Pravachan Ratnakar (Gujarati). Gatha: 265.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 131 of 210

 

PDF/HTML Page 2601 of 4199
single page version

બંધનું કારણ છે. બાપુ! શરીરની ક્રિયા તો એના કારણે વિષયસેવનરૂપ નહોતી થવાની તે ન થઈ, એમાં તું માને કે મેં એ ક્રિયા કરી, વિષય સેવ્યો નહિ તો તે પરના કર્તાપણાનું તારું મિથ્યા અભિમાન છે, સમજાણું કાંઈ?

પ્રશ્નઃ– તો પછી અમારે ક્યાં ઊભવું? દયા પાળવી કે નહિ? બ્રહ્મચર્ય પાળવું કે નહિ?

ઉત્તરઃ– ભાઈ! તું જેમાં છો ત્યાં ઊભો રહે ને? જ્યાં નથી ત્યાં ઊભવાની ચેષ્ટા ક્યાં કરે છે? અહાહા....! અનંત અનંત જ્ઞાન ને આનંદનો સાગર પ્રભુ તું; એવા સ્વ- સ્વરૂપને છોડીને ક્યાં ઊભવું છે પ્રભુ! તું જેમાં ઊભવાનું માને છે એ તો રાગ છે. શું સત્ નામ સચ્ચિદાનંદમય પોતાના ભગવાનને છોડીને દુર્જન, દુષ્ટ, ઘાતક એવા રાગમાં ઊભવું ઠીક છે? બાપુ! તું શું કરે છે આ? (પરમાંથી ને રાગમાંથી પાછો વળ, સ્વરૂપમાં ઊભો રહે).

તેમ અપરિગ્રહમાં-આ લક્ષ્મી આદિ હું દાનમાં દઉં ઈત્યાદિ જે અધ્યવસાય છે તે પણ પુણ્યબંધનું કારણ છે. કોઈ તો વળી દાન આપે ને નામની તકતી ચોડાવે. અરે ભાઈ! દાનમાં રાગ (લોભ) મંદ કર્યો હોય તો પુણ્યબંધ થાય પણ તેમાં નામની તકતી ચોડાવવાનો ભાવ પાપભાવ છે અને ‘હું દાન આપું છું’ - એવો અહંકારયુક્ત અધ્યવસાય મિથ્યાત્વ છે. પૈસા કયાં એના છે તે આપે? લક્ષ્મી તો જડ છે. ને શું જડનો સ્વામી ચેતન થાય? જેમ ભેંસનો સ્વામી પાડો (એની જાતનો) હોય તેમ લક્ષ્મી આદિ જડનો સ્વામી જડ પુદ્ગલ જ હોય

અહા! જેમ આત્મા જગતની ચીજ છે તેમ પરમાણુ-જડ પણ જગતની બીજી ચીજ છે. હવે આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયનો-સ્વનો સ્વામી થાય કે જડ રજકણોનો- ધૂળનો સ્વામી થાય? અહાહા...! પોતાના દ્રવ્ય-ગુણ ને નિર્મળ પર્યાય તે આત્માનું સ્વ છે ને તેનો એ સ્વામી છે, પણ પરનો-બીજી ચીજનો કદીય સ્વામી નથી.

પણ આ બાયડી- છોકરાં તો મારાં ખરાં કે નહિ?

અરે! ત્રણકાળમાં એ તારાં નથી, જગતની બીજી ચીજ ત્રણકાળમાં તારી નથી, તારી ન થાય, બાપુ! તું એ બીજી જુદી ચીજનો સ્વામી છું એમ માને તે તારો મિથ્યા અભિપ્રાય છે અને તે તને અનંતાનંત સંસારનું કારણ છે. ભાઈ! બીજી ચીજને પોતાની કરવામાં (થાય નહિ હોં) તેં તારા અનંતા જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનો અનાદર કર્યો છે. હું લક્ષ્મી દઈ શકું છું ને લઈ શકું છું એવી માન્યતામાં પ્રભુ! તેં તારા અનંત સ્વભાવનો ઘાત કર્યો છે.


PDF/HTML Page 2602 of 4199
single page version

મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાં આવે છે કે- ‘મિથ્યાદર્શન વડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતાં તેને પણ પોતાની માને છે. પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મંદિર અને નોકર-ચાકર આદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે, સદાકાળ પોતાને આધીન નથી-એમ પોતાને જણાય તોપણ તેમાં મમકાર કરે છે.’ જુઓ, પ્રત્યક્ષ ભિન્ન ચીજમાં મમકાર, અહંકાર કરવો એ મિથ્યાદર્શન છે.

અહીં અપરિગ્રહમાં ધનાદિનું દાન કરવાનો ભાવ શુભભાવ છે, અને ત્યાં ધનાદિની જવાની ક્રિયા જે થાય છે તે તો પરની ક્રિયા છે છતાં તેને હું કરું છું ને તત્સંબંધી જે શુભભાવ છે તે પણ મારું કર્તવ્ય છે એમ જે અહંકાર ને મમકાર કરે છે તે પુણ્યબંધનું કારણ છે.

પં. શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં શાસ્ત્રોનાં ગંભીર રહસ્યો ખોલ્યાં છે, બહુ ખુલાસા કર્યા છે. કોઈને તે સારા ન લાગે એટલે ‘અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા છે’ એમ કહે, પણ બાપુ! એ અત્યારે હાલશે, પણ અંદર તને નુકશાન થશે. મિથ્યા માન્યતાનાં ને અસત્ય સેવનનાં ફળ બહુ આકરાં છે ભાઈ! મિથ્યાત્વના ગર્ભમાં નર્ક- નિગોદનાં અતિ તીવ્ર દુઃખો પડેલાં છે; કેમકે મિથ્યાત્વ જ આસ્રવ અને બંધનું કારણ છે. મિથ્યા અધ્યવસાય એક જ અનંત સંસારનું કારણ છે એમ અહીં મુખ્યપણે વાત છે. એ જ કહે છે-

‘આ રીતે પાંચ પાપોમાં (અવ્રતોમાં) અધ્યવસાય કરવામાં આવે છે તે પાપબંધનું કારણ છે અને પાંચ (એકદેશ કે સર્વદેશ) વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે છે તે પુણ્યબંધનું કારણ છે. પાપ અને પુણ્ય બંનેના બંધનમાં અધ્યવસાય જ એકમાત્ર બંધ- કારણ છે.’

અહીં એકદેશ એટલે શ્રાવકને પાંચ અણુવ્રતોમાં અને સર્વદેશ એટલે મુનિને પાંચ મહાવ્રતોમાં જે અધ્યવસાય કરવામાં આવે છે કે-એ રાગની ને પરની ક્રિયા મારી છે તે જ પુણ્યબંધનું કારણ છે. અહીં એકત્વબુદ્ધિની વાત લેવી છે ને? એટલે પાપ અને પુણ્ય બન્નેમાં બંધનમાં એકત્વબુદ્ધિ-અધ્યવસાય જ એકમાત્ર બંધનું કારણ છે.

[પ્રવચન નં. ૩૧૮*દિનાંક ૧૩-ર-૭૭]

PDF/HTML Page 2603 of 4199
single page version

ગાથા–૨૬પ

न च बाह्यवस्तु द्वितीयोऽपि बन्धहेतुरिति शङ्कयम्–

वत्थुं पडुच्च जं पुण अज्झवसाणं तु होदि जीवाणं।
ण य वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि।। २६५।।
वस्तु प्रतीत्य यत्पुनरध्यवसानं तु भवति जीवानाम्।
न च वस्तुतस्तु बन्धोऽध्यवसानेन बन्धोऽस्ति।। २६५।।

વળી ‘બાહ્યવસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે’ એવી શંકા ન કરવી. (‘અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્યવસ્તુ તે બંધનું બીજું કારણ હશે’ એવી પણ શંકા કરવી યોગ્ય નથી; અધ્યવસાય જ એકનું એક બંધનું કારણ છે, બાહ્યવસ્તુ બંધનું કારણ નથી.) આવા અર્થની ગાથા હવે કહે છેઃ-

જે થાય અધ્યવસાન જીવને, વસ્તુ–આશ્રિત તે બને,
પણ વસ્તુથી નથી બંધ, અધ્યવસાનમાત્રથી બંધ થાય છે. ૨૬પ.

ગાથાર્થઃ– [पुनः] વળી, [जीवानाम्] જીવોને [यत्] જે [अध्यवसानं तु] અધ્યવસાન [भवति] થાય છે તે [वस्तु] વસ્તુને [प्रतीत्य] અવલંબીને થાય છે [च तु] તોપણ [वस्तुतः] વસ્તુથી [न बन्धः] બંધ નથી, [अध्यवसानेन] અધ્યવસાનથી જ [बन्धः अस्ति] બંધ છે.

ટીકાઃ– અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમ કે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે (અર્થાત્ બંધનું કારણ જે અધ્યવસાન તેનું કારણ થવામાં જ બાહ્યવસ્તુનું કાર્ય ક્ષેત્ર પૂરું થાય છે, તે કાંઈ બંધનું કારણ થતી નથી). અહીં પ્રશ્ન થાય છે કે-જો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો (‘બાહ્યવસ્તુનો પ્રસંગ ન કરો, ત્યાગ કરો’ એમ) બાહ્યવસ્તુનો પ્રતિષેધ (નિષેધ) શા માટે કરવામાં આવે છે? તેનું સમાધાનઃ– અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત્ ઊપજતું નથી. જો બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્ય વસાન ઊપજતું હોય તો, જેમ આશ્રયભૂત એવા *વીરજનનીના પુત્રના સદ્ભાવમાં (કોઈને) એવો _______________________________________________________________ * વીરજનની = શૂરવીરને જન્મ આપનારી; શૂરવીરની માતા.


PDF/HTML Page 2604 of 4199
single page version

અધ્યવસાય ઊપજે છે કે ‘હું વીરજનનીના પુત્રને હણું છું’ તેમ આશ્રયભૂત એવા વંધ્યાપુત્રના અસદ્ભાવમાં પણ (કોઈને) એવો અધ્યવસાય ઊપજે (-ઊપજવો જોઈએ) કે ‘હું વંધ્યાપુત્રને (વાંઝણીના પુત્રને) હણું છું’. પરંતુ એવો અધ્યવસાય તો (કોઈને) ઊપજતો નથી. (જ્યાં વંધ્યાનો પુત્ર જ નથી ત્યાં મારવાનો અધ્યવસાય ક્યાંથી ઊપજે?) માટે એવો નિયમ છે કે (બાહ્યવસ્તુરૂપ) આશ્રય વિના અધ્યવસાન હોતું નથી. અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્યવસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, કેમ કે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે. (બાહ્યવસ્તુ અધ્યવસાનનું કારણ છે તેથી તેના પ્રતિષેધથી અધ્યવસાનનો પ્રતિષેધ થાય છે). પરંતુ, જોકે બાહ્યવસ્તુ બંધના કારણનું (અર્થાત્ અધ્યવસાનનું) કારણ છે તોપણ તે (બાહ્યવસ્તુ) બંધનું કારણ નથી; કેમ કે ઈર્યાસમિતિમાં પરિણમેલા મુનીંદ્રના પગ વડે હણાઈ જતા એવા કોઈ ઝડપથી આવી પડતા કાળપ્રેરિત ઊડતા જીવડાની માફક, બાહ્યવસ્તુ-કે જે બંધના કારણનું કારણ છે તે-બંધનું કારણ નહિ થતી હોવાથી, બાહ્યવસ્તુને બંધનું કારણપણું માનવામાં અનૈકાંતિક હેત્વાભાસપણું છે-વ્યભિચાર આવે છે. (આમ નિશ્ચયથી બાહ્યવસ્તુને બંધનું કારણપણું નિર્બાધ રીતે સિદ્ધ થતું નથી.) માટે બાહ્યવસ્તુ કે જે જીવને અતદ્ભાવરૂપ છે તે બંધનું કારણ નથી; અધ્યવસાન કે જે જીવને તદ્ભાવરૂપ છે તે જ બંધનું કારણ છે.

ભાવાર્થઃ– બંધનું કારણ નિશ્ચયથી અધ્યવસાન જ છે; અને જે બાહ્યવસ્તુઓ છે તે અધ્યવસાનનું આલંબન છે-તેમને આલંબીને અધ્યવસાન ઊપજે છે, તેથી તેમને અધ્યવસાનનું કારણ કહેવામાં આવે છે. બાહ્યવસ્તુ વિના નિરાશ્રયપણે અધ્યવસાન ઊપજતાં નથી તેથી બાહ્યવસ્તુઓનો ત્યાગ કરાવવામાં આવે છે. જો બંધનું કારણ બાહ્યવસ્તુ કહેવામાં આવે તો તેમાં વ્યભિચાર આવે છે. (કારણ હોવા છતાં કોઈ સ્થળે કાર્ય દેખાય અને કોઈ સ્થળે કાર્ય ન દેખાય તેને વ્યભિચાર કહે છે અને એવા કારણને વ્યભિચારી-અનૈકાંતિક-કારણાભાસ કહે છે.) કોઈ મુનિ ઈર્યાસમિતિપૂર્વક યત્નથી ગમન કરતા હોય તેમના પગ તળે કોઈ ઊડતું જીવડું વેગથી આવી પડીને મરી ગયું તો તેની હિંસા મુનિને લાગતી નથી. અહીં બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો હિંસા થઈ, પરંતુ મુનિને હિંસાનો અધ્યવસાય નહિ હોવાથી તેમને બંધ થતો નથી. જેમ તે પગ નીચે મરી જતું જીવડું મુનિને બંધનું કારણ નથી તેમ અન્ય બાહ્યવસ્તુઓ વિષે પણ સમજવું. આ રીતે બાહ્યવસ્તુને બંધનું કારણ માનવામાં વ્યભિચાર આવતો હોવાથી બાહ્યવસ્તુ બંધનું કારણ નથી એમ સિદ્ધ થયું. વળી બાહ્યવસ્તુ વિના નિરાશ્રયે અધ્યવસાન થતાં નથી તેથી બાહ્યવસ્તુનો નિષેધ પણ છે જ.

*

PDF/HTML Page 2605 of 4199
single page version

સમયસાર ગાથા ર૬પઃ મથાળું

વળી ‘બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે’ એવી શંકા ન કરવી.

કોઈને એમ થાય કે-પરમાં એકપણાનો જે અધ્યવસાય તે બંધનું કારણ છે એમ કહ્યું, પણ સાથે બાહ્ય વસ્તુ જે એના સંબંધમાં છે તે પણ બંધનું કારણ છે કે નહિ? તો કહે છે-બાહ્યવસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે એવી શંકા ન કરવી. અર્થાત્ અધ્યવસાય તે બંધનું એક કારણ હશે અને બાહ્ય વસ્તુ તે બીજું પણ બંધનું કારણ હશે એમ શંકા કરવી યોગ્ય નથી. અધ્યવસાય જ એકમાત્ર બંધનું કારણ છે. શું કીધું? કે-મેં હિંસા કરી, મેં દયા પાળી, મેં ચોરી કરી, મેં ચોરી ના કરી, મેં બ્રહ્મચર્ય પાળ્‌યું, મેં બ્રહ્મચર્ય ના પાળ્‌યું-ઈત્યાદિ જે પર સાથેના એકપણાનો અધ્યવસાય છે તે એક જ બંધનું કારણ છે, પણ શરીરાદિ જે બાહ્યવસ્તુમાં ક્રિયા થાય તે બંધનું કારણ નથી. ઝીણી વાત છે ભાઈ! અનંતકાળમાં એને આ સાંભળવા મળ્‌યું નથી. અહીં કહે છે-

બંધનું કારણ જે (એકત્વબુદ્ધિનો) અધ્યવસાય તેને આશ્રય બાહ્યવસ્તુનો છે, પણ તે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. બાહ્યવસ્તુ અધ્યવસાયનું નિમિત્ત છે, પણ તે કાંઈ બંધનું કારણ નથી; બંધનું કારણ તો એક અધ્યવસાય જ છે.

આવા અર્થની હવે ગાથા કહે છેઃ-

* ગાથા ર૬પઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘અધ્યવસાન જ બંધનું કારણ છે; બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, કેમકે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે.’

જુઓ, શું કહ્યું? બાહ્યવસ્તુ અધ્યવસાનનો આશ્રય છે, જે અધ્યવસાય વિભાવના પરિણામ થયા તેનું નિમિત્ત બાહ્યવસ્તુ છે, તથાપિ તે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. આ શરીર, ઈન્દ્રિય, વાણી, ધન, લક્ષ્મી, સ્ત્રી-પરિવાર આદિ પરવસ્તુ-બાહ્યવસ્તુ છે; તેના આશ્રયે નિમિત્તે આને જે મમતાનો ભાવ-અધ્યવસાન થાય તે જ બંધનું કારણ છે, પણ એ બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, શરીરાદિની ક્રિયા બંધનું કારણ નથી. ગજબ વાત છે પ્રભુ!

શું કહે છે? કે આ શરીર, ધન, લક્ષ્મી ઈત્યાદિ ‘આ બધું મારું છે’ એવી જે મમતાબુદ્ધિનો ભાવ છે તે જ બંધનું કારણ છે, ધનાદિ બાહ્ય વસ્તુ નહિ. નહિતર તો જેને ઝાઝી લક્ષ્મી હોય તેને તે ઝાઝા-વધારે બંધનું કારણ થાય અને થોડી લક્ષ્મી હોય તેને તે થોડા બંધનું કારણ થાય. પણ એમ હોતું નથી. કોઈ દરિદ્રી હોય પણ


PDF/HTML Page 2606 of 4199
single page version

અંદર મમતાથી ખૂબ તૃષ્ણાવાન હોય તો તેને વિશેષ ઝાઝો પાપબંધ થાય, અને કોઈ સંપત્તિ-વૈભવશીલ હોય પણ અંદરમાં મમતારહિત હોય તો તેને અતિ અલ્પ બંધ થાય. જુઓ, ચક્રવર્તી સમ્યગ્દ્રષ્ટિ હોય તેને છ ખંડની સંપત્તિનો વૈભવ છે, પણ તેને અલ્પ બંધ છે, કેમકે તેને રાગમાં ને બાહ્યવૈભવમાં ક્યાંય મમતા નથી. રાગ નથી. આ પ્રમાણે બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, પણ તેમાં એકત્વનો અધ્યવસાય જ બંધનું કારણ છે.

અહા! અધ્યવસાન જ બંધનું કારણ છે, બાહ્યવસ્તુ નહિ, કેમ? ‘કેમકે બંધનું કારણ જે અધ્યવસાન તેના કારણપણાથી જ બાહ્યવસ્તુને ચરિતાર્થપણું છે.’ શું કહે છે? કે બંધનું કારણ જે અધ્યવસાન તેનું બાહ્યવસ્તુ નિમિત્તકારણ છે. બાહ્યવસ્તુની ચરિતાર્થતા- સાર્થકતા બસ આટલી જ છે કે તે બંધનું કારણ જે અધ્યવસાય તેનું તે કાળે તે નિમિત્ત થાય છે. અહાહા.....! અધ્યવસાયનું બાહ્ય નિમિત્ત થવામાં જ બાહ્યવસ્તુનું કાર્યક્ષેત્ર પુરું થાય છે, એથી વિશેષ કાંઈ નહિ. મતલબ કે બાહ્યવસ્તુ અધ્યવસાયમાં ફકત નિમિત્ત કારણ છે, બસ એટલું જ; બાકી એ કાંઈ બંધનું કારણ થતી નથી.

ભાઈ! આ શરીર, સ્ત્રી-કુટુંબ-પરિવાર, ધન-લક્ષ્મી ઈત્યાદિ એ કોઈ બંધનું કારણ નથી; પરંતુ એમાં જે એકત્વનો મોહ-અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે અને તે સ્ત્રી- કુટુંબ, ધન, આદિ બાહ્ય પદાર્થો તો તે અધ્યવસાયનું નિમિત્તમાત્ર છે, બસ. નિમિત્ત હોં, ઉપાદાન નહિ. ઉપાદાન તો એમાં પોતાનું પોતામાં છે. અહાહા...! આ જે ઈન્દ્રને ઈન્દ્રાસનો છે, અપાર વૈભવ છે, કરોડો અપ્સરાઓ છે, અસંખ્ય દેવો છે એ બધાં કાંઈ એને બંધનું કારણ નથી એમ કહે છે, કેમકે એ તો બાહ્યવસ્તુ છે.

અધ્યવસાયમાં બાહ્યવસ્તુ નિમિત્ત હો, પણ નિમિત્ત છે માટે અધ્યવસાય થાય છે એમ નથી. બાહ્યવસ્તુ-નિમિત્ત આને અધ્યવસાય કરાવી દે છે એમ નથી. બાહ્યવસ્તુનું કાર્યપણું માત્ર આટલું જ છે કે અધ્યવસાનમાં તે અધ્યવસાન કાળે તેને આશ્રયભૂત થાય છે, પણ તે બાહ્ય પદાર્થ છે તે કાંઈ આનામાં અધ્યવસાન કરી દે છે એમ નથી, તથા તે બંધનું કારણ થાય છે એમેય નથી ભાઈ! આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો મારગ છે. એની એક એક વાતમાં ન્યાય ભર્યા છે. ભાઈ! આ સમજવું પડશે હોં.

અરે આ સમજ્યા વિના એણે અનંતકાળ મોટા દુઃખના ડુંગરા વેઠયા છે. અહા! માતાના પેટમાં એ ચોવીસ-ચોવીસ વર્ષ રહ્યો, એકવાર બાર વર્ષ ને બીજીવાર બાર વર્ષ; અહા! ઊંધે માથે લટકતો, આગળથી મોં બંધ, આંખો બંધ, નાકનાં નસકોરાં બંધ-એવી શરીરની સ્થિતિએ અંદર અત્યંત સંકોચાઈને દુઃખભરી સ્થિતિમાં એ રહ્યો. અહા! એ દુઃખની શી વાત! બાપુ! એ પરમાં એકત્વબુદ્ધિનો મોહ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી બાહ્ય શરીરના સંયોગો થયા જ કરશે, અહા! એને નરક-


PDF/HTML Page 2607 of 4199
single page version

નિગોદનાં શરીરો, રોગવાળાં શરીરો મળ્‌યા જ કરશે અને ફરી પાછો એ પોતે સંયોગમાં એકપણું પામીને એ દુઃખી થયા જ કરશે.

ભાઈ! અહીં આચાર્યદેવ એ દુઃખનું બંધનનું કારણ સમજાવે છે. કહે છે- બંધનું કારણ શરીરાદિ બાહ્યવસ્તુ નથી પણ એના આશ્રયે આને ઉત્પન્ન થતો એના એકપણાનો મોહ નામ અધ્યવસાય જ બંધનું કારણ છે. ભાઈ! અહીં આચાર્યદેવ જગતના પર પદાર્થોથી ભેદજ્ઞાન કરાવે છે. એમ કે તારો ભાવ-અધ્યવસાય જે છે તે તને નુકશાનકર્તા છે, સામી ચીજ નહિ. તારો અધ્યવસાય કાઢી નાખ, સામી ચીજ તો જગતમાં જેમ છે તેમ છે, તે તને નુકશાન કરતી નથી. (લાભેય કરતી નથી).

હિંસામાં, શરીરનું બળી જવું, શરીરાદિ પ્રાણનું વિખરાઈ જવું ઈત્યાદિ બાહ્ય ક્રિયા આના (-જીવના) પરિણામમાં નિમિત્ત છે; ત્યાં એ પરિણામ બંધનું કારણ છે, પણ એ શરીરની ક્રિયા બંધનું કારણ નથી. તેમ શરીરથી વિષયની ક્રિયા થાય એ ક્રિયા બંધનું કારણ નથી, પણ હું શરીરથી વિષય સેવન કરું એવો આને જે અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. એ અધ્યવસાયને શરીરની ક્રિયા આશ્રયભૂત-નિમિત્તભૂત છે, પણ એ શરીરની ક્રિયા બંધનું કારણ નથી. શરીર તો જડ પરવસ્તુ છે. એ જડની ક્રિયા આને બંધનનું કારણ કેમ થાય? ન થાય, તેમ ‘હું જૂઠું બોલું’ એવો જે અસત્યમાં અધ્યવસાય છે તે જ પાપબંધનું કારણ છે. જૂઠું બોલવાના અધ્યવસાયને ભાષાવર્ગણાના નિમિત્ત હો, પણ એનાથી પાપબંધ નથી. અહીં તો આ સિદ્ધાંત છે કે-આ હું (પરનું) કરું છું, અને ‘એમાં મને મઝા છે’ ઈત્યાદિ જે મિથ્યાભાવ છે એ જ બંધનું કારણ થાય છે, બાહ્યવસ્તુ કે બાહ્યવસ્તુની ક્રિયા નહિ.

અહાહા....! આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ જ્ઞાનાનંદનો દરિયો સદા સ્વાધીન છે. પણ અજ્ઞાનીએ અનાદિથી એને ભ્રાંતિવશ પરાધીન માન્યો છે. એણે શરીર, ઈન્દ્રિય, વાણી, સ્ત્રી-પુત્ર, લક્ષ્મી ઈત્યાદિ વડે પોતાનું સુખ માન્યું છે. તે કહે છે- મને શરીર વિના ચાલે નહિ, ઈન્દ્રિયો વિના ચાલે નહિં, સ્ત્રી વિના ચાલે નહિ, પૈસા-લક્ષ્મી વિના ચાલે નહિ. અરે ભાઈ! આવો પરાધીન ભાવ જ તને બંધનનું કારણ છે, કેમકે એ પરાધીન ભાવ જ તારી સ્વાધીનતાને હણે છે, પ્રગટ થવા દેતો નથી. બાહ્ય પદાર્થો તો જેમ છે તેમ છે, તારી પરાધીનતાને ખંખેરી નાખ.

જુઓ, અધ્યવસાનને આશ્રયભૂત-નિમિત્તભૂત બાહ્યવસ્તુ-સ્ત્રી-પુત્ર, તન, ધન- ઈત્યાદિ છે ખરી, પણ એ કાંઈ બંધનું કારણ નથી. બાહ્યવસ્તુના કાર્યક્ષેત્રની મર્યાદા બંધનું કારણ જે અધ્યવસાન તેને નિમિત્ત હોવા પૂરતી જ છે. મારવા જિવાડવા આદિના અધ્યવસાયમાં બાહ્યવસ્તુ નિમિત્ત છે બસ એટલું જ એનું કાર્યક્ષેત્ર છે, પણ બંધના કાર્યમાં એ નિમિત્તરૂપ કારણ પણ નથી, અહીં તો આ ચોકખી વાત ઉપાડી


PDF/HTML Page 2608 of 4199
single page version

છે કે-બાહ્યવસ્તુ અધ્યવસાનને નિમિત્ત છે, પણ એ પરવસ્તુ બંધનું કારણ નથી. કોઈએ માઠા પરિણામ કર્યા કે શુભ પરિણામ કર્યા, ત્યાં એ પરિણામ એને બંધનું કારણ છે, પણ એ પરિણામ જેના આશ્રયે-નિમિત્તે થયા તે બાહ્ય ચીજ બંધનું કારણ નથી. તે બાહ્ય ચીજનું કાર્યક્ષેત્ર એ અધ્યવસાયને-પરિણામને નિમિત્ત હોવામાં જ પુરું થઈ જાય છે. આવી વાત છે!

હવે કહે છે-‘અહીં પ્રશ્ન થાય છે કે-જો બાહ્યવસ્તુ બંધનું કારણ નથી તો (બાહ્યવસ્તુનો પ્રસંગ ન કરો; ત્યાગ કરો-એમ) બાહ્યવસ્તુનો પ્રતિષેધ (નિષેધ) શા માટે કરવામાં આવે છે?

અહાહા....! શિષ્ય પૂછે છે કે-જો અધ્યવસાય એક જ બંધનું કારણ છે અને બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, આ શરીરની ક્રિયા, સ્ત્રી-કુટુંબ પરિવાર, ધનાદિ સામગ્રી બંધનું કારણ નથી તો સ્ત્રી-પુત્ર પરિવાર છોડો, ઘર છોડો, ધનાદિ છોડો એમ ઉપદેશ કરવામાં આવે છે તેનું શું કારણ છે?

સ્ત્રીનો સંગ ન કરો, વ્યભિચારી પુરુષોનો પ્રસંગ ન કરો, કંદમૂળનું સેવન ન કરો, રાત્રિભોજન ન કરો ઈત્યાદિ પરવસ્તુનો આપ નિષેધ કરો છો અને વળી પરવસ્તુ બંધનું કારણ નથી એમ પણ કહો છો તો એ પરવસ્તુનો નિષેધ ભગવાન! આપ શા કારણથી કરો છો?

તેનું સમાધાનઃ અધ્યવસાનના પ્રતિષેધ અર્થે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે.’

શું કીધું? કે પર જીવોને મારું-જિવાડું, પરની સાથે વ્યભિચાર કરું ઈત્યાદિ એવો જે અધ્યવસાય-એકત્વપણાનો મોહ છે તેનો નિષેધ કરવા માટે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરવામાં આવે છે. અહા! અંદર અભિપ્રાયમાં જે વિપરીત ભાવ છે એના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કરાવ્યો છે. અહાહા....! કોઈને બહારમાં પરિગ્રહના ઢગલા હોય, હીરા, માણેક, મોતી, જવાહરાત, સ્ત્રી-પુત્ર, રાજસંપત્તિ ઈત્યાદિ ઢગલાબંધ હોય; ત્યાં એ બાહ્ય ચીજો બંધનું કારણ નથી એ તો સત્ય જ છે, પણ એમના તરફના આશ્રયવાળો મમતાનો જે વિપરીત અભિપ્રાય છે તે બંધનું જ કારણ છે તેથી તે મોહયુક્ત વિપરીતભાવના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કહેવામાં આવ્યો છે. અહા! અહીં કહે છે-અમે જે બાહ્યવસ્તુનો પ્રતિષેધ કરીએ છીએ એ તો એના આશ્રયભૂત જે મિથ્યાભાવ છે, મિથ્યા અધ્યવસાન છે તેનો નિષેધ કરવા કરીએ છીએ. સમજાણું કાંઈ...?

‘અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત્ ઉપજતું નથી.’


PDF/HTML Page 2609 of 4199
single page version

જોયું? જે કાંઈ વિભાવના પરિણામ થાય છે એ પરિણામને બાહ્યવસ્તુ નિમિત્ત છે. એ (વિભાવના) પરિણામ બાહ્યવસ્તુના (પરદ્રવ્યના) આશ્રયે ઉત્પન્ન થાય છે. અહાહા...! જેમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્વિકાર નિર્મળ ધર્મના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે છતાં એ સ્વદ્રવ્ય (ત્રિકાળી ચૈતન્ય મહાપ્રભુ) છે તે મોક્ષનું કારણ નથી, (કેમકે મોક્ષનું કારણ તો શુદ્ધ રત્નત્રયના પરિણામ છે, હા, શુદ્ધ રત્નત્રયના પરિણામને, સંવર-નિર્જરાના પરિણામને આશ્રય સ્વદ્રવ્યનો છે એ ખરું) તેમ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ તથા પરિગ્રહના અશુભ પરિણામ વા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહના શુભ પરિણામ પરદ્રવ્યના આશ્રયે થાય છે છતાં એ પરદ્રવ્ય છે તે બંધનું કારણ નથી; પણ એમાં જે પોતાનો મિથ્યા અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. ભાઈ! એ શુભાશુભ પરિણામ સઘળા પરદ્રવ્યના આશ્રયે જ ઉત્પન્ન થાય છે, તોપણ એ પરદ્રવ્ય બંધનું કારણ નથી.

ત્યારે લલચાઈ જવાય એવા સ્થાનોમાં ન જવું, રૂપાળી ચીજ હોય તેનો પ્રસંગ ન કરવો જેથી ત્યાં ખેંચાઈ જવાય એમ ઉપદેશમાં આવે છે ને?

તો કહે છે-ત્યાં ખેંચાઈ જવાનો ભાવ તો જીવ પોતે કરે છે, એમાં એ પરચીજ તો નિમિત્તમાત્ર છે; એ ભાવ કાંઈ નિમિત્તે કરાવ્યો છે એમ નથી. તેથી એ પરચીજથી બંધ નથી. તોપણ પરચીજનું લક્ષ છોડાવવા પર ચીજ છોડો, પરચીજનો પ્રસંગ ન કરો એમ ઉપદેશમાં આવે છે.

પ્રવચનસારમાં (જ્ઞાન અધિકાર, ગાથા ૬૭માં) આવે છે કે-‘વિષયો અકિંચિત્કર છે.’ પાંચ ઈન્દ્રિયના વિષયો જીવને રાગરૂપ વિભાવના પરિણામ કરાવતા નથી, પણ જીવ પોતે જ વિષયો પ્રતિ રાગાદિરૂપ પરિણમે છે. જીવ પોતે જે રાગાદિ પરિણામ કરે એમાં એ પરચીજનું આશ્રયપણું ભલે હો, પણ તે પરિણામ પરચીજના કરાવ્યા થાય છે એમ નથી. અહા! તે રાગાદિ પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે થતા નથી, પણ પરદ્રવ્યના આશ્રયે જ થાય છે. પરંતુ પરદ્રવ્ય બંધનું કારણ નથી છતાં પરદ્રવ્યનો આશ્રય-લક્ષ છોડાવવા પરદ્રવ્યથી પ્રસંગ ન કરો એમ ઉપદેશમાં આવે છે.

અહા! અધ્યવસાય છોડાવવા પરને છોડાવે છે, પણ પરને છોડાવવા અધ્યવસાય છોડાવે છે એમ નથી. પરચીજ તો છૂટી જ છે, એને ક્યાં છોડવાની છે? પરને છોડો એમ કહ્યું ત્યાં પરના આશ્રયે થતા અધ્યવસાયને છોડવાની વાત છે. સમજાણું કાંઈ...? ભાઈ! આમાં તો એનું લક્ષ જે પર ઉપર છે તે પલટીને લક્ષ સ્વ ઉપર જાય બસ આટલી વાત છે. ૧૧ મી ગાથામાં भूदत्थमस्सिदो खलु...’ એમ આવે છે ને? તેનો અર્થ પણ એ છે કે ભૂતાર્થ નામ સ્વદ્રવ્યના આશ્રયે-લક્ષે જીવ સમ્યગ્દ્રષ્ટિ થાય છે.


PDF/HTML Page 2610 of 4199
single page version

પણ સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો?

સ્વદ્રવ્યનું લક્ષ ન કરે તો ખલાસ; એને પરદ્રવ્યના લક્ષે વિભાવરૂપ મિથ્યા અધ્યવસાય જ થાય; અને એથી બંધન જ થાય. આવી સીધી વાત છે.

અહાહા...! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અતીન્દ્રિય આનંદનો કંદ એકલા આનંદનું દળ છે. પોતે એના પર લક્ષ કરે તો મોક્ષના પરિણામ થાય. છતાં એ ત્રિકાળી દ્રવ્ય મોક્ષના પરિણામ કરાવતું નથી. નિશ્ચયથી મોક્ષના પરિણામનું (ત્રિકાળી ધ્રુવ) દ્રવ્ય દાતા નથી. અહાહા....! શુદ્ધરત્નત્રયરૂપ જે મોક્ષનો માર્ગ તે મોક્ષમાર્ગની પર્યાયનું લક્ષ (ત્રિકાળી) દ્રવ્ય ઉપર છે, પણ દ્રવ્ય એ પર્યાયનો દાતા નથી. મોક્ષમાર્ગ અને મોક્ષની પર્યાયનો કર્તા દ્રવ્ય નથી. તો કોણ છે? એ પર્યાય પોતે જ પોતાનો કર્તા છે.

પ્રશ્નઃ– પર્યાય આવે છે તો દ્રવ્યમાંથી ને?

ઉત્તરઃ– દ્રવ્યમાંથી આવે છે એમ કહેવું એ વ્યવહાર છે; બાકી પર્યાય થાય છે તે પોતે પોતાના કારણથી (પોતાના ષટ્કારકપણે) થાય છે. જો દ્રવ્યથી થાય તો એકસરખી પર્યાય થવી જોઈએ, પણ એમ તો થતું નથી માટે ખરેખર પર્યાય પર્યાયથી પોતાથી થાય છે. પર્યાયમાં થોડી શુદ્ધિ, વધારે શુદ્ધિ, એથીય વધારે શુદ્ધિ એવી તારતમ્યતા આવે છે તે પર્યાયના પોતાના કારણે આવે છે. હા એટલું છે કે એ (-શુદ્ધ) પર્યાયનો આશ્રય સ્વદ્રવ્ય છે.

તેવી રીતે હિંસા, જૂઠ, ચોરી આદિ તથા ભક્તિ, દયા, દાન, વ્રત, પૂજા આદિ અશુભ કે શુભભાવમાં પણ જે મંદતા-તીવ્રતારૂપ તારતમ્યતા (વિષમતા) આવે છે એ પણ પર્યાયના પોતાના કારણે આવે છે, પરના કારણે નહિ; પણ એ ભાવ થવામાં સામી પરચીજનો આશ્રય અવશ્ય હોય છે. અધ્યવસાયને પરવસ્તુનો આશ્રય નિયમથી હોય છે.

પ્રશ્નઃ– બાહ્યવસ્તુ વર્તમાન વિદ્યમાન ન હોય તોપણ પરિણામ (-અધ્યવસાય) તો થાય છે?

ઉત્તરઃ– ભાઈ! પરિણામ (-અધ્યવસાય) થાય એને બાહ્યવસ્તુનો આશ્રય તો અવશ્ય હોય છે, પણ તે બાહ્યવસ્તુ વર્તમાન વિદ્યમાન જ હોય કે સમીપ જ હોય એવો નિયમ નથી. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં (ચોથા અધિકારમાં) આવે છે કે- ‘પાપી જીવોને તીવ્ર મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમના સંકલ્પ વડે જ રાગદ્વેષ થાય છે.’ મતલબ કે ભલે બાહ્યવસ્તુ તત્કાલ હાજર ન હોય, સમીપ ન હોય, તોપણ મનમાં તેની કલ્પના કરીને વિભાવના પરિણામ અજ્ઞાની કરે છે. આ


PDF/HTML Page 2611 of 4199
single page version

પ્રમાણે રાગાદિ અધ્યવસાય જે થાય તેને બાહ્યવસ્તુનો આશ્રય હોય જ છે. જો કે બાહ્યવસ્તુ એ અધ્યવસાય ઉત્પન્ન કરી દે છે એમ નહિ, તોપણ અજ્ઞાનીને જે હિંસા- અહિંસાદિના અધ્યવસાય થાય છે તે બાહ્યવસ્તુના આશ્રયે જ થાય છે. (થાય છે પોતાથી સ્વતંત્ર).

અહાહા...! આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ અંદર ભગવાન પોતે છે. પણ અજ્ઞાનીને તેનું લક્ષ નથી. અજ્ઞાનીનું લક્ષ બાહ્યવસ્તુ પર છે. બાહ્યવસ્તુના લક્ષે-આશ્રયે પરિણમતા તેને હિંસા-અહિંસાદિના અધ્યવસાય ઉત્પન્ન થાય છે. અહીં કહે છે-તે અધ્યવસાય જ એને બંધનું કારણ છે પણ બાહ્યવસ્તુ બંધનું કારણ નથી. એ પરવસ્તુ બંધનું કારણ જે અધ્યવસાય તેનું કારણ નામ નિમિત્ત છે, પણ તે બંધનું કારણ નથી. શ્રી જયસેનાચાર્યની ટીકામાં એને પરંપરાકારણ લખ્યું છે; એનો અર્થ જ એ કે એ સાક્ષાત્-સીધું કારણ નથી, કારણનું કારણ-નિમિત્ત છે. આવી યથાર્થ વસ્તુસ્થિતિ જેમ છે તેમ અહીં સિદ્ધ કરી છે. એમાં ગરબડ ચાલે નહિ. પરિણામથી-અધ્યવસાયથીય બંધ થાય ને બાહ્યવસ્તુથીય બંધ થાય એમ માને તે વિપરીતદ્રષ્ટિ છે એમ કહે છે.

‘અધ્યવસાનને બાહ્યવસ્તુ આશ્રયભૂત છે; બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના અધ્યવસાન પોતાના સ્વરૂપને પામતું નથી અર્થાત્ ઉપજતું નથી.’ લ્યો, આમાં ન્યાય મૂકયો છે. એમ કહે છે કે-જેમ સ્વના આશ્રય વિના નિર્મળ નિર્વિકારી પરિણામ કદીય ત્રણકાળમાં થાય નહિ તેમ પરના-બાહ્યવસ્તુના આશ્રય વિના બંધના પરિણામ થતા નથી. આ ન્યાય છે ભાઈ! આગળ બંધ અધિકારમાં (ગાથા ૨૩૭-૨૪૧ ની ટીકામાં) આવી ગયું ને કે-‘માટે ન્યાયબળથી જ આ ફલિત થયું કે જે ઉપયોગમાં રાગાદિકરણ તે બંધનું કારણ છે.’ અહાહા...! વસ્તુ શુદ્ધ ચૈતન્યઘન પવિત્રતાનો પિંડ પ્રભુ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યના ઉપયોગમય છે. તેમાં ક્ષણિક વિકૃત દશાને-રાગાદિને જોડી બેને એક કરી નાખવા એ બંધનું કારણ છે. અહીં પણ આ જ સિદ્ધ કરવું છે.

હવે કહે છે-‘જો બાહ્યવસ્તુનો આશ્રય કર્યા વિના પણ અધ્યવસાન ઉપજતું હોય તો, જેમ આશ્રયભૂત એવા વીરજનનીના પુત્રના સદ્ભાવમાં (કોઈને) એવો અધ્યવસાય ઉપજે છે કે-“હું વીરજનનીના પુત્રને હણું છું” તેમ આશ્રયભૂત એવા વંધ્યાપુત્રના અસદ્ભાવમાં પણ (કોઈને) એવો અધ્યવસાય ઉપજે (-ઉપજવો જોઈએ) કે “હું વંધ્યાપુત્રને (વાંઝણીના પુત્રને) હણું છું. પરંતુ એવો અધ્યવસાય તો (કોઈને) ઉપજતો નથી.”

જુઓ, અહીં દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત સિદ્ધ કરે છે. શું કહે છે? કે જો આશ્રય વિના પરિણામ થાય તો શૂરવીર માતાના શૂરવીર પુત્રના આશ્રયે જેમ અધ્યવસાય ઉપજે છે કે ‘હું એને હણું છું’ તેમ જેનું કદી હોવાપણું જ નથી એવા વંધ્યાપુત્રના આશ્રયે


PDF/HTML Page 2612 of 4199
single page version

પણ ‘હું વંધ્યાસુતને હણું છું’ એવો અધ્યવસાય ઉપજવો જોઈએ. પણ એવો અધ્યવસાય સંભવિત જ નથી, કેમકે વંધ્યાને પુત્ર જ ન હોય તો ‘હું એને હણું છું’ એવો અધ્યવસાય પણ ક્યાંથી ઉપજે? ન ઉપજે. જુઓ, અહીં અધ્યવસાયને બાહ્યવસ્તુનો આશ્રય સિદ્ધ કરે છે. એમ કે ‘વીરજનનીના પુત્રને હણું છું’ એવો અધ્યવસાય તો થાય કેમકે વીરજનનીના પુત્રની હયાતી છે; પણ ‘હું વંધ્યાપુત્રને હણું છું’ એવો અધ્યવસાય ઉપજે? ન ઉપજે, કેમકે વંધ્યાપુત્રનું હોવાપણું જ નથી ત્યાં એને હણવાનો અધ્યવસાય ક્યાંથી ઉપજે? (કોઈ રીતે ન ઉપજે). હવે સિદ્ધાંત કહે છે કે-

‘માટે એવો નિયમ છે કે (બાહ્યવસ્તુરૂપ) આશ્રય વિના અધ્યવસાન હોતું નથી.’

આ અંદર આસ્રવ-બંધના જે પરિણામ થાય છે તે પરના આશ્રય વિના થતા નથી એમ કહે છે. શું કહ્યું? કે બાહ્યવસ્તુનો આશ્રય પામ્યા વિના મોહ-રાગ-દ્વેષરૂપ અધ્યવસાન ઉપજતું નથી. ઝીણી વાત ભાઈ! એ બાહ્યવસ્તુની હયાતી છે એનાથી અધ્યવસાન થાય છે એમ નહિ, પણ પરવસ્તુનો આશ્રય પામ્યા વિના અધ્યવસાન ઉપજતું નથી એમ વાત છે. (બેમાં બહુ ફરક છે). હવે કહે છે-

‘અને તેથી જ અધ્યવસાનને આશ્રયભૂત એવી જે બાહ્યવસ્તુ તેનો અત્યંત પ્રતિષેધ છે, કેમકે કારણના પ્રતિષેધથી જ કાર્યનો પ્રતિષેધ થાય છે.’

બાહ્યવસ્તુ અધ્યવસાનને આશ્રયભૂત છે. તેથી અધ્યવસાનનો ત્યાગ કરાવવા અર્થે બાહ્યવસ્તુનો ત્યાગ કહેવામાં આવ્યો છે. આમાંથી કોઈ લોકો એમ કાઢે છે કે-જુઓ, બાહ્યનો ત્યાગ કરે ત્યારે એના પરિણામ સારા (નિર્મળ) થાય; પણ એ બરાબર નથી, એમ છે નહિ. અહીં તો ‘બહારની વસ્તુનો ત્યાગ કરો’, ‘એનો પ્રસંગ કરો’ એમ કહીને તેના આશ્રયે ઉપજતા અધ્યવસાનનો ત્યાગ કરાવવો છે. અહા! એને પરનો આશ્રય છોડાવીને સ્વના આશ્રયમાં લઈ જવો છે. હવે કોઈ સ્વનો આશ્રય તો કરે નહિ અને બહારથી સ્ત્રી-કુટુંબ, ઘરબાર, વસ્ત્ર આદિનો ત્યાગ કરી દે તો તે શું કામ આવે? કાંઈ જ નહિ; કેમકે પરાશ્રય તો એને ઊભો જ છે, પરના આશ્રયે જન્મતા મિથ્યા અધ્યવસાય તો ઊભા જ છે.

અહા! જેમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે થાય તેમ વિકારના પરિણામ પરદ્રવ્યના આશ્રયે થાય છે. અહા! કેવી સીધી સ્પષ્ટ વાત!

તોપણ કોઈ લોકો કહે છે-વ્યવહારરત્નત્રયના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે પ્રગટે છે.

અરે પ્રભુ! તું શું કહે છે આ? વ્યવહારરત્નત્રયના પરિણામ જે છે તેનો


PDF/HTML Page 2613 of 4199
single page version

આશ્રય તો વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર છે. એ તો પરવસ્તુ છે અને તેના આશ્રયે થતો શુભભાવ પુણ્યબંધનું કારણ છે. દેવ-ગુરુ-શાસ્ત્ર પુણ્યબંધનાં કારણ નથી પણ તેના આશ્રયે થતો શુભભાવ-વ્યવહારરત્નત્રયના પરિણામ-પુણ્યબંધનું કારણ છે. જ્યારે નિશ્ચયરત્નત્રયના-ધર્મના પરિણામને તો ત્રિકાળી એક જ્ઞાયકવસ્તુનો આશ્રય હોય છે. ૧૧ મી ગાથામાં આવ્યું ને કે-

भूदत्थमस्सिदो खलु सम्मादिठ्ठी हवदि जीवो’

સમ્યગ્દર્શનમાં તો ભૂતાર્થ જે અખંડ એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્મા તે એક જ આશ્રય કરવા યોગ્ય છે. અહા! ધર્મને ત્રિકાળી એક સત્યાર્થ ચિદાનંદઘન પ્રભુ આત્માનો જ આશ્રય હોય છે. (વ્યવહારરત્નત્રયનો નહિ).

અહાહા.....! જેમ મોક્ષના પરિણામ અખંડ એક ત્રિકાળી ધ્રુવ વિજ્ઞાનઘન પ્રભુ આત્માના આશ્રયે થાય છે તેમ બંધના-વિકારના પરિણામ-હિંસા જૂઠ આદિના ને દયા, દાન, ભક્તિ આદિના પરિણામ-પરદ્રવ્યના આશ્રયે થાય છે. આ ભગવાનની ભક્તિ- પૂજાનો શુભભાવ થાય તો તેને આશ્રય ભગવાનના બિંબનો-જિનબિંબનો હોય છે. ત્યાં જિનબિંબ બંધનું કારણ નથી, બંધનું કારણ તો એનો શુભભાવ છે. અહીં મિથ્યાત્વસહિતની વાત છે. જુઓ, કોઈ દસ-વીસ લાખ ખર્ચીને મંદિર બનાવે અને એમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરાવે. હવે એમાં મંદિર આદિ બને એ તો પરની ક્રિયા છે અને એને જે શુભભાવ થયો તેને એ મંદિરનો પરચીજનો આશ્રય છે, તોપણ એ મંદિરના કારણે એને શુભભાવ થયો છે એમ નથી, તથા એ શુભભાવ બાહ્યવસ્તુ જે મંદિર એના આશ્રય વિના થયો છે એમ પણ નથી; વળી એ શુભભાવ જેના આશ્રયે થયા છે એ મંદિર એને પુણ્યબંધનું કારણ નથી પણ શુભભાવ જ બંધનું કારણ છે.

અહા! આવો વીતરાગનો મારગ! સમજવો કઠણ પડે, પણ ધીમે ધીમે સમજવો ભાઈ! અહા! આવી યથાર્થ સમજણ જ્યાં નથી અર્થાત્ જ્યાં જૂઠી-વિપરીત સમજણ છે ત્યાં ગમે તેટલાં દયા, દાન, વ્રત, ભક્તિ કરે એ સર્વ બંધનું જ કારણ છે; એમાં ધર્મનું કોઈ કારણ નથી. અહા! બંધના કારણરૂપ આને ભાવ છે, પણ ભાવનો આશ્રય (બાહ્યવસ્તુ) એ બંધનું કારણ નથી. છતાં એ ભાવ બાહ્ય આશ્રય વિના થતા નથી. (પરદ્રવ્યના) આશ્રય વિના પરિણામ (વિભાવ) થતા નથી માટે આશ્રયભૂત વસ્તુ બંધનું કારણ છે એમ નથી; અને આશ્રય વિના પરિણામ થતા નથી માટે આશ્રયભૂત વસ્તુથી પરિણામ થાય છે એમેય નથી. અહો! આ તો ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્ત્વને સિદ્ધ કરવાની કોઈ અલૌકિક યુક્તિ-ન્યાયનો માર્ગ છે!

ધર્મીને સ્વદ્રવ્યનો આશ્રય વર્તે છે. તેની મુખ્યતામાં કિંચિત્ પરદ્રવ્યના આશ્રયે થતા પરિણામને ગૌણ કરી દીધા છે. અહીં એકત્વબુદ્ધિ લેવી છે ને? જેણે સ્વદ્રવ્યમાં


PDF/HTML Page 2614 of 4199
single page version

એકત્વ કરીને સ્વદ્રવ્યના આશ્રયે (નિર્મળ રત્નત્રયના) પરિણામ પ્રગટ કર્યા એને પરદ્રવ્યના આશ્રયે પરિણામ થતા જ નથી અર્થાત્ એ પરિણામ જ નથી એમ કહે છે. અને આમ જે ‘હું પરનું કરું છું’ એમ પરમાં એકત્વ કરીને પરિણમે છે તેને મોક્ષમાર્ગના પરિણામ નથી. એ તો દ્રષ્ટાંતથી સિદ્ધ કર્યું ને કે આશ્રયભૂત વસ્તુ વિના પરિણામ થાય એમ બનતું નથી. (જેને સ્વદ્રવ્યનો આશ્રય છે તેને પરદ્રવ્યનો આશ્રય નથી તેથી તેને વિભાવના પરિણામ થતા નથી, અને જેને પરદ્રવ્યનો આશ્રય છે તેને સ્વદ્રવ્યનો આશ્રય નથી તેથી તેને મોક્ષમાર્ગના પરિણામ થતા નથી). આશ્રય વિના પરિણામ હોઈ શકે નહિ; અહીં એકત્વબુદ્ધિના પરિણામની મુખ્યતાથી વાત છે.

અહા! આવો વીતરાગનો મારગ! બિચારાને અભ્યાસ ન મળે એટલે અંધારે અથડાય. જુઓને! દુનિયાના લૌકિક પાપના અભ્યાસમાં કેટકેટલો વખત ગાળે? પચ્ચીસ-પચ્ચીસ વર્ષ સુધી પાપના લૌકિક ભણતર ભણે અને એમાં મરી જાય તો થઈ રહ્યું. લ્યો, અમેરિકામાં જઈને ભણે, નેવું ટકા માર્કે પાસ થાય, એને હોંશે ને હરખનો પાર ન મળે. લોકો ત્યાં એને સન્માન આપે. સવારે દેશમાં જવું હોય ત્યાં રાત્રે સૂઈ જાય તે સૂઈ જ જાય, મરી જાય; બિચારો ક્યાંય કાગડે-કૂતરે જાય. જુઓ આ લૌકિક ભણ્યા-ગણ્યાનો સરવાળો! ભાઈ! એ લૌકિક ભણતર સંસારમાં રઝળવા સિવાય બીજા કાંઈ ખપમાં ન આવે.

જ્યારે આ (-તત્ત્વનું) ભણ્યા-ગણ્યાનો સરવાળો તો કેવળજ્ઞાન આવે. અહાહા.....! જેણે આ આત્માને ભણીને ગણતરીમાં લીધો છે, ‘હું નથી’ એમ જે હતું તે ‘હું છું’ એમ જેણે અસ્તિમાં લીધો છે તેને ગણતરીમાં સરવાળે કેવળજ્ઞાન આવે છે. બીજા છ દ્રવ્યોને જેમ ગણે છે તેમ ‘હું એ છયે દ્રવ્યોથી જુદો અનંત અનંત શાન્તિનો સાગર એક વિજ્ઞાનઘનસ્વભાવપણે અંદર વિરાજમાન છું’ એવી અંતર-પ્રતીતિ વડે પોતાને ગણે તે એને સરવાળે મોક્ષ લાવે છે. અહાહા....! સ્વસ્વરૂપમાં એકત્વના પરિણામ એને મોક્ષનું કારણ થાય છે. ધર્મીને નિશ્ચયથી તો એક સ્વની સાથે જ એકત્વબુદ્ધિના પરિણામ છે; પર સાથે તેને એકત્વ છે જ નહિ. તેથી અમથા સાધારણ (અસ્થિરતાના) પરિણામ હોય તેને અહીં ગૌણ કરી દીધા છે. અહો! દિગંબર સંતોએ અપાર કરુણા કરીને જગતના ભવ્ય જીવોને શું ન્યાલ કરી દીધા છે! અહો! શું કરુણા! ને શું શાસ્ત્ર!!

કહે છે-‘માટે એવો નિયમ છે કે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાય હોતું નથી.’ જેમ વંધ્યાને પુત્ર નથી તો એને હણવાનું અધ્યવસાય હોતું નથી તેમ પરના આશ્રય વિના કોઈપણ બંધના (-વિકારી) પરિણામ થતા નથી. વિકારી પરિણામનો આશ્રય પર છે અને નિર્વિકારી નિર્મળ પરિણામનો આશ્રય સ્વ છે.


PDF/HTML Page 2615 of 4199
single page version

તેથી, વિકારી પરિણામના (-શુભભાવના) આશ્રયે નિર્વિકારી (-શુદ્ધ) પરિણામ થાય એમ કદી બને નહિ; તેમજ નિર્વિકારી શુદ્ધ ચૈતન્યમાત્ર વસ્તુના આશ્રયે જે પરિણામ થાય એમાં વિકારી પરિણામ થાય એમ બને નહિ.

ત્યારે કોઈ લોકો કહે છે-મોક્ષમાર્ગ છે એ બંધનું કારણ છે ને મોક્ષનું કારણ પણ છે અને બંધમાર્ગ છે તે બંધનું કારણ છે ને મોક્ષનું કારણ પણ છે-આવો અનેકાન્ત છે.

અરે ભાઈ! તું શું કહે છે આ? બાપુ! તને વસ્તુના સ્વરૂપની ખબર નથી. જેને સ્વસ્વરૂપ શુદ્ધ વિજ્ઞાનઘનવસ્તુમાં એકત્વ સહિત સ્વનો આશ્રય છે તેને મોક્ષમાર્ગ છે, પણ તેને પરમાં એકત્વના પરિણામ નથી તેથી બંધ નથી; તથા જેને પરના એકત્વપૂર્વક પરાશ્રયના પરિણામ છે તેને બંધમાર્ગ છે, પણ તેને સ્વના એકત્વના પરિણામ નથી તેથી મોક્ષનું કારણ બનતું નથી. આ પ્રમાણે મોક્ષમાર્ગ મોક્ષનું કારણ છે પણ કિંચિત્ બંધનું નહિ તથા બંધમાર્ગ બંધરૂપ જ છે પણ તેમાં કિંચિત્ મોક્ષનું કારણ નથી. આનું નામ જ સમ્યક્ અનેકાન્ત છે. બાપુ! તું કહે છે એ તો અનેકાન્ત નથી પણ ફુદડીવાદ છે, સંશયવાદ છે.

ભાઈ! વંધ્યાપુત્રના આશ્રયે જેમ ‘હું વંધ્યાપુત્રને હણું’ એવો અધ્યવસાય હોય નહિ તેમ પરવસ્તુના આશ્રય વિના વિકારના બંધરૂપ પરિણામ થતા નથી અને સ્વદ્રવ્યના આશ્રય વિના મોક્ષમાર્ગના પરિણામ બનતા નથી. લ્યો, આમ સ્વ અને પર એમ બેયથી આ સિદ્ધ થાય છે.

વેદાંતની જેમ બધું થઈને એક જ છે એમ માને તો સ્વ અને પર એમ સિદ્ધ થાય નહિ. મોક્ષમાર્ગનો ઉદ્યમ કરવો એવો ઉપદેશ તો ત્યારે જ બની શકે કે જો એને વર્તમાનમાં પરના આશ્રયભૂત બંધમાર્ગ હોય. એમાં સ્વ ને પર બન્ને સિદ્ધ થઈ ગયાં. તથા પરનો આશ્રય છોડીને સ્વનો આશ્રય કરવો એમ ઉપદેશ આવતાં સ્વઆત્મતત્ત્વ પરથી ભિન્ન પણ સિદ્ધ થઈ ગયું. અરે બાપુ! આ તો વીતરાગનો અલૌકિક માર્ગ છે! એને વેદાંતાદિ બીજા કોઈ સાથે મેળ ખાય એમ નથી. જુઓ, બંધમાર્ગમાં બીજી બાહ્યવસ્તુ છે ને એના પરિણામ બાહ્યવસ્તુના આશ્રયે સિદ્ધ કર્યા. અહા! જેમ પોતે છે તેમ પોતાથી ભિન્ન બીજી ચીજ છે, અને તેના આશ્રયે એને બંધમાર્ગ છે. પણ બીજી ચીજના આશ્રયના અભાવમાં એને બંધ થાય એમ છે નહિ. અને સ્વના આશ્રયના અભાવમાં એને મોક્ષમાર્ગ થાય એમ પણ છે નહિ. આવી જ વસ્તુસ્થિતિ છે. સમજાણું કાંઈ...?

ભાઈ! તારે ધર્મ કરવો છે ને? તો સ્વદ્રવ્ય-પરમાત્મદ્રવ્ય પોતે છે એના આશ્રયે ધર્મ થશે. અહા! સ્વદ્રવ્ય કેવું છે, કેટલું છે, કેવડું છે- એ બધું સમજવું


PDF/HTML Page 2616 of 4199
single page version

પડશે અને સમજીને તેનો આશ્રય કરવો પડશે, એ વિના બીજી કોઈ રીતે ધર્મ નહિ થાય. અહો! લોકોનાં પરમ ભાગ્ય છે કે ભગવાનનો વિરહ પડયો પણ આ વાણી રહી ગઈ. અહાહા...! સંતોએ શું કામ કર્યું છે!

કહે છે-આ ટીકા છે તે મેં (અમૃતચંદ્રે) કરી નથી, ટીકા તો શબ્દોથી થઈ છે. અને એ કાળમાં આ જે ટીકાનો વિકલ્પ ઉઠયો છે તે પણ મારી ચીજ નથી. એમાં એકત્વબુદ્ધિ નથી ને? તો કહે છે કે પરના આશ્રયે નીપજેલા પરિણામ મારા નથી, કેમકે હું તો સ્વરૂપગુપ્ત છું, સ્વના આશ્રયમાં છું. અહાહા...! જુઓ તો ખરા! કેવી સંતોની નિર્માન દશા!

ત્યારે કોઈ વળી કહે છે- એ તો આચાર્યે પોતાની લઘુતા બતાવવા એમ કહ્યું છે.

પણ ભાઈ! એમ નથી હોં. વાસ્તવમાં આત્મા ટીકા (પરદ્રવ્યની ક્રિયા) કરી શકતો જ નથી; તથા પરના આશ્રયે વિકલ્પ થાય તેનો કર્તા-સ્વામી ધર્મી પુરુષ થાય જ નહિ. આ સત્ય વાત છે ને તે જેમ છે તેમ આચાર્યદેવે કહી છે, એકલી લઘુતા બતાવવા માટે કહ્યું છે એમ નથી. અહા! માર્દવગુણના માલિક પરની ક્રિયાના કર્તા કેમ થાય? ત્યાં કળશટીકામાં ‘અભિમાન કરતા નથી’ એમ લખાણ છે તેનો અર્થ જ એ છે કે કર્તાપણાનું અભિમાન નથી. ‘કરી શકું છું’ પણ લઘુતા બતાવવા અભિમાન કરતો નથી એમ અર્થ નથી. (પરનું) ‘કરી શકતો જ નથી’ એમ બતાવવા ‘અભિમાન કરતા નથી’ એમ કહ્યું છે.

અરે! તારી જ્ઞાનાનંદની લક્ષ્મી તને લક્ષમાં ન આવે અને પરચીજના લક્ષમાં તું દોરાઈ જાય છે તો શું થાય? તે વડે તને બંધ જ થાય, સંસાર જ મળે. ચાહે તો પૂજા- ભક્તિના ભાવ હો, પણ તેમાં એકત્વબુદ્ધિના પરિણામથી બંધ જ થાય. એકત્વબુદ્ધિરહિત ભક્તિ-પૂજાના ભાવ હોય તે અસ્થિરતાના પરિણામની મુખ્યતાથી જોઈએ તો તે ભાવ પણ (અલ્પ) બંધનું કારણ છે. ધર્મીને એવા પરસન્મુખતાના પરિણામ થાય છે પણ તેમાં એકત્વબુદ્ધિ નથી તેથી તે નિર્જરાનું કારણ છે એમ કહ્યું છે. ધર્મીને સ્વના આશ્રયનું જોર છે તેથી પરના આશ્રયે થયેલા પરિણામ (નિઃસંતાન) છૂટી જવા માટે છે એ અપેક્ષાએ તેને નિર્જરાનું કારણ કહ્યું છે. આમાં તો ઘણા બધા ન્યાય ભર્યા છે.

અહીં પરનો આશ્રય અને સ્વનો આશ્રય એમ બે વાત છે. તેમાં પરના આશ્રયે જે એકત્વબુદ્ધિથી પરિણામ થાય તેને બંધ કહ્યો, બંધનું કારણ કહ્યું. અને સ્વ-ભાવ અંદર જે શુદ્ધ ચૈતન્યરસ-જ્ઞાનાનંદરસથી પરિપૂર્ણ એવું ધ્રુવ તત્ત્વ એના આશ્રયે મોક્ષ કહ્યો, મોક્ષનું કારણ કહ્યું. અહીં આ બે ચોખ્ખા ભાગ પાડવા છે કે સ્વના આશ્રયે મોક્ષ ને પરના આશ્રયે બંધ. વળી ત્યાં પરચીજ છે તે બંધનું કારણ નથી અને


PDF/HTML Page 2617 of 4199
single page version

સ્વવસ્તુ ત્રિકાળી આત્મા છે તે મોક્ષનું કારણ નથી એમ વિશેષ કહે છે. પરાશ્રિત અને સ્વાશ્રિત જે પરિણામ છે તે પરિણામ જ અનુક્રમે બંધ-મોક્ષનું કારણ છે.

દ્રવ્ય-ત્રિકાળી ધ્રુવ વસ્તુ એ મોક્ષનું કારણ નથી. એ ત્રિકાળી ધ્રુવ ઉપાદાન વ્યવહાર છે.

તો કોઈ વળી કહે છે-દ્રવ્ય ત્રિકાળી ઉપાદાન છે તેમાં અનેક પ્રકારની યોગ્યતાઓ છે, અને જે સમયે જેવું નિમિત્ત આવે તેવી પર્યાય એમાં થાય છે. (એમ કે નિમિત્ત અનુસાર દ્રવ્ય-યોગ્યતા પરિણમી જાય છે.)

પણ ભાઈ! આ વાત બરાબર નથી; કેમકે દ્રવ્ય તો વ્યવહાર ઉપાદાનકારણ છે, નિશ્ચય ઉપાદાન તો વર્તમાન પર્યાય છે. વસ્તુના ઉપાદાનના બે ભેદ કહ્યા છે. અષ્ટસહસ્ત્રીના પ૮ મા શ્લોકની ટીકા પૃ. ૨૧૦ નો આધાર ચિદ્વિલાસમાં ‘કારણ-કાર્યભાવ અધિકાર’માં પૃ. ૩૬માં આપેલ છે કે-પરિણામ ક્ષણિક ઉપાદાન છે અને ગુણ (-શક્તિ) શાશ્વત (ધ્રુવ) ઉપાદાન છે. ધ્રુવને ઉપાદાન કહ્યું એ તો એની શક્તિ છે તે વ્યવહાર સિદ્ધ કર્યો, પણ પ્રગટ પર્યાયમાં જે નિર્મળ દશા પ્રગટ થાય તે ક્ષણિક ઉપાદાન-વર્તમાન ઉપાદાન છે તે યથાર્થ નિશ્ચય છે. તે ક્ષણિક ઉપાદાન અર્થાત્ વર્તમાન પર્યાયની તે સમયે યોગ્યતા જે હોય તે જ પ્રમાણે પર્યાય-કાર્ય થાય. વર્તમાન પર્યાય નિમિત્તના આધારે તો નહિ પણ દ્રવ્યના ત્રિકાળી ધ્રુવ ઉપાદાનના આધારે પણ થતી નથી.

આ વાત દ્રષ્ટાંતથી જોઈએ-

જેમકે પરમાણુમાં તીખાશ થવાની ત્રિકાળી યોગ્યતા-શક્તિ છે તે ત્રિકાળી ઉપાદાન છે; પણ એ તો વ્યવહાર બાપુ! લીંડીપીપરના પરમાણુમાં તીખાશ છે તે વર્તમાન ઉપાદાને પ્રગટ છે. એ વર્તમાન યોગ્યતા તે નિશ્ચય છે. પરમાણુમાં ત્રિકાળ યોગ્યતા તો છે, પણ તે પથ્થર વગેરેના પરમાણુમાં વર્તમાન તીખાશ પ્રગટ થવાનું કારણ છે? નથી. લીંડીપીપરના પરમાણુને તે છે. તેથી જેની વર્તમાન પર્યાયમાં તીખા રસની શક્તિ પ્રગટ છે તે ક્ષણિક ઉપાદાનને જ ખરેખર નિશ્ચય ઉપાદાનકારણ કહેવાય છે.

અહીં કહે છે-બંધનું કારણ જે અધ્યવસાન તેના પ્રતિષેધ અર્થે અધ્યવસાનને આશ્રયભૂત બાહ્યવસ્તુનો પ્રતિષેધ છે, કેમકે કારણના પ્રતિષેધથી કાર્યનો પ્રતિષેધ થાય છે.

મિથ્યાત્વના પરિણામ એ કાર્ય અને એનું કારણ (-નિમિત્ત) આશ્રયભૂત પરવસ્તુ કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર આદિ,-એને અહીં છોડવાનું કહ્યું, કેમકે મિથ્યાત્વના પરિણામ એના આશ્રયે થાય છે. મિથ્યાત્વને છોડાવવા એના આશ્રયભૂત પદાર્થોને છોડવાનું કહ્યું છે. એ પદાર્થો બંધનું કારણ છે એમ નહિ, બંધનું કારણ તો મિથ્યાત્વ જ છે, પણ એ મિથ્યાત્વના પરિણામ એ પદાર્થોના આશ્રયે ઉપજે છે. માટે બાહ્ય


PDF/HTML Page 2618 of 4199
single page version

પદાર્થોનો નિષેધ કરાવી એ મિથ્યાત્વના પરિણામનો નિષેધ કરાવ્યો છે એમ સમજવું. માત્ર બાહ્યપદાર્થનો નિષેધ છે એમ ન સમજવું. પરિણામનો નિષેધ કરાવવા બાહ્યવસ્તુનો નિષેધ કર્યો છે. એમ તો બહારનો ત્યાગ અનંતવાર કર્યો, પણ એથી શું? બાહ્યવસ્તુ ક્યાં બંધનું કારણ છે? મિથ્યાત્વ ઊભું રહ્યું તો સંસાર ઊભો જ રહ્યો. સમજાણું કાંઈ....?

જુઓ, એક જણે પ્રશ્ન પૂછયો હતો કે- કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રની શ્રદ્ધા એ મિથ્યાત્વ છે. તેમ સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રની શ્રદ્ધા (-રાગ) પણ મિથ્યાત્વ છે?

ત્યારે કહ્યું-ના, એમ નથી. સુદેવ-સુગુરુ-સુશાસ્ત્રની શ્રદ્ધાનો ભાવ તો શુભરાગ છે, એ મિથ્યાત્વ નથી. એવો ભાવ તો જ્ઞાનીને પણ હોય છે; પરંતુ એ શુભરાગમાં કોઈ ધર્મ માને તો તે માન્યતા મિથ્યાત્વ છે. સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે રાગ છે એને ધર્મ માને તે મિથ્યાત્વ છે.

‘હું બીજાને જિવાડું-મારું’ ઇત્યાદિ એવો જે અધ્યવસાય-મિથ્યા પરિણામ છે તે જ બંધનું કારણ છે. ત્યાં બીજો જીવ મર્યો કે જીવ્યો એ કાંઈ આને બંધનું કારણ નથી. તો પછી એ બાહ્ય વસ્તુનો નિષેધ કેમ કર્યો. તો કહે છે-‘હું મારું-જિવાડું’ ઈત્યાદિ મિથ્યા અધ્યવસાનના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કર્યો છે, કેમકે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાન ઉપજતું નથી. લ્યો, આમાં ન્યાય સમજાય છે કાંઈ...?

પ્રશ્નઃ– તો અમારે બન્નેનો ત્યાગ કરવો કે એકનો? ઉત્તરઃ– એ તો કહ્યું ને કે- મિથ્યા અધ્યવસાનને છોડાવવા બાહ્યવસ્તુનો સંગ છોડો એમ કહ્યું છે. ભાઈ! બાહ્યનો ત્યાગ કરો એમ કહીને મિથ્યા અધ્યવસાયને છોડાવવું છે. સમજાય છે કાંઈ....?

આ બધા વાણિયા સંસારના ખૂબ ચતુર-ડાહ્યા હોય છે. બધા મજૂરની જેમ મજૂરી કરે પણ ન્યાય ને તર્કથી વસ્તુ શું છે એ નક્કી કરવાની દરકાર ન કરે. અહીં આચાર્ય મહારાજ એમ કહે છે કે-‘હું વેપાર કરું’ એવો જે અભિપ્રાય તે વેપારની ક્રિયા કરી શકતો નથી, કેમકે વેપારની ક્રિયા પોતાનાથી ભિન્ન પરચીજની ક્રિયા છે. એટલે એનો પરનો કર્તાપણાનો અભિપ્રાય મિથ્યા હોવાથી એને બંધનું કારણ છે. એ અભિપ્રાયનો આશ્રય પરચીજ છે. તેથી એ મિથ્યા અભિપ્રાયના નિષેધ અર્થે પરચીજનું લક્ષ છોડાવવા પરચીજનો નિષેધ કર્યો છે. આ લોજીકથી-ન્યાયથી તો વાત છે. ભગવાન સર્વજ્ઞનો માર્ગ ન્યાયપ્રાપ્ત છે, એને ન્યાયથી સમજવો જોઈએ.

જુઓ, એવો નિયમ છે કે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાન હોતું નથી, અને તેથી અધ્યવસાનને આશ્રયભૂત એવી બાહ્યવસ્તુનો અત્યંત પ્રતિષેધ છે; કેમકે કારણના નિષેધથી અર્થાત્ અધ્યવસાનના આશ્રયભૂત જે બાહ્યવસ્તુના નિષેધથી કાય


PDF/HTML Page 2619 of 4199
single page version

નામ અધ્યવસાનનો નિષેધ થાય છે. જેમકે ‘બીજાને જિવાડું’ એવો જે અધ્યવસાય તે અધ્યવસાયનું કારણ-આશ્રય જે પરજીવ તે પરજીવના સંગના નિષેધથી કાર્યભૂત અધ્યવસાનનો નિષેધ થાય છે. આવી વાત છે!

શ્રોતા-આ તો બહુ અટપટું લાગે છે.

બાપુ! સમજાય એવું તો છે. ન સમજાય એમ કેમ હોય? ફરીને લઈએઃ

જુઓ, જે ભાવ એમ થયો કે-‘આને જિવાડું, બચાવું, આહારાદિ આપું’ તે ભાવ- અભિપ્રાય જિવાડવા ને આહારાદિ આપવાની ક્રિયા કરી શકતો નથી તેથી તે મિથ્યા છે અને બંધનું કારણ છે. તેથી તે અભિપ્રાય નિષેધવા યોગ્ય છે. હવે તે અભિપ્રાયમાં પરવસ્તુ-પરજીવ આશ્રય-લક્ષ-નિમિત્ત છે. તો કહે છે તે મિથ્યા અભિપ્રાયનો આશ્રય- કારણ જે પર જીવ છે તેનો નિષેધ થઈ જતાં કાર્યભૂત અધ્યવસાનનો નિષેધ થાય છે, કેમકે આશ્રયભૂત પરવસ્તુના અભાવમાં અધ્યવસાન ઉપજતું નથી. તેથી બંધના પરિણામના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો નિષેધ કરવામાં આવ્યો છે. સમજાણું કાંઈ....?

સ્ત્રીનો સંગ ન કરો એમ જે કહેવામાં આવે છે એ સ્ત્રીના લક્ષે જે પરિણામ થાય છે તે પરિણામનો નિષેધ કરવા માટે કહેવામાં આવે છે. સ્ત્રી તો પરવસ્તુ છે; એ કાંઈ બંધનું કારણ નથી. બંધનું કારણ તો સ્ત્રીના લક્ષે, ‘હું આમ વિષય સેવું’ એમ જે, મિથ્યા અધ્યવસાય થાય છે તે છેે. અહીં કહે છે કે એ મિથ્યા અધ્યવસાયના નિષેધ અર્થે બાહ્યવસ્તુનો-સ્ત્રી આદિનો નિષેધ કરવામાં આવે છે, કેમકે બાહ્યવસ્તુના આશ્રય વિના અધ્યવસાન ઉપજતું નથી. બહુ ઝીણી વાત ભાઈ! એણે કદી ન્યાયથી વિચાર્યું નથી; ઉપયોગને વસ્તુના સ્વરૂપ ભણી લઈ ગયો નથી. અહાહા.....! ન્યાયમાં ‘નિ’ ધાતુ છે ને? એટલે જે રીતે વસ્તુ છે તે રીતે જ્ઞાનને તેમાં દોરી જવું એનું નામ ન્યાય છે.

અહીં કહે છે-ભગવાન! તું એકવાર સાંભળ. કે ‘હું આ પૈસા બીજાને દઉં, દાન કરું’ એવો તારો જે અભિપ્રાય છે તે મિથ્યા છે. કેમ? કેમકે તે અભિપ્રાય પૈસા દેવાની ક્રિયા કરી શકતો નથી. અહા! એ પૈસાના-જડના ખસવાના પરિણામ તો જે કાળે જેમ થવા યોગ્ય હોય તેમ તે કાળે એના પોતાના કારણે થાય છે; અને તું માને છે કે ‘હું દઉં છું’; તેથી તારો એ મિથ્યા અધ્યવસાય છે અને તે બંધનું કારણ છે. આ મિથ્યા અધ્યવસાયને પરવસ્તુ જે પૈસા તે આશ્રયભૂત છે. હવે અહીં કહે છે કે-અધ્યવસાયનું કારણ-આશ્રય જે પરવસ્તુ-પૈસા તેનો નિષેધ થતાં, તેના તરફનું વલણ નિવૃત થતાં કાર્યભૂત જે મિથ્યા અધ્યવસાય તેનો નિષેધ થાય છે, કેમકે પરવસ્તુના આશ્રય


PDF/HTML Page 2620 of 4199
single page version

વિના અધ્યવસાય ઉપજતો નથી. આ પ્રમાણે કારણના નિષેધથી કાર્યનો નિષેધ થાય છે. ધીમે ધીમે પણ સમજવું ભાઈ!

આ બંધ અધિકારમાં તો પહેલેથી જ ન્યાયથી ઉપાડયું છે કે -જુઓ, જગતમાં કર્મના રજકણો ઠસાઠસ છે માટે આત્મા બંધાય છે એમ નથી, નહિતર સિદ્ધને પણ બંધ થાય. તેમ મન-વચન-કાયાના યોગની ક્રિયા થાય માટે આત્મા બંધાય છે એમ નથી; જો એમ હોય તો ભગવાન કેવળીને (યથાખ્યાત સંયમીને) પણ બંધ થાય. તેમ પાંચ ઈન્દ્રિયોની ક્રિયા પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો ભગવાન કેવળીને પણ બંધ થાય. તેમ ચેતન-અચેતનનો ઘાત પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો સમિતિરૂપે પ્રવર્તનારા મુનિવરોને પણ બંધનો પ્રસંગ આવે. આ પ્રમાણે પર વસ્તુ બંધનું કારણ નથી. તો બંધનું કારણ શું છે? તો કહે છે-ઉપયોગમાં જે રાગાદિ કરે છે તે એક જ બંધનું કારણ છે. અહાહા...! એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્મા એના જ્ઞાનસ્વભાવમાં ક્ષણિક વર્તમાન વિકારના-રાગાદિના પરિણામને એક કરે તે મિથ્યાત્વ બંધનું કારણ છે.

શું કહે છે? કે ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવમય ત્રિકાળ જ્ઞાનના ઉપયોગરૂપ છે. તેના વર્તમાન વર્તતા જ્ઞાનના ઉપયોગમાં પુણ્ય-પાપરૂપ રાગાદિને, દયા, દાન આદિના વિકલ્પને જોડી દે-એક કરે તે મિથ્યાત્વભાવ છે અને તે જ સંસારનું-બંધનું કારણ છે. ભાઈ! તારો આત્મસ્વભાવ, ભગવાન જ્ઞાનસ્વભાવ એ બંધનું કારણ નથી, તેમ પરવસ્તુ પણ બંધનું કારણ નથી. ફક્ત સ્વ-સ્વરૂપના પરિણામમાં પરને એક કરવું તે મિથ્યાત્વ જ બંધનું કારણ છે. આવી વ્યાખ્યા છે બાપુ! અહા! આ તો જિનવાણી માતા-લોકમાતા ભાઈ!

બનારસી વિલાસમાં સ્તુતિમાં (શારદાષ્ટકમાં) આવે છે ને કે-

“જિનાદેશજાતા જિનેન્દ્રા વિખ્યાતા, વિશુદ્ધા પ્રબુદ્ધા નમોં લોકમાતા;
દુરાચાર દુર્નૈહરા શંકરાની, નમો દેવિ વાગેશ્વરી જૈનવાણી.”

અહાહા..! ભગવાન જિનેશ્વરદેવના મુખકમળમાંથી ઉત્પન્ન થયેલી હોવાથી જે ઓમ્ધ્વનિ જિનેન્દ્રા તરીકે સુવિખ્યાત થઈ છે, અને જે અતિ પવિત્ર જ્ઞાનના ભંડારરૂપ છે, જ્ઞાનને ઉત્પન્ન કરનારી છે એવી એ જગતની માતા જિનવાણી દુરાચાર અને દુર્નયનો નાશ કરનારી અને પરમ સુખની દેનારી છે. કવિ કહે છે-માટે હે વાગીશ્વરી! હું તારી ગોદમાં આવું છું, અર્થાત્ હું તને નમસ્કાર કરું છું. વળી કેવી છે તે જિનવાણી!

“સુધા ધર્મસંસાધની ધર્મશાલા, સુધા તાપનિર્નાશની મેઘમાલા;
મહામોહ વિધ્વંસની મોક્ષદાની; નમો દેવિ વાગેશ્વરી જૈનવાણી.”

અહાહા...! અમૃતનો નાથ પ્રભુ આત્મા તેના આશ્રયે પ્રગટતા અમૃતરૂપ ધર્મને