PDF/HTML Page 1681 of 4199
single page version
મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસ્ત્રવણનાં (-આવવાનાં) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્ત્રવો છે; અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્ત્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. માટે (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) આસ્ત્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ-મોહ જ આસ્ત્રવો છે. અને તે તો (-રાગદ્વેષમોહ તો) અજ્ઞાનીનેજ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે. (ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી તોપણ ગાથાના જ અર્થમાંથી એ આશય નીકળેછે.)
ભાવાર્થઃ– જ્ઞાનાવરણાદિ કર્મો ના આસ્ત્રવણનું (-આગમનનું) કારણ તો મિથ્યાત્વા- દિકર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસ્ત્રવો છે. વળી તેમને કર્મ- આસ્ત્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે માટે રાગદ્વેષમોહ જ આસ્ત્રવો છે. તે રાગદ્વેષમોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાદ્રષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્ત્રવો હોય છે.
શુભ અને અશુભભાવ બન્ને આસ્રવ છે. તેના સ્વરૂપને જાણીને આત્મા તેને જીતે છે તેનો આ અધિકાર છે.
આત્મા દ્રવ્ય એટલે જડ આસ્રવથી ત્રિકાળ જુદો છે. પરમાણુ-રજકણો તો અજીવ અચેતન છે અને એનાથી ચૈતન્યમહાપ્રભુ આત્મા જુદો જ છે. તથા ભાવાસ્રવ જે પુણ્ય-પાપના વિકારી ભાવો-તેમનો સ્વભાવના આશ્રયે જેમણે નાશ કર્યો અને પરમ વીતરાગ ભાવને પ્રાપ્ત થઈ જેઓ પરમાત્મપદ-‘ણમો સિદ્ધાણં’ પદને પામ્યા અર્થાત્ મોક્ષ પધાર્યા તેમને હું અતીન્દ્રિય આનંદની-સુખની અભિલાષાથી નમન કરું છું-એમ કહે છે.
જુઓ, નમન કરું છું-એમ જે વિકલ્પ છે એ તો શુભરાગ છે, પણ અભિલાષા તો અંદર નિરાકુળ આનંદની પ્રાપ્તિની છે. નમન કરવાથી-વિકલ્પથી થાય એમ નહિ, પણ કથનમાં બીજી શૈલી શું આવે? (થશે તો સ્વાશ્રયે જ)
પુણ્ય થશે અને તેથી સ્વર્ગાદિ મળશે અને આ ધૂળના (-લક્ષ્મીના) ઢગ મળશે એવી પુણ્યના સુખની અભિલાષાથી નમું છું એમ લીધું નથી.
PDF/HTML Page 1682 of 4199
single page version
વળી પરમાત્મપદને પામ્યા તે આસ્રવથી પામ્યા એમ નથી. શું વ્યવહાર મોક્ષમાર્ગનું (- શુભાસ્રવનું) ફળ નિશ્ચય મોક્ષમાર્ગ હશે? (ના). એમ જે માને છે એ તો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. ‘ભાવાસ્રવ કરી નાશ’ એમ કહ્યું એટલે પુણ્ય-પાપરૂપ સમસ્ત આસ્રવનો નાશ કરી પરમાત્મપદને પામ્યા છે. પણ શું થાય? માણસને પુણ્યની મીઠાશ અને પકડ થઈ ગઈ છે. પુણ્યના ફળમાં બહાર પૈસા, આબરૂ, બાગ, બંગલા, બાયડી-છોકરાં, મખમલનાં કપડાં, ઇત્યાદિ ચમક-દમક દેખાય છે તેથી તે ભરમાઈ ગયો છે. પણ ભાઈ! એ બધું શું છે? એ તો ધૂળ છે, પુદ્ગલ છે.
પેલો બાળકનો દાખલો નથી? કે જેઠ મહિનાની ગરમી હોય, એક દોઢ વર્ષનું બાળક હોય અને ભૂખ કરતાં વધારે દૂધ પીવાઈ ગયું હોય તો પછી તે બાળકને સેરણું-પાતળા દસ્ત થઈ જાય. બાળકને કાંઈ ખબર નહિ એટલે એમાં હાથ નાખે અને ઠંડુ ઠંડુ લાગે એટલે તે એને ચાટે. બસ, આવું જ અજ્ઞાનીને પુણ્યના ફળના ભોગનું ચાટવું છે. હવે આવું આકરું લાગે પણ શું થાય? ઈંદોરમાં કાચના મંદિરમાં લખ્યું છે ને કે-
સમ્યગ્દ્રષ્ટિ લોકો એટલે કે જ્ઞાનીઓ, પુણ્યનાં ફળ એવાં ચક્રવર્તીપદ કે જેમાં હજારો રાણીઓ તથા ઇન્દ્રપદ કે જેમાં કરોડો દેવાંગનાઓનો સમાગમ હોય-તેને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. એમ કે માણસની વિષ્ટામાંથી તો ખાતરેય થાય અને એને ભુંડ પણ ખાય પણ કાગડાની વિષ્ટામાંથી તો ખાતરેય ન થાય અને એને ભુંડ પણ ન ખાય.
અહા! આત્મા એકલી પવિત્રતાનો પિંડપ્રભુ ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ -સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદનું ઘર છે. એ નિજ ઘરમાં આવતો નથી અને વ્યભિચારી થઈને પરઘરમાં સુખ માની રઝળે છે!
પુણ્યને વિષ્ટા કહી ત્યાં તો રાડ પાડી ઉઠે છે. પણ ભાઈ! પુણ્યના ફળના ભોગમાં બેઠેલો ખરેખર વિષ્ટાના ઢગલા પર બેઠેલો છે.
સમયસાર, મોક્ષ અધિકારમાં શુભભાવને ઝેરનો ઘડો કહ્યો છે. પાપના પરિણામ તો ઝેરનો ઘડો છે જ, પણ શુભભાવ પણ ઝેરનો ઘડો-વિષકુંભ છે. એક ભગવાન આત્મા અમૃતનો સાગર છે; કેમકે પુણ્ય-પાપથી એ રહિત છે ને? આવા પુણ્ય-પાપથી રહિત નિજ આત્માને જેણે જોયો છે તે પુણ્યની આશા કરતા નથી. તે તો માત્ર સિદ્ધ ભગવાનના જેવા અતીન્દ્રિય આનંદને જ ઇચ્છે છે. સમજાણું કાંઈ...? બાપુ! અંદર આનંદનો નાથ સદાય વિરાજી રહ્યો છે પણ એની તને ખબર નથી.
PDF/HTML Page 1683 of 4199
single page version
અહીં પ્રથમ ટીકાકાર કહે છે કે-‘‘હવે આસ્રવ પ્રવેશ કરે છે.’’
‘જેમ નૃત્યના અખાડામાં-નાટકશાળામાં નૃત્ય કરનાર પુરુષ સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં આસ્રવનો સ્વાંગ છે.’ પુણ્ય અને પાપ બેઉ આસ્રવ છે, નવાં આવરણ આવવાનું કારણ છે. જેમ વહાણમાં છિદ્ર હોય તો અંદર પાણી આવે છે તેમ ભગવાન આત્મામાં પુણ્ય-પાપરૂપ છિદ્ર પડતાં સ્વર્ગાદિનું આવરણ આવે છે.
‘તે સ્વાંગને યથાર્થ જાણનારું સમ્યગ્જ્ઞાન છે.’ નાટકમાં જેમ પ્રથમ નારદ સ્વાંગ લઈને આવે છે અને બોલે છે- ‘બ્રહ્માસુત હું નારદ કહાવું, જ્યાં હોય સંપ ત્યાં કુસંપ કરાવું’ એમ અહીં નાટકમાં એમ આવે છે કે- ‘બ્રહ્માસુત હું જ્ઞાન કહાવું, જ્યાં તીર્થંકર ત્યાં સંગ કરાવું.’ એમ કે પુણ્ય-પાપનો પ્રેમ તોડવીને હું ભગવાન સાથે પ્રીતિ કરાવું. ભગવાન આત્માની રુચિ કરાવું. અહો! વીતરાગતાના નાટકની શરૂઆત આ રીતે થાય છે.
એવા સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ મંગળ કરે છેઃ-
‘अथ’ હવે ‘समररङ्गपरागतम्’ સમરાંગણમાં આવેલા, ‘महामदनिर्भरमन्थरं’ મહામદથી ભરેલા મદમાતા ‘आस्रवम्’ આસ્રવને ‘अयम् दुर्जयबोधधनुर्धरः’ આ દુર્જય જ્ઞાનબાણાવળી ‘जयति’ જીતે છે.
શું કહ્યું આ? આ સમયસાર નાટક છે ને? એમાં આસ્રવરૂપી મહામદથી ભરેલો યોદ્ધો છે તેને ભારે અભિમાન ચઢી ગયું છે. એમ કે-મેં મોટા મોટા મહાવ્રતના ધરનારા અને ૨૮ મૂલગુણના પાળનારા એવા દિગંબર સાધુઓને (દ્રવ્યલિંગીઓને) પણ પછાડયા છે. પંચમહાવ્રતના શુભ પરિણામથી લાભ થાય એવી માન્યતા કરાવીને મેં મહંતોને પણ મિથ્યાત્વના કૂવામાં ઉતારી દીધા છે. તો તારી તો શું વિસાત? આખા જગત પર જેની આણ વર્તે છે એવો હું સમરાંગણનો મહાન યોદ્ધો છું. એમ આસ્રવને ખૂબ મદ ચઢી ગયો છે. અહીં કહે છે-આવા એ આસ્રવને, દુર્જય એટલે જેને જીતવો કઠણ છે એવો આ જ્ઞાન-બાણાવળી જીતે છે.
ભગવાન આત્મા ચિદાનંદમય શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. એમાં એકાગ્ર થઈ જેણે અંતરમાં જ્ઞાન પ્રગટ કર્યું તે જ્ઞાનરૂપી દુર્જય બાણાવળી છે. પુણ્ય-પાપરહિત ભગવાન આત્માનું જ્ઞાન કર્યું એ મહાન બાણાવળી છે. ક્રમે ક્રમે તે આસ્રવને પછાડે છે, જીતે છે, અને સંવરને પ્રગટ કરે છે. અહાહા...! શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપની દ્રષ્ટિના પ્રહાર વડે એકાગ્રતાનું વેધક બાણ છોડી તે આસ્રવને જીતી લે છે.
PDF/HTML Page 1684 of 4199
single page version
જુઓ, આસ્રવને અભિમાની યોદ્ધો કહ્યો, અને બોધને (સમ્યગ્જ્ઞાનને) દુર્જય ધનુર્ધર- બાણાવળી કહ્યો. પુણ્ય-પાપમાં એકાગ્ર થતાં પ્રગટ થયેલો એ આસ્રવ વિકાર, વિભાવ, દુઃખ અને સંસારનું કારણ હતો. તેને અવગણતાં અને આનંદના નાથ ત્રિકાળી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં એકાગ્ર થતાં પ્રગટ થયેલું જે જ્ઞાન-તે દુર્જય બાણાવળી આસ્રવને જીતી લે છે અને એક પછી એક એમ ક્રમશઃ સંવર અને નિર્જરા પ્રગટ કરે છે, શુદ્ધિની વૃદ્ધિ પ્રગટ કરે છે. અહાહા...! વસ્તુસ્વભાવ જે પૂરણ ચૈતન્યકંદ પ્રભુ છે તેમાં દ્રષ્ટિ અને એકાગ્રતા થતાં જે જ્ઞાનધારા અને આનંદધારા પ્રગટ થઈ તે દુર્જય બોધ-બાણાવળી છે.
અગાઉ જે પરિણામમાં પુણ્ય-પાપ થતા તે પરિણામે સંવરને જીતી લીધો હતો. હવે તે પરિણામને (આસ્રવને) અવગણીને જે પરિણામ શુદ્ધ ચિદ્રૂપમાં મગ્ન થયા તે જ્ઞાનના પરિણામ અશુદ્ધતાને-આસ્રવને જીતી લે છે. ગજબ વાત છે, ભાઈ! જેમ અર્જુન અને રામનાં બાણ પાછાં ન ફરે, દુશ્મનને જીતીને જ રહે; તેમ પુણ્ય-પાપના વિકલ્પથી ભિન્ન અંદર આખો ચિદાનંદ ભગવાન ત્રિકાળી પડયો છે એનો સ્વીકાર થતાં જે શ્રદ્ધાન-જ્ઞાન અને આનંદની ધારા પ્રગટ થઈ તેણે આસ્રવને જીતી લીધો છે, ખતમ કર્યો છે.
પરદ્રવ્યના અવલંબનથી થતી દશા તે આસ્રવ છે. તેને સ્વદ્રવ્યના અવલંબને પ્રગટ થયેલો જ્ઞાન-બાણાવળી જીતી જ લે છે. પરના અવલંબને થતા પરિણામને સ્વના અવલંબને થતું પરિણામ (-જ્ઞાન) જીતી લે છે. આ એક જ આસ્રવને જીતવાનો-હઠાવવાનો પ્રકાર છે.
અહાહા...! સ્વ એટલે આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ છે. એના અતીન્દ્રિય આનંદરસના સ્વાદ આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસનો પણ સડેલાં મીંદડાં જેવાં તુચ્છ ભાસે છે. અહા! જેમાં દુનિયા-મૂઢ જીવો મઝા માને છે તે વિષયો જ્ઞાનીને ફીકા-વિરસ અને ઝેર જેવા લાગે છે. આવાં જ્ઞાન-આનંદ જેને પ્રગટ થયાં છે તે જ્ઞાન-બાણાવળી છે અને તે આસ્રવને જીતી લે છે. અહીં જ્ઞાન એટલે શાસ્ત્ર-જ્ઞાન કે બીજા જાણપણાની વાત નથી. આ તો નિર્વિકાર સ્વસંવેદનપૂર્વક પ્રગટ થયેલા સમ્યગ્જ્ઞાનની વાત છે. પુણ્ય-પાપના ભાવથી રહિત એક જ્ઞાયકભાવનો આશ્રય લઈને જે જ્ઞાનધારા, સમકિતધારા, આનંદધારા, સ્વસંવેદનધારા પ્રગટ થઈ તે જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતી લે છે; અને આ ધર્મ છે.
હવે આ જ્ઞાન-બાણાવળી કેવો છે? તો કહે છે-‘उदारगभीरमहोदयः’ એ જ્ઞાનરૂપી બાણાવળીનો મહાન ઉદય ઉદાર છે. અહા! આસ્રવને જીતવા માટે જેટલો પુરુષાર્થ જોઈએ તેટલો કાઢીને આપે એવો છે. અહાહા...! ભગવાન આત્મા અંદર એકલો આનંદ અને પુરુષાર્થનો દરિયો છે, સ્વભાવનો અનંતો સાગર છે. ગુણોનું ગોદામ છે. એમાં
PDF/HTML Page 1685 of 4199
single page version
અનંત-અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મી પડી છે. આવા ચૈતન્યરત્નાકરમાં નિમગ્ન થઈને જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતવા જેટલો જોઈએ એટલો પુરુષાર્થ પૂરો પાડે એવો છે.
વળી તે ગંભીર છે. ભગવાન આત્મા અનંત અનંત શક્તિઓનો પિંડ છે. તેના અનુભવથી પ્રગટ થયેલું જ્ઞાન અનંત શક્તિઓ સહિત ઉછળે છે તેવું ગંભીર છે. તેના આનંદ આદિ સ્વભાવો સાથે જ ઉછળે છે. અહાહા...! તે અપાર-અપાર-અપાર છે. છદ્મસ્થ-આવરણમાં રહેલા અલ્પજ્ઞ જીવો તેનો પાર પામી શકતા નથી તેવો તે છે.
જુઓ, આસ્રવ અધિકાર શરૂ કરતાં આસ્રવને જીતનાર સમ્યગ્જ્ઞાનનું આ માંગલિક કર્યું. લોકો બહાર રળવા જાય કે પરણવા જાય ત્યારે માંગલિક સંભળાવો-એમ કહે છે ને? હવે એ તો બધા એકલા પાપના ભાવો છે. એમાં શું માંગલિક કરવું? અમંગળનું વળી માંગલિક શું? અહીં તો એનું માંગલિક કર્યું જેણે પુણ્ય-પાપ રહિત થઈને શુદ્ધ ચૈતન્યમય પોતાના આત્માનો અનુભવ પ્રગટ કર્યો અને આસ્રવને જીતી લીધો. અહાહા...! જે જ્ઞાન આત્માનો અનુભવ કરે અને તેની (આત્માની) યાદદાસ્ત ધારણામાં રહી ગઈ છે તે આસ્રવને જીતે છે અને તે મંગળ છે. અહા! સાંભળીને કે વાંચીને નહિ પરંતુ અનુભવ કરીને યાદગીરી પ્રાપ્ત કરી છે તે આસ્રવને જીતે છે.
બીજે ઠેકાણે આવે છે ને કે-શ્રુતજ્ઞાનની ધારા કેવળજ્ઞાનને બોલાવે છે. એમ કે-પૂર્ણજ્ઞાન જે મારો સ્વભાવ છે તે પર્યાયમાં આવો, આવે, આવો. આવો ગંભીર આત્માનો સ્વભાવ છે અને આવું ગંભીર આત્માનું સમ્યગ્જ્ઞાન છે. છદ્મસ્થ અલ્પજ્ઞ જીવો ઉપલક દ્રષ્ટિ વડે તેનો પાર પામી શકતા નથી એવું એ અપાર ગંભીર છે. અહો! સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા! એની જે જાગૃત દશા થઈ તેની મહાન ઉદારતા અને અપાર ગંભીરતાની શી વાત!
‘અહીં નૃત્યના અખાડામાં આસ્રવે પ્રવેશ કર્યો છે. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય છે તેથી અહીં રસવત્ અલંકાર વડે શાન્ત રસમાં વીર રસને પ્રધાન કરી વર્ણન કર્યું છે કે- ‘‘જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતે છે.’’
જુઓ, શુભાશુભ ભાવ છે તે અશાંત રસ છે. આસ્રવ છે તે અશાંત રસ છે. અને ભગવાન આત્માનાં જ્ઞાન અને ધ્યાન એ શાંત રસ છે. અહીં છે તો શાંત રસનું, અકષાય રસનું, ઉપશમ રસનું, વીતરાગ રસનું વર્ણન; પણ અલંકાર વડે વીર રસને પ્રધાન કરીને વર્ણન કર્યું છે કે-‘જ્ઞાનરૂપી બાણાવળી આસ્રવને જીતે છે.’ મૂળ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં નિમગ્ન થતાં આસ્રવ મટે છે અને જ્ઞાન અને શાંતિ પ્રગટ થાય છે. અહીં આ વાતને અલંકાર વડે વીર રસને પ્રધાન કરીને કહ્યું કે જ્ઞાન આસ્રવને જીતે છે.
PDF/HTML Page 1686 of 4199
single page version
હવે આમાં કોઈને એમ થાય કે આ તે વળી કેવો ધર્મ? દરિદ્રીને દાન દેવું, ભૂખ્યાને અનાજ દેવું, તરસ્યાને પાણી પાવું, રોગીને ઔષધ દેવું અને ચિકિત્સાલયો બનાવવાં ઇત્યાદિ તો આમાં આવતું નથી.
અરે ભાઈ! તું દાન આદિ દેવાની વાત કરે છે પણ શું આત્મા એ બધું (-પરદ્રવ્ય) દઈ શકે છે? (ના). શું આત્મા ચિકિત્સાલયો બનાવી શકે છે? (ના). એ બધી પર દ્રવ્યની- પુદ્ગલની અવસ્થાઓ તો પોતપોતાના કારણે પોતપોતાના સમયે થયા કરે છે; તેનો કર્તા આત્મા કદીય છે નહિ. અહીં તો જન્મ-મરણના રોગને મટાડવાના ચિકિત્સાલયની વાત છે.
પૈસા કમાવા અને પૈસા દેવા ઇત્યાદિ આત્માના પુરુષાર્થનું કાર્ય નથી. એ તો પૂર્વનાં પુણ્ય હોય તો મળે છે. પૈસા કોઈ પુરુષાર્થથી કમાય છે એમ છે નહિ. એકમાત્ર શાંતરસ- ઉપશમરસ જીવ પોતાના પુરુષાર્થ વડે પ્રગટ કરી શકે છે અને તે ધર્મ છે, તે જન્મ-મરણ મટાડનારું ઔષધ છે.
અહીં કહે છે-‘આખા જગતને જીતીને મદોન્મત્ત થયેલો આસ્રવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો; પરંતુ જ્ઞાન તો તેના કરતાં વધારે બળવાન યોદ્ધો છે તેથી તે આસ્રવને જીતી લે છે અર્થાત્ અંતર્મુહૂર્તમાં કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે. એવું જ્ઞાનનું સામર્થ્ય છે.’
ભલભલા અગિયાર અંગના પાઠીઓને પણ મેં પછાડયા છે એમ ગર્વથી ઉન્મત્ત થયેલો આસ્રવ સમરાંગણમાં આવી ઊભો છે. પરંતુ પોતાના સ્વરૂપનું જેને સંચેતન છે એવો જ્ઞાનયોદ્ધો એનાથી મહા બળવાન છે. તે સ્વરૂપનો આશ્રય કરીને આસ્રવને જીતી લે છે, આસ્રવને મિટાવી દે છે. અહાહા...! પોતાના અનંતબળસ્વરૂપ ભગવાનને જેણે જાણ્યો તે જ્ઞાન, પર્યાયમાં મહા બળવાન યોદ્ધો થયો. વસ્તુ તો વસ્તુ સદા અનંતવીર્યસંપન્ન છે જ, આ તો એના આશ્રયે પર્યાયમાં મહા બળવાન યોદ્ધો થયો એની વાત છે. સ્વરૂપના આશ્રયે જ્ઞાન એવો બળવાન યોદ્ધો થયો કે તે આસ્રવને જીતી લે છે અને અંતર્મુહૂર્તમાં સમસ્ત કર્મોનો નાશ કરી કેવળજ્ઞાન ઉપજાવે છે, સર્વોત્કૃષ્ટ પદને ઉપજાવે છે. જે પર્યાય રાગમાં ઢળતી હતી તેને અંતરમાં વાળી જ્ઞાનસ્વરૂપમાં મગ્ન કરતાં અંતર્મુહૂર્તમાં સર્વ કર્મોનો નાશ કરીને તે કેવળજ્ઞાન ઉપજાવે છે એવું જ્ઞાનનું સામર્થ્ય છે.
આત્માનો સ્વભાવ કહો, શક્તિ કહો કે સામર્થ્ય કહો; એ તો સિદ્ધ પરમેશ્વરના સમાન જ છે. તેને પર્યાયમાં પ્રગટ કરી સમસ્ત આસ્રવનો નાશ કરી પરમાત્મપદ-સિદ્ધપદને પ્રાપ્ત કરવાની આ વાત છે.
હું તો જ્ઞાતા-દ્રષ્ટા જ્ઞાનાનંદસ્વભાવી એક ચિન્માત્ર ભગવાન આત્મા છું, પુણ્ય-
PDF/HTML Page 1687 of 4199
single page version
પાપ એ મારું સ્વરૂપ નહિ, મારું કર્તવ્ય પણ નહિ. આમ જાણીને જે સ્વરૂપના અંતરમાં નિમગ્ન થાય છે, એકાગ્ર થાય છે તે આસ્રવને જીતે છે અને એ જ ધર્મ છે. આવી વાત છે.
હવે આસ્રવનું સ્વરૂપ કહે છેઃ-
‘આ જીવમાં રાગ, દ્વેષ અને મોહ-એ આસ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે માટે તેઓ જડ નહિ હોવાથી ચિદાભાસ છે.’
રાગ, દ્વેષ અને મોહ-એ આસ્રવો પોતાના પરિણામના નિમિત્તે થાય છે એટલે પોતાના પરિણામના આશ્રયે થાય છે; અને તેથી તેઓ જડ નથી. અહીં પ્રથમ આસ્રવો જીવની પર્યાયમાં થાય છે એમ સિદ્ધ કરવું છે. આસ્રવો વાસ્તવિક ચૈતન્યનું સ્વરૂપ તો નથી, પણ તેઓ જીવની પર્યાયમાં ચિદ્વિકારપણે થાય છે માટે તેઓ ચિદાભાસ છે.
જુઓ, સમયસાર, ગાથા ૭૨ માં એમ કહ્યું કે-પુણ્ય-પાપરૂપી આસ્રવો જડ છે, તે જીવનો ચૈતન્યસ્વભાવ નથી. ત્યાં શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે અને આસ્રવો પોતે પોતાને જાણતા નથી, પરને જાણતા નથી પણ તેઓ પર વડે (જીવ વડે) જણાય છે માટે તેઓ જડ છે એમ ત્યાં કહ્યું છે.
અહીં કહે છે કે-આસ્રવો જડ નથી. ‘अजडत्वे सति’ એમ ટીકામાં પાઠ છે ને! માટે તે ચૈતન્યના પરિણામ છે અને ચૈતન્યના (પર્યાયના) અસ્તિત્વમાં પોતાથી થાય છે. ગંભીર વાત. રાગ, દ્વેષ અને મોહ-એ આસ્રવો પોતાના પરિણામના કારણે-આશ્રયે થાય છે, એટલે તેઓ કર્મના ઉદયના કારણે થાય છે એમ નથી એમ અહીં સાથે સાથે સિદ્ધ કરે છે. અહા! રાગ તે ચૈતન્યની પરિણતિ છે માટે ચિદાભાસ એટલે ચૈતન્યનો અભાસ એવો ચિદ્વિકાર છે.
હવે એકકોર એમ કહે કે-આસ્રવો જડ, અશુચિ અને દુઃખનું કારણ છે અને અહીં કહે કે તેઓ જીવના પરિણામ છે-આ તે કેવી વાત!
ભાઈ! જ્યાં આસ્રવો જડ, અશુચિ અને દુઃખનું કારણ કહ્યા ત્યાં આસ્રવોનું કર્તાપણું છોડાવી શુદ્ધ ચૈતન્યની દ્રષ્ટિ કરાવવી છે. ત્યારે અહીં તેઓ પોતાની-જીવની પર્યાયમાં થાય છે એમ સિદ્ધ કરીને કર્મના ઉદયને લઈને તેઓ થાય છે એમ નથી એમ સિદ્ધ કરવું છે.
લોકો રાડ પાડે છે ને કે-વિકાર કર્મને લઈને થાય છે; સિદ્ધમાં કર્મ નથી તો વિકાર નથી, માટે કર્મ ન હોય તો વિકાર ન થાય અર્થાત્ વિકાર કર્મને લઈને થાય
PDF/HTML Page 1688 of 4199
single page version
છે. તેને કહે છે કે વિકાર પોતાના કારણે થાય છે, કર્મને કારણે નહિ. ઘણે ઠેકાણે-પ્રવચનસારમાં, સમયસારમાં આવે છે કે-કર્મના ઉદયમાત્રથી જો આત્માને રાગ-દ્વેષાદિ થાય તો સદાય સંસાર જ રહ્યા કરે, કેમકે સંસારીઓને કર્મનો ઉદય તો સદાય હોય છે જ. પ્રવચનસાર, ગાથા ૪પ ની જયસેનાચાર્યની ટીકામાં આ વાત લીધી છે. ખરેખર તો જીવ વિકારના પરિણામ કરે તો કર્મને નિમિત્ત કહેવામાં આવે છે. વસ્તુસ્વરૂપ આવું છે.
પંચાસ્તિકાય ગાથા ૬૨ માં જ્યાં પાંચ અસ્તિકાય સિદ્ધ કરવા છે ત્યાં વિકાર પોતાના અસ્તિત્વમાં પોતાની પર્યાયમાં પોતાના ષટ્કારકના પરિણમનથી થાય છે, એને પર કારકોની અપેક્ષા નથી એમ કહ્યું છે. વિકારનો કર્તા પોતે વિકાર, વિકાર કર્મ વિકારનું પોતાનું, વિકારનું સાધન વિકાર પોતે, વિકારનું સંપ્રદાન પોતે વિકાર, વિકારનું અપાદાન વિકાર પોતે અને વિકારનું અધિકરણ પણ વિકાર પોતે. ત્યારે કોઈ કહે કે આ તો અભિન્ન કારણની વાત થઈ? હા; પણ અભિન્ન કારણનો અર્થ શું? કે બીજું કારણ નથી. (પોતે જ કારણ છે).
ભાષાથી તો સમજાવવામાં આવે છે, પરંતુ જેને આ અંતરમાં બેસી જાય એની બલિહારી છે. સમજાણું કાંઈ...?
મોટી તકરાર છે ને? એમ કે વિકાર કર્મને લઈને ન થાય તો વિકાર સ્વભાવ થઈ જશે; આવો એમનો તર્ક છે.
પરંતુ ભાઈ! સમયસાર, ગાથા ૩૭૨ માં રાગને જીવનો સ્વભાવ (પર્યાયભાવ) કહ્યો છે. ‘स्वभावेनैवोत्पादात्’ એમ ત્યાં ટીકામાં પાઠ છે. મિથ્યાત્વ તથા પુણ્ય-પાપ આદિ પર્યાયનો સ્વભાવ છે. ત્યાં કહ્યું છે કે-‘જીવને પરદ્રવ્ય રાગાદિ ઉપજાવે છે એવી શંકા ન કરવી; કારણ કે અન્ય દ્રવ્ય વડે અન્ય દ્રવ્યના ગુણનો ઉત્પાદ કરાવાની અયોગ્યતા છે.’ અહા! શું થાય? આ તો જેને આત્માની સત્યતા શોધવી હોય એના માટે છે. બાકી આ કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી.
બીજી વાત-‘મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ-એ પુદ્ગલપરિણામો, જ્ઞાનાવરણાદિ પુદ્ગલકર્મના આસ્રવણનાં (-આવવાનાં) નિમિત્ત હોવાથી, ખરેખર આસ્રવો છે;...’
શું કીધું એ? જૂનાં કર્મનો જે ઉદય છે એ નવાં કર્મને આવવાનું નિમિત્ત છે માટે તેને આસ્રવ કહે છે. અસંજ્ઞ આસ્રવો તે જડના પરિણામ-જડના ભાવ છે. તે અજીવ પુદ્ગલ છે. દર્શનમોહ કર્મ, ચારિત્રમોહ કર્મ, કષાય તથા યોગનો જે ઉદય આવે છે તે જડના પરિણામ છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે જાણવી જોઈએ, નહિતર એકાંતની પકડ થઈ જાય.
એક બાજુ સમયસાર ગાથા ૭પ-૭૬ માં એમ કહે કે-જ્ઞાનીનો આત્મા જ્ઞાનસ્વભાવે
PDF/HTML Page 1689 of 4199
single page version
પરિણમે છે માટે જ્ઞાનીને આત્મા વ્યાપક અને નિર્મળ પરિણામ એનું વ્યાપ્ય કર્મ છે. તથા જે કાંઈ વિકાર બાકી રહ્યો છે તેમાં કર્મ વ્યાપક થઈને વિકાર કરે છે અર્થાત્ તે વિકાર કર્મનું વ્યાપ્ય કાર્ય છે. ત્યાં તો જ્ઞાન અને રાગને જુદા પાડવાની વાત છે. દ્રવ્યસ્વભાવમાં કે તેના અનંત ગુણોમાં કયાં વિકાર છે કે વિકાર તેનું વ્યાપ્ય થાય? તેથી જ્ઞાનભાવે પરિણમનાર જ્ઞાનીને વિકાર કર્મનું વ્યાપ્ય કહ્યું.
અહીં તો વિકાર પ્રથમ ચૈતન્યની પર્યાયના અસ્તિત્વમાં થાય છે એમ સિદ્ધ કરી પછી કાઢી નાખે છે. રાગ, દ્વેષ અને મોહ એ આત્મદ્રવ્યની પર્યાયના અસ્તિત્વમાં જ છે અને તે પોતાથી જ છે, પરને-કર્મને લઈને નહિ એમ સિદ્ધ કરીને પછી કાઢી નાખશે. ઝીણી વાત છે, ભાઈ!
અહા! એક બાજુ રાગ-દ્વેષ-મોહ-એ આસ્રવોને ચૈતન્યના પરિણામ સિદ્ધ કરીને ચિદાભાસ કહ્યા. બીજી બાજુ દર્શનમોહ-મિથ્યાત્વ, ચારિત્રમોહ-અવિરતિ, કષાય અને યોગ એવા જડના પરિણામને ખરેખર આસ્રવો કહ્યા; કેમકે જૂનાં (પૂર્વનાં) જડ કર્મનો ઉદય નવાં કર્મ જે બંધાય તેનું નિમિત્ત છે. પણ એ જૂનાં કર્મ નવા કર્મના આસ્રવણનું નિમિત્ત થાય કયારે? તો કહે છે કે-જીવ રાગ-દ્વેષ-મોહના પરિણામ કરે ત્યારે. જૂનાં જડ કર્મના ઉદયને ખરેખર આસ્રવ કેમ કહ્યો? (કારણ કે નવા પુદ્ગલ કર્મના બંધનમાં પુદ્ગલ નિમિત્ત હોય, જીવસ્વભાવ નહિ એમ અધ્યાત્મની અપેક્ષાએ વાત છે) કે જૂનાં કર્મ, નવાં કર્મના બંધનમાં નિમિત્ત હોવાથી તેઓને ખરેખર આસ્રવો કહ્યા.
હવે કહે છે-‘અને તેમને (મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને) કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમોહ છે-કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે.’
વ્રત, ભક્તિ આદિ રાગ અને ક્રોધ, માન આદિ દ્વેષના ભાવ-જે આસ્રવો છે તે જીવના પરિણામો છે અને તે જીવને કારણે જીવમાં થાય છે, કર્મને લઈને નહિ. હવે આ સંજ્ઞ આસ્રવો સ્વયં પ્રગટ થતાં, તે કાળે જે જૂનાં કર્મનો ઉદય છે તે નવા કર્મના આસ્રવણનું નિમિત્ત થાય છે. તેથી તે જૂનાં મિથ્યાત્વાદિ પુદ્ગલપરિણામોને આસ્રવો કહેવામાં આવ્યા છે.
આવી વાત; હવે સાધારણ માણસને કાંઈ વિચાર, મનન હોય નહિ એટલે શું નક્કી કરે? માથેથી જે કહે તે ‘જય નારાયણ’ એમ સ્વીકારી લે. અરે! પંડિત પણ કોને કહેવા? સત્નો નાશ કરે તે શું પંડિત કહેવાય? તેને તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં-હે પાંડે!-હે પાંડે! હે પાંડે! તું ફોતરાં જ ખાંડે છે માટે મૂર્ખ જ છે એમ કહ્યું છે.
અહીં આસ્રવો સંજ્ઞ, અસંજ્ઞ એમ બે લીધા ને! સંજ્ઞ એટલે જે ચેતનાભાસ છે તે જીવના પરિણામ છે અને અસંજ્ઞ છે તે જડ પુદ્ગલના પરિણામ છે. રાગ-દ્વેષ-મોહ છે તે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વિનાના ચેતનના આભાસરૂપ પરિણામ છે અને દર્શનમોહ,
PDF/HTML Page 1690 of 4199
single page version
ચારિત્રમોહ, યોગ અને કષાયનો જે ઉદય છે તે સ્પર્શાદિરહિત અજીવ પુદ્ગલના પરિણામ છે. તે મિથ્યાત્વાદિ પુદ્ગલના પરિણામો જીવને રાગ-દ્વેષાદિ હોતાં નવાં આવરણનું નિમિત્ત થાય છે.
અત્યારે તો અનેક વાંધા ઉઠયા છે ને! એમ કે-કર્મથી વિકાર થાય, શુભરાગ- વ્યવહારથી નિશ્ચય થાય; ક્રમબદ્ધ (પરિણમન, પર્યાય) છે નહિ, ઇત્યાદિ. લોકોને લાગે છે કે આ નવી વાત છે. પણ નવી કયાં છે? અનંત તીર્થંકરોએ કહેલી અનાદિની તો છે. પ્રવચનસાર, ગાથા ૯૯ માં દરેક પરિણામ તેના સ્વકાળે પોતાના અવસરે પ્રગટ થાય છે એવો ચોકખો પાઠ તો છે. ભાઈ! નિશ્ચયથી વિકારનો કર્તા જીવ છે, તેમાં પરના કારકની અપેક્ષા છે નહિ. આ બધાનો નિર્ણય કરવા માટે ઉલ્લાસ જોઈએ.
અહો! ભગવાન આત્મા અમૃતનો સાગર છે. પુણ્ય-પાપના ભાવ છે તે એના દ્રવ્ય- ગુણમાં નથી. દ્રવ્ય એટલે શક્તિવાન અખંડ વસ્તુ અને ગુણ એટલે શક્તિ. અહાહા...! અંદર આત્મા સુખના રસના સ્વાદથી ભરેલો અનંત ગુણોનો ભંડાર એવો ભગવાન પોતે છે. આવો અમૃતનો નાથ ભગવાન મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. શરીર મારું છે, એની સંભાળ રાખવી જોઈએ ઇત્યાદિ ભાવ વડે તે મૂર્છાઈ ગયો છે. અરે ભાઈ! જરા સાંભળ. આ દેહ તો પરમાણુની ચીજ છે. શું કહીએ નાથ! પહેલાં જે વીંછીના ડંખપણે પરિણમેલા તે પરમાણુ અહીં આ શરીરરૂપે થઈને આવ્યા છે. વીંછીના ડંખપણે હતા ત્યારે એમાં તને ઠીક ન હોતું લાગતું અને આ શરીરપણે થયા એટલે જાણે તે મારા છે, એનાથી રમત કરું, વિષય ભોગ લઉં-એમ ચેષ્ટા કરે છે! ખાવાની ક્રિયા, પીવાની ક્રિયા, ભોગની ક્રિયા ઇત્યાદિ મારી અને એમાં મને મઝા છે એમ મૂર્છાઈ ગયો છે! અરે! શું થયું છે પ્રભુ! તને? આ (મિથ્યાત્વનો) રોગ કયાંથી વળગ્યો તને? અહીં કહે છે-એ રોગ તેં સ્વયં ઉત્પન્ન કર્યો છે; એ તારો જ અપરાધ છે, કોઈ કર્મને લઈને થયો છે એમ નથી. ગંભીર વાત છે, ભાઈ!
અહીં ત્રણ વાત લીધી છે-
૧. જીવના રાગ-દ્વેષ-મોહના પરિણામ પોતે પોતાના કારણે ઉત્પન્ન કરે છે; કોઈ કર્મના કારણે થાય છે એમ નહિ.
૨. તે કાળે મિથ્યાત્વાદિ જડ પુદ્ગલના પરિણામ જે ઉદયરૂપે થાય છે તે કર્મના પોતાના કારણે થાય છે.
૩. તે મિથ્યાત્વાદિ અજીવ પુદ્ગલકર્મના પરિણામને આસ્રવ કેમ કહીએ? તો કહે છે કે નવાં કર્મના આસ્રવણમાં નિમિત્ત છે માટે. હવે તે નવાં કર્મના આસ્રવણમાં નિમિત્ત કયારે થાય કે જૂનાં કર્મના ઉદયકાળે જીવ રાગ-દ્વેષ-મોહને ઉત્પન્ન કરે તો જૂનાં કર્મ નવાં કર્મના આવરણમાં નિમિત્ત થાય છે.
PDF/HTML Page 1691 of 4199
single page version
બહુ ઝીણી વાત. આ વાણિયાને આવું વિચારવાનો વખત કયાંથી મળે? આખો દિવસ વેપાર-ધંધામાં પૈસા કમાવાની મજુરીમાં પડયા રહે તેમને કયાંથી નવરાશ મળે? પણ અરે! એ શું છે બાપુ? આ પૈસાના ઢગલા તો પૈસામાં છે; એ કયાં તારામાં ગરી ગયા છે? એને દેખીને આ મારા છે એવી મમતા તારામાં તો છે. એ મમતા છે તે એકલું દુઃખ છે, અને એનું ફળ પણ બહુ આકરું છે. અહીં કહે છે-એ દુઃખ પોતે ઉત્પન્ન કર્યું છે, પૈસાને લઈને કે કર્મને લઈને થયું છે એમ નથી.
કર્મ-આસ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગ-દ્વેષ-મોહ છે કે જેઓ અજ્ઞાનમય આત્મપરિણામો છે. જીવને જે રાગ-દ્વેષ-મોહના પરિણામ થયા તે પરને કારણે થયા છે એમ નહિ પણ તે પોતાને કારણે કરેલા અજ્ઞાનમય આત્મપરિણામ છે. અહા! મિથ્યાત્વ અને શુભાશુભભાવ, પુણ્ય-પાપના ભાવ-એ બધા અજ્ઞાનમય આત્મપરિણામ છે. પરદ્રવ્યને એમાં શું સંબંધ છે? પરદ્રવ્ય પરદ્રવ્યમાં છે; અને આત્મા પોતે પોતાના વિકાર કે અવિકારમાં રમે તેમાં પરની સાથે કાંઈ સંબંધ નથી. પ્રવચનસાર (ગાથા ૬૭) માં તો એમ કહ્યું છે કે-પાંચ ઇન્દ્રિયના વિષયો આત્માને રાગ-દ્વેષ કરાવવાને અસમર્થ-અકિંચિત્કર છે. જેમ કર્મ રાગ-દ્વેષ કરાવવાને અસમર્થ છે તેમ નોકર્મ પણ રાગ-દ્વેષ કરાવવા અકિંચિત્કર છે.
કર્મનો ઉદય જે પ્રમાણે આવે તે પ્રમાણે રાગાદિ પરિણામ કરવા જ પડે, કર્મ નિમિત્ત થઈને આવે એટલે જીવે વિકાર કરવો જ પડે એ વાત યથાર્થ નથી. ગોમ્મટસાર આદિ શાસ્ત્રમાં જે અનેક વ્યવહારથી કરેલાં કથનો આવે-જેમકે કર્મનું જોર છે માટે નિગોદના જીવો નિગોદ છોડતા નથી ઇત્યાદિ-એ બધાં નિમિત્તનું જ્ઞાન કરાવનારાં નિમિત્તની મુખ્યતા કરીને કરવામાં આવેલાં કથનો છે. નિમિત્ત શું હોય છે એવું ત્યાં જ્ઞાન કરાવ્યું છે એમ સમજવું. ભાઈ! વીતરાગ માર્ગમાં પૂર્વાપર વિરોધવાળી વાત હોય નહીં. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની વાણી છે. તેમાં જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ સમજવું જોઈએ.
પહેલાં એટલું કહ્યું હતું કે-આસ્રવો પોતાના પરિણામના નિમિત્તે એટલે કે આશ્રયે થતા હોવાથી તેઓ જડ નહિ પણ ચિદાભાસ છે. વળી તેને જ પછી અજ્ઞાનમય આત્મપરિણામ કહ્યા. રાગ, દ્વેષ અને મોહના પરિણામ અજ્ઞાનમય આત્મપરિણામ છે એમ કહ્યું. હવે કહે છે-તેઓ ‘મિથ્યાત્વાદિ પુદ્ગલ પરિણામોને આસ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ-દ્વેષ- મોહ જ આસ્રવો છે.’ જોયું? પહેલાં જૂનાં કર્મને ખરેખર આસ્રવ કહ્યા હતા અને હવે અહીં ચેતનના રાગ-દ્વેષ-મોહ-તે ‘જ’ ખરેખર આસ્રવ છે એમ લીધું; ‘જ’ નાખ્યો. છે, પાઠમાં (ટીકામાં) ‘एव’ શબ્દ પડયો છે.
ભાઈ! પોતાનો અભિપ્રાય છોડીને આચાર્ય ભગવાનનો અભિપ્રાય શું છે, તેઓ શું કહેવા માગે છે તે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાંતિથી, ધીરજથી, જિજ્ઞાસુ થઈને સ્વાધ્યાય કરે નહિ તો વાત યથાર્થ કેમ સમજમાં આવે? (ન આવે).
PDF/HTML Page 1692 of 4199
single page version
અહા! ભગવાન! તું અતીન્દ્રિય આનંદનો દરિયો છો. પ્રભુ! તને એની ખબર નથી, તને એનો વિશ્વાસ આવતો નથી. અરે! પોતાને પોતાનો ભરોસો નહિ અને પરના ભરોસે (આંધળે-બહેરો) ચાલ્યો જાય છે!
પ્રશ્નઃ– આત્મા આવો હોઈ શકે-એટલો બધો વિશ્વાસ કેમ આવે?
ઉત્તરઃ– અરે ભાઈ! તેં જેની સાથે લગ્ન કર્યાં છે તે કન્યાને પહેલાં ઓળખતો હતો? (ના). બીલકુલ અજાણી હોવા છતાં તને કદી શંકા પડી કે આ મારું અહિત કરશે તો? મને મારી નાખશે તો? ભગવાન! તને વિષયમાં રસ-રુચિ છે તેથી ત્યાં શંકા પડતી નથી અને વિશ્વાસ પાકો થઈ ગયો છે. તેના સંગે રહે છે અને તેના સંગે રમે છે. બીજા કોઈ બીજી વાત કરે તોપણ શંકા જ પડતી નથી. વિષયમાં રસ-રુચિ છે ને? તેમ જેને અંતરમાં રસ-રુચિ થઈ તેને ભગવાન આત્માનો એવો વિશ્વાસ આવે છે કે ત્રણકાળમાં ફરે નહિ. અજાણી કન્યાને જોઈને જેમ પહેલી ઘડીએ વિશ્વાસ આવી ગયો, શંકા પડી નહિ તેમ પહેલી ઘડીએ જ જ્યાં ચિદ્જ્ઞાનને ચિદાનંદ ભગવાનનો ભેટો થાય ત્યાં તે જ ક્ષણે અતીન્દ્રિય આનંદની લહર સાથે તેનો વિશ્વાસ પાકો થઈ જાય છે, શંકા રહેતી નથી. પૂર્ણાનંદના નાથને જ્યાં અંદર જઈ જોયો અને એનો ભેટો કર્યો ત્યાં તે જ ક્ષણે તેનો પાકો વિશ્વાસ આવી જાય છે, અને અતીન્દ્રિય આનંદનો રસાસ્વાદ આવે છે. ભાઈ! આવો અતીન્દ્રિય આનંદ તે આનંદ છે, બાકી બધી વાતો છે. આવો આનંદ માત્ર જ્ઞાનીને જ હોય છે. સમજાણું કાંઈ...?
અહીં સિદ્ધ કરવું છે કે-મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહ જ્ઞાનીને હોતા નથી. મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગ-દ્વેષ-મોહ તો અજ્ઞાનીને જ હોય છે; માટે અજ્ઞાનીને જ આસ્રવ છે એમ કહે છે-
‘અને તે તો (રાગ દ્વેષ મોહ તો) અજ્ઞાનીને જ હોય છે એમ અર્થમાંથી જ નીકળે છે,’ ‘જ’ શબ્દ લીધો છે. ભગવાન કુંદકુંદના કેડાયત ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય એમ કહે છે કે ગાથાના જ અર્થમાંથી આ વાત સિદ્ધ થાય છે. રાગ-દ્વેષ-મોહ જે અજ્ઞાનમય આત્મપરિણામ છે તે અજ્ઞાનીને જ હોય છે, જ્ઞાનીને નહિ. ગાથામાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું નથી છતાં ગાથાના જ અર્થમાંથી આ આશય સિદ્ધ થાય છે. અજ્ઞાનીને જ રાગ-દ્વેષ-મોહ હોય છે, કેમકે મિથ્યાત્વભાવ જ્યાં છે ત્યાં જ રાગ-દ્વેષના પરિણામની રુચિ હોય છે. તેનો પ્રેમ હોય છે.
જ્ઞાનીને કિંચિત્ રાગાદિ હોવા છતાં એને એની રુચિ હોતી નથી તેથી જ્ઞાનીને રાગ-દ્વેષ નથી એમ દ્રષ્ટિ અપેક્ષાએ કહીએ છીએ. અહીં તો જેની દ્રષ્ટિ વિપરીત છે તેને જ રાગ-દ્વેષ-મોહ છે એમ સિદ્ધ કરવું છે. સમ્યગ્દ્રષ્ટિને હજુ જેટલો ચારિત્રમોહ છે તે અહીં ગણવામાં આવ્યો નથી. અહીં દ્રષ્ટિની મુખ્યતામાં ના પાડે છે પણ પછી
PDF/HTML Page 1693 of 4199
single page version
આગળ (ગાથા ૧૭૧ માં) લેશે કે જ્યાં સુધી યથાખ્યાતચારિત્ર નથી ત્યાં સુધી જ્ઞાન, દર્શન અને ચારિત્રનું પરિણમન જઘન્ય છે. તેથી તેને રાગ-દ્વેષ છે અને એનાથી કિંચિત્ બંધ પણ છે.
ભાઈ! કઈ અપેક્ષાએ કયાં શું કહ્યું છે એ યથાર્થ સમજવું પડે. પોતાનો આગ્રહ ન ચાલે. પોતાનો આગ્રહ છોડી દેવો પડે; અમે માન્યું છે એમ શાસ્ત્રમાં આવવું જોઈએ એમ વાત ન ચાલે. શાસ્ત્રને જે કહેવું છે તે અભિપ્રાય એમાંથી કાઢવો જોઈએ. (એ જ સમજણની રીત છે.)
‘જ્ઞાનાવરણાદિ કર્મોના આસ્રવણનું (-આગમનનું) કારણ તો મિથ્યાત્વાદિ કર્મના ઉદયરૂપ પુદ્ગલના પરિણામ છે, માટે તે ખરેખર આસ્રવો છે.’ નવાં જ્ઞાનાવરણાદિ કર્મના આસ્રવણનું નિમિત્ત જૂનાં મિથ્યાત્વાદિ કર્મનો ઉદય છે; માટે તે મિથ્યાત્વાદિ જૂનાં કર્મો ખરેખર આસ્રવો છે.
‘વળી તેમને કર્મ-આસ્રવણના નિમિત્તભૂત થવાનું નિમિત્ત જીવના રાગદ્વેષમોહરૂપ (અજ્ઞાનમય) પરિણામ છે, માટે રાગદ્વેષમોહ જ આસ્રવો છે. તે રાગ-દ્વેષ-મોહને ચિદ્વિકાર પણ કહેવામાં આવે છે. તે રાગદ્વેષમોહ જીવને અજ્ઞાન-અવસ્થામાં જ હોય છે. મિથ્યાત્વ સહિત જ્ઞાન જ અજ્ઞાન કહેવાય છે. માટે મિથ્યાદ્રષ્ટિને અર્થાત્ અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય છે.’
હવે આવી વાત કયાં છે ભાઈ? આવો અવસર મળ્યો, આવું મનુષ્યપણું અને ભગવાન જિનદેવનો સંપ્રદાય (પરંપરા) મળ્યાં; એમાં આવો નિર્ણય નહિ કરે તો કયારે કરીશ? ઝાઝા માણસોની સંખ્યા આ વાતને માને છે કે નહિ એ કયાં જોવાનું છે? સત્ય છે કે નહિ એટલું જ જોવાનું છે. સત્યને માનનારા બહુ થોડા જ હોય. કહ્યું છે ને કે-
અજ્ઞાનીને જ રાગદ્વેષમોહરૂપી આસ્રવો હોય છે એમ કહીને આ ગાથામાં જ્ઞાનીને આસ્રવોનો અભાવ દર્શાવ્યો છે. જ્ઞાનીને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યદ્રવ્યનું જ્ઞાન-શ્રદ્ધાન છે ને? અહા! દ્રવ્યને ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે; અને એ શુદ્ધનો જેને અંતરમાં અનુભવ થયો તે જ્ઞાનીને શુદ્ધનું પરિણમન હોવાથી ભાવ-આસ્રવનો અભાવ છે. મિથ્યાત્વ સંબંધી રાગ-દ્વેષ-મોહનો જ્ઞાનીને અભાવ છે તેથી જ્ઞાનીને આસ્રવ-બંધ છે નહિ એમ અહીં કહ્યું છે.
PDF/HTML Page 1694 of 4199
single page version
अथ ज्ञानिनस्तदभावं दर्शयति–
संते पुव्वणिबद्धे जाणदि सो ते अबंधंतो।। १६६ ।।
सन्ति पूर्वनिबद्धानि जानाति स तान्यबध्नन्।। १६६ ।।
હવે જ્ઞાનીને આસ્ત્રવોનો (ભાવાસ્ત્રવોનો) અભાવ છે એમ બતાવે છેઃ-
નહિ બાંધતો, જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬.
ગાથાર્થઃ– [सम्यग्द्रष्टेः तु] સમ્યગ્દ્રષ્ટિને [आस्रवबन्धः] આસ્રવ જેનું નિમિત્ત છે એવો બંધ [नास्ति] નથી, [आस्रवनिरोधः] (કારણ કે) આસ્રવનો (ભાવાસ્રવનો) નિરોધ છે; [तानि] નવાં કર્મોને [अबध्नन्] નહિ બાંધતો [सः] તે, [सन्ति] સત્તામાં રહેલાં [पूर्वनिबद्धानि] પૂર્વે બંધાયેલાં કર્મોને [जानाति] જાણે જ છે.
ટીકાઃ– ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે-રોકાય છે-અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવો સાથે રહી શકે નહિ; તેથી અજ્ઞાનમય ભાવોરૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસ્ત્રવભૂત (આસ્ત્રવસ્વરૂપ) છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસ્ત્રવનો નિરોધ હોય જ છે. માટે જ્ઞાની, આસ્ત્રવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મોને બાંધતો નથી, -સદાય અકર્તાપણું હોવાથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે. (જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું સ્વભાવ નથી; કર્તાપણું હોય તો કર્મ બાંધે, જ્ઞાતાપણું હોવાથી કર્મ બાંધતો નથી.)
ભાવાર્થઃ– જ્ઞાનીને અજ્ઞાનમય ભાવો હોતા નથી, અજ્ઞાનમય ભાવો નહિ હોવાથી (અજ્ઞાનમય) રાગદ્વેષમોહ અર્થાત્ આસ્ત્રવો હોતા નથી અને આસ્ત્રવો નહિ હોવાથી નવો બંધ થતો નથી. આ રીતે જ્ઞાની સદાય અકર્તા હોવાથી નવાં કર્મ બાંધતો નથી અને પૂર્વ બંધાયેલાં જે કર્મો સત્તામાં રહ્યાં છે તેમનો જ્ઞાતા જ રહે છે.
PDF/HTML Page 1695 of 4199
single page version
અવિરતસમ્યગ્દ્રષ્ટિને પણ અજ્ઞાનમય રાગદ્વેષમોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે, સમ્યક્ત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી. સમ્યગ્દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. તેને ચારિત્રમોહના ઉદયની બળજોરીથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી; તે રાગાદિકને રોગ સમાન જાણીને પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેમને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા છે; તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ-અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ બંધને અહીં ગણવામાં આવ્યો નથી.
હવે જ્ઞાનીને આસ્રવોનો (ભાવાસ્રવોનો) અભાવ છે એમ બતાવે છેઃ-
‘ખરેખર જ્ઞાનીને જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ નિરોધાય છે- રોકાય છે-અભાવરૂપ થાય છે કારણ કે પરસ્પર વિરોધી ભાવે સાથે રહી શકે નહિ.’
જેને શુદ્ધ ચૈતન્યમય ધ્રુવ આનંદકંદ પ્રભુ આત્માની દ્રષ્ટિ થઈ છે, અહાહા...! જેને પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્ઞાનમાં જણાયો છે, જેને પર્યાયમાં નિર્વિકલ્પ અનુભવ થયો છે અને અતીન્દ્રિય આનંદનું વેદન આવ્યું છે એને ધર્મી અથવા જ્ઞાની કહે છે. આવા જ્ઞાનીને જ્ઞાનમય એટલે આત્મમય-શુદ્ધ ચૈતન્યમય પરિણામ થાય છે. તેને જ્ઞાનમય-ચૈતન્યમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો અવશ્યમેવ રોકાય છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષના અજ્ઞાનમય ભાવ જ્ઞાનમય ભાવ વડે અવશ્ય નિરોધાય છે.
આસ્રવનો નિરોધ તે સંવર એમ બહારથી સંવર લઈ કોઈ વ્રતાદિ લઈ બેસી જાય એ વાત આ નથી. એવું સંવરનું સ્વરૂપ નથી.
પ્રશ્નઃ– પણ એ રીતે મહાવરો-પ્રેકટીસ તો પડે ને?
ઉત્તરઃ– ભાઈ! રાગના વિકલ્પથી ભિન્નની (શુદ્ધ ચૈતન્યની) અંદરમાં પ્રજ્ઞા (ભેદવિજ્ઞાન) વડે પ્રેકટીસ કરે તે પ્રેકટીસ છે. આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ એકલો પવિત્રતાનો પિંડ છે; તે પોતાનું સ્વ છે. ત્યાં પર તરફના રાગના વલણથી છૂટી એ સ્વ તરફના વલણની પ્રેકટીસ કરે તો તે જણાય એવો છે. વ્યવહારના-રાગના સાધન વડે ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી.
પ્રવચનસાર, ગાથા ૧૭૨ માં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં છે કે ‘લિંગ દ્વારા
PDF/HTML Page 1696 of 4199
single page version
નહિ પણ સ્વભાવ વડે જેને ગ્રહણ થાય છે તે અલિંગગ્રહણ છે; આ રીતે આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે.’ અહાહા...! આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. શુદ્ધ ચૈતન્યના પ્રકાશથી-પરિણામથી જણાય એવો ભગવાન આત્મા છે. દયા, દાન, વ્રત આદિના વિકલ્પથી આત્મા જણાય એવી ચીજ નથી. મતિ-શ્રુતજ્ઞાનની નિર્મળ પર્યાયમાં આત્મા પ્રત્યક્ષ જણાય છે, તેને પરની અપેક્ષા નથી. પ્રત્યક્ષ કહ્યું એટલે પ્રદેશે પ્રત્યક્ષ એમ વાત નથી, પણ અનુભવ-પ્રત્યક્ષ-વેદન-પ્રત્યક્ષની વાત છે.
આત્મા રાગનું વેદન અનાદિથી કરી રહ્યો છે. અહા! મોટો નગ્ન દિગંબર સાધુ થઈને એણે પાંચ મહાવ્રત અને ૨૮ મૂલગુણ પાળ્યા અને એના ફળમાં નવમી ગ્રૈવેયક ગયો; પણ એ તો બધું રાગનું વેદન હતું. એ રાગના વેદનથી હઠીને અંદર પરિપૂર્ણ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે છે. એનો જે અનુભવ કરે અને અતીન્દ્રિય આનંદના સ્વાદને વેદે તે જ્ઞાની અને ધર્મી છે.
બાહ્ય ક્રિયાકાંડના પક્ષવાળાઓને આ આકરું પડે છે. પરંતુ ભાઈ! ચરણાનુયોગમાં કહેલાં બાહ્ય વ્રત, તપ આદિની ક્રિયારૂપ આચરણ કરવાથી સાધક થાય છે એમ નથી. ચરણાનુયોગમાં તો જ્ઞાનીને-સાધકને ભૂમિકા પ્રમાણે બાહ્ય વ્રતાદિ કેવાં હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે. જ્ઞાની તેને (બાહ્ય વ્રતાદિને) આચરે, કરે-એમ વ્યવહારથી કહેવાય છે, પણ નિશ્ચયથી બાહ્ય આચરણ તે ચારિત્ર જ નથી. આવો માર્ગ છે, ભાઈ! જેમ ખોરાક પચે નહિ તેને અજીર્ણ થાય તે માર્ગ યથાર્થ સમજે નહિ તેને મુશ્કેલ પડે એવું છે. (મતલબ કે તે માર્ગને પામી શકતો નથી).
પ્રશ્નઃ– તો આપ પાચન થાય તેવી ગોળી આપો તો?
ઉત્તરઃ– દ્રષ્ટિની પર્યાય ભગવાન પૂર્ણાનંદના નાથને સ્વીકારે તે પાચન છે. શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે-જેમ અગ્નિમાં પાચક, પ્રકાશક અને દાહકનો -એમ ત્રણ ગુણ છે તેમ આત્મામાં પાચક, પ્રકાશક અને દાહકના ત્રણ ગુણ છે. આત્મામાં સમ્યગ્દર્શનની પાચકશક્તિ છે. અહાહા...! આત્માનું નિર્મળ શ્રદ્ધાન જે સમ્યગ્દર્શન તેમાં ભગવાન પૂર્ણાનંદનું પાચન થાય છે. ભલે વર્તમાન અલ્પજ્ઞ દશા હોય પણ સમ્યગ્દર્શન ભગવાન પૂર્ણાનંદના નાથને જેવો છે તેવો પરિપૂર્ણ પ્રતીતિમાં લઈ લે છે, તે આત્માને પૂર્ણપણે પચાવી દે છે. અહાહા...! અનંતગુણના પાસાથી સદાય શોભાયમાન અંદર ચૈતન્ય હીરો પ્રકાશી રહ્યો છે. તેને પ્રતિસમય અનંતગુણની પર્યાયો પ્રગટે છે. તેમાં સમ્યગ્દર્શનની પર્યાયની ભગવાન પૂર્ણાનંદના નાથને પચાવવાની શક્તિ છે, સમ્યગ્જ્ઞાનની પ્રકાશકની શક્તિ છે અને સમ્યક્ચારિત્ર અથવા સ્વરૂપસ્થિરતાની રાગાદિને બાળવાની દાહકશક્તિ છે. આવી પાચક, પ્રકાશક અને દાહક શક્તિ જેને પ્રગટ થઈ છે તે જ્ઞાની છે.
PDF/HTML Page 1697 of 4199
single page version
પરમાત્મપ્રકાશમાં આવે છે કે વ્રતના વિકલ્પથી છૂટીને ભગવાન આનંદના નાથમાં સ્થિર થઈ જવું, જામી જવું, લીન થઈ જવું તેને વ્રત નામ ચારિત્ર કહે છે. પંચમહાવ્રતના વિકલ્પને તો ઉપચારથી ચારિત્ર કહે છે.
અહા! પર તરફના વિકલ્પોની લાગણીઓને પ્રભુ! તે અનંતકાળ સેવી છે. જન્મ-મરણ રહિત થવું હોય તો આ એક જ પંથ છે કે અંતરસન્મુખ થઈ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માની પ્રતીતિ જેનું લક્ષણ છે એવું સમ્યગ્દર્શન પ્રગટ કરવું. આવી સમકિતની દશા-જેમાં અનાકુળ આનદનો સ્વાદ વેદાયો-તે જેને પ્રગટ થઈ તે જ્ઞાની છે. અંદર ‘જ્ઞાની’ શબ્દ પડયો છે ને? જ્ઞાની કોને કહેવાય એની આ વ્યાખ્યા છે.
ઘણાં શાસ્ત્ર ભણ્યો હોય અને વ્યાખ્યાન કરી શાસ્ત્ર સમજાવતો હોય માટે તે જ્ઞાની એમ નહિ. સમજાવવાની ભાષા છે એ તો જડ પુદ્ગલની છે, અને સમજાવવા પ્રત્યે વલણ છે એ રાગ છે. ભણવું અને ભણાવવું -એમ જે વલણ છે એ તો બધા વિકલ્પ રાગ છે. એમાં કયાં ભગવાન આત્મા છે? આ તો સ્વરૂપસંવેદન સહિત રાગથી ભિન્ન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન જેને પ્રગટ થયાં છે તે જ્ઞાની છે એમ વાત છે. સમજાણું કાંઈ...!
ભાઈ! રાગના પક્ષમાં રહીને ૮૪ ના અવતાર કરી કરીને તું મરી ગયો છે, દુઃખી થયો છે. ક્ષણમાં દેહ છૂટી જાય, ખબર પણ ન પડે એવાં અનંતવાર જન્મ-મરણ થઈ ચૂકયાં છે. ઘણી વખત તો કાંઈ સાધ્ય ન રહે એવી તારી અસાધ્ય દશા થઈ છે. એ અસાધ્ય તો બહારના (- શરીરના) રોગોની અપેક્ષાએ છે. પણ અંદર આત્મા રાગથી ભિન્ન છે એવું સ્વસ્વરૂપનું સાધ્યપણું પ્રગટયું નહિ તે મહા અસાધ્ય છે.
પ્રશ્નઃ– કાળલબ્ધિ પાકશે એટલે સાધ્યપણું પ્રગટી જશે.
ઉત્તરઃ– ભાઈ! તું શાસ્ત્રમાંથી ધારણામાં લઈને કાળલબ્ધિની કોરી વાતો કરે છે પણ એનો શું અર્થ છે? એથી કાંઈ સાધ્ય નથી. જ્યારે અંતર-એકાગ્ર થઈને સ્વભાવનું ભાન કરે ત્યારે કાળલબ્ધિનું સાચું જ્ઞાન થાય છે. ૭૨ ની સાલમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો કે-કેવળીએ દીઠું હશે તે થશે. ત્યારે કહ્યું હતું કે જેની પર્યાયમાં દિવ્ય કેવળજ્ઞાન પ્રગટયું છે જેમાં આખો આ લોકાલોક તો શું એનાથી અનંતગુણો લોકાલોક હોય તોય જણાઈ જાય એવા કેવળીની સત્તાનો તને સ્વીકાર છે? એની સત્તાનો સ્વીકાર પર કેવળીની કે પર્યાયની સન્મુખ થઈને થઈ શકતો નથી. એની સત્તાનો સ્વીકાર તો નિજ ચૈતન્યસ્વભાવની-સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થવાથી જ થાય છે અને ત્યારે કાળલબ્ધિ પાકી જાય છે. અહાહા..! સર્વજ્ઞ-સ્વભાવની દ્રષ્ટિમાં સર્વજ્ઞતાનો સ્વીકાર થાય છે અને સર્વજ્ઞતાનો સ્વીકાર કરનારી દ્રષ્ટિ થતાં કાળલબ્ધિ પાકી જાય છે. શ્રીમદે કહ્યું છે ને કે-
PDF/HTML Page 1698 of 4199
single page version
ભગવાને દીઠું હશે તે થશે-એમ કાળલબ્ધિ અને ભવસ્થિતિનું નામ લઈ તું સ્વભાવસન્મુખતાના પુરુષાર્થને છેદીશ મા. ભગવાન આત્માના યથાર્થ શ્રદ્ધાનનો પુરુષાર્થ જાગ્રત કર.
સંસારમાં ધન રળવા જાય ત્યાં તો કાળલબ્ધિ હશે તો પૈસા મળશે એમ કહેતો નથી. ત્યાં કાળલબ્ધિની રાહ જોઈ બેસી રહેતો નથી. જમવાના કાળે જમવાનો કાળ પાકશે ત્યારે જમાશે એમ તું શું વિચારે છે? (ના). ત્યાં તો પ્રયત્ન અને પુરુષાર્થ કરે છે. ભલે, ભોજન તો એના કાળે એના કારણે આવે છે, પણ તું એવો પ્રયત્ન તો કરે છે ને? ખાવા-પીવા આદિની બધી જડની ક્રિયા એ આત્માની નહિ, છતાં આમ કરું, તેમ કરું એમ રાગ તો કરે છે ને? તેવી જ રીતે આત્મોપલબ્ધિ માટે અંતરમાં પુરુષાર્થ માંડીને આત્માનુભવ પ્રગટ કરવો પડશે. નિજ ભગવાનનું આરાધન કરવા અને રાગનો-વિકારનો ભુક્કો બોલાવવા અખંડ ચૈતન્યપ્રભુની અખંડ દ્રષ્ટિ સાધીને અખંડપણે અંતર-રમણતાનો પુરુષાર્થ કરવો પડશે. અહીં કહે છે-આવો અંતર-પુરુષાર્થ જેણે પ્રગટ કર્યો છે તે જ્ઞાની છે.
અહાહા...! પોતે શુદ્ધ ચૈતન્યઘન જ્ઞાનઘન પ્રભુ છે એવી જેને દ્રષ્ટિ થઈ છે એવા જ્ઞાનીને બધા ભાવો જ્ઞાનમય હોય છે એમ કહે છે. એને રાગમય મિથ્યાત્વભાવ હોતા નથી. તેને જ્ઞાનમય ભાવ વડે મિથ્યાત્વસંબંધી રાગ અને દ્વેષ અવશ્યમેવ નિરોધાય છે, અજ્ઞાનમય ભાવ જરૂર રોકાઈ જાય છે. ભાષા જુઓ! જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે, જ્ઞાનવાળા એમ નહિ. જ્ઞાનમય ભાવ એટલે ભગવાન શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ ચૈતન્યબિંબ પ્રભુ જે અંદર ત્રિકાળ વિરાજે છે તેના અભેદ વલણવાળા ભાવ. અહાહા...! આવા જ્ઞાનમય ભાવો વડે અજ્ઞાનમય ભાવો જરૂરથી રોકાઈ જાય છે, રૂંધાઈ જાય છે, અભાવરૂપ થાય છે.
આ તો અધ્યાત્મનાં લઢણ અથવા ઘૂંટણ છે ભાઈ! આ કાંઈ કથા નથી. (બહુ શાંતિ અને ધીરજથી ઉપયોગને સૂક્ષ્મ કરી સાવધાનીથી સાંભળવું જોઈએ).
શું કહે છે? કે આત્મા પર તરફના વલણને છોડીને અંતરના સ્વના વલણમાં ગયો એટલે એને જ્ઞાનમય ભાવો થાય છે અને તે વડે અજ્ઞાનમય એટલે મિથ્યાત્વમય રાગ-દ્વેષાદિના ભાવ જરૂર રોકાઈ જાય છે કેમકે પરસ્પર વિરોધી ભાવ સાથે રહી શકે નહિ. અસ્થિરતાના અનેક ભાવ હોય તેની અહીં વાત નથી. અહીં તો જ્ઞાનમય ભાવમાં મિથ્યાત્વમય ભાવ હોય નહિ અને મિથ્યાત્વમય ભાવોમાં સમ્યક્ જ્ઞાનમય ભાવો હોય નહિ એમ વાત છે. મિથ્યાત્વ અને મિથ્યાત્વસંબંધી રાગ-દ્વેષના ભાવ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનના ભાવોમાં રહી શકે નહિ. બેય પરસ્પર વિરોધી છે. એક સાથે હોઈ શકતા નથી. જ્ઞાનભાવમાં અજ્ઞાનભાવનો અભાવ જ હોય છે. હવે કહે છે-
‘તેથી અજ્ઞાનમય ભાવોરૂપ રાગ-દ્વેષ-મોહ કે જેઓ આસ્રવભૂત (આસ્રવસ્વરૂપ)
PDF/HTML Page 1699 of 4199
single page version
છે તેમનો નિરોધ હોવાથી, જ્ઞાનીને આસ્રવનો નિરોધ હોય જ છે.’ જુઓ, જ્ઞાનીને મિથ્યાત્વ અને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષ-એવા જે આસ્રવો તેનો નિરોધ હોય જ છે. ભાઈ! આ કાંઈ વાતે વડાં પાકે એવું નથી. વડાં આમ થાય ને તેમ થાય એમ માત્ર વાતોથી વડાં ન થઈ જાય. વડાં માટે લોટ જોઈએ, તેલ જોઈએ, એની આવડત જોઈએ, બધું જોઈએ ને? તેમ ભગવાન આત્માને પ્રગટ કરવા અંતરનો પુરુષાર્થ જોઈએ. એ વાત કહે છે કે-અંતરના જ્ઞાયકસ્વભાવના પ્રતિ વીર્યના વલણવાળા ધર્મમય ભાવથી અધર્મમય ભાવ ઉત્પન્ન થતા નથી તેથી જ્ઞાનીને અધર્મનો-આસ્રવનો નિરોધ જ છે.
અરે! એને પોતે ચૈતન્યમૂર્તિ ભગવાન છે એનું મહાત્મ્ય આવતું નથી! અનાદિથી એણે પરમાં અને એક સમયની પર્યાયમાં રમત માંડી છે ને? દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કામ, ક્રોધ અને ઇન્દ્રિયોના ભોગ આદિમાં તથા પર્યાયમાં જ્ઞાનનો ક્ષયોપશમ ઉઘાડ હોય એમાં તે અનંતકાળથી રમી રહ્યો છે. પણ ભગવાન! તારા ત્રિકાળી ચૈતન્યતત્ત્વની આગળ એ ક્ષયોપશમની શું કિંમત છે? કાંઈ કિંમત નથી. માટે અંદર જા અને ધ્રુવ ચૈતન્યતત્ત્વને પકડ; તેથી તને મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ થશે, નિરાકુળ આનંદ થશે.
જ્ઞાનીને આસ્રવનો નિરોધ હોય જ છે. ‘માટે જ્ઞાની, આસ્રવો જેમનું નિમિત્ત છે એવાં (જ્ઞાનાવરણાદિ) પુદ્ગલકર્મોને બાંધતો નથી, -સદાય અકર્તાપણું હોવાથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં કહેલાં પૂર્વબદ્ધ કર્મોને, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને, કેવળ જાણે જ છે.’
જુઓ, જ્ઞાનીને આસ્રવ નથી એટલે નવાં જ્ઞાનાવરણાદિ કર્મ બંધાતાં નથી. ખરેખર તો પરમાણુઓને તે કાળે બંધાવાનો યોગ જ હોતો નથી, પરંતુ સમજાવવું હોય ત્યારે બીજી શી રીતે કથન આવે? જ્ઞાની તો, પોતે જ્ઞાનસ્વભાવવાળો હોઈને સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોનો જાણનાર-દેખનાર છે. દુનિયાની આંખ છે ને? આખી દુનિયા જેના જ્ઞાનમાં જણાય એવો ભગવાન જ્ઞાતા-દ્રષ્ટા છે. જ્ઞાતાસ્વભાવના વલણમાં જ્ઞાની કેવળ જાણે જ છે, કર્મનો કર્તા નથી. સદાય અકર્તાપણું હોવાથી એટલે કે જ્ઞાનીને રાગનું કર્તાપણું નહિ હોવાથી કર્મને બાંધતો નથી, કેમકે કર્મબંધનું નિમિત્ત તો રાગના કર્તાપણાનો ભાવ છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-
રાગના કર્તાપણે રોકાય તેને જ્ઞાતાપણું રહેતું નથી અને જે જ્ઞાતાપણામાં આવ્યો તેને રાગનું કર્તાપણું હોતું નથી. જ્ઞાનીને બંધનું કારણ જે આસ્રવ તે હોતો નથી તેથી તેને બંધ પણ થતો નથી. અહો! આવી સ્વભાવની વાત સહજ અને સરલ છે.
PDF/HTML Page 1700 of 4199
single page version
પણ સ્વભાવનો પુરુષાર્થ કરે તો ને? ભાઈ! ખાલી વાતોથી કામ પાર પડે એમ નથી.
હવે કેટલાક લોકો કહે છે કે-સોનગઢનું નિયત મિથ્યાત્વ છે, કારણ કે સોનગઢ વાળા તો જે સમયે જે પર્યાય થાય એમાં નિમિત્તથી કાંઈ ન થાય એવું માનનારા છે.
તેને કહીએ છીએ-ભગવાન! નિયત જ છે. જે સમયમાં જે પર્યાયની નિજક્ષણ- જન્મક્ષણ વા ઉત્પત્તિનો કાળ હોય તે સમયે તે પર્યાય થાય છે, નિમિત્તથી થતી નથી. પરંતુ એનો (ક્રમબદ્ધનો) નિર્ણય કોને હોય? કે જે અંતઃસ્વભાવમાં સન્મુખ થયો હોય તેને એનો સમ્યક્ નિર્ણય હોય છે.
જ્ઞાનીને ભલે મતિ-શ્રુતજ્ઞાન હોય, પણ એક સમયમાં લોકાલોકને (પરોક્ષ) જાણવાની તાકાતવાળી પર્યાય તેને પ્રગટ થઈ છે. જ્ઞાનીને રાગનું કર્તાપણું નથી. તેને પોતાનું જાણવાપણું અને જે રાગ થાય તેનું જાણવાપણું પોતામાં છે. તેથી નવાં કર્મો નહિ બાંધતો થકો સત્તામાં રહેલાં પૂર્વબદ્ધ કર્મોને જ્ઞાની કેવળ જાણે જ છે. જેમ કેવળી ભગવાનને ચાર ઘાતી કર્મો પડયા છે તેને એ કેવળ જાણે જ છે, મારાં કર્મ છે અને મારામાં છે એમ નહિ, પણ પોતાની સત્તાથી ભિન્ન સંયોગમાં સંયોગી ભિન્ન ચીજ છે એમ કેવળ જાણે જ છે તેમ જ્ઞાની પૂર્વબદ્ધ કર્મોને કેવળ જાણે જ છે.
જ્ઞાનીનો જ્ઞાન જ સ્વભાવ છે, કર્તાપણું એનો સ્વભાવ નથી. જેમ કેવળી ભગવાન લોકાલોકને જાણે છે-એટલે કે લોકાલોક કેવળજ્ઞાનમાં નિમિત્ત હોવા છતાં લોકાલોકના કર્તા નથી, માત્ર જ્ઞાતા છે તેમ જ્ઞાની જ્ઞાનમાં રાગાદિને જાણવા છતાં તે રાગનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે. અહો! સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને સ્વરૂપાચરણ કોઈ અલૌકિક ચીજ છે! એનાથી ધર્મની શરૂઆત છે અને એના વિના ધર્મ શરૂ થતો નથી.
જ્ઞાનીને અસ્થિરતાનો કિંચિત્ રાગ-દ્વેષ છે. પરંતુ સ્વજ્ઞેયના જાણનારને રાગાદિ અને તે વડે થતો અલ્પ બંધ-તે જ્ઞાનમાં પરજ્ઞેય તરીકે જણાય છે. અહીં ગાથા ૧૧ માં જે કહી તે શૈલીથી વાત લીધી છે. ભૂતાર્થ-સત્યાર્થ ત્રિકાળી પરમાત્મસ્વરૂપ પોતે-તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. હવે તેને અશુદ્ધતા અને અપૂર્ણતા જે (પર્યાયમાં) રહી તે જાણેલાં પ્રયોજનવાન છે, આદરેલાં નહિ. તે કાળે જ્ઞાતા-સ્વભાવ જ સ્વયં એવો છે કે તે સ્વને જાણે છે અને સાથે જે રાગ થાય છે તેને પણ સ્પર્શ્યા વિના કેવળ જાણે છે. આવું જ એનું સ્વરૂપ છે.
ઓહો! એક જ્ઞાનગુણમાં બીજો ગુણ નથી છતાં જ્ઞાનગુણમાં અનંતગુણોનું રૂપ છે. જેમ જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણ નથી છતાં જ્ઞાનગુણમાં અસ્તિત્વગુણનું રૂપ છે. અર્થાત્ જ્ઞાન છે તે સ્વયં અસ્તિત્વપણે છે. અસ્તિપણું જ્ઞાનનું રૂપ છે. એવી રીતે જ્ઞાનમાં વસ્તુપણું, પ્રમેયપણું, કર્તાપણું, કર્મ-કરણપણું ઇત્યાદિ રૂપ છે. જ્ઞાન પોતે જ્ઞાનના કર્તાપણે છે; કર્તા ગુણથી નહિ, પોતાનું સ્વરૂપ જ કર્તાપણે છે, અહીં કહે છે-