Pravachan Ratnakar (Gujarati). Gatha: 229-230.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 120 of 210

 

PDF/HTML Page 2381 of 4199
single page version

ધર્મનું પહેલું પગથિયું જે ચોથું ગુણસ્થાન તેમાં ધર્મી પોતાના આત્માને આવો જુએ છે. આવા ધર્મીને કાંઈ આકસ્મિક થઈ જશે એવો ભય કયાંથી હોય? ન હોય. તે તો-

‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञानं सदा विन्दति’ તે તો પોતે નિરંતર

નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.

અહા! તે તો એટલે સમ્યગ્દ્રષ્ટિ તો પર્યાયમાં પોતે પોતાથી નિરાકુળ આનંદનો અનુભવ કરે છે. સ્વયં નામ પોતે પોતાથી છે તો પર્યાયમાં પણ પોતે પોતાથી પોતાના આનંદનો અનુભવ કરે છે. ઝીણી વાત છે ભાઈ! ચીજ મૂળ અંદર સૂક્ષ્મ છે ને? જુઓને? છહઢાલામાં શું કહ્યું? કે-

“મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયૌ.”

ભાઈ! આત્મજ્ઞાન શું ચીજ છે એની એને ખબર નથી. અનંતકાળમાં એને ગ્રીવક સુદ્ધાં બધું મળ્‌યું પણ આત્મજ્ઞાન મળ્‌યું નથી. અહીં કહે છે કે જેને આત્મજ્ઞાન મળ્‌યું તે ધર્મી પુરુષ તો સ્વયં નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનનો-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનો-સદા અનુભવ કરે છે. અહા! આવી વાત બીજે કયાંય છે નહિ. ભાઈ! આ તો ભગવાનનો મારગ બાપા! આ તો શૂરાનો મારગ ભાઈ! કહ્યું નથી કે-

‘હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો.’

બાપુ! સાંભળીને જેનાં કાળજાં કંપી ઉઠે તે કાયરનાં આ કામ નહિ. આનંદકંદ પ્રભુ આત્માનાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા-એ શૂરાનું કામ છે, એ કાયરનાં-પાવૈયાનાં કામ નથી. સમજાણું કાંઈ...?

ભાઈ! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ને કર્મ ઇત્યાદિ તો જડ ધૂળ-માટી છે. એની સાથે તો આત્માને કાંઈ સંબંધ છે નહિ. સ્વસ્વરૂપની અસ્તિમાં તે સર્વની નાસ્તિ છે; અને તે બધામાં પોતાની એટલે સ્વસ્વરૂપની નાસ્તિ છે. વળી પુણ્ય-પાપના ભાવની પણ સ્વસ્વરૂપમાં નાસ્તિ છે. આવા સ્વસ્વરૂપનો-સહજ એક જ્ઞાયકભાવનો ધર્મી જીવ સદા અનુભવ કરે છે, કદીક રાગનો-દુઃખનો અનુભવ કરે છે એમ નહિ. અહા! ધર્મી જીવ નરકમાં હો તોપણ સહજ એક જ્ઞાનાનંદસ્વરૂપનો જ અનુભવ કરે છે એમ કહે છે. ઝીણી વાત ભાઈ! એ તો ભજનમાં આવે છે ને કે-

“ચિન્મૂરત દગધારીકી મોહિ રીતિ લગત હૈ અટાપટી,
બાહર નારકી દુઃખ ભોગૈ અંતર સુખરસ ગટાગટી.”

અહા! જેની ચિન્મૂર્તિ પ્રભુ આત્મામાં દ્રષ્ટિ થઈ છે તેની રીત અટપટી જણાય છે. બહાર તે નરકનું દુઃખ ભોગવતો દેખાય છે જ્યારે અંતરમાં તેને સુખની ગટાગટી


PDF/HTML Page 2382 of 4199
single page version

હોય છે. જુઓ, શ્રેણીક રાજા હાલ પહેલી નરકમાં છે. તેઓ ક્ષાયિક સમકિતી છે; ભવિષ્યમાં-આવતી ચોવીસીમાં-તીર્થંકર થવાના છે. પણ અત્યારે પહેલી નરકમાં છે, ને જેટલો (જે અલ્પ) રાગ છે એટલું દુઃખનું વેદન પણ છે, પણ અંતરમાં અનંતાનુબંધીના અભાવને કારણે અતીન્દ્રિય આનંદની ગટાગટી છે. ઝીણી વાત છે ભાઈ! અનંતકાળમાં એણે સમ્યગ્દર્શન એક ક્ષણ પણ પ્રગટ નથી કર્યું અને તેથી પંચમહાવ્રતાદિ પાળીને નવમી ગ્રીવકમાં ઉપજ્યો તોપણ દુઃખી જ રહ્યો છે.

અહા! અનાદિથી જીવને પુણ્ય-પાપના-શુભાશુભ રાગના-વિકલ્પનું વેદન છે. તે દુઃખનું વેદન છે, મિથ્યા વેદન છે. એને આ શરીરનું કે બહારના સંયોગરૂપ પદાર્થનું વેદન છે એમ નથી કેમકે શરીરાદિ પદાર્થો તો જડ છે, પર છે. તેને તો જીવ અડેય નહિ તે કેવી રીતે ભોગવે? તો કેવી રીતે છે? તો કહે છે-અજ્ઞાની મૂઢ જીવ તે શરીરાદિ પદાર્થને જોઈને ‘આ ઠીક છે, આ અઠીક છે’-એમ રાગદ્વેષ ઉત્પન્ન કરે છે અને તે રાગદ્વેષને તે ભોગવે છે, વેદે છે. એ રાગદ્વેષનું વેદન દુઃખનું વેદન છે ભાઈ! જ્યારે સમ્યગ્દ્રષ્ટિએ ગુલાંટ મારી છે. ગુલાંટ-ગુલાંટ સમજ્યા? એણે પલટો માર્યો છે. અહા! પહેલાં નવમી ગ્રીવક અનંતવાર ગયો હતો પણ એ તો ત્યાં રાગનું-કષાયનું વેદન હતું; એ મિથ્યા દુઃખનું વેદન હતું. પણ હવે એણે પલટો માર્યો છે. હવે રાગથી હઠીને દ્રષ્ટિ ભિન્ન એક સહજ જ્ઞાનસ્વભાવ પર સ્થાપી છે. સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ સહજ એક જ્ઞાનસ્વભાવ પર રહેલી છે. તેથી તે નિરંતર જ્ઞાન ને આનંદને વેદે છે. આવી જન્મ-મરણથી રહિત થવાની રીત બહુ જુદી છે ભાઈ!

અહા! અનંતકાળથી જીવ ૮૪ના અવતાર કરી કરીને દુઃખી છે. એક એક યોનિને અનંત અનંત વાર સ્પર્શ કરીને તે જન્મ્યો ને મર્યો છે. એના દુઃખનું શું કહેવું? ભાઈ! આ પૈસાવાળા-કરોડપતિ ને અબજોપતિ બધા દુઃખી છે. ભિખારી છે ને! પૈસામાં-ધૂળમાં સુખ માને છે તે બધા જ દુઃખી છે. દરિદ્રી દીનતાથી દુઃખી છે ને પૈસાવાળા પૈસાના અભિમાનથી દુઃખી છે; બેય દુઃખી જ છે, કેમકે બન્નેય બહારમાંથી સુખ ઇચ્છે છે. જ્યારે જગતમાં એક સમ્યગ્દ્રષ્ટિ જીવ જ સુખી છે કેમકે તે નિત્ય આનંદસ્વરૂપ-સુખસ્વરૂપ ભગવાન આત્માને નિરંતર અનુભવે છે. સમયસાર નાટકમાં આવે છે ને કે-

રિદ્ધિસિદ્ધિવૃદ્ધિ દીસૈ ઘટમૈં પ્રગટ સદા,
અંતરકી લચ્છીસૌં અજાચી લચ્છપતિ હૈ;
દાસ ભગવંત કે ઉદાસ રહૈં જગતસૌં,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈં.

બાકી રાગમાં ને પૈસામાં સુખ માનવાવાળા જગતમાં બધા જ દુઃખનું વેદન કરે છે.


PDF/HTML Page 2383 of 4199
single page version

તો સુખનું વેદન બતાઓ ને? ભાઈ! એ જ વાત તો ચાલે છે. જુઓને! આચાર્ય શું કહે છે? અહા! દિગંબર સંતોની શૈલી તો જુઓ! ઓહો! કહે છે-જ્ઞાની નિરંતર નિઃશંક વર્તતી થકો સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે. એ જ્ઞાનીને સદા સુખનું વેદન છે. સુખ જેમાં ભર્યું છે તેને અનુભવે છે તેથી તેને સદા સુખનું વેદન છે. અજ્ઞાની સહજ એક જ્ઞાનસ્વભાવને તરછોડીને વિભાવનું વેદન કરે છે તેથી તેને દુઃખનું વેદન છે, જ્યારે જ્ઞાની વિભાવને તરછોડીને સહજ એક જ્ઞાનનું વેદન કરે છે તેથી તેને સુખનું વેદન છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...? છયે કળશમાં આ લીધું છે કે-‘सः स्वयं सततं निश्शंकः सहजं ज्ञाननं सदा विन्दति’ અહો! અતીન્દ્રિય આનંદમાં ઝૂલવાવાળા દિગંબર સંતોએ જંગલમાં બેઠાં બેઠાં જગતને ન્યાલ કરી દીધું છે!

હા, પણ એનું સાધન શું? સમાધાનઃ– રાગથી ભિન્ન પડીને આત્માનુભવ કરવો એ સાધન છે. ભેદવિજ્ઞાન એ સાધન છે. એ કહ્યું ને કે-

“ભેદજ્ઞાન સાબૂ ભયૌ, સમરસ નિરમલ નીર;
ધોબી અંતર આતમા, ધોવૈ નિજ ગુનચીર.”

અહા! રાગથી-પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન પડીને અંદર નિર્વિકલ્પ નિજ આનંદસ્વરૂપની દ્રષ્ટિ કરી તે-‘ભેદજ્ઞાન સાબૂ ભયૌ,’ અને ત્યારે અનાદિનો જે પુણ્ય- પાપનો વિષમ રસ હતો તે છૂટીને જ્ઞાનાનંદનો રસ-સમરસ પ્રગટ થયો, અને તે ‘સમરસ નિરમલ નીર’ થયું. જ્ઞાની એમાં વિકારને ધુએ છે-નાશ કરે છે ને નિરંતર સુખને ભોગવે છે. મારગ તો આ છે ભગવાન! અનંતકાળનો અજાણ્યો મારગ છે કેમકે સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે જ છે પણ એમાં એણે કદી દ્રષ્ટિ કરી નથી. અરેરે! બહારના રાગના થોથામાં જ તે રોકાઈ ગયો છે.

અહા! પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અતીન્દ્રિય આનંદનો રસકંદ છે. તેની રુચિ કરવાને બદલે અજ્ઞાની જીવ અનાદિથી પુણ્ય-પાપના ભાવની રુચિમાં પડયો છે. તે પૈસામાં ને રાજ્યમાં ને દેવપદ આદિમાં સુખ છે એમ માને છે અને તેથી પરાધીન થયો થકો તે રાગ-દ્વેષાદિ વિકારને-દુઃખને પામે છે. પરંતુ જ્યારે તે પરથી ને રાગથી હઠીને, ‘પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ હું ત્રિકાળ આત્મા છું’-એમ નિજ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ કરે છે ત્યારે તેને દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ થાય છે. અહો! દ્રવ્યદ્રષ્ટિ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ! દ્રવ્યદ્રષ્ટિ પ્રગટતાં, સ્વયં જ્ઞાની થયો થકો જીવ સદા સહજ એક જ્ઞાનને અનુભવે છે. દ્રવ્યદ્રષ્ટિવંતને જગત આખું ફીકું લાગે છે, તુચ્છ ભાસે છે. આવે છે ને કે-


PDF/HTML Page 2384 of 4199
single page version

“ચક્રવર્તીકી સંપદા અરુ ઇન્દ્ર સરિખા ભોગ,
કાગવિટ્ સમ ગિનત હૈ સમ્યગ્દ્રષ્ટિ લોગ.”

અહા! દ્રવ્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ. દ્રવ્યદ્રષ્ટિવંતને ચક્રવર્તીની સંપત્તિ ને ઇન્દ્રના ભોગ કાગડાની વિષ્ટા જેવા તુચ્છ ભાસે છે.

અહા! એમ પણ બને કે સમ્યગ્દ્રષ્ટિ હોય ને એને ચક્રવર્તી આદિ સંપદા હોય. આવે છે ને કે-‘ભરત ઘરમેં વૈરાગી.’ ભરત સમકિતી હતા ને ચક્રવર્તી પણ. પણ અંદર આત્માના આનંદના અનુભવ આગળ ચક્રવર્તીપદ તુચ્છ ભાસતું હતું; બહારના વૈભવ પ્રતિ તેઓ ઉદાસીન હતા. ત્યારે તો કહ્યું કે-‘ભરત ઘરમેં વૈરાગી.’ જુઓ, પહેલા સૌધર્મ સ્વર્ગનો ઇન્દ્ર સમકિતી એકભવતારી છે. તેની પત્ની શચી પણ એકભવતારી છે. તે ઇન્દ્ર સૌધર્મ દેવલોકના ૩૨ લાખ વિમાનનો સ્વામી છે. પણ એ બધા બહારના ભોગ-વૈભવને ‘કાગવિટ્ સમ ગિનત હૈ’-કાગડાની વિષ્ટા સમાન જાણે છે. બાપુ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે! સમ્યગ્દ્રષ્ટિ અંદરમાં સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે અને વિના સમ્યગ્દર્શન બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?

* કળશ ૧૬૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘કોઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?-એવો ભય રહે તે આકસ્મિક ભય છે.’

અણધાર્યું એટલે નહિ ધારેલું ઓચિંતું. કોઈ ઓચિંતુ અનિષ્ટ એકાએક આવી પડશે એવો અજ્ઞાનીને સદા ભય હોય છે. તે આકસ્મિક ભય છે.

‘જ્ઞાની જાણે છે કે... આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ એક છે.’

અહાહા...! સમકિતીને તો અંદર પ્રતીતિ થઈ છે કે-હું અંદર સદા સિદ્ધ સમાન ભગવાન આત્મા છું, સદા અચળ એક ચૈતન્યરૂપ છું. સમયસાર નાટકમાં આવે છે ને કે-

“ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદા પદ મેરૌ,
મોહ મહાતમ આતમ અંગ, કિયૌ પરસંગ મહા તપ ઘેરૌ;...”

અહા! મારી ચીજ સદા સિદ્ધ સમાન અનુપમ બીન મૂરત ચિન્મૂરત છે. છતાં મૈં પરમાં મોહ કરીને તેને રાગમાં ઘેરી લીધી છે. અહા! આત્મા ભગવાન પ્રભુ રાગમાં ઘેરાઈ ગયો છે, આકુળતામાં ઘેરાઈ ગયો છે. અહા! બનારસીદાસજી વિશેષ કહે છે-


PDF/HTML Page 2385 of 4199
single page version

“ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહૌં ગુન નાટક આગમ કેરૌ;
જાસુ પ્રસાદ સધૈ શિવ મારગ, વેગી મિટૈ ભવબાસ બસેરૌ.”

અહો! હું તો એક જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનસ્વરૂપ આત્મા છું-એવી જ્ઞાનકલા મને જાગી છે. આને સમ્યગ્દ્રષ્ટિ કહેવાય છે. કહે છે-મને હવે જ્ઞાનકલા પ્રગટી છે તેથી હવે ભવવાસ રહેશે નહિ. અહા! આ હાડકાં ને ચામડાંમાં વસવાનું હવે જ્ઞાનકલાના બળે છૂટી જશે; હવે શરીરમાં રહેવાનું થશે નહિ. લ્યો, આવી વાત! અહો! જ્ઞાનકલા!

પ્રશ્નઃ– પણ આમાં બંગલામાં રહેવાનું તો ન આવ્યું? બંગલામાં રહે તો સુખી ને?

ઉત્તરઃ– ધૂળેય સુખી નથી સાંભળને. બંગલા કયાં તારા છે? આ બંગલા તો જડ માટી-ધૂળના છે; અને અમે એમાં રહીએ એમ તું માને એ તો મિથ્યાત્વનું મહા પાપ છે અને તેનું ફળ મહા દુઃખ છે, ચારગતિની રખડપટ્ટી છે. ભાઈ! આ શરીર પણ જડ માટી- ધૂળ છે. એ બધાં જડનાં-ધૂળનાં ઘર છે બાપા! ભક્તિમાં આવે છે ને કે-

“હમ તો કબહૂ ન નિજ ઘર આયે
પરઘર ભ્રમત બહુત દિન બીતે નામ અનેક ધરાયે... હમ તો...”

અહા! હું પુણ્યવંત છું ને હું પાપી છું ને હું મનુષ્ય છું ને હું નારકી છું ને હું પશુ છું,... ઇત્યાદિ (માને) પણ અરે ભગવાન! એ તો બધા પુદ્ગલના સંગે થયેલા સ્વાંગ છે. એ તો બધાં પુદ્ગલનાં ઘર છે પ્રભુ! એમાં તારું નિજઘર કયાં છે? તારું નિજઘર તો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો સાહેબો પ્રભુ આત્મા છે. ભગવાન! તું અનાદિથી એક ક્ષણ પણ નિજઘરમાં આવ્યો નથી!

અહીં તો જે નિજઘરમાં આવ્યો છે તેની વાત છે. અહા! જ્ઞાની જાણે છે કે-હું તો સ્વતઃસિદ્ધ અનાદિ-અનંત છું. અહા! મને કોઈ બનાવવાવાળો ઇશ્વર આદિ છે નહિ એવો હું અવિનાશી અકૃત્રિમ પદાર્થ છું. વળી હું અચળ, એક છું. અહા! એમાં એક જ્ઞાન-જ્ઞાન સિવાય બીજું કાંઈ છે નહિ. વળી ‘તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી.’ જુઓ, કલશમાં ભાષા છે ને કે-‘द्वितीयोदयः न’–તેમાં બીજાનો ઉદય નથી. મારા એકમાં દ્વિતીયનો બીજાનો ઉદય-પ્રગટવાપણું છે નહિ. ઝીણી વાત બાપુ! આવું સ્વરૂપ સમજ્યા વિના દયા, દાન, વ્રત આદિ અનંતવાર કર્યાં પણ એ બધાં ફોગટ ગયાં.

અહીં કહે છે-મારી અનાદિ-અનંત નિત્ય ચીજમાં બીજું કાંઈ ઉત્પન્ન થતું નથી, બીજું કાંઈ આવતું નથી; ‘માટે તેમાં અણધાર્યું કાંઈ પણ કયાંથી થાય? અર્થાત્


PDF/HTML Page 2386 of 4199
single page version

અકસ્માત કયાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી. તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે.’

અહા! જ્ઞાની પોતાનો જે ધ્રુવ સ્વભાવભાવ અચળ એક જ્ઞાનભાવ તેને નિરંતર અનુભવે છે. આનું નામ ધર્મ છે. અરે! લોકો તો કાંઈનું કાંઈ (ધર્મ) માને છે. અરેરે! બિચારાઓની જિંદગી વ્યર્થ ચાલી જાય છે!

‘આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.’ જ્ઞાની પોતાના એક અચળ જ્ઞાનમાં નિઃશંક વર્તતો હોવાથી તેને આલોકભય, પરલોકભય, વેદનાભય, અરક્ષાભય, અગુપ્તિભય, વેદનાભય ને અકસ્માતભય-એમ સાત ભય હોતા નથી.

પ્રશ્નઃ– ‘અવિરત સમ્યગ્દ્રષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃત્તિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?’ શિષ્યનો પ્રશ્ન છે કે-ચોથે ગુણસ્થાને ભયપ્રકૃતિનો ઉદય છે અને તેને ભય પણ થાય છે; તો પછી અવિરત સમકિતીને આપ નિર્ભય કેવી રીતે કહો છો?

આનું સમાધાન પંડિત શ્રી જયચંદજી કરે છે-

સમાધાનઃ– ‘ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઉપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી ચ્યુત થાય.’

જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા અને તીર્થંકર ગોત્ર બાધ્યું હતું. તો તીર્થંકર ગોત્ર બાંધે છે તે વખતે તેમનો પુત્ર (મારી નાખવા) આવ્યો તો જરી ભય થયો પણ તે અસ્થિરતાનો ભય બાપુ! વસ્તુનો ભય નહિ, વસ્તુમાં તો તેઓ નિઃશંક નિર્ભય છે. અસ્થિરતાથી જરી ભય આવી ગયો. દેહ છૂટી ગયો ને નરકમાં ગયા. ક્ષાયિક સમકિતી છતાં નરકમાં ગયા કેમકે આયુષ્યનો બંધ પહેલાં પડી ગયો હતો. પણ એ સમકિતનો મહિમા છે કે ત્યાંથી નીકળીને તેઓ આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થશે. જ્યારે મિથ્યાદ્રષ્ટિ જીવ ચોખ્ખાં-નિર્મળ પંચ મહાવ્રત પાળીને નવમી ગ્રૈવેયક જાય અને ત્યાંથી નીકળીને મનુષ્ય-પશુ આદિ ચાર ગતિમાં રખડપટ્ટી કરે. અહો! સમકિત કોઈ અપૂર્વ અલૌકિક ચીજ છે!

અહીં કહે છે-સમકિતીને જરી પ્રકૃતિનો ઉદય છે ખરો, અને તેના નિમિત્ત તેને ભય પણ છે તથા ભયનો ઈલાજ પણ તે કરે છે; પણ તેને એવો ભય નથી કે સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી ચ્યુત થાય. મારાં સ્વરૂપમાં કોઈ નુકશાન થઈ જશે કે સ્વરૂપનો


PDF/HTML Page 2387 of 4199
single page version

નાશ થઈ જશે એવો ભય તેને નથી. પોતાના સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાનમાં તો તે અચળ- અડગ છે, નિઃશંક-નિર્ભય છે. હવે કહે છે-

‘વળી જે ભય ઉપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃત્તિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી.’

પ્રશ્નઃ– આ તો પ્રકૃતિનો દોષ થયો, જીવનો નહિ? સમાધાનઃ– ભાઈ! દોષ તો જીવનો-જીવની પર્યાયમાં છે; પણ તે સ્વભાવમાં નથી તે કારણે પ્રકૃતિના નિમિત્તે જે ભાવ થયો તે પ્રકૃતિનો છે એમ કહ્યું. જ્ઞાનીની દ્રષ્ટિ તો એક સ્વભાવ પર છે ને? તો પ્રકૃતિના નિમિત્તે જે દોષ થયો તેનો તે જ્ઞાતા જ રહે છે, પણ તેનો સ્વામી અને કર્તા થતો નથી. આવી ભારે ઝીણી વાત છે ભાઈ!

દોષ તો પોતાનો પોતાની પર્યાયમાં થયો છે; કાંઈ કર્મને લઈને થયો છે વા કર્મ વડે ઉત્પન્ન થયો છે એમ નથી. કર્મ શું કરે?

‘કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.’

પરંતુ પોતાની પર્યાયમાં દોષ થવા છતાં પણ જ્ઞાતા-દ્રષ્ટા રહીને જ્ઞાની તેને પરપણે જાણે છે અર્થાત્ જેમ સ્વભાવથી એકમેક છે તેમ જ્ઞાની દોષથી એકમેક થતા નથી. હવે આવી વાતુ છે! સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– પણ અહીં તો પ્રકૃતિનો-કર્મનો કહ્યો ને? સમાધાનઃ– ભાઈ! એ તો નિમિત્તથી કહ્યું છે. દોષ સ્વભાવમાં નથી અને સ્વભાવથી ઉત્પન્ન થયો નથી માટે એમ કહ્યું છે. વાત તો આ છે કે ભયનો જ્ઞાની સ્વામી થઈને કર્તા થતો નથી. તે મારું કર્તવ્ય છે એમ જ્ઞાની તેનો કર્તા થતા નથી. હું તો એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવી આત્મા છું એમ જેને દ્રવ્યદ્રષ્ટિ થઈ છે તે રાગનો ને ભયનો કર્તા કેમ થાય? ન થાય. માટે જ્ઞાનીને ભય નથી એમ કહે છે.

*

હવે આગળની (સમ્યગ્દ્રષ્ટિના નિઃશંકિત આદિ ચિન્હો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૬૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘टंकोत्कीर्ण–स्वरस–निचित–ज्ञान–सर्वस्व–भाजः सम्यग्द्रष्टेः’ ટંકોત્કીર્ણ એવું જે નિજરસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિને.......

અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ કોને કહેવાય? કે ટંકોત્કીર્ણ એવા નિજ સ્વરૂપથી પરિપૂર્ણ જ્ઞાનના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિ છે. નિજરસથી ભરપૂર કહ્યો ને? અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ પોતે સદા જ્ઞાનાનંદરસથી અત્યંત ભરપૂર છે. એવા નિજરસથી-


PDF/HTML Page 2388 of 4199
single page version

જ્ઞાનાનંદરસથી પરિપૂર્ણ એવા જ્ઞાનના-આત્માના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! આત્માનું સર્વસ્વ તો એક જ્ઞાનાનંદ સ્વભાવ છે અને તેને ભોગવે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. આવો મારગ છે ભાઈ!

શું કહે છે? કે જ્ઞાની પોતાના નિજરસનો-પુણ્ય-પાપના રાગરસથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદરસનો અનુભવ કરવાવાળો છે. કેવો છે નિજરસ? તો કહે છે-પરિપૂર્ણ છે. આત્મામાં જ્ઞાન ને આનંદનો રસ પરિપૂર્ણ છે; વળી તે ધ્રુવ છે. ગજબ વાત છે! સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ એક ધ્રુવ ઉપર છે. એક ધ્રુવ જ એનું ધ્યેય છે. તો કહે છે-નિજરસથી ભરપૂર પોતાના સર્વસ્વને ભોગવનાર જ્ઞાની છે. સર્વસ્વ કહેતાં ‘સર્વ’ નામ સંપૂર્ણ જ્ઞાન ને આનંદ અને સ્વ એટલે પોતાનો. પોતાના સંપૂર્ણ જ્ઞાન ને આનંદને જ્ઞાની ભોગવનારો છે.

વિષયરસ, રાગનો રસ તો જ્ઞાનીને ઝેર જેવો છે. જ્ઞાનીને રાગનો કે વિષયનો રસ નથી. જ્ઞાની તો નિજાનંદરસના સર્વસ્વને ભોગવનારો છે. અહા! આવો ધર્મી પુરુષ હોય છે. અજ્ઞાનીને તો પોતાનો સ્વભાવ શું છે એની જ ખબર નથી. બિચારો રાગને-દુઃખને ભોગવે અને માને કે-મને આનંદ છે, ધર્મ છે. પણ બાપુ! એ તો ભ્રમણા છે, ધોખો છે.

અહા! ભાષા! તો જુઓ! ટંકોત્કીર્ણ નામ એવો ને એવો ધ્રુવ શાશ્વત આત્મા, સ્વરસ-નિચિત નામ નિજરસથી પરિપૂર્ણ, એવું જે જ્ઞાન એટલે કે પોતાનો સ્વભાવ તેના ‘સર્વસ્વ ભાજઃ’-સર્વસ્વનો ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિ છે. અહાહા...! શું કળશ છે! શબ્દે શબ્દે ગંભીર ભાવ છે.

આત્મા શુદ્ધ ચિદાનંદ-નિર્મળાનંદ પ્રભુ શાશ્વત અંદર પડયો છે તે અનંત ગુણનું ગોદામ છે, અનંત શક્તિનું સંગ્રહાલય છે. આવા નિજરસથી ભરપૂર આત્માના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દ્રષ્ટિ છે. એવા સમ્યગ્દ્રષ્ટિને ‘यद् इह लक्ष्माणि’ જે નિઃશંકિત આદિ ચિન્હો છે તે ‘सकलं कर्म’ સમસ્ત કર્મને ‘ध्नन्ति’ હણે છે.

જુઓ, સમ્યગ્દ્રષ્ટિને નિઃશંક્તિ, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા ઇત્યાદિ આઠ ગુણ પ્રગટ થયા છે એમ કહે છે. છે તો તે પર્યાય પણ તેને ગુણ કહે છે. તો કહે છે-નિજરસને ભોગવતા જ્ઞાનીને જે નિઃશંક્તિ આદિ આઠ ગુણ પ્રગટ થયા છે તે સમસ્ત કર્મને હણે છે. અહાહા...! જેને ભગવાન આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે નિઃશંક થયો છે, તેને નિઃશંક્તિ આદિ આઠ ગુણ પ્રગટ થયા છે અને તે ગુણો, કહે છે, સમસ્ત કર્મનો નાશ કરે છે, કર્મની નિર્જરા કરી દે છે. લ્યો, આવી વાત!

અનાદિથી અજ્ઞાનને લીધે અજ્ઞાનીની દ્રષ્ટિ રાગ ને પુણ્ય-પાપના વિકલ્પ ઉપર પડેલી છે. તેથી તે પુણ્ય-પાપના-રાગદ્વેષના વિકારી ભાવોને કરતો થકો રાગદ્વેષને જ


PDF/HTML Page 2389 of 4199
single page version

ભોગવે છે, વિકારને જ ભોગવે છે. અહા! તે વિકારને ભોગવે છે તે દુઃખ છે, અધર્મ છે, કેમકે તે સ્વભાવ નથી. જ્યારે જ્ઞાનીની દ્રષ્ટિ નિત્યાનંદ અચળ એક ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવ પર રહેલી છે. તેથી (તે દ્રષ્ટિના કારણે) તે પોતાનું સર્વસ્વ જે એક જ્ઞાનાનંદ સ્વભાવ તેને ભોગવે છે.

અહા! મારા સ્વરૂપમાં અલ્પજ્ઞતા નહિ, વિકાર નહિ અને નિમિત્ત પણ નહિ એવો હું નિજરસથી ભરેલો જ્ઞાનાનંદ-સ્વભાવી આત્મા છું. અહા! દ્રષ્ટિમાં આવા આત્માનો જેને સ્વીકાર થયો છે તે ધર્માત્મા છે, જ્ઞાની છે. તે જ્ઞાનીને કહે છે, નિઃશંક્તિ આદિ આઠ ગુણો પ્રગટ થયા છે તે સમસ્ત કર્મને હણે છે. લ્યો, આ અશુદ્ધતા અને કર્મ કેમ હણાય છે એ કહે છે કે પોતાના પરમ શુદ્ધ પૂર્ણાનંદ સ્વરૂપને ભોગવતા જ્ઞાનીને જે નિઃશંક્તિ આદિ ગુણો પ્રગટે છે તે સર્વ કર્મનો નાશ કરી દે છે, અશુદ્ધતાને મિટાવી દે છે. હવે કહે છે-

‘तत्’ માટે, ‘अस्मिन्’ કર્મનો ઉદય વર્તતાં છતાં, ‘तस्य’ સમ્યગ્દ્રષ્ટિને ‘पुनः’ ફરીને ‘कर्मणः बन्धः’ કર્મનો બંધ ‘मनाक् अपि’ જરા પણ ‘नास्ति’ થતો નથી.

કર્મનો બંધ જરા પણ થતો નથી એમ કહે છે. અહા! પોતાનું સર્વસ્વ પોતાનો જે અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવ તેને ભોગવતો જ્ઞાની નિઃશંક્તિ આદિ પ્રગટ આઠ ગુણ (- પર્યાય) વડે કર્મને હણે છે. તેથી, કર્મનો ઉદય વર્તતાં છતાં, તેને ફરીને જરા પણ કર્મબંધ થતો નથી. જુઓ આ સમકિતીની વિશેષ દશા!

અહીં જ્ઞાનીને કિંચિત્ અલ્પ બંધ થાય છે તેની ગણતરી ગણી નથી. અહા! વીતરાગસ્વરૂપી-જ્ઞાનાનંદસ્વરૂપી અભેદ એક આત્માની જ્યાં દ્રષ્ટિ ને અનુભવ થયાં ત્યાં ધર્મીને કર્મનો ઉદય વર્તતાં છતાં, તેને બંધ નથી, કેમ? કેમકે તેને ઉદયનું વેદન નથી, પણ તેને તો એક આત્માના આનંદનું વેદન છે. અહાહા...! જ્ઞાનીને તો એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું વેદન છે, રાગનું વેદન તેને છે નહિ; માટે તેને નવાં કર્મ બંધાતાં નથી એમ કહે છે. આવો મારગ પામ્યા વિના જીવ અનંતકાળમાં ૮૪ ના અવતારમાં દુઃખી થયો છે.

જુઓને! આ દેહ તો ક્ષણભંગુર છે. ઘડીકમાં એનું શુંય થઈ જાય (નાશ પામી જાય). ભાઈ! આ તો ઉપર ચામડીથી મઢેલો હાડકાંનો માળો છે. તેની તો ક્ષણમાં રાખ થઈ જશે કેમકે એ તો રાખ થવાયોગ્ય નાશવંત છે. પણ અંદર ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ અવિનાશી છે. જ્ઞાની તેને જાણે છે, અનુભવે છે. અહીં કહે છે-ભગવાન આત્માના આનંદને ભોગવતો જ્ઞાની, તેને કર્મનો ઉદય વર્તતો હોવા છતાં, નવીન કર્મબંધને પામતો નથી.

પ્રશ્નઃ– તો શું દુઃખનું વેદન જ્ઞાનીને સર્વથા નથી?


PDF/HTML Page 2390 of 4199
single page version

સમાધાનઃ– ના, એમ નથી. પણ આ કઈ અપેક્ષાએ વાત છે એ તો સમજવું જોઈએ ને? ધર્મીની દ્રષ્ટિ એક પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્મા ઉપર છે. તેને જે નિર્મળ સ્વભાવનું પરિણમન થાય તે એનું વ્યાપ્ય છે, પરંતુ વિકારનું પરિણમન એનું વ્યાપ્ય નથી. દ્રષ્ટિ સ્વભાવ પર છે ને! તેથી વિકારનું પરિણમન એનું વ્યાપ્ય નથી. આ અપેક્ષાએ કહ્યું કે જ્ઞાનીને રાગનું વેદન નથી. બાકી જ્ઞાનની અપેક્ષાએ સમ્યગ્દ્રષ્ટિને તો શું છટ્ઠે ગુણસ્થાને મુનિને પણ કિંચિત્ વિકારભાવ છે અને તેટલું વેદન પણ છે. પરંતુ દ્રષ્ટિ અને દ્રષ્ટિના વિષયની અપેક્ષાએ તેને ગૌણ કરીને સમકિતીને રાગનું વેદન નથી એમ કહ્યું છે. અહીં તે કિંચિત્ અસ્થિરતાના વેદનની મુખ્યતા નથી એમ યથાર્થ સમજવું.

અહા! આ જ (એક આત્મા જ) શરણ છે બાપુ! અહા! આખું ઘર એક ક્ષણમાં ખલાસ થઈ જાય ભાઈ! બે-પાંચ દીકરા ને બે-ચાર દીકરીઓ હોય તો તે બધાં એક સાથે ખલાસ થઈ જાય. બાપુ! એ નાશવંતનો શું ભરોસો? ભાઈ! એ બધી પરવસ્તુ તો પરમાં પરને કારણે છે; તેમાં અવિનાશીપણું નથી. એ તો બધાં પોતપોતાના કારણે આવે ને પોતપોતાના કારણે જાય. પરંતુ અહીં તો આત્માની એક સમયની પર્યાય પણ નાશવંત છે એમ કહે છે. અવિનાશી તો નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ ચિદાનંદ પ્રભુ આત્મા છે. તેનો સ્વીકાર કરતાં, તેનો ભરોસો-પ્રતીતિ કરતાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે છે. અહા! આવા આનંદનું વેદન કરનારા જ્ઞાનીને પૂર્વના કર્મનો ઉદય વર્તતો હોય છતાં તે ખરી જાય છે, નવીન બંધ કરતો નથી.

અરે ભાઈ! જગત તો અનાદિથી અશરણ છે, અને અરિહંત ને સિદ્ધ પણ વ્યવહારથી શરણ છે. નિશ્ચય શરણ તો અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે. જુઓને! એ જ કહ્યું ને? કે ધર્મી નિજરસથી ભરપૂર આત્માના સર્વસ્વને ભોગવનાર છે. અહા! તે રાગને ભોગવનાર નથી ને અપૂર્ણતાનેય ભોગવનાર નથી. અહા! ‘સર્વસ્વ’ શબ્દ છે ને? અહા! અતીન્દ્રિય આનંદનો કંદ પૂરણ પૂરણ પવિત્ર અનંતગુણોનો એક જ્ઞાયકસ્વરૂપ પિંડ પ્રભુ શાશ્વત આત્મા છે; અને તેનું શરણ ગ્રહીને જ્ઞાની તેના-શુદ્ધ ચૈતન્યના-સર્વસ્વને ભોગવનાર છે-એમ કહે છે. ઝીણી વાત ભાઈ! જિનેશ્વરનો મારગ સૂક્ષ્મ છે બાપા!

જ્ઞાનીને નિઃશંક્તિ આદિ ગુણોના કારણે, કર્મનો ઉદય વર્તતાં છતાં, કર્મનો બંધ જરા પણ થતો નથી. હવે આના પરથી કોઈ એમ લઈ લે કે સમકિતીને જરાય દુઃખનું વેદન નથી તો એ બરાબર નથી. અહીં તો દ્રષ્ટિ ને દ્રષ્ટિનો વિષય જે પરિપૂર્ણ પ્રભુ આત્મા છે તેની દ્રષ્ટિમાં જ્ઞાની પોતાના સર્વસ્વને ભોગવનાર છે એમ કહ્યું છે. હવે આવી વાતુ લોકોને અત્યારે આકરી લાગે છે કેમકે આ વાત સંપ્રદાયમાં ચાલતી જ નહોતી ને! પણ આ સત્ય વાત બહાર આવી એટલે લોકોમાં ખળભળાટ થઈ ગયો છે. બાપુ! ખળભળાટ થાઓ કે ન થાઓ, મારગ તો આ જ છે ભાઈ!


PDF/HTML Page 2391 of 4199
single page version

દ્રષ્ટિનો વિષય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. અતીન્દ્રિય આનંદનો ભોગવટો ભલે પર્યાયમાં થાય. પણ તે પર્યાય દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો અવિકારી રસનો કંદ ચૈતન્યમૂર્તિ નિત્યાનંદ ચિદાનંદકંદ પ્રભુ આત્મા છે, અને તેના સર્વસ્વને ભોગવનાર જ્ઞાની છે, કેમકે વસ્તુ તો અંદર પરિપૂર્ણ છે. જ્ઞાની શરીરને ભોગવતો નથી, રાગને ભોગવતો નથી અને અલ્પજ્ઞતાને પણ ભોગવતો નથી. એની દ્રષ્ટિ પૂર્ણ પર છે ને તે પૂર્ણને ભોગવે છે. અહા! ભોગવાય છે અલ્પજ્ઞમાં (પર્યાયમાં), પણ ભોગવે છે સર્વસ્વને-પૂર્ણને. આવો મારગ ભાઈ! જન્મ-મરણ રહિત થવાનો પંથ આવો અદ્ભુત આશ્ચર્યકારી છે.

હવે કહે છે-‘पूर्वोपात्तं’ પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું ‘तद्–अनुभवतः’ તેના ઉદયને ભોગવતાં તેને ‘निश्चितं’ નિયમથી ‘निर्जरा एव’ તે કર્મની નિર્જરા જ થાય છે.

‘ઉદયને ભોગવતાં’ એમ કહ્યું ને? મતલબ કે ઉદયમાં જરી લક્ષ જાય છે પણ તે ખરી જાય છે, બંધ પમાડતું નથી. અહા! ‘ધિંગ ધણી માથે ક્યિો...’ પછી શું છે? અર્થાત્ ચૈતન્યમહાપ્રભુ-પૂર્ણ સત્તાનું સત્ત્વ-જેણે દ્રષ્ટિમાં લીધું, અનુભવમાં લીધું તેને નવાં કર્મબંધન થાય નહિ અને જૂનાં કર્મ હોય તે ખરી જાય છે. લ્યો, આવી વાત!

પ્રશ્નઃ– ફળ આપ્યા વિના ખરી જાય? ઉત્તરઃ– હા, તે ફળ આપ્યા વિના ખરી જાય છે. ઉદય છે તે નિર્જરા થઈ જાય છે. અને કર્મ તો શું છે? એ તો જડ છે; પણ પર્યાયમાં જે દુઃખનું ફળ આવતું હતું તે, આનંદ તરફનો આશ્રય છે તેથી, આવતું નથી. અહા! આવો મારગ બાપા! ૮૪ ના જન્મસમુદ્રમાંથી તરવાનો ઉપાય આ એક જ છે. એના વિના તો ૮૪ના ચક્રાવાના દુઃખ જ છે.

* કળશ ૧૬૧ઃ ભાવાર્થ *

‘સમ્યગ્દ્રષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશંક્તિ આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે.’ અહીં ‘ગુણ’ શબ્દે પર્યાય છે એમ સમજવું.

[પ્રવચન નં. ૨૯૮ થી ૩૦૨ (ચાલુ) *દિનાંક ૨૧-૧-૭૭ થી ૨પ-૧-૭૭]

PDF/HTML Page 2392 of 4199
single page version

ગાથા–૨૨૯
जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे।
सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्वो।। २२९।।
यश्चतुरोऽपि पादान् छिनत्ति तान् कर्मबन्धमोहकरान्।
स निश्शङ्कश्चेतयिता सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २२९।।

હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા નિઃશંકિત ગુણની-ચિહ્નની) ગાથા કહે છેઃ-

જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો,
ચિન્મૂર્તિ તે શંકારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૨૯.

ગાથાર્થઃ– [यः चेतयिता] જે *ચેતયિતા, [कर्मबन्धमोहकरान्] કર્મબંધ સંબંધી મોહ કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) [तान् चतुरः अपि पादान्] મિથ્યાત્વાદિ ભાવોરૂપ ચારે પાયાને [छिनत्ति] છેદે છે, [सः] તે [निश्शङ्कः] નિઃશંક [सम्यग्द्रष्टिः] સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.

ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનાર (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.

ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી. માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચ્યુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે.

સમયસાર ગાથા ૨૨૯ઃ મથાળુ

હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે. તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા નિઃશંકિત ગુણની-ચિન્હની) ગાથા કહે છેઃ-

* ગાથા ૨૨૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે....’ _________________________________________________________________

* ચેતયિતા = ચેતનાર; જાણનાર-દેખનાર; આત્મા.


PDF/HTML Page 2393 of 4199
single page version

અહા! સત્યદ્રષ્ટિ તે સમ્યગ્દ્રષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળી પરિપૂર્ણ સત્ છે. અહાહા...! અનંતગુણનો પિંડ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા ત્રિકાળી સત્નું પૂરણ સત્ત્વ છે. અહા! તેની જેને દ્રષ્ટિ થઈ છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.

અહાહા...! કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ અહા! ગજબ વાત છે! રાગેય નહિ. એક સમયની પર્યાય જેટલોય નહિ તથા ગુણભેદપણેય નહિ, પરંતુ ભગવાન આત્મા એક ‘જ્ઞાયકભાવમય’ છે; ‘જ્ઞાયકભાવવાળો’ એમેય નહિ, અહાહા...! અનંતગુણરસસ્વરૂપ એક ‘જ્ઞાયકભાવમય’ પ્રભુ આત્મા છે. અહા! સમ્યગ્દ્રષ્ટિને આવો અભેદ એક જ્ઞાયકભાવમય આત્મા છે અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિની દ્રષ્ટિ એક જ્ઞાયકભાવમય આત્મા ઉપર છે.

અહા! ‘સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી નિઃશંક છે.’

શું કહ્યું? કર્મથી બંધાયેલો છું એવો જેને સંદેહ નથી અર્થાત્ નિશ્ચયથી બંધાયો જ નથી એમ જેને નિશ્ચય છે તે સમ્યગ્દ્રષ્ટિ છે. અહા! આ વસ્તુસ્વરૂપ છે. જ્યારે બંધાયેલો છું એવો સંદેહ તે મિથ્યાત્વભાવ છે. અહા! રાગથી કે કર્મથી બંધાયેલો નથી એવો હું અબદ્ધ-સ્પૃષ્ટ આત્મા છું એમ જ્ઞાની પોતાને જાણે છે, અનુભવે છે. પણ કર્મબંધ સંબંધી જે સંદેહ છે કે હું રાગથી બંધાયેલો છું એ મિથ્યાત્વભાવ છે. અરે ભાઈ! અબદ્ધ-સ્પૃષ્ટ પ્રભુ આત્મા તે રાગના સંબંધમાં બંધાય કેમ? જો પરદ્રવ્યનો સંબંધ કરે તો બંધાય, પણ વસ્તુ-સ્વદ્રવ્ય તો પરદ્રવ્યના સંબંધ વિનાની છે.

અહા! કહે છે-‘કર્મબંધ સંબંધી શંકા કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો...’ અહા! ભાષા તો દેખો! હું કર્મથી બંધાયેલો છું એમ માનવું એ સંદેહ છે, અને એ મિથ્યાત્વ છે. હું તો કર્મ ને રાગના સંબંધથી રહિત અબદ્ધ-મુક્તસ્વરૂપ જ છું એમ માનવું ને અનુભવવું તે સમ્યગ્દર્શન છે. બીજી રીતે કહીએ તો મારું સ્વદ્રવ્ય કર્મના સંબંધમાં છે એવો સંદેહ જ્ઞાનીને છે નહિ કેમકે સ્વદ્રવ્ય જે એક જ્ઞાયકભાવ તેમાં બીજી ચીજ-કર્મ કે રાગ છે નહિ; એક જ્ઞાયકભાવ પોતે સદા પરના સંબંધથી રહિત જ છે. લ્યો, આવી વાત!

એ તો શ્રીમદ્ રાજચંદ્રજીએ ન કહ્યું? શું? કે દિગંબરના આચાર્યોએ એમ સ્વીકાર્યું છે કે-આત્માનો મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે. શું કહ્યું એ? કે રાગ સાથે સંબંધ છે એવી જે (મિથ્યા) માન્યતા હતી તે જૂઠી છે એવું ભાન થતાં આત્મા મોક્ષસ્વરૂપ જ છે એમ સમજાય છે. અહાહા...! આત્મા અંદર પૂર્ણાનંદનો


PDF/HTML Page 2394 of 4199
single page version

નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ મુક્તસ્વરૂપ જ છે, અબદ્ધસ્વરૂપ જ છે. ૧૪-૧પમી ગાથામાં આવ્યું ને કે-‘जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं...’; ભાઈ! આત્મા રાગના બંધ વિનાનો અબદ્ધ-સ્પૃષ્ટ-મુક્તસ્વરૂપ જ છે. પણ હું રાગના સંબંધવાળો છું એવો એની માન્યતામાં સંદેહ હતો તે દૂર થતાં પોતે મોક્ષસ્વરૂપ જ છે એમ જણાય છે. સંદેહ દૂર થતાં (અભિપ્રાયમાં) એનો મોક્ષ થઈ ગયો.

કહે છે-જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે અર્થાત્ ખરેખર મને કર્મનો સંબંધ છે-એવો સંદેહ વા શંકા તે મિથ્યાત્વભાવ છે. જ્ઞાનીને આવો સંદેહ હોતો નથી. અહા! બંધના સંબંધરહિત અબંધસ્વરૂપ ચિન્માત્ર વસ્તુને જે દેખે છે તેને બંધની શંકા હોતી નથી. પર્યાયમાં રાગનો ને નૈમિત્તિકભાવનો સંબંધ છે પરંતુ એ તો પર્યાયબુદ્ધિમાં (પર્યાયની દ્રષ્ટિમાં) છે. દ્રવ્યદ્રષ્ટિએ તો પૂર્ણાનંદનો નાથ ચિન્મૂર્તિ પ્રભુ આત્મા અબદ્ધ જ છે અને આવા અબદ્ધનો નિઃસંદેહ અનુભવ થતાં તેને બદ્ધનાં (બદ્ધ હોવાનાં) સંદેહ-શંકા-ભય હોતાં નથી.

અરે ભાઈ! ‘એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સંબંધમાં છે’-એનો અર્થ શું? અનંતગુણમય પ્રભુ આત્માને રાગનો ને કર્મનો સંબંધ છે-એનો અર્થ શું? અહા! એ તો મિથ્યા ભ્રમ છે. અહીં તો આ કહ્યું ને? કે-‘એક જ્ઞાયકભાવમયપણાને લીધે...’ અરે ભાઈ! આત્મા એક જ્ઞાયકભાવમય જ છે; રાગમય કે કર્મમય છે જ નહિ; રાગવાળો કે કર્મવાળો કે પર્યાયવાળો આત્મા (શુદ્ધ દ્રવ્ય) છે જ નહિ. સમજાણું કાંઈ...?

પ્રશ્નઃ– તાદાત્મ્ય સંબંધ ન માને પણ સંયોગ સંબંધ તો છે ને? સમાધાનઃ– અરે ભાઈ! સંયોગ સંબંધનો અર્થ શું? એનો અર્થ જ એ છે કે એ સંયોગી પદાર્થ-કર્મ કે રાગ-ભગવાન જ્ઞાયકસ્વરૂપ-આનંદસ્વરૂપ આત્મામાં છે જ નહિ. અહા! આનંદસ્વરૂપ ભગવાન આત્મા આનંદની શક્તિથી ભરપૂર સત્ત્વમય તત્ત્વ છે. એ તો અહીં જ્ઞાનથી (જ્ઞાનની પ્રધાનતાથી) લીધું છે તેથી ‘જ્ઞાયકભાવમયપણાને લીધે’ એમ કહ્યું છે. બાકી આનંદથી જુઓ તો આત્મા એક આનંદમયભાવ છે. તેને રાગનો કે કર્મનો સંબંધ છે એવી જ્ઞાનીને-અતીન્દ્રિય આનંદના ભોગવનારને-શંકા નથી એમ કહે છે.

અહા! પૂર્ણાનંદનો નાથ નિત્યાનંદ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અભેદ એક આનંદમયભાવ છે, એક જ્ઞાયકમયભાવ છે, એક પ્રભુતામયભાવ છે. અનંતગુણનો એક પિંડ છે ને? તેથી અનંતગુણસ્વરૂપ પ્રભુ આત્મા એક જ્ઞાયકમયભાવ છે. અહા! આવા નિજસ્વરૂપનો અનુભવ કરનાર જ્ઞાનીને, હું રાગના સંબંધવાળો, વિભાવના સંબંધવાળો છું-એવી


PDF/HTML Page 2395 of 4199
single page version

શંકા હોતી નથી. આવો ધર્મ ને આવા ધર્માત્મા! બાપુ! જેના ફળમાં અનંત અનંત આનંદ પ્રગટે તેવો ઉપાય પણ આવો અલૌકિક જ હોય ને! અહો! ગાથા કોઈ અલૌકિક છે.

અહા! સમ્યગ્દ્રષ્ટિને એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા અથવા ભય કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ છે. જુઓ, શું કહ્યું આમાં? આ કર્મબંધ સંબંધી શંકા કરનારા ભાવો કોણ છે? તો કહે છે-મિથ્યાત્વાદિ ભાવો છે. કર્મબંધ સંબંધી શંકા કરનાર મિથ્યાત્વાદિ ભાવો છે-એમ કહે છે. અહા! મિથ્યાત્વને લઈને સંદેહ પડે છે કે-હું બંધમાં છું, મને કર્મબંધ છે.

અહીં મિથ્યાત્વાદિમાં આદિ એટલે શું?

આદિ એટલે અવિરતિ, કષાય ને યોગ-બધા પરિણામ. તેમાં મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય ઇત્યાદિ બધા સાથે ભેગા જ છે ને?

પ્રશ્નઃ– તો શું મિથ્યાત્વાદિ ચારેયનો (સમકિતીને) અભાવ છે?

સમાધાનઃ– હા, ચારેયનો અભાવ છે. મૂળ પાઠમાં છે, જુઓને! છે ને પાઠ? કે- ‘जो चत्तारि वि पाए छिंददि’ મિથ્યાત્વાદિ ચારેય પાદને જે છેદે છે-તે નિઃશંક્તિ સમ્યગ્દ્રષ્ટિ છે. ભાઈ! તેમાં ખૂબી તો આ છે કે એક જ્ઞાયકભાવમયપણાની દ્રષ્ટિમાં, રાગનો સંબંધ છે ને કર્મનો સંબંધ છે એવી શંકા કરનારા મિથ્યાત્વભાવનો અભાવ છે. છે ને અંદર? ભાષા શું છે? જુઓને? કે-‘કર્મબંધ સંબંધી શંકા કરનારા’ -કોણ? કે ‘મિથ્યાત્વાદિ ભાવો’-વિપરીત માન્યતા આદિ. અહા! જ્ઞાનીને તેનો અભાવ છે. વિપરીત માન્યતા છે તે કર્મના સંબંધની શંકા કરે છે, જ્યારે અવિપરીત (યથાર્થ) માન્યતા અબંધપણાને મુક્તસ્વભાવને સ્વીકારે છે.

પ્રશ્નઃ– ચારેયનો અભાવ કહ્યો છે તે દ્રવ્યમાં કે પર્યાયમાં?

સમાધાનઃ– પર્યાયમાં અભાવ છે. એ સંદેહાદિનો અભાવ કહ્યો ને? મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ ચારેયનો જ્ઞાનીને અભાવ છે, કેમકે તે એકેય વસ્તુમાં- પૂર્ણાનંદસ્વરૂપ મુક્તસ્વરૂપ પ્રભુ આત્મામાં કયાં છે? નથી; તો આત્મદ્રષ્ટિમાં પણ નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિમાં મિથ્યાત્વાદિ ચારેય નથી. ભારે સૂક્ષ્મ વાત! બાપા! આ તો કેવળીનાં પેટ આચાર્ય ભગવાન ખોલે છે. આ પહેલી નિઃશંકિતની ગાથા બહુ ઊંચી છે ભાઈ! હું એક ધ્રુવ ચૈતન્યસ્વરૂપ અબદ્ધ-સ્પૃષ્ટ-મુક્તસ્વરૂપ જ છું એવું જ્યાં ભાન થયું ત્યાં ‘બંધાયેલો છું’-એવી શંકા ઉત્પન્ન કરનારા મિથ્યાત્વાદિભાવોનો અભાવ થઈ જાય છે. અહો! સમ્યગ્દર્શન કોઈ અદ્ભુત અપૂર્વ ચીજ છે!

શું કહે છે? જુઓને! કે ‘કર્મબંધ સંબંધી શંકા કરનારા મિથ્યાત્વાદિ


PDF/HTML Page 2396 of 4199
single page version

ભાવો...’ -એમ છે કે નહિ? અહા! એકલો જ્ઞાયકભાવમય-આનંદભાવમય પ્રભુ આત્મા છે. અહાહા...! પર્યાય વિનાની પોતાની ચીજ જ આખી એક આનંદમય અને જ્ઞાનમય છે. અહા! આવા નિજભાવનો સ્વામી ધર્માત્માને કર્મબંધ સંબંધી સંદેહ કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ છે. અહો! અજબ વાત છે!

પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિને સિદ્ધદશા તો છે નહિ? (એમ કે સિદ્ધદશા નથી તોય ચારેયનો અભાવ કેવી રીતે છે?).

સમાધાનઃ– ભાઈ! સિદ્ધદશા જ છે સાંભળને! તેને આત્મા મુક્ત જ છે; અહાહા...! દ્રષ્ટિમાં ને જ્ઞાનમાં સમ્યગ્દ્રષ્ટિને તે મુક્તસ્વરૂપ જ જણાયો છે એમ વાત છે. અહા! મુક્ત છે તેનો આશ્રય થતાં પર્યાયમાં પણ મુક્તપણું આવ્યું છે, પણ બંધપણું આવ્યું નથી. અહા! ‘चत्तारि वि पाए छिंददि’–આ પાઠ છે ને? તો જ્ઞાનીની દ્રષ્ટિમાં એ મિથ્યાત્વાદિ ચારેયનો અભાવ છે.

‘चत्तारि वि पाए छिंददि’–એમ કહીને ચારેયની હયાતીનો સમ્યક્ નામ સત્યદ્રષ્ટિમાં અભાવ છે એમ કહે છે. અહાહા...! જેણે શુદ્ધ એક ચૈતન્યધાતુને ધારી રાખ્યું છે એવા શુદ્ધ ચૈતન્યધાતુમય ભગવાન આત્માનો જ્યાં સમ્યક્ નામ સત્- દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે અર્થાત્ આવું જે ધ્રુવ પૂરણ સત્-અબદ્ધસ્વરૂપ સત્, જ્ઞાયકભાવમય સત્, આનંદભાવમય સત્- છે એનો જ્યાં દ્રષ્ટિમાં સ્વીકાર થયો છે ત્યાં હવે સમકિતીને ‘રાગ ને કર્મના સંબંધમાં હું છું’-એવો સંદેહ કરનારા મિથ્યાત્વાદિ જે ભાવો છે તેનો અભાવ છે એમ કહે છે. ઝીણી વાત છે ભાઈ! (એમ કે ઉપયોગને ઝીણો-સૂક્ષ્મ કરવો જોઈએ).

કહે છે-‘સમ્યગ્દ્રષ્ટિ,............ મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’

અહાહા...! સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક કેમ છે? અને તેને બંધન કેમ નથી? કેમકે તેણે એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મના સંબંધમાં હું છું એવી શંકા કરનારા મિથ્યાત્વાદિ ભાવોને છેદી નાખ્યા છે. તેથી તે નિઃશંક છે અને તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. અર્થાત્ કર્મ આવીને-દેખાવ કરીને-નિર્જરી જાય છે. આવો ધર્મ, લ્યો!

ત્યારે કોઈ વળી વિવાદ ઊભા કરે છે કે-વ્યવહારથી (નિશ્ચય) થાય ને નિમિત્તથી પણ કાર્ય થાય.

અરે પ્રભુ! વસ્તુ આત્મા પૂર્ણ ચૈતન્યરૂપ શુદ્ધ વીતરાગસ્વરૂપ છે. તેને શું વ્યવહારથી-રાગથી વીતરાગદ્રષ્ટિ થાય? વીતરાગદ્રષ્ટિનો વિષય તો પોતાની પરિપૂર્ણ


PDF/HTML Page 2397 of 4199
single page version

વસ્તુ છે ભાઈ! રાગેય નહિ ને નિમિત્તેય નહિ. તો રાગથી ને નિમિત્તથી શું થાય? કાંઈ ન થાય. (રાગની ને નિમિત્તની દ્રષ્ટિવાળાને તો ચતુર્ગતિરૂપ સંસાર ફળે).

પ્રશ્નઃ– ‘छिंददि’–છેદે છે એનો અર્થ શું?

સમાધાનઃ– છેદે છે એટલે આખા છેદી નાખે છે. અબંધસ્વભાવની દ્રષ્ટિમાં બંધના ભાવને છેદી નાખે છે, બધું છેદી નાખે છે. અહા! પરિપૂર્ણ જ્ઞાયકસ્વભાવી નિત્યાનંદ પ્રભુ હું ધ્રુવ છું એવા સત્ની દ્રષ્ટિના બળે સમકિતી ‘હું કર્મથી બંધાયેલો છું’-એવી શંકા ઉત્પન્ન કરનારા મિથ્યાત્વાદિ ભાવોને છેદી નાખે છે. બાપુ! આવી વાત તો બીજે કયાંય છે નહિ. આ નિઃશંકિતમાં તો ગજબની વાત કરી છે.

પ્રશ્નઃ– મિથ્યાત્વસંબંધી ભાવનો અભાવ છે કે બધા (ચારેય) ભાવોનો?

સમાધાનઃ– બધાયનો; તે બધાયનો અભાવ છે. સ્વભાવમાં-એક જ્ઞાયકભાવમાં તેઓ કયાં છે? નથી. તો શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પૂર્ણ પ્રભુ આત્માનો જેમાં સ્વીકાર થયો તેમાં તે ચારેય છે જ નહિ. અહા! બહુ સરસ ગાથા છે! શું કહ્યું? કે પર્યાયનો ને રાગનો ને અપૂર્ણતાનો ને નિમિત્તનો જ્યાંસુધી સ્વીકાર હતો ત્યાંસુધી તે પર્યાયદ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ હતો, અપૂર્ણદ્રષ્ટિ હતો. પોતાનું પૂર્ણ તત્ત્વ દ્રષ્ટિમાં આવ્યું નહોતું તેથી તે અપૂર્ણદ્રષ્ટિ હતો. પર્યાયદ્રષ્ટિ કહો કે મિથ્યાદ્રષ્ટિ કહો કે અપૂર્ણદ્રષ્ટિ કહો-બધું એક જ છે. પણ જ્યાં પોતાના ત્રિકાળી પૂર્ણ સત્નું સત્ત્વ એવા એક ચૈતન્યભાવ- જ્ઞાયકમાત્રભાવની દ્રષ્ટિ થઈ ત્યાં તેને ‘હું કર્મના સંબંધવાળો છું’-એવા મિથ્યાભાવનો અભાવ થાય છે અને ત્યારે સ્વરૂપમાં શંકા ઉત્પન્ન કરનારા ચારેય ભાવનો દ્રષ્ટિમાં અભાવ થઈ જાય છે. સૂક્ષ્મ તત્ત્વ છે ભાઈ! ભાગ્યશાળી હોય તો કાનેય પડે એવી વાત છે. ભાઈ! આ અબજો પૈસા મળે તે ભાગ્યશાળી એમ નથી; વાસ્તવમાં તો એ બધા ભાંગશાળી છે. (ભાંગ મતલબ નશો, એટલે કે તેઓ મોહના નશાવાળા છે). (આ તો આવા નિર્ભેળ તત્ત્વની વાત સાંભળવા ને સમજવા મળે તે ભાગ્યશાળી છે એમ વાત છે).

અહા! લોકોને સમ્યગ્દર્શન શું ચીજ છે એની ખબર નથી. આ તો બે-પાંચ દુકાન છોડે ને આ છોડે ને તે છોડે-એમ બાહ્ય ત્યાગ કરે એટલે ઓહોહોહો... કેટલોય ત્યાગ કર્યો એમ થઈ જાય. પણ ભાઈ! મૂળ અંદર મિથ્યાત્વનું શલ્ય છે એ તો ઊભું છે. પરને પોતાના માનવારૂપ, રાગને ભલો માનવારૂપ અને અલ્પજ્ઞને પૂર્ણ માનવારૂપ આદિ-જે મિથ્યાત્વભાવ છે તેનો ત્યાગ તો કર્યો નહિ; તો શું ત્યાગ્યું? કાંઈ નહિ; એક આત્મા ત્યાગ્યો છે. ગંભીર વાત છે પ્રભુ! અહીં કહે છે- પોતાની અલ્પજ્ઞ પર્યાયમાં જેને પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો સ્વીકાર


PDF/HTML Page 2398 of 4199
single page version

આવ્યો તેને એ સ્વીકારવામાં મિથ્યાત્વાદિ બધાયનો ત્યાગ થઈ જાય છે. સમજાણું કાંઈ...?

અહા! વસ્તુ આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ પૂરણ સત્ છે; અને તે શાશ્વત છે. અહા! આવા શાશ્વત્ સત્ની સ્વીકારવાળી દ્રષ્ટિ થતાં મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે, શંકા-ભય આદિનો અભાવ થઈ જાય છે. અહા! જ્યાં પોતાના ત્રિકાળી મુક્તસ્વરૂપને પ્રતીતિમાં લીધું ત્યાં ‘મને કર્મબંધ છે’-એવી શંકાનો અભાવ થઈ જાય છે તેથી જ્ઞાની નિઃશંક છે. અને નિઃશંકપણે વર્તતા તેને કદાચિત્ પૂર્વ કર્મનો ઉદય હોય તોપણ તે ખરી જાય છે, નિર્જરી જાય છે. અહા! નિજાનંદસ્વરૂપમાં લીન એવા જ્ઞાનીને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ થોથાં છે અર્થાત્ કાંઈ નથી. તેથી કહે છે-જ્ઞાનીને બંધ નથી, નિર્જરા જ છે.

અરે ભાઈ! દુનિયા આખી ભૂલી જા ને! અને પર્યાયને પણ ભૂલી જા ને! તારે એ બધાથી શું કામ છે? પર્યાય ભલે દ્રવ્યને સ્વીકારે છે, પણ હું પર્યાયમાં છું-એમ ભૂલી જા. અહા! આ દેહ તો નાશવંત છે; એનો તો ક્ષણમાં નાશ થઈ જાય બાપા! જેમ પાણીના પરપોટા ફૂટતાં વાર લાગે નહિ તેમ આ દેહાદિ પરપોટાને ફૂટતાં શું વાર? અવિનાશી તો અંદર ત્રણલોકનો નાથ આનંદરસકંદ પ્રભુ આત્મા છે. તેને પોતાના ભાવમાં ભાસિત કરવો તે સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ દરજ્જાનો ધર્મ છે. બાકી આ સ્ત્રી-પુત્ર પરિવાર ને બાગબંગલા એ તો બધાં સ્મશાનનાં હાડકાંના ફોસ્ફરસની ચમક જેવાં છે, જોતજોતામાં વિલય પામી જશે. સમજાણું કાંઈ...?

* ગાથા ૨૨૯ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સમ્યગ્દ્રષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી.’

અહા! શું કહે છે? કે સ્વરૂપનો જે સ્વામી થયો છે તે સમ્યગ્દ્રષ્ટિને કર્મના ઉદયના સ્વામીપણાનો અભાવ છે અને તેથી તે કર્તા થતો નથી. જોયું? જે રાગાદિ થાય છે તેનો તે રચનારો-કરનારો થતો નથી, પણ તેનો જાણનારો રહે છે. પોતે જ્ઞાયકસ્વરૂપ છે ને? તેથી સ્વ ને પરના પ્રકાશક જ્ઞાનમાં તે જાણનારો રહે છે. હવે કહે છે-

‘માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દ્રષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચ્યુત થતો નથી.’

અહા! સમ્યગ્દ્રષ્ટિ જીવ ભયપ્રકૃતિના ઉદયમાં પોતાના જ્ઞાનાનંદસ્વરૂપથી ચ્યુત થતો નથી. અસ્થિરતાનો કિંચિત્ ભય આવે તો તેનો તે જાણનાર રહે છે.


PDF/HTML Page 2399 of 4199
single page version

‘આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે.’ શંકાની વ્યાખ્યા નિયમસારમાં કરી છે ને? ત્યાં આપ્તની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે-‘આપ્ત એટલે શંકા રહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો).’ શંકાની આ વ્યાખ્યા કરી છે. અહા! ભગવાન આપ્ત-પરમેશ્વર શંકારહિત એટલે કે સકળ મોહરાગ- દ્વેષાદિ રહિત હોય છે. અહીં કહે છે-જ્ઞાની શંકારહિત નિઃશંક છે. દ્રષ્ટિ નિઃશંક છે ને! તેથી તેને શંકા કરનારા મોહાદિ ભાવોનો અભાવ છે. માટે શંકાકૃત બંધ તેને નથી, પરંતુ નિર્જરા જ છે; કર્મ ઉદયમાં આવીને-દેખાવ દઈને -ખરી જાય છે. અહા! કર્મ પ્રગટ થઈને ચાલ્યું જાય છે, ખલાસ થઈ જાય છે. લ્યો, આવી વાત છે. આ પહેલી ગાથા (નિઃશંક્તિ ગુણની) પૂરી થઈ.

[પ્રવચન નં. ૩૦૨ (શેષ)*દિનાંક ૨પ-૧-૭૭]
×

PDF/HTML Page 2400 of 4199
single page version

ગાથા–૨૩૦
जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु।
सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो।। २३०।।
यस्तु न करोति कांक्षां कर्मफलेषु तथा सर्वधर्मेषु।
स निष्कांक्षश्चेतयिता सम्यग्द्रष्टिर्ज्ञातव्यः।। २३०।।
જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો,
ચિન્મૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૦.

ગાથાર્થઃ– [यः चेतयिता] જે ચેતયિતા [कर्मफलेषु] કર્મોનાં ફળો પ્રત્યે [तथा] તથા [सर्वधर्मेषु] સર્વ ધર્મો પ્રત્યે [कांक्षां] કાંક્ષા [न तु करोति] કરતો નથી [सः] તે [निष्कांक्षः सम्यग्द्रष्टिः] નિષ્કાંક્ષ સમ્યગ્દ્રષ્ટિ [ज्ञातव्यः] જાણવો.

ટીકાઃ– કારણ કે સમ્યગ્દ્રષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિષ્કાંક્ષ (નિર્વાંછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.

ભાવાર્થઃ– સમ્યગ્દ્રષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમ જ નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે, અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી-તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યગ્દ્રષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દ્રષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી.

*
સમયસાર ગાથા ૨૩૦ઃ મથાળુ

હવે નિઃકાંક્ષિત ગુણની ગાથા કહે છેઃ-