Pravachan Ratnakar (Gujarati). Gatha: 167-169.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 86 of 210

 

PDF/HTML Page 1701 of 4199
single page version

જે જ્ઞાનમયભાવ પ્રગટયો તે જ્ઞાનની પર્યાયનું કર્તાપણું જ્ઞાનગુણમાં છે, પણ રાગનું કર્તાપણું તે જ્ઞાનસ્વરૂપમાં છે નહિ. આવી ઝીણી વાત છે, ભાઈ!

પણ તું ઝીણો-અરૂપી છો ને પ્રભુ! સંકલ્પ-વિકલ્પ છે એ તો બધા જડ, રૂપી અચેતન છે. પુણ્ય-પાપના અચેતન સ્વભાવથી ભગવાન ત્રિકાળી ચૈતન્યસ્વભાવ તદ્ન ભિન્ન છે. આવા ચૈતન્યને જાણતાં-અનુભવતાં જે જ્ઞાનમય ભાવ પ્રગટ થયો તે અજ્ઞાનમય ભાવનો કર્તા હોતો નથી. તેને અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન જ થતા નથી એટલે તે કર્તા નથી. તેને અજ્ઞાનમય ભાવનું પરિણમન જ નથી.

* ગાથા ૧૬૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગ-દ્વેષ-મોહ અર્થાત્ આસ્રવો હોતા નથી અને આસ્રવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે.’

જુઓ, ધર્મી જીવ તો રાગ આદિનો સદાય અકર્તા છે, કેમકે જ્ઞાનસ્વભાવમાં રાગનું કરવાપણું છે જ નહિ. આત્મામાં કર્તાગુણ છે પણ એ નિર્મળ પર્યાયને-જ્ઞાનભાવને કરે એવો તેનો સ્વભાવ છે. અહા! જ્ઞાનગુણ અને આનંદગુણની જેમ આત્મામાં કર્તાગુણ ત્રિકાળ નિર્મળ પવિત્ર છે. એ કર્તાગુણ પવિત્ર પર્યાયને કરે એવો તેનો સ્વભાવ છે. સમયસારમાં ૪૭ શક્તિઓનું વર્ણન છે ત્યાં આ વાત લીધી છે. અહાહા...! શક્તિ જે નિર્મળ છે તે નિર્મળ પરિણામને-જ્ઞાનપરિણામને કરે છે, વિકારને નહિ. વિકાર જે થાય છે તેના જ્ઞાનપણે જ્ઞાની પરિણમે છે, વિકારના કર્તાપણે નહિ. તેથી જ્ઞાની નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વે બંધાયેલાં કર્મો જે સત્તામાં રહ્યાં છે તેમનો તે જ્ઞાતા જ છે, પરજ્ઞેય તરીકે તેમને તે કેવળ જાણે જ છે. આવી વાત છે.

‘અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી.’

જુઓ, રાગ છે તે હું છું, પુણ્ય છે તે હું છું અને એ રાગભાવ મારો સ્વભાવ પ્રગટવાનું કારણ છે એવી જે વિપરીત માન્યતા તે સહિત જે રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમકિતીને ચોથે, પાંચમે, છટ્ઠે કંઈક રાગ હોય છે પણ એ અજ્ઞાનના પક્ષમાં નથી, કેમકે સમકિતીને સદા આત્માના વલણયુક્ત જ્ઞાનમય ભાવ હોય છે. જે રાગ હોય છે તેનું તે જ્ઞાન કરે છે. રાગ છે માટે એનું જ્ઞાન છે એમ નહિ, એને તો સ્વ-પરને જાણનારા જ્ઞાનનું જ


PDF/HTML Page 1702 of 4199
single page version

જ્ઞાન હોય છે, અને તે સ્વ-પરને જાણનારું જ્ઞાન પોતે પોતાને લઈને થાય છે. તેથી તે રાગાદિનો જ્ઞાતા જ છે. તેને નિરંતર જ્ઞાનમય જ પરિણમન હોય છે.

‘તેને ચારિત્રમોહના ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી.’

અહીં ઉદયની બળજોરી કહી ત્યાં કર્મ બળજોરીએ તેને રાગ કરાવે છે એમ અર્થ નથી. પણ તેને રાગની રુચિ નથી છતાં તેને અસ્થિરતાના કારણે કિંચિત્ રાગ થાય છે તો તેને ઉદયની બળજોરી કહી છે. પોતાનો પુરુષાર્થ કંઈક કમજોર છે એટલે ઉદયની બળજોરી છે એમ કહ્યું છે. રુચિમાં તો ભગવાન આત્મા છે, રાગ નહિ તેથી કહ્યું કે ચારિત્રમોહના ઉદયની બળજોરીથી કંઈક રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી. એ ભલો છે, કરવા જેવો છે એમ એને આત્મબુદ્ધિ અને કર્તાબુદ્ધિ નથી.

આસ્રવ અધિકારની પહેલી ગાથામાં (ગાથા ૧૬૪-૧૬પ માં) એવું આવ્યું કે મિથ્યાત્વ- રાગ-દ્વેષમય પરિણામ જીવના જીવને કારણે થાય છે. તેઓ (અજ્ઞાનદશામાં) જીવના છે અને એના અસ્તિત્વમાં થાય છે એમ ત્યાં જ્ઞાન કરાવ્યું. હવે અહીં તો જ્ઞાનસ્વભાવી આત્માનું ભાન થયું છે; તેનું વલણ થયું છે તેથી આસ્રવનો-રાગાદિનો જીવ જ્ઞાતા જ છે એમ કહ્યું છે. લ્યો, આમ જ્ઞાતાપણે રહે-પરિણમે તેને ધર્મ થાય છે.

ભાઈ! ઉદ્ધારનો-મુક્તિનો રસ્તો તો આ છે. એનો વિરોધ ન થાય, બાપુ! કેમકે એથી તો પોતાનો જ વિરોધ થાય છે. સામાયિક, પોસા અને પ્રતિક્રમણ આદિ બાહ્ય ક્રિયાઓ છે એ તો શુભરાગ છે. એ રાગનો પુરુષાર્થ તો કૃત્રિમ છે. ધર્મની પ્રાપ્તિ તો સ્વભાવના સહજ પુરુષાર્થથી થાય છે. ભાઈ! આ સત્ય સમજવાનો કાળ છે હોં. માર્ગ આકરો લાગે પણ ખરેખર આકરો નથી કેમકે સ્વભાવ તો સહજ છે.

નાથ! ભગવાને તો એમ કીધું છે કે જે સ્વરૂપની રચના કરે તેને વીર્ય કહીએ; રાગની રચના કરે એ તો નપુંસકપણું છે. વિભાવની રચના કરે તે વીર્ય ગુણનું પુરુષાર્થ ગુણનું કાર્ય નથી. શું કીધું? વીર્યગુણ-પુરુષાર્થ-શક્તિ જે છે તે આત્માનું સહજ છે અને તે સ્વરૂપની રચના કરે છે. અહા! જેણે સ્વભાવવાન ભગવાન આત્માની દ્રષ્ટિ થઈ એણે સ્વભાવને-પુરુષાર્થને માન્યો છે અને એને નિર્મળ પરિણતિની રચના થાય છે. મલિન પરિણતિ થાય એ વીર્યગુણનું કાર્ય છે જ નહિ.

પહેલાં રાગ-દ્વેષ-મોહના પરિણામ આત્મામાં પોતાથી થયા છે એમ કહ્યું ત્યાં પર્યાયને સ્વતઃ સિદ્ધ કરી છે. ત્યારે અહીં આત્મા જ્યાં જ્ઞાની થયો ત્યાં એને ચૈતન્યના વલણવાળા જ્ઞાનમય પરિણામ હોવાથી રાગનું કર્તૃત્વ રહેતું નથી. એમ કહે છે. અહા!


PDF/HTML Page 1703 of 4199
single page version

જેને ચૈતન્યસ્વભાવનું જ્ઞાન અને ભાન થયું તે જ્ઞાનીને ઉદયની બળજોરીથી કિંચિત્ રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી; તે રાગ સાથે એકત્વ પામતો નથી. જે શુદ્ધ દ્રવ્યમાં એકત્વ કરીને જ્ઞાનભાવે પરિણમ્યો તે જ્ઞાનીને અલ્પ રાગ થાય પણ તેમાં તે એકપણું પામીને ખરડાતો નથી.

ભાઈ! તું ચોરાસી લાખ યોનિમાં-એક એક યોનિમાં અનંતવાર જન્મ-મરણ કરી ચૂકય ો છે. અહીં તને જન્મ-મરણ રહિત થવાની રીત કહેવામાં આવે છે. આ તારો સમજણનો કાળ છે.

આત્મામાં એક ‘સ્વસ્વામી-સંબંધ શક્તિ’ છે. તે વડે ચૈતન્યદ્રવ્ય, ગુણ અને એની નિર્મળ પર્યાય બસ એ તેનું સ્વ છે અને આત્મા તેનો સ્વામી છે. આવી આત્મામાં સંબંધ શક્તિ છે. પરંતુ રાગનો સ્વામી થાય એવો કોઈ આત્મામાં ગુણ નથી. તેથી જ્ઞાની થતાં રાગનો સ્વામી જ્ઞાની થતો નથી. ‘તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે-અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે.’ જ્ઞાનીને રાગ રોગસમાન દુઃખરૂપ લાગે છે. કોઈ રીતે સમાધાન થતું નથી તેથી રાગમાં આવી જાય છે પણ તે એને રોગ સમાન જાણીને પ્રવર્તે છે. જેમ કોઈ રોગી રોગને ઔષધ વડે દૂર કરતો થકો પ્રવર્તે છે તેમ જ્ઞાની પોતાની શક્તિ વડે-સ્વભાવના પુરુષાર્થ વડે રાગને કાપતો જાય છે અર્થાત્ દૂર કરતો જાય છે.

જુઓ, કોઈ એમ કહે કે જ્ઞાનીને રાગ-દ્વેષ, દુઃખ હોય જ નહિ તો એ બરાબર નથી. અરે ભાઈ! જે હોઈ એને કાપતો જાય કે ન હોય એને? જ્ઞાનીને અસ્થિરતાનો અલ્પ રાગ-દ્વેષ તો થતો હોય છે અને તેને એ સ્વરૂપના અવલંબનની એકાગ્રતા ઉગ્ર કરીને કાપતો જાય છે એટલે ક્રમશઃ મટાડી દે છે. જેમ જેમ સ્વરૂપની એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ રાગનો ક્રમશઃ અભાવ થતો જાય છે. પરંતુ જેટલા અંશે તેને રાગ છે તેટલું જ્ઞાનીને દુઃખ પણ અવશ્ય છે. હવે કહે છે-

‘માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી.’ જુઓ, બંધ તો કરે છે પણ સામાન્ય એટલે અનંત સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી.’ દ્રષ્ટિની પ્રધાનતામાં અલ્પ બંધ કાંઈ નથી. અહો! આવો દ્રષ્ટિનો કોઈ અચિંત્ય મહિમા છે.

‘આ રીતે જ્ઞાનીને આસ્રવ નહિ હોવાથી બંધ થતો નથી.’

[પ્રવચન નં. ૨૩૦ * દિનાંક ૧૩-૧૧-૭૬]

PDF/HTML Page 1704 of 4199
single page version

अथ रागद्वेषमोहानामास्रवत्वं नियमयति–

भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो।
रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि।। १६७ ।।
भावो रागादियुतो जीवेन कृतस्तु बन्धको भणितः।
रागादिविप्रमुक्तोऽबन्धको ज्ञायकः केवलम्।। १६७ ।।

હવે, રાગદ્વેષમોહ જ આસ્ત્રવ છે એવો નિયમ કરે છેઃ-

રાગાદિયુત જે ભાવ જીવકૃત તેહને બંધક કહ્યો;
રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહીં, જ્ઞાયક નર્યો. ૧૬૭.

ગાથાર્થઃ– [जीवेन कृतः] જીવે કરેલો [रागादियुतः] રાગાદિયુક્ત [भावः तु] ભાવ [बन्धकः भणितः] બંધક (અર્થાત્ નવાં કર્મનો બંધ કરનાર) કહેવામાં આવ્યો છે. [रागादिविप्रमुक्तः] રાગાદિથી વિમુક્ત ભાવ [अबन्धकः] બંધક નથી, [केवलम् ज्ञायकः] કેવળ જ્ઞાયક જ છે.

ટીકાઃ– ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે, અને જેમ લોહચુંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે; માટે રાગાદિ સાથે મિશ્રિત (-મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક (-પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.

ભાવાર્થઃ– રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે.

* * *

PDF/HTML Page 1705 of 4199
single page version

સમયસાર ગાથા ૧૬૭ઃ મથાળુ

હવે, રાગદ્વેષમોહ જ આસ્રવ છે એવો નિયમ કરે છેઃ-

જેને રાગમાં એકત્વબુદ્ધિ છે એવા મિથ્યાદ્રષ્ટિના રાગ-દ્વેષ-મોહ જ આસ્રવનું કારણ થાય છે એમ કહે છે-

* ગાથા ૧૬૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘ખરેખર, જેમ લોહચુંબક-પાષાણ સાથે સંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ કરવાને) પ્રેરે છે તેમ...’

જુઓ, લોહચુંબક-પાષાણના સંસર્ગમાં આવવાથી સોયમાં ગતિ થવાની પ્રેરણા ઉત્પન્ન થઈ અર્થાત્ એમાં ગતિની ભાવના છતી થઈ-એમ કહે છે. લોખંડની સોય લોહચુંબક-પાષાણના સંસર્ગમાં આવે છે તેથી એનાથી ઉત્પન્ન થયેલો ભાવ સોયમાં ગતિ પ્રેરે છે, એટલે કે તે વડે સોય ચુંબક પાસે જાય છે. લોહચુંબક તો નિમિત્ત છે; સોયમાં તે વખતે પોતાના કારણે પોતામાંથી થયેલો ભાવ તેને ચુંબક ભણી ગતિ કરવાને પ્રેરે છે. લોહચુંબક એને ખેંચે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. લોહચુંબક સોયને ખેંચે છે એમ નહિ, પણ લોહચુંબકનો સોયે સંસર્ગ કર્યો તેથી સ્વયં સોયમાં તેની સમીપ જવાની ભાવના જાગ્રત થઈ છે. જુઓ આ દ્રષ્ટાંત કહ્યું.

હવે સિદ્ધાંતઃ-‘તેમ રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને પ્રેરે છે.’

ભગવાન આત્મા તો સચ્ચિદાનંદ પ્રભુ સદાય જ્ઞાનાનંદસ્વભાવી છે. તેને રાગદ્વેષમોહ સાથે ભેળસેળપણું થવાથી અર્થાત્ રાગાદિમાં એકત્વબુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ કર્મ કરવા પ્રતિ પ્રેરે છે. હું શુદ્ધ ચિદ્રૂપ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા છું એમ જેને ખબર નથી તે વર્તમાન પર્યાયમાં થતા રાગદ્વેષમોહના ભાવ સાથે એકત્વ માનીને અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન કરે છે અને તે અજ્ઞાનમય ભાવ તેને કર્મ કરવા પ્રતિ પ્રેરે છે. અહા! દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અને કામ, ક્રોધ, વિષયવાસના આદિ જે વિકલ્પ છે તે મારું કર્તવ્ય છે એવો જે અજ્ઞાનમય ભાવ તે આત્માને કર્મ એટલે રાગાદિ કરવાને પ્રેરે છે. અર્થાત્ એ અજ્ઞાનમય ભાવને કારણે આત્મા રાગાદિનો કર્તા થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપની ખબર નથી એટલે જીવ રાગને પોતાનો માનીને એકત્વબુદ્ધિથી રાગના કર્તૃત્વમાં પ્રેરાય છે.

કોઈ કહે-અમને ખબર ન હોય એમાં શું દોષ? તેને કહે છે કે ભાઈ! તને ખબર નથી એ જ મહાન દોષ છે. સ્વરૂપનું અજ્ઞાન એ મહાદોષ છે. અજ્ઞાન એ કાંઈ બચાવ નથી. કોઈ હીમજની જગાએ અજ્ઞાનથી સોમલ (ઝેર) ખાઈ જાય તો તેથી તેનું મોત જ થાય. ખબર નથી માટે તે બચી ન જાય. એમ સ્વરૂપનું અજ્ઞાન રાખે તો


PDF/HTML Page 1706 of 4199
single page version

તે ચારગતિમાં રખડી-રખડીને મરી જ જાય કેમકે સ્વરૂપનું અજ્ઞાન એ જ મહાપાપ છે. અહીં કહે છે-હું જ્ઞાનાનંદસ્વરૂપ છું, રાગ મારું સ્વરૂપ નથી એવી ખબર નહિ હોવાથી અજ્ઞાનમય ભાવ વડે જે રાગ કરવાને પ્રેરાય છે તે બંધનમાં જ પડે છે. સમજાણું કાંઈ...?

અહાહા...! આચાર્ય ભગવાન કેવી શૈલીમાં કહે છે! આત્મા તો ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાન અને આનંદસ્વરૂપ છે. પણ એની જેને દ્રષ્ટિ થઈ નથી અને માત્ર પર્યાયબુદ્ધિએ અજ્ઞાનમય ભાવ જેને વર્તે છે તેને પર્યાયબુદ્ધિમાં રાગની જ ઉત્પત્તિ થાય છે, અને એ બંધનમાં જ પડે છે.

ભાઈ! ધર્મ અને ધર્મની પદ્ધતિ બહુ સૂક્ષ્મ છે. આ તો જન્મ-મરણનો મોટો ભવસમુદ્ર પાર કરવાની વાતો છે. ભગવાન એમ કહે છે કે-પ્રભુ! તેં દ્રવ્યલિંગી જૈન સાધુપણું એટલી વાર ધારણ કર્યું કે લોકમાં એવો કોઈ ભાગ (ક્ષેત્ર) નથી જેમાં તું અનંતવાર જન્મ્યો અને મર્યો ન હોય. ભગવાન! દ્રવ્યલિંગ ધારણ કરીને પણ રાગને પોતાનું કર્તવ્ય માનીને અજ્ઞાનભાવે તું બંધ જ કરતો હતો. ભગવાન કુંદકુંદાચાર્ય તો એમ કહે છેે કે-મારા પ્રતિ જેને-દ્વેષ થયો છે તેને પણ દ્રવ્યલિંગ ન હજો; કેમકે વસ્તુ અંદર પ્રાપ્ત થઈ ન હોય અને દ્રવ્યલિંગ લેવાઈ જાય પછી મુંઝવણનો પાર રહેતો નથી. દ્રવ્યલિંગી કર્તાબુદ્ધિએ રાગ કરે છે. તે પંચમહાવ્રતને બરાબર પાળે છે પણ એવા રાગને ધર્મ માની કરવાપણાની બુદ્ધિએ તે કરવા પ્રતિ પ્રેરાય છે. આ અજ્ઞાનમય ભાવ જ એને બંધનનું કારણ બને છે.

ભાઈ! આ તો પરમ સત્ય વાતો છે. કુદરતી અહીં આવી ગઈ છે. આ તો ભગવાનના સંદેશા છે. અભ્યાસ નહિ એટલે સાધારણ માણસોને ઝીણું લાગે, પણ ભાઈ! હું જ્ઞાનસ્વરૂપ છું, રાગસ્વરૂપ નથી એવું જેને ભાન નથી, વિવેક નથી તેને વ્યવહારની જે બાહ્યક્રિયાઓનું કરવાપણું છે તે અજ્ઞાનની પ્રેરણાથી છે અને તે બંધનું કારણ બને છે. કર્તાપણે થયેલા સર્વ ભાવો બંધનું જ કારણ છે.

આ વાણિયા માલમાં ભેળસેળપણું નથી કરતા? કાળાં મરી સાથે બપૈયાનાં બીજ ભેળવી દે-એવી ઘણી બધી ભેળસેળ કરે છે ને? તેમ અનાદિથી અજ્ઞાની આત્મા પોતાના જ્ઞાનાનંદસ્વભાવ સાથે પુણ્ય-પાપના પરિણામોની ભેળસેળ કરીને બેઠો છે. પરમાત્મા કહે છે- પ્રભુ! તું નિર્મળાનંદનો નાથ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવથી ભરેલો-એમાં તેં રાગને ભેળવી નાખ્યો! ભગવાન! તને શું થયું આ? અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયકદેવ વિરાજી રહ્યો છે તેની સાથે અરે! તેં વિભાવને-રાગદ્વેષને પોતાના માનીને ભેળવી દીધા! ભગવાન! તું તો એકલો જ્ઞાનસ્વરૂપ છો ને! તારામાં અનંત આનંદ અને અનંત જ્ઞાન પડયાં છે ને! આવા સ્વરૂપને છોડીને, રાગ મારો એમ માનીને રાગ કરવાની બુદ્ધિ તને


PDF/HTML Page 1707 of 4199
single page version

કેમ થઈ? ભાઈ! આ રાગ છે તે તારી પોતાની જાત નથી, એ તો કજાત છે. પુણ્ય-પાપના ભાવ તો વિભાવ-ચંડાલણીના પુત્ર છે. ભાઈ! સ્વરૂપથી અજાણ રહી, રાગને પોતાનો માનીને રાગ કરવા પ્રતિ પ્રેરાય છે એ અજ્ઞાનભાવ મિથ્યાત્વાદિના બંધનું કારણ થાય છે.

ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ-સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદના શાંત-શાંત-શાંત સ્વભાવે સદાય રહેલો છે. તેને ભૂલીને પુણ્ય-પાપના વિકલ્પોની ભેળસેળ કરી આત્માને માને છે-રાગ મારું સ્વરૂપ છે વા રાગથી મને લાભ થાય, ધર્મ થાય-એમ જે માને છે-તે અજ્ઞાનમય ભાવ છે અને તે અજ્ઞાનમય ભાવ જીવને કર્મ કરવાને પ્રેરે છે. ભગવાન જ્ઞાયક સાથે રાગની ભેળસેળ કરવાથી જે અજ્ઞાનમય ભાવ થયો તે કર્મ કરવાને પ્રેરે છે અને તે બંધનનું કારણ બને છે.

સંપ્રદાયમાં તો કહે કે-ભગવાનની સેવા ભક્તિ કરતાં કરતાં કલ્યાણ થઈ જાય; એટલે કે રાગ કરતાં કરતાં વીતરાગ થઈ જાય વા બંધભાવ કરતાં કરતાં નિર્બંધ થઈ જાય. આવું તે હોય બાપુ? (ન હોય). રાગ ચાહે તો શુભભાવ હો, પણ એ તો આસ્રવ તત્ત્વ છે અને ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ છે. બન્ને ભિન્ન ભિન્ન છે. તથાપિ બન્નેની ભેળસેળ કરીને એક માને તો તેથી અજ્ઞાનમય ભાવ ઉપજે છે અને તે રાગ-દ્વેષને જ કરવા પ્રતિ પ્રેરે છે, બંધનના ભાવ પ્રતિ જ ધકેલે છે. (રાગના કરવાપણાનો ભાવ એ બંધનનો જ ભાવ છે).

સ્વરૂપના અજ્ઞાનનો નાશ અને જ્ઞાનની પ્રાપ્તિ એ મૂળ વાત છે. ધર્મી જીવને અસ્થિરતાનો દોષ હોય તેની અહીં ગણતરી નથી. જ્ઞાનીને પણ થોડી અશુદ્ધતા હોય છે અને તેના નિમિત્તે થોડો બંધ પણ થાય છે પણ તેને રાગના કર્તાપણાની બુદ્ધિ નહિ હોવાથી તેનો તે જ્ઞાતા જ રહે છે. જેમ ભગવાન કેવળી વ્યવહાર નયથી લોકાલોકને જાણે છે ત્યાં લોકાલોકમાં તન્મય થઈને ભગવાન જાણતા નથી તેમ જ્ઞાની, પર્યાયમાં જે રાગ થાય છે તેને જાણે છે પણ તે રાગમાં તન્મય નથી. જ્ઞાની પોતામાં જ રહીને રાગને પરજ્ઞેય તરીકે જાણે છે, રાગમાં ભળીને રાગને જાણે છે એમ નહિ. રાગ સંબંધીનું જ્ઞાન રાગથી નહિ પોતાના સામર્થ્યપણે પોતાથી થાય છે. રાગમાં એકત્વબુદ્ધિ કરીને રાગને જાણે એ તો અજ્ઞાનમય મિથ્યાત્વના ભાવ છે અને એ જ આસ્રવ-બંધનું કારણ છે.

અહો! માર્ગ બહુ ગૂઢ, બાપુ! જેના ફળમાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત આનંદ પ્રગટે એ માર્ગ-ઉપાય તો ગૂઢ અલૌકિક જ હોય ને?

હવે સવળેથી લે છે-‘અને જેમ લોહચૂંબક-પાષાણ સાથે અસંસર્ગથી (લોખંડની સોયમાં) ઉત્પન્ન થયેલો ભાવ લોખંડની સોયને (ગતિ નહિ કરવારૂપ) સ્વભાવમાં જ સ્થાપે છે તેમ...’


PDF/HTML Page 1708 of 4199
single page version

જુઓ, શું કહ્યું? કે જો લોહચુંબક-પાષાણ સાથે સોય સંસર્ગ કરતી નથી તો તે ગતિપરિણામને ઉત્પન્ન કરનારા ભાવને પામતી નથી અને તેથી ગતિ કરતી નથી. લોહચુંબકના સંસર્ગના અભાવે સોય સોયમાં જ એટલે તેના સ્વભાવમાં જ રહે છે. ચુંબકના સંસર્ગના અભાવે ઉત્પન્ન થયેલો ભાવ સોયને (સ્થિરપણાના) સ્વભાવમાં સ્થાપે છે, સોયમાં ગતિ- પરિણામને (વિભાવને) ઉત્પન્ન કરતો નથી.

‘તેમ રાગદ્વેષમોહ સાથે અભેળસેળપણાથી (આત્મામાં) ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, જેને કર્મ કરવાની ઉત્સુકતા નથી (અર્થાત્ કર્મ કરવાનો જેનો સ્વભાવ નથી) એવા આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે.’

જુઓ, ભગવાન આત્મા એકલા જ્ઞાનસ્વરૂપે છે, તેમાં રાગ-દ્વેષ-મોહની ભેળસેળ નથી. રાગ ને આત્મા એક નથી. આવી ભિન્નતાના વિવેકયુક્ત ભાવને જ્ઞાનમય ભાવ કહે છે. શુદ્ધ ચૈતન્યમય આત્માના અનુભવથી-પરિચયથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમય ભાવમાં અસ્થિરતાનો જે રાગ થાય તેને કરવાની ઉત્સુકતા નથી. અહા! જ્ઞાનીને રાગ કરવાની રુચિ કે હોંશ નથી. રાગ ભલો છે એમ રાગની દશાને પ્રેરીને રાગ કરે એવી દશા જ્ઞાનીને નથી.

શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન જ્ઞાયકનું જેને ભાન થયું છે તે જ્ઞાનીને રાગાદિ સાથે અભેળસેળપણાને લીધે જ્ઞાનમય ભાવ પ્રગટ થયો છે, અને તેથી રાગના કર્તાપણાની બુદ્ધિ એને છૂટી ગઈ છે. હું રાગ કરું એવો અભિપ્રાય એને છૂટી ગયો. ભગવાન જ્ઞાયક સાથે એકત્વ થયું હોવાથી તેને કર્મ કરવાની ઉત્સુકતા હોંશ નથી. અહાહા...! જ્ઞાયકસ્વભાવમાં કર્મ (-રાગાદિ) નહિ અને કર્મનું (-રાગાદિનું) કર્તાપણું પણ નહિ. આવા જ્ઞાયકને દ્રષ્ટિમાં લેનાર જ્ઞાનીને કર્મ કરવા પ્રતિ નિરુત્સુકતા છે. (અર્થાત્ તે રાગાદિના કર્તાપણાથી વિરત્ત છે).

ધર્મના સ્વરૂપની આવી વાતો છે. સંપ્રદાયમાં તો દયા પાળવી, વ્રત કરવાં, પોસા ને પ્રતિક્રમણની ક્રિયાઓ કરવી-એટલે સમજે કે ધર્મ થઈ ગયો, કેમકે એ બધું સહેલું સટ હતું ને? પણ સહેલું શું? ભાઈ! એ તો બધું જિંદગી હારી જવાનું હતું. રાગથી ભેળસેળ કરીને રાગનો કર્તા થાય એ તો અજ્ઞાનમય ભાવ છે, બંધનમાં નાખનારો ભાવ છે. જ્ઞાનીને જોકે બાહ્યક્રિયાનો અલ્પ રાગ થાય છે પણ તેને રાગમાં એકતાબુદ્ધિ નથી. તે રાગને જ્ઞાનથી પૃથક્ રાખીને રાગનું જ્ઞાન કરે છે, રાગનો કર્તા થતો નથી.

ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ જ્ઞાતા-દ્રષ્ટા છે. તે પોતાના સ્વસંવેદનજ્ઞાનમાં જ્યાં પ્રત્યક્ષ જણાયો ત્યાં રાગ પૃથક્ પડી જાય છે. જ્ઞાની રાગની ભેળસેળ કરતો નથી. તે પુણ્યના-દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ સાથે અભેળસેળપણે


PDF/HTML Page 1709 of 4199
single page version

પૃથક્ જ રહે છે. જ્ઞાન રાગને જાણે છે પણ જ્ઞાન રાગમય થઈ જતું નથી, ભિન્ન જ રહે છે.

આવો માર્ગ બાપા! સમજવાનો આ અવસર છે. અરે! ક્ષણમાં દેહ તો છૂટીને ચાલ્યો જશે. કોઈની પાસેથી માન કે અભિનંદન મળ્‌યાં હશે તે કોઈ ત્યાં કામ નહીં આવે. ત્યાં તો જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન અને રમણતા જે થયાં છે તે જ કામ આવશે. અહો! અમૃતચંદ્રાચાર્યદેવની આ ‘આત્મખ્યાતિ’ ટીકા અતિ ગંભીર રહસ્યોથી ભરેલી છે.

શ્રી જયસેનાચાર્યે પણ લોહચુંબકનો દાખલો લીધો છે. ભગવાન આત્મા સદાય જ્ઞાયક જ છે. પરંતુ તે રાગના વિકલ્પથી ભેળસેળપણું કરે છે ત્યારે તેને ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ તેને રાગાદિ કર્મ કરવાને પ્રેરે છે. પણ જો તે રાગાદિથી ભેળસેળપણું કરતો નથી, સંસર્ગ કરતો નથી તો તે સ્વભાવમાં-જ્ઞાનભાવમાં જ રહે છે. અહા! રાગથી એકતા તોડીને જેણે નિજ જ્ઞાયકસ્વભાવમાં એકત્વ કર્યું તે પોતાને સ્વભાવમાં સ્થાપે છે અર્થાત્ તે પોતાને પોતામાં જવા માટે પ્રેરે છે. જ્ઞાની આત્માને આત્મામાં જ સ્થાપે છે. જેમ ચુંબકના સંસર્ગના અભાવમાં લોખંડની સોય ગતિ કરતાં અટકી જાય છે તેમ જ્ઞાની જ્ઞાનમય ભાવના કારણે રાગમાં ગતિ કરતાં અટકી જાય છે. જ્ઞાની જ્ઞાનસ્વભાવમાં-જ્ઞાયકભાવમાં જ પોતાને સ્થાપે છે. આનું નામ ધર્મ અને આનું નામ મોક્ષમાર્ગ છે.

રાગનું જેટલું પરિણમન પોતામાં છે તેને જ્ઞાની જાણે જ છે, કરતો નથી. અલબત પરિણમનની અપેક્ષાએ જ્ઞાની તે તે રાગનો કર્તા છે એમ કહેવાય છે પણ ત્યાં રાગ કરવા લાયક કર્તવ્ય છે એમ તેને નથી. મુનિરાજને છટ્ઠે ગુણસ્થાને જે રાગાંશ છે તેના તે પરિણમનની દ્રષ્ટિએ કર્તા છે પણ કર્તાબુદ્ધિએ નહિ; કેમકે કર્તાબુદ્ધિએ રાગને કરવો એ જીવનો સ્વભાવ જ નથી.

હવે કહે છે-‘માટે રાગાદિ સાથે મિશ્રિત (-મળેલો) અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વમાં પ્રેરતો હોવાથી બંધક છે અને રાગાદિ સાથે અમિશ્રિત ભાવ સ્વભાવનો પ્રકાશક (-પ્રગટ કરનાર) હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરા પણ બંધક નથી.’

જુઓ, આ સરવાળો કહ્યો. ભગવાન આત્મા પ્રજ્ઞા-બ્રહ્મસ્વરૂપ પ્રભુ સદા અબંધસ્વભાવ છે. પણ રાગાદિ એટલે પુણ્ય-પાપના ભાવ સાથે તેને ભેળવતાં અજ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે; તે રાગાદિ કરવાને પ્રેરતો હોવાથી બંધક છે, બંધનનો કરનારો છે.

પરંતુ રાગથી ભેળસેળ વિનાનો, રાગથી ભિન્ન પડેલો જે ભાવ છે તે સ્વભાવનો પ્રકાશક છે. પુણ્ય-પાપથી નહિ ભળેલો ભાવ સ્વભાવનો પ્રકાશક એટલે પ્રગટ કરનારો હોવાથી કેવળ જ્ઞાયક જ છે, જરાપણ બંધક નથી.


PDF/HTML Page 1710 of 4199
single page version

જ્ઞાનીને કિંચિત્ રાગ થાય છે, પણ તે રાગમાં એકત્વ નહિ કરતો હોવાથી દ્રષ્ટિની અપેક્ષાએ તેનો તે સ્વામી નથી. પરિણમનની અપેક્ષાએ તે રાગનો સ્વામી છે કારણ કે રાગના પરિણામ કાંઈ કર્મને લઈને થાય છે એમ નથી. જ્ઞાનીને છટ્ઠે ગુણસ્થાને જે રાગ છે તેનો તે પર્યાય અપેક્ષાએ સ્વયં કર્તા-ભોક્તા છે. તે પણ જે અલ્પ રાગ છે તેનું કર્તાપણું અને ભોક્તાપણું પોતાનું છે એમ યથાર્થ જાણે છે. તેને કર્મને લઈને રાગ થયો છે અને કર્મને લઈને રાગનું ભોગવવાપણું થાય છે એમ નથી.

કોઈ એમ માને કે-જ્ઞાની થયો એટલે એને રાગેય નથી અને બંધનેય નથી તો એમ વાત નથી. આગળ ગાથા ૧૭૧ માં આવશે કે જ્ઞાનીને પણ જ્યાં સુધી જઘન્ય પરિણમન છે, યથાખ્યાતચારિત્ર પ્રગટ થયું નથી ત્યાં સુધી રાગનું પરિણમન છે અને તેટલું બંધન પણ છે, પરંતુ અનંત સંસારનું કારણ થાય તેવું બંધન નથી.

કોઈને વળી થાય કે આવો ધર્મ કયાંથી કાઢયો! કાઢે કયાંથી? એ તો અનાદિનો છે જ. આ તો બહાર કાઢીને બતાવ્યો છે.

રાગ કરતાં કરતાં લાભ થાય, શુભરાગથી-પુણ્યભાવથી ધર્મ થાય એમ અબંધસ્વભાવને રાગ સાથે ભેળવવું એ જ અજ્ઞાન છે અને તે અજ્ઞાનમય ભાવ, મિથ્યાદર્શનનો ભાવ બંધક છે, બંધનું જ કારણ છે. અને ભગવાન જ્ઞાયકને બંધસ્વભાવી રાગ સાથે ભેળસેળ ન કરતાં, અર્થાત્ રાગથી ભિન્ન પડીને સ્વભાવમાં રહેતાં જે જ્ઞાનભાવ પ્રગટ થયો તે જરાપણ બંધક નથી. જ્ઞાનભાવ પ્રગટતાં મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો જરાય બંધ થતો નથી. લ્યો, આનું નામ ધર્મ છે અને આ ધર્મી છે.

* ગાથા ૧૬૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે. પુણ્ય-પાપના ભાવ અને આત્મા એક છે એવા ભેળસેળથી ઉત્પન્ન જે અજ્ઞાનમય ભાવ છે તે જ બંધનો કરનાર છે.’ ‘રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે.’ પુણ્યના વિકલ્પ સાથે નહિ મળેલો એવો જ્ઞાનમય ભાવ બંધનો કરનારો નથી. અબંધસ્વભાવી ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ અબંધક છે.

જ્યાં સુધી રાગમિશ્રિત પોતાનું સ્વરૂપ માને છે ત્યાં સુધી અજ્ઞાનભાવ છે અને તે રાગના કરવાપણાનો પ્રેરનાર હોવાથી બંધક જ છે. તથા રાગથી ભિન્ન પોતાના જ્ઞાયકસ્વભાવને જાણતાં-અનુભવતાં જ્ઞાનમય ભાવ પ્રગટ થાય છે અને તે આત્માને આત્મામાં- જ્ઞાનમાં સ્થાપે છે, રાગના કરવાપણામાં સ્થાપતો નથી અને તેથી તે અબંધક છે. આવી વાત છે. (અહીં અસ્થિરતાનો રાગ ગણતરીમાં નથી એમ સમજવું).

[પ્રવચન નં. ૨૩૧ * દિનાંક ૧૪-૧૧-૭૬]
ગાથા–૧૬૮

PDF/HTML Page 1711 of 4199
single page version

अथ रागाद्यसङ्कीर्णभावसम्भवं दर्शयति–

पक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे।
जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि।। १६८।।

पक्वे फले पतिते यथा न फलं बध्यते पुनर्वृन्तैः।
जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति।। १६८।।

હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છેઃ-

ફળ પકવ ખરતાં, વૃંત સહ સંબંધ ફરી પામે નહીં,
ત્યમ કર્મભાવ ખર્યે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮.

ગાથાર્થઃ–

[यथा] જેમ [पक्वे फले] પાકું ફળ [पतिते] ખરી પડતાં [पुनः] ફરીને

[फलं] ફળ [वृन्तैः] ડીંટા સાથે [न बध्यते] જોડાતું નથી, તેમ [जीवस्य] જીવને [कर्मभावे] કર્મભાવ [पतिते] ખરી જતાં (અર્થાત્ છૂટો થતાં) [पुनः] ફરીને [उदयम् न उपैति] ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી).

ટીકાઃ– જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડયું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે.

ભાવાર્થઃ– જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જુદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદ્રષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવાયોગ્ય છે.

હવે, ‘જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસ્રવનો અભાવ છે’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-


PDF/HTML Page 1712 of 4199
single page version

(शालिनी)
भावो रागद्वेषमोहैर्विना यो
जीवस्य स्याद् ज्ञाननिर्वृत्त एव।
रुन्धन् सर्वान् द्रव्यकर्मास्रवौधान्
एषोऽभावः सर्वभावास्रवाणाम्।। ११४।।

શ્લોકાર્થઃ– [जीवस्य] જીવને [यः] જે [रागद्वेषमोहैः विना] રાગદ્વેષમોહ વગરનો, [ज्ञाननिर्वृत्तः एव भावः] જ્ઞાનથી જ રચાયેલો ભાવ [स्यात्] છે અને [सर्वान् द्रव्यकर्मास्रव– ओधान् रुन्धन्] જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને (અર્થાત્ જથ્થાબંધ દ્રવ્યકર્મના પ્રવાહને) રોકનારો છે, [एषः सर्व–भावास्रवाणाम् अभावः] તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે.

ભાવાર્થઃ– મિથ્યાત્વ રહિત ભાવ જ્ઞાનમય છે. તે જ્ઞાનમય ભાવ રાગદ્વેષમોહ વગરનો છે અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે; તેથી તે ભાવ જ ભાવ-આસ્રવના અભાવસ્વરૂપ છે.

સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વ સંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું. ૧૧૪.

* * *
સમયસાર ગાથા ૧૬૮ મથાળું

હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છેઃ-

રાગાદિ એટલે મિથ્યાત્વ અને રાગ-દ્વેષ સાથે નહિ મળેલા એવા જ્ઞાનમય ભાવની ઉત્પત્તિ બતાવે છે; અર્થાત્ ભગવાન ચૈતન્યનો દરબાર જે અનંત અનંત જ્ઞાન અને આનંદથી ભરેલો છે તેને પ્રગટ કરનારો, રાગાદિ સાથે નહિ મળેલો એવો જે સ્વભાવભાવ-જ્ઞાનમય ભાવ તેની ઉત્પત્તિ પ્રસિદ્ધ કરે છે-

* ગાથા ૧૬૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડયું થકું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ...’ જુઓ, ધ્યાન રાખીને સાંભળવા જેવી બહુ મઝાની વાત કરી છે. કહે છે-પાકું ફળ એકવાર ડીંટાથી છૂટું પડી જાય પછી તે ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી. આ દ્રષ્ટાંત કહ્યું. હવે કહે છે- ‘તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી.


PDF/HTML Page 1713 of 4199
single page version

શું કહે છે? કર્મના ઉદયે ઉત્પન્ન મિથ્યાત્વનો વિકારી ભાવ એકવાર જીવથી છૂટા પડયા પછી જીવ સાથે ફરીને સંબંધ પામતો નથી. અહાહા...! સમ્યગ્દર્શન થઈને પછી એ પડી જાય એ વાત અહીં છે નહિ. જ્યાં રાગથી ભિન્ન પડીને ભગવાન આત્માનું જ્ઞાન કર્યું ત્યાં એ જ્ઞાનભાવમાં કર્મનો ઉદય આવે અર્થાત્ રાગ થાય તો પણ તે રાગની સાથે એકત્વબુદ્ધિ થતી નથી અને તેથી તે ઉદય ખરી જાય છે; પછી ફરીને બંધ થતો નથી. અહાહા...! આચાર્યદેવ પોતાનો અપ્રતિહત ભાવ દર્શાવે છે.

ભગવાન આત્મા રાગથી જુદો-અધિક શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ છે. આવા આત્માનું જ્યાં ભાન થયું ત્યાં રાગની એકતા તૂટી ગઈ. એટલે હવે કહે છે કે જ્ઞાનીને જે કર્મનો ઉદય આવે છે તે, ડીંટાથી ખરી ગયેલા પાકા ફળની જેમ ખરી જાય છે, કર્મ ફરીને ઉદયમાં આવતું નથી. ભગવાન જ્ઞાયકને રાગથી ભિન્ન અનુભવ્યો અને રાગના એકપણાથી જુદો પાડયો; એટલે હવે કહે છે કે જે જ્ઞાનભાવ પ્રગટ થયો તે વડે કર્મની નિર્જરા થાય છે અર્થાત્ કર્મનો ઉદય જે આવે છે તે ખરી જાય છે અને જે ખરી ગયું તે ફરીને સંબંધ પામતું નથી. (મિથ્યાત્વ-દશા તો જે ગઈ તે ગઈ).

કર્મનો ઉદય ખરી જતાં એને રાગનો (-મિથ્યાત્વનો) બંધ થઈને વળી રાગથી એકત્વ થાય એવું જ્ઞાનીને બનતું નથી એમ કહે છે. જ્ઞાનીને જ્ઞાનનો ક્ષયોપશમભાવ છે. તેથી તેને કર્મનો ઉદય આવે છે પણ તે ખરી જાય છે, ફરીને ઉદયમાં આવીને બંધ કરતો નથી. અહાહા...! રાગની એકતા તોડીને જ્ઞાયકભાવની એકતા કરી છે જેણે તે જીવ હવે પડશે જ નહિ એવા અપ્રતિહતભાવની શૈલીથી અહીં વાત છે.

પ્રવચનસાર, ગાથા ૯૨ માં કહ્યું છે કે-આગમ કૌશલ્ય અને સ્વભાવના આશ્રય વડે આત્મજ્ઞાન દ્વારા મેં મિથ્યાત્વનો નાશ કર્યો છે તે ફરીથી મને ઉત્પન્ન થવાનો નથી. અહાહા...! ભગવાનના વિરહ હોવા છતાં પંચમ આરાના મુનિ આમ કહે છે! આચાર્ય મુનિવર કહે છે-ભલે ભગવાનના વિરહ છે, પણ અંદર મને મારા આનંદના નાથનો ભગવાનનો ભેટો થયો છે. મેં રાગથી ભિન્ન પડીને ભગવાન ચિદાનંદસ્વરૂપ આત્માનો આશ્રય લીધો છે; હવે કર્મનો ઉદય આવે અને મને તેમાં એકત્વબુદ્ધિ થાય એ વાત છે નહિ.

કોઈને એમ થાય કે મુનિ છદ્મસ્થ છે, ભગવાન કેવળી પાસે ગયા નથી અને પંચમ આરો છે છતાં આટલું જોર! મુનિરાજ કહે છે કે હું મારા સમ્યક્ મતિશ્રુતજ્ઞાનના સામર્થ્યથી કહું છું, કેમકે ભગવાન આત્માના સમવસરણ-સમ્ કહેતાં સમ્યક્ પ્રકારે ગુણોનું ઉતરવું જેમાં થયું છે એવા અનંત અનંત ગુણોથી ભરેલા આત્મામાં હું ગયો છું. આવા ચૈતન્યમહાપ્રભુનું મેં શરણ લીધું છે તો હવે મને રાગમાં ફરીથી એકત્વબુદ્ધિ થાય એમ બનનાર નથી.

જુઓ, દ્રષ્ટિના વિષયમાં આસ્રવ નથી અને એવા અભેદસ્વરૂપની દ્રષ્ટિમાં પણ આસ્રવ નથી એમ અહીં સિદ્ધ કરવું છે.


PDF/HTML Page 1714 of 4199
single page version

પ્રવચનસારની ૪પ મી ગાથા ‘પુણ્ણફલા અરહંતા...નો આધાર લઈને કોઈ પંડિત વળી અત્યારે એમ કહે છે કે-પુણ્યને લઈને અરિહંતપદ મળે છે. પરંતુ આ વાત સાવ ખોટી છે. ત્યાં તો ગાથાનું મથાળુ જ આ છે કે-‘તીર્થંકરોને પુણ્યનો વિપાક અકિંચિત્કર જ છે’ અર્થાત્ સ્વભાવનો કિંચિત્ ઘાત કરતો નથી. ભાઈ! પુણ્યનું ફળ તીર્થંકરના આત્માને અકિંચિત્કર છે. તીર્થંકરને પુણ્યનો અતિશય ઉદય છે એ વાત જુદી છે પણ પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે એ વાત તદ્ન ખોટી છે. ભાઈ! પોતાની મતિ-કલ્પનાથી મચડી-કચડીને ગાથાના અર્થ ન કરાય; એમ કરવાથી તને નુકશાન થશે પ્રભુ!

ત્યાં (પ્રવચનસારમાં) ગાથા ૭૭ માં તો એમ કહ્યું છે કે-પુણ્ય અને પાપમાં તફાવત નથી એમ જે નથી માનતો અર્થાત્ પુણ્ય અને પાપના પરિણામમાં જે ભેદ પાડે છે-પાપથી બંધ થાય અને પુણ્યથી લાભ થાય-એમ પુણ્ય-પાપમાં જે ભેદ પાડે છે તે મોહાચ્છાદિત વર્તતો થકો ઘોર અપાર સંસારમાં પરિભ્રમણ કરે છે. ભાઈ! આ સિદ્ધાંત છે; સિદ્ધાંત તો બધે એકસરખો જ હોય.

ભગવાન કેવળીને જે દિવ્યધ્વનિ આદિ ક્રિયાઓ છે તે પુણ્યના વિપાકરૂપ છે અને તે ભગવાનના આત્માને અકિંચિત્કર છે એટલે બંધની કરનાર નથી પણ ક્ષાયિકી છે; ઉદય પ્રતિક્ષણ ક્ષય પામે છે એમ ત્યાં ગાથા ૪પ માં સિદ્ધ કર્યું છે. હવે આવું સ્પષ્ટ છે ત્યાં પુણ્યના ફળમાં અરિહંતપદ મળે છે એ વાત કયાં રહી? (એ વાત યથાર્થ છે જ નહિ). ભાઈ! સિદ્ધાંતનો વિરોધ કરવા જતાં તો ભગવાન તારો જ વિરોધ થશે; પરનો વિરોધ તો કોણ કરી શકે છે?

અહીં કહે છે-કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. રાગથી ભિન્નતા અને ભગવાન જ્ઞાયકની એકતા થતાં જ્ઞાનભાવ પ્રગટ થયો ત્યારે જે કર્મનો ઉદય ઝરી ગયો અને મિથ્યાત્વભાવ મટી ગયો તે ફરીને થાય એ વસ્તુમાં છે નહિ. અહો! દિગંબર મુનિવરોને અંતરજ્ઞાનધારા અક્ષયધારા છે. ભાઈ! ચારિત્રદોષ જુદી ચીજ છે અને દ્રષ્ટિ-દોષ જુદી ચીજ છે. એકવાર દર્શન-દોષ (-મિથ્યાત્વ) નાશ પામ્યો અને જ્ઞાનભાવ પ્રગટ થયો પછી તે દર્શન-દોષ અને રાગની અસ્થિરતા જે નાશ પામ્યાં તે ફરીને નહિ થાય એમ કહે છે. આ તો ધારાવાહી અંર્ત-પુરુષાર્થની અપ્રતિહત પુરુષાર્થની અહીં વાત છે.

અહા! આ ભગવાન વીરનો માર્ગ વીરનો-શૂરાનો જ માર્ગ છે. કહ્યું છે ને કે-

‘વીરનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જો ને!’

વીરનો માર્ગ-ભગવાનનો માર્ગ શૂરાનો છે, અંર્ત-પુરુષાર્થથી ભાગનારા હીણપુરુષાર્થી કાયરોનું એમાં કામ નથી.


PDF/HTML Page 1715 of 4199
single page version

હવે કહે છે-‘આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે.’

આ રીતે રાગના-પુણ્યના વિકલ્પથી એકરૂપ નહિ થયેલો એવો સમ્યગ્દર્શન-જ્ઞાન અને આનંદનો ભાવ ઉત્પન્ન થાય છે. હું શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છું એવો વેદનરૂપ જ્ઞાનમયભાવ રાગાદિ સાથે એકત્વ નહિ થયેલો ઉત્પન્ન થાય છે. રાગ થાય છે પણ રાગ સાથે જ્ઞાનભાવ એકત્વ પામતો નથી. ચોથે ગુણસ્થાને આ સ્થિતિ હોય છે એમ વાત છે.

કોઈ જ્ઞાનીને ક્ષયોપશમ કે ક્ષાયિક સમ્યગ્દર્શન થયું હોય અને તેને તીર્થંકર ગોત્ર બાંધે એવો જે ભાવ થાય તે અપરાધ-ગુન્હો છે. સમ્યગ્દ્રષ્ટિને તે શુભભાવ અપરાધ છે. તે ભાવ જ્ઞાનમયભાવથી પૃથક્ છે ને? જુઓ, શ્રેણીક રાજાનો જીવ અત્યારે નરકમાં છે, અને ત્યાં તીર્થંકર ગોત્ર બાંધે છે. પણ તે શુભભાવ અપરાધ છે. જ્ઞાનીનો જ્ઞાનભાવ એવા રાગ સાથે પણ એકત્વ નહિ કરતો થકો ઉત્પન્ન થયેલો હોય છે.

ભાઈ! આ તો વીતરાગ પરમેશ્વરનો સર્વજ્ઞનો માર્ગ છે. ભગવાન આત્માનો ‘જ્ઞ’ સ્વભાવ જ છે. એમાં અપૂર્ણતા કેવી? ‘જ્ઞ’ સ્વભાવ કહો કે સર્વજ્ઞસ્વભાવ કહો-એક જ વાત છે. જેને પર્યાયમાં સર્વજ્ઞસ્વભાવ પ્રગટ થયો તેને વિશ્વનું જેટલું (અનંત) જ્ઞેય છે તે સમસ્ત પર્યાયમાં-કેવળજ્ઞાનમાં જણાય છે. એથી અનંતગણું જ્ઞેય હોય તોપણ તેને જાણી લે એવું સ્વભાવનું અને કેવળજ્ઞાન પર્યાયનું સામર્થ્ય છે. આવું સ્વભાવનું પરિપૂર્ણ સામર્થ્ય છે.

હવે આમાંય લોકો વાંધા ઉઠાવે છે કે-જ્ઞેય વિશેષ નથી માટે જ્ઞાન વધારે નથી અર્થાત્ નિમિત્ત નથી એટલે ભગવાન જાણતા નથી. નિમિત્ત હોય તો જાણે.

અરે ભાઈ! નિમિત્તને જાણવું કહેવું એ તો અસદ્ભૂત ઉપચરિત વ્યવહાર નય છે, કેમકે પરને જાણતાં પરમાં તન્મય થઈને જાણતા નથી. સમ્યક્ મતિ-શ્રુતજ્ઞાનમાં પણ એટલી તાકાત છે કે પરજ્ઞેયને જાણતાં તે પરજ્ઞેયમાં તન્મય થઈને જાણતું નથી. પોતાના જ્ઞાનમાં તદ્રૂપ થઈને પોતાને જાણે છે તેમાં પરજ્ઞેય જણાઈ જાય છે. પરજ્ઞેયને જાણે છે એમ કહેવું એ અસદ્ભૂત વ્યવહાર છે. જણાય છે તે યથાર્થ છે.

પ્રશ્નઃ– સર્વજ્ઞ પરને જાણે છે તે અસદ્ભૂત વ્યવહાર નય છે તો તે પરને જાણે છે તે જૂઠું ઠર્યું; તો પરને જાણવું સર્વજ્ઞપણામાં રહેતું નથી?

ઉત્તરઃ– એમ નથી, સાંભળને ભાઈ! આત્માનો સ્વ-પરપ્રકાશક સ્વભાવ પોતાનો પોતાથી જ છે, પરને લીધે નથી. પરજ્ઞેયને જાણનારું જ્ઞાનનું પરિણમન પોતાનું પોતાથી જ થયું છે, પરજ્ઞેયના કારણે થયું નથી. પરજ્ઞેયને જાણવાના કાળે ખરેખર પરજ્ઞેય જણાય છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું સ્વપરપ્રકાશક જ્ઞાન જ જણાય છે. પરજ્ઞેયને


PDF/HTML Page 1716 of 4199
single page version

જાણનારું જ્ઞાન પરજ્ઞેયમાં તદ્રૂપ નથી પણ પોતામાં જ તદ્રૂપ રહીને, પરજ્ઞેયને ભિન્ન રાખીને જાણે છે માટે અસદ્ભૂત વ્યવહારનયથી જાણે છે એમ કહ્યું છે; ત્યાં જાણપણાનો અભાવ છે એમ અર્થ નથી. સર્વજ્ઞપણાની-સ્વપરપ્રકાશકપણાની શક્તિ સ્વની સ્વતઃ છે, પરને લઈને છે એમ નથી-એ વાત છે.

અરે ભગવાન! અગ્નિ કોને ન બાળે? સૂકાને બાળે અને ભેગું લીલું હોય તેને પણ સૂકું કરીને બાળે. તેમ ભગવાનનું જ્ઞાન કે જે પરિપૂર્ણ સામર્થ્યરૂપે અંદર હતું તે પૂર્ણપણે પ્રગટ થતાં કોને ન જાણે? એને મર્યાદા શી? એ સ્વ-પરરૂપ સમસ્ત લોકાલોકને જાણે છે. એક સમયમાં શક્તિમાં જે અનંતાનંત અવિભાગ પ્રતિચ્છેદ છે તે કેવળજ્ઞાનમાં બધા પ્રગટ થઈ ગયા છે. એટલા જ બીજા સમયે હોય, એટલા જ ત્રીજા સમયે હોય ઇત્યાદિ. બધા અનંત સમયનો સરવાળો કરીને અનંત હોય એમ નહિ. એ સર્વને કેવળજ્ઞાન એક સમયમાં-સેકન્ડના અસંખ્યાતમા ભાગમાં જાણે છે.

જેમ કેવળી લોકાલોકને જાણે પણ લોકાલોકમાં તદ્રૂપ નથી તેમ જ્ઞાનીનો જ્ઞાનમય ભાવ રાગાદિક સાથે મળેલો રાગથી તદ્રૂપ નથી. રાગથી નહિ મળેલો એવો જ્ઞાનમય ભાવ જ્ઞાનીને ઉત્પન્ન થાય છે-એમ અહીં કહે છે.

* ગાથા ૧૬૮ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જૂદું પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી.’

ભગવાન આત્મા લોકાલોકને એક સમયમાં જાણે એવા જ્ઞાનસ્વભાવના સામર્થ્યથી ભરેલો ચૈતન્યબિંબ છે. એનો આશ્રય કરવાથી ઉત્પન્ન થયેલો રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ ફરીથી રાગાદિક સાથે એકપણાને પામતો નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના વિકલ્પથી જૂદું પડેલું જ્ઞાન-ભેદજ્ઞાન જે થયું તે-ફરીથી રાગ સાથે એકત્વ કરતું નથી. ચાહે શુભ હો કે અશુભ હો-રાગ છે તે મેલ છે. તે મેલથી જૂદું પડેલું જે નિર્મળ જ્ઞાન ભગવાન નિર્મળાનંદના આશ્રયે પ્રગટ થયું તે ફરીથી મેલ સાથે એકપણું કરતું નથી. જ્ઞાનમય ભાવ જ્ઞાનમય જ રહે છે, રાગમય થતો નથી. ભાષા તો સાદી છે પણ ભાવ-મર્મ બહુ ઊંડો છે, ભાઈ!

જુઓ, આ કુંદકુંદાચાર્ય પછી ૧૦૦૦ વર્ષે થયેલા અમૃતચંદ્રાચાર્ય ગાથામાં જે ભાવ છે તેનું દોહન કરીને આ અર્થ કાઢે છે.

‘‘મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી,
મંગલં કુંદકુંદાર્યો જૈન ધર્મોઽસ્તુ મંગલં.’’

આ માંગલિકમાં ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી જેમનું ત્રીજું


PDF/HTML Page 1717 of 4199
single page version

નામ આવે છે તે ભગવાન કુંદકુંદાચાર્યની આ વાણી છે. તેનો ભગવાન અમૃતચંદ્રાચાર્યે દોહન કરીને અર્થ કાઢયો છે તે આ છે. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– આમાં બીજા આચાર્યો અને મહામુનિવરોનો અનાદર તો નથી થતો ને?

ઉત્તરઃ– ભાઈ! કુંદકુંદાચાર્યની શૈલી વસ્તુસ્વરૂપને શાસ્ત્ર દ્વારા સંક્ષેપમાં યથાર્થ સ્પષ્ટ કરવાની રહી છે તેથી તેઓ પ્રસિદ્ધ છે. બીજા મુનિવરો પોતાનું કલ્યાણ કરી ગયા અને કેટલાક તો એમાંથી મોક્ષ પણ ગયા; ભગવાન કુંદકુંદાચાર્ય હવે મોક્ષ જશે. પણ એમની અર્થગંભીર અતિ સ્પષ્ટ વાણી રહી ગઈ. તેથી પોતાને થયેલો ઉપકાર જાણીને તેમનો મહિમા કર્યો એમાં બીજાના અનાદરની વાત કયાં આવી?

આચાર્ય દેવસેને ‘દર્શનસાર’ ગ્રંથની રચના કરી છે. તેમાં તેઓએ કહ્યું છે કે - મહાવિદેહક્ષેત્રમાં વર્તમાન તીર્થંકરદેવ શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદીદેવે (કુંદકુંદાચાર્યદેવે) બોધ ન આપ્યો હોત તો મુનિઓ સાચા માર્ગને કેમ જાણત? આચાર્ય શ્રી દેવસેન જ્ઞાની હતા અને એમના ગુરુ પણ જ્ઞાની હતા. છતાં પોતે કુંદકુંદાચાર્યનો ઉપકાર માને છે. તેમાં શું તેમના ગુરુનો અને બીજા મુનિવરોનો અનાદર થયો કહેવાય? એમ અર્થ ન થાય ભાઈ! અરે! લોકોને પોતાની મોટાઈ આગળ સત્ શું છે તે દેખાતું નથી. ગૌતમ ગણધર પછી કેટલાક મુનિઓ મોક્ષ પધાર્યા છે. પણ ગૌતમ ગણધર પછી કુંદકુંદાચાર્યનું નામ આવ્યું તે પરંપરામાં આવેલું છે, કોઈએ નવું કરેલું નથી.

શ્રીમદ્ રાજચંદ્રે પણ કહ્યું છે કે-હે કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપના અનુસંધાનને વિશે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું.

હવે કહે છે-‘આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયદ્રષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદ્રષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે.’

એકત્વબુદ્ધિ છૂટી ગઈ છે તે અપેક્ષાએ જ્ઞાનીને રાગમાં જોડાણ છે જ નહિ. અસ્થિરતા છે તેને તે ભિન્ન રાખીને જાણે છે. દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ જે અલ્પ બંધ થાય છે તે ગૌણ છે, કેમકે અબદ્ધસ્પૃષ્ટરૂપે પરિણમન નિરંતર વર્ત્યા જ કરે છે. જ્ઞાનમય ભાવ નિરંતર વર્ત્યા જ કરે છે.

‘વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીઘ્ર સુકાવાયોગ્ય છે.’


PDF/HTML Page 1718 of 4199
single page version

અહાહા...! મૂળ કાપી નાખ્યા પછી જેમ પાંદડાં સૂકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ જેણે છેદી નાખ્યું છે તે જ્ઞાનીને રાગની પરંપરા વધવા પામે એમ બનતું નથી પણ રાગાદિ બધો સૂકાઈ જ જાય છે, નાશ જ પામી જાય છે. ચોથે ગુણસ્થાને ૪૧ પ્રકૃતિઓનો તો સમકિતીને બંધ થતો જ નથી અને અન્ય પ્રકૃતિઓ દીર્ઘ (અનંત) સંસારનું કારણ નથી. આવો સમકિતનો અચિંત્ય મહિમા છે.

હવે, ‘જે જ્ઞાનમય ભાવ છે તે જ ભાવાસ્રવનો અભાવ છે’ એવા અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે-

* કળશ ૧૧૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘जीवस्य’ જીવને ‘यः’ જે ‘रागद्वेषमोहैः विना’ રાગદ્વેષ મોહ વગરનો, ‘ज्ञाननिर्वृत्तः एव भावः’ જ્ઞાનથી જ રચાયેલો ભાવ ‘स्यात्’ છે અને ‘सर्वान् द्रव्यकर्मास्रव–ओघान् रुन्धन्’ જે સર્વ દ્રવ્યકર્મના આસ્રવના થોકને રોકનારો છે; ‘एषः सर्व–भावास्रवाणाम् अभावः’ તે (જ્ઞાનમય) ભાવ સર્વ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે.

જુઓ, આ ચોથા ગુણસ્થાનની વાત ચાલે છે. શું કહે છે? કે સમકિત થતાં જે જ્ઞાતા- દ્રષ્ટા સ્વભાવથી રચાયેલો જ્ઞાનમય ભાવ, શ્રદ્ધામય ભાવ, સ્થિરતામય ભાવ પ્રગટ થયો તેમાં મિથ્યાત્વ અને દયા, દાન આદિ ભાવાસ્રવનો અભાવ છે.

અરે પ્રભુ! શું થાય? લોકોને તો શુભભાવ મોક્ષનું કારણ ઠરાવવું છે. પણ એમ છે નહિ. બંધ છે તે મોક્ષનું કારણ નથી અને મોક્ષનો માર્ગ છે તે બંધનું કારણ નથી.

અહા! સત્યને સ્વીકારતાં જો બહારની આબરૂ જાય તો જવા દે. ભગવાન આત્મામાં એ આબરૂ કયાં છે? ભૂલમાં તો અનાદિથી પડયો છે. તે ભૂલને ટાળવામાં તારી આબરૂ નહિ જાય, પરંતુ તને એનાથી લાભ થશે. પહેલાં ન જાણે ત્યાં સુધી ખોટી માન્યતા હોય, અમને પણ હતી પણ હવે સત્યને સ્વીકારવામાં બહારની પ્રતિષ્ઠાનો પ્રશ્ન આગળ કરીશ નહિ.

અહીં તો કહે છે કે-રાગ-દ્વેષ-મોહ વિનાનો જ્ઞાનથી રચાયેલો જ્ઞાનમયભાવ જથ્થાબંધ દ્રવ્યકર્મના-જડકર્મના પ્રવાહને રોકનારો છે કેમકે તે ભાવ સર્વ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે. અહીં મિથ્યાત્વ છે એ જ મુખ્યપણે આસ્રવ છે, સંસારનું કારણ છે એમ વાત છે.

* કળશ ૧૧૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘મિથ્યાત્વરહિત ભાવ જ્ઞાનમય છે.’ મિથ્યાત્વસહિત જે ભાવ છે તે અજ્ઞાનમય છે. રાગને પોતાની સાથે મેળવવો-ભેળવવો-એવો મિથ્યાત્વસહિત ભાવ છે તે અજ્ઞાનમય છે. અને રાગને આત્મા સાથે નહિ ભેળવેલો એવો મિથ્યાત્વરહિત ભાવ જ્ઞાનમય છે.

‘તે જ્ઞાનમય ભાવ રાગ-દ્વેષ-મોહ વગરનો છે, અને દ્રવ્યકર્મના પ્રવાહને રોધનારો છે.’ ભાવાસ્રવ નથી એટલે દ્રવ્યકર્મ રોકાઈ જાય છે. દ્રવ્યકર્મનો પ્રવાહ આવનારો હતો


PDF/HTML Page 1719 of 4199
single page version

ને રોકી દીધો -એમ નહિ, પણ ભાવાસ્રવ જ્યાં નથી ત્યાં દ્રવ્યાસ્રવનો પ્રવાહ ઉદ્ભવતો જ નથી-તેને રોકી દીધો એમ કહેવામાં આવ્યું છે.

હવે કહે છે-‘તેથી તે ભાવ જ (જ્ઞાનમય ભાવ જ) ભાવ-આસ્રવના અભાવસ્વરૂપ છે.’

રાગથી ભિન્ન પડેલો જ્ઞાનમય ભાવ ભાવાસ્રવના અભાવસ્વરૂપ છે, અને તેથી દ્રવ્યાસ્રવ થતો નથી. દયા, દાન, વ્રત, કામ, ક્રોધ, વિષયવાસના આદિ ભાવ ભાવાસ્રવ છે અને દ્રવ્યકર્મના રજકણો જે આત્માના એકક્ષેત્રાવગાહે આવે તે દ્રવ્યાસ્રવ છે.

હવે અહીં પંડિત જયચંદજી વિશેષ ખુલાસો કરતાં કહે છે કે-‘સંસારનું કારણ મિથ્યાત્વ જ છે; તેથી મિથ્યાત્વસંબંધી રાગાદિકનો અભાવ થતાં, સર્વ ભાવાસ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું.’

લ્યો, એક બાજુ કહે કે-મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એ બંધનું કારણ છે અને અહીં એમ કહે કે મિથ્યાત્વ એ જ સંસાર છે, એ જ બંધ છે-એ કેવું!

અહીં અવ્રતાદિના પરિણામ અલ્પ સંસારનું કારણ હોવાથી તેને ગૌણ કરેલ છે. બાકી તો મુનિને છટ્ઠે ગુણસ્થાને જે શુભભાવ થાય તેને ‘જગપંથ’ કહ્યો છે. પરંતુ તે અનંત સંસારનો પંથ નથી; થોડા દેવ અને મનુષ્યના ભવ થાય તેવો એ ભાવ છે. તેને અહીં ગૌણ કર્યો છે. આત્મસ્વભાવના ભાવને-જ્ઞાનમય ભાવને શિવપંથ કહ્યો છે. અનંતાનુબંધીના અભાવ-પૂર્વકનું જે સ્વરૂપ-આચરણ છે તે પણ વીતરાગ અવસ્થા છે અને તે શિવપંથ છે.

સંસારનું કારણ મિથ્યાત્વ જ છે એમ કહ્યું. અનંત નરક-નિગોદના ભવસિંધુનું કારણ મિથ્યાત્વ જ છે. મિથ્યાત્વ નાશ પામતાં જે અલ્પ કષાય રહ્યો તેનો અલ્પ કાળમાં-એક, બે ભવમાં અભાવ થઈ જાય છે. જેમ વૃક્ષનાં મૂળ ઉખડી ગયા પછી તેનાં લીલાં પાંદડાં સૂકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ કપાઈ જતાં અલ્પ કાળમાં રાગાદિનો અભાવ થઈ જ જાય છે. પરંતુ જેમ વૃક્ષનાં મૂળ સાજાં હોય તો તોડી નાખવા છતાં પાંદડાં ફરી આવે છે તેમ મિથ્યાત્વ રહે ત્યાં સુધી રાગની પરંપરા-સંસારની પરંપરા અનંત કાળ સુધી ચાલ્યા જ કરે છે. માટે મિથ્યાત્વનો અભાવ થતાં સર્વ ભાવાસ્રવનો અભાવ થયો એમ અહીં કહ્યું છે.

ભાઈ! જેને શ્રદ્ધામાં ગોટા છે તેનાં વ્રત, તપ કે સંયમ સાચાં હોતાં નથી.

[પ્રવચન નં. ૨૩૨ * દિનાંક ૧પ-૧૧-૭૬]

PDF/HTML Page 1720 of 4199
single page version

अथ ज्ञानिनो द्रव्यास्रवाभावं दर्शयति–

पुढवीपिंडसमाणा पुव्वणिबद्धा दु पच्चया तस्स।
कम्मसरीरेण दु ते बद्धा सव्वे वि णाणिस्स।। १६९।।
पृथ्वीपिण्डसमानाः पूर्वनिबद्धास्तु प्रत्ययास्तस्य।
कर्मशरीरेण तु ते बद्धाः सर्वेऽपि ज्ञानिनः।। १६९।।

હવે, જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ છે એમ બતાવે છેઃ-

જે સર્વ પૂર્વનિબદ્ધ પ્રત્યય વર્તતા તે જ્ઞાનીને,
છે પૃથ્વીપિંડ સમાન ને સૌ કર્મશરીરે બદ્ધ છે. ૧૬૯.

ગાથાર્થઃ– [तस्य ज्ञानिनः] તે જ્ઞાનીને [पूर्वनिबद्धाः तु] પૂર્વે બંધાયેલા [सर्वे अपि] સમસ્ત [प्रत्ययाः] પ્રત્યયો [पृथ्वीपिण्डसमानाः] માટીનાં ઢેફાં સમાન છે [तु] અને [ते] તે [कर्मशरीरेण] (માત્ર) કાર્મણ શરીર સાથે [बद्धाः] બંધાયેલ છે.

ટીકાઃ– જે પૂર્વે અજ્ઞાન વડે બંધાયેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે, તે અન્યદ્રવ્યસ્વરૂપ પ્રત્યયો અચેતન પુદ્ગલપરિણામવાળા હોવાથી જ્ઞાનીને માટીનાં ઢેફાં સમાન છે (-જેવા માટી વગેરે પુદ્ગલસ્કંધો છે તેવા જ એ પ્રત્યયો છે); તે તો બધાય, સ્વભાવથી જ માત્ર કાર્મણ શરીર સાથે બંધાયેલા છે-સંબંધવાળા છે, જીવ સાથે નહિ; માટે જ્ઞાનીને દ્રવ્યાસ્ર્રવનો અભાવ સ્વભાવથી જ સિદ્ધ છે.

ભાવાર્થઃ– જ્ઞાનીને જે પૂર્વે અજ્ઞાનદશામાં બંધાયેલા મિથ્યાત્વાદિ દ્રવ્યાસ્રવભૂત પ્રત્યયો છે તે તો માટીનાં ઢેફાંની માફક પુદ્ગલમય છે તેથી તેઓ સ્વભાવથી જ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપ જીવથી ભિન્ન છે. તેમનો બંધ અથવા સંબંધ પુદ્ગલમય કાર્મણ શરીર સાથે જ છે, ચિન્મય જીવ સાથે નથી. માટે જ્ઞાનીને દ્રવ્યાસ્રવનો અભાવ તો સ્વભાવથી જ છે. (વળી જ્ઞાનીને ભાવાસ્રવનો અભાવ હોવાથી, દ્રવ્ય આસ્રવો નવાં કર્મના આસ્રવણનું કારણ થતાં નથી તેથી તે દ્રષ્ટિએ પણ જ્ઞાનીને દ્રવ્ય આસ્રવનો અભાવ છે.)

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-