Atmadharma magazine - Ank 098
(Year 9 - Vir Nirvana Samvat 2478, A.D. 1952). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૯
સળંગ અંક ૯૮
Version History
Version
NumberDateChanges
001July 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
માગસરસંપાદકવર્ષ નવમું
રામજી માણેકચંદ દોશી
૨૪૭૮વકીલઅંકઃ ૨
‘वंदित्तु सव्वसिद्धे’
(‘સિદ્ધસમાન સદા પદ મેરો’)
શ્રી સમયસારની શરૂઆતમાં જ
આચાર્યદેવ આત્મામાં સિદ્ધપણું સ્થાપે છેઃ
અહો! સિદ્ધભગવંતો! મારા હૃદયસ્થાનમાં
બિરાજો. હું સિદ્ધોનો આદર કરું છું.........
મારામાં સિદ્ધ થવાનું સામર્થ્ય છે તેનો
વિશ્વાસ કરીને હું મારા આત્મામાં સિદ્ધોને
સ્થાપું છું. મારો આત્મા સિદ્ધનો સ્વભાવ
જેવો છે એમ સ્વીકારીને હું સિદ્ધોનો આદર
કરું છું–ભાવનમસ્કાર કરું છું.–આમ
પોતાના આત્મામાં સિદ્ધપણું સ્થાપવું તે
ધર્મની અપૂર્વ મંગલ શરૂઆત છે.
–શ્રી સમયસાર ગા. ૧ ઉપર પૂ. ગુરુદેવશ્રીના
પ્રવચનમાંથી. વીર સં. ૨૪૭૬ પ્ર. અષાડ વદ ૨.
છુટક નકલ૯૮વાર્ષિક લવાજમ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
ચાર આનાત્રણ રૂપિયા

PDF/HTML Page 3 of 21
single page version

background image
ભવભ્રમણ કેમ ન અટકયું?
‘રાગમાત્ર હું નહિ, શુભભાવ પણ આત્મસ્વભાવને
મદદગાર નથી’–એવી સમજણ વિના માત્ર પુણ્યની ક્રિયા કરી,
ને તેથી અનંતવાર નવમી ગ્રૈવેયક સુધી જે જીવ ગયો તેની
શ્રદ્ધા વ્યવહારે તો બહુ ચોખ્ખી હોય છે, કેમ કે સંપૂર્ણ
વ્યવહારશુદ્ધિ વિના નવમી ગ્રૈવેયક સુધી જઈ શકાય નહીં. પણ
અંતરમાં તે જીવને પરમાર્થ શ્રદ્ધાન્ ન હતું તેથી ભવભ્રમણ ટળ્‌યું
નહિ.
એકવાર સત્ય શ્રદ્ધા કરવાથી, ભેદજ્ઞાનજ્યોતિ વડે સર્વ
પરદ્રવ્ય અને પરભાવથી છૂટવું થાય છે. એકવાર સ્વતંત્ર
સ્વસમયને માને તો સંસાર રહે નહિ. સમ્યગ્જ્ઞાન શું છે તે
અનંતકાળમાં જીવે જાણ્યું નથી, અને અજ્ઞાનભાવે ધર્મના નામે
પાપ ઘટાડી પુણ્ય બાંધ્યું પણ તેનાથી ધર્મ થયો નહિ ને
ભવભ્રમણ અટકયું નહિ.
નવમી ગ્રૈવેયકે જનાર અજ્ઞાની જીવને વ્યવહારે શ્રદ્ધા–
જ્ઞાન અને શુભપ્રવૃત્તિ હોય છે, બાહ્યથી નગ્ન દિગંબર મુનિપણું
હોય છે, પંચ મહાવ્રતનું પાલન સાવધાનીપૂર્વક હોય છે; પણ
અંતરમાં હું ચૈતન્યમૂર્તિ આત્મા પરથી નિરાળો છું, પુણ્ય–
પાપના વિકલ્પથી રહિત છું, કોઈ પરનો મારે આશ્રય છે જ
નહિ,–એવી સ્વાવલંબી તત્ત્વશ્રદ્ધા નથી તેથી તે જીવનું
ભવભ્રમણ ટળતું નથી.
–સમયસાર–પ્રવચનો ભા. ૧ પૃ. ૯૧, ૯૩, ૧૨૩.
‘હીરાની રજ!’
જે હીરા સરાણે ચડે તે તો મૂલ્યવાન છે જ, પણ તેની
જે રજ ખરે તેના પણ સેંકડો રૂપિયા ઊપજે; તેમ વસ્તુનું
સત્યસ્વરૂપ સાંભળતાં જે જીવ વસ્તુસ્વરૂપને પકડે છે તેની તો
શી વાત? તે તો અમૂલ્ય હીરો પકડે છે, પણ આવું સત્યસ્વરૂપ
સાંભળતાં જે શુભભાવ થાય તેને કારણે પણ ઊંચું પુણ્ય બંધાય
છે.... આ અધ્યાત્મ છઠ્ઠી ગાથાના અંતરભાવો જે સમજે તેનો
મોક્ષભાવ પાછો ન ફરે, તેની મુક્તિ થયા વિના રહે નહિ.
(સમયસાર–પ્રવચન ૧ પૃ. ૧પ૬)
*

PDF/HTML Page 4 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૮ઃ ૨૭ઃ
આત્માના જ્ઞાનમાત્રમાં ઉછળતી
અનંત શક્તિઓ
શ્રી સમયસાર પૃ. પ૦૪ના. પ્રશ્ન–ઉત્તર ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં પ્રવચનો
(વીર સં. ૨૪૭પ કારતક સુદ ૩)
આત્મામાં જ્ઞાનાદિ અનંત ધર્મો છે; તેને પરદ્રવ્યોથી અને પરભાવોથી ભિન્ન ઓળખાવવા માટે
આચાર્યદેવ ‘જ્ઞાનમાત્ર’ કહેતા આવ્યા છે. ત્યાં જ્ઞાનલક્ષણ વડે અનંત ધર્મવાળો આત્મા જ પ્રસિદ્ધ થાય છે તેથી
જ્ઞાનમાત્ર આત્માને અનેકાન્તપણું છે–એ વાત સિદ્ધ કરી.
(જુઓ, આત્મધર્મ અંક ૯૭)
હવે આચાર્યદેવ તે અનંતધર્મવાળા આત્માની કેટલીક શક્તિોઓનું વર્ણન કરવા માંગે છે તેથી તેની
ભૂમિકારૂપે પ્રથમ શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે અને તેનો ઉત્તર આપતાં ‘જ્ઞાનમાત્ર આત્મામાં અનંતી શક્તિઓ
ઊછળે છે’ એમ સિદ્ધ કરીને પછી ૪૭ શક્તિઓનું અદ્ભુત વર્ણન કરશે.
*
પ્રશ્નઃ– જેમાં ક્રમ અને અક્રમે પ્રવર્તતા અનંત ધર્મો છે એવા આત્માને જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે? શિષ્ય
અભેદ આત્માને લક્ષમાં લેવા માગે છે તેથી એમ પૂછે છે કે પ્રભો! આત્મામાં અનંત ધર્મો હોવા છતાં તેને
જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે? શરીરાદિ પરનો અને દયા કે હિંસાદિક વિકારી ભાવોનો તો આત્માના સ્વભાવમાં
અભાવ છે, આત્મામાં પોતાના અનંત ધર્મો છે–એટલું લક્ષમાં લઈને શિષ્ય પૂછે છે કે પર્યાય અપેક્ષાએ ક્રમે
પ્રવર્તતા અને ગુણ અપેક્ષાએ એક સાથે–અક્રમે પ્રવર્તતા એવા અનંત ધર્મો આત્મામાં હોવા છતાં આત્માને
જ્ઞાનમાત્રપણું કઈ રીતે છે? એક જ્ઞાનમાત્રભાવમાં અનંતધર્મો કઈ રીતે સમાઈ જાય છે?
ઉત્તરઃ– પરસ્પર ભિન્ન એવા અનંત ધર્મોના સમુદાયરૂપે પરિણમેલો જે એક જ્ઞપ્તિમાત્ર ભાવ છે તે
આત્મા જ છે તેથી આત્માને જ્ઞાનમાત્રપણું છે; માટે જ્ઞાનમાત્ર એક ભાવમાં આવી જતી અનંત શક્તિઓ
આત્મામાં ઊછળે છે. અહીં આચાર્યદેવ અનંત ધર્મોના પરિણમનને જ્ઞાનમાત્ર ભાવના પરિણમનમાં સમાડી
દઈને, જ્ઞાન અને આત્માને અભેદ વર્ણવે છે.
આત્મામાં અનંતગુણો છે, તેઓ પરસ્પર ભિન્ન છે. જેમ આત્મા કદી જડરૂપ થતો નથી તેમ આત્માનો
જ્ઞાનગુણ કદી દર્શનગુણરૂપે થતો નથી, કોઈ પણ ગુણ બીજા ગુણરૂપે થઈ જતો નથી. જેમ એક દ્રવ્યમાં બીજા
દ્રવ્યનો અભાવ છે તેમ એક દ્રવ્યના અનંત ગુણોમાંથી એક ગુણમાં બીજા ગુણનો અભાવ છે. આત્મદ્રવ્ય તો
પરથી ત્રિકાળ સ્વતંત્ર છે અને તેના એકેક ગુણો પણ બીજા ગુણથી સ્વતંત્ર છે. એ રીતે અનંતગુણો પરસ્પર
ભિન્ન છે; ગુણ અપેક્ષાએ અનંતતા અને દ્રવ્યપણે એકતા–એ રીતે અનેકાંત પણ આમાં આવી ગયો.
એક દ્રવ્ય બીજા દ્રવ્યથી ભિન્ન; દ્રવ્યના અનંત ગુણોમાં દરેક ગુણ પરસ્પર ભિન્ન; તેમ જ તે દરેક ગુણની
એકેક સમયની પર્યાય પણ ભિન્ન ભિન્ન સ્વતંત્ર છે. અનંતગુણોની પર્યાયો એક સાથે છે પણ તેમાંથી કોઈ એક
ગુણની પર્યાયને બીજા ગુણની પર્યાય સાથે એકતા થતી નથી, તેમ જ એક જ ગુણની ક્રમે થતી અનંત પર્યાયોમાં
પણ એક સમયની પર્યાય પૂર્વ સમયની પર્યાયરૂપ ન થાય, તેમ જ પછીની પર્યાયરૂપ પણ ન થાય.–એ રીતે દરેક
ગુણની દરેક પર્યાય સ્વતંત્ર છે. ગુણો પરસ્પર ભિન્ન છે તેમ પર્યાયો પણ પરસ્પર ભિન્ન છે. એક ગુણને કારણે
બીજા ગુણની અવસ્થા થતી નથી; પુરુષાર્થગુણને કારણે જ્ઞાનની અવસ્થા ન થાય, ને જ્ઞાનને લીધે પુરુષાર્થની
અવસ્થા ન થાય. પુરુષાર્થની અવસ્થા પુરુષાર્થગુણથી થાય, જ્ઞાનની અવસ્થા જ્ઞાનગુણથી થાય. દરેક ગુણની
અવસ્થામાં પોતાનું સ્વતંત્ર વીર્ય છે, એટલે દરેક પર્યાય પોતે પોતાના સામર્થ્યથી જ પોતાની રચના કરે છે.
અહો! પર્યાયનું કારણ પર તો નહિ, ને દ્રવ્ય–ગુણ પણ નહિ, પર્યાય પોતે જ પોતાનું કારણ છે. એક જ સમયમાં
પોતે જ કારણ અને કાર્ય છે, એટલે ખરેખર તો કારણ–કાર્યના ભેદ પાડવા તે વ્યવહાર છે. દરેક દ્રવ્ય પોતાપણે
સત્, દરેેક ગુણ પોતાપણે સત્ અને એકેક સમયની દરેક પર્યાય પણ પોતપોતાના સ્વરૂપે

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૨૮ઃ આત્મધર્મઃ ૯૮
સત્ છે.–બસ! છે તેમ જાણી લેવાનું છે, તેમાં કારણ–કાર્યના ભેદનો વિકલ્પ જ કયાં છે?
જુઓ! સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય અનાદિકાળમાં ન હતી ને અપૂર્વદશા પ્રગટી. ત્યાં તેનું કારણ કોને
કહેશો? જો ત્રિકાળી દ્રવ્ય–ગુણને તેનું કારણ કહો તો, તે તો સમ્યગ્દર્શન પ્રગટયા પહેલાં પણ હતાં! પૂર્વ પર્યાયને
કારણ કહો તો, પૂર્વ પર્યાયમાં તો અનાદિનું મિથ્યાત્વ હતું તેને કારણ કઈ રીતે કહેવું? ત્રિકાળી દ્રવ્ય–ગુણ તરફ
વલણ કર્યું ત્યારે સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય થઈ–એટલે દ્રવ્ય–ગુણ તરફ વલણ કર્યું તે કારણ અને નિર્મળ
પર્યાય પ્રગટી તે કાર્ય–એમ કહો તો, ત્યાં દ્રવ્ય–ગુણ તરફ વલણ કરનારી પર્યાય અને નિર્મળ થઈ તે પર્યાય– એ
બંને કાંઈ જુદી જુદી પર્યાયો નથી, એક જ પર્યાય છે, તેથી કારણ–કાર્ય અભેદ થઇ જાય છે, એટલે કારણ–કાર્યના
ભેદ ઊડી જાય છે; અને એકેક પર્યાયની નિરપેક્ષતા સાબિત થઈ જાય છે. જ્ઞાનની પર્યાય સ્વતંત્ર ને પુરુષાર્થની
પર્યાય સ્વતંત્ર; મોક્ષમાર્ગરૂપ પર્યાય સ્વતંત્ર ને મોક્ષપર્યાય પણ સ્વતંત્ર. અહો! જુઓ, આમાં એકલો નિરપેક્ષ
વીતરાગભાવ જ આવે છે. ‘આમ કેમ?’ અથવા ‘આનું કારણ કોણ?’ એવા વિકલ્પને અવકાશ નથી રહેતો,
એકલું જ્ઞાતાપણું જ રહે છે.
આત્મા જ્ઞાનમાત્ર જ છે. જ્ઞાન શું કરે? જેમ હોય તેમ ફક્ત જાણે. જાણવાના કાર્યમાં તો શાંતિ જ હોય.
જાણવામાં આકુળતા શેની હોય?–ન જ હોય. જો પરમાં હા કે ના કરે તો રાગ–દ્વેષ થાય અને જ્ઞાનની
સ્થિરતારૂપ શાંતિ ન ટકી શકે. હું તો જ્ઞાન છું, તેથી જાણવા સિવાય મારે પરને પોતાનું માનવું નથી તેમ જ
‘આમ કેમ’ એવો રાગ–દ્વેષનો વિકલ્પ કરવો નથી–આમ નિર્ણય કરીને જ્ઞાનમાત્રભાવે પરિણમવું તેનું નામ
મુક્તિ; તે જ્ઞાનમાત્રભાવે પરિણમતાં પણ આત્માની અનંતી શક્તિઓ તેમાં ભેગી જ છે. જ્ઞાન સાથે સુખ છે,
સ્વચ્છતા છે, પ્રભુતા છે, જીવન છે–એમ અનંતી શક્તિઓ જ્ઞાનમાત્રભાવમાં ભેગી જ છે.
આત્મામાં અનંત ગુણો છે તે દરેકનું લક્ષણ ભિન્ન ભિન્ન છે, પણ આત્માના જ્ઞાનમાત્રભાવમાં તે બધાય
આવી જાય છે. અનંત ગુણથી અભેદ આત્માને દ્રષ્ટિમાં લીધો ત્યાં અનંતી શક્તિઓ એક સાથે નિર્મળપણે
પરિણમવા લાગે છે. જ્ઞાન જ્યાં અભેદ આત્માને લક્ષમાં લઈને પરિણમ્યું ત્યાં તે જ્ઞપ્તિમાત્રભાવની સાથે અનંતી
શક્તિઓ પણ નિર્મળપણે ઊછળે છે.
જુઓ, સર્વજ્ઞ ભગવાન કહે છે કે બટાટાની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્યાત ઔદારિક શરીરો છે; તે
દરેક શરીરમાં અનંત જીવો છે. તે દરેક જીવો જુદેજુદા સ્વતંત્ર છે; તેમાંથી એકેક જીવમાં પોતાની અનંતી
શક્તિઓ છે, તે શક્તિઓ પણ એકબીજાથી પરસ્પર ભિન્ન ભિન્ન છે; અને એકેક શક્તિની ક્રમે થતી અનંતી
પર્યાયો છે, તે દરેક પર્યાય પણ ભિન્ન ભિન્ન અને સ્વતંત્ર છે; વળી એકેક પર્યાયમાં અનંત અવિભાગપ્રતિચ્છેદ
અંશો છે, તેમાંનો એક અંશ બીજા અંશપણે નથી.–વસ્તુસ્વભાવની આવી સ્વતંત્રતાને જૈનદર્શન બતાવે છે. બધુંય
અનેકાંતસ્વરૂપ છે. દ્રવ્યમાં અનેકાંત, ગુણમાં અનેકાંત, પર્યાયમાં અનેકાંત અને તેના એકેક અવિભાગપ્રતિચ્છેદ
અંશમાં પણ ‘સ્વપણે છે ને પરપણે નથી’ એવો અનેકાંત છે. એકેક જીવ અનંતધર્મની મૂર્તિ છે. અનંત ગુણ–
પર્યાય હોવા છતાં વસ્તુપણે તે બધું એક જ દ્રવ્ય છે. અહો! દરેક આત્મા એક જ સમયમાં અનંતગુણોના ભિન્ન
ભિન્ન પરિણમનથી ભર્યો છે, છતાં તે અનંત ગુણોના પરિણમનમાં કાળભેદ નથી. આત્માના પરિણમનમાં બધા
ગુણોનું પરિણમન ભેગું જ છે. ‘પરસ્પર ભિન્ન’ કહીને અનેકપણું સાબિત કર્યું અને ‘અનંત ધર્મોના સમુદાયરૂપે
પરિણમેલો એક જ્ઞપ્તિમાત્ર ભાવ તે આત્મા છે’–એમ કહીને જ્ઞાનમાત્ર આત્મામાં અનંત ધર્મોને અભેદ કરી
દીધા. (અહીં ‘ગુણ’ અને ‘ધર્મ’ બંને શબ્દો એકાર્થ છે.)
દ્રવ્ય પોતે અનંત ગુણોથી એક સાથે પરિણમી રહ્યું છે. અનંતગુણોમાં ગુણભેદે ભેદ હોવા છતાં દ્રવ્યથી તે
અભેદ છે; ગુણોને પરસ્પર લક્ષણભેદ છે પણ પ્રદેશભેદ નથી, પરિણમનનો કાળભેદ નથી; એક જ સમયમાં
જ્ઞાનમાત્રભાવની અંદર બધાય ગુણો એક સાથે પરિણમે છે. અહીં જ્ઞાનમાત્રભાવ કહેતાં એકલા જ્ઞાનગુણની
પર્યાય ન સમજવી. પણ અનંત ગુણના પિંડરૂપ આત્માની પર્યાય સમજવી, કેમ કે આત્માને જ ‘જ્ઞાનમાંત્ર’ કહ્યો
છે. આત્માની એક જાણનક્રિયામાં અનંત ધર્મો સમાઈ જતા હોવાથી આત્માને જ્ઞાનમાત્રપણું જ છે; અનંત ધર્મો
હોવા છતાં આત્માને જ્ઞાનમાત્રપણું છે–એ વાત અહીં આચાર્યદેવ સિદ્ધ કરે છે. અનંતધર્મોને સિદ્ધ કરીને તેને

PDF/HTML Page 6 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૮ઃ ૨૯ઃ
એક જ્ઞાનમાત્ર ભાવમાં સમાડી દીધા અને આત્માનું જ્ઞાનમાત્રપણું ઊભું રાખ્યું.–આટલી સ્પષ્ટતા કરીને હવે તે
જ્ઞાનમાત્રભાવમાં આવી જતી શક્તિઓનું વર્ણન કરશે.
આત્મામાં પર્યાયો ક્રમેક્રમે થાય છે ને ગુણો એક સાથે છે. ‘પર્યાયો ક્રમેક્રમે થાય છે’ તેનો અર્થ એમ ન
સમજવો કે પહેલાં એક ગુણની પર્યાય થાય ને પછી બીજા ગુણની પર્યાય થાય.–કેમ કે જો એમ હોય તો તો,
અનંત ગુણો હોવાથી, એક ગુણની પર્યાય થવાનો વારો અનંતકાળે આવે! બધાય ગુણોનું પરિણમન તો એક
સાથે થાય છે, તેમાં કાંઈ ક્રમ નથી, પણ તેની પર્યાયો એક પછી એક થાય છે, એક સાથે બે અવસ્થા થતી નથી.
અનંત ગુણોની અવસ્થા એક સાથે છે પણ એક ગુણની બે પર્યાયો એક સાથે થતી નથી. જેમ કે શ્રદ્ધાગુણની
પર્યાયમાં મિથ્યાત્વ વખતે સમ્યક્ત્વ ન હોય, સમ્યક્ત્વ વખતે મિથ્યાત્વ ન હોય; મતિજ્ઞાન વખતે કેવળજ્ઞાન ન
હોય, સિદ્ધદશા વખતે સંસારદશા ન હોય–એ રીતે અવસ્થામાં ક્રમ છે અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, અસ્તિત્વ,
પ્રભુત્વ વગેરે ગુણો બધાય અક્રમ છે.–આવા ક્રમ અને અક્રમરૂપ વર્તતા અનંતધર્મો આત્મામાં છે.
પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા આત્માના ધર્મોનું વર્ણન કર્યું છે; અને અહીં આત્માની ૪૭
શક્તિઓનું વર્ણન કર્યું છે. તેમાં ફેર એટલો છે કે પ્રવચનસારમાં તો જ્ઞાનપ્રધાન વર્ણન હોવાથી ત્યાં વિકારને પણ
આત્માનો ધર્મ ગણ્યો છે, કેમ કે તે પણ આત્માની પર્યાય છે, તે વિકારીપર્યાયને એક સમયપૂરતો આત્મા ધારી
રાખે છે. અને અહીં શક્તિઓના વર્ણનમાં તો અભેદદ્રષ્ટિપ્રધાન વર્ણન હોવાથી બધી શુદ્ધ શક્તિઓ જ લીધી છે,
વિકારને આત્માનો ધર્મ ગણ્યો નથી.
જૈનધર્મના નામે ‘અનેકાન્ત.....અનેકાન્ત’ તો ઘણા લોકો કરે છે, પણ અનેકાન્તમાં કેટલું ગૂઢ રહસ્ય છે
તે આ પરિશિષ્ટમાં આચાર્યદેવે ખુલ્લું કર્યું છે. આત્મામાં અનંત ગુણો છે, તેમાંના એક ગુણમાં બીજા ગુણની
નાસ્તિ છે. ગુણોને ક્ષેત્રભેદ નથી પણ લક્ષણભેદ છે–એ રીતે અનેકાંત છે. જ્ઞાન સિવાયની શ્રદ્ધા વગેરે
અનંતશક્તિઓ છે તે જ્ઞાનથી ગુણભેદે ભિન્ન છે, પણ જ્ઞાનમાત્ર આત્મામાં તો બધી શક્તિઓ અભેદપણે આવી
જાય છે. જ્ઞાન જ્ઞાનપણે છે ને શ્રદ્ધાપણે નથી, શ્રદ્ધા શ્રદ્ધાપણે છે ને જ્ઞાનપણે નથી; એમ દરેક ગુણ સ્વપણે છે ને
બીજા ગુણપણે નથી.–આવો ગુણભેદ હોવા છતાં વસ્તુપણે આત્મા એકરૂપ છે. એકેક વસ્તુમાં અનંત અસ્તિ–
નાસ્તિ ઉતરે છે. વસ્તુના અનંત ગુણોમાંથી દરેક ગુણ બીજા અનંત ગુણોરૂપે નથી, એકની અસ્તિમાં બીજા
અનંતની નાસ્તિ છે; એ જ પ્રમાણે એકેક પર્યાયમાં પણ પોતાપણે અસ્તિ અને બીજા અનંત પર્યાયોપણે નાસ્તિ –
એવો અનેકાંત છે. એક પર્યાયના અનંત અવિભાગઅંશોમાંથી દરેક અવિભાગઅંશમાં પણ એ જ પ્રકારે અસ્તિ–
નાસ્તિરૂપ અનેકાંત છે.
આત્મા એક સમયમાં અનંત ગુણોથી પરિપૂર્ણ છે; વસ્તુમાં બધા ગુણો એક સાથે રહેલા હોવા છતાં કોઈ
પણ ગુણ કદી બીજા ગુણરૂપે થઈ જતો નથી. જો એક ગુણ બીજા ગુણરૂપે થઈ જાય તો બીજો ત્રીજારૂપે થઈ જાય–
એમ કરતાં કરતાં અનંતા ગુણો બધાય એક જ ગુણરૂપ થઈ જાય, એટલે એક ગુણ પોતે જ આખું દ્રવ્ય થઈ જાય,
ને ગુણનો અભાવ થઈ જાય. ગુણ વગર દ્રવ્યનો જ અભાવ થઈ જાય. એ જ પ્રમાણે એકેક પર્યાય અને પર્યાયનો
નાનામાં નાનો અંશ પણ જો પરરૂપે થાય તો છેવટે દ્રવ્યનો જ અભાવ થઈ જાય. કોઈ પણ પદાર્થને ‘છે’ એમ
કહેતાં જ, ‘પરપણે તે નથી’ એમ જો ન માનો તો તે વસ્તુનું અસ્તિત્વ જ સાબિત નહિ થાય.
અનેકાંત તો વિશ્વનો પ્રકાશક છે; તે એમ જાહેર કરે છે કે વિશ્વમાં દરેક પદાર્થ સ્વપણે છે ને પરપણે તે
નથી. પદાર્થની શક્તિનો એક નાનામાં નાનો છેલ્લો અંશ લ્યો તો તે અંશ પણ પોતાપણે છે ને પોતાના
સિવાયના બીજા અનંત અંશોપણે તે નથી, એવું તેનું અનેકાંતસ્વરૂપ છે. બધુંય અનેકાન્ત છે એટલે કે જે છે તે
સ્વપણે છે ને પરપણે નથી,–આ સિદ્ધાંત ઉપર તો આખી સૃષ્ટિનું ચક્ર ચાલી રહ્યું છે.
જેમાં પરસ્પર ભિન્ન અનંત ધર્મો છે એવા અભેદ આત્માને લક્ષમાં લઈને જ્યાં જ્ઞાન પરિણમ્યું, ત્યાં તે
જ્ઞપ્તિમાત્ર ભાવની સાથે અનંતગુણોનું પરિણમન ભેગું જ છે. આવી જ્ઞપ્તિક્રિયા તે આત્માની નિર્વિકારી ધર્મ
ક્રિયા છે. આત્મા જ્ઞપ્તિમાત્રભાવરૂપે છે અને તે જ્ઞપ્તિમાત્રભાવમાં અનંતી શક્તિઓનું પરિણમન આવી જાય છે;
માટે જ્ઞાનમાત્ર આત્મામાં અનંત શક્તિઓ ઊછળે છે. પર્યાય જ્યાં અંતરમાં અભેદ થઈને પરિણમી, ત્યાં તે
જ્ઞપ્તિક્રિયાપણે આત્મા જ પરિણમ્યો છે તેથી તે આત્મા જ છે;

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૩૦ઃ આત્મધર્મઃ ૯૮
ને તે જ્ઞપ્તિક્રિયામાં અનંતધર્મોનું ભેગું પરિણમન હોવાથી, અનંતધર્મવાળા આત્માને જ્ઞાનમાત્રપણું જ છે.
જ્ઞાનમાત્રભાવમાં જ અનંતશક્તિઓ ઊછળી રહી છે–પરિણમી રહી છે. અનંતી સહભાવી શક્તિઓ વગર એકલું
જ્ઞાન રહી શકતું નથી.
અનંતી શક્તિથી ઊછળતો ભગવાન આત્મા કઈ રીતે જણાય? તે વાત આગળ કહેવાઈ ગઈ છે કે
જ્ઞાનલક્ષણને અંતરમાં વાળતાં આત્મા લક્ષમાં આવે છે; એ સિવાય બીજા કોઈ ઉપાયે આત્મા જણાય તેમ નથી.
શરીરની ક્રિયાથી કે ભક્તિ–પૂજા–ઉપવાસ વગેરે શુભ ક્રિયાકાંડથી આવો આત્મા જણાય તેમ નથી, પણ જ્ઞાનને
અંતર્મુખ કરવારૂપ જે જાણનક્રિયા છે તે જ આત્માને જાણવા માટેની ક્રિયા છે. એ સિવાય બીજા લાખ ઉપાય
કરે,–લાખો–કરોડો રૂપિયા દાનમાં ખરચે, ઘણી જાત્રાઓ કરે, ત્યાગી થઈને વ્રતાદિ કરી કરીને સુકાઈ જાય–તો
પણ તે કોઈ બાહ્ય ઉપાયથી આ ચૈતન્યભગવાન આત્મા દર્શન આપે તેવો નથી. અંદરમાં નજર કરતાં જ ન્યાલ
કરી નાંખે–એવો ચૈતન્યભગવાન છે. કેટલા વર્ષો પર સામે જોયા કરે તો સ્વની સામે જોવાનું થાય?–પર સામે
જોવાથી સ્વની સામે જોવાનું કદી થાય જ નહિ. જ્ઞાનલક્ષણને અંતરના લક્ષ્ય તરફ વળીને જ્યાં ચૈતન્યમૂર્તિ
આત્માને લક્ષમાં લીધો ત્યાં જ્ઞપ્તિક્રિયા થઈ, તે જ્ઞપ્તિક્રિયામાં અનંત ગુણોની નિર્મળ પરિણતિ ભેગી જ ઊછળવા
લાગી. રાગના લક્ષે કે નિમિત્તના લક્ષે શક્તિઓ નિર્મળપણે ઊછળતી–પરિણમતી નથી. અહીં આચાર્યદેવ એકલી
શક્તિઓ જ નથી બતાવતા પણ શક્તિઓનું નિર્મળ પરિણમન પણ ભેગું જ લઈ લ્યે છે; ‘શક્તિઓ ઊછળે છે’
એમ કહીને શક્તિઓને પરિણમતી બતાવી છે.
દ્રવ્યનું પરિણમન થતાં બધા ગુણો પરિણમે છે; મૂળ દ્રવ્યનું પરિણમન થાય છે ત્યાં તેના બધા ગુણો પણ
પરિણમી જાય છે, દ્રવ્યથી ગુણ કાંઈ જુદા નથી. અનંત ગુણોથી અભેદ આત્મદ્રવ્યને લક્ષમાં લઈને જ્યાં સાધક
જીવ પરિણમ્યો ત્યાં તેના પરિણમનમાં અનંતી શક્તિઓ નિર્મળપણે ઊછળવા લાગી. અનંતશક્તિઓ આત્મામાં
અભેદ થઈને પરિણમી તેને જ અહીં ‘જ્ઞાનમાત્ર ભાવ’ કહ્યો છે.
આત્માના અનંત ગુણોમાં લક્ષણભેદ છે પણ ક્ષેત્રભેદ કે કાળભેદ નથી. જ્ઞાનગુણ મગજમાં રહે ને
આનંદગુણ હૃદયમાં રહે–એવા પ્રકારનો ભેદ નથી. આત્માના અસંખ્ય પ્રદેશોમાં જ એક સાથે અનંત ગુણો રહેલાં
છે, ગુણોનું ક્ષેત્ર ભિન્ન ભિન્ન નથી. અહીં તો એમ જ કહ્યું કે આત્માના પરિણમનમાં અનંતી શક્તિઓ એક સાથે
જ ઊછળે છે, બધી શક્તિઓ એક સાથે નિર્મળપણે પરિણમે છે. ગુણના નિર્મળ પરિણમનમાં ઓછા–વધતાપણું છે
તે વાત અહીં નથી લીધી. શ્રદ્ધા ગુણમાં ક્ષાયકસમ્યક્ત્વનું પરિણમન થઈ જાય છતાં ચારિત્રગુણની નિર્મળતા પૂરી
ન ઊઘડે–એવા ગુણભેદને અહીં મુખ્ય નથી કર્યા. અભેદ દ્રવ્ય પરિણમતાં બધા ગુણો નિર્મળપણે પરિણમે છે–એમ
અહીં અભેદની મુખ્યતાથી કહ્યું છે. અભેદદ્રવ્યની દ્રષ્ટિથી સાધકજીવ પરિણમે છે ત્યાં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનની સાથે
ચારિત્ર વગેરે બધા ગુણોનો અંશ પણ ભેગો જ પરિણમે છે. અહીં પરિણમન કહેતાં બધા નિર્મળ પરિણામો જ
લેવાના છે, વિકારને તો આત્માથી જુદો પાડયો છે માટે વિકારી પરિણામોને આત્માના પરિણમનમાં લેવાના
નથી. અહીં તો દ્રવ્ય–ગુણ અને નિર્મળ પરિણતિને અભેદ કરીને તેટલો જ આત્મા ગણ્યો છે, ભેદને કે વિકારને
આત્મા નથી ગણ્યો, તેને તો જ્ઞાનલક્ષણના બળે આત્માથી જુદા પાડી દીધા છે.
સમ્યગ્દર્શન થતાં બધા ગુણો એક સાથે પૂરા ખીલી જતા નથી એટલે ગુણભેદ છે; પરંતુ વસ્તુપણે બધા
ગુણો અભેદ છે તેથી બધા ગુણોનો અંશ તો એક સાથે ઊઘડી જાય છે. એક ગુણ તદ્ન શુદ્ધ થઈ જાય ને બીજા
ગુણમાં સર્વથા મલિનતા રહે–અંશે પણ નિર્મળતા ન થાય તો તો ગુણો સર્વથા ભેદરૂપ થઈ જાય.–એમ બનતું
નથી અહીં તો કહ્યું કે જ્ઞપ્તિમાત્રભાવમાં બધા ગુણોનું પરિણમન એક સાથે જ છે; નિર્મળતામાં હીનાધિકતાના
ભેદ પડે તે વાત ગૌણ છે.
–એ રીતે, અનંત શક્તિવાળા આત્માને ‘જ્ઞાનમાત્ર’ કહીને ઓળખાવ્યો; અને તે જ્ઞાનમાત્રભાવમાં
અનંતી શક્તિઓ ભેગી જ પરિણમી રહી છે એમ બતાવ્યું. હવે આચાર્યદેવ તેમાંની ‘કેટલીક’ શક્તિઓનું વર્ણન
કરે છે. કેટલીક કેમ કીધી? કારણ કે, છદ્મસ્થજીવ સામાન્યપણે આત્મામાં અનંત શક્તિઓ છે–એમ તો જાણી શકે
પરંતુ વિશેષપણે તે અનંતી શક્તિઓને ભિન્ન ભિન્ન જાણી ન શકે; તેમ જ વાણીદ્વારા પણ અનંતી શક્તિઓનું
વર્ણન થઈ ન શકે, વાણીમાં તો અમુક જ આવે;

PDF/HTML Page 8 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૮ઃ ૩૧ઃ
તેથી અહીં ખાસ પ્રયોજનભૂત એવી ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે.
અહીં, તે ૪૭ શક્તિઓ ઉપરનું વિવેચન આપતાં પહેલાં તે શક્તિઓનાં નામ આપવામાં આવે છે–
(૧) જીવત્વશક્તિ(૧૭) અગુરુલઘુત્વશક્તિ(૩૨) અનેકત્વશક્તિ
(૨) ચિતિશક્તિ(૧૮) ઉત્પાદવ્યયધુ્રવત્વશક્તિ(૩૩) ભાવશક્તિ
(૩) દશિશક્તિ(૧૯) પરિણામશક્તિ(૩૪) અભાવશક્તિ
(૪) જ્ઞાનશક્તિ(૨૦) અમૂર્તત્વશક્તિ(૩પ) ભાવાભાવશક્તિ
(પ) સુખશક્તિ(૨૧) અકર્તૃત્વશક્તિ(૩૬) અભાવભાવશક્તિ
(૬) વીર્યશક્તિ(૨૨) અભોક્તૃત્વશક્તિ(૩૭) ભાવભાવશક્તિ
(૭) પ્રભુત્વશક્તિ(૨૩) નિષ્ક્રિયત્વશક્તિ(૩૮) અભાવાભાવશક્તિ
(૮) વિભુત્વશક્તિ(૨૪) નિયતપ્રદેશત્વશક્તિ(૩૯) ભાવશક્તિ
(૯) સર્વદર્શિત્વશક્તિ(૨પ) સ્વધર્મવ્યાપકત્વશક્તિ(૪૦) ક્રિયાશક્તિ
(૧૦) સર્વજ્ઞત્વશક્તિ(૨૬) સાધારણ–અસાધારણ–(૪૧) કર્મશક્તિ
(૧૧) સ્વચ્છત્વશક્તિ–સાધારણાસાધારણધર્મત્વશક્તિ(૪૨) કર્તૃત્વશક્તિ
(૧૨) પ્રકાશશક્તિ(૨૭) અનંતધર્મત્વશક્તિ(૪૩) કરણશક્તિ
(૧૩) અસંકુચિતવિકાસત્ત્વશક્તિ(૨૮) વિરુદ્ધધર્મત્વશક્તિ(૪૪) સંપ્રદાનશક્તિ
(૧૪) અકાર્યકારણત્વશક્તિ(૨૯) તત્ત્વશક્તિ(૪પ) અપાદાનશક્તિ
(૧પ) પરિણમ્યપરિણામકત્વશક્તિ (૩૦) અતત્ત્વશક્તિ(૪૬) અધિકરણશક્તિ
(૧૬) ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ(૩૧) એકત્વશક્તિ(૪૭) સંબંધશક્તિ
–ઇત્યાદિ.
હવે અનુક્રમે તે શક્તિઓ ઉપરનું વિવેચન આપવામાં આવશે.
‘समयसारनी टीका’
‘શ્રોતાઓનું કર્તવ્ય’
(વીર સં. ૨૪૭૬ પ્ર. અષાઢ વદ ૨ઃ સમયસાર કલશ ઉપર પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી)
શ્રી અમૃતચંદ્ર આચાર્યદેવ કહે છે કે હું ‘સમયસાર’ ની ટીકા કરું છું; સમયસાર એટલે શુદ્ધ આત્મા, તેનું
વર્ણન કરવાનો મારો હેતુ છે, એટલે આ ટીકાનું ધ્યેય તો શુદ્ધ આત્મા જ છે. ભલે વચમાં વિકારનું વર્ણન આવશે
ખરું પણ મારું પ્રયોજન તો તે વિકારથી ભિન્ન શુદ્ધ આત્મા દેખાડવાનું જ છે. વિકારને હેયરૂપ બતાવવા તેનું વર્ણન
આવશે ને શુદ્ધ આત્માને ઉપાદેયરૂપ બતાવવા તેનું વર્ણન આવશે. ટીકા કરતાં મારું લક્ષ વિકાર ઉપર નથી પણ
શુદ્ધાત્મા ઉપર જ છે. ટીકાદ્વારા હું શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવવા માગું છું. માટે સમયસારનું શ્રવણ કરનાર
શ્રોતાઓને પણ તે જ લક્ષ હોવું જોઈએ. શુભભાવને જ પ્રયોજન માનીને અટકી જાય તો તેણે ‘સમયસાર’ નું
શ્રવણ ન કર્યું કહેવાય. વિકાર વગરનો જ્ઞાયક શુદ્ધ આત્મા છે તે બતાવવાનું પ્રયોજન છે તેથી શ્રોતાઓએ પણ તે
જ પ્રયોજન રાખીને શ્રવણ કરવું જોઈએ. આચાર્યદેવ કહે છે કે તું સિદ્ધ છો, તારા આત્મામાં અમે સિદ્ધપણું
સ્થાપીએ છીએ; તારા સિદ્ધસ્વભાવના લક્ષે શ્રવણ કરજે. વચ્ચે વિકલ્પ આવે તે વિકલ્પ કે નિમિત્ત ઉપર લક્ષનું જોર
આપીશ નહિ, લક્ષનું જોર તો શુદ્ધ આત્મા ઉપર જ રાખજે. મારો આત્મા વિકારરહિત શુદ્ધ જ્ઞાતા છે તેના ઉપર જ
મારું લક્ષ છે, ને શ્રોતાઓને આ ટીકાદ્વારા હું તેનું જ લક્ષ કરાવવા માગું છું; માટે શ્રોતાઓએ પણ પોતાનો આત્મા
વિકાર વગરનો છે–એવા સ્વભાવના લક્ષે સાંભળવું. આ રીતે આચાર્યદેવ વિકારના અંશ ઉપરની દ્રષ્ટિ છોડાવીને
શુદ્ધાત્માની રુચિ કરાવે છે. શાસ્ત્રના શબ્દ ઉપર કે તેના લક્ષે થતા વિકલ્પ ઉપર રુચિનું જોર ન આપતાં, શાસ્ત્રના
વાચ્યભૂત શુદ્ધ આત્મસ્વભાવની રુચિ કરીને તેનો અનુભવ કરવાનું આચાર્યદેવ કહે છે.
હું સમયસારની ટીકા કરું છું એટલે ખરેખર તો ટીકાના વાચ્યભૂત શુદ્ધાત્માનું ઘોલન કરું છું; તે
શુદ્ધાત્માના ઘોલનથી મારી પરિણતિ નિર્મળ–નિર્મળ થતી જાય છે. ને જે શ્રોતાજનો એવા શુદ્ધાત્માને
સ્વાનુભવથી સમજશે તેને પણ મોહનો ક્ષય થઈને પરિણતિ નિર્મળ થશે. *

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૩૨ઃ આત્મધર્મઃ ૯૮
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
(૪)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયોદ્વારા
આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેના ઉપર પૂજ્ય
ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.
(અંક ૯૭ થી ચાલુ)
*
(જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કેઃ પ્રભો! ‘આ આત્મા કોણ
છે ને તેની પ્રાપ્તિ કેવી રીતે થાય છે? તેના ઉત્તરમાં આચાર્યદેવ
કહે છે કે આત્મા અનંત ધર્મોવાળું એક દ્રવ્ય છે અને અનંત
નયોવાળા શ્રુતજ્ઞાન પ્રમાણવડે સ્વાનુભવથી તે જણાય છે.
પ્રમાણવડે જણાતા આત્માનું અહીં ૪૭ નયોથી વર્ણન ચાલે છે.
તેમાં દ્રવ્યનય, પર્યાયનય તેમ જ અસ્તિત્વ–નાસ્તિત્વ આદિ
સપ્તભંગીના સાત નયોથી જે વર્ણન કર્યું તેનું વિવેચન
અત્યારસુધીમાં આવી ગયું છે.)
આ અસ્તિ, નાસ્તિ આદિ ધર્મો કહ્યા તે તો બધાય પદાર્થોમાં છે. એકેક સૂક્ષ્મ રજકણમાં પણ આ સાતે
ધર્મો છે. મારું અસ્તિત્વ મારામાં છે ને પરમાં નથી, પરનું અસ્તિત્વ તેનામાં છે ને મારામાં નથી, એટલે કોઈ પણ
પર ચીજથી મને સુખ નથી તેમજ કોઈપણ પર ચીજથી મને દુઃખ નથી, અને મારાથી પર ચીજમાં કાંઈ આઘું–
પાછું થતું નથી;–આમ સમજે તો અસ્તિ–નાસ્તિ ધર્મને યથાર્થ સમજ્યો કહેવાય. પરથી મને સુખ–દુઃખ થાય છે
અને હું પર ચીજને આઘી–પાછી કરી શકું છું–એમ માનનાર વસ્તુના અસ્તિ–નાસ્તિ ધર્મને સમજ્યો નથી. દેવ–
ગુરુ–શાસ્ત્રથી મને લાભ થાય કે કર્મોથી મને નુકશાન થાય–એમ જે માને તે જીવ આ ધર્મોને સમજ્યો નથી; કેમ
કે જેનો પોતામાં અભાવ છે તે પોતાને લાભ–નુકશાન કઈ રીતે કરી શકે? ન જ કરી શકે.
નરકના જીવને અગ્નિનું કે ઠંડીનું દુઃખ નથી, કેમ કે તેનાથી તો આત્મા નાસ્તિરૂપ છે.
ઈંદ્રના જીવને ઈંદ્રાણીના સંયોગનું સુખ નથી, કેમ કે તેનાથી તો આત્મા નાસ્તિરૂપ છે.
–આમ જે સમજે તેને અનુકૂળતામાં સુખબુદ્ધિ ન રહે ને પ્રતિકૂળતામાં દુઃખબુદ્ધિ ન રહે, એટલે
અનંતાનુબંધીના રાગ–દ્વેષ તો તેને થાય જ નહિ. આ રીતે વસ્તુસ્વરૂપ સમજતાં જ અનંત રાગ–દ્વેષ ટળી જાય
છે. વસ્તુસ્વરૂપ સમજ્યા વિના બીજા ગમે તેટલા બહારના ઉપાય કરે તો પણ અનંતાનુબંધી રાગ–દ્વેષ મટે નહિ.
અસ્તિ–નાસ્તિધર્મવડે વસ્તુનું સ્વરૂપ સમજતાં પરથી ભિન્નપણાનું ભાન થઈને સ્વાશ્રયે સાચું સુખ પ્રગટે છે.
આત્મા પોતાના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવપણે વર્તે છે ને કર્મના ચતુષ્ટયપણે વર્તતો નથી, તેમજ કર્મો
આત્માના ચતુષ્ટયપણે વર્તતા નથી, માટે આત્માને જડ કર્મોનો

PDF/HTML Page 10 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૮ઃ ૩૩ઃ
બોજો છે જ નહિ, જેમ સિદ્ધના આત્મામાં કર્મનો બોજો નથી તેમ કોઈ પણ આત્મામાં કર્મનો બોજો નથી. આત્મા
ઉપર કર્મનો બોજો છે એમ કહેવું તે તો માત્ર નિમિત્તના સંયોગનું કથન છે, ખરેખર આત્મામાં કર્મની નાસ્તિ જ
છે. લોકના છેડે જ્યાં અનંતા સિદ્ધ ભગવંતો પોતાના પૂર્ણાનંદમાં બિરાજી રહ્યા છે ત્યાં જ નિગોદના અનંત જીવો
પણ રહેલા છે તે જીવો અનંત દુઃખના વેદનમાં પડયા છે. જ્યાં સિદ્ધ ત્યાં જ નિગોદ, છતાં બંનેના આત્મા ભિન્ન,
બંનેનું સ્વક્ષેત્ર ભિન્ન, બંનેની સ્વપર્યાય ભિન્ન અને બંનેના ભાવો પણ ભિન્ન છે. સિદ્ધના ચતુષ્ટયનો નિગોદના
ચતુષ્ટયમાં અભાવ છે. અનંત સિદ્ધભગવંતો અને નિગોદના જીવો જે આકાશક્ષેત્રે રહેલાં છે તે જ ક્ષેત્રે અનંતા
કર્મો પણ રહેલાં છે; ત્યાં જેમ સિદ્ધ ભગવંતોને તે કર્મનો બોજો નથી તેમ ખરેખર નિગોદના જીવોને પણ કર્મનો
બોજો નથી. સિદ્ધ કે નિગોદ દરેક આત્મા પોતાના સ્વચતુષ્ટયથી અસ્તિરૂપ છે, ને કર્મના ચતુષ્ટયનો તેનામાં
અભાવ છે. નિગોદના જીવની અત્યંત હીણી પર્યાય છે તે તેના પોતાના સ્વકાળને લીધે જ છે, કર્મના બોજાને
લીધે નથી. જો આમ ન માને તો અસ્તિ–નાસ્તિધર્મ જ સાબિત નહિ થાય!
દરેક જીવને સુખ કે દુઃખ પોતાના કારણે જ થાય છે–એમ જાણવું તે નિશ્ચય છે, અને કોઈ પણ બીજી
ચીજથી સુખ કે દુઃખ થાય એમ કહેવું તે માત્ર સંયોગરૂપ નિમિત્તનું જ્ઞાન કરવા માટેનો વ્યવહાર છે; ખરેખર
પરની આત્મામાં નાસ્તિ છે, તેનાથી આત્માને સુખ–દુઃખ વગેરે કંઈ પણ થતું નથી.
આત્મામાં અસ્તિ–નાસ્તિ આદિ અનંતા સ્વધર્મો અનાદિઅનંત એક સમયમાં વર્તી રહ્યા છે, એવા
આત્માને જાણીને તેની શ્રદ્ધા અને જ્ઞાન કરે તો સમ્યક્ત્વ થાય, એ સિવાય ધર્મનો અંશ પણ થાય નહિ,
પરસન્મુખ જોવાથી આત્માનો ધર્મ પ્રગટે નહિ કેમ કે આત્માનો કોઈ ધર્મ પરમાં નથી. આત્માના અનંતા ધર્મો
આત્મામાં છે તેની સન્મુખતાથી જ પર્યાયમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ પ્રગટે છે.
*
અસ્તિ, નાસ્તિ આદિ સપ્તભંગી તે જૈનધર્મનું મૂળ છે, તેનાથી જગતની કોઈ પણ વસ્તુનું સ્વરૂપ નક્કી
થઈ જાય છે. કોઈ એમ કહે કે શાસ્ત્રને લીધે જ્ઞાન થાય. તો કહે છે કે ના; કેમ કે આત્માના અસ્તિત્વમાં જ્ઞાનની
નાસ્તિ છે. કોઈ કહે કે કર્મો આત્માના જ્ઞાનને રોકે તો કહે છે કે ના; કેમ કે આત્માના અસ્તિત્વમાં કર્મનું
નાસ્તિત્વ છે. સપ્તભંગીવડે જીવ બીજા છએ દ્રવ્યોથી જુદો પડી જાય છે.
(૧) જીવ જીવપણે છે ને બીજા અનંત પર જીવો પણે તે નથી; એટલે જીવ બીજા જીવોનું કાંઈ કરી શકે
નહિ તેમ જ બીજા જીવોથી તેનું કાંઈ થાય નહિ.
(૨) જીવ પોતાપણે છે ને અનંત પુદ્ગલપણે નથી; તેથી જીવ શરીરાદિ પુદ્ગલમાં કાંઈ કરી શકે નહિ
તેમજ શરીર–કર્મ વગેરે જીવમાં કાંઈ રાગાદિ કરી શકે નહિ.
(૩) જીવ પોતાપણે છે ને ધર્માસ્તિકાયદ્રવ્યપણે નથી; એટલે ધર્માસ્તિકાયને લીધે જીવ ગતિ કરતો નથી.
(૪) જીવ પોતાપણે છે ને અધર્માસ્તિકાયદ્રવ્યપણે નથી; એટલે અધર્માસ્તિકાયને લીધે જીવ સ્થિર રહે
છે–એમ નથી.
(પ) જીવ પોતાપણે છે ને કાળદ્રવ્યપણે તે નથી; તેથી કાળદ્રવ્ય જીવને પરિણમાવે છે–એમ નથી.
(૬) જીવ પોતાપણે છે ને આકાશદ્રવ્યપણે નથી; તેથી ખરેખર જીવ આકાશના ક્ષેત્રમાં રહેલો નથી પણ
પોતાના સ્વક્ષેત્રમાં જ રહેલો છે.
–આ પ્રમાણે અસ્તિ–નાસ્તિધર્મ વડે જે જીવ પોતાને સમસ્ત પરદ્રવ્યોથી જુદો જાણે તે પોતાના સ્વભાવ
તરફ વળ્‌યા વિના રહે નહિ. આત્માનો નાસ્તિત્વધર્મ કહેતાં પર દ્રવ્યોનું અસ્તિત્વ પણ સિદ્ધ થઈ જાય છે; કેમ કે
જો પર દ્રવ્યો ન હોય તો તેના અભાવરૂપ જીવનો નાસ્તિત્વધર્મ સિદ્ધ ન થઈ શકે.
સપ્તભંગી વડે સમસ્ત પરદ્રવ્યથી તો આત્માને ભિન્ન પાડયો; હવે પોતામાં ને પોતામાં પણ અનંતી
સપ્તભંગી ઉતરે છે.
જગતમાં અનંતા દ્રવ્યો છે તેમાં એકેક દ્રવ્યની પોતાપણે અસ્તિ ને બીજા અનંત દ્રવ્યોપણે તેની નાસ્તિ;
–એમ દ્રવ્યમાં અનંત સપ્તભંગી સમજવી.
પોતાના જ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે અનંત ગુણો છે, તેમાં એકેક ગુણ પોતાપણે છે ને બીજા
અનંતગુણોપણે તે નથી;–એમ દરેક ગુણમાં અનંત સપ્તભંગી સમજવી.

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૩૪ઃ આત્મધર્મઃ ૯૮
એકેક ગુણની અનંતી પર્યાયો છે, તેમાં એકેક પર્યાય પોતાપણે છે ને આગળ–પાછળની બીજી અનંત
પર્યાયોપણે તે નથી;–એમ અનંત પર્યાયોમાં દરેકની અનંતી સપ્તભંગી સમજવી.
એકેક પર્યાયમાં અનંત અવિભાગપ્રતિચ્છેદઅંશો છે; તેમાંનો દરેક અંશ પોતાપણે છે ને બીજા અનંત
અંશોપણે તે નથી;–એમ એકેક અવિભાગપ્રતિચ્છેદઅંશમાં પણ અનંત સપ્તભંગી ઉતરે છે.
વળી દ્રવ્ય–ગુણ–પર્યાયમાં પરસ્પર અસ્તિ–નાસ્તિરૂપ સપ્તભંગી ઉતરે છે; તે આ પ્રમાણે–
દ્રવ્ય દ્રવ્યપણે છે, ને એક ગુણપણે કે પર્યાયપણે તે નથી;
એક ગુણ ગુણપણે છે ને આખા દ્રવ્યપણે કે એક પર્યાયપણે તે નથી;
એક પર્યાય પર્યાયપણે છે ને દ્રવ્ય કે ગુણપણે તે નથી;–આમ ન હોય તો દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણેનું ભિન્ન
ભિન્ન લક્ષણ જ સિદ્ધ ન થઈ શકે.
આ સપ્તભંગીમાં ઘણો વિસ્તાર છે, ચૌદ બ્રહ્માંડ તેમાં આવી જાય છે; આ તો સૂક્ષ્મ વીતરાગી વિજ્ઞાન છે.
લોકો બહારના સંયોગથી પદાર્થને જુએ છે, તે જોવાની જ ભૂલ છે,–‘દેખતભૂલ’ છે. સંયોગીદ્રષ્ટિ કહો કે
દેખતભૂલ કહો, તે જ સંસારનું મૂળ છે. વસ્તુમાં સંયોગનો તો અભાવ છે–એમ જો અસ્તિ–નાસ્તિથી વસ્તુના
નિરપેક્ષસ્વભાવને જુએ તો દેખતભૂલ ટળે.
જુઓ, આ સ્વતંત્રતાનો ઢંઢેરો–
જગતમાં અનંત દ્રવ્યો છે, તેમાં એક દ્રવ્ય બીજા દ્રવ્યપણે કદી થતું નથી.
એકેક દ્રવ્યમાં અનંતાગુણો છે તેમાં એક ગુણ કદી બીજા ગુણપણે થતો નથી.
એકેક ગુણની અનંત પર્યાયો, તેમાં એક પર્યાય બીજી પર્યાયપણે કદી થતી નથી. દ્રવ્યપણે દ્રવ્ય સત્,
ગુણપણે ગુણ સત્ અને પર્યાયપણે એકેક સમયની પર્યાય પણ સત્; કોઈ એકબીજાપણે થઈ જતાં નથી. અહો!
જુઓ તો ખરા, આ વસ્તુદર્શન. કેટલી નિરપેક્ષતા! આવું નિરપેક્ષ સ્વરૂપ સમજે તો જ્ઞાનમાં નિરપેક્ષતા એટલે કે
કે વીતરાગતા થઈ જાય, એકલો જ્ઞાતાભાવ રહી જાય, એનું નામ ધર્મ.
દ્રવ્ય સત્, ગુણ સત્ ને પર્યાય સત્, બધુંય પોતપોતાપણે સત્રૂપ એમ ને એમ બિરાજી રહ્યું છે. જ્ઞાતાદ્રષ્ટા
થઈને તેને જ્ઞેય કરવું એ જ તારું કામ છે. કયાંય આઘુંપાછું કે હેરફેર થાય તેવો વસ્તુનો સ્વભાવ નથી તેમજ
‘આમ કેમ?’ એવો રાગ–દ્વેષનો વિકલ્પ કરવો તે જ્ઞાનનું પણ સ્વરૂપ નથી. આવા વસ્તુસ્વભાવની પ્રતીત કરતાં
કર્તાપણાનો મોહ ટળીને જ્ઞાતાપણું પ્રગટે તેનું નામ ધર્મ છે.
*
દરેક આત્મામાં અનંત ધર્મો છે; તે આત્માને સ્વાનુભવથી શ્રુતજ્ઞાનપ્રમાણ જાણે છે. તે શ્રુતજ્ઞાનમાં
અનંતનયો છે; એકેક નય આત્માના એકેક ધર્મને જાણે છે. ધર્મ એટલે દ્રવ્યનો ભાગ; અને નય એટલે
શ્રુતજ્ઞાનનો ભાગ. અનંતધર્માત્મક આખી વસ્તુને જાણે તે પ્રમાણજ્ઞાન છે, અને તેના એક ધર્મને મુખ્ય કરીને
જાણે તે નય છે. આ નયો સાધકના શ્રુતજ્ઞાનમાં જ હોય છે. કેવળીભગવાનના આત્મામાં અસ્તિત્વ વગેરે અનંત
ધર્મો છે પણ તેમના જ્ઞાનમાં અસ્તિત્વનય વગેરે કોઈ નય હોતા નથી, તેઓ તો નયાતીત થઈ ગયા છે. અહીં તો
નયદ્વારા જેણે વસ્તુસ્વરૂપ સાધવું છે એવા સાધકને ૪૭ નયોદ્વારા આત્માનું સ્વરૂપ ઓળખાવે છે. સિદ્ધ પરમાત્મા
કે એક પરમાણુ, તે દરેક દ્રવ્ય અનંતધર્માત્મક છે; પણ અહીં તો આત્માને ઓળખાવવાનું પ્રયોજન હોવાથી
આત્માના ધર્મોની વાત છે. આત્મા વસ્તુ કેવી છે ને તે કેમ જણાય તેની આ વાત ચાલે છે.
સ્વચતુષ્ટયથી આત્મા અસ્તિરૂપ છે ને પરચતુષ્ટયથી આત્મા નાસ્તિરૂપ છે. જે અસ્તિરૂપ છે તે જ
નાસ્તિરૂપ છે. કઈ રીતે?–કે સ્વઅપેક્ષાએ જે અસ્તિરૂપ છે તે જ પર અપેક્ષાએ નાસ્તિરૂપ છે; પરંતુ જે અપેક્ષાએ
અસ્તિરૂપ છે તેને તે જ અપેક્ષાએ નાસ્તિરૂપ નથી. એક જ વસ્તુના બે ધર્મો છે પણ એક જ અપેક્ષાએ બંને ધર્મો
નથી. જે અપેક્ષાએ અસ્તિત્વ છે તે અપેક્ષાએ તો અસ્તિત્વ જ છે. તે અપેક્ષાએ નાસ્તિત્વ નથી. જે આત્મા છે તે
જ અનાત્મા છે.–કઈ રીતે?–કે સ્વપણે જે આત્મા છે તે જ આત્મા પર સ્વરૂપની અપેક્ષાએ નથી માટે તે અનાત્મા
છે. આત્માને ‘અનાત્મા’ કહેતાં ઘણા મૂંઝાઈ જાય છે કે અરે! આત્મા તે વળી અનાત્મા હોય? પણ ‘આત્મા
પરપણે નથી’–એમ કહો કે ‘પરની અપેક્ષાએ

PDF/HTML Page 12 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૮ઃ ૩પઃ
આત્મા અનાત્મા છે’ એમ કહો. અથવા તો આત્મા પોતાના આત્માની અપેક્ષાએ આત્મા છે અને બીજા
આત્મારૂપે પોતે નથી માટે બીજા આત્માની અપેક્ષાએ આ આત્મા ‘અનાત્મા’ છે.
જે ક્ષેત્રરૂપ છે તે જ અક્ષેત્રરૂપ છે; આત્મા પોતાના અસંખ્યપ્રદેશ અપેક્ષાએ ક્ષેત્રરૂપ છે. પણ પરના
ક્ષેત્રની અપેક્ષાએ આત્મા અક્ષેત્રરૂપ છે. ક્ષેત્રરૂપપણું અને અક્ષેત્રરૂપપણું એ બંને ધર્મો આત્માના છે.
એ જ પ્રમાણે, સ્વકાળ અપેક્ષાએ જે કાળરૂપ છે તે જ પરકાળ અપેક્ષાએ અકાળરૂપ છે. આત્મા પોતાના
સ્વકાળથી અસ્તિરૂપ છે ને પરકાળથી તે નાસ્તિરૂપ છે. પોતાની એકેક સમયની પર્યાય સ્વકાળથી હોવારૂપ છે ને
તે જ પર્યાય પરકાળથી નાસ્તિરૂપ છે.
તેમ જ જે ભાવરૂપ છે તે જ અભાવરૂપ છે. આત્માનો ભાવ પોતાપણે છે ને પરના ભાવની અપેક્ષાએ તે
ભાવ નથી એટલે કે અભાવ છે. સ્વઅપેક્ષાએ આત્માનો ભાવ છે ને પરઅપેક્ષાએ તે અભાવરૂપ છે.
–આમ દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ ચારેમાં અસ્તિ–નાસ્તિ સમજવી. આત્માના સ્વદ્રવ્ય–ક્ષેત્ર–કાળ કે ભાવનો
એક અંશ પણ પરપણે નથી, ને પરના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવનો એક અંશ પણ આત્માપણે નથી; આમ નિર્ણય
કરનારું જ્ઞાન પરની એકતાબુદ્ધિથી છૂટીને સ્વભાવના આશ્રય તરફ જ વળી જાય છે, એટલે મોક્ષમાર્ગ શરૂ થઈ
જાય છે.
સ્વ–પર તત્ત્વ ભિન્ન ભિન્ન છે–એવું સ્વતંત્ર વસ્તુસ્વરૂપ સમજે નહિ ને વસ્તુને પરાધીન માને તેને સાચો
સમતાભાવ હોઈ શકે નહિ. વસ્તુસ્વરૂપને પરાધીન માન્યું તે માન્યતામાં જ અનંતો વિષમભાવ પડયો છે. ભલે
બહારથી ક્રોધી ન દેખાય ને મંદકષાય રાખતો હોય તોપણ, વસ્તુસ્વરૂપનું જ્યાં ભાન નથી ત્યાં સમતાનો અંશ
પણ હોતો નથી; આત્માના જ્ઞાનસ્વભાવનો અનાદર છે તે જ મોટો વિષમભાવ છે. દરેક તત્ત્વ સ્વતંત્ર છે, કોઈ
કોઈને આધીન નથી, મારો સ્વભાવ બધાને માત્ર જાણવાનો છે–એમ વસ્તુની સ્વતંત્રતાને જાણીને પોતાના
જ્ઞાનસ્વભાવને આદરવો તે જ સાચો સમભાવ છે.
દરેક વસ્તુ પોતાના અનંતધર્મોને સ્વતંત્રપણે ધારી રાખે છે. વસ્તુનો ધર્મ પરને લીધે હોતો નથી. દરેક
આત્મા પોતાના અનંત ધર્મનો આધાર છે. દ્રવ્યનય, પર્યાયનય, તથા અસ્તિત્વ–નાસ્તિત્વ આદિ સાત નયો, એમ
કુલ નવ નયોથી આત્માનું વર્ણન કર્યું. હવે દસમા ‘વિકલ્પનય’ થી આત્માનું વર્ણન કરશે.
(ક્રમશઃ)
*
શુદ્ધાત્માની ધગશવાળા જિજ્ઞાસુ શિષ્યને.......
જેને શુદ્ધ આત્મા સમજવાની ધગશ જાગી છે એવા જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન ઊઠે છે કે ‘એવો શુદ્ધ આત્મા
કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? અનંત અનંત કાળથી આત્માના શુદ્ધસ્વભાવની વાત સાંભળી નથી. રુચી
નથી, જાણી નથી, અનુભવી નથી, તેથી શિષ્ય પ્રશ્ન કરે છે કે આત્માનો શુદ્ધ સ્વભાવ કેવો છે?–આવા જિજ્ઞાસુ
શિષ્યને આચાર્યદેવ શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાવે છે.
જેમ રણમાં કોઈને પાણીની તૃષા લાગી છે, પાણી પીવાની ઝંખના થઈ છે, તે પાણીની નિશાની
સાંભળે ત્યારે તેને કેવી તાલાવેલી થાય! ને પછી પાણી પીને કેટલો તૃપ્ત થાય! તેમ જેને આત્મસ્વરૂપ
જાણવાની ઝંખના થઈ છે તે શુદ્ધ આત્માની વાત સાંભળતાં કેટલો આનંદિત થાય! ને પછી સમ્યક્ પુરુષાર્થ
કરી આત્મસ્વરૂપ પામી કેટલો તૃપ્ત થાય! શુદ્ધ આત્મસ્વરૂપને જાણવાની જેને તીવ્ર જિજ્ઞાસા થઈ છે તેને
સમયસાર સંભળાવવામાં આવે છે.
(જુઓઃ સમયસાર–પ્રવચન ૧ પૃઃ ૧પપ–૬)
*

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૩૬ઃ આત્મધર્મઃ ૯૮
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
(૧)
* જીવત્વ શક્તિ *
*
(વીર સં. ૨૪૭પ કારતક સુદ ૪)
ત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવનું ધારણ જેનું લક્ષણ અર્થાત્ સ્વરૂપ છે એવી
જીવત્વશક્તિ છે.–આવી જીવત્વશક્તિ આત્માના જ્ઞાનમાત્ર ભાવમાં ઊછળે છે.
સૌથી પહેલાં આત્માનું જીવન બતાવવા માટે આ જીવત્વશક્તિ લીધી. આ પ્રધાનભૂત શક્તિ છે. આત્મા
સદાય પોતાની જીવત્વશક્તિથી જ જીવી રહ્યો છે, માટે આ જીવત્વશક્તિ આત્મદ્રવ્યને કારણભૂત છે. શરીર,
આયુષ્ય, રોટલા વગેરે પર ચીજો આત્માના જીવનનું કારણ નથી, આ જીવત્વશક્તિ જ આત્માના જીવનનું કારણ
છે, તેનાથી જ આત્મા અનાદિઅનંત જીવી રહ્યો છે.
આત્મા પોતે ત્રિકાળ ચૈતન્યસ્વરૂપ છે. એમ બતાવવા માટે અહીં ચૈતન્યમાત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ
કહ્યું છે. ખરેખર કારણ કાર્ય જુદા નથી પણ ચૈતન્યભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે માટે તેને આત્માનું કારણ
કહ્યું. રાગાદિ ભાવોથી આત્મા ટકી રહેલો નથી પણ ચૈતન્યભાવથી જ તે ત્રિકાળ ટકનાર છે. પરથી અને
વિકારથી ટકવાનું અજ્ઞાની જીવ માને ભલે, પણ તેનો આત્મા ય ટકે છે તો ચૈતન્યમાત્ર ભાવથી જ. પહેલી
ક્ષણનો રાગ બીજી ક્ષણે નાશ પામે છે છતાં આત્મા તો ચૈતન્યપ્રાણથી એવો ને એવો ટકી રહે છે. દેહનો સંયોગ
પણ અનંતવાર આવ્યો અને છૂટયો, પરંતુ આત્મા તો અનાદિથી પોતાની જીવત્વશક્તિથી જીવી રહ્યો છે. અહીં
શરીરની વાત નથી. શરીર તો આયુકર્મના નિમિત્તે ટકે છે, પણ આત્મા કાંઈ આયુકર્મથી જીવતો નથી, આત્માને
આયુષ્યની મર્યાદા નથી, તે તો અનાદિઅનંત પોતાના ચૈતન્યપ્રાણથી જીવે છે.
શરીર એ જ જાણે પોતાનું જીવન હોય, ને શરીર છૂટતાં જાણે કે પોતાનું મૃત્યુ થઈ જતું હોય–એમ
અજ્ઞાનીને લાગે છે; પણ આત્મા તો સદાય પોતાની જીવનશક્તિથી જીવતો જ છે. જો આવી જીવનશક્તિને જાણે
તો મૃત્યુનો ભય ટળી જાય. અનંતા સિદ્ધ ભગવંતો શરીર વગર જ પોતાના ચૈતન્યપ્રાણથી પરમ સુખી જીવન
જીવી રહ્યા છે.
આત્માનું જીવન કેવું હોય તે અહીં આચાર્યદેવ બતાવે છે. હે જીવ! જો તારે સાચું જીવન જીવવું હોય તો,
આ જીવત્વશક્તિ જેમાં ઊછળી રહી છે એવા તારા જ્ઞાનમાત્ર આત્માને જો. તારો આત્મા રોટલાથી, શરીરથી,
પૈસાથી કે આબરૂથી ટકતો નથી, પણ અનાદિઅનંત જીવત્વશક્તિ છે તેનાથી જ તે ટકે છે, વર્તમાનમાં પણ
પોતાની જીવત્વશક્તિથી જ તે ટકેલો છે. આવી જીવત્વશક્તિ દરેક આત્મામાં ત્રિકાળ છે, પણ અહીં તો સાધકને
પોતાના જ્ઞાનમાત્ર ભાવની સાથે આ શક્તિ પરિણમે છે–એમ બતાવવું છે.
ચૈતન્યમાત્ર ભાવને ધારી રાખવો તે જીવત્વશક્તિનું લક્ષણ છે, અને તે ચૈતન્યમાત્ર ભાવ આત્મદ્રવ્યનું
કારણ છે. જો ચૈતન્યમાત્ર ભાવ ન હોય તો જીવ જ ન હોય, ચૈતન્યભાવ વગર આત્મદ્રવ્ય જ ન હોઈ શકે; માટે

PDF/HTML Page 14 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૮ઃ ૩૭ઃ
ચૈતન્યભાવ તે આત્મદ્રવ્યનું કારણ છે. આવા ચૈતન્યભાવપ્રાણને ધારણ કરી રાખવા તે જીવત્વશક્તિનું લક્ષણ છે,
તે શક્તિથી જીવ સદાય જીવી રહ્યો છે.
જીવની અનંત શક્તિમાં એક આવી જીવનશક્તિ છે. તે જીવનશક્તિનું કાર્ય શું?–કે ચૈતન્યભાવને ધારણ
કરીને જીવને ટકાવી રાખવો તે જીવનશક્તિનું કાર્ય છે. અહીં તો જીવને ટકવાનું કારણ પોતાના ચૈતન્યભાવને
ધારણ કરનારી જીવત્વશક્તિ જ છે–એમ કહ્યું છે, કોઈ નિમિત્તથી–સંયોગથી કે વિકારથી જીવ ટકતો નથી; દસ
પ્રકારના વ્યવહારપ્રાણોથી જીવ જીવે છે–એમ કહેવું તે ઉપચારનું કથન છે; દસ પ્રાણોથી જીવ જીવે–એ વાત પણ
અહીં નથી લીધી. જીવ તો સદાય પોતાના ચૈતન્યભાવપ્રાણથી જ જીવે છે, એવી તેની જીવત્વશક્તિ છે. આવા
ચૈતન્યમાત્ર ભાવરૂપ આત્માને જે લક્ષમાં લ્યે તેને અનંત ગુણો નિર્મળ પરિણમ્યા વગર રહે નહિ. પહેલાં
આચાર્યદેવે અનંત ગુણોથી અભેદ જ્ઞાનમાત્ર આત્માનું લક્ષ કરાવ્યું છે, તે અભેદ આત્માના લક્ષપૂર્વક આ
શક્તિઓનું જ્ઞાન કરાવે છે.
આત્મા કયાં જુએ તો તેને ધર્મ થાય તેની આ વાત ચાલે છે. પરમાં તો પોતાનો એકે ય ધર્મ નથી એટલે
પરની સામે જોવાથી તો ધર્મ ન થાય, વિકાર સામે જોવાથી પણ ધર્મ ન થાય, તેમ જ પોતામાં એકેક ગુણની સામે
જોવાથી પણ ધર્મ ન થાય, કેમ કે વસ્તુના અનંતગુણોમાંથી એક ગુણ કાંઈ જુદો પડીને પરિણમતો નથી, તેથી
એક ગુણના લક્ષે ધર્મ થતો નથી પણ ભેદનો વિકલ્પ–રાગ થાય છે. એક સમયમાં અનંત ગુણોથી અભેદ
ચૈતન્યમૂર્તિ આત્મા છે તેની સામે જોવાથી જ ધર્મ થાય છે. અભેદ આત્માને લક્ષમાં લેતાં તેની અનંતી શક્તિઓ
સ્વાશ્રયે નિર્મળપણે પરિણમે છે. તે શક્તિઓનું આ વર્ણન ચાલે છે.
ચૈતન્ય ભાવપ્રાણ છે તેને ધારી રાખે એવી આત્માની જીવત્વશક્તિ છે, તે સદાય છે, તેનાથી આત્મા
કાયમ જીવે છે. શરીર તો આત્મામાં જરાય વખત રહેતું નથી, તેનો તો આત્મામાં અભાવ છે. અને દ્રવ્યપ્રાણોનો
પણ આત્મામાં અભાવ છે, તે એક સમયમાત્ર પણ આત્મામાં રહેલાં નથી માટે તે આત્માનો ગુણ નથી ને તેનાથી
આત્મા જીવતો નથી. માટે તે શરીર સામે જોવાથી કે દ્રવ્યપ્રાણો સામે જોવાથી ધર્મ થતો નથી.
દયા–ભક્તિ, હિંસા–ચોરી વગેરે શુભ–અશુભ ભાવો આત્માની અવસ્થામાં એક સમય પૂરતા જ રહે છે,
તે પણ આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી, ને તેનાથી આત્મા જીવતો નથી. ગુણ કોને કહેવાય? કે વસ્તુના સર્વ
ક્ષેત્રમાં અને સર્વ હાલતમાં રહે તેને ગુણ કહેવાય છે. વિકારી પરિણામો આત્માના સર્વ ક્ષેત્રમાં છે, પણ તે આત્મા
સાથે સર્વ કાળ રહેતાં નથી, તેનો કાળ તો એકસમય પૂરતો જ છે. તેની સામે જોવાથી પણ આત્માનો ધર્મ થતો
નથી.
શરીરનો તો આત્મામાં ત્રણેકાળે અભાવ છે, તેથી તેની અવસ્થા સાથે આત્માના ધર્મનો સંબંધ નથી;
આહાર ખાય કે ન ખાય, શરીર સુકાય કે પુષ્ટ રહે, બોલે કે મૌન રહે, ચાલે કે સ્થિર રહે, તે કોઈ ક્રિયા સાથે
આત્માના ધર્મનો સંબંધ નથી. પર્યાયમાં થતો વિકારભાવ આત્માના આખા ક્ષેત્રમાં એકસમય પૂરતો વ્યાપ્યો છે,
તેની સામે જોવાથી પણ આત્મા ઓળખાતો નથી એટલે ધર્મ થતો નથી.
હવે, આત્મામાં એક સાથે અનંત શક્તિઓ ત્રિકાળ રહેલી છે; તેમાંથી એક શક્તિને જુદી પાડીને લક્ષમાં
લ્યે તોપણ ધર્મ થતો નથી. જો અનંત શક્તિના પિંડરૂપ આખા આત્માને લક્ષમાં લ્યે તો ધર્મ થાય. અહીં જે
શક્તિઓ વર્ણવી છે તે બધી ત્રિકાળી છે ને આત્મામાં એક સાથે રહેલી છે; એવા આત્માના લક્ષપૂર્વક તેની
શક્તિઓ ઓળખવાની આ વાત છે.
પહેલી જ જીવત્વશક્તિ વર્ણવી છે. લોકો કહે છે કે ફલાણાનું જીવનચરિત્ર કહો. તો અહીં આચાર્યદેવે
જીવત્વશક્તિ કહીને આત્માનું જીવનચરિત્ર વર્ણવ્યું છે કે આત્મા પૂર્વે ચૈતન્યપ્રાણ ધારણ કરીને જીવતો હતો,
અત્યારે પણ ચૈતન્યપ્રાણથી જ જીવે છે ને ભવિષ્યમાં પણ તે ચૈતન્યપ્રાણથી જ જીવશે.–આવું આત્માનું ત્રણેકાળનું
જીવન છે. આત્મા ચૈતન્યમાત્ર ભાવપ્રાણને ત્રિકાળ ધારણ કરે છે, એવી આત્માની જીવત્વશક્તિ આત્માના
સર્વક્ષેત્રમાં અને સર્વકાળમાં રહેલી છે.
અહીં ૪૭ શક્તિઓનું વર્ણન જુદું જુદું છે, પણ તે એકેક જુદી શક્તિ ઉપર જોવાનું પ્રયોજન નથી, બધી
શક્તિનો પિંડ આત્મા છે તેની સામે જોવાનું છે. સંયોગ રહિત, વિકારરહિત ને અનંત શક્તિસહિત એવો

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૩૮ઃ આત્મધર્મઃ ૯૮
જ્ઞાનમાત્રભાવ તે આત્મા છે, તેમાં અનંત શક્તિઓ આવી જાય છે.
શરીરાદિ પરવસ્તુઓ તો આત્માના ક્ષેત્રમાં પણ નથી ને આત્માની અવસ્થામાં પણ નથી.
રાગાદિ વિકાર આત્માના ક્ષેત્રમાં છે પણ તેની સર્વ અવસ્થાઓમાં વ્યાપતા નથી.
આ જીવત્વશક્તિ વગેરે અનંતશક્તિઓ તો આત્માના પૂરા ભાગમાં ને સર્વ અવસ્થાઓમાં રહેલી છે.
પ્રશ્નઃ– જીવત્વશક્તિ આત્માના દ્રવ્યમાં છે? ગુણમાં છે? કે પર્યાયમાં છે?
ઉત્તરઃ– જીવત્વશક્તિ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેમાં રહેલી છે.
વિકારીભાવો આત્માના દ્રવ્યમાં કે ગુણમાં વ્યાપેલા નથી, માત્ર એક સમયપૂરતી એક પર્યાયમાં રહેલા છે.
અને શરીરાદિ જડ પદાર્થો તો આત્માના દ્રવ્ય–ગુણ કે પર્યાય એક્કેયમાં રહેલા નથી, તે તો તદ્ન ભિન્ન છે.
જીવત્વશક્તિ તો દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણેમા રહેલી છે. જીવત્વશક્તિને લીધે આખું દ્રવ્ય જીવંતજ્યોત છે, એટલે
દ્રવ્યમાં જીવત્વ છે, ગુણોમાં જીવત્વ છે ને પર્યાયમાં પણ જીવત્વ છે. દયાદિ ભાવ તે કાંઈ પર્યાયના ખરા પ્રાણ
નથી. ચૈતન્યપ્રાણને ધારણ કરનારી જીવત્વશક્તિથી જ દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણે ટકેલાં છે. એકેક પર્યાયનું
જીવતર પણ જીવત્વશક્તિથી સ્વતઃ ટકેલું છે.
પ્રશ્નઃ–અન્નને અગિયારમો પ્રાણ કહેવાય છે ને?
ઉત્તરઃ–અહીં તો કહ્યું કે આત્મામાં શરીરનો જ અભાવ છે, તો પછી અન્નથી આત્મા જીવે તે વાત કયાં
રહી? આત્માનું જીવન તો ચૈતન્યપ્રાણથી ટકેલું છે. અન્ન તે આત્માનો અગિયારમો પ્રાણ નથી તેમ જ પૈસો તે
બારમો પ્રાણ નથી. આત્માના ચૈતન્યજીવનમાંથી દસ પ્રાણ પણ કાઢી નાંખ્યા ને રાગાદિ પણ કાઢી નાંખ્યા. ગુણ–
ગુણીભેદનો વિકલ્પ ઊઠે તે પણ રાગ છે, તે રાગ આત્માના ત્રિકાળી દ્રવ્યમાં–ગુણમાં કે સમસ્ત પર્યાયોમાં રહેતો
નથી, માટે તે પણ આત્માના જીવનનું કારણ નથી.
જીવત્વશક્તિઃ– આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપે છે.
શરીરઃ– આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય એકેયમાં વ્યાપતું નથી.
રાગાદિઃ–આત્માના દ્રવ્ય–ગુણમાં વ્યાપતા નથી, સર્વ અવસ્થામાં પણ વ્યાપતા નથી, માત્ર એક સમયની
પર્યાયમાં વ્યાપે છે.
આ રીતે, પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક એવી જીવત્વશક્તિથી આત્મા જીવે છે.
લોકો કહે છે કે ‘આશા વગરનું જીવન નહિ.’ પણ ખરેખર તો આત્મા આશા વગર જ જીવે છે. અહીં તો
એમ કહ્યું કે ‘જીવત્વશક્તિ વગરનું જીવન નહિ.’ આશા તો એક સમયની વિકૃતિ છે. વીતરાગી આત્માઓને
કોઈ પ્રકારની આશા હોતી નથી, તેઓ આશા વગર જ જીવે છે. લોકો આશાને અમર કહે છે, ખરેખર આશા
અમર નથી, પણ જીવત્વશક્તિથી આત્મા જ અમર છે. આત્માનું જીવન આશાથી નથી ટકયું પણ જીવત્વશક્તિથી
જ ટકયું છે.
આત્મા તો જાણે કે પરાશ્રયે જ જીવતો હોય એમ અજ્ઞાની માને છે, અહીં આચાર્યભગવાન આત્માની
અનંત શક્તિઓ બતાવીને સ્વાશ્રિત જીવન બતાવે છે. અજ્ઞાનીઓ કહે છે કે ‘અન્ન સમા પ્રાણ નહિ,’ એટલે
આત્મા તો જાણે કે અન્નના આધારે જ જીવતો હોય! એમ તેઓ માને છે; પરંતુ અન્ન એટલે પુદ્ગલની
આહારવર્ગણા, તે તો આત્માના દ્રવ્યમાં–ગુણમાં કે પર્યાયમાં કયાંય આવતું જ નથી, એટલે આત્મા અન્નથી નથી
જીવતો પણ ત્રણેકાળે અન્નના અભાવથી જ જીવે છે. ‘અન્ન વિના મારે ન ચાલે’ એમ માનનારે આત્માની
જીવનશક્તિને જાણી નથી. આ જ પ્રમાણે પૈસાનું પણ સમજી લેવું.
આત્મા કદી મરતો નથી–એમ લોકો બોલે છે, પણ કઈ રીતે? તે સમજતા નથી. અહીં આચાર્યદેવ એ
વાત સમજાવે છે. આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્યમાત્ર ભાવને ધારણ કરનારી જીવત્વશક્તિ આત્માના
પરિણમનમાં ઊછળે છે, તેનાથી આત્મા સદાય જીવે છે. જો ચૈતન્યમય જીવનશક્તિનો નાશ થાય તો આત્મા મરે,
પણ તે શક્તિ તો આત્મામાં સદાય–ત્રિકાળ છે તેથી આત્મા કદી મરતો નથી, આત્મા સદાય જીવતો જ છે.
ગયા વર્ષે (વીર સં. ૨૪૭૪માં) ‘સુપ્રભાત માંગલિક’ તરીકે આ જીવનશક્તિનું વર્ણન આવ્યું હતું.

PDF/HTML Page 16 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૮ઃ ૩૯ઃ
આત્માનું જીવન કેવું છે તે આચાર્યદેવ ઓળખાવે છે. આત્મા શરીરથી, ખોરાક–પાણીથી, શ્વાસથી કે પૈસા વગેરેથી
જીવતો નથી, તેમનાથી તો આત્મા જુદો છે. આત્મા અનાદિ અનંત જ્ઞાનદર્શનમય ચૈતન્યપ્રાણથી જીવે છે, તે
ચૈતન્યપ્રાણને જીવત્વશક્તિ ધારી રાખે છે. આત્મામાં જ્ઞાનશક્તિની માફક આ જીવનશક્તિ છે. જ્ઞાન, દર્શન, સુખ,
આનંદ, પુરુષાર્થ, શાંતિ, પ્રભુતા, જીવત્વ–એ બધી શક્તિઓ તે જ આત્માનું કુટુંબ છે, ને તે સદાય આત્મા ભેગું
જ રહે છે; આત્માને પોતાના અનંતગુણોરૂપી કુટુંબનો કદી વિયોગ પડતો નથી. જેને પોતાના આવા કુટુંબની
ખબર નથી તે જીવ બહારના કુટુંબ–શરીર–લક્ષ્મી વગેરેને પોતાનાં માનીને તેમને સદાય ટકાવી રાખવાની
ભાવના કરે છે, તે અજ્ઞાન છે અને દુઃખનું કારણ છે. અહો! હું તો સદાય મારી જીવનશક્તિથી જ જીવનાર છું,
જ્ઞાન–આનંદ વગેરે અનંતગુણોરૂપી મારું કુટુંબ છે; મારા અનંતગુણો સાથે મારું પૂરેપૂરું પવિત્ર જીવન ટકી રહો.–
આમ આત્માર્થી જીવો ભાવના કરે છે અને તે જ માંગળિક છે.
આત્મા ચૈતન્યસ્વરૂપ છે, અને આ શરીર તો જડ અચેતન છે. ચૈતન્યસ્વરૂપી આત્મા અચેતન શરીરના
આધારે કેમ જીવે? શરીરને કે શરીરના પ્રાણોને આત્મા ધારતો નથી ને તેનાથી આત્મા જીવતો નથી, તેમ જ
પુણ્યના ભાવને પણ આત્મા પોતાના સ્વભાવમાં ધારતો નથી ને તેના આધારે આત્મા જીવતો નથી, પુણ્ય છૂટી
જાય તોપણ આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણને ધારણ કરીને જીવતો રહે છે. આત્મા સદાય શુદ્ધ જ્ઞાનદર્શનરૂપ
ચૈતન્યપ્રાણને ધારણ કરીને જ જીવે છે. દરેક જીવમાં આવી ‘જીવત્વ’ નામની ખાસ શક્તિ છે; આ જીવત્વશક્તિ
જીવના જીવનની જડીબૂટ્ટી છે. જો આ જડીબૂટ્ટીને ધારણ કરે તો મરણની બીક મટી જાય. શરીરને આત્માએ કદી
ધારણ કર્યું જ નથી ને વિકારને પણ પોતાના સ્વભાવમાં કદી ધારણ કર્યો નથી; શરીર અને વિકારથી જુદા એવા
ચૈતન્યપ્રાણને ધારણ કરીને જ જીવ સદા જીવી રહ્યો છે. આવા ચૈતન્યશક્તિમય પોતાના જીવનને ઓળખતાં
પરાશ્રયભાવ ટળીને સ્વાશ્રિતભાવરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે.
જુઓ! આચાર્યદેવ જીવનું કુટુંબ બતાવે છે. જ્ઞાનમાત્રભાવમાં આવી જતી અનંતશક્તિઓ તે જ જીવનું
અવિભક્ત અને અવિનાશી કુટુંબ છે, તે કુટુંબ સદાય જીવની સાથે જ રહે છે. જગતનું માનેલું કુટુંબ તો જુદું પડી
જાય છે, તેથી તે તો જીવથી જુદું જ છે. જીવનું કુટુંબ જીવથી જુદું ન હોય ને કદી જુદું પડે નહિ. જ્ઞાન, આનંદ
વગેરે અનંત ગુણો તે જીવનું કુટુંબ છે, તે બધા ગુણો ભેગા જ રહે છે; એક ગુણ વગર બીજો ગુણ હોય નહિ–એ
રીતે આત્માનું આખું કુટુંબ સંકળાયેલું અને સંપીલું છે. આવા કુટુંબ સહિત આત્માને જાણીને તેની શ્રદ્ધા અને
તેમાં એકાગ્રતા કરતાં અનંતચતુષ્ટયમય મુક્તદશા પ્રગટે છે. આત્માની જીવનશક્તિને જાણે તેને તેવું જીવન
પ્રગટે.
જુઓ, આમાં સાચું જ્ઞાન અને સાચી ક્રિયા એ બંને આવી જાય છે.–કઈ રીતે? તે કહેવાય છે. મારામાં
જીવત્વશક્તિ છે; હું કોઈ પરના આધારે જીવતો નથી પણ મારા ત્રિકાળ ચૈતન્યભાવપ્રાણથી જ હું ટક્યો છું;– આ
રીતે પોતાના ત્રિકાળી ચૈતન્યજીવનનું ભાન કરવું તે સાચું જ્ઞાન છે અને તે જ્ઞાનથી જાણેલા ત્રિકાળી
ચૈતન્યસ્વભાવના આશ્રયે ટકતાં શુદ્ધતાનું પોષણ અને અશુદ્ધતાનો નાશ થવો તે ક્રિયા છે. આવા જ્ઞાન અને
ક્રિયા તે મોક્ષનું કારણ છે.
આત્માની જીવત્વશક્તિ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને ટકાવી રાખે છે, પણ તે કાંઈ રાગને ટકાવી
રાખતી નથી. જીવત્વશક્તિને કારણે રાગ નથી ને રાગને લીધે આત્માનું જીવત્વ નથી. સિદ્ધ ભગવંતોને
જીવત્વશક્તિ છે પણ રાગ–દ્વેષ નથી. જો જીવત્વશક્તિને કારણે રાગ–દ્વેષ હોય તો સિદ્ધભગવાનને પણ
રાગ–દ્વેષ થવા જોઈએ; અને જો રાગ–દ્વેષને કારણે જીવત્વ હોય તો સિદ્ધભગવાનને જીવત્વશક્તિ ન રહી
શકે. માટે રાગમાં જીવત્વ નથી ને જીવત્વમાં રાગ નથી. આ જીવત્વશક્તિથી આત્માને જોતાં રાગાદિ બધા
ભાવો તો મરી ગયેલાં (ચૈતન્યસ્વરૂપમાં અભાવરૂપ) દેખાય છે, ને ચૈતન્યસ્વરૂપ એક આત્મા જ પોતાના
દ્રવ્ય–ગુણ અને નિર્મળપર્યાયોથી જીવતો–નભતો–ટકતો–શોભતો દેખાય છે. અહીં તો શુદ્ધતાની જ વાત છે,
વિકારને તો જીવ ગણ્યો જ નથી; વિકારભાવો ચૈતન્યસ્વભાવની અપેક્ષાએ તો મડદાં જ છે, તેનામાં જીવત્વ
નથી.
અરે જીવ! તારે તારું કારણ શોધવું હોય તો તું તારામાં ને તારામાં તારા ચૈતન્યપ્રાણને જ જો, એ જ

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૪૦ઃ આત્મધર્મઃ ૯૮
તારું કારણ છે; એ સિવાય બહારના કોઈ કારણને ન શોધ. આત્મદ્રવ્યને કારણભૂત માત્ર ચૈતન્યભાવપ્રાણ છે–
એમ કહીને આચાર્યદેવે બીજા બધા કારણો કાઢી નાખ્યા છે. બહુ તો કારણ કહેવું હોય તો ચૈતન્યપ્રાણોને ધારણ
કરનારી આ જીવત્વશક્તિ જ તારા આત્મદ્રવ્યનું કારણ છે. ‘આત્મદ્રવ્ય’ કહેતાં અહીં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેય
સમજવા. આત્માના દ્રવ્યનું જીવન, ગુણનું જીવન ને પર્યાયનું જીવન, તેમાં આ જીવત્વશક્તિ નિમિત્ત છે.
–જીવત્વશક્તિને ‘નિમિત્ત’ કેમ કહ્યું?–કેમ કે અનંતગુણનો પિંડ આત્મા છે તેમાં ભેદ પાડીને એક ગુણને
બીજા ગુણનું કારણ કહેવું તે વ્યવહાર છે. તેથી અહીં જીવત્વશક્તિને નિમિત્ત કહ્યું છે; ઉપાદાન તરીકે તો દ્રવ્યના
દરેક ગુણ–પર્યાયો પોતાની સ્વતંત્ર શક્તિથી પોતપોતાના સ્વરૂપે ટકી રહ્યાં છે.
જીવત્વશક્તિ અનાદિઅનંત છે તે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેને ટકાવી રાખે છે. ‘સાઠે બુદ્ધિ નાઠી’ એમ
કહેવાય છે તે તો બધા લોકોના હડૂલા છે. આત્માના જીવનને કદી વૃદ્ધતા લાગતી જ નથી, અમુક કાળ વીત્યા
પછી આત્માની પર્યાય ઢીલી પડી જાય–એમ નથી. કેવળજ્ઞાન થયા પછી, સાઠ વર્ષ તો શું પણ અનંતકાળ સુધી
એવી ને એવી અવસ્થા થયા કરે છે, તોપણ તે કદી જરાય ઢીલું પડતું નથી. આયુષ્યની ગણતરી કરવામાં આવે છે
તે તો દેહનું છે, આત્માને આયુષ્યની મર્યાદા નથી, આત્મા તો અનાદિઅનંત છે. સિદ્ધભગવાનમાં પણ
જીવત્વશક્તિ છે, તે શક્તિનો આકાર આત્માના પ્રદેશો પ્રમાણે છે, ને પૂરા દ્રવ્યમાં, પૂરા ગુણોમાં ને
સમસ્તપર્યાયોમાં તે વ્યાપે છે. એટલે જીવત્વશક્તિને લક્ષમાં લેવા જતાં પરમાર્થે આખો આત્મા જ લક્ષમાં આવી
જાય છે.
જ્યાં વૈદ પાસે કે જ્યોતિષી પાસે આયુષ્ય પૂરું થઈ જવાની વાત સાંભળે ત્યાં અજ્ઞાનીને અંતરમાં
ત્રાસ થાય છે; પણ આચાર્યદેવ કહે છે કે અરે બાપુ! તારું જીવન તો અંતરમાં છે, આ દેહમાં તારું જીવન
નથી. તારી જીવત્વશક્તિથી તારું જીવન ત્રિકાળ છે, તેને તો અંતરમાં જો. તો તને મૃત્યુનો ત્રાસ મટી જશે.
‘હું તો મારી જીવત્વશક્તિથી જીવતો જ છું, મારું મૃત્યુ થતું જ નથી’ એમ જાણ્યું પછી મૃત્યુનો ભય શેનો
રહે? આત્મામાં આ જીવત્વશક્તિ ભેગી જ છે, એટલે જ્ઞાનમાત્ર આત્મસ્વભાવને લક્ષમાં લેતાં આ શક્તિની
પ્રતીતિ પણ આવી જ જાય છે. જો એક જીવત્વશક્તિને કાઢી નાંખો તો આખું આત્મદ્રવ્ય જ ન ટકી શકે, માટે
આ જીવત્વશક્તિને આત્મદ્રવ્યના કારણભૂત કીધી છે. ચૈતન્યપ્રાણથી ત્રિકાળ ટકતા આત્મદ્રવ્યની સામે
જોવાથી ધર્મ થાય છે.
આ શક્તિઓ કોની છે? જ્ઞાનમાત્ર આત્માની આ શક્તિઓ છે. અહીં એકલી શક્તિને
જુદી નથી બતાવવી પણ આવી અનંત શક્તિઓ આત્મામાં એક સાથે ઊછળી રહી છે એમ
બતાવવું છે, એટલે અનંત શક્તિઓવાળા આત્મા ઉપર દ્રષ્ટિ કરવી તે તાત્પર્ય છે.
જેમ જ્ઞાનને લક્ષણ કહ્યું ત્યાં એકલા જ્ઞાનગુણને આત્માથી જુદો પાડીને નથી બતાવવો
પણ જ્ઞાનલક્ષણદ્વારા અખંડ આત્માને જ બતાવવો છે; તેમ અહીં જ્ઞાનમાત્ર ભાવમાં અંદર
આવી જતી શક્તિઓનું આ વર્ણન છે, એટલે આ શક્તિઓમાંથી એકેક શક્તિને ભેદ પાડીને
લક્ષમાં લ્યો તો શુદ્ધ પરિણમન થતું નથી પણ અનંત શક્તિના પિંડ શક્તિમાન્ એવા અભેદ
આત્માને લક્ષમાં લઈને પરિણમતાં એક સાથે અનંતી શક્તિઓનું નિર્મળ પરિણમન શરૂ થઈ
જાય છે.
અખંડ ચૈતન્યના આશ્રયપૂર્વક આ ત્રિકાળી શક્તિઓને જાણતાં પર્યાયમાં પણ તેમનો
અંશ પ્રગટે છે; એ રીતે વર્તમાન પરિણમન સહિતની આ વાત છે. ત્રિકાળી શક્તિઓના પિંડને
કબૂલે અને પર્યાયમાં તેનું બિલકુલ પરિણમન ન પ્રગટે–એમ બને નહિ. શક્તિ સાથે વ્યક્તિની
સંધિ છે. ત્રિકાળી શક્તિને કબૂલતાં તેની વ્યક્તિની પણ પ્રતીત થઈ જ જાય છે એટલે કે
સાધક–દશાનું નિર્મળ પરિણમન શરૂ થઈ જાય છે.
આ શક્તિની યથાર્થ કબૂલાત કોની સામે જોઈને થાય?

PDF/HTML Page 18 of 21
single page version

background image
માગશરઃ ૨૪૭૮ઃ ૪૧ઃ
(૧) પરમાં તો આ શક્તિઓનો તદ્ન અભાવ છે, તેથી પર સામે જોઈને આ શક્તિની
યથાર્થ કબૂલાત થતી નથી;
(૨) વિકાર એક સમયપૂરતી પર્યાયમાં છે, તેના આશ્રયે પણ આ ત્રિકાળી શક્તિ રહેલી
નથી, માટે તે વિકારની સામે જોઈને આ શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી.
(૩) નિર્મળ પર્યાય પણ એક સમયપૂરતી છે, તેના આશ્રયે પણ આ ત્રિકાળી શક્તિ
રહેલી નથી, માટે તે પર્યાયની સામે જોઈને પણ આ શક્તિની કબૂલાત થતી નથી.
(૪) અનંત શક્તિનો પિંડ આત્મા છે તેના આશ્રયે દરેક શક્તિ રહેલી છે; અનંત
શક્તિના પિંડ આત્મામાંથી એક શક્તિનો ભેદ પાડીને તેની સામે જોવાથી પણ ભેદનો વિકલ્પ
ઊઠે છે એટલે એકેક શક્તિના ભેદ સામે જોઈને પણ આ શક્તિની યથાર્થ કબૂલાત થતી નથી.
(પ) અનંત ગુણનો પિંડ અભેદ ચૈતન્યમૂર્તિ આત્મા છે, તેની સન્મુખ જોઈને જ અનંતી
શક્તિઓની યથાર્થ કબૂલાત થાય છે, અને અભેદ આત્માના આશ્રયે અનંતી શક્તિઓની
નિર્મળ પર્યાય પ્રગટી જાય છે.
આત્માની અનંત શક્તિઓમાંથી કોઈપણ શક્તિ નિમિત્તના, વિકારના, પર્યાયના કે
ભેદના આશ્રયે નથી, દરેક શક્તિ અભેદ આત્માના આશ્રયે જ છે, માટે અભેદ આત્માની
દ્રષ્ટિપૂર્વક જ આ શક્તિઓનું યથાર્થ જ્ઞાન થાય છે. અભેદ આત્માની દ્રષ્ટિ સિવાય કોઈ પણ
ભેદ–પર્યાય–વિકાર કે નિમિત્તના આશ્રયથી લાભ માને તો મિથ્યાત્વ થાય છે, તેને આ
શક્તિઓનું નિર્મળ પરિણમન થતું નથી.
(અહીં ઉપર મોટા અક્ષરથી જેટલો ભાગ છાપ્યો છે તેટલો ભાગ દરેકેદરેક શક્તિના વર્ણનમાં લાગુ
પાડવો. અને તે ભાગ ખાસ મહત્વનો છે માટે બરાબર સમજવો.)
આ ઝીણી વાત છે માટે આપણને નહિ સમજાય–એમ ન માની લેવું જોઈએ. આત્મા સૂક્ષ્મ છે તેથી
આત્માની વાત પણ સૂક્ષ્મ જ હોય; અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતને સમજે તેવી તાકાત પણ આત્મામાં જ છે. ભાઈ!
તું સૂક્ષ્મ, તારી વાત પણ સૂક્ષ્મ, અને તારુ જ્ઞાન પણ સૂક્ષ્મને સમજવાના સ્વભાવવાળું છે; માટે આત્માની રુચિ
કરીને સમજ. શરીરની ક્રિયાથી ધર્મ થાય–એવા પ્રકારની જાડી–મિથ્યા વાત તો અનાદિથી પકડી છે પણ તેથી
કલ્યાણ થયું નથી. માટે હવે કલ્યાણ કરવું હોય તો સૂક્ષ્મ એવા આત્માને સમજ્યે છૂટકો છે. જડ પદાર્થની વાત
જાડી હોય પણ આત્માની વાત તો સૂક્ષ્મ જ હોય; કેમ કે આત્મામાં એક સૂક્ષ્મત્વ નામનો ગુણ અનાદિઅનંત છે.
સૂક્ષ્મગુણને લીધે આખો આત્મા સૂક્ષ્મ છે; દ્રવ્ય સૂક્ષ્મ, તેના ગુણો સૂક્ષ્મ ને તેની પર્યાયો પણ સૂક્ષ્મ. આવો સૂક્ષ્મ
આત્મા ઈંદ્રિયગ્રાહ્ય થતો નથી, પણ અતીન્દ્રિયજ્ઞાનમાં તેને જાણવાનું સામર્થ્ય છે. જો આત્મા ઈંદ્રિયગ્રાહ્ય થઈ
જાય તો આત્માનો મહિમા રહે નહિ. જ્ઞાનને સૂક્ષ્મ એટલે કે ઇન્દ્રિયોથી પાર કરીને અંતર્મુખ કરે તો જ આત્મા
જણાય છે–એવો જ આત્માના સ્વભાવનો મહિમા છે. એક ઝીણું મોતી પરોવવું હોય તો ત્યાં પણ ધ્યાન રાખવું
પડે છે; તે મોતી તો અનંત પરમાણુઓનો સ્થૂળ સ્કંધ છે; તો પછી અતીન્દ્રિય એવા આત્માને પકડવા માટે તેમાં
બરાબર ધ્યાન પરોવવું જોઈએ.
આત્મામાં એક સાથે અનંતી શક્તિઓ છે, તેમાંથી અહીં પ્રથમ જીવત્વશક્તિનું વર્ણન કર્યું. આ બધી
શક્તિઓ આત્માના જ્ઞાનમાત્રભાવમાં અંતઃપાતિની છે એટલે કે આત્માનું લક્ષ કરતાં જ્ઞાનમાત્ર ભાવનું
પરિણમન થયું તેમાં આ શક્તિઓ ઊછળે છે.......પ્રગટે છે.......વ્યક્ત થાય છે....પરિણમે છે, પણ
જ્ઞાનભાવની સાથે કાંઈ રાગ કે શરીર ઊછળતાં નથી, તેમનો તો જ્ઞાનમાં અભાવ છે. જેમ ગુલાબના ફૂલની
કળી ખીલતાં તેની સાથે તેનો ગુલાબી રંગ–સુગંધ વગેરે તો એક સાથે ખીલે છે, પણ કાંઈ ધૂળ વગેરે નથી
ખીલતાં; તેમ ચૈતન્ય–

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૪૨ઃ આત્મધર્મઃ ૯૮
સ્વભાવમાં લક્ષ કરતાં જ્ઞાનમાત્રભાવનું જે પરિણમન થયું તેની સાથે આ જીવત્વ વગેરે શક્તિઓ તો
ઊછળે છે– શુદ્ધતાપણે પરિણમે છે, પણ તે જ્ઞાનના પરિણમનની સાથે કાંઈ રાગાદિ ભાવો નથી ઊછળતા,
તેમનો તો અભાવ થતો જાય છે.–‘રાગાદિનો અભાવ થાય છે’ તે પણ વ્યવહારથી છે; ખરેખર તો
જ્ઞાનમાત્ર આત્મસ્વભાવમાં રાગાદિ છે જ નહિ, તો પછી તેનો અભાવ થવાનું પણ કયાં રહ્યું? રાગ હતો
અને ટળ્‌યો એ વાત પર્યાય અપેક્ષાએ છે, અહીં પર્યાય ઉપર જોર નથી, અહીં તો સ્વભાવની અસ્તિ ઉપર જ
જોર છે.
ચૈતન્યપ્રાણને ધારણ કરનારી જીવત્વશક્તિ આત્માને અનાદિ અનંત ટકાવી રાખે છે; આ શક્તિ તો
આત્મામાં અનાદિઅનંત છે પણ જેને આત્માનું ભાન થયું તેને જ્ઞાનમાત્રભાવમાં આ શક્તિ ઊછળી–એમ કહ્યું.
પહેલાં પણ આ શક્તિ હતી તો ખરી, પણ તેનું ભાન ન હતું; જેમ મેરુપર્વત નીચે સોનું છે, પણ તે શા કામનું?
તેમ આત્મામાં કેવળજ્ઞાનની શક્તિ છે, જીવત્વશક્તિ છે, પણ ભાન વગર તે શા કામની? અનંત શક્તિવાળા
આત્માને ઓળખીને તેના આશ્રયે પરિણમે તો બધી શક્તિઓ નિર્મળપણે ઊછળે, એટલે કે સાધકદશા પ્રગટીને
અલ્પકાળે મુક્તિ થાય.
–એ પ્રમાણે પહેલી જીવત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
*
ધર્મીને વિઘ્ન નથી
કોઈ એમ કહે કે ધર્મ ગમે તેટલો કર્યો હોય પણ મૃત્યુસમયે કોઈ તીવ્ર અસાતાનો ઉદય આવે તો
આત્માનું અહિત થઈ જાય.–ધર્મી જીવને આવું બને એમ જે માને છે તેને આત્માની શ્રદ્ધા જ નથી અને ધર્મ શું
ચીજ છે તેનું પણ તેને ભાન નથી. જેને સ્વતંત્ર આત્માની યથાર્થ શ્રદ્ધા છે તે ધર્મીનું કોઈ કાળે કોઈ સંયોગમાં
પણ અહિત ન જ થાય. નિત્ય, અવિનાશી આત્મામાં જે જાગૃત છે તેને ત્રણકાળ ત્રણલોકમાં વિઘ્ન નથી. પોતે
પરથી ભિન્ન છે છતાં પરથી વિઘ્ન માને તેને જુદા સ્વતંત્ર સ્વભાવની શ્રદ્ધા જ નથી. જગતની મૂર્ખાઈ કેટલીક
કહેવાય? અનેક પ્રકારે કલ્પના કરી પરથી લાભ–હાનિ માનનાર સદા આકુળ જ રહે છે...કોઈ કહે કે આત્માને તો
જાણ્યો, જ્ઞાન તો કર્યું, પણ બંધનભાવ ટળ્‌યો કે નહિ તેમ જ મિથ્યાત્વ ટળ્‌યું કે નહિ તેની ખબર નથી.–તો તેણે
આત્માને જાણ્યો જ નથી.
–સમયસાર–પ્રવચન ભાગ ૧ પૃઃ ૧૪પ–૬
*
‘જ્ઞાનીના ગજ જુદા હોય છે’
નિશાળે ભણનારો નવ વર્ષનો બાળક રવિવારનો દિવસ હોવાથી ઘેર હતો; તેના બાપ બજારેથી
આલપાકનો તાકો લાવ્યા. પુત્રે પિતાને પૂછયું કે આ તાકો કેટલા હાથનો છે? પિતાએ જવાબ આપ્યો કે તે
પચાસ હાથનો છે. છોકરાએ પોતાના હાથે માપીને કહ્યું કે આ તાકો તો પંચોતેર હાથનો છે! માટે તમારી વાત
ખોટી છે. ત્યારે પિતાએ કહ્યું–ભાઈ, અમારા લેવડદેવડના કામમાં તારા હાથનું માપ ન ચાલે.
તેમ અહીં જ્ઞાની કહે છે કેઃ બાહ્યદ્રષ્ટિવાળા બાળ–અજ્ઞાનીની બુદ્ધિમાંથી ઊઠેલ કુયુક્તિ અતીન્દ્રિય–
આત્મસ્વભાવને માપવામાં કામ આવે નહિ. ધર્માત્માના કાળજાં અજ્ઞાનીથી મપાય નહિ. માટે જ્ઞાનીને ઓળખવા
પ્રથમ તે માર્ગનો પરિચય કરો, રુચિ વધારો, વિશાળ બુદ્ધિ, સરળતા, મધ્યસ્થતા અને જિતેન્દ્રિયપણું વગેરે ગુણો
લાવો. સંતની ઓળખાણ થયે સત્નો આદર થાય, અને તો જ ધર્માત્માનો ઉપકાર સમજી શકાય, તથા પોતાના
ગુણનું બહુમાન આવે અને વર્તમાનમાં જ અપૂર્વ શાંતિ પ્રગટે.
(જુઓઃ સમયસાર પ્રવચન ૧ પૃઃ ૧પપ)
*

PDF/HTML Page 20 of 21
single page version

background image
આત્માની સમજણ
જુઓ ભાઈ! આ આત્મસ્વભાવની વાત
ઝીણી પડે તો વધુ ધ્યાન રાખીને સમજવા જેવી
છે. આત્મા સૂક્ષ્મ છે તો તેની વાત પણ સૂક્ષ્મ જ
હોય. જીવે એક ‘સ્વ’ ની સમજણ વિના બીજું
બધું અનંતવાર કર્યું છે. આત્માની પરમ સત્ય વાત
કોઈક જગ્યાએ જ સાંભળવા મળે છે. કોઈ નોવેલો
વાંચે છે, કોઈ ધર્મ સાંભળવા જાય ત્યાં ઓઠાં–
વાર્તા સંભળાવે છે, બાહ્યની પ્રવૃત્તિ બતાવે છે; એ
રીતે બાહ્ય ક્રિયાથી સંતોષ મનાવી ધર્મનું સ્વરૂપ
ભાજી–મૂળા જેવું સોંઘું બનાવી દીધું છે.
આત્મસ્વભાવની જે વાત અનંતકાળમાં ન
સમજાણી તે વાત સમજવા માટે તુલનાત્મક બુદ્ધિ
હોવી જોઈએ. લૌકિક વાત અને લોકોત્તર ધર્મની
વાત તદ્ન જુદી હોય છે. ઝટ ન સમજાય તેથી ના
ન પાડશો. જે પોતાનું સ્વરૂપ છે તે ન સમજાય
એવું અઘરું હોય જ નહિ. રુચિથી અભ્યાસ કરે તો
દરેક જીવ પોતાનું આત્મસ્વરૂપ સમજી શકે છે.
માત્ર સત્ સમજવાનો પ્રેમ જોઈએ. શ્રી આચાર્યદેવે
તો સમયસારની શરૂઆતમાં જ કહ્યું છે કે–હું મારા
અને તમારા આત્મામાં સિદ્ધભગવાનપણું સ્થાપીને
તત્ત્વ જણાવું છું.
–સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૯પ
અંધકાર અને પ્રકાશ
અંધારામાં જુઓ તો સોનું, લોઢું, લાકડું
વગેરે બધી ચીજો એક જેવી લાગે, પણ જુદાઈ
જણાય નહિ. અને દીપકના પ્રકાશ વડે જોતાં તે
ચીજો જુદી જુદી જેમ છે તેમ જણાય છે; તેમ
અજ્ઞાનરૂપી અંધારામાં આત્મા અને પરચીજો
એકમેક ભાસે છે પણ આત્માનું પરથી જુદાપણું
ભાસતું નથી. આત્માને પરથી જુદો જાણવા માટે
પ્રથમ જ સમ્યગ્જ્ઞાનરૂપ પ્રકાશ જોઈએ. આ
(સમ્યગ્જ્ઞાન) પહેલામાં પહેલો આત્મધર્મનો
એકડો છે.
–સમયસાર પ્રવચનો ભાગ ૧ પૃ. ૮૧
*
પ્રકાશકઃ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી)
મુદ્રકઃ– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, (જિલ્લા અમરેલી) તા. ૨૯–૧૧–પ૧