિ અંદર પૂર્ણ ચૈતન્યપ્રકાશ પડયો છે એને રાગ અને શરીરથી ભિન્ન પાડીને જો. જરા કૌતુહલ તો કર કે આ જોનાર કોણ છે? જે શરીરને જાણે, રાગને જાણે, આ જાણે, તે જાણે એ જાણનારમાં શું છે? કહે છે કે જાણનાર જે શરીર અને રાગાદિને જાણે તે શરીર અને રાગાદિ એમાં નથી. જેમ શરીર અને રાગ જ્ઞાનમાં નથી તેમ જ્ઞાન શરીર અને રાગમાં નથી.
હે ભાઈ! આ ચૈતન્યતત્ત્વ શું છે એમ જાણવાનું કુતુહલ (જિજ્ઞાસા) કરી એને જો. વીસ વર્ષ પહેલાંની આ વાત છે. જામનગરમાં નવથી દશ વર્ષનો એક નાનો છોકરો હતો. એણે પ્રશ્ન કર્યો કે-મહારાજ! ચર્ચામાં આપ આત્મા આત્મા કરો છો પણ આમ આંખ મીંચીએ તો ત્યાં અંધારું દેખાય છે. આત્મા તો દેખાતો નથી? ઉત્તરઃ-ભાઈ! એ અંધારું છે એમ એ કોણે જોયું? આ જ્ઞાનપ્રકાશે અંધારાને જોયું કે અંધારાએ અંધારાને જોયું? એ અંધારાને જોનારું જે જ્ઞાન છે તે આત્મા છે. પણ કયાં એની પડી છે એને? એને તો આ પૈસા પાંચ-પચાસ લાખની ધૂળ મળે, કાંઈક આબરૂ મળે એટલે એમ જાણે કે હું મોટો શેઠ. એ અભિમાનમાં પછી જાય મરીને હેઠે. આમ અજીવને મારું માને એ મૂઢ છે. અહીં તો ચોકખી વાત છે, માખણ-બાખણ નથી. અહાહા! આચાર્યની ટીકા તો જુઓ. કહે છે કે ભગવાન! એક વાર તું કોણ છે એનું કુતુહલ તો કર.
આ આત્મા જ્ઞાયકસ્વભાવ તો એવો ને એવો રહ્યો છે. અનાદિથી એવો છે. ગમે તેટલા મિથ્યાત્વભાવ સેવ્યા. અનંત વાર નરક-નિગોદમાં ગયો, કીડા, કાગડા, કૂતરા આદિ પશુના અનંત ભવ કર્યા, ૮૪ લાખ યોનિમાં અનંત પરિભ્રમણ કર્યું પણ એ ભગવાન વસ્તુ તો વસ્તુપણે (જ્ઞાયકભાવપણે) ત્રિકાળ રહી છે. તેથી કહે છે આ મૂળ વસ્તુને જો અને પામ. બીજું ભલે આવે, વ્યવહાર ભલે હો. જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુના ભાન વિના તારા એ વ્યવહારને વ્યવહાર કહેતા નથી. લોકોને આ બહુ ખટકે છે. (અને લોકો એમાં જ અટકે છે) એ વ્યવહાર પણ વ્યવહાર કયારે કહેવાય, ભાઈ? જ્યારે એને અંતરમાં આત્માનો અનુભવ થાય ત્યારે. પછી જ્યાં સુધી એ સ્વરૂપમાં પૂર્ણ સ્થિર થાય નહિ ત્યાંસુધી એને એવો ભક્તિ, પૂજા આદિનો રાગ આવે. એ રાગને વ્યવહાર કહેવાય. પણ એ પુણ્યબંધનું કારણ છે, ધર્મ નહિ. એનાથી ચક્રવર્તી, બળદેવ આદિ પદવી મળે. પણ એ પુણ્યબંધનું કારણ છે, ધર્મ નહિ. એનાથી ચક્રવર્તી, બળદેવ આદિ પદવી મળે. પણ અજ્ઞાની એકલાં દયા, દાન આદિ કરી એને ધર્મ માને તો એ તો મિથ્યાત્વનું સેવન છે. એનાથી તો પરંપરાએ હેઠે (નરક-નિગોદે) જાય. શું કરીએ, ભાઈ? વસ્તુસ્થિતિ આવી છે.
અહાહા! કહે છે કે આ શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મુહૂર્ત પાડોશી થઈ આત્માનો અનુભવ કર. ‘શરીરાદિ’ શબ્દ છે ને? એટલે એ બધાં મૂર્તિકદ્રવ્ય. દયા, દાન, વ્રત
PDF/HTML Page 378 of 4199
single page version
આદિ પુણ્યના પરિણામ પણ મૂર્ત છે. એ બધા મૂર્તદ્રવ્યોનો પાડોશી થા (સ્વામી નહિ), અને જ્ઞાયકસ્વભાવ તરફ ઝૂકાવ કર. તેથી તને રાગ અને શરીરથી જુદો ચૈતન્યભગવાન દેખાશે. રાગ અને પુણ્યને તું વેદે છે એ તો અજીવનો અનુભવ છે. રાગમાં ચૈતન્યજ્યોતિ નથી. જેમ અગ્નિની જ્યોત ઉપર કાજળ ઝીણી ઝીણી કાળી છારી હોય એ અગ્નિ નથી તેમ ચૈતન્યજ્યોતિ ભગવાન આત્મામાં ઉપર જે પુણ્ય-પાપના વિકલ્પ છે એ કાજળ સમાન છે, એ આત્મા નથી. અહીં કહે છે કે પુણ્ય-પાપના વિકલ્પથી બે ઘડી ભિન્ન પડી નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનો અનુભવ કર. ભાઈ! જન્મ-મરણના ફેરા મટાડવા હોય એણે કરવાનું આ છે.
એકવાર પ્રભુ! તું રાગ અને શરીરનું લક્ષ છોડી અંતરમાં લક્ષ કર. તેથી તને રાગ અને શરીરનું સાચું પાડોશીપણું થશે. ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહિ. આ અનુભવ તે સમ્યગ્દર્શન છે. હવે આ ચીજ વિના વ્રત, તપ વગેરે કરીને મરી જાય પણ શું થાય? બહુ બહુ તો શુભભાવ થાય. પણ એ તો રાગ છે. રાગને તો આગ કહી છે. દોલતરામજીએ છહઢાળામાં કહ્યું છેઃ-“યહ રાગ આગ દહૈ સદા તાતૈં સમામૃત સેઈએ” રાગનો વિકલ્પમાત્ર આગ છે અને ભગવાન આત્મા શાન્તિના અમૃતનો સાગર છે. રાગ કષાય છે. કષાય એટલે કષ+આય-જે સંસારનો લાભ આપે તે. રાગદશા તો સંસારનો લાભ આપનારી છે. માટે એનાથી ભિન્ન પડી અમૃતનો સાગર પ્રભુ ચૈતન્ય ભગવાનનો અનુભવ કર. અહીં જેમ ‘मृत्वा’ એટલે મરણાંત પરિષહની પણ દરકાર કર્યા વિના આત્માનુભવ કર એમ કહ્યું છે તેમ અધ્યાત્મતરંગિણીમાં ‘च्युत्वा’ એટલે મોહથી છૂટીને તું અંદર જો કે એ કોણ છે અને એનો અનુભવ કર. ભાષા સાદી છે પણ ભાવ તો આ છે, ભાઈ.
જ્યારે સમ્યગ્દર્શન થશે ત્યારે તને આત્મજ્ઞાન એટલે આત્મા જેવો છે તેવું તેનું જ્ઞાન થશે. તેથી નિજપદ પ્રાપ્ત થશે અને પછી મોક્ષ થશે, બહારમાં ધામધૂમ કરે, મંદિરો બંધાવે પણ એ બધામાં સાર વાત આ એક જ છે કે રાગાદિનો પાડોશી થઈ આત્માને કેટલો અનુભવ્યો? (અનુભવ પ્રધાન છે) હવે કહે છે ‘अथ येन’ કે જેથી ‘स्वं विलसन्तं’ પોતાના આત્માને વિલાસરૂપ, ‘पृथक् समालोक्य’ સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી ‘मूर्त्या साकम्’ આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલદ્રવ્ય સાથે ‘एकत्वमोहम्’ એકપણાના મોહને ‘झगिति त्यजसि’ તું તુરત જ છોડશે.
પહેલાં એમ કહ્યું કે શરીરાદિ મૂર્તદ્રવ્યોથી ભિન્ન પડી કોઈ પણ રીતે આત્માનો અનુભવ કર. હવે કહે છે કે એ અનુભવથી તને અતીન્દ્રિય આનંદના ધામરૂપ ભગવાન આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન દેખાશે. જ્યારે પુણ્ય-પાપના વિકલ્પનો અનુભવ હતો ત્યારે
PDF/HTML Page 379 of 4199
single page version
સ્વનો વિલાસ ન હતો. હવે આત્માનુભવથી નિજવૈભવનો વિલાસ તને પ્રાપ્ત થશે. “ નિજપદ રમે સો રામ કહીએ.” નિજ આનંદધામસ્વરૂપ આત્મામાં રમે તે આતમરામ છે. તેને અતીન્દ્રિય આનંદની મોજ-વિલાસ પ્રાપ્ત થાય છે. તેથી હે ભાઈ! તું આત્માનુભવ કર જેથી સર્વ પરદ્રવ્યોથી ભિન્ન વિલાસરૂપ આત્માને સમ્યક્ પ્રકારે અવલોકીને-દેખીને- પ્રત્યક્ષ સાક્ષાત્ આત્માના આનંદનું વેદન કરીને આ શરીરાદિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તુરત જ છોડી દઈશ. રાગ સાથે એકપણાનો જે મોહ-મિથ્યાત્વ તને સમયે સમયે થાય છે તે આ આત્માનુભવ થતાં-આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદન થતાં તરત જ છૂટી જશે. લ્યો, આ ધર્મની રીત છે. જેનાથી સંસારનો અંત આવી જાય તે ધર્મ છે.
‘જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે (તેમાં લીન થાય), પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષને પ્રાપ્ત થાય.’ જુઓ અહીં ‘શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે’ એમ કહ્યું છે. અશુદ્ધ રાગાદિનો અનુભવ તો એ અનાદિથી કરે જ છે. એટલે ત્યાંથી ગુલાંટ મારી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનું કહ્યું છે. વળી પરિષહ આવે પણ ડગે નહિ એમ કહ્યું. ગમે તે પ્રતિકૂળતાના સંયોગો આવે, સર્પ કરડે, વીંછી ડંખે, વાઘ, સિંહ આવીને ફાડી ખાય તોપણ ડગ્યા વિના જ અંદર સ્વરૂપમાં લીન રહે તો રાગના એકપણાનો મોહ છૂટી જાય. પરિષહ અનુકૂળ અને પ્રતિકૂળ એમ બેય હોય છે. એમાંથી કોઈ પણ પ્રકારનો પરિષહ આવેથી ડગે નહિ તો ઘાતીકર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે.
રામચંદ્રજી મહાપુરુષ-પુરુષોત્તમ પુરુષ જ્યારે મુનિદશામાં હતા ત્યારે સીતાજી દેવ-પુરુષ હતા. ત્યાંથી આવીને તેમણે સીતાજીનું રૂપ ધારણ કરીને રામચંદ્રજીને બોલાવે છે કે-‘અરે! આપણે જુદા પડી ગયા! એક વાર તમે સ્વર્ગમાં આવો અને આપણે ભેગા રહીએ.’ આમ રામચંદ્રજીને ધ્યાનથી ડગાવવા અનુકૂળ પરિષહ આવ્યો. પણ રામ ડગ્યા નહિ અને અંદરમાં ધ્યાનનિમગ્ન રહ્યા તેથી કેવળજ્ઞાન ઉપજાવી, દેહથી છૂટીને મોક્ષ પધાર્યા. સીતાજી સ્વર્ગમાં દેવ હતા અને સમક્તિી હતા પરંતુ અસ્થિરતાને લીધે એવો ભાવ આવ્યો.
આ બધું આત્માના અનુભવનું માહાત્મ્ય છે. સમયસાર નાટકમાં કહ્યું છે કેઃ-
આવો જે આનંદનો નાથ ભગવાન આત્મા એના અનુભવનું એવું માહાત્મ્ય છે કે જીવ બે ઘડીમાં મોક્ષ પ્રાપ્ત કરે, સિદ્ધપદને પ્રાપ્ત કરે. ‘આત્માનુભવનું એવું માહાત્મ્ય
PDF/HTML Page 380 of 4199
single page version
છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે.’ અહાહા! જયચંદ પંડિતે કેવો સરસ અર્થ કર્યો છે! બે ઘડી (૪૮ મિનિટ)ની અંદરના ધ્યાનમાં કેવળજ્ઞાન પામી જાય છે, ત્રણકાળ ત્રણલોકને જાણનાર કેવળજ્ઞાની પરમાત્મા થઈ જાય છે. પાંડવો મુનિદશામાં શેત્રુંજય ઉપર અંતરના ધ્યાનમાં હતા. ત્યારે દુર્યોધનના ભાણેજે પૂર્વના વેરના કારણે ગરમ ધગધગતા લોઢાના દાગીના તેમને પહેરાવ્યા. આ પરિષહથી ડગ્યા નહિ અને આત્મામાં સ્થિરતા કરી. તો બે ઘડીમાં કેવળજ્ઞાન પામી ત્રણ પાંડવો મોક્ષે પધાર્યા. “સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” પૂર્વે નહિ થયેલી અભૂતપૂર્વ સિદ્ધદશાને પામ્યા. તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે. માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી કર્યો છે. મુખ્યતાથી આ જ ઉપદેશ કર્યો છે.
[પ્રવચન નં. ૬૪-૬પ-૬૬-૬૭ * દિનાંક ૨-૨-૭૬ થી પ-૨-૭૬]