PDF/HTML Page 2861 of 4199
single page version
બીજી રીતે કહીએ તો ભગવાન આત્મામાં અનાદિથી પર્યાયમાં વિકારનો સંબંધ છે તે બંધ અને સંસાર છે. અહા! જ્યારે તે કર્મ-વિકારથી મુક્ત પૂર્ણ અબંધ થઈ જાય ત્યારે પૂર્ણ જ્ઞાન ને આનંદની દશા પ્રગટ થાય છે અને એનું નામ મોક્ષ છે.
‘બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ છે એમ કેટલાક કહે છે, તે અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી, કેમકે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી.’
જોયું? આ દાખલો આપ્યો કે-આ બંધ છે, આ પ્રકારે બેડીથી બંધાયેલો છું-એટલું માત્ર જાણે એટલે કાંઈ બંધથી-બેડીથી છૂટે? ન છૂટે. તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાનમાત્ર મોક્ષનું કારણ નથી. બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી મોક્ષ થાય એમ માનવું અસત્ છે. હવે કહે છે-
‘આથી જેઓ કર્મબંધના પ્રપંચની રચનાના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને ઉત્થાપવામાં આવે છે.’
આટલી પ્રકૃતિનો બંધ છે, આટલી કર્મપ્રકૃતિ સત્તામાં છે, કુલ ૧૪૮ પ્રકૃતિ છે એમાંથી સમકિતીને ૪૧ કર્મપ્રકૃતિનો બંધ પડતો નથી. કર્મબંધ ચાર પ્રકારે છે; એમાં અનુભાગ અને સ્થિતિબંધ કષાયથી પડે છે તથા પ્રકૃતિ ને પ્રદેશબંધનું કારણ યોગ છે. આમ કર્મબંધના વિસ્તારના જ્ઞાનમાત્રથી જે સંતુષ્ટ છે તેમનો મોક્ષ થતો નથી. આ પ્રકૃતિ આમ છે ને આ કર્મની આટલી સ્થિતિ છે ઇત્યાદિ જાણવાથી શું ધર્મ થયો? રાગ અને આત્માને ભિન્ન પાડે ત્યારે એને ધર્મ થાય છે, અને તે બંધથી છૂટે છે; માત્ર બંધના પ્રપંચને જાણવામાત્રથી કાંઈ નથી.
બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું.
બંધ એ રાગ છે અને રાગ છે તે વ્યવહાર છે. તેને જાણવામાત્રથી મોક્ષ છે એમ કોઈ અન્યમતી માને છે. તેની એ માન્યતા યથાર્થ નથી એમ આ કથનથી જાણવું. બંધને જાણવામાત્રથી જ મુક્તિ ન થાય. તો કેવી રીતે થાય? તો કહે છે-
‘જાણવામાત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે’ લ્યો, બંધ તો કાપવાથી-છેદવાથી કપાય છે, છેદાય છે. અહાહા...! અંદર શુદ્ધ દ્રષ્ટિ અને રમણતા કરે તો બંધ કપાય. પ્રજ્ઞાથી રાગને દ્વિધા-ભિન્ન કરે ને સ્વરૂપને
PDF/HTML Page 2862 of 4199
single page version
અનુભવે તો બંધ કપાય. શુદ્ધને અનુભવતાં શુદ્ધતા થાય, અબંધ થાય; પણ અશુદ્ધતા કરતાં કરતાં શુદ્ધતા-અબંધતા ત્રણકાળમાંય ન થાય. બંધના સ્વરૂપના વિકલ્પમાત્ર કરવાથી જ બંધ કદીય ન કપાય. લ્યો, આવી વાત છે.
બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છેઃ-
‘બંધસંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ છે-એમ બીજા કેટલાક કહે છે, તે પણ અસત્ છે;... ...’
જોયું? બંધ સંબંધી વિચારશૃંખલા એટલે શુભભાવની ધારા એ મોક્ષનું કારણ છે- એમ કેટલાક કહે છે તે અસત્ છે એમ કહે છે. આ હું બંધનમાં છું’ મિથ્યાત્વ અને રાગાદિભાવ તે બંધ છે-એવા વિચાર કર્યા કરે એનાથી બંધ કપાય એમ કોઈ માને તો એ સાચું નથી-એમ કહે છે. બંધન આમ છે, ને એમાં આટલી પ્રકૃતિઓનો આ ગુણસ્થાને ઉદય હોય છે, આટલી પ્રકૃતિઓનો બંધ પડે છે ને આટલી સત્તામાં હોય છે-ઇત્યાદિ વિચારો કરવા એ શુભરાગ છે ને એનાથી કાંઈ આત્મા બંધથી છૂટતો નથી.
‘કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, કેમકે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચારશૃંખલા બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચારશૃંખલા કર્મબંધથી છૂટવાનું કારણ નથી’
અન્ય સંપ્રદાયમાં તો કર્મના જાણનારાને મોટે જ્ઞાની કહે છે. અરે ભાઈ! કર્મનો બંધ, સત્તા, ઉદય ઇત્યાદિ જાણવામાં ધર્મ શું થયો! બાપુ! એ તો શુભરાગ છે. એનાથી ધર્મ કેમ થાય! ત્રણકાળમાં ન થાય. ભાઈ! સમ્યગ્દર્શન જે ધર્મનું પહેલું પગથિયું તે થવામાં પોતાના ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્યની અપેક્ષા છે. આ સિવાય બીજા કશાયનીય અપેક્ષા નથી, બીજા બધાની તો વાસ્તવમાં ઉપેક્ષા જ છે.
આગળ સમયસારમાં એ આવી ગયું કે શુદ્ધને (એક જ્ઞાયકને) જાણતાં શુદ્ધતાને (પર્યાયમાં શુદ્ધતાને) પામે અને અશુદ્ધને (-વિકારને ને પરદ્રવ્યને) જાણતાં અશુદ્ધતાને પામે. ભાઈ! અહીં તો સ્વભાવની દ્રષ્ટિ કરીને શુદ્ધ-અશુદ્ધને (સ્વભાવ-વિભાવને) જુદા પાડે ત્યારે આત્મા બંધનથી છૂટે છે એમ વાત કહેવી છે.
‘આથી કર્મસંબંધી વિચારશૃંખલાત્મક વિશુદ્ધ (-શુભ) ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે.’
PDF/HTML Page 2863 of 4199
single page version
‘વિશુદ્ધ ધર્મધ્યાન’ એટલે શુભભાવ જે પુણ્યબંધનું કારણ છે એને અહીં ધર્મધ્યાન કહ્યું છે. અહીં આ શબ્દ જરી અટપટો (નામથી) વ્યવહાર ધર્મધ્યાનના અર્થમાં વાપર્યો છે. નિયમસારમાં આવે છે કે-નિશ્ચય ધર્મધ્યાન ને વ્યવહાર ધર્મધ્યાન-બન્ને ભિન્ન છે. શુદ્ધ આત્માના આશ્રયે શુદ્ધતા પ્રગટ થાય તે નિશ્ચય ધર્મધ્યાન છે ને (કર્મ આદિ) પરલક્ષે શુભભાવ થાય તે વ્યવહાર ધર્મધ્યાન છે. વર્તમાનમાં લોકોમાં આ મોટો ગોટો ઊઠયો છે-કે શુભભાવથી ધર્મ થાય. પણ ભાઈ! શુભભાવ એ નિશ્ચયથી તો આર્તધ્યાન છે, એ ધર્મધ્યાન કેવું? જુઓને! અહીં આ સ્પષ્ટ કહ્યું છે કે- ‘વિશુદ્ધ ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે.......’ અહાહા...! શુભભાવથી ધર્મ માનનારા, અહા! શુભભાવથી બંધન છૂટશે એમ માનનારા અંધ એટલે આંધળા છે એમ કહે છે.
અરે ભાઈ! જેઓ શુભભાવમાં ગળા સુધી ગરી-ડૂબી ગયા છે એવા જીવોને અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો ગોળો ચૈતન્યમહાપ્રભુ પોતે છે એની ખબર સુદ્ધાં નથી. અંધ બુદ્ધિ છે ને? અહા! શુભભાવથી ભિન્ન ચૈતન્યમય હું પરમાત્મદ્રવ્ય છું-એ ભાસતું નથી. શુભભાવની આડમાં એને આખો પરમાત્મા ભાસતો નથી. આવે છે ને કે-
એમ શુભભાવની આડમાં પોતાના ભગવાનને એ ભાળતો નથી વળી કોઈ કહે છે-આ સમયસાર તો મુનિઓ માટે છે. એમ કે એનો સ્વાધ્યાય ગૃહસ્થો માટે નથી.
પણ ભાઈ! અહીં તો આ સ્પષ્ટ લખ્યું કે શુભભાવથી અંધ છે બુદ્ધિ જેમની તેમને સમજાવવામાં આવે છે. અહા! જેઓ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, કર્મનો વિચાર કર્યા કરવો ઇત્યાદિ શુભરાગમાં-વ્યવહારમાં જ મૂઢ છે (નિશ્ચયને જાણતા નથી) એવા જીવોને આ સમયસાર સમજાવવામાં આવે છે. ભાઈ! તારી વાતમાં બહુ ફેર છે બાપા!
નિશ્ચયને જાણતાં વ્યવહારને જાણે એ તો જ્ઞાની છે. વ્યવહારનો રાગ છે એનાથી ભિન્ન પડીને શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માનો અનુભવ કરે છે તે વ્યવહારનો યથાર્થ જાણનારો છે. પણ અહીં તો શુભમાં-વ્યવહારમાં અંધ છે બુદ્ધિ જેની એવા મૂઢ અજ્ઞાનીને સમજાવવામાં આવે છે. (જ્ઞાનીને-મુનિને ક્યાં સમજાવવો છે? એને તો એવો સ્વાધ્યાયનો રાગ આવે છે બસ એટલું જ).
અહા! કર્મના આઠ ભેદ, એની ૧૪૮ પ્રકૃતિ, એનાં બંધ, સત્તા, ઉદય, ઉદીરણા, ક્ષય, ક્ષયોપશમ ઇત્યાદિ બધું સર્વજ્ઞની વાણી સિવાય બીજે ક્યાંય છે નહિ. અહા! આવા સર્વજ્ઞના માર્ગમાં પણ કર્મપ્રકૃતિ સંબંધી વિચારશૃંખલામાં જ રોકાઈ જાય તેઓ, અહીં કહે છે, શુભભાવમાં આંધળા છે.
PDF/HTML Page 2864 of 4199
single page version
ઈશ્વરને કર્તા માનનારા, વળી બીજા પ્રકૃતિ ઈશ્વરની શક્તિઓ છે એમ માનનારા અને એના વિના ઈશ્વરને પણ ચાલે નહિ એમ માનનારા-એ બધાની અહીં વાત નથી કેમકે તે જીવો તો સ્થૂળ વિપરીત દ્રષ્ટિ છે જ.
ઘણાં વર્ષ પહેલાંની આ વાત છે. મોરબી પાસે એક ગામ છે. ત્યાં એક શક્તિનું મંદિર છે. તેમાં એક બાવો રહે. અમે ત્યાં ગયેલા ત્યારે એ બાવો કહે-ભગવાનને પણ આ (અમારી આ શક્તિદેવી) શક્તિ વિના ચાલે નહિ. ત્યારે એને કહેલું-આ ભગવાન આત્મા ચૈતન્યમહાપ્રભુ ઈશ્વર છે, અને તેને જ્ઞાન ને આનંદ ઇત્યાદિ અનંત શક્તિ છે. એને એ શક્તિ વિના ચાલે નહિ. મતલબ કે એ શક્તિમાં અંતર્લીન થયા વિના ચાલે નહિ. અજ્ઞાનીઓ માને છે એ શક્તિય નહિ અને એ ઈશ્વરેય નહિ. (એ તો અસત્ કલ્પનામાત્ર છે.)
અહીં કહે છે-શક્તિવાન એવા પોતાના ભગવાન આત્માનો આશ્રય છોડી દઈને કર્મબંધનના વિચારો-શુભભાવ કે જેનાથી પુણ્ય બંધાય છે તે-કર્યા કરે છે તે અંધ છે, કેમકે એ શુભભાવને જ દેખે છે, પણ એનાથી ભિન્ન અંદર ભગવાન આત્મા છે એને દેખતો નથી. અહા! એવા અંધ મિથ્યાદ્રષ્ટિઓને, અહીં કહે છે, સમજાવવામાં આવે છે. સમજાણું કાંઈ...?
‘કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તોપણ મોક્ષ થતો નથી. એ તો ધર્મધ્યાનરૂપ શુભ પરિણામ છે.’
જોયું? શુભ પરિણામને અહીં ધર્મધ્યાન કહ્યું-એ વ્યવહાર છે. ‘જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે-શુભ પરિણામથી મોક્ષ થતો નથી.’
લ્યો, આ સ્પષ્ટ વાત કહી કે-વ્યવહાર કે જે શુભરાગરૂપ છે એનાથી મોક્ષ થતો નથી. ભગવાન સર્વજ્ઞદેવે કહેલી કર્મવ્યવસ્થાની વિચારધારામાં રહ્યા કરવું એ શુભરાગ છે, પુણ્યબંધનું કારણ છે, પણ એનાથી સમક્તિ આદિ ધર્મ થતો નથી. શુભથી મિથ્યાત્વનો છેદ તો થતો નથી પણ શુભને ધર્મ કે ધર્મનું કારણ માને તો મિથ્યાત્વનું બંધન થાય છે.
અહા! શુભથીય ભિન્ન પડી અંદર વસ્તુ જેવી ત્રિકાળ શુદ્ધ છે એનો આશ્રય કરે એને મિથ્યાત્વનું બંધન છેદાઈ જાય છે; તેને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો બંધ થતો નથી.
PDF/HTML Page 2865 of 4199
single page version
तह बंधे चिंतंतो जीवो वि ण पावदि विमोक्खं।। २९१।।
तथा बन्धांश्चिन्तयन् जीवोऽपि न प्राप्नोति विमोक्षम्।। २९१।।
બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છેઃ-
ત્યમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. ૨૯૧.
ગાથાર્થઃ– [यथा] જેમ [बन्धनबद्धः] બંધનથી બંધાયેલો પુરુષ [बन्धान् चिन्तयन्] બંધોના વિચાર કરવાથી [विमोक्षम् न प्राप्नोति] મોક્ષ પામતો નથી (અર્થાત્ બંધથી છૂટતો નથી), [तथा] તેમ [जीवः अपि] જીવ પણ [बन्धान् चिन्तयन्] બંધોના વિચાર કરવાથી [विमोक्षम् न प्राप्नोति] મોક્ષ પામતો નથી.
ટીકાઃ– ‘બંધ સંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ છે’ એમ બીજા કેટલાક કહે છે, તે પણ અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચારશૃંખલા (-વિચારની પરંપરા) બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચારશૃંખલા કમૃબંધથી છૂટવાનું કારણ નથી. આથી (-આ કથનથી), કર્મબંધ સંબંધી વિચારશૃંખલાત્મક વિશુદ્ધ (-શુભ) ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે.
ભાવાર્થઃ– કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તોપણ મોક્ષ થતો નથી. એ તો ધર્મધ્યાનરૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે-શુભ પરિણામથી મોક્ષ થતો નથી.
PDF/HTML Page 2866 of 4199
single page version
कस्तर्हि मोक्षहेतुरिति चेत्–
तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं।। २९२।।
तथा बन्धांरिछत्वा च जीवः सम्प्राप्नोति विमोक्षम्।। २९२।।
“(જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી) તો મોક્ષનું કારણ કયું છે?” એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે છેઃ-
ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨.
ગાથાર્થઃ– [यथा च] જેમ [बन्धनबद्धः तु] બંધનથી બંધાયેલો પુરુષ [बन्धान् छित्वा] બંધોને છેદીને [विमोक्षम् प्राप्नोति] મોક્ષ પામે છે, [तथा च] તેમ [जीवः] જીવ [बन्धान् छित्वा] બંધોને છેદીને [विमोक्षम् सम्प्राप्नोति] મોક્ષ પામે છે.
ટીકાઃ– કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. આથી (-આ કથનથી), પૂર્વે કહેલા બન્નેને (-જેઓ બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને-) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં-જોડવામાં-ઉદ્યમ કરાવવામાં આવે છે).
જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી તો મોક્ષનું કારણ કયું છે? એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે છેઃ-
PDF/HTML Page 2867 of 4199
single page version
‘કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમકે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે.’
જુઓ, શું કીધું? કે કર્મથી બંધાયેલાને તેનો છેદ એટલે કે (અસ્તિથી કહીએ તો) શુદ્ધાત્મા તરફનો ઝુકાવ એ મોક્ષનું કારણ છે, રાગનો બંધનો નાશ એ નાસ્તિથી વાત છે, તો અસ્તિ શું છે? તો કહે છે - જેમાં રાગ નથી એવા વીતરાગસ્વભાવી એક ચૈતન્યમય આત્માનો આશ્રય કરે તે મોક્ષનું કારણ છે. સમયસાર ગાથા ૧૪, ૧પ માં આવે છે કે - અબદ્ધસ્પૃષ્ટ એવા નિજ આત્માને દેખે અને અનુભવે તેને બંધનો છેદ થાય છે.
કર્મથી છૂટવું એ નિમિત્તની અપેક્ષાએ કથન છે, વિકારથી છૂટવું એ અશુદ્ધ ઉપાદાનની અપેક્ષાએ વાત છે અને શુદ્ધ ઉપાદાનથી કહીએ તો ભગવાન અબદ્ધસ્પૃષ્ટ આત્માને અનુભવ કરે તેને મોક્ષ થાય છે. અહા! શુદ્ધ ઉપાદાનનો આશ્રય કરતાં વિકાર ઉત્પન્ન થતો નથી તો એણે વિકારનો છેદ કર્યો એમ કહેવામાં આવે છે. જેવી ચીજ અંદર અબદ્ધસ્પૃષ્ટ મોક્ષસ્વરૂપ છે તેવા એ ચીજના આશ્રયે અબંધ પરિણામ પ્રગટ થાય છે ત્યારે વિકારનો નાશ કર્યો એમ કહેવાય છે.
સમયસાર ગાથા ૧પમાં એમ પણ આવે છે કે જે અબદ્ધસ્પૃષ્ટ એવા પોતાના આત્માને જાણે છે તે જૈનશાસનને જાણે છે. અહા! પર્યાયમાં પોતાના આત્માનું જ્ઞાન થયું એ જ જૈનશાસન છે; કેમકે જૈનશાસનના ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે એને વીતરાગતા ત્રિકાળ વીતરાગસ્વભાવી અબદ્ધસ્પૃષ્ટ નિજ આત્માના આશ્રયે પ્રગટે છે.
સમયસાર ગાથા ૭૪ની ટીકામાં લીધું છે કે - જેટલો આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે તેટલો આસ્રવોથી છૂટતો જાય છે અને જેટલો આસ્રવોથી છૂટતો જાય છે તેટલો વિજ્ઞાનઘન થતો જાય છે. તેમ અહીં કહે છે - આત્મા નિજ જ્ઞાનાનંદસ્વરૂપમાં જેટલો એકાગ્ર થતો જાય છે તેટલો તે કર્મથી (દ્રવ્યકર્મ ને ભાવકર્મથી) છૂટતો જાય છે ને જેટલો કર્મથી છૂટતો જાય છે તેટલો સ્વરૂપમાં એકાગ્ર થતો વિજ્ઞાનઘન થતો જાય છે.
લ્યો, આ દ્રષ્ટાંત આપી સમજાવે છે કે - જેમ બેડી આદિથી બંધાયેલો પુરુષ બંધનો છેદ કરવાથી બંધનથી છૂટે છે તેમ કર્મથી બંધાયેલો પુરુષ કર્મબંધનો છેદ કરવાથી બંધથી છૂટે છે. પણ કર્મબંધનો વિચાર કર્યા કરે, કે કર્મબંધનું માત્ર જાણપણું કર્યા કરે એથી કર્મથી ના છૂટે. બહારમાં આટલાં વ્રત કરે ને આટલા ઉપવાસ ને આટલી તપસ્યા કરે તો કર્મથી છૂટે એમ ત્રણકાળમાં નથી; કેમકે એ તો બધો રાગ છે ને એનાથી તો બંધન થાય છે.
PDF/HTML Page 2868 of 4199
single page version
આ વર્ષીતપ બાઇયું. (-સ્ત્રીઓ) કરે છે ને? તેઓ માને છે કે અમે ધર્મ કરીએ છીએ. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને. પોતાના શુદ્ધ ચૈતન્યભાવને જાણ્યા વિના એવી બહારની ક્રિયાઓથી પુણ્ય પણ ઊંચા બંધાતાં નથી તો ધર્મ શું થાય? અહા! સ્વસ્વરૂપના ભાન વિના ઉપવાસ કરીને કોઈ સૂકાઇ જાય તોય તપ ના થાય. તે ઉપવાસ નહિ પણ અપવાસ એટલે અપ નામ માઠો વાસ છે. બાપુ! એ બધી લાંઘણું છે. એ વડે એ સંસારની વૃદ્ધિ કરે છે કેમકે એમાં મિથ્યાત્વનો બંધ થાય છે. બહુ આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. હવે કહે છે કે -
‘આથી (- આ કથનથી) પૂર્વે કહેલા બન્નેને (-જેઓ બંધના સ્વરૂપના જ્ઞાન- માત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને -) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે’
અહા! વીતરાગ પરમેશ્વર એમ ફરમાવે છે કે - જે કોઈ ક્રિયાકાંડનો રાગ છે તે સર્વ બંધન છે, અને ભગવાન આત્મા એનાથી ભિન્ન છે માટે એ બન્નેને દ્વિધા-ભિન્ન કરવા પ્રતિ વ્યાપાર - ઉદ્યમ કરાવવામાં આવે છે. એમ કે રાગને રાગમાં રહેવા દે ને જ્ઞાનને અંદર જ્ઞાનમાં - આત્મામાં જોડી દે. લ્યો, આ પ્રમાણે એની ભિન્નતા થાય છે અને ત્યારે એને ધર્મ થાય છે.
અહાહા...! આત્મા એને કહીએ જેમાં પુણ્ય-પાપના વિકલ્પ નથી અને બંધ એને કહીએ જેમાં આત્માનો સ્વભાવ નથી. એમ બે વસ્તુ ભિન્ન છે. આત્મા અંદર ચૈતન્યપ્રકાશનું પૂર ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાયક તત્ત્વ છે અને આ દયા, દાન, વ્રત આદિના વિકલ્પ બંધના તત્ત્વ છે, ભાવબંધ છે. બન્ને ભિન્ન તત્ત્વ છે. અહા! નિત્ય અવિનાશી પ્રભુ આત્મા અને ક્ષણવિનાશી આ પુણ્ય-પાપના ભાવ બન્ને ભિન્ન ચીજ છે. આમ હોવા છતાં અજ્ઞાની જીવો બન્નેમાં એકપણું માની બેઠા છે તેઓને બન્નેના દ્વિધાકરણનો વ્યાપાર કરાવવામાં આવે છે. અહા! રાગથી એકપણું માની ક્રિયાકાંડમાં મગ્ન છે તેઓને રાગથી ભિન્ન કરી શુદ્ધ એક આત્મસ્વરૂપમાં મગ્ન થવાનો વ્યાપાર-ઉદ્યમ કરાવવામાં આવે છે એમ કહે છે. સમજાણું કાંઈ... ? આ તો જીવોને ભેદજ્ઞાનમાં લગાવવાની વાત છે.
કોઈને થાય કે આ ભેદજ્ઞાન વળી શું ચીજ છે? અહા! આ ભિન્ન કરવું તે શું? એને કહે છે - અનાદિથી રઝળી મરે છે એવા હે જીવ! સાંભળ. અંદરમાં જે અનેક પ્રકારે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભપરિણામ થાય છે તે તથા અહીં વીતરાગ સર્વજ્ઞે કહેલાં આઠ કર્મ, એની ૧૪૮ પ્રકૃતિ અને એના વળી પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ બંધ - એ બધાની વ્યાખ્યા અંદરમાં વિચારવી - એ તો બધો બંધતત્ત્વનો વિચાર થયો. એનાથી જીવને અહીં ભિન્ન કરાવવાના અર્થાત્ સ્વસ્વરૂપમાં જોડવાના ઉદ્યમમાં એને લગાવવો તે ભેદજ્ઞાન છે.
PDF/HTML Page 2869 of 4199
single page version
જુઓ, આ વ્યાપાર! આખો દિ’ દુકાનના, ધંધાના, બાયડી છોકરાં સાચવવાના ને ભોગના - એ તો બધા પાપના વ્યાપાર છે; અને દયા, દાન આદિ તથા બંધના વિચાર આદિમાં લાગ્યો રહે તે બધા પુણ્યના વ્યાપાર છે. અને પુણ્ય-પાપથી ભિન્ન અંદર શુદ્ધ ચૈતન્યમાં લાગ્યો રહે તે દ્વિધાકરણનો - ભેદજ્ઞાનનો વ્યાપાર છે. આત્માને રાગથી ભિન્ન કરવાનો આ વ્યાપાર - ઉદ્યમ ધર્મ છે, અને એવો ઉદ્યમ કરવાનો ભગવાન જિનેશ્વરનો હુકમ છે.
અહા! અબંધસ્વરૂપી આત્મા અને રાગનો બંધભાવ - એ બેને જુદે જુદા કરવાનો ભેદજ્ઞાન કરવાનો ભગવાનનો હુકમ છે. લ્યો, આ ભગવાનનો હુકમ! કે જોડ અને તોડ! એટલે શું? કે અનાદિથી રાગમાં જ્ઞાનને જોડયું હતું ત્યાંથી તોડ અને જ્ઞાનને આત્મામાં જોડ. જુઓ, આ ધર્મનું પહેલું પગથિયું એવા સમ્યગ્દર્શનની રીત. ચારિત્ર તો તે પછી હોય બાપુ! લોકોને ચારિત્ર કોને કહેવાય એની ખબર નથી. લુગડાં ફેરવ્યાં ને મહાવ્રત લીધાં એટલે થઇ ગયું ચારિત્ર એમ માને પણ એ તો નર્યું અજ્ઞાન છે.
વીતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ! લોકોને બિચારાઓને તે સાંભળવાં મળ્યો નથી. ક્યાંક જાય તો સાંભળવા મળે કે - જીવદયા પાળો, વ્રત કરો, ઉપવાસ-તપસ્યા કરો - એટલે ધર્મ થઇ જશે. પણ એમ તો ધૂળેય ધર્મ નહિ થાય. રાગનું એકપણું તોડી જ્ઞાનને નિજ ચૈતન્યસ્વરૂપમાં જોડયા વિના અને એની વિશેષ-વિશેષ સ્થિરતા કર્યા વિના બીજી રીતે કદીય ધર્મ નહિ થાય. સમજાણું કાંઈ...?
ત્યારે કોઈ વળી કહે છે - તમે તો બધું ક્રમબદ્ધ માનો છો. તો આ તોડ-જોડનો ઉધમ વળી શું? એક બાજુ કહો છો કે બધું ક્રમબદ્ધ થાય છે અને વળી પાછા કહો છો કે ઉદ્યમ કરો - તો આમાં તો વિરોધ આવે છે. એમાં અવિરોધ કેવી રીતે છે?
બાપુ! એ જ્યાં ક્રમબદ્ધનો નિર્ણય કરે છે ત્યાં જ આત્મામાં જોડાણનો ઉદ્યમ આવી જાય છે. ક્રમબદ્ધનો નિર્ણય એ જ સ્વસ્વરૂપમાં જોડાણનો ઉદ્યમ છે. આ રીતે એમાં અવિરોધ છે. સમજાણું કાંઈ...? આ તો અગમનિગમની વાતુ બાપુ!
આચાર્ય કહે છે - આત્મા અને રાગ સ્વરૂપથી ભિન્ન જ છે, પરંતુ જીવ અજ્ઞાનથી બેને એક માને છે તે એનું અહિત છે, અકલ્યાણ છે. તેને વળી કહે છે - હે ભાઈ! જો તારે તારું કલ્યાણ કરવું હોય તો વિકારના - રાગના પરિણામથી આત્માને ભિન્ન કર ને તારા જ્ઞાનને આત્મામાં જોડી દે.
PDF/HTML Page 2870 of 4199
single page version
किमयमेव मोक्षहेतुरिति चेत्–
बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणदि।। २९३।।
बन्धेषु यो विरज्यते स कर्मविमोक्षणं करोति।। २९३।।
‘માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-
જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩.
ગાથાર્થઃ– [बन्धानां स्वभावं च] બંધોના સ્વભાવને [आत्मनः स्वभावं च] અને આત્માના સ્વભાવને [विज्ञाय] જાણીને [बन्धेषु] બંધો પ્રત્યે [यः] જે [विरज्यते] વિરક્ત થાય છે, [सः] તે [कर्मविमोक्षणं करोति] કર્મોથી મુકાય છે.
ટીકાઃ– જે, નિર્વિકારચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને (આત્માના સ્વભાવને) અને તેને (અર્થાત્ આત્માને) વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. આથી (-આ કથનથી), આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે એમ નક્કી કરવામાં આવે છે).
માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે? જુઓ આ શિષ્યનો પ્રશ્ન! એમ કે રાગ અને આત્માને જુદા પાડવા એ એક જ મોક્ષનું કારણ કેમ છે? એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-
‘જે, નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને અને તેને (અર્થાત્ આત્માને)
PDF/HTML Page 2871 of 4199
single page version
વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મૂકાય છે.’
‘જે, નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને....’ જોયું? ભગવાન આત્મા નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્રસ્વભાવ છે. અહાહા...! દેહથી અને અંદર થતા પુણ્ય-પાપના ભાવોથી ભિન્ન આત્મા નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્ર છે. અહા! તે કોઈની દયા પાળે, કોઈની હિંસા કરે, કોઈ ને કાંઈ દે ને કોઈથી કાંઈ લે-એવો એનો સ્વભાવ જ નથી એવો એ ચૈતન્યચમત્કારમાત્ર પ્રભુ છે. ગજબ વાત છે પ્રભુ! કરે કોઈનું કાંઈ નહિ અને જાણે સૌને - ત્રણકાળ ત્રણલોકને - એવો એ ચૈતન્યચમત્કારમાત્ર છે.
અહો! આત્માનો સ્વભાવ મહા આશ્ચર્ય પમાડે તેવો છે. એક રજકણને ફેરવે નહિ પણ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પદાર્થ સહિત આખા લોકાલોકને જાણે એવો એનો સ્વભાવ છે. અહીં ‘ચૈતન્યચમત્કારમાત્ર’ કેમ કહ્યો? કેમકે આત્માનો જાણવામાત્ર સ્વભાવ છે, પણ પરનું ને રાગનું કરવું એ એનો સ્વભાવ નથી. પુણ્ય - પાપના ભાવ આત્માની ચીજ છે એમ નથી. અહા! પુણ્ય - પાપના ભાવ આત્માથી અન્ય છે. જેમ શરીર આત્માથી જુદી ચીજ છે તેમ પુણ્ય - પાપના વિકારી ભાવ આત્માથી જુદી ચીજ છે.
અહીં કહે છે - એવા આત્મસ્વભાવને અને તેને વિકાર કરનારા બંધોના સ્વભાવને જાણીને - જાણવાનું તો બેયને કહ્યું. આત્મા ચિત્ચમત્કારમાત્ર વસ્તુ છે ને પુણ્ય - પાપના શુભાશુભ ભાવો તેને વિકાર કરનારા બંધસ્વભાવો છે - એમ બેયને જાણીને, જે બંધોથી વિરમે છે અર્થાત્ રાગથી વિરક્ત થાય છે તે જ સર્વ કર્મોથી મૂકાય છે. લ્યો, આ ધર્મ કેવી રીતે થાય છે તે કહ્યું. શું કહ્યું? કે આ વ્યવહારરત્નત્રયનો રાગ કે જે બંધસ્વભાવ છે તેનાથી જે વિરમે છે, વિરક્ત થાય છે તે જ સર્વ કર્મથી મૂકાય છે, અર્થાત્ મુક્તિ પામે છે. આવી વાત વ્યવહારના રસિયાને આકરી પડે પણ આ સત્ય છે. સમજાણું કાંઈ..?
લૌકિકમાં તો પોતે ધંધા આદિ પાપની પ્રવૃત્તિથી નિવૃત્ત ન થતો હોય એટલે એ બધું છોડી જે બહારમાં મહાવ્રતાદિ પાળતો હોય એ ધર્માત્મા છે એમ લોકો માને છે, પણ અહીં કહે છે - એ પંચમહાવ્રતાદિના પરિણામ શુભરાગ છે, આત્માને વિકાર કરનારો ભાવ છે. વ્યવહારમાત્ર વિકાર કરનારા બંધસ્વભાવવાળા ભાવો છે. અહા! એનાથી જે વિરમે છે તે જ કર્મોથી મૂકાય છે.
‘આથી (- આ કથનથી) આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે - એવો નિયમ કરવામાં આવે છે.’
અહા! રાગથી - વિકારથી આત્માને ભિન્ન કરવો એ જ મોક્ષનું કારણ છે એવો નિયમ આથી સિદ્ધ થાય છે. રાગથી ભિન્ન આત્માની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન,
PDF/HTML Page 2872 of 4199
single page version
રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન કરવું તે સમ્યગ્જ્ઞાન, ને રાગથી ભિન્ન આત્માનું આચરણ કરવું તે સમ્યક્ચારિત્ર. આ પ્રમાણે રાગથી - વિકારથી આત્માને ભિન્ન કરવો - અનુભવવો તે મોક્ષનું કારણ છે એમ સિદ્ધાંત - નિયમ કરવામાં આવે છે. આવી વાત છે.
લ્યો, હવે વ્યવહારરત્નત્રયથી નિશ્ચય થાય એ ક્યાં રહ્યું! અહીં તો એમ કહે છે કે - વ્યવહારરત્નત્રયથી આત્માને ભિન્ન અનુભવવો તે મોક્ષનું કારણ છે એમ નિયમ કરવામાં આવે છે. જુઓ આ વીતરાગમાર્ગનો સિદ્ધાંત.
PDF/HTML Page 2873 of 4199
single page version
केनात्मबन्धौ द्विधा क्रियेते इति चेत्–
पण्णाछेदणएण दु छिण्णा णाणत्तमावण्णा।। २९४।।
प्रज्ञाछेदनकेन तु छिन्नौ नानात्वमापन्नौ।। २९४।।
‘આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે (અર્થાત્ કયા સાધન વડે જુદા કરી શકાય છે) ?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪.
ગાથાર્થઃ– [जीवः च तथा बन्धः] જીવ તથા બંધ [नियताभ्याम् स्वलक्षणाभ्या] નિયત સ્વલક્ષણોથી (પોતપોતાનાં નિશ્ચિત લક્ષણોથી) [छिद्येते] છેદાય છે; [प्रज्ञाछेदनकेन] પ્રજ્ઞારૂપી છીણી વડે [छिन्नौ तु] છેદવામાં આવતાં [नानात्वम् आपन्नौ] તેઓ નાનાપણાને પામે છે અર્થાત્ જુદા પડી જાય છે.
ટીકાઃ– આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના ૧કરણ સંબંધી ૨મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે (નિશ્ચયનયે) પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ (-જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ) છેદનાત્મક (-છેદનના સ્વભાવવાળું) કરણ છે. તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતાં તેઓ નાનાપણાને અવશ્ય પામે છે; માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે (અર્થાત્ પ્રજ્ઞારૂપી કરણ વડે જ આત્મા ને બંધ જુદા કરાય છે).
(અહીં પ્રશ્ન થાય છે કે-) આત્મા અને બંધ કે જેઓ *ચેત્યચેતકભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક (-એક જેવા-) થઈ રહ્યા છે, અને ભેદવિજ્ઞાનના અભાવને લીધે, જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે (અર્થાત્ જેમને એક આત્મા તરીકે જ વ્યવહારમાં ગણવામાં આવે છે) તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદી શકાય? _________________________________________________________________ ૧. કરણ = સાધન; કરણ નામનું કારક. ૨. મીમાંસા = ઊંડી વિચારણા; તપાસ; સમાલોચના. * આત્મા ચેતક છે અને બંધ ચેત્ય છે; અજ્ઞાનદશામાં તેઓ એકરૂપ અનુભવાય છે.
PDF/HTML Page 2874 of 4199
single page version
(તેનું સમાધાન આચાર્યદેવ કરે છેઃ-) આત્મા અને બંધનાં નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતઃસંધિમાં (અંતરંગની સંધિમાં) પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને પટકવાથી (- નાખવાથી, મારવાથી) તેમને છેદી શકાય છે અર્થાત્ જુદા કરી શકાય છે એમ અમે જાણીએ છીએ.
આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે (અર્થાત્ અન્ય દ્રવ્યોમાં તે નથી). તે (ચૈતન્ય) પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું (અર્થાત્ જે જે ગુણપર્યાયોમાં ચૈતન્યલક્ષણ વ્યાપે છે તે તે સમસ્ત ગુણપર્યાયો આત્મા છે એમ જાણવું) કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે (અર્થાત્ ચૈતન્યલક્ષણથી જ ઓળખાય છે). વળી સમસ્ત સહવર્તી અને ક્રમવર્તી અનંત પર્યાયો સાથે ચૈતન્યનું અવિનાભાવીપણું હોવાથી ચિન્માત્ર જ આત્મા છે એમ નિશ્ચય કરવો. આટલું આત્માના સ્વલક્ષણ વિષે.
(હવે બંધના સ્વલક્ષણ વિષે કહેવામાં આવે છેઃ-) બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી અસાધારણ એવા રાગાદિક છે. એ રાગાદિક આત્મદ્રવ્ય સાથે સાધારણપણું ધરતા (-ધારણ કરતા-) પ્રતિભાસતા નથી, કારણ કે તેઓ સદાય ચૈતન્યચમત્કારથી ભિન્નપણે પ્રતિભાસે છે. વળી જેટલું, ચૈતન્ય આત્માના સમસ્ત પર્યાયોમાં વ્યાપતું પ્રતિભાસે છે, તેટલા જ, રાગાદિક પ્રતિભાસતા નથી, કારણ કે રાગાદિક વિના પણ ચૈતન્યનો આત્મલાભ સંભવે છે (અર્થાત્ રાગાદિક ન હોય ત્યાં પણ ચૈતન્ય હોય છે). વળી જે, રાગાદિકનું ચૈતન્ય સાથે જ ઊપજવું થાય છે તે ચેત્યચેતકભાવની (- જ્ઞેયજ્ઞાયકભાવની) અતિ નિકટતાને લીધે જ છે, એકદ્રવ્યપણાને લીધે નહિ; જેમ (દીપક વડે) પ્રકાશવામાં આવતા ઘટાદિક (પદાર્થો) દીપકના પ્રકાશકપણાને જ જાહેર કરે છે-ઘટાદિપણાને નહિ, તેમ (આત્મા વડે) ચેતવામાં આવતા રાગાદિક (અર્થાત્ જ્ઞાનમાં જ્ઞેયરૂપે જણાતા રાગાદિક ભાવો) આત્માના ચેતકપણાને જ જાહેર કરે છે- રાગાદિપણાને નહિ.
આમ હોવા છતાં તે બન્નેની (-આત્માની અને બંધની) અત્યંત નિકટતાને લીધે ભેદસંભાવનાનો અભાવ હોવાથી અર્થાત્ ભેદ નહિ દેખાતો હોવાથી (અજ્ઞાનીને) અનાદિ કાળથી એકપણાનો વ્યામોહ (ભ્રમ) છે; તે વ્યામોહ પ્રજ્ઞા વડે જ અવશ્ય છેદાય છે.
ભાવાર્થઃ– આત્મા અને બંધ બન્નેને લક્ષણભેદથી ઓળખી બુદ્ધિરૂપી છીણીથી છેદી જુદા જુદા કરવા.
PDF/HTML Page 2875 of 4199
single page version
सूक्ष्मेऽन्तःसन्धिबन्धे निपतति रभसादात्मकर्मोभयस्य।
आत्मानं मग्नमन्तःस्थिरविशदलसद्धाम्नि चैतन्यपूरे
बन्धं चाज्ञानभावे नियमितमभितः कुर्वती भिन्नभिन्नौ।। १८१।।
આત્મા તો અમૂર્તિક છે અને બંધ સૂક્ષ્મ પુદ્ગલપરમાણુઓનો સ્કંધ છે તેથી બન્ને જુદા છદ્મસ્થના જ્ઞાનમાં આવતા નથી, માત્ર એક સ્કંધ દેખાય છે (અર્થાત્ બન્ને એકપિંડરૂપ દેખાય છે); તેથી અનાદિ અજ્ઞાન છે. શ્રી ગુરુઓનો ઉપદેશ પામી તેમનાં લક્ષણ જુદાં જુદાં અનુભવીને જાણવું કે ચૈતન્યમાત્ર તો આત્માનું લક્ષણ છે અને રાગાદિક બંધનું લક્ષણ છે તોપણ માત્ર જ્ઞેયજ્ઞાયકભાવની અતિ નિકટતાથી તેઓ એક જેવા થઈ રહ્યા દેખાય છે. તેથી તીક્ષ્ણ બુદ્ધિરૂપી છીણીને-કે જે તેમને ભેદી જુદા જુદા કરવાનું શસ્ત્ર છે તેને-તેમની સૂક્ષ્મ સંધિ શોધીને તે સંધિમાં સાવધાન (નિષ્પ્રમાદ) થઈને પટકવી. તે પડતાં જ બન્ને જુદા જુદા દેખાવા લાગે છે. એમ બન્ને જુદા જુદા દેખાતાં, આત્માને જ્ઞાનભાવમાં જ રાખવો અને બંધને અજ્ઞાનભાવમાં રાખવો. એ રીતે બન્નેને ભિન્ન કરવા.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [इयं शिता प्रज्ञाछेत्री] આ પ્રજ્ઞારૂપી તીક્ષ્ણ છીણી [निपुणैः] પ્રવીણ પુરુષો વડે [कथम् अपि] કોઈ પણ પ્રકારે (-યત્નપૂર્વક) [सावधानैः] સાવધાનપણે (નિષ્પ્રમાદપણે) [पातिता] પટકવામાં આવી થકી, [आत्म–कर्म–उभयस्य सूक्ष्मे अन्तःसन्धिबन्धे] આત્મા અને કર્મ-બન્નેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં (-અંદરની સાંધના જોડાણમાં) [रभसात्] શીઘ્ર [निपतति] પડે છે. કેવી રીતે પડે છે? [आत्मानम् अन्तः– स्थिर–विशद–लसद्–धाम्नि चैतन्यपूरे मग्नम्] આત્માને તો જેનું તેજ અંતરંગમાં સ્થિર અને નિર્મળપણે દેદીપ્યમાન છે એવા ચૈતન્યપૂરમાં (ચૈતન્યના પ્રવાહમાં) મગ્ન કરતી [च] અને [बन्धम् अज्ञानभावे नियमितम्] બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચળ (નિયત) કરતી- [अभितः भिन्नभिन्नौ कुर्वती] એ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરતી પડે છે.
ભાવાર્થઃ– અહીં આત્મા અને બંધને ભિન્ન ભિન્ન કરવારૂપ કાર્ય છે. તેનો કર્તા આત્મા છે. ત્યાં કરણ વિના કર્તા કોના વડે કાર્ય કરે? તેથી કરણ પણ જોઈએ. નિશ્ચયનયે કર્તાથી ભિન્ન કરણ હોતું નથી; માટે આત્માથી અભિન્ન એવી આ બુદ્ધિ જ આ કાર્યમાં કરણ છે. આત્માને અનાદિ બંધ જ્ઞાનાવરણાદિ કર્મ છે, તેમનું કાર્ય ભાવબંધ તો રાગાદિક છે અને નોકર્મ શરીરાદિક છે. માટે બુદ્ધિ વડે આત્માને શરીરથી, જ્ઞાનાવરણાદિક
PDF/HTML Page 2876 of 4199
single page version
દ્રવ્યકર્મથી તથા રાગાદિક ભાવકર્મથી ભિન્ન એક ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ (આત્મા ને બંધનું) ભિન્ન કરવું છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે, એમ જાણવું. ૧૮૧.
આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે? એટલે કે આત્મા અને અંદરમાં પુણ્ય- પાપના ભાવરૂપ જે ભાવબંધ - તે કયા સાધન વડે જુદા કરી શકાય છે? અહા! બન્નેને જુદા પાડવાનું સાધન શું? આવા શિષ્યના પ્રશ્ન પ્રતિ ઉત્તર કહે છેઃ-
‘આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે (નિશ્ચયનયે) પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ છેદનાત્મક કરણ છે.’
‘આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા....’ અહાહા...! શું કીધું એ? કે શાંત નિર્મળ નિર્વિકાર સ્વભાવથી ભરેલો જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા તથા પુણ્ય - પાપના - રાગ -દ્વેષના ભાવરૂપ જે ભાવબંધ - એ બેને દ્વિધા એટલે જુદા પાડવારૂપ કાર્યનો કર્તા આત્મા છે. અહા! આત્માને બંધને-રાગાદિને જુદા પડવા એ એક કાર્ય છે. જુઓ, અંદર કાર્ય કહ્યું છે કે નહિ? અહા! એનો (-દ્વિધાકરણનો) કર્તા આત્મા છે; એનો કર્તા રાગ નથી. વ્યવહાર નથી. કેમ? કેમકે જેનાથી જુદું પડવું છે એ એનો કર્તા કેમ હોય? વ્યવહાર - શુભરાગ છે એ તો બંધ છે, એનાથી તો જુદું પડવું છે; તો પછી એ (-રાગ) જુદા પાડવાનું સાધન કેમ હોઇ શકે? ન હોઇ શકે. ન્યાય સમજાય છે કે નહિ? એમ કે રાગને તો આત્માથી જુદો પાડવો છે, તો તે રાગ વડે કેમ જુદો પાડી શકાય? દ્વિધાકરણનું સાધન - કરણ રાગ કેમ હોઇ શકે? અહા! એ બેને જુદા પાડવારૂપ જે કાર્ય એનો કર્તા ખરેખર આત્મા જ છે
પ્રશ્નઃ– છહઢાલામાં તો એમ કહ્યું છે કે - ‘હેતુ નિયતકો હોઇ’ - અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનો હેતુ છે.
સમાધાનઃ– ભાઈ! એ તો નિમિત્તનું કથન છે. સત્યાર્થ મોક્ષમાર્ગ જ્યારે પ્રગટ થયો ત્યારે જે મોક્ષમાર્ગ તો નથી પણ જે મોક્ષમાર્ગનું નિમિત્ત વા સહચારી છે તેને ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહીએ છીએ અને તેને બાહ્ય નિમિત્ત વા સહચર જાણી નિશ્ચય મોક્ષમાર્ગનો હેતુ છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. બાપુ! ત્યાં તો ઉપચાર કથન દ્વારા નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ યથાર્થ સમજવું. સમજાણું કાંઈ...?
PDF/HTML Page 2877 of 4199
single page version
હવે આગળ કહે છે - અતીન્દ્રિય આનંદના રસથી પૂરણ ભરેલો આત્મા ને પુણ્ય - પાપરૂપ બંધની - દુઃખની દશા - એ બેને જુદા પાડવાના કાર્યનો કર્તા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા એટલે ઊંડી વિચારણા - મૂળ તપાસ - મૂળની સમાલોચના કરવામાં આવતાં.... , જોયું? આચાર્ય મહારાજને તો મીમાંસા કરવાની કાંઈ રહી નથી, પણ અહીં શ્રોતાઓને ભેગા લઇ ને તેનું સાધન શું છે તે આપણે વિચારીએ એ શૈલીથી વાત કરી છે.
કરણની વાત આવી ને? તો આત્મામાં કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન ને અધિકરણ - એમ છ ગુણો - શક્તિઓ છે; પણ એ બધા અંદર ધ્રુવપણે અક્રિય રહેલા છે. અહીં જુદા પાડવાના કાર્યમાં પર્યાયરૂપ કારકની વાત છે. બેને જુદા કરવા છે તો જુદા કરવાના કાર્યના કારણમાં વર્તમાન પર્યાય સાધન થઇને બેને જુદા કરે છે. ત્રિકાળી શક્તિઓ છે એ તો ધ્રુવ છે અને વિકાર છે એ દોષ છે, એને તો પરમાં નાખી દીધો; માટે એ (-બેય) સાધન છે નહિ. એટલે અહીં કહે છે કે - કર્તા ભગવાન આત્મા તેના કરણ સંબંધી ઊંડી વિચારણા કરતાં નિશ્ચયનયે - ખરેખર જોઇએ તો પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ - જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ છેદનાત્મક કરણ છે. આ આત્માની અનુભૂતિની દશા જે પર્યાય એની વાત છે, અને તે પર્યાય કર્તાથી (પર્યાયવાનથી) ભિન્ન હોતી નથી એમ વાત છે.
અહા! વીતરાગ જૈન પરમેશ્વર એમ કહે છે કે -દુઃખની દશાના ભાવ અને આનંદ સ્વરૂપ ભગવાન આત્મા - એ બેને જુદા કરવા હોય તો કર્તાય આત્મા છે ને સાધનેય આત્મા છે. રાગથી દુઃખથી ભિન્ન પડવામાં; સ્વરૂપમાં ઢળેલી જ્ઞાનની વર્તમાન દશા તે સાધન છે. જ્ઞાનની વર્તમાન દશાને રાગની સાથે એકતા હતી, વસ્તુને નહિ; વસ્તુ તો ધ્રુવ છે. તે જ્ઞાનની પર્યાય (ભગવતી પ્રજ્ઞા) જ્યાં અંતરમાં વળી - ઢળી ત્યાં રાગથી ભિન્ન થઇ ગઇ અને ત્યારે રાગથી ભિન્ન પોતાનો આનંદનો નાથ પ્રભુ આત્મા ભાળ્યો. આ પ્રમાણે રાગ છે તેને ભિન્ન પાડવાનું સાધન ભગવતી પ્રજ્ઞા - અંતરએકાગ્ર થયેલી જ્ઞાનની દશા છે.
વ્યવહાર સાધન છે એમ લોકો રાડુ પાડે છે ને? પણ ભાઈ! અહીં તો આ અતિ સ્પષ્ટ કહે છે કે - ભગવતી પ્રજ્ઞા જ-અંતર-એકાગ્ર થયેલી સ્વાનુભવની દશા જ-વિકારથી ભિન્ન પાડવાનું સાધન છે, ‘ભગવતી પ્રજ્ઞા જ’ -એમ કીધું છે ને? મતલબ કે તે એક જ સાધન છે. બીજું પણ સાધન છે એમ છે નહિ. એક કાર્યમાં બે સાધન હોય એ તો કથનશૈલી છે અર્થાત્ એ વ્યવહારનયનું કથન છે. (પ્રમાણનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે.) વાસ્તવમાં સાધન બે નથી, એક જ છે. એમ ન હોય તો પૂર્વાપર વિરોધ થાય. સમજાણું કાંઈ....?
અહા! અનંતકાળમાં પરિભ્રમણ કરતાં માંડ (મહાન પુણ્યોદયે) મનુષ્યભવ મળે છે. એમાંય વળી જૈન પરમેશ્વરના માર્ગમાં જન્મ થવો મહા મહા કઠણ છે. જુઓને,
PDF/HTML Page 2878 of 4199
single page version
આજે પણ જેમને હજી ત્રસ અવસ્થા આવી જ નથી એવા અનંતા જીવ નિગોદમાં સબડે છે. શું કીધું? આ લસણ હોય છે ને! એની એક કટકીમાં અસંખ્ય ઔદારિક શરીરો છે, અને એ પ્રત્યેક શરીરમાં અનંતા નિગોદના જીવ છે. અહા! તે સર્વ જીવ ‘ભરિત- અવસ્થ’ એટલે સ્વભાવના સામર્થ્યથી પૂરણ ભરેલા દ્રવ્યરૂપથી પરમાત્મસ્વરૂપ છે. પણ શું થાય? વર્તમાન દશા હીન છે, સ્વરૂપને સમજવાની યોગ્યતાથી રહિત છે. ભાઈ! તને આવો અવસર (મનુષ્યભવ અવસર છે) મળ્યો છે તો સ્વરૂપને સમજી લે. રાગથી એકતા છે તે તોડીને સ્વરૂપમાં-ચૈતન્યરૂપમાં એકતા કર. અહા! આવા અવસરમાં ભગવાન શું કહે છે એ ન સમજે તો નિગોદના જીવતરમાં ને તારા જીવતરમાં ફરક નહિ રહે. અવસર તો ચાલ્યો જશે અને સ્વરૂપના ભાન વિના ભગવાન! તું ક્યાંય સંસાર-સમુદ્રમાં ખોવાઇ જઈશ.
અહા! અનંતકાળથી રઝળતો ચોરાસી લાખ યોનિમાં અવતાર ધરતો તે મહાદુઃખી છે. વર્તમાનમાં શરીર ભલે રૂપાળું હોય, પાંચ - પચાસ લાખનો સંયોગ હોય, ઘરે બંગલા હોય અને બાયડી - છોકરાં બધાં અનુકૂળ હોય, પણ એ બધામાં તારું શું છે ભાઈ! તારો તો એક આનંદનો નાથ ચૈતન્યલક્ષ્મીસ્વરૂપ પ્રભુ આત્મા છે. અહા! એને જાણ્યા વિના તું દુઃખી જ છે પ્રભુ! એના ભાન વિના આ બહારની જડ લક્ષ્મી-ધૂળ વડે તું પોતાને સુખી માને છે પણ એ તો જૂઠી કલ્પના જ છે. જોત જોતામાં બધું અદ્રશ્ય થઇ જશે અને તું ક્યાંય કાગડે - કૂતરે ચાલ્યો જઇશ. સમજાણું કાંઈ...?
અહીં કહે છે - ભગવતી પ્રજ્ઞા જ - એકલી જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ જ - છેદનાત્મક એટલે આત્મા અને વિકારને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન છે. જેમ લાકડામાં કરવત મૂકતાં કટકા થઇ જાય છે તેમ ભેદજ્ઞાનની બુદ્ધિ અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપમાં અંતર-એકાગ્ર થયેલી જ્ઞાનની દશા આત્મા અને વિકારને - બન્નેને ભિન્ન કરી નાખે છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રત્યે ભક્તિ-વિનયનો રાગ ને પંચમહાવ્રતાદિનો રાગ એ બધો જે વ્યવહાર છે એનાથી ભગવાન આત્માને ભિન્ન પાડવાના સ્વભાવવાળું સાધન ભગવતી પ્રજ્ઞા જ છે અને તે આત્માથી અભિન્ન છે. આ પ્રમાણે આત્મા જ એટલે અંતર્મુખ વળેલી જ્ઞાનની પર્યાય જ કર્તા ને એ જ સાધન છે. ભાઈ! આ તો મહાવિદેહમાં બિરાજમાન સાક્ષાત્ તીર્થંકર સીમંધર ભગવાનની વાણીમાં આવેલી વાત છે.
પ્રશ્નઃ– પણ રાગ ને આત્મા જુદા - ભિન્ન જ છે એમ આપ કહો છો તો જુદા છે એમને જુદા શું પાડવા?
ઉત્તરઃ– હા, તેઓ જુદા જ છે, પણ એને જુદા માન્યા છે ક્યાં? બીજી ચીજ મારી છે એમ માન્યું છે. ભાઈ! બગડે બે-એમ બીજી ચીજ મારી છે એમ માન્યું છે એ મોટો બગાડ છે. શુભાશુભનું પરિણમન એ આત્મામાં બગાડ છે એને ભિન્ન કરવા પ્રજ્ઞા - જ્ઞાનની અનુભવ દશા એ એક જ સાધન છે.
PDF/HTML Page 2879 of 4199
single page version
એ જ વિશેષ કહે છે - ‘તે પ્રજ્ઞા વડે તેમને છેદવામાં આવતાં તેઓ નાનાપણાને અવશ્ય પામે છે; માટે પ્રજ્ઞા વડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે.’
અહા! જોયું? પ્રજ્ઞા વડે તેમને એટલે વિકાર અને ભગવાન આત્માને છેદવામાં આવતાં તેઓ અવશ્ય નાનાપણાને એટલે અનેકપણાને પામે છે. પહેલાં બે એક થઇ ને રહ્યાં હતાં તે હવે પ્રજ્ઞા વડે છેદવામાં આવતાં બે છે તે બે ભિન્ન થઇ જાય છે; આત્મા આત્માપણે રહે છે ને રાગ રાગપણે રહે છે. બે એક થતાં નથી. આત્મા રાગનો માત્ર જાણનાર થઇ જાય છે. ભાઈ! આવું અંદર ભેદજ્ઞાન કરવું એનું નામ ધર્મ છે, અને આ જ કર્તવ્ય છે.
અહા! લોકો તો એકાદ કલાક વ્યાખ્યાન સાંભળી આવે અથવા સામાયિક લઇને બેસી જાય અથવા ણમોકાર મંત્રને જપ્યા કરે એટલે માને કે થઇ ગયો ધર્મ. અરે! લોકોએ ધર્મનું સ્વરૂપ મચડી-મરડી માર્યું છે. સંતો કરુણા કરીને કહે છે - એકવાર સાંભળ ભાઈ! આ બધી ક્રિયાઓમાં જો શુભરાગ હશે તો પુણ્યબંધ થશે પણ એનાથી ભિન્ન પડવાના ઉપાયની - સાધનની ખબર વિના અનંતકાળેય સંસારની રઝળપટ્ટી નહિ મટે, સંસારનો પારાવાર કલેશ નહિ મટે. નિર્જરા અધિકારમાં કહ્યું છે કે એ રાગ બધો કલેશ છે. ત્યાં કહ્યું છે - ‘ि्र्रक्लइयन्तां’ કલેશ કરો તો કરો, પણ એનાથી ધર્મ નહિ થાય.
અહા! શું કહીએ? રાગ ને જ્ઞાનાનંદ પ્રભુ આત્માને એકપણું માનનાર જૈન જ નથી. જૈન પરમેશ્વર જૈન કોને કહે છે એની એને ખબર નથી. આ મહિના મહિનાના ઉપવાસ, વર્ષીતપ ઇત્યાદિ કરે છે ને? પણ બાપુ! એ તો બધો રાગ છે, એમાં ધર્મ ક્યાં છે? એને તો હું આત્મા છું એની ખબરેય નથી તો ધર્મ કેમ થાય?
પ્રશ્નઃ - ઉપવાસ, વર્ષીતપને તપ કહ્યું છે ને? ઉત્તરઃ– તપ કોને કહેવું ભાઈ! જેમ સોનાને ગેરુ લગાડતાં ઓપે એમ ભગવાન આત્મા સ્વરૂપમાં પ્રતપે, તેમાં લીન થઇ ઓપે-શોભે તેને ભગવાન તપ કહે છે. ઉપવાસાદિને તપની સંજ્ઞા તો ઉપચારમાત્ર છે. ‘સ્વરૂપે પ્રતપનં ઇતિ તપઃ’ સ્વરૂપમાં પ્રતપવું - પ્રતાપવંત રહેવું તે તપ છે.
પ્રશ્નઃ - ભરત ચક્રવર્તી મખમલનાં ભારે કિંમતી ગાદલામાં સૂવે તોય તેને તમે ધર્મી કહો છો અને અમે ઉખલા સૂઇ રહીએ છતાં અમને ધર્મ નહિ; આ તો કેવો ન્યાય?
ઉત્તરઃ– બાપુ! ગોદડે સૂવે ન સૂવે એની સાથે ધર્મને શો સંબંધ છે? અંદર રાગ સાથે એકપણું જેને છૂટી ગયું છે તે ધર્મી છે, અને રાગથી જેને એકપણું છે તે અધર્મી છે. અહા! ભરત ચક્રીને ઘરે ૯૬ હજાર રાણીઓ હતી, છતાં રાણીઓ અને તે સંબંધી રાગ- એમાં એકપણું ન હતું. એ બધાં મારાં છે એમ પરમાં આત્મબુદ્ધિ
PDF/HTML Page 2880 of 4199
single page version
ન હતી, એ વિષયોમાં સુખબુદ્ધિ ન હતી. અને કોઈ શરીરથી બ્રહ્મચર્ય પાળે ને એના શુભરાગમાં એકપણું કરે, શુભરાગને ભલો જાણે તો તે મિથ્યાદ્રષ્ટિ જ છે. આવું ઝીણું ભાઈ! ભગવાન સર્વજ્ઞનો માર્ગ આવો બહુ ઝીણો છે.
ભગવાનનો માર્ગ બહુ ઝીણો બાપા! અહા! એક પળ પણ જેને અંદર આત્મજ્ઞાન થાય તે ભવરહિત થઇ જાય છે; અને આત્મજ્ઞાન વિના કોઈ બાહ્ય ક્રિયાઓ કરી કરીને મરી જાય છતાં એને એક ભવ પણ ન ઘટે; અહા! એ ક્રિયાઓને ભલી માને એ મિથ્યાત્વનો મોટો બગાડ છે, અને એને એ જન્મપરંપરાનું જ કારણ થાય છે. અહા! આ તો ભગવાનની ઓમધ્વનિમાં આવેલી વાત છે.
હવે અહીં શિષ્ય પૂછે છે કે - ‘આત્મા અને બંધ કે જેઓ ચેત્ય-ચેતકભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક (-એક જેવા-) થઇ રહ્યા છે, ને ભેદ-વિજ્ઞાનના અભાવને લીધે, જાણે તેઓ એક ચેતક જ હોય એમ જેમનો વ્યવહાર કરવામાં આવે છે તેઓ પ્રજ્ઞા વડે ખરેખર કેવી રીતે છેદાય? ’
અહા! ચિદાનંદધન પ્રભુ આત્મા અને પુણ્ય-પાપના ભાવ જે બંધ - તેઓ ચેત્ય - ચેતકભાવ વડે અત્યંત નિકટતાને લીધે એક જેવા થઇ રહ્યા છે. શું કીધું એ? ભગવાન આત્મા જાણનાર - દેખનાર પ્રભુ ચૈતન્યપ્રકાશનું પૂર ચેતક છે અને દયા, દાન, વ્રત, ભક્તિ અને હિંસા, જૂઠ, ચોરીના વિકારના ભાવ જાણવા લાયક ચેત્ય છે. અહા! તેઓ આત્મા નથી. ભલે તેઓ પોતાની પર્યાયમાં થાય છે છતાં તેઓ વિભાવ - વિકૃતભાવ છે. તે બન્નેને ઘણી નિકટતા છે. એટલે શું? કે જે સમયે જ્યાં વિકાર ઉત્પન્ન થાય છે તે જ સમયે ત્યાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. જાણનારો ભગવાન જ્યારે જાણવાની દશાપણે ઉત્પન્ન થાય છે તે જ કાળે રાગની ઉત્પત્તિ થાય છે. (આ નિકટતા છે) હવે નિશ્ચયથી વિકાર ચેત્ય નામ જાણવાલાયક છે અને આત્મા ચેતક નામ જાણનારો છે. બંધભાવમાં ચેતકપણું નથી અને ચેતકમાં બંધભાવ નથી. એમ હોવા છતાં બેની અતિ નિકટતાને લીધે ચેત્ય જે વિકાર તે હું છું એમ અનાદિથી અજ્ઞાની માને છે.
જુઓ, આત્મા અને વિકાર - બે એક થઇ રહ્યા છે એમ કીધું ને? મતલબ કે તેઓ એક છે એમ નહિ, પણ અજ્ઞાનીને તેઓ એક જેવા થઇ રહ્યા હોય એમ ભાસે છે. તેને ભેદજ્ઞાન નથી ને! અહા! ભેદજ્ઞાનના અભાવને લીધે જાણે તેઓ એક ચેતક જ હોય અર્થાત્ જાણે તેઓ એક થઇ ગયા હોય તેવો વ્યવહાર કરવામાં આવે છે. શિષ્ય પૂછે છે - પ્રભુ! અંદર આટલું બધું જ્યાં બન્નેને નિકટપણું થઇ ગયું છે, જ્યાં આત્મા જાણનાર ચેતક ને વિકાર જાણવા લાયક ચેત્ય - એવો ભેદ દેખાતો નથી તો હવે બન્નેને પ્રજ્ઞા વડે કેવી રીતે છેદી શકાય?
અરે! અનંતકાળમાં એણે આત્મા અને બંધ વચ્ચે ભેદજ્ઞાન કર્યું નહિ! એણે