Atmadharma magazine - Ank 371
(Year 31 - Vir Nirvana Samvat 2500, A.D. 1974).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 2 of 3

PDF/HTML Page 21 of 45
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
શાસનની વિશેષતા તો, અનેકાન્તમય વસ્તુસ્વરૂપ બતાવીને
ભેદજ્ઞાન અને વીતરાગતા કરાવે છે ને એ રીતે મોક્ષમાર્ગ દેખાડીને
જીવોનું પરમ હિત કરે છે,–તેમાં જ છે. વીરપ્રભુએ બતાવેલો આવો
હિતમાર્ગ પોતે સમજવો ને જગતમાં તેનો પ્રચાર થાય તેમ કરવું તે
જ પ્રભુના મોક્ષમહોત્સવની સાચી ઉજવણી છે. (સં.)
પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિણ પરિણામ છે;
ગુણ–દ્રવ્ય–પર્યયસ્થિત ને અસ્તિત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦.
આ લોકમાં પરિણામ વગરની વસ્તુ નથી, ને વસ્તુ વગર પરિણામ હોતાં નથી.
દ્રવ્ય–ગુણ–પર્યાયમાં સ્થિત વસ્તુ અસ્તિત્વસ્વરૂપ છે.
વસ્તુ પરથી ભિન્ન છે, પણ પોતાના પરિણામથી ભિન્ન નથી. પર વગરનું
સત્પણું છે, પણ પોતાના પરિણામ વગર વસ્તુનું સત્પણું હોતું નથી.
સત્ વસ્તુમાંથી પોતાના કોઈ દ્રવ્ય–ગુણ–પર્યાયને કાઢી નાંખી શકાય નહિ, કેમકે
વસ્તુનું સત્પણું જ દ્રવ્ય–ગુણ–પર્યાયનું બનેલું છે. પરિણામને કાઢી નાંખો તો વસ્તુની
હયાતી જ રહેતી નથી. પરિણામ વિના વસ્તુ હયાતી ધરતી નથી, કારણ કે વસ્તુ દ્રવ્યાદિ
વડે પરિણામથી જુદી અનુભવમાં આવતી નથી–જોવામાં આવતી નથી.
પરિણામ છે તે પરિણામી–વસ્તુને સિદ્ધ કરે છે. પરિણામી વસ્તુ પોતાના
પરિણામ વગરની હોતી નથી. વસ્તુ પોતે સામાન્ય–વિશેષ સ્વરૂપ છે. સામાન્ય વગરનું
વિશેષ, કે વિશેષ વગરનું સામાન્ય હોતું નથી. એક જ વસ્તુના આશ્રયે રહેલાં દ્રવ્ય ને
પર્યાય, તેમને સર્વથા જુદા માનતાં વસ્તુનું અસ્તિત્વ જ સાબિત થઈ શકતું નથી.–માટે
પરિણામ અને પરિણામી બંને સ્વરૂપે વસ્તુને એકસાથે જો. વસ્તુના પરિણામ અને
પરિણામી અન્ય વસ્તુથી તો સદાય જુદા છે, પણ પોતાની વસ્તુથી તેઓ જુદા નથી,
વસ્તુ પોતે જ પરિણામસ્વભાવી છે. વસ્તુ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં વસેલી છે,
ઉત્પાદ–વ્યય–ધ્રુવતારૂપ સત્પણું તે જ વસ્તુના સ્વરૂપનું અસ્તિત્વ છે. પર વસ્તુના
સંયોગમાં કાંઈ વસ્તુનું અસ્તિત્વ નથી; એટલે તેનો વિયોગ થતાં પણ વસ્તુના
અસ્તિત્વને કોઈ બાધા પહોંચતી નથી.

PDF/HTML Page 22 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૧૯ :
ભાઈ, તારા આત્માની રમત તારા પરિણામ અને પરિણામી વચ્ચે છે; બીજા
સાથે તારે કોઈ સંબંધ નથી. તારા પરિણામરૂપે થનાર તારી વસ્તુ છે, બીજું કોઈ નથી.
ને તું તારા પરિણામરૂપે જ થનાર છો, અન્યરૂપે થનાર તું નથી.–આમ પરથી અત્યંત
ભિન્ન પોતાના સ્વરૂપઅસ્તિત્વને નક્કી કરનાર જીવ, પોતાના પરિણામને પોતામાં જ
સમાવતો થકો, પર પ્રત્યે મોહરૂપે જરાય નહિ પરિણમતો થકો, ‘શુદ્ધ’ પણે રહે છે.–
આવું શુદ્ધપણું તે મોક્ષમાર્ગ છે...તે મોક્ષમાર્ગપરિણામમાં તન્મયપણે આત્મા સ્વંય તે રૂપે
તે કાળે પરિણમ્યો છે–એ ધર્મી જાણે છે.
વસ્તુ પોતાના ગુણ–પર્યાયમાં ‘અકંપ’ રહેલી છે–એ જ તેના સ્વરૂપની
રક્ષા છે. ‘પરિણામ’ પરિણામીથી જુદા નથી, પણ પરિણામ બીજા પરિણામથી જુદા છે:
જેમકે–
એક આત્મામાં ક્ષાયિકસમ્યક્ત્વ છે, ને રાગાદિ પણ છે; હવે ત્યાં–
* સમ્યક્ત્વ અને રાગ તે પરિણામો આત્મવસ્તુ વગર હોતાં નથી, એ બંને
પરિણામો આત્મવસ્તુનાં જ છે.
* પણ તેમાં, જે સમ્યક્ત્વ–પરિણામ છે તે રાગ વગરનાં છે, ને રાગપરિણામ
સમ્યક્ત્વ વગરનાં છે; એ રીતે સમ્યક્ત્વ અને રાગ એ બંને પરિણામો એક–
બીજા વગરનાં છે; પણ તે પરિણામો વસ્તુ વગરનાં નથી.
* સમ્યક્ત્વ અને રાગ બંને પરિણામો એકબીજાથી ભિન્ન છે, બંનેનાં કાર્ય ભિન્ન છે,
બંનેના સ્વાદ ભિન્ન છે.
હે ભાઈ.....સર્વજ્ઞ વીતરાગદેવે જિનશાસનમાં પ્રસિદ્ધ કરેલું આ વસ્તુસ્વરૂપ તું
જાણ....તો તારું જ્ઞાન વીતરાગભાવથી ખીલી ઊઠશે, તારો આત્મા સ્વપરિણામની
નિર્મળતામાં શોભી ઊઠશે.–એ જ મહાવીર ભગવાનના નિર્વાણનો સાચો મહોત્સવ છે.
પરિણામી અને પરિણામમાં વસ્તુસ્વરૂપની મર્યાદા સમાપ્ત થાય છે; તે મર્યાદાને
ઓળંગીને પરવસ્તુ સાથે સંબંધ માનીશ નહિ. વીતરાગમાર્ગમાં કહેલી વસ્તુસ્વરૂપની
મર્યાદા તે વીતરાગતાનું કારણ છે.
હે ભાઈ!..... તું ‘પરિણામને’ એકલા ન જોઈશ.
પરિણામનો સંબંધ પર સાથે બાંધીશ નહિ.
પરિણામનો સંબંધ પરિણામી વસ્તુ સાથે જાણજે.

PDF/HTML Page 23 of 45
single page version

background image
: ૨૦ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
એટલે પર્યાયે–પર્યાયે પરિણામને જાણતાં વસ્તુને પણ ભેગી લક્ષમાં રાખજે....
વસ્તુ તો જ્ઞાનાનંદ–શુદ્ધસ્વભાવી છે, એટલે તેને લક્ષમાં રાખતાં તારા પરિણામ પણ શુદ્ધ
થતા જશે, વસ્તુ પોતે જ પોતાના શુદ્ધપરિણામરૂપે પરિણમવા માંડશે.
‘મારા પરિણામ મારી વસ્તુથી થાય છે’–એમ નક્કી કરનાર જીવ સ્વવસ્તુને
લક્ષમાં રાખીને (અને પર વસ્તુથી ભિન્નતા રાખીને) પરિણમતો હોવાથી, તેને એકલું
અશુદ્ધ પરિણમન નથી હોતું, પણ સમ્યક્ત્વાદિ અનંતગુણના શુદ્ધપરિણામ હોય છે.
જે રાગ–પરિણામ થાય છે તે મારી ચૈતન્યવસ્તુ વગર હોતાં નથી, એમ રાગના
કાળે જ ચૈતન્યવસ્તુને સાથે ને સાથે દેખનારા જીવને રાગમાં એકત્વબુદ્ધિ રહેતી નથી,
તેની જ્ઞાનપરિણતિ રાગથી જુદી પરિણમીને, ચૈતન્યવસ્તુમાં એકત્વપણે પરિણમે છે
એટલે તે જ્ઞાનચેતનામાં શુદ્ધતા–વીતરાગતા–આનંદ–સમ્યક્ત્વ વગેરે અનંત શુદ્ધભાવોનો
રસ ભેગો વેદાય છે.–આ વીતરાગીવિજ્ઞાનનું મહાન આનંદ–ફળ છે.–આ જ મહાવીર
ભગવાનના નિર્વાણનો સાચો મહોત્સવ છે....આ જ વીરપ્રભુએ બતાવેલો મોક્ષમાર્ગ છે.
ભગવાન મહાવીરે કહેલા આવા વીતરાગ વિજ્ઞાનનો પ્રચાર કરવો, આવું
જ્ઞાનસાહિત્ય લોકોમાં પ્રચાર પામે તેમ કરવું, તે આ અઢીહજાર વર્ષના ઉત્સવમાં ખાસ
કરવા જેવું છે. ભગવાનના નામે બગીચા, સ્કુલો કે દવાખાના વગેરે તો લૌકિક–કાર્ય છે,
એવા કાર્યો તો બીજા લૌકિક માણસોમાં પણ થાય છે, તે કાંઈ મહાવીર ભગવાનની
વિશેષતા નથી; મહાવીર ભગવાનના શાસનની વિશેષતા તો અનેકાન્તમય વસ્તુસ્વરૂપ
બતાવીને ભેદજ્ઞાન અને વીતરાગતા કરાવે છે ને એ રીતે મોક્ષમાર્ગ દેખાડીને જીવોનું
પરમહિત કરે છે,–તેમાં જ છે. વીરપ્રભુએ બતાવેલો આવો હિતમાર્ગ પોતે સમજવો ને
જગતમાં તેનો પ્રચાર થાય તેમ કરવું તે જ પ્રભુના મોક્ષમહોત્સવની સાચી ઉજવણી છે.
ભગવાન મહાવીર પરમાત્માએ કહેલો વસ્તુનો સ્વભાવ કેવો છે–કે જેને જાણતાં
વીતરાગવિજ્ઞાન થાય છે! તે આ પ્રવચનસારમાં કુંદકુંદસ્વામીએ પ્રસિદ્ધ કર્યો છે. આ
વસ્તુસ્વભાવ લક્ષમાં રાખીને બધા શાસ્ત્રોનું તાત્પર્ય સમજવું જોઈએ. જ્ઞાનતત્ત્વના
નિર્ણયપૂર્વક જ્ઞેયતત્ત્વોનું જ્ઞાન તે પ્રશમનું એટલે કે વીતરાગી શાંતિનું કારણ છે.
વસ્તુ નિત્ય–અનિત્યસ્વરૂપ અનેકાન્તમય છે. તે વસ્તુ એકલા પરિણામ જેટલી
નથી, તેમજ સર્વથા કૂટસ્થ પણ નથી. પોતાના તે–તે કાળના પરિણામ સાથે વસ્તુ
તન્મયપણે પરિણમેલી છે. નિત્ય ટકવાપણું ને પરિણમવાપણું–એવા અનેકાન્તસ્વભાવથી
સત્ વસ્તુ વિદ્યમાન છે.

PDF/HTML Page 24 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૨૧ :
પોતાના રાગપરિણામ કે જ્ઞાનપરિણામ, –તે આત્મવસ્તુથી જુદા નથી. પરિણામ
ક્યાંક, ને વસ્તુ ક્્યાંક–એમ ભિન્નપણું દ્રવ્યથી–ક્ષેત્રથી–કાળથી કે ભાવથી જોવામાં
આવતું નથી. તે–તે કાળના પરિણામનો આધાર વસ્તુ છે, બીજું કોઈ નહિ.
રાગપરિણામ કે વીતરાગપરિણામ તેનો આધાર આત્મવસ્તુ છે. તેનો આધાર કાંઈ કર્મ
કે શરીરાદિ નથી.
પરિણામ છે તે કાર્ય છે; તે કાર્ય, કારણ વગર હોતું નથી.–તે કારણ કોણ? કે
વસ્તુ પોતે તે કાળે તે કાર્યનું કારણ છે, બીજું કોઈ કારણ નથી. બીજાનું વિદ્યમાનપણું
બીજામાં છે, આ કાર્યમાં (સમ્યક્ત્વમાં કે મિથ્યાત્વમાં) બીજાનું વિદ્યમાનપણું નથી;
બીજાથી તેને અત્યંત જુદાઈ છે.
જુઓ, આ વસ્તુસ્વરૂપનો મહાન સિદ્ધાંત છે. કેવળી–શ્રુતકેવળી ભગવાનના
સાન્નિધ્યમાં એક જીવ ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યો; ત્યાં તે જીવના ક્ષાયિકસમ્યક્ત્વનો
આધાર કોણ છે?–કે જેનાં તે પરિણામ છે તે જ તેનો આધાર છે. તે ક્ષાયિકસમ્યક્ત્વરૂપે
આ આત્મા પોતે પરિણમ્યો છે, એટલે તેનું કારણ ને તેનો આધાર આ આત્મા છે, બીજા
કેવળી કે શ્રુતકેવળી આ પરિણામના આધાર કે કારણ નથી. તેમજ, મિથ્યાત્વપરિણામે
પરિણમનાર જીવમાં પણ, તે પરિણામનો આધાર તે જીવ પોતે તે કાળે છે, કર્મ કે બીજું
કોઈ તેનો આધાર નથી. ભાઈ, તારા પરિણામનું કારણ તારામાં છે, બીજામાં નથી, માટે
પરિણામ સાથે તારે તારી સ્વવસ્તુ જોવાની રહી, તારા પરિણામ માટે તારે બીજા સામે
જોવાની પરાધીનતા ન રહી.
વાહ રે વાહ! જુઓ આ ભગવાનનો સ્વાધીન માર્ગ!–સ્વાધીનતાનો આ સિદ્ધાંત
જગતના બધા જડ–ચેતન પદાર્થોમાં, તેમજ શુદ્ધ–અશુદ્ધ પરિણામોમાં લાગુ પડે છે. એક
સિદ્ધાંત બરાબર સમજે તો ઉપાદાન–નિમિત્તનો, કારણ–કાર્યનો, નિશ્ચય–વ્યવહારનો કે
વસ્તુના ક્રમબદ્ધ–નિયમિત પરિણામની સ્વતંત્રતાનો;–એ બધાય ખુલાસા આવી જાય છે.
કર્મથી જીવનાં અશુદ્ધપરિણામ થાય, કે દેવ–ગુરુના આધારે આ જીવનાં ધર્મપરિણામ
થાય, એમ જોવામાં આવતું નથી. જીવનાં તે–તે કાળનાં પરિણામ (અશુદ્ધ કે શુદ્ધ તે)
કર્મથી ને દેવ–ગુરુથી તો જુદા જ જોવામાં આવે છે, પણ પોતાની આત્મવસ્તુથી પોતાના
તે–તે કાળના પરિણામ ભિન્ન જોવામાં આવતાં નથી. વસ્તુના પરિણામને વસ્તુ સાથે
સંબંધ છે, પરસાથે સંબંધ નથી. સૂક્ષ્મ ભેદ પાડતાં દ્રવ્ય તે દ્રવ્ય છે, પર્યાય તે પર્યાય છે,
–પણ તે દ્રવ્ય ને પર્યાય બંને ધર્મો એક વસ્તુમાં સમાય છે,

PDF/HTML Page 25 of 45
single page version

background image
: ૨૨ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
વસ્તુથી તે જુદાં નથી; કેમકે દ્રવ્યથી–ક્ષેત્રથી–કાળથી કે ભાવથી વસ્તુ અને તેનાં
પરિણામ જુદાં નથી. (–वस्तुनो द्रव्यादिमिः परिणामात् पृथक् उपलभ्भ अभावात्...
પ્રવચનસાર ગા. ૧૦ ટીકા.)
–વસ્તુના સિદ્ધાંતની આ ચાવી બધે ઠેકાણે લાગૂ પાડીને સમજતાં બધા પ્રશ્નોનું
સમાધાન થઈને સાચું સ્વ–પરનું ભેદજ્ઞાન થાય છે. કોઈ પણ પરિણામ થયા,–તો તે
પરિણામ કોનાં?–કે વસ્તુના; એટલે તેનો સંબંધ પર સાથે ન રહ્યો, વસ્તુ સાથે જ રહ્યો.
–આ રીતે પરિણામ સાથે પરિણામી–વસ્તુને જોતાં આત્મા દેખાય છે ને અન્ય
વસ્તુ સાથે કર્તા–કર્મની મિથ્યાબુદ્ધિ રહેતી નથી.–વસ્તુસ્વરૂપની આવી ઓળખાણ જેણે
કરી તેણે મહાવીર ભગવાનને ઓળખ્યા, ને તેણે મહાવીર ભગવાનના ૨૫૦૦ મા
નિર્વાણ મહોત્સવની સાચી ઉજવણી પોતાના આત્મામાં કરી.
તારા પરિણામનો આશ્રય તારી વસ્તુ જ છે, અન્ય નહિ; માટે પરાશ્રયબુદ્ધિ છોડ
ને સ્વાશ્રય પરિણતિ કર. શ્રેણીકનો જીવ અત્યારે (નરકમાં પણ) ક્ષાયિકસમ્યક્ત્વના
પરિણામરૂપે પરિણમી રહ્યો છે, ત્યાં તે ક્ષાયિકસમ્યક્ત્વના પરિણામનો આશ્રય તેનો
આત્મા પોતે છે, કેવળી કે શ્રુતકેવળી તેનો આશ્રય નથી, કેવળી કે શ્રુતકેવળીની નીકટતા
વગર પણ તેના ક્ષાયિકપરિણામ સમયે સમયે સ્વ વસ્તુના આશ્રયે થઈ જ રહ્યા છે. તે
પરિણામ પર વસ્તુથી જુદા છે, પણ સ્વ વસ્તુથી (દ્રવ્ય–ક્ષેત્રે–કાળે કે ભાવે) જુદા નથી.
જુઓ, વસ્તુ ને તેના પરિણામને પ્રદેશભેદ નથી, કાળભેદ પણ નથી. તે–તે
કાળના પરિણામ સાથે તે સમયે વસ્તુ તન્મય છે, પણ તે સિવાયના બીજા આગળ–
પાછળના પરિણામરૂપે અત્યારે વસ્તુ વર્તતી નથી, એટલે ‘તે કાળે તન્મય’ કહેલ છે.
(પ્રવ. ગાથા ૮)
વસ્તુ પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં રહેલી છે; ઉત્પાદ–વ્યય ધ્રુવતારૂપે તેનું
અસ્તિત્વ છે. વસ્તુનું સત્પણું પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવથી કે દ્રવ્ય–ગુણ–પર્યાયથી જુદું
નથી. તે–તે સમયના દ્રવ્ય–ગુણ–પર્યાય, કે ઉત્પાદ–વ્યય–ધ્રુવતા, બધુંય વસ્તુ જ છે, એક
જ વસ્તુમાં તે બધા સ્વભાવો સત્પણે સમાઈ જાય છે, આવો ગંભીર અનેકાંતમય
વસ્તુસ્વભાવ છે; તે મહાવીરશાસનમાં પ્રકાશ્યો છે.
જય મહાવીર

PDF/HTML Page 26 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૨૩ :
શ્રાવકનાં આચાર
જૈન સદ્ગૃહસ્થ શ્રાવકનું જીવન કેવા સુંદર ધાર્મિક આચારથી
શોભતું હોય છે–તેનું આ વર્ણન છે. તેમાં મૂળ કર્તવ્યરૂપ સમ્યક્ત્વનો
મહિમા, તથા તેને માટે સાચા દેવ–ગુરુ–શાસ્ત્રના સ્વરૂપની
ઓળખાણ કેવી હોય, અને સમ્યગ્દર્શન ઉપરાંત તેને અહિંસાદિ વ્રતો
કેવાં હોય છે તેનું વર્ણન ગતાંકમાં આપે વાંચ્યું; બાકીનો ભાગ આ
લેખમાં પૂરો થાય છે. (–સં.)
[સકલકીર્તિ–શ્રાવકાચાર, અધ્યાય ૧૫]
(પંદરમા અધિકારના પ્રારંભમાં પંદરમા જિનને નમસ્કાર કર્યા છે.)
બ્રહ્મચર્ય નામના ચોથા અણુવ્રતધારી શ્રાવકને પરસ્ત્રીનો સર્વથા ત્યાગ હોય છે.
પોતાની સ્ત્રી સિવાય અન્ય સમસ્ત સ્ત્રીઓને જે માતા સમાન જુએ છે તેને સ્થૂળ–
બ્રહ્મચર્ય હોય છે. આ બ્રહ્મચર્યસેવન કરીને જીવે વિષયોથી વિરક્ત થવું જોઈએ. વિષયો
કિંપાક ફળ જેવા દુઃખદાયક છે. બુદ્ધિમાન પુરુષોએ પર સ્ત્રીનો એક ક્ષણ પણ સંસર્ગ ન
કરવો જોઈએ. અરે, આ લોકમાં પ્રાણને હરનારી એવી ક્રોધિત સર્પિણીને આલિંગન
કરવું સારૂં પણ બંને લોકને પ્રાણને હરનારી એવી ક્રોધિત સર્પિણીને આલિંગન કરવું
સારૂં પણ બંને લોકને બગાડનાર પરસ્ત્રીને આલિંગન કરવું તે સારૂં નથી; એ મહા નિંદ્ય
કામ છે, અને દુઃખ દેનાર છે. મૂર્ખ લોકોને પરસ્ત્રીની તો પ્રાપ્તિ હોય કે ન હોય પણ
પરસ્ત્રીની ઈચ્છા અને ચિંતાથી જ તેને મહાન પાપ લાગી જાય છે; તેને સદા મરણની
આશંકા રહ્યા કરે છે. તે મૂર્ખની બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે, પરસ્ત્રીસેવનમાં દુઃખ
હોવા છતાં તેને તેમાં સુખ લાગે છે. એનું ચિત્ત સદા કલુષ રહ્યા કરે છે. અરેરે!
વિષયોમાં મગ્ન જીવને તો શાંતિ ક્્યાંથી હોય? પરસ્ત્રીસેવનના પાપથી તે પાપી જીવને
તો નરકમાં અગ્નિથી ધગધગતી લાલચોળ લોઢાની પૂતળી સાથે બાથ ભીડવી પડે છે,
તેથી તે બળી જાય છે ને મહા દુઃખ પામે છે.
વિષયોના સેવનથી કામાગ્નિ કદી શાંત નથી થતો, એ તો બ્રહ્મચર્યરૂપી શીતળ

PDF/HTML Page 27 of 45
single page version

background image
: ૨૪ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
જળવડે જ શાંત થાય છે. જે અધમપુરુષ કામજ્વરરૂપી રોગને પરસ્ત્રીરૂપી ઔષધવડે
મટાડવા ચાહે છે તે તો અગ્નિમાં તેલ નાખવા જેવી મુર્ખતા કરે છે. અરે, હળાહળ ઝેર
ખાઈ લેવું સારૂં, અગ્નિમાં બળી જવું સારૂં, સમુદ્રમાં ડુબી જવું સારૂં તથા પર્વત ઉપરથી
પડવું સારૂં, પરંતુ મનુષ્યને શીલ વગરનું જીવન સારૂં નથી. માટે હે ભવ્ય! હૃદયમાં
વૈરાગ્ય ધારણ કરીને, શીલવ્રતવડે તું તારા આત્માને સુશોભિત કર, ને પરસ્ત્રીનો
સર્વથા ત્યાગ કર.
ધર્મનું આચરણ કરનાર પ્રાણી હીનજાતિનો હોય તોપણ શોભે છે ને સ્વર્ગને
પામે છે; પરંતુ પાપનું આચરણ કરનાર, ધર્મહીન પ્રાણી શોભતો નથી ને દુર્ગતિમાં જાય
છે. શીલ વગરનો વિષયાસક્ત પ્રાણી જીવતો હોય તોપણ મરેલા જેવો છે, કેમકે જેમ
મડદામાં કોઈ ગુણ હોતાં નથી તેમ શીલરહિત જીવમાં કોઈ ગુણ હોતાં નથી.
જે મૂર્ખપ્રાણી સ્વસ્ત્રીને છોડીને પરસ્ત્રીનું સેવન કરે છે તે પોતાની થાળીનું ઉત્તમ
ભોજન છોડીને ચંડાલના ઘરની એઠ ખાવા જાય છે. આમ સમજીને હે મિત્ર! તું
સ્વસ્ત્રીમાં સંતોષ કર ને પછી સદાને માટે સ્ત્રીમાત્રનો ત્યાગ કર. જે વિદ્વાન એકાગ્રચિત્તે
શીલધર્મનું પાલન કરે છે તેના ઉપર મુક્તિસ્ત્રી પ્રસન્ન થાય છે. એક દિવસનું પણ
બ્રહ્મચર્યપાલન કરનાર જીવ નવલાખ જીવોની હિંસાથી બચે છે. તેમજ સ્ત્રીઓમાં પણ
જે સ્ત્રી શીલરૂપ આભૂષણને ધારણ કરે છે તે જગતમાં શોભે છે, તે પ્રસંશનીય છે. જેનો
ઉત્તમ શીલભંડાર ઈન્દ્રિયરૂપી ચોરો વડે લુંટાઈ ગયો નથી તે શીલવાન પ્રાણી ધન્ય છે.
અનેક ઉપદ્રવ થવા છતાં જે પોતાના શીલધર્મને છોડતા નથી તે ધર્માત્મા પ્રશંસનીય છે.
અધિક શું કહેવું? માટે હે મિત્ર! તું શીલધર્મનું સર્વ પ્રકારે પાલન કર.
* શીલવ્રતના પ્રભાવમાં પ્રસિદ્ધ નીલીબાઈની કથા *
જિનદત્તશેઠની પુત્રી નીલી; તે શેઠ જૈનધર્મી હતા, ને જૈનધર્મી સિવાય બીજાને
પુત્રી પરણાવતા નહીં. તે જ ગામમાં સમુદ્રદત્તનો પુત્ર સાગરદત્ત, તે એકવાર નીલીનું
રૂપ દેખીને મોહિત થયો, ને તેની સાથે પરણવા ઈચ્છા કરી; પણ તેઓ જૈનમતના દ્વેષી,
વિધર્મી હોવાથી જિનદત્તશેઠ તેની સાથે નીલીના લગ્ન કરે તેમ ન હતું. આથી તે
સાગરદત્તે કપટપૂર્વક જૈનધર્મ સ્વીકારવાનો દંભ કર્યો ને શ્રાવક જેવા આચરણ કરવા
લાગ્યા. આથી, ‘સાગરદત્તે મિથ્યાત્વમાર્ગ છોડી દીધો ને જૈનધર્મ ધારણ કર્યો’ એમ
સમજીને જિનદત્તે નીલીને તેની સાથે પરણાવી દીધી.

PDF/HTML Page 28 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૨૫ :
લગ્નનું પ્રયોજન સિદ્ધ થતાં સાગરદત્ત ફરીને કુમાર્ગગામી બની ગયો. ને નીલીને
પણ તેના પિતાને ત્યાં જતાં રોકી....આથી જિનદત્ત શેઠને ઘણો પસ્તાવો થયો...અને
પોતાની પુત્રી જાણે કુવામાં પડીને મરી ગઈ હોય–એવું તેને દુઃખ થયું. ખરૂં છે–પુત્રીને
કુવામાં નાખી દેવા કરતાં પણ મિથ્યાત્વનું સેવન કરનારા મૂર્ખ સાથે પરણાવવી તે વધુ
ખરાબ છે. કેમકે મિથ્યાત્વના સંસ્કારથી ઘણા ભવોમાં જીવનું બૂરું થાય છે. જે પોતાની
પુત્રીને વિધર્મમાં આપે છે તે તેનું મહાન અહિત કરે છે, તેને જૈનધર્મનો
પ્રેમ નથી.
નીલીને પણ આ વાતથી દુઃખ થયું; પરંતુ તે પોતે દ્રઢપણે જૈનધર્મનું પાલન
કરતી હતી. ખરું છે–જેને જૈનધર્મનો સાચો રંગ લાગ્યો છે તેને કોઈપણ પ્રસંગમાં તેના
ઉત્તમ સંસ્કાર છૂટતા નથી.
નીલીના સસરા સમુદ્રદત્તે વિચાર્યું કે અમારા ગુરુઓના સંસર્ગથી નીલી પોતાનો
જૈનધર્મ છોડી દેશે ને અન્ય ધર્મ અંગીકાર કરશે.–આમ વિચારી તેણે પોતાના (અન્ય
મતના) ભિક્ષુકોને ભોજન માટે ઘરે નિમંત્ર્યા. પણ નીલીએ યુક્તિથી તેમની પરીક્ષા
કરીને તેમને અજ્ઞાની ઠરાવ્યા.
પોતાના ભિક્ષુકોનું આવું અપમાન થવાથી, સમુદ્રદત્તના કુટુંબીજનો નીલી પ્રત્યે
દ્વેષબુદ્ધિ રાખવા લાગ્યા, તેને અનેક પ્રકારે હેરાન કરવા લાગ્યા ને તેની નણંદે તો તેના
ઉપર પરપુરુષ સાથે વ્યભિચારનું મહાન કલંક નાંખ્યું....અને તે વાત સર્વત્ર પ્રસિદ્ધ
કરવા લાગી. અરેરે, નિર્દોષ શીલવંત નીલી ઉપર પાપકર્મના ઉદયથી આ મહા દોષનું
જૂઠૂં કલંક આવ્યું.
નીલી તો ધૈર્યપૂર્વક જિનમંદિરે ભગવાન પાસે પહોચી ગઈ; અને, આ કલંક દૂર
થાય ત્યારપછી જ ભોજન કરીશ, નહિતર સુખપૂર્વક અનશન વ્રત ધારણ કરીશ–એવી
પ્રતિજ્ઞા કરીને જિનેન્દ્રદેવની સન્મુખ બેસી ગઈ, ને અંતરમાં જિનેન્દ્રદેવના ગુણોનું
સ્મરણ કરીને તેનું ચિંતન કરવા લાગી.
–પણ શીલવંત નારી ઉપરનું કલંક કુદરત કેમ જોઈ શકે? તેના શીલના પ્રભાવથી
નગરરક્ષક દેવતા ત્યાં આવ્યા, ને નીલીને કહ્યું: હે મહાસતી! તું પ્રાણનો ત્યાગ ન કર;
તારું કલંક સવારમાં જ દૂર થશે....માટે તું ચિંતા ન કર. તે દેવતાએ રાજાને પણ
સ્વપ્નમાં એક વાત કરી.

PDF/HTML Page 29 of 45
single page version

background image
: ૨૬ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
બસ,–રાત પડી....નગરીના દરવાજા બંધ થઈ ગયા..
સવાર પડી...નગરીના દરવાજા એવા જડબેસલાક થઈ ગયા કે કોઈ રીતે ખૂલ્યા
નહિ. નગરરક્ષક મુંઝાયો ને રાજાને વાત કરી. રાજાને પણ રાત્રે સ્વપ્ન આવ્યું જ હતું કે
નગરીના દરવાજા બંધ થઈ જશે ને કોઈ શીલવ્રતી સ્ત્રીનો પગ અડશે ત્યારે જ તે ખુલશે.
અનેક સ્ત્રીઓ આવી પણ દરવાજા તો ન ખુલ્યા. છેવટે રાજાની આજ્ઞાથી
મંદિરમાંથી નીલાબેનને બોલાવ્યા....નમસ્કારમંત્રના જાપ જપતી નીલીબેન આવી ને
તેના પગનો સ્પર્શ થતાં જ દરવાજા ખુલી ગયા...તેના શીલનો આવો પ્રભાવ દેખીને
સર્વત્ર જયજયકાર થઈ ગયો ને તેનું કલંક દૂર થયું. સાગરદત્ત વગેરેએ પણ પ્રભાવિત
થઈને તેની ક્ષમા માંગી; અને જૈનધર્મ અંગીકાર કરીને પોતાનું હિત કર્યું.
ત્યારબાદ તે શીલવ્રતી નીલાદેવી સંસારથી વિરક્ત બનીને અર્જિકા થઈ...
રાજગૃહીમાં સમાધિ–મરણ કર્યું....ત્યાં આજે પણ એક સ્થાન નીલીબાઈની ગૂફા તરીકે
પ્રસિદ્ધ છે, ને જગતને શીલનો મહિમા દેખાડી રહ્યું છે.
એવી જ રીતે મહાસતી સીતાજીને પણ શીલરત્નના પ્રભાવે અગ્નિકુંડ પણ
કમલનું સરોવર બની ગયું–તે વાત જગપ્રસિદ્ધ છે.
ધર્માત્મા શેઠ સુદર્શનની શીલદ્રઢતા પણ જગતને માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
કામદેવ જેવા તેમના રૂપથી મોહિત થયેલી કામાંધ રાણીએ તેમને શીલથી ડગાવવા
અનેક વિકારચેષ્ટાઓ કરી, પણ શીલના મેરૂ–સુદર્શન તો અચલ જ રહ્યા. અતીન્દ્રિય
ભાવનાના અતૂટ કિલ્લાવડે ઈન્દ્રિયવિષયોના પ્રહારોથી આત્માની રક્ષા કરી....વાહ,
સુદર્શન...ધન્ય તારું દર્શન!
કામાંધ રાણીએ ક્રોધિત થઈને સુદર્શન ઉપર પોતાનું શીયળ લૂંટવાનો ભયંકર
જૂઠો આરોપ નાંખ્યો; ભલે નાંખ્યો...પણ અડગ સુદર્શનને શું? એ તો વૈરાગ્ય–
ભાવનામાં મગ્ન છે ને પ્રતિજ્ઞા કરી લીધી છે કે આ ઉપસર્ગ દૂર થાય તો ગૃહવાસ
છોડીને મુનિ થઈ જવું.–વૈરાગ્યલીન એ મહાત્માને દુષ્ટ રાણી ઉપર ક્રોધ કરવાનીયે
ફુરસદ ક્્યાં હતી!
રાણીની બનાવટી વાતને સત્ય માનીને રાજાએ તો સુદર્શનને શૂળી ઉપર
પરોવીને મોતની સજા કરી....શીલને ખાતર પ્રાણાંતનો પ્રસંગ આવ્યો...ભલે આવ્યો....
રાજસેવકો

PDF/HTML Page 30 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૨૭ :
શેઠને શૂળીના સ્થાને લઈ ગયા...બસ, હવે શૂળી ઉપર ચડાવે છે...ત્યાં તો, શીલના
પ્રતાપે દૈવી ચમત્કાર થયો....આકાશમાંથી ફૂલ વરસવા માંડયા...પૃથ્વી ફાટીને શૂળીના
સ્થાને સિંહાસન બની ગયું...તલવાર ચલાવનારના હાથ હવામાં જ ચોંટી ગયા...
એ આ શું!
આકાશમાં દેવો શેઠ સુદર્શનના શીલનો જયજયકાર કરવા લાગ્યા...
રાજાએ શેઠની ક્ષમા માંગી...ને માનસહિત નગરીમાં પધારવા પ્રાર્થના કરી. પણ
સંસારથી વિરક્ત શેઠ સુદર્શન તો ત્યાં જ દીક્ષા લઈને મુનિ થયા.
મુનિ થયા પછી પણ તેમના શીલની અનેક કસોટી થઈ પણ તેઓ અડગ રહ્યા,
ઉપદ્રવ થયો તોપણ આત્માની સાધનાથી ન ડગ્યા...ને અંતે સંપૂર્ણ અતીન્દ્રિયભાવ પ્રગટ
કરીને કેવળજ્ઞાન પામીને મોક્ષ પધાર્યા.
પટણા શહેરમાં તેમનું સિદ્ધિધામ આજેય તેમના ગુણગાન જગતમાં પ્રસિદ્ધ કરી
રહ્યું છે.
મહારાજ ભરતચક્રવર્તીના સેનાપતિ, અને હસ્તિનાપુરના રાજા જયકુમાર (તે
શ્રેયાંસકુમારના ભાઈ જે સોમપ્રભ રાજા તેના પુત્ર) તેમના શીલવ્રતની પણ
ઈન્દ્રસભામાં પ્રશંસા થઈ હતી; દેવે તેમના શીલની પરીક્ષા કરી હતી છતાં તેઓ ડગ્યા ન
હતા; તેમના શીલનો મહિમા પણ પુરાણોમાં પ્રસિદ્ધ છે.
બીજા પણ અનેક ધર્માત્મા શીલવંત થયા, તે બધાનો મહિમા કોણ કહી શકે?
કુશીલનું સેવન કરવાથી જે વિષયાંધ જીવો મહાન દુઃખને પામ્યા એવા પાપી
જીવોમાં યમપાલ કોટવાલ પ્રસિદ્ધ છે. તે કામાંધ જીવે એકવાર રાતના અજાણતાં કોઈ
અન્ય સ્ત્રીને બદલે પોતાની માતાને જ ભોગવી; પછી ખબર પડવા છતાં પણ તે દુષ્ટ–
કામાંધ પાપીજીવ દરરોજ પોતાની માતા સાથે કુકર્મ કરવા લાગ્યો. અંતે રાજાને ખબર
પડતાં તેને ભયંકર શિક્ષા કરી, ને તે દુષ્ટ મરીને દુર્ગતિમાં ગયો.–આવા પાપી વિષય–
લુબ્ધ જીવો નરકે ન જાય તો બીજે ક્યાં જાય?
વિષયાંધ રાજા રાવણ નરકે ગયો–એ વાત પણ પ્રસિદ્ધ છે. અત્યંત વૈરાગ્યભરેલી
યશોધર કથામાં પણ, કુશીલવંતી વિષયાંધ અમૃતારાણી પણ છઠ્ઠી નરકે ગઈ–તેનું વર્ણન
છે. આમ કુશીલસેવનમાં પાપથી દુર્ગતિનાં મહાન દુઃખો જાણીને હે ભવ્ય જીવો! તમે તે
પાપને છોડો, ને ઉત્તમ શીલનું સેવન કરો.

PDF/HTML Page 31 of 45
single page version

background image
: ૨૮ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
[સકલકીર્તિ–શ્રાવકાચાર અધ્યાય–૧૬]
જગતને શાંતિ દેનારા, ને સ્વયં શાંતસ્વરૂપ એવા સોળમા ભગવાન શાંતિનાથને
નમસ્કાર કરું છું.
જે બુદ્ધિમાન–શ્રાવક લોભકષાય દૂર કરીને સંતોષપૂર્વક પરિગ્રહની મર્યાદાનો
નિયમ કરે છે તેને પાંચમું વ્રત હોય છે. ગૃહસ્થોએ પાપનો આરંભ ઘટાડવા માટે
પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. ખેતર–ઘર–ધન–ધાન્ય સ્ત્રી આદિ સંપત્તિ મમત્વ
વધારનારી છે, તથા તેમાં ત્રસ–સ્થાવર અનેક જીવોની હિંસા થાય છે, માટે સંતોષને
સિદ્ધ કરવા અને અહિંસાનું પાલન કરવા તું પરિગ્રહની મમતા ઘટાડીને તેની મર્યાદાનો
નિયમ કર. લોભમાં આકુળતા છે, ને સંતોષમાં સુખ છે. સંતોષવાન જીવ જે પદાર્થને
ચાહે છે તે ત્રણલોકમાં ગમે ત્યાં હોય તોપણ તેને પ્રાપ્ત થાય છે. જેમ માંગનારને કદી
અધિકધન મળતું નથી, (–ભિખારીને તો શું મળે!) તેમ લોભ વડે અધિક દ્રવ્યની ઈચ્છા
કરનારને તેની પ્રાપ્તિ થતી નથી. નિસ્પૃહ જીવોને તો વગર માંગ્યે ધનના ઢગલા થઈ
જાય છે, તેમ સંતોષ ધારણ કરનારને ધન વગેરે પુણ્યયોગે સ્વયમેવ આવી જાય છે.
પુણ્યના ઉદય–અનુસાર લક્ષ્મી આવે–જાય છે; માટે હે જીવ! તું લોભ–તૃષ્ણા છોડને
સંતોષરૂપ અમૃતને ધારણ કર. તથા શક્તિઅનુસાર શુભકાર્ય કર. લક્ષ્મી પુણ્યથી આવે
છે, વગર પુણ્યે ઈચ્છા કરવાથી તે આવી જતી નથી. ચૈતન્યની નિજસંપદા જાણીને
બહારની સંપદાનો મોહ જેણે છોડ્યો છે એવા ધર્માત્માને જ આ લોકમાં તીર્થંકર ચક્રવર્તી
કે ઈન્દ્રપદની વિભૂતિ મળે છે. જે બુદ્ધિમાન શ્રાવક પરિગ્રહનું થોડું પરિમાણ કરે છે તેની
પરીક્ષા કરવા માટે ઘણી લક્ષ્મી સામેથી તેના ઘરે આવે છે. કદાચિત્ સૂર્યમાંથી ઠંડક મળે
તોપણ મમતારૂપ પરિગ્રહમાંથી જીવને કદી શાંતિ મળતી નથી. જેમ પશુઓ નગ્ન રહેવા
છતાં મમત્વરૂપ પરિગ્રહના ત્યાગ વગર તેઓ શાંતિ કે પુણ્ય પામતા નથી, તેમ જેને
પરિગ્રહની મર્યાદાનો કોઈ નિયમ નથી એવો ધર્મરહિત જીવ શાંતિ કે પુણ્ય પામતો નથી;
પરિગ્રહની તીવ્ર મૂર્છાથી તે પાપ બાંધીને દુર્ગતિમાં રખડે છે. ધર્મના બગીચાને ખાઈ
જનાર વિષાયસક્ત મનરૂપી હાથી, નિયમ રૂપ અંકુશ વડે વશમાં રહે છે. માટે હે જીવ!
તું સંતોષવડે પરિગ્રહ–પરિમાણનો નિયમ કર.
પરિગ્રહના લોભવશ જીવ ન્યાયમાર્ગ છોડીને અનેક પાપ કરે છે,–દયારહિત

PDF/HTML Page 32 of 45
single page version

background image
: દ્વિ ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૨૯ :
થઈને જૂઠું બોલે છે, ચોરી કરે છે, આર્ત્તધ્યાન કરે છે. તીવ્રલોભી મનુષ્યને દેવ–ગુરુ–
ધર્મનો કે પુણ્ય–પાપનો વિવેક રહેતો નથી, ગુણ–અવગુણને તે જાણતો નથી; લોભવશ
તે ક્્યારેક ગુણીજનનો પણ અનાદર, ને દુર્ગણી જીવોનો આદર કરે છે, દેશ–પરદેશ ભમે
છે, માયા–કપટ કરે છે. લોભીપુરુષની આશા આખા સંસારમાં એવી ફેલાઈ જાય છે કે
જગતનું બધું ધન મળે તોપણ તેનો લોભ શાંત થાય નહીં.
અરે, ધનની પ્રાપ્તિ અનેક દુઃખથી થાય છે, પ્રાપ્ત થયેલ ધનની રક્ષા પણ દુઃખથી
થાય છે, ને તે ધન ચાલ્યું જતાં પણ દુઃખ થાય છે, આ રીતે સદાય દુઃખનું જ કારણ–
એવા ધનની મમતાને ધિક્કાર હો. હે જીવ! તું ધનનો લોભ કરવા કરતાં ધર્મ
પ્રભાવના–અર્થે તેનું દાન કર....એ જ ઉત્તમ માર્ગ છે. દાન વગરનું ગૃહસ્થપણું તો
પરિગ્રહના ભારથી દુઃખ જ દેનારું છે. લોભ તો પાપને વધારનાર હોવાથી નિંદ્ય છે, ને
દાનાદિક શુભકાર્ય શ્રાવકને માટે પ્રશંસનીય છે. માટે હે શ્રાવકોત્તમ! તું સમ્યક્ત્વ
ઉપરાંત વ્રતોને પણ ધારણ કર. સર્વસંગત્યાગી મુનિપણું ન થઈ શકે ત્યાં સુધી
દેશત્યાગરૂપ વ્રત તો જરૂર ધારણ કર.
શીલવ્રતના પાલનના ઉદાહરણમાં આપણે જેમનું નામ વાંચ્યું તે શ્રી જયકુમાર
આ પરિગ્રહ–પરિમાણવ્રતના પાલનમાં પણ પ્રસિદ્ધ છે. તે જયકુમારને સુલોચના નામની
સદ્ગુણી સ્ત્રી હતી. સ્ત્રી–સંબંધી પરિગ્રહ–પરિમાણમાં તેને એકમાત્ર સુલોચના સિવાય
અન્ય બધી સ્ત્રીઓનો ત્યાગ હતો.
એક વખત તે કૈલાસયાત્રાએ ગયા હતા; તે વખતે ઈન્દ્રસભામાં સૌધર્મઈન્દ્રે
તેમના સંતોષવ્રતની પ્રશંસા કરી; તે સાંભળીને એક દેવ તેમની પરીક્ષા કરવા આવ્યો.
તેણે વિદ્યાધરીનું ઉત્તમ રૂપ ધારણ કરીને જયકુમારને ખૂબ લલચાવ્યો, અને હાવભાવ–
વિલાસ કર્યા, ને પોતાની સાથે ક્રીડા કરવા જયકુમારને કહ્યું.
–પણ જયકુમાર જેનું નામ!–એ વિષયોથી પરાજિત કેમ થાય? એ જરાપણ
લલચાયા નહિ; પરંતુ વિરક્ત ભાવે ઉલ્ટું તે વિદ્યાધરીને શિખામણ આપી કે અરે માતા!
આ તને શોભતું નથી. મારે એકપત્નીવ્રત છે એટલે સુલોચના–સ્ત્રી સિવાય અન્ય બધી
સ્ત્રીઓનો મારે ત્યાગ છે. હે દેવી! તું પણ વિષયવાસનાના ભૂંડા પરિણામને છોડ....ને
શીલવંતી થઈને, પરપુરુષ સાથે રમણની અભિલાષા છોડ.–આમ કહીને જયકુમાર તો
હૃદયમાં તીર્થંકર ભગવંતોને યાદ કરીને ધ્યાનમાં ઉભા રહ્યા. દેવે અનેક ઉપાયો કરવા

PDF/HTML Page 33 of 45
single page version

background image
: ૩૦ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
છતાં જયકુમાર ન ડગ્યા...તે ન જ ડગ્યા...વ્રતમાં તેમની દ્રઢતા દેખીને અંતે દેવ પ્રસન્ન
થયો, ને પ્રગટ થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યો, તથા સન્માન કર્યું. કેટલાક સમય બાદ
જયકુમાર સંસારથી વિરક્ત થયા ને રાજપાટ છોડીને મુનિદીક્ષા અંગીકાર કરી,
આત્મધ્યાનવડે કેવળજ્ઞાન પ્રગટ કરીને મોક્ષ પામ્યા.
આ રીતે પરિગ્રહપરિમાણવ્રતમાં પ્રસિદ્ધ જયકુમારની વાત કરી; હવે તે વ્રત–
રહિત, અને તીવ્રલોભમાં લીન જીવ કેવું દુઃખ પામે છે તે માટે શ્મશ્રુ–નવનીત (મૂછ–
માખણિયા) નું ઉદાહરણ કહે છે.–
લઘુદત્ત અથવા લુબ્ધદત્ત નામનો એક અતિલોભી માણસ ધન કમાઈને પરદેશથી
આવતો હતો, ત્યાં ચોરોએ તેને લૂંટી લીધો. રસ્તામાં તેણે એક ગોવાળના ઘરેથી છાશ
માંગીને પીધી; તે છાશના માખણના કણિયા મૂછની સાથે ચોટી ગયા. તે જોઈને
લોભિયાએ વિચાર્યું કે રોજરોજ આ રીતે છાશ માંગીને પીઉં, અને તેમાંથી જે માખણ
મૂંછમાં ચોટી જાય તે ભેગું કરું, ને પછી તેમાંથી ઘી બનાવીને તેનો વેપાર કરીશ. આમ
વિચારી છાશ માગી, મૂછમાં ચોટેલું માખણ તે ભેગું કરવા લાગ્યો. એટલે લોકોએ તેનું
નામ મૂછ–માખણિયો પાડયું.
હવે થોડા દિવસે તે મૂછમાખણિયાએ એક શેર જેટલું ઘી ભેગું કર્યું; ને તે
વિચારમાં ચડી ગયો કે આ ઘી વેચીને હવે હું ચીજો લેવા–વેચવાનો ધંધો કરીશ; તેમાંથી
લાખો રૂપિયા કમાઈશ; પછી રાજા થઈશ; પછી ચક્રવર્તી થઈશ; મારી પટરાણી પ્રેમથી
પગ દાબવા આવશે, ત્યારે લાડમાં ને લાડમાં હું તેને પાટુ મારીશ....આવી ધૂનમાં ને
ધૂનમાં તેણે પાટુ મારવાની ચેષ્ટા કરી. તે ઘીના માટલાને લાગી; માટલાનું ઘી અગ્નિમાં
ઢોળાતાં ભડકો થયો ને તેની ઝૂંપડીને આગ લાગી. તેમાં તીવ્ર લોભના આર્તધ્યાનસહિત
તે બળી મૂઓ...ને દુર્ગતિમાં ગયો.
પરિગ્રહની તીવ્ર લાલસાનું આવું ફળ જાણીને હે મિત્ર! તું આરંભ–પરિગ્રહની
મર્યાદા રાખજે. સમ્યક્ત્વના સર્વે અંગોનું તથા પાંચ વ્રતોનું ઉત્સાહથી પાલન
કરજે...મુનિઓની સદા ભક્તિ કરજે ને ધર્મ ધ્યાનમાં લીન રહેજે.–આથી તું સ્વર્ગ–
મોક્ષને પામીશ.
(ઈતિ પાંચઅણુવ્રત વર્ણન સમાપ્ત)

PDF/HTML Page 34 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૩૧ :
હે મુમુક્ષુ! પ્રથમ તું એ જાણી લે કે –
તારા સંસાર – મોક્ષનો કર્તા કોણ છે?
(તું પોતે? – કે કોઈ બીજો?)
તારા સંસારનો કે મોક્ષનો કર્તા એકલો તું જ છો;
સંસારમાં કે મોક્ષમાં તારો કર્તા બીજો કોઈ નથી.
અરિહંત ભગવાને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને મોક્ષમાર્ગ કહ્યો છે,–
–એ વાત તો જૈનશાસનમાં સર્વત્ર પ્રસિદ્ધ છે.
હવે, આત્મા પોતે જ્યારે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રભાવે પરિણમે છે ત્યારે તે
પોતાના મોક્ષનો કર્તા થાય છે.
અને, જ્યારે સમ્યક્ત્વાદિરૂપે ન પરિણમતાં, અજ્ઞાનથી તે મિથ્યાત્વાદિરૂપે
પરિણમે છે ત્યારે તે પોતાના સંસારનો કર્તા છે.
–સંસાર અને મોક્ષ બંનેમાં પોતાનું–આવું સ્વાધીન–કર્તાપણું જાણનાર જીવ, પર
સાથેના એકત્વનો અધ્યાસ છોડીને, પોતાના આત્માના એકત્વને અનુભવતો થકો,
સ્વાધીનપણે પોતાના મોક્ષનો જ કર્તા થાય છે, ને સંસારના કર્તૃત્વને છોડે છે.
પ્રવચનસાર ગાથા ૧૨૬ માં આચાર્યદેવે એ વાત સરસ સમજાવી છે; મોક્ષમાર્ગમાં
પ્રવેશેલો મુમુક્ષુ આત્મા જાણે છે કે–
• જ્યો હું સંસારી હતો ત્યારે પણ ખરેખર મારું કોઈ પણ ન હતું. ત્યારે પણ હું
એકલો જ મારા મલિન ચૈતન્યભાવ વડે કર્તા–સાધનાદિ થઈને, સ્વભાવસુખથી
વિપરીત એવા દુઃખફળને ઉપજાવતો હતો....તેમાં બીજું કોઈ મારું સંબંધી ન
હતું.
• અને હવે વળી, સાધકદશામાં જેને સુવિશુદ્ધ સહજ સ્વપરિણતિ પ્રગટ થઈ છે
એવો હું એકાંતે મુમુક્ષુ છું; અત્યારે આ મુમુક્ષુ–સાધક–જ્ઞાનદશામાં પણ હું એકલો
જ મારા વિશુદ્ધ–ચૈતન્યભાવ વડે કર્તા–સાધનાદિ થઈને, હું એકલો જ મારા
સ્વભાવ વડે અનાકુળ સુખફળને ઉપજાવું છું.

PDF/HTML Page 35 of 45
single page version

background image
: ૩૨ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
પહેલાંં હું એકલો જ દુઃખરૂપે પરિણમતો હતો; હવે અત્યારે હું એકલો જ મારા
સ્વભાવથી સુખરૂપે પરિણમી રહ્યો છું.
–આ રીતે બંધમાર્ગમાં કે મોક્ષમાર્ગમાં આત્મા એકલો જ છે. આમ આત્માના
એકત્વને જાણીને, પોતાના એકત્વની ભાવનામાં તત્પર થયેલા જીવને, પરદ્રવ્યનો જરાય
સંપર્ક ન રહેવાથી શુદ્ધતા હોય છે, તેમજ કર્તા–કર્મ–સાધન–ફળ એ બધા ભાવોને એક
અભેદ આત્મારૂપે જ ભાવતો–અનુભવતો હોવાથી, તે પર્યાયો વડે ખંડિત થતો નથી
એટલે સુવિશુદ્ધ હોય છે....આ રીતે તેણે પોતાના આત્માને પરથી વિવિક્ત કર્યો છે ને
સ્વતત્ત્વના એકત્વમાં જોડ્યો છે.–આ જ શુદ્ધનય છે, આ જ શુદ્ધાત્માની ઉપલબ્ધિ છે,
આ જ નિર્વાણનો માર્ગ છે...આ જ મહા અતીન્દ્રિયસુખ છે.
“મહાવીર–પરિવાર” (છ બોલનું સંકલ્પ–પત્રક)
મહાવીરભગવાનના ૨૫૦૦ મા નિર્વાણમહોત્સવમાં હું–
* હંમેશાંં જિનમંદિરે જઈશ. (–એક માઈલ સુધીમાં હોય ત્યાં)
* આત્મહિતના લક્ષે હંમેશાં અડધીકલાક ધાર્મિકસાહિત્ય વાંચીશ.
* જૈનમાર્ગના જ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રનું સેવન કરીશ.
* રાત્રે ખોરાક ખાઈશ નહિ. (પાણીનો અપવાદ)
* અળગણ પાણી પીશ નહીં. * લૌકિક સિનેમા જોઈશ નહીં.
આ સંકલ્પ–પત્રક લખીને તુરત મોકલી આપો:
સંપાદક–આત્મધર્મ, સોનગઢ ()
અહો, ચૈતન્યતત્ત્વ આ જગતમાં સર્વોત્કૃષ્ટ સુંદર વસ્તુ છે.
ચૈતન્યતત્ત્વની સુંદરતા જ્યાં અનુભવાય છે ત્યાં જગતનો કોઈ પદાર્થ સુંદર
લાગતો નથી, એટલે ક્્યાંય સુખબુદ્ધિ થતી નથી; સર્વત્ર ઉદાસીનતા રહે છે, ને ચૈતન્યમાં
જ પરમ પ્રેમ રહે છે. અહો....ધર્મીની આવી શાંતદશા ધન્ય છે આ સહજદશા આનંદરૂપ
છે. તેમાં વીરનાથપ્રભુનો સાક્ષાત્કાર છે.

PDF/HTML Page 36 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૩૩ :
આત્મઅનુભૂતિનો માર્ગ
વિકલ્પોના વમળને દૂર કરીને, ચૈતન્યસમુદ્ર ભગવાન આત્મા
પોતે પોતામાં મગ્ન થતાં તે આસ્રવોરૂપી વહાણની પક્કડ છોડી દે છે,
એટલે આસ્રવોથી પોતાને ભિન્ન અનુભવતો થકો તે આત્મા પોતે
પોતામાં મગ્ન થાય છે...ધર્માત્માની આવી દશા સમજાવીને
આચાર્યદેવે અનુભૂતિનો માર્ગ ખુલ્લો કર્યો છે.
[સમયસાર ગાથા ૭૩ ના પ્રવચનમાંથી]

સમયસારની ૩૮ મી ગાથામાં ધર્માત્માના સ્વરૂપસંચેતનનું વર્ણન કર્યું છે. આ
૭૩ મી ગાથામાં પણ, શિષ્ય કેવો અનુભવ કરે છે તેનું વર્ણન છે. કેવા આત્માના
અનુભવથી જીવ આસ્રવોને છોડે છે તે બતાવ્યું છે. ચૈતન્યસ્વરૂપ આત્માનો નિર્ણય
કરીને તેના અનુભવવડે ક્રોધાદિ આસ્રવોનો અભાવ થાય છે. ધર્મી પોતાના
ચૈતન્યસ્વરૂપ આત્માને કેવો અનુભવે છે? પ્રથમ તો ‘હું એક છું’ એમ એકપણે પોતાને
સદા અનુભવે છે. અનાદિ–અનંત સદાય પ્રત્યક્ષ–અખંડ–અનંત ચિન્માત્રજ્યોતિરૂપ
વિજ્ઞાનઘનસ્વભાવપણે હું એક છું. આવા એકત્વસ્વભાવની અનુભૂતિવડે હું શુદ્ધ છું.
એકત્વની અનુભૂતિમાં કર્તા–કર્મ વગેરે કારકોના ભેદની પ્રક્રિયા નથી, હું કર્તા, આ મારું
કર્મ, આ સાધન–એવા કારકોના ભેદ–વિકલ્પો શુદ્ધ અનુભૂતિસ્વરૂપ આત્મામાં નથી.
આવા શુદ્ધ આત્માની અનુભૂતિવડે જ આત્મા આસ્રવોને છોડીને પોતે પોતામાં ઠરે છે.
આસ્રવોને છોડવાનો ને પોતામાં ઠરવાનો એક જ કાળ છે.
હું કર્તા ને મારી પર્યાય મારું કાર્ય–એવા ભેદનો વિકલ્પ પણ જેમાં સમાતો નથી,
ત્યાં હું રાગને કરું ને શરીરને કરું–એ વાત તો ક્્યાં રહી? અહા, આત્માની

PDF/HTML Page 37 of 45
single page version

background image
: ૩૪ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
અનુભૂતિ સર્વે વિકલ્પોથી પાર એક શુદ્ધ ચૈતન્યમાત્ર છે. આવા આત્માને અનુભવીને
ધર્મી કહે છે કે હું એક છું, હું શુદ્ધ છું. એકપણું–શુદ્ધપણું એવા ભેદો પણ કાંઈ અનુભવમાં
નથી રહેતા, પણ સમજાવવું કઈ રીતે? પર્યાયે અંતર્મુખ થઈને આત્માના એકત્વનો
અનુભવ કર્યો ત્યાં પર્યાયના ભેદો રહેતા નથી, કારકના ભેદો રહેતા નથી, શુદ્ધ ચૈતન્યની
અનુભૂતિમાત્ર એક સ્વભાવ જ રહે છે. ભેદ તે અશુદ્ધતા છે; શુદ્ધના અનુભવમાં ભેદ
રહેતા નથી. એક કહો, શુદ્ધ કહો, ધ્રુવ કહો–તે બધું અભેદ છે. મારી આત્મઅનુભૂતિમાં
આનંદનો નાથ ડોલે છે, જેના અનુભવમાં આનંદનાથ હૈયાત નથી તેની પરિણતિ
દુઃખાયેલી છે.–તે દુઃખી છે. ધર્મી કહે છે–અમારો આનંદનો નાથ અમારી અનુભૂતિમાં
જીવંત છે–હયાત છે, અમારે દુઃખ કેવું? આનંદનો નાથ સાક્ષાત્ બિરાજે છે ત્યાં
અનુભૂતિ પણ આનંદરૂપ વર્તે છે. અનુભૂતિમાં જે આનંદ થયો એવા અનંત આનંદનો
આખો પિંડ અમારો આત્મા છે. આવા આત્માને અનુભવમાં લીધો ત્યાં ક્રોધાદિ સર્વે
પરભાવો બહાર રહી ગયા, છૂટી ગયા, જુદા પડી ગયા. પરિણતિ તો અંદર ઊંડે ચૈતન્ય–
પાતાળમાં ઊતરી ગઈ, ત્યાં બહારના કોઈ વિકલ્પો તેનું સાધન નથી, તે તો બહાર રહી
જાય છે. પરિણતિએ અંતરમાં ઊતરીને ચૈતન્યભાવને અનુભવમાં લીધો એટલે આત્મા
અંતરાત્મા થયો, અહા, મારી અનુભૂતિ તો મહા આનંદમય છે, ને ક્રોધાદિ આસ્રવોનું
વેદન તો એકલું દુઃખરૂપ છે. ક્્યાં આ ચૈતન્ય–અનુભૂતિનો આનંદને ક્્યાં આસ્રવોની
આકુળતાનું દુઃખ!–એ બંનેને કાંઈ લાગતું–વળગતું નથી, બંનેને કર્તાકર્મપણું નથી. આમ
નક્કી કરીને આસ્રવોથી જુદો પડે છે ને પોતાના નિર્વિકલ્પ વિજ્ઞાનઘનસ્વરૂપમાં ઠરે છે,–
આ રીતે આત્મા આસ્રવોથી છૂટે છે. આનું નામ મોક્ષમાર્ગ છે, આનું નામ સંવર–ધર્મ છે.
જુઓ, આ પરમાત્માનાં કહેણ આવ્યા છે! તારા આત્માની લગની માટે, તેમાં
ઉપયોગના જોડાણ માટે, આ પરમાત્માનાં કહેણ હોંશથી સ્વીકારી લે....એટલે સ્વભાવ
સાથે લગનથી તને અનંત ગુણના કરિયાવર સહિત મોક્ષપરિણતિ પ્રાપ્ત થશે.
ચૈતન્યને અનુભવનાર ધર્મીજીવ ક્રોધાદિ કોઈપણ પરભાવનો સ્વામી થતો નથી,
તેનાથી જુદો ને જુદો ચેતનારૂપ જ પરિણમે છે; માટે ધર્મીજીવ પરભાવોના સ્વામીત્વ
રહિત નિર્મમભાવરૂપે પરિણમે છે. ચૈતન્યની અનુભૂતિમાં સમસ્ત પરભાવોથી ભિન્નતા
થઈ, એટલું તેનું સ્વામીપણું ન રહ્યું–એ જ નિર્મમત્વ છે. ક્રોધાદિ પરિણમન કદાચિત હો,
પણ ધર્મીની ચેતના તેનાથી જુદી જ છે; ચેતના કર્તા ને ક્રોધ તેનું કાર્ય–એવું સ્વામીપણું
ધર્મીને અંશમાત્ર નથી. એક વિકલ્પમાત્રનો પણ હું કર્તા છું–એમ ચેતનામાં જે વિકલ્પનું

PDF/HTML Page 38 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૩૫ :
સ્વામીત્વ માને છે તે જીવને અનંતા પરભાવોનું મમત્વ છે; ભલે બહારથી ત્યાગી હોય,
પણ અજ્ઞાનચેતનામાં તેને અનંતા પરભાવોનું સ્વામીત્વ પડ્યું છે, પરભાવના
સ્વામીપણે જ તે પોતાને અનુભવે છે. ધર્મી પોતાને ચેતનાસ્વરૂપે અનુભવે છે, તે
અનુભવમાં રાગનો એક કણિયો પણ નથી, માટે ધર્મીને પરભાવનું સ્વામીત્વ નથી, તે
અત્યંત મમતારહિત છે.
હજી આવા આત્માનો નિર્ણય પણ જે ન કરે તે તેનો અનુભવ ક્્યાંથી કરે?
આસ્રવોથી ભિન્ન આત્મસ્વરૂપનો નિશ્ચય પણ જે ન કરે તે આસ્રવોનું કર્તૃત્વ કેમ છોડે?
ને જેને રાગાદિ આસ્રવોનું કર્તૃત્વ હોય તેને તેનું સ્વામીત્વ હોય, એટલે તેને નિર્મમત્વ
દશા તો ક્યાંથી હોય? ધર્મી કહે છે કે મારી ચેતનાનો સ્વભાવ જ ત્રણેકાળ એવો છે કે
તેમાં રાગનો કણિયો પણ નથી; રાગના એક કણિયાનું પણ સ્વામીત્વ મારી ચેતનામાં
ત્રણકાળમાં નથી. આવી અનુભૂતિ તે ધર્માત્માની અનુભૂતિ છે; આવી અનુભૂતિવડે
ધર્માત્મા સાચા સ્વરૂપે ઓળખાય છે.
જીવનો સ્વભાવ જ્ઞાન–શાંતિ ને આનંદ છે, દુઃખ તેનો સ્વભાવ નથી. સ્વભાવને
ભૂલીને, રાગમાં તન્મયતાથી દુઃખરૂપે પરિણમે છે તે આસ્રવ છે. આત્માએ અજ્ઞાનથી
આ આસ્રવોને પકડ્યા છે, તેથી તે દુઃખી છે; રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવને જાણીને તેમાં
પરિણમતાં તે જીવ આસ્રવોને છોડી દે છે, ને પોતાના નિર્વિકલ્પસ્વભાવની પરમશાંતિને
વેદે છે. ચૈતન્યસમુદ્ર પોતે પોતામાં ઠરતાં પરમ શાંતરસને વેદે છે.
આવી દશારૂપે જે જીવ પરિણમ્યો તે ધર્મી છે. તેની ધર્મદશા અને તેનું દ્રવ્ય બંને
સત્ છે. એટલે આ પર્યાયનો કર્તા થઈને હું તેને કરું–એવા ભેદના વિકલ્પ પણ તેમાં
નથી. અંતરનો અનુભવ વિકલ્પની ક્રિયાથી પાર છે. જ્ઞાનસ્વભાવ હું છું એમ નક્કી
કરનારી પર્યાય પણ વિકલ્પથી છૂટી પડીને શુદ્ધસ્વભાવ સાથે એકતાપણે પરિણમી છે,
એટલે શુદ્ધ થઈ છે. પર્યાય પોતે શુદ્ધ થઈને શુદ્ધસ્વભાવનો સ્વીકાર કરે છે.
શુદ્ધસ્વભાવનો સ્વીકાર કરે ને પર્યાયમાં એકલી અશુદ્ધતા રહે–એમ બને નહિ. પર્યાયમાં
જેને શુદ્ધતા નથી તેણે શુદ્ધસ્વભાવનો સ્વીકાર જ કર્યો નથી. શુદ્ધતા વગર
શુદ્ધસ્વભાવનો સ્વીકાર કર્યો કોણે? રાગના વિકલ્પમાં કાંઈ એવી તાકાત નથી કે
શુદ્ધસ્વભાવને સ્વીકારી શકે.
આત્મા તો જ્ઞાનસ્વભાવ છે, તે ઈષ્ટ છે–આનંદરૂપ છે; અને રાગ–દ્વેષ–મોહ તો
જ્ઞાનથી વિરુદ્ધ એવા અનીષ્ટ છે, તે તો અરિ છે; તે અરિને જ્ઞાનવડે હણવાથી આત્મા
અરિહંત થાય છે; રાગ કે જે અરિ છે તેને અજ્ઞાની ધર્મનું સાધન માને છે, તો તે અરિને
ક્્યાંથી હણી શકે?

PDF/HTML Page 39 of 45
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : દ્વિ. ભાદ્ર : ૨૫૦૦
રાગ–પછી અશુભ હો કે શુભ હો,–તેને જે ધર્મનું સાધન માને છે તે રાગને હણવાનું
માનતો નથી એટલે તે અરિહંતને જ માનતો નથી. જે અરિહંતને માને તે રાગને આદરે
નહીં. ધર્મીને રાગાદિ સાથે સ્વ–સ્વામીપણું નથી, તેની સાથે કર્તા–કર્મપણું નથી; એને તો
જ્ઞાનસ્વભાવમાં જ સ્વ–સ્વામીપણું સમાય છે.
ભાઈ, અરિહંતદેવના માર્ગમાં આવીને એકવાર નિર્ણય તો કર કે તારું સ્વ કોણ
છે ને અરિ કોણ છે? રાગાદિભાવો તે તારા સ્વ નથી પણ અરિ છે; રાગથી પાર જ્ઞાના–
નંદસ્વભાવ જ તારું સ્વ છે. આમ રાગાદિ વિભાવોથી ભિન્ન એવા ચેતનસ્વભાવરૂપે જ
પોતાને અનુભવતો ધર્મી જીવ રાગાદિ વિકલ્પના સ્વામીપણે કદી પરિણમતો નથી,
રાગાદિથી જુદો જુદો રહીને, આનંદઘનપણે જ સદા પરિણમે છે–તેણે આસ્રવોને છોડ્યા,
ને સંવર–દશારૂપે પોતે પોતામાં ઠર્યો.–અહા, આવા આત્માની સમજણનું ફળ બહુ મોટું
છે. આત્માનો સ્વભાવ મોટો છે, તેના અનુભવનું ફળ પણ મોટું જ હોય ને! સાદિ
અનંતકાળનું અનંત વીતરાગીસુખ આત્માના અનુભવના ફળમાં મળે છે.
જ્ઞાન અને રાગની ભિન્નતાને અનુભવે ત્યારે જ જીવને સાચી નિર્મમતા થાય.
રાગના એક કણિયાને પણ જે જ્ઞાનના કાર્ય તરીકે સ્વીકારે તેને સમસ્ત રાગનું અને
રાગના ફળનું મમત્વ ઊભું છે. ધર્મીએ પોતાની ચેતનાને સ્વસંવેદનવડે રાગથી તદ્ન
જુદી પાડી દીધી છે, મારી ચેતનામાં રાગની છાયા પણ નથી, રાગના અંશને પણ
જ્ઞાનમાં તે સ્વીકારતા નથી, માટે તેને સર્વત્ર નિર્મમત્વ છે. બધા પરભાવોમાંથી મમત્વ
છોડીને, પોતે પોતાના જ્ઞાનસ્વભાવમાંજ સ્થિર થાય છે, તેમાં નિર્વિકલ્પજ્ઞાનની અપૂર્વ
અનુભૂતિ છે, તે ધર્મ છે.
ચૈતન્યસ્વભાવથી પૂરો, ને રાગાદિ પરભાવોથી રહિત એવા આત્માને ધર્મી
સ્વાનુભવમાં અનુભવે છે. આવો અનુભવ કર્યે જ આ ભવચક્રના આંટા મટે તેમ છે.
બાપુ! તું જ્ઞાનસ્વભાવે પૂરો આત્મા, ને તને આ ભવના આંટા શોભતા નથી;
આનંદસ્વરૂપ આત્મા દુઃખમાં રખડે એ તને શોભતું નથી. સ્વસંવેદનથી આનંદરૂપે
પરિણમવું–એ જ તને શોભે છે. ચૈતન્યદીવડા જ્યાં ઝગમગે છે ત્યાં તારું ઘર છે; રાગના
અંધારામાં તારો વાસ નથી. તું તો ચૈતન્યવસ્તુ છો; તારો વાસ ચૈતન્યમાં હોય કે રાગમાં
હોય? ચૈતન્યનો વાસ રાગમાં ન હોય. આમ પરિપૂર્ણ જ્ઞાનદર્શનસ્વરૂપે પોતે પોતાને
અનુભવે છે તે જીવ ધર્મી છે.

PDF/HTML Page 40 of 45
single page version

background image
: દ્વિ. ભાદ્ર : ૨૫૦૦ આત્મધર્મ : ૩૭ :
ધર્મી જીવ જ્ઞાનપરિણતિમાં તન્મય થઈને તેનો કર્તા થાય છે; જ્ઞાનને જ પોતાના
કર્મપણે કરતા એવા આત્માને ધર્મી પોતાપણે અનુભવે છે–એ ધર્મીનું લક્ષણ છે; એના
સિવાય રાગાદિ કોઈ ભાવને ધર્મી પોતાનું કાર્ય માનતા નથી, તેમાં તન્મય થતા નથી,
તેનાથી જુદા ને જુદા એવા ચેતના ભાવને જ તન્મયપણે કરે છે. આવી ચેતનાવડે
ધર્મીજીવ ઓળખાય છે. આવી ચેતના તે જ ધર્મીનું સાચું ચિહ્ન છે. અને ઓળખનારને
પોતામાં પણ આવી જ્ઞાનચેતના પ્રગટે ત્યારે જ તે ધર્મીને ઓળખી શકે છે. એકલા
શુભરાગના વિકલ્પવડે ધર્મીની સાચી ઓળખાણ થતી નથી. ધર્મીના આવા ચિહ્નનું
વર્ણન સમયસાર ગાથા ૭૫ માં કર્યું છે.
રાગના કર્તાપણે ધર્મીને ઓળખે, તો તે જીવને સાચી ઓળખાણ નથી, પોતામાં
પણ તે રાગથી ભિન્ન ચેતનાને ઓળખતો નથી ને રાગમાં એકતા માનીને તેને જ
અનુભવે છે. ભાઈ, ધર્મીજીવની દશામાં રાગ વગરનો જે અનુભવ છે તેને તું ઓળખ,
તો ધર્મી ઓળખાય, ને તને પણ રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન થઈને આત્માનું સાચું
સ્વરૂપ ઓળખાય.
રાગથી જ્ઞાનને જુદું પાડીને એમ બતાવ્યું કે ધર્મીજીવ જ્ઞાનને જ કર્મપણે કરે છે,
રાગને તે કર્મપણે કરતો નથી. આત્મા કર્તા અને જ્ઞાનભાવ તેનું કર્મ–એમ કહીને રાગને
વચ્ચેથી કાઢી નાખ્યો. અને કર્તા–કર્મના ભેદનો વિકલ્પ પણ જ્ઞાનમાંથી કાઢી નાખ્યો,
કેમકે તે વિકલ્પ કાંઈ જ્ઞાનનું કાર્ય નથી. આત્મા જ્ઞાનભાવરૂપે સ્વયં પરિણમ્યો એમાં
કર્તા–કર્મપણું આવી ગયું, પણ વિકલ્પ તેમાં ન આવ્યો.–આવી ભેદજ્ઞાનરૂપ ધર્મીની દશા
છે; તેને બરાબર ઓળખતાં જીવને ભેદજ્ઞાન થાય છે. (
जय महावीर)
શ્રી પરમાગમ–મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ તરફથી સૂચના
શ્રી પરમાગમ–મંદિર પ્રતિષ્ઠા મહોત્સવની સમિતિનું વહીવટી
કામકાજ બંધ થયું હોઈને હવે પછી જેની પાસે પ્રતિષ્ઠાની ઉછામણીની
રકમ બાકી હોય તેમણે “શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ” ના
નામનો ડ્રાફટ બેક ઓફ ઇંડીયા સોનગઢ ઉપરનો અથવા
ભાવનગરની કોઈ પણ બેંક ઉપરનો ડ્રાફટ મોકલવા વિનંતી છે.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ