PDF/HTML Page 1721 of 4199
single page version
द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः।
ज्ञानी सदा ज्ञानमयैकभावो
निरास्रवो ज्ञायक एक एव।। ११५।।
શ્લોકાર્થઃ– [भावास्रव–अभावम् प्रपन्नः] ભાવાસ્રવોના અભાવને પામેલો અને [द्रव्यास्रवेभ्यः स्वतः एव भिन्नः] દ્રવ્યાસ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો [अयं ज्ञानी] આ જ્ઞાની- [सदा ज्ञानमय–एक–भावः] કે જે સદા એક જ્ઞાનમય ભાવવાળો છે તે- [निरास्रवः] નિરાસ્રવ જ છે, [एकः ज्ञायकः एव] માત્ર એક જ્ઞાયક જ છે.
ભાવાર્થઃ– રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસ્રવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસ્રવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે કારણ કે દ્રવ્યાસ્રવ પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે. આ રીતે જ્ઞાનીને ભાવાસ્રવ તેમ જ દ્રવ્યાસ્રવનો અભાવ હોવાથી તે નિરાસ્રવ છે. ૧૧પ.
હવે, જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ છે એમ બતાવે છેઃ-
‘જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે.’
જુઓ, શું કહે છે? કે રાગની એકત્વબુદ્ધિથી ઉત્પન્ન થતો અજ્ઞાનભાવ અને અજ્ઞાનપૂર્વકના રાગ-દ્વેષ બંધનું કારણ બને છે. પુણ્ય-પરિણામને કરવું એ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી ભગવાન આત્માનો સ્વભાવ નથી; એ તે અજ્ઞાનભાવ છે અને તે-પૂર્વકના કષાયભાવ મિથ્યાત્વાદિના બંધનું કારણ થાય છે.
પણ જેણે રાગથી પોતાના જ્ઞાયકતત્ત્વને ભિન્ન પાડયું અને પર્યાયમાં જ્ઞાન અને આનંદનો સ્વાદ લીધો છે એવા ધર્મીને પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા જે જડ પરમાણુઓ- દર્શનમોહનો થોડો અંશ અર્થાત્ સમ્યક્મોહનીયના રજકણો જે ક્ષયોપશમ સમકિત પ્રગટ થયું છે છતાં હોય છે તે, તથા અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે; પણ તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી તેને માટીનાં ઢેફાં સમાન છે. જેમ માટીનાં ઢેફાં અજીવ છે, જ્ઞેય છે તેમ એ
PDF/HTML Page 1722 of 4199
single page version
પ્રત્યયો પણ અજીવ અને જ્ઞેય છે. જેમ માટીનાં ઢેફાં પુદ્ગલસ્કંધો છે તેમ એ પ્રત્યયો પણ તેવા જ સ્કંધો છે.
વળી કહે છે-‘તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે- સંબંધવાળા છે, જીવ સાથે નહિ.’
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના પરમાણુઓ જેઓ જડ અચેતન છે તે માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે, જીવ સાથે નહિ. મિથ્યાત્વાદિ જડ પ્રત્યયોને આત્મા સાથે સંબંધ નથી. વળી પર્યાયમાં દ્રવ્યકર્મ સાથે જે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેને જ્ઞાનીએ તોડી નાખ્યો છે. એટલે દ્રવ્યકર્મને પુદ્ગલ કાર્મણ શરીર સાથે જ સંબંધ છે. સદાય ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માને તો દ્રવ્યકર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે જ નહિ; અને આવા આત્માની જેને દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીએ પર્યાયમાં જે નિમિત્તપણાનો સંબંધ છે તે તોડી નાખ્યો છે. તેથી સમકિતીને મિથ્યાત્વ પ્રકૃતિ કદાચ સત્તામાં હોય તોપણ તે પ્રકૃતિના પરમાણુને કાર્મણ શરીર સાથે સંબંધ છે, જીવ સાથે નહિ. જ્ઞાનીને દ્રવ્યાસ્રવો સાથે સંબંધ છે જ નહિ. હવે કહે છે-
‘માટે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.’
જેમ શરીર, વાણી, સ્ત્રી-કુટુંબ-પરિવાર આદિ પર પદાર્થ પર જ છે, એની સાથે આત્માને કાંઈ સંબંધ નથી તેમ જ્ઞાનીને દ્રવ્યાસ્રવોથી કાંઈ સંબંધ નથી. પર ચીજ પોતપોતાના કારણે દ્રવ્ય-ગુણપણે કાયમ રહીને પર્યાયમાં બદલીને રહી છે. શરીર પોતાના દ્રવ્ય-ગુણમાં પોતાની પર્યાય કરીને રહ્યું છે; બીજા આત્માઓ, બીજા શરીરો કે પુદ્ગલો પોતપોતાના દ્રવ્ય- ગુણમાં પોતપોતાની પર્યાય કરીને રહેલાં છે. કાર્મણ શરીર છે તે પણ પોતાના દ્રવ્ય-ગુણ- પર્યાયમાં રહેલું છે. કર્મ-પરમાણુઓ કાંઈ આત્માની પર્યાયમાં આવ્યા નથી. ભાઈ! આત્માને અને પર દ્રવ્યોને કાંઈ સંબંધ છે જ નહિ. માટે જ્ઞાયકમૂર્તિ ભગવાન આત્માનો જેને આશ્રય થયો છે તે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે કેમકે પરમાણુઓનો સંબંધ જડ સાથે જ છે.
સવારે ભેદાભેદરત્નત્રય મોક્ષનું કારણ છે એમ આવ્યું હતું ને? એનો ખુલાસો-
જુઓ, ભેદરત્નત્રય છે તે રાગ છે. શુદ્ધ ચિદાનંદઘન ભગવાન આત્માના આશ્રયે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ પ્રગટ થયાં છે એવા નિશ્ચયદ્રષ્ટિવંતને ભેદરત્નત્રયરૂપ શુભરાગ આવે છે. તેને નિશ્ચય અભેદરત્નત્રયનો સહકારી જાણીને વ્યવહાર મોક્ષનું કારણ કહ્યું છે. ભેદરત્નત્રય રાગ હોવાથી છે તો બંધનું જ કારણ, પરંતુ વાસ્તવિક મોક્ષનું કારણ જે અભેદ રત્નત્રય તેના સહચરપણે એવો જ રાગ હોય છે તેથી આરોપ આપીને તેને વ્યવહાર મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. અભેદરત્નત્રય
PDF/HTML Page 1723 of 4199
single page version
એક જ નિશ્ચયથી મોક્ષનું કારણ છે; તોપણ જેને નિશ્ચય-દ્રષ્ટિ થઈ છે, કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે, છતાં રાગ (ભેદરત્નત્રયનો) આવે છે એવા ધર્મી જીવના ભેદરત્નત્રયના પરિણામને આરોપ આપીને અભેદરત્નત્રયની સાથે મોક્ષનું કારણ કહ્યું છે.
ભાઈ! આત્મા શું ચીજ છે એની જેને ખબર જ નથી એવા અજ્ઞાનીને તો વ્યવહાર જ નથી. જેને અભેદની દ્રષ્ટિ નથી એને કયાં ભેદરત્નત્રય છે? અજ્ઞાનીનો દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ કાંઈ વ્યવહાર નથી, એ તો વ્યવહારાભાસ છે. જ્ઞાનીને જે રાગ થાય છે તેને તે માત્ર જાણે જ છે, કરતો નથી અને એવા જાણનારની જે દ્રષ્ટિ અને સ્થિરતા અંદરમાં થયાં છે તે જ વાસ્તવિક મોક્ષનું કારણ છે. આવી વાત છે.
‘જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે.’
જ્ઞાનીને દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો એના દ્રવ્યમાં તો નથી પણ એની પર્યાયમાં પણ એનો અભાવ છે. જેમ પર્યાયમાં રાગ-દ્વેષનો સંબંધ છે તેમ પર્યાયમાં કર્મનો સંબંધ નથી. તેમનો બંધ વા સંબંધ પુદ્ગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નહિ. ભગવાન આત્મા તો પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ ચૈતન્યમય જ છે; એની સાથે જડ અચેતન એવા કર્મને કાંઈ પણ સંબંધ નથી.
લૌકિકમાં સ્ત્રી-કુટુંબ-પરિવાર વગેરેને આ અમારા સંબંધીઓ છે એમ નથી કહેતા? આ અમારા નાતીલા છે અને એમની સાથે અમારે ખૂબ પુરાણો સંબંધ છે એમ કહે છે ને? બાપુ! કોની સાથે તારે સંબંધ? બહુ તો અજ્ઞાનમાં તારે રાગ-દ્વેષ અને વિકાર સાથે સંબંધ છે; જ્ઞાનમાં તો એ સંબંધ પણ નથી. ત્યાં હવે અન્ય સાથે સંબંધ કયાંથી આવ્યો? પુદ્ગલકર્મ સાથે પણ સંબંધ કયાંથી હોય? અહા! ચૈતન્ય ભગવાન આનંદના નાથને જ્યાં રાગના કર્તાપણાથી ભિન્ન ભાળ્યો ત્યાં એને કર્મના જડ પુદ્ગલો સાથે તો સંબંધ નથી, ભાવાસ્રવ સાથે પણ સંબંધ નથી.
જ્ઞાનીને ભાવાસ્રવનો અભાવ હોવાથી દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો નવાં કર્મના આસ્રવણનું કારણ થતા નથી. જડ કર્મ ઉદયમાં આવે, પણ મિથ્યાત્વ અને તત્સંબંધી રાગદ્વેષરૂપ ભાવાસ્રવો નથી તો જૂનાં કર્મ નવા બંધનું કારણ થતાં નથી. આગળ આ વાત આવી ગઈ કે જડકર્મ છે તે ખરેખર આસ્રવો છે અને નવા બંધનનું કારણ છે; પણ કોને? મિથ્યાત્વ અને રાગ-દ્વેષપણે પરિણમે તેને. મિથ્યાત્વ અને રાગ દ્વેષ ન કરે તો તે કર્મનો ઉદય નવાં કર્મના આસ્રવણનું કારણ નથી. તેથી આ અપેક્ષાએ પણ જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ છે.
PDF/HTML Page 1724 of 4199
single page version
એક તો દ્રવ્યાસ્રવ પુદ્ગલ છે માટે સંબંધ નથી; અને બીજું જ્ઞાનીને ભાવાસ્રવનો અભાવ છે એટલે દ્રવ્યાસ્રવો બંધનું કારણ નહિ થતા હોવાથી જ્ઞાનીને દ્રવ્યકર્મ નથી. આ પ્રમાણે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ જ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘भावास्रव–अभावम् प्रपन्नः’ ભાવાસ્રવોના અભાવને પામેલો...
મતલબ કે ધર્મી જીવ શુદ્ધ દ્રવ્યસ્વભાવના અવલંબનથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીના રાગ-દ્વેષરૂપ ભાવાસ્રવના અભાવને પામેલો છે. અહાહા! જેને રાગનું કર્તાપણું છૂટી જ્ઞાતા-દ્રષ્ટા સ્વભાવનો અનુભવ થયો છે તે ધર્મી ભાવાસ્રવના અભાવને પામેલો છે. સમકિતીને ભાવાસ્રવનો એટલે મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષનો અભાવ જ છે. આ નાસ્તિથી વાત કરી. અસ્તિથી કહીએ તો ધર્મી જીવ ભગવાન જે ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને પામેલો છે.
અનાદિથી જીવ રાગ-દ્વેષ-મોહરૂપ ભાવાસ્રવને પામતો હતો. રાગદ્વેષ મારા અને એ મારાં કર્તવ્ય એમ અનાદિથી કર્તાપણું માનતો હતો. હવે કર્તાપણાનો ત્યાગ કરી તે જ જીવ જ્યારે-હું તો પરમાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એક જ્ઞાતા-દ્રષ્ટા છું, જગત આખુંય માત્ર જ્ઞેય છે, દ્રશ્ય છે-એમ પોતાના જ્ઞાતા-દ્રષ્ટાસ્વરૂપને ધ્યેય બનાવી તેમાં અંતર્લીન થયો ત્યારે તે ભાવાસ્રવના અભાવને પામેલો જ્ઞાની છે.
અનાદિથી પુણ્ય-પાપના ભાવ જે આસ્રવો છે તેને જે પામેલો છે તે મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની છે. જે વસ્તુ પોતાથી ભિન્ન છે એ ચીજને પોતાની માને તે જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. એ ઊંધો પુરુષાર્થ કરે છે ને? ભાઈ! અજ્ઞાની કે જ્ઞાની-કોઈને કોઈ કાર્ય પુરુષાર્થ વિનાનું હોતું નથી. પરમાણુમાં પણ તેનું કાર્ય તેની વીર્યશક્તિના કારણે જ હોય છે. આત્માની જેમ પરમાણુમાં પણ વીર્યશક્તિ છે. અજ્ઞાની ભિન્ન ચીજને પોતાની માને છે, પણ એમ છે નહિ અને એમ બનવું સંભવિત પણ નથી. છતાં પોતાની માને છે અને રાગદ્વેષ કરે છે; એ પ્રમાણે એણે ઊંધું વીર્ય ફોરવ્યું છે.
શ્રીમદે લખ્યું છે કે-‘દિગંબરના આચાર્યો એમ કહે છે કે જીવનો મોક્ષ થતો નથી, મોક્ષ સમજાય છે.’ અહાહા! ચિદાનંદઘન પ્રભુ અનાકુળ શાંત અને આનંદરસનો અમાપ-અમાપ ગંભીર જેનો બેહદ સ્વભાવ છે એવા ભગવાન આત્માનો મોક્ષ થતો નથી. જીવને પહેલાં માન્યતા હતી કે હું રાગથી બંધાણો છું; જ્ઞાન થતાં હું મોક્ષસ્વરૂપ જ છું એમ સમજાય છે. આત્મા રાગથી ભિન્નસ્વરૂપ જ છે એમ અંતર-અનુભવમાં સમજાણું ત્યારે તે મુક્ત જ છે, મુક્તસ્વરૂપ જ છે. આવા જ્ઞાયકને
PDF/HTML Page 1725 of 4199
single page version
મુક્તસ્વરૂપે-અબદ્ધસ્વરૂપે દેખવો એ જૈનશાસન છે. (જ્ઞાની પર્યાયમાં જૈનશાસન પામેલો છે.)
સમયસાર ગાથા ૧૪ અને ૧પ માં પણ આવ્યું કે-આત્મા અબદ્ધસ્પૃષ્ટ છે. અહા! રાગથી એ બંધાયેલો નથી તો પછી કર્મથી એ બંધાયેલો છે એ વાત કયાં રહી? (ન રહી). સૂકાયેલા નાળિયેરમાં જેમ ગોળો છૂટો હોય છે તેમ ભગવાન આત્મા રાગ અને કર્મથી છૂટું તત્ત્વ છે.
પ્રવચનસાર, ગાથા-૨૦૦ માં આવે છે કે-અનાદિ સંસારથી જ્ઞાયક જ્ઞાયકભાવપણે જ રહ્યો છે. અનેક જ્ઞેયને જાણવાપણે પરિણમ્યો હોવા છતાં સહજ અનંતશક્તિવાળા જ્ઞાયકસ્વભાવ વડે એકરૂપતાને છોડતો નથી. અજ્ઞાની જીવોને મોહને લઈને અન્યથા અધ્યવસિત થાય છે. અહાહા...! ભગવાન આત્મા તો સદા નિર્મળાનંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનો ગોળો ભગવાન આત્મા છે. ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અનાદિ-અનંત જ્ઞાયકભાવ જ્ઞાયકભાવરૂપે જ છે. પરજ્ઞેયને જાણવા છતાં શુદ્ધ તત્ત્વ પરજ્ઞેયપણે થયું નથી, છે નહિ અને થશે નહિ.
હવે આવી (સ્વભાવ-વિભાવના ભેદજ્ઞાનની) વાત સમજવાની લોકોને ફુરસદ હોય નહિ એટલે બિચારા કોઈ ઉપવાસ કરવામાં, તો કોઈ વ્રત પાળવામાં, કોઈ જાત્રા-ભક્તિ કરવામાં અને કોઈ મંદિરો બંધાવવામાં જોડાઈ ગયા છે. પણ ભાઈ! એ બધી જડની ક્રિયાઓ તો જડના કારણે એના કાળમાં થાય છે અને એ કાળે તને જો શુભરાગ હોય તો પુણ્યબંધ થાય પણ ધર્મ નહિ. પરદ્રવ્યની ક્રિયા-કાળે રાગનું નિમિત્ત હો ભલે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. નિમિત્ત હોય છે ખરું, પણ નિમિત્ત પરમાં કાંઈ (કાર્ય) કરે છે એમ નથી. લોકોને આ ખટકે છે. કર્મનો ઉદય નિમિત્ત હોય તો વિકાર થાય છે એમ માને છે તેમને આ ખટકે છે. પરંતુ એવી માન્યતા અયથાર્થ છે. ઉપાદાનની તે તે સમયની ‘યોગ્યતા જ’ તે તે પ્રકારે થવાની છે.
પ્રશ્નઃ– પરમાત્માની દિવ્યધ્વનિથી આત્માને જ્ઞાન થાય છે-એમ આવે છે ને? બનારસી- વિલાસમાં કહ્યું છે કે-
ઉત્તરઃ– ભાઈ! નિમિત્તનાં (નિમિત્તની મુખ્યતાનાં) કથન એમ જ આવે. જીવ સ્વયં પોતાથી સંશય ટાળે તો વાણીને નિમિત્ત કહેવાય છે. બાકી ભગવાન જ્ઞાયકની અંતર્દ્રષ્ટિ કરતાં જે જ્ઞાન થયું તે સંશય રહિત જ્ઞાન છે-અને તે સ્વભાવના પુરુષાર્થથી સ્વતઃ થયું છે; નિમિત્તથી નહિ. કહ્યું છે ને કે-
PDF/HTML Page 1726 of 4199
single page version
રાગાદિ પણ અન્ય કર્મ છે, આત્મા નહિ. ભગવાન ત્રિલોકીનાથની વાણીનો આ મર્મ છે. ભાઈ! જૈનશાસન કોઈ વાડો નથી, વસ્તુનું સ્વરૂપ છે. ભગવાન! તું મુક્તસ્વરૂપ છો, અને જે શુદ્ધોપયોગમાં આત્મા મુક્તસ્વરૂપ જણાયો તે શુદ્ધોપયોગ જૈનશાસન છે.
હવે આવી અંતર્દ્રષ્ટિની વાતમાં સૂઝ પડે નહિ એટલે વ્રત કરવાં, દયા પાળવી, ભક્તિ કરવી, દાન કરવું ઇત્યાદિ બાહ્ય ક્રિયાઓમાં જીવ લાગી જાય છે, કેમકે એમાં ઝટ સમજ પડે છે. મહાવરો છે ને એનો? વળી બીજાને પણ ખબર પડે કે કાંઈક કર્યું. પણ ભાઈ! એ તો બધી બહારની ક્રિયાઓ છે. એમાં કયાં આત્મા છે? જન્મ-મરણનો અંત કરવો હોય તો એનાથી નહિ થાય. ભગવાન! પોતાને સમજ્યા વિના અને અંતર્દ્રષ્ટિ કર્યા વિના જીવ અનાદિથી દુઃખી છે. આ મોટા રાજાઓ અને કરોડપતિ શેઠિયાઓ બધા આત્મદ્રષ્ટિ વિના દુઃખી જ છે. શાંતરસનો સમુદ્ર એવા ભગવાન આત્માને ભૂલીને તેઓ કષાયની અગ્નિમાં બળી જ રહ્યા છે. છહઢાલામાં આવે છે ને કે-
ભાઈ! અનંતકાળ વિષય-કષાય સેવ્યા, હવે તો તેને છોડી અંતર્દ્રષ્ટિ કર. પોતાની અંદર વિકારના પરિણામ થાય છે એને છોડવાનું જ્ઞાનીઓ કહે છે, પરને સેવવાની અને છોડવાની કોઈ વાત નથી, કેમકે પરને કોણ સેવે અને છોડે છે? અહીં તો એમ કહે છે કે-વિષય- કષાયરહિત અંદર આનંદનો નાથ ભગવાન છે એની સેવામાં એકવાર આવ. તેથી તને આનંદ થશે, સુખ થશે અને અંદર ભણકાર વાગશે કે હવે હું અલ્પકાળમાં મુક્તિ પામીશ.
અહા! સમ્યગ્જ્ઞાન જે થયું તે ભાવાસ્રવથી રહિત થયું છે. ભલે મતિ-શ્રુતજ્ઞાન હો તોપણ એણે સ્વજ્ઞેયને પકડયું છે ને? સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે એટલે કે તે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરવાનું કારણ છે.
પ્રશ્નઃ– બહારમાં મંદિર આદિ બંધાવે, મોટા ગજરથ કાઢે તો ધર્મની પ્રભાવના થાય ને?
ઉત્તરઃ– શુદ્ધ સ્વભાવમાં એકાગ્રતા પૂર્વક વિજ્ઞાનઘનસ્વભાવની પર્યાયમાં વૃદ્ધિ થવી તે નિશ્ચય પ્રભાવના છે. આવી નિશ્ચય-પ્રભાવના જેને પ્રગટ થઈ છે તેવા જીવના
PDF/HTML Page 1727 of 4199
single page version
શુભરાગને વ્યવહાર પ્રભાવના કહે છે. બહારમાં જડની ક્રિયામાં તો એનું કાંઈ કર્તવ્ય નથી. લોકોને એકલો વ્યવહાર ગળે વળગ્યો છે, પણ અજ્ઞાનીનો શુભરાગ કાંઈ વ્યવહાર પ્રભાવના નથી. (એ તો પ્રભાવનાનો આભાસમાત્ર છે) હવે કહે છે-
આ રીતે ભાવાસ્રવના અભાવને પામેલો અને ‘द्रव्यास्रवेभ्यः स्वतः एव भिन्नः’ દ્રવ્યાસ્રવોથી તો સ્વભાવથી જ ભિન્ન એવો ‘अयं ज्ञानी’ આ જ્ઞાની ‘सदा ज्ञानमय–एक–भावः’ કે જે સદા એક જ્ઞાનમયભાવવાળો છે તે ‘निरास्रवः’ નિરાસ્રવ જ છે.
અહાહા...! અભેદ એક જ્ઞાન જે શુદ્ધ આત્મા તેને પામેલો જ્ઞાની સદાય જ્ઞાનમયભાવવાળો હોવાથી નિરાસ્રવ જ છે. આ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ વાત છે. અસ્થિરતાનો જે રાગ છે તેને સ્વભાવના અવલંબને ટાળવાનો પ્રયત્ન છે તેથી તેને ગૌણ કરીને જ્ઞાની નિરાસ્રવ જ છે એમ કહ્યું છે. વળી ‘एकः ज्ञायकः एव’ માત્ર એક જ્ઞાયક જ છે. જ્ઞાની જાણનાર-જાણનાર-જાણનાર જ છે; પરને જાણનાર એમ નહિ, પણ જાણનારને જાણનારો તે જ્ઞાયક જ છે.
‘રાગદ્વેષમોહસ્વરૂપ ભાવાસ્રવનો જ્ઞાનીને અભાવ થયો છે અને દ્રવ્યાસ્રવથી તો તે સદાય સ્વયમેવ ભિન્ન જ છે.’ જડ દ્રવ્યાસ્રવોથી તો અજ્ઞાની પણ ભિન્ન છે, પણ એ માને છે વિપરીત કે-મારે અને દ્રવ્યકર્મને સંબંધ છે. દ્રવ્યાસ્રવ પુદ્ગલપરિણામસ્વરૂપ છે અને જ્ઞાની ચૈતન્યસ્વરૂપ છે તેથી જ્ઞાની દ્રવ્યાસ્રવથી સ્વભાવથી જ ભિન્ન છે.
‘આ રીતે જ્ઞાનીને ભાવાસ્રવ તેમ જ દ્રવ્યાસ્રવનો અભાવ હોવાથી તે નિરાસ્રવ જ છે.’ જ્ઞાની મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવવાળો અને સમકિત અને સ્વરૂપસ્થિરતાવાળો હોવાથી તેને અહીં નિરાસ્રવ જ કહ્યો છે. કોઈ એકાંતે પકડી બેસે કે તેને આસ્રવનું અસ્તિત્વ જ નથી તો એમ નથી.
બાપુ! અનંતકાળમાં નહીં કરેલી આ વાત છે. ભગવાન! તું પંચમહાવ્રતધારી દિગંબર સાધુ અનંતવાર થયો પણ સ્વરૂપે ગ્રહ્યા વિના એકલી રાગની ક્રિયાઓમાં વ્યસ્ત રહીને ત્યાં ને ત્યાં (સંસારમાં) જ રોકાઈ રહ્યો. બાકી જ્ઞાન થતાં જ્ઞાની તો નિરાસ્રવ જ હોય છે; તે અલ્પકાળમાં મુક્તિને પામે છે. આવી વાત છે.
PDF/HTML Page 1728 of 4199
single page version
कथं ज्ञानी निरास्रव इति चेत्–
समए समए जम्हा तेण अबंधो त्ति णाणी दु।। १७०।।
समये समये यस्मात् तेनाबन्ध इति ज्ञानी तु।। १७०।।
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
બહુભેદ બાંધે કર્મ, તેથી જ્ઞાની તો બંધક નથી. ૧૭૦.
ગાથાર્થઃ– [यस्मात्] કારણ કે [चतुर्विधाः] ચાર પ્રકારના દ્રવ્યાસ્રવો [ज्ञानदर्शन– गुणाभ्याम्] જ્ઞાનદર્શનગુણો વડે [समये समये] સમયે સમયે [अनेकभेदं] અનેક પ્રકારનું કર્મ [बध्नन्ति] બાંધે છે [तेन] તેથી [ज्ञानी तु] જ્ઞાની તો [अबन्धः इति] અબંધ છે.
ટીકાઃ– પ્રથમ, જ્ઞાની તો આસ્રવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાસ્રવ જ છે; પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.
હવે પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે?-તેના ઉત્તરની ગાથા કહે છે.
અહાહા...! શુદ્ધચિદાનંદસ્વરૂપ અખંડ એક જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માની દ્રષ્ટિ અને અનુભવ જેને થયાં તે જ્ઞાની છે, ધર્મી છે. તેને જ્ઞાની કહો, ધર્મી કહો વા સમ્યગ્દ્રષ્ટિ કહો-એ બધું એકાર્થવાચક છે. એવા જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી આસ્રવનો અભાવ છે. ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના શુભભાવ હો કે હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસનાના અશુભભાવ હો-બન્ને ભાવ આસ્રવ છે. જ્ઞાની એનાથી રહિત છે. વળી જડકર્મ-દ્રવ્યાસ્રવોથી તે સ્વભાવથી જ ભિન્ન છે. આ વાત આગળની ગાથાઓમાં આવી ગઈ છે.
PDF/HTML Page 1729 of 4199
single page version
હવે અહીં શિષ્ય પૂછે છે કે જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? બસ, જ્ઞાની થયો એટલે નિરાસ્રવ થઈ ગયો? આવી આશંકા પૂર્વક પૂછે છે તેને આ ગાથામાં ઉત્તર આપવામાં આવે છે.
‘પ્રથમ, જ્ઞાની તો આસ્રવભાવની ભાવનાના અભિપ્રાયના અભાવને લીધે નિરાસ્રવ જ છે.’ ધર્મી જીવને પુણ્ય-પાપરૂપ આસ્રવભાવ કરવાનો અભિપ્રાયમાં અભાવ છે. આસ્રવભાવ કરવા લાયક છે એવા અભિપ્રાયથી જ્ઞાની રહિત છે; તેથી તેને નિરાસ્રવ કહેવામાં આવે છે.
જેને સમકિત થયું છે, સમ્યગ્જ્ઞાન થયું છે એવા ધર્મી જીવને શુભાશુભ ભાવની ભાવના નથી, શુભાશુભ ભાવ કરવાનો અભિપ્રાય નથી. અહાહા...! ધર્માત્માને દયા, દાન, ભક્તિ આદિ શુભભાવ કરવા યોગ્ય છે એમ અભિપ્રાય નથી. ગજબ વાત છે! શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ ભગવાન આત્મા છે. તેનાં શ્રદ્ધાન-રુચિ અને આશ્રય જેને થયાં છે તેને શુદ્ધ ચૈતન્યસ્વભાવની એકાગ્રતાની ભાવનામાં પુણ્ય-પાપની ભાવનાનો અભિપ્રાયમાં અભાવ છે. અહો! ભગવાનની દિવ્યધ્વનિમાં જે આવ્યું તે અહીં સમયસારમાં આચાર્ય કુંદકુંદદેવે કહ્યું છે. વાહ! સંતો ભગવાનના આડતિયા થઈને ભગવાનનો સંદેશ જગત સમક્ષ જાહેર કરે છે.
કહે છે-ભાઈ! ૮૪ ના જન્મ-મરણના ફેરા મટાડવાનો ઉપાય અંદર જે પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચિદાનંદઘન પરમાત્મા પ્રભુ પડયો છે તેની દ્રષ્ટિ-રુચિ અને અભિપ્રાય બાંધવો તે છે. ધર્મનું પ્રથમ પગથિયું સમ્યગ્દર્શન છે, અર્થાત્ ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે.
નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞપણું-એ બધાની ઉપેક્ષા અને પૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માની અપેક્ષા અને તે પૂર્વક શુદ્ધ આત્માનો અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. સમકિતી જાણે છે કે-હું શરીર, મન, વાણી કે પુણ્ય-પાપ કે અલ્પજ્ઞ નથી, હું તો ચૈતન્યરસકંદ પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન છું. ભગવાનને જે પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ છે તે કયાંથી આવ્યું? અંદર આત્મામાં સર્વજ્ઞપણાનો સ્વભાવ પડયો છે તો બહિર્મુખ વલણનો ત્યાગ કરી અંતર્મુખ વલણ વડે તેની પ્રતીતિપૂર્વક પરિપૂર્ણ અંતર-એકાગ્રતા કરવાથી તે પ્રગટ થયું છે.
અહીં કહે છે-ધર્મીને અંતરમુખ વલણ હોવાથી અભિપ્રાયમાં-શ્રદ્ધાનમાં આસ્રવ એટલે પુણ્ય-પાપના ભાવની ભાવના-એટલે તે ભલા છે, કરવા યોગ્ય છે એવી ચિંતવના-નો અભાવ છે. પુણ્ય-પાપના ભાવ જ્ઞાનીને આવે છે ખરા, પણ તે કરવા
PDF/HTML Page 1730 of 4199
single page version
લાયક છે એવો ભાવ તેના અભિપ્રાયમાંથી છૂટી ગયો છે. આ કારણથી જ્ઞાની નિરાસ્રવ જ છે. જોયું ‘જ’ લીધું છે. અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાની નિરાસ્રવ જ છે. હવે કહે છે-
‘પરંતુ જે તેને પણ દ્રવ્યપ્રત્યયો સમય સમય પ્રતિ અનેક પ્રકારનું પુદ્ગલકર્મ બાંધે છે, ત્યાં જ્ઞાનગુણનું પરિણમન જ કારણ છે.’
પૂર્વનાં જડ કર્મ ઉદયમાં આવતાં જ્ઞાનીને જરા (થોડાં) નવાં કર્મ બંધાય છે તેમાં જ્ઞાનગુણનું (જઘન્ય) પરિણમન જ કારણ છે; અર્થાત્ જીવના જ્ઞાનગુણની ક્ષયોપશમય દશા જ બંધનું કારણ છે. વસ્તુ-આત્મા અને એની દ્રષ્ટિ બંધનું કારણ નથી. અભિપ્રાય બંધનું કારણ નથી તો બંધનું કારણ શું છે? તેનો આ ખુલાસો કર્યો કે કમજોરીના કારણે જ્ઞાનની જે હીણી દશા પરિણમે છે તે બંધનું કારણ છે.
અહો! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. દુનિયા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાને કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાને સમકિત માને છે પણ એ (માન્યતા) અયથાર્થ છે, વિપરીત છે. મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા બિરાજે છે તે એમ ફરમાવે છે કે-જેને પોતાના શુદ્ધ ચૈતન્યમય આત્માનો દ્રષ્ટિમાં સ્વીકાર-સત્કાર થયો છે એવા જ્ઞાનીને અભિપ્રાયમાં આસ્રવ કરવાનો ભાવ છૂટી ગયો છે. પણ આ સ્થિતિમાં જે અલ્પ કર્મબંધન થાય છે તે પૂર્વકર્મના ઉદયમાં જે વર્તમાન જ્ઞાનની પરિણતિ થોડી કમજોરીથી જોડાય છે તે કારણ છે. જ્ઞાનગુણની હીણી-ક્ષયોપશમ દશા જ ત્યાં બંધનું કારણ છે. એ હીણી દશા સમકિતનો વિષય કે સમકિતનું કારણ નથી.
PDF/HTML Page 1731 of 4199
single page version
कथं ज्ञानगुणपरिणामो बन्धहेतुरिति चेत्–
अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो।। १७१।।
अन्यत्वं ज्ञानगुणः तेन तु स बन्धको भणितः।। १७१।।
હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
ફરીફરી પ્રણમતો અન્યરૂપમાં, તેથી તે બંધક કહ્યો. ૧૭૧.
ગાથાર્થઃ– [यस्मात् तु] કારણ કે [ज्ञानगुणः] જ્ઞાનગુણ, [जघन्यात् ज्ञानगुणात्] જઘન્ય જ્ઞાનગુણને લીધે [पुनरपि] ફરીને પણ [अन्यत्वं] અન્યપણે [परिणमते] પરિણમે છે, [तेन तु] તેથી [सः] તે (જ્ઞાનગુણ) [बन्धकः] કર્મનો બંધક [भणितः] કહેવામાં આવ્યો છે.
ટીકાઃ– જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (-ક્ષાયોપશમિકભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. તે (જ્ઞાનગુણનું જઘન્ય ભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવશ્યંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.
ભાવાર્થઃ– ક્ષાયોપશમિક જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂત જ થંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે. માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો, -યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગભાવનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય ભાવને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.
હવે વળી પૂછે છે કે જ્ઞાનગુણનું પરિણમન બંધનું કારણ કઈ રીતે છે? -તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
PDF/HTML Page 1732 of 4199
single page version
અહા! આ તો એકદમ અધ્યાત્મ-વાણી છે. અનંતકાળમાં તું એને સમજ્યો નથી. છહઢાલામાં આવે છે ને કે-
જીવ નગ્નદશા સહિત ૨૮ મૂલગુણનું પાલન કરીને અનંતવાર ગ્રૈવેયકમાં ઉપજ્યો છે, પણ આસ્રવરહિત ભગવાન આત્માના જ્ઞાન વિના તેને અંશ પણ સુખ પ્રગટ થયું નહિ; અર્થાત્ દુઃખ જ થયું. જેને આત્મજ્ઞાન થાય તેને તો પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આવા આત્મજ્ઞાનના અભાવમાં પંચમહાવ્રતાદિનો ભાવ એ પણ દુઃખ અને આસ્રવ જ હતા.
સમ્યગ્દ્રષ્ટિને કમજોરીથી વ્રતનો વિકલ્પ આવે છે પણ તેને એમાં કર્તાબુદ્ધિ નથી (સ્વામીપણું નથી). ધર્મીને વ્રતાદિની ભાવના નથી. શ્રેણિક મહારાજા ક્ષાયિક સમકિતી હતા. હાલ નરકમાં છે. ત્યાં સમયે સમયે તીર્થંકર ગોત્ર બાંધે છે અને આવતી ચોવીસીમાં પ્રથમ તીર્થંકર થશે. તેને હજારો રાજાઓ ચામર ઢાળતા અને હજારો રાણીઓ હતી. છતાં સમકિતી હતા ને? અભિપ્રાયની અપેક્ષાએ તેઓ નિરાસ્રવ જ હતા. અહા! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. લોકો બાહ્ય ત્યાગમાં ધર્મ માની લે છે પણ ધર્મ અંતરની જુદી ચીજ છે ભાઈ! ત્રણ લોકના નાથ વીતરાગ પરમેશ્વરની વાણીમાં તો એમ આવ્યું કે-પંચમહાવ્રતાદિ જેટલા ક્રિયાકાંડના ભાવ છે તે બધા આસ્રવ છે અને બંધનું કારણ છે. સમજાણું કાંઈ...?
તો જ્ઞાનીને તે આસ્રવ ભાવો કેવી રીતે છે? એનું સમાધાન કરે છે-
‘જ્ઞાનગુણનો જ્યાં સુધી જઘન્ય ભાવ છે (-ક્ષાયોપશમિક ભાવ છે) ત્યાં સુધી તે (જ્ઞાનગુણ) અંતર્મુહૂર્તમાં વિપરિણામ પામતો હોવાથી ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે.’
શું કહે છે? કે અભિપ્રાયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો, પરંતુ પરિણતિમાં તેને અસ્થિરતાનો કમજોરીનો રાગ-આસ્રવભાવ છે અને તેટલો બંધ પણ થાય છે. જ્ઞાનીને જ્ઞાનની પરિણતિ પૂર્ણ કેવળજ્ઞાનપણે પ્રગટ ન થાય અર્થાત્ જ્યાંસુધી જ્ઞાનગુણ જઘન્યભાવે (અલ્પભાવે) પરિણમે છે ત્યાંસુધી જ્ઞાનગુણ વિપરિણામને પામે જ છે. પોતે આત્મા જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ ભગવાન પરમાત્મા છે એવા ભાનપૂર્વક શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જ્ઞાનીને અનુભવ થયો છે પણ અંતરધ્યાનમાં-આત્માના અનુભવની દશામાં તો તે અંતર્મુહૂર્ત જ રહી શકે છે, તેથી વિશેષ રહી શકતો નથી; અને ત્યારે તેને
PDF/HTML Page 1733 of 4199
single page version
વિકલ્પ ઊઠે છે, ચાહે તે વિકલ્પ વ્રતાદિનો હો કે વિષયકષાયનો હો, પણ રાગ આવે જ છે. જ્ઞાનગુણનું જઘન્ય પરિણમન હોવાથી અંતર્મુહૂર્ત એટલે ઘડીના અંદરના કાળમાં તેનું વિપરિણમન થાય જ છે અર્થાત્ રાગનું પરિણમન આવી જ જાય છે.
ક્ષાયિક સમકિતી હોય તોપણ નિર્વિકલ્પ અનુભવમાં આવ્યા પછી અંતર્મુહૂર્તમાં અનુભવની પરિણતિથી વિપરીત રાગભાવ આવી જાય છે, એટલે કે ફરીફરીને તેનું અન્યપણે પરિણમન થાય છે. હવે કહે છે-
‘તે (જ્ઞાનગુણનું જઘન્યભાવે પરિણમન), યથાખ્યાતચારિત્ર-અવસ્થાની નીચે અવશ્યંભાવી રાગનો સદ્ભાવ હોવાથી, બંધનું કારણ જ છે.’
સમકિતી ધર્મીને અભિપ્રાયની અપેક્ષાએ નિરાસ્રવ કહ્યો કેમકે અભિપ્રાય અને અભિપ્રાયનો વિષય તો અખંડ વસ્તુ છે. ધર્મીને અભિપ્રાયની અપેક્ષાએ તો ચૈતન્યસ્વભાવમાં જ એકાગ્રતાની ભાવના છે, પણ એની પરિણતિ જઘન્ય છે અર્થાત્ નીચલા દરજ્જાની વીતરાગ પરિણતિ છે. તેને પરિપૂર્ણ વીતરાગતા પ્રગટી નથી માટે સાથે રાગનો સદ્ભાવ જરૂર છે; અને તે બંધનું જ કારણ છે, અને એટલું દુઃખ પણ જ્ઞાનીને છે. પર્યાયમાં હીણપ છે તે અપેક્ષાએ જ્ઞાનીને એટલું બંધન છે અને તે જાણવા લાયક છે. જ્ઞાનીને નિશ્ચય-વ્યવહાર બન્ને નયો યથાર્થ હોય છે.
જ્ઞાનીને રાગ થતો જ નથી, દુઃખ હોતું જ નથી-એ જુદી અપેક્ષાએ-દ્રષ્ટિની અપેક્ષાએ કહ્યું છે. પરંતુ જ્ઞાન અપેક્ષાએ જ્ઞાની જાણે છે કે છટ્ઠે ગુણસ્થાનકે મુનિને-કે જેને સમકિત સહિત પ્રચુર સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે-તેને પણ મહાવ્રતાદિના જે પરિણામ આવે છે તે પ્રમાદ અને દુઃખ છે. શ્રી બનારસીદાસે સમયસાર નાટકમાં ભાવલિંગી સંતને પણ જે ૨૮ મૂલગુણ આદિનો રાગ આવે છે તેને ‘જગપંથ’ કહ્યો છે, ‘શિવપંથ’ નહિ.
માત્ર સ્વભાવસન્મુખતાનું જેટલું પરિણમન છે તેટલો જ શિવપંથ-મોક્ષમાર્ગ છે. અહો! અગાઉના પંડિતો-બનારસીદાસ, ટોડરમલજી વગેરેએ અલૌકિક વાતો કરી છે! તેઓ પરંપરા અને શાસ્ત્રને અનુસરીને કહેનારા હતા.
અહા! એક બાજુ કહે કે જ્ઞાની નિરાસ્રવ જ છે અને વળી પાછું કહે કે યથાખ્યાતચારિત્ર થવા પહેલાં તેને રાગ છે-આ તે કેવી વાત!
ભાઈ! અભિપ્રાય અને અભિપ્રાયના વિષયની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો, પણ પરિણમનમાં જઘન્યતા છે તેની અપેક્ષાએ તેને અલ્પ રાગાંશ વિદ્યમાન છે અને
PDF/HTML Page 1734 of 4199
single page version
એટલું બંધન છે એમ કહ્યું, ગણધરદેવને પણ જે રાગ બાકી છે તે બંધનું જ કારણ છે. તીર્થંકરને પણ જ્યાં સુધી છદ્મસ્થદશા છે ત્યાં સુધી રાગ છે અને તે રાગ તેમને પણ અવશ્ય બંધનું કારણ છે. ભાઈ! વીતરાગની વાણીમાં જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ.
તીર્થંકર હો કે ગણધર હો, ચારિત્રની પૂર્ણતા ન થાય ત્યાં સુધી રાગ જરૂર આવે છે. સાધકદશામાં જેટલો અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો તેટલી જ્ઞાનધારા છે, મુક્તિમાર્ગ છે અને જેટલો રાગ છે તે કર્મધારા છે, જરૂર બંધનું કારણ છે.
જ્ઞાનીને પણ રાગ બંધનું જ કારણ છે. શુભરાગથી કલ્યાણ થશે, પરંપરા મુક્તિ થશે- એવી માન્યતાનો અહીં નિષેધ કરે છે. બંધનું કારણ તે વળી મોક્ષનું કારણ થાય? (ન થાય). જે શુભરાગને મુક્તિનું કારણ માને છે તેની શ્રદ્ધામાં બહુ ફેર છે; તે જીવો મિથ્યાદ્રષ્ટિ છે, જૈન નહીં. તેઓ અનંત સંસારી છે. ભાઈ! દિગંબર ધર્મ કોઈ સંપ્રદાય નથી, વસ્તુનું સ્વરૂપ છે. ભગવાનનો માર્ગ વીતરાગતાનો છે. તેમનો ઉપદેશ તો આ છે કે-જો તારે સુખી થવું હોય તો અમારી સામે જોવાનું છોડ અને અંતરમાં સ્વસન્મુખ જો.
‘ક્ષાયોપશમિક જ્ઞાન એક જ્ઞેય પર અંતર્મુહૂર્ત જ થંભે છે, પછી અવશ્ય અન્ય જ્ઞેયને અવલંબે છે; સ્વરૂપમાં પણ તે અંતર્મુહૂર્ત જ ટકી શકે છે, પછી વિપરિણામ પામે છે.’ સ્વરૂપમાં એટલે આનંદના અનુભવમાં ક્ષાયોપશમિક જ્ઞાન અંતર્મુહૂર્ત જ રહી શકે છે. પછી જરૂરથી સ્વથી વિચલિત થઈ પરને અવલંબે છે અને રાગ થાય છે.
‘માટે એમ અનુમાન પણ થઈ શકે છે કે સમ્યગ્દ્રષ્ટિ આત્મા સવિકલ્પ દશામાં હો કે નિર્વિકલ્પ અનુભવદશામાં હો-યથાખ્યાતચારિત્ર-અવસ્થા થયા પહેલાં તેને અવશ્ય રાગનો સદ્ભાવ હોય છે; અને રાગ હોવાથી બંધ પણ થાય છે. માટે જ્ઞાનગુણના જઘન્ય પરિણમનને બંધનો હેતુ કહેવામાં આવ્યો છે.’
અહા! કેટલું સ્પષ્ટ કર્યું છે? સાચા સંત હો કે જ્ઞાની-જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી બંધ છે એમ યથાર્થ જાણવું જોઈએ. દ્રષ્ટિ અપેક્ષાએ જ્ઞાની નિરાસ્રવ હોવા છતાં પરિણતિમાં જે જઘન્ય પરિણમન છે તે અવશ્ય બંધનું કારણ છે.
PDF/HTML Page 1735 of 4199
single page version
णाणी तेण दु बज्झदि पोग्गलकम्मेण विविहेण।। १७२।।
ज्ञानी तेन तु बध्यते पुद्गलकर्मणा विविधेन।। १७२।।
હવે વળી ફરી પૂછે છે કે-જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
તેથી જ જ્ઞાની વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૭૨.
ગાથાર્થઃ– [यत्] કારણ કે [दर्शनज्ञानचारित्रं] દર્શન-જ્ઞાન-ચારિત્ર [जघन्यभावेन] જઘન્ય ભાવે [परिणमते] પરિણમે છે [तेन तु] તેથી [ज्ञानी] જ્ઞાની [विविधेन] અનેક પ્રકારના [पुद्गलकर्मणा] પુદ્ગલકર્મથી [बध्यते] બંધાય છે.
ટીકાઃ– જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસ્રવભાવોનો તેને અભાવ હોવાથી, નિરાસ્રવ જ છે. પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે -તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા અનુપપત્તિ વડે (અર્થાત્ જઘન્ય ભાવ અન્ય રીતે નહિ બનતો હોવાને લીધે) જેનું અનુમાન થઇ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી, પુદ્ગલકર્મનો બંધ થાય છે. માટે ત્યાં સુધી જ્ઞાનને દેખવું, જાણવું અને આચરવું કે જ્યાં સુધીમાં જ્ઞાનનો જેવડો પૂર્ણ ભાવ છે તેવડો દેખવામાં, જાણવામાં અને આચરવામાં બરાબર આવી જાય. ત્યારથી સાક્ષાત્ જ્ઞાની થયો થકો (આત્મા) સર્વથા નિરાસ્રવ જ હોય છે.
ભાવાર્થઃ– જ્ઞાનીને બુદ્ધિપૂર્વક (અજ્ઞાનમય) રાગદ્વેષમોહનો અભાવ હોવાથી જ્ઞાની નિરાસ્રવ જ છે. પરંતુ જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી તે જ્ઞાની જ્ઞાનને સવોત્કૃષ્ટ ભાવે દેખી, જાણી અને આચરી શકતો નથી-જઘન્ય ભાવે દેખી,
PDF/HTML Page 1736 of 4199
single page version
वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन्।
उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भव–
न्नात्मा नित्यनिरास्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा।। ११६।।
જાણી અને આચરી શકે છે; તેથી એમ જણાય છે કે તે જ્ઞાનીને હજુ અબુદ્ધિપૂર્વક કર્મકલંકનો વિપાક (અર્થાત્ ચારિત્રમોહસંબંધી રાગદ્વેષ) વિદ્યમાન છે અને તેથી તેને બંધ પણ થાય છે. માટે તેને એમ ઉપદેશ છે કે-જ્યાં સુધી કેવળજ્ઞાન ન ઊપજે ત્યાં સુધી જ્ઞાનનું જ નિરંતર ધ્યાન કરવું, જ્ઞાનને જ દેખવું, જ્ઞાનને જ જાણવું અને જ્ઞાનને જ આચરવું. આ જ માર્ગે દર્શન-જ્ઞાન- ચારિત્રનું પરિણમન વધતું જાય છે અને એમ કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. કેવળજ્ઞાન પ્રગટે ત્યારથી આત્મા સાક્ષાત્ જ્ઞાની છે અને સર્વ પ્રકારે નિરાસ્રવ છે.
જ્યાં સુધી ક્ષાયોપશમિક જ્ઞાન છે ત્યાં સુધી અબુદ્ધિપૂર્વક (અર્થાત્ચારિત્રમોહનો) રાગ હોવા છતાં, બુદ્ધિપૂર્વક રાગના અભાવની અપેક્ષાએ જ્ઞાનીને નિરાસ્રવપણું કહ્યું અને અબુદ્ધિપૂર્વક રાગનો અભાવ થતાં અને કેવળજ્ઞાન પ્રગટતાં સર્વથા નિરાસ્રવપણું કહ્યું. આ, વિવક્ષાનું વિચિત્રપણું છે. અપેક્ષાથી સમજતાં એ સર્વ કથન યથાર્થ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [आत्मा यदा ज्ञानी स्यात् तदा] આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે, [स्वयं] પોતે [निजबुद्धिपूर्वम् समग्रं रागं] પોતાના સમસ્ત બુદ્ધિપૂર્વક રાગને [अनिशं] નિરંતર [संन्यस्यन्] છોડતો થકો અર્થાત્ નહિ કરતો થકો, [अबुद्धिपूर्वम्] વળી જે અબુદ્ધિપૂર્વક રાગ છે [तं अपि] તેને પણ [जेतुं] જીતવાને [वारंवारम्] વારંવાર [स्वशक्तिं स्पृशन्] (જ્ઞાનાનુભવનરૂપ) સ્વશક્તિને સ્પર્શતો થકો અને (એ રીતે) [सकलां परवृत्तिम् एव उच्छिन्दन्] સમસ્ત પરવૃત્તિને-પરપરિણતિને-ઉખેડતો [ज्ञानस्य पूर्णः भवन्] જ્ઞાનના પૂર્ણભાવરૂપ થતો થકો, [हि] ખરેખર [नित्यनिरास्रवः भवति] સદા નિરાસ્રવ છે.
ભાવાર્થઃ– જ્ઞાનીએ સમસ્ત રાગને હેય જાણ્યો છે. તે રાગને મટાડવાને ઉદ્યમ કર્યા કરે છે; તેને આસ્રવભાવની ભાવનાનો અભિપ્રાય નથી; તેથી તે સદા નિરાસ્રવ જ કહેવાય છે.
પરવૃત્તિ (પરપરિણતિ) બે પ્રકારની છે-અશ્રદ્ધારૂપ અને અસ્થિરતારૂપ. જ્ઞાનીએ અશ્રદ્ધારૂપ પરવૃત્તિ છોડી છે અને અસ્થિરતારૂપ પરવૃત્તિ જીતવા માટે તે નિજ
PDF/HTML Page 1737 of 4199
single page version
कुतो निरास्रवो ज्ञानी नित्यमेवेति चेन्मतिः।। ११७ ।।
શક્તિને વારંવાર સ્પર્શે છે અર્થાત્ પરિણતિને સ્વરૂપ પ્રતિ વારંવાર વાળ્યા કરે છે. એ રીતે સકળ પરવૃત્તિને ઉખેડીને કેવળજ્ઞાન પ્રગટાવે છે.
‘બુદ્ધિપૂર્વક’ અને ‘અબુદ્ધિપૂર્વક’નો અર્થ આ પ્રમાણે છેઃ-જે રાગાદિપરિણામ ઇચ્છા સહિત થાય તે બુદ્ધિપૂર્વક છે અને જે રાગાદિપરિણામ ઇચ્છા વિના પરનિમિત્તની બળજોરીથી થાય તે અબુદ્ધિપૂર્વક છે. જ્ઞાનીને જે રાગાદિપરિણામ થાય છે તે બધાય અબુદ્ધિપૂર્વક જ છે; સવિકલ્પ દશામાં થતા રાગાદિપરિણામો જ્ઞાનીની જાણમાં છે તોપણ અબુદ્ધિપૂર્વક છે કારણ કે ઇચ્છા વિના થાય છે.
(રાજમલ્લજીએ આ કળશની ટીકા કરતાં ‘બુદ્ધિપૂર્વક’ અને અબુદ્ધિપૂર્વક’નો આ પ્રમાણે અર્થ લીધો છેઃ-જે રાગાદિપરિણામ મન દ્વારા, બાહ્ય વિષયોને અવલંબીને, પ્રવર્તે છે અને જેઓ પ્રવર્તતા થકા જીવને પોતાને જણાય છે તેમ જ બીજાને પણ અનુમાનથી જણાય છે તે પરિણામો બુદ્ધિપૂર્વક છે; અને જે રાગાદિપરિણામ ઇંદ્રિયમનના વ્યાપાર સિવાય કેવળ મોહના ઉદયના નિમિત્તે થાય છે અને જીવને જણાતા નથી તે અબુદ્ધિપૂર્વક છે. આ અબુદ્ધિપૂર્વક પરિણામને પ્રત્યક્ષ જ્ઞાની જાણે છે અને તેમના અવિનાભાવી ચિહ્ન વડે તેઓ અનુમાનથી પણ જણાય છે.) ૧૧૬.
હવે શિષ્યની આશંકાનો શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– ‘[सर्वस्याम् एव द्रव्यप्रत्ययसंततौ जीवन्त्यां] જ્ઞાનીને સમસ્ત દ્રવ્યાસ્રવની સંતતિ વિદ્યમાન હોવા છતાં [ज्ञानी] જ્ઞાની [नित्यम् एव] સદાય [निरास्रवः] નિરાસ્રવ છે [कुतः] એમ શા કારણે કહ્યું?’- [इति चेत् मतिः] એમ જો તારી બુદ્ધિ છે (અર્થાત્ જો તને એવી આશંકા થાય છે) તો હવે તેનો ઉત્તર કહેવામાં આવે છે. ૧૧૭.
હવે વળી ફરી પૂછે છે કે-જો આમ છે (અર્થાત્ જ્ઞાનગુણનો જઘન્ય ભાવ બંધનું કારણ છે) તો પછી જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે? તેના ઉત્તરની ગાથા કહે છેઃ-
એકકોર એમ કહો છો કે જેને અંતરસ્વરૂપનો અનુભવ અર્થાત્ સમ્યગ્દર્શન થયું છે તે જ્ઞાની નિરાસ્રવ છે અને વળી પાછા કહો છો કે જ્યાં સુધી જ્ઞાનનું જઘન્ય
PDF/HTML Page 1738 of 4199
single page version
પરિણમન છે ત્યાં સુધી જ્ઞાનીને રાગ છે અને તેથી બંધ પણ છે તો આ કેવી રીતે છે? જ્ઞાની નિરાસ્રવ કઈ રીતે છે?
સમ્યગ્દ્રષ્ટિ-જ્ઞાની સર્વથા નિરાસ્રવ હોય તો તેને કેવળજ્ઞાન હોવું જોઈએ; પણ એ તો છે નહિ માટે તેને હજુ આસ્રવ છે, બંધ છે; છતાં તે નિરાસ્રવ છે એમ કહેવું એ તો વિરુદ્ધ છે. તો કઈ અપેક્ષાએ તેને નિરાસ્રવ કહેવામાં આવે છે તેનો ખુલાસો કરે છે-
‘જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક (ઇચ્છાપૂર્વક) રાગદ્વેષમોહરૂપી આસ્રવભાવોનો તેને અભાવ હોવાથી નિરાસ્રવ જ છે.’
જુઓ, ‘જે ખરેખર જ્ઞાની છે’ એમ કહીને આ સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીની વાત કરે છે. હવે આમાંથી કોઈને એમ થાય કે જેને સમ્યગ્દર્શન નથી તેણે પહેલાં શું કરવું?
ઉત્તરઃ– સમ્યગ્દર્શન થયા પહેલાં-આત્મા અખંડ પૂર્ણ શુદ્ધ છે, પર્યાયમાં મલિનતાનો અંશ છે પણ વસ્તુમાં મલિનતા નથી-એવો પ્રથમ વિકલ્પ દ્વારા નિર્ણય કરવો. રાગની ભૂમિકામાં એવો નિર્ણય હોય છે (આવે છે) છતાં તે વાસ્તવિક નિર્ણય નથી. આ વાત ગાથા ૭૩ માં આવી ગઈ છે. ત્યાં કહ્યું છે કે-જેમ વહાણ વમળમાં પકડાઈ ગયું હોય તે વમળ છૂટતાં છૂટી જાય છે તેમ વિકલ્પથી છૂટીને નિર્વિકલ્પ અનુભવ કરવો. સમુદ્રમાં વમળ એની મેળે છૂટે છે અને રાગ તો પોતે પુરુષાર્થ કરીને છોડે તો છૂટે છે એટલો દ્રષ્ટાંત અને સિદ્ધાંતમાં ફેર છે. ગાથા ૧૪૪ માં પણ આવે છે કે-આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ પ્રથમ નિર્ણય કરવો.
આત્મામાં એક વીર્ય ગુણ છે; તે દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં વ્યાપેલો છે. આથી પર્યાયમાં પણ વીર્ય છે તે વિકલ્પ દ્વારા પ્રથમ એમ નિર્ણય કરે છે કે-હું શુદ્ધ બુદ્ધ અખંડ ચૈતન્યઘન છું, સદા અબદ્ધસ્પૃષ્ટ સામાન્ય એકરૂપ છું. આવો નિર્ણય (પ્રથમ) આવે પણ એ વિકલ્પરૂપ નિર્ણય અનુભવને આપે એમ નહિ. જેને નિર્વિકલ્પ અનુભવ થાય તેને પ્રથમ આવો નિર્ણય હોય છે બસ એટલું જ. સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે આત્મા કહ્યો છે તે રીતે આત્માને યથાર્થ જાણવા માટે તેને વિકલ્પ આવે પરંતુ વાસ્તવિક નિર્ણય તો ત્યારે જ થાય જ્યારે વસ્તુની અંતર્દ્રષ્ટિ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ થાય. ભાઇ! ખરેખર તો પહેલાં-પછી છે જ કયાં? (કેમકે નિર્વિકલ્પ અનુભવ એ જ નિર્ણય છે) તે નિર્ણયને વિકલ્પરૂપ નિર્ણયની અપેક્ષા જ કયાં છે? છતાં હોય છે. જેને વિકલ્પપૂર્વક પણ શુદ્ધ આત્માનો નિર્ણય નથી એને તો અંતરમાં જવાનાં ઠેકાણાં જ નથી. માર્ગ આવો છે, ભાઇ! વસ્તુ તો અંતર્મુખ છે; આખી વસ્તુ પર્યાયમાં કયાં છે? ત્યાં અંતરમાં દ્રષ્ટિ પડે ત્યારે નિર્વિકલ્પ નિર્ણય થાય છે. આવી વાત છે.
PDF/HTML Page 1739 of 4199
single page version
અહીં-‘જે ખરેખર જ્ઞાની છે’-એમ વાત ઉપાડી છે. સંસ્કૃતમાં ‘हि’ એટલે ‘ખરેખર’- એમ શબ્દ છે; એટલે કે શાસ્ત્રના વાંચનથી જાણપણું કર્યું, ધારણા કરી કે વિકલ્પથી નિર્ણય કર્યો તે જ્ઞાની-એમ નહિ. અંતર્દ્રષ્ટિ કરવાથી જેને નિર્વિકલ્પ અનુભવ થયો છે, ભગવાન આનંદના નાથનું જેને સ્વસંવેદન-જ્ઞાન પ્રગટ થયું છે તે જ્ઞાની છે. સ્વ નામ પોતાના સંવેદન એટલે પ્રત્યક્ષ જ્ઞાનના અવલંબનથી (વેદનથી) જેને આત્મા જણાયો છે તે જ્ઞાની છે. સમજાણું કાંઈ...!
પ્રશ્નઃ– તો વિદ્વાન અને જ્ઞાનીમાં શું ફરક છે?
ઉત્તરઃ– જે ઘણાં શાસ્ત્ર ભણેલો હોય તે વિદ્વાન છે. જેને નિશ્ચયતત્ત્વ ભગવાન પૂર્ણાનંદસ્વરૂપ આત્માનું જ્ઞાન નથી અને શાસ્ત્રમાં વ્યવહારનાં (નિમિત્તાદિનાં) જ્ઞાન કરાવવા માટેનાં જે લખાણ હોય તેને પકડીને તેમાં વર્તે તે વિદ્વાન છે. જ્યારે નિર્વિકલ્પ વસ્તુ અનાકુળ આનંદસ્વરૂપ વીતરાગમૂર્તિ પ્રભુ આત્માના આશ્રયે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ પ્રગટ થયાં છે તે જ્ઞાની છે. જેને વાસ્તવિક આત્મજ્ઞાન પ્રગટયું છે તે જ્ઞાની છે.
અહીં કહે છે-જે ખરેખર જ્ઞાની છે તે, બુદ્ધિપૂર્વક એટલે રુચિપૂર્વક-ઇચ્છાપૂર્વક- અજ્ઞાનપૂર્વક તેને અજ્ઞાનમય એવા રાગદ્વેષમોહરૂપી આસ્રવભાવોનો અભાવ હોવાથી નિરાસ્રવ જ છે. અભિપ્રાયમાં આસ્રવની ભાવનાનો ધર્મીને અભાવ હોવાથી તથા તેનો સ્વામી નહિ થતો હોવાથી જ્ઞાનીને નિરાસ્રવ કહ્યો છે. જડ દ્રવ્યાસ્રવોનો તો તેને સ્વભાવથી જ અભાવ છે અને આસ્રવભાવોના કર્તાપણાનો તેને અભિપ્રાય-શ્રદ્ધાન નથી તેથી જ્ઞાની નિરાસ્રવ છે એમ કહ્યું છે. જે આસ્રવ થાય છે તેમાં જ્ઞાનની જઘન્ય-હીણી પરિણતિ જ કારણ છે.
અબુદ્ધિપૂર્વક રાગના બે અર્થ થાય છે-(૧) અબુદ્ધિપૂર્વક એટલે રુચિ વિના જે રાગ થાય તે-જે અર્થ અહીં કર્યો છે અને (૨) રાજમલજીએ અબુદ્ધિપૂર્વક રાગ એટલે જે રાગ જાણવામાં ન આવે તે રાગ-એમ અર્થ કર્યો છે.
જ્ઞાનીને પાપના પરિણામની તો શું પુણ્યના પરિણામની પણ રુચિ નથી. પુણ્ય- પરિણામને જ્ઞાની ભાવતો નથી. આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્રતાની જેને ભાવના છે અને રાગાદિ આસ્રવભાવની જેને ભાવના નથી એવો જ્ઞાની નિરાસ્રવ જ છે. હવે કહે છે-
‘પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે-તે જ્ઞાની જ્યાં સુધી જ્ઞાનને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને અશક્ત વર્તતો થકો જઘન્ય ભાવે જ જ્ઞાનને દેખે છે, જાણે છે અને આચરે છે ત્યાં સુધી તેને પણ, જઘન્ય ભાવની અન્યથા ઉપપત્તિ
PDF/HTML Page 1740 of 4199
single page version
વડે જેનું અનુમાન થઈ શકે છે એવા અબુદ્ધિપૂર્વક કર્મકલંકના વિપાકનો સદ્ભાવ હોવાથી, પુદ્ગલકર્મનો બંધ થાય છે.’
આગળની ગાથામાં એમ લીધું હતું કે યથાખ્યાતચારિત્ર થયા પહેલાં જ્ઞાની જઘન્યભાવે પરિણમે છે તેથી તેને રાગ છે અને બંધ પણ છે. અહીં એમ કહ્યું કે જ્ઞાની જ્ઞાનને એટલે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ ભગવાન આત્માને જ્યાં સુધી જઘન્યભાવે જ દેખે છે, જાણે છે અને આચરે છે અને સર્વોત્કૃષ્ટ ભાવે દેખવાને, જાણવાને અને આચરવાને સમર્થ નથી ત્યાં સુધી તેને રાગ છે અને તેથી બંધ પણ છે. જ્ઞાની જે સર્વોત્કૃષ્ટ ભાવે આત્માને દેખવા-જાણવા અને આચરવામાં અશક્તપણે વર્તે છે તે અશક્તપણું કોઈ કર્મને લઈને છે એમ નથી પણ પોતાની પર્યાયનું વીર્ય એટલું જ કામ કરે છે એમ વાત છે. અને ત્યાં સુધી તેને કિંચિત્ રાગ છે અને બંધ પણ છે.
અસમર્થપણું પોતાના પુરુષાર્થની નબળાઈથી છે, કર્મના ઉદયનું જોર કે બળજોરી છે માટે છે એમ નથી. શાસ્ત્રમાં કોઈ ઠેકાણે એમ આવે કે-જ્ઞાનીને કર્મના ઉદયનું જોર છે તેથી રાગ-દ્વેષમાં જોડાય છે પણ તેનો અર્થ એટલો જ છે કે જ્ઞાનીને હોંશ વિના-રુચિ વિના રાગ- દ્વેષમાં જોડાવું થાય છે. રાગની જ્ઞાનીને રુચિ નથી એમ બતાવવા માટે કર્મના ઉદયનું જોર કહેવામાં આવે છે. ઇષ્ટોપદેશમાં ‘‘જીવો બળિયો, કમ્મો બળિયો’’ કોઈ વખતે જીવ બળવાન અને કોઈ વખતે કર્મ બળવાન-એવો પાઠ આવે છે. પર તરફના લક્ષે જીવ પરિણમે છે ત્યારે કર્મનું બળ કહેવામાં આવે છે અને સ્વ તરફના એટલે ભગવાન આત્માના લક્ષે પરિણમે ત્યારે જીવનું બળ કહેવામાં આવે છે. જડ કર્મ તો આત્માને અડતુંય નથી તો એનું બળ કયાંથી આવ્યું? પરદ્રવ્યને અને આત્માને કોઈ સંબંધ નથી તેથી કર્મ જીવને રાગ કરાવે કે રખડાવે એ વાત ત્રણકાળમાં સંભવિત નથી. પોતાને પર્યાયમાં પુરુષાર્થની હીણતાના કારણે નિમિત્તના આશ્રયે રાગાદિ-પરિણમન થાય છે તે ભાવકર્મનું બળ છે તો ત્યાં ઉપચારથી દ્રવ્યકર્મનું બળ છે એમ કહેવામાં આવે છે; બાકી દ્રવ્યકર્મ બળ કરીને જીવને રાગાદિ ભાવે પરિણમાવે છે એ વાત નથી.
પ્રશ્નઃ– કર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે ને?
ઉત્તરઃ– અરે ભાઈ! એનો અર્થ શું? કે કર્મના ઉદયમાં પોતાના પુરુષાર્થની કમજોરીના કારણે જોડાય ત્યારે કર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કહેવાય. (નિશ્ચયથી સંબંધ છે નહિ). લોકોને નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં અત્યારે મોટા ગોટા ઉઠયા છે; એમ કે નિમિત્ત કર્મ નૈમિત્તિક રાગને કરાવે છે; પણ એમ છે નહિ.
અહીં કહે છે-જ્ઞાની પોતાના આત્માને જઘન્ય ભાવે દેખે, જાણે અને આચરે છે ત્યાં સુધી તેને અબુદ્ધિપૂર્વક રાગ છે અને એટલો બંધ પણ છે. ક્ષાયિક શ્રદ્ધાનમાં