Pravachan Ratnakar (Gujarati). Gatha: 306-307 ; Kalash: 188-192.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 149 of 210

 

PDF/HTML Page 2961 of 4199
single page version

* સમયસાર ગાથા ૩૦૪ – ૩૦પઃ મથાળું *
હવે પૂછે છે કે આ અપરાધ એટલે શું? તેના ઉત્તરમાં અપરાધનું સ્વરૂપ કહે છેઃ-
* ગાથા ૩૦૪ – ૩૦પઃ ટીકા ઉપરનું પ્રવચન *
‘પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધન તે રાધ.’
જોયું? પરદ્રવ્યના પરિહાર વડે...; એટલે કે રાગાદિ પરભાવને છોડીને...; અહા!

ચાહે તો દયા, દાન, વ્રતાદિના પુણ્યભાવ હો તોપણ તે પરદ્રવ્ય છે, પરભાવ છે. અહીં કહે છે-એ પુણ્ય-પાપના સર્વ પરભાવોને છોડીને એક ચિદાનંદઘન પ્રભુ આત્માની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને એમાં રમણતા થવી તે શુદ્ધ આત્માની સિદ્ધિ છે. શું કીધું? કે અંદર નિર્મળ રત્નત્રયરૂપ સાધકભાવ પ્રગટ થયો ત્યારે ભગવાન આત્માની સિદ્ધિ થઈ; ત્યારે વસ્તુ ત્રિકાળી શુદ્ધ આ છે એમ સિદ્ધ થયું અર્થાત્ ત્યારે સાધન થયું. અહીં કહે છે-આવી સાધનદશા પ્રગટ થઈ તે રાધ છે. આ, અપરાધની સામે રાધ શબ્દ છે. અહીં શું કહેવું છે? કે નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા છે. તેનો આશ્રય કરવાથી જે અંદર સાધક ભાવ પ્રગટ થયો, નિર્મળ રત્નત્રય પ્રગટ થયા કે જેમાં ભગવાન આત્માની સિદ્ધિ થઈ તે સાધકભાવ રાધ છે, શુદ્ધ આત્માનું સેવન છે.

અહા! અનાદિથી જીવને પુણ્ય-પાપના ભાવ જે વિકાર છે તેની સિદ્ધિ હતી. આ વિકાર છે તે હું છું એમ એને મિથ્યાત્વનું-અપરાધનું સેવન હતું. હવે તે જ આત્માને જ્યારે ગુલાંટ ખાઈને હું તો શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ આત્મા છું-એમ એનાં જ્ઞાન-શ્રદ્ધાન ને રમણતા થયાં ત્યારે તેને પર્યાયમાં શુદ્ધ આત્માની સિદ્ધિ થઈ. આવો સાધક ભાવ જે છે તે રાધ છે, આત્માનું સેવન છે-એમ કહે છે. આનું નામ ધર્મ ને મોક્ષનો માર્ગ છે.

ભાઈ! ભગવાનનો માર્ગ બહું ઝીણો છે. વળી, એણે બધું બહારથી કલ્પ્યું છે એટલે આ ઝીણું પડે છે. અરે! ધર્મના નામે અત્યારે તો ભારે ગોટાળો ચાલી રહ્યો છે. ચોર કોટવાળને દંડે એવી અત્યારે સ્થિતિ છે. પણ બાપુ! મારગ તેં કલ્પ્યો છે તેવો નથી. અહા! વીતરાગ પરમેશ્વરની અકષાય કરુણાથી આવેલી આ વાણી સાંભળ તો ખરો પ્રભુ! વ્રત કરવાં ને તપ કરવાં ને ચોવિહાર કરવો-એ બધી ક્રિયા તો રાગ છે, તે અપરાધ છે, ગુન્હો છે, ચોરી છે. અહા! તે અપવિત્ર, અશુદ્ધ, બાધક ને વિરાધક ભાવ છે. તે બંધનું કારણ છે. એક ભગવાન આત્મા જ પરમ પવિત્ર અબંધ છે.


PDF/HTML Page 2962 of 4199
single page version

શું કીધું? ભગવાન આત્મા ચૈતન્યઘન પ્રભુ પરમપવિત્ર અને અબંધ છે. તેનો દ્રષ્ટિમાં સ્વીકાર કરવો અને તેમાં જ લીનતા કરવી તે આત્માની સિદ્ધિ છે. અહીં કહે છે- જેમાં આત્માની સિદ્ધિ-પ્રાપ્તિ થાય તે સાધકભાવ રાધ છે. તે સાધકપણું ભગવાન આત્માની સેવા છે.

લોકો તે જનસેવા તે પ્રભુ સેવા એમ કહે છે ને? પણ એમાં તો ધૂળેય પ્રભુ સેવા નથી સાંભળને. પરની સેવા કોણ કરી શકે છે? આ આંગળી ઊંચી-નીચી થાય છે ને? તે પણ આત્મા કરી શકતો નથી. તે કાંઈ આત્માનું કાર્ય નથી કેમકે એ તો જડ માટી-ધૂળ છે. એનું પરિણમન જડ પરમાણુઓ પલટીને કરે છે; એમાં આત્માનું કાંઈ કાર્ય નથી. અને રાગની સેવા જે કરે છે તેય અજ્ઞાની છે.

ચાલતી મોટરને હાથ વડે અટકાવી દે એવું એક પહેલવાનમાં બળ હતું; અને તેનું એને અભિમાન હતું. પરંતુ તે જ પહેલવાન જ્યારે મરણ-પથારીએ પડયો ત્યારે શરીર પર બેઠેલી માખીનેય ઉડાડવાની એની શક્તિ ન હતી. ભાઈ! શરીરની જડની ક્રિયા કોણ કરી શકે? મફતનું અભિમાન કરે કે મેં આ કર્યું. બાકી દેહ, વાણી ઈત્યાદિ જડની ક્રિયા આત્મા કરી શકતો નથી. તથાપિ એ મિથ્યા અભિમાન કરે એમાં તો બંધની સિદ્ધિ થાય છે. અહા! એ બંધનો સાધકભાવ છે. સમજાણું કાંઈ...?

ભાઈ! પર તરફના લક્ષવાળા ભાવો-ચાહે હિંસાદિ પાપના હો કે અહિંસાદિ પુણ્યના હો-તે સર્વ ભાવો અપરાધ છે. પુણ્યના ભાવો પણ અપરાધ જ છે. તે ભાવો બંધ સાધક છે. તે ભાવોનું સેવન કરે તે બંધનું જ સેવન કરે છે અને તેને સંસારની જ સિદ્ધિ થાય છે. ભાઈ! રાગનું સેવન તે સંસારની જ સિદ્ધિ છે. અહા! આવું યથાર્થ જાણીને જે સમસ્ત પરભાવોથી વિમુખ થઈ આત્મસન્મુખ થાય છે, ભગવાન આત્માનાં નિર્મળ જ્ઞાન- શ્રદ્ધાન ને અંતર-રમણતારૂપ ચારિત્ર પ્રગટ કરે છે તેને આત્માની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે. આવી વાત છે.

ભાષા તો સાદી છે ભગવાન! પણ ભાવ ગંભીર છે. અહા! જેને એકાવતારી ઇન્દ્રો પણ અતિ વિનમ્ર થઈ એકચિત્તે સાંભળે તે ભગવાનની વાણીની ગંભીરતાની શી વાત! અહા! તે અપાર ગંભીર ને અદ્ભૂત અલૌકિક છે.

જુઓ, ઉપર સૌધર્મ દેવલોક છે. તેમાં બત્રીસ લાખ વિમાન છે. પ્રત્યેક વિમાનમાં અસંખ્ય દેવ છે. તેનો સ્વામી શક્રેન્દ્ર છે. તે ત્રણ જ્ઞાનનો ધારક સમકિતી આત્મજ્ઞાની છે. તે એકાવતારી અર્થાત્ હવે પછી એક ભવ કરીને મનુષ્ય થઈને મોક્ષ જશે. તેની પત્ની શચી પણ એકાવતારી છે. જ્યારે ઉત્પન્ન થઈ ત્યારે તો મિથ્યાદ્રષ્ટિ હતી. પરંતુ તે ઇન્દ્ર સાથે ભગવાનની વાણી સાંભળવા જતી ત્યાં તેને અંતર-સ્વભાવનો આશ્રય થવાથી આત્મજ્ઞાન થયું હોય છે, તે પણ એક ભવ કરીને મોક્ષ જશે. અહા! શુક્ર અને


PDF/HTML Page 2963 of 4199
single page version

શચી બન્ને સમોસરણમાં ભગવાનની જે વાણી સાંભળતા હોય તે વાણી કેવી હોય? બાપુ! આ બીજાની દયા કરો ને દાન કરો ને ઉપવાસ કરો ઈત્યાદિ તો કુંભારેય કહે છે. અને એમાં નવું શું છે? એવું તો એણે અનંત વાર કર્યું છે.

ભાઈ! રાત્રિભોજન કરવું એ મહાપાપ છે કેમકે એમાં ત્રસજીવો સહિત અનેક જીવોની હિંસા થાય છે. વળી તીવ્ર લોલુપતા વિના રાત્રિભોજન હોતું નથી. તે પ્રમાણે લસણ, ડુંગળી, બટાટા આદિ કંદમૂળ કે જેમાં અનંતા નિગોદના જીવ વિદ્યમાન છે તેનું ભોજન કરવું એ પણ મહાપાપ છે. અરે ભાઈ! તને ખબર નથી પણ એ કંદમૂળના અનંતા જીવોમાં તારા પૂર્વના અનેક માતા, પિતા અને સંતાનના જીવ પણ છે. અહા! તેની અંદર તારી પૂર્વની અનંત માતાઓ છે. અહા! એવા કંદમૂળનું ભક્ષણ શું તને શોભે છે? જરા વિચાર તો કર. અહીં કહે છે-એ સર્વ હિંસાના ભાવ તો અપરાધ અને પાપ છે જ, પણ એની દયા પાળવાનો શુભરાગ જે થાય છે એય પાપ છે, અપરાધ છે, ગુન્હો છે. બહુ આકરી વાત ભગવાન!

અરે! ૮૪ લાખ યોનિના અવતારમાં એને કેટકેટલું દુઃખ થયું છે? કોઈએ કહ્યું કે- છાપામાં આજ આવ્યું છે કે કોઈનો એકનો એક દીકરો જીપમાંથી ઉઠલી પડયો અને જીપ તેના પર ફરી વળી અને તે છોકરો મરી ગયો. અહા! એને કેવી પારાવાર વેદના ને કેટલું દુઃખ થયું હશે? ભાઈ! પણ એ દુઃખ એને જીપના કારણે થયું છે એમ નથી; પરંતુ એને દેહ અને રાગની જે એકતાબુદ્ધિ છે તેનું એ દુઃખ છે. સંયોગી ચીજ તો એને અડીય નથી. ભગવાન આત્મા શુદ્ધ ચેતનામય અરૂપી ચીજ છે. તે રૂપી ચીજ ને કદી અડે નહિ ને રૂપી ચીજ એને કદી અડે નહિ. એક ચીજ બીજી ચીજ ને કદી અડે નહી એવું જ વસ્તુસ્વરૂપ છે. પણ દેહાદિ ને પુણ્ય-પાપ આદિ જે પરભાવો છે તેની એકત્વબુદ્ધિ અર્થાત્ તે હું છું એવો ભાવ તે દુઃખ છે. અહા! ઘાણીમાં જેમ તલ પીલાય તેમ આત્મા અનાદિથી રાગ-દ્વેષ મોહરૂપ ઘાણીમાં પીલાઈ રહ્યો છે. અહીં કહે છે-તારે આવા દુઃખથી છુટવું હોય તો આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર એકલા આનંદથી ભર્યો છે તેની સિદ્ધિ કર. શુદ્ધ આત્માની સિદ્ધિ એ મોક્ષનું સાધન છે.

અહા! જેમ કોઈ બળુકી બાઈ ગાયના આંચળમાંથી દૂધ દોહીને કાઢે તેમ આચાર્ય અમૃતચંદ્રે ભગવાન કુંદકુંદાચાર્યની ગાથાઓમાં જે ભાવ ભર્યા છે તે દોહી દોહીને બહાર કાઢયા છે. ભાઈ! તું સાંભળ તો ખરો. ભગવાન! તું ત્રણલોકનો નાથ પ્રભુ અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો પરમેશ્વર છો. અને આ પર્યાયમાં જે શુભાશુભ વૃતિઓ ઉઠે છે તે અપરાધ છે, દુઃખ છે. માટે તે પરભાવોથી હઠી ઉપયોગને અંતર્મુખ કરી શુદ્ધ આત્માનું-પોતાના પરમેશ્વરનું-જ્ઞાન કર અને દ્રષ્ટિને તેમાં જ સ્થિર કરી અંતર- રમણતા કર. અહા! શુદ્ધ સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાન ને રમણતા-આચરણ એ જ


PDF/HTML Page 2964 of 4199
single page version

આત્માની સિદ્ધિ છે અને એ જ સાધકપણું છે, એ જ રાધ નામ આત્માની સેવા છે. સમજાણું કાંઈ...?

સમયસાર ગાથા ૧૭ - ૧૮ માં આવે છે કે-આબાલગોપાળ સર્વને તેમની જ્ઞાનની પર્યાયમાં આત્મા જાણવામાં આવી રહ્યો છે. શું કીધું? ભાઈ! તારી જ્ઞાનની દશામાં સ્વજ્ઞેય એવો ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. જ્ઞાન સ્વપરપ્રકાશક છે ને? તેથી અજ્ઞાનીને પણ એની જ્ઞાનની પર્યાયમાં આત્મા તો જણાઈ રહ્યો છે. પણ શું થાય? એની દ્રષ્ટિ એના ઉપર નથી. એની દ્રષ્ટિ બહાર પર-રાગ ને નિમિત્તાદિ-પર છે. અહા! એની બહિરાત્મદ્રષ્ટિ છે અને તેથી તેને પરનું-રાગાદિનું અસ્તિત્વ ભાસે છે. પણ જ્યારે એ જ ગુલાંટ મારીને અંદરમાં પૂર્ણાનંદના અસ્તિત્વને દેખે છે ત્યારે હું આવો શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્મા છું-એમ એને આત્માની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે. એ જ સાધકભાવ છે અને એ જ રાધ છે.

હવે કહે છે- ‘જે આત્મા “અપગતરાધ” અર્થાત્ રાધ રહિત હોય તે આત્મા અપરાધ છે.’

જુઓ, શું કીધું? કે જે આત્મા રાધ રહિત એટલે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપની સેવાથી રહિત છે, સાધકપણાથી રહિત છે, વા આત્માની સિદ્ધિથી રહિત છે તે અપરાધ છે. શુદ્ધ આત્માના જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણથી રહિત છે તે આત્મા અપરાધ છે. જુઓ, કર્મનું- નિમિત્તનું જોર છે માટે અપરાધી છે એમ નહિ, પણ સાધકપણાથી રહિત છે, શુદ્ધ આત્માના સેવનથી રહિત છે માટે અપરાધી છે એમ કહે છે. તે અપરાધ પોતાનો પોતાના કારણે છે. હવે કહે છે-

‘અથવા (બીજો સમાસવિગ્રહ આ પ્રમાણે છેઃ) જે ભાવ રાધ રહિત હોય તે ભાવ અપરાધ છે.’

જુઓ, પહેલાં એમ કહ્યું કે જે આત્મા રાધ રહિત છે તે અપરાધ છે, ને હવે એમ કહ્યું કે જે ભાવ રાધ રહિત છે તે અપરાધ છે. અહા! જે ભાવ વડે શુદ્ધ આત્માનું સેવન ન થાય તે રાગાદિ ભાવ સર્વ અપરાધ છે. અને જેનો ભાવ અપરાધ છે તે આત્મા અપરાધ છે-એમ વાત છે.

હવે કહે છે- ‘તે અપરાધ સહિત જે આત્મા વર્તતો હોય તે આત્મા સાપરાધ છે.’ અહા! આત્મા તો શુદ્ધ ચૈતન્ય પ્રભુ આત્મા છે, પરંતુ જે આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યની સન્મુખતાનો અનાદર કરનાર એવા પુણ્ય-પાપ આદિ રાગભાવમાં વર્તે છે તે સાપરાધ છે, ગુન્હેગાર છે. પ્રત્યેક આત્મા અંદરમાં તો અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન સ્વરૂપે અંદર સદા વિરાજી રહ્યો છે. પણ અજ્ઞાનીને તે કેમ બેસે? પોતાના શુદ્ધ અસ્તિત્વની જેને ખબર નથી એવો અજ્ઞાની તો પુણ્ય આદિ વ્યવહારભાવોમાં


PDF/HTML Page 2965 of 4199
single page version

મશગુલ-એકરૂપ થઈને વર્તે છે. અહીં કહે છે-એવો જીવ સાપરાધ છે, ગુન્હેગાર છે.

હવે કહે છે- ‘તે આત્મા, પરદ્રવ્યના ગ્રહણના સદ્ભાવ વડે શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવને લીધે બંધની શંકા થતી હોઈને સ્વયં અશુદ્ધ હોવાથી, અનારાધક જ છે.’

જોયું? પરદ્રવ્યના એટલે રાગાદિ પરભાવોના ગ્રહણ વડે એને શુદ્ધ આત્માની અસિદ્ધિ-અપ્રાપ્તિ છે. શું કીધું? રાગાદિ ભાવ છે તે પરદ્રવ્ય છે અને એનું ગ્રહણ કરવું એ અપરાધ છે. મુનિને મહાવ્રતનો રાગ આવે તેને તે ગ્રહે તે અપરાધ છે. કેટલાક લોકો મહાવ્રતાદિને ચારિત્ર અને ધર્મ માને છે, પણ ભાઈ! મહાવ્રતાદિના પરિણામ તે શુભભાવ છે અને તે પરદ્રવ્ય હોવાથી તેનું ગ્રહણ કરવું તે અપરાધ છે. બહુ આકરી વાત છે પ્રભુ! પણ આ સત્ય વાત છે. અહા! મહાવ્રતાદિના પરિણામ ભગવાન આત્માની ચીજથી અન્ય ચીજ છે ને? તેથી તે પરદ્રવ્ય છે અને તેને ગ્રહવું-સેવવું તે અપરાધ છે. મુનિરાજ- ભાવલિંગી સંત-પણ તેને (ક્રમે આવી પડેલો) અપરાધ જ જાણે છે. કોઈપણ રાગને અનુભવવો ને ભલો જાણવો, પોતાનો જાણવો તે અપરાધ છે. અહા! રાગની સેવામાં અને આરાધનામાં પડયો છે તે જીવ સાપરાધ છે, ગુન્હેગાર છે અને તેને આત્માની સિદ્ધિ-પ્રાપ્તિનો અભાવ છે.

અહા! આ પ્રમાણે પરદ્રવ્યના ગ્રહણના સદ્ભાવમાં, શુદ્ધ આત્માની અપ્રાપ્તિ હોવાથી, એને હું બંધન પામું છું એમ શંકા થાય છે. અહા! ભગવાન આત્મા સ્વયં અબંધસ્વરૂપ છે, અબદ્ધસ્પૃષ્ટ છે. આવા આત્માની દ્રષ્ટિને અનુભવ થવા તે જૈનશાસન છે (ગાથા ૧પ). પરંતુ જે આવા શુદ્ધ આત્માને છોડી પરદ્રવ્યનો-રાગનો અનુભવ કરે છે, રાગને સેવે છે તેને શુદ્ધ આત્માની અસિદ્ધિ-અપ્રાપ્તિ છે અને તેથી તેને બંધની શંકા થાય જ છે. આ કારણે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક જ છે. પોતાના પરમ પવિત્ર પરમાત્મદ્રવ્યનાં જ્ઞાન-શ્રદ્ધાન અને સેવના-આરાધના અભાવમાં ને પુણ્ય-પાપ આદિ પરભાવોના ગ્રહણના સદ્ભાવમાં તે અનારાધક અર્થાત્ અપરાધી જ છે. અહા! તે કોઈપણ રીતે આત્માનો આરાધક નથી.

ભાઈ! આ કોઈપણ રીતે ખૂબ શાંતિ ને ધીરજ કેળવીને સમજવું હોં. આવો યોગ મળવો મહાદુર્લભ છે. અરે! નિગોદમાંથી નીકળી ત્રસ અવસ્થાને પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. એમાંય પંચેન્દ્રિય મનુષ્યપણાને પ્રાપ્ત થવું-એની દુર્લભતાની શી વાત! અને જૈનદર્શન અને વીતરાગની વાણીનો યોગ તો મહા મહા દુર્લભ છે. ભાઈ! તને આવો યોગ મળ્‌યો છે; માટે તત્ત્વની સમજણ કરી ભવનો અભાવ કર. ભવરહિત અંદર ભગવાન આત્મા તું પોતે છો તેનાં જ્ઞાન-શ્રદ્ધાન અને આરાધના પ્રગટ કર. રાગની આરાધનાથી તને શું પ્રયોજન છે?

અહા! જેઓ રાગની સેવામાં પડયા છે ને દયા, દાન, વ્રત આદિ વ્યવહારના ભાવોથી, તે વ્યવહાર કરતાં કરતાં કલ્યાણ થઈ જશે એમ માને છે તેઓ નિચ્છલ


PDF/HTML Page 2966 of 4199
single page version

નથી અર્થાત્ મિથ્યાત્વને જ સેવી રહ્યા છે. એવા જીવો, અહીં કહે છે, અપરાધી અને અનારાધક જ છે. પાઠમાં ‘અનારાધક જ’ છે એમ કહ્યું છે. મતલબ કે કોઈપણ પ્રકારે તેઓ આત્માના આરાધક નથી. સમજાણું કાંઈ...? ભાઈ! આત્માનાં નિર્મળ જ્ઞાન- શ્રદ્ધાન ને આચરણ સિવાય જેટલો પણ બહારનો ક્રિયાકાંડ છે તે સર્વ આત્માનો અનારાધક ભાવ છે.

હવે કહે છે- ‘અને જે આત્મા નિરપરાધ છે તે, સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિના સદ્ભાવને લીધે બંધની શંકા નહિ થતી હોવાથી “ઉપયોગ જ જેનું એક લક્ષણ છે એવો એક શુદ્ધ આત્મા જ હું છું” એમ નિશ્ચય કરતો થકો શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવી આરાધનાથી સદાય વર્તતો હોવાથી, આરાધક જ છે.’

જોયું? જે નિરપરાધ છે તેને સમગ્ર પરદ્રવ્યના પરિહાર વડે શુદ્ધ આત્માની સિદ્ધિનો-પ્રાપ્તિનો સદ્ભાવ છે. અહાહા...! ધર્મી જીવને સમસ્ત પરદ્રવ્ય અર્થાત્ રાગાદિ ભાવોના પરિત્યાગની ભાવના છે અને તેને શુદ્ધ આત્માની સિદ્ધિનો સદ્ભાવ છે. શું કીધું? કે ધર્મી જીવના જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણમાં સમગ્ર રાગના પરિહાર વડે એક શુદ્ધ આત્મા જ વર્તે છે. અહાહા...! ધર્મી જીવ એક શુદ્ધ આત્મામાં જ લીન સ્થિર છે અને તેથી તેને બંધની શંકા થતી નથી. અહા! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને આચરણના સદ્ભાવમાં તેને બંધની શંકા કેમ થાય? ન જ થાય.

અહા! ધર્મી જીવને તો અંતરંગમાં આ નિશ્ચય થયો છે કે ‘ઉપયોગલક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું;’ રાગાદિ વ્યવહાર તે હું નહિ. રાગાદિ તો પરદ્રવ્ય-બંધનું લક્ષણ છે. ભાઈ! માર્ગ તો આ એક જ છે. શુભરાગ-શુભઉપયોગ પણ પરદ્રવ્ય છે અને તેને ગ્રહણ કરવો, સેવવો તે અપરાધ છે, મિથ્યાત્વભાવ છે. અહા! આઠ વર્ષની કુમારિકા પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે ત્યારે ચોથે ગુણસ્થાને તે એમ માને છે કે-હું તો જાણનદેખન- સ્વભાવી સદા ઉપયોગસ્વરૂપી આત્મા છું અને આ પુણ્ય-પાપના ભાવો મારાથી ભિન્ન છે. આમ વાત છે.

પ્રશ્નઃ– એ તો ઠીક, પણ આ બધી લપને-સ્ત્રી-પુત્ર-પરિવારને અને દેહાદિને-ક્યાં રાખવી?

ઉત્તરઃ– બાપુ! એ બધી લપ ક્યાં તારી ચીજ છે? તારામાં એ ક્યાં ગરી ગઈ છે? અને તું એનામાં ક્યાં ગયો છે? ભાઈ! એ તો બધી પ્રત્યક્ષ પરચીજ છે. અહીં તો વિશેષ એમ કહે છે કે-દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો જે રાગ છે તે પરદ્રવ્ય છે, કેમકે તે નીકળી જવા યોગ્ય છે ને સિદ્ધદશામાં નીકળી જ જાય છે. ભગવાન! એક જાણવાદેખવાના ઉપયોગરૂપ જ તારું સ્વરૂપ છે. જ્ઞાતાદ્રષ્ટા સિવાય બીજું કોઈ તારું સ્વરૂપ નથી. (પછી બીજી ચીજને રાખવાનો સવાલ જ ક્યાં છે?)


PDF/HTML Page 2967 of 4199
single page version

અહા! આવી વાત! તો કેટલા કહે છે કે આ વાતો તો બધી ચોથા આરાના જીવો માટે છે. પણ ભાઈ! એમ નથી. અહા! સમયસાર શાસ્ત્ર તો પંચમ આરાના મુનિએ પંચમ આરાના જીવોના કલ્યાણ અર્થે બનાવ્યું છે. કોઈ વળી કહે છે કે-આ શાસ્ત્ર તો છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને માટે છે; તો એ વાત પણ યથાર્થ નથી. કેમકે જે અજ્ઞાની અપ્રતિબદ્ધ છે તેને સમજાવવા માટે આ શાસ્ત્ર કુંદકુંદાચાર્યદેવે રચ્યું છે. (જુઓ ગાથા ર૩, ર૪, રપ).

અહા! ચોથે ગુણસ્થાનકે વર્તતો સમ્યગ્દ્રષ્ટિ જીવ અંતરંગમાં એવો દ્રઢ નિશ્ચય કરે છે કે-આ ઉપયોગલક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું. લૌકિકમાં જેને ધર્મ માને છે તે શુભરાગ મારું લક્ષણ નહિ. લૌકિકમાં ગમે તે માનો, રાગાદિ ભાવો કદીય મારા છે જ નહિ; હું તો પરમ પવિત્ર શુદ્ધ એક ઉપયોગલક્ષણ જીવ છું. અહા! આવાં આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન સહિત ધર્મી પુરુષ સદાય (આત્માની) આરાધનાપૂર્વક વર્તે છે. અહા! દ્રષ્ટિના વિષયમાં જેને પોતાનો પૂરણ પરમેશ્વર પ્રભુ આત્મા વર્તે છે તે જીવ આરાધક છે. તેને જ આત્માનું સેવન કરનાર સાધક કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગમય જ હું છું-એમ જેને અંતરંગમાં દ્રઢ શ્રદ્ધાન થયું છે તે સદાય આરાધક છે. ભાઈ! કોઈવાર દ્રવ્યનો આશ્રય અને કોઈવાર રાગનો આશ્રય હોય એવું ધર્મીનું સ્વરૂપ નથી. ધર્મીને તો નિરંતર એક શુદ્ધ આત્મદ્રવ્યનો જ આશ્રય હોય છે.

પ્રશ્નઃ– તો શું વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ ધર્મીને હોતાં જ નથી? ઉત્તરઃ– કોણ કહે છે કે હોતાં નથી? ધર્મીને એ બધા ભાવો હોય છે, પણ એ શુભરાગ છે, અપરાધ છે; ધર્મ નહિ. ધર્મીને જે રાગ હોય છે તેને તે જાણે જ છે; તેને મન તે જાણવાલાયક છે; પણ આદરવાલાયક છે એમ નહિ.

ભાઈ! આત્માની એક સમયની અવસ્થામાં હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસના આદિ જે અશુભરાગ થાય છે તે પાપ છે; અને દયા, દાન, વ્રતાદિનો જે શુભરાગ થાય છે તે પણ નિશ્ચયથી પાપ જ છે. બહુ આકરી વાત ભાઈ! પણ વાત એમ જ છે. (યથાર્થ જ છે) યોગસારમાં આચાર્ય યોગીન્દ્રદેવ કહે છે-

“પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ;
પુણ્ય તત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ.”

ભાઈ! એક ઉપયોગમય શુદ્ધ આત્મા જ હું છું એવું યથાર્થ શ્રદ્ધાન થયા વિના જ્ઞાન ને આચરણ કયાંથી આવે? એ સિવાયનું બધું (ક્રિયાકાંડ) તો થોથાં છે.

અરે! આ જિંદગી એમ ને એમ ચાલી જાય છે હોં. અરેરે! રાગની દ્રષ્ટિમાં વર્તવાવાળો જીવ ક્યાં જશે? ભાઈ! આ જડ દેહ તો બળી ને ખાખ થઈ જશે. એની તો ખાખ જ થાય ને? પણ જીવ ક્યાં જશે? અહા! જેણે રાગ ને પુણ્ય ભાવ ને


PDF/HTML Page 2968 of 4199
single page version

પોતાના માન્યા છે તે રાગના-દુઃખના વેદનમાં જ જશે. તે ચારગતિમાં દુઃખના વેદનમાં જશે. અને જે, હું એક ઉપયોગમય શુદ્ધ આત્મા જ છું એવી શુદ્ધ આત્માની દ્રષ્ટિપૂર્વક આરાધક થયો છે તે જ્યાં જશે ત્યાં આત્મામાં જ રહેશે.

જુઓ, શ્રેણીક મહારાજાને તેમનું આયુષ્ય પહેલાં (મિથ્યાદશામાં) બંધાઈ ગયું હતું તો તેઓ મરીને પહેલી નરકે ગયા. પણ ક્ષાયિક સમકિતી છે ને? તો તેઓ અંતરમાં આત્મવાસી છે. નરકમાં તેઓ ત્યાં તીર્થંકરગોત્ર બાંધે છે. તેઓ આવતી ચોવીસીમાં પહેલા તીર્થંકર થશે. અહા! નરકમાં હોય તોપણ સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સદા ઉપયોગસ્વરૂપ જ દેખે છે, શ્રદ્ધે છે. તેને રાગાદિ પરિણામ આવે છે તોપણ તેને તે આત્મભૂત માનતો નથી. ભાઈ! આ પંચમકાળના મુનિવર પંચમકાળના જીવથી થઈ શકે એ વાત કહે છે. રખે કોઈ આ ચોથા આરાના જીવો માટે છે એમ માનતા; કેમકે આત્માને આરાથી શું સંબંધ છે? આત્માને કોઈ આરો-ફારો લાગૂ પડતો નથી. સમજાણું કાંઈ...?

* ગાથા ૩૦૪ – ૩૦પઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘સંસિદ્ધિ, રાધ, સિદ્ધિ, સાધિત અને આરાધિત-એ શબ્દનો અર્થ એક જ છે.’ સંસિદ્ધિ એટલે સમ્યક્ પ્રકારે સિદ્ધ થવું. એટલે શું? કે આત્મા જેવો શુદ્ધ એક ઉપયોગમય છે તેવો દ્રષ્ટિ, જ્ઞાન ને ચારિત્રમાં આવવો તે સંસિદ્ધિ છે, આત્માનાં સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન અને ચારિત્ર પ્રગટ થતાં આત્માની સિદ્ધિ-પ્રાપ્તિ થાય છે અને તે સંસિદ્ધિ છે.

શ્રી જયસેનાચાર્યની ટીકામાં ‘સંસિદ્ધિ’ નો અર્થ ‘રાધન’ કર્યો છે. મૂળમાં તો ‘રાધ’ કહેવું છે. ભગવાન આત્મા ચૈતન્યમહાપ્રભુ જેવો છે તેવું એનું જ્ઞાન-શ્રદ્ધાન થવું અને તેમાં જ રમણતારૂપ ચારિત્રનું પ્રગટ થવું તે રાધ નામ રાધન છે. એને જ આત્માની સેવા અને આરાધન કહે છે.

અરે! અનાદિથી એણે રાગની સેવા કરી, પણ શુદ્ધ આત્મતત્ત્વનું સેવન ન કર્યું. અહા! તે મહા અપરાધ છે.

અહા! આત્મા શુદ્ધ ચિદાનંદઘન એક જાણવાદેખવાના ઉપયોગસ્વરૂપ માત્ર છે. તેનાં જ્ઞાન-શ્રદ્ધાન કરી તેમાં જ સ્થિરતા કરવી એ શુદ્ધ આત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ ‘રાધ’ છે. દર્શન-જ્ઞાનમાં શુદ્ધ આત્મા જણાયો તે એની સિદ્ધિ છે અને તે જ રાધ છે.

હવે કહે છે- ‘જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ છે.’

જુઓ, ભગવાનની પુજા, ભક્તિ ઈત્યાદિ જે રાગ છે તે, પૂર્ણ વીતરાગતા ન થાય


PDF/HTML Page 2969 of 4199
single page version

ત્યાં સુધી, જો કે ધર્મીની દ્રષ્ટિ રાગ પર નથી છતાં ધર્મીને આવ્યા વિના રહેતો નથી. અશુભથી બચવા તે ભાવો તેને હેયબુદ્ધિએ આવે છે, છતાં તે છે અપરાધ.

પ્રશ્નઃ– જો એમ છે તો તેને કેમ કરવો? ઉત્તરઃ– ભાઈ! કરવાની તો વાત જ ક્યાં છે? એ તો અશુભ વંચનાર્થે એવો શુભભાવ તેને આવે છે બસ. (સમકિતી એને કરે છે એમ છે નહિ).

આ નાળિયેર હોય છે ને? એની ઉપરનાં છાલાં તે શ્રીફળ નથી, જે કાચલી છે તે પણ શ્રીફળ નથી અને અંદર ગોળા ઉપરની જે રાતડ છે તે પણ શ્રીફળ નથી. શ્રીફળ તો અંદર જે મીઠો, સફેદ ગોળો છે તે છે. તેમ આ શરીર છે તે છાલાં છે, અને દ્રવ્યકર્મ છે તે કાચલીના સ્થાને છે તથા શુભાશુભભાવ તે રાતડ છે. એ બધાયથી ભિન્ન અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો પિંડ છે તે આત્મા છે. અહા! આવા આત્માની આરાધના- સેવા-સાધના તે રાધ છે જેને તે રાધ નથી. તે આત્મા સાપરાધ છે અને જેને તે રાધ છે તે નિરપરાધ છે.

ભાઈ! પરમ મહિમાવંત એવી તારી ચીજની તને ખબર નથી. ભગવાન કહે છે- તું પૂરણ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણથી ભરેલો જ્ઞાનાનંદ-લક્ષ્મીનો ભંડાર છો. અહા! તારામાં અતીન્દ્રિય જ્ઞાન પૂરણ ભરેલું છે. તારી એક એક જ્ઞાનની પર્યાયનો કોઈ અચિંત્ય અપાર મહિમા છે; ને એવી અનંત પર્યાયોનો પિંડ તું ભગવાન આત્મા છો. અહા! તારા મહિમાની શી વાત! (ભગવાન કેવળી પણ તે પૂરણ કહી શકે નહિ એવો એનો અપાર મહિમા છે). અહીં કહે છે-એવા અપાર મહિમાવંત આત્મદ્રવ્યનું સેવન કરવું તે રાધ છે. જેને તે રાધ નથી તે સાપરાધ છે, અને જેને તે રાધ છે તે નિરપરાધ છે.

હવે કહે છે- ‘જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે; અને જે નિરપરાધ છે તે નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે તેથી તેને બંધની શંકા નથી, માટે “શુદ્ધ આત્મા તે જ હું છું”-એવા નિશ્ચયપૂર્વક વર્તતો થકો સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.’

જોયું? જે સાપરાધ છે તેને બંધની શંકા થાય છે. માટે તે સ્વયં અશુદ્ધ છે તેથી અનારાધક છે. રાગ-વ્યવહાર છે તે અશુદ્ધ છે. અને તે અશુદ્ધ મારી ચીજ છે એમ જે માને છે તે અશુદ્ધનો આરાધક થાય છે. માટે તે આત્માનો અનારાધક જ છે.

અને જે નિરપરાધ છે તે નિઃશંક છે. તે પોતાના ઉપયોગમાં લીન થાય છે. ધર્મી પોતાના જ્ઞાનદર્શનમય આત્મામાં લીન છે. તેને જે રાગ આવે છે તેને માત્ર તે


PDF/HTML Page 2970 of 4199
single page version

જાણે છે. રાગ છે માટે જાણે છે એમ નહિ, પોતાના સહજ સામર્થ્ય વડે જ જ્ઞાન રાગને જાણે છે. સ્વને ને પરને-રાગને જાણવું એ જ્ઞાનનું સહજ સામર્થ્ય છે.

એક વાર ચર્ચા થયેલી તેમાં સામેવાળા કહે કે-લોકાલોક છે તો કેવળજ્ઞાન તેને જાણે છે. ત્યારે કહ્યું-ભાઈ! એમ નથી. કેવળજ્ઞાનની પર્યાય પોતાથી જ છે. તે પર્યાય સહજ પોતાના સામર્થ્યથી પ્રગટ થઈ છે; લોકાલોકની સત્તા છે માટે જાણવાની (કેવળજ્ઞાનની) પર્યાય ઉત્પન્ન થઈ છે એમ નથી. (લોકાલોક તો અનાદિથી છે, ને કેવળજ્ઞાન સ્વાશ્રયે નવું પ્રગટે છે).

અહાહા....! નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા છે. અહીં કહે છે-એમાં જા ને પ્રભુ! ત્યાં તને ગોઠશે, ત્યાં તને રુચશે; કેમકે તે એકલો આનંદથી ભરેલો છે.

પણ આ બધાથી (કુંટુંબ આદિથી) નિવૃત્તિ થાય ત્યારે ને? ભાઈ! એ બધાથી તો નિવૃત્ત જ છો; કેમકે એ બધાં કયાં તારામાં છે. સાચી નિવૃત્તિ તો તું રાગની ભાવનાથી નિવૃત્ત થાય ત્યારે થાય. અરે! દિગંબર દ્રવ્યલિંગી મુનિ થઈને બહારથી તો તેં અનંતવાર નિવૃત્તિ લીધી, પણ રાગબુદ્ધિ, અંશબુદ્ધિ મટી નહિ ને દ્રવ્યદ્રષ્ટિ કરી નહિ. તેથી તું અપરાધી જ રહ્યો. ભાઈ! દ્રવ્યદ્રષ્ટિ કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ રહેવું-એ એક જ સુખનો ઉપાય છે. બાકી તો બધું થોથાં છે. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-ધર્મી નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન થાય છે. તેને બંધની શંકા થતી નથી. ક્યાંથી થાય? સ્વરૂપમાં લીન થઈ રહે તેને બંધની શંકા કેવી? અહા! ‘શુદ્ધ આત્મા જ હું છું’ -એવા નિશ્ચયપૂર્વક વર્તતો તે દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપના એકભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે. જુઓ, નિશ્ચય આરાધના એકભાવરૂપ એટલે વીતરાગભાવરૂપ-આનંદભાવરૂપ-ચૈતન્યભાવરૂપ છે. આત્માનાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ બધા વીતરાગભાવરૂપ એકભાવરૂપ છે. અહા! શુદ્ધ ચૈતન્યમાં લીન થઈ પ્રતપવું તે તપ છે; અને તે જ ઉપવાસ. ‘ઉપવસતિ ઈતિ ઉપવાસઃ’ આત્માની સમીપ વસવું તે ઉપવાસ છે. લ્યો, આ સિવાય બાકી બધા અપવાસ એટલે માઠા વાસ છે. સમજાણું કાંઈ...?

આ પ્રમાણે જેને નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં છે તે ધર્મી જીવ એકભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૮૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘सापराधः’ સાપરાધ આત્મા ‘अनवरतम्’ નિરંતર ‘अनन्तैः’ અનંત પુદ્ગલ પરમાણુરૂપ કર્મોથી ‘बध्यते’ બંધાય છે; ‘निरपराधः’ નિરપરાધ આત્મા ‘बन्धनम्’ બંધનને ‘जातु’ કદાપિ ‘स्पृशति न एव’ સ્પર્શતો નથી જ.


PDF/HTML Page 2971 of 4199
single page version

શું કીધું? સાપરાધ એટલે શુદ્ધ એક નિત્યાનંદ-ચિદાનંદ પ્રભુ આત્માને છોડીને જે પુણ્ય-પાપના ભાવને પોતાના માને છે અને એનાથી પોતાને લાભ માને છે એવો આત્મા અનંત અનંત પુદ્ગલપરમાણુમય કર્મોથી બંધાય છે. અહા! જે ચીજ પોતાની નથી તેને પોતાની માને તે પ્રાણી ચોર છે, અપરાધી છે. તે નિયમથી કર્મો વડે બંધાય છે.

પરંતુ નિરપરાધ એટલે રાગરહિત જે જ્ઞાનાનંદમય પોતાની ચીજ તેની દ્રષ્ટિ કરી તેમાં જ જે જીવ રમે છે તેને કદાપિ બંધન થતું નથી. અહાહા! અશુદ્ધ ઉપયોગરૂપ પુણ્ય- પાપના ભાવથી રહિત જે શુદ્ધ ઉપયોગી છે તે આત્મા નિરપરાધી છે. એને બંધનનો કદી સ્પર્શ નથી. ધર્મી જીવ પોતાની જ્ઞાનાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યસત્તાને સ્પર્શે છે, અનુભવે છે; પણ બંધનને એટલે કે જે રાગભાવ આવે છે તેને સ્પર્શતો નથી.

‘अयम’ જે સાપરાધ આત્મા છે તે તો ‘नियतम’ નિયમથી ‘स्वम अशुद्धं भजन्’ પોતાને અશુદ્ધ સેવતો થકો ‘सापराधः’ સાપરાધ છે; ‘निरपराधः’ નિરપરાધ આત્મા તો ‘साधु’ ભલી રીતે ‘शुद्धात्मसेवी भवति’ શુદ્ધ આત્માનો સેવનાર હોય છે.

જુઓ, દયા, દાન, પુજા, ભક્તિ ઈત્યાદિ શુભરાગની સેવના છે તે અશુભની જેમ જ અશુદ્ધની સેવના છે. અહા! આ રીતે પોતાને અશુદ્ધ સેવતો થકો આત્મા સાપરાધ છે, ગુન્હેગાર છે. જ્યારે જે નિરપરાધ છે તે તો ભલી ભાંતિ જેવું આત્માનું શુદ્ધ એક ચિન્માત્ર સ્વરૂપ છે તેવા સ્વરૂપનો સેવનાર છે. ‘ભલી ભાંતિ’ એટલે જેવી ચીજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે એવી જ તેને સમીચીનપણે ધર્માત્મા અનુભવે છે. દ્રવ્યદ્રષ્ટિ વડે જે શુદ્ધને અનુભવે છે તે નિરપરાધી છે. પોતાની સત્તામાં જ મગ્ન છે તે નિરપરાધી છે.

અહો! સંતોએ અતિ સ્પષ્ટ ઘોષણા કરી છે કે-જે આત્મા પુણ્ય-પાપના અશુદ્ધ ભાવનું સેવન કરે છે તે અપરાધી-ગુન્હેગાર છે, અને તે નિરંતર કર્મથી બંધાય છે. અને જે આત્મા પુણ્ય-પાપથી રહિત શુદ્ધ એક ચૈતન્યના ઉપયોગમય, પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ ઈત્યાદિ અનંત શક્તિઓથી ભરેલો, સદા એકરૂપ, ભૂતાર્થ શુદ્ધ ચિદઘન આત્માને ‘સાધુ’ નામ સમીચીનપણે-જેવી ચીજ છે તેને તે પ્રમાણે જ જાણીને-એની સેવના કરે છે તે નિરપરાધી છે ને તેને બંધન થતું નથી; તે બંધનને-રાગને સ્પર્શતો નથી. આવી વાત છે! સમજાણું કાંઈ...?

હવે પ્રશ્ન જરા ઉઠયો છે તે ખૂબ શાંતિથી સાંભળવા જેવો છે. અહીં વ્યવહારનયને અવલંબનાર તર્ક કરે છે કેઃ-

‘એવો શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ (મહેનત) કરવાનું શું કામ છે?’ જુઓ, ખરેખર તો પુણ્ય-પાપરહિત નિજ શુદ્ધ ચૈતન્યરૂપ આત્માની એકની જ સેવના તે ધર્મ છે, સાધન છે, મોક્ષનો ઉપાય છે. હવે એની સાથે ધર્મી ને જે


PDF/HTML Page 2972 of 4199
single page version

પ્રતિક્રમણ આદિનો શુભરાગ આવે છે તેને વ્યવહારથી અમૃતકુંભ કહેવામાં આવેલ છે. શું કીધું? જેને અંદર શુદ્ધોપયોગરૂપ અમૃતનો સ્વાદ આવ્યો છે એવા જીવના શુભરાગને વ્યવહારથી અમૃતકુંભ કહ્યો છે. આ ઉપચાર છે. અજ્ઞાનીના શુભરાગમાં એ ઉપચાર પણ સંભવિત નથી.

જુઓ, શુભરાગ કાંઈ ખરેખર અમૃત છે એમ નથી; ખરેખર તો એ ઝેર જ છે. પરંતુ અમૃતસ્વરૂપ-આનંદસ્વરૂપ આત્માના સ્વાદિયા જીવને, પર્યાયમાં શુદ્ધ આત્માની પરિપૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવા શુભભાવ આવે છે અને શાસ્ત્રોમાં તેને ઉપચારથી અમૃત કહેવામાં આવેલ છે. હવે અહીં વ્યવહારનયાવલંબી વ્યવહારને અવલંબીને તર્ક કરે છે કેઃ-

‘શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાનું શું કામ છે?’ એમ કે પ્રથમથી જ શુદ્ધ આત્માની સેવા કરવી, તેના શ્રદ્ધાન-જ્ઞાન કરી તેમાં જ ઠરવું-એ ક્રિયાઓથી શું કામ છે? તેનું કારણ કહે છે-

‘કારણ કે પ્રતિક્રમણ આદિથી જ આત્મા નિરપરાધ થાય છે; કેમકે સાપરાધને જે અપ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં નહિ હોવાથી, વિષકુંભ છે, માટે જે પ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં હોવાથી અમૃતકુંભ છે.’

જુઓ, વ્યવહારનયાવલંબી શું દલીલ કરે છે? કે અજ્ઞાનીને જે અપ્રતિક્રમણાદિ અશુભભાવ છે તે વિષકુંભ-ઝેરનો ઘડો જ છે, કેમકે તે અપરાધને દૂર કરનારા નથી; પરંતુ જે શુભરાગરૂપ પ્રતિક્રમણાદિ છે તે અમૃતકુંભ છે કેમકે તે અપરાધને દૂર કરનાર છે. શુભભાવની ક્રિયાથી અપ્રતિક્રમણાદિ જે અશુભભાવ-પાપભાવ તેનો નિરોધ થાય છે એમ કહે છે. અહા! શુભરાગ વડે અપ્રતિક્રમણાદિ અશુભભાવથી-પાપથી પાછા ફરવું તે અમૃત છે એમ શાસ્ત્રમાં કહ્યું છે એમ કહે છે. આમ જો શુભભાવથી આત્મા નિરપરાધ થાય છે તો શુદ્ધાત્મસેવનાથી શું કામ છે? -એમ તે દલીલ કરે છે. એની દલીલ સમજાય છે ને!

વાત એમ છે કે-હું જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ આત્મા છું, અને આ દયા, દાન આદિના વિકલ્પો જે ઉઠે છે તે ઝેર છે એમ જેને અંતરંગમાં સ્વાનુભવમંડિત શ્રદ્ધા પ્રગટ થઈ છે એવા ધર્મીના શુભને વ્યવહારથી આરોપ દઈને શાસ્ત્રમાં અમૃત કહ્યું છે. જેને નિશ્ચય નિર્વિકલ્પ અમૃતનો સ્વાદ છે તેના રાગને વ્યવહારથી અમૃત કહ્યું છે એ વાતને આગળ કરીને વ્યવહારાવલંબી (અજ્ઞાની) કહે છે-જુઓ! અહીં શુભરાગને અમૃત કહ્યું છે કે નહિ? એના સમર્થનમાં તે વ્યવહારને કહેનારા આચારસૂત્રમાંથી ગાથાઓ કહે છે કે-


PDF/HTML Page 2973 of 4199
single page version

अप्पडिकमणमप्पडिसरणं अप्पडिहारो अधारणा चेव।
अणियत्ती य अणिंदागरहासोही य विसकुंभो।।
१।।
पडिकमणं पडिसरणं परिहारा धारणा णियत्ती य।
णिंदा गरहा सोही अट्ठविहो अभयकुंभो दु।।
२।।

અર્થઃ– અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગર્હા ને અશુદ્ધિ-એ (આઠ પ્રકારનો) વિષકુંભ અર્થાત્ ઝેરનો ઘડો છે. ૧.

પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગર્હા અને શુદ્ધિ-એ આઠ પ્રકારનો અમૃતકુંભ છે.

પ્રતિક્રમણઃ– પૂર્વે કરેલા દોષનું-પાપનું નિરાકરણ કરવું-એવો જે શુભભાવ છે તે પ્રતિક્રમણ છે. નિશ્ચયના અનુભવનારને-ધર્મી પુરુષને આવું પ્રતિક્રમણ હોય છે અને તેને શાસ્ત્રમાં ઉપચારથી અમૃત કહેલું છે. અહા! તેનો પક્ષ લઈ ને અહીં અજ્ઞાની કહે છે કે- તમે તો આત્મા ત્રિકાળ શુદ્ધ છે, તે એકની-શુદ્ધની શ્રદ્ધા કરો અને શુદ્ધની જ સેવા કરો એમ અંદર લઈ જાઓ છો પણ આ પ્રતિક્રમણાદિ શુભભાવ છે તે પાપને અશુભને ટાળે છે; માટે પહેલાં એ તો કરવા દો.

તેને કહીએ છીએ-ભાઈ! શુભરાગરૂપ પ્રતિક્રમણ જે જ્ઞાનીને હોય છે. તે વાસ્તવમાં તો ઝેર જ છે. એ તો ઉપચારથી એને અમૃત કહ્યું છે. અને અજ્ઞાનીને તો એ ઉપચારેય ક્યાં છે? એને તો એ એકલું ઝેર જ છે.

પ્રતિસરણઃ– સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા તે શુભરાગરૂપ પ્રતિસરણ છે. હું એક શુદ્ધ ચિન્માત્ર છું-એમ અનુભવ કરવો-ઈત્યાદિ વિકલ્પ ધર્મીને આવે છે તે પ્રતિસરણ છે. જ્ઞાનીના આવા વિકલ્પને ઉપચારથી અમૃત કહેલ છે. નિશ્ચયથી તે છે તો ઝેર, પણ નિર્મળ અમૃતરૂપ પરિણતિનો સહચર જાણી તેને ઉપચારથી અમૃત કહેવામાં આવેલ છે. માટે તેને વાસ્તવમાં ધર્મ-અમૃત ન જાણવું. અજ્ઞાનીને તો એનો મિથ્યા પક્ષ થઈ ગયો છે.

પરિહારઃ– મિથ્યાત્વ અને રાગ-દ્વેષ આદિ દોષોનું નિવારણ કરવું. એવો જે શુભભાવ તે પરિહાર છે. ધર્મીના આવા શુભભાવને આરોપ આપીને અમૃતકુંભ કહ્યો છે. તેનો પક્ષ લઈને આ (વ્યવહારાવલંબી) કહે છે કે-શાસ્ત્રમાં અમૃતકુંભ કહ્યો છે. વાસ્તવમાં તો શુભ-ઉપયોગ ઝેર જ છે.

ધારણાઃ– ણમો અરિહંતાણં, ણમો સિદ્ધાણં, ણમો આઈરિયાણં, ણમો ઉવજ્ઝાયાણં, ણમો લોએ સવ્વસાહૂણં-એમ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવું - એ શુભભાવ ધારણા છે. પંચનમસ્કાર આદિ મંત્ર, ૐ આદિ મંત્રો - એમ મંત્રો ઘણા છે ને? એનું ચિંત્વન આદિ શુભરાગ ધર્મીને હોય છે. તેને શાસ્ત્રમાં ઉપચારથી અમૃતકુંભ કહ્યો છે.


PDF/HTML Page 2974 of 4199
single page version

આત્મ - અનુભવથી અપેક્ષાએ ખરેખર તે ઝેર છે; પણ એનો (આત્માનુભવનો) સહચર જાણી તેને આરોપ આપીને વ્યવહારથી અમૃતકુંભ કહ્યો છે. હવે એનો પક્ષ કરીને આ કહે છે કે - શુભથી અશુભ મટે છે માટે પ્રથમ શુભ કરવું જોઈએ, તેને શ્રીગુરુ કહે છે -

ભાઈ! સાંભળ! વીતરાગનો મારગ વીતરાગભાવથી ઉત્પન્ન થાય છે, રાગથી નહિ. તથાપિ બાહ્યદ્રવ્યનું - ચાહે તે બાહ્યદ્રવ્ય જિનબિંબ હો, સાક્ષાત્ જિન ભગવાન હો કે પંચપરમેષ્ઠી હો - આલંબન લેતાં ધર્મીને જે શુભરાગ ઉત્પન્ન થાય છે તેને વ્યવહારથી જિનવાણીમાં અમૃતકુંભ કહ્યો છે, પણ નિશ્ચયથી તે ઝેર છે. વીતરાગભાવની પ્રગટતા વિના ધર્મની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ ને પૂરણતા કદીય સંભવિત નથી. ભાઈ! એમ તો ભગવાનના સમોસરણમાં જઈને મણિરત્નના દીવા, હીરાના થાળ અને કલ્પવૃક્ષનાં ફૂલ લઈ ને તેં ભગવાનની અનંતવાર પૂજા કરી છે. પણ તેથી શું? પરાવલંબી શુભનું લક્ષ છોડી સ્વ-આશ્રયે પરિણમ્યા વિના ધર્મની ઉત્પત્તિ થતી જ નથી.

નિવૃત્તિઃ– વિષય-કષાયરૂપ અશુભથી હઠી શુભમાં આવવું તે નિવૃત્તિ છે. જેને અંતરમાં શુદ્ધ નિશ્ચયનો અનુભવ છે તે ધર્મીને આવો શુભભાવ હોય છે અને તેને વ્યવહારથી અમૃત કહેલ છે. સ્ત્રી-કુટુંબ પરિવાર, ધનસંપત્તિ આબરૂ ઈત્યાદિના મમતાના પાપભાવમાં વર્તતા ચિત્તને હઠાવી દેવું તે શુભભાવ છે. અજ્ઞાનીનો આવો શુભભાવ એકલું ઝેર છે અને સમકિતીના એવા શુભભાવને વ્યવહારથી અમૃત કહ્યું છે તોપણ નિશ્ચયથી તે ઝેર છે.

જેમ ચોખાની બોરીનું વજન પણ ચોખાની ભેગું કરવામાં આવે છે. પણ એ બોરીનું બારદાન કાંઈ ચોખા નથી. ચોખા ને બારદાન બે ભિન્ન જ છે. તેમ ભગવાન આત્મા સ્વ-આશ્રયે પ્રગટ થયેલા અતીન્દ્રિય આનંદનો અનુભવ કરે છે તે ધર્મ છે અને જે રાગ આવે છે તે ધર્મ નથી, તે બારદાનની જેમ ભિન્ન જ છે. તેને ધર્મ પરિણતિનો સહચર જાણી ઉપચારથી અમૃત કહે છે પણ છે તો એ બારદાનની જેમ ભિન્ન જ; એ કાંઈ ધર્મ નથી. બાપુ! વીતરાગનો મારગ મહા અલૌક્કિ છે; અને તે વીતરાગતાથી જ ઉત્પન્ન થાય છે. વીતરાગસ્વરૂપ - જિનસ્વરૂપ ભગવાન આત્મા છે; તેનો આશ્રય કરવાથી જેટલો વીતરાગભાવ થયો તે ધર્મ છે, અમૃત છે અને તેમાં કમી રહેતાં પરાવલંબી જેટલો શુભરાગ રહ્યો તે નિશ્ચયથી ઝેરનો ઘડો છે. આવી વાત છે. સમજાણું કાંઈ...?

નિંદાઃ– આત્મસાક્ષીપૂર્વક દોષોને પ્રગટ કરવા. અશુભભાવ આવી ગયો હોય તો તેની નિંદા કરવી કે - અરે! આ શું? આવો પાપનો ભાવ આવી ગયો! આ પ્રમાણે આત્મસાક્ષીએ દોષોની નિંદા કરવી-એ શુભભાવ નિંદા છે. તે સમકિતીને હોય છે. વાસ્તવમાં તે અતીન્દ્રિય આનંદરૂપી અમૃતના સ્વાદથી વિપરીત છે તોપણ સહચર જાણી તેને વ્યવહારથી અમૃત કહેવામાં આવેલ છે. પણ તે નિશ્ચયે અમૃત નથી.


PDF/HTML Page 2975 of 4199
single page version

સમયસાર ગાથા ૧૧માં (ભાવાર્થમાં) કહ્યું છે કે વ્યવહારનો જે પક્ષ છે તેનું ફળ બંધન- સંસાર જ છે.

ગર્હાઃ– ગુરુની સાક્ષીએ દોષોને પ્રગટ કરવા, પોતાને જે કોઈ પાપકર્મ થયું હોય તે અતિ નિચ્છલભાવે ગુરુ પાસે જઈને જાહેર કરવું-એવો શુભભાવ ગર્હા છે. સમકિતીને એવો શુભભાવ હોય છે એને ઉપચારથી અમૃત કહીએ તોપણ વાસ્તવમાં તે ધર્મ નથી, અમૃત નથી.

શુદ્ધિઃ– જે પાપકર્મ થયું હોય તેનું પ્રાયશ્વિત લેવું - એવો જે શુભભાવ છે તે શુદ્ધિ છે. આવો શુભભાવ સમકિતીને હોય છે પણ તે ધર્મ નથી; ઉપચારથી એને અમૃત કહેવામાં આવેલ છે એ જુદી વાત છે, પણ નિશ્ચયથી એ ધર્મ નથી.

જુઓ, આ આઠ બોલને વ્યવહારના શાસ્ત્રોમાં અમૃત કહ્યા છે એટલે શિષ્યે તે વાતને મુખ્ય કરીને કહ્યું કે - તમે પ્રથમથી જ આત્માની દ્રષ્ટિ કરો, સમ્યગ્દર્શન કરો, આત્માનુભવ કરો એમ કહો છો, પણ અમને પહેલાં અશુભ જે વડે ટળે તે શુભને તો કરવા દો. શુભથી અશુભ તો ટળે છે ને? એના ઉત્તરમાં નિશ્ચયનયની પ્રધાનતાથી આચાર્યદેવ હવે ગાથાઓ દ્વારા સમાધાન કરે છે.

[પ્રવચન નં. ૩૬૨ થી ૩૬૪ (ચાલુ) * દિનાંક ૧૦-૬-૭૭ થી ૧૨-૬-૭૭]
×

PDF/HTML Page 2976 of 4199
single page version

ગાથા ૩૦૬ – ૩૦૭
पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य।
णिंदा गरहा सोही अट्ठविहो होदि विसकुंभो।। ३०६।।
अप्पडिकमणमप्पडिसरणं अप्परिहारो अधारणा चेव।
अणियत्ती य अणिंदागरहासोही अमयकुंभो।। ३०७।।
प्रतिक्रमणं प्रतिसरणं परिहारो धारणा निवृत्तिश्च।
निन्दा गर्हा शुद्धिः अष्टविधो भवति विषकुम्भः।। ३०६।।
अप्रतिक्रमणमप्रतिसरणमपरिहारोऽधारणा चैव।
अनिवृत्तिश्चानिन्दाऽगर्हाऽशुद्धिरमृतकुम्भः ।।
३०७।।
પ્રતિક્રમણ, ને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃત્તિ, ધારણા,
વળી શુદ્ધિ, નિંદા, ગર્હણા–એ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૦૬.
અણપ્રતિક્રમણ, અણપ્રતિસરણ, અણપરિહરણ, અણધારણા,
અનિવૃત્તિ, અણગર્હા, અનિંદ્ર, અશુદ્ધિ–અમૃતકુંભ છે. ૩૦૭.

ગાથાર્થઃ– [प्रतिक्रमणम्] પ્રતિક્રમણ, [प्रतिसरणम्] પ્રતિસરણ, [परिहारः] પરિહાર, [धारणा] ધારણા, [निवृत्तिः] નિવૃત્તિ, [निन्दा] નિંદા, [गर्हा] ગર્હા [च शुद्धिः] અને શુદ્ધિ- [अष्टविधः] એ આઠ પ્રકારનો [विषकुम्भः] વિષકુંભ [भवति] છે (કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે).

[अप्रतिक्रमणम्] અપ્રતિક્રમણ, [अप्रतिसरणम्] અપ્રતિસરણ, [अपरिहारः] અપરિહાર, [अधारणा] અધારણા, [अनिवृत्तिः च] અનિવૃત્તિ, [अनिन्दा] અનિંદા, [अगर्हा] અગર્હા [च एव] અને [अशुद्धिः] અશુદ્ધિ- [अमृतकुम्भः] એ અમૃતકુંભ છે (કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે-કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી).

ટીકાઃ– પ્રથમ તો જે અજ્ઞાનીજનસાધારણ (અર્થાત્ અજ્ઞાની લોકોને સાધારણ એવાં) અપ્રતિક્રમણાદિ છે તેઓ તો શુદ્ધ આત્માની સિદ્ધિના અભાવરૂપ સ્વભાવવાળાં હોવાને લીધે સ્વયમેવ અપરાધરૂપ હોવાથી વિષકુંભ જ છે; તેમનો વિચાર કરવાનું શું


PDF/HTML Page 2977 of 4199
single page version

પ્રયોજન છે? (તેઓ તો પ્રથમ જ ત્યાગવાયોગ્ય છે.) અને જે દ્રવ્યરૂપ પ્રતિક્રમણાદિ છે તેઓ સર્વ અપરાધરૂપી વિષના દોષોને ઘટાડવામાં (-ક્રમે ક્રમે મટાડવામાં) સમર્થ હોવાથી અમૃતકુંભ છે (એમ વ્યવહાર આચારસૂત્રમાં કહ્યું છે) તોપણ પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી વિલક્ષણ એવી અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિને નહિ દેખનાર પુરુષને તે દ્રવ્યપ્રતિક્રમણાદિ (અપરાધ કાપવારૂપ) પોતાનું કાર્ય કરવા અસમર્થ હોવાને લીધે વિપક્ષ કાર્ય (અર્થાત્ બંધનું કાર્ય) કરતાં હોવાથી વિષકુંભ જ છે. જે અપ્રતિક્રમણાદિરૂપ ત્રીજી ભૂમિ છે તે, સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિરૂપ હોવાને લીધે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરનારી હોવાથી, સાક્ષાત્ સ્વયં અમૃતકુંભ છે અને એ રીતે (તે ત્રીજી ભૂમિ) વ્યવહારથી દ્રવ્યપ્રતિક્રમણાદિને પણ અમૃતકુંભપણું સાધે છે. તે ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે. તેના (અર્થાત્ ત્રીજી ભૂમિના) અભાવમાં દ્રવ્યપ્રતિક્રમણાદિ પણ અપરાધ જ છે. માટે, ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું છે એમ ઠરે છે. તેની પ્રાપ્તિ અર્થે જ આ દ્રવ્યપ્રતિક્રમણાદિ છે. આમ હોવાથી એમ ન માનો કે (નિશ્ચયનયનું) શાસ્ત્ર દ્રવ્યપ્રતિક્રમણાદિને છોડાવે છે. ત્યારે શું કરે છે? દ્રવ્યપ્રતિક્રમણાદિથી છોડી દેતું નથી (- અટકાવી દેતું નથી, સંતોષ મનાવી દેતું નથી); તે સિવાય બીજું પણ, પ્રતિક્રમણ- અપ્રતિક્રમણાદિથી અગોચર અપ્રતિક્રમણાદિરૂપ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવું, અતિ દુષ્કર કાંઈક કરાવે છે. આ શાસ્ત્રમાં જ આગળ કહેશે કે- *कम्मं जं पुव्वकयं सुहासुहमणेयवित्थरविसेसं। तत्तो णियत्तदे अप्पयं तु जो सो पडिक्कमणं।। (અર્થઃ-અનેક પ્રકારના વિસ્તારવાળાં જે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મ છે તેમનાથી જે પોતાના આત્માને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે.) વગેરે.

ભાવાર્થઃ– વ્યવહારનયાવલંબીએ કહ્યું હતું કે-“લાગેલા દોષોનું પ્રતિક્રમણ આદિ કરવાથી જ આત્મા શુદ્ધ થાય છે, તો પછી પ્રથમથી જ શુદ્ધ આત્માના આલંબનનો ખેદ કરવાનું શું પ્રયોજન છે? શુદ્ધ થયા પછી તેનું આલંબન થશે; પહેલેથી જ આલંબનનો ખેદ નિષ્ફળ છે.” તેને આચાર્ય સમજાવે છે કેઃ-જે દ્રવ્યપ્રતિક્રમણાદિક છે તે દોષનાં મટાડનારાં છે, તોપણ શુદ્ધ આત્માનું સ્વરૂપ કે જે પ્રતિક્રમણાદિથી રહિત છે તેના આલંબન વિના તો દ્રવ્યપ્રતિક્રમણાદિક દોષસ્વરૂપ જ છે, દોષ મટાડવાને સમર્થ નથી; કારણ કે નિશ્ચયની અપેક્ષા સહિત જ વ્યવહારનય મોક્ષમાર્ગમાં છે, કેવળ વ્યવહારનો જ પક્ષ મોક્ષમાર્ગમાં નથી, બંધનો જ માર્ગ છે. માટે એમ કહ્યું છે કે-અજ્ઞાનીને જ અપ્રતિક્રમણાદિક છે તે તો વિષકુંભ છે જ; તેમની તો વાત જ શી? પરંતુ વ્યવહારચારિત્રમાં જે પ્રતિક્રમણાદિક કહ્યાં છે તે પણ નિશ્ચયનયે વિષકુંભ જ છે, કારણ કે આત્મા તો પ્રતિક્રમણાદિકથી રહિત, શુદ્ધ, અપ્રતિક્રમણાદિસ્વરૂપ જ છે. _________________________________________________________________ * જુઓ ગાથા ૩૮૩-૩૮પ; ત્યાં નિશ્ચયપ્રતિક્રમણ વગેરેનું સ્વરૂપ કહ્યું છે.


PDF/HTML Page 2978 of 4199
single page version

अतो हताः प्रमादिनो गताः सुखासीनतां
प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्।
आत्मन्येवालानितं च चित्त–
मासम्पूर्णविज्ञानघनोपलब्धेः ।।
१८८।।
(वसन्ततिलका)
यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्।
तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोडधः
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।।
१८९।।

હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–

[अतः] આ કથનથી, [सुख–आसीनतां गताः] સુખે બેઠેલા (અર્થાત્

એશઆરામ કરતા) [प्रमादिनः] પ્રમાદી જીવોને [हताः] હત કહ્યા છે (અર્થાત્ મોક્ષના તદ્ન અનધિકારી કહ્યા છે), [चापलम् प्रलीनम्] ચાપલ્યનો (-વિચાર વિનાના કાર્યનો) પ્રલય કર્યો છે (અર્થાત્ આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી), [आलम्बनम् उन्मूलितम्] આલબંનને ઉખેડી નાખ્યું છે (અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિના દ્રવ્યપ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને હેય કહ્યાં છે), [आसम्पूर्ण– विज्ञान–घन–उपलब्धेः] જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી [आत्मनि एव चितम् आलानितं च] (શુદ્ધ) આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે (- વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે કારણ કે તે જ મોક્ષનું કારણ છે). ૧૮૮.

અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણાંદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યાં તેથી કોઈ ઊલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यत्र प्रतिक्रमणम् एव विषं प्रणीतं] (અરે! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, [तत्र अप्रतिक्रमणम् एव सुधा कुतः स्यात्] ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) [तत्] તો પછી [जनः अधः अधः प्रपतन् किं प्रमाद्यति] માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? [निष्प्रमादः] નિષ્પ્રમાદી થયા થકા [ऊर्ध्वम् ऊर्ध्वम् किं न अधिरोहति] ઊંચે ઊંચે કાં ચડતા નથી?

ભાવાર્થઃ– અજ્ઞાનાવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી? અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને


PDF/HTML Page 2979 of 4199
single page version

(पृथ्वी)
प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः
कषायभरगौरवादलसता प्रमादो यतः।
अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन्
मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात्।। १९०।।
(शार्दूलविक्रीडित)
त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं
स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः।
बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छल–
च्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते।। १९१।।

(દ્રવ્યપ્રતિક્રમણાદિને) તો નિશ્ચયનયની પ્રધાનતાથી વિષકુંભ કહ્યાં છે કારણ કે તેઓ કર્મબંધનાં જ કારણ છે, અને પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી રહિત એવી ત્રીજી ભૂમિ, કે જે શુદ્ધ આત્મસ્વરૂપ છે તેમ જ પ્રતિક્રમણાદિથી રહિત હોવાથી અપ્રતિક્રમણાદિરૂપ છે, તેને અમૃતકુંભ કહી છે અર્થાત્ ત્યાંનાં અપ્રતિક્રમણાદિને અમૃતકુંભ કહ્યાં છે. ત્રીજી ભૂમિમાં ચડાવવા માટે આ ઉપદેશ આચાર્યદેવે કર્યો છે. પ્રતિક્રમણાદિને વિષકુંભ કહ્યાં સાંભળીને જેઓ ઊલટા પ્રમાદી થાય છે તેમના વિષે આચાર્યદેવ કહે છે કે-‘આ માણસો નીચા નીચા કેમ પડે છે? ત્રીજી ભૂમિમાં ઊંચા ઊંચા કેમ ચડતા નથી?’ જ્યાં પ્રતિક્રમણને વિષકુંભ કહ્યું ત્યાં તેના નિષેધરૂપ અપ્રતિક્રમણ જ અમૃતકુંભ હોઈ શકે, અજ્ઞાનીનું નહિ. માટે જે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ કહ્યાં છે તે અજ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિ ન જાણવાં, ત્રીજી ભૂમિનાં શુદ્ધ આત્મામય જાણવાં. ૧૮૯.

હવે આ અર્થને દ્રઢ કરતું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [कषाय–भर–गौरवात् अलसता प्रमादः] કષાયના ભાર વડે ભારે હોવાથી આળસુપણું તે પ્રમાદ છે; [यतः प्रमादकलितः अलसः शुद्धभावः कथं भवति] તેથી એ પ્રમાદયુક્ત આળસભાવ શુદ્ધભાવ કેમ હોઈ શકે? [अतः स्वरसनिर्भरे स्वभावे नियमितः भवन् मुनिः] માટે નિજ રસથી ભરેલા સ્વભાવમાં નિશ્ચળ થતો મુનિ [परमशुद्धतां व्रजति] પરમ શુદ્ધતાને પામે છે [वा] અથવા [अचिरात् मुच्यते] શીઘ્ર- અલ્પ કાળમાં (કર્મબંધથી) છૂટે છે.

ભાવાર્થઃ–પ્રમાદ તો કષાયના ગૌરવથી થાય છે માટે પ્રમાદીને શુદ્ધ ભાવ હોય નહિ. જે મુનિ ઉદ્યમથી સ્વભાવમાં પ્રવર્તે છે તે શુદ્ધ થઈને મોક્ષને પામે છે. ૧૯૦.

હવે, મુક્ત થવાનો અનુક્રમ દર્શાવતું કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ– [यः किल अशुद्धिविधायि परद्रव्यं तत् समग्रं त्यक्तवा] જે પુરુષ


PDF/HTML Page 2980 of 4199
single page version

(मन्दाक्रान्ता)
बन्धच्छेदात्कलयदतुलं मोक्षमक्षय्यमेत–
न्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम् ।
एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं
पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।। १९२।।

ખરેખર અશુદ્ધતા કરનારું જે પરદ્રવ્ય તે સર્વને છોડીને [स्वयं स्वद्रव्ये रतिम् एति] પોતે પોતાના સ્વદ્રવ્યમાં લીન થાય છે, [सः] તે પુરુષ [नियतम्] નિયમથી [सर्व–अपराध– च्युतः] સર્વ અપરાધોથી રહિત થયો થકો, [बन्ध–ध्वंसम् उपेत्य नित्यम् उदितः] બંધના નાશને પામીને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન) થયો થકો, [स्व–ज्योतिः–अच्छ– उच्छलत्–चैतन्य–अमृत–पूर–पूर्ण–महिमा] સ્વજ્યોતિથી (પોતાના સ્વરૂપના પ્રકાશથી) નિર્મળપણે ઊછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો [शुद्धः भवन्] શુદ્ધ થતો થકો, [मुच्यते] કર્મોથી છૂટે છે-મુક્ત થાય છે.

ભાવાર્થઃ– જે પુરુષ, પહેલાં સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં (આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી, મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. ૧૯૧.

હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે પૂર્ણ જ્ઞાનના મહિમાનું (સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું) કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [बन्धच्छेदात् अतुलम् अक्षय्यम् मोक्षम् कलयत्] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું, [नित्य–उद्योत–स्फुटित–सहज– अवस्थम्] નિત્ય ઉદ્યોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, [एकान्त–शुद्धम्] એકાંતશુદ્ધ (-કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું), અને [एकाकार–स्व–रस–भरतः अत्यन्त–गम्भीर–धीरम्] એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું [एतत् पूर्ण ज्ञानम्] આ પૂર્ણ જ્ઞાન [ज्वलितम्] જળહળી ઊઠયું (સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું); [स्वस्य अचले महिम्नि लीनम्] પોતાના અચળ મહિમામાં લીન થયું.

ભાવાર્થઃ– કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ, અત્યંત શુદ્ધ, સમસ્ત જ્ઞેયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર (જેનો પાર નથી એવું)