PDF/HTML Page 21 of 4199
single page version
પોતે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. સમ્યક્દર્શનમાં આત્મા જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. (પરના આશ્રય વિના સીધો જ્ઞાનમાં જણાય છે) સમ્યક્દર્શન તો પ્રતીતિરૂપ છે, પણ તે કાળે મતિ શ્રુતજ્ઞાનથી સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઈ જાય છે (વેદનની અપેક્ષાએ વાત છે). પરમાર્થ વસ્તુ જ આવી છે, પોતે પોતાથી જણાય એવી ચીજ છે.
વળી જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે અને પોતાથી પોતાને ન જાણે એ વાત ખોટી છે. જ્ઞાન જ્ઞાનથી જ જાણે છે અને જ્ઞાન જ્ઞાનથી જ જણાય છે. આ રીતે જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય છે, પોતે પોતાને નથી જાણતું એવું માનનાર નૈયાયિકોનો નિષેધ થયો. જ્ઞાન પોતે પોતાને ન જાણે અને પરને જાણે એમ કેમ બની શકે? કદી ય ન બની શકે.
ખરેખર તો જ્ઞાનની પર્યાય સ્વ તરફ ઢળી એટલે જ્ઞાન પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ સ્વાનુભૂતિની દશા પ્રગટ થઈ ગઈ. તે સ્વાનુભૂતિની દશામાં જે જ્ઞાન થયું તે જ્ઞાન- જ્ઞાનને (જ્ઞાયકને) જાણે, સાથે અન્યને પણ જાણે. દ્રવ્યમાં સ્વ-પરને જાણવાની શક્તિ છે, તે જાણવાનું કાર્ય તો પ્રગટ પર્યાયમાં જ થાય છે.
ક્રિયાકાંડવાળાઓને આ આકરું લાગે છે. બાહ્યત્યાગરૂપ સંયમ એ આત્મા પ્રાપ્ત કરવાનું સાધન છે એમ તેઓ માને છે. અહીં તો સ્પષ્ટ કહે છે કે ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ એટલે કે અનુભૂતિ એ એક જ ઉપાય-સાધન છે.
કળશમાં ત્રણ અસ્તિથી વાત લીધી છે. ‘ભાવાય’ કહેતાં સત્ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય પ્રભુ તે દ્રવ્ય અસ્તિ, ‘ચિત્સ્વભાવાય’ કહેતાં તેનો જ્ઞાન સ્વભાવ તે ગુણ અસ્તિ અને ‘સ્વાનુભૂત્યા ચકાસતે’ કહેતાં ત્રિકાળી જ્ઞાયકભાવ-તેનો જે ચિત્સ્વભાવ ભાવ તેને સ્વાનુભૂતિથી પ્રકાશે છે તે સ્વાનુભૂતિ, તે પર્યાય અસ્તિ. કેવી અદ્ભૂત શૈલી! આમાં બાર અંગનો સાર છે. અમૃતચંદ્રાચાર્યે ગજબનું કામ કર્યું છે. એકલાં અમૃત રેડયાં છે. કહે છે કે ચૈતન્ય જેનો સ્વભાવ છે એવી સ્વભાવવાન ભાવ-સ્વરૂપ વસ્તુ-આત્મા, તે સ્વાનુભૂતિથી જણાય છે.
અહીં અસ્તિથી વાત કરી છે. અસ્તિ એટલે એકલું સત્ સત્ સત્; તેમાં બધું આવી જાય છે. જ્યારે વિસ્તારથી સમજાવે ત્યારે કહે કે અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ તેમાં નથી. જ્યાં અસ્તિથી જાણ્યું ત્યાં ભેગું નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. આસ્રવ હેય છે, સંવર ઉપાદેય છે તે બધું આમાં આવી જાય છે. વસ્તુ શુદ્ધ છે ત્રિકાળ, તેનો જ્ઞાનસ્વભાવ ત્રિકાળ, તેની પરિણતિ શુદ્ધ નિર્મળ, ત્રણેય નિર્મળ. તે નિર્મળમાં મલિનતા નથી. શું નથી તે કહેવાની જરૂર નથી. તે ત્રણે જાણતાં તેમાં શું નથી તેનું જ્ઞાન આવી ગયું. આવો ગંભીર અર્થ છે
PDF/HTML Page 22 of 4199
single page version
હવે મોક્ષરૂપ અસ્તિની વાત કરે છે, પૂર્ણતાની વાત કરે છે. ‘સર્વભાવાન્તર- ચ્છિેદ’- પોતાના ભાવથી અનેરા સર્વ જીવ-અજીવ (ચરાચર), ગતિ કરનાર અને ગતિસ્થ (સ્થિત રહેનાર) સર્વ પદાર્થોને સર્વક્ષેત્ર, સર્વકાળ અને સર્વ વિશેષો સહિત એક જ સમયમાં જાણનારો છે. આ પર્યાયના પૂર્ણ સામર્થ્યની વાત છે. પોતાના ભાવને તો સ્વાનુભૂતિથી જાણે, પણ ભાવાન્તર કહેતાં બીજાના ભાવોને પણ સંપૂર્ણ જાણનાર છે. પોતાથી અનેરા બધા ભાવો એટલે કે સર્વક્ષેત્રસંબંધી અને સર્વકાળસંબંધી બધા જીવ-અજીવ પદાર્થોને સર્વ વિશેષો સહિત-એટલે કે એકેક દ્રવ્યના બધા ગુણો અને પર્યાયો સહિત-એક જ સમયે જાણનાર છે. આમ, આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે એમ સિદ્ધ કર્યું.
સર્વજ્ઞ એક જ સમયે બધું જાણનાર-દેખનાર છે. સર્વજ્ઞ પહેલા સમયે જાણે અને બીજા સમયે દેખે એમ માનનારા સાદિ-અનંત કેવળજ્ઞાન-કેવળદર્શનમાં અને સાદિ-અનંત કાળમાં બે ભાગલા પાડી નાખે છે. આ આખી દ્રષ્ટિ તત્ત્વવિરુદ્ધ છે, કલ્પનામય છે. (પરમાત્મા એક જ સમયે બધું દેખે અને જાણે છે- માટે સર્વજ્ઞ અને સર્વદર્શી એક જ સમયે છે)
અ હા હા...! આત્માની જ્ઞાનપર્યાયની એક સમયમાં જાણવાની તાકાત કેટલી! પોતાના બધા ભાવ અને પરના બધા ભાવને એક સમયમાં જાણે તેવી તેની યોગ્યતા છે. આને મોક્ષતત્ત્વ અથવા કેવળજ્ઞાનતત્ત્વ કહીએ. એ પર્યાયનું સામર્થ્ય પણ અદ્ભૂત છે; તો પછી દ્રવ્યના સામર્થ્યનું તો શું કહેવું? આમ એક સમયની કેવળજ્ઞાન પર્યાયનું અલૌકિક સામર્થ્ય બતાવી સર્વજ્ઞનો અભાવ માનનાર મીમાંસકોનું નિરાકરણ કર્યું.
આ તો દિગંબર સંતો-મુનિઓના સિદ્ધાંત એનું શું કહેવું? શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે ને કે તેમના એકેક શબ્દમાં, એકેક વાક્યમાં આગમ ભર્યા છે. આ પ્રથમ માંગળિકના શ્લોકમાં ચાર બોલ કહીને અસ્તિ સિદ્ધ કરી છે. ભગવાન આત્મા વસ્તુ છે, તેનો ગુણ છે ચિત્સ્વભાવ. ચિત્સ્વભાવ તે ગુણ છે કેમકે અહીં ભેદ પાડીને સમજાવવું છે. એટલે ચિત્સ્વભાવ સ્વભાવવાનનો છે એમ સમજાવ્યું. ચિત્સ્વભાવ જે છે તે અભેદથી જોઈએ તો દ્રવ્ય છે, ભેદથી જોઈએ તો ગુણ છે. ‘ચિત્સ્વભાવાય ભાવાય’ અહીં ભાવ છે તે ચિત્સ્વભાવ છે એમ અભેદથી લીધું. ચિત્સ્વભાવ ગુણ છે તે ભેદથી કહ્યું.
આનંદઘનજીમાં લીધું છે ને? કે અનેકાંત એટલે શું? સત્તા જે ગુણ છે તેને અભેદપણે કહેવું તે દ્રવ્ય-સત્તા, અભેદપણે દ્રવ્યરૂપ કહેવાય, તે જ સત્તા ભેદ અપેક્ષાએ ગુણરૂપ કહેવાય. સત્તાને વસ્તુરૂપ કહેવી, અભેદરૂપ કહેવી એ દ્રવ્યરૂપ છે, તેને ભેદથી કહેવી તે ગુણરૂપ છે. ભેદાભેદ તે અનેકાંત છે. આ ભગવાન આત્મા-જીવદ્રવ્ય સુખસ્વરૂપ છે એમ અભેદથી લીધું. ભેદથી કહેવું હોય તો સુખગુણવાળો તે આત્મા; એ ભેદનું કથન છે.
PDF/HTML Page 23 of 4199
single page version
પ્રવચનસાર ગાથા ૧૦૬માં આવે છે કે સત્તા અને દ્રવ્યને એટલે કે ગુણ અને ગુણીને વિભક્ત પ્રદેશત્વનો અભાવ છે. બન્નેના પ્રદેશો એક છે એમ હોવા છતાં સત્તા અને દ્રવ્યને અન્યત્વ છે, એટલે અતદ્ભાવ છે. અહીં એક-બીજામાં અભાવરૂપ છે માટે અન્યત્વ છે એમ નથી. દ્રવ્ય, ગુણ કે પર્યાય વચ્ચે અતદ્ભાવરૂપ અન્યત્વ છે. જે દ્રવ્ય છે તે ગુણ નથી, ગુણ છે તે દ્રવ્ય કે પર્યાય નથી અને પર્યાય છે તે દ્રવ્ય કે ગુણ નથી. આ પ્રમાણે અતદ્ભાવરૂપ અન્યત્વ છે.
અરેરે! અનાદિથી જન્મ-મરણ કરીને ભાઈ તું દુઃખી છે. સંસારમાં ગરીબ થઈને ભટકતો-રાંકો થઈને રખડે છે. પોતાની બાદશાહી શક્તિની ખબર નથી. પોતે બાદશાહ? હા, ભાઈ! ભગવાન્ પૂર્ણાનંદનો નાથ બાદશાહ છે. તે બાદશાહનો જે સ્વીકાર કરે તેને સ્વતંત્ર અતીન્દ્રિય સુખસ્વરૂપ પર્યાય પ્રગટે છે.
હવે ભાવાર્થ કહે છે.
ભાવાર્થઃ– અહીં મંગળ અર્થે શુદ્ધાત્માને નમસ્કાર કર્યા છે. કોઈ એમ પ્રશ્ન કરે કે કોઈ બીજા ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કેમ ન કર્યા છે?
તેનું સમાધાનઃ– વાસ્તવિકપણે ઈષ્ટદેવનું સામાન્ય સ્વરૂપ સર્વકર્મથી રહિત, સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધઆત્મા જ છે. પ્રગટેલાની આ વાત છે. તેથી અધ્યાત્મ શાસ્ત્રમાં સમયસાર કહેવાથી ઈષ્ટદેવ આવી ગયા. એક જ નામ લેવાથી મતવાદીઓ મતપક્ષનો વિવાદ કરે છે. તે સર્વનું નિરાકરણ સમયસારનાં વિશેષણો વર્ણવીને કર્યું છે. અન્યવાદીઓ પોતાના ઈષ્ટદેવનું નામ લે છે, તેમાં ઈષ્ટ શબ્દનો અર્થ ઘટતો નથી, બાધાઓ આવે છે; અને સ્યાદ્વાદી જૈનોને તો સર્વજ્ઞ, વીતરાગ, શુદ્ધ આત્મા જ ઈષ્ટ છે. તે બધાં નામો એને લાગુ પડે છે, પછી ભલે તે ઈષ્ટદેવને પરમાત્મા કહો, પરમજ્યોતિ કહો, પરમેશ્વર કહો, પરમ બ્રહ્મ કહો, પરમ શિવ કહો. આ શિવ જે અન્યમતીઓ કહે છે તે નહિ. સર્વજ્ઞ વીતરાગ કેવળજ્ઞાની પરમાત્માઓને શિવ પણ કહેવામાં આવે છે. તેમને નિરુપદ્રવ દશા પ્રગટી માટે શિવ કહેવાય છે. પરમ આનંદનો નાથ પર્યાયમાં પ્રગટયો તેને ‘પર બ્રહ્મ’ કહેવાય છે. આત્મા વસ્તુપણે ‘પર બ્રહ્મ’ છે; સર્વજ્ઞ અરિહંત એ પર્યાયમાં ‘પરમાત્મા’ છે, આત્મા પર્યાય વિનાનો એકલો ‘પરમાત્મા સ્વરૂપ’ જ છે. સર્વજ્ઞ પરમેશ્વર પ્રગટ ‘પરમ જ્યોતિ’ છે, આત્મા ત્રિકાળ ‘પરમચૈતન્યજ્યોતિ’ છે. શ્રીમદે કહ્યું છે ને કેઃ-
પર્યાયમાં એનો આદર, વિચાર-જ્ઞાન કરે તો પામે એવી આ આત્માની વાત છે.
PDF/HTML Page 24 of 4199
single page version
આ પ્રગટ થયેલા શુદ્ધાત્માનાં નામ છે. આ શુદ્ધ ચૈતન્ય ભગવાન નિત્ય ‘નિરંજન’ છે. સર્વજ્ઞ પરમેશ્વર પર્યાયમાં ‘નિરંજન’ છે. અંજન કહેતાં મેલ જેમાં નથી તે ‘નિરંજન’ કહેવાય છે. સર્વજ્ઞ વીતરાગ પર્યાયમાં ‘નિષ્કલંક’ છે, એમ ભગવાન આત્મા વસ્તુપણે ‘નિષ્કલંક’ છે. સર્વજ્ઞ ભગવાન પર્યાયપણે ક્ષય ન પામે એવી ‘અક્ષય’ ચીજ છે, તો આત્મા પોતે સ્વરૂપથી ‘અક્ષય’ છે. કુંદકુંદાચાર્યદેવે ત્રિકાળી દ્રવ્યના આશ્રયે પ્રગટેલો સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષનો માર્ગ, એને ચારિત્ર પાહુડમાં ‘અક્ષય અમેય’ કહ્યો છે. ક્ષય રહિત, મર્યાદા વિનાની ચીજ છે. સર્વજ્ઞપણું પ્રગટ થયું પછી કદીય એનો અભાવ થવાનો નથી એ અપેક્ષાએ તેઓ ‘અવ્યય’ છે. પર્યાય બીજે સમયે વ્યય થાય એ જુદી વાત છે. પણ એક વખત સર્વજ્ઞપણું પ્રગટ થયું પછી અલ્પજ્ઞ થઈ જાય એમ કદીય બનતું નથી. સર્વજ્ઞદશા એ વ્યય વિનાનો ઉત્પાદ છે-એમ પ્રવચનસારમાં આવે છે. ભગવાન આત્મા વસ્તુપણે ‘અવ્યય’ છે.
સર્વજ્ઞ વીતરાગ અરિહંતદેવ ‘શુદ્ધ’ છે, એ ઈષ્ટદેવ છે. ભગવાન આત્મા પરમાર્થે ‘શુદ્ધ’ છે, અને એ જ આત્માને ઈષ્ટ છે. પ્રવચનસારમાં કહ્યું છે કે ભગવાનને (અરિહંતને) પુણ્ય-પાપરૂપી અનિષ્ટનો નાશ થઈ ઈષ્ટપણું પ્રગટયું છે. ઈષ્ટ જે વસ્તુ-ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એના આશ્રયે પર્યાયમાં ઈષ્ટપણું પ્રગટયું છે; અને અનિષ્ટ જે અજ્ઞાન અને રાગદ્વેષ-તેનો નાશ થયો છેે.
સર્વજ્ઞ પરમાત્મા પર્યાયમાં ‘બુદ્ધ’ છે. એક સમયમાં જ્ઞાનની પૂર્ણ દશા પ્રગટ થતાં પોતે અને આખું લોકાલોક જ્ઞાનમાં આવ્યું એવા ભગવાનને ‘બુદ્ધ’ કહે છે. આ ભગવાન આત્મા દ્રવ્યે ‘બુદ્ધ’ છે, જ્ઞાનસ્વરૂપ બુદ્ધની મૂર્તિ છે. સર્વજ્ઞ પરમેશ્વર ‘અવિનાશી’ છે, એમ આ આત્મા પણ ‘અવિનાશી’ છે. એક સમયમાં સર્વજ્ઞદશા જેમને પ્રગટ થઈ છે એવા ભગવાન ‘અનુપમ’ કહેતાં કોઈની સાથે ઉપમા ન આપી શકાય તેવા છે. ભગવાનને ઉપમાં કોની? એમ ઈષ્ટસ્વરૂપ શુદ્ધ આનંદનો નાથ ભગવાન આત્મા જે દ્રષ્ટિનો વિષય છે તે ત્રિકાળ ‘અનુપમ’ છે.
સર્વજ્ઞ વીતરાગ કોઈથી છેદાય નહિ એવા ‘અચ્છેદ્ય’ છે. એમ ભગવાન આત્મા પણ ‘અચ્છેદ્ય’ છે, છેદ-ખંડ થાય નહીં એવી ચીજ છે. ભગવાન સર્વજ્ઞ પર્યાયમાં ‘અભેદ્ય’ છે, એટલે કોઈથી ભેદાતા નથી. એમ ભગવાન આત્મા પણ ‘અભેદ્ય’ છે. જે પર્યાયથી ભેદાતો નથી એવો આત્મા અભેદ્ય છે. ગીતામાં પણ ‘અચ્છેદ્ય’ અને ‘અભેદ્ય’ એવા શબ્દો આવે છે એ વાત અહીં નથી. આ તો સર્વજ્ઞથી સિદ્ધ થયેલી વાત છે.
PDF/HTML Page 25 of 4199
single page version
છરીથી ટુકડા થાય તેને દાવું કહે છે, અને સાકરનો ગાંગડો હોય તેનો ભુકો થાય તેને ભેદાવું કહે છે.
સર્વજ્ઞને ‘પરમ-પુરુષ’ કહેવામાં આવે છે, એમ આત્મા વસ્તુપણે ‘પરમ પુરુષ’ છે. અંદર આનંદનો નાથ પ્રભુ સચ્ચિદાનંદ-સ્વરૂપ એ ‘પરમ પુરુષ’ છે. સર્વજ્ઞ પરમાત્મા બાધા રહિત ‘નિરાબાધ’ છે. સર્વજ્ઞને બાધા કેવી? ભગવાનનો સર્વજ્ઞ ઉપયોગ-તેનો કદી નાશ થતો નથી. અલિંગ-ગ્રહણના નવમા બોલમાં આવે છે કે ઉપયોગનું કદીય પરથી હરણ થઈ શકતું નથી. એમ આત્મા વસ્તુપણે ‘નિરાબાધ’ છે. સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ અરિહંતદેવ ‘સિદ્ધ’ છે, એમ ભગવાન આત્મા ‘સિદ્ધ’ સ્વરૂપ છે; ‘તું છો સિદ્ધસ્વરૂપ’. સર્વજ્ઞ પરમેશ્વર એ સાચા ‘સત્યાત્મા’ છે, કેમકે પર્યાયમાં સત્યાર્થપણું પ્રગટ થઈ ગયું છે. એમ દ્રવ્ય પોતે ‘સત્યાત્મા’, સત્યાર્થ-ભૂતાર્થ ત્રિકાળ છે. આ વાત સમયસાર ગાથા અગિયારમાં આવે છે.
સર્વજ્ઞ પરમેશ્વર પર્યાય ‘ચિદાનંદ’ છે, એમ ભગવાન આત્મા શક્તિએ ‘ચિદાનંદ’ છે. ચિદાનંદ સ્વભાવ છે તો ચિદાનંદ પર્યાય પ્રગટ થાય છે. ઈષ્ટદેવ ‘સર્વજ્ઞ’ છે. આ આત્મા પણ સ્વભાવે ‘સર્વજ્ઞ’ છે. સર્વજ્ઞ પરમેશ્વર ‘વીતરાગ’ છે, આ આત્મા પણ ‘વીતરાગ’ સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વરૂપથી જ વીતરાગ-સ્વરૂપ છે જેમાંથી વીતરાગ પર્યાય પ્રગટ થાય છે. સર્વજ્ઞ પરમાત્મા ‘અર્હત્’ એટલે સર્વને પૂજનીય છે, પર્યાયમાં બધાને પૂજવા લાયક છે. એમ ભગવાન આત્મા પણ પૂજનીય- ‘અર્હત્’ છે. પૂજનાર પર્યાય છે, પૂજવા યોગ્ય ભગવાન આત્મા છે.
સર્વજ્ઞ પરમેશ્વર ‘જિન’ છે, આ આત્મા પણ ‘જિન સ્વરૂપ’ છે. જિન સ્વરૂપ જ પોતે છે. સર્વજ્ઞ પરમેશ્વર ‘આપ્ત’ છે, એમ આત્મા પણ નિશ્ચયથી ‘આપ્ત’ છે. વીતરાગ પૂર્ણ હિતને માટે માનવા લાયક છે એમ આ આત્મા પણ હિતને માટે માનવા લાયક છે. સર્વજ્ઞદેવ ‘ભગવાન’ છે. પરમેશ્વર સાક્ષાત્ કેવળજ્ઞાની બિરાજે છે એવો જ આ આત્મા શક્તિએ ‘ભગવાન’ છે. સર્વજ્ઞ ભગવાન ‘કાર્ય સમયસાર’ છે, તો આત્મા પોતે ‘કારણ સમયસાર’ છે. ઈત્યાદિ હજારો નામો કહી શકાય છે.
ભગવાન કેવળજ્ઞાન પામે ત્યાં સમોસરણમાં ઈંદ્રો આવીને એક હજાર આઠ નામોથી ભગવાનની સ્તુતિ કરે છે બનારસીદાસે તથા જિનસેનસ્વામીએ પણ આદિપુરાણમાં ૧૦૦૮ નામોથી ભગવાનની સ્તુતિ કરી છે. જેટલા નામ સર્વજ્ઞ વીતરાગને કહેવામાં આવે છે એટલાં જ નામ પર્યાયથી વ્યતિરિક્ત ભગવાન દ્રવ્યસ્વભાવને કહેવામાં આવે છે. જે નામ
PDF/HTML Page 26 of 4199
single page version
સર્વજ્ઞ પરમાત્માને લાગુ પડે છે તે જ નામ અનંત અનંત સ્વભાવોથી સંયુક્ત ત્રિકાળી, ધ્રુવ, ભગવાન આત્માને લાગુ પડે છે.
કળશ ટીકાકારે તો આત્માને ઉપાદેય ગણીને ત્યાં નિશ્ચયથી આત્માને લીધો છે. અંતરમાં નિશ્ચયનું લક્ષ છે તેથી વ્યવહારની સાથે નિશ્ચયની વાત કરી છે. પરને ઉપાદેય કરે, પર્યાયને ઉપાદેય કરવા જાય, કે ભેદને ઉપાદેયને કરવા જાય તો વિકલ્પ ઉત્પન્ન થાય છે. શુદ્ધ, પૂર્ણાનંદ ભગવાનને ઉપાદેય કરતાં નિર્વિકલ્પતા થાય છે. અહીં (સમયસારમાં) સર્વજ્ઞ વીતરાગ પર્યાયપણે પ્રગટ છે તેમને લેવામાં આવ્યા છે. બેય વાત (અપેક્ષાએ) બરાબર છે.
તે સર્વનામો કથંચિત્ -તે તે અપેક્ષાએ -સત્યાર્થ છે. સર્વથા એકાંતવાદીઓને ભિન્ન નામોમાં વિરોધ છે. અજ્ઞાનીઓને એકને જુદાં જુદાં નામ આપવામાં વિરોધ આવે છે. પણ સ્યાદ્વાદીઓને વિરોધ નથી. માટે જેવી વસ્તુ છે તેમ તેને સમજવી જોઈએ.
સૌ–જ્ઞાતા લખીને નમું, સમયસાર સહુ–ભૂપ.
જે નિજ અનુભવથી પ્રગટ થાય છે, ચૈતન્ય જેનું સ્વરૂપ છે, બધાને જાણવાનો જેનો સ્વભાવ છે, સૌનો જે રાજા છે એવા સમયસારને હું જાણીને નમું છું આમાં ‘નમઃ સમયસારાય’ નો આખો પ્રથમ કળશ ટૂંકામાં આવી જાય છે.
PDF/HTML Page 27 of 4199
single page version
अनेकांतमयी मूर्तिर्नित्यमेव प्रकाशताम्।। २।।
જુઓ, દેવ, શાસ્ત્ર, અને ગુરુ એમ ત્રણ છે ને? એમાં પ્રથમ કળશમાં ઈષ્ટદેવની સ્તુતિ કરીને માંગળિક કર્યું. અહીં બીજા કળશમાં સરસ્વતીને નમસ્કાર કરે છે. આમાં અર્થકાર શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન અને વાણી ત્રણેયને નમસ્કાર કરે છે, જ્યારે કળશ ટીકાકારે (રાજમલ્લજીએ) આ કળશમાં એકલી વાણીને સરસ્વતીની મૂર્તિ કહીને નમસ્કાર કર્યો છે. આવી વાત છે, ભાઈ! આ તો વીતરાગનો અનેકાંત માર્ગ છે. જે અપેક્ષાએ કહેવું હોય એ પ્રમાણે લાગુ પડી જાય.
શ્લોકાર્થઃ– ‘અનેકાંતમયી મૂર્તિ કહેતાં જેમાં અનેક અંત (ધર્મ) છે એવું જે જ્ઞાન તથા વચન-તેમય મૂર્તિ સદાય પ્રકાશરૂપ હો. અહીં સમયસારમાં ‘અનેકાંતમયી મૂર્તિ’ માં જ્ઞાન અને વચન બે લઈને જ્ઞાનના બે ભેદ-શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન એમ લીધા છે; જ્યારે કળશટીકાકારે ‘અનેકાંતમયી મૂર્તિ’ એટલે અનેકાંતધર્મને બતાવનારી વીતરાગની વાણી અર્થાત્ અનેકાંત કહેતાં અનેક જેમાં ધર્મ છે એવો ભગવાન આત્મા-ચૈતન્યતત્ત્વ-તેને બતાવનારી વાણીને -અનેકાંતધર્મવાળી ગણી એકલી વાણીને લીધી છે.
આચાર્ય કહે છે કે જેણે આત્માને પ્રત્યક્ષપણે પૂર્ણ જોયો એવું કેવળજ્ઞાન જગતમાં નિત્ય પ્રકાશરૂપ હો, તથા આત્માને પરોક્ષપણે પૂર્ણ જોયો એવું શ્રુતજ્ઞાન નિત્ય પ્રકાશરૂપ હો. કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમાં પ્રત્યક્ષ અને પરોક્ષનો જ ફેર છે. વળી આત્માના સ્વરૂપને દેખાડનાર એવી સર્વજ્ઞ વીતરાગની દિવ્યધ્વનિ-વાણી તે પણ સદા પ્રકાશરૂપ હો; કેમકે જગતને સત્ આત્મા-તેનું સ્વરૂપ સમજવામાં (વાણી) નિમિત્ત છે. નિયમસારમાં આવે છે કે ઈષ્ટફળની સિદ્ધિનો ઉપાય સુબોધ છે, (એટલે મુક્તિની પ્રાપ્તિનો ઉપાય સમ્યગ્જ્ઞાન છે), સુબોધ સુશાસ્ત્રથી થાય છે અને સુશાસ્ત્રની ઉત્પત્તિ ભગવાનની દિવ્યધ્વનિથી થાય છે. માટે તેમના પ્રસાદને લીધે ‘આપ્ત પુરુષ’ બુધજનો વડે પૂજવા યોગ્ય છે. અર્થાત્ મુક્તિ
PDF/HTML Page 28 of 4199
single page version
સર્વજ્ઞદેવની કૃપાનું ફળ હોવાથી સર્વજ્ઞદેવ જ્ઞાનીઓ વડે પૂજનીય છે; કેમકે કરેલા ઉપકારને સાધુ પુરુષો ભૂલતા નથી. શું કહ્યું? અહીં કેવળજ્ઞાન જે મોક્ષ, શ્રુતજ્ઞાન-જે મોક્ષનો ઉપાય અને સુશાસ્ત્ર-જે ઉપાય બતાવે છે -એ ત્રણેયને વંદનીય અને પરોપકાર માનવા લાયક કહ્યાં છે. વળી કેવી છે તે મૂર્તિ? ‘પ્રત્યગાત્મનઃ’- જે આત્મતત્ત્વ અનંતધર્મવાળું છે, જે પરદ્રવ્યોથી અને પરદ્રવ્યોના ગુણપર્યાયોથી ભિન્ન, તથા પરદ્રવ્યના નિમિત્તથી થતા પોતાના વિકારોથી કથંચિત્ ભિન્ન છે એવા એકાકાર તત્ત્વને-આત્માના નિત્ય સ્વરૂપને -અર્થાત્ અસાધારણ-સજાતીય કહેતાં પોતાથી ભિન્ન બીજા આત્માઓ અને વિજાતીય કહેતાં પોતાથી ભિન્ન પુદ્ગલાદિ દ્રવ્યો-એનાથી વિલક્ષણ એટલે વિપરીતલક્ષણવાળું પોતાનું જે નિજસ્વરૂપ તેને સરસ્વતીની મૂર્તિ દેખે છે-અવલોકન કરે છે. અહીં નિર્મળ પર્યાયથી ભિન્નની વાત નથી કરી, કારણ કે નિર્મળ પર્યાય તો ત્રિકાળીનું લક્ષ કરે છે -એનો આશ્રય કરે છે. પરથી અને રાગથી ભિન્ન આત્મતત્ત્વ એમ લીધું છે. ત્રિકાળી ભગવાન નિત્યાનંદ ધ્રુવ તે આત્મતત્ત્વ છે-આત્માનું સ્વરૂપ છે. દેહ, કર્મ અને રાગથી ભિન્ન એવા આત્મતત્ત્વને શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન જાણે છે અને વાણી એને બતાવે છે. હવે કળશ-ટીકા સાથે આ કથનને મેળવીએ- ‘અનેકાંતમયી મૂર્તિ’ - સત્ય વસ્તુને નિત્ય પ્રકાશનાર વાણી -તે કેવી છે? ‘અનંતધર્મણઃ પ્રત્યગાત્મનઃ તત્ત્વં પશ્યન્તી’ અનંતધર્માત્મક, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી ભિન્ન, એક સમયમાં ત્રણ કાળ ત્રણલોકને જાણનાર સર્વજ્ઞ વીતરાગના સ્વરૂપની ‘પશ્યન્તી’ એટલે ‘અનુભવનશીલ’ છે. અનુભવનશીલ કહેતાં વાણી સર્વજ્ઞ અનુસારિણી છે. સર્વજ્ઞને અનુસરીને થવાનો જેનો સ્વભાવ છે, ‘પશ્યન્તી’ ની વ્યાખ્યા આમ કરી છે. ગજબની વાત છે ને! સર્વજ્ઞ વીતરાગનો એકરાર કરનારી વાણી -એને અનુભવનશીલ કહી છે. ‘સમયસારમાં જયચંદજીએ ‘પશ્યન્તી’ નો અર્થ- ભાવશ્રુતજ્ઞાન આત્માને પરોક્ષ દેખે છે કેવળજ્ઞાન આત્માને પ્રત્યક્ષ દેખે અને દિવ્યધ્વનિ આત્માને દેખાડે છે એમ લીધું છે. સર્વજ્ઞસ્વભાવને અનુસરીને થવાનો જેનો સ્વભાવ છે એ વાણીને સરસ્વતી કહેવામાં આવી છે. એને શાસ્ત્ર પણ કહીએ. શાસ્ત્રનો અર્થ કળશટીકામાં એકલો વાણી કર્યો, જ્યારે સમયસારમાં ત્રણ લીધા-શ્રુતજ્ઞાન, કેવળજ્ઞાન અને દ્રવ્યશ્રુત એટલે જિનવાણી. કેવળજ્ઞાન એ પણ શાસ્ત્ર છે ને? ભાવશ્રુતજ્ઞાનનું ફળ કેવળજ્ઞાન આવ્યું, એટલે એને પણ શાસ્ત્ર કહી દીધું. આ ત્રણેય સાચી સરસ્વતી છે, માટે ત્રણેયને નમસ્કાર કર્યો છે. વાણી પૂર્ણ આત્માને બતાવે છે માટે વાણીને પણ અમારા નમસ્કાર હો. અહીં કોઈ વિતર્ક કરે કે વાણી તો અચેતન છે, એને નમસ્કાર કેમ કર્યા? તેનો ઉત્તર કળશટીકાકારે એમ આપ્યો છે કે વાણી સર્વજ્ઞ
PDF/HTML Page 29 of 4199
single page version
અનુસારિણી છે, વળી જીવાદિ પદાર્થોના સ્વરૂપનું જ્ઞાન જે પ્રકારે થાય છે તેમાં વાણી નિમિત્ત છે; માટે વાણીનું પૂજ્યપણું પણ છે. કળશટીકાકારે સ્વતંત્ર ટીકા કરી છે, પરંતુ અજબ મેળવાળી છે.
ભાઈ! સર્વજ્ઞ પરમેશ્વર એટલે શું-એની લોકોને ખબર નથી. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વરૂપી જ છે. અહા! શ્રીમદે કહ્યું છે ને કે સમ્યક્દર્શન થતાં (શ્રદ્ધા અપેક્ષાએ) કેવળજ્ઞાન પ્રગટયું. અનાદિથી પોતે શક્તિએ સર્વજ્ઞ હોવા છતાં હું અલ્પજ્ઞ છું એમ માનતો હતો. તે સમ્યક્દર્શન પ્રગટ થતાં હું પૂર્ણાનંદ સર્વજ્ઞસ્વભાવી છું એમ શ્રદ્ધામાં આવ્યું. માટે શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન વર્તે છે, એમ શ્રીમદે લીધું છે. જે શ્રદ્ધામાં સર્વજ્ઞની માન્યતા ન હતી એ શ્રદ્ધાએ સર્વજ્ઞતત્ત્વને પ્રતીતિમાં લીધું-એ અપેક્ષાએ સર્વજ્ઞપણું પ્રગટયું એમ કહેવાય.
નિજસ્વરૂપને સરસ્વતીની મૂર્તિ અવલોકન કરે છે -એટલે ભગવાન આત્માનું જે પૂર્ણસ્વરૂપ એનું શ્રુતજ્ઞાન અને કેવલજ્ઞાન અવલોકન કરે છે અને વાણી એને બતાવે છે. આમ શાસ્ત્રને વંદન કરતાં ત્રણ લીધાં છે. ભાવશ્રુતજ્ઞાનની પર્યાય ત્રિકાળીનું લક્ષ કરે છે ને? એમ કેવળજ્ઞાનની પર્યાય ત્રિકાળીને જાણે છે. પરને જાણે છે એ વાત અહીં ન લીધી. ત્રિકાળીને જાણતાં બધું જણાઇ જાય છે. (પોતાની જ્ઞાનપર્યાય પૂર્ણ પ્રગટ થઈ જાય છે). ત્યાં જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાનનો ભેદ રહેતો નથી. કળશટીકામાં આવે છે ને કે જ્ઞાતા પોતે, જ્ઞાન પોતે અને પોતે જ જ્ઞેય; ત્રણેય અભેદ છે. એને અમારા નમસ્કાર છે એમ કહે છે.
ભાવાર્થઃ– અહીં સરસ્વતીની મૂર્તિને આશીર્વચન રૂપ નમસ્કાર કર્યો છે. આશીર્વાદ કહો કૈ આશીર્વચન. વાદ એટલે વચન. લોકમાં આશીર્વાદ આપું છું એમ કહે છે ને? સરસ્વતીની મૂર્તિ નિત્ય પ્રકાશો એમ આશીર્વાદ કહ્યો છે. લૌકિકમાં જે સરસ્વતીની મૂર્તિને મોર ઉપર બેસાડી તેની પૂજા કરે છે તે યથાર્થ સ્વરૂપ નથી તેથી અહીં તેના યથાર્થ સ્વરૂપનું વર્ણન કર્યું છે.
જે સમ્યગ્જ્ઞાન છે એ જ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે. દ્રવ્યને અડીને જે જ્ઞાનપર્યાય થાય તે સમ્યગ્જ્ઞાન, તે સરસ્વતીની સાચી મૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે જેમાં સર્વ પદાર્થો પ્રત્યક્ષભાસે છે. તે અનંતધર્મો સહિત આત્મતત્ત્વને - ચૈતન્યતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે. આત્માનું ચૈતન્યતત્ત્વ-ચૈતન્યપણું સર્વધર્મોમાં વ્યાપક છે. સર્વ ધર્મોમાં અને ગુણોમાં વ્યાપેલું એવું મહા ચૈતન્યસ્વરૂપ એ આત્મતત્ત્વનો અસાધારણ સ્વભાવ છે. શ્રુતજ્ઞાન તે આત્મતત્ત્વને પરોક્ષ દેખે છે. (વેદનની અપેક્ષાએ જો કે શ્રુતજ્ઞાન આત્મતત્ત્વને પ્રત્યક્ષ દેખે છે) કેવળજ્ઞાન અને શ્રુતજ્ઞાન વચ્ચે આટલો ફેર છે. તદ્અનુસાર શબ્દ પડયો છે ને? પોતામાં જે શ્રુતજ્ઞાન થાય છે તે ભગવાનના જ્ઞાન અનુસાર અને યથાર્થ તત્ત્વને અનુસરીને છે. તેથી તે પણ સરસ્વતીની સત્યાર્થ મૂર્તિ છે.
PDF/HTML Page 30 of 4199
single page version
દ્રવ્યશ્રુત વચનરૂપ છે, તે પણ સરસ્વતીની સાચી મૂર્તિ છે. નિમિત્ત છે ને? વચનો દ્વારા અનંત ધર્મોવાળા આત્માને બતાવે છે. આ રીતે સર્વ પદાર્થોનાં તત્ત્વને જણાવનારી જ્ઞાનરૂપ તથા વચનરૂપ અનેકાંતમયી સરસ્વતીની મૂર્તિ છે. તેથી સરસ્વતીનાં નામ વાણી, ભારતી, શારદા, વાગ્દેવી ઈત્યાદિ ઘણાં કહેવામાં આવે છે. આ સરસ્વતીની મૂર્તિ નિત્ય, અનિત્ય વગેરે અનંતધર્મોને સ્યાત્ પદથી એટલે કે કથંચિત્-કોઈ અપેક્ષાએ એક ધર્મોમાં અવિરોધપણે સાધે છે તેથી તે સત્યાર્થ છે. કેટલાક અન્યવાદીઓ સરસ્વતીની મૂર્તિને બીજી રીતે સ્થાપે છે પણ તે પદાર્થને સત્યાર્થ કહેનારી નથી; માટે ઉપરોક્ત સત્યાર્થ બતાવનારી જ્ઞાન-વચનરૂપ સરસ્વતી જ યથાર્થ છે એમ જાણવું.
હવે કોઈ પ્રશ્ન કરે કે આત્માને અનંતધર્મવાળો કહ્યો છે તો તેમાં અનંત ધર્મો કયા કયા છે? ઉત્તરમાં પહેલાં સામાન્ય વસ્તુની (છયે દ્રવ્યોની) વાત કરી છે અને છેલ્લે આત્માની વાત લીધી છે. વસ્તુમાં સત્પણું એટલે હોવાપણું છે, વસ્તુપણું છે, પ્રમેયપણું છે, પ્રદેશપણું છે. ચેતનપણું છે, અચેતનપણું, મૂર્તિકપણું છે. જડની અપેક્ષાએ અચેતનપણું અને મૂર્તિકપણું કહ્યું છે. વળી અમૂર્તિકપણું છે, -એ ચેતન અચેતન બન્નેમાં છે, ઈત્યાદિ ધર્મ તો ગુણ છે. ભાષામાં ધર્મ એમ કહ્યું છે પણ આ ધર્મ એટલે ગુણની વાત છે. ગુણોમાં સમય-સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે. દરેક ગુણમાં ક્ષણે ક્ષણે પર્યાય થાય છે. એમ ગુણની સમયવર્તી ત્રણેકાળ પર્યાયો હોય છે, જે અનંત છે.
હવે ધર્મની વાત કરે છે. ધર્મ એટલે ધારી રાખેલી યોગ્યતા; ગુણ નહીં. (ગુણને ધર્મ કહેવાય, પરંતુ ધર્મને ગુણ ન કહેવાય.) ગુણ હોય તેને પર્યાય હોય. વસ્તુમાં એકપણું એ ગુણ નથી, પરંતુ ધર્મરૂપ લાયકાત છે એવી રીતે અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે. તે સામાન્ય ધર્મો તો વચનગોચર-વચનગમ્ય છે. પણ બીજા વિશેષરૂપ ધર્મો જેઓ વચનના વિષય નથી એવા પણ અનંત ધર્મો છે- જે જ્ઞાનગમ્ય છે, એટલે જ્ઞાનમાં જણાય એવા છે પણ વચન દ્વારા કથનમાં આવી શકે નહીં. અહીં સુધી સામાન્ય વાત કરી.
શિષ્યનો પ્રશ્ન તો આત્માનો હતો. આત્મામાં અનંત ધર્મો કહ્યા છે તો તે કયા કયા છે? અહીં સુધી તો વસ્તુની (દરેક પદાર્થની) સામાન્ય સ્થિતિ બતાવી. હવે આત્મા પણ એક વસ્તુ છે, તેથી તેમાં પણ પોતાના અનંત ધર્મો છે. આત્માના અનંતધર્મોમાં ચેતનપણું અસાધારણ ધર્મ છે; કેમકે બીજા અચેતન દ્રવ્યોમાં તે ગુણ નથી, અને આત્મામાં પણ સ્વપરને જાણવાની તાકાતવાળો બીજો એકેય ગુણ નથી. વળી સજાતીય જીવ દ્રવ્યો અનંત છે.
PDF/HTML Page 31 of 4199
single page version
તેમનામાં જો કે ચેતનપણું છે, તો પણ સૌનું ચેતનપણું નિજ નિજ સ્વરૂપે જુદું જુદું છે; કેમકે દરેક દ્રવ્યને પ્રદેશભેદ હોવાથી દરેક દ્રવ્યના પ્રદેશો-ક્ષેત્ર ભિન્ન છે; કોઈનું કોઈમાં ભળતું નથી. આ ચેતનપણું પોતાના અનંતધર્મોમાં વ્યાપક છે. જોયું? તત્ત્વ કહ્યું હતું ને? અનંત ધર્મો છે, તેમાં ચૈતન્યને મૂળતત્ત્વ કહ્યું છે. કેમકે અનંતધર્મોમાં ચેતનપણું વ્યાપક છે. તેને આ સરસ્વતીની મૂર્તિ દેખે છે. શ્રુતજ્ઞાન અને કેવળજ્ઞાન દેખે છે અને વાણી દેખાડે છે. આ રીતે એનાથી સર્વ પ્રાણીઓનું કલ્યાણ થાય છે. માટે ‘સદા પ્રકાશરૂપ રહો’ એવું આશીર્વાદરૂપ વચન કહ્યું છે.
પ્રથમ કળશમાં માંગળિક કરતાં સર્વજ્ઞપણું સિદ્ધ કર્યું. ખરેખર તો જીવનો સર્વજ્ઞ સ્વભાવ છે. એ તેનું સ્વરૂપ છે. સર્વજ્ઞપણું પોતાની અનુભૂતિની ક્રિયાથી પ્રગટ થાય છે. ચૈતન્યતત્ત્વ-જ્ઞાયકભાવ પોતાના બધા ધર્મોમાં વ્યાપક છે. પ્રથમ કળશમાં સર્વજ્ઞસ્વરૂપ અને પ્રગટ સર્વજ્ઞપણું સિદ્ધ કર્યું. આત્મા સર્વજ્ઞસ્વભાવ કહેતાં પોતે જાણનાર-દેખનાર સ્વભાવ છે, એટલે અકર્તાપણું છે. ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય અકર્તાપણાના નિર્ણયમાં થાય છે. દ્રવ્યની પર્યાય ક્રમસર થાય છે. એમાં આત્માનું કર્તૃત્વ નથી. ક્રમસર થાય એમાં કર્તૃત્વ શું? ક્રમબદ્ધપર્યાયમાં અકર્તાપણું અથવા અસ્તિથી જ્ઞાતાપણું જ સિદ્ધ કર્યું છે. જ્યાં પર વસ્તુની કે પોતાની રાગાદિ પર્યાયનું પણ કરવું નથી ત્યાં અકર્તાપણું અર્થાત્ જ્ઞાતાપણું છે. જ્ઞાતાપણાનો અનુભવ થવો એ સમ્યક્દર્શન છે. બીજા કળશમાં સર્વજ્ઞની વાણીને નમસ્કાર કર્યો છે. સર્વજ્ઞની વાણી પણ સર્વજ્ઞપણું સિદ્ધ કરે છે, પરનું અકર્તાપણું બતાવી જ્ઞાતાપણું સિદ્ધ કરે છે.
PDF/HTML Page 32 of 4199
single page version
હવે કળશ ત્રીજામાં પણ ‘ચિન્માત્ર મૂર્તિ’ કહીને આત્મા સર્વજ્ઞસ્વભાવી છે એમ સિદ્ધ કર્યું છે. આ કળશમાં ટીકાકાર આચાર્ય (અમૃતચંદ્રાચાર્યદેવ) આ ગ્રંથનું વ્યાખ્યાન કરવાના ફળને ચાહતાં પ્રતિજ્ઞા કરે છેઃ-
दविरतमनुभाव्यव्याप्तिकल्माषितायाः।
मम परमविशुद्धिः शुद्धचिन्मात्रमूर्ते–
र्भवतु समयसारव्याख्यायैवानुभूतेः।। ३।।
શ્રીમાન્ અમૃતચંદ્રાચાર્ય કહે છે કે સમયસાર એટલે શુદ્ધાત્મા અને તેનો વાચક સમયસાર ગ્રંથ-શબ્દો તેની વ્યાખ્યા એટલે ટીકાથી જ -‘વ્યાખ્યયૈવ’ શબ્દ છે! ને મારી અનુભૂતિ એટલે અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાઓ. જુઓ ‘એવ’ શબ્દ પડયો છે. એટલે કથની વા ટીકાથી જ મારી અનુભવનરૂપ પરિણતિની પરમ વિશુદ્ધિ થાઓ. એક બાજુ એમ કહેવું કે ટીકા કરવાનો ભાવ તો વિકલ્પ છે, કારણ કે ટીકા એ શબ્દો છે તેથી તે પરદ્રવ્ય છે. પણ એમ કહીને આચાર્ય એમ કહેવા માગે છે કે- હું મુનિ છું, ત્રણ કષાયોનો તો અભાવ છે, પરંતુ પૂર્ણ વીતરાગતા પ્રગટ નથી. એટલે વિકલ્પ છે એમ સિદ્ધ કરે છે.
હવે કહે છે કે - ‘ટીકાથી જ’ એનો અર્થ એમ છે કે - ટીકાના કાળમાં ટીકા કરવામાં મારું વલણ તો સર્વજ્ઞ સ્વભાવને પર્યાયમાં સિદ્ધ-પ્રગટ કરવાનું છે, અને મારું ધ્યેય ધ્રુવ છે; ધ્રુવ સર્વજ્ઞ સ્વરૂપી છે. પ્રગટ કરવા યોગ્ય પર્યાય સર્વજ્ઞતા છે તેથી ટીકાના કાળમાં ભલે ટીકા થઈ ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થયું નથી, પણ નિર્મળતા થઈ છે અને નિર્મળતા થઈ છે અને નિર્મળતા વિશેષ થશે, કેમકે મારું ધ્યેય દ્રવ્ય છે. ત્રીજું પદ છે ને? ‘હું તો ચિન્માત્ર મૂર્તિ છું.’ એટલે શુદ્ધ ચિન્માત્ર, સર્વજ્ઞસ્વભાવ-માત્ર મારું સ્વરૂપ છે. દ્રવ્યદષ્ટિએ
PDF/HTML Page 33 of 4199
single page version
તો હું આવો છું. અહો! પ્રત્યેક ગાથા અને કળશદીઠ જ્ઞાનની પૂર્ણતાને વર્ણવી છે. ‘ચિન્માત્ર મૂર્તિ છું.’ પોતાને અને જગતના અન્ય દ્રવ્યો, તેમના ગુણ-પર્યાયોને જાણનાર માત્ર દ્રવ્ય છું. શક્તિઓના વર્ણનમાં જીવત્વ શક્તિ, ચિતિ શક્તિ, જ્ઞાન શક્તિ, સર્વજ્ઞ શક્તિ વગેરે દરેકમાં જ્ઞાન આવે છે. જ્ઞાન વિના બીજી ચીજને અને પોતાના અનંતગુણોને જાણે કોણ? બીજા ગુણો કાંઈ જાણતા નથી, જાણનાર તો જ્ઞાન છે. આવા જ્ઞાનમાત્ર દ્રવ્યસ્વભાવનું જ ટીકાના કાળમાં ઘોલન છે, એવો અર્થ છે.
હવે ‘અનુભૂતિની પરમ વિશુદ્ધિ થાઓ’ એમ કહે છે. કળશટીકાકારે (રાજમલ્લજીએ) ‘અનુભૂતિ’ નો અર્થ હું ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ છું એમ દ્રવ્યદ્રષ્ટિનો- સમ્યક્દર્શનનો જે વિષય છે તે અર્થમાં લીધો છે. ‘ચિન્માત્ર મૂર્તિ’ કહેતાં જેમ શુદ્ધ શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ લીધો તેમ. અહાહા...!! ‘અનુભૂતિ’ કહેતાં અનંત અનંત અતીન્દ્રિય સહજ સુખસ્વરૂપ જ હું છું એમ લીધું છે. સમયસારની ૭૩ મી ગાથામાં આવે છે ને કે- જે પર્યાયમાં ષટ્કારકોના સમૂહરૂપ પરિણમન-ભલે સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયરૂપ હો-તેથી પાર-ભિન્ન અનુભૂતિમાત્ર શુદ્ધ- એવો અહીં દ્રવ્યદ્રષ્ટિના વિષયરૂપ ‘અનુભૂતિ’ નો અર્થ લીધો છે. આવી જ વાત પ્રવચનસાર-ચરણાનુયોગ ચૂલિકા (ગાથા ૨૦૨, ટીકા) માં લીધી છે. ત્યાં સમ્યક્દ્રષ્ટિ પુરુષ જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે તે મુનિપણું- અંતરસ્થિરતા કરવા માગે છે. તે સ્ત્રી પાસે રજા માગે છે. કહે છે-આ શરીરને રમાડનારી હે સ્ત્રી! તું મને છોડ, કેમકે હું મારી અનુભૂતિ (રમણી) જે અનાદિની છે એની પાસે જવા માગું છું- અહીં ‘અનુભૂતિ’ એ પર્યાય નહીં, પણ વસ્તુ-મારો નાથ જે ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જ છે તે-એની પાસે જવા માગું છું. કળશટીકાકારે પણ ‘અનુભૂતિ’ એટલે ત્રિકાળ અનંત સહજ-સુખસ્વરૂપઆત્મા એમ લીધું છે. મુનિને આવા ચિન્માત્ર, અનુભૂતિસ્વરૂપ શુદ્ધાત્માનું જ ટીકાના કાળમાં ઘોલન છે તેથી જ વિશેષ વિશેષ નિર્મળતા થશે એમ ભાવના છે.
મારી પર્યાયમાં અનુભૂતિ-સ્વભાવને અનુસરીને નિર્મળ પરિણતિ છે એમ સિદ્ધ કરી તે અનુભૂતિની-પરિણતિની પરમ વિશુદ્ધિ કહેતાં સમસ્ત રાગાદિ વિભાવ રહિત ઉત્કૃષ્ટ નિર્મળતા થાઓ એમ ભાવે છે. ભલે ટીકાના કાળમાં નિર્મળતા પૂર્ણ થઈ નથી, પરંતુ ટીકાના કાળમાં મારું ધ્યેય તો ધ્રુવધામ સર્વજ્ઞશક્તિ-સ્વભાવ જ છે. એટલે ધ્યેયને કારણે મારી શુદ્ધિ વધતી જાય છે, કેમકે ધ્યેયમાંથી મારી દ્રષ્ટિ ખસતી નથી. ટીકા કરતાં મારી પરમ વિશુદ્ધિ થાઓ એનો અર્થ એ કે ટીકાના કાળમાં મારી પરમ વિશુદ્ધિ થાઓ. ત્યાં મારું ધ્યેય તો દ્રવ્યસ્વભાવ છે, પણ આ શાસ્ત્રના ભાવો વિશેષ સ્પષ્ટ થાય એવો વિકલ્પ આવ્યા કરે છે. છતાં ટીકા લખતી વેળા પણ મારું જોર તો અંદરમાં શુદ્ધ દ્રવ્ય ઉપર વર્તે છે, તેથી મારી પરમ વિશુદ્ધિ થશે એમ નિશ્ચય છે. મને વિશુદ્ધિ નથી એમ નથી, પણ પરમ વિશુદ્ધિ
PDF/HTML Page 34 of 4199
single page version
થાઓ એમ કહે છે. એટલે ટીકાના કાળમાં મારો સાધક સ્વભાવ વધશે-નિશ્ચયથી વધશે. ભગવાનને પૂછયું નથી કે ટીકા કરતી વખતે મને પરમ વિશુદ્ધિ થશે કે નહીં? પણ હું ‘શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ છું’ ને? અહાહા...!! આચાર્યદેવ કહે છે-આત્માનો જે ‘જ્ઞ’ સ્વભાવ-તેની મને દ્રષ્ટિ અને આશ્રય છે તેથી પર્યાયમાં જે વિશુદ્ધિ -નિર્મળતા છે તે વધીને પરમ વિશુદ્ધ થશે એમ નિશ્ચય થયો છે. અહાહા...! શું અપ્રતિહત દ્રષ્ટિ! શું ચૈતન્યના અનુભવની બલિહારી!! અને શું ચૈતન્યના પૂર્ણસ્વભાવના સામર્થ્યની ચમત્કારી રમત!!!
પ્રભુ! તું સાંભળ. તું સર્વજ્ઞસ્વરૂપી છો કે નહીં? નાથ! તું કોણ છો અને કેવડો છો? તું જેવો છો તેવો જો ખ્યાલમાં આવી જાય તો ક્રમબદ્ધ, અકર્તાપણું અને જ્ઞાતાપણું સિદ્ધ થઈ જાય. આમાં નિયતવાદ છે પણ પાંચેય સમવાય એકીસાથે છે. સ્વભાવ, પુરુષાર્થ, ભવિતવ્ય, કાળલબ્ધિ, કર્મના ઉપશમાદિ -બધા એકસાથે છે.
મારી શુદ્ધિ થઈ છે અને વિશેષ આશ્રય થતાં શુદ્ધિ વધશે, એ બધી મને ખબર છે. હું આ ભાવે જ -સમ્યક્દર્શન અને સમ્યક્જ્ઞાનના ભાવે જ પૂર્ણ કેવલજ્ઞાન લેવાનો છું. વિશુદ્ધિ થાઓ એમ કહ્યું એમાં જ એ આવ્યું કે પ્રગટ વિશુદ્ધિ સાથે અશુદ્ધિ પણ છે; નહીં તો પરમ વિશુદ્ધિ થાઓ એ કેવી રીતે કહેત? અશુદ્ધતાનો અંશ અનાદિનો છે. મારી પર્યાયમાં જે અશુદ્ધતાનો અંશ છે, એ પરિણતિનો હેતુ મોહ નામનું કર્મ છે. પરિણતિ વિકારી છે માટે પર પરિણતિ કહી, કેમકે આ પરિણતિ સ્વભાવભૂત નથી. નિયમસારના કળશમાં (કળશ ૨પ૩) આવે છે કે -મુનિની દશા અને કેવળજ્ઞાનીની દશામાં ફેર માને તે જડ છે. અહીં મુનિ એમ કહે છે કે મારી દશામાં જરા રાગ છે. નિયમસારમાં, આ જે જરી રાગાંશ છે તેને ગૌણ કરી નાખ્યો છે, કેમકે એ નીકળી જવાનો છે. તેથી એમ કહ્યું કે મુનિમાં અને કેવળીમાં ફેર નથી; ફેર માને તે જડ છે. પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથાઓ -પંચરત્ન-એમાં એમ કહ્યું છે કે -જેણે મોક્ષમાર્ગ સાધ્યો છે તેને અમે મોક્ષતત્ત્વ કહીએ છીએ. પરંતુ અહીં જરા અશુદ્ધિ છે એમ ખ્યાલમાં લીધું છે.
આ અશુદ્ધ પરિણતિનો હેતુ મોહ નામનું કર્મ છે. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેના ઉદયના વિપાકને લીધે વિકાર છે એમ નથી. પણ મારું વિપાકમાં જોડાણ થયું એને લીધે છે. મારી પરિણતિ નબળી-કમજોર છે એટલે જોડાઈ જાય છે. ત્યાં નિમિત્ત કાંઈ કરતું નથી. એક બાજુ એમ કહે કે ‘સમકિતીને આસ્રવ અને બંધ હોય નહિં’ એ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ છે. એક બાજુ એક કહે કે ‘જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે,’ એ દ્રષ્ટિના જોરની અપેક્ષાએ વાત કરી છે. અહીં મુનિ કહે છે કે મારે અશુદ્ધતાનો પણ અંશ છે, તેમાં નિમિત્ત મોહકર્મ છે.
PDF/HTML Page 35 of 4199
single page version
રાગાદિ પરિણામોની વ્યાપ્તિ મારામાં મારાથી છે. પર્યાયમાં વિકારની વ્યાપ્તિ મારી કમજોરીને લઈને અનાદિની છે. કેટલીક પરિણતિ નિર્મળ હોવા છતાં પૂર્ણ નિર્મળ નહીં હોવાથી, મારે નિરંતર કલુષિત પરિણામ છે; એનાથી હું વ્યાપ્ત છું. કર્મ તો નિમિત્તમાત્ર છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે કે -સમકિતી વસ્તુ તરીકે પોતાને પ્રભુ માને છે, પણ પર્યાયમાં પોતાને તૃણ-તુલ્ય પામર માને છે. ક્યાં કેવલજ્ઞાનની દશા અને ક્યાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના અભાવપૂર્વકની ચારિત્ર દશા? દ્રવ્ય તરીકે હું પૂર્ણ પ્રભુ છું, એ મારું લક્ષ્ય છે. પર્યાયમાં પામરતા છે, તૃણ-તુલ્ય છું. એ ટાળવા માટે મારો પ્રયત્ન ટીકા કરવા કાળે છે. અંતર સ્વભાવ- સન્મુખ થવામાં જ મારા પ્રયત્નની દશા છે. મુનિરાજ કહે છે કે મારી પર્યાયમાં મલિનતા છે, સંજ્વલન કષાય છે, છતાં દ્રવ્યે શુદ્ધ છું. એ શુદ્ધ સ્વભાવની એકાગ્રતાના બળે સર્વ કષાયનો નાશ થઈ મને પરમ વિશુદ્ધિ થશે એ નિશ્ચિત છે.
ભાવાર્થઃ– અમૃતચંદ્રાચાર્ય કહે છે કે મારી પરિણતિમાં થોડી અશુદ્ધતા છે એ મારા લક્ષ બહાર નથી. હું શુદ્ધ જ થઈ ગયો અને અશુદ્ધતા આવે છે એ બધી નિર્જરી જાય છે એમ નથી. અશુદ્ધતા આવે છે એટલી મલિન દશા છે, એટલો કર્મનો બંધ થાય છે. તેમાં મોહકર્મ નિમિત્ત છે. પર્યાયમાં અશુદ્ધતા છે એ મારાથી મારામાં વ્યાપ્ત છે. માટે એમ ગર્વમાં ન ચઢી જઈશ કે સમકિત થઈ ગયું એટલે બસ સર્વ થઈ ગયું. કર્મનો થોડો બંધ થાય છે, એમાં અુશદ્ધતા નિમિત્ત પણ છે. જુઓ, દ્રષ્ટિનું જોર તો ધ્રુવ ઉપર છે, અને પર્યાયમાં શુદ્ધતા અને અશુદ્ધતા બન્ને અંશોનું જ્ઞાન યથાર્થ વર્તે છે.
શુદ્ધ દ્રવ્યનું જેને પ્રયોજન છે એટલે જે જ્ઞાનમાં, શુદ્ધ પૂર્ણ દ્રવ્ય-સ્વભાવ-જ્ઞાયક વીતરાગસ્વભાવ-ધ્રુવ એકરૂપ સ્વભાવનું જ પ્રયોજન છે એવા દ્રવ્યાર્થિકનયની દ્રષ્ટિએ હું ‘શુદ્ધ ચિન્માત્રમૂર્તિ’ છું. બધા સમ્યક્દ્રષ્ટિ પોતાને દ્રવ્યદ્રષ્ટિએ શુદ્ધ ચિન્માત્ર મૂર્તિ માને છે. ચોથે, પાંચમે, છઠ્ઠે ગુણસ્થાને પર્યાયમાં ફેર છે એ વાત જુદી છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં (રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં) આવે છે કે જેવું સમકિત તિર્યંચનું એવું સમકિત સિદ્ધનું. દ્રવ્યદ્રષ્ટિએ ચિન્માત્ર મૂર્તિ છું, પણ પરિણતિમાં મોહકર્મના ઉદયનું નિમિત્ત પામીને મલિનતા મારાથી છે. મોક્ષમાર્ગ પ્રકાશક પ્રથમ અધિકારમાં આવે છે કે - મુનિને અશુભ ભાવ તો છે જ નહીં, ફક્ત કોઈ ધર્મલોભી જીવને દેખીને ઉપદેશ દેવાનો્ર શુભ ભાવ આવે છે; એ શુભ ભાવ પણ પોતાના પુરુષાર્થની કમજારી છે.
છઠ્ઠે ગુણસ્થાને, ધ્યાનના ચાર ભાગ પડતાં આર્તધ્યાન હજુ છઠ્ઠે છે એમ આવે છે. છ લેશ્યામાં છઠ્ઠે ગુણસ્થાને ક્ૃષ્ણ, નીલ અને કાપોત નથી, જ્યારે પીત, પદ્મ અને શુકલ કહી છે. છઠ્ઠે ગુણસ્થાને કષાયનો અંશ છે ને? એટલું આર્તધ્યાન છે. એટલો આત્મા પીડાય છે. માટે ક્યાં ક્યાં કઈ અપેક્ષાએ કથન છે એ બરાબર સમજવું જોઈએ.
PDF/HTML Page 36 of 4199
single page version
આચાર્યદેવ કહે છે કે આ સમયસાર ગ્રંથની ટીકા કરવાનું ફળ એ ચાહું છું કે- મારી પરિણતિ રાગાદિ રહિત શુદ્ધ થાઓ. ટીકા કરવામાં પરદ્રવ્ય ઉપર લક્ષ છે. એક તરફ એમ કહે કે પરદ્રવ્ય ઉપર લક્ષ કરે તો રાગ થયા વિના રહે નહીં. મોક્ષપાહુડમાં ૧૬મી ગાથામાં કહ્યું છે કે ‘પરદવ્વાઓ દુગ્ગઈ’. (એટલે પરદ્રવ્ય ઉપર લક્ષ જશે તો રાગ થશે અને તેથી આત્માની દુર્ગતિ થશે એટલે ચાર ગતિમાં ભ્રમણ થશે.) ટીકાના શબ્દો છે તે પરદ્રવ્ય છે. પરદ્રવ્ય પર લક્ષ જાય તો રાગ તો છે; પરતું જોર વિકલ્પ ઉપર નથી, જોર ધ્રુવસ્વભાવ ઉપર છે માટે આ ટીકાથી મારી પરિણતિ રાગ રહિત શુદ્ધ થાઓ એમ અપેક્ષાથી કહ્યું છે. ઉપદેશનો વિકલ્પ ઊઠે છે એ રાગ છે; રાગ છે એટલું બંધન છે. રાગની દિશા પર તરફ છે, રાગની દશા મેલી છે; પણ મારું જોર દ્રવ્યસ્વભાવ ઉપર હોવાથી મને શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ થશે એમ કહ્યું છે. પરિણતિમાં પરમ વિશુદ્ધિ થાઓ, બીજી કોઈ ચાહના નથી. ટીકા કરવાથી મારી ખ્યાતિ વધે કે પ્રશંસા થાય કે લોક અભિનંદન આપે એ ચાહના નથી. હું ટીકાના ફળમાં લાભ, ખ્યાતિ, પૂજાદિ ચાહતો નથી. આ પ્રકારે આચાર્યદેવે ટીકા કરવાની પ્રતિજ્ઞા લીધી અને ગર્ભિતપણે એના ફળની પ્રાર્થના કરી.
PDF/HTML Page 37 of 4199
single page version
अथ सूत्रावतारः–
હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છેઃ -
વંદી કહું શ્રુતકેવળી–ભાષિત સમયપ્રાભૃત અહો! ૧.
ગાથાર્થઃ– આચાર્ય કહે છેઃ હું [ध्रुवम] ધ્રુવ, [अचलाम्] અચળ અને [अनौपम्यां] અનુપમ-એ ત્રણ વિશેષણોથી યુક્ત [गतिं] ગતિને [प्राप्तान्] પ્રાપ્ત થયેલ એવા [सर्वसिद्धान्] સર્વ સિદ્ધોને [वंदित्वा] નમસ્કાર કરી, [अहो] અહો! [श्रुतकेवलिभणितम्] શ્રુતકેવળીઓએ કહેલા [इदं] આ [समयप्राभृतम्] સમયસાર નામના પ્રાભૃતને [वक्ष्यामि] કહીશ.
ટીકાઃ– અહીં (સંસ્કૃત ટીકામાં) ‘अथ’ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ- એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે, - જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમગતિ મોક્ષ તેને પામે છે. કેવી છે તે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ પરનિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે; ‘ધ્રુવ’ વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ
PDF/HTML Page 38 of 4199
single page version
કેવી છે? અનાદિ કાળથી અન્ય (પર) ભાવના નિમિત્તથી થતું જે પરમાં ભ્રમણ તેની વિશ્રાંતિ (અભાવ) વશ અચલપણાને પામી છે. આ વિશેષણથી, ચારે ગતિઓને પરનિમિત્તથી જે ભ્રમણ થાય છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? જગતમાં જે સમસ્ત ઉપમાયોગ્ય પદાર્થો છે તેમનાથી વિલક્ષણ અદ્ભૂત માહાત્મ્ય હોવાથી તેને કોઈની ઉપમા મળી શકતી નથી. આ વિશેષણથી, ચારે ગતિઓમાં જે પરસ્પર કથંચિત્ સમાનપણું મળી આવે છે તેનો પંચમગતિમાં વ્યવચ્છેદ થયો. વળી તે કેવી છે? અપવર્ગ તેનું નામ છે. ધર્મ, અર્થ અને કામ- એ ત્રિવર્ગ કહેવાય છે; મોક્ષગતિ આ વર્ગમાં નહિ હોવાથી તેને અપવર્ગ કહી.- આવી પંચમગતિને સિદ્ધભગવંતો પામ્યા છે. તેમને પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, સમયનો (સર્વ પદાર્થોનો અથવા જીવપદાર્થનો) પ્રકાશક એવો જે પ્રાભૃત નામનો અર્હત્પ્રવચનનો અવયવ (અંશ) તેનું, અનાદિ કાળથી ઉત્પન્ન થયેલ મારા અને પરના મો્રહના નાશ માટે, હું પરિભાષણ કરું છું. કેવો છે તે અર્હત્પ્રવચનનો અવયવ? અનાદિનિધન પરમાગમ શબ્દબ્રહ્મથી પ્રકાશિત હોવાથી, સર્વ પદાર્થોના સમૂહને સાક્ષાત્ કરનાર કેવળીભગવાન સર્વજ્ઞથી પ્રણીત હોવાથી અને કેવળીઓના નિકટવર્તી સાક્ષાત્ સાંભળનાર તેમ જ પોતે અનુભવ કરનાર એવા શ્રુતકેવળી ગણધરદેવોએ કહેલ હોવાથી પ્રમાણતાને પામ્યો છે. અન્યવાદીઓના આગમની જેમ છદ્મસ્થ (અલ્પજ્ઞાની) ની કલ્પના માત્ર નથી કે જેથી અપ્રમાણ હોય.
ભાવાર્થઃ– ગાથાસૂત્રમાં આચાર્યે ‘वक्ष्यामि’ કહ્યું છે તેનો અર્થ ટીકાકારે ‘वच् परिभाषणे’ ધાતુથી ‘પરિભાષણ’ કર્યો છે. તેનો આશય આ પ્રમાણે સૂચિત થાય છેઃ ચૌદ પૂર્વમાં જ્ઞાનપ્રવાદ નામના પાંચમાં પૂર્વમાં બાર ‘વસ્તુ’ અધિકાર છે; તેમાં પણ એક એકના વીશ વીશ ‘પ્રાભૃત’ અધિકાર છે. તેમાં દશમાં વસ્તુમાં સમય નામનું જે પ્રાભૃત છે તેનાં મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલાં મોટા આચાર્યોને હતું અને તેના અર્થનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર શ્રી કુંદકુંદાચાર્યને પણ હતું. તેમણે સમયપ્રાભૃતનું પરિભાષણ કર્યું-પરિભાષાસૂત્ર બાંધ્યુ. સૂત્રની દશ જાતિઓ કહેવામાં આવી છે તેમાં એક ‘પરિભાષા’ જાતિ પણ છે. અધિકારને જે યથાસ્થાનમાં અર્થદ્વારા સૂચવે તે પરિભાષા કહેવાય છે. શ્રી કુંદકુંદાચાર્ય સમયપ્રાભૃતનું પરિભાષણ કરે છે એટલે કે સમયપ્રાભૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષાસૂત્ર રચે છે.
આચાર્યે મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે. સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત્ શુદ્ધાત્મા છે તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને ‘સર્વ’ એવું વિશેષણ આપ્યું છે; તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય
PDF/HTML Page 39 of 4199
single page version
બતાવ્યો અને ‘શુદ્ધ આત્મા એક જ છે’ એવું કહેનાર અન્યમતીઓના વ્યવચ્છેદ કર્યો. શ્રુતકેવળી શબ્દના અર્થમાં, (૧) શ્રુત અર્થાત્ અનાદિનિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાત્ સર્વજ્ઞદેવ કહ્યા, તેમ જ (૨) શ્રુત-અપેક્ષાએ કેવળી સમાન એવા ગણધરદેવાદિ વિશિષ્ટ શ્રુતજ્ઞાનધરો કહ્યા; તેમનાથી સમયપ્રાભૃતની ઉત્પત્તિ કહી છે. એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો; અન્યવાદી છદ્મસ્થ (અલ્પજ્ઞાની) પોતાની બુદ્ધિથી પદાર્થનું સ્વરૂપ ગમે તે પ્રકારે કહી વિવાદ કરે છે તેનું અસત્યાર્થપણું બતાવ્યું.
આ ગ્રંથના અભિધેય, સંબંધ, પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો અને શુદ્ધ આત્માનો વાચ્યવાચકરૂપ સંબંધ તે સંબંધ છે. શુદ્ધાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે.
પ્રવચન નંબર પ–૬ તારીખ ૩–૧૨–૭પ, ૪–૧૨–૭પ
આચાર્ય કહે છે કે હું ધ્રુવ, (અહીં ધ્રુવ પર્યાયની-સિદ્ધ ગતિની વાત છે) અચલ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ સર્વ સિદ્ધોને - બધા સિદ્ધોને નમસ્કાર કરીને ‘શ્રુતકેવલી ભણિતમ્’ કહેતાં ભગવાન શ્રુતકેવળી અને કેવળી બન્નેના કહેલા આ સમયસાર નામના પ્રાભૃતને કહીશ.
અહીં સંસ્કૃત ટીકામાં ‘अथ’ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. અનાદિનો જે અજ્ઞાનભાવ તેનો દ્રવ્યના આશ્રયે નાશ કરી સમ્યક્દર્શન અને સમ્યગ્જ્ઞાન પ્રગટ કર્યું ત્યાં સાધકભાવની શરૂઆત થઈ ત્યાંથી માંગળિક અને ધર્મની શરૂઆત થાય છે. અનંત કાળથી દ્રવ્યના આશ્રયે જે સાધકભાવની શરૂઆત થઈ ન હતી તે થઈ એનું નામ માંગળિક છે. अथ प्रथमतः આ બે શબ્દોથી શાસ્ત્રની શરૂઆત કરી છે.
અમૃતચંદ્રાચાર્ય મહામુનિ હતા. સમયસારની જે આ ટીકા છે એવી ટીકા ભરતક્ષેત્રમાં દિગંબર શાસ્ત્રોમાં બીજે ક્યાંય નથી. અન્ય મતમાં તો હોય જ શાની? મુનિ કોને કહેવા એની લોકોને ખબર નથી. મુનિ તો પરમેશ્વર છે. જેને ત્રણ કષાયનો અભાવ થયો છે; બાપુ, એ શું ચીજ છે! સમ્યક્દર્શન પણ એક અલૌકિક ચીજ છે. તો પણ ચારિત્ર તો એથી ય વિશેષ અલૌકિક છે. આવા ચારિત્રવંત સંતની આ ટીકા છે. અમૃતચંદ્રનાં આ અમૃત વચનો છે, એકલાં અમૃત વરસાવ્યાં છે. સંતો તો તીર્થંકર પરમેશ્વરના કેડાયતો છે. એમની ટીકામાં શું કહેવાનું હોય?
PDF/HTML Page 40 of 4199
single page version
ગ્રંથની આદિમાં આચાર્ય સર્વ સિદ્ધોને એટલે અનંત સિદ્ધોને ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર કરે છે. જોયું? અંદર ભાવથી એટલે જ્ઞાયકની સન્મુખ થઈને - એમાં એકાકાર થઈને સ્તુતિ કરે છે; તથા દ્રવ્યથી એટલે વિકલ્પથી સ્તુતિ કરે છે. ‘વંદિત્તું’ છે ને? એટલે ભાવ અને દ્રવ્ય સ્તુતિથી નમસ્કાર. અંદરમાં પોતામાં શુદ્ધચૈતન્યઘન તરફનું પરિણમન થયું એ ભાવ નમસ્કાર છે અને સિદ્ધ ભગવાન આવા છે એવો (તેમના સ્વરૂપનો વિચાર) વિકલ્પ ઊઠવો એ દ્રવ્યનમસ્કાર છે.
સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના અને પરના આત્મામાં સ્થાપીને- એટલે કે મારા આત્મામાં અને સાંભળનાર શ્રોતાઓના આત્મામાં, બન્નેમાં હું સિદ્ધોને સ્થાપું છુ.ં અહાહા..! જ્ઞાનની પર્યાય અલ્પજ્ઞ હોવા છતાં અનંત અનંત સિદ્ધોનો સત્કાર કરે છે. અનંતજ્ઞાનને પ્રાપ્ત પરમાત્માને એક સમયમાં (પર્યાયમાં) સ્થાપન કરે છે. આ જ એનું વંદન છે. અનંતા સિદ્ધોને પર્યાયમાં સ્થાપે તે ‘વંદિત્તુ’ છે. વંદિત્તુનો અર્થ સ્થાપે. સ્થાપે એટલે જ્ઞાનની પર્યાયમાં રાખે. રાખે એટલે? આત્માનું સાધ્ય સિદ્ધદશા છે ને? એટલે સાધ્યને પર્યાયમાં સ્થાપે છે.-રાખે છે. આમ સાંભળનાર અને કહેનાર બન્નેમાં સિદ્ધ પર્યાયનું સ્થાપન કરી સંભળાવવાની વાત કરે છે.
અહાહા...! અહીં કહે છે કે અમે અનંત સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ. જેણે અનંત સિદ્ધો અને કેવળીઓને મતિજ્ઞાનની પર્યાયમાં સ્વીકાર્યા એની પર્યાય સ્વદ્રવ્ય તરફ ઢળી જશે. પર્યાયમાં આટલું જોર આવે-અનંત સિદ્ધ અને કેવળીઓને સ્થાપે-ત્યાં લક્ષ દ્રવ્ય તરફ જતું રહે છે. આ એનો લાભ છે.
આચાર્ય કહે છે કે આગળ મારે પણ સિદ્ધ થવું છે અને શ્રોતાઓને પણ સિદ્ધ થવું છે એટલે પોતાના આત્મામાં તથા શ્રોતાઓના આત્મામાં અનંત સિદ્ધોની સ્થાપના કરું છું. કારણ કે સિદ્ધ થવાનો કાળ મારે હજુ નથી અને શ્રોતાને પણ નથી, માટે સિદ્ધનું પર્યાયમાં પસ્તાનું (પ્રસ્થાનું) મૂકું છું. લૌકિકમાં પણ પસ્તાનું કરે છે ને? જેમ વાર-કવાર હોય અને કોઈ પ્રસંગે બહાર જવાનું થાય તો શેરીમાં બીજાને ત્યાં પસ્તાનું મૂકી આવે, પછી બીજે દિવસે ત્યાંથી લઈને નીકળે. તેમ અહીં પર્યાયમાં અનંત સિદ્ધોને પસ્તાનામાં મૂકે છે (સ્થાપના કરે છે). હવે હું સિદ્ધમાં જવાનો છું, તેનું આ મંગળ પ્રસ્થાન છે. અહા! શ્રોતાને પણ એમ કહે છે. પાંચમી ગાથામાં આવ્યું ને? ‘જો હું (શુદ્ધાત્માનું સ્વરૂપ) દેખાડું તો પ્રમાણ કરજે’ દ્રવ્યનો આશ્રય-કરીને અનુભવ કરીને પ્રમાણ કરજે. હા પાડવાના વિકલ્પથી -એમ નહી; પર્યાયને દ્રવ્ય તરફ વાળીને અનુભવથી પ્રમાણ કરજે.