Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 101 of 210

 

PDF/HTML Page 2001 of 4199
single page version

તેઓ કહે છે-મહાવ્રતના પરિણામ ચારિત્ર નથી પણ ચારિત્રનો દોષ છે, અને દોષ છે તેથી તે હેય છે. પણ રાગના-વ્યવહારના રાગી જીવોને આ વાત બેસતી નથી અને રાગને- વ્યવહારને જ ધર્મ જાણી તેમાં જ સંતુષ્ટ રહે છે. તેમને અહીં કહે છે-રાગના રાગી જીવો અર્થાત્ પરદ્રવ્ય પ્રતિ રાગદ્વેષમોહવાળા જીવો રાગમાં જ સંતુષ્ટ રહી મહાવ્રતાદિ પાળે છે તો પાળો, અને ઉત્કૃષ્ટપણે-ઉત્કૃષ્ટપણે હોં-સમિતિનું આચરણ કરે છે તો કરો, તોપણ તેઓ પાપી જ છે. અહાહા...! એકેન્દ્રિયને પણ દુઃખ ન થાય એમ જોઈને ચાલે, નિર્દોષ આહાર-પાણી લે તથા હિત-મિત વચન કહે ઇત્યાદિ ઉત્કૃષ્ટપણે સમિતિ પાળે તોપણ તે રાગના રાગી જીવો પાપી જ છે-બહુ આકરી વાત ભગવાન!

પ્રશ્નઃ– પાપી-અશુભભાવ કરનારો તો નવમી ગ્રૈવેયક જઈ ન શકે; જ્યારે આ (મહાવ્રતાદિનો પાળનારો) તો નવમી ગ્રૈવેયક જાય છે, તો પછી તેને પાપી કેમ કહ્યો?

ઉત્તરઃ– ભાઈ! પાપી નવમી ગ્રૈવેયક ન જાય એ સાચું અને આ પુણ્ય ઉપજાવીને જાય છે. પરંતુ નિશ્ચયથી તો પુણ્યેય ખરેખર પાપ જ છે. યોગસારમાં દોહા ૭૧ માં યોગીન્દ્રસ્વામી કહે છે-

“પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ,
પુણ્ય તત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.”

અહો! કેવળીના કેડાયતો એવા દિગંબર મુનિવરોએ તો, મહા ગજબનાં કામ કર્યાં છે! તેમણે જૈનધર્મને ટકાવી રાખ્યો છે. આને મૂળ પાપ જે મિથ્યાત્વ તે હયાત છે. તેથી તે પાપી જ છે. હવે આવો કડવો ઘૂંટડો ઉતારવો કઠણ પડે, પણ ભાઈ! જેમાં રાગથી લાભ (ધર્મ) થાય એ વીતરાગ માર્ગ નથી. કહ્યું છે કે-

“જિન સોહી હૈ આતમા અન્ય સોહી હૈ કર્મ,
યહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ.”

ભગવાન આત્મા સદા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે આ સિવાય રાગાદિ અન્ય સર્વ કર્મ છે. જિનપ્રવચનનું આ રહસ્ય છે કે રાગભાવ ધર્મ નથી, કર્મ છે.

પ્રશ્નઃ– તો જ્ઞાનીને પણ રાગ તો હોય છે? ઉત્તરઃ– હા, જ્ઞાનીને યથાસંભવ રાગ હોય છે પણ એને રાગની રુચિ નથી, એને રાગનું સ્વામિત્વ નથી. અહીં તો જેને રાગની રુચિ છે, રાગથી ભલું-કલ્યાણ થશે એવી માન્યતા છે તે ગમે તેવું આચરણ કરનારો હોવા છતાં અજ્ઞાની છે, પાપી છે એમ વાત છે, કેમકે તેને વીતરાગસ્વભાવી આત્માનો આશ્રય નથી. અહા! જેણે આસ્રવ-બંધરૂપ પુણ્ય-પાપના ભાવને આદરણીય માન્યા છે તેણે સંવર, નિર્જરા અને મોક્ષને જાણ્યા જ નથી, તેણે પોતાના આત્માને અને પરને ભિન્ન ભિન્ન જાણ્યા જ નથી. ભાઈ! રાગ હોય તે જુદી ચીજ છે અને રાગની રુચિ હોવી જુદી ચીજ છે. અજ્ઞાની


PDF/HTML Page 2002 of 4199
single page version

જીવ રાગની રુચિની આડમાં રાગથી ભિન્ન અંદર આખો ચૈતન્યથી ભરેલો ભગવાન આત્મા છે તેને જાણતો નથી. રાગને ભલો જાણે તે રાગથી કેમ ખસે? ન જ ખસે. જ્યારે જ્ઞાનીને આત્માની રુચિ અને રાગની અરુચિ છે. તે રાગને ઉપાધિ જાણે છે અને આત્મ-રુચિના બળે તેને દૂર કરે છે. અહા! જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં આસમાન-જમીનનો ફરક છે! અજ્ઞાની તો ઉપાધિભાવને પોતાનો જાણી લાભદાયક માને છે અને તેથી જ અહીં કહ્યું છે કે-અજ્ઞાની પંચમહાવ્રતાદિનું આચરણ કરે-ચોખ્ખાં હોં- તોપણ પાપી જ છે.

ભાઈ! વીતરાગની આજ્ઞા તો વીતરાગતા પ્રગટ કરવાની છે; રાગને પ્રગટ કરવાની અને તેને આદરણીય માનવાની વીતરાગની આજ્ઞા નથી. રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન આદિ નિર્મળ રત્નત્રય પ્રગટ થશે એ તો લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવશે એના જેવી (મિથ્યા) વાત છે. અરે! અજ્ઞાનીઓએ સદાય નિત્ય શરણરૂપ એવા ભગવાન આત્માને છોડી દઈને નિરાધાર ને અશરણ એવા રાગને પોતાનો માની ગ્રહણ કર્યો છે! તેથી અહીં સંતો અતિ સ્પષ્ટ કહે છે કે-પંચમહાવ્રતાદિને પાળનારા હોવા છતાં એને જ કર્તવ્ય અને ધર્મ જાણનારા તેઓ પાપી જ છે, મિથ્યાદ્રષ્ટિ છે. ભારે આકરી વાત! પણ દિગંબર સંતોને કોની પડી છે? તેમણે તો માર્ગ જેવો છે તેવો સ્પષ્ટ જાહેર કર્યો છે. જુઓને! ત્રણ કષાયનો જેમને અભાવ થયો છે એવા તે મુનિવરો કિંચિત્ રાગ તો છે પણ તેને તેઓ આદરણીય માનતા નથી.

અજ્ઞાની અહિંસાદિ પાંચ મહાવ્રત પાળે, ઈર્યા, ભાષા, એષણા આદિ પાંચ સમિતિ પાળે-ચોખ્ખાં હોં-તોપણ તે પાપી છે. આકરી વાત ભગવાન! કેમ પાપી છે? તો કહે છે- ‘यतः आत्मा–अनात्मा–अवगम–विरहात्’ કારણ કે તે આત્મા ને અનાત્માના જ્ઞાનથી રહિત છે. જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્મા છે અને રાગ છે તે આસ્રવ-અનાત્મા છે. હવે જેણે રાગને-વ્રતના પરિણામને-ભલો માન્યો છે તેને આત્મા અને અનાત્માની ખબર નથી. તત્ત્વાર્થસૂત્રમાં વ્રત ને અવ્રત-બન્ને પરિણામને આસ્રવ કહ્યા છે. મોક્ષમાર્ગ- પ્રકાશકમાં પણ આવે છે કે-જો તમે અશુભભાવને પાપ માનો છો અને શુભભાવને ધર્મ માનો છો તો પુણ્ય કયાં ગયું? એમ કે હિંસાદિના ભાવ પાપ છે, અને દયા આદિના ભાવ ધર્મ છે એમ માનો તો પુણ્ય કોને કહેવું? મતલબ કે દયા-અહિંસા આદિ વ્રતના પરિણામ પુણ્ય છે, આસ્રવ છે. આવી વાત લોકોને આકરી પડે છે, પણ શું થાય? વસ્તુસ્થિતિ જ એવી છે. ભાઈ! રાગનો રાગી જીવ મહાવ્રતાદિ આચરે તો પણ મિથ્યાદ્રષ્ટિ જ છે. ગજબનો આકરો કળશ છે!

દયા પાળે, સત્ય બોલે, અચૌર્ય પાળે, જીવનભરનું બ્રહ્મચર્ય પાળે, બહારનો એક ધાગા સરખોય પરિગ્રહ રાખે નહિ અને છતાં પાપી કહેવાય? હા, આચાર્ય અમૃતચંદ્ર કળશમાં


PDF/HTML Page 2003 of 4199
single page version

એમ કહે છે કે તે પાપી છે કેમકે તે રાગનો રાગી છે અને તેથી મૂળ પરિગ્રહ જે મિથ્યાત્વ તે ઊભો છે. રત્નકરંડ શ્રાવકાચાર (શ્લોક ૩૩ માં) માં આવે છે કે-

गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान्
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः

ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં જેને રાગનો આદર નથી અને આત્માનો આદર થયો છે તે સમકિતી મોક્ષમાર્ગી છે. જ્યારે અજ્ઞાની મુનિલિંગ (દ્રવ્યલિંગ) ધારવા છતાં રાગનો આદર કરે છે તો તે મોહી-મિથ્યાદ્રષ્ટિ છે. જેના અભિપ્રાયમાં રાગ આદરણીય છે તેને વર્તમાનમાં ભલે મંદ રાગ હોય તોપણ તે મોહી-મિથ્યાદ્રષ્ટિ છે અને ચોથે ગુણસ્થાને ભલે ત્રણ કષાયયુક્ત રાગની પ્રવૃત્તિ હોય તોપણ તેને રાગ આદરણીય નહિ હોવાથી તે મોક્ષમાર્ગમાં છે. આવી વાત છે. અજ્ઞાની આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી શુભાચરણ કરવા છતાં સમ્યક્ત્વથી રહિત એવા પાપી જ છે. છે ને કે- ‘आत्मानात्मावगमविरहात् सन्ति सम्यक्त्वरिक्ताः’

* કળશ ૧૩૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘પરદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ-હું સમ્યગ્દ્રષ્ટિ છું, મને બંધ થતો નથી- એમ માને છે તેને સમ્યક્ત્વ કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે.’

જોયું? જેને રાગમાં રુચિ છે, પરદ્રવ્ય પ્રત્યેના આશ્રયનો પ્રેમ છે, તેને અનંતાનુબંધીનો રાગ થતો હોય છે. તે ભલે માને કે-હું સમ્યગ્દ્રષ્ટિ છું, મને બંધ નથી- તોપણ ખરેખર તે મિથ્યાદ્રષ્ટિ જ છે. આવો જીવ ભલે અહિંસાદિ પાંચ મહાવ્રત પાળે કે જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો-ઇત્યાદિ પાળે તોપણ તે પાપી જ છે કેમકે તેને સ્વપરનું ભેદવિજ્ઞાન નથી. જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા તે હું સ્વ અને આ રાગાદિ ભાવ મારાથી ભિન્ન પર છે એવું ભેદવિજ્ઞાન નહિ હોવાથી બહારથી વ્રત-સમિતિ પાળે તોપણ તે મિથ્યાદ્રષ્ટિ જ છે, પાપી જ છે.

આ શ્રી જયચંદજી પંડિત આચાર્યદેવની વાતનો વિશેષ ખુલાસો કરે છે કે-અંતરમાં રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યનું ભાન થયું નથી અને રાગની રુચિમાં રહેલા છે તે જીવો ભલે વ્રતાદિરૂપ શુભાચરણ કરે તોપણ તેઓ પાપી જ છે કેમકે તેમને સ્વપરનું ભેદવિજ્ઞાન નથી. ધર્મને નામે લોકો તો વ્રત, ને તપ ને સામાયિક ને ભક્તિ ઇત્યાદિ ક્રિયાઓ કરવા મંડી પડયા છે પણ બાપુ! ધર્મ કોઈ જુદી ચીજ છે; ધર્મ તો વીતરાગતામય છે, રાગમય નહિ. પણ એને કયાં આવો વિચાર છે? એ તો


PDF/HTML Page 2004 of 4199
single page version

બસ ક્રિયાઓમાં લવલીન છે; પણ ભાઈ! એ વડે ધર્મ નહિ થાય, એનાથી સંસાર નહિ ટળે.

વળી ‘પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તે તે વળી સમ્યગ્દ્રષ્ટિ કેવો? કારણ કે જ્યાંસુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાંસુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાંસુધી રાગ રહે ત્યાંસુધી સમ્યગ્દ્રષ્ટિ તો પોતાની નિંદા-ગર્હા કરતો જ રહે છે.’

અહા! મને રાગેય નથી ને બંધનેય નથી એમ માની જે સ્વચ્છંદે પ્રવર્તે છે એ તો સમકિતી છે જ નહિ. સમકિતીને તો જ્યાં સુધી પૂર્ણ વીતરાગતારૂપ યથાખ્યાત ચારિત્ર- જેવું સ્વરૂપ પૂર્ણ વીતરાગ છે તેવું પ્રસિદ્ધ વીતરાગ ચારિત્ર-ન થાય ત્યાં સુધી રાગ રહે જ છે અને બંધ પણ થાય જ છે. વળી તેને જ્યાં સુધી રાગ રહે છે ત્યાં સુધી એની નિંદા- ગર્હા કરતો જ રહે છે. રાગ થાય તો કાંઈ વાંધો નહિ એમ સમકિતીને ન હોય. અરે! તેને શુભભાવ થાય એની પણ તે નિંદા-ગર્હા કરતો જ રહે છે. જોકે નિંદા-ગર્હા છે તો શુભભાવ, પણ તે સમકિતીને હોય જ છે કેમકે તેને રાગમાં હેયબુદ્ધિ છે. મોક્ષ અધિકારમાં નિંદા-ગર્હા એ શુભભાવ છે અને તે વિષનો ઘડો છે એમ કહ્યું છે. પણ સમકિતીને રાગ પ્રતિ નિંદા-ગર્હાનો ભાવ આવે જ છે. હવે કહે છે-

‘જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ- શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, બંધ થતો નથી-એમ માનીને સ્વચ્છંદે પ્રવર્તનાર જીવ મિથ્યાદ્રષ્ટિ જ છે.’

શું કહ્યું આ? કે જ્ઞાન થયા પછી તેમાં જ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ લીનતારૂપ- શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે. જોયું? જ્ઞાનાનંદસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે અને તે શુદ્ધોપયોગ ચારિત્ર છે. પણ મહાવ્રતના પરિણામ કાંઈ ચારિત્ર નથી; ચારિત્ર તો શુદ્ધોપયોગરૂપ પરિણામ છે. અજ્ઞાનીની વાતે-વાતે ફેર છે. અજ્ઞાની તો મહાવ્રતના- રાગના પરિણામને ચારિત્ર માને છે. પણ અહીં તો ત્રણ વાત કહી-

૧. જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે. ૨. તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર છે. અને ૩. આવા શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે, પરંતુ મહાવ્રતના પરિણામ કે નગ્નપણું ચારિત્ર નથી અને તે વડે બંધ કપાય છે એમ પણ નથી. અહો! જયચંદજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે!

કહે છે-જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન પ્રગટ થયા પછી તેમાં જ લીનતારૂપ શુદ્ધોપયોગ પ્રગટ કરે તે ચારિત્ર છે. સ્વરૂપમાં ચરે-રમે તે ચારિત્ર છે.


PDF/HTML Page 2005 of 4199
single page version

સ્વરૂપમાં રમણતારૂપ શુદ્ધોપયોગ છે અને તે ચારિત્ર છે. જ્યારે શુભાશુભભાવ અશુદ્ધોપયોગ છે અને તે અચારિત્ર છે. અહીં કહે છે-શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ છેદાય છે, શુભરાગથી નહિ. અરે! લોકોને બિચારાઓને આનો અભ્યાસ નથી એટલે ક્રિયાકાંડના રાગમાં જ બધો કાળ વ્યર્થ ગુમાવી દે છે! પરંતુ ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વર શું કહે છે અને કઈ સ્થિતિએ બંધ છેદાય છે તે યથાર્થ જાણવું જોઈએ. એ સિવાય જન્મ-મરણના અંત કેમ આવશે પ્રભુ?

કહે છે-સમ્યગ્દર્શન થયા પછી પણ જ્ઞાનીને શુભભાવ આવે છે પરંતુ તે બંધનું જ કારણ છે; જ્યારે શુદ્ધોપયોગરૂપ જે અંતર્લીનતા તે બંધના અભાવનું કારણ છે. માટે રાગ હોવા છતાં, મને બંધ થતો નથી કેમકે હું સમકિતી છું-એમ માનીને જે રાગમાં સ્વચ્છંદ થઈ નિરર્ગલ પ્રવર્તે છે તે મિથ્યાદ્રષ્ટિ જ છે. શ્રી જયચંદજીએ બહુ સરસ વાત કરી છે.

‘અહીં કોઈ પૂછે કે-વ્રત-સમિતિ તો શુભકાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?’

જોયું? શું કહ્યું આ? કે વ્રત-સમિતિના પરિણામ શુભકાર્ય છે, ધર્મ નહિ હોં; તો પછી અહિંસા, સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એમ મહાવ્રત પાળે, જીવોની વિરાધના ન થાય એમ ગમનાદિ સાધે, હિતમિત વચન બોલે, નિર્દોષ આહાર લે ઇત્યાદિ શુભકાર્ય કરે તેને પાપી કેમ કહ્યો?

તેનું સમાધાનઃ– ‘સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે; જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે.’

જુઓ, સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે-એમ એકાન્ત નાખ્યું છે. તો શું બીજું (રાગાદિભાવ) પાપ નથી? સાંભળને ભાઈ! મિથ્યાત્વ એ જ સંસાર છે, મિથ્યાત્વ એ જ આસ્રવ છે ને મિથ્યાત્વ એ જ બંધનું કારણ છે. અન્ય રાગાદિભાવ (અશુભભાવ) પાપ તો છે, પણ તે અહીં ગૌણ છે. અહીં તો મૂળ પાપ મિથ્યાત્વ જ છે એમ વાત છે. વ્રતાદિ પુણ્યના પરિણામને ધર્મ વા ધર્મનું કારણ માને તે મિથ્યાત્વ છે અને તે મિથ્યાત્વ જ મૂળ પાપ છે. જુઓ, વિશેષ સ્પષ્ટ કરે છે કે-જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભાશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. ભાઈ! કોઈ મહાવ્રતાદિનું આચરણ કરે અને એ વડે ધર્મ થવો માને તો તેને એ બધાં શુભાચરણ પાપ જ છે. આકરી લાગે પણ ચોકખી વાત કહી છે કે અધ્યાત્મમાં મિથ્યાત્વ સહિત શુભક્રિયાને પરમાર્થે પાપ જ કહે છે. પણ એને કયાં વિચારવું છે? બિચારો એમ ને એમ હાંકે રાખે છે. અહીં તો ભગવાનના આગમમાં આવેલી આ વાત છે કે-

૧. મિથ્યાત્વ એ જ મૂળ પાપ છે.


PDF/HTML Page 2006 of 4199
single page version

૨. જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ કે અશુભ સર્વ ક્રિયાઓને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહે છે. જુઓ, છે અંદર કે નહિ? (છે).

હવે કહે છે-‘વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી.’

જોયું? પરમાર્થે શુભક્રિયાને પાપ કહેવામાં આવે છે તોપણ વ્યવહારનયે તેને અશુભ-પાપના પરિણામ છોડાવીને શુભપરિણામમાં પ્રવર્તાવવા માટે પુણ્ય પણ કહે છે. પરંતુ તેને પુણ્ય કહે છે, ધર્મ નહિ. અહીં વ્યવહારથી પાપ અને પુણ્ય-એ બે વચ્ચેનો ભેદ- તફાવત દર્શાવ્યો છે.

જ્યાં સુધી દયા, દાન, વ્રત આદિના શુભ પરિણામથી ધર્મ થાય છે એવી મિથ્યા માન્યતા છે ત્યાં સુધી તે શુભક્રિયાના પરિણામ નિશ્ચયથી પાપ જ કહ્યા છે; પરંતુ વ્યવહારે, અશુભને છોડીને શુભમાં જોડાય છે તે શુભને પુણ્ય પણ કહે છે. પુણ્ય હોં, ધર્મ નહિ. અરે ભાઈ! આ ટાણાં આવ્યાં છે ને જો આ ટાણે આનો નિર્ણય નહિ કરે તો કે દિ’ કરીશ? (પછી અનંતકાળે પણ અવસર નહિ આવે). માટે હમણાં જ તત્ત્વાભ્યાસ વડે નિર્ણય કર.

શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદ્રષ્ટિનું કથન કરતાં કહ્યું છે કે -જો આ અવસરમાં તત્ત્વાભ્યાસના સંસ્કાર પડયા હશે તો કદાચિત્ કોઈ પાપની વિચિત્રતાના વશે અહીંથી નરકમાં કે તિર્યંચમાં-ઢોરમાં જાય તોપણ ત્યાં તે સંસ્કાર ઉગશે અને તેને દેવાદિના નિમિત્ત વિના પણ સમકિત થશે. અહાહા...! ‘રાગથી રહિત હું શુદ્ધ ચૈતન્યમય વસ્તુ આત્મા છું’-એવા અંતરમાં સંસ્કાર દ્રઢ પડયા હશે તો તે અન્યત્ર એ સંસ્કારના બળે સમકિતને પ્રાપ્ત થશે. વળી ત્યાં કહ્યું છે કે-

“જુઓ, તત્ત્વવિચારનો મહિમા! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે તથા વ્રત-તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યક્ત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વ વિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે.”

લોકો તો વ્રત ને તપ કર્યાં એટલે થઈ ગયો ધર્મ એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને! એ તો બધો રાગ છે અને રાગથી ભિન્ન તારું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. આવો તત્ત્વવિચાર અને નિર્ણય થયા વિના વ્રતાદિ આચરણ કરે તોય જીવ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે. અને આવા તત્ત્વવિચાર સહિત જેને અંતરમાં તત્ત્વ-નિર્ણયના દ્રઢ સંસ્કાર પડયા છે તે સમકિતનો અધિકારી થાય છે. કદાચિત્ નરક-


PDF/HTML Page 2007 of 4199
single page version

તિર્યંચમાં જાય તોપણ ત્યાં તે સંસ્કારના બળે સમકિત પામશે. લોકોને આ આકરું પડે છે, પણ શું થાય?

ત્યારે કેટલાક કહે છે-તમે વ્યવહારથી નિશ્ચય થાય એમ માનતા નથી. પણ ભાઈ! આગમ જ આમ કહે છે; શાસ્ત્ર જ આમ કહે છે કે વ્યવહારથી (રાગથી) નિશ્ચય (ધર્મ) થાય એમ માનનારા મિથ્યાદ્રષ્ટિ છે. જુઓ, લખ્યું છે ને કે-તત્ત્વવિચાર રહિત તપશ્ચરણાદિ કરે તોય તેને સમ્યક્ત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે. વળી ત્યાં જ આગળ જતાં લખ્યું છે કે-

“વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય, વા વ્રત-તપ અંગીકાર થાય અને પછી તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યક્ત્વનો અધિકારી તત્ત્વવિચાર થતાં જ થાય છે.” જુઓ, વ્રત-તપ અંગીકાર કરે માટે સમકિત થાય એમ નહિ, પણ તત્ત્વવિચાર થતાં તે સમકિતનો અધિકારી થાય છે. આવી ચોકખી વાત છે, પણ અરેરે! જગતને કયાં પડી છે? આ જીવન પુરું થતાં હું કયાં જઈશ? મારું શું થશે? આવો એને વિચાર જ કયાં છે? એ તો બિચારો સ્ત્રી-પુત્ર-પરિવાર અને બહારની પાંચ-પચાસ લાખની ધૂળમાં-સંપત્તિમાં સલવાઈ પડયો છે. કદાચિત્ સાંભળવા જાય તોપણ એથી શું? તત્ત્વવિચાર - તત્ત્વમંથન કર્યા વિના અને તત્ત્વનિર્ણય પામ્યા વિના બધું થોથેથોથાં છે.

અહીં કહે છે-વ્યવહારનયની મુખ્યતાથી વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાવવા શુભક્રિયાને કોઈ પ્રકારે પુણ્ય પણ કહે છે. વ્રત, તપ, ભક્તિ, જાત્રા, ઉપવાસ આદિ વ્યવહારથી પુણ્ય કહેવાય છે. તથાપિ નિશ્ચયથી તો એ સર્વ શુભક્રિયા, જો શુભક્રિયાને પોતાની માને છે તો, પાપ જ છે. આવી વાત છે.

‘વળી કોઈ પૂછે છે કે-પરદ્રવ્યમાં રાગ રહે ત્યાંસુધી જીવને મિથ્યાદ્રષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ. અવિરતસમ્યગ્દ્રષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યક્ત્વ કેમ છે?’

શું કહ્યું આ? કે આપ શુભભાવ કરનારને મિથ્યાદ્રષ્ટિ કહો છો એ વાત અમે સમજ્યા નહિ; કેમકે અવિરત સમ્યગ્દ્રષ્ટિ વગેરેને પણ ચારિત્રમોહના ઉદયથી શુભભાવ થતો હોય છે. ક્ષાયિક સમકિતીને પણ રાગના પરિણામ તો થાય છે. તો પછી તેમને સમકિત કેમ છે? તેમને રાગ છે છતાં સમકિત કેમ ટકી રહે છે?

તેનું સમાધાનઃ– ‘અહીં મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં


PDF/HTML Page 2008 of 4199
single page version

આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વ-પરનું જ્ઞાનશ્રદ્ધાન નથી-ભેદજ્ઞાન નથી - એમ સમજવું’.

જુઓ, જેની વિપરીત માન્યતા છે કે-વ્રત ને તપ વડે મને ધર્મ થશે અને ભગવાનની ભક્તિ-વંદના-જાત્રા વડે સમકિત થશે-તે મિથ્યાદ્રષ્ટિ છે; અને આવું વિપરીત માનનાર મિથ્યાદ્રષ્ટિના અનંતાનુબંધી રાગને અહીં પ્રધાનપણે કહ્યો છે અર્થાત્ અનંતાનુબંધીના રાગને જ અહીં રાગ કહ્યો છે; અસ્થિરતાના રાગને નહિ. જુઓને! અહીં તો પંડિત શ્રી જયચંદજીએ આખું પાનું ભર્યું છે! કહે છે-જેને આવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે... શું કહ્યું? પરદ્રવ્યમાં અને પરદ્રવ્યથી થતા ભાવોમાં-ભલે પછી તે દેવ, ગુરુ, શાસ્ત્ર કે સ્ત્રી-પુત્રાદિ અન્ય હો-તે સર્વ પરદ્રવ્યમાં અને તેનાથી થતા પુણ્ય-પાપના ભાવોમાં જેને આત્મબુદ્ધિ થાય છે તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી. અહા! જેને પરદ્રવ્યમાં અને પરદ્રવ્યથી થતા પુણ્ય-પાપના ભાવોમાં-તે મારા છે અને મને લાભકારી છે-એમ પ્રીતિ-અપ્રીતિ થાય છે તેને સ્વપરનું શ્રદ્ધાન નથી. જેને રાગનો પ્રેમ છે તેને-આત્મા પોતે સ્વ અને રાગ પર-એવું ભેદજ્ઞાન નથી. આ દેવ-ગુરુ-શાસ્ત્રને પણ જે મારાં માને તેને સ્વપરનું ભેદજ્ઞાન નથી.

હા, પણ આ દીકરા-દીકરી તો અમારાં ખરાં ને? ઉત્તરઃ– ધૂળેય તારાં નથી, સાંભળને! તેઓ તેના છે. તેનો આત્મા તેનો છે અને શરીર શરીરનું છે. શું તે શરીર આત્માનું છે? શું તે શરીર તારું (પિતાનું) છે? શું તેનો આત્મા તારો (-પિતાનો) છે? ના. અહાહા...! પોતે તો જ્ઞાયકસ્વરૂપી આનંદકંદ ભગવાન સ્વસ્વરૂપે છે અને તે સિવાય જે કાંઈ છે તે બધુંય પરદ્રવ્ય છે. તે સર્વ પરદ્રવ્ય અને તેના નિમિત્તથી થતા પુણ્યના ભાવોમાં (અહીં મુખ્યપણે પુણ્ય ઉપર જોર દેવું છે). જેને પોતાપણું છે તેને સ્વ-પરનું ભેદવિજ્ઞાન નથી. એમ સમજવું.

હવે વિશેષ કહે છે-‘જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પર જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું.

જુઓ, પરદ્રવ્યની ક્રિયા જીવ કરી શકતો નથી. છતાં મુનિપદ લઈને વ્રત-સમિતિ પાળતાં, હું પર જીવોની રક્ષા કરું છું-દયા પાળું છું તથા પર જીવોની હિંસા ન થાય તેમ જતનાથી શરીરાદિને પ્રવર્તાવું છું-એમ જે પરદ્રવ્યની ક્રિયાથી અને પરદ્રવ્યના


PDF/HTML Page 2009 of 4199
single page version

નિમિત્તે થતા વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિના શુભભાવોથી જે પોતાનો મોક્ષ માને છે તેને ભેદવિજ્ઞાન જ નથી. ભાઈ! વ્રત, તપ, ઉપવાસ આદિ શુભભાવ પરદ્રવ્યનો ભાવ છે. એને પોતાનો માને વા એના વડે મોક્ષ થવો માને છે તેને સ્વપરનું જ્ઞાન જ નથી. વળી પર જીવોની હિંસા થવી અને અયત્નાચારે શરીરનું પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી વા તેના નિમિત્તે થતા અશુભભાવથી જ બંધ થાય છે એમ જે માને છે તેને પણ સ્વપરનું ભેદવિજ્ઞાન નથી. ગંભીર વાત છે ભાઈ! અહાહા...! જ્યાંસુધી અશુભભાવથી જ બંધ અને શુભભાવથી મોક્ષ થવો જીવ માને છે ત્યાંસુધી વ્રત-સમિતિ પાળે તોય તે સ્વપરના ભેદજ્ઞાનરહિત હોવાથી અજ્ઞાની જ છે. પરની ક્રિયા અને અશુભભાવ જ બંધનું કારણ છે અને શુભક્રિયા-વ્રતાદિ ભાવ મોક્ષનું કારણ છે, બંધનું કારણ છે-એમ માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. લોકો તો રાડ નાખી જાય એવી આ આકરી વાત છે.

અરે! પરદ્રવ્યની ક્રિયા તું કયાં કરી શકે છે ભગવાન? શું તું પરની દયા પાળી શકે છે? શું તું પર જીવની હિંસા કરી શકે છે? ના; એ તો જીવનું આયુષ્ય હોય ત્યાંસુધી તે જીવે છે અને આયુષ્ય પુરું થઈ જતાં મરી જાય છે; એમાં તારું શું કર્તવ્ય છે? કાંઈ નહિ. બંધ અધિકારમાં આવે છે કે-હું પરને જીવાડું છું, પરને મારું છું, પરને સુખી-દુઃખી કરું છું ઇત્યાદિ જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે, જૈન નથી. અરે, જૈનની એને ખબરેય નથી.

હવે તેનું કારણ સમજાવે છે-‘કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું.’

શું કહે છે? કે બંધ તો અશુદ્ધ પરિણામથી થાય છે. શુભ અને અશુભ-બન્ને ભાવ અશુદ્ધ પરિણામ છે. વ્રત, તપ, જાત્રા આદિના ભાવ જે શુભ છે તે અશુદ્ધ છે અને હિંસાદિના અશુભભાવ પણ અશુદ્ધ છે. આ પ્રમાણે શુભાશુભ ભાવ બન્ને અશુદ્ધ હોવાથી બન્નેય બંધનાં જ કારણ છે. અશુભની જેમ શુભભાવ પણ બંધનું જ કારણ છે. ભાઈ વ્રત-અવ્રતના બન્ને પરિણામ બંધનું જ કારણ છે. જ્યારે વ્રત-અવ્રતરહિત-પુણ્ય- પાપરહિત આત્માનો જે શુદ્ધભાવ છે તે મોક્ષનું કારણ છે. એક શુદ્ધોપયોગ જ મોક્ષનું કારણ છે.

જુઓ, પુણ્ય-પાપના બન્ને ભાવ બંધનું કારણ છે અને પરદ્રવ્ય તો તેમાં નિમિત્તમાત્ર જ છે. પરંતુ અજ્ઞાની તેમાં વિપરીત માને છે. હવે આવું સાંભળવા- સમજવાની એને કયાં નવરાશ છે? કદાચિત્ સાંભળવા જાય તો કુગુરુ એને લૂંટી લે છે. અરેરે! વીતરાગ માર્ગનું સત્યાર્થ સ્વરૂપ સાંભળવાય ન મળે ત્યાં એને માર્ગની રુચિ અને માર્ગરૂપ પરિણમન કયારે થાય?


PDF/HTML Page 2010 of 4199
single page version

પ્રશ્નઃ– આપ તો વ્યવહારનો લોપ કરો છો; શું વ્યવહાર છે જ નહિ? ઉત્તરઃ– કોણ કહે છે કે વ્યવહાર છે જ નહિ? વ્રત, તપ, ભક્તિ, દાન ઇત્યાદિ બાહ્ય વ્યવહાર જ્ઞાનીને પણ હોય છે, પણ તે મોક્ષમાર્ગ અર્થાત્ મોક્ષનું કારણ છે એમ જ્ઞાની માનતા નથી. જો કોઈ તેને મોક્ષમાર્ગ જાણી આચરણ કરે છે તો તે મિથ્યાદ્રષ્ટિ છે એમ વાત છે. જુઓને! અહીં શું કહે છે આ? કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ ભાવો શુભરાગ છે અને તે વડે પોતાનો મોક્ષ થવો જે માને છે તે અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. આ તો શાસ્ત્ર-આગમ આમ પોકારી કહે છે, પરંતુ અજ્ઞાની વિપરીત જ માને છે.

‘આ રીતે જ્યાંસુધી જીવ પરદ્રવ્યથી જ ભલુંબુરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દ્રષ્ટિ નથી.’

જુઓ, શું કીધું આ? કે અજ્ઞાની પરદ્રવ્યથી જ ભલુંબુરું માની રાગદ્વેષ કરે છે. પરની દયા પાળવી તે ભલું છે અને પરની હિંસા કરવી તે બુરું છે-એમ પરદ્રવ્યથી ભલુંબુરું માની રાગદ્વેષ કરે છે તે સમકિતી નથી. (પરમાર્થે શુભ અને અશુભભાવ તે પણ પર છે.) ભાઈ! આ તો શ્રી જયચંદજીએ લખ્યું છે તેનું અહીં સ્પષ્ટીકરણ ચાલે છે. શરીરની ઉપવાસાદિ ક્રિયાથી અને શુભભાવથી ધર્મ થાય છે અને અશુભભાવથી જ બંધ થાય છે એમ અજ્ઞાની વિપરીત માને છે. આવું વિપરીત જ્યાંસુધી તે માને છે ત્યાં સુધી તે સમકિતી નથી. કેવો સરસ ભાવાર્થ લખ્યો છે!

‘સમ્યગ્દ્રષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે-આ કર્મનું જોર છે; તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે.’

જુઓ, સમકિતીને અસ્થિરતાનો રાગ હોય છે તથા તે રાગપ્રેરિત શુભાશુભ બાહ્ય ક્રિયાઓમાં પણ તે પ્રવર્તતો હોય છે પણ એ સર્વ તે કર્મનું જોર અર્થાત્ પુરુષાર્થની નબળાઈ-અધુરાશ છે એમ જાણે છે. વળી પુરુષાર્થ વધારીને એનાથી નિવૃત્ત થયે જ પોતાનું ભલું છે એમ સમ્યક્પણે તે માને છે, અને ક્રમે પુરુષાર્થની દ્રઢતા કરીને રાગથી નિવૃત્ત થાય છે.

‘તે તેમને રોગવત્ જાણે છે.’ જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી સમકિતી-ધર્મીને વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિનો શુભ ભાવ આવે છે ખરો પણ તેને તે રોગ સમાન જાણે છે. તેને તે બંધનું કારણ જાણે છે, ધર્મનું નહિ. ભાઈ! આ તો ૨૦૦ વર્ષ પહેલાં શ્રી જયચંદજીએ લખ્યું છે. મૂળ પાઠ ‘रागिणोऽप्याचरन्तु’ ઇત્યાદિ


PDF/HTML Page 2011 of 4199
single page version

શ્રી અમૃતચંદ્રાચાર્યનો છે તેમાં પણ આ જ કહ્યું છે. ભલો જાણી રાગનું આચરણ કરે અને માને કે-હું સમ્યગ્દ્રષ્ટિ છું, પણ એ સમ્યગ્દ્રષ્ટિ નથી. સમકિતી તો રાગથી વિરત્ત થવાની ભાવનાવાળો રાગને રોગ સમાન જ જાણે છે. સમકિતી રાગના આચરણમાં ધર્મ માનતો નથી. હવે કહે છે-

(રાગ-રોગની) ‘પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઈલાજ કરવારૂપે પ્રવર્તે છે તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે.’

સમકિતીને વિષયવાસના પણ થઈ આવે છે અને તેના ઈલાજરૂપે તે વિષયભોગમાં પણ જોડાય છે, પણ તેને એની રુચિ નથી. તે તો એને રોગ જાણે છે તો એની રુચિ કેમ હોય? કાળો નાગ દેખી જેમ કોઈ ભાગે તેમ તે એનાથી-અશુભરાગથી ભાગવા માગે છે. તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે. તે તો અશુભરાગની જેમ શુભરાગને પણ મટાડવાનો જ ઉપાય કરે છે. વળી સર્વ રાગનું મટવું તે પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. શુભ પરિણામ અશુભને મટાડવાનું સાધન છે એમ નહિ પણ પોતાના નિર્મળ જ્ઞાનમય વીતરાગી પરિણમનથી જ સર્વ રાગ મટવાયોગ્ય છે એમ તે યથાર્થ માને છે. અજ્ઞાનીને જેમ વિષયભોગમાં મજા આવે છે તેમ જ્ઞાનીને વિષયભોગમાં કે શુભરાગમાં મજા નથી. તે તો સર્વ રાગને મટાડવાનો જ ઉપાય કરે છે અને શુદ્ધ ચૈતન્યના આશ્રયે ક્રમશઃ મટાડતો જાય છે. કહે છે-‘આ રીતે સમ્યગ્દ્રષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદ્રષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું.’

હવે કહે છે-‘અહીં મિથ્યાત્વસહિત રાગને જ રાગ કહ્યો છે.’ શું કહ્યું? કે કોઈ વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ચરણાનુયોગ અનુસાર શુભાચરણ કરતો હોય પણ જો એને એ શુભરાગમાં રુચિ છે, આત્મબુદ્ધિ છે, વા એનાથી મારું ભલું થશે એવી માન્યતા છે તો તે મિથ્યાદ્રષ્ટિ છે અને એના મિથ્યાત્વસહિતના રાગને જ રાગ કહ્યો છે. ભગવાન આત્મા ત્રિકાળ વીતરાગસ્વરૂપ છે. હવે જેની રુચિમાં વીતરાગસ્વરૂપ આત્માનું પોસાણ નથી પણ રાગનું અને પરદ્રવ્યનું જ પોસાણ છે અર્થાત્ રાગ ભલો છે-એમ રાગનું જ જેને પોસાણ છે તે મિથ્યાદ્રષ્ટિ છે અને એના રાગને જ અહીં રાગ કહ્યો છે.

પ્રશ્નઃ– પરંતુ શુભભાવને અશુભભાવની અપેક્ષાએ તો ઠીક કહેવાય ને? ઉત્તરઃ– પણ એ કયારે? સમકિત થાય ત્યારે. તોપણ બંધની અપેક્ષાએ તો બન્ને નિશ્ચયથી બંધના જ કારણરૂપ છે. સમકિતીને વ્યવહારની અપેક્ષાએ તીવ્ર કષાયની સરખામણીએ મંદકષાયને ઠીક-ભલો કહેવાય છે, પણ છે તો નિશ્ચયથી બંધનું જ કારણ. જેણે મંદકષાયને પણ નિશ્ચયે બંધનું કારણ જાણ્યું છે એવા સમકિતીને મંદકષાય-શુભરાગ ઉપચારથી ભલો કહેવામાં આવ્યો છે.


PDF/HTML Page 2012 of 4199
single page version

ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપે સદાય જ્ઞાયકભાવે પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે. તેનો જેમને પ્રેમ નથી, તેનો જેમને આશ્રય નથી, અવલંબન નથી અને જેઓ એકાંતે રાગનું અવલંબન લઈને બેઠા છે તેઓ, ભલે વ્રત પાળે, તપશ્ચર્યા કરે, મુનિપણાનો આચાર પાળે તોપણ મિથ્યાદ્રષ્ટિ જ છે. ભાઈ! આ તો ભવના અભાવની વાત છે. જેનાથી ભવ મળે તે ભાવ આત્માનો નથી કેમકે ભગવાન આત્મા ભવ અને ભવના કારણના અભાવસ્વરૂપ છે. તેથી અહીં કહ્યું કે મિથ્યાત્વસહિત જે અનંતાનુબંધીનો રાગ છે તેને જ અહીં રાગ કહ્યો છે. રાગની રુચિ સહિત જે રાગ છે તે મિથ્યાત્વસહિત છે અને તેને જ અહીં રાગ કહ્યો છે. ચરણાનુયોગની વાતો ઘણી સાંભળી હોય એટલે આવું આકરું લાગે પણ શું થાય? આવી જ વસ્તુસ્થિતિ છે.

પ્રશ્નઃ– તો શાસ્ત્રમાં આવે છે કે નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ કરવો વા નિશ્ચય ન સમજે તેને વ્યવહારનો ઉપદેશ કરવો. આ કેવી રીતે છે?

ઉત્તરઃ– ભાઈ! એ તો ઉપદેશ શૈલીમાં રાગ ઘટાડવાની અપેક્ષાએ વાત છે. પરંતુ અહીં તો ભવના અભાવની વાત છે. ચરણાનુયોગમાં તો ત્યાં સુધી આવે કે તીવ્ર કષાય ઘટાડવા મંદ કષાય કરવો. પરંતુ એ તો વ્યવહારનું વચન છે જ્યારે અહીં પરમાર્થની વાત છે. વળી ચારેય અનુયોગમાં કષાય મટાડવાનું જ પ્રયોજન છે એમ સમજવું. ચારે અનુયોગનું તાત્પર્ય એક માત્ર વીતરાગતા જ છે, અને તે સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે. તથાપિ કોઈ રાગની રુચિ સહિત રાગના-પરદ્રવ્યના આશ્રયે જ પરિણમે છે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે અને તેના રાગને જ અહીં રાગ કહ્યો છે. સમજાણું કાંઈ?

મિથ્યાત્વસહિત રાગને જ અહીં રાગ કહ્યો છે. વ્રતાદિના રાગને જ અને પરદ્રવ્યને જ જ્ઞેય બનાવીને તેમાં જ જેણે ચિદ્ઘન પરમાત્મસ્વરૂપ ભગવાન જ્ઞાયકમૂર્તિને રોકી રાખ્યો છે તે મિથ્યાદ્રષ્ટિ છે. તેના રાગને જ અહીં રાગ કહ્યો છે. આકરી વાત પ્રભુ! દુનિયા સાથે મેળ મેળવવો મુશ્કેલ છે, પણ શું થાય?

હવે કહે છે-‘મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે.’

શું કહ્યું? સમકિતીને ચારિત્રમોહનો કિંચિત્-જરી રાગ છે તેને અહીં રાગ કહ્યો નથી. કિંચિત્-જરી એટલે? ૯૬ હજાર સ્ત્રીના વિષયની વાસનાવાળો રાગ-ચારિત્રમોહનો અસ્થિરતાનો રાગ કિંચિત્ છે, જરી છે; કારણ કે તે રાગના ફળમાં અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ પડે છે. તેથી તે રાગને ગણવામાં આવ્યો નથી. અહાહા...! જે પરમપારિણામિકભાવસ્વરૂપ સહજાનંદમય ભગવાન જ્ઞાયકમૂર્તિના પડખે ચઢયો અને તેનો અંતઃસ્પર્શ કરી વીતરાગ સમકિતને પ્રાપ્ત થયો તેને હજી રાગ તો છે પણ તે રાગને અહીં ગણવામાં આવ્યો નથી અર્થાત્ તેને ગૌણ ગણી કાઢી નાખ્યો છે. જ્યારે જે


PDF/HTML Page 2013 of 4199
single page version

ભગવાન જ્ઞાયકના પડખે ચઢયો જ નથી અને જે રાગના જ પડખે ચઢેલો છે તેના રાગને જ રાગ કહ્યો છે.

અરેરે! અનાદિથી ૮૪ના અવતારમાં અશરણદશામાં પડેલા એણે પરમ શરણભૂત પોતાની ત્રિકાળ જ્ઞાનાનંદમય ચીજ કોઈ દિ’ જોઈ નહિ! જેનું શરણ લેતાં શરણ મળે, આનંદ થાય એનું શરણ લીધું નહિ અને વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ અશરણરૂપ ભાવોના શરણે જતાં તે મિથ્યાદ્રષ્ટિ જ રહ્યો. તેનું વીર્ય શુભાશુભ રાગમાં જ એકત્વપણે ઉલ્લસિત થતું રહ્યું કેમકે તેને રાગમાં મીઠાશ હતી. અહીં આવા અજ્ઞાનીના રાગને જ રાગ કહ્યો છે કેમકે તે દીર્ઘ સંસારનું કારણ છે. જ્યારે જે સ્વરૂપના આશ્રયે-શરણમાં રહેલો છે એવા સમકિતીને ભલે અસ્થિરતાનો કિંચિત્ રાગ હોય પણ તેને અહીં ગણ્યો નથી કેમકે તેનું વીર્ય રાગમાં ઉલ્લસિત-પ્રફુલ્લિત નથી અને તે દીર્ઘ સંસારનું કારણ નથી. આવી વ્યાખ્યા છે!

એકલો આનંદકંદસ્વરૂપ પ્રભુ આત્મા પરમાત્મા છે. ભાઈ! ભગવાનને જે પરમાત્મપર્યાય પ્રગટ થઈ તે કયાંથી થઈ? અંદર જે અનંતી ત્રિકાળી પરમાત્મશક્તિ પડેલી છે તે પ્રગટ થઈ છે. આવી પરમાત્મશક્તિની-જ્ઞાનાનંદસ્વભાવની જેને રુચિ થઈ છે અને રાગની રુચિ છૂટી ગઈ છે તે તે સમકિતી ધર્માત્મા છે. અહીં કહે છે-આવા ધર્માત્માના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દ્રષ્ટિને જ્ઞાન-વૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. અહાહા...! જેને અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે, જેને પોતાના ત્રિકાળી પરમાત્માના ભેટા થયા છે તેને સ્વરૂપની પૂર્ણતાની પ્રતીતિનું જ્ઞાન અને રાગના નિવર્તનરૂપ વૈરાગ્ય જરૂર હોય જ છે. ધર્મીને નિરાકુળ આનંદના સ્વાદની રુચિ ખસતી નથી અને તેને જે રાગ આવે તેની રુચિ થતી નથી. તેને તો રાગ ઝેર જેવો લાગે છે. જેને રાગમાં હોંશ-મઝા આવે છે એ તો મિથ્યાદ્રષ્ટિ છે. આવો માર્ગ છે બાપા! બહુ ઝીણો માર્ગ ભાઈ! દુનિયા તો કયાંય (રાગમાં) રઝળે-રખડે છે અને વસ્તુ તો કયાંય રહી ગઈ છે! પરંતુ આનંદનું નિધાન ભગવાન આત્માનો આશ્રય લીધા વિના જે કાંઈ વ્રત, તપ, ભક્તિ આદિ કરવામાં આવે છે તે બધાય રાગાદિનું ફળ સંસાર જ છે. આવી વાત છે.

ધર્મીને-સમ્યગ્દ્રષ્ટિને અર્થાત્ સમ્યક્ નામ સત્યદ્રષ્ટિવંતને જ્ઞાન અને વૈરાગ્ય હોય જ છે. સત્ય એટલે ત્રિકાળી નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માની જેને દ્રષ્ટિ થઈ છે તેને નિમિત્તની, રાગની કે એક સમયની પર્યાયની દ્રષ્ટિ રહેતી નથી. તેથી તેને સ્વસ્વરૂપનું જ્ઞાન અને રાગ-અશુદ્ધિના અભાવરૂપ વૈરાગ્ય અવશ્ય હોય જ છે. જુઓ, છ ખંડના રાજ્યના વૈભવમાં સમકિતી ચક્રવર્તી પડયો હોય તોપણ તેને જ્ઞાન અને વૈરાગ્ય નિરંતર એકીસાથે હોય જ છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી હતા. તેઓ ક્ષાયિક સમકિતી હતા. તેમને ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ અને ૯૬ હજાર રાણીઓ


PDF/HTML Page 2014 of 4199
single page version

હતી. છતાં ‘હું ત્રિકાળી આનંદસ્વરૂપ ભગવાન છું’-એવી દ્રષ્ટિ, એવું જ્ઞાન અને રાગના અભાવરૂપ વૈરાગ્ય તેમને નિરંતર હતો.

પણ આમાં કરવું શું? શું કરવું એની વાત તો કાંઈ આવતી નથી. અરે ભાઈ! અનાદિકાળથી તેં બધું ઊંધું જ કર્યા કર્યું છે. વ્રત પાળ્‌યાં, દાન કર્યાં, ભક્તિ કરી, ભગવાનની પૂજા કરી; અરે! સમોસરણમાં બિરાજમાન સાક્ષાત્ અર્હંત પરમાત્માની મણિરત્નના ફૂલથી અનંતવાર પૂજા કરી; પણ તેથી શું? એ તો બધો રાગ છે. એ રાગથી લાભ માન્યાનું તને મિથ્યાદર્શન થયું છે. સમકિતીને તો રાગના અભાવની-વૈરાગ્યની ભાવના નિરંતર હોય છે કેમકે તેને આત્માની રુચિ નિરંતર રહે છે. આત્માની રુચિ અને તેના આશ્રયે રાગનો અભાવ એ જ નિરંતર કરવા યોગ્ય કાર્ય છે.

હવે કહે છે-‘મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દ્રષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દ્રષ્ટિ નથી.’

જુઓ, જેને સમ્યગ્દર્શન થયું છે અર્થાત્ જેને જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. ભાઈ! અંદર એકલા જ્ઞાન અને આનંદનાં નિધાન ભર્યાં છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનું અખૂટ નિધાન છે. તે પરિપૂર્ણ પરમાત્મશક્તિના સામર્થ્યથી ભરેલું છે. આવા આત્માની જેને અંતરંગમાં દ્રષ્ટિ થઈ તે સમ્યગ્દ્રષ્ટિ છે, અને તેને રાગ ગણવામાં આવ્યો નથી કેમકે તેને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. જો મિથ્યાત્વ સહિત રાગ હોય તો તે સમ્યગ્દ્રષ્ટિ જ નથી. શું રાગમાં રુચિય હોય અને સમ્યગ્દર્શન પણ હોય? અસંભવ. રાગની રુચિ અને સમ્યગ્દર્શન બે સાથે હોઈ શકતાં નથી. જેને પોસાણમાં રાગ છે તેને વીતરાગસ્વભાવ પોસાતો જ નથી. અને જેને વીતરાગસ્વભાવી આનંદકંદ પ્રભુ આત્મા પોસાણો તેને રાગ પોસાય જ નહિ.

તો શું સમકિતીને રાગ હોતો જ નથી? એમ કયાં વાત છે? સમકિતીને યથાસંભવ રાગ તો હોય છે પણ તેને રાગનું પોસાણ નથી. તે રાગને ઝેર સમાન જ માને છે. સમજાણું કાંઈ...? કોઈને વળી થાય કે શું આવી વ્યાખ્યા અને આવો માર્ગ હશે? હા, ભાઈ! વીતરાગમાર્ગ આવો અલૌકિક છે અને આવી જ તેની વ્યાખ્યા છે. આ તો દિવ્યધ્વનિમાં ભગવાને પીટેલો ઢંઢેરો છે કે સમકિતીને મિથ્યાત્વ સહિત રાગ નહિ અને મિથ્યાત્વ સહિત રાગ છે તેને સમકિત નહિ. ગજબ વાત છે! મિથ્યાત્વ સહિત રાગને જ અહીં મુખ્યપણે રાગ ગણવામાં આવ્યો છે. સમજાણું કાંઈ...?

હવે કહે છે-‘આવા (મિથ્યાદ્રષ્ટિના અને સમ્યગ્દ્રષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દ્રષ્ટિ જ જાણે છે.’ મતલબ કે અજ્ઞાનીને આ તફાવતની ખબર જ નથી. અજ્ઞાની તો બસ


PDF/HTML Page 2015 of 4199
single page version

ખાવું, પીવું, રળવું, કમાવું અને વિષયોના ભોગ ભોગવવા ઇત્યાદિ પાપકાર્યોમાં જ તદ્રૂપ થઈ પડયો છે અને કદાચિત્ નિવૃત્તિ લઈને દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા ઇત્યાદિ કરે તોય એ બધો એકત્વપણા સહિત રાગ જ છે. જ્ઞાનીને આવો રાગ (એકત્વબુદ્ધિનો રાગ) હોતો નથી કેમકે આવો તફાવત સમ્યગ્દ્રષ્ટિ જાણે છે.

અજ્ઞાની હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર મુદ્રા ધારે, જંગલમાં રહે, કોઈ ચામડી ઉતારીને ખાર છાંટે તોય ક્રોધ ન કરે-એવાં વ્રત પાળે તોપણ તેની દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર નથી. તેને દ્રવ્યસ્વભાવની ખબર જ નથી. એ તો જે રાગની ક્રિયા છે તે હું છું અને એ વડે મારું ભલું છે એમ મિથ્યા માને છે. અજ્ઞાનીને ભલે ગમે તેવો રાગ મંદ હોય તોપણ તે મિથ્યાત્વ સહિત જ છે અને તેને જ રાગ ગણ્યો છે. જ્ઞાની આ ભેદને યથાર્થ જાણે છે. જ્ઞાની તો જાણે છે કે વીતરાગ પરમેશ્વર ભગવાન જિનેન્દ્રદેવનો વીતરાગી માર્ગ એક માત્ર વીતરાગસ્વભાવના આશ્રયે જ પ્રગટ થાય છે, રાગથી નહિ.

મિથ્યાદ્રષ્ટિ અને સમ્યગ્દ્રષ્ટિના રાગનો ભેદ એક જ્ઞાની જ જાણે છે, અજ્ઞાની નહિ. હવે કહે છે-‘મિથ્યાદ્રષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે-વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને છે, પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે.’

શું કહ્યું આ? કે ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવે પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપના કથનવાળાં અધ્યાત્મશાસ્ત્ર કહ્યાં છે. તે અધ્યાત્મશાસ્ત્રમાં રાગની રુચિવાળા જીવનો પ્રવેશ જ નથી. અહા! જે રાગના ફંદમાં ફસાયા છે તે અજ્ઞાની જીવો ભગવાનનાં કહેલાં શુદ્ધાત્માની કથનીવાળાં અધ્યાત્મશાસ્ત્રોમાં પ્રવેશ જ કરી શકતા નથી. વળી કદાચિત્ પ્રવેશ કરે તો વિપરીત સમજે છે. તે વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થઈ જાય છે. મતલબ કે તે શુભરાગની ક્રિયાઓ ઉથાપીને અશુભ રાગમાં ચાલ્યો જાય છે. અથવા તો તે નિશ્ચયને સારી રીતે એટલે યથાર્થ જાણ્યા વિના અર્થાત્ પૂર્ણાનંદસ્વરૂપ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય કર્યા વિના માત્ર વ્યવહારથી-શુભરાગથી જ મોક્ષ માને છે. ‘નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના’-એમ શબ્દ છે ને? મતલબ કે નિશ્ચયસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયને પ્રાપ્ત થયા વિના અજ્ઞાની વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભરાગથી મોક્ષ થવો માને છે. પણ ભાઈ! એવો શુભરાગ તો તું અનંત વાર કરીને નવમી ગ્રૈવેયક ગયો છે. એથી શું? છહઢાલામાં આવે છે ને કે-

“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયો.”

અહીં એમ કહે છે કે નિશ્ચય નામ સત્ય સિદ્ધસ્વરૂપ ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-એવી જે પોતાની ચીજ છે તેને જાણ્યા વિના અજ્ઞાની એકલા રાગમાં ઊભો


PDF/HTML Page 2016 of 4199
single page version

રહીને પોતાને આત્મજ્ઞાન થયું છે એમ માને છે. દયા, દાન, વ્રત આદિના રાગથી જ અજ્ઞાની ધર્મ થવો માને છે પણ તે એની વિપરીતતા છે. બહુ આકરી વાત છે ભાઈ! જેનાથી પુણ્યબંધ થાય એનાથી મુક્તિ વા મોક્ષ કેમ થાય? ન જ થાય. તથાપિ અજ્ઞાની શુભભાવથી મોક્ષ થવો માને છે માટે તે પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. પરમ પદાર્થ જે ભગવાન આત્મા તે પરમાર્થ તત્ત્વ છે. આ કોઈની સેવા કરવી કે દયા પાળવી તે પરમાર્થ છે એમ નહિ. એ તો બધો રાગ છે, અપરમાર્થ છે. ભગવાન સર્વજ્ઞદેવે અંદર જે સચ્ચિદાનંદસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા જોયો છે તે પરમાર્થ છે. ભગવાન સર્વજ્ઞદેવની સ્તુતિમાં આવે છે ને કે-

“પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ સૌ જગ પેખતા હો લાલ.”

જુઓ, સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહમાં બિરાજે છે; સાક્ષાત્ ભગવાન ત્રણલોકના નાથ અરિહંતપદે બિરાજે છે. મહાવીર આદિ ભગવંતો તો ‘णमो सिद्धाणं’ સિદ્ધપદમાં છે. તેઓ શરીરરહિત થઈ ગયા છે. જ્યારે સીમંધર ભગવાન તો સમોસરણમાં બિરાજે છે; તેમને શરીર છે, વાણી છે, પ૦૦ ધનુષ્યનો દેહ છે, ક્રોડપૂર્વનું આયુષ્ય છે. મહાવિદેહક્ષેત્રમાં અત્યારે લાખો-ક્રોડો દેવતાઓ તેમની સભામાં ધર્મ સાંભળે છે. આવા ભગવાનની સ્તુતિ કરતાં સ્તુતિકાર કહે છે-‘પ્રભુ જાણગ રીતિ... લાલ’ મતલબ કે-હે નાથ! આપ સૌને દેખો છો તો આપની જાણવાની રીતિ શું છે? આપ અમારા આત્માને કેવો દેખો છો? તો કહે છે-‘નિજ સત્તાએ શુદ્ધ’-પોતાના હોવાપણે શુદ્ધ પવિત્ર એક જ્ઞાનાનંદસ્વરૂપે જ જુઓ છો. ભગવાન! આપ આખાય જગતને હોવાપણે શુદ્ધ દેખો છો. આ જે ‘નિજ સત્તાએ શુદ્ધ’ વસ્તુને ભગવાન જુએ છે તે પરમાર્થ તત્ત્વ છે, આત્મતત્ત્વ છે. પુણ્ય-પાપના રાગાદિ વિકારના પરિણામ કાંઈ આત્મતત્ત્વ નથી. ભગવાન તેને આત્મતત્ત્વરૂપે જોતા નથી, ભગવાન તો એને આત્મતત્ત્વથી ભિન્ન જ જુએ છે. સમજાણું કાંઈ...?

નવ તત્ત્વમાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ પુણ્ય છે અને હિંસા, જૂઠ આદિના પરિણામ પાપ છે. આ બન્નેથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ છે અને તે પરમાર્થ છે. જેમ ભગવાને પ્રત્યેક આત્માને ‘નિજસત્તાએ શુદ્ધ’ જોયો છે તેમ જેની દ્રષ્ટિમાં શુદ્ધ જ્ઞાયક જણાયો તે સમ્યગ્દ્રષ્ટિ છે. અરે! હજુ સમ્યગ્દર્શનનાં ઠેકાણાં ન મળે અને લોકો મુનિપણું લઈ લે અને વ્રતાદિ પાળે પણ એ તો બધાં થોથેથોથાં છે. સમ્યગ્દર્શન ધર્મની મૂળ ચીજ છે. અરે ભાઈ! સમ્યગ્દર્શન વિના તેં અનંતકાળમાં અનંત વાર મુનિવ્રત પાળ્‌યાં, પણ એથી શું? એમાં કયાં ધર્મ છે તે સુખ થાય?

અહીં કહે છે-શુભરાગ વડે મોક્ષ થાય એવી વિપરીત માન્યતા વડે અજ્ઞાની પરમાર્થતત્ત્વમાં મૂઢ રહે છે. પરંતુ જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી


PDF/HTML Page 2017 of 4199
single page version

સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય જ છે-તે અવશ્ય સમ્યગ્દ્રષ્ટિ બની જાય છે.’

જોયું? શું કહ્યું આ? સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજવાવાળા જીવ કોઈક વિરલ જ હોય છે. માટે બીજા કેમ સમજતા નથી એવી અધીરાઈ છોડીને સ્વરૂપમાં જ સાવધાન રહેવું, બીજાની ચિંતા ન કરવી. ‘સ્યાદ્વાદ-ન્યાયથી સત્યાર્થ સમજી જાય’ -એમ કહ્યું મતલબ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે ત્યાં દ્રવ્ય પણ છે, પર્યાય પણ છે પરંતુ દ્રવ્ય પર્યાયમાં નથી, પર્યાય દ્રવ્યમાં નથી એમ યથાર્થ સમજવું જોઈએ. શુદ્ધ આત્મદ્રવ્યમાં રાગ નથી અને રાગમાં શુદ્ધ આત્મા નથી-આવી વાત છે.

ભાઈ! ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે ને? એ નવ તત્ત્વ કયારે સિદ્ધ થાય? એકમાં બીજાને ભેળવ્યા વિના પ્રત્યેકને ભિન્ન ભિન્ન માને ત્યારે સિદ્ધ થાય. શરીરાદિ અજીવમાં જીવ નહિ અને જીવમાં શરીરાદિ અજીવ નહિ એમ યથાર્થ સમજવું જોઈએ. વળી જેમ અજીવથી જીવ ભિન્ન છે તેમ દયા, દાન આદિ પુણ્યતત્ત્વથી અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના અને ક્રોધાદિ પાપતત્ત્વથી શુદ્ધ જ્ઞાયકતત્ત્વ ભગવાન આત્મા ભિન્ન છે. અહો! ભગવાનની દિવ્યધ્વનિમાં આવી અલૌકિક વાત આવી છે. આવી વાત સર્વજ્ઞદેવની વાણી સિવાય બીજે કયાંય હોઈ શકે નહિ.

અહા! કહે છે-જો કોઈ વિરલ જીવ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તે અવશ્ય સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે. સ્યાદ્વાદન્યાયથી એટલે શું? કે રાગ છે પણ તે શુદ્ધ દ્રવ્યમાં નથી, પર્યાય પર્યાયપણે છે પણ તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા આવી જતો નથી. કોઈને વળી થાય કે આવી વ્યાખ્યા? એના કરતાં તો વ્રત કરો, દયા પાળો, બ્રહ્મચર્ય પાળો, તપ કરો, ભક્તિ કરો ઇત્યાદિ કહો તો સહેલું સમજાય તો ખરું! અરે ભાઈ! એ તો બધી રાગની ક્રિયાઓ છે. એમાં કયાં ભગવાન આત્મા છે? એમાં કયાં ધર્મ છે? ધર્મ તો વીતરાગતા છે અને તે શુદ્ધ આત્મદ્રવ્યના-સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે.

જો કોઈ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને સમ્યક્ત્વ થાય જ છે. જુઓ, ‘થાય જ છે’-એમ કહ્યું છે. અહાહા...! રાગ હો પણ રાગમાં આત્મા નહિ અને આત્મામાં રાગ નહિ આવું અનેકાન્તસ્વરૂપ જાણીને જે અંતરસન્મુખ થાય છે તેને સમકિત અવશ્ય થાય જ છે. ભગવાન પૂર્ણાનંદના નાથમાં કયાં રાગ છે? અને રાગમાં તે પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા કયાં રહ્યો છે? આવું સત્યાર્થ જાણી જે સ્વરૂપમાં-શુદ્ધ ત્રિકાળી દ્રવ્યમાં એકાગ્ર થાય છે તેને સમ્યક્ત્વ થાય જ છે અર્થાત્ તે અવશ્ય સમ્યગ્દ્રષ્ટિ બની જાય છે. આ સમકિત તે ધર્મનું પહેલું પગથિયું છે, ચારિત્ર તો તે પછીની વાત છે. ભાઈ! મોક્ષમાર્ગનો આવો જ ક્રમ છે, સર્વજ્ઞ ભગવાને એવો જ ક્રમ જાણ્યો અને કહ્યો છે.


PDF/HTML Page 2018 of 4199
single page version

પ્રશ્નઃ– સર્વજ્ઞ છે એ તો માત્ર જાણે છે. તેને વળી ક્રમબદ્ધ કે અક્રમ (ક્રમરહિત) સાથે શું સંબંધ છે? તેઓ તો ક્રમે થાય તેને તેમ જાણે અને અક્રમે થાય તેને અક્રમે જાણે.

સમાધાનઃ– ભાઈ! તારી સમજમાં આખી ભૂલ છે. ખરેખર તો એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને યુગપત્ જાણે એવા સર્વજ્ઞનો જ્યાં નિર્ણય કરવા જાય ત્યાં બધું જ વ્યવસ્થિત ક્રમબદ્ધ છે એમ સિદ્ધ થઈ જાય છે. છયે દ્રવ્યમાં એક પછી એક એમ ધારાવાહી પર્યાય થાય છે જેને આયતસમુદાય કહે છે. ત્યાં પ્રતિસમય, દ્રવ્યમાં જે પર્યાય થવાની હોય છે તે જ અંદરથી આવે છે-થાય છે. આવો જે યથાર્થ નિર્ણય કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા (ગાથા ૩૨૧ થી ૩૨૩) માં આવે છે કે ભગવાન સર્વજ્ઞદેવે જે કાળે જે દ્રવ્યમાં જ્યાં જેમ પરિણમન થવાનું જાણ્યું છે તે કાળે તે દ્રવ્યમાં ત્યાં તેમ જ પરિણમન થાય છે. આવું જે યથાર્થ શ્રદ્ધાન કરે છે તે સમકિતી છે અને એમાં જે શંકા કરે છે તે મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! આ તો પરમ શાંતિનો-આનંદનો માર્ગ છે બાપુ! પણ તે પરમ શાંતિ કયારે થાય? કે બધું જ ક્રમબદ્ધ છે એમ યથાર્થ નિર્ણય કરી સ્વભાવ-સન્મુખ થાય ત્યારે. સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો નિશ્ચય થયા વિના સર્વજ્ઞ પર્યાયનો નિર્ણય થઈ શકે નહિ. અર્થાત્ જ્યાં સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય કરવા જાય ત્યાં જ્ઞાનસ્વભાવી નિજ આત્મદ્રવ્યનો નિર્ણય થઈ જાય છે. આવો માર્ગ છે.

અહા! જે કાળે જે પર્યાય ક્રમબદ્ધ થવાની છે તે થાય છે, જ્ઞાન તો તેને જાણે જ છે. ભાઈ! આ જ સર્વજ્ઞના નિર્ણયનું તાત્પર્ય છે. પરંતુ એમ ન માનતા અમે આમ કરીએ તો આમ થાય ને કર્મનો ઉદય આવે તેની ઉદીરણા કરીએ ઇત્યાદિ પ્રકારે જે માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે. અરે ભાઈ! ઉદીરણા આદિ બધી જ વાત ક્રમબદ્ધ જ થાય છે. કશુંય આઘુ- પાછું થાય, ક્રમરહિત થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. હું આમ કરી દઉં અને તેમ કરી દઉં એ તો તારી ખોટી ભ્રમણા જ છે. સમજાણું કાંઈ...?

અહા! જેને સર્વજ્ઞનો નિર્ણય થાય છે તેને ભેગો ક્રમબદ્ધનો નિર્ણય થઈ જ જાય છે અને તેને આવો નિર્ણય સ્વભાવસન્મુખ પુરુષાર્થ વડે જ થતો હોય છે. આવો નિર્ણય થતાં વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી એમ રહેતું જ નથી. વળી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થાય છે એ વાત પણ રહેતી નથી. અરે ભાઈ! આ અવસરે જો તું આ નહિ સમજે તો કયારે સમજીશ? (આવો અવસર વીતી ગયા પછી અનંતકાળે તે મળવો દુર્લભ છે).

ભગવાન! તું સર્વજ્ઞસ્વભાવી વસ્તુ પોતે જ છો. ભાઈ! તું અંતર્દ્રષ્ટિ કરી પોતાના સર્વજ્ઞસ્વભાવમાં એકાગ્ર થા. એમ કરતાં તને પોતાના જ્ઞસ્વભાવનો-સર્વજ્ઞસ્વભાવનો-


PDF/HTML Page 2019 of 4199
single page version

અકર્તાસ્વભાવનો નિર્ણય થશે અને ત્યારે-અહો! હું તો જ્ઞાતાદ્રષ્ટા છું, કોઈ પણ રાગની ક્રિયાનો (અને જડની ક્રિયાનો) હું કર્તા નથી એમ યથાર્થ પ્રતિભાસશે. શું કહ્યું? સમકિતીને વ્યવહાર-રાગ હોય છે ખરો પણ તેનો હું કર્તા નથી એવી તેની દ્રષ્ટિ થઈ જાય છે. અહો! કોઈ અચિંત્ય મહિમા છે એ સમ્યક્ દ્રષ્ટિનો!

પ્રશ્નઃ– ત્યારે કોઈ વળી કહે છે ભગવાને (સર્વજ્ઞદેવે) દીઠું હશે તે દિ’ થાશે; આપણે શું પુરુષાર્થ કરી શકીએ? ભગવાને દીઠું હશે એ જ થશે, એમાં આપણો પુરુષાર્થ શું કામ લાગે?

સમાધાનઃ– ભાઈ! તારી આ વાત તત્ત્વદ્રષ્ટિથી વિપરીત છે. હા, ભગવાન સર્વજ્ઞે જેમ દીઠું એમ જ થશે-એ તો એમ જ છે. પણ સર્વજ્ઞે દીઠું-એ વાત સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર કર્યા પછી આવે ને! અરે ભાઈ! સર્વજ્ઞ છે અને સર્વજ્ઞે જેમ દીઠું તેમ થાય છે એમ એમ નિર્ણય કર્યો છે અર્થાત્ જેના શ્રુતજ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય થયો છે એ તો એકલો જ્ઞાતા-દ્રષ્ટા થઈ જાય છે. તેને વળી સમકિતની અને ભવની શંકા કેવી? તેને ભવ હોઈ શકે જ નહિ. એકાદ બે ભવ હોય તેની અહીં ગણતરી નથી-તું પુરુષાર્થહીનતાની વાતો કરે છે પણ સર્વજ્ઞની સત્તાનો પોતાની પર્યાયમાં સ્વીકાર કરવો, નિશ્ચય કરવો એ જ અચિંત્ય અપૂર્વ પુરુષાર્થ છે અને તે અંતર્મુખ થતાં પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?

સર્વજ્ઞનો અને ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં તો પાંચે સમવાય એકસાથે હોય છે. જે સમયે સમકિતની પર્યાય થઈ તે થવાની હતી તે સ્વકાળે થઈ તે નિયત છે. જે સમકિતની પર્યાય પ્રગટ થઈ તે સ્વભાવસન્મુખતાના પુરુષાર્થ વડે જ થઈ છે તે પુરુષાર્થ છે.

વળી સમકિતની પર્યાય નિજસ્વભાવમાં એકાગ્રતા વડે થઈ એમાં સ્વભાવ પણ આવી જાય છે.

સમકિતની પર્યાય ક્રમબદ્ધ પોતાના કાળે જે થવાની હતી તે જ થઈ એ ભવિતવ્યતા છે.

સમકિતની પર્યાયના કાળે સ્વયં કર્મના ઉપશમાદિ થયાં તે નિમિત્ત પણ આવી ગયું. આમ પાંચે સમવાય એકસાથે રહેલાં છે. એમ નથી કે સ્વભાવના પુરુષાર્થ વિના કોઈને સમકિત થઈ જાય છે વા ભગવાને સમકિત થતું જોયું છે. ભાઈ! તું જે કહે છે એ તો એકાંત નિયતિવાદ છે અને એ તો મિથ્યાદર્શન છે. અહીં તો ક્રમબદ્ધના નિર્ણયમાં પાંચે સમવાય એકસાથે હોય છે એમ વાત છે. સમજાણું કાંઈ...?

અહા! ભગવાન! તું કોણ છો? સિદ્ધ સમાન-સર્વજ્ઞ જેવો આત્મા છું. સર્વજ્ઞ કેવા કે? સિદ્ધ કેવા છે? તેઓ તો જે થાય તેને માત્ર જાણે જ છે અને તેઓ જેમ


PDF/HTML Page 2020 of 4199
single page version

જાણે છે તેમ જગતની અવસ્થા પ્રતિસમય ક્રમબદ્ધ થયા કરે છે. અહો! અદ્ભુત વસ્તુનું સ્વરૂપ અને અદ્ભુત સર્વજ્ઞદેવ!! વસ્તુ ક્રમબદ્ધ પરિણમે અને ભગવાન તેને માત્ર જાણે. ગજબ વાત છે ભાઈ! અહો! આવો યથાર્થ નિર્ણય જ્યાં કરવા જાય છે ત્યાં હું પોતે જ્ઞાયક જ છું, સર્વજ્ઞસ્વભાવી જાણનાર-દેખનાર માત્ર છું, જે થાય તેને માત્ર જાણું-એવો નિર્ણય થઈ જાય છે. અહાહા...! આવો નિર્ણય થતાં ‘પર્યાયને પણ કરું એવુંય મારામાં નથી’-એવી નિશ્ચય દ્રષ્ટિ થઈ જાય છે. (શુદ્ધ) પર્યાય સ્વભાવના પુરુષાર્થપૂર્વક થાય છે એ અપેક્ષાએ કરવાપણું છે, પરંતુ પર્યાયને આમ કરું કે તેમ કરું વા તેમાં આમ ફેરફાર કરી દઉં એમ ત્યાં રહેતું નથી. ભાઈ! આવો સૂક્ષ્મ ભગવાનનો માર્ગ છે. બાપુ! જન્મ- મરણરહિત થવાની દ્રષ્ટિ કોઈ અલૌકિક છે! અરે! અજ્ઞાનીને એની ખબરે નથી!

[પ્રવચન નં. ૨૭૦ થી ૨૭૨ (ચાલુ) *દિનાંક ૨૩-૧૨-૭૬ થી ૨પ-૧૨-૭૬]