PDF/HTML Page 1141 of 4199
single page version
ધર્મી જાણે છે કે આનંદની સાથે રાગને ભેળવવો, બન્નેના એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે. આ રીતે પરને અને પોતાને ભિન્ન જાણે છે. ધર્મી જીવ સ્વપરને ભિન્ન જાણે છે; રાગને અને જ્ઞાનને ભિન્ન જાણે છે.
હવે કહે છે-‘તેથી અકૃત્રિમ (નિત્ય), એક જ્ઞાન જ હું છું પરંતુ કૃત્રિમ (અનિત્ય), અનેક જે ક્રોધાદિક તે હું નથી એમ જાણતો થકો ‘‘હું ક્રોધ છું’’ ઇત્યાદિ આત્મવિકલ્પ જરાપણ કરતો નથી; તેથી સમસ્ત ર્ક્તૃત્વને છોડી દે છે.’
આ શુભાશુભ રાગ છે તે કૃત્રિમ, અનિત્ય અને દુઃખરૂપ છે અને હું તો અકૃત્રિમ, નહિ કરાયેલી એવી ત્રિકાળી સત્ત્વરૂપ નિત્ય ચીજ છું, અહાહા...! એક જ્ઞાન જ હું છું. આ પલટતી પર્યાય તે હું નહિ એમ જ્ઞાની જાણે છે. હું તો અકૃત્રિમ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયક તત્ત્વ છું. આ જ્ઞાનના જે ભેદ પડે તે મારી ચીજ નથી. આવા શુદ્ધ જ્ઞાયકરૂપ પરમાત્માને અંતરંગમાં અનુભવે તેનું નામ ધર્મ છે.
સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્માનું આ કથન છે. તે અનાદિથી આચાર્યો કહેતા આવ્યા છે. ભાઈ! તને ખબર નથી એટલે નવું લાગે છે પણ આ નવું નથી. આ તો અસલી પુરાણી ચાલી આવતી વાત છે. કહે છે-અકૃત્રિમ એક જ્ઞાન જ હું છું અને કૃત્રિમ ક્રોધ, માન, માયા, લોભ, પુણ્ય, પાપ આદિના અનેકરૂપ વિકલ્પ તે હું નથી એમ ધર્મી જાણે છે. આ પ્રમાણે જાણતો જ્ઞાની હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું ઇત્યાદિ કિંચિત્માત્ર વિકલ્પ કરતા નથી; તેથી સમસ્ત ર્ક્તૃત્વને છોડી દે છે. રાગાદિ જે વિકલ્પ થાય તેનો હું જાણનાર માત્ર છું, કર્તા નહિ-એમ સકલ ર્ક્તૃત્વને છોડી દે છે.
હવે કહે છે-‘તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.’
પરનો કર્તા અજ્ઞાનથી છે એમ જાણે તે રાગને છોડી દે છે. રાગથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપનું ભાન થતાં સમસ્ત ર્ક્તૃત્વને છોડી દે છે. તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે. અહાહા...! જ્ઞાતાદ્રષ્ટા રહેતો થકો દયા, દાન આદિ વિકલ્પનો જ્ઞાની કર્તા થતો નથી. હું દયા કરું છું, હું દાન કરું છું-એમ દયા, દાનના વિકલ્પનો તે કર્તા થતો નથી. માત્ર જે અલ્પ કષાય છે તેને તે જાણ્યા જ કરે છે અને સ્વરૂપસ્થિરતા વધારીને તેનો પણ અભાવ કરી દે છે. અહાહા...! આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
ઘરબાર, કુટુંબ, બૈરાં-છોકરાં એ બધાં પોતાનાં છે એમ માનીને અજ્ઞાની ચોફેર ઘેરાઈ ગયો છે. અરે ભાઈ! કોઈ જીવ કયાંયથીય આવ્યો અને કોઈ કયાંયથી આવ્યો. તેમને એકબીજા સાથે ખરેખર કાંઈ સંબંધ નથી. પત્નીનો જીવ આવ્યો હોય તિર્યંચમાંથી અને પતિનો જીવ આવ્યો હોય સ્વર્ગથી. બે થઈ ગયા ભેગા ત્યાં માને કે ‘મારી પત્ની’
PDF/HTML Page 1142 of 4199
single page version
અને ‘મારો પતિ.’ અરે! ધૂળેય તારું નથી. બધા જ્યાં ભિન્ન ભિન્ન છે ત્યાં એને અને તારે શું સંબંધ? જેમ એક ઝાડ ઉપર સાંજે પંખી મેળો ભરાય અને સવાર પડતાં સૌ પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે તેમ એક કુટુંબમાં બધાં ભેગાં થઈ જાય પણ વાસ્તવમાં કોઈ કોઈનું કાંઈ નથી. કયાંયથી આવ્યા અને કયાંય પોતાના માર્ગે જુદા જુદા ચાલ્યા જશે.
અહીં કહે છે કે પર્યાયમાં જે રાગ થાય એ પણ તારી કોઈ ચીજ નથી તો મારો પુત્ર, મારી પત્ની, મારા પિતા-આવી વાત તું કયાંથી લાવ્યો? આ શુભાશુભ રાગ તે પુણ્ય-પાપ તત્ત્વ છે, આસ્રવ તત્ત્વ છે અને તું ભગવાન જ્ઞાયક તત્ત્વ છો. પ્રભુ! આ રાગથી તારે કાંઈ સંબંધ નથી તો પુત્ર, પરિવાર આદિ પર સાથે તારે સંબંધ કયાંથી આવ્યો? આચાર્યદેવ કહે છે કે-ધર્મી જીવ ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણનાર જ છે. બારમી ગાથામાં કહ્યું છે કે તે કાળે વ્યવહારનય જાણેલો પ્રયોજનવાન છે.
અહાહા...! આ શાસ્ત્રની રચના તો દેખો! આને સિદ્ધાંત કહેવાય. એક ઠેકાણે કાંઈક, બીજે ઠેકાણે બીજું કહે તે સિદ્ધાંત ન કહેવાય. બારમી ગાથામાં કહ્યું છે કે સમ્યગ્દ્રષ્ટિને જે રાગ આવે તે, તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. परिज्ञायमानस्तदात्वे प्रयोजनवान् એમ ત્યાં ટીકામાં શબ્દો પડેલા છે. રાગ-વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, પરંતુ તે આદરણીય નથી. પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી સાધકદશામાં વ્યવહાર-રાગ હોય છે ખરો, પણ તે જાણેલો પ્રયોજનવાન છે. અહીં પણ કહ્યું છે કે માત્ર જાણ્યા જ કરે છે.
પંચાસ્તિકાયમાં (ગાથા ૧૩૬માં) એમ કહ્યું છે કે અસ્થાનનો તીવ્ર રાગજ્વર છોડવા માટે જ્ઞાનીને શુભરાગ આવે છે. જ્ઞાનીને કોઈ અશુભ રાગ પણ આવે પણ જ્ઞાની તેને જાણે જ છે, રાગ મારો છે એમ માનતો નથી. અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. પર્યાયની અહીં વાત છે. દ્રવ્ય તો નિર્વિકલ્પ વિજ્ઞાનઘન છે જ. અહાહા...! આવા દ્રવ્યની દ્રષ્ટિ જેને થઈ છે તે સમ્યગ્દ્રષ્ટિ રાગનો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
‘જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના ર્ક્તૃત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.’
જ્ઞાન થયા પછી જ્ઞાની વ્યવહારનો જે રાગ આવે તે રાગનો કર્તા થતો નથી. જ્ઞાની
PDF/HTML Page 1143 of 4199
single page version
વ્યવહારરત્નત્રયનો કર્તા થતો નથી આ ફેંસલો આપ્યો. આ કારખાનાંની વ્યવસ્થા કરવી અને પરનાં કામ કરવાં એ વાત તો કયાંય દૂર રહી ગઈ! જ્ઞાની રાગનો અને પરદ્રવ્યનો કર્તા નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘किल’ નિશ્ચયથી ‘स्वयं ज्ञानं भवन् अपि’ સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં-શું કહે છે? ભગવાન આત્મા સ્વયં ત્રણ લોકનો જાણનાર દેખનાર છે, જગતની કોઈ ચીજનો તે કર્તા નથી. આવું જ તેનું સ્વરૂપ છે. અહાહા...! મંદિર ઉપર જેમ સોનાનો કળશ ચઢાવે તેમ આચાર્યદેવે ગાથાની ટીકા ઉપર આ કળશ ચઢાવ્યો છે. અહા! કેટ-કેટલું સ્પષ્ટ કર્યું છે! જંગલમાં વસનારા દિગંબર મુનિવરને કરુણાબુદ્ધિનો વિકલ્પ આવ્યો અને આ શાસ્ત્ર રચાઈ ગયાં. જગતના પ્રાણીઓને દુઃખી-પીડિત દેખીને જ્ઞાની અનુકંપા કરવા જતા નથી પણ એને અંતરમાં એમ થાય છે કે-અરે! આ સંસારમાં પ્રાણીઓ નિજ ચૈતન્યસ્વરૂપને ઓળખ્યા વિના જન્મ-મરણ કરતા થકા બિચારા દુઃખી છે! પંચાસ્તિકાયની ગાથા ૧૩૭માં અનુકંપાના સ્વરૂપનું કથન કર્યું છે ત્યાં કહ્યું છે કે-‘‘જ્ઞાનીની અનુકંપા તો નીચલી ભૂમિકાઓમાં વિહરતાં (-પોતે નીચેનાં ગુણ- સ્થાનોમાં વર્તતો હોય ત્યારે), જન્માર્ણવમાં નિમગ્ન જગતના અવલોકનથી (અર્થાત્ સંસાર- સાગરમાં ડૂબેલા જગતને દેખવાથી) મનમાં જરા ખેદ થવો તે છે.’’ જ્ઞાનીને હજુ રાગ છે તેથી હેયબુદ્ધિએ એવો રાગ આવે છે.
ત્યાં પંચાસ્તિકાય ગાથા ૧૩૬ માં કહ્યું છે કે-‘‘આ (પ્રશસ્તરાગ) ખરેખર, જે સ્થૂળલક્ષ્યવાળો હોવાથી કેવળ ભક્તિ-પ્રધાન છે એવા અજ્ઞાનીને હોય છે; ઉપરની ભૂમિકામાં (-ઉપરના ગુણસ્થાનોમાં) સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય ત્યારે, અસ્થાનનો રાગ અટકાવવા અર્થે અથવા તીવ્ર રાગજ્વર હઠાવવા અર્થે, કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે.’’ પ્રશસ્તરાગ કદાચિત્ જ્ઞાનીને પણ હોય છે એટલે પરિણમનની અપેક્ષાથી રાગ છે પણ જ્ઞાનીને રાગમાં ઉપાદેયબુદ્ધિ, કર્તવ્યબુદ્ધિ હોતી નથી તેથી તે રાગના કર્તા થતા નથી.
અજ્ઞાનીને ભક્તિ, અનુકંપા આદિ રાગમાં ઉપાદેયબુદ્ધિ, કર્તવ્યબુદ્ધિ હોય છે. તે પ્રાણીઓને દુઃખી-પીડિત દેખીને તેમને હું આમ સુખી કરી દઉં અને આમ જીવાડી દઉં-એમ અનેક પ્રકારે વિકલ્પ કરતો થકો વિકલ્પનો કર્તા થાય છે. આ મેં પરની દયા કરી તે ઠીક કર્યું, તેથી મને ધર્મ થયો એમ અજ્ઞાનીને પરમાં કર્તાબુદ્ધિ અને રાગમાં ધર્મબુદ્ધિ હોય છે તેથી તે કર્તા થાય છે.
PDF/HTML Page 1144 of 4199
single page version
અહીં કહે છે-આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં ‘अज्ञानतः तु’ અજ્ઞાનને લીધે ‘यः’ જે જીવ, ‘सतृणाभ्यवहारकारी’ ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક ‘रज्यते’ રાગ કરે છે (રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) ‘असौ’ તે ‘दधीक्षुमधुराम्लरसातिगृद्धया’ દહીં-ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી ‘रसालम् पीत्वा’ શિખંડને પીતાં છતાં ‘गां दुग्धम् दोग्धि इव नूनम्’ પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે.
હાથીને ઘાસ અને ચૂરમાના લાડવા ભેગા કરીને ખાવા આપો તો તે બન્નેને એક માનીને ખાઈ જાય છે. બેઉના સ્વાદનો ભેદ છે એવો તેને વિવેક હોતો નથી. વળી કોઈ રસનો લોલુપી અત્યંત લોલુપતાને કારણ શિખંડ પીતાં છતાં હું ગાયનું દૂધ પીઉં છું એમ માનવા લાગે છે. સમયસાર નાટકમાં દ્રષ્ટાંત આપ્યું છે કે દારૂનો નશો જેને ચઢયો છે એવા દારૂડિયાને શિખંડ પીવડાવવામાં આવતાં નશાના કારણે સ્વાદ નહિ પરખી શકવાથી પોતે દૂધ પી રહ્યો છે એમ કહે છે. તેમ મોહદારૂના પાનથી જે નશામાં છે તેવા અજ્ઞાનીને રાગનો (કલુષિત) સ્વાદ અને પોતાનો (આનંદરૂપ) સ્વાદ ભિન્ન છે એમ ભાન નથી. તેથી રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે. રાગના સ્વાદને જ તે પોતાનો સ્વાદ માને છે.
‘જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વપરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે.’
અજ્ઞાનીને પોતાના અને પુદ્ગલકર્મના ભિન્ન સ્વાદનું ભાન નથી. અહીં પુદ્ગલ-કર્મનો અર્થ રાગ થાય છે. દયા, દાન વ્રત, ભક્તિ આદિનો રાગ ખરેખર પુદ્ગલ જ છે. તેનો સ્વાદ અને પોતાનો સ્વાદ ભિન્ન છે એવું અજ્ઞાનીને ભાન નથી. રાગનો સ્વાદ અને આત્માનો સ્વાદ- એ બેને અજ્ઞાની જુદા પાડી શક્તો નથી.
અરે! આ મનુષ્યભવનાં ટૂકાં આયુષ્ય પૂરાં કરીને જીવ ચોરાસીના અવતારમાં કયાંય ચાલ્યો જશે. ત્રસની સ્થિતિ તો માત્ર બે હજાર સાગરની છે. બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ભવ કરવાની સ્થિતિ બે હજાર સાગરની છે. અરે ભાઈ! જો ભેદજ્ઞાન પ્રગટ ન કર્યું તો તે સ્થિતિ પૂરી થતાં જીવ નિગોદમાં જશે! નિગોદવાસ તો અનંતકાળ અને અપાર દુઃખથી ભરેલો છે. હે ભાઈ! વિચાર કર.
જેમ શિખંડના રસલોલુપીને શિખંડમાં ખાટા-મીઠા સ્વાદનો ભેદ ભાસતો નથી
PDF/HTML Page 1145 of 4199
single page version
તેમ અજ્ઞાનીને રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ-બે ભિન્ન છે એમ સ્વાદભેદ ભાસતો નથી. અહા! આવી વીતરાગની વાણી આ કાળે દુર્લભ છે. જે વીતરાગની વાણી સાંભળવા જાતીય વૈર ભૂલીને અતિ વિનયભાવથી સિંહ, વાઘ, બકરાં, હાથી, બિલાડી, ઉંદર આદિ પ્રાણીઓ ભગવાનના સમોસરણમાં દોડયાં આવે છે અને પાસે બેસીને ખૂબ જિજ્ઞાસાથી સાંભળે છે તે વાણી મહા મંગળરૂપ છે. જેનાં ભાગ્ય હોય તેના કાને પડે એમ છે.
અહીં કહે છે કે રાગનો સ્વાદ અને પોતાનો સ્વાદ-બન્ને ભિન્ન છે એમ સ્વાદભેદનું અજ્ઞાનીને ભાન નથી તેથી તે શુભાશુભભાવના કલુષિત સ્વાદને પોતાનો સ્વાદ માને છે. તેથી તે રાગમાં એકાકારરૂપ પ્રવર્તે છે. રાગથી ભિન્ન પોતે જ્ઞાતાપણે રાગનો જાણનાર જ છે એવું અજ્ઞાની જાણતો નથી એટલે રાગાદિ ભાવમાં તે એકાકાર થઈ જાય છે. અજ્ઞાનીને ભક્તિ આદિની મુખ્યતા હોય છે તેથી તે ભક્તિ આદિના રાગમાં એકાકાર થઈ જાય છે.
જ્ઞાનીને ભક્તિ આદિનો રાગ આવે છે પણ જ્ઞાની તેમાં એકાકાર નથી. જ્ઞાન અને રાગના સ્વાદભેદનો જેને વિવેક પ્રગટ થયો છે તે જ્ઞાની સ્વાવલંબને ધર્મને સાધે છે. કહ્યું છે ને કે-
અહીં વિવેક એટલે ભેદજ્ઞાન અર્થ થાય છે. પરની દયા પાળવી એ વિવેક નથી; પણ ભગવાન આત્મા શુભરાગના વિકલ્પથી ભિન્ન જ્ઞાયક ચૈતન્યમય પ્રભુ છે એવું ભેદજ્ઞાન કરવું તે વિવેક છે. શરીરની ગમે તે અવસ્થા થાય, બરફની જેમ લોહી જામી જાય, શ્વાસ રુંધાઈ જાય, અંદર મુંઝવણ થાય, અને દેહ છૂટી જાય એવી અવસ્થામાં પણ જ્ઞાની રાગાદિભાવ સાથે એકાકાર થતા નથી. આ વિવેક-ભેદજ્ઞાન છે!
ભગવાન આત્મા આનંદરસથી, ચૈતન્યરસથી ભરેલો પ્રભુ છે. તેને દ્રષ્ટિમાં લેતાં અંદરથી આનંદનાં ઝરણાં ઝરે એવી પોતાની ચીજ છે; પરંતુ શ્રદ્ધા નથી તેથી અજ્ઞાની જીવ સ્વપરના ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે.
અજ્ઞાનથી જ જીવો કર્તા થાય છે એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘अज्ञानात्’ અજ્ઞાનને લીધે ‘मृगतृष्णिकां जलधिया’ મૃગજળમાં જળની બુદ્ધિ થવાથી ‘मृगाः पातुं धावन्ति’ હરણો તેને પીવા દોડે છે. ખારીલી જમીનમાં સૂર્યનાં કિરણ પડે તો જળ જેવું દેખાય છે. મૃગલા દોડતા દોડતા જળની આશાએ ત્યાં જાય અને જઈને જુએ તો ત્યાં કાંઈ ન હોય. જળ કયાં હતું તે મળે? તેમ અજ્ઞાની જીવ
PDF/HTML Page 1146 of 4199
single page version
સ્ત્રીમાં, મકાનમાં, પૈસામાં સુખ છે એમ ભ્રમથી માની પર વસ્તુની આશાએ દોડધામ કરી મૂકે છે. પૈસા રળવા માટે કુટુંબને છોડી પરદેશ જાય, ત્યાં એકલો રહે. આમ અતિશય લોભાતુર જેઓ પૈસા મેળવવા બહાર દોડી દોડીને જાય છે તે બધા મૃગલા જેવા છે. કહ્યું છે ને કે- ‘મનુષ્યરુપેણ મૃગાશ્ચરન્તિ’ મનુષ્યના દેહમાં તેઓ મૃગની જેમ ભટકે છે. પોતાને ભૂલીને પરમાં સુખબુદ્ધિ કરે તે હરણિયા જેવા જ છે, તેઓ સંસારમાં ભટકે જ છે.
સુખ કાજે બહાર પરદેશમાં જાય પણ ભાઈ! સુખ બહારમાં કયાંય નથી. કસ્તૂરી મૃગની નાભિમાં કસ્તૂરી હોય છે. પવનના ઝકોરે સુગંધ પ્રસરે ત્યાં સુગંધ બહારથી આવે છે તેમ તે મૃગ માને છે. એને ખબર નથી કે એની નાભિમાં કસ્તૂરી ભરી છે ત્યાંથી સુગંધ આવે છે. તેથી તે જંગલમાં દોડાદોડ કરી થાકીને પડે છે અને મહા કષ્ટને પ્રાપ્ત થાય છે. તેમ આત્માના અંર્તસ્વભાવમાં સુખ ભર્યું છે. અજ્ઞાનીને એની ખબર નથી તેથી બાહ્ય અનુકૂળ સામગ્રીમાંથી સુખ લેવા તેના ભણી દોટ મૂકે છે. પણ સુખ તો મળતું નથી, માત્ર જન્મ-મરણના કષ્ટને પ્રાપ્ત થાય છે. પરમાં સુખ છે એવું તે માને છે તે અજ્ઞાનના કારણે છે. પોતાના સચ્ચિદાનંદસ્વરૂપને છોડીને, મૃગજળ સમાન રાગમાં સુખબુદ્ધિ કરે છે તે અજ્ઞાનથી છે. આત્માનો અતીન્દ્રિય આનંદનો રસ અને રાગનો દુઃખરૂપ રસ એ બેનો ભેદ ન જાણતાં રાગના રસનો અતિ કલુષિત સ્વાદ અનાદિથી લઈ રહ્યો છે તે અજ્ઞાનના કારણે છે.
વળી, ‘अज्ञानात्’ અજ્ઞાનને લીધે ‘तमसि रज्जौ भुजगाध्यासेन’ અંધકારમાં પડેલી દોરડીમાં સર્પનો અધ્યાસ થવાથી ‘जनाः द्रवन्ति’ લોકો ભાગી જાય છે. જુઓ, છે તો દોરડી જ; પણ અંધારામાં નહિ જણાવાથી સર્પ છે એમ ભય પામી લોકો દૂર ભાગી જાય છે. તેમ આત્મા પરમાનંદમય પરમ સુખસ્વરૂપ પદાર્થ છે. જરા શાંત થઈ સ્વસન્મુખ થાય તો અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થાય તેમ છે. પરંતુ અનાદિથી જે આ વિષયસુખ છે તે પણ કદાચ નાશ પામશે એવા ભયથી અજ્ઞાનને લીધે સંસારી જીવ પોતાના આત્માથી દૂર ને દૂર ભાગે છે. રે અજ્ઞાન!
‘च’ અને (તેવી રીતે) ‘अज्ञानात्’ અજ્ઞાનને લીધે ‘अमी’ આ જીવો ‘वातोत्तरंङ्गाब्धिवत्’ પવનથી તરંગવાળા સમુદ્રની માફક ‘विकल्पचक्रकरणात्’ વિકલ્પોના સમૂહ કરતા હોવાથી –‘शुद्धज्ञानमयाः अपि’ જોકે તેઓ શુદ્ધજ્ઞાનમય છે તોપણ-‘आकुलाः’ આકુલિત બનતા થકા ‘स्वयम् कर्त्रीभवन्ति’ પોતાની મેળે કર્તા થાય છે.
વિકલ્પનો જે કર્તા થાય છે તે અજ્ઞાનથી છે એમ અહીં બતાવવું છે. લોકોને લાગે કે વ્યવહાર વિના કોઈ રસ્તો નથી; વ્યવહારથી નિશ્ચય થાય. અરે પ્રભુ! વ્યવહાર તો રાગ છે, દુઃખ છે. તે દુઃખથી આત્માના આનંદનો અનુભવ કેમ થાય? શાસ્ત્રમાં કહ્યું છે
PDF/HTML Page 1147 of 4199
single page version
એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. જો આમ ન માને તો પૂર્વાપર વિરોધ થઈ જાય છે.
આત્મા આનંદરસથી ભરેલી ચીજ છે. તેનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. સમયસાર નાટકમાં આવે છે કે-
ત્યાં એમ ન કહ્યું કે વ્યવહારનો રાગ મોક્ષમાર્ગ છે. વ્યવહાર હોય છે, આવે છે; પણ એનાથી આત્માના આનંદનો અનુભવ થાય છે એ વિપરીત માન્યતા છે. જીવને વ્યવહારના પક્ષનું આ અનાદિ-શલ્ય પડયું છે. અરે! આત્માના આનંદની અનુભવ દશા પ્રગટ કરવામાં વ્યવહારની અપેક્ષા નથી એવું જેને શ્રદ્ધાન નથી તે વ્યવહારને છોડી અનુભવ કેમ પ્રગટ કરી શકશે?
પવનથી તરંગવાળા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે આ જીવો વિકલ્પોના સમૂહને કરે છે. જીવ અજ્ઞાનથી શુભાશુભરાગના વિકલ્પનો કર્તા થઈને વિકલ્પો કરે છે એમ અહીં બતાવવું છે. જોકે આત્મા શુદ્ધજ્ઞાનમય છે તોપણ આકુળિત બનતો થકો પોતાની મેળે કર્તા થાય છે.
સમયસાર કળશટીકામાં આ શ્લોકના અર્થમાં એમ કહ્યું છે કે-‘‘સર્વ સંસારી મિથ્યાદ્રષ્ટિ જીવ સહજથી શુદ્ધસ્વરૂપ છે તોપણ મિથ્યાદ્રષ્ટિને લીધે આકુલિત થતા થકા બળજોરીથી જ કર્તા થાય છે.’’ રાગ-દયા, દાન, ભક્તિ આદિના જે વિકલ્પ તે અંદર વસ્તુમાં નથી, પરંતુ પોતાના ઊંધા જોરની બળજોરીથી રાગ ઉત્પન્ન થાય છે. આત્મા વસ્તુ તો શુદ્ધ જ્ઞાનઘન, આનંદઘન નિર્વિકારી પ્રભુ છે. તે રાગનો કર્તા કેમ થાય? જેમ સમુદ્રમાં તરંગ ઊઠે છે તેમ જીવ અનેક વિકલ્પ કરે છે તે અજ્ઞાનની બળજોરી છે. અજ્ઞાનના બળથી જીવ વિકારરૂપે પરિણમે છે. આત્મા એવો છે નહિ, આત્મા તો સ્વભાવથી શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ છે. તોપણ આત્મદ્રષ્ટિ નહિ હોવાથી આકુલિત થતો થકો બળજોરીથી જ કર્તા થાય છે. આત્મા જ્ઞાનનો પિંડ પ્રભુ એકલો જાણગ- જાણગસ્વભાવી છે તે કર્તા કેમ થાય છે? અનાદિ અજ્ઞાનને લીધે બળજોરીથી શુભાશુભ રાગનો, વિકલ્પોના સમૂહનો કર્તા થાય છે. આ મેં દયા પાળી, વ્રત કર્યાં, ભક્તિ કરી, પૂજા કરી, મંદિર બાંધ્યું, ને પ્રતિષ્ઠા કરી ઇત્યાદિ રાગનો મિથ્યા શ્રદ્ધાના જોરથી અજ્ઞાની કર્તા થાય છે.
આત્માનું સ્વરૂપ તો સહજ શુદ્ધજ્ઞાનમય છે. તે જાણવાનું કામ કરે કે રાગનું અને પરનું કામ કરે? સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે-અમે સર્વજ્ઞ થયા તે અમારા સ્વભાવમાં સર્વજ્ઞપણું હતું એમાં એકાગ્ર થઈને સર્વજ્ઞ થયા છીએ; રાગ અને વ્યવહારથી સર્વજ્ઞ થયા નથી.
PDF/HTML Page 1148 of 4199
single page version
લોકોને એકાન્ત છે, નિશ્ચયાભાસ છે એવું બહારથી લાગે, પણ ભાઈ! આ સમ્યક્ એકાન્ત છે. નિશ્ચય સાથે વ્યવહાર હો, પણ વ્યવહાર ધર્મ નથી. સાધકને યથાપદવી વ્યવહાર હોય છે, પણ તે ધર્મ નથી એમ તે યથાર્થ જાણે છે. રાત્રિભોજનનો ધર્મીને ત્યાગ હોય છે. જૈન નામ ધરાવનારને પણ રાત્રિભોજન આદિ ન હોય. રાત્રે ભોજન કરવામાં તીવ્ર લોલુપતાનો અને ત્રસહિંસાનો મહાદોષ આવે છે. માટે જૈન નામધારીને પણ રાતનાં ખાન-પાન ઇત્યાદિ ન હોય. કેરીનાં અથાણાં ઇત્યાદિ જેમાં ત્રસજીવોની ઉત્પત્તિ થઈ જાય એવો આહાર પણ જૈનને હોઈ ન શકે. આ બધા વ્યવહારના વિકલ્પ હો, પણ એ ધર્મ નથી.
અહીં તો કહે છે કે પોતાના શુદ્ધ આનંદના રસને ભૂલી વિકલ્પના રસમાં જે નિમગ્ન છે તેને આકુળતાના સ્વાદનું વેદન હોય છે. બહુ સૂક્ષ્મ વાત. ભાઈ!
દરેક પ્રાણી સુખને ઇચ્છે છે પણ સુખના કારણને ઇચ્છતો નથી; તથા દુઃખને ઇચ્છતો નથી પણ દુઃખના કારણને છોડતો નથી. આનંદનો નાથ પ્રભુ આત્મા સુખથી ભરેલો છે. ત્યાં દ્રષ્ટિ કરતો નથી અને દુઃખ જેનું સ્વરૂપ છે એવા વ્યવહારના રાગમાં સુખબુદ્ધિ કરે છે. અહા! અજ્ઞાનીની વિચિત્ર ગતિ છે! પણ ભાઈ! રાગથી-દુઃખથી આત્માના આનંદની પ્રાપ્તિ કદી ન થઈ શકે. આત્માનો નિર્મળ આનંદ તેના અનુભવથી પ્રાપ્ત થાય છે. કહ્યું છે ને કે-
આત્મા શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ પ્રભુ-તેનો વિચાર કરતાં ધ્યાનની ધૂન ચઢી જાય અને અંદર વિશ્રામ લેતાં વિકલ્પો ઠરી જાય, મટી જાય તેને આનંદરસના સ્વાદથી સુખ ઊપજે છે. આનું નામ અનુભવ છે અને એનાથી સુખ છે. અરે ભાઈ! તને સત્યનું શરણ લેવું કેમ કઠણ પડે છે? સ્વભાવના પક્ષમાં આવી સત્યની પ્રતીતિ તો કર! શુભભાવથી કલ્યાણ થાય એમ માનીને તો અનંતકાળ ગુમાવ્યો છે.
આત્મા શુદ્ધજ્ઞાનમય વસ્તુ હોવા છતાં તેનું ભાન નહિ હોવાથી અજ્ઞાની વિકલ્પોના સમૂહના ચક્રાવે ચઢેલો છે. મેં વ્રત કર્યાં, તપ કર્યાં, દયા પાળી, ભક્તિ કરી-એમ વિકલ્પોના ચક્રાવે ચઢી ગયો છે તેથી તે રાગનો કર્તા થાય છે જીવનનો કેટલોક કાળ તો સ્ત્રી, કુટુંબ, પરિવાર, ધંધાપાણી ઇત્યાદિ પાપમાં કાઢે છે. બાકીના સાત-આઠ કલાક ઊંઘવામાં ગાળે છે. આ પ્રમાણે પરમાં સુખબુદ્ધિ કરીને અજ્ઞાની રાગાદિનો કર્તા થાય છે, ઘડિયાળનાં કારખાનાં, લાદીનાં કારખાનાં ઇત્યાદિ મોટા વેપાર-ઉદ્યોગ ચાલતા હોય ત્યાં અજ્ઞાની રાજીરાજી થઈ જાય છે! અરે ભાઈ! એ બધો અશુભરાગ તો તીવ્ર આકુળતા છે. ત્યાં સુખ કેવું?
PDF/HTML Page 1149 of 4199
single page version
આત્માનો સ્વભાવ તો ત્રણકાળ ત્રણલોકને જાણવા-દેખવાનો છે. ભલે વર્તમાનમાં શ્રુતજ્ઞાન હો, પણ આત્મા રાગ અને રજકણથી ભિન્ન બધાનો જ્ઞાતાદ્રષ્ટા છે. અહાહા...! આત્મા પવિત્ર જ્ઞાનમય પ્રભુ ચૈતન્યપ્રકાશસ્વરૂપ ત્રિકાળ આનંદસ્વરૂપ છે. તોપણ અરેરે! અજ્ઞાનથી આકુલિત બનીને અજ્ઞાની પોતાની મેળે કર્તા થાય છે.
‘અજ્ઞાનથી શું શું નથી થતું? હરણો ઝાંઝવાને જળ જાણી પીવા દોડે છે અને એ રીતે ખેદખિન્ન થાય છે. અંધારામાં પડેલા દોરડાને સર્પ માનીને માણસો ડરીને ભાગે છે. તેવી જ રીતે આ આત્મા, પવનથી ક્ષુબ્ધ થયેલા સમુદ્રની માફક, અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે અને એ રીતે-જોકે પરમાર્થે તે શુદ્ધજ્ઞાનઘન છે તોપણ-અજ્ઞાનથી કર્તા થાય છે.’
અજ્ઞાનથી શું શું નથી થતું? અજ્ઞાનથી અનેક અનર્થ થાય છે. જુઓ, સિંહણનું બચ્ચું સિંહણથી નથી ડરતું. તેની પાસે જઈને તે ધાવે છે, કેમકે ખબર છે કે તે માતા છે. પરંતુ કુતરાથી તે ડરે છે કેમકે અજ્ઞાન છે. તેવી જ રીતે પવનથી ડોલતા દરિયાની જેમ આત્મા અજ્ઞાનને લીધે અનેક વિકલ્પો કરતો થકો ક્ષુબ્ધ થાય છે, ખળભળી ઊઠે છે. પ્લેગનો રોગ થાય તો બિચારો ભયથી ખળભળી ઊઠે કે હવે બે ત્રણ દિવસમાં મોત થશે. અરેરે! અનાદિ અનંત પોતાની ચીજના ભાન વિના આવા અનંત દુઃખો જીવે સહન કર્યાં, પણ હું આત્મા જ્ઞાનમય છું એવો અનુભવ ન કર્યો! અરે! જગત આખું મોહની માયાજાળમાં ફસાઈ રહ્યું છે! આ જગત તદ્ન માયા (મા યા) છે એમ નથી. જગત તો જગતમાં છે. પણ જગત મારામાં નથી અને હું જગતમાં નથી. આવું ભેદજ્ઞાન નહિ હોવાથી પરદ્રવ્ય મારું છે એવી માન્યતા વડે જગત મોહપાશમાં બંધાઈ ગયું છે. ભાઈ! વેદાંત સર્વથા અદ્વૈત બ્રહ્મ માને છે તેવું વસ્તુનું સ્વરૂપ નથી. બધું મળીને એક આત્મા છે એ માન્યતા યથાર્થ નથી.
ભગવાન આત્મા પરમાર્થથી વિજ્ઞાનઘન છે. દશ મણ બરફની શીતળ પાટ હોય છે ને! તેમ આત્મા આનંદની પાટ છે. બરફની પાટ તોલદાર છે, પણ આ આત્મપાટ તો અરૂપી ચૈતન્યબિંબ છે. અહાહા...! અંતરમાં દેખો તો આત્મા રાગ વિનાની ચીજ એકલા જ્ઞાન અને આનંદનું અરૂપી બિંબ છે તોપણ અજ્ઞાનથી જીવ અનેક વિકલ્પોથી ક્ષુબ્ધ થયો થકો કર્તા થાય છે. અનાદિથી જીવ કર્તા થઈને દુઃખી થાય છે. સમ્યગ્જ્ઞાન થાય તો કર્તાપણું મટે છે અને જ્ઞાતાપણે રહે છે. શ્લોક પ૮ પૂરો થયો.
જ્ઞાનથી આત્મા કર્તા થતો નથી એમ હવે કહે છેઃ-
PDF/HTML Page 1150 of 4199
single page version
‘हंसः वाः पयसोः इव’ જેમ હંસ દૂધ અને પાણીના વિશેષને (તફાવતને) જાણે છે- જુઓ, હંસની ચાંચમાં ખટાશ હોય છે. તેથી દૂધમાં ચાંચ બોળે ત્યાં દૂધ અને પાણી જુદા પડી જાય છે. અહીં કહે છે કે આ આત્મા પરમહંસ છે, અને રાગ છે તે પાણી છે. હંસ જેમ પાણી અને દૂધને જુદા પાડી દે છે તેમ આ આતમ-હંસલો દૂધસમાન પોતાનો જ્ઞાનસ્વભાવ અને જળસમાન જે રાગ તે બન્નેને ભિન્ન કરી દે છે. અને તેને આત્મહંસ કહીએ; બાકી તો કૌઆ- કાગડા કહેવામાં આવે છે. પ્રભુ! તારી મોટપની તને ખબર નથી!
આત્મા અરૂપી છે. અરૂપી છે છતાં તે વસ્તુ છે. જેમ રૂપી વસ્તુ છે તેમ અરૂપી પણ વસ્તુ છે. અરૂપી એટલે કાંઈ નહિ એમ નથી. અરૂપી એટલે રૂપી નહિ પણ વસ્તુ તો છે. અહાહા...! અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ ઇત્યાદિ અનંત અનંત ગુણનો ત્રિકાળી પિંડ પ્રભુ આત્મા છે. આત્મા અરૂપી મહાન પદાર્થ છે. હવે-
હંસની જેમ ‘यः’ જે જીવ ‘ज्ञानात्’ જ્ઞાનને લીધે ‘विवेचकतया’ વિવેકવાળો હોવાથી ‘परात्मनोः तु विशेषम् जानाति’ પરના અને પોતાના વિશેષને જાણે છે ‘सः’ તે ‘अचलम् चैतन्यधातुम् सदा अधिरूढः’ અચળ ચૈતન્યધાતુમાં સદા આરૂઢ થયો થકો ‘जानीत एव हि’ માત્ર જાણે જ છે, ‘किञ्चन अपि न करोति’ કાંઈ પણ કરતો નથી.
ધર્માત્મા પોતાનું સ્વસ્વરૂપ જે જ્ઞાન અને પર જે રાગ તે બન્નેને ભિન્ન જાણે છે અને તેથી તે ભેદજ્ઞાનસહિત હોવાથી, હંસ જેમ દૂધ અને પાણીને જુદા કરી દે છે તેમ જ્ઞાન અને રાગને જુદા કરી દે છે; રાગ અને આત્માને એક કરતો નથી. રાગનો જે કર્તા થાય તે જ્ઞાતા રહી શક્તો નથી અને જે જ્ઞાતા થાય તે રાગનો કર્તા થતો નથી. આવી જ વસ્તુસ્થિતિ છે. સમયસાર નાટકમાં આવે છે કે-
બહારની શરીર, મન, વાણી આદિની ક્રિયા તો જડની ક્રિયા છે; પણ અંદર જે શુભરાગ આવે છે તેનો જ્ઞાની કર્તા નથી. જ્ઞાની જ્ઞાનને લીધે રાગ જે વિકાર અને પોતાનો અવિકારી શુદ્ધ જ્ઞાનઘન-આનંદઘન સ્વભાવ-એ બેના વિશેષને જાણે છે. હું તો ચિદાનંદ-સ્વભાવી વસ્તુ છું અને રાગ તો આકુળતાસ્વભાવ છે-આવો બન્નેનો ભેદ જ્ઞાની જાણે છે. આનું નામ ભેદજ્ઞાન છે. ભેદજ્ઞાનના બળે અચળ નિજ ચૈતન્યસ્વરૂપનો આશ્રય કરતો થકો તે માત્ર જાણે જ છે. આનું નામ ધર્મ છે.
આત્મા અચળ ચૈતન્યધાતુ છે. જે ચૈતન્યને ધારે તે ચૈતન્યધાતુ છે. એમાં અચેતન
PDF/HTML Page 1151 of 4199
single page version
રાગ ધારેલો નથી, એકલી ચૈતન્ય-ચૈતન્યમય વસ્તુ છે. આવી શુદ્ધ ચૈતન્યમય વસ્તુમાં આરૂઢ થતાં એટલે કે તેનો આશ્રય કરતાં આત્મા રાગથી ભિન્ન થઈને માત્ર જાણનાર જ રહે છે. જુઓ આ ભેદજ્ઞાનને પ્રાપ્ત સમકિતીનું સ્વરૂપ! નિજ ચૈતન્યધાતુનો આશ્રય કરતો થકો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા થતો નથી; જ્ઞાતા જ રહે છે રાગના સૂક્ષ્મ અંશનો પણ જ્ઞાની કર્તા નથી. જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ષોડશકારણ ભાવનાના રાગનો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા નથી; જ્ઞાનમાં તેને તે ભિન્નરૂપે માત્ર જાણે જ છે.
‘જે સ્વપરનો ભેદ જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી.’
લોકો કહે છે ને કે કરવું શું? તો કહે છે કે આ ભેદજ્ઞાન પ્રગટ કરવું તે કરવાનું છે. ભેદજ્ઞાન કરે નહિ અને રાગની મંદતા કરે તો એથી કાંઈ સાધ્ય નથી. રાગની મંદતા તો અનાદિથી કરતો આવ્યો છે. એમાં નવું શું છે? અરે ભાઈ! પહેલાં શ્રદ્ધામાં તો પક્ષકર કે જ્ઞાનમય ભગવાન આત્મા અને રાગમય વિકાર તે બન્ને તદ્ન ભિન્ન ચીજ છે. તે બન્નેને એક માનવા તે મિથ્યાત્વ અને અજ્ઞાન છે. રાગથી ભિન્ન જ્યાં જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું ભાન થયું ત્યાં જ્ઞાની રાગને જાણે જ છે, તેનો કર્તા થતો નથી.
એક વણિક હતો. તેને એક છોકરો હતો. તે વણિકની પહેલી પત્ની ગુજરી જતાં તેણે નવી બાઈ સાથે લગ્ન કર્યું. એક વાર તે નવી મા, દીકરાની વહુનો સાલ્લો પહેરીને ઓરડામાં સૂતી હતી. છોકરાને ખબર નહિ કે કોણ સૂતું છે. છોકરાને વિષયનો રાગ થઈ આવતાં અંદર ઓરડામાં જઈને હાથ અડાડયો. ત્યાં મા જાગી ગઈ અને બોલી-‘બેટા વહુ ન્હાવા ગયાં છે.’ છોકરાને જ્ઞાન થયું કે અહા! આ તો માતા છે, પત્ની નહિ! આમ જ્ઞાન થતાં જ ફડાક વૃત્તિ બદલાઈ ગઈ. તત્ક્ષણ વિષયનો રાગ નાશ પામી ગયો. તેમ આત્મા રાગથી ભિન્ન પ્રભુ આનંદનો નાથ છે એવું જ્યાં અંતર એકાગ્ર થતાં જ્ઞાન થયું કે ભેદજ્ઞાન પ્રગટ થાય છે અને તત્કાલ રાગની દ્રષ્ટિ છૂટી જાય છે. તે રાગનો કર્તા મટીને જ્ઞાતા થઈ જાય છે. આવો જ્ઞાન- ભેદજ્ઞાનનો અલૌકિક મહિમા છે.
ભાઈ! જન્મ-મરણનાં દુઃખનો અંત કેમ આવે એની આ વાત છે. ૮૪ લાખ યોનિમાં સહન ન થાય એવાં દુઃખ તેં સહન કર્યાં છે. અનંત ભવમાં અનંત માતાઓનો તને સંયોગ થયો છે. મરણ વખતે તે માતાઓનાં રૂદનનાં આંસુ એકઠાં કરીએ તો અનંત સમુદ્ર ભરાય એટલા ભવ તું કરી ચૂકયો છે. તારા ભવનો અંત કેમ આવે એની અહીં આચાર્યદેવે વાત કરી છે. કહે છે કે શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી પોતાની વસ્તુને છોડી રાગની-સંયોગી ભાવથી એક્તા કરવી તે વ્યભિચાર છે, કેમકે રાગ તારી સ્વભાવભૂત ચીજ નથી. પ્રભુ! રાગના કર્તાપણે પરિણમવું તે વ્યભિચાર છે; તે તને ન શોભે. જો; જ્ઞાની તો પોતાના જ્ઞાતાદ્રષ્ટાસ્વભાવની દ્રષ્ટિ કરીને માત્ર જાણનાર જ રહે છે, કિંચિત્માત્ર કર્તા થતા નથી.
PDF/HTML Page 1152 of 4199
single page version
અરે! અજ્ઞાની કરોળિયાની જેમ જાળમાં ફસાઈ ગયો છે. મનુષ્યને બે પગ છે. પછી તે પરણે એટલે ચાર પગ થાય, એટલે કે તે ઢોર થાય. પછી એને છોકરો થાય એટલે તે છપગો ભમરો થાય. ભમરાને છ પગ હોય છે. અજ્ઞાની ભમરાની જેમ જ્યાં-ત્યાં ગુંજે-આ મારી બાયડી; આ મારો છોકરો એમ ગુંજે. પછી છોકરો મોટો થાય એટલે એને પરણાવે. છોકરાની વહુ ઘરમાં આવે એટલે આઠપગો કરોળિયો થાય. કરોળિયાને આઠ પગ હોય છે. કરોળિયાની જેમ મનુષ્ય પોતે જ જાળ કરી કરીને તેમાં ફસાઈ જાય છે. વરઘોડિયાં પગે લાગવા આવે એટલે અજ્ઞાની ખુશી ખુશી થઈ જાય, પણ એને ખબર નથી કે આ દુઃખની જાળ રચી છે. અરે ભાઈ! સંસારમાં સુખ કેવું? સંસારમાં-રાગમાં તું દુઃખી જ છો.
કન્યાને સાસરે વળાવે ત્યારે વિરહના ભારથી કન્યા રડે છે, એની માતા પણ રડે છે. બહારથી વિરહના દુઃખમાં રડે છે પણ અંદર કન્યાને સાસરે જવાનો હરખ હોય છે. તેમ રાગ જ્ઞાનીને આવે છે પણ રાગનો જ્ઞાનીને આદર નથી. ધર્મીને તો પોતાના સ્વરૂપમાં ઠરવાનો ઉલ્લાસ છે; પણ ઠરી ન શકે તો રાગ આવે છે. પરંતુ રાગનો જ્ઞાની કિંચિત્માત્ર કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે, કેમકે જ્ઞાનીની દ્રષ્ટિ ચૈતન્યસ્વભાવ પર ચોંટેલી છે. જ્ઞાનીને જેટલું રાગનું પરિણમન છે એટલું પરિણમનની અપેક્ષાએ કર્તાપણું છે, પણ પરમાર્થે તે જ્ઞાતા જ છે કેમકે રાગ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે એમ જ્ઞાની માનતો નથી. જ્ઞાની સ્વપરનો ભેદ જાણે છે માટે તે રાગનો કર્તા નથી, જ્ઞાતા જ છે. સમયસાર નાટકમાં આવે છે કે-
અહા! નિજરૂપ તે સ્વજ્ઞેય અને રાગાદિ તે પરજ્ઞેય છે. જ્ઞાન પરને-રાગને જાણે એમ કહેવું એ ખરેખર વ્યવહાર છે; વાસ્તવમાં તો તે કાળે જ્ઞાન પોતે પોતાને જાણે છે. સ્વપરના ભેદને જે જાણે તે જ્ઞાતા જ છે, કર્તા નથી. પ૯ કળશ પૂરો થયો.
હવે, જે કાંઈ જણાય છે તે જ્ઞાનથી જ જણાય છે એમ કહે છેઃ-
‘ज्वलन–पयसोः औष्ण्य–शैत्य–व्यवस्था’ (ગરમ પાણીમાં) અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતાનો ભેદ ‘ज्ञानात् एव’ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. આનો અર્થ કરતાં કળશટીકામાં એમ કહ્યું છે કે-‘‘જેમ અગ્નિ અને પાણીના ઊષ્ણપણા અને શીતપણાનો ભેદ નિજસ્વરૂપ ગ્રાહી જ્ઞાનથી પ્રગટ થાયછે તેમ.’’
PDF/HTML Page 1153 of 4199
single page version
ભાવાર્થ આમ છે કે જેમ અગ્નિ સંયોગથી પાણી ઊનું કરવામાં આવે છે, કહેવામાં પણ ‘ઊનું પાણી’ એમ કહેવાય છે, તોપણ સ્વભાવ વિચારતાં (પાણી અને અગ્નિના સ્વભાવને લક્ષમાં લેતાં) ઊષ્ણપણું અગ્નિનું છે, પાણી તો સ્વભાવથી શીતળ છે-આવું ભેદજ્ઞાન વિચારતાં ઉપજે છે. (જેને આત્માનો અનુભવ થયો છે તેવા સમ્યગ્જ્ઞાનીને આવો યથાર્થ ખ્યાલ આવે છે. સંયોગ આધીનદ્રષ્ટિવાળા અજ્ઞાનીને ‘ગરમ પાણીમાં’ ઉષ્ણતા અગ્નિની છે અને પાણી સ્વભાવથી શીતળ છે એવો ખ્યાલ આવતો નથી).
બીજું દ્રષ્ટાંત-જેમ ખારો રસ, તેના (ખારા લવણના રસના) વ્યંજનથી (શાકથી) ભિન્નપણા વડે ‘ખારો લવણનો સ્વભાવ’ એવું જાણપણું તેનાથી ‘વ્યંજન ખારૂં’ એમ કહેવાતું- જણાતું તે છૂટયું; ભાવાર્થ આમ છે કે જેમ લવણના સંયોગથી વ્યંજનનો સંભાર કરવામાં આવે છે. (શાક બનાવવામાં આવે છે). ત્યાં ‘ખારૂં વ્યંજન’ એમ કહેવાય છે, જણાય પણ છે, સ્વરૂપ વિચારતાં ખારૂં લવણ છે, વ્યંજન જેવું છે તેવું જ છે. હવે સિદ્ધાંત-
એ પ્રમાણે શુદ્ધ સ્વરૂપમાત્ર વસ્તુનો અનુભવ કરતાં જ ચેતના સ્વરૂપથી પ્રકાશમાન છે, અવિનશ્વર છે, -એવું જે શુદ્ધસ્વરૂપ છે તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાગાદિ પરિણામનું ભિન્નપણું થાય છે.
ભાવાર્થ આમ છે કે-(પ્રશ્ન) સામ્પ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન-એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તર આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે. કેવું છે ભિન્નપણું! ‘કર્મનો કર્તા જીવ’ એવી ભ્રાન્તિ તેને મૂળથી દૂર કરે છે-
પરનું વાસ્તવિક જ્ઞાન જેને સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું છે એવા જ્ઞાનીને જ હોય છે. (શિખંડ મીઠો છે એમ કહેવામાં આવે છે ત્યારે પણ) શિખંડમાં જે ખટાશ છે તે દહીંની છે અને મીઠાશ ખાંડની છે-એમ બેની ભિન્નતાનું યથાર્થ જ્ઞાન જેને સ્વના આશ્રયે સમ્યગ્જ્ઞાન થયું છે તેને હોય છે.
‘लवणस्वादभेदव्युदासः ज्ञानात् एव उल्लसति’ લવણના સ્વાદભેદનું નિરસન (નિરાકરણ, અસ્વીકાર, ઉપેક્ષા) જ્ઞાનથી જ થાય છે (અર્થાત્ જ્ઞાનથી જ શાક વગેરેમાંના લવણનો સામાન્ય સ્વાદ તરી આવે છે અને તેનો સ્વાદ વિશેષ નિરસ્ત થાય છે).’
લવણ અને શાક-એ બેના સ્વાદના ભેદની ભિન્નતાનું જ્ઞાન જ્ઞાનીને હોય છે. અજ્ઞાનીને સ્વના જ્ઞાનનું પરિણમન નથી તો પરને પ્રકાશતું પરપ્રકાશક જ્ઞાન યથાર્થ કયાંથી હોય? ન જ હોય. (શાક ખારૂં છે એમ કહેવામાં આવે તે કાળે પણ) લવણના સ્વાદથી શાકનો સ્વાદ સર્વથા ભિન્ન છે એવું જ્ઞાન જ્ઞાનથી જ પ્રગટ થાય છે. કોને? કે
PDF/HTML Page 1154 of 4199
single page version
જેને પોતાના જ્ઞાનનું જ્ઞાન પ્રગટ થયું છે તેને શાક અને લવણના-બંનેના ભિન્નસ્વાદનું જ્ઞાન પ્રગટ થાય છે. આ દ્રષ્ટાંતમાં જ સિદ્ધાંત છે.
‘स्वरसविकसन्नित्यचैतन्यधातोः च क्रोधादेः भिदा’ નિજરસથી વિકસતી નિત્ય ચૈતન્યધાતુનો અને ક્રોધાદિ ભાવોનો ભેદ, ‘कर्तृभावम् भिन्दती’ ર્ક્તૃત્વને (કર્તાપણાના ભાવને) ભેદતો થકો-તોડતો થકો ‘ज्ञानात् एव प्रभवति’ જ્ઞાનથી જ પ્રગટ થાય છે.’
આત્મા નિત્ય ચૈતન્યધાતુ છે તે પર્યાયમાં વિકસિત થાય છે. જેમ કમળનું ફૂલ ખીલે તેમ આત્મા નિત્ય ચૈતન્યધાતુ નિજરસથી પર્યાયમાં ખીલી જાય છે. તે વખતે વ્યવહારરત્નત્રયનો રાગ હોય તેને જ્ઞાન (પર જ્ઞેયપણે) જાણે છે. નિજરસથી વિકસિત થયેલી પર્યાયથી રાગને જાણે છે. રાગ છે તો રાગને જાણે છે એમ નથી કહ્યું. નિજરસથી વિકસિત થયેલી સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયથી રાગાદિ ભાવને જાણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. અહાહા! ગજબ વાત છે! બે દ્રષ્ટાંત આપ્યાં છે; આ સિદ્ધાંત છે. આ જ વાતને બારમી ગાથામાં બીજી રીતે કહી કે-વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. પોતાના ત્રિકાળી ભૂતાર્થ ભગવાનના આશ્રયે જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન નિજરસથી વિકસિત થયું છે. તે જ્ઞાનપર્યાય પોતાથી વિકસિત થઈ છે. રાગ છે તો રાગને જાણતું જ્ઞાન અહીં પર્યાયમાં પ્રગટ થયું છે એમ નથી.
પ્રભુ! તારો સ્વભાવ એવો છે કે તે નિજરસથી વિકસિત થાય છે. નિત્ય ચૈતન્ય-ધાતુનું પર્યાયમાં પરિણમન થતાં ક્રોધાદિ ભાવોના ર્ક્તૃત્વને તોડતું જ્ઞાન પ્રગટ થાય છે. વ્યવહારનો રાગ આવે તેને જ્ઞાન પરજ્ઞેયપણે જાણે છે અને તેથી તેના ર્ક્તૃત્વને ભેદે છે. (નાશ કરે છે.) રાગનું ર્ક્તૃત્વ ઉડાવી દે છે, અને નિજરસથી જે જ્ઞાન-સ્વપરપ્રકાશક જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાનનો કર્તા થાય છે.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યધાતુ છે. તેની સ્વપરપ્રકાશક પર્યાય જે પ્રગટ થઈ તે નિજરસથી-નિજશક્તિથી પ્રગટ થઈ છે. તે જ્ઞાનની પર્યાય ક્રોધાદિભાવ એટલે વિકારીભાવના ર્ક્તૃત્વને છેદતી પોતાની સ્વપરપ્રકાશક શક્તિથી ક્રોધાદિ ભાવને જાણે છે. જ્ઞાનની પર્યાય જે પોતાના નિજરસથી પ્રગટ થાય છે તેને પોતાની ન માનતાં રાગને પોતાનો માને તો તેનું ર્ક્તૃત્વ થઈ જાય. રાગને ભિન્ન જાણનાર જ્ઞાન રાગના ર્ક્તૃત્વને છેદીને રાગનું જ્ઞાતા થઈ જાય છે.
વ્યવહારનો રાગ તે ક્રોધ છે. સ્વરૂપમાં નથી અને સ્વભાવથી વિરુદ્ધ છે માટે તેને ક્રોધ કહે છે. ક્રોધ એટલે રાગ-તેને ભિન્ન જાણતું જ્ઞાન ર્ક્તૃત્વને છેદતું પ્રગટ થાય છે. રાગને ભિન્ન જાણ્યો એટલે પરનું ર્ક્તૃત્વ ન રહ્યું; પરને જાણનારું જ્ઞાન છે પણ તે પરથી થયું છે વા પર છે માટે થયું છે એમ નથી. અહાહા! તે સમયની સ્વપરપ્રકાશક શક્તિના વિકાસથી જ્ઞાન થયું છે અને તે સ્વને જાણતાં પરને-રાગને જાણે છે.
PDF/HTML Page 1155 of 4199
single page version
ભગવાન! તારા સ્વભાવનું બળ, સામર્થ્ય અચિંત્ય બેહદ છે. તેં પામરપણું અજ્ઞાનથી માની લીધું છે. જ્ઞાન અને રાગ ભિન્ન છે એમ જાણતાં આત્મા ર્ક્તૃત્વને છોડી દે છે. ૧૧મી ગાથામાં કહ્યું કે પોતાની ત્રિકાળી ચીજ અસ્તિ છે તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે-તે નિશ્ચય અને પર્યાયમાં જે રાગ અને અલ્પ શુદ્ધતા છે તેને જાણવું તે વ્યવહાર. બારમી ગાથામાં કહ્યું ને કે તે તે કાળે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. અર્થાત્ તે સમયનું તે પ્રકારનું જ્ઞાન જ સ્વપરપ્રકાશકપણે પરિણમ્યું છે. તેથી તે જ્ઞાન પરને જાણે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે.
આ તો ધીરાનાં કામ છે બાપુ! છોકરાં મારાં છે એ વાત તો નહિ; પરંતુ છોકરાનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન સ્વપરપ્રકાશકશક્તિના સહજ વિકાસથી છે, છોકરાં છે માટે છોકરાંને જાણે છે એમ નથી. પરજ્ઞેયનું જે જ્ઞાન થાય છે તે સહજ પોતાના કારણે થાય છે, પરજ્ઞેયના કારણે નહિ. અહા! તારી શક્તિનું સામર્થ્ય જ એવું છે કે તે સમયમાં સ્વપરપ્રકાશક જ્ઞાન સહજ પ્રગટ થાય છે. રાગ અને જ્ઞાન પર્યાયમાં એક જ સમયે થાય છે, આગળ પાછળ નહિ. બંનેનાં ક્ષેત્ર પણ એક છે. માટે રાગ આવ્યો તો અહીં જ્ઞાન થયું એમ કયાં રહ્યું? એમ છે જ નહિ. બાપુ! મારગ જુદો છે. રાગના કાળે રાગને જાણે અને તે કાળે સ્વને જાણે એવી શક્તિ નિજરસથી એટલે પોતાના સ્વભાવથી સહજ પ્રગટ થઈ છે.
પ્રશ્નઃ– તો શું નિમિત્ત છે જ નહિ?
ઉત્તરઃ– બાપુ! નિમિત્ત છે એની કોણ ના પાડે છે. અહીં તો એમ વાત છે કે જ્ઞાન રાગને જાણે એમાં રાગ નિમિત્ત છે તો રાગને જાણે છે એમ નથી. નિમિત્ત હો, પણ નિમિત્તથી જ્ઞાન થયું છે એમ નથી.
ભગવાન આત્મા પૂણાનંદનો નાથ પ્રભુ જ્ઞાનનો દરિયો અંદર પોતાની શક્તિથી ડોલી રહ્યો છે. એનું જે જ્ઞાન પોતાથી થયું તે જ્ઞાન ક્રોધાદિને જાણતું, તેના ર્ક્તૃત્વને ભેદતું સહજ પ્રગટ થયું છે. રાગ મારી ચીજ નથી એમ રાગને ભિન્નપણે જાણતાં રાગનું ર્ક્તૃત્વ છૂટી જાય છે. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ! શું રાગતત્ત્વના કારણે અહીં જ્ઞાનતત્ત્વ છે? ના. તો રાગને જ્ઞાન જાણે છે એમ કહેતાં જ રાગની એક્તા તૂટી ગઈ અર્થાત્ રાગનું ર્ક્તૃત્વ છૂટી ગયું. રાગ અને જ્ઞાનને સમકિતી ભિન્ન જાણે છે. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાયમાં પોતાનું અને જે પ્રકારના રાગદ્વેષ હોય તેનું તે પ્રકારનું જ્ઞાન પોતાથી સ્વયં પ્રકાશે છે.
કુંદકુંદાચાર્યદેવ ગાથા ૩૭૨માં કહે છે કે-સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે. અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરી શકાતી નથી. ગુણનો અર્થ ત્યાં પર્યાય થાય છે. સર્વદ્રવ્યોની પર્યાય પોતાથી થાય છે. નિમિત્ત હો, પણ નિમિત્તથી કોઈ અન્ય દ્રવ્યની પર્યાય કરાતી નથી. માટીના સ્વભાવથી ઘડાની પર્યાય ઉત્પન્ન થાય છે, કુંભારના સ્વભાવથી નહિ. અહો! ગજબ વાત કરી છે!
PDF/HTML Page 1156 of 4199
single page version
તેમ પરમાત્મા અહીં એમ કહે છે કે પોતાનું સ્વરૂપ જ્યાં દ્રષ્ટિમાં આવ્યું ત્યાં જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પ્રગટ થઈ. તે જ્ઞાનની પર્યાય રાગને જાણે છે; પણ રાગ છે માટે તેને જાણે છે એમ નથી. જ્ઞાનીને કોઈ ક્રોધના પરિણામ થઈ ગયા ત્યાં તેનું જ્ઞાન થયું તે ક્રોધને લઈને થયું એમ નથી. ભાઈ! જ્ઞાન પોતાથી થાય તેમાં રાગ નિમિત્ત છે, પણ નિમિત્તથી જ્ઞાન થાય છે એમ નથી. રાગ રાગમાં અને જ્ઞાન જ્ઞાનમાં છે.
રાગથી જ્ઞાન થાય છે એમ માને તે જ્ઞાનના સામર્થ્યનો નાશ કરે છે. કુંભારથી જો ઘડો થાય તો માટીમાં જે ઘડો થવાનું સામર્થ્ય છે તેનો નાશ થાય છે. અહા! એકાવતારી ઇન્દ્રો અને એ જ ભવે મોક્ષ જનારા ગણધરદેવો જે વાણી સાંભળે તે વાણી કેવી હોય બાપુ! સત્ના સિદ્ધાંત પ્રસિદ્ધ કરનારી તે વાણી અતિ વિલક્ષણ પારલૌકિક હોય છે.
કેવળી ભગવાન લોકાલોકને જાણે તે અસદ્ભૂત વ્યવહારનયનું કથન છે. લોકાલોક છે માટે ભગવાનને કેવળજ્ઞાન છે એમ નથી.
પ્રશ્નઃ– તો શું કેવળી પરને જાણતા નથી?
ઉત્તરઃ– નિશ્ચયથી પરને જાણતા નથી. નિશ્ચયથી પરને જાણે તો પરની સાથે તન્મય થઈ જાય. જેમ પોતાના આત્માને તન્મયપણે જાણે છે તેમ પરદ્રવ્યને તન્મયીપણે જાણતા નથી. ભિન્નસ્વરૂપ જાણે છે-તેથી વ્યવહારનયથી જાણે છે એમ કહ્યું છે. જાણવાનો અભાવ છે તેથી વ્યવહારનય કહ્યો છે એમ નથી. પરમાં તન્મય થઈને જાણતા નથી તેથી વ્યવહારનય કહ્યો છે.
અહાહા...! સંતોએ સત્ની પ્રસિદ્ધિનો અલૌકિક ઢંઢેરો પીટયો છે. પ્રભુ! એક વાર તું બહારની વાતો ભૂલી જા અને તારો જે જ્ઞાનસ્વભાવ છે તેનો આશ્રય કર. તેના આશ્રયે જે પર્યાય પ્રગટ થાય તે આત્મદર્શન અને આત્મજ્ઞાન છે; બાકી બધો વ્યવહાર છે. જ્ઞાન વ્યવહારને જાણે છે તોપણ તે પોતાની પર્યાયની તાકાતથી જાણે છે. તે સમયની જ્ઞાનની પર્યાય તે જ પ્રકારના ઉત્પાદરૂપે પોતાથી ઉત્પન્ન થતી હોય છે. દ્રવ્યના લક્ષે જે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય ઉત્પન્ન થાય તે પોતાથી થાય છે.
નિત્ય ચૈતન્યધાતુ તે ધ્રુવ અને નિજરસથી વિકસિત થઈ જે દશા તે પોતાની પર્યાય છે. પરના કર્તાની તો વાતેય નથી અને રાગના કર્તાની પણ વાત નથી. રાગનું જ્ઞાન થયું તે પણ રાગના કારણે નહિ. જ્ઞાનની પર્યાય રાગને જાણે છે એમ કહેવું તે વ્યવહારનયથી છે, કેમકે રાગમાં જ્ઞાન તન્મય નથી. જો રાગમાં તન્મય થઈને જ્ઞાન જાણે તો રાગનું કર્તાપણું થઈ જાય, જ્ઞાતાપણું ન રહે. માટે પોતામાં તન્મય થઈને જાણે તે જ્ઞાન રાગના ર્ક્તૃત્વને છોડતું પોતાથી પ્રગટ થાય છે-એમ સિદ્ધાંત છે. અહો! સ્વરૂપગ્રાહી જ્ઞાન કહીને રાજમલજીએ કમાલ કામ કર્યું છે! ગૃહસ્થાશ્રમમાં રહીને
PDF/HTML Page 1157 of 4199
single page version
આવું અદ્ભુત કામ કર્યું છે. અહા! આત્મામાં કયાં ગૃહસ્થાશ્રમ છે? આ શાસ્ત્રના આધારે પંડિત શ્રી બનારસીદાસે સમયસાર નાટક બનાવ્યું છે.
પંડિત શ્રી બનારસીદાસ વિષે કોઈ એમ કહે છે કે એમણે અધ્યાત્મની ભાંગ પીધી છે! અરે પ્રભુ! આમ કહેવું તને શોભે નહિ. આવા (વિરાધનાના) ભાવના ફળમાં તેને દુઃખ વેઠવાં કઠણ પડશે ભાઈ! સ્વતંત્ર સુખનો પંથ છોડીને પરતંત્રતાના પંથે જતાં તને વર્તમાનમાં દુઃખ થશે અને ભવિષ્યમાં પણ દુઃખ થશે.
ભગવાન આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે. તેને જે જાણે તે પર્યાય જૈનશાસન છે. અબદ્ધ-સ્પૃષ્ટ આત્માના આશ્રયે જે વીતરાગી પર્યાય પ્રગટ થાય તે જૈનશાસન છે. બાર અંગ અને સમસ્ત જૈન શાસનનું તેને જ્ઞાન થયું એમ કહ્યું છે; કેમકે બાર અંગમાં જે કહેવા માગે છે તે એણે જાણી લીધો છે. બાર અંગનો અભ્યાસ ભલે ન હોય, પણ અબદ્ધ-સ્પૃષ્ટની દ્રષ્ટિ થતાં જે આત્માનુભૂતિ પ્રગટ થઈ તે જૈનશાસન છે. આવી જૈનશાસનની પર્યાય ચોથે ગુણસ્થાને પ્રગટ થાય છે. તે વખતે જ્ઞાનની સ્વપરપ્રકાશક જે પર્યાય પ્રગટી તે પોતાને અને રાગને જેમ છે તેમ જાણે છે. ત્યાં રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી.
ભાઈ! સમજાય એટલું સમજવું. ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માનાં આ વેણ છે. દિવ્યધ્વનિમાં ભગવાને સત્ને સત્પણે પ્રસિદ્ધ કર્યું છે, ‘ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્તં સત્’- -અહા! જ્ઞાન ધ્રુવ સત્ અને જ્ઞાનની પર્યાય જે ઉત્પન્ન થઈ તે ઉત્પાદ સત્ છે. તે પર્યાય સત્ પ્રગટ થઈ તે પોતાથી થઈ છે, વ્યવહારનો રાગ છે માટે પ્રગટ થઈ છે એમ નથી. અહા! આવી વાત જેનાં ભાગ્ય હોય તેને સાંભળવા મળે છે. આવી વાત બીજે કયાંય છે નહિ. આ તો સત્ના ભણકાર લઈને નીકળેલી વાણી છે. અહા! આત્મા સત્, તેનો સ્વભાવ સત્ અને તેની નિજરસથી વિકસિત થતી જ્ઞાનની પર્યાય સત્. ત્રણેય સત્ સ્વતઃ સિદ્ધ છે, પરને લઈને નથી. અહા! ચૈતન્યની જે પર્યાય સ્વભાવના આશ્રયે પ્રગટ થઈ તે ચૈતન્યધાતુ અને ક્રોધાદિને ભિન્ન જાણે છે અને તેથી ક્રોધાદિનું ર્ક્તૃત્વને છોડતી તે જ્ઞાતાપણે પરિણમે છે. અહો! આ તો વીતરાગના મંત્રો છે! આમાં પંડિતાઈ કામ લાગે તેમ નથી; આને સમજવા અંતરંગ રુચિની જરૂર છે.
એક બાજુ શુદ્ધ ચૈતન્યધાતુ અને એક બાજુ ક્રોધાદિક રાગના પરિણામ-એ બંનેનો જ્ઞાન ભેદ જાણે છે. તેથી જ્ઞાન રાગનું ર્ક્તૃત્વ છોડતું જ્ઞાતાપણે પરિણમે છે. વ્યવહાર-રત્નત્રયનો રાગ મારો અને હું તેનો કર્તા એવી કર્તાપણાની બુદ્ધિ છૂટી જાય છે વ્યવહારના રાગનું માત્ર જ્ઞાન કરે છે. એ પણ અપેક્ષાથી વાત છે. ‘ज्ञानात् एव प्रभवति’-એટલે કે જ્ઞાન અને રાગનો ભેદ (સ્વરૂપગ્રાહી) જ્ઞાનથી જ પ્રગટ થાય છે. શ્લોક ૬૦ પૂરો થયો.
PDF/HTML Page 1158 of 4199
single page version
હવે, અજ્ઞાની પણ પોતાના જ ભાવને કરે છે પરંતુ પુદ્ગલના ભાવને કદી કરતો નથી- એવા અર્થનો, આગળની ગાથાની સૂચનિકારૂપ શ્લોક કહે છેઃ-
‘एवं’ આ રીતે ‘अञ्जसा’ ખરેખર ‘आत्मानम्’ પોતાને ‘अज्ञानं ज्ञानं अपि’ અજ્ઞાનરૂપ કે જ્ઞાનરૂપ ‘कुर्वन्’ કરતો ‘आत्मा आत्मभावस्य कर्ता स्यात्’ આત્મા પોતાના જ ભાવનો કર્તા છે, ‘परभावस्य’ પરભાવનો (પુદ્ગલના ભાવોનો) કર્તા તો ‘क्वचित् न’ કદી નથી.
પરની દયા પાળવી તે ધર્મ છે એમ ઘણા માને છે. સામો પ્રાણી જીવે તે ઉપાદાન અને જીવાડનારનો ભાવ તે નિમિત્ત-આ બંને મળીને ત્યાં કાર્ય થાય છે એમ કેટલાક માને છે પણ એ બરાબર નથી કેમકે એમ છે નહિ. પરવસ્તુ નિમિત્ત છે પણ નિમિત્તથી કાર્ય થાય છે એમ નથી. નિમિત્તથી કાર્ય થાય તો નિમિત્ત અને ઉપાદાન એક થઈ જાય. નિમિત્ત હોય છે પણ તે પરના કાર્યનું કર્તા નથી. નિમિત્તને અનુકૂળ કહેલ છે. પાણીનો પ્રવાહ વહી જતો હોય તેને કિનારો અનુકૂળ છે; પણ કિનારો છે તો પ્રવાહ તેનાથી ચાલે છે એમ નથી. પાણીનો પ્રવાહ વહી જાય છે તે ઉપાદાન અને કિનારો છે તે અનુકૂળ નિમિત્ત તટસ્થ છે. ભાઈ! તારા સત્ની બલિહારી છે. તું કેવો છો, કયાં છો, કેમ છો-તે અહીં બતાવે છે. કહે છે-હું જ્ઞાનસ્વરૂપ છું અને જે રાગ થાય તેને જાણું જ છું. જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પોતાની તાકાતથી સ્વપરને જાણે છે. હું મારી સ્વયં પ્રગટ થયેલી જ્ઞાનપર્યાયથી રાગને જાણું જ છું. અહાહા...! ખૂબ સૂક્ષ્મ વાત છે!
અહીં કહે છે કે આત્મા કાં તો જ્ઞાન કરે, વા અજ્ઞાન કરે પણ પરભાવનો કર્તા તો આત્મા કદી નથી. રાગનો કર્તા થાય એ પણ પોતાથી અને રાગનો જાણનાર થાય એ પણ પોતાથી છે. આ સિવાય કોઈ પણ પરવસ્તુનો કર્તા આત્મા (અજ્ઞાનીપણ) કદી નથી. ભાઈ! આ શરીર, મન, વાણી, કર્મ, અને નોકર્મનો કે દેશ અને સમાજની સેવાનાં કાર્યોનો કર્તા આત્મા કદી નથી. આત્મા પોતાને જ્ઞાનરૂપ વ અજ્ઞાનરૂપ કરે છે અને તે તે પોતાના ભાવોનો કર્તા થાય છે પણ પરભાવોનો કર્તા તે કદાપિ નથી. અહીં અજ્ઞાનને, વિકારીભાવને પોતાનો ભાવ કહ્યો છે કેમકે તે પોતાની પર્યાય છે. તથા પરભાવ શબ્દનો અર્થ અહીં વિકારી ભાવ નહિ પણ જડ પુદ્ગલના અને પરદ્રવ્યના ભાવ એમ કરવો. પુદ્ગલના અને પરદ્રવ્યના ભાવોનો કર્તા આત્મા કદી નથી. આ વાણી બોલાય, શરીરનું હલનચલન થાય, મંદિર આદિનું નિર્માણ થાય કે કર્મબંધનની પર્યાય થાય ઇત્યાદિ સર્વ પરદ્રવ્યોના ભાવોનો કર્તા આત્મા ત્રણકાળમાં નથી.
પ્રશ્નઃ– આત્મા જ્ઞાનભાવે તો પરનું કાંઈ ન કરે પણ વિભાવભાવ વડે તો પરનું કાંઈ કરે કે નહિ?
PDF/HTML Page 1159 of 4199
single page version
ઉત્તરઃ– કહ્યું ને કે આત્મા પોતાને જ્ઞાનરૂપ કરે કે અજ્ઞાનરૂપ કરે અને તે તે પોતાના ભાવોનો તે કર્તા છે, પણ પરદ્રવ્યના ભાવોનો તે કદીય કર્તા નથી. આત્મા અજ્ઞાનપણે વિભાવભાવને કરે પણ તે વિભાવ વડે તે પરદ્રવ્યના ભાવોને ત્રણકાળમાં ન કરી શકે. આવી જ વસ્તુસ્થિતિ છે.
કાર્ય થવામાં ઉપાદાન અને નિમિત્ત એમ બે કારણો હોય છે એમ જે કહ્યું છે એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. વાસ્તવિક કારણ તો એક ઉપાદાન જ છે; નિમિત્ત વાસ્તવિક કારણ નથી. માટે પરનો આત્મા કદીય કર્તા નથી એમ નક્કી કરવું.
એ જ વાતને દ્રઢ કરે છેઃ-
‘आत्मा ज्ञानं’ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, ‘स्वयं ज्ञानं’ પોતે જ્ઞાન જ છે; ‘ज्ञानात् अन्यत् करोति किं’ તે જ્ઞાન સિવાય બીજું શું કરે?
આત્મા જ્ઞાનમૂર્તિ, ચૈતન્યઘન, આનંદરસનો કંદ જ્ઞાનસ્વરૂપ પ્રભુ છે. આ સ્વભાવ કહ્યો. વળી અભેદથી કહ્યું કે પોતે જ્ઞાન જ છે. તે જ્ઞાન સિવાય બીજું શું કરે? શું તે અચેતન પુદ્ગલના કર્મ કરે? કદી ન કરે. આ શરીરની ક્રિયા, ભાષાની બોલવાની ક્રિયા, પુદ્ગલકર્મબંધની ક્રિયા આત્મા કરતો નથી. પરનું કાર્ય કરવામાં આત્મા પાંગળો એટલે અસમર્થ છે. આ વકીલો કોર્ટમાં છટાદાર ભાષામાં દલીલો કરે છે ને? અહીં કહે છે એ ભાષાનો કર્તા આત્મા નથી.
અહીં ત્રણ શબ્દો કહ્યા છે- આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે, તે જ્ઞાન સિવાય બીજું શું કરે? ગજબ વાત છે! આ રૂપિયા રળીને ભેગા કરવા અને તેને બહારના કામોમાં વાપરવા ઇત્યાદિ ક્રિયાનો આત્મા કર્તા નથી. રૂપિયા આવવા અને જવા એ તો એનું જડનું ક્ષેત્રાંતરરૂપ પોતાનું કાર્ય છે. એનો કર્તા આત્મા નથી. તો લોકમાં કહેવાય છે ને?
‘आत्मा परभावस्य कर्ता’ આત્મા પરભાવનો કર્તા છે ‘अयं’ એમ માનવું (તથા કહેવું) તે ‘व्यवहारिणाम् मोहः’ વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. આત્મા પરભાવનો - શરીર, મન, વાણી, કર્મ, નોકર્મની ક્રિયાનો, પૈસા લેવા-દેવા ઇત્યાદિ ક્રિયાઓનો કર્તા માનવો અને કહેવો એ વ્યવહારી જીવોનો મોહ એટલે મૂઢતા છે. વળી કોઈ એવું કહે છે કે આત્માને પરનો કર્તા માને નહિ તે દિગંબર નહિ! અરે ભાઈ! તને આ શું થયું? આવી વાત તું કયાંથી લાવ્યો? અહીં તો આચાર્ય એમ
PDF/HTML Page 1160 of 4199
single page version
કહે છે કે આત્માને પરભાવનો કર્તા માને તે દિગંબર નહિ. પરનો-જડના કાર્યનો પોતાને કર્તા માને તે મૂઢ અને મોહી પ્રાણી છે. આત્મા બોલે ને આત્મા ખાય-પીવે ઇત્યાદિ જડની ક્રિયાઓ આત્મા કરે એમ કહેવું અને માનવું એ અજ્ઞાન છે, મૂઢતા છે.
પંચાસ્તિકાય ગાથા ૧૪૬ની ટીકામાં બે ગાથાઓનો આધાર ટાંકીને કહ્યુ છે કે-‘‘હમણાં પણ ત્રિરત્ન શુદ્ધ જીવો (-આ કાળે પણ સમ્યક્દર્શનજ્ઞાનચારિત્રરૂપ ત્રણ રત્નોથી શુદ્ધ એવા મુનિઓ) આત્માનું ધ્યાન કરીને ઇન્દ્રપણું તથા લોકાંતિક-દેવપણું પામે છે અને ત્યાંથી ચ્યવીને (મનુષ્યભવ પામી) નિર્વાણને પ્રાપ્ત કરે છે.’’
અહાહા...! આત્મા પરનું કર્તાપણું છોડી પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય - શુદ્ધરત્નત્રય હોં-નું આરાધન કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે. આત્માનું ધ્યાન કરીને નિર્વાણ પામે છે; વ્યવહારરત્નત્રયનું આરાધન કરીને નહિ. મોક્ષપદ જે પ્રાપ્ત થાય તે અંતરસ્વરૂપના ધ્યાનથી પ્રાપ્ત થાય છે; વ્યવહારરત્નત્રય કાંઈ મોક્ષનું કારણ નથી. અહાહા...! સમોસરણમાં તીર્થંકર કેવળી ભગવાન બિરાજમાન હોય અને દિવ્યધ્વનિ છૂટે તે સાંભળી મુનિરાજ એકદમ અંતરસ્વરૂપમાં ઉતરી જાય છે. આ વીજળીના તાંબાના તાર હોય છે ને! બટન દબાવતાં વેંત તાંબાના તારમાં સરરરાટ એકદમ વીજળી ઉતરી જાય છે. તેમ ભગવાનની દિવ્યધ્વનિ સાંભળતાં વેંત સરરરાટ એકદમ મુનિરાજ અંતરસ્વરૂપમાં ઉતરી જાય છે. પરિણતિ ભગવાન આનંદના નાથને તેના તળમાં પહોંચીને પકડે છે. મુનિરાજ સ્વરૂપનું ઉગ્ર ધ્યાન કરીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને પછી મોક્ષ પામે છે. અહા! ભગવાન તો હજુ અરિહંતપદે છે અને મુનિરાજને સિદ્ધપદ! આવો સ્વરૂપના ધ્યાનનો અચિંત્ય મહિમા છે. પરંતુ વ્યવહારરત્નત્રયનો રાગ કરોડો વર્ષ પર્યંત કરે તોપણ તેણે કાંઈ કર્યું નથી. (મતલબ કે નિરર્થક છે). આવી વાત છે.
પંચાસ્તિકાય ગાથા ૧૪૬ની ટીકામાં ત્યાં બીજી ગાથાનું અવતરણ ટાંકીને અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે-‘‘શ્રુતિઓનો અંત નથી (-શાસ્ત્રોનો પાર નથી), કાળ થોડો છે અને આપણે દુર્મેધ છીએ; માટે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરા- મરણનો ક્ષય કરે.’’
પ્રભુ! શાસ્ત્રોનો પાર નથી. શ્રુતનો તો અગાધ દરિયો છે. અને અમે દુર્મેધ છીએ એટલે કે એટલું બધું જ્ઞાન અમને નથી. અમારી બુદ્ધિ મંદ ઠોઠ નિશાળિયા જેવી છે. અહા! અમૃતચંદ્રાચાર્ય જેવા મુનિરાજ કે જેમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય જેવા શાસ્ત્રોની અજોડ અદ્ભુત ટીકા કરી છે તે મહાન દિગંબર સંત એમ કહે છે કે અમે તો મંદબુદ્ધિ ઠોઠ છીએ! અહા! કયાં કેવળજ્ઞાન, કયાં બાર અંગનું જ્ઞાન અને કયાં અમારું અલ્પજ્ઞાન? શાસ્ત્રોનો પાર નથી, કાળ થોડો છે, બુદ્ધિ મંદ છે; માટે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરામરણનો ક્ષય કરે.
શું કરવા યોગ્ય છે? કહે છે-પરનાં કાર્ય તો તું કરી શક્તો નથી અને