Pravachan Ratnakar (Gujarati). Gatha: 98-101.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 59 of 210

 

PDF/HTML Page 1161 of 4199
single page version

પુણ્ય-પાપના ભાવ જે અજ્ઞાન છે, દુઃખમય છે તે કરવા યોગ્ય નથી. આચાર્ય કહે છે તે જ કેવળ શીખવા યોગ્ય છે કે જે જરામરણનો ક્ષય કરે.

અહાહા...! ત્રણલોકનો નાથ ચૈતન્યઘન પ્રભુ અંતરમાં બિરાજમાન છે. તેનું શ્રદ્ધાન- જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવું એ મોક્ષનો એટલે જન્મ-મરણના ક્ષયનો ઉપાય છે. તેથી કહે છે વ્યવહાર અને પર નિમિત્તની વાત છોડ એક બાજુ; અને આ મનુષ્યભવમાં ધ્રુવધામ ભગવાન આત્માને ધ્યેય બનાવી તેનું ધ્યાન કરીને ધન્ય થઈ જા. શ્રુતનો તો પાર નથી. અરે! ભગવાનની કહેલી વાત બાર અંગમાં પણ પુરી આવતી નથી એવો શ્રુત તો અગાધ સમુદ્ર છે; અને આપણે મંદબુદ્ધિ છીએ. માટે જે વડે જન્મ-મરણનો ક્ષય થાય એ જ (ભેદજ્ઞાન કળા) શીખવા યોગ્ય છે. એ સિવાય બીજી કોઈ વાત શીખવા યોગ્ય નથી.

અજ્ઞાની પુણ્ય-પાપના ભાવ કરે છે, પણ પરનું તે કાંઈ કરી શકતો નથી. પરનું કરે તો પરમાં તન્મય થઈ જાય. પોતાની સત્તા છોડીને પરમાં તન્મય થાય તો પોતાનો નાશ થઈ જાય. પણ એમ બનતું નથી. માટે આત્મા પરનો કર્તા નથી. આ રળવું-કમાવું, વેપાર-ધંધા અને ઉદ્યોગ કરવા એ આત્માનાં કાર્ય નથી, અને આત્માનાં માને એ મૂઢતા છે.

અમૃતચંદ્રાચાર્યદેવ એમ કહે છે કે બહારના ક્ષયોપશમથી બસ થાઓ! ત્યાં વિકલ્પ ઉઠે એનાથી તો ક્ષોભ થાય છે. અમારે તો જન્મ-મરણનો ક્ષય થઈ જાય બસ એ જ કામ છે. માટે હે ભાઈ! જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા અંદર બિરાજમાન છે તે એકની ઉપર તારી દ્રષ્ટિ લગાવી દે. તે એક જ કર્તવ્ય છે, તે એક જ શીખવા યોગ્ય છે. કહ્યું છે ને કે-‘જ્ઞાન સિવાય બીજું શું કરે?’ આ મોટી વકીલાતના ધંધા, દાક્તરના ધંધા, વેપાર અને ઉદ્યોગના ધંધા-એ બધા પર મીડાં વાળવા જેવું છે. એ બધું હું કરું છું એ માન્યતા તો અનંત સંસારમાં રખડાવનારી મૂઢતા છે. ૬૨ શ્લોક પુરો થયો.

[પ્રવચન નં. ૧૬૩ શેષ, થી ૧૭૧ ચાલુ * દિનાંકઃ ૨૨-૮-૭૬ થી ૩૧-૮-૭૬]


PDF/HTML Page 1162 of 4199
single page version

तथापि–

ववहारेण दु आदा करेदि घडपडरधाणि दव्वाणि।
करणाणि य कम्माणि य णोकम्माणीह विविहाणि।। ९८ ।।
व्यवहारेण त्वात्मा करोति घटपटरथान् द्रव्याणि।
करणानि च कर्माणि च नोकर्माणीह विविधानि।। ९८ ।।

હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છેઃ-

ઘટ–પટ–રથાદિક વસ્તુઓ, કરણો અને કર્મો વળી,
નોકર્મ વિધવિધ જગતમાં આત્મા કરે વ્યવહારથી. ૯૮.

ગાથાર્થઃ– [व्यवहारेण तु] વ્યવહારથી અર્થાત્ વ્યવહારી લોકો માને છે કે [इह] જગતમાં [आत्मा] આત્મા [घटपटरथान् द्रव्याणि] ઘડો, કપડું, રથ ઇત્યાદિ વસ્તુઓને, [च] વળી [करणानि] ઇંદ્રિયોને, [विविधानि] અનેક પ્રકારનાં [कर्माणि] ક્રોધાદિ દ્રવ્યકર્મોને [च नोकर्माणि] અને શરીરાદિ નોકર્મોને [करोति] કરે છે.

ટીકાઃ– જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્યકર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ-બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે.

ભાવાર્થઃ– ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.

* * *
સમયસાર ગાથા ૯૮ઃ મથાળું

હવે કહે છે કે વ્યવહારી જીવો આમ કહે છેઃ-

* ગાથા ૯૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેથી પોતાના (ઇચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મા ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે


PDF/HTML Page 1163 of 4199
single page version

તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ-બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાન્તિ, અજ્ઞાન) છે.’

અહીં આત્મા હસ્તાદિની ક્રિયા કરી શકે છે એમ વાત નથી. આ તો અજ્ઞાની શું માને છે એ વાત સમજાવે છે. પોતાના વિકલ્પ અને હસ્તાદિની ક્રિયારૂપ વ્યાપાર વડે ઘટ આદિ પરદ્રવ્યસ્વરૂપ કર્મને પોતે કરે છે એવું અજ્ઞાની માને છે. તે મૂઢ જીવ છે. વસ્ત્ર બનાવી શકું છું, ઘડો બનાવી શકું છું એવું વ્યવહારી જીવો ભ્રાન્તિથી માને છે. આત્મા પરદ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરે છે એવું અજ્ઞાનીઓને-વ્યવહારીઓને પ્રતિભાસે છે.

પ્રશ્નઃ– વ્યવહારી જીવ વ્યવહારથી તો પરનું કરી શકે છે ને?

ઉત્તરઃ– ના; એમ નથી. જીવ વ્યવહારથી પણ પરનું કરી શક્તો નથી. વ્યવહારી- અજ્ઞાની જીવો, પરનું કરી શકું છું એમ માને છે તે એમનું અજ્ઞાન છે. આ બાઈઓ રસોઈ કરે, રોટલી બનાવે, પકવાન બનાવે, મોતી પરોવે-ઇત્યાદિ પરદ્રવ્યનાં કર્મને કરે છે એવી અજ્ઞાનીઓની ભ્રાન્તિ છે. વાસ્તવમાં એમ છે નહિ.

આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તે જ્ઞાનમાં જાણવાનું કાર્ય કરે કે પરદ્રવ્યનું કાર્ય કરે? આત્મા પરનું કાર્ય કરી શકે છે એવી માન્યતા વ્યવહારી જીવોની મૂઢતા છે. આવું સત્ય પ્રસિદ્ધ છે તોપણ શરીરનાં, કુટુંબનાં, સમાજનાં અને દેશનાં બધાં પરદ્રવ્યનાં કાર્ય અમે કરીએ છીએ એ અજ્ઞાનીઓનો ભ્રમ છે. ભગવાને કહ્યું છે કે પ્રત્યેક દ્રવ્યમાં અને પ્રત્યેક પરમાણુમાં તેની એકેક સમયની પર્યાય પોતાના ષટ્કારકથી થાય છે. તે પર્યાય પોતે કર્તા, તે પર્યાય પોતે કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપ્રદાન, પર્યાય અપાદાન અને તે પર્યાય પોતે અધિકરણ છે. અજ્ઞાની જીવ વિકારી પરિણમનના ષટ્કારકને કરે, પરંતુ સાથે તે એમ માને કે ઘટ-પટ આદિ પરદ્રવ્યને પણ હું કરું છું તે એનો મિથ્યા ભ્રમ છે, મિથ્યા અહંકાર છે.

દીકરા દીકરી, સ્ત્રી પરિવાર, મા બાપ, ઘર-બાર ઇત્યાદિનું કાર્ય થાય તેનો હું કર્તા છું એમ માનનારા જીવો મૂઢ, અજ્ઞાની છે. તેવી રીતે ક્રોધાદિ સ્વરૂપ અંતરંગ કર્મને પણ હું કરું છું એવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે. જડ કર્મનું બંધન હું કરું છું, ચારિત્રમોહ આદિ પુદ્ગલકર્મને હું બાંધુ છું એમ માને તે મૂઢ છે. શરીર, મન, વાણી, ઘટ, પટ, રથ આદિ બાહ્ય પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે અને જ્ઞાનાવરણીય આદિ જડકર્મ અંતરંગ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. તે બન્ને પરદ્રવ્યસ્વરૂપ હોવાથી તેમનામાં તફાવત નથી.

આ છોકરાંને મેં ભણાવ્યાં, પાળી પોષીને મોટાં કર્યાં, દીકરા-દીકરીઓને ઠેકાણે પાડયાં, ઇત્યાદિ અજ્ઞાની માને છે પણ ભાઈ! એ બધી ક્રિયા આત્માથી થતી નથી. તેવી રીતે જડ કર્મ જે અંતરંગ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને પણ આત્મા કરતો નથી. આમ


PDF/HTML Page 1164 of 4199
single page version

છે છતાં અજ્ઞાની માને છે કે હું તે પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા છું તે એનો વ્યામોહ છે, ભ્રાન્તિ છે, અજ્ઞાન છે.

ભાવાર્થઃ– ‘ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.’

પરદ્રવ્યોનાં કાર્ય હું કરી શકું છું એમ માનવું તે અજ્ઞાન છે. પરનાં કામ આત્મા ત્રણ કાળમાં કરતો નથી. વસ્તુસ્થિતિ જ આવી છે. લ્યો, ૯૮ પૂરી થઈ.

[પ્રવચન નં. ૧૬૮ * દિનાંક ૨૭-૮-૭૬]

PDF/HTML Page 1165 of 4199
single page version

जदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता।। ९९ ।।

यदि स परद्रव्याणि च कुर्यान्नियमेन तन्मयो भवेत्।
यस्मान्न तन्मयस्तेन स न तेषां भवति कर्ता।। ९९ ।।

વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છેઃ-

પરદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને,
પણ તે નથી તન્મય અરે! તેથી નહિ કર્તા ઠરે. ૯૯.

ગાથાર્થઃ– [यदि च] જો [सः] આત્મા [परद्रव्याणि] પરદ્રવ્યોને [कुर्यात्] કરે તો તે [नियमेन] નિયમથી [तन्मयः] તન્મય અર્થાત્ પરદ્રવ્યમય [भवेत्] થઈ જાય; [यस्मात् न तन्मयः] પરંતુ તન્મય નથી [तेन] તેથી [सः] તે [तेषां] તેમનો [कर्ता] ર્ક્તા [न भवति] નથી.

ટીકાઃ– જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પરદ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય- વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.

ભાવાર્થઃ– એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.

* * *
સમયસાર ગાથા ૯૯ઃ મથાળું

વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છેઃ-

* ગાથા ૯૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શક્તું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પરદ્રવ્યમય)


PDF/HTML Page 1166 of 4199
single page version

થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.’

જો આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે તો આત્મા નિયમથી તન્મય થઈ જાય, કારણ કે પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શક્તું નથી. પરનાં કાર્ય આત્મા કરે તો એનો અર્થ એ થયો કે પરિણામ પરમાં થયા અને પરિણામી આત્મા થયો. તો બે દ્રવ્ય એક થઈ ગયાં, કેમકે જે અવસ્થા થાય તે પરિણામ અને અવસ્થા કરનારો પરિણામી બે અભિન્ન હોય છે. તો બે દ્રવ્યો વચ્ચે વ્યાપ્યવ્યાપકભાવ થઈ ગયો. પરના પરિણામ વ્યાપ્ય અને આત્મા પોતે વ્યાપક એમ થઈ ગયું અને એ પ્રમાણે થતાં પોતાની સત્તાનો નાશ થઈ ગયો.

આત્મા ખરેખર જો શરીરની ક્રિયા કરે, ખાન-પાનનું કાર્ય કરે, ઘટ-પટ આદિ કાર્ય કરે અને જડકર્મના બંધનની ક્રિયા કરે તો, પરિણામ-પરિણામીપણું બીજી કોઈ રીતે બની શક્તું નહિ હોવાથી જરૂર તે તે પરદ્રવ્યમાં તન્મય થઈ જાય અર્થાત્ પરદ્રવ્ય સાથે એકમેક થઈ જાય. આત્મા જડસ્વરૂપ થઈ જાય અને એમ બનતાં પોતાની (આત્માની) સત્તાનો નાશ થઈ જાય. પરંતુ આત્મા પરદ્રવ્યમાં તન્મય તો થતો નથી, પરરૂપ થતો નથી. (સર્વ દ્રવ્યો પોતપોતામાં જ સ્થિત રહે એવો જ તેમનો સ્વભાવ છે).

અહાહા...! રોટલી હું બનાવું છું એમ કોઈ બાઈ માને તો તે બાઈનો જીવ રોટલીમાં તન્મય થઈ જાય, તેની પોતાની સત્તાનો નાશ થઈને તે પરની સત્તામાં ચાલ્યો જાય, પરરૂપ થઈ જાય. અહાહા...! ગજબ વાત છે! લોજીકથી-ન્યાયથી વાત છે ને! પ્રભુ! પરદ્રવ્યની ક્રિયા તારાથી થાય તો બન્નેમાં વ્યાપ્યવ્યાપકપણું સ્થાપિત થતાં બન્ને એક થઈ જાય. પર વ્યાપ્ય અને તું વ્યાપક-એમ બન્ને અભિન્ન એકમેક થઈ જાય. આત્મા એક પાંપણને પણ જો હલાવી શકે તો પાંપણ અને આત્મા બે એક થઈ જાય આત્મા પાંપણરૂપ-જડરૂપ થઈ જાય. પરની દયા હું પાળી શકું છું એમ માનનાર પરનું દ્રવ્ય અને પોતાનું આત્મદ્રવ્ય એકમેક કરે છે. પરિણામ-કાર્ય પરમાં થાય અને પરિણામી-કર્તા પોતે-એમ માનતાં બન્ને દ્રવ્યોનું એકત્વ થઈ જાય છે. પરંતુ એમ તો કદી બનતું નથી. બે દ્રવ્યો જો એક થઈ જાય તો પોતાના દ્રવ્યના નાશની આપત્તિ આવે. આત્મા વ્યાપક થઈને પરદ્રવ્યસ્વરૂપ વ્યાપ્યને કરે તો પોતાનો નાશ થઈ જાય, પરનો પણ નાશ થઈ જાય અને સર્વનાશ થઈ જાય. માટે આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો ર્ક્તા નથી એ યથાર્થ છે. આત્મા પરથી અત્યંત નિરાળો છે.

* ગાથા ૯૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘એક દ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય થાય તો બન્ને દ્રવ્ય એક થઈ જાય, કારણ કે કર્તા-


PDF/HTML Page 1167 of 4199
single page version

કર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય, તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી.’

એક દ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય થાય તો બન્ને દ્રવ્ય એક થઈ જાય. આત્મા આ આંગળીને હલાવી શકે તો આત્મા આગળીમાં એકમેક થઈ જાય. જડના પરિણામમાં આત્મા પ્રવેશ કરે તો પોતાની સત્તાનો નાશ થઈ જાય. વળી પરની પર્યાય તું કરે તો તે અન્ય દ્રવ્યની પોતાની પર્યાયનો નાશ થઈ ગયો અને પર્યાયનો નાશ થતાં તે દ્રવ્યનો પણ નાશ થઈ ગયો.

કર્તાકર્મભાવ અથવા પરિણામ-પરિણામીભાવ એક દ્રવ્યમાં જ હોય છે. અજ્ઞાની રાગનો કર્તા અને જ્ઞાની જ્ઞાનનો કર્તા હો, પરંતુ જીવ પરનો કર્તા ત્રણકાળમાં નથી. એક દ્રવ્યનો કર્તા અન્યદ્રવ્ય થાય તો તે દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે. પરને હું જીવાડું, સુખી-દુખી કરું, તેનું ભરણ-પોષણ કરું આવું માને તે મિથ્યાદ્રષ્ટિ છે.

કોઈ મોટું કારખાનું ચલાવતો હોય અને તેમાં હજારો માણસ કામ કરતા હોય તો ત્યાં અજ્ઞાની એમ માને છે કે હું કારખાનું ચલાવું છું અને તે બધાંને નિભાવું છું. ભાઈ! વસ્તુસ્વરૂપ એમ નથી. સૌ દ્રવ્યો પોતપોતાનું કાર્ય સ્વતંત્રપણે કરે છે એ વસ્તુસ્વરૂપ છે. કોઈ ડોકટર એમ કહે કે હું દવાખાનું ચલાવું છું અને અનેક લોકોના રોગ મટાડું છું તો એ એની ભ્રાન્તિ છે, અજ્ઞાન છે. એક દ્રવ્યને બીજા દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત નથી, કેમકે એમ છે જ નહિ.

[પ્રવચન નં. ૧૬૮ * દિનાંક ૨૭-૮-૭૬]

PDF/HTML Page 1168 of 4199
single page version

निमित्तनैमित्तिकभावेनापि न कर्तास्ति–

जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे।
जोगुवओगा उप्पादगा य तेसिं हवदि कत्ता।। १०० ।।
जीवो न करोति घटं नैव पटं नैव शेषकानि द्रव्याणि।
योगोपयोगावुत्पादकौ च तयोर्भवति कर्ता।। १०० ।।

આત્મા (વ્યાપ્યવ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ) નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા નથી એમ હવે કહે છેઃ-

જીવ નવ કરે ઘટ, પટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે;
ઉત્પાદકો ઉપયોગયોગો, તેમનો કર્તા બને. ૧૦૦.

ગાથાર્થઃ– [जीवः] જીવ [घटं] ઘટને [न करोति] કરતો નથી, [पटं न एव] પટને કરતો નથી, [शेषकानि] બાકીનાં કોઈ [द्रव्याणि] દ્રવ્યોને (વસ્તુઓને) [न एव] કરતો નથી; [च] પરંતુ [योगोपयोगौ] જીવના યોગ અને ઉપયોગ [उत्पादकौ] ઘટાદિને ઉત્પન્ન કરનારાં નિમિત્ત છે [तयोः] તેમનો [कर्ता] ર્ક્તા [भवति] જીવ થાય છે.

ટીકાઃ– ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે; વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્ય- કર્તૃત્વનો (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો) પ્રસંગ આવે. અનિત્ય (અર્થાત્ જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના (-પરદ્રવ્યસ્વરૂપ કર્મના) કર્તા છે. (રાગાદિવિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને (આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.

ભાવાર્થઃ– યોગ એટલે (મન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા


PDF/HTML Page 1169 of 4199
single page version

કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર-અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય.

અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ-દ્રવ્યદ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્ય દ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્ય દ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી.

* * *
સમયસાર ગાથા ૧૦૦ મથાળું
આત્મા (વ્યાપ્યવ્યાપકભાવથી તો કર્તા નથી પરંતુ) નિમિત્તનૈમિત્તિકભાવથી પણ કર્તા

નથી એમ હવે કહે છેઃ-

* ગાથા ૧૦૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર જે ઘટાદિક તથા ક્રોધાદિક પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે તેને આ આત્મા વ્યાપ્યવ્યાપકભાવે તો કરતો નથી કારણ કે જો એમ કરે તો તન્મયપણાનો પ્રસંગ આવે.’

આ ઘટ-પટ આદિ અને જડકર્મ ક્રોધાદિ તે બંને પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. તેનો વ્યાપ્યવ્યાપકભાવથી આત્મા કર્તા નથી. તે પરદ્રવ્યસ્વરૂપ કર્મ આત્માનું વ્યાપ્ય અને આત્મા તેનો વ્યાપક કર્તા એમ નથી. પર સાથે આત્માને વ્યાપ્યવ્યાપકભાવ નથી. પર સાથે જો વ્યાપ્યવ્યાપકપણું હોય તો તન્મયપણાનો પ્રસંગ આવે. આ વાત ગાથા ૯૯માં આવી ગઈ છે. પરદ્રવ્યની પર્યાયને જો આત્મા કરે તો પરદ્રવ્યની પર્યાયમાં તન્મય એટલે એકમેક થઈ જાય. પોતાની હયાતી પરદ્રવ્યમાં ભળી જાય અર્થાત્ પોતાની ભિન્ન સત્તા રહે નહિ.

આ દયાના જે ભાવ થાય તે રાગ છે. તે રાગનો અજ્ઞાની કર્તા છે, કેમકે પોતાના પરિણામ સાથે વ્યાપ્યવ્યાપકભાવ હોય છે. પણ ત્યારે કર્મબંધનની જે અવસ્થા થાય તેનો કર્તા આત્મા નથી.

પંચાસ્તિકાય ગાથા ૧૩૨માં પુણ્ય-પાપના સ્વરૂપનું કથન કરતાં કહ્યું છે કે-‘‘જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત શુભપરિણામ દ્રવ્યપુણ્યને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ના પ્રસંગને અનુસરીને (-અનુલક્ષીને) તે શુભ પરિણામ ‘ભાવપુણ્ય-છે. (શાતા વેદનીયાદિ દ્રવ્યપુણ્યાસ્રવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના શુભપરિણામ નિમિત્તકારણ છે માટે ‘દ્રવ્યપુણ્યાસ્રવ’ પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભ-પરિણામને પણ ‘ભાવપુણ્ય’ એવું નામ છે).

એવી રીતે જીવરૂપ કર્તાના નિશ્ચયકર્મભૂત અશુભપરિણામ દ્રવ્યપાપને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી ‘દ્રવ્યપાપાસ્રવ’ના પ્રસંગને અનુસરીને તે અશુભપરિણામ ‘ભાવપાપ’ છે.


PDF/HTML Page 1170 of 4199
single page version

શુભભાવ થાય તે ખરેખર પુણ્ય નથી, પાપ છે કેમકે શુભભાવ રાગ છે. હવે તેને પુણ્ય કેમ કહ્યું? કે શાતાવેદનીય બંધાય તેમાં શુભભાવ નિમિત્ત છે; શાતાવેદનીયને પુણ્ય કહ્યું છે તેથી તેના કારણરૂપ નિમિત્તને પણ પુણ્ય કહેવામાં આવ્યું છે.

અહીં કહે છે કે જીવે શુભાશુભ પરિણામ કર્યા માટે ત્યાં કર્મબંધન થયું એમ છે નહિ. અશુભભાવ કર્યા માટે ત્યાં અશાતા વેદનીય કર્મ બંધાયું એમ નથી. જો એમ હોય તો તન્મયપણાનો પ્રસંગ આવે; બે દ્રવ્યો એક થઈ જાય અને એકબીજાની સત્તાનો નાશ થઈ જાય.

આ ગાથા સૂક્ષ્મ છે. એમાં મુદની રકમની વાત છે ને! કહે છે કે ઘટ, પટ, મકાન, વાસણ-કુસણ ઇત્યાદિ બધાં પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. તથા નવાં જ્ઞાનાવરણીય આદિ જડ કર્મ બંધાય તે પણ પરદ્રવ્યસ્વરૂપ કર્મ છે. આત્મા તેને વ્યાપ્યવ્યાપકભાવે કરતો નથી. આ કારખાનાઓમાં કાપડના તાકા બને, રંગીન લાદી તૈયાર થાય, પેટ્રોલ, તેલ, કેરોસીન વગેરે સાફ કરવાની-રીફાઈન કરવાની ક્રિયા થાય એ બધાં પરદ્રવ્યનાં કાર્ય છે; કારખાનાના કારીગરો (આત્મા) અને કારખાનાના શેઠીઆઓ એ કાર્યના કર્તા નથી. એ પરદ્રવ્યસ્વરૂપ જડના પરિણામ તે વ્યાપ્ય અને આત્મા પરિણામી તે વ્યાપ્ય એમ નથી. પરદ્રવ્યની પર્યાય આત્માનું વ્યાપ્ય થઈ શકે નહિ. પરદ્રવ્યસ્વરૂપ કર્મ જો આત્માનું વ્યાપ્ય હોય અને આત્મા તેનો વ્યાપક કર્તા હોય તો આત્મા પરદ્રવ્યની ક્રિયામાં તન્મય થઈ જાય. પરદ્રવ્યના કાર્યને જો આત્મા કરે તો તેમાં તે તન્મય થઈ જાય, ભળી જાય. પરંતુ આત્મા તન્મય થતો નથી. માટે પરનાં કાર્યોનો આત્મા વ્યાપ્યવ્યાપકભાવથી કર્તા નથી.

સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ આ જગતમાં અનંત પદાર્થ દેખ્યા છે. તેઓ કહે છે કે એક દ્રવ્ય, બીજા દ્રવ્યનું કાર્ય કરે તો તે બીજા દ્રવ્યમાં તન્મય થઈ જાય, ભળી જાય; દ્રવ્ય ભિન્ન રહી શકે નહિ. માટે આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મનો વ્યાપ્યવ્યાપકભાવથી કર્તા નથી.

આ તો ભેદ કરવાનો મહા અલૌકિક સિદ્ધાંત છે. આ ૧૦૦મી ગાથામાં ચૈતન્ય-સ્વરૂપ જીવ શું કરી શકે તે મુદની વાત સમજાવી છે. આ ભાષાની પર્યાય થાય તે પરમાણુની પર્યાય છે. તે પર્યાય જો આત્માનું કાર્ય હોય તો આત્મા ભાષાના પરમાણુ સાથે તન્મય એટલે એકાકાર થઈ જાય. ટીમરુનું મોટું પાંદડું હોય તેમાંથી બીડી બને તે પરદ્રવ્યની પરમાણુની ક્રિયા છે, આત્મા તેને કરતો નથી. તે ક્રિયાને જો આત્મા કરે તો આત્મા બીડીમાં તન્મય થઈ જાય. ગજબ વાત છે! પોતાના આત્મા સિવાય જેટલાં અનંત પરદ્રવ્ય છે તે પ્રત્યેકમાં પ્રતિસમય જે જે પર્યાય થાય તે પર્યાયને કર્મ એટલે કાર્ય કહેવામાં આવે છે. તે કાર્યને જો આત્મા કરે તો તેમાં તન્મય થવાનો પ્રસંગ આવે. પણ એમ તો બનતું નથી. માટે એ સિદ્ધ થયું કે વ્યાપ્યવ્યાપકભાવથી આત્મા પરદ્રવ્યના કાર્યોનો કર્તા નથી. આત્માને પરદ્રવ્ય સાથે કર્તાકર્મભાવ નથી.


PDF/HTML Page 1171 of 4199
single page version

અહાહા...! તત્ત્વના અસ્તિત્વની સિદ્ધિની શું અલૌકિક યુક્તિ છે! કહે છે-પરપદાર્થમાં જે વર્તમાન પરિણતિ થાય છે તે પરિણતિ કાર્ય છે અને તે પદાર્થ તેનો કર્તા છે. પણ એ પરિણતિનો જો આત્મા કર્તા હોય તો પરપદાર્થના પરિણામ અને પરિણામી આત્મા અભેદ થઈ જાય. પણ એમ છે જ નહિ.

અરે બાપુ! તારું સ્વરૂપ શું છે તેની તને ખબર નથી. આ સંસ્થાઓના વહિવટ ચાલે એમાં અમે આમ વ્યવસ્થા કરી અને તેમ વ્યવસ્થા કરી એમ તું માને છે પણ એ તારું અજ્ઞાન છે. પરમાં થતી વ્યવસ્થા એ પરદ્રવ્યનું વ્યાપ્ય કર્મ છે. એને જો તું કરે તો પરના પરિણામમાં તું તન્મય થઈ જાય, ભળી જાય. પણ એમ છે નહિ. અહો! વસ્તુસ્થિતિની સંતો પ્રતીતિ કરાવે છે. આ એક વાત થઈ. હવે કહે છે-

‘વળી નિમિત્તનૈમિત્તિકભાવે પણ તેને કરતો નથી કારણ કે જો એમ કરે તો નિત્ય- કર્તૃત્વનો પ્રસંગ આવે.’ (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવે).

પરદ્રવ્યમાં કાર્ય થયું તે નૈમિત્તિક અને આત્મા તેમાં નિમિત્ત-આવું પણ નથી એમ કહે છે. પરનું કાર્ય તો તેના કાળે ઉપાદાનથી થયું, પણ આત્મા દ્રવ્ય જે છે તે પરના કાર્યનું નિમિત્ત- કર્તા પણ નથી. અરે ભાઈ! આત્માને પરના કાર્યોનો કર્તા માનવો એ તો મિથ્યાદર્શન છે, મૂઢતા છે. પરનો કર્તા તો આત્મા નથી; પણ તે તે દ્રવ્યના તે તે કાળે ક્રમબદ્ધ જે જે પરિણામ તેમાં થાય છે તેનો નિમિત્તકર્તા પણ આત્મા નથી, કારણ કે એમ જો હોય તો નિત્ય કર્તૃત્વનો તેને પ્રસંગ આવે. જો પરદ્રવ્યના કાર્યોનો નિમિત્તકર્તા આત્મા હોય તો જ્યાં જ્યાં પરદ્રવ્યનાં કાર્ય થાય ત્યાં ત્યાં આત્માને ઉપસ્થિત રહેવાનો પ્રસંગ આવે.

અહા! પ્રભુ! તું કોણ છો? તો કહે કે આત્મા. ઠીક; તો આત્મા પરદ્રવ્યનું જે કાર્ય થાય તેને શું કરી શકે? ના; ન કરી શકે. તો હવે બીજો પ્રશ્ન છે કે-પરદ્રવ્યના કાર્યકાળે આત્મા તેમાં નિમિત્ત તો છે કે નહિ? તો કહે છે-ના, નિમિત્ત પણ નથી. પરદ્રવ્યના કાર્યમાં આત્માને જો નિમિત્ત માનો તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જશે, અર્થાત્ સર્વ અવસ્થાઓમાં કર્તાપણું રહેવાનો પ્રસંગ આવી જશે. નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવતાં પરદ્રવ્યની ક્રિયાના કાળમાં નિત્ય ઉપસ્થિતિ રહેતાં રાગથી ભિન્ન પડીને ભેદજ્ઞાન પ્રગટ કરવાનો અવસર રહેશે નહિ.

આ ૧૦૦મી ગાથામાં પરિપૂર્ણ સ્વતંત્રતા બતાવી છે. અહા! દિગંબર સંતોએ ગજબ કામ કર્યાં છે! તેઓ કહે છે કે આ શાસ્ત્રના અક્ષર લખાયાની જે પર્યાય થઈ તેના અમે કર્તા નથી; વળી તે પર્યાયના કાળે અમારું દ્રવ્ય પ્રભુ આત્મા તેનું નિમિત્ત પણ નથી. દ્રવ્ય જો નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવે અને પરના કાર્યમાં નિત્ય નિમિત્તપણે હાજર રહેવું પડે. ન્યાય સમજાય છે? ધીમે ધીમે સમજવું ભાઈ!


PDF/HTML Page 1172 of 4199
single page version

આ તો સર્વજ્ઞ પ્રભુ કેવળીના મારગડા છે! ન્યાયથી વિચારે તો બેસી જાય એવું છે. કહે છે- ભગવાન! તારું જે આત્મદ્રવ્ય છે તે જગતના કાર્યકાળે જો નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જશે; રાગથી ભિન્ન પડવાનો કદી અવસર પ્રાપ્ત થશે જ નહિ. તો કઈ રીતે છે? કોણ નિમિત્ત છે? તે હવે કહે છે-

‘અનિત્ય (અર્થાત્ સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા) યોગ અને ઉપયોગ જ નિમિત્તપણે તેના (પરદ્રવ્યસ્વરૂપ કર્મના) કર્તા છે.’

યોગ એટલે પ્રદેશોનું કંપન અને ઉપયોગનો અર્થ અહીં રાગ કરવો. યોગ અને ઉપયોગ અનિત્ય છે, તે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી. તે યોગ અને ઉપયોગ પરદ્રવ્યસ્વરૂપ કર્મના નિમિત્તપણે કર્તા છે એમ અહીં કહે છે. ૧. ઘડો માટીથી તેના કાર્યકાળે બને છે, કુંભારથી ઘડો બનતો નથી. ૨. ઘડાના કાર્યકાળે કુંભારના આત્માને નિમિત્ત કહો તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી પડે.

એમ પણ નથી.

તો કઈ રીતે છે? તે કહે છે-

૩. અનિત્ય એટલે સર્વ અવસ્થાઓમાં જે વ્યાપતા નથી એવા કંપન અને રાગાદિ પરિણામનો

જે કર્તા થાય છે એવો અજ્ઞાની તે પરદ્રવ્યના કાર્યકાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે.

૪. ત્યાં માટીમાં જે ઘડારૂપ કાર્ય થયું તે તો માટીથી જ થયું છે, નિમિત્તથી નહિ.

તેવી રીતે રોટલી, વસ્ત્ર, મકાન, વાસણ, ભાષા, અક્ષર ઇત્યાદિ જે કાર્યો થાય છે તે પુદ્ગલ પરમાણુનાં કાર્ય છે. તે કાર્યમાં આત્મદ્રવ્ય જો નિમિત્ત હોય તો નિત્યકર્તૃત્વનો પ્રસંગ આવી જાય. જ્યાં જ્યાં પરનાં કાર્ય થાય ત્યાં ત્યાં નિમિત્તપણે કર્તાની હાજરી અનિવાર્ય થઈ જાય. ન્યાયથી વાત છે ને? તો કેવી રીતે છે? તો કહે છે કે જીવના યોગનું કંપન અને રાગ એટલે ઇચ્છારૂપ ભાવ તે પરના કાર્યકાળે તેના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કાર્ય તો દ્રવ્યમાં પોતાથી જ થયું છે; યોગ અને રાગ એમાં નિમિત્ત છે બસ.

અજ્ઞાની યોગ અને રાગની ક્રિયાનો કર્તા છે. તે કારણથી તેના યોગ અને રાગને પરપદાર્થના કાર્યકાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. જુઓ, ૧. રોટલી બને છે તે રોટલીના પરમાણુનું કાર્ય છે, તે જીવનું કાર્ય નથી. ૨. એ તો ઠીક; પણ રોટલી બનવા કાળે એમાં જીવદ્રવ્ય નિમિત્ત છે એમ પણ નથી; જો

જીવદ્રવ્ય નિમિત્ત હોય તો નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવી જાય. નિત્ય કર્તૃત્વનો

PDF/HTML Page 1173 of 4199
single page version

પ્રસંગ બનતાં જગતનાં જેટલાં કાર્યો થાય ત્યાં તેને હાજર રહેવું પડે એવો દોષ આવે. તો
છે શું? નિમિત્ત કોણ?

૩. જીવના અનિત્ય એવા યોગ અને ઉપયોગ એટલે કે રાગ તે પરદ્રવ્યના કાર્યકાળે એમાં

નિમિત્ત કહેવામાં આવે છે.

હવે કહે છે-‘(રાગાદિ વિકારવાળા ચૈતન્યપરિણામરૂપ) પોતાના વિકલ્પને અને (આત્માના પ્રદેશોના ચલનરૂપ) પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્) ભલે હો તથાપિ પરદ્રવ્ય-સ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.’

નિમિત્ત છે તો કાર્ય થયું એ વાત તો ઉડાડી દીધી, પણ પરનાં કાર્યોમાં આત્મા નિમિત્ત થાય એ વાત પણ અહીં ઉડાડી દીધી છે. રાગ અને જોગનો ભાવ તે કાર્યમાં તે કાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ કોના? કે જે રાગ અને જોગનો કર્તા છે એવા અજ્ઞાનીના.

આ ગાથા બહુ ઊંચી છે. ભગવાનથી સિદ્ધ થયેલી, ત્રણલોકના નાથ કેવળી ભગવાને દિવ્યધ્વનિમાં કહેલી આ વાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે એ વાત ત્રણકાળમાં નથી. વળી આત્મદ્રવ્ય પરના કાર્યમાં નિમિત્તકર્તા પણ નથી. એ વાત અહીં સિદ્ધ કરી છે. વિશ્વમાં અનંત દ્રવ્યો છે. તે પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય થતી પરિણતિ પોતાથી થાય છે. પરદ્રવ્યના પરિણામનો કર્તા ભગવાન આત્મા નથી. વળી પરદ્રવ્યમાં જે પરિણામ થાય એનો ભગવાન આત્મા-ત્રિકાળી દ્રવ્ય નિમિત્તકર્તા પણ નથી. કાર્ય તો તેના કાળે પોતાથી થાય છે. તો તેમાં નિમિત્ત કોણ છે? તો કહે છે જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગ પરદ્રવ્યસ્વરૂપ કર્મના નિમિત્તપણે કર્તા છે.

લગ્ન વખતે જેમ માંડવા રોપે તેમ આચાર્યદેવે અહીં મોક્ષના માંડવા રોપ્યા છે. આ પર્યુષણ પર્વ શરૂ થાય છે. તેમાં દશલક્ષણધર્મની વિશેષ આરાધના કરવાના આ મંગળ દિવસો છે. આત્માના અનુભવ સહિત ક્ષમા કરવી તેને ઉત્તમક્ષમા કહે છે. તે ઉત્તમક્ષમાવંત ધર્મી જીવ પરદ્રવ્યના કાર્યકાળે તેમાં નિમિત્તકર્તા પણ નથી. શુદ્ધ દ્રવ્ય નિમિત્તકર્તા નથી તેથી શુદ્ધ દ્રવ્યની જેને દ્રષ્ટિ થઈ છે તે ધર્મીની શુદ્ધ દ્રષ્ટિ પણ નિમિત્તકર્તા નથી, કેમકે તે જોગ અને રાગની ક્રિયાના સ્વામી નથી, કર્તા નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ!

અહો! આચાર્યદેવે અતિ ગંભીર વાત કરી છે! ભગવાન ત્રણલોકના નાથના શાસનમાં પ્રસિદ્ધ થયેલો આ ઢંઢેરો આચાર્યદેવ જગત પાસે જાહેર કરે છે. કહે છે-ભગવાન! તું આત્મા છો; પરથી તું ભિન્ન અને પર તારાથી ભિન્ન એવો પ્રભુ! તું આત્મા છો; કોઈ પણ પરદ્રવ્યનું તું કાર્ય કરે એ કદી બની શકે નહિ. એ તો બરાબર, પણ પરદ્રવ્યનું જે કાર્ય પરદ્રવ્યથી થયું તેમાં તારું આત્મદ્રવ્ય નિમિત્ત કર્તાપણ નથી.


PDF/HTML Page 1174 of 4199
single page version

જો પરનો તું (આત્મા) નિમિત્તકર્તા હોય તો તેને (આત્માને) નિત્યકર્તૃત્વનો પ્રસંગ આવી પડે. ત્યારે પ્રશ્ન થાય કે નિમિત્તકર્તા કોણ છે? તો કહે છે કે-અંદર ભગવાન જ્ઞાયક ચૈતન્યમૂર્તિ બિરાજમાન છે તેની જેને દ્રષ્ટિ નથી તે અજ્ઞાનીના જોગ અને ઈચ્છારૂપ રાગને પરદ્રવ્યસ્વરૂપ કર્મનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. નિમિત્તકર્તા છે એટલે નિમિત્ત કાર્યનું કર્તા છે. એવો અર્થ નથી.

ધર્મી સમ્યગ્દ્રષ્ટિ જીવ જોગ અને રાગના પરિણામનો કર્તા નથી. તેથી ધર્માત્મા પરદ્રવ્યના કાર્યકાળે તેનો નિમિત્તકર્તા નથી. જ્ઞાની રાગ અને જોગનો કર્તા નથી. જ્ઞાની (આત્મા) પોતાના જ્ઞાતાદ્રષ્ટાના જ્ઞાનના પરિણામ કરે છે એમ કહેવું એ પણ ભેદકથન હોવાથી ઉપચાર છે તો પછી પરના કર્તાની અને નિમિત્તકર્તાની તો વાત જ કયાં રહી? ત્યાં તો ઉપચાર પણ બનતો નથી.

અજ્ઞાની જીવ માને છે કે પરજીવોની દયા પાળવી તે ધર્મ છે. અરે ભાઈ! તને આ શું થઈ ગયું છે? પર જીવનું ટકવું તો તેના કારણે છે. તેની તું દયા પાળી શકે એ કેમ બને? વળી દયાનું કાર્ય જે પરમાં થયું તેમાં આત્મા નિમિત્ત છે એમ જો તું કહે તો એમ પણ નથી, કેમકે એમ માનતાં નિત્યકર્તૃત્વનો પ્રસંગ આવી પડશે. નિત્યકર્તૃત્વનો પ્રસંગ બનતાં રાગથી ભિન્ન પડી ભેદજ્ઞાન અને મુક્તિમાર્ગ પ્રાપ્ત કરવાનો કોઈ અવસર રહેશે નહિ એ મહાદોષ આવશે. માટે હે ભાઈ! આત્મદ્રવ્ય પરનાં કાર્યોનું નિમિત્તકર્તા પણ નથી એમ યથાર્થ નિર્ણય કર.

ભગવાન! તું કોણ છો? શું તું રાગ છો? કંપન છો? ના રે ના; તું તો ભગવાન જ્ઞાનસ્વરૂપ છો. અહાહા...! આવો જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા જેને જ્ઞાનમાં જાણવામાં આવ્યો તે પરનાં કાર્યોનો નિમિત્તકર્તા પણ નથી, કેમકે જ્ઞાની જોગ અને રાગનો કર્તા નથી, જ્ઞાતા છે. તો પછી જ્ઞાની કર્તા થઈને પરનાં કાર્ય કરે એ વાત કેવી? (એ તો બનતું જ નથી).

જ્ઞાનીની વાણીથી અન્ય જીવને જ્ઞાન થાય છે એ વાત યથાર્થ નથી. તે જીવને જ્ઞાન પોતાથી થાય છે, વાણીથી નહિ. તે જ્ઞાનના પરિણમનનો કર્તા જીવ છે. વાણીથી તેને જ્ઞાન થયું એમ છે નહિ. અરે ભાઈ! નિમિત્તથી કથન કરવું એ જુદી વાત છે અને નિમિત્તથી કર્તાપણું માનવું એ જુદી વાત છે.

કહે છે-‘રાગાદિ વિકલ્પવાળા ચૈતન્યપરિણામસ્વરૂપ પોતાના વિકલ્પને અને આત્માના પ્રદેશોના ચલનરૂપ પોતાના વ્યાપારને કદાચિત્ અજ્ઞાનથી આત્મા કરતો હોવાથી યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા (કદાચિત્) ભલે હો તથાપિ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.’

અજ્ઞાની પરનો કર્તા નથી, પણ જોગ અને ઇચ્છાનો કર્તા છે. માટે તેનાં જોગ


PDF/HTML Page 1175 of 4199
single page version

અને ઇચ્છાને પરના કાર્યકાળે નિમિત્તકર્તા કહેવામાં આવે છે. કેટલાક કહે છે કે આ તો નિશ્ચયની વાત છે. તેને કહીએ છીએ કે-હા, નિશ્ચયની એટલે સત્ય વાત છે. જોગ અને ઇચ્છાનો કર્તા ભગવાન નહિ એનું નામ સત્ય વાત. જોગ અને રાગનો કર્તા સમકિતી નહિ. સમ્યગ્દ્રષ્ટિના જોગ અને રાગ પરના કાર્યમાં નિમિત્તકર્તા પણ નહિ. ધર્મીજીવ જેને પોતાના જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું ભાન થયું છે તેને જોગ અને રાગનું જ્ઞાન પોતાના ઉપાદાનથી થયું છે. અહાહા...! સ્વપરને જાણતું જ્ઞાન તે જ્ઞાનીનું કાર્ય છે તેમાં જોગ, રાગ અને પરની ક્રિયા નિમિત્તમાત્ર છે.

જુઓ, અહીં જોગ અને રાગના પરિણામને ચૈતન્યપરિણામ કહ્યા છે કેમકે અજ્ઞાનીએ જોગ અને રાગનો પોતાને કર્તા માન્યો છે. ખરેખર તો આત્મા જ્ઞાયક પ્રભુ છે. તેનો સ્વભાવ તો બસ જાણવું અને દેખવું છે. તે જાણવા દેખવાનું કાર્ય તો પોતાથી થાય છે. ત્યાં જાણવા- દેખવાના પરિણામનો કર્તા જીવ છે એમ કહેવું એ ઉપચાર છે, કેમકે ખરેખર તો જાણવા દેખવાનું કાર્ય પર્યાયથી થાય છે. જાણવા દેખવાનું કાર્ય પર્યાયનું છે અને તેને જીવનું કાર્ય કહેવું તે ઉપચાર છે. જ્યાં આમ વાત છે ત્યાં રાગનું કાર્ય અને પરનું કાર્ય મારું એ વાત કયાં રહી? અહો! આ વાત અને વાણી ધન્ય છે!

જીવ જોગના કંપનનો અને રાગયુક્ત ઉપયોગનો તો કદાચિત્ એટલે અજ્ઞાનભાવે કર્તા છે પણ પરનાં કાર્ય તે કાળે જે થાય તેનો એ કર્તા નથી. જોગ અને રાગનો કદાચિત્ કર્તા છે એમ કેમ કહ્યું? તો કહે છે કે અજ્ઞાન સદાય રહેતું નથી; જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી રાગ અને જોગનો ર્ક્તા છે અને તે રાગ અને જોગને પરના કાર્યના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. નિમિત્તકર્તા કહેવામાં આવે છે એટલે તે કાંઈ પરના કાર્યના કર્તા છે એમ અર્થ નથી. ભાઈ! જગતનાં કાર્યો મારાથી થાય છે એમ અજ્ઞાની માને છે પણ એમ છે નહિ. અહીં એની સ્પષ્ટ ના પાડે છે.

પ્રશ્નઃ– બધાં નહિ તો થોડાંક તો થાય ને?

ઉત્તરઃ– ના, જરાય ન થાય. જોગ અને રાગનો અજ્ઞાની કર્તા થાય છે એથી આગળ બીજી કોઈ વાત છે નહિ. અહો! આ તો થોડામાં (પાંચ લીટીમાં) તો બધું ઘણું ભરી દીધું છે. આ રાગ-દ્વેષ, વિષયવાસનાના જે પરિણામ થાય તેનો અજ્ઞાની કર્તા છે પણ વિષયભોગના કાળે શરીરની જે ક્રિયા થાય તે પરમાણુનું કાર્ય છે, જીવ તેનો કર્તા નથી. પરમાણુના તે કાર્યકાળે જીવ (દ્રવ્ય) તેમાં નિમિત્ત પણ નથી; જીવ નિમિત્ત થાય તો નિત્યકર્તૃત્વનો પ્રસંગ બનતાં તેને રાગ-અજ્ઞાનનો કદી નાશ ન થાય. અજ્ઞાની જે જોગ અને રાગનો કર્તા થાય છે તેના જોગ અને રાગને તે કાળે જડની જે ક્રિયા થાય તેનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે.

આ મકાન બને, ખુરશી બને, ગાડા બને, વિમાન બને ઇત્યાદિ અનેક કાર્યો થાય છે તેનો કર્તા કોણ? તો કહે છે જડમાં થતાં આ કાર્યોનો કર્તા તે તે જ પરમાણુ છે;


PDF/HTML Page 1176 of 4199
single page version

આત્મા તેનો કર્તા નથી; તો એ કાર્યો થાય એમાં નિમિત્ત કોણ છે? જે સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી એવા યોગ અને ઉપયોગને તે કાર્યકાળે તેના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. પણ કોના યોગ અને ઉપયોગ? તો કહે છે અજ્ઞાનીના; કેમકે અજ્ઞાની યોગ અને રાગનો કર્તા થાય છે.

જે જીવ જોગ અને રાગનો કર્તા થાય તેના જોગ અને રાગ પરદ્રવ્યના કાર્યના નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ભગવાનની પૂજા કરે ત્યાં આઠ પ્રકારની સામગ્રીની ક્રિયા જડની જડથી થાય છે. તે જડની ક્રિયાનો કર્તા આત્મા નથી. તે ક્રિયાનો કર્તા આત્મા હોય તો પરિણામ અને પરિણામી એક હોવાથી તેમાં આત્મા તન્મય એટલે એકમેક થઈ જાય. વળી તે ક્રિયાના કાળમાં આત્મા તેનું નિમિત્ત છે એમ કહો તો એમ પણ નથી કેમકે તો આત્માને શાશ્વત નિમિત્તપણે રહેવાનો પ્રસંગ આવે. તેથી તે વખતે પૂજા ભક્તિના જે શુભભાવ થાય તે શુભભાવનો જે ર્ક્તા થાય છે તે અજ્ઞાનીના શુભભાવ તે ક્રિયામાં નિમિત્તકર્તા કહેવામાં આવે છે. ભાઈ! આ તો જૈનદર્શનની સારભૂત વાત છે.

દશલક્ષણી પર્વનો આજે ઉત્તમમાર્દ્રવધર્મનો બીજો દિવસ છે. ઉત્તમમાર્દ્રવધર્મ સમ્યગ્દ્રષ્ટિને અને ચારિત્રવંત મુનિરાજને હોય છે. સમકિતીને અને શ્રાવકને તે અંશે હોય છે અને મુનિદશામાં સવિશેષપણે હોય છે. ઉત્તમ પુરુષો જાતિ અને કુળનું અભિમાન કરતા નથી, શરીરનું બળ અને રૂપ વગેરેનું અભિમાન કરતા નથી. તેમને જ્ઞાનનું પણ અભિમાન હોતું નથી. પરમાં અહંબુદ્ધિનો-માનનો ત્યાગ તેને માર્દ્રવધર્મ કહે છે. આ ઉત્તમક્ષમાદિ દશ ભેદ ચારિત્રના છે અને એ ચારિત્ર સમ્યગ્દર્શન સહિત હોય છે. અહાહા...! વિવેકજ્યોતિ પ્રગટ થવાથી જેઓ આત્માના નિર્મળ જ્ઞાન અને ધ્યાનમાં લીન રહે છે તે મુનિવરોને જગતના કયા પદાર્થો અભિમાન કરવા યોગ્ય લાગે? હું તો આનંદમૂર્તિ છું, મારી ચીજ સદાય નિર્માન છે એમ વિચારી આત્માના ધ્યાનમાં સ્થિત રહેનારા તે મુનિવરો ઉત્તમમાર્દ્રવધર્મના સ્વામી છે.

આવા ચૈતન્યવિહારી મુનિવરોને જે શુભભાવ થાય તેના તે જ્ઞાતા જ છે. તેઓ જ્ઞાનને રાગથી ભિન્ન જાણે છે. જ્ઞાનીને સ્વનું જ્ઞાન થયું તે જ કાળે રાગસંબંધી પણ જ્ઞાન થયું છે. ત્યાં રાગ છે માટે રાગનું જ્ઞાન થયું છે એમ નથી. જે પ્રકારનો રાગ આવ્યો અને જે પ્રકારની શરીરની ક્રિયા થઈ તેનું જ્ઞાન અહીં પોતાથી થાય છે અને ત્યારે પોતાના સ્વપરપ્રકાશક જ્ઞાનમાં રાગ અને શરીરની ક્રિયા નિમિત્ત થાય છે. નિમિત્ત એટલે કર્તા નહિ. જ્ઞાનીને સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી થાય છે અને તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે.

કોઈ એમ કહે કે પચાસ ટકા નિમિત્તના અને પચાસ ટકા ઉપાદાનના રાખો. તેને કહે છે કે ભાઈ! બન્નેના સો એ સો ટકા સ્વતંત્ર પોતપોતામાં છે. નિમિત્ત પરનું કામ એક અંશ પણ કરે નહિ. આવો જ વસ્તુનો સ્વભાવ છે.


PDF/HTML Page 1177 of 4199
single page version

કેવળજ્ઞાન પણ સ્વપરપ્રકાશક છે. કેવળજ્ઞાન પોતાને જાણે છે એને લોકાલોકને જાણે છે. કેવળજ્ઞાનને લોકાલોક નિમિત્ત છે; તો લોકાલોક છે માટે કેવળજ્ઞાન છે એમ નથી. વળી લોકાલોકને કેવળજ્ઞાન નિમિત્ત છે; તેથી કેવળજ્ઞાન છે તો લોકાલોક છે એમ નથી. ઉપાદાન અને નિમિત્ત બન્ને પોતપોતામાં સ્વતંત્ર છે. કોઈનાથી કોઈ છે એમ છે જ નહિ. નિમિત્ત છે માટે કાર્ય નિમિત્તથી થાય છે એમ છે નહિ.

અરે! લોકો ‘નિમિત્ત તો છે ને!’ ‘આત્મા નિમિત્ત તો છે ને!’ એમ કહીને પણ કર્તાપણાનું જ સેવન કરતા હોય છે! અર્થાત્ પોતે પરદ્રવ્યના કાર્યના કર્તા થાય છે.

જુઓ, કોઈ હથોડીથી નાળિયેર ફોડે ત્યાં નાળિયેર ફૂટવાની ક્રિયા તો પુદ્ગલની છે, આત્મા તે ક્રિયાનો કર્તા નથી. અજ્ઞાની તે સંબંધી રાગનો કર્તા છે. અજ્ઞાનીના તે રાગને નાળિયેર ફુટવાની ક્રિયાનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે. નાળિયેર હથોડીથી ફૂટયું છે એમ નથી, તે ફૂટવાની ક્રિયાનો કર્તા તો તે નાળિયેર છે. તે ક્રિયા સમયે તત્સંબંધી જે રાગનો કર્તા છે તે અજ્ઞાનીના યોગ અને ઉપયોગને નિમિત્તકર્તા કહેવામાં આવે છે.

ત્યાં જ્ઞાનીને તે વખતે નાળિયેર ફૂટયાનું જ્ઞાન પોતાથી થયું છે. તે જ્ઞાનમાં નાળિયેરની ક્રિયા અને રાગ નિમિત્ત છે. ફૂટવાની ક્રિયાનું જ્ઞાન તો પોતાના ઉપાદાનથી થયું છે. નિમિત્ત છે માટે નિમિત્તનું જ્ઞાન થયું છે એમ નથી. ભાઈ! આ તો ધીરજ અને શાન્તિથી સમજવાની વાત છે.

કોઈ સમકિતી કુંભાર ઉપસ્થિત હોય અને ઘડો બનવાની ક્રિયા થાય ત્યાં ઘડો તો માટીથી થયો છે; કુંભારના રાગથી કે કુંભારના આત્મદ્રવ્યથી ઘડો થયો નથી. ઘડો થવાની ક્રિયા અને તત્સંબંધી જે રાગ થયો તેનો સમકિતી કુંભાર કર્તા નથી, જ્ઞાતા જ છે. ત્યાં ઘડાનું અને રાગનું જે જ્ઞાન થયું તે પોતાથી થયું છે અને ઘડો અને રાગ તેમાં નિમિત્તમાત્ર છે. નિમિત્ત છે માટે તેનું જ્ઞાન થયું છે એમ નથી. અહા! ઘડો બનવાની ક્રિયા અને તત્સંબંધી જે રાગ થયો તે જ્ઞાનીનું કાર્ય નથી. આવી સૂક્ષ્મ વાત છે ભાઈ!

અહીં કહે છે પ્રભુ! તું એકવાર સાંભળ, નાથ! તારી ઋદ્ધિ તો જ્ઞાન છે. રાગ અને પરવસ્તુ તારી ઋદ્ધિ નથી. આવું જેને ભાન થાય તેને કમજોરીથી રાગ આવે પણ તે રાગનો કર્તા નથી, જ્ઞાતા છે. તે સમયે પોતાને અને રાગને જાણતું સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાથી થાય છે અને ત્યારે રાગ તેમાં નિમિત્ત છે. પ્રભુ! તારું જ્ઞાન સત્પણે કયારે રહી શકે? કે રાગથી અને પરથી ભિન્ન પડતાં પોતાના સદા નિર્મળ ચૈતન્ય-સ્વભાવનું જ્ઞાન થાય ત્યારે જ્ઞાન સત્પણે રહી શકે છે. (મતલબ કે સ્વભાવનું જ્ઞાન થતાં જ્ઞાન જ્ઞાનથી પોતાથી છે એમ સાચું જ્ઞાન થાય છે). તે જ્ઞાન પોતાથી સ્વપરને જાણતું જે પ્રગટયું છે તેમાં રાગ અને પરવસ્તુ નિમિત્ત કહેવામાં આવે છે.

આચાર્યદેવે કર્તાની વ્યાખ્યા બહુ સ્પષ્ટ કરી છે. પરદ્રવ્યનો કર્તા કોઈ ઈશ્વર નથી


PDF/HTML Page 1178 of 4199
single page version

અને પરદ્રવ્યનો કર્તા તું (આત્મા) પણ નહિ. પરના પરિણામ પરથી થાય તેનો તું કર્તા નથી અને તારો આત્મા એમાં નિમિત્ત પણ નથી. ત્યારે છે કેવી રીતે? તે કાર્યકાળે રાગનો જે કર્તા થાય છે એવા અજ્ઞાનીના રાગ અને જોગને એનો નિમિત્તકર્તા કહેવામાં આવે છે.

યોગ અને ઉપયોગનો તો આત્મા પણ કર્તા કદાચિત્ ભલે હો પણ પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા તો (નિમિત્તપણે પણ કદી) નથી.

ભાવાર્થઃ– યોગ એટલે (મન-વચન-કાયના નિમિત્તવાળું) આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ એટલે જ્ઞાનનું કષાયો સાથે ઉપયુક્ત થવું-જોડાવું. આ યોગ અને ઉપયોગ ઘટાદિક તથા ક્રોધાદિકને નિમિત્ત છે તેથી તેમને તો ઘટાદિક તથા ક્રોધાદિકના નિમિત્તકર્તા કહેવાય પરંતુ આત્માને તેમનો કર્તા ન કહેવાય. આત્માને સંસાર અવસ્થામાં અજ્ઞાનથી માત્ર યોગ-ઉપયોગનો કર્તા કહી શકાય.

અહીં તાત્પર્ય આ પ્રમાણે જાણવુંઃ-દ્રવ્યદ્રષ્ટિથી તો કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરંતુ પર્યાયદ્રષ્ટિથી કોઈ દ્રવ્યનો પર્યાય કોઈ વખતે કોઈ અન્યદ્રવ્યના પર્યાયને નિમિત્ત થાય છે તેથી આ અપેક્ષાએ એક દ્રવ્યના પરિણામ અન્યદ્રવ્યના પરિણામના નિમિત્તકર્તા કહેવાય છે. પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું અન્યદ્રવ્ય કર્તા નથી.

ગાથા ૧૦૦ પુરી થઈ.

[પ્રવચન નં. ૧૬૮ શેષ થી ૧૭૧ ચાલુ * દિનાંક ૨૭-૮-૭૬ થી ૩૧-૮-૭૬]

PDF/HTML Page 1179 of 4199
single page version

ज्ञानी ज्ञानस्यैव कर्ता स्यात्–

जे पोग्गलदव्वाणं परिणामा होंति णाणआवरणा।
ण करेदि ताणि आदा जो जाणदि सो हवदि णाणी।। १०१ ।।
ये पुद्गलद्रव्याणां परिणामा भवन्ति ज्ञानावरणानि।
न करोति तान्यात्मा यो जानाति स भवति ज्ञानी।। १०१ ।।

હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છેઃ-

જ્ઞાનાવરણઆદિક જે પુદ્ગલ તણા પરિણામ છે,
કરતો ન આત્મા તેમને, જે જાણતો તે જ્ઞાની છે. ૧૦૧.

ગાથાર્થઃ– [ये] જે [ज्ञानावरणानि] જ્ઞાનાવરણાદિક [पुद्गलद्रव्याणां] પુદ્ગલદ્રવ્યોના [परिणामाः] પરિણામ [भवन्ति] છે [तानि] તેમને [यः आत्मा] જે આત્મા [न करोति] કરતો નથી પરંતુ [जानाति] જાણે છે [सः] તે [ज्ञानी] જ્ઞાની [भवति] છે.

ટીકાઃ– જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાપ્ત થઈને (-વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી, તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુદ્ગલદ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઊપજતા પુદ્ગલદ્રવ્યના પરિણામ છે, તેમને જ્ઞાની કરતો નથી; પરંતુ જેવી રીતે તે ગોરસનો જોનાર, પોતાથી (જોનારથી) વ્યાપ્ત થઈને ઊપજતું જે ગોરસ-પરિણામનું દર્શન (જોવાપણું) તેમાં વ્યાપીને, માત્ર જુએ જ છે, તેવી રીતે જ્ઞાની, પોતાથી (જ્ઞાનીથી) વ્યાપ્ત થઈને ઊપજતું, પુદ્ગલદ્રવ્ય-પરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તેમાં વ્યાપીને, માત્ર જાણે જ છે. આ રીતે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે.

વળી એવી જ રીતે ‘જ્ઞાનાવરણ’ પદ પલટીને કર્મ-સૂત્રનું (કર્મની ગાથાનું) વિભાગ પાડીને કથન કરવાથી દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાયનાં સાત સૂત્રો તથા તેમની સાથે મોહ, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન અને સ્પર્શનનાં સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં; અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.

* * *

PDF/HTML Page 1180 of 4199
single page version

હવે જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે એમ કહે છેઃ-

* ગાથા ૧૦૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેવી રીતે દહીં-દૂધ કે જેઓ ગોરસ વડે વ્યાપ્ત થઈને (-વ્યપાઈને) ઊપજતા ગોરસના ખાટા-મીઠા પરિણામ છે, તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી.....’

ગાથા બહુ સરસ છે. અનંતકાળમાં જે કર્યું નથી એની આ અપૂર્વ વાત છે. ભાઈ! શાંતિથી ધીરજ રાખીને સાંભળવું. અહીં દ્રષ્ટાંત આપ્યું છે.

ગાયના દૂધના રસનો જે સામાન્યભાવ છે તે ગોરસ છે. ગોરસ પોતે વ્યાપીને દહીં- દૂધના જે ખાટા-મીઠા સ્વરૂપે પરિણામ છે તેરૂપે ઊપજે છે, પરિણમે છે. દહીં-દૂધના જે ખાટા- મીઠા પરિણામ છે તે ગોરસનું કાર્ય (વિશેષ) છે. તેમને ગોરસનો તટસ્થ જોનાર પુરુષ કરતો નથી. દૂધ મેળવે ત્યાં દૂધનું દહીં થાય, મલાઈ થાય, માખણ થાય ઇત્યાદિ-એ બધી ગોરસની અવસ્થાઓ છે; તે અવસ્થાઓમાં-ખાટી-મીઠી અવસ્થાઓમાં ગોરસ વ્યાપ્ત છે. એ ગોરસનો તટસ્થ જોનાર પુરુષ તે અવસ્થાઓનો કર્તા નથી. માત્ર તેનો જોનાર છે. ખાટા-મીઠા પરિણામનો કર્તા ગોરસ છે, તટસ્થ (સમકિતી) પુરુષ તેનો કર્તા નથી, દેખનારો જ છે.

હવે આવી વાત સમજવા જીવે અનંતકાળમાં ફુરસદ લીધી નથી. ભાઈ! આ જેટલો સમય જાય છે તે મનુષ્યજીવનમાંથી ઓછો થતો જાય છે. આ મનુષ્યજીવનમાં સમજણ ન કરી તો આવો અવસર કયારે મળશે ભાઈ! સ્ત્રીને, પુત્રને, કુટુંબને રાજી રાખવામાં આખી જિંદગી ચાલી જાય પણ અંદર વસ્તુ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પડયો છે તેની દ્રષ્ટિ ન કરી તો મરીને તું કયાં જઈશ ભાઈ? જેમ વંટોળિયે ચઢેલું તણખલું કયાં જઈને પડશે તે નિશ્ચિત નથી તેમ આ સંસારમાં આત્માના ભાન વિના સંસારમાં રખડતા જીવો મરીને કયાંય કાગડે, કુતરે, કંથવે,.. ....ચાલ્યા જશે!

જેમ નદીના કિનારે કોઈ પુરુષ સ્થિર ઊભો છે તે પાણીના પ્રવાહના લોઢના લોઢ વહી જાય તેનો તે માત્ર જોનારો છે; જે પ્રવાહ વહી રહ્યો હોય તેનો એ કર્તા નથી. તેમ ખાટા-મીઠા ગોરસના જે પરિણામ થાય તેનો તટસ્થ પુરુષ કર્તા નથી, માત્ર જોનારો જ છે. અહીં કહે છે- ‘તેવી રીતે જ્ઞાનાવરણ ઇત્યાદિ કે જેઓ ખરેખર પુદ્ગલદ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતા પુદ્ગલદ્રવ્યના પરિણામ છે, તેમને જ્ઞાની કરતો નથી.’

જ્ઞાનાવરણાદિ કર્મની પર્યાય પુદ્ગલદ્રવ્ય વડે વ્યાપ્ત થઈને ઉપજતી થકી પુદ્ગલના પરિણામ છે. જ્ઞાની તેને કરતો નથી. આત્મા તેમાં વ્યાપ્ત થઈને તે પુદ્ગલદ્રવ્યની પર્યાયને કરતો નથી. જ્ઞાનાવરણાદિ કર્મ પુદ્ગલદ્રવ્યની પર્યાય છે એમ જાણતો જ્ઞાની તેને કરતો નથી. અજ્ઞાની રાગપરિણામનો કર્તા થાય છે માટે તેના રાગાદિ પરિણામ