PDF/HTML Page 2161 of 4199
single page version
સમકિતી છે. તે બધા એમ માને છે કે-રાગ મારો નથી, શરીર મારું નથી; હું તો જ્ઞાતા જ છું. તેમને સમ્યક્ત્વ થયા પછી માંસાદિનો આહાર પણ હોતો નથી. તેમને તો સમુદ્રમાં હજાર જોજનના લાંબા ડોડા-કમળ થાય છે તેનો ખોરાક હોય છે.
ભગવાનનો જીવ જુઓને! ત્રિલોકનાથ ભગવાન મહાવીરનો જીવ દશમા ભવે સિંહ હતો. તે સિંહ હરણને થાપો મારીને ખાઈ રહ્યો હતો. ત્યાં આકાશમાંથી મુનિરાજ નીચે ઉતર્યા અને તે સિંહની સમીપ આવવા લાગ્યા. અહા! મને દૂરથી જોઈને મનુષ્ય ભાગી જાય એને બદલે આ મારી પાસે આવી રહ્યા છે! શું છે આ? એકદમ પરિણામમાં પલટો આવ્યો; તેના પરિણામ ફરી ગયા, કોમળ થયા.
તો શું એની કાળલબ્ધિ આવી ગઈ? કાળલબ્ધિ? પુરુષાર્થ કર્યો તે જ કાળલબ્ધિ; પુરુષાર્થ કરે છે ત્યારે કાળલબ્ધિ આવે જ છે.
પ્રશ્નઃ– પણ જુઓ, નિમિત્ત આવ્યું તો પુરુષાર્થ થયો ને? સમાધાનઃ– ના; એમ નથી. પુરુષાર્થ પોતાથી થયો છે ત્યારે બીજી ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત તો પર ચીજ છે; એનાથી શું થાય? પોતે અંદરમાં પોતાથી જાગૃત થયો તો મુનિરાજને નિમિત્ત કહેવામાં આવે છે.
સિંહના પરિણામ કોમળ થયેલા જોઈને મુનિરાજે કહ્યું-અરે સિંહ! તું આ શું કરે છે? ભગવાન શ્રી કેવળીએ કહ્યું છે કે-તારો જીવ દશમા ભવે ત્રણલોકનો નાથ તીર્થંકર થવાનો છે. ભગવાન! તું સાક્ષાત્ ભગવાન થવાનો છે ને! આ શું? આ સાંભળીને સિંહની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પરિણામ વિશેષ કોમળ થયા અને અંતરમાં સ્મરણ થયું. અહા! હું તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવી પરમબ્રહ્મસ્વરૂપ એક ચૈતન્યમય પરમાત્મદ્રવ્ય છું. અરે! આ શું? આમ ધ્યાન કરવાથી તે સિંહ સમ્યગ્દર્શન પામ્યો. હજી પેટમાં તો હરણનું માંસ પડયું છે તોપણ મુનિરાજની દિવ્ય દેશના પામીને અંતર્નિમગ્ન થઈ સમકિત પામ્યો. વિકલ્પથી-રાગથી હઠીને તત્ક્ષણ ભગવાન જ્ઞાયકમાં અંદર ઉતરી ગયો ને ધર્મ પામ્યો.
પ્રશ્નઃ– મુનિરાજે સિંહને જગાડયો ને? ઉત્તરઃ– ભાઈ! સિંહ જાગ્યો કે તેને જગાડયો? પોતે પોતાથી જાગ્યો તો મુનિરાજે જગાડયો એમ નિમિત્તથી કહેવાય છે. શું મુનિએ દેશના કરી માટે જાગ્યો છે? પોતે પોતાના ઉપાદાનથી જાગ્યો છે, દેશના તો નિમિત્તમાત્ર છે.
પ્રશ્નઃ– પણ મુનિરાજ આવ્યા ત્યારે જાગ્યો ને? ઉત્તરઃ– ભાઈ! એ વખતે જ જાગવાનો પોતાનો સ્વકાળ હતો માટે જાગ્યો છે.
PDF/HTML Page 2162 of 4199
single page version
સમ્યગ્દર્શન પામવાનો તે સ્વકાળ હતો. સ્વકાળ એટલે? દ્રવ્યના પ્રત્યેક પરિણમનની જન્મક્ષણ હોય છે અર્થાત્ વસ્તુ ક્રમબદ્ધ પરિણમે છે. પણ આવું જ્ઞાન યથાર્થ કોને થાય છે? કે જેની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયક ઉપર પડેલી છે તેને. અહા! કેવળજ્ઞાનની ને વસ્તુના ક્રમબદ્ધ પરિણમનની યથાર્થ પ્રતીતિ તેને થાય છે જેની દ્રષ્ટિ શુદ્ધ દ્રવ્ય ઉપર પડી હોય છે, અને તેને જ સમકિતનો સ્વકાળ પાકે છે. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 2163 of 4199
single page version
जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ।। २०९।।
यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम।। २०९।।
सामान्यतः स्वपरयोरविवेकहेतुम्।
अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः।। १४५।।
‘વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે’ એમ હવે કહે છેઃ–
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯.
ગાથાર્થઃ– [छिद्यतां वा] છેદાઈ જાઓ, [भिद्यतां वा] અથવા ભેદાઈ જાઓ, [नीयतां वा] અથવા કોઈ લઈ જાઓ, [अथवा विप्रलयम् यातु] અથવા નષ્ટ થઈ જાઓ, [यस्मात् तस्मात् गच्छतु] અથવા તો ગમે તે રીતે જાઓ, [तथापि] તોપણ [खलु] ખરેખર [परिग्रहः] પરિગ્રહ [मम न] મારો નથી.
ટીકાઃ– પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે ‘પરદ્રવ્ય મારું સ્વ નથી, -હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, - પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, -હું જ મારો સ્વામી છું’-એમ હું જાણું છું.
ભાવાર્થઃ– જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી. હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ- *શ્લોકાર્થઃ–
_________________________________________________________________
* આ કળશનો અર્થ આ પ્રમાણે પણ થાય છેઃ- इत्थं] આ રીતે [स्वपरयोः अविवेकहेतुम्
PDF/HTML Page 2164 of 4199
single page version
[सामान्यतः] સામાન્યતઃ [अपास्य] છોડીને [अधुना] હવે [स्वपरयोः अविवेकहेतुम् अज्ञानम् उज्झितुमनाः अयं] સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [भूयः] ફરીને [तम् एव] તેને જ (-પરિગ્રહને જ-) [विशेषात्] વિશેષતઃ [परिहर्तुम्] છોડવાને [प्रवृत्तः] પ્રવૃત્ત થયો છે.
ભાવાર્થઃ– સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪પ.
‘વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે.’ હું તો જ્ઞાતા જ છું, પરિગ્રહ મારો નથી-એમ મારો નિશ્ચય છે એમ હવે કહે છેઃ-
‘પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું;...’
અહાહા...! હું તો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો, શાશ્વત, શુદ્ધ ટંકોત્કીર્ણ જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છું એવી જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે તે જ્ઞાની છે, ધર્મી છે. નિજ આત્મદ્રવ્યમાં જ અહંબુદ્ધિ હોવાથી ધર્મીને પરદ્રવ્યમાંથી અહંબુદ્ધિ છૂટી ગઈ હોય છે. ધર્મી જીવ કહે છે-પરદ્રવ્ય છેદાઓ તો છેદાઓ; મને શું છે? અહાહા...! મારાથી ભિન્ન પરદ્રવ્ય-આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, કર્મ ઈત્યાદિ છેદાઈજાય તોપણ મને કાંઈ નથી કેમકે તે મારી કાંઈ (સંબંધી) નથી. અહા! આ શરીરાદિકના છેદ-છેદ-ટુકડા-ટુકડા થઈ જાય તોપણ મને કાંઈ નથી કેમકે તે મારી ચીજ નથી. આ શરીરાદિ તો જડ-અજીવ ધૂળ-માટી છે, એ કયાં આત્મા છે?
પ્રશ્નઃ– શરીર જડ, ધૂળ-માટી છે, પણ કયારે? જીવ ચાલ્યો જાય ત્યારે ને? સમાધાનઃ– અરે ભાઈ! આ શરીર અત્યારે પણ જડ, માટી છે. જીવ ચાલ્યો જાય ત્યારે તો જડ છે જ; પરંતુ અત્યારે પણ તે જડ, માટી જ છે. વળી અત્યારે _________________________________________________________________
समस्तम् एव परिग्रहम्] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [सामान्यतः] સામાન્યતઃ [अपास्य] છોડીને [अधुना] હવે, [अज्ञानम् उज्झितुमनाः अयं] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [भूयः] ફરીને [तम् एव] તેને જ [विशेषात्] વિશેષતાઃ [परिहर्तुम्] છોડવાને [प्रवृत्तः] પ્રવૃત્ત થયો છે.
PDF/HTML Page 2165 of 4199
single page version
જે અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભોપયોગરૂપ પરિણામ થાય છે તે પણ જડ છે, તે હું આત્મા નથી, તે મારી ચીજ નથી. અહા! આવું માનનારને મિથ્યાત્વનો નાશ થાય છે.
પ્રશ્નઃ– પણ આ બધું સાંભળીને અમારે કરવું શું? સમાધાનઃ– ભાઈ! આ કરવું કે-હું શરીર ને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય- સ્વભાવમય આત્મદ્રવ્ય છું એમ સ્વીકારી તેનું લક્ષ કરીને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું કેમકે સમ્યગ્દર્શન વિના કયારેય સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર હોતાં નથી. અહાહા...! શુદ્ધ ચિદાનંદમય સ્વદ્રવ્ય જ મારું છે અને આ શરીરાદિ અને રાગાદિ મારાં નથી-આમ શ્રદ્ધા- જ્ઞાન કરવાં. હવે જ્યાં રાગ ને શરીર ભિન્ન છે ત્યાં કુટુંબ-કબીલા ને લક્ષ્મી આદિ તો કયાંય દૂર રહી ગયાં. તોપણ આ પુત્ર મારો, ને સ્ત્રી મારી ને લક્ષ્મી મારી એમ જે માને છે એ તો સ્થૂળ મિથ્યાદ્રષ્ટિ છે.
તો જે (પુત્ર, લક્ષ્મી આદિ) હોય તેનું શું કરવું? સમાધાનઃ– ભાઈ! તેઓ તારામાં છે જ કયાં? તેઓ તો તેમનામાં-પોત-પોતામાં છે. પૈસા પૈસામાં છે, સ્ત્રી સ્ત્રીમાં છે, પુત્ર પુત્રમાં છે. એ બધાં હોતાં તારામાં શું આવ્યું છે? તારું શું છે? કાંઈ જ નહિ. ભાઈ? આ વાત વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર શ્રી સીમંધરસ્વામી ભગવાન કે જેઓ મહાવિદેહમાં બિરાજે છે ત્યાંથી આવી છે. દિગંબર સંત શ્રી કુંદકુંદાચાર્ય સંવત્ ૪૯ માં ત્યાં ભગવાન પાસે ગયા હતા, આઠ દિ’ ત્યાં રહ્યા હતા, પરમાત્માની વાણી સાક્ષાત્ સાંભળી હતી અને ત્યાંથી ભરતમાં આવીને આ શાસ્ત્ર રચ્યું છે. એમાં આ કહે છે કે-ભાઈ! તારું તો એક જ્ઞાયકસ્વભાવી સ્વદ્રવ્ય જ છે, એ સિવાય રાગાદિ ને શરીરાદિ તારી કોઈ ચીજ નથી. સમજાણું કાંઈ...?
જુઓ, નવ તત્ત્વ છે કે નહિ? (છે ને). તો અજીવ તત્ત્વ એ પોતાનું (-જીવનું) કયાંથી આવ્યું? વળી અંદર જે પુણ્ય-પાપના ભાવ છે તે આસ્રવ તત્ત્વ છે. તો તે આસ્રવ તત્ત્વ પોતાનું (-જીવનું) કયાંથી થઈ ગયું? જો તે પોતાનું (-જીવનું) થાય (હોય) તો જીવ, અજીવ ને આસ્રવ તત્ત્વ ભિન્ન-ભિન્ન કયાં રહ્યાં? અહા! આવું અત્યારે સમજવું લોકોને કઠણ પડે છે કેમકે બિચારાઓએ કદી સાંભળ્યું નથી. બસ વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, ધર્મ થઈ જશે આવું બધું સાંભળવા મળ્યું છે. પણ બહુ ફેર છે ભાઈ! ભગવાન આત્મા અંદર સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે. અહાહા...! સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો અનંત ગુણનું ધામ-અનંત ગુણનું ગોદામ-પ્રભુ આત્મા છે. ધર્મીની દ્રષ્ટિ આવા આત્મસ્વરૂપ પ્રતિ ઝુકેલી છે. તે કહે છે- પરદ્રવ્ય છેદાઓ તો છેદાઓ, મને કાંઈ નથી. આવી વાત છે!
PDF/HTML Page 2166 of 4199
single page version
પ્રશ્નઃ– આ તો મુનિની વાત છે ને? ઉત્તરઃ– ભાઈ! આ તો સમકિતીનો અભિપ્રાય છે. મુનિની તો શી વાત! આ તો સમકિતી આમ માને છે એમ વાત છે. ભાઈ! રાગનો એક કણ અને રજકણ પણ મારો છે એમ જે માને છે તે મૂઢ છે, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે; તેને જૈનધર્મની ખબર નથી. વીતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરે આ કહ્યું છે કે-ધર્મી સમકિતી જીવ પરદ્રવ્ય-શરીર, ધન, લક્ષ્મી, કુટુંબ આદિ-છેદાઈ જાય તોપણ તે મારાં છે એમ માને નહિ, અનુભવે નહિ; એ તો એક જ્ઞાયક જ મારું સ્વદ્રવ્ય છે એમ અનુભવે છે.
અહાહા...! પ્રભુ! તને જો ધર્મ થાય ને કર્મની નિર્જરા થાય તો તે કયારે થાય? તો કહે છે કે જ્યારે તારી ચીજમાં-અખંડ એક જ્ઞાયકસ્વભાવમાં-તારી દ્રષ્ટિ પડી હોય ત્યારે; આ શરીરાદિ અને રાગાદિથી હું ભિન્ન છું એવી ચૈતન્યસ્વરૂપની અનુભૂતિ થાય ત્યારે. ભાઈ! આવી ચૈતન્યસ્વરૂપની અનુભૂતિમાં રાગ કે શરીર આવતાં નથી કેમકે તેઓ અનુભૂતિથી ભિન્ન છે. ઝીણી વાત છે પ્રભુ! પ૦ થી પપ ગાથામાં ‘અનુભૂતિથી ભિન્ન છે’-એમ આવે છે ને? એનો અર્થ એ છે કે-હું તો જ્ઞાનાનંદ-સહજાનંદ સ્વરૂપે છું અને એની જે અનુભૂતિ છે તેમાં રાગ કે શરીરનો ભાવ આવતો નથી. આવી વાત! બાપુ! આ તો જન્મ-મરણથી રહિત થવાની કોઈ અલૌકિક વાત છે! આ તો વીતરાગની વાણી! એ વાણીની ગોદમાં બેઠા-બેઠા આ કહીએ છીએ કે-હું આત્મા એક જ્ઞાનાનંદસ્વભાવી છું અને મારા જ્ઞાનની અનુભૂતિમાં આ રાગાદિ ને શરીરાદિના ભાવ આવતા નથી, તેઓ અનુભૂતિથી ભિન્ન જ રહી જાય છે.
હવે આવો મારગ! બિચારો સાધારણ માણસ કેવી રીતે પ્રાપ્ત કરે? તેને કહીએ છીએ-ભાઈ! જેમ મારગ સાધારણ નથી તેમ તું પણ સાધારણ નથી. તું ત્રણલોકનો નાથ પ્રભુ પરમાત્મસ્વરૂપે છો. ‘अप्पा सो परमप्पा’–એમ આવે છે ને? અહાહા...! ભાઈ! તું પરમ જેનું સ્વરૂપ છે-જ્ઞાનને આનંદ જેનું સ્વરૂપ છે તેવો જ્ઞાનાનંદનો સાગર પ્રભુ પરમાત્મા છો. ભાઈ! આ શરીર ને રાગ તારી ચીજ નથી. માટે હઠી જા ત્યાંથી, ને સ્વરૂપનું લક્ષ કર; તને તારા પરમાત્માનાં દર્શન થશે અર્થાત્ સમ્યગ્દર્શન થશે. જો; જેને સ્વરૂપનું ભાન થયું છે એવો ધર્મી જીવ પરદ્રવ્ય-ચાહે શરીર હો, પૈસા હો, આબરૂ હો, કે કાંઈપણ હો-છેદાઈ જાય તોપણ મને કાંઈ નથી એમ માને છે.
અહા! અજ્ઞાની એમ માને છે કે-અરે! મારી આબરૂ ચાલી ગઈ, હું આબરૂ વિનાનો થઈ ગયો, મારું અપમાન થઈ ગયું! પણ અરે ભાઈ! આબરૂ જ તારી કયાં હતી? ભગવાન! તું કોણ છો એની તને ખબર નથી. તારું અપમાન કોણ કરી શકે છે? જેને આત્માનું જ્ઞાન છે એ તો કરે નહિ અને જેને આત્માનું જ્ઞાન નથી-આત્મા જોયો નથી-તે પણ અપમાન કરી શકે નહિ. (કેમકે આત્માને જોયા વિના
PDF/HTML Page 2167 of 4199
single page version
અપમાન કેવી રીતે કરે?). આવો વીતરાગ પરમેશ્વરનો મારગ સૂક્ષ્મ છે ભાઈ! અજ્ઞાનીને એની ખબર નથી.
અહા! કહે છે-‘પરદ્રવ્ય છેદાઓ’-એટલે લક્ષ્મી, શરીર આદિના ટુકડા થઈ જાઓ વા ‘ભેદાઓ’ અર્થાત્ તેનો ભૂકો થઈ જાઓ તોપણ મને કાંઈ નથી. પર ચીજ છેદાઓ વા ભેદાઓ નામ ભાંગીને ભૂકો થઈ જાઓ તોપણ મારામાં કાંઈ થતું નથી એમ કહે છે. જુઓ આ ધર્મી જીવ! એકદમ પાંચ-પચાસ લાખ જમા થઈ જાય તોપણ કહે છે કે તે મારી ચીજ નથી ને આબરૂ ચાલી જાય તોપણ કહે છે કે તે મારી ચીજ નથી.
પ્રશ્નઃ– આબરૂ તો પોતાની (-જીવની) છે ને? ઉત્તરઃ– ભાઈ! આબરૂ કયાં પોતાની (-જીવની) છે? એ તો ધૂળની છે. પ્રશ્નઃ– પણ ગામ તો આત્માનું છે કે નહિ? તેનો એ બાદશાહ છે ને? ઉત્તરઃ– ભાઈ! કોનું ગામ ને કોણ બાદશાહ? જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા તે ગામ છે અને પોતે આત્મા તેનો બાદશાહ છે. આ સિવાય એનું કોઈ ગામેય નથી ને બાદશાહેય નથી. શ્રી ન્યાલભાઈ સોગાનીએ ‘દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ’, માં લીધું છે ને કે-
કોઈ કહે છે-ભરત ચક્રવર્તીએ છ ખંડ સાધ્યા હતા? તેઓ (ન્યાલભાઈ) કહે-ના, ના; છ ખંડ તો પરચીજ છે. તેને ભરત ચક્રવર્તીએ સાધ્યા જ નથી.
ત્યારે શું સાધ્યું’તું? અખંડને સાધ્યો હતો. અહા! ખંડ નહિ પણ અખંડની સાધના કરી હતી. અહા! ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં “હું પત્નીનો પતિ છું, હું લક્ષ્મીપતિ છું, હું ઉદ્યોગપતિ છું-એમ ધર્મી માનતો નથી.
પ્રશ્નઃ– આ તો ભારે વાત છે! આ તો બાવો થાય તો બેસે એમ છે. ઉત્તરઃ– ભાઈ! આત્મા (પરથી શૂન્ય) બાવો જ છે; આત્મામાં કોઈ પરચીજ છે જ નહિ. પરથી અને રાગથી આત્મા ભિન્ન જ છે. (જેમ છે તેમ શ્રદ્ધાન કરવું બસ એટલી વાત છે).
અહા! નિર્જરા એટલે ધર્મ કોને થાય? કે જેણે અંતરમાં હું જ્ઞાનાનંદમૂર્તિ પ્રભુ આત્મા છું એવી દ્રષ્ટિ કરી છે તેને. અહા! પરદ્રવ્ય છેદાઓ વા ભેદાઓ, તે મારી ચીજ નથી; હું તો થવાવાળી ચીજને પોતાના જ્ઞાતાદ્રષ્ટાપણામાં રહીને જાણવાવાળો છું-લ્યો, આમ જાણનારને નિર્જરા ને ધર્મ થાય છે. અહા! પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ લઈ જાઓ,...’ અહા! છે? એમ કે પરચીજને
PDF/HTML Page 2168 of 4199
single page version
કોઈ ચોર લઈ જાઓ કે બીજા લઈ જાઓ; અમને શું છે? તે કયાં અમારી ચીજ છે કે અમને હાનિ થાય? ધર્મી આમ માને છે.
પ્રશ્નઃ– તો પછી ધર્મી તાળા-કુંચી કેમ રાખે છે? સમાધાનઃ– ભાઈ! અજ્ઞાની તાળા-કુંચી રાખે છે ત્યાં તો એને મમતા-મારાપણાનો ભાવ છે માટે રાખે છે, જ્યારે જ્ઞાની તાળા-કુંચી રાખે છે ત્યાં એને એટલો (અસ્થિરતાનો) વિકલ્પ છે માટે રાખે છે. તે કાળે તે પ્રમાણે બનવાનો કાળ છે તો તેવું બને છે; બાકી આત્મા તાળું દઈ શકે છે એમ છે જ નહિ, કેમકે તાળું દેવું એ તો જડની ક્રિયા છે, તેને આત્મા કરી શકતો નથી. ગંભીર વાત છે બાપા!
પ્રશ્નઃ– તો તિજોરીને તાળું દેવું કે નહિ? સમાધાનઃ– ભાઈ! તાળું કોણ દે? એ તો જડની-પરમાણુની દશા છે. તાળું બંધ થાય ને તાળું ખુલે-એ તો તેના કારણે થાય છે; એને શું જીવ કરે છે? શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-મારામાં એક તણખલાના બે ટુકડા કરવાની પણ શક્તિ નથી. અહા! શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં હતા ને મુંબઈમાં ઝવેરાતનો લાખોનો વેપાર કરતા હતા. તેઓએ એકવાર કહ્યું કે-એક તણખલાના બે ટુકડા કરવાની પણ મારામાં શક્તિ નથી. ભાઈ! તણખલાના બે ટુકડા થાય એ તો જડની ક્રિયા છે અને તે આત્મા કરી શકતો નથી. સમજાણું કાંઈ...? ત્યારે કોઈ કહે છે-
પણ એ તો એમ કહીને પોતાની લઘુતા એમણે બતાવી છે. ભાઈ! એમ નથી બાપા! લઘુતા બતાવી છે એમ નથી પણ વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે. પરનું આત્મા કાંઈ કરી શકે જ નહિ એવું વસ્તુનું સ્વરૂપ છે. શું આ આંગળી આત્મા ઊંચી કરી શકે છે? ના; કેમકે એ તો જડ છે અને એનું ઊંચું-નીચું થવું એ એની-જડની ક્રિયા છે. આત્મા તો એને અડેય નહિ તો પછી એનું શું કરે? ભાઈ! આ વાણી જે નીકળે છે ને? એ પણ જડની ક્રિયા છે અને તેને આત્મા કરે છે એમ છે જ નહિ. આવી વાત છે!
તો આપે તો આત્માને સાવ પાંગળો બનાવી દીધો. ભાઈ! આત્મા પરમાં પાંગળો એટલે પંગુ જ છે. અહાહા...! પોતામાં તે પૂર્ણ પુરુષાર્થી છે; પોતાની સત્તામાં તે ઉલટો કે સુલટો પુરુષાર્થ કરી શકે છે પણ પરમાં કાંઈ જ કરી શકે નહિ એવો તે પંગુ છે. ભગવાન! મારગ તો આવો છે! અહા! જે આ બધા ભભકા દેખાય છે-શરીર ને વાણી ને પૈસા ને આબરૂ દેખાય છે-એ તો બધો જડનો ભભકો છે પ્રભુ! અહા! એ તારી ચીજમાં કયાં છે? એ તારી ચીજમાં નથી, તારી નથી અને તારામાં આવી નથી.
એ જ કહે છે કે-‘પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ
PDF/HTML Page 2169 of 4199
single page version
જાઓ અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું.’ અહા! પરદ્રવ્યનું થવું હોય તે થાઓ, પણ તે મારી ચીજ છે એમ હું નહિ માનું. હું પરદ્રવ્યનું પરિગ્રહણ-પરદ્રવ્યમાં એકત્વબુદ્ધિ ત્રણકાળમાં નહિ કરું એમ કહે છે. અહા! સ્ત્રી હો, પુત્ર હો, પુત્રી હો કે ધન હો-તે કોઈ ચીજ મારી છે નહિ અને તે છેદાઓ, ભેદાઓ વા નાશ પામો તોપણ મને કાંઈ નથી અર્થાત્ તેથી મારામાં કાંઈ હાનિ નથી. અહા! આવી દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે ચારિત્ર તો કોઈ ઓર અલૌકિક ચીજ છે. ‘स्वरूपे चरणं चारित्रम्’ અહાહા...! સ્વરૂપનું ભાન થયા પછી સ્વરૂપમાં ચરવું- રમવું-ઠરવું તે ચારિત્ર છે. અહો! ચારિત્ર કોઈ અદ્ભુત અલૌકિક દશા છે! ભાઈ! આ નગ્નપણું કે પંચમહાવ્રતનો રાગ એ કાંઈ ચારિત્ર નથી. (તેને ઉપચારથી ચારિત્ર કહેવું એ જુદી વાત છે).
પ્રશ્નઃ– ચારિત્ર ગ્રહવા માટે કપડાં તો કાઢવાં પડે ને? સમાધાનઃ– કાઢવાં શું પડે? એ તો એને કારણે નીકળી જાય છે બાપુ! ‘કપડાં હું છોડું છું’ એ તો ત્યાં છે જ નહિ. ‘કપડાં હું છોડું છું’ એ તો માન્યતા જ મિથ્યા છે. શું કપડાં એનાં છે તે એ છોડે છે? અને શું તે કપડાં કાઢી શકે છે? કપડાંનું ઉતરવું પણ એના (કપડાંના) પોતાના કારણે થાય છે. ખૂબ ગંભીર વાત ભાઈ!
પ્રશ્નઃ– આ ટોપી પોતે (-આત્મા) સરખી પહેરી શકે છે કે નહિ? ઉત્તરઃ– એ તો કહ્યું ને કે પરમાં આત્મા કાંઈ ન કરી શકે એવો તે પંગુ છે. ટોપી શું પહેરે? ભાઈ! ટોપીનું સરખું પહેરવું જે થાય છે તે તેને (ટોપીને) કારણે થાય છે; તેના સ્વકાળે તે પર્યાય થવાવાળી છે તો થાય છે, પણ ટોપીની પર્યાય પોતે (-આત્મા) કરે છે એમ છે જ નહિ. બહુ આકરી વાત બાપા! વીતરાગનો મારગ બહુ અલૌકિક છે પ્રભુ!
અહીં કહે છે-‘હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું,’ કેમકે મારો તો ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ પરિગ્રહ છે. એ તો ગાથા ૨૦૭ માં આવી ગયું ને કે ‘જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે.’ અહા! હું આનંદકંદ પ્રભુ આત્મા છું અને તે જ મારો પરિગ્રહ છે-આમ જ્ઞાની જાણે છે. આમ જાણતો તે પરદ્રવ્યને-સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ઝવેરાત આદિને પોતાની સાથે એકમેક કરતો નથી.
પ્રશ્નઃ– તો આ બધું-ઝવેરાત આદિ બધું-કયાં નાખવું? સમાધાનઃ– અરે ભાઈ! એ બધું કયાં તારું (-આત્માનું) છે? તો કોનું છે? બાપુ? એ તો જગતની જડ ચીજ માટી-ધૂળ છે અને તે ધૂળ ધૂળની-પુદ્ગલની છે.
PDF/HTML Page 2170 of 4199
single page version
બે-પાંચ કરોડ રૂપિયા હોય તોય તે જડ માટી છે, ધૂળ છે. તે તારામાં કયાં છે કે તે તારી ચીજ હોય? અહા! જગતથી-પરથી ભિન્ન પડવું અને પોતાના સ્વરૂપમાં આવવું તે અપૂર્વ પુરુષાર્થ છે, કેમકે આવો પુરુષાર્થ અનંતકાળમાં કયારેય તેં કર્યો નથી. છહઢાળામાં ના કહ્યું કે-‘મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયૌ,’ ભાઈ! તું ગ્રીવકમાં ઉપજ્યો એવાં મુનિવ્રત અનંતવાર પાળ્યાં, હજારો રાણીઓને છોડી દીધી, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિના અપૂર્વ પુરુષાર્થ વિના બધું ફોગટ જ ગયું.
જુઓ, ૨૦૭ મી ગાથામાં એમ કહ્યું કે-જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે.’ અહા! સમ્યગ્દ્રષ્ટિ જીવ-ધર્મના પહેલા દરજ્જાવાળો જીવ-એમ માને છે કે હું શુદ્ધ ચિદાનંદમય આત્મા છું, ને મારો આત્મા જ મારો પરિગ્રહ છે. અહીં કહે છે-‘હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું.’ અહા! આ લાખો-કરોડોની સાહ્યબી કે આ ભક્તિ આદિનો રાગ જે પર છે તેને મારી ચીજ નહિ માનું એમ કહે છે.
તો દયા, દાન, ભક્તિ આદિનો રાગ છે ને? ભલે હો. અશુભથી બચવા એવો અસ્થિરતાનો રાગ આવે છે પણ તેને હું નહિ પરિગ્રહું, તે મારી ચીજ છે એમ નહિ માનું. કેમ? તો કહે છે-‘કારણ કે પર દ્રવ્ય મારું સ્વ નથી, -હું પરદ્રવ્યનો સ્વામી નથી.’ આ દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ મારું સ્વ નથી, હું તેનો સ્વામી નથી એમ કહે છે. અહા! જગતને આકરું પડે એવું છે, પણ આ (સત્ય) છે.
પ્રશ્નઃ– તો દયા, દાન, ભક્તિ ઇત્યાદિ શુભભાવ કરતાં શું ધર્મ ન થાય? ઉત્તરઃ– ભાઈ! ભગવાન જિનેશ્વરદેવ ત્રિલોકનાથનું આ ફરમાન છે કે જે બધો શુભભાવ છે તે રાગ છે, માટે એનાથી ધર્મ ન થાય. (કેમકે ધર્મ તો વીતરાગ છે.)
ધર્માત્મા કહે છે-‘હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું, કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી, હું પરદ્રવ્યનો સ્વામી નથી.’ અહા! ગજબ વાત છે! જે મારું સ્વ નથી તેનો હું સ્વામી કેમ હોઉં? માટે હું પત્નીનો પતિ નથી, લક્ષ્મીપતિ નથી અને નૃપતિય નથી. હું તો આત્માના આનંદનો પતિ છું.
પણ આ શેઠિયા તો બધા કરોડપતિ ને અબજપતિ કહેવાય છે ને? ધૂળમાંય કરોડપતિ કે અબજપતિ નથી સાંભળ ને. એ તો બધી ધૂળ છે, તો શું ધૂળપતિ છે? અહા! આ મન (મારે મન) તો માગણ-ભિખારી છે. મહિને જે પાંચ હજાર માગે તે નાનો માગણ-ભિખારી છે, ને મહિને જે લાખ માગે તે મોટો ભિખારી છે તથા જે કરોડો માગે તે ભિખારીમાં ભિખારી છે. માગણ છે માગણ બધા;
PDF/HTML Page 2171 of 4199
single page version
લાવ, લાવ, લાવ... એમ માગ્યા જ કરે છે, (એની તૃષ્ણાનો કયાં થંભાવ છે?), માટે દુઃખી છે.
અહીં કહે છે-પરદ્રવ્ય મારું સ્વ નથી ને પરદ્રવ્યનો હું સ્વામી નથી. અહા! શરીરનો હું સ્વામી નથી, મનનો હું સ્વામી નથી, વાણીનો હું સ્વામી નથી, ઇન્દ્રિયનો હું સ્વામી નથી. વળી મકાનનો હું સ્વામી નથી, પત્નીનો હું સ્વામી નથી ને પુત્રનોય હું સ્વામી (પિતા) નથી. ગજબ વાત છે ભાઈ! અહા! તારું તત્ત્વ તો પરથી ભિન્ન છે ને પ્રભુ! શું આત્મા ને શરીર અને આત્મા ને રાગ ભેળસેળ થઈ જાય છે? બીલકુલ નહિ, કદીય નહિ. એ તો અજ્ઞાનીએ માની રાખ્યું છે કે હું રાગ છું ને હું શરીર છું. પણ એ માન્યતા મહા પાપ છે, કેમકે પર ચીજ આત્મામાં કેવી રીતે ભળે? જ્ઞાયક પ્રભુ આત્મા તો સદા જ્ઞાયકપણે જ રહ્યો છે. અહાહા...! અનાદિ અનંત પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્માના અસ્તિત્વમાં રાગેય નથી કે શરીરેય નથી, પછી એનો સ્વામી તે કેમ હોય?
હવે કહે છે-‘પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, -પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે.’ શું કહ્યું? કે શરીરનું સ્વ શરીર છે ને શરીર જ શરીરનો સ્વામી છે; લક્ષ્મીનું સ્વ લક્ષ્મી છે ને લક્ષ્મી જ લક્ષ્મીનો સ્વામી છે તથા રાગનું સ્વ રાગ જ છે ને રાગ જ રાગનો સ્વામી છે. હવે આવી વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે. અત્યારે તો બધે એવી પ્રરૂપણા છે કે- વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, મંદિર બનાવો, તમને ધર્મ થઈ જશે. પણ ભાઈ! એનાથી તો ધૂળેય ધર્મ નહિ થાય સાંભળને! એ તો બધો શુભભાવ-રાગ છે. આકરી વાત બાપા!
પ્રશ્નઃ– પણ આ બધા કેટલાય મંદિરોનું ઉદ્ઘાટન આપે કર્યું છે ને? ઉત્તરઃ– અહીં તો ભાઈ! આત્માનું ઉદ્ઘાટન કર્યું છે; બાકી મંદિરનું-જડનું ઉદ્ઘાટન કોણ કરે? શું આત્મા કરે? મંદિર જ્યાં પોતાનું (-આત્માનું) સ્વ નથી તો તેનું ઉદ્ઘાટન આત્મા કેવી રીતે કરે?
પ્રશ્નઃ– પણ અમારા નામની પ્રશંસા થાય તે તો અમારી છે ને? સમાધાનઃ– ભાઈ! નામની પ્રશંસામાં તારી પ્રશંસા કયાંથી આવી? ત્યાં નામમાં તું (-આત્મા) કયાં પેસી ગયો છે? નામ તો ભાઈ! જડનું છે.
પ્રશ્નઃ– પણ બધા ભેગા જ છીએ ને? સમાધાનઃ– કોઈ ભેગા નથી, બધા ભિન્ન-ભિન્ન છે. અનંત આત્મા અને અનંતા રજકણો જે ભગવાને જોયા છે તે બધાય ભિન્ન-ભિન્ન છે; કોઈનો કોઈની સાથે મેળ નથી. સમજાણું કાંઈ? અરે ભાઈ! રજકણે-રજકણ ભિન્ન-ભિન્ન છે. આ આંગળી છે ને? એનો કોઈ રજકણ બીજા રજકણ સાથે મળ્યો જ નથી. એક પરમાણુ
PDF/HTML Page 2172 of 4199
single page version
બીજા પરમાણુ સાથે મળેલો નથી તો ભગવાન આત્મા પરમાણુ સાથે કેવી-રીતે મળે? ભાઈ! શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધન, ધાન્ય આદિ કોઈ ચીજ આત્મામાં મળી નથી. ઝીણી વાત છે બાપા! વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ!
હવે કહે છે-‘હું જ મારું સ્વ છું, -હું જ મારો સ્વામી છું-એમ હું જાણું છું.’ પહેલાં કહ્યું-‘પરદ્રવ્ય મારું સ્વ નથી;’ હવે કહે છે-‘હું જ મારું સ્વ છું’ જુઓ આ અસ્તિ-નાસ્તિ કરીને અનેકાન્ત સિદ્ધ કર્યું. ‘હું હું છું ને પર પણ હું છું’-એ તો મિથ્યાદ્રષ્ટિનું એકાન્ત છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે-‘હું જ મારું સ્વ છું, હું જ મારો સ્વામી છું-એમ હું જાણું છું.’ જોયું? ‘એમ હું જાણું છું’-મતલબ કે જ્ઞાની એમ જાણે છે કે-હું મારું સ્વ છું અને પર પરનું સ્વ છે; પર મારું સ્વ નહિ અને હું પરનો નહિ. આ વ્યવહારરત્નત્રયનો સ્વામી વ્યવહારરત્નત્રય છે, એનો સ્વામી હું નહિ અને તે મારું સ્વ નહિ-એમ કહે છે. આવી વાત! ત્યારે કેટલાક કહે છે-
પણ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પમાય ને? સમાધાનઃ– ભાઈ! શું લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે? કદીય ન આવે; લસણ ખાતાં લસણનો જ ઓડકાર આવે. તેમ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ માન્યતા તદ્ન જૂઠી છે. અહીં તો આ કહે છે કે-વ્યવહાર વ્યવહારનું સ્વ છે પણ તે આત્માનું સ્વ નથી. હવે જે આત્માનું સ્વ નથી એનાથી આત્મા કેમ પમાય? ન પમાય. હવે આવી વાત અજ્ઞાનીને આકરી લાગે છે એટલે પછી કહે છે કે-સોનગઢવાળા વ્યવહારને ઉથાપે છે. પણ ભાઈ! આ કોણ કહે છે? આ કુંદકુંદાચાર્ય કહે છે કે બીજું કોઈ? ભાઈ! આ તો ભગવાને કહેલી વાત કુંદકુંદાચાર્ય કહે છે. એકવાર તું સાંભળ તો ખરો નાથ! અરે! આવું મનુષ્યપણું ચાલ્યું જશે! માંડ નિગોદમાંથી નીકળીને અનંતકાળે આવું મનુષ્યપણું મળ્યું છે. જો આ વાત અત્યારે સમજણમાં ન લીધી તો અવસર ચાલ્યો જશે, મનુષ્યપણું મળ્યું ન મળ્યું થઈ જશે.
અહીં કહે છે-‘હું જ મારો સ્વામી છું-એમ જાણું છું.’ છે? ‘इति जानामि’–એમ છે ને? એટલે કે જ્ઞાન કરું છું એમ કહે છે. હું મારો છું એમ હું જાણું છું ને પર પરનું છે એમ પણ જાણું છું. બસ હું તો જાણું જ છું. આવી જાણપણાની જ ક્રિયામાં જ્યારે જીવ રહે છે ત્યારે તેને કર્મની નિર્જરા થાય છે અને ત્યારે એને તપશ્ચર્યા કહે છે.
‘જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષ-વિષાદ હોતો નથી.’ અહીં ‘જ્ઞાની’ શબ્દે બહુ જ્ઞાન (ક્ષયોપશમ) હોય તે જ્ઞાની એમ નહિ પણ
PDF/HTML Page 2173 of 4199
single page version
જેને આત્મજ્ઞાન થયું છે તે સમ્યગ્દ્રષ્ટિ ધર્મી જ્ઞાની છે એમ વાત છે. અહા! આવા જ્ઞાનીને પરવસ્તુના બગડવા-સુધરવાનો હરખ-શોક હોતો નથી. તેને કમજોરીથી રાગ આવે છે ખરો, પણ તે અસ્થિરતાનો દોષ છે શું કહ્યું? પરવસ્તુ-શરીર, મન, વાણી, ધન-સંપત્તિ ઈત્યાદિ જે પરજ્ઞેય છે-તેના બગડવાથી દ્વેષ થવો કે તેના સુધરવાથી રાગ થવો-એવું જ્ઞાનીને છે નહિ. જ્ઞાનીને પોતાની પર્યાયમાં નબળાઈથી રાગદ્વેષ થાય છે તે દોષ છે એમ જાણે છે પણ પરવસ્તુના બગડવા-સુધરવાથી તેને હરખશોક થાય છે એમ નથી. ન્યાય સમજણમાં આવ્યો? કે જે ચીજ પોતાની નથી તેના બગડવા-સુધરવાથી જ્ઞાનીને હરખ- શોક કેમ થાય? ન થાય. પરવસ્તુના બગડવા-સુધરવામાં જ્ઞાનીને કાંઈ નથી-હરખેય નથી, શોકેય નથી. આવી વાત છે.
પ્રશ્નઃ– પણ તેને રાગદ્વેષ તો થાય છે? સમ્યગ્દ્રષ્ટિને આર્તધ્યાન પણ થાય છે ને રૌદ્રધ્યાન પણ થાય છે?
સમાધાનઃ– ભાઈ! તે પોતાની કમજોરીના કારણે થાય છે પણ પરવસ્તુના બગડવા-સુધરવાના કારણે નહિ. જેમ કોઈ હરિજનની ઝુંપડી બળતી હોય તો તેના કારણે શું ગામના શેઠને શોક થાય છે? ને તેની ઝુંપડી બહુ સારી હોય તો તેના કારણે શું શેઠને હર્ષ થાય છે? ના. કેમ? કેમકે એને પરની ઝુંપડીથી શું સંબંધ છે? તેમ આ શરીર પરની ઝુંપડી છે, લક્ષ્મી, કુટુંબ ઈત્યાદિ બધુંય પરની ઝુંપડી છે, જ્ઞાનનું જ્ઞેય છે. એનાથી જ્ઞાનીને શું સંબંધ છે? કાંઈ નહિ. તેથી તે પરવસ્તુ બગડતાં-સુધરતાં જ્ઞાનીને હર્ષ-વિષાદ થતો નથી. તથાપિ કોઈ જ્ઞાનમાં એમ જાણે કે એ બધી મારી ચીજ છે ને એના બગડવા- સુધરવાથી હર્ષ-વિષાદ પામે છે તો એ તો મિથ્યાદ્રષ્ટિ છે. પરચીજના બગડવા-સુધરવાથી મિથ્યાદ્રષ્ટિને હર્ષ-વિષાદ થાય છે, જ્ઞાનીને નહિ.
૨૦ વર્ષનો પુત્ર હોય ને જે દિવસે લગ્ન કર્યું હોય તે જ દિવસે અચાનક સર્પ કરડવાથી મરી જાય તો તેના કારણે જ્ઞાનીને શોક ન થાય ને સર્પ પર દ્વેષ પણ ન થાય. કમજોરીને લઈને કંઈક શોક થાય એ જુદી વાત છે. કમજોરીથી જ્ઞાનીને રાગદ્વેષ હોય તે બીજી વાત છે કેમકે એ તો ચારિત્રનો દોષ છે; પણ પરના બગડવા-સુધરવાથી મિથ્યાત્વ સહિતનો રાગદ્વેષ તેને હોતો નથી.
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-
‘इत्थं’ આ રીતે ‘समस्तम् एव परिग्रहम्’ સમસ્ત પરિગ્રહને ‘सामान्यतः’ સામાન્યતઃ ‘अपास्य’ છોડીને...
PDF/HTML Page 2174 of 4199
single page version
શું કહ્યું? સામાન્યતઃ એટલે એકસાથે બધી ચીજ મારી નથી, રાગથી માંડીને જગતની બધી ચીજ મારી નથી, મારામાં નથી, એનું મને સ્વામીપણું નથી એમ પોતાના આત્મા સિવાય સમસ્ત અન્ય વસ્તુના પરિગ્રહનો ત્યાગ કહ્યો. પહેલાં દ્રષ્ટિમાં ત્યાગ હોય છે હોં. તો કહે છે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને ‘अधुना’ હવે ‘स्वपरयोः अविवेकहेतुम् अज्ञानम् उज्झितुमनाः अयं’ સ્વપરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ ‘भूयः’ ફરીને ‘तम् एव’ તેને જ (-પરિગ્રહને જ) ‘विशेषात्’ વિશેષતઃ ‘परिहर्तुम् प्रवृत्तः’ છોડવાને પ્રવૃત્ત થયો છે. અર્થાત્ સ્વપરની એકત્વબુદ્ધિ છોડવાના જેના ભાવ છે તે ફરીને તેને જ-પરિગ્રહને જ વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થયો છે. હવે એક એક ચીજનું નામ લઈને (આગળની ગાથામાં) કહેશે.
હવે બીજો અર્થ આમ છે- આ રીતે સ્વપરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને હવે, અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, ફરીને તેને જ વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થયો છે. અહાહા...! મૂળમાંથી જ પકડે છે. મિથ્યાત્વ ને અજ્ઞાનને છોડવાના જેના ભાવ છે તે ફરીને પણ તેને જ વિશેષપણે છોડવાને પ્રવૃત્ત થયો છે એમ કહે છે. હવે ગાથાઓમાં નામ લઈને જુદા-જુદા કહેશે.
‘સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે.’ શું કહ્યું? કે જ્ઞાન ને આનંદસ્વરૂપ જે ભગવાન આત્મા તે સ્વ છે ને શરીરાદિ તથા રાગાદિ પર છે. તે બન્નેને એક માનવા તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અહાહા...! છે? કોઈને શાસ્ત્રનું જ્ઞાન ઘણું હો, પણ જો તેને સ્વ અને પરની એકતાબુદ્ધિ છે તો તે અજ્ઞાન છે. હવે કહે છે-
‘તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે.’
જુઓ, પહેલું પુણ્ય લીધું છે. જ્ઞાનીને ધર્મનો (-પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે. આમ વિશેષ કરીને પરિગ્રહને છોડે છે એમ હવેની ગાથાઓમાં આવશે.
PDF/HTML Page 2175 of 4199
single page version
अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति।। २१०।।
જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છેઃ-
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦.
ગાથાર્થઃ– [अनिच्छः] અનિચ્છકને [अपरिग्रहः] અપરિગ્રહી [भणितः] કહ્યો છે [च] અને [ज्ञानी] જ્ઞાની [धर्मम्] ધર્મને (પુણ્યને) [न इच्छति] ઇચ્છતો નથી, [तेन] તેથી [सः] તે [धर्मस्य] ધર્મનો [अपरिग्रहः तु] પરિગ્રહી નથી, [ज्ञायकः] (ધર્મનો) જ્ઞાયક જ [भवति] છે.
ટીકાઃ– ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છેઃ-
‘ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી.’ શું કહ્યું? કોઈ પણ પદાર્થની ઇચ્છા થવી તે પરિગ્રહ છે. પદાર્થ-વસ્તુ પરિગ્રહ નથી પણ ઇચ્છા પરિગ્રહ છે. જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી. ધર્મીને પરવસ્તુ મારી છે-એમ ઇચ્છા જ નથી. પરવસ્તુમાં મારાપણાની ધર્મીને ભાવના હોતી નથી. અહા! ધર્મપ્રાપ્તિની બહુ આકરી શરત છે! કેમકે ઇચ્છા એ જ મૂર્ચ્છા છે ને મૂર્ચ્છા-મિથ્યાત્વ એ જ પરિગ્રહ છે.
હવે કહે છે-‘ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી.’ ‘ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે.’ અહીં મિથ્યાત્વ સહિતની ઇચ્છાને ઇચ્છા કહી
PDF/HTML Page 2176 of 4199
single page version
છે. જ્ઞાનીને જે અસ્થિરતાની ઇચ્છા થાય છે તેને અહીં ગણી નથી અર્થાત્ ગૌણ કરી છે કેમકે તેને તો જ્ઞાની પરજ્ઞેય તરીકે માત્ર જાણે જ છે. અહીં કહે છે-ઇચ્છા એટલે મિથ્યાત્વ સહિતનો રાગ અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ અર્થાત્ મિથ્યાત્વ સહિતનો રાગ જ્ઞાનીને હોતો નથી. અહા! જેને અંદર ભગવાન આત્માની એકાગ્રતાની ભાવના પ્રગટ થઈ છે તે જ્ઞાની પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવને છોડીને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા કેમ કરે? ન કરે. અહા! જેને નિરાકુલ આનંદનો સ્વાદ આવ્યો છે તે નિજ આનંદકંદ પ્રભુ આત્માને છોડીને કોની ઇચ્છા કરે? (કોઈનીય ન કરે). લ્યો, આવી વાત! કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. (અર્થાત્ જ્ઞાની પરની વાંછારહિત એવો નિઃકાંક્ષ છે). હવે કહે છે-
‘જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.’ એટલે શું? એટલે કે જ્ઞાતા-દ્રષ્ટા જે પોતાનો સ્વભાવ તે સ્વભાવમય જ પરિણામ તેને હોય છે અર્થાત્ તેને જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, વીતરાગતામય જ ભાવ હોય છે.
તો શું તેને રાગ હોતો જ નથી? ના, તેને અસ્થિરતાનો રાગ તો હોય છે પણ રાગનો રાગ તેને હોતો નથી અર્થાત્ રાગનું તેને સ્વામિત્વ નથી. જે રાગ હોય છે તેને તે માત્ર જાણે જ છે, બસ. તે પોતાના આત્માને જાણે છે અને પર્યાયમાં જે રાગ છે તેને પણ જાણે જ છે. ‘વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે’-એમ આવે છે ને બારમી ગાથામાં?-એ જ વાત અહીં કહેવી છે. અહો! શું અદ્ભુત શૈલી છે! દિગંબર સંતોની કોઈ અજબ શૈલી છે!
હવે કહે છે-‘તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી.’
અહીં ‘ધર્મ’ શબ્દે પુણ્ય કહેવું છે. ધર્મ એટલે આત્માનો ધર્મ-શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ-એ વાત અહીં નથી. અહીં તો ધર્મ એટલે પુણ્યભાવ, શુભભાવ. અહા! જ્ઞાની ધર્મને એટલે પુણ્યને-વ્યવહારને ઇચ્છતો નથી. શુભરાગને-દયા, દાન, વ્રતાદિને-જ્ઞાની ઇચ્છતો નથી. ગજબ વાત છે ભાઈ! અહો! વસ્તુના સ્વરૂપનું કથન કરનારી દિગંબર સંતોની વાણી ગજબ છે!
જુઓ, શુભરાગની જેને ઇચ્છા છે તે ધર્મી નથી, અજ્ઞાની છે કેમકે ધર્મી પુરુષો તો ધર્મ એટલે શુભરાગને ઇચ્છતો જ નથી. પુણ્યભાવની-વ્યવહારની જ્ઞાનીને ભાવના હોતી નથી, ચાહ હોતી નથી. બહુ આકરી વાત ભાઈ! પણ જુઓને! અહીં પહેલું જ ધર્મ એટલે પુણ્યથી ઉપડયું છે. અરે! પણ વ્યવહારની રુચિવાળા વ્યવહારમાં એવા ગરકાવ છે કે વ્યવહાર કરવા આડે નિશ્ચય સ્વરૂપની વાતથી પણ ભડકી ઉઠે છે. ભભકી ઉઠે છે. પણ શું થાય? અરે! પણ અત્યારે તો વ્યવહારનાં પણ કયાં ઠેકાણાં છે?
PDF/HTML Page 2177 of 4199
single page version
કહે છે-જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી. અહાહા...! જેને શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ આત્માનું અંતરમાં ભાન થયું છે એવો ધર્મી સમ્યગ્દ્રષ્ટિ જીવ પુણ્યને ઇચ્છતો નથી. પુણ્ય એટલે શું? પુણ્ય એટલે આ પુણ્યનું ફળ (પૈસાદિ) નહીં, પણ પુણ્ય એટલે શુભભાવ. શુભભાવથી પુણ્ય બંધાય છે ને એના નિમિત્તે આ લક્ષ્મી આદિ મળે છે; પણ એની અહીં વાત નથી. અહીં તો શુભભાવને ધર્મી ઇચ્છતો નથી એમ વાત છે, કેમકે તે રાગ છે. અહા! આવી અજબ-ગજબ વાત છે! અજ્ઞાનીને બહુ આકરી પડે એવી છે; પણ છે કે નહિ શાસ્ત્રમાં?
પ્રશ્નઃ– તો જ્ઞાતા-દ્રષ્ટા બની રહો-એમ જ આપનું કહેવું છે ને? ઉત્તરઃ– હા, એમ જ વાત છે ભાઈ! તારો સ્વભાવ જ એવો છે પ્રભુ! ભાઈ! જ્ઞાતા-દ્રષ્ટા તારો સ્વભાવ છે અને તે સ્વભાવનું પરિણમન થાય તે જ ધર્મ છે. ધર્મ થવામાં આ શરત છે કે-પુણ્યની પણ ઇચ્છા ન કરવી. આવો મારગ ભાઈ! વીતરાગ પરમેશ્વરે ફરમાવ્યો છે અને એ જ દિગંબર સંતો-કેવળીના કેડાયતીઓ જગત પાસે પોકારીને જાહેર કરે છે. કહે છે-ધર્મી જીવ પુણ્યને ઇચ્છતો નથી. અર્થાત્ પુણ્યને પણ જે ઇચ્છતો નથી એવો ધર્મી હોય છે. અહા! ધર્મીને દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિનો શુભભાવ હોય છે, અંદર સ્વરૂપમાં પૂરણ ઠરી શકે નહિ ત્યાં સુધી શુભભાવ આવે છે પણ તેને તે ઇચ્છતો નથી. (આવે છે ને ઇચ્છતો નથી અને ઇચ્છતો નથી ને આવે છે). આવી વાત છે.
હવે કહે છે-‘માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી’. જ્ઞાનીને ધર્મનો એટલે પુણ્યનો પરિગ્રહ નથી અર્થાત્ પુણ્યની પકડ નથી. એને પુણ્યભાવ હોય છે તોપણ એમાં એકત્વબુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી અને તેથી એને પુણ્યનો પરિગ્રહ નથી.
આ તો આપે આવો અર્થ કાઢયો છે? ભાઈ! આ તો મુનિરાજ-દિગંબર ભાવલિંગી સંત-આમ કહે છે બાપા! આવો જ માર્ગ છે ભગવાન! તેં કદી સાંભળ્યો ન હોય તેથી શું થયું?
વળી વિશેષ કહે છે કે-‘જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.’
જુઓ, પુણ્યભાવ છે તોપણ જ્ઞાની તેનો જાણવાવાળો જ છે. જ્ઞાની પુણ્યને કદીય ઇચ્છતો નથી. પુણ્યભાવ જ્ઞાનીને હોય છે, મુનિને પણ અંદર આનંદસ્વરૂપના ભાનમાં ન રહી શકે ત્યારે પંચમહાવ્રતાદિના વિકલ્પ હોય છે પણ તેની એને ઇચ્છા હોતી નથી. તેના તો એ કેવળ જ્ઞાયક જ છે, જાણવાવાળો જ છે. પોતાને જેમ જાણે છે તેમ પુણ્યનો પણ જ્ઞાની તો જાણનાર જ રહે છે. આનું નામ ધર્મી ને સમ્યગ્દ્રષ્ટિ ને મુનિ કહેવામાં આવે છે.
PDF/HTML Page 2178 of 4199
single page version
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं। अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि।। २११।।
अपरिग्रहोऽधर्मस्य ज्ञायकस्तेन स भवति।। २११।।
હવે, જ્ઞાનીને અધર્મનો (પાપનો) પરિગ્રહ નથી એમ કહે છેઃ-
તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧.
ગાથાર્થઃ– [अनिच्छः] અનિચ્છકને [अपरिग्रहः] અપરિગ્રહી [भणितः] કહ્યો છે [च] અને [ज्ञानी] જ્ઞાની [अधर्मम्] અધર્મને (પાપને) [न इच्छति] ઇચ્છતો નથી, [तेन] તેથી [सः] તે [अधर्मस्य] અધર્મનો [अपरिग्रहः] પરિગ્રહી નથી, [ज्ञायकः] (અધર્મનો) જ્ઞાયક જ [भवति] છે.
ટીકાઃ– ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
એ જ પ્રમાણે ગાથામાં ‘અધર્મ’ શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન અને સ્પર્શન-એ સોળ શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
હવે, જ્ઞાનીને અધર્મનો (પાપનો) પરિગ્રહ નથી એમ કહે છેઃ-
‘ઇચ્છા પરિગ્રહ છે.’ શું કહ્યું? કે કોઈ પણ પદાર્થની ઇચ્છા તે પરિગ્રહ છે.
PDF/HTML Page 2179 of 4199
single page version
અહીં (૧) પુણ્યની (૨) પાપની (૩) આહારની અને (૪) પાણીની-એમ ચારની વાત લેશે; કેમકે મુખ્યપણે મુનિની વ્યાખ્યા છે ને? અને મુનિને તો આ જ (ચાર) હોય છે, બીજું તો કાંઈ હોતું નથી. જ્ઞાનીને પુણ્યના ભાવ આવે છે પણ એની ઇચ્છા નથી, એકત્વબુદ્ધિ નથી. એનો અર્થ એ છે કે જે ક્ષણે ધર્મની ઉત્પત્તિ છે તે ક્ષણે પુણ્યની પણ ઉત્પત્તિ છે, કેમકે તેનો સ્વકાળ છે ને? છતાં ધર્મીને જેમ ધર્મની ભાવના છે તેમ પુણ્ય જે થાય છે તેની પણ ભાવના છે એમ નથી. પુણ્યભાવની ભાવના કે ઇચ્છા જ્ઞાનીને હોતી નથી. શુભભાવ આવે છે ખરો, પણ તે ભલો છે, ઠીક છે-એમ તેમાં એકત્વબુદ્ધિ જ્ઞાનીને હોતી નથી.
ભાઈ! જે પુણ્યને રળવા-કમાવામાં પડયા છે તે બધા સંસારના-દુઃખના પંથે પડયા છે; તેઓ ચારગતિમાં રખડશે. ત્યારે જેણે આત્માનું સ્વસંવેદનજ્ઞાન પ્રગટ કર્યું છે તે ધર્મના-સુખના પંથે છે. અહાહા...! જેણે નિર્મળ સ્વાનુભૂતિમાં ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ આત્માને પકડયો છે તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. તે આનંદના કાળમાં તેને શુભભાવ પણ હોય છે, છતાં તે શુભભાવનો તે સમયે તે માત્ર જ્ઞાતા જ છે. ગજબ વાત છે ભાઈ! ગાથામાં ‘जाणगो’ એમ કીધું છે ને? એટલે ખરેખર તો તે પોતાનો જ જ્ઞાયક છે, અર્થાત્ તે સમયે તે સ્વસ્વભાવનો જ જ્ઞાયક છે; પણ જ્ઞાનનો સ્વપરપ્રકાશક ભાવ છે તેથી તે શુભભાવને પણ પ્રકાશે છે. શું કહ્યું? જે શુભભાવ હોય છે તેનો જ્ઞાની માત્ર જાણનાર જ રહે છે અને તેને જાણવાની પર્યાય પણ પોતાથી સ્વતંત્ર થઈ છે, શુભભાવ છે તો એનું જ્ઞાન થયું છે એમ નથી. તે સમયે જ્ઞાનની પર્યાય એવા જ સ્વપરપ્રકાશકપણે સ્વયં ઉત્પન્ન થાય છે. માટે તે રાગને જ્ઞાની ગ્રહણ કરતો નથી, પણ રાગ સંબંધી જે પોતાનું જ્ઞાન છે તે જ્ઞાનને જાણે છે. આવી વાત છે.
-આ પુણ્યની વાત કરી. ૨૧૦ ગાથાના પાઠમાં એકલો ‘ધર્મ’ શબ્દ હતો ને! એનો અર્થ પુણ્ય થાય છે. જુઓ, બીજા ટીકાકાર શ્રી જયસેનાચાર્ય કહે છે-‘तेन कारणेन स्वसंवेदनज्ञानी शुद्धोपयोगरूप निश्चयधर्मं विहाय शुभोपयोगरूप धर्मं पुण्यं नेच्छति’ મતલબ કે શુભોપયોગરૂપ ધર્મ એ પુણ્ય છે ને તેની સ્વસંવેદનજ્ઞાની-ધર્મીને ભાવના હોતી નથી. જ્ઞાનીને તો આનંદસ્વરૂપ ભગવાન આત્માની ભાવના હોય છે, શુદ્ધોપયોગરૂપ ધર્મની ભાવના હોય છે.
હવે આ ૨૧૧ મી ગાથા પાપની છે. અહા! જ્ઞાનીને જ્યાં પુણ્યની પણ ભાવના નથી તો પાપની તો કેમ હોય? જ્ઞાનીને પાપભાવ આવે છે ખરો, તેને પાપભાવ - વિષયવાસના સંબંધી રાગ-આસક્તિ-હોય છે. પણ છે તે પર, પોતાનું સ્વરૂપ નથી -એમ જ્ઞાની માને છે.
અહીં કહે છે-‘ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી.’ શું
PDF/HTML Page 2180 of 4199
single page version
કહ્યું? કે પરપદાર્થની ઇચ્છા થવી તે પરિગ્રહ છે. જેને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા નથી તે અપરિગ્રહી છે. ધર્મીને પરવસ્તુ મારી છે-એમ ઇચ્છા જ નથી. જેમ તેને શુભભાવની ઇચ્છા નથી તેમ તેને અશુભભાવની-પાપની પણ ઇચ્છા નથી. પાપભાવ હોય છે ખરો, પણ પાપભાવની ઇચ્છા હોતી નથી; અને તેથી તેને નિર્જરા થાય છે. તેને જે અશુભભાવ આવે છે તેનું પોતાના જ્ઞાનના વેદનમાં જ્ઞાન થાય છે અને તે જ્ઞાન પોતાનું છે પણ અશુભભાવ પોતાનો નથી એવી દ્રષ્ટિ અને જ્ઞાન પ્રગટ થયેલાં હોવાથી ધર્મીને કર્મની નિર્જરા ને અશુદ્ધતાનો નાશ થાય છે.
હવે કહે છે-‘ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી.’
જુઓ, રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી, ભગવાન આત્માના ચૈતન્યનું કિરણ નથી. અહાહા...! હું સદાય જ્ઞાનાનંદસ્વરૂપ છું-એમ પોતાના ત્રિકાળી સ્વભાવનું જેને ભાન થયું છે એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્મીને જેમ પુણ્યભાવ થાય છે તેમ પાપના પરિણામ પણ થાય છે, પણ તેને તે પુણ્ય-પાપના પરિણામમાં એકત્વબુદ્ધિ નથી. તેને જેમ પુણ્યની ઇચ્છા નથી તેમ પાપની પણ ઇચ્છા નથી. છતાં તેને જે પુણ્ય- પાપના ભાવ થાય છે તે અજ્ઞાનમય છે.
તો શું જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોય છે? સમાધાનઃ– જ્ઞાનીને મિથ્યાત્વસહિત અજ્ઞાનમય ભાવ હોતો નથી. પરંતુ ‘અજ્ઞાનમય’નો અર્થ મિથ્યાત્વમય જ-એમ થતો નથી. જ્ઞાનીને જે પુણ્ય-પાપના પરિણામ થાય છે (તે કરે છે વા ઇચ્છે છે એમ નહિ) તેમાં ભગવાન આત્માના ચૈતન્યનું કિરણ નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાનમય કહ્યા છે. જ્ઞાનીને પુણ્ય-પાપના પરિણામ છે, તેને તે જાણે પણ છે, પણ તે પુણ્ય-પાપના પરિણામમાં જ્ઞાનસ્વભાવનો અંશ નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાનમય કહ્યા છે.
પ્રશ્નઃ– તો ‘અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી’-અહીં તો એમ કહ્યું છે? સમાધાનઃ– ભાઈ! અજ્ઞાનમય ભાવનો અહીં અર્થ થાય છે મિથ્યાત્વમય ભાવ; અને તે તો જ્ઞાનીને હોતો જ નથી. તેથી કહ્યું કે-જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. (વળી જ્ઞાનીને જે પુણ્ય-પાપ થાય છે તે દ્રષ્ટિમાં ગૌણ છે તે અપેક્ષાએ પણ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી).
ભાઈ! તને આ કદી સાંભળવા મળ્યું નથી એટલે કઠણ પડે છે. પણ જો તો ખરો! અહીં ભારે વિચિત્ર વાત કરી છે કે-જ્ઞાનીને રાગ આવે છે પણ તેની એને ઇચ્છા નથી. જ્ઞાનીને રાગની ઇચ્છા નથી. અહીં તો મુનિપણાની મુખ્યતાથી વાત કરી