Hoon Parmatma (Gujarati). Pravachan: 25-28.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 8 of 13

 

Page 130 of 238
PDF/HTML Page 141 of 249
single page version

background image
૧૩૦] [હું
છે. જેને નિમિત્ત, વ્યવહાર અને રાગાદિની વાત રુચે છે તેને આ વાત સાંભળવી પણ
રુચતી નથી.
ભગવાન આત્મા તરફનું અંતરમાં વલણ કરી સ્વરૂપને ધ્યેય બનાવી તેનું ધ્યાન
કરનારા જીવો વિરલ છે. પુણ્ય કરવા કે તેના ફળ મળવા-ઇન્દ્ર, ચક્રવર્તી આદિની પદવી
મળવી દુર્લભ ન કહી પણ આત્માનું ધ્યાન કરવું દુર્લભ છે, તેથી ધ્યાન કરનારાં જીવો
જગતમાં દુર્લભ છે. રાગ રહિત વીતરાગ આત્માની વીતરાગી પરિણતિ પ્રગટ કરવી
અને તેની ધારણા કરવી, એ મહા દુર્લભ છે. એ ધારણાને સ્મૃતિમાં લઈને વારંવાર
અનુભવ કરનારા જીવો બહુ વિરલ છે. દિવ્યધ્વનિમાં આવેલી આ વાત છે.
શાસ્ત્રની ધારણા, બોલચાલની ધારણા કરનારાં તો જગતમાં ઘણાં છે. પણ
સમ્યગ્દર્શન-જ્ઞાનમાં-અનુભવમાં જે આત્મા આવ્યો તેની ધારણા કરનારા જીવો બહુ
વિરલ છે પહેલાં તો આત્મજ્ઞાન પ્રગટ કરવું તે જ બહુ દુર્લભ છે. તેથી થોડાં જ જીવો
આ અનુપમ તત્ત્વનો લાભ લઈ શકે છે. કેમ કે મનરહિત પંચેન્દ્રિય સુધીના જીવોને તો
વિચાર કરવાની જ શક્તિ નથી અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં નારકી તો રાત-દિવસ
કષાયના કાર્યોમાં લાગેલાં છે. પશુઓમાં પણ આત્મજ્ઞાનનું સાધન પામવું ઘણું દુર્લભ છે.
દેવોમાં વિષયોની અતિ તીવ્રતા છે અને વૈરાગ્યભાવની દુર્લભતા છે.
મનુષ્યગતિમાં જ આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન સુગમ છે તોપણ તેની પ્રાપ્તિ
ઘણી દુર્લભ છે. કેમ કે મનુષ્યોમાં કેટલાક તો રાત-દિવસ શરીરની સગવડતા
સંભાળવામાં જ રોકાય છે. કેટલાક વ્યવહારની રુચિવાળા માત્ર વ્યવહારના ગ્રંથો જ
વાંચે અને સાંભળે છે. અધ્યાત્મગ્રંથો વાંચવા-સાંભળવાનો તેને ટાઈમ જ નથી એટલે
દરકાર જ નથી. ન્યાય, વ્યાકરણ, જ્યોતિષ, વૈદક આદિના પંડિતો ઘણા બની જાય છે.
અધ્યાત્મશાસ્ત્રોને સૂક્ષ્મદ્રષ્ટિથી કોઈ વાંચતું-વિચારતું નથી. વ્યવહાર કરતાં કરતાં ધર્મ
થઈ જશે એમ માને છે પણ અસંગ, નિર્વિકલ્પ, વીતરાગ તત્ત્વને સમજીને મનન
કરનારાં બહુ થોડાં જીવો છે.
ભગવાન આત્માની ગાંઠમાં એકલી વીતરાગતા ભરી છે, એકલા ચૈતન્યરત્નો
ભર્યા છે. તેમાં રાગ-દ્વેષ કે વિકારનું કોઈ સ્થાન નથી. નિશ્ચયનયથી એક પોતાનો
આત્મા જ આરાધ્યદેવ છે તે વાતનો વ્યવહારીજન વિશ્વાસ કરી શકતા નથી. ખરેખર
આરાધવા યોગ્ય-સેવવા યોગ્ય તો પોતાનો આત્મા છે. પરમેશ્વર વીતરાગદેવ તે વ્યવહારે
આરાધ્યદેવ છે. આવી વાત જે અધ્યાત્મશાસ્ત્રમાં ભરી છે તેને કોઈ સૂક્ષ્મ દ્રષ્ટિથી
વાંચતાં નથી તેમ વિચારતાં પણ નથી.
આચાર્ય કુંદકુંદદેવ પણ સમયસારમાં કહે છે કે આ રાગની કથા કરી અને વેદી
એવી વાત તો જીવે અનાદિથી સાંભળી છે પણ રાગથી ભિન્ન અને પોતાના સ્વભાવથી
અભિન્ન આત્માની વાત જીવે કદી સાંભળી નથી. નિમિત્ત અને રાગથી ભિન્ન
ભગવાન આત્માની વાત સાંભળવા મળવી એ પણ ઘણું દુર્લભ છે. નિમિત્ત અને
રાગાદિ વ્યવહાર દ્વારા આત્માને જાણી શકાય એવું માનનારને નિમિત્ત આદિથી આત્માને
ન જાણી શકાય એવી આ વાત સાંભળવી અને સ્વીકારવી આકરી પડી જાય.
સ્વભાવથી એકત્વ અને વિભાવથી વિભક્ત આત્માની

Page 131 of 238
PDF/HTML Page 142 of 249
single page version

background image
પરમાત્મા] [૧૩૧
વાત જગતને સાંભળવી દુર્લભ છે. પરિચય કરવો દુર્લભ છે અને અનુભવમાં લેવી એ
તો એથી પણ વધુ દુર્લભ છે.
કેટલાક પંડિતો વિદ્વાનો ક્રિયાકાંડથી ધર્મ મનાવે છે. જ્યારે અહીં ક્રિયાકાંડથી તો
ધર્મ ન થાય પણ વિકલ્પથી કે ગુણભેદથી પણ ધર્મ ન થાય એવી વાત છે. ધર્મી-
ભગવાન આત્મા અને આનંદ તેનો ગુણ એવા ભેદના લક્ષથી પણ ધર્મ ન થાય. આવી
વાત કહેનારા વિરલા જ્ઞાની પણ જો કદાચ મળી આવે તો તેને સાંભળનારાં રુચિવંત
શ્રોતા પણ દુર્લભ છે.
ભાઈ! તું તો નિર્દોષ દશા પ્રગટ કરવા માગે છે તેવી અનંતી દશા-અવસ્થાનો
પિંડ જ તું પોતે છો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પિંડ તું પોતે છો, તેના સિવાય બીજું
તારે શું જોઈએ છે? રુચિવંત જીવોને માટે આ વાત છે. આવા જીવો જગતમાં બહુ
વિરલ છે. તેમાં પણ આત્માનુભૂતિ પ્રગટ કરનારાં જીવો તો વિરલ... વિરલ...વિરલ છે.
આ માનવજન્મ પ્રાપ્ત કરીને નિર્મળ અનુભૂતિ પ્રગટ કરવાનો ઉપાય કરવો
જરૂરી છે. જેને આત્મજ્ઞાનની રુચિ થાય તેને માર્ગ મળે જ છે. એ માર્ગથી જીવ સીધો
મોક્ષમાં પહોંચી જાય છે.
આ ભયાનક સંસારમાં રખડતાં જીવને આત્મજ્ઞાનરૂપી મહારત્ન ક્યાંય મળ્‌યું
નથી. હવે જો તને આ રત્ન મળ્‌યું હોય-આત્મજ્ઞાન થયું હોય તો જરા પણ પ્રમાદ ન
કરીશ. વિષયોની લોલુપતામાં આ રત્ન ખોવાઈ ન જાય તેનું ધ્યાન રાખજે. આ વાત
‘સાર સમુચ્ચય’ માં લીધી છે અને ટોડરમલજી પણ ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી’ માં લખે છે કે
આત્માની અનુભૂતિમાં રહેજે, બહાર ખોવાઈ ન જઈશ! આ ચિઠ્ઠી તો એવી અમૂલ્ય છે
કે એક માણસે લખેલું કે જો આ ચિઠ્ઠી અંગ્રેજીમાં હોત અને વિલાયતમાં પહોંચી હોત
તો એક એક ચિઠ્ઠીની કિંમત હજારોની થાત.
આ રીતે ૬૬મી ગાથામાં આત્મરસિક જીવોની વિરલતા બતાવી. હવે ૬૭માં
મુનિરાજ કહે છે કે કુટુંબમોહ ત્યાગવા યોગ્ય છે.
इहु परियण ण हु महुतणउ इहु–दुक्खहं हेउ ।
इम चिंततहं किं करइ लहु संसारहं छेउ ।। ६७।।
આ પરિવાર ન મુજતણો, છે સુખદુઃખની ખાણઃ
જ્ઞાનીજન એમ ચિંતવી, શીઘ્ર કરે ભવહાણ. ૬૭
ધર્માત્મા જીવે નિજ આત્મસ્વભાવમાં યોગ નામ જોડાણ-એકાગ્રતા કરવા માટે
કુટુંબ પ્રત્યેનો મમત્વભાવ છોડવાયોગ્ય છે. કુટુંબના મોહમાં રોકાઈને આત્મધ્યાન ખોવા
જેવું નથી. કુટુંબ-પરિવાર એ તો ધૂતારાની ટોળી છે. નિયમસારમાં આવે છે ને!
પોતાના સ્વાર્થ માટે-પોતાનું પેટ ભરવા માટે ધૂતારાની ટોળી મળી છે. સ્ત્રી, પુત્ર,
પરિવાર આદિ લૌકિક સુખ-દુઃખના એટલે કે દુઃખના જ નિમિત્તો છે. તેના પાલન-
પોષણમાં રોકાઈશ નહિ. આત્માની દરકાર કરીને આત્માનું ધ્યાન કરજે.

Page 132 of 238
PDF/HTML Page 143 of 249
single page version

background image
૧૩૨] [હું
પ્રશ્ન- કુટુંબના માણસોને ભૂખ્યા મરવા દેવાય?
અરે ભૂખ્યા કોણ મરે? બધાને પોત-પોતાના પુણ્ય પ્રમાણે મળી જ રહેવાનું છે.
તેનું ભરણ-પોષણ તું કરીશ તો જ થશે એમ નથી.
યોગસાર છે ને! આત્મામાં એકાગ્ર થવા માટે કુટુંબ આદિનો મોહ છોડજે! એ
તો પોતાના કારણે આવ્યા છે, પોતાના કારણે ટકી રહ્યાં છે અને પોતાના કારણે ચાલ્યા
જશે; તારે અને એને કાંઈ સંબંધ નથી. આમ મોહ છોડીને અંદરમાં એકાકાર નહિ થા
તો એકાગ્રતા-યોગસાર નહિ થઈ શકે. અરે! જ્યાં શરીર મારું નથી ત્યાં શરીરના
સંબંધવાળા મારા ક્યાંથી હોય? બધાં મારા શરીરને ઓળખે છે કે આ મારો દીકરો છે
ને આ મારા પિતા છે. આત્માને તો કોઈ ઓળખતું નથી.
ઈન્દ્રિયસુખનો કામી જીવ ઈન્દ્રિયવિષયોના સહકારી કારણોને છોડતો નથી. સ્ત્રી,
પુત્ર, પરિવાર, ધન, મકાન, આબરૂ એ બધાં મારા સુખના સાધન છે-એમ માનનારો
તેમાંથી રુચિ છોડી શકતો નથી. બાલ્યાવસ્થામાં માતા-પિતા દ્વારા પાલન-પોષણ અને
લાડ-પ્યાર મળે છે તેથી બાળકને માતા-પિતા પ્રત્યે તીવ્ર મોહ થાય છે. યુવાનીમાં સ્ત્રી
અને પુત્ર-પુત્રીથી ઈન્દ્રિયસુખ મેળવે છે તેથી તેનો મોહ કરે છે. જે મિત્રોથી અને
નોકર-ચાકરથી ઈન્દ્રિયસુખમાં સહકાર મળે છે તેને સારા માની રાગ કરે છે અને જે
સુખમાં બાધક થાય તેને દુશ્મન સમજી દ્વેષ કરે છે. આમ બધાં પ્રાણી ઈન્દ્રિયસુખના
સ્વાર્થ ખાતર બીજાં પ્રત્યે મોહ કરે છે પણ આત્માનું સુખ એ જ વાસ્તવિક સુખ છે
અને ઈન્દ્રિયસુખ એ તો દુઃખ છે. એવી જો તેને પ્રતીતી થાય તો ઈન્દ્રિયસુખના
નિમિત્તોંને પણ સહકારી માને નહિ અને તેમાં મોહ કરે નહિ.
જેમ કમળને જળનો સ્પર્શ નથી, કમળ જળથી અલિપ્ત છે, તેમ જેણે નિજ
આત્માનો અનુભવ કરી અતીન્દ્રિયસુખ પ્રાપ્ત કર્યું છે એવા ધર્મી જીવ ગૃહસ્થાશ્રમમાં
જળકમળવત્ નિર્લેપ રહે છે.
સ્ત્રી, પુત્ર આદિ બધા મારા આત્માથી સર્વથા ભિન્ન છે. આત્મા સાથે સંબંધવાળા
નથી. તેમનો સંયોગ વાયુ સમાન ચંચળ છે. પવનથી જેમ પાંદડા આમતેમ ઉડે તેમ
પૂર્વના પુણ્ય-પાપ અનુસાર ક્ષણિક સંયોગો આવે છે ને જાય છે. તેમાં ઈન્દ્રિય સુખના
લોલુપી અને અતીન્દ્રિય સુખના અજાણ-મૂર્ખ જીવો અનુકૂળ સંયોગ મળતાં એવી
કલ્પના કરે છે કે જાણે અમને સ્વર્ગ મળી ગયું, પણ પોતાના આત્માનો અનુભવ કરીને
અતીન્દ્રિય સુખ પ્રાપ્ત કરવાનો આ મૂર્ખ જીવો પ્રયત્ન જ કરતાં નથી. જે કેવળજ્ઞાન
લક્ષ્મીનો સ્વામી છે એવા આત્માની ઓળખાણ કરીને અલ્પકાળમાં કેવળજ્ઞાન પ્રગટ
કરવાની ભાવના મોક્ષાર્થી જીવો જ કરે છે. વિષયલોલુપી જીવો તો પોતાના પુણ્યાધીન
મળેલા ક્ષણિક અનુકૂળ સંયોગોમાં જ સાચું સુખ માનીને અટકી જાય છે, તેને
અતીન્દ્રિય સુખની રુચિ થતી નથી.
અંદરમાં અનુકૂળતાનો પિંડ-ભગવાન આત્મા બિરાજમાન છે તેની દ્રષ્ટિ ન કરતાં
બહારની ક્ષણિક અનુકૂળતામાં રુચિ કરે છે, સુખ માને છે તે ભ્રમણા છે. એમ કહી હવે
આચાર્યદેવ સંસારમાં કોઈ શરણદાતાર નથી એ વાત બતાવે છે.

Page 133 of 238
PDF/HTML Page 144 of 249
single page version

background image
પરમાત્મા] [૧૩૩
इन्द्र–फणिंद–णरिंदय वि जीवहं सरणु ण होंति ।
असरणु जाणिवि मुणि–धवला अप्पा अप्प मुणंति ।। ६८।।
ઇન્દ્ર, ફણીન્દ્ર, નરેન્દ્ર પણ નહિ શરણ દાતાર,
શરણ ન જાણી મુનિવરો, નિજરૂપ વેદે આપ. ૬૮.
આત્મધ્યાની આત્મજ્ઞાની મહામુનિ સંત યોગીન્દ્રદેવ જગત સામે પોકાર કરીને
કહે છે કે ઇન્દ્ર, ધરણેન્દ્ર કે ચક્રવર્તી કોઈ પણ આ સંસારી જીવના રક્ષક થઈ શક્તા
નથી. દરેકને પોતાનો આત્મા જ એક રક્ષક છે, શરણ-દાતાર છે. તેની મુનિ પોતાને
પોતાનું શરણ જાણી પોતે પોતાને ધ્યાવે છે. પોતાના આત્મામાં શરણ મેળવી લ્યે છે.
‘નિજરૂપ વેદે આપ’ કહેતાં એમ કહેવું છે કે વ્યવહાર દ્વારા કે નિમિત્ત દ્વારા
અનુભવ થઈ શકતો નથી પણ શુદ્ધ વીતરાગ પ્રભુ નિજ આત્માનો શુદ્ધ વીતરાગ
પરિણતિ દ્વારા જ અનુભવ થઈ શકે છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી.-એમ પોતે
પહેલાં નિર્ણય કરવો જોઈએ.
જીવને જ્યારે પ્રતિકૂળતાનો કે મરણનો કાળ આવે છે ત્યારે તેમાંથી તેને
છોડાવવા કોઈ સમર્થ નથી. ચક્રવર્તી જેવાને પણ મરણકાળે છ ખંડનું રાજ્ય છોડીને
જવું પડે છે. બ્રહ્મદત્ત ચક્રવર્તી ૭૦૦ વર્ષનું આયુષ્ય ભોગવી અંત સમયે હીરાના
પલંગમાં સૂતો હતો, હજારો દેવો જેની સેવામાં હાજર હતાં, ૯૬૦૦૦ રાણીઓ સામે
ઊભી હતી અને બ્રહ્મદત્ત મરીને સીધો સાતમી નરકમાં ૩૩ સાગરનું આયુષ્ય લઈને
ગયો. ત્યાં વિલાપ કરે છે કે અરે મને અહીં કોઈ શરણ ન મળે! ભાઈ! તેં આત્માને
તો સાંભળ્‌યો નથી. વિકલ્પ પણ જ્યાં શરણ નથી, ત્યાં બહારના સંયોગો તો શું શરણ
આપે! અનંત સામર્થ્યનો ધણી પોતાનો આત્મા તેની દ્રષ્ટિ કદી કરી નથી તો તેના
વગર કોણ શરણ આપે? ભગવાન પણ શરણદાતા નથી. પોતાનો પ્રભુ જ પોતાને
શરણદાતા છે. પોતાનો આત્મા જ અરિહંત છે, પોતાનું સ્વરૂપ જ સિદ્ધ સમાન છે,
પોતાનું સ્વરૂપ આચાર્ય, ઉપાધ્યાય, સાધુની વીતરાગી પરિણતિ જેવું છે. આત્મા પોતે જ
પાંચ પદરૂપે છે. અષ્ટપાહુડમાં શ્રી કુંદકુંદાચાર્યે આ વાત લીધી છે કે પાંચેય પદરૂપે
પોતાનો આત્મા જ છે. અરિહંત, સિદ્ધ આદિ કોઈ શરણ આપવા આવતા નથી.
આ રીતે જ્ઞાની જીવે અશરણ ભાવના ભાવીને કર્મોના ક્ષયનો ઉપાય કરવો
યોગ્ય છે કેમ કે કર્મોનો સંયોગ એક સમય પણ ગુણકારી નથી.
સમયસારમાં કહ્યું છે કે હું પર જીવને સુખી-દુઃખી કરી શકું છું એ માન્યતા મહા
મિથ્યાત્વ છે. સૌ પોતાના પૂર્વના કર્મોના ઉદય પ્રમાણે આયુષ્ય અને સંયોગ લઈને
આવે છે, તેમાં અન્ય કોઈ જીવ ફેરફાર કરી શકતો નથી. બૃહદ-સામાયિક પાઠમાં આવે
છે કે જ્યારે મરણ આવે છે ત્યારે વૈદ્ય, બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર, માતા, નોકર, ચાકર કે ઇન્દ્ર
આદિ કોઈ પણ

Page 134 of 238
PDF/HTML Page 145 of 249
single page version

background image
૧૩૪] [હું
બચાવી શકતું નથી. એક શરણભૂત માત્ર પોતાનો આત્મા છે એમ વિચાર કરીને
સજ્જનોએ આત્મિક કામ કરવામાં વાર લગાવવી ન જોઈએ. આવો મનુષ્યદેહ, પાંચ
ઈન્દ્રિય અને જૈનધર્મ મળ્‌યા પછી આત્મહિતના કાર્યમાં વાર ન લગાડીશ. આજે જ
કરજે. અમૃતચંદ્ર આચાર્ય પ્રવચનસારમાં કહે છે કે આજે જ તારું હિત સાધી લે. વિલંબ
ન કર!
પૂર્ણાનંદનો નાથ ચૈતન્યરત્નાકર એવા નિજ આત્મામાં દ્રષ્ટિ કરતાં નિધાન ફાટે
તેવું છે. બહાર નજર કરતાં હોળી સળગે તેવું છે. બહાર નજર કરતાં વિકલ્પ ઊઠશે
અને આકુળતા થશે અને નિરાકુળ સ્વભાવમાં દ્રષ્ટિ કરતાં પર્યાયમાં પણ નિરાકુળતા
પ્રગટશે. માટે હે જીવ! સ્વભાવદ્રષ્ટિ કરવામાં તું જરાપણ વિલંબ ન કર! આજે જ કર!
અત્યારે જ કર!
* અરે! એક વાળો શરીરમાં નીકળતાં પીડાનો
પાર રહેતો નથી. તો આ મારું શરીર, મારું ઘર,
મારી સ્ત્રી, પુત્ર, મિત્ર, આ મારું ધન, આબરૂ એમ
અનેક મારા એટલે કે ધનવાળો, શરીરવાળો, સ્ત્રી-પુત્ર-
મિત્રવાળો એમ અનેક વાળાની પીડાનું એને ભાન
નથી પણ પીડાય છે.
-પૂજ્ય ગુરુદેવ

Page 135 of 238
PDF/HTML Page 146 of 249
single page version

background image
પરમાત્મા] [૧૩પ
[પ્રવચન નં. ૨પ]
મુક્તિદાતાઃ નિજ પરમાત્મા
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૪-૭-૬૬]
આ ભરતક્ષેત્રમાં સેંકડો વર્ષ પહેલાં એક યોગીન્દ્રદેવ નામના મુનિ થઈ ગયા.
તેમણે આ શાસ્ત્રની રચના કરી છે. શાસ્ત્રનું નામ પણ ‘યોગસાર’ છે. આત્માનો
સ્વભાવ અનાદિ અનંત શુદ્ધ, પવિત્ર છે તેમાં એકાગ્ર થવું તે યોગનો સાર છે.
અહીં ૬૯ ગાથામાં યોગીન્દ્રદેવ કહે છે કે ‘જન્મ-મરણ જીવ એકલો કરે છે.’
इक्क उपज्जइ मरइ कु वि दुहु सुहु भुंजइ इक्कु ।
णरयहं जाइ वि इक्क जिउ तह णिव्वाणहं इक्कु ।। ६९।।
જન્મ-મરણ એક જ કરે. સુખ-દુઃખ વેદે એક,
નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. ૬૯.
જીવ એકલો જ જન્મે છે અને દેહ છૂટે ત્યારે એકલાને જ પરલોકમાં જવું પડે
છે, કોઈ સ્વજન સાથે જતાં નથી. જીવનપર્યંત જેવાં ભાવ કર્યાં હોય તે પ્રમાણે મરીને
અન્ય ગતિમાં જીવ એકલો જ જાય છે. નરકમાં જાય તોપણ એકલો અને સ્વભાવદ્રષ્ટિ
કરીને તેમાં લીન થઈ સર્વથા કર્મોનો અભાવ કરી મુક્તિમાં જાય તોપણ જીવ એકલો
જ જાય છે. ત્યાં દેવ-શાસ્ત્ર-ગુરુ કે સંઘ સાથે આવતાં નથી. સ્વરૂપમાં એકાગ્રતા કરીને
પોતાનો આત્મા જ પોતાને મુક્તિ પ્રાપ્ત કરાવે છે. તેમાં કોઈ મદદ કરતું નથી.
આ શ્લોકમાં એકત્વભાવનાનો વિચાર કરવામાં આવ્યો છે. ચારગતિના ભ્રમણમાં
અનેક જન્મોમાં જીવને માતા-પિતા, ભાઈ-બહેન, સ્ત્રી-પુત્ર, મિત્ર તથા જડ વસ્તુનો
સંયોગ થયો અને છૂટયો, પોતે તો એકલો ને એકલો જ રહ્યો. કોઈ સાથે આવ્યું નહિ.
માટે હે જીવ! આમ વિચારીને તું તારું હિત શીઘ્ર કરી લે!
જીવ જેવા શુભ-અશુભ ભાવ કરે છે, તેવા કર્મ બંધાય છે અને તેવું તેનું ફળ
મળે છે. એક દ્રષ્ટાંત આવે છે કે નાનો ભાઈ બીમાર હતો. મોટા ભાઈએ તેને સાજો
કરવા માંસ-ઇંડા આદિ તેને ખબર પડવા દીધા વગર ખવરાવ્યાં. મરીને મોટોભાઈ નારકી
થયો અને નાનોભાઈ અસુરકુમાર દેવ થઈને તેને મારવા લાગ્યો. જેને માટે પાપ કર્યું તે
પરમાધામી થયો અને જેણે પાપ કર્યું તે નારકી થયો. નારકીનો જીવ કહે છે કે અરે!
પણ મેં તારા માટે થઈને આ પાપ કર્યું હતું અને તું મને જ મારે છે? પેલો કહે કે મને
તો ખબર ન હતી, તેં શા માટે પાપ કર્યું? હું તો તને મારીશ. આ દ્રષ્ટાંત ઉપરથી દરેકે
વિચાર કરવા જેવો છે કે કુટુંબ માટે થઈને પોતે જે પાપ કરે છે તેનું ફળ પોતાને

Page 136 of 238
PDF/HTML Page 147 of 249
single page version

background image
૧૩૬] [હું
એકલાને જ ભોગવવું પડશે, તેમાં કોઈ કુટુંબીજનો ભાગીદાર નહિ થાય. માટે પાપ
કરતાં પહેલાં જીવે વિચારવા જેવું છે.
દરેક જીવની સત્તા નિરાળી છે-જુદી જુદી છે. દરેકના ભાવો અલગ અલગ છે.
દરેકના કર્મના બંધન નિરાળા છે અને શાતા-અશાતાનો ભોગવટો પણ દરેકને જુદો
જુદો છે. દરેકને સંયોગો જુદાં જુદાં મળે છે પણ સંયોગને કોઈ ભોગવી શકતું નથી. સૌ
પોતાના રાગને ભોગવે છે.
ચાર સગા ભાઈ હોય તેમાં એક ધનવાન થઈને સાંસારિક સુખ ભોગવે, એક
નિર્ધન થઈને કષ્ટથી જીવનનિર્વાહ કરે, એક વિદ્વાન થઈને દેશમાન્ય થઈ જાય, અને
એક મૂર્ખ રહીને નિરાદર પામે. એ જ રીતે શ્રેણિક અને અભયકુમારને ખૂબ પ્રેમ હતો.
એક થાળીમાં સાથે જમતાં હતાં પણ મરીને શ્રેણિક નરકમાં ગયા અને અભયકુમાર
સ્વર્ગમાં ગયા. જેના જેવા ભાવ થાય છે તેવું તેને ફળ મળે છે. એક સાથે જમનારા
અને એક સાથે રહેનારા હોય છતાં, એક નરકે જાય છે, એક મોક્ષમાં જાય છે. આ
બધી ભાવોની વિવિધતા છે.
તારા પરિણામ તું સુધાર અને નિજ આત્મા આનંદકંદ છે તેમાં દ્રષ્ટિ કરીને
ધ્યાન-અનુભવ કર! તે જ મોક્ષનો ઉપાય છે. બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી.
સંસારમાં દરેક જીવ પોતાના સ્વાર્થના સગા છે. સ્વાર્થ ન સધાય તો સ્ત્રી, પુત્ર, મિત્ર
પણ ત્યાગ કરી દે છે. માટે કોઈ ઉપર મોહ કર્યા વગર પોતાનું હિત કરી લેવા જેવું છે.
નૌકામાં એક સાથે બેઠેલા માણસો હોય, પણ જાય છે બધાં જુદાં જુદાં નગરમાં
તેમ એક કુટુંબમાં અનેક જીવો ભેગા થયા હોય પણ મરીને કોઈ સ્વર્ગમાં, કોઈ નરક
તિર્યંચમાં, કોઈ મનુષ્યમાં અને કોઈ મોક્ષમાં જાય છે. કોઈનો કોઈ સાથી-સથવારો
નથી. માટે કોઈ ઉપર રાગ-દ્વેષ ન કરતાં સમભાવ કરવા જેવો છે.
દયા, દાન, પૂજાદિના ભાવ પુણ્યભાવ છે અને હિંસા, જૂઠું, ચોરી આદિના ભાવ
પાપભાવ છે. બન્ને ભાવથી પોતાના આત્માને ન્યારો જાણી, પોતાના સ્વભાવની શ્રદ્ધા
જ્ઞાન અને ધ્યાન કરવું તે જ શુદ્ધિની વૃદ્ધિનું કારણ છે અને તે જ મોક્ષનું કારણ છે.
રત્નત્રયની આરાધનાપૂર્વક મોક્ષ પણ જીવ એકલો પામે છે.
દરેક જીવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ભિન્ન છે. દરેક જીવ પરમ શુદ્ધ છે.
શુદ્ધસ્વભાવને આઠ કર્મ, શરીર, વિભાવભાવ કે અન્ય કોઈનો સંયોગ નથી, અસંયોગી
તત્ત્વ છે. પુણ્ય-પાપ ભાવથી રહિત, નિરંજન નિજ પરમાત્માની શ્રદ્ધા-જ્ઞાન-રમણતા
કરવી તે મોક્ષનો માર્ગ છે. એ મોક્ષમાર્ગ પ્રગટ કરવો તે પોતાના સ્વતંત્ર પુરુષાર્થથી
થાય છે, તેમાં કોઈ મદદગાર નથી.
હવે કહે છે કે ભાઈ! તું નિર્મોહી થઈ આત્માનું ધ્યાન કર!
एक्कुलउ जइ जाइसिहि तो परभाव चएहि ।
अप्पा सायहि णाणमउ लहु सिव–सुक्ख लहेहि ।। ७०।।

Page 137 of 238
PDF/HTML Page 148 of 249
single page version

background image
પરમાત્મા] [૧૩૭
હે આત્મા! તું એકલો જ છો માટે રાગ-દ્વેષ-મોહાદિ સર્વ પરભાવોનો ત્યાગ
કરીને, નિર્મળાનંદ, જ્ઞાનમય, સદા શુદ્ધ પવિત્ર નિજ આત્માનું ધ્યાન કર! તો તને શીઘ્ર
મુક્તિસુખ મળશે.
આત્મા જાણગ...જાણગ...જાણગસ્વભાવી છે. ‘જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં હું અને
જ્યાં જ્યાં જ્ઞાન નહિ ત્યાં ત્યાં હું નહિ.’ ભક્તિમાં, રાગાદિના ભાવમાં જ્ઞાન નથી માટે
તે હું નહિ. હું ચૈતન્યમાત્ર છું એમ જાણીને રાગાદિનો ત્યાગ કરી નિજ જ્ઞાનમય
આત્મામાં એકાગ્ર થવું તેનું નામ યોગસાર છે.
હે ભવ્યો! તમે એવું કામ કરો કે જેથી આત્મા પોતાની જ્ઞાનભૂમિકામાં આવી
જાય. દેહ છૂટયાં પહેલાં આ પ્રયત્ન કરી લે. ઘર બળે ત્યારે કૂવો ખોદવા ન બેસાય.
માટે મરતાં પહેલાં આત્માનો યત્ન કરી લે. માનવદેહથી જ શિવપદ મળી શકે છે. દેવ,
નારક, પશુગતિમાંથી શિવપદ નહિ મળે. માટે આ અમૂલ્ય અવસર ખોવા જેવો નથી.
રાગાદિ પરભાવ મારી જ્ઞાનભૂમિકાથી બહાર છે. બહારમાં-સંયોગોમાં તો
ક્યાંય આત્માને એકાગ્ર થવાનું-ઠરવાનું સ્થાન નથી. પણ પોતાના રાગ-દ્વેષ-
મોહભાવમાં પણ ક્યાંય ઠરવાનું સ્થાન નથી. માત્ર જ્ઞાનસ્વરૂપી પોતાના આત્મામાં જ
પોતાને ઠરવાનું સ્થાન છે. માટે, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં જ ઠરવાનું સ્થાન
જાણી, સ્વભાવનો પરમ રુચિવાન થઈને તેમાં જ મગ્ન થવાનો, આત્મિક આનંદ પ્રાપ્ત
કરવાનો ઉદ્યમ કર! અખંડ જ્ઞાનમય વસ્તુ તે મારું દ્રવ્ય, અસંખ્યપ્રદેશ મારું ક્ષેત્ર, એક
સમયની પર્યાય તે મારો કાળ અને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ મારો શુદ્ધભાવ છે તે
ખરેખર મારું સર્વસ્વ છે. જે ભાવમાં પરનો આશ્રય છે તે ભાવ મારા નથી. હું તો
એકાકાર, અખંડ શુદ્ધ, સ્વસંવેદનગમ્ય એક અવિનાશી પદાર્થ છું. તેના શ્રદ્ધા-જ્ઞાન-
ચારિત્ર તે મારો સ્વભાવ ભાવ છે તે એક જ મોક્ષમાર્ગ છે.
હવે યોગીન્દ્રદેવ ખૂલ્લું કરે છે કે પુણ્ય પણ પાપ છે.
जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेई ।
जो पुण्णु वि पाउ वि भणइ सो बुह (? ) को वि हवेइ ।। ७१।।
પાપરૂપને પાપ તો, જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧.
હિંસા, જૂઠું, ચોરી, પરિગ્રહ, અબ્રહ્મ આદિ ભાવને તો આખું જગત પાપ કહે છે
પણ દયા-દાન, અહિંસા, સત્ય આદિ પુણ્યભાવને પણ પાપ કહેનારા તો વિરલા જ્ઞાની
જ છે. પુણ્યતત્ત્વ પણ પાપ જ છે એમ અહીં સિદ્ધ કરે છે.
જ્ઞાનીને પણ અશુભથી બચવા શુભભાવ આવે છે પણ પોતાનો સ્વભાવ
અમૃતસ્વરૂપ છે તેમાંથી પતિત થઈને પુણ્યભાવમાં આવવું તે નિશ્ચયથી પાપ છે. પુણ્યનું
ફળ ઝેર છે. પુણ્યના ફળમાં સંસાર ફળશે. માટે જ્ઞાની પુણ્યને પણ પાપ કહે છે.
નિશ્ચયથી પોતાના શુદ્ધ સ્વરૂપને છોડીને જે કાંઈ શુભ-અશુભ ભાવ આવે છે તે બધાં
અપવિત્ર ભાવ છે,

Page 138 of 238
PDF/HTML Page 149 of 249
single page version

background image
૧૩૮] [પરમાત્મા
અમૃતને-આનંદને લૂંટવાવાળાં છે, મદદ કરનાર નથી. માટે તે બધાં ભાવો પાપ છે,
સંસારનું ફળ આપનારા છે. સર્વજ્ઞદેવ દિવ્યધ્વનિમાં ફરમાવે છે કે આનંદ તારા
આત્મામાં છે. પરભાવમાં તો એકલું દુઃખ છે.
શ્રી કુંદકુંદ આચાર્ય સમયસાર ગાથા ર૯પ માં કહે છે કે પ્રથમમાં પ્રથમ આત્મા
અને બંધનું લક્ષણ ઓળખીને તે બન્નેનું ભેદજ્ઞાન કરવાનું છે. આત્માર્થીનું પહેલાંમાં
પહેલું કર્તવ્ય એ છે કે જ્ઞાનસ્વરૂપી આત્માને ઓળખીને તેની શ્રદ્ધા કરવી અને બંધ
તત્ત્વને ઓળખીને તેનો સર્વથા છેદ કરવો. ભવભ્રમણથી છૂટવું હોય તેણે પુણ્ય-પાપ
ભાવનો સર્વથા છેદ કરીને અમૃતસ્વરૂપ આત્માને ધ્યાવવો.
હે ભાઈ! તું સર્વજ્ઞદેવની વાણી સાંભળીને, વિચારીને, નિર્ણય તો પહેલાં સાચો
કર! નિર્ણયમાં જ ઠેકાણું નહિ હોય તો માર્ગ હાથ ક્યાંથી આવશે? પુણ્ય-પાપભાવરૂપ
બંધતત્ત્વ અને અબંધસ્વરૂપી નિજ આત્મા એ બન્નેનું ભેદવિજ્ઞાન કરવાનું છે. પુણ્ય-
પાપભાવ તે મારું સ્વરૂપ જ નથી એમ પહેલાં નક્કી કરીને અબંધસ્વરૂપ નિજ પરમ
પાવન પરમાત્માની શ્રદ્ધા-જ્ઞાન અને અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
સાધારણ રીતે સર્વ જીવો પાપભાવને હેય અને પુણ્યભાવને ઉપાદેય માને છે.
પુણ્યનાં ફળમાં સુખ મળવાની આશા રાખે છે. કેમ કે પુણ્યથી જ ઇન્દ્ર, ચક્રવર્તી,
બળદેવ, વાસુદેવ આદિ મહાવૈભવયુક્ત પદવી પ્રાપ્ત થાય છે. પણ એ પદવીઓ પણ
માત્ર દુઃખસ્વરૂપ છે. પુણ્ય-પાપ બન્ને એક જ જાતનાં છે, બન્નેનું ફળ સંસાર અને
દુઃખ જ છે. એવું જાણનારાં તો કોઈ વિરલ, બુદ્ધિમાન, જ્ઞાની જ હોય છે. જેનાથી
સંસારમાં રહેવું પડે, વિષયભોગમાં ફસાવું પડે, એવું સ્વાધીનતાઘાતક પુણ્ય પણ પાપ
જ છે-એમ જ્ઞાની માને છે.
આત્મા મોટો તાકાતવાન છે. ઊંધો પુરુષાર્થી હોય તો સમવસરણમાં તીર્થંકરના
સમજાવવાથી પણ ન સમજે અને સવળો પુરુષાર્થી સમકિતી ઉપરથી અગ્નિની વર્ષા વર્ષે,
પરિષહોના પાર ન રહે તોપણ પોતાની શ્રદ્ધાથી ડગ્યો ન ડગે. ઉપરથી દેવ આવીને
પરીક્ષા કરે કે પુણ્યથી લાભ માન તો તને પરિષહોથી બચાવું, નહિ તો મારી નાખીશ,
તોપણ ડગે નહિ. તે જાણે છે કે કોણ કોને મારી શકે છે? અમે તો પુણ્ય-પાપ રહિત
અમારા આત્માથી લાભ માનીએ છીએ. પુણ્યથી લાભ ત્રણકાળમાં કદી ન થાય. જ્ઞાનીને
આત્માના આનંદ પાસે બીજા બધાં ભાવો તુચ્છ લાગે છે. પુણ્ય-પાપભાવ બન્ને દોષ છે.
બંધન અપેક્ષાએ બન્ને સમાન છે. બન્નેના બંધન-કારણ કષાયની મલિનતા છે.
બન્નેનો અનુભવ સ્વાભાવિક અનુભવથી વિરુદ્ધ છે. અતીન્દ્રિય શુદ્ધ ભાવથી બન્ને
વિપરીત છે. માટે જ્ઞાની પુણ્ય-પાપ બન્નેને લાભદાયક માનતા નથી.
પુણ્ય-પાપભાવમાં તન્મય થવાથી બંધન થાય છે તેથી મોક્ષમાર્ગના તે વિરોધી
છે. આત્માના ધર્મના તે લૂંટારાં છે વીતરાગમાર્ગની આવી વાત પામર ઝીલી શકતાં
નથી જ્ઞાની પુણ્ય-પાપ અને ભાવને દુઃખના કારણ જાણી તેનાથી વિરક્ત રહે છે અને
કર્મક્ષયકારક, આત્માનંદ-દાયક એક શુદ્ધ ઉપયોગને જ માન્ય કરે છે. તેને જ મોક્ષનું
કારણ જાણે છે.

Page 139 of 238
PDF/HTML Page 150 of 249
single page version

background image
પરમાત્મા] [૧૩૯
[પ્રવચન નં. ર૬]
એમ નક્કી કર -
ત્રિલોકપ્રધાન નિજ પરમાત્મા
આ દેહમાં જ બિરાજમાન છે
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. પ-૭-૬૬]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. તેમાં ૭૧ મો શ્લોક છે. યોગીન્દ્રદેવ કહે છે કે
જ્ઞાની પુણ્યને પણ પાપ કહે છે.
जो पाउ वि सो पाउ मुणि सव्वु इ को वि मुणेइ ।
जो पुण्णु वि पाउ वि भणइ सो बुह
(?) को वि हवेइ ।। ७१।।
પાપરૂપને પાપ તો, જાણે જગ સહુ કોઈ;
પુણ્યતત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ. ૭૧
હિંસા, જૂઠું, ચોરી આદિના અશુભભાવોને તો આખી દુનિયા પાપ કહે છે પણ
અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આદિના શુભભાવને પણ પાપ કહેનારા કોઈ
અનુભવી જ્ઞાની જ હોય છે. જેમ પાપભાવ બંધનું કારણ છે તેમ પુણ્યભાવ પણ બંધનું
જ કારણ છે. બન્ને આકુળતા ઉપજાવનારા છે. માટે જ્ઞાની બન્નેને પાપ જ કહે છે.
કર્મક્ષયકારક, આત્માનંદદાયક, એક શુદ્ધોપયોગને જ જ્ઞાની માન્ય કરે છે એટલે કે
આદરણીય માને છે. જેવો પરમાત્માનો સ્વભાવ છે તેવો જ પોતાનો આત્મા છે. એવા
આત્માની દ્રષ્ટિ કરતાં જે શુદ્ધ આચરણ પ્રગટે છે તે જ ઉપાદેય છે, હિતકારક છે. પુણ્ય-
પાપભાવ કર્મબંધનના કારણો છે, તેનાથી વિરુદ્ધ શુદ્ધભાવ કર્મક્ષયનું કારણ છે. પુણ્ય-
પાપભાવ દુઃખકારક છે તો શુદ્ધાત્માની દ્રષ્ટિ, જ્ઞાન અને શુદ્ધ-ઉપયોગ આનંદદાયક છે.
આત્મા પોતે આનંદસ્વરૂપ છે. તેથી તેનો અંતર વ્યાપાર-ઉપયોગ પણ આનંદદાયક છે.
પુણ્ય-પાપ ભાવમાં-પુણ્યમાં આકુળતા અને પાપમાં તીવ્ર આકુળતા છે, પણ બંન્નેમાં
આકુળતા અને દુઃખ જ છે.
ધર્મીજીવને પણ શુભ-અશુભભાવ આવે છે પણ ધર્મી તેને હિતકારક માનતા
નથી. ધર્મીની દ્રષ્ટિ તો આત્મા ઉપર છે તેથી તેને તો એવી જ ભાવના હોય છે કે હું
નિરંતર મારા આત્મબાગમાં રમું, આત્મામાં એકાગ્રતા કરીને નિરંતર વીતરાગભાવની
સેવા કરું અને સિદ્ધ સમાન મારા પદમાં જ પ્રેમ કરું; એવી જ્ઞાનીને નિરંતર ભાવના
રહે છે.
જ્ઞાનીને હજુ આત્મવિર્યની કમી હોવાથી કર્મોદયવશ ગૃહસ્થને યોગ્ય બધાં કાર્ય
કરે છે.

Page 140 of 238
PDF/HTML Page 151 of 249
single page version

background image
૧૪૦] [હું
દયા, દાન, પૂજા પણ કરે છે, પણ તેની પાછળ તેને પાંચ ઈન્દ્રિયના ભોગોની લાલસા
નથી. પુણ્યબંધ કે પુણ્યફળની તેને ચાહના નથી. જેનાથી પોતાનું શુદ્ધસ્વરૂપ બંધનમાં
આવી જાય એવા ભાવને જ્ઞાની હિતકર કેમ માને? ન જ માને. ધર્મી જ્ઞાની શુદ્ધ-
સ્વરૂપના રુચિવંત ધર્માત્મા મુક્તિના પથિક છે, સંસારના પથિક નથી. બંધનથી
છૂટવાના પથિક છે, તેથી પુણ્યને પણ પાપ સમાન જાણીને છોડવા માગે છે.
જેને આત્માનો પવિત્ર ધર્મ પ્રગટ કરવો છે અને પૂર્ણાનંદસ્વરૂપ મોક્ષની જેને
ભાવના છે તેણે સર્વ પુણ્ય પાપ છોડવા યોગ્ય છે. તેની દ્રષ્ટિમાં આત્માનું જ્ઞાન હોય,
આત્માની રુચિ હોય, પુણ્યભાવની રુચિ ન હોય, તો જ તે સાચો મોક્ષાર્થી છે.
હવે યોગીન્દ્રદેવ કહે છે કે પુણ્યભાવ સુવર્ણની બેડી છે અને પાપભાવ લોખંડની
બેડી છે. બન્ને બેડી છે. બંધન કરાવનાર છે, મુક્તિ આપનાર નથી.
जह लोहम्मिय णियड बुह तह सुण्णम्मिय जाणि
जे सुहु असुह परिच्चयहिं ते वि हवंति हु णाणि ।। ७२।।
લોહબેડી બંધન કરે, સોનાની પણ તેમ;
જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. ૭૨
વનવાસી દિગંબર સંત કહે છે કે હે પંડિત! પાપભાવ લોખંડની બેડી અને
પુણ્યભાવ સોનાની બેડી છે એ બન્ને બંધનભાવથી રહિત અબંધ સ્વભાવી આત્માની
દ્રષ્ટિ કર તો તું સાચો પંડિત છો. પહેલાં તો સમજણમાં એમ લે કે પુણ્ય-પાપ બન્ને
બંધન છે, પછી તે બન્ને ભાવોનો ત્યાગ કર. શુભાશુભભાવની દ્રષ્ટિ છોડી પૂર્ણ શુદ્ધ
નિજસ્વરૂપમાં આવી જા! પુણ્ય ઠીક અને પાપ અઠીક એમ માનનાર તો મિથ્યાદ્રષ્ટિ જ
છે. પુણ્ય-પાપભાવમાં ચૈતન્યનું નૂર-તેજ નથી. બન્ને કર્મ જીવને સંસારમાં ફસાવનાર
છે. માટે મોક્ષાર્થીને ઉચિત છે કે તે બંને ભાવોને સંસારમાં બાંધનાર બેડી જાણીને તેની
રુચિ છોડીને મુક્તિનો ઉપાય કરે.
જેમ ક્રોધ-માન-માયા-લોભ, હિંસા, ચોરી આદિ અશુભભાવથી ઘાતિકર્મ બંધાય
છે તેમ શુભભાવથી પણ ઘાતિધર્મ બંધાય છે. ઘાતિકર્મમાં એકલી પાપ-પ્રકૃતિ જ છે.
અઘાતિકર્મમાં પુણ્યભાવથી અનુકૂળ સંયોગો મળે એવા શુભ કર્મો બંધાય છે અને
પાપભાવથી પ્રતિકૂળ સંયોગો પ્રાપ્ત થાય તેવાં અશુભ કર્મો બંધાય. પણ જ્ઞાનાવરણી,
દર્શનાવરણી આદિ ચાર ઘાતિકર્મોમાં તો શુભાશુભ બન્ને ભાવથી એકલો પાપ બંધ જ
પડે છે. આથી અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે. એવા ધર્મી જીવને શુભભાવમાં
તથા તેના ફળમાં મળતાં પાંચ ઈન્દ્રિયના વિષયોમાં પણ રુચિ નથી. તેમાં સુખબુદ્ધિ
થતી નથી. કારણ પુણ્યપરિણામથી પણ આત્મઘાત જ થાય છે.
પુણ્યના ફળમાં પ્રાપ્ત થતાં વિષયોમાં ફસાઈ જવાથી અજ્ઞાની જીવો નરક નિગોદ
આદિમાં ચાલ્યા જાય છે. પરમાત્મપ્રકાશમાં યોગીન્દ્રદેવ જ લખે છે કે પુણ્યના ફળમાં
વૈભવ મળે અને

Page 141 of 238
PDF/HTML Page 152 of 249
single page version

background image
પરમાત્મા] [૧૪૧
વૈભવમાં અભિમાન થતાં પાપભાવ વડે જીવ નરકમાં ચાલ્યો જાય છે. પુણ્યના ફળમાં
દેવપદ મળે અને દેવમાંથી સીધો એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. તૃષ્ણામાં દેવના વૈભવ
ભોગવવાની ઇચ્છા છે એવા મિથ્યાદ્રષ્ટિની આ વાત છે. પુણ્યના ફળ અને
ઇન્દ્રિયવિષયોને ભોગવવાની લોલુપતામાં દેવપર્યાયમાં પણ મિથ્યાદ્રષ્ટિજીવ દુઃખી છે અને
ત્યાંથી પાછો એકેન્દ્રિય આદિ હલકી પર્યાયમાં ચાલ્યો જાય છે. ૧૨માં સ્વર્ગ સુધીના દેવો
મરીને પશુ થાય છે, નવમી ગ્રૈવેયક સુધીના દેવો મરીને મનુષ્ય થાય છે અને ત્યાં પણ
તૃષ્ણારૂપી રોગથી પીડાય છે. “આત્મભ્રાંતિ સમ રોગ નહિ.” આત્માને ભૂલીને
ઇન્દ્રિયસુખ અને પુણ્યમાં પ્રીતિ રહેવી તે જ આત્મભ્રાંતિનો રોગ છે. તેના જેવો બીજો
મોટો કોઈ રોગ નથી.
પોતે ભગવાન હોવા છતાં બહારનાં સંયોગો-મકાન, સ્ત્રી પુત્ર, દૌલત આદિ જડ
વસ્તુઓ પાસે સુખની ભીખ માગે છે. તૃષ્ણારૂપી ક્ષય રોગ લાગુ પડયો છે, તેમાં
પીડાતો ઇન્દ્રિયવિષયો પાસે સુખની ભીખ માગે છે પણ પ્રતિકૂળતા, રોગ, નિર્ધનતા
આદિ દુઃખના સાધન મળવાથી જેવી આકુળતા થાય છે તેવી જ આકુળતા તુષ્ણારૂપી
રોગથી થાય છે. આ જીવે અનંતવાર દેવ, મનુષ્ય, મોટા રાજા આદિના વૈભવો પ્રાપ્ત
કર્યા પણ આ તૃષ્ણારોગ મટયો નહિ. કેમ કે આત્માના આનંદની રુચિ વિના તૃષ્ણાનો
દાહ શમન થઈ શક્તો નથી.
ધર્મીજીવ પાંચ ઇન્દ્રિયના વિષયોને હેય-છોડવા લાયક સમજે છે. તેથી
વિષયસુખના કારણભૂત પુણ્યધર્મને પણ હેય સમજે છે અને તેથી પુણ્યકર્મના કારણભૂત
શુભભાવને પણ જ્ઞાની હેય સમજે છે. તેથી વિરુદ્ધ, અજ્ઞાની જીવ ઇન્દ્રિયવિષયોમાં સુખ
માને છે તેથી તેના કારણ એવા પુણ્ય-કર્મના બંધનને પણ સુખરૂપ માને છે અને તેના
કારણભૂત શુભભાવને પણ સુખરૂપ અને ઉપાદેય માને છે. શુભાશુભભાવને જેણે અધિક
માન્યા છે તેણે આત્માને હીન માન્યો છે, તેને આત્મા પ્રત્યે પ્રેમ નથી પણ વિષયો અને
વિષયોના કારણ પ્રત્યે પ્રેમ છે.
શુદ્ધ ચિદાનંદ નિજ આત્માની રુચિવાળો અનુભવી જીવ ભલે પશુ હોય તોપણ
તેને આત્માનો અતીન્દ્રિય આનંદ છે, વાસ્તવિક સુખ છે. નાનું એવું દેડકું હોય કે ચકલી
હોય તે પણ આત્મા છે ને! તેને આત્માનો અનુભવ થઈ શકે છે. ભગવાનના
સમવસરણમાં તો સર્પ, સિંહ આદિ ક્રૂર હિંસક પ્રાણીઓ પણ જાય છે. ત્યાં જો આત્માની
દ્રષ્ટિપૂર્વક અનુભવ કરી લે તો તેને પણ અતીન્દ્રિય આનંદ પ્રગટે છે. કોઈ તો વિશેષ
લીનતા કરીને પાંચમું ગુણસ્થાન પણ પ્રગટ કરે છે. પછી એ રાત્રે ખોરાક કે પાણી ન
લે અને દિવસે પણ નિર્દોષ ખોરાક વનસ્પતિ આદિ મળે તો જ લે. આવા પશુ પણ
પોતાના શુદ્ધસ્વરૂપ સિવાય બીજા કોઈ વિષયોમાં આનંદ માનતા નથી. જ્યારે આત્માના
સ્વરૂપથી અજાણ મોટા શેઠિયા હોય તોપણ પુણ્ય-પાપના ભાવ અને તેના ફળમાં સુખ
માનીને આકુળતાને વેદે છે.
સમકિતીને તો નરકમાં પણ અતીન્દ્રિય આનંદ છે. “બાહિર નારકીકૃત દુઃખ
ભોગત, અંતર સુખરસ ગટાગટી.” આત્માના શુદ્ધ-ઉપયોગની દ્રષ્ટિને કારણે નરકના
અસહ્ય દુઃખની વચ્ચે પણ સમકિતીને સુખની ગટાગટી છે. આહાહા...! ક્યાં જ્ઞાની પશુ,
ક્યાં મિથ્યાદ્રષ્ટિ શેઠિયા! મિથ્યાદ્રષ્ટિદેવ નવમી ગ્રૈવેયકમાં પણ આકુળતા વેદે છે અને
સાતમી નરકમાં કોઈ

Page 142 of 238
PDF/HTML Page 153 of 249
single page version

background image
૧૪૨] [હું
રાજા મરીને જાય ને ત્યાં યાદ આવી જાય કે સંતોએ અમને કહ્યું હતું કે સ્વભાવનું
સાધન કરવામાં તમે સ્વતંત્ર છો-એમ કરીને જ્યાં અંતરમાં દ્રષ્ટિ કરે છે ત્યાં
અનુભવમાં અતીન્દ્રિય આનંદ પામે છે. આ અતીન્દ્રિય આનંદનું કારણ સ્વભાવની દ્રષ્ટિ
અને અનુભવ છે. અજ્ઞાનીને પુણ્યની રુચિ છે તેના કારણે સ્વર્ગમાં દૈવી સુખોની વચ્ચે
પણ તે એકલી આકુળતાને જ વેદે છે.
હવે ૭૩ મી ગાથામાં યોગીન્દ્રદેવ ફરમાવે છે કે ‘ભાવનિર્ગ્રંથ જ મોક્ષમાર્ગી છે.’
जइया मणु णिग्गथु जिय तइया तुहु णिग्गथु ।
जइया तुहुं णिग्गथु जिय तो लब्भइ सिवपंथु ।। ७३।।
જો તુજ મન નિર્ગ્રંથ છે, તો તું છે નિર્ગ્રંથ;
જ્યાં પામે નિર્ગ્રંથતા, ત્યાં પામે શિવપંથ. ૭૩.
હે આત્મા! જો તેં મનમાં રાગની એકતા તોડી છે, મિથ્યાત્વની ગ્રંથિને ભેદી
નાખી છે અને શુદ્ધ આત્માની દ્રષ્ટિ કરી છે તો તારું મન નિર્ગ્રંથ છે રાગથી એકતા
તોડી, આત્મસંપદામાં એકત્વ કર્યું છે તેનું મન ખરેખર નિર્ગ્રંથ છે, અને હે જીવ! જો
તારું મન નિર્ગ્રંથ છે તો તેં મોક્ષપંથ પ્રાપ્ત કરી લીધો છે. બાહ્યમાં દ્રવ્યલિંગ પણ આવે
જ છે પણ જો તેં ભાવનિર્ગ્રંથ દશા પ્રાપ્ત કરી લીધી છે તો તું સમજ કે તું શિવપંથી થઈ
ગયો, બાહ્યમાં દ્રવ્યનિર્ગ્રંથ દશા હોય પણ ભાવનિર્ગ્રંથતા ન હોય તો મોક્ષમાર્ગ નથી
એમ અહીં બતાવવું છે.
શ્રદ્ધા-અપેક્ષાએ સમકિતી પણ ભાવનિર્ગ્રંથ છે. નિજ શુદ્ધસ્વભાવની પ્રીતિ, દ્રષ્ટિ
અને અનુભવ કરનાર સમકિતીને રાગ ઉપર પ્રીતિ નથી માટે તે ખરેખર ભાવનિર્ગ્રંથ
છે. જ્યાં સુધી વસ્ત્રનું ગ્રહણ છે ત્યાં સુધી પરિગ્રહનો પૂરો ત્યાગ નથી. પણ પ્રથમ તો
અંતરંગમાં મનને ગ્રંથિરહિત કરવું જોઈએ. મનમાં દયા-દાનના વિકલ્પ ઊઠે છે તે પણ
રાગની ગાંઠ છે. તે ગાંઠને પ્રથમ ભેદી મનને નિર્ગ્રંથ બનાવ્યું છે તે મોક્ષમાર્ગી છે.
આત્મા વસ્તુ પોતે નિર્ગ્રંથ છે તો તેની દ્રષ્ટિ કરવાવાળો પણ ભાવથી નિર્ગ્રંથ છે. પણ
બહારમાં કેવળ દ્રવ્યથી નિર્ગ્રંથનો એક પણ ભવ ઓછો થાય તેમ નથી.
ભાવનિર્ગ્રંથ જીવને અંતરનો પરિગ્રહ ન હોય. મનમાં રહેલ સર્વ રાગ-દ્વેષ
ભાવની મલિનતાને દૂર કરી હોય, સર્વ જીવ ઉપર સમતાભાવ તથા કરુણાભાવ હોય,
પરમ સંતોષી હોય અને એ ભાવનિર્ગ્રંથ જ્ઞાની જીવની આત્મરસની પિપાસા ઘણી હોય.
આવાં લક્ષણો યુક્ત હોય તે જ ભાવ-નિર્ગ્રંથ છે. એથી વિપરીત કોઈ જીવ બધો
બાહ્યપરિગ્રહ છોડી દે-સ્ત્રી, પુત્ર પરિવાર ત્યાગી જંગલમાં રહેવા લાગે પણ
અંતરપરિગ્રહ-રાગ-દ્વેષ-મોહનો ત્યાગ ન કરે તો તે નિર્ગ્રંથ નથી. તેને આત્મરસનો
લાભ પ્રાપ્ત થતો નથી. તે જીવ મોક્ષમાર્ગી નથી પણ સંસારમાર્ગી છે.
જેમ ચોખા ઉપરનું ફોતરું કાઢી નાખે પણ ચોખાની લાલાશ ન કાઢે તેને ચોખાનો

Page 143 of 238
PDF/HTML Page 154 of 249
single page version

background image
પરમાત્મા] [૧૪૩
અસલ સ્વાદ આવતો નથી. તેમ કોઈ જીવ બાહ્ય સંયોગોનો તો ત્યાય કરી દે પણ
અંતરમાં શુદ્ધાત્માની દ્રષ્ટિ, અનુભવ ન કરે, સમદર્શી-સમતાભાવને પ્રાપ્ત ન થાય,
આત્મિક આનંદનો પિપાસુ ન બને અને રાગ-દ્વેષ-મોહરૂપી અંતરપરિગ્રહને ધારી રાખે
તો તેને મોક્ષનો લાભ પ્રાપ્ત થતો નથી, તે જીવ સાચો નિર્ગ્રંથ નથી. ભાવ-નિર્ગ્રંથ નથી,
દ્રવ્ય નિર્ગ્રંથ છે.
સનાતન વીતરાગ ધર્મ સંતોએ સ્પષ્ટ બતાવીને સહેલો કરી દીધો છે.
આત્મતત્ત્વની દ્રષ્ટિ-જ્ઞાન અને અનુભવરૂપ રત્નત્રય તે જ શિવપંથ છે. તેના ઉપર
ચાલીને જ્ઞાની મોક્ષમાં પહોંચી જાય છે.
હવે કહે છે કે આ દેહમાં જ દેવ બિરાજે છે એમ નક્કી કર!
जं वडमज्सहं बीउ फुडु बीयहं वडु वि हु जाणु ।
तं देहहं देउ वि मुणहि जो तइलोय–पहाणु ।। ७४।।
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન.
૭૪.
જેમ બીજમાં વડ પ્રગટ છે અને વડમાં સ્પષ્ટરૂપથી બીજ જ વ્યાપેલું છે. તેમ આ
શરીરરૂપી વડમાં ભગવાન આત્મા બિરાજમાન છે. બીજમાં જેમ વડ છે તેમ
આત્મબીજમાં પરમાત્મશક્તિનું વડ પ્રગટ છે. શક્તિમાં પરમાત્મપણું હોય તો જ પર્યાયમાં
પ્રગટ થાય ને? ત્રણલોકમાં તારો આત્મા જ પ્રધાનદેવ છે. ભગવાન અરિહંત અને
સિદ્ધપ્રભુ પણ તારા માટે પ્રધાનદેવ નથી. તારું પરમાત્મપદ જ તારા માટે પ્રધાન છે.
પરમાત્મા જેમ પર્યાયે પૂર્ણ છે તેમ દરેક જીવ શક્તિએ પૂર્ણ છે. એમ પોતાની શક્તિનો
જ્યાં સુધી વિશ્વાસ ન કરે ત્યાં સુધી દ્રષ્ટિ સમ્યક્ ન થાય-સમ્યગ્દર્શન ન થાય.
જેમ લગ્ન વખતે વરરાજા તો એક દિવસ માટે જ વરરાજા છે, પ્રધાન છે પણ હે
જીવ! તું તો ત્રણે કાળે અને ત્રણે લોકમાં પ્રધાન છો. તું તારી શક્તિથી સદાય
ત્રિલોકપ્રધાન છે.
બીજમાં જેમ વડ વ્યાપક છે તેમ ભગવાન આત્મા અનંત જ્ઞાન-દર્શનથી વ્યાપક
છે. આત્મા દેહના આકારે દેહમાં રહેલો હોવા છતાં દેહથી અત્યંત ભિન્ન પોતાના ગુણ-
પર્યાયમાં વ્યાપેલો છે. આખા વડનાં મોટા વૃક્ષમાં મૂળ બીજ સર્વત્ર વ્યાપેલું છે. તેમ
ભગવાન આત્મા પોતામાં સર્વત્ર વ્યાપેલો છે. કેવળજ્ઞાન આદિ અનંત પર્યાયોનું બીજ
તો આત્મા છે માટે તું જ તારો દેવ છો.
મોક્ષાર્થીએ એમ વિચારવું જોઈએ કે મારે આરાધવા યોગ્ય, સેવવા યોગ્ય મારો
આત્મા જ છે. દેહનો આકાર જેવો છે તેવો જ મારા આત્માનો આકાર છે. તેમાં અનંત
આનંદ આદિ અનંત ગુણો બિરાજમાન છે તે જ મારે આરાધવા યોગ્ય છે.

Page 144 of 238
PDF/HTML Page 155 of 249
single page version

background image
૧૪૪] [હું
[પ્રવચન નં. ૨૭]
સર્વ સિદ્ધાંતોનો સારઃ-
હું જ પરમાત્મા છું – એમ નક્કી કર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૬-૭-૬૬]
આ યોગસાર શાસ્ત્ર છે. દેહ, મન, વાણી આદિ જડ પદાર્થ અને પુણ્ય-પાપ
આદિ વિકારીભાવથી ભિન્ન શુદ્ધ સચ્ચિદાનંદ નિજ આત્મામાં જોડાણ કરવું તેનું નામ
યોગસાર છે.
અહીં ૭૪ મી ગાથામાં દ્રષ્ટાંત આપીને યોગીન્દ્ર મુનિરાજ સમજાવે છે કેઃ-
जं वडमज्सहं बीउ फुडु बीयहं वडु वि हु जाणु ।
तं देहहं देउ वि मुणहि जो तइलोय–पहाणु ।। ७४।।
જેમ બીજમાં વડ પ્રગટ, વડમાં બીજ જણાય;
તેમ દેહમાં દેવ છે, જે ત્રિલોકપ્રધાન.
૭૪.
જેમ બીજમાં વડ છે તેમ આ આત્મસ્વભાવમાં પૂર્ણ પરમાત્મસ્વરૂપ શક્તિરૂપે
ભર્યું છે. જેમ લીંડીપીપર કદમાં નાની અને રંગમાં કાળી હોય છતાં તેની અંદરમાં ૬૪
પહોરી એટલે પૂરેપૂરી તીખાશ ભરી છે તો તેને ઘસતાં બહારમાં તીખાશ પ્રગટ થાય છે.
અંદરમાં તીખાશ હતી તો બહાર આવી. માટે પ્રાપ્તની પ્રાપ્તિ છે. તેમ દરેક આત્મામાં
જ્ઞાન, આનંદ આદિ અનંતગુણોની પૂર્ણ શક્તિ અંતરમાં પડી છે, તેમાંથી તે પ્રગટ થાય
છે. આ ભગવાન આત્માના અંતરસત્ત્વમાં-ધ્રુવશક્તિમાં પૂર્ણ જ્ઞાન-આનંદ વ્યાપક છે,
પણ આ જીવને જગતની ચીજોની તો મહત્તા આવે છે પણ પોતાના સ્વભાવની મહત્તા
આવતી નથી.
વડના બીજમાં વડ છે તો તેમાંથી વડ થાય છે. બીજમાં વડ ન હોય તો વડ
ક્યાંથી થાય? કાંકરા વાવીને એમાં પાણી તો શું દૂધ પાય તોપણ તેમાંથી વડ ન થાય. કેમ
કે કાંકરામાં વડ થવાની તાકાત નથી. અરે! લીંબોળીમાં પણ વડ થવાની તાકાત નથી.
વડના બીજમાં જ વડ થવાની તાકાત છે. આ બધું લોજિકથી-ન્યાયથી સમજવું જોઈએ.
કૂવામાં પાણી હોય તો અવેડામાં આવે કેમ કે પ્રાપ્તની પ્રાપ્તિ થાય. દરેક
આત્મામાં અતીન્દ્રિય જ્ઞાન, આનંદ આદિની તાકાત પ્રાપ્ત છે, તેમાંથી પર્યાયમાં તેની
પ્રાપ્તિ થતાં પરમાત્મા થવાય છે.
લોટાના આકાર જેવો જ અંદરમાં રહેલાં પાણીનો આકાર છે પણ એ પાણીનો
આકાર લોટાથી ભિન્ન છે. તેમ આ ચિદાનંદ ભગવાન આત્મા કે જે શરીરની અંદર
રહેલો છે તેનો આકાર શરીર જેવો છે પણ તે શરીરથી ભિન્ન છે.

Page 145 of 238
PDF/HTML Page 156 of 249
single page version

background image
પરમાત્મા] [૧૪પ
આ આત્માના સ્વભાવમાં અનંત જ્ઞાન, અનંત આનંદ આદિ અનંત શક્તિ ભરી
છે. જેનો સ્વભાવ જ જાણવાનો છે તે કોને ન જાણે? સ્વભાવને મર્યાદા શેની? એ તો
બધાંને જાણે. સ્વભાવને મર્યાદા ન હોય.
આત્માના દરેક ગુણો અમાપ છે. અમાપ આનંદ, અમાપ શાંતિ, બેહદ જ્ઞાન,
બેહદ દર્શન આદિ બધી અમાપ શક્તિઓનો રસકંદ તે આત્મા. આવો આ આત્મા શરીર
પ્રમાણ હોવા છતાં ત્રણલોકમાં મુખ્ય-પ્રધાનપદે છે.
જે પરમાત્મા થઈ ગયા તે પોતાની સ્વતંત્ર શક્તિથી થયા છે અને જે પરમાત્મા
થશે તે પણ પોતાની સ્વતંત્ર શક્તિથી થશે. કેમ કે દરેક આત્માની શક્તિ સ્વતંત્ર છે.
જેમ લાખો-કરોડો લીંડીપીપરની ગુણો ભરી હોય, તેમાંની દરેકે-દરેક પીપર ૬૪ પહોરી
પૂર્ણ શક્તિથી ભરી છે તેમ અનંતા આત્માઓ પોત-પોતાની સ્વતંત્ર શક્તિથી
બિરાજમાન છે.
આવા આત્માને હે જીવ! તું શરીરથી ન જો! કર્મથી ન જો! પર્યાયના ભેદથી ન
જો! પણ એકરૂપ સ્વભાવથી જો! સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરવાથી જ શ્રદ્ધા-જ્ઞાનમાં બધી
શક્તિઓની ઝલક પ્રગટ થાય છે, અનુભવમાં આવે છે. વર્તમાન પર્યાયમાં થતાં દેખાય
છે તે સ્વભાવ નથી. તેનો નાશ થતાં સ્વભાવ પ્રગટ થશે. અલ્પજ્ઞતા દૂર થતાં પૂર્ણતા
પ્રગટ થશે. રાગમાંથી કે અલ્પજ્ઞતામાંથી પૂર્ણતા આવતી નથી. પૂર્ણતા સ્વભાવમાંથી
પ્રગટ થાય છે.
જેમ પીપરને તેની શક્તિના સત્ત્વથી જોઈએ તો અલ્પ તીખાશ કાળાપણું
તેનામાં નથી. તે તો પૂર્ણ તીખાશ અને લીલા રંગથી ભરેલું તત્ત્વ છે. તેમ ભગવાન
આત્માને તેના સ્વભાવથી જોઈએ તો કર્મ કે તેના સંગે થયેલો વિકાર કે કર્મના ઉદયની
વધઘટથી થયેલી હીનાધિકતા એ કાંઈ તેના સ્વભાવમાં નથી. સિદ્ધાંત સમજાવવા માટે
આ બધાં દ્રષ્ટાંત અપાય છે. તેમાંથી સિદ્ધાંત તારવવાનો છે.
જગતના જીવો ભણી-ભણીને ભણ્યા, પણ સાચું ભણતર ભણ્યા નહિ. શાસ્ત્ર
ભણીને પણ તેનો સાર સમજે તો શાસ્ત્ર ભણતર કામનું છે. પોતાનું સ્વરૂપ શું છે? કેવું
છે? તેનો જીવે કદી વિચાર કર્યો નથી.
પૂર્ણ જ્ઞાન, પૂર્ણ આનંદ, પૂર્ણ સ્વચ્છતા, પ્રભુતા, શાંતિ આદિ પૂર્ણ સ્વભાવની
દ્રષ્ટિ કરતા જે નવી પર્યાય વર્તમાનમાં પ્રગટ થાય તેની પણ ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિમાં
અપેક્ષા રહેતી નથી. અનાદિ અનંત સત્...સત્...સત્ છે....છે....છે...., જેની આદિ નહિ,
ઉત્પત્તિ નહિ અને નાશ પણ નહિ એવું આત્મતત્ત્વ છે. તેની દરેક શક્તિ પણ ત્રિકાળ
સત્ છે. ત્રિકાળ સ્વભાવની દ્રષ્ટિ કરનારને શરીર તો નહિ, વિકાર તો નહિ, અધૂરી
નિર્મળ પર્યાય તો નહિ પણ પૂર્ણ નિર્મળ પર્યાય જેટલો પણ આત્મા દેખાતો નથી.
પૂર્ણ...પૂર્ણ...નિર્મળ એકરૂપ વસ્તુ જ દ્રષ્ટિમાં દેખાય ત્યારે જ પર્યાયમાં સમ્યગ્દર્શન-
જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. માટે આવી દ્રષ્ટિ કરવી તે જ એક મુક્તિનો ઉપાય છે,
બીજો કોઈ ઉપાય નથી.

Page 146 of 238
PDF/HTML Page 157 of 249
single page version

background image
૧૪૬] [હું
દ્રષ્ટિના જોરે જ્યારે કર્મ કે કર્મના નિમિત્તે થયેલાં પરિણામ તે હું નહિ, હું તો
પરિપૂર્ણ અખંડાનંદ એકરૂપ શુદ્ધ તત્ત્વ છું એમ દ્રષ્ટિ આત્માનો સ્વીકાર કરે ત્યારે
અંતરમાંથી સમ્યગ્દર્શન-જ્ઞાન-શાંતિ-આનંદના કણિયા પ્રગટ થાય છે. માટે જેને સુખ,
શાંતિ અને સ્વતંત્રતા જોઈતી હોય તેણે પૂર્ણાનંદ પ્રભુની દ્રષ્ટિ કરવી તે જ એક ઉપાય છે.
ચૈતન્ય સ્ફટિકના સ્વભાવમાં પૂર્ણ નિર્મળતા છે. પુણ્ય-પાપના લાલ-કાળા ડાઘનો
તેમાં પ્રવેશ નથી. આવી દ્રષ્ટિ કરવી તે ધર્મદ્રષ્ટિ છે. ધર્મદ્રષ્ટિવંત જીવો જ સુખી છે. તે
સિવાય ઇન્દ્ર, નરેન્દ્ર, રાજા-મહારાજા, અબજોપતિ શેઠિયા એ બધાં ભિખારા છે, દુઃખી છે.
સ્વભાવદ્રષ્ટિથી જોતાં દરેક આત્મા એક સમાન દેખાય છે, માટે કોઈ શત્રુ કે
કોઈ મિત્ર નથી. તેથી સ્વભાવદ્રષ્ટિવંતને કોઈ ઉપર રાગ-દ્વેષ થતો નથી. એ પણ
ભગવાન છે. જ્યારે એ પોતાનું ભગવાનપણું સંભાળશે-સ્વીકારશે ત્યારે એ પણ
ભગવાન બની જશે. દરેકમાં પરમાત્મશક્તિ ભરી પડી છે. માટે નિર્ગ્રંથ મુમુક્ષુને ઉચિત
છે કે તેણે સમતાસ્વભાવમાં સ્થિર થવું, લીન થવું, રમવું. સર્વ નયોના વિચારથી પણ
મુક્ત થઈને આત્માનંદમાં મસ્ત થવું.
હવે ૭પ મી ગાથામાં કહે છે કે જે પરમાત્મા છે તે જ હું છું-
जो जिण सो हउं सो जि हउं एहउ भाउ णिभंतु ।
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।। ७५।।
જે જિન તે હું, તે જ હું, કર અનુભવ નિર્ભ્રાન્ત;
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન મંત્ર ન તંત્ર. ૭પ.
આત્માની પૂર્ણ વીતરાગ દશાને પ્રાપ્ત થયેલા પરમાત્મા છે તે હું જ છું કેમ કે હું
જ પોતે પરમાત્મા થવાને લાયક છું. યોગીન્દ્ર દેવ કહે છે તારે મુક્તિનું પ્રયોજન હોય
તો આમ પહેલાં નક્કી કર! નિર્ણય કર કે! “હું જ પરમાત્મા છું.”
જેણે આત્મામાંથી રાગ-દ્વેષનો નાશ કર્યો, અલ્પજ્ઞતાનો નાશ કર્યો અને
વીતરાગ, સર્વજ્ઞપણું પ્રગટ કર્યું તેવા પરમાત્મા જેવો જ હું છું. મારી અને પરમાત્માની
જાતમાં કાંઈ ફેર નથી. ભગવાન સર્વજ્ઞે જે દશાને પ્રાપ્ત કરી તેવી દશાને ધરનારો
શક્તિવાન હું પોતે જ જિનેન્દ્ર છું.
જેમ તલમાંથી કાઢેલા સ્વચ્છ તેલ જેવું જ તેલ તલમાં ભર્યું પડયું છે તેમ
વીતરાગે જેવી દશા પ્રગટ કરી છે તેવો જ હું છું. આવા આત્માનો દ્રષ્ટિમાં સ્વીકાર
કરવો તે સુખ પામવાનો-પરમાત્મા થવાનો સરળ-સીધો ઉપાય છે. આવી વાત
સાંભળવા મળવી પણ બહુ દુર્લભ છે.
દરેક આત્મા સ્વભાવે-શક્તિએ એક સમાન છે. જેણે સ્વભાવનું અવલંબન લઈ
પૂર્ણદશા પ્રગટ કરી તે પરમાત્મા થયા. હું પણ એ દશા પ્રગટ કરવાને લાયક છું માટે હું
પણ પરમાત્મા છું, જિનેન્દ્ર છું.

Page 147 of 238
PDF/HTML Page 158 of 249
single page version

background image
પરમાત્મા] [૧૪૭
જેમ બરફની શીતળ શિલામાં ખૂણે-ખાંચરે, ઉપર-નીચે, મધ્યમાં ક્યાંય ગરમીનો
અંશ પણ ન હોય તેમ આ અવિકારી ચૈતન્ય પિંડમાં ક્યાંય કષાય, રાગ-દ્વેષ નથી
એવી વીતરાગ શાંતરસની શિલા આત્મા છે. ભગવાન આત્મા દેહથી રહિત,
શુભાશુભભાવથી રહિત અરૂપી ચિદ્ઘન વીતરાગી ચૈતન્યની શિલા છે.
ભગવાન કહે છે અરે પ્રભુ! તારા આત્માની જાત અને અમારા આત્માની
જાતમાં કાંઇ ફેર નથી. તેં તારું સ્વરૂપ પ્રગટ કર્યું નથી એટલો જ ફેર છે માટે પરમાત્મા
જેવા જ તારા આત્માની નિભ્રાંત-ભ્રાંતિ રહિત નિઃશંકપણે ભાવના કર! શક્તિએ બધા
આત્મા ભગવાન છે. તું તારી ચૈતન્યસત્તાનો સ્વીકાર કર! જાણવું... જાણવું...જાણવું...આ
જાણવાની જ્ઞાનશક્તિની બેહદતા, અચિંત્યતા, અમાપતા છે તે હું જ છું, જ્ઞાનની સાથે
રહેલો આનંદ એ પણ હું જ છું. અતીન્દ્રિય, બેહદ અને પૂર્ણ આનંદ મારું જ સ્વરૂપ છે.
આવા જ્ઞાન-આનંદ સ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરતાં-સત્યસ્વરૂપનો સ્વીકાર કરતાં પર્યાયમાં
જે સત્યદશા પ્રગટ થાય છે તે જ ખરેખર આત્માનો નિજધર્મ છે.
જ્ઞાન-આનંદસ્વરૂપ આત્માનો સ્વીકાર ન કરવો અને રાગ-દ્વેષનો સ્વીકાર કરવો
તે જ ખરેખર હિંસા છે, કેમ કે તેમાં પોતાના સ્વરૂપનો અનાદર થાય છે. પીપરમાં
રહેલી ૬૪ પહોરી તીખાશની અને લીલારંગની જે ના પાડે છે તે પીપરના સ્વભાવનો
ઘાત કરે છે કેમ કે તેમાં અસ્તિની નાસ્તિ થાય છે. તેમ સત્ સ્વરૂપ પોતાના ભગવાન
આત્માનો અસ્વીકાર કરતાં અસ્તિસ્વરૂપની નાસ્તિ થાય છે તે જ હિંસા છે.
આ શાસ્ત્રમાં તો એકલા તત્ત્વના સિદ્ધાંતો જ ભર્યા છે. ભ્રાંતિ છોડીને
નિર્ભ્રાંતપણે એમ ભાવનાં કરતાં કર કે ‘જે જિનેન્દ્ર છે તે જ હું છું.’ અલ્પજ્ઞ અને
રાગ-દ્વેષની અવસ્થામાં હોવા છતાં હું પૂર્ણ, અખંડ વીતરાગ છું, ભગવાન જ છું એવી
નિર્ભ્રાંત શ્રદ્ધા કરવી તેમાં ઘણો ઉગ્ર પુરુષાર્થ જોઈએ કેટલું જોર હોય ત્યારે આવો
નિર્ણય થઈ શકે!
ભાઈ! તારું જોડાણ અત્યારે પરદ્રવ્ય અને પરભાવમાં થઈ રહ્યું છે તે તને દુઃખનું
કારણ છે. તેને છોડીને સ્વદ્રવ્યમાં જોડાણ કર તો તને સુખ થશે. ભગવાન આત્માના
પૂરણ સ્વભાવમાં જે જીવ દ્રષ્ટિ-જ્ઞાનને જોડે છે તે જ યોગી છે. યોગીનો એ વેપાર તે જ
યોગ અને યોગ તે જ ધર્મ છે. આવું યોગીપણું પ્રગટ કર્યા વિના ગમે તેટલા વ્રત-તપ
કરે તોપણ આત્માનું કલ્યાણ થાય તેમ નથી. સર્વજ્ઞપિતાએ વારસામાં આપેલી
જિનવાણીના પાના ખોલીને જીવ ભાવથી વાંચે તો તેને સાચું સ્વરૂપ સમજાય છે.
પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય તેનું નામ મોક્ષ અને એવા પોતાના ત્રિકાળ પૂર્ણાનંદ
સ્વભાવની દ્રષ્ટિ-જ્ઞાન કરીને તેમાં એકાકાર થવું તે એક જ મોક્ષનો ઉપાય છે. આત્માનું
ત્રિકાળ પૂર્ણસ્વરૂપ જેવું છે તેવું જ શ્રદ્ધામાં સ્વીકારવું, જ્ઞાનમાં લેવું અને તેમાં સ્થિર
થવું તે જ પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષનો ઉપાય છે. જેવું જિનેન્દ્રનું સ્વરૂપ છે તેવું જ આ
આત્માનું મૂળ સ્વરૂપ છે. માત્ર બન્નેની સત્તા જ જુદી છે.

Page 148 of 238
PDF/HTML Page 159 of 249
single page version

background image
૧૪૮] [હું
નિશ્ચયથી પોતાના આત્માની શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા તે જ મોક્ષ છે અને
વર્તમાનમાં જેટલી અંતરમાં એકાગ્રતા છે તેટલો ધર્મ છે અને જેટલો શુભાશુભનો
વિકલ્પ છે તે બધો અધર્મ છે. જે જીવ ભગવાન અરિહંત, સિદ્ધના સ્વરૂપને એટલે કે
તેમનું દ્રવ્ય, અનંતી શક્તિઓ અને વર્તમાન અવસ્થાને જાણે તેને પોતાના આત્માના
દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણવાનો પ્રયત્ન થાય. આમ ભગવાન જેવા જ પોતાના આત્માનો
સ્વીકાર કરવો, તેમાં એકાકાર થવું તે જ સ્વાનુભવની કળા છે.
સ્વભાવની કિંમત આવતાં રાગ-દ્વેષ, પૈસા, ભોગાદિની કિંમત ઊડી જાય છે.
અતીન્દ્રિય સુખની દ્રષ્ટિ થતાં ઈન્દ્રિયસુખ અને તેના નિમિત્તો સંયોગી પદાર્થ અને
પુણ્ય-પાપભાવની કિંમત ઊડી જાય છે. મનુષ્યદેહમાં આ વસ્તુ પામવાનો અમૂલ્ય
અવસર છે તેને જો જીવ ચૂકી જશે તો ચોરાશીના અવતારની ખીણમાં ડુબી જશે.
ત્યાંથી તેને બચાવનાર કોઈ નથી.
☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯
આ અલ્પ આયુષ્ય અને ચંચળ કાયાને
એ (મોક્ષ) માર્ગમાં ખપાવી દેતાં જો પરમ શુદ્ધ
ચૈતન્યઘન અવિનાશી નિઃશ્રેયસની પ્રાપ્તિ થતી
હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણી-
રત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ.
હે જીવ! સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ એ
ચાર આરાધનાની ઉત્તરોતર વૃદ્ધિ અને શુદ્ધિમાં
તારા આ માનવજીવનનો જે કાળ છે, તેટલું જ
તારું સફળ આયુષ્ય છે એમ સમજ. ૩૭.
(શ્રી આત્માનુશાસન)
☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯☯

Page 149 of 238
PDF/HTML Page 160 of 249
single page version

background image
પરમાત્મા] [૧૪૯
[પ્રવચન નં. ૨૮]
એકરૂપ નિજ–પરમાત્મામાં સ્થિરતા તે નિશ્ચય
નિજ–પરમાત્માનો અનેકરૂપ ભેદ–વિચાર તે વ્યવહાર
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૭-૭-૬૬]
શ્રી યોગસાર એ આગમનો સાર છે. જેને આત્માનું હિત કરવું હોય તેણે ક્યાં
જોડાણ કરવું અને ક્યાંથી ખસવું તેની આમાં મુદની વાત છે.
રાગ-દ્વેષાદિથી ખસી પોતાના પૂર્ણસ્વરૂપ ઉપર દ્રષ્ટિ દેતાં આત્માનું હિત એટલે કે
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અહીં ૭૬ મી ગાથામાં આત્માના ગુણોની
ભાવના કરવાનું કહે છે. જો કે પોતાના પૂર્ણસ્વરૂપમાં જ લીન થવાનું છે પરંતુ જ્યાં
સુધી તેમાં પૂર્ણપણે લીન ન થઈ શકે ત્યાં સુધી તેના જુદા-જુદા ગુણોના વિચાર કરવા
એમ અહીં કહે છે.
बे ते चउ पंच वि णवहं सत्तह छह पंचाहं ।
चउगुण–सहियउ सो मुणह एयई लक्खण जाहं ।। ७६।।
બે, ત્રણ, ચાર ને પાંચ, છ, સાત, પાંચ ને ચાર;
નવ ગુણયુત પરમાતમા, કર તું એ નિર્ધાર. ૭૬
અનંત ગુણનું એકરૂપ આત્મસ્વરૂપ છે તેનું લક્ષ કરીને તેમાં સ્થિર થવું તે
નિશ્ચય છે અને સ્થિર થવા પહેલાં પોતાના વિવિધ ગુણોનો વિચાર કરવો તે વ્યવહાર
છે. નજીકનો વ્યવહાર આ છે. દેવ-શાસ્ત્ર-ગુરુ આદિની ભક્તિનો વ્યવહાર તે બહારનો
દૂરનો વ્યવહાર છે-પોતાના ગુણોનો વિચાર કરવો તે નજીકમાં નજીકનો વ્યવહાર છે.
આનંદસ્વરૂપ, વીતરાગસ્વરૂપ, અનંતગુણના ગોદામ સ્વરૂપ આત્માને જ્ઞાયકરૂપે
ભાવવો-એકરૂપે ભાવવો તે ધર્મ કરનારનું મુખ્ય કર્તવ્ય છે પણ તેમાં સ્થિર ન થઈ શકે
ત્યારે ધર્મી બે, ત્રણ, ચાર એમ વિવિધ પ્રકારે આત્માના ગુણોનો વિચાર કરે છે,
ભાવના કરે છે તે વ્યવહાર છે. આ યોગસારનો વ્યવહાર પણ જુદી જાતનો છે. ટૂંકામાં
બહુ સરસ વાત કરી છે.
મોક્ષાર્થી જીવ જ્યારે એક જ્ઞાયકસ્વભાવમાં સ્થિર ન થઈ શકે ત્યારે
વ્યવહારનયથી આત્મા ગુણ-પર્યાયવાળો છે એમ વિચાર કરે છે. જાણનાર-દેખનાર
આત્મા પોતાના મૂળ સ્વરૂપને જાણીને તેમાં ઠરે એ તો એનું મુખ્ય કર્તવ્ય છે પણ
પોતાના પુરુષાર્થની કમજોરીને કારણે સ્વભાવમાં ઠરી ન શકે તો મારો આત્મા
જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે, સુખસ્વરૂપ છે, વીર્ય, સ્વચ્છત્વ, પ્રભુત્વ આદિ અનંત
શક્તિસ્વરૂપે મારો આત્મા બિરાજી રહ્યો છે એવો વિચાર કરે તે વ્યવહાર છે.