Atmadharma magazine - Ank 317
(Year 27 - Vir Nirvana Samvat 2496, A.D. 1970).

< Previous Page  


Combined PDF/HTML Page 3 of 3

PDF/HTML Page 41 of 57
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
* ધર્મી જીવે કેવો અનુભવ કર્યો? *
(ગોંડલ, જોરાવરનગર અને અમદાવાદના પ્રવચનમાંથી: માહ સુદ ૧૩ થી વદ ૧)
જે ધર્માત્મા થયો તે પોતાના આત્માને કેવો અનુભવે છે? તેનું અલૌકિક વર્ણન
આ ૩૮ મી ગાથામાં કર્યું છે–
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન–દર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે.
આત્મા જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ, દેહથી ભિન્ન અરૂપી વસ્તુ છે; આવો હોવા
છતાં અનાદિથી પોતે પોતાને ભૂલીને, મોહના ગાંડપણથી પરને અને પોતાને
એકમેક માનતો થકો અપ્રતિબદ્ધ રહ્યો હતો, અત્યંત અજ્ઞાની હતો. તે અજ્ઞાનનું
ગાંડપણ પણ પોતે જ પોતાને ભૂલીને ઊભું કર્યું હતું. હવે જ્ઞાની–સંત–ધર્માત્માના
ઉપદેશથી પ્રતિબુદ્ધ થયો–આત્મજ્ઞાન પામ્યો, ત્યારે આત્માને કેવો જાણ્યો? કે
પોતાના આત્માને પરમેશ્વર જાણ્યો; અહો! હું તો સર્વજ્ઞપરમાત્મા જેવો જ્ઞાન–
આનંદથી પરિપૂર્ણ છું.
જેમ મૂઠીમાં રાખેલું સોનું ભૂલી જઈને બહાર શોધે ને મૂંઝવણથી દુઃખી થાય કે
મારું સોનું ખોવાઈ ગયું; પણ કોઈએ તેને બતાવ્યું કે તારું સોનું તારી મૂઠીમાં જ પડયું
છે, ખોવાઈ નથી ગયું; માટે ભ્રમ છોડ ને મૂઠી ઉઘાડીને જો. ત્યારે પોતાની મૂઠીમાં જ
પોતાનું સોનું દેખીને જેમ આનંદિત થાય; તેમ પોતાનો ચૈતન્યપરમેશ્વર આત્માને ભૂલી
જઈને, રાગ હું–શરીર હું એમ અનુભવ કરીને મોહથી દુઃખી થયો; પોતાના આત્માને,
પોતાના ધર્મને બહાર ઢૂંઢયો. પણ જ્ઞાનીએ તેને સમજાવ્યું કે ભાઈ! તું તો ચૈતન્યસ્વરૂપ
આત્મા છો, જ્ઞાન જ તું છો; રાગ તું નથી, શરીર તું નથી. શરીરથી ને રાગથી ભિન્ન તારું
ચૈતન્યસ્વરૂપ છે તે ખોવાઈ નથી ગયું, માટે ભ્રમ છોડીને અંતરમાં જો. એ પ્રમાણે
પોતામાં જ પોતાના આત્માને દેખીને જીવ આનંદિત થાય છે. અરે! ગુરુનો પરમ
ઉપકાર છે કે વારંવાર ઉપદેશ આપીને મને મારા આત્માનું સ્વરૂપ બતાવ્યું. મારો આત્મા
તો ચૈતન્યસ્વરૂપ હતો જ, પણ હું મને ભૂલી ગયો હતો; હવે શ્રીગુરુના ઉપદેશથી મારા
આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષરૂપ મેં અનુભવ્યો.
આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષ છે, પોતાના અનુભવથી પોતે વેદનમાં આવે છે, એ
સિવાય બીજી કોઈ રીતે આત્મા જણાય નહીં. બહારમાં ધર્મીને કદાચ ઈન્દ્રપદનો

PDF/HTML Page 42 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૩૯ :
કે રાજપદનો સંયોગ હો, પણ ચૈતન્યસ્વરૂપમાં તે સંયોગનો પ્રવેશ નથી. સંયોગમાંથી કે
રાગમાંથી સુખ લેવાની બુદ્ધિથી જીવો દુઃખી છે. જ્ઞાની તો જાણે છે કે–
આતમરામ અવિનાશી આવ્યો એકલો,
જ્ઞાન અને દર્શન છે મારું રૂપ જો.
જ્ઞાનદર્શનમય પોતાનું સ્વરૂપ છે, તે અવિનાશી એકરૂપ છે; બહારના ભાવોનો
તેમાં પ્રવેશ નથી–
બહિરભાવો તે સ્પર્શે નહીં આત્મને,
ખરેખરો એ જ્ઞાયકવીર ગણાય જો.
પરથી ભિન્ન ચિદાનંદસ્વભાવ તરફની સાવધાનીથી સમ્યગ્દર્શન થાય છે;
તે સમ્યગ્દર્શન થતાં પોતાના અંતરમાં પોતાના આત્માને જ પરમેશ્વર સ્વરૂપે જ્ઞાની
દેખે છે. શરીર હું, મનુષ્ય હું, રાગ–દ્વેષી હું–એવી મિથ્યાબુદ્ધિવશ જીવ પોતાના
ચેતનસ્વરૂપને ભૂલ્યો હતો; ભૂલ્યો હતો પણ કાંઈ તેનો નાશ થઈ ગયો ન હતો;
તેથી જ્યારે સ્વાનુભવી ગુરુના ઉપદેશથી પ્રતિબુદ્ધ થયો ત્યારે પોતાના સ્વરૂપને
પોતામાં જ જાણ્યું કે હું તો જ્ઞાન–દર્શનથી જ ભરપૂર પરિપૂર્ણ છું.
આત્માનું શુદ્ધસ્વરૂપ શ્રીગુરુએ નિરંતર સમજાવ્યું, એટલે કે શિષ્યને તે સ્વરૂપ
સમજવાની નિરંતર જિજ્ઞાસા હતી; તેણે અંતરના પ્રયત્નવડે સ્વસંવેદન પ્રત્યક્ષથી
પોતાના આત્માને જાણ્યો. જાણતાં જ અંદરથી અપૂર્વ આનંદ અને શાંતિનું વેદન થયું;
પોતાને પોતાની ખબર પડી કે મારા શુદ્ધ આત્માને મેં જાણ્યો છે. આવા આત્માનો
અનુભવ કરીને જ્ઞાનપ્રકાશવડે મોહનો એવો નાશ કર્યો કે ફરીને કદી અજ્ઞાન ન થાય.
આત્માનું જ્ઞાન કરીને તેમાં રમ્યો તે સાચો આત્મારામ થયો. આત્મારૂપી જે આનંદનો
બગીચો તેમાં ધર્મીજીવ કેલિ કરે છે.
* * *
આત્મા કેવો છે? કે સહજ એક જ્ઞાયકભાવરૂપ છે. તેના અનુભવથી જ
સમ્યગ્દર્શન છે. ભૂતાર્થસ્વભાવ સિવાયના જે વ્યવહારિક નવતત્ત્વો છે તે–રૂપે આત્માને
અનુભવતાં સમ્યક્ત્વ થતું નથી. ધર્મી પોતાના શુદ્ધ આત્માને તે વ્યવહારિક નવતત્ત્વોથી
અત્યંત જુદો, એકરૂપ અનુભવે છે.
અહો, આવી સત્ય ચૈતન્ય વસ્તુનું શ્રવણ પણ મળવું જીવને દુર્લભ છે. અને
મહાભાગ્યે સાંભળવા મળે તો તેનો અંતરમાં નિર્ણય કરીને તેને લક્ષગત કરવી તે અપૂર્વ
પ્રયત્નથી થાય છે.

PDF/HTML Page 43 of 57
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
,
જે નર–નારકાદિ પર્યાયભેદો છે તે વ્યવહારજીવ છે, પરમાર્થ જીવ તેવો નથી;
પરમાર્થજીવ એકરૂપ જ્ઞાનસ્વભાવ છે. વ્યવહારજીવ એટલે પર્યાયના ભેદ જેટલો જીવ તે
આખું જીવતત્ત્વ નથી. તેથી તે વ્યવહારથી જીવતત્ત્વ છે, તે અભૂતાર્થ છે, ને એટલો જ
જીવ અનુભવતાં સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન કહો કે સુખની પ્રાપ્તિ કહો, તેમાં જે
જીવ અનુભવાય છે તે જ્ઞાયકસ્વભાવરૂપ શુદ્ધ છે. વ્યવહારરૂપ જે નર–નારકાદિ પર્યાયો,
તેનાથી જુદો જ્ઞાયકભાવ છે.
અજીવથી જુદો, બીજા જીવોથી પણ આ જીવ જુદો; પુણ્ય અને પાપતત્ત્વથી પણ
જ્ઞાયકસ્વરૂપ જીવ જુદો છે. લોકો પુણ્યને ધર્મ અને મોક્ષનું કારણ માની લ્યે છે, પણ ધર્મી
તો જાણે છે કે પુણ્ય તે મારું સ્વરૂપ નથી; પુણ્યથી ભિન્ન સ્વરૂપે ધર્મી પોતાને અનુભવે
છે. પુણ્ય–પાપ તે ક્ષણિક–વિકૃતભાવ છે. અને સંવર–નિર્જરા–મોક્ષરૂપ નિર્મળ પર્યાયના
ભેદો છે તેટલું પણ જીવનું સ્વરૂપ નથી. જીવ તો અનંત જ્ઞાનસ્વભાવથી ભરેલો એકરૂપ
ધ્રુવ જ્ઞાયકભાવ છે. ધર્મી જીવ પોતાને કેવો અનુભવે છે.
એકરૂપ જ્ઞાયકતત્ત્વ છે તે નવતત્ત્વના પર્યાયના ભેદરૂપ નથી, એટલે વ્યવહાર–
નવતત્ત્વોરૂપ નથી, વ્યવહારિક નવતત્ત્વોથી તે તદ્ન જુદો છે, એકરૂપ છે, તેથી શુદ્ધ છે.
આવા શુદ્ધ આત્માનો અનુભવ તે સમ્યગ્દર્શન છે, તે મોક્ષનો પ્રથમ ઉપાય છે.
તા. ૨૨–૭–૭૦ નારોજ અમદાવાદ પધારતાં સ્વાગતપૂર્વક જિનમંદિર આવ્યા,
આદિનાથ ભગવાનની અત્યંત મનોજ્ઞ અને ગુજરાતની સૌથી મોટી વીતરાગપ્રતિમાનાં
દર્શન કર્યા, અને પછી હજાર માણસથી ભરપૂર મંદિરના વિશાળ હોલમાં મંગલપ્રવચન
કરતાં ગુરુદેવે કહ્યું કે–
અરિહંત ભગવાન મંગળ છે, કેમકે તે શુદ્ધ આત્મા છે. આવા અરિહંતપરમાત્માનું
ધ્યાન કરતાં આત્માને શો લાભ? તો કહે છે કે પરમાર્થે આ આત્મા પોતે અરિહંતસ્વરૂપ
છે, જેવું અરિહંતનું સ્વરૂપ છે તેવું જ આ આત્માનું સ્વરૂપ છે. આત્માના સ્વભાવમાં
અરિહંતપણું શક્તિપણે વિદ્યમાન છે, તે સત્ય છે, તેથી તેના ધ્યાનવડે જે આનંદ આવે છે
તે સત્ય છે. પરમાત્માનું ધ્યાન કાંઈ નિષ્ફળ નથી; આત્માના પરમ સ્વભાવમાં એકાગ્ર
થઈને પરમાત્મસ્વરૂપે તેને ધ્યાવતાં આત્મરસનો સ્વાદ આવે છે, નિજરસનો સ્વાદ
આવે છે, આનંદનો અનુભવ થાય છે આત્માની શાંતિ–આનંદનો રસ ધ્યાનમાં પ્રગટે છે
તેથી તે સફળ છે.(અનુસંધાન પૃષ્ઠ ૪૪ ઉપર)

PDF/HTML Page 44 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૪૧ :
(અનુસંધાન પૃષ્ઠ ૨ થી ચાલુ )
પ્રભુ! તારો અસંખ્યપ્રદેશી આત્મા અનંત ગુણની સંપદાનું ધામ છે. પુણ્ય–પાપ કે
બહારના સંયોગ એ કાંઈ તારી સંપદા નથી. તારી સંપદા તારા આત્મામાં જ્ઞાન–
આનંદથી પરિપૂર્ણ છે. તેનું ભાન કરતાં ભવનો અંત આવે છે. વીતરાગી સન્ત કહે છે
ભવના અંતની વાત! અહા! આત્મા તો અતીન્દ્રિય આનંદનો ફૂવારો છે.
સમ્યગ્દર્શન કેમ થાય? કે ચિદાનંદપ્રભુ આત્મા છે તેમાં દ્રષ્ટિ પ્રસરતાં સમ્યગ્દર્શન
થાય છે. પુણ્ય–પાપના ભાવોનો અનુભવ આકુળતારૂપ ને મલિનરૂપ છે, તેમાં
સમ્યગ્દર્શન નથી, ને તેનાથી ભવનો અંત આવતો નથી.
ભગવાન આત્મા પરના અવલંબન વગરનો નિરાલંબી છે. અંતરીક્ષ એટલે
આકાશમાં બિરાજમાન નિરાલંબી આત્મા છે. અહીં ભગવાન પાર્શ્વનાથને અંતરીક્ષ
કહેવાય છે; તીર્થંકરભગવાન સમવસરણમાં સિંહાસન ઉપર ચાર આંગળ ઊંચે બિરાજે
છે, સિંહાસનનું આલંબન તેમને નથી. જેમ આત્માનો સ્વભાવ રાગના અવલંબન
વગરનો છે તેમ સર્વજ્ઞપ્રદ પ્રગટતાં શરીર પણ નિરાલંબી એટલે કે અંતરીક્ષ થઈ જાય
છે. રાગના અવલંબનથી લાભ માને તે નિરાલંબી ભગવાનને ઓળખતો નથી. અહા,
ચૈતન્યનો સહજ સ્વભાવ, તેમાં ગુણગુણીભેદના વિકલ્પનું પણ આલંબન નથી. રાગ
અને આત્માની ભિન્નતા જાણીને ચૈતન્યસ્વરૂપને અનુભવમાં લેવું તેનું નામ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે.
મોક્ષનો માર્ગ રત્નત્રય છે; તેમાં પણ સમ્યગ્દર્શન મૂળ છે. તે સમ્યગ્દર્શન માટે
પહેલાં ઉદ્યમ કરવો જોઈએ. સમ્યગ્દર્શન થવાની રીત બતાવતાં પ્રવચનસારમાં આચાર્ય–
કુંદકુંદસ્વામી કહે છે કે–અરિહંત દેવના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણતાં આ આત્માનું
શુદ્ધ સ્વરૂપ પણ ઓળખાય છે, કેમકે પરમાર્થે આ આત્માનું સ્વરૂપ પણ અરિહંત જેવું જ
છે. આ રીતે શુદ્ધ આત્માને ઓળખતાં સમ્યક્ત્વ થાય છે ને મોહ નાશ પામે છે.
આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ જ્ઞાન કરીને પછી, ચેતન પર્યાયને અને
ગુણને ધ્રુવદ્રવ્યમાં અંતર્મગ્ન કરીને શુદ્ધ વસ્તુનો અભેદ અનુભવ કરતાં મોહનો નાશ થાય
છે ને સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયને દ્રવ્ય સાથે અભેદ કરે છે, એટલે વચ્ચે મોહ
રહી શક્તો નથી. જેમ શરીરના અંગરૂપ આંગળીવડે આખા શરીરનો સ્પર્શ થાય છે, તેમ
આત્માના અંગરૂપ જે જ્ઞાનપર્યાય, તે જ્ઞાનપર્યાય વડે આખા આત્માનું

PDF/HTML Page 45 of 57
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
જ્ઞાન થાય છે. શરીર તે કાંઈ આત્મનું અંગ નથી, રાગદ્વેષ પણ ખરેખર આત્માનું અંગ
નથી, જ્ઞાનાદિ અનંત ગુણો ને તેની પર્યાયો તે આત્માના અંગો છે. તે અવસ્થાને
અંતરમાં ધ્રુવ સાથે લગાવવાથી આનંદકંદ આત્માનું જ્ઞાન થાય છે. આ રીતે શુદ્ધતારૂપે
પરિણમ્યો ત્યારે શુદ્ધ આત્માની ઉપાસના થઈ એટલે મોક્ષમાર્ગ થયો. આ રીતે પોતાના
દ્રવ્યગુણપર્યાયના જ્ઞાન વડે મોક્ષમાર્ગ થાય છે.
* * *
અંતરીક્ષ એટલે નીરાલંબી આત્મભગવાન,
તેની પ્રતિષ્ઠા રાગમાં થઈ શકે નહીં.
શિરપૂર–મહારાષ્ટ્ર (અંતરીક્ષ–પાર્શ્વનાથ)માં પંચકલ્યાણક–
પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે પૂ. શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનોમાંથી.
(સમયસાર સંવર અધિકાર)
ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનરૂપે પોતાને અનુભવવો તે મોક્ષનું ને
આનંદનું કારણ છે. જ્ઞાનભાવ પ્રગટ્યો ત્યાં આત્માને કર્મનો આસ્રવ કે બંધ થતો નથી.
આવું જ્ઞાન કેમ પ્રગટે, એટલે કે સંવરરૂપ મોક્ષમાર્ગ કેમ થાય તે વાત અલૌકિક રીતે
આચાર્યદેવ આ સમયસારમાં સમજાવે છે.
આત્મા ઉપયોગસ્વરૂપ છે. ઉપયોગને અને આત્માને એકપણું છે, પણ ઉપયોગને
અને ક્રોધને એકપણું નથી. ઉપયોગમાં ઉપયોગ છે, ક્રોધમાં–કર્મમાં કે શરીરમાં ઉપયોગ
નથી; તેમ તે ક્રોધાદિમાં ક્રોધાદિ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી. આ રીતે ઉપયોગસ્વરૂપ
આત્મા, અને ક્રોધાદિસ્વરૂપ અનાત્મા, તે બંનેની ભિન્નતાનું યથાર્થ ભેદજ્ઞાન થાય ત્યારે
જીવ પોતાને ઉપયોગસ્વરૂપે જ અનુભવે છે. ક્રોધાદિ પરભાવોને પોતાથી ભિન્ન જાણે છે
એટલે તેનો તે જરાપણ કર્તા થતો નથી, તેમાં જરાય તન્મય થતો નથી. આવું સમ્યક્
ભેદજ્ઞાન તે અભિનંદનીય છે, તે મોક્ષનું કારણ હોવાથી પ્રશંસનીય છે. આચાર્યદેવ કહે છે
કે અહો! આવું નિર્મળ ભેદજ્ઞાન જીવને આનંદ પમાડતું થકું પ્રગટ થયું છે, માટે હવે
પરભાવોને છોડીને આનંદમય વિજ્ઞાનઘન આત્મામાં જ એકાગ્ર થાઓ. આ ધાર્મિક ક્રિયા
છે, આ મોક્ષની ક્રિયા છે.

PDF/HTML Page 46 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૪૩ :
આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે; આત્મા પુણ્ય–પાપ કે રાગસ્વરૂપ નથી. જ્ઞાનને
તે રાગાદિ અન્ય વસ્તુઓ સાથે જરાપણ સંબંધ નથી. જેમ જડ અને ચેતનને જરાપણ
સંબંધ નથી, અત્યંત જુદાઈ છે, તેમ રાગને અને જ્ઞાનને જરાપણ સંબંધ નથી, અત્યંત
જુદાઈ છે, બંનેનું સ્વરૂપ એકબીજાથી વિપરીત, તદ્ન જુદું છે. રાગ વગરના આવા
જ્ઞાનનો અનુભવ કરવો તે સંવરધર્મ છે. ભગવાન આત્મા રાગના અવલંબન વગરનો
‘અંતરીક્ષ’ છે; તેની આ પ્રતિષ્ઠા થઈ રહી છે. અહો, આવા આત્માની વાત દિગંબર
સંતોએ જ કરી છે. દિગંબર જૈનધર્મ સિવાય બીજે ક્યાંય આવા ભેદજ્ઞાનનું યથાર્થ
સ્વરૂપ છે જ નહીં.
દરેક આત્માના સ્વભાવમાં સર્વજ્ઞપદ વિદ્યમાન છે, તે પર્યાયમાં કેમ પ્રગટે તેની
આ વાત છે. સર્વજ્ઞનો આત્મા જેમ રાગથી જુદો થઈ ગયો છે તેમ દરેક આત્માનો
જ્ઞાનસ્વભાવ રાગથી જુદો છે. આવો સ્વભાવ બતાવનારૂં જે આ સમયસાર મહાન
શાસ્ત્ર, તેના લખીતંગ કુંદકુંદાચાર્યદેવ, અને સાક્ષી સર્વજ્ઞ પરમાત્માની; રચવાનું સ્થાન
પોન્નૂરદેશ. તેમાં રાગથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કરાવ્યો છે. જેવો
ચૈતન્યભાવ જ્ઞાનમાં છે તેવો ચૈતન્યભાવ રાગમાં નથી, માટે જ્ઞાન અને રાગ બંને
ભિન્નભિન્ન જાતના છે. અરે, રાગ જ્યાં ચૈતન્યની જાત જ નથી ત્યાં રાગથી ધર્મ થવાની
વાત કેવી? ચૈતન્યથી વિરુદ્ધ એવા અચેતનભાવને આત્માનું સ્વરૂપ માને તેણે આત્માને
જાણ્યો નથી, તેને જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન નથી. કારંજાનો નવવર્ષનો બાળક
(પ્રદીપ) પણ એના પોતાના ઉઘાડથી કહેતો હતો કે પુણ્ય તે મોક્ષમેં જાનેકે લિયે
ઉપયોગી નહી હૈ. પુણ્યને અને જ્ઞાનને એકબીજા સાથે આધારઆધેયપણું નથી.
સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયો રાગના–પુણ્યના આધારે ઉત્પન્ન થતી નથી પણ આત્માના
જ આધારે ઉત્પન્ન થાય છે. અને પુણ્ય વગેરે રાગભાવની ઉત્પત્તિ થતી નથી પણ
આત્માના જ આધારે ઉત્પન્ન થાય છે. અને પુણ્ય વગેરે રાગભાવની ઉત્પત્તિ જ્ઞાનના
આધારે થતી નથી પણ અચેતનના આધારે તેની ઉત્પત્તિ થાય છે. આ રીતે જ્ઞાન અને
રાગની અત્યંત ભિન્નતા છે. આવી ભિન્નતા જાણીને ભેદજ્ઞાન કરવું તે ધર્મ છે.
જિનવાણી વીતરાગભાવની જ પોષક છે, રાગથી તે ભિન્નતા કરાવનારી છે, તે
રાગની પોષક નથી. આવી વીતરાગતાપોષક જિનવાણી ગણધરો અને ઈન્દ્રો પણ
આદરપૂર્વક ઝીલે છે. રાગને આદરવા જેવો માને તેને જિનવાણીની ખબર નથી.
જિનવાણીએ જ્ઞાનક્રિયાને જ આત્માની ક્રિયા બતાવી છે; ક્રોધાદિ ક્રિયા કે શરીરની
જડક્રિયા તે કાંઈ આત્માની ક્રિયા નથી. બહુ સારી વાણી બોલતાં આવડે કે ઘણા

PDF/HTML Page 47 of 57
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
વિકલ્પ કરતાં આવડે તે ક્રિયાના આધારે કાંઈ ધર્મની ક્રિયા નથી. અને જ્ઞાનભાવરૂપ
આત્માની જે ધર્મક્રિયા છે તે ક્રિયાના આધારે કાંઈ વચન કે વિકલ્પ નથી. અહો!
ભગવાને કહેલી ધર્મક્રિયા અલૌકિક છે; લોકોને તે ધર્મક્રિયાની ખબર નથી. સમયસારમાં
આચાર્યદેવે તે ધર્મક્રિયા સમજાવી છે. આત્માની આ ધર્મક્રિયા આત્માના ધ્રુવસ્વભાવથી
અભિન્ન છે; વીતરાગીપર્યાય તે ત્રિકાળી વીતરાગસ્વભાવથી અભિન્ન છે, તેથી તે જ
આત્માની સાચી ક્રિયા છે.
આત્માના સ્વભાવની સન્મુખ થયેલા જ્ઞાનની જે ક્રિયા છે તે જ ધર્મની ક્રિયા છે;
તે ક્રિયામાં રાગનો સર્વથા અભાવ છે. આત્મા આવી જ્ઞાનક્રિયામાં પ્રકાશે છે, પણ
રાગક્રિયામાં આત્મા પ્રકાશતો નથી. પોતાના જ્ઞાનમાં, શ્રદ્ધામાં આવા આત્મસ્વરૂપને
સ્થાપવું તે જિનભગવાનની પરમાર્થ પ્રતિષ્ઠા છે. તેના પ્રતિબિંબરૂપ જિનભગવાનની
પ્રતિષ્ઠા આજે અહીં જિનમંદિરમાં થાય છે. આત્માને ક્યાં બિરાજમાન કરવો? કે
અંતરની પોતાની જ્ઞાનક્રિયામાં જ આત્માને બિરાજમાન કરવો. જ્ઞાનક્રિયા તે જ
ચૈતન્યભગવાનની પ્રતિષ્ઠા કરવાનું સિંહાસન છે, રાગક્રિયામાં ચેતનભગવાનને સ્થાપવા
માંગે તો ચેતનભગવાન તેમાં નહીં બેસે, રાગમાં ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ નહીં
થાય, જ્ઞાનને અંતર્મુખ કરતાં તે જ્ઞાનની ક્રિયામાં જ ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય
છે. જેણે આવો અનુભવ કર્યો તેણે પોતાના અંતરમાં સર્વજ્ઞભગવાનની સાચી પ્રતિષ્ઠા
કરી કે ‘હું જ સર્વજ્ઞસ્વભાવી ભગવાન છું.’–આવી સ્થાપના કરી તે પોતે અલ્પકાળમાં
સાક્ષાત્ સર્વજ્ઞપરમાત્મા થઈ જશે.
* * * * * *
(અનુસંધાન પૃષ્ઠ ૪૦ થી ચાલુ)
અરિહંતપણું તો નથી છતાં તેનું ધ્યાન કેમ કરો છો? તો કહે છે કે–ના, શક્તિમાં
અરિહંતપણું વિદ્યમાન છે. અરિહંતના દ્રવ્ય–ગુણ–પર્યાયને જાણતાં આત્માનું શુદ્ધસ્વરૂપ
જણાય છે ને તેને જાણતાં–ધ્યાવતાં મોહનો નાશ થઈને આનંદનો અનુભવ થાય છે.
અમે એમ ને એમ કલ્પિત ધ્યાન નથી કરતા, પણ આત્મામાં પરમાત્મપદની જે શક્તિ
વિદ્યમાન સત્ છે તેને ઓળખીને તેનું ધ્યાન કરીએ છીએ, તે જો મિથ્યા હોય તો આનંદ
કેમ આવે? પર્યાયમાં ભલે અરિહંતપણું પ્રગટ ન હોય પણ સ્વભાવની શક્તિમાં
અરિહંતપદ પડ્યું છે, તેના ધ્યાનવડે પર્યાયમાં અરિહંત થવાના છીએ–એવી નિઃશંકતાથી
જે આનંદ અનુભવાય છે તે માંગળિક છે.

PDF/HTML Page 48 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૪૫ :
–: જાણનારને જાણ્યા વિના કલ્યાણ કોનું? :–
વ્યારા શહેરમાં જૈન ઉપાશ્રયમાં પ્રવચન હતું.
શહેરના શ્વેતાંબર સમાજના ભાઈઓએ પણ ઉત્સાહપૂર્વક
સહકાર આપીને લાભ લીધો હતો; ને સમાજમાં પ્રેમભર્યું
વાતાવરણ હતું.
(વ્યારા શહેરમાં પ્રવચન: માહ વદ ત્રીજ)
જ્ઞાન વડે આત્મા પોતે પોતાને જાણે તે કલ્યાણનો ઉપાય છે. જ્ઞાનને અંતર્મુખ
કરીને આત્મા પોતે પોતાને જાણતાં આનંદનો અનુભવ થાય છે. અરિહંત ભગવાન
સર્વજ્ઞ પરમાત્મા થયા તે ક્યાંથી થયા? આત્મામાં કેવળજ્ઞાનની તાકાત હતી, તેનું ભાન
કરીને તેમાંથી સર્વજ્ઞતા અને પૂર્ણ આનંદ પ્રગટ કર્યો છે, બહારથી સર્વજ્ઞતા નથી આવી.
એકેક આત્મામાં પોતાની સર્વજ્ઞશક્તિ છે; સર્વજ્ઞશક્તિવાળા પોતાને જાણતાં રાગાદિ
પરભાવોમાં આત્મબુદ્ધિ રહેતી નથી; સર્વજ્ઞસ્વભાવી પોતે પોતાને જાણ્યા વગર રાગબુદ્ધિ
છૂટે નહીં ને કલ્યાણ થાય નહીં.
જેમ શ્રીફળમાં સફેદ મીઠું ટોપરું છે તે રાતી છાલથી જુદું, કાચલીથી જુદું, તેમજ
ઉપરના છાલાંથી જુદું છે; તેમ આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ રાગાદિ ભાવકર્મોથી
જુદું છે, આઠકર્મોરૂપી કાચલીથી જુદું છે, તેમજ છોતાં જેવા શરીરથી જુદું છે. આવું
ચૈતન્યપદ તે જ આત્માનું સાચું નિજપદ છે. આવું નિજપદ બતાવીને આચાર્યદેવ કહે છે
કે અરે જીવો! મોહમાં કેમ સૂતા છો? પરપદને નિજપદ સમજીને તમે મોહી કેમ થઈ
રહ્યા છો? એ પદ તમારું નથી. તમારું પદ તો ચૈતન્યસ્વરૂપ છે, તેને તમે જાણો.
નિજપદને જાણવાથી જ કલ્યાણ થાય છે. નિજપદને જાણ્યા વિના બીજા અનંત ઉપાયે
પણ કલ્યાણ ન થાય. અરે, આવું મનુષ્યપણું મળ્‌યું તેમાં આત્માના હિતનો તો વિચાર
કરો. આત્મા શું ચીજ છે ને તેનું સાચું સ્વરૂપ શું છે તે ઓળખો.
પ્રભુ! તારા આત્માને ભૂલવાથી અને બહારમાં સુખ શોધવાથી ક્ષણે ક્ષણે તારું
ભાવમરણ થાય છે. હીરાની, રત્નોની બહારની વસ્તુની કિંમત તું કરે છે, બધાની કિંમત
કરનારો આત્મા પોતે કેવો કિંમતી છે? કેવા અનંતગુણો તેનામાં છે? તેની તને ખબર
નથી; જાણનારો પોતે પોતાને જાણતો નથી–એ તે જ્ઞાન કેવું? બાપુ! તું તો આનંદનું
ધામ છો. અંતરમાં તારા આત્માને જાણ તો તારો આનંદ તને અનુભવાય. જાણનારને
જાણ્યા વિના કલ્યાણ કોનું? જાણનારો પોતે પોતાને જાણે તે જ કલ્યાણ છે.

PDF/HTML Page 49 of 57
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
એકવાર અંતર્મુખ થઈને આત્મા પોતે પોતાને જાણે તો પરભાવોથી ભિન્નતાનું
એવું ભેદજ્ઞાન થાય કે ફરી કદી એકતાબુદ્ધિ ન થાય; જેમ પર્વત ઉપર વીજળી પડે ને
પર્વત ફાટીને બે કટકા થાય તે ફરીને રેણ દીધે સંધાય નહીં. તેમ ભેદજ્ઞાનરૂપી વીજળી
પડી ત્યાં જ્ઞાન અને રાગની એકતા એવી તૂટી કે રાગનો અંશ પણ જ્ઞાનરૂપે ભાસતો
નથી. આવું ભેદજ્ઞાન કર્યું તે જીવ સંસારને છેદીને અલ્પકાળમાં મુક્તિ પામે છે.
* આત્માની સેવાથી
મોક્ષ પમાય છે *
વ્યારા પછી સોનગઢ પાસેના ઉકાઈ (જ્યાં તાપી નદી
પર એક અબજ રૂા. ની મોટી ડેમયોજનાનું કામ ચાલીસ
હજાર માણસો દ્વારા ધમધોકાર ચાલી રહ્યું છે–ત્યાં) થઈને
માહ વદ ચોથે ધૂલિયા (धूळें) શહેર આવ્યા. એક લાખની
વસ્તીવાળા આ શહેરમાં ચાલીસ જેટલા દિ. જૈનોના ઘર છે.
એક જિનમંદિર છે. સ્વાગત બાદ જૈનઉપાશ્રયમાં
મંગલપ્રવચન થયું; શ્વેતાંબર સમાજના ભાઈઓનો પણ
સારો સહકાર હતો. બપોરે પણ ત્યાં જ પ્રવચન થયું તેમાં સ.
આ આત્મા પોતે જ્ઞાન–આનંદસ્વભાવથી ભરેલો ભગવાન છે; તેને ઓળખીને
તેની સેવાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે, અને તે મોક્ષનો ઉપાય છે.
જે જીવ આત્માને ભૂલીને પોતાના સુખને માટે પરવસ્તુ માંગે છે તે ભીખારી છે;
થોડું માંગે તે નાનો માંગણ, ઝાઝું માંગે તે મોટો માંગણ; અને પરથી ભિન્ન ચૈતન્યનું
ભાન કરીને જે કાંઈ ન માંગે તે મોટો રાજા છે. ધર્મી પોતાના ચૈતન્યરાજાને જાણે છે કે
હું પોતે જ્ઞાન અને આનંદ વગેરે અનંત વૈભવનો સ્વામી છું, મારા સુખ માટે કોઈ બીજા
પદાર્થની મારે જરૂર નથી–આમ ચૈતન્યસ્વરૂપ આત્માને ઓળખીને, તેની શ્રદ્ધા કરીને,
તેનું અનુચરણ કરવું તે મોક્ષનો ઉપાય છે.

PDF/HTML Page 50 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૪૭ :
જેમ લૌકિકમાં ધનની અભિલાષાવાળો કોઈ જીવ પહેલાં તો રાજાને ઓળખે છે
અને શ્રદ્ધા કરે છે, કે આ રાજા છે અને તેની સેવાથી મને ધનનો લાભ થશે; એમ નક્કી
કરીને પછી તે રાજાની સેવા કરે છે તેમ જે મુમુક્ષુ છે, મોક્ષનો અભિલાષી છે તે જીવે
પ્રથમ તો ચૈતન્યલક્ષણવડે આત્માને પરભાવોથી જુદો ઓળખવો. આ ચૈતન્યસ્વરૂપપણે
જે અનુભવમાં આવે છે તે ચેતનરાજા હું છું ચેતનથી જુદા અન્ય કોઈ ભાવો હું નથી.
એમ સ્વાનુભવપણે બરાબર જાણીને તથા શ્રદ્ધા કરીને પછી તેમાં ઉપયોગની
એકાગ્રતાવડે તેનું અનુસરણ કરવું. આમ કરવાથી જરૂર મોક્ષની પ્રાપ્તિ થાય છે.
રાજગૃહીના રાજા શ્રેણીક,–જે મહાવીર ભગવાનના વખતમાં હતા, તેમણે આવા
આત્માની ઓળખાણ કરી હતી પહેલાં અજ્ઞાનદશામાં મુનિની વિરાધના કરીને સાતમી
નરકનું આયુષ્ય બાંધ્યું હતું, પણ ભગવાને કહેલું આત્માનું સ્વરૂપ સમજીને તે
સમ્યગ્દર્શન પામ્યા, અને નરકનું અસંખ્યવર્ષનું આયુષ્ય ઓછું કરીને માત્ર ૮૪૦૦૦
વર્ષનું રહ્યું; તે અત્યારે પહેલી રત્નપ્રભા પૃથ્વીમાં છે, ત્યાં પણ તેને આત્માનું ભાન છે;
ને ત્યાંથી નીકળીને ૮૨પ૦૦ વર્ષ પછી આ ભરતક્ષેત્રમાં પહેલા તીર્થંકર થશે.–કોનો
પ્રતાપ? અંદરમાં ભિન્ન આત્માનું ભાન છે, સમ્યગ્દર્શન છે; તેના પ્રતાપે એક ભવમાં
મોક્ષ પામશે.
જ્ઞાનની ક્રિયા તો આત્મામાં છે ને તે મોક્ષનું કારણ છે. પણ રાગની ક્રિયા મોક્ષનું
કારણ નથી; અને દેહાદિ જડવસ્તુની ક્રિયા તો આત્મામાં છે જ નહીં. આ રીતે જડથી
અને રાગથી અત્યંત ભિન્ન એવી પોતાની જ્ઞાનક્રિયા છે. આવું ભેદજ્ઞાન કરવાથી જ
સિદ્ધપદ પમાય છે. અનંતા જીવો સિદ્ધ થયા તેઓ भेदविज्ञान થી જ સિદ્ધ થયા છે. માટે
આત્માનું સ્વરૂપ ઓળખીને ભેદજ્ઞાન કરવું જોઈએ.
અરિહંતોની આરાધના
સર્વજ્ઞને ઓળખવા માટે આત્મસ્વભાવની સન્મુખ થવું
પડે છે. સર્વજ્ઞને કેમ ઓળખવા તેની પણ અજ્ઞાનીને ખબર
નથી. ભાઈ, સર્વજ્ઞ એટલે તારો જ્ઞાનસ્વભાવ, સર્વજ્ઞને તે
વ્યક્તરૂપ છે, તારામાં તે શક્તિરૂપ છે; તે શક્તિની સન્મુખતા
વડે સર્વજ્ઞતા વ્યક્ત થશે. માટે તારી શક્તિની સન્મુખ થઈને
તેની પ્રતીત કર તો તને સર્વજ્ઞની ખરી પ્રતીત થાય, તેનો

PDF/HTML Page 51 of 57
single page version

background image
: ૪૮ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
–: જાહેરાત :–
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
સંસ્કૃતિ, સંસ્કાર અને કેળવણીના ધામ સમા “શ્રી જૈન વિદ્યાર્થીગૃહ,
સોનગઢ”–જિલ્લો–ભાવનગર (સૌરાષ્ટ્ર) માં આપ આપનાં બાળકોને અભ્યાસ અર્થે
દાખલ કરો.
ઉપરોક્ત બોર્ડિંગ છેલ્લા ૧૮ વર્ષથી ચાલે છે. અહીં ત્રણે ફીરકાના જૈન
વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ૧૦ થી ૧૮ વર્ષ સુધીની હોય અને જેઓ ધોરણ–પ થી
ધોરણ–૧૧ (એસ. એસ. સી–મેટ્રિક) સુધી અભ્યાસ કરતા હોય તેમને દાખલ કરવામાં
આવે છે.
માસિક ભોજનનું પૂરી ફીનું લવાજમ રૂા. ૪૦/– તથા ઓછી ફીનું લવાજમ રૂા.
૨પ/– લેવામાં આવે છે.
અહીં વિદ્યાર્થીઓને સ્કૂલના અભ્યાસ ઉપરાંત શ્રી સનાતન જૈનધર્મનો અભ્યાસ
કરાવવામાં આવે છે. ઉપરાંત મહાન આધ્યાત્મિક સંત પરમ પૂજ્ય “શ્રી કાનજી
સ્વામી” ના સત્સમાગમનો તથા તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો પણ અપૂર્વ લાભ મળે
છે. કસરત તથા બેન્ડ પણ શીખવવામાં આવે છે સમૂહ–ટયુશનની પણ વ્યવસ્થા
કરવામાં આવે છે. સવારે–સાંજે ગાયનું ચોકખું દૂધ, શુદ્ધ દેશી ઘી તથા સારો ખોરાક
આપવામાં આવે છે. અહીંની આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે.
સંસ્થાનું સુંદર વિશાળ હવા–ઉજાસવાળું સ્વતંત્ર મકાન છે. દરેક વિદ્યાર્થીને સૂવા
માટે પલંગ તથા કપડાં, પુસ્તકો રાખવા એક કબાટ આપવામાં આવે છે.
નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.
આથી દાખલ થવા ઈચ્છનાર વિદ્યાર્થીઓએ રૂા. ૦–૧પ પૈ. ની પોસ્ટની ટિકીટો
બીડી તા. ૨૦–૪–૭૦ સુધીમાં પ્રવેશપત્ર તથા નિયમો મંગાવી લેવાં અને તા. ૧૦–પ–
૭૦ સુધીમાં પ્રવેશપત્ર વિગતવાર ભરી વાર્ષિક પરીક્ષાના માર્કસશીટ સાથે પરત બીડવાં
લિ.–
મંત્રીઓ
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 52 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૪૯ :
* આનંદ આત્માનો સ્વભાવ છે *
(એદલાબાદમાં પૂ. કાનજીસ્વામીનું પ્રવચન: તા. ૨૬–૨–૭૦)
આત્માનું જ્ઞાન કરીને અનંતા જીવો સર્વજ્ઞ પરમાત્મા થઈ ગયા; તેવો સ્વભાવ
દરેક આત્મામાં છે. રાગ–દ્વેષ એ કાંઈ તેનો કાયમી સ્વભાવ નથી, એનો કાયમી સ્વભાવ
આનંદ અને જ્ઞાનરૂપ છે.
જેમ પાણીનો શીતળ સ્વભાવ છે; પણ લીલફૂગ તે પાણીનો સ્વભાવ નથી; તેમ
આત્માનો શાંત ચૈતન્યસ્વભાવ છે, પણ આકુળતા–રાગ–દ્વેષ તે તેનો સ્વભાવ નથી.
આત્મા અનંતવાર મોટો રાજા–મહારાજા, કરોડોપતિ ને અબજોપતિ થયો, પણ
તેને સુખ જરાય ન મળ્‌યું.–કેમકે સુખસ્વરૂપ એવો પોતાનો આત્મા તેણે કદી જાણ્યો
નથી, તેની સાચી વાત અંતરના પ્રેમથી સાંભળી નથી. આત્માનું સ્વરૂપ જેવું છે તેવું
સાંભળીને તેનો નિર્ણય કરે ત્યારે તેના સાચા સુખનો અનુભવ થાય, એ સિવાયનું બધું
ફોક છે.
જેમ સોનાની એકસરખી દશ લગડી ઉપર જુદા–જુદા નાના–મોટા વસ્ત્ર વીંટયા
હોય તેથી કાંઈ અંદરની લગડી જુદી–જુદી જાતની થઈ જતી નથી, લગડી તો વસ્ત્રથી
જુદી, એકસરખી છે. તેમ અનંતા જીવો જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી છે. તેમાં ઉપર જુદા–
જુદા શરીરનો સંયોગ છે,–કોઈને પુરુષનું શરીર, કોઈને સ્ત્રીનું શરીર, કોઈને દેવનું
શરીર, કોઈને મનુષ્યનું, કોઈને ઢોરનું–એમ ઉપરના ચામડા જુદા જુદા છે પણ આત્મા
કાંઈ સ્ત્રી–પુરુષ વગેરે નથી, આત્મા તો તે શરીરથી જુદા એકસરખા જ્ઞાનસ્વરૂપ છે.
જેવા સિદ્ધ પરમાત્મા છે તેવો દરેક આત્મા છે.
આત્માનો સ્વભાવ પરભાવોથી ભિન્ન છે, ને પોતાના જ્ઞાનાનંદ સ્વભાવથી પૂરો
છે, તેને કોઈ આદિ કે અંત નથી. સંકલ્પ–વિકલ્પથી રહિત એવા શુદ્ધનયવડે આવો
આત્મા જ્યારે અનુભવમાં આવે છે ત્યારે એવો કોઈ આત્મિક આનંદ થાય છે કે જે
આનંદની પાસે ઈન્દ્રપદ કે ચક્રવર્તી પદના વૈભવની પણ કાંઈ ગણતરી નથી. રાગ અને
સંયોગ તો ઉપાધિ છે, તે કાંઈ ચૈતન્યની મૂળ વસ્તુ નથી. શુભ–અશુભ રાગ તે
ચૈતન્યધર્મથી જુદી ચીજ છે. આવા ચૈતન્યસ્વરૂપ આત્માને ઓળખવો તે ધર્મ છે.

PDF/HTML Page 53 of 57
single page version

background image
: ૫૦ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
આત્માની લગની...ને અનુભવની ખૂમારી
માહ વદ છઠ્ઠે આકોલા શહેરમાં પૂ. શ્રી કાનજીસ્વામી પધારતાં
જૈનજનતાએ ઉમંગભર્યું સ્વાગત કર્યું; દોઢ લાખની વસ્તીવાળા
આ શહેરમાં જૈનોના પાંચસો ઘર, એટલે ત્રણેક હજારની વસ્તી
છે. ચાર દિગંબર જિનમંદિરો છે. સ્વાગત પછી પ્રમિલાતાઈ
હોલમાં મંગલપ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કે–
લાગી લગન હમારી જિનરાજ લાગી લગની હમારી...
કાહૂકે કહે કબહૂં ન છૂટે લોકલાજ સબ ડારી...
પ્રભુજી! લાગી લગન હમારી.
જિનરાજ તે વીતરાગસ્વભાવને પામેલા સર્વજ્ઞ પરમાત્મા, તેમને ઓળખીને
ભક્ત કહે છે કે હે ભગવાન! આપની વીતરાગતાને અને આપના અતીન્દ્રિય જ્ઞાન–
આનંદને અમે ઓળખ્યા, ત્યારથી અમને તેની લગની લાગી છે, તે લગની હવે કદી
છૂટે નહીં જ્ઞાનાનંદસ્વભાવની જે શ્રદ્ધા થઈ તે કદી છૂટે નહીં. હે નાથ! આત્માની જે
ખૂમારી ચડી, જે રંગ લાગ્યો તે કોઈ પ્રસંગે કદી છૂટે નહીં. આત્માના અનુભવની કોઈ
અપૂર્વ ખૂમારી જ્ઞાનીને છે, આત્માની લગની આડે લોકલાજ છોડી દીધી છે તેથી
લોકની પ્રતિકૂળતા હો તોપણ, સ્વભાવના અનુભવની ખુમારી ચડી તે ચડી, તેમાં હવે
ભંગ પડે નહીં ને બીજો રંગ લાગે નહીં. આત્માની આવી રુચિ–શ્રદ્ધા–ઓળખાણ
કરવી તે મંગળ છે.
બપોરે પ્રવચનમાં ગુરુદેવે કહ્યું–આત્મા પોતે સર્વજ્ઞપરમેશ્વર છે, અચિંત્ય
જ્ઞાનશક્તિ તેનામાં છે. આચાર્યદેવ કહે છે કે અરે જીવો! અનાદિથી નિજસ્વરૂપને
ભૂલીને જે ભ્રમણા કરી છે તેને હવે તો છોડો. પર મારાં, શરીરાદિનાં કામ હું કરું એવી
સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ અજ્ઞાનને હવે તો છોડો. અરે જગતના જીવો! આ
ચેતનસ્વરૂપ આત્મા છે તે કદી અચેતન શરીર સાથે એકમેક થતો નથી, ત્રણેકાળે તે
જડથી જુદો જ છે. જડ–ચેતનની એકતાબુદ્ધિનો જે ભ્રમ છે તેને હવે તો છોડો. અહો,
આત્માના રસિક જનોને રુચિકર એવું જ્ઞાનસ્વરૂપ છે, તે જ તમારું સ્વરૂપ છે, તેને
અનુભવમાં લઈને તેનો સ્વાદ લ્યો. ચૈતન્યરસ એ જ સાચો રસ છે, તેના ભાન વગર
ચારે ગતિમાં જીવે અનંત અવતાર કર્યા છે. તેનાથી હવે કેમ છૂટાય–તેની આ વાત છે.

PDF/HTML Page 54 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૫૧ :
આત્માનો સમ્યક્ સ્વભાવ ચેતનરૂપ છે; તે સ્વભાવમાં સંયોગ કે પરભાવનો
પ્રવેશ થતો નથી. માટે હે જીવો! તમે મોહ છોડીને આવા સાચા સ્વરૂપનો અનુભવ કરો.
નિજઘર ચૈતન્યનિધાનથી ભરેલું છે તે કદી જોયું નહિ, ને પરઘરને–પરભાવને જ પોતાનું
સ્વરૂપ માનીને દુઃખી થયો.
अपनेको आप भूलके हैरान हो गया। પણ अपनेको आप
जानकर आनन्दी हो गया।–માટે આત્માનું સાચું સ્વરૂપ શું છે તે સાંભળીને તેની
સમજણ કરવી તે અપૂર્વ ચીજ છે.
જીવને મનુષ્યપણું અને આત્માના સાચા સ્વરૂપનું શ્રવણ મળવું તે અનંતકાળમાં
દુર્લભ છે. દુર્લભ છતાં તે અનંતવાર મળી ગયું પણ श्रद्धा परम दुर्लभ છે, આત્માની સાચી
શ્રદ્ધા જીવે કદી કરી નથી; તે અપૂર્વ છે. એક સેકંડ પણ આત્મસ્વરૂપની ઓળખાણ અને
સાચી શ્રદ્ધા કરે તો અલ્પકાળમાં મુક્તિ થાય. સંસારમાં બીજું બધું તો સુલભ છે, પુણ્ય
સુલભ છે, સ્વર્ગની પ્રાપ્તિ સુલભ છે, પણ આનંદથી ભરેલો શુદ્ધ ચૈતન્યસ્વભાવ–કે જેમાં
પરભાવનો પ્રવેશ નથી,–તેની પ્રાપ્તિ, તેનો અનુભવ, તેની શ્રદ્ધા તે અપૂર્વ કલ્યાણકારી
દુર્લભ ચીજ છે. અને પોતાની ચીજ પોતામાં જ પ્રાપ્ત છે તે અપેક્ષાએ સુલભ છે.
જેમ તેલ પાણીમાં પ્રવેશતું નથી પણ ઉપર જ તરે છે, તેમ ચીકણા પરભાવો તે
સ્વચ્છ ચૈતન્યમાં પ્રવેશતા નથી પણ ઉપર જ રહે છે, ભિન્ન જ રહે છે. આવા ભિન્ન
આત્માનું ભાન કરવું તે ધર્મની શરૂઆત છે. જેમ સૂત્ર વગરની સોય ખોવાઈ જાય છે
તેમ સૂત્ર વડે જેણે શુદ્ધઆત્મા જાણ્યો નથી તે જીવ સંસારમાં ખોવાઈ જાય છે. પણ જેણે
ભેદજ્ઞાન કરીને શ્રુતજ્ઞાનરૂપી સૂત્ર આત્મામાં પરોવી દીધું તે જીવ સંસારમાં ખોવાતો
નથી, પણ અલ્પકાળમાં રાગ–દ્વેષનો નાશ કરીને મોક્ષ પામે છે. માટે આવા
મનુષ્યપણામાં આત્માને ઓળખવો તે કર્તવ્ય છે.
વીતરાગ સર્વજ્ઞદેવ કહે છે કે જેવો ભગવાન હું છું તેવો જ ભગવાન તું છો; દરેક
આત્મામાં ભગવાનપણું ભર્યું છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થપણામાં હોય તે પણ આવા આત્માનું
ભાન કરીને ભગવાન જેવા પોતાના આત્માને અનુભવે છે. આવો અનુભવ કરવાથી જ
આત્મામાં મોક્ષમાર્ગ પ્રગટે છે.
ગુરુદેવ એકવાર ચૈતન્યની ધૂનમાં જાણે કે આત્મિક વીણા વગાડતા હોય
તેમ મધુર ગૂંજન કરતા હતા કે–
આનંદને અજવાળે રે........
આજ મને અંતરમાં ભેટયા ભગવાન.....!

PDF/HTML Page 55 of 57
single page version

background image
: ૫૨ : આત્મધર્મ : ફાગણ : ૨૪૯૬
–: વૈરાગ્ય સમાચાર:–
રાજકોટમાં ભાઈશ્રી બ્ર. મૂળશંકર દેસાઈ તા. ૧૮–૨–૭૦ ના રોજ
સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વખતથી તેઓ ગંભીર રીતે બિમાર હતા; ગંભીર
બિમારીને કારણે તેમણે પૂ. શ્રી કાનજીસ્વામીને પત્ર લખીને રાજકોટ તેડાવ્યા હતા ને
ગદગદભાવે મન–વચન–કાયાથી ક્ષમાપનાનો ભાવ વ્યક્ત કર્યો હતો. ત્યારપછી તા. ૬–
૨–૭૦ ના રોજ ગુરુદેવ રાજકોટ પધાર્યા ત્યારે બીજી વખત પણ મૂળશંકરભાઈ પાસે
ગયા હતા. રાજકોટ સંઘ પોતાને સમાધિમરણ માટે સાથ આપે એવી ભાવના
મૂળશંકરભાઈએ વ્યક્ત કરી હતી, અને રાજકોટના સંઘે પ્રેમપૂર્વક તેમને પૂરો સાથ
આપ્યો હતો. આ પ્રકારના વાત્સલ્યથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. વીતરાગી દેવ–
ગુરુ–ધર્મની ઉપાસના વડે તેઓ આત્મહિત પામો.
મુંબઈમાં તા. ૨પ–૨–૭૦ ના રોજ લીંબડીવાળા હિંમતલાલ છોટાલાલ
ડેલિવાળા સ્વર્ગવાસ પામ્યા છે. છેલ્લા કેટલાક વખતથી તેમને કેન્સરનું દર્દ હોવા છતાં
શાંતિથી ધાર્મિક વાંચન–શ્રવણ પણ કરતા હતા. સોનગઢ આવીને પણ અવારનવાર
લાભ લેતા હતા. સુરેન્દ્રનગરના બ્ર. શારદાબેનના તેઓ બનેવી થાય વીતરાગી દેવ–
ગુરુ–ધર્મની ઉપાસના વડે તેઓ આત્મહિત પામો.
મોરબીવાળા ધારશીભાઈ જટાશંકરના પુત્ર નવીનચંદ્રના ધર્મપત્ની માહ
સુદ છઠ્ઠના રોજ શિવ (મુંબઈ) મુકામે ૨૭ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. અંતિમ
સમય સુધી જિનેન્દ્ર ભગવાનનું સ્મરણ કરતાં કરતાં તેમણે દેહ છોડયો. ગુરુદેવ સાથે
તેમણે તીર્થયાત્રા કરી હતી. વીતરાગી દેવ–ગુરુના શરણે તેઓ આત્મહિત પામો.
વઢવાણવાળા જગજીવન લક્ષ્મીચંદના પુત્રી સવિતાબેન માહ સુદ ૮ નારોજ
૪૨ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા છે. છેવટ સુધી તેમણે દેવ–ગુરુનું સ્મરણ તથા શાસ્ત્રની
સ્વાધ્યાયનું સ્મરણ કર્યું હતું તેમનો આત્મા દેવ–ગુરુ–ધર્મના શરણે આત્મહિત પામો.
જરૂર છે–
સુશિક્ષિત જૈન, હિસાબીકામ તથા કોઠારકામ જાણનાર આસિસ્ટન્ટ ગૃહપતિની
જરૂર છે. સંગીત તથા કસરત જાણનારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.
તા. ૨૦–૪–૭૦ સુધીમાં પોતાના હસ્તાક્ષરમાં અરજી કરવી. અરજી સાથે
સર્ટીફિકેટો બિડવા.
લી.–
મંત્રીઓ, શ્રી જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 56 of 57
single page version

background image
: ફાગણ: ૨૪૯૬ આત્મધર્મ : ૫૩ :
દશહજાર–મરાઠી
જૈનબાળપોથી ભેટ
પૂ. શ્રી કાનજીસ્વામી અંતરીક્ષ–પાર્શ્વનાથ (શિરપુર) માં
પંચકલ્યાણક પ્રતિષ્ઠા–મહોત્સવ નિમિત્તે પધાર્યા ત્યારે તેઓશ્રીના
સુહસ્તે મરાઠી ભાષામાં જૈનબાળપોથીની દશહજાર પ્રતિ
આબાલવૃદ્ધ સૌને ભેટરૂપ વહેંચવામાં આવી હતી. બ્ર. હરિલાલ
જૈન દ્વારા લખાયેલી આ ‘જૈનબાળપોથી’ તે જૈનસમાજનું એક
સર્વોપયોગી પુસ્તક છે, અને હવે પછીની આવૃત્તિ વખતે તેની
પ્રતસંખ્યા એક લાખની મર્યાદા વટાવી જશે. બાળપોથી પછીના
પુસ્તકોની શ્રેણી પણ તૈયાર થાય છે; અને તેમાંથી એક પુસ્તકની
વીશ હજાર પ્રત છપાઈ રહી છે,–જે વૈશાખ સુદ બીજે પ્રગટ થશે
મરાઠી બાળપોથીનું પ્રકાશન મુંબઈ મુમુક્ષુમંડળ તરફથી
‘રત્નચિંતામણિ જયંતિમહોત્સવ’ ગ્રંથમાળાના બીજા પુષ્પરૂપે થયું
છે.–ધન્યવાદ!
આત્મરસ–હરિરસ
માહ સુદ પુનમે પૂ. ગુરુદેવ જોરાવરનગરે પધાર્યા; સ્વાગત
બાદ મંગલ– પ્રવચનમાં આત્માનો સાચો રસ બતાવતાં કહ્યું કે–
આત્મામાં જ્ઞાન અને આનંદનો રસ ભર્યો છે, તેનું ભાન કરીને
અનુભવ થાય તે સાચું મંગળ છે. હરિરસ એટલે આત્મરસ, એટલે
કે અતીન્દ્રિય આનંદનો રસ, તેનો સ્વાદ આવે તે મંગળ છે. આત્મા
પોતે અજ્ઞાન અને રાગ–દ્વેષને હરનારો હરિ છે. જગતના
વિષયોનો રસ કે રાગનો રસ તે તો કડવા ઝેર જેવો છે. આત્માના
જ્ઞાનસ્વભાવમાં જે આનંદરસ છે તેનો સ્વાદ લેતાં અરિહંતદશા
પ્રગટે છે, તે મંગળ છે. આત્મા અતીન્દ્રિય આનંદરૂપ હરિરસથી
ભરેલો છે; તેનો રસ પ્રગટ કરવો ને જગતનો રસ છોડવો, તે
મંગળ છે, તે ધર્મ છે, તે મોક્ષનો માર્ગ છે.

PDF/HTML Page 57 of 57
single page version

background image
ફોન નં. ૩૪ “આત્મધર્મ” Regd. No G 182
ગી.....ર.....ના.....ર
વાહ ગીરનાર ધામ... વાહ આતમરામ....
વૈરાગી થઈ જ્યાં વસ્યા નેમિરામ વાહ ગીરનાર વાહ! વાહ આતમરામ!
ઊંચો ગીરનાર ઊંચો ઊંચો આતમરામ વાહ ગીરનાર ધામ! વાહ આતમરામ!
આતમની ગૂફામાં વસે આનંદરામ
વાહ આતમરામ! વાહ આનંદધામ!
મુનિજનો જ્યાં સાધે આતમરામ વાહ આનંદધામ! વાહ ગીરનારધામ!
ગુરુ ને સંતથી કેવું શોભે ધામ! વાહ ગીરનારધામ! વાહ આતમરામ!
ધરસેન–પુષ્પ–ભૂત મુનિ આપે જ્ઞાન, વાહ મુનિરાજ! વાહ શ્રુતજ્ઞાન!
મુક્તિનો માર્ગ જ્યાં ખોલ્યો નેમિનાથ, વાહ ગીરનાર ધામ, વાહ આતમધામ!
પંચમ ટૂંક જ્યાં શોભે મુક્તિ ધામ,
વાહ ગીરનાર ધામ, વાહ મુક્તિધામ!
આવો આવો સૌ ધ્યાવો આતમરામ, વાહ ધ્યાનધામ! વાહ આત્મરામ.
(મહા સુદ ૧૨ પૂ. કહાનગુરુ સાથે
ગીરનાર તીર્થના દર્શન પ્રસંગે: બ્ર. હ. જૈન)


_________________________________________________________________
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ વતી પ્રકાશક અને
મુદ્રક: મગનલાલ જૈન અજિત મુદ્રણાલય: સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત: ૨૭૦૦