Atmadharma magazine - Ank 125
(Year 11 - Vir Nirvana Samvat 2480, A.D. 1954). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः”
વર્ષ અગિયારમું : સંપાદક : ફાગણ
અંક પાંચમો રામજી માણેકચંદ દોશી સં. ૨૦૧૦
હાજરાહજૂર ભગવાન
ધર્મી જીવની દ્રષ્ટિ સદાય પોતાના શુદ્ધાત્મા ઉપર પડી
છે, તેથી તેની દ્રષ્ટિમાં ચૈતન્યભગવાન સદાય હાજરાહજૂર
વર્તે છે. સમકીતિની ભૂતાર્થદ્રષ્ટિમાં શુદ્ધાત્મા સદાય સમીપ
વર્તે છે ને વિકલ્પોનો પડદો તેની દ્રષ્ટિમાંથી દૂર થઈ ગયો છે.
જે જીવ અશુદ્ધતાના વિકલ્પમાં જ અટક્યો છે ને એકાકાર
જ્ઞાયક–સ્વભાવમાં વળતો નથી તેને તો રાગની સમીપતા છે
ને શુદ્ધાત્મા દૂર છે. ભેદદ્રષ્ટિમાં ભગવાન આત્મા સમીપ નથી
પણ દૂર છે, અને અભેદદ્રષ્ટિથી દેખતાં અંતરમાં
ચૈતન્યભગવાન હાજરાહજૂર સમીપ જ છે.
જ્ઞાનસ્વરૂપ આત્મા
વાર્ષિક લવાજમ [૧૨૫] છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૮૬ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
પોરબંદરમાં પ્રતિષ્ઠા–મહોત્સવ
[મહા વદ : ૧૧]
પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાનજી સ્વામી પોરબંદર પધાર્યા છે અને સુખશાંતિમાં બિરાજે
છે. પોરબંદરમાં શેઠ શ્રી નેમિદાસ ખુશાલભાઈએ નવું જિનમંદિર બંધાવેલ છે, તેમાં મૂળનાયક
પાર્શ્વનાથ ભગવાન વગેરે જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠાનો પંચકલ્યાણક મહોત્સવ ચાલી રહ્યો છે.
મહા વદ ચોથના રોજ પૂ. ગુરુદેવ પોરબંદર પધાર્યા ત્યારે ત્યાંની જનતાએ ઉત્સાહપૂર્વક સ્વાગત
કર્યું હતું. પ્રતિષ્ઠાવિધિ કરાવવા માટે ઇંદોરના પંડિતશ્રી નાથુલાલજી આવ્યા છે અને મહા વદ ૭
ના રોજ પ્રતિષ્ઠા મંડપમાં જિનેન્દ્રભગવાનને બિરામાન કર્યા છે તેમજ ઝંડારોપણ થયું છે, તથા
જાપનો પ્રારંભ થયો છે. મહા વદ ૮ થી શ્રી સીમંધરાદિ વીસ વિહરમાન ભગવાનના પૂજનની
શરૂઆત થઈ છે. મહા વદ ૯ તથા ૧૦ ના રોજ તે પૂજા ચાલુ રહી. મહા વદ ૧૧ સવારે પૂ.
ગુરુદેવના પ્રવચન બાદ જલયાત્રા વિધિ થઈ હતી. મહોત્સવના ત્યાર પછીના સમાચારો આવતા
અંકમાં આપવામાં આવશે. અહીં પોરબંદરની જનતા પૂ. ગુરુદેવના અપૂર્વ પ્રવચનોનો લાભ ઘણી
મોટી સંખ્યામાં લે છે, ને પ્રવચન સાંભળવાનો રસ લોકોમાં વધતો જાય છે.
પોરબંદરથી વિહાર કરીને પૂ. ગુરુદેવ જામનગર થઈને મોરબી તથા વાંકાનેર પધારશે.
મોરબીના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું મુહૂર્ત ચૈત્ર સુદ ૨ છે અને વાંકાનેરમાં પંચકલ્યાણક
પ્રતિષ્ઠા–મહોત્સવનું મુહૂર્ત ચૈત્ર સુદ ૧૩ છે.
* જેતપુર શહેરમાં જિનમંદિર માટેની જાહેરાત *
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ સૌરાષ્ટ્રમાં મંગલવિહાર કરી રહ્યા છે ને પગલે પગલે જૈનધર્મની
મહાન પ્રભાવના કરી રહ્યા છે. વિહાર દરમિયાન મહા સુદ ૮ ના રોજ પૂ. ગુરુદેવ જેતપુર
શહેરમાં પધાર્યા ત્યારે ત્યાંના ભક્તોને ઘણો ઉલ્લાસ હતો; પૂ. ગુરુદેવના પ્રવચન બાદ જેતપુર
શહેરમાં જિનમંદિર બંધાવવા માટે ત્યાંના ભક્તજનો તરફથી નીચે મુજબ રકમો ઉલ્લાસથી જાહેર
કરવામાં આવી હતી–
૨૦૦૧) દેસાઈ ભાઈચંદ જૂઠાભાઈ
૧૦૦૧) માણેકચંદ પૂંજાભાઈ
૧૦૦૧) કાગદી જટાશંકર માણેકચંદ
૧૦૦૧) દેસાઈ તારાચંદ અવિચળ
૧૦૦૧) પોપટલાલ કેશવજી
૫૦૧) કામદાર જયંતિલાલ ચત્રભુજ
૫૦૧) દેસાઈ મોહનલાલ ત્રિકમજી
ઉપરની શુભ જાહેરાત સાંભળીને બધાને ઘણો હર્ષ થયો હતો.
પૂ. ગુરુદેવના આશ્ચર્યકારી પ્રભાવના ઉદયથી આજે ઠેર ઠેર જિનેન્દ્ર ભગવંતોની સ્થાપના
થતી જાય છે અને જૈનશાસનના જયનાદ ગાજી રહ્યા છે. ઉપરના મંગલ–કાર્યની જાહેરાત માટે
જેતપુરના મુમુક્ષુઓને ધન્યવાદ!

PDF/HTML Page 4 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૮૭ :
જીવને સંસાર–પરિભ્રમણ કેમ થયું?
અને
હવે તે પરિભ્રમણ કેમ ટળે?
ઉત્તમ અને નિર્દોષ કર્તવ્ય શું?
દરેક આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત પડી છે.
અંતરની ચૈતન્યશક્તિના અવલંબને જ સંસારનો નાશ
થઈને મોક્ષદશા પ્રગટે છે. ચૈતન્યશક્તિના અવિશ્વાસને
લીધે જ જીવને અત્યાર સુધી સંસાર–પરિભ્રમણ થયું
છે. અંતરના ચૈતન્યસ્વભાવની ઓળખાણ–પ્રતીત અને
વિશ્વાસ કરવો તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ
કર્તવ્ય છે.
આ આત્માના ધર્મની વાત ચાલે છે. આત્મ–ધર્મ એટલે શું? આત્મા અનાદિ અનંત ચૈતન્ય સ્વરૂપ
વસ્તુ છે, દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા છે તેને કોઈએ બનાવ્યો નથી ને તેનો કદી નાશ થતો નથી;
આવા આત્માને જાણ્યા વિના કદી ધર્મ થાય નહિ. અહીં શાસ્ત્રકાર કહે છે કે શુદ્ધ ચિદ્રૂપ નિર્દોષ આત્મા છે
તેની ઓળખાણ કરવી તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ કર્તવ્ય છે. પૂર્વે કદી આવા આત્મસ્વરૂપને ન
જાણ્યું તેથી જ જીવને સંસારપરિભ્રમણ થયું છે. એકવાર પણ આત્માના યથાર્થસ્વરૂપને ઓળખે તો જીવની
મુક્તિ થયા વિના રહે નહિ.
આ દેહ દેવળમાં રહેલો દરેક આત્મા શક્તિ સ્વભાવે તો શુદ્ધ નિર્મળાનંદ છે, પણ વર્તમાન હાલતમાં
અનાદિથી તે પોતાના સ્વરૂપને ભૂલેલો છે, તે ભૂલના ફળમાં આ સંસારભ્રમણ છે. “ચૈતન્યસ્વભાવ હું છું”
એમ ન ઓળખતાં, ‘શરીર અને શરીરની ક્રિયા તે જ હું’ એમ માનીને ભ્રમણાથી ચારે ગતિમાં અનંત
અનંત અવતાર કરતો આવ્યો છે. દેહથી ભિન્ન મારું ચૈતન્યસ્વરૂપ શું છે તેનું જ્ઞાન અનંતકાળમાં જીવે કદી
કર્યું નથી; અને ‘મારે પર ચીજ વગર ન ચાલે’ એમ માને છે, તેનો અર્થ એ થયો કે આત્મા પરાધીન છે;
પોતામાં સ્વાધીન સુખ છે તેને ન માનતાં પરને લીધે સુખ માન્યું. તેણે આત્માને પરાધીન માન્યો છે, એ
પરાધીનપણાની માન્યતાને લીધે જ તે સંસારમાં રખડી રહ્યો છે. “પરાધીનતામાં સ્વપ્નેય સુખ નથી”
એમ લોકો બોલે છે પણ તેનો વાસ્તવિક અર્થ શું છે તે સમજતા નથી. આત્માને પોતાના સુખને માટે
પરચીજની જરૂર પડે એ માન્યતા જ મોટી પરાધીનતા છે. ભાઈ! તારું સુખ પરમાં એમ તેં ક્યાંથી
માન્યું? તારું સુખ તારામાં હોય કે પરમાં હોય? પર ચીજ તો તારાથી જુદી છે, તો તારાથી જુદી ચીજમાં
તારું સુખ કેમ હોય? અંતરના ચૈતન્યસ્વભાવમાં જ સુખ છે તેને ભૂલીને પરમાં સુખ માની રહ્યો છે તે
માન્યતા દોષરૂપ છે. સુખ તો આત્માનો સ્વભાવ છે. જેમ ચણાને સેકતાં તેમાં જે મીઠાશ આવે છે તે
ક્યાંથી આવી? શું કડાયામાંથી કે રેતીમાંથી આવી? ના; તે ચણામાં જ મીઠાશનો સ્વભાવ ભર્યો છે તે જ
પ્રગટ થયો છે. તેમ આત્માના સ્વભાવમાં જ સુખ ભર્યું છે, પણ તેને ભૂલીને પરમાં સુખ માને તેથી તેને
પોતાના સુખનો વ્યક્ત અનુભવ થયો નથી. આત્માના

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૮૮ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
જ્ઞાનાનંદ સ્વભાવને જાણતાં તેમાંથી જ સુખ પ્રગટે છે. પોતામાં જ સુખ છે તે પ્રગટે છે, પણ પરમાંથી સુખ નથી
આવતું. આત્મા વસ્તુ આનંદ–સ્વરૂપ છે, વસ્તુ પોતે સ્વભાવથી દુઃખરૂપ ન હોય, પણ ભૂલને લીધે દુઃખ છે.
જેમ ચણો કાચો હોય તો તૂરો લાગે છે ને વાવો તો તે ઊગે છે; તેમ જીવને અજ્ઞાનભાવથી દુઃખનો
અનુભવ થાય ને જન્મ–મરણ કરે છે. પણ ચણાને સેકતાં તેમાં મીઠાશ પ્રગટે છે ને વાવવાથી તે ઊગતો
નથી; તેમ આત્માના સ્વભાવનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં આનંદનો અનુભવ થાય છે ને જન્મ–મરણ
થતા નથી.
ભગવાન આત્મા શરીરાદિની ક્રિયાથી ભિન્ન ચૈતન્યપિંડ છે; તેમાં જે રાગ–દ્વેષની લાગણી થાય છે તે
ઉપાધિભાવ છે, તે ઉપાધિ રહિત નિરુપાધિ ચૈતન્યસ્વભાવને ઓળખવો ને તેમાં એકાગ્ર થવું તે ધર્મની નીતિ છે.
આ લોકોત્તર નીતિ છે. અનાદિથી આત્મા અનીતિ કરી રહ્યો છે; –કઈ રીતે? કે પોતાનું ચૈતન્યસ્વરૂપ છે તેને
ભૂલીને, શરીર તે હું–એમ પરને પોતાનું માને છે. શરીર વગેરે પારકી વસ્તુ પોતાની ન હોવા છતાં અજ્ઞાનથી
તેને પોતાની માને છે તે મોટી અનીતિ છે. ને તે અનીતિના ફળમાં સંસારની જેલ છે. હિંસા–જૂઠું–ચોરી વગેરેના
પાપભાવ તે લૌકિક અનીતિ છે, ને તેનો ત્યાગ કરીને શુભભાવ કરે તો તે લૌકિક નીતિ છે, પણ ધર્મની નીતિ
તો જુદી જ ચીજ છે. પોતાનું ચૈતન્યસ્વરૂપ જેમ છે તેમ માનવું ને પરના એક અંશને પણ પોતાનો ન માનવો–
આવું ભેદજ્ઞાન કરવું તે ધર્મની અપૂર્વ નીતિ છે.
જુઓ, મોટો રાજા હો કે રંક હો પણ આ વસ્તુ સમજ્યે જ સુખ છે. ચૈતન્યતત્ત્વની સમજણ વગર બધું
થોથાં છે. ચૈતન્યને ભૂલીને પૈસા વગેરેમાં જે સુખ માને છે તે મોટો રાજા હોય તોપણ ખરેખર માંગણ છે. –
“જે માંગે તે માંગણ, ને
જે ન માંગે તે રાજા;
જે ઝાઝું માંગે તે મોટો માંગણ,
જે થોડું માંગે તે નાનો માંગણ;
જે કંઈ ન માંગે તે મોટો બાદશાહ.
ચૈતન્યસ્વભાવને ચૂકીને, પરમાં મારું સુખ છે એમ જે માને છે તે બધાય માંગણ છે. ભલે રાજા હોય, પણ
“મારે પર ચીજ વગર ન ચાલે” એમ જે માને છે તે પરમાર્થે ભિખારી છે. અહીં તો કહે છે કે ભાઈ! તારો
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેમાં જ તારું સુખ છે; પૈસામાં કે શરીરમાં તો તારું સુખ નથી, ને અંતરમાં રાગાદિની
વૃત્તિ ઊઠે તે વિકાર છે તેમાં પણ તારું સુખ નથી. અનાદિથી ચાર ગતિમાં અનંત અવતાર થયા પણ આ વાત
જીવ સમજ્યો નથી. સાચી સમજણ વગર અનંતકાળથી અવતાર કરતો આવે છે. એક–બે નહિ, લાખ–કરોડ નહિ
પણ અનંત અનંત અવતાર જીવે કર્યા છે; તેમાં કોઈ વાર દયા–દાન વગેરેના શુભપરિણામથી સ્વર્ગમાં પણ ગયો,
ને તીવ્ર હિંસા વગેરેના પાપપરિણામ કરીને નરકમાં ગયો, તેમજ તિર્યંચ અને મનુષ્યના અવતાર પણ અનંતવાર
કર્યા. નરકનું પણ નીચે સ્થાન છે. તે કલ્પના નથી પણ શાશ્વત છે. એક ખૂન કરવાના પરિણામવાળાને અહીં
એક વાર ફાંસી અપાય છે, પણ લાખો–કરોડો જીવોની હિંસાના પરિણામ કરે તેનું ફળ ભોગવવાનું સ્થાન અહીં
નથી; તે સ્થાન નરકમાં છે, ત્યાં અનંતી પ્રતિકૂળતા છે. આવા નરકના તેમજ સ્વર્ગના અનંત અવતાર જીવ કરી
ચૂક્યો; પણ “હું ચૈતન્યસ્વરૂપ વસ્તુ છું” તે વાતની સમજણ કદી કરી નથી. “પરમાં સુખ ને મારામાં સુખ નહિ”
એવી ઊંધી માન્યતાથી જીવ સંસારમાં રખડે છે, તે સંસારપરિભ્રમણ કેમ છૂટે તેની આ વાત છે.
જુઓ ભાઈ! આ મનુષ્યપણું મળ્‌યું છે તે તો પચીસ પચાસ વર્ષ રહેશે, પછી તો શરીર છૂટી જશે ને
આત્મા બીજે ચાલ્યો જશે. શરીર તો સંયોગી ચીજ છે, તેનો સંયોગ નવો થયો છે, તે અલ્પકાળ રહીને છૂટી જશે.
સંયોગી ચીજ જીવ સાથે કાયમ રહે નહિ. અંદર શુભ–અશુભ લાગણી થાય છે તે પણ કાયમી ચીજ નથી; શુભ
પલટીને અશુભ, ને અશુભ પલટીને પાછી શુભ લાગણી થાય છે, તે જીવનું કાયમી સ્વરૂપ નથી. અંતરમાં
આત્માની ચૈતન્યસત્તા કાયમ રહેનાર છે, તે ચૈતન્યસત્તા આનંદથી ભરપૂર છે, પણ અનાદિથી તેનો મહિમા કે
પ્રતીત કરી નથી. જો ચૈતન્યસ્વભાવની પ્રતીત કરે તો આ સંસારપરિભ્રમણ રહે નહિ. આ આંખ–કાન દેખાય છે
તે તો જડ છે, આંખ–કાન મોળા પડે, શરીરના અવયવો કામ ન કરે તે વખતે પણ અંતરમાં હું જ્ઞાનાનંદ સ્વરૂપ,
દેહથી ભિન્ન છું એવું ભાન કરીને તેમાં એકાગ્ર થવું તે મોક્ષનો માર્ગ છે, શરીરની ક્રિયામાં કે ઈન્દ્રિયોમાં આત્માની
મુક્તિનો માર્ગ નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ

PDF/HTML Page 6 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૮૯ :
આત્માનું જ્ઞાન કરવું તે જ આ જગતમાં નિર્દોષ કાર્ય છે. જીવે પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની શ્રદ્ધા કરવાનો કદી
પ્રયત્ન કર્યો નથી; શરીરની ક્રિયાને પોતાની માનવી ને રાગથી ધર્મ માનવો તેમાં મિથ્યાત્વનો મોટો દોષ છે
–અપરાધ છે, તેનાથી સંસારભ્રમણ થાય છે; ને દેહથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની ઓળખાણ–પ્રતીત–
અનુભવ કરવો તે નિર્દોષ કાર્ય છે, તે મોક્ષનું કારણ છે; માટે આ મનુષ્યભવમાં સત્સમાગમે આવા આત્માની
સમજણનો ઉપાય કરવો જોઈએ. બહારનું તો પૂર્વનાં પુણ્ય–પાપ અનુસાર બને છે, પૈસા આવવા કે જવા તે બધું
પૂર્વનાં પુણ્ય–પાપ અનુસાર છે તેમાં જીવનું ડહાપણ કામ આવતું નથી; ત્યાં તો જીવ મફતનો અભિમાન કરે છે,
પણ શરીરથી જુદો તેમજ અંદરની શુભ–અશુભ લાગણીથી પણ પાર એવો મારો જ્ઞાનાનંદસ્વભાવ શું છે તે
જાણવાની પૂર્વે કદી દરકાર કરી નથી. ચૈતન્યતત્વના ભાન વગર દયાદિના ભાવ કરીને સ્વર્ગમાં અનંતવાર
રખડ્યો, હિંસાદિના તીવ્ર–પાપભાવ કરીને નરકમાં પણ અનંતવાર રખડ્યો, તીવ્ર દંભ–માયા તથા વક્રતાના
પરિણામ કરીને તિર્યંચમાં રખડ્યો ને કંઈક મધ્યમ પરિણામથી મનુષ્ય પણ અનંતવાર થયો, પણ
ચૈતન્યસ્વભાવનું ભાન પૂર્વે એક સેકંડ પણ કર્યું નથી. જેમ પર્વત ઉપર વીજળી પડે ને તેના કટકા થાય તે ફરીને
રેણ દીધે સંધાય નહિ, તેમ જો એકવાર પણ દેહથી ભિન્ન ચિદાનંદસ્વભાવનું ભેદજ્ઞાન કરે તો ફરીને સંસારમાં
પરિભ્રમણ થાય નહિ. ભાઈ! તારો ભાવ પરમાં તો કામ આવતો નથી, માટે પરના કર્તૃત્વનું નકામું અભિમાન
છોડ. તને પરને બચાવવાનો ભાવ થાય, પણ તારા ભાવને લીધે પર જીવ કાંઈ બચી જતો નથી, તારો
બચાવવાનો ભાવ હોવા છતાં પર જીવનું આયુષ્ય ન હોય તો તે મરી જાય છે, અને તેનું આયુષ્ય હોય તો તે
બચે છે; માટે પર જીવની ક્રિયા તો તારે આધીન નથી. જીવની ઈચ્છા ન હોવા છતાં વૃદ્ધાવસ્થા થતાં માથાના
વાળ કાળામાંથી ધોળા થઈ જાય છે. આ શરીર ઉપર પણ તારી સત્તા નથી, શરીર તારાથી ભિન્ન ચીજ છે.
શરીરથી ભિન્ન હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એવી ઓળખાણ કરવી–રુચિ કરવી ને તેમાં એકાગ્રતા કરવી તે ધર્મ
છે, અને તે જ સંસારથી છૂટવાનો ઉપાય છે. આ મનુષ્યભવ પામીને સત્સમાગમે જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની
ઓળખાણ કરીને તેનું ધ્યાન કરવું. તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ કાર્ય છે. ચિદાનંદ સ્વરૂપ આત્માનું
રાગરહિત સ્વસંવેદન થાય તેને જ ભગવાન નિર્દોષ ચીજ કહે છે, એ સિવાય અજ્ઞાનભાવે જે કાંઈ કરે તે બધું
સદોષ છે.
જુઓ, ચૈતન્ય વસ્તુમાં આનંદ ભર્યો છે, તે આનંદ આંખ વગેરે ઈન્દ્રિયોથી ન દેખાય પણ અતીન્દ્રિયજ્ઞાન
વડે તેનો નિર્ણય થાય છે. જેમ દીવાસળીના નાના ટોપકામાં ભડકો થવાની તાકાત છે તે આંખ વગેરે ઈન્દ્રિયોથી
નથી દેખાતી પણ જ્ઞાનદ્વારા નક્કી થાય છે; તેમ ચૈતન્યમૂર્તિ આત્મામાં સર્વજ્ઞતાનું તેજ પ્રગટવાની તાકાત છે,
તેની પ્રતીત કરીને તેમાં એકાગ્ર થતાં સર્વજ્ઞતા અંદરથી જ પ્રગટે છે. આપણે ‘નમો અરિહંતાણં અને નમો
સિદ્ધાણં’ કહીએ છીએ. તે અરિહંત અને સિદ્ધભગવંતો ક્યાંથી થયા? અનંતા સર્વજ્ઞ ભગવંતો થયા તે બધાય
પોતાની ચૈતન્ય શક્તિમાંથી જ કેળવજ્ઞાન પ્રગટ કરીને સર્વજ્ઞ થયા છે, કાંઈ સર્વજ્ઞતા બહારથી નથી આવી. અને
તેનું સાધન પણ બહાર નથી. અંતરની ચૈતન્યશક્તિની પ્રતીત કરીને તેના ધ્યાનરૂપી સાધન વડે જ સર્વજ્ઞતા થઈ
છે, કોઈ બહારના સાધનથી કે રાગના સાધનથી સર્વજ્ઞતા થઈ નથી. જો શરીરાદિ બહારના સાધનથી કે રાગના
સાધનથી સર્વજ્ઞતા થઈ હોય તો, તો તે સાધન છૂટી જતાં સર્વજ્ઞતા પણ ચાલી જાય! પણ અંતરની
ચૈતન્યશક્તિના અવલંબનથી જ સર્વજ્ઞતા પ્રગટે છે. દરેક આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત પડી છે, અંતરની
ચૈતન્યશક્તિના અવલંબને જ સંસારનો નાશ થઈને મોક્ષદશા પ્રગટે છે. ચૈતન્યશક્તિના અવિશ્વાસને લીધે જ
જીવને અત્યાર સુધી સંસારપરિભ્રમણ થયું છે. અંતરના ચૈતન્યસ્વભાવની ઓળખાણ–પ્રતીત અને વિશ્વાસ
કરવો તે જ આ જગતમાં ઉત્તમ અને નિર્દોષ કર્તવ્ય છે.
(બાબરા ગામમાં પરમપૂજ્ય ગુરુદેવનું પ્રવચન:
સં. ૨૦૧૦, પોષ વદ ૯)

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૯૦ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
જ્ઞાન સામર્થ્યથી મહાન એવા
ચૈતન્યતત્ત્વને ઓળખો.
સમકીતિ ધર્માત્મા કહે છે કે “અહો! ચૈતન્યસ્વરૂપ ભગવાન
આત્મા મારા જ્ઞાનમંદિરમાં સદા બિરાજી રહો....” જ્યાં
આત્માનું ભાન થયું ત્યાં ધર્મીજીવને આત્મામાંથી ભણકાર આવી
જાય છે કે “મારા ચિદાનંદ સ્વભાવના આશ્રયે હવે અલ્પકાળમાં
મારા જન્મ–મરણનો અંત આવી જશે, ને હું કેવળજ્ઞાન પ્રગટ
કરીને સિદ્ધપદ પામીશ...” સત્સમાગમે આત્માની ઓળખાણ
કરીને આવો ભાવ પોતામાં પ્રગટ કરવો તે ધર્મ છે.
[જુનાગઢથી વિહાર કરીને મહા સુદ ૧૪ ના રોજ પૂ. ગુરુદેવ વંથલી ગામે પધાર્યા; ત્યાંનું પ્રવચન.]

આ આત્મા દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ તત્ત્વ છે; પોતાના સ્વરૂપની સાચી સમજણ વગર તે અનાદિથી
સંસારની ચાર ગતિમાં રખડે છે. તીવ્ર હિંસા વગેરે પાપભાવ કરીને અનંતવાર નરકમાં ગયો, તેમજ દયા
વગેરેના પુણ્યભાવ કરીને સ્વર્ગમાં પણ અનંતવાર ગયો, પણ પુણ્ય–પાપરહિત હું જ્ઞાનસ્વરૂપ છું એ વાત પૂર્વે
એક સેકંડ પણ સમજ્યો નથી.
આત્મા દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છે, તેનું જ્ઞાન સામર્થ્ય એવું મહાન છે કે એક ક્ષણમાં ત્રણકાળ ત્રણલોક
તેમાં જણાઈ જાય છે; આવું અચિંત્ય જ્ઞાન સામર્થ્ય હોવાને લીધે આત્મા સ્થૂળ છે; અને ઈન્દ્રિયોથી કે રાગથી
આત્મા જણાતો નથી જ્ઞાનના સ્વસંવેદનથી જ જણાય છે, તેથી આત્મા સૂક્ષ્મ છે. આ રીતે આત્મા સ્થૂળ પણ છે
ને સૂક્ષ્મ પણ છે. આવા આત્મતત્ત્વને જાણ્યા વિના જીવ અનાદિથી ચાર ગતિમાં રખડે છે. આ શરીર દેખાય છે
તે તો જડ છે, આત્મા તેનાથી ભિન્ન અરૂપી ચૈતન્યતત્ત્વ છે, તે દેહની સાથે કદી એકમેક થયો નથી. જેવા અનંત
સિદ્ધ પરમાત્મા દેહરહિત પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપે બિરાજમાન છે તેવો જ આ આત્માનો સ્વભાવ છે; પણ તેને
ભૂલીને ‘શરીર મારું અને પુણ્ય–પાપ થાય તેટલો હું’ એમ માનીને જીવ સંસારમાં રખડે છે. જે જીવો સ્વભાવને
ભૂલીને તીવ્ર પાપભાવો કરે છે તે જીવો નીચે નરકમાં જાય છે. નીચે સાત નરક છે, ત્યાં પાપના ફળમાં જીવ ઘણું
દુઃખ ભોગવે છે. સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમનું આયુષ્ય છે, તેમાં અસંખ્ય અબજો વર્ષ વીતી જાય છે.
આવા નરકના ભવ પણ જીવે અજ્ઞાનભાવે અનંતવાર કર્યા છે. અજ્ઞાનભાવે શુભભાવ કરીને મોટો દેવ અને
રાજા પણ અનંતવાર થયો છે, પરંતુ આત્માના જ્ઞાન વગર જરાપણ કલ્યાણ થયું નહિ. શરીર–મન–વાણી મારું
સ્વરૂપ નથી, તેમજ પુણ્ય પાપની ક્ષણિક લાગણી થાય તે પણ મારું કાયમી સ્વરૂપ નથી, હું તો અનાદિઅનંત
જ્ઞાન–આનંદ સ્વરૂપ આત્મા છું, આવી ઓળખાણ અને પ્રતીત જીવે કદી કરી નયી; જો સત્સમાગમે એકવાર
પણ એવી ઓળખાણ અને પ્રતીત કરે તો અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહે નહિ.
આ ભગવાન આત્મા દેહરહિત અરૂપી જ્ઞાનસ્વરૂપ છે, અતીન્દ્રિય હોવાથી તે સૂક્ષ્મ છે; પણ
જ્ઞાનસામર્થ્યમાં તે એવો સ્થૂળ (એટલે કે મહાન) છે કે એક ક્ષણમાં ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે. આત્માની
ચૈતન્યશક્તિ આવી મહાન છે. જેમ લીંડીપીપરમાં ચોસઠપોરી તીખાશની તાકાત છે તે જ પ્રગટે છે, તે તીખાશ
બહારથી નથી આવતી પણ અંદરમાં ભરી છે તે જ પ્રગટે છે; તેમ એકેક આત્મામાં અનંત કેવળજ્ઞાન પ્રગટવાની
તાકાત ભરી છે, તેનો વિશ્વાસ કરીને તેમાં એકાગ્રતા વડે તે વ્યક્ત થાય છે. શરીરની ક્રિયા કે રાગ ઈત્યાદિ કોઈ
બહારના કારણોથી

PDF/HTML Page 8 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૯૧ :
સર્વજ્ઞતા પ્રગટતી નથી પણ અંતરની જ્ઞાનશક્તિમાંથી જ કેવળજ્ઞાન પ્રગટે છે. વર્તમાન પર્યાયમાં પ્રગટરૂપે
અલ્પજ્ઞતા અને વિકાર હોવા છતાં દ્રવ્યની શક્તિમાં તો પરિપૂર્ણ કેવળજ્ઞાનની તાકાત સદાય પડી છે; આત્માના
સ્વભાવની આવી તાકાતનો વિશ્વાસ કરવો તે અપૂર્વ ધર્મ છે. પોતાના જ્ઞાનસ્વભાવને ભૂલીને, અનાદિથી
દેહાદિની ક્રિયાને પોતાની માનીને, તથા પુણ્ય–પાપને જ પોતાનું સ્વરૂપ માનીને જીવ સંસારમાં રખડે છે. અહો!
મારો આત્મા જ જ્ઞાનાનંદસ્વરૂપે ભગવાન છે, ભગવાન થયા તેમના આત્મામાં જેટલું સામર્થ્ય છે તેટલું જ
સામર્થ્ય મારા આત્મામાં પણ છે, આવી ઓળખાણ પૂર્વે કદી જીવે કરી નથી અને બહારથી જ ધર્મ માની લીધો
છે, બહુ તો શુભભાવ કરીને તેને ધર્મ માન્યો, પણ તેથી ભવભ્રમણ અટક્યું નહિ. તેથી આત્માનું વાસ્તવિક
સ્વરૂપ શું છે, કે જે સમજવાથી ભવભ્રમણનો અંત આવે, તેની આ વાત ચાલે છે.
બહારમાં શરીર–લક્ષ્મી વગેરેનો સંયોગ–વિયોગ થવો તે તો પૂર્વના પુણ્ય–પાપ અનુસાર થાય છે, તેમાં
જીવનું કાંઈ ચાલતું નથી. જીવ બહુ તો ઈચ્છા કરે પણ તેની ઈચ્છાને લીધે બહારની ક્રિયા થતી નથી. શરીર અને
કર્મ તો જડ છે, તે આત્મતત્ત્વથી ભિન્ન છે, અને તેની ક્રિયા પણ આત્માથી ભિન્ન છે. અનાદિથી ભિન્ન
ચૈતન્યતત્ત્વને ચૂકીને, શરીર તે જ હું અને શરીર ઠીક હોય તો મને ધર્મ થાય–એવી ઊંધી માન્યતા જીવે કરી છે,
તેથી તેને દેહથી ભિન્નપણું ભાસતું નથી. દેહથી ભિન્ન અંતરના ચૈતન્યતત્ત્વને ઓળખવાની આ વાત છે. આ
સિવાય પુણ્યની શુભ લાગણી અંદરમાં થાય તે પણ વિકાર છે, તે પુણ્ય પણ અનંતવાર કરી ચૂક્યો છે, તેમાં કાંઈ
ધર્મ નથી; અંતરમાં પુણ્યપાપથી પાર ચિદાનંદ આત્માની ઓળખાણ કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે અપૂર્વ છે
અને તેમાં ધર્મ છે. પુણ્યથી સ્વર્ગ મળે પણ તેમા કાંઈ આત્માની શાંતિ ન મળે, તેનાથી ભવભ્રમણનો છેડો ન
આવે. ભાઈ! શાંતિ તો તારા આત્માની અંતરની ચીજ છે, તે કોઈ બહારની ચીજમાંથી કે પુણ્યમાંથી નથી
આવતી, પણ અંર્તસ્વભાવમાં એકાગ્રતાથી જ શાંતિનો અનુભવ થાય છે. તે માટે આત્માનો વાસ્તવિક સ્વભાવ
શું છે તેની પહેલાંં ઓળખાણ કરવી જોઈએ.
આ શરીર તો અજીવ છે, તેનો તો સંયોગ નવો થયો છે ને અમુક મુદ્તમાં તેનો વિયોગ થઈ જાય છે; ને
આત્મા તો અનાદિઅનંત અસંયોગી વસ્તુ છે. જડ શરીરની ક્રિયાથી આત્માને કાંઈ લાભ–નુકસાન નથી. આવું
જ્ઞાન પૂર્વે એક ક્ષણ પણ જીવે કર્યું નથી. મિથ્યાદ્રષ્ટિપણે શુભભાવ કરીને જીવ નવમી ગ્રૈવેયક સુધીનો દેવ થયો,
નવમી ગ્રૈવેયક ઉપર પાંચ અનુત્તર વિમાન છે ત્યાં તો સમ્યગ્દ્રષ્ટિ જીવો જ ઊપજે છે. અહીં તો એમ કહેવું છે કે
ભાઈ! આત્માના ભાન વિના પુણ્ય કરીને સ્વર્ગમાં પણ તું અનંતવાર ગયો, છતાં તારું ભવભ્રમણ ન મટયું. માટે
તું સમજ કે પુણ્ય કરતાં ધર્મ તે જુદી ચીજ છે.
સર્વજ્ઞ પરમાત્મા કહે છે કે હે આત્મા! એક ક્ષણમાં ત્રણકાળ ત્રણલોકને જાણવાની તારામાં તાકાત છે;
તારો સ્વભાવ એવો સ્થૂળ (મહાન) છે કે એક સમયની પર્યાયમાં આખા જગતનું જ્ઞાન સમાવી દ્યે.
સમયસારમાં પુણ્યપરિણામને સ્થૂળ કહ્યા છે અને ચૈતન્યસ્વભાવને સૂક્ષ્મ કહ્યો છે ત્યાં જુદી વાત છે; અહીં તો
આત્માનું અચિંત્ય જ્ઞાન–સામર્થ્ય બતાવવા આત્માને સ્થૂળ કહ્યો છે, અને તે ઈન્દ્રિયગમ્ય નથી તે અપેક્ષાએ તેને
જ સૂક્ષ્મ કહ્યો છે. જુઓ, ગિરનારજી ઉપર ચડ્યા ત્યારે દૂરદૂરનું કેટલું બધું દેખાતું હતું! ગિરનાર ઉપરથી આખું
જુનાગઢ નાનું લાગતું હતું; જ્ઞાન તો કાંઈ એટલું પહોળું થયું ન હતું, સાડાત્રણ હાથ પ્રમાણ જ્ઞાનમાં બધું જણાઈ
જતું હતું; આ રીતે જ્ઞાનમાં એવું મહાન સામર્થ્ય છે કે સમસ્ત લોકાલોક એક ક્ષણમાં તેમાં જણાઈ જાય છે. આવા
મહાન જ્ઞાનસામર્થ્યની પ્રતીત કરવી તે પહેલો ધર્મ છે. આત્માના જ્ઞાનસ્વભાવની પ્રતીત વગર દયા–દાન
વગેરેના શુભભાવ કરે તે કાંઈ ધર્મનો પ્રકાર નથી, તે તો પુણ્ય છે–આસ્રવ છે–સંસાર છે; ધર્મ તો સંવર–
નિર્જરાતત્ત્વ છે તે મોક્ષનું કારણ છે, અને પુણ્ય તે આસ્રવતત્ત્વ છે તે બંધનું કારણ છે, ચૈતન્યતત્ત્વના જ્ઞાન વગર
જિનમંદિર વગેરે બાંધવામાં શુભભાવથી કરોડો–અબજો રૂા. ખર્ચી નાંખે તોપણ તેમાં ધર્મ નથી, માત્ર પુણ્ય–બંધ
છે. અરે, મોટા અબજોની પેદાશવાળા રાજપાટ છોડીને દ્રવ્યલિંગી જૈન સાધુ થયો ને ઘણી ઉગ્ર પુણ્યક્રિયા કરીને
શુભભાવથી સ્વર્ગમાં ગયો છતાં ધર્મનો અંશ પણ ન થયો; કેમકે ‘હું તો અનંત જ્ઞાનશક્તિનો ધણી છું, દેહ કે
દેહની ક્રિયા મારી નથી, પુણ્યનો ભાવ પણ મારું ખરું સ્વરૂપ નથી’ આવી સમજણ કર્યા વગર ધર્મ થતો નથી.
જ્યાં આત્માનું ભાન થાય ત્યાં ધર્મી જીવ જાણે છે કે હું તો સદાય જ્ઞાનસ્વરૂપ છું, જે પાપના કે

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૯૨ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
પુણ્યના ભાવ થાય છે તે મારા જ્ઞાનથી જુદા છે. અજ્ઞાનીને પોતાના ચૈતન્યની તાકાતનો ભરોસો નથી, તે પુણ્ય–
પાપ જેટલો જ પોતાને માને છે ને દેહની ક્રિયાનું અભિમાન કરીને સંસારમાં રખડે છે. જુઓ, શ્રેણિક રાજાને
દેહથી ભિન્ન ચિદાનંદમૂર્તિ આત્માનું ભાન હતું, તેમને વ્રત–તપ કે ત્યાગ ન હતો પરંતુ અંતરમાં આત્માનું ભાન
હતું; હજી રાજપાટમાં હતા અને અનેક રાણીઓ હતી છતાં એકાવતારી થયા ને આવતી ચોવીસીમાં આ
ભરતક્ષેત્રે ત્રિલોકનાથ તીર્થંકર થશે, મહાવીર પરમાત્મા થયા તેવા જ ત્રણલોકના નાથ તીર્થંકર થશે. એ કોનો
પ્રતાપ? અંતરમાં ચિદાનંદસ્વભાવનું ભાન વર્તતું હતું તે સમ્યગ્દર્શનના પ્રતાપે તેઓ આવતા ભવમાં તીર્થંકર
થઈને મોક્ષ જશે. અંતરમાં રાગરહિત જ્ઞાનસ્વભાવની તાકાત કેવી છે તેની ઓળખાણ કરે તો અલ્પકાળમાં મોક્ષ
થયા વિના રહે નહિ. માટે સત્સમાગમે આત્માની ઓળખાણનો ઉપાય કરવો તે ધર્મની રીત છે.
આત્મા દેહથી ભિન્ન સ્વતંત્ર તત્ત્વ છે. શરીરની બાલ, યુવાન ને વૃદ્ધ એવી ત્રણે અવસ્થા જ્ઞાનમાં એક
સાથે જણાય, પણ કાંઈ તે ત્રણે અવસ્થા એક સાથે ભેગી કરી શકાતી નથી. શરીરમાં પૂર્વે બાલ અને યુવાન
અવસ્થા થઈ ને વીતી ગઈ, તે અત્યારે જ્ઞાનમાં જણાય ખરી, પણ તે વીતી ગયેલી અવસ્થા ફરીને લાવી શકાતી
નથી; માટે આત્માનો જાણવાનો સ્વભાવ છે, પણ શરીરની અવસ્થાને કરી શકે એવો તેનો સ્વભાવ નથી.
બાલપણું, યુવાનપણું ને વૃદ્ધપણું એ તો શરીરની દશા છે, આત્મા તેનાથી જુદો રહીને તે ત્રણેનો જાણનાર છે.
આત્મા પોતાના જ્ઞાનમાં એમ યાદ કરે કે :
અરેરે! બાલપણું રમતમાં ખોયું,
યુવાનીમાં સ્ત્રીમાં મોહ્યો,
ને વૃદ્ધાવસ્થા દેખીને રોયો...
એ પ્રમાણે ત્રણે દશાનું આત્મા જ્ઞાન કરે છે, પૂર્વના પુણ્ય–પાપને પણ તે જાણે છે કે મેં પૂર્વે આવા પ્રકારના ભાવો
કર્યા, પણ ત્યાં જ્ઞાન સાથે પૂર્વના વિકારી ભાવો આવી જતા નથી, કેમકે જ્ઞાન તો આત્માનો સ્વભાવ છે પણ
વિકાર આત્માનો સ્વભાવ નથી. પૂર્વના પાપને જાણતાં તેનું જ્ઞાન અત્યારે થાય છે, પણ જ્ઞાન ભેગાં તે પાપ કાંઈ
અત્યારે આવી જતા નથી. “અરેરે! હું તો ચૈતન્યતત્ત્વ, પુણ્ય–પાપ મારું સ્વરૂપ નહિ, પણ મેં મારા સ્વરૂપને
ભૂલીને પૂર્વે તીવ્ર ક્રોધ–માન–કપટના ભાવો કર્યાં ને હું સંસારમાં રખડયો” આ પ્રમાણે પૂર્વના પાપનું જ્ઞાન કર્યું,
ત્યાં વર્તમાનમાં તેનું જ્ઞાન થયું પણ તેવા પાપના ભાવ ન થયા, માટે પાપના ભાવથી જ્ઞાન જુદું છે, અને એ જ
પ્રમાણે પુણ્યના ભાવથી પણ જ્ઞાન જુદું છે. એક ક્ષણે પુણ્યના ભાવ થાય ને બીજી ક્ષણે તે પલટી જાય છે, તે
પરિણામ બીજી ક્ષણે રહેતા નથી પણ તેનું જ્ઞાન રહી જાય છે, તે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. આવા જ્ઞાનતત્ત્વની
ઓળખાણ કરવી તે અપૂર્વ ધર્મ છે.
જુઓ, ધર્મ અપૂર્વ ચીજ છે. અપૂર્વ એટલે શું? પૂર્વે અનંતકાળમાં કદી એક ક્ષણ પણ જે નથી કર્યું તે
અપૂર્વ છે. બહારની મોટી મોટી પદવી અનંતવાર મળી ગઈ, પુણ્ય અનંતવાર કર્યાં, પણ તે કાંઈ અપૂર્વ નથી.
આત્માની ઓળખાણ પૂર્વે કદી કરી નથી તેથી તે જ અપૂર્વ છે. આત્માની ઓળખાણ થતાં અંતરમાં ચૈતન્યના
સિદ્ધભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો અપૂર્વ અનુભવ થાય તેનું નામ ધર્મ છે. આ શરીર–મન–લક્ષ્મી વગેરે
અજીવ તત્ત્વો છે, તેનો અનુભવ જીવમાં નથી. અજ્ઞાનથી જીવ એમ માને છે કે હું પરનો ભોગવટો કરું છું, પરંતુ
તે અજ્ઞાની પણ પરને તો ભોગવતો નથી, ફકત અંદરમાં હર્ષ–શોકની વિકારી કલ્પના કરીને તે કલ્પનાનો
ભોગવટો કરે છે; પણ ચૈતન્યતત્ત્વ તો તે પુણ્ય–પાપના ભોગવટાથી પણ પાર છે તેની અજ્ઞાનીને ખબર નથી.
ધર્માત્મા જાણે છે કે હું સંયોગથી જુદો ને પુણ્ય–પાપની લાગણીઓથી પણ જુદો ચૈતન્યસ્વભાવરૂપ છું, આવા
ભાનમાં ધર્મી જીવ અંતર્મુખ વલણથી પોતાના જ્ઞાન–આનંદ સ્વભાવને જ ભોગવે છે. અહો! જ્યાં આત્માનું
ભાન થયું ત્યાં ધમી જીવને આત્મામાંથી ભણકાર આવી જાય છે કે મારા ચિદાનંદ સ્વભાવના આશ્રયે હવે
અલ્પકાળમાં મારા જન્મ–મરણનો અંત આવી જશે ને હું કેવળજ્ઞાન પ્રગટ કરીને સિદ્ધપદ પામીશ.
જુઓ
આવું ભાન અંતરમાં પ્રગટ કરવું તે ધર્મની શરૂઆત છે.
આત્માનું સ્વરૂપ તો જાણવાનું છે. પૂર્વે ચાલીસ વર્ષ પહેલાંં આ વંથલીગામમાં અમુક રસ્તે આવ્યા હતા,
એમ ચાલીસ વર્ષ પહેલાંંનું પણ અત્યારે જ્ઞાનમાં જણાય છે; એ જ પ્રમાણે પૂર્વે અનંત ભવો જીવ કરી ચૂક્યો તેને
પણ વર્તમાનમાં પ્રત્યક્ષ જાણે એવી જ્ઞાનની તાકાત છે.
(અનુસંધાન પાના નં. ૯૩ ઉપર)

PDF/HTML Page 10 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૯૩ :
જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું
મહા વદ ૩ના રોજ રાણાવાવમાં પૂ. ગુરુદેવનું પ્રવચન. તત્ત્વજ્ઞાન તરંગિણી શ્લોક : ૧૯
જીવે બહારની કળા અનંતવાર જાણી છે પણ આત્માનું
વાસ્તવિક સ્વરૂપ કદી જાણ્યું નથી. જ્ઞાનને અંતરમાં વાળીને
આત્માને સ્વજ્ઞેય બનાવવો તે અપૂર્વ કળા છે. અહો, સ્વસન્મુખ
થઈને જેણે પોતાના સ્વ–પર પ્રકાશક સ્વજ્ઞેયને જાણ્યું તેને બીજું
કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. જ્ઞાનને સ્વસન્મુખ કરીને શુદ્ધ–
ચિદ્રૂપ સ્વજ્ઞેયને જાણતાં રાગરહિત આનંદનો અપૂર્વ સ્વાદ આવે છે.
એકવાર પણ શુદ્ધ આત્માને સ્વજ્ઞેય બનાવે તો અલ્પકાળમાં મુક્તિ
થઈ જાય.
આ જગતમાં એક શુદ્ધ ચિદ્રૂપ આત્મા જ પરમ આદરણીય છે; જેણે શુદ્ધ આત્માને જાણી લીધો તેને બીજું
કાંઈ જાણવાનું બાકી રહેતું નથી એમ આ તત્ત્વજ્ઞાન તરંગિણીના ૧૯ મા શ્લોકમાં કહે છે–
“ज्ञेयं द्रश्यं न गम्यं मम जगति किमप्यस्ति कार्य न वाच्यं ध्येयं श्रव्यं न लभ्यं न च विशदमतेः
श्रेयमादेयमन्यत्। श्रीमत्सर्वज्ञवाणीजलनिधिमथनात् शुद्धचिद्रूप रत्नं यस्माल्लब्धं मयाहो कथमपि
विधिनाऽप्राप्तपूर्वं प्रिय च”
અંતર્મુખ થઈને જેણે પોતાના શુદ્ધચિદાનંદ તત્ત્વને જાણી લીધું છે એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા કહે છે કે
અહો! ભગવાન શ્રી સર્વજ્ઞદેવની દિવ્ય વાણીરૂપી સમુદ્રનું મંથન કરીને, પૂર્વે કદી નહિ પાપ્ત કરેલ એવા, પ્રિય
ચિદ્રૂપરત્નને મેં કોઈપણ પ્રકારે પ્રાપ્ત કર્યું છે; તેથી હવે વિશુદ્ધમતિ એવા મને આ જગતમાં શુદ્ધ ચિદ્રૂપ આત્મા
સિવાય બીજું કાંઈ પણ જ્ઞેય નથી, બીજું કાંઈ પણ દ્રશ્ય નથી, બીજું કાંઈ પ્રાપ્ત કરવા યોગ્ય નથી,
[અનુસંધાન માટે જુઓ પાનું : ૯૬]
(પાના નં. ૯૨ થી ચાલુ)
પૂર્વે હું અમુક ઠેકાણે અમુક ભવમાં હતો, મેં પૂર્વે આવા આવા ભવો કર્યા–એમ જાતિસ્મરણ જ્ઞાનથી પણ
જણાય છે, ત્યાં જ્ઞાનમાં પૂર્વનો ભવ જણાય છે પણ તે ભવ કાંઈ અત્યારે આવતો નથી, કેમકે જ્ઞાન તો
આત્માનું સ્વરૂપ છે પણ ભવ તેનું સ્વરૂપ નથી. જુઓ, અત્યારે મહાવિદેહમાં (પૂર્વ દિશામાં) તીર્થંકર
ભગવાન બિરાજે છે.... કોણ બિરાજે છે?
[સીમંધર પરમાત્મા સાક્ષાત્ અરિહંતપદે બિરાજે છે, તેઓ
જીવન્મુક્ત સર્વજ્ઞ પરમાત્મા છે. તેમણે દિવ્યવાણી દ્વારા ઉપદેશમાં એમ કહ્યું કે ભગવાન આત્મા તો
જ્ઞાનસ્વરૂપ સ્વસંવેદ્ય છે, તે ઈન્દ્રિયગમ્ય નથી પણ જ્ઞાનગમ્ય છે. આવા આત્માને ઓળખીને તેમાં એકાગ્ર
થવું તે ધર્મની રીત છે. ઈન્દ્રિય કે મનના અવલંબને આત્મા જણાતો નથી તેથી તે સૂક્ષ્મ છે, અને પોતાના
જ્ઞાનમાં ત્રણકાળ ત્રણલોકને જાણી લ્યે એવી મહાન તાકાતવાળો હોવાથી તે સ્થુળ પણ છે. આ રીતે સૂક્ષ્મ
તેમજ સ્થૂળ એવા ચિદાનંદતત્ત્વને સત્સમાગમે જાણવું, શ્રદ્ધવું ને તેમાં લીન થવું તે મુક્તિનો ઉપાય છે.
સમકીતિ ધર્માત્મા કહે છે કે અહો! આવો ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા મારા જ્ઞાનમંદિરમાં સદા બિરાજી
રહો; મારા જ્ઞાનમાં હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપનો જ આદર કરું છું, એ સિવાય પુણ્ય–પાપનો આદર કરતો નથી.
આ રીતે ધર્મીજીવ શ્રદ્ધા–જ્ઞાનમાં શુદ્ધઆત્માને જ બિરાજમાન કરીને તેનો જ આદર કરે છે. સત્સમાગમે
આત્માની ઓળખાણ કરીને આવો ભાવ પોતામાં પ્રગટ કરવો તે ધર્મ છે.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૯૪ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
વ્યવહારનયના આશ્રયે કલ્યાણ કેમ નથી?
[માનસ્તંભ–પ્રતિષ્ઠા–મહોત્સવ દરમિયાન સોનગઢમાં પૂ. ગુરુદેવનું પ્રવચન]
–વીર સં. ૨૪૭૯ ચૈત્ર સુદ પાંચમ–
[ગતાંકથી ચાલુ]
‘અહો! આ પરથી ભિન્ન મારા જ્ઞાયકતત્ત્વની વાત
છે, મારા જ્ઞાયકતત્ત્વની પ્રતીત કરવામાં કોઈ રાગનું
અવલંબન છે જ નહિ’ આવા લક્ષપૂર્વક એટલે કે
સ્વભાવના ઉત્સાહપૂર્વક એકવાર પણ જે જીવ આ વાત
સાંભળે તે ભવ્ય જીવ જરૂર અલ્પકાળમાં મુક્તિ પામે છે.
આ એમ ને એમ સાંભળી લેવાની વાત નથી પણ
સાંભળનાર ઉપર નિર્ણય કરવાની જવાબદારી છે.
અજ્ઞાની લોકો કહે છે કે વ્યવહાર કરતાં કરતાં ધર્મ થઈ જશે, પણ તે મૂઢતા છે. અરે
ભાઈ! રાગ અને ભેદને વ્યવહાર પણ ત્યારે કહેવાય કે જ્યારે તે રાગ અને ભેદથી પાર એવા
ભૂતાર્થ આત્મસ્વભાવતી દ્રષ્ટિ હોય. જેને આવી દ્રષ્ટિ તો થઈ નથી અને રાગ તથા ભેદના
આશ્રયથી ધર્મ થવાનું માને છે તે તો એકલા અધર્મનું જ પોષણ કરે છે –એવા જીવે ધર્મની કથા
(શુદ્ધઆત્માની વાર્તા) ખરેખર કદી સાંભળી જ નથી પણ બંધની કથા જ સાંભળી છે,
ભગવાનની વાણી સાંભળતો હોય ત્યારે પણ ખરેખર તો તે બંધ કથા જ સાંભળી રહ્યો છે,
કેમકે તેની રુચિનું જોર બંધભાવ ઉપર છે પણ અબંધ આત્મસ્વભાવ તરફ તેની રુચિનું જોર
નથી. ભલે સમવસરણમાં બેઠો હોય અને સાક્ષાત્ તીર્થંકર ભગવાનની વાણી કાને પડતી હોય,
પરંતુ તે વખતે જે જીવની માન્યતામાં એમ છે કે ‘આવી સરસ વાણી આવી તેને લીધે મને
જ્ઞાન થયું, અથવા આ શ્રવણના શુભરાગથી મને જ્ઞાન થયું’ તો તે જીવ ખરેખર ભગવાનની
વાણી નથી સાંભળતો, પણ બંધ કથા જ સાંભળે છે; ભગવાનની વાણીનો અભિપ્રાય તે
સમજ્યો જ નથી. અનંતવાર સમવસરણમાં જઈને અજ્ઞાનીએ શું કર્યું? કે બંધ કથા જ સાંભળી.
‘નિમિત્તથી મારું જ્ઞાન થતું નથી, રાગથી પણ મારું જ્ઞાન થતું નથી તેમજ મારો જ્ઞાનસ્વભાવ
રાગને કરતો નથી, હું જ્ઞાનસ્વભાવ છું, જ્ઞાનસ્વભાવના અવલંબને જ મારું જ્ઞાન થાય છે’
આવી જ્ઞાનસ્વભાવની રુચિ અને સન્મુખતાપૂર્વક જેણે એકવાર પણ શુદ્ધઆત્માની કથા જ્ઞાની
પાસેથી સાંભળી તે જીવ અલ્પકાળમાં મુક્તિ પામ્યા વગર રહે નહિ. શ્રી પદ્મનંદિ મુનિરાજ કહે
છે કે–
तत्प्रति प्रीतिचितेन येन वातापि हि श्रुता।
निश्चितं स भवेद्भव्यो भाविनिर्वाणभाजनम्।।
રાગની પ્રીતિ નહિ, વ્યવહારની પ્રીતિ નહિ પણ શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માની પ્રીતિ કરીને.... તે
પ્રત્યેના ઉલ્લાસથી તેની વાર્તા જે જીવે સાંભળી છે તે જીવ જરૂર મુક્તિ પામે છે. ‘અહો! આ પરથી ભિન્ન
મારા જ્ઞાયકતત્ત્વની વાત છે, મારા જ્ઞાયકતત્ત્વની પ્રતીત કરવામાં કોઈ રાગનું અવલંબન

PDF/HTML Page 12 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૯૫ :
છે જ નહિ’ –આવા લક્ષપૂર્વક, એટલે કે સ્વભાવ તરફના ઉત્સાહપૂર્વક એક વાર પણ જે
જીવ આ વાત સાંભળે તે ભવ્યજીવ જરૂર અલ્પકાળમાં મુક્તિ પામે છે. જુઓ, આ એમ ને
એમ સાંભળી લેવાની વાત નથી, પણ સાંભળનાર ઉપર નિર્ણય કરવાની ભેગી જવાબદારી
છે. અનાદિથી જે માન્યું હતું તેમાં અને આ વાતમાં મૂળભૂત ફેર ક્યાં પડે છે તે બરાબર
સમજીને નક્ક્ી કરવું જોઈએ. અત્યાર સુધી પોતાની માન્યતામાં ભૂલ ક્યાં હતી અને હવે
આ વાત સાંભળ્‌યા પછી તેમાં ફેર ક્યાં પડ્યો–તેનો ભેદ પાડ્યા વગર એમ ને એમ
સાંભળી જાય– તો તેથી આત્માને સત્યનો કાંઈ લાભ થાય નહિ. એકલા શબ્દો તો પૂર્વે
અનંતવાર સાંભળ્‌યા, પણ તત્ત્વનિર્ણય વગર તેને આચાર્યદેવ શ્રવણ તરીકે ગણતા નથી,
તેથી સમયસારમાં કહ્યું કે જીવોએ શુદ્ધઆત્માની વાત પૂર્વે કદી સાંભળી નથી.
શુદ્ધઆત્માનાં શબ્દો તો સાંભળ્‌યા પણ પોતે અંતર્મુખ થઈને શુદ્ધઆત્માનો નિર્ણય ન કર્યો
માટે તેણે ખરેખર શુદ્ધઆત્માની વાત સાંભળી જ નથી. જુઓ, શ્રવણનું ખરું તાત્પર્ય શું તે
વાત પણ આમાં આવી ગઈ. શ્રવણમાં પરલક્ષે જે શુભરાગ થાય છે તે ખરેખર તાત્પર્ય
નથી પણ તત્ત્વનો નિર્ણય કરીને અંદર શુદ્ધ–આત્માનો અનુભવ કરવો તે જ ખરું તાત્પર્ય
છે. અહો! જ્યારે જુઓ ત્યારે એક સમયમાં પરિપૂર્ણ તત્ત્વ અંદર પડ્યું છે, ભગવાન
આત્મા પોતાના સ્વભાવની પરિપૂર્ણ શક્તિને સંઘરીને બેઠો છે, તેના સ્વભાવસામર્થ્યનો
એક અંશ પણ ઓછો થયો નથી, અને ત્રણ કાળમાં એક સમય પણ તે સ્વભાવનો વિરહ
નથી, પોતે જાગીને અંદરમાં દ્રષ્ટિ કરે એટલી જ વાર છે; જેમાં દ્રષ્ટિ કરતાં જ ન્યાલ થઈ
જવાય એવો એ સ્વભાવ છે. ‘હું પરિપૂર્ણ છું’ ઈત્યાદિ રાગરૂપ વિકલ્પ પણ તેનામાં નથી,
પરંતુ ઉપદેશમાં સમજાવવું કઈ રીતે? ઉપદેશમાં તેનું કથન કરવા જતાં સ્થૂળતા થઈ જાય
છે તેથી ખરેખર તે ઉપદેશનો વિષય નથી પણ અંર્તદ્રષ્ટિનો અને અંર્તઅનુભવનો વિષય
છે. ઉપદેશ તો નિમિત્ત–માત્ર છે, પોતે જાતે અંર્તદ્રષ્ટિ કરીને સમજે તો જ સમજાય તેવો
અચિંત્યસ્વભાવ છે.
‘भूयत्थमस्सिदो खलु सम्माइद्वी हवइ जीवो’ એટલે કે
ભૂતાર્થસ્વભાવનો આશ્રય કરનાર જીવ જ સમ્યગ્દ્રષ્ટિ છે–એમ કહીને આચાર્યદેવે
સમ્યગ્દર્શનનું ઊંડું રહસ્ય ખોલ્યું છે. જેમ ઉપાદાનમાં ‘પર્યાયની લાયકાત’ એવો એક જ
પ્રકાર છે તેમ સમ્યગ્દર્શનમાં ‘આત્માના અભેદ સ્વભાવનો આશ્રય’ એવો એક જ પ્રકાર
છે. સમ્યગ્દર્શનના ધ્યેયરૂપ અભેદ સ્વભાવ એક જ પ્રકારનો છે, તેની દ્રષ્ટિ થયા પછી
ભેદના વિકલ્પને વ્યવહાર કહેવાય છે. એને બદલે વ્યવહાર પહેલો અને તેનાથી નિશ્ચય
પમાય એમ જે માને તે વ્યવહારમૂઢ છે, જૈનધર્મના સિદ્ધાંતની તેને ખબર નથી. અંતરમાં
‘હું એક જ્ઞાનસ્વભાવ જ છું, રાગ કે નિમિત્ત હું નથી, જ્ઞાનસ્વભાવમાં જ મારું સર્વસ્વ છે’
આવું લક્ષ થયા વિના નિશ્ચય વ્યવહારની કે ઉપાદાન–નિમિત્તની અનાદિની ભૂલ ટળે નહિ,
અને તે ભૂલ ટળ્‌યા વિના બીજા ગમે તેટલા ઉપાય કરે તોપણ કલ્યાણ થાય નહિ. માટે
જેને આત્માનું કલ્યાણ કરવું હોય–ધર્મી થવું હોય તેણે આ વાત બરાબર સમજીને નક્કી
કરવા જેવી છે.
* * * * *

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૯૬ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
[અનુસંધાન પાના નં. ૯૩ થી ચાલુ]
બીજું કાંઈ કાર્ય નથી, બીજું કાંઈ વાચ્ય નથી, બીજું કાંઈ ધ્યેય નથી, બીજું કાંઈ શ્રવણ યોગ્ય
નથી, તેમ જ બીજું કાંઈ શ્રેયરૂપ કે આદેય નથી.
આત્માનો જ્ઞાનસ્વભાવ છે, પણ તેણે જ્ઞાન વડે સ્વજ્ઞેયને જાણવાનો પ્રયત્ન પૂર્વે
અનંતકાળમાં કદી કર્યો નથી. જ્ઞાનને અંતર્મુખ કરીને ‘હું શુદ્ધ ચિદાનંદ આત્મા છું’ એવું
સ્વજ્ઞેયનું જ્ઞાન જીવે પૂર્વે કદી કર્યું નથી. હું આત્મા જ્ઞાનમૂર્તિ છું–એમ જેણે સ્વજ્ઞેયને જાણ્યું તેને
બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. આત્માનો સ્વભાવ તો સ્વ–પરને જાણવાનો છે. પણ
અનંતકાળથી સ્વજ્ઞેયને ચૂકીને એકલા પરજ્ઞેયને જ જાણવામાં અટક્યો તેથી સંસારમાં રખડયો.
બધાંને જાણનારો હું પોતે જ્ઞાનસ્વરૂપ છું એમ પોતે પોતાનું જ્ઞાન કદી કર્યું નથી. ભાઈ! પાંચ–
પચીસ વર્ષની વાત સ્મૃતિમાં યાદ આવે છે તે કોણ યાદ કરે છે? યાદ કરવાની તાકાત તો
જ્ઞાનમાં છે; તે જ્ઞાન હું છું–એમ સ્વજ્ઞેયને જેણે જાણ્યું તેણે બધું જાણ્યું.
આત્મા દેહથી ભિન્ન અનાદિઅનંત તત્ત્વ છે; તે પોતે જ્ઞાન–આનંદ સ્વરૂપ છે. આત્મા પોતે
જ્ઞાનસ્વભાવ છે ને પોતે પોતાનું જ્ઞેય પણ છે. પર જ્ઞેયોને જાણતાં તે પર જ્ઞેયો કાંઈ જ્ઞાનમાં
આવી જતા નથી, પણ પરજ્ઞેયોથી પોતે જુદો રહીને તેને જાણે છે, ને સ્વજ્ઞેયને જાણતાં તેમાં
તન્મય થઈને જાણે છે, તે જ્ઞાન ભેગો આનંદનો અનુભવ છે. જ્ઞાનનો સ્વભાવ પરથી તેમજ
વિકારથી જુદો છે. તીખાશને જાણતાં જ્ઞાન તીખું થઈ જતું નથી, અગ્નિને જાણતાં જ્ઞાન કાંઈ
ઊનું થઈ જતું નથી, અફીણને જાણતાં જ્ઞાન કાંઈ કડવું થઈ જતું નથી; તેમજ રાગને જાણતાં
જ્ઞાન ખરેખર રાગરૂપ થઈ જતું નથી; જ્ઞાન તો રાગથી પણ જુદું છે, પણ આવા ભિન્ન
જ્ઞાનતત્ત્વને જીવે કદી લક્ષમાં લીધું નથી. જીવ પરને જાણે છે પણ પરનો જાણનાર ‘હું કોણ છું’
એમ પોતાને જાણતો નથી એટલે સ્વમાં અંધારું છે; સ્વ–પર પ્રકાશક જ્ઞાન પોતાનું છે પણ પોતે
પોતાને જાણતો નથી તેથી જ સંસાર છે. અહો! સ્વસન્મુખ થઈને જેણે પોતાના સ્વપર પ્રકાશક
સ્વજ્ઞેયને જાણ્યું તેને કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. જ્ઞાનને સ્વસન્મુખ કરીને શુદ્ધચિદ્રૂપ
સ્વજ્ઞેયને જાણતાં રાગરહિત આનંદનો અપૂર્વ સ્વાદ આવે છે.
આત્માનો સ્વભાવ તો સ્વ–પર બધાને જાણવાનો છે, પણ અનાદિથી પોતે પોતાને નથી
જાણતો ને પરને જાણતાં ત્યાં જ પોતાપણું માનીને અટકી જાય છે, તેથી અજ્ઞાન અને સંસાર
છે. જ્ઞાન પરને જાણવામાં અટકે છે તેને બદલે અંતરમાં વળીને જેણે સ્વજ્ઞેયને જાણ્યું તેણે આખા
જગતને જાણી લીધું. જગતનો જાણનાર પોતે છે તેથી જેણે પોતાના જ્ઞાનસ્વભાવને જાણ્યો તેણે
બધુંય જાણી લીધું છે. આત્માના જ્ઞાનસ્વભાવને જાણવો તે જ ભગવાનના દિવ્યઉપદેશનો સાર
છે. જેણે અંતર્મુખ થઈને પોતાના શુદ્ધચિદાનંદ આત્માને જાણ્યો તેને જગતમાં બીજું કાંઈ
જાણવાનું બાકી રહેતું નથી, એટલે કે જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.
જીવે બહારની કળા અનંતવાર જાણી છે પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ અનંતકાળથી
જાણ્યું નથી; ભાઈ! તારો આત્મા પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છે, એવા આત્માને સ્વજ્ઞેય બનાવવો તે
જ જ્ઞાનની અપૂર્વ કળા છે. અંતરમાં વળીને ચૈતન્યતત્ત્વને જ્ઞાનનું જ્ઞેય બનાવતાં અંતરમાં
આનંદના અપૂર્વ તરંગો ઊઠે તેનું નામ ધર્મ છે. જ્ઞાન તે મારી ચીજ છે, જ્ઞાન હું છું–એમ
અંતરમાં જેણે જ્ઞાનતત્ત્વને પ્રાપ્ત કર્યું તેણે બધું પ્રાપ્ત કરી લીધું; જ્ઞાનતત્ત્વને સ્વજ્ઞેય તરીકે જેણે
જાણી લીધું તેણે બધું જાણી લીધું. આ સિવાય જગતની બધી કળા ભલે જાણે પણ જો આત્માને
ન જાણે તો તેણે કાંઈ જાણ્યું નથી. માણેક–મોતી પરખે, હીરા પરખે, હાથી–ઘોડા પરખે,

PDF/HTML Page 14 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૯૭ :
પણ જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે કોણ છે તેને જે ઓળખતો નથી તે જીવે કાંઈ જાણ્યું નથી. આ
બાબતમાં એક દાખલો :– એક રાજા પાસે ઝવેરી આવ્યો ને એક રત્ન બતાવ્યું. રાજાએ બધાને
તેની કિંમત કરવા કહ્યું. બધાએ કિંમત કરી, પણ છેવટે એક હોંશિયાર વૃદ્ધ ઝવેરીએ તેની કિંમત
કરી કે આમાં એક પાસામાં જરાક ડાઘ છે, જો તે ડાઘ ન હોત તો આ રત્નની કિંમત કરોડો
સોનામહોર થાત. રાજાએ પ્રસન્ન થઈને તેને ઈનામ આપવાનું નક્ક્ી કર્યું અને તે કામ દીવાનને
સોંપ્યું. દીવાન ધર્માત્મા હતો, તેણે વિચાર્યું કે આ ઝવેરીનું કાંઈક હિત થાય એમ કરું. એમ
વિચારીને તેણે ઝવેરીને પૂછયું : ઝવેરીજી! તમે રત્નનું તો પારખું કરવાનું જાણો છો, પણ આ
દેહદેવળમાં ચૈતન્ય રત્ન છે તેને પારખો છો? ઝવેરી કહે : ભાઈ, એને તો મેં કદી જાણ્યું નથી.
દીવાનજીએ કહ્યું : ઠીક, કાલે રાજસભામાં આવજો એટલે તમને શું ઈનામ આપવું તે નક્કી
કરશું. બીજે દિવસે રાજસભામાં જઈને દીવાનજીએ કહ્યું કે ‘આ ઝવેરીને સાત ખાસડા મારવાનું
ઈનામ આપો.’ દીવાનની એ વાત સાંભળીને બધા આશ્ચર્યમાં પડ્યા. દીવાને ઝવેરીને
સંબોધીને કહ્યું : જુઓ ભાઈ! તમે ઝવેરાતને પારખતાં શીખ્યા, પણ આ દેહમાં રહેલું
ચૈતન્યરત્ન શું છે તેની તો ખબર નથી, તો ચૈતન્યના ભાન વગર આ ભવ પૂરો કરીને ક્યાં
જશો? ઝવેરાતને પારખતાં શીખ્યા, પણ બધાયને જાણનારો આત્મા પોતે કોણ છે તેને
ઓળખ્યા વગર કલ્યાણ થવાનું નથી; માટે હવે ચૈતન્યસ્વભાવને ઓળખવાની દરકાર કરો.
દીવાનજીની વાત સાંભળીને ડાહ્યો ઝવેરી સમજી ગયો અને રાજાને કહ્યું કે, દીવાનજીએ મને
સાત ખાસડાં મારવાનું કહ્યું છે તે બરાબર છે સાત નહિ પણ ચૌદ ખાસડાં મારવા જોઈએ;
અરેરે! મેં બધું જાણ્યું પણ સ્વતત્ત્વને કદી ન જાણ્યું, સ્વતત્ત્વ જાણવાની દરકાર પણ ન કરી.
સ્વતત્ત્વને જાણ્યા વિના બધું જાણપણું નકામું છે. એમ, જે જીવ પોતાના ચૈતન્યતત્ત્વને જાણતો
નથી ને સ્વને ચૂકીને એકલા પરતત્ત્વને જાણવામાં જ અટકે છે તે જીવ સંસારપરિભ્રમણ કરીને
ચોરાસીના અવતારરૂપી ખાસડાં ખાય છે. અહો! હું તો જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એમ જેણે
એક ચૈતન્યતત્ત્વને જાણ્યું તેણે બધુંય જાણ્યું છે. સર્વજ્ઞ પરમાત્માની વાણીમાંથી સાર શું કાઢવો?
કે હું જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છું એમ જે સમજ્યો તેણે સર્વજ્ઞની વાણીરૂપી દરિયાનું મંથન
કરીને તેમાંથી ચૈતન્યરત્ન કાઢ્યું. જેમ દરિયામાં ડૂબકી મારીને રત્ન લાવે, તેમ આત્મા
જ્ઞાનાનંદસ્વરૂપ છે એમ જેણે જાણ્યું છે તે જીવે જ્ઞાનરૂપી દરિયામાં ડુબકી મારીને ચૈતન્યરત્નને
પ્રાપ્ત કર્યું છે; તેને હવે જગતમાં બીજું કાંઈ પ્રાપ્ત કરવા યોગ્ય રહ્યું નથી.
દરેક આત્માની શક્તિમાં સર્વજ્ઞતા પડી છે. જેઓ સર્વજ્ઞ થયા તેઓએ તે સર્વજ્ઞતા
આત્માની શક્તિમાંથી જ પ્રગટ કરી છે. સર્વજ્ઞ ભગવાન જેવી જ પરિપૂર્ણ તાકાત દરેક
આત્મામાં પડી છે. જેમ લીંડીપીપરના એકેક દાણામાં ચોસઠપોરી તીખાશ થવાની તાકાત છે તેમ
એકેક આત્મામાં સર્વજ્ઞતા પ્રગટવાની પરિપૂર્ણ તાકાત છે. આવા પોતાના આત્માને સ્વજ્ઞેય
બનાવીને તેમાં એકાગ્રતા વડે મંથન કરે તો તે સર્વજ્ઞતા પ્રગટે. જેણે ચિદાનંદસ્વભાવી આત્માને
દેખ્યો અને જાણ્યો તેને હવે જગતમાં બીજું કાંઈ દેખવા કે જાણવાનું બાકી રહેતું નથી.
અંતર્મુખદ્રષ્ટિ કરીને ચૈતન્યતત્ત્વનું જેણે દર્શન કર્યું તેણે જગતમાં બધું દેખી લીધું, અને જેણે
અંતરમાં ચૈતન્યતત્ત્વને ન દેખ્યું તેણે ખરેખર કાંઈ દેખ્યું નથી.
ચૈતન્યતત્ત્વ કઈ રીતે દેખાય? શું આ બહારની આંખથી દેખાય? ના; તે આંખ તો જડ
છે, પણ અંદર આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનને અંતર્મુખ એકાગ્ર કરીને આત્માને સ્વજ્ઞેય
બનાવે તો આત્માનું યથાર્થ જ્ઞાન અને દર્શન થાય છે. અંતરના ચિદાનંદસ્વરૂપ સ્વજ્ઞેયને જેણે ન
જાણ્યું ને ન દેખ્યું તેનું બધું જાણવું ને દેખવું વ્યર્થ છે. જાણનારો પોતે, ને પોતાને જ જાણે નહિ,

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૯૮ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
તો તે જ્ઞાન મિથ્યા છે. ‘જ્ઞાનસ્વરૂપ આત્મા હું છું’ એમ અંતર્મુખ થઈને જેણે શુદ્ધ–ચૈતન્યરત્ન
પ્રાપ્ત કર્યું તેણે બધું પ્રાપ્ત કરી લીધું. જગતમાં પ્રાપ્ત કરવા યોગ્ય સર્વોત્તમ વસ્તુ હોય તો તે આ
ચૈતન્યરત્ન જ છે. જેણે આ ચૈતન્યરત્નને પ્રાપ્ત ન કર્યું–જ્ઞાનગમ્ય ન કર્યું તેણે કાંઈ પ્રાપ્ત કર્યું
નથી. પૈસા વગેરે તો જડ વસ્તુ છે, તે કાંઈ આત્માને પ્રાપ્ત કરવા લાયક નથી; પૈસા કાંઈ
આત્મામાં આવી જતા નથી. પુણ્યથી બહારમાં પૈસા વગેરેનો સંયોગ મળે, પણ તેમાં આત્માનું
કાંઈ હિત નથી. પૈસા તો જડ વસ્તુ છે, તેનાથી ભિન્ન ચૈતન્યતત્ત્વ શું છે તે ઓળખીને જેણે તેની
પ્રાપ્તિ કરી તેણે બધું પ્રાપ્ત કરી લીધું છે. ચૈતન્યતત્ત્વથી ઉત્તમ જગતમાં બીજું કાંઈ નથી.
પોતાના આત્મતત્ત્વને જાણવાની દરકાર જ જીવે કદી કરી નથી. પૈસા વગેરે કેમ મળે–
એવા પાપભાવમાં રોકાણો છે, ને બહુ તો પુણ્યભાવમાં ધર્મ માનીને ત્યાં રોકાણો, પણ પુણ્ય–
પાપથી પાર મારું ચૈતન્ય સ્વરૂપ શું છે તેનું કદી જ્ઞાન કર્યું નથી. પૂર્વ પ્રારબ્ધને લીધે ધર્મીને પણ
બહારમાં લક્ષ્મી વગેરેનો સંયોગ હોય, પણ ત્યાં તે જાણે છે કે આ લક્ષ્મી મારું પ્રાપ્ય નથી, મારું
પ્રાપ્ય (એટલે પ્રાપ્ત કરવાયોગ્ય) તો એક ચૈતન્યતત્ત્વ જ છે. મારા શુદ્ધ ચૈતન્યતત્ત્વથી બાહ્ય
જેટલા ભાવો છે તે કોઈ મારું સ્વરૂપ નથી. નીચલી દશામાં ધર્મીને પુણ્ય–પાપનો રાગ થાય, પણ
તેને ધર્મી પોતાનું પ્રાપ્ય માનતા નથી; ધર્મી જાણે છે કે મારે પ્રાપ્ત કરવા યોગ્ય જગતમાં કાંઈ
હોય તો તે રાગરહિત મારું ચિદાનંદ તત્ત્વ જ છે. આમ પોતાના શ્રદ્ધા–જ્ઞાનમાં જેણે શુદ્ધ–
ચિદાનંદ તત્ત્વને પ્રાપ્ત કર્યું છે તે ધર્માત્મા બીજું કાંઈ પણ પ્રાપ્ત કરવાયોગ્ય માનતા નથી.
ધર્મી કહે છે કે અહો! મારું જ્ઞાનતત્ત્વ જ મને ગમ્ય છે, તે જ મારું જ્ઞેય છે, ને તે જ મારું
દ્રશ્ય છે; મારા જ્ઞાનાનંદ ચૈતન્યતત્ત્વને મેં જાણ્યું–દેખ્યું ને પ્રાપ્ત કર્યું, તો હવે જગતમાં બીજું કાંઈ
મારે જાણવા યોગ્ય–દેખવાયોગ્ય કે પ્રાપ્ત કરવા યોગ્ય રહ્યું નથી. અને જેણે પોતાના
ચૈતન્યતત્ત્વને જાણ્યું નથી–દેખ્યું નથી–પ્રાપ્ત કર્યું નથી, તેનું બધું જાણપણું વ્યર્થ છે. અહો! પૂર્વે
કદી નહિ જાણેલ એવા પોતાના આત્મતત્ત્વને જાણવું તે જ અપૂર્વ કાર્ય છે. પુણ્ય અને તેનાં ફળ
જીવે પૂર્વે અનંતવાર પ્રાપ્ત કર્યાં છે, તેમાં કાંઈ અપૂર્વતા નથી. પણ પુણ્યથી પાર જ્ઞાનાનંદતત્ત્વને
જાણીને તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ જીવે પૂર્વે કદી પ્રાપ્ત કર્યો નથી તેથી તે અપૂર્વ છે.
ધર્મી કહે છે કે અહો! મેં મારાં ચૈતન્યરત્નને ઓળખીને તેની પ્રાપ્તિ કરી લીધી છે, તો હવે
જગતમાં મારે જાણવા યોગ્ય શું રહ્યું? ને પ્રાપ્ત કરવા યોગ્ય બીજું શું રહ્યું? કાંઈ જ ન રહ્યું.
વળી ધર્માત્મા કહે છે કે અહો! મારા ચિદાનંદ–સ્વભાવની સન્મુખ થઈને તેને જાણવાનું

PDF/HTML Page 16 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૯૯ :
જાણવાનું કાર્ય જેણે કર્યું તેણે કરવા યોગ્ય બધું કરી લીધું. જગતમાં કરવા યોગ્ય કાર્ય હોય તો
જ્ઞાનને અંતર્મુખ કરીને સ્વજ્ઞેયને પકડવું તે જ કરવા જેવું છે; એ કાર્ય જેણે કરી લીધું તેને હવે
બીજું કાંઈ કરવાનું રહ્યું નથી. અંર્તસ્વભાવની દ્રષ્ટિમાં ધર્મી કૃતકૃત્ય છે. આવી દ્રષ્ટિ પ્રગટ્યા
પછી ધર્મીને રાગ પણ થાય, પણ તેને તે પોતાનું કાર્ય માનતો નથી; રાગ અને જ્ઞાન વચ્ચે તેને
ભેદ પડી ગયો છે, એટલે તે જાણે છે કે મારું કાર્ય તો સ્વતત્ત્વને જાણવું દેખવું ને તેમાં એકાગ્રતા
વડે તેની પ્રાપ્તિ કરવી તે જ છે. મારા ચૈતન્યતત્ત્વથી ભિન્ન જે ભાવો છે તેનો હું જાણનાર છું ને
તે મારું જ્ઞેય છે, પણ તે મારું કાર્ય નથી; મારા સ્વજ્ઞેય સાથે જ્ઞાનની એકતા થઈ તે જ મારું કાર્ય
છે.
જ્ઞાનને અંતર્મુખ કરીને જેણે ચૈતન્યતત્ત્વને પકડયું તેણે દિવ્યધ્વનિનો સાર પકડી લીધો,
હવે તેને બીજું કાંઈ વાચ્ય બાકી રહ્યું નથી. ધર્મી કહે છે કે મારું વાચ્ય તો શુદ્ધ આત્મા જ છે.
ચૈતન્યતત્ત્વ વાણી અને વિકલ્પથી પાર છે, તેનું ભાન થતાં ધર્મીને વાણીનું સ્વામીપણું ઊડી ગયું
છે. હજી વાણીનો સંયોગ ભલે હો, પણ ધર્મી જાણે છે કે આ વાણી મારા ચૈતન્યથી ભિન્ન છે, હું
વાણીનો કર્તા નથી ને વાણી દ્વારા મારો આત્મા લક્ષમાં આવતો નથી; હું તો જ્ઞાન છું ને
અતીન્દ્રિયજ્ઞાનથી જ મારો આત્મા લક્ષમાં આવે તેવો છે. મેં મારા જ્ઞાનને અંતરમાં વાળીને
શુદ્ધઆત્માને જ મારું વાચ્ય બનાવ્યું છે, તેથી બીજું કોઈ વાચ્ય મારે રહ્યું નથી. અજ્ઞાની તો
વાણીનું અભિમાન કરે છે, મારી ઈચ્છાને લીધે વાણી બોલાય છે અથવા તો વાણીના
અવલંબનથી મને લાભ છે એમ માનીને તે પરમાં અટકે છે પણ ચૈતન્યને પોતાનું વચ્ય
બનાવતો નથી. ભાઈ! વાણી તો જડ છે, તે કાંઈ તારી ઈચ્છાનું કાર્ય નથી. મરવા ટાણે
બોલવાની ઈચ્છા હોવા છતાં ઘણા બોલી શકતા નથી, કેમકે વાણી નીકળવી કે ન નીકળવી તે
ચૈતન્યનું કાર્ય નથી. વાણી આત્માથી જુદી છે; આત્મા તો જ્ઞાનસ્વભાવી તત્ત્વ છે, જ્ઞાન જ તેનો
ધર્મ છે. આવા જ્ઞાનતત્ત્વને જેણે જ્ઞાનમાં પકડયું તેને હવે જગતમાં બીજું કાંઈ વાચ્ય રહ્યું નથી.
અહો, આ મનુષ્ય અવતાર પામીને, સત્સમાગમે પોતાના ચૈતન્યતત્ત્વને ઓળખવા જેવું
છે. ‘હું કોણ છું ને મારું સ્વરૂપ શું છે’ –તેની ઓળખાણ વિના અત્યાર સુધી જીવ ભવભ્રમણ
કરી રહ્યો છે, આત્માની ઓળખાણ વિના તે ભવભ્રમણનો અંત આવે તેમ નથી. અહીં તો
ભવભ્રમણનો અંત કેમ આવે તેની વાત છે. જગતમાં જાણવા જેવું હોય તો આ ચૈતન્યતત્ત્વ
જાણવા જેવું છે, કે જેને જાણવાથી ભવભ્રમણનો અંત આવે ને મુક્તિ થાય. એક ચૈતન્યતત્ત્વને
જેણે જાણ્યું તેણે જાણવા યોગ્ય બધું જાણી લીધું. મરણ સમયે અમુક વાત લક્ષમાં હોય ને
કહેવાની ઈચ્છા થાય પણ વાચા ચાલતી નથી; જુઓ, ત્યાં “વાચા” બંધ થાય છે પણ કાંઈ
“જ્ઞાન” બંધ થાય છે? વાણી બંધ હોવા છતાં જ્ઞાનનું કાર્ય તો ચાલુ જ રહે છે; માટે વાચા
બોલવી તે કાંઈ આત્માનું કાર્ય નથી, આત્મા તો જ્ઞાનસ્વરૂપ છે. આવા જ્ઞાનસ્વરૂપ આત્માની
ઓળખાણ કરવી તેનું નામ ધર્મ છે, એ જ કરવા જેવું છે. આ મનુષ્યભવ પામીને પણ જેણે
પોતાના આત્માને ન ઓળખ્યો તેણે ખરેખર કાંઈ કર્યું નથી.
* * * * *

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૦૦ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
આત્માની ઓળખાણ
માણાવદરમાં મહા સુદ પુનમના રોજ પરમ પૂજ્ય ગુરુદેવનું પ્રવચન
આત્મતત્ત્વની વાત છે. આત્મા આનંદસ્વરૂપ તત્ત્વ છે; સર્વજ્ઞ પરમાત્માએ
કેવળજ્ઞાનથી ત્રણકાળ ત્રણલોક જોયા, તેમાં આત્માને અનાદિ અનંત જ્ઞાન–આનંદસ્વરૂપ જોયો
છે. આત્માની આદિ નથી એટલે કોઈએ તેને બનાવ્યો નથી તેમજ તેનો કદી નાશ થઈ જતો
નથી. આત્મા પોતાના સ્વરૂપને ભૂલીને અનાદિથી સંસારની ચાર ગતિમાં રખડે છે.
અજ્ઞાનભાવે પુણ્ય કરીને સ્વર્ગમાં પણ જીવ અનંત વાર ગયો છે ને તીવ્ર પાપભાવ કરીને
નરકમાં પણ અનંતવાર ગયો છે, તેમજ તિર્યંચ અને મનુષ્ય પણ અનંતવાર થયો છે. જે જીવ
તીવ્ર માન–કપટ–કુટિલતા ને દંભના પરિણામ કરે છે તે મરીને તિર્યંચ થાય છે. તેણે પૂર્વે ઘણી
આડોડાઈ કરી તેથી શરીર પણ આડાં મળ્‌યાં છે. મંદકષાય વગેરેના પરિણામથી મનુષ્યપણું પણ
અનંતવાર મળ્‌યું છે, પરંતુ જ્ઞાનસ્વરૂપ આત્મા શું ચીજ છે તેની ઓળખાણ કદી એક ક્ષણ પણ
કરી નથી.
આત્મા દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વ છે, તે પોતે આનંદસ્વરૂપ છે; પણ પોતાના સ્વરૂપને
ભૂલીને બહારમાં સુખ માને છે તેથી પોતાના આનંદનો અનુભવ તેને થતો નથી. આત્મા
અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ છે; જેમ ચણામાં મીઠાશ ભરી છે તેમ આત્મામાં આનંદ ભર્યો
છે, પણ તેની પ્રતીત કરીને તેમાં એકાગ્રતા કરતાં તે પ્રગટે છે. કાચા ચણામાં મીઠાશ તો ભરી છે
પણ કચાસને લીધે તે તૂરો લાગે છે ને વાવો તો ઉગે છે; તેને સેકતાં મીઠાશ પ્રગટે છે ને વાવો
તો ઉગતો નથી. તેમ આત્માના સ્વભાવમાં આનંદ ભર્યો છે. પણ તે સ્વભાવને ભૂલીને ‘શરીર
તે હું, ને પુણ્ય–પાપ જેટલો જ હું’ એમ તે માને છે, તે અજ્ઞાનરૂપી કચાસને લીધે તેને પોતાના
આનંદનો અનુભવ થતો નથી, ને તે ચોરાસીના અવતારમાં રખડે છે; જો સત્સમાગમે યથાર્થ
સમજણ કરીને આત્માના સ્વભાવની પ્રતીતિ કરે તો આનંદનો વ્યક્ત અનુભવ થાય છે ને
જન્મ–મરણ થતા નથી. સર્વજ્ઞ પરમાત્માએ જેવો આત્મા કહ્યો છે તેવા આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં
લેવો તેનું નામ ધર્મ છે.
જેમ પાણીનો મૂળ સ્વભાવ ઠંડો છે, અગ્નિના સંયોગે તે વર્તમાનમાં ઉનું થવા છતાં તેનો
ઠંડો સ્વભાવ નાશ પામી ગયો નથી, એટલે ઉના પાણીને ઠારવાથી તે ઠંડુ થશે એમ લક્ષમાં
લઈને ઠારે છે; તેમ આત્માનો ચિદાનંદ સ્વભાવ શાંત–અનાકુળ–ઠંડો છે, પુણ્ય–પાપની આકુળતા
વર્તમાનમાં હોવા છતાં તે આત્માનું મૂળ સ્વરૂપ નથી, મૂળસ્વરૂપ તો શાંત–અનાકુળ છે, ક્ષણિક
પુણ્ય–પાપ વખતે પણ મૂળ સ્વભાવનો નાશ થઈ ગયો નથી; જેવા સર્વજ્ઞપરમાત્મા છે તેવો જ
આ આત્માનો સ્વભાવ છે, આવા સ્વભાવને લક્ષમાં લઈને એકાગ્ર થતાં નિર્મળ શાંતિ પ્રગટે છે
ને મલિનતા ટળી જાય છે. સત્સમાગમે આવા

PDF/HTML Page 18 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૧૦૧ :
સ્વભાવને ઓળખવો તે ધર્મનો ઉપાય છે.
અનાદિકાળમાં એક સેકંડ પણ જીવે ચૈતન્યતત્ત્વની ઓળખાણ કરી નથી. ને અજ્ઞાનભાવે
પુણ્ય–પાપ કરીને સ્વર્ગ–નરકાદિ ચાર ગતિમાં અવતાર કર્યા છે. નરકનું પણ નીચે સ્થાન છે ત્યાં
જીવ પાપનું ફળ ભોગવે છે. નરક તે કલ્પના નથી પણ નીચે તેનું સ્થાન છે, તીવ્ર પાપ કરનારા
જીવો પાપનું ફળ ભોગવવા ત્યાં જાય છે, જુઓ, આ લોકમાં રાજના કાયદામાં તો લાખો
માણસની હિંસા કરનારને પણ એક જ વાર ફાંસી અપાય છે, કાંઈ લાખ વાર ફાંસી અપાતી
નથી. તો એક માણસને મારવાનું ફળ એકવાર ફાંસી, ને લાખો માણસોને મારવાના ભાવનું
ફળ પણ તેટલું જ–એમ કેમ હોય? મને જે કોઈ પ્રતિકૂળતા કરે તે બધાયને મારે મારવા, પછી
તેને માટે ગમે તેટલો કાળ જોઈએ કે ગમે તેટલી સંખ્યા હોય પણ પ્રતિકૂળતા કરનારને મારે
મારવા. આમ લાખો–કરોડો જીવોની હિંસા ક્રૂર પરિણામ જે જીવ કરે છે તે નરકમાં જાય છે.
બહારમાં ભલે જીવો મરે કે ન મરે, પણ ઘણા કાળ સુધી ઘણા જીવોને મારી નાખવાના જે
પરિણામ થયા તે પાપનું ફળ નરક છે. અહીં તો એમ કહેવું છે કે પાપથી નરકમાં ને પુણ્યથી
સ્વર્ગમાં અનંતવાર જીવ ગયો, પણ તે પુણ્ય–પાપથી પાર ચૈતન્યતત્ત્વની સમજણ પૂર્વે કદી કરી
નથી. આત્માના સ્વભાવનું ભાન કરવું તે અપૂર્વ ચીજ છે. જેમ લીંડી પીપરના એકેક દાણામાં
ચોસઠ–પોરી તીખાશની તાકાત પડી છે, તેમ એકેક આત્મામાં પરિપૂર્ણ કેવળજ્ઞાન થવાની
તાકાત પડી છે. આવા ચૈતન્યતત્ત્વની પ્રતીત કરો .....ઓળખાણ કરો, સત્સમાગમે તેનું શ્રવણ–
મનન કરો. બહારમાં પૈસા વગેરે આવે તેમાં આત્માનું કાંઈ ડહાપણ નથી. તે તો પૂર્વનાં પુણ્ય–
અનુસાર આવે છે, અજ્ઞાની મફતનો અભિમાન કરે છે. શરીર મારું, શરીરના કામ હું કરું–એમ
પરનો અહંકાર કરીને તથા પુણ્ય–પાપમાં મમકાર કરીને પોતે જ પોતાના ચૈતન્યસ્વભાવને
ભૂલ્યો છે, ને સાચી ઓળખાણ કરીને પોતે જ તે ભૂલને ટાળે છે. આત્મામાં કાયમી જ્ઞાન અને
આનંદ ભર્યાં છે, તેનો વિશ્વાસ કરવો તે ધર્મ છે. પણ મારામાં
સાચો ઉદ્યમ
સમયસારમાં આચાર્યદેવ કહે છે કે હે જીવ! તું જગતનો
વ્યર્થ કોલાહલ છોડીને અંતરમાં ચૈતન્ય વસ્તુને અનુભવવાનો
છ માસ પ્રયત્ન કર, તો તારા અંતરમાં તને અવશ્ય તેની
પ્રાપ્તિ થશે. બીજી રુચિ છોડીને ચૈતન્યની રુચિપૂર્વક જો
અંતરમાં અભ્યાસ કરે તો અલ્પકાળમાં તેનો અનુભવ થયા
વિના રહે નહિ. સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે અંતરમાં
તત્ત્વનિર્ણય અને અનુભવનો અપૂર્વ ઉદ્યમ કરવો જોઈએ.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૦૨ : આત્મધર્મ–૧૨૫ : ફાગણ : ૨૦૧૦ :
જ મારો આનંદ છે એ વાતનો વિશ્વાસ અજ્ઞાનીને આવતો નથી. જેમ કસ્તૂરીયામૃગની ડૂંટીમાં
જ સુગંધ પડી છે પણ પોતે પોતાનો વિશ્વાસ કરતો નથી તેથી બહારમાં દોડે છે. તેમ આત્મામાં
જ પરિપૂર્ણ આનંદની તાકાત પડી છે, પણ તેનો વિશ્વાસ ન કરતાં અજ્ઞાની જીવ બહારમાંથી
સુખ ને આનંદ શોધે છે; આત્માની શાંતિ તો આત્મામાં છે, બહારમાં આત્માની શાંતિ નથી.
બહારના સંયોગથી આત્માને સુખ કે દુઃખ નથી.
બહારમાં સધનતા હોવી તે કંઈ ગુણ નથી ને નિર્ધનતા તે કાંઈ દોષ નથી; પણ ‘હું
સધન’ એવું અભિમાન કરવું અથવા ‘હું નિર્ધન’ એવી દીનતા કરવી તે દોષ છે; અને ‘હું તો
જ્ઞાનસ્વરૂપ છું, સધનપણું કે નિર્ધનપણું તે મારું સ્વરૂપ નથી’ –આવું સમ્યક્ ભાન કરવું તે ગુણ
છે–તે ધર્મ છે. આત્મા શું ચીજ છે તેનું આ વર્ણન ચાલે છે. આત્મા પોતાપણે છે ને પરપણે નથી
એમ અસ્તિત્વ–નાસ્તિત્વધર્મ છે. પોતાના જ્ઞાનઆનંદ સ્વરૂપે આત્મા અસ્તિરૂપ છે, ને પરરૂપે
નથી એટલે કે નાસ્તિરૂપ છે. જેમ બે આંગળીમાંથી એક આંગળી તે બીજીપણે નથી, તેમ આત્મા
પરવસ્તુપણે નથી. જગતમાં દરેક ચીજ સ્વપણે સત્ છે ને પરપણે અસત્ છે. પરપણે આત્મા
નથી એટલે પરથી આત્માને સુખ–દુઃખ થાય એ વાત રહેતી નથી.
સર્વજ્ઞભગવાન સીમંધર પરમાત્મા અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજી રહ્યા છે, તેમને
હજી શરીરનો સંયોગ છે. દિવ્યધ્વનિથી સહજ ઉપદેશ નીકળે છે, પણ ‘હું ઉપદેશ આપું’ એવી
તેમને ઈચ્છા નથી; ઈચ્છાનો તો નાશ થઈને કેવળજ્ઞાન પ્રગટી ગયું છે. નીચલી દશામાં આત્માને
ઈચ્છા થાય, પણ ત્યાં ધર્મી જાણે છે કે આ ઈચ્છા વડે કાંઈ જડનું કાર્ય થતું નથી. અજ્ઞાની
ઈચ્છાનો સ્વામી થઈને, ‘મેં પરનું કાર્ય કર્યું’ એમ અભિમાન કરે છે. એકનો એક વહાલો પુત્ર
મરતો હોય ત્યાં શું તેને મરવા દેવાની ઈચ્છા છે? તેને બચાવવાની ઈચ્છા હોવા છતાં કેમ
બચાવી શકતો નથી? તે વસ્તુ જ પર છે, તેમાં જીવની ઈચ્છા કામ આવે નહિ. સંયોગ અને
વિકારથી પાર જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે એવું ભાન કરીને સમ્યગ્દર્શન કરવું તે અપૂર્વ સૂક્ષ્મ
વસ્તુ છે. શ્રેણિક રાજાને વ્રતાદિ ન હતા, રાજપાટ છોડ્યા ન હતા, હજી રાગ હતો પણ અંતરમાં
હું શુદ્ધ ચૈતન્ય આત્મા છું–એવું ભાન હતું, તેના પ્રતાપે આવતી ચોવીસમાં પહેલાં તીર્થંકર થશે.
પહેલાંં આત્માની ઓળખાણ હોય ને પછી વ્રત–તપ હોય આવો ધર્મનો ક્રમ છે. જેમ શીરો કરવો
હોય તો તેનો ક્રમ જાણે છે કે પહેલાંં ધીમાં લોટ સેકવો ને પછી તેમાં ગોળનું પાણી નાખવું. તે
ક્રમને બદલે ઘીનો બચાવ કરવા માટે પહેલાંં ગોળના પાણીમાં લોટ નાખે તો તેનો શીરો નહિ
થાય પણ લોપરી થશે. તેમ આત્માના જ્ઞાનાનંદ સ્વભાવની ઓળખાણ કરીને પહેલાંં
સમ્યક્શ્રદ્ધા કરવી જોઈએ ને પછી વ્રત–તપ ચારિત્ર હોય આવો ધર્મનો ક્રમ છે. તેને બદલે
સમ્યક્શ્રદ્ધા કર્યા વગર એમ ને એમ વ્રત–તપના શુભરાગથી ધર્મ માની બેસે તેને ધર્મ ન થાય
પણ સંસાર જ થાય. ચિદાનંદ–સ્વરૂપ આત્મા પુણ્ય–પાપરહિત છે તેની ઓળખાણ કરવી તે
અપૂર્વ ધર્મ છે. ચૈતન્ય–તત્ત્વની ઓળખાણ વગર કદી ધર્મની શરૂઆત થતી નથી. માટે આ
મનુષ્યભવ પામીને સત્સમાગમે આત્માની ઓળખાણનો પ્રયત્ન કરવો જોઈએ.
* * * * *

PDF/HTML Page 20 of 21
single page version

background image
: ફાગણ : ૨૦૧૦ : આત્મધર્મ–૧૨૫ : ૧૦૩ :
* જસદણ શહેરમાં જિનમંદિર માટેની જાહેરાત *
પગલે પગલે જિનશાસનનો પ્રભાવ ફેલાવતા થકા પૂ. ગુરુદેવ સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર
કરી રહ્યા છે અને જૈનધર્મની મહાન પ્રભાવના કરી રહ્યા છે. વિહાર દરમિયાન પૂ. ગુરુદેવ
જસદણ શહેરમાં પધાર્યા ત્યારે ત્યાંના ભક્તોને ઘણો ઉલ્લાસ હતો, અને પૂ. ગુરુદેવની
ચરણછાયામાં શેઠ શ્રી પ્રેમચંદ ભાઈએ જસદણ શહેરમાં જિનમંદિર બંધાવવાનો નિર્ણય જાહેર
કર્યો હતો અને તે માટે નીચે મુજબ રકમો તે વખતે જાહેર કરી હતી–
૧૧૦૧) શેઠ પ્રેમચંદ લક્ષ્મીચંદ
૫૦૧) શાહ વાડીલાલ મોહનલાલ (હા. હરિલાલ મોહનલાલ)
૫૦૧) શાહ
માણેકચંદ કરસનજી
–ઉપરની શુભ જાહેરાત સાંભળીને બધાને ઘણો હર્ષ થયો હતો. પૂ. ગુરુદેવના અપૂર્વ
પ્રભાવ જોગે આજે જૈનશાસનના જયકાર ગાજી રહ્યા છે ને ઠેરઠેર જિનેન્દ્રભગવંતોની સ્થાપના
થઈ રહી છે. ઉપરના મંગલ કાર્યની જાહેરાત માટે જસદણના મુમુક્ષુઓને ધન્યવાદ!
–વડીઆ ગામમાં જિનમંદિર–
વડીઆમાં ભાઈ શ્રી ઉત્તમચંદ જસરાજભાઈએ પોતાના મકાનની બાજુમાં એક નાનું
સુશોભિત જિનમંદિર કરાવ્યું છે. પૂ. ગુરુદેવ માહ સુદ છઠ્ઠના રોજ વડીઆ પધાર્યા ત્યારે જિન
મંદિરની વેદી ઉપર તેઓશ્રીના પવિત્ર હસ્તે સ્વસ્તિક કરાવ્યો હતો અને મંગલપાઠ બોલીને
ગુરુદેવના મંગલહસ્તે ભગવાનને વેદી ઉપર બિરાજમાન કર્યા હતા. શ્રી જિનેન્દ્ર ભગવાન અને
ગુરુદેવ પોતાના આંગણે પધાર્યા તેથી ઉત્તમચંદભાઈનો ઉત્સાહ ઘણો હતો. આ પ્રસંગે પૂ.
ગુરુદેવના હસ્તે જિનમંદિરમાં સમયસારજીની પણ સ્થાપના થઈ હતી. બપોરે શ્રી જિનેન્દ્રદેવની
રથયાત્રા નીકળી હતી. આ મંગલ પ્રસંગે સોનગઢથી પૂ. બેનશ્રી–બેનજી વગેરે પણ પધાર્યા હતા
અને ભગવાનની ભક્તિ કરાવી હતી. વડીઆમાં જિનમંદિર બંધાવવા માટે ઉત્તમચંદભાઈને
ધન્યવાદ ઘટે છે.
[વડીઆના જિનમંદિરમાં હાલ તો સોનગઢથી શ્રી મહાવીર ભગવાન તથા
ઋષભદેવ ભગવાનના પ્રતિમાજી લાવીને બિરાજમાન કર્યા છે; વડીઆના જિનમંદિરમાં શ્રી
નેમિનાથ ભગવાનના પ્રતિમાજી મૂળનાયક તરીકે સ્થાપન કરવાના છે, તેની પ્રતિષ્ઠા કરાવવા
માટે પોરબંદર મોકલ્યા છે.
] પરમપૂજ્ય ગુરુદેવના પ્રતાપે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જિનેન્દ્ર ભગવંતોની
સ્થાપના થઈ રહી છે અને જૈનધર્મનો મહાન ઉદ્યોત થઈ રહ્યો છે.
બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા
(૧) મંગલ વિહાર દરમિયાન પરમ પૂજ્ય સદ્ગુરુદેવ “રાજકોટ” પધાર્યા ત્યારે માહ સુદ
૧ ના રોજ ‘રાજકોટ’ના ભાઈશ્રી મગનલાલ સુંદરજી તથા તેમની ધર્મપત્ની–એ બંનેએ સજોડે
આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તે બદલ તેમને ધન્યવાદ.
(૨) મંગલ વિહાર દરમિયાન પરમપૂજ્ય સદ્ગુરુદેવ “વડીયા” પધાર્યા ત્યારે મહા સુદ ૭
ના રોજ વડીયાના ભાઈશ્રી ઉત્તમચંદ જસરાજ તથા તેમના ધર્મપત્ની–એ બંનેએ સજોડે આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે; તે બદલ તેમને ધન્યવાદ.