Pravachan Ratnakar (Gujarati). Gatha: 413.

< Previous Page   Next Page >


Combined PDF/HTML Page 186 of 210

 

PDF/HTML Page 3701 of 4199
single page version

અમાપ... અમાપ... અમાપ શક્તિથી ભરેલો ભગવાન આત્મા છે તે અજ્ઞાનીના માપમાં (-જ્ઞાનમાં) આવ્યો નહિ ને આ પુણ્ય-પાપના ભાવનાં માપ (-જ્ઞાન ને હોંશ) કરીને એમાં જ અનાદિથી સ્થિત થઈને એણે ઝેર પીધાં છે. આ દેવ શું, મનુષ્ય શું; નારકી શું, તીર્યંચ શું; ધનવાન શું નિર્ધન શું, રાય શું રંક શું; કીડી, કબુતર ને કાગડા શું; અરે! સર્વ સંસારી જીવો અનાદિથી પોતાની ચીજને ભૂલીને પુણ્ય-પાપરૂપ વિષમભાવના વિષના સેવનમાં પડેલા છે. ભાઈ! વ્યવહાર રત્નત્રયનો ભાવ પણ વિષમભાવ છે બાપુ! નિયમસારમાં કળશમાં કહ્યું છે કે- નામમાત્ર કારણ કહીએ એવા વ્યવહાર રત્નત્રયને ભવસાગરમાં ડૂબેલા જીવે પૂર્વે ભવભવમાં (-અનેક ભવોમાં) આચર્યું છે, અર્થાત્ એ સત્યાર્થ કારણ નથી, સમભાવ નથી, વિષમભાવ છે. સમજાણું કાંઈ...?

હમણાં હમણાં મોટા ભાગના જીવો તો પાપનાં પોટલાંનો ભાર ભરવામાં રોકાઈ ગયા છે, ત્યાંથી ખસી કદાચિત્ પુણ્યભાવમાં આવે તોય શું? પુણ્યભાવ પણ રાગ છે, દુઃખ છે, ઝેર છે. અહા! આમ દુઃખમય ભાવોમાં જ જીવ અનાદિથી સ્થિત છે; તે પોતાની પ્રજ્ઞાનો અપરાધ છે. આ શેઠીયા, રાજા ને દેવતા બધા પુણ્ય-પાપમાં સ્થિત રહ્યા થકા દુઃખમાં જ ગરકાવ છે. ભાઈ! તું સંયોગમાં સુખી છે એમ માને છે પણ બાપુ! તું દુઃખના સમુદ્રમાં સ્થિત છે; કેમકે પુણ્ય-પાપના ભાવ બધો દુઃખનો સમુદ્ર છે ભાઈ!

ભગવાન આત્મા સર્વજ્ઞસ્વભાવ છે. સ્વમાં રહીને, પરને અડયા વિના, અનંતા સ્વપર પદાર્થોને પોતાના સ્વપરપ્રકાશક સ્વભાવના સામર્થ્યથી જાણે એવો જ એનો સ્વભાવ છે. અલ્પજ્ઞતા એનું સ્વરૂપ નથી. તથાપિ કોઈ કિંચિત્ ક્ષયોપશમની વિશેષતાનું અભિમાન કરે તો તે દુઃખમાં સ્થિત છે, વિષમભાવમાં સ્થિત છે. ભણતરનાં અભિમાન એ બધો રાગ-દ્વેષ જ છે. બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને કે- “આવડતના માનથી દૂર રહેવું સારું છે. બહાર પડવાના પ્રસંગોથી દૂર ભાગવામાં લાભ છે, તે બધા પ્રસંગો નિઃસાર છે; સારભૂત એક આત્મસ્વભાવ છે.” ભાઈ! શાસ્ત્રના ભણતરના અભિમાન જો થયા તો મરી જઈશ તું હોં. એમ તો અગિયાર અંગ ને નવપૂર્વ અનંતવાર ભણી ગયો, પણ બધું ફોગટ ગયું, અજ્ઞાન ખાતે ગયું,; એનાથી કેવળ બંધન જ થયું.


PDF/HTML Page 3702 of 4199
single page version

અરે! આમ જીવ અનાદિથી પરદ્રવ્યમાં-રાગાદિભાવોમાં-દુઃખના ભાવોમાં સ્થિત છે; પોતાની પ્રજ્ઞાના દોષથી હોં. કર્મને લઈને રાગદ્વેષમાં સ્થિત છે એમ અહીં નથી કહ્યું. કોઈ શાસ્ત્રમાં તેમ કહ્યું પણ હોય તો તે નિમિત્તનું-વ્યવહારનું કથન છે એમ જાણવું. રાગાદિ થવા કાળે નિમિત્ત ત્યાં કોણ છે એ ત્યાં બતાવ્યું છે. બાકી “અપને કો આપ ભૂલકે હેરાન હો ગયા.” પોતાને પોતે જ ભૂલી પુણ્ય-પાપના ભાવમાં મૂર્છાણો છે, ત્યાં જ નજર ચોંટાડી છે તેથી પ્રાણી દુઃખના ભાવમાં સ્થિત છે. આનું નામ સંસાર છે. આ બાયડી, છોકરાં, ઘરબાર-તે સંસાર એમ નહિ, રાગાદિ પરદ્રવ્યમાં સ્થિત થયો છે એ સંસાર છે, દુઃખ છે. હવે ગુલાંટ ખાવાનું કહે છે-

પોતાની પ્રજ્ઞાના દોષથી પરદ્રવ્યમાં-રાગદ્વેષાદિમાં નિરંતર સ્થિત રહ્યો હોવા છતાં કહે છે, પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ તેમાંથી પાછો વળીને તેને અતિ નિશ્ચળપણે દર્શન- જ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ;... અહાહા...! જ્ઞાનની પર્યાયને પોતામાં-શુદ્ધ એક જ્ઞાયકસ્વરૂપમાં વળી નિશ્ચળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ-એમ કહે છે. ‘પોતાની પ્રજ્ઞાના ગુણ વડે’ -એમ કહ્યું ને! ત્યાં ‘ગુણ’ એટલે શું? પર્યાય સ્વદ્રવ્ય પ્રતિ ઝુકી, એક જ્ઞાયકની સન્મુખ વળી તે પ્રજ્ઞાનો ગુણ છે. પહેલાં પરસન્મુખ હતી તે દોષ હતો. હવે કહે છે-પરદ્રવ્યથી-રાગદ્વેષથી પાછો વળીને સ્વરૂપસન્મુખ વળી જા. પર્યાય સ્વરૂપ પ્રતિ ઢળે તે પ્રજ્ઞાનો ગુણ છે. તો કહે છે- પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ રાગાદિ-વ્યવહારથી પાછો વળીને પોતાને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં નિરંતર સ્થાપ. લ્યો, આવી વાત! કર્મ માર્ગ આપે તો રાગાદિથી પાછો વળે એમ નહિ, પણ પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ પાછો વળીને પોતાને અતિ નિશ્ચળપણે દર્શન-જ્ઞાન-ચારિત્રમાં સ્થાપ-એમ કહેવું છે

અનાદિથી પર્યાયમાં રાગાદિ અશુદ્ધતા ચાલી આવે છે. વર્તમાન પર્યાય પણ અશુદ્ધ છે; પણ સ્વઘરમાં રહેલી વસ્તુ-ભગવાન જ્ઞાયક પૂર્ણાનંદનો નાથ પ્રભુ તો ત્રિકાળ શુદ્ધ જ છે. જ્યાં પ્રજ્ઞાની પર્યાયને સ્વઘર પ્રતિ વાળે કે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય છે. અહીં કહે છે-તેમાં જ તું તને સ્થાપ; બીજે પંથેથી વાળીને પોતાને મોક્ષપંથે સ્થાપ. અહાહા...! શું ભાષા? ‘मोक्खपहे अप्पाणं ठवेहि’ સ્થાપ નિજને મોક્ષપંથે’ - ભાષ તો સાદી છે, ભાવ જે છે તે અતિ ગંભીર છે ભાઈ!

પણ એને ભાવ સમજવાની ક્યાં પડી છે? અરે! મારું શું થશે? મરીને હું ક્યાં જઈશ? -ઈત્યાદિ વિચારવાની દરકાર જ કરતો નથી! ઈન્દ્રિયના વિષયનું વિષ પીને રાજી થાય છે પણ ભાઈ! આ દેહ તો ક્યાંય ફૂ થઈને ઉડી જશે. બધું જ (બધા સંયોગો) ફરી જશે, અને ક્યાંય કાગડે-કૂતરે-કંથવે ચાલ્યો જઈશ. જોતો નથી આ મોટા મોટા અબજોપતિ શેઠ ફૂ થઈને ક્યાંય હેઠ (હેઠે નરક-નિગોદમાં) ચાલ્યા જાય છે?


PDF/HTML Page 3703 of 4199
single page version

અરે ભાઈ! તને આ સંસારની હોંશુ કેમ આવે છે. ‘હોંશીડા મત હોંશ કીજીએ.’ ભાઈ! રાગ અને પરમાં તને હોંશ-ઉત્સાહ આવે છે તે છોડી દે. તારું વીર્ય પરમાં-રાગમાં જોડાઈને ઉલ્લસિત થાય છે ત્યાંથી પાછું વાળ, પ્રજ્ઞાના ગુણ વડે તારા વીર્યને સ્વસ્વરૂપમાં વાળી તું પોતાને મોક્ષપંથમાં સ્થાપ.

અરે ભાઈ! વિચાર તો કર તું કોણ છો? શ્રીમદે મોક્ષમાળામાં કહ્યું છે કે-

હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરૂં;
કોના સંબંધે વળગણા, છે? રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત-તત્ત્વ અનુભવ્યાં.

અહાહા...! ભગવાન! તું અનાદિઅનંત અમાપ-અમાપ શક્તિનો સાગર પ્રભુ છો. અહાહા...! અંદર જ્ઞાનાનંદનો અમાપ... અમાપ દરિયો પ્રભુ તું છો. માટે શાંત ચિત્તે સ્વ- પરના વિવેકપૂર્વક પોતાની પ્રજ્ઞાના ગુણ વડે અર્થાત્ અંતર્મુખ પ્રજ્ઞાની પર્યાય વડે અમાપનું માપ (-જ્ઞાન) કરી લે પ્રભુ! અહાહા...! પ્રજ્ઞાના ગુણ વડે તું પોતાને દર્શન-જ્ઞાન- ચારિત્રમાં એવો સ્થાપ કે ત્યાંથી કદી ચળે નહિ.

અરે! અનંતકાળે આવો મોંઘો મનુષ્યભવ મળ્‌યો છે ને પ્રભુ! હવે આડોડાઈ ક્યાં સુધી? શુભરાગથી ધર્મ થાય એ આડોડાઈ હવે છોડી દે. પરલક્ષે જે શુભભાવ થાય તે સંસાર છે, તે ચોરાસીના અવતારની ખાણ છે; અને અંદર તું અતીન્દ્રિય આનંદની ખાણ છો ને પ્રભુ! માટે કહે છે- ભાઈ! પરની હોંશુથી પાછો વળ; પોતાની પ્રજ્ઞાના ગુણ વડે ત્યાંથી પાછો વાળીને નિજાત્માને દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષપંથમાં સ્થાપ. ભાઈ! હોંશ કરવા લાયક તારી ચીજ અંદર પડી છે તેની હોંશ કર. અહા! આવો ઉપદેશ! ! અહો! આ સમયસાર તો ભરતક્ષેત્રનો ભગવાન છે. આવી અલૌકિક ચીજ બીજે ક્યાંય છે નહિ.

અહા! કહે છે- ‘સ્થાપ નિજને મોક્ષ પંથે...’ ! ભાઈ! તને આ મોંઘું (આકરું) લાગે પણ આ સમજ્યે જ છૂટકો છે. અરે! જીવો દેહાદિ અનિત્યની મમતા કરી-કરીને


PDF/HTML Page 3704 of 4199
single page version

દેહ છોડી પરલોકમાં ક્યાંયના ક્યાંય ચાલ્યા જશે! એવા સ્થાનમાં જશે જ્યાં ન કોઈ સગું ન કોઈ વહાલું હશે, ન ખાવા દાણા ન પીવા પાણી હશે, ન પહેરવા વસ્ત્ર ન રહેવા મકાન હશે. આ જીવ છે એમ કોઈ ઓળખશે પણ નહિ એવા મહા દુઃખના સ્થાનોમાં ચાલ્યા જશે. માટે હે ભાઈ! તું અનિત્યનો પ્રેમ છોડી નિજ નિત્યાનંદજ્ઞાનાનંદ પ્રભુ આત્માની રુચિ કર; પોતાની પ્રજ્ઞાના ગુણ વડે આત્માને ત્યાંથી પાછો વાળી દર્શન-જ્ઞાન- ચારિત્રમાં સ્થાપ.

‘પ્રજ્ઞાના ગુણ વડે જ’ એટલે સ્વ પુરુષાર્થ વડે સ્થાપ એમ અહીં કહેવું છે. ‘જ’ ‘एव’ – એમ શબ્દ પડયો છે ટીકામાં, જુઓ. લોકોને એકાંત લાગે. પણ આ સમ્યક્ એકાંત છે, કેમકે બીજી કોઈ રીત છે જ નહિ. વ્યવહાર કથંચિત્ સાધન છે એમ તું કહે, પણ એ તો કથનમાત્ર આરોપથી સાધન કહ્યું છે, તેનાથી કાંઈ સાધ્યની સિદ્ધિ ન થાય. અરે ભાઈ! વ્યવહારને વાસ્તવિક સાધન તું માને એમાં તારું અહિત થાય છે. ભાઈ! તું વ્યવહારનો પક્ષ જવા દે; આ વાતને ખોટી પાડવાનું રહેવા દે ભાઈ! આ તો કેવળીના કેડાયતી દિગંબર સંત ભગવાન કુંદકુંદાચાર્ય, જેની અવસ્થામાં પ્રચુર આનંદ ઉછળી રહ્યો હતો તેમનું આ ફરમાન છે બાપુ! કે-

તું સ્થાપ નિજને મોક્ષપંથે, ધ્યા અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિશે.

ભાઈ! વ્યવહારના રાગથી પુણ્યબંધ અવશ્ય થશે, પણ એનો તું પક્ષ-રુચિ કરે એ તો મિથ્યાત્વ છે બાપા! તારા વ્યવહારથી લોક રાજી થશે, પણ તારો આત્મા રાજી નહિ થાય. જો આત્માને રાજી (આનંદિત, સુખી) કરવો છે તો કહે છે-પોતાની પ્રજ્ઞાના ગુણ વડે જ ત્યાંથી (વ્યવહારથી પોતાને પાછો વાળીને નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં સ્થાપ; એવો સ્થાપ કે કદીય ચળે નહિ, મોક્ષ લઈને જ રહે. બાકી વ્યવહારની ક્રિયાઓ કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ ત્રણકાળમાં છે નહિ, લ્યો, આ એક પદનો અર્થ થયો.

હવે બીજો બોલઃ ‘તથા સમસ્ત અન્ય ચિંતાના નિરોધ વડે અત્યંત એકાગ્ર થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ધ્યા;...’

જુઓ, દેવ- શાસ્ત્ર-ગુરુની ભક્તિ કે વિનયનો વિકલ્પ કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ કે છકાયના જીવની દયાનો વિકલ્પ એ સર્વ અન્ય ચિંતા છે અહીં કહે છે - એ સમસ્ત અન્ય ચિંતાનો નિરોધ કરી અંતરમાં-સ્વસ્વરૂપમાં એકમાં એકાગ્ર થઈને દર્શન- જ્ઞાન-ચારિત્રને ધ્યા. એમ કે ભગવાન શુદ્ધ ચૈતન્ય ધ્રુવ અંદર છે તેને દ્રષ્ટિમાં લીધો છે, હવે તે એકને જ અગ્ર કરી શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રનું જ ધ્યાન કર, અહીં પર્યાયથી વાત છે, બાકી ત્રિકાળી શુદ્ધ દ્રવ્યને ધ્યાવવું છે. રાગની ને પરની ચિંતા-ધ્યાન ન કર, પણ


PDF/HTML Page 3705 of 4199
single page version

તત્ત્વાર્થસૂત્રમાં ધ્યાનનું લક્ષણ કહ્યું છેઃ ‘एकाग्रचिन्तानिरोधो ध्यानम्’ એકાગ્રતાપૂર્વક ચિંતાનો નિરોધ તે ધ્યાન છે. અહીં પણ કહે છે-અન્ય સમસ્ત ચિંતાનો નિરોધ કરીને એક નામ શુદ્ધ ચૈતન્યમાં અગ્ર થઈ તેમાં જ રમણતા કર. અહાહા...! લોકમાં ઉત્તમ, મંગળ ને શરણરૂપ પદાર્થ પોતાનો આત્મા જ છે. માટે પરથી છૂટી પોતાના આત્માને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ સ્થાપ, ને તેનું જ ધ્યાન કર. ભાઈ! ધ્યાન કરતાં તો તને આવડે જ છે; અનાદિથી ઊંધું ધ્યાન-સંસારનું ધ્યાન તો તું કર્યા જ કરે છે, પણ તે દુઃખમય છે; તેથી હવે કહે છે-સવળું ધ્યાન કર, સ્વસ્વરૂપનું ધ્યાન કર, સ્વસ્વરૂપનાં દ્રષ્ટિ-જ્ઞાન-રમણતા તે સવળું ધ્યાન છે અને તે આનંદકારી છે, મંગલકારી છે. સમજાણું કાંઈ...?

હવે ત્રીજો બોલઃ ‘તથા સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાના ત્યાગ વડે શુદ્ધજ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત-અનુભવ;....’

દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ છે તે રાગ છે, તે કર્મચેતના છે. વિકારી ભાવમાં એકાગ્રતા તે કર્મચેતના છે. અને તે રાગાદિ ભાવોમાં હરખ-શોક થવો તે કર્મફળચેતના છે. રાગાદિને ભોગવવાનો ભાવ કર્મફળચેતના છે. અહીં કહે છે-તેના ત્યાગ વડે આ બૈરાં- છોકરાં ને ઘરબારના ત્યાગ વડે એમ નહિ, એનો તો સદા ત્યાગ જ છે, એ ક્યાં અંદર સ્વરૂપમાં ગરી ગયાં છે? - આ તો એની પર્યાયમાં રાગનું કર્તાપણું અને ભોક્તાપણું ઉભું છે તેના ત્યાગ વડે, કહે છે, જ્ઞાનચેતનામય થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત. તેનો જ અનુભવ કર. આ છેલ્લે ‘तं चेय’ શબ્દ છે ને! તેનો આ અર્થ છે કે અંદર ત્રણલોકનો નાથ જ્ઞાયક પ્રભુ પરમાત્મા પોતે છે તેમાં એકાગ્ર થઈને, તેમાં જ રમણતા કરીને શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત, તેને જ અનુભવ.

ભાઈ! શુભાશુભ ભાવ હો કે મહાવ્રતના ભાવ હો, કે ગુણ-ગુણીના ભેદનો વિકલ્પ હો કે નયવિકલ્પ હો-એ બધો રાગ કર્મચેતના છે. અને તેમાં હરખ-હોંશ થાય તે કર્મફળચેતના છે. અહીં કહે છે- સમસ્ત કર્મચેતના અને કર્મફળચેતનાનો ત્યાગ કરીને, શુદ્ધજ્ઞાનચેતનામય થઈને અર્થાત્ શુદ્ધજ્ઞાનચેતનામાત્ર વસ્તુ પોતે છે તેમાં એકાગ્ર થઈને, જે દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થાય તેને જ ચેત. અહાહા...! શુદ્ધ ચૈતન્યસંપદાથી ભરેલો ભગવાન પોતે છે તેમાં એકાગ્ર થઈને, કહે છે, શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રને જ ચેત. અહા! આ પુણ્ય-પાપના ભાવ તો વિપદા છે, તે અપદ છે, તે તારું રહેવાનું


PDF/HTML Page 3706 of 4199
single page version

ને ચેતવાનું સ્થાન નથી. જ્ઞાન ને આનંદથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ તે નિજપદ છે. તેનો અનુભવ કર, તે એક જ અનુભવવાયોગ્ય છે. આવી વાત!

હા, પણ અમારે તો આ કરવું કે બૈરાં-છોકરાંની જવાબદારીઓ નિભાવવી? અરે ભાઈ! તું બૈરા-છોકરાનું કરે છે જ શું? પરનું હું કાંઈ કરું છું, કુટુંબ પરિવારનું હું પાલન કરું છું એ માન્યતા જ મૂઢની છે. તું તો મફતનો રાગ-દ્વેષ કર્યા કરે છે, હરખ-શોક કર્યા કરે છે. તેથી કહે છે- ત્યાંથી વિરક્ત થઈ, નિજ ચૈતન્યપદમાં એકાગ્ર થઈ તેનો જ અનુભવ કર, કેમકે આ જ સુખનો પંથ છે, જન્મ-મરણ નિવારવાનો પંથ છે. સમજાણું કાંઈ...?

હવે ચોથો બોલઃ- ‘તથા દ્રવ્યના સ્વભાવના વશે (પોતાને) જે ક્ષણે ક્ષણે પરિણામો ઉપજે છે તે- પણા વડે (અર્થાત્ પરિણામીપણા વડે) તન્મય પરિણામવાળો (-દર્શનજ્ઞાનચારિત્રમય પરિણામવાળો) થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર;...’

જુઓ, દ્રવ્યના સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ ઉપજે છે. દ્રવ્યના સ્વભાવના વશે જે પરિણામો ઉપજે છે તે નિર્મળ રત્નત્રયના પરિણામ હોય છે; પુણ્ય-પાપના પરિણામ શુદ્ધ દ્રવ્યના વશે ન થાય, એ તો પરના-નિમિત્તના વશે થનારા પરિણામ છે અને તે દુઃખરૂપ છે. અહીં તો દ્રવ્યને દ્રષ્ટિમાં લીધું છે તેથી દ્રવ્યનો સ્વભાવ નિર્મળ-નિર્મળ ભાવથી દ્રવે છે. અહાહા...! નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપે દ્રવે છે. અહીં કહે છે-તે પણા વડે નિર્મળ-નિર્મળ દ્રવવા વડે તન્મય પરિણામવાળો થઈને દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. પુણ્ય-પાપના ભાવમાં-દુઃખના ભાવમાં તો અનંતકાળથી વિહાર કરતો રહ્યો, હવે અર્થાત્ આ અવસર છે ત્યારે તેમાં મા વિહર, અંદર પૂર્ણાનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ આત્મા છે તેના આશ્રયે જે ક્ષણે ક્ષણે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાન- ચારિત્રના પરિણામ થાય તેમાં જ વિહર, ત્યાં જ વિહર. સ્વર્ગ અને નર્ક આદિ ચારે ગતિ દુઃખરૂપ જ છે, માટે પુણ્ય અને પાપમાં મા વિહર. એક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. ‘ंतत्थेव विहर णिच्चं’ ‘તેમાં જ નિત્ય વિહાર કર’ છે ને ગાથામાં? આ એનો અર્થ થયો.

હવે આવું સમજવાની આ વાણિયાઓને બિચારાઓને ફુરસદ ન મળે; જિજ્ઞાસા નહિ, તત્ત્વાભિલાષ નહિ એટલે આડોડાઈ કરે ને કહેઃ હમણાં નહિ, જો’શું પછી; શું જો’શું પછી? આ ભરવાડ નથી હોતા ભરવાડ; એક’ દિ જોયો હતો બકરાં ચારતો; પચીસ જેટલાં બકરાં ને સાથે પંદર-વીસ નાનાં નાનાં બકરાનાં બચ્ચાં. તો વિચાર આવે છે કે આ વાણિયા બધા મરીને આ બચ્ચાં નહિ થયા હોય? શું થાય ભાઈ? આવી આડોડાઈનુ ફળ આવી તિર્યંચ ગતિ છે બકરીની, ગાયની, ભૂંડણની કૂખે અવતાર


PDF/HTML Page 3707 of 4199
single page version

‘તથા જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, જેઓ જ્ઞેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર.’

અહાહા...! કહે છે- પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. આ શુભાશુભ રાગાદિ ભાવમાં મત જા. રાગાદિ ભાવ તો દુઃખનો પંથ છે બાપુ! ત્યાં જતાં તારું સુખ લુંટાય છે. તું નિર્ધાર તો કર કે અંદર તું એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપી પરમેશ્વર છો. હમણાં પણ અંદર પરમેશ્વર છો હોં, જો ન હોય તો પરમેશ્વર પદ પ્રગટે ક્યાંથી? તો કહે છે- નિજ જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. અહા! જ્ઞાનરૂપને એકને જ અવલંબતાં પુણ્ય-પાપનું આલંબન છૂટી જાય છે અને સ્વભાવના વશે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટે છે. અહીં કહે છે- તેમાં જ વિહર, બીજે પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર. નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વિહરવાનું કહ્યું ત્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનું એકનું જ આલંબન છે, બીજું-વ્યવહારનું પણ આલંબન છે એમ નથી. સમજાણું કાંઈ...? પાઠમાં છે કે નહિ! છે નેઃ ‘જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો....’ આવી વાત છે.

સમોસરણમાં વાઘ, સિંહ વગેરે સેંકડો પશુઓ વાણી સાંભળવા આવે. સ્વર્ગના ઇન્દ્રો ને દેવોનાં વૃંદ, ને શ્રાવક-શ્રાવિકાઓ ને મુનિવરો વાણી સાંભળવા આવે. અહા! ભગવાનના શ્રી મુખેથી નીકળેલી તે વાણી કેવી હશે? ભગવાનની ઓમ્ધ્વનિ સાંભળી ભગવાન ગણધરદેવ વિચારે અને આગમની રચના કરે-તે વાણીનો શું મહિમા કહીએ?

મુખ ઓંકારધુનિ સુનિ, અર્થ ગણધર વિચારૈ;
રચિ આગમ ઉપદેશ, ભવિક જીવ સંસય નિવારૈ.

અહો! એ વાણી કેવી દિવ્ય અલૌકિક હશે? અરે! ભરતે હમણાં ભગવાનના વિરહ પડી ગયા; પણ વાણી રહી ગઈ. એમાં કહે છે- પ્રભુ! તારા દ્રવ્યસ્વભાવનો તને કદીય વિરહ નથી, અંદર જ્ઞાન, શાન્તિ અને આનંદનું ધ્રુવ દળ પડયું છે. તે એકને જ અચળપણે આલંબીને પ્રાપ્ત થતા નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ તું વિહાર કર, બીજે મત વિહર. નિજસ્વભાવના આલંબન વિના લોકમાં બીજે ક્યાંય ચૈન પડે એમ નથી.

ત્યારે કેટલાક કહે છે કે તમે (-કાનજી સ્વામી) વ્યવહારથી લાભ માનતા નથી. અરે ભાઈ! વ્યવહાર-રાગ તો બંધનું-દુઃખનું કારણ છે બાપુ! એની રુચિ છોડી


PDF/HTML Page 3708 of 4199
single page version

સ્વભાવમાં જવું-વિહરવું એ ધર્મ છે. જુઓ, અહીં શું કહે છે? કે અનંતશક્તિનો એકરૂપ પિંડ એવું જે શુદ્ધ આત્મદ્રવ્ય તે એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યમાં જરાપણ ન વિહર. કથંચિત્ દ્રવ્યનું અવલંબન અને કથંચિત્ શુભરાગનું અવલંબન એમ વાત નથી; જ્ઞાનરૂપને એકને જ અવલંબતો -એમ કહ્યું છે. અહો! પદે પદે આચાર્યદેવ વ્યવહારના આલંબનનો નિષેધ કરે છે. વ્યવહાર હોય છે એ જુદી વાત છે ને વ્યવહારનું આલંબન જુદી વાત છે. વ્યવહારનું આલંબન તો મિથ્યાત્વ છે.

અરે ભાઈ! તારે ક્યાં સુધી આમ ને આમ દુઃખમાં રહેવું છે? ઘરમાં બે એક વર્ષથી માંદગીનો ખાટલો હોય તેને કાંઈક ઠીક થાય ત્યાં તો બીજો માંદો પડી જાય. તેને ઠીક થાય ત્યાં વળી ત્રીજો ખાટલે પડે. આમ ઉપરાઉપરી ઘરમાં માંદગી ચાલે એટલે કંટાળે ને રાડુ પાડે કે-રોગનો ખાટલો ખાલી જ થતો નથી. એમ અજ્ઞાની જીવે અનંતકાળમાં એક સમય પણ દુઃખનો ખાટલો ખાલી કર્યો નથી, અનાદિથી રાગરૂપી રોગના ખાટલે પડયો પારાવાર દુઃખ ભોગવે છે. સંતો અહીં કરુણા લાવી કહે છે- જાગ નાથ! એક વાર જાગ; અંદર ચૈતન્યસ્વરૂપ ભગવાન છે તે એકનું જ આલંબન લે; નિમિત્તના-દેવ-ગુરુ- શાસ્ત્રના-રાગના આલંબનમાં મત જા, કેમકે પરના ને રાગના અવલંબને ધર્મ નહિ થાય, પણ એક ધ્રુવ જ્ઞાનસ્વરૂપના અવલંબને જ ધર્મ થશે. અરે! વિશેષ શું કહીએ? આ નિર્મળ પર્યાય જે પ્રગટી તે પર્યાયના અવલંબને પણ નવી નિર્મળ પર્યાય નહિ થાય. બસ, એક ધ્રુવને ધ્યાતાં જ ધર્મ થાય છે. સમજાણું કાંઈ.....?

અહા! આ ૐધ્વનિનો પોકાર છેઃ પ્રભુ! તું એકવાર તારા ત્રિકાળી આનંદના નાથનું અવલંબન લે. પૂજા-વ્રત-ભક્તિ આદિ વ્યવહારનું આલંબન તને શરણરૂપ નહિ થાય, કેમકે તે બંધનું કારણ છે. અહા! જેમ પાતાળમાં સદાય પાણી ભર્યાં છે તેમ તારા ધ્રુવના પાતાળમાં અનંત-અનંત જ્ઞાન ને આનંદ ભર્યાં છે. તે પાતાળમાં પ્રવેશતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદના ધોધ ઉછળશે. તું ન્યાલ થઈ જઈશ પ્રભુ! અંદર ધ્રુવને ધ્યાનનું ધ્યેય બનાવતાં ધર્મ-જૈનધર્મ પ્રગટશે. એક ધ્રુવના અવલંબને જ ધર્મ થાય છે આવો સમ્યક્ એકાન્તવાદ છે; એક ધ્રુવના આશ્રયે (ધર્મ) થાય અને વ્યવહારથી ન થાય એનું નામ સમ્યક્ અનેકાન્ત છે. ભાઈ! પર્યાયમાં પરમેશ્વરપદ પ્રગટે ક્યાંથી? અંદર પરમેશ્વરપદ પડયું છે તેને એકને જ અચળપણે અવલંબતા પર્યાયમાં પરમેશ્વરપદ પ્રગટ થાય છે. આવી સાર-સાર વાત છે.

વળી કહે છે- ‘જેઓ જ્ઞેયરૂપ હોવાથી ઉપાધિસ્વરૂપ છે એવાં સર્વ તરફથી ફેલાતાં સમસ્ત પરદ્રવ્યોમાં જરાપણ ન વિહર.’ જુઓ, પુણ્યના પરિણામ થાય તે પરજ્ઞેયરૂપ ઉપાધિભાવ છે. પુણ્યભાવ ધર્મીને આવે ભલે. પણ તે ઉપાધિભાવ છે, સ્વ-ભાવ નથી.


PDF/HTML Page 3709 of 4199
single page version

દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો-વિનય-ભક્તિનો ભાવ રાગ છે, વ્યવહાર છે; પંચમહાવ્રતના પરિણામ રાગ છે, વ્યવહાર છે; છકાયની રક્ષાના પરિણામ રાગ છે, વ્યવહાર છે; શાસ્ત્ર-ભણતરનો ભાવ રાગ છે, વ્યવહાર છે. આ બધો વ્યવહાર જ્ઞેયરૂપ ઉપાધિ છે; સ્વ-ભાવ નથી, પરદ્રવ્ય છે. તેમાં જરાપણ ન વિહર-એમ કહે છે. શુદ્ધ નિશ્ચય એકના જ આલંબને પ્રાપ્ત શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર. લ્યો, આ પ્રભુનો માર્ગ છે આ શૂરવીરનાં કામ છે બાપા!

પ્રભુનો મારગ છે શૂરાનો, નહિ કાયરનાં કામ જો.

આ કાયરનું કામ નહિ. કાયરનાં તો કાળજાં કંપી જાય એવું આ કામ છે. અહો! શું અલૌકિક ગાથા! ગાથા તો ગાથા છે! બાર અંગનો સાર! ભગવાન ગણધરદેવે આગમ રચ્યાં એનો આ સાર છે. આ સાંભળીને ભવ્ય જીવો સંશય નિવારો.

* ગાથા ૪૧૨ઃ ભાવાર્થ ઉપરનું પ્રવચન *

‘પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; તે જ મોક્ષમાર્ગ છે.’ પરમાર્થ એટલે પરની દયા પાળવી તે પરમાર્થ-એમ નહિ, પણ પરમ અર્થ અર્થાત્ પરમ પદાર્થ ચૈતન્યચિંતામણિ પ્રભુ પોતે આત્મા છે તે પરમાર્થ છે. અહો! બધા આત્મા અંદર પરમાર્થરૂપ ભગવાન છે. આ દેહને, રાગને ને પર્યાયને ન જુઓ તો અંદર બધા ભગવાનસ્વરૂપે વિરાજે છે. અહીં કહે છે-આવા પરમાર્થરૂપ આત્માના પરિણામ દર્શન- જ્ઞાન-ચારિત્ર છે. પુણ્ય-પાપના પરિણામ તે પરમાર્થે આત્માના પરિણામ નથી. જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે આત્માના પરિણામ નથી. માટે જ ભગવાન કહે છે- તું મારા સામું ન જો, જોઈશ તો તને રાગ જ થશે, કેમકે અમે પરદ્રવ્ય છીએ, અમે તારું દ્રવ્ય નથી. અમારા લક્ષે તારું કલ્યાણ નહિ થાય. રાગની રુચિ છે તે તો ભવની રુચિ છે. માટે અંદર ચિદાનંદસ્વરૂપ પ્રભુ તું છે તેની રુચિ કર, તેની દ્રષ્ટિ કરી તેમાં જ રમણતા-લીનતા કર. બસ, આ જ ધર્મ છે, આ જ મોક્ષમાર્ગ છે, આ જ આત્માના વાસ્તવિક પરિણામ છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-


PDF/HTML Page 3710 of 4199
single page version

‘તેમાં જ (-દર્શનજ્ઞાનચારિત્રમાં જ) આત્માને સ્થાપ. તેનું જ ધ્યાન કરવું, તેનો જ અનુભવ કરવો અને તેમાં જ વિહરવું-પ્રવર્તવું, અન્યદ્રવ્યોમાં ન પ્રવર્તવું. અહીં પરમાર્થે એ જ ઉપદેશ છે કે-નિશ્ચય મોક્ષમાર્ગનું સેવન કરવું, કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું.’

ધર્મીને યથાસંભવ બાહ્ય વ્યવહાર હોય ખરો, પણ એનાથી કલ્યાણ થશે એમ મૂઢપણું તેને હોતું નથી. અહીં કહે છે- કેવળ વ્યવહારમાં જ મૂઢ ન રહેવું. વ્રત-ભક્તિથી મારું કલ્યાણ થશે એમ મૂઢતા ન કરવી; બલ્કે તેની ઉપેક્ષા કરી સ્વસ્વભાવમાં જ પ્રવર્તવું.

*

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૪૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘द्रग्–ज्ञप्ति–वृत्ति–आत्मकः यः एषः एकः नियतः मोक्षपथः’ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ જે આ એક નિયત મોક્ષમાર્ગ છે. ‘तत्र एव यः स्थितिम् एति’ તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે અર્થાત્ સ્થિત રહે છે, ‘तं अनिशम् ध्यायेत्’ તેને જ નિરંતર ધ્યાવે છે, ‘तं चेतति’ તેને જ ચેતે-અનુભવે છે, ‘च द्रव्यान्तराणि अस्पृशन् तस्मिन् एव निरन्तरम् विहरति’ અને અન્યદ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે, ‘सः नित्य–उदयं समयस्य सारम् अचिरात् अवश्यं विन्दति’ તે પુરુષ, જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને (અર્થાત્ પરમાત્માના રૂપને) થોડા કાળમાં જ અવશ્ય પામે છે- અનુભવે છે.

ઓહો! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ અંદર અનંત અતીન્દ્રિય ગુણોનું નિધાન છે અહા! આવું જે નિજસ્વરૂપ તેને પકડી ને તેનાં પ્રતીતિ, જ્ઞાન અને રમણતા કરવાં તે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિયત મોક્ષમાર્ગ છે. વ્યવહાર હોય છે ખરો, પણ તે મોક્ષમાર્ગ નથી. ભાઈ! પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે, પણ તે બંધનું જ કારણ છે, મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ એક જ છે, બે નથી. તેનું નિરૂપણ બે પ્રકારે છે, માર્ગ બે નથી; માર્ગ તો એક જ છે. એક યથાર્થ અને બીજું આરોપથી-એમ મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, પણ મોક્ષનો માર્ગ તો એક જ છે. મોક્ષનું સાધન કહો, કારણ કહો, મોક્ષનો ઉપાય કહો, માર્ગ કહો-એ બધું એક જ છે.

આ દેહ તો ક્ષણિક નાશવંત ચીજ છે, તે જોતજોતામાં ક્ષણમાં જ છૂટી જાય; તેનો શું ભરોસો? પણ અંદર ધ્રુવ... ધ્રુવ... ધ્રુવ ત્રિકાળ નિત્ય ટકી રહેલું તત્ત્વ -જે


PDF/HTML Page 3711 of 4199
single page version

પણ તે સાધન તો છે? તેને ઉપચારથી, વ્યવહારથી આરોપ દઈને સાધન કહ્યું છે, તે વાસ્તવિક સાધન નથી.

આ પુણ્યના પરિણામ મારા છે, મને ભલા છે એવો અજ્ઞાનીને જે મિથ્યા રસ ચઢી ગયો છે તે મિથ્યાત્વ છે. તેનું ફળ નિગોદ છે. અને આ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું ફળ મોક્ષ છે. આ પંચમ આરાના મુનિરાજ કહે છે. કહે છે-જે પુરુષ નિર્મળ રત્નત્રયમાં પોતાને સ્થાપીને તેને જ ધ્યાવે છે, તેને જ અનુભવે છે તે અલ્પકાળમાં અવશ્ય મુક્તિ જશે. ‘समयस्य सारम् अचिरात् अवश्यं विन्दति’ - છે કે નહિ કળશમાં? અહો! મુનિરાજને અતીન્દ્રિય આનંદના રસનો કસ ચઢી ગયો છે. કહે છે- આત્મા જ્ઞાનાદિ અનંતગુણ-રસથી ભરેલી કસવાળી ચીજ છે. એ ચીજને જેણે પોતામાં જાણી, માની અને ત્યાં જ જે રમ્યો-ઠર્યો તે ત્રીજા ભવે અવશ્ય મોક્ષ લેશે. અહા! પંચમ આરાના મુનિ કેવી ખુમારીથી વાત કરે છે. એમ કે ત્રીજે ભવે અમે મોક્ષ લેશું જ લેશું, પરમ અધ્યાત્મ તરંગિણીમાં ‘અચિરાત્’ નો આ અર્થ કર્યો છે.

ભગવાન આત્મા જગતનો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. તેનાથી ઊંચું લોકમાં કાંઈ નથી. ક્ષેત્ર ભલે થોડું હો, પણ અમાપ... અમાપ અનંત શક્તિઓનું એકરૂપ એવો એ ચૈતન્યમહાપ્રભુ અનંત ગુણ-ઋદ્ધિઓનો ભંડાર છે. અરે! એણે પર્યાય આડે નિજ સ્વભાવના સામર્થ્ય સામું કદી જોયું નથી! એક સમયની પર્યાય પાછળ નજર કરે તો ચૈતન્યચિંતામણિ નિર્મળાનંદનો નાથ પ્રભુ બિરાજે છે. પુણ્ય-પાપ તરફ નજર કરે એ તો મિથ્યાત્વ છે, એનું ફળ નિગોદના અવતાર છે. આ સર્વજ્ઞ પરમાત્માનો પોકાર છે; અંદર ચૈતન્ય ઋદ્ધિથી ભરેલો ચૈતન્યચિંતામણિ પ્રભુ બિરાજે છે તેની અંતર્દ્રષ્ટિ કરી, તેનો જ અનુભવ કરી, તેમાં જ રમણતા કરે તે મોક્ષમાર્ગ છે, તેનું ફળ મોક્ષ છે. ભાઈ! જો મોક્ષની ઈચ્છા છે તો બહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, વ્રત-ભક્તિ આદિ વ્યવહારની અધિકતા ને વિસ્મયતા છોડી દે, અને અનંતા વિસ્મયોથી ભરેલો ભગવાન આત્મા અંદર વિરાજે છે તેનાં રુચિ-રમણતા કર; તે એક જ મોક્ષમાર્ગ છે.

અરે! લોકો વ્રત-તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પના વમળમાં ભરાઈ પડયા છે. પણ વસ્તુ તો નિર્વિકલ્પ છે પ્રભુ! તારા વિકલ્પમાં તે કેમ જણાશે? કેમ અનુભવાશે? માટે ત્યાંથી બહાર નીકળી જા, ને વસ્તુ છે ત્યાં જા; તને પરમ આનંદ થશે.


PDF/HTML Page 3712 of 4199
single page version

પાંચ-પચીસ લાખની મૂડી હોય ને છોકરા મીઠાશથી બોલે- ‘બાપુજી,’ તો અજ્ઞાની ત્યાં ખુશી-ખુશી થઈ જાય છે; બહારની ચીજોમાં કુતૂહલ કરે છે. પણ અરે ભાઈ! એમાં તારું કાંઈ નથી. એ તો બધાં વેરી-રાગનાં નિમિત્તો છે, પરદ્રવ્યો છે; તારાથી વિરુદ્ધ સ્વભાવવાળાં તત્ત્વો છે. તેમાં તને રાજીપો અને કુતૂહલ થાય અને અનંત ગુણઋદ્ધિથી ભરેલી તારી ચીજને જાણવાનું તને કુતૂહલ નહિ? જરા વિચાર કર. વીતરાગ પરમેશ્વર ‘આત્મા, આત્મા’ નો પોકાર કરે છે તો તે શું છે તેનું કુતૂહલ તો કર. અંદર સ્વરૂપમાં જો તો ખરો, અંદર જોતાં જ તને તારાં દર્શન થશે, અતીન્દ્રિય આનંદ થશે. પરમાનંદની પ્રાપ્તિનો આ એક જ માર્ગ છે ભાઈ!

જુઓ, આ પંચમ આરાના મુનિરાજને અંદર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન છે, પણ તેની પૂર્ણતા થઈ નથી. તેથી એક વાર ર્સ્વગમાં દેવના વૈભવ-કલેશમાં-દુઃખમાં અમારે જવું પડશે-એમ કહે છે. શુભનું ફળ પણ દુઃખ છે ને! પ્રવચનસારમાં કહ્યું છે કે- શુભ-અશુભ બન્ને ભાવનું ફળ દુઃખ છે. શુભ ઠીક અને અશુભ અઠીક -એમ બેમાં વિશેષતા નથી. શુભના ફળમાં સ્વર્ગાદિ મળે એ પણ કલેશ છે, આકુળતા છે. અંદર શાન્તિનો સાગર પોતે તું આત્મા છો. બાપુ! તારે બહાર બીજે ડોકિયું શા સારું કરવું પડે? અંદર ડોકિયું કરી ત્યાં જ થંભી જા, ઉપયોગને ત્યાં જ થંભાવી દે. અહાહા....! ચિન્માત્રચિંતામણિ દેવોનો દેવ ભગવાન! તું અંદર મહાદેવ છો. ત્યાં જ દ્રષ્ટિ કરી ત્યાં જ જામી જા; તને રત્નત્રય પ્રગટશે, અનાકુળ શાન્તિનાં નિધાન પ્રગટશે. આ એક જ માર્ગ છે. બાકી વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય -એમ ઉપચાર વચનને નિશ્ચય જાણી અજ્ઞાની વ્યવહારને ચોંટી પડે છે, પણ એનું ફળ સંસાર છે.

તો શ્રીમદે તો એમ કહ્યું છે કે-

‘નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય.’

એ અંતરંગ નિશ્ચય સાધન બાપુ! એક શુદ્ધ નિશ્ચયનું લક્ષ કરે એ જ સાધન ભાઈ! બીજું કયું સાધન? ત્યાં વિકલ્પ હોય તેને આરોપથી વ્યવહાર સાધન કહે છે એ તો કહેવામાત્ર છે. ભાઈ! કેવળ બાહ્ય સાધનથી કલ્યાણ થઈ જાય એવો માર્ગ નથી. સમોસરણમાં સાક્ષાત્ સર્વજ્ઞદેવ સીમંધરનાથ વિરાજે છે, તેમની ભક્તિનો ભાવ આવે ભલે, પણ એ બંધનનો ભાવ છે, મોક્ષમાર્ગ નથી. અરે! મહાવિદેહક્ષેત્રની કાંકરી-કાંકરીએ અનંત વાર જન્મ્યો-મર્યો ને અનંતવાર ભગવાનના સમોસરણમાં ગયો, પણ એવો ને એવો પાછો ફર્યો! શું થાય? વ્રત-ભક્તિ આદિ પોતે ગુંથેલી વિકલ્પની જાળમાં ગુંચાઈ ગયો, પણ સ્વસન્મુખ ન થયો!

અહીં કહે છે- જે આ એક નિયત નિશ્ચય મોક્ષમાર્ગ છે તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે, તેને જ નિરંતર ધ્યાવે છે, તેને જ ચેતે-અનુભવે છે તે પુરુષ સમયના


PDF/HTML Page 3713 of 4199
single page version

અહા! પાંચ-દસ ક્રોડની સંપત્તિ હોય, ફાટુ-ફાટુ જુવાની હોય ને રૂડુ-રૂપાળું શરીર હોય એટલે બસ થઈ ગયું, કોઈ વાત સાંભળે જ નહિ. પણ ભાઈ! આ શરીર તો મસાણની રાખ થશે બાપુ! એ તારી ચીજ નહિ. અને એ સંપત્તિ ને એ મહેલ-મકાન તારાં નહિ; એ તો સંયોગી પુદ્ગલની ચીજ બાપા! આ રાજા રાવણ ના થઈ ગયો? મોટો અર્ધચક્રી રાજા. એના મહેલમાં રતન જડેલી લાદીની ફર્શ, અને સ્ફટિકરતનની દિવાલો, સ્ફટિક રતનની સીડી! અહાહા....! સ્ફટિકરતન કોને કહેવાય? અપાર વૈભવમાં એ રહેતો. પણ વિપરીત વ્યભિચારી પરિણામના ફળમાં મરીને નરકના સંજોગમાં ગયો, નરકનો મહેમાન થયો. બધા જ સંજોગ ફરી ગયા. (એ રૂપાળું શરીર ને સંપત્તિ ને મહેલ કાંઈ ન મળે). ભાઈ! જરા વિચાર કર. આ અવસર છે હોં (સમ્યગ્દર્શનનો આ અવસર છે.)

સૂત્રમાં કહ્યું કે - ‘मोक्खपहे अप्पाणं ठवेहि’ - એ વાત અહીં કળશમાં કીધી કે ‘तत्र एव यः स्थितिम् एति’ તેમાં જ જે પુરુષ સ્થિતિ પામે છે તે સમયના સારને પામે છે. અહાહા....! આનંદનો સાગર પ્રભુ પોતે છે તેનાં રસરુચિને રમણતા કરતાં અંદર આનંદનાં પૂર આવે, આનંદના લોઢના લોઢ ઉછળે- અહા! તે દશામાં જે સ્થિત રહે છે તે પુરુષ, કહે છે, અલ્પકાળમાં પરમાનંદસ્વરૂપ મોક્ષને પામે છે.

વળી કહે છે– ‘तं अनिशं ध्यायेत्’ તેને જ જે પુરુષ નિરંતર ધ્યાવે છે તે અવશ્ય મોક્ષપદને પ્રાપ્ત થાય છે.

હા, પણ બધું ક્રમબદ્ધ છે ને? જે જ્યારે થવાનું હોય ત્યારે થાય છે. અરે ભાઈ! બધું ક્રમબદ્ધ છે એ તો યથાર્થ છે, પણ એનો નિર્ણય તેં કોની સામે જોઈને કર્યો? એનો નિર્ણય કરનારની દ્રષ્ટિ તો શુદ્ધ એક જ્ઞાયક દ્રવ્ય પર હોવી જોઈએ. આમ એનો યથાર્થ નિર્ણય થાય તેને કર્તાબુદ્ધિ ઉડી જાય છે ને જ્ઞાતાપણાની દ્રષ્ટિ પ્રગટ થાય છે. જ્ઞાયકની દ્રષ્ટિ થાય એ જ પુરુષાર્થ છે. પરંતુ લોકોને પર્યાય ઉપર


PDF/HTML Page 3714 of 4199
single page version

નજર હોય છે, તેથી તેમને ક્રમબદ્ધની યથાર્થ શ્રદ્ધા-માન્યતા હોતી નથી; તેમને સમ્યક્ પુરુષાર્થ હોતો નથી. તેઓને તો નિયતવાદી મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે.

અહીં ચારિત્રની વાત છે. સ્વસ્વરૂપની અંર્તદ્રષ્ટિ સહિત તેમાં જ વિશેષ રમણતા લીનતા હોય તેને ચારિત્રવંત મુનિ કહીએ. એવા ચારિત્રવંતને, કહે છે, નિરંતર તેનું જ ધ્યાન કર, અર્થાત્ સ્વરૂપલીનતાથી હઠ મા. ત્યાં જ તૃપ્ત થઈ જા; બહાર વ્યવહારના વિકલ્પ તો દુઃખનું વેદન છે. ગાથામાં આવે છે ને કે-

“આનાથી બન તું તૃપ્ત તુજને સુખ અહો! ઉત્તમ થશે”

જ્ઞાનમાત્ર નિજ સ્વરૂપમાં લીન થઈ તેમાં જ તૃપ્ત-તૃપ્ત થવું તે પરમ ધ્યાન છે, તે પરમ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. અહા! સ્વસ્વરૂપમાં લીનતા એવું જે ધ્યાન તે ધ્યાનમાં જ જે તૃપ્ત થઈ રહે છે, બહાર (વિકલ્પમાં) આવતો નથી તે અવશ્ય મોક્ષ સુખને પામે છે. હવે આમ છે ત્યાં વ્યવહારને વાસ્તવિક સાધન માને તે કઈ રીતે યોગ્ય છે?

હવે કહે છે- ‘तं चेतति’ તેને જ ચેતે-અનુભવે છે તે પુરુષ પરમાત્માના રૂપને અવશ્ય પામે છે. અહાહા....! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે. તેના આનંદના સ્વાદની મીઠાશમાં જે રમે છે અને અન્ય દ્રવ્યોને નહિ સ્પર્શતો થકો તેમાં જ નિરંતર વિહાર કરે છે તે પુરુષ અચિરાત્ અર્થાત્ અલ્પકાળમાં સમયના સારને પામે છે. અહા! દેવ-ગુરુ-શાસ્ત્ર તો અન્ય દ્રવ્ય છે અને તેમનાં વિનયભક્તિનો ભાવ પણ અન્યદ્રવ્ય છે. વ્યવહાર રત્નત્રયનો રાગ અન્ય દ્રવ્ય છે. અહા! તેને અડતો નથી અને પોતાના સ્વરૂપમાં જ જે વિહાર કરે છે તે અલ્પકાળમાં જ મોક્ષપદને પામે છે-ભાઈ! તું શ્રદ્ધા તો કર કે માર્ગ આ જ છે. તને આ મોંઘો કઠણ લાગે પણ આ અશક્ય નથી. છે તેને પામવું તેમાં અશક્ય શું? દ્રષ્ટિ ફેરવીને ચીજ અંદર છતી-વિદ્યમાન છે ત્યાં દ્રષ્ટિ લગાવી દે.

ભાઈ! તને વ્યવહાર.... વ્યવહાર -એમ વ્યવહારનો પક્ષ છે પણ એની તો દિશા જ પર તરફ છે. હવે પર દિશા ભણી જાય તેને સ્વની પ્રાપ્તિ કેમ થાય? સીધો આથમણે દોડે તેને ઉગમણો હાથ આવે એમ કેમ બને? ન બને. વ્યવહારના-રાગના ભાવ તો પરલક્ષી છે, તે તો આત્માને સ્પર્શતા જ નથી. માટે એનાથી આત્મપ્રાપ્તિ થાય એમ કદીય બનવું સંભવ નથી. માટે કહે છે-પરદ્રવ્યને સ્પર્શ્યા વિના જ જે પુરુષ સ્વસ્વરૂપમાં નિરંતર વિહરે છે તે અવશ્ય મોક્ષપદને પામે છે.

એ આવ્યું છે ને ભાઈ! ગાથામાં કે-

“વિદ્વદ્જનો ભૂતાર્થ તજી વ્યવહારમાં વર્તન કરે,
પણ કર્મક્ષયનું વિધાન તો પરમાર્થ-આશ્રિત સંતને.” -૧પ૬.

PDF/HTML Page 3715 of 4199
single page version

ખરેખર તો સમકિતિ હોય તેને વિદ્વાન્ કહ્યો છે. અહીં તો બહુ શાસ્ત્ર ભણી- ભણીને થયો હોય ને! તેને નામથી વિદ્વાન્ કહ્યો છે, ભણી-ભણીને કાઢયું આ. શું? કે ભૂતાર્થ પરમાર્થસ્વરૂપ વસ્તુ સચ્ચિદાનંદ પ્રભુ આત્માને છોડીને વ્યવહાર કાઢયો, વ્યવહાર કરતાં કરતાં (આત્મપ્રાપ્તિ) થાય એમ કાઢયું. પણ ધૂળેય નહિ થાય સાંભળને. વ્યવહારમાં પ્રવર્તશે તેને સંસાર ફળશે. અહા! ભૂતાર્થને ભૂલી વ્યવહારનું આચરણ કરે તે તો વિદ્વાન હોય તોય મિથ્યાદ્રષ્ટિ જ છે. ચાવલ (કણ) છોડીને ફોતરા ખાંડે એના જેવો એ મૂઢ છે અહીં કહે છે- સ્વરૂપની દ્રષ્ટિ સહિત જેને અતીન્દ્રિય આનંદનું પ્રચુર સ્વસંવેદન થયું છે અને જે નિજ સ્વરૂપમાં જ નિત્ય વિહાર કરે છે તે પુરુષ, થોડા જ કાળમાં જેનો ઉદય નિત્ય રહે છે એવા સમયના સારને અવશ્ય પામે છે.

‘જેનો ઉદય નિત્ય રહે છે-એટલે શું? કે મોક્ષની પર્યાય જે પ્રગટ થઈ તે સાદિ- અનંતકાળ સદાય એવી ને એવી રહેશે. ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ અનંતગુણો છે. તો મોક્ષદશા પ્રગટ થઈ તે હવે પછી અનંત અનંતકાળ સદાય એવી ને એવી રહેશે.

ચોથા આરામાં ઉત્કૃષ્ટ પુરુષાર્થ કરે તો તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થઈ જાય છે. પણ અહીં, પંચમ આરાના મુનિરાજ છે તે પોતાની વાત કરે છે એમ કે અહીંથી સ્વર્ગમાં જશું, ત્યાંથી મનુષ્ય થઈને ત્રીજે ભવે મોક્ષ જશું. પાંચમો આરો છે, અમારો પુરુષાર્થ ધીમો છે, કેવળજ્ઞાન અને મોક્ષ થાય એવો હમણાં પુરુષાર્થ નથી, પણ ત્રીજે ભવે અમે જરૂર મોક્ષપદ પામશું. આ તો સૌને સાગમટે નોતરું છે. એમ કે નિજ સ્વરૂપનાં દ્રષ્ટિ-જ્ઞાન-રમણતા કર, તેમાં જ વિહર; અમે કોલકરાર કરીએ છીએ કે ત્રીજે ભવે તું મોક્ષપદ પામીશ. બેનશ્રીમાં (-વચનામૃતમાં) આવે છે ને કે-“જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય.” એમ કે જ્ઞાયકપણે જીવ નિત્ય છે તે અમે દ્રષ્ટિમાં લીધો છે, નજરમાં લીધો છે તે હવે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય. અહીં કહે છે -અલ્પકાળમાં અવશ્ય પ્રાપ્ત થશે. લ્યો, આવી વાત.

જુઓ, પહેલાં પરણવા આવતા ત્યારે પરણવા આવનારને (વરને) સુતરનો ગુંચભર્યો ફાળકો ગુંચ ઉકેલવા આપતા. એમ કે ગુંચ ઉકેલવાની એનામાં ધીરજ છે કે નહિ એમ કસોટી કરતા. અહીં કહે છે-ભાઈ! તું અનાદિ વ્યવહારની ગુંચમાં ગુંચાયો છો. જો તારે મોક્ષલક્ષ્મીને વરવું છે તો ધીરજથી અને સાહસથી ગુંચને ઉકેલી નાખ. વ્યવહાર સાધન છે એ અભિપ્રાયને છોડી દે તો ગુંચ ઉકલી જશે. અહા! સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એ એક જ સાધકભાવ છે. તેનો કાળ અસંખ્ય સમયનો છે. તેના ફળમાં મોક્ષદશા પ્રગટ થાય. તેનો રહેવાનો કાળ અનંત-અનંત સમયનો છે.

-ભગવાન આત્મા ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અનાદિ-અનંત છે. -તેના આશ્રયે પ્રગટ થયેલી સાધકદશા સાદિ-સાંત અસંખ્ય સમય છે.


PDF/HTML Page 3716 of 4199
single page version

-તેના ફળરૂપે પ્રગટ થયેલી કેવળજ્ઞાન અને મોક્ષની દશા સાદિ-અનંત છે. સમ્યગ્દર્શન થયા પછી કોઈને તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે, અને કોઈને બે, પાંચ, કે પંદર ભવ સુધીમાં થાય છે, તોપણ સાધકદશાનો કાળ અસંખ્ય સમય જ છે, તેમાં અનંત સમય ન લાગે.

અહા! આત્મા અનંતગુણનો દરિયો પ્રભુ ચૈતન્યચમત્કારથી ભરિયો છે. તેનાં નિશ્ચય શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા જેને થયાં તેના સંસારનો અલ્પકાળમાં જ અંત આવીને તેને સાદિ-અનંતકાળ રહે તેવું સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. અહાહા....! તેનો સંસાર અનાદિ-સાંત થઈ જાય છે ને સાદિ-અનંત સિદ્ધપદ પ્રાપ્ત થાય છે.

ભાવાર્થઃ– નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. જુઓ, આ કુદરતનો નિયમ કહ્યો.

*

‘જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમય-સારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી’ - એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છેઃ-

* કળશ ૨૪૧ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘ये तु एनं परिहृत्य संवृति–पथ–प्रस्थापितेन आत्मना द्रव्यमये लिंङ्गे ममतां वहन्ति’ જે પુરુષો આ પૂર્વોક્ત પરમાર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહાર-મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે), ‘ते तत्त्व–अवबोध–च्युताः अद्य अपि समयस्य सारम् न पश्यन्ति’ તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને) દેખતા-અનુભવતા નથી.

અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ-જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ પ્રગટ કરે તે પરમાર્થસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે; અને તેને સહકારી જે વ્રતાદિનો રાગ છે તેને વ્યવહારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહીએ છીએ. અહીં કહે છે-પરમાર્થસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગને છોડીને જે પુરુષો વ્યવહાર મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષમાર્ગ પમાડશે તેઓ યથાર્થ તત્ત્વજ્ઞાનથી રહિત થયા થકા શુદ્ધ આત્મસ્વરૂપને પામતા નથી- અનુભવતા નથી.

ભાઈ! જેને અંતરમાં નિજસ્વરૂપનાં રુચિ-રમણતારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો


PDF/HTML Page 3717 of 4199
single page version

“ઘટ ઘટ અંતર જિન બસૈ, ઘટ ઘટ અંતર જૈન;
મત મદિરા કે પાન સૌં મતવાલા સમૂઝૈ ન.”

ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અંદર ત્રિકાળ જિનસ્વરૂપ છે. ભાઈ! જો અંદર જિનસ્વરૂપ ન હોય તો પર્યાયમાં જિનદેવ પ્રગટે ક્યાંથી? અહા! જે અંદરમાં છે તેનો આશ્રય કરતાં પર્યાયમાં પ્રગટ થાય છે. તેનો આશ્રય કરી તેમાં જ રમવું-ઠરવું તેનું નામ જૈનધર્મ છે, તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે. આ બહારના ક્રિયાકાંડ કાંઈ જૈનધર્મ નથી. શું થાય? અજ્ઞાની ભ્રમથી ક્રિયાકાંડને ચોંટી-વળગી પડયો છે. ભાઈ! એવી ક્રિયાઓ તો અનંતવાર કરી, પણ અરેરે! લેશ પણ સુખ ન થયું. છહઢાલામાં કહ્યું છે ને કે-

“મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો;
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાયો.”

બાપુ! એ મહાવ્રતાદિ જૈનધર્મનાં સહકારી હો, પણ તે જૈનધર્મ નથી; તે બંધનનો જ ભાવ છે.

જેમ સક્કરકંદમાં ઉપરની લાલ છાલ દૂર કરો તો અંદર એકલી મીઠાશનો પિંડ પડયો છે. તેમ ભગવાન આત્મા પુણ્ય-પાપના ભાવની છાલથી રહિત જુઓ તો અંદર એકલા અતીન્દ્રિય આનંદનો પિંડ છે. તેની સન્મુખ થઈને તેનું જ્ઞાન-શ્રદ્ધાન કરવું, તેનો અનુભવ કરવો ને ત્યાં જ રમવું-ઠરવું તે મોક્ષનો માર્ગ છે. તેને છોડીને કોઈ દ્રવ્યક્રિયાને- દ્રવ્યલિંગને ભ્રમથી મોક્ષમાર્ગ માની અંગીકાર કરે છે તો તે તત્ત્વજ્ઞાનથી રહિત વ્યવહારમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે, તેને શુદ્ધ ચૈતન્યનો અનુભવ થતો નથી; તે સંસારમાં જ પરિભ્રમણ કરે છે.

અરે! મૂઢ જીવ અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી; અને આગમનો વ્યવહાર, તે સુગમ છે તેથી, તેને જ વ્યવહાર માને છે. અંદર ત્રિકાળી શુદ્ધ અભેદ એક દ્રવ્ય છે તે નિશ્ચય, અને તેના આશ્રયે જે નિર્મળ નિર્વિકાર શુદ્ધ રત્નત્રયની પરિણતિ પ્રગટ થાય તે વ્યવહાર છે. શુદ્ધ પરિણતિ તે જ શુદ્ધ વ્યવહાર છે. આવા શુદ્ધ નિશ્ચય-વ્યવહારને મૂઢ જીવ જાણતો નથી, બાહ્ય ક્રિયાકાંડને જ વ્યવહાર માને છે, અને તેમાં જ


PDF/HTML Page 3718 of 4199
single page version

મગ્ન થઈ ભ્રમથી કલ્યાણ માની આચરણ કરે છે. પણ એ તો અજ્ઞાન અને મિથ્યા આચરણ સિવાય કાંઈ નથી. પરમાર્થ વચનિકામાં આ વાત પં. બનારસીદાસજીએ કરી છે.

અહા! જેમ આકાશનું ક્ષેત્ર અમાપ... અમાપ અનંત છે. તેમ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યપ્રભુ અમાપ.. અમાપ અનંતગુણરત્નોથી ભરેલો રત્નાકર છે, અહા! તેનું માપ કેમ નીકળે? વ્યવહારનો રાગ છે એ તો ઉપર-ઉપરની સ્થૂળ મર્યાદિત ચીજ છે. એનાથી સૂક્ષ્મ ચૈતન્ય મહાપ્રભુનું માપ કેમ નીકળે? ન નીકળે. તેનું માપ (-જ્ઞાન) તો અંતર્દ્રષ્ટિથી પ્રાપ્ત સૂક્ષ્મ સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાનથી જ થાય છે, અને તેની પ્રાપ્તિ શુદ્ધચેતનાપરિણતિરૂપ મોક્ષમાર્ગથી જ થાય છે. ભાઈ! આ જ રીત છે. મૂઢ જીવો તેને અવગણીને ક્રિયાકાંડમાં જ ગરકાવ-મગ્ન રહે છે, પણ તેથી તેમને કાંઈ સાધ્ય થતું નથી, માત્ર સંસાર જ ફળે છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?

હવે કહે છે-કેવો છે તે સમયસાર અર્થાત્ શુદ્ધાત્મા? તો કહે છે-

‘नित्य उद्योतम्’ નિત્ય પ્રકાશમાન છે (અર્થાત્ કોઈ પ્રતિપક્ષી થઈને જેના ઉદયનો નાશ કરી શકતું નથી),......

અહાહા....! ભગવાન આત્મા ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર પ્રભુ નિત્યપ્રકાશનો ધ્રુવપિંડ છે. નિત્ય ઉદયરૂપ ધ્રુવનો કોણ નાશ કરે? અહાહા! સદાય વધઘટ વિનાનું એકરૂપ ધ્રુવ તત્ત્વ પ્રભુ આત્મા નિગોદમાં ગયો ત્યારે પણ એવો ને એવો હતો, એના દ્રવ્યસ્વભાવમાં કાંઈ વધઘટ ન થઈ, અને હમણાં પણ એવો ને એવો જ છે. અહા! આવો નિત્ય ધ્રુવ પ્રકાશનો પુંજ પ્રભુ આત્મા અંદર પ્રકાશમાન વિરાજે છે. પણ અરે! એણે રાગની રમતમાં રોકાઈને નિજ તત્ત્વને ભાળ્‌યું નહિ!

વળી તે- ‘अखण्डम्’ અખંડ છે (અર્થાત્ જેમાં અન્ય જ્ઞેય આદિના નિમિત્તે ખંડ થતા નથી), અને ‘एकम्’ એક છે (અર્થાત્ પર્યાયોથી અનેક અવસ્થારૂપ થવા છતાં જે એકરૂપપણાને છોડતો નથી),......

શું કીધું? ગમે તેટલા જ્ઞેયોને જાણે તોપણ જ્ઞાન ખંડખંડ થતું નથી. અહા! ભગવાન પૂર્ણજ્ઞાનઘન પ્રભુ અખંડ પદાર્થ છે, એકરૂપ છે. જાણવાની-દેખવાની એમ અનંતગુણની અનંતી પર્યાયોરૂપ પરિણમવા છતાં ત્રિકાળ એકરૂપ જ્ઞાયકરૂપ જ રહે છે. અહાહા....! આવી અખંડ એકરૂપ નિજજ્ઞાયકવસ્તુનાં દ્રષ્ટિ ને અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે. અહા! ચક્રવર્તી ના રાજકુમારો આવું સમ્યગ્દર્શન પામે છે અને પછી સ્વરૂપમાં રમણ કરવા જંગલમાં ચાલ્યા જાય છે. દીક્ષા લેવા જતી વેળા માતાની આજ્ઞા માગે છે કે -માતા મને રજા આપ, અંદર આનંદનો નાથ મારા અનુભવમાં આવ્યો છે, પૂર્ણાનંદની પ્રાપ્તિ માટે હવે હું જંગલમાં જઈ સાધના કરવા માગું છું. માતા! તારે


PDF/HTML Page 3719 of 4199
single page version

સમ્યગ્દ્રષ્ટિ ધર્મીને જોડે વ્યવહાર રત્નત્રયનો રાગ આવે છે. તે આવે છે તેથી સહકારી જાણી તેનું સ્થાપન કર્યું છે, પણ તે કાંઈ સત્યાર્થ મોક્ષમાર્ગ નથી, વાસ્તવમાં તે બંધ પદ્ધતિ જ છે. તેને વ્યવહાર મોક્ષમાર્ગ તરીકે વ્યવહારનયથી સ્થાપન કર્યું છે, નિશ્ચયથી તે મોક્ષમાર્ગ નથી. ભાઈ! આ જિનેન્દ્રદેવનું ફરમાન છે. છતાં કોઈ મોક્ષમાર્ગના ભ્રમમાં રહી વ્યવહાર-દ્રવ્યલિંગની મમતા કરે છે તો કરો, પણ તેને શુદ્ધ આત્માની- સમયસારની પ્રાપ્તિ થતી નથી.

વળી કેવો છે તે સમયસાર? તો કહે છે-

‘अतुल आलोकं’ અતુલ (-ઉપમા રહિત) જેનો પ્રકાશ છે (કારણ કે જ્ઞાનપ્રકાશને સૂર્યાદિકના પ્રકાશની ઉપમા આપી શકાતી નથી.) ,.... સૂર્યનો પ્રકાશ તો જડ છે. સૂર્ય તો જડ પ્રકાશનો પુંજ છે, જ્યારે ભગવાન આત્મા તો ચૈતન્યપ્રકાશનો પુંજ છે. તેથી સૂર્યાદિકના પ્રકાશ સાથે તેની ઉપમા આપી ન શકાય તેવો અતુલ પ્રકાશપુંજ પ્રભુ આત્મા છે.

વળી કેવો છે? ‘स्वभाव–प्रभा–प्राग्भारं’ સ્વભાવ-પ્રભાનો પુંજ છે (અર્થાત્ ચૈતન્યપ્રકાશના સમૂહરૂપ છે). જેમાં રાગાદિ વિભાવની ગંધ નથી એવો સ્વભાવપ્રભાનો પુંજ પ્રભુ આત્મા છે. રાગ તો અંધકાર છે. જેને રાગનો રસ છે તેને ભગવાન આત્મા અનુભવમાં આવતો નથી.

વળી કેવો છે? ‘अमलं’ અમલ છે (અર્થાત્ રાગાદિ-વિકારરૂપી મળથી રહિત છે). પુણ્ય-પાપના ભાવથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે, આવો રાગરહિત શુદ્ધ ચૈતન્યમય આત્મા જેની દ્રષ્ટિમાં ન આવે તેને ધર્મ ન થાય. રાગ અને વ્યવહારના પ્રેમીઓ અંદર રાગરહિત શુદ્ધ આત્મા છે તેને પામતા નથી.

આ રીતે, જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેમને નિશ્ચય-કારણ સમયસારનો અનુભવ નથી; તો પછી તેમને કાર્ય સમયસારની પ્રાપ્તિ ક્યાંથી થાય? ન થાય.

(પ્રવચન નં. પ૦૦ થી પ૦૪ * દિનાંક ૨૨-૧૧-૭૭ થી ૨૬-૧૧-૭૭)


PDF/HTML Page 3720 of 4199
single page version

ગાથા–૪૧૩
पासंडीलिंगेसु व गिहिलिंगेसु व बहुप्पयारेसु ।
कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं।। ४१३।।
पाषण्डिलिङ्गेषु वा गृहिलिङ्गेषु वा बहुप्रकारेषु ।
कुर्वन्ति ये ममत्वं तैर्न ज्ञातः समयसारः।। ४१३।।

હવે આ અર્થની ગાથા કહે છેઃ-

બહુવિધનાં મુનિલિંગમાં અથવા ગૃહીલિંગો વિષે
મમતા કરે, તેણે નથી જાણ્યો ‘સમયના સાર’ ને. ૪૧૩.

ગાથાર્થઃ– [ये] જેઓ [बहुप्रकारेषु] બહુ પ્રકારનાં [पाषण्डिलिङ्गेषु वा] મુનિલિંગોમાં [गृहिलिङ्गेषु वा] અથવા ગૃહસ્થલિંગોમાં [ममत्वं कुर्वन्ति] મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), [तैः समयसारः न ज्ञातः] તેમણે સમયસારને નથી જાણ્યો.

ટીકાઃ– જેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું’ એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (-જે પરમાર્થે સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી.

ભાવાર્થઃ– અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે ‘આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે’ , પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.

હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- _________________________________________________________________ ૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા.