Pravachan Ratnakar (Gujarati). Gatha: 228 ; Kalash: 155-161.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 118 of 210

 

PDF/HTML Page 2341 of 4199
single page version

ચરમશરીરી હતા, છેલ્લો દેહ હતો, પણ તેમને ખબર નહિ કે આહાર કઈ વિધિથી આપવો. પણ આમ ભગવાનની સામે નજર પડતાં જ જાતિસ્મરણજ્ઞાન થઈ ગયું કે આઠમા ભવે અમે બન્નેએ-પતિ-પત્નીએ-મુનિને આહાર આપ્યો હતો. તરત જ વિધિ ખ્યાલમાં આવી ગઈ. ઓહો! ભગવાન! તારી શક્તિનો અપાર મહિમા છે. કેવળજ્ઞાન એક સમયમાં લે એવી એની શક્તિ છે. ત્યાં આ ન જણાય એ વાત કયાં રહી? ભાઈ! આ સાધારણ વાત નથી. જુઓને! આઠમા ભવ પછી કેટલાં શરીર પલટાઈ ગયાં? અને આત્મા તો અરૂપી છે કે નહિ? છતાં તે વખતે અમે-પતિ-પત્નીએ-મુનિને આહાર આપ્યો હતો તે અને તેની વિધિ યાદ આવી ગયાં, ને તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ એમ બોલ્યા. હવે તેઓ તો જુગલિયામાંથી આવ્યા હતા અને આહાર કેમ દેવો એની ખબરેય તેમને કે દિ’ હતી. છતાં યાદ આવી ગયું.

જાતિસ્મરણ એ મતિજ્ઞાનનો ભેદ છે. શ્રુતજ્ઞાનની તો વિશેષતા શું કહેવી? આ તો મતિજ્ઞાન કે જેની ધારણામાંથી જાતિસ્મરણ થાય છે તેની પણ આ તાકાત! ભાઈ! પોતે આત્મા જ્ઞાનસ્વરૂપી જ છે. તેને ફલાણું ન જાણી શકાય એમ ન કહેવું. તે તો બધું જાણી શકે, જાણી શકે, જાણી શકે. જુઓને! રાજકુમાર શ્રેયાંસકુમાર જેમને સુંદર- સોનાના ઢીમ જેવું શરીર હતું તે આમ કેડ બાંધીને ઊભા હતા અને બોલ્યા-ભગવાન! તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ; કેમકે ભગવાનને જોઈને વિધિ યાદ આવી ગઈ. આત્મા અરૂપી તો દેખાય નહિ છતાં અંદરમાં જાતિસ્મરણ થયું ને બરાબર દેખ્યું કે આ જ આત્મા (ભગવાનનો આત્મા) આઠમા ભવે આ આત્માના પતિ તરીકે હતો અને હું તેમની પત્ની તરીકે હતો. અહા! આ મનુષ્યદેહમાં રહેલા આત્માની-જ્ઞાનની તાકાત બાપુ! કેવળજ્ઞાન લેવાની છે; અને તે કેવળજ્ઞાન એક સમયમાં ત્રણકાળના અનંતા કેવળીઓને જાણે એવી તાકાતવાળું છે.

પણ એ તો પૂર્ણ જાણે ત્યારે ને? સમાધાનઃ– ભાઈ! એ જાણવાની તાકાત જ છે. જ્યારે જાણે ત્યારે જાણવાની તાકાત છે જ. અહા! તો પછી એ ન જાણે એમ કેમ હોય? ન જાણે એ તો નબળાઈ છે પણ એ વાત અહીં નથી. અહીં તો એનામાં જાણવાની તાકાત છે તો જાણે એમ વાત છે.

અહીં કહે છે-અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત એવો જ્ઞાની રાગની ક્રિયા કરે છે કે નથી કરતો તે કોણ જાણે? અર્થાત્ તે અજ્ઞાનીને શી ખબર પડે? જ્ઞાની તો બરાબર જાણે છે કે તે રાગનો કર્તા નથી, જ્ઞાતા જ છે.

જુઓ, ભાષા શું કરી છે? કે ‘અકંપ પરમ જ્ઞાનસ્વભાવ...’ અહાહા...! જે સ્વભાવ છે તેની મર્યાદા શી? પરિમિતતા શી? હદ શી? અહાહા...! પરમ જ્ઞાનસ્વભાવ


PDF/HTML Page 2342 of 4199
single page version

છે તેની હદ શી? અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વપરપ્રકાશક સામર્થ્યસહિત અપરિમિત સ્વભાવવાળી વસ્તુ છે. અહાહા...! પોતાના સ્વભાવનું સામર્થ્ય જ એવું છે કે તે સ્વ-પરને સંપૂર્ણ જાણે. વળી તે પર છે માટે પરને જાણે એમેય નહિ, પોતાના સામર્થ્યથી જ તે સર્વને જાણે છે.

પ્રશ્નઃ– પરમ જ્ઞાનમાં સ્થિત છે એવા ધર્મીને રાગ તો છે? દેખાય તો છે કે તે રાગ કરે છે?

સમાધાનઃ– ભાઈ! તે કરે છે કે નથી કરતો અર્થાત્ તે જાણનાર જ છે તેની તને (-અજ્ઞાનીને) શી ખબર પડે? જ્ઞાનીને ક્રિયા છે છતાં તે એનો કર્તા નથી-એમ અમે જાણીએ છીએ, કેમકે આત્મા બધું જાણે છે. શું ન જાણે ભગવાન?

પ્રશ્નઃ– શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે-‘મારે એક ભવે મોક્ષ જવું છે,’ તો આવું પંચમ આરાના ગૃહસ્થાશ્રમી શું જાણી શકે?

સમાધાનઃ– ન જાણી શકે એ પ્રશ્ન જ નથી. અહીં તો ભગવાન આત્મા બધું જાણે એમ વાત છે. મતિજ્ઞાન વડે ઉપયોગ લાગુ પડી ગયો તો એટલું બધું જાણે કે કેવળજ્ઞાન કયારે થશે એ પણ જાણી લે છે. માટે શ્રીમદે કહ્યું છે તે બરાબર છે. આવી વાત છે; લ્યો, ડંકા ઘડિયાળમાં પડે છે. (એમ કે ઘડિયાળ પણ વાતની સાક્ષી પૂરે છે).

* કળશ ૧પ૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી.’ અહાહા...! શુદ્ધ જ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જેને અંતરમુખાકાર અનુભવન અને વેદન થયું છે તે જ્ઞાની છે. અહીં કહે છે-આવા જ્ઞાનીને પરવશે અર્થાત્ પુરુષાર્થની કમજોરીના કારણે કર્મ આવી પડે છે. શું કહ્યું? જ્ઞાનીને કર્મની ઇચ્છા નથી, રુચિ નથી. તથાપિ નબળાઈને કારણે તેને કર્મ કહેતાં રાગની ક્રિયા થઈ આવે છે; દયા, દાન, વ્રત આદિ રાગની ક્રિયા થઈ જાય છે. અહાહા...! તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી; પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપથી તે ભ્રષ્ટ થતો નથી. બહુ ઝીણી વાત ભગવાન!

આ નિર્જરા અધિકાર છે ને? તો કહે છે-‘આ જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા તે હું’-એમ જેને અંતરમાં દ્રઢ શ્રદ્ધાન થયું તેને કોઈ રાગાદિની ક્રિયા થઈ જાય તો પણ તે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. એટલે શું? કે તે પોતાના જ્ઞાનના અનુભવથી ચ્યુત થઈને રાગમાં એકરૂપ થતો નથી, રાગથી એકતા પામતો નથી. જ્ઞાનથી એકતા થઈ છે તે હવે રાગથી એકતા કરતો નથી. એને નિર્જરા થાય છે; જે રાગ આવે તે નિર્જરી જાય છે. સમજાણું કાંઈ...?


PDF/HTML Page 2343 of 4199
single page version

શું કહે છે? ભગવાન આત્મા સદા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી એક અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. અહાહા...! એકલા જ્ઞાનનું-આનંદનું-સુખનું-અમૃતનું દળ પ્રભુ આત્મા છે. આવા અતીન્દ્રિય આનંદના-સુખના દળનું જેને આસ્વાદન-વેદન થયું છે તેને કદાચિત્ કોઈ રાગ આવી જાય છે તોપણ તે જ્ઞાનથી ચલાયમાન થતો નથી. એટલે શું? કે તે જ્ઞાનની એકાગ્રતા છોડીને રાગમાં એકાગ્ર થતો નથી, રાગમાં એકત્વ કરતો નથી. આવો વીતરાગનો મારગ! શું? કે જ્ઞાની જ્ઞાનમય પરિણમનને છોડીને રાગમય થઈ જતો નથી. હવે કહે છે-

‘માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.’

જ્ઞાનીને રાગ તો થાય છે, પણ સ્વરૂપમાં જેની દ્રષ્ટિ એકાગ્ર છે તે રાગ કરે છે કે નથી કરતો એની તને (-અજ્ઞાનીને) શી ખબર પડે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાની જ્ઞાતા જ છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે, અજ્ઞાનીને એની ખબર પડતી નથી. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. જ્ઞાનીને રાગ થઈ આવ્યો છે પણ તેમાં એના પરિણામ લૂખા છે, જ્ઞાની તો જ્ઞાતા-દ્રષ્ટાપણે વર્તે છે એવું યથાર્થ જાણવાનું અજ્ઞાનીનું સામર્થ્ય નથી. કેમ? કેમકે અજ્ઞાનીને રાગમાં ને ભોગમાં મીઠાશ છે. અજ્ઞાની જીવ ભોગની સામગ્રીને બહારથી ભોગવતો ન દેખાય છતાં અંદર રાગની મીઠાશમાં-રુચિમાં પડયો છે. બહારથી તે ભોગવતો નથી છતાં ભોક્તા છે; પહેલાં (ગાથા ૧૯૭ માં) આવી ગયું ને કે અસેવક છતાં સેવક છે. હવે એને જ્ઞાનીના પરિણામની શી ખબર પડે? જ્ઞાનીના પરિણામને સમજવાનું એનું સામર્થ્ય જ નથી.

પ્રશ્નઃ– કયા ગુણસ્થાનથી રાગ નથી? ઉત્તરઃ– ચોથાથી રાગની એકતા નથી તો રાગ નથી. એ તો નીચે ભાવાર્થમાં છે કે ચોથે ગુણસ્થાનથી માંડીને બધાય જ્ઞાની છે. બાપુ! સમ્યગ્દર્શન એટલે? અહાહા...! એનો સ્પર્શ થતાં જીવની રાગમાં ને ભોગમાં રુચિ ઉડી જાય છે, સુખબુદ્ધિ ઉડી જાય છે. એ તો જામનગરવાળાનો દાખલો નહોતો આપ્યો? (જુઓ કલશ ૧પ૧નો ભાવાર્થ). તેમ જ્ઞાનીને આત્માના આનંદના સ્વાદ આગળ રાગનો-ભોગનો સ્વાદ ઝેર જેવો ભાસે છે. જે કિંચિત્ અસ્થિરતાનો રાગ છે તેનો સ્વાદ તેને ઝેર જેવો લાગે છે. એને નિર્જરા થાય છે એમ અહીં કહે છે. અજ્ઞાની તો ઉપવાસ કરીને બેસી જાય ને માને કે તપશ્ચર્યા થઈ ગઈ ને નિર્જરા થઈ ગઈ, પણ બાપુ! તું બીજા પંથે છે ભગવાન! રાગની ક્રિયાથી કાંઈ નિર્જરા ન થાય ભાઈ! (એનાથી તો બંધ જ થાય).

કહે છે-‘અવિરત સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા.


PDF/HTML Page 2344 of 4199
single page version

તેમાં, અવિરત સમ્યગ્દ્રષ્ટિ, દેશવિરત સમ્યગ્દ્રષ્ટિ અને આહાર-વિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે.’

જોયું? શું કહે છે? કે ચોથે ગુણસ્થાનથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ છે. કોઈ વળી કહે છે કે ઉપરના ગુણસ્થાને જાય ત્યારે જ્ઞાની થાય, નીચે તો ધર્મી છે. પણ તે બરાબર નથી. હજી જેને અવિરત ભાવ છે તેવા અવિરત સમ્યગ્દ્રષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની સમજવા એમ કહે છે.

તેમાં, ચોથાવાળો અવિરત સમ્યગ્દ્રષ્ટિ, પાંચમા ગુણસ્થાનવાળો દેશવિરતી અને આહાર-વિહાર કરતા મુનિઓને કહે છે, બાહ્ય ક્રિયા-કર્મ અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ક્રિયાકર્મ પ્રવર્તે છે તોપણ નિશ્ચયથી તેઓ તેના કર્તા નથી. કેમ? કારણ કે તેઓ જ્ઞાનસ્વભાવમાં જ અચલિત છે અર્થાત્ શુદ્ધ ચૈતન્યના અનુભવથી તેઓ ચલિત થતા નથી; રાગાદિ ક્રિયા થાય છે તોપણ તેઓ જ્ઞાનના અનુભવથી ખસતા નથી માટે તેઓ રાગના કર્તા નથી પણ જ્ઞાનના જ કર્તા છે. અહાહા...! ધર્મી તો આત્માની જ્ઞાનમય વીતરાગી પરિણતિના જ કર્તા છે.

હવે વિશેષ કહે છે-‘અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જ્વળ છે. તે ઉજ્જ્વળતાને તેઓ જ (-જ્ઞાનીઓ જ) જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓ તે ઉજ્જ્વળતાને જાણતા નથી.’

જોયું? અંદર પોતાના ભગવાનને ભાળ્‌યો છે તેને અંતરંગ મિથ્યાત્વનો અભાવ છે, ભ્રાન્તિનો અભાવ છે. તો અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા ભૂમિકા પ્રમાણે કષાયનો અભાવ વર્તતો હોવાથી યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામો ઉજ્જ્વળ છે. લ્યો, ચોથે ગુણસ્થાને પરિણામ ઉજ્જ્વળ છે એમ કહે છે. ચોથે પણ નિર્મળ સમ્યગ્દર્શન ને અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે ને? તો ચોથે ગુણસ્થાને પણ પરિણામ ઉજ્જ્વળ છે. તથા આગળ-આગળના ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન આદિ કષાયનો જેમ જેમ અભાવ થતો જાય છે તેમ તેમ પરિણામ વિશેષ ઉજ્જ્વળ-નિર્મળ હોય છે.

પ્રશ્નઃ– ચોવીસે કલાક નિર્મળ હોય છે? ઉત્તરઃ– હા, નિર્મળ હોય છે. સમ્યગ્દ્રષ્ટિ લડાઈમાં ઊભો હોય ત્યારે પણ જે મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાય ટળ્‌યાં છે તેટલા પ્રમાણમાં પરિણામ તો તેના નિર્મળ શુદ્ધ પરિણતિરૂપે ઉજ્જ્વળ જ છે. ઝીણી વાત છે ભાઈ! મિથ્યાદ્રષ્ટિ રાગની મંદતાની ક્રિયામાં હો, અરે! છટ્ઠા ગુણસ્થાનની બહારની ક્રિયામાં હો, (છટ્ઠા ગુણસ્થાનમાં નહિ હોં) તોપણ તેના પરિણામ મલિન છે અને લડાઈમાં ઊભેલા સમ્યગ્દ્રષ્ટિના પરિણામ નિર્મળ છે. કેમ? કેમકે સમ્યગ્દ્રષ્ટિએ પડખું ફેરવી નાખ્યું છે. રાગના પડખેથી ખસીને તે


PDF/HTML Page 2345 of 4199
single page version

જ્ઞાનના પડખે ગયો છે. તેની દ્રષ્ટિ પરમાંથી ખસીને સ્વમાં ગઈ છે. જ્યારે અજ્ઞાનીની તો દ્રષ્ટિ જ પર ઉપર છે. આવી વાત બહુ ઝીણી બાપા!

એ તો પ્રવચનસાર (ગાથા ૨૩૬) માં ન આવ્યું? શું? કે કાયા ને કષાયને પોતાના માનનારો બાહ્યમાં છકાયની હિંસા જરાય ન કરતો હોય તોપણ તે છકાયની હિંસાનો કરનારો છે. ભગવાન આત્મા સ્વભાવથી કાયારહિત અકાય ને કષાયરહિત અકષાયી છે. હવે આવા સ્વભાવને છોડીને જે કાયા ને કષાયને પોતાનાં માને છે તે બહારથી ભલે નગ્ન દિગંબર સાધુ હોય તથા બહારથી છકાયની હિંસા ન કરતો હોય તોપણ તે હિંસાનો કરનાર છે, આત્મઘાતી છે. જ્યારે ધર્મી આત્માના જ્ઞાન ને આનંદના અનુભવમાંથી ખસતો નથી તેથી કદાચિત્ રાગની ક્રિયા તેને થઈ જાય છે તોપણ તેને અંતરની નિર્મળતા છૂટતી નથી. તેથી તેના-જ્ઞાનીના પરિણામ નિરંતર ઉજ્જ્વળ છે. આવો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ ભાઈ!

કહે છે ને કે-‘પકડ પકડમેં ફેર હૈ;’ બિલાડી ઉંદરને મોંઢામાં પકડે છે અને પોતાના બચ્ચાને પણ મોઢામાં પકડે છે, પણ ‘પકડ પકડમેં ફેર હૈ;’ બહારથી તો એકસરખી લાગે પણ બેય પકડમાં ફેર છે. (એકમાં હિંસાનો ભાવ છે, બીજામાં રક્ષાનો ભાવ છે). તેમ જ્ઞાનીને, આમ બહારથી દેખાય છે કે તેને રાગ છે, પણ રાગની પકડ નથી; જ્યારે અજ્ઞાનીને રાગની પકડ છે-આ ફેર છે.

અહાહા...! કહે છે-‘અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્જ્વળ છે. તે ઉજ્જ્વળતાને તેઓ (-જ્ઞાનીઓ) જ જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓ તે ઉજ્જ્વળતાને જાણતા નથી.’ અહા! મિથ્યાદ્રષ્ટિની દ્રષ્ટિ તો બહાર છે, બહારની ક્રિયા પર છે. તે બહારની ક્રિયાથી ધર્મીનું માપ કાઢે છે અને તેથી કોઈ અજ્ઞાની બહારની ક્રિયા બરાબર કરતો હોય તો તેને તે જ્ઞાની માને છે અને કોઈ જ્ઞાની જરીક ભોગાદિની ક્રિયામાં હોય તો તેને તે અજ્ઞાની માની લે છે. આ પ્રમાણે અજ્ઞાની જ્ઞાનીના અંતરની ઉજ્જ્વળતાને જાણતો નથી; પોતાને ઉજ્જ્વળતા થયા વિના તે ઉજ્જ્વળતાને કેવી રીતે જાણે? એ તો સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાનીઓની અંતઃઉજ્જ્વળતાને જાણે છે. જ્ઞાની જ જ્ઞાનીઓની અંતરની ઉજ્જ્વળતાને જાણે છે. અહો સમ્યગ્દર્શન! અહો! અંતઃઉજ્જ્વળતા!!

હવે કહે છે-‘મિથ્યાદ્રષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે?’

મિથ્યાદ્રષ્ટિ બહિરાત્મા છે. એટલે શું? કે તેને બહારની ચીજની પકડ છે તે બહારથી-બહારની ક્રિયાથી જોનારો છે. તે અંદર કયાં ગયો છે કે તે અંતરાત્માની


PDF/HTML Page 2346 of 4199
single page version

ગતિને જાણે? અહાહા...! રાગ ને જડથી ભિન્ન પડયો છે એવા ભગવાન આત્માની ઉજ્જ્વળ પરિણતિને તે કેમ જાણે? જુઓને! પોતે (અજ્ઞાની) બાલબ્રહ્મચારી હોય છતાં તેને રાગની એકતાબુદ્ધિ છે, અને જ્ઞાનીને ૯૬ હજાર સ્ત્રીઓ હોય છતાં રાગની એકતાબુદ્ધિ નથી. હવે આ ફેરને અજ્ઞાની કેમ જાણે?-એમ કહે છે. બાળબ્રહ્મચારી હોવા છતાં પોતે (-અજ્ઞાની) શુદ્ધતાનો સ્વામી નથી તથા ૯૬ હજાર સ્ત્રીઓ હોવા છતાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાયના અભાવથી ઉત્પન્ન શુદ્ધતાનો જ્ઞાની-સમકિતી સ્વામી છે. આવો ફેર છે તે અજ્ઞાની જાણતો નથી.

મિશ્રપણું જ્ઞાનીને જ હોય છે, કેમકે સાધકપણું હોય ત્યાં જ કિંચિત્ બાધકપણું હોય છે; અને છતાંય તે (-જ્ઞાની) તેનો (-બાધકપણાનો) સ્વામી નથી કેમકે તેને રાગમાંથી (-બાધકમાંથી) રસ ઊડી ગયો છે. અહા! ઇન્દ્રના ઇન્દ્રાસનમાં પણ તેને સુખબુદ્ધિ નથી. ઇન્દ્ર ક્રોડો અપ્સરાઓ સાથે રમતો દેખાય છતાં ત્યાં એને સુખબુદ્ધિ નથી અને અજ્ઞાની બાળબ્રહ્મચારી હોય કે સાધુ થયો હોય છતાં રાગમાં તેને રસ છે, પરમાં સુખબુદ્ધિ ઊભી છે. આવી વાત છે.

*

હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-

* કળશ ૧પ૪ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘यत् भय–चलत्–त्रैलोक्य–मुक्त–अध्वनि वज्रे पतति अपि’ જેના ભયથી ચલાયમાન થતા-ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં,...

અહા! દેવો તરફથી વજ્રપાત થાય કે આમ આકાશમાંથી અગ્નિ ઝરતી હોય તે વખતે લોકમાં અજ્ઞાનીઓ પોતાનો માર્ગ છોડી દે છે અર્થાત્ ભયભીત થઈને માર્ગમાંથી ખસી જાય છે.

પરંતુ ‘अमी’ આ સમ્યગ્દ્રષ્ટિ જીવો ‘निसर्ग–निर्भयतया’ સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે... , જોયું? સમ્યગ્દ્રષ્ટિ સ્વભાવથી જ નિર્ભય છે. ભગવાન આત્મા નિર્ભયસ્વભાવ છે, આત્મામાં-વસ્તુમાં ભય નથી. આવા નિર્ભયસ્વભાવી આત્માના અનુભવને લઈને સમ્યગ્દ્રષ્ટિ નિર્ભય છે. તેથી કહે છે-

સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે ‘सर्वान् एव शंकां विहाय’ સમસ્ત શંકા છોડીને અર્થાત્ ભયરહિત થઈને ‘स्वयं स्वं अवध्य–बोध–वपुषं जानन्तः’ પોતે પોતાને જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે એવો જાણતા થકા, ‘बोधात् च्यवन्ते न हि’ જ્ઞાનથી ચ્યુત થતા નથી.


PDF/HTML Page 2347 of 4199
single page version

અહાહાહા...! શું કહે છે? કે ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવ જેનું શરીર છે તે આત્મા છે. જાણગ-જાણગ-જાણગ એવા સ્વભાવનો પિંડ તે ભગવાન આત્માનું શરીર છે, અને તે જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે અર્થાત્ કોઈથી કદીય હણી શકાય નહિ એવું છે. અહાહા...! ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવા જ્ઞાનશરીરી ભગવાન આત્માનો કોણ વધ કરે? એ તો અવધ્ય છે. છે? છે ને પાઠમાં કે-‘अवध्य–बोध–वपुषं’–

અહાહા...! ભગવાન! તું કોણ છો? તો કહે-આત્મા; તો એનું શરીર શું? જ્ઞાન તેનું શરીર છે. આ ઔદારિક દેહ, કે કર્મદેહ કે રાગદેહ-તે આત્મા નહિ. અહાહા...! આ શરીર, મન, વાણી, કર્મ-તે આત્મા નહિ અને એક સમયની પર્યાય તે પણ આત્મા નહિ. આત્મા તો જ્ઞાન જેનું શરીર છે તે આત્મા છે. આત્મા ત્રિકાળી ધ્રુવ-ધ્રુવ જ્ઞાનશરીરી છે ને તે અવધ્ય છે. અહાહા...! સમકિતી એમ જાણે છે કે- જ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો મારો નાથ અવધ્ય છે, કોઈથી કદીય હણી શકાય નહિ તેવો છે. અહા! પોતાને આવો જાણતા-અનુભવતા થકા સમ્યગ્દ્રષ્ટિ જીવો જ્ઞાનથી ચ્યુત થતા નથી એટલે કે પોતાનો જે શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવ છે ત્યાંથી ખસતા નથી. અહાહા...! ધર્મી જીવો નિરાકુળ આનંદનો અનુભવ છોડી દઈને રાગમાં-ઝેરમાં એકત્વ પામતા નથી. આવી વ્યાખ્યા છે.

‘बोधात् च्यवन्ते न हि’–અહાહા...! જ્ઞાનાનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે, તેને ભાળ્‌યા પછી ધર્મી ત્યાંથી ચ્યુત થતા નથી, ભ્રષ્ટ થતા નથી. એટલે શું? કે જ્ઞાનભાવ છોડીને રાગમાં આવતા નથી. ઓહો! જુઓ આ ધર્મ! અરે ભાઈ! ભગવાન જેને અંદરમાં ભેટયા તેની શી વાત? ભગ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મી, વાન નામ વાળો; અહા! આવા અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા જ્યાં અનુભવમાં આવ્યો ત્યાં કિંચિત્ રાગ થઈ આવે તોપણ જ્ઞાની સ્વરૂપલક્ષ્મીના અનુભવથી ચ્યુત થતા નથી; પણ જે રાગની ક્રિયા થાય છે તેને તે માત્ર જાણે છે, આ રાગ છે, પર છે એમ જાણે છે; તે પણ રાગ છે માટે જાણે છે એમેય નહિ.

અહાહા...! ‘જાણતા થકા’-એમ છે ને? ‘अवध्य–बोध–वपुषं जानन्तः’–આત્મા કોઈથી હણાય નહિ એવો જ્ઞાનશરીરી પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનપિંડ છે. તેને જાણતા થકા હોં, રાગને જાણતા થકા એમ નહિ. અહા! વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે! લોકોને તે મળ્‌યો નથી એટલે બિચારા કયાંય ને કયાંય રોકાઈ જઈને જિંદગી ગાળે છે. તેઓ ભયભીત છે, દુઃખી છે. અહીં કહે છે-જેને આ મારગ મળ્‌યો છે તેને હવે કોઈ ભય નથી, તે જ્ઞાનથી ચ્યુત થતા નથી. જ્ઞાનથી એટલે કે સ્વરૂપના અનુભવથી ચ્યુત થઈને તે રાગમાં આવતા નથી. આવી વાત છે. હવે કહે છે-

‘इदं परं साहसं सम्यग्द्रष्टयः एव कर्तुं क्षमन्ते’ આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દ્રષ્ટિઓ જ સમર્થ છે.


PDF/HTML Page 2348 of 4199
single page version

અહાહા...! અગ્નિનો-વજ્રનો ઉપરથી પ્રપાત થાય, અગ્નિના તણખા ઝરતાં વજ્ર પડે તો ત્રણ લોકના જીવો ખળભળી ઉઠે છે ને ભયભીત થઈને પોતાના માર્ગને છોડી દે છે અર્થાત્ માર્ગમાંથી ખસી જાય છે; ત્યારે ધર્મી સમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાન ને આનંદમાંથી ખસતા નથી એમ કહે છે. અહાહા...! હું ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છું એમ જ્યાં શ્રદ્ધાનમાં આવ્યું તો સ્વરૂપમાંથી કયારેય ચલિત ન થાય એવો પુરુષાર્થ જાગ્રત થાય છે અને તે પુરુષાર્થના બળે સમ્યગ્દ્રષ્ટિ સ્વરૂપમાંથી વિચલિત થતા નથી. તેને કર્મ ને રાગની નિર્જરા થાય છે. નિયમસારમાં (ગાથા ૧૮૬માં) આવે છે ને કે-કોઈ મંદબુદ્ધિ લોકો કદાચિત્ તારી નિંદા કરે તોપણ હે ભાઈ! તું મારગમાં અભક્તિ ન કરીશ; અહાહા...! તને જે વીતરાગમાર્ગ મળ્‌યો છે એનાથી ચલિત ન થઈશ. લોકો નિંદા કરે કે આ તે કેવો ધર્મ! રાગ કરે છે ને વળી કહે છે કે કરતો નથી, આનંદમાં રહે છે!-એમ અનેક કુતર્ક કરીને મત્સરભાવથી નિંદા કરે તોપણ તું વીતરાગભાવથી ચલિત ન થઈશ. જુઓ આ શિખામણ! અહીં કહે છે-માર્ગમાં દ્રઢપણે સ્થિત રહેવાનું સાહસ કરવાને માત્ર સમ્યગ્દ્રષ્ટિઓ જ સમર્થ છે. અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ જીવો મહા પુરુષાર્થી છે, પરાક્રમી છે.

* કળશ ૧પ૪ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે.’

સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે એટલે સમકિતી જીવો નિર્ભય હોય છે. ‘शंकां विहाय’–એમ કળશમાં આવ્યું ને? શંકા કહો કે ભય કહો-એક જ છે. સમકિતી નિઃશંક કહેતાં નિર્ભય હોય છે. તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ રહે છે. શુભકર્મના ઉદયે બહુ અનુકૂળ સામગ્રી હોય તેવી અનુકૂળતા વખતે ને અશુભકર્મના ઉદયે સાતમી નરકના જેવી પ્રતિકૂળતા આવે તે વખતે પણ જ્ઞાની તો જ્ઞાનરૂપે જ પરિણમે છે.

શું કહ્યું એ? કે શુભાશુભકર્મના ઉદય વખતે પણ જ્ઞાની જ્ઞાનરૂપે જ પરિણમે છે. ક્રોડોગણી અનુકૂળ સામગ્રી હોય-હીરારત્નના મકાન હોય, માંહી મખમલના ગાલીચા પાથર્યા હોય અને તે પણ ચારેકોર રત્નજડિત હોય ઇત્યાદિ શાતાના ઉદયજનિત સાનુકૂળ સામગ્રીના ઢગ મળ્‌યા હોય તોય જ્ઞાની જ્ઞાનભાવથી ચલિત થતો નથી, તે સામગ્રીને ઇષ્ટ જાણી તેમાં એકપણું કરતો નથી. તથા અશુભના ઉદયે કાળું શરીર, બહારમાં નિર્ધનતા ઇત્યાદિ અનેક પ્રકારે પ્રતિકૂળતાના ગંજ આવી પડયા હોય તોપણ જ્ઞાની જ્ઞાનથી ચ્યુત થતો નથી. અર્થાત્ તેમાં ખેદભાવને પ્રાપ્ત થતો નથી. જ્ઞાની સામગ્રીમાં એકપણું પામીને હરખાતોય નથી ને ખેદાતોય નથી.


PDF/HTML Page 2349 of 4199
single page version

હવે વિશેષ કહે છે કે-‘જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઉઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી.’

શું કહ્યું? કે જ્ઞાનીને તો એવો દ્રઢ વિશ્વાસ ને નિર્ણય થયો છે કે-હું તો જાણગસ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છું. ત્રિકાળી ધ્રુવ એવું જ્ઞાન તે મારું શરીર છે. આ શાતા ને અશાતાના ઉદયથી મળેલી દેહાદિ સામગ્રી તે કાંઈ હું નથી. તે મારામાં નહિ અને હું તેમનામાં નથી. અહા! આવો નિઃશંક થયેલો જ્ઞાની જ્ઞાનથી અર્થાત્ સ્વરૂપના અનુભવથી ચળતો નથી. તેને નિર્જરા થતી હોય છે.

અશાતા ઉદયને લઈને જુઓને! શરીરમાં કેટકેટલા રોગ થતા હોય છે! સાતમી નરકના નારકીને ભાઈ! પહેલેથી-જન્મથી જ શરીરમાં સોળ-સોળ રોગ હોય છે. અને ત્યાંની માટી એવી ઠંડી છે કે તેનો કટકો જો અહીં આવી જાય તો ૧૦ હજાર યોજનમાં માણસ ઠંડીથી મરી જાય. અહા! આવા અતિશય ઠંડીના સંયોગમાં પણ ધર્મી સ્વરૂપથી ચલાયમાન થતો નથી.

પણ તે માટી શું અહીં આવે? આવે શું? આ તો ત્યાં ઠંડી કેવી છે તે બતાવવા દાખલો કહ્યો છે. અહા! તે માટીનો એક ટુકડો અહીં આવે તો દશ હજાર યોજનના મનુષ્યો મરી જાય. તેમ પહેલી નરકમાં ગરમી છે. કેવી? કે એનો એક તણખો અહીં આવી જાય તો દશ હજાર યોજનમાં માણસો મરી જાય. આવી ઠંડી ને ગરમીમાં આ જીવ ત્યાં અનંતવાર રહ્યો છે. સમકિતી પણ ત્યાં છે. આ શ્રેણીક રાજા જ અત્યારે ત્યાં પહેલી નરકમાં છે. અહા! આવા સંયોગમાં પણ તે જ્ઞાનથી ચળતા નથી. ક્ષણેક્ષણે તેઓ ત્યાં તીર્થંકર ગોત્ર બાંધે છે. ત્યાંથી નીકળીને તેઓ તીર્થંકર થશે. આવા પીડાકારી સંજોગમાં પણ તેઓ આનંદરસના ઘૂંટ પીએ છે. ગજબ વાત છે ને? ભજનમાં આવે છે ને કે-

“ચિન્મૂરત દ્રગધારીકી મોહિ રીતિ લગત હૈ અટાપટી,
બાહિર નારકી દુઃખ ભોગૈ અંતર સુખરસ ગટાગટી.”

અહા! જેમ કોઈને તરસ લાગી હોય ને મોસંબીનો ઠંડો રસ ગટગટ પીવે તેમ જ્ઞાની આનંદરસને અંદર ગટગટ પીએ છે. તે નરકની પીડાના સંયોગમાં પણ, આત્મજનિત આનંદરસને ગટગટ પીએ છે. કેમ? કેમકે જ્ઞાનીને બહારના સંયોગ સાથે કયાં એકપણું છે? સંયોગમાં કયાં આત્મા છે? અને આત્મામાં કયાં સંયોગ છે? અહા! સંયોગ ને સંયોગીભાવથી ભિન્ન પડેલો જ્ઞાની બહારથી નરકની પીડામાં દેખાય તોપણ એ તો અંદરમાં નિરાકુળ આનંદને જ વેદે છે. હા, જેટલો રાગ છે


PDF/HTML Page 2350 of 4199
single page version

તેટલું દુઃખ છે, તોપણ અંતરમાં જે આત્માનું ભાન છે અને અનંતાનુબંધીનો અભાવ છે તેટલું આનંદનું વેદન તેને છે. અહા! આવું અટપટું ‘બાહિર નારકી દુઃખ ભોગૈ અંતર સુખરસ ગટાગટી.’ સમજાણું કાંઈ...?

સમ્યગ્દ્રષ્ટિ શુભાશુભકર્મના ઉદયથી ભિન્ન પડી ગયો છે; તે હવે ઉદયને અડે કેમ? તે ઉદય સાથે એકમેક થતો જ નથી; એ તો નિરંતર જ્ઞાનરૂપે જ પરિણમે છે. શુભના ઉદયને કારણે ચાહે તો ચક્રવર્તીની સંપદા મળી જાય તોપણ તેમાં તે ભરમાતો નથી, લલચાતો નથી, હરખાતો નથી અને અશુભ ઉદયને કારણે નરકના જેવા પીડાકારી સંયોગના ગંજ હોય તોપણ તેમાં તે ખેદ પામતો નથી. આખું જગત જ્યાં ચલિત થઈ જાય એવા સંજોગમાં પણ સમકિતી જ્ઞાનરૂપે જ પરિણમે છે, જ્ઞાનભાવમાં અચલિતપણે સ્થિર રહે છે. અહો! સમ્યગ્દર્શનનો આવો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે! બાપુ! સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું એ વસ્તુ છે. બાકી (વ્રત, તપ, આદિ) તો કાંઈ નથી.

હવે કહે છે-‘તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે.’

અહાહા...! વસ્તુ આત્મા અનાદિ અનંત અકૃત્રિમ ત્રિકાળી ધ્રુવ તત્ત્વ છે. તેનો વળી નાશ કેવો? અને તેનો નાશ કોણ કરે? કોઈ પણ સંજોગમાં હું નાશ પામું નહિ એમ સમકિતી નિઃશંક છે. તથા આ પર્યાય છે, દેહાદિ સંયોગ છે એ તો સ્વભાવથી જ નાશવંત છે અને તેનો નાશ થાય તો તેથી મને શું? હું ત્રિકાળ શુદ્ધ અવિનાશી જ્ઞાયકતત્ત્વ છું. લ્યો, એકકોર જડ શરીર વિનાશિક ને એકકોર જ્ઞાનશરીર પોતે ત્રિકાળ અવિનાશી-એમ સમકિતી નિઃશંક છે. આવી વાત છે.

[પ્રવચન નં. ૨૯૭ અને ૨૯૮ (ચાલુ) *દિનાંક ૨૦-૧-૭૭ અને ૨૧-૧-૭૭]
ॐॐॐ

PDF/HTML Page 2351 of 4199
single page version

ગાથા–૨૨૮
सम्माद्दिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण।
सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।। २२८।।
सम्यग्द्रष्टयो जीवा निश्शङ्का भवन्ति निर्भयास्तेन।
सप्तभयविप्रमुक्ता यस्मात्तस्मात्तु निश्शङ्काः।।
२२८।।
(शार्दूलविक्रीडित)
लोकः शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मन–
श्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः।
लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५५।।

હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-

સમ્યક્ત્વવંત જીવો નિઃશંક્તિ, તેથી છે નિર્ભય અન;ે
છે સપ્તભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮.

ગાથાર્થઃ– [सम्यग्द्रष्टयः जीवाः] સમ્યગ્દ્રષ્ટિ જીવો [निश्शङ्काः भवन्ति] નિઃશંક હોય છે [तेन] તેથી [निर्भयाः] નિર્ભય હોય છે; [तु] અને [यस्मात्] કારણ કે [सप्तभयविप्रमुक्ताः] સપ્ત ભયથી રહિત હોય છે [तस्मात्] તેથી [निश्शङ्काः] નિઃશંક હોય છે (-અડોલ હોય છે).

ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દ્રઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત્ એમ યોગ્યપણે ગણવામાં આવે છે).

હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [एषः] આ ચિત્સ્વરૂપ લોક જ [विविक्तात्मनः] ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો) [शाश्वतः एकः सकल–व्यक्तः लोकः]


PDF/HTML Page 2352 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते
निर्भेदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः।
नैवान्यागतवेदनैव हि भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५६।।

શાશ્વત, એક અને સકલવ્યક્ત (-સર્વ કાળે પ્રગટ એવો) લોક છે; [यत्] કારણ કે [केवलम् चित्–लोकं] માત્ર ચિત્સ્વરૂપ લોકને [अयं स्वयमेव एककः लोकयति] જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે-અનુભવે છે. આ ચિત્સ્વરૂપ લોક જ તારો છે, [तद्–अपरः] તેનાથી બીજો કોઈ લોક- [अयं लोकः अपरः] આ લોક કે પરલોક- [तव न] તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, [तस्य तद्–भीः कुतः अस्ति] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને (પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે.

ભાવાર્થઃ– ‘આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?’ એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. ‘પરભવમાં મારું શું થશે?’ એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે-આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડયો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧પપ.

હવે વેદનાભયનું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [निर्भेद–उदित–वेद्य–वेदक–बलात्] અભેદસ્વરૂપ વર્તતા વેધ- વેદકના બળથી (અર્થાત્ વેધ અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [यद् एकं अचलं ज्ञानं स्वयं अनाकुलैः सदा वेद्यते] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (-જ્ઞાનીઓ વડે) સદા વેદ્રાય છે, [एषा एका एव हि वेदना] તે આ એક જ વેદ્રના (જ્ઞાનવેદના) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે. [ज्ञानिनः अन्या आगत–वेदना एव हि न एव भवेत्] જ્ઞાનીને બીજી કોઈ આવેલી (- પુદ્ગલથી થયેલી) વેદ્રના હોતી જ નથી, [तद्–भीः कुतः] તેથી તેને વેદ્રનાનો ભય ક્ય ાંથી હોય? [सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.

ભાવાર્થઃ– સુખદુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર


PDF/HTML Page 2353 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति–
र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः।
अस्यात्राणमतो न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५७।।
(शार्दूलविक्रीडित)
स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न य–
च्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः।
अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५८।।

સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧પ૬.

હવે અરક્ષાભયનું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [यत् सत् तत् नाशं न उपैति इति वस्तुस्थितिः नियतं व्यक्ता] જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. [तत् ज्ञानं किल स्वयमेव सत्] આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સત્સ્વરૂપ વસ્તુ) છે (માટે નાશ પામતું નથી), [ततः अपरैः अस्य त्रातं किं] તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? [अतः अस्य किञ्चन अत्राणं न भवेत्] આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી [ज्ञानिनः तद्–भी कुतः] માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.

ભાવાર્થઃ– સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ૧પ૭.

હવે અગુપ્તિભયનું કાવ્ય કહેઃ- શ્લોકાર્થઃ– [किल स्वं रूपं वस्तुनः परमा गुप्तिः अस्ति] ખરેખર વસ્તુનું સ્વ-રૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ ‘ગુપ્તિ’ છે [यत् स्वरूपे कः अपि


PDF/HTML Page 2354 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणाः किलास्यात्मनो
ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्।
तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५९।।

परः प्रवेष्टुम् न शक्तः] કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી; [च] અને [अकृतं ज्ञानं नुः स्वरूपं] અકૃત જ્ઞાન (-જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન-) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે; (તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે.) [अतः अस्य न काचन अगुप्तिः भवेत्] માટે આત્માનું જરા પણ અગુપ્તપણું નહિ હોવાથી [ज्ञानिनः तद्–भीः कुतः] જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.

ભાવાર્થઃ– ‘ગુપ્તિ’ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કે- વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તપણાનો ભય ક્યાંથી હોય? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧પ૮.

હવે મરણભયનું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–

[प्राणोच्छेदम् मरणं उदाहरन्ति] પ્રાણોના નાશને (લોકો) મરણ કહે

છે. [अस्य आत्मनः प्राणाः किल ज्ञानं] આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. [तत् स्वयमेव शाश्वततया जातुचित् न उच्छिद्यते] તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદ્રાપિ નાશ થતો નથી; [अतः तस्य मरणं किञ्चन न भवेत्] માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. [ज्ञानिनः तद्–भीः कुतः] તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.

ભાવાર્થઃ– ઇંદ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇંદ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે-


PDF/HTML Page 2355 of 4199
single page version

(शार्दूलविक्रीडित)
एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्धं किलैतत्स्वतो
यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः।
तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १६०।।

-તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧પ૯.

હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [एतत् स्वतः सिद्धं ज्ञानम् किल एकं] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, [अनादि] અનાદિ છે, [अनन्तम्] અનંત છે, [अचलं] અચળ છે. [इदं यावत् तावत् सदा एव हि भवेत्] તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે, [अत्र द्वितीयोदयः न] તેમાં બીજાનો ઉદય નથી. [तत्] માટે [अत्र आकस्मिकम् किञ्चन न भवेत्] જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી. [ज्ञानिनः तद्–भीः कुतः] આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? [सः स्वयं सततं निश्शङ्कः सहजं ज्ञानं सदा विन्दति] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.

ભાવાર્થઃ– ‘કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?’ એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે-આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ, એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી; માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે.

આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી. પ્રશ્નઃ– અવિરતસમ્યગ્દ્રષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?

સમાધાનઃ– ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઊપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ


PDF/HTML Page 2356 of 4199
single page version

(मंदाक्रान्ता)
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः
सम्यग्द्रष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म।
तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः
पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव।। १६१।।

સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી ચ્યુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦.

હવે આગળની (સમ્યગ્દ્રષ્ટિના નિઃશંકિત આદિ ચિહ્નો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [टङ्कोत्कीर्ण–स्वरस–निचित–ज्ञान–सर्वस्व–भाजः सम्यग्द्रष्टेः] ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિને [यद् इह लक्ष्माणि] જે નિઃશંક્તિ આદિ ચિહ્નો છે તે [सकलं कर्म] સમસ્ત કર્મને [ध्नन्ति] હણે છે; [तत्] માટે, [अस्मिन्] કર્મનો ઉદય વર્તતાં છતાં, [तस्य] સમ્યગ્દ્રષ્ટિને [पुनः] ફરીને [कर्मणः बन्धः] કર્મનો બંધ [मनाक् अपि] જરા પણ [नास्ति] થતો નથી, [पूर्वोपात्तं] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [तद्–अनुभवतः] તેના ઉદયને ભોગવતાં તેને [निश्चितं] નિયમથી [निर्जरा एव] તે કર્મની નિર્જરા જ થાય છે.

ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશંકિત આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬૧.

* * *
સમયસાર ગાથા ૨૨૮ઃ મથાળુ

હવે આ અર્થને ગાથા દ્વારા કહે છેઃ-

* ગાથા ૨૨૮ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી...’ જોયું? ‘સમ્યગ્દ્રષ્ટિઓ’-એમ બહુવચન વાપર્યું છે; કેમ? કારણ કે સમ્યગ્દ્રષ્ટિ જીવો અનેક છે. અલ્પ છતાં અનેક છે એમ સૂચવવા બહુવચન કહ્યું છે. અહાહા...! _________________________________________________________________

૧. નિઃશંક્તિ = સંદેહ અથવા ભય રહિત. ૨. શંકા = સંદેહ; કલ્પિત ભય.


PDF/HTML Page 2357 of 4199
single page version

તેઓ સર્વ કર્મોનાં ફળ પ્રત્યે એટલે પુણ્યનાં ફળ પ્રત્યે ને પાપનાં ફળ પ્રત્યે નિરભિલાષી છે. જેમ પાપનાં ફળ પ્રતિ નિરભિલાષી છે. તેમ પુણ્યના ફળ પ્રતિ પણ નિરભિલાષી છે. ‘સર્વ કર્મોનાં’ કહ્યાં છે ને? એટલે પાપ ને પુણ્ય બન્ને આવી ગયાં. કર્મફળ નામ ક્રિયા ને પ્રાપ્ત સામગ્રી ઇત્યાદિ પ્રત્યે સમ્યગ્દ્રષ્ટિઓ નિરભિલાષી છે, નિર્વાંછક છે.

કહે છે-‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષી હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દ્રઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે.’

જોયું? નિઃશંક હોવાથી તેઓ અત્યંત નિર્ભય છે. અહા! પરમાધામી શરીરને અગ્નિમાં નાખે અને શરીરના, પારાના જેમ ભુક્કા થઈ જાય છે તેમ, ભુક્કા થઈ જાય તોપણ ‘મને કાંઈ છે નહિ, હું તો છું તે છું, મારું જ્ઞાનસ્વરૂપ-જ્ઞાનસ્વભાવરૂપી શરીર-કોઈથી હણાય એવું નથી’-એમ સમ્યગ્દ્રષ્ટિઓ નિઃશંક ને દ્રઢ નિશ્ચયવાળા હોય છે. અહાહા...! આ શરીર તો હણાય કેમકે એ તો હણાવા યોગ્ય છે પણ હું તો અનાદિઅનંત અવિનાશી તત્ત્વ છું. આવો નિઃશંક દ્રઢ નિશ્ચય જેમને થયો છે તે સમ્યગ્દ્રષ્ટિઓ અત્યંત નિર્ભય છે-એમ કહે છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ શાશ્વત ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનું જેને ભાન થયું છે, વેદન થયું છે તે અત્યંત નિઃશંક અને નિર્ભય છે.

*

હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છેઃ- સમ્યગ્દ્રષ્ટિને નિઃશંક ને નિર્ભય કહ્યોને? તેથી હવે તેને સાત ભયનો અભાવ છે એમ કાવ્યો દ્વારા પ્રગટ કરે છેઃ-

* કળશ ૧પપઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘एषः’ આ ચિત્સ્વરૂપ લોક જ.........

જોયું? ‘एषः’–‘આ’ કહેતાં જે જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો છે તે આ ચિત્સ્વરૂપ- જ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા જ મારો લોક છે એમ જ્ઞાની જાણે છે.

અહાહા...! કહે છે-આ ચિત્સ્વરૂપ લોક જ ‘विविक्तात्मनः’ ભિન્ન આત્માનો અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો ‘शाश्वतः एकः सकल–व्यक्तः लोकः’ શાશ્વત, એક અને સકલ-વ્યક્ત (-સર્વ કાળે પ્રગટ એવો) લોક છે.

અહાહા...! મારો તો શાશ્વત, એક અને સકળ પ્રગટ-વ્યક્ત લોક છે એમ ધર્મી જાણે છે. વસ્તુ-આત્મા વ્યક્ત છે એમ કહે છે. જોકે (વ્યક્ત) પર્યાયની અપેક્ષાએ તેને અવ્યક્ત કહેવામાં આવે છે એ બીજી વાત છે. ૪૯મી ગાથામાં છ બોલ આવે


PDF/HTML Page 2358 of 4199
single page version

છે. તેમાં છ બોલથી ભગવાન આત્માને અવ્યક્ત કહ્યો છે. ત્યાં અપેક્ષા બીજી છે. અહી તો વસ્તુ તરીકે ભગવાન આત્મા વ્યક્ત છે-સકલવ્યક્ત છે-એમ કહે છે. અહાહા... કહે છે- મારો લોક શાશ્વત છે, એક અર્થાત્ એકસ્વરૂપે છે તથા સકળ-પ્રગટ છે. ‘एषः’– આખો ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આત્મા સકળ-વ્યક્ત અર્થાત્ સર્વકાળે પ્રગટ છે એમ કહે છે. જુઓ! આ ધર્મીની દ્રષ્ટિ!

ત્યાં ૪૯મી ગાથામાં અવ્યક્તના છ બોલ છે ને કે- ૧. છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞેય છે, વ્યક્ત છે અને તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત

છે. ત્યાં છ દ્રવ્યો વ્યક્ત છે તેની અપેક્ષાએ (ભિન્ન હોવાથી) અવ્યક્ત કહ્યો છે. પરંતુ
પોતાની અપેક્ષાએ વ્યક્ત-આખો પ્રગટ છે.

૨. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ ભિન્ન છે માટે અવ્યક્ત છે. ૩. ચૈતન્યસામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ગત છે માટે તે અવ્યક્ત છે. ૪. ક્ષણિક વ્યક્તિમાત્ર-પર્યાયની ક્ષણિક વ્યક્તિમાત્ર-નથી માટે ભગવાન આત્મા અવ્યક્ત

છે.

પ. વ્યક્ત અને અવ્યક્ત એક સાથે પ્રતિભાસવા છતાં ભગવાન આત્મા વ્યક્તને સ્પર્શતો

નથી. શું કહ્યું? કે વ્યક્ત નામ પર્યાય ને અવ્યક્ત નામ દ્રવ્ય-બેયનું જ્ઞાન એક સાથે
થવા છતાં વ્યક્તને દ્રવ્ય અડતું નથી માટે અવ્યક્ત છે. ઝીણી વાત ભાઈ!

૬. પોતે પોતાથી જ બાહ્યાભ્યંતર અનુભવમાં આવવા છતાં વ્યક્ત પ્રતિ તે ઉદાસ છે માટે

અવ્યક્ત છે.

અહાહા...! પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ત્યાં ૪૯ મી ગાથામાં અવ્યક્ત કહ્યો છે તેને અહીં વ્યક્ત કહ્યો છે. કોઈ દિ’ આવી વાત સાંભળી ન હોય તેને થાય કે-આ તે કેવો ઉપદેશ ને કેવી વાત! ઘડીકમાં અવ્યક્ત ને ઘડીકમાં વ્યક્ત કહો તે કેવી વાત! અરે ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.

પ્રશ્નઃ– તો શું તે આખો પ્રગટ છે? સમાધાનઃ– હા; તે આખો પ્રગટ છે. વસ્તુ છે ને? ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાન ને આનંદનું ધામ-ગોદામ ત્રિકાળ એક વસ્તુ છે. એમાં એક એક એમ અનંત શક્તિઓ છે, અને એક એક શક્તિનું-ગુણનું અપરિમિત અનંત અનંત સામર્થ્ય છે. આવો વજ્રમય ભગવાન આત્મા એકરૂપ ધ્રુવ કોઈ દિ’ હલે નહિ-પરિણમે નહિ એવો એક, શાશ્વત એને સકળ-વ્યક્ત અહીં કહ્યો છે. જ્ઞાનમાં પ્રત્યક્ષ વ્યક્ત છે ને? તેથી અહીં સકળ-વ્યક્ત કહ્યો છે. ત્યાં ૪૯ મી ગાથામાં અવ્યક્ત કહ્યો છે તે બીજી અપેક્ષાએ છે. ભાઈ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ જાણવી જોઈએ.


PDF/HTML Page 2359 of 4199
single page version

હવે કહે છે-‘यत्’ કારણ કે ‘केवलं चित्लोकं’ માત્ર ચિત્સ્વરૂપ લોકને ‘अयं स्वयमेव एककः लोकयति’ આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે-અનુભવે છે.

આ ચિત્સ્વરૂપ આત્માને આ આત્મા (જ્ઞાની પુરુષ) સ્વયમેવ એટલે કે કોઈ પરની અપેક્ષા વિના એકલો અનુભવે છે એમ કહે છે. એકલો અનુભવે છે એટલે કે એને વ્યવહારરત્નત્રયની પણ અપેક્ષા નથી; પોતે પોતાથી જ અનુભવે છે-એમ વાત છે. સમજાણું કાંઈ...?

અહાહા...! આ ચિત્સ્વરૂપ લોક જ તારો (-પોતાનો) છે એમ અનુભવે છે. ‘तद्–अपरः’ તેનાથી બીજો કોઈ લોક-‘अयं लोकः अपरः’ આ લોક કે પરલોક ‘तव न’ તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે. શું કહ્યું? કે જ્ઞાની પોતાના શુદ્ધ ચિત્સ્વરૂપ લોકને-ત્રિકાળી ભગવાન આત્માને છોડીને આ લોક કે પરલોકસંબંધી જે વિચાર (ચિંતા) થાય તે પોતાનું સ્વરૂપ નથી એમ જાણે છે. તેથી-

‘तस्य तद्–भीः कुतः अस्ति’ જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય કયાંથી હોય? ન હોય. ‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’ તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને (પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે; અર્થાત્ સહજ શુદ્ધ આત્મસ્વભાવને જ નિરંતર અનુભવે છે.

* કળશ ૧પપઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?-એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે.’

‘શું કહ્યું? કે મરણ થતાં સુધી આ બધી સગવડતાઓ રહેશે કે નહિ એવો ભય અજ્ઞાનીને રહ્યા કરે છે. આ શરીરની નીરોગતા, શરીર ને કુટુંબને ટકાવનારી અનેક પ્રકારની બાહ્ય સામગ્રી જીવન પર્યંત સરખી રહેશે કે નહિ એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. અહા! બિમારી આવી જશે તો? કુટુંબનો વિયોગ થઈ જશે તો? ધનાદિ સંપત્તિ ચાલી જશે તો? આવી અનેક પ્રકારે ચિંતા થવી તે આ લોકનો ભય છે; અને તે જ્ઞાનીને હોતો નથી એમ કહે છે. અહાહા...! હું તો જ્ઞાનાનંદસ્વભાવી નિત્ય ચિદાનંદ ચૈતન્યધાતુમય આત્મા છું અને એ જ મારો લોક છે, આ સિવાય બીજો લોક મારે કયાં છે?-એમ જ્ઞાની જાણે છે. તેથી જ્ઞાનીને આ લોકનો ભય નથી.

‘પરભવમાં મારું શું થશે?-એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે.’ અરે હું મરીને કયાં જઈશ અને મારું શું થશે?-એમ અજ્ઞાની સાશંક રહે છે. તેથી અજ્ઞાની પરલોક સંબંધી ભયભીત અને ચિંતાગ્રસ્ત રહે છે. જ્યારે જ્ઞાની તો જાણે છે કે-‘આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે.’

હા, પણ કોઈ અજ્ઞાનીઓ તો પરલોકને માનતા જ નથી?


PDF/HTML Page 2360 of 4199
single page version

પરલોકને ન માને તેથી શું? પોતે અનાદિઅનંત વસ્તુ આત્મા છે કે નહિ? અને છે તો દેહથી છૂટીને કયાંક જાય છે કે નહિ? અરે! પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાની ચારગતિમાં પરલોકમાં અનાદિથી રખડે છે.

અહા! જ્ઞાની જાણે છે કે આ સદા ચિત્સ્વરૂપ મારો આત્મા જ મારો એક, નિત્ય- શાશ્વત લોક છે જે સર્વકાળે પ્રગટ છે. આવા સ્વરૂપનો સમકિતીને પર્યાયમાં નિર્ણય અનુભવ હોય છે. હવે કહે છે-

‘આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડયો બગડતો નથી.’

ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપી લોક છે. ‘लोक्यन्ते इति लोकः’ જેમાં ચૈતન્ય જણાય તે (આત્મા) લોક છે. ‘लोक्यन्ते इति लोकः’ं જેમાં વસ્તુ (દ્રવ્યસમૂહ) જણાય તે લોક છે. આત્માને ચૈતન્યલોક કેમ કહ્યો? કેમકે તેમાં ચેતન-અચેતન જણાય એવો તેનો સ્વભાવ છે. માટે જેમાં મારું ચૈતન્યસ્વરૂપ જણાય તે ચિત્સ્વરૂપ આત્મા મારો લોક છે. આ સિવાય બીજો કોઈ મારો લોક નથી.

પોતાની બહાર કાંઈ પણ પોતાનું નથી? ના, પોતાની બહાર કાંઈ પણ પોતાનું નથી. નાશવાન્ પોતાની પર્યાય જ્યાં ત્રિકાળી શુદ્ધ આત્મામાં નથી ત્યાં અન્યદ્રવ્યની શું વાત! અહાહા...! એક જ્ઞાયકભાવ નિત્યાનંદ અવિનાશિક પ્રભુ આત્મા જે ‘लोक्यन्ते’ મારામાં જણાય છે તે જ મારો લોક છે અને તે ત્રિકાળ એકરૂપ છે, કોઈથી બગાડયો બગડતો નથી. આવા ત્રિકાળ એકરૂપ શુદ્ધ ચિત્સ્વરૂપ લોક સિવાય જગતમાં બીજો કોઈ મારો લોક નથી.

હવે કહે છે-‘આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય કયાંથી હોય? કદી ન હોય.’

અહાહા...! આ લોક ને પરલોક સંબંધી સામગ્રી અર્થાત્ જગત્ના પદાર્થો બધા કાલાગ્નિનાં ઇંધન છે. લાકડાં જેમ અગ્નિમાં બળી જાય તેમ તેઓ કાલાગ્નિમાં બળી જવા યોગ્ય છે, જ્યારે પોતે જ એક ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છે. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય કયાંથી હોય? અજ્ઞાનીને આ લોક ને પરલોકનો ભય છે કેમકે તે જ્યાં પડાવ નાખે છે ત્યાં એ બધું મારું છે એમ માની બેસે છે. અહા! ત્રિકાળી આનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ પોતાનો છે ત્યાં પડાવ કરતો નથી અને જ્યાં જ્યાં (ચાર ગતિમાં) પડાવ કરે છે ત્યાં બધું મારું છે એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ! બહારના ભભકા-આ શેઠપદ, રાજપદ ને દેવપદના ભભકા-બધા નાશવાન છે.

અહાહા...! આ લોકની સામગ્રી ને પરલોકની સામગ્રી મારા ચૈતન્યલોકમાં-