Atmadharma magazine - Ank 311
(Year 26 - Vir Nirvana Samvat 2495, A.D. 1969).

< Previous Page  


Combined PDF/HTML Page 2 of 2

PDF/HTML Page 21 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૧૫ :
જ્ઞાની પોતાના સર્વજ્ઞસ્વભાવને અનુભવતા થકા સમસ્ત પરભાવોથી દૂર એટલે જુદા
વર્તે છે, ને અંદરમાં પોતાના સર્વજ્ઞસ્વભાવી ભગવાનની નજીક વર્તે છે. અહો, સર્વ
પ્રકારે સંપૂર્ણ મારો આત્મા, જગતને જાણવાના સામર્થ્યવાળો–એવા અનુભવમાં ધર્મી
જીવને જગતની કોઈ અભિલાષા નથી કે શુભરાગનોય રસ નથી; કેમકે મારો
સર્વજ્ઞસ્વભાવ કાંઈ સંયોગથી ટક્યો નથી. આવા સ્વભાવને ન દેખવો ને રાગને
નિજકાર્યપણે દેખવો તે તો સર્વજ્ઞસ્વભાવનો અપરાધ છે, વિરાધના છે. સર્વજ્ઞસ્વભાવની
આરાધના રાગથી પાર છે. શુભરાગમાં અજ્ઞાનીને અપરાધપણું દેખાતું નથી, કેમકે રાગ
વગરનો નિરપરાધ અતીન્દ્રિય સર્વજ્ઞસ્વભાવ તેણે દેખ્યો નથી.
રાગાદિ ભાવો બંધસ્વરૂપ છે ને જ્ઞાનસ્વભાવ મુક્તસ્વરૂપ છે. જ્ઞાનસ્વભાવ જ
સારો છે, તેને બદલે બંધભાવને (શુભરાગને–પુણ્યને) સારા તરીકે અનુભવવો તે
મિથ્યાત્વ છે. શુભરાગ પોતે મિથ્યાત્વ નથી પણ તેને હિતરૂપે માનવો તે મિથ્યાત્વ છે.
ધર્મી જીવ જ્ઞાનસ્વભાવને રાગ વગરનો, કર્મ વગરનો અનુભવે છે. તે જ મોક્ષમાર્ગ છે,
તે જ સારો છે.
રાગ બંધનું કારણ છે, અને તેનાથી પાર સર્વજ્ઞસ્વભાવી આત્મા હું છું એમ ધર્મી
અનુભવે છે, તે મોક્ષનું કારણ છે. અહા, સર્વજ્ઞસ્વભાવ પ્રતીતમાં લેતાં, લક્ષમાં લેતાં,
અનુભવમાં લેતાં, સમસ્ત પુણ્ય–પાપથી પર એવા અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે.
ઈન્દ્રિયો વડે કે પુણ્યના વિકલ્પો વડે એનું લક્ષ ન થઈ શકે. એની પોતાની જાતિનું
અતીન્દ્રિય જ્ઞાન અંતર્મુખ થઈને સર્વજ્ઞસ્વભાવને ઓળખી શકે છે. સર્વજ્ઞસ્વભાવને
ઓળખનારું જ્ઞાન રાગથી પાર છે. પુણ્યને મોક્ષમાર્ગ માનીને તેના કર્તૃત્વમાં અટકતાં
સર્વજ્ઞસ્વભાવ ભૂલાઈ જાય છે. માટે જ્ઞાનથી તે પુણ્ય–પાપ ભિન્ન છે. આવું ભેદજ્ઞાન
કરીને જે સર્વજ્ઞસ્વભાવને અનુભવે છે તે સાધક થઈને અલ્પકાળમાં સિદ્ધપદને સાધે છે.
જય હો સર્વજ્ઞસ્વભાવને અનુભવનારા સાધક સન્તોનો.
આખી દુનિયાના અંધારાં ભેગા થાય તોપણ નાનકડા
દીવાને ઓલવી શકતા નથી. તેમ આખી દુનિયાની પ્રતિકૂળતા
ભેગી થાય તોપણ ધર્માત્માની જ્ઞાનજ્યોતને બુઝાવી શકતી નથી.

PDF/HTML Page 22 of 40
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
પં. બુધજનરચિત છહઢાળા * (છઠ્ઠી ઢાળ)
આ પહેલાંની પાંચ ઢાળ અનુક્રમે આત્મધર્મ અંક ૩૦૪, ૩૦૬,
૩૦૮A, ૩૦૯ અને ૩૧૦ માં અર્થ સહિત આપી ગયા છીએ. આ
છઠ્ઠી ઢાળમાં મુનિદશા તથા કેવળજ્ઞાન અને મોક્ષ પામવાનું વર્ણન
કર્યું છે, અને આવો મનુષ્યઅવતાર પામીને કરોડો ઉપાયે પણ
જિનધર્મની ઉપાસના કરવાની પ્રેરણા આપી છે.
(રોલા છંદ)
અથિર ધ્યાય પર્યાય,
ભોગસે હોય ઉદાસી,
નિત્ય નિરંજન જ્યોતિ,
આત્મા ઘટમેં ભાસી;
સુત–દારાદિ બુલાય,
સર્વસે મોહ નિવારા,
ત્યાગ નગ્ન ધન ધામ,
વાસ વન બીચ વિચારા.ાા૧ાા
ભૂષણ વસન ઉતાર,
નગ્ન હો આતમ ચીહ્ના,
ગુરુ તટ દીક્ષા ધાર,
શીશ કચલુંચ જુ કિના;
ત્રસ–થાવરકા ઘાત ત્યાગ,
મન–વચ–તન–લીના,
ઝૂઠ વચ પરિહાર,
ગ્રહે નહીં જલ બિન દીના.ાા૨ાા
ચેતન–જડ ત્રિય ભોગત
જો ભવભવ દુઃખકારા;
અહિં–કંચુકી જ્યોં તજત,
ચિત્તસે પરિગ્રહ ડારા;
(અર્થ)
(૧) સમ્યગ્દ્રષ્ટિને નિત્ય નિરંજન
ચૈતન્યજ્યોતિ સ્વરૂપ આત્મા પોતાના
અંતરમાં ભાસ્યો છે; તે દેહપર્યાયને
અસ્થિર સમજીને સંસાર–ભોગોથી
ઉદાસીન થાય છે; સ્ત્રી–પુત્રાદિને
સંબોધન કરીને તે બધા પ્રત્યેનો મોહ
છોડે છે અને નગર–ધન–ધામ વગેરે
પરિગ્રહ છોડીને વન વચ્ચે વાસ કરવાનું
વિચારે છે.
(૨) પછી શ્રી ગુરુ પાસે જઈ સમસ્ત
આભૂષણ અને વસ્ત્ર ઉતારી નગ્ન થઈ
દીક્ષા ધારણ કરી કેશલોચ કરી,
આત્મધ્યાનમાં મગ્ન થાય છે. સમસ્ત
ત્રસ–સ્થાવર જીવોની હિંસાનો મન–
વચન–કાયાથી ત્યાગ કરે છે,
મિથ્યાવચનનો પણ ત્યાગ કરે છે, અને
વગર દીધેલું પાણી પણ લેતા નથી.
(૩) વળી ચેતન કે જડ (ચિતરેલી)
સ્ત્રી–કે જેનો ઉપભોગ ભવોભવમાં
દુઃખકારી છે તે સર્પની કાંચળી જેમ
છોડયો, તેમજ ચિત્તમાં નિર્મમ થઈને
પરિગ્રહ પણ છોડયો; મન–

PDF/HTML Page 23 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૧૭ :
ગુપ્તિ પાલને કાજ,
કપટ મન–વચ–તન નાહીં,
પાંચો સમિતિ સમ્હાલ,
પરીષહ સહિ હૈ આહીં.ાા ૩ાા
છોડ સકલ જગ જાલ,
આપકર આપ આપમેં,
અપને હિતકો આપ,
કિયા હૈ શુદ્ધ જાપમે;
ઐસી નિશ્ચલ કાય,
ધ્યાનમેં મુનિજન કેરી,
માનોં પત્થર રચી કિધોં,
ચિત્રામ ઉકેરી.ાા ૪ાા

ચાર ઘાતિયા ઘાતિ,
જ્ઞાનમેં લોક નિહારા,
દે નિજમતિ ઉપદેશ,
ભવ્યોંકો દુઃખસે ટારા;
બહુરિ અઘાતિયા તૌડ,
સમયમેં શિવપદ પાયા,
અલખ અખંડિત જ્યોતિ,
શુદ્ધ ચેતન ઠહરાયા.ાા પાા

કાલ અનંતાનંત
જૈસે કે તૈસે રહે હૈં,
અવિનાશી અવિકાર અચલ,
અનુપમ સુખ લહે હૈં;
વચન કાયાથી કપટ છોડીને ત્રણ
ગુપ્તિનું પાલન કરવા લાગ્યા, તથા
ઈર્યા–ભાષા–એષણા–આદાન–નિક્ષેપન
તથા પ્રતિષ્ઠાપન એ પાંચ સમિતિના
પાલનમાં સાવધાન થયા. અને બાવીસ
પ્રકારના પરિષહ સહન કરવા લાગ્યા.
(૪) વળી કેવા છે તે મુનિ? સકળ
જગજાળ છોડીને પોતાવડે પોતે પોતામાં
એકાગ્ર થયા છે, પોતાના હિતને માટે
પોતાના ધ્યાન વડે પોતાને શુદ્ધ કર્યો છે,
અર્થાત્ શુદ્ધાત્માનું ધ્યાન કરીને નિજ
સ્વરૂપમાં લીન થયા છે. અહા! તે
ધ્યાનમાં લીન મુનિરાજનું શરીર પણ
એવું નિશ્ચલ છે કે જાણે પત્થરથી મૂર્તિ
કે ચિત્ર હોય! –એમ અડોલપણે
આત્મધ્યાનમાં એકાગ્ર છે.
(પ) એ રીતે શુદ્ધાત્મધ્યાનવડે
ચાર ઘાતી કર્મોનો ઘાત કરીને
કેવળજ્ઞાનમાં લોકાલોકને દેખ્યા; અને
કેવળજ્ઞાન–અનુસાર ઉપદેશ દઈને
ભવ્યજીવોને દુઃખથી છોડાવ્યા. પછી
ચાર અઘાતી કર્મોને પણ નષ્ટ કરીને
એક સમયમાં સિદ્ધપદ પામ્યા; ને
ઈન્દ્રિયજ્ઞાનથી જે જણાય નહિ એવા
અલખ, અખંડ આત્મજ્યોતિ, શુદ્ધ
ચેતનરૂપ થઈને સ્થિર થયા.
(૬) એ સિદ્ધદશા પામીને તે જીવ
અનંતાનંત કાળ સુધી એવા ને એવા
રહે છે; ને અવિનાશી અવિકાર અચલ
અનુપમ સુખને અનુભવે છે જે જીવો
આવી આત્મભાવના

PDF/HTML Page 24 of 40
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
ઐસી ભાવના ભાય,
ઐસે જો કાર્ય કરે હૈ,
સો ઐસે હી હોય,
દુષ્ટ કર્મોંકો હરે હૈં.ાા ૬ાા
જિનકે ઉર વિશ્વાસ
વચન જિનશાસન નાહીં,
તે ભોગાતુર હોય,
સહૈં દુઃખ નર્કોં માંહી;
સુખ દુઃખ પૂર્વ વિપાક,
અરે મત કંપે જીયા,
કઠિન કઠિન સે મિત્ર!
જન્મ માનુષકા લિયા.ાા ૭ાા
તાહિ વૃથા મત ખોય,
જોય આપા પર ભાઈ,
ગયેં ન મિલતી ફેર,
સમુદ્ર મેં ડૂબી રાઈ;
ભલા નર્ક કા વાસ,
સહે જો સમ્યક્ પાતા,
બુરે બને જો દેવ,
નૃપતિ મિથ્યા મદમાતા.ાા ૮ાા
ના ખર્ચે ધન હોય,
નહીં કાહું સે લડના,
નહીં દીનતા હોય,
નહીં ઘરકે પરિહરના
સમ્યક્ સહજસ્વભાવ,
આપકા અનુભવ કરના,
યા બિન જપ–તપ વ્યર્થ,
કષ્ટ કે માંહી પડના.ાા ૯ાા
ભાવીને આવું (શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રનું)
કાર્ય કરે છે તેઓ પણ આવા સિદ્ધપદને
પામે છે ને દુષ્ટકર્મોને નષ્ટ કરે છે.
(૭–૮) જેના અંતરમાં
જિનશાસનના વચનનો, એટલે કે
ભગવાનના ઉપદેશનો વિશ્વાસ નથી, તે
જીવ વિષયભોગોમાં મગ્ન થઈને
નરકોમાં દુઃખ ભોગવે છે. સંસારમાં
સુખ–દુઃખ તો પૂર્વકર્મના વિપાક
અનુસાર થાય છે, –અરે જીવ! તેનાથી
તું ડર મા! ઉદયમાં જે આવ્યું હોય તેને
સહન કર; હે મિત્ર! ઘણી ઘણી
કઠિનતાથી આ મનુષ્યજન્મ મળ્‌યો છે.
માટે તેને તું વ્યર્થ મત ગુમાવ. હે ભાઈ!
આ નર ભવમાં તું સ્વ–પરની
ઓળખાણ કર; કેમકે જેમ સમુદ્રમાં
ડુબેલો રાઈનો દાણો ફરી મળવો મુશ્કેલ
છે તેમ આ મનુષ્યજન્મ વીતી ગયા
પછી ફરી મળવો મુશ્કેલ છે. સમ્યક્ત્વની
પ્રાપ્તિ સહિત તો નરકવાસ પણ ભલો
છે; પરંતુ સમ્યક્ત્વહીન એવા
મિથ્યાત્વથી મદમાતો જીવ દેવ કે રાજા
થાય તો પણ તે બૂરું છે.
(૯) સમ્યક્ત્વ તે આત્માનો
સહજસ્વભાવ છે; તે નથી તો ધન
ખર્ચવાથી થતું; તેમાં નથી કોઈ સાથે
લડવાનું, નથી કોઈ પાસે દીનતા
કરવાનું, કે નથી ઘરબાર છોડવાનું;
સહજસ્વભાવરૂપ આત્માનો અનુભવ
કરવો–તે સમ્યક્ત્વ છે. તેના વગરનાં
જપ–તપ તે વ્યર્થ છે, કષ્ટમાં પડવાનું છે.

PDF/HTML Page 25 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૧૯ :
કોટિ બાતકી બાત અરે,
बुधजन ઉર ધરના,
મન–વચન–તન શુચિ હોય,
ગ્રહો જિનવૃષકા શરણા;
ઠારહસૌ પંચાસ અધિક,
નવ સંવત જાનૌ,
તીજ શુક્લ વૈશાખ,
ઢાલ
ષટ્ શુભ ઉપમાનૌ.ાા૧૦ાા
(૧૦) ગ્રંથની પૂર્ણતા કરતાં पं. बुधजन
છેલ્લા શ્લોકમાં કહે છે કે અરે
બુધજનો! કરોડો વાતના સારરૂપ આ
વાત તમે અંતરમાં ધારણ કરજો, મન–
વચન–કાયાની પવિત્રતાપૂર્વક
જિનધર્મનું શરણ ગ્રહણ કરો.
શુભઉપમાવાળી આ છહઢાળાની રચના
સં. ૧૮પ૯ ના વૈશાખ સુદ ત્રીજે
સમાપ્ત થઈ.
(पं. बुधजन રચિત આ છહઢાળા અર્થસહિત પ્રથમ સં. ૧૯પપ માં છપાઈ હતી;
તેના ઉપરથી આ સં. ૨૦૨પ માં ફરીથી અર્થસહિત પ્રગટ થઈ છે. તે ભવ્ય જીવોને સ્વ–
પરનું ભેદજ્ઞાન કરાવીને આત્મસુખની પ્રાપ્તિ કરાવો. –(બ્ર –હરિલાલ જૈન)
મહાબલરાજાના જન્મદિવસે
તેના સ્વયંબુદ્ધમંત્રી તેને જૈનધર્મનો
ઉપદેશ આપતાં કહે છે કે હે રાજન્! આ
રાજલક્ષ્મી વગેરે વૈભવ તો કેવળ
પૂર્વપુણ્યનું ફળ છે; આત્માના હિતને
માટે તમે જૈનધર્મનું સેવન કરો દશામા
ભવે તમે તીર્થંકર થવાના છો.
ત્યારપછીના ત્રીજા ભવે તે મંત્રી
પ્રીતિકરમુનિ થયા છે અને ભોગભૂમિમાં
આવીને ઋષભદેવના આત્માને કહે છે કે
હે રાજા! પૂર્વભવના સંસ્કારવશ અમે
તમને સમ્યક્ત્વ આપવા અહીં આવ્યા
છીએ..... આજે જ તમે સમ્યગ્દર્શનનું
ગ્રહણ કરો. સમ્યક્ત્વની પ્રાપ્તિ માટેનો
આ અવસર છે. અને
છએ જીવો પણ તત્ક્ષણે જ
સમ્યક્ત્વ પામે છે.

PDF/HTML Page 26 of 40
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
ગતાંકમાં પૂછેલ દશ જીવોની ઓળખાણ
૧. એક જીવના મોઢામાં અમૃત છે, છતાં તે દુઃખી છે–તે કોણ? (મિથ્યાદ્રષ્ટિ દેવ)
૨. એક જીવ કદી ખાતા નથી છતાં સદાય સુખે જીવે છે–તે કોણ? (સિદ્ધભગવાન)
૩. એક જીવ સમ્યગ્દ્રષ્ટિ છે, પણ તે નથી સ્વર્ગમાં, નથી મનુષ્યમાં, નથી તિર્યંચમાં
કે નથી નરકમાં, –તો તે ક્યાં હશે? ........ (મોક્ષમાં)
૪. જંગલમાં જેનો જન્મ, અંજના જેની માતા, તે મોક્ષગામી મહાત્મા શ્રી હનુમાન.
પ. મહાવીરપ્રભુના સૌથી મોટા શિષ્ય–જે બ્રાહ્મણ હતા ને મોક્ષ પામ્યા તે
(ગૌતમસ્વામી)
૬. જિનદીક્ષા લેનારા છેલ્લા મુગટબંધી રાજા, જેણે ભદ્રબાહુસ્વામી પાસે દીક્ષા
લીધી, તે રાજા ચંદ્રગુપ્ત; શ્રવણબેલગોલામાં ચંદ્રગિરિની ગુફામાં તે રહેતા હતા.
૭. એક જીવ વીતરાગ છે, તેનું આયુષ્ય પૂરું થયું છતાં તે મોક્ષ ન પામ્યો, તે
અગિયારમા ગુણસ્થાનવાળો જીવ; તે વીતરાગ છે, અને મરીને સર્વાર્થસિદ્ધિમાં
જ જાય છે.
૮. એક મનુષ્ય એવા–કે જે કદી ખાય નહીં, પીએ નહીં, છતાં લાખો વર્ષ જીવે–તે
અરિહંત દેવ.
૯. એક મનુષ્ય પાસે રાતી પાઈ પણ નથી છતાં જે ગરીબ નથી, તે દિગંબર
મુનિરાજ.
૧૦. કુંદકુંદસ્વામી, જંબુસ્વામી, અકલંકસ્વામી, મરુદેવી, –આમાંથી તે ભવે મોક્ષ
પામ્યું તે કોણ? (જંબુસ્વામી મોક્ષ પામ્યા; બીજા ત્રણ સ્વર્ગમાં ગયા.)
આત્મા ખોરાક ખાય તો મરી જાય
ચેતનસ્વરૂપ આત્મા ખોરાક ખાધા વગર જ જીવે છે; જો ખાય તો મરી જાય;
કેમકે જડ ખોરાકને આત્મા ખાય તો આત્મા જડ થઈ જાય, એટલે મરી જાય. જો જડ
ખોરાકનો પોતામાં પ્રવેશ કરાવે તો ચેતનપણે આત્માનું અસ્તિત્વ જ ન રહે. જડ ખોરાક
વગર જ તેનાથી ભિન્ન અસ્તિત્વપણે આત્મા જીવે છે.
જુઓ તો ખરા, દ્રષ્ટિનો ફેર!
અજ્ઞાની કહે છે કે આત્મા ખોરાક વગર જીવી ન શકે.
જ્ઞાની કહે છે કે આત્મા ખોરાક ખાય તો મરી જાય.
ભાઈ! તું ચેતન, તારે તારું ચૈતન્યજીવન જીવવા માટે જડ ખોરાકની ઓશીયાળ
ક્યાં છે? શરીર પણ જ્યાં તારામાં નથી ત્યાં ખોરાક કેવો? અમૂર્ત આત્મામાં મૂર્ત પદાર્થ
પ્રવેશી શકે નહી. (વીતરાગવિજ્ઞાન ભાગ બીજામાંથી)

PDF/HTML Page 27 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૨૧ :
વિતરાગવિજ્ઞાન–પ્રશ્નોતરી
વીતરાગવિજ્ઞાન ભાગ ૧ એટલે કે છહઢાળાનાં પ્રથમ અધ્યાયનાં
પ્રવચનો, તેમાંથી દોહન કરીને ૨૦૦ પ્રશ્ન–ઉત્તર આત્મધર્મ અંક ૩૦૪ તથા
૩૦પ માં આપ્યા હતા. ટૂંકી ભાષામાં ને સુગમ શૈલીમાં આ પ્રશ્નોત્તર સૌને
ગમ્યા છે. તે જ પ્રમાણે વીતરાગવિજ્ઞાનના બીજા ભાગમાંથી પણ ૨૪૦
પ્રશ્નોત્તર અહીં આપવામાં આવે છે જેમાંથી ૧૦૦ પ્રશ્નોત્તર ગતાંકમાં આપ્યા
હતા.
આત્માના સર્વજ્ઞપદની વિભૂતિ
જગતમાં ઉત્કૃષ્ટ છે.
૩૦૪. છ ખંડની વિભૂતિનો મોહ ક્ષણમાં
કેમ છૂટે?
ચૈતન્યમય સ્વભાવની પ્રીતિ કરે તો.
૩૦પ. જીવનું નિજઘર ક્યું? ને પરઘર
કયું?
ચૈતન્યમય આનંદધામ તે નિજઘર; રાગ
અને શરીર તે પરઘર.
૩૦૬. કઈ બે વાત એકસાથે ન બની શકે?
આત્માને જ્ઞાનરૂપ ઓળખે અને વળી
પરને પોતાનું માને–એ બે વિરુદ્ધ વાત
એક સાથે બની શકે નહીં.
૩૦૭. આત્માની શોભા શેનાથી છે?
સમ્યક્ત્વરૂપી મુગટ અને ચારિત્રરૂપી
હારવડે આત્મા શોભે છે; શરીરને
શણગારવાથી આત્મા શોભતો નથી.
આત્માનું ભાન ભૂલીને પરનું
અભિમાન લાભ કરે છે તે.
૩૧૦. જૈનપરંપરામાં જન્મ્યો તેનો ખરો
લાભ ક્યારે?
જીવ–અજીવનું ભેદજ્ઞાન કરીને સાચો
જૈન બને ત્યારે.
૩૧૧. ભગવાન કોને જૈન નથી કહેતા?
જીવ–અજીવની ભિન્નતાનું જેને ભાન
નથી તેને.
૩૧૨. આત્મા જડનો કર્તા થાય તો શું
થાય?
તો આત્મા જડ થઈ જાય.

PDF/HTML Page 28 of 40
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
૩૧૩. જડનો કર્તા કોણ હોય?
જે જડ હોય તે.
૩૧૪. અજ્ઞાન દશામાં શું હતું?
अपनेको आप भूलके हैरान हो गया।
૩૧પ. સાચું જ્ઞાન થતાં શું થયું?
अपने को आप जानके आनंदी होय
गया।
૩૧૬. જીવ અને શરીર વચ્ચે શું છે?
અત્યંત
અભાવ.
૩૧૭. આસ્રવને ઓળખવામાં અજ્ઞાની શું
ભૂલ કરે છે?
રાગાદિક દુઃખ દેનારા હોવા છતાં તેને
સુખરૂપ સમજીને સેવે છે.
૩૧૮. મરણનો ભય ક્યારે મટે?
અવિનાશી ચૈતન્યદ્રવ્યને જ પોતાનું
સમજે ત્યારે.
૩૧૯. સૌથી પહેલાં શું શીખવું?
‘હું જીવ છું’ શરીર હું નથી. –એમ શીખવું.
૩૨૦. ખોરાક વગર આત્મા જીવે?
હા; જો ખાય તો મરી જાય; કેમકે જડ
ખોરાકને આત્મા ખાય તો આત્મા જડ
થઈ જાય, એટલે મરી જાય.
૩૨૧. તો આત્મા શેનાથી જીવે છે?
આત્મા પોતાના ચેતનભાવથી જ સદા
જીવે છે.
૩૨૨. દેહ આવે ને જાય ત્યાં આત્મા શું કરે?
દેહ આવે ને જાય તેને આત્મા જાણે, પણ
પોતે દેહરૂપ થાય નહિ.
૩૨૩. દેહથી જુદો આત્મા કેમ દેખાતો નથી?
દેહબુદ્ધિ ઘૂંટાઈ ગઈ છે તેથી.
૩૨૪. દેહથી જુદો આત્મા ક્યારે દેખાય?
બંનેના ભિન્ન ભિન્ન લક્ષણને ઓળખે ત્યારે.
૩૨પ. આત્મા અને શરીર–એ બંને કદી
એક થાય?
ના; એકપણું પામે નહીં, ત્રણેકાળ
દ્વયભાવ.
૩૨૬. અત્યારે આત્મા ને શરીર જુદા કે ભેગા?
જુદા; આત્મા ચેતન ને શરીર જડ.
૩૨૭. ધર્મીની ઋદ્ધિ કેવી છે?
ધર્મી જાણે છે કે આ બહારની ઋદ્ધિ
અમારી નહિ, અનંત ગુણસમ્પન્ન
ચૈતન્યઋદ્ધિ તે જ અમારી ઋદ્ધિ છે.
૩૨૮. આત્માને અવયવો હોય?
હા; આત્માને જ્ઞાન–દર્શન–સુખ વગેરે
અનંત અવયવો છે.
૩૨૯. શુભ ને અશુભ બંને ભાવો કેવા છે?
બંને અનાત્મભાવ છે, બનેમાં દુઃખ છે.
૩૩૦. પુણ્યફળમાં જે સુખ માને તેને શું
થાય છે?
તે મોહની પુષ્ટિથી સંસારમાં રખડે છે
ને દુઃખી થાય છે.
૩૩૧. શુભરાગથી સ્વર્ગ તો મળે છે–છતાં
તેમાં દુઃખ?
હા; સ્વર્ગ મળવાથી કાંઈ આત્માને સુખ
નથી મળી જતું. સ્વર્ગના પદાર્થો ભોગવવા
તે પણ આકુળતા ને દુઃખ જ છે.
૩૩૨. તો સુખ શેમાં છે?
શુભ–અશુભ બંનેથી પાર ચૈતન્ય
ભાવનું વેદન તે જ સુખ છે.
૩૩૩. આત્માનું નિજરૂપ કેવું છે?
નિજરૂપ તો દેહ અને રાગ બંનેથી પાર,
ચેતનરૂપ છે.

PDF/HTML Page 29 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૨૩ :
૩૩૪. રાગાદિ ભાવો કેવા છે?
તે જ્ઞાન વગરના છે; આત્માનું નિજરૂપ
તે નથી.
૩૩પ. પાપ તો મોક્ષનું કારણ નથી, –પણ પુણ્ય?
પુણ્ય પણ મોક્ષનું કારણ નથી, બંધનું જ
કારણ છે.
૩૩૬. રાગમાં મજા છે?
ના; રાગ તો આકુળતાની ભઠ્ઠી છે, તેમાં
શાંતિ નથી.
૩૩૭. ચેતન્યના આનંદની સાચી મીઠાસને
અજ્ઞાની કેમ ભૂલી જાય છે?
કેમકે તેને પુણ્યમાં મીઠાસ લાગે છે તેથી.
૩૩૮. મુમુક્ષુ જીવે શેમાં લાગ્યા રહેવું?
વીતરાગવિજ્ઞાનમાં લાગ્યા રહેવું, પુણ્ય–
પાપમાં નહીં.
૩૩૯. વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તરફનો
રાગ કેવો છે?
તે પુણ્યબંધનનું કારણ છે, મોક્ષનું નહિ.
૩૪૦. રાગ રાખીને કેવળજ્ઞાન કે મોક્ષ
પમાય?
ના; રાગને સર્વથા છોડીને જ
કેવળજ્ઞાનાદિ પમાય.
૩૪૧. શું અત્યારથી જ રાગને છોડવા જેવો
માનવો?
હા; અત્યારથી છોડવા જેવો માનવો નહીં
તો છોડશે ક્યાંથી?
૩૪૨. શુભરાગને મોક્ષનું કારણ માનવાથી
શું થાય?
મોક્ષ તો ન થાય પણ મિથ્યાત્વ થાય.
૩૪૩. શું ધર્મીને શુભરાગ ન થાય?
થાય; પણ તેને તે મોક્ષનું કારણ ન માને.
૩૪૪. બંધન શું? મુક્તિ શું?
ઉપયોગનું રાગમાં જોડાણ તે બંધન;
ઉપયોગનું શુદ્ધઆત્મામાં જોડાણ તે મુક્તિ.
૩૪પ. રાગદ્વેષ રહિત કઈ રીતે થવાય?
ઉપયોગને અંતરમાં શુદ્ધાત્મામાંએકાગ્ર
કરવાથી.
૩૪૬. સંતો કેવો હિતોપદેશ આપે છે?
રાગનું સેવન છોડ ને તારા
ચૈતન્યસ્વરૂપનું સેવન કર.
૩૪૭. અજ્ઞાની મોટી ભૂલ શું કરે છે?
આત્માને હિતનાં કારણ એવા જ્ઞાન–
વૈરાગ્યને તે દુઃખદાયક માને છે.
૩૪૮. અજ્ઞાની બીજી ભૂલ શું કરે છે?
શુભરાગ દુઃખદાયક હોવાં છતાં તેને તે
સારો માનીને સેવે છે.
૩૪૯. મોક્ષભાવ કયા? ને બંધભાવ ક્યા?
જ્ઞાન–વૈરાગ્ય તે મોક્ષભાવ; અજ્ઞાન ને
શુભ–અશુભ તે બંધભાવ.
૩પ૦. ચારિત્રમાં કષ્ટ છે?
ના; ચારિત્રમાં મહાન આનંદ છે; તે
જગત્પૂજ્ય છે.
૩પ૧. ચારિત્ર શેમાં છે?
ચારિત્ર રાગમાં કે દેહમાં નથી; ચેતનમાં
રમણતા તે ચારિત્ર છે.
૩પ૨. આઠે કર્મો વિષવૃક્ષ છે તો
અમૃતવૃક્ષ કયું?
આત્મા અમૃતનું ઝાડ છે, તેના
અનુભવમાં આનંદ છે?
૩પ૩. જેને પુણ્યની રુચિ છે તેને શેની
રુચિ છે?
તેને જડની રુચિ છે, તેને આત્માની
રુચિ નથી.

PDF/HTML Page 30 of 40
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
૩પ૪. પુણ્યના ફળમાં તો ધર્મનાં નિમિત્ત
મળે છે?
ભલે મળે; પણ તે નિમિત્તો આત્માથી
જુદાં છે; તેની સામે જોવાથી કાંઈ
આત્માને ધર્મનો લાભ નથી થતો.
૩પપ. ધર્મીને શેનો ઉત્સાહ છે?
ધર્મીને ચૈતન્યના અનુભવનો ઉત્સાહ છે,
રાગનો નહિ.
૩પ૬. પુણ્ય બંધાય તેમાં આત્માની શોભા છે?
જી ના; ચૈતન્યને બંધન એ તો શરમ છે.
૩પ૭. સુખ રાગમાં હોય કે વીતરાગતામાં?
વીતરાગતામાં જ સુખ છે, રાગમાં સુખ નથી.
૩પ૮. મોક્ષની શ્રદ્ધા ક્યારે થાય?
જ્ઞાનસ્વભાવને ઓળખે ત્યારે; કેમકે
મોક્ષ તો જ્ઞાનમય છે.
૩પ૯. જીવો દુઃખને ચાહતા નથી છતાં દુઃખી
કેમ છે?
કેમકે દુઃખનાં કારણરૂપ મિથ્યાભાવોને
દિનરાત સેવે છે.
૩૬૦. જીવો સુખને ચાહે છે છતાં સુખી કેમ
નથી થતાં?
કેમકે સુખનાં કારણરૂપ વીતરાગ
વિજ્ઞાનને ક્ષણ પણ સેવતા નથી.
૩૬૧. દુઃખથી છૂટવા ને સુખી થવા શું
કરવું?
વીતરાગવિજ્ઞાનનું સેવન કર ને મિથ્યા
ભાવોને છોડ.
૩૬૨. શુભરાગની પ્રીતિથી શું મળે?
સંસાર.
૩૬૩. ચૈતન્યપદની પ્રીતિથી શું મળે? મોક્ષ.
૩૬૪. ધર્મી પોતાને સદાય કેવો જાણે છે?
‘હુંં શુદ્ધ જ્ઞાન–દર્શનમય છું’ એમ ધર્મી
જાણે છે.
૩૬પ. ગૃહસ્થને આત્માની ઓળખાણ
થાય?
હા.
૩૬૬. મુનિઓ કેવા છે?
ચૈતન્યમાં લીન મુનિઓ
વીતરાગભાવથી મહાન સુખી છે.
૩૬૭. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે કેવા છે?
એ ત્રણેય રાગ વગરનાં છે, વીતરાગ છે.
૩૬૮. અનુભવનો અતીન્દ્રિય આનંદ કેવો છે?
રાગવડે જે કલ્પનામાં આવી ન શકે–એવો.
૩૬૯. નિરાકુળ સુખરૂપ મોક્ષનું કારણ કેવું હોય?
–તેનું કારણ પણ નિરાકુળ (રાગ
વગરનું) જ હોય. રાગ તે આકુળતા છે
તેને મોક્ષનું કારણ માનતાં
કારણકાર્યમાં વિપરીતતા થાય છે.
૩૭૦. શુભરાગરૂપ વ્યવહાર ક્રિયાઓ જીવે
પૂર્વે કદી કરી હશે?
હા, અનંતવાર; પણ સમ્યગ્દર્શન વિના
ધર્મ ન થયો.
૩૭૧. અનાદિથી જીવો કઈ રીતે મુક્ત
થાય છે?
વીતરાગવિજ્ઞાનરૂપ ધર્મને સાધી–
સાધીને.
૩૭૨. આનંદ થવા માટે ‘જ્ઞાની’ શું કહે
છે?
‘હે જીવ! તું આત્મામાં ગમાડ! ’ તેમાં
આનંદ છે.
(વિશેષ આવતા અંકે)

PDF/HTML Page 31 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૨૫ :
ફત્તેપુરથી લલિતાબેન પૂછે છે કે–
કેવળી અને શ્રુતકેવળીમાં શું તફાવત? ‘કેવળ’ એવા શુદ્ધ આત્માને જાણવાની
અપેક્ષાએ બંને સરખા કહ્યા છે; પણ કેવળીભગવાનના જ્ઞાન કરતાં શ્રુતકેવળીનું
જ્ઞાન અનંતમા ભાગનું છે. શ્રુતકેવળી એટલે શ્રુતમાં પૂરા; અને કેવળીજ્ઞાની તો
સર્વજ્ઞ છે. શ્રુતકેવળી તે છદ્મસ્થ–મુનિરાજ છે, ને કેવળીભગવાન તો અરિહંત કે
સિદ્ધ છે.
અવિભાગપ્રતિચ્છેદ એટલે શું?
કોઈ પણ ગુણની શક્તિનું માપ કરવા માટેનો નાનામાં નાનો અંશ (જેના
વિભાગ ન થઈ શકે એવો છેલ્લો ભાગ) તેને અવિભાગપ્રતિચ્છેદ કહેવાય.
જેમકે કોઈ પણ જીવનું જ્ઞાન કેટલું? કે અનંતાનંત અવિભાગપ્રતિચ્છેદ થાય
એટલું.
અમદાવાદથી ભાઈશ્રી મણિલાલ ઉજમશી લખે છે કે આત્મધર્મના દરેક અંક
વંચાય છે, ઘણુંઘણું અગમનિગમ મળે છે. પૂ. ગુરુદેવનો વર્તમાન જગત માટે
પરમ ઉપકાર છે.
પ્રશ્ન:– બે હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા કુંદકુંદભગવાનનો ફોટો અત્યારે મળે છે
તે કઈ રીતે?
ઉત્તર:– એ કાંઈ એમનો મૂળ ફોટો નથી, પરંતુ એ તો ભાવભાસન અનુસાર
તૈયાર કરાવેલું ચિત્ર છે. જેમ આપણે મહાવીર ભગવાન વગેરેનું કલ્પિત ચિત્ર
અત્યારે કરીએ છીએ તેમ તેનું સમજવું.
મરૂદેવી માતાનો જીવ અત્યારે ક્યાં હશે?
મોક્ષમાં, તીર્થંકર ભગવાનના માતાજી એકાવતારી હોય છે; સ્ત્રીનો અવતાર
હોવાથી તે જ ભવે તેઓ મોક્ષ નથી પામતા; પણ ત્યાંથી સ્વર્ગે જઈ, બીજા ભવે
મોક્ષ પામે છે. તે મુજબ મરૂદેવીનો આત્મા સ્વર્ગનો એક અવતાર કરીને પછી
મનુષ્ય થઈ મુનિ થઈ મોક્ષ પામ્યો. તેમના મોક્ષગમન પછી કેટલાય વર્ષો બાદ
(અસંખ્ય વર્ષો બાદ) ભરતક્ષેત્રમાં બીજા તીર્થંકર (અજિતનાથ) થયા.

PDF/HTML Page 32 of 40
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
દિલ્હીનો એક પત્ર (હિંદીમાં) : “જૈનબાલપોથી હમને પઢી ઔર પઢકર મનકો
અત્યંત પ્રસન્નતા હુઈ કિ લેખકને કિસપ્રકાર ઈસ છોટીસી પોથીમેં બાલકોં કે
લિએ ધર્મકી કયા કયા ખૂબિયાં ભર દી હૈં! મૈં ઈસસે અત્યન્ત પ્રભાવિત હુઆ હું
ઔર મેરા વિચાર યહ બના હૈ કિ મૈં યહ પુસ્તક નિઃશુલ્ક યહાં શાહદરા
જૈનસમાજ (–દિલ્હી) મેં વિતરીત કરના ચાહતા હૂં, તો આપ ૨૦૦ પ્રતિયાં વી.
પી. સે અતિશીઘ્ર ભેજ દેવેં.
–ભવદીય માનિકલાલ જૈન
પત્રવ્યવહાર કરનાર બંધુઓને ખાસ સૂચના કે પત્રમાં પોતાનું પૂરું સરનામું
જરૂર લખો –જેથી પ્રત્યુત્તર માટે તે શોધવું ન પડે. માત્ર સભ્ય નંબર લખવાથી
અમારે તે શોધવું પડે છે, ને જવાબ વિલંબથી અપાય છે, અગર અપાતો નથી.
ચંદ્રકાન્ત ચીમનલાલ વખારીઆ કાટોલ (નાગપુર) થી લખે છે કે–આત્મધર્મ
ઓછામાં ઓછા પચીસ વર્ષથી આવે છે, વાંચીને ઘણો આનંદ થાય છે.
બાલવિભાગનું લખાણ અમે આનંદથી વાંચીએ છીએ. રાત્રે ન જમવાની પ્રતિજ્ઞા
લીધી છે અને દરરોજ ભગવાનના દર્શન કર્યા વિના જમતો નથી; પાઠશાળામાં
અભ્યાસ કરું છું.
ગુજરાતી આત્મધર્મના પાઠક વર્ગમાં સેંકડો હિંદી–ભાઈઓ પણ છે; તેઓ કહે છે
કે ગુજરાતી વાંચનમાં હમકો મઝા આતી છે. એક હિંદી ભાઈ લખે છે કે
આત્મધર્મ કે પઢનેસે જ્ઞાનકી એકાગ્રતા હોતી હૈ. ઉસકા બાલવિભાગ ભી હજારોં
વર્ષ ચાલતા રહે તાકિ બચ્ચોંકો મહા લાભકા કારન હો.
શ્રી વીતરાગવિજ્ઞાન (ભાગ–૨) ભેટ પુસ્તક અંગે
ટપાલ દ્વારા જેઓએ ઉપરનું ભેટ પુસ્તક મંગાવેલ છે તે
દરેકને મોકલવાની વ્યવસ્થા થાય છે. માટે આ અંગે પત્રવ્યવહાર
નહિ કરવા વિનંતિ છે.
લિ.
દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
(સોનગઢ) સૌરાષ્ટ્ર

PDF/HTML Page 33 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૨૭ :
(પ્રવચનસાર ગાથા ૧૭૨ ‘અલિંગગ્રહણ’ ઉપરનાં પ્રવચનોની થોડીક પ્રસાદી)
* આત્મા એટલે જ્ઞાનસ્વભાવ, જ્ઞાન તેને કહેવાય કે જેની સાથે અતીન્દ્રિય આનંદ હોય.
* જ્ઞાનને પરની, ઈન્દ્રિયોની, રાગની અપેક્ષા નથી, એકલા આત્માના સ્વભાવને
અવલંબનારું જે જ્ઞાન તે જ ખરું જ્ઞાન છે, એટલે અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવ તે આત્મા
છે. ઈન્દ્રિયોવડે જાણે એવો આત્મા નથી.
* પાંચ ઈન્દ્રિયોના અવલંબનપૂર્વક થતું જે જ્ઞાન તે ખરો આત્મા નહીં; તે ખરું જ્ઞાન
નહીં.. અંદરના ચૈતન્યપાતાળમાંથી જે જ્ઞાન પ્રગટે તે ખરું જ્ઞાન, ને તે ખરો આત્મા
છે. શબ્દશ્રુતના અવલંબને થતું જ્ઞાન તે ખરૂં ભાવશ્રુત નથી, ચૈતન્યસ્વભાવના જ
અવલંબને ભાવશ્રુત થાય છે; ને તે અતીન્દ્રિયઆનંદથી સહિત છે.
* ઈન્દ્રિયજ્ઞાન વડે તો અનાદિકાળથી જાણે છે, –પણ એ તો અજ્ઞાન છે. ‘ઈન્દ્રિયજ્ઞાન
વડે જાણું એટલો જ હું’ એવી મિથ્યાબુદ્ધિને લીધે આત્માનું પરમાર્થ સ્વરૂપ જણાતું
નથી. ઈન્દ્રિયના અવલંબનમાં આકુળતા છે, તે આત્માના પરમાર્થસ્વરૂપમાં નથી.
* અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ અમૂર્ત આત્મા, તે મૂર્ત ઈન્દ્રિયો વડે જાણવાનું કામ કેમ કરે?
‘ઈન્દ્રિયો વડે જાણે તે આત્મા’ –એમ ઓળખવા જાય તો ઈન્દ્રિયોથી ભિન્ન આત્માનું
પરમાર્થસ્વરૂપ ઓળખાતું નથી, ઈન્દ્રિયોથી આત્મા અત્યન્ત જુદો છે એમ ભેદજ્ઞાન
કરાવીને અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા ઓળખાવ્યો છે.
* સ્વભાવને અવલંબનારું અતીન્દ્રિયજ્ઞાન તે જ મોક્ષનું કારણ છે, તે જ જ્ઞાનમાં સુખ
છે. ઈન્દ્રિયજ્ઞાન તો વિષયોને અવલંબનારું ને આકુળતા ઉપજાવનારું છે, એટલે તે તો
બંધનું કારણ છે. રાગ તો આત્મા નહીં, ને એકલું ઈન્દ્રિયજ્ઞાન તે પણ ખરેખર આત્મા
નહીં. આત્મા તો અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે.
* ઈન્દ્રિયો જડ–અચેતન છે, તેની સાથે તન્મયપણું માનનારું ઈન્દ્રિયજ્ઞાન તે અતીન્દ્રિય
આત્માનો સ્વભાવ નથી. જાણવા માટે ઈન્દ્રિયો કાંઈ આત્માનું દ્વાર નથી એટલે કે તે
ઈન્દ્રિયો વડે જાણતો નથી. આત્મા પોતે અતીન્દ્રિય છે, તો તે અતીન્દ્રિયજ્ઞાન વડે જ
જાણનારો છે.

PDF/HTML Page 34 of 40
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
* આત્મા જડ ઈન્દ્રિયોરૂપ નથી એટલે તે જડ ઈન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન તે પણ ખરેખર
આત્મા નથી. ઈન્દ્રિયજ્ઞાન તે આત્માનું પરમાર્થસ્વરૂપ નથી.
* ઈન્દ્રિયોરૂપી નદી વડે જ્ઞાનસમુદ્રમાં ભરતી આવતી નથી, અતીન્દ્રિયજ્ઞાન વડે
જ્ઞાનસમુદ્ર પોતે પોતામાં એકાગ્ર થતાં આનંદના તરંગ સહિત જ્ઞાનની ભરતી
આવે છે.
* જ્ઞેયરૂપ એવો પરમાર્થસ્વરૂપ આત્મા ઈન્દ્રિયજ્ઞાન વડે અનુભવમાં આવી શકતો નથી.
ઈન્દ્રિયોના અવલંબનવાળું જ્ઞાન આત્માને જાણી શકતું નથી. ચિદાનંદસ્વભાવમાં
અંતર્મુખ થયેલા જ્ઞાનમાંથી ઈન્દ્રિયોનું આલંબન છૂટી જાય છે, અને એ રીતે
અતીન્દ્રિય થયેલું જ્ઞાન જ આત્માને જાણી શકે છે. આવા જ્ઞાનથી આત્માને જાણતાં
આનંદ થાય છે.
* દ્રવ્યશ્રુતના શબ્દોનું ગ્રહણ ઈન્દ્રિય વડે થાય પણ જ્ઞાનસ્વરૂપ આત્માનું ગ્રહણ
ઈન્દ્રિય વડે ન થાય. અંતર્મુખ આનંદમય એવા ભાવશ્રુત વડે જ આત્માનું
સ્વસંવેદન થાય છે.
* ઈન્દ્રિયજ્ઞાનથી જડ જણાય, આત્મા ઈન્દ્રિયજ્ઞાનથી ન જણાય. આત્મા અને શરીરની
ભિન્નતા સમજાવતાં ‘યોગસાર’ માં કહ્યું છે કે આત્મા અતીન્દ્રિયજ્ઞાન વડે જ જણાય
છે, ઈન્દ્રિયજ્ઞાન વડે તે જણાતો નથી, જ્યારે શરીર તો ઈન્દ્રિયજ્ઞાન વડે પણ જણાય
છે, –માટે આત્મા અને શરીર જુદા છે.
* જ્ઞાનીની વાણી વડે તો આત્મા જણાય ને? –તો કહે છે કે ના; અતીન્દ્રિયજ્ઞાનવડે જ
આત્મા જણાય. તેમાં જ્ઞાનીની વાણી નિમિત્ત ભલે હો, –પણ જ્યાં સુધી તે વાણીનું
લક્ષ રહે ત્યાં સુધી આત્મા જણાય નહિ; વાણીથી પાર થઈને, ઈન્દ્રિયોનું અવલંબન
છોડીને, અતીન્દ્રિયજ્ઞાન વડે સ્વસંવેદન કરે ત્યારે જ આત્મા જણાય છે.
* જુઓ, આ શુદ્ધ સ્વજ્ઞેયની વાત છે; આ સ્વજ્ઞેયમાં રાગાદિ અશુદ્ધતા ન આવે, ભાઈ!
આવા તારા સ્વજ્ઞેયને તું એકવાર જો તો ખરો. સ્વજ્ઞેયને જોતાં જ તારું જ્ઞાન
અતીન્દ્રિય થઈને સ્વજ્ઞેયના અચિંત્ય મહિમામાં એવું લીન થશે કે પછી જગતના કોઈ
જ્ઞેય તને પોતાપણે નહિ ભાસે. સ્વજ્ઞેયને જાણતાં જ્ઞાન તેના મહિમામાં તન્મય થાય
છે, નિજમહિમામાં લીન થાય છે. જો કે રાગ પણ સ્વજ્ઞેય છે, પરંતુ શુદ્ધ દ્રવ્ય–ગુણને
સ્વજ્ઞેયપણે લક્ષમાં લેતાં તેના અચિંત્ય મહિમામાં પાસે રાગ તો ક્યાંય ગૌણ થઈ
જાય છે, એટલે શુદ્ધ સ્વજ્ઞેયથી તે બહાર રહી જાય છે. આ રીતે

PDF/HTML Page 35 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૨૯ :
સ્વજ્ઞેયને જાણનારા જ્ઞાનમાં સહેજે સ્વભાવની મુખ્યતા ને રાગની ગૌણતા (એટલે
નિશ્ચયની મુખ્યતા ને વ્યવહારની ગૌણતા) થઈ જાય છે, ભૂતાર્થસ્વભાવના આશ્રયે
સમ્યગ્દર્શન ન થવાનો મહાન સિદ્ધાંત પણ આમાં આવી જાય છે.
* જુઓ, સ્વજ્ઞેયને જાણવાની એટલે કે સમ્યગ્દર્શન કરવાની આ વાત છે. ભાઈ,
તારા જ્ઞાનને સ્વજ્ઞેય તરફ વાળ્‌યા વગર તને તારું સાચું જ્ઞાન ક્યાંથી થશે?
સ્વસન્મુખ થયેલા અતીન્દ્રિયજ્ઞાન વડે જ તારી અચિંત્ય પ્રભુતા તને દેખાશે, ને
પરમ આનંદ થશે.
* ઈન્દ્રિયોનું–રાગનું–વ્યવહારનું અવલંબન છોડીને, નિજસ્વભાવનું અવલંબન લઈને
જ્યાં જ્ઞાનચેતના સ્વજ્ઞેયમાં મગ્ન થઈ ત્યાં અતીન્દ્રિય આનંદનો દરિયો ઉલ્લસ્યો.
દરિયો ઊછળે તેને કોણ રોકી શકે? જ્ઞાન જો ઈન્દ્રિયોના અવલંબનમાં રોકાય તો
આનંદનો દરિયો ઉલ્લસે નહીં.
* ખરો જિજ્ઞાસુ શિષ્ય આત્માને જાણવાની ધગશપૂર્વક પૂછે છે કે પ્રભો! આત્માની
એવી અસાધારણ નિશાની બતાવો કે જેના વડે સર્વે પરદ્રવ્યોથી ભિન્ન આત્માનો
અનુભવ થાય! એવા જિજ્ઞાસુને ‘
अलिंगग्रहण’ ના અર્થોદ્વારા આચાર્યદેવે પરમાર્થ
આત્મા ઓળખાવ્યો છે. અહો, સ્વાનુભવનાં અલૌકિક રહસ્યો ખોલીને સંતોએ મોટો
ઉપકાર કર્યો છે.
* એકલા અનુમાનના બળે આત્મા જાણવામાં આવે નહિ. ઈન્દ્રિયગમ્ય ચિહ્નો વડે
આત્માનું અનુમાન થાય નહિ. અનુમાન તે વ્યવહાર છે, સ્વસંવેદન પ્રત્યક્ષ તે નિશ્ચય
છે. સ્વસંવેદન–પ્રત્યક્ષરૂપ નિશ્ચય વગર એકલા પરોક્ષ અનુમાનવડે આત્માનું સાચું
સ્વરૂપ જણાય નહીં.
* અનુભવ વગરના એકલા શાસ્ત્રજ્ઞાનવડે આત્મા જણાય નહીં. એકલા શાસ્ત્ર તરફનું
જ્ઞાન તે પણ ઈન્દ્રિયજ્ઞાન છે, તેનાથી અનુમાન કરીને પણ આત્માનું સ્વરૂપ
ઓળખાય નહી. અંતર્મુખ થઈને નિર્વિકલ્પ અનુભવ કરે ત્યારે જ આત્માનું સાચું
સ્વરૂપ અનુભવમાં આવે.
* આત્માનું જ્ઞાન એવું લંગડું નથી કે તેણે ઈન્દ્રિયોનો ટેકો લેવો પડે. ઈન્દ્રિયગમ્ય ચિહ્નો
કે મનગમ્ય એવા સંકલ્પ વિકલ્પો, તેના વડે આત્માનું ખરૂં સ્વરૂપ નક્કી ન થઈ શકે;
કેમકે ઈન્દ્રિયગમ્ય ચિહ્નો તે કાંઈ આત્માનાં ચિહ્ન નથી. આત્માનું ચિહ્ન તો અતીન્દ્રિય
ઉપયોગ છે; અને તે તો પ્રત્યક્ષ સ્વસંવેદનનો વિષય છે. આત્મામાં એવી પ્રકાશશક્તિ
છે કે સ્વસંવેદનના પ્રકાશવડે પોતે પોતાને પ્રત્યક્ષ અનુભવે છે.

PDF/HTML Page 36 of 40
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
* જેણે પોતામાં આત્માનું સ્વસંવેદન–પ્રત્યક્ષ કર્યું છે તે જ બીજા આત્માનું સ્વરૂપ જાણી
શકે છે. સામા જીવને સ્વસંવેદનપ્રત્યક્ષ થયું હોય–તેને પણ ખરેખર ત્યારે જ ઓળખી
શકાય કે જ્યારે પોતામાં આત્માનું સ્વસંવેદનપ્રત્યક્ષ થયું હોય. અથવા સામો
અજ્ઞાનીજીવ હોય, તેને સ્વસંવેદન થયું ન હોય, એવા જીવનું પણ જે ખરૂં
ચૈતન્યસ્વરૂપ છે તેને. ધર્મીજીવ પોતાના સ્વસંવેદનપૂર્વકના અનુમાનથી જાણી લ્યે છે.
સ્વસંવેદન વગરના એકલા અનુમાનથી જણાઈ જાય એવો આત્મા નથી.
* જેને સ્વસંવેદન ન હોય એવો અજ્ઞાનીજીવ આ આત્માનું ખરૂં સ્વરૂપ અનુમાનથી
જાણી શકતો નથી. અને આ આત્મા એકલા અનુમાનથી પરને જાણનારો નથી–એ
વાત પાંચમા બોલમાં કહેશે.
* નિશ્ચય સહિતનું વ્યવહારજ્ઞાન, એટલે કે પ્રત્યક્ષપૂર્વકનું અનુમાનજ્ઞાન યથાર્થ હોય છે.
પ્રત્યક્ષ વગરનું એકલું અનુમાન તે સાચું અનુમાન નથી. એકલું અનુમાન તે
આત્માનું સ્વરૂપ નથી. ને તેના વડે આત્મા જણાતો નથી.
* આત્મા એવો નથી કે એકલા અનુમાન વડે કોઈ તેને જાણી લ્યે–આમાં અદ્ભુત
રહસ્યો છે. પોતાને આત્માનું સ્વસંવેદન થયા વગર કેવળીની, મુનિની કે ધર્મીની
સાચી ઓળખાણ થઈ શકતી નથી.
* અહા, ચૈતન્યની અચિંત્ય કિંમત કેમ થાય તેની આ વાત છે. રાગથી જુદો પડીને
જ્ઞાનસ્વરૂપી આત્માનો નિર્ણય કરે ત્યારે જ સ્વ–પર આત્માની સાચી ઓળખાણ
થાય. અને એવી ઓળખાણ થાય તેને દેવ–ગુરુ–ઉપર અપૂર્વ પ્રમોદ જાગે. ઓળખાણ
વગર ખરો પ્રમોદ ક્યાંથી આવે?
* બાર અંગનું ને જિનશાસનનું રહસ્ય આત્માના સ્વસંવેદનમાં સમાય છે. અંતર્મુખ
થઈને ચિદાનંદ તત્ત્વને અનુભવનારા ધર્માત્મા જ ધર્મમાં આગળ વધ્યા છે. જેને
ચૈતન્યનો અનુભવ નથી તેને બીજી ગમે તેટલી ધારણા હોય તોપણ તે સંસારના
માર્ગે જ છે, ધર્મના માર્ગે નથી. ધર્મના રાહ તો અંદર ચૈતન્યમાં છે.
* અનુભવી હોય તે જ અનુભવીને ઓળખે.
* ભાઈ, આત્માના અંર્તઅનુભવને જાણ્યા વગર એકલા બહારના અનુમાનથી તું
જ્ઞાનીનું માપ કાઢવા જઈશ તો ભ્રમણામાં પડીશ.

PDF/HTML Page 37 of 40
single page version

background image
: ભાદરવો : ૨૪૯પ આત્મધર્મ : ૩૧ :
* આ આત્મા પણ એવો નથી કે એકલા અનુમાનથી, એકલા શાસ્ત્રજ્ઞાનથી બીજાને
જાણી શકે. તે સ્વાનુભૂતિપૂર્વક સ્વ–પરને જાણનારો છે. આ આત્મા બીજા આત્માને,
એટલે કે અરિહંતને–સિદ્ધને–મુનિને–સમ્યગ્દ્રષ્ટિ જ્ઞાનીને સ્વસંવેદન વગરના એકલાં
અનુમાનથી જાણી શકતો નથી; સ્વસંવેદનપૂર્વક જાણે છે.
* એકલું પરપ્રકાશકજ્ઞાન તે ખરું જ્ઞાન નથી, તેમાં સુખ નથી ને તે આત્માનું સ્વરૂપ
નથી. આત્માને જાણનારું જે સ્વપ્રકાશકજ્ઞાન તે સુખસ્વરૂપ છે. કલશટીકામાં પહેલા
જ શ્લોકમાં એ વાત કરી છે. આત્મા જ સારભૂત છે–કેમકે તેને જાણતાં જાણનારને
આનંદ થાય છે. પરસન્મુખતાથી આનંદ નથી થતો, આત્મામાં સ્વસન્મુખતાથી
આનંદ થાય છે, માટે આત્મા સર્વ પદાર્થોમાં સાર છે.
* આત્મા પ્રત્યક્ષજ્ઞાતા છે. આત્માનું સમ્યગ્દર્શન થવાના કાળે આત્મા સ્વસંવેદનથી
પોતે પોતાને પ્રત્યક્ષ કરે છે. સ્વાનુભૂતિથી પ્રકાશે એટલે કે આત્મા પોતે પોતાને
પ્રત્યક્ષ કરે એવો તેનો સ્વભાવ છે. જો આત્માને પ્રત્યક્ષ ન કરે તો તે જ્ઞાન સાચું
નથી, તે સમ્યગ્દર્શન નથી. એકાંત પરોક્ષ જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. જ્યારે
સમ્યગ્દર્શન થાય છે ત્યારે સ્વાનુભૂતિપૂર્વક જ થાય છે, આત્માને સ્વસંવેદનમાં
પ્રત્યક્ષ કરતું સમ્યગ્દર્શન પ્રગટે છે. આવા સમ્યગ્દર્શનની અપૂર્વ રીત
આચાર્યભગવાને સમજાવી છે.
જૈનસમાજના પાયા મજબૂત કરવા માટે–
બાળકોને નાનપણથી ધર્મના સંસ્કાર આપો.
ઠેર ઠેર પાઠશાળા ઉઘાડો.
‘પર્યાયનું લક્ષ કરીને’ એને બદલે ‘પર્યાયનું લક્ષ ગૌણ કરીને’ એમ વાંચવું;
–શેમાં? ‘જ્ઞાનચક્ષુ’ પુસ્તકના પૃ. ૧પ૬માં, ચૌથી લાઈનમાં.

PDF/HTML Page 38 of 40
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૯પ
અમે જિનવરનાં સંતાન” (નવા સભ્યોનાં નામ)
સભ્ય નં. નામ ગામ
૨૩૭૦ પીયુષકુમાર એન. જૈન કલકત્તા
૨૩૭૧ રૂપાબેન આર. જૈન કલકત્તા
૨૩૭૨ હેમંતકુમાર એમ. જૈન જમશેદપુર
૨૩૭૩ બીનાબેન. વી. જૈન મુંબઈ
૨૩૭૪A નયનાબેન સી. જૈન મુંબઈ
૨૩૭૪B મયુરીબેન સી. જૈન મુંબઈ
૨૩૭૪C ગીરીબાળા સી. જૈન મુંબઈ
૨૩૭પA રમેશચંદ્ર એસ જૈન જોરાવરનગર
૨૩૭પB મનુભાઈ એસ. જૈન જોરાવરનગર
૨૩૭પC રાજશ્રીબેન એસ. જૈન જોરાવરનગર
૨૩૭પD કોકીલાબેન એસ. જૈન જોરાવરનગર
૨૩૭૬ A અંજનાબેન કેશવલાલ જૈન જસદણ
સભ્ય નં. નામ ગામ
૨૩૭૬ B મહેન્દ્રકુમાર કે. જૈન જસદણ
૨૩૭૭ દિલીપકુમાર આર. જૈન રાજકોટ
૨૩૭૮A સતીશકુમાર એમ. જૈન મુનાઈ
૨૩૭૮ B દિલીપકુમાર કે. જૈન મુનાઈ
૨૩૭૯ દિલીપકુમાર એ. જૈન ગોંડલ
૨૩૮૦ કિરણકુમાર ડી. જૈન વેરાવળ
૨૩૮૧ A મુકુન્દલાલ એમ. જૈન સોનગઢ
૨૩૮૧ B દિલીપકુમાર વી. જૈન સોનગઢ
૨૩૮૨ A હરેશકુમાર આર. જૈન મહુવા
૨૩૮૨ B મયુરીબેન આર. જૈન મહુવા
૨૩૮૨ C રક્ષાબેન આર. જૈન મહુવા
૨૩૮૩ કીરીટકુમાર સી. જૈન કલકત્તા
(૧) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે જે મોક્ષનું કારણ છે તે સમ્યગ્દર્શનાદિનું
એકાકારપણું જ્ઞાનસ્વભાવ સાથે થાય છે, રાગ સાથે તેનું એકાકારપણું નથી. રાગ
મોક્ષમાર્ગને રોકનાર છે.
(૨) ‘સ્વતત્ત્વ’ તેને કહેવાય કે જે સ્વભાવ સાથે સદાય એકમેક હોય. પોતાનું
સત્ત્વ (સત્પણું–હોવાપણું) કઈ રીતે છે તે જાણ્યા વગર મોક્ષમાર્ગ સાધી શકાય નહીં.
સ્વતત્ત્વ શું છે–તેની જ જેને ખબર નથી તે કોની શ્રદ્ધા કરશે? કોનું જ્ઞાન કરશે? ને
કોનામાં ઠરશે? રાગને જે મોક્ષનું કારણ માને છે તે તો રાગને સ્વતત્ત્વ માનીને, તેની જ
શ્રદ્ધા, તેનું જ જ્ઞાન ને તેમાં જ લીનતા કરે છે એટલે કે મિથ્યાત્વાદિરૂપ સંસારમાર્ગને જ
સેવે છે.
(૩) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે તે તો આત્માના જ આશ્રયે છે,
રાગનો કિંચિત્ પણ આશ્રય તેમાં નથી. રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ રાગથી અત્યંત નિરપેક્ષ
છે. જેમ પરદ્રવ્યના આશ્રયે મોક્ષમાર્ગ નથી, તેમ રાગના આશ્રયે પણ મોક્ષમાર્ગ નથી.
(૪) અહા, આવો સરલ માર્ગ! અંતરમાં જરાક વિચાર કરે તો ખ્યાલ આવી
જાય કે માર્ગ તો આવો જ હોય.

PDF/HTML Page 39 of 40
single page version

background image
(પ) જેણે મોક્ષ કરવો હોય–તેણે સમસ્ત કર્મબંધ છોડવા યોગ્ય છે, એટલે
કર્મબંધના હેતુરૂપ શુભ કે અશુભ ભાવો છોડવા યોગ્ય છે. પણ અશુભ છોડવાયોગ્ય ને
શુભ રાખવાયોગ્ય–એવા ભેદને તેમાં અવકાશ નથી.
(૬) જરાક પણ બંધભાવને રાખવા જેવો જે માને તે જીવને ખરેખર મોક્ષનો
અર્થી કેમ કહેવાય? મોક્ષનો અર્થી હોય તે બંધને કેમ ઈચ્છે?
(૭) ભાઈ, એકવાર તું તારા જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને જો તો ખરો, કે
તેમાં શું રાગની ઉત્પત્તિ થાય છે? જ્ઞાનના આશ્રયે કદી રાગની ઉત્પત્તિ થતી નથી; અને
રાગની સન્મુખતાથી કદી સમ્યગ્દર્શનાદિની ઉત્પત્તિ થતી નથી. –આ રીતે જ્ઞાનને અને
રાગને ભિન્ન સ્વભાવપણું છે.
(૮) જ્ઞાનને અને રાગને અત્યંત ભિન્નતા છે; થાંભલાને જાણનારું જ્ઞાન જેમ
થાંભલાથી જુદું છે, તેમ રાગને જાણનારું જ્ઞાન રાગથી પણ જુદું જ છે. –આવા ભિન્ન
જ્ઞાનસ્વભાવને ભેદજ્ઞાનવડે અજ્ઞાની જીવ જાણતો નથી. જો જાણે તો રાગ વગરનો
આનંદ થાય.
(૯) એક તરફ આખોય સર્વજ્ઞસ્વભાવ;
એક તરફ અશુભ ને શુભ બંધભાવો;
–આમ બે પડખાં છે. તેમાંથી સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ પ્રતીતિ
કરનાર સમ્યગ્દ્રષ્ટિ જીવ બંધભાવોની રુચિમાં રોકાતો નથી; પણ સર્વજ્ઞસ્વભાવને
અનુભવતો થકો મોક્ષને સાધે છે.
(૧૦) ભાઈ, તારો આત્મા સર્વજ્ઞસ્વભાવી છે–એ વાત તને બેસે છે?
જો સર્વજ્ઞસ્વભાવ બેઠો તો રાગની રુચિને જરાપણ અવકાશ રહેતો નથી; કેમકે
સર્વજ્ઞસ્વભાવમાં રાગનો અંશ પણ નથી. અને રાગની રુચિવાળો જીવ રાગના
તણખલાં આડે મોટા ચૈતન્યપહાડને દેખતો નથી.
(૧૧) અહા, સર્વજ્ઞસ્વભાવની સન્મુખતાથી જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં પોતાના
આત્માનું કેવળજ્ઞાન પ્રતીતમાં આવી ગયું. તેની રુચિની દિશા રાગથી પાછી ફરીને
કેવળજ્ઞાન તરફ વળી, તે કંકુંવરણે પગલે કેવળજ્ઞાન લેવા ચાલ્યો.
(૧૨) આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, જો તને મોક્ષનો ઉત્સાહ હોય, મોક્ષને
સાધવાની લગની હોય તો તું સમસ્ત બંધભાવોની રુચિ છોડ, ને જ્ઞાનની રુચિ કર;
કેમકે મોક્ષના માર્ગમાં સમસ્ત બંધભાવોને નિષેધવામાં આવ્યા છે, ને જ્ઞાનસ્વભાવનું જ
અવલંબન કરાવવામાં આવ્યું છે.

PDF/HTML Page 40 of 40
single page version

background image
ક્ષમાપના
દસલક્ષણધર્મની આરાધનાનું વીતરાગીપર્વ હમણાં જ આપણે ઉજવ્યું; ક્રોધાદિ
કલુષતા દૂર કરીને ઉત્તમ ક્ષમાના અમૃત વડે અંતરને પાવન કરવાનો આપણે પ્રયત્ન
કર્યો. એ ઉત્તમક્ષમાના મૂળરૂપ આત્મઅનુભવ, તેનો ઉપદેશ શ્રી દેવ–ગુરુના પ્રતાપે
આપણને અહર્નિશ મળી રહ્યો છે; અનેક સાધર્મીઓ આનંદથી–બહુમાનથી તે ઝીલી રહ્યા
છીએ; અને ‘આત્મધર્મ’ દ્વારા તે વીતરાગી અમૃતની ધારા હજારો મુમુક્ષુઓને
પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ.
આવા આત્મધર્મની સેવા એટલે જિનવાણી માતાની સેવા; તેમાં
જિનવાણી અનુસાર ઊંચામાં ઊંચા લેખોની પસંદગી કરીને મુમુક્ષુઓને પીરસવામાં
આવે છે. દેવ–ગુરુ–પ્રત્યેની ભક્તિથી અને સાધર્મીઓ પ્રત્યેના વાત્સલ્યથી ઊભરતા
હૃદયે તેનું દરેક પાનું લખવામાં આવે છે. આમ છતાં અજ્ઞાનવશ મારાથી તેમાં ક્યાંય
ભૂલ રહી ગઈ હોય, કે કોઈપણ પ્રકારે કોઈનું હૃદય મારાથી દુભાયું હોય, તો તે બદલ
અંતઃકરણપૂર્વક હું ક્ષમા ચાહું છું. અને પ્રાર્થના કરું છું કે વીતરાગી સંતોના ચરણમાં મને
ઉત્તમ ક્ષમાની આરાધના પ્રાપ્ત થાઓ. –હરિ.
શ્રી સમયસાર અને નિયમસાર માટે સૂચના
કેટલાક વખતથી અપ્રાપ્ય એવા સમયસાર અને નિયમસારની ગુજરાતી આવૃત્તિ
ફરી છપાવવાની વિચારણા ચાલે છે. જિજ્ઞાસુઓની માંગણી પૂરતા પ્રમાણમાં થશે તો
આ પુસ્તકો છપાવવામાં આવશે. તો જે જિજ્ઞાસુઓને કે મુમુક્ષુમંડળોને જેટલી પ્રતની
જરૂર હોય તેટલી પ્રત અત્યારથી નોંધાવી દેવા વિનંતિ છે, જેથી તેમની જરૂરીયાત
મુજબ પ્રતો તેમને મળી શકે. માટે આપને જેટલા પુસ્તકની જરૂર હોય તેટલા વેલાસર
નામ–સરનામા સહિત નીચેના સરનામે જણાવશો.
(પુસ્તકની કિંમત લાગત કરતાં ઓછી રાખવામાં આવશે, પરંતુ હમણાં કોઈ
રકમ એડવાન્સ મોકલવાની જરૂર નથી.)
પ્રકાશન વિભાગ
શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌારાષ્ટ્ર)
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક : મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૭૦૦