Pravachan Ratnakar (Gujarati). Gatha: 300-305 ; Kalash: 185,187.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 148 of 210

 

PDF/HTML Page 2941 of 4199
single page version

વાતના કહેનાર મળી આવે. અહા! આવું આ દુર્લભ તત્ત્વ વર્તમાનમાં મહાદુર્લભ થઈ પડયું છે.

ભાઈ! દુનિયા માનો કે ન માનો, હા પાડો કે ન પાડો; વસ્તુસ્થિતિ તો આ જ છે. પંડિતો માને કે ન માને, વા વિરોધ કરે તો કરો, પણ વસ્તુસ્વરૂપમાં ફેર પડે એમ નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે-

પંડિય પંડિય પંડિય કણ છોડિ વિતુસ કેડિયા

હે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણને છોડી માત્ર ફોતરાં જ ખાંડે છે. અરેરે! તેં માલ ન લીધો તો ફોતરાંથી તને શો લાભ છે?

જુઓ, એક ઊંચા ગૃહસ્થની સ્ત્રી ડાંગર ખાંડતી હતી. ખાંડણીમાં ઉપર ઉપર ફોતરાં દેખાય અને દાણા તો નીચે જાય. એક ગરીબ અણઘડ બાળએ આ જોયું ને કયાકથી ફોતરાં લાવીને મંડી પડી ખાંડવા. એને એમ કે આ ઉંચા ઘરની બાઈ ફોતરાં ખાંડે છે તો તેમાં કાંઈક લાભ હોવો જોઈએ. પણ એને શું લાભ થાય? કાંઈ નહિ; ખાલી મહેનત માથે પડે.

તેમ કોઈ અજ્ઞાની દેખે કે-આ સમ્યગ્જ્ઞાની ભાવલિંગી મુનિવરો મહાવ્રતાદિ પાળે છે તો લાવ હુંય પાળું. તેનેે કહીએ છીએ-ભાઈ! તારી મહેનત ફોગટ જશે; આ ફેરો ફોગટ જશે ભાઈ! એ મહાવ્રતાદિના રાગના ભાવ બધા પરભાવ છે ને એ સર્વ પ્રકારે હેય છે એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. સમજાણું કાંઈ...?

[પ્રવચન નં. ૩પ૭ થી ૩પ૯ *દિનાંક પ-૬-૭૭ થી ૭-૬-૭૭]

PDF/HTML Page 2942 of 4199
single page version

ગાથા–૩૦૦
को णाम भणिज्ज बुहो णादुं सव्वे पराइए भावे।
मज्झमिणं ति य वयणं जाणंतो अप्पयं सुद्धं।। ३००।।
को नाम भणेद्बुधः ज्ञात्वा सर्वान् परकीयान् भावान्।
ममेदमिति च वचनं जानन्नात्मानं शुद्धम्।। ३००।।
(शार्दूलविक्रीडित)
सिद्धान्तोऽयमुदात्तचित्तचरितैर्मोक्षार्थिभिः सेव्यतां
शुद्धं चिन्मयमेकमेव परमं ज्योतिः सदैवास्म्यहम्।
एते ये तु समुल्लसन्ति विविधा भावाः पृथग्लक्षणा–
एतेऽहं नास्मि यतोऽत्र ते मम परद्रव्यं समग्रा अपि।। १८५।।
સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને,
તે કોણ જ્ઞાની ‘મારું આ’ એવું વચન બોલે ખરે? ૩૦૦.

ગાથાર્થઃ– [सर्वान् भावान्] સર્વ ભાવોને [परकीयान्] પારકા [ज्ञात्वा] જાણીને [कः नाम बुधः] કોણ જ્ઞાની, [आत्मानम्] પોતાને [शुद्धम्] શુદ્ધ [जानम्] જાણતો થકો, [इदम् मम] ‘આ મારું છે’ (- ‘આ ભાવો મારા છે’) [इति च वचनम्] એવું વચન [भणेत्] બોલે?

ટીકાઃ– જે (પુરુષ) પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે. આવું જાણતો થકો (તે પુરુષ) પરભાવોને ‘આ મારા છે’ એમ કેમ કહે? (ન જ કહે;) કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામિસંબંધનો અસંભવ છે. માટે, સર્વથા ચિદ્ભાવ જ (એક) ગ્રહણ કરવાયોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે-એવો સિદ્ધાંત છે.

ભાવાર્થઃ– લોકમાં પણ એ ન્યાય છે કે-જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાનાં ન કહે. તેવી જ રીતે જે સમ્યગ્જ્ઞાની છે, તે સમસ્ત પરદ્રવ્યોને પોતાનાં કરતો નથી, પોતાના નિજભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–

[उदात्तचित्तचरितैः मोक्षार्थिभिः] જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત

(-ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ) છે એવા મોક્ષાર્થીઓ [अयम् सिद्धान्तः] આ સિદ્ધાંતને


PDF/HTML Page 2943 of 4199
single page version

(अनुष्टुभ्)
परद्रव्यग्रहं कुर्वन् बध्येतैवापराधवान्।
बध्येतानपराधो न स्वद्रव्ये संवृतो यतिः।। १८६।।

[सेव्यताम्] સેવન કરો કે- ‘[अहम् शुद्धं चिन्मयम् एकम् परमं ज्योतिः एव सदा एव अस्मि] હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું; [तु] અને [एते ये पृथग्लक्षणाः विविधाः भावाः समुल्लसन्ति ते अहं न अस्मि] આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી, [यतः अत्र ते समग्राः अपि मम परद्रव्यम्] કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે’ . ૧૮પ.

હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ- શ્લોકાર્થઃ– [परद्रव्यग्रहं कुर्वन्] જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે [अपराधवान्] તે અપરાધી છે [बध्यते एव] તેથી બંધમાં પડે છે, અને [स्वद्रव्ये संवृतः यतिः] જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે (અર્થાત્ જે પોતાના દ્રવ્યમાં જ ગુપ્ત છે-મગ્ન છે-સંતુષ્ટ છે, પરદ્રવ્યને ગ્રહતો નથી) એવો યતિ [अनपराधः] નિરપરાધી છે [न बध्येत] તેથી બંધાતો નથી. ૧૮૬.

*
સમયસાર ગાથા ૩૦૦ઃ મથાળું

હવે આ ઉપદેશની ગાથા કહે છેઃ-

* ગાથા ૩૦૦ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જે (પુરુષ) પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય, તે ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે અને બાકીના સર્વ ભાવોને પારકા જાણે છે.’

જે પુરુષ પરના અને આત્માના નિયત સ્વલક્ષણોના વિભાગમાં પડનારી પ્રજ્ઞા વડે જ્ઞાની થાય,..... શું કહ્યું આ? અહાહા...! પુરુષને ધર્મ કેમ થાય અર્થાત્ તે ધર્મી કેવી રીતે થાય- તે અહીં વાત કરે છે.

ભગવાન આત્માનું લક્ષણ શુદ્ધ ચેતના છે, ને પર એટલે બંધનું લક્ષણ રાગાદિ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિનો રાગ હો, એની શ્રદ્ધાનો રાગ હો કે કોઈ પણ પુણ્યભાવ હો, એ બંધનું લક્ષણ છે. આમ બન્નેનાં નિયત નામ નિશ્ચય સ્વલક્ષણોને જાણીને બેની સાંધમાં પ્રજ્ઞા પટકવાથી આત્મા જ્ઞાની અર્થાત્ ધર્મી થાય છે.

આત્માનો સ્વભાવ ચેતના છે, અને રાગ ભિન્ન પર છે; એમ બે વચ્ચે સાંધ છે. ત્યાં સાંધમાં પ્રજ્ઞાછીણી પટકતાં અર્થાત્ વર્તમાન જ્ઞાનની દશાને સ્વ-સન્મુખ વાળતાં ‘સ્વ’ નું જ્ઞાન થાય છે અને તેમાં (નાસ્તિપણે) રાગ મારી ચીજ નથી એવું જ્ઞાન


PDF/HTML Page 2944 of 4199
single page version

ભેગું થઈ જાય છે. આનું નામ ભેદવિજ્ઞાન ને ધર્મ છે. ભાઈ! ધર્મ કરનારે આવું ભેદવિજ્ઞાન પ્રથમ કરવું પડશે. ત્યારે જ તે ધર્મી અર્થાત્ જ્ઞાની થાય છે. અહા! પરનું લક્ષ મટાડી પ્રજ્ઞા વડે ચૈતન્યલક્ષણ આત્માને ગ્રહણ કરવાથી અર્થાત્ આત્માનુભવ કરવાથી તે જ્ઞાની-ધર્મી થાય છે.

હવે આવો ધર્મી પુરુષ ખરેખર એક ચિન્માત્ર ભાવને પોતાનો જાણે છે. જાણવા- દેખવારૂપ જે ચેતના સ્વભાવ છે તે મારો છે એમ ધર્મી જાણે છે; અને ચેતનારહિત બાકીના સર્વ ભાવોને તે બીજાના-પારકા જાણે છે. શું કીધું? આ વ્યવહારરત્નત્રયનો ભાવ પણ પારકો છે એમ ધર્મી જાણે છે. આ કઠણ પડે પણ આ વસ્તુસ્થિતિ છે. એક બાજુ પોતે આત્મા સ્વ અને બીજી બાજુ સર્વ રાગાદિ પર છે. ધર્મીને તો ‘હું ચેતનામાત્ર આત્મા છું’ -એમ એના અનુભવ ને પ્રતીતિમાં આવ્યું છે. સમજાણું કાંઈ...?

જુઓ, શુભરાગનો જે વિકલ્પ ઉઠે છે તે જ ક્ષેત્ર ને તે જ કાળમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. બેની ઉત્પત્તિ આ રીતે થવા છતાં પ્રજ્ઞાછીણી વડે ધર્મી બન્નેને ભિન્ન પાડે છેઃ પોતાને જાણવા-દેખવાના સ્વભાવવાળો ચિન્મય આત્મા જાણે છે અને રાગાદિ ભાવ છે તે પર છે, મારી ચીજ નથી-એમ જાણે છે.

અહાહા....! અનંત શક્તિઓ-ગુણ જેમાં વસેલા છે તે અભેદ એક ચેતનામાત્ર વસ્તુ ભગવાન આત્મા છે. અહા! આવા પોતાના સ્વરૂપનો જે, રાગથી ભિન્ન પડી, અનુભવ કરે છે તે જ્ઞાની-ધર્મી છે. તે ધર્મી જીવ શુદ્ધ એક ચિન્માત્ર ભાવને સ્વપણે અનુભવે છે અને બાકીના ભાવોને તે પર જાણે છે. લ્યો, આ ધર્મી ને આવો ધર્મ!

કોઈ વ્રત, ભક્તિ, ઉપવાસ કે સમ્મેદશિખર આદિની જાત્રા કરે એટલે એ ધર્મી એમ નહિ, અંદર સ્વસ્વરૂપને અનુભવે ને પરને પર જાણે તે ધર્મી છે. તો કેટલાક વળી કહે છે-

‘એક વાર વંદે જો કોઈ, તાકે નરક-પશુગતિ નહિ હોઈ, -એમ પૂજામાં આવે છે ને?

ભાઈ! એ તો વિશેષ શુભભાવ હોય તો નરક અને પશુમાં ન જાય. પરંતુ એમાં શું વળ્‌યું? એમાં ભવનો અંત ક્યાં આવ્યો? વળી કોઈ તો એમ કહે છે કે-

સમ્મેદશિખરમાં જે વનસ્પતિ થાય છે તે પણ પરિતસંસારી-હળુકર્મી હોય છે. અરે ભાઈ! ક્ષેત્રની સાથે શું સંબંધ છે? જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં એના પેટમાં (-ક્ષેત્રમાં) અનંતકાળે કદી મોક્ષ નહિ જવાવાળા જીવો પણ હોય છે. જે મુક્તિશિલા પર ભગવાન સિદ્ધ બિરાજે છે ત્યાં જ (એ જ ક્ષેત્રે) બીજા અનંત નિગોદના જીવ પણ છે. બધાનું ક્ષેત્ર એક હોવા છતાં ભાવે દરેકને ભિન્નતા છે. નિગોદના


PDF/HTML Page 2945 of 4199
single page version

જીવ પ્રત્યેક અનંતા દુઃખને અનુભવે છે, જ્યારે સિદ્ધ ભગવંતો અનંત સુખને ભોગવે છે. આમ પરક્ષેત્રની સાથે, આત્માના ધર્મને કાંઈ સંબંધ નથી. સમજાણું કાંઈં...?

હવે કહે છે -“આવું જાણતો થકો (તે પુરુષ) પરભાવોને “આ મારા છે” -એમ કેમ કહે? (ન જ કહે)’

જુઓ, ‘કેમ કહે? ’ - એ તો ભાષા લીધી છે. એનો અર્થ એ કે તે પરભાવોને ‘આ મારા છે’ -એમ કેમ માને? જેણે રાગથી ભિન્ન શુદ્ધ ચેતનામાત્ર ભગવાન આત્માને અનુભવ્યો તે જ્ઞાની પુરુષ વ્યવહારના રાગને પોતાનો કેમ માને? ન જ માને. કેમ? તો કહે છે -

‘કારણ કે પરને અને પોતાને નિશ્ચયથી સ્વસ્વામિસંબંધનો અસંભવ છે’ શું કહ્યું એ? શુદ્ધ ચેતના સ્વભાવ તે પોતાનું સ્વ અને પોતે-આત્મા તેનો સ્વામી એમ સ્વસ્વામિસંબંધ છે, પણ રાગ પોતાનું સ્વ ને આત્મા તેનો સ્વામી-એમ નથી. પરભાવોનો સ્વામી પર છે, આત્મા નથી. હવે જેની સાથે સ્વસ્વામિસંબંધ નથી તેને (રાગને) જ્ઞાની પોતાના કેમ માને? ન જ માને-એમ કહે છે.

સમયસાર પરિશિષ્ટમાં ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે. તેમાં છેલ્લી ‘સ્વસ્વામિસંબંધ’ શક્તિ છે. જે શક્તિના કારણે પોતાનાં દ્રવ્ય-ગુણ ને નિર્મળ પર્યાય પોતાનું સ્વ છે અને પોતે-આત્મા તેનો સ્વામી છે એવી ‘સ્વસ્વામિસંબંધ’ શક્તિ છે. પણ વિકાર પોતાનું સ્વ અને પોતે વિકારનો સ્વામી એવો સ્વસ્વામિસંબંધ નથી. વિકારનો સ્વામી થાય એવી આત્માની કોઈ શક્તિ નથી.

ધર્મી પુરુષ આ સ્ત્રી-પુત્ર આદિ મારાં છે એમ કદીય માનતા નથી, કેમકે પર દ્રવ્ય ને પરભાવ સાથે આત્માને સ્વસ્વામીસંબંધ હોવો અસંભવ છે. અરે! લોકો તો આ મારા ભગવાન ને મારા ગુરુ ને મારાં શાસ્ત્ર એમ કહે છે; પરંતુ ભાઈ! પરવસ્તુને પોતાની માનવી એ તો સ્થુળ અજ્ઞાન છે, કેમકે આત્મામાં પર ચીજનો ત્રણેકાળ અભાવ છે. પોતાને અને પરને સ્વસ્વામિસંબંધ હોવાનો સદાકાળ અસંભવ છે.

બાપુ! આ શરીરની ક્રિયા મારી ને બોલાય તે વાણી મારી એ તો ક્યાંય દૂર રહ્યુ, કેમકે એ તો પ્રગટ પર છે; અહીં કહે છે- અંદરમાં જે આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ ઉત્પન્ન થાય છે તે પણ પર છે. વ્યવહારરત્નત્રયના વિકલ્પ પર છે. આ પરલક્ષી શાસ્ત્રભણતરનું જ્ઞાન છે તે પણ પર છે, એ નિજ સ્વભાવ નથી. બનારસીદાસની ‘પરમાર્થ વચનિકા’ માં આવે છે કે - પરસતાવલંબી જ્ઞાન છે તે પોતાની ચીજ નથી કેમકે પરસત્તાવલંબી જ્ઞાન મારું સ્વ ને હું એનો સ્વામી એવા સંબંધનો અસંભવ છે. જે પર છે એનો સ્વામી આત્મા કદીય નથી. લ્યો, હવે આવું છે ત્યાં પરથી પોતાને


PDF/HTML Page 2946 of 4199
single page version

લાભ થાય એ વાત ક્યાં રહી? બાપુ! જેની સાથે સ્વસ્વામિસંબંધ નથી એનાથી લાભ થાય એ માન્યતા જ મિથ્યાત્વ છે.

લોકોને બિચારાઓને બધું બહારનું થોથેથોથાં મળ્‌યું છે. સ્થાનકવાસીઓમાં તો તપ કરો ને વ્રત કરો એટલે થઈ ગયો ધર્મ એમ માને છે. બિચારાઓને ખબર નથી કે કર્તાબુદ્ધિએ રાગને કરવો એ મિથ્યાત્વનું મહાપાપ છે. વળી શ્વેતાંબરમાં ભગવાનની ભક્તિ કરો ને ગિરનાર ને સમ્મેદશિખરની જાત્રા કરો એટલે થઈ ગયો ધર્મ એમ કહે છે. પણ ભાઈ! રાગમાં ધર્મ માનવો એ જ મિથ્યાત્વ છે. અહીં દિગંબરમાં (દિગંબર સંપ્રદાયમાં) સ્ત્રી-કુટુંબ છોડો, વસ્ત્ર છોડો ને નગ્ન થઈ જાઓ એટલે ધર્મ થઈ જશે એમ કહે છે; પણ પરનું આત્માને ગ્રહણ-ત્યાગ માનવું એ મિથ્યાત્વ છે. કેમકે પરનાં ગ્રહણ-ત્યાગ આત્મામાં છે નહિ. ભગવાન આત્મા પરના ગ્રહણ-ત્યાગથી શૂન્ય છે. અહા! ધર્મનૃં સ્વરૂપ બહુ ઊંડું સૂક્ષ્મ છે ભાઈ!

હવે આ સાંભળીને કોઈને અંદર વિરોધ-રોષ થાય તો શું કરીએ? તેના પ્રતિ સમભાવ જ ધરીએ. તેના પ્રતિ દ્વેષ કે વૈર-વિરોધ ન હોય, કેમકે બધા આત્મા અંદર તો ભગવાન સ્વરૂપ જ છે. પર્યાયમાં ક્ષણિક એક સમયની ભૂલ છે એ બીજી વાત છે, પણ વસ્તુ તો પોતે અંદર ભગવાનસ્વરૂપ જ છે. અહા! પોતાના ભગવાનસ્વરૂપનું અંદરમાં ભાન કરીને ભૂલ ટાળી દેશે. સંસાર તો એક સમયનો છે અને વસ્તુ અંદર ભગવાન ત્રિકાળ છે. ત્રિકાળ વસ્તુનાં જ્યાં અંદર રુચિ ને આશ્રય થયો ત્યાં એક સમયની ભૂલ નાશ પામી જાય છે. આવો માર્ગ છે ભાઈ!

અહીં કહે છે-ધર્મી પુરુષ વ્યવહારના રાગને પોતાનો માનતો નથી કેમકે વ્યવહાર (રાગ) મારું સ્વ ને હું તેનો સ્વામી એવો સંબંધ હોવાનું અસંભવ છે.

હવે કહે છે - ‘માટે, સર્વથા ચિદ્ભાવ જ (એક) ગ્રહણ કરવાયોગ્ય છે, બાકીના સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે--એવો સિદ્ધાંત છે.’

શું કીધુ? ચેતન આત્મા અને એનો ચેતનસ્વભાવ એ જ અભેદ એક અનુભવ કરવાયોગ્ય છે. અંદર સ્વસ્વરૂપમાં મગ્ન થઈ એનું સંવેદન અને આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે. બાકીના એટલે ચૈતન્યભાવથી રહિત સમસ્ત ભાવો છોડવાયોગ્ય છે. લ્યો, આ સિદ્ધાંત કહ્યો. ‘हति सिद्धांतः’ એમ છે ને? મતલબ કે આ સિદ્ધ થયેલી વસ્તુ છે. વ્યવહાર ને નિશ્ચયને સ્વસ્વામી સંબંધ નથી એ વાત સિદ્ધ થઈ ચૂકેલી છે.

પ્રશ્નઃ– વ્યવહાર-રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ છે એવો ધર્મી પુરુષ પોતાની દીકરીને અન્યમતમાં આપે કે નહિ?

ઉત્તરઃ– ધર્મી પુરુષ, જ્યાં ધર્મ નથી ત્યાં અન્યમતમાં પોતાની દીકરીને કેમ દે? તેને એવો ભાવ-રાગ કેમ આવે? અહા! જેને વ્યવહારે પણ આ ધર્મની કિંમત


PDF/HTML Page 2947 of 4199
single page version

અને મહિમા આવ્યો હોય તેને પણ એવો ભાવ ન આવે તો ધર્મી પુરુષને કેમ આવે? ન જ આવે. ધર્મની વાત પણ જ્યાં ચાલતી ન હોય અને જ્યાં ધર્મશ્રવણની કોઈ તક ન હોય તેવા સ્થાનમાં ધર્માત્મા પુરુષો પોતાની દીકરીઓ આપે નહિ.

* ગાથા ૩૦૦ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘લોકમાં પણ એ ન્યાય છે કે-જે સુબુદ્ધિ હોય, ન્યાયવાન હોય, તે પરનાં ધનાદિકને પોતાના ન કહે.’

શું કહ્યું? જુઓ, કોઈ ખાનદાન સમજુ માણસ હોય, સ્થિતિએ સાધારણ હોય અને ઘરે દીકરાનો લગ્ન પ્રસંગ હોય તો તે કોઈ શ્રીમંત ગૃહસ્થને ત્યાંથી રત્નનો હાર વગેરે દીકરાને પહેરવા લઈ આવે, તો શું તે એને પોતાનો માને? એને પોતાની મૂડી સમજે? ના સમજે. એ ચીજ મારી નથી એમજ યથાર્થ તે માને; અને એ જ લૌકિક ન્યાય છે.

‘તેવી જ રીતે જે સમ્યજ્ઞાની છે, તે સમસ્ત પરદ્રવ્યોને પોતાનાં કરતો નથી, પોતાના નિજભાવને જ પોતાનો જાણી ગ્રહણ કરે છે.’

જુઓ, સમ્યગ્જ્ઞાની ધર્મી પુરુષને વ્યવહારનો-પુણ્યનો ભાવ આવે છે, પણ તેને તે છે એમ જાણે છે, પણ તે પોતાનો છે એમ જાણતો નથી. તે સમસ્ત પરદ્રવ્યોને તથા પરભાવોને પોતાના માનતો નથી, ઇન્દ્રપદ કે ચક્રીનું પદ મળે તેને તે પોતાનાં જાણતો નથી તથા જે ભાવે તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવનેય તે પોતાનો માનતો નથી. અહા! પોતાના એક ચિન્માત્ર ભાવને જ પોતાનો જાણી તેનો અનુભવ કરે છે. વ્યવહાર એ નિજભાવ નથી છતાં આવે છે, પણ તેમાં એને હેયબુદ્ધિ હોય છે, આદરબુદ્ધિ જરાય હોતી નથી. લ્યો, આવી આ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. જેનાં મહાભાગ્ય હોય તેને સાંભળવાય મળે છે. બાકી જેના અંતરમાં પરિણમી જાય એના ભાગ્યનું તો પૂછવું જ શું?

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૮પઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘उदातचितचरितैः मोक्षर्थिभिः’ જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે એવા મોક્ષાર્થીઓ.....

જુઓ, મોક્ષાર્થી લીધું છે ને? અહા! મોક્ષ જે અનંતસુખમય પૂરણસુખમય છે. એનો નમૂનો જેના અનુભવમાં આવ્યો છે તે મોક્ષાર્થી છે. કળશટીકામાં મોક્ષાર્થીનો અર્થ એવો કર્યો છે કે-સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિયસુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે એવા છે જે કોઈ જીવ તેઓ. અહા! પરમ આનંદરૂપ પ્રગટ દશા તે મોક્ષ છે, અને અતીન્દ્રિય આનંદનો અંશે જેને સ્વાદ આવ્યો છે અને જે પૂરણ આનંદનો


PDF/HTML Page 2948 of 4199
single page version

અર્થી છે તે મોક્ષાર્થી છે. મોક્ષાર્થી કહો કે ધર્મી કહો કે જ્ઞાની કહો-બધું એકાર્થ છે.

નિયમસારમાં પૂર્ણ અતીન્દ્રિય આનંદનો આત્મલાભ-એને મોક્ષ કહ્યો છે. અનંત આનંદની દશા અથવા પૂર્ણ આનંદનો લાભ એનું નામ મોક્ષ છે; અને મોક્ષનો જે અર્થી છે તે મોક્ષાર્થી છે. અહા! આવા મોક્ષનો અર્થી કોણ છે? પૂરણ આનંદસ્વરૂપ જે મોક્ષ તેના કારણરૂપ જે માર્ગ જે અતીન્દ્રિય આનંદના સ્વાદરૂપ છે તે માર્ગમાં જે સ્થિત છે તે મોક્ષમાર્ગી મોક્ષાર્થી છે. બીજી રીતે કહીએ તો મોક્ષ જેનું પ્રયોજન છે અને જે મોક્ષ માટે જ નિરંતર મથે છે તે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા મોક્ષાર્થી છે.

અનંત દુઃખની દશા તે સંસાર છે, એનાથી વિપરીત અનંત-પૂરણ આનંદની દશા તે મોક્ષ છે. અને જેમાં કિંચિત્ આનંદની દશા અને કંઈક દુ;ખની દશા છે એવી સાધકની દશા તે મોક્ષાર્થી છે.

કેવો છે મોક્ષાર્થી? તો કહે છે-નિજ ભગવાન આત્મા જેમાં જ્ઞાન ને આનંદ પૂર્ણ સ્વભાવ પડયાં છે એની જેને દ્રષ્ટિ થઈ છે; વસ્તુ પૂરણ શુદ્ધ પૂર્ણાનંદમય છે તેનું જેને જ્ઞાન થયું છે અને અંતરમાં રમણતારૂપ જેને આચરણ પ્રગટ થયું છે-અહા! આવો તે મોક્ષાર્થી છે. છે ને અંદર? કે જેના ચિત્તનું ચરિત્ર અર્થાત્ આચરણ ઉદાત્ત છે અર્થાત્ ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ છે. અહા! ક્ષણે ક્ષણે એના આનંદની રમણતા વધતી જાય છે.

કહે છે- ‘જેના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે એવા મોક્ષાર્થીઓ.....’ જોયું? મોક્ષાર્થીના ચિત્તનું એટલે જ્ઞાનનું આચરણ અત્યંત ઉદાત્ત એટલે ઉદાર, ઉચ્ચ, ઉજ્જ્વળ છે. ભગવાન આત્મા જ્ઞાન- સ્વરૂપ છે. એમાં આચરણ (રમણતા) કરવું એ ચેતનનું આચરણ છે. સમ્યગ્દ્રષ્ટિને આવું આત્માનું આચરણ હોય છે. અહા! આવું આચરણ કરવામાં તે ઉદાર છે. અંદરમાંથી આનંદ કાઢવામાં તે ઉદાર છે. જેમ કોઈ દાનેશ્વરી દાન દેવામાં ઉદાર હોય છે ને? તેમ આ પણ અંદરમાંથી આનંદ કાઢી પોતાને દેવામાં ઉદાર છે. અહા! આવું ઉદાર ને ઉજ્જ્વળ અર્થાત્ રાગરહિત પવિત્ર આચરણ સમ્યગ્દ્રષ્ટિને હોય છે.

વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ ચેતનાસ્વરૂપ છે. તેમાં અંતર-એકાગ્ર થઈ તેમાં રમવું, ચરવું, ઠરવું તે જ્ઞાનનું આચરણ છે. સમ્યગ્દ્રષ્ટિને-મોક્ષાર્થીને આવું આચરણ અતિ ઉદાત્ત એટલે ઉદાર, ઉચ્ચ ને ઉજ્જ્વળ હોય છે. જુઓ એને જે બાહ્ય વ્રતાદિ હોય છે તે આચરણ -એમ વાત નથી. એ આચરણ ક્યાં છે? એને તો ઉપચારથી આચરણ કહ્યું છે. આ તો જ્ઞાનમાં-આનંદમાં રમવા-ચરવા-ઠરવારૂપ, અહા! જે આનંદના સ્વાદરૂપ છે-એવા આત્માના આચરણની વાત છે. સમજાણું કાંઈ.....?

અહો! શું દિગંબર સંતોની વાણી! જાણે રામબાણ! અજ્ઞાનનો (-રાગનો) નાશ કરી જ્ઞાનનું આચરણ પ્રગટ કરાવે એવી અહો! આ રામબાણ વાણી છે.


PDF/HTML Page 2949 of 4199
single page version

જ્ઞાનનું ચારિત્ર એટલે વીતરાગી ચારિત્ર; વ્રતાદિ રાગનું આચરણ તે જ્ઞાનનું આચરણ નહિ. કળશ ટીકાકારે ‘ઉદાર ચિત્તચરિત્રૈઃ’ નો એવો અર્થ કર્યો છે કે - સંસાર- શરીર-ભોગથી રહિત છે મનનો અભિપ્રાય જેમનો. ભાઈ! ભગવાનનો મારગ તો આ છે બાપા!

‘આલાપપદ્ધિત’ માં અધ્યાત્મના નિશ્ચય ને વ્યવહાર એમ બે નય લીધા છે. ત્યાં પૂર્ણ શુદ્ધ અભેદ એક-ને નિશ્ચયનયનો વિષય લીધો છે. મતલબ કે જે ચેતનદ્રવ્ય છે તે પૂર્ણ શુદ્ધ છે, પૂર્ણ આનંદરૂપ છે, ચારિત્રની પૂર્ણ રમણતારૂપ છે. એટલે કે અંદર સ્વભાવમાં પૂરણ રમણતારૂપ ચારિત્ર ત્રિકાળ પડયું છે. વર્તમાન પર્યાયમાં ભલે રમણતા ઓછી છે, પરંતુ સ્વરૂપમાંતો ચારિત્ર પૂર્ણ રમણતારૂપ છે. અહા! આવા આત્માને અવલંબીને જેણે આનંદમાં કેલિ-રમણતા કરવારૂપ, જ્ઞાનનું આચરણ પ્રગટ કર્યું છે. અને જેને પૂર્ણ આનંદના લાભનું પ્રયોજન છે તે મોક્ષાર્થીનું આચરણ, અહીં કહે છે, અતિ ઉદાર છે. આ રાગની ક્રિયાની વાત નથી હોં. જ્ઞાનીને રાગ હોય છે, પણ તેનો એને આદર નથી. એ તો એનો જાણનાર માત્ર રહે છે.

અહાહા.......! પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે. એના આનંદનું પ્રચુર સ્વસંવેદન જેની દશામાં આવ્યું છે તે મોક્ષમાર્ગી મોક્ષાર્થી છે. મુનિની મુખ્યતાએ વાત છે ને? સમયસાર ગાથા પ માં આચાર્યદેવ કહે છે કે -મારા નિજવૈભવથી હું સમયસાર કહીશ. કેવો છે નિજવૈભવ? તો કહે છે-પ્રચુર આનંદના સ્વસંવેદનની દશા જેની મહોર-છાપ છે એ મારો નિજવૈભવ છે. લ્યો, આ સિવાય શરીર, વાણી કે વ્રતાદિ રાગની ક્રિયા એ કાંઈ નિજવૈભવ નથી. અંદર પ્રગટ પ્રચુર અતીન્દ્રિય આનંદની દશા તે નિજવૈભવ છે અને તે મોક્ષાર્થીનું આચરણ છે.

હવે પ્રચુર આનંદમાં રહેનારા મુનિરાજ આચાર્ય અમૃતચંદ્ર કહે છે-જેમના ચિત્તનું ચરિત્ર ઉદાત્ત છે એવા મોક્ષાર્થીઓ ‘अयम सिद्धांतः’ આ સિદ્ધાંતને ‘सेव्यताम’ સેવન કરો કે- ‘अहम शुद्धम चिन्मयम् एकं परमं ज्योतिः एव सदा एव अस्मि’ હું તો શુદ્ધ ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું;.....

સિદ્ધાંત નામ સિદ્ધ થયેલી વસ્તુ. આચાર્ય કહે છેઃ- આ સિદ્ધ થયેલું છે એનું સેવન કરો કે-હું તો શુદ્ધ ચિન્મય એક પરમ જ્યોતિ જ સદાય છું. અહા! ધર્મી જીવ પોતાને આવો અનુભવે છે કે-હું શુદ્ધ ચિન્મય સદાય એકરૂપ પરમ ચૈતન્ય જ્યોતિસ્વરૂપ જ છું. અહા! તિર્યંચ પણ જ્યારે સમકિત પામે છે ત્યારે પોતાના સ્વરૂપને આવો જ અનુભવે છે કે-હું એક છું, શુદ્ધ છું, સદાય પરમ ચિન્માત્રજ્યોતિસ્વરૂપ જ છું.

જુઓ, અહીં ‘સદાય શુદ્ધ’ - એમ લીધું છે. માટે કોઈ એમ કહે કે અશુદ્ધ પર્યાય વખતે દ્રવ્ય (ત્રિકાળી) અશુદ્ધ થઈ જાય છે તો એ વાત ખોટી છે. વસ્તુ ચેતના-


PDF/HTML Page 2950 of 4199
single page version

સ્વભાવ તો અંદર એકરૂપ ત્રિકાળ શુદ્ધ જ છે. અહાહા...! ભગવાન આત્મા અંદર દેહ ને રાગથી - વિકારથી ભિન્ન અને વર્તમાન પર્યાયથી ને ભેદના ભાવથીય ભિન્ન એવો ત્રિકાળ શુદ્ધ જ છે. સમકિતી પોતાના આવા અભ્યંતર સ્વરૂપને અનુભવે છે અને એનું નામ ધર્મ છે. સમજાય છે કાંઈ...? શુદ્ધ ને અનુભવ્યો ત્યારે ‘શુદ્ધ’ છે એમ જાણ્યું ને એનું નામ ધર્મ છે. આવી વાત છે!

વળી કહે છે- ‘તુ’ અને ‘एते ये पृथग्लक्षणाः विविधाः भावाः समुल्लसन्ति ते अहं न अस्मि’ આ જે ભિન્ન લક્ષણવાળા વિવિધ પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી; ‘यतः अत्र ते समग्राः अपि मम परद्रव्यम्’ કારણ કે તે બધાય મને પરદ્રવ્ય છે.

શું કહે છે? કે આ જે ચૈતન્યથી ભિન્ન લક્ષણવાળા દયા, દાન, વ્રત, ભક્તિ આદિ અનેક પ્રકારના ભાવો પ્રગટ થાય છે તે હું નથી. ઝીણી વાત છે ભાઈ! સાધક દશા છે ને? પૂરણ સર્વજ્ઞ વીતરાગની દશા નથી. તો કહે છે-મારી પર્યાયમાં અસંખ્ય પ્રકારના શુભ ને અશુભ ભાવો પ્રગટ થાય છે. ભાષા જુઓ! પહેલાં કહ્યું કે-હું સદાય એકરૂપ શુદ્ધ ચિન્માત્ર છું; હવે કહે છે-ચેતનાથી ભિન્ન લક્ષણવાળા વિવિધ ભાવો મારી પર્યાયમાં ‘समुल्लसन्ति’ એટલે પ્રગટ થાય છે. અહાહા...! અહીં શું કહેવું છે? કે-મુનિ-ધર્મી- મોક્ષમાર્ગી એવો હું મને એકરૂપ જ અનુભવું છું અને આ ભિન્ન લક્ષણવાળા અનેક જે ભાવો પર્યાયમાં પ્રગટ થાય છે ‘ते अहं न अस्मि’ તે હું નથી અર્થાત્ આ ભાવો મારાથી ભિન્ન જ છે, તેઓ હું નથી. અંતરની સુક્ષ્મ વાત છે.

લોકો તો વ્રત, તપ આદિ શુભભાવોને સાધન માને છે, જ્યારે અહીં કહે છે-તે હું નહિ. પૃથક્લક્ષણવાળા તે અનેક ભાવો આવે છે ખરા, પણ તે હું નહિ, તેઓ મારા શુદ્ધ એક ચિન્મય સ્વભાવથી ભિન્ન જ છે. વિકારલક્ષણવાળા છે ને? માટે તેઓ ભિન્ન જ છે. ભાઈ! આ મહિના મહિનાના ઉપવાસ-તપ કરે એ શુદ્ધ આત્મા નહિ અને તે આત્માનો ધર્મ નહિ. બહુ આકરી વાત બાપા! કમજોરીથી તે ભાવો પ્રગટ થાય છે. પણ ધર્મી કહે છે-તે હું નહિ; હું તો શુદ્ધ એક ચિન્માત્ર આત્મા છુું. લ્યો, આ પ્રમાણે ધર્મીને સ્વસ્વરૂપની અસ્તિના ભાનમાં પરભાવોની નાસ્તિ આવી જાય છે. ‘આ હું છું’ એવા ભાનમાં ‘આ હું નથી’ - એમ આવી જાય છે. સમજાણું કાંઈ...?

એક સમયની કેવળજ્ઞાનની પર્યાય પરિપૂર્ણ છે. એ પર્યાયમાં પોતાના દ્રવ્ય-ગુણ અને ત્રણે કાળની પર્યાયનું તથા છયે દ્રવ્યોનું જ્ઞાન આવે છે. પણ પર્યાયમાં દ્રવ્ય-ગુણ કે છ દ્રવ્યો આવતાં (પ્રવેશતાં) નથી. તેવી રીતે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પણ ‘આ હું છું’ એવું ધ્રુવના અસ્તિત્વનું અને ‘આ હું નથી’ - એમ રાગાદિનું જ્ઞાન આવે છે, પણ રાગાદિ પદાર્થો કાંઈ એમાં આવતા (પ્રવેશતા) નથી, ભિન્ન જ રહે છે. આ પ્રમાણે સ્વસ્વરૂપમાં એકાગ્ર થઈને પરિણમતા જ્ઞાનીને પોતાના જ્ઞાનમાં રાગાદિ પરભાવો પોતાનાથી ભિન્ન ભાસે છે.


PDF/HTML Page 2951 of 4199
single page version

જ્ઞાની કહે છે-પર્યાયમાં પ્રગટ થતા આ વિવિધ શુભાશુભ ભાવો તે હું નથી કારણ કે તેઓ બધાય મને પરદ્રવ્ય છે. એમ કે તે પરભાવો બધા પરદ્રવ્ય છે એમ હું જાણું છું. અંતરમાં શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે પ્રગટ નિર્મળ રત્નત્રયની પરિણતિ એ મારું સ્વ છે, પણ આ રાગાદિ ભાવો બધા મને પરદ્રવ્ય છે. અહા! જે ભાવે તીર્થંકરગોત્ર બંધાય તે ષોડશકારણ ભાવનાઓ પણ મને પરદ્રવ્ય છે એમ કહે છે. પ્રકૃતિ જે બંધાય તે તો અજીવ પર છે જ, પરંતુ જે વ્યવહારરત્નત્રયના વિકલ્પ ઉત્પન્ન થાય તે પણ મને અજીવ પરચીજ છે એમ કહે છે. સમજાણું કાંઈ...?

હવે આગળના કથનની સૂચનાનો શ્લોક કહે છેઃ-

* કળશ ૧૮૬ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘परद्रव्यग्रहं कुर्वन’ જે પરદ્રવ્યને ગ્રહણ કરે છે ‘अपराधवान’ તે અપરાધી છે, ‘बध्येत एव’ તેથી બંધમાં પડે છે,..................

પરદ્રવ્ય એટલે વ્રત, તપ, ભક્તિ, દયા, દાન આદિ પરભાવોને જે પોતાના માની ગ્રહણ કરે છે એ અપરાધી એટલે ગુન્હેગાર છે. શું કહ્યું આ? કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, શાસ્ત્ર-ભણતરનો રાગ અને પાંચમહાવ્રત, સમિતિ, ગુપ્તિ આદિ વ્યવહારરત્નત્રયનો રાગ કે જેને ધર્મી પુરુષ પરદ્રવ્ય જાણે છે તેને પોતાનું માનવું તે અપરાધ-ગુન્હો છે; અને એવો અપરાધી જીવ બંધનમાં પડે છે. ભાઈ! જેટલા વ્યવહારના વિકલ્પો ઉત્પન્ન થાય છે તે બધા પરદ્રવ્ય છે. તેને જે ભલા અને સ્વદ્રવ્ય જાણે છે તે ગુન્હેગાર-ચોર-અપરાધી છે. લ્યો, આ સોનું ચાંદી, ને જરઝવાહરાત તે પરદ્રવ્ય એ તો ક્યાંય રહી ગયાં. સમજાણું કાંઈ...?

હવે કહે છે- ‘स्व द्रव्ये संवृतः ‘જે સ્વદ્રવ્યમાં જ સંવૃત છે એવો યતિ अनपराधः’ નિરપરાધી છે ‘न बध्येत’ તેથી બંધાતો નથી.

અહાહા...! જે મુનિરાજ સ્વદ્રવ્યમાં જ સંતુષ્ટ થઈ રમે છે તે નિરપરાધી છે. જે પરદ્રવ્ય-પરભાવને વાંછતો નથી પણ નિત્યાનંદ-સહજાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં જ ગુપ્ત થઈ તૃપ્ત-તૃપ્ત રહે છે તે નિરપરાધી છે અને તેથી તે બંધાતો નથી.

કેટલાક કહે છે-અત્યારે શુદ્ધ ઉપયોગ નથી, માટે પુણ્ય એ જ ધર્મ છે. અરે! તું શું કહે છે ભાઈ? શુદ્ધ ઉપયોગ નથી તેથી શું પુણ્ય ધર્મ થઈ જાય? અહીં તો એને પરદ્રવ્ય કહે છે અને એને ગ્રહણ કરવું તે અપરાધ છે, બંધન છે. અરે ભાઈ! પુણ્ય કરીને તો તું અનંતવાર નવમી ગ્રૈવેયક ગયો, પણ ભવભ્રમણ મટયું નહિ. અહા! પરદ્રવ્યને-પુણ્યને પોતાનું માને એ મહા અપરાધ છે અને એની સજા ચાર ગતિની જેલ છે.


PDF/HTML Page 2952 of 4199
single page version

વળી કોઈ કહે છે-કાનજીસ્વામી વ્યવહારનો લોપ કરે છે; એમ કે વ્યવહારથી લાભ થાય એમ કહેતા નથી.

વાત સાચી છે; વ્યવહાર આવે છે, તે હો ભલે; પણ તેથી શું? એ કાંઈ ધર્મ કે ધર્મનું કારણ નથી. જ્ઞાની તેને પરદ્રવ્ય જાણે છે. શું કીધું? કરોડો લગાવીને મંદિર બંધાવે, પ્રતિમા પધરાવે પણ એ ભાવ પરદ્રવ્ય છે એમ જ્ઞાની જાણે છે. અહા! એ ભાવોને પોતાના ગણવા તે મહા અપરાધ છે.

પ્રશ્નઃ– તો કોઈ મંદિરો બંધાવશે નહિ, પ્રતિમા પધરાવશે નહિ. ઉત્તરઃ– ભાઈ! તને ખબર નથી. મંદિર તો એના કાળે એના કારણે થાય છે. એને કોણ બંધાવે? અને ધર્માત્માને એવો રાગ આવ્યા વિના રહેતો નથી, પણ છે એ અપરાધ. માર્ગ બહુ સૂક્ષ્મ છે. બાપા! લોકોને જૈનપણું શું છે એ ખબર નથી.

અહી કહે છે-પરદ્રવ્યને-વ્યવહારના વિકલ્પનેય જે ગ્રહતા નથી તે યતિ નિરપરાધી છે. મુનિરાજને વ્યવહારનો વિકલ્પ આવે, પણ એનો એને આદર નથી. એનાથી લાભ છે વા એ પોતાની ચીજ છે એમ તે માનતા નથી. અહા! આવા! મુનિ-સંત નિરપરાધી છે અને એમને બંધન નથી. જે અલ્પ બંધ થાય છે તેને સ્વભાવની દ્રષ્ટિની મુખ્યતામાં ગણવામાં આવતો નથી. સ્વદ્રવ્ય જે આત્મા એમાં રાગ છે નહિ, તેથી સ્વભાવદ્રષ્ટિવંત મુનિરાજને બંધન નથી. કિંચિત્ રાગ ને બંધ થાય છે તે સ્વભાવની દ્રષ્ટિમાં ગૌણ છે, કેમકે ધર્મી એને પરદ્રવ્ય જાણે છે. સમજાણું કાંઈ...? આવી વાત છે.

[પ્રવચન નં ૩૬૦*દિનાંક ૮-૬-૭૭]

PDF/HTML Page 2953 of 4199
single page version

ગાથા ૩૦૧ થી ૩૦૩
थेपादी अवराहे जो कुव्वदि सो उ संकिदो भमदि।
मा बज्झेज्जं केण वि चोरो त्ति जणम्हि वियरंतो।। ३०१।।
जो ण कुणदि अवराहे सो णिस्संको दु जणवदे भमदि।
ण वि तस्स बज्झिदुं जे चिंता उप्पज्जदि कयाइ।। ३०२।।
एवम्हि सावराहो बज्झामि अहं तु संकिदो चेदा।
जइ पुण णिरावराहो णिस्संकोहं ण बज्झामि।। ३०३।।
स्तेयादीनपराधान् यः करोति स तु शङ्कितो भ्रमति।
मा बध्ये केनापि चौर इति जने विचरन्।। ३०१।।
यो न करोत्यपराधान् स निरशङ्कस्तु जनपदे भ्रमति।
नापि तस्य बद्धुं यच्चिन्तोत्पद्यते कदाचित्।। ३०२।।
एवमस्मि सापराधो बध्येऽहं तु शङ्कितश्चेतयिता।
यदि पुनर्निरपराधो निरशङ्कोऽहं न बध्ये।। ३०३।।

હવે આ કથનને દ્રષ્ટાંતપૂર્વક ગાથામાં કહે છેઃ-

અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંક્તિ ફરે,
કે લોકમાં ફરતાં રખે કો ચોર જાણી બાંધશે; ૩૦૧.
અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે,
‘બંધાઉં હું’ એવી કદી ચિંતા ન થાયે તેહને. ૩૦૨.
ત્યમ આતમા અપરાધી ‘હું બંધાઉં’ એમ સશંક છે,
ને નિરપરાધી જીવ ‘નહિ બંધાઉં’ એમ નિઃશંક છે. ૩૦૩.

ગાથાર્થઃ– [यः] જે પુરુષ [स्तेयादीन् अपराधान्] ચોરી આદિ અપરાધો [करोति] કરે છે [सः तु] તે [जने विचरन्] લોકમાં ફરતાં [मा] રખે [केन अपि] મને કોઈ [चौरः इति] ચોર જાણીને [बध्ये] બાંધશે-પકડશે’ એમ [शङ्कितः भ्रमति] શંક્તિ ફરે છે; [यः] જે પુરુષ [अपराधान्] અપરાધ [न करोति] કરતો નથી


PDF/HTML Page 2954 of 4199
single page version

[सः तु] તે [जनपदे] લોકમાં [निरशङ्कः भ्रमति] નિઃશંક ફરે છે, [यद्] કારણ કે [तस्य] તેને [बद्धुं चिन्ता] બંધાવાની ચિંતા [कदाचित् अपि] કદાપિ [न उत्पद्यते] ઊપજતી નથી. [एवम्] એવી રીતે [चेतयिता] અપરાધી આત્મા ‘[सापराधः अस्मि] હું અપરાધી છું [बध्ये तु अहम्] તેથી હું બંધાઈશ’ એમ [शङ्कितः] શંક્તિ હોય છે, [यदि पुनः] અને જો [निरपराधः] નિરપરાધી (આત્મા) હોય તો ‘[अहं न बध्ये] હું નહિ બંધાઉં’ એમ [निरशङ्कः] નિઃશંક હોય છે.

ટીકાઃ– જેમ આ જગતમાં જે પુરુષ, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી, તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી-એવો નિયમ છે. માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે (અર્થાત્ પરદ્રવ્યના સર્વ ભાવોને છોડીને) શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે.

ભાવાર્થઃ– જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય; નિરપરાધને શંકા શા માટે થાય? તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ; જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે, તો બંધની શંકા શા માટે થાય? માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ત્યારે જ નિરપરાધ થવાય છે.

*
સમયસાર ગાથા ૩૦૧ થી ૩૦૩ઃ મથાળું

હવે આ કથનને દ્રષ્ટાંતપૂર્વક ગાથામાં કહે છેઃ-

* ગાથા ૩૦૧ થી ૩૦૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ આ જગતમાં જે પુરુષ, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી, તેમ......’

લોકમાં જે પૈસા, કપડાં, દાગીના ઈત્યાદિ પરવસ્તુની ચોરી કરે છે તે અપરાધી છે અને તેને, મને કોઈ પકડશે, બાંધશે, બંધનમાં-જેલમાં નાખશે એવી શંકા થાય છે. પરંતુ જે આવો અપરાધ કરતો નથી તે નિર્ભય રહે છે, તેને બંધનની શંકા થતી નથી. આ દ્રષ્ટાંત છે. હવે કહે છે-


PDF/HTML Page 2955 of 4199
single page version

‘તેમ આત્મા પણ જે અશુદ્ધ વર્તતો થકો, પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે તેને જ બંધની શંકા થાય છે અને જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધની શંકા થતી નથી-એવો નિયમ છે.’

જોયું? કહે છે-આત્મા પણ અશુદ્ધ વર્તતો થકો અપરાધી છે. અશુદ્ધતા (વિકાર- રાગ) છે તે પરદ્રવ્ય છે. તેથી અશુદ્ધતામાં- પરદ્રવ્યમાં વર્તતો થકો જીવ અપરાધ કરે છે. અહાહા.....! દયા, દાન, ભક્તિ આદિના જે ભાવ થાય છે તે પરદ્રવ્ય છે અને તેમાં એકત્વબુદ્ધિથી જે વર્તે છે, વા તે ભાવ મારી ચીજ છે એમ જે માને છે તે અપરાધી છે. સમ્યગ્દ્રષ્ટિને કિંચિત્ અશુદ્ધતા થાય છે પણ તેમાં તે એકત્વપણે વર્તતો નથી. પણ અજ્ઞાની રાગમાં એકત્વપણે વર્તે છે અને તેથી તે અપરાધી છે.

દુનિયામાં અત્યારે છ છ માસના ઉપવાસ ને વ્રત આદિ કરે છે ને? અને એની પાછળ વરઘોડા કાઢે છે ને? અહા! એ ધર્મ છે એ વાત તો દૂર રહો, અહાં કહે છે-એમાં જે (એકપણે) વર્તે છે તે અપરાધ છે. અહા! જે પ્રાણી અશુદ્ધ વર્તે છે અર્થાત્ અશુદ્ધતા મારી ચીજ છે એમ માની વર્તે છે તે અપરાધી-ગુન્હેગાર છે. ગજબ વાત છે ભાઈ! આ દયા, દાન, વ્રતાદિના ભાવ ભલા છે ને મારા છે એમ માનીને જે વર્તે છે તે અપરાધી છે.

અહાહા...! આત્મા ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ છે. તેને છોડી પુણ્ય-પાપના ભાવને પોતાના માની જે વર્તે છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, અપરાધી પાપી છે. તે બંધનને પ્રાપ્ત થાય છે. ભાઈ! રાગ આદિ જે પરદ્રવ્ય છે તેને પોતાના માનવા એ અપરાધ છે અને તેની સજા બંધન છે, ચારગતિની જેલ છે, સમજાય છે કાંઈ....?

અહા! અરિહંત પરમાત્માને જેમાંથી અનંત જ્ઞાન અને અનંત આનંદ પ્રગટ અંદર થાય છે એવી જ્ઞાન ને આનંદની શક્તિ દરેક આત્મામાં પૂર્ણ પડેલી છે. તે ક્યાંય બહારથી પ્રગટ થાય છે એમ નથી. અંદર શક્તિએ વિદ્યમાન છે તે અરિહંત દશામાં પ્રગટ થાય છે.

પંચાસ્તિકાયમાં જ્યાં દ્રવ્ય, ગુણ ને પર્યાય ત્રણે એક દ્રવ્યનાં છે, અન્યદ્રવ્યથી ભિન્ન એક સત્તા છે-એમ સિદ્ધ કરવું હોય ત્યાં ‘द्रवति इति द्रव्यम्’ દ્રવે છે તે દ્રવ્ય છે એમ કહ્યું. ત્યાં એમ બતાવવું છે કે અશુદ્ધ પર્યાય પણ પોતે દ્રવ્ય દ્રવે છે. ત્યાં પર્યાય દ્રવ્યની છે એમ એક અસ્તિત્વ (સત્તા) સિદ્ધ કરવું છે. જેમ સમુદ્રમાં તરંગ ઉઠે છે તે સમુદ્રનાં છે તેમ દ્રવ્યમાં જે પર્યાય ઉઠે છે તે દ્રવ્યની છે. પંચાસ્તિકાય ગાથા ર૭માં આવે છે કે- રાગદ્વેષનો કર્તા આત્મા છે. ત્યાં વિકાર આત્માની પર્યાયમાં થાય છે એમ બતાવવું છે.


PDF/HTML Page 2956 of 4199
single page version

જયાં દ્રવ્યદ્રષ્ટિ, અધ્યાત્મની દ્રષ્ટિ કરાવવી હોય ત્યાં (શાસ્ત્રમાં) એમ આવે કે પર્યાય દ્રવ્યમાં નથી, અને તેથી પર્યાય દ્રવ્યથી ઉત્પન્ન થતી નથી; પર્યાયનો કર્તા દ્રવ્ય નથી, પર્યાય પર્યાયથી ઉત્પન્ન થાય છે. પરમાત્મપ્રકાશ ગાથા ૬૮માં આવે છે કે-ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ આત્મા જ એક પરમાર્થ વસ્તુ છે. તે મોક્ષમાર્ગ આદિ પર્યાયનો કર્તા નથી. જ્યાં શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી હોય ત્યાં કહે કે-સાંભળ! તારી અંદર જે નિત્યાનંદ પ્રભુ (વિરાજે) છે એ કદીય પર્યાયને કરતો નથી. આત્મા તો આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ સ્વભાવે સિદ્ધ સદશ છે. જેમ ભગવાન સિદ્ધમાં રાગદ્વેષ નથી તેમ ભગવાન આત્મામાં (ત્રિકાળી દ્રવ્યમાં) રાગદ્વેષ નથી, જો એમાં રાગદ્વેષ હોય તો તે કદી ટળી શકે નહિ. લ્યો, આવી વાત છે!

એક કોર કર્તા કહે ને વળી પાછો અકર્તા કહે. અહીં કહે છે-રાગમાં વર્તતો જીવ મિથ્યાદ્રષ્ટિ છે. એ તો એ રાગને પોતાનો માને છે ને? તો રાગમાં વર્તે છે એમ કહ્યું. ભાઈ! જ્યાં જે અપેક્ષાએ કથન હોય તે યથાર્થ સમજવું જોઈએ. અપેક્ષાથી યથાર્થ સમજે તો વિરોધ ન આવે.

અહીં કહે છે-જે કોઈ જીવ પુણ્ય પરિણામ મારા, તે મેં કર્યા છે અને એ મારું કર્તવ્ય છે એમ માનતો અશુદ્ધતામાં વર્તે છે તે અપરાધી છે. તે અશુદ્ધ વર્તતો થકો પરદ્રવ્યનું ગ્રહણ જેનું લક્ષણ છે એવો અપરાધ કરે છે. જુઓ, અહીં રાગ પરદ્રવ્ય છે એમ કહ્યું છે. ભગવાન આત્માના સ્વરૂપમાં રાગ છે નહિ અને જો તે આત્માના સ્વરૂપમાં હોય તો કદી નાશ પામે નહિ. પણ અરિહંત અને સિદ્ધ પરમાત્મા જે થાય છે તેમને પર્યાયમાં રાગદ્વેષનો નાશ થાય છે; માટે એ સિદ્ધ થાય છે કે રાગ પોતાની ચીજ નથી, પરદ્રવ્ય છે. માટે જે રાગમાં પોતાપણે વર્તે છે તે અપરાધી છે અને તેને અવશ્ય શંકા થાય છે કે-હું બંધાઉં છું, મને બંધન થાય છે.

અહાહા...! આવો ભગવાનનો મારગ! શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે. ભગવાને કાંઈ કરી છે એમ નથી; એમણે તો જેવી વસ્તુસ્થિતિ છે તેવી જાણી છે અને એવી દિવ્યધ્વનિમાં પ્રગટ કરી છે. અહાહા...! ભગવાન કહે છે-જે કોઈ પણ જીવ પોતાના શુદ્ધ જ્ઞાતા-દષ્ટાસ્વભાવને છોડીને પુણ્ય પરિણામમાં (વ્યવહારમાં) પોતાપણે વર્તે છે એ અપરાધી છે અને એને શંકા થાય છે કે-હું બંધાઉં છું; અને તે બંધાય જ છે. અહા! ગાથાએ ગાથાએ આ પોકાર છે.

પરંતુ જે શુદ્ધ વર્તતો થકો અપરાધ કરતો નથી તેને બંધનની શંકા થતી નથી. અહાહા...! હું તો જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ એક શુદ્ધ ચિન્માત્ર આત્મા છું એમ અનુભવ- રૂપ જે વર્તમાન દશામાં વર્તે છે તે અપરાધી, ગુન્હેગાર કે ચોર નથી. પોતાના શુદ્ધ ભગવાન આત્માની અંતદ્રષ્ટિ, જ્ઞાન ને રમણતામાં જે વર્તે છે તે અપરાધ કરતો


PDF/HTML Page 2957 of 4199
single page version

નથી; અર્થાત્ જેવો આત્મા વસ્તુએ શુદ્ધ છે એવો પર્યાયમાં શુદ્ધ વર્તતો થકો નિર્મળ રત્નત્રયરૂપ પરિણમે છે તે નિરપરાધ છે ને તેને બંધનની શંકા થતી નથી એવો નિયમ છે. જુઓ, આ નિયમ એટલે સિદ્ધાંત કહ્યો.

હવે કહે છે- ‘માટે સર્વથા સર્વ પારકા ભાવોના પરિહાર વડે શુદ્ધ આત્માને ગ્રહણ કરવો, કારણ કે એમ થાય ત્યારે જ નિરપરાધપણું થાય છે.’

આત્મા જે વસ્તુ છે તે સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ શુદ્ધ ચિદાનંદકંદ છે. તેમાં કર્મના નિમિત્તથી ઉત્પન્ન થતા હિંસા, જૂઠ, ચોરી આદિ પાપના ભાવો ને દયા, દાન આદિ પુણ્યભાવો-તે સર્વ પરદ્રવ્ય છે, પરભાવો છે. અહીં કહે છે-એ સર્વ પરભાવોની દ્રષ્ટિ છોડી શુદ્ધ આત્માને ગ્રહણ કરવો એટલે કે શુદ્ધ આત્મામાં જ દ્રષ્ટિ લગાવવી, તેને જ જ્ઞાનનું જ્ઞેય બનાવવું અને તેમાં જ લીનતા કરવી; કેમકે ત્યારે જ નિરપરાધતા થાય છે. આનું નામ જૈનધર્મ છે.

તો જીવોની દયા પાળવી એ જૈનધર્મ નહિ? ભાઈ! જીવોની દયાનો જે વિકલ્પ આવે છે તે, અહીં કહે છે, પરદ્રવ્ય છે, પરભાવ છે; અને તેને ગ્રહણ કરવો તે અપરાધ છે. પરની દયા તો બાપુ! કોઈ પાળી શકતો નથી. પર જીવ તો એનું આયુ હોય તો બચે છે. કોઈનો બચાવ્યો બચે છે એમ છે નહિ. છતાં હું બીજાને બચાવી શકું છું એમ માને એ તો મિથ્યાત્વ છે. બીજાને કોણ બચાવે? છતાં એવો પરને બચાવવાનો વિકલ્પ આવે ખરો; જ્ઞાનીને પણ આવે છે. પરંતુ જ્ઞાની તેને ગ્રહતો નથી કેમકે પરભાવનું ગ્રહણ તે અપરાધ છે, ચોરી છે. જે પરભાવને પોતાનો માની વર્તે છે તે નિયમથી અપરાધી છે ને તે બંધાય છે. સમજાણું કાંઈ...?

જેટલા કોઈ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભના વિકલ્પ ઉઠે છે તે સર્વ પરદ્રવ્ય છે, પરભાવ છે, એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. તે સર્વ પરભાવોના સર્વથા પરિહાર વડે...... , જુઓ સર્વ અને સર્વથા એમ બે શબ્દો પડયા છે. એટલે કે શુભાશુભ સર્વ પરભાવોનું સર્વથા લક્ષ છોડીને નિર્વિકલ્પ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપી આત્માને જાણવો- અનુભવવો અને એમાં જ દ્રષ્ટિ લગાવી સ્થિર થવું એનું નામ શુદ્ધ આત્માને ગ્રહણ કર્યો કહેવાય છે અને ત્યારે જ તે નિરપરાધ થાય છે.

આ સિવાય, કોઈ મોટો અબજોપતિ શેઠ હોય, મોટો રાજા હોય કે મોટો દેવ હોય, જો એને દેહાદિ અને રાગાદિ પરભાવોથી ભિન્ન પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન નથી તેને દેહની ને રાગની એકતાબુદ્ધિમાં દેહ છૂટે છે. અહા! આવા જીવો બિચારા ચારગતિમાં રઝળી મરે છે. માટે સર્વ પરભાવોનું સર્વથા લક્ષ છોડી શુદ્ધ


PDF/HTML Page 2958 of 4199
single page version

આત્માને ગ્રહણ કરવો કે જેથી નિરપરાધતા પ્રગટ થાય છે અને બંધન થતું નથી. સમજાણું કાંઈ...?

* ગાથા ૩૦૧ થી ૩૦૩ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘જો માણસ ચોરી આદિ અપરાધ કરે તો તેને બંધનની શંકા થાય; નિરપરાધને શંકા શા માટે થાય?’

જુઓ, જે ચોરી આદિ અપરાધ કરે તેને શંકા-ભય થાય કે મને કોઈ પકડશે, બંધનમાં નાખશે. પણ નિરપરાધને શંકા-ભય શું કામ થાય? જે નિરપરાધ છે એ તો નિર્ભય જ છે, તેને બંધનનો ભય નથી.

‘તેવી જ રીતે જો આત્મા પરદ્રવ્યના ગ્રહણરૂપ અપરાધ કરે તો તેને બંધની શંકા થાય જ; જો પોતાને શુદ્ધ અનુભવે, પરને ન ગ્રહે તો બંધની શંકા શા માટે થાય?’

શું કીધું? કે -જો આત્મા પરભાવને-શુભાશુભ રાગને ગ્રહણ કરે તો તેને ચોરીનો અપરાધ થાય છે, માટે તેને બંધની શંકા-ભય થાય જ. પણ જે પરભાવને ગ્રહે જ નહિ, એક શુદ્ધ આત્માને જ અનુભવે તે નિરપરાધી છે અને તેથી તેને બંધનની શંકા-ભય કેમ થાય? તેને બંધનનો ભય થતો નથી.

‘માટે પરદ્રવ્યને છોડી શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું. ત્યારે જ નિરપરાધ થવાય છે.’ લ્યો, શુભભાવ કરતાં કરતાં નિરપરાધ થવાય એમ નહિ, પણ સર્વ શુભ ભાવનું પણ સર્વથા લક્ષ છોડીને પોતાના શુદ્ધ એક ચૈતન્યભાવને ગ્રહણ કરવાથી નિરપરાધ થવાય છે એમ કહે છે. જુઓ આ નિરપરાધ થવાની રીત!

[પ્રવચન નં. ૩૬૧*દિનાંક ૯–૬–૭૭]

PDF/HTML Page 2959 of 4199
single page version

ગાથા ૩૦૪–૩૦પ

को हि नामायमपराधः? –

संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयट्ठं। अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो।। ३०४।। जो पुण णिरावराधो चेदा णिस्संकिओ उ सो होइ। आराहणाइ णिच्चं वट्टेइ अहं ति जाणंतो।। ३०५।।

संसिद्धिराधसिद्धं साधितमाराधितं चैकार्थम्।
अपगतराधो यः खलु चेतयिता स भवत्यपराधः।। ३०४।।
यः पुनर्निरपराधश्चेतयिता निरशङ्कितस्तु स भवति।
आराधनया नित्यं वर्तते अहमिति जानन्।। ३०५।।

હવે પૂછે છે કે આ ‘અપરાધ’ એટલે શું? તેના ઉત્તરમાં અપરાધનું સ્વરૂપ કહે છેઃ-

સંસિદ્ધિ, સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત–એક છે,
એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૦૪.
વળી આતમા જે નિરપરાધી તે નિઃશંક્તિ હોય છે,
વર્તે સદા આરાધનાથી, જાણતો ‘હું’ આત્મને. ૩૦પ.

ગાથાર્થઃ– [संसिद्धिराधसिद्धम्] સંસિદ્ધિ, *રાધ, સિદ્ધ, [साधितम् आराधितं च] સાધિત અને આરાધિત- [एकार्थम्] એ શબ્દો એકાર્થ છે; [यः खलु चेतयिता] જે આત્મા [अपगतराधः] ‘અપગતરાધ’ અર્થાત્ રાધથી રહિત છે [सः] તે આત્મા [अपराधः] અપરાધ [भवति] છે.

[पुनः] વળી [यः चेतयिता] જે આત્મા [निरपराधः] નિરપરાધ છે [सः तु] તે [निरशङ्कितः भवति] નિઃશંક હોય છે; [अहम् इति जानन्] ‘શુદ્ધ આત્મા તે જ હું છું’ એમ જાણતો થકો [आराधनया] આરાધનાથી [नित्यं वर्तते] સદા વર્તે છે. _________________________________________________________________ * રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.


PDF/HTML Page 2960 of 4199
single page version

(मालिनी)
अनवरतमनन्तबध्यते सापराधः
स्पृशति निरपराधो बन्धनं नैव जातु।
नियतमयमशुद्धं स्वं भजन्सापराधो
भवति निरपराधः साधु शुद्धात्मसेवी।। १८७।।

ટીકાઃ– પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ. જે આત્મા ‘અપગતરાધ’ અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે. અથવા (બીજો સમાસવિગ્રહ આ પ્રમાણે છેઃ) જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે; તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સાપરાધ છે. તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્ભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી, અનારાધક જ છે. અને જે આત્મા નિરપરાધ છે તે, સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદ્ભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી ‘ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું’ એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી, આરાધક જ છે.

ભાવાર્થઃ– સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત-એ શબ્દોનો અર્થ એક જ છે. અહીં શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ ‘રાધ’ છે. જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે. જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે; અને જે નિરપરાધ છે તે નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી, માટે ‘શુદ્ધ આત્મા તે જ હું છું’ એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [सापराधः] સાપરાધ આત્મા [अनवरतम्] નિરંતર [अनन्तैः] અનંત પુદ્ગલપરમાણુરૂપ કર્મોથી [बध्यते] બંધાય છે; [निरपराधः] નિરપરાધ આત્મા [बन्धनम्] બંધનને [जातु] કદાપિ [स्पृशति न एव] સ્પર્શતો નથી જ. [अयम्] જે સાપરાધ આત્મા છે તે તો [नियतम्] નિયમથી [स्वम् अशुद्धं भजन्] પોતાને અશુદ્ધ સેવતો થકો [सापराधः] સાપરાધ છે; [निरपराधः] નિરપરાધ આત્મા તો [साधु] ભલી રીતે [शुद्धात्मसेवी भवति] શુદ્ધ આત્માનો સેવનાર હોય છે. ૧૮૭.

*