PDF/HTML Page 3881 of 4199
single page version
અહા! આવો મનુષ્યનો ભવ (આવો અવસર) ક્યારે મળે ભાઈ? ને એમાં તત્ત્વજ્ઞાનની વાર્તા સાંભળવાનું ક્યારે મળે? અરે ભાઈ! અનંતકાળ તારો મિથ્યાત્વને લઈને નર્ક-નિગોદાદિમાં જ ગયો છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા નર્ક-નિગોદના ભવ પડેલા છે. પહેલી નરકમાં ઓછામાં ઓછી સ્થિતિ દસ હજાર વર્ષ છે, ને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. અરે! મિથ્યાત્વને લઈને દસ હજાર વર્ષની સ્થિતિએ નરકમાં અનંતવાર ઊપજ્યો છે. તેવી રીતે દસ હજાર વર્ષને એક સમય, દસહજાર વર્ષને બે સમય એમ ક્રમશઃ તેત્રીસ સાગરોપમ પર્યંત વધતી સ્થિતિએ- પ્રત્યેક સ્થિતિએ અનંતવાર ઊપજ્યો-મર્યો છે. અને નિગોદમાં તો ત્યાં ને ત્યાં અનંતકાળ પર્યંત અનંતાં જન્મ-મરણ થયા કરે. અહા! તારા દુઃખની કથની શું કરીએ? તેથી કહીએ છીએ કે આ મનુષ્યભવનો એક સમય પણ મહા મૂલ્યવાન છે. તેની આગળ કૌસ્તુભમણિ પણ કાંઈ નથી. માટે આ અવસરમાં તત્ત્વદ્રષ્ટિ કરી લે ભાઈ!
અહીં હવે કહે છે - ‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો ‘स्वधामनि वसन्’ સ્વક્ષેત્રમાં રહેતો, ‘परक्षेत्र नास्तितां विदन्’ પરક્ષેત્રમાં પોતાનું નાસ્તિત્વ જાણતો થકો, ‘त्यक्त–अर्थः अपि’ (પરક્ષેત્રમાં રહેલા) જ્ઞેય પદાર્થોને છોડતાં છતાં ‘परान् आकार कर्षी’ તે પરપદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી (અર્થાત્ જ્ઞેય પદાર્થોના નિમિત્તે થતા ચૈતન્યના આકારોને છોડતો નહિ હોવાથી) ‘तुच्छताम्–अनुभवति न’ તુચ્છતા પામતો નથી.
સામે અગ્નિ હોય તો અહીં અગ્નિનું જ્ઞાન થાય છે, પરંતુ તે અગ્નિના કારણે થાય છે એમ નથી; જ્ઞાનની દશામાં તે કાળે સ્વ-પરનું ને સ્વનું અગ્નિનું જ્ઞાન પોતાના સામર્થ્યથી થાય છે. અગ્નિ તો તે કાળે નિમિત્ત-બીજી ચીજ છે બસ. પરંતુ અજ્ઞાની જાણે પોતાના જ્ઞાનમાં અગ્નિ ઘૂસી ગઈ છે એમ માની પોતાનું તત્સંબંધી જે જ્ઞાનની દશા તેને છોડી દે છે, જ્યારે સ્યાદ્વાદી-જ્ઞાની તો નિજ અસંખ્યપ્રદેશી સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રથી પોતાનું નાસ્તિત્વ જાણતો પરક્ષેત્રથી લક્ષ છોડતાં છતાં પરક્ષેત્રસંબંધી જે પોતાની જ્ઞાનની દશા તેને પોતાની જાણે છે. અહા! પરક્ષેત્ર-પરજ્ઞેયસંબંધી જે પોતાનો જ્ઞાનાકાર એ તો પોતાના જ સ્વભાવરૂપ છે એમ જાણતો ધર્મી તુચ્છતા પામતો નથી, નાશ પામતો નથી. અર્થાત્ ધર્મી બહાર ગમે તે ક્ષેત્રમાં હોય તોપણ તે પોતાના સ્વક્ષેત્રમાં-આનંદમાં જ રહે છે.
સમ્મેદશિખર હો કે ગિરનાર હો કે શેત્રુંજય હો, ધર્મી જાણે છે કે એ પરક્ષેત્રથી નાસ્તિરૂપ છું, ભિન્ન છું. સમ્મેદશિખરનાં દર્શન થયાં એ જ્ઞાનની દશા પોતાની પોતામાં
PDF/HTML Page 3882 of 4199
single page version
પોતાથી થઈ છે, પરક્ષેત્રને કારણે એ ઉત્પન્ન થઈ નથી. આ પ્રમાણે યથાર્થ જાણતો ધર્મી પર પદાર્થોને છોડતાં છતાં તેના નિમિત્તે પ્રગટ પોતાના ચૈતન્ય-આકારોને-જ્ઞાનાકારોને છોડતો નથી. ‘પરપદાર્થોમાંથી ચૈતન્યના આકારોને ખેંચતો હોવાથી’ -એમ કહ્યું ને? મતલબ કે પરપદાર્થોના નિમિત્તે અહીં આત્મામાં જે ચૈતન્યના આકારો પ્રગટ થયા તેને છોડતો નહિ હોવાથી, તેને પોતામાં જ પોતારૂપ રાખતો હોવાથી, તુચ્છતા પામતો નથી, નાશ પામતો નથી અર્થાત્ સ્વસ્થિત નિરાકુળ આનંદને અનુભવતો એવો જિવિત રહે છે. સમજાણું કાંઈ.....?
‘પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોના આકારે ચૈતન્યના આકારો થાય છે તેમને જો હું પોતાના કરીશ તો સ્વક્ષેત્રમાં રહેવાને બદલે પરક્ષેત્રમાં પણ વ્યાપી જઈશ-એમ માનીને અજ્ઞાની એકાંતવાદી પરક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોની સાથે સાથે ચૈતન્યના આકારોને પણ છોડી દે છે; એ રીતે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થાય છે, નાશ પામે છે.’
જોયું? શું કીધું? કે પરક્ષેત્રના નિમિત્તે અહીં (આત્મામાં) જે જ્ઞાન થાય તેને હું પોતાનું માનું તો પરદ્રવ્યમાં વ્યાપી જાઉં. હું પરદ્રવ્યમય થઈ જાઉં એમ એકાંત કલ્પના વડે અજ્ઞાની પરક્ષેત્રને છોડતાં સાથે પોતાના ચૈતન્ય-આકારોને-જ્ઞાનની દશાને પણ છોડી દે છે. આ રીતે તે પોતે ચૈતન્યના આકારો રહિત તુચ્છ થયો થકો નાશ પામે છે.
જ્યારે, ‘સ્યાદ્વાદી તો સ્વક્ષેત્રમાં રહેતો, પરક્ષેત્રમાં પોતાની નાસ્તિતા જાણતો થકો, જ્ઞેય પદાર્થોને છોડતાં છતાં ચૈતન્યના આકારોને છોડતો નથી; માટે તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી.’
અહાહા....! સ્યાદ્વાદી-જ્ઞાની તો પરક્ષેત્ર જે શરીર, બાગ-બંગલા આદિ તેમાં હું નાસ્તિ છું એમ પરક્ષેત્રથી પોતાને ભિન્ન જાણતો-અનુભવતો પરક્ષેત્રને છોડી દે છે, અર્થાત્ પરક્ષેત્રમાં હું નથી એમ જાણે છે, પણ પરક્ષેત્રસંબંધી જે પોતાનું જ્ઞાન છે એમાં હું છું, અને એ મારું છે એમ જાણતો તેને છોડતો નથી. ધર્મી પોતે જ્યાં ઊભો છે ત્યાં તે ક્ષેત્રને- પરક્ષેત્રને છોડવા છતાં તે-સંબંધી જે પોતાની જ્ઞાનની દશા પ્રગટ થાય તેને છોડતો નથી, પોતાની જાણી રાખે છે. તેથી તે તુચ્છ થતો નથી, નાશ પામતો નથી, જિવિત રહે છે.
આ પ્રમાણે પરક્ષેત્રની અપેક્ષાથી નાસ્તિનો ભંગ કહ્યો.
હવે નવમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘पूर्व–आलम्बित–बोध्य–नाश–समये
PDF/HTML Page 3883 of 4199
single page version
ज्ञानस्य नाशं विदन्’ પૂર્વાલંબિત જ્ઞેય પદાર્થોના નાશ સમયે જ્ઞાનનો પણ નાશ જાણતો થકો, ‘न किञ्चन अपि कलयन्’ એ રીતે જ્ઞાનને કાંઈ પણ (વસ્તુ) નહિ જાણતો થકો (અર્થાત્ જ્ઞાનવસ્તુનું અસ્તિત્વ જ નહિ માનતો થકો), ‘अत्यन्त तुच्छः’ અત્યંત તુચ્છ થયો થકો ‘सीदति एव’ નાશ પામે છે;.......
જુઓ, અજ્ઞાની, પૂર્વાલંબિત એટલે કે પૂર્વકાળમાં લક્ષમાં લીધેલા જ્ઞેયપદાર્થોના નાશના કાળે જ્ઞાનનો પણ નાશ થયો એમ જાણે છે. ખરેખર તો સમયે સમયે પરજ્ઞેયરૂપ પદાર્થોનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન પોતાનું પોતામાં પોતાથી થાય છે, પરંતુ એકાંતી- અજ્ઞાની પરકાળથી (પરજ્ઞેયથી) પોતામાં સ્વકાળ થયો માનતો થકો પોતાની જ્ઞાનની પર્યાયનો નાશ કરે છે.
પોતામાં પરકાળને જાણવાની શક્તિ પોતાની પોતાથી છે. પરકાળ-પરજ્ઞેય બદલતાં અહીં જ્ઞાનની દશા બદલાણી તે સ્વતઃ બદલાણી છે, પરકાળને-પરજ્ઞેયને લીધે બદલાણી છે એમ નથી. જેમકેઃ જ્ઞાનની પૂર્વદશામાં ભગવાનને (બિંબને) જોયા; પછીના સમયે ભગવાનની સન્મુખતા ન હોતાં તે સંબંધી જ્ઞાનની દશા ન રહી, બદલાણી. ત્યાં પૂર્વકાલીન જ્ઞાનની દશા પોતાની પોતાથી હતી, કાંઈ ભગવાનને લઈને નહોતી; ને વર્તમાન બદલાણી તે પણ પોતાની પોતાથી બદલાણી છે, તે તેનો સ્વકાળ છે, પરજ્ઞેયના કારણે બદલાણી છે એમ નથી. પરંતુ અજ્ઞાની આ માનતો નથી. એ તો આલંબિતજ્ઞેયનો અભાવ-નાશ થતાં પોતાના જ્ઞાનનો નાશ થયો એમ માનતો થકો પોતાના અસ્તિત્વનો અભાવ-નાશ કરે છે. સમજાણું કાંઈ....?
અરિસામાં અગ્નિ દેખાય છે તે અરિસાની અવસ્થા છે. સામેથી અગ્નિ જતી રહેતાં અરિસામાં પણ અગ્નિસંબંધી અરિસાની પર્યાયનો અભાવ થાય છે, અરિસાની બીજી અવસ્થા પ્રગટ થાય છે. પરંતુ અગ્નિ જતાં અરિસાની અવસ્થા જ નાશ પામી ગઈ એમ અજ્ઞાની માને છે; એ રીતે તે અરિસાનો જ નાશ કરે (માને) છે. તેમ પોતાના જ્ઞાનમાં પરપદાર્થ-પરજ્ઞેય જાણવામાં આવે છે તે પોતાના આત્માની અવસ્થા છે, તે પરપદાર્થને લઈને નથી; વળી તે બદલે છે તે પણ પોતાની જ્ઞાનની દશાનો સ્વકાળ છે, પરપદાર્થ બદલી ગયો માટે અહીં જ્ઞાનની દશા બદલી છે એમ નથી. પરંતુ અજ્ઞાની, પોતાની જ્ઞાનની દશા પરાલંબિત માનતો થકો પરનો નાશ થતાં નિરન્વય નાશ પામી એમ માને છે. આમ પોતાની જ્ઞાનવસ્તુને કાંઈપણ નહિ માનતો થકો, અત્યંત તુચ્છ થયો થકો, અજ્ઞાની નાશ પામે છે; પોતાના આત્માનો જ (અભિપ્રાયમાં) નાશ કરે છે.
અહાહા.....! પોતે ત્રિકાળ એક જ્ઞાયકસ્વરૂપ છે. પરજ્ઞેયનો જાણવારૂપ તેની પૂર્વકાળમાં જે જ્ઞાનની દશા હતી તે પોતાની પોતાથી જ હતી, પરજ્ઞેયને લઈને નહિ; તથા વર્તમાન તે બદલીને અન્યજ્ઞેયને જાણવારૂપ થઈ તે પણ પોતાની પોતાથી જ છે,
PDF/HTML Page 3884 of 4199
single page version
અન્યજ્ઞેયને લઈને નથી. અહા! સ્વપરને જાણવાપણે પ્રતિસમય પરિણમે એ જ્ઞાનનું આત્માનું સ્વરૂપ જ છે; પણ અજ્ઞાની- એકાંતી તેમ નહિ માનતાં, પૂર્વે જાણવામાં આવેલા જ્ઞેયો નાશ પામતાં મારું જ્ઞાન નાશ પામી ગયું એમ માને છે; કેમકે એની દ્રષ્ટિ પર ઉપર જ છે, પરાવલંબી છે. સમજાણું કાંઈ....?
અહો! આ તો અનંતા તીર્થંકરોના પેટની રહસ્યની વાત આચાર્ય ભગવાને વહેતી મૂકી છે. એના પ્રવાહનું અમૃત પીનારા પીને પરમાનંદને પામે છે, ને બાકીના તુચ્છ અભાવરૂપ થઈને રખડી મરે છે.
હવે કહે છે-- ‘स्याद्वादवेदी पुनः’ અને સ્યાદ્વાદનો જાણનાર તો ‘अस्य निज– कालतः अस्तित्वं कलयन्’ આત્માનું નિજકાળથી અસ્તિત્વ જાણતો થકો, ‘बाह्यवस्तुषु मुहुः भूत्वा विनश्यत्सु अपि’ બાહ્ય વસ્તુઓ વારંવાર થઈને નાશ પામતાં છતાં પણ, ‘पूर्णः तिष्ठति’ પોતે પૂર્ણ રહે છે.
અહાહા...! સ્યાદ્વાદનો જાણનાર અર્થાત્ વસ્તુને અપેક્ષાથી યથાર્થ જાણનાર તો, હું સ્વકાળથી અસ્તિ છું, પરકાળને લઈને મારું જ્ઞાન છે એમ નથી, -અહાહા.....! એમ જાણતો થકો, વારંવાર પરવસ્તુઓ નાશ પામવા છતાં, ઊભો જ રહે છે, નાશ પામતો નથી. કળશટીકામાં કળશ ૨પ૨ માં ત્રિકાળી વસ્તુને સ્વકાળ કહી છે, ને તેની વર્તમાન- વર્તમાન વર્તતી અવસ્થાના ભેદને, દ્રવ્યસ્વભાવની અપેક્ષા પરકાળ કહ્યો છે. અહાહા....! જ્ઞાની કહે છે-મારી વર્તમાન દશામાં સ્વતઃ પલટના થવા છતાં હું સ્વકાળથી અસ્તિરૂપ છું, દ્રવ્યભાવથી ત્રિકાળ અસ્તિરૂપ છું, એક જ્ઞાયકભાવમય છું. આવી વાત!
ધર્મી જાણે છે કે-સામે ભગવાન છે તે કાળે ભગવાનને જાણવાપણે જ્ઞાનની દશા થઈ તે પોતાની પોતાથી થઈ છે, ભગવાનને લઈને થઈ નથી. અહાહા....! પરકાળરૂપ પૂર્વાલંબિત જ્ઞેયપદાર્થો જે ખ્યાલમાં આવે છે તે પલટવા કાળે પણ હું તો આ એક જ્ઞાયક જ છું. આમ આત્માનું નિજકાળથી અસ્તિત્વ જાણતો, બાહ્ય વસ્તુઓ-જ્ઞેયો ભલે સમયે સમયે પલટાય છતાં, પોતે પૂર્ણ રહે છે અર્થાત્ હું તો જ્ઞાનાનંદ-પૂર્ણાનંદસ્વરૂપ જ છું એમ પોતાને જાણે છે-અનુભવે છે. અહાહા! પોતાની જ્ઞાનની દશા પોતાના જ આલંબનથી ઉત્પન્ન થઈ છે એમ જાણતો ધર્મી પોતે પૂર્ણ રહે છે અર્થાત્ નાશ પામતો નથી.
ભાઈ! આ તારા ઘરનાં નિધાન સંતો તને દેખાડે છે. બાકી ૮૪ ના અવતારમાં કોઈ તને સહાય કરે એમ નથી. આ આત્માને એક જ્ઞાયક આત્મા જ શરણ છે. અને અરિહંતા શરણં, સિદ્ધાં શરણં ઈત્યાદિ કહીએ એ તે વ્યવહારથી છે; એ તો શુભભાવમાત્ર છે. સમજાણું કાંઈ.....?
‘પહેલાં જે જ્ઞેય પદાર્થો જાણ્યા હતા તે ઉત્તર કાળમાં નાશ પામી ગયા; તેમને
PDF/HTML Page 3885 of 4199
single page version
જોયું? અજ્ઞાની પરકાળથી-પરજ્ઞેયથી પોતાનું જ્ઞાન હોવાનું માને છે. તેથી પરજ્ઞેય નાશ પામતાં પોતાનું જ્ઞાન નાશ પામી ગયું એમ માની તે પોતાનો નાશ કરે છે. જ્યારે,-
‘સ્યાદ્વાદી તો, જ્ઞેય પદાર્થો નષ્ટ થતાં પણ, પોતાનું અસ્તિત્વ પોતાના કાળથી જ માનતો થકો નષ્ટ થતો નથી.’
હું એક ત્રિકાળ જ્ઞાયકસ્વરૂપ છું, અને મારી દશા-પર્યાય એક જ્ઞાયકના આશ્રયે મારામાં થાય છે એમ માનતો ધર્મી આત્માને જેમ છે તેમ (ઊભો) રાખે છે, નાશ પામવા દેતો નથી.
પ્રશ્નઃ– સ્વકાળ એટલે શું? ઉત્તરઃ– પરની અપેક્ષા પોતાની વર્તમાન પર્યાયને સ્વકાળ કહેવામાં આવે છે; અને એને જ ત્રિકાળી એક દ્રવ્યની અપેક્ષાએ પરકાળ કહેવામાં આવે છે; ત્રિકાળી એકરૂપ દ્રવ્ય તે સ્વકાળ, અને તેની અપેક્ષા તેની વર્તમાન દશા તે પરકાળ. લ્યો, આવી વાત!
આ પ્રમાણે સ્વકાળ-અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે દસમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘अर्थ–आलम्बन–काले एव ज्ञानस्य सत्त्वं कलयन्’ જ્ઞેય પદાર્થોના આલંબન કાળે જ જ્ઞાનનું અસ્તિત્વ જાણતો થકો, ‘बहिः– ज्ञेय–आलम्बन–लालसेन मनसा भ्राम्यन्’ બાહ્ય જ્ઞેયોના આલંબનના લાલસાવાળા ચિત્તથી (બહાર) ભમતો થકો ‘नश्यति’ નાશ પામે છે;..........
અહા! પોતે આત્મા શું ચીજ છે એની ખબર નથી તે, કહે છે, અજ્ઞાની ઢોર જેવો છે. તેની વર્તમાન જ્ઞાનની દશાનું લક્ષ બાહ્ય પદાર્થ ઉપર જ હોય છે. આ પરજ્ઞેયરૂપ પદાર્થો છે ત્યાંસુધી જ જાણપણું છે ને ત્યાંસુધી જ હું છું એમ તે માને છે. તેથી બાહ્ય જ્ઞેયોને ગ્રહણ કરવાની લાલસાવાળા ચિત્તથી અર્થાત્ આને જાણું ને તેને જાણું એવી લાલસા વડે ચિત્તને બહારમાં ને બહારમાં ભમાવતો થકો પોતાની હયાતીનો નાશ કરે છે. અહા! હું મારાથી જાણું છું, ને જ્ઞાનની દશામાં જે બદલવું થાય છે તે મારા જ્ઞાનસ્વભાવને આશ્રિત છે, પરજ્ઞેયાશ્રિત નથી એવું (સત્યાર્થ) નહિ માનતો થકો, બાહ્ય જ્ઞેયોના આલંબનની લાલસા વડે ચિત્તને બહારમાં ને બહારમાં ભમાવતો
PDF/HTML Page 3886 of 4199
single page version
થકો અજ્ઞાની-એકાંતી નાશ પામે છે. અહા! આલંબનના કાળે આલંબનરૂપ જે નિમિત્ત છે તેનાથી જ મારી અવસ્થા છે એમ માનીને અજ્ઞાની પોતાની હયાતીનો નિષેધ કરે છે. લ્યો, આનું નામ હિંસા છે. સ્વહિંસા કરી ને? સ્વહિંસા એ જ વાસ્તવમાં હિંસા છે.
અહા! ભગવાન! તું વસ્તુ પદાર્થ છો કે નહિ? છો. તો એમાં જ્ઞાનાદિ અનંત ગુણ છે. અહા! તે અનંત ગુણની વર્તમાન દશા જે થાય છે તે પોતામાં પોતાથી થાય છે. તે તે દશા તે વસ્તુનો સ્વકાળ છે. વર્તમાન જ્ઞાનની દશા તે એનો સ્વકાળ છે. છતાં વર્તમાન જ્ઞાનની દશા દેવ-ગુરુ કે શાસ્ત્રને લઈને થઈ એમ તું માને તે મૂઢપણું છે. ગુરુની વાણી સાંભળવાથી કે શાસ્ત્ર વાંચવાથી મારી જ્ઞાનની દશા ઉઘડી એમ માનનાર મૂઢ જીવો, અહીં કહે છે, આત્માની વર્તમાન અવસ્થાનો ઈન્કાર કરતા થકા પોતાનો નાશ કરે છે, પોતાનો ઘાત કરે છે. વસ્તુની પર્યાયના સ્વકાળને ન માનતાં નિમિત્તથી પોતાની દશા થઈ, ને જેવું નિમિત્ત આવે-મળે તેવી એની દશા થાય એમ માનનાર, અહીં કહે છે, મૂઢ છે, અજ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે. તે મિથ્યાભાવ વડે પોતાનો ઘાત કરનારો છે. સમજાણું કાંઈ.....?
જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્ર, જિનપ્રતિમા, જિનમંદિર, સમ્મેદશિખર ને શેત્રુંજો એ બધુંય છે ખરું, પણ એ બધું પરજ્ઞેય છે, પરકાળ છે. એ પરકાળથી જ જે પોતાના જ્ઞાનનું અસ્તિત્વ જાણે છે, માને છે તે મૂઢ છે, અજ્ઞાની છે; કેમકે એવું વસ્તુસ્વરૂપ નથી.
પ્રશ્નઃ– તો પછી મંદિરમાં જાવું કેમ (શા માટે?) ઉત્તરઃ– અરે ભાઈ! પૂર્ણ વીતરાગદશા થઈ નથી ત્યાં સુધી ધર્મી-જ્ઞાની પુરુષને દેવ-ગુરુ-શાસ્ત્ર પ્રતિ વિનય-ભક્તિ આદિનો શુભભાવ સહજ જ આવે છે, આવ્યા વિના રહેતો જ નથી. પણ એ રાગને લઈને કે દેવ-ગુરુ-શાસ્ત્રને લઈને પોતાની જ્ઞાનની દશા ઉઘડી છે એમ તે માનતો નથી. શું કીધું? શુભભાવ પણ તેના કાળે પ્રગટ થયો છે, અને તે કાળે જ્ઞાનની દશા પણ પોતાની પોતાથી સ્વકાળે પ્રગટ થઈ છે એમ જ્ઞાની યથાર્થ માને છે. જિજ્ઞાસુ મુમુક્ષુ જીવને પણ અશુભથી બચી દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પ્રત્યે વિનય- ભક્તિએ પ્રવર્તવાનો ભાવ સહજ જ આવતો હોય છે. સમજાણું કાંઈ.....?
અહા! જેટલા ત્રણકાળના સમયો છે એટલી વસ્તુની ત્રણકાળની પર્યાયો છે. તે દરેક પર્યાય સમય સમય પ્રતિ ક્રમબદ્ધ થઈ રહી છે એમ ન માનતાં, બહારમાં જ નજર હોવાથી, તે પરકાળથી-પરનિમિત્તથી થઈ રહી છે એમ અજ્ઞાની માને છે અને એ રીતે તે પોતાની વર્તમાન અવસ્થાની પોતાથી નાસ્તિ માને છે. પોતાની અવસ્થાની નાસ્તિ માને છે એટલે શું? કે તેને વર્તમાન અધર્મદશા ઉત્પન્ન થાય છે. અહા! આ પ્રમાણે જેણે જ્ઞાનમાંથી વર્તમાન દશાનું અસ્તિત્વ ઉડાડયું તેને ત્રિકાળીનું અસ્તિત્વ પણ સિદ્ધ થતું નથી, દ્રષ્ટિમાં આવતું નથી; તેથી એને પણ તે ઉડાડે છે. આવી વાત!
PDF/HTML Page 3887 of 4199
single page version
વળી કેટલાક કહે છે-ઉપાદાનની અનેક યોગ્યતા છે. તેમાં જે કાળે જેવું નિમિત્ત મળે તે મુજબ યોગ્યતા પ્રગટરૂપ થઈ કાર્ય નીપજે છે. તેઓ કહે છે-વર્તમાન દશા એ દ્રવ્યનો પરિણમનસ્વભાવ છે, પણ વિકારરૂપે કે નિર્વિકારદશારૂપે થવું એ તો જેવો સંયોગ-નિમિત્ત હોય એના પર આધારિત છે. અરે ભાઈ! વસ્તુનો પરિણમન સ્વભાવ, પરિણામ અને પરિણમનનું થવું એ શું જુદી જુદી ચીજ હશે? શું થાય? કોઈ પણ રીતે આત્માની દશા પરને લઈને થાય એમ માને તો જ એને સંતોષ થાય છે. પરંતુ પ્રત્યેક પદાર્થ-જીવ અને રજકણ વગેરેના પરિણમનથી થતી દશા તે પોતાથી જ થાય છે, પરથી- નિમિત્તથી કદીય નહિ. પર-નિમિત્ત હો ભલે, પણ એનાથી આમાં પરિણમન અને એની દશા થાય છે એમ ત્રણકાળમાં નથી. ભાઈ! આ સર્વજ્ઞ પરમાત્મા ત્રિલોકીનાથ તીર્થંકરદેવની વાણીમાં આવેલી વાત છે. અહીં કહે છે- નિમિત્તને-પરને લઈને એની દશા થાય એવી જેની માન્યતા છે તે નિમિત્તની-પરની લાલસાવાળો નિમિત્તની શોધમાં બહાર પરિભ્રમતો નાહક વ્યગ્ર થાય છે બસ; અર્થાત્ તે પોતાનો નાશ કરે છે બસ; કેમકે પોતાની પર્યાયનું સહજ સ્વતઃ અસ્તિત્વ છે તેની એને ખબર નથી.
પ્રશ્નઃ– અહીં આવીએ છીએ તો આવી તત્ત્વની વાત જાણવા મળે છે, બહાર બીજે કેમ નથી મળતી? (માટે જેવું નિમિત્ત મળે તેવું ઉપાદાનમાં કાર્ય થાય).
ઉત્તરઃ– અરે ભાઈ! પ્રત્યેક સમયે વસ્તુમાં થતું પરિણમન અને પરિણામ તે તેનો સ્વકાળ છે. બહારનો સ્વકાળ બીજો છે તેથી વર્તમાન તત્ત્વને જાણવારૂપ દશા પરથી થઈ છે (એમ તે) કેમ હોય? પ્રત્યેક સમયે થતી ભિન્ન ભિન્ન દશા તે પોતાના જ કારણથી છે, એનું કારણ કોઈ પર નથી. જો ભિન્ન ભિન્ન અવસ્થા પરના કારણે થાય તો પોતાના અસ્તિત્વનો જ નાશ થઈ જાય. સૂક્ષ્મ વાત છે ભાઈ! વસ્તુની પ્રત્યેક અવસ્થા સ્વથી થાય ને પરથી ન થાય એ અનેકાન્ત છે; અને પરથી જે તે દશા થવાનું માને તે એકાન્ત છે, મિથ્યાત્વ છે.
જુઓ, આ ભાષા થઈ રહી છે ને! તે ભાષા-વર્ગણાનું પરિણમન છે, તે એનો સ્વકાળ છે; આ જીવના બોલવાના વિકલ્પના કારણે એ થઈ છે એમ નથી. ભાષાનું અસ્તિત્વ-હોવાપણું એ એના કારણે છે, આ જીવના કારણે નથી. ભાઈ! આવું જ વસ્તુનું સ્વરૂપ છે બાપુ! પર નિમિત્ત હો, પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી. વાસ્તવમાં તો પ્રત્યેક પર્યાય પોતાના ષટ્કારકપણે થઈને પોતે ઉપજે છે, તેને પરની કોઈજ સહાય- અપેક્ષા હોતા નથી. સમજાણું કાંઈ......?
પર્યાય થાય છે તો પોતામાં પોતાથી, પરંતુ તે સમયે લક્ષ નિમિત્ત પર હોવાથી અજ્ઞાનીને એમ ભાસ થાય છે કે બાહ્ય પદાર્થને લઈને આ દશા થઈ. તેથી હું બધાં બાહ્ય નિમિત્તો મેળવું- એમ અજ્ઞાની નિમિત્તોની લાલસારૂપ ચિત્ત વડે ભમે છે અને એ રીતે ખેદખિન્ન થઈ પોતાનો નાશ કરે છે.
PDF/HTML Page 3888 of 4199
single page version
અહા! વસ્તુ અનાદિ અનંત ત્રિકાળી ધ્રુવ સત્ છે, એમ એની વર્તમાન વર્તમાન વર્તતી દશા પણ સત્ છે. અને સત્ છે તો તે દશા પરને લઈને નથી. આ તો આવી જ વસ્તુવ્યવસ્થા છે છતાં પોતાની અવસ્થા પરથી થવી માને છે તે મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે; તે પોતાની વર્તમાન અવસ્થાનું જે અસ્તિત્વ પોતાથી છે તેનો નાશ કરે છે, અર્થાત્ એ રીતે પોતાનો જ નાશ કરે છે.
વળી શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી-કુટુંબ, પરિવાર, લક્ષ્મી, આબરૂ ઈત્યાદિ બધાં બાહ્ય નિમિત્તો સારા હોય તો મને સુખની વેળા થાય એમ અજ્ઞાની માને છે. તે નિરંતર નિમિત્તોને જ તાકીને બેસે છે; તેનું ચિત્ત નિમિત્તોની લાલસાથી ઘેરાયેલું રહે છે. સુખની વેળા તો દૂર રહો, નિમિત્તોની લાલસાથી ઘેરાયેલું તેનું ચિત્ત દુઃખનો જ-વ્યગ્રતાનો જ અનુભવ કરે છે, કેમકે પરવસ્તુ-નિમિત્ત પોતાની ઇચ્છાને આધીન પ્રાપ્ત થતાં નથી આમ પરવસ્તુ-બાહ્ય નિમિત્તોથી મને સુખની વેળા થાય એ મિથ્યા કલ્પના દુઃખકારી જ બને છે. વાસ્તવમાં પરવસ્તુ પરવસ્તુને માટે અકિંચિત્કર જ છે. પરવસ્તુથી પોતાને સુખની વેળા થાય એવી માન્યતા તો અજ્ઞાનીની મિથ્યા કલ્પના સિવાય કાંઈ જ નથી. સમજાણું કાંઈ........?
અહા! જ્ઞેયની અવસ્થાનું જે જે પરિણમન થાય તે એના જ્ઞાનમાં જણાય છે. ત્યાં એને ભ્રમ થઈ જાય છે કે આ જ્ઞેયની અવસ્થાના પરિણમનને આધારે જ મારી જ્ઞાનની દશા છે. અહા! આવા ભ્રમ વડે અજ્ઞાની પોતાની વર્તમાન અવસ્થામાં અધર્મ ઉત્પન્ન કરે છે- બંધનને પામે છે. હાથીને જેમ ચુરમુ અને ખડનો વિવેક નથી તેમ અજ્ઞાની જીવોને સ્વ અને પરનો વિવેક નથી. અહા! આવા જીવો, અહીં કહે છે, ભલે તે બહારમાં મોટા ધનપતિ શેઠ કે મોટા દેવ હોય, તોપણ પશુ જેવા જ છે. અરે! આવા જીવોને મારું શું થશે ને હું મરીને ક્યાં જઈશ એની કોઈ દરકાર જ નથી. તેઓ બિચારા એમ ને એમ (- કષાય ને વિષયમાં રોકાઈને) ૮૪ લાખ યોનિમાં પરિભ્રમણ કર્યા કરે છે.
અરે! અજ્ઞાની બાહ્યજ્ઞેયોના અવલંબનની લાલસાવાળા ચિત્તથી બહાર-બાયડી, છોકરાં, પૈસા, ધન, પરિજન, બાગ, બંગલા ઇત્યાદિ વિષયોમાં-ભમે છે. પણ ભાઈ રે! તું મૂઢ છો કે શું? અંદર અતીન્દ્રિય આનંદનો ભંડાર નિર્મળાનંદનો નાથ પ્રભુ તું છો ત્યાં જા ને! ત્યાં રમ ને. ભાઈ! તારી આનંદની દશા આવે તે તારા પોતામાંથી પોતાથી જ આવે છે, તું બહારમાં-વિષયોમાં મા શોધ. વિષયોમાંથી મને મઝા-આનંદ આવે છે એમ માનનાર તો પોતાની વર્તમાન દશાનો અભાવ (ઇન્કાર) કરીને ચિત્તની શાંતિનો નાશ કરે છે, પોતાની જ હિંસા કરે છે. સમજાણું કાંઈ....?
આ શરીરાદિની જે અવસ્થા જે કાળે થવાની હોય તે તે કાળે થાય, થાય ને
PDF/HTML Page 3889 of 4199
single page version
જુઓ, એ જ કહે છે કે- ‘स्याद्वाद वेदी पुनः’ અને સ્યાદ્વાદનો જાણનાર તો ‘पर–कालतः अस्य नास्तित्वं कलयन्’ પરકાળથી આત્માનું નાસ્તિત્વ જાણતો થકો, ‘आत्म–निखात–नित्य–सहज–ज्ञान–एक–पुञ्जीभवन्’ આત્મામાં દઢપણે રહેલા નિત્ય સહજ જ્ઞાનના એક પુંજરૂપ વર્તતો થકો, ‘तिष्ठति’ ટકે છે-નષ્ટ થતો નથી.
અહાહા...! સ્યાદ્વાદી ધર્મી તો, પોતાની દશા પોતાથી જ થાય, પરથી ન થાય, પરથી તો એની નાસ્તિ જ છે એમ જાણતો થકો, વર્તમાન જ્ઞાનની દશાને સહજ નિત્ય જ્ઞાનપુંજ એવા આત્મામાં એકાગ્ર કરીને, હું તો જ્ઞાનપુંજ આત્મા છું એમ વર્તતો થકો પોતાના સત્ને જીવતું રાખે છે.
ભાઈ! દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના પરિણામ તે શુભભાવ છે, તે કાંઈ ધર્મ નથી. વળી તેમાં કર્તાબુદ્ધિ થવી તે મિથ્યાત્વભાવ છે. રાગની ને પરની કર્તાબુદ્ધિ તે મિથ્યાત્વભાવ છે. એક સ્વદ્રવ્યના લક્ષે આનંદની જે દશા થાય તેને જ પરમાત્મા ધર્મ કહે છે. સ્યાદ્વાદી ધર્માત્મા આમ સ્વદ્રવ્યના જ આશ્રયમાં રહીને પોતાના સત્ને ટકાવી રાખે છે. આવી વાત છે.
‘એકાંતી જ્ઞેયોના આલંબનકાળે જ જ્ઞાનનું સત્પણું જાણે છે તેથી જ્ઞેયોના આલંબનમાં મનને જોડી બહાર ભમતો થકો નષ્ટ થાય છે.’
જોયું? એકાંતી અજ્ઞાની જ્ઞેયોના આલંબન કાળે જ જ્ઞાનનું હોવાપણું માને છે. તેથી તે જ્ઞેયોના આલંબનની લાલસાવાળો થઈને પોતાના ચિત્તને જ્ઞેયોના આલંબનમાં જોડે છે, અને તે રીતે બહાર વિષયોમાં ભમતો થકો નાશ પામે છે અર્થાત્ અશાંતિ ને વ્યગ્રતાને જ પામે છે. પરંતુ-
PDF/HTML Page 3890 of 4199
single page version
‘સ્યાદ્વાદી તો પરજ્ઞેયોના કાળથી પોતાનું નાસ્તિત્વ જાણે છે, પોતાના જ કાળથી પોતાનું અસ્તિત્વ જાણે છે; તેથી જ્ઞેયોથી જુદા એવા જ્ઞાનના પુંજરૂપ વર્તતો થકો નષ્ટ થતો નથી.’
અહાહા...! સ્યાદ્વાદી તો મારી દશા મારાથી થઈ છે, પરથી-નિમિત્તથી નહિ એમ યથાર્થ જાણે છે. અહા! સાક્ષાત્ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા હો, કે ગુરુ કે શાસ્ત્ર હો, મારી અવસ્થા એનાથી નાસ્તિપણે જ છે, એને લઈને મારી દશા થઈ જ નથી-એમ માનતો ધર્મી પુરુષ, સ્વદ્રવ્યના આલંબને, આ હું જ્ઞાનપુંજ આત્મા છું એમ વર્તતો થકો, જિવિત રહે છે, નષ્ટ થતો નથી. અહાહા....! પોતાના એક ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરીને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તતો જ્ઞાની પોતાને જીવતો રાખે છે, અર્થાત્ સત્યાર્થ આનંદનું જીવન જીવે છે. મારી અવસ્થા પરથી છે એમ પરાશ્રયમાં તે પ્રવર્તતો નથી.
પ્રશ્નઃ– તો ક્ષાયિક સમકિત તીર્થંકર કેવળી આદિની સમીપમાં જ થાય એમ શાસ્ત્રમાં આવે છે તે શું છે?
ઉત્તરઃ– એ તો ભાઈ! યથાર્થ બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવનારું નિમિત્તની મુખ્યતાથી કરેલું વ્યવહારનયનું કથન છે. બાકી ક્ષાયિક સમકિતી, કેવળીની સમીપમાં હું છું માટે ક્ષાયિક સમકિત થયું છે એમ માનતા નથી. જ્ઞાનપુંજ પ્રભુ આત્માની સમીપતા જ મુખ્ય છે, કેવળીની સમીપતા કહેવી તે વ્યવહાર છે. સમજાણું કાંઈ....? ભગવાન કેવળીને જે કેવળજ્ઞાનની દશા પ્રગટી તે આત્માનો પૂર્ણ આશ્રય થતાં પ્રગટી છે; મનુષ્યપણું હતું ને શરીરનાં હાડકાં મજબુત હતાં, ને કર્મ ખસી ગયાં-નાશ પામી ગયાં માટે પ્રગટી છે એમ નથી; છતાં એમ કહેવું એ વ્યવહાર છે.
અહા! ધર્મીને કિંચિત્ રાગ હોવા છતાં રાગમાં ધર્મી નથી, એ તો નિરંતર પોતાના જ્ઞાન ને આનંદમાં છે, કેમકે તે આત્માની સમીપ છે; જ્યારે અજ્ઞાની સમોસરણમાં બેઠો હોય તોય એ રાગમાં છે, કેમકે તેને આત્મા સમીપ નથી, તે તો પરથી પોતાની અસ્તિ માને છે. સમજાણું કાંઈ....?
આ પ્રમાણે પરકાળ-અપેક્ષાએ નાસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે અગિયારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
‘पशुः’ પશુ અર્થાત્ એકાંતવાદી અજ્ઞાની, ‘परभाव–भाव–कलनात्’ પરભાવોના ભવનને જ જાણતો હોવાથી, (એ રીતે પરભાવોથી જ પોતાનું અસ્તિત્વ માનતો હોવાથી,)
PDF/HTML Page 3891 of 4199
single page version
‘नित्यं बहिः –वस्तुषु विश्रान्तः’ સદાય બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો, ‘स्वभाव– महिमनि एकान्त–निश्चेतनः’ (પોતાના) સ્વભાવના મહિમામાં અત્યંત નિશ્ચેતન (જડ) વર્તતો થકો, ‘नश्यति एव’ નાશ પામે છે;.......
વસ્તુ-આત્મા જે રીતે છે તે રીતે એની જેને દ્રષ્ટિ નથી, પરંતુ ઊંધી જ દ્રષ્ટિ છે તે એકાન્તવાદી મિથ્યાદ્રષ્ટિ પશુ છે. વર્તમાનમાં તે પશુ જેવો છે અને એના ફળમાં નિગોદરૂપ પશુગતિમાં જશે. આ (હમ્બગ) જૂઠ મૂઠ નથી, આ સત્ય વાત છે ભાઈ!
અહીં કહે છે- પશુ અર્થાત્ એકાન્તવાદી અજ્ઞાની ‘परभाव भाव कलनात्’ પોતા સિવાય બીજા અનંત આત્મા અને પરમાણુઓ આદિના ભાવ-શક્તિ-ગુણને તેનું જે પરિણમન તેને જાણતાં એ પરભાવો વડે પોતાનું અસ્તિત્વ છે તેમ માને છે. ખરેખર તો જે ભાવસ્વરૂપ (ગુણસ્વરૂપ) પોતે છે એનાથી પોતાની હયાતી છે, પરંતુ અજ્ઞાનીનું લક્ષ નિરંતર પર ઉપર હોવાથી, આ પરભાવ જે જણાય છે તે વડે હું છું એમ તે માને છે. પોતાના જ્ઞાન આદિ અનંતગુણનું અનંત સામર્થ્ય છે. અને એમાંથી પોતાની પર્યાય પ્રગટે છે, છતાં એમ ન માનતાં પરભાવ જે જગતની અનંતી ચીજો -મન, વાણી, ઇન્દ્રિય, દેવ, ગુરુ, શાસ્ત્ર, ધન-સંપત્તિ ઈત્યાદિ લક્ષમાં આવે છે તે વડે મારા જ્ઞાનનું અસ્તિત્વ છે એમ અજ્ઞાની માને છે. ઓહો! પોતાના અનંતગુણમય અસ્તિત્વનું અજ્ઞાનીને જ્ઞાન-શ્રદ્ધાન નથી. અહા! અનંત સામર્થ્યયુક્ત ઈશ્વરને લઈને મારા ભાવની પ્રગટતા થશે, પર ઈશ્વરથી મારામાં ઈશ્વરતા પ્રગટશે -એમ અજ્ઞાની માને છે; તેને અનંત ઈશ્વરતાયુક્ત પોતાના જ્ઞાન-દર્શનાદિ ગુણોનું શ્રદ્ધાન નથી. તેથી પોતાને છોડી સદાય બાહ્ય વસ્તુઓમાં જ તે વિશ્રામ કરે છે.
અહા! એકાંતી-અજ્ઞાની પોતાના ભાવના-ગુણના અનંત સામર્થ્યને જાણતો નથી. પોતાના આત્મામાં જ્ઞાનદર્શન આદિ અનંતગુણના અચિંત્ય સામર્થ્યને અવગણીને, પરભાવથી-દેહ, મન, વાણી, ઇન્દ્રિયથી મારી પર્યાયનું પરિણમન અને અસ્તિત્વ છે એમ અજ્ઞાની માને છે. અહા! પરભાવના લક્ષમાં હું જાઉં છું તો મારી પર્યાયમાં ભાવની વૃદ્ધિ થાય છે એમ માનતો થકો અજ્ઞાની પરમાં-પરવસ્તુમાં જ વિશ્રામ કરે છે, અને એ રીતે પોતે જડ નિશ્ચેતન થયો થકો નાશ પામે છે.
અજ્ઞાની બાહ્ય વિષયોમાં સુખ માને છે. પોતે અંદર સુખધામ પ્રભુ છે એને અવગણીને, પરભાવોથી-સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ આદિ ઇન્દ્રિયના વિષયોથી મને મઝા આવે છે એમ તે માને છે, અને તેથી સ્પર્શાદિ વિષયોમાં તે પ્રવર્તે છે, જડ જેવો થઈ ત્યાં જ વિશ્રામ કરે છે. પણ ભાઈ! એ પાંચ ઇન્દ્રિયના વિષયો એ તો જડની શક્તિ બાપુ! એનાથી તારા સુખનું હોવાપણું કેમ હોય? જરા જો તો ખરો!
PDF/HTML Page 3892 of 4199
single page version
પરભાવમાં સુખ શોધવા થતાં, પરભાવમાં વિશ્રામ કરવા જતાં તારા અનંત સુખસ્વભાવનો વિચ્છેદ થાય છે.
અહા! વીતરાગની વાણીની શી ગંભીરતા! આત્મામાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ ઈત્યાદિ અનંત મહિમાયુક્ત અનંત ભાવ છે. એ ભાવોનો પ્રવાહ સતત પોતાથી વહે-પરિણમે છે. જેમકે-જ્ઞાનનો પ્રવાહ, સુખનો પ્રવાહ સતત નિરંતર પોતાથી વહ્યા-પરિણમ્યા જ કરે છે. પરંતુ અજ્ઞાની, વર્તમાન પર્યાય પોતાના ભાવમાંથી પ્રવહતી થકી ઉત્પન્ન હોવા છતાં, જાણવામાં આવતા પરભાવમાંથી તે પ્રગટ થઈ છે એમ માને છે. અને એ રીતે તે પોતાના સ્વભાવના મહિમાથી રહિત થઈ જડ અચેતન થઈ રહ્યો છે. એને સ્વભાવનો-નિજ ચૈતન્યભાવનો-મહિમા ન રહ્યો એટલે પરભાવના મહિમામાં સ્થિત થયો થકો તે જડ થઈ રહ્યો છે. અહા! પર કેવળીને જાણતાં મારું જ્ઞાન પર કેવળીમાંથી આવે છે એમ માનનાર પરભાવના મહિમામાં સ્થિર થયો થકો જડ થઈ રહ્યો છે. બહુ આકરી વાત! પણ આ સત્ય વાત છે. સમજાણું કાંઈ....?
પ્રશ્નઃ– તો જે અર્હંતને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે તેનો મોહ નાશ પામે છે એમ પ્રવચનસારમાં કહ્યું છે ને?
ઉત્તરઃ– ભાઈ! ત્યાં પ્રવચનસારમાં (ગાથા ૮૦માં) જે કહ્યું છે એ તો નિમિત્તનું કથન છે. એ વ્યવહારનયનું વચન છે. એ તો એના જ્ઞાનમાં પહેલાં અરિહંતના દ્રવ્ય- ગુણ-પર્યાય ખ્યાલમાં આવે છે. અર્હંતના દ્રવ્ય-ગુણ-પર્યાયનો નિર્ણય કરનારું ચિંતવન છે ત્યાંસુધી તો વિકલ્પ છે, સ્વાનુભૂતિ નથી, પણ પછી જ્યારે પોતાનો દ્રવ્ય સ્વભાવ પણ એવો જ છે એમ નિશ્ચય કરી અંદરમાં જાય છે ત્યારે સ્વભાવના સામર્થ્યનું વાસ્તવિક પરિણમન થાય છે અને મોહ નાશ પામે છે. તેમાં અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયનું ચિંતવન-જાણપણું તો નિમિત્તમાત્ર છે, એ કાંઈ અંતર-પરિણમનનું વાસ્તવિક કારણ નથી, અર્થાત્ એને લઈને અંદર સમકિત થયું છે એમ નથી. અહા! અરિહંતના જેવું જ મારા સ્વભાવનું સામર્થ્ય છે એમ નિશ્ચય કરી જ્યારે દ્રષ્ટિ અંતર્મુખ એકાકાર થાય છે ત્યારે સમ્યગ્દર્શન-સમ્યગ્જ્ઞાન પ્રગટ થાય છે, અને તો નિમિત્તથી-નિમિત્તની મુખ્યતાથી એમ કહેવાય કે જે અરહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તેનો મોહ નાશ પામે છે. ભાઈ! નિમિત્તથી કહીએ એ જુદી ચીજ છે (વ્યવહારનયની શૈલી છે) અને એમ માનવું એ જુદી ચીજ (મિથ્યાત્વ) છે. સમજાણું કાંઈ...?
પ્રભુ! તારા ભાવની ગંભીરતા કેટલી? ભગવાન! તું આખો ધ્રુવ ચિત્સ્વરૂપ પદાર્થ -એમાં શાન્તિનો ભાવ પૂર્ણ, જ્ઞાનનો ભાવ પૂર્ણ, શ્રદ્ધાનો ભાવ પૂર્ણ, આનંદનો ભાવ પૂર્ણ, પ્રભુતાનો ભાવ પૂર્ણ-એમ અનંતા પૂર્ણ ભાવ તારા એક જ્ઞાયક તત્ત્વમાં પડયા છે.
PDF/HTML Page 3893 of 4199
single page version
જેવું નિમિત્ત આવે તેવી પોતાના ભાવની દશા થાય એમ જે માને છે તે ખરેખર પોતાની દશાના ભાવની અંતરંગ યોગ્યતાને સ્વીકારતો નથી. તેની દ્રષ્ટિ નિરંતર નિમિત્ત- પરભાવ ઉપર જ રહે છે. તેના ચિતમાં નિમિત્તનો-પરવસ્તુનો જ મહિમા રહે છે, તેને પોતાના સ્વભાવ-સામર્થ્યનો મહિમા ઉદય પામતો નથી. ભગવાન અરિહંતની દિવ્યધ્વનિની ગર્જના થાય તો મારું વીર્ય ઉછળે ને મારામાં ભાવ પ્રગટે -એમ બાહ્યવસ્તુમાં જ અજ્ઞાની વિશ્રામ કરે છે. પણ ભાઈ! સ્વભાવના સામર્થ્યનું અંતર્લક્ષ થયા વિના તારામાં ભાવ કેમ પ્રગટે? બાહ્ય વસ્તુમાં-નિમિત્તમાં તારા ભાવને પ્રગટાવવાનું (પરિણમાવવાનું) સામર્થ્ય નથી ભાઈ! તું અવળે રસ્તે ચઢયો છો બાપુ! અહા! આ એક બોલ પણ સત્યાર્થ સમજે તો બધા ખુલાસા થઈ જાય.
તો ક્ષાયિક સમકિત ભગવાન કેવળી આદિની સમીપમાં જ થાય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે ને?
હા, કહ્યું છે; પણ એ તો ક્ષાયિક સમકિતના કાળે બાહ્ય નિમિત્ત કોણ હોય છે એનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે બાપુ! બાકી ક્ષાયિક સમકિત તો અંદર પોતાના સ્વભાવની સમીપતા ને સ્વભાવનું અંતર્લક્ષ વધતાં થાય છે. સ્વભાવની સમીપતા વિના કેવળીની સમીપતા તો અનંતવાર થઈ પ્રભુ! પણ એથી શું? (એનાથી શું સાધ્ય થયું?)
ભાઈ! તું વિચાર કર. પરતંત્રતામાં તું રાજી થઈ રહ્યો છો પરંતુ એથી તારી સ્વતંત્રતા લૂંટાઈ રહી છે પ્રભુ! વર્તમાન ભલે વિકારી પર્યાય હો, પરંતુ તે એની યોગ્યતાથી થઈ છે, કર્મના ઉદયના કારણે થઈ છે એમ નથી. એક સમયની, વિકારની પર્યાયમાં ષટ્કારકરૂપે પરિણમવું એવો જ એ ભાવની પર્યાયનો સ્વભાવ છે. ત્રિકાળભાવમાં ષટ્કારકની શક્તિ ગુણરૂપે પડી છે, અને તે ભાવનું પરિણમન પોતાની પર્યાયમાં પોતાની જન્મક્ષણે પોતાના સામર્થ્યથી થાય છે. અહા! જે આમ માનતો નથી એનું લક્ષ પરભાવના મહિમામાં ગયું છે, એને સ્વભાવનો મહિમા છૂટી ગયો છે. તેથી તે અત્યંત જડ થઈ વર્તતો થકો નાશ પામે છે.
અહા! પોતાના ભાવનું સામર્થ્ય પૂરણ છે. છતાં એને ન માનતાં જે કોઈ એમ માને છે કે મારી પર્યાયમાં જે કાંઈ સામર્થ્ય પ્રગટ થાય છે તે પરને લઈને પ્રગટ થાય
PDF/HTML Page 3894 of 4199
single page version
છે તે જીવ પોતાના ભાવના સામર્થ્યથી રહિત થયો થકો અત્યંત જડ થઈ ગયો છે. જેવું નિમિત્ત આવે એવું પરિણમન કરવું પડે એમ માનનાર અત્યંત જડ થઈ ગયો છે. ભાઈ! (દ્રવ્યની) એક સમયની પર્યાયની યોગ્યતા પોતાના ભાવના સામર્થ્યથી પોતાના કારણે છે; એનો ભાવ જે પડયો છે એમાંથી એ આવશે, કાંઈ પરભાવથી-નિમિત્તથી એ પ્રગટશે એમ છે નહિ. બાપુ! આ તો સ્વતંત્રતાનો ઢંઢેરો છે. વળી આમાં તો હું આમ કરું ને તેમ કરું-એમ પરનું કરવાનાં બધાં અભિમાન ને બધો બોજો ઉતરી જાય છે. ભાઈ! તને જે બોજો છે તે કાંઈ પરવસ્તુને લઈને નથી, તારી વિપરીત માન્યતાનો બોજો છે. તારી દશાની મર્યાદા તારી સત્તામાં રહી છે, બહારમાં નહિ; તો પછી બહારની ચીજ તને શું કરે? કાંઈ જ ન કરે. સમજાણું કાંઈ.....? પણ અરે! પરચીજથી મારો ભાવ ઉઘડે છે એમ માનીને અત્યંત નિશ્ચેતન-જડ થયો થકો અજ્ઞાની પોતાનો નાશ કરે છે, અર્થાત્ અનંતા જન્મ-મરણ કર્યા કરે છે.
હવે કહે છે- ‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો ‘नियत–स्वभाव–भवन–ज्ञानात् सर्वस्मात् विभक्तः भवन्’ (પોતાના) નિયત સ્વભાવના ભવનસ્વરૂપ જ્ઞાનને લીધે સર્વથી (-સર્વ પરભાવોથી) ભિન્ન વર્તતો થકો, ‘सहज–स्पष्टीकृत–प्रत्ययः’ જેણે સહજ સ્વભાવનું પ્રતીતિરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે એવો થયો થકો, ‘नाशम् एति न’ નાશ પામતો નથી.
અહાહા...! સ્યાદ્વાદી અર્થાત્ અનેકાન્તના સ્વરૂપને જાણનાર, પોતાનો ત્રિકાળ નિયત જે સ્વભાવ છે તેને અનુસરીને થવારૂપ જ્ઞાનને લીધે, પોતાનું વર્તમાન થવું- પરિણમવું છે તે પોતાના કારણે છે એમ જાણતો થકો પરથી ભિન્ન વર્તે છે. આ વાંચન- શ્રવણ-ચિંતવન (વિકલ્પ) થી મારા જ્ઞાનનું પરિણમન આવે છે એમ જ્ઞાની માનતો નથી. એ તો સર્વ પરભાવોથી ભિન્ન નિર્મળ જ્ઞાનની દશાએ વર્તે છે. એના જ્ઞાનના પરિણમનની દશામાં પરથી વિભક્તપણું છે. મારા દ્રવ્યના લક્ષે મારો જે સ્વભાવ છે એનું એ પરિણમન છે એમ ધર્મી માને છે. ભાઈ! બહુ અંતર બાપા! જ્ઞાની-અજ્ઞાનીની માન્યતા ને પ્રવર્તનામાં આભ-જમીનનું અંતર છે.
અહા! જ્ઞાની જાણે છે કે -મારો આત્મા જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય, કર્તા, કર્મ, સાધન ઇત્યાદિ અનંત સ્વભાવોથી પૂરણ ભરેલો ભગવાન છે. પર કર્તા થાય, પર સાધન થાય ને પરનો આધાર મળે તો મારી પર્યાય ઉઘડે એમ છે નહિ. અહાહા....! મારો સ્વભાવ જ કર્તાગુણથી, સાધનગુણથી ને આધારગુણથી પૂરણ ભરેલો છે તો મને પરની શું અપેક્ષા છે? અહા! આમ જેણે પોતાના સહજ સ્વભાવનું -એક જ્ઞાયકભાવનું પ્રતીતિ- વિશ્વાસરૂપ જાણપણું સ્પષ્ટ-પ્રત્યક્ષ-અનુભવરૂપ કર્યું છે તે જ્ઞાની, અહીં કહે છે, જિવિત રહે છે, અર્થાત્ પરમ આનંદને અનુભવે છે; નાશ પામતો નથી.
PDF/HTML Page 3895 of 4199
single page version
‘એકાંતવાદી પરભાવોથી જ પોતાનું સત્પણું માનતો હોવાથી બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરતો થકો આત્માનો નાશ કરે છે;........’
જુઓ, પશુનો અર્થ જ એકાંતવાદી કર્યો છે. અહા! પશુ અર્થાત્ એકાંતવાદી જીવ પરભાવોથી પોતાનું સત્પણું-હોવાપણું માને છે, અને એમ માનતો થકો બાહ્ય વસ્તુઓમાં વિશ્રામ કરે છે. નિમિત્ત આવે તો મારામાં કામ થાય એવી માન્યતા વડે તે નિમિત્તોને તાકીને બેસે છે. અહર્નિશ નિમિત્તો મેળવવામાં જ ઉદ્યમશીલ તે અંતઃપુરુષાર્થ -સ્વભાવના પુરુષાર્થને ખોઈ બેસે છે, અર્થાત્ તેને અંતઃ પુરુષાર્થ જાગૃત થઈ શકતો નથી. નિમિત્તવાદીને અંતઃપુરુષાર્થ સંભવિત નથી. કેમકે તેનું ચિત સદા બહારમાં જ રોકાએલું રહે છે.
શાસ્ત્રમાં અકાળનયની વાત આવે છે. ત્યાં તો કાળની મુખ્યતા ન કરતાં, કાળની સાથે સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત ઈત્યાદિ જે બીજાં સમયવાય કારણો હોય છે તેની અપેક્ષાએ અકાળનય કહ્યો છે. અકાળ એટલે કાળ નહિ, કાળ સિવાયનાં બીજાં-એમ બીજાં સમવાય કારણોની અપેક્ષા લઈને અકાળનય કહ્યો છે. બાકી પ્રત્યેક દ્રવ્યની સમય સમયની અવસ્થા તો જે સમયે જે થવાની હોય તે જ થાય છે. ભૂત, ભવિષ્ય ને વર્તમાન-ત્રણે કાળની જેટલી પર્યાયો છે એ બધી પર્યાયોના સમુદાયને દ્રવ્ય કહે છે; અને જે કાળે જે ભાવમાંથી જે પર્યાય આવવાની હોય તે જ આવે છે. ભગવાનના જ્ઞાનમાં પણ એમ જ ભાસ્યું છે કે પ્રગટ થવાના સામર્થ્યરૂપ જે શક્તિ છે તે શક્તિમાંથી વ્યક્તિ-પર્યાય સમયે સમયે પ્રગટે છે. અજ્ઞાનીને આનો વિશ્વાસ નથી તેથી પરવસ્તુઓમાં વિશ્રામ કરતો થકો નાશ પામે છે અર્થાત્ ચતુર્ગતિમાં ખોવાઈ જાય છે.
‘અને સ્યાદ્વાદી તો, જ્ઞાનભાવ જ્ઞેયાકાર થવા છતાં જ્ઞાનભાવનું સ્વભાવથી અસ્તિત્વ જાણતો થકો, આત્માનો નાશ કરતો નથી.’
અહાહા...! જોયું? જ્ઞેયાકાર-જ્ઞેય જણાતાં જે આકાર થાય તે, જ્ઞાની જાણે છે કે મારા જ્ઞાનનો આકાર છે, જ્ઞેયનો નહિ ને જ્ઞેયને લઈને પણ નહિ. જ્ઞાનભાવનું થવું તે મારો સહજ સ્વભાવ છે એમ જાણતો અને સ્વભાવથી જ પરિણમતો જ્ઞાની પોતાને નાશ પામવા દેતો નથી, જિવિત રાખે છે. અહા! આ ચૌદ બોલમાં તો આચાર્યદેવે ચૌદ ગુણસ્થાનના ભાવો પ્રગટ કર્યા છે. આચાર્યદેવની કોઈ અદ્ભુત શૈલી છે.
આ પ્રમાણે સ્વ-ભાવની (પોતાના ભાવની) અપેક્ષાથી અસ્તિત્વનો ભંગ કહ્યો.
હવે બારમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છેઃ-
PDF/HTML Page 3896 of 4199
single page version
‘पशुः’ પશુ અર્થાત્ અજ્ઞાની એકાંતવાદી, ‘सर्व–भाव–भवनं आत्मनि अध्यास्य शुद्ध –स्वभाव–च्युतः’ સર્વ ભાવોરૂપ ભવનનો આત્મામાં અધ્યાસ કરીને (અર્થાત્ સર્વ જ્ઞેય પદાર્થોના ભાવોરૂપે આત્મા છે એમ માનીને) શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો, ‘अनिवारितः सर्वत्र अपि स्वैरं गतभयः क्रीडति’ કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પરભાવોમાં સ્વચ્છંદતાથી નિર્ભયપણે (નિઃશંકપણે) ક્રીડા કરે છે;........
જુઓ, ભગવાન આત્મા સ્વભાવે ઈશ્વર-પરમેશ્વર છે. પરમેશ્વરની શક્તિ એનામાં ત્રિકાળ પડી છે ને? અહાહા....! જેના એક એક ગુણ પરમ ઈશ્વરતાથી ભરેલા છે એવો આત્મા અનંતગુણના સામર્થ્યનો સ્વામી છે. એની ઈશ્વરતા કોઈથી ખંડિત ન થાય એવી અખંડિત છે. એને કોઈ પરની સહાયની અપેક્ષા નથી એવો એ પરમેશ્વર છે. જગતમાં શ્રીમદે ત્રણ પ્રકારે ઈશ્વર કહ્યા છે. ધર્માત્માને ભગવાન આત્મા અનંત ચૈતન્યસ્વભાવના સામર્થ્યથી ભરેલો હોવાથી પોતે સ્વભાવ-ઈશ્વર છે. અજ્ઞાનીને રાગ અને પુણ્ય જ પોતાનું સર્વસ્વ હોવાથી તે વિભાવેશ્વર છે અને પરમાણુ જડેશ્વર છે. કેમકે તે પોતાના દ્રવ્ય-ગુણ- પર્યાયથી સ્વતંત્ર પરિણમી રહ્યો છે.
અહીં આ અજ્ઞાની વિભાવેશ્વરની વાત છે. તેને અહીં પશુ કહ્યો છે. અહાહા....! આત્મા અંદર અનંતગુણના સામર્થ્યથી ભરેલો પરમેશ્વર છે. તેની વર્તમાન દશા થઈ છે એ તો પોતાના ભાવના (ગુણના) અસ્તિત્વથી થઈ છે. ભાવમાં વર્તમાન જે પર્યાયની શક્તિ વ્યક્ત થવાયોગ્ય છે તે જ વ્યક્ત-પ્રગટ થઈ છે. તેમાં પરભાવો જાણવામાં આવતાં આ પરભાવો છે તે જ હું છું એમ અજ્ઞાની પરભાવોને પોતારૂપ કરે છે. અહા! એને સ્વભાવ-પરભાવનો કોઈ વિવેક જ નથી.
વસ્તુનું સ્વરૂપ પોતાના ભાવથી છે અને પરભાવથી નથી. પણ એમ ન માનતાં જાણવામાં આવતા શરીરાદિ પરભાવો હું છું એમ અજ્ઞાનીને ભ્રમ છે. આ શરીર હું છું, મન-વાણી-ઇન્દ્રિયો હું છું, ક્રોધાદિ હું છું -એમ પરભાવોને અજ્ઞાની પોતારૂપ માને છે. શરીરાદિથી અને રાગાદિથી લાભ થાય એમ માનનારા બધા પરભાવોને જ પોતારૂપ કરે છે. તેઓને અહીં એટલા માટે પશુ કહ્યા છે કે પશુની જેમ તેઓને સ્વભાવ-પરભાવનો કોઈ વિવેક નથી. સમજાણું કાંઈ....?
અહાહા...! સ્ત્રી-કુટુંબ-પરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ પરભાવો જ્ઞાનમાં જણાય ખરા, પણ એ બધા પોતાના ભાવોના અસ્તિત્વથી ભિન્ન છે. અહા! એ સર્વ પરભાવોથી તો પોતે નાસ્તિરૂપ જુદો જ છે. પણ તે પરભાવો હું છું-દેવ તે હું છું, ગુરુ તે હું છું, શાસ્ત્ર તે હું છું કેમકે એ સર્વથી મને લાભ છે એમ માનતો અજ્ઞાની પરભાવોને
PDF/HTML Page 3897 of 4199
single page version
પોતારૂપ-જ્ઞાયકરૂપ કરે છે. અહા! મૃગની નાભિમાં કસ્તુરી હોય છે, પણ એની એને ખબર નથી, તેથી આ ગંધ બહારમાંથી આવે છે એમ જાણી તે બહાર દોડધામ કરે છે. તેમ જ્ઞાન ને આનંદ તો પોતાનું જ સ્વરૂપ છે, પણ અજ્ઞાનીને તેની ખબર નથી. તેથી આ મારું જ્ઞાન ને મારો આનંદ આ પરભાવોમાંથી આવે છે એમ જાણી, જાણવામાં આવતા અનંતા પરદ્રવ્યોના જે ભાવ તેમાં આત્માના-પોતાના હોવાપણાનો અધ્યાસ કરીને તે સર્વ પરભાવોને પોતારૂપ કરે છે. તેથી તો આ દેશ મારો, ને આ ગામ મારું ને આ બંગલો મારો, આ સ્ત્રી-પુત્ર-પરિવાર મારાં એમ અજ્ઞાની પ્રવર્તે છે. અરે ભાઈ! એ સર્વ વસ્તુ તો પર છે. એમાં તારો આત્મા ક્યાંથી આવી ગયો? પણ શું થાય? અજ્ઞાનીને એવો જ ચિરકાલીન અધ્યાસ છે તેથી તે પોતાના શુદ્ધ ચૈતન્યભાવથી ભ્રષ્ટ થયો થકો પરભાવોમાં જ રમે છે.
અહા! પરદ્રવ્યોના ભાવોનું પરિણમન જાણવાકાળે તે (પરભાવોના) આકારે જ્ઞાન જે પરિણમ્યું તે પોતાનું જ્ઞાન છે અને તે એના સ્વકાળે પ્રગટ થયું છે. શું કીધું? પરભાવોને જાણનારું જ્ઞાન જે અહીં (-આત્મામાં) પ્રગટ થયું તે એનો સ્વકાળ છે, તે કાળે તે સ્વયં પોતાથી થયું છે. છતાં એમ ન માનતાં પરભાવોથી મને અહીં જ્ઞાન થયું છે એમ જે માને છે તે પરભાવોને પોતારૂપ કરે છે. નિમિત્તથી ઉપાદાનમાં (વિલક્ષણતા) થાય એમ જે માને છે તે પણ પરભાવને પોતારૂપ કરે છે; કેમકે પોતાની અવસ્થામાં પરભાવનું જે જ્ઞાન થાય છે તે પોતાથી થાય છે, પરભાવ છે તો થાય છે એમ નથી. લોકાલોક છે તો કેવલજ્ઞાન થાય છે એમ નથી; કેવળજ્ઞાન પોતાના સ્વતંત્ર પરિણમનથી થાય છે. કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા કે સાધન લોકાલોક નથી. તેમ આ શરીરાદિ છે તો એનું જ્ઞાન થાય છે એમ નથી. ભાઈ! વીતરાગનું તત્ત્વ બહુ સૂક્ષ્મ છે ભાઈ! આ ચૌદ બોલમાં તો બધાં ચૌદ બ્રહ્માંડ ડહોળી નાખ્યા છે. (ચૌદ બ્રહ્માંડના ભાવો ઉકેલ્યા છે.)
પ્રશ્નઃ– તો પછી સામે જેવી ચીજ હોય એવું જ અહીં જ્ઞાન કેમ થાય છે? (એમ કે નિમિત્તથી નથી થતું તો જેવી ચીજ-નિમિત્ત હોય એવું જ જ્ઞાન કેમ થાય છે?)
ઉત્તરઃ– અહા! આત્મદ્રવ્યના ભાવની એવી જ શક્તિ-યોગ્યતા છે. સામે જેવો પરભાવ-પરજ્ઞેય નિમિત્તપણે હોય એવું જ જે જ્ઞાનમાં આવે છે તે દ્રવ્યની એવી જ તત્કાલીન શક્તિ-યોગ્યતા છે તેથી આવે છે. આ તો આવો જ વસ્તુનો-જ્ઞાનનો સ્વભાવ છે ભાઈ! અજ્ઞાની નિજ શક્તિને સમજતો નથી, ને પરભાવના કારણે પોતાનું જ્ઞાન (પરિણમન) થાય છે એમ માની પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત-ભ્રષ્ટ થાય છે. કહ્યું ને અહીં કે- ‘शुद्धस्वभावच्युतः अनिवारितः सर्वत्र अपि स्वैरं गतभयः क्रीडति’ અહાહા....!
PDF/HTML Page 3898 of 4199
single page version
શુદ્ધસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો કોઈ પણ પરભાવ-પરજ્ઞેયને બાકી રાખ્યા વિના સર્વ પરભાવ તે હું છું -હું સર્વવ્યાપક છું -એમ માની અજ્ઞાની સ્વચ્છંદે ક્રીડા કરે છે-આચરણ કરે છે. લ્યો, આ મહાહિંસા છે જેના કારણે એને અનંતકાળ પશુગતિમાં-નિગોદાદિમાં રઝળપટ્ટી થાય છે. આવી વાત બાપુ!
હવે કહે છે– ‘स्याद्वादी तु’ અને સ્યાદ્વાદી તો ‘स्वस्य स्वभावं भरात् आरूढः’ પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, ‘परभाव–भाव–विरह–व्यालोक– निष्कम्पितः’ પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે (અર્થાત્ આત્મા પરદ્રવ્યોના ભાવોરૂપે નથી- એમ દેખતો હોવાથી) નિષ્કંપ વર્તતો થકો, ‘विशुद्ध एव लसति’ શુદ્ધ જ વિરાજે છે.
અહાહા....! જોયું? કહે છે- સ્યાદ્વાદી સમ્યગ્દ્રષ્ટિ તો પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો છે; તેને પરભાવોરૂપ ભવનના ત્યાગની દ્રષ્ટિ ખીલી ગઈ છે. અહાહા...! મારામાં આ જે કોઈ દશા પ્રગટ થાય છે તે મારામાં શક્તિરૂપે વિદ્યમાન છે તે પ્રગટ થાય છે, પરભાવોમાંથી તે આવે છે વા પરભાવને લઈને તે પ્રગટ થાય છે એમ છે નહિ-એમ તે યથાર્થ જાણે છે. અહા! એક સમયે એક (ચીજનું) જ્ઞાન છે, ને બીજે સમયે બીજું (બીજી ચીજનું) જ્ઞાન થાય છે એનું કારણ સામે ચીજ બદલાય છે તે નથી, એ તો પોતાના ભાવમાં જે શક્તિરૂપે પડી છે તે, તે કાળે વ્યક્તપર્યાયરૂપે પ્રગટ થાય છે. સામેની ચીજ તો નિમિત્તમાત્ર છે; લ્યો, ધર્મી પુરુષ આવું જાણે છે. સમયે સમયે પ્રગટ થતી પર્યાય એ તો સ્વ-ભાવની શક્તિની વ્યક્તિ છે અને તે એનો સ્વકાળ છે. ઓહો! ભાવમાં તો શક્તિરૂપે ત્રિકાળવર્તી બધી પર્યાયો પડેલી છે. સમજાણું કાંઈ....?
સમયસાર ગાથા ૪૯ માં અવ્યક્તના બોલમાં આવે છે કે -“ચૈતન્યસામાન્યમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ અંતર્લીન છે માટે (-આત્મા) અવ્યક્ત છે.” આમાં ચૈતન્યનું જે સામાન્યપણું, ધ્રુવપણું, એકપણું તેને અવ્યક્ત કહ્યું છે કેમકે એમાં ચૈતન્યની સમસ્ત વ્યક્તિઓ-જે પ્રગટ થવાની છે, ને જે પ્રગટ થઈ ગઈ છે એ બધી -અંતર્લીન છે. (એમાંથી પ્રતિનિયત એક એક પર્યાય એના કાળે આવે છે). નિશ્ચયથી જોઈએ તો સ્વભાવ-પરભાવને જાણવાની જે સ્વપરપ્રકાશક પર્યાય પ્રગટ થાય છે તે, તે જાતની તે કાળે પર્યાયની શક્તિ-યોગ્યતા છે તે પ્રગટ થાય છે. એટલે સામાન્યપણું છે તેને (સમર્થ) કારણ ન ગણતાં ખરેખર જે તે પ્રકારે પર્યાય થવાનો સામાન્યસ્થિત અંદર પર્યાય શક્તિ- યોગ્યતારૂપ જે ભાવ છે તે કારણ છે. જો સામાન્ય સ્વભાવ ખરેખર કારણ હોય તો સમયે સમયે એકસરખી દશા આવવી જોઈએ કેમકે સામાન્ય સ્વભાવ તો સદા એકરૂપ છે; પરંતુ સરખી નથી આવતી, કેમકે પર્યાયનો તે તે પ્રકારે પોતાનો સ્વકાળ છે, તે તે કાળે તેવી જ યોગ્યતા છે. સમજાણું કાંઈ....? ભાઈ! આ બધું સમજવું પડશે હોં. આ સમજ્યા વિના બહારમાં-પરભાવમાં સુખ ગોતે છે પણ ધૂળેય ત્યાં સુખ નથી, ત્યાં તો મફતનો હેરાન થઈ રખડી મરવાનું છે.
PDF/HTML Page 3899 of 4199
single page version
અહા! પોતાના દ્રવ્યમાં જે જ્ઞાન, શ્રદ્ધા, શાન્તિ, આનંદ ઈત્યાદિ શક્તિઓ છે એમાંથી જેટલી પર્યાયો પ્રગટ થઈ ગઈ અને જેટલી પ્રગટ થશે તે બધી તેમાં અંતર્લીન છે. અને તેથી સ્વ-પરને, સ્વભાવ-પરભાવને જાણવાનો જે પર્યાયભાવ ઉત્પન્ન થાય છે તે પોતાથી થાય છે, પરથી નહિ, અને ત્રિકાળી સામાન્યસ્વભાવ છે એનાથી પણ નહિ. ત્રિકાળીમાં જે તે સમયની જે તે પ્રકારની યોગ્યતા વિદ્યમાન છે તે જે તે સમયે પર્યાયરૂપે પ્રગટ થાય છે. એટલે ખરેખર સામાન્યદ્રવ્ય પણ પર્યાયનું કારણ ન રહ્યું ભાઈ! આ તારા ખ્યાલમાં -બુદ્ધિમાં તો પ્રથમ લે. આ બુદ્ધિગમ્ય થાય તો પછી અનુભવગમ્ય થાય, અને ત્યારે આ આમ જ છે એમ અંદરથી નિઃશંકતાનો રણકો આવે. ધર્મીને આ નિઃશંકતા થઈ છે કે- મારી વર્તમાન દશા, મારા ભાવમાં જે શક્તિરૂપ-યોગ્યતારૂપ વિદ્યમાન હતી તે બહાર આવી છે. તેથી ખરેખર તેને પરભાવરૂપ થવાના ત્યાગરૂપ દ્રષ્ટિ અંદરમાં ખીલી ગઈ છે. અહા! તેણે દ્રષ્ટિમાં પરભાવનો ત્યાગ કરી દીધો છે.
જુઓ, આ કહ્યું ને કે- ધર્મી પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો, પરભાવોરૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે નિષ્કંપ વર્તતા થકો, શુદ્ધ જ વિરાજે છે. ધર્મીને પરભાવમાંથી મારો ભાવ થાય એવી દ્રષ્ટિનો અભાવ-ત્યાગ થઈ ગયો છે, અને પોતાના સ્વ-ભાવથી પોતાનું અસ્તિત્વ હોવાની દ્રષ્ટિ પ્રગટ થઈ છે. તેથી તે સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કંપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે. અહા! ધર્મી, આત્મા પરદ્રવ્યોના ભાવરૂપ નથી-એમ દેખતો હોવાથી નિષ્કંપ છે. પરથી મારી દશા થાય એવો મિથ્યાત્વભાવ તે કંપન છે, અને સમ્યગ્દર્શન નિષ્કંપ છે. અહા! નિજ આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં લેતાં જે સમ્યગ્દર્શન થયું તે નિષ્કંપ છે, કારણ કે ભેગું અજોગપણું પણ અંશે પ્રગટ થાય છે ને! સર્વગુણાંશ તે સમકિત. એટલે કે સમકિત થવા કાળે, આત્માનો યોગ નામનો જે ગુણ છે તેમાં પણ તે પ્રકારે નિષ્કંપતા થવાનો કાળ છે. તેથી જ્ઞાની સ્વભાવમાં આરૂઢ થઈ નિષ્કંપ વર્તતો થકો શુદ્ધ જ વિરાજે છે; અર્થાત્ પરભાવને પોતામાં ભેળવતો નથી, એક શુદ્ધ સ્વરૂપને જ અનુભવે છે.
અહાહા...! કહે છે– ‘विशुद्धः एव लसति’ જ્ઞાની શુદ્ધ જ વિરાજે છે. તો શું એને રાગ છે જ નહિ? કિંચિત્ રાગ છે, તથાપિ શુદ્ધ જ વિરાજે છે. કેમ? કેમકે રાગને તે માત્ર જાણે જ છે (કરતો નથી). વળી તે જ્ઞાન શુદ્ધ છે અર્થાત્ રાગ તેમાં ભળ્યો નથી, કેમકે એને જાણનારું જ્ઞાન જ્ઞાનથી-પોતાથી છે રાગને લઈને છે એમ નહિ-એમ જ્ઞાની યથાર્થ જાણે છે. થોડું સૂક્ષ્મ આવી ગયું! પણ અરૂપી આત્માની વાત સૂક્ષ્મ જ હોય ને!
જે જીવ નિમિત્ત એટલે કે સંયોગ અને પરભાવથી પોતાના ભાવની (જ્ઞાનની) દશા થયેલી માને છે તે સંયોગ અને પરભાવને પોતારૂપ માને છે; તે મિથ્યાદ્રષ્ટિ છે.
PDF/HTML Page 3900 of 4199
single page version
જ્ઞાની તો સ્વભાવની અસ્તિની મસ્તીમાં રહેતો, પરભાવરૂપભવનના ત્યાગની દ્રષ્ટિને લીધે નિષ્કંપ વર્તતો થકો, શુદ્ધ જ વિરાજે છે, અર્થાત્ શુદ્ધને એકને જ અનુભવે છે.
‘એકાંતવાદી સર્વ પરભાવોને પોતારૂપ જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો સર્વત્ર (સર્વ પરભાવોમાં) સ્વેચ્છાચારીપણે નિઃશંક રીતે વર્તે છે;.........’
જોયું? શું કહે છે? કે એકાંતવાદી અર્થાત્ એક જ પક્ષને ગ્રહણ કરનારો બહિરાત્મા સર્વ પરભાવોને પોતારૂપ જાણે છે. આ શરીર મારું, ને બાયડી-છોકરાં મારાં, ને મકાન મારું ને પૈસા મારા-એમ સર્વ પરભાવોને તે પોતારૂપ જાણે છે.
હા, પણ કરે શું? પૈસા વિના તો કાંઈ જ મળતું નથી. એના વિના તો ક્ષણ પણ ન ચાલે.
સમાધાનઃ– અરે ભાઈ! પૈસા વિના ક્ષણ પણ ન ચાલે એ તારી માન્યતા ઠીક નથી; કેમકે પૈસાનો તો તારા આત્મામાં ત્રિકાળ અભાવ છે. પૈસા વિના જ ભાઈ! તું સદાય જીવી-ટકી રહ્યો છો. જેણે પૈસા વિના ન ચાલે એમ માન્યું છે એણે પૈસાથી જ પોતાનું ટકવું માન્યું છે, પણ એ તો ભ્રમ છે. વળી પૈસાથી સામગ્રી આવે છે એમ માનવું એ પણ ભ્રમ છે. સામગ્રી-સંયોગ તો (કર્મોદય નિમિત્તે) પોતાના કાળે પોતાથી આવે છે, ને પોતાના કાળે પોતાથી જતી રહે છે. વળી એ સામગ્રી ને પૈસા -એ બધું તારામાં છે ક્યાં? એ તો ત્રિકાળ ભિન્ન જ છે. આત્મા ત્રણે કાળ પરભાવોથી રહિત જ છે. એ તો અજ્ઞાની ભ્રમથી પરભાવોને પોતારૂપ જાણે છે. પણ એથી તો એ શુદ્ધ સ્વભાવથી ભ્રષ્ટ થયો થકો પરભાવોમાં સ્વેચ્છાચારે પ્રવર્તતો નાશ પામે છે, અર્થાત્ સંસારમાં ડૂબી મરે છે.
પણ શરીર સારું હોય તો તપશ્ચર્યા થાય ને?
ધૂળેય ન થાય સાંભળને, શરીર તો જડ છે. જ્યાં શરીર જ તારું નથી ત્યાં શરીરથી તપશ્ચર્યા થાય એ ક્યાંથી લાવ્યો? ભાઈ! તપશ્ચર્યા તો અંદર સ્વરૂપમાં જાય ને ત્યાં તપે પ્રતાપવંત રહે તો થાય. બાકી શરીરથી તપ કર્યું કહીએ એ તો નિમિત્તના કથન સિવાય કાંઈ નથી.
હવે કહે છે- ‘અને સ્યાદ્વાદી તો, પરભાવોને જાણતાં છતાં, પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવને સર્વ પરભાવોથી ભિન્ન અનુભવતો થકો શોભે છે.’
અહાહા....! અંદર મારી ચીજ-શુદ્ધ ચૈતન્યવસ્તુ તો પરભાવના અભાવસ્વરૂપ જ