Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 119 of 210

 

PDF/HTML Page 2361 of 4199
single page version

આત્મામાં કયાં છે? મારો તો અનંતગુણસમાજસ્વરૂપ સદા એકરૂપ ચૈતન્યરૂપ પ્રભુ આત્મા જ છે. અહા! આવું જાણતા-અનુભવતા જ્ઞાનીને આ લોકનો ને પરલોકનો ભય કેમ હોય? કદી ન હોય. ‘તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે.’ અહાહા...! હું જ્ઞાનરૂપ જ છું એમ તે અનુભવે છે અને આનું નામ ધર્મ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદરસનો રસિયો ધર્મી હું એક જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા જ છું એમ નિરંતર અનુભવે છે અને તેથી તેને આ લોક કે પરલોક સંબંધી કોઈ ભય હોતો નથી. સમજાણું કાંઈ...?

*
હવે વેદનાભયનું કાવ્ય કહે છેઃ-
* કળશ ૧પ૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *
‘निर्भेद–उदित–वेद्य–वेदक–बलात्’–અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી

(અર્થાત્ વેદ્ય અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી)...........

જુઓ, ૨૧૬ ગાથામાં જે વેદ્ય-વેદક આવ્યું હતું તે બીજું છે (અને આ બીજું છે). ત્યાં (ગાથા ૨૧૬માં) વર્તમાન જે ઇચ્છા થાય કે ‘હું આ પદાર્થને ભોગવું’ તે ઇચ્છાને વેદ્ય કહ્યું. હવે તે ઇચ્છા ટાણે તે વસ્તુ-ભોગવવાની વસ્તુ હોતી નથી અને તે વસ્તુ જ્યારે આવે-ભોગવવાનો કાળ આવે ત્યારે-પેલી ઇચ્છા રહેતી નથી. શું કહ્યું? કે ઇચ્છાના કાળે-વેદ્યકાળે કાંક્ષમાણ જે વસ્તુ તે છે નહિ, અને તે વસ્તુ જ્યારે આવે ત્યારે ભોગવવાના કાળે-વેદકકાળે ઓલો વેદ્યભાવ હોતો નથી. વેદ્ય ને વેદકનો એક કાળ હોતો નથી કેમકે બેય વિભાવ છે. તો આવા વિભાવની કાંક્ષા અને તેનું વેદન જ્ઞાની કેમ કરે? ન કરે. જ્ઞાનીને તો પોતામાં અભેદ વેદ્ય-વેદક હોય છે. અહા! છે ને અંદર? કે અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી...’ અહાહા...! વેદનારો હું અને વેદવાયોગ્ય પણ હું; વેદ્ય-વેદક બન્ને અભિન્ન. આનંદનું (વેદવાયોગ્ય) વેદન હું ને આનંદની ભાવનાવાળોય હું; લ્યો, આવી વાત! બિચારા વ્યવહારવાળાને આ આકરું પડે છે, પણ શું થાય? મારગ જ આ છે.

એને એમ કે બહારમાં આપ કાંઈક કરવાનું કહો તો? સમાધાનઃ– પણ ભાઈ! શું કરવું છે તારે? બહારનું શું તું કરી શકે છે? રાગ- વિકલ્પનો પણ જે કર્તા થાય છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે. અહાહા...! અનંતગુણનો પવિત્ર પિંડ પ્રભુ આત્મા પરમાત્મા છે. શું તેનામાં કોઈ વિકાર કરવાનો ગુણ છે કે તે વિકારને કરે? અરે ભાઈ! રાગને કરવો ને તેને વેદવો તે એના સ્વરૂપમાં છે જ નહિ. માટે ધર્મીને તો નિત્ય આનંદની ભાવના ને આનંદનું જ વેદન હોય છે, સમજાણું કાંઈ...?


PDF/HTML Page 2362 of 4199
single page version

ત્યારે વળી તે કહે છે-પણ એનું કાંઈ સાધન તો હશે ને? સમાધાનઃ– હા, સાધન છે; રાગથી ભિન્ન પડીને અંદર નિરાકુળ આનંદનો અનુભવ કર્યો તે સાધન છે. ‘પ્રજ્ઞાછીણી’ સાધન છે. ‘પ્રજ્ઞાછીણી’ એ શબ્દ છે. (તેનું વાચ્ય આ છે કે) રાગથી ભિન્ન પડીને આત્માને અનુભવવો એનું નામ પ્રજ્ઞાછીણી છે, અને એ જ સાધન છે. પણ એ સિવાય બીજા કોઈ ક્રિયાકાંડ સાધન નથી.

અહીં કહે છે-‘અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી...’ ભાષા જુઓ! કે ભેદરહિત અભેદ વેદ્ય-વેદક જ્ઞાનીને હોય છે એમ કહે છે. ૨૧૬ ગાથામાં જે વેદ્ય-વેદક કહ્યું એ તો વિભાવનું વેધ-વેદક હતું. વિભાવનું વેદ્ય-વેદક જ્ઞાનીને નથી. જ્ઞાનીને તો ભગવાન આત્માનો આનંદ વેદવાને લાયક અને પોતે આનંદનું વેદન કરનારો-એમ અભેદ વેદ્ય-વેદક છે. ‘उदित’ એટલે આનંદની જે પ્રગટ દશા તેને પોતે જ વેદે છે, વેદવાલાયક પોતે ને વેદનારો પણ પોતે જ છે. એક સમયની પર્યાયમાં જ્ઞાનીનું વેદ્ય- વેદક છે, આવી વાત છે.

પ્રશ્નઃ– દ્રવ્ય વેદક ને પર્યાય વેદ્ય એમ છે કે નહિ? સમાધાનઃ– ના, એમ નથી. પર્યાયમાં જ વેદ્ય-વેદક છે. વેદાવાની લાયકાત (વેદાવાયોગ્ય) જ્ઞાન-આનંદની પર્યાય છે ને વેદનાર પણ તે પર્યાય જ છે. દ્રવ્ય તો દ્રવ્ય છે; દ્રવ્યને કયાં વેદવું છે? ને દ્રવ્યને કયાં વેદાવું છે? પ્રવચનસારની ૧૭૨ મી ગાથાના અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં કહ્યું છે કે-પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્યદ્રવ્ય-ભગવાન આત્મા-તેને આત્મા વેદતો નથી; આત્મા તો પોતાની જે શુદ્ધ પર્યાય છે તેને વેદે છે. માટે શુદ્ધ પર્યાય છે તે આત્મા છે એમ ત્યાં કહ્યું છે. ભલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર છે પણ વેદન તો પર્યાયમાં છે. આત્મા વેદે છે એટલે કે પર્યાય વેદે છે-એમ અર્થ છે. આત્મા દ્રવ્યને વેદે છે કયાં? આત્મા (-પર્યાય) દ્રવ્ય-સામાન્યને તો અડતોય નથી. ભાઈ! જે વેદન છે એ તો પર્યાયનું વેદન છે.

ત્યાં (પ્રવચનસાર ગાથા ૧૭૨ માં) અઢારમાં બોલમાં એમ કહ્યું કે- અર્થાવબોધરૂપ એવો જે વિશેષ ગુણ તેને આત્મા અડતો નથી અર્થાત્ ભેદને અડતો નથી. અને અર્થાવબોધરૂપ વિશેષ-પર્યાયને પણ આત્મા અડતો નથી. (૧૯ મો બોલ). બાપુ! એની રમતુ બધી દ્રવ્ય ને પર્યાય વચ્ચે છે, બહારમાં કાંઈ નથી. વીસમા બોલમાં કહ્યું કે -પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય તેને અડતો નથી એવો શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલે કે શુદ્ધ પર્યાયનું જે વેદન થયું તે હું છું, કેમકે મારા વેદનમાં પર્યાય આવી છે; વેદનમાં દ્રવ્ય આવતું નથી. આ મારગ બાપુ! બહુ જુદો છે ભાઈ! લોકોને


PDF/HTML Page 2363 of 4199
single page version

તે મળ્‌યો નથી એટલે વિરોધ લઈને બેસી જાય છે પણ નયવિવક્ષા સમજે તો સર્વ વિરોધ મટી જાય.

આત્મા (-પર્યાય) શુદ્ધ પર્યાયને વેદે છે. દ્રવ્ય-ગુણને શું વેદે? કેમકે દ્રવ્ય-ગુણ તો સામાન્ય, ધ્રુવ અક્રિય છે. તેથી તો કહ્યું કે જે સામાન્યને સ્પર્શતો નથી એવો શુદ્ધપર્યાય તે આત્મા છે. અહીં તો જે વેદનમાં આવ્યો તે (શુદ્ધપર્યાય) મારો આત્મા છે એમ કહે છે. ઝીણી વાત બાપુ! એના જન્મ-મરણના અંતના મારગ બહુ જુદા છે ભાઈ! અહા! તું કોણ છો ને કેવો છો ભાઈ? તું જેવો છો તેવો તેં તને જાણ્યો નથી અને બહારની બધી માંડી છે, પણ એથી શું?

સમકિતીની અભેદ એક ચૈતન્યરૂપ આત્મા ઉપર દ્રષ્ટિ હોવાથી તેની પર્યાયમાં અભેદપણે વેદ્ય-વેદક વર્તે છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે તેને જે નિર્મળ નિરાકુળ આનંદની દશા પ્રગટી તેને વેદનારો ય (પર્યાય) પોતે ને વેદનમાં આવનારી પર્યાય પણ પોતે; આવું ઝીણું, અહીં કહે છે-વેદ્ય-વેદક અભેદ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી... , એટલે શું? કે જે વ્યવહારરત્નત્રયના વિકલ્પ છે એના બળથી નહિ પણ અભેદપણે વર્તતા વેદ્ય-વેદકના બળથી સમકિતીને એક જ્ઞાન જ અનુભવમાં આવે છે.

ત્યારે કોઈ કહે છે-વ્યવહારધર્મનો આપ લોપ કરો છો. તેને કહીએ છીએ-વાત સાચી છે, બાપા! એ તારી વાત સાચી છે, કેમકે વસ્તુમાં વ્યવહાર છે કયાં? અહા! (વસ્તુમાં) બધા પરાશ્રયી વ્યવહારનો નિષેધ છે. અહીં તો એમ કહેવું છે કે-જે વ્યવહારનો વિકલ્પ છે તે વેદ્ય-વેદકમાં આવતો નથી અને તેને (- વ્યવહારને) લઈને વેદ્ય-વેદકનો અનુભવ છે એમ નથી. અહા! નિર્મળાનંદનો નાથ અભેદ એક સચ્ચિદાનંદ પ્રભુ આત્મામાં દ્રષ્ટિ અભેદ થતાં પર્યાયમાં નિર્મળ આનંદની દશા પ્રગટ થાય છે અને તેને વેદ્ય-વેદકપણે વેદે છે એનું નામ ધર્મ છે. (વ્યવહારધર્મ તો વેદ્ય-વેદકથી કયાંય ભિન્ન રહી જાય છે). આવી વાત છે!

ત્યારે તે કહે છે-આ તો નિશ્ચય-નિશ્ચય-નિશ્ચય છે? હા ભાઈ! નિશ્ચય છે; અને નિશ્ચય એટલે જ સત્ય. ભાઈ! તું નિશ્ચય કહીને તેની ઠેકડી ન કર પ્રભુ! નિશ્ચયથી દૂર તારી એકાંત માન્યતા તને હેરાન કરશે ભાઈ! એનું ફળ બહુ આકરું આવશે બાપા! આત્માની તો આ રીત છે ભાઈ! કે આત્માનો જે અભેદપણે અનુભવ છે તે આત્મા છે. માટે એમાં વ્યવહારથી થાય એમ રહેવા દે પ્રભુ! વ્યવહાર હો ભલે, પણ એનાથી આત્માનુભવ થાય એ વાત જવા દે ભાઈ! આ તારા હિતની વાત છે પ્રભુ!

પણ વ્યવહાર સાધન કહ્યું છે ને?


PDF/HTML Page 2364 of 4199
single page version

સમાધાનઃ– ધૂળેય સાધન નથી સાંભળને. એ તો અંતરમાં પોતે સ્વરૂપનું સાધન પ્રગટ કર્યું છે તો જે રાગ છે તેને આરોપ આપીને સાધન કહેવામાં આવે છે. તે કાંઈ ખરેખરું સાધન છે એમ નથી. જુઓ, સમ્યક્ત્વીને વ્યવહાર સમ્યક્ત્વમાં નિશ્ચય સમ્યક્ત્વ ગર્ભિત છે, નિરંતર ગમનરૂપ (પરિણમનરૂપ) છે. (જુઓ રહસ્યપૂર્ણ ચિટ્ઠી). પણ એ વ્યવહાર સમકિત શું છે? એ તો રાગ છે, ચારિત્રગુણની ઉલટી પર્યાય છે. છતાં તેને વ્યવહાર સમકિત કહેવું એ તો બાપા! આરોપથી કથન કરવાની શૈલી છે. તેમ જે સત્યાર્થ સાધન નથી તેને સાધન કહેવું તે આરોપ દઈને કથન કરવાની શૈલી છે. હવે આટલે પહોંચે નહિ, યથાર્થ સમજે નહિ એટલે લોકો બહારથી વિવાદ ઊભા કરે છે. પણ શું થાય ભાઈ? અહા! આવાં ટાણાં આવ્યાં ને યથાર્થ સમજણ ન કરે તો કયારે કરીશ ભાઈ? કયાં જઇશ પ્રભુ! તું? જવાનું તો વસ્તુમાં પોતામાં છે. ત્યાં જા ને નાથ! રાગમાં ને બહારમાં જવાથી તને શું લાભ છે?

ભાઈ! તું અનંતકાળથી આકુળતાની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. અહા! આ શુભભાવ એ પણ આકુળતા છે, દુઃખ છે હોં. હવે તે દુઃખ આત્માના આનંદનું કારણ કેમ થાય? પણ વ્રતાદિને મોક્ષમાર્ગ કહ્યો છે ને? ભાઈ! એ તો જેને અંતરમાં નિર્મળરત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે તેને જે વ્રતાદિનો રાગ છે તેને વ્યવહારથી મોક્ષમાર્ગ (વ્યવહાર મોક્ષમાર્ગ) કહ્યો છે. પણ એ તો આરોપ દઈને ઉપચાર વડે કથન કરવાની શૈલી છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત-પ્રવર શ્રી ટોડરમલજીએ આનો સ્પષ્ટ ખુલાસો કર્યો છે ને નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આ લક્ષણ જાણવું એમ ત્યાં (સાતમા અધિકારમાં) કહ્યું છે. અહા! ટોડરમલજીએ પણ કામ કર્યું છે ને! કોઈ અજ્ઞાનીઓ પંડિતાઈના મદમાં આવીને તેમને માનતા નથી અને આવી શુદ્ધ અધ્યાત્મની વાત કરનારાઓની ઠેકડી ઉડાડે છે, પણ ભાઈ! એથી તને કાંઈ લાભ નથી બાપા!

અહીં કહે છે-‘વસ્તુસ્થિતિના બળથી’... , એ શું કહ્યું સમજાણું? કે આનંદસ્વરૂપ ભગવાન આત્માની પર્યાયમાં આનંદનું થવું એટલે કે આનંદની ભાવના અને આનંદનું વેદન-બધું એક સાથે એક સમયમાં ભેગું છે. આ વસ્તુસ્થિતિ છે. આ તો અમૃતચંદ્રાચાર્ય બાપા! એક શબ્દ, એક પદ લો તો તેમાં કેટકેટલું ભર્યું છે? ઓહો! ભગવાન કુંદકુંદાચાર્યે પંચમ આરામાં તીર્થંકર જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રદેવે પંચમ આરામાં ગણધર જેવું કામ કર્યું છે. અહા! વસ્તુને સૂર્યની જેમ આમ સ્પષ્ટ દેખાય એ રીતે મૂકી છે, બાપુ! તું આવો શુદ્ધ જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી છે ને નાથ! તું દેખનારને દેખ ને! અહા! દેખાય છે જે બીજી ચીજ એ તો તારામાં આવતી નથી. દેખનારો જેને દેખે છે તે ચીજ તો દેખવાની પર્યાયમાં આવતી નથી. પણ જ્યારે પર્યાય દેખનારને દેખે છે ત્યારે પર્યાયમાં દેખનારનાં જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થાય છે, ત્યારે અભેદ વેદ્ય-વેદકપણું પ્રગટ થાય છે અને તે ધર્મ છે. લ્યો, આવી વાત!


PDF/HTML Page 2365 of 4199
single page version

શું કહે છે? કે અભેદસ્વરૂપ વર્તતા વેદ્ય-વેદકના બળથી ‘यत् एकं अचलं ज्ञानं स्वयं अनाकुलैः सदा वेद्यते’ એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (- જ્ઞાનીઓ વડે) સદા વેદાય છે ‘एषा एका एव हि वेदना’ તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે.

જુઓ, એક અચળ જ્ઞાન જ સદા વેદાય છે-એમ કહ્યું ને! ત્યાં અચળ તો ત્રિકાળી છે. (તે કાંઈ વેદાતું નથી. પણ અચળ જ્ઞાન ઉપર દ્રષ્ટિ છે ને? માટે અચળ વેદાય છે એમ કહ્યું છે; બાકી વેદાય છે એ તો પર્યાય છે. આ તો મંત્રો બાપા! મોહનિદ્રામાંથી જગાડનારા આ મહા મંત્રો છે. જાગ રે જાગ ભાઈ! આવાં ટાણાં આવ્યાં ત્યારે સૂવું ન પાલવે નાથ! અહા! ભગવાન છો ને પ્રભુ! તું? આ બહારની- રાગની ને સંયોગની-ધૂળની-મહિમામાં તું ભીંસાઈ ગયો ને પ્રભુ! ત્યાંથી હઠી જા, ને આ અચળ એક જ્ઞાન જ તારું સ્વરૂપ છે તેનો અભેદપણે અનુભવ કર.

અહીં કહે છે-‘એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે...’ જોયું? જ્ઞાન ને આનંદ-બેય નાખ્યા. ‘એક અચળ જ્ઞાન જ’ અર્થાત્ રાગ નહિ, પુણ્ય નહિ ને વિકલ્પ પણ નહિ પણ એક જ્ઞાન જ વેદાય છે. વળી ‘સ્વયં નિરાકુળ પુરુષો વડે’ એટલે કે જેમણે રાગના અભાવપૂર્વક નિરાકુળ આનંદનો અનુભવ કર્યો છે તેવા પુરુષો વડે જ્ઞાન ને આનંદ જ વેદાય છે. ભગવાન આત્મા અચળ એક જ્ઞાનાનંદનું ધ્રુવ બિંબ પ્રભુ છે. એનો જેને આશ્રય વર્તે છે તે જ્ઞાનીઓ નિરાકુળ પુરુષો છે અને તેઓ વડે એક જ્ઞાન જ સદા વેદાય છે અર્થાત્ તેઓને આત્માનાં એક જ્ઞાન ને આનંદનું જ વેદન હોય છે.

‘एषा एका एव वेदना’ તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે. ‘एषा’–એમ કહ્યું ને? એટલે આ પ્રત્યક્ષ જે આત્માના નિરાકુળ આનંદનું વેદન છે તે એક જ વેદન જ્ઞાનીઓને છે, પણ રાગનું વેદન છે એમ નહિ. અહા! મારગ બાપુ! વીતરાગનો બહુ ઝીણો છે. બહારની પ્રવૃત્તિથી મળી જાય એવો આ મારગ નથી, બહારની પ્રવૃત્તિ તો વિભાવ છે અને તે તેના (-જીવના) સ્વભાવમાં નથી; પછી એનાથી સ્વભાવની પ્રાપ્તિ કેમ થાય? અહા! આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ છે, પણ તેમાં એકેય ગુણ એવો નથી જે વિકારને કરે. પર્યાયમાં યોગ્યતાને લઈને વિકાર ભલે થાય, પણ આત્માનો ગુણ- સ્વભાવ એવો નથી કે વિકારને કરે ને વિકારને વેદે. તેથી અભેદપણે વર્તતા વેદ્ય-વેદકના બળથી જ્ઞાનીને એક જ્ઞાન જ વેદાય છે. આવી વાત છે.

અહા! પર્યાય તરીકે આખો આત્મા પર્યાયમાં વેદાય છે, અને આ એક જ વેદના જ્ઞાનીને છે. મતલબ કે આ સાતા કે અસાતાનું વેદન જ્ઞાનીને નથી એમ કહે છે. પોતે જ્ઞાન જ વેદાવાયોગ્ય અને પોતે જ્ઞાન જ વેદનાર એમ કહે છે. આ બધી પર્યાયની વાત છે હોં. પર્યાયમાં પર્યાયના ષટ્કારક છે ને! દ્રવ્ય-ગુણમાં જેમ ધ્રુવ ષટ્કારક છે


PDF/HTML Page 2366 of 4199
single page version

તેમ પર્યાયમાં કર્તા, કર્મ, કારણ આદિ એક સમયમાં છયે કારકો છે. અહા! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે બાપા! જેને તે (સ્વાનુભવમાં) પ્રાપ્ત થયું તેને ભવ રહે નહિ.

‘ज्ञानिनः अन्या आगत–वेदना एव हि न एव भवेत्’ જ્ઞાનીને બીજી કોઈ આવેલી (-પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી.

શું કીધું એ? કે જ્ઞાનીને રાગનું વેદન હોતું નથી. કેમકે રાગ છે એ તો બહારનો આગંતુક ભાવ છે; મૂળ ભાવ નથી, પણ મહેમાનની જેમ આવેલો ભાવ છે. ‘आगत– वेदना’ કીધી છે ને? જ્ઞાનીને બીજી કોઈ આવેલી-પુદ્ગલોથી થયેલી-વેદના હોતી જ નથી. અહા! શું કળશ! ને શું ભાવ!

પ્રશ્નઃ– તો શું જ્ઞાનીને બહારના વેદનની પીડા ન હોય? ઉત્તરઃ– ના, ન હોય. જ્ઞાનીને બીજું વેદન કેવું? અહીં તો એક મુખ્ય લેવું છે ને? તો કહ્યું કે જ્ઞાનીને બીજી બહારની આવેલી વેદના નથી. એ તો સ્વભાવની દ્રષ્ટિમાં જે રાગનું વેદન છે તેને ગૌણ કરીને કહ્યું છે. બાકી દ્રષ્ટિની સાથે જે જ્ઞાન વિકસ્યું છે તે જેટલો રાગ છે તેટલું તેનું વેદન છે એમ યથાર્થ જાણે છે. પણ સ્વભાવની દ્રષ્ટિમાં તે ગૌણ છે. તો કહ્યું કે જ્ઞાનીને આગંતુક વેદના-બહારથી આવેલી રાગાદિની વેદના-હોતી નથી; એક જ્ઞાનની-નિરાકુલ આનંદની જ વેદના તેને છે.

જ્ઞાનીને જે અસ્થિરતાનો રાગ આવે તેનો તે જ્ઞાતા જ છે; તેનો તે કરનારો કે વેદનારો નથી. ઝીણી વાત છે પ્રભુ! અહાહા...! ‘હું આનંદ જ છું’ એમ જ્ઞાની જાણે છે અને જે વિકલ્પ આવે તેનો પણ જાણનાર જ છે. જુઓ, શત્રુંજય પર ધર્મરાજા, ભીમ, અર્જુન, સહદેવ ને નકુળ અંતર આનંદમાં ઝૂલે છે. ત્યારે તેમને શરીર ઉપર લોઢાનાં ધગધગતાં મુગટ આદિ આભૂષણ પહેરાવ્યાં. અહા! એવા કાળે ભગવાનની હયાતી હતી તેવા કાળે-શત્રુંજય જેવા તીર્થ પર મુનિદશામાં ઝૂલતા મુનિવરો ઉપર આવો ઉપસર્ગ કરનારા નીકળ્‌યા! છતાં મુનિવરો તો અંદર આનંદની રમતુમાં હતા; તેમને અસાતાનું-ખેદનું વેદન ન હતું. ત્યાં સહદેવ ને નકુળને વિકલ્પ આવ્યો કે- અરે! મહામુનિવરોને કેમ હશે? આ તો અસ્થિરતાનો વિકલ્પ આવ્યો પણ તેના તે જાણનાર જ હતા, બાકી વેદન તો અંતરમાં નિર્મળ જ્ઞાનાનંદનું જ હતું. લ્યો, આવી વાત!

અહીં કહે છે-જ્ઞાનીને બીજી કોઈ આવેલી-આગંતુક વિભાવની-વેદના હોતી નથી, તેથી ‘तद्–भीः कुतः’ તેને વેદનાનો ભય કયાંથી હોય? ‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’ તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. જુઓ, અહીં રાગનું વેદન ગણ્યું નથી. જોકે તેને કિંચિત્ રાગનું વેદન છે પણ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની મુખ્યતામાં રાગનું વેદન


PDF/HTML Page 2367 of 4199
single page version

આગંતુક ગણીને તેને છે નહિ એમ કહ્યું છે. અહા! જ્ઞાનીને કોઈ બહારની વેદનાનો ભય નથી કેમકે તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો એક સ્વાભાવિક જ્ઞાનને જ સદા અનુભવે છે.

* કળશ ૧પ૬ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સુખ-દુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે.’

જુઓ, શું કહ્યું? કે ધર્મીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ, એક નિજ આનંદસ્વરૂપનો જ ભોગવટો છે. વ્યવહારરત્નત્રયના રાગનો પણ તેને ભોગવટો નથી એમ કહે છે; કેમકે એ તો તેનો (વ્યવહારરત્નત્રયનો) જ્ઞાતા જ છે. એ તો બારમી ગાથામાં આવ્યું ને કે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર હોય છે તેને જ્ઞાની જાણે જ છે બસ એટલું, પણ વેદતો નથી. અહીં તો મુખ્યનું જોર છે ને? જ્ઞાનીને સ્વભાવ મુખ્ય છે અને સ્વભાવની મુખ્યતામાં રાગની વેદનાને ગૌણ કરીને રાગને તે વેદતો નથી એમ કહેવામાં આવ્યું છે.

જુઓ, શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હાલ નરકમાં છે. જેટલો કષાયભાવ છે તેટલું ત્યાં દુઃખનું વેદન છે. પરંતુ તે કષાયભાવ વસ્તુમાં-આત્મામાં નથી ને તેની નિર્મળ પર્યાયમાં પણ નથી. જેને તે વેદે છે તે પર્યાયમાં કષાયભાવ કયાં છે? નથી. માટે જ્ઞાનીને તો એક જ્ઞાનસ્વરૂપનો જ ભોગવટો છે. આવો મારગ છે.

વિશેષ કહે છે કે-જ્ઞાની ‘પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી.’ જુઓ, નિર્જરા અધિકારની ૧૯૪ મી ગાથામાં આવ્યું કે-વેદના શાતા-અશાતાને ઓળંગતી નથી. જ્ઞાનીને પણ જરી વેદન આવી જાય છે, પણ તે નિર્જરી જાય છે. મુનિને પણ જેટલો વિકલ્પ છે તેટલો રાગ છે પણ તેને અહીં ગણ્યો નથી અને કહ્યું કે-પુદ્ગલથી થયેલી વેદનાને જ્ઞાની વેદના જ જાણતો નથી.

જ્ઞાનની પ્રધાનતાથી વાત હોય ત્યારે જ્ઞાનીને જે રાગનું પરિણમન છે તેનો તે કર્તા છે ને તેને તેનું વેદન પણ છે એમ કહેવાય છે. એ તો તે રાગ પરને લઈને ને પરમાં નથી પણ પોતાની કમજોરીને લઈને પોતામાં છે એમ જ્ઞાની જાણે છે. અહા! કમજોરી છે ને? તો કમજોરી છે એમ જ્ઞાની જાણે છે. પરંતુ દ્રષ્ટિ ને દ્રષ્ટિના વિષયમાં કય ાં કમજોરી છે? કમજોરી દ્રષ્ટિનો વિષય નથી. પર્યાય જ્યાં દ્રષ્ટિનો વિષય જ નથી ત્યાં કમજોરી દ્રષ્ટિના વિષયમાં કયાંથી આવે? તેથી દ્રષ્ટિની મુખ્યતામાં કમજોરીને ગણી જ નથી, અન્ય વેદના ગણી જ નથી.

તેથી કહે છે કે-‘માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો


PDF/HTML Page 2368 of 4199
single page version

જ્ઞાનને અનુભવે છે.’ અહાહા...! સ્વરૂપમાં નિઃશંકપણે વર્તતા જ્ઞાનીને બહારની કોઈ વેદનાનો ભય નથી.

*

હવે અરક્ષાભયનું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧પ૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘यत् सत् तत् नाशं न उपैति इति वस्तुस्थितिः नियतं व्यक्ता’ જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે.’

અહા! જે છે તે નાશ શી રીતે પામે? ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ છે. સત્ નામ શાશ્વત છે તે નાશ શી રીતે પામે? જે છે તેનો નાશ કોઈ દિ’ થાય નહિ એવી નિયત વસ્તુસ્થિતિ છે. વસ્તુની આ નિયત મર્યાદા છે કે જે છે તે કદી નાશ પામતું નથી.

‘तत् ज्ञानं किल स्वयमेव सत्’–આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સત્સ્વરૂપ વસ્તુ) છે (માટે નાશ પામતું નથી).

‘આ જ્ઞાન’ શબ્દે ભગવાન આત્મા સ્વયમેવ સત્-સત્સ્વરૂપ વસ્તુ છે. સ્વયમેવ સત્ નામ પોતે પોતાથી જ સત્ છે, કોઈ ઇશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નહિ અને એ કદી નાશ પામી જશે એમેય નહિ. અહાહા...! આત્મા સ્વયમેવ અનાદિ અનંત અવિનાશિક અકૃત્રિમ વસ્તુ ત્રિકાળ સત્ છે.

‘तत अपरैः अस्य त्रातं किम्’–તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? અહાહા...! જે છે... છે... છે... , છેપણું જેનું સ્વયં સ્વરૂપ છે તેનું પર વડે રક્ષણ શું? જે પોતાથી જ છે તેનું પર વડે રક્ષણ કેવું? ‘अतः अस्य किञ्चन अत्राणं न भवेत्’ આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરાપણ અરક્ષણ થઈ શકતું નથી.

શું કહ્યું? કે ભગવાન આત્મા ત્રિકાળી સત્ પ્રભુ પોતે પોતાથી જ સુરક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. વસ્તુ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતે પોતાથી જ સત્ શાશ્વત પદાર્થ છે. તેનું કોઈ રક્ષણ કરે તો તે રહે એમ તો છે નહિ. એ તો સ્વભાવથી જ શાશ્વત સદા સુરક્ષિત વસ્તુ છે. તેની તેનું જરાપણ અરક્ષણ થઈ શકતું નથી.

‘ज्ञानिनः तद्–भीः कुतः’ માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય કયાંથી હોય? અહાહા...! પોતાના સચ્ચિદાનંદસ્વરૂપનો અનુભવ થયો એવા ધર્મીને અરક્ષાનો ભય કયાંથી હોય? પોતાના શુદ્ધ શાશ્વત જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કરવાવાળાને અરક્ષાનો ભય હોતો નથી. તે તો...


PDF/HTML Page 2369 of 4199
single page version

‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’–તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. રાગાદિ હોય તોપણ તે સદા જ્ઞાનને જ અનુભવે છે. સ્વને જાણે છે અને રાગનેય જાણે છે-એમ જ્ઞાનને જ અનુભવે છે. રાગને જાણે છે એમ કહેવું એ પણ અપેક્ષાથી છે. ખરેખર તો રાગ સંબંધીનું જ્ઞાન જે પોતાથી પોતા વડે તે કાળે સહજ થયું છે તે પોતાના જ્ઞાનને તે અનુભવે છે. તે જ્ઞાનને વેદે છે, રાગને નહિ તેથી તેને અરક્ષાભય નથી.

* કળશ ૧પ૭ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

અહીં અરક્ષાનો ભય જ્ઞાનીને નથી એ અર્થ ચાલે છે. તો કહે છે- ‘સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી.’ જે વસ્તુ સત્તાપણે-હોવાપણે છે તેનું કોઈ કાળે નહોવાપણું થતું નથી. આ સર્વસાધારણ નિયમ કહ્યો. હવે કહે છે-

‘જ્ઞાન પણ તો સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય.’

જ્ઞાન નામ આત્મા સ્વયં સત્તાસ્વરૂપ અથવા હોવાવાળું તત્ત્વ છે. તેથી બીજા રક્ષા કરે તો રહે એવું તે તત્ત્વ નથી. એ તો અનાદિઅનંત સ્વયં રક્ષિત જ વસ્તુ છે. જે શાશ્વત સત્તાસ્વરૂપ વસ્તુ છે તેને બીજાની શું અપેક્ષા છે? કાંઈ નહિ.

‘જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી.’ અહા! પોતાના ત્રિકાળી શાશ્વત સ્વરૂપને-શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાનને જેણે દ્રષ્ટિમાં લીધો છે તેને ‘કોઈ રક્ષા કરે તો રહું’-એવું કયાં છે? હું તો સદા શાશ્વત શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું એમ જેણે જાણ્યું-અનુભવ્યું છે તે ધર્મી જીવને અરક્ષાનો કોઈ ભય નથી. આ તો બાપા! એકલી માખણ-માખણની વાત છે.

કહે છે-‘તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે.’

નિઃશંક વર્તતો થકો એટલે નિર્ભયપણે પોતાના પુરુષાર્થથી વર્તતો થકો તે સદા સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. નિઃશંક નામ નિર્ભય; પોતાનો ચૈતન્ય કિલ્લો કાળથી અભેદ્ય છે ને? પોતાની સત્તા ત્રિકાળ શાશ્વત છે. આવું જાણતો જ્ઞાની નિઃશંક થઈ પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. અહા! વસ્તુના શાશ્વત ભાવને દ્રષ્ટિમાં લીધો છે તેથી તે પર્યાયમાં નિઃશંકપણે તેને અનુભવે છે.

પ્રશ્નઃ– તે કઈ અવસ્થામાં નિઃશંક વર્તે છે? ઉત્તરઃ– સમ્યગ્દર્શનની અવસ્થામાં નિઃશંક વર્તે છે. મારી ચીજ ત્રિકાળ શાશ્વત છે એમ સમ્યગ્દર્શનમાં એને પ્રતીતિ-ભાન થયું છે. આ શરીર, મન, વાણી ઇત્યાદિ


PDF/HTML Page 2370 of 4199
single page version

નાશવંત ચીજ તો પર છે, તે મારી ચીજ નથી. તે નાશ પામો તો પામો; મારી તો એક ત્રિકાળ શાશ્વત શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. આવી જેને પ્રતીતિ થઈ છે તે પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. ભાષા જોઈ! સ્વયં અર્થાત્ પોતે પોતાના ભાવથી અનુભવે છે.

પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન શબ્દે અહીં પોતાના આત્માનું ગ્રહણ છે. જેને આત્માના સ્વભાવની સત્તાનો અનુભવ થયો છે તે, નિજ સત્તાને સ્વીકારીને અનુભવે છે એમ કહે છે. આ ધર્મદશા છે.

ભગવાન આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ સ્વયંસિદ્ધ સત્તા છે. સ્વયંસિદ્ધ નામ કોઈથી નહિ કરાયેલી એવી અનાદિ અનંત અકૃત્રિમ વસ્તુ ભગવાન આત્મા છે. તેને ધર્મી પુરુષે પોતાની દ્રષ્ટિમાં લીધી છે. તેથી સ્વયં એટલે રાગની અપેક્ષા વિના, વ્યવહારના રાગની અપેક્ષા વિના, પોતાના સ્વાભાવિક જ્ઞાનને નિરંતર એટલે અખંડ ધારાએ-કોઈવાર રાગનો અનુભવ ને કોઈવાર જ્ઞાનનો અનુભવ એમ નહિ-પણ ખંડ ન પડે એમ અખંડધારાએ અનુભવે છે.

અહીં ‘સ્વયં’ એટલે પોતે પોતાથી પોતાને અનુભવે છે એમ વાત છે. ત્યારે કોઈ વળી કહે છે-સ્વયં એટલે પોતે પોતારૂપ અનુભવે છે, સ્વથી વા પરથી. પોતાથી જ અનુભવે છે એમ નહિ પણ પરથી પણ પોતે પોતારૂપ અનુભવે છે એમ એનું કહેવું છે.

અરે ભાઈ! પોતે પોતાથી જ સદા પોતાને પોતારૂપ અનુભવે છે અને પરથી કદીય નહિ એ મૂળ સિદ્ધાંત છે. શું પર વડે પોતારૂપ અનુભવ થાય? ન થાય. બાપુ! આ તો તારી મૂળમાં ભૂલ છે પ્રભુ! વસ્તુ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયકભાવ પરમપારિણામિક ભાવ છે. પારિણામિકભાવ તો પરમાણુય છે. પણ આ તો જ્ઞાનસ્વભાવભાવ છે ને! તેથી તે પરમપારિણામિકભાવ શાશ્વત જ્ઞાયકભાવ છે. તેને જ્ઞાની સ્વયં એટલે પોતાથી જ-પોતાના આશ્રયે-પરના આશ્રય ને અવલંબન વિના જ અનુભવે છે. સદા અનુભવે છે એમ કહીને એમ કહ્યું કે-‘રાગ મારો છે’ એમ જ્ઞાની કદીય અનુભવતો નથી પણ ‘જ્ઞાન જ મારું છે’-એમ સદા અનુભવે છે. સમજાણું કાંઈ...?

*

હવે અગુપ્તિભવનું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧પ૮ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘किल स्वं रूपं वस्तुनः परमा गुप्तिः अस्ति’ ખરેખર વસ્તુનું સ્વ-રૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ ‘ગુપ્તિ’ છે.


PDF/HTML Page 2371 of 4199
single page version

શું કહે છે? કે વસ્તુ પોતે જ પોતામાં ગુપ્ત છે. તેમાં બીજાનો કોઈનોય પ્રવેશ નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પરનો તેમાં પ્રવેશ નથી એ તો ઠીક, તેમાં રાગાદિ વિકલ્પનોય પ્રવેશ નથી. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ અખંડ એક જ્ઞાયકસ્વભાવની મૂર્તિ છે. તે સ્વરૂપથી જ પરમ ગુપ્ત છે. તેમાં દયા, દાન આદિ વિકલ્પનોય પ્રવેશ નથી.

જુઓ, વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ છે એમ કહે છે. કેમ? તો કહે છે-‘यत् स्वरूपे कः अपि परः प्रवेष्टुम् न शक्तः’ કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. જુઓ, જેમ કિલ્લો હોય અને તેમાં કોઈ પ્રવેશી શકે નહિ તેમ પોતે જ ગુપ્ત કિલ્લો છે, ધ્રુવ અભેદ્ય કિલ્લો છે. તેમાં શરીરાદિ તો શું? વ્યવહારરત્નત્રયના વિકલ્પનો ને એક સમયની નિર્મળ પર્યાયનો પણ પ્રવેશ નથી. અહા! અંદર પરમ ગુપ્ત પદાર્થ પ્રભુ આત્મા છે તેને પર્યાય જુએ છે, અનુભવે છે પણ તેમાં તે પર્યાયનો પ્રવેશ નથી.

અહાહા...! પોતાનું સ્વરૂપ જે શાશ્વત ધ્રુવ જ્ઞાન ને આનંદ છે તેમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. એ જ કહે છે કે-‘च’ અને ‘अकृतं ज्ञानं नुः स्वरूपं’ અકૃત જ્ઞાન (-જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે. પર્યાય તો નવી થાય છે, પણ જ્ઞાન અકૃત છે. જાણગ... જાણગ... જાણગ-એવો જે ભાવ તે અકૃત નામ અકૃત્રિમ છે, અને તે આત્માનું સ્વરૂપ છે. તેથી જ્ઞાન આત્માની પરમ ગુપ્તિ છે, અર્થાત્ જ્ઞાનસ્વભાવી આત્મા પરમ ગુપ્ત જ છે.

‘अतः अस्य न काचन अगुप्तिः भवेत्’ માટે આત્માનું જરા પણ અગુપ્તપણું નહિ હોવાથી ‘ज्ञानिनः तद–भीः कुतः’ જ્ઞાનીને અગુપ્તિનો ભય કયાંથી હોય? અહાહા...! આત્મામાં બીજી ચીજ પ્રવેશી શકતી જ નથી તો ધર્મીને અગુપ્તિનો ભય કયાંથી હોય? વસ્તુ જ સદા પોતે ગુપ્ત છે અને ધર્મીની દ્રષ્ટિ ત્રિકાળી શાશ્વત પોતાની ગુપ્ત વસ્તુ પર છે, પછી એને અગુપ્તિનો ભય કયાંથી હોય? એ તો નિર્ભય જ છે, નિઃશંક જ છે.

‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’ તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. લ્યો, છયે કળશમાં આ શબ્દો છે. (સાત ભય પૈકી પહેલા કળશમાં આ લોકભય ને પરલોકભય ભેગા લીધા છે). કહે છે-પોતે પોતાની પર્યાયમાં સહજ જ્ઞાનાનંદસ્વભાવને ‘सततं’ કહેતા અખંડધારાએ અનુભવે છે. ભલે વિકલ્પમાં આવ્યો-એમ દેખાય પણ તે વિકલ્પમાં આવ્યો નથી એમ કહે છે. એને તો શાશ્વત એક જ્ઞાનસ્વભાવ પ્રત્યેનું વલણ નિરંતર-અખંડધારાએ


PDF/HTML Page 2372 of 4199
single page version

રહેલું હોય છે. આવો મારગ સમજવો કઠણ પડે પણ શું થાય? મારગ તો આ જ છે બાપા!

અહા! આ સંસાર જુઓને! આ નાની નાની ઉંમરમાં ક્ષણમાં દેહ છૂટી જાય છે. એ તો દેહની સ્થિતિ જ એવી હોય ત્યાં બીજું શું થાય? આકસ્મિક તો કાંઈ છે નહિ. એ તો ૧૬૦ કળશમાં કહેશે કે અકસ્માત જેવું કાંઈ છે જ નહિ. લોકોને ખ્યાલમાં ન હોય એટલે લોકો તેને અકસ્માત કહે છે પણ અકસ્માત જેવું કાંઈ છે જ નહિ, બધું ક્રમનિયમિત છે. વળી આ દેહ છે એ તો જડ ધૂળ-માટી છે; તેને ભગવાન આત્માનો સ્પર્શ જ કયાં છે? એ તો ત્રીજી ગાથામાં આવી ગયું કે-સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શે છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અહા! ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયને સ્પર્શે છે પણ પરમાણુ આદિને સ્પર્શતો નથી. લ્યો, આવી વાત!

પ્રશ્નઃ– પિતા પુત્રને ચુંબે છે ને? સમાધાનઃ– ભાઈ! કોણ ચુંબે? બાપુ! તને ભ્રમણા છે. ભગવાન આત્મા પોતાના અનંત ગુણ-સ્વભાવને અને તેની નિર્મળ પર્યાયને ચુંબે છે, સ્પર્શે છે પણ તે સિવાય શરીર, મન, વાણી, કર્મ કે સ્ત્રી-પુત્ર-પરિવાર ઇત્યાદિ કોઈ બહારના પદાર્થોને કોઈ દિ’ સ્પર્શ્યો નથી, સ્પર્શતોય નથી. અહા! આવા ભગવાનસ્વરૂપ આત્મામાં જેણે પોતાની દ્રષ્ટિ સ્થાપી છે તે ધર્માત્મા પુરુષ નિરંતર નિઃશંક વર્તતો થકો એક જ્ઞાનસ્વરૂપ આત્માને જ અનુભવે છે. ‘નિરંતર નિઃશંક વર્તતો થકો’-એમ છે ને? મતલબ કે- અખંડધારાએ જેમ પોતાનું સત્ છે તેમ અખંડધારાએ નિઃશંક તેમાં તે વર્તે છે. બીજે આવે છે ને કે-

“ભેદજ્ઞાન સાબુ ભયો, સમરસ નિર્મલ નીર
ધોબી અંતર આતમા, ધોવૈ નિજ ગુણચીર.”
-રે ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમ કાળમાં.

ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ શાશ્વત શુદ્ધ વસ્તુ સદા ગુપ્ત છે. તેમાં રાગનો પ્રવેશ નથી. ત્યાં રાગથી ભિન્ન શુદ્ધ શાશ્વત સ્વભાવમાં એકાગ્ર થવું તે ભેદજ્ઞાન સાબુ છે. અને સમરસ-વીતરાગરસ-ચૈતન્યરસની મૂર્તિ પ્રભુ આત્મામાં નિઃશંક અખંડધારાએ એકાગ્રતા થતાં ઉત્પન્ન થયેલો જે વીતરાગપરિણતિરૂપ સમરસભાવ તે ‘સમરસ નિર્મલ નીર’ છે. અને ‘ધોબી અંતર આતમા ધોવૈ નિજ ગુણ-ચીર’ એટલે કે અંતર-એકાગ્રતા વડે ધર્મી મલિનતા દૂર કરીને શુદ્ધતાની પરિણતિને ઊભી કરે છે.


PDF/HTML Page 2373 of 4199
single page version

આ પરિણતિની વાત છે હોં; ગુણ તો ગુણ ત્રિકાળ નિર્મળ જ છે (એમાં કયાં કાંઈ કરવું છે?). આવો મારગ છે, ભાઈ!

અહીં કહે છે-જ્ઞાની નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને નિરંતર એટલે અખંડધારાએ સદા અનુભવે છે. લ્યો, ‘सततं’ અને ‘सदा’ જ્ઞાનને અનુભવે છે. અખંડધારાએ સદા જ્ઞાનને અનુભવે છે, કદીય રાગને અનુભવે છે એમ નહિ. ઓહો! જુઓ આ નિર્જરાની દશા! કહે છે કે કર્મની નિર્જરા તેને થાય છે, તેને અશુદ્ધતા ઝરી જાય છે અને તેને શુદ્ધિની વૃદ્ધિ થાય છે કે જે પોતાની શાશ્વત શુદ્ધ ચૈતન્યસત્તાને નિરંતર નિર્મળ પરિણતિ દ્વારા અનુભવે છે. અહા! સંવરમાં શુદ્ધિ પ્રગટે છે, નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે ને મોક્ષમાં શુદ્ધિની પૂર્ણતા થાય છે. અહા! આ તો દુનિયા આખીથી જુદી વાત છે. અત્યારે સંપ્રદાયમાં ધર્મના નામે જે ચાલે છે એનાથી આ જુદી વાત છે બાપા!

આ અગુપ્તિભયનો કળશ ચાલે છે. કહે છે-જ્ઞાની નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે; એટલે કે તે શાશ્વત એક ધ્રુવને અનુભવે છે, ત્યાં જોકે અનુભવે છે તો પર્યાયને, પણ તે (પર્યાય) ધ્રુવની સન્મુખ છે ને? ધ્રુવને અવલંબી છે ને? એટલે ધ્રુવને અનુભવે છે એમ કહ્યું છે. ૧૧ મી ગાથાની ટીકામાં આવે છે કે- જ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે. હવે, જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ (રૂપે) જ છે; પરંતુ પર્યાયમાં તે જણાયો તો જ્ઞાયકભાવ આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. અહા! ભાષા તો એવી છે કે જ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે, પ્રગટે છે. અરે ભાઈ! મોર જેમ પોતાની પાંખોની કળાથી ખીલી નીકળે છે તેમ ભગવાન આત્મા પોતાના અનંતગુણની પર્યાયથી અંદર ખીલી નીકળે છે. પણ જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. જ્ઞાયકનો જ્યાં આશ્રય લીધો ત્યાં આશ્રય કરનારી પર્યાયમાં જ્ઞાયક જણાયો તો જ્ઞાયક આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. સમજાણું કાંઈ...?

અજ્ઞાનીએ ભગવાન જ્ઞાયકભાવને પર્યાય ને રાગબુદ્ધિની આડમાં તિરોભૂત કર્યો હતો, ઢાંકી દીધો હતો. અહા! જ્ઞાયકભાવ કાંઈ તિરોભાવ કે આવિર્ભાવ પામતો નથી; એ તો છે તે છે. પરંતુ રાગ ને પર્યાયબુદ્ધિની આડમાં તે જણાતો નહોતો તો પર્યાયમાં તે છતી ચીજ જે જ્ઞાયકભાવ તે ઢંકાઈ ગઈ છે એમ કહેવાય છે. છે તો ખરી, પરંતુ પ્રગટ પર્યાયમાં રાગનું-પર્યાયનું જ અસ્તિત્વ સ્વીકાર્યું તો જ્ઞાયકભાવનો સ્વીકાર છૂટી ગયો. પણ જ્યારે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવનો પર્યાયમાં સ્વીકાર કર્યો ત્યારે તેને જ્ઞાયકભાવ આવિર્ભૂત થયો-પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. ભાષા તો એમ આવે કે-જ્ઞાયકભાવ પ્રગટ થયો, પણ બાપુ! કઈ અપેક્ષાએ વાત છે તે યથાર્થ સમજવું જોઈએ. જ્ઞાયકભાવ કાંઈ નવો પ્રગટે છે એમ છે નહિ; પણ જ્ઞાયકભાવ પ્રતિ અંતર્મુખ થયેલી પર્યાયમાં-‘આ હું છું’-એમ જ્ઞાયકભાવનો


PDF/HTML Page 2374 of 4199
single page version

પોતાપણે સ્વીકાર થયો તો જ્ઞાયકભાવ પ્રગટયો એમ કહેવાય છે. અને રાગના એકત્વમાં જ્ઞાયકભાવનો સ્વીકાર નહોતો તો જ્ઞાયકભાવ તિરોભૂત-ઢંકાઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે. આવો મારગ બહુ સૂક્ષ્મ બાપા!

હવે, આવી અજ્ઞાનીને ખબર ન મળે ને મંડી પડે બહારમાં સામાયિક ને પોસા ને પ્રતિક્રમણ કરવામાં; પણ ભાઈ! એમાં તો તારો અખંડ એક જ્ઞાયકપ્રભુ ઢંકાઈ ગયો છે ભગવાન! એ કાંઈ ધર્મપદ્ધતિ નથી બાપા! અરેરે! ક્ષણ ક્ષણ કરતાં અવસર તો વીતતો જાય છે! પછી કયાં જઈને ઉતારા કરવા છે પ્રભુ! તારે? હમણાં જ પોતાની શાશ્વત ચીજની સંભાળ નહિ કરે તો કયારે કરીશ ભાઈ! ‘પછી કરશું’માં તો પછી જ રહેશે. પેલો દાખલો છે ને કે-‘વાણિયા જમે આજ ને બારોટ જમે કાલ.’ અરે ભાઈ! કાલ કોઈ દિ’ આવે નહિ ને બારોટનું જમણ કોઈ દિ’ થાય નહિ. તેમ અજ્ઞાની ‘પછી-પછી’-એમ કહે છે પણ...

હા, પણ હમણા કામ હોય તો શું કરવું? કામ? શું કામ છે? ધૂળેય કામ નથી સાંભળને. સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને આચરણ બસ એ એક જ કામ છે; આ સિવાય એને બીજું કોઈ કામ જ નથી. અરે ભાઈ! તું બીજા કામના રાગમાં રહીને તો અનંતકાળથી જન્મ-મરણ કરીને મરી ગયો છો.

પણ કર્મનો ઉદય હોય તો? સમાધાનઃ– ઉદય એના ઘરે રહ્યો; આત્મામાં તે કયાં છે? તેમાં જો જોડાય તો ઉદય કહેવાય, અને ન જોડાય તો ઉદય ખરી જાય છે. ઉદયના કાળે પોતે સ્વતંત્રપણે રાગની પર્યાયને કરે તો કર્મનો ઉદય નિમિત્ત કહેવામાં આવે છે. શું કહ્યું એ? કે કર્તા થઈને પોતે રાગને રચે તો તે ઉદયને નિમિત્ત કહેવાય છે. બાપુ! કોઈ તને નડતું નથી અને કોઈ ચીજ તને મદદ કરતી નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે હોં; માટે જે કરવા યોગ્ય કામ છે તે હમણાં નહિ કરે તો કયારે કરીશ? (ભાઈ! અનંતકાળેય આવો અવસર આવવો મુશ્કેલ છે).

હા, પણ બહારનું ન કરીએ તો આ સ્ત્રી-પુત્રાદિનું શું કરવું? સમાધાનઃ– અરે ભાઈ! તું શું પરનું કાર્ય કરી શકે છે? કદીય નહિ. આ સ્ત્રી- પુત્રાદિ તો સૌ પોતપોતાને કારણે છે. તેઓ સદા છૂટાં જ છે. (તેઓ તારામાં -તારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં-છે જ નહિ). તેમનું તું શું કરે છે? કાંઈ જ નહિ. બાપુ! અનંતકાળમાં તેં કોઈનું કાંઈ કર્યું નથી; માત્ર અભિમાન કર્યાં છે. પણ ભાઈ! એ તો તારા અહિતનો પંથ છે બાપા! બીજાનું કામ બીજો કરે એ તો વસ્તુ-સ્થિતિ જ નથી ભાઈ!

પણ આપના જેવા ગુરુ ધાર્યા પછી શું વાંધો છે?


PDF/HTML Page 2375 of 4199
single page version

સમાધાનઃ– અરે ભાઈ! ગુરુ તો અંદર આત્મા પોતે છે. અહાહા...! ચૈતન્ય મહાપ્રભુ આત્મા અંદર પોતાનો ગુરુ પરમાત્મસ્વરૂપે વિરાજે છે, અને તેને પોતે દ્રષ્ટિમાં લે ત્યારે તેણે ગુરુ ધાર્યા છે. સ્વરૂપમાં દ્રષ્ટિ દીધા વિના ‘ગુરુ ધાર્યા છે’ એ કયાંથી આવ્યું? ભાઈ! માસ્ટર-કી (Master Key) છે. એને (માસ્ટરકીને) લગાડયા વિના બધું રણમાં પોક મૂકવા જેવું છે. સમજાણું કાંઈ...?

આ માણસના મૃત્યુ પછી પાછળ રોકકળ નથી કરતા? પણ બાપુ! તું કોને રોવે છે? તું જો તો ખરો કે-‘રોનારેય નથી રહેનાર રે’-રોનાર પણ રહેવાનો નથી. સમજે તો આટલામાંય ઘણું કહ્યું ભાઈ! બાકી તો રખડપટ્ટી ઊભી જ છે.

* કળશ ૧પ૮ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘ગુપ્તિ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે.’ શું કહ્યું? કે ખુલ્લા પ્રદેશમાં પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે. તેથી પ્રાણીઓ ગુપ્તિ-ભોયરું-કિલ્લો આદિ ઇચ્છે છે.

હવે કહે છે-‘જ્ઞાની જાણે છે કે-વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે.’

અહા! શું કહ્યું? કે વસ્તુના નિજ સ્વરૂપમાં અર્થાત્ ચૈતન્યપણે ત્રિકાળ અસ્તિરૂપ ભગવાન આત્મામાં બીજા કોઈનો પ્રવેશ નથી. ગજબ વાત ભાઈ! આ શરીરને જમૈયો વાગે ને? તો કહે છે કે તે આત્માને અડયો નથી. ઝીણી વાત છે પ્રભુ!

પણ શરીરને અડે છે કે નહિ?

અરે ભાઈ! શરીરનેય તે અડતો નથી સાંભળને, અને શરીર આત્માને પણ અડતું નથી. ‘બહિઃ લુઠતિ’-એમ આવે છે ને? અહા! બહાર લોટે છે પણ અંદર અડતો નથી. ભ્રમણાથી (અડે છે એવું) માને છે. પણ અરેરે! તું શું કરે છે પ્રભુ! આ? અરરર...! તારી આ અવસ્થા પ્રભુ! ત્રણલોકનો નાથ તું, ને આ શું કહેવાય? તને શું થયું છે પ્રભુ? પોતાની નિજ રમતુ મૂકીને તું પરમાં રમવા ગયો અને વ્યભિચારી થઈને પરમાં વેચાઈ ગયો! (ભ્રમણા છોડી દે).

અહીં કહે છે-સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. અહા! ચિદાનંદઘન પ્રભુ આત્મામાં કોણ પ્રવેશ કરે? જેમ ચક્રવર્તીના દરબારમાં કોઈ દુશ્મન પ્રવેશી ન શકે.


PDF/HTML Page 2376 of 4199
single page version

તેમ ત્રણલોકના નાથ ચિદાનંદ ભગવાનના દરબારમાં બીજું કોઈ ન પ્રવેશી શકે. કળશ ૧૧માં આવે છે ને કે-આ બદ્ધસ્પૃષ્ટાદિ ભાવો ઉપર ઉપર તરે છે, અંદર પ્રતિષ્ઠા પામતા નથી. જ્યાં પોતાની નિર્મળ પર્યાયનો પ્રવેશ નથી ત્યાં રાગ ને પરનો પ્રવેશ તો કયાંથી આવ્યો? કોઈનો (બીજાનો) પ્રવેશ છે જ નહિ એવો ભગવાન આત્મા અભેદ્ય કિલ્લો છે. અહા! આવા પોતાના ચિદાનંદસ્વરૂપને અંદરમાં જ્યાં સ્વીકાર્યું ત્યાં શું બાકી રહ્યું? આનંદની બાદશાહી જ્યાં સ્વીકારી ત્યાં પામરતા કયાં રહી? તેને તો પર્યાયમાં પ્રભુતા પ્રગટી.

અભેદ્ય કિલ્લો એવા ‘પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુપ્તપણાનો ભય કયાંથી હોય? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે.’

જેમ જંગલનો સ્વામી સિંહ નિર્ભય છે તેમ અનંતગુણનો સ્વામી ભગવાન આત્મા અંદર નિર્ભય છે. કેમ? કેમકે અંદર બીજો પ્રવેશી ન શકે તેવો તે અભેદ્ય કિલ્લો છે. અહા! પુણ્ય-પાપનો તો તે થાપ મારીને ક્ષણમાં ખાતમો કરી દે તેવો તે સિંહ જેવો પરાક્રમી છે. અનંતવીર્યનો સ્વામી છે ને! અહા! તેના બળનું અને તેના સ્વભાવના સામર્થ્યનું શું કહેવું? અહાહા...! જેના સ્વભાવના અનંત-અનંત સામર્થ્યનું વર્ણન ન થાય એવો આત્મા અંદર સિંહ છે. મુનિરાજને ‘સિંહવૃત્તિવાળા’ નથી કહેતા? મુનિવરોને સિંહવૃત્તિ હોય છે. અહો! ધન્ય અવતાર કે જેમને અંદરમાં સિંહવૃત્તિ પ્રગટ થઈ છે અને જેઓ રાગ ઉપર થાપ મારીને ક્ષણવારમાં તેના ભુક્કા બોલાવી દે છે.

અહા! કર્મના-પુણ્ય-પાપના ભુક્કા ઉડાવી દે એવો આત્મા અનંતબળનો સ્વામી છે. તેની શક્તિનું શું કહેવું? ૪૭ તો વર્ણવી છે, બાકી અનંત શક્તિઓનો સ્વામી આત્મા છે. તે અનંત શક્તિઓમાં રાગનું કારણ થાય એવી કોઈ શક્તિ નથી; તથા રાગથી એનામાં કાર્ય થાય એવું પણ આત્મામાં નથી. આવું અકાર્યકારણનું એનામાં સામર્થ્ય છે. અજ્ઞાની રાડો પાડે છે, પણ ભાઈ! કોઈ પણ રાગની વૃત્તિથી તારામાં કાર્ય થાય એવો તું છો નહિ. નિર્મળ જ્ઞાન ને આનંદની પર્યાયને તું કરે ને ભોગવે એવો તું ભગવાન તારું કારણ છો. અહીં કહે છે-પોતાના સ્વરૂપને કારણપણે ગ્રહીને જ્ઞાની નિઃશંક થયો થકો નિરંતર-અખંડધારાએ પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને જ અનુભવે છે. લ્યો, આવી વાત છે.

*

હવે મરણભયનું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧પ૯ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘प्राणाच्छेदम् मरणं उदाहरन्ति’ પ્રાણોના નાશને (લોકો) મરણ કહે છે. પાંચ


PDF/HTML Page 2377 of 4199
single page version

ઇન્દ્રિય, મન, વચન, કાય, શ્વાસોચ્છ્વાસ અને આયુ-તેનું છૂટી જવું તેને લોકો મરણ કહે છે. પરંતુ-

‘अस्य आत्मनः प्राणाः किल ज्ञानं’ આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે.

એ શું કહ્યું? કે બાહ્ય પ્રાણોના નાશને લોકો મરણ કહે છે પણ આત્માના પ્રાણ તો શુદ્ધ જ્ઞાનાનંદ છે. પહેલી જીવત્વશક્તિ કહી છે ને? ચૈતન્ય ભાવપ્રાણને ધારણ કરનાર જીવત્વશક્તિ છે. ‘जीवो चरित्तदंसणणाणट्ठिउ’–બીજી ગાથામાં છે ને? એમાંથી જીવત્વશક્તિ કાઢી છે. અહા! જીવ તેને કહીએ કે જેમાં જીવત્વ શક્તિ હોય અને જીવત્વ શક્તિ એને કહીએ કે જેમાં જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તાના પ્રાણ હોય.

ઇન્દ્રિયાદિ જડ પ્રાણ અસદ્ભૂત વ્યવહારનય છે, અને અશુદ્ધ ભાવપ્રાણ જે વર્તમાન-વર્તમાન યોગ્યતારૂપ છે તે અશુદ્ધ નિશ્ચયનય છે. માટે તે સ્વરૂપમાં તો છે નહિ. સ્વરૂપભૂત પ્રાણ તો શુદ્ધ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ને પ્રભુતા છે. અહાહા...! આત્મા પોતે પ્રભુ પરમાત્મા છે જેના પ્રભુત્વ પ્રાણ છે. અહા! જ્ઞાનની પ્રભુતા, દર્શનની પ્રભુતા, આનંદની પ્રભુતા, સત્તાની પ્રભુતા, વીર્યની પ્રભુતા-એ જેના પ્રાણ છે તે જીવ છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદના પ્રાણથી જીવી રહ્યો છે, ટકી રહ્યો છે. આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. હવે કહે છે-

‘तत् स्वयमेव शाश्वततया जातुचित् न उच्छिद्यते’ તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; ‘अतः तस्य मरणं किञ्चन न भवेत्’ માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી.

શું કહ્યું? કે આત્માના જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, સત્તા તો શાશ્વત છે. તેમનો કદીય નાશ થતો નથી. જ્ઞાન-દર્શન-આનંદ-સત્તા જે સ્વરૂપભૂત પ્રાણ છે તેમનો કદી નાશ થતો નથી. દેહનો નાશ તો થાય, કારણ કે એ તો નાશવંત છે, પણ જ્ઞાન-દર્શનાદિ નિશ્ચયપ્રાણનો નાશ થતો નથી. માટે આત્માનું મરણ બીલકુલ થતું નથી.

‘ज्ञानिनः तद–भीः कुतः’ તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય કયાંથી હોય? અરેરે! હાય! હું મરી જઈશ-એવો ભય જ્ઞાનીને હોતો નથી. કેમ? કેમકે પ્રતિક્ષણ જ્ઞાની તો પોતાના શાશ્વત જ્ઞાન ને આનંદમાં છે. દેહ મરે-છૂટે પણ આત્મા મરતો નથી એવું તેને યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન થયું છે ને? તેથી જ્ઞાનીને દેહ છૂટવા સંબંધી મરણનો ભય હોતો નથી.

અજ્ઞાનીને દેહાદિ બાહ્ય પ્રાણ છૂટી જવાનો નિરંતર ભય રહે છે. મોટો (અજ્ઞાની) ચક્રવર્તી હોય, સોળ સોળ હજાર દેવો તેની સેવા કરતા હોય પણ દેહ છૂટે તો થઈ રહ્યું. પરપ્રાણમાં પોતાપણું માન્યું છે ને? તેથી તે ભયભીત થયો થકો બિચારો


PDF/HTML Page 2378 of 4199
single page version

મરીને નરકે જાય છે. પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણની ઓળખાણ કર્યા વિના અજ્ઞાની જીવ મરણના ભય વડે નિરંતર પીડાય છે, જ્યારે નિજ શાશ્વત ચૈતન્યપ્રાણ વડે પોતાનું જીવન શાશ્વત છે એમ જાણતા જ્ઞાનીને મરણનો ભય નથી.

જુઓ, આયુષ્ય છૂટે છે માટે દેહ છૂટે છે એમ નથી. એ તો દેહમાં રહેવાની યોગ્યતા જ જીવની પોતાની પોતાને કારણે એટલી હોય છે. તે કાંઈ આયુષ્યને કારણે છે એમ નથી, કેમકે આયુ તો નિમિત્ત પરવસ્તુ છે. હવે તે યોગ્યતા પણ પોતાના સ્વરૂપભૂત નથી. પોતામાં તો પોતાના જ્ઞાન, દર્શન, આનંદ પ્રાણ છે. અહા! આવી જેને અંતર-દ્રષ્ટિ થઈ છે તેને સમ્યગ્દ્રષ્ટિ કહે છે, ધર્મી કહે છે અને તેને મરણનો ભય હોતો નથી. જ્યારે બીજા (અજ્ઞાની) તો બિચારા હાય-હાય કરીને રાડ નાખી જાય છે.

અરે ભાઈ! આ ઇન્દ્રિયાદિ પ્રાણ તારા કયાં છે? એ તો જડ પુદ્ગલના છે. છતાં તેને પોતાના માનનારનું જ્યારે મરણ થાય છે ત્યારે ‘અરે! હું મરી ગયો,’ મારા પ્રાણ છૂટી ગયા એમ અજ્ઞાની ભય પામીને દુઃખી થાય છે. જ્યારે જડ પ્રાણ જ મારા નથી, તેના છૂટવાથી હું મરણ પામતો નથી, હું તો જ્ઞાનાનંદસ્વરૂપે ત્રિકાળ શાશ્વત ધ્રુવ અનાદિ અનંત વસ્તુ છું-એવું જાણતા જ્ઞાનીને મરણનો ભય કયાંથી હોય? ન હોય.

‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’ તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.

‘સ્વયં’ શબ્દ આમાં આવ્યો છે. કોઈ અજ્ઞાની ‘સ્વયં’ એટલે પોતારૂપ-જીવ જીવરૂપ-એમ અર્થ કરે છે. પણ ભાઈ! ‘સ્વયં’ એટલે પોતે પોતાથી-એમ અર્થ થાય છે. અહીં કહે છે-જ્ઞાની પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનસ્વરૂપ આત્માને સદા અનુભવે છે.

* કળશ ૧પ૯ઃ ભાવાર્થ *

‘ઇન્દ્રિયાદિ પ્રાણો નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાનપ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે-તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. આ ભાવાર્થ કહ્યો.

*

PDF/HTML Page 2379 of 4199
single page version

હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૬૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘एतत् स्वतः सिद्धं ज्ञानम् किल एकम्’ આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, ‘अनादि’ અનાદિ છે, ‘अनन्तम्’ અનંત છે, ‘अचलं’ અચળ છે.

શું કહે છે? કે આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે. અહીં જ્ઞાન શબ્દે આત્મા કહેવો છે. એમ કે-આત્મા સ્વતઃસિદ્ધ છે અને તે એક છે. જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા પોતે પોતાથી છે અને તે એક છે. મતલબ કે તેમાં બીજું કાંઈ નથી. શરીર, મન, વાણી, રાગ ઇત્યાદિ બીજું કાંઈ એમાં નથી. વળી તે સ્વતઃસિદ્ધ સત્સ્વરૂપ ભગવાન અનાદિ-અનંત છે. જોયું? બીજા બધા પદાર્થો-રાગ, નિમિત્ત આદિ પદાર્થો નાશવંત છે પણ ભગવાન આત્મા ત્રિકાળી સત્ પ્રભુ અનાદિ-અનંત છે, સદા અવિનાશી છે. અહાહા...! મારી ચીજ તો અનાદિની સ્વતઃસિદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છે અને હું ત્રિકાળ અનાદિ-અનંત એવો ને એવો રહેવાવાળો છું-એમ ધર્મીની દ્રષ્ટિ પોતાના શુદ્ધ એક ચૈતન્યતત્ત્વ ઉપર રહેલી હોય છે. વળી કહે છે-

તે (આત્મા) અચળ છે. અહા! મારી ચીજ ચળાચળ છે જ નહિ, તે તો જેવી છે તેવી ત્રિકાળ અચળ છે. નિત્ય ધ્રુવ જ્ઞાનઘન પ્રભુ આત્મા ચળે કયાંથી? હું તો જેવો છું તેવો ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રિકાળ ધ્રુવ અચળ છું એમ જ્ઞાની જાણે છે.

‘इदं यावत् तावत् सदा एव हि भवेत्’ તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે ‘अत्र द्वितीयोदयः न’ તેમાં બીજાનો ઉદય નથી.

અહાહા...! શું કહે છે આ? ‘તે જ્યાં સુધી છે ત્યાં સુધી તે જ છે.’ અહાહા...! ત્રિકાળી ધ્રુવ જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપી જ છે. તેમાં બીજાનો ઉદય નથી. ભગવાન આત્મામાં બીજાનું પ્રગટપણું નથી. બીજી ચીજ તો બીજામાં છે. અહાહા...! જ્ઞાની કહે છે-મારી ત્રિકાળી ધ્રુવ અચળ ચીજમાં બીજી ચીજનો ઉદય નામ બીજી ચીજનું આવવું કે ઘુસવું છે નહિ. મારું તો સદા એકરૂપ જ્ઞાનરૂપ જ સ્વરૂપ છે.

‘तत्’ માટે ‘अत्र आकस्मिकम् किञ्चन न भवेत्’ આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈપણ થતું નથી.

અહાહા...! અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો એવો જ્ઞાનાનંદનું ધ્રુવ-ધામ પ્રભુ આત્મા ત્રિકાળ એમ ને એમ જ છે. અહા! વર્તમાનમાં પણ ત્રિકાળી જેવો છે તેવો જ છે, અચળ છે. તેમાં બીજી કોઈ ચીજ છે નહિ અને બીજી ચીજનો પ્રવેશ


PDF/HTML Page 2380 of 4199
single page version

પણ તેમાં છે નહિ. માટે કહે છે-આત્મામાં આકસ્મિક-અણધાર્યું કાંઈ પણ થતું નથી. જુઓ આ ધર્માત્માની દ્રષ્ટિ!

ધર્મી એમ જાણે છે કે-હું તો અનાદિ-અનંત જ્ઞાનાનંદઘન પ્રભુ અચળ અવિનાશી તત્ત્વ છું. આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ તો અજીવ જડ ધૂળ-માટી છે અને આ રાગાદિ વિકાર તો અજીવ આસ્રવ તત્ત્વ છે. તે બધાં મારામાં કયાં છે? તેઓ મારામાં છે જ નહિ. માટે મારામાં કાંઈ પણ આકસ્મિક થાય એમ છે જ નહિ. મારામાં બીજી ચીજ જ નથી તો આકસ્મિક શું થાય?

અહા! ધર્મીની દ્રષ્ટિ અનંતગુણમંડિત પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા પર છે. પોતાના આવા સ્વરૂપનો નિર્ણય જે પર્યાયમાં થયો તે પર્યાય એમ જાણે છે કે-હું તો ધ્રુવ અચળ આનંદની ખાણ પ્રભુ આત્મા છું, મારામાં બીજી ચીજનો પ્રવેશ છે જ નહિ. આનંદધામ પ્રભુ આત્મા સિવાય બીજી ચીજમાં મારો આનંદ છે જ નહિ. આ પ્રમાણે ધર્મી જીવની પરપદાર્થમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. અને પર પદાર્થનું અવલંબન પણ તેને છૂટી ગયું છે. ઝીણી વાત છે પ્રભુ! તો કહે છે-નિત્યાનંદ પ્રભુ આત્મામાં બીજી ચીજ આવી જાય અને કાંઈક આકસ્મિક થઈ જાય એમ છે નહિ. અહા! છે અંદર? કે જ્ઞાનમાં-જ્ઞાન નામ અચળ, એક અકૃત્રિમ, નિત્ય આનંદધામ પ્રભુ આત્મામાં-આકસ્મિક કાંઈ પણ થતું નથી. અહા! કાંઈ અકસ્માત થાય એવી મારી ચીજ જ નથી.

તો અકાળ મરણ છે કે નહિ?

સમાધાનઃ– અકાળ મરણ પણ નથી. અકાળ મરણ-એ તો નિમિત્તનું કથન છે. નિશ્ચયથી અકાળ મરણ જેવું કાંઈ છે જ નહિ કેમકે પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે પ્રગટ થાય છે. અહીં એમ વાત છે કે સમકિતીની દ્રષ્ટિ એક શુદ્ધ ચૈતન્યદ્રવ્ય પર છે અને તેમાં બીજી ચીજ તો કાંઈ છે નહિ તેથી તેમાં કાંઈ આકસ્મિક બનતું નથી એમ તે જાણે છે. સમજાણું કાંઈ...?

અહાહા...! ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’; શું કહ્યું? કે ચોથે ગુણસ્થાને સમ્યગ્દ્રષ્ટિ જીવ-પછી ભલે તે તિર્યંચ હો કે નારકી હો-હું શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ સુખકંદ આનંદકંદ સદા સિદ્ધ સમાન પરમાત્મસ્વરૂપ એક પારમાર્થિક વસ્તુ છું-એમ પ્રતીતિ અને જ્ઞાન કરે છે. મારામાં બીજી ચીજ છે જ નહિ તો આકસ્મિક શું થાય? કાંઈ ન થાય. આવું ધર્માત્મા જાણે છે અર્થાત્ આવું જાણે તે ધર્માત્મા છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-

‘ज्ञानिनः तद्–भीः कुतः’ આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય કયાંથી હોય? ન હોય. અહાહા...! હું જ્ઞાનાનંદ નિત્યાનંદ પ્રભુ એક છું; એમાં અકસ્માત શું?